|
સમતા સંપાદકીય પરમ પૂજ્ય દાદા ભગવાને વ્યવહારમાં ઉકેલ માટે ગજબનું સૂત્ર આપ્યું છે કે 'પ્રાપ્ત સંયોગોનો સુમેળ રાખીને સમતાભાવે નિકાલ કરો.' આટલા વાક્યમાં તો બધા ધર્મોનો સાર આવી જાય છે. આવું નક્કી જ કરે કે જે પ્રાપ્ત સંયોગો મને ભેગા થાય છે, તેમાં મારે સમતાભાવે નિકાલ જ કરવો છે, તો યે કેટલાં વેર-ઝેરના કર્મો ધોવાઈ જાય. આ નિશ્ચય જ કડવા પ્રાપ્ત સંયોગો વખતે હાજર રહી અને સમતામાં રખાવે. જ્ઞાની પુરુષનું વચનબળ છે, આપણો નિશ્ચય છે તો આ વાક્ય મહીં સમતાભાવ ઉત્પન્ન કરાવી ભારે કર્મોનો નિકાલ કરાવે તેવું છે. ગમતા સંજોગો ઉપર રાગ કરે છે, જ્યારે ના ગમતા સંયોગો ઉપર દ્વેષ કરે છે. તેના સંસારનાં કર્મબીજ નાખ્યે જાય છે પણ પરમ પૂજ્ય દાદા ભગવાન દેખાડે છે એટલું વિજ્ઞાન સમજાઈ જાય કે સંયોગો માત્ર વિયોગી સ્વભાવનાં છે. માટે કોઈ સંજોગોને ગમતો કરીશ નહીં કે ના ગમતો કરીશ નહીં. નહીં તો ગુનો ઊભો થશે. એને બદલે પ્રાપ્ત સંયોગોમાં સમતાભાવે નિવેડો લાવી નાખ તો એક-એક કર્મમાંથી મોક્ષ થતો જાય. સંયોગ ભેગા થાય તે પ્રારબ્ધ છે, પૂર્વકર્મના પોતાના જ બાંધેલા કર્મના ફળ રૂપે છે. જ્યારે અંદર સમતા રાખવી એ પુરુષાર્થ છે. આટલી માસ્ટર કી સમજી જાય તો કલ્યાણ થઈ જાય તેવું છે. અરે, વખતે અંદર વિષમતા ઊભી થઈ ગઈ, અકળાઈ જવાયું તો હ્રદયપૂર્વક પશ્ચાતાપ કરે અને ફરી નક્કી કરે તોયે ખોટ ધોવાઈ જાય તેમ છે ને મોક્ષ તરફ પ્રગતિ થાય તેમ છે. મોક્ષ માટે બીજી કોઈ ક્રિયા કરવાની નથી. માત્ર આંતરિક જાગૃતિ સમતાની રાખવાની છે. ખરું આંતર્ તપ જ આ કરવાનું છે. સામાયિકની વ્યાખ્યા પરમ પૂજ્ય દાદા ભગવાને ગજબની આપી. જે તીર્થંકરના હ્રદયમાં હતું, તે અર્થ આજે આપણને પ્રાપ્ત થાય છે કે સામાયિક એટલે અડતાળીસ મિનિટ વિષમ ભાવ ન થવા દેવો. પછી ગમે તે અપમાનના સંજોગ આવે કે નુકસાનના સંજોગ આવે તો ય ! તો એ વીતરાગોએ કહેલી સામાયિકનો લાભ મળી જાય ! જ્ઞાની પુરુષની સમતા તો કેવી હોય કે કોઈ કચડી કચડીને મારે તોયે સમતા જ રાખે ને જોડે જોડે આર્શીવાદ આપે. કિંચિત્માત્ર સામાના દોષ ના દેખાય ! કેવી ગજબની સમતા ! આવું જાણીએ તોયે તેવી દશા તરફ ક્યારેક પહોંચાય ! પ્રસ્તુત સંકલનમાં સમતાની વ્યાખ્યા દાદા ભગવાનની જ્ઞાનવાણીમાં પ્રગટ થઈ છે, જે યથાર્થપણે સમજવા અત્યંત ઉપકારી થશે એ જ અભ્યર્થના. દીપકના જય સચ્ચિદાનંદ સમતા પ્રાપ્ત સંયોગોનો સમતાભાવે નિકાલ ! પ્રાપ્ત સંયોગો વિના જગતમાં કોઈ વસ્તુ નથી. 'પ્રાપ્ત સંયોગોનો સુમેળ રાખીને સમતાભાવે નિકાલ કરો.' આટલું વાક્ય વ્યવહારમાં જે કોઈ લોકોના સમજમાં આવે, કેટલું હેલ્પ કરે ?! પ્રશ્નકર્તા : સમતા કેવી રીતે આવે ? દાદાશ્રી : વિષમતા કેવી રીતે આવે ? વિષમતા વેચાતી લાવ્યા ? પ્રશ્નકર્તા : ના, એ ચાલુ જ છે. દાદાશ્રી : ના, પણ એ કેવી રીતે લાવ્યા ? એની મહેનત કરવી પડે તમારે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે સમતા માટે ય મહેનત નહીં કરવી પડે. 'અહીં' તમને સમતા ઉત્પન્ન થશે. હવે એને બહારના લોકો જ્ઞાન ના આપ્યું હોય તેને સમતાભાવ એક્ઝેક્ટ ના હોય પણ અમુક તો સમતાભાવ, એ એને પોતાની ભાષાનો સમતાભાવ હોય. પ્રશ્નકર્તા : હોય. હા, હા. એની ભાષાનો હોય. દાદાશ્રી : એ નિકાલ કરે. હવે પ્રાપ્ત સંયોગો એટલે શું ? એની જોડે ફાવતું નથી એ માણસ આવીને ઊભો રહ્યો. હવે ત્યાં આ વાક્ય એને ખ્યાલમાં રહે તો નિવેડો આવે. હંઅ, આ પ્રાપ્ત સંયોગને ? એની મેળે આવીને ઊભો રહ્યો. સંયોગો પ્રત્યે રાગ-દ્વેષથી બંધન ! કોઈ વાત પોતાને ગમતી આવે છે અને પાછું ના ગમતું આવે છે, 'એને' સંજોગ ગમતો આવે છે ને ના ગમતો આવે છે. હવે ગમતું આવે છે ત્યારે એમાં વીતરાગો શું કહે છે કે આ કોઇ ચીજ ગમાડવા જેવી નથી અને ના ગમાડવા જેવી પણ નથી, આમાંથી 'તું' છેટો રહે. કારણ કે ના ગમાડવા જેવી ચીજ જ નથી. છતાં 'તું' તારી મેળે બંધાય છે કે આ વસ્તુ સરસ છે. અને આને 'સરસ છે' કહ્યું એટલે બીજાને 'ખરાબ છે' બોલીશ. એકને સારું કહ્યું માટે બીજાને 'ખરાબ' કહેવાનો જ ! એટલે વીતરાગો શું કહે છે ? બધા સંયોગો જ છે. અને આ તો આપણે ભાગ પાડ્યા કે આ સંયોગ બહુ સારો છે ને આ સંયોગ ખરાબ છે. વીતરાગોએ એ બધા સંયોગોને એમ જ કહ્યું કે, 'આ બધા સંયોગો જ છે. અને એ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે.' એટલે કોઇ પણ સંયોગને ગમતો કરીશ નહિ અને ના ગમતા સંયોગોને તારે ધક્કો નહિ મારવો પડે. જો તું ધક્કો મારવા જઇશ તો તારો મોક્ષ જતો રહેશે. કોઇ પણ ના ગમતો સંયોગ ભેગો થયો તો તે ઘડીએ તું એ સંયોગને ધક્કો મારીશ તો તું ફરી ગૂંચવાડામાં પડીશ. માટે એ સંયોગને ધક્કો મારવા કરતાં એને સમતાભાવે તું પૂરો કર. અને નહિ તો ય એ ના ગમતો સંયોગ એ વિયોગી સ્વભાવનો જ છે. માટે એની મેળે જ વિયોગ થઇ જ જવાનો છે. તારે કશી ભાંજગડ જ નહિ. પ્રશ્નકર્તા : પણ થાય છે શું કે આપણા મહાત્માઓ છેને એની સાથે સમભાવે નિકાલ થઈ જાય છે દરેક વસ્તુનો. દાદાશ્રી : હા, થઈ જાય છે. પ્રશ્નકર્તા : પણ કોઈ ભેજાંબાજ આવે ત્યારે ત્યાં માથું ફોડી નાખે. દાદાશ્રી : હા, એ તો બહુ ભારે ખાતું કહેવાય. એ ચીકણું વધારેને, એ બોજો આપણી પર પડે. એ તો બોજો આવે અને આ તો બિચારાં બોજો કાઢવા માંગે છે સામો ય કાઢવા માંગે. આપણે ય કાઢવા માંગીએ તો ઉકેલ આવી જાય. પણ પેલા તો બોજાવાળા. પણ તો ય તમે 'સમભાવે નિકાલ કરવો છે' તો એને મન ઉપર અસર થયા વગર રહે જ નહીં. પ્રશ્નકર્તા : હા, એ ભાવના રહી શકે છે પણ અમલ નથી થતો, એ કહેવાનું મારું તે વખતે દાદા એમ થાય કે આને ઊંચકીને લઈ જઈએને એને જ્ઞાન અપાવી દઈએ પછી વાત કરીએ આને.... દાદાશ્રી : હા, એ તો બહુ ઉત્તમ કહેવાય. આટલી ઉત્તમ ભાવના કહેવાય કે તેને ઊંચકીને લઈ જઈને જ્ઞાન અપાવી દઈએ ને એ રાગે પડી જાયને પેલાનું તો અને આપણને બોજારૂપ મટી જાય. નહીં તો પછી નકામો બોજારૂપ થયા કરે ને ગૂંચવે એને. સંયોગો એ પ્રારબ્ધ, સમતા એ પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : દાદા, આ જે પ્રાપ્ત સંયોગો એ પ્રારબ્ધ કહેવાય ? દાદાશ્રી : હા. પ્રારબ્ધ બધું છે. પ્રશ્નકર્તા : અને સમતાભાવે જે નિકાલ કરવો એ પુરુષાર્થ ? દાદાશ્રી : પુરુષાર્થ કહેવાય. એ મોટામાં મોટો પુરુષાર્થ. ભલે ભ્રાંતિ રહી પણ એ પુરુષાર્થ મોટો છે. મોક્ષ તરફ લઈ જાય. હા, મોક્ષના સંયોગો ભેગા કરી આપે. સંયોગ બાઝયો એ પ્રારબ્ધ અને સંયોગ અવળો આવે તે ઘડીએ સમતા રાખવી એનું નામ પુરુષાર્થ. સંયોગ જે જે બાઝે છે બધું પ્રારબ્ધ છે. તમે 'ફર્સ્ટ કલાસ' પાસ થયા તેય પ્રારબ્ધ અને કોઈ 'ફર્સ્ટ કલાસ' નાપાસ થાય તેય પ્રારબ્ધ. આ શબ્દો પરથી નોંધ કરજો કે જેટલા સંયોગ બાઝે છે તે બધું જ પ્રારબ્ધ છે. સવારમાં ઊઠાયું તે સંયોગ કહેવાય. સાડા સાતે ઊઠાયું તો સાડા સાતનો સંયોગ કહેવાય. એ પ્રારબ્ધ કહેવાય. પ્રશ્નકર્તા : એ માણસ મારા માટે ખરાબ બોલે, મારી સામે જ બોલે અને હું એના માટે સમભાવ રાખી પુરુષાર્થ કરું, તો એ ખરેખર પ્રારબ્ધ કહેવાય કે નહીં ? દાદાશ્રી : ના, આપણને સંયોગ બાઝે છે તે ખોટો હોય, આપણને ગાળો ભાંડે ત્યાં લોકો પુરુષાર્થ નથી કરતા અને સામી ગાળો ભાંડે, મોઢું ચઢાવે એવું કરે છે. કોઈ તમને ગાળ ભાંડે તે વખતે તમને મનમાં એમ થાય કે આ મારા જ કર્મનું ફળ છે, સામો તો નિમિત્ત છે, નિર્દોષ છે. એ ભગવાનની આજ્ઞારૂપી પુરુષાર્થ છે. તે ઘડીએ તમે સમતા રાખો તે પુરુષાર્થ છે. પ્રારબ્ધ ને પુરુષાર્થમાં તો લોકો બસ એટલું જ જાણે છે કે 'મારે બસ, અગિયાર વાગે જવાનું છે, કેમ મોડું થયું ? કઢી કેમ આમ ઢોળી નાખી ? આમ કર્યું ને તેમ કર્યું.' અરે, કઢી ઢોળાઈ ગઈ તો તે સંયોગ કહેવાય. આટલાથી બે જુદા ભાગ પડે કે સંયોગ અને વિયોગ બે જ સંસારમાં છે. જેટલા સંયોગ છે તેટલા વિયોગ થવાના જ છે અને સંયોગ જે થયો તેમાં સમતા રાખવી તે પુરુષાર્થ. કોઈ ફૂલાં ચઢાવે તો આમ છાતી ફૂલાવે તો તે પુરુષાર્થ ના કહેવાય. સ્વાભાવિક જે જે થાય તે પ્રારબ્ધ છે. ફૂલાં ચઢાવ્યાં તે આપણે આમ પધ્ધતિસર રહીએ; એવો પુરુષાર્થ પહેલાં કોઈ દહાડો થયેલો ? અને આ 'વ્યવસ્થિત'નું જ્ઞાન તો બધા લોક માટે નથી. કારણ કે એની જોડે અહંકાર છે ને ! હવે અહંકાર 'વ્યવસ્થિત'ના તાબામાં છે અને એ પોતે કહે છે કે 'હું કરું છું' એટલે એ બંનેનો ત્યાં આગળ ડખો થાય છે. વ્યવસ્થિતમાં પણ ડખો કરીને ઊલટું સુખ બગાડે છે. એ અહંકારથી જો એટલો ડખો ના કરતો હોય ને સમતાથી જો પુરુષાર્થ કરતો હોય તો બહુ ફાયદાકારક થઇ પડે. તોય 'એનાથી' 'વ્યવસ્થિત' તો મનાય જ નહીં. 'વ્યવસ્થિત' તો ચોખ્ખું થયા પછી, 'આત્મા' પ્રાપ્ત થયા પછી જ સમજાય ! મુખ્યતા એ દુઃખ એવો આ દુષમ કાળ ! બીજા કશા માટે મહેનત-મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઇ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે. આ છોકરાંને ચોરી કરતાં કોણ શીખવાડે છે ? બધું બીજમાં જ રહેલું છે. આ લીમડો પાને પાને કડવો શાથી છે ? એના બીજમાં જ કડવાશ રહેલી છે. આ મનુષ્યો એકલાં જ દુઃખી-દુઃખી છે, પણ એમાં એમનો દોષ નથી. કારણ કે ચોથા આરા સુધી સુખ હતું અને આ તો પાંચમો આરો, આ આરાનું નામ જ દુષમકાળ ! કાળનું નામ જ દુષમ !! પછી સુષમ ખોળવું એ ભૂલ છે ને ? એટલે મુશ્કેલી તો આવ્યા જ કરવાની. મુશ્કેલી વગર તો આ ટાઇમ જાય એવો નથી, આનું નામ જ દુષમકાળ ! મહાદુઃખે કરીને સમતા રહે એવો આ કાળ છે. એટલે નવ્વાણું ટકા વિષમતા જ રહે. એમાં થોડી ઘણી સમતા રાખવી એ કંઈ જેવી તેવી વાત છે ?! અત્યારે આ તો વિષમતાનો સાગર છે. પ્રશ્નકર્તા : એમાં થોડીક સમતા રહી જાય એ આશ્ચર્ય છે ! દાદાશ્રી : હા, એ આશ્ચર્ય કહેવાય અને એવી સમતા રહે તો એનો આનંદ આપણને ચોખ્ખો માલૂમ પડે. વિષમતામાં સમતા, એ જ જ્ઞાન ! પ્રશ્નકર્તા : આપ જ્ઞાન આપો પણ અમારો કંઇ પાયો તો જોઇએને ? દાદાશ્રી : આ બધા જ પાયા વગરના હતા. પાયાવાળો કોઇ થયો જ નથી. જે જાણેલાથી ઠોકર વાગે તે અંધારું ના કહેવાય ? અજવાળામાં ઠોકર ના વાગે. વિષમ પરિસ્થિતિમાં સમતા રહે તેનું નામ જ્ઞાન, સમતામાં તો બધાને સમતા રહે. 'મેં આ કર્યું, તે કર્યું, મેં ભક્તિ કરી.' એ બધું 'ઇગોઇઝમ' છે. જ્ઞાન 'આઉટ ઓફ ઇગોઇઝમ' છે. સાચો ધર્મ, સમતામાં રખાવે ! અનંત અવતારથી ધર્મ કરે પણ ધર્મ પરિણામ પામતો નથી અને અધર્મ વધતો ગયો. સહેજ કોઇ સળી કરે કે, 'ચંદુલાલમાં અક્કલ નથી.' તો તે પહેલાં આમ ભડકો જ થઇ જાય. સામાયિક કરતાં કે માળા ફેરવતાં ય કોઇ સળી કરે તો ય ભડકો થઇ જાય. થઇ જાય કે નહીં ? પ્રશ્નકર્તા : થઇ જાય. દાદાશ્રી : આવું કેમ થઇ ગયું હશે શેઠ ? સમતા રહે નહીં ને ?! બાકી, ઉપાધિમાં સમતા રહે ત્યારે જાણવું કે મોક્ષનાં વાજાં વાગ્યાં. પ્રશ્નકર્તા : એ સમતા કેવી રીતે રહે ? દાદાશ્રી : કેમ કેવી રીતે રહે ? જુઓ, આ ભાઇને સમતા રહે છે કે નથી રહેતી ? એમને પૂછો તો ખરા ? ઉપાધિમાં સમતા રહેવી જ જોઇએ, નહીં તો ધર્મ જ કેમ કહેવાય ? અત્યાર સુધી કર્યું એ ખરો ધર્મ જ ના કહેવાય. ધર્મ તો તેનું નામ કે અપમાન કરે, ગજવું કપાય તો ય હાજર રહે. આ તો તમને ધર્મ મદદ નથી કરતો ને ? હવે આ અપમાન કે નુકસાન સહન કેમ થતું નથી ? ત્યારે કહે કે, 'ધર્મ જાણ્યો નથી, ધર્મ સુણ્યો નથી, ધર્મ શ્રધ્યો નથી.' ધર્મ સાંભળ્યો ય નથી હજી. ધર્મ સાંભળ્યો હોય ને શ્રધ્ધા બેઠી હોય તો ધર્મ તે ઘડીએ મદદ કરે. આ તો ધર્મ ઊભો જ રહેતો નથી ને ? તમને એકલાને આવું છે એવું નથી. સાચો ધર્મ તો એનું નામ કહેવાય કે સર્વ દુઃખોથી મુક્ત કરે. દુઃખો વધારે એને ધર્મ કહેવાય જ કેમ ? ગમે તે સ્થિતિમાં સમતા તે આંતર તપ ! પ્રશ્નકર્તા : શબ્દોમાં ના મૂકી શકે પણ અનુભવ થઈ ગયો ને ! આપની પાસે જ્ઞાન લીધું અને પછી થોડા દિવસ પછીથી કારખાનામાં બધાં લોકોએ ચંદુભાઈને માર્યા. નહીં તો ચંદુભાઈને મારે એ ચંદુભાઈ કંઈ ચલાવી ના લે, સામા થઈ જાય. જ્ઞાનથી સમતા રહી. દાદાશ્રી : એવું છે મારવામાં સમતા થાય, લક્ષ્મીમાં થાય છે કે નહીં તે જોવાની જરૂર. પ્રશ્નકર્તા : લક્ષ્મીમાં ? પણ મારવામાં ય જો જ્ઞાન પરિણામ ના પામ્યું હોય તો અહંકાર છતો થઈ જાયને, દાદા ? દાદાશ્રી : ના, પણ એ પરિણામ પામી ગયું. એટલે પેલો માન કષાય તો બંધ થઈ ગયો. હવે લક્ષ્મીનો કષાય. એ લોભ કષાય. એ લોભ કષાયમાં છે તે ત્યાં સમતા ના થાય. અદીઠ તપ એટલે કોઈ પાર્ટી ડૂબી અને મહિના ઉપર જ લાખ રૂપિયા જમે મૂક્યા હોય ને પાર્ટી ડૂબી તે સાંભળતાની સાથે મહીં તપ શરૂ થઈ જાય તમારું. આપણે તે વખતે તપ કરી લેવું. આપણે તપ કરીએ ને સમતા રાખીએ બિલકુલ અને ખરાબ વિચાર એમને માટે આવે તેનું પ્રતિક્રમણ કરીએ, એટલે તમે ક્લિયર રાખ્યું. એ ક્લિયરનેસની અસર એમની ઉપર થાય. પ્રશ્નકર્તા : તપ એટલે શું, અંદર ઘર્ષણ થાય ? દાદાશ્રી : નહીં, મહીં અજંપો થાય ને અકળામણ થાય. મોઢે બહાર ના બોલીએ પણ અંદર ને અંદર અકળામણ થઈ જાય. તે તપ સહન કરવું પડે. બહાર તો ફાઈલોનો નિકાલ કરીએ સમભાવે, પણ મહીં અકળામણ થઈ જાય એ સહન કર્યું ને પેલાને સામાને દઝાડ્યા સિવાય શાંતિથી સહન કર્યું, એનું નામ તપ કહેવાય. એને અદીઠ તપ કહ્યું. પ્રશ્નકર્તા : તપ અંદર કેવી રીતે ઊભું થાય ? લૂંટી ગયા પછી મહીં શું કરવું ? દાદાશ્રી : એ પેલું તપી જાય એટલે તપ સહન ના થાય એટલે એ પોતે બૂમાબૂમ કરે એ હઉ તપી જાય, ત્યાં જ્ઞાનથી તપ કરવાનું. પ્રશ્નકર્તા : જ્ઞાનથી એડજસ્ટ થાય, પાંચ આજ્ઞાથી. પણ પેલું લૂંટી લીધા એવી બૂમો પાડ્યા જ કરે અંદરથી. દાદાશ્રી : તે ઘડીએ હ્રદય તપે. સહન થાય નહીં. વિચાર ઉપર વિચાર, વમળો ફૂટે બધું. તે ઘડીએ જોયા જ કરવાનું તપેલું. તે ઘડીએ મન બગડવું ના જોઈએ સામાને માટે. સહેજેય મન બગડે તો તપ જ કેમ કહેવાય ? ગમે તે સ્થિતિમાં સમતા જ રહે તો એ જ અદીઠ તપ ! બીજું શું ? બધું જ પોતાનું છે, પારકાંનું છે નહીં. પારકાનું હોય તો તમારે ભોગવવું પડે એવું બને નહીં. એટલે એમાં પ્યૉર રહેવાનું. પ્યૉર થવાનું છે, ઇમ્પ્યૉરિટી ના રહેવી જોઈએ. કચરો બધો નીકળી જાયને, દાદાની પાસે તો બધું નીકળી જાય છે. દાદા બધાને ભગવાન બનાવે છે. એ તમે ફેરફાર નહીં જોયેલો ? પ્રશ્નકર્તા : કોઈ અપમાન કરે ને સહન કરીએ તો એય તપ ગણાય પછી ? દાદાશ્રી : એય પ્રાપ્ત તપ કહેવાય. તમારું તપ શાથી વહેલું આવ્યું કે જલ્દી ઉકેલ આવવાનો છે, ચોખ્ખા થઈ જવાના છે, સ્પીડિલી ! ઉખાડતી વખતે મહીં તપ થાય છેને ! ચિત્તમાં દુઃખ થાય છે ? એ તપ કહેવાય. એ તપને જોયા કરવું. એને દુઃખ નહીં માનવું. દુઃખ માનો તો તપ ઊડી જશે તે ઘડીએ. ડિપ્રેશનમાં લાભ, આત્મપ્રગટતાનો ! ડિપ્રેશન તો સારામાં સારો વખત કહેવાય. લાભ ઉઠાવવો. ડિપ્રેશન આડે દહાડે આવે નહીં અને આત્મા પ્રગટ થાય નહીં. આત્મા પ્રગટ ડિપ્રેશનમાં જ થયેલો છે. ડિપ્રેશનનો લાભ જ લેવો હંડ્રેડ પરસેન્ટ. ડિપ્રેશન જવા ના દેવું. હવે લાભ લઈશ ને ? કેટલા ટકા ? પ્રશ્નકર્તા : સો ટકા લાભ લેવો છે. દાદાશ્રી : હંઅ... આ મૂઆ મારી જોડે રહે એ સમજતા નથી તો મને એમ થાય કે આ તો કેવા છે ?! બ્રહ્મચર્ય પાળનારા હોય એ આવાં હોય ? દેહને કહીએ, 'સળગ, એક બાજુ તું સળગું ને હું જોઉં. તું ભડકો થઈને સળગું તે હું જોઉં' કહીએ. એવાં સ્ટ્રોંગ હોય ! આ તો એક આટલું નાનો અમથો પરિષહેય સહન નહીં થતો તો બાવીસ પરિષહ એ શું સહન કરે આ પ્યાદાં ?! પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ બળ આપેને ? દાદાશ્રી : જ્ઞાની પુરુષ તો બધું બળ આપે પણ તોય પોતાની સમજણે જ ચાલે, ગાંડાં કાઢે. ડિપ્રેશનની દવા કરે. ઓહોહોહો, દવા કરી !! ડિપ્રેશન તો મોટામાં મોટું આત્મા પ્રગટ થવાનું મોબારું છે. ઊલ્ટું મહીં ડિપ્રેશન ના આવતું હોય તો કોઈકને કહેવું કે મને વઢો. ડિપ્રેશન એટલે શું કે આ આત્મા પ્રગટ થવાની અણી આવી ચૂકી. તને ખબર નહીં એવું ? પ્રશ્નકર્તા : એટલે પેલું સહન ના થાય એટલે પછી ભૌતિકમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરે પછી. દાદાશ્રી : એ સહનતાની હદ ઉપર આત્મા પ્રગટ થાય ! એમ ને એમ તે કંઈ આત્મા પ્રગટ થતો હશે કે ? પ્રશ્નકર્તા : પણ દાદા, આ જે વાત કરી એ એક્ઝેક્ટ છે, પણ અત્યારે પોતે એકલો આ યુધ્ધ લઢી શકે એવો છે નહીં. દાદાશ્રી : ના. લઢી શકે એવો છે, બધું લઢી શકે છે. આ પેલાએ (ફાઈલ નંબર ૧ ને) ડફડાવ્યો ને જે એ રડ્યો, એવો રડ્યો, પછી બંધ થઈ ગયું આખુંય. અવળું ખાતું જ બંધ થઈ ગયું. સમતાની ટૂંકી વ્યાખ્યા ! સમતા શી રીતે આવે ? કોઈની ચા ના પીવે અને કોઈની ઉપર ગુસ્સે ના થાય, એવી રીતે દરેક કામનો ઉકેલ લાવે. એને સમતા આવી. સમતા બીજી શી રીતની ? કંઈ આ તો કોર્ટો છે ધર્મની કે ઈક્વીલીબ્રીયમ થવાનું છે ?! આ તો ચંદુભાઈ આની પર ગુસ્સે થયા અને ચંદુભાઈ ગુસ્સો કરે છે એને 'એ' પોતે જુએ તો એનું નામ સમતા. ત્યાગનું ફળ વિષમતા ?! ગમે તેટલો બાહ્ય ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો ભૂલ ના દેખાય, પણ ત્યાગમાં સમતા આવે તો ભૂલ દેખાય. મહારાજ વહોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઇ જાય તો વિષમતા થઇ જાય ! તો ભૂલ શી રીતે દેખાય ? ત્યાગમાં સમતા રહેવી જોઇએ. કોઇ માણસે કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય કે મારે લસણ-કાંદા નથી ખાવા, છતાં કાંદાનો ટુકડો ભૂલથી ઊડીને પડ્યો હોય ને ખાતી વખતે હાથમાં આવ્યો તો મગજનો પારો ચઢી જાય, બૂમો પાડે. કેટલાંક તો કાંદા જોવા જ રાજી ના હોય, જુએ તોય ગમે નહીં, ત્યારે એની સ્થિતિ કઇ ? ત્યારે શું એને સમતા રહે ? પ્રશ્નકર્તા : ના, વિષમતા રહે. દાદાશ્રી : આ ત્યાગનું ફળ વિષમતા આવ્યું, એના કરતાં તો ત્યાગ ના કર્યો હોત તો સારું. ભગવાને શું કહ્યું કે એક બટાકાનું ફોડવું ભૂલથી આવી ગયું તો તને શી ખોટ ગઇ ? આ બધા બટાકા જ છે ને? જે ભોગવાઇ જાય એ બધા બટાકા જ છે ને ! આ તો ભાન જ નથી તે બુધ્ધિથી ભેદ પાડ્યા. ભૂલથી આવી ગયું તો આપણે એનો ઉકેલ લાવવો. એ તો આવડવું જોઇએ ને ?! સમતા ક્યારેય પણ ના છોડાય. ત્યાગમાં સમતા રહે તો 'એ' મોક્ષે લઇ જનાર છે. આ ત્યાગ સમતા વધારવા માટે કર્યો કે વિષમતા માટે ? ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ બૂડથલ છે. માટે જ્ઞાનીની પાસે સમજીને ત્યાગ કર, નહીં તો ત્યાગ ના કરીશ. આ તો બહુ મોટું દવાખાનું છે. માટે જ્ઞાનીને પૂછ કે શું કરું ? ત્યારે પેલો કહેશે કે, 'ના, 'આ' તો સંસારી છે.' તો તું તારી મેળે દવા બનાવીને પી ને ! કોણે ના પાડી છે? આ તો તારે મોક્ષે જવું હોય, ત્યાગમાં સમતા લાવવી હોય તો 'જ્ઞાની'ને પૂછ, નહીં તો તારી જાતે દવા બનાવવાની સોદાબાજી ચાલુ રાખ. વીતરાગો પણ કોઇને વઢ્યા નથી. કેવા ડાહ્યા છે વીતરાગો ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં, એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણો પણ એ જ ધ્યેય છે ને ? આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાવ, પાછળ 'દાદા' થવાના છે ત્યાં જાવ, તે 'અમારા' ભાગે આવ્યું છે. 'અમારો' ઠપકો તો 'કરુણા'નો ઠપકો છે. 'અમારો' સ્વભાવ તો વીતરાગ છે. પણ 'જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે' જેવો સામે રોગ હોય તેવી આ નૈમિત્તિક વાણી નીકળે. જ્ઞાનીની ઉત્કૃષ્ટ સમતા ! આટલી બધી જંજાળોમાં ય તમને મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ જાય છે. બટાકાનું ફોડવું તો આવે, પણ એને ધીમે રહીને કોઇ ના જાણે તેમ નાખી દેવાનું, સમતાથી. પણ જેને વિષમ સ્થિતિ થઇ જાય એ શું કહે ? 'કંઇંથી લઇ આવ્યો આ ? જા નાખી દે.' અમારી દાળમાં માંસનો ટુકડો આવી જાય, તો અમે તરત જ તે કાઢીને ધીમે રહીને ઓટીમાં ઘાલી દઇએ. ભલે લૂગડું બગડે, પણ અમે બીજાને હલાવીએ નહીં, હલાવીએ તો એ દાળ જે ખાય તે રોગિષ્ઠ થઇ જાય. આ લોક તો આવા કેટલાંય વાંદા ને કેટલીય ગિલોડીઓ ખાઇ ગયા છે; તેના પછી રોગ થાય, કોઢ થાય, બીજું થાય. બહારનું જે બધું ખાય છે એમાં બાપોય તપાસ રાખતો નથી. તે મહીં જીવડાં પડે ને લોક ટેસ્ટથી ખાય. અમે તો માંસનો ટુકડો સંતાડી દઇને 'વ્યવસ્થિત' ઉપર છોડી દઇએ, જાણે કશું જ બન્યું ના હોય તેમ વર્તીએ અને શેઠનું તો લોહી બળી જાય, બૂમાબૂમ કરી મૂકે તે ઘરનાં બૈરાં-છોકરાં સ્થંભિત થઇ જાય, અમે તો સમજીએ કે આ બઇએ કંઇ જાણી-જોઇને માંસનો ટુકડો નાખ્યો હશે ? ના. એ તો કશુંક લેવા ગઇ હશે ને ઉપરથી કાગડો રોટલીનો ટુકડો લેવા આવ્યો હોય ને તેના મોઢામાં માંસનો ટુકડો હોય તો તે દાળમાં પડ્યો. એવિડન્સ કેવા કેવા બને છે ?! માટે માણસે બધી તૈયારી રાખવી જોઇએ. શું શું બને અે બધું જ લક્ષમાં રાખવું જોઇએ ને ? છૂટે મમતા તો આવે સમતા ! આ બધી વાણીઓમાં અહંકાર હોય, જ્યાં મમતા ત્યાં વીતરાગ વાણી ના હોય. કંઈ પણ મમતા છે, ત્યાં વીતરાગ વાણી ના હોય. પ્રશ્નકર્તા : સમતા હોય ત્યાં હોય ? દાદાશ્રી : મમતા જ ના હોય તો વીતરાગ વાણી હોય. એવા સમતાવાળા તો બહુ સાધુઓ જોયા. પણ મમતા છૂટી ના હોય. તે મમતા છૂટે ત્યારે વીતરાગતા આવે. સમતા તો અડચણ ના હોય એટલે રહે. આ કૂતરાને ય રાતે બે પૂરીઓ ખવડાવીએને, તો આખી રાત નિરાંતે સમાધિમાં રહે. એ સમતા ચાલે નહીં. એનામાં મમતા સહેજ પણ ના જોઈએ. ખૂણેખાંચરે પડી રહેલી મમતા ના ચાલે. આત્મજ્ઞાન તો જ્ઞાની પુરુષ પાસેથી થાય. બાકી જ્યાં સુધી 'હું ચંદુલાલ છું' એ મમતાભાવ છે ત્યાં સુધી સમતાભાવ ક્યાંથી આવે ? એક વખત સમકિતને સ્પર્શે ત્યાર પછી જ યથાર્થ સમતાભાવ આવે. આ લોકો કહે છે તે તો લૌકિક સમતાભાવ કહેવાય. શાસ્ત્રો-પુસ્તકો વાંચી વાંચીને પુસ્તકોનો મોક્ષ થયો પણ એમનો ના થયો ! સામાયિકનો મૂળ અર્થ ! જૈનોની સામાયિક એટલે શું ? સમતાભાવ કેળવે. હવે સમભાવે નિકાલ કરવાની તમે આજ્ઞા પાળો, એનું નામ જ સામાયિક. સમભાવે રહેવું એનું નામ જ સામાયિક અને વિષમભાવે રહેવું એનું નામ જ સંસાર અને સામાયિક એટલે, આ દુનિયાની વ્યવહારિક સામાયિક એટલે શું ? અડતાળીસ મિનિટ સુધી બીજા વિચારમાં ન આવવું, એક જ વિચારમાં. બસ એ સામાયિક. પ્રશ્નકર્તા : સામાયિક શબ્દનો ભાવાર્થ જરા બરાબર સમજાવો. દાદાશ્રી : સામાયિક એટલે એકાગ્રતા એવું નહીં ! પેણે દસ પ્યાલા પડી ગયાનું આમ જાણવામાં આવ્યું, તોય મહીં સમતા રાખે, ત્રાજવાનું પલ્લું નમે નહીં એકુંય બાજુ, એનું નામ સામાયિક. સામાયિક એટલે ત્રાજવાનું પલ્લું, એક્ઝેક્ટ ! સામાયિક એટલે અડતાળીસ મિનિટ એક વિષમભાવ ન થવા દો, એનું નામ સામાયિક. પોતાને જ્ઞાન તો છે નહીં અને વિષમભાવ ન થવા દેવું, ઓહોહો, બહુ મોટી અજાયબી કહેવાય. જો કે આ અર્થ અત્યારે પ્રચલિત નથી. મૂળ અર્થ આ છે સામાયિકનો. ત્યાં વિષમતા ન થવા દે તે ! સવારના પહોરમાં ઊઠીને શાક લેવા જતાં હોય તો શુધ્ધાત્મા જોતાં જોતાં જાવ તો કોઈ વઢે ખરું ? હેં ? ગધેડું કહેશે, કેમ મારા સામે શુધ્ધાત્મા જોયું ? એવું કહે ? માટે સમતા. વિષમતા નહીં. પલ્લામાં ખૂટ્યું કે તરત આ બાજુ નાખે. દેડકાની પાંચ શેરીઓ બાંધીએ ત્યારે મુશ્કેલી ઊભી થાયને ! ત્યાં સમતા ના રહે. એવું છેને, આ બાજુ પાંચ શેરી મૂકી હોય અને પાંચ શેરનું, દસશેર કરવું હોય તો બીજી બાજુ પાંચ શેર બીજી વસ્તુ મૂકવી પડે. બીજું કોઈ પથ્થર કે ઢેખાળા કંઈ પણ મૂકવું પડે. અગર તો ઘઉં હોય તોય ચાલે, એ જો એટલું પાંચ શેર તોલ્યા પછી આમાં પાછી પાંચ શેર મૂકીએ એટલે પછી ફરી દસશેર તોલી શકાય. પાંચ શેરી બાંધવા માટે શું કરે ? એક બાજુ આ પાંચ શેર મૂકે અને એક બાજુ કશુંય સાધન ના હોય તો, એક જણે દેડકા મૂક્યા. તે આમથી બે મૂકે ત્યાર હોરો ત્રણ કૂદીને બહાર ગયાં. એટલે એ બધું એવું પકડી પકડીને મૂકે ત્યાર હોરાં ત્રણ કૂદીને બહાર નીકળે. એટલે પાંચ શેરી બંધાય નહીં. એવી રીતે આ લોકોનું સામાયિક થાય છે. પ્રશ્નકર્તા : હું હમણાં પૂછવાનો જ હતો કે દેડકાની પાંચ શેરી સાંભળ્યું છે ખરું પણ એ છે શું ? દાદાશ્રી : હા, આ બે અહીંથી ઉઠાવીને મૂકે ત્યાર હોરો ત્રણ કૂદીને બહાર પાછાં. એટલે એવી સામાયિક થાય છે આ લોકોની. એટલે ત્રાજવું આમનું આમ થયા કરે. આમનું દેડકાની પાંચ શેરી જેવું સામાયિક થાય નહીં કોઈ દહાડો ય. આ દેડકાની પાંચ શેરી કહીએ તો વઢંવઢા કરે. હેં... અમારા સામાયિકને દેડકાની પાંચ શેરી કહો છો ?! ત્યારે નહીં કહીએ, ભઈ ! ત્રાજવાનું પલ્લું જરા ઊંચું-નીચું હતું. એટલું જ કહીએ. બાકી દેડકાની પાંચ શેરી જેવું જ છેને !! આમથી બે મૂકવા જાય ત્યાર હોરો ત્રણ કૂદીને બહાર નીકળે. પાંચ શેરી બંધાય ખરી ?! પ્રશ્નકર્તા : ન બંધાય. દાદાશ્રી : એટલે સામાયિકનો ખરો અર્થ આજે નીકળ્યો એક્ઝેક્ટ અર્થ. જે તીર્થંકરોના હ્રદયમાં હતું તે અને તે અર્થ પ્રચલિત નથી, આજ બબ્બે હજાર વર્ષથી કોઈ જાણતુંય નથી. સામાયિક એટલે વિષમતા ન થવા દેવી તે. છોકરો એની માને ગાળો ભાંડતો હોય આવડી આવડી. તે ઘડીએ બાપ સહન ન કરી શકે. પણ સામાયિકમાં બેઠો છે એટલે મનમાં એમ ખાતરી રહે કે અત્યારે સામાયિકમાં બેઠો છું, એટલે મારે વિષમતા નથી કરવી. આ એવી સામાયિક કરતો હોય તો કામ જ થઈ જાયને ! આપણા મહાત્માઓને રહે છે, સામાયિક જેવી સમતા રહે છે. એમાં બે મત નહીં ! સામાયિકમાં શ્રાવક બને શ્રમણ ! પ્રશ્નકર્તા : સામાયિક કરતી વખતે શ્રાવક પણ શ્રમણ જેવો બની જાય છે. દાદાશ્રી : એટલે શ્રમણ કોનું નામ કહેવાય કે વધુ સમતા ધરાવે એ શ્રમણ કહેવાય. સમતાધારી લોકો એ શ્રમણ કહેવાય. એટલે શ્રમણ જેવો જ થઈ જાયને ! પ્રશ્નકર્તા : હું શ્રાવક એટલે ગૃહસ્થી એમ સમજું છું. દાદાશ્રી : હા, પણ ગૃહસ્થી શ્રમણ સમતાવાળો હોય નહીં, પણ તે સામાયિક કરે તે દહાડે એક કલાક માટે શ્રમણ જેવો બની જાય. હવે શ્રમણ જેવો, હમણે જે સામાયિકનો સાચો અર્થ ના નીકળ્યો હોય તો શ્રમણ જેવો બની જાય એનો વાંધો પડત. કારણ કે એકાગ્રતા તો અહીં બાવાઓય કરે છે, ગમે તે યોગવાળા ! પ્રકાર સામાયિકના... પ્રશ્નકર્તા : એવું કહ્યું છે કે અનેક પ્રકારે સામાયિક કરવી જોઈએ. એ સામાયિકના પ્રકાર કયા કયા ? દાદાશ્રી : હા, એ તો અનેક પ્રકારે એટલે, આપણે અડતાળીસ મિનિટ કરીએ એ તો સામાયિક કહેવાય, પણ અમથા અમથા રસ્તામાં ય કો'કની જોડે ઝઘડો થઈ ગયો તો તે ઘડીએ સામાયિક લઈ લેવું. સમત્વમાં આવી જવું. જ્યાં જ્યાં હોય ત્યાંથી સમત્વમાં આવી જવું અને આપણો માર્ગ એ જ છે ને, સમભાવ. આપણો સામાયિકનો જ માર્ગ છે આખો. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખાનનો આ માર્ગ સામાયિકનો એટલે આપણો છેલ્લો માર્ગ છે. આ તો સામાયિક નથી. આ તો આપણી શોધખોળ છે. સામાયિક એટલે સમતામાં રહેવું. રાગ-દ્વેષ ન થવા દે. એ તો તમારે આખો દહાડો રહે જ છે ને એવું. એ તો આખો દહાડો તમારે સામાયિક છે. તે રાગ-દ્વેષ તો તમને થતાં નથી. એટલે તમારો આખો દહાડો, દહાડાના દહાડા સામાયિક થાય. સામાયિક એટલે 'હું શુધ્ધાત્મા છું'નું ભાન તે સામાયિક. પાંચ આજ્ઞામાં નિરંતર સામાયિક રહે. સમભાવે નિકાલ કરવો એ પહેલું સામાયિક. અને સહજદશામાં, સ્વભાવિક રહેવું તે અમારા જેવું સામાયિક. તે તમને ય થોડું-ઘણું રહે. સંસાર પાર કરાવે સમતા ! બાકી, આ દુનિયામાં કોઈ વસ્તુ તમને કૈડી શકે એમ છે જ નહીં. અને જે કૈડી શકે છે એ જ તમારો હિસાબ છે. માટે હિસાબ ચૂકતે કરી દેજો. અને કૈડી ગયા પછી તમે મનમાં જે ભાવ કરો કે 'આ કૂતરાંને તો મારી જ નાખવા જોઈએ, આમ કરવા જોઈએ, તેમ કરવા જોઈએ.' તો એ પાછો નવો હિસાબ ચાલુ કર્યો. ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખીને ઉકેલ લાવે, મહીં સહેજેય વિષમ ના થાય ! પ્રશ્નકર્તા : પણ એ અવસ્થામાં તો જાગૃતિ-સમતા રહેતી નથી. દાદાશ્રી : આ સંસાર પાર કરવો બહુ મુશ્કેલ છે, તેથી આ અક્રમ વિજ્ઞાન આપીએ છીએ. નિર્વેદની જાગૃતિથી આવે સમતા ! એક માણસ મને પૂછતો હતો. એ મને કહે છે, 'આ મચ્છરાં કૈડે એ શી રીતે પોષાય ?' ત્યારે મેં કહ્યું, 'ધ્યાનમાં બેસજે. મચ્છરાં કૈડે તો જોજે.' ત્યારે એ કહે છે, 'એ તો સહન નથી થતું.' ત્યારે મેં કહ્યું, 'એવું બોલજે કે હું નિર્વેદ છું. હવે વેદક સ્વભાવ મારો નથી, હું તો નિર્વેદ છું. એટલે થોડે અંશે તું પાછો તારા હોમ ડિપાર્ટમેન્ટ ભણી આવ્યો. એમ કરતો કરતો એવું સો-બસ્સો વખત તને મચ્છરાં કૈડે, એમ કરતું કરતું પોતે નિર્વેદ થઈ જશે.' નિર્વેદ એટલે શું ? જાણનાર ખાલી, કે 'મચ્છરું આ અહીં આગળ કૈડ્યું.' પોતે વેદ્યું નહીં, એ નિર્વેદ ! ખરેખર પોતે વેદતો જ નથી પણ વેદે છે એ પૂર્વ અભ્યાસ છે. પૂર્વનો અભ્યાસ છે ને, તેથી એ બોલે છે કે 'આ મને કૈડ્યું.' એટલે ખરેખર પોતે નિર્વેદ જ છે. પણ આપણે આ સત્સંગમાં બેસી બેસીને એ પદ સમજી લેવાનું છે, એ આખું પદ સમજી લેવાનું છે કે આત્મા ખરી રીતે આવો છે. માટે અત્યારે આપણે શુધ્ધાત્મા પદથી ચલાવી લેવાનું. એટલું બોલીએ તોય એને કર્મ આવતા બંધ થઈ ગયા. એ આરોપિત ભાવથી છૂટ્યો એટલે કર્મ બંધાતા અટકી ગયાં. પ્રશ્નકર્તા : પણ આપે કહ્યું કે, 'હું વેદતો નથી, વેદતો નથી' કહીએ એટલે લોક એવું સમજે કે વેદનતા જતી રહી. દાદાશ્રી : ના, એવું નથી. વેદનતાને પણ એ જાણે. પણ એટલું બધું માણસોનું ગજુ નથી. એટલે 'હું નિર્વેદ છું' એવું બોલને, તો એને અસર ના થાય. 'આત્મા'નો સ્વભાવ નિર્વેદ છે. આ બોલે એટલે 'એને' કશું અસર ના થાય. પણ સ્વસંવેદન એ ઊંચી વસ્તુ છે. એ જો જાણતો જાય તો સ્વસંવેદનમાં જાય. એમાં તો એણે જાણવાનું જ કે આ ડંખ વાગ્યો. એને જ જાણ્યું. પછી એ ડંખ ઊડી ગયો તેને પણ જાણ્યું. એમ કરતો કરતો સ્વસંવેદનમાં જાય. પણ નિર્વેદ તો એ એક સ્ટેપ છે કે અકળામણ સિવાય એ સહન કરી શકે. મોક્ષની પાઘડી, સમતાથી ! પ્રશ્નકર્તા : પણ કહેવાય છે કે ગજસુકુમારને માથે મોક્ષની પાઘડી બાંધેલી, તો તે વખતે ગજસુકુમાર આત્માની રમણતામાં હતા. એટલે એમને ઉપર પેલી પાઘડીની ખબર ના રહી. દાદાશ્રી : પાઘડીની ખબર ના રહી હોત તો મોક્ષ ના થાત. તે પાઘડીની ખબર રહી. માથું બળ્યા કરે છે તે જોયા કર્યું. તેમાં જે સમતા ધરી કે હું શુધ્ધાત્મા છું, આ જુદું છે એ જોયું પણ એમને જે સમતા રહી એ જ મોક્ષ છે. મહીં બળતરા થાય બધી ખબર પડે. ના ખબર પડે એ તો બેભાનપણું છે. આત્મલક્ષ વિના સમતા... વ્યવહારના લક્ષમાં સમતા વર્તતી હોય તો તે બધું અહંકાર વધવાનું કારણ છે. આત્માના લક્ષ સિવાય સમતા કહેવાતી નથી એટલે લોકોને આ સમતા રહે પણ નહીં. એ તો પછી નફ્ફટપણું થઈ ગયું હોય તો સમતા રહે, ત્યારે એને સમતા કહેવાતી નથી. નફ્ફટપણું એટલે શું કે, 'મારે શું ? એ તો મરશે !' એને નફ્ફટપણું કહ્યું ભગવાને. 'મારે શું' બોલે છે એનો તો કોઈ દહાડોય ઉકેલ નહીં આવે. 'મારે શું' બોલે છે ? અલ્યા, તારે છોકરાં છે કે નહીં ? તો 'મારે શું' કેમ બોલાય ? પણ એવા નફ્ફટ થઈ ગયેલા હોય છે. એવું છે, માણસને બહુ દુઃખ આવે ને પછી નફ્ફટ થઈ જાય. બગડેલા કેસ સુધરે સમતાથી ! એક ભાઈ હતા. તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતાં હશે તેનું વર્ણન કરવા જેવું નથી. તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાંએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવાં ? શો ઉપાય કરવો ? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઈ કહેવા ગયા, તો એ મોટાભાઈને કહે કે, 'તમને માર્યા વગર છોડીશ નહીં.' પછી ઘરનાં બધાં મને પૂછવા આવ્યા કે, 'આનું શું કરવું ? આ તો આવું બોલે છે.' ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે, 'કોઈએ તેને અક્ષરેય કહેવાનું નહીં. તમે બોલશો તો એ વધારે 'ફ્રંટ' થઈ જશે, અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઈટેય નહીં બોલવાનું ને રોંગેય નહીં બોલવાનું. રાગેય નહીં રાખવાનો ને દ્વેષેય નહીં રાખવાનો. સમતા રાખવાની, કરુણા રાખવાની.' તે ત્રણ-ચાર વર્ષ પછી એ ભાઈ સરસ થઈ ગયો ! આજે એ ભાઈ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! જગત નાકામનું નથી, પણ કામ લેતાં આવડવું જોઈએ. બધા જ ભગવાન છે, અને દરેક જુદાં જુદાં કામ લઈને બેઠાં છે. માટે ના ગમતું રાખશો નહીં. અપમાન વખતે, સમતાની ચાવી ! અમે નીલકંઠ છીએ. નાનપણથી જે જે કોઈ ઝેર આપી ગયું, તે અમે હસતાં મુખે ઉપરથી તેને આશીર્વાદ આપીને પી ગયા ને તેથી જ નીલકંઠ થયા. ઝેર તો તમારે પીવાં જ પડશે. હિસાબી છે, માટે પ્યાલો તો સામે આવશે જ. પછી તમે હસતાં હસતાં પીઓ કે મોઢું બગાડીને પીવો. પીવું તો પડશે જ. અરે, તમારે લાખ ના પીવું હોય તોય લોકો બળજબરીથી તમને પાઈ જશે, એનાં કરતાં હસતાં હસતાં પીને ઉપરથી એને આશીર્વાદ આપીને શા માટે ના પીવું ? તે સિવાય નીલકંઠ થવાય જ શી રીતે ? આ પ્યાલા આપી જાય છે તે તો તમને ઊંચું પદ આપવા આવે છે. ત્યાં જો મોઢું બગાડશો તો એ આઘું જતું રહેશે. અમે તો આખા જગતમાં જેણે જેણે ઝેરના પ્યાલા આપ્યા, તે હસતે મોઢે ઉપરથી આશીર્વાદ આપીને પી ગયા અને મહાદેવજી થયા. 'હું ચંદુલાલ છું' ત્યાં સુધી બધું કડવું લાગે પણ આપણને તો આ બધું અમૃત થઈ પડ્યું છે. માન-અપમાન, કડવું-મીઠું એ બધા દ્વંદ્વ છે. તે હવે આપણને ના રહે. આપણે દ્વંદ્વાતીત છીએ. એટલા માટે તો આ સત્સંગ કરીએ છીએને ! છેવટે બધાયને દ્વંદ્વાતીત દશા જ પ્રાપ્ત કરવી છે ને ! જો સામો કડવું પાય ને તમે હસતે મોઢે આશીર્વાદ આપીને પી જાવ તો એક બાજુ તમારો અહંકાર ધોવાય ને તમે એટલા મુક્ત થાવ ને બીજી બાજુ સામાવાળાને કડવું પાનારાને પણ રીએક્શન આવે અને એ પણ ફરી જાય. એને પણ સારું રહે. એ ય સમજી જાય કે કડવું પાઉ છું, તે મારી નિર્બળતા છે અને આ હસતે મોઢે પી જાય છે તે ભારે શક્તિશાળી છે. આપણે જો જાતે કડવું પીવાનું કહ્યું હોય તો આપણે જાતે ઓછા પીએ ? આ તો સામેથી કડવું પાય એ તો કેટલું બધું ઉપકારી ? પીરસનાર તો મા કહેવાય. પાછું લીધા વગર ચાલે તેમ નથી. નીલકંઠ થવા કડવું પીવું પડશે. 'આપણે' તો 'ચંદુભાઈ'ને કહી દઈએ કે તારે સો વખત આ કડવું પીવું પડશે. બસ પછી એ ટેવાઈ જાય. કડવી દવા બાળકને જબરજસ્તીથી પીવડાવવી પડે. પણ જો એ સમજી જાય કે આ હિતનું છે એટલે પછી જબરજસ્તીથી પીવડાવવું ના પડે. એની મેળે જ પી લે. એક વખત નક્કી કર્યું કે જે જે કોઈ આપે તે બધું જ કડવું પી લેવું છે એટલે પછી પીવાય. મીઠું તો પીવાય જ પણ કડવું પીતાં આવડવું જોઈએ. જ્યારે ત્યારે તો પીવું જ પડશે ને ? આ તો પાછો નફો છે, તો પીવાની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ ને ?! જો બધાં વચ્ચે ઉતારી પાડે તો ખોટ લાગે પણ એમાં તો ભારે નફો છે. એ સમજાય પછી ખોટ ના લાગે ને ! આ કડવી દવા જો સદી જાય તો બીજો ડખો જ ના રહેને ! અને પાછાં તમે હવે જાણી ગયા કે આ નફાવાળો છે ! જેટલો મીઠો લાગે છે એટલો જ કડવો ભરેલો છે. માટે કડવો પહેલાં પચાવી જાવ. પછી મીઠો તો સહેજે નીકળે. એને પચાવવાનું બહુ ભારે નહીં લાગે. આ કડવી દવા પચી એટલે બહુ થઈ ગયું ! ફૂલો લેતી વખતે સહુ કોઈ હસે પણ ઢેખાળા પડે ત્યારે ! માન દે તો પણ સહન થાય તેવું નથી. જેને અપમાન સહન કરતાં આવડે તે જ માન સહન કરી શકે. કોઈ દાદાને કહે, 'લોકો તમને ફૂલ ચઢાવે છે તે તમે શા માટે સ્વીકારો છો ?' ત્યારે દાદાએ કહ્યું, 'લે બા, તને પણ ચઢાવીએ ! પણ સહન નહીં થાય.' લોકો તો હારોના ઢગલા જોશે તો છક્ક થઈ જશે ! કોઈને પગે લાગો કે તરત જ તે ઊભો થઈ જશે ! 'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. તમારા ચોપડામાં માન અને અપમાનનું ખાતું રાખો. જે જે કોઈ માન-અપમાન આપે તેને ચોપડામાં જમે કરી દો, ઉધારશો નહીં. ગમે તેટલો મોટો કે નાનો કડવો ડોઝ કોઈ આપે તે ચોપડામાં જમે કરી લો. નક્કી કરો કે મહિનામાં સો જેટલાં અપમાન જમે કરવાં છે. તે જેટલાં વધારે આવશે, તેટલો વધારે નફો. ને સોને બદલે સિત્તેર મળ્યા તો ત્રીસ ખોટમાં. તે બીજે મહિને એકસો ત્રીસ જમે કરવાના. જો ત્રણસો અપમાન જેને ચોપડે જમા થઈ જાય, તેને પછી અપમાનનો ભય ના રહે. એ પછી તરી પાર ઊતરી જાય. પહેલી તારીખથી ચોપડો ચાલુ જ કરી દેવાનો. આટલું થાય કે ના થાય ? સમ્યક્ સમજણ, વર્તાવે સમતા ! 'આણે મારું અપમાન કર્યું !' મેલ ને છાલ. અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે ત્યારે યાદ આવવું જોઇએ કે આ તો મારાં જ કર્મનો ઉદય છે અને ધણી તો નિમિત્ત છે, નિર્દોષ છે. અને મારા કર્મના ઉદય ફરે ત્યારે ધણી 'આવો, આવો' કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે 'મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું.' એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઇ જાય. સ્ત્રી વઢે અને રાતે એ ઘરમાં રહેવું, એ તો મોટામાં મોટી ટેસ્ટ એક્ઝામિનેશન છે ! એટલે સ્ત્રી સાથે મોક્ષ હોવો જોઈએ. સ્ત્રીની ગાળો ખાય અને સમતા રહે એવો મોક્ષ થવો જોઈએ. દુઃખમાં સમતા ધરવી, એનું નામ તપ. આડાઈરૂપી સમંદરને ઓળંગવાનો છે. આપણે આડાઈની આ પાર ઊભા છીએ અને જવાનું છે સામે પાર. કોઈ આપણી આડાઈ ઉતારવા નિમિત્ત બને તો તેમાં અસહજ ન થતાં તે નિમિત્તને પરમ ઉપકારી માની સમતાથી વેદવું. દ્રષ્ટિરોગ ત્યાં સુધી સંસાર ! જો ભગવાનની ભાષા સમજવી હોય તો ભગવાનની ભાષામાં આ દુનિયામાં કોઈ માણસ સહેજેય ગુનેગાર નથી. આ દુનિયામાં મને કોઈ ગુનેગાર લાગતું નથી. ગજવા કાપે તેય ગુનેગાર નથી ને ફૂલ-હાર ચઢાવે તેય ગુનેગાર નથી. ગુનેગાર દેખાય છે તે જ તમારો ગુનો છે, તમારી દ્રષ્ટિનો રોગ છે. એ દ્રષ્ટિનો રોગ જશે ત્યારે કામ થશે. કોઈ ગુનેગાર દેખાય છે તેનું નામ જ મિથ્યાત્વ, એ દ્રષ્ટિરોગ છે. જ્ઞાની પુરુષ દ્રષ્ટિરોગ કાઢી આપે પછી ગુનેગાર દેખાતા બંધ થઈ જાય છે. કોઈ 'કમ્પ્લીટ' ગુનેગાર હોય, આપણને કાપી નાખવાનો હોય એવો ગુનેગાર હોય તો ય આપણે એની જોડે સમતા રાખીએ. એ શું કાપવાનો છે ? આપણું કાપવાનો જ નથી. જે કાપવાનું હશે તે પુદગલનું કાપશે. આ દુનિયામાં પુદગલ બજારની ખોટ છે. લોક પુદગલ બજારને પોતાનો વેપાર માની બેઠા છે. ગુનેગારી, પાપ-પુણ્યની ! આ ગુનેગારી બે પ્રકારની છે : અમને ફૂલો ચઢાવે તે ય ગુનેગારી અને પથરા પડે તે ય ગુનેગારી ! ફુલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે ? પહેલાં જે ભૂલો કરેલી, તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય. જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતાભાવે નિકાલ કરવાનો. એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય ? કાળ આવે એટલે ભૂલ આવે અને તે ભોગવાઇને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છેને ! માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે. સમતા ભાવ : જ્ઞાતા-દ્રષ્ટાભાવ ! સમતા બહુ મોટી વસ્તુ છે. લોકો ઘેર વહુ બોલી હોય ને સાંભળી લે તેને સમતા કહે છે. પણ એ સમતા ના કહેવાય. મહીં અજંપો થયા કરે છે એને સમતા કેમ કહેવાય ? પ્રશ્નકર્તા : સમતા એ મનની સ્થિતિ છે ? દાદાશ્રી : મનની સ્થિતિ ખરી, પણ મનની આવી સ્થિતિ ક્યારે રહે ? મહીં જાગૃતિ હોય, જ્ઞાન હોય, તો જ તે રહે. નહીં તો મન હંમેશાં આ બાજુ કે પેલી બાજુ નમેલું જ હોય. સમતા ક્યારે રહે ? આત્મા પ્રાપ્ત થાય ત્યારે. જ્યાં સુધી 'હું ચંદુલાલ છું' ત્યાં સુધી વિષમતા થયા વગર રહે જ નહીં અને 'હું શુધ્ધાત્મા છું' એનું ભાન થયું એટલે કામ થઇ ગયું. પ્રશ્નકર્તા : સમતા અને જ્ઞાતા-દ્રષ્ટાભાવ એ બેમાં ફેર શું ? દાદાશ્રી : સમતાના 'સ્ટેજ'માં તો ઝોકું આવી જાય એટલે આમ ટપલી મારીને જાગૃત કરવું પડે. જ્યારે જ્ઞાતા-દ્રષ્ટા તો કાયમ જાગૃત જ કહેવાય. સમતા, રાગ-દ્વેષ સામે ! શુભ ઉપર રાગ નહીં ને અશુભ ઉપર દ્વેષ નહીં, એનું નામ સમતા. જેને દ્વંદ્વ નથી તે સમતા. વ્યવહારમાં લોક સહનશીલતાને સમતા કહે છે ! સમતા કોનું નામ કહેવાય કે ફૂલ ચઢાવે તો એની ઉપર રાગ નથી અને ગાળો દે એની પર દ્વેષ નથી. એનું નામ સમતા કહેવાય. શુભ હોય, અશુભ હોય, શુભાશુભ બન્નેને સમાન ગણે. જગતમાં કોઈ ગણી શકે નહીં. વીતરાગ જ સમાન ગણી શકે, બાકી બધા તે શુભની ઉપર રાગ ને અશુભ ઉપર દ્વેષ થઈ જ જાય. સમત્વયોગ પાર્શ્વનાથનો ! સમતા તો પેલી દેખાય પાર્શ્વનાથ ભગવાનની, ફણિધર નાગ રક્ષણ કરે છે ને પેલો છે તે કાંકરાચાળી કરે છે, વરસાદ વરસાવે છે. પેલાં રક્ષણ કરે છે તેની પર રાગ નથી પેલો કાંકરાચારી કરે છે તેના પર દ્વેષ નથી. એ સમતા કહેવાય. સમતા ત્યાંથી જ કહેવાય. બાકી આ લોકો સમતા એની નીચી ભાષામાં લઈ ગયા. સમતા શબ્દ જ ના વપરાય. સમતા જ્ઞાન મળ્યા પછી સમતા અને જ્ઞાન મળ્યા પહેલાં એને વાપરવો હોય, સમતા તો સમતા, આ સમતા તો ના વપરાય. આ સમતા તો વીતરાગોની સમતા. પેલું સમ ને ઉપશમ. પણ આ સમતા એ તો વીતરાગોની છે. માલિકીની વસ્તુ જ નથી. સમતા શબ્દ, સહનશીલતા કહેવાય લોકોની. આ સાધુ-આચાર્યોની બધી સહનશીલતા કહેવાય. સમતા તો બહુ મોટી વસ્તુ છે. સમતા આ દેખાય છે ને એનું નામ સમતા. પેલો દેવ છે તે આવીને રક્ષણ કરે છે તે એની પર કિંચિત્માત્ર રાગ નથી ને પેલો છે તે કાંકરા નાખે છે તો કિંચિત્માત્ર દ્વેષ નથી એવા આ પાર્શ્વનાથ ભગવાન. એક ક્ષણ પણ આવું ધ્યાન રહે, થઈ રહ્યું. પછી બીજું જોઈએ જ શું તે ?! પણ શી રીતે રહેશે, મૂઆ ? જ્ઞાની વગર રહે નહીં ને ! એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે, 'મારે તો મોક્ષે જવું નથી પણ તનેય હું મોક્ષે જવા નહીં દઉં !' આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે દસ ભવથી કેવું વેર હતું ? તે વેર, ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટ્યું ! કમઠથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં, ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઇ નાખ્યું. સમતાથી ખપ્યા દસ ભવના વેર ! પ્રશ્નકર્તા : હવે વાત કેવી રીતે નીકળી'તી કે પાર્શ્વનાથ ભગવાનને તો ખબરેય નહોતી અને પેલાએ વેર બાંધ્યું અને એ વેરમાં પેલાં હંમેશાં આની જોડે ભેગાં થાય, એટલે કંઈને કંઈ આનું નુકસાન કર્યા કરે. આવું બને ને ? પોતાને ખબરેય ના હોય, પેલો વેર બાંધ્યા કરતો હોય અને પછી એ દસ ભવ સુધી ચાલ્યું. દાદાશ્રી : એ તો જેટલું નુકસાન કર્યું હોય એટલું કરે. માટે હજુ નુકસાન કરશો નહીં કોઈને. પ્રશ્નકર્તા : એમાં પાર્શ્વનાથ ભગવાનને ખબરેય નહોતી ને ? દાદાશ્રી : એ બધાને ખબર કેવી રીતે હોય તે ? એ શેનું ફળ આપે છે ? એટલે આપણું આપેલું તે જ આપે છે એ નક્કી છે. પાર્શ્વનાથ ભગવાનને એટલી તો ખબર પડે ને કે મારું આપેલું છે તે જ આપે છે એ લોકો. તેની મહીં ઉશ્કેરાટ વધતો જાય, એટલે ટાઈમ વધતો જાય, મુદત પૂરી થવામાં. પાર્શ્વનાથ ભગવાનને ઉશ્કેરાટ વધ્યો નથી એટલે દસ અવતારમાં પૂરું થયું. પ્રશ્નકર્તા : તોય પણ દસ અવતાર સુધી ચાલ્યું એટલે કંઈ ઓછું કહેવાય ? દાદાશ્રી : આ દસ અવતાર છે એ કેટલા અવતારના આધારે દસ અવતાર છે. એ જાણું છું તું ? પ્રશ્નકર્તા : એ કશી ખબર નહીં. દાદાશ્રી : આ એક વાળ બરાબર. દસ અવતાર એક વાળેય નહીં. પ્રશ્નકર્તા : ઓહો, અનંત અવતારની સામે કશું જ ના કહેવાય. એટલે એમણે દરેક અવતારમાં પેલી સમતા રાખ્યા જ કરી'તી. દાદાશ્રી : ત્યારે પૂરું થયું. પહેલા બે-ત્રણ અવતાર સુધી જરા કાચું પડી જાય, ચિઢાઈ જાય, એટલે થોડું વધતું જાય. એકદમ સમતા રહે એવું આ જગત નથી. આ તો 'અક્રમ વિજ્ઞાન' જુદી જાતનું છે, તેથી રહી શકે. ત્યાં ઉપાય પ્રતિક્રમણ ! એટલે આપણે શું આજ્ઞા કરી કે આ સમભાવે નિકાલ કરવો. હા અને શુધ્ધ જ જુઓ. અને છે તે કોઈને ના ગમે એવું હોય, એવું મહીંથી થઈ ગયું હોય, ચંદુભાઈ થકી, તો એણે અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરો. એટલે એના અભિપ્રાયની વિરુધ્ધ છીએ, એવું કહેવા માગીએ છીએ. અભિપ્રાય અમે ફેરવ્યો. પહેલાંના અભિપ્રાયમાં અમે નથી હવે. અભિપ્રાય ફર્યો કે એ ચોખ્ખા થઈ ગયા. અભિપ્રાય જો એનો એ જ રહ્યો તો પાછો મૂળ બગાડ રહ્યો. અભિપ્રાય ફેરવવા માટે છે આ ! સહજ, સમતા કે સમભાવે નિકાલ ! પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ કરવો છે પણ એમાં તમે એક જ ભાવ કીધો, સમભાવે. દાદાશ્રી : એ સમભાવે મનમાં નક્કી કરોને એટલે પેલા માણસની ઉપર અસર થાય, એના મન ઉપર. પ્રશ્નકર્તા : પછી બીજા શબ્દોના અર્થ મને સમજાવો. બીજું, સમતા. દાદાશ્રી : વીતરાગતા રહે તો બહાર સમતા રહે. હજુ વીતરાગતા લાવવા માટે આ સમભાવે નિકાલ કરવાનો કહ્યો છે. સમભાવે નિકાલ કરીએ એટલે એ જે પરિણામ પામે ત્યારે વીતરાગતાના અંશ બાઝે થોડા થોડા. જેમ જેમ સમભાવે નિકાલ કરતો જાય ને તેમ તેમ વીતરાગતાના અંશ બાઝતા જાય. પ્રશ્નકર્તા : પણ સમતા અને સમભાવ એ બેમાં શું ફેર ? દાદાશ્રી : ફેર. સમભાવે તો નિકાલ કરવાનો છે. પ્રશ્નકર્તા : પણ એ સમતા રાખીનેય નિકાલ થાયને ! આ ભાઈ મને ગોદા મારે, પણ હું એમ કહું કે નમસ્કાર, તો આખી સમતા થઈ ગઈને ! દાદાશ્રી : ના, એ સમતા ના કહેવાય. એ સમભાવે નિકાલ કર્યો કહેવાય. સમતા તો કેવું હોય કે ધોલો મારતો હોય અને પોતે એને આશીર્વાદ આપતો હોય એ, ત્યારે સમતા હોય. મહીં સહેજેય પરિણામ ફરે નહીં એ સમતા અને આ તો નિકાલ એટલે તો કશું પરિણામ ફરી જાય પણ નિકાલ કરી નાખે. ફરી આગળ વધારે નહીં. એ વધવાનું નહીં, એ ઘટી જાય. સમભાવ એટલે શું ? આ ત્રાજવું આ બાજુ નમ્યું એટલે બીજી બાજુ થોડું કશુંક નાખીને સરખું કરે. તે આ દેડકાંની પાંચ શેરી કેટલો વખત ટકે ? છતાંય સમભાવને ઉત્તમ ભાવ ગણ્યો છે. બેલેન્સ રાખવા પ્રયત્ન કરે છેને ? અને સમતા એટલે તો ફૂલ ચઢાવે તેની પર રાગ નહીં ને પથ્થર મારે તો તેના પર દ્વેષ નહીં, ઉપરથી એને આશીર્વાદ આપે ! પ્રશ્નકર્તા : હવે ત્રીજો શબ્દ, સહજ ભાવે નિકાલ એ સમજાવો. દાદાશ્રી : સહજ ભાવે નિકાલ એ અમારો હોય, કેટલીક બાબતમાં. સહજ ભાવ એટલે વગર પ્રયત્ને જ થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે અમારો સંસારીઓનો નહીં બને ? દાદાશ્રી : ખરુંને ! એય ખરો માલ ! પણ અમારે તો ઘણો ખરો સહજ ભાવનો હોય. પ્રશ્નકર્તા : સહજ ભાવે નિકાલ કરવા માટે, સંસારીઓનો દાખલો આપો. દાદાશ્રી : સહજ ભાવ એટલે શું ? પ્રગમેલું જોઈએ. પ્રગમેલું એટલે ગયા અવતારમાં ભાવ કરેલો અત્યારે સહજ ઉત્પન્ન થાય. એ નિકાલ એટલે અત્યારેય તમારે બની શકે. તમારામાં જો કંઈક જૂના ભાવ કરેલા હોય, તે આજે હેલ્પ કરે. પણ એ જૂના ભાવો છે, એ બધા સહજ ભાવ. સહજ ભાવ એટલે આજની ક્રિયા નથી એમાં. પ્રશ્નકર્તા : બરોબર. તમારે એ બહુ ઇઝીલી થાય છે. દાદાશ્રી : સહેજાસહેજ. પ્રશ્નકર્તા : હા, હવે ચોથું રહ્યું. ચાતુર્ય, ચતુરાઈ, કૌશલ્ય ! દાદાશ્રી : હા, એ કૌશલ્ય બે પ્રકારનું. એક સંસારી કૌશલ્ય અને એક અધ્યાત્મ કૌશલ્ય ! જ્ઞાનીનું કૌશલ્ય. જ્ઞાનીનું કૌશલ્ય કેવું હોય કે એક માણસ બોલ્યો તેથી સાત જણને દુઃખ થાય એવું છે, ત્યારે જ્ઞાની એવું કૌશલ્ય વાપરે ને એવો શબ્દ બોલે કે એને એ બોલનારનેય દુઃખ ના થાય અને પેલા સાતનું દુઃખ ઊડી જાય. એને કૌશલ્યતા કહેવાય. તે એને આપણામાં બુધ્ધિકળા કહે છે. જ્ઞાનકળા અને બુધ્ધિકળા. કૌશલ્ય એ બુધ્ધિકળામાં જાય. એ બુધ્ધિની એક પ્રકારની કળા છે. થોડા શબ્દોમાં બધાં લોકોને સંતોષ થઈ જાય. પ્રશ્નકર્તા : હવે જે ફાઈલોનો નિકાલ એ આ ચારમાંથી તમે એક જે કીધો સમભાવે. આ બીજા જે શબ્દો છે, તેને અડવા જેવું નથી. દાદાશ્રી : ના, એ સમભાવ રાખવો. સમભાવે નિકાલ કરશો તો એ બધાં પગથિયાં તમને આવશે. સમભાવે નિકાલ સમજી ગયાને તમે ? એ જ, આપણે બીજું કશુંય નહીં આમાં. એકલું વીતરાગોએ જે કર્યું'તું, તે અમે કરીએ છીએ ને એ તમને દેખાડીએ છીએ. આજ્ઞામાં રહેવાથી શુધ્ધિ ! આ જ્ઞાન મળ્યા પછી નવા પર્યાય અશુધ્ધ થાય નહીં, જૂના પર્યાયને શુધ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વીતરાગતા. નવા પર્યાય બગડે નહીં, નવા પર્યાય શુધ્ધ જ રહે. જૂના પર્યાય અશુધ્ધ થતા હોય, તેનું શુધ્ધિકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી તેનું શુધ્ધિકરણ થાય અને સમતામાં રહેવાનું. ચિંતા ના થાય તો સાચો ગૂંચવાડો ગયો. ચિંતા ના થાય, વરીઝ ના થાય અને ઉપાધિમાં સમતા રહે, ઉપાધિની મહીં સમાધિ રહે તો જાણવું કે સાચો ગૂંચવાડો ગયો. જેટલો જેટલો સમતાભાવ થાય એટલો અહંકાર ગયો કહેવાય. એટલો ઉઘાડ ઉત્પન્ન થાય. સંપૂર્ણ સમતા થઈ ગઈ એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય ! પરાકાષ્ટા સમતાની, જ્ઞાનીને ! ઉદય તો દરેકના બદલાય. ઉદયમાં સમતાભાવે રહેવું તે 'જ્ઞાની'ઓની ફરજ. હમણે મને ધોલો મારે અને હું છંછેડાઉં, તો પછી હું જ્ઞાની જ કેમ કહેવાઉં ? મને ગાળો ભાંડે, કપડાં કાઢી લે, તોય પણ જરા મારા મોઢાં પર ફેરફાર થાય, તો હું જ્ઞાની કેમ કહેવાઉં ? આખા વર્લ્ડની સમતા જ્ઞાનીમાં હોય. કચડી કચડીને મારે કરે તોય સમતા રાખે અને જોડે જોડે આશીર્વાદ આપે ! - જય સચ્ચિદાનંદ. |
|---|