|
વિરોધાભાસ માન્યતાઓ સામે ! સંપાદકીય આ સંસારમાં દુઃખ શાથી છે ? વિરોધાભાસ માન્યતાઓને લઈને. તે વિરોધાભાસ માન્યતાઓ માણસને ડગલે ને પગલે જીવનમાં ઊભી થતી જ હોય છે. એનું સમાધાન નહીં મળવાથી મૂંઝવણો ને ક્લેશ રહ્યા જ કરે છે. એ વિરોધાભાસ માન્યતાઓ એવી તે ઘૂસી ગઈ છે કે માણસને આમાં કંઈ વિરોધાભાસ છે તે પણ શંકા પડતી નથી. આ જ સત્ય છે. આમ જ હોય, એમ જ માનીને જીવન જીવી જાય છે અને નર્યું દુઃખ-ઉપાધિ ભોગવે છે. એને સાચી સમજણ તરફ જવાનો રસ્તો સંતપુરુષો બતાવી શકે છે, પણ તેય અશુભમાંથી શુભમાં જાય ને કંઈક ક્ષણિક શાંતિ મેળવે. જ્યારે સમ્યક્ સમજણ તો જ્ઞાની પુરુષ જ દેખાડી શકે. જેનાથી શુભાશુભથી મુક્ત થઈ વાસ્તવિકતામાં આવે, ત્યાં અનંત પ્રકારની વિરોધાભાસ માન્યતાઓ સામે અવિરોધાભાસ સિધ્ધાંત પ્રાપ્ત થયે તમામ ગૂંચવાડાનો અંત આવે, સમાધાન પ્રાપ્ત થાય ને અંતે સમાધિ દશામાં નિરંતર રહી શકાય. મનુષ્યોને જીવનમાં કેટલીય રોંગ બિલિફો વર્તે છે, જેવી કે આત્મા હશે કે નહીં ? પુનર્જન્મ થતો હશે ? આત્મા હોય તો જીવ અને પરમાત્માનો ભેદ શું હશે ? આત્માને બંધન હોય ? મોક્ષ જેવી વસ્તુ હશે કે નહીં ? આત્મા દ્વૈત છે કે અદ્વૈત ? ભગવાન આ સૃષ્ટિનો સર્જનહાર હશે ? આ સૃષ્ટિનો ચલાવનારો ભગવાન હશે ? મનુષ્યો કર્મ બાંધે તે મનુષ્યયોનિમાં જ ભોગવવા પડે ? ધ્યાન-ભક્તિ-જપ કરવાથી અહંકારનો વિલય થાય ? ભક્તિના ગીતો ગાવાથી ભગવત્ આનંદ આવે ? ભગવાન આપણા ઉપરી હશે ? પોતાનું નામ ચંદુભાઈ કે પોતે ચંદુભાઈ ? આ જગતમાં એક જીવ બીજા જીવને ડખલો કરી શકે ? ધંધો કરવામાં પોતાનું કર્તાપણું કેટલું ? એ પુરુષાર્થ છે કે પ્રારબ્ધ ? આત્મા કર્તા હશે કે અકર્તા ? પોતાનું સ્વતંત્ર કર્તાપણું જીવનમાં કેટલું ? આ જગત નિરંતર ન્યાય સ્વરૂપ હશે કે અન્યાય પણ થતો હશે જગતમાં ? આ હાલતું-ચાલતું દેખાય છે, તેમાં મૂળ આત્માનું સ્વરૂપ શું ? આમ જીવનના સનાતન પ્રશ્નોની વિરોધાભાસ માન્યતાઓ સામે જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની વાણી થકી અવિરોધાભાસ સિધ્ધાંત ખુલ્લા થયા છે, જે અક્રમ વિજ્ઞાન સ્વરૂપે છે, તેમાંથી અંશતઃ અત્રે સંકલિત થયા છે, જે વાચકને વૈજ્ઞાનિક દ્રષ્ટિ બક્ષશે. દીપકના જય સચ્ચિદાનંદ વિરોધાભાસ માન્યતાઓ સામે ...પોતે પોતાની શંકા ?! પ્રશ્નકર્તા : શરીરના મહત્ત્વના અવયવો કામ કરતા બંધ થઈ જાય ત્યારે માણસ અવસાન પામે છે. જો આમ જ હોય તો જીવ જેવી વસ્તુ જ ના રહી. દાદાશ્રી : જીવ જેવી વસ્તુ છે જ ! એ પોતે જ જીવ છે, છતાં પોતે પોતાની પર શંકા કરે છે. આ જેને શંકા પડે છેને, તે જ જીવ છે. આ દેહમાં જીવ નથી એવી જે શંકા કરે છે, તે જ જીવ છે. પોતાના મોઢામાં જીભ ના હોય અને પોતે બોલે કે, 'મારા મોઢામાં જીભ નથી.' એ જ પુરવાર કરે છે કે જીભ છે જ મહીં. એટલે આ શંકા છે. એ વાક્ય જ વિરોધાભાસ છે. લોકો કહે છે, 'માણસ અવસાન પામે છે ત્યારે એમાં જીવ જેવી કોઈ વસ્તુ નથી !' એ શબ્દ પોતે જ શંકા ઊભી કરે છે, એને શંકા થઈ છે. એ શંકા જ પુરવાર કરે છે કે જીવ છે ત્યાં. માણસમાંથી જાનવર, કર્મ પ્રમાણે ! પ્રશ્નકર્તા : 'થીયરી ઓફ ઇવોલ્યુશન'ની વાતમાં, ઉત્ક્રાંતિવાદમાં જીવ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય એમ 'ડેવલપ' થતો થતો મનુષ્યમાં આવે છે અને મનુષ્યમાંથી ફરી પાછો પશુમાં જાય છે. તો આ 'ઈવોલ્યુશન'ની 'થીયરી'માં જરા વિરોધાભાસ લાગે છે. એ જરા સ્પષ્ટ કરી આપો. દાદાશ્રી : ના. એમાં વિરોધાભાસ જેવું નથી. 'ઇવોલ્યુશન'ની 'થીયરી' બધી બરોબર છે. ફક્ત મનુષ્ય સુધી જ 'ઈવોલ્યુશન'ની થીયરી 'કરેક્ટ' છે. પછી એની આગળ એ લોકો જાણતાં જ નથી. પ્રશ્નકર્તા : મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો ? એમ પ્રશ્ન છે. દાદાશ્રી : એવું છે, પહેલાં ડાર્વિનની 'થીયરી'થી આમ ઉત્ક્રાંતિવાદ પ્રમાણે 'ડેવલપ' થતો થતો મનુષ્ય સુધી આવે છે અને મનુષ્યમાં આવ્યો એટલે 'ઈગોઇઝમ' સાથે હોવાથી કર્તા થાય છે. કર્મનો કર્તા થાય છે એટલે પછી કર્મ પ્રમાણે એને ભોગવવા જવું પડે છે. 'ડેબિટ' કરે ત્યારે જાનવરમાં જવું પડે અગર તો નર્કગતિમાં જવું પડે અને 'ક્રેડિટ' કરે ત્યારે દેવગતિમાં જવું પડે અગર તો મનુષ્યમાં રાજાપણું મળે. એટલે મનુષ્યમાં આવ્યા પછી 'ક્રેડિટ' અને 'ડેબિટ' ઉપર આધાર રાખે છે. ભ્રાંતિ ભાંગ્યે ભેદ ભૂંસાય ! પ્રશ્નકર્તા : જીવને પરમેશ્વર કેવી રીતે કહેવાય ? જીવ તો એક આભાસ છે. દાદાશ્રી : ભેદબુધ્ધિથી જીવ કહેવાય. ભેદબુધ્ધિ છે કે હું જુદો ને ભગવાન જુદા છે, ત્યારે જીવ થયો કહેવાય અને અભેદ બુધ્ધિ થાય કે 'હું ભગવાન જ છું' એટલે શિવબુધ્ધિ થાય. પ્રશ્નકર્તા : 'હું આત્મા છું' એ દ્રષ્ટિએ આત્મામાં ભેદ નથી ? દાદાશ્રી : 'હું આત્મા છું' એવું ભાન થાયને એટલે જીવ-શિવનો ભેદ તૂટી ગયો ! પ્રશ્નકર્તા : એ બરોબર. પણ જીવ અને પરમેશ્વર એમાં શું ફરક છે ? દાદાશ્રી : જીવ છે તે આ વિનાશી ચીજોનો ભોગવટો માંગે છે અને એને વિનાશી ચીજોમાં શ્રધ્ધા છે. અને પરમેશ્વરને અવિનાશીમાં જ શ્રધ્ધા છે અને પરમેશ્વર પોતાનાં અવિનાશી પદને જ માને છે. વિનાશી ચીજોની એને કિંમત નથી. ફેર એટલો જ છે. 'જીવ' એટલે એ 'પોતે' ભ્રાંતિમાં છે. એ ભ્રાંતિ જાય એટલે પછી આ વિનાશી ચીજોની મૂર્છા બધી ઊડી જાય, ત્યારે 'પોતે' જ 'પરમેશ્વર' થાય છે ! આત્માને બંધન નથી ? પ્રશ્નકર્તા : પણ શાસ્ત્રો તો એમ જ કહે છે કે આત્મા સ્વતંત્ર ને મુક્ત છે. દાદાશ્રી : કોઈ કહેતું નથી. સ્વતંત્ર હોય તો મોક્ષ કરવાનો, મુક્તિનો માર્ગ જ ક્યાં રહ્યો પછી ? એ શાસ્ત્રને કહીએ, 'તમે શું કરવા પુસ્તક બન્યા ? તમારી શી જરૂર હતી અહીં આગળ ? આત્મા સ્વતંત્ર નથી, એટલે બંધનમાંથી છોડાવવા માટે તમે જન્મ્યા છો બધા !' જો સ્વતંત્ર હોય તો શાસ્ત્રની જરૂર હોય ખરી પછી ?! જે એમ કહે કે 'આત્માને બંધન નથી', તેને 'મોક્ષ પણ નથી' એમ બોલી શકાય અને જે 'આત્માને બંધન છે' એમ કહે છે, તેને 'મોક્ષ પણ છે' એવું કહેવું પડે. આ વિરોધાભાસ જેવી વસ્તુ નથી ? જે આવું માને છે કે આત્માને બંધન નથી, તો પછી એને મોક્ષની જરૂર જ નથી. કારણ કે આત્મા મોક્ષમાં જ છે. પણ મોક્ષ સ્વરૂપ શું છે, એ સમજવું જોઈએ. કેટલાંક તો એમ કહે છે કે, 'આત્માને બંધન જ નથી.' એ વાત તો સાચી છે. પણ જો આત્માને બંધન નથી, તો પછી મંદિરમાં કેમ જાવ છો ? શાસ્ત્રો કેમ વાંચો છો ? ચિંતા કોને થાય છે ? એ બધું પાછું વિરોધાભાસ થયું ને ? 'આત્માને બંધન નથી' એ વાત તો સો ટકા સાચી છે. પણ કઈ અપેક્ષાએ બોલવાનું ? આ તો નિરપેક્ષ વાત છે. આત્માને જ્ઞાનભાવે બંધન નથી, અજ્ઞાનભાવે બંધન છે. તમને જ્ઞાનભાવ આવ્યો કે 'હું શુધ્ધાત્મા છું' તો 'તમને' બંધન નથી. અને જ્યાં સુધી 'હું જ ચંદુભાઈ છું' એવો ભાવ છે ત્યાં સુધી બંધન જ છે !! મોક્ષમાં સ્વતંત્ર સુખ નથી ? પ્રશ્નકર્તા : કેટલાંક મતાવલંબીઓ એવું પણ કહે છે કે ત્યાં મોક્ષમાં શું કામ તમારે જવું છે ? ત્યાં તમને સ્વતંત્ર સુખ નથી. એવો ટોણો મારે છે. દાદાશ્રી : એ તો આ છેલ્લી ભૂમિકા ઉપર ધૂળ ઉડાડી રહ્યા છે. એ લોકો એમની દુકાન ચલાવવા માટે આ બધી ધૂળ ઉડાડી રહ્યા છે. મેં શોધખોળ કરેલી છે કે 'કરેક્ટનેસ' શું છે ! હું બધી શોધખોળ કરતાં કરતાં આવેલો છું ને બધી શોધખોળ કરીને લાવ્યો છું. એટલે એવું બોલનારા જો કદિ અહીં આગળ આવે ને ત્યારે એ જ કહેશે, 'સાહેબ, મને મોક્ષ આપો !' કારણ કે આમનો મત ફેરવતા વાર જ નહીં ને ! મત તો સિધ્ધાંતિક હોવો જોઈએ !! એ માનેલું નહીં ચાલે ! લોકોએ માની લીધું કે આત્માને ઇચ્છા થાય છે. પછી પાછો એમ કહે છે, મારી ઇચ્છા બંધ થઈ ગઈ. ઇચ્છા જો આત્માનો ગુણ હોય તો પછી કોઈનેય બંધ થાય જ નહીં ને ! આ તો વિશેષ પરિણામ છે ! છતાં આત્મા વીતરાગ રહ્યો છે ! લોકોને એની ખબર જ નથી. એ તો એમ જ કહે છે કે મારો આત્મા જ આવો બગડી ગયો છે, મારો આત્મા પાપી છે, રાગી-દ્વેષી છે. હવે કેટલાંક લોકો આત્માને ચોખ્ખો જ કહે છે. એ પાછાં બીજી રીતે માર ખાય છે. આત્મા ચોખ્ખો જ છે, એટલે કશું કરવાનું જ નથી. ત્યારે મંદિર શું કરવા જાય છે ? પુસ્તકો શું કરવા વાંચે છે ? હવે આ બંનેવ રખડી મર્યા છે. આત્મા તેવો નથી. આ બહુ જ ઝીણી વાત છે. તેથી તો બધાં શાસ્ત્રોએ કહ્યું કે, આત્મજ્ઞાન જાણો ! આત્મા પોતે જ પરમાત્મા છે !! સિધ્ધાંત સમજવા, જ્ઞાની પાસે સત્સંગમાં ! બીજી બાજુ આ કેટલાંક લોકો તો શું કહે છે કે જ્ઞાયક થયા પછી આ પુસ્તકો વાંચવાનાં છે. પણ જ્ઞાયક થયા પછી તો જાણવાનું કશું રહેતું નથી. જ્ઞાયક થઈ ગયો એટલે આ જગત ક્રમબધ્ધ પર્યાય છે કે શું છે, એ બધું એને સમજાઈ જાય છે. બધા પર્યાયો ક્રમવર્તી જ છે, આ તો બધાને લક્ષમાં જ હોય ને ! એવું છે, આ જ્ઞાનમાં આગળ વધેલા હોયને એ બધું જાણે કે ગુણો છે એ સહવર્તી છે અને પર્યાયો બધા ક્રમવર્તી છે. આ તો કંઈ નવી વાત નથી, આપણા સાધુ-આચાર્યો હઉ આ વાત જાણે છે !! એટલે જો આ દરેકને માટે સાચી વાત હોય તો કોઈનેય વિરોધાભાસ ના થાય. આ તો બધું બેઝિક કહ્યું, ફંડામેન્ટલ કહ્યું, પણ બીજું તો આખો સિધ્ધાંત છે. પછી સિધ્ધાંત જાણવા માટે અહીં સત્સંગમાં પ્રયત્ન કર્યા કરીએ. એટલે આ આપણા સૈધ્ધાંતિકનાં મૂળ તત્ત્વો કહી દીધાં પછી આગળ આપણે 'હું કોણ છું ને ક્યાંથી થયો', એ બધું તમને સમજાવી દઈશું. હવે એટલું બાકી રહ્યું. ભગવાન ઉપરી ? તો મોક્ષ શક્ય ? નાનો છોકરો હોય તે ય કહે કે, 'ભગવાને આ જગત બનાવ્યું.' મોટા સંત હોય તે ય કહેશે કે, 'ભગવાને બનાવ્યું.' આ વાત લૌકિક છે, અલૌકિક નથી આ. ભગવાન જો ક્રિયેટર હોયને, તો એ આપણો કાયમને માટે ઉપરી ઠરત અને મોક્ષ જેવી વસ્તુ ના હોત, પણ મોક્ષ છે. ભગવાન ક્રિયેટર નથી. મોક્ષને સમજવાવાળા માણસો ભગવાનને ક્રિયેટર તરીકે માને નહીં. 'મોક્ષ' અને 'ભગવાન ક્રિયેટર' એ બે વિરોધાભાસ વાત છે. ક્રીયેટર તો કાયમનો ઉપકારી થયો અને ઉપકારી થયો એટલે ઠેઠ સુધી ઉપરી ને ઉપરી જ રહ્યો. જો ભગવાન જગત બનાવનાર હોય અને મોક્ષ હોય તો એ સંપૂર્ણ વિરોધાભાસ છે. પ્રશ્નકર્તા : આ વિરોધાભાસ કઈ રીતે ? દાદાશ્રી : જો ભગવાન ઉપરી હોય અને તે જો મોક્ષે લઈ જનાર હોય તો એ જ્યારે કહે કે અહીંથી ઊઠ, તો તમારે તરત જ ઊઠવું પડે. તેને મોક્ષ શી રીતે કહેવાય ? મોક્ષ એટલે સંપૂર્ણ સ્વતંત્ર. કોઈ ઉપરી નહીં અને કોઈ અંડરહેન્ડ પણ નહીં. આપણે બધા મોટાં પુરુષોને ભેગા કરીએ અને એમને કહીએ કે કર્તા અને મોક્ષ - બે વિરોધાભાસ છે, ખરું કે નહીં ? તો કેટલાકને સમજાય કે ના સમજાય ? 'આનો ઈશ્વર કર્તા છે અને મોક્ષ છે', એમ બોલવું જોખમ છે. કારણ કે કર્તા એ કાયમને માટે ઉપરી જ રહે અને ઉપરી થાય તો આપણો મોક્ષ હોય નહીં. આપણે એનો ગુણ ક્યારેય ભૂલાય નહીં. 'મોક્ષ અને ભગવાન આ જગતનો કર્તા' એ બે વિરોધાભાસ છે, સંપૂર્ણ વિરોધાભાસ છે. ભગવાનને ક્રિયેટર મૂકી અને અધ્યાત્મ વિજય કરવા જાય છે, તેને આવું બની શકશે નહીં. કારણ કે કરેક્ટ વાત જોઈશે. બધી રકમ કરેક્ટ જોઈશે. એકુંય રકમમાં જો સ્હેજ ફેર હશે ને તો નહીં ચાલે. એ સિધ્ધાંત જ ના હોય ને ? સિધ્ધાંત હોવો જોઈએ. કોઈ પણ પ્રશ્ન પૂછે આડોઅવળો, પણ સિધ્ધાંત હોવો જોઈએ. મહીં દર્શકોમાં બધું ગૂંચામણ ને સફોકેશન ન હોવું જોઈએ. એને પૂછીએ તો ખુલાસો થાય છે ને ? એને પૂછો તો ખુલાસો થાય ને અને તે પદ નિરંતર રહે, એટલે ના સમજે કે, આ પરમેનન્ટ વસ્તુ છે મારી પાસે. ત્રિકાળી વસ્તુ છે. જ્યારે જુઓ ત્યારે એ લાઈટ દેખાશે. પછી જાતે જ જુઓ. ત્રિકાળી વસ્તુ !! આ બધી વસ્તુઓ અમુક કાળવર્તી કહેવાય. કાં તો પોતે કર્તા, કાં તો ભગવાન કર્તા ! પ્રશ્નકર્તા : આપણે ખાલી નિમિત્ત છીએ, ઉપરવાળો ચલાવે છે બધું એનામાં શ્રધ્ધા છે મને. દાદાશ્રી : એ ઉપરવાળો ? એ ક્યારે નવરો પડે છે પાછો ? એ સારી શ્રધ્ધા છે. એ ઉપરવાળા ઉપર શ્રધ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. 'જરાય ડગે નહીં' એવી હોવી જોઈએ. કઢી ખારી થઈ ગયેલી હોય, તો બૈરીનું નામ નહીં દેતાં, ઉપરવાળાનું નામ દઈએ તો સારું. તે વખતે તો કકળાટ માંડે કે આ કઢું ખારું થઈ ગયું ને આમ થઈ ગયું. અલ્યા ભઈ, ઉપરવાળાએ કર્યું, એમ જ રાખને ! પ્રશ્નકર્તા : એ તો પછી અંધશ્રધ્ધા કહેવાય. દાદાશ્રી : હા, હા, પણ તું તો કઢી ખારી થઈ હોય તો ના બોલુંને એમને ? તારે તો ઉપરવાળા ઉપર શ્રધ્ધા છેને બધી ? પ્રશ્નકર્તા : અંધશ્રધ્ધા નહીં. એ તો ખારી થઈ હોય એને ખારી, જેણે કરી હોય એને જ કહેવાયને, ખારી થઈ હોય એ. દાદાશ્રી : ઓત્તારી ! એ ય કરે ને આ ય કરે. બે જણ કરે તો તું શું કરું ? ભગવાન એક બાજુ કરી આપે ને એક બાજુ 'આ કઢી ખારી તેં કરી', કહે છે. એવું છે ને, વિરોધાભાસ કામનું નહીં ! તારો ય દોષ થતો હશે ને કોઈક દહાડો ? આ જાણી-બુઝીને જ બધાં કરે છે જગતમાં. કારણ કે કરનાર કોઈ છે જ નહીં. એ એમ જ જાણે છે કે 'હું જ કરું છું'. એટલે નફો કમાય, ત્યારે કહેશે કે 'હું કમાયો'. અને ખોટ ગઈ, ત્યારે કહે છે કે, 'ભગવાને ઘાલી'. આવું વિરોધાભાસી બોલે છે. આવું બધું ઊંધું-છતું બોલ બોલ કરે છે. ભગવાને ઘાલી કહેશે. નહીં તો કહેશે અમારો ભાગિયો ખરાબ છે. નહીં તો મારા છોકરાની વહુ મોરપગી આવી છે. તેને લીધે મને આ બધી દશા બેઠી છે. આવા ખોટા આરોપ ચાલ્યા કરે છે. તેનાં પછી કર્મ બંધાય છે ને ચાર ગતિમાં દંડ ભોગવવા ભટકવું પડે છે. જેવાં કર્મો તેવી ગતિ ! પ્રશ્નકર્તા : પણ કર્મનો સિધ્ધાંત એવો છે કે મનુષ્યને એનાં કર્મો મનુષ્યયોનિમાં જ ભોગવવાં પડે છે. દાદાશ્રી : ના. કર્મો તો અહીં ને અહીં જ ભોગવવાનાં. પણ જે વિચારો કરેલાં હોય કે કોનું ભોગવી લઉં ને કોનું લઈ લઉં ને કોનું એ કરી લઉં, એવાં સંકલ્પ-વિકલ્પ કર્યા હોય, તે એને લઈ જાય ત્યાં આવતે ભવ. બાકી પેલો સ્થૂળ કર્મ તો અહીં ને અહીં જ ભોગવી લે. પાશવતાનું કર્મ કર્યું હોય, તે તો અહીંનું અહીં ભોગવી લે. એનો વાંધો નહીં. આંખે દેખાય એવાં પાશવતાના કર્મ કર્યા હોય, તે અહીંનાં અહીં જ ભોગવવાં પડે. એ ભોગવે કેવી રીતે ? લોકોમાં નિંદા થાય, લોકોમાં હડધૂત થાય. પણ જે પાશવતાનાં વિચારો કર્યા, સંકલ્પ-વિકલ્પ ખરાબ કર્યા કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ભોગવવું જોઈએ. યોજનાઓ કરી, એ યોજના એને જાનવર ગતિમાં લઈ જાય. યોજના ઘડે છેને મહીં ? નથી ઘડતાં ? એ જાનવર ગતિમાં લઈ જાય. અહમ્નો વિલય શેનાથી ? પ્રશ્નકર્તા : જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહમ્નો વિલય થાય. દાદાશ્રી : જપ, યોગ એ બધાં તો અહમ્ને વધારનારાં છે. આમાં ભક્તિ અહમ્ નથી વધારતું, ભક્તિ તો અહમ્ને ઘટાડે છે. બાકી જપ, તપ, ત્યાગ, ધ્યાન એ બધું અહંકાર વધારનારાં છે. પ્રશ્નકર્તા : ભક્તિથી અહંકાર કંટ્રોલમાં આવી શકે ? દાદાશ્રી : ભક્તિથી અહંકાર ઓછો થાય. પણ ભક્તિ ના કરે એટલે પાછો વધી જાય. ઓછો થાય ને વધી જાય પણ 'એને' ખરેખર 'હું કોણ છું' એવું ભાન થાય, એ જાણે એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય, એક્ઝેક્ટ જાણે ત્યારે. આ તો જાણ્યું ના કહેવાય. જાણ્યું એટલે તો ઇફેક્ટિવ (અસરકારક) હોવો જોઈએ. પ્રશ્નકર્તા : આ કરીએ છીએ એ ઇગોઇઝમ છે, તો એ ઇગોઇઝમ આપણે છોડવો હોય તો આપણે એ બધું નહીં કરવાનું, એમ ? દાદાશ્રી : પણ આ કોણ બોલે છે ? આ પોતે જ ઇગોઇઝમ બોલે છે કે, 'મારે ઇગોઇઝમ છોડવો છે.' બોલો હવે ! એ જાતે મરતો હશે ? જાતે ઝેર ખાય ? એટલે આ ઇગોઇઝમ પોતે બોલે છે કે 'મારે ઇગોઇઝમ છોડવો છે'. કેટલો બધો વિરોધાભાસ લાગે ? પ્રશ્નકર્તા : તો માનવી અહંકાર મુક્ત થઈ શકે નહીં ? દાદાશ્રી : અહંકાર મુક્ત ના થાય તો પછી મોક્ષ હોય જ નહીંને ?! મારામાં છાંટોય અહંકાર નથી, સેન્ટ પરસેન્ટ નથી. જ્યાં સેન્ટ પરસેન્ટ બુધ્ધિ ના હોય, ત્યાં સેન્ટ પરસેન્ટ અહંકાર ના હોય. પ્રશ્નકર્તા : 'મારામાં અહંકાર નથી' એમ કહેવું એ અહંકાર નથી ? દાદાશ્રી : એ સમજવાનું છે. આ કોણ બોલે છે એ તમે જાણો છો ? આ ઓરિજિનલ ટેપરેકર્ડ વાત કરે છે. ગાયક ને શ્રોતા - બન્ને તાનમાં ! પ્રશ્નકર્તા : આપે મને સમજ પાડી કે તમે તાનમાં રહેશો તો ભગવત્ આનંદ ચાલ્યો જશે. એટલે મેં તેમાંથી બોધ લીધો કે દાદાજી કહે છે કે હવે તું તાનમાં ના રહીશ. એટલે એની મેળે આનંદ લેવા લાગ્યો ! દાદાશ્રી : ગાયકો અને સાંભળનારા - બન્ને તાનમાં જ હોય, નિયમથી જ સોદો જ એવો ! હા, કો'ક આવું ચેતી જાય ત્યારે મજા ના આવે. પછી ધંધો છોડી દેવો પડે. તાનને લીધે તો ગાય. નહીં તો ગાય શાનો ? અને સાંભળનારો તાનને લીધે સાંભળે. પ્રશ્નકર્તા : પણ દાદા, ગાનાર જ્યારે એ પ્રમાણે ગાય છે અને એ ખ્યાલ એવો રાખે કે હું માત્ર એક વાજિંત્ર છું અને ગાનાર તો બીજો છે. દાદાશ્રી : કોણ બીજો છે ? પ્રશ્નકર્તા : આત્મા, પરમાત્મા ! દાદાશ્રી : તેને શું છે ? પ્રશ્નકર્તા : ગાતી વખતે હું નથી ગાતો એ પ્રમાણે રાખે તો એને ભગવત્ આનંદ મળે કે ના મળે ? દાદાશ્રી : મસ્તી મળે, મનની મસ્તી મળે. મસ્તી એટલે ઉતરી જાય પાછી. એક પ્રકારનો આનંદ. એને આનંદ કહે છે લોકો પણ એ મસ્તી છે. ઉતરી જાય. એક તાનમસ્ત ! એ ય પછી બૈરી, છોકરાં બધું વિસ્મૃત, કશું યાદ ના આવે. એટલે એવો આનંદ આવે, તે આનંદ ક્યાંથી આવે છે એ જાણો છો ? જગત વિસ્મૃતિ કરાવે એવી કોઈ પણ ચીજ પકડો એટલે તમને આનંદ આવે. જગતની સ્મૃતિ એ દુઃખદાયી છે. વિસ્મૃત કરવા માટે છબલીકાં વગાડો, ગમે તેમાં રહો અગર તો આમ અવાજ કાઢીને ગાવ ખૂબ. પ્રશ્નકર્તા : અથવા તો મોટેથી મંત્ર બોલે, દીર્ઘસ્વરે ! દાદાશ્રી : હા, મંત્ર બોલે. પણ બીજા કશામાં રહો તો જગત વિસ્મૃત થાય, નહીં તો એક સેકન્ડ પણ વિસ્મૃત થાય નહીં. કૃપાળુદેવે કહ્યું હતું, એક કલાક વિસ્મૃત જગત થાય નહીં. મને પોતાને ન હતું રહેતું ને ! એક કલાક વિસ્મૃતિ થાય તો બહુ થઈ ગયું. જગતની વિસ્મૃતિ, એને અમે સમાધિ કહીએ છીએ. પ્રશ્નકર્તા : ગાવાનો મારો અનુભવ કહે છે કે આ ગાતી વખતે હું ગાતો જ નથી, ગાનારો જુદો છે. એવી રીતના ગાઈએ તો અહમ્ રહેતો જ નથી. દાદાશ્રી : એ ગોઠવનારો જ અહમ્ છે ! આ બાજીને ગોઠવનારો જ અહમ્ છે ! પ્રશ્નકર્તા : હા, પણ એ ગોઠવનાર અહમ્ ખરો પણ પછી એને કહીએ કે તું જા, તો એ જાય. દાદાશ્રી : ના, તું જા એ કહેનારો ય અહ્મ છે પાછો. સમજ પડીને ? જેમ જેમ ઊંચો જાય છે ને તેમ પદ વધારે ભોગવે છે અહંકારનું. અહંકારને કહે છે, તું જા અહીંથી. એટલે પાછું મોટું પદ વધારે ભોગવે, પેલું અહંકારનું ! કારણ પેલો અહંકારને કાઢી મૂક્યો ત્યારે એ અહંકાર કેવો હશે ? એટલે આ બધી ભગતોની ઘેલછાઓ બધી. ભગત બહુ ઘેલા હોય. વિશ્વની વાસ્તવિકતાઓ ને માન્યતાઓ ?! પ્રશ્નકર્તા : જગતની વાસ્તવિકતા વિષે કંઈક કહો. દાદાશ્રી : જગતના લોકો વ્યવહારમાં બે રીતે રહે છે, એક લૌકિક ભાવથી અને એક અલૌકિક ભાવથી. તે ઘણો ખરો ભાગ જગતનો લૌકિક ભાવે જ રહે કે ભગવાન ઉપર છે ને ભગવાન બધું કરે છે. અને પાછો પોતે ય કરતો જાય, ભગવાને ય કરતા જાય. એમને કંઈ વિરોધાભાસનો ખ્યાલ નથી અને એમને ભગવાન માથે હોય તો બીક રહ્યા કરે કે ખુદા યે કરેગા ને યે કરેગા. આમ કરીને ગાડું ચાલ્યા કરે. પણ જે અત્યંત વિચારવંત થયો છે, જેને માથે ભારરૂપ બોજો કોઈનો જોઈતો જ નથી, તો એને માટે ખરેખરી હકીકત અલૌકિક હોવી જ જોઈએ ને ? અલૌકિકમાં કોઈ ઉપરી છે જ નહીં. જગતમાં તમારી ભૂલો જ ઉપરી છે, તમારા બ્લંડર્સ (મોટી ભૂલો) એન્ડ મિસ્ટેક્સ (સામાન્ય ભૂલો) એ બે જ ઉપરી છે. બીજું કોઈ ઉપરી છે જ નહીં. આત્મા દ્વૈત, અદ્વૈત કે દ્વૈતાદ્વૈત ? પ્રશ્નકર્તા : અદ્વૈત અને દ્વૈત સમજવું છે, આપ સમજાવો. દાદાશ્રી : અદ્વૈત એટલે તમે શું માની બેઠા છો, એ મને કહો. પ્રશ્નકર્તા : આ 'હું જ એક સત્ય છું, મારા સિવાય બીજું કોઈ સત્ય નથી. હું જે છું તે જ સત્ય છે, બીજું જે પણ કંઈ એમાં પ્રતિભાસ થાય છે તે સત્ય નથી', એને અદ્વૈત કહું છું. દાદાશ્રી : તો પછી હવે સત્ય ખોળવાનું જ રહ્યું ક્યાં ? જો 'હું જ સત્ય છું' તો પછી સત્ય ખોળવાનું રહ્યું જ નહિ. તો પછી પુસ્તક શા હારુ વાંચો છો ? તમારો સિધ્ધાંત આ જ કહે છે ને, હું જ સત્ય છું ? પ્રશ્નકર્તા : સિધ્ધાંતની નિષ્ઠા માટે, સિધ્ધાંત દ્રઢ થાય એ માટે પુસ્તક વાંચવાનું છે ને ? દાદાશ્રી : પણ આ સિધ્ધાંત તો બરોબર ના કહેવાય. શું નામ તમારું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : તો ચંદુભાઈ એ સત્ય છે ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ એ નામ છે, ને નામ એ સત્ય નથી. દાદાશ્રી : ત્યારે શું સત્ય છે ? તમે સત્ય થઈને પછી બોલો. પ્રશ્નકર્તા : સત્ય તો શબ્દમાં આવે નહિ ને ! દાદાશ્રી : તો પણ તમે કોણ છો ત્યારે ? 'ચંદુભાઈ અક્કલ વગરનાં છે' કહીએ તો તમને ખોટું લાગે છે. જો તમને અસર થાય છે, માટે તમે ચંદુભાઈ જ છો. પ્રશ્નકર્તા : અસર થાય ત્યાં સુધી 'હું ચંદુભાઈ છું' એમ ? દાદાશ્રી : હા. અને ગાળો ભાંડે તો ય અસર ના થાય, મારે તો ય અસર ના થાય, ગજવું કપાય તો ય અસર ના થાય, ત્યારે હું જાણું કે અદ્વૈતવાદના ખૂણામાં પેઠા છે. આ હજુ તો અદ્વૈતને સમજતો જ નથી. હવે તમને દ્વૈત ને અદ્વૈત સમજાવું. સમજવાની ઇચ્છા ખરીને ? પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી. દાદાશ્રી : અદ્વૈત એ આધારી છે કે નિરાધારી? પ્રશ્નકર્તા : નિરાધારી. દાદાશ્રી : અને દ્વૈત ? પ્રશ્નકર્તા : અદ્વૈતમાં બેઠાં પછી દ્વૈત છે જ ક્યાં ?! દાદાશ્રી : હવે આવું ઊંધું શીખવાડે છે કે 'દ્વૈત છે જ ક્યાં !' અને સંસારી વાત આવે, કોઈક જરા ગજવું કાપી જાય તે ઘડીએ બૂમાબૂમ કરી મૂકે ! અલ્યા, હવે આ દ્વૈત બધું આવ્યું ક્યાંથી ? પાછો કહેશે કે, 'પોલીસવાળાને બોલાવો, આ ચોર છે, આણે જ મારું ગજવું કાપ્યું.' અલ્યા, હમણે કહું છું કે 'દ્વૈત છે જ ક્યાં ?!' તો આ દ્વૈત ક્યાંથી આવ્યું ? તમને ય નર્યું દ્વૈત છે. આમાં હું તમને વગોવતો નથી, પણ જો સાચું સમજવું હોય તો અદ્વૈત આવું નથી. અને ત્યાં સુધી સાચું સુખ, જે પોતાના આત્માનું સુખ છે એ કેમ કરીને ઘડીવારે ય પામે ?! આપની સમજમાં આવે છે ને ? અદ્વૈત એ નિરાધારી વસ્તુ નથી. દ્વૈતનાં આધારે અદ્વૈત છે. શેના આધારે છે, એટલું તમને સમજાય ? પ્રશ્નકર્તા : દ્વૈતની અપેક્ષાએ અદ્વૈત છે. દાદાશ્રી : હા. દ્વૈતના આધારે એ અદ્વૈત છે. અને અપેક્ષાએ જે વસ્તુ છે એ બધી સાપેક્ષ કહેવાય. અને સાપેક્ષ કોઈ દહાડો ય નિરપેક્ષ ન બની શકે. એટલે આ અદ્વૈતનો અર્થ લોકોએ નિરપેક્ષ કર્યો છે ! વાતને જો સમજેને તો ઊકેલ આવે !! પ્રશ્નકર્તા : પણ અમે તો નિરપેક્ષમાં જ માનીએ છીએ. દાદાશ્રી : નિરપેક્ષ જ માનવું જોઇએ. પણ નિરપેક્ષને સમજવું તો જોઈએ ને ? પ્રશ્નકર્તા : અમે અદ્વૈતનો અર્થ નિરપેક્ષ જેવો કરીએ છીએ. દાદાશ્રી : હા. એ તો બધું તમારી મેળે કર્યું ! એ તો એનો અર્થ તમારી મનસૂફી ઉપર આધાર રાખે છે. પણ કાયદેસર 'એક્સેપ્ટ' થાય નહિ ને ! મનસૂફી પર આપણે અર્થ કરવો હોય, નિરપેક્ષ, તો થઈ શકે. પણ કાયદેસર ગણાય નહિ ને ! કાયદેસર તો હું કહું કે, 'અદ્વૈત એ આધારી છે કે નિરાધારી ? ત્યારે કહે, 'આધારી છે.' તો શેના આધારે છે ? ત્યારે કહે, 'દ્વૈતના આધારે.' દ્વૈતની અપેક્ષાએ અદ્વૈત છે અને અદ્વૈત એ સાપેક્ષ છે. એને આ લોકો નિરપેક્ષ કહે છે ! તમને, તમારો આત્મા કબૂલ કરે છે ને આ વાત ? હું જે કહું છું એ વાત તમારો આત્મા કબૂલ કરવો જ જોઈએ. કારણ કે હું આ 'કરેક્ટ' વાત કહું છું. હું પક્ષાપક્ષીથી બહાર નીકળેલો માણસ છું. પક્ષમાં પડેલા માણસનું કોઈ દહાડોય સત્ય હોય નહિ. પક્ષાપક્ષીથી બહાર નીકળેલા હોવા જોઈએ, ત્યાં વાત સાંભળવી. તમને અદ્વૈત એ સાપેક્ષ છે એવું સમજાયું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તમે જે અદ્વૈતને નિરપેક્ષ માનતા હતા, એ તો સાપેક્ષ નીકળ્યું. એટલે આમાં અત્યાર સુધી તમારી કઈ ભૂલ થઈ છે, એ સમજાયું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : મને અદ્વૈતવાળા પૂછે છે કે, 'તો આત્મા કેવો છે ?' ત્યારે મેં કહ્યું, 'આત્મા અદ્વૈત સ્વરૂપ છે જ નહિ અને આત્મા દ્વૈતે ય નથી. આત્મા દ્વૈતાદ્વૈત છે !' દ્વૈતાદ્વૈતનો અર્થ શું કે 'બાય રિલેટિવ વ્યુ પોઇન્ટ' આત્મા દ્વૈત છે. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી 'રિલેટિવ વ્યુ પોઈન્ટ' હોય જ. સંડાસ ના જવું પડે ? ખાવું ના પડે ? એ 'રિલેટિવ વ્યુ પોઇન્ટ'થી છે, એટલે આત્મા દ્વૈત છે અને 'રિયલ વ્યુ પોઇન્ટ'થી આત્મા અદ્વૈત છે. અને પછી અહીંથી જ્યારે મોક્ષે જાય છે ત્યારે ત્યાં વિશેષણ હોતું જ નથી. 'બોડી' (શરીર) છે ત્યાં સુધી જ વિશેષણ છે. 'બોડી'ના આધારે જ આ બધાં દ્વૈતનાં ને અદ્વૈતનાં વિશેષણ છે. ત્યાં મોક્ષે ગયા પછી વિશેષણ નથી હોતું. 'બાય રિલેટિવ વ્યુ પોઇન્ટ' 'હું' દ્વૈત છું અને 'બાય રિયલ વ્યુ પોઇન્ટ' 'હું' અદ્વૈત છું. એટલે 'હું' દ્વૈતા-દ્વૈત છું ! જ્યાં સુધી બોડી હોય ત્યાં સુધી અદ્વૈત એકલો રહી શકે નહિ. આ અદ્વૈત કહેવાનો શું ભાવાર્થ છે ? કે 'ફોરેન ડીપાર્ટમેન્ટ'માં ઉપયોગ ના મૂકો. એવું આ કહેવાને માટે હતું, એને બદલે આ ઊંધું થઇ ગયું, 'ફોરેન'માં ઉપયોગ ના મૂકવો અને 'હોમ'માં જ રહો. 'હોમ' એ અદ્વૈત છે અને 'ફોરેન' એ દ્વૈત છે. અત્યારે 'તમે' 'ફોરેન'ને જ 'હોમ' માનો છો. 'હું જ આ ચંદુભાઈ છું' કહો છો. હજુ 'હોમ'ને તો જોયું જ નથી. 'હોમ'ને જુઓ ત્યારે ચિંતા ના હોય, અકળામણ ના હોય, ઉપાધિમાં ય સમાધિ રહે ! હવે, ખરેખર તમે ચંદુભાઈ નથી. ચંદુભાઈ તો તમારું નામ છે ને ? જો તમારું નામ ચંદુભાઈ અને તમે પોતે ચંદુભાઈ-આ બે વાતમાં તમને વિરોધાભાસ નથી લાગતો ? કે વિરોધાભાસ લાગે છે ? પોતે પોતાથી અજાણ ? 'આઈ એમ ચંદુભાઈ' અને 'માય નેમ ઈઝ ચંદુભાઈ', એટલે આ બેમાં વિરોધાભાસ નથી લાગતો ? 'આ ચંદુભાઈ તો હું જ છું' એમ બોલો, ત્યારે આ હાથ હઉ તમે છો ? 'હું ચંદુલાલ' અને 'મારું નામ ચંદુલાલ' એમાં વિરોધાભાસ લાગે છે કે ? નામી અને નામ બેઉ એક કેમના હોય ? નામ તો આ નનામી કાઢે છે તે દા'ડે લઈ લે છે. મ્યુનિસિપાલિટીના રજિસ્ટરમાંથી કટ (કાઢી) કરી નાખે છે. આ હાથ કોનો છે ? આ પગ કોનો છે ? પ્રશ્નકર્તા : મારો છે. દાદાશ્રી : એ તો આ બૉડી (દેહ)ના સ્પેર-પાર્ટસ છે, એમાં તારું શું છે ? તારી અંદર મન છે તે કોનું છે ? પ્રશ્નકર્તા : મારું છે. દાદાશ્રી : આ વાણી કોની છે ? પ્રશ્નકર્તા : મારી છે. દાદાશ્રી : આ દેહ કોનો છે ? પ્રશ્નકર્તા : મારો છે. દાદાશ્રી : પછી 'મારું માથું, મારું બોડી, મારા પગ, મારા કાન, મારી આંખો' એવું કહેશો. આ શરીરમાં બધી જ વસ્તુને 'મારું' કહે છે, ત્યારે 'મારું' કહેનાર તમે કોણ છો ? એ વિચાર્યું નથી ? 'માય નેમ ઈઝ ચંદુલાલ' બોલે અને પછી કહેશો 'હું ચંદુલાલ છું', આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો ? 'મારો છે' કહેતાં જ એનો માલિક જુદો છે એમ વિચાર આવે કે ના આવે ? પ્રશ્નકર્તા : આવે. દાદાશ્રી : હા, તો એ તમે પોતે કોણ ? એનો કોઈ દિવસ વિચાર કર્યો છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ ઘડિયાળ લાવ્યા તે રિયલાઈઝ (તપાસ) કરીને લાવ્યાને કે બરાબર છે કે નહીં, આ કપડું લાવ્યા તે પણ રિયલાઈઝ કરીને લાવ્યા. વાઈફ લાવ્યા તે પણ રિયલાઈઝ કરીને લાવ્યા ને ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : તો પછી સેલ્ફ, પોતાનું જ રિયલાઈઝેશન ના કર્યું ? આ બધી જ વસ્તુઓ ટેમ્પરરી (વિનાશી) હશે કે પરમેનન્ટ (અવિનાશી) ? ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ. એમાં પોતે પરમેનન્ટ અને ટેમ્પરરી વસ્તુઓની જોડે ગુણાકાર કરે, તે શી રીતે જવાબ આવે ? અલ્યા, તું ખોટો, તારી રકમ જ ખોટી ને જવાબ સાચો ક્યાંથી આવે? આ સેલ્ફ રિયલાઈઝેશન ના કર્યું, તે નાની ભૂલ હશે કે મોટી ? પ્રશ્નકર્તા : ભયંકર મોટી ભૂલ. આ તો બ્લન્ડર કહેવાય, દાદા ! જ્ઞાનવિધિ શું છે ? પ્રશ્નકર્તા : આપકી જ્ઞાનવિધિ ક્યા હૈ ? દાદાશ્રી : જ્ઞાનવિધિ તો સેપરેશન (છૂટું પાડવું) પુદગલ અને આત્માનું ! શુધ્ધ ચેતન અને પુદગલ, બેનું સેપરેશન. પ્રશ્નકર્તા : યે સિધ્ધાંત તો ઠીક હી હૈ લેકીન ઉસકી પધ્ધતિ ક્યા હૈ ? દાદાશ્રી : આપવાનું એવું કશું હોતું નથી, અહીં બેસીને આ જેમ છે એમ બોલવાની જરૂર છે ('હું કોણ છું' એનું ભાન, જ્ઞાન કરાવવાનો બે કલાકનો જ્ઞાનપ્રયોગ હોય છે. તેમાં પછી અડતાલીસ મિનિટ આત્મા-અનાત્માનાં ભેદ પાડનારાં ભેદવિજ્ઞાનનાં વાક્યો બોલાવવામાં આવે છે. હવે તે બધાએ બોલવાના હોય છે. ત્યાર બાદ એક કલાક 'પાંચ આજ્ઞાઓ' દાખલા સાથે વિગતવાર સમજાવવામાં આવે છે, જે હવેે પછીનું જીવન કેવી રીતે પસાર કરવું કે જેથી નવાં કર્મો બંધાય નહીં, જૂના કર્મો સંપૂર્ણ પૂરાં થાય ને સાથે સાથે 'હું શુધ્ધાત્મા છું'નું લક્ષ કાયમ રહ્યાં કરે !) કર્મનો સિધ્ધાંત શું ? પ્રશ્નકર્તા : કર્મની વ્યાખ્યા શું ? દાદાશ્રી : કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ કર્મની વ્યાખ્યા. 'હું કરું છું' એવો આધાર આપે, એનું નામ કર્મ બાંધ્યું કહેવાય. 'હું કરતો નથી' અને 'કોણ કરે છે' એ જાણો એટલે આને નિરાધાર કરે ને, તો કર્મ પડી જાય. પ્રશ્નકર્તા : કર્મનો સિધ્ધાંત એટલે શું ? દાદાશ્રી : તું વાવમાં અંદર ઉતરી જઈને બોલું કે 'તું ચોર છે.' એટલે વાવ શું બોલે ? પ્રશ્નકર્તા : 'તું ચોર છે.' એમ આપણે બોલેલાનો પડઘો પાડે છે. દાદાશ્રી : બસ, બસ. જો તને ના ગમતું હોય, તો આપણે કહીએ કે 'તું બાદશાહ છે.' એટલે એ તને 'બાદશાહ' કહે. તને ગમે એ કહે, એ કર્મનો સિધ્ધાંત ! તને વકીલાત ગમે તો વકીલાત કર. ડૉક્ટરી ગમે તો ડૉક્ટરી કર. કર્મ એટલે એક્શન ! રિએક્શન એટલે શું ? એ પડઘો છે. રિએક્શન પડઘાવાળું છે. એનું ફળ આવ્યા વગર રહે નહીં. એ વાવ શું કહેશે ? તે આ જગત બધું પ્રોજેક્ટ આપણું જ છે. જે તમે કર્મ કહેતા'તાને, એ પ્રોજેક્ટ છે. પ્રશ્નકર્તા : કર્મનો સિધ્ધાંત ખરો કે નહીં ? દાદાશ્રી : આખું જગત કર્મનો સિધ્ધાંત જ છે, બીજું કશું છે જ નહીં અને તમારી જ જોખમદારીથી બંધન છે. આ બધું પ્રોજેક્શન જ તમારું છે. આ દેહે ય તમે જ ઘડ્યો છે. તમને જે જે ભેગું થાય છે, તે બધું તમારું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. હૉલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી તમારી જ છે આ બધી, અનંત અવતારથી. પણ હવે પ્રોજેક્ટ બંધ કેમ થાય ? પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જડે નહીં આમાંથી, આ બધા ભાગમાં, 'હું આ છું કે તે છું ?' ત્યાં સુધી ભટકવાનું છે. આ દેહ તે હું ન્હોય. આ આંખો ય હું ન્હોય. અંદર બીજા બધાં બહુ સ્પેરસ્પાર્ટસ્ છે, એ બધામાં 'હું ચંદુભાઈ છું' એવું હજુ ભાન છે. આ સરવૈયું નથી કાઢી શકતા, એટલે એ શું જાણે છે ? આ ત્યાગ કરું છું, તે જ હું છું. એટલે 'હું' તો ક્યાંય ઠેકાણે ના રહ્યો એમને. એ જાણે છે કે આ તપ કરે છે, તે જ 'હું' છું. આ સામાયિક કરે છે, તે જ 'હું' છું. આ વ્યાખ્યાન કરે છે, તે જ 'હું' છું. 'હું કરું છું' એવું ભાન છે ત્યાં સુધી નવો પ્રોજેક્ટ કર્યા કરે છે. જૂના પ્રોજેક્ટ પ્રમાણે ભોગવ્યા કરે છે. કર્મનો સિધ્ધાંત સમજતા હોય ને, તો મોક્ષનો સિધ્ધાંત જાણી જાય. આખા વર્લ્ડમાં બધે ફરી આવ્યો, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ ઉપરીપણું હોય. ભગવાન નામનો કોઈ તમારો ઉપરી છે નહિ. તમારા જોખમદાર તમે પોતે જ છો. આખા વર્લ્ડના લોકો માને છે કે જગત ભગવાને બનાવ્યું. પણ જે પુનર્જન્મનો સિધ્ધાંત સમજે છે એણે એવું ન માની શકાય કે ભગવાને બનાવ્યું છે. પુનર્જન્મ એટલે શું કે 'હું કરું છું અને હું ભોગવું છું. અને મારાં જ કર્મનાં ફળ ભોગવું છું. આમાં ભગવાનની આડખીલી જ નથી.' પોતે જે કરે છે, પોતાની જવાબદારી પર જ આ બધું કરવામાં આવે છે. સ્વતંત્રતાનો સિધ્ધાંત ! કોઇ જીવ કોઇ જીવને હિચ કરી શકે જ નહીં. જો એક જીવ બીજા જીવને હિચ આપી શકે તો 'આ વર્લ્ડ ખોટું છે' એમ કહી શકાય, આ વર્લ્ડનો સિધ્ધાન્ત ખલાસ થઇ જાય છે, તૂટી જાય છે ! કોઇ જીવ બીજા જીવને સહેજ પણ હિચ આપી શકે એટલી સ્વતંત્ર શક્તિ ધરાવતો હોય તો આખા વર્લ્ડના બધા સિધ્ધાંત ફ્રેકચર થઇ જાય છે. કોઇ જીવ બીજા જીવને કશું કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે ! આપણું જ ફળ આપણને આપે છે ! બાકી કોઇ ઉપરી નથી. ઉપરી હોત તો તો મોક્ષ કોઇનો ય ના થાત ! કોઇ માણસની તમારામાં આડખીલી નથી. તમારી જ ભૂલો તમારી ઉપરી છે. કારણ-કાર્ય તણા રહસ્યો ! આપણે પરીક્ષા આપીએને, એ કૉઝ કહેવાય. પછી પરિણામની ચિંતા આપણે કરવાની ન હોય. એ તો ઈફેક્ટ છે. તે જગત આખું ઈફેક્ટની ચિંતા કરે છે. ખરેખર તો કૉઝ માટે ચિંતા કરાય ! ઈફેક્ટ તમે સમજી ગયા ? એની મેળે થયા જ કરે તે ઈફેક્ટ. આ વિજ્ઞાન તમને સમજાયું ? વિજ્ઞાન સૈધ્ધાંતિક હોય. અવિરોધાભાસ હોય. તેં બિઝનેસ કર્યો ને બે લાખ કમાયો, તે કૉઝ છે કે ઈફેક્ટ ? પ્રશ્નકર્તા : કૉઝીઝ છે. દાદાશ્રી : કેવી રીતે કૉઝીઝ તે મને સમજાવ ? ધાર્યા પ્રમાણે કરી શકે ? પ્રશ્નકર્તા : તમે બિઝનેસ કરો અને જે થવાનું છે એ થવાનું છે, એ ઈફેક્ટ થાય. પણ બિઝનેસ કરવા માટે કૉઝીઝ તો કરવાં પડે ને ? તો બિઝનેસ કરી શકીએને ? દાદાશ્રી : ના, કૉઝીઝમાં રિલેટિવ વસ્તુ ના વપરાય બીજી. બિઝનેસ તો શરીર સારું હોય, મગજ સારું હોય, બધું હોય ત્યારે થાય ને ! બધાના આધારે જે થતું હોય, એ ઈફેક્ટ અને જે માણસ સૂતો સૂતો 'આનું ખરાબ થશે, આમ થશે.' એ કરે એ બધું કૉઝીઝ. કારણ કે એમાં આધાર કે કોઈ ચીજની જરૂર નથી. પ્રશ્નકર્તા : આપણે જે બિઝનેસ કરીએ છીએ, તો એ ઈફેક્ટ કહેવાય ? દાદાશ્રી : ઈફેક્ટ જ કહીએ છીએ ને ! બિઝનેસ એ ઈફેક્ટ જ છે. પરીક્ષાનું પરિણામ આવે, એમાં કશું કરવું પડે ? પરીક્ષામાં કરવું પડે, એ કૉઝીઝ કહેવાય. કંઈ કરવું પડે, તે પણ પરિણામમાં કંઈ કરવું પડે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એમ આમાં કંઈ કરવું ના પડે. એ બધું થયા જ કરે. આપણું શરીર બધું વપરાય અને થયા જ કરે, કૉઝમાં તો પોતાને કરવું પડે. કર્તાભાવ છે એ કૉઝ છે. બીજું બધું ઈફેક્ટ છે. ભોક્તાભાવ એ કૉઝ છે. પ્રશ્નકર્તા : જે ભાવ એ બધાં કૉઝીઝ, બરાબર. દાદાશ્રી : હં. જ્યાં બીજા કોઈની હેલ્પની જરૂર નહીં. તમે રસોઈ બનાવો ફર્સ્ટ કલાસ, તે બધી જ ઈફેક્ટ છે. અને એની મહીં તમે ભાવ કરો કે 'કેવી સરસ રસોઈ મેં બનાવી, કેવી સરસ બનાવી !' એ ભાવ તમારો કૉઝ. જો ભાવ ન કરો તો બધું ઈફેક્ટ જ છે. સાંભળી શકાય, દેખી શકાય, એ બધી ઈફેક્ટ. કૉઝીઝ દેખી ના શકાય. પ્રશ્નકર્તા : તો પાંચ ઈન્દ્રિયથી જે બધું થાય એ ઈફેક્ટ છે ? દાદાશ્રી : હા, આ બધી ઈફેક્ટ છે. આખી લાઈફ જ ઈફેક્ટ છે. એની મહીં જે ભાવ થાય છે એ ભાવ કૉઝ છે અને ભાવનો કર્તા હોવો જોઈએ. એ તો કર્તા છે જગતના લોકો ! કર્મ બંધાતા અટકે ક્યારે ? કર્મ બંધાતા અટકી ગયાં એટલે થઈ ગયું. એવું તમને સમજાય ખરું ! તમને કર્મ બંધાતા અટકતાં હશે ? કોઈ દહાડો જોયું છે એ ? શુભમાં પડો તો શુભ બંધાય, નહીં તો અશુભ તો હોય છે જ. કર્મ છોડે જ નહીં ! અને 'પોતે કોણ છે, આ બધું કોણ કરે છે' તે બધું જાણે, પછી કર્મ બંધાય જ નહીં ને ! પ્રશ્નકર્તા : તો કર્મ ખપાવવું, એ શું સમજવું ? દાદાશ્રી : કર્મનું મૂળ શું ? રાગ-દ્વેષ. જૈનીઝમે કહ્યું કે 'મોક્ષે જવું હોય તો રાગ, દ્વેષ અને અજ્ઞાન જાય તો મોક્ષ થાય.' ને વેદાંતીઓએ 'મળ, વિક્ષેપ ને અજ્ઞાન જાય તો મોક્ષ થાય.' એમ કહ્યું છે. અજ્ઞાનની બાબતમાં બંને 'કોમન' છે. રાગ-દ્વેષનો આધાર અજ્ઞાન છે. અજ્ઞાન જાય એટલે કર્મ બધા જ ખપતાં જાય. અજ્ઞાન શાનાથી જાય ? જ્ઞાનથી. નિજ સ્વરૂપના અજ્ઞાનથી જ મોક્ષ અટક્યો છે. કર્મ કરનાર કોણ હશે ? આપને શું લાગે છે ? પ્રશ્નકર્તા : આત્મા. દાદાશ્રી : આત્મા ક્રિયાવાદી હોતો હશે ? આ બહુ સમજવા જેવું છે. એક કર્મ કોઇ ખપાવી શકે નહીં. સંવર થાય ત્યારે કર્મ ખપે. આ તો બંધ ચાલુ હોય ત્યાં કર્મ શી રીતે ખપે ? કર્મ ખપાવવું અને બંધનું ચાલુ રહેવું એ બે વિરોધાભાસ છે. કર્મ ખપાવવું હોય તો સંવર જોઇએ. પણ પહેલા જીવાજીવનો ભેદ જાણ્યા સિવાય કશું વળે તેમ નથી. અશુભ કર્મ ભોગવે ને શુભ કર્મ બાંધે એટલું થઇ શકે. બાકી કર્મ બંધાતાં ના અટકે. આત્મા કર્તા-અકર્તા ? એવું છે, વૈષ્ણવો છે તે આત્માને કર્તા માનતા નથી, શિવધર્મી આત્માને કર્તા માનતા નથી, વેદાંતધર્મી આત્માને કર્તા માનતા નથી, જૈનો એકલા આત્માને કર્તા માને છે. આ છે તે તીર્થંકરોએ કહ્યું કે 'આત્મા વ્યવહારથી કર્તા છે'. બાય રિલેટીવ વ્યુ પોઇન્ટ આત્મા કર્તા છે. તો આપણે પૂછીએ કે સાહેબ પણ રિયલ વ્યુ પોઈન્ટથી, કહો ને ? ત્યારે કહે, રિયલ વ્યુ પોઈન્ટથી કર્તા નથી. હવે લોકો રિલેટીવને બદલે રિયલ સમજી ગયા. હવે એને જ સ્યાદ્વાદ હું બોલું છું. પણ કઈ અપેક્ષાએ છે તે આ! લ્યો, વેદાંત અપેક્ષાએ ના કહ્યું અને એમ કહ્યું કે આત્મા શુધ્ધ જ છે. હવે એનાથી શુધ્ધ થતું નથી. કારણ કે આત્મા શુધ્ધ છે ને હું દુઃખી શું કરવા થઉં છું ? જો આત્મા શુધ્ધ છે, તો એને દેહ શું કરવા ધારણ કરવો પડે છે, તે અહીં પોતે રહ્યો જ શું કરવા ? શું ભગવાનની ભૂલ કાઢી છે ! આ શું કહે છે તીર્થંકર મહારાજ કે અમુક અપેક્ષાએ શુધ્ધ છે, અમુક અપેક્ષાએ અશુધ્ધ કહે છે ! એટલે આપણે સ્યાદ્વાદ કહ્યું કે માણસ પૂરી સમજણ જો સમજીને આગળ ચાલે, તો ફરી વિરોધાભાસ ઉત્પન્ન ના થાય. એટલે વેદાંતમાં કોઈ માણસ એવું નહીં માને કે 'આત્મા કર્તા છે' એવું. 'આત્મા શુધ્ધ જ છે, અક્રિય છે' એવું સમજે છે. ત્યારે લોકો શું કહે છે ? ''ભગવાને કહ્યું છે, 'આત્મા કર્તા છે', તમે ના કહો છો ?'' મેં કહ્યું, ''ભગવાને 'કર્તા-ભોક્તા' કહ્યું, પણ એ ચોપડવાની દવા કહી'તી, તમે પી ગયા. શું થાય પછી ?'' પ્રશ્નકર્તા : એને સાચું માન્યું ? દાદાશ્રી : માન્યું જ છે ને, સાચું. તેમ જ કહે છે ને, 'હું કરું છું.' બીજો કોઈ કરે છે ? બીજો કોણ કરે ? બીજો કોઈ છે જ કોણ તે ? આપણું પહેલાં પાનાનું વાક્ય હોયને, તે આઠસો પાનમાં એનું એ જ વાક્ય એને હેલ્પ કરતું હોય, એ વિરોધાભાસ ના હોય. એક અક્ષરેય કોઈ જગ્યાએ, એનું નામ વિજ્ઞાન કહેવાય. એને એમ લાગે ખરું કે આ આજે દાદાએ એમ કેમ કહ્યું, 'આ પુદગલ નિશ્ચયથી કર્તા છે ?' પણ જો એ વાત આમ સમજવા જાય તો તરત સમજી જાય, પછી ફીટ થઈ જાય. એટલે પ્રશ્ન ઊભા થાયને, તે આપણે પોતે પોતાની મેળે મૂકવા કે આ આવું કેમ બને ? તો પછી તમને પોતાને જ સોલ્યુશન થાય. 'વ્યવસ્થિત એ જ નિશ્ચયથી પુદગલ કર્તા છે', એવું જો જગતને સમજમાં હોતને તો આજ જગતની તો દશા બહુ ઊંચી હોય. પણ એ સમજમાં બેસે એવી વસ્તુ નથી. અને તે એ જ્ઞાન ખુલ્લું ય થયું નથી. અત્યાર સુધી એક જ પ્રકારનું જ્ઞાન ચાલ્યું આવે છે કે આત્મા વ્યવહારથી કર્તા છે, બસ. નિશ્ચયથી કોણ કર્તા છે એવી તપાસ જ નથી કરવામાં આવેલી અને તે બધું કોઈએ ખુલ્લુંય નથી કર્યું. તેથી કરીને તીર્થંકરોના જ્ઞાનમાં બધું હતું પણ તમે પૂછો તો જવાબ નીકળે ને ? પૂછો જ નહીં તો શેનો જવાબ મળે ?! હું કરું, તું કરે, તેઓ કરે, એ ભ્રાંતિ ! એટલે કંઈ પણ 'હું કરું છું' એ ભાન, એ આત્મા ક્યારેય પણ પ્રાપ્ત ના કરાવે. જ્યાં સુધી તમે કરો છો, ત્યાં સુધી ભ્રાંતિમાં છો. જ્યાં સુધી જગતમાં કંઈ પણ તમે કરો છો, એવું ભાન છે ત્યાં સુધી એકે અંશ પણ આત્માનો ચાખ્યો નથી. લોકો આકુળ-વ્યાકુળ રહેતા હશે કે નહિ ? નિરંતર આકુળ-વ્યાકુળ, કારણ કે કર્તાપદ છે. 'હું કરું છું ને તે કરે છે ને તેઓ કરે છે', એ જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી ભ્રાંતિ છે. ને ત્યાં સુધી આકુળતા-વ્યાકુળતા જ છે. ભગવાન મહાવીરનો સિધ્ધાંત શું કહે છે ? 'હું કરતો નથી, તે કરતાં નથી ને તેઓ ય કરતાં નથી.' કોણ કરે છે ? આ બધું પરસત્તાના હાથમાં છે. પરસત્તા કરે છે. હવે આપણે સામા માણસને તમે કરો છો એમ કહીએને, તો આપણને ભ્રાંતિ હજુ ગઈ નથી. ઊઠવાની સ્વતંત્ર શક્તિ છે ? સવારમાં વહેલો ઊઠ્યો, કહેશે. એ સાચી વાત છે ? કરેક્ટ વાત છે આ ? આપણે કહીએ, ઊંઘી જવું છે ને ? ત્યારે કહે, હા મારે જ્યારે જોઈએ ત્યારે ઊંઘ આવે. પછી પાછો બીજે દહાડે કહેય ખરો કે આજે ઊંઘ ના આવી. અલ્યા તું ઊંઘી જઉં છું ને તને ઊંઘ ના આવી, એ બે વિરોધાભાસ વાત કેમ કરે છે ? ઊંઘવાની શક્તિ પોતાની હોય તો ધારે ત્યારે ઊંઘ આવી જાય. આ તો આમ ફરે, તેમ ફરે ઊંઘવા હારુ, પણ કશું વળતું નથી. ઊઠવાની શક્તિ એની પોતાની હોય તો રાત્રે બે વાગે પેલું ઘડીયાળ મૂકવું ના પડે. ઘડિયાળમાં એવી શક્તિ છે, પણ આનામાં નથી. કઈ શક્તિ છે એવું મને ખોળી આપે ? આ જગત ચાલી રહ્યું છે કે ચલાવીએ છીએ ? પ્રશ્નકર્તા : આપણે ક્યાં ચલાવી શકવાનાં છીએ ? દાદાશ્રી : તો તો આ બધાય એમ કહે છે ને, 'મેં આ કર્યું ને મેં તે કર્યું.' પ્રશ્નકર્તા : વિરોધાભાસ થયો ને એ તો. દાદાશ્રી : એવું છે ને, ખરી હકીકતમાં તો બધાંય મનમાં સમજે છે કે આપણાથી કશું થાય એવું નથી. અને ખરેખર હકીકતમાં તમે કશું કર્તાય નથી આનાં. ચાલી જ રહ્યું છે. આરોપણના ગુના કેવા ! એટલે આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કેટલાંય સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. તેમાં ઈગોઈઝમ કરીને 'મેં કર્ર્યું' કહીને હાંક્યે રાખે છે. પણ આ તો સારું થાય તો 'મંે કર્યું' અને ના સારું થાય તો 'મારા સંજોગ હમણાં સારા નથી' એવું આપણા લોકો કહે છે ને ! સંજોગોને માને છે ને, આપણા લોકો ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કમાયો તેનો ગર્વરસ પોતે ખાય છે ને જ્યારે ખોટ આવે છે ત્યારે કશું બહાનું કાઢે. આપણે પૂછીએ, 'કેમ શેઠ, આમ થઈ ગયા છો હમણાં ?' ત્યારે એ કહે, 'ભગવાન રૂઠ્યા છે.' પ્રશ્નકર્તા : સગવડિયો સિધ્ધાંત થઈ ગયો. દાદાશ્રી : હા. સગવડિયું, પણ તે આવો આરોપ એની પર ના આપવો જોઈએ. વકીલ ઉપર આરોપ આપીએ, બીજા કોઈને આરોપ આપીએ તો ઠીક છે, પણ ભગવાન ઉપર આરોપ અપાય ?! વકીલ તો દાવો માંડીને હીસાબ લે પણ આનો કોણ દાવો માંડે ? આનું ફળ તો આવતા ભવમાં ભયંકર બેડી મળે. ભગવાનનું નામ દઈને આરોપ અપાય ખરો ? પ્રશ્નકર્તા : ના અપાય. દાદાશ્રી : નહીં તો કહેશે, 'સ્ટાર્સ ફેવરેબલ નથી.' નહીં તો 'ભાગિયો મૂઓ વાંકો છે' એવું કહે. નહીં તો ભાગીદારનો વાંધો કાઢે. નહીં તો 'છોકરાની વહુ મોરપગી છે' એમ બોલે. પણ પોતાને માથે ના આવવા દે ! પોતાના માથે ગુનેગારી લેતો નથી કોઈ દહાડોય. એટલે એક ફોરેનવાળાની સાથે મારે વાતચીત થયેલી. એ કહે છે, 'તમારા ઈન્ડિયનો ગુનો માથે કેમ નથી આવવા દેતા ?' મેં કહું, 'એ જ ઈન્ડિયન પઝલ છે. મોટામાં મોટું પઝલ હોય તો ઈન્ડિયાનું આ છે.' પ્રારબ્ધ-પુરુષાર્થનું વિરોધાભાસી અવલંબન ! લોક પ્રારબ્ધ-પુરુષાર્થ કહે છે. મૂઆ દળેલાને ફરી દળે છે ને ઊલટાંના અડધો શેર લોટ ઊડાડી મૂકે છે. કેટલાંક લોકો પ્રારબ્ધ પ્રારબ્ધ કરે છે ને કેટલાંક પુરુષાર્થ પુરુષાર્થ કરે છે તે બન્ને ય પાંગળા અવલંબન છે. આ મજૂરો સવારથી સાંજ સુધી મિલોમાં પુરુષાર્થ કરે છે તે શું પામે છે ? રોટલો ને કઢી કે બીજું વધારે ? અને પ્રારબ્ધવાદીઓ હાથ જોડીને બેસી રહે તો ? મૂઓ લાખ કમાય તો કહે, 'હું કમાયો' અને ખોટ જાય તો કહે, 'ભગવાને ઘાલી. મારા ગ્રહો રાશી હતા. ભાગિયો નઠારો મળ્યો.' વળી કહે, 'મી કાય કરું' ! તે મૂઆ તું જીવતો છે કે મરેલો ? સારું કર્યું ત્યારે કહેનાર તું હતો તે હવે કહેને કે 'મેં કર્યું.' હવે કહે છે કે 'ભગવાને કર્યું.' તેમ કહીને શું કામ ફજેતો કરો છો ? અને ગ્રહો પણ કશું જ કરતાં નથી. તારા ગ્રહ જ તને નડે છે. તારા મહીં જ નવેય ગ્રહો છે. તે જ તને નડે છે. હઠાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, સત્યાગ્રહ વિ. વિ. અમે નિરાગ્રહી થયા છીએ. આગ્રહ હોય ત્યાં વિગ્રહ થાય. અમારે આગ્રહ નથી તો વિગ્રહ ક્યાંથી ? આ તો ક્રમ આવે છે ને ત્યારે સફળ થાય છે અને અક્રમ આવે છે ત્યારે ભગવાન પર ઢોળી દે છે. ક્રમ અને અક્રમની આ બે લિન્કોને લોકો પુરુષાર્થ કહે છે. જો પોતે પુરુષાર્થ કરતો હોય તો ક્યારેય ખોટ આવે જ નહીં. પુરુષાર્થ તો એનું નામ કે નિષ્ફળતા ના હોય. આ તો વિરોધાભાસ કહેવાય. તું પોતે જ પુરુષ નથી થયો, તે પુરુષાર્થ શું મૂઆ કરવાનો છું ? ખરો પુરુષાર્થ તો તે કે જે પુરુષાર્થ અને સ્વપરાક્રમ સહિત હોય. આ તો મૂઆ પ્રકૃતિ નચાવે તેમ નાચે છે ને કહે છે હું નાચ્યો ! કૃષ્ણ ભગવાને શું કહ્યું કે 'ઓધવજી અબળા તે શું સાધન કરે !' જૈનોના મોટામાં મોટા આચાર્ય આનંદઘનજી મહારાજ પણ પોતાને અબળા કહે છે. કારણ કે પુરુષ કોને કહેવાય કે જેણે ક્રોધ-માન-માયા-લોભ જીતી લીધાં હોય તેને. આ તો ક્રોધ-માન-માયા-લોભે જ જીતી લીધાં છે, તે અબળા જ કહેવાય ને ! હું પુરુષ થયો છું. પુરુષાર્થ અને સ્વપરાક્રમ સહિત છું. જ્યોતિષ અને પુરુષાર્થ એ બન્નેય વિરોધાભાસ છે. જ્યોતિષ તે સાચું છે ને જેને પુરુષાર્થ માને છે તે ભ્રાંતિ છે. મૂઆ ખોટ જાય છે ત્યારે જ્યોતિષી પાસે શું કામ જાઉં છું ? કરને પુરુષાર્થ ! આ પુરુષાર્થ તો આવતા ભવનાં બીજ નાખે છે. આ એલેમ્બિકના કારખાનામાં કેટલાંય માણસો કામ કરે છે. ત્યારે કેમિકલો થાય છે અને તે ય પાછું એક જ કારખાનું અને આ દેહ તો અનેક કારખાનાંનો બનેલો છે, લાખ એલેમ્બિકનાં કારખાનાંનો બનેલો છે. તે એમ ને એમ ચાલે છે. મૂઆ, રાતે ઓંઢવો (હાંડવો) ખાઈને સૂઈ ગયો, તે મહીં કેટલો પાચકરસ પડ્યો, કેટલું પિત્ત પડ્યું, કેટલું બાઈલ પડ્યું, તેની તપાસ કરવા જાઉં છું તું ? ત્યાં તું કેટલો એલર્ટ છું ? એ તો સવારે એની મેળે બધી જ ક્રિયાઓ થઈને, પાણી પાણીની જગ્યાએ ને સંડાસ સંડાસની જગ્યાએથી છૂટું પડી નીકળી જાય છે ને તત્ત્વો બધાં લોહીમાં ખેંચાઈ જાય છે. તે મૂઆ, એ બધું તું ચલાવવા ગયો હતો ? અલ્યા, આ અંદરનું એમ ને એમ ચાલે છે તો બહારનું નહીં ચાલે ? તું કરું છું એવું શા માટે માને છે ? એ તો ચાલ્યા કરશે. રાતે ઊંઘમાં શરીર સહજ હોય છે. આ તો મૂઆ અસહજ. આ દહાડે તો લોક કહે છે કે, હું શ્વાસ લઉં છું, ખરા શ્વાસ લઉં છું, ઊંચા લઉં છું ને નીચા પણ લઉં છું. તો રાતે કોણ શ્વાસ લે છે ? રાતે જે શ્વાસોચ્છ્વાસ ચાલે છે તે નોર્મલ છે. તેનાથી બધું જ સરસ પાચન થાય છે. મનુષ્ય માત્ર ભમરડા છે. હું જ્ઞાની છું પણ આ દેહ ભમરડો છે. આ ભમરડા છે તે શ્વાસથી જ ચાલે છે. શ્વાસ પેઠે તે દોરી વીંટાઈને પછી શ્વાસ ચાલે છે ત્યારે ભમરડો ફરે છે. તે ફરતાં ફરતાં ગુલાંટ ખાય તે આપણને એમ લાગે કે હેંડ્યો હેંડ્યો ને પાછો મૂઓ ઊભો થઈને પાછો ફરવા માંડે, એવું છે આ બધું ! લીમડો પાને પાને કડવો થાય ને ડાળે ડાળે કડવો થાય. તેમાં તેનો કયો પુરુષાર્થ ? એ તો બીજમાં પડેલું પ્રગટ થાય છે. તેમ મનુષ્યો પોતાના પ્રાકૃત સ્વભાવથી વર્તે છે ને માત્ર 'મેં કર્યું'નો અહંકાર કરે છે, તેમાં તેણે શું કર્યું ? આ જગતમાં જે તે લોકો પુરુષાર્થ કહે છે તે તો ભ્રાંત ભાષા છે, રિલેટિવ ભાષા છે. ઉદય કર્મથી થાય છે તેને 'મેં કર્યું' એમ કહે છે તે ગર્વ છે, તે અહંકાર છે. રિયલ ભાષાનો પુરુષાર્થ કે જે યથાર્થ પુરુષાર્થ છે અને જે પુરુષ થયા પછી જ, સ્વરૂપનું ભાન થયા પછી જ શરૂ થાય છે. તેમાં 'મેં કર્યું' એ ભાવ જ આખો ઊડી ગયેલો હોય છે. સંપૂર્ણ અકર્તા પદ હોય છે. રિલેટિવ બધું પ્રકૃતિ છે અને રિયલ પોતે પુરુષ છે. રિયલ પુરુષાર્થ કોને કહેવાય ? કોઈ આપણો હાથ કાપતો હોય ત્યારે 'પોતે' જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહે તે. જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા જ આત્માની ક્રિયા છે. બીજે બધે જ આત્મા અક્રિય છે, બીજી કોઈ પણ ક્રિયા આત્માની થતી નથી અને 'આત્મા' જ્ઞાન-દર્શનમાં જ રહે તે જ પુરુષાર્થ છે. કબીરજીની બીબીને બાળક આવવાનું હતું. ત્યાર પહેલાં તો દૂધની કુંડીઓ ભરાઈ ગઈ. અને બાળક આવ્યું ત્યાર પછી શેડ છૂટી તે જોઈને કબીરજી બોલ્યા - 'પ્રારબ્ધ પહેલે બનાં, પીછે બનાં શરીર, કબીર, અચંબા યે હૈ, મન નહીં બાંધે ધીર.' અવિરોધાભાસ અવલંબન ! પ્રારબ્ધ પ્રારબ્ધ કરીને ય બેસી રહેવાય તેમ નથી. જો એકલું પ્રારબ્ધનું જ અવલંબન લઈને બેસી રહે તો સાવ અક્રિય બની જાય. એ અવલંબનથી મન પાંસરું રહે જ નહીં ને જો તારું પ્રારબ્ધનું અવલંબન સાચું હોય તો તને એક પણ ચિંતા ના થવી જોઈએ. પણ ચિંતાનું તો કારખાનું છે. તેથી તેય અવલંબન પાંગળું છે, ફેક્ટ નથી, સાયન્ટિફિક નથી. તેથી જ બધા માર ખાય છે. આ ખોટાં અવલંબનો લોકોને આપવામાં આવ્યા છે, તેથી તો હિન્દુસ્તાનની અવદશા થઈ છે. એની આખી પ્રગતિ રૂંધાઈ ગઈ છે. અમે કરોડો અવતારની શોધખોળ કરીને જગતને એક્ઝેક્ટ જેમ છે તેમ કહીએ છીએ કે પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બેઉ પાંગળા અવલંબન છે અને 'વ્યવસ્થિત' એ જ સાચું અવલંબન છે, ફેક્ટ વાત છે, સાયન્ટિફિક છે. 'વ્યવસ્થિત' એટલે શું ? સાયન્ટિફિક સરકમ-સ્ટેન્શિયલ એવિડન્સ માત્રથી જે જે કંઈ બને છે તે 'વ્યવસ્થિત' છે. 'વ્યવસ્થિત' એ સર્વ અવસ્થામાં સંપૂર્ણ સમાધાનકારી જ્ઞાન છે. એનો હું તમને સાદો દાખલો આપું. આ કાચનો પ્યાલો છે. તે તમારા હાથમાંથી છૂટવા માંડ્યો. તે તમે આમથી તેમ ને તેમથી આમ હાથ હલાવીને તેને છેક નીચે સુધી બચાવવા પ્રયત્ન કર્યો. તે છતાંય તે પડ્યો ને ફૂટી ગયો. તો તે કોણે ફોડ્યો ? તમારી ઈચ્છા જરાય નહોતી કે આ પ્યાલો ફૂટે. ઊલટાંનો તમે તો છેક સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શું પ્યાલાને ફૂટવાની ઇચ્છા હતી ? ના. તેને તો તેવું હોય જ નહીં. બીજું કોઈ ફોડનાર તો હાજર નથી તો પછી કોણે ફોડ્યો ? 'વ્યવસ્થિતે.' વ્યવસ્થિત એ એક્ઝેક્ટ નિયમથી ચાલે છે. ત્યાં પોપાબાઈનું રાજ નથી. જો 'વ્યવસ્થિત'ના નિયમમાં આ પ્યાલો ફૂટવાનો જ ના હોય તો આ કાચના પ્યાલાનાં કારખાનાં શી રીતે ચાલે ? આ તો વ્યવસ્થિતને તમારું ય ચલાવવું છે, કારખાનાં ય ચલાવવાં છે અને હજારો મજૂરોનું ય ગાડું ચલાવવાનું છે. તે નિયમથી પ્યાલો ફૂટે જ, ફૂટ્યા વગર રહે જ નહીં. ફૂટે ત્યારે કઢાપો ને અજંપો કર્યા કરે. અરે, નોકરથી ફૂટ્યો હોય ને બે-પાંચ મહેમાન બેઠા હોય તો મનમાં અજંપો કર્યા કરે કે ક્યારે આ મહેમાન જાય ને હું નોકરને ચાર તમાચા ચોડી દઉં ! ને મૂઓ તેવું કરે ય ખરો. અને જો તેણે જાણ્યું કે આ નોકરે નથી ફોડ્યો પણ 'વ્યવસ્થિતે' ફોડ્યો છે તો થાય કશું ? સંપૂર્ણ સમાધાન રહે કે ન રહે ? ખરી રીતે નોકર બિચારો નિમિત્ત છે. તેને આ શેિઠયાઓ બચકાં ભરે છે. નિમિત્તને ક્યારેય બચકાં ના ભરાય. મૂઆ, નિમિત્તને બચકાં ભરીને તું તારું ભયંકર અહિત કરી રહ્યો છું. મૂળ રૂટ કોઝ ખોળી કાઢને ! તો તારો ઉકેલ આવશે. હું નાનપણમાં જરા ટીખળી સ્વભાવનો હતો. તે ટીખળ બહુ કરું. એક શેઠ એમના કુરકુરિયાને બહુ રમાડે. તે હું ધીરે રહીને પાછળથી ખબર ના પડે તેમ કૂતરાની પૂંછડી જોશથી દાબું. કૂતરું, મોંઢા આગળ શેઠને જુએ ને તેમને ઝટ લઈને બચકું ભરી લે. શેઠ બૂમો પાડ પાડ કરે, આનું નામ નિમિત્તને બચકાં ભરવાં તે. કર્તા કોણ ? વહેલું ઉઠાય ત્યારે હું વહેલો ઊઠ્યો, મોડું ઊઠ્યા ત્યારે, 'હું શું કરું ?' આ તો વિરોધાભાસ કહેવાય. તો કોણ ઊઠાડે છે તમને ? 'વ્યવસ્થિત' નામની શક્તિ તમને ઊઠાડે છે. આ સૂર્ય, ચંદ્ર, તારા બધું જ 'વ્યવસ્થિત'ના નિયમના આધારે ચાલે છે. આ મિલો બધી ધૂમાડાના ગોટા કાઢે જ જાય છે ને 'વ્યવસ્થિત' શક્તિ એને ક્લીયર (ચોખ્ખું) કરી પાછું 'વ્યવસ્થિત' કરી નાખે છે. નહીં તો અમદાવાદના લોકો ક્યારના ય ગૂંગળાઈને મરી ગયા હોત ! આ વરસાદ પડે છે તે ઉપર કોણ પાણી બનાવવા જાય છે ? એ તો નેચરલ એડજસ્ટમેન્ટ થાય. બે 'ણ્'નાં અને એક 'બ્'નાં પરમાણુઓ ભેગાં થાય અને બીજાં કેટલાંક સંયોગો જેમ કે હવા વિ. ભળે ત્યારે પાણી બને ને વરસાદરૂપે પડે. આ સાયન્ટીસ્ટ શું કહે છે ? જો હું પાણીનો મેકર છું. અલ્યા, તને બે 'ણ્'ના પરમાણુને બદલે એક જ 'ણ્'નું પરમાણુ આપું છું, હવે બનાવ પાણી. ત્યારે મૂઓ કહે, ના, એ તો શી રીતે બને ? મૂઆ, તું ય એમાંનો એક એવિડન્સ છું. તું શાનો મેકર ? આ જગતમાં કોઈ મેકર છે જ નહીં, કોઈ કર્તા છે જ નહીં, નિમિત્ત છે. ભગવાનેય કર્તા નથી. કર્તા થાય તો ભોક્તા થવું પડે ને ? ભગવાન તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. પોતાના અપાર સુખમાં જ રાચ્યા રહે છે. કુદરત એનું નામ કે જે વિરોધાભાસી બિલકુલ હોય નહીં. ૨ણ્ અને બ્, બે ભેગા થાય, બીજા અમુક સંજોગો ભેગા થાય એટલે એનું પાણી જ થાય, તેલ ના થાય. નિયતિવાદ ! પ્રશ્નકર્તા : બધું 'વ્યવસ્થિત' હોય તો કરવાની કશી જરૂર નથી. વિરોધાભાસ લાગે છે. દાદાશ્રી : આ બધું 'વ્યવસ્થિત' જ છે. પ્રશ્નકર્તા : તો એ નિયતિવાદ થયો કે બધું નક્કી જ છે ? દાદાશ્રી : ના, નિયતિવાદ થાય તો તો એ આગ્રહ થઈ ગયો. અમે જીત્યા એવું એ કહે. પછી તો નિયતિ ભગવાન જ ગણાય. નિયતિ એકલું કારણ નથી. સમુચ્ચય કારણોથી થયેલું છે. તેથી અમે કહીએ છીએ કે 'ઓન્લી સાયંટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે. (ફક્ત વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા.) નિયતિવાદ હોય તો તો નિરાંત થઈ જાય ! નિયતિવાદ એટલે અહીંથી દરિયામાં નાખ્યું એટલે કિનારે પહોંચ્યું જ. પ્રશ્નકર્તા : નિયતિવાદ એટલે પ્રારબ્ધવાદ એમ કહ્યું છે. દાદાશ્રી : પ્રારબ્ધ, નસીબ એ નિયતિ નથી. નિયતિ જુદી વસ્તુ છે. નિયતિ એટલે આ સંસારના જીવોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તે કોઈ નિયતિના કાયદાને અનુસરીને ચાલી રહ્યો છે; પણ બીજાં કારણો ઘણાં બધાં આવે છે, જેમ કે કાળ છે, ક્ષેત્ર છે. દેખાય વિરોધાભાસ પણ છે ન્યાય ! વરસાદ વરસતો નથી, એ ન્યાય છે. ત્યારે ખેડૂત શું કહે ? ભગવાન અન્યાય કરે છે. એ એની અણસમજણથી બોલે છે. તેથી કરીને કંઈ વરસાદ વરસી જશે ? નથી વરસતો એ જ ન્યાય. જો કાયમ વરસાદ પડતો હોય ને, દર સાલ ચોમાસું સારું કરતો હોયને તો વરસાદને શું ખોટ જવાની હતી ? એક જગ્યાએ ધૂમધડાકા કરીને ખૂબ પાણી રેડી દે અને પેણે દુકાળ પાડી દે. કુદરતે બધું 'વ્યવસ્થિત' કરેલું છે. તમને લાગે છે કુદરતની વ્યવસ્થા સારી છે ?! કુદરત બધું ન્યાય જ કરે છે. એટલે સૈધ્ધાંતિક વસ્તુ છે આ બધી. બુધ્ધિ જતી રહેવા માટે આ એક જ કાયદો છે. જે બને છે એ ન્યાય માનીશ એટલે બુધ્ધિ જતી રહેશે. બુધ્ધિ ક્યાં સુધી જીવતી રહે ? બને છે તેમાં ન્યાય ખોળવા જાય, તો બુધ્ધિ જીવતી રહે. આ તો બુધ્ધિ એ પછી સમજી જાય. બુધ્ધિ લજવાય પછી. એને ય લાજ આવે, બળ્યું કે હવે આ ધણી જ આવું બોલે છે, એનાં કરતા આપણે ઠેકાણે પડવું પડશે. નથી સામો પણ કર્તા કદિ... પ્રશ્નકર્તા : વ્યવસ્થિત કર્તાનું ભાન થાય પણ દેહ ધારણ કર્યો હોય ત્યાં સુધી કર્તાભાવ તો રહે ને ? દાદાશ્રી : કર્તાભાવ જવાને માટે તો આ જ્ઞાન છે. જો સામાને કર્તા માનીએ, સામો ગાળ ભાંડે છે, એને કર્તા માનીએ તો વાત આખી સમજતા જ નથી. સિધ્ધાંત જ એ છે કે આ પરસત્તા કામ કરી રહી છે. એટલે 'હું કર્તા નથી' એવું ભાન થયું, બીજા ય કર્તા નથી, પરસત્તા કરે છે, એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે આ બધું. પ્રશ્નકર્તા : એ તો વાણી વિષેનો સત્સંગ બહુ સરસ આવ્યો છે કે 'આ વાણી એ ટેપ છે. સામાની વાણી પણ ટેપ છે ને તારી વાણી પણ ટેપ છે.' દાદાશ્રી : ત્યારે પેલા એક ભાઈ કહે છે, કોઈને માન્યામાં આવે એવી વસ્તુ નથી. મેં કહ્યું, 'ના માનો કે માનો પણ આમ જ છે. તમારી વાણી હઉ એવી ટેપ છે. વાણીનો કર્તા જો એને માનીએ તો એને કર્તા તમે માન્યો. આપણું અવિરોધાભાસ પ્રુફ થવું જોઈએ, હરેક બાબતમાં એક શબ્દ વિરોધાભાસ ન લાગવો જોઈએ.' સામાને 'કર્તા છે' એવું મનાય જ નહીં તમારાથી હવે. 'હું કર્તા નથી' એવી રીતે સામો પણ કર્તા નથી. પણ એને કર્તા માનો તો તમે કર્તા જ થઈ ગયાં ! બીજાને કર્તા ના દેખે, પોતે અકર્તા, સામોય અકર્તા. 'હું કરું છું, તું કરે છે અને તેઓ કરે છે', એ ત્રણેય છે તે કર્તાપદ ના હોવું જોઈએ, બધામાંય. ગમે તે કોઈ કરતું જ નથી, એવી રીતે દેખાવું જોઈએ. કો'ક ગાળ ભાંડે તો આપણને 'એ કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે', એવું ભાન રહેવું જોઈએ. જ્ઞાની પુરુષની અંદર બોધકળા અને જ્ઞાનકળા- બન્ને હોય. એ કળા શીખેને એટલે પોતે સમજી જાય કે આ ખોટું છે. કોઈ તમને વાંધો કહે, કે 'તમે કંઈ ફર્યા નથી દાદાને મળ્યા છતાં.' તો તમને વાંધો લાગે પછી ? પ્રશ્નકર્તા : ના, જરાય ના લાગે. દાદાશ્રી : કારણ કે ફરવાની સત્તા કોના હાથમાં ? પરસત્તાના હાથમાં છે. આ તો એ બોલે, એ અણસમજણ છે. એટલે એ બોલે એવું, એ એમ જાણે છે કે 'આ આપણા હાથમાં સત્તા છે' એવું જાણે છે. પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી, સમકિત જેને થયું, એને માટે આ 'વ્યવસ્થિત' શબ્દ છે. જેને સમકિત નથી થયું, જેણે જ્ઞાન નથી લીધું, એને માટે આ 'વ્યવસ્થિત' શબ્દ છે નહીં. દાદાશ્રી : સમકિત તો થયેલું હોય, પણ અમારી જે આજ્ઞા પાળે તેને માટે 'વ્યવસ્થિત' છે. એટલે આજ્ઞાવશ જેની વૃત્તિઓ થઈ ગયેલી છે એટલે એ પ્રમાણે જ વર્ત્યા કરે. વાતને પૂરી સમજે તો ઘડી ઘડી એમ ના કહે કે આ 'વ્યવસ્થિત' છે, એવું તેવું સમજાઈ જ ગયેલું હોય, એની હકીકત સમજે કે આ સિધ્ધાંત શું છે ? જેને આજ્ઞા પાળવી છે એને વણાઈ ગયેલી હોય. એટલે અમે કહીએ છીએને કે સિત્તેર ટકા આજ્ઞા પાળતો હશે તો ચાલશે મારે. મહાત્માઓ માટે 'વ્યવસ્થિત' ! પ્રશ્નકર્તા : 'વ્યવસ્થિત' આપણે કહીએ, તો પછી ઉદય કહેવાની જરૂર જ રહેતી નથી ને ? દાદાશ્રી : કશી જરૂર જ નથી. એ 'વ્યવસ્થિત' તે જ બરોબર છે. ઉદય તો ક્યારે, 'વ્યવસ્થિત'નું જ્ઞાન ના હોય ત્યારે 'મારાં કર્મનો ઉદય છે, ઉદય છે', એવું બોલ્યા કરે. ઉદય ફરે ત્યારે કહેશે, 'મારો ઉદય ફર્યો છે.' પણ તે ઉદયને માનતાં હોયને, તો કર્તા ના રહે. પણ એ તો પાછો કહેશે, 'મેં કર્યું.' ખરાબ આવે ત્યારે કહે, 'મારાં કર્મના ઉદય રાશી છે.' અને સારું કામ કરવાનું ત્યારે, 'મેં કર્યું' કહેશે. એવું વિરોધાભાસ બોલે છે. વિરોધાભાસ ન હોવું ઘટે !! કોઈ પણ વસ્તુ ભૂતકાળ થઈ ગયો એટલે 'વ્યવસ્થિત' જ કહેવું. પણ 'બનવાનું છે', એને 'વ્યવસ્થિત' કહેવું નહીં. થયા પછી કહો, અને ભય લાગતો હોય તો નક્કી કરવું કે છે 'વ્યવસ્થિત' પણ મારે તો ચોકસાઈ રીતે રહેવું જોઈએ. મારે ભય રાખવાનું કોઈ કારણ નથી. મારે તો ચોક્કસ રીતે જ ચાલવું છે. આટલું જ સમજવાની જરૂર છે. કારણ કે વૈજ્ઞાનિક હોય છે રીત. આ ગપ્પાં મારે એ રીતે ચાલે નહીં, સૈધ્ધાંતિક હોવી જોઈએ. ક્યારે પણ ન તૂટે એવું હોવું જોઈએ. ભઈ ઓફ થઈ ગયો, એ યોગ્ય બનવાનું હતું તે બની ગયું. હવે આમાં કશું અમારો દોષ નથી. ડૉક્ટરના હાથે મર્યો હોય તો ડૉક્ટરનો દોષ નથી. એ તો આપણાં લોકો ખોટા આરોપ માંડે છે, દાવા માંડે છે. એ તો કંઈ રીત છે ? એ નિમિત્ત છે બધાં ! પ્રશ્નકર્તા : આપણે કરવાનું હોય તો તો ભય ઊભો થઈ જાય, પણ હવે 'વ્યવસ્થિત' કર્તા એટલે આપણને આમ ભય રહે નહીં. દાદાશ્રી : હા, ખરું છે પણ જગતના લોકોને તો આમ બોલે ખરા કે જે થવાનું હશે તે થશે અને પછી જ્યારે 'રેડ' આવેને, ત્યારે પાછો મહીં વિચાર આવે કે 'હવે શું થશે ?' અલ્યા, હમણે તો બોલ્યો કે 'જે થવાનું હશે તે થશે, ને પાછું, હવે શું થશે એવું શું કામ બોલે છે ?' પણ એને એ જ્ઞાન રહે નહીંને ! 'થવાનું હશે તે થશે' એ જ્ઞાન વિરોધાભાસ-વાળું છે ! અને આપણું આ જ્ઞાન આપ્યું કે 'વ્યવસ્થિત' છે, એટલે પછી શંકા જ ઊભી ના થાયને ! આરપાર પામીને પમાડયું જ્ઞાન ! પ્રશ્નકર્તા : આ પાંચ વખત વિધિ કરે છે, તે કેમ કરતો હશે ? પાંચ વખત એને આપે વિધિ કરી, એ વાત નીકળી'તી ને ! તે તમે કહ્યું ને કે વ્યવસ્થિતનાં આધારે કરે છે. અને દાદાને કેમ કોઈની જોડે અથડામણ થતી નથી ? પણ તે વ્યવસ્થિત સમજીને બેઠેલા છે, તે પછી અથડામણ થાય જ ક્યાંથી ? દાદાશ્રી : થાય જ ક્યાંથી ? વ્યવસ્થિત સમજીએ. વ્યવસ્થિત તો મેં આપ્યું છે, તે કેટલું સમજ્યો હોઈશ ત્યારે તમને બધાને, મેં પબ્લિકને આપ્યું છે કે આરપાર જોયેલી વસ્તુ છે આ. વિરોધાભાસ નામેય નથી. એનો અર્થ સમજો તમે. અને એ એકલું જ મોક્ષે લઈ જાય એવું છે. જો એટલું સમજે તો ય ચિંતા છૂટી ગઈને પછી ! કેટલાંય અવતારની શોધ અમારી ! પ્રશ્નકર્તા : આ જે હું પેલી વાત કરતો હતો, પુરુષાર્થની અને પૂર્વનિશ્ચિતની. એ વિજ્ઞાનમાં બરાબર નથી વાત બેસતી. એટલે ડખાડખ અમને મનમાં થયા કરે છે. દાદાશ્રી : એ ફીટ થાય ત્યારે જ આપણને સમાધાન રહે. પ્રશ્નકર્તા : આપણે એકવાર નક્કી કરીએ કે બધું વ્યવસ્થિત છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે પુરુષાર્થ આપણા હાથમાં છે. દાદાશ્રી : પુરુષાર્થ ધર્મ ખુલ્લો છે. પ્રશ્નકર્તા : હા, એટલે એ ક્યારેક વિરોધાભાસ લાગે. દાદાશ્રી : એ વિરોધાભાસ લાગે કો'કને ! પણ પુરુષાર્થ એ ધર્મ છે. પુરુષ થયા પછી પુરુષાર્થ થયો. પ્રશ્નકર્તા : હા, પણ એ પુરુષાર્થ પણ આપણા હાથમાં છે, એમ ?! દાદાશ્રી : પુરુષાર્થ હાથમાં છે અને આ છે તે પ્રારબ્ધ છે એ વ્યવસ્થિતના તાબામાં છે. પુરુષાર્થ પોતાના હાથમાં છે. અને આ જગત કેવી રીતે ચાલે છે ? કેટલાંય અવતારની આ શોધખોળ લાવ્યો છું, નહીં તો લોક બુઝે નહીં ને ! કેમ કરીને બુઝે ?! અને એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે ! જ્યાંથી તમે જુઓ ત્યાંથી. બધા તાળા મળી રહે અને ત્રણેવ કાળ અવિરોધાભાસ, કોઈ કાળમાં વિરોધ નહીં આવે. આ જ્ઞાન એ જ્ઞાન કહેવાય, વિરોધાભાસ હોય તો એ જ્ઞાન ના કહેવાય ! સમજ - મૂળ આત્મા, વ્યવહાર આત્માની ! આખું જગત જેને આત્મા કહે છે, એને અમે મિશ્રચેતન કહીએ છીએ. હવે બોલો, સમજણ શી રીતે પડે ? એને તીર્થંકરોએ મિશ્રચેતન કહ્યું. હવે મિશ્રચેતન કહીએ તો આપણાં લોક શું સમજે ? ના, મહીં અરધું ચેતન જેવાં લક્ષણ દેખાય છે, પણ ચેતન જ નથી. નિશ્ચેતન ચેતન છે. જેમ ભમરડાને એક ફેરો દોરી વીંટી પછી નીચે નાખ્યા પછી ફરે છે, એવું આ ભમરડાની પેઠ ફરે છે. એમાં કોઈ કહેશે, આમાં ચેતન છે, તો એવું નથી. એટલે તીર્થંકરોને એવી ભાષામાં બોલવું પડે ને ? નહીં તો, તમે પાછા કહેશો, મિશ્રચેતન હોય તો વાંધો નહીં. એટલે ભેગું છે ને મહીં. એ પેલું અરધું તો છે જ. પ્રશ્નકર્તા : થોડું ઘણું તો છે ને એમાં ચેતન ! દાદાશ્રી : થોડું ઘણું તો છે જ કહેશે. હવે આમાં આટલુંય નથી ચેતન. તેથી અમે નિશ્ચેતન ચેતન કહ્યું. પ્રશ્નકર્તા : નિશ્ચેતન ચેતન, પણ ત્યાં ચેતનની હાજરી છે એટલે છે ? દાદાશ્રી : હા, ચેતનની હાજરી છે એટલે, નહીં તો કામ જ થાય નહીં. તીર્થંકરોએ શીખવાડ્યું કે આ દવા ચોપડવાની છે એમ કહ્યું. અને બીજી એક પીવાની કહી. તે પીવાની હતી તે આ લોકો ચોપડે છે અને ચોપડવાની પી જાય છે ! એમાં તીર્ર્થંકરોનો દોષ શો ? ચોપડવાની પી જાય તો શું થાય ? પ્રશ્નકર્તા : લેબલ માર્યું હોય તો ના પીવે ને પછી. દાદાશ્રી : ના, પણ લેબલ મારેલું છે તેને ય આવું પીવે છે. અંતે તો અનાદિ અનંત ! પ્રશ્નકર્તા : પણ પહેલો અહંકાર પ્રતિષ્ઠિત શી રીતે થયો ? પહેલો ? સૌથી પહેલો ? દાદાશ્રી : પહેલો-બીજો હોય નહીં. ગોળને પહેલું-બીજું હોતું હશે ? આ રાઉન્ડ હોય એમાં પહેલું-બીજું કોણ હોય ? પ્રશ્નકર્તા : તો એવું હોય કે પ્રતિષ્ઠા થયેલી જ છે ? દાદાશ્રી : થયેલા કે ના થયેલાનો કશો સવાલ જ નથી ! 'નથી થયેલો' અને 'થયેલો' જેવું માને એવું છે. એ માન્યતા છૂટી જાય તો કશુંય નથી. બધાના પ્રેશરને લઈને માને એટલે માને. અને માન્યતા છૂટી જાય તો ઊડી જાય પછી. એવું કશું છે નહીં. બંધાયેલો નથી ને બંધાયો નથી, એવું નથી. બંધાયો છે. લોક એકાંતિક લઈ જાયને એટલે વિરોધાભાસ લાગે. આની આદિ નથી કે અંત નથી. અનાદિ અનંત છે. રાઉન્ડ એટલે શું ? એની આદિય ના હોય ને અંતેય ના હોય ! ભેદ, પ્રતિષ્ઠિત આત્મા ને શુધ્ધાત્માનો ! પ્રતિષ્ઠિત આત્માને બાળે તો ભયંકર પાપ લાગે. શાથી ? કારણ કે એનો જ માનેલો છે, આરોપિત છે. આ ટિપાઈ બાળો તો પાપ ના લાગે પણ જો કોઈનું આરોપણ હોય, કોઈની પ્રતિષ્ઠા હોય કે આ ટિપાઈ મારી છે તો ભયંકર પાપ લાગે. મમતા ભોક્તાપદમાં ઘડાય. ભોક્તાપદમાં મારું પદ એનું આરોપણ કરે છે. ભોક્તાપદમાં જે મમતા કરેલી છે તેનો જ આ સામાન છે. જેવી પ્રતિષ્ઠા કરે તેવું ફળ મળે. સુખની કરે તો સુખ લાગે. ગમો-અણગમો કરેલી પ્રતિષ્ઠાના આધારે લાગે. 'શુધ્ધાત્મા' ક્યારેય વેદક થયો નથી, કર્તા થયો નથી, ભોક્તા ય થયો નથી ને થશે ય નહીં. વેદક એટલે મમતા. 'શુધ્ધાત્મા' અને વેદક (મમતા) એ વિરોધાભાસ છે. વેદક, કર્તા કે ભોક્તા જે દેખાય છે તે પ્રતિષ્ઠિત આત્મા. આ ચક્ષુગમ્ય કે ઇન્દ્રિયગમ્ય કોઈ પણ ક્રિયા શુધ્ધાત્માની નથી, એ બધી ક્રિયાઓ પ્રતિષ્ઠિત આત્માની છે. 'શુધ્ધાત્મા'ની ક્રિયા એ જ્ઞાનગમ્ય છે. અનંત જ્ઞાનક્રિયા, અનંત દર્શનક્રિયા વગેરે છે. એ તો જ્યારે પોતે શુધ્ધાત્મા સ્વરૂપ થાય ત્યારે જ સમજાય, ત્યારે જ પોતાને પોતે 'શુધ્ધાત્મા' અક્રિય છે તે સમજાય. જ્યાં સુધી પોતે 'શુધ્ધાત્મા સ્વરૂપ' થયો નથી ત્યાં સુધી 'એ' પ્રતિષ્ઠિત આત્મસ્વરૂપ છે અને તેથી કર્તા-ભોક્તાપદમાં છે. ભોક્તાપદમાં પાછો કર્તા થઈ બેસે છે ને નવી પ્રતિષ્ઠા કરી નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે, નવી મૂર્તિ ઊભી કરે છે ને ઘટમાળ ચાલુ જ રહે છે ! ખરી રીતે આત્મા પોતે નિર્વિષયી છે. મન-વચન-કાયા એ વિષયી છે. એ જો છૂટાં પડે તો મન-વચન-કાયાના અનંત વિષયોમાં પોતે 'શુધ્ધાત્મા' નિર્વિષયી રહી મોક્ષે જઈ શકે. આત્મા પોતે નિર્વિષયી, તે વિષયો કેવી રીતે ભોગવે ? જો તે વિષયો ભોગવે તો તે ક્યારેય મોક્ષે ના જઈ શકે. કારણ તે તેનો અન્વય ગુણ (કાયમનો સાથે રહેનારો) થઈ ગયો કહેવાય. કમ્પાઉન્ડ સ્વરૂપ થઈ ગયું કહેવાય. એ તો સિધ્ધાંતની વિરુધ્ધ કહેવાય, વિરોધાભાસ કહેવાય. આત્મા ક્યારેય કોઈ પણ વિષય ભોગવી ના શકે. માત્ર ભોગવ્યાનો ભ્રાંતિથી અહંકાર કરે છે કે, મેં ભોગવ્યું. બસ, તેથી જ બધું અટક્યું છે. જો આ ભ્રાંતિ ભાંગે તો પોતે અનંત વિષયોમાં ય નિર્વિષયી પદમાં રહે ! સાયંટિફિક સિધ્ધાંત કયો ? આ વિજ્ઞાન છે. એટલે આ વિજ્ઞાન તરત જ કામ કરનારું છે. આ અક્રમ વિજ્ઞાન છે, આખો સિધ્ધાંત જ છે અને સિધ્ધાંતને જ ફળ આપશે. જેમ ડુંગળીનું એક 'સ્લાઈસ' (પડ) કાપો, તે ડુંગળીના બધા જ ગુણ દેખાડે, એવું આમાંથી એક 'સ્લાઈસ' જ કાપો તો સિધ્ધાંતનું જ ફળ આપશે અને અજ્ઞાનની એક 'સ્લાઈસ' કાપો તો એ અજ્ઞાનનું ફળ આપશે. એક 'સ્લાઈસ' ખાલી, એના ગુણ દેખાડે કે ના દેખાડે ? આ 'અક્રમ વિજ્ઞાન' છે. વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય, એનું નામ 'વિજ્ઞાન' અને કરવાપણું હોય, એનું નામ 'જ્ઞાન' ! વિચારશીલ માણસ હોય તેને એવું તો લાગેને, કે આ કશુંય નથી કર્યું આપણે અને શું છે આ ?! એ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે. 'અક્રમ' ! કમ-બ્રમ નહીં. આ તો 'સાયન્સ' છે. ભગવાનનો 'સાયન્ટિફિક' પ્રયોગ છે. કર્મેય નથી ને કર્તાય નથી. કોઈ બાપોય નથી. ખાલી 'સાયન્સ' છે. 'સાયન્ટિફિક' સિધ્ધાંત શું છે ? ભગવાનની હાજરીથી 'રોંગ બિલિફ' ઉત્પન્ન થાય છે. ભગવાનની હાજરીથી સંસાર બંધ થાય છે. ભગવાનની હાજરીથી પરમાત્મપદ ઉત્પન્ન થાય છે. વિજ્ઞાન એટલે કેશ બેન્ક ! આ બધું પાછું વિજ્ઞાન છે. વિજ્ઞાન કોને કહેવાય ? જે સિધ્ધાંતરૂપે હોય. સિધ્ધાંત એટલે વિરોધાભાસ ના હોય. અને રોકડું ફળ મળવું જોઈએ, ઉધાર ના ચાલે. આમ કર્યું એટલે બીજે દહાડે એનું ફળ મળવું જ જોઈએ. અત્યારે તમે મારી જોડે અહીં બેઠા છો, તેય રોકડું ફળ મળે. અહીંનું જે કરો, એ બધું રોકડું ફળ મળે, ઉધાર નામેય નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. હવે અહીંનો એક ધક્કો તમે ખાવ તો તમને રોકડું ફળ મળ્યા વગર રહે નહીં. આ તો વિજ્ઞાન છે, જ્યાંથી તમે પકડો ત્યાંથી તાળો મળે. 'સિધ્ધાંત' એટલે એવરીવ્હેર એપ્લીકેબલ, બીજું હોય નહીં, એનું નામ સિધ્ધાંત ! તમામ દુઃખોથી મુક્તિનો ઉપાય... 'વિજ્ઞાન' હંમેશાં સૈધ્ધાન્તિક હોય અને તે સર્વ દુઃખોનો 'એન્ડ' લાવે. 'વિજ્ઞાન' જ એનો ઉપાય, પણ એ 'જ્ઞાની પુરુષ'નું અનુભવજન્ય 'વિજ્ઞાન' હોવું જોઈએ. આ તો વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાનને સમજી લેવાનું છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય. વિજ્ઞાન એટલે વિરોધાભાસ નહીં ! ખાલી સમજી જ લેવાનું છે !! - જય સચ્ચિદાનંદ |
|---|