અહો ! અહો ! 'દાદાવાણી', જગકલ્યાણી !

સંપાદકીય

જ્ઞાની પુરુષની વાણી માટે જેટલું અહો અહો ભાવ થયા કરે તે ઓછું જ છે. તેથી પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્ર જિનેશ્વરની વાણી વિશે કહી જાય છે કે,

''અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નયનિક્ષેપે વ્યાખ્યાની છે,

સકલ જગત હિત કારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે.

ઉપમા આપવાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે.

અહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.''

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાનીની વાણી કેવળજ્ઞાન થવાને અવલંબનરૂપ છે ! વિષયનું વિરેચન ન કરાવે તો તે વાણી જ્ઞાનીની ન્હોય. જ્ઞાનીની વાણીની મહત્વતા વિશે જ્ઞાની જ કહી શકે. આત્મજાગૃતિ પ્રગટાવનાર, અજ્ઞાન માન્યતાઓથી સંપૂર્ણ મુક્ત કરાવનાર, આત્મામાં નિરંતર સ્થિર કરાવનાર અને મોક્ષે લઈ જતાં સુધી કલ્યાણકારી છે. ''વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય !'' એવા જ્ઞાની પુરુષ આ કાળને વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન આપણી વચ્ચે પ્રગટયા !

દાદાશ્રી પોતાની વાણીના અલૌકિક સ્વરૂપો પોતે જ કહી શકયા છે. બીજા લોકોને તો તેઓશ્રી કહે ત્યારે જ એની અદ્ભૂતતાની ખબર પડે ! એટલું જરૂર અનુભવમાં આવતું કે કેટલી કરુણાસભર, પ્રેમભરી વાણી છે. સામાના આત્મકલ્યાણના હેતુ સિવાય એમની વાત નહોતી. 'અમને જે સુખ વર્તે છે તેવું સુખ દરેકને હોજો' તે ભાવનામાં જ આખું જીવન એમનું વીત્યું. અને જ્ઞાન થયા પછી પણ એ ક્રમ ચાલુ રહ્યો. સવારના સાડા છ વાગ્યાથી તે રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી એકધારું લોકોને જ્ઞાનવાણી પીરસ્યા જ કરી છે. કેટલાંક તો ઊંધું બોલનારા આવે તો ય ત્યાં એટલી જ કરુણાથી કલ્યાણકારી વાણી નીકળતી એમની. પાછાં કહેતા કે એમને તો અમારી જોડે ભેદ હોય જ, એમને બુધ્ધિ છે ને, પણ મારે એમની સાથે અભેદતા જ હોય. એવી એમની મહાનતા હતી.

આખી દુનિયા જે માને છે તે અધ્યાત્મની દ્રષ્ટિએ જુદું છે, તો યુનિવર્સલ ફેક્ટ જગતને આપવા નિર્ભિકપણે તેઓ બોલી શક્યા. કારણ કે પોતે કરેક્ટ છે, પ્યૉર છે અને સામા પાસે કશું જોઈતું જ નથી, કોઈ પ્રકારનો ઘાટ નથી પછી શું ભય ? લોકસંજ્ઞાથી સંસારમાં ભટકાય ને જ્ઞાનીસંજ્ઞાથી મોક્ષ થાય. શરૂઆતમાં લોકસંજ્ઞામાંથી બહાર નીકળવું અઘરું લાગે. અંતે તો જ્ઞાનીની સંજ્ઞા પ્રમાણે જ સુખ લાગે, હિતકારી લાગે ને મોક્ષમાર્ગે પ્રગતિકારક લાગે. કડક, કઠણ છતાં સ્યાદ્વાદ વાણી આ કાળમાં આપણને સાંભળવા મળી તે આશ્ચર્ય છે. આત્યંતિક કલ્યાણની ભાવનાથી નીકળેલા એક એક શબ્દ કોઈ ધારણ કરે, પચાવે, તો ઠેઠ મોક્ષે પહોંચાડી દે, તેવા અદ્ભૂત વચનબળવાળી વાણી ! જેનાથી ભવિષ્યની પ્રજા માટે શાસ્ત્રો બની જશે. આવાં હળહળતા કળિકાળે આધ્યાત્મિક વિજ્ઞાનના આ શાસ્ત્રો આખા જગતનું કલ્યાણ કરી જશે !

પ્રસ્તુત સંકલનમાં દાદાની જ્ઞાનવાણી દાદાશ્રીના શબ્દોમાં જ અંકિત થઈ છે. જે હ્રદયસ્પર્શી સરસ્વતી, વીતરાગ વાણી હ્રદયે ધારણ થયે આત્મઉલ્લાસ પમાડનારી છે !

દીપકના જય સચ્ચિદાનંદ

અહો ! અહો ! 'દાદાવાણી', જગકલ્યાણી !

સમર્પણ

અહો ! અહો ! ગજબની દાદાવાણી;

પાતાળ ફોડી નીકળી સરવાણી!

લાખોના હ્રદયમાં જઈ સમાણી;

જે વાંચે, સાંભળે થાય મોક્ષ કમાણી!

ગજબનો પાવર આત્યંતિક કલ્યાણી;

સંસાર વ્યવહારે પણ હિતકારીણી!

ટેપરેકર્ડ કહી વીતરાગે નિજ વાણી;

અહોહો ! હદ કરી આપે જુદાપણાની!

કળિકાળમાં ન કદિ જે સંભળાણી;

અતિ અતિ કિંમતી છતાં માલિકી વિનાની!

ચાર ડિગ્રી કમી છતાં ય ભૂલ વિનાની; તીર્થંકરોના સ્યાદ્વાદની કમી પૂરાણી !

તમામ તીર્થંકરોએ જેને પ્રમાણી;

દૂર અંધાર તત્કાળ અક્રમ જ્યોત જલાણી!

વાદી પ્રતિવાદી બન્નેથી કબૂલાણી;

કેવું વચનબળ, જ્ઞાનાવરણ ચિરાણી!

ઘેર ઘેર પહુંચી જગાડશે આપ્તવાણી;

વાંચતા જ બોલે, મારી જ વાત, મારા જ જ્ઞાની!

તમામ રહસ્યો, અહીં ખુલ્યાં તણા વાણી;

'સિધ્ધાંત વાણી'ના જગતને સમર્પાણી !

- ડૉ. નીરુબહેન અમીન

રુ રુ રુ રુ રુ

ભેદ, જ્ઞાની ને દાદા ભગવાનમાં !

પ્રશ્નકર્તા : આપનામાં 'જ્ઞાની' કોણ અને 'દાદા ભગવાન' કોણ એ નથી સમજાતું.

દાદાશ્રી : જ્ઞાનનાં વાક્યો જે બોલે છે એમને વ્યવહારમાં 'જ્ઞાની' કહેવાય છે. અને મહીં પ્રગટ થયા છે એ વગર તો જ્ઞાનવાક્યો નીકળે નહીં. મહીં પ્રગટ થયા છે એ 'દાદા ભગવાન' છે. અમારે પણ એ પદ લેવું છે એટલે અમે પણ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરીએ. અમુક ટાઈમ અમે 'દાદા ભગવાન' જોડે અભેદ રહીએ, તન્મય રહીએ અને વાણી બોલતી વખતે મહીં 'ભગવાન' જુદા ને 'અમે' જુદા !

૩૫૬૦ નું જ્ઞાન ક્યારે પ્રગટશે ?

પ્રશ્નકર્તા : આપની સાધનાની લિંક ક્યારથી ચાલે છે ?

દાદાશ્રી : કેટલાંય કાળથી, દરેકનાં લિંકવાર ટોળાં હોય જ. આ તો બધી લિંક જ છે. ૧૯૫૮માં તે દહાડે આ જ્ઞાન થયું. પછી એ જ્ઞાન પ્રગટ થવું જોઈએ. એ પ્રગટ થવામાં લિંક મળ્યા જ કરે. અમને ત્રણસો છપ્પન ડિગ્રીનું જ્ઞાન થયું છે પણ એ નીકળ્યું નથી, એથી નીચેનું નીકળે છે. અને જે દહાડે ત્રણસો છપ્પન 'ડિગ્રી' સુધીનું નીકળશે તે દહાડે તો અજાયબી થશે આ કાળની !

પ્રશ્નકર્તા : ત્રણસો છપ્પન 'ડિગ્રી'નું કઢાવવા કોઈ પાત્ર જીવોની જરૂર પડશે ?

દાદાશ્રી : હા, એવા પાત્રની જરૂર પડે. એ આવ્યો કે નીકળ્યું જ સડસડાટ. એટલે જેમ જેમ પાત્રો આવે તેમ તેમ ચઢતું જ્ઞાન નીકળતું જાય. એ પ્રગટ કરવાનું અમારા હાથમાં નથી. આ તો 'રેકર્ડ' છે. પાત્રે ય પાછાં મળશે ને 'રેકર્ડો' ય નીકળશે.

વીતરાગી છતાં ખટપટિયા !

પ્રશ્નકર્તા : આપ વીતરાગીને લોકસંપર્કનો શું સંબંધ ?

દાદાશ્રી : વીતરાગી ભાવ. બીજો કોઈ સંબંધ નથી. પણ તે તો આ અત્યારે વીતરાગ છે જ નહીં ને ! તમે જેને પૂછો છો એ વીતરાગ નથી અત્યારે ! અત્યારે તો અમે ખટપટિયા વીતરાગ છીએ. ખટપટિયા એટલે કેવું કે જગતનું કલ્યાણ થાવ. અને કલ્યાણ માટે ખટપટ કરે. બાકી વીતરાગને ને જનસંપર્કને કશું લેવા-દેવા જ નથી ! વીતરાગ તો ફક્ત દર્શન આપ્યા કરે. બીજી ખટપટ કે કશું ના કરે, જરાય ખટપટ ના કરે !

પ્રશ્નકર્તા : પણ વીતરાગી જે લોકસંપર્ક કરે છે એ પોતાનાં કર્મ ખપાવવા ?

દાદાશ્રી : પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, બીજાને માટે નહીં. એમને બીજી ભાવના નથી. અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ. જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ, એવી ભાવના અમારી હોય. વીતરાગને એવું ના હોય. બિલકુલ ભાવના નહીં, સંપૂર્ણ વીતરાગ ! અને અમારે તો આ ભાવના છે એક જાતની. પછી સવારે વહેલા ઊઠીને બેસીએ છીએને નિરાંતે ? સ્કૂલ ચાલુ કરી દઈએ છીએ ને ? તે ઠેઠ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હોય છે ને ?! એટલે એ ભાવના છે અમારી, કારણ કે અમારા જેવું સુખ હરેકને હો ! શા માટે આટલાં બધાં દુઃખ !! દુઃખ છે નહીં ને નકામાં દુઃખો ભોગવી રહ્યા છે. એ અણસમજણ નીકળી જાય તો દુઃખો જાય. હવે અણસમજણ નીકળે ક્યારે ? કહેવાથી ના નીકળે. દેખાડો તો નીકળે. તમે કરી બતાવો તો નીકળે !! તે અમે તો કરી બતાવીએ, એ મૂર્ત સ્વરૂપ કહેવાય, તે શ્રધ્ધાની મૂર્તિ કહેવાય.

અંતરસુખ બન્યું પ્રેરક !

પ્રશ્નકર્તા : આપને ધર્મપ્રચારની પ્રેરણા કોણે આપી ?

દાદાશ્રી : ધર્મપ્રચારની પ્રેરણા બધી કુદરતી છે આ ! મને પોતાને જે સુખ ઉત્પન્ન થયું, એટલે ભાવના ઉત્પન્ન થઈ કે આ લોકોને સુખ ઉત્પન્ન થાવ આવું. એ જ પ્રેરણા !

આત્મસ્પર્શી વાણી જ્ઞાનીની !

જ્ઞાની પુરુષ એટલે વર્લ્ડની અજાયબી કહેવાય. જ્ઞાની પુરુષ એટલે પ્રગટ દીવો કહેવાય.

પ્રશ્નકર્તા : પણ જ્ઞાની છે એવું અમે કેવી રીતે માનીએ ? કેમ કરીને માની શકીએ ?

દાદાશ્રી : એ તો માનવાની જરૂર જ નહીં. તમે એમની પાસે બેસો તો એની મેળે જ સમજાય. હું તો તમને કહું કે માનશો જ નહીં, એની મેળે મહીં મનાઈ જશે. તમારે માનવાની જરૂર નથી. તમે માનો કે ના માનો, પણ એની મેળે જ આકર્ષણ ઊભું થશે. માનવાનું તો બહાર બીજે હોય, સંતો શું કહે છે ? 'શ્રધ્ધા રાખો, છ મહિના શ્રધ્ધા રાખો.' પણ શ્રધ્ધા રાખવાનું અમે તમને કહીએ નહીં. શ્રધ્ધા તમને આવવી જોઈએ, વઢીએ તોયે શ્રધ્ધા આવવી જોઈએ, તો એ સાચું માનજો.

જ્ઞાની પુરુષની વાણી તો આવરણભેદી હોવાથી આત્માને ઠેઠ પહોંચાડે. આવરણને કાણું પાડીને અંદર પહોંચીને આત્માને પહોંચાડે છે ને તમારો આત્મા એક્સેપ્ટ કરે. આત્મા કબૂલ કરે તો જ સાચી માનજો. કેટલાંક એવું આડું બોલે કે 'મારો આત્મા કબૂલ નથી કરતો.' પણ એ તો જાણી જોઈને આડું બોલે છે. બાકી, જ્ઞાની પુરુષની વાણી તો દરેક જીવ એક્સેપ્ટ કરે જ !

મનોહર હોય વાણી-વર્તન !

પ્રશ્નકર્તા : આપ્તપુરુષનાં વાણી, વર્તન ને વિચારો કેવાં હોય ?

દાદાશ્રી : એ બધું મનોહર હોય, મનનું હરણ કરે એવા હોય, મન ખુશ થઈ જાય. એમનો વિનય જુદા પ્રકારનો હોય. એ વાણી જુદા પ્રકારની હોય. વિધાઉટ ઈગોઈઝમ વર્તન હોય. ઇગોઈઝમ સિવાયનું વર્તન જગતને જોવાનું કોઈક ફેરો મળી આવે. નહીં તો મળે નહીં ને !

આ છે પરાવાણી !

પ્રશ્નકર્તા : 'જ્ઞાન' આપ પરાવાણીથી આપો છો કે અપરાવાણીથી આપો છો ?

દાદાશ્રી : પરાવાણીથી.

પ્રશ્નકર્તા : પરાવાણી કોને કહેવાય ?

દાદાશ્રી : પરાવાણી આ બોલે છે તેને, આજે સાંભળો છો ને તમે, એ પરાવાણી કહેવાય. દુનિયામાં પરાવાણી કોઈ જગ્યાએ હોય નહીં. પરાવાણી જે વાણીનો માલિક ના હોય તેની પાસે હોય. આ બોલે છે ને, એનો માલિક કોઈ નથી.

પ્રશ્નકર્તા : તો આ કોણ બોલે છે ?

દાદાશ્રી : એ બોલે છે એ જ જોવાનું છે ! એનો માલિક ખોળી કાઢવાનો, હું બોલતો નથી આ. હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું આ. આ વાણી બોલનારાને ખોળી કાઢો હવે ! આજ પરાવાણી પહેલી વખત સાંભળી. એ તો સાંભળે ત્યાં જ કલ્યાણ થઈ જાય. જો પાંસરો બેસે તો, નહીં તો ઉડી ય જાય. જો વાંકું-બાકું મહીં ચિતર્યું, અમે તો એને કહીએ કે સીધો બેસજે અહીં આગળ, એવું ચેતવીએ એને. પછી જ્યારે ચેતે નહીંને તો વિનંતી કરીએ, કે 'ભઈ, પાંસરો બેસજે. ચારસો વોટ પાવર છે.' તેમ છતાંય એ ના ચેતે તો પછી એનું જાય. એને આ કહી છૂટીએ.

પ્રશ્ન પૂછવાની, અહીં જ છૂટ !

બીજું કંઈ પૂછવું છે ? તું બધું મને પૂછવા આવજે, દરેક વસ્તુ પૂછજે. હું તને સમજાવીશ. તારે જે પૂછવું હોય, આ વર્લ્ડનું, તે પૂછજે. કારણ કે તો જ ખુલાસા થાય ને ! એક જણ અહીં આવ્યા હતા. તે ડૉક્ટર હતા. તે કહે કે, 'કોઈ જગ્યાએ પૂછવા દેતા નથી. અને મેં એક જગ્યાએ પૂછયું તો મને કહે છે કે એ નોટ એલાઉડ ! (એની પરવાનગી નથી) મને કાઢી જ મેલ્યો. અને આપ એમ કહો છો કે જે પૂછવું હોય એ બધું પૂછજો !' ત્યારે મેં એને કહ્યું, 'એ શાથી નથી પૂછવા દેતા ? એનું શું કારણ ? એ જાણે કે કંઈક એવું ઊંધું પૂછશે તો મને મૂરખ બનાવી દેશે.'

પ્રશ્નકર્તા : સાવ સાચી વાત છે.

દાદાશ્રી : પૂછીને ખોપરી તોડી નાખે એવા લોક છે. માટે કોઈ પૂછવાનું ખુલ્લું ના કહે કે ભઈ, તમે પૂછજો, પૂછજો એવું કહે જ નહીં. પોતે બાઉન્ડ્રી જ બાંધી દે કે કંઈ પૂછવાનું નહીં બા ! સાંભળ સાંભળ કર્યા કરો ! એ એટલી બાઉન્ડ્રી બાંધે જ નહીં તો લોક માથું તોડી નાખે. આ તો વીતરાગ વિજ્ઞાન છે તો હું તમને કહી શકું છું. અને હું તો કેવળજ્ઞાનમાં જોઈને કહું છું તેથી આનો જવાબ મળે છે, નહીં તો જવાબ મળે નહીં ને ! એટલે આપણે અહીં કહેવાય છે કે તમારા ખુલાસા અહીં કરજો. આપણે અહીં આગળ આ દુકાન એવી છે કે બધા ખુલાસા થઈ શકે એમ છે. એટલે હું તમને કહું છું અને તમને પૂછતાં ના આવડે તો હું તમને સમજણ પાડું કે આ રીતે પૂછજો. તમને પૂછતાં ના આવડે એ ગુનો નથી, મને જવાબ આપવામાં ભૂલ થાય એ ગુનો છે !!!

જ્ઞાની પુરુષ સિવાય પ્રશ્નોત્તરી બીજા કોઈ કરી શકે નહીં. પ્રશ્નનો ઉત્તર આપવો એ કોઈ બીજા માણસનું કામ જ નહીં. કારણ કે ચાર ઉત્તર આપે અને પાંચમો આપે તે ઘડીએ વાદ ઉપર વિવાદ થાય અને છઠ્ઠો આપે એટલે મારામારી થાય ! એટલે આ લોકોએ પ્રશ્નો પૂછવાનું બંધ કરી દીધું. પ્રશ્ન પૂછવાના થાય ત્યારે કહે કે નહીં, પૂછવા કરવાનું નહીં. કારણ કે જાતજાતનાં મગજ ! શું ય પૂછીને ઊભો રહે, શું કહેવાય ?

છેલ્લું વિજ્ઞાન, પ્રશ્નોત્તરી રૂપે જ !

ગીતા પ્રશ્નોત્તરી રૂપે છે. પછી મહાવીરનું બધું પ્રશ્નોત્તરી રૂપે છે. ગૌતમ સ્વામીએ જે પ્રશ્નો પૂછયા હતા, બહુ ઊંડા ઊંડા પ્રશ્નો પૂછયા હતા. એમાં ગૌતમ સ્વામી પૂછે છે અને ભગવાન મહાવીર જવાબ આપ્યા કરે છે. છેલ્લું વિજ્ઞાન વ્યાખ્યાન રૂપે ના હોય. વ્યાખ્યાન હોય તો હમણે પાંચ હજાર માણસ ભેગું થાય ! પ્રશ્નોત્તરીમાં કોઈ આવે જ નહીં ને !

ભગવાન જે બોલતા હતા ને, તે બધાને પોતપોતાની ભાષામાં સમજાઈ જતું હતું. પૂછવાની જરૂર જ રહેતી ન હતી. પછી તો પ્રશ્ન ઊભા થયા જ ન હતા, પછી વાત જ ક્યાં રહી ? આપણું આ જ્ઞાન કેવું આપ્યું છે ? પ્રશ્ન ઊભા જ ના થાય ને ! પ્રશ્નોત્તરરૂપે જ્ઞાન એ છેલ્લા સ્ટેશનની વાત. બાકી આમ પ્રવચન વાંચે, એ તો રોજ સાંભળ્યા અને એ ય ના સુધર્યો અને આપણેય ન સુધર્યા. આ પ્રશ્નોત્તરીમાં તો મનનું સમાધાન થાય. સમાધાન ન થાય ત્યાં સુધી નકામું છે.

વક્તા-શ્રોતાનો સંબંધ, અભેદતાનો !

પ્રશ્નકર્તા : વ્યવહારમાં વક્તા તમે છો કે જે જગતનું કલ્યાણ કરે એવા હોય અને અમે શ્રોતા, એ બે વચ્ચે કેવો સંબંધ થાય છે ?

દાદાશ્રી : અભેદતાનો સંબંધ હોય. આ વ્યક્તિ જ પોતે અભેદ હોય, એટલે અભેદતાનો જ સંબંધ હોય.

પ્રશ્નકર્તા : જ્યારે એ અભેદતાનો સંબંધ જળવાય, ત્યારે વક્તા અને શ્રોતા એ હોય છે ખરા ?

દાદાશ્રી : ડીઝાઈનમાં જુદું દેખાય. ફોટામાં દેખાય એવું જુદું.

પ્રશ્નકર્તા : આપણે ફોટા સાથે સંબંધ કેટલો ?

દાદાશ્રી : ફોટો જ છે બધું. એક જ છે બધું. પણ આ ફોટાને લીધે બધું જુદું દેખાય છે. સ્પેસ જુદી હોવાથી જુદું જુદું દેખાય છે.

પ્રશ્નકર્તા : પણ એ ફોટામાં આપણે ક્યાં સુધી રાચવું ?

દાદાશ્રી : જ્યાં સુધી વિકલ્પો છે ત્યાં સુધી ફોટા છે. નિર્વિકલ્પી થયા એટલે નિર્વિકલ્પીને ફોટો તો હોય પણ એ ફોટો જતો હોય. જતો એટલે પરિણામરૂપે હોય. તે ઘડીએ કૉઝરૂપે ના હોય. નવો ફોટો ના છપાયેલો હોય.

પ્રશ્નકર્તા : જે વ્યક્તિ નિર્વિકલ્પ વક્તા છે, તેમની અને શ્રોતા વચ્ચે અભેદતા હોય છે. પણ શ્રોતા એના રોજબરોજનાં જીવનમાં અટવાતાં, તેની અસર વધારે કેમ રહેતી નથી ?

દાદાશ્રી : નિરંતર અસર રહે, એક ક્ષણ વાર બાદ નહીં તેવી.

પ્રશ્નકર્તા : આપનો એવો સામાન્ય અનુભવ છે ખરો ?

દાદાશ્રી : સામાન્ય અનુભવથી જ બોલું છું આ.

પ્રશ્નકર્તા : આપને માટે નહીં, શ્રોતાઓને માટે.

દાદાશ્રી : હા, શ્રોતાઓને માટે જ કહું છું. મારી પાસે શ્રોતાઓને તો નિરંતર અભેદતા રહે. શ્રોતા નિરંતર 'એક ભાવ'ને પામેલા છે. આ તો વાસ્તવિકતા છે, હકીકત છે. આ કંઈ પોલંપોલ નથી.

નિર્ભીકપણે બોલાય ક્યારે ?

અમે કઠણ બોલીએ. જ્ઞાનીના શાથી કઠણ શબ્દો હોય ? કારણ કે તેઓ નિર્ભીકપણે બોલે છે. અને જગત આખું બીકનું માર્યું બોલે છે. ઉપર બાપો છે તેની બીક લાગે, કર્મ બંધાશે તેની બીક લાગે ! જ્યારે જ્ઞાની પુરુષને તો કોઈ જાતની બીક જ નથી. જેને કંઈ બંધાય તેને બીક. જ્ઞાની તો વર્લ્ડના ગમે તે માણસને જે ફેક્ટ છે તે કહી દે. કારણ કે જેને કશું જ જોઈતું નથી, પછી શું ? જેને કશું જોઈતું હોય તેને તો લાલચને માટે બીક રાખવી પડે. જ્ઞાનીને તો વર્લ્ડની કોઈ ચીજ જોઈતી નથી, એમને બીક હોતી હશે ? એ તો વર્લ્ડના માલિક કહેવાય !!!

ફેક્ટ (સત્ય) વસ્તુ નહીં જાણવી જોઈએ ? ક્યાં સુધી આ લૌકિક વાતો જાણશો ? અલૌકિક જાણ્યા સિવાય બધો છૂટકારો નહીં થાય, ભય નહીં જાય !

વીતરાગ થવાનું છે તો ભય જશે, નહીં તો જગતમાં ભય લાગ્યા જ કરે, બધાંને ભય લાગે. કોઈએ નવી સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) શોધખોળ કરેલી હોય, રાત્રે આપણી જોડેની રૂમમાં એ ગોઠવણી કરી આવે ને પેલું જો વિચિત્ર શબ્દ બોલે તો આપણે જાણીએ કે ભૂત આવ્યું, તે આખી રાત ઊંઘ ના આવે. એટલો બધો ભડકાટ-ભય રહ્યા કરે. હવે ક્યાં સુધી આમાં પોષાય બધું ?

અમને ભય કેમ નથી ? કારણ કે અમારું બિલકુલ કરેક્ટ છે. કરેક્ટને ભય શો ? જેનું બિલકુલ કરેક્ટ છે, એને જગતમાં ભય શો ? ભય તો કોને હોય કે મહીં ગોલમાલ હોય તેને ભય હોય, નહીં તો આ જગતમાં ભય શો ?

કઠણ શબ્દોમાં ય જ્ઞાનીની કરુણા !

આ જે ટેપરેકર્ડ બોલે છે, એમાં કેટલા રાગ-દ્વેષ હશે ?

પ્રશ્નકર્તા : હોય જ નહીં ને રાગ-દ્વેષ.

દાદાશ્રી : હા. નહીં તો કડક શબ્દ હોય તો દ્વેષ એની પાછળ હોય. મીઠા શબ્દ હોય તો, રાગ એની પાછળ હોય. તો આ કડક શા માટે નીકળે ?

પ્રશ્નકર્તા : એનો રોગ કાઢવા માટે, સામાનું કલ્યાણ કરવા માટે.

દાદાશ્રી : એક છે તે મોટા વકીલ હતા. એે શું કહે છે ? આ દાદાને ને મારે કોઈ પણ જાતનું ઋણાનુબંધ નથી, કોઈ પણ જાતની લેવા-દેવા નથી. ધન્ય છે આ દાદાને, કેટલી કરુણા વરસે છે ! મારા પોતાના હિતને માટે આ શું બોલી રહ્યા છે ! કેટલું મગજ ઉપર બોજો આપી રહ્યા છે ! ત્યારે એ સમજદારને શું કહેવું પછી ? આનું નામ કરુણા કહેવાય. લોકો કેમ કલ્યાણ પામે ? તો તે કઠણ શબ્દથી થાય તો કઠણથી, મોળા શબ્દથી તો મોળાથી, ચીકણા શબ્દ તો ચીકણા, કોઈ પણ રીતે જેનાથી થાય તેનાથી કલ્યાણ કરવું.

આ વાણી રાગ-દ્વેષ વગરની છે, વીતરાગ વાણી છે. આ વાણી સાંભળે અને જો ધારણ કરે તો તેનું કલ્યાણ જ થઈ જાય. આ વાણી જો ધારણ કરે ને તો બધો રોગ જુલાબ વાટે નીકળી જાય ! અવગુણોનાં જે પરમાણુ છે ને, એ બધાં જુલાબ વાટે નીકળી જાય !

ઘાટ વગરના જ્ઞાની, એક જ વર્લ્ડમાં !

આ અમારી વાત જરા કઠણ પડશે, પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું, મોટું મોટું, તોલી તોલીને અમારે આપવું પડશે. અને જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ. માટે તમે જ નક્કી કરીને જે જોઈએ તે પસંદ કરજો. આવું સાચું કહેનાર કોઈ તમને નહીં મળે, કારણ કે અમને સહેજેય ઘાટ નથી. ઘાટ વગરનો જ નગ્ન સત્ય કહી શકે, બીજા તો ઘાટમાં ને ઘાટમાં 'બાપજી, બાપજી' કરશે.

આવી કડક વાણી અમને વીતરાગને ન હોય. પણ શું કરીએ ? એમના રોગને કાઢવા, ગજબની મહીં વીતરાગતા સાથે સંપૂર્ણ કરુણાભરી વાણી સરી પડે છે ! એમાં એમનો ય દોષ નથી. એમની ઈચ્છા તો મોક્ષે જ જવાની છે, પણ અણસમજણથી અવળું થાય છે. કાળ જ બહુ વિચિત્ર આવ્યો છે. તેની આંધીમાં બધાં લપટાયાં છે.

અવતાર જ કરુણાનો !

અમે સાધુઓને આ બધી વાત કરતા હતા, જબરજસ્તી કડકાઈથી કહેતા હતા, ત્યારે એક ભાઈએ કહ્યું કે ''આટલું બધું આ દાદા ભગવાન તમને બોલે છે !'' ત્યારે એમણે એ ભાઈને કહ્યું, 'એ તમને નહીં સમજાય, એની પાછળ કરુણા છે. કારણ કે જેને કશું લઢવાડ નથી, લેવા નથી, દેવા નથી, મોક્ષના સંપૂર્ણ આરાધક છે. એની પાછળ જબરજસ્ત કરુણા છે !

પ્રશ્નકર્તા : કેટલી કરુણા હશે એ !

દાદાશ્રી : કરુણાનો જ અવતાર છે આ. કારુણ્યમૂર્તિ છે આ ! હા, જે તે રસ્તે ઉકેલ લાવવો આપણો.

આ વાણી રાગ-દ્વેષ વગરની છે, વીતરાગ વાણી છે. આ વાણી સાંભળે અને જો ધારણ કરે તો તેનું કલ્યાણ જ થઈ જાય. આ વાણી જો ધારણ કરે ને, તો બધો રોગ જુલાબ વાટે નીકળી જાય ! અવગુણોનાં જે પરમાણુ છે ને, એ બધાં જુલાબ વાટે નીકળી જાય !

મારીએ તીર, લાગે ફૂલ !

એક મોટા ઓફીસર હતા, તો ય મેં કહી દીધું. કારણ કે અમારે તારી પાસે જોઈતું નથી કશું. સત્ય સાંભળવું હોય તો સાંભળ અને પછી ગાળ દેવી હોય તે દેજે. તારું મગજ ચઢી જાય તો ગાળ દેજે. પણ તું એકવાર સાંભળ. એનું મગજ ખસી જાય ત્યારે શું કરવાનું આપણે ? અને અમારે તો વિરોધી હોય તો ય એ જુદો ના લાગે. અમને એકતા લાગે અને પેલો જુદો અનુભવે પણ અમને એકતા લાગે. અમે એ દુશ્મન જોડે જુદું અનુભવીએ તો અમને એની પર અભાવ થાય. અભાવ અમને હોય નહીં. મોંઢે શબ્દ અમારે કડક નીકળે વખતે, પણ અનુભવમાં જુદું નહીં. મોંઢે શબ્દ નીકળે છે એ પૌદ્ગલિક બાબત, પણ અંદર વીતરાગતા હોય અમને !

આવેશમાં પણ સ્યાદ્વાદ !

પ્રશ્નકર્તા : કાલે બહુ ફોર્સબંધ વાણી નીકળી હતીને ?

દાદાશ્રી : આવેશ, પણ સ્યાદ્વાદ હોય બધું. આવેશમાં કોઈ પણ સ્યાદ્વાદ રાખી શકે જ નહીં. એ ફક્ત જ્ઞાનીઓનાં જ કામ. બીજા કોઈનાં કામ નહીં આમાં. બીજો હાથ ઘાલે તો ઊલ્ટો હાથ બળી જાય. એ જ્ઞાનીઓનાં કામ. કારણ કે આવેશપૂર્વક બોલે તો મારંમારા થાય. આ તો ઠપકો આપવાનો ને ધર્મ પ્રાપ્ત કરાવવાનો. જગતમાં કોઈ જગ્યાએ ઠપકો આપીને જ્ઞાન પ્રાપ્ત કરાવે નહીં. 'આવો શેઠ, આવો શેઠ' કરે. પછી ભલે ને ગમે તેવો શેઠિયો વાંકો હોય ! કારણ કે 'આવો શેઠ ના કહે' તો કોઈ સાંભળે નહીં. પેલો શેઠ જતો રહે.

કરુણાના પ્રતિક્રમણ !

અમે તો દવા કરી નાખીએ ઝટ. અને પછી અમે તો વીતરાગ જ હોઈએ. અમને રાગ-દ્વેષ ના હોય. દવા કરવામાં તૈયાર. અને ભૂલેચૂકે એના તરફ સહેજ અભાવ થઈ જાય, આમ તો ના જ થાય, પણ વખતે થઈ જાય તો અમારી પાસે પ્રતિક્રમણની દવા હોય. એટલે તરત જ દવા કરી નાખીએ. તરત જ પ્રતિક્રમણની દવા હોય ને !

આ તો આ અવતારમાં હું મહારાજનું આવું બોલું છું. આખા જગતના તમામ ધર્મમાર્ગમાં જે બધા ઊંધું કરી રહ્યા છે, એ બધા માટે ઊંધું બોલું છું. કેમ જાણે કે આ ધર્મનો રાજા જ હું છું ! એવી રીતે લોકોનું ઊંધું બોલું છું. જાણે મારે જ લેવા-દેવા છે ! પણ અમારે શું લેવા-દેવા ? હું તો વન ઓફ ધી મેન ! અને બોલાય નહીં આવું, પણ એવી કરુણા કે લોકો આનાથી છૂટવા જ જોઈએ ! એટલે આવું બોલીને પાપ (!) વહોરેલાં છે. વખતે કંઈ ભોગવવાનાં હોય તો ય પાપ મારે ભોગવવાં પડે. બીજું પાપ નથી કર્યું અને બીજાં મારાં સ્વતંત્ર પાપ તો છે જ નહીં.

કાયદો શું છે કે કોઈ પણ માણસને તમે જ્ઞાનની વાત કરી શકો. પણ એ જ્ઞાન ના લઈ શકે એવાં હોય, ઠંડાં હોય, તો તમારે ધીમું મૂકવું. વીતરાગ થવું. પણ આની પાછળ એ કરુણા છે કે 'આ અહીં સુધી આવ્યા છે તો પામોને અલ્યા ! આ આટલો તાવ છે તે અલ્યા દવા નથી પીતા ! દવા તૈયાર છે.' પણ તે કાયદેસર ના ગણાય. એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે. આપણે લેવા-દેવા થઈ હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે. આને ભગવાને કરુણાનાં પ્રતિક્રમણ કહ્યાં છે.

ખટપટ, સામાના કલ્યાણ માટે !

હવે આ જે કહેવું પડે છે ને, કે આ વ્યાજબી નથી. એવું કહ્યું ત્યાં સ્યાદ્વાદ ચૂક્યો. છતાં વ્યાજબી પર ચઢાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે કે આ ય વ્યાજબી છે, પેલું ય વ્યાજબી છે, ચોરે ચોરી કરી, તે ય વ્યાજબી છે. આનું ગજવું કપાયું તે ય વ્યાજબી છે. ભગવાન તો વીતરાગ. ડખોડખલ કરે નહીં ને ! ઘાલમેલ કરે નહીં ને ! અને અમારે તો ખટપટ બધી. અમારે ભાગે આ ખટપટ આવી.

પ્રશ્નકર્તા : પણ એ ય અમારા રોગ કાઢવા માટે ને !

દાદાશ્રી : હા. તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો છે ને અમારો હેતુ અમારી જાત માટે નથી, બધાને માટે છે.

જ્ઞાનીની રેકર્ડ, જગત કલ્યાણકારી !

આ તો ઘણું ય બોલવા જાય પણ સમું બોલાય જ નહીં, બળ્યું ! સમું કરી કરીને બોલવા જાય છે પણ બોલી જાય તો પાછો લપકો બોલી જાય.

પ્રશ્નકર્તા : આવું કેમ થાય ?

દાદાશ્રી : એ આપણી સત્તામાં નથીને ! એ રેકર્ડ છે. એ ગયા અવતારમાં તમે જેવી રેકર્ડ ઉતારી હતી, એવી રેકર્ડ વાગે અને જ્ઞાની પુરુષ તો પોતાની રેકર્ડ ધોતા ધોતા ધોતા ધોતા આવેલા હોય, તે એવી સુંદર રેકર્ડ લઈને આવ્યા હોય કે જગતનું કલ્યાણ કરી નાખે.

હેતુ પ્રમાણે નીકળે વાણી !

વાણી તો કેટલા પ્રકારની ! માણસ કોઈકની જોડે લઢતો હોય, તે ઘડીએ એને વાણીનું રૂપ કેવું હોય છે, તે જોઈ લેજો. કોઈની ઉપર દ્વેષ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું છે, તે જોજો. કોઈની ઉપર રાગ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું હોય, તે જોઈ લેજો. રાગ કરે ત્યારે વાણી બદલાય, દ્વેષ કરે ત્યારે વાણી બદલાય, કોર્ટમાં જાય ત્યારે વાણી બદલાય. બધાને ઓળખાણ પડે કે આ વાણી આવી હતી. એટલે જેવો હેતુ તેવી વાણી નીકળે. હેતુ પ્રમાણે વાણી નીકળે. હેતુ શો છે કે જગત કલ્યાણની ભાવના છે ને પોતે શુધ્ધાત્મા થયેલા છે, એટલે વીતરાગી વાણી નીકળે. જે વાણી નીકળી, તે સામાને સીધી અસર કરે.

વ્યવહારમાં દુઃખ, તેના પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે, પેલાને દુઃખ થયું ને ! અને વ્યવહારમાં લોકો કહેશેને, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે. પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય, તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય, પણ શું કામનો ? એ ચાલે નહીં હેતુ. હેતુ સાવ સોનાનો હોય તો ય અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધા ય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગતકલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તો ય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને ? એવાં આ કપડા ઉપરના ડાઘ છે.

... એ બધો ય અહંકાર !

જે જે બોલે છે, જેટલું જેટલું બોલે છે, એ બધો જ ખુલ્લો અહંકાર છે. ફક્ત સ્યાદ્વાદ જે વખતે બોલે જ્ઞાનીપુરુષ, તે વખતે એમનો અહંકાર નહીં, પણ એ જો કંઈ બીજું બોલે ને, તો એમનો અહંકાર જ નીકળે છે. એ નીકળતો અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર કહ્યો છે. જેટલું બોલે છે, એ બધું અહંકાર જ છે. બોલવાની જરૂર ના હોય તો ય બોલી ઉઠે છે, નહીં ?

પ્રશ્નકર્તા : બીજાનું કલ્યાણ થાય એમાં.

દાદાશ્રી : એ બરાબર છે. બીજાનું કલ્યાણ થાય એનો વાંધો નહીં. પણ જ્યાં કલ્યાણ ના થવાનું હોય ને બીજી બાબત હોય ને ત્યાં ય બોલી ઉઠે, 'ના આમ કરવાનું, તમે નથી જાણતાં'. જેટલું બોલે છે ને, એ બધો અહંકાર છે. મહાવીર ભગવાનની સ્યાદ્વાદ વાણી હતી અને જ્ઞાની પુરુષની સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ એટલે શું કે બધા સાંભળે પણ કોઈને એમ ના લાગે, અમારી વિરુધ્ધનું બોલ્યાં. મુસ્લિમ હોય, બીજા હોય, બધાને ગમે, એ સ્યાદ્વાદ કહેવાય. નિરાગ્રહીવાળી અને સર્વ સાપેક્ષને લેનારી. તે ભગવાનની વાણી કેવી સરસ !

જેવા રોગો, તેવી વાણી !

જ્ઞાનીના શબ્દોથી ડચૂરો ભરાય નહીં. આ કંઈ રાયણાં નથી કે ડચૂરો ભરાય. આ તો જ્ઞાનીના વાક્યો છે. આરપાર નીકળે. એક જ શબ્દ જો મહીં પેસી ગયોને હ્રદયમાં, તો મોક્ષે લઈ જાય. એ શબ્દ જ મોક્ષે લઈ જાય. કારણ કે માલિકી વગરની વાત છે આ. વર્લ્ડમાં કોઈ જગ્યાએ માલિકી વગરની વાત હોતી નથી, તીર્થંકરો સિવાય.

પ્રશ્નકર્તા : ઘણી વખત આપ અમને કહો છો કે 'તું ડફોળ છે, તારામાં અક્કલ નથી.' ત્યારે અમને એમ લાગે છે કે આપ કરુણા વર્ષાવી રહ્યા છો.

દાદાશ્રી : એવું છે, કે અમારું મગજ ખરાબ હોય નહીં કે આવી વાણી અમારી નીકળે. આવી વાણી નીકળવા માટે અમારી મહીં બહુ જબરજસ્ત 'એ' કરવું પડે છે. કારણ કે આ વાણી આવી બોલાય નહીં. છતાં બોલીએ તો સામાનું પુણ્ય હોય ત્યારે અમારાથી બોલાય. ત્યારે અમે તમને કંઈક કડક શબ્દો કહી તો એ તમારો રોગ કાઢી નાખે. એ શબ્દો જ રોગ કાઢી નાખે. કારણ કે અમે લેવા-દેવા વગર વીતરાગ ભાવે બોલીએ. અમારે કંઈ લેવાય નહીં ને દેવાય નહીં. કડક શબ્દ નીકળે, તે હું તો બોલતો જ નથી ને ! આ તો બધું ટેપરેકર્ડ બોલે છે ને ! ભારે શબ્દ આ ટેપરેકર્ડમાંથી નીકળે નહીં ને ટેપરેકર્ડમાંથી ભારે શબ્દ નીકળે તો તો પેલાનું કામ થઈ જાય. અમે જોયા કરીએ. અમને એટલું લાગે કે ટેપરેકર્ડ જરા કઠણ નીકળી છે અને આ કઠણ સિવાય હાલે એવું નથી.

ત્યારે કેટલાંક લોક કહે છે, 'અમને કહો, કહો.' અરે, શેનું કહે પણ ? આ ટેપરેકર્ડ બોલે છે. મારા હાથમાં સત્તા જ નથી રહી. કહેવાનું મારા હાથમાં જ ક્યાં છે ?

પ્રશ્નકર્તા : તમે સામાના ઉત્કર્ષ માટે વઢો તો શું ખોટું ?

દાદાશ્રી : અમે ઉદય પ્રમાણે ચાલીએ. એમ ને એમ વઢીએ નહીં.

ન વઢાય, પ્યૉરિટી વિના !

કોણ વઢી શકે આ જગતમાં ? જ્ઞાની પુરુષ જ એવાં હોય કે જે બધાને વઢી શકે, 'એની મેન'ને (કોઈ પણ માણસને) વઢી શકે. જ્ઞાની પુરુષ જગતના કોઈની શેહમાં ના હોય. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી કે જેની શેહમાં જ્ઞાની પુરુષ તણાય. કારણ કે જેને આ જગતની કોઈ ચીજ જોઈતી નથી, કોઈ ચીજની ભીખ નથી, એને વળી કોઈની શેહ શું ? તારે ત્યાંથી મારે કંઈ જોઈતું હોય તો મને તમારી શેહ રહ્યા કરે કે 'તમે મને જોઈતું નહીં આપો.' એટલે શેહમાં ના આવે એ જ્ઞાની પુરુષ, ચોખ્ખું બોલે.

જેને કોઈ જાતની ભીખ નથી, એટલે જેને લક્ષ્મીની ભીખ નથી, જેને વિષયની ભીખ નથી, જેને માનની ભીખ નથી, કીર્તિની ભીખ નથી, દેરા બાંધવાની ભીખ નથી, શિષ્યોની ભીખ નથી, કોઈ પણ જાતની જેને ભીખ નથી એવાં જ્ઞાની પુરુષ ગમે તેને વઢી શકે !

વાણી કડક છતાં ઝનૂન વિનાની...

અમે વઢીએ તોય રાગ-દ્વેષ ના થાય એ ચોક્કસ ! ભગવાને રાગ-દ્વેષનો વાંધો ઊઠાવ્યો છે અને સામાને દુઃખ થાય એ ના ચાલે. કંઈ દુઃખ થાય એવું તમને કશું લાગ્યું છે અમારા શબ્દોથી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ બધું હું બોલું છું ને, તે એની માટે એક બેન શું કહે છે ? 'દાદા બોલે છે કડક, પણ એની પાછળ ઝનૂન નથી.' તમને સમજાયું એ, કે ઝનૂન નથી એવું ?

પ્રશ્નકર્તા : પ્રેમ છે.

દાદાશ્રી : હા, પ્રેમ છે. ઝનૂન હોય ત્યાં સાંભળવાની જરૂર નહીં. ઝનૂન તો ઉઘાડો અહંકાર છે. હિંસકતામાં ઝનૂન હોય. અમારી વાણી ગમે એટલી કડક હોય પણ મન તોડે નહીં. તો પછી વાણી આટલી કડક શા માટે છે ? કારણ કે આ કાળના હિસાબે બહુ ધૂળ પડી છે. એટલે કાળના આધીન ફીટ થાય એવી વાણી છે. અત્યારે આપણા અહીં જ એવું કહીએ છીએ કે 'પાંસરો થઈ જા'. સત્યુગમાં તો પાંસરા જ હતા ને ! તેમને માટે 'પાંસરો' શબ્દ બોલવો પડે નહીં ને ! એટલે આવી વાણી શેના આધીન છે ? કાળના આધીન છે. હવે ત્યાં આગળ માણસ બુધ્ધિ વાપરવા જાય તો શું થાય ?

સહેજાસહેજ કલ્યાણ...

પ્રશ્નકર્તા : પણ દાદા, આ કર્મ બાંધ્યું હશે ને પાછું ? આ ઝાડુ મારવાનું કર્મ, લોકોને રીપેર કરવાનું, જગત કલ્યાણ કરવાનું કર્મ બાંધ્યું હશે ને ?

દાદાશ્રી : હા, એ કર્મ બાંધેલું જ.

પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિતને ?

દાદાશ્રી : હા, વ્યવસ્થિત બધું. ઘણાં લોકોનું કલ્યાણ થઈ જવાનું છે. કારણ કે સહેજાસહેજ કલ્યાણ થાય એવો મોક્ષમાર્ગ કોઈ ફેરો નીકળ્યો હોય તો આ ફેરો નીકળ્યો છે, સહેજાસહેજ કલ્યાણ. પારસીઓ-મુસલમાનો, બધાય ફાવ્યાને ! કોઈ એક કોમ ના ફાવે એવું નથી ને બધાને માફક આવે એવું જ્ઞાન છે !

વાણી જગ હિતકારિણી !

એટલે આ રીસર્ચ તેનું મૂકેલું છે. એવું જોઈએ ને, ઉપર ?! જેટલું તમે મારી વાણીનું રીસર્ચ કરો, એના કરતાં હું વધારે કરું. કારણ કે મારી જાગૃતિ સંપૂર્ણ હોય. મારી જાગૃતિ એમાં જ હોય ને ! આ ટેપરેકર્ડ ક્યાં ક્યાં ભૂલવાળી છે, એટલું અમારે જોવાનું. જ્ઞાનમાં ભૂલ ના હોય. જ્ઞાનમાં એક્યુરેટ. આ વ્યવહારમાં થોડી ભૂલ થાય. વ્યવહારની વાતમાં ભૂલો થાય વખતે અમારી. આ સાંસારિક-વ્યાવહારિક બાબતનું જો પૂછેલું હોય ને, તે મહીં ભૂલ નીકળે છે, તેની અમને ખબર પડી જાય. પણ આમાં આ આત્માની બાબતમાં ભૂલ નહીં. વાસ્તવિકતામાં ભૂલ ના હોય અમારી. આજ અઠ્ઠાવીસ વર્ષથી ચેકો મારવાનો વખત નથી આવ્યો. બહુ સુંદર ટેપ ! એક અક્ષરેય ફેઈલ ગયો નથી, નોટ એ સિંગલ વર્ડ. એક અક્ષર જો ફેઈલ થાય તો મુશ્કેલી ઊભી થઈ જાય. હજારો પ્રશ્નો થયા, મોટા મોટા જબરજસ્ત પ્રશ્નો થયા, તો ય પણ એકુંય દહાડો જવાબમાં ફેર નથી. આ (ટેપમશીન)માં જ ઊતરી જાય ને !

નિરંતર, સવારે દાતણ કરતી વખતે ય આ (ટેપમશીન) મૂકવામાં આવે છે. એક શબ્દ બોલે, એ છોડતા નથી આ લોકો અને પછી પુસ્તકો છપાય એનાં. આ વાંચશે તો કલ્યાણ થઈ જાય. આ વાણી વાંચતા જ દિલ ઠરી જાય. આ કાળની મોટામાં મોટી અજાયબી છે ! લોક તો અમેરિકામાં આફરીન થઈ ગયા આ આપ્તવાણી વાંચીને. જગતને બહુ કલ્યાણકારી છે ને ! જગતને હિતકારી છે ને ! આખા જગતનો કાટ કાઢી નાખે એવી વાણી છે આ.

એક જ શબ્દ કાફી, મોક્ષ માટે !

જ્ઞાનીના શબ્દને હલાવવો નહીં, બહુ મોટું જોખમ ! એક જ શબ્દ મોક્ષે લઈ જાય ! એક જ શબ્દ જો મહીં પેસી ગયો ને પાચન થયો તો મોક્ષે લઈ જાય !! કારણ કે એમની વાણી છે તે આવરણ ભેદી હોય. આવરણને મહીં ભેદ કરીને અંદર આત્મા સુધી પહોંચી જાય. પેલો તરત એક્સેપ્ટ (સ્વીકાર) કરે. આપણે અહીં તદ્દન નવા માણસો બધા એક્સેપ્ટ નથી કરતા ? કરે છે ! એ જુઓ છો ને તમે બધું ? એ અહીં આગળ જ. બીજે કોઈ એક્સેપ્ટ નહીં કરે. એકેય માણસ એક્સેપ્ટ ના કરે !

જ્ઞાની પુરુષના એક જ વાક્ય પ્રમાણે આખી જીંદગી નીકળશેને, તો કલ્યાણ કરી નાખે. એક જ વાક્ય જો કદિ જ્ઞાનીનું ઉતરી જાય તો આખી જીંદગી કલ્યાણ કાઢી નાખે. જ્ઞાની પુરુષ કોઈ દહાડો હોય નહીં અને હોય તો બુધ્ધિવાળા જ્ઞાનીઓ હોય. બુધ્ધિવાળા જ્ઞાનીઓ ચાલે નહીં. બુધ્ધિવાળા હરીફવાળા હોય. એક એકથી ચઢતા હોય. બુધ્ધિ વગરના જ્ઞાની હોય તે પૂર્ણ હોય. અમારે બુધ્ધિ ના હોય, બિલકુલેય નહીં.

જબરજસ્ત વચનબળવાળી વાણી !

જ્ઞાની પુરુષનો એક શબ્દ આરપાર નીકળી ગયો હોય તો તેનો સર્વસ્વ રોગ કાઢી નાખે. આ વાણી અંદર ઉતરી ગઈ હોય, પછી એ નીકળે નહીં. બહુ વચનબળ, જબરજસ્ત ! ત્યારે જ આ વગર વાંચ્યે આ બધું કામ થાય છે. એમ ને એમ જ થાય છે ને ?!

પ્રશ્નકર્તા : આજે વચનબળ ઓછું થતું જાય છે ને ?

દાદાશ્રી : વચનબળ છે જ નહીં ને ! ક્યાંથી લાવે ? લાવો ને, એકુંય માણસ મને વચનબળવાળો દેખાડો જોઈએ ?! એ તો જે વાણીમાં કેટલુંય વચનબળ હોય ત્યારે આપણે કહીએ 'ઊઠ' તો એ ઊભો થાય ને 'બેસી જા' કહીએ તો બેસી જાય. એટલે વચનબળ જોઈએ. અત્યારે આ વીસ હજાર માણસોને કહી દઉં તો બધા અમારી આજ્ઞા માને. અમારા શબ્દનાં આધારે જ એ બધા ચાલવાના, આજ્ઞામાં જ નિરંતર રહેવાના.

આ છે કારુણ્યતા 'જ્ઞાની'ની !

જે રોગ હોય એ 'જ્ઞાની પુરુષ' દેખાડે, બીજો કોઈ દોષ ના દેખાડે. કારણ કે એમને પેલાનો રોગ મટાડવો છે. ડૉકટર દર્દીનો રોગ વધારે કે મટાડે ? અને અમે આ ક્યાં અમારા હારુ કહીએ છીએ ? આ તો તમારા માટે 'સ્પેશિયલી' અને તેય વીતરાગતાથી કહીએ છીએ. શબ્દ કઠણ ના હોય તો રોગ નીકળે નહીં. કઠણ શબ્દ વગર રોગ નીકળે નહીં. રોગ શેનાથી નીકળે ? કઠણ શબ્દો અને વીતરાગતા ! શબ્દો કઠણ કેવાં, તે આમ સાંધા તોડી નાખે એવાં કઠણ અને છતાં સંપૂર્ણ વીતરાગતા !!

આ 'દાદા' બેઠા બેઠા નિરાંતે લોકોને પાંસરા કરે, ધો ધો કર્યા કરે પણ તો ય બધાને ક્યાં ધોવા જઉં ? મારું મગજ જ ના રહે પછી. આ તે કંઈ ઓછું કામ હશે, સવારથી સાંજ સુધીમાં ? કેટલી 'ફાઈલો' આવતી હશે ? કેટલાક કહે, 'મારા ધણીએ મને આવું કર્યું !' હવે આ નિશાળે ય અમારે શીખવવાની ?

પ્રશ્નકર્તા : આ દુનિયામાં કોઈ એવો કેસ નહીં હોય કે એ તમારી પાસે નહીં આવ્યો હોય, બધી જાતના કેસ આવ્યા છે.

દાદાશ્રી : શું કરે તે પછી ? એક-બે જણને 'મેં' ના પાડેલી ત્યારે 'મહીં'થી બોલ્યા, 'તે કયા દવાખાનામાં જશે આ બિચારો ? અહીંથી જ તમે કાઢી મૂકશો તો એ કયા દવાખાનામાં દાખલ થશે ? બહાર કોઈ દવાખાનામાં ફીટ છે જ નહીં.' એટલે પછી મેં ચાલુ કર્યું પાછું !! પણ મનમાં તો એમ થાય કે આ શી ઝંઝટ ? એટલે એને ખસેડી મૂકવાનું મન થાય. પણ પાછું મહીંથી આવે કે 'પણ એ જશે ક્યાં બિચારો ? બીજા કયા દવાખાનામાં જશે ? ભલે ગાંડો-ઘેલો હશે, બોલતા જ આવડે નહીં, વિવેકે ય નહીં, કશું જ નહીં, એવો ભલે હશે તોય ચાલવા દો !'

પ્રશ્નકર્તા : આ પેલું કહે છે કે 'જતાં રહે તો સારું' એ કયો ભાગ બોલે છે ? ને પેલું કહે છે કે 'આ બિચારાં ક્યાં જશે ?' એ કયો ભાગ બોલે છે ?

દાદાશ્રી : એ ભાગ પરમાત્મભાગ છે !!! 'ક્યાં જશે એ ?' પરમાત્મભાગ બોલે છે ! 'ભલે ગાંડો-ઘેલો છે, આપણી જોડે અવિનયમાં બોલે છે, પણ તે હવે ક્યાં જશે ?!' એ પરમાત્મભાગ બોલે છે ને !! બીજું કોઈ દવાખાનું નથી કે સંઘરે આવો માલ. સારાંને જ નથી સંઘરતા તો પછી ! અને સંઘરીને ય એની પાસે દવાઓ નથી. એની પાસે ખાંડેલા ચૂર્ણ છે. તે અહીં ખાંડેલા ચૂર્ણ ના ચાલે. અહીં તો લહી જોઈએ, તે આમ ચોંટી જાય ચોપડતાંની સાથે જ !!

બાકી આ કાદવમાં, પાછાં ગંધાતા કાદવમાં કોણ હાથ ઘાલે ? પણ એ એક જીવ તરે ને, તો બીજાં કેટલાંય જીવો બધાનું રાગે પડી જાય, બિચારાંનું ! અને એનું કલ્યાણ થાય એવા ભાવ હોય, તે કલ્યાણ કરવા માટે જ અમે વઢીએ, નહીં તો આવું કોણ વઢે ? મગજ કોણ ખરાબ કરે ! આ તો સામાનું કલ્યાણ માટે વઢવાનું. નહીં તો બાપ તો બાપ થવા હારુ વઢે. સામાના હિત કરતા બાપ થવાની બહુ ભીખ હોય. બૈરીને ધણી ટૈડકાવતો હોય તો તે ધણીપણા માટે કરે ! અને 'જ્ઞાની પુરુષ' સામાના કલ્યાણ માટે વઢે.

કારણ કે જગત આખું શક્કરીયા ભરહાડમાં મૂકે તેમ બફાઈ રહ્યું છે. ફોરેનવાળાઓ હઉ બફાઈ રહ્યા છે ને અહીંવાળાયે બફાઈ રહ્યા છે. 'શક્કરીયા બફાઈ રહ્યા છે કહો છો, પણ હવે તો સળગવા હઉ માંડ્યા છે. જે પાણી હતું તે ખલાસ થઈ ગયું ને શક્કરીયા સળગવા માંડ્યા છે.' એટલે આ દશા છે ! આપણા સત્સંગનો હેતુ શો છે ? જગત કલ્યાણ કરવાનો હેતુ છે. એ ભાવના કંઈ નકામી જતી નથી.

આપણે શું કહીએ છીએ કે સર્વ દુઃખોના ક્ષય કરો. આ દુઃખો અમારાથી જોવાતા નથી. છતાં અમને 'ઈમોશનલ'પણું થતું નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે એનો, અને એ જ કારુણ્યતા છે અમારી !

તો અસરવિહોણા એ શબ્દો...

જેને કંઈ જરૂર નથી તેના શબ્દો અસર કરે. નહીં તો શબ્દો અસર કરે નહીં. કોઈ જાતની ભીખ ના હોય ત્યારે શબ્દો અસર કરે. બાકી ભીખવાળા માણસને માન જોઈતું હોય, કીર્તિ જોઈતી હોય, લક્ષ્મી જોઈતી હોય, સોનું જોઈતું હોય, સ્ત્રીના વિચાર આવતા હોય તો ય એનાં શબ્દો અસર ના કરે. બધાથી મુક્તપણું હોય ત્યારે આ ભગવાન પોતાની સત્તા એ જ્ઞાની પુરુષના હાથમાં સોંપી દે છે, બસ ! જેને બદલો લેવાનો હોય તેના શબ્દો અસર ના કરે. જેને કોઈ પણ પ્રકારનો બદલો લેવાનો નથી, તેના શબ્દો એકદમ ઈફેક્ટિવ હોય. બદલો એટલે એના બદલે કંઈક મેળવવાની ઇચ્છા. અહીં અમને બદલો હોય નહીં ને !

જ્ઞાની, સસ્પૃહ-નિસ્પૃહ !

અમને આ દુનિયામાં કોઈ ચીજ કોઈની પાસે ખપતી નથી છતાં સસ્પૃહ છું. નિસ્પૃહ-સસ્પૃહ છું. એટલે તમારા ભૌતિકમાં, પૌદ્ગલિકમાં નિસ્પૃહ અને આત્મા બાબતમાં સસ્પૃહ. તમારી જોડે મારે સ્પૃહા ખરી, પણ આત્મા બાબતમાં બીજી અમારે કંઈ લેવા-દેવા નહીં. તમારું પુદગલ, તો જાડું હોય કે પાતળું હોય, મારે કશું લેવા-દેવા નથી. મારે પુદગલનું કામ જ શું છે ?! હું જ પુદગલનો નિકાલ કરી રહ્યો છું ને ! છે તેનો જ નિકાલ લાવું છું. વળી તમારા પુદગલ પાસે મારે શું જરૂર છે ?

બધા મારા, હું બધાનો !

એટલે મને આખા જગતમાં જુદો કોઈ લાગતો જ નથી. અહીં આવ્યા છે એટલા જ મારાં છે એવું નહીં. આ બધા જ મારાં છે અને હું બધાનો છું !

મમતારહિતતા 'આ' વાણીમાં !

આ બધી વાણીઓમાં અહંકાર હોય, જ્યાં મમતા ત્યાં વીતરાગ વાણી ના હોય. કંઈ પણ મમતા છે, ત્યાં વીતરાગ વાણી ના હોય.

પ્રશ્નકર્તા : સમતા હોય ત્યાં વીતરાગ વાણી હોય ?

દાદાશ્રી : મમતા જ ના હોય તો વીતરાગ વાણી હોય. એવા સમતાવાળા તો બહુ સાધુઓ જોયા. પણ મમતા છૂટી ના હોય. તે મમતા છૂટે ત્યારે વીતરાગતા આવે. સમતા તો અડચણ ના હોય એટલે રહે. આ કૂતરાને ય રાતે બે પૂરીઓ ખવડાવીએને, તો આખી રાત નિરાંતે સમાધિમાં રહે. એ સમતા ચાલે નહીં. એનામાં મમતા સહેજ પણ ના જોઈએ. ખૂણેખાંચરે પડી રહેલી મમતા ના ચાલે.

કોઈ શાસ્ત્રમાં આવું (વીતરાગી) વાક્ય નીકળશે નહીં. શાસ્ત્ર મમતાવાળાએ લખેલાં છે અને મમતભણી ખેંચી જનારાં છે. આ વીતરાગ વાણી છે કે જેનો માલિક નથી, જ્યાં રાગ-દ્વેષ નથી. એક કલાક સાંભળે તો ય કલ્યાણ થઈ જાય. રાગ ના આવે ને એક કલાક સારી રીતે સાંભળે તો ય કલ્યાણ થઈ જાય એવી સ્યાદ્વાદ વાણી છે !

શબ્દે શબ્દે ઊંડી ભાવના...

અમારા શબ્દમાં એવું વચનબળ છે કે નુકસાન થાય એવું મહીં લાગે ખરું, પણ તે નુકસાન થવા ના દે. અમારું વચનબળ એવું હોય છે. કારણ કે દરેક શબ્દમાં એટલી બધી ઊંડી ભાવના હોય છે કે નુકસાન તો ક્યારેય ન થાય. એટલી શબ્દે શબ્દમાં ભાવના છે. વાંકો શબ્દ પણ સીધો થઈને કામ કરશે.

'જ્ઞાની પુરુષ' પાસે હિતની વાત હોય. એમની પાસે બે શબ્દ સમજી લે ને, તો બહુ થઈ ગયું ! બે શબ્દ સમજવામાં આવે ને એમાંથી એક જ શબ્દ જો કદી હ્રદયમાં પહોંચીને પચી જાય તો એ શબ્દ મોક્ષે લઈ જતાં સુધી એને છોડે નહીં. એટલું વચનબળવાળું હોય, એટલી વચનસિધ્ધિ હોય એ શબ્દની પાછળ !

એ ઉલ્લાસ, કામ કાઢી નાખે !

પ્રશ્નકર્તા : તમે કીધેલું કે આ અમારી એક લીટી જો બરોબર સમજમાં આવી ગઈ તો પાર પડી જાય.

દાદાશ્રી : એ જો ઓગળી ગયું તો કામ જ થઈ ગયું. એટલે બધી એમાં દવા છે એવડી મોટી. એક જ વાક્ય ઓગળી જાય ને, તો કલ્યાણ થઈ જાય. એટલે ઉલ્લાસથી પીવે અને પાચન થઈ જાય, તો કામ થઈ ગયું ને ! ઉલ્લાસ ક્યારે આવે ? ધીમે ધીમે આવે. જેમ જેમ એનો સાર સમજાતો જાય, જેમ એની કિંમત સમજાતી જાય. આ તો ડીવેલ્યુએશન કરેલું જગતે એટલે એકદમ પછી વેલ્યુએશન શી રીતે આવે તે ?! પાંચ પૈસા સુધી રૂપિયો થઈ ગયો હોય, તે એકદમ સીત્તેર કરો, શી રીતે થાય તે ?! છ પૈસા કરવા પડે, સાત પૈસા કરવા પડે !

આ તો કુદરતી ગીફટ !

અમારી વ્યવહારિક વાણી સિવાય જે બધી વાતો અમારી હોય ને, એને કોઈ ચેકી શકે નહીં. ત્રિકાળ સત્ય ! હું આ જ્યારથી બોલું છું ને, ત્યારથી એકુંય શબ્દ ચેકવો જ નથી પડ્યો. આ હું બોલું છું ને, ત્યારથી શબ્દે શબ્દ સાચો છે. તો આ મારું ડહાપણ છે ? આપણું આ વિજ્ઞાન, એ કંઈ મારું ડહાપણ નથી. આ તો ગીફટ છે. મારું ડહાપણ એટલું બધું હોતું હશે ? કાગળ લખવો હોય ને, તોય મને નથી આવડતો. લોકોનું કલ્યાણ થવાનું નિમિત્ત, પણ ગીફ્ટ છે એ અને એ ગીફ્ટને માટે મારી બધી તૈયારી છે.

પ્રશ્નકર્તા : એના માટે પાત્ર હોય તો જ ગીફ્ટ આવે ને ?

દાદાશ્રી : હા, બાકી મારું ગજું નહીં આ. અને આ વાણીનું બહુ હાઈ ક્વૉલિટી છે. આ વેલ્ડિંગ જુદી જાતનું છે.

પ્રશ્નકર્તા : બધાને સમજાય એવું અને સાદી- સરળ ભાષામાં.

દાદાશ્રી : હા, સારી ભાષામાં. પણ એ ભાષા પર કાબુ નથી, ભાષા ઉપર આધાર રાખતું નથી. વેલ્ડિંગ બહુ ઊંચું અને આ હ્રદયસ્પર્શી વાણી. એક શબ્દથી તો કેટલાંય રોગ નીકળી જાય સામા માણસના, એવાં વેલ્ડિંગ !

જ્યાં વાદ ઉપર વિવાદ નહીં !

અને કોઈને દુઃખ ના થાય એવી વીતરાગોની વાણી હતી, સ્યાદ્વાદ વાણી હતી. કાલે સવા બે કલાક સુધી એક ભાઈ પૂછતા હતા, તે તેમના બુધ્ધિનાં સવાલનાં અમે જ્ઞાનથી જવાબ આપતા હતા. વિવાદ ઊભો ના થાય, વાદ-વિવાદ કશું જ ના હોય. બાકી, બુધ્ધિથી જવાબ આપતાં વિવાદ ઊભા થઈ જાય. સામાને મારા બોલ ઉપર વાદ ના ઉત્પન્ન થાય ત્યાંથી જાણવું કે વાત સાચી છે. અને તરત આત્મા કબૂલ કરવો જ જોઈએ. જો એનો આત્મા કબૂલ ના કરે તો મારી ભૂલ છે.

નહીં તો એ દર્શન જ કલ્યાણકારી !

પ્રશ્નકર્તા : અમે એકડો ઘૂંટીએ છીએ તે કેવી રીતના પ્રશ્ન પૂછીએ ?

દાદાશ્રી : પ્રશ્ન તો ક્યારે પૂછાય ? આપણે મનમાં જે બાબતમાં સમાધાન ના થતું હોય ત્યારે પ્રશ્ન પૂછાય.

પ્રશ્નકર્તા : પ્રશ્ન નથી, અમારે આ રસ્તે ચાલવું છે.

દાદાશ્રી : હા, બસ, બસ. આ દર્શન જ કર્યા કરવાનાં. દર્શન કરવાથી બધું થઈ જાય. આપણને પ્રશ્ન હોયને તો પ્રશ્ન પૂછવાના. આપણા મનમાં ખુલાસા થાય. પણ જ્યાં ખુલાસાની જ તમારે જરૂર નથી.

પ્રશ્નકર્તા : અમારે તો એકડો જ ઘૂંટવાનો છે, પ્રશ્ન ક્યાં પૂછવાના ?

દાદાશ્રી : એવું છેને, બધા એકડો જ ઘૂંટે છે હજુ. આ જે પ્રશ્ન પૂછનારાં છે તે ય એકડો ઘૂંટે છે. અહીં હિન્દુસ્તાનમાં જન્મ લેને, તે બહુ મોટી વાત છે. જો જ્ઞાની પુરુષનાં દર્શન થાય ને, તો કલ્યાણ થઈ ગયું. એકડો ઘૂંટતો હોય કે ગમે તે ઘૂંટતો હોય, જ્ઞાની પુરુષ ભેગા થાય એટલે કલ્યાણ થઈ જાય !

પૂછી પૂછીને પાકું પરોવવું !

પ્રશ્નકર્તા : ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આપના પરિચયમાં આવીને અહીંયા હવે બીજું અમારે શું કરવાનું ?

દાદાશ્રી : એવું છે ને, તમારે જ્યાં અટક્યું હોય તે જ્ઞાન અહીં જાણી લેવાનું. પણ એ સંજોગ રોજ ના નીકળે. એ જ્ઞાન, એ વાણી એવી વસ્તુ નથી કે તમે હમણે કાઢવા જાવ તો નીકળે. કારણ કે આ વાણી એ રેકર્ડ છે. જેટલી રેકર્ડ જે નીકળતી હોય એટલી નીકળે. એટલે પછી જેટલો વધુ તમે ટાઈમ અહીં આવો, તો ત્યારે એ વાત નીકળે. તે જ્ઞાન તમને મળે તે દહાડે. પોતાની સેફસાઈડ માટે સમજી લેવાનું છે અહીં આગળ. અમે જ કહીએને, તેય પૂરેપૂરું ના સમજાય, બળ્યું. પોતાની ગરણી હોય એ પ્રમાણે ગાળે.

પ્રશ્નકર્તા : આપણે જેટલું સમજતા હોઈએ, એને સાચું માની લઈએ તો પછી ઊલટું ના થાય ?

દાદાશ્રી : સાચું માની ના લેવાય. પોતાના મનમાં જે લાભ થાય એ સાચો. અને કો'કને તો આ જવાબ ના અપાય.

પ્રશ્નકર્તા : કો'કને માટે નહીં, પોતાને માટે પૂછાયને ?

દાદાશ્રી : અહીં બધું પોતાને માટે સમજવાનું. પણ તે જેટલી સમજણ પડે તેટલી સાચી. ગરણી જેવી હોય તે પ્રમાણે સમજણ પડે. એટલે પોતાના માટે પૂછપરછ કરીને સમજી લેવાનું. 'આ શું છે ? મારે સમજવું છે. મને આ હરકત આવી.' તે બધું સમજી લેવાનું. આ જ્ઞાન ઝીણવટથી સમજી લેવું પડે. કારણ કે આ જ્ઞાન કલાકમાં આપેલું છે. કેવડું મોટું જ્ઞાન, તે એક કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય એ એક કલાકમાં જ્ઞાન થાય છે પણ બેઝિક થાય છે. પછી વિગતવાર સમજી લેવું પડે ને ? એ વિગતવારથી સમજવા માટે તો તમે મારી પાસે બેસો ને પૂછપરછ કરો ત્યારે હું તમને સમજાવું. એટલે અમે કહીએ છીએને કે સત્સંગની બહુ જ જરૂર છે. તમે જેમ જેમ અહીં આગળ આંકડા પૂછતા જાવને, તે આંકડા મહીં ખૂલતા જાય.

પ્રશ્નકર્તા : અમુક વાણી જે નીકળે છે ને, તે ફરી સમજવા માટે પૂછી લેવી જોઈએ.

દાદાશ્રી : એ તો જેને ખૂંચે તેણે પૂછી લેવી. મારે નીચે કાંકરો ક્યાંથી આવે છે ? બાકી બધાને રસ્તે ચઢાવવાનાં છે ને ! પાછળ પડી ગયો હોય તેનેય.

એક શબ્દ પચે તેનો મોક્ષ !

અમારી વાત જચી ગઈ એટલે પ્રતીતિ સાથે જચી ગઈ. પચી તો ગઈ નથી, પણ જચી તો ગઈ. એ તો અત્યારે જચી ગઈ. હવે આગળ જવાનું આવ્યું, પચી જતાં સુધી !

પ્રશ્નકર્તા : એે પચી ગઈ ક્યારે કહી શકાય ?

દાદાશ્રી : પચી ગયેલી તે, આપણને એવો ફેર ફરી ચઢે જ નહીં, છોને ગોળ પેલા ચગડોળમાં બેસાડ બેસાડ કરે ! નીચે ઉતારે તો ય ફેર ચઢે નહીં. ચગડોળને ફેર ચઢે પણ પોતાને ફેર ના ચઢે. આ તો ચગડોળને ફેર ચઢતા નથી ને આપણને ફેર ચઢે છે ! જચી ગઈ એટલે એક્સેપ્ટ થયું, પ્રતીતિ સાથે એક્સેપ્ટ !

અમારી વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. 'આ' તો આખો 'જ્ઞાનાર્ક' છે. એ પચે અને અજીર્ણ ના થાય. 'જ્ઞાની'ના શબ્દને હલાવવો નહીં. બહુ મોટું જોખમ છે. એક જ શબ્દ જો મહીં પેસી ગયો ને પાચન થયો તો મોક્ષે લઈ જાય !

જ્ઞાનીના શબ્દો, સમજ્યે કલ્યાણ !

પ્રશ્નકર્તા : જ્ઞાનીની ભાષા અમુક લોકોને નથી સમજાતી.

દાદાશ્રી : શી રીતે સમજાય પણ ? એ તો મોહ ઓછો હોય તો સમજણ પડે ને ? જ્યાં સુધી મૂંઝાયેલું હોય ત્યાં સુધી સમજણ પડે નહીં. મોહ ક્લિયર થઈ જાય ત્યાર પછી સમજણ પડે. ભાષા સમજવી એ આપણું પુણ્ય હોવું જોઈએ. અને શુક્લ હ્રદય હોવું જોઈએ. હ્રદય શુક્લ હોય તો તરત બધું ઓળખી જાય. પણ હ્રદયમાં જાતજાતના ગોટાળા ભર્યા હોય ને, તે ગોટાળિયું હોય તો સમજાય નહીં. જ્ઞાનીઓની ભાષા સમજવા માટે શુક્લ હ્રદય જોઈએ. બીજું બધું સમજાય પેલી બાજુનું, સંસારી ભાષા બધી સમજી જાય.

અમારા શબ્દ જો શીખ્યો ને, એના પ્રમાણે ચાલ્યો તો તો કામ જ થઈ ગયું. 'જ્ઞાની પુરુષ'નો એક અક્ષર જ જો સમજમાં આવ્યો તો કલ્યાણ જ થઈ જાય !! બાકી, થર્ડમાંથી ફોર્થમાં ક્યારે જઈએ ? એનાં કરતાં આ 'દાદા' મેટ્રિકની બહાર 'ફર્સ્ટ ઈયર'માં બેસાડી દે ! પેલા લોકો તો 'ફીફ્થ'માં, 'સીકસ્થ'માં છે ને આપણે જાતે તો થર્ડમાંથી પાસ થવાતું નથી. એનાં કરતાં 'દાદા' કહે છે તે પ્રમાણે હેંડો ને, એટલે ઉકેલ આવી ગયો. નહીં તો આ લોકો તો કર્મ બંધાવડાવવા આવે કે, 'તમે આમ કરી આપો, તેમ કરી આપો.'

આડાઈથી અટક્યો મોક્ષ !

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનનાં એણે દર્શન કર્યાં, એમની વાણી સાંભળી તો ય એને આવું કેમ રહી ગયું ?

દાદાશ્રી : એ તો એ પાંસરો થાય તો ભગવાન મહાવીર પાંસરો કરે. એ કહે કે 'સાહેબ, મારે પાંસરા થવું છે.' તો ભગવાન મહાવીર પાંસરા કરી આપે. પણ એ તો એ મહાવીર ભગવાનને પાંસરા કરવા આવ્યો હોય. સ્વતંત્ર છે ને ! દરેક જીવ સ્વતંત્ર છે !

પ્રશ્નકર્તા : એમાં મહાવીર સ્વામીની પાસે આવ્યો હોય, દેશના સાંભળતો હોય, દર્શન કરતો હોય પણ પોતાની આડાઈ ન છોડતો હોય.

દાદાશ્રી : આડાઈ કોઈ દહાડો છોડે જ નહીં ને !

પ્રશ્નકર્તા : તો મહાવીર ભગવાન કશું કરી શકે નહીં.

દાદાશ્રી : આ હિન્દુસ્તાનના લોકો આડાઈ છોડે નહીં. એટલે અહીંના, દેશના ડૉકટરો શું કહે છે ? જન્મે છે ત્યારે એ કેટલાંક મહીં આડા હોય છે. આ આડાઈઓનો પાર નહીં ને ! આડાઈઓ જ છે બધી !

પ્રશ્નકર્તા : ભગવાનની વાણી સાંભળે તો આંતરિક ફેરફાર ના થાય ?

દાદાશ્રી : આંતરિક ફેરફાર તો, એ સાંભળનારમાં કષાયરૂપી પથ્થર ઉપર પડ્યો છે, તે ઊંચકીને એ પોતે બહાર ફેંકી દે, ત્યારે થાય. એટલે ખટપટિયા વીતરાગ એ પથ્થર કાઢી આપે પછી થાય.

પ્રશ્નકર્તા : એટલે અમારા રોગ જવાનું મુખ્ય કારણ આ બન્યું ?

દાદાશ્રી : હા, નહીં તો રોગ જાય જ નહીં ને ! એટલે તો ભગવાને જ કહ્યું કે, 'અમારા તો ૧૦૮ ગુણ છે પણ ખટપટિયા વીતરાગનાં ૧૦૦૮ ગુણ હોય.' એટલે અમને તો બહુ ગુણ હોય. ભગવાને કહ્યું કે, 'બુધ્ધિકળા ને જ્ઞાનકળા, બન્ને જ્ઞાની પાસે હોય અને અમારી પાસે જ્ઞાનકળા એકલી જ હોય.' છતાં ભગવાન જ્ઞાનકળા દેખાડે નહીં, એ એકલાં જાણે. અને ખટપટિયા વીતરાગ તો બુધ્ધિકળા એટલે તમે ફસાયા હો ત્યાં બુધ્ધિથી કાઢી આપે અને જ્ઞાનકળાથી ફીટ કરી આપે. એટલે આ તો ખાલી અહીં બેસી રહે તો ય કલ્યાણ થઈ જાય. સાંભળ સાંભળ કરે તો ય અહીં કલ્યાણ થઈ જાય.

દેશનાની શરૂઆત, જ્ઞાનીઓથી !

પ્રશ્નકર્તા : દેશના તીર્થંકરો માટે જ કહી છે ને ? અક્રમમાં ખરી એ ?

દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાની તો સંપૂર્ણ જ્ઞાની છે ને ! આ તો દેશના જ કહેવાય. જ્ઞાની પુરુષ પછી આગળનાઓની દેશના જ હોય. એ ઉપદેશ ના આપે.

પ્રશ્નકર્તા : એટલે ક્રમિક માર્ગમાં દેશના ના હોય ને, જ્ઞાનીને ?

દાદાશ્રી : ત્યાં ના હોય. ક્રમિકમાર્ગના જ્ઞાનીઓની દેશના કહેવાય નહીં. એ બધા જ્ઞાનીઓનો ઉપદેશ કહેવાય.

પ્રશ્નકર્તા : તીર્થંકરને દેશના હોય ને ?

દાદાશ્રી : તીર્થંકરને ખરી દેશના. કેવળીને દેશના હોય નહીં. દેશના અક્રમ વિજ્ઞાની એકલાંને જ હોય અને તીર્થંકરોને હોય, બસ.

દરેક કેવળ જ્ઞાનીને અને કેવળીને શૈલેષીકરણ સરખી થાય. ફક્ત એમને આ તીર્થંકરનાં જેવી દેશના ના નીકળે, એક અક્ષરેય ના નીકળે. જોડેવાળા માણસને એક અક્ષરેય સમજાવવાની વાત ના આવડે.

દેશના તીર્થંકર સિવાય કોઈને ય હોય નહીં. અમને તો અક્રમ વિજ્ઞાની તરીકે દેશના ખરી. તીર્થંકરની અને બુધ્ધિ વગરના જ્ઞાનીની વાણી દેશનારૂપે હોય, ઉપદેશ ના હોય. બુધ્ધિવાળા જ્ઞાનીની વાણી દેશનારૂપે ના હોય, ઉપદેશ હોય. અમને તો ઉપદેશ હોય નહીં. અમે તો કોઈ દહાડો ઉપદેશ કર્યો જ નથી. અમારે તો ખાલી દેશના જ હોય. તે અત્યારે તમે આ દેશના સાંભળો છો. ધન્ય ભાગ્ય છે આ લોકોનાં ! લોકોનાં કલ્યાણ માટે છે.

સમકિત પછી ઉપદેશપદ !

હવે એક બાજુ સમકિત થયેલું હોય, આત્મા પ્રાપ્ત કર્યો હોય ને થોડો અહંકાર બાકી હોય, ત્યારે એ ઉપદેશ આપી શકે. એટલે સમકિત પણ અહંકારી હોય, તો એનો ઉપદેશ કામનો.

આદેશ તો સમકિત વગર જ હોય, મિથ્યાત્વમાં હોય. અને પેલું ઉપદેશ તો, છઠ્ઠા ગુંઠાણામાં સમકિત થયા પછી પોતે ઉપદેશ આપે. એટલે અહંકારથી ઉપદેશ આપે પણ સામાના કલ્યાણ માટે આપે. એ છઠ્ઠા ગુંઠાણામાં જે આચાર્યો છે અત્યારે બીજા ક્ષેત્રમાં ખરાં, એ ઉપદેશ આપે. બાકી જ્યાં મિથ્યાત્વ છે, ત્યાં આગળ ઉપદેશ જ ક્યાં કહેવાય ?

દેશના, ખટપટિયા વીતરાગીની !

પ્રશ્નકર્તા : એટલે તીર્થંકરોની પણ દેશના કહી અને આપની વાણી એ પણ દેશના જ કહેવાય છે ?

દાદાશ્રી : હા, દેશના જ.

પ્રશ્નકર્તા : તો બેનું લેવલ ફેર ક્યાં રહે છે એ સમજવું હતું.

દાદાશ્રી : એવું છે ને, આ અમારું છે તે બધું ખટપટિયું. મહાવીર ભગવાનની દેશના તો સંપૂર્ણ વીતરાગી હોય. દાદા ખટપટિયા છે અને હું કહું યે ખરો કે હું ખટપટિયો વીતરાગ છું.

પ્રશ્નકર્તા : સાંભળનારા બધા ખટપટિયા છે એટલે આપની દેશના ખટપટી છે ?

દાદાશ્રી : ના સામાવાળા ખટપટિયા નહોતા. હું ખટપટિયો હતો એટલે આ બધા ખટપટિયા મને ભેગા થયા છે. જે ખટપટિયા નથી, એમને હજુ ભેગો થયો નથી.

ખટપટ વિના પામત કો'ક !

અમે કહીએ કે, 'તમે અહીં આવજો, અમે તમને મોક્ષ આપીશું. અમે તમને જ્ઞાન આપીશું, તમને આમ કરી આપીશું.' આ એક જાતની ખટપટ જ છે ને ?

પ્રશ્નકર્તા : એ કરુણાભાવ પ્રગટ થયો છે.

દાદાશ્રી : હા, કરુણાભાવ. પણ તેય છે તે ખટપટ તો ખરી જ ને ?! કરુણાભાવ તો તીર્થંકરોમાંય છે. પણ એ એક અક્ષરેય બોલે નહીં. કોઈ આમ ખાડામાં પડતો હોય તોય બોલે નહીં. પોતે જ્ઞાનમાં જુએ, પણ કશું બોલે નહીં. પેલો સીધો થાય તો એને બધુંય આપે. અને વાંકો થાય તો કશું ય બોલે નહીં. અને અમે તો પેલો વાંકો થાય તો કહીએ, 'ભઈ, શું કરવા વાંકો થાય છે ?' શાથી ? અમારી આમાં શી લાલચ છે ? અમને મનમાં એક ઇચ્છા છે કે અમારા જેવું સુખ તમને બધાને વર્તો. આ દુઃખમાંથી બચો. કંઈ પણ ઇચ્છા છે ને, આવી ? એ ખટપટપણું જ છે ને ? આને ખટપટિયું ના કહેવાય ? અમને લોક પૂછે છે ને, 'તમે વીતરાગ છો ?' ત્યારે મેં કહ્યું, 'અમે ખટપટિયા વીતરાગ છીએ.' અને મહાવીર ભગવાન ખટપટિયા નહીં. ચોખ્ખા વીતરાગ ! એટલે એ તમને મહીં મુશ્કેલી થઈ હોય તો વિશેષતા નહીં. જેટલો ઉદય હોય એટલું જ કરે, પણ અમારો ખટપટિયો ઉદય હોય. ઉદય ખટપટ મિશ્રિત હોય. અને ભગવાનને મિશ્રિત ના હોય. એટલે અમે ખટપટિયા વીતરાગ છીએ.

ખટપટિયા વીતરાગનો અર્થ લોકોએ પોતાની ભાષામાં નહીં લઈ જવો જોઈએ. કારણ કે તમારા હિતને માટે જ ખટપટ કરવી પડે છે. મારું પોતાનું હિત તો સંપૂર્ણ થઈ ગયેલું જ છે. એટલે ખટપટિયા વીતરાગ ! સમજાયું ને ?

પ્રશ્નકર્તા : હા, ખટપટિયા વીતરાગ વિશે હવે સમજ પડી.

દાદાશ્રી : હા, ખટપટિયા ના હોય ને, તો ગાડું કેમ ચાલે ? ખટપટિયા વીતરાગ ! જલેબી ખવડાવીને વીતરાગ બનાવે. બધું ખાવ-પીવો-મઝા કરો ને વીતરાગ થાવ. રસ્તો કેવો ?! સરળ માર્ગ ! સરળ માર્ગ ઉપર રાખીને વીતરાગ બનાવે.

પ્રશ્નકર્તા : આપની પાસે વિરોધાભાસ જેવી વસ્તુ જોવા મળી. ખટપટ કરનાર કોઈ દહાડો વીતરાગ હોય નહીં અને આ જોયું કે ખટપટ પણ કરે છે અને છતાં ભારોભાર વીતરાગતા છે.

દાદાશ્રી : હા, ખટપટ ના હોય તો ચાલે નહીં ને ! અને આજના લોકો ખટપટ વગર ભેગા ના થાય. જો સંપૂર્ણ વીતરાગતા હોય ને, તો મને કોઈ ભેગો જ ના થાય.

સમ્યક્ત્વથી શરૂ વીતરાગ વાણી...

વીતરાગની વાણી સિવાય કોઈ મોક્ષે ગયેલો જ નહીં. વીતરાગની વાણી સાંભળ્યા સિવાય કોઈ મોક્ષે જઈ શકેલો નહીં. વીતરાગ વાણી બોલવાની શરૂઆત ક્યારે થાય ? જે જ્યારથી સમ્યક્ત્વનો લાભ થઈ જાય ત્યારથી વીતરાગ વાણી બોલવાની શરૂઆત થાય અને એ સંપૂર્ણ ક્યારે થાય ? કેવળજ્ઞાન થાય ત્યારે એ સંપૂર્ણ થાય. ત્યાં સુધી વીતરાગ વાણી કહેવાય છે. જ્યાં સુધી સમ્યક્ત્વ નથી ત્યાં વીતરાગ વાણી છે જ નહીં. ત્યાં મિથ્યાત્વ વાણી છે ને મિથ્યાત્વ વાણી એટલે કષાય સહિત પ્રરૂપણા કહેવાય. કષાયસહિત પ્રરૂપણા ના કરાય.

'જ્ઞાની પુરુષ'ની વાણી મીઠી-મધુરી, કોઇને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં એવી હોય. કોઇને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે તો બધું ચારિત્ર્ય જ છે. વાણી કેવી નીકળે છે, તેના પરથી ચારિત્ર્યબળ ઓળખાય. બાકી બીજા કશા પરથી ચારિત્ર્યબળ ઓળખાય નહીં. જો બુધ્ધિ-સ્યાદ્વાદ હોય તો સ્યાદ્વાદ જેવાં લક્ષણ લાગે, પણ એ સંપૂર્ણ ના હોય. જ્યારે જ્ઞાન સ્યાદ્વાદ હોય એનું ચારિત્ર્ય તો વીતરાગ ચારિત્ર્ય હોય. જ્ઞાન સ્યાદ્વાદ દરેક ધર્મના લોકો પ્રમાણ તરીકે સ્વીકારે. એ વાણીમાં ખેંચ જરાય ના હોય.

વીતરાગ વાણી જ આત્મકલ્યાણી !

વીતરાગ વાણી જ એકલી મોક્ષે લઈ જનાર છે. અમારી વાણી મીઠી, મધુરી હોય, અપૂર્વ હોય. પૂર્વે ક્યારેય સાંભળેલી ના હોય તેવી હોય, ડાયરેક્ટ (પ્રત્યક્ષ) વાણી હોય. શાસ્ત્રમાં જે વાણી હોય તે ઈનડાયરેક્ટ (પરોક્ષ) વાણી હોય. ડાયરેક્ટ વાણી જો એક કલાક જ સાંભળે તો સમકિત થઈ જાય. અમારી વાણી સ્યાદ્વાદ હોય. કોઈનું પણ પ્રમાણ ન દુભાય, એનું નામ સ્યાદ્વાદ. સર્વ નય સંમત હોય. સર્વ વ્યૂ પોઈન્ટને માન્ય કરે. કારણ અમે પોતે સેન્ટરમાં હોઈએ. અમારી વાણી નિષ્પક્ષપાતી હોય. હિન્દુ, મુસ્લિમ, પારસી, ખોજા બધાં જ અમારી વાણી સાંભળે છે ને તેમને અમે આપ્તપુરુષ લાગીએ છીએ. કારણ અમને ભેદબુધ્ધિ ના હોય. બધાંની મહીં હું જ બેઠેલો હોઉં ને ! બોલનારે ય હું ને સાંભળનારે ય હું જ.

સંપૂર્ણ રીતે સામાનું આત્મકલ્યાણ કેમ કરીને થાય એ ભાવવાળી વાણી, તે જ વીતરાગ વાણી ! અને એ જ એનું કલ્યાણ કરે, ઠેઠ મોક્ષે લઈ જાય !

અમારી વાણી સંપૂર્ણ વીતરાગ હોય, સ્યાદ્વાદ હોય. વીતરાગને ઓળખવાની સાદી રીત તેની વાણી છે. જેટલું તમારું ઝવેરીપણું હશે, તેટલી આની કિંમત થશે. પણ આ કાળમાં ઝવેરીપણું જ ક્યાંય રહ્યું નથી. મૂઆ, પાંચ અબજના હીરાની કિંમત પાંચ રૂપિયા કરે છે, ત્યારે હીરાને જાતે બોલવું પડે, કે મારી કિંમત પાંચ અજબની છે. તેમ આજે અમારે જાતે બોલવાનો વારો આવ્યો છે.

માલિકી વિનાની વાણી, કરે કલ્યાણ !

પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના છે, એ કોને છે ?

દાદાશ્રી : આત્માને એ ભાવના જ ના હોયને ! આ 'હું' જેને ૩૫૬ ડિગ્રી કહું છું ને, તે 'હું' ૩૫૬ ડિગ્રીમાં, તેને હોય આ બધું.

પ્રશ્નકર્તા : એ ૩૫૬ ડિગ્રીવાળું કોણ છે ?

દાદાશ્રી : એ જ આ જ્ઞાની પુરુષ છે ને !

પ્રશ્નકર્તા : તો એની આ વાણી છે ?

દાદાશ્રી : ના, આ વાણી તો એની ય નહીં. એ તો માલિકીપણું માની બેઠા'તા. માલિકીપણું છોડી દીધું છે, છતાં ૩૫૬ ડિગ્રી છે. કારણ કે એમને જગત કલ્યાણ કરવાનો ભાવ છે.

પ્રશ્નકર્તા : એ ભાવના આધારે આ કલ્યાણ થાય એવી વાણી નીકળે છે ?

દાદાશ્રી : ના. માલિકીપણું છોડ્યું એટલે એવી વાણી નીકળે છે. કલ્યાણ કરવામાં વાંધો નથી પણ માલિકીપણું છોડો ને તમારો ભાવ પૂરો થશે. એ તો ભગવાન મહાવીરને ય માલિકીપણું છૂટેલું, તે દેશના નીકળી, પછી એની મેળે જ વાગ્યા કરે.

પ્રશ્નકર્તા : આપની જે વાણી નીકળે છે દેશના રૂપે, એ પહેલાંના કોઈ ભાવના આધારે હશે ?

દાદાશ્રી : પહેલાં પુરુષાર્થ કરેલો. પહેલાં ભાવના કરેલી કે વાણી આવી ભૂલવાળી ના હોવી જોઈએ, ભૂલ વગરની વાણી થવી જોઈએ. તે એનું ફળ આ હવે આવ્યું, એટલે અમે એનાથી મુક્ત થયા.

પ્રશ્નકર્તા : હજુ એક-બે અવતાર રહ્યા આપના, તો આથી પણ ઊંચા કલ્યાણના નિમિત્ત થવાની માટે કંઈ નવી વાણી થતી હશે ને મહીં ?

દાદાશ્રી : આ છે તે જ નવી વાણી, આથી બીજી ઊંચી વાણી ના હોય. અમારે હઉ એ વાંચવી પડે.

પ્રશ્નકર્તા : આવતા ભવોમાં પણ આ ભાવનાં પરિણામ જ આવ્યા કરશે ?

દાદાશ્રી : હા. છેલ્લા અવતારોમાં સાયકલિંગ હોય. એટલે એક પછી એક એને સંયોગ બેસતો જ આવે. સાયકલ મળતી જ આવે. બ્રેક ડાઉન ના હોય. બધા ઊંચા સંજોગોનું મિલન થાય, છેલ્લા અવતારોમાં. નહીં તો પહેલાં તો નર્યું બ્રેક ડાઉન આવે. ઘડીકમાં ગાંડું આવે, ઘડીકમાં ડાહ્યું આવે. આ એક પછી એક સ્ટેશન જુદી જ જાતનાં આવે, સાયકલની પેઠ !

આ જગતના લોકોનું જે કલ્યાણ થવાનું છે, એમનું જે કામ કરવાનું છે, તો એને માટે વાણી કોણ બોલે ? જ્ઞાન કોણ આપે ? એમનામાં વાણી છે નહીં. આ ટેપરેકર્ડ બોલ્યા કરે છે. વાણી કેવી જોઈએ ? માલિકી વગરની વાણી હોય તો જ મોક્ષ થાય.

આ કહેવાય પ્રત્યક્ષ સરસ્વતી !

ઓરિજિનલ ટેપરેકર્ડ એટલે શું ? એટલે કે એ બોલે છે એ માલિકી વગરની વાણી છે. હું તો એને મારી સ્પીચ કહેતો નથી. અને બીજો કોઈ એનો માલિક નથી. એટલે આ માલિકી વગરની વાણી છે. આ પ્રત્યક્ષ સરસ્વતી છે. અમારું એક જ વાક્ય સાંભળે અને જો પચાવે તો બહુ થઈ ગયું. કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષનો એક જ શબ્દ હોય તો મોક્ષમાં લઈ જાય. જ્ઞાની પુરુષના શબ્દમાં એનું વજન તો જુઓ ! એ મુક્ત વાણી જુઓ ! મુક્ત પુરુષની વાણી મુક્ત હોય એ વાણી તો જુઓ ! એ વિધાઉટ એની પોઈઝન (સંપૂર્ણ વિષ વગરની) હોય. સરસ્વતી તો જુઓ ! સરસ્વતીનાં દર્શન થાય. ભગવાન મહાવીર બોલ્યા તેય પ્રત્યક્ષ સરસ્વતી, એમની વાણી પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. જે વાણીમાં ઈગોઈઝમ ના હોય, કોઈ જાતનું પોઈઝન નથી, ક્રોધ-માન-માયા-લોભ નથી કોઈ જાતનાં, એ પ્રત્યક્ષ સરસ્વતી. ઈમ્પ્યોર (મેલવાળું) જ અત્યાર સુધી કર્યું છે, સાંભળ્યું છે તેય બધું ઈમ્પ્યોર. પ્યોરિટીમાં (મેલ વગરમાં) તો અત્યારે એક કલાકથી આવ્યા તે. બાકી કોઈ દહાડોય પ્યોરિટી જોઈ ? આ માય સ્પીચ (મારી વાણી) એવું નથી, માટે સરસ્વતી, પ્રત્યક્ષ સરસ્વતી ! કાનમાં પેસે તોય કલ્યાણ થઈ જાય.

પ્રત્યક્ષ સરસ્વતી બે જગ્યાએ હોઈ શકે. સંપૂર્ણ વીતરાગ એટલે કેવળ જ્ઞાની કે તીર્થંકર સાહેબની વાણી હોય, એ પ્રત્યક્ષ સરસ્વતી ગણાય છે અને ભેદ વિજ્ઞાનીની વાણી, પ્રત્યક્ષ સરસ્વતી ગણાય. ફોટાનાં દર્શન તો કર્યાં હોય, પણ આ સરસ્વતીનાં દર્શન ના કરે ત્યાં સુધી કાન પવિત્ર પણ ના થાય.

લોક પહેલાં કહેતા હતા ને, સરસ્વતી દેવીનું પૂજન કરું છું ? તે આ પ્રત્યક્ષ સરસ્વતી ! દર્શન કર્યાં તમે પ્રત્યક્ષ સરસ્વતીનાં ? હું તો આવી વાણી સાંભળું કે તરત વાણીનાં દર્શન કરું. મારાં દર્શન ના કરે તો ચાલશે પણ વાણીનાં દર્શન તો કરવાં જોઈએ ને ? પ્રત્યક્ષ સરસ્વતી ! જો કાનમાં પેસી ગઈને, તો કલ્યાણ થઈ જાય.

હ્રદયે સ્પર્શી સરસ્વતી, અસરકારક !

આ દાદા બોલે છે, તે હ્રદયે સ્પર્શી સરસ્વતી છે ? આવું કો'ક જ ફેરા બને. વાણી હ્રદયે સ્પર્શી ના હોય, એ બધી મનને સ્પર્શીને નીકળેલી બધાની વાણી છે. મનને સ્પર્શીને નીકળેલી છે એટલે મનની શાંતિ થઈ જાય પણ દિલ ઠરે નહીં. દિલ ક્યારે ઠરે કે હ્રદયસ્પર્શી વાણી સાંભળવામાં આવે ત્યારે. હ્રદયસ્પર્શી વાણી બોલે, એટલે મારા હ્રદયને સ્પર્શીને નહીં પણ સામાના હ્રદયને સ્પર્શે છે. અને મારા તો આત્માને સ્પર્શીને નીકળે છે. નહીં તો હ્રદયમાં તો કોઈનું પેસે નહીં. અને હ્રદયસ્પર્શી વાણી હોય એ વાણી બધાને અસર જ કરે. એ વચનસિધ્ધિવાળી વાણી હોય.

આ તો વિજ્ઞાન છે. જ્યારે વાણી સરસ્વતી સ્વરૂપે થાય ત્યારે લોકોનાં હ્રદયને સ્પર્શે, ત્યારે જ તો લોકોનું કલ્યાણ થાય. હ્રદયસ્પર્શી વાણી વર્લ્ડમાં જડવી મુશ્કેલ હોય. અમારી વાણી હ્રદયસ્પર્શી હોય, એનો એક શબ્દ જ જો તમારે સોંસરવો ઊતરી જાય તો એ તમને ઠેઠ મોક્ષે લઇ જાય.

પ્રશ્નકર્તા : આવી (સ્યાદ્વાદ હ્રદયસ્પર્શી) વાણી કોઇને પ્રાપ્ત કરવી હોય તો શું કરવું ?

દાદાશ્રી : આપણે ભાવથી દરરોજ માંગણી કરવાની કે મારી વાણીથી કોઇને ય દુઃખ ન હો અને સુખ જ હો. એના 'કોઝ' સેવવા જોઇએ તો પ્રાપ્ત થાય.

અજાયબીઓ આ 'દાદા'વાણીની !

પ્રશ્નકર્તા : ઘણીવાર દાદા, આપના એક્ઝેક્ટ શબ્દો નીકળે છે. જે ગીતામાં લખ્યા હોય કે ભાગવત્માં લખ્યા હોય, એ બરોબર નીકળે છે.

દાદાશ્રી : હા, એક્ઝેક્ટ જ નીકળે.

પ્રશ્નકર્તા : તે વખતે એમ થાય કે તમે ક્યારે વાંચવા ગયા હતા ?! કોઈ મને કહે કે દાદાએ વાંચ્યું'તું તો હું માનું નહીં.

દાદાશ્રી : ના, ના, આવું નહીં. બરોબર છે. અને વાંચેલામાં આ વાણી હોયે ય નહીં. આ વાણી તો કરેક્ટ વાણી !

પ્રશ્નકર્તા : નહીં, એમ નહીં. તમારું જે બેકગ્રાઉન્ડ, તમારો જે એ જમાનો, એમાં આ વસ્તુ હતી જ નહીં, અવકાશ જ ન હોતો.

દાદાશ્રી : ના, કશું કર્યા વગર થયું. આ તો લાખો પુસ્તકો ઊભાં થાય આ વાણી પરથી.

પ્રશ્નકર્તા : બરોબર છે, જે સ્વયંભૂ હોય છે ! એવી રીતે મેં જોયું, આ આખી વિધિને ચાર કલાક ઓછામાં ઓછા થાય છે. ચાર કલાક સતત રીતે આપણે જોઈએ છીએ. શિયાળો હોય, ચોમાસું હોય, ઊનાળો હોય, ૭૬ વર્ષની ઉંમરે, બીજો કોઈ ડીસ્ટર્બન્સ નથી આવતો !

દાદાશ્રી : એ નોંધપાત્ર વસ્તુ છે, નોંધપાત્ર ! ત્યારે જ લોકોનું કલ્યાણ થાય ને ! નહીં તો કલ્યાણ થાય નહીં ને !

પ્રશ્નકર્તા : દાદાની આપ્તવાણી વાંચીએ છીએ ત્યારે પુષ્કળ શાંતિ ને બહુ સારું વર્તે છે પણ જ્યારે પછી મૂકી દઈએ છીએ ત્યારે પાછું બધું ફરી વળે છે.

દાદાશ્રી : એ તો જ્યાં સુધી આપ્તવાણી છે તે આપ્તવાણી સ્થૂળ શબ્દ છે. એ તો વાંચો તે વખતે શાંતિ થાય. એ પુસ્તક તો તમને એવું કહેવા માંગે છે કે આ કાયમની શાંતિ માટે નથી. આમાં વાંચ્યું છે એનો અર્થ કરીને ત્યાં મૂળ પુરુષ પાસે પહોંચી જાવ. તો ત્યાં તમે જે માંગશો એ આપશે. આ વર્લ્ડમાં તમે જે કંઈ પણ માંગો તે આપવા તૈયાર છું, કોઈ પણ માણસને ! જે માંગશો એ આપશું.

એટલે આ બધું સાયન્સ છે. વિજ્ઞાન છે આખું. હું વિજ્ઞાન આજ અઠ્ઠાવીસ વર્ષથી બોલું છું, તો ય એ વિજ્ઞાન પૂરું થયું નથી. એ બધું આ ટેપરેકર્ડમાં રેકર્ડ થયેલું છે. એના બધાં પુસ્તકો છપાશે. એટલે આ તો બહુ મોટું સાયન્સ છે. રોજ બે-ત્રણ ટેપો નીકળ્યા જ કરે. તે કેટલાંય વર્ષોથી બોલું છું. આખા જગતનાં કલ્યાણ માટે છે.

એમ રચાય શાસ્ત્રો !

જ્ઞાની પુરુષ એટલે આખા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય. એટલે આખા વર્લ્ડનાં કોઈ પણ પ્રશ્ન અહીં પૂછાય. એના ખુલાસા મળે. આખી દુનિયાના તમામ પ્રશ્નો અહીં પૂછી શકાય, કોઈ પણ જાતના, કોઈ પણ ધર્મના. મહાવીર ભગવાનને ગણધરો પૂછતા હતા અને તે જ આ શાસ્ત્રો છે અને એવું જ અહીં આગળેય પૂછવામાં આવે છે, તો જ શાસ્ત્ર ઊભાં થાય. આ બધાં શાસ્ત્રો, અહીં જે પુસ્તક ઊભાં થાય છે, તે પૂછવાથી જ થયેલાં છે. એટલે જ્યાં પ્રશ્નોનું સમાધાન ત્યાં સાચી વાત છે. જ્યાં જ્યાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ને જવાબ આપવામાં આવ્યા છે, તે વાત સાચી છે.

કેવળ જ્ઞાન સહિત વાણી છે આ. એટલે આ લોકોને બહુ લાભકારી થાય. કષાયો મંદ થઈ જાય. ફક્ત કેવળજ્ઞાનમાં ચાર અંશ ઓછા એટલી વાણી પણ તેનો વાંધો નહીં. ચાર અંશ ઓછા તે ચાલી શકે.

કલાકો સુધી નીકળે આ વાણી !

એક માણસ કહે છે કે 'કલાકથી વધારે માણસ બોલી શકે નહીં ને તમે કેટલા કલાક બોલ બોલ કરો છો !' મેં કહ્યું, 'આ ટેપરેકર્ડ છે એટલે વાગે છે, નહીં તો બોલનારો તો થાકી જાય.' 'હું બોલું છું' કહું તો થાકી જાય કે ના થાકી જાય ? અને આ તો ટેપરેકર્ડ વાગ્યા જ કરે એની મેળે !

પ્રશ્નકર્તા : આપ જે બોલો છો, તે મહેનત વગર બોલો છો.

દાદાશ્રી : તેથી હું ટેપરેકર્ડ કહું છું ને ! લોકો મને કહે છે કે તમે કેમ કરીને આટલું બધું બોલ બોલ કરો છો ? આ તો ટેપ બોલે છે, એટલે મને આમાં મહેનત નથી. હું બોલતો જ નથી. એટલે મારી ફ્રેશનેસ જતી નથી !

પ્રશ્નકર્તા : ઘણીવાર વિચાર કરીએ કે કલાક બહુ ત્યારે બે કલાક અમે બોલીએ, તો કોઈ વચ્ચે બ્રેક પાડે. પછી ઊભા થઈ જઈએ. બીજે આંટા મારી આવીએ. જ્યારે અહીંયા સતત રીતે આવું ચાલે છે.

દાદાશ્રી : અને તે ઘણાં વખત તો દસ-દસ કલાક સુધી વાણી નીકળ્યા જ કરે છે. એક જ જગ્યાએ સ્થિર બેસી રહે અને એ ય કુદરતી બળ પાછળ હશે ને ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! આ ગપ્પું ન્હોય. ઘણાં લોકોનું કલ્યાણ થવાનું હોય ત્યારે આવું ઉત્પન્ન થાય. નહીં તો આવું ઉત્પન્ન થાય નહીં ને !

એક જ ભાવના, લોકો આ પામે !

આ દેહમાં એટલી બધી શક્તિ છે કે તે અત્યારે રાતના ત્રણ વગાડો તો ય કશી બૂમ ના હોય. સત્સંગ હોવો જોઈએ, સત્સંગ કરનારા હોવા જોઈએ તો બૂમ કશું ના હોય અને મનમાં એમે ય થાય નહીં કે ચાલો, હવે સૂઈ જઈએ. ઊલટું વધારે ફ્રેશ થાય. જેમ જેમ સત્સંગ કરે ને, તેમ ફ્રેશ થાય. પૂર બહારમાં ખીલે. કારણ કે અંદર ભાવના છે કે કોઈ પણ વસ્તુ લોકો પામો. લોક પામે છે અને પછી અહોભાવ અનુભવે છે બિચારા. અત્યાર સુધી ગૂંચાયેલો હતો. તે ગૂંચવાડો છૂટી ગયો એટલે અહોભાવને પામે ને ! નહીં તો લાખ રૂપિયા આપીએ તો ય કોઈનાં દુઃખો જાય નહીં. એ તો ફરી વધારે ગૂંચવાડો ઊભો કરીને રહે. ગૂંચવાડો જાય તો દુઃખ જાય. એટલે ધન તો વીતરાગોનું જ. એની કિંમત બહુ ને ! એ વીતરાગ વાણીરૂપી ધન આપીએ, એનાથી કામ નીકળી જાય. તે અહીં ઘણાં ય લોકોએ લાભ લીધો.

આ અમારા શબ્દો તમારી મહીં પેઠા તો તે કામ કરશે. એટલે અમે તો નિરંતર બોલ બોલ કરીએ. કારણ કે અવ્યક્ત રહેશે તો છેવટે પેણે લાકડામાં બાળી મૂકશે. કારણ કે એ શબ્દો ય બળવા જેવી ચીજ છે.

પ્રશ્નકર્તા : બળવા જેવી ચીજ છે ?

દાદાશ્રી : હાસ્તો ને ! લાકડા જેવી જ, શબ્દોમાં ને લાકડામાં ફેર નહીં. એ હઉ સળગે, શબ્દો હઉ સળગે. કારણ કે ટેપરેકર્ડ છે.

આપ્તવાણી વાંચતા 'દાદા' દેખાય !

પ્રશ્નકર્તા : આપની 'આપ્તવાણી' વાંચતાં પરિણામ એટલું સરસ થાય છે કે વાંચ્યા જ કરીએ.

દાદાશ્રી : આ 'જ્ઞાની પુરુષ'ની વાણી છે ને પાછી તાજી છે. હમણાંનાં પર્યાય છે એટલે એ વાંચતાં જ આપણા બધા પર્યાયો બદલાતા જાય તેમ આનંદ ઉત્પન્ન થતો જાય. આમ કરતાં એમ ને એમ સમકિત થઈ જાય કોઈને ! કારણ કે આ વીતરાગી વાણી છે. રાગ-દ્વેષ રહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. ભગવાનની વાણી વીતરાગ હતી, તેની અસર આજ સુધી ચાલે છે. ૨૫૦૦ વર્ષ થયાં તો ય તેની અસર થાય છે, તો 'જ્ઞાની પુરુષ'ની વાણીની ય અસર થાય, બે-ચાર પેઢી સુધી તો થાય જ. વીતરાગ વાણી વગર બીજો કોઈ ઉપાય નથી, મોક્ષે જવા માટે.

પ્રશ્નકર્તા : આપ્તવાણીના બેઉ ભાગ મેં વાંચ્યા. એમાં ક્યાંય કોઈનું ખંડન કે ટીકા નથી, આખા પુસ્તકમાં !

દાદાશ્રી : એવું છેને, કે સમકિતી જીવ કોઈનો ય વિરોધ ના કરે. એમનામાં ખંડન-મંડન ના હોય. શેને માટે ખંડન-મંડન ? શેને માટે વિરોધ ? વિરોધ તો એક જાતનો અહંકાર છે, એ ગાંડો અહંકાર કહેવાય. ધર્મ તો તેનું નામ કહેવાય કે વિખવાદ ના હોય, અમૃતવાદ હોય એ ધર્મ. વિખ એટલે વિષ.

પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતા વાંચતા 'દાદા' દેખાય છે !

દાદાશ્રી : હા..... 'દાદા' દેખાય. 'એક્ઝેક્ટ' 'દાદા' દેખાય. જ્યાં ઇચ્છા કરે ત્યાં 'દાદા' દેખાય એવા છે અને આપણું ફળ મળે એવું છે. આ 'દાદા' ન્હોય, આ દેખાય છે તે તો ભાદરણના પટેલ છે. એ બોલે છે તે ય 'દાદા' નહીં, એ તો 'ટેપરેકર્ડ' બોલે છે. 'દાદા' એ 'દાદા' છે ! જે વીતરાગ છે, ચૌદ લોકનો નાથ છે !! જેને 'અમે' પણ ભજીએ છીએ. જે મહીં વીતરાગ બેઠા છે તે 'દાદા' છે. આ તો મહીં પ્રગટ થઈ ગયા છે ! કેટલાંય લોકોનું કલ્યાણ થઈ જશે. હાથ અડાડશે ને તેનું કલ્યાણ થઈ જશે ! આ 'અક્રમ વિજ્ઞાન' છે. અત્યારે ક્રમિક ચાલે એવું નથી.

જગત કલ્યાણને ટેકાઓ...

મને લોકો કહે છે, 'તમે કેવી રીતે જગત કલ્યાણનું નિયાણું પૂરું કરશો ? આ ઉંમર તો થઈ હવે ! સવારમાં ઉઠો છો ત્યાર પછી ચા પીતાં પીતાં દસ તો વાગી જાય છે.' અરે ભઈ, અમારે આ સ્થૂળને નથી કરવાનું - સૂક્ષ્મ થઈ રહ્યું છે બધું. ફક્ત આ સ્થૂળ દેખાવ કરવાનો છે. સ્થૂળના ટેકા દેવા પડશે !

જગતનાં કલ્યાણની પેરવીમાં નિરંતર !

આ ગાડું ચાલે છે ને તે આપણે ચાલવા દો ને ! આડાઅવળી ના કરવી. એની મેળે આ પત્તાંનો મહેલ તૂટી પડવાનો છે એક દહાડો ! કોઈ તોડવા ના જશો. નહીં તો હાથ અડાડશો ને તો ય તૂટી પડશે અને જોખમદારી તમારે માથે આવશે કે આમણે તોડ્યો. એટલે એની મેળે તૂટી પડવા દો ને ! તૂટી પડવાની તૈયારીઓ થઈ રહી છે !!

આ પબ્લિકનું, હિન્દુસ્તાનનું કેમ કરીને કલ્યાણ થાય, એની માટે પેરવીમાં છું. હું આત્મા થઈને, હું પુરુષ થઈને બોલું છું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છું. કેમ કરીને હિન્દુસ્તાન અને ફોરેન પર અસર થાય, એટલા માટે આ મારું બધું કાર્ય કરી રહ્યો છું. જેમનાથી ટેકો દેવાય તો દેજો, આ તંબુમાં. આપણે તંબુ ઊભો કર્યો છે. ટેકો દેવો જોઈએ ને ? અને આખું પૂઠિયું જ ફરી જવાનું છે. નવા ઉપદેશકો ઊભાં થશે. જૂના ઉપદેશકો રિટાયર થઈ જશે અને રિટાયર નહીં થયા હોય તો ય નવા ઉપદેશકોને દેખીને જ રિટાયર થવાના.

- જય સચ્ચિદાનંદ