વૈજ્ઞાનિક સમજણ બ્રહ્મચર્યની !

સંપાદકીય

વિષય વિકારના સુખને આખી દુનિયાના લોકોએ સર્વોચ્ચ સુખ ગણ્યા પણ તે ભ્રાંતિમાં, જે લોકસંજ્ઞાથી છે ! જ્યારે જ્ઞાનીઓ આરપાર દ્રષ્ટિથી જોઈને કહે છે કે તેમાં કશું જ સુખ નથી પણ ઉપરથી પાર વગરના જોખમ અને જવાબદારીના ભોગ બની જાય છે. જ્યાં સુધી આત્મદ્રષ્ટિ ન થઈ હોય ત્યાં સુધી વિષય વિકારની બાબતમાં ચેતવવું એ પણ પરિણામ ઉપજે એવું નથી. જેમ દારૂ પીધેલા માણસને 'દારૂ ખોટો છે, ન પીવો જોઈએ' એવી ડાહ્યા માણસો ગમે તેટલી શીખામણ આપે તો વ્યર્થ છે. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી નવો મોહરૂપી દારૂ પીવાનો અટકે છે, જૂનો ધીમે ધીમે ઉતરવા માંડે છે ત્યારે પોતાને ભાન થાય કે આ વિષય સુખ કરતાં આત્મસુખ કંઈ ઊંચા પ્રકારનું નિરાકુળ આનંદ આપનારું છે. પછી જેમ જેમ જ્ઞાની પુરુષની વાણી સાંભળે-સમજે, તેમ તેમ વિષય વિકારના જોખમોની વિગત સમજાતી જાય. વિષય વિકારના મોહ ઉતરતો જાય. પાછાં ફરવાની તૈયારી થાય.

પરમ પૂજ્ય દાદા ભગવાને ક્યારેય કહ્યું નથી કે વિષય બંધ કરી દો, પણ વિષય સુખના પરિણામો, જોખમોની માત્ર સમજણ પાડી છે. કેટલાંય અવતારથી વિષય સુખના વિરોધી તરીકેના અનુભવોમાંથી આગળ વધતા વધતા તેઓ પોતે આ દશાએ પહોંચ્યા કે જેમનામાં વિષયના પરમાણુ માત્ર રહ્યાં નથી, ક્રોધ-માન-માયા-લોભના પરમાણુ રહ્યા નથી. ત્યારે એમની અનુભવવાણીથી જેમ છે તેમ વિષય વિકારના સ્વરૂપને નિરાવરણ દ્રષ્ટિથી ખુલ્લું કરે છે કે એક જ વિષય ભોગમાં અનંત જીવોની હિંસા સમાયેલી છે. અજાણતા હોય છતાં ગુનો તો ચોંટે જ ને ! આંખો જ્યારે પરજાતિ પર માંડેલી રાખો તો આવતા ભવની ફિલમ બગડી જાય. કેટલાંય બીજ પડે, અધોગતિ વહોરે ! વિષય વિકાર તો અગ્નિ કરતાં ય ભૂંડો. અગ્નિ તો પ્રત્યક્ષ દઝાડે ને બે-ચાર મહિને મટીય જાય, જ્યારે આ તો લાલચમાં ઘાલીને પછી રીએક્શનમાં ભયંકર પરવશતા દુઃખો ભોગવવાના ને પાછો આવતો ભવ બંધાવી દે ! કારણ કે આમાં બન્ને પક્ષે દાવા મંડાય છે. પછી વેર બંધાય છે. આ પેલી પાસે સુખ ખોળે, પેલી આની પાસે સુખ ખોળે તો કોની પાસે સુખ હશે ? એટલે આ તો કલ્પિત સુખમાં માર ખાયા જ કરે છે. ફક્ત ચામડીની ચાદરથી વીંટાયેલું માંસ-હાડકાં-પરૂ-લોહી-સંડાસ જ છે ને ! પણ મોહદ્રષ્ટિ કેવી ભૂલાવામાં નાખી દે છે !

આ તો જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો વિષયના મોહરૂપી દારૂનો મેણો ઉતરે, તો કંઈક સાચું ભાન આવે. પછી નિરંતરના પ્રતિક્રમણનો પુરુષાર્થ અને આ ભયંકર અટકણ સામે પરાક્રમ કરીને આ વિષય ગ્રંથિને નિર્મૂળ કરી નાખે તો નવમું ગુંઠાણું ઓળંગે અને આત્માના સ્પષ્ટ વેદનને પામે !

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની અનુભવ જ્ઞાનવાણી અંકિત થઈ છે જે વિષયમાં સુખ છે તેવા અનાદિના ભ્રાંત અભિપ્રાયને ફ્રેકચર કરી આત્મામાં જ સુખ છે એવા અભિપ્રાયને દ્રઢ કરવા અર્થે વાચકને ઉપકારી બને એ જ અભ્યર્થના!

દીપકના જય સચ્ચિદાનંદ

વૈજ્ઞાનિક સમજણ બ્રહ્મચર્યની !

વિષયોથી વીતરાગો ય ડરેલાં !

આત્મા ને સંજોગો, બે જ છે. ત્રીજું કોઈ ભૂત આમાં વચ્ચે નથી. આત્મા શાશ્વત છે. સંયોગો વિયોગી સ્વભાવના છે. હવે તમારે જેમ કરવું હોય તેમ કરો અને વિષયી એ 'ચંદુભાઈ' છે, એમાં 'તમારે' શું લેવા-દેવા ? 'તમે' એની જોડે યારી ના કરશો કે લે, આ 'કૉલ' આપ્યો, એવું કરવાનો ભાવ ના થાય એ જાગૃતિ રાખવાની. વિષયોથી ભગવાન પણ ડર્યા છે. વીતરાગો કોઈ વસ્તુથી ડર્યા નહોતા, પણ એક વિષયથી એ ડરેલા. ડર્યા એટલે શું કે જેમ સાપ આવે છે, તે દરેક માણસ પગ ઊંચો લઈ લે કે ના લઈ લે ?

પ્રશ્નકર્તા : લઈ લે.

દાદાશ્રી : એમાં પોતાનું હિત નથી એવું જાણે છે, તેથી લઈ લે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવું વીતરાગો એટલું સમજ્યા કે આમાં હિત નથી, આ તાત્કાલિક ઇફેક્ટિવ છે. માટે અહીં આગળ આ દારૂખાનાથી બહુ છેટા રહેવા જેવું છે. આટલો તો ડર રાખવો જોઈએ ને ? આપણા લોકો વિષયોથી ના ડરે અને સાપથી ડરે. અલ્યા, સાપથી કેમ ડરે છે ? સાપ આગળ હિતાહિત જુએ છે, તો અહીં વિષયમાં કેમ હિતાહિત નથી જોતા ? આમ વિષયોમાં બેફામ ના થઈ જવું જોઈએ. પોલીસવાળો પકડીને કરાવે, એના જેવું હોવું જોઈએ. આ અહીં વિષયોનું સાયન્સ સમજી લેવાનું છે. આ પ્રત્યક્ષ ઝેર છે એવું જ્ઞાન હાજર રહેવું જોઈએ.

આત્મા સદા બ્રહ્મચારી !

હવે બીજી શી કચાશ લાગે છે, એ કહો.

પ્રશ્નકર્તા : આ ષડરીપુ (કામ, ક્રોધ, મદ, મોહ, માયા, મત્સર)ઓમાં કામ જીતવો મુશ્કેલ છે.

દાદાશ્રી : હા. કામ જીતવાનો નથી. કામને હરાવવાનો ય નથી ને જીતવાનો ય નથી.

પ્રશ્નકર્તા : ત્યારે એને શું કરવાનું હોય છે ?

દાદાશ્રી : તમે તો બ્રહ્મચારી જ છો. આ તો ચંદુભાઈમાં જે ડિસ્ચાર્જ ભાવ છે, જે માલ ભરેલો છે, એનો નિકાલ કરી નાખવાનો. આપણે એક ટાંકીમાં માલ ભર્યો હોય અને પછી આપણે નિકાલ તો કરી નાખવો પડે કે ના કરી નાખવો પડે !?

પ્રશ્નકર્તા : કરી નાખવો પડે.

દાદાશ્રી : જેવો ભર્યો હોય, ડામર જેવો ભર્યો હોય તો ડામર જેવો. ચોખ્ખું પાણી હોય તો ચોખ્ખું પાણી, દૂધ ભર્યું હોય તો દૂધ. જેવું ભર્યું હોય એ નિકાલ તો કરી નાખવો પડે ને !

પ્રશ્નકર્તા : તો આ સૈધ્ધાંતિક રીતે જોઈએ તો, આ બ્રહ્મચર્ય પણ એ નિકાલી બાબતમાં જશે ?

દાદાશ્રી : આત્મા નિરંતર બ્રહ્મચારી જ છે, આત્માને અબ્રહ્મચર્ય થયું જ નથી. બ્રહ્મચર્ય તો પુદગલની જ ભાંજગડ છે. તે ચંદુભાઈને તમે બ્રહ્મચારી બનાવશો, તે દા'ડે તમારે નિવેડો આવશે. નહીં તો છૂટવા ના દે અને બ્રહ્મચારી તો કેવું ? સ્ત્રી હોવાં છતાં બ્રહ્મચારી રહેવું હોય તો એને બહુ ચિંતા નથી. એ બ્રહ્મચર્ય ભાવ છે ને, એ તો છેલ્લાં અવતારમાં બધાય ભાવ છૂટી જાય, કંઈ એ પહેલેથી સો-બસો અવતારથી કસરત કરવાની હોતી નથી. છેલ્લા અવતારમાં છૂટી જાય બધું. પણ જેને છૂટવું હોય તેને એ વિશ્વાસ રાખવા જેવો છે નહીં. એની મેળે ઓટોમેટીક ખસતું હોય તો સારી વાત છે. કારણ કે એ કંઈ નથી પુદગલની જરૂરિયાત વસ્તુ કે નથી આત્માની જરૂરિયાત વસ્તુ. કલ્પિત ઊભી થયેલી છે વસ્તુ આ !

તે આપણે ચંદુભાઈને કહે કહે કર્યા કરવાનું. આપણે કોઈ દહાડો ય તે રૂપ માથે ના લેવું. આપણે ચંદુભાઈને કહે કહે કરવું કે, 'આ પોઈઝન છે ! તમને જેમ અનુકૂળ આવે તેમ કરો.' આપણે ઉપદેશદાતા થવાનું છે. આપણે પોતે તો 'બ્રહ્મચારી' જ છીએ, પણ હવે આ જે છૂટો પાડેલો ભાગ છે, તે એવો છે કે તેને આપણે કહેવું પડે કે આ પોઈઝન છે. આપણા જ્ઞાનમાં જે ભાવ છે, તે આ પ્રજ્ઞા તરત પકડી લે છે. આ પ્રજ્ઞા તરત પકડીને અમલમાં લે છે. બીજું બધું ચાલે એવું છે. કારણ કે વિષયને ભગવાને 'રૌદ્રધ્યાન' કહ્યું છે. પરણેલા હોય, મિયાં-બીબી રાજી હોય, તેને ભગવાને રોગ નથી કહ્યો. કારણ કે તેમાં ગુનો ક્યાં આવ્યો ? કોને દુઃખ દીધું ? બેઉ રાજી હોય ત્યાં આગળ સરકારે ય હાથ ઘાલતી નથી અને આ નેચરે ય હાથ ઘાલતી નથી. નેચરને કશી લેવા-દેવા નથી. ફક્ત એમાં એક જ ફેરામાં અનંતા જીવ મરી જાય છે, તેની જવાબદારી પાછી આવે એટલે એને 'રૌદ્રધ્યાન' કહ્યું. વિષયના સ્પંદન ઊભાં થયા, એ સ્પંદનમાંથી પાછાં પરમાણુ ભોગવવાં પડે. બાકી, આમાં કોઈ કોઈને સામસામે દુઃખ દેતો જ નથી. બે ય આનંદને પામે છે. કોઈને દુઃખ દે તો જ તેને નેચરલ ગુનો કહેવામાં આવે છે.

કોઈએ આવું ફોડવાર કહ્યું નથી, પણ જો ફોડવાર કહે તો લોકો પાછાં એનો દુરુપયોગ કરે એવાં છે. એટલે વિષયની ફક્ત નિંદા જ કરી છે. નિંદા એટલે કે વિષયને આ રીતે જવાબદારી રીતે મૂકેલો છે. વિષયનું સ્પંદન જે કર્યું હોય, તેનું ફળ તો આવ્યા વગર રહેવાનું જ નહીં ને ! તમે દરિયામાં એક ફેરો ઢેખાળો નાખ્યો એટલે કુંડાળાં ઊભાં થયાં જ કરે !

એટલે વિષય બહુ રોગિષ્ટ વસ્તુ છે.

દ્રષ્ટિની ચોંટ, ભયંકર જોખમી !

સવારના પહોરમાં પાંચ વખત બોલવું કે, 'આ જગતમાં કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી.' મને એટલે 'હું શુધ્ધાત્મા છું' એ રીતે અને જે ખપે છે તે 'ચંદુભાઈ'ને ખપે છે અને ચંદુભાઈ 'વ્યવસ્થિત'ના આધીન છે. જે 'વ્યવસ્થિત'માં હો તે ભલે હો અને 'વ્યવસ્થિત'માં ના હો તે પણ ભલે હો. આટલું હોય ને, તો આપણને મહીં કોઈ રસ ઊભો થયો છે કે નહીં, તે માલુમ પડે. ખાસ કરીને બીજા રસ ઊભાં થાય એવાં નથી, પણ આ કાળનું વાતાવરણ એટલું બધું દૂષિત થયેલું છે કે સ્ત્રીએ પુરુષોને જોતાં અને પુરુષે સ્ત્રીઓને જોતાં આંખ માંડેલી ના રાખવી જોઈએ. નહીં તો બીજો ખાસ કોઈ દોષ ઊભો થાય એવો નથી. કારણ કે તમારે વૈરાગ એવો ના હોય. તમારી જાગૃતિ ખરી, પણ સંપૂર્ણ પ્રમાણમાં જે બધી જાગૃતિ જોઈએ તે રહેતી નથી. કારણ કે હજુ પૃથક્કરણ થયું નથી.

જાગૃતિ તો તેને કહેવાય કે એક સ્ત્રી જોઈએ કે પુરુષ જોઈએ, ગમે તે જોઈએ તો રાગ થતાં પહેલાં એ આખો જ બધો એનો હિસાબ દેખાઈ જાય. આ ચામડીને લીધે બધું રૂપાળું દેખાય છે અને આ ચામડી કાઢી નાખે તો કેવું દેખાય ? આ ગાંસડી બાંધેલી છે, તેને આ ઉપરથી કપડું છોડી નાખે તો કેવું દેખાય ? એ જાગૃતને તો તેવું જ દેખાય બધું. સંપૂર્ણ જાગૃતિ ક્યારે કહેવાય ? આ બધું એને એવું જ દેખાય. પણ આ કાળનું વક્રપણું એવું છે કે એ જાગૃતિને ટકવા ના દે, માટે ચેતતા રહેવું જોઈએ. નહીં તો સવારના પહોરમાં બોલવું અને એને 'સિન્સીયર' રહેવું.

ચોથા આરામાં જો મેં આ જ્ઞાન આપ્યું હોત તો મારે આવાં ચેતવવા ના પડત. આ પાંચમો આરો બહુ કઠણ આરો છે, બહુ વક્ર આરો છે, બહુ વક્રતાવાળો છે. વક્રતા એટલે કપટ. કપટનું સંગ્રહસ્થાન જ કહોને ! એટલે આપણે શું કહીએ છીએ કે સ્ત્રીનું ભેગું થવું એ જોખમ નથી. પણ આંખનું ખેંચાણ એ જોખમ છે. માટે ત્યાં પ્રતિક્રમણ કરીને કેસ ઊંચો મૂકી દો. શાસ્ત્રકારો પણ કહે છે આંખો ઢાળીને ચાલો.

પ્રશ્નકર્તા : વિષયની જે ચોંટ હોય છે, આકર્ષણની જે ચોંટ હોય છે, એ પકડે છે કે એ મિકેનિકલ ક્રિયા પકડે છે ?

દાદાશ્રી : એ ચોંટ પકડે છે, ક્રિયા પકડતી નથી. એટલે જ આપણે કહીએ છીએ ને કે પૈણેલી છે, ત્યાં નિકાલ કર. તેનો વાંધો નથી, પણ ચોંટ છે તો તે પકડે છે. તેથી અમે કહ્યું છે કે વિષય વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે. હંમેશાં 'ખોટું થયું છે' એવું મનમાં તો રહેવું જ જોઈએ. બાકી નિકાલ કરોને ! નિકાલ કરવાનો વાંધો નથી, પણ ચોંટ તો રહેવી જ ના જોઈએ. ચોંટના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરો.

નિયમ કેવો છે, કે મહીં જે પરમાણુ હોય, તે જ બહાર ભેગાં થાય. મહીં આપણામાં નાચ ચાલુ થઈ જાય, ત્યાર પછી નાચવાળી દેખાય. એટલે પહેલાં આપણામાં જ શરૂ થઈ જાય, ત્યાર પછી બધે દેખાય. એમ ને એમ તો થાય જ નહીં ને ? પહેલો આપણામાં માલ ભરેલો છે તો જ ભેગું થાય, નહીં તો ભેગું થાય જ નહીં ને ?

અસંતોષની ભૂખવાળી વિષયની ચોંટ !

કેટલાંક માણસો એવા હોય છે કે સરસ મજાની મીઠાઈ કે ફરસાણ જુએ તો પણ એને ભાવ કે અભાવ ના થાય. એવા પંદર ટકા માણસો ખરા. પણ આ સ્ત્રી-પુરુષ છે, તે તો જોવાથી જ ભાવ કે અભાવ ઉત્પન્ન થાય છે. એમાં બે ટકા માણસો બાદ કરો, પણ બાકી બધાના મન બગડ્યા વગર રહે જ નહીં. આ તો કાકાનો છોકરો હોય તો પણ છોકરીનું મન બગડે અને કાકાની છોકરી હોય તો પણ છોકરાનું મન બગડે. મીઠાઈમાં શાથી નથી બગડતું ? કારણ કે ત્યાં એને સંતોષ છે. પણ વિષયમાં તો અસંતોષ છે ને ? પણ આમાં અસંતોષ જેવું છે જ શું તે ? આ પણ કેરીયું જ છે ને ? જેને ખાધામાં અસંતોષ છે એનું ચિત્ત ખોરાકમાં જાય અને જ્યાં હોટલ દેખે ત્યાં ચોંટી જાય, પણ ખાવાનો એકલો જ કંઈ વિષય છે ? આ તો પાંચ ઇન્દ્રિય અને તેમાં કેટલાંય વિષય કહેવાય. ખાવાનો અસંતોષ હોય તેનું ચિત્ત ખાવામાં ચોંટે. તેમ જેને જોવાનો અસંતોષ હોય તે જ્યાં ને ત્યાં આંખો ફેરવ ફેરવ કરતો હોય. પુરુષને સ્ત્રીનો અસંતોષ હોય ને સ્ત્રીને પુરુષનો અસંતોષ હોય એટલે પછી ત્યાં ચિત્ત ચોંટે. આને ભગવાને મોહ કહ્યો. દેખતાંની સાથે જ ચોંટે. સ્ત્રી દેખી કે ચિત્ત ચોંટી જાય. આ લોક પાંસરા રહેતા હશે ? આ તો ક્યાંય સુખ પડતું નથી તેથી વલખાં જ મારે છે. કો'ક પુણ્યશાળી હોય તે વલખાં ના મારતો હોય, ત્યારે એ લોભમાં પડ્યો હોય.

કો'ક માણસ બહુ ભૂખ્યો થયો હોય તો કપડાંની દુકાન સામું જુએ ? ના, એ તો મીઠાઈની દુકાન જુએ, નહીં તો હોટલ જુએ. જ્યારે દેહની ભૂખ ના હોય ત્યારે મનની ભૂખ ઊભી થાય. આ બન્ને ભૂખ ના હોય ત્યારે વાણીની ભૂખ ઊભી થાય. એવું લોક બોલે છે ને, કે પેલાને તો હું કહ્યા વગર રહું જ નહીં ? એ જ વાણીની ભૂખ. ઘેર આપણે કશું ખાતા હોઈએ ને ભિખારી આવે તો આપણા ઘૈડિયા નથી કહેતાં, અલ્યા, સાચવજો, નજર ના લાગી જાય ?! આ નજર લાગે એટલે શું કે જેની ભૂખ લાગે તેમાં ચિત્ત ચોંટે તે. સ્ત્રીને પુરુષની ભૂખ હોય તો સ્ત્રીનું ચિત્ત પુરુષમાં ચોંટી જાય. સ્ત્રીની ભૂખ હોય તો સ્ત્રીને દેખે તો પુરુષનું ચિત્ત સ્ત્રીમાં ચોંટી જાય. આમ નજરું લાગવાથી બગડ્યું છે બધું. 'જ્ઞાની પુરુષ' એકલાને જ કોઈની નજર ના ચઢે. કોઈ આમ આંખ માંડે તો પણ 'જ્ઞાની પુરુષ' એના શુધ્ધાત્મા જ જુએ, એટલે કશું અડે નહીં. આ નાનાં છોકરાં રૂપાળાં હોય છે, તે ઘરનાં લોકો એને કપાળે કાળી ટીલ્લી ચોડે. કારણ કે નજર ના લાગે ! કોઈ ભૂખ્યો એને જુએ તો પણ ચિત્ત ના ચોંટે, તેથી કાળી ટીલ્લી કરે.

દર્શન મોહથી ખડો સંસાર !

અનંત અવતારથી દર્શનમોહને લીધે ઊભી થયેલી આ સંસાર જંજાળ છે, તે સમ્યક્દર્શન થાય ત્યારે દર્શનમોહ તૂટે. જગત શાથી ઊભું રહ્યું છે ? દર્શનમોહથી. આટઆટલું કરવા છતાં મુક્તિને કેમ નથી પામતાં ? દર્શનમોહ નડે છે. કોઈ માણસ રાતે જમ્યો હોય, પણ સવારે પાછી કકડીને ભૂખ લાગી હોય, તો એ સોનાની દુકાન કે સાડીની દુકાન ના જુએ. પણ એને તો કંદોઈની દુકાન જ દેખાય. શાથી ? એનું ચિત્ત ખાવા માટે જ ભટક્યા કરતું હોય ? દેહમાં ભૂખની 'ઇફેક્ટ' થઈ એટલે ખાવાનો મોહ થયા કરે, એનું નામ દર્શનમોહ. દેહને વિષયની ભૂખ લાગે તો સ્ત્રીનો મોહ જાગે. એટલે આ દર્શનમોહથી તો આવતા અવતારનાં બીજ નાખે છે ને ? તેથી આવતા અવતારનો સંસાર ઊભો કરે છે. વીતરાગને એકુંય નજર ના લાગે. માટે સંસારથી છૂટવું હોય તો વીતરાગ થા. પણ વીતરાગ કેવી રીતે થાય ? દર્શનમોહ તૂટે એવી કોઈ રીત કર ! દર્શનમોહથી સંસાર ઊભો રહ્યો છે.

આપણે કંઈક સારા ભીંડા જોયા તો આપણી આંખ ત્યાં ચોંટી જાય. કંઈક સારું જોયું ત્યાં નજર ચોંટી જાય. નજર ચોંટી એટલે સંસાર ઊભો થઈ ગયો. આ જગત ઊઘાડી આંખે જોવા જેવું છે જ નહીં. તેમાં ય કળિયુગમાં તો ભયંકર અસરો કરે. આ આંખમાંથી બહુ સંસાર ઊભો થઈ જાય છે.

જેને મોક્ષે જવું હોય તેણે સ્ત્રી જાતિ ઉપર કે સ્ત્રીએ પુરુષ જાતિ ઉપર દ્રષ્ટિ જ માંડવાની બંધ કરવી, નહીં તો આનો ઉકેલ જ નહીં આવે. આ ચામડી કાઢી નાખે તો શું દેખાય ? પણ આ માણસો તો આમે ય એવા ગંધાય છે કે એમ થાય કે આ તો કઈ જાતના માણસ છે ! પહેલાંના કાળમાં એવી સ્ત્રીઓ હતી પદ્મિની-સ્ત્રીઓ, તે સુગંધ આવે, બાજુમાં બેઠી હોય તો પણ અહીં સુગંધ આવ્યા કરે. અત્યારે તો આ પુરુષોમાં બરકત જ નથી ને સ્ત્રીઓમાં પણ બરકત નથી. બધો ફેંકી દેવાનો માલ, કાઢી નાખવાનો માલ કહેવાય, રબીશ મટીરિયલ્સ. એમાં પાછો મોહ ચોંટાડે. અલ્યા, એમાં કશું મોહ રાખવા જેવું તને લાગ્યું ? કેમ ધોળી ચામડી હોય તેથી ? સીલબંધ પેટ્રોલના ડબ્બા હોય, હવા પણ ના નીકળે એવા હોય, છતાં આ રૂમમાં કોઈ બીડી પીવે તો ય ડબ્બા સળગી જાય. માટે સ્ત્રી-પુરુષોએ 'બીવેર ઓફ પેટ્રોલ' એવું બોર્ડ મારવું.

મોટામાં મોટી અટકણ વિષય સંબંધી !

કૃપાળુદેવને લલ્લુજી મહારાજે સુરતથી કાગળ લખેલો કે અમારે તમારાં દર્શન કરવા મુંબઈ આવવું છે. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે મુંબઈ એ મોહમયી નગરી છે, સાધુ-આચાર્યોને માટે એ કામની નથી. અહીં તો જ્યાંથી ત્યાંથી મોહ ગરી જશે. તમારા મોઢેથી નહીં પેસી જાય તો કાનથી પેસી જશે, આંખથી પેસી જશે. છેવટે આ હવા જવાનાં છિદ્રો છે, તેમાંથી ય મોહ પેસી જશે !!! માટે અહીં આવવામાં ફાયદો નથી. આનું નામ કૃપાળુદેવે શું પાડ્યું, મોહમયી નગરી. એમાં મેં તમને આ 'જ્ઞાન' આપ્યું છે. હવે શું એ મોહમયી કંઈ ઊડી ગઈ ? કંઈ બી-ઓ-એમ-બી-એ-વાય બૉમ્બે થઈ ગયું ? ના, મોહમયી જ છે. એટલે અમે તમને કહીએ કે બીજા પાંચ ઇન્દ્રિયોના વિષયના નહીં, પણ સ્ત્રીઓને ને પુરુષોને એક જ કહીએ કે જ્યાં આગળ સ્ત્રી વિષય કે પુરુષ વિષય સંબંધી વિચાર આવ્યો કે તરત જ ત્યાં ને ત્યાં તમારે પ્રતિક્રમણ કરી નાખવાં. 'ઑન ધ સ્પોટ' તો કરી જ નાખવું. પણ પછી પાછાં એનાં સો-બસો પ્રતિક્રમણો કરી નાખવાં.

વખતે હોટલમાં નાસ્તો કરવા ગયા હો ને તેનું પ્રતિક્રમણ નહીં કર્યું હોય તો ચાલશે. હું તેનું પ્રતિક્રમણ કરાવી લઈશ. પણ આ વિષય સંબંધી રોગ ના ઘૂસી જાય. આ તો ભારે રોગ છે. આ રોગ કાઢવાનું ઔષધ શું ? ત્યારે કહે કે દરેક માણસને જ્યાં અટકણ હોય, ત્યાં આગળ આ રોગ હોય. અમુક પુરુષને, અમુક સ્ત્રી જતી હોય તો એને એ જુએ ને તરત એને મહીં વાતાવરણ ફેરફાર થઈ જાય. હવે આ બધા આમ છે તો તડબૂચાં જ, પણ એણે તો વિગતવાર એનું રૂપ ખોળી કાઢેલું હોય છે. આ ચીભડાના ઢગલાં ઉપર એને કંઈ રાગ થાય છે ? પણ મનુષ્યો છે એટલે એને રૂપ ઉપર પહેલેથી આદત છે, 'આ આંખ કેવી સરસ છે, આવડી આવડી આંખ છે' એમ કહે છે. 'અલ્યા, આવડી આવડી સરસ આંખ તો પેલા ભેંસના ભાઈને ય હોય છે, કેમ ત્યાં રાગ નથી થતો તને ? ત્યારે કહે કે 'એ તો પાડો છે ને આ તો મનુષ્ય છે.' અલ્યા, આ તો ફસામણની જગાઓ છે !

સ્ત્રી-પુરુષના દ્રષ્ટિરોગની દવા શી ?

આ જગતમાં સ્ત્રીને પુરુષનું અને પુરુષને સ્ત્રીનું એટ્રેક્શન અમુક ઉંમર સુધી રહ્યા જ કરે. તે જોવાથી જ કૉઝીઝ ઉત્પન્ન થાય. લોક કહે જોવાથી શું થાય ? અલ્યા, જોવાથી તો નર્યા કૉઝીઝ ઉત્પન્ન થાય જ, પણ જો 'દ્રષ્ટિ' આપી હોય તો જોવાથી કૉઝીઝ ઉત્પન્ન ના થાય. જગત આખું વ્યુપોઈન્ટથી જુએ છે. જ્યારે જ્ઞાની જ 'ફૂલ' દ્રષ્ટિથી જુએ છે.

આ લોક તો શું કહે છે કે મને સ્ત્રી માટેના ખરાબ વિચાર આવે છે. અલ્યા ! તું જોઉં છું ત્યારે જ ફિલમ પડી જાય છે. એનું પછી રૂપકમાં આવે છે, ત્યારે હવે એની બૂમો પાડે છે કે આમ કેમ થાય છે ? ફિલમ એ કૉઝીઝ છે અને રૂપક એ ઈફેક્ટ છે. અમને કૉઝીઝ જ ના પડે. જેને કૉઝીઝ જ ના પડે એને દેહધારી પરમાત્મા જ કહેવાય. સ્ત્રી એ તો એક જાતની આત્મા ઉપર ઈફેક્ટ છે. સ્ત્રી એ ઈફેક્ટ છે, પુરુષ એ ઈફેક્ટ છે. આની ઈફેક્ટ આપણી ઉપર ના પડે ત્યારે ખરું. હવે સ્ત્રીને આત્મા રૂપે જુઓ, પુદગલને શું જોવાનું ? આ કેરીઓ રૂપાળી પણ હોય અને સડી પણ જાય, તેમાં શું જોવાનું ? જે સડે નહીં, કહોવાય નહીં તે આત્મા છે, તેને જોવાનો છે. અમને તો સ્ત્રી ભાવ, પુરુષ ભાવ જ નહીં. અમે એ બજારમાં જ પેસવાના નહીં.

'આ સ્ત્રી છે' એમ જુએ છે એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને 'આ પુરુષ છે' એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નિરોગી થાય તો મોક્ષ થાય. અત્યારે અમારી નિરોગી અવસ્થા છે. તે મને એવો વિચાર જ ના આવે. ફક્ત ખોખાં જુદાં છે એવું રહે, એ સ્વાભાવિક છે, પણ એવું લક્ષ રહે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એવી બધી ભાંજગડ નહીં. એ તો મહીં એ રોગ હોય ત્યાં સુધી જ એવું દેખાડે છે. જ્યાં સુધી એ રોગ છે ત્યાં સુધી આપણે પરેજીમાં શું કરવું જોઈએ કે ઉપયોગ જાગૃત રાખવો. આવું દેખાય કે તરત જ શુધ્ધાત્મા જુઓ. આ ભૂલ ખવડાવી એને દેખત ભૂલી કહેવાય છે. પુરુષને પુરુષનો રોગ ના હોય તો આ સ્ત્રી છે એવું ના દેખાય અને સ્ત્રીને સ્ત્રીનો રોગ ના હોય તો આ પુરુષ છે એવું ના દેખાય. બધામાં આત્મા દેખાય.

પ્રશ્નકર્તા : એટલી બધી જાગૃતિ ના રહે ને ?

દાદાશ્રી : જાગૃતિ ના રહે તો માર જ ખાવાનો. આ બ્રહ્મચર્ય તો જેને બહુ જાગૃતિ રહે તેને કામનું.

ક્રમિક માર્ગમાં તો સ્ત્રીને પાસે રાખે જ નહીં. કારણ કે એ મહાન જોખમ છે. સ્ત્રી એ પુરુષને માટે જોખમ છે. પુરુષ એ સ્ત્રીને માટે જોખમ છે. પણ હું કહું છું કે આમાં સ્ત્રીનો દોષ નથી, સ્ત્રી તો આત્મા છે, દોષ તારા સ્વભાવનો છે.

દેખત ભૂલી જો ટળે, તો...

અક્રમ વિજ્ઞાન શું કહે છે કે ફર્સ્ટ કલાસ હાફુસ કેરી જોવાનો વાંધો નથી. તને સુગંધ આવી તેનો ય વાંધો નથી, પણ ભોગવવાની વાત ના કરીશ. જ્ઞાનીઓ પણ કેરીઓને જુએ છે, સોડે છે ! એટલે આ વિષયો જે ભોગવાય છે, એ તો 'વ્યવસ્થિત'ના હિસાબે ભોગવાય છે. એ તો 'વ્યવસ્થિત' છે જ ! પણ વગર કામનું બહાર આકર્ષણ થાયને, તેનો શો અર્થ ? જે કેરીઓ ઘેર આવવાની ના હોય, તેની પર આકર્ષણ રહે, એ જોખમ છે બધું. તેનાથી કર્મ બંધાય !

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, 'દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.' શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછાં સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને દેખત ભૂલી કહેવાય. મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે કે હવે તમને દેખત ભૂલી ય રહી નહીં, તમને શુધ્ધાત્મા દેખાય, બહારનું પેકિંગ ગમે તેવું હોય તો ય પેકિંગ જોડે આપણને શી લેવા-દેવા ? પેકિંગ તો સડી જવાનું છે, બળી જવાનું છે, પેકિંગમાં શું કાઢવાનું છે ? એટલા માટે જ્ઞાન આપેલું છે કે આપણે શુધ્ધાત્મા જુઓ, એટલે દેખત ભૂલી ટળે ! દેખત ભૂલી ટળે એટલે શું કે આ મિથ્યા દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ફરે અને સમ્યક્ દ્રષ્ટિ થાય તો બધા દુઃખોનો ક્ષય થાય ! પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં.

આપણે તો સામી વ્યક્તિમાં શુધ્ધાત્મા જ જોઈએ, પછી આપણને બીજો ભાવ કેમ ઉત્પન્ન થાય ?! નહીં તો માણસને કૂતરાં પરે ય રાગ થાય, બહુ સારું રૂપાળું હોય તો એની પર રાગ થાય. પણ આપણે શુધ્ધાત્મા જોઈએ તો રાગ થાય ? એટલે આપણે શુધ્ધાત્મા જ જોવાં. આ દેખત ભૂલી ટળે એવી છે નહીં. અને જો ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. જો દિવ્યચક્ષુ હોય તો દેખત ભૂલી ટળે, નહીં તો શી રીતે ટળે ?

વિજ્ઞાનથી વિષય પર વિજય !

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગ પણ ના થવો જોઈએ ને ભૂલી જવું જોઈએ ?

દાદાશ્રી : આપણું આ જ્ઞાન એવું છે કે રાગ તો થાય એવો જ નથી. પણ આકર્ષણ થાય તે ઘડીએ એના શુધ્ધાત્મા જુઓ તો આકર્ષણ ના થાય. દેખત ભૂલી એટલે જોઈએ ને ભૂલ ખઈએ. જોયું ના હોય ત્યાં સુધી કશું ભૂલ ના થાય અને દેખ્યું કે, ભૂલ થાય. જ્યાં સુધી આપણે ઓરડામાં બેસી રહ્યા હોઈએ, ત્યાં સુધી કશું ના થાય. પણ લગનમાં ગયાને જોયું કે પછી ભૂલો થાય પાછી. ત્યાં આપણે શુધ્ધાત્મા જો જો કરીએ તો બીજો કશો ભાવ ઉત્પન્ન ના થાય ને ભાવ ઉત્પન્ન થઈ ગયો હોય એનાં પૂર્વકર્મના ધક્કાથી, તો એનું પ્રતિક્રમણ કરી નાખવું, આ ઉપાય છે. અહીં ઘરમાં બેઠા હોય ત્યાં સુધી કશુંય મનમાં ખરાબ વિચાર નહોતા આવતાં ને લગનમાં ગયા કે વિષયના વિચારો ઊભાં થયા. સંયોગ ભેગો થયો કે વિચાર ઊભાં થાય. આ 'દેખત ભૂલી' એકલા દિવ્યચક્ષુથી જ ટળે એમ છે. દિવ્યચક્ષુ સિવાય ટળે નહીં.

પ્રશ્નકર્તા : આ તો સંયોગોને ટાળવાની વાત થઈને ? એટલે એક ઠેકાણે બેસી રહેવું ?

દાદાશ્રી : ના. આપણું વિજ્ઞાન તો જુદી જ જાતનું છે, આપણે તો 'વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો.' પણ ત્યાં આગળ આજ્ઞામાં રહેવું જોઈએ. જ્યાં દેવતા હોય, ત્યાં આજ્ઞામાં નથી રહેતાં ? દેવતાને ભૂલચૂકથી અડતાં નથી ને ? એવું એણે અહીં વિષયોમાં પણ સાચવવું જોઈએ કે આ દેવતા છે, પ્રગટ અગ્નિ છે. આકર્ષણવાળી વસ્તુ આ જગતમાં જે છે, તે પ્રગટ અગ્નિ છે. ત્યાં ચેતવું જોઈએ.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે આપણે જે જોઈએ છીએ, તે આપણું નથી છતાં ત્યાં જો ભાવ થાય, તે ન થવો જોઈએ એમ ?

દાદાશ્રી : આપણું તે છે જ નહીં. પુદગલ આપણું હોય જ નહીં. આ આપણું પુદગલ આપણું નથી, તો એનું પુદગલ આપણું કેમ હોય ?

આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. ભગવાને આકર્ષણને તો મોહ કહ્યો છે. મોહનું મૂળિયું જ આકર્ષણ છે. એવું બધું જાણીને લક્ષમાં રાખવું જોઈએ ને ? આપણે દવા તો જાણી રાખવી જોઈએ ને કે આની શી દવા છે ?

આ વિજ્ઞાન છે. સંપૂર્ણભાવે વિજ્ઞાન છે. દેવતાને કેમ અડતા નથી ? ત્યાં કેમ ચોક્કસ રહે છે ? કારણ કે એનું ફળ તરત જ મળે છે અને વિષયમાં તો પહેલી લાલચ થાય છે. એટલે લાલચથી ફસાય છે. આ દેવતા અડેલો સારો. તેનો ઉપાય છે. પછી ગમે તે ચોપડીએ તો ઠંડું પડી જાય. પણ પેલું તો અત્યારે લાલચમાં ફસાવી અને પાછો આવતો ભવ દેખાડે. આ તો આપણા જ્ઞાનને ય ધક્કો મારનારું છે. આવું મોટું વિજ્ઞાન છે, એને ય ધક્કો મારે એવું છે !! માટે ચેતવું !

'દેખત ભૂલી'નો અર્થ શો કે મિથ્યા દર્શન ! પણ બીજું બધું 'દેખત ભૂલી' થાય તેનો વાંધો નહીં, પણ આ વિષય સંબંધમાં 'દેખત ભૂલી'ની બહુ મોટામાં મોટી જોખમદારી છે. હવે ત્યાં 'દેખત ભૂલી'નો ઉપાય શો ? આપણને જ્ઞાન મળ્યું હોય તો પોતાને ભૂલ ખબર પડે કે અહીં આગળ આ ભૂલ ખાધી, અહીં મારી દ્રષ્ટિ બગડી હતી, ત્યાં પાછું પોતે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરીને પણ ધોઈ નાખે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય, તે શું કરે બિચારો ? તેને તો ભયંકર ખોટી વસ્તુને ખરી માનીને ચાલવું પડે, આ અજાયબી છે ને ?!

દ્રષ્ટિથી નવું દીઠું ને આંખ ખેંચાઈ, તો તરત પ્રતિક્રમણ કરી નાખજો. અનાદિ કાળથી આંખો જ ખેંચાખેંચ થઈ છે ને ? નવો માલ દીઠો કે આંખ ખેંચાય. પણ અલ્યા, નવો છે જ નહીં. આ તો એનું એ જ લોહી, પરું, હાડકાં, એ જ માલ છે. ફક્ત ચાદરો ફેર છે. કોઈની 'બ્લેક કોટન'ની, કોઈ 'વ્હાઈટ કોટન'ની, કોઈની 'યલ્લો કોટન'ની. ચાદરો બધી જુદી જુદી જાતની છે. આમાં કશું જોવા જેવું છે જ નહીં, મહીં એનો એ જ માલ છે ! આ રેશમી ચાદરમાં બાંધેલું છે અને રેશમી ચાદર બાંધ્યા વગરનું હોય તો એને ચીતરી ચઢે ! અમને તો આમાં એનું એ જ દેખાય ને તમે તો ચાદરો જો જો કર્યા કરો છો, પણ મહીં માલ જુઓને ! માલ તો મહીં એનો એ જ છે ને ? માટે આ એકલું જ અહીં આગળ જે મળ્યું હોય, 'ફાઈલ' હોય એટલું સંતોષ રાખીને કામ લેવાનું અને બીજું જે ખાવું હોય, દહીંવડાં-બટાકાવડાં, જેટલાં ખાવાં હોય એટલાં ખઈ લેજો ! આટલો આ વિષય જ જીતવાનો છે. ગમે તે રસ્તે, બીજું કશું ય નહીં. બીજું તો ખાવ-પીઓ, મઝા કરો ને !

જોખમોનું પણ જોખમ એટલે જ વિષય રોગનું મૂળિયું !

જેમ આપણે તમાકુ વાવી હોય અને જોડે બીજો કોઈ છોડ ઊગે, તો તે ઊગતાં પહેલાં સમજી જવું કે આ તમાકુ ન હોય, એટલે એને ઊખેડીને ફેંકી દેવું જોઈએ, નહીં તો છોડ મોટો થઈ જાય. આ કાળનાં તો ખેતરો નર્યાં બગડી જ ગયેલાં હોય છે. નહીં તો 'આ' 'વિજ્ઞાન' કામ કાઢી નાખે એવું છે.

બાકી વિષય આગળ તો જૈનધર્મે શું કહ્યું છે કે ઝેર ખાઈને મરી જજે પણ વિષય ના કરીશ. બ્રહ્મચર્ય ના જ તૂટવું જોઈએ, એવું જૈનધર્મ કહે છે. પણ આપણે અહીં અક્રમ માર્ગમાં એને બાદ આપ્યું, કે ભઈ, સ્ત્રી હોય તો ઘેર રહેજે અને બીજે દ્રષ્ટિ બગાડીશ નહીં. અને સ્ત્રી ના હોય તો પ્રતિક્રમણ કર્યા કર. કારણ કે પછી વીર્ય છે તે અધોગામી જતું હોય, તે ઊર્ધ્વગામી જઈ શકે છે. વીર્ય નિરંતર અધોગામી સ્વભાવનું છે. એને આંતરો, વિધિ કરો અને પ્રતિક્રમણ કરો, એટલે એમ કરતાં બધું ઊર્ધ્વગામી ચઢી જાય.

બહાર, કંઈક જોયું અને આંખ ખેંચાઈ જાય. એટલે જાણવું કે આ પહેલાનું બીજ પડેલું છે, તે બીજ ઊગ્યું, ત્યાં તમે શું કરો ?

પ્રશ્નકર્તા : ત્યાં પ્રતિક્રમણ થઈ જ જાય છે.

દાદાશ્રી : એના તો નિરંતર પ્રતિક્રમણ કર કર કરવાં પડે. આપણને સમજણ પડે કે આ બીજ મહીં પડેલું છે એટલે આ તો બહુ જોખમ છે. આ વિષય તો બહુ જોખમવાળી વસ્તુ છે. જ્યાં જ્યાં સામી વ્યક્તિ જાય ત્યાં આપણે જવું પડે. અને સામી વ્યક્તિ પાછો પોતાનો છોકરો થઈને ઊભી રહે. એટલે આવું બધું જોખમ ઊભું થાય. એટલે વિષયને માટે આપણે અહીં બહુ કડક તેથી રહીએ છીએને ! બીજું બધું ચલાવી લેવાય, પણ વિષય ચલાવાય નહીં.

આ તો અક્રમ વિજ્ઞાન છે. તેથી આટલું જ જોખમ રાખ્યું. બાકી જૈનધર્મે તો બીજું બધુંય જોખમ જ કહ્યું છે. બધાને જોખમ કહીએ તો ક્યારે પાર આવે ?! તો લોક શું કહેશે પછી કે 'મારે તમારી જોડે ધંધો જ નથી કરવો, સોદો જ કરવો નથી.' પણ એક બાબત હોય તો કહેશે કે 'બધું જ સહન કરી લઈશ પણ આ એક જ બાબત છે ને, તો તો એને સાચવીશ.' અને તો એને વિજ્ઞાનનો લાભ મળે ને ! એટલે આપણે તો આ એક જ બાબત કહી છે.

વિષય સુખમાં દાવા અનંત !

વિષયમાં સુખ તો આખું જગત, જીવમાત્ર માની રહ્યાં છે. એક ફક્ત અહીં આગળ ત્યાગીઓ છે અને ત્યાં દેવોમાં સમકિતી દેવો છે, આ બે જ લોકો છે તે વિષયસુખમાં માનતા નથી. જાનવરો ય વિષયને સુખ માને છે. પણ એ જાનવરો તે બિચારાં, એ છે તે કર્મનાં આધીન ભોગવે છે. એમને એવું કંઈ એ નથી કે અમારે કાયમને માટે આવું જોઈએ જ. અને મનુષ્યો તો કાયમને માટે જ. ધણી પરદેશે ગયો હોય તો વહુને ના ગમે. વહુ છે તે પિયરમાં ગઈ હોય છ-બાર મહિનાં તો વેષ થઈ પડે. કારણ કે સુખ એણે માન્યું છે એમાં. શેમાં માન્યું છે ? આ ત્યાગીઓને શાથી એમાં દુઃખ લાગ્યું હશે ? શું એમાં સુખ નથી ?

એવું છે ને કે આ ઘઉં, ચોખા, બાજરી, જલેબી, લાડવા, એ બધા સુખ ખોળતા નથી. આ ફ્રૂટ બધા હોય છે એ સુખ ખોળે કોઈ ફ્રૂટ ? આ દૂધ-બૂધ બધું, દહીં, ઘી, બધું સુખ ખોળે ?

પ્રશ્નકર્તા : ના ખોળે.

દાદાશ્રી : તે ભગવાને કહ્યું હતું કે જે સુખ ખોળે ત્યાં સુખ ખોળશો જ નહીં. જે સુખ ખોળતો હોય પોતે, ત્યાં સુખ ખોળશો નહીં. સુખ ના ખોળે ત્યાં આગળ સુખ ખોળો, કહે છે. એટલે સુખ ખોળતો હોય એ ભિખારી ને ત્યાં આપણે સુખ લેવા જઈએ તો શું વળે ? એટલે ભૂમિકા જ ન્હોય, આ તો એક જાતની એક કાલ્પનિક ફિગર છે આ ખાલી. કલ્પના ઊભી કરેલી છે આ તો. સુખ ના ખોળે તેની જોડે વાંધો ના આવે ને કોઈ જાતનો ?

પ્રશ્નકર્તા : ના જ આવે.

દાદાશ્રી : પછી મોંઘા ભાવની કેરીઓ સરસ આવે છે, બધી જ ચીજો આવે છે, કેવી કેવી મીઠાઈઓ હોય છે બધી ! જોવાની કેવી કેવી ચીજો હોય છે ! અને એંઠવાડામાં સુખ ખોળે છે પેલો તો. આખા ગામનો એંઠવાડો કહેવાય. અને પાછું સુખને એ ય ખોળતી હોય. આપણે એની પાસે સુખ ખોળીએ અને એ આપણી પાસે સુખ ખોળે, ત્યાં આપણે એ બેનું તાલ ક્યારે ખાય ? આપણે છે તે ક્રિકેટ જોવા જવું હોય અને એ કહે, સિનેમા જોવા જવું છે, આપણો ઝઘડો ક્યારે પૂરો થાય ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : એવું છે અગર તમારે જો સુખી થવું હોય તો આ જગતમાં બધી ચીજ ભોગવજો. જેને સામું ભોગવવાની ઇચ્છા ના હોય, એ પોતે ભોગવવાની ઈચ્છાવાળું ના હોય, તેને ભોગવજો. જલેબીને ભોગવવાની ઈચ્છા ખરી, જલેબીને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો આપણે જલેબી ખાવને. બીજી બધી ચીજો ખાવાની છૂટ. સામાની ઈચ્છાવાળું હોય તો તો પછી આપણે માર્યા જ જઈએ ને !

પ્રશ્નકર્તા : જે સુખ ખોળતો હોય ત્યાં સુખ ના ખોળાય.

દાદાશ્રી : હા, ત્યાં સુખ ના ખોળાય. એટલે આ બીજી બધી ચીજ સિવાય એક જ આ સ્ત્રી વિષય એકલું જ એવું છે કે એ પોતે સુખની ઈચ્છાવાળી છે અને આપણે ય ઇચ્છાવાળા એટલે બેનું ક્યારે મેળ પડે ?

પ્રશ્નકર્તા : ના મેળ પડે.

છોડો માત્ર વિષયને !

પ્રશ્નકર્તા : જ્યારે અત્યારે સંસારમાં બધે, આ છોડો, આ કંટ્રોલ કરો, આ ખાવાનું, આ નહીં ખાવાનું એવું ચાલ્યું છે !

દાદાશ્રી : અરે, ખાવા-પીવાનું તો મેલોને પૂળો ! બધું ખાવ નિરાંતે !! પણ આ એકલું છોડી દોને !!! આ એકલામાં હાથ ઘાલો નહીં. ખાવામાં સામી ફરિયાદ નથી. આ સ્ત્રી તો સામી ફરિયાદ કરે, અનંત અવતારનું વેર બાંધી દે. એ છોડે નહીં પછી. આ ચાર ઇન્દ્રિયોના વિષયો કોઈ હેરાન કરતું નથી અને આ પાંચમો જે વિષય છે, સ્પર્શ વિષય છે તે તો સામી જીવંત વ્યક્તિ જોડે છે ! એ દાવો માંડે એવી છે, એટલે આ એકલી સ્ત્રી વિષયનો જ વાંધો છે. આ તો જીવતી 'ફાઈલ' કહેવાય. આપણે કહીએ કે હવે મારે વિષય બંધ કરવો છે ત્યારે એ કહે કે એ નહીં ચાલે. ત્યારે પૈણ્યા'તા શું કરવા ? એટલે એ જીવતી 'ફાઈલ' તો દાવો માંડે ને દાવો માંડે તો પોષાય જ કેમ કરીને ? એટલે જીવતા જોડે વિષય જ ના કરવો. દાવો તો માંડે પણ પછી દબડાવે ને આપણું તેલ કાઢી નાખે. આપણે ભગવાનના દબાઈ રહેવા નથી માંગતા, તે આવું બૈરીના દબાયેલા રહેવાય ? શું સુખ છે એમાં ? ને આપણે શું સુખી થઈ ગયા ! અને શું જાડા થઈ ગયા ? ઊલટું તેજ હણાઈ જાય છે ! આમાં શું કાઢવાનું ? આખો પુદગલનો સાર ઊડી જાય છે ! એ સાર મહીં શરીરમાં રહે ત્યારે મહીં મગજ ખીલે, વાણી કેવી બોલાય ! જાગૃતિ કેવી રહે ! એ વાત તો જુદી જ ને ? એ સાર પછી ખોઈ નાંખે છે ને પછી શું થાય ?

વિષયથી બંધાય કરારો...

આ ઝઘડાંના લીધે બધા દાવો માંડે. પેલાનો પૂરો થાય ત્યાં સુધીમાં પેલી દાવો માંડે, પાછો પેલો દાવો માંડે.

આ એક વિષય એવો છે કે જે સ્ત્રીનો અને પુરુષનો જે વિષય છે એમાં આપણે કહીએ કે ના ભઈ, હવે મારે નથી ઈચ્છા. ત્યારે કહે, ના ચાલે. ત્યાં તો દાવો માંડશે. આ એક જ એવું છે કે સામો દાવો માંડે એવું છે. માટે અહીં સાચવીને કામ કાઢી લેવું. તમને સમજાયું દાવો માંડે એવું ? એનો જ આ બધો ગૂંચવાડો ઊભો થયો છે. માટે એ એકલો જ ભોગ એવો છે કે બહુ દુઃખદાયી છે.

આ જીવતો પરિગ્રહ છે. એટલે આમાં દાવો માંડે, વેર હઉ બાંધે. ઘણા પુરુષોએ સ્ત્રીઓને સળગાવી મેલી છે. સ્ત્રીઓ પણ ઘણા પુરુષોને કંઈક ઝેર આપી દે છે. આ બધું વેર બાંધે.

પ્રશ્નકર્તા : ક્રમિકમાર્ગમાં બહાર બધે વિષયોના ત્યાગને પહેલું સ્થાન કેમ આપે છે ?

દાદાશ્રી : આ વિષયો એકલાની જ ભાંજગડ છે, બીજા બધાની બહુ ભાંજગડ નથી. તેનું શું કારણ ? આપણે ગમે તેટલા મોંઘા ભાવનાં ભજિયાં લીધાં, પછી આપણને જેટલાં ખાવાં હોય તેટલાં ખાઈએ. બાકીનાં ના ખાવાં હોય તો કો'કને આપી દઈએ તો એ ભજિયાં આપણા પર દાવો માંડે નહીં ! એ દાવો માંડે ?

પ્રશ્નકર્તા : ના માંડે.

દાદાશ્રી : આ અત્તરનું પૂમડું આમ કાનમાં ઘાલ્યું ને પછી આપણે કોઈને તે આપી દઈએ તો એ અત્તર કંઈ દાવો માંડે ? આ ફિલમ જોવા ગયા, તેમાં ફિલમ જેટલી જોઈ તેટલી જોઈ ને જરા ઊંઘ આવે તે ઊંઘી ગયા, તો એ ફિલમ દાવો માંડે આપણા ઉપર ? કે કેમ તે મને ના જોઈ ? ટિકિટ લીધી માટે તારે મને જોવી જ પડશે, એવો દાવો કોઈ ના માંડે.

ટાઢ પડે તો ચામડીને ટાઢ લાગે ત્યારે ઓઢીને બેસીએ તો કંઈ ટાઢ દાવો ના માંડે અને આ વિષય એકલો જ સામો ચેતન છે માટે દાવો માંડે. આપણે કહીએ કે મારે હવે આ ત્યાગ કરવો છે તો તે કહે કે આ ના ચાલે, શું કરવા પૈણ્યા હતા ? માટે આ કંઈ ભજિયાં જેવું નથી. મહાન જોખમદારી છે ! જો ભજિયાં જેવું હોય તો તે અમે તમને છૂટ આપી કે ભઈ, તમે આવા જે વિષય કરવા હોય તે કરજો, પણ આ સ્ત્રી વિષયને તમે જરા સાચવજો. કારણ કે એ દાવો તો એવો માંડે, કે જ્યાં એની ગતિ જાય ત્યાં આપણને લઈ જાય. કારણ કે એની જોડે દાવો મંડાયો પછી શું થાય ? કેરાલાવાળાને ત્યાં ગયા હો ત્યારે પાંચસો રૂપિયા લીધા હોય ને પછી તે ના આપો તો એનો દાવો એ ક્યાં માંડે ? અરે, એ તો પછી કેરાલાની દોડધામમાં, ભાડામાં જ પાંચસો જતા રહે ! અને પાછું ત્યાં જઈને ચૂકવવા પડે એ જુદા. એટલે દાવો માંડે તો એ જ્યાં હોય ત્યાં પાછું આપણે જવું પડે, એવું છે.

માટે આ દાવો મંડાય નહીં એ જોજો. બહુ જોખમદારી છે !! અને જેટલી ફાઈલો હોય તેની ઝટપટ પતાવટ કરી દેજો ને નવી ફાઈલ ઊભી કરશો નહીં, સહેલું છે કે અઘરું છે આ ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા કરીએ તો સહેલું થઈ જાય ?

દાદાશ્રી : હા, સહેલું થઈ જાય. અમે તમને મોક્ષ હાથમાં આપ્યો છે. હવે તમને જેટલો મોક્ષ ભોગવતાં આવડે એટલો તમારો. આમાં દાવો કરે એવી 'ફાઈલ' છે, તેથી ક્રમિક માર્ગમાં આને માટે બહુ કડક કહ્યું છે. અને આપણે અહીં પણ આને માટે કડક રહેવાનું કહીએ જ છીએ કે અહીં ચેતતા રહેજો.

'મિશ્રચેતન' તો દાવો માંડે જ !

સ્ત્રી એ મિશ્રચેતન છે. ચેતનને પૈણજે, ત્યારે આ તો મિશ્રચેતનને પૈણે છે. મા-બાપને ખબર જ નથી ને, ભાન જ નથી રાખતા ને કે છોકરો કયા માઈલે છે ને એને શી બળતરા છે ? મા-બાપ મા-બાપની બળતરામાં ને છોકરો છોકરાની બળતરામાં ! આ મિશ્રચેતન તો દાવો માંડે ! એમને સિનેમા જોવા જવું હોય ને તમને ગમતું ના હોય તો ય એ કહે કે 'તમારે આવવું પડશે.' તો તમારે જવું પડે ! એટલું જ નહીં પણ, 'તમારે છોકરો ઊંચકી લેવો પડશે.' એવું ય કહે, અલ્યા, છોકરાં ય ઊંચકાવડાયાં મારી પાસે ? હા. પણ શું થાય ? જો બબૂચક થવું હોય તો પૈણવું આ કાળમાં !!!

પ્રશ્નકર્તા : પણ હવે જે પૈણેલો હોય એ શું કરે ?

દાદાશ્રી : આપણું ધારેલું ઓછું થાય છે ? 'વ્યવસ્થિત'ની જે ફિલમ છે એ છોડે નહીં ને એને ?

પહેલાં તો એટલું સારું હતું કે ગમે તેવી બીબી લેવા જાય, તો બહુ ત્યારે બીબીની બે-ત્રણ શરતો હોય. 'પાણી કી મટકી કબૂલ' ? ત્યારે એ કહે, 'કબૂલ'. 'લકડે કી ભારી કબૂલ' ? ત્યારે ધણી કહે, 'કબૂલ'. નકાબ પઢતી વખતે આટલી શરતો કરાવડાવે. પાણી ભરી લાવે. જંગલમાંથી લાકડાં લઈ આવે એ સારું. પણ આજની વહુઓ તો શું કહેશે ? 'આ ટાઈમે સિનેમામાં આવવું પડશે, નહીં તો તમારા ભાઈબંધ જોડે કોઈ દહાડો જતા જોયા છે, તો તમારી વાત છે !!' 'અરે, હું તને પૈણ્યો કે તું મને પૈણી ?' આમાં કોણ કોને પૈણ્યું ? પણ આ તો મિશ્રચેતન. જ્યારે આ તો ભણેલીઓ પાછી. તે એમને જો 'તું ના સમજું', એવું કહ્યું હોય તો તો તમારું તેલ કાઢી નાખે ! આમાં સુખ જ નથી. આ તો 'ફાઈલ' વધે છે. એ 'ફાઈલો' જોડે પછી કકળાટ થાય, પછી ઘરની હોય કે બહારની ! એટલે મિશ્રચેતન જોડે હિસાબ ના માંડો, નહીં તો એ ક્લેઈમ માંડશે !

આ પથારી પર ના સૂઈ જઈએ ને પથરા પર સૂઈ જઈએ તો પથારી કંઈ દાવો માંડે કે કેમ અમને છોડીને પથરા પર સૂઈ જાઓ છો ? અને મિશ્રચેતન તો દાવો માંડે કે કેમ આજે છૂટા પડ્યા ? છોડે નહીં. ખસેડવા જાવ તો વળગે ઊલટું ! એટલે મિશ્રચેતન જોડે ભાંજગડ ના પાડશો ! બટાકાં જોડે ભાંજગડ હોય ને બટાકાં ના લાવ્યા હોય તો બટાકાં બૂમો નહીં પાડે ને ના ખાઈએ તો ય કશું બોલે નહીં ! પણ મિશ્રચેતન તો એવી આંટી મારે કે અનંત અવતારે ય એ છૂટે નહીં. એથી ભગવાને કહેલું કે મિશ્રચેતનથી છેટા રહેજો ! સ્ત્રીથી છેટા રહેજો !! નહીં તો મિશ્રચેતન તો મોક્ષે જતા રોકી રાખે એવું છે !!!

આ પાન-બીડી એ ય લફરાં જ કહેવાય. પણ આ લફરાં તો એમ માનો ને, કે કો'ક દહાડો છૂટે, પણ પેલાં લફરાં તો ના છૂટે. જીવતાં લફરાં ને ! અમે લફરું જીવતાને કહીએ છીએ. પેલાં લફરાં તો ચલાવી લેવાય. એ તો મડદાલ જ છે ને ? આપણી એકલી જ ફરિયાદ છે ને ? આપણે ફરિયાદ કરીએ છીએ ત્યાં સુધી ને ? બાકી એની કોઈ જાતની ફરિયાદ નથી ને ! આપણે છોડી દઈએ ત્યારે ફરજિયાત છે કંઈ ? અને જીવતાં લફરાં જોડે તો કશી મુશ્કેલી થઈ તો દાવો માંડે. તમે દાવો કાઢી નાખો ત્યારે એ દાવો માંડે. એ જ બહુ મુશ્કેલી છે !

બે મન, ન થાય કદિ એક !

બે મન એકાકાર થઈ શકે જ નહીં. એટલે દાવા જ ચાલુ થાય. આ વિષય સિવાય બીજા બધા વિષયમાં એક મન છે, એક પક્ષે છે. તેથી સામો દાવો ના માંડે ! જ્યારે મનવાળા જોડે તો જોખમ છે. એક જ ફેરો જેની જોડે વિષય કર્યો હોય તો એને પેટે જન્મ લેવો પડે, નહીં તો એ જ્યાં ગઈ હોય ત્યાં જવું પડે ! મિશ્રચેતન જોડે શાદી કરી પછી શું થાય ? મિશ્રચેતનના દાવાની તો ઉપાધિ બહુ ! આપણને તદ્દન પરવશ કરી નાખે. એટલે મિશ્રચેતનનું ખાતું જ રાખવા જેવું નહીં. છતાં હોય તેને શું કરવાનું ? પછી એ ખાતાનો સમભાવે નિકાલ કરી નાખવાનો. ખાતું ઓછું ફાડી નખાય છે ? ફેંકી દઈએ તો તો એ વધારે ચોંટે. એટલે નિરંતર જાગૃત રહી એનો નિકાલ કરી નાખવાનો.

પૈણે એનો વાંધો નથી પણ હંમેશાં બન્નેનું મન જુદું હોય અને ત્યાં જ વ્યાપાર કરવા જઈએ એટલે દ્વેષ થયા વગર રહે નહીં. એ પછી ગમે તે વ્યાપાર કરો ને ! પછી ત્યાં ગમે તેટલો પુરુષાર્થ કરોને તો ય ભેદ પડ્યા વગર રહે નહીં ને ! જુદા મનવાળાની એકતા કેમ હોય ? એ તો વ્યાપારના સ્વાદ પૂરતી થોડી વાર બન્નેના મનની એેકતા થાય ! પણ એ સ્વાદ ના સચવાયો તો ચાલ્યું તોફાન પાછું. એટલે ભેદ પડ્યા વગર રહે નહીં ને ! કારણ એ 'ફાઈલ' છે એટલે દાવો માંડી શકે. તમે કહો, મારે ત્યાગ લેવો છે. ત્યારે એ કહેશે, ના, નહીં જવા દઉં.

આ જગત આખું મિશ્રચેતનથી જ લપટાયેલું છે. જો મિશ્રચેતન સમજવામાં આવે તો તો આ જગત લપટાયેલું નથી. આ બીજા બધા શોખ લપેટે એવા નથી હોતા. આ મિશ્રચેતનમાં તો સામસામે દાવા મંડાય છે. એક વાર જાળમાં આવ્યા પછી નીકળવું મુશ્કેલ છે. એ ભંગજાળમાં પેઠા પછી એમાંથી કોઈ છટકેલો નહીં. આ અમારું વિજ્ઞાન એવું છે કે બન્નેને જ્ઞાન આપીએ એટલે બેઉ સમભાવે નિકાલ કરતાં શીખી જાય અને ઉકેલ આવી જાય. નહીં તો લાખો અવતારે છોડે નહીં. આપણે છોડવાની ઇચ્છા હોય ત્યારે એ આપણને છોડે નહીં અને એને છોડવાની ઇચ્છા થાય ત્યારે આપણે એને છોડીએ નહીં. એટલે કોઈ દહાડો બેઉનો ટાઈમિંગ મળે નહીં અને એંજિન મોક્ષ ભણી ચાલે ય નહીં, એવું છે આ મિશ્રચેતન ! ખાવા-પીવામાં હરકત નથી. ચાર વેઢમી ખાઈને સૂઈ જજો. દાદાનું નામ લઈને એ ભોગ ભોગવજો, પણ આ મિશ્રચેતન તે મહાજોખમ છે ! સંસારનું બીજ જ આ છે. એક રાજા જિતાયો તો એનું દળ આપણા કાબૂમાં આવી ગયું, એનું પુર પણ આપણા કાબૂમાં આવી ગયું. કૃપાળુદેવે આ કંટાળી કંટાળીને ગાયું છે. સંસારમાં જે લટકાવનારું છે, તેના પર તેમણે જબરજસ્ત ભાર દીધો કે શું આવી ગતિ ! એ પોતે કહેતા હતા કે, 'સંસારથી તો ઘણો કાળ થયો, ઘણા અવતાર થયા કંટાળ્યો હતો, પણ છેવટે એમણે કા

પી નાખ્યું. આમથી કાપ્યું, તેમથી કાપ્યું ને સડસડાટ ઊડાડી મૂક્યું. ગજબના પુરુષ હતા, જ્ઞાની પુરુષ હતા ! એ તો ચાહે સો કરે !! વિષય એ તો જીવતું જોખમ છે. બીજાં બધાં જોખમ તો મરેલાં કહેવાય. આ તો બહુ પુણ્યશાળી માણસ તે બધાં જોખમ ઊડી ગયાં ને પોતે પાર નીકળી ગયા અને વેર બંધાયાં નહીં.

બે તરફીનાં સુખો માંડે દાવો !

વિષયસુખ બે તરફી છે. બીજા ઈન્દ્રિયસુખ એક તરફી છે અને આ બે તરફીનું તો દાવો માંડશે. એ કહે કે સિનેમા જોવા હેંડો ને ત્યારે તમે કહો કે ના આજે મારે ખાસ કામ છે. તે એ દાવો માંડે. બને કે ના બને એવું ?

પ્રશ્નકર્તા : એ જ બને. એથી જ આવું થાય છે ને !

દાદાશ્રી : હવે જો સ્ત્રી પહેલેથી સમજતી હોય કે એમનાં કર્મનાં ઉદયે ના પાડી તો ડહાપણપૂર્વક ચાલે. પણ એવું ભાન છે નહીં. એ તો કહેશે, એમણે કર્યું જ નહીં.

પ્રશ્નકર્તા : મોહ બધો ફરી વળે.

દાદાશ્રી : મોહ ફરી વળે. અને કરે છે કોણ તે પોતાને ખબર નથી. એ એમ જાણે કે આ જ કરે છે. એ જ નથી આવતા. એમની જ ઈચ્છા નથી આવવાની.

પ્રશ્નકર્તા : આ પિકચર, નાટક, સાડી, ઘર, ફર્નિચર એનો મોહ હોય છે એનો વાંધો નહીં ને ?

દાદાશ્રી : એનું કશું નહીં, એનો તમને બહુ ત્યારે માર પડે. 'આ' સુખ આવવા ના દે, પણ એ સામો દાવો માંડનાર નહીં ને ? અને પેલું તો 'ક્લેઈમ' માંડે, માટે ચેતો !

ભોગવે રાગથી, ચૂકવે દ્વેષથી !

પ્રશ્નકર્તા : વિષય રાગથી ભોગવે છે કે દ્વેષથી ?

દાદાશ્રી : રાગથી, એ રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે. આ મિશ્રચેતન તો 'ફાઈલ' કહેવાય. પણ પૂર્વભવનો હિસાબ બંધાઈ ગયેલો હોય, 'દેખત ભૂલી'નો હિસાબ થઈ ગયો એટલે એને છૂટકો જ નહીં ને ! એની ઇચ્છા ના હોય, આજે નક્કી કર્યું હોય તો ય પાછો સાંજે જતો રહે, છૂટકો જ નહીં. એ આકર્ષણથી ખેંચાય છે. મહીંથી એ આકર્ષણ થાય છે અને પોતે જાણે કે 'હું ગયો'. ના જવું હોય તો ય જવાય છે એનું શું કારણ કે તે આકર્ષણથી ખેંચાઈ જાય છે.

પ્રશ્નકર્તા : મિશ્રચેતન સંબંધી ફાઈલ હોય છે. એમાં એક બાજુ જાગૃતિ પણ રહે છે, એક બાજુ મનને અમુક મીઠાશ પણ વર્તાય છે, બીજી બાજુ એ ગમતું નથી, જ્ઞાન ના પાડે છે કે આ બધું યોગ્ય નથી. એના માટે દ્વિધા રહ્યા કરે છે.

દાદાશ્રી : એ નથી ગમતું તે જ એ છૂટે છે ને ! ના ગમે તો ય એ કરાર પૂરો કરવો જોઈએ ને ? જે ના ગમતું હોય તે પછી વળગે જ નહીં. જ્ઞાન પ્રગટ થયા પછી ના ગમતું વળગે જ નહીં. મહીં જરા ગમતું હોય તો જ વળગે. ના ગમતું વળગે ય નહીં ને ટકે ય નહીં બહુ દહાડા. એ બે વર્ષે, પાંચ વર્ષે પણ પછી ઉકેલ આવી જાય. માટે કશો વાંધો નહીં અને જાગૃતિ રહી, પછી શું જોઈએ આપણને ? આ ના ગમતું છે એ વાત નક્કી થઈ ગઈ.

આ તો કરારી બાબત, કુદરતના કરાર આપણી સહમતિથી થયેલા છે. હવે એ કરાર ભંગ કરીએ તો ચાલે જ નહીં ને ? પોલીસવાળો પકડીને લઈ જાય છે એવી રીતે થાય છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પોલીસવાળો પકડી જાય તો એમાં આપણો જરાય ગુનો નહીં. રાજીખુશીના સોદામાં ભૂલ ગણાય. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય ત્યાં તો પોલીસવાળો પકડી જાય તો ય ગુનો છે. એને જે કર્મ ના ગમે, ત્યાં એને 'ના ગમે' એના કર્મ બંધાય અને જે કર્મ ગમે તો ત્યાં 'ગમ્યાં'નાં કર્મ બંધાય. 'ના ગમ્યામાં' દ્વેષનાં કર્મ બંધાય, દ્વેષનાં પરિણામ થાય. આ 'જ્ઞાન' ના હોય તો તેને શું થાય ?

પ્રશ્નકર્તા : દ્વેષનાં પરિણામ થતાં કર્મ ઊલટાં વધારે બંધાય ને ?

દાદાશ્રી : નર્યું વેર જ બાંધે. એટલે જ્ઞાન ના હોય તેને ના ગમતું હોય તો ય કર્મ બંધાય અને ગમતું હોય તો ય કર્મ બંધાય અને 'જ્ઞાન' હોય તો તેને કોઈ જાતનું કર્મ બંધાય નહીં.

'કામ' કાઢી લો !

માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય એ દુકાનની મહીં જે શુધ્ધાત્મા છે તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માગણી કરવી કે મને આ અબ્રહ્મચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમને એમ છૂટવા માટે તમે ફાંફા મારો એ ચાલે નહીં. એ જ દુકાનના શુધ્ધાત્મા આપણને આ વિષયથી છોડાવનાર છે.

હવે આવી આપણને બહુ દુકાનો ના હોય. થોડી જ દુકાનો હોય છે. જેને બહુ દુકાનો હોય, તેણે વધારે પુરુષાર્થ માંડવો પડે. બાકી જેને થોડી હોય તેણે તો ચોખ્ખું કરી 'એક્ઝેક્ટલી' કરી લેવું. ખાવા-પીવામાં કશો વાંધો નથી. પણ આ વિષયનો વાંધો છે. સ્ત્રીવિષય અને પુરુષવિષય એ બે વેરને ઊભું કરનારાં કારખાનાં છે. માટે જેમ તેમ કરીને ઉકેલ લાવવો.

પ્રશ્નકર્તા : આને જ તમે કામ કાઢી લેવાનું કહો છો ?

દાદાશ્રી : ત્યારે બીજું શું તે ? આ બધા જે રોગો છે તે કાઢી નાખવા. આમાનું હું તમને કશું જ કરવાનું કહેતો નથી. ખાલી જાણવાનું જ કહું છું. આ 'જ્ઞાન' જાણવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. જે જ્ઞાન જાણ્યું તે પરિણામમાં આવ્યા વગર રહે જ નહીં. એટલે તમારે કશું કરવાનું નથી. ભગવાન મહાવીરે કહ્યું હતું કે વીતરાગ ધર્મમાં કરોમિ, કરોસિ ને કરોતિ ના હોય.

વિષયથી વેર વધે !

મિશ્રચેતન જોડે વ્યવહાર કરવા જેવો છે જ નહીં અને કરવો પડે તો ફરજિયાત રીતે કરવો પડે. એ તો છૂટકો જ નથી. સંસારી છે તો ફરજિયાત રીતે વ્યવહાર તો કરવો જ પડે. જેમ જેલમાં ગયેલો માણસ મહીં અંદર પોતાની જગ્યા સાફ કરીને લીંપતો હોય તો આપણે એમ જાણીએ કે એને જેલનો શોખ હશે એટલે લીંપતો હશે ?! ના, એને જેલ ગમતી તો નથી. પણ અહીં આગળ આવ્યો છે, હવે ફસાઈ ગયો છે, તો અહીં હવે સૂવા સાધન તો જોઈશે ને ? પણ એને જેલની રૂચિ ના હોય. એ જગ્યા લીંપે ખરો, પણ ત્યાં એની ઇચ્છા નથી. ત્યાં આગળ જેલનો શોખ લાગ્યો નથી એને. એવું આ વિષયનો શોખ બહુ વિચારે કરીને ઊડાડી દેવા જેવો છે. વિષય એ મોટામાં મોટો રોગ છે. આખું જગત આનાથી જ લટક્યું છે, એક વિષયથી જ વેર ઊભાં થાય છે ને વેરથી સંસાર ચાલુ રહ્યો છે. વેર બધાં આસક્તિમાંથી ઊભાં થાય છે.

પ્રશ્નકર્તા : એટલે એવું જ થયું ને કે વિષયથી જ આ બધો સંસાર ઊભો થઈ જાય છે ?

દાદાશ્રી : વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના 'ફાઉન્ડેશન' પર આ જગત ઊભું રહ્યું છે. કેરીઓ જોડે વેર નથી ને બટાકા જોડે વેર નથી. એ બટાકાના જીવો છે, બધા બહુ જીવો છે પણ વેર રાખતા નથી. એ ફક્ત નુકસાન શું કરે કે તમને મગજનું જરા દેખાતું ઓછું થઈ જાય, આવરણ વધારે. બીજું વેર રાખે નહીં. વેર તો આ મનુષ્યમાં આવેલો જીવ રાખે.

આ મનુષ્ય જાતિમાં જ વેર બંધાયેલું હોય છે. અહીંથી ત્યાં સાપ થાય ને પછી કરડે. વીંછી થઈને કરડે. વેર બંધાયા સિવાય કોઈ દહાડો કશું બને નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે દેખીતો વિષય સંબંધ ના હોય, પણ કોઈ એક બીજાને વેર ઊભું થતું હોય, તો એ પૂર્વે કંઈક વિષય થયેલો હોવો જોઈએ ?

દાદાશ્રી : વેરમાત્ર પૂર્વભવના ઉદયથી જ હોય.

પ્રશ્નકર્તા : પણ એ વિષયને લીધે કે વિષય વગર પણ હોય ?

દાદાશ્રી : હા, વિષય વગર પણ હોય. બીજા બધા અનેક કારણો હોય છે. લક્ષ્મી ઉપરથી વેર બંધાય છે, અહંકાર ઉપરથી વેર બંધાય છે પણ આ વિષયનું વેર બહુ ઝેરી હોય છે. બહુ ઝેરીમાં ઝેરી આ વિષયનું વેર છે. બીજા પૈસાનું, લક્ષ્મીનું, અહંકારનું વેર બંધાયેલું હોય તે ય બહુ ઝેરી હોય છે બળ્યું !

પ્રશ્નકર્તા : કેટલાં ભવ સુધી ચાલે ?

દાદાશ્રી : અનંત અવતારથી ભટક્યા કરે. બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે અને એ શેકવાનું જાણે નહીં ને ! શેનાથી શેકાય એવું જાણે નહીં ને !!

પ્રશ્નકર્તા : જ્યાં સુધી શેકવાનું જાણે નહીં, ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું ?

દાદાશ્રી : હા, બસ બીજ પડ્યા જ કરે.

પ્રશ્નકર્તા : એવું પણ આપે કહેલું કે ચારિત્રમોહ કેટલાંક એવા પ્રકારના હોય છે કે જ્ઞાનને પણ ઉડાડી મેલે. તો તે કયા પ્રકારનો ચારિત્રમોહ ?

દાદાશ્રી : એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ને બધાને ઉડાડી મેલે. એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટક્યું છે. મૂળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો, અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિષય જો જતો રહે, તો બધું જતું રહે.

વિષયબીજ શેકાય આમ !

પ્રશ્નકર્તા : તો બીજને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું ?

દાદાશ્રી : એ તો આપણાં આ પ્રતિક્રમણથી. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી.

પ્રશ્નકર્તા : એ જ. બીજો ઉપાય નહીં ?

દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી. તપ કરવાથી તો પુણ્ય બંધાય. સમજ પડીને ? અને બીજને શેકવાથી ઉકેલ આવે.

આ સંસાર અબ્રહ્મચર્યથી ઊભો રહ્યો છે અને આવું કંઈ કેટલાંય કાળ સુધી ચાલ્યા કરશે. જે નિકાચીત દુઃખો છે એ અબ્રહ્મચર્યનાં છે. નિકાચીત દુઃખો એટલે સહન કરતાં ખસે નહીં, ગમે એટલા ઉપાય કરીએ તો ય ખસે નહીં. બીજાં બધાં દુઃખો તો સહેજાસહેજ જતાં રહે. જ્યારે નિકાચીતમાં તો બીજા માણસનો ક્લેઈમ રહે છે. બીજી બધી વસ્તુઓ ક્લેઈમ ના માંડે, પણ આ વિષયમાં તો તમે 'પ્રસંગ' છોડી દો તો ય એ દાવો માંડે અગર તો તમારી ઉપર વેર બાંધે. એ ક્લેઈમ જ ઊભા થાય પછી !

પ્રશ્નકર્તા : એટલે એક પત્ની સિવાયનો વિષય હોય તે ?

દાદાશ્રી : ના, એક પત્ની જોડે હોય તો ય, એક જ વિષયસુખમાં બે જણ પાર્ટનર હોય છે ને ? એટલે આપણે 'કંટાળ્યા' કહીએ, ત્યારે એ કહેશે, 'હું નથી કંટાળી' ત્યારે શું થાય ?

આ 'સમભાવે નિકાલ' કરવાનો કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ, વેરથી મુક્ત થઈ જા.

વેરનું કારખાનું !

આપણે અહીં તો એક જ કરવા જેવું છે કે વેર ના વધે અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રીવિષય અને પુરુષવિષય !

પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંત કાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ?

દાદાશ્રી : એવું છે ને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનો ને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે, ત્યાં વેર બંધાય છે.

પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ?

દાદાશ્રી : અભિપ્રાય 'ડિફરન્સ' છે તેથી. તમે કહો કે, 'મારે અત્યારે સિનેમા જોવા જવું છે. ત્યારે એ કહેશે કે, 'ના, આજ તો મારે નાટક જોવા જવું છે.' એટલે ટાઇમિંગ નહીં મળી રહે. જો એક્ઝેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પૈણજે.

પ્રશ્નકર્તા : છતાં કો'ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું.

દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો એની સ્ત્રી નિરંતર એને આધીન રહે. એ સ્ત્રીને પછી બીજું કશું પોતાનું ના હોય, પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે.

ન મળે આધીનતામાં રહે એવી !

એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે 'ફાઈલો' હોય એનો 'સમભાવે નિકાલ' કરો કહ્યું છે ! અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે.

તમારે વાઈફ જોડે મતભેદ પડતો હતો તે ઘડીએ રાગ થતો હતો કે દ્વેષ ?

પ્રશ્નકર્તા : એ તો બન્ને વારાફરતી થાય, આપણને 'સ્યુટેબલ' હોય તો રાગ થાય ને 'ઓપોઝિટ' હોય તો દ્વેષ થાય.

દાદાશ્રી : એટલે એ બધું રાગ-દ્વેષને આધીન છે. અભિપ્રાય એકાકાર થાય નહીં ને ! કો'ક જ એવો પુણ્યશાળી હોય કે જેની સ્ત્રી કહેશે, 'હું તમારે આધીન રહીશ. ગમે ત્યાં જશો, ચિતામાં જશો તો ય આધીન રહીશ.' એ તો ધન્ય ભાગ્ય જ કહેવાય ને ! પણ એવું કો'કને હોય. એટલે આમાં મઝા નથી. આપણે કંઈ નવો સંસાર ઊભો નથી કરવો. હવે મોક્ષે જ જવું છે જેમ તેમ કરીને. ખોટ-નફાનાં બધાં ખાતાં નિકાલ કરીને, માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે.

આ ખરેખર મોક્ષનો માર્ગ છે. કોઈ કાળે કોઈ નામ ના દે એવું આ જ્ઞાન આપેલું છે, પણ જો તમે જાણી જોઈને ઊંધું કરો તો પછી બગડે. તો ય અમુક કાળે ઉકેલ લાવી જ નાખશે. એટલે એક ફેરો આ પ્રાપ્ત થયું છે એ છોડવા જેવું નથી.

એકે ડંખ ખાધો, ખવડાવ્યો બધાંને !

આ તો તમને સમજણ પાડવા માટે કહીએ કે જેથી તમને સંતોષ થાય કે આપણે માર્ગ લીધો છે એ સાચો છે. બાકી વિષયમાં સુખ નથી જ એવું તો કોઈ કહે જ નહીં ને ? બધા તો વિષયના સુખનું જ શીખવાડે.

એવું છે, કે એક માણસને આંગળીમાં કંઈક દરદ થયું હશે, ત્યારે કોઈએ કહ્યું કે ભમરીનો ગલ ચોપડે તો મટી જાય. એટલે એ ભમરીનો ગલ લેવા માટે બીજા એક જણે ગોખલામાં હાથ નાંખ્યો, પણ ત્યાં એક વીંછી બેસી રહેલો હશે. તેણે પેલાને ડંખ માર્યો એટલે પેલાથી ગલ લવાયો નહીં ને ઉપરથી એ શું કહે છે કે, મારાથી તૂટ્યું નહીં. એટલે બીજો કહે, 'તારાથી ના તૂટ્યું, લાવ હું તોડી નાખું.' પછી બીજાએ મહીં હાથ નાખ્યો. તો એને ય ડંખ માર્યો. એટલે પેલો સમજી ગયો કે આણે ડંખ કહ્યો નહીં, માટે આપણે ય કહેવું નથી. એણે એ ડંખ કહ્યો નહીં. પછી ત્રીજો ગયો. તેને ય ડંખ માર્યો. એવું વીંછી બધાને ડંખ માર માર કરે છે પણ કોઈ કહેતું નથી.

પ્રશ્નકર્તા : પણ આ સંસારના લોકો તો, પોતે એમાં સુખ માન્યું છે. એટલે બધાને પકડીને કહે છે, કે આમાં જ મજા છે, ચાલો !

દાદાશ્રી : આ લોકોએ તો વિષયની જાહેરાતો છાપી અને બધા લોકોને એ બાજુએ વાળ્યા અને છતાં ય જો બળતરા, જો બળતરા, તું મુંબઈમાં જા તો ખરો ! નાગા નાચ-ગાન જુએ છે, તો ય બળતરા ! અત્યારે તો બધું એ જ તોફાન ચાલી રહ્યું છે ને ?! ને તેથી બળતરા પણ પાર વગરની ઊભી થઈ છે. એવી બળતરા ઊભી થઈ છે કે દારૂ પણ પીવો પડે. સ્ત્રી રાખવી પડે. બધું ય આપે તો ય એને શાંતિ થાય નહીં એટલે પછી એને મનમાં એમ થાય કે આપઘાત કરી નાખીએ. પછી આખો દહાડો એ પી પી કર્યા કરે. પછી જો રાત-દહાડો બળતરા-બળતરા અને બળતરા !! એવું થાય પછી !

પ્રશ્નકર્તા : રસ્તો જ નહીં જડતો હોય તો શું કરે ?!

દાદાશ્રી : રસ્તો દેખાડનાર કોઈ છે જ નહીં. સૌ કોઈ વિષયનો માર્ગ દેખાડે. મા-બાપ પણ કહેશે કે પૈણ બા, અમે તો ફસાયાં છીએ, તમને પણ ફસાવ્યા વગર અમે રહીએ જ નહીં ને !!

પ્રશ્નકર્તા : એમાં જો કોઈ બ્રહ્મચર્ય તરફ જાય, તેના તો બધા વિરોધી થઈ જાય.

દાદાશ્રી : હા. લોકોને નામના કાઢવી છે, 'મારા છોકરાના ય છોકરાએ નામ કાઢ્યું.' કહેશે ! પછી એની ફસામણ જે થવાની હોય તે થાય, પણ 'મારું નામ તો નીકળે', કહેશે !

બુધ્ધિથી પણ છૂટે વિષય !

પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં પણ સ્ત્રીના રૂપનું વર્ણન બહુ કર્યું છે.

દાદાશ્રી : શાસ્ત્રોમાં સ્ત્રીના રૂપનું જે વર્ણન છે, એ શાસ્ત્રો જુદી જાતનાં છે. મોક્ષમાર્ગમાં સ્ત્રીનું વર્ણન આવું ના હોય. સ્ત્રી તો દેવી છે. એ તો પહેલાં તો રિવાજ હતો કે પૈણતી વખતે શરત એટલી જ હોય કે એક-બે છોકરાં ઉત્પન્ન થાય એટલા પૂરતો જ વિષય હોય, બાકી બિલકુલ વિષય જ નહીં. વિષયમાં એ લોકો પડે જ નહીં. એ લોકોને લાખ રૂપિયા આપો તો ય વિષય કરવા તૈયાર ના હોય. એટલી એની જાગૃતિ હોય કે હું વિષય કરું તો ફોટો કેવો પડે ! જ્યારે આજે તો પાંચ હજાર આપીને વિષય કરે ને ?! કશું ભાન જ નથી આ લોકોને !! તને એવું લાગ્યું ને ? આપણે આ બધું ઊંધું બોલતા નથી ને ?

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ છે, દાદા. હન્ડ્રેડ પરસેન્ટ કરેક્ટ છે.

દાદાશ્રી : ત્યારે લોકોને કેમ આવું પોલું ચાલતું હશે ? કશું ભાન જ નથી કે ક્યાં જઈ રહ્યા છે ! 'જ્ઞાની પુરુષ'ની પાસે વિષયની વાતો સાંભળી નથી, નહીં તો વિષય રહે જ નહીં, ઊડી જ જાય !

પ્રશ્નકર્તા : વિષયની વિરૂધ્ધ બોલીએ, તો ઊલટું આ જગતના લોકો ગાંડા કહે કે આ 'ઓલ્ડ માઈન્ડેડ' છે.

દાદાશ્રી : એવું બોલાય નહીં ને એવો કાયદો ય નહીં ને ! અને આ વિષય છે તો લગનવાળા છે, આ વાંજાવાળા છે, આ માંડવાવાળા છે. એટલે આ છે તો બીજું બધું છે, એટલે કશું બોલાય નહીં. આ તો જેને મોક્ષે જવું હોય, તેને જાણવા જેવું. બીજાને કશું આવું જાણવાની જરૂર જ નથી ને !

આ વિષયો બુધ્ધિથી દૂર થઈ જાય તેમ છે. મેં વિષયો બુધ્ધિથી જ દૂર કરેલા. જ્ઞાન ના હોય તો ય વિષયો બુધ્ધિથી દૂર થાય. આ તો ઓછી બુધ્ધિવાળા છે, તેથી વિષય રહેલા છે.

પ્રશ્નકર્તા : આ બુધ્ધિશાળીઓ પણ વિષયોનું 'વેરીફિકેશન' કરતાં નથી ?

દાદાશ્રી : ના, બુધ્ધિશાળીઓએ વિષયનું 'વેરીફિકેશન' કર્યું જ નથી. ઊલટાં બુધ્ધિશાળીઓ જ વિષયોમાં વધારે ઊંડા ઊતર્યા છે. અરે, આ 'મરીન ડ્રાઈવ' ને બધે ત્યાં આગળ જઈને જોઉં તો એમના વિષયને જોઈને તું એમ જ સમજું કે આ તો માણસ છે કે પશુઓ છે ?! ટબની અંદર નહાય ને પાછા અત્તર ઘસીને ! હંમેશાં જ્યાં દુર્ગંધ હોય, ત્યાં શું કરવું પડે ?

પ્રશ્નકર્તા : હા, અત્તર ઘસવું પડે. પણ પાછલાં કેટલાં સમયથી કોઈએ એવો રસ્તો જ નથી બતાવ્યો કે આ વિષયોથી પણ બહાર કંઈક સુખ છે.

દાદાશ્રી : આ મહાવીર ભગવાને રસ્તો બતાડ્યો, પણ કોઈએ માન્યો નહીં ને ! આ બુધ્ધિશાળી લોકોએ જ લખ્યું છે કે જગતમાં વિષયસુખ બધાં સુખોમાં સર્વશ્રેષ્ઠ સમાન છે. વળી, બુધ્ધિશાળીઓએ તો એટલે સુધી લખ્યું કે કેળ હોય એવાં એનાં પગ છે. આંખો તો આવી છે, ફલાણી આવી છે ને આમ બધું સ્ત્રીનું વર્ણન કરેલું છે. એટલે પછી લોક ગાંડા બન્યા. પણ કોઈએ એમ લખ્યું કે સ્ત્રી સંડાસ જાય છે ત્યારે કેવી દેખાય ?! જે સંડાસ જતો હોય, તેની જોડે વિષય જ કેમ કરાય ? એને અડાય જ કેમ ? આ કેરી જો સંડાસ જતી હોય, તો આપણાથી કેરી ખવાય જ નહીં ને ? પણ કેરી તો ચોખ્ખી હોય છે, તેથી કેરી ખવાય ને !

કૃપાળુદેવે કહ્યું, સ્ત્રી વિષે...

કૃપાળુદેવના પત્રમાં શું લખ્યું છે ? ''સ્ત્રીના સંબંધમાં મારા વિચાર.''

''અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિધ્ધ થયું છે કે શુધ્ધજ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે. પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી.''

કૃપાળુદેવ શું કહે છે કે વમન કરવાને યોગ્ય પણ એ સ્થાન નથી. માટે બીજી સારી જગ્યાએ ઊલટી કરજો. વળી આગળ શું કહે છે કે,

''જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મભૂમિકા છે.''

જન્મભૂમિકા શાથી કહી કે આ જન્મભૂમિકા એવાં ને એવાં બધા કચરાને જ જન્મ આપે છે !

પ્રશ્નકર્તા : જુગુપ્સા એટલે શું ?

દાદાશ્રી : જુગુપ્સા એટલે ચીઢ. જેની પર ચીઢ રહી છે, એ બધી જ ચીજો એમાં જ છે ને ! અલ્યા, રેશમી ચાદર બાંધી એટલે બધું સારું થઈ ગયું ? કૃપાળુદેવે તો બહુ બહુ લખ્યું છે, પણ લોકો શું સમજે બિચારા ?

''વળી, એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદ રૂપ જ છે. તે વેળાનો દેખાવ હ્રદયમાં ચિતરાઈ રહી હસાવે છે કે આ શી ભૂલવણી ? ટૂંકમાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી અને સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ.''

એટલે આ વિષયનું બહુ વિવરણ કરી કરીને તપાસ કરી જુઓ, એમ કૃપાળુદેવ કહેવા માગે છે. એની સુગંધી જોવી હોય તો, એ જગ્યા સોડી તો જો, તને કેવું લાગે છે ? વળી ઉઘાડી આંખે ધોળે દહાડે જુએ, તો એ જગ્યા રૂપાળી દેખાય ?! બધી જ રીતથી એની ચીઢ ચઢે !

''એટલે માત્ર મોહદશાને લીધે, તેમ માન્યતા થઈ છે એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી. પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક કરવા તેનું સહજ સૂચવન કર્યું છે. સ્ત્રીમાં દોષ નથી, પણ (વ્યવહાર) આત્મામાં દોષ છે અને તે દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે.''

સ્ત્રીનો દોષ નથી, આપણી ભૂલનો દોષ છે, આપણી સમજણનો દોષ છે. સ્ત્રીનો શો દોષ ? જો સ્ત્રીમાં દોષ હોય તો તો પછી આ ભેંસો ય સ્ત્રી જ છે ને ? કેમ ત્યાં લોકો નથી ખેંચાતા ? આપણી અવળી સમજણ છે એટલે ખેંચાઈએ છીએ. એ અવળી સમજણ કાઢીએ એટલે બધું નીકળી જાય અને જ્યારે ત્યારે તો આ અવળી સમજણ કાઢ્યા વગર છૂટકો જ નથી. આ ગંદવાડો છે, એટલો બધો ગંદવાડો છે કે મને તો એ ચીઢ જ નથી જતી !

પ્રશ્નકર્તા : પણ એના બદલે સ્ત્રીઓને શુધ્ધસ્વરૂપે, શક્તિરૂપે, આત્મારૂપે જોઈએ તો ?

દાદાશ્રી : શુધ્ધરૂપે જુઓ તો બહુ સુંદર કહેવાય ! અમે સ્ત્રીઓને શુધ્ધસ્વરૂપે જોઈએ છીએ, તે અમને બહુ આનંદ થાય. શુધ્ધસ્વરૂપે જોવા જઈએ તો સ્ત્રી એ તો ખોખું છે, પેકિંગ છે. એમાં એ બિચારીનો શો દોષ ? આપણી જ ભાંજગડ છે, આપણી દ્રષ્ટિ અવળી છે. આપણે દ્રષ્ટિ ફેરવીએ તો આપણને કશું અડતું નથી. આપણી દ્રષ્ટિ અવળી છે તે ભૂલ છે, તેમાં કોઈનો શો દોષ ?

''શુધ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ, તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે, આ અનુભવગમ્ય પ્રવચન છે !''

હા, શુધ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ જાય, પછી એ મોહ ખલાસ કરી નાખે !

''પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને વર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું.''

''સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા, બહેન અને તેમાં અંતર ના રાખવું, તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે ત્યાં યોગની સ્મૃતિ રાખી, 'આ છે તો હું કેવું સુખ અનુભવું છું ?' એ ભૂલી જવું. મિત્રે, મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ એ વસ્તુ લેવા (વિ)નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી.''

પ્રશ્નકર્તા : યોગની સ્મૃતિ રાખવી એટલે શું ?

દાદાશ્રી : યોગ એટલે આત્મયોગની. પોતે 'શુધ્ધાત્મા છે' એની સ્મૃતિ રાખવી અને ''આ છે તો, હું કેવું સુખ અનુભવું છું'' તે ભૂલી જવું. એનામાં શુધ્ધાત્મા જોઈને આ સુખ ભૂલી જવું. આત્મા જોઈએ તો કશો વાંધો નથી. સ્ત્રીની જોડે ભાઈબંધની જોડે રહીએ એ રીતે રહેવું.

''સ્ત્રીના સંબંધમાં કોઈ પણ રાગ-દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઇચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.''

પણ તે આ બધું એમ ને એમ થાય એવું નથી. બહુ બહુ વિચારે તો આ છૂટે. પણ એવું બહુ વિચાર્યે ય પણ થાકી જાય એવું છે. માટે કોઈ એવા માણસને જો મળી ગયા હોય કે આપણે એમની જોડે રહીએ તો એમના પ્રમાણે આપણે થઈ જઈએ, એમ ને એમ જ એવાં થઈ જઈએ, એમનો પ્રભાવ પડ્યા કરે આપણી પર અને આપણે તે રૂપ થતાં જઈએ. એટલે વસ્તુસ્થિતિમાં બીજો કોઈ ઉપાય નથી. અમને બધી ગૂંચો આગળ દેખાયેલી ! સ્થૂળ ભાગ બધો વિચારે કરીને ને સૂક્ષ્મ ભાગ બધો દર્શનથી જોઈ નાખેલો ! તેથી તો જગતની બધી ગૂંચો ઉકેલી નાખીએ છીએને ?!

વિષયનું વિવરણ, 'રાજચંદ્ર'ની દ્રષ્ટિએ...

પહેલાંના ઋષિ-મુનિઓ એક પુત્રદાન માટે જ વિષય કરતાં, પછી આખી જિંદગીમાં નહીં.

પ્રશ્નકર્તા : આખી જિંદગીમાં નહીં ?

દાદાશ્રી : નહીં, આ શાને માટે પૈણવાનું છે ?! પરસ્પર સામસામી સંસારકાળ પૂરો કરવા માટે, કે 'ભઈ, તારે આટલું કામ કરવાનું ને મારે આટલું કામ કરવાનું.' અને સ્ત્રીને ભો ના લાગે અને પુરુષને જરા હૂંફ રહે.

પ્રશ્નકર્તા : તો ઋષિઓ આખી જિંદગી શું કરે ?

દાદાશ્રી : આમ જોડે રહે ને ખાવા-પીવાનું બધું ય, પણ સાધનાઓ જ કર્યા કરવાની. ભગવાનની ભક્તિ કરે, આત્માને માટે જ બધું કરવાનું ! પૈણવાનું એ તો મદદને માટે પૈણવાનું હોય છે, કે સંસારમાં હેલ્પિંગ થાય ! એકલો હોય, તે શું કરે ? કમાવા જાય કે ખાવાનું કરે ? પણ આ તો છોકરાનાં કારખાનાં કાઢ્યાં ! ચાર-આઠ થાય, કોઈને ડઝને ય થાય ! છોકરાંની જરૂર ના હોય તો ય વિષય કરે છે. અલ્યા, છોકરાંની જરૂર નથી, હવે તારે વિષય શું કરવો છે ? પણ એમાં એને ટેસ્ટ આવે છે ! વિષયમાં તે વળી કયું સુખ છે ? શ્રીમદ્ રાજચંદ્રે તો કહ્યું કે આ તો વમન કરવાને યોગ્ય પણ ભૂમિકા નથી. થૂંકવાનું કહે તો ય ગમે નહીં. બીજી જગ્યાએ થૂંકાય, પણ અહીં તો આપણને થૂંકતાં ય શરમ આવે. લોકો કેવું માની બેઠા છે ? બધું ઊંધું જ માની બેઠા છે ને ?!

દરાજ ખંજવાળે એવું સુખ !

પ્રશ્નકર્તા : દાદા, ખરું કહું ને તો હજી વિષયમાં મને પોતાને કો'ક વખત સ્વાદ આવી જાય છે.

દાદાશ્રી : એ સ્વાદ તને છોડતો નથી ? પણ આમાં સ્વાદ જેવું છે જ ક્યાં ? નર્યો ગંદવાડો ! આ ગંદવાડાને ચૂસવા જઈએ તો ય એમાં એટલી બધી ગંધ છે, ઓહોહો એટલી બધી ગંધ છે !! કેટલી ગંધ હશે ? પાર વગરની ગંધ છે ! કૃપાળુદેવે શું લખ્યું છે ? તે વાંચ્યું છે ? એમણે એનું વર્ણન કર્યું છે તે આપણને ચીતરી ચઢે.

પ્રશ્નકર્તા : છતાં ય પણ આ ઇન્દ્રિયને એમાં સ્વાદ આવી જાય છે ને ?

દાદાશ્રી : સ્વાદ કશો નથી આવતો. એ સ્વાદ તો દરાજ થઈ હોય ને વલૂરે, તે એવો સ્વાદ આવે છે ! એ વલૂરે ત્યારે આપણે કહીએ, 'હવે બંધ રાખતો ?' તો પણ એનો એવો સ્વાદ આવે છે, તે છોડતો નથી. પછી લ્હાય બળે છે ત્યારે પાછું ખરાબ લાગે ! લ્હાય તો બળે જ ને ? કૃપાળુદેવે આ સુખની સરખામણી દરાજ વલૂરે એના જેવું સુખ કહ્યું. માણસ વિષય કરતો હોય તો તે ઘડીએ એનો ફોટો પાડીએ તો કેવો દેખાય ?

પ્રશ્નકર્તા : ગધેડા જેવો !

દાદાશ્રી : એમ ? શું વાત કરે છે ? એ તો આ મનુષ્યને શોભે ?

તપાસો વિષયનું પૃથક્કરણ !

એક ભાઈને વૈરાગ નહોતો આવતો. તેથી મેં એને 'થ્રી વિઝન' આપ્યાં. પછી એવું થ્રી વિઝને જોયું, તો એને બહુ સરસ વૈરાગ આવી ગયો. તારે એવું જોવું પડે ખરું ?

પ્રશ્નકર્તા : હા. એવો ઉપયોગ કરવો પડે.

દાદાશ્રી : એમ ? એટલે હજુ મોહ ખરો ને ?

પ્રશ્નકર્તા : હા, હજુએ આમ કો'ક વખત મોહ ચઢે. ધારો કે બૈરી સરસ કપડાં પહેરીને આમ ચાલે તો, પછી મહીં મૂર્છા ઉત્પન્ન થાય.

દાદાશ્રી : એમ ? ત્યારે પેલા જાપાનીઝ પૂતળાને સરસ કપડાં પહેરાવે છે, ત્યાં કેમ મોહ નથી થતો ?! સ્ત્રીનું મડદું હોય અને તેને સારાં કપડાં પહેરાવે તો મોહ થાય ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : કેમ ના થાય ? તો આ બધાને શેનો મોહ થાય છે ? સ્ત્રી છે, કપડાં સારાં પહેર્યાં છે, પછી મડદું હોય ને મહીં આત્મા નથી તેની ઉપર મોહ થાય ? તો શેની ઉપર મોહ થાય છે ? આ વિચાર્યું નથી ને ? આત્મા ના હોય એવી સ્ત્રી જોડે મોહ કરે કોઈ ?

પ્રશ્નકર્તા : ના કરે.

દાદાશ્રી : તો એનું શું કારણ ? તો એ શું આત્મા જોડે મોહ કરે છે ? તારી જે બૈરી છે ને, એની ઉપર ગયા અવતારની તારી દ્રષ્ટિ ચોંટી ગયેલી, તેનું આ ફળ આવ્યું છે.

પ્રશ્નકર્તા : મારા વિચારો બ્રહ્મચર્ય લેવાના છે ને એનો એવો વિચાર નથી, તેથી એ એવી બગડી છે ને !

દાદાશ્રી : એ જ પરવશતા ને ! કેટલી બધી પરવશતા !!

પ્રશ્નકર્તા : અને એને તો ઊલટું આશ્ચર્ય લાગે છે કે તમને મારા પર આકર્ષણ કેમ થતું નથી ?

દાદાશ્રી : એને એમ કહેવું કે તું આમ સંડાસમાં અંદર જાય છે, તો ય મને બહાર રહીને દેખાય છે એટલે આકર્ષણ થતું નથી.

પ્રશ્નકર્તા : તો તો એ ભડકી જાય.

દાદાશ્રી : નહીં, પણ એને સમજણ પડે કે સંડાસ જઉં એવું દેખાય તો તો આકર્ષણ જ કેમ થાય ? એ કેવું ખરાબ દેખાય ?! પણ આ ય બોમ્બ ફાટે એવું થઈ જાય ને ? તો આમે ય ફસામણ થઈ ગઈ ને ? લક્કડકા લાડુ ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા.

જાગૃતિમાં દેખે, ગર્ભથી ઘૈડી સુધી !

વીતરાગો એટલું જ જોતા હતા કે માણસની પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી અને આજની શક્તિ, એ બધી શક્તિઓને ત્રિકાળ જ્ઞાનથી જોતા હતા. ઉત્પન્ન, વ્યય બધું સંપૂર્ણપણે જાણતા હતા. એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય પછી. આ રાગ ઉત્પન્ન થવો એ તો એકલા વર્તમાન કાળના જ્ઞાનથી થાય છે. એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાન કાળનું જ્ઞાન, તે પછી એને રાગ ઉત્પન્ન થાય. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય ! આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે. એને વૈરાગ શીખવાનો છે. વીતરાગો બહુ ડાહ્યા હતા. કોઈ પણ વસ્તુ આવી તો એમને મૂર્છા ઉત્પન્ન ના કરાવે. કારણ કે એ વસ્તુને વીતરાગો ત્રણેય કાળથી જોઈ શકતા હતા.

આ જગતમાં તો બધી ભ્રમિત કરે એવી જ ચીજ છે ને ? જ્યાં મન જ કાચું છે, ત્યાં શું થાય ? આમાં જોવા જેવું છે જ શું તે ? આ તો જોવાની કટેવ કહેવાય. જે દેખાય છે એની પર મોહ થાય છે. આ તો માણસને બધા પર્યાયનું જ્ઞાન હોય નહીં ! આ ખાધેલું ઊલટી થઈ જાય. પછી ઊલટી થઈ, એ ભાગ પેલું ખાધેલું છે, એનો જ ભાગ છે એવું એટ-એ-ટાઈમ લક્ષમાં ના રહે ને ? જેમ આ કેરી હોય છે, તે મોર આવે, પછી ફળ બેસે, નાની નાની કેરીઓ આવે. એ તૂરી લાગે, પછી ખાટી થતી જાય, પછી મીઠી થાય, એ જ પાછી કહોવાઈ જાય, બગડી જાય, ગંધાઈ ઊઠે, સડી જાય. એ બધા જ પર્યાય એટ એ ટાઈમ હાજર રહે પછી કેરી પર મોહ જ ના થાય ને ? ખાવા જેવું, જોવા જેવું તો સત્યુગમાં હતું. આજની સ્ત્રીઓ જોવા જેવી નથી દેખાતી, પુરુષો જોવા જેવા નથી દેખાતા. આ તો ઊતરી ગયેલી કેરીયું જેવા દેખાય છે. અલ્યા, આ ઊતરી ગયેલા માલ પર શું જોવા જેવું લાગે છે તને ? સ્ત્રી એ પુરુષનું સંડાસ છે અને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે.

આ વસ્તુ છે એની કઈ અવસ્થા ઊભી થઈ, એટલે માટીમાંથી ઉત્પન્ન થયુ. એમાંથી હવે ઘડો કર્યો, હવે આવી અવસ્થા થઈ, આવી અવસ્થા થઈ. પછી છે તે હવે પાછો વિનાશને પંથે જશે. તે બધી અવસ્થાઓ કહી આપે, છેવટે માટી થઈને ઊભી રહેશે.

પ્રશ્નકર્તા : તે બધી અવસ્થાઓનુ જ્ઞાન એકી વખતે જ હોય ?

દાદાશ્રી : એકી વખતે જ ! એટલે પેલું મેં કહ્યું ને કે માણસને મોહ કેમ ઉત્પન્ન થાય છે ? ત્યારે કહે બેઉ જુવાન હોય છે તેથી અને તે ઘડીએ ભાન નહીં રહેતું ત્યાં આગળ કે આ મોહ ટકાઉ છે કે ટેમ્પરરી છે ? પછી આવુ જ અત્યારે જે છે ને એવું જ એનું કલ્પના કાયમ માટે ખોળે. હવે પછી ઘડપણમાં શું થાય ? કલ્પના કેવી થાય ?

પ્રશ્નકર્તા : તે વખતે એને કંટાળો આવે.

દાદાશ્રી : આ લોકોને શું થઈ રહ્યું છે તે હું જાણું છું. એ ગમે નહીં પણ કોને કહે હવે ? કારણ કે બુધ્ધિ તો આ સ્વભાવ દેખાડે. એટલે આ જનમતાં પહેલાં કેવું હતું ! બાબો કે બેબી જન્મ્યા પછી કેવાં છે ? તે એવડી હતી ત્યારે કેમ મોહ ઉત્પન્ન થતો નહતો, પછીથી જરા મોટી થઈ કેમ મોહ નથી થતો ? એટલે આ બધી અવસ્થાઓને એ ખ્યાલ રાખે છે અને મોહ ઉત્પન્ન થાય છે. એ અવસ્થાને ય ખ્યાલ રાખે પછી. તેથી આગળની અવસ્થા, પ્રૌઢ અવસ્થા, પછી એ ઘડપણ અવસ્થા, પછી લકવાની અવસ્થા, બધામાં શું સ્થિતિ થઈ ? ને પછી ઠાઠડી કાઢતી વખતની અવસ્થા, બાળતી વખતે અવસ્થા. આ બાળતી વખતે અવસ્થા જોઈ હોય ને તે ઘડીએ પ્રેમ કરવાનો કહ્યો હોય તો ? એટલે આ તો પૈણ્યા પછી મૂરખ બને છે પણ હવે કહે કોને ? બધાંય મૂરખ ત્યાં ! બેનો ય મૂર્ખાઈ એ સમજે છે, કે આવી મૂર્ખાઈ છે આ !! ધણી જોઈને ખોળ્યા અને હવે ધણી લાવીને એ મોંઢા ઉતરી જાયને, ડાચા પડી જાયને, આમથી તેમ થાય, આંખ્યો જતી રહી હોય, કાને સંભળાય નહીં ને ! અને જેને ખ્યાલ હોય આ બધુ તેને વૈરાગ હોય ! તેને વૈરાગ શીખવાડવો ના પડે ! અવસ્થાઓ જેના લક્ષમાં રહે છે, જેટલી લખી છે ને એટલી અવસ્થા અમને લક્ષમાં રહે એટ-એ-ટાઈમ. આ વાત બહાર ના હોય. આવી વાત અહીં જ હોય ! લોકો તો ગપોટી જાય અાવી વાત. એમ વૈરાગના વિચાર લાવે ત્યારે વળે; નહીં તો દા'ડો વળે નહીં. મૂળ વાતને, વૈરાગના મૂળ કૉઝીઝને નાશ ન કરવામાં આવે ત્યાં સુધી વૈરાગ શેના આવે ?

પ્રશ્નકર્તા : જુવાનીમાં જે મોહ ઉત્પન્ન થાય છે, તે મોહ ઉત્પન્ન કેવી રીતે ન થાય, એટ એ ટાઈમ બધી જો અવસ્થાઓ જુએ, તો....

દાદાશ્રી : તો મોહ ના થાય પણ એટ એ ટાઈમ તો અવસ્થાઓ તો કેવી રીતે જોઈ શકે ! માણસનું ગજુ નહીં ને ! એટલી બધી શક્તિ ના હોય, દાળ-ભાત-રોટલી-શાક ખાનારો કે માંસાહાર કરનારાઓનું કોઈનું ગજું નહીં આ. કોઈ અપવાદ જ હોય. બાકી આમાં કોઈ હોય નહીં. એનું ગમતું દેખાડે એટલે મોહ ઉત્પન્ન થાય જ.

પ્રશ્નકર્તા : જે સાંઠ વર્ષે જે બોલીએ તે એક વાત છે અને પચીસમે વર્ષે જે બોલીએ તે એક વાત છે, ત્યારે એ જાગૃતિ રહેવી જોઈએ.

દાદાશ્રી : જાગૃતિ જુદી વાત છે. પચીસમેં વર્ષે બોલવું એ જેવી તેવી, લાડવા ખાવાની વાત નથી. ત્યારે તો મોહનો અંધ થયેલો હોય. 'મોહાંધ' એટલે તે ઘડીએ જોતી વખતે પાછો સલાહ કોની માને ? મનની ને બુધ્ધિની, પોતાનું તો કંઈ રહ્યું જ નહીં ! પોતાનું ડિસીઝન નહીં. મન, બુધ્ધિની સલાહ માને, મન તો સંકોર સંકોર કરે.

પ્રશ્નકર્તા : તમે અમને એ જડીબુટ્ટી બતાવો કે જેથી કરીને અમે કહી શકીએ કે 'ભઈ, ચોવીશમે વર્ષે આ વિચાર યાદ રાખજે.'

દાદાશ્રી : એટલી બધી અવસ્થાઓની તમને જાગૃત્તિ ના આવે. પેલું અમે થ્રી વિઝન આપીએ છીએ ને તે જો વિચાર કર કર કરે તો થ્રી વિઝન ઉત્પન્ન થઈ જાય. એ વિચારો ઉત્પન્ન થઈ જાય ને એનાથી ઘણાં બચે છે. મને કાગળમાં લખે કે 'તમારા થ્રી વિઝને તો મારું ઘણું કામ કાઢી નાખ્યું.' પેલી બધી અવસ્થાઓ ના આવે, આ તો હું કહું એટલું જ છે ! મારા કહેલા ઉપર વિચાર આવે કે હા, આ વાત ખરી !

સત્સંગથી કાટ કપાય !

તેથી અમે હલકું કરી આપ્યું. આ જગતે જે માન્યું છે ને, સ્થૂળ ભાગને જ ધર્મની શરૂઆત માની છે. પણ અમે કહ્યું કે સ્થૂળ ભાગને જ ઉડાડી મૂકો ! આ કળિયુગમાં સ્થૂળ ભાગને પકડવા ગયા તેનો તો બધો માર છે ને ! સ્થૂળ ભાગ તો રોંગ જ છે અને કળિયુગમાં સ્થૂળ ભાગ જે રૂપકમાં છે તે તો એકુંય રાઈટ નથી, એટલે અમે કહ્યું કે જ્યાં નાદારી જ છે તે બહારનું ફેંકી દો, કટ ઓફ કરી નાખો અને એ તો રિઝલ્ટ છે. એને હવે લેટ ગો કરો.

પ્રશ્નકર્તા : આજે સત્સંગ બહુ સરસ મળ્યો.

દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય પર વાત નીકળી ને ! કાટ ચઢી ગયો હોય તે ખંખેરવું તો પડશે ને ? જૂના ગુના જેટલા થયા હોય તેને માફ કરી આપવા તૈયાર છું, પણ નવું હવે એમ કંઈ ચાલશે નહીં. હવે તમને સાચું સુખ મળ્યું. જ્યાં સુધી સાચું સુખ ના હોય ત્યાં સુધી આરોપિત સુખ ભોગવો. પણ હવે પોતાનું સુખ પરમ સુખ કે જે તમે જ્યારે માંગો ત્યારે મળે એવું છે. તો પછી હવે તમારે શેને માટે આવું બધું જોઈએ ! કોઈ કહે કે પાછલું કર્મ નડે છે. તે એવું નડે ખરું પણ કોનું નામ કર્મ નડ્યું કહેવાય કે માણસ કૂવામાં અજાણથી પડી જાય ને, તેને પાછલું કર્મ નડ્યું કહેવાય. બાકી આમ જો નિશ્ચય હોય કે મારે નથી જ પડવું, એવી રીતે વિષયના કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય હોવો જોઈએ. પછી પડી જવાય તો તેનો ગુનો માફ કરીએ છીએ. હવે જાણીને પછી પેલા કૂવામાં પડે એનો ગુનો માફ નથી કરતા. પણ આપણે ત્યાં તો હું બધા ગુના માફ કરું છું. પછી હવે કેટલીક માફી આપીએ ?! જ્યાં જોખમ ના હોય ત્યાં છૂટ આપીએ જ છીએ ને, બધું જ ખાવા-પીવાની છૂટ આપીએ જ છીએ ને ! કંઈ નથી આપી બધી છૂટ ?

આ તો કાળની અજાયબી છે. આ તો અગિયારમું આશ્ચર્ય છે ! માણસ સ્ત્રી સાથે રહીને જગતનાં દુઃખનો અભાવ અનુભવે એ બનેલું નથી ! જગત આખું દુઃખી છે, ત્યાં સંસારનાં દુઃખોનો અભાવ એ તો મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય !

હવે તમારે આ પૂરું થયું ક્યારે ગણાશે ? જ્યારે તમને જોઈને સામાને સમાધિ થાય, તમને જોઈને સામો દુઃખ ભૂલે ત્યારે પૂરું થયું ગણાય ! તમારું હાસ્ય એવું દેખાય, તમારો આનંદ એવો દેખાય કે બધાને હાસ્ય ઊભું થાય ત્યારે જાણવું કે આ દુઃખ પોતાનું બધું ગયું ! તમને બધાને હજી ટેન્શન રહે છે અને તે 'ટેન્શને' ય અમારી આજ્ઞામાં નહીં રહેવાથી છે. આજ્ઞા એટલી બધી સુંદર છે ને બહુ સહેલી છે. પણ હવે કેટલુંક અમુક ભોગવવાનું હોય તે છૂટકો થાય નહીં ને ! અને એમાં અમારાથી હાથ ઘલાય નહીં ને ?! પણ જ્યારે ત્યારે આમાંથી નીકળી જવાશે. કારણ કે જ્યારે સાચો રસ્તો જડ્યો પછી કોઈ માણસ માર્ગ ચૂકે નહીં ને !

- જય સચ્ચિદાનંદ.