|
ચિત્તની સ્થિરતાનું સાયન્સ ! સંપાદકીય સંસારમાં અનંત અવતારથી ભટક ભટક કરે છે, પરંતુ શાથી નિવેડો નથી આવતો ? ભટકવાનાં મૂળ કારણો જડ્યા નથી અથવા તો જેને કારણો જડ્યા છે, એવાં કોઈ ભેગા થયાં નથી! ભૂલવાળા રસ્તે ભૂલો પડેલો હોય, પછી ભૂલોની પરંપરા સર્જાયા જ કરે. અનંત પ્રકારની ભૂલોમાંથી એકાદ ભૂલને સુધારવા માથાકૂટ કર્યા કરે છે. પણ તે જો સાચી ભૂલ પકડે તો ક્યારેક મૂળ સુધી પહોંચે પણ આ તો ખોટી ભૂલ પકડી, તે ભૂલેય ભાંગતી નથી ને મૂળીયાં ય જડતાં નથી. મોટા મોટા યોગીઓ-સંતોય કહેશે, મન ભટકે છે. તેનાથી સંસારમાં ભટકામણ છે. મન સ્થિર કરો. મન કંટ્રોલમાં આવી જાય તો બધો નિવેડો આવી જાય. પણ વાસ્તવિકતામાં મનનો દોષ જ નથી, ચિત્ત બગાડ્યું છે અને તે ભટક ભટક કરે છે. તે ચિત્તને ઓળખતા નથી ને મનની પાછળ પડે છે તો કેવી રીતે ઉકેલ આવે ? એ તો જે ભૂલો ભાંગીને બેઠાં છે, તમામ દોષોથી મુક્ત થયાં છે, એવાં જ્ઞાનીને શરણે આવે તો ઉકેલ મળી આવે. મન આ શરીરમાંથી બહાર નીકળી શકે જ નહીં. જ્યારે ચિત્ત તો આ શરીરમાંય ભટકે અને સંસારમાં બધી જગ્યાએ ભટકે પણ તે અશુદ્ધ ચિત્ત છે ત્યાં સુધી ભટક્યા વગર રહી શકે જ નહીં. ચિત્ત શાથી ભટકે છેે ? પોતાનું સનાતન સુખ શોધે છે. એ જેમાંથી સુખ લે છે, તે ચીજો વિનાશી હોવાથી સુખેય વિનાશી પ્રાપ્ત થાય છે. એટલે એ સુખ છોડી બીજી ચીજોમાંથી સુખ શોધવાના ફાંફા માર્યા કરે છે. જેમાં એકાગ્ર થાય ત્યાં સુખ આવે પણ સંસારની બધી બાબતો ટેમ્પરરી છે. તેથી ચિત્તને ચેન પડતું નથી. તમામ ધર્મોમાં ધાર્મિક ક્રિયાઓ, જાપ-પૂજા-પાઠ-મંત્ર તથા ધૂપ, દીવા, ફૂલો, આંગી, ઘંટ, એ બધું ચિત્તને એકાગ્ર થવા માટે છે. આંખોથી આંગી દેખે, સુગંધ હોય તો નાકની ઈન્દ્રિય દ્વારા એકાગ્ર થાય, ઘંટ સંભળાય તો બહારનો કોલાહલ ના સંભળાય, એમ કરતાં કરતાં ભગવાનમાં ચિત્ત કંઈક ક્ષણિક એકાગ્ર થયું તો શાંતિ થાય. તે આવતા ભવના શુભ કર્મ બંધાય, સંસારમાં ઊંચે ચઢેે, નહીં તો ટી.વી-સિનેમા કે જ્યાં-ત્યાં ડાફોળીયા મારીને, છેવટે બહારવટિયાની વાર્તામાં કે છાપામાં માણસનાં ચિત્તની એકાગ્રતા થતી હોય છે, તે સુખ તો આપે પણ અધોગતિએ લઈ જાય. ટેમ્પરરી સુખ ભોગવવામાંય ગૂંચવાડા થયા છે. કારણ કે સારું ભોજન જમતી વખતે જ ચિત્ત પાછું જતું રહે. એટલે સારા ભોજનનો સ્વાદ લેવામાં બરકત ના આવે ને ના ચિત્તનું કશું કામ થાય. એટલે બેઉ બગાડે છે. અને એથી આગળ ચિત્તની ગેરહાજરીપૂર્વક ખાવાથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવા શારીરિક રોગોના ભોગ બનવું પડે છે. ચિત્ત તો શરીરનો રાજા કહેવાય. દરેક કાર્ય ચિત્તની હાજરીપૂર્વક જ થવાં જોઈએ. બીજું કશું ના થાય તો જમવાનું તો ચિત્તની હાજરીપૂર્વક જ થવું જોઈએ. રાજા હાજર ના હોય તો રાજ્યમાં એટેકો થાય ને બધા જોખમો ઊભાં થાય. જો નક્કી કરે કે મારે ચિત્તની હાજરીપૂર્વક જ જમવું છે તો થાય એવું છે. કારણ કે રૂપિયાની નોટો ગણવામાં ચિત્ત એકાગ્ર સહેજે થઈ જાય છે. તો શક્તિ તો છે જ પણ ઈન્ટરેસ્ટ હોવો જોઈએ. ચિત્તશુદ્ધિ થાય તો ચિત્ત આત્મામાં જ આવી જાય. પછી ભટકવાનું મટી જાય. પણ એ ચિત્તશુદ્ધિ થાય ક્યાં ? કો'ક વખત આત્મજ્ઞાની પુરુષ હોય ત્યારે એમની પાસે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ મૂળ ચિત્તની શુદ્ધિ થઈ જાય છે. પછી એમના સત્સંગથી એમની આજ્ઞા પાળવાથી ચિત્ત શુદ્ધ થતું સંપૂર્ણ દશા પામી જાય. પ્રસ્તુત સંકલનમાં ચિત્ત સ્થિર થવાના કારણો-પરિણામોના રહસ્યો પરમ પૂજ્ય દાદા ભગવાનની વાણીમાં ખુલ્લા થયાં છે, જે વૈજ્ઞાનિક રીતે સમજણ ફીટ થવામાં ઉપકારી નિવડશે. દીપકના જય સચ્ચિદાનંદ ચિત્ત સ્થિરતાનું સાયન્સ ! હવે તો ભટકામણનો અંત લાવો ! નિવેડો લાવવો પડશે કે નહીં લાવવો પડે ? કો'ક દહાડો તો આનો નિવેડો લાવવો પડશે ને ? ક્યાં સુધી આમ ભટક ભટક ભટક કરવાનું. થાકી થાકીને લોથ નીકળી ગયો તો ય ભટકવાનો અંત આવ્યો નહીં. તે આ અંત આવે. દાદાએ અંત ખોળી કાઢ્યો છે, ભટકવાનો એન્ડ ખોળી કાઢ્યો છે, તો અંત આવે. એમનો પોતાનો અંત આવ્યો હોય તો આપણો આવે. પણ એમનો પોતાનો જ ના આવ્યો હોય, એ જ રખડતો હોય તો આપણો ક્યારે લાવી આપે ? તમને કેમ લાગે છે ? પ્રશ્શનકર્તા : રખડાવે જ. દાદાશ્રી : અને અંતવાળો અંત લાવે. તે આ રખડતા માણસોએ રખડાવી માર્યા. પણ હવે અંતવાળા આવ્યા હોય તો અંત તો લાવેને આપણો ? તમે એવું નક્કી કર્યું છે ને, અંત લાવવાનું નક્કી કર્યું છે ને ? પ્રશ્શનકર્તા : એ નિશ્ચયથી જ દાદા પાસે આવ્યા છીએ. દાદાશ્રી : હા. ભટકામણ કોની ? પ્રશ્શનકર્તા : હવે ભટકામણનો અંત લાવવાનું માધ્યમ કે સાધન એ તો મન છે. શરીર ભટકે છે. શરીર ભટકતું બંધ થાય નહીં. પણ મન ભટકે નહીં, એને માટે કોઈ સાધનની જરૂર રહે છે. તો મનને ભટકવાનું બંધ કરવામાં કંઈ સાધન છે ? દાદાશ્રી : એ તો આપણા લોકોનામાં સહેજ ભૂલ થાય છે, આપણા લોક કહે છે, 'મારું મન ભટકે છે.' તમારું મન કોઈ દહાડો તમારી ઓફિસમાં જાય ખરું ? કેટલા વાગે જાય છે ? પ્રશ્શનકર્તા : ગમે ત્યારે કંઈક ઓફિસના વિચાર આવે ત્યારે જવાય છે. દાદાશ્રી : તમારા કહ્યા વગર જતુ રહે ? પ્રશ્શનકર્તા : કહ્યા વગર. દાદાશ્રી : એમ ? પૂછવા ના રહે કે હું જઉં છું ઓફિસે ? પ્રશ્શનકર્તા : ના. દાદાશ્રી : એમ ? ચલણ જ નહીં ? મને તો પૂછવા રહે કે હું જઉં છું. ત્યારે હું કહું કે જાવ. એટલે આ જે ઓફિસે જાય છે ને, એ આપણા લોકો શું કહે છે કે મારું મન આમ ગયું, કલકત્તા ગયું. એ મન ન હોય. શરીરની બહાર ભટકે નહીં, એ મન ! તારું મન બહાર ભટકે છે ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : ત્યારે તું માઈન્ડને ઓળખતો જ નથી. હિન્દુસ્તાનના ઘણા લોકો કહે છે કે મારું મન બહાર ભટક્યા કરે છે ! મેં કહ્યું, 'એ તો ભેંસને ગાય કહેવા બરોબર છે વાત તારી ! તને સમજણ ના પડતી હોય ને તું ભેંસને ગાય કહે માટે એ કંઈ ગાય થઈ ગઈ ? આવી ભૂલ કરે તે ચલાવી લેવાય, ભેંસને ગાય કહેતો હોય તો ? તો આ લોકો કેમ કહે છે કે મારું માઈન્ડ ભટકે છે ? ભટકતું હશે કોઈનું માઈન્ડ ? આપણા લોક તો શું કહે કે 'મારું મન ન્યૂજર્સી જઈ આવ્યું. અલ્યા, આ શરીરમાંથી નીકળે નહિ, એનું નામ મન કહેવાય. પ્રશ્શનકર્તા : એટલે મન શરીરની બહાર કદી ય કામ ના કરે ? દાદાશ્રી : મન શરીરની બહાર જાય જ નહીં, કોઈ દહાડો ય ! આખું જગત જે સમજે છેને કે મારું મન મુંબઈમાં ભટકે છે. પણ એ ખોટી વાત છે. અને જો બહાર નીકળે તો આપણા લોક મહીં પેસવા દે એવા ય નથી. પણ મન એટલું પાકું છે કે મન બહાર નીકળે જ નહીં. વિચાર સ્વરૂપ એ જ મન ! મન કોઈ દહાડો ભટકે નહીં. આ જ મોટી ભૂલ ચાલી આવે છે ને ! સમજમાં આવવું જોઈએ કે શું ભટકે છે એમાં. કારણ કે મન ચંચળ છે, પણ ભટકતું નથી. એટલે મનની ભૂમિકા તો ખાલી વિચાર કરતું હોય તે ઘડીએ એ મનસ્વરૂપ હોય છે. બીજી ભૂમિકામાં મન હોતું જ નથી. મન તો વિચાર એકલું જ કરી શકે. બીજું કંઈ એનું કામ નથી. છૂટકો જ નહીં. બસ, વિચાર-વિચાર-વિચાર, વિચારના ગૂંચળા કરવા. એટલે એ અંદર જ રહે છે. એ બહાર નીકળતું નથી. મન તો બિચારું નાવડા જેવું છે. હેલ્પીંગ છે. નુકસાને ય કરી બેસે છે અને કમાણી ય કરી આપે. હાકતાં આવડે તો ફાયદો કરી આપે ને ના હાકતાં આવડે તો નુકસાન કરી આપે એનું એ જ નાવડું. ભટકવાની ટેવ ચિત્તને ! એટલે શરીરની બહાર કોણ નીકળે છે તે આપને કહું કે ચિત્ત ભટકે છે. ચિત્ત છે એ બહાર નીકળી જાય, અંદરે ય ભટકે અને બહારે ય ભટકે. અહીં વાગ્યું તો ચિત્ત ત્યાં દોડધામ કરી મેલે અને બહારે ય ભટકે. ભટકવાની ટેવ છે એને. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, એમાં ચિત્ત એકલું જ ભટકતી વસ્તુ છે. બીજું કોઈ બહાર ભટકવા જાય નહીં. આ લબાડમાં લબાડ ચિત્ત છે. કોઈનું માને કરે નહીં ને બહાર ભટક ભટક કર્યા કરે. શું એના બાપે દાટ્યું છે કે ભટક ભટક કરે ? પણ ટેવ પડી ગયેલી એને. જેમ એક છોકરાને રખડવાની ટેવ હોય તેમ આને પણ રખડવાની ટેવ પડેલી. આપણને સાચવતાં ના આવડ્યું ત્યારે રખડવાની ટેવ પડી ગયેલી ને ? અશુદ્ધ ચિત્ત છે, એટલે જાત જાતનું ભટક ભટક કર્યા કરે છે. સારી જગ્યાએ ય જાય ને ખોટી જગ્યાએ ય જાય. ક્યાં જાય, એનું કશું ઠેકાણું જ નહીં. મંદિરમાં જતું રહે, નહીં તો સ્મશાનમાં હઉ જઈ આવે. એ અશુદ્ધ ચિત્ત કહેવાય. આ જગતના લોકોને અશુદ્ધ ચિત્ત હોય. ચિત્તને ભટકવામાં ખુદાબક્ષ ? પ્રશ્શનકર્તા : ચિત્ત એકલું કામ કરે કે મન દોડે જોડે ? દાદાશ્રી : ના, ના. ચિત્ત એકલું જ કામ કરે. આમ રખડીને સૂઈ ગયા હોય ને, તો તે ઘડીએ ય ચિત્ત તો ઘણું કામ કરે. ક્યાં ક્યાં સુધી જઈ આવે. આફ્રિકા જાય ને દરેક જગ્યાએ, દુનિયામાં બધે જઈ આવે. પ્રશ્શનકર્તા : અમુક દશાએ પહોંચે તો જ ચિત્ત એકલું કામ કરે ને ? નહીં તો આફ્રિકા જાય ત્યારે, મારું આ રહી ગયું, એ વિચારે ચઢી જાય એવું બને ? દાદાશ્રી : ના, એવું કશું નહીં. એવો યોગ હોય તો એકલું ય કામ કરે. પ્રશ્શનકર્તા : અજ્ઞાનીને હઉ ? દાદાશ્રી : બધાને. જ્યાં સુધી અશુદ્ધ થયેલું છે, ત્યાં સુધી ભટક ભટક કરે. અરે, મહેફીલમાં હઉ જઈ આવે. મહેફીલ કોઈ જગ્યાએ થતી હોય ને ત્યાં હઉ જઈ આવે, બ્રાંડી ઊડતી હોય ત્યાં આગળ ટેબલ ઉપર બ્રાંડી હઉ જોઈ આવે. કહેવું પડે !! ચિત્તની શક્તિઓ બહુ ભારે. તેથી લોકો કંટાળી જાય છે ને ! આ મન એટલું બધું હેરાન નથી કરતું લોકોને, એટલું ચિત્ત હેરાન કરે છે. પ્રશ્શનકર્તા : પહેલી મનની સ્ફૂરણા થાય, પછી ચિત્ત ભટકવા માંડે ? દાદાશ્રી : મનને અને એને લેવા-દેવા નથી. ચિત્તનો સ્વભાવ જ ભટકવાનો છે. ચિત્ત ભટકે તેનો કંઈ પાર જ ના આવે. તેથી માણસ બધું બગડી જાય. જેનું ચિત્ત ઊડી ગયું, ભટકેલ થઈ ગયું, એટલે માણસ ખલાસ થઈ ગયો. પ્રશ્શનકર્તા : હવે ચિત્ત ભટકે, તેમાં અહંકાર પણ ભળે ત્યારે જ ભટકે ને કે અહંકાર ભળ્યા વગર ભટક્યા કરે ? દાદાશ્રી : અહંકાર ભળે કે ના ભળે, તેનો કંઈ સવાલ નથી. ચિત્તનો સ્વભાવ ભટકવાનો. જ્યાં સુધી અશુદ્ધ છે ને, ત્યાં સુધી ભટક ભટક ભટક કરવાનું. આખા જગતના લોકોનું ચિત્ત ભટકે છે. લોકો કહે છે ને કે મારું મન આમ જાય છે, તેમ જાય છે. એવું કશું છે ય નહીં ! પ્રશ્શનકર્તા : ચિત્ત જ ભટક્યા કરે છે. દાદાશ્રી : હા, બસ, ચિત્ત જ ભટકે છે ! કારણ કે એને ટિકિટ-બિકિટ લેવાની નહીં. એ ગમે ત્યાં જઈ શકે. બધે ફરી આવે. અહીંથી અમેરિકા જવું હોય તો ટિકિટ નહીં લેવાની, ખુદાબક્ષ ! જ્યાં જવું હોય ત્યાં જવાનું. એવું ચિત્ત છે ! મન તો ગમે તેવું હોય. મન તો તમે છેટા રહો ને, તમે દૂર રહ્યા મનથી, એટલે મન ભૂંસાઈ ગયું. જેટલું મનથી તમે દૂર રહ્યા, મનમાં એકાકાર, એકાત્મક ના થયા એટલે છૂટી ગયું. પણ ચિત્ત તો ભટક ભટક કરવાનું છોડે જ નહીં ને ! આમ ભટકે, તેમ ભટકે. પ્રશ્શનકર્તા : મન આજ્ઞા કરે તો ચિત્ત ભટકે ? દાદાશ્રી : ના, બધાં સ્વતંત્ર છે. ચિત્તમાં વિચાર ના હોય ને વિચારમાં ચિત્ત ના હોય. મન બહાર જાય તો માણસ ખલાસ થઇ જાય. ચિત્ત બહાર ભટકે છે. ચિત્તના કાર્યો ! આપને સમજાયુંને ? આ ભટકવાનું કોણ કરતું હશે ? પ્રશ્શનકર્તા : ચિત્ત. દાદાશ્રી : હા, એ ક્યાં ક્યાં ભટકી આવે ? સેફસાઈડ (સલામત) જગ્યાએ કે અનસેફ (અસલામત)માં જાય ? પ્રશ્શનકર્તા : બન્ને બાજુ જાય. દાદાશ્રી : હા. તું જે ઓફીસમાં બેસતો હોય, એ ઓફીસમાં ત્યાં આગળ જઈને પાછું ટેબલ-ખુરશી બધું જોઈ આવે. એની ઉપર કાગળ મૂકેલા હઉ દેખાય. પ્યુન હઉ દેખાય. ત્યાં આગળ બીજો પોતાનો ઓળખાણવાળો બેઠો હોય, તેને જોઈ આવે. બધું જોઈ આવે. પ્રશ્શનકર્તા : હમણાં મેં વિચાર કર્યો ને ઘાટકોપર પહોંચી ગયો. કેટલી ઝડપ છે ! દાદાશ્રી : એ ચિત્તની ઝડપ છે. ત્યાં આગળ એ જોઈ આવે છે, ત્યાં જઈને એમની રૂમ જોઈ આવે, રસોડામાં બધી વસ્તુ જોઈ આવે. રસોડામાં ત્યાં આગળ શું કરતા હોય તે દેખાય તમને. છોકરાનું મોઢું-બોઢું બધું દેખાય. અહીં બેઠાં બેઠાં દેખાય કે ના દેખાય ? બધું એક્ઝેક્ટ (જેમ છે તેમ) જ દેખાય. એટલે ચિત્તને દેખાય બધું. દેશમાં જઈને મા-બાપને જોઈ આવે, મા-બાપ દેખાય, વાતોચીતો કરતાં લાગે. ચિત્તને દેખાય, મનને કશું દેખાય-બેખાય નહીં ને સ્થળે સ્થળનું દેખાડે એ ચિત્ત. અહીં બેઠા બેઠા મેચ દેખાડે. એ પોતે ત્યાં જઈને ખબર આપે કે આમ ચાલે છે. અને ચિત્ત એવું છે કે એને કોઈ રોકી શકે નહીં. એ ગમ્મે ત્યારે જાય. તે અહીંથી ઠેઠ ડૉક્ટરને દવાખાને જાય. મુકામ હોય જે રૂમમાં પોતે સૂતો હોય તે ત્યાં આગળ પલંગ જોઈ આવે. બધું જ જોઈ આવે. એવો ને એવો પલંગ, ગોદડાં બધું એક્ઝેક્ટ દેખાય. અને તરત પાછોય આવે. એ મન નથી, એ ચિત્ત છે. જ્યાં રાગ-દ્વેષ, ત્યાં ભટકે ! પ્રશ્શનકર્તા : ચિત્ત બહુ હેરાન કરે છે. દાદાશ્રી : આપણો પાળેલો કૂતરો રખડ રખડ કરે તો તમે સૂઈ જાઓ કે કૂતરાની પાછળ પાછળ ફરો ? ચિત્ત ભટકે, તેનો આપણને વાંધો શું છે ? આપણે જાણીએ કે ચિત્ત ક્યાં ક્યાં જાય છે ! અમારા ચિત્તને એમ કહીએ કે જા, ફરવા જા. તો કહે, ના, બા, નથી જવું. ચિત્ત ક્યાં ભટકે ? એને રાગ હોય, દ્વેષ હોય ત્યાં ભટકે. ગમતું હોય ત્યાં ય ભટકે, ના ગમતું હોય ત્યાં ય ભટકે. સુખ શોધવાના ફાંફાં ! ચિત્ત શાથી ભટકે છે ? ત્યારે કહે, પોતાનું સુખ ખોળે છે કે મારે સુખ હતું ને આ બધું કેમ આમ ? આમાં હશે, આમાં હશે, આ સોફાસેટમાં છે, આમાં છે, તેમાં છે... એવું ભટક ભટક કરે છે અને પછી અનુભવ કરે છે. સોફાસેટ લઈને પછી કહેશે, બળ્યો! અહીં લાવે એટલે પછી પાછું એમાં સુખ ના રહે. એ તો પછી બીજું કંઈ ખોળી કાઢે. બંગલો બાંધતાં સુધી ચિત્ત એમાં રહે કે બંગલો બંધાઈ જાય પછી કશું જોઈતું નથી. બંગલો બંધાઈ રહ્યો એટલે ગાડીની ચિંતા થાય પછી ! ચિત્ત એનું ભટક ભટક ભટક કરે છતાં આપણે એક લાઈન દોરીને બાંધીએ, લિમિટ રાખીએ તો એનો ઉકેલ આવે, નહીં તો આનો કંઈ ઉકેલ આવે એવો નથી. એક મકાન બાંધી દેવું છે, ફક્ત રહેવા પૂરતું. બીજું પછી ગાડી-બાડી કશું જોઈતું નથી, એવું નક્કી કરીએ. આનો પાર જ નથી આવે એવું, અપાર છે. આ ચિત્ત ભટકે છે. મન તો ખાલી વિચારો બતાવે. ચિત્ત ભટકવાનું, સ્વતંત્ર ફિલ્મના આધારે ! ચિત્ત આખા શરીરમાં અહીંથી અહીં સુધી ભટકે અને બહાર આખા બ્રહ્માંડમાં ભટકવાનું. પ્રશ્શનકર્તા : ચિત્તનું બહાર ભટકવાનું કારણ ગ્રંથિઓને ? દાદાશ્રી : ના. એ પોતાની ફિલ્મના આધારે ભટકે છે અને ગ્રંથિઓના આધારે મન ફર્યા કરે છે. પણ ચિત્ત તો પોતાની જ સ્વતંત્ર ફિલ્મના આધારે છે. ગ્રંથિઓ બધી મનની હોય. એ ગ્રંથિઓના આધારે મન ચાલે છે પણ ચિત્ત તો પોતાની જ સ્વતંત્ર વસ્તુ છે. એટલે અહીંથી મુંબઈ જાય અને કોઈ સ્ત્રી એણે જોયેલી હોય ને સ્ત્રી એને ફરી દેખાય હઉ પાછી, ઉઘાડી આંખે ! ત્યારે આપણે એને કહીએ, મૂઆ, તારું ચિત્ત ચોંટી ગયું છે. એવું આપણા લોક નહીં કહેતા ? એવું દેખાય કે ના દેખાય ? એક્ઝેક્ટ મોઢું-બોઢું દેખાય ને વાતો હઉ કરતા દેખાય ! હવે આનો ક્યારે પાર આવે ? મનને એવું નથી. ચિત્તનો સ્વભાવ જોયેલું જોઈ આવે! હવે ચિત્તનો ધંધો શો કે આ શરીરમાં ય આવવું અને બહાર જ્યાં જ્યાં કનેક્શન (સાંધો) હોય ત્યાં ભટકવું, એ એનો ધંધો. જ્યાં જ્યાં કનેક્શન હોય, તમે ત્યાં મુંબઈ હો, તો અહીં વડોદરા આવીને ભટકતું હોય. અને પાછું આ ભાઈ દેખાય પાછાં. પછી સાહેબ દેખાય આમ. અલ્યા ભઈ, દેખાયું શી રીતે ? ત્યારે કહે, ચિત્ત જાય છે માટે ! એવાં જ સ્વરૂપે, જેવું મોઢું હોય એવું દેખાય. ટેબલે ય જેવું છે એવું દેખાય. દેખાય કે નથી દેખાતું ? ચિત્ત જાય છે ત્યારે ! મનમાં દેખવાનો સ્વભાવ નથી. ચિત્ત ચૈતન્ય છે, વ્યવહાર ચૈતન્ય છે એટલે એને દેખાય બધું ત્યાં આગળ. લોકોની જોડે વાતો કરતાં હોય તે ય દેખાય. એટલે ચિત્તનું કામ એવું છે. ચિત્ત તો ગમે ત્યાં ભટકીને આવે. ત્યારે એને ક્યાં પૈસા-ભાડું ખર્ચવાનું છે ? અમેરિકા જઈ આવ્યા હોય તો ય એ જઈ આવે. તમે તો અમેરિકા નહીં ગયા હો ને ? પહેલા ગયેલા ? પ્રશ્શનકર્તા : હાજી. દાદાશ્રી : ન્યૂયોર્ક ગયેલાં ને ? તો ત્યાં ચિત્ત જઈ આવે. એ જોયા સિવાય ન દોડે. પ્રશ્શનકર્તા : હવે આ ચિત્તનું કામ છે, એ બરોબર છે. તો પાછળ કંઈ આવું જોયું હશે, ત્યારે જ એ જોઈ આવ્યું ને ? દાદાશ્રી : હા, જોયેલું છે એ જોઈ શકે એ ચિત્ત ! પ્રશ્શનકર્તા : આજકાલ તો ફિલ્મોમાં ન્યૂયોર્ક જોઈએ છીએ ને ! દાદાશ્રી : એ તો આપણે ફિલ્મોમાં જુઓ કે આ નકશામાં જુઓ, બે સરખું જ છે આ. એમાં છે તે કાગળનો ફોટો લીધેલો હોય, એ ફોટો દેખાડે ને એ ફિલ્મમાં દેખાડે એ બે સરખું જ છે. પણ તે નહીં, ચિત્ત તો અસલ જાતે ગયેલા હોય ને, ત્યાં આપણા પગ પડેલા હોય ને, ત્યાં બધે ચિત્ત ફરી આવે. પ્રશ્શનકર્તા : એ તો અહીંયા કંઈ જોયું હોય મોટું બિલ્ડીંગ, તો ન્યૂયોર્ક યાદ આવે. દાદાશ્રી : હા. યાદ આવે. કારણ કે ચિત્તનો જોવાનો સ્વભાવ છે. એટલે આપણું ચિત્ત બહાર ભટકવા ગયું હોય ત્યારે આવું બધું જોઈને આવે. પ્રશ્શનકર્તા : દાદા, ચિત્ત જે વસ્તુ દેખાડે તે જોયેલી હોય એ જ દેખાડે ? દાદાશ્રી : એ તો આ ભવમાં ના જોઈ હોય ને ગયા અવતારની જોયેલી ય દેખાડે. પ્રશ્શનકર્તા : તો અમને મહાવિદેહ ક્ષેત્ર દેખાય ખરું ? દાદાશ્રી : બધુંય દેખાય, ત્યાં ફરેલા હોય તો. ચિત્તને ભટકવાની ટેવ છે. જ્યાં જ્યાં જઈ આવ્યું હોય ને ત્યાં ત્યાં ફરી ફરી ફેરો માર માર કરે. એ સ્પેશિયલ કામ ચિત્તનું જ છે. તમને અનુભવમાં આવતું હશે ને ? એવું કંઈ જાય છે ખરું ? એવું કોઈ જગ્યાએ જોઈ આવે છે ફરી ? કે નથી અનુભવમાં આવતું ? અહીં બેઠાં હોય તો ય ! એ ક્રિયા ચિત્તની છે, એ મનની ક્રિયા નથી. જે જગ્યાની એને ટેવ પડી ગઈ છે ને તે જગ્યાએ દોડધામ કરે. એટલે બીજે બધે ના ફરે. પ્રશ્શનકર્તા : હજી થોડી દોડધામ કરે છે. દાદાશ્રી : હા, પણ જ્યાંની એને ટેવ પડેલી છે જે જે બજારોમાં ફરી આવ્યું છે, એ બજારમાં જઈ આવે, જે બજાર જોયાં જ નથી ત્યાં જતું નથી. અને જે બજારથી કંટાળી ગયું ત્યાં નથી જતું. કંટાળી ગયેલાં બજાર બધાં બહુ છે. તેમાં કોઈ જતું જ નથી. આપણે કહીએ, ત્યાં જા ને ! ત્યારે કહે, ના. ચિત્ત એવું દોડધામ કરે છે ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : એ ભટક ભટક ભટક કર્યા કરે ! લોકો મન અને ચિત્તના ભેદ સમજતા જ નથી. હિન્દુસ્તાનના લોકો પૂરેપૂરો ભેદ સમજ્યા જ નથી. ચિત્તની ઓળખાણ પડે તો બધું કામ નીકળી જાય. એકલું ચિત્ત ઓળખે તો ય ! સ્થિરતા ચિત્તની... પ્રશ્શનકર્તા : ચિત્તની સ્થિરતા માટે શું કરવું જોઈએ ? કઈ રીતનો અભ્યાસ કરવો જોઈએ ? દાદાશ્રી : ચિત્તની સ્થિરતા કરીને શું કામ છે તમારે ? ભટકવા દો ને, જ્યાં ને ત્યાં એને ટેવ પડી ગઈ છે ભટકવાની અને ટિકિટ લીધા વગર, ખુદાબક્ષ. જ્યાં ને ત્યાં ભટક ભટક ભટક. ચિત્તની સ્થિરતા શી રીતે થાય જાણો છો ? એ કંઈ આ પતંગ જેવી વસ્તુ નથી કે આપણે દોરો ખેંચીએ અને હાથમાં આવી ગયું. ચિત્ત બધું અશુદ્ધ થઈ ગયેલું છે, પછી ભટકે જ ને ! તમને સમજમાં આવે છે એ વાત ? શું થયું છે ? પ્રશ્શનકર્તા : હું ભગવાનની ભક્તિ કરું, સત્સંગ કરું, તો ય પણ સંસારના વિચારો આવે છે. અને ચિત્ત સ્થિર રહેતું નથી. દાદાશ્રી : હવે એનું શું કારણ ? એ શાથી નથી રહેતું ? અમને આવું થતું હશે કોઈ વખત ? ના થાય ? એવું છે ને, એમનું ચિત્ત લપટું પડી ગયું નથી. ચિત્ત તો ચોક્કસ જ છે. આપણી ભૂલ થાય છે આ. ચિત્ત બગડ્યું નથી અને કાળે ય નુકસાન કરતો નથી. કાળ કંઈ નુકસાન કરે નહીં. એ ચિત્ત સરસ છે. ચિત્તને વાંધો નથી. આપણને એડજસ્ટ કરતા નથી આવડતું. હાઉ ટુ એડજસ્ટ ! (કેવી રીતે ગોઠવણી કરવી ?!) પૈસા ગણવામાં ચિત્ત સ્થિર ! હવે બેન્કમાં ગયો હોય અને દસ હજારની રૂપિયા-રૂપિયાની નોટો આપી અને થોકડીઓ આપી સો-સોની, તો તમે શું કરો ? પ્રશ્શનકર્તા : ગણીએ. દાદાશ્રી : ગણે તે ઘડીએ છોકરો આવે તો ય ગમે નહીં. કારણ કે ચિત્ત અસ્થિર થઈ જાય. કારણ કે ચિત્ત સ્થિર કરવાની શક્તિ છે જ તમારી. ચિત્ત તો દસ હજાર ગણતાં સુધી સ્થિર રહે. છોકરો આવે ને તો ભૂલી જાય. એનું કારણ શું ? પૈસા ઉપર એને ઇન્ટરેસ્ટ (રૂચિ) છે અને ભક્તિમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે આ નથી થતું. કારણ કે જ્યાં ઇન્ટરેસ્ટ ત્યાં ચિત્ત સ્થિર રહે. વેપારમાં રહે છે કે, નહીં સ્થિર રહેતું ? પ્રશ્શનકર્તા : રહે છે. દાદાશ્રી : અને પેલામાં ના રહે. કારણ કે પેલામાં ઈન્ટરેસ્ટ છે નહીં તમારો. ઈન્ટરેસ્ટ બદલવો જોઈએ. પ્રશ્શનકર્તા : ઈન્ટરેસ્ટ તો બદલીએ છીએ પણ આ સંસારના પ્રશ્શનો જે છે તે સાથે સાથે ચાલુ જ રહે છે. તો એના માટે શું કરીએ અમે ? દાદાશ્રી : સંસારના પ્રોબ્લેમ(મુશ્કેલીઓ)ને આને લાગતું વળગતું નથી ! પૈસા ગણીએ છીએ ત્યારે સંસારના પ્રોબ્લેમ ઊડી જાય છે કંઈ ? તો ય પૈસા ગણીએ છીએને ! અત્યારે એક ચિત્ત કરવું છે થોડીવાર ? પ્રશ્શનકર્તા : હા, કરવું છે. દાદાશ્રી : એમ ? અહીં આવતા રહેજો. જેમાં પ્રીતિ તેમાં ચિત્ત સ્થિર ! પ્રશ્શનકર્તા : આમ તો સવારના પ્રાર્થના કરવા રોજ બેસીએ છીએ પણ ચિત્ત સ્થિર નથી રહેતું ! દાદાશ્રી : પ્રાર્થનામાં સ્થિર ના રહે અને બેન્કમાં રૂપિયા ગણો તે ઘડીએ સ્થિર રહે છે, લોકોને રૂપિયાની કિંમત છે, ભગવાનની કિંમત નથી. પ્રશ્શનકર્તા : તો હવે શું કરવું ? દાદાશ્રી : ખરી કિંમત ભગવાનની જોઈએ આપણને. અને લોકોએ રૂપિયાની કિંમત વધારી. જેમાં પ્રીતિ વધારે હોય તેમાં એકાગ્ર રહે. ભગવાનમાં ઈન્ટરેસ્ટ પડવો જોઈએ, સ્વાદ આવવો જોઈએ. આ છોકરાં કેરી ખાતાં હોય અને પછી આપણે કહીએ કે નાખી દે હવે, તો ખાટી હોય તો નાખી દે મૂઓ, એમ ને એમ ! અને મીઠી હોય તો નાખી દે ? પ્રશ્શનકર્તા : ના નાખી દે. દાદાશ્રી : એટલે ભગવાનમાંથી મીઠાશ નથી આવતી. ચિત્ત હટાવનાર કોણ ? પ્રશ્શનકર્તા : પણ સંસારના પદાર્થો તરફથી આપણું ચિત્ત કેમ હટતું નથી ? દાદાશ્રી : એ શી રીતે હટે ? કારણ કે હટાવનાર કોણ છે ? તમે હટાવવાના એ ? સંસારના પદાર્થો તો એમ ને એમ જ છે. પણ હટાવવું છે કોને ? તમારે ? તમારે સંસારના પદાર્થોમાંથી ચિત્ત હટાવવું છે ને ? તો તમે કોણ છો ? એ નક્કી થયા વગર શી રીતે હટાવો તમે ? તમે તો ચંદુભાઈ નામથી રહો છો. હવે તમે ખરેખર ચંદુભાઈ નથી. તમે માની બેઠાં છો કે હું ચંદુભાઈ છું. ચંદુભાઈ તો તમારું નામ છે. ચિત્તને ભટકવાના સ્થાનો ! અહીં બેઠો હોય તે ખોવાઈ જાય તો જાણવું કે ચિત્ત ભટકવા ગયું છે. એવું ચિત્ત ભટકતું હોય તો પછી માણસ જ કેમ કહેવાય ? આ તો અહીં બેઠો હોય ને ઘેર ચિત્ત જાય અને વાઈફ જોડે વાતો કરે, આજ શું શાક કરો છો ? અલ્યા, અહીં બેસને ! પાંસરો મરને મૂઆ, કોઈ અવતાર પાંસરો મર્યો નથી આ. ભટક ભટક ભટક કર્યા કરે છે, અનંત અવતારથી ભટકે છે. આપણા અહીં બેન્ડવાજા વાગે તો ય જાનૈયા તન્મયાકાર નથી થતા. પછી એ અવાજ સહજ થઈ જાય. એ સંગીત તો ગમે એવી વસ્તુ છે, કાનને પ્રિય લાગે એવી વસ્તુ છે. છતાં આપણાં લોક તો તે ઘડીએ વેપારમાં હોય ને ક્યાંના ક્યાં પડ્યા હોય ! વેપારમાં હોય કે ના હોય ? હજુ તમારું ચિત્ત અહીં બેઠા હોય તો ય જતું રહે. વેપારીઓનું ચિત્ત કેવું હોય કે લપટું પડી ગયેલું હોય. અહીં માળા ફેરવતો હોય અને મૂઓ ઢેઢવાડે હોય. માળા તો એનું નામ કહેવાય કે માળા હાથમાં ઝાલી કે ચિત્ત આઘુંપાછું ના થાય. તો માળા હાથમાં ઝાલવી, નહીં તો માળા ઝાલવી એ જોખમ છે. વાંચતી વખતે ચિત્ત ક્રિકેટમાં ! તો તમે શું ફેરવો છો ? માળા ના ફેરવો ત્યારે ! પ્રશ્શનકર્તા : એમ ને એમ દર્શન કરું છું. દાદાશ્રી : તે આપણા લોક, પેલો છોકરો વાંચતો હોય ત્યારે નથી કહેતાં કે તારું ચિત્ત ઠેકાણે રાખીને વાંચ. કારણ કે તે ક્રિકેટમાં ગયો હોય તે વખતે. અહીં વાંચતો હોય ને એ ક્રિકેટમાં હોય. પ્રશ્શનકર્તા : વિદ્યાર્થી બહુ વાંચવા છતાં પરીક્ષામાં ભૂલી જાય છે તેનું શું કારણ ? દાદાશ્રી : ચિત્ત રમવામાં ના જાય અને વાંચે તો ભૂલાય નહીં. તું વાંચું છું ત્યારે રમવામાં જતું રહે છે ચિત્ત ? તું વાંચું છું ત્યારે રમવામાં ચિત્ત જતું રહે ખરું ? પ્રશ્શનકર્તા : ના. દાદાશ્રી : તો ના ભૂલાય. ચિત્તને હાજર રાખીને જો વાંચવામાં આવે તો ભૂલાય નહીં. આપણો છોકરો વાંચતો હોય તે આપણે મહીં બેઠા બેઠા સૂતા સૂતા સમજીએ કે શબ્દ એના એ સરસ વાંચે, પણ એ મૂઓ હોય ક્રિકેટમાં, શબ્દ વાંચતો હોય છતાં હોય ક્રિકેટમાં ! બને કે ના બને ? જો બે કામ સાથે ચાલે છે ને ? તે બેઉ બગડે હં કે. ના ક્રિકેટ સારું દેખાય, ના આ યાદ રહે, હં. ચિત્ત ભટકતું હોય ને, તો કશું યાદ ના રહે. ખાલી, એ બધું મિકેનિકલી કર્યા કરે. એ તો ચિત્ત હાજર હોય તો જ કાર્ય થાય. નહીં તો કાર્ય થાય નહીં. જમતી વખતે ચિત્ત ગેરહાજર ! તમે કોલેજમાં જાવ છો તો ઘણી ફેરા લેટ થઈ ગયા હોય, તો તમારું ચિત્ત જમતી વખતે તમારી કોલેજમાં ગયું હોય કે ના હોય ? પ્રશ્શનકર્તા : હા, બહુ મોડું થયું હોય તો થાય. દાદાશ્રી : તે આમ જમતાં જાવ ને ચિત્ત ત્યાં ગયું હોય. બોલો હવે. ચિત્ત એબ્સંટ હોય, તેનાથી ખવાય પણ નહીં. જ્યાં ચિત્ત પ્રેઝન્ટ (હાજર) ના હોય, જ્યાં ચિત્ત એબ્સંટ (ગેરહાજર) હોય, એ કોઈ કાર્ય ફળે નહીં. એટલે સારું ના થાય. ફળે નહીં એટલે શું કે તમારું દવાખાનું હતું ને, તો તમારો ટાઈમ ખરો કે નહીં, દવાખાનામાં જવાનો ? હવે એ ટાઈમે જરાક પા કલાક લેટ થયું, તો તમારું ચિત્ત ત્યાં જતું રહે દવાખાનામાં અને તમે ચિત્ત વગર અહીં જમતા હોય. બેન સમજી જાય કે આ ધોકડું ખાયા કરે છે. એ ચિત્તની એબ્સંટમાં જમવું એ ભયંકર ગુનો છે. મારે ત્યાં જવાની જરૂર નથી. દવાખાનામાં જે થવાનું હોય તે થાય. કારણ કે એથી ફાયદો થતો નથી. ત્યાં આપણે જઈ શકતા નથી. ખાલી આ તો ચિત્તની ભાંજગડ જ છે. એટલે ચિત્તની હાજરી રાખીને પછી નિરાંતે ભજીયામાં શું શું નાખ્યું છે એ બધું જાણવું જોઈએ. પેલું ભજીયામાં શું નાખ્યું છે એય ખબર ના પડે. પછી રોગો ઉત્પન્ન થાય એનાથી. માટે ચિત્તને હાજર રાખજો. દરેક કાર્યમાં ચિત્તને હાજર રાખજો. સંડાસ જાઓ તો ય ચિત્ત હાજર ના હોયને તો સંડાસમાં ભલીવાર ના આવે તમને. દરેક કાર્યમાં ચિત્તને જોડે રાખજો. ચિત્તને દરેક કામમાં હાજર રાખવું. એના જેવું કોઈ ધ્યાન નથી. ચિત્ત તો આ શરીરનું માલિક છે. એને કેમ ગેરહાજર રખાય ?! ચિત્ત બધું જતું રહેને ? એ માછલી જેવું હોય. પકડતાં પહેલાં હાથમાં જ ના રહે, સુંવાળી જાતને ! તમારે હઉ જતું રહે ? કોર્ટમાં કેસ હોય અને કોઈ દહાડો કોર્ટમાં ગયાં ના હોય. એ જમવા બેસે. સારી સારી રસોઈ હોય તો એનું ચિત્ત ઠેકાણે હોય ? ખાવામાં મઝા જ ના આવે એને. ચિત્ત ઠેકાણે હોય તો જ બધું ફાવે. ધોકડું અહીં ખાય ને ચિત્ત ત્યાં મિલમાં ! બધાય ઘરમાં કહેશે કે કાકા, તમે ઓઢીને સૂઈ જાવ નિરાંતે, પણ તો ય પાછા મહીં યોજના ઘડ્યા કરે. અલ્યા, બે મિલો છે તો ય હજી નિરાંત નથી ! શેઠને પ્રેશર તો થયેલું જ હોય. પાછું જમતી વખતે કોઈ દહાડો ચિત્ત એનું હાજર રહેતું ના હોય. ચિત્તની ગેરહાજરીમાં જમે રોજ. અલ્યા, મિલમાં શું કરવા પહોંચી ગયો ? અહીં આ જમી લે ને પૂરેપૂરું ! હવે તો જંપીને ખાવ ! અલ્યા, તારી દશા શી થશે ? તારા કરતાં તો આ ગાયો-ભેંસો બધી સુખી ! એ ચિત્તની હાજરીમાં ખાય-પીવે, પણ તારી તો દશા જ જુદી જાતની ! આ કઈ જાતનું, આવી પુણ્યૈ ક્યાંથી લાવ્યો ?! ગાંડી પુણ્યૈ !! પુણ્યૈ તો એનું નામ કે નિરાંતે ભોગવે ! આ ચિત્તની ગેરહાજરીમાં બત્રીસ ભાતની રસોઈ જમે, તે શું કરવાનું ? અને ચિત્તની હાજરીમાં બે જ ગુલાબજાંબું ખાધાને, તો ત્યાંને ત્યાં જ ફળ આપે. અને પેલી બત્રીસ ભાતની રસોઈ પણ ધૂળધાણી થઈ જાય. ઊલટું પ્રેશર વધારે. હું તો આ મોટા મોટા શેઠિયાઓને એવું જ કહી દઉં છું કે 'તારું મને કહી ના દઈશ. હું તો જાણું છું. એમાં વળી તું મને શું કહેવાનો છું !' આ તો બધા મરવાના રસ્તા ખોળી કાઢ્યા છે. કારણ કે એને સંસ્કાર જ આવા પડ્યા છે. બધા આવું ને આવું કરતાં આવ્યા છે અને એનું એને ભાન નથી કે આમાં મારું શું અહિત થઈ રહ્યું છે. મારું ચિત્ત બહાર જતું રહે છે, એવું એને બિચારાને ભાન નથી. આ જમવાની થાળી આવી એટલે, આ થાળીનો સંજોગ બાઝ્યો એટલે એ થાળી ઈટસેલ્ફ પોતે શું કહે છે કે તમે નિરાંતે જમો. ત્યારે આ શું કરે છે ? જમતી વખતે જ એબ્સંટ રહે મૂઓ ! અને જમતી વખતે એબ્સંટ રહેવાથી શું વધારે કમાણી કરી કોઈએ ? આપને કેવું લાગે શેઠ ? જમતી વખતે એબ્સંટ રહેવાનું કારણ શું છે તે ? એવી તે શી દુનિયા પડી જવાની છે કે નથી આ ભીંત પડવાની ! આ સૂર્યનારાયણ કોઈ દહાડો પડી જાય ખરા ? કશું પડવાનું નથી. માટે હાજર રહીને નિરાંતે જમોને ! આ હિન્દુસ્તાનની સ્ત્રીઓય જમતી વખતે કોઈ દહાડો એબ્સંટ થતી નથી, આ મજૂરો એબ્સંટ થાય નહીં, નિરાંતે ખાય-પીએ. આ અક્કલવાળા શેઠિયાઓ બહુ એબ્સંટ રહે છે. ચિત્ત ગેરહાજરીનાં પરિણામો ! એક મિલમાલિક મારે ત્યાં આવેલા. તેમને મેં પૂછયું, 'શેઠ, કોઇ દહાડો સમી રીતે જમો છો ? ચિત્તને ઠેકાણે રાખી જમો છો? આ બ્લડ પ્રેશર શાથી થાય છે ? બે-ચિત્તથી ખાઓ છો તેથી.' તે શેઠ બિચારા ગળગળા થઇ ગયા ને મારા ખોળામાં માથું મૂકી કહેવા લાગ્યા, 'હા, દાદા, કોઇ દિવસ ચિત્ત દઇને જમ્યો જ નથી.' કૃષ્ણ ભગવાને શું કહ્યું છે, 'પ્રાપ્તને ભોગવ અને અપ્રાપ્તની ચિંતા ના કરીશ.' આ જમવાની થાળી સામે આવે તો તે એક ચિત્તે શાંતિથી જમ. જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે અને બે-ચિત્ત હઇશ તો બત્રીસ ભાતનું જમણ ભાવશે નહીં. આ શરીરને આટલી ખીચડી આપી હોય તો આખી રાત શાંતિ રાખે, સમાધિ રાખે તેવું છે. આ તો ધોકડું જમે અહીં ને 'પોતે' જાય મિલમાં ! આ મનુષ્યોને પાછાં હાર્ટ ફેઇલ થઇ જાય છે, સ્કૂલમાં તો ફેઇલ નહોતો થતો ને અહીં શી રીતે ફેઇલ થઇ જાય છે ? આ જાનવરો ખાય છે ત્યારે તપાસ કરજે કે એનું ચિત્ત બહારગામ જાય છે કે નહીં ? કૂતરું-બૂતરુંય, ખાતી વખતે ટેસ્ટમાં આવીને પૂંછડી પટપટાવે છે ! બધાંય જાનવરોનું ચિત્ત ખાય છે ત્યારે ખાવામાં જ હોય છે ને આ શેઠિયાઓ, વકીલો, ડૉક્ટરોનું ચિત્ત તો ખાતી વખતે એબ્સન્ટ હોય છે, એનાથી તો હાર્ટ ફેઇલ અને બ્લડ પ્રેશર થાય છે. હાર્ટ ફેઇલ અને બ્લડ પ્રેશર એ તો એબ્સન્ટ ચિત્તનું પરિણામ છે. બે-ચિત્તથી ખાય છે તેથી મહીં નસો બધી સજ્જડ થઇ જાય છે. આ ડૉક્ટરોનું ચિત્ત ઓપરેશન કરતી વખતે બીજે ભટકે તો દર્દીની શી દશા થાય ? તે ખાતી વખતે ય મહીં પાર વગરનાં ઓપરેશન થાય છે, માટે જમતી વખતે ચિત્તને પ્રેઝન્ટ રાખીને જમો. જમતી વખતે 'ચિત્ત'ની હાજરી પૂરવી કે 'હાજર છે કે ?' એવો વખતે ય આવશે કે ડૉક્ટરોના ચિત્ત ક્યાંનાં ક્યાં ભટકશે ! પણ ઓપરેશન વખતે ચિત્ત હાજર રહે છે એ તો સારું. જો ચિત્તની હાજરી વગર ઓપરેશન કરે તો તે દર્દી મર્યા પછી, બળી ગયા પછી મહીંથી કાતર નીકળે ! તેથી જ તો બીકના માર્યા ડૉક્ટરો ઓપરેશન વખતે ચિત્તને હાજર રાખે છે ! બધામાં ચિત્ત હાજર કદાચ ના રહે. બીજામાં ચિત્ત ગેરહાજર હશે તો ચાલશે; પણ માત્ર ખાતી વખતે ચિત્તને હાજર રાખજે. પ્રશ્શનકર્તા : 'વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે' એના જેવું દાદા ? દાદાશ્રી : એ વાક્યો ફોરેનવાળા માટે સહજ લોકો માટે છે; વિકલ્પી માટે નથી. જ્ઞાનીને તો 'વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે રહે', કારણ કે બહારનો ભાગ અને અંદરનો ભાગ, બન્ને એમને સહજ હોય છે. એમનું ચિત્ત તો ક્યારેય ગેરહાજર ના હોય. ઇન્ડિયન્સ માટે તો આ વાક્ય નકામું છે, એને રાખીને શું કરવું ? છતાં અમે કહીએ છીએ કે માત્ર જમતી વખતે ચિત્તને હાજર રાખજે. માંગવી શક્તિ દાદા કને ! ઑફિસે જવા અગિયારને બદલે સવા અગિયાર થયા તો 'દાદા'ને યાદ કરજો, કહેજો કે, 'દાદા, તમે કહેતા હતાને કે જમતી વખતે ચિત્ત હાજર રાખજો, પણ આ તો આજે સવા અગિયાર વાગી ગયા છે. હું કંઇ જાણું નહીં. તમે કહો છો તેમ ચિત્તની હાજરીમાં જ જમું છું, પછી આગળ તમે જાણો.' તે પછી ચિત્ત ઠેકાણે રહેશે અને બોસને જે કહેવું હોય તે ભલે કહે ને બોસ એ ય એક પ્રકૃતિનો નચાવ્યો ભમરડો જ છે ને ? સ્વસત્તામાં આવ્યો જ નથી ને એ ય ! પુરુષ થયો જ નથી ને ! જગત આખુંય પરસત્તામાં જ છે ને ! જમતી વખતે ચિત્તને હાજર રાખવાનું, એટલે ખબર પડે કે ભજિયામાં મીઠું વધારે છે કે ઓછું, મરચું વધારે છે કે ઓછું ! આ તો ચિત્તની ગેરહાજરીમાં જમે તે ખબરે ય ના પડે કે ચા ગોળની છે કે ખાંડની ! અલ્યા, સંયોગ જે અત્યારે ભેગો થયો છે તે સારી રીતે ભોગવ. આ તો શેઠ જમે અહીં ને કારખાનું સાત માઇલ છેટે હોય તે ત્યાં ગયો હોય ! જે ભેગો થયો હોય તેને આપણે સલામ કરીએ છીએ ને ? સાત માઇલ છેટે હોય તેને તો અક્કલવાળો ય સલામ ના કરે. આ તો પૈસા, પૈસા, પૈસા, તે કૂતરાને મોતે મરશો, કષાયોમાં મરશો ! એક શેઠ કહે કે, 'એક વાર તો હાર્ટ એટેક આવી ગયો છે.' અલ્યા, એક ઘંટ તો વાગી ગયો, તે પછી બીજા ને ત્રીજા ઘંટે તો ગાડી ઊપડવાની. હાર્ટ એટેક એ શાનું ફળ છે ? ભયંકર કુચારિત્રનું ફળ છે, તો પાંસરો મરને, જ્ઞાની પાસે જા. તારાં કૃત્યોની ખાનગીમાં માફી માગ તો ય તું છૂટીશ. ચિત્ત ગેરહાજર હોય ત્યારે જમશો નહીં ને ચિત્ત હાજર હોય તો જ જમશો એવો પ્રોપેગંડા બહાર થશે ને, ત્યારથી જ રોગો ઓછા થવા માંડશે. ચિત્ત સંસારમાં એબ્સંટ, આત્મામાં પ્રેઝન્ટ ! જનક વિદેહીને જે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયેલું તે જ્ઞાનીના તપસ્વી પુત્રને અહંકાર આવ્યો કે 'હું કંઇક છું.' તે ઉતારવા ગુરૂદેવે પુત્રને કહ્યું કે, 'તું કંઇક ઉપદેશ લેવા જનકરાજાને ત્યાં જા.' તે મુનિ તો ગયા રાજાને ત્યાં. ગુરૂદેવે જનક રાજાને પહેલેથી સૂચના આપી દીધેલી. મુનિ જ્યારે રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે તો રાજવૈભવનો ભારે ઠઠારો જોયો. જનક રાજા સોનાના હિંડોળા ઉપર બેઠેલા ને બન્ને બાજુએ રાણીઓ બેઠેલી, રાણીઓના ખભે હાથ મૂકીને મસ્તીમાં બેઠેલા હતા. મુનિએ તો આ જોયું ને તેમને મનમાં થયું, 'આ વિલાસી પુરુષ પાસેથી શો ઉપદેશ લેવાનો ?' છતાં ય પિતાની આજ્ઞા હતી એટલે કંઇ બોલ્યા નહીં, ચૂપચાપ જેમ રાજા કહે તેમ કરતા ગયા. રાજાએ જમવા બેસાડ્યા, સોનાની થાળીઓ ને બત્રીસ જાતનાં ભોજન. મુનિ તો આસને બેઠા ને જરાક ઊંચી નજર ગઇ ત્યાં તો ધ્રાસકો પડ્યો ! 'અરે, આ શું ? માથા ઉપર ઘંટ લટકે છે ને તે ય હમણાં પડું પડું થઇ રહ્યો છે !' રાજાએ કળા કરેલી, એક મોટો ઘંટ બરાબર મુનિના માથા ઉપર જ લટકાવેલો અને તે ય સાવ પાતળી, નજરમાં ન આવે એવી પારદર્શક દોરીથી બાંધેલો. તે મુનિ તો બિચારા મહીં ગભરાઇ ગયેલા, જેમ તેમ જમ્યા. જમતાં જમતાં રાજા આગ્રહ કરે, પણ મુનિને તો જમવામાં ચિત્ત શાનું હોય ? એમનું ચિત્ત તો પેલા ઘંટમાં જ ચોંટેલું કે હમણાં પડશે તો મારું શું થશે? જમી રહ્યા પછી રાજાએ પાન આપતાં આપતાં પૂછયું, 'મહારાજ, ભોજન કેવું લાગ્યું ? કઇ વાનગી આપને સૌથી વધારે ગમી ?' ત્યારે મુનિ હતા ચોખ્ખા બોલા. તપસ્વીઓને કપટ-બપટની ભાંજગડ ના હોય, હોય માત્ર એક અહંકારની જ ભાંજગડ. તેમણે તો જેમ છે તેમ કહી દીધું કે, 'હે રાજા, સાચું કહું તમને ? આ માથા ઉપર ઘંટ લટકતો હતો તે મારું ચિત્ત તો ત્યાં જ ભયથી ચોટેલું રહ્યું હતું ને તેથી મેં શું ખાધું તે જ મને ખબર નથી.' ત્યારે જનક વિદેહી બોલ્યા, 'મહારાજ, આ જમ્યા ત્યાં તમારું ચિત્ત એબ્સન્ટ હતું, તેમ અમારું ચિત્ત સંસારમાં નિરંતર એબ્સન્ટ રહે છે! આ વૈભવમાં અમારું ચિત્ત હોતું જ નથી. અમે અમારા સ્વરૂપમાં જ નિરંતર હોઇએ છીએ !' આવાં હતા જનક વિદેહી ! જ્ઞાની પાસે જગત વિસ્મૃતિ સહેજેય ! જગત વિસ્મૃત કેવી રીતે થાય ? એના માટે તો આપણે અહીં સત્સંગમાં ભેગા થયા છીએ. અહીં તમને જગત સહેજેય વિસ્મૃત રહે. એક ક્ષણ પણ જગત વિસ્મૃત થાય એમ છે જ નહીં. આ મોટા મોટા શેઠિયાઓ એક કલાક જગત વિસ્મૃત કરવા હજારો ખર્ચવા તૈયાર છે, છતાંય જગત વિસ્મૃત થાય તેમ નથી. આ તો જેને ભૂલવા જાય તેનો જ ધબડકો પડે. અરે ! શેઠ સામાયિક કરવા બેઠા હોય ને નક્કી કરે કે ફલાણાને તો સામાયિક વખતે યાદ કરવો જ નથી, તો પહેલો તે આવીને ઊભો રહે અને અહીં આપણને તો સહેજે જગત વિસ્મૃત રહે. આ તમે અહીં બેઠા હો ત્યારે તમારું ચિત્ત ઘેર કે દુકાને કેટલી વખત જાય છે? પ્રશ્શનકર્તા : એકેય વખત નહીં, દાદા ! દાદાશ્રી : જો ચિત્ત પાસે જ રહે તો તો બહુ શક્તિ વધે. આપણે ખબર ના રાખીએ કે ચિત્ત કઇ કઇ જગ્યાએ, ક્યારે ક્યારે જઇ આવ્યું? જેનું ચિત્ત કોઇ જગ્યાએ જાય નહીં તેને નમસ્કાર. આ 'દાદા'નું ચિત્ત એક ક્ષણ પણ આઘુંપાછું થાય નહીં, એનું નામ જ મુક્તિ ! ચિત્તનું બંધનપણું છૂટવું અને મુક્તિ થવી બે ય સાથે જ હોય છે. નથી જમતાં કદી પાંસરી રીતે ! પ્રશ્શનકર્તા : એક વખત આપે પેલી વાત કરી હશે ને કે ધોકડું અહીં ખાય ને પોતે મિલમાં ગયો હોય. દાદાશ્રી : એ તો એવું બનેલું, મારી જોડે એક મિલમાલિક શેઠ જમવા બેઠા હતા. હવે, શેઠને ત્યાં તો બધી રસોઈ પૂરેપૂરી હોય, ચાંદીની થાળીઓ હોય, લોટા-પ્યાલા ચાંદીના હોય, તે જમવા બેઠા હતા, તે પછી શેઠાણી સામાં આવીને બેઠાં. ત્યાં મેં શેઠાણીને કહ્યું કે, 'બધું આવી ગયું છે, તમે જાતે શું કરવા આવ્યાં ?' ત્યારે શેઠાણી શું બોલ્યા કે, 'આ પાંસરી રીતે જમતા નથી.' કોની ઉપર આંગળી કરી ? મારી પર નહીં, અમે બે જ જણ બેઠા હતા, એટલે શેઠ પર આંગળી કરી કે આ પાંસરી રીતે કોઈ દહાડો જમ્યા નથી. એટલે હું સમજી ગયો કે આ છે મિલમાલિક, પણ પાંસરો નથી. પેલીએ આવીને કહ્યું ને, એટલે પછી શેઠની તો આબરૂ ગઈને, 'ઊઠ, તારામાં અક્કલ નથી, અક્કલ વગરની જતી રહે અહીંથી' એવું કહેવા માંડ્યા. એટલે મેં કહ્યું કે, 'જુઓ શેઠ, તમે તો અક્કલના કોથળા છો. પણ આવું ના બોલશો એ તમારા હિતને માટે કહે છે કે પાંસરી રીતે જમો. અત્યારે તમારું ચિત્ત મિલમાં પેસી ગયું હોય અને આ અહીં આગળ ધોકડું ખાયા કરે, તે શેના ભજિયાં હતા તે ય ખબર નહીં.' પછી મને શેઠ કહે છે, મારે તો રોજેય આવું થઈ જાય છે. ચિત્ત તો રોજે ય ત્યાં મિલમાં જતું રહે છે ને હું અહીં ખાઉં છું. ત્યારે મેં કહ્યું, ચિત્તને ગેરહાજર રાખશો, એબ્સંટ રાખશો તો હાર્ટ ફેઈલ થશે, એની જવાબદારી તમારી છે. ચિત્તની હાજરીમાં જ જમવું જોઈએ. ચિત્ત એબ્સંટ સાથે જમશો તો હાર્ટ ફેઈલની તૈયારી કરી રાખવી પડશે. ચિત્તને એબ્સંટ રખાય નહીં કોઈ પણ સ્થિતિમાં, તો જમવામાં તો ના જ રખાય ને ? બીજી બધી વાતમાં કરજો પણ જમવામાં ચિત્ત એબ્સંટ રખાય નહીં. તે આ શેઠાણી તમારા હિતનું વાક્ય કહે છે. ત્યારે તમે કહો છો કે 'ઊઠ અહીંથી, અક્કલ વગરની. ત્યારે તમે અક્કલવાળા ? આ તમારી અક્કલ કહેવાય ?' એટલે શેઠ કહે છે કે 'પણ મારું ચિત્ત રહેતું નથી, લપટું પડી ગયું છે ! એનું શું કરવું ?' આ તો ચિત્ત લપટું પડી ગયેલું. મન લપટું પડી ગયેલું. લપટું પડી ગયા પછી શીશીને બૂચ મારેલું શું કામનું ? પછી આપણે કહીએ કે તું એકદમ ફિટ થઈ જા, તો ફિટ થઈ જાય ખરો ? લપટો પડી ગયેલો શી રીતે ફિટ થાય ? શીશી આડી થાય ત્યારે બૂચ નીકળી જાય એની મેળે ! એવું ચિત્ત લપટાં પડી ગયેલાં હોય. પછી શેઠને મેં કહ્યું કે, 'જો લપટું પડી ગયું હોય તો એને વેલ્ડિંગ કરી આપું.' પેલો બૂચ લપટો પડી ગયો હોય તો જરા વેલ્ડિંગ કરીએ કે ચોંટે પાછો. એટલે પછી મેં વેલ્ડિંગ કરી આપ્યું. પેલા શેઠને કહ્યું ને કે ચિત્તની ગેરહાજરીમાં જમણ જમીએ તો હાર્ટની ઉપર જબરજસ્ત અસર થાય ને એટેક જલદી લાવે. એટલે જેને એટેક જલ્દી લાવવો હોય તેણે ચિત્તની ગેરહાજરીમાં જમવું. શું વાંધો છે ? પછી હાર્ટ ફેઈલની તૈયારી રાખજો. આવું કહેતાંની સાથે મારે ત્યાં એક પેલો મિલનો શેઠ હતો. મુંબઈ પાસે એક શહેર છે, ત્યાં એની મિલ છે. પ્રશ્શનકર્તા : હા, ભીવંડી. દાદાશ્રી : ભીવંડી. તે અમારે સાન્તાક્રૂઝમાં ભીવંડીના એ શેઠ આવેલા. તે મને ખબર નહીં કે આ મિલના શેઠ છે. તે હું પેલા શેઠની વાત કરતો હતો ત્યારે આ શેઠ એમણે તો એમનું માથું છે તે મારા પગમાં મૂકી દીધું. મને કહે કે હું જ ગુનેગાર છું. મેં કહ્યું કે શું છે એ મને કહો તો ખરાં. ત્યારે કહે, હું પણ ભીવંડીમાં મિલનો માલિક છું ને હું ય જમતી વખતે એવું જ કરું છું. પછી મને કહે કે આપ કહો છો પણ મારું ચિત્ત સ્થિર રહેતું નથી તેનું હું શું કરું ? તે રડવા માંડ્યો. મેં કહ્યું 'શા હારુ રડો છો ?' 'આવું જ કરું છું દાદા' એણે કહ્યું. મેં કહ્યું, 'અમે કરી આપીશું. ડૉક્ટરની પાસે આવ્યો છે ને ? આમાં રડો છો શું કરવા ? રડવાથી કંઈ સંસાર ડરીને નાસી જાય ? એ તો છે એમ જ રહેશે. એ તો અટાવી- પટાવીને કામ લેવાનું. પછી મેં કહ્યું, તમારું ચિત્ત હાજર ના રહે એ સ્વભાવિક છે, હું જાણું છું કે તમારું ચિત્ત લપટું પડી ગયેલું છે. ત્યારે એમના સુખે ય કેવા કે શક્કરીયા ભરહાડમાં મૂક્યાં હોય તેમ ચારે બાજુએ બફાય ! એવા આ શેઠિયાઓ બધા ચોગરદમ બફાયા કરે છે. હું શેઠને પૂછું છું કે આ શક્કરીયાં જેવા બફાવાનું ? ત્યારે કહેશે કે હા, એવું જ, એવું જ ! એવું જ આખો દહાડો બળ્યા કરે છે ! આવી બધી મુશ્કેલીઓમાં આખો દહાડો રહ્યા કરવાનું ! મેં કહ્યું કે કંઈક ફેરવોને સુખને ! હું તમને રસ્તો બતાડું બધો. ચિત્ત પ્રેઝન્ટ રાખો, જમતી વખતે ! તમને સમજાયું હું શું કહેવા માગું છું ? તમે ચિત્તની ગેરહાજરીમાં જમેલા ? પ્રશ્શનકર્તા : પણ ચિત્ત તો ફરતું જ હોય છે. દાદાશ્રી : જમતી વખતે હાજર નહીં ? શા દુઃખ એવાં આવી પડ્યાં છે, કે જમતી વખતે ય હાજર નહીં ? ત્યારે બે હાથે જમી લેવું ? બહુ ઉતાવળ હોય તો બે હાથે જમી લેવું ? શાં દુઃખ આવી પડ્યાં છે ?! ચિત્તને કહીએ, બેસ અહીં આગળ. ચાલ, શું શું જમવાનું છે તે મને કહે એક-એક ! ચિત્ત ત્યાં જવાથી ત્યાં હેલ્પ થશે કે અહીં હેલ્પ થશે ? હેલ્પ થશે ખરી ? પ્રશ્શનકર્તા : કશું નહીં. દાદાશ્રી : તો શું થાય. પ્રશ્શનકર્તા : એટલો ય કાબુ નથી. દાદાશ્રી : લો ત્યારે ! બધું આઉટ ઑફ કંટ્રોલ(બેકાબુ) થઈ ગયું ? પ્રશ્શનકર્તા : એવું જ થયું છે. દાદાશ્રી : તેથી આ બધાને કંટ્રોલમાં લાવી આપું છું. એક કલાકમાં જ કંટ્રોલમાં આવી જાય છે. કાયમને માટે પરમેનન્ટ કંટ્રોલ. ચિત્ત તો પછી ખસે જ નહીં. તમારું ચિત્ત જતું રહે કોઈ દહાડો ? એબ્સંટ રહે છે ? પ્રશ્શનકર્તા : થઈ જાય. એ આપણા કંટ્રોલમાં નથી ને ! દાદાશ્રી : દાદા ભગવાનનું નામ દેજોને ! દાદા ભગવાનનું નામ દેશોને કે દાદા ભગવાનને નમસ્કાર કરું છું બોલશો પાંચ-દશ મિનિટ, એટલે ચિત્ત પાછું આવશે. આ દાદાનો ફોટો લઈ જાવ અને દાદાનું નામ દેજો. તે ઘડીએ ચિત્ત સ્થિર રહેશે. જમવું માથે ઘંટ વિના ! પ્રશ્શનકર્તા : તમે શીખંડ ખાવ છો તે તમને કેવો લાગે ? દાદાશ્રી : મારી ઉપર ઘંટ પડવાનો નહીં ને ! અને આ લોકોને તો માથે ઘંટ પડવાનો હોય એવી રીતે શીખંડ ખાય. આખા મુંબઈ શહેરમાં બધાને માથે ઘંટ છે. મેં આ જેને જ્ઞાન આપેલું છે, તેમને ઘંટ વગર જમજો કહ્યું છે, નિરાંતે ચાવી ચાવીને. ઘંટ નહીં એટલે એ મોજશોખ કરી શકે. ચિત્ત વગર કોઈ પણ કાર્ય નકામું જાય. એને બે ચિત્ત કહે છે લોકો. અમારું ચિત્ત જ્યાં હોઈએ ત્યાં રહે. વર્ક વ્હાઈલ યુ વર્ક ને પ્લે વ્હાઈલ યુ પ્લે. (કામ વખતે કામમાં ને રમતી વખતે રમતમાં). આખું જગત ખાય છે પણ ભોગવતા નથી. આ મશીનરી હોય છે. એને પેટ્રોલ-ઓઈલિંગ બધું કરીએ છીએને, એવું આ દેહે ય મશીનરી છે. તે સવારના પહોરમાં વાઈફ બ્રેકફાસ્ટમાં કેવું સારું સારું પેટ્રોલ મૂકે, તે પેટ્રોલ પૂરો પછી ઓફિસે જાવ. પણ ત્યારે આ તો આમ ઘડિયાળ સામું જુએ ને પેટ્રોલ પૂરતાં પહેલાં તો ઓફિસમાં જતાં રહ્યા હોય. ચિત્તને એબ્સંટ (ગેરહાજર) કરેલું કોઈ દહાડો પહેલાં ? પ્રશ્શનકર્તા : થઈ જતું હતું. દાદાશ્રી : કંઈ ઓફિસમાં જવાનો ટાઈમ થઈ ગયો હોય, જમવાનું બાકી હોય, તો ત્યાં ઓફિસમાં પહોંચી જાય, નહીં ? પ્રશ્શનકર્તા : હા, ચિત્ત જતું રહે. દાદાશ્રી : જુઓ, હવે આવું ને આવું થાય છે. આ જ્ઞાન મળ્યા પછી જમતી વખતે જમવાનું. નોકરી કરતી વખતે નોકરી કરવાની. જમવાનું લેઈટ થયું ને ત્યાં મોડા પહોંચ્યા ઓફીસે ને શેઠ વઢે, તે ઘડીએ સાંભળવાનું. શેઠ વઢે ત્યારે શું કરવાનું ? તે ઘડીએ બૂટ કાઢવા જઈએ તો નોકરી જતી રહે. એવું ના કરીએ. જમતાં જમતાં ગયો કોર્ટમાં ! આ વકીલોને તો રોજ થાય છે. જમતાં જમતાં ત્યાં કોર્ટમાં પહોંચી ગયા હોય. તે પાછો હું શીખવું છું ત્યારે એ ઠેકાણે આવે છે. આ વકીલોને ય ચિત્ત બહાર જતાં રહે છે. વકીલને ય ઘેર ખાતી વખતે ચિત્ત કોર્ટમાં પહોંચી ગયું હોય. સાચી રીતે તો કો'ક જ ખાતો હશે. બાકી અગિયાર વાગી ગયાં કે ઘડિયાળ જોતો હોય ને એ તો જજની પાસે ત્યાં પહોંચી ગયો હોય. આ તો આપણે અહીં 'જ્ઞાન' આપ્યા પછી વકીલો નિરાંતે ખાય છે. ત્યારે એને અનુભવે ય થાય છે કે કશું કામ બગડતું નથી. તે મને કહી જાય કે, 'આજે તો દાદા, હું સવા અગિયારે કોર્ટમાં ગયો હતો. મને એમ લાગતું'તું કે આજે મોડું થઈ જશે. પણ તમે ચિત્ત હાજર રાખીને જમવાનું કહ્યું હતું. તે ચિત્ત હાજર રાખીને હું જમ્યો. પછી 'વ્યવસ્થિત'ને જોયું. ત્યારે ત્યાં તો જજ સાહેબ જ સાડા અગિયારે આવ્યા અને કેસ મારો જ પહેલો ચાલવાનો હતો'. મેં કહ્યું કે, 'આવું જ હોય.' માટે શું કામ ભડકો છો ? આ નથી ભડકવા જેવું જગત ! જજની ય માલિકી છે ને તમારી ય માલિકી છે, આરોપીની ય માલિકી છે અને ફરિયાદીની ય માલિકી છે. બધાની માલિકીવાળું આ જગત છે. અને બધાના 'એડજસ્ટમેન્ટ' લેવાય છે, એ કંઈ ગપ્પું નથી આ. ચિત્તને એબ્સંટ કોઈ જગ્યાએ મૂકાય નહીં. જમતી વખતે ય ના મૂકાય અને સંડાસ જતી વખતે ય ચિત્તને એબ્સંટ ના મૂકાય. નહીં તો બંધકોષનો રોગ થઈ જશે. અહીં કેટલાક વકીલો એવા છે કે સંડાસમાં અરીસો મૂકેલો હોય. રેઝર મૂકેલું હોય, બ્લેડ મૂકેલી હોય. સાહેબ મહીં શું કામ ? ત્યારે કહે, 'મને ટાઈમ નથી' ને તે આ એક કામમાં બે કામ થાય ને ! અલ્યા ચક્કર, મરવાનું ના હોય તો આવું કર ! અને પાછો દુઃખી હોય !! ચિત્ત તો બધી જગ્યાએ હાજર રાખવું જોઈએ. આ તો સંડાસમાં યે ને ખાવામાં યે ચિત્ત હાજર રહેવું જોઈએ. આ તો સંડાસમાં હજામત પણ કરશે. કેટલાંક તો સંડાસમાં પેપર વાંચે. આ જીવડાને તો શું વધારે કહીએ ?! આને ક્યાં પહોંચી વળાય ?! પેપરમાં શું એના બાપે દાટ્યું છે, તે વાંચવા લઈ જાય છે ! હવે આવી અણસમજણ, આને ક્યાં પહોંચી વળાય ?! રાખવું ચિત્ત ભગવાનમાં ! પ્રશ્શનકર્તા : આપણે ભગવાન પાસે જવું હોય તો સંસારમાં કામ કર્યા છતાં પણ આપણે ત્યાં જઈ શકીએ, એ કઈ રીતે ? દાદાશ્રી : આપણું ચિત્ત ત્યાં ભગવાનમાં જાય અને અહીં આગળ અહીં પ્રમાણે કામ કરીએ. ચિત્ત હોય તો તે ત્યાં ભગવાનમાં રાખવાનું અને અહીં કામ કરવાનું. પ્રશ્શનકર્તા : ચિત્ત કેવી રીતનાં ત્યાં રખાય ? દાદાશ્રી : પૈણ્યો છું કે નથી પૈણ્યો ? પ્રશ્શનકર્તા : ના, નથી પૈણ્યો. દાદાશ્રી : પૈણે એટલે પછી વાઈફ આવેને, તે વાઈફ જોબમાં ગઈ હોય અને પોતે જોબમાં ગયો હોય. તે ત્યાં આગળ બેઠો હોય જોબમાં, તે વાઈફમાં એનું ચિત્ત ત્યાં જાય અને અહીં જોબમાં કામ કર્યા કરતો હોય, જોબનું કામ કર્યા કરતો હોય. છતાં જોબનું કામ સારું થાય ઊલટું, બગડે નહીં અને ચિત્ત ત્યાં આગળ હોય. હજુ તંુ પૈણ્યો નથી એટલે તને અનુભવ ના હોય ને ! પૈણ્યા પછી અનુભવ કરજે એટલે ચિત્ત રહે, જુદું રહી શકે. સમજણ પડીને ? થોડો ઘણો અનુભવ નહીં થયેલો ચિત્તનો ? ચિત્ત એકલું જ ત્યાં રહેવું જોઈએ. આ જો તું પૈણ્યો હોત તો ખબર પડી જાત. વાઈફ ત્યાં હોય ને ત્યાં વાઈફમાં ચિત્ત હોય અને એક બાજુ કામ સરસ કરે, તમને સમજાયું ? પ્રશ્શનકર્તા : એ તો એકદમ બેસી ગયું. બહુ સરસ બેસી ગયું. દાદાશ્રી : એટ એ ટાઈમ બે કામ કરી શકે છે. પ્રશ્શનકર્તા : ભગવાનનું નામ લઈએ અને કામ કરીએ પણ નામ લઈએ એમાં ધ્યાન ના હોય તો એનો શો અર્થ ? દાદાશ્રી : ધ્યાનની જરૂર નથી, ચિત્તની જ જરૂર છે. આપણે સ્ત્રીમાં ધ્યાન રાખવાં જઈએને તો આ જોબ બગડી જાય પછી. પ્રશ્શનકર્તા : ચિત્ત રાખવું અને ધ્યાન રાખવું એમાં ફરક શું છે ? દાદાશ્રી : આ સ્ત્રી ખાવાનું કરતી હોય ને, સ્ત્રી રસોઈ બનાવતી હોય, તે વખતે એનો ધણી જોબ પર ગયેલો હોય અને તાજો તાજો પૈણેલો હોય, તે રસોઈ સરસ બનાવે અને એનું ચિત્ત ત્યાં જ હોય, નિરંતર. ચિત્ત ત્યાં હોય અને રસોઈ સરસ બનાવે. બને કે ના બને ? તને સમજ પડીને ? પ્રશ્શનકર્તા : હા, બને. દાદાશ્રી : આ માથા ઉપર માટલીઓ લઈ અને પાણી લઈને આવે સ્ત્રીઓ, આપણા હિન્દુસ્તાનમાં અને બે-ચાર સહેલીઓ એવું લઈને આવતી હોય, તે વાતો કરે બધાની જોડે અને ટચાકા મારે, પણ જો ઉપર હાલી ઉઠે કે તરત ચિત્ત ત્યાંનું ત્યાં જ હોય. પ્રશ્શનકર્તા : ચિત્ત ત્યાં હોય તો ધ્યાન ક્યાં હોય તે વખતે ? દાદાશ્રી : ધ્યાન નહીં મૂકવાનું, ધ્યાન ખોટી વસ્તુ છે. ધ્યાન તો શબ્દ જ ખોટો છે. એ ધ્યાન તો એની મેળે જ થાય છે. ચાર પ્રકારનાં ધ્યાન અને આ લોકો ધ્યાન જેને કહે છે, એ તો એકાગ્રતાને ધ્યાન કહે છે. તો એકાગ્રતા ફેરફાર ના થાય. ચિત્ત ગેરહાજર થાય એ કામ જ ના થાય. ત્યાં રહેવું જોઈએ. ચિત્ત જ ત્યાં રાખવાનું. બીજું કશું એકાગ્રતા નહીં ફેરવવાની. તમને એક્ઝેક્ટ સમજાઈ ગયું છે ? હંમેશાં જ્યાં પ્રેમ હોય ને ત્યાં ચિત્ત બેસી જાય. ચિત્તનો સ્વભાવ કેવો છે કે જ્યાં એક્ઝેક્ટ (ખરેખર) પ્રેમ હોય ત્યાં બેસી જાય અને ચિત્ત ત્યાં બેસે તો એ કામ સરસ થાય. અહીં આ તમને વાત કહું. ગાડી ચલાવો છો, તે ઘડીએ તમારું ચિત્ત આગળનું આગળ હોય છે અને વાતો બધી કરો છો કે નથી કરતાં ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : બધી ગાંડીઘેલી વાતો કરો છો કે સાચી વાત કરો છો ? હવે એ ચિત્ત એનું ત્યાંનું ત્યાં જ હોય. કામ સરસ કરે, પણ આમ લાગે કો'કને બે ચિત્ત છે. શાસ્ત્ર અભ્યાસ હેલ્પિંગ ! પ્રશ્શનકર્તા : 'વ્યક્તિને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા, અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એનાથી ધર્મમાં સ્થિર થવાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે તેમજ અનેક પ્રકારના શાસ્ત્રોનું અધ્યયન કરીને સુખ-સમૃદ્ધિમાં લીન બની જાય છે.' આ આખું સ્ટેટમેન્ટ છે, પુસ્તકનો અભ્યાસ જેટલો કરતો હોય તે વખતે એ સ્થિર રહી શકે ને ? દાદાશ્રી : હા, જેટલો વખત અભ્યાસી થાયને, તેટલો વખત એનું ચિત્ત ઠેકાણે રહે. એ જ્ઞાન એને ગમે, તો ચિત્ત ઠેકાણે રહે. ચિત્ત ઠેકાણે રહે તો એટલો અભ્યાસ થાય. પંદર વર્ષ ભાષા શીખવામાં બગાડ્યાં... ચિત્તની હાજરીમાં વાંચેલું હોય તો જ તે યાદ રહે. અમારે નાનપણમાં ભણવાનું ચિત્તની ગેરહાજરીમાં થતું, તે નાપાસ થતો હતો ? ના, નાપાસ નહોતો થયો, પણ ડફોળ કહેવાયો. આમ તો હું બ્રિલિયન્ટ હતો. માસ્તરને કહેલું, 'માસ્તર, આ પંદર વર્ષ આ એક ભાષા શીખવામાં કાઢ્યાં, પણ જો પંદર વર્ષ ભગવાન શોધવા પાછળ મેં કાઢ્યાં હોત, તો જરૂર ભગવાન પ્રાપ્ત કરીને બેઠો હોત !' આ તો મારી જિંદગીનાં અમૂલ્ય વર્ષો એક ભાષા શીખવામાં કે જે એક નાનો છોકરો ય જાણે, તે શીખવા પાછળ કાઢ્યાં ! પણ માસ્તર એવું સમજે નહીં ને?! મન કરતાં ચિત્તશુદ્ધિ જ મહત્વની ! પ્રશ્શનકર્તા : આ બધામાં-અંતઃકરણમાં મુખ્ય ચિત્ત જ છે ને ? ચિત્ત જ બધાનો લીડર છે ને ? ચિત્ત જ બધાંને ઢસડી લાવે છે ને ? ચિત્તને કાબુમાં લાવવાની જરૂર છે કે મનને ? આ લોકો ચિત્તને ભૂલી મન પાછળ કેમ પડ્યા છે ? દાદાશ્રી : તમારી વાત ખરી છે. જ્ઞાનીઓએ પણ ચિત્તને જ મહત્વ આપેલું, પણ લોકોને તો ચિત્તનું ને મનનું ભાન જ નથી ને ! આ તો ચિત્તને ને મનને એક કરી નાખ્યું છે. ચિત્ત ઠેકાણે રહે નહીં ને મન પેમ્ફલેટ બતાવે, પણ ભાન નથી કે કયું ચિત્ત ને કયું મન ? સત્સંગથી ચિત્ત સ્થિર ! સત્સંગમાં ચિત્ત ખસે નહીં. ચિત્ત એ તો રિલેટિવ આત્મા છે ! ચિત્ત ઠેકાણે બેસે એટલે આખો રિલેટિવ આત્મા સ્થિર થાય અને 'દાદા'એ તમને તો રિયલ આત્મા આપ્યો છે ! આ રિયલ આત્મા અને રિલેટિવ આત્મા બન્ને સામસામે સ્થિર બેસે, એટલે પછી તમને મોક્ષ જ વર્તે ને ! આ તેથી જ તો સત્સંગમાં બેસવાનું છે ને ! નહીં તો કેટલાય બગીચાઓ છે, પણ સત્સંગમાં બેસે એટલે ચિત્ત સ્થિર રહે અને આત્મા ઠરે. આ તો સંઘબળ છે ને ? સંઘ વગર તો કશું વળે નહીં. સંઘબળ જોઇએ અને સંઘબળ હોય ત્યાં મતભેદ ના હોય. જેમ વધારે માણસો તેમ સંઘ વધે ને તેમ આત્મા વધારે ઠરે. જો ત્રણ માણસો હોય તો સંઘબળ તેટલું અને વધારે માણસો હોય તો સંઘબળ વધારે. 'આ' સત્સંગના એક કલાકની તો ઘણી ગજબની કિંમત છે ! ... એ બધુંય ચિત્ત સ્થિર થવા ! ચિત્તને ઠેકાણે રાખવા માટે આ મંદિરોમાં ઘંટ મૂક્યો ! ભગવાનને આંગી શા માટે ? શણગાર શા માટે ? સુગંધી દ્રવ્યો મૂક્યાં, શાથી ? ચિત્ત ઠેકાણે રહે તે માટે. ઘંટ વાગે ત્યારે બહારના હોહો, કકળાટ સંભળાય નહીં, પણ અત્યારે તો અક્કલવાળાઓ ઘંટ વાગતો હોય તો ય ભગવાનનાં દર્શન કરે ત્યારે જોડે જોડે જોડાનો ય મહીં ફોટો પાડે ! અલ્યા, 'વ્યવસ્થિત'ને તો જોને ! એના હશે તો લઇ જશે, ને લઇ જશે તો એક વખત લઇ જશે, કાયમ નહીં લઇ જાય ને ? તો લઇ જવા દે ને ! હિસાબ ચૂકતે થશે ! ચિત્ત સંસારમાં તેમ રોગ વધે ! સંસાર રોગ છે, તે જેટલો વખત રોગ ભૂલીએ, એટલો રોગ મટે એવો નિયમ છે. આ તો જેટલી વખત ચિત્ત જાય તેટલો વખત રોગ વધ્યા કરે. આ જગત વિસ્મૃત કરવાનું સાધન જ ક્યાંય નથી ને ! 'જ્ઞાની પુરુષ' એક જ જગત વિસ્મૃત કરવાનું સાધન છે. ચિત્ત સ્થિરતાથી ચિત્ત પ્રસન્નતા ! મનની સ્થિરતાનાં સ્થાન છે, પણ ચિત્તની સ્થિરતાનાં સ્થાન નથી. મનની સ્થિરતાવાળું સ્થાન એટલે સ્થિર મનવાળા મહાત્મા હોય, તેમનાં દર્શન કરવાથી સામાનું મન સ્થિર થાય, પણ ત્યાં ચિત્તનું ઠેકાણું ના હોય. આ જગતમાં ચિત્ત એકાગ્ર કરવાનાં સ્થાન જ નથી. ચિત્ત એકાગ્ર કરવાનાં સ્થાનોમાં જાય છે ત્યાં મન સ્થિર થાય છે, ચિત્ત સ્થિર થતું નથી. ચિત્ત સ્થિર થયા વગર ચિત્ત પ્રસન્ન થાય નહીં. ચિત્ત પ્રસન્ન થયા વગર મુક્ત થવાય નહીં ! જ્ઞાનીને ચિત્ત સહેજે વશ ! આખા શરીરમાં મોટામાં મોટી વસ્તુ હોય તો ચિત્ત છે. મન તો જાણે કે બહુ ચાલતુ હોય તો ય કશો વાંધો નહીં ને ના ચાલતું હોય તો ય વાંધો નહીં પણ ચિત્તની જ ભાંજગડ છે બધી ! અમારે તો ચિત્ત વશ રહ્યા કરે પછી છોને મન કૂદાકૂદ કરે ! અમારે ધંધામાં ચિત્ત ઘાલ્યું હોય તો ય ના રહે ! હા, એ ધંધામાં ચિત્ત જાય, બીજા લોકોને. લોકોને ચિત્ત તો ગમે ત્યાં જતું રહેને ? આજુબાજુ ફેરવવું હોય તો ફેરવાયને ? અને અમારે તો એવું ના હોય ને અમારે કોઈ ઘેર જવાની રજા નહીંને ! પર ઘેર જવાની રજા નહીં. એટલે અમારે તો જ્ઞાનમાં જ રહેવું પડેને ! એટલે જ્યાં છે ત્યાં જ બધું રાખો. અમારે જ્યાં હોઈએ ને, ત્યાં જ બધું હોય. આઘુંપાછું કોઈ થાય નહીં, કોઈ એકુંય નહીં. જ્યાં હોઈએ ત્યાં બધું ય. રાજા ય ત્યાં ને લશ્કરે ય ત્યાં બધું ય, આઘુંપાછું કોઈ થાય નહીં. અમારી જોડે બેસો એટલે તમારું લશ્કરે ય એવું થઈ જાય, વિનયવાળું. ચિત્ત તો આ શરીરનું માલિક છે. એને ગેરહાજર ના રખાય. તમે ચિત્તને નમસ્કાર કરો છો ? કૃપાળુદેવ કહેતા'તા, 'હે ચિત્ત, તને પણ નમસ્કાર છે અમારા !' સાપની પેઠે ડોલે ચિત્ત, મોરલી સામે... દાદાશ્રી : અમારું ચિત્ત ક્યાં ક્યાં ભટકતું હશે ? પ્રશ્શનકર્તા : ક્યાંય નહીં ભટકતું હોય. દાદાશ્રી : હં... મન શું શું વિચારતું હોય ? કે ટેક્ષીમાં જવું છે. ના, ટ્રેનમાં જવું છે. આમ-તેમ વિચારે. તે જડ નહીં થઈ ગયેલું, મન નિરંતર ચાલુ જ. પણ તે આપણા કહેવાને આધીન, આપણે કહીએને, તે રાજીખુશી થઈને મન તો એમ કહે 'ક્યારે ઓર્ડર કરે, ક્યારે ઓર્ડર કરે.' અને ચિત્ત તો જ્યારે અમે બોલીએ ને, તે બસ એને સાંભળ્યા જ કરે, ખુશ ખુશ થયા કરે. જાણે મોરલી સાંભળતો હોય એવી રીતે આમ ! અમારું ચિત્ત સાપની પેઠ મોરલી સાંભળીને નાચે એવી રીતે નાચ્યા કરે. પછી બહાર ભટકવા શાનું જાય તે ? પ્રશ્શનકર્તા : પણ એમાં શું વાંધો પણ, ચિત્ત ભટકે ! દાદાશ્રી : જવાબદારી આપણી. એ જે જે ભટકે છે ને... ભટકે કોનું ? ઘેર મઝા ના આવે ત્યારે, પોતાને અંદર મઝા ના આવે, તે આમ ભટકે, તેમ ભટકે. છેવટે તાજમાં જઈને ચા યે પી આવે, ચા-નાસ્તો કરી આવે. પણ ભટકવાની ટેવ અને પાછું કેવું ? ભટકવાની ટિકિટ-બિકિટ લેવાની નહીં. અહીંથી વિલાયત જવું, અમેરિકા જવું હોય તો ટિકિટ-બિકિટ નહીં લેવાની. ખુદાબક્ષ જ્યાં જવું હોય ત્યાં જવાનું. એવું ચિત્ત છે, એ ભટકે. ચિત્તને ચોટાડવું દાદાવાણીમાં ! એક ફેરો મુસ્લિમના ટોળામાં પેઠાને ત્યાં વઢવાડમાં ફસાઈએ, પછી એ ટોળામાં ફસાઈએ ? ના, પછી તો કોઈ એ ટોળામાં ના જાય, એવું છે. એટલે ચિત્તને કહી દઈએ, 'તું દાઝે છે તો શું કામ જઉં છું.' આ તો જાય, દાઝે ને પછી આપણે એને દવા ચોપડવી પડે એટલે એને કહીએ, તું ના જઈશ. મારે તારી દવા કરવી પડે છે. ચિત્તને શાંતિ થાય એવું હોય, એ પછી રખડે નહીં, બહાર ના જાય. ચિત્ત બહાર ન જાય એવું આપણે કરવાનું છે. આ આપણું વિજ્ઞાન કેવું છે કે ચિત્ત આપણી પાસે રહે, ખસે નહીં. ચિત્ત બહાર ગયું એટલે આખું બધુંય, બધાંના હુલ્લડ ચાલ્યા જ કરે. ચિત્ત બહાર ના જવું જોઈએ. આ તો 'આવી ચોપડીઓ, આપ્તવાણી, અક્રમ વિજ્ઞાન તમારા માટે આવું બધુંય મળ્યા કરશે. ચિત્ત જ બહાર ના જાય. જમ્યા પછી થોડા વખત આરામ કર્યા પછી થોડીવાર, અડધો કલાક, બે કલાક, વાંચ્યું હોય તો ચિત્ત ફર્સ્ટ ક્લાસ થાય. એટલે ચિત્તને રાગે પાડવા માટે આવું બધું કરવું પડશે ને ? ચિત્ત જુદું, જાણનાર જુદો ! પ્રશ્શનકર્તા : ચિત્ત દોડી જાય વળી દાદાને યાદ કરું એટલે આવી જાય. દાદાશ્રી : હા ચિત્ત બહાર ગયુ છે. એ ખબર પડે છે ને અને અહીં પોતે હાજર નથી એય ખબર પડે છે ને ! આ સાયન્સ છે, સાયન્સની ગૂંંચામણીમાં લોકો 'ધર્મલાભ' કરવા નીકળ્યા છે. પણ સાયન્સ જાણવું પડે. ચિત્ત સ્થિર, એ જ નિષ્ઠા ! પ્રશ્શનકર્તા : નિષ્ઠાવાનનું ચિત્ત સ્થિર હોય ને ? દાદાશ્રી : નિષ્ઠા એનું નામ જ સ્થિર ચિત્ત કહેવાય. નિષ્ઠાની વાત જ જુદી ને ! બહિર્મુખી દશા, ત્યારે ચિત્ત ભટકે ! તમને કોઈ દહાડો ભગવાન ભેગા થાય છે ? વાતચીત કરે છે ? પણ તમારું ચિત્ત જ એ બાજુ નહીં ને ! ચિત્ત જ બહાર ને બહાર. એને ભગવાને શું કહ્યું ? બહિર્મુખી કહ્યું. અંતર્મુખી થયેલાં કોઈ દહાડો ? પ્રશ્શનકર્તા : કો'ક કો'ક વખત એનો આનંદ મળે છે. દાદાશ્રી : એ અંતર્મુખ ના કહેવાય. એ તો અંતરદ્ષ્ટિ કરી કહેવાય. અંતર્મુખ તો જુદી વસ્તુ છે. અંતર્મુખ તો હેંડતા-ચાલતા અંતર્મુખ, ઉઘાડી આંખે, બહાર જોતો જાય, છતાં અંદર અંતર્મુખ હોય ! ચિત્ત ભગવાનમાં ત્યાં સમાધિ ! અને ચિત્ત ભગવાનમાં રહે તો સંસારમાં કશો બોજો જ ના લાગે. એટલે પોતાના સ્વરૂપમાં ચિત્ત રહેતું હોય તેને શાનો બોજો લાગે ? સમાધિ જ રહે. હું તો માર્કિંગ કર્યા કરતો. બીજા કશામાં જેનું ચિત્ત ના હોય એ માર્કિંગ કર્યા કરે ને મને એ ભાંજગડ હતી નહિ કોઈ જાતની. મને આ માર્કિંગ જોઈએ. છતાં ય પણ આ માર્કિંગ કરેલું જ્ઞાન નથી. આ તો ગિફ્ટ છે. નહિ તો આવડું મોટું અવિરોધાભાસ વિજ્ઞાન ઊભું કેમ કરીને થાય ?! ચિત્ત દાદા ભગવાનને યાદ કરે, જેમાં ને તેમાં દાદા દેખાય તે ચિત્ત બહુ સારું કહેવાય. એ ઘણા મહાત્માઓને રહે છે. ઘણાખરાં મહાત્માઓને થોડું વત્તા ઓછા પ્રમાણમાં રહે. કોઈને વધુ પ્રમાણમાં રહે ને કોઈને ઓછું પ્રમાણમાં રહે અને દાદા ભગવાન એ પોતાનો શુદ્ધાત્મા છે. એટલે ચિત્ત શુદ્ધાત્મામાં રાખો કે દાદા ભગવાનમાં રાખો, બધુંય એકનું એક જ છે ! એમને ચિત્તની ડખલ નહીંને, એ એમનું જુદુ કહેવાય. લૉ બુકે ય જુદી. ચિત્તની ડખલ ના હોય તેને ગમે તે ચાલે. બાકી જગતમાં ચિત્તની જ ડખલ છે ને, બધી. આમને તો દાદા અને હું, દાદા અને હું, બસ આ જ ચિત્તમાં. બીજું કશું રમે જ નહીં ને ! પછી તો ચિત્ત બગડતું જ નથી. ચિત્ત તો દાદામાં જ તન્મયાકાર. આ સંસારમાં જેનું ચિત્ત નથી અને દાદા ભગવાનમાં જ ચિત્ત છે, એને શું અડે ?! એટલે આત્મામાં ચિત્ત છે, પાંચ આજ્ઞા પાળે છે એનું ચિત્ત પાંચ આજ્ઞામાં જ છે. એટલે કોઈ દહાડો કશું અડે નહીં ! તેથી આપણે કહીએ છીએ ને, સંસારમાં રહેવા છતાં અક્રમ વિજ્ઞાનથી મોક્ષ જ વર્તે છે. ...એ ચિત્ત પમાડે ભગવાન પદ ! બાકી સંસારમાં તો એ પરણીને ઘેર આવ્યો, તો ય છે તે સાસરીમાં જાય, તે ચિત્ત છે ! એ મૂઓ ઘેર હોય. વરરાજા અહીં આવ્યા હોય, પણ ચિત્ત સાસરી જતું રહે. વરરાજા તો અહીં આવ્યા લોક જાણે કે બધી સામગ્રી જોડે આવી ગઈ ને જાન-બાન બધું આવી ગયું. પણ ચિત્ત તો ત્યાં જતું રહ્યું હોય. ચિત્તનું કામ એવું છે. એને કોઈ પરદો નહીં, બરદો નહીં. કોઈની લાજ શરમ કશું જ નહીં ને, એટલે પેસી જવાનું. ધણી જોડે ચિત્ત જતું રહેતું હોય તો એ સંસારી ચિત્ત છે, એમ માનવું. બહારના માણસ જોડે ચિત્ત હોય તો એ લબાડ ચિત્ત છે એમ માનવું અને જ્ઞાની પુરુષમાં ચિત્ત જતું હોય તો ભગવાન પદની પ્રાપ્તિ થઈ રહી છે. ચિત્ત સ્થિરતા માટે ધર્મ ક્રિયા ! ચિત્તને માટે જ આ બધા ધર્મો કરવાના છે, એટલાં પૂરતો જ ચિત્તને અવકાશ મળે છે. નહીં તો એ ચિત્ત અન્અવકાશપણે ભટક્યા કરે. સંસારની બહાર ચિત્ત રહેવું, અસંસારી દશામાં ચિત્ત રહેવું એટલા માટે આ બધા ધર્મો છે. એટલા માટે મૂર્તિમાં ચિત્ત રાખે, ચક્રો ઉપર ચિત્ત રાખે પણ એક જગ્યાએ એનું રહેવું મુશ્કેલ છે. લોકો ચિત્ત મૂર્તિમાં રાખે, પણ તે ચિત્ત ભગવાનમાં રહે નહીં પણ એટલો વખત સંસારમાં ના રહે એટલે સંસાર મોળો પડે અને 'આપણું' તો ચિત્ત ભગવાનમાં જ રહે છે ! ભટકવાના માર્ગ ચિત્તને આકર્ષિત કરાવે તેવા છે. મોક્ષમાર્ગ ચિત્તને આકર્ષણ ના કરે. મૂર્તિમાં ચિત્ત એકાગ્રતાથી કમાણી ! મૂર્તિમાં જોવા જેવું શું છે ? પથ્થર જોવા જેવો છે ? આંખો જોવા જેવી છે ? આ તો આંતરિક ભાવ બેસાડવા માટે છે કે આ ભગવાન મહાવીરની મૂર્તિ ! કેવા હતા ભગવાન મહાવીર ! કેવા વીતરાગી ! અત્યારે તો હવે આંતરિક ભાવ થતા નથી, તે પછી મૂર્તિ પર આંગી કરી! તે સુંદર આંગીથી ચિત્ત એકાગ્ર થાય અને તો ય ચિત્ત એકાગ્ર ના થાય તો ઘંટ વગાડે કે તેનાથી બહારથી ગીતો આવતાં હોય કે લઢવાડ થતી હોય તો ય ચિત્ત ત્યાં ના જાય ને પાછું ધૂપ સળગાવે તે સુગંધમાં તન્મયાકાર રહે. આ તો જે તે રસ્તે પાંચ ઇન્દ્રિયને અહીં એકાગ્ર રાખે. તે જે સેકન્ડનો નાનામાં નાનો ભાગ એકાગ્ર રહે, તો ય એટલું તો કમાયો ને ! આ તો ભગવાનની મૂર્તિ પાસે ય ચિત્ત એકાગ્ર થતું નથી, તે બીજે ક્યાં ચિત્ત એકાગ્ર થશે ? મહીં પાર વગરની બળતરા છે. તે ક્યાંય એકાગ્રતા નથી થતી. આ તો અટકણવાળા ઘોડા પાસે બંદૂકિયો ટેટો ફોડે તેવા લોક થઇ ગયા છે ! કરુણા ખાવા જેવા લોક છે. તે એક ફક્ત કરુણા રાખવા જેવું છે ! એકાગ્રતાના પરિણામે આનંદ ! ચિત્તની ઉપર સવારી કરતાં આવડે તો કામ થઈ ગયું. ચિત્તને આમ ફેરવીએ તો, તમે ડાકોર જઈને દર્શન કરાવો તો પાછું તે ય જાય. એને એવું કશું નથી. એને ભટકવાની ટેવ પડી છે. એટલે ભટકવાના રસ્તે લઈ લેવું પડે. ચિત્તને ભટકવાની ટેવ પડી જાય. ચિત્ત એકાગ્ર થયું એટલે થઈ ગયું. લોકો એકાગ્રતા શેને માટે કરે છે ? મનને માટે નથી કરતાં પણ ચિત્તની સ્થિરતા ખોળે છે. પેલો કહેશે, મને રમવામાં આનંદ આવે છે. ત્યારે પેલો કહેશે, મને ક્રિકેટ જોવામાં આનંદ આવે છે. શામાંથી આનંદ આવે છે તે જગતને ખબર નથી. એ બધાં તો એમ જ જાણે કે ક્રિકેટમાંથી આનંદ આવ્યો. તે ક્રિકેટમાંથી આનંદ આવ્યો હોય તો તમારા જેવાં અમુક માણસોને તેડી જાય તો સો રૂપિયા આપે તોયે ના બેસે. ચિત્ત તમારું એકાગ્ર જ્યાં થયું ત્યાં તમને આનંદ આવે. પછી ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં થયું તો ય આનંદ આવે. ગમે તે કચરામાં પણ તમારું ચિત્ત એકાગ્ર થયું એટલે આનંદ આવે. ચિત્ત એકાગ્ર, ધૂળ-વઢવાડમાં ! આ તો શું જરાક વઢવાડ થાય, અરે, કોઇ ધૂળ ઉડાડે તો લોક ભેગાં થઇ જાય છે ! શાને માટે ? ક્યાંય ચિત્ત એકાગ્ર થતું નથી, ત્યારે કાંઇ નવું જોવા જેવું મળ્યું તો ચિત્ત એકાગ્ર થાય. એક માણસ મને કહેતો'તો કે આ કોઠીના ચાર રસ્તા પર ધૂળ સો-દોઢસો ફૂટ ઊંચે ઊડાડે તો બે હજાર માણસ ભેગું થઈ જાય. એનું શું કારણ કે આ લોકોનું ચિત્ત એકાગ્ર થતું નથી. કોઈ જગ્યાએ ચિત્ત એકાગ્ર થતું નથી. ધૂળ ઊડતી દેખાય તો જુઓ, જુઓ કહેશે, એટલો વખત ચિત્ત એકાગ્ર થઈ ગયું. અમારી પોળમાં એક વખત હું તો ઘરમાંથી બહાર નીકળ્યો, ત્યારે લોક પચાસ-સો ભેગું થઈ ગયું. મેં કહ્યું, 'શું છે ભઈ આમાં ?' હું પૂછું નહીં, હું જાણું કે આ લોકો શાથી ભેગા થયાં છે ને શાથી વીખરાય છે, એનું પણ એમને ભાન નથી. ત્યારે કહે છે, આ દૂધવાળો એમને ગાળો ભાંડે છે ને એ આને ગાળો ભાંડે છે. મૂઆ, આમાં તે શું ભેગું થવાનું ? તેમાં ચા અરધી મૂકીને, ઘરમાં ચા પીતો પીતો અરધી મૂકીને દોડેલો. અલ્યા, આ કઈ જાતના ચક્કરો છે ! તમારી શી દશા થશે અહીં ? જીવતાં જ ના આવડ્યું, પણ મરતાં શી રીતે આવડશે, આ બધાને ?! જીવતાં ના આવડ્યું પણ મરતાંય આવડવું જોઈએ ને ? ચા અરધી મૂકીને નાઠા. અલ્યા, શેના હારુ આ ? ત્યારે કહે, ચિત્ત એકાગ્ર થતું નથીને ! કોઈ એવી જગ્યા નથી કે ચિત્ત એકાગ્ર થાય. ચિત્ત વળ્યું વળે તેવું નથી. તેથી યોગીઓ ચક્રો ઉપર ચિત્તને ગોઠવ્યા કરે છે. એ મનની સાધના નથી, ચિત્તની સાધના છે ! જ્ઞાની થકી ચિત્ત શુદ્ધિ ! જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ના થાય ત્યાં સુધી આ ભટકવાનું છે. ચિત્તની શુદ્ધિ થવી જોઈએ. પ્રશ્શનકર્તા : એના માટે મુખ્ય ઉપાય શું ? દાદાશ્રી : એ જ્ઞાની પુરુષ જ કરી આપે. તમારાથી થાય એવું નથી. તમારી જાતથી થાય એવું નથી આજના મનુષ્યોને. એટલે જ્ઞાની પુરુષ પોતે કરી આપે. પછી આપણી ચિત્તશુદ્ધિ થયા કરે. પછી આપણે કશું કરવાનું રહ્યું નહીં. પછી એકાગ્ર જ રહેશે. એટલે આઘુંપાછું કરવું હોય તો ય જાય નહીં. પછી આપણે કહીએ આઘુંપાછું જા. ત્યારે કહે, ના, હવે નહીં. અમારે ચિત્ત નિરંતર એકાગ્ર જ રહે. આઘુંપાછું થાય જ નહીં. જગત કલ્યાણમાં મન પરોવી દઈએ તો મન ઠેકાણે રહે ! ચિત્તને ઠેકાણે રાખવા 'જ્ઞાની પુરુષ'ની 'કૃપા' પ્રાપ્ત કરવી પડે. મન સાથે ચિત્તને લેવા-દેવા નથી ! ચિત્તની એકાગ્રતા તો મન કૂદાકૂદ કરતું હોય તો ય રહે તેમ છે. ઘણાંને મનની સ્થિરતા હોય પણ ચિત્તની એકાગ્રતા ના હોય. આપણે 'અહીં' કંઈ ઓર જાતની ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની ખરી એકાગ્રતા ક્યારે થાય છે કે જ્યારે માણસને ખરાબ વિચાર આવે છે, ત્યારે 'પોતે' આખા જગતથી છૂટો થઈ જાય છે ! કારણ કે ખરાબ વિચાર પોતાનાથી સહન ના થાય ! એકાગ્રતા, સત્સંગના વાતાવરણમાં ! ચિત્તની તો ગેરહાજરી નહીં રાખવી. બીજી બધી ગેરહાજરી હશે તો ચાલશે. બુદ્ધિ ગેરહાજર હશે તો ચાલશે. ચિત્ત તો એબ્સંટ રહેવું જ નહીં જોઈએ કોઈ પણ સ્થિતિએ. આ તમારી સાથે હું વાતચીત કરું છું, એમાં અમારું ચિત્ત એબ્સંટ થાય તો શું રહ્યું ? નર્યું ચિત્ત જ છે અને ચિત્ત જો મારી હાજરીમાં રહ્યું તો ચિત્તની શુદ્ધિ જ થયા કરે. જે અનંત કાળથી અશુદ્ધ થઈ આવ્યા કર્યું છે તે મારી હાજરીમાં મારી સામે એક ચિત્ત રહ્યું તો શુદ્ધિ જ થયા કરે. અને જ્યારે ત્યારે ચિત્તને શુદ્ધ જ કરવાનું છે. ચિત્ત શુદ્ધિનો ઉપાય છે આ. આ તમે અમને પૂછો અને જો તમારી એકાગ્રતાએ ચિત્ત સ્થિર રહ્યું તો શુદ્ધ જ થયા કરે. આ સત્સંગ સાંભળતા હતા, તે ઘડીએ એકાગ્રતા થઈ હતીને ? તે ઘડીએ મહીં અંતર શાંતિ ઉત્પન્ન થઈ જાય. તમને એવું નહોતું થયું ? હા, અને બહારવટિયાનું પુસ્તક વાંચે તો એકાગ્રતા થઈ જાય. ચિત્તનો સ્વભાવ છે એ તો. આ એકાગ્રતા ઊંચે ચઢાવે અને પેલી એકાગ્રતા નીચે ઊતારે, સ્લીપરી છે. અહીં સત્સંગમાં હો તે ઘડીએ મહીં રહેતું નથી એકાકાર ? પ્રશ્શનકર્તા : રહે છે. દાદાશ્રી : નિરંતર રહે છે કે કોઈ ઘર-બર જતાં નથી ? એ તો બધું આમ બહાર જાય, તેમ જાય પણ એકાકાર રહે એનું નામ જ ઉપયોગ ! અને એમ એકાકાર ના રહેવાય ને એકલા પડીએ ત્યારે પાછું દુરુપયોગ થાય, ત્યારે પછી ત્યાં આગળ આપણે જાગૃતિ રાખવાની. પ્રશ્શનકર્તા : દાદા, આઘું ખસતું જ નથી. દાદાશ્રી : એમ ધન્ય છે તમારે ! જોબ ઉપર આપણેે જ્યારે હોઈએ ત્યારે એમાં જતું રહે. ત્યાં આગળ ઠેકાણું રહેવું જોઈએ. જોબ સારી રીતે કરો, ચિત્ત ઠેકાણે રહેવું જોઈએ અને તેને આપણે જાણીએ કે આ ચિત્ત ઠેકાણે છે. અને ચિત્ત ઠેકાણે એટલે આત્મા ઠેકાણે. મટાડવાની, મન ને ચિત્તની શક્તિઓ ! મન છે તે શરીરની બહાર નીકળે નહીં ક્યારેય પણ અને ચિત્ત શરીરની અંદર પણ કામ કરે છે ને બહાર પણ કામ કરે છે. ચિત્તનો ધંધો શો છે ? શરીર આખામાં ફર ફર કરવું. જ્યાં કંઈ જરૂર હોય ને કંઈ વાગ્યું હોય, કે ત્યાં આગળ હાજર થઈ જાય. જ્ઞાન-દર્શન બેઉ. પેટમાં દુખતું હોય ત્યાં હાજર થઈ જાય. માથંુ દુખતું હોય તો ત્યાં હાજર થઈ જાય. હવે એ શું કહેવા માગે છે કે માથંુ દુખતું હોય ત્યાં ચિત્ત હાજર તો થઈ ગયું, પણ ત્યાં મનને મૂકો તો માથું દુખતું ઊતરી જાય, હાર્ટ દુખે એટલે ચિત્ત અવશ્ય ત્યાં જાય જ. ચિત્તનો સ્વભાવ જ છે કે જ્યાં કંઈ પણ ઉપાધિ થઈ આવી, ત્યાં ચિત્ત આવીને ઊભું રહે અને ચિત્તથી જ ખબર પડે છે કે આ દુખવા માંડ્યું. ચિત્તથી જ આ આમાં બ્રેઈનમાં જાય છે. હવે ચિત્ત ત્યાં આગળ આવીને ઊભું રહે, તે વખતે જો તમે મન ત્યાં મોકલો તો એમાં હેલ્પ થયા કરે, મટ્યા કરે, આરામ થયા કરે. ત્યાં તમે મન એકાગ્ર કરો ! જ્યાં દુઃખે છે ત્યાં તમારે શું કરવું પડે ? આમ હાથ કરવો પડે, તો પછી ત્યાં મન જાય, હાથ મૂકોને એટલે મન જાય. નહીં તો ના જાય અને પછી મન જાય એટલે આ શ્વાસોશ્વાસ જાય જોડે. એટલે એને આરામ થતો જાય. અમે ઘણી વખત આવું કંઈ, શરીરને કંઈ થયું હોય તો બસ આમ કરીને મટાડી દઈએ. અમે કંઈ ભાંજગડ આવી દવાઓ લેવા ના કરીએ., કોઈ દહાડો પેટમાં દુખતું હોય, કશું થતું હોય, માથું તો અમારે દુઃખે જ નહીં. કારણ કે અમે માથું અવળે રસ્તે વાપરેલું જ નહીં. અવળે રસ્તે વાપર્યું હોય તો માથું દુઃખે. મનના યોગી હોય તે આ ચક્કરો ઉપર, અહીં મૂકે, અહીં મૂકે. આ પાછળ ચક્કરો છે, તે ચક્રો ઉપર ચિત્તને ગોઠવે. મનને ત્યાં સ્થિર કરે. એટલે ખરી રીતે મનને સ્થિર કરવાનું નથી હોતું. ચિત્તને સ્થિર કરે છે. જે ચિત્ત બહાર ભટકે છે, એ ત્યાં ગોઠવે. અને ચિત્તને ત્યાં ગોઠવે, એકાગ્ર કરે એટલે આ પ્રાણ છે ને, શ્વાસોશ્વાસ કે જ્યાં એકાગ્ર થયું હોય, જ્યાં ચિત્ત હોય ત્યાં મન હોય અને મન હોય ત્યાં શ્વાસોશ્વાસ જાય. એટલે ઘણાં લોકોને અહીં દુખતું હોય તો પછી ત્યાં ચિત્ત ગોઠવવું જોઈએ. અને ત્યાં આગળ યોગ કરે તો મટી જાય. કારણ કે ત્યાં શ્વાસોશ્વાસ જઈને જ અથડાયા કરે. એ મન જ મટાડી દે એવું છે. પણ એવી શક્તિઓ નથી આપણા લોકોને. સ્થિરતા નથી, આવડત નથી. નહીં તો બધી જ ચીજો છે આપણી પાસે. પણ આ ક્રમ મોટો હોવાથી આપણા લોક કરતાં નથી. આ ડોઝ લઈ આવ્યા કે ચાલ્યું ગાડું ! પેલો ક્રમ મોટો છે, એક-બે દા'ડાથી ના થાય; બધું મટવા માંડે એ ચોક્કસ. કારણ કે જ્યાં તમારું ચિત્ત ગોઠવો ત્યાં પ્રાણવાયુ અવશ્ય જાય. એટલે મન ત્યાં આગળ સ્થિર રહે. ચિત્ત જાય ત્યાં દર્દ મટે જ ! ચિત્ત શરીરમાં ક્યાં ક્યાં ભટકે ? જ્યાં કેડો ફાટતી હોય ત્યાં જાય અને આપણને ભૂલાવા ના દે. કેડો ફાટતી હોય ને આપણે દુર્લક્ષ કરવા જોઈએ ને, પણ ચિત્ત ત્યાં જઈને જાગૃત કર કર કર્યા કરે. હવે કહેશે, ચિત્ત ત્યાં જાય છે, તો ફાયદો શું ? આપણને નુકસાન ના થાય ? ત્યારે કહે, જ્યાં દુઃખેને ત્યાં ચિત્ત રહે તો એ દુખતું મટી જાય. પ્રશ્શનકર્તા : એ સમજ ના પડી. દુઃખે ત્યાં ચિત્ત જાય તો એ દુઃખ કેવી રીતે મટી જાય ? દાદાશ્રી : મટાડવા માટે જ જાય એ. પ્રશ્શનકર્તા : એટલે એ સાયંટિફિક પ્રોસેસ (વૈજ્ઞાનિક પ્રક્રિયા) થઈ જાય ? દાદાશ્રી : સાયન્ટિફિક પ્રોસેસ છે બધી. આ આપણા લોક પાછાં બીજા ધંધામાં ચિત્ત પરોવે એટલે પછી પેલું ત્યાં મટવાનું બંધ થઈ જાય. જો તમારે મટાડવું હોય તો ચિત્તને ત્યાં રહેવા દો, એ જગ્યાએ. બીજે બધે બંધ કરીને ચિત્તને એક જગ્યાએ રહેવા દો. ચિત્તમાં તો બધી બહુ શક્તિ છે, એટલે દુખાવો બંધ કરી દે. પ્રશ્શનકર્તા : શરીરના કોઈ ભાગમાં કંઈ દુઃખ થતું હોય, તો એ ટાઈમે આપણે એમાંથી આપણું ચિત્ત હટાવીને જો આત્મ સ્વરૂપમાં લઈ જઈએ તો એ દુખતું બંધ થઈ જાય છે ? દાદાશ્રી : આત્મસ્વરૂપ તો આપણે જ્ઞાન લીધેલું હોય તેને. બહારવાળાને શું ? બહારવાળો તો આત્મસ્વરૂપ જાણતો જ નથી ને ! એટલે બહારવાળાને ફક્ત, આ તો બહારવાળાની વાત કરું છું, બહારવાળાને ચિત્ત શું કામ કરે કે માથું દુખ્યું એટલે ચિત્ત ત્યાં જયા જ કરે. થોડીવારમાં એનું બધું રેગ્યુલર કરી નાખે. એ લોકો સહન કરે ને ! ચિત્ત તો ત્યાં આગળ જવાનું જ અવશ્ય. ચિત્ત ના જાય તો એ દુઃખ માલમ જ ના પડે. અને ચિત્ત જાય એટલે મટે જ. પાછલી અવસ્થાના બોજા ! અવસ્થાના બંધાયેલા લોકો વ્યવહાર સુખે ય ના ભોગવી શકે. કલાક પહેલાં કોઈક અવસ્થામાં ચિત્ત એકાગ્ર થયું હોય તો તેમાં ને તેમાં ચિત્ત રહે. એટલે અવસ્થાથી બંધાયેલાનો બોજો રહે અને ચ્હા પીવાની અવસ્થા વખતે એ બોજા નીચે ચ્હા પીવાય. વ્યવહારમાં તો ચિત્ત એ જ ચેતન છે. તેની હાજરી હોય તો જ કામનું. ખાતા હોય એ ચિત્ત હાજર ના હોય તો તે ખાધેલું શું કામનું ? આત્મરમણતા ત્યાં કામ પૂરું ! આત્માની રમણતા થઈ પછી કશું કામ બાકી રહેતું નથી, નહીં તો ત્યાં સુધી રમકડાં જ રમાડવા પડે ને ? કારણ કે ત્યાં સુધી ચિત્તને મૂકવું શેમાં ? જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી, ત્યાં સુધી ચિત્તને શેમાં મૂકે ? કાં તો અંદર મૂકે, પણ અંદરનું 'સ્વરૂપનું ભાન' નથી એટલે ત્યાં સુધી પોતે બાહ્ય રમકડાં રમાડે, નહીં તો ચિત્ત ભટક્યા કરે. તે રમકડાં રમાડે ત્યાં સુધી તો ચિત્ત સ્થિર રહે ! - જય સચ્ચિદાનંદ. |
|---|