લક્ષ્મી હોય ત્યારે...

સંપાદકીય

લક્ષ્મી હોય ત્યારે ય ભોગવી શકતા નથી. વધુ મેળવવાની હાયમાં ને હાયમાં ઘર ને ઓફીસ વચ્ચે ભટક્યા કરે છે. છેવટે કશું જ લીધા વગર બધી મેળવેલી લક્ષ્મી અહીં મૂકીને જતાં રહેવાનું. ભેગી કરેલી લક્ષ્મી ભોગવવા માટે આયુષ્યનું એક્સ્ટેન્શન કરી શકાતું હોય છે ? અને નિરંતર 'વે ટુ સ્મશાન' બધા જઈ રહ્યા છે. જેટલું કમાવું હોય એટલું કમાયને, જેટલું હોટલોમાં રહેવું હોય એટલું રહે, પણ છેવટે સંસાર હાઈવે એકસ્પ્રેસનું છેલ્લું સ્ટેશન સ્મશાન આવવાનું છે. એ લક્ષમાં રાખીને કરે ! આ જ્ઞાનીની દ્રષ્ટિએ વાતને સમજવાની છે.

ખરી જરૂરિયાત લક્ષ્મીની કે હવાની ? હવા વગર મરી ગયેલા, પણ લક્ષ્મી વગર મરી ગયેલાં ખરાં ? દાદાશ્રી કહે છે, ''લક્ષ્મી એ જ્ઞાન માટે તો નહીં, પણ એ કોઈ રીતે બિલકુલેય જરૂરિયાત સાધન જ નથી. જરૂરિયાત જે લાગે છે તે ભ્રાંતિથી, અણસમજણથી લાગે છે ! જેમ શરીરની તંદુરસ્તી હોય ત્યારે ઊંઘ આવે, એવું મનની તંદુરસ્તી હોય તો લક્ષ્મીજી આવે ! લક્ષ્મીની ભજના કરવી એ બહુ જોખમ છે, કારણ કે તો પછી ભગવાનની ભજના બંધ થઈ ગઈ ! લક્ષ્મીના સ્વતંત્ર ધ્યાનમાં ઊતરાતું હશે ? લક્ષ્મીના ધ્યાનમાં રહે તો ચંચળ થઈ જાય. લક્ષ્મી ફરતી ને એ ય ફરતો ! છતાં લક્ષ્મી આવે તો વાંધો નથી પણ એને આંતરી રખાય નહીં. નહીં તો એ ય ગુનો છે. એટલે લક્ષ્મી આવે તેમ વહેતી મૂકી દો. બીજાને આપવાનું શીખે ત્યારથી સદ્બુધ્ધિ ઉત્પન્ન થાય. આ તો મનમાં એમ થાય, થોડી વધારે આવે પછી આપું, આવે પછી આપું, તેમ કરતાં કરતાં ઠાઠડીમાં જતો રહે પણ અપાય નહીં. ખરેખર તો થોડું પણ આપો તો અંતરાય તૂટે ને તેમ વધારે આવે. આવતા ભવના ઓવરડ્રાફટ પણ ભેગા થાય. લક્ષ્મીનો એવો કાયદો છે કે લક્ષ્મી પૂર્વની પુણ્યૈને આધીન છે, પછી ધર્મમાં રહો કે અધર્મમાં રહો. ધર્મમાં રહે તો આવતા ભવની સેફસાઈડ ને અધર્મમાં રહે તો આવતે ભવ અધોગતિ !

જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની જ્ઞાનવાણીમાં આધ્યાત્મિક સિધ્ધાંતોમાં લક્ષ્મી સંબંધી પણ સૈધ્ધાંતિક જ્ઞાન ખુલ્લું થયું છે. લક્ષ્મીનો વ્યવહાર કેવી રીતે જીવનમાં ગોઠવવો, જેથી કરીને આ ભવ ને પરભવ સંસારી હિત થાય અને મોક્ષ આપણો ના બગડે, નહીં તો લક્ષ્મીના મોહમાં ગોઠવણીની ખામીથી ગૂંચવાડામાં જ જીવન બગડી જાય ને મોત બગડે ને મોક્ષેય બગડે. પ્રસ્તુત સંકલનમાં લક્ષ્મી હોય ત્યારે કેવી સમજણપૂર્વક રહેવું કે જેથી જીવન સુખમય જાય અને જોડે જોડે આધ્યાત્મિક પ્રગતિ કરી શકાય, તેની સુંદર ચાવીઓ પ્રાપ્ત થાય છે. જે સમજ સમજી લેવાથી વાંચકને ઉપકારી થશે !

દીપકના જય સચ્ચિદાનંદ

લક્ષ્મી હોય, ત્યારે...

ભોગવવાને બદલે...

બે અર્થે લોક જીવે છે. આત્માર્થે જીવે તે તો કો'ક જ માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! લક્ષ્મીજી પાછળ તો આખું જગતે ય ગાંડું થયેલું છે ને ! તો ય એમાં સુખ જ નથી કોઈ દહાડો ય ! ઘેર બંગલા એમ ને એમ ખાલી હોય ને એ બપોરે કારખાનામાં હોય. પંખા ફર્યા કરે, ભોગવવાનું તો રામ તારી માયા ! એટલે આત્મજ્ઞાન જાણો ! આવું આંધળું ક્યાં સુધી ભટક્યા કરવું ?

લક્ષ્મીની જરૂરિયાત ખરી ?

પ્રશ્નકર્તા : લક્ષ્મી ના હોય તો સાધન ના હોય અને સાધન માટે લક્ષ્મીની જરૂર છે. એટલે લક્ષ્મી સાધન વિના આપણે જે જ્ઞાન લેવા ધારતા હોય તો એ ક્યારે મળે ? એટલે આ લક્ષ્મી એ જ્ઞાનની નિશાળે જવાનું પહેલું સાધન છે, એવું નથી લાગતું ?

દાદાશ્રી : ના. લક્ષ્મી એ બિલકુલેય સાધન નથી. જ્ઞાન માટે તો નહીં, પણ એ કોઈ રીતે બિલકુલેય સાધન જ નથી. આ દુનિયામાં જો જરૂરિયાત વગરની વસ્તુ હોય તો તે લક્ષ્મી છે. જરૂરિયાત જે લાગે છે એ તો ભ્રાંતિ અને અણસમજણથી માની બેઠાં છે. જરૂરિયાત શેની છે ? હવાની પહેલી જરૂરિયાત છે. જો હવા ના હોય તો તું કહું કે ના, હવાની જરૂરિયાત છે. કારણ કે હવા વગર મરી જવાય છે. લક્ષ્મી વગર મરી ગયેલા જોવામાં આવ્યા નથી. એટલે આ લક્ષ્મી જરૂરી સાધન છે, એવું કહે છે, એ તો બધી મેડનેસ છે, કારણ કે બે મિલવાળાને ય લક્ષ્મી જોઈએ છે, એક મિલવાળાને ય લક્ષ્મી જોઈએ છે, મિલના સેક્રેટરીને ય લક્ષ્મી જોઈએ છે, મિલના મજૂરને ય લક્ષ્મી જોઈએ છે, ત્યારે સુખી કોણ આમાં ? આ રાંડેલી ય રડે ને માંડેલી ય રડે ને સાત ભાયડાવાળી ય રડે. આ તો રાંડેલી તો રડે તે આપણે જાણીએ કે બઈનો ધણી મરી ગયો છે. પણ આ તો માંડેલી, તું શું કરવા રડે છે ? ત્યારે એ કહેશે કે, 'મારો ધણી નઠારો છે.' અને સાત ભાયડાવાળી તો મોઢું જ ના ઊઘાડે, એવી આ લક્ષ્મીની બાબત છે. એટલે કેમ આ લક્ષ્મીની પાછળ પડ્યા છે ? આવું ક્યાં ફસાયા તમે !!

દેખાદેખીથી વૃત્તિ રહે લક્ષ્મીમાં !

તમને રાત-દહાડો સ્વપ્નાં આ લક્ષ્મીનાં આવે છે ?

પ્રશ્નકર્તા : સ્વપ્નું આવતું નથી પણ એ સ્વપ્નાની ઇચ્છા રાખું ખરો.

દાદાશ્રી : તો કોઈ અડચણવાળો હોય ને, તે તમારી પાસે સો રૂપિયા માંગવા આવે ત્યારે તમારી શું દશા થાય ? હાય બાપ, ઓછા થઈ જશે તો ? એવું થઈ જાય ? ઓછા કરવા માટે તો આ રૂપિયા છે, એ કંઈ જોડે લઈ જવાના નથી. જો જોડે લઈ જવાના હોય ને, તે વાણીયા તો બહુ અક્કલવાળા લોક, પણ તમારી નાતમાં પૂછી જુઓ, કોઈ લઈ ગયેલા ? મને લાગે છે કે એ ઓટીમાં ઘાલીને લઈ જતા હશે ! આ પૈસા જોડે લઈ જવાતા હોય તો તો આપણે એનું ધ્યાને ય કરીએ પણ એ જોડે લઈ જવાના નહીંને ?

પ્રશ્નકર્તા : તો પછી મનુષ્યમાત્રની પૈસા મેળવવા તરફ વૃત્તિ કેમ રહેતી હશે ?

દાદાશ્રી : આ લોકોનું જોઈને કર્યા કરે છે. આ આવું કરે ને હું રહી ગયો, એવું એને થયા કરે છે. બીજું એના મનમાં એમ છે કે પૈસા હશે તો બધું આવશે. પૈસાથી બધું મળે છે. પણ બીજો કાયદો એ જાણતો નથી કે પૈસા શા આધારે આવે છે ? જેમ શરીરની તંદુરસ્તી હોય ત્યારે ઊંઘ આવે, એવું મનની આ તંદુરસ્તી હોય તો લક્ષ્મીજી આવે.

પ્રશ્નકર્તા : છતાં પણ અત્યારે તો મોક્ષ કોઈને ય જોઈતો નથી, ફક્ત પૈસો જોઈએ છે.

દાદાશ્રી : તેથી તો ભગવાને કહ્યું છે ને, કે આ પ્રાણીઓને મોતે મરે છે. કૂતરાં, ગધેડાં, જેમ પ્રાણીઓ મરે છે ને તેમ આ માણસો મરી જાય છે, કમોતે મરે છે. હાય પૈસો ! હાય પૈસો !! કરતાં કરતાં મરે છે !

ભજના, નારાયણની કે લક્ષ્મીજીની ?

પૈસો તો યાદ આવવો તે ય બહુ જોખમ છે, ત્યારે પૈસાની ભજના કરવી એ કેટલું બધું જોખમ હશે ? હું શું કહેવા માગું છું એ આપને સમજાય છે ?

પ્રશ્નકર્તા : એ સમજાયું, પણ એમાં જોખમ શું એ સમજાતું નથી. એમાં તો તરત જ તાત્કાલિક લાભ થાય ને ! પૈસા હોય એટલે બધી વસ્તુઓ આવે. ઠાઠમાઠ, મોટર-બંગલા, બધું પ્રાપ્ત થાય છે ને ?!

દાદાશ્રી : પણ પૈસાની ભજના કોઈ કરતું હશે ?

પ્રશ્નકર્તા : એ જ કરતાં હોય છે ને ?

દાદાશ્રી : તો પછી મહાવીરની ભજના બંધ થઈ ને આ ભજના ચાલુ થઈ એમ ને ? માણસ એક જગ્યાએ ભજના કરી શકે, કાં તો પૈસાની ભજના કરી શકે ને કાં તો આત્માની. બે જગ્યાએ એક માણસનો ઉપયોગ રહે નહીં. બે જગ્યાએ ઉપયોગ શી રીતે રહે ? એક જ જગ્યાએ ઉપયોગ રહે તે હવે શું થાય ? પણ એટલે સારું છે કે અત્યારે માણસને પૈસા જોડે લઈ જવાની છૂટ આપી છે. આ સારું છે ને ?

પ્રશ્નકર્તા : પૈસા ક્યાં ભેગા લઈ જાય છે ? બધું અહીંયા મૂકીને તો જાય છે, કોઈ જોડે આવતું નથી.

દાદાશ્રી : એમ ?! પણ લોકો જોડે લઈ જાય છે ને ? ના, તમે એ કળા જાણતા નથી (!) એ કળા તો પેલા બ્લડપ્રેશરવાળાને પૂછી જો કે તેની કળા કેવી છે ? તે તમે જાણો નહીં.

વધુ ઈચ્છાથી બીજાનું ખૂટે !

લક્ષ્મી એ તો બાય પ્રોડક્ટ છે. જેમ આપણો હાથ સારો રહેશે કે પગ સારો રહેશે ? એનો રાત-દહાડો વિચાર કરવો પડે છે ? ના, શાથી ? હાથ-પગની આપણને જરૂર નથી ? છે, પણ એનો વિચાર કરવો પડતો નથી. એવી રીતે લક્ષ્મીનો વિચાર કરવાનો નહીં. એ ય આપણને અહીં આગળ હાથ દુઃખતો હોય તે એની મરામત પૂરતો વિચાર કરવો પડે છે, એવું કોઈ વખત વિચાર કરવો પડે તે તાત્કાલિક પૂરતો જ, પછી વિચાર જ નહીં કરવાનો, બીજી ભાંજગડમાં નહીં ઉતરવાનું. લક્ષ્મીના સ્વતંત્ર ધ્યાનમાં ઉતરાતું હશે ? લક્ષ્મીનું ધ્યાન એક બાજુ છે, તો બીજી બાજુ બીજું ધ્યાન ચૂકીએ છીએ. સ્વતંત્ર ધ્યાનમાં તો લક્ષ્મી શું, સ્ત્રીના ય ધ્યાનમાં ના ઉતરાય. સ્ત્રીના ધ્યાનમાં ઉતરે તો સ્ત્રી જેવો થઈ જાય ! લક્ષ્મીના ધ્યાનમાં ઉતરે તો ચંચળ થઈ જાય. લક્ષ્મી ફરતી ને એ ય ફરતો ! લક્ષ્મી મોટું રૌદ્રધ્યાન છે એ તો, એ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે ! કારણ કે પોતાના ઘેર ખાવા-પીવાનું છે, બધું ય છે પણ લક્ષ્મીની હજી વધુ આશા રાખે છે. એટલે એટલું બીજાને ત્યાં ખૂટી પડે. બીજાને ત્યાં ખૂટી પડે એવું પ્રમાણભંગ ના કરો. નહીં તો તમે ગુનેગાર છો. એની મેળે સહજ આવે એના ગુનેગાર તમે નથી ! સહજ તો પાંચ લાખ આવે કે પચાસ લાખ આવે. પણ પાછું આવ્યા પછી લક્ષ્મીને આંતરી રખાય નહીં. લક્ષ્મી તો શું કહે છે, અમને આંતરાય નહીં જેટલી આવી એટલી આપી દો.

સંપત્તિ છતાં શાંતિ નથી !

ધોરાજીથી અહીં કલકત્તામાં શું કામ તમે આવેલા ?

પ્રશ્નકર્તા : જીવનનિર્વાહ માટે.

દાદાશ્રી : જીવનનિર્વાહ તો જીવમાત્ર કરી જ રહ્યા છે. કૂતરાં, બિલાડાં બધાં જ પોતપોતાના ગામમાં જ રહીને જીવનનિર્વાહ કરે છે. આ મથુરાનાં વાંદરાં હોય છે ને તે પણ ત્યાં ને ત્યાં ગમે તેના ચણા લઈને પણ એમનો નિર્વાહ કર્યા જ કરે છે, એ બહારગામ જતા નથી, મથુરામાં ને મથુરામાં જ રહે છે અને આપણા લોકો બધે જાય છે.

પ્રશ્નકર્તા : લોભદ્રષ્ટિ છે ને, એટલે.

દાદાશ્રી : હા, એ લોભ હેરાન કરે છે, નિર્વાહ હેરાન નથી કરતો. આ નિર્વાહ હેરાન કરે એવો છે જ નહીં. નિર્વાહ તો એ જ્યાં હોય ત્યાં એને મળી રહે જ. મનુષ્યપણું એ તો મહાન સિધ્ધિ છે, એને હરેક ચીજ મળી આવે, પણ આ લોભને લીધે ભટક ભટક કરે છે. 'આમથી લઉં કે તેમથી લઉં, આમાંથી લઉં કે તેમાંથી લઉં' કર્યા કરે છે. અહીં કલકત્તા સુધી આવ્યા છતાં કોઈ એમ નથી કહેતો કે હું ધરાઈને બેઠો છું !

પ્રશ્નકર્તા : સંતોષ હોય તો દુઃખ શેનું છે ?

દાદાશ્રી : ના, ના. સંતોષની વાત નથી. અહીં સુધી કમાવા આવ્યા હતા. હવે કમાઈને કોઈ એમ નથી કહેતો કે 'મારી પાસે પાંચ અબજ થઈ ગયા છે. હવે મારે કોઈ જરૂરિયાત નથી, એવું કોઈ મને કહેનાર મળ્યો નથી. પાંચ અબજ નહીં તો એક અબજ થઈ ગયા છે, એવું બોલતો હોય તો ય હું જાણું કે ભાઈ, કલકત્તા આવેલા, તે શાબાશ ! બેન્કમાં તમારે કેટલા છે ? પચાસેક લાખ રૂપિયા છે ?

પ્રશ્નકર્તા : શું વાત કરવી સાહેબ ?

દાદાશ્રી : શું કહો છો, શેઠ ?! જો ધોરાજીથી અહીં આવ્યા તો ય બેન્કમાં કશું ના મળે ?! જુઓ, શરમાવા જેવું બન્યું. ત્યાંથી અહીં આવ્યા ને ફસાયા ઉલટા ! ના અહીંના રહ્યા, ના ત્યાંના રહ્યા !

ભગવાનની ભાષામાં સંપત્તિ કોને કહેવાય છે ? જે સંપત્તિ ગુણાકારવાળી હોય તેને ! ગુણાકાર- વાળી સંપત્તિ જોડે લઈ જાય અને પોતાને સંતોષ પણ રહે. જે સંપત્તિ ભાગાકારવાળી હોય, તેને ભગવાને સંપત્તિ ગણી નથી. ભાગાકારવાળી સંપત્તિ તો અહીં ટૈડ થઈને મરી જાય અને એની સંપત્તિ પણ જાય. સંપત્તિમાં શાંતિ નથી, ત્યાં વિપત્તિમાં શાંતિ ક્યાંથી હોય ? વિપત્તિ-સંપત્તિમાં સુખ નથી, નિષ્પત્તિમાં સુખ છે. હવે મારે પૈસાની જરૂર નથી એવું કોઈ કહેતું નથી ને ? કોઈ ધરાયેલું નથી ? ઝવેરીઓ ધરાયા હશે ? આ ઝવેરીઓ નહીં ધરાયા ?!

ભોગવ્યું છતાં ઈચ્છાઓ બાકી કેમ ?

પ્રશ્નકર્તા : આટલા બધા ભવમાં આ બધું ભોગવ્યું, રાજેશ્રી થયા છતાં ઇચ્છાઓ બાકી રહી જાય છે એનું કારણ શું હશે ?

દાદાશ્રી : કોઈ દહાડો ભોગવેલું છે ?(!) આ ખાલી દેખાય છે એટલું જ છે, જ્યારે સામે જોઈએ છીએ ત્યારે ભોગવાતું નથી. આપણને પાવાગઢ ક્યાં સુધી સારો લાગે કે આપણે નક્કી કર્યું, અમુક દહાડો પાવાગઢ જવું છે. ત્યારથી મહીં પાવાગઢને માટે બહુ આકર્ષણ રહ્યા કરે. પણ પાવાગઢ જઈએ ને જોઈએ એટલે આકર્ષણ તૂટી જાય.

પ્રશ્નકર્તા : એટલે આપણને આ ટેસ્ટ હજુ થયો નથી ? આજે લક્ષ્મી ભોગવવાનો કે વિષય ભોગવવાનો ટેસ્ટ હજુ પૂરો થયો નથી ? એથી એના વિચારો આવે છે ?

દાદાશ્રી : એવું છે, આ ગયા અવતારે શ્રીમંતનો અવતાર હોય, હવે શ્રીમંત એટલે સ્ત્રી, લક્ષ્મી બધું ત્યારે જ હોય, ત્યારે મનમાં કંટાળી ગયેલો હોય કે આના કરતાં ઓછી ઉપાધિ હોય ને જીવન સાદું હોય તો સારું. એટલે વિચારો બધા પાછા એવા હોય અને પાછો ગરીબીમાં જન્મ્યો હોય તો એને લક્ષ્મી ને વિષય ને એ બધું સાંભર્યા કરે એવો માલ ભર્યો હોય.

ભોગવવા આયુષ્યનું એક્સ્ટેન્શન કરાવ્યું ?

પ્રશ્નકર્તા : અમારા વિચારો એવાં છે કે ધંધામાં એટલા ઓતપ્રોત છીએ કે લક્ષ્મીનો મોહ જતો જ નથી, એમાં ડૂબ્યા છીએ.

દાદાશ્રી : તેમ છતાં પૂર્ણ સંતોષ થતો નથી ને ! જાણે પચ્ચીસ લાખ ભેગા કરું, પચાસ લાખ ભેગા કરું, એવું રહ્યા કરે છે ને ?! એવું છે. પચ્ચીસ લાખ તો હું પણ ભેગા કરવામાં રહેત પણ મેં તો હિસાબ કાઢી જોયેલો કે આ અહીં આયુષ્યનું એક્સ્ટેન્શન કરી આપે છે ? આયુષ્યમાં એક્સ્ટેન્શન હોતું નથી ને ! તે પછી આપણે શું કરવા ઉપાધિ કરીએ ? સોને બદલે હજારેક વર્ષ જીવવાનું થતું હોય તો જાણે ઠીક કે મહેનત કરેલી કામની. આ તો એનું કંઈ ઠેકાણું નથી.

મરતી વખતે જોડે લઈ જવાય તો...

એક શેઠ મળેલા. આમ લાખોપતિ હતા. મારા કરતાં પંદર વર્ષે મોટા, પણ મારી જોડે બેસે-ઊઠે. એ શેઠને એક દહાડો મેં કહ્યું કે, 'શેઠ, આ છોકરાં, બધાં કોટ-પાટલૂન પહેરીને ફરે છે ને તમે એક આટલી ધોતી ને બેઉ ઢીંચણ ઉઘાડા દેખાય એવું કેમ પહેરો છો ?' એ શેઠ દેરાસર દર્શન કરવા જતા હોય ને, તો આમ ઉઘાડા દેખાય. આટલી ધોતી તે લંગોટી મારીને જાય એવું લાગે. આટલી બંડી ને સફેદ ટોપી, તે દર્શન કરવા દોડધામ કરતા જાય. મેં કહ્યું કે, 'મને લાગે છે કે આ બધું જોડે લઈ જશો ? ત્યારે મને કહે કે 'ના લઈ જવાય અંબાલાલભાઈ. જોડે ના લઈ જવાય !' મેં કહ્યું કે, 'તમે તો અક્કલવાળા, અમને પટેલોને સમજણ નહીં. ને તમે તો અક્કલવાળી કોમ, કંઈ ખોળી કાઢ્યું હશે !' તો કહે કે, 'ના કોઈથી ય ના લઈ જવાય.' પછી એમના દીકરાને પૂછયું કે, 'બાપા તો આવું કહેતા હતા', ત્યારે એ કહે છે કે, 'એ તો સારું છે કે જોડે લઈ નથી જવાતું. જો જોડે લઈ જવાતું હોય ને તો મારા બાપા ત્રણ લાખનું દેવું અમારે માથે મૂકીને જાય એવા છે ! મારા બાપા તો બહુ પાકા છે. એટલે નથી લઈ જવાતું એ જ સારું છે, નહીં તો બાપા તો ત્રણ લાખનું દેવું મૂકીને અમને રખડાવી મારે. મારે તો કોટ-પાટલૂને ય પહેરવાનાં ના રહે. જોડે લઈ જવાતું હોત ને, તો

અમને પરવારી દેવડાવે એવા પાકા છે !'

પ્રશ્નકર્તા : દેવું કરીને ય લઈ જાય ?!

દાદાશ્રી : પૈસા દેવું કરીને ય પોતે જોડે લઈ જાય પણ જો પેલો કહે છે ને કે 'નથી લઈ જવાતું એ જ સારું છે, નહીં તો મારા બાપા તો ત્રણ લાખનું દેવું મૂકી જાય એવા છે !'

લક્ષ્મી, સ્વભાવથી વિયોગી !

મેં દુનિયામાં ખેલ જોવામાં જ વખત કાઢ્યો છે. બીજું આમાં શું વખત કાઢવાનો ? કમાવાનું, તો હાય, હાય, પૈસો ! એ તો આ પુણ્યૈ હશે ત્યાં સુધી રાગે પડશે. નહીં તો મહેનત કરી કરીને મરી જશો ને, આ મજૂરો મહેનત કરે જ છે ને, તો ય કશું મળતું નથી.

આ મજૂરો તો આખો દહાડો મહેનત કરે પછી શેઠ શું કહેશે, 'આજે છૂટા નથી. તારી પાસે સોના છૂટા હોય તો લઈ આવ.' ત્યારે બિચારાને સોના છૂટા કોણ આપે ? અને એટલે પૈસા પેલો ના આપે. તે પૈસા વગર તો બિચારો ઘી-તેલ ક્યાંથી લાવે ? અરે, ઘી તો ખાય નહીં પણ તેલ ને ચપટી પેલો મસાલો લઈ જવાનું હોય, તે પૈસા વગર શી રીતે લઈ જાય ? તે પાછો જાય, વીલે મોઢે બિચારો ! અને મજૂરથી ગાળ તો બોલાય નહીં ને શેઠ તો પૈસા ના આપે. અને તો ય ટૈડકાવે. અલ્યા, આખો દહાડો નોકરી કરી, મહેનત કરી તો ય રોકડા મળતા નથી. આ હિસાબ શેનો છે ? અને તમે નોકરીમાં રજા લો તો ય પગાર મળ્યા કરે ને ! એટલે આ લક્ષ્મી તો પુણ્યૈનું ફળ છે.

લક્ષ્મીનો સ્વભાવ જ વિયોગી છે, એ કહેશે મારે હવે સાધન આઠ પેઢી સુધી રહે તો સારું, પણ એનો સ્વભાવ જ વિયોગી એટલે આપણે કહેવું કે તું જા એવી અમારી ઇચ્છા નથી. તું અહીં રહે. પણ છતાં ય તારે જવું હોય તો મારી ના નથી. એવું કહીએ ને એટલે એને એમ ના થાય કે આ અમારી આમને પરવા જ નથી. 'અમને તારી પરવા દસ વખત છે. પણ જો તારાથી ના રહેવાય, તો તારી મરજીની વાત છે.' ના રહેવું હોય ત્યારે કંઈ એને મા-બાપ કહેવાય ? આ તો મા-બાપ હોય તેને મા-બાપ કહીએ.

રેસમાં ઈનામ પહેલાને જ, બાકીનાને ?

રાત-દહાડો પૈસાના વિચાર મુંબઈ શહેરમાં કોણ નહીં કરતું હોય ? થોડા ઘણા ધોળા ને ભગવા લુગડાંવાળા સાધુઓ એવા છે કે મહીં પૈસા ના લે, પૈસાને અડે નહીં.

પ્રશ્નકર્તા : પામેલો વધુ પામવા માટે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર કેમ હોય છે ?

દાદાશ્રી : શું પામવાની વાત છે આમાં ?

પ્રશ્નકર્તા : આ આર્થિક વાત છે, ભૌતિક વાત છે. જે ભૌતિક પામેલાઓ છે એમને વધારે પામવા માટે વ્યગ્રતા હોય છે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર હોય છે, એ શાથી ?

દાદાશ્રી : લોકોને રેસકોર્સમાં ઉતરવું છે. રેસકોર્સમાં ઘોડાઓ દોડે છે, એમાં કયા ઘોડાને ઈનામ હોય છે ?

પ્રશ્નકર્તા : પહેલા ઘોડાને.

દાદાશ્રી : તે તમારા ગામમાં કયો ઘોડો પહેલા નંબરે છે ? રેસકોર્સમાં જે પહેલો આવ્યો એમાં કોનું નામ છે ? એટલે બધા ઘોડા દોડાદોડ કરે છે ને હાંફી હાંફીને મરી ગયા પણ પહેલો નંબર કોઈનો ય લાગતો નથી અને આ દુનિયામાં કોઈનો પહેલો નંબર લાગ્યો નથી. આ તો વગર કામની દોડમાં પડ્યા છે. તે હાંફી હાંફીને મરી જવાનું અને ઈનામ તો એકને મળવાનું. માટે આ દોડમાં પડવા જેવું નથી. આપણે આપણી મેળે શાંતિપૂર્વક કામ કર્યે જવાનું. આપણી ફરજો બધી બજાવી છૂટવી. પણ આ રેસકોર્સમાં પડવા જેવું નથી. તમારે આ રેસકોર્સમાં ઊતરવું છે ?

પ્રશ્નકર્તા : જીવનમાં આવ્યા એટલે રેસકોર્સમાં ઊતરવું જ પડશે ને ?

દાદાશ્રી : તો દોડો, કોણ ના પાડે છે ? જેટલું દોડાય એટલું દોડો. પણ અમે તમને કહી છૂટીએ છીએ, કે ફરજો સવળી બજાવજો ને શાંતિપૂર્વક બજાવજો. રાતે અગિયાર વાગે આપણે બધે તપાસ કરવી કે લોકો ઊંઘી ગયા છે કે નથી ઊંઘી ગયા ? તો આપણે જાણીએ કે લોકો ઊંઘી ગયા છે. એટલે આપણે પણ ઓઢીને સૂઈ જવું. ને દોડવાનું બંધ કરી દેવું. લોકો ઊંઘી ગયા હોય ને આપણે એકલા વગર કામના દોડાદોડ કરીએ એ કેવું ? આ શું છે ? લોભ નામનો ગુણ છે એ પજવે છે.

લક્ષ્મીની હાયમાં ધરાયો કોઈ ?

આખી જિંદગી શક્કરિયું ભરહાડમાં બફાયને, એમ આ મનુષ્યો બફાઈ રહ્યા છે.

પ્રશ્નકર્તા : હા, બફારામાં જ જીવે છે.

દાદાશ્રી : ના જીવે તો શું કરે ? ક્યાં જાય તે ? આ જીવવાનું ય ફરજિયાત છે પાછું ને મરવાનું ય કોઈના હાથમાં સત્તા નથી. મરવા જાય ત્યારે ખબર પડશે. પોલીસવાળો પકડીને કેસ કરશે. જેમ જેલમાં ગયેલા માણસને ફરજિયાત બધું કરવું પડે છે ને, એવું આ જીવવાનું ફરજિયાત ને પૈસાય ફરજ્યિાત છે.

એટલે લક્ષ્મીની હાય હાય તો હોતી હશે ? અને એની હાય હાય કરીને કોઈ ધરાયો ? આ દુનિયામાં કોઈનો ય પહેલો નંબર આવેલો એવું લાગ્યું ? અહીં મુંબઈની મ્યુનિસિપાલિટીમાં કોઈનું નામ નોંધાયેલું છે કે આ ફર્સ્ટ નંબર આવ્યો ને આ સેકન્ડ નંબર આવ્યો. એવાં નામ નોંધાયેલા છે ? આ તો જન્મે છે, કરોડ રૂપિયા કમાય છે ને પાછો મરી જાય છે. કૂતરાને મોતે મરી જાય છે. કૂતરાને મોતે શાથી કહું છું કે ડૉક્ટરો પાસે જવું પડે છે. પહેલાં તો લોકો મનુષ્યને મોત મરતાં હતાં. એ શું કહેશે કે 'ભાઈ, મારે હવે જવાનો ટાઈમ થયો છે.' એટલે ઘરનાં પછી દીવો કરે અને અત્યારે તો છેલ્લી ઘડીએ બેભાન થઈ ગયો હોય. કૂતરાં ય મરતી ઘડીએ બેભાન નથી થતાં.

આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને ! અને એમનાં મોત તો જુઓ ? કૂતરાંની પેઠે મરે છે. આ તો અણહક્કના વિષયો ભોગવ્યા તેનું ફળ છે. વિપરીત બુધ્ધિ થઈ ગઈ છે. તેથી જેની પાસે લક્ષ્મી છે તેને ય પાર વગરનું દુઃખ છે. સમ્યક્ બુધ્ધિ સુખી કરે.

અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે છતાં એમનો બફારો તો મહીં આગળ વર્ણન ન થાય એવો છે. બબ્બે મિલો હોય છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થયા હતા, પણ અહીં આગળ ફેઈલ થઈ જાય ! કારણ કે એણે બેસ્ટ ફૂલિશનેસ આદરવા માંડી છે. ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ ! આ ફૂલિશનેસની તો હદ હોયને ? કે બેસ્ટ સુધી પહોંચાડવાનું ? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા !

'દાદા'નું ગણિત !

પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી. વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું ?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા, ફીણ કાઢીએ આપણે ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચા યે ના પાય પછી. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે આ બધું ગણિત કાઢી નાખેલું. દાદાનું ગણિત ! બહુ સુંદર ગણિત છે. આ મેથેમેટિક્સ એટલું બધું સુંદર છે. પેલા એક સાહેબ તો કહેતા'તા કે આ દાદાનું ગણિત જાણવા જેવું છે.

દોડ, દોડ, દોડ પણ શેના હારુ ? નંબર લાગવાનો હોય તો હેંડ ચાલ, હેંડોને, દેહનું જે થવાનું હોય તે થાય, પણ આ તો નંબરે ય નહીં, ઈનામે ય નહીં, કશું ય નહીં ને ફીણ તો પાર વગરનાં. ના કશામાં ઘસાયો, આમાં જ દોડ, દોડ, દોડ ! બધે નીરસ થઈ ગયેલો પાછો, ખાવામાંય રસ-બસ નહીં ! આ ગણિત શીખવા જેવું નથી લાગતું ?

પ્રશ્નકર્તા : અને જે રીતે આપ કહો છો, એ કંઈ વર્ણવવા જેવું જ નથી ! એવું જ થઈ ગયું છે !!

દાદાશ્રી : એટલે આ તો અનુભવની વાત કરું છું ને ! મને જે અનુભવ થયો છે તે જ !

જ્ઞાની, રેસકોર્સથી રહ્યા દૂર...

તે લગ્નમાં એવું થતું'તું. અમારા ભત્રીજાઓ છે, તે એમને ત્યાં લગન હોય એટલે એ આમ ભત્રીજા થાયને એટલે કાકાને આગળ બેસાડે, વચમાં. એટલે કાકાનો બીજો-ત્રીજો નંબર હોય જ. તે કાકા બેસે ય ખરા. તે પછી ઝવેરચંદ લક્ષ્મીચંદ આવ્યા. એટલે 'આવો, આવો પધારો' કહેશે. તે એને વચ્ચે બેસાડીને આપણે ખસવાનું. આમ કરીને તે આઠમો નંબર પહોંચે, ખસી ખસીને. મેં કહ્યું, 'આ તો અપમાનની જગ્યા થઈ પડી. માનની જગ્યા ન્હોય આ ! એટલે પછી હું તો જ્યારે જઉં ને ત્યારે આગળની જગ્યાનું ધ્યાન-બ્યાન રાખું નહીં. પેલા લોકો ખોળે કે કાકા ક્યાં ગયા ? કાકા ક્યાં ગયા ? તે કાકા પેલી બાજુ રહીને જોયા કરતાં હોય. બધું જાય ત્યાર પછી આવીને છેટે બેસીને જોયા કરું. આપણે કયો ઘોડો પહેલો આવે છે તે જોવું.

એટલે અમારો ભત્રીજો કહે છે, 'કાકા અહીં બેસતા નથી. આ ખોટું દેખાયને !' મેં કહ્યું, 'ભાઈ આ રેસકોર્સ મને નથી ફાવતું, મારાથી દોડાતું નથી. આ મારી કેડો તૂટી ગયેલી છે તે દોડાતું નથી.' ત્યારે કહે, 'આ તો લુચ્ચાઈ કહેવાય તમારી. આ તો મનેય આવડે છે, આમ મજાક કરતા તો.' મેં કહ્યું, 'જે છે તે આ છે મારું તો. આ ખસી ખસીને પાછું સાત ફેરા સુધી ફાઉન્ડેશન સાથે ખેંચવાનું, એટલે પછી જોવાની ટેવ પડી ગઈ. ત્યાં જઈએને તે લગનમાં જોવાની, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની ટેવ પડી ગયેલી. જ્ઞાન નહીં થયેલું. એમ ને એમ જ્ઞાતા-દ્રષ્ટા, વ્યવહારિક જ્ઞાતા-દ્રષ્ટા !

ઘોડદોડના ઘોડાઓની દશા !

એક જૈન ધર્મના સંઘના પ્રેસિડેન્ટ હતા. એ એમનાં મંદિરોના પ્રેસિડેન્ટ હતા. આમ સારા માણસ. મોટા વકીલ હતા. તે લગનમાં આવ્યા એટલે 'આવો, આવો ચંદુભાઈ આવો' કહે, તે આમ બેસાડ્યા. પછી ઝવેર લક્ષ્મીચંદ આવ્યા, તે 'આવો, આવો' કહીને એમને આમ બેસાડ્યા. એટલે એ ચંદુભાઈને ખસવું પડ્યું. આખી સીટ ખસેડવી પડી. તે એમ બે-ચાર સીટ ખસેડવા પડ્યાને એટલે મોઢું ઊતરી ગયેલું. પહેલું ખસેડ્યું તેમાં થોડુંક ઉતર્યું. બીજા વખતે વધારે, ત્રીજા ને ચોથા વખતે તો ઊતરી ગયેલું. તે હું જોયા કરું. મેં કહ્યું, 'આની શી દશા થઈ આ બિચારાની ! અરેરે... અહીંયા બધાંય વાજાં વાગે છે ફર્સ્ટ ક્લાસ. આ લોકો પીણાં પીએ છે ને આ આમની શી દશા થઈ ! એના મનમાં ને મનમાં વિચાર કરે. આ સમજદાર નહીં, પણ બોલે તો બોલાય પણ નહીં અને પેલા પીણામાં ય સ્વાદ ના આવે. વાજાં સરસ વાગે. લોકો કેવાં સારાં સારાં છે ને મોઢાં જોવામાં ય સ્વાદ ના આવે. મને જોવામાં આનંદ આવે કે આ કેવા ફસાયા છે ! પછી એ ઊઠી જાય એટલે હું એમને ભેગો થઈ જાઉં. મેં કહ્યું, 'ચંદુભાઈ સાહેબ, કેમ...' ત્યારે કહે, 'તમારા પટેલનું કામ બહુ ખરાબ...' મેં કહ્યું, 'હું એવો નથી.' પછી મને કહે છે, 'આ આવ્યો તે આવ્યો. બધાને આગળ બેસાડ બેસાડ કરે છે, તે એમ નહીં સમજે કે આ કોણ છે ને કોણ નહીં એવું તેવું સમજવું જોઈએને ! મેં કહ્યું, 'એમને જરાક કચાશ ખરીને !' એટલે ખુશ થઈ ગયા. કહે છે, 'હેંડો ચા-બા પીને જાવ' પણ તો ય આગળની સીટ છોડે નહીં. તે ય મનમાં એમ નહીં કે બીજી વખત જરા ચેતીએ આપણે. અહીં તો આ રેસકોર્સમાં નંબર નહીં લાગે ને વગર કામનાં હાંફ હાંફ કરવાનું. નથી ઘરમાં રસ રહ્યો, નથી ચા-પાણીમાં ય રસ રહ્યો. આ જ રસ !

મેં પુસ્તકમાં લખ્યું છે કે આ બ્રહ્માંડમાં કોઈ એવી ચીજ નથી કે જે મેં વિચાર્યા વગર બાકી રાખી હોય ! આવું ચાલતું હશે ? હાંફી હાંફીને મરી ગયા તો યે હજી સીટ છોડતા નથી. હેય પછી સરસ મજાનું ખાવા-પીવાનું હોય. બીજા કશામાં રસ જ ના આવે ને ! વાત જરા અનુભવમાં આવે એવી છે ને ?

પ્રશ્નકર્તા : બહુ જ સારી મજા આવી.

દાદાશ્રી : એટલે વાત વ્યાવહારિક તમે સમજી જાવને, તો વ્યવહાર પેલો પાકો થઈ ગયો. આદર્શ થઈ ગયો એટલે ઓલરાઈટ થઈ ગયો.

હતો લક્ષ્મીનો બોજો 'અમને ય' !

અમનેય નહોતું ગમતું સંસારમાં. મને તો, મારી વિગત જ કહું છું ને, મને પોતાને કોઈ ચીજમાં રસ જ નહોતો આવતો. પૈસા આપે તોય બોજો લાગ્યા કરે. મારા પોતાના રૂપિયા આપે તો ય મહીં બોજો લાગે. લઈ જતાં ય બોજો લાગે, લાવતાં ય બોજો લાગે. દરેક બાબતમાં બોજો લાગે, આ જ્ઞાન થતાં પહેલાં.

પૈસો પ્રધાન કેમ ?

પ્રશ્નકર્તા : અત્યારે પૈસો પ્રધાનપણે છે એ કેમ ?

દાદાશ્રી : માણસને કોઈ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને કે પૈસાથી વિષયો મળશે, બીજુંય મળશે પણ એનોય વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવાં કરેલાં, તેનાં આ ફળ આવ્યાં કરે છે.

લક્ષ્મી ભોગવતાં ય ના આવડી !

લક્ષ્મીને સાચવતાં ય આપણા લોકોને નથી આવડતું અને ભોગવતાં ય નથી આવડતું. ભોગવતી વખતે કહેશે કે આટલું બધું મોઘું ? આટલું મોઘું લેવાય ? અલ્યા, છાનોમાનો ભોગવને ! પણ ભોગવતી વખતે ય દુઃખ, કમાતાં ય દુઃખ. લોકો હેરાન કરતાં હોય તેમાં કમાવાનું, કેટલાક તો ઉઘરાણીના પૈસા આપે નહીં એટલે કમાતાં ય દુઃખ અને સાચવતાં ય દુઃખ. સાચવ સાચવ કરીએ તો ય બેન્કમાં રહે જ નહીં ને ! બેન્કના ખાતાનું નામ જ ક્રેડિટ અને ડેબિટ, પૂરણ ને ગલન ! લક્ષ્મી જાય, ત્યારે ય બહુ દુઃખ આપે. આ કેરી આટલી બધી મોંઘી તે લેવાતી હશે ? આ શાક આટલું બધું મોઘું કેમ લીધું ? અલ્યા, બધાયમાં તું મોઘું મોઘું બોલ બોલ કરે છે ? મોઘું કોને કહે છે તે ? તો સોંઘું કોને કહે છે ? આ તો એક જાતની કટેવ પડેલી હોય છે. એની દ્રષ્ટિ બેસી ગઈ હોય છે, એટલે શું થાય ? આપણે શું કહીએ છીએ કે જે આવ્યું, જે મોંઘા ભાવે આવ્યું એ બધું કરેક્ટ જ છે. વ્યવસ્થિત જ છે. પણ એને સમજાય નહીં ને ! એને પહેલાંની દ્રષ્ટિ બેસી ગયેલી તે છૂટે નહીં ને !

વસ્તુ ભોગવટાનો અનોખો હિસાબ !

પ્રશ્નકર્તા : આપણને આજે એમ લાગે છે કે આપણી પ્રજા કેટલા બધા પૈસા વાપરે છે, પણ આપણા જમાનામાં રૂપિયે મણ બાજરી હતી અને અત્યારે ?!

દાદાશ્રી : વાત ખરી છે ! એવું છે ને, હું તમને ખરી વસ્તુ કહી દઉં. એ હકીકત જાણવા જેવી છે કે આવી જો મોંઘવારી થાય તો 'પબ્લિક' ખાવા-પીવાનું કશું ના પામે. એટલે પછી મેં જ્ઞાનથી જોયું કે 'આ શું છે તે ? આમ માણસો શી રીતે તેલ લાવીને ખાય છે ? આટલી મોંઘી વસ્તુઓ તે કેવી રીતે ખાતા હશે ?' એ બધો હિસાબ કાઢ્યો. છેવટે જ્ઞાનથી જોયું ત્યારે ખબર પડી કે ત્યાં આગળ રૂપિયાની ભાંજગડ નથી હોતી. કેટલું ઘી, કેટલું તેલ, કેટલું દૂધ, આ બધાનો હિસાબ તમારી જોડે 'જોઈન્ટ' થયેલો છે. તેથી આ બધી વસ્તુઓ મળે છે, નહીં તો આ તો કોઈને ય મળે નહીં, શ્રીમંતોને ય મળે નહીં.

ભોગવટો, રૂપિયાનો કે વેદનીયનો !

કુદરત શું કહે છે ? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી ? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તો ય શાતા ભોગવશે ને રૂપિયા હશે તો ય અશાતા ભોગવશે. એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો.

શું સસ્તું ? શું મોઘું ?

પ્રશ્નકર્તા : અત્યારે પૈસો સસ્તો થયો છે.

દાદાશ્રી : પૈસો સસ્તો થયો છે. પૈસો સસ્તો તો માણસ સસ્તો થઈ જાય. પૈસો મોંઘો થાય ત્યારે માણસ મોંઘો થાય. માણસની કિંમત ક્યાં સુધી ? પૈસો મોંઘો હોય ત્યાં સુધી થાય. પૈસો સસ્તો થાય એટલે માણસની કિંમત સસ્તી થઈ ગઈ ! એટલે પછી વાળ કપાવાનું ય મોંઘું થઈ જાય.

૧૯૪૨ની સાલથી ગવર્નમેન્ટે જે દહાડે રૂપિયો પહેલી વખત કાઢ્યો ત્યારથી જ આ પૈસો રદ્દી થવા માંડ્યો. એક રૂપિયાની નોટ કાઢી હતી, વિધાઉટ પ્રોમિસ ટુ પે વાળી નોટ, ત્યારથી જ આ રદ્દી થવા માંડ્યું હતું.

ભોગવી બાદશાહી બે રૂપિયામાં !

જ્યારે લક્ષ્મીના ભાવની કિંમત વધી જાય એની સાથે માણસના ભાવની કિંમત વધી જાય. જ્યારે લક્ષ્મીનો ભાવ વધે ત્યારે આ રૂપિયો, રૂપિયા જેવું ફળ આપે ત્યારે તે દા'ડે આ માણસો સારાં થશે. અત્યારે આ રૂપિયો ફળ જ નથી આપતો ને ! નહીં તો અમારે ત્યાં તો કંટ્રાક્ટનો ધંધો, તે બે રૂપિયા લઈને હું નીકળું, અમથા બે રૂપિયા ગજવામાં હોય તો સાત ભાઈબંધો પાછળ ફર્યા કરે, આખો દહાડો ય ! ચા પાઈએ, ઘોડાગાડીમાં, ફ્ેટીનમાં બેસાડીએ. આખો દહાડો બધા જોડે ને જોડે ફર્યા કરીએ બે જ રૂપિયામાં ! અને અત્યારે સોએ પૂરું ના થાય. એવી મઝા ના આવે. અત્યારે એવા ઘોડા જ જોવામાં નથી આવતા ને ! એ જે ઘોડાગાડીમાં અમે બેઠેલા ને ! એ ઘોડા જોવામાં નથી આવતા. ઘોડા આમ દેખાય, રાજશ્રી જેવા દેખાય ! એટલે બધું ય ગયું હવે.

પ્રશ્નકર્તા : એ જમાના ગયા.

દાદાશ્રી : ફરી આવશે પણ !

છે કોઈ સુગંધી સહિતના લક્ષ્મીવાન ?!

લક્ષ્મીજી હમેશાં સુગંધ સહિતની હોય તો ભગવાને પણ તેનો સ્વીકાર કર્યો છે. મુંબઈમાં આટલા લક્ષ્મીવાન છે પણ સુગંધ આવી કોઈની ય ?

પ્રશ્નકર્તા : કોઈક તો હશે ને ?

દાદાશ્રી : 'હશે' એવું બોલવું બહુ જ જોખમકારક છે. કાં તો 'ના' બોલો ને કાં તો 'છે' બોલો. 'હશે' એવું પોલું બોલવું એ ભયંકર જોખમ છે. પોલને લઈને તો જગત આવું રહ્યું છે. 'જેમ છે તેમ' બોલો ને તપાસ તો કરો ને કહી દો કે ભાઈ, મારી તપાસમાં અત્યાર સુધી કોઈ નથી આવ્યો. આપણને કહેવાનો રાઈટ કેટલો કે આજ સુધી મારી જિંદગીમાં ફર્યો પણ મને હજુ કોઈ એવા મળ્યા નથી. બાકી સુગંધી સહિતની લક્ષ્મી હોય નહીં. અત્યારે આ કાળમાં હોય તો બહુ જૂજ હોય, કો'ક જગ્યાએ હોય.

સુગંધ સહિતની લક્ષ્મી કેવી ?!

પ્રશ્નકર્તા : સુગંધી સહિતની લક્ષ્મી, એ કેવી લક્ષ્મી હોય ?

દાદાશ્રી : એ લક્ષ્મી આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. ઘરમાં સો રૂપિયા પડ્યા હોય ને તો આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. કોઈ કહેશે કે કાલથી ખાંડનો કંટ્રોલ આવવાનો છે, તો ય મનમાં ઉપાધિ ના થાય. ઉપાધિ નહીં, હાયવોય નહીં. આમ વર્તન કેવું સુગંધીવાળું, વાણી કેવી સુગંધીવાળી, અને એને પૈસા કમાવવાનો વિચાર જ ના આવે એવું તો પુણ્યાનુબંધી પુણ્ય હોય. પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી હોય તેને પૈસા પેદા કરવાના વિચાર જ ના આવે. આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. આને તો લક્ષ્મી જ ના કહેવાય ! નર્યા પાપના જ વિચાર આવે, 'કેમ કરીને ભેગું કરવું, કેમ કરીને ભેગું કરવું' એ જ પાપ છે. ત્યારે કહે છે કે, આગળના શેઠિયાને ત્યાં લક્ષ્મી હતી એ ? એ લક્ષ્મી ભેળી થતી હતી, ભેળી કરવી પડતી નહોતી. જ્યારે આ લોકોને તો ભેળું કરવું પડે છે. પેલી લક્ષ્મી તો, સહજભાવે આવ્યા કરે. પોતે એમ કહે કે, 'હે પ્રભુ ! આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ન હો.' છતાંય એ આવ્યા જ કરે. શું કહે કે આત્મલક્ષ્મી હો પણ આ રાજલક્ષ્મી અમને સ્વપ્ને પણ ના હો, તોય તે આવ્યા કરે, એ પુણ્યાનુબંધી પુણ્ય. એને લક્ષ્મી તો ઢગલાબંધ આવે, આવવાની કમી ના હોય. વિચાર જ કોઈ દહાડો ના કર્યો હોય ને ઊલટા કંટાળી ગયેલા હોય કે હવે જરા ઓછું આવે તો સારું પણ તોય લક્ષ્મી આવે. તે લક્ષ્મી આવે એનો નિવેડો તો લાવવો પડે ને ? એટલે શું કરવું પડે ? હવે નિવેડો લાવવામાં બહુ મહેનત પડી જાય. એ કંઈ ઓછી રસ્તામાં નાખી દેવાય ? હવે એ નિવેડો કેવો હોય કે એનાથી લક્ષ્મી પાછી આવીને એવી જાય ને પાછી ફરી ઊગી ઊગીને આવે પાછી.

સંતોષ કેમ ના રહે ?!

પ્રશ્નકર્તા : આ લોકો પૈસા પાછળ પડ્યા છે તો સંતોષ કેમ નથી રાખતા ?

દાદાશ્રી : આપણને કોઈ કહે કે સંતોષ રાખજો તો આપણે કહીએ કે ભાઈ, તમે કેમ રાખતા નથી ને મને કહો છો ? વસ્તુસ્થિતિમાં સંતોષ રાખ્યો રહે એવો નથી. તેમાં યે કોઈનો કહેલો રહે એવો નથી. સંતોષ તો જેટલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં એની મેળે સ્વાભાવિક રીતે સંતોષ રહે જ. સંતોષ એ કરવા જેવી ચીજ નથી, એ તો પરિણામ છે. જેવી તમે પરીક્ષા આપી હશે તેવું પરિણામ આવે. એવી રીતે જેટલું જ્ઞાન હશે એટલું પરિણામ સંતોષ રહે. સંતોષ રહે એટલા માટે તો આ લોક આટલી બધી મહેનત કરે છે ! જુઓને, સંડાસમાં ય બે કામ કરે છે. દાઢી ને બેઉ કરે ! એટલો બધો લોભ હોય ! આ તો બધું ઈન્ડિયન પઝલ કહેવાય ! એટલે જ ઈન્ડિયન પઝલ કહ્યું ને !

ભેંસ સચવાય, પૈસા ના સચવાય!

પ્રશ્નકર્તા : લોકોની પુણ્યૈ હશે તો એમને આ સંપત્તિ ભેગી થઈ. આ પુણ્યૈ ઓર એવી વધી કે હવે એ લોકોને હવે આ બાજુ બધો ઉપયોગ એનો થવા માંડ્યો.

દાદાશ્રી : એ બધી પુણ્યૈ ને જબરજસ્ત પુણ્યૈ ને ! પણ સાચવવું મુશ્કેલ પડી જાય.

પ્રશ્નકર્તા : એટલે એ બરોબર છે. ઉપાધિ તો ખરી જ ને ? શરૂઆત પછી ત્યાંથી જ થાય છે.

દાદાશ્રી : ના હોય તેના જેવું તો એકુંય નહિ.

પ્રશ્નકર્તા : પૈસા ના હોય. સંપત્તિ ના હોય. તો એના જેવું એકુંય નહિ ?

દાદાશ્રી : હા, એના જેવું એકુંય નહીં. સંપત્તિ એ તો ઉપાધિ છે. સંપત્તિ જો આ બાજુ ધર્મમાં વળી જ ગઈ હોય, તો વાંધો નથી. નહિ તો ઉપાધિ થઈ પડે. કોને આપવી ? હવે ક્યાં મૂકવી ? એ બધી ઉપાધિ થઈ પડે !

પ્રશ્નકર્તા : હા, એ ઉપાધિ ! જેની પાસે બહુ ભેગું થઈ ગયું છે, તેને હંમેશાં ઉપાધિ.

દાદાશ્રી : મુશ્કેલી બહુ ! એના કરતાં ઓછું કમાઈએ તે સારું. અહીં બાર મહિને દસ હજાર કમાયા અને એક હજાર ભગવાનને ત્યાં મૂકી દે, તો એને કંઈ ઉપાધિ નથી અને પેલો લાખો આપે અને આ હજાર આપે, બે ય સરખા, પણ હજારે ય કંઈક આપવા જોઈએ. મારું શું કહેવાનું કે લુખ્ખું ના રાખવું, ઓછામાંથી પણ કંઈક આપવું અને વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું એટલે આપણે પછી જવાબદારી નથી. નહિ તો જોખમ. બહુ પીડા એ તો ! પૈસા સાચવવા એટલે બહુ મુશ્કેલી. ગાયો-ભેંસો સાચવવી સારી, ખીલે બાંધી તો સવાર સુધી જતી તો ના રહે. પણ પૈસા સાચવવા બહુ મુશ્કેલી. મુશ્કેલી, ઉપાધિ બધી.

એ તો તારે સારું કે તારા પૈસા કોઈ જગ્યાએ દેખાતા ન હતા. નહિ તો પૈસા દબાઈ જ જાય. તારે બધા બહુ દબાઈ ગયેલા. હું તો મુક્ત થયો. નિરાંત થઈ ગઈ. આપણે તો સાંભળવાનું જ મટી ગયું ને ! મારા જેવાને કોઈ આપે ય નહીં ને !

દયાળુ, લાગણીવાળો સ્વભાવ મારો ! ઉઘરાણી કરવા ગયો હોઉં તો આપીને આવું !!! આમ ઉઘરાણી કરવા તો જાઉં જ નહીં કોઈ દહાડો. ઉઘરાણી કરવા જાઉં તો તે દહાડે એમને કંઈ ભીડ પડી હોય તો ઉલટો આપીને આવું. મારે ગજવામાં કાલે વાપરવાના હોય તે ય આપીને આવું ! તે કાલે વાપરવામાં હું મૂંઝાઉં ! એવી રીતે મારું જીવન ગયું છે.

લક્ષ્મી કરાવે લોભ દ્રષ્ટિ !

આ કળિયુગમાં પૈસાનો લોભ કરીને પોતાનો અવતાર બગાડે છે ને મનુષ્યપણામાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થયા કરે, તે મનુષ્યપણું જતું રહે. મોટાં મોટાં રાજ ભોગવી ભોગવીને આવ્યો છે, આ કંઈ સાવ ભિખારી નહોતા, પણ અત્યારે મન ભિખારી જેવું થઈ ગયું છે. તે આ જોઈએ ને તે જોઈએ થયા કરે છે. નહીં તો જેનું મન ધરાયેલું હોય, તેને કશું ય ના આપો તો ય રાજેશ્રી હોય. પૈસો એવી વસ્તુ છે કે માણસને લોભ ભણી દ્રષ્ટિ કરાવે છે. લક્ષ્મી તો વેર વધારનારી વસ્તુ છે. એનાથી દૂર જેટલું રહેવાય એટલું ઉત્તમ અને વપરાય તો સારા કામમાં વપરાઈ જાય તો સારી વાત છે.

પણ પૈસા 'વ્યવસ્થિત'ને આધીન છે. પછી ધર્મમાં રહેશે કે અધર્મમાં રહેશે તો ય પૈસા તો આવ્યા જ કરશે !

લીધી રિટર્ન ટિકિટ, તીર્યંચની !

કેટલાંક તો ઈન્કમટેક્ષ પચાવીને બેસી ગયેલા હોય છે. પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા દબાવીને બેઠા હોય છે પણ એ જાણતા નથી કે બધા રૂપિયા જતા રહેશે. પછી ઈન્કમટેક્ષવાળા નોટિસ આપશે ત્યારે રૂપિયા ક્યાંથી કાઢશે ? આ તો નરી ફસામણ છે. આ ઊંચે ચઢેલાને બહુ જોખમદારી, પણ એ જાણતો જ નથી ને ! ઉલટું આખો દહાડો કેમ કરીને ઈન્કમટેક્ષ બચાવું એ જ ધ્યાન. તેથી જ અમે કહીએ છીએ ને કે આ તો તિર્યંચની રિટર્ન ટિકિટ લાવ્યાં છે.

પાછું, આ તો લક્ષ્મીજીના ખૂણા પર ધ્યાન આપે છે ને બાકીના ખૂણા તરફ જોતો નથી. તેથી આપણા સંસ્કાર વેચાઈ ગયા, ગીરવે મૂકાઈ ગયા છે. આને જીવન જીવ્યું કેમ કહેવાય ? આપણે હિન્દુસ્તાનની આર્ય પ્રજા કહેવાઈએ. આર્ય પ્રજામાં આવું શોભે નહીં ! આર્ય પ્રજામાં ત્રણ વસ્તુ હોય - આર્ય આચાર, આર્ય વિચાર ને આર્ય ઉચ્ચાર. તે અત્યારે ત્રણેય અનાડી થઈ ગયાં છે અને મનમાં શું ય માને કે સમકિત થઈ ગયું છે ને મોક્ષ થઈ જવાનો ! અલ્યા, તું જે કરી રહ્યો છે, તેનાથી તો લાખ અવતારેય ઠેકાણું પડે નહીં. મોક્ષમાર્ગ એવો નથી.

છે રાજલક્ષ્મી, છતાં ખપે મોક્ષલક્ષ્મી !

આ બધું ડિસ્ચાર્જ છે. થઈ ગયેલું છે, એને હવે તું શું કરવાનો છે ? આ તને ઑર્ડર મળે છે તે બધું પુણ્યૈ છે. અને ઑર્ડર ના મળે એ તો પાપનો ઉદય હોય તો જ ઑર્ડર ના મળે. હવે આમાં પાછું કાવતરાં કરે, જે મળવાનું જ છે, તેમાં કાવતરાં કરે, ટ્રિકો અજમાવે. ટ્રિકો અજમાવે કે ના અજમાવે ? ભગવાનને કંઈ ટ્રિકો આવડતી હશે ? ભગવાને તો આ શું કહ્યું કે, 'આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ના હો.' કારણ કે રાજ જેવી સંપત્તિ હોય, એના માલિક થવા જાય તો પછી મોક્ષે શી રીતે જાય ? એટલે એ સંપત્તિ તો સ્વપ્ને પણ ના હો !

પ્રશ્નકર્તા : મોક્ષે કેમ ના જવા દે ?

દાદાશ્રી : શી રીતે મોક્ષે જવા દે ? આ ચક્રવર્તીઓ બધું ચક્રવર્તી રાજ છોડીને જતા રહે ત્યારે મોક્ષે જવાય; નહીં તો ચિત્ત તો બધામાં ઘૂસેલું હોય. તે દહાડે કંઈ અક્રમ વિજ્ઞાન હતું ? ક્રમિક માર્ગ હતો. આ તો અક્રમ વિજ્ઞાન છે. એટલે નિરાંતે જ્ઞાનની ગોઠવણી કરીને સૂઈ જઈએ ને આખી રાત મહીં સમાધિ રહે.

પ્રશ્નકર્તા : આપે કહેલું ને કે સારા કુટુંબમાં જન્મેલા હોય એટલે બધું લઈને જ આવ્યા હોય એટલે માથાકૂટ વધારે કરવા માટે રહી નહીં, એવું ખરું ને ?

દાદાશ્રી : હા. બધું લઈને જ આવ્યો હોય પણ તે વ્યવહાર ચલાવવા પૂરતું, પોતાનું બધું ચાલે એટલું જ. બાકી કરોડાધિપતિ તો કોઈક જ થઈ જાય.

પ્રશ્નકર્તા : ચક્રવર્તી રાજાઓ પણ છેલ્લે મોક્ષે જવાનું જ વધારે ઇમ્પોર્ટન્ટ ગણતા હતા ને ! અગત્યનું મોક્ષ જ છે. ચક્રવર્તીપણામાં સુખ નથીને ?

દાદાશ્રી : અગત્યનો મોક્ષ છે એવું નથી, એ ચક્રવર્તીનું પદ એટલું બધું એમને કૈડે કે મનમાં થાય કે ક્યાંક નાસી જઉં હવે. તેથી મોક્ષ સાંભરે. કેટલો બધો પુણ્યશાળી હોય તો ચક્રવર્તી થાય, પણ ભાવ તો મોક્ષે જવું એવો જ હોય. બાકી પુણ્યૈ તો બધી ભોગવવી જ પડેને !

લાખો રૂપિયા મળે, તો આનંદ કે ઉપાધિ ?

એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તે ય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં સુખ છે, પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બન્ને વિરોધાભાસી છે. આમાં લક્ષ્મીજીનો દોષ નથી, એનો પોતાનો જ દોષ છે.

તમને એક કરોડ રૂપિયા આપે તો તમે શું કરો?

પ્રશ્નકર્તા : એ ય પાછી ઉપાધિ છે ને ?

દાદાશ્રી : આપે તો શું કરો ? આપણે કહીએ, તમને ઉપાધિ છે, તે મને શું કરવા આપો છો ? તમારી ઉપાધિ હું ક્યાં રાખું ? તમે પાછી લઈ જાવ!

અને આ પૈસાથી કેટલો આનંદ થાય છે ! તમને પાંચ લાખ રૂપિયા આપ્યા એટલે પહેલાં તો તમને એ જોઈને બહુ આનંદ થાય. પછી મનમાં ઉપાધિ થાય કે હવે ક્યાં મૂકીશું ? કઈ બેન્કમાં મૂકીશું ? પછી રસ્તામાં કોઈ લૂંટી ના જાય એટલા માટે તૈયારીઓ રાખવી પડે અને રસ્તામાં કોઈ લઈ લે તો ? એટલે એ બધું સુખ જ ના કહેવાય. લૂંટવાનો ભો છે ને લૂંટાઈ જઈએ એ વસ્તુમાં સુખ જ ના કહેવાય.

જગતની બધી વસ્તુઓ અપ્રિય થઈ પડે અને આત્મા તો પોતાનું સ્વરૂપ, ત્યાં દુઃખ જ ના હોય. જગતના તો પૈસા આપતો હોય તે ય અપ્રિય થાય. ક્યાં મૂકવા પાછા, ઉપાધિ થઈ પડે.

ભીડ-ભરાવો બધી રીતે દુઃખદાયી !

લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુઃખ, સાચવતાં દુઃખ, રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાં ય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય. કઈ બેન્કમાં આની સેફસાઈડ છે એ ખોળવું પડે ને પાછાં સગાં-વહાલાં જાણે કે તરત જ દોડે. મિત્રો બધા દોડે, કહે અરે યાર મારા પર આટલોય વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઈએ છે. તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તો ય દુઃખ ને ભીડ થાય તો ય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાં ય દુઃખ થાય.

ગાય દોહીને ગધેડાને પાય !!

તે મહીં વકીલો તો સંડાસમાં બેસીને દાઢી કરે છે અને એમનાં વાઈફ મને કહેતાં હતાં કે અમારી જોડે કોઈ દહાડો બોલ્યા નથી. ત્યારે કેવાં એ એકાંતિક થઈ ગયેલાં. એક જ બાજુ, આ જ ખૂણો અને પછી ઘોડદોડ હોય છે ને ! લક્ષ્મી આવે ને તો ત્યાં (રેસમાં) નાખી આવે પાછાં. લે ! અહીં આગળ ગાય દોહીને ત્યાં ગધેડાને પાઈ દે !

કમાય કોણ ? ભોગવે કોણ ?

જ્યાં આગળ અંતરશાંતિ નથી, ત્યાં સુખ શું હોય ? પેલું ગમે તેટલું કરે પણ અંતરશાંતિ ના હોય. બાહ્યમાં એનો ભપકો બહુ મોટો દેખાય. તમને એમ લાગે કે આ તો ઘણો સુખિયો છે, પણ બહુ દુઃખિયો હોય એ. કારણ કે એને અંતરશાંતિ ના હોય. અંતરશાંતિને આપણે સુખ કહીએ છીએ. મોટા મોટા દસ લાખના ફ્લેટ હોય છે, પણ મહીં તમે જાવ તો સ્મશાન જેવું લાગે. આને સુખ કહેવાય જ કેમ ? કારણ કે અંતરશાંતિ ના હોય. અંતરશાંતિ બંગલામાં કોને કોને હોય ? એક રસોઈયાને, બે નોકરોને હોય. પઠ્ઠા જેવા હોય, જે ખાય-પીએ ને મોજ કરે અને શેઠને શરદી થઈ ગયેલી હોય, તે શી રીતે ખાય ? ફ્રૂટ આવે ખરાં ઘરમાં, પણ કોઈથી ખવાય નહીં ને પેલા નોકરો બધા ખાય, તે હેય... આવાં તગડા થઈ ગયેલા ! મેં જોયેલું છે, ત્યારે થયું કે ધન્ય ભાગ કહેવાય ને ! આ રસોઈયા ને નોકરોનું યે પુણ્ય જાગ્યું છે ને !

નાણાવાળા ને નાણાં વગરના બધાં દુઃખી !

એટલે પૈસા હોય તો ય દુઃખ, ના પૈસા હોય તો ય દુઃખ, મોટા પ્રધાન થયા તો ય દુઃખ, ગરીબ હોય તો ય દુઃખ. ભિખારી હોય તો ય દુઃખ, રાંડેલીને દુઃખ, માંડેલીને દુઃખ, સાત ભાયડાવાળીને દુઃખ. દુઃખ, દુઃખ ને દુઃખ. અમદાવાદના શેઠિયાઓને ય દુઃખ. એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : એને સંતોષ નથી.

દાદાશ્રી : આમાં સુખ હતું જ ક્યાં તે ? સુખ હતું જ નહીં આમાં. આ તો ભ્રાંતિથી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ હોય, એનો એક હાથ ગટરમાં પડ્યો હોય તો ય કહેશે, હા મહીં ઠંડક લાગે છે. બહુ સરસ છે, તે દારૂને લીધે એવું લાગે છે. બાકી આમાં સુખ હોય જ ક્યાં આગળ ? આ તો નર્યો એંઠવાડ છે બધો !

આ સંસારમાં સુખ છે જ નહીં. સુખ હોય જ નહીં ને સુખ હોય તો તો મુંબઈ આવું ના હોય. સુખ છે જ નહીં. આ તો ભ્રાંતિનું સુખ છે અને તે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી.

નાણાંનો બોજો રાખવા જેવું નથી. બેન્કમાં જમા થાય એટલે હાશ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી, કારણ કે ટેમ્પરરી છે.

જગતવ્યવહાર હિસાબ માત્ર !

કેટલાંક લોક કહે છે કે, 'અમે કો'કને પૈસા ધીર્યા છે તે બધા ઘલાઈ જશે.' ના, આ જગત બિલકુલેય એવું નથી, કેટલાંક કહેશે, 'પૈસા આપે તો ઘલાય જ નહીં.' એવું ય જગત નથી. જગત પોતે પોતાના હિસાબથી જ છે. તમારું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે એવું જગત છે.

મનમાં એમ થાય કે, 'કોઈ ચોર પકડશે તો શું થશે ?' કશું એવું બને એવું નથી. અને જે પકડાવાના છે, તેને કોઈ છોડવાના નથી. તો પછી ભડકવાનું શેને માટે ? જે હિસાબ હશે તે ચૂકતે થઈ જશે. અને આમાં હિસાબ નહીં હોય તો કોઈ કશું નામ દેનારાં નથી. હવે આમાં નીડરે ય નથી થઈ જવાનું કે મારું નામ કોણ દે ? એવું પાછું બોલાય જ નહીં. એ તો બીજાને પડકાર આપ્યો કહેવાય. બાકી મનમાં ભડકશો નહીં, ભડકવા જેવું આ જગત નથી.

આપણું ઘડિયાળ હોય ત્રણ હજારનું અને ફોર્ટ એરિયામાં પડી ગયું હોય. ફોર્ટ એરિયા એટલે તો મહાસાગર કહેવાય, તે મહાસાગરમાં પડેલું કંઈ ફરી જડે નહીં. આપણે આશા ય રાખીએ નહીં. પણ ત્રણ દહાડા પછી છાપામાં જાહેરખબર આવે કે જેનું ઘડિયાળ હોય, તે એનો પુરાવો આપીને અને જાહેરખબરનો ખર્ચ આપીને લઈ જાવ. એટલે આવું આ જગત છે, બિલકુલ ન્યાયસ્વરૂપ !! તમને રૂપિયા ના આપે તે ય ન્યાય છે, પાછા આપે તે ય ન્યાય છે. આ બધો હિસાબ મેં બહુ વર્ષો પહેલાં કાઢી રાખેલો. એટલે રૂપિયા ના આપે, એમાં એનો કોઈનો દોષ નથી. એવી રીતે પાછાં આપવા આવે છે, એમાં એનો ઉપકાર શો ? આ જગતનું સંચાલન તો જુદી રીતે છે !

આપવા, પણ ગયા સમજીને !

કોઈને રૂપિયા આપ્યા હોય, બે ટકાના વ્યાજે કે દોઢ ટકાના વ્યાજે કે પછી ત્રણ ટકાના વ્યાજે, પણ ફરી કોઈ દહાડો દેખાવાના નથી એવી રીતે આપવા. એટલે જ્યારે પછી પાછા આવે ત્યારે નફો જાણવો. એક વખત રૂપિયા અપાઈ ગયા પછી એની ચિંતા ઉપાધિ કરવાની ના હોય, કારણ કે તમારા હાથમાં સત્તા જ નથી. આ મનુષ્યોના હાથમાં જીવવાની યે એક ઘડીવાર સત્તા જ નથી. કઈ સેકન્ડે મરી જશે એનું ઠેકાણું નથી ને રૂપિયાની ચિંતા કર્યા કરે છે. અલ્યા, રૂપિયાની ચિંતા થતી હશે ?

પડ્યા લ્હાયમાં, વ્યાજની ?

પ્રશ્નકર્તા : તમે એવો પ્રશ્ન કર્યો કે પૈસાને શું કર્યા ? પૈસાને કંઈ મૂક્યા ?

દાદાશ્રી : એવું છે ને, ગઈ કાલે પૈસા આવેલા હોય ને તે રાત રાખે નહીં. તરત ધીરેલા હોય એક ટકાના ભાવે. એનો ક્યારે પાર આવે ?

હંમેશાં વ્યાજ ખાવાની શરૂઆત માણસ કરે, એટલે મુસલમાનમાં ય ના ગણાય. ખરો મુસલમાન વ્યાજ ના લે. કારણ કે વ્યાજની કિંમત નથી. વ્યાજમાં પડેલો માણસ વ્યાજની લાઈનમાં પડેલો એ માણસ મટીને શું થાય છે એ ભગવાન જ જાણે ! તમે બેકન્માં મૂકો તેનો વાંધો નહિ, બીજા કોઈને ધીરો તેનો વાંધો નહિ, પણ બે ટકાને, દોઢ ટકાને, સવા ટકાને, અઢી ટકાને, એ લ્હાયમાં પડ્યો, એ માણસ શું થશે એ કહેવાય નહિ, એવું અત્યારે મુંબઈમાં બધાને થયું છે. આપણે અહીં તો એટલું બધું નાણું હોય ક્યાંથી ? પણ આ લ્હાયમાં પડ્યાને ?! વ્યાજની લ્હાયમાં બે ટકા ને અઢી ટકા, પધ્ધતિસરનું વ્યાજ હોય ત્યાં સુધી ચાલે. નહીં તો માણસનું લોહી લુપ્ત થઈ જાય. એમને કોઈ દહાડો મોક્ષે જવાની ટિકિટ નહીં મળે. કારણ કે પૈસા જ બધું છે.

વ્યાજ-વટાવનો વેપાર જોખમી !

બીજું મુસલમાનોનું અક્કલવાળું પોઈન્ટ એ છે કે વ્યાજ નહીં લેવું જોઈએ. વ્યાજ ખાનારો માણસ ક્રુઅલ (દુષ્ટ) થતો થાય. સ્ત્રી-બેનને રૂપિયા વ્યાજે આપ્યા હોય તોય ક્રુઅલ્ટી કરે. પણ અત્યારે આપણી પાસે એવું નથી. માટે બેન્કો લે તે પ્રમાણે લેવું. કોઈને ધીરવા નહીં ખાસ કરીને. એનાથી ના આપી શકાય ત્યારે દુઃખે ય થાય એટલું. ભયંકર દુઃખ થાય.

કોઈ માણસને અંગત ના ધીરવું જોઈએ. નહીં તો માણસનું મન પછી ખાટકી થઈ જાય. એટલે અમે તો અમારા ભાગીદારને પહેલેથી કહેલું કે આપણે વ્યાજ આપીને લાવો અને આપણે વ્યાજ ના લેવું.

પ્રશ્નકર્તા : અહીં એવું છે કે આપણે કોઈને ધંધા માટે હજાર, બે હજાર ડૉલર આપ્યા પછી પાછા માગીએ તો એ કહે કે ક્યારે તમે આપેલા ? એમ એ લોકોને એટલું કહ્યું હોય કે હું વ્યાજ લઈશ, બેન્કમાં જેટલું થાય છે તેટલું લેવાનું.

દાદાશ્રી : વ્યાજ લેવામાં વાંધો નહીં. આ તો વ્યાજ લેવાનો વ્યાપાર કર્યો હોય, ધંધો વ્યાજ-વટાવનો. તમારે શું કરવું જોઈએ ? જેને ધીર્યા એને કહેવું જોઈએ કે બેન્કમાં જે વ્યાજ છે તે તારે મને આપવું પડશે. હવે છતાં એક માણસની પાસે વ્યાજે ય નથી, મૂડી યે નથી તો એની પાસે મૌન રહેવું. એને દુઃખ થાય એવું નહિ વર્તવું. એટલે આપણા પૈસા ગયા છે એમ માનીને ચલાવી લેવું. દરિયામાં પડી જાય તેને શું કરીએ ?

પ્રશ્નકર્તા : પછી પાછું આપ્તવાણીમાં કહ્યું છે કે આપતી વખતે એમ કહેવાનું કે ક્યારે પાછાં આપવાનો છે ? વરસે-દોઢ વરસે આપી જજે, પણ અંદરખાને એમ માનવાનું કે ગયા ખાતે જ છે.

દાદાશ્રી : ગયા એવું માનીને જ તમે ચાલો. 'નો પોઝિટિવનેસ'. દરિયામાં પડી ગયું હોય ત્યારે શું ખોળીએ છીએ કોઈની પાસે ? ના ખોળીએ ને ?

હવે આ હીરાની વીંટી પહેરીને ફરતા હોય ને કોઈ ગુંડો આવીને કહેશે કે 'એય, આપી દો !' તો બધું આપી દેવું પડે કે ના આપી દેવું પડે ? ત્યાં ક્લેઈમ છે કોઈ જાતનો ? એટલે આ અહીં આપો તો પેલું નહીં મળે. નહીં તો પેલું મળશે. નાણાંનો સ્વભાવ કેવો જતું રહેવાનો. ટાઈમે જતું રહે. માટે એનો ઉપાય આ જ હોય.

મનમાં આ ભાવ તોડી નાખો ને નક્કી કરો કે આ વ્યાજનો ધંધો જ બળ્યો નથી કરવો.

પ્રશ્નકર્તા : નથી ધંધો. દસ વરસ થયા. નવો કંઈ ધંધો નથી.

દાદાશ્રી : એ તો એવું છે, નવો નથી. એ તો ફસાવે એટલે બધાને વૈરાગ્ય આવે. હવે ફસાવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે આ ટાઈમ ફસાવાનો છે. કારણ કે અત્યાર સુધી લે લે કર્યા, સીઝનો સારી આવી. પણ હવે સીઝન ઊડી જાય છે.

ચાલો હવે સત્સંગની વાતો કરો. અનંત અવતાર બહુ ભટક્યા. ધોળા વાળ આવ્યા ને ત્યાંથી સિગ્નલ પડી ગયો. પ્લેટફોર્મ આવ્યું ઊતરવાનું ! અને તો ય રૂપિયા છોડ્યા નહિ, એટલે ભગવાને કહેલું શાસ્ત્રમાં કે જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કરજો.

નહીં તો ભાવિમાં છે અંધકાર !

અને અત્યારે આ લક્ષ્મી તો રહેવાની નથી. બે-પાંચ વર્ષમાં તો મોટા મોટા શેઠિયાઓ બૂમો પાડશે, 'હું ખાલી થઈ ગયો છું.' માટે અલ્યા, પહેલેથી પાંસરું મરવું'તું ને ? પાંસરો રહ્યો હોત તો બહુ સારું થાત ! સારે રસ્તે પૈસો ગયો નથી, એ બધું ગટરમાં ગયું હડહડાટ ! હેય, નિરાંતે વાંદરાની ખાડીમાં ! લોકો તો આ પાઈપમાં નાખ્યા જ કરે છે. એટલે 'અમે' મહાત્માઓને કહ્યું છે, નિર્ભય રહેજો ! નિર્ભય રહેવું જોઈએ કે નહીં ? નહીં તો ભયસ્થાનો જ છે ને ! ભયસ્થાનો જ છે ને બધું ! અત્યારે શાથી બચ્યા છે ? કંઈ પણ ધોરણ છે આપણી પાસે, નીતિ છે, ધર્મના માટે ભાવ છે, એટલે આ કંઈ નિયમમાં રહ્યું છે તો પાર પડશે. 'દાદા ભગવાન'નું આ વિજ્ઞાન છે. એ કંઈ તમને ઉખેડી નહીં નાખે.

બાકી બહાર તો તમે જોશોને, તો કુદરત લોકોને ઉખેડી નાખશે. અને તેમાં મોટા મોટા વડ તો પડશે, કબીર વડ જેવા નીચે પડશે. પણ જોડે કેટલાં ય જીવડાં બફાઈ જશે, નર્યાં ! કોઈ કહેશે હું વીસ હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા. પેલો કહેશે, હું એંસી હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા. પેલો કહેશે, લાખ મૂકી આવ્યો હતો, તે ગયા. આ તો મોટાં ઝાડો પડે ત્યારે જાય. બે ટકા લેવા કર્યા હતા ને 'કંઈ એમ ને એમ ઓછાં આપી આવ્યા'તા ?

આ તો આપણું જ્ઞાન છે ને, એટલે બહુ સારું થઈ ગયું છે. ખોટું થાય તો ય ડંખ્યા જ કરે. બેનો ડિફરન્સ આટલો કે પેલાં ખોટું કરે છે ને ઉપરથી રાજી થાય છે કે મેં કેવાં મૂરખ બનાવ્યાં લોકોને અને આ ડંખ્યા કરે. આપણા મહાત્માઓને ખોટું થાય પછી ડંખ્યા કરે તે કે ના ડંખે ?

પ્રશ્નકર્તા : ડંખે.

દાદાશ્રી : એનું નામ મહાત્મા. ખોટું કરે ત્યારે મહીં ડંખ્યા કરે એને. ખોટું કરે ને રાજી થાય એ પેલાં !

લેતાં ય એટલો જ વિવેક !

પ્રશ્નકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછાં લેવાના હોય અને એ ના આપે, તો એ વખતે આપણે પાછાં લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂકતે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું ?

દાદાશ્રી : એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો.

પ્રશ્નકર્તા : પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો ઘેર બેઠા આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું ?

દાદાશ્રી : ના, ના. એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, 'અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો.' એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે.

પ્રશ્નકર્તા : એટલે એના માટે સામાન્ય પ્રયત્ન કરી જોવાનો ?

દાદાશ્રી : સામાન્ય એટલે એને કહેવાનું કે, 'ભાઈ, અમારે પૈસાની જરા ભીડ છે. આપની પાસે હોય તો જરા જલદી મોકલી આપો તો સારું.' લેનારાનો જેટલો વિવેક હોય ને, એવો વિવેક આપણે રાખવો જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછાં લેતી વખતે રાખવો. આપણને પેલો ખ્યાલ રહે છે. એ બધું નુકસાન બહુ કરે છે.

એ કાળી ચીંથરીએ બાંધી નાખ્યા દરિયામાં !

આ સંસાર તો બધું પઝલ છે. આમાં માણસ માર ખાઈ ખાઈને મરી જાય ! અનંત અવતારથી માર ખા ખા કર્યો અને છૂટકારાનો વખત આવે ત્યારે પોતે છૂટકારો ના કરી લે. પછી ફરી છૂટકારાનો આવો વખત જ ના આવે ને ! અને છૂટેલો હોય તો જ છોડાવડાવે, બંધાયેલો આપણને શું છોડાવડાવે ? છૂટેલા હોય એનું મહત્ત્વ છે. આપણને એક દહાડો વિચાર આવે કે 'આ પૈસા નહીં આપે તો શું થશે ?' એ આપણું મન પછી નબળું પડતું જાય. એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય ? તો આપતાં પહેલાં જ આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં.

માંડવાળ કર્યા, છૂટવા માટે !

લોકોએ જાણ્યું કે મારી પાસે પૈસા આવ્યા છે, એટલે મારી પાસે લોકો પૈસા માગવા આવ્યા. તે પછી '૪૨ થી '૪૪ સુધી મેં બધાને આપ આપ જ કર્યું. પછી '૪૫ માં મેં નક્કી કર્યું કે હવે આપણે તો આ મોક્ષ તરફ જવું છે. આ લોકોની જોડે આપણને હવે મેળ ક્યાં સુધી પડશે ? માટે આપણે એવું નક્કી કરો કે આ પૈસાની ઉઘરાણી કરીએ તો ફરી પાછા રૂપિયા લેવા આવશે ને તો ફરી વ્યવહાર ચાલુ રહેશે. એના કરતાં ઉઘરાણી કરીએ તો પાંચ હજાર આપીને દસ હજાર લેવા આવે. એના કરતાં આ પાંચ હજાર એની પાસે રહે તો એના મનમાં એમ થાય કે 'હવે ભેગા ના થાય તો સારું.' અને રસ્તામાં મને દેખે ને, તો પેલી બાજુથી જતો રહે, તે હું પણ સમજી જઉં. એટલે હું છૂટ્યો, મારે આ બધાને છોડવા હતા ને એ બધાએ છોડ્યો મને !!

હવે એ ટોળામાં શા માટે પેઠો હતો ? માન ખાવા માટે. માન ખાવાનો મહીં મોહ રહેલો એથી માન ખાવા મહીં પેઠેલા. પણ હવે નીકળવું શી રીતે ? પણ મને આ રસ્તો જડી ગયો. જ્યારે જ્યારે મારા મનમાં નક્કી થાય કે હવે શી રીતે નીકળવું ? તે ઘડીએ મને સૂઝ પડી જાય. એટલે મેં નક્કી કર્યું કે આ પૈસા માંગવા નથી, કોઈ રસ્તો આવી જશે. એવો સરસ અંત આવી ગયો કે કોઈ આવતું જ બંધ થઈ ગયું. એમાંથી બે-ચાર જણ આવીને આપી ગયા હશે, પછી મેં એમને મોંઢે જ કહી દીધેલું કે, 'ભઈ, હવે તો મેં વ્યવહાર આ હીરાબાને સોંપી દીધો છે. મેં મારા હાથમાં કશું રાખ્યું નથી.' એટલે ફરી ભાંજગડ જ મટી ગઈને ! હવે મારા હાથમાં કશું નથી, ઘરમાં મારું ચલણ પણ નથી', એવું કહી દીધેલું.

ખરીદી લો, અહંકાર !

પ્રશ્નકર્તા : એ તો આપણે આપ્તવાણીમાં કહેવામાં આવ્યું જ છે ને કે તેં જો હજાર-બે હજાર રૂપિયા કોઈને આપ્યા તે શા માટે આપે છે કે તું તારા અહંકાર-માનને લીધે આપે છે.

દાદાશ્રી : માન વેચ્યું એણે. અહંકાર વેચ્યો તો આપણે લઈ લેવો જોઈએ. ખરીદી લેવો જોઈએ. હું તો આખી જિંદગી ખરીદતો આવેલો.

પ્રશ્નકર્તા : અહંકાર ખરીદવો એટલે શું, દાદા ?

દાદાશ્રી : તમારી પાસે પાંચ હજાર લેવા આવ્યો, તેને આંખમાં શરમ ના આવે બળી ?!

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તે માગે છે તે શરમને કાઢીને અહંકાર વેચે છે આપણને. તો આપણે ખરીદી લેવો, આપણી પાસે મૂડી હોય તો !

પૈસા લેવા જવાનું સારું લાગે ? સગા કાકા જોડે લેવા જવાનું ગમે ? કેમ ના ગમે ? અરે, સંબંધિત પાસે લેવાનું ય ના ગમે કોઈને. બાપ પાસે લેવાનું ય ના ગમે. હાથ ધરવાનો ના ગમે.

એટલે આટલો પોતાનો અહંકાર વેચવા તૈયાર થયો તો ય તમને ખબર ના પડે, તો ય તમે વેચાતો લો નહિ તો તમે શાનો વ્યાપાર કરશો ? પોતાનો અહંકાર વેચવા આવ્યા છે, તો તમારે ખરીદી લેવો કે ના ખરીદવો જોઈએ ? ના ખરીદવો જોઈએ ? એ અહંકાર વેચીને શું કહે છે ? મને ખાવાનું આપો. એ અહંકાર ખરીદી ના લો તો માલ શું રહેશે ? દરેકના અહંકાર ખરીદી લો. કોઈના ખરીદ્યા ? નહીં ખરીદ્યા ? કેવા છે ? ચોપડો દેખાડો !

એ એનો અહંકાર વેચવા આવ્યો છે ! પૈસા લેવા આવ્યો એટલે શું વેચવા આવ્યો છે ? એ કંઈ શાકભાજી વેચવા આવ્યો છે ? એ પૈસા પાંચસો ડૉલર વેચવા આવ્યો છે ? જો બેન્કમાં પડ્યા હોય તો આપીને લઈ લો, ખરીદી લો. અને ખરીદવાની ચીજ લોક ખરીદતા નથી. મેં તો એ ખરીદ ખરીદ કર્યું, તેનો આ ભેગો થયો છે માલ !

પ્રશ્નકર્તા : એનો અહંકાર ખરીદી લીધો, પણ આપણને એનો અહંકાર શું કામમાં આવે ?

દાદાશ્રી : ઓહોહો ! એનો અહંકાર ખરીદી લીધો એટલે જે એનામાં શક્તિઓ છે તે આપણામાં પ્રગટ થઈ ગઈ ! એ અહંકાર વેચવા આવ્યો બિચારો !

એની ય એક્સપાયરી ડેટ !

રૂપિયાનો નિયમ કેવો છે કે અમુક દિવસ ટકે ને પછી જાય, જાય ને જાય જ. એ રૂપિયો ફરે ખરો, પછી એ નફો લઈ આવે, ખોટ લઈ આવે કે વ્યાજ લઈ આવે, પણ ફરે ખરો. એ બેસી ના રહે, એ સ્વભાવનો જ ચંચળ છે. એટલે આ ઉપર ચઢેલો તે પછી ઉપર એને ફસામણ લાગે. ઊતરતી વખતે ઉતરાય નહીં, ચઢતી વખતે તો હોંશે હોંશે ચઢી જવાય. ચઢતી વખતે તો હોંશમાં આમ ઝાલી ઝાલીને ચઢે, પણ ઊતરતી વખતે તો પેલી બિલાડી મોઢું માટલીમાં ઘાલે, જોર કરીને ઘાલે ને પછી કાઢતી વખતે કેવું થાય ? તેવું થાય.

આ અનાજ છે તે ત્રણ-પાંચ વર્ષમાં નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં.

અગિયાર વરસે પૈસા બદલાય, પચીસ કરોડનો આસામી હોય પણ અગિયાર વરસ જો એની પાસે એક આનોય આવ્યો ના હોય તો એ ખલાસ થઈ જાય. જેમ આ દવાઓની 'એક્સપાયરી ડેટ' લખો છો તેમ આ લક્ષ્મીની અગિયાર વર્ષની 'એક્સપાયરી ડેટ' હોય છે.

પ્રશ્નકર્તા : આખી જિંદગી લોકોને લક્ષ્મી રહે છે ને ?

દાદાશ્રી : આજે '૭૭ની સાલ થઈ તો આજે આપણી પાસે '૬૬ પહેલાંની લક્ષ્મી ના હોય.

પ્રશ્નકર્તા : અગિયાર વર્ષનો જ નિયમ.

દાદાશ્રી : આ જેમ દવાઓમાં બે વર્ષની 'એક્સપાયરી ડેટ' હોય, છ મહિનાની હોય, અનાજની ત્રણ વરસની હોય, તેમ લક્ષ્મીજીની અગિયાર વરસની હોય.

નાદારીથી કેવી રીતે બચાય ?

લક્ષ્મીજી જંગમ મિલકત કહેવાય છે. ૨૦૦ વર્ષ પહેલાંના વાણિયા હતા. તેમની પાસે લાખ રૂપિયા હોય તો પચીસ હજારની મિલકત લઈ લે. પચીસ હજારનું સોનું ને જણસો લે, પચીસ હજાર કોઈ જગ્યાએ શરાફને ત્યાં વ્યાજે મૂકે ને પચીસ હજાર વેપારમાં નાખે. વેપારમાં જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે. આ એમની 'સિસ્ટમ' હતી. એટલે એ શી રીતે જલદી નાદાર થાય ? અત્યારના વાણિયાને તો આવું કશું આવડતું ય નથી.

આપણી હિન્દુસ્તાનની જણસોમાં કશો ભલીવાર રહેતો જ નથી. જડતરમાં પંચોતેર ટકા જ સોનું રહે.

કાયદો, મૂડી રોકાણનો !

પ્રશ્નકર્તા : પૈસો ચાર જગ્યાએ રોકવો એવું આપે કહ્યું છે તો એ કઈ કઈ ચાર જગ્યાઓ ?

દાદાશ્રી : એક તો આપણે બેન્કમાં વ્યવહાર કરવા, ચલાવવા માટે જોઈએ ને ? રોકડા ! પછી છે તે આ મકાનમાં, સ્થાવર મિલકતમાં ! પછી સ્થાવર-જંગમમાં, એટલે સોનું અને પછી વેપારમાં.

પ્રશ્નકર્તા : આ જરા વિગતવાર સમજાવો ને ?

દાદાશ્રી : રૂપિયાનો સ્વભાવ હંમેશાં કેવો છે ? ચંચળ. એટલે તમારે દુરુપયોગ ના થાય એ પ્રમાણે સદુપયોગ કરવો. એને સ્થિર નહીં રાખવા. કારણ કે નિયમ એવો છે કે આ સંપત્તિ કેટલા પ્રકારની કહેવાય ? ત્યારે કહે કે એક જંગમ ! જંગમ સંપત્તિ એટલે આ ડૉલર ને એ બધું. અને સ્થાવર તે મકાન ને એ બધું. પણ તેમાંય વધારે પડતું આ સ્થાવર નભે. આ સ્થાવર-જંગમ નભે અને રોકડું ડૉલર ને એ હોય એ તો ચાલ્યા જ જાણો ને ! એટલે રોકડાનો સ્વભાવ કેટલો ? દસ વર્ષથી અગિયારમે વરસે ટકે નહિ. પછી સોનાનો સ્વભાવ તે ચાળીસ-પચાસ વર્ષ ટકે અને સ્થાવર મિલકતનો સ્વભાવ સો વરસ ટકે. એટલે મુદત બધી જુદી જુદી જાતની હોય. પણ છેવટે તો બધું ય જવાનું જ. એટલે આ બધું સમજીને કરવું આપણે. આ વણિકો પહેલાં શું કરતા હતા, રોકડ રકમ પચીસ ટકા વ્યાપારમાં નાખે. પચીસ ટકા હાથ ઉપર રાખે. પચીસ ટકા સોનામાં અને પચીસ ટકા મકાનમાં. આવી રીતે મૂડીની વ્યવસ્થા કરતા હતા. બહુ પાકાં લોકો ! અત્યારે તો છોકરાને શીખવાડ્યું ય નથી હોતું આવું ! કારણ કે વચ્ચે મૂડીઓ જ રહી નથી તો શું શીખવાડે ?

આ પૈસાનું કામ એવું છે કે અગિયારમે વરસે પૈસો નાશ થાય હમેશાં. દસ વર્ષ સુધી ચાલે. તે આ સાચા પૈસાની વાત. ખોટા પૈસાની તો વાત જુદી ! સાચા પૈસા તે અગિયારમે વરસે ખલાસ થાય !

પ્રશ્નકર્તા : એટલે જતા રહે દાદા ?

દાદાશ્રી : એ સ્વભાવ જ છે, ચંચળ સ્વભાવ. ત્યારે લોક શું કહે છે ? ના, અમે કાઢી નાખતા નથી ! ત્યારે કહે, પંચ્યાશી સાલ થઈ, તે અગિયાર વર્ષ પહેલાં કઈ સાલ હતી ?

પ્રશ્નકર્તા : ચુમ્મોતેર.

દાદાશ્રી : તે ચુમ્મોતેર પહેલાંનું નાણું આપણી પાસે કશું ના હોય ! આ ચુમ્મોતેર પછી જે નાણું કમાયા એટલું દસ વર્ષ જો આપણે ના કમાઈએ તો ખલાસ !

દસ વર્ષે લક્ષ્મી જતી રહે તે આ લોક કહેશે, 'મારા તો અઢાર વર્ષથી પૈસા બેન્કમાં જ છે. એ ટક્યા છે જ ને ?' ત્યારે અમે કહીએ, 'ના, અત્યારે તમારી પાસે લક્ષ્મી કઈ હોય ? ૧૯૭૫ સુધીની જ હોય. એ તમે હિસાબ કાઢશો તો જડશે. '૭૫ પહેલાંની તો ગમે ત્યાં વપરાઈ જ ગયેલી હોય. સમજ પડીને ! આ '૭૫ પછીની દસ વર્ષથી જે હોય તે. હિસાબ કાઢે તો ખબર પડે કે ના પડે ? હવે જ્યારે '૮૬ થશે ત્યારે '૭૬ પછીની લક્ષ્મી. એક દસકો જ જો માણસને ખરાબ આવ્યો તો ખલાસ થઈ જાય ! ઊડી જાય ! હવે વધુ કલ્પવાની જરૂર નહિ. બધું 'વ્યવસ્થિત' છે. નિરાંતે આરામથી સૂઈ જવું, આ તો ચિંતાવાળાને આ બધી ભાંજગડો ! એમને બધી ભાંજગડો જોઈએ આ બધી ! નહિ તો આખી રાત ઊંઘવાનું કેમ ફાવે ? એટલે થોડું થોડું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ દાદા, ધંધામાં તો સ્પેક્યુલેશન રાખવું જ પડે ને ? સ્પેક્યુલેશન ધંધામાં કરો એટલે પૈસા આવતા-જતા, વધતા-ઓછા થયા જ કરવાના. તો તમે કેવી રીતે સમય બાંધો ?

દાદાશ્રી : હું શું કહું છું કે '૭૪માં નાણું આવ્યું હોય, તે અત્યારે ખલાસ થઈ ગયેલું હોય.

પ્રશ્નકર્તા : એટલે રોકડું ઇન્વેસ્ટ (રોકાણ) કરેલું કે ઘર ને એવું નહીં ?

દાદાશ્રી : કાયદો એવો છે કે રોકડા માટે દસ વરસ છે. પછી સ્થાવર-જંગમ છે. તે આ સોનું કહેવાય. તેને માટે અમુક વરસ છે. હવે સોનું વેચવું હોય તો એના તરત પૈસા આવે એવું છે માટે એને સ્થાવર-જંગમ કહેવાય. એ ડૉલર જેવું છે ? ત્યારે કહે ના. એ પછી બૈરી કચકચ કરે કે સોનું ય પહેરવા નથી દેતા. એટલે એમ કરીને મોડું-વહેલું થાય અને મકાન ? લોક શું કહેશે ? ફ્રેન્ડ શું કહેશે ? એટલે એય મોડું થાય અને ડૉલર ? તરત મૂકી આવે ! સાઠ હજાર મૂકી આવે ને ! ડૉલર હાથમાં હતા ને, તે મૂકી આવે ને ! એવું આ એનું બહુ હિસાબ કરું છું. આવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : જે પ્રમાણે આવે એ પ્રમાણે લેવું ઈશ્વરની ઇચ્છાએ.

દાદાશ્રી : હા, એ તો ઉત્તમ. ઈશ્વરની ઇચ્છા શું ? આ તો આપણું પ્રારબ્ધ જ. આપણું જ આ રીએક્શન આવે છે. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. આપણું જ પ્રારબ્ધ છે આ, બસ ! એટલે એ પ્રમાણે રહેવું.

સોનામાં રોકાણ કરાય ?!

પ્રશ્નકર્તા : સોનામાં રાખવું જોઈએ ?

દાદાશ્રી : સોનામાં રાખવું જોઈએને ! આ પહેલાંના જમાનાના હિસાબ છે. અત્યારે આપણને વ્યાજમાં નુકસાન થતું હોય તો સોનું ના લેવું. પણ જોડે જોડે જતું રહેશે એવી ખાતરી રાખવી ! સોનું જરા વાર લાગે. અત્યારે તો તરત એનું એ જ કહેવાય ને ! પહેલાં તો શું થાય ? લોકોમાં ખોટું દેખાય કે મારે સોનું વેચવાનો વખત આવ્યો ! આ કાયદા બાંધેલા ને તે ટાઈમ જ જુદો હતો ! સોનું વેચવાનો વખત આવ્યો, તો લોક શું કહે ? સોનું ના વેચશો, હં આપણે. તે સોનું રહેવા દો ને, તે ચલાય ચલાય કરે. પછી જરૂર પડે તો જમીન, ખેતર અરે, ઘર વેચવાનો વખત આવે ! અને રોકડા હોય તો તરત શેરબજારમાં જઈને શેરનું કરી આવે. અને પછી નથી એવું માને. એટલે શેરબજારમાં એને જતો અટકાવે. તમને સમજ પડીને ?

આ જે જણસો (દાગીના) કરાવે એમાં તો સોનું કાઢી લે, આપણી પાસે કશું રહે જ નહિ. અત્યારે કોઈ કહે કે મારે સોનું સંઘરવું છે તો હું કહું કે લગડીઓ સંઘર, પણ આ તો લગડીઓ વેચી ખાયને પાછો, એટલે એમને અત્યારે શું સમજણ પાડવી તે જ સમજણ ના પડે. માટે 'વ્યવસ્થિત'માં જે બને છે તે જુઓ ! શું થાય ?

પ્રશ્નકર્તા : શેરબજારમાં સટ્ટાબાજી કરવી કે સોનું લેવું સારું ?

દાદાશ્રી : શેરબજારમાં તો જવું જ ના જોઈએ. શેરબજારમાં તો ખેલાડીનું કામ છે. આ વચ્ચે ચકલાં બફાઈ મરે છે ! ખેલાડી લોકો ફાવી જાય છે આમાં. બધા પાંચ-સાત ખેલાડીઓ ભેગા થઈને ભાવ નક્કી કરી નાખે. એમાં આ ચકલાં મરી જાય વચ્ચે ! એમાં કો'ક તો ફાવે જ છે ને ! પેલા ખેલાડીઓ ફાવે છે આમાં અને નાના જે ચરાવી ખાતા હોય ને તે ખર્ચા કાઢે છે ! કારણ કે રાત-દા'ડો એની પર જ કરવાનું હોય. આ વચલાવાળા જે આમ અહીંથી કમાઈને આમ નાખે, તે માર્યા જાય. એટલે અમારા સગા હતા તેમણે મને પૂછયું ત્યારે મેં તેમને કહ્યું કે આ કરશો નહિ.

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ૧૧ વરસે નાણું ખલાસ થઈ જાય, ત્યારે કહે, દસ વરસ થાય ને પછી આપણે એ પૈસાનું સોનું ખરીદી લઈએ તો એ ટકે ને ?

દાદાશ્રી : નવ વરસે સોનું લઈ લે તો પાછું ટકે. પણ એ બુધ્ધિ ત્યારે ના રહે. એ કહે, સોનાનું પણ વ્યાજ ના આવે ને ! માટે મૂકી આવો ને આપણે સાઠ હજાર. એ બુધ્ધિ એવું કહે કે જો મૂકી આવીશું તો બાર મહિને છ હજાર ડૉલર આવશે.

એટલે આ પૈસાને ધીમે ધીમે સારા ઉપયોગમાં વાપરવા. કાં તો મકાન બાંધી દેવું ઘેર. મકાન ઘેર હોય તો બીજું મુંબઈમાં બાંધવું. કંઈ થોડા-ઘણા સોનામાં રાખવા પણ બધું બેન્કમાં ના રાખવું. નહિ તો કો'ક દહાડો મળી આવશે ને ગુરુ, કે શેરબજારમાં ભાવ સારા છે હમણે. એ લાલચમાં નાખ્યો કે પડ્યો એ ! પેલાના સાઠ હજાર ગયા ને !

બે નંબરના પૈસાથી કર્મબંધ કયો ?

પ્રશ્નકર્તા : મુંબઈના શેઠિયા બે નંબરના પૈસા ભેગા કરતા હોય એનાથી શું ઇફેક્ટ થાય ?

દાદાશ્રી : એનાથી કર્મનો બંધ પડે. એ તો બે નંબરના ને એક નંબરના હોય. તે ખરાં-ખોટા પૈસા એ બધા કર્મનો બંધ પાડે. કર્મનો બંધ તો એમ ને એમ પણ પડે. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી કર્મનો બંધ પડે છે. બીજું કશું પૂછવાનું છે ? બે નંબરના પૈસાથી ખરાબ બંધ પડે. આ જાનવરની ગતિમાં જવું પડે, પશુયોનિમાં જવું પડે.

સાચા આનંદ પ્રાપ્તિના ઉપાય !

પ્રશ્નકર્તા : માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી ? કે કોઈને દાન આપવું ? શું કરવું ?

દાદાશ્રી : માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાંને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણેં કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું, તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું તે ઘડીએ તું બાંધું પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય.

આપવાનું શીખે ત્યારથી મોક્ષ ભણી !

આપવાનું શીખ્યો ત્યારથી સદબુધ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડો ય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને ! તેમાં જાનવરમાં હતો તો ય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં ! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષે ભણી વળે છે. કોઈને આપવાનું તને ગમે છે કશું ?

પ્રશ્નકર્તા : હું તો બહુ આપી દઉં !

દાદાશ્રી : ત્યારે સારું ! બાકી અનાદિ અવતાર ગ્રહણ કરવાનું શીખેલો ! આ કીડીઓ હઉ બધી સ્વાર્થમાં ચોક્કસ ! એમાં કશુંક મંકોડો લઈ જતો હોય ને તો કીડીને ગમે નહીં ! હા, એમની ક્વૉલિટીની બધી કીડીઓ હોય તો એ જાણે કે આપણા સ્ટોરમાં જ લઈ જાય છે એટલે એ વઢે નહીં અને મંકોડા લઈ જાય ત્યાં લઢવા જ માંડે !

વધુ લક્ષ્મીનો ચઢે કેફ !

પ્રશ્નકર્તા : વધારે પૈસા હોય તો મોહ થઈ જાય એમ ? વધારે પૈસા હોય એ દારૂ જેવું જ છે ને !

દાદાશ્રી : દરેકનો કેફ ચઢે. જો કેફ ના ચઢતો હોય તો પૈસા વધારે થયેલા હોય તો વાંધો નથી. પણ કેફ ચઢે એટલે દારૂડિયો થયો, પછી ખુમારીમાં ને ખુમારીમાં ભમ્યા કરે લોકો ! લોકોને તિરસ્કાર કરે, આ ગરીબ છે. આમ છે, આ મોટો શ્રીમંત ને લોકોને ગરીબ કહેનારો ! પોતે શ્રીમંત ! ક્યારે ગરીબી આવે એ કહેવાય નહીં માણસને. તમે કહો છો એવું જ. બધો કેફ ચડી જાય. સમજ પડીને ? જો તમને ચઢ્યો નથી ને !

પ્રશ્નકર્તા : ચઢેલો હતો, હવે ઊતરી ગયો.

દાદાશ્રી : સારું કર્યું. ડહાપણ કર્યું એટલું. વિચારશીલ છે ને !

ભીખ વિનાના, થયા બ્રહ્માંડના માલિક !

આ સત્ય હશે તે બધું સાપેક્ષ છે, સૌ સૌને આધીન. તમે છે તે પૈસા ખોળવાવાળા, કમાવામાં નાખો અને હું તો અડું જ નહીં પૈસા. પૈસા સંપૂર્ણ સત્ય નથી. એ સાપેક્ષ છે. આ સોનું મને આપો તો કામનું જ નહીં ને ! અમને ભીખ ના હોય. ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. લક્ષ્મીની ભીખ હોય, માનની ભીખ હોય, ત્યાં ભગવાન હોય જ નહીં.

અહીં મિલકત હોય તેને એટલી જ મિલકત અને તેય આખી મિલકત ના હોય ને ! અહીં અમુક આટલો જ ભાગ મિલકતનો રહ્યો હોય અને અહીં કોઈ મિલકત નહીં હોય તો આખા બ્રહ્માંડની મિલકત એની પોતાની. એટલે અમારે તો કોઈ મિલકતનો માલિક હું નથી. હીરાબા માલિક, હું નહીં. આ મનના માલિક નથી, આ વાણીના માલિક નથી રહ્યા.

પૈસાનો વહીવટ બધો અમે અમારા ભાગીદારને સોંપી દીધેલો. મારી પાસે તો પૈસા આવે તો બીજા દહાડે રહે નહીં. એક લાખ હોય તો બે-ત્રણ દહાડા પછી દસેક હજાર પડ્યા હોય ! એટલે ભાગીદાર સમજી ગયેલા કે આમની જોડે પૈસા હાથમાં રહેતા નથી. મારી પાસેથી એમણે વહીવટ જુદો કરી દીધો !

સમકિતીનો પૈસાનો વ્યવહાર !

પ્રશ્નકર્તા : દાદાના મહાત્માઓની પાસે લક્ષ્મી હોય તો એણે શું કરવું ?

દાદાશ્રી : એનો વાંધો નહીં, તમારે વાંધો નહીં, તમારે તો કરવાનું. દાદા તમારે માથે છે, તમારે તો મહીં મુશ્કેલી ઊભી થાય તો અમને પૂછવી, બસ એટલું જ. આ બધું કરવાનું મારે. હું તમને કહું છું ને કે આ બધું કરવાનું મારે. તમારે કશું કરવાનું નહીં. તમારે મારી આજ્ઞામાં રહેવાનું.

બધું આવવાનું, તમારે ફક્ત શું થવાનું કે રૂપિયાની જોડે વ્યવહાર તો કરવો રહ્યો. એ તમારે નથી વ્યવહાર છતાં કરવો પડે છે એવું રહેવું જોઈએ. નથી કરવા જેવું છતાંય કરવો પડે છે એમ કહેવું. એમાં શોખીન ના થઈ જાય એટલું જોજો. ખાવ, પીવો, બધું ખાજો એમ કહું છું.

આહારી આહાર કરે છે તે તમારે જાણવું જોઈએ. તમારે તો એમ કહેવું, કારણ કે એ આહારી જ આહાર કરે છે. પણ તમે એ જાગૃતિ ભૂલી જાવ તે ઘડીએ એ ચોંટે !

- જય સચ્ચિદાનંદ.