અદ્ભૂત અક્રમ જ્ઞાન, અજાયબ અક્રમ જ્ઞાની !

નિવેદન

'દાદાવાણી' હવે ૧૦૦માં અંકમાં પ્રવેશ કરે છે. ટી.વી. માધ્યમ દ્વારા પરમ પૂજ્ય દાદા ભગવાનની વાત વિસ્ફોટની જેમ જગતમાં ફેલાઈ રહી છે. તેથી દાદા ભગવાનનું વિજ્ઞાન જાણવા-પામવા માટે 'દાદાવાણી'ને લોકો વધાવી રહ્યા છે. જગતના લોકો આવું અદ્ભૂત અક્રમ જ્ઞાન પામે, અજાયબ અક્રમ જ્ઞાનીને ઓળખે અને પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ પામી મોક્ષમાર્ગે પ્રગતિ થાય, બીજ જેવું આત્મજ્ઞાન પામ્યા પછી કેવળજ્ઞાન સ્વરૂપ દશાની પૂર્ણપૂર્ણિમા પામવા અર્થે 'દાદાવાણી' વાચકને આગળ આગળના માઈલ સ્ટોન દર્શાવતી રહે, સર્વ વાચકોને પરમ પૂજ્ય દાદા ભગવાનની પ્રત્યક્ષ સરસ્વતી રૂપે જ્ઞાનવાણીનો લાભ મળ્યા જ કરે તે જ અભ્યર્થના !

સંપાદકીય

આ કાળમાં મોક્ષપ્રાપ્તિની વાત કરવી તે મોટા મોટા સંતો-મહંતો પણ અશક્ય કહી દેશે, ત્યાં અક્રમ વિજ્ઞાની બાળકના હાથમાં મોક્ષ આપી દે છેે, અને તે ખીચડી કરવાં કરતાં સહેલો થઈ પડે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે જેને વિશેે અનંત કાળનું યાચકપણું મટી સર્વકાળને વિશે અયાચકપણું પ્રાપ્ત થાય છે એવાં જે કોઈ હોય તો, તે તરણ તારણહાર જાણીએ છીએ, તેને ભજો. મોક્ષ આ કાળને વિશે મોક્ષ પ્રાપ્ત હોય છે અથવા પ્રાપ્ત થાય છે પણ મોક્ષપણાનું ભાન કરાવનાર દુર્લભ હોય છે અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, મોક્ષદાતા દુર્લભ છે. મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે પણ તેની પ્રાપ્તિ દુર્લભ છે. આ વર્તમાન કાળમાં તરણ તારણહાર પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન થયાં, તે અક્રમ જ્ઞાન દ્વારા મોક્ષપ્રાપ્તિ સુલભ થઈ પડી. તેમાંય વિશેષતા એ છે કે કોઈ પણ જાતની યોગ્યતા- પાત્રતા વિના. પરમ પૂજ્ય દાદાશ્રી કહેતાં કે અમને ભેગો થયો તે જ એની પાત્રતા. કરોડો અવતારેય જે ના બને, તે એક કલાકમાં જ બની જાય છે. કારણ કે આ વિજ્ઞાન છે. આ તો અસંયતિ પૂજા નામનું જગતમાં અગિયારમું આશ્શચર્ય છે.

આ મોક્ષપ્રાપ્તિ બે સ્ટેજે હોય છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન પ્રાપ્ત થયે, અજ્ઞાનથી મુક્તિ થઈ, કર્મ બંધાતા અટકે એ પ્રથમ સ્ટેજનો મોક્ષ. એ કારણમોક્ષ કહેવાય છે. અને પછી અજ્ઞાનના પરિણામ સ્વરૂપે જે કર્મફળ ભોગવવાનાં બાકી છે તે એકાદ-બે અવતારમાં જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાથી ખલાસ થઈ જાય, એટલે આત્યંતિક મોક્ષ, બીજા સ્ટેજનો મોક્ષ થાય છે. ઝવેરીની અછત હોય ત્યારે હીરાએ જાતે બોલવું પડે કે મારી કિંમત અબજોની છે. એવું જ્ઞાની પુરુષને જાતે બોલવું પડ્યું કે તમારું કામ કાઢી જાવ. છતાં પોતે ભગવાન થતાં નથી, ભગવાન તો મહીં પ્રગટ થયાં તે દાદા ભગવાન છે, અમે જ્ઞાની પુરુષ છીએ ને આ દેખાય છે તે એે.એમ.પટેલ છે, એમ હંમેશાં પોતે વર્ત્યા છે અને એ જ વાત કાયમ સૌને જણાવી છે.

પ્રસ્તુત અંકમાં 'ન ભૂતો, ન ભવિષ્યતિ' એવા જ્ઞાની પુરુષ અને એમણે બોધેલું અદ્ભૂત, મૌલિક અક્રમ જ્ઞાન વિશે એમના જ શ્રીમુખે નીકળેલી સરસ્વતી સંકલિત થઈ છે, જેની અલૌકિકતા હ્રદયસ્પર્શી બની રહે, એ જ અભ્યર્થના !

દીપકના જય સચ્ચિદાનંદ

અદ્ભૂત અક્રમ જ્ઞાન,

અજાયબ અક્રમ જ્ઞાની !

'જ્ઞાનીકૃપા'થી જ 'પ્રાપ્તિ' !

પ્રશ્નકર્તા : આપે જે 'અક્રમ માર્ગ' કહ્યો, તે આપના જેવા 'જ્ઞાની' માટે બરાબર છે, સહેલો છે પણ અમારા જેવા સામાન્ય, સંસારમાં રહેતા કામ કરતાં લોકોને માટે એ અઘરો છે. તો એને માટે શો ઉપાય ?

દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ'ને ત્યાં ભગવાન પ્રગટ થઇ ગયેલા હોય, ચૌદ લોકના નાથ પ્રગટ થયેલા હોય; એવાં 'જ્ઞાની પુરુષ' ભેગા થાય તો શું બાકી રહે ? તમારી શક્તિથી કરવાનું નથી, એમની કૃપાથી થવાનું છે. કૃપાથી બધો જ ફેરફાર થાય. માટે અહીં તો તમે માંગો તે બધોય હિસાબ પૂરો થાય. તમારે કશું કરવાનું નહીં. તમારે તો 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં જ રહેવાનું.

સિધ્ધિ, અક્રમ જ્ઞાનીની !

પ્રશ્નકર્તા : આપ જ્ઞાન આપો છો, તેની પાછળ કંઇક વૈજ્ઞાનિક ભૂમિકા હોય તો એવી કંઇક વાત કરોને !

દાદાશ્રી : આ આખું વિજ્ઞાન જ છે, અવિરોધાભાસી વિજ્ઞાન છે. અને વિજ્ઞાનની ભૂમિકા શું છે ? તમારા સર્વ પાપો ભસ્મીભૂત કરી નાખે છે. તેના વગર તો તમે સાક્ષાત્કાર પામો જ નહીં અને સાક્ષાત્કાર પામ્યા સિવાય મોક્ષે જઇ શકો નહીં અને તે સાક્ષાત્કારયોગ નિરંતર રહેવો જોઇએ. એક ક્ષણ પણ સાક્ષાત્કારયોગ ના બદલાય, એની જાતે જ રહે, આપણે યાદ ના કરવો પડે.

આત્મા જાણવા માટે, અરે આત્મા જાણવાની વાત ક્યાં ગઇ પણ આત્મા કંઇક શ્રધ્ધામાં આવે કે 'હું આત્મા છું' એવી પ્રતીતિ બેસે એટલા માટે ભયંકર પ્રયત્નો લોકોએ આદર્યા છે. પણ એ શ્રધ્ધા બેસવી મુશ્કેલ થઇ પડે એવો વિચિત્ર કાળ છે. હવે આવા કાળમાં આત્માનો અનુભવ 'જ્ઞાની પુરુષ' પાસેથી થઇ જવો એ જ આ 'અક્રમ જ્ઞાન'ની સિધ્ધિ છે. બધાં દેવલોકોની જે 'જ્ઞાની પુરુષ' પર કૃપા વરસે છે, આખું બ્રહ્માંડ જેના પર ખુશ છે, તેથી આ બધું પ્રાપ્ત થાય.

સંસારી વેષે જ્ઞાની દશા !

પોતાના સ્વરૂપની અજ્ઞાનતા એ જ માયા. જો એ અજ્ઞાનતા જાય તો સંસાર દુઃખદાયી નથી, સંસાર કષ્ટદાયી નથી. સંસાર કોઈ જાતનો નડે એવો નથી. હું ધંધો હઉ કરું છું, મારી પાસે સેલ્સટેક્ષની, ઈન્કમટેક્ષની તલવારો લટકે છે. કોઈ કહેશે કે, 'ભઈ, આ તો બાવા થયેલા છે ને આપણે તો સંસારી.' તો એવી આપણે જુદાઈ માનશો નહીં. હું તમારા જેવો જ છું. છતાં આવા પદમાં રહી શકાય છે, એવું તમે મને જુઓ એટલે હિંમત આવે, કે એ સંસારી છે તો આપણાથી કેમ ન રહેવાય ? અને પેલાઓએ સંસાર છોડ્યો હોય તો આપણા મનમાં એમ લાગે કે, ભઈ, ઈન્કમટેક્ષ નહીં, સેલ્સટેક્ષ નહીં, ખાવા-પીવાની મુશ્કેલી નહીં. એ તો કરી શકે, એમના જેવું આપણાથી ના થાય. એવું આપણને એક પડ રહે, પણ અહીંયા એવું પડ રહે એવું નથી. આ હું રૂબરૂ છું ને !

... અપૂર્વ ને અવિરોધાભાસ !

પ્રશ્નકર્તા : આ 'અક્રમ' દ્વારા મોક્ષ આપવાની વાત છે તે આપે શરૂ કરી કે પહેલાં કંઇક હતી એવી ?

દાદાશ્રી : દસ લાખ વર્ષે દર વખતે આવે છે. આ તદ્દન નવું નથી, પણ નવું એટલા માટે દેખાય છે કે આ દસ લાખ વર્ષથી કોઇ પુસ્તકમાં હોતું નથી એટલે અપૂર્વ કહેવાય છે. વાંચ્યું ના હોય, સાંભળ્યું ના હોય, જાણ્યું ના હોય, એવું આ અપૂર્વ !

'અક્રમ' એ 'ફૂલ સ્ટોપ' વિજ્ઞાન !

પ્રશ્નકર્તા : 'અક્રમ વિજ્ઞાન' શું છે ? એ પહેલું જાણવું છે.

દાદાશ્રી : 'અક્રમ વિજ્ઞાન' એ 'ફૂલસ્ટોપ' છે અને ક્રમિક વિજ્ઞાન એ 'કૉમા' છે. આ જગત બધું ક્રમિક વિજ્ઞાનથી ચાલી રહ્યું છે. વિજ્ઞાન બે જાતનાં છે ! એક તો, આ બહારનું વિજ્ઞાન તો આ જગતના સાયન્ટિસ્ટો કર્યા જ કરે છે ને ! અને બીજું, આ આંતર વિજ્ઞાન કહેવાય છે, જે પોતાને સનાતન સુખ તરફ લઈ જાય છે. એટલે પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મ વિજ્ઞાન કહેવાય અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટવાળું સુખ કરે, એ આ બધું બાહ્ય વિજ્ઞાન કહેવાય ને બાહ્ય વિજ્ઞાન તો છેવટે વિનાશી છે ને વિનાશ કરનારું છે અને 'આ' સનાતન છે અને સનાતન કરનારું છે !

એટલે વિજ્ઞાન બે પ્રકારનાં : એક 'ફૂલ સ્ટોપ' વિજ્ઞાન અને એક 'કૉમા' વિજ્ઞાન ! 'ફૂલ' એટલે કંઈ કરવાનું નહીં.

ક્રમમાં કરવાનું ને અક્રમમાં જોવાનું !

ક્રમ એટલે બધાં છોડવાનું કહે. આ કપટ-લોભને છોડો ને સારું કરો. એ જ તમે જોયુંને અત્યાર સુધી ?! અને આ અક્રમ એટલે કરવાનું નહીં. કરોમિ, કરોસિ, કરોતિ નહીં ! ગજવું કાપે, તો અક્રમમાં કહેશે, 'એણે કાપ્યું નથી ને મારું કપાયું નથી' અને ક્રમમાં તો એમ કહે કે, 'એણે કાપ્યું અને મારું કપાયું.'

એક ભાઈએ એક ફેર પ્રશ્ન પૂછયો હતો કે ક્રમ ને અક્રમમાં ફેર શો ? ત્યારે મેં કહ્યું કે, 'ક્રમ એટલે બધાં કહે કે આ અવળું છોડો ને સવળું કરો. બધાં એ જ કે' કે' કર્યા કરે, એનું નામ ક્રમિક માર્ગ અને અક્રમ એટલે કરવાનું કશું નહીં. કરોમિ, કરોસિ, કરોતિ નહીં.'

'હું કરું છું' એ એકલું ભાન રાખવાનું નહીં. એવું કહે તો તો 'તું કરે છે', એ ભાન પાછું રહે અને સામાને 'તું કરે છે' એવું કહે છે એટલે પોતે 'હું કરું છું' એ ખાતરી થઈ ગઈ. એટલે અક્રમમાં 'હું કરું છું, તે કરે છે' એ ભાન ના રહે. હવે 'તેઓ કરે છે' તેય ભાન ના રહેવું જોઈએ. એટલે ગજવું કાપે છે તો 'એ કાપે છે' એવું આપણા મનમાં રહે નહીં, એનું નામ અક્રમ. 'આ તમે કર્યું કે તેઓ કરે છે' એવું તેવું જ્યાં સુધી લક્ષમાં રહે છે ત્યાં સુધી બધી ભૂલ થઈ ગઈ. અને આ તો ડિસ્ચાર્જ છે. 'વ્યવસ્થિત' કર્યા જ કરે છે એની મેળે, એ જોયા કરો. એવું કહ્યું એટલે એને સમાધાન થઈ ગયું, ક્રમ અને અક્રમનું !

'આ' જ્ઞાન તો વીતરાગોનું જ !

વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઇતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઇએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઇતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે. મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાં ય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં; અન્ય માર્ગ છે. 'જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય, ખીચડી કરતાંય સહેલો થઇ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારે ય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે !

આ 'જ્ઞાન' તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે, માત્ર રીત 'અક્રમ' છે. દ્રષ્ટિ જ આખી બદલાઇ જાય છે. આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઇ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાનીઓને 'શુધ્ધાત્મા'નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જ્યારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઇ પડ્યું છે તે આમને કલાકમાં આત્મા આપ્યો, ત્યાર પછી ક્યારેય પણ લક્ષ ચૂકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે.

અનાદિથી એ જ જ્ઞાન પ્રકાશ !

દુષમકાળ, સુષમકાળ, કળિયુગ, સત્યુગ બધું બદલાય પણ જ્ઞાન તો અનાદિથી આનું આ છે. વીતરાગોનું અમર જ્ઞાન છે. જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશમાં એકેય ઠોકર ના વાગે, ચિંતા ના થાય.

'આ' વીતરાગોનું જ્ઞાન છે. જૈન, વૈષ્ણવ એ તો વીતરાગ જ્ઞાન લાવવાનાં સાધન છે. જ્ઞાન 'જ્ઞાની' પાસેથી મળેલું હોવું જોઈએ, તો જ 'એક્ઝેક્ટ' ટાઈમે હાજર થશે. એમ ને એમ ગપ્પું ચાલે તેમ નથી. પોતાનું કલ્યાણ કરે અને પારકાંનું પણ કલ્યાણ કરે તે 'જ્ઞાની'.

એ કરાવે સનાતન સુખની પ્રાપ્તિ !

પ્રશ્નકર્તા : એટલે આ કોઈ શોર્ટ કટ છે અથવા તો કોઈ ટૂંકો જ રસ્તો છે ?

દાદાશ્રી : બિલકુલ ડિરેક્ટ રસ્તો, બિલકુલ શોર્ટ કટ !

પ્રશ્નકર્તા : પણ આનો અંતિમ ધ્યેય શું છે ?

દાદાશ્રી : સનાતન સુખ પ્રાપ્ત કરવાનું, સ્વતંત્ર થવાનું, નિરાલંબ થવાનું !

પ્રશ્નકર્તા : સનાતન સુખમાં શું હોય ? એની વ્યાખ્યા શું છે ?

દાદાશ્રી : જે સુખને માટે કોઈ પ્રયત્ન આપણે ના કરવો પડે, કોઈ પણ જગ્યાએ સહજ રીતે પ્રાપ્ત થયા કરે ! નિરંતર રહ્યા કરે, દુઃખ જોવામાં જ ના આવે, એનું નામ સનાતન સુખ !

અક્રમ લાધ્યું, તે લાગી લોટરી !

પ્રશ્નકર્તા : આપશ્રી અક્રમ વિજ્ઞાનની વાત કરો છો. પણ વ્યવહારમાં બધું કરવું પડે. કમાયા પછી ખાવા માટે ઝંઝટ કરવી પડે. જમ્યા પછી પચાવવાની પણ મથામણ કરવાની હોય ને આ બધું ક્રમિક હોય છે, તો આ અક્રમ વિજ્ઞાન કેવી રીતે સમજમાં આવે ?

દાદાશ્રી : અક્રમ વિજ્ઞાન એ લોટરી જેવું છે. લોટરીમાં ઈનામ મળે એમાં શી મહેનત કરી હતી ? લોટરીનું ઈનામ મળે એમાં એણે કંઈ મહેનત કરી હતી? રૂપિયો એણેય આપ્યો હતો ને બીજા લોકોએય રૂપિયો આપ્યો હતો, પણ એનું ચાલી ગયું. એવું આ અક્રમ વિજ્ઞાન તરત જ મોક્ષ (કારણ મોક્ષ) આપી દે છે, તરત જ !

અક્રમ વિજ્ઞાન, અપાવે મુક્તિ !

ધર્મ છે તેનું ફળ પુણ્યૈ થાય અને અધર્મનું ફળ પાપ થાય. સાયન્સ એટલે પાપે ય નહીં ને પુણ્યૈ પણ નહીં ! જેટલું સિધ્ધાંત એને વિજ્ઞાન કહેવામાં આવે છે. બાકી આ જગતનું જ્ઞાન તો પુસ્તકોની અંદર મૂકેલું જ છે ને ! હા, ને જ્ઞાન તો, ચોરને ચોરી કરવા માટેનું જ્ઞાન શીખવું પડે. એટલે જ્ઞાન તો બધાં બહુ છે. ધર્મ કરવાનું ય જ્ઞાન શીખવું પડે ! અને વિજ્ઞાન એ અવિરોધાભાસ હોય, વિરોધાભાસ ના હોય. વિજ્ઞાન મુક્તિ આપે અને ક્રિયાકારી હોય. અને આ તો અક્રમ વિજ્ઞાન છે !

અક્રમ એટલે ક્રમ નહીં તે ! તૈયાર જ્ઞાન ! ને પેલું ક્રમમાં તો દૂધનું દહીં કરવું પડે, દહીંને પછી વલોવવું પડે, માખણ કરવું પડે, પાછું ઘી કરવું પડે. અને આ અક્રમ એટલે તૈયાર ઘી !

મોક્ષના બે માર્ગ : ક્રમિક માર્ગ અને અક્રમ માર્ગ. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે, મોક્ષ તરફ લઈ જાય, સનાતન સુખ તરફ ! અને અક્રમ એટલે લિફ્ટ માર્ગ, લિફ્ટમાં જવાનું ! આ અક્રમ વિજ્ઞાન પેલા કરતાં જુદી જાતનું છે. પેલું તો પરમેનન્ટ માર્ગ છે અને આ તો ડાયવર્ઝન માર્ગ છે. કોઈ વખત પેલું બંધ થઈ ગયું હોય ત્યારે આ માર્ગ નીકળે !

જ્ઞાની વિના સૂનો મોક્ષમાર્ગ !

આ અજ્ઞાનને લઈને સંસાર છે અને અજ્ઞાનથી મુક્તિ થઈ તેને મોક્ષ કહે છે. અજ્ઞાનથી બંધન છે, બીજા કોઈથી બંધન નથી. અજ્ઞાનથી રાગ-દ્વેષ છે. એટલે અજ્ઞાનથી મુક્તિ થઈ તેને મોક્ષ કહ્યો, ભગવાને આ સિવાય બીજો મોક્ષમાર્ગ કહ્યો નથી ! એટલે મોક્ષમાર્ગ તો કહે છે કે તું અજ્ઞાન ફેડજે અને જ્ઞાન જ મોક્ષ છે, જ્ઞાન જ આત્મા છે, એ જ પરમાત્મા છે.

જેને મોક્ષે જવાની ઇચ્છા થાય તેણે, પોતે પોતાનું સેલ્ફ રિયલાઈઝ કરવું પડશે. નહીં તો બીજું ગમે તેટલું કરો પણ મોક્ષ નહીં થાય. આત્મા જાણવાનું મળતું નથી. કોઈક કાળે એવા જ્ઞાની પુરુષ મળ્યા છે તો આત્મા જાણવાનું સહેલું છે, નહીં તો ત્યાં સુધી અનંત અવતારથી ભટકે છે.

આ બધું સાયન્સ છે. 'જ્ઞાની' એટલે સાયન્સ ખુલ્લું કરે. સાયન્સ કોને કહેવાય ? સિધ્ધાંતને કહેવાય. સિધ્ધાંત એટલે વિરોધાભાસ ના હોય. જેમાં ધર્મ ના હોય, અધર્મેય ના હોય, એનું નામ સાયન્સ કહેવાય. ધર્મ ને અધર્મ છે, તેથી તો સંસાર ઊભો રહ્યો છે.

અક્રમ માર્ગમાં નથી શક્તિપાત !

પ્રશ્નકર્તા : અક્રમ માર્ગમાં જ્ઞાન પણ એક પ્રકારનો શક્તિપાત છે ?

દાદાશ્રી : શક્તિપાત એટલે એકની શક્તિ બીજામાં નાખી. એટલે એકમાં ઓછી થઈ ને બીજામાં વધી. આ શક્તિપાત કર્યો એટલે જ શક્તિપાત કરનારા હોય ત્યાં આગળ શક્તિ ઘટી અને પેલાને ફળ મળ્યા કરે. જેમ મારી પાસે સો રૂપિયા હોય ને હું તમને આપું એટલે મારી પાસે એટલા ઓછા થયા, એ શક્તિપાત.

વર્લ્ડમાં બધી વસ્તુ આપવાથી ઘટે જ. જ્ઞાન જ એક એવું છે કે આપવાથી વધે. આપવાથી આપનારની પાસે વધે ને પેલા લેનાર પાસેય વધે. બાકી આ બધી વસ્તુઓ છે તે આપવાથી ઘટે. અને જ્ઞાન એકલું એવું છે કે આપનારનુંય વધે ને લેનારનુંય વધે. તો તમે કયું ફાયદાકારક ગણો છો ?

પ્રશ્નકર્તા : જ્ઞાન.

દાદાશ્રી : હા, શક્તિપાતમાં તો શક્તિ એકની ઓછી થાય તો બીજાની વધે. એ ઘટ-વધ થયા કરે એનો અર્થ શું છે ? એ મિનિંગલેસ વસ્તુ છે. પેલો અહંકારમાં આવીને પેલા ઉપર શક્તિપાત કરે અને પોતાનું ઘટાડે છે એટલું.

શક્તિ અમે નાખતા નથી, તમારામાં શક્તિ હોય છે જ. પણ તે શક્તિ 'ઓપન' કરવાની હોય છે. શક્તિ તમારામાં અનંત છે. તમારામાં જ્ઞાન પણ અનંત છે. અને શક્તિ તો કોઈ કોઈને આપી શકે નહીં. એવું જ્ઞાનેય કોઈ કોઈને આપી શકે નહીં. જ્ઞાનેય તમારી મહીં જ છે, ફક્ત જ્ઞાની પુરુષ, એ જ્ઞાન જાગૃત કરવા માટે દીવો કરવા પૂરતું જ એ બહારના પ્રયત્ન કરે. તેનાથી તમારો દીવો સળગી જાય. એ જ્ઞાન શાથી આપવું પડે છે કે તમારા પાપો નાશ કરવા માટે. એ પાપો નાશ ના થાય તો દીવો સળગે નહીં.

કહેવાથી કામ થઈ જાય !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે તમે તમારી જાતને ઓળખો તો એ જાતને ઓળખવા શું કરવું ?

દાદાશ્રી : એ તો મારી પાસે આવવાનું. તમારે કહી દેવાનું કે અમારે અમારી જાતને ઓળખવી છે, એટલે હું તમને ઓળખાણ પાડી દઉં.

નથી શક્તિ મારી, એ તો દાદા ભગવાનની !

પ્રશ્નકર્તા : એ પ્રક્રિયા શું છે કે એક કલાકમાં માણસને ચિંતામુક્ત કરાવી શકે ?

દાદાશ્રી : કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ સર્વ પાપોને ભસ્મીભૂત કરી શકે છે, જ્ઞાનાગ્નિથી ! એ જ્ઞાનાગ્નિથી પાપો અમે ભસ્મીભૂત કરીએ અને પછી એ ચિંતારહિત થઈ જાય છે.

પ્રશ્નકર્તા : એ ચમત્કારિક શક્તિ શું છે કે જેને કારણે એક કલાકમાં ચિંતારહિત થઈ જાય છે ?

દાદાશ્રી : ના, એમાં ચમત્કાર જેવી વસ્તુ જ નથી.

પ્રશ્નકર્તા : એટલે એ શક્તિ કેવી રીતે સાધ્ય થઈ ?

દાદાશ્રી : એ શક્તિ તો હતી જ, પણ એની રીત નહોતી આ લોકોની પાસે ! આ રીત મારી પાસે કેવી રીતે આવી કે મારી જ્યારે બુધ્ધિ ખલાસ થઈ ગઈ એટલે આ રીત આવી ! મારામાં બુધ્ધિ બિલકુલ છે નહીં. એક સેન્ટ પણ બુધ્ધિ ના હોય અમારે. આ વર્લ્ડમાં બુધ્ધિ વગરનો માણસ હોય તો હું એકલો જ છું. મેં પુસ્તકોમાં લખ્યું છે કે અમે અબુધ છીએ. એટલે પછી આ રીત અમને આવી ગઈ !

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે હું બીજાને એક કલાકમાં જ્ઞાન આપી અને કાયમનો ચિંતામુક્ત કરી દઉં છું. એટલે આપનામાં આ જે શક્તિ છે, એનો સ્ત્રોત કેવી રીતે ઊભો થયો ?

દાદાશ્રી : મારામાં એ શક્તિ છે જ નહીં. આ 'પટેલ'નામાં એ શક્તિ નથી. મહીં ભગવાન પ્રગટ થયા એની શક્તિ છે. આ પટેલ તરીકે તમે મને જોઈ શકો તો મારામાં કોઈ શક્તિ નથી. અને આ જે અંદર ભગવાન પ્રગટ થયા છે તે ચૌદ લોકનો નાથ પ્રગટ થયો છે ! તરત જ એમની કૃપાથી હરેક ચીજ પ્રાપ્ત થાય છે, જે જોઈએ તે ! કોઈની ડિફિકલ્ટી સોલ્વ કરવામાં બાકી જ નથી રાખી ! એટલે આ મારા હાથમાં સત્તા નથી, અંદર ભગવાન પ્રગટ થઈ ગયેલા છે તેમની શક્તિ છે ! ને તેને હું પણ નમસ્કાર કરું છું, આમ કરીને !

અહીં નહીં છોડવાનું, થવાનું પોતે છુટ્ટા !

અમારે એક જ કલાકનો પ્રયોગ કરવો પડે. પછી બધી નિર્બળતાઓ જતી રહે, નહીં તો કરોડો અવતારેય કશું વળ્યું નથી ! કારણ કે શું નડે છે ? વેદાંતે શું કહ્યું ? મળ, વિક્ષેપ ને અજ્ઞાન. અને જૈનોએ શું કહ્યું ? રાગ, દ્વેષ ને અજ્ઞાન. એટલે અજ્ઞાન જાય તેની મુક્તિ થાય. અજ્ઞાન ક્યારે જાય ? જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે. જ્ઞાની પુરુષનું એ જ્ઞાન કેવું હોય ? વિજ્ઞાન હોવું જોઈએ.

હવે આ લોકો ધંધા ને બધું કરે છે. તે બહાર તો બધા લોકો છોડાવે, કે તે છોડી દો, આ છોડી દો. બૈરી છોડી દો, કહેશે. તો બૈરી છોડી દો તો બૈરીને દુઃખ ના થાય ? છોકરાં છોડી દો, તો છોકરાંઓને દુઃખ ના થાય ? તો પછી મોક્ષ શી રીતે થાય આપણો ? કોઈને દુઃખી કરીને મોક્ષ થાય આપણો ?

એટલે આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં કશું છોડવા કરવાનું ના હોય. વિજ્ઞાનમાં પોતે જ છૂટા થઈ જવાનું. પોતે છૂટા થઈ ગયા કે ઉકેલ આવી ગયો, પઝલ સોલ્વ થઈ ગયું.

અત્યારે જે ચાલુ છે ને, એ ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે ચઢવાનું. આ બધા પરિગ્રહ છોડતા છોડતા, જેટલા પરિગ્રહ છૂટ્યા તેટલું ઉપર ચઢ્યા. તે છેવટે બધા સંસારી પરિગ્રહ છોડ્યા પછી વાણીના પરિગ્રહ છોડવા પડશે. પછી મનના પરિગ્રહ છોડવા પડશે. તે મનમાં પરિગ્રહ કયા કયા હોય ? ક્રોધ-માન-માયા-લોભ એ પરિગ્રહો બધા છોડવા પડશે, ત્યારે અપરિગ્રહી થાય, ત્યારે એ શુધ્ધ અહંકાર થાય ને ત્યારે શુધ્ધાત્મા જોડે એકાકાર થઈ જાય. આ ક્રમિક માર્ગ છે, તે બહુ કાળે કોઈક દહાડે પામે. નહીં તો પામે નહીં ! અને આ અક્રમ વિજ્ઞાન છે. આ જ્ઞાની પુરુષ તરત એનો દીવો સળગાવી દે અને પાપ ભસ્મીભૂત કરે એટલે લાઈટ થઈ ગયું, આ લિફ્ટ માર્ગ છે. ધીસ ઈઝ બટ નેચરલ !

મુક્તિ માગ્યે મુક્તિ મળે જ !

પ્રશ્નકર્તા : હવે જેને મોક્ષ જોઈએ છે, એણે શું કરવું ?

દાદાશ્રી : હા, તો એણે જ્ઞાની પુરુષ પાસે જઈને વિનંતી કરી દેવી કે, 'સાહેબ, મને મોક્ષ આપી દો.' એટલા ચાર શબ્દ બોલતાં ના આવડે ? ને પછી જો મોક્ષ ના થાય તો મને કહેજો. બોલવાથી જ બધું કામ થઈ જાય. જ્ઞાની પુરુષ તો મોક્ષનું દાન આપવા જ નીકળેલા હોય. તે તમે તો દાનની માગણી ના કરી કે 'મને આપજો, સાહેબ.' એવું બોલ્યા જ નહીં ને !

પ્રશ્નકર્તા : એમ માગ્યે મળતું હશે, એવી ખબર જ ક્યાં છે ?

દાદાશ્રી : ન્હોતી ખબરને ?! પણ આ તો માગવું પડે. એ તો વ્યવહારમાંય શું કહે છે ? 'માગ્ય વગર માયે ના પીરસે.' એટલે તમારે કહેવું પડે કે 'મને છોડાવજો.'

અને અહીં જ્ઞાની પુરુષની પાસે માગતો ભૂલે એટલી બધી ચીજ હોય, પણ માગતાંય નથી આવડતું. અહીં તમને માગતાં આવડવું જોઈએ. ટેન્ડર ભરતાં આવડવું જોઈએ. જે માગે એ મળે એવું છે. કારણ કે આ આપનારો તે 'હું' નથી. આપનાર પાસે માગવું જોઈએ. આ વાણીનો હું માલિક નથી ! એટલે અહીં એ અજાયબી છે.

એટલે જ્ઞાની પુરુષ ભેગા થાય તો એમને આપણે એક જ વાત કહેવાની કે, 'સાહેબ, મારો ઉકેલ લાવી આપો. મારો દીવો સળગાવી આપો.' એટલે એ તમારો દીવો સળગાવી આપે, તેથી તમને લાઈટ થઈ જાય. પછી તમારો 'આત્મા' 'તમને' દેખાશે. 'તમે' 'આત્મારૂપ' થઈ જશો ને પાછું તમને તમારો પોતાનો આત્મા દેખાશે. 'પોતે' પોતાને જોશે. કારણ કે 'પોતે' સ્વ-પર પ્રકાશક છે. પોતે 'સ્વ'ને પણ જુએ અને 'પારકાં'નેય જુએ એવો છે, એટલે 'પોતે' પોતાને જોઈ શકે !

જેની ઈતિહાસ પૂરાવે સાક્ષી !

પ્રશ્નકર્તા : આટલા બધા જ્ઞાનીઓ પૂર્વે થઇ ગયા તો કોઇએ આવો અક્રમિક માર્ગ બતાવ્યો હતો ?

દાદાશ્રી : હા, બતાવ્યું હતું. ઋષભદેવ ભગવાને બતાવેલું છે. ઋષભદેવ ભગવાને 'અક્રમ માર્ગ' બતાવી ભરત રાજાને સંસારમાં તેરસો રાણીઓ સાથે મોક્ષ આપ્યો હતો, બીજા ૯૯ છોકરાઓને 'ક્રમિક માર્ગ' આપ્યો હતો.

પ્રશ્નકર્તા : એ તો ભરત રાજાની પાત્રતા હશે, અમારી એવી યોગ્યતા ક્યાંથી હોય ?

દાદાશ્રી : આ 'અક્રમ વિજ્ઞાન'માં યોગ્યતા જોવાની જ નથી હોતી. મને ભેગો થવો જોઇએ. અને એ કહે કે 'મારું કલ્યાણ કરો', એટલે બહુ થઇ ગયું.

અક્રમ પ્રગટ્યું કળિકાળમાં !

આખું બ્રહ્માંડ જે 'જ્ઞાન'ના વરસાદની ઇચ્છા કરે છે તે 'જ્ઞાન'નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમ કાળમાં 'જ્ઞાનવર્ષા' થઇ. જ્યાં મનુષ્ય માત્ર સાધુ, આચાર્ય, બાવા, બાવલી બધાં તરફડે છે એવા કાળમાં ! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે. તો ત્યાં કામ કાઢી લેવાનું હોય.

વીતરાગોનાં બે પ્રકારનાં જ્ઞાન : એક 'ક્રમિક' અને બીજું 'અક્રમિક' કે જે આજે અહીં 'અમારી' પાસે પ્રગટ થયું છે !

પછી સંસાર સ્પર્શે નહીં !

પેલું 'ક્રમિક વિજ્ઞાન' છે અને આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ જ્ઞાન તો 'વીતરાગો'નું જ છે. 'જ્ઞાન'માં ફેર નથી. 'અમે' જ્ઞાન આપીએ પછી તમને આત્મઅનુભવ થઇ જાય. તો શું કામ બાકી રહે ? 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અને 'અમારી' આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં એવું આ અક્રમ વિજ્ઞાન છે !

અહીં નો લૉ એ જ લૉ !

અને પાછું એકેય લૉ નહીં. જ્યાં લૉ છે ત્યાં વીતરાગી જ્ઞાન ના હોય. સંપૂર્ણ 'વીતરાગી જ્ઞાન' જ્યાં લૉ છે ત્યાં ના હોય, છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે. અને જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચે છતાં કોઇને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે. બધાંને સમાનતા રહે. આ તો અજાયબ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે, એટલે કામ કાઢી લેવાનું છે. અહીં દસ વર્ષથી અમારી વાણીનું લખાણ થાય છે. છતાં નહીં ઓફિસ કે નહીં સેક્રેટરી કે નહીં કાયદો. ગમે ત્યાં બોલાયું હોય પણ લખાઇ જાય અને પાછું બધું ઠેકાણે રહે ને ઓફિસવાળાનાં તો કાગળો રઝળતા હોય !

આચારની અશુધ્ધિને ઊડાડે અક્રમ !

આ વિજ્ઞાન એવું છે, કે હું જે આત્મા દેખાડું છું એ કેવળજ્ઞાનનો આત્મા છે. અને આ જે જગતના લોકો આત્મજ્ઞાન કહે છે, એ શાસ્ત્રીય આત્મજ્ઞાન છે !

પ્રશ્નકર્તા : પણ પાત્રતા કે અધિકારી વગર આ જ્ઞાન કેમ પચે ?

દાદાશ્રી : પાત્રતાની કે અધિકારીની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા : તો પછી એમાં વામાચાર ના થાય ?

દાદાશ્રી : એવું છે, કે અહીં વામાચાર છે કે રાઈટ આચાર છે નહીં, એથી અહીં કોઈ આચારનાં ધોરણની જરૂર નથી. ખરી રીતે બાહ્યાચાર એ શું છે ? આ જગત આખું બાહ્યાચાર ઉપર બેઠું છે. બાહ્યાચાર એ ઈફેક્ટ છે, એ કોઝિઝ નથી. એટલે અમે કોઝિઝ ઊડાડી મેલીએ છીએ. ઈફેક્ટ તો એની મેળે જે હશે તે ધોવાઈ જશે. એટલે રોંગ બિલીફો કે હું ચંદુલાલ છું, હું આનો ફાધર થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, એ બધું વિકલ્પો છે. એ બધા વિકલ્પ ઉડાડી મેલીએ છીએ. ઈફેક્ટ તો એની મેળે જે હશે તે ધોવાઈ જશે ને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે.

જો તમે એક ફેરો આ જ્ઞાનમાં બેસો તો હું તમને એક્ઝેક્ટલી બતાવું. આ જ્ઞાન તો તરત જ ફળ આપનારું છે. એક કલાકમાં બધાં જ ફળ આપનારું છે. અને ચારેય પ્રકારના ક્રોધ-માન-માયા-લોભ બધું જ જતું રહે છે પણ તે અમારા કહ્યા પ્રમાણે આરાધના કરે તો ! પછી પોતાની સમજણે મહીં મીઠું મરચું નાખે તો પછી દૂધપાકને બદલે કઢી બનાવી દે !

પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી મન શુધ્ધ ના થાય ત્યાં સુધી અંતઃકરણ શુધ્ધ ના થાય ને ત્યાં સુધી આચારનું શુધ્ધિકરણ ના થાય અને આ બધાનું શુધ્ધિકરણ ના થાય ત્યાં સુધી આત્માનું અનુસંધાન કઈ રીતે થઈ શકે ?

દાદાશ્રી : આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે આત્માનું અનુસંધાન તો એની પાસે એક કલાકમાં કરાવડાવું છું, એને આત્માનું અનુસંધાન થાય છે એટલે પેલું જે હતું તે જ્ઞેય સ્વરૂપે થાય છે, પછી ખરાબ વિચાર કે સારા વિચાર બન્નેય જ્ઞેય સ્વરૂપે છે. આ બધી ઈફેક્ટ છે.

એટલે કોઈની ઉપર કોઈ દહાડો ચીઢાયો નથી. ખરી રીતે ખોટું કર્યું હોય તો પહેલું મને જ એ ખોટું લાગવું જોઈએ. પણ મને જગત નિર્દોષ જ લાગે છે. કોઈ દોષિત છે જ નહીં.

અક્રમ માર્ગે પાત્રતા ?

પ્રશ્નકર્તા : ઉપાદાનની યોગ્યતા વગર, પાત્રતા વગર નિમિત્ત ઉપકાર કરી શકે ? કરી શકે તો કેટલો ને કેવા પ્રકારે ?

દાદાશ્રી : ક્રમિક માર્ગમાં ઉપાદાનની યોગ્યતા વગર નિમિત્ત ઉપકાર કરી શકે નહીં. આ અક્રમજ્ઞાની ગમે તેનું કામ કરી શકે, એમને ભેગો થયો એનું નામ જ પાત્રતા. આ તો 'અક્રમ વિજ્ઞાન' છે, કલાકમાં જ મુક્તિ આપે એવું આ વિજ્ઞાન છે ! જે કરોડો અવતારે ના બને તે કલાકમાં જ બની જાય છે ! તરત ફળ આપનારું છે.

પ્રશ્નકર્તા : જે સત્તામાં દોષો પડ્યા હોય તો તે અક્રમિક માર્ગથી સદ્ગુરુ એનો નાશ કરી શકે ?

દાદાશ્રી : હા, બધું ઉડાડી મેલે.

પ્રશ્નકર્તા : પોતાનો આત્મા એ દોષોનો નાશ ના કરી શકે, પણ સદ્ગુરુ કરી શકે ?

દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ' બધું જ કરી શકે. 'જ્ઞાની પુરુષ' શું ના કરે ? બધું જ કરી શકે. કારણ કે એ કર્તા નથી. જે કર્તા હોય તેનાથી કશું થાય નહીં. અને 'જ્ઞાની પુરુષ' તો કર્તા જ નથી, ખાલી નિમિત્ત જ છે.

પ્રશ્નકર્તા : પોતાનો આત્મા એ ના કરી શકે ?

દાદાશ્રી : પોતાનો આત્મા જો કરતો હોત તો અત્યાર સુધી રઝળપાટ હોત જ નહીંને ? નિમિત્ત વગર કોઇ દહાડો ઠેકાણું પડે નહીં. પોતાનો આત્મા કશું કરી શકે નહીં. જે બંધાયેલો છે તે સ્વયં શી રીતે છૂટી શકે ?

પુણ્યશાળીઓને માટે માર્ગ !

પ્રશ્નકર્તા : પણ પોતાના આત્માનો ઉધ્ધાર પોતાના આત્માએ જ કરવાનો ને ?

દાદાશ્રી : બરોબર છે પણ એ વાત 'ક્રમિક માર્ગ'ની છે. આ તો 'અક્રમ વિજ્ઞાન' છે. એટલે રૂબરૂ ભગવાન પાસે કામ કાઢી લેવાનું, અને તે આપણને ક્ષણે ક્ષણે રહે, કલાક-બે કલાક જ નહીં.

પ્રશ્નકર્તા : એટલે એમને બધું સોંપી દીધું હોય એટલે એ જ બધું કરે ?

દાદાશ્રી : એ જ બધું કરે, તમારે કશું કરવાનું નહીં. કરવાથી તો કર્મ બંધાય. તમારે તો ખાલી લિફટમાં બેસવાનું. લિફટમાં પાંચ આજ્ઞાઓ પાળવાની. લિફટમાં બેઠા પછી મહીં કૂદાકૂદ કરશો નહીં, હાથ બહાર કાઢશો નહીં, એટલું જ તમારે કરવાનું. કો'ક વખત આવો માર્ગ નીકળે છે, તે પુણ્યશાળીઓને માટે જ છે. આ તો અપવાદ માર્ગ છે. દસ લાખ વર્ષમાં એક વખત અપવાદ નીકળે છે ! 'વર્લ્ડ'નું આ અગિયારમું આશ્ચર્ય કહેવાય! અપવાદમાં જેને ટિકિટ મળી ગઇ, તેનું કામ થઇ ગયું.

વ્યવહારમાં અવતરણ નિશ્ચયનું !

આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય અને છે પાછું સૈધ્ધાંતિક, જે બધી રીતે સહેજેય વિરોધાભાસ કોઈ જગ્યાએ કંઈ પણ ન હોય અને વ્યવહારમાં ફીટ થાય, નિશ્ચયમાં ફીટ થાય, બધે ફીટ થાય, ફક્ત લોકને ફીટ ના થાય. કારણ કે લોકો લોકભાષામાં છે. લોકભાષા ને જ્ઞાનીની ભાષામાં બહુ ફેર છે. જ્ઞાનીની ભાષા કેવી સારી છે, કશી અડચણ જ નહીં ને ! જ્ઞાની ફોડવાર બધા ફોડ આપે ત્યારે ઉકેલ આવે.

આપણું આ 'અક્રમ વિજ્ઞાન' જગતમાં બહાર પડે તો લોકોનું બહુ કામ કાઢી નાખે. કારણ કે આવું વિજ્ઞાન નીકળ્યું નથી. આ વ્યવહારમાં, વ્યવહારની ઊંડાઈમાં કોઈએ કોઈ જાતનું જ્ઞાન મૂકેલું નહીં. વ્યવહારમાં કોઈ પડેલું નહીં. નિશ્ચયની જ વાતો બધી કરેલી. વ્યવહારમાં નિશ્ચય આવેલો નહીં. નિશ્ચય નિશ્ચયમાં રહેલો અને વ્યવહાર વ્યવહારમાં રહેલો. પણ આ તો વ્યવહારમાં નિશ્ચય લાવીને મૂક્યો છે, અક્રમ વિજ્ઞાને. અને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે અને તે સાયન્ટિફિક પાછું. આમાં કોઈ જગ્યાએ વિરોધાભાસ ના થાય. પણ હવે આ 'અક્રમ વિજ્ઞાન' બહાર શી રીતે પડે ? બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય !

જ્ઞાની આપે મોક્ષદાન !

શ્રીમદ્ રાજચંદ્રે શું કહ્યું કે જ્ઞાની પુરુષ તો ખુદ પરમાત્મા આવ્યા છે ! જ્ઞાની પુરુષ તો મોક્ષનું દાન આપે છે, મોક્ષ જ આપી દે, ગૂંચવાડાથી મુક્ત કરે, પછી રહ્યું શું ? સમાધિ ! હવે જ્ઞાની પુરુષ જ્યારે મોક્ષનું દાન આપતા હોય તોયે ભેગું ના થાય, એનું શું થાય તે ?

અને મોક્ષનું દાન એટલે શું કે ઘરમાં-સંસારમાં રહેવાનું, બૈરી-છોકરા સાથે રહેવાનું, છોકરા પૈણાવવાના, વ્યવહારનું કામ કરવાનું અને અસંગ ને નિર્લેપ રહેવાનું. એટલે સંસારમાં રહેવા છતાં અસંગ ને નિર્લેપ રહેવાનું, એવું આ વિજ્ઞાન છે.

બધા માર્ગમાં ત્યાગ કરવો પડે. જ્યારે આ અક્રમ વિજ્ઞાનમાં તમારે ઘેર બેઠાં બધું થાય. નહીં તો આ બધું છોડવાનું કહે તો તમે શી રીતે છોડો ? બૈરી-છોકરાંને કાઢી મેલાય ? ત્યારે મોક્ષ તો જ્યારે આવશે ત્યારે જોઈ લઈશ. પણ અત્યારે છે એને, આશરો આપેલીને કેમ કાઢી મેલાય ? આપણો આશરો લીધેલો હોય એને કાઢી મેલાય ? અને નાસી જઈએ, બાવા થાય એમાંયે કંઈ મોક્ષ મળે નહીં. અનંત અવતાર ત્યાગીપણું કરે પણ કશું વળશે નહીં. આત્મજ્ઞાન જાણ. પછી સંસારી હશે તોય વાંધો નથી, ત્યાગી હશે તોય વાંધો નથી. પહેલાં તું આત્મજ્ઞાન જાણ. આત્મા જાણ્યા પછી, જાણીને તું સંસારમાં રહે ને !

મોક્ષદાતા છતાં નિમિત્ત !

અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ. અહીં જ મોક્ષ વર્તાય. અમો મોક્ષદાતા છીએ, મોક્ષના લાયસન્સદાર છીએ. જગત કલ્યાણનું અમે નિમિત્ત છીએ. અમે એના કર્તા નથી. અમે ક્યારેય પણ કોઈ ચીજના કર્તા ના હોઈએ, કારણ કે કર્તા થાય તો તેના ભોક્તા થવું જ પડે. અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ.

અપૂર્વ છતાં પરાપૂર્વેથી !

વીતરાગી જ્ઞાન સુણ્યું નથી, જાણ્યું નથી ને શ્રધ્યું નથી. જો તેમ થયું હોત તો કામ જ થઇ ગયું હોત ! 'વીતરાગી જ્ઞાન' 'વીતરાગી પુરુષ' સિવાય ના મળે.

આ વિજ્ઞાન છે, તરત ફળ આપનારું છે. અક્રમ વિજ્ઞાન છે ! ઉદય આવેલું છે મને. આ મારું જ્ઞાન નથી, આગળનું, પરંપરાથી ચાલુ આવ્યું છે. પણ આ જુદી ઢબે આવ્યું છે. બે જ કલાકમાં માણસને કામ કાઢી નાખે. નહીં તો સો-સો, પચીસ-પચાસ વર્ષ સુધી સાધનાઓ કરવી પડે. આ વગર સાધના અક્રમ વિજ્ઞાન તમારું કામ કાઢી નાખે.

સર્વ દુઃખોને ક્ષય કરનારું !

વીતરાગ વિજ્ઞાન એવું છે કે સર્વ દુઃખોનો ક્ષય કરનારું છે. એ વિજ્ઞાન જ એવું છે કે સર્ર્વ દુઃખોથી મુક્ત કરે. અને 'વિજ્ઞાન' જ એવું હોય, વિજ્ઞાન હંમેશાં ક્રિયાકારી હોય. એટલે એ વિજ્ઞાન જાણ્યા પછી વિજ્ઞાન જ કામ કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. તમારે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી બુધ્ધિ છે. અને જ્યાં સુધી બુધ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે અને અહંકાર છે ત્યાં સુધી આનો નિવેડો લાવવો હોય તો ય નહીં આવે.

પ્રગટ્યું બટ નેચરલી !

'વીતરાગ વિજ્ઞાન' કોઈથી સમજાય એવું નથી. 'મને'ય આ પ્રગટ થયું, તેમાં મારો કંઈ પુરુષાર્થ નથી. એ તો 'બટ નેચરલ' થયેલું છે.

પ્રશ્નકર્તા : આપને 'બટ નેચરલ' જ્ઞાન થયું તે શું ? તે સમજાવો.

દાદાશ્રી : 'બટ નેચરલ' જ્ઞાન કો'કને જ થાય. કોઇ કહેશે કે, 'મેં જાતે કર્યું છે.' તો તે જ્ઞાન અધૂરું રહે છે. આ તો 'નેચરલી' એની મેળે થયું છે. જો કર્યું હોય તો ૮૦ ટકા વિકલ્પ ઓછો થયો તો ૨૦ ટકા બાકી રહે. આ તો ૧૦૦ ટકા નિર્વિકલ્પ છે, આ વીતરાગ વિજ્ઞાન છે.

અહો ! આવું ગહન જ્ઞાન !!

આ અમને 'નેચરલ' બક્ષિસ છે. મારી શોધખોળ હતી, પણ અત્યારે આ 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શ્યલ એવિડન્સ' છે. કુદરતી રીતે 'લાઇટ' થઇ ગયું છે, તમે તમારો દીવો સળગાવી જાવ.

૧૯૫૮માં આ 'જ્ઞાન' પ્રગટ થયું ! તે દહાડે 'જ્ઞાની' થયા ! તેના આગલે દહાડે તો 'અમે' પણ અજ્ઞાની જ હતા ને !

આ કુદરતનો ગહન કોયડો છે. આમાંથી કોઈ છૂટેલો નહીં ને જે છૂટ્યા તે કહેવા રહ્યા નહીં, હું 'કેવળજ્ઞાન'માં નાપાસ થયો એટલે તમને કહેવા રહ્યો છું. માટે સંભાળીને તમારું કામ કાઢી લો. આ તમારું જ છે. અમે તો ખાલી કામ કઢાવવા માટે બેઠા છીએ !

વીજળીના ઝબકારે મોતી પરોવાયું !

અલ્યા, જ્ઞાની જગતમાં કેટલા હોય ? પાંચ કે દસ ? કો'ક કાળે જ્ઞાની પાકે. અને તેમાં ય અક્રમ માર્ગના જ્ઞાની તો દસ લાખ વર્ષે પાકે અને તે ય આવાં વર્તમાન આશ્ચર્યયુગ જેવા કળિયુગમાં જ ! લિફ્ટમાં જ ઊંચે ચઢાવે. પગથિયાં ચઢીને હાંફવાનું નહીં. અલ્યા, ઝબકે મોતી પરોવી લે ! આ વીજળીનો ચમકારો થયો છે ત્યારે તારું મોતી પરોવી લે. પણ ત્યારે મૂઓ દોરો ખોળવા જાય ! શું થાય ? પુણ્યૈ કાચી પડી જાય.

કો'ક વખત એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ તો ગેરેન્ટી સાથે કહું છું કે તમારો કોઈ ઉપરી નથી. અને આ ઉપર તારો બાપ કોઈ નથી. પછી રહે કોઈ ભો- ભડકાટ ?

બુધ્ધિ નહીં, તેવા જ્ઞાની !

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે જ્ઞાની પુરુષો પાપોનો નાશ કરી શકે છે, તો બધા જ જ્ઞાની પુરુષોની એક જ થિયરી હોય ?

દાદાશ્રી : બધા જ જ્ઞાની પુરુષોની એક જ થિયરી હોય પણ જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય ? જેનામાં બુધ્ધિ બિલકુલ ના હોય, એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય. બુધ્ધિશાળીઓને જ્ઞાની પુરુષ કેમ કહેવાય ? બુધ્ધિને અને જ્ઞાનને વેર જ છે, તો બુધ્ધિશાળીને જ્ઞાની કેમ કહેવાય ?

અત્યારે હિન્દુસ્તાનમાં જ્ઞાનીઓનું ટેન્ડર માગીએ ને, ટેન્ડર્સ ફોર ઈન્વાઈટેડ ટુ જ્ઞાની. તો અહીં વીસ હજાર માણસો ભેગા થાય, પણ બધા બુધ્ધિના કોથળા. આપણે કહીએ, 'તમે અબુધ છો ?' ત્યારે કહે, 'મને અબુધ કેમ કહ્યો ?' તે વઢવાડ થઈ જાય. તો થઈ ગયું, આવી ગયું, 'જાવ તમે કેન્સલ !' એટલે જ્યાં ક્રોધ-માન-માયા-લોભ બધી નિર્બળતાઓ છે, એને જ્ઞાની કેમ કહેવાય ? જ્ઞાની તો નિર્બળતા જ્યાં ખલાસ થઈ ગઈ છે અગર તો ખલાસ ન થઈ હોય તો ક્યાં સુધી એક્સેપ્ટ કરવી જોઈએ કે એ પોતાને દુઃખ દે, બીજા કોઈને દુઃખ ન દે, એટલી લિમિટેડ હોય. એને પોતાને ક્રોધ-માન-માયા-લોભ થાય ખરાં, પણ એની ઝાળ બીજા કોઈને ના અડે, એને પોતાને જ દુઃખ દે, એ એક્સેપ્ટ કરાય.

જ્ઞાની તે કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : જ્ઞાનીની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : જ્યાં કાયમ પ્રકાશ હોય. બધું જ જાણતા હોય, કશું બાકી જ ના હોય જાણવાનું. જ્ઞાની એટલે અજવાળું. અજવાળું એટલે કોઈ જાતનું અંધારું જ ન હોય !

અને જ્ઞાની કોઈક ફેરો વર્લ્ડમાં એકાદ હોય અને બે ના હોય. એની જોડી ના હોય. એની જોડી થાય તો સ્પર્ધા થાય. જ્ઞાની થવું એ નેચરલ એડજસ્ટમેન્ટ છે. જ્ઞાની, એ પોતે જાતે કોઈ થઈ શકે નહીં, નેચરલ એડજસ્ટમેન્ટ છે !

જ્ઞાની પુરુષ તો છૂટેલા હોય, મુક્ત હોય. એ અજોડ હોય. કોઈ એની સ્પર્ધા કરી શકે નહીં. કારણ કે સ્પર્ધામાં હોય એ જ્ઞાની નહીં.

દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અપ્રતિબધ્ધ !

વીતરાગોએ કહ્યું છે ને, કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબધ્ધપણે નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ સેવે તો ઉકેલ આવે. કોઈ દ્રવ્ય એમને બાંધી શકે નહીં, કોઈ કાળ એમને બાંધી શકે નહીં, કોઈ ભાવ એમને બાંધી શકે નહીં અને કોઈ ક્ષેત્ર એમને બાંધી શકે નહીં - આ ચાર જ વસ્તુ છે જગતમાં. એને લઈને જગત ઊભું રહ્યું અને તેથી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી નિરંતર અપ્રતિબધ્ધપણે વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ સેવવાને માટે ભગવાને કહ્યું છે.

ન રાગ-દ્વેષ, ન ત્યાગાત્યાગ !

જ્ઞાની પુરુષ કોનું નામ કે જેને ત્યાગ અગર અત્યાગ સંભવે નહીં, સહજભાવે હોય. એ રાગ કે દ્વેષ ના કરે. ફક્ત એમનામાં વિશેષ વિલક્ષણતા શું હોય કે રાગ-દ્વેષ ન હોય, એટલી જ વિલક્ષણતા હોય.

નિરંતર મુક્ત હાસ્ય !

અને બીજું, જ્ઞાની પુરુષનું હાસ્ય વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોય નહીં. એ મુક્ત હાસ્ય હોય, ટેન્શન વગરનું હાસ્ય હોય, વર્લ્ડમાં એક પણ માણસ એવો નથી કે જેને મુક્ત હાસ્ય હોય. જ્ઞાની પુરુષનું ટેન્શનરહિત હાસ્ય, તે સામાનાં સર્વ દુઃખ ભૂલાડી દે. એક વાર દર્શન કરતાંની સાથે જ ભૂલાડી દે.

તરણતારણહાર !

જ્ઞાની પુરુષમાં બુધ્ધિનો છાંટો ના હોય ! એ અબુધ હોય. હવે બુધ્ધિનો છાંટો ના હોય એવા કેટલા હોય ?! કો'ક ફેરો કો'ક જન્મ હોય એ. અને ત્યારે લોકો ત્યાં કલ્યાણ કાઢી જાય. ત્યાં લાખો માણસો તરી પાર નીકળી જાય.

અહંકારરહિત દશામાં...

જ્ઞાની પુરુષ અહંકાર સિવાયના હોય, સહેજેય અહંકાર ના હોય. હવે અહંકારરહિત તો આ જગતમાં કોઈ માણસ હોય નહીં. એકલા જ્ઞાની પુરુષ જ અહંકારરહિત હોય.

નિજપરિણતિ, નિજસ્વભાવ ભાવમાં !

જ્ઞાની પુરુષ એક ક્ષણ વાર સંસારમાં ના હોય. સંસારપરિણતિ ના હોય અને સંસાર ભાવેય ના હોય એમને તો. જ્ઞાની પુરુષ નિજ પરિણતિમાં રહે અને સ્વભાવભાવમાં રહે, બીજા ભાવોમાં ના હોય એ. એમને કૃપાળુદેવે દેહધારી રૂપે પરમાત્મા કહ્યા છે, એ કંઈ જેવી તેવી વસ્તુ છે ?

અનુપમ, અજોડ !

પ્રશ્નકર્તા : 'જ્ઞાની'ની ઉપમા ના હોય ?

દાદાશ્રી : એમની ઉપમા નથી. 'જ્ઞાની' કોણ ? બધા માણસો 'જ્ઞાની' ના કહેવાય. જેને દેહનું માલિકીપણું સહેજ પણ નથી, વાણીનું, મનનું માલિકીપણું નથી, જે પોતે આત્મામાં જ નિરંતર રહે છે, જેનામાં કિંચિત્માત્ર અહંકાર ના હોય તે 'જ્ઞાની'.

જ્ઞાની પુરુષ તો આખા વર્લ્ડની અજાયબી કહેવાય, કો'ક ફેરો અપવાદરૂપે હોય છે અને અનુપમ હોય, એટલે બીજાની જોડે ઉપમા ના થાય એવા હોય. પાછા અજોડ હોય, એમની જોડી ના હોય. અજોડને સ્પર્ધા હોય કોઈની જોડે ? અજોડ એટલે સ્પર્ધા જ નહીં.

દુર્લભ, દુર્લભ, દુર્લભ...

જ્ઞાની પુરુષ હોતા નથી. એ કો'ક કાળે પ્રગટ થાય. દુર્લભ વસ્તુ છે એ. જ્ઞાની પુરુષ ના હોવાથી આ બધું ફસાયું છે જગત. કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષ તો દુર્લભ, દુર્લભ, દુર્લભ... મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષદાતા દુર્લભ છે ને દાદા તો સારા કાળમાંયે દુર્લભ હતા. સુષમ કાળ હતોને, તોયે દુર્લભ હતા. તો આજ તો હોય જ ક્યાંથી તે ? આ તો કો'ક ફેરો ઉત્પન્ન (પ્રગટ) થયા હોય, તો ભેગા થાય. અને ભેગા થયા પછી આપણા અંતરાય ના હોય તો ત્યાં આપણું કામ નીકળી જાય. બાકી, ભેગા થયાં પછી અંતરાય હોય ત્યારે શું થાય ? એ અંતરાય જ પછી આંતરો પાડે.

'જ્ઞાની'ને પારખવા...

પ્રશ્નકર્તા : તો 'જ્ઞાની'ને ઓળખવા શી રીતે ?

દાદાશ્રી : એમને સળી કરો ને ફેણ ના માંડે તો જાણવું કે સાચા જ્ઞાની છે. પરીક્ષા તો કરવી પડે ને ? બાપજીમાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય તો તરત દુકાન બદલવી.

પ્રશ્નકર્તા : 'જ્ઞાની'ની પરીક્ષા કરીએ, એમાં અવિનય થાય, એમને ખોટું લાગે ને ખરાં 'જ્ઞાની' હોય તો દોષેય લાગે ને ?

દાદાશ્રી : જો ખરાં જ્ઞાની મળ્યા હોય તો પછી એ તો તમારું કલ્યાણ જ કરે, અજુગતું થાય તો ય કલ્યાણ કરે ને જે ક્રોધે ભરાય, ફેણ માંડે તો આપણે એમની માફી માગી, પાંચ-પચાસનાં ચશ્મા લાવી આપીને ખુશ કરવા. તેમ કરતા ઠંડા ના થાય તો એમ કહેવું કે 'બાપજી, મારું મગજ જરા ચક્રમ છે. હમણાં જ ઘેર બૈરી જોડે લઢીને આવ્યો છું.' એટલે એ ખુશ થઇ જાય. ક્યાં સુધી આપણો ટાઇમ ત્યાં બગાડીએ ?

'જ્ઞાની પુરુષ'નાં પ્રત્યેક દિવ્યકર્મ !

શાસ્ત્રકારોએ જ્ઞાનીના પ્રત્યેક કર્મને દિવ્યકર્મ કહ્યાં છે. કારણ કે પોતે સંપૂર્ણ નિર્અહંકારી, સંપૂર્ણ અકર્ર્તા પદમાં બેઠેલા હોય છે. એટલે વીતરાગ કહેવાય. આ કાળમાં સંપૂર્ણ વીતરાગ ના હોય. અમે વીતરાગ છીએ પણ સંપૂર્ણ નથી. અમે જગતના તમામ જીવો જોડે વીતરાગ છીએ, ફક્ત અમારા જગત કલ્યાણ કરવાના કર્મ જોડે અમારે રાગ રહે છે. જગત કલ્યાણ કરવાની ખટપટ માટેનો અમને થોડો રાગ રહી ગયો છે. એ રાગ પણ કર્મો ખપાવવા પૂરતો જ છે. બાકી 'અમને' તો અમારો મોક્ષ નિરંતર વર્ત્યા જ કરે છે. 'જ્ઞાની'ને કાળ, કર્મ ને માયા અડે નહીં.

જેને કોઈ સીક્રસી નથી !

આખા જગતમાં પોલ વગરનો હોય તેને જ્ઞાની કહેવાય. બિલકુલેય પોલ ના હોય અને કષાયભાવ ના હોય.

પ્રશ્નકર્તા : પોલ એટલે ?

દાદાશ્રી : પોલ એટલે પ્રપંચ ! જગત તો પ્રપંચમાં પડેલું છે, આ દુષમકાળને લઈને. જ્યારે અમારે તો સીક્રસી જ ના હોય કોઈ જાતની. રાત્રે એટ એની ટાઈમ તમે અમારે ત્યાં આવોને, તો અમે એની એ જ સ્થિતિમાં હોઈએ.

વાણી, વર્તન, વિનય મનોહર !

પ્રશ્નકર્તા : આપ્તપુરુષનાં વાણી, વર્તન ને વિચારો કેવા હોય ?

દાદાશ્રી : એ બધું મનોહર હોય, મનનું હરણ કરે એવાં હોય, મન ખુશ થઈ જાય. એમનો વિનય જુદા પ્રકારનો હોય, એ વાણી જુદા પ્રકારની હોય. વિધાઉટ ઈગોઈઝમ વર્તન હોય. ઈગોઈઝમ સિવાયનું વર્તન જગતને જોવાનું કોઈક ફેરો મળી આવે, નહીં તો મળે નહીં ને !

પ્રશ્નકર્તા : 'જ્ઞાની'માં નમ્રતાની પરાકાષ્ટા હોય ?

દાદાશ્રી : નમ્રતા તો સામાન્ય માણસને પણ હોય, પણ 'જ્ઞાની'ને તો અહંકાર જ ના હોય. ગાળ ભાંડે તો ય અહંકાર ના હોય.

સસ્પૃહ-નિસ્પૃહ જ્ઞાની !

પ્રશ્નકર્તા : 'જ્ઞાની' નિસ્પૃહી હોય ?

દાદાશ્રી : 'જ્ઞાની' નિસ્પૃહી ના હોય. નિસ્પૃહી તો ઘણાંય હોય. 'હમકો કુછ નહીં ચાહિયે' એવું ઘણાંય કહે, પણ એ નિસ્પૃહનો અહંકાર છે. 'જ્ઞાની પુરુષ' સસ્પૃહ-નિસ્પૃહ હોય, એટલે ભૌતિક સુખોમાં નિસ્પૃહ અને તમારા આત્મા માટે સસ્પૃહ.

પ્રશ્નકર્તા : સ્પૃહા એટલે ઇચ્છા ?

દાદાશ્રી : સ્પૃહા એટલે એક જ પ્રકારની ઇચ્છા નહીં, અનેક પ્રકારની. જાત જાતની વિનાશી સુખો ભોગવવાની ઇચ્છાઓ થાય, એને સ્પૃહા કહેવાય.

જ્ઞાની - બેલેન્સ્ડ, વ્યવહારમાં ને નિશ્ચયમાં !

હું વ્યવહારમાં જો કદી ના રહું ને વ્યવહારની બહાર જઉં તો પછી આ જ્ઞાની જ ના કહેવાય. 'જ્ઞાની' એનું નામ કે વ્યવહારે ય સાચવે અને નિશ્ચયે ય સાચવે, બન્નેય સાચવે. વ્યવહાર કાચો પડ્યો એ ભગત કહેવાય અને ભગત ઘેલા હોય. વ્યવહારવાળાયે કહે કે ના, બહુ સરસ વાત ! અને ભગત તો ઘેલા જ હોય એક બાજુ ! એક બાજુ ઢાળી પડે.

નિર્દોષ બની ભાળ્યું જગત નિર્દોષ !

આખા જગતમાં દોષિત મને કોઈ દેખાય નહીં. મારું ગજવું કાપો તો ય મને દોષિત દેખાય નહીં. તો યે એના ઉપર કરુણા છૂટે. દયા ના હોય અમારામાં બિલકુલેય ! દયા મનુષ્યોમાં હોય અને 'જ્ઞાની પુરુષ'નામાં દયા ના હોય, દ્વંદ્વથી પર થઈ ગયેલા હોય ! અમારી દ્રષ્ટિ જ નિર્દોષ થઈ ગઈ હોય, એટલે તત્ત્વદ્રષ્ટિ હોય. આ અવસ્થાદ્રષ્ટિ ના હોય. બધાનામાં સીધો આત્મા જ દેખાય.

'દાદા ભગવાન'નો 'હું'ય ભક્ત !

'અહીં' તો તમે જેવા ભક્ત છો એવો 'હું' પણ ભક્ત છું ! આ દેખાય છે તે 'દાદા ભગવાન' ન્હોય. આ તો 'એ. એમ. પટેલ' છે. ભાદરણના પાટીદાર છે. મહીં 'દાદા ભગવાન' બેઠાં છે. 'હું' પોતે જ 'દાદા ભગવાન'નો જય જયકાર બોલાવડાવું છું ને ! એટલે હુંય ભક્ત છું ને તમેય ભક્ત છો !

'દાદા ભગવાન' એ ભગવાન છે, ચૌદ લોકનો નાથ છે ! માગે એ વસ્તુ આપે એવો છે અત્યારે ! આ દેહ તો મંદિર થઈ ગયુંુ છે, અને 'પબ્લિક ટ્રસ્ટ' છે, અને આ બોલે છે તે કોણ બોલે છે ? 'ઓરિજનલ ટેપરેકર્ડ' બોલે છે ! ભગવાન બોલે કરે નહીં.

જ્ઞાની પુરુષ જુદા : દાદા ભગવાન જુદા !

હું યે આ 'એ. એમ. પટેલ'ના નામનું નાટક ભજવું છું ! મારા ઉપર કેટલીયે તલવાર લટકેલી છે ! ધંધા-રોજગારની, ઈન્કમટેક્ષની, સેલ્સટેક્ષની એ બધી તલવારો વચ્ચે વીતરાગતા, નિરંતર વીતરાગતામાં રહું છું. એક ક્ષણ પણ દશા બદલાય નહીં.

આ જે દેખાય છેને, એ તો ભાદરણના પટેલ છે ને હું તો જ્ઞાની પુરુષ છું અને દાદા ભગવાન જુદા છે, એ તો પરમાત્મા જ છે !

મારે ત્રણસો સાઠ ડિગ્રી પૂરી ના થઈ ને ત્રણસો છપ્પને ઊભું રહ્યું. તેથી ભગવાનને ને મારે જુદાપણું રહ્યું છે. અંદર જે પ્રગટ થયા છે તે અને જો મને આ ત્રણસો સાઠ થયું હોતને, તો અમે બન્ને એકાકાર થઈ જાત. પણ આ હવે જુદાપણું રહ્યું છે. કારણ કે આ આટલું નિમિત્ત હશેને, આ લોકોનું કાર્ય કરવાનું, એટલે જુદાપણું રહ્યું છે. એટલે જેટલો કાળ અમે ભગવાન જોડે ભેગા રહીએ, અભેદભાવ હોય, એટલો કાળ સંપૂર્ણ સ્વરૂપ હોઈએ અને વાણી બોલીએ ત્યારે જુદું પડી જાય.

અભેદભાવે-ભેદભાવે !

જ્યારે સત્સંગની વાત ચાલે છે, ત્યારે મારે જ્ઞાની તરીકે રહેવું પડે છે. અને નહીં તો છે તે હું અભેદભાવે રહું છું. બન્ને ભાવ રીતે, ભેદભાવે અને અભેદભાવે - બન્ને રીતે હું રહું છું. સંપૂર્ણ વીતરાગ અભેદભાવે જ રહેતા હતા. એટલી અમારી કચાશ કે આટલો ભેદ જરા રહે છે, તો આ બધાની જોડે આ સત્સંગ કરું છું.

અભેદતા, આખા જગત જોડે !

અહીં તો અભેદભાવ છે. તમે ને હું બધા એક જ છીએ આપણે. મને તમારા કોઈથી જુદાઈ લાગતી જ નથી. અને આ આટલા પચાસ હજાર માણસો છે છતાં તેમની જોડે ય મને જુદાઈ નથી, ને આ દુનિયા જોડે ય મને જુદાઈ લાગતી નથી. આ તો તમને જુદાઈ લાગે છે.

એટલે હું એક તો, આ પચાસ હજાર માણસો છે તેમાં અભેદ રહું છું અને 'સેકન્ડરી', આખા જગત જોડે અભેદ રહું છું. મારે બીજી કોઈ જગ્યાએ ભેદ નથી, કોઈ જોડે. એટલે પેલું 'સેકન્ડરી' અભેદ છું અને આ 'ફર્સ્ટ' અભેદ આટલો છું. મારે બીજું કશું જોઈતું નથી. મારે બુધ્ધિ જ નથી. એટલે અમને અભેદ લાગે, બધું પોતાનું જ લાગે. બુધ્ધિ હોય ત્યાં સુધી જ ભેદ પડે. બાકી બુધ્ધિ નહીં, ત્યાં ભેદ શો ? બુધ્ધિ તો ભેદ પાડે, દેખાડે જુદાઈ કે 'આ મારું ને આ તારું.' જ્યાં 'બુધ્ધિ જ નથી, ત્યાં 'મારું-તારું' રહ્યું જ ક્યાં તે ?! આ તો ભેદબુધ્ધિ ઉત્પન્ન થઈ છે કે 'હું જુદો ને આ જુદો.'

પ્રશ્નકર્તા : અલગ થયો એટલી જ વાર. તો જ જુદાઈ લાગે ને !

દાદાશ્રી : અને અલગ થયો એટલે ઊંધો થયો. અમારે તમારી જોડે અલગતા નથી, પણ તમને મારી જોડે અલગતા છે.

પ્રશ્નકર્તા : આપણે બધા એક જ છીએ, એવું કેટલાંક બોલે છે ને !

દાદાશ્રી : એ તો લાગે એવું, પણ આમ અલગતા રહેવાની. જ્યાં સુધી એ ગેડમાં બેસે નહીં ત્યાં સુધી અલગ જ લાગે. મોઢે બોલીએ ખરાં કે આપણે એક જ છીએ પણ ગેડમાં બેસે નહીં ત્યાં સુધી અલગ જ લાગ્યાં કરે. એ ગેડમાં બેસવું જોઈએ. એટલે મને આખા જગતમાં જુદો કોઈ લાગતો જ નથી. અહીં આવ્યા છે એટલાં જ મારાં છે, એવું નહીં. આ બધાં જ મારાં છે અને હું બધાનો છું !

જેટલી અભેદતા રહે એટલી પોતાના આત્માની પુષ્ટિ થાય છે. હા, બધું આ જુદાઈ માને છે તેથી તો પોતાના આત્માની શક્તિ બધી છિન્ન-ભિન્ન થઈ ગઈને ! જુદાઈ માનવાથી જ આ ભાંજગડ ઊભી થઈ ને ! તમારે હવે જુદાઈ રહે છે કોઈની જોડે ?

પ્રશ્નકર્તા : પણ એ જુદાઈ બધી કાઢવી છે.

દાદાશ્રી : શું વાત કરો છો ? જુદાઈ કાઢ્યા વગર તો છૂટકો જ નથી ને ! અભેદ થવું પડશે ને ?! પોતાપણું ગયું એનો અર્થ જ જુદાઈ જતી રહી. હવે જ્યાં સુધી બુધ્ધિ હોય ત્યાં સુધી પોતાપણું છોડે નહીં ને ! ને બુધ્ધિ હોય ત્યાં સુધી બુધ્ધિ ભેદ પાડે છે ને ! એ પોતાપણું જાય તો અભેદ થવાય.

આપનો ધ્યેય ?

પ્રશ્નકર્તા : આપનો ધ્યેય શું છે ?

દાદાશ્રી : અમારો ધ્યેય એવો કે દરેકને આ ઉકાળામાં શાંતિ થઈ જાય ને એ અમારો ધ્યેય અને લોકો સદ્વૃતિ તરફ વળી જાય ને ! આ બધા દુઃખ છે તે વિચારો-બિચારો બહુ ખસી જાય, સત્યુગ જેવી દશા ઉત્પન્ન થાય. અમારી પાસે લગભગ ૮-૧૦ હજાર માણસો, જે એવાં માણસો છે કે જેને ચિંતા જ ના હોય અને આ આવાં સો એક બ્રહ્મચારીઓ છે બધાં, એ મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય પાળે. હવે એ બ્રહ્મચર્ય કંઈ જેવુંુ તેવું ના કહેવાય ને !? આપણા દેશમાં જ્યાં આગળ વિષય વિચારણા છે, વિષય સંબંધી વાતો છે, ત્યાં ધર્મ જેવી વસ્તુ જ નથી. ધર્મ તો જ્યાં વિષય ના હોય અગર ઓછો હોય, લિમિટેડ (મર્યાદિત) વિષય હોય પોતાના સ્ત્રી પૂરતો જ ત્યાં ધર્મ છે અગર તો સાધુ- આચાર્યોને ત્યાં ધર્મ છે, બાકી ધર્મ નથી. જ્યાં વિષયો છે ત્યાં કશું નહીં. જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી.

પ્રશ્નકર્તા : સદાચારનો આપ ખાલી પ્રચાર જ કરવાના ?

દાદાશ્રી : ના, સદાચારનો નહીં ને દુરાચારનો ય નહીં. એમને ચિંતારહિત બનાવી દેવાનાં છે, ક્રોધ-માન-માયા-લોભથી ખલાસ. એ લોકો પછી કરશે, મારે હવે કશું કરવાનું નહીં. મારે આટલું જ કરવાનું. એ લોકો પછી સદાચાર કરે કે દુરાચાર કરે, જે કરવું હોય તે કરશે. હું એમને ચિંતા રહિત બનાવી દઉં, શક્તિવાળા, જબરજસ્ત શક્તિવાળા બનાવી દઉં.

પ્રશ્નકર્તા : આપે એકુંય આપના શિષ્ય બનાવ્યા છે કોઈને ?

દાદાશ્રી : હું આખી દુનિયાનો શિષ્ય થઈને બેઠો છું. શિષ્યનો ય શિષ્ય હું છું. એ પાછું કંઈ વળગણ વળગાડું પાછું !?

પ્રશ્નકર્તા : આપની પાછળ શું થાય પછી ?

દાદાશ્રી : શું થાય ? શું થાય પાછળ ?

પ્રશ્નકર્તા : કોઈ શિષ્ય ના હોય તો પછી શું થાય ?

દાદાશ્રી : કશી જરૂર જ નથી ને ! રડનારા બહુ છે. શિષ્ય એકુંય નહીં પણ રડનારા બહુ છે. ઓછામાં ઓછું, ૪૦-૫૦ હજાર માણસ રડનારું છે. તારે ચિંતા થાય છે ?

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં ?

દાદાશ્રી : એવી લાઈફ હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : લગ્ન કરશે ત્યારે ચિંતા થશે ને ?

દાદાશ્રી : ના, એ તો છે તે બ્રહ્મચારી રહેવાના છે પણ પૈણેલાને ચિંતા ન થવી જોઈએ એવો મારો ધ્યેય છે. આ સાહેબને નથી થતી ને ચિંતા ? રાત્રે જાગે તો ય આત્મા હાજર થઈ જાય !

પ્રેમ પ્રગટાવે આત્મઐશ્વર્ય !

કરુણા એ સામાન્ય ભાવ છે ને એ બધે જ વર્ત્યા કરે કે સાંસારિક દુઃખોથી આ જગત ફસાયું છે, તે દુઃખો કેમ કરીને જાય !

પ્રશ્નકર્તા : મારે જરા પ્રેમ અને કરુણાનો શું સંબંધ છે, એ જાણવું છે.

દાદાશ્રી : એ કરુણા અમુક દ્રષ્ટિ હોય ત્યારે કરુણા કહેવાય. અને અમુક દ્રષ્ટિ હોય ત્યારે પ્રેમ કહેવાય. કરુણા ક્યારે વપરાય ? સામાન્ય ભાવે બધાના દુઃખ પોતે જોઈ શકે છે, ત્યાં કરુણા રાખે. એટલે કરુણા એટલે શું ? એક જાતની કૃપા છે. અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમ તો એને વિટામીન કહેવામાં આવે છે. પ્રેમ તો વિટામીન કહેવાય. એવો પ્રેમ જુએને એટલે એનામાં વિટામીન ઉત્પન્ન થાય, આત્મ વિટામીન. દેહના વિટામીન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામીન ચાખ્યું નથી ને ?! એનામાં આત્મવીર્ય પ્રગટ થાય છે, ઐશ્ચર્યપણું પ્રગટ થાય.

પ્રશ્નકર્તા : એ સહજ જ થાયને, દાદા ?

દાદાશ્રી : સહજ.

પ્રશ્નકર્તા : એટલે એમાં પેલાને કોઈ પ્રકારનું કશું કરવાનું રહેતું નથી.

દાદાશ્રી : કશું નહીં. આ બધો માર્ગ જ સહજનો છે.

સર્વ સિધ્ધિ સહિત જ્ઞાનાવતાર !

મહીં જે બેઠા છે દાદા ભગવાન, એ મારા પણ ભગવાન છે. પણ એ ઉપરીપણું ના કહે છે, 'તમે મારા ઉપરી.' મેં કહ્યું, 'કેમ એમ ?' ત્યારે કહે કે 'તમે મને બહુ દહાડા ઉપરી તરીકે ભજ્યો છે. માટે હવે મારે તમને ઉપરી તરીકે રાખવાના કે તમે આ લોકોનું કલ્યાણ કરો.' મેં કહ્યું, 'તમે કલ્યાણ કરોને.' તો કહે છે, 'મારાથી શી રીતે કલ્યાણ થાય ? મારે તો વાણી નહીં, કશું ય નહીં.' એટલે ભગવાને અમને ઉપરીનું પદ જાતે આપ્યું. તેમણે કહ્યું કે 'અમે પાત્ર શોધતા હતા, તે અમને તમારામાં દેખાયું. અમે તો હવે સંપૂર્ણ વીતરાગ થઈ મોક્ષમાં બેઠા છીએ. હવે અમે કોઈનું ય કાંઈ ધોળી ના શકીએ. માટે તમે પ્રગટ સ્વરૂપે સર્વ શક્તિમાન છો. દેહધારી હોવા છતાં સંપૂર્ણ વીતરાગ છો. તેથી અમે તમને અમારું ય ઉપરીપણું આપીએ છીએ ને તમે જગતનું કલ્યાણ કરો !' તે અમે ભગવાનના ય ઉપરી થયા છીએ ! ચૌદ લોકના નાથના, અમે આજે ઉપરી છીએ. સર્વ સિધ્ધિ સહિત આ જ્ઞાનાવતાર પ્રગટ્યો છે ! મૂઆ, તારો દીવડો સળગાવીને ચાલતો થા, બહુ ફેંદ ફેંદ ના કરીશ.

વણતોલ્યા ને વણમાપ્યા જ્ઞાની પુરુષ તેની તું શું કિંમત કરવાનો છે ? ઘેર બાયડી તો તને ટૈડકાવી જાય છે કે તમારામાં અક્કલ નથી, તે તમે જ્ઞાની પુરુષને શું માપી શકવાના છો ? ઝવેરીપણું છે તમારામાં ? અલ્યા, મને માપવા જઈશ તો તારી જ મતિ મપાઈ જશે. એના કરતાં બધી જ આડાઈઓને વાંદરાની ખાડીમાં પોટલું વાળીને નાખી આવ અને પાંસરો થઈને, સીધો થઈને 'હું કશું જ જાણતો નથી' કહી દે અને અનંત કાળની ભટકામણમાંથી છોડાવો એમ કહે. બસ એટલું જ કહે એટલે અમે તારો ઉકેલ લાવી નાખીશું. જ્ઞાની પુરુષ ચાહે સો કરે, કારણ મોક્ષદાનનું લાયસન્સ એમના હાથમાં હોય !

અમારાં પાંચ જ મિનિટનાં દર્શનથી તમારું ભવોભવનું કલ્યાણ થાય તેમ છે. અહીં બધા જ ભગવાનનાં દર્શન થાય તેમ છે, તમારે જેનાં દર્શન કરવાં હોય તે કરજો.

આ 'દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઇ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં તો જેને ભાવના થઇને 'દાદા'નાં દર્શન કર્યા તો એ દર્શન 'ઠેઠ'ને પહોંચે છે. 'દાદા'એ આ દેહના નિકટના પડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે.

પ્રગટ દીવાથી પ્રગટાવો દીવો !

તમારી મહીં 'દાદા ભગવાન' બેઠા છે, એ જ ચેતન પ્રભુ છે. એ જ પરમાત્મા છે. એ જ અમારી મહીં પ્રગટ થયા છે ને તમારા પ્રગટ થવાના બાકી છે. આ તો ધર્મ નથી, અહીં તો કામ કાઢી લેવાનું છે. ક્યાં સુધી ધર્મશાળાઓમાં બેસી રહેવાનું ? પોતાનું કામ કાઢી લેવાનું છે, એટલે શું કે 'જ્ઞાની પુરુષ' પાસે પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. 'જ્ઞાની પુરુષ' નો દીવો પ્રગટેલો છે તે 'એને' તમારો દીવો અડાડી દો, તો તમારો દીવો પણ પ્રગટી જાય. આ તો કો'ક કાળે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, દસ લાખ વરસે અક્રમ 'જ્ઞાનાવતાર' થાય ત્યારે કલાકમાં જ પોતાનો આત્મા પ્રગટ થઇ શકે તેમ બને. માટે જ 'અમે' કહીએ છીએ કે તમારું કામ કાઢી લો. આ દેહ તો 'પરપોટો' છે તે ક્યારે ફૂટે તે કહેવાય નહીં. મહીં બેઠા છે તે 'દાદા ભગવાન' છે. ગજબના પ્રગટ થયા છે, પરમાત્મા પ્રગટ થયા છે પણ જ્યાં સુધી આ પરપોટો હશે, આ દેહ હશે ત્યાં સુધી જ લોકોનું કલ્યાણ થઇ શકશે. કારણ કે મહીં પ્રગટેલા 'દાદા ભગવાન' અમને વશ છે. ત્રણ લોકના નાથ અમને વશ થયા છે ! એમની પાસે વાચા નથી, હાથ-પગ નથી; તેથી અમને વશ થયા છે અને અમને કલ્યાણનું નિમિત્ત બનાવ્યા છે ! માટે અમે તો કહી છૂટીએ કે આ પરપોટો છે, ત્યાં સુધી કામ કાઢી લો.

કોટિ જન્મની પુણ્યૈથી પ્રાપ્ત !

પ્રશ્નકર્તા : પૂર્વજન્મના યોગે જ 'અક્રમ' મળે છે ને ?

દાદાશ્રી : આ એક જ સાધન છે કે જેનાથી હું ભેગો થઉં. કોટિ જન્મની પુણ્યૈ જાગે ત્યારે આ યોગ બાઝે.

પેલા બધા ક્રમિક માર્ગ કહેવાય. ક્રમિક માર્ગ એ રિલેટિવ માર્ગ છે. 'રિલેટિવ' એટલે ભૌતિક ફળો આપે અને મોક્ષ ભણી ધીમે ધીમે 'સ્ટેપ બાય સ્ટેપ' લઇ જાય. ત્યાગ અને તપ કરતા કરતાં છેવટે અહંકાર શુધ્ધ કરવો પડશે. પછી ત્યાં આગળ ઉપર મોક્ષનો દરવાજો ભેગો થશે. ક્રોધ-માન-માયા-લોભ, વિષયો, સાંસારિક ભાવો - આ બધાંથી અહંકાર શુધ્ધ કરવો પડે, ત્યારે ત્યાં મોક્ષનો દરવાજો ખુલ્લો થાય. ક્રમિક માર્ગ તો બહુ મુશ્કેલીવાળો છે ! અને અહીં 'અક્રમ માર્ગ'માં તો 'જ્ઞાની પુરુષ' તમારો અહંકાર શુધ્ધ કરી આપે છે. અહંકાર ને મમતા બેઉ કાઢી લે છે, પછી રહ્યું શું ? પછી તમે તમારા સ્વરૂપના અનુભવમાં આવી જાવ. આત્માનો અનુભવ થઇ જાય તમને, તો જ કામ થાય.

સ્વયં ક્રિયાકારી આ વિજ્ઞાન !

વિજ્ઞાન એટલે ચેતન હોય અને જ્ઞાન અચેતન હોય. આ જગતમાં જે ચાલે છે જ્ઞાન, એ અચેતન હોય. અચેતન એટલે ક્રિયાકારી ના હોય. અને આ વિજ્ઞાન છે તે ચેતન હોય, કામ કર્યા જ કરે.

અમે જે બોલીએ છીએને, તે જ્ઞાન જ મહીં કામ કર્યા કરે, તમારે કશું કરવાનું નહીં. એ જ્ઞાન જ કામ કર્યા કરે. પછી આપણે જાતે કરવા જઈએ તો ક્યારે પાર આવે ? જાતે કરીએ તો થાય જ નહીં ને, કશું વળે જ નહીં ને ! સંડાસ જવાની શક્તિ નથી, શી રીતે જાતે કરે ? આ તો બધું ઈગોઈઝમ છે. 'હું આમ કરું ને તેમ કરું' એ બધું ઈગોઈઝમ છે !

પછી કોઈ પાડનાર નહીં !

પ્રશ્નકર્તા : આ 'અક્રમ માર્ગ'માં બારમા માળે પહોંચી જાય પછી ચોથે-પાંચમે ઊતરી જાય ખરો કે ?

દાદાશ્રી : ના, પછી ઊતરે નહીં. પછી એવું છેને, કે જો પોતાને જાણી-જોઇને ખોદી નાખવું હોય, પડતું નાખવું હોય તો તેને કોણ રોકી શકે? બાકી પોતાની ઇચ્છા વગર કોઇ પાડનાર નથી.

અહીં જ મોક્ષ થઇ જવો જોઇએ. પેલો ઉધાર મોક્ષ આપણને જોઇતો નથી. મોક્ષ એટલે મુક્ત ભાવ. અહીં જ ચિંતા-'વરીઝ' ના થાય, કંઇ અસર ના થાય, આપણો ઉપરી કોઇ છે નહીં એવું અનુભવમાં આવે. આ અનુભવમાં આવવું જ જોઇએ. અનુભવ વગરનું તો કામનું જ નહીં. અનુભવ વગરનું બધું ગોટાળિયું કહેવાય, 'કેશ' જોઇએ. એટલે 'ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન.'

અગિયારમું આશ્ચર્ય, અક્રમ વિજ્ઞાન !

ભગવાન મહાવીર સુધી દશ આશ્ચર્ય થયાં ને આ અગિયારમું આશ્ચર્ય છે. જ્ઞાની પુરુષ વેપારી રૂપે વીતરાગ છે, વેપારી ભાવે વીતરાગ છે એવાં દર્શન થાય એ અજાયબી કહેવાયને ! જુઓને, આ અમારે કોટ ને ટોપી ! આ તે કંઈ હોતું હશે જ્ઞાનીમાં ?! એમને પરિગ્રહ શું કરવા છે ? જેને કંઈ જોઈતું નથી, છતાંય એ પરિગ્રહમાં ફસાયા છે. એમને કશું જોઈતું નથી, છતાંય છે છેલ્લી દશામાં ! પણ લોકોના ભાગ્યમાં નહીં હોય, તેથી આ સંસારી વેષે છે. એટલે ત્યાગી વેષ હોય તો લાખો-કરોડો માણસોનું કામ થઈ જાય. પણ આ લોકોનાં પુણ્ય એવાં કાચાં છે !

મારામાં મેં મારાપણું છોડી દીધું એટલે આ પબ્લિક ટ્રસ્ટ થઈ ગયું અને આપણું પોતાનું જ છે આ, પારકું છે જ નહીં. અને તમને જે મળે છે ને, એ તમારું જ તમને મળે છે !

પ્રશ્નકર્તા : આધ્યાત્મિક 'સ્ટડી' કરનારો પૂર્ણતાએ પહોંચ્યો એની કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એની વાણી વીતરાગ હોય, વાત વીતરાગ હોય, વર્તન વીતરાગ હોય. એની દરેક બાબતમાં વીતરાગતા હોય. ગાળ ભાંડે તો ય વીતરાગતા અને ફૂલાં ચઢાવે તો ય વીતરાગતા હોય. એમની વાણી સ્યાદ્વાદ હોય એટલે કે કોઇ ધર્મનું, કોઇ જીવનું પ્રમાણ ના દુભાય.

પરિણામે એકામત !

અહીં કોઇને ખોટું લાગે નહીં, કારણ કે બધા સમભાવે નિકાલ કરવાવાળા મહાત્માઓ છે અને દસ-બાર વર્ષથી આ મહાત્માઓ અહીં છે. પણ બધાનો એક જ મત અને એક જ અભિપ્રાય. ક્યારે ય પણ મતભેદ જ નહીં. જાત્રાએ જઇએ તો ય એકુંય મતભેદ જ નહીં. વિભક્ત નહીં, અવિભક્ત! 'અમે' ઔરંગાબાદ સત્સંગાર્થે જઇએ તે એક જ મકાનમાં એંસીથી સો માણસો હોઇએ છતાં કોઇનો એક અવાજ પણ ના હોય, એક મતભેદ ના હોય. બધા જમે, કરે પણ કોઇને ખબર ના પડે કે ઘરમાં કેટલાં જણ છીએ ! અને ચાલે સરસ રેગ્યુલર, આવું તો જોયું જ ના હોય ને ! વર્લ્ડમાં કોઇ જગ્યાએ આવું જોવાનું સ્થાન જ ના મળે ! આવું સ્થૂળભાવે જોવા મળે તો ય કલ્યાણ થઇ જાય.

પ્રશ્નકર્તા : આપ ભવિષ્ય બતાવી શકો છો ?

દાદાશ્રી : અમે એવું ના કહીએ, પણ તમે જો દુઃખમાં હો તો તમને સંપૂર્ણ ચિંતારહિત કરી શકીએ.

ભૂખ લાગવી ઉત્તમ !

પ્રશ્નકર્તા : હું લેવા આવ્યો હોત ને મારી તૈયારી ન હોત તો ય મને જ્ઞાન ન મળતે. મારી પણ તૈયારી હોવી જોઈએ ને જ્ઞાન લેવાની ?

દાદાશ્રી : હા, 'શું છે' એ સમજવું પડે. મહીં ભૂખ લાગવી જોઈએ. વગર ભૂખે જમવાનું આપે તો ગમે નહીં. એ તો ભૂખ લાગવી જોઈએ. એટલે બરોબર છે આ. જે થયું ને એ કરેક્ટ. જે બન્યું તે કરેક્ટ.

પ્રશ્નકર્તા : તો આપણો પાછો સંબંધ થશે ? આપણી પાછી મુલાકાત થશે ?

દાદાશ્રી : હા, મુલાકાત તો એવી થશે, ખરેખરી થશે.

પ્રશ્નકર્તા : બસ દાદા, તમારા એવા આશીર્વાદ આપો અમને.

દાદાશ્રી : હા, હા, ઊભા રહો, એક ચોપડી આપીએ. પેલી ચોપડી આપો, એ જરા વાંચશે. જરા અનુસંધાન રાખજે. એટલે એ ચોપડી છે ને એનાથી અનુસંધાન રહેશે. એ તારથી હું તને શક્તિ મોકલ્યા કરું.

જ્ઞાન લેવાની શી જરૂર ?

પ્રશ્નકર્તા : આપની પાસે જ્ઞાન લેવાથી શું ફાયદો થાય ?

દાદાશ્રી : આ જ્ઞાન લેવા આવ્યા તો તમારી પાસે શું છે અત્યારે ? જ્ઞાન નથી એટલે લેવા આવ્યા છો ને ? એટલે જ્ઞાન નથી એટલે અજ્ઞાન તો છે જ ને ! જ્ઞાન એટલે પ્રકાશ અને અજ્ઞાન એટલે અંધારું. જ્યાં પ્રકાશ ના હોય ત્યાં અંધારું અવશ્ય હોય. અંધારું ના હોય ત્યાં પ્રકાશ અવશ્ય હોય. એટલે તમને આ અંધારામાં ગમે છે ખરું કે ચેન નથી પડતું ?

પ્રશ્નકર્તા : ચેન નથી પડતું.

દાદાશ્રી : હા, અંધારામાં ઠોકરો વાગે. ઠોકરો ના વાગે ? ઉઘાડી આંખે ય ઠોકર વાગે. વાગે કે છે કે નથી વાગતી ? કોઈ જોડે અથડામણ થાય કે નથી થતી ?

'મૂળ આત્મા' જાણવાનો અન્ય કોઈ ઉપાય ?

પ્રશ્નકર્તા : તો મૂળ આત્માને જાણવાનો કોઈ ઉપાય ?

દાદાશ્રી : એ તો જ્ઞાની પુરુષને કહેવાનું કે, 'સાહેબ, મારું કંઈક કરી આપો. આ આત્મા ને દેહ બે જુદા પાડી આપો.' એ પાડી આપે. કારણ કે ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટરને કહીએ કે સાહેબ, મહીં આ દર્દ થયું છે, તે આ ભાગ વધ્યો છે એ ગ્રંથિ કાપી લો. તો તે ઓપરેશન કરી નાખે. એ જુદું કરી આપે. એવી રીતે આ જ્ઞાની પુરુષ બધું ય જુદું કરી આપે. આત્મા ને દેહ, બેઉ જુદાં જ કરી આપે. પછી એકાકાર ના થાય. અને ત્યાં સુધી જુદા પડે નહીં. જ્ઞાની પુરુષના સિવાય જુદા પડે નહીં. કારણ કે જુદાં પાડતી વખતે જ્ઞાન એકલું કામ નથી કરતું. જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત કરવા પડે છે અને અમે ભગવાનની કૃપા ઊતારીએ છીએ. આ બધાં ત્રણ સાથે થાય ત્યારે કામ થાય. જ્ઞાન એકલાથી કામ થતું હોય તો લોક આપણે જેવું બોલીએ છીએ એવું બોલે તો કામ થઈ જાય. ત્યારે કહે 'ના, આપણે જેવું બોલીએ એવું પેલો ય બોલવા માંડે પણ કશું વળે નહીં એમાં.

પ્રશ્નકર્તા : તો દાદા, આપ જે જ્ઞાનની વખતે બોલો છે એ જ્ઞાનનાં શબ્દો કોઈ ટેપરેકોર્ડીંગ કરીને પછી એ બોલ્યા કરે.

દાદાશ્રી : હા, પણ તે બોલે કશું વળે નહીં. અને ઊલટું લોકો જોખમમાં મૂકાય. એટલે આપણે ટેપરેકર્ડ કરવા દેતા નથી. છતાંય છાનોમાનો કરી જાય તો આપણે એનાં જવાબદાર નથી. કારણ કે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, 'જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહા સમજવું તેય, ત્યાં ત્યાં તે તે આચારે, આત્માર્થી જન એહ.'

અહીં આગળ કોઈથી હાથ ઘલાય નહીં. અહીંયા હાથ ઘાલવો બહુ જોખમ છે આ તો. આત્મા પ્રાપ્ત કરવો એ તે કંઈ સહેલું છે ? એની પાછળ જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત થાય છે. બીજું શું થાય છે ? આત્મા ને દેહ જુદાં પડી જાય છે. ત્રીજું શું થાય છે કે ભગવાનની કૃપા ઊતરે છે. એટલે નિરંતર જાગૃતિ ઊભી થઈ જાય છે, એને પ્રજ્ઞા શરૂ થઈ જાય છે.

એટલે તમારે જ્યારે ઇચ્છા હોય ત્યારે અહીં આગળ કહેવું. આ બધાને થઈ ગયેલું છે.

દુર્લભ વસ્તુ, થઈ સુલભ !

આત્મા જ્ઞાન સ્વરૂપ નથી, વિજ્ઞાન સ્વરૂપ છે. માટે વિજ્ઞાનને જાણો. વીતરાગ વિજ્ઞાન અઘરું નથી, પણ એનાં જ્ઞાતા ને દાતા નથી હોતા. કોઈક ફેરો એવા 'જ્ઞાની પુરુષ' હોય ત્યારે એનો ફોડ પડી જાય. બાકી સહેલામાં સહેલું હોય તો તે વીતરાગ વિજ્ઞાન છે; બીજા બધાં વિજ્ઞાન અઘરાં છે. બીજા વિજ્ઞાન માટે તો 'રિસર્ચ સેન્ટર' કાઢવાં પડે ને બૈરી-છોકરાંને બાર મહિના ભૂલી જાય ત્યારે રિસર્ચ થાય ! અને આ વીતરાગ વિજ્ઞાન તો 'જ્ઞાની પુરુષ' પાસે ગયા એટલે પ્રાપ્ત થઈ જાય, સહજ પ્રાપ્ત થઈ જાય.

વરાળ-પાણી રૂપે કર્મો ભસ્મીભૂત !

પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ' પરમાણુ બદલી શકે કે પછી એમની હાજરીથી બદલાય છે ?

દાદાશ્રી : દૂધમાં દહીં નાખ્યા પછી 'જ્ઞાની' કશું જ ના કરી શકે. દહીં નાખતાં પહેલાં કહે તો થાય, પછી કશું વળે નહીં. 'જ્ઞાની' કર્મો ભસ્મીભૂત કરી શકે, એ એકલી જ એમની સત્તા. અમુક ભાગના રંગ બદલી શકે, એ અમે આપીએ છીએ.

પ્રશ્નકર્તા : દૂધમાં દહીં નાખ્યું એ કોને કહેવાય ?

દાદાશ્રી : જે જામી ગયેલા છે, બરફ રૂપે થઈ ગયા છે, તે કર્મોને તો ભોગવ્યે જ છૂટકો. વરાળ અને પાણી રૂપે હોય તેને 'જ્ઞાની' ભસ્મીભૂત કરી આપે. છતાંય પોતે તો નૈમિત્તિક ભાવમાં જ હોય, અકર્તા જ રહે.

ચરણે વિધિથી ભસ્મ થાય પાપો !

પ્રશ્નકર્તા : આ ચરણવિધિ કરવાનો શું પ્રયોજન છે ? એનો શું ફાયદો છે ? આનો શો અર્થ છે એ સમજાવો.

દાદાશ્રી : આ ચરણવિધિથી તો, અંદર ઈલેક્ટ્રિસીટીથી બધા પાપો ભસ્મીભૂત કરી નાખે એવી આ ચરણવિધિ છે. અને ચરણવિધિ કરાવાય નહીં ખરી રીતે. કારણ કે ચરણવિધિ કરે ને, તો શક્તિ બધી એની જતી રહે. તો પછી લોકોએ મને કહ્યું કે 'તમારી શક્તિ બધી વેડફાઈ જશે.' ત્યારે મેં કહ્યું, 'ના, શક્તિ ઉત્પન્નેય બહુ થયા કરે છે.' એટલે સવારના સાડા છથી ચરણવિધિ ચાલે છે તે રાતના સાડા અગિયાર વાગ્યા સુધી ચાલે છે. બે જ કલાક વચ્ચે આરામ હોય છે. નિરંતર મારે કોઈ દહાડો રજા હોય નહીં. દિવાળીને દહાડે દસ હજાર માણસ હોય. એટલે આ દશા ચાલ્યા કરે છે. મારો હેતુ શો છે ? જે સુખ હું પામ્યો છું તે જગત પામો. ૨૬ વર્ષથી મેં ટેન્શન જોયું નથી. ૨૬ વર્ષથી આ દેહનો હું માલિક નથી, આનું ટાઈટલ મારી પાસે નથી.

વિધિથી ભગવાન જોડે અનુસંધાન !

પ્રશ્નકર્તા : આમ મનુષ્ય દેહ છે. આપ મનુષ્ય દેહે છો પણ વિધિ કરવાનું કારણ સમજાવો જરા.

દાદાશ્રી : આ તો જે દેખાય છે તે 'એ.એમ. પટેલ' છે. અમે જ્ઞાની પુરુષ છીએ. અમારે ૩૫૬ ડિગ્રી છે જ્યારે દાદા ભગવાન મહીં પ્રગટ થયા છે તે ૩૬૦ ડિગ્રી. આખા વર્લ્ડના પરમાત્મા અંદર બેઠા છે. હવે એની જોડે 'હું' બેઠો છું અને મારી જોડે તમે બેઠા છો, એમાં શું ખોટ તે ! નહીં તો ય વાતાવરણ તો અસર થયા સિવાય તો રહે જ નહીં ને !

બરફનું વાતાવરણ અડે છે તો ભગવાન ચૌદ લોકનો નાથ પ્રગટ થયેલો છે. હું જાતે કહું છું. હું જાતે જોઈને બોલું છે એમની જોડે, કારણ કે નિરંતર ચાર ડિગ્રી માટે જ અમારે ફેર રહેવાનો, બાકી જોડે જ તન્મ્યાકાર અભેદ ભાવે રહેવાનું. ચાર ડિગ્રી પેલાને જુદું રહેવું પડે.

હવે એ વિધિ શેને માટે કરવી પડે છે ? એ ભગવાનને તમે આંખથી જોઈ શકો, વીતરાગતાથી જોઈ શકો અને વીતરાગતા જોતાં ઘણાં ખરાંને આવડે નહીં, એટલે અહીં આગળના તાર જોઈન્ટ કરી આપું.

મહીં ચરણે વિધિ કરતી વખતે અડે તે પોતાની મહીં ઈલેક્ટ્રિસીટી ઉત્પન્ન થઈ જાય. એને તરત ખબર પડી જાય અને તે પછી શા માટે વિધિઓ કરવાની હોય છે ? ત્યારે કહે, લાઈટ પેલું ડિમ થઈ જાય ને પેલી બેટરી, તે આ લાઈટ ચાલુ રહે તો અથડાય નહીં પછી. બેટરી તો જોઈએ ને !

પ્રશ્નકર્તા : હા, જોઈએ.

દાદાશ્રી : તે આ લાઈટ આપીએ. જ્ઞાન તો તેનું તે જ !

ચરણ વિધિથી પહોંચે તાર પ્રભુને !

પ્રશ્નકર્તા : વિધિ કરાવો છો એ અહીંયા જ કેમ મહત્વ આપો છો ? આ ચરણના સ્થાનને જ ?

દાદાશ્રી : એવું છે ને, ભગવાનને જે રસ્તે તાર જલદી પહોંચે એ જગ્યાએ પહેલાં કરાવીએ. બીજી જગ્યાએ કરે તો એ તાર મોડો પહોંચે. આપણે તો જલદી ખબર આપવી છે ને ? એટલા માટે અહીં વિધિ કરાવવાની ! તમને ના ગમ્યું ?

પ્રશ્નકર્તા : ક્વિક સર્વિસ તો બધાને ગમે ને ?

દાદાશ્રી : હા, આપણે તો જે રસ્તે અમૃત ઝરે એ કામનું !

માહાત્મ્ય, જ્ઞાનીના ચરણનું !

આ ચરણ વિધિ અંદર આત્માને દેહથી જુદો પાડે છે અને અંતર્સુખ, સ્વયંસુખ ઉત્પન્ન થાય છે, બધી નિર્બળતાઓ જતી રહે. જ્ઞાનીનાં ચરણમાં ગજબની શક્તિ હોય !

આ અમારા ચરણની વેલ્યુ કેટલી આખા બ્રહ્માંડનું સોનું બનાવીને મૂકે તોય તેની તોલે ના આવે. આ ચરણ એ તો ઈગોઈઝમ ઓગાળવાનું એક માત્ર સૉલવન્ટ છે.

જ્ઞાન આપવાની સત્તા કોની ?

પ્રશ્નકર્તા : આપ વ્યક્તિગત જ્ઞાન આપો છો કે સમૂહમાં જ જ્ઞાન આપો છો ?

દાદાશ્રી : વ્યક્તિગત યે આપી શકાય ને સમૂહમાં યે આપી શકાય. એટલે જેવા સંયોગો ઊભા થાયને, તે પ્રમાણે બધું કરવામાં આવે !

પ્રશ્નકર્તા : આપ જ્ઞાન અમુક દિવસે આપો, અમુક ટાઈમે આપો, એનું શું કારણ ?

દાદાશ્રી : એ સત્તા મારા હાથમાં નથી. એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય ત્યારે કાર્ય થાય. હું તો નિમિત્ત માત્ર છું. મારા હાથમાંય સત્તા નથી ને નથી તમારા હાથમાં સત્તા ! બધાં સંજોગો ઊભા થશે ત્યારે કાર્ય થશે. 'હું' કર્તા હોત તો કાલે તમને બધાને બેસાડી દઉં કે બધા જ્ઞાનમાં બેસી જાવ પણ હું કર્તા નથી.

સત્તા તો જોવું-જાણવું ને...

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે તમારા ઉપર કોઈની સત્તા છે, તમને કોઈ પ્રેરણા આપે છે ?

દાદાશ્રી : જે તમારી પર સત્તા છે તે મારી પર સત્તા છે. બીજી કોઈ સત્તા નથી. આ દેહની, એ બધાની સત્તા, એ મારી સત્તા નથી આ ! મારે તો સંડાસ જવાનીય સત્તા નથી. કારણ કે હું આનો માલિક જ નથી ને ! આ દેહનો માલિક નથી, વાણીનો માલિક નથી, મનનો માલિક નથી, મારી સત્તા જ નથી આ ! મારી સત્તા માત્ર જાણવું ને જોવું, જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદમાં રહેવું અને ધીમે ધીમે આ પઝલમાંથી બહાર નીકળી જવું ! આ તો પઝલમાં સપડાયેલા છીએ, હું યે સપડાયેલો છું ને તમેય સપડાયેલા છો ! છતાં હું અંદર મુક્ત છું. અને તમે અંદરેય બંધાયેલા છો, તે આખો દહાડો તમારે ઉપાધિ, ઉપાધિ !

અર્પણ વિધિ કોણ કરાવી શકે ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લેતાં પહેલા જે અર્પણ વિધિ કરાવીએ છીએને, એમાં, પહેલા અર્પણ વિધિ કરી દીધી હોય ગુરુને, પછી ફરીથી અર્પણ વિધિ કરીએ, એ આપણી પાસે હોયને એને કરીએ એ બરાબર ના કહેવાય ને ?

દાદાશ્રી : અર્પણ વિધિ કોઇ કરાવડાવે જ નહીં ને ! અર્પણ વિધિ તો ગુરુ કરાવે નહીં. ગુરુનો જ્યાં સુધી અહંકાર છે ને, ત્યાં સુધી કોઇની અર્પણ વિધિ લેવાય નહીં. એ નમસ્કાર કરે, હું તમારો શિષ્ય થયો કહે. તો થોડું, આ તો શું શું અર્પણ કરવાનું, બધુ ય આત્મા સિવાય. એટલે બધું અર્પણ કોઇ કરે જ નહીં ને ! અર્પણ થાયે ય નહીં અને કોઇ ગુરુ એ કહે નહીં. કારણ કે એ ય અહંકારી હોય ને બિચારો ! એ તો તમને માર્ગ દેખાડે. એ 'ગાઇડ' તરીકે કામ કરે. અને અમે તો ગુરુ નહીં, અમે તો જ્ઞાની પુરુષ અને આ તો ભગવાનના દર્શન કરવાના છે, ભગવાનને અર્પણ કરવાનું છે. મને અર્પણ નહીં કરવાનું, આ તો ભગવાનને અર્પણ કરવાનું છે. અને ગુરુ તો આપણા હોય, તો એને છોડી દેવાના નહીં, એ તો વ્યવહારમાં જોઇએ જ. વ્યવહારમાં બધું ના જોઇએ. વ્યવહારમાં તો આપણે રસ્તામાં ભૂલા પડીએ તોય કોઈને પૂછવું પડે.

અપૂર્વ અવસર એવો આજે આવ્યો !

પણ આજે આ પોતાનું અજન્મા-અમર પદ પ્રાપ્ત થવાનું છે. એટલે બહુ મોટામાં મોટો અવસર માની કામ કરી લેવાનું. અને કોઇ વાતનો બોજો કશોય રાખવાનો નહીં. ગમે તે દુનિયામાં પડી જાવ ને ફરી જાવ કે દુનિયા સડી જાવ. હવે એક કલાકની જ વાર લાગશે, આપણે ત્યાં સુધી આ દેવોના પદ બોલો ને !

વીતરાગ વિજ્ઞાનના જ્ઞાતા !

આ વીતરાગોના 'સાયન્સ'ની બહુ ઊંચી શોધખોળ છે ! કેવું ગૂઢાર્થ !! અત્યંત ગુહ્ય !!! આ 'રિયલ' ને આ 'રિલેટિવ'નો ભેદ પાડવો. તે 'જ્ઞાની પુરુષ' સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને ?!

આ તો મોટું વન્ડર છે, ઇલેવન્થ વંડર ઓફ ધ વર્લ્ડ, નહીં તો વર્લ્ડમાં આવું હોઈ શકે નહીં. આવું સાંભળવામાં ના આવ્યું હોય !

- જય સચ્ચિદાનંદ