શબ્દો સળગાવે, સજાવે કે શમાવે સંસાર !

સંપાદકીય

નેગેટિવ શબ્દોથી સળગે, પોઝિટિવ શબ્દોથી સજાવે અને શુધ્ધ વીતરાગી શબ્દોથી સંસાર સમાઈ જાય તેમ છે. પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન એક જ વાક્યમાં કહે છે કે 'શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે, ત્યારે જગત બંધ થઈ જશે.' એક જ શબ્દ અવળો બોલ્યા તો લઢાઈ ચાલુ થઈ જાય ને મીઠાં શબ્દ બોલે તો પાછી લઢાઈ બંધ થઈ જાય. એટલે દાદાશ્રી કહે છે ને, 'પાંસરું બોલો, નહીં તો બોલશો જ નહીં અને બોલવાનું મટતું ના હોય તો આમ મોં દાબીને બોલજો એટલે સામાને સમજણ ના પડે.'

'સામાને તમે સમજતા નથી, તમારામાં અક્કલ નથી.' એવું ક્યારેય ના બોલાય, નહીં તો એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ બંધાય. હા, એવું કહેવાય કે તમે જરા વિચારજો તો ખરાં. આપણે વાંકાં શબ્દો બોલવા જ ના જોઈએ. અને બોલાઈ જાય તો મીઠાં શબ્દો બોલીને વાતને વાળી લો. વર્ષો પહેલાં દાદા ભગવાને એક શબ્દ આપ્યો હતો કે વારણથી નિવારણ અને નિવારણથી નિર્વાણ, તે દહાડે તો 'પ્રતિક્રમણ' શબ્દ દાદાશ્રીએ નહોતો આપ્યો. કહેલું કે વાંકું બોલાઈ ગયું હોય તો થોડી વારે બીજાં સવળા શબ્દો બોલીને વારણ મૂકી દો, વાળી લો કે મારું મગજ ગાંડું છે. તમને ખરાબ બોલાઈ ગયું, આવી મારાથી ભૂલ થઈ જાય છે. પછી આગળના સ્ટેજે પ્રતિક્રમણનું હથિયાર આપ્યું, કે બીજાને દુઃખ થાય એવી વાણી બોલાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેજો, તો ચોખ્ખું થતું જશે.

વાણીથી ભિન્ન ભિન્ન પ્રકારે લોકોને દુઃખ આપવાના દોષોનું પ્રસ્તુત સંકલનમાં વિવરણ થયું છે. મેણા-ટોણા મારવા, અપવ્યય-દુર્વ્યય કરવો, ટીકા-નિંદા કરવી, અવર્ણવાદ કરવા, અપશબ્દ બોલવા, કડક શબ્દો કહેવા, અવળા શબ્દો બોલવા, કડવા શબ્દો બોલવા, કઠોર ભાષા, તંતીલી ભાષા બોલવી, કઠોર ભાષા તો માણસને હાર્ટફેઈલ કરાવી નાખે એટલી બધી ભયંકર હોય છે. વાણીથી તરછોડ મારવી તે કેટલાંય ભવ સુધી હિસાબ બંધાવી નાખે. આવી બધી વાણી સામે સુશબ્દ, મીઠા શબ્દો, મૃદુ-ઋજુ ભાષા બોલવી, વઢવાડ ટાળવા ન બોલવાની કળા, ચીકણી ફાઈલ જોડે વાણી બોલતાં પહેલાની ચાવીઓ, દુઃસ્વર-સુસ્વરના પરિણામો તેમજ મીઠી-મધુરી વીતરાગ વાણી, જે સ્વ-પર કલ્યાણકારી છે તે સર્વની સમજણ અત્રે પ્રાપ્ત થાય છે.

કોઈની વાણીના આકરા પ્રહારો સામે એડજસ્ટમેન્ટ કેવી રીતે લેવા, સમાધાન કેવી રીતે લાવવું, એની ઘણી બધી ચાવીઓ દાદાશ્રી અત્રે કહી જાય છે. હિસાબ ચૂકતે થાય છે, ઉપકારી છે, એમ માનજો તો ઘણો ઉકેલ આવશે. જેટલી વાણી અડે નહીં, વીતરાગ રહેવાય, તેટલી ભગવાન દશા આવતી જાય. આમ દુઃખકારી વાણી છૂટે, સુખકારી વાણી બોલાય, એની સચોટ સમજણ અત્રે સંકલિત થાય છે, જે ઉપયોગમાં લેવાથી સંસારની અનેક જોખમદારી વહોરવામાંથી મુક્ત થઈ જવાય.

દીપકના જય સચ્ચિદાનંદ

શબ્દ સળગાવે, સજાવે કે શમાવે સંસાર !

સવળા શબ્દો મિટાવે વઢવાડ !

પ્રશ્નકર્તા : મને એવો ડર છે કે આપણે જે શબ્દો દ્વારા એકબીજાને સમજીએ, એમાં ખોટા પણ સમજી શકાય છે.

દાદાશ્રી : સાચા પણ હોયને ! આપણે આ શબ્દથી પેલાને કહીએ કે 'ભઈ, દૂધ આપો.' એવું દૂધવાળાને કહીએ તો ખોટું શું ? શબ્દોથી જ દૂધ મળે ને ? અહીં તો 'કશુંક આપ' કહીએ તો દહીં આપી દે. એની પાસે જે હોય એ જ આપેને ! એટલે એવું કોણે કહ્યું કે શબ્દો દ્વારા ખોટા હોઈએ ? ૐ શબ્દ છે ને, તે તો કામ કાઢી નાખે એવો છે.

પ્રશ્નકર્તા : પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડાં થાય છે.

દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે, ત્યારે જગત બંધ થઈ જશે. બધી શબ્દથી લઢાઈઓ થયેલી છે આ દુનિયામાં, જે થયેલી છે તે ! શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે, વઢેલા હોય આપણી જોડે, તેની જોડે ય આપણે મીઠું બોલીએ ને, તો બીજે દહાડે એક થઈ જાય પાછાં.

એક જ શબ્દ અવળો બોલ્યા તો લઢાઈ ચાલુ થઈ જાય, સામા જોડે ને તે વખતે કોઈક જો મીઠા શબ્દ બોલી ગયા ને, કે 'ભઈ, આમ છે, તેમ છે' તો લઢાઈ બંધ થઈ જાય. માટે પાંસરું બોલો, નહીં તો બોલશો જ નહીં. અને બોલવાનું મટતું ના હોય તો આમ મોં દાબીને બોલજો, એટલે સમજણ ના પડે સામાને.

... આમાં જવાબદારી પોતાની જ !

સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા નીકળ્યા ! એવું બોલાતું હશે ? પછી ઝઘડા જ થાય ને ! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે 'તમારામાં અક્કલ નથી.' સામાન્ય માણસ તો અણસમજણનાં માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય, એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને ! પેલો અવળું બોલે પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.

'તમે સમજતા નથી' એવું ય ના બોલાય. આપણે તો એમ કહેવાય કે, 'ભઈ, વિચારો તો ખરા, તમે જરા વિચાર તો કરો.' 'સમજતા જ નથી' કહીએ, તો આ બધા ડફોળ જ છે ? આવું બોલે છે કે નથી બોલતા લોકો ?!

પ્રશ્નકર્તા : બોલે છે. આ બુધ્ધિવાળા એમ જ બોલે છે કે 'આને સમજ નથી.'

દાદાશ્રી : હા, એવું બોલે. સામાને 'તમે ના સમજો' એવું કહેવું, એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. 'તમે ના સમજો' એવું ના કહેવાય. પણ 'તમને સમજણ પાડીશ' એવું કહેવું. 'તમે ના સમજો' કહે તો, સામાના કાળજે ઘા વાગે.

એવાં શબ્દોથી કાળજે વાગ્યો ઘા...

આપણે સુખમાં બેઠાં હોય ને સહેજ કો'ક આવીને કહે, 'તમારામાં અક્કલ નથી.' એટલું બોલે કે થઈ રહ્યું, ખલાસ ! હવે એ કંઈ પથરો માર્યો છે?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : શબ્દો જ છે. પથરો માર્યો હોય તો આપણે સમજીએ કે ભઈને વાગ્યું એટલે એને લ્હાય બળે છે. અહીં આગળ વાગ્યું તે, પણ આ તો વગર પથ્થરે વાગ્યું.

પ્રશ્નકર્તા : શબ્દોમાં એટલી બધી અસર હોય છે ?

દાદાશ્રી : તે એની જ અસર છે આ બધી. શબ્દની જ અસર છે. જગતમાં છાતીએ ઘા લાગે, તે સો-સો અવતાર સુધી ના જાય. 'છાતીએ ઘા લાગ્યા છે, તેમ બોલ્યા છો.' કહેશે. અસર જ છે આ ! જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે.

છાતીએ ઘા લાગે એવાં શબ્દ બોલેલા ? તમે કોઈ દહાડો નાનપણમાં એવું બોલેલા કે ? અરે, હું અત્યારે જ્ઞાની થયો, પણ પહેલાં કેવો હોઈશ ? અરે, શબ્દ બોલુંને તો સામો માણસ કહેશે, 'મને આધાશીશી ચઢી તમારા શબ્દથી !' તો એ કેવો શબ્દ ખરાબ હશે ? સામાને આધાશીશી ચઢી જાય. ઊતરતાં વાર લાગે. છતાં અમે આ પદમાં આવ્યાં છીએ. પૂર્વભવમાં ઘણું કરેલું, તેના ફળરૂપે આ પ્રાપ્ત થયું છે.

કેટલીક બહેનો મને કહે છે, 'મારા ધણીએ મને કહ્યું'તું, તે મારી છાતીએ ઘા લાગ્યો છે. તે મને પચ્ચીસ વર્ષેય ભૂલાતું નથી.' ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે ?! તે ઘા પછી રૂઝાતા નથી. તે ઘા ના મારવા જોઈએ.

મેણાં-ટોણાં સામે સમાધાન !

એ બેનને તો મેં પૂછયું, 'ધણી જોડે માથાફોડ-વઢવાડ થાય છે કે ? કકળાટ થાય છે કે ?' ત્યારે એ કહે છે, 'ના, કોઈ દહાડો નહીં.' મેં કહ્યું, 'વર્ષ દહાડામાં કકળાટ જ નહીં ?' ત્યારે એ કહે છે, 'ના.' હું તો આ સાંભળીને અજાયબ થઈ ગયો કે હિન્દુસ્તાનમાં આવાં ઘર છે ! પણ એ બેન એવી હતી. એટલે પછી મેં આગળ પૂછયું કે, 'કંઈક તો થાય. ધણી છે એટલે કંઈક થયા વગર ના રહે.' ત્યારે એ કહે છે, 'ના, કો'ક દહાડો ટોણો મારે.' ગધેડાને ડફણું મારવાનું ને આ સ્ત્રીને ટોણો મારવાનું. સ્ત્રીને ડફણું ના મરાય, પણ ટોણો મારે. ટોણો તમે જોયેલો ? ટોણો મારે ! ત્યારે મેં કહ્યું, 'એ ટોણો મારે, તો તમે શું કરો ?' ત્યારે પેલાં બેન કહે છે, 'હું કહું કે તમે ને હું કર્મનાં ઉદયે આપણે ભેગાં થયાં, કર્મનાં ઉદયે લગ્ન થયું. તમારા કર્મ તમારે ભોગવવાનાં ને મારા કર્મ મારે ભોગવવાનાં.' મેં કહ્યું, 'ધન્ય છે બેન તને !' અમારાં હિન્દુસ્તાનમાં આવી આર્ય સ્ત્રીઓ હજુ છે. એને સતી કહેવાય.

આ બધા ભેગા શેને લીધે થયા ? આપણને ના ગમતું હોય તો ય જોડે શાથી પડી રહેવું પડે ? એ કર્મ કરાવડાવે છે. ભાઈને ના ગમતી હોય તો ય પણ ક્યાં જાય ? પણ એણે મનમાં સમજી જવું કે 'મારા કર્મનાં ઉદય છે.' એમ માનીને શાંતિ પકડવી જોઈએ. વાઈફનો દોષ ના કાઢવો જોઈએ. શું કરવાનું દોષ કાઢીને ? દોષ કાઢીને કોઈ સુખી થયો ? કોઈ સુખી થાય ખરું ?

અને મન બૂમ પાડે કે 'કેટલું બધું બોલી ગઈ, કેટલું બધું એ થઈ ગયું.' ત્યારે કહે, 'સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે' કહીએ. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. તારે રૂઝાઈ ગયું ને બધું ! નહીં ? ઘા પડેલાં તે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બઈએ ઘા પાડ્યા, ધણીએ ઘા પાડ્યા, બધાએ ઘા પાડ પાડ કર્યા ! તે બધા ઘા પાડેલા રૂઝાઈ ગયા, એ એવા હસે છે બધા દાંત દેખાય ! કેવા ઘા પડતા'તા, નહીં ? અરે, ટોણાં મારે !! આ પાછાં મેણા જુદા. આ અમેરિકનોને મેણા-ટોણાં ના આવડે. આ અક્કલના કોથળાઓને બહુ મેણા-ટોણાં આવડે. તમે મેણાં-ટોણાં સાંભળેલા ? પિયરમાં શું દુઃખો પડ્યા, સાસરીમાં શું દુઃખો પડ્યા, એ બધું પોતાની પાસે નોંધ હોયને ? એ ઘા રૂઝાય નહીંને જલદી ?! અને જ્ઞાની પુરુષ પાસે તો અહીં દુઃખ હોય જ નહીં ને ! દુઃખ હોય તો ય જતું રહે ! ઘા બધા રૂઝાઈ જાય.

ટોણો તો બહુ મોટો, ભારે હોય ને ? હવે આ ટોણાંનું અંગ્રેજી કરવું હોય તો વેશ થઈ પડે ને ?

પ્રશ્નકર્તા : ટોન્ટ.

દાદાશ્રી : ના, ટોન્ટ ના સમાય. ટોન્ટનો તો હિસાબ જ નહીં. ટોન્ટ તો ફોરેનમાં ય મારે છે. આ તો ટોણો ! એ તો ફોરેનમાં હોય જ નહીં ને ! આ ટોણો તો કાળજે ઘા લાગે એવો હોય.

અપવ્યય-દુર્વ્યય, વાણીનાં !

ટોણા મારવા, એ તો મોટી હિંસા કહેવાય. આ વાણીનો અપવ્યય અને દુર્વ્યય એ તો હિંસક નથી પણ વગર કામની શક્તિ વ્યય કર્યા કરે.

પ્રશ્નકર્તા : વાણીનો અપવ્યય અને દુર્વ્યય સમજાવો.

દાદાશ્રી : અપવ્યય એટલે ઊંધી વાણી વાપરવી અને દુર્વ્યય એટલે વ્યય નહીં કરવા જેવી જગ્યાએ વ્યય કરે. વગર કામનો ભસ ભસ કરે, એ દુર્વ્યય કહેવાય. તમે જોયેલું, વગર કામના ભસ ભસ કરે, એવા હોય છે ને ? એ દુર્વ્યય કહેવાય.

પ્રશ્નકર્તા : એનું ઉદાહરણ આપો.

દાદાશ્રી : આપણા લોકો નથી કહેતા કે આ વગર કામનો બોલ બોલ કરે છે, ના બોલવાનું બોલ બોલ કરે છે, એ દુર્વ્યય કહેવાય.

પ્રશ્નકર્તા : અને અપવ્યય એટલે ?

દાદાશ્રી : જ્યાં જે વાણી હોવી જોઈએ ત્યાં બીજી જ વાણી બોલવી, એ અપવ્યય કહેવાય. જે જ્યાં ફીટ થતું હોય, તે જ્ઞાન નહીં બોલવાનું ને બીજી રીતે બોલવાનું, એ અપવ્યય.

જૂઠું બોલે, પ્રપંચ કરે, એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે 'હા, આને હું ઓળખું છું.' તે અપવ્યય કહેવાય.

પ્રશ્નકર્તા : કોઈને જરા કડવું કહેવું હોય, પણ એવી રીતે ફેરવીને કહીએ કે પેલાને લાગે કે આ મને જ કહ્યું. પણ પેલો આપણામાં વાંક ન કાઢી શકે. એ અપવ્યય ગણાય ?

દાદાશ્રી : એ અપવ્યય કહેવાય નહીં. એ તો મૂરખા માણસો એક જાતનો અપવ્યય કરે ને દુર્વ્યય કરે. અને આવું બોલવું, એ મૂરખા ના કહેવાય. આ તો ઊલટાં એને ટોણો મારો ને ટોણાં મારનારા, એ તો હિંસક કહેવાય.

ટીકા-નિંદાનાં દોષો !

આજ તો લોક તમારી ટીકા હઉ કરે. 'પોતે શું કરી રહ્યા છે ?' તેનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કો'કને સળી કરે. સુખિયો માણસ કોઈની ટીકા કરે નહીં. આ દુઃખિયા લોક છે તે કરે તો ભલે અને એથી આનંદ રહેતો હોય તો કર.

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં લખ્યું છે કે ''આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.'' તો નિંદા અને ટીકામાં ફેર ?

દાદાશ્રી : ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા. પછી આગળ વાંચો.

પ્રશ્નકર્તા : ''કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે, સમકિતને ય બાધક છે.''

સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય, એ ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે, તો વીતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે જ નહીં. અભેદતા છે જ નહીં.'' (આપ્તસૂત્ર)

દાદાશ્રી : ટીકા બધી રીતે બાધક છે. નવરાશ જ ના હોવી જોઈએ ટીકા કરવાની.

નિંદાનાં પરિણામ, અધોગતિ !

કોઈ માણસની નિંદા ના કરાય. અરે, સહેજ વાતચીત પણ ના કરાય. એમાંથી ભયંકર દોષ બેસી જાય. એમાં ય અહીં સત્સંગમાં, પરમહંસની સભામાં તો કોઈની ય સહેજ પણ અવળી વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે. તો પછી આ 'મહાત્મા'ઓની ટીકા-નિંદા કરે તો કેવું ભારે આવરણ આવે ? સત્સંગમાં તો દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જવું જોઈએ. આ બુધ્ધિ જ મહીં ડખો કરે. અમે બધાનું બધું જાણીએ છતાંય કોઈનું એક અક્ષરેય ના બોલીએ. એક અક્ષરેય ઊંધું બોલવાથી જ્ઞાન ઉપર મોટું આવરણ આવી જાય.

કોઈ પણ માણસની વ્યક્તિગત વાત કરવાનો અર્થ જ નથી. સામાન્યભાવે વાત સમજવાની જરૂર. વ્યક્તિગત વાત કરવી, એ તો નિંદા કહેવાય. અને નિંદા એ તો અધોગતિમાં જવાની નિશાની ! કોઈની નિંદા કરો એટલે તમારે ખાતે ડેબીટ થયું અને પેલાને ખાતે ક્રેડિટ થયું. એવો ધંધો કોણ કરે ? અને માણસની નિંદા કરવી ને, એ જ માર્યા બરોબર છે. માટે નિંદામાં તો બિલકુલે ય પડવું જ નહીં. માણસની નિંદા કોઈ દહાડો કરવી નહીં. એ પાપ જ છે.

કોઈની નિંદાથી નુકશાન પોતાને જ !

પ્રશ્નકર્તા : કોઈની નિંદા કરીએ, એ શેમાં આવી જાય ?

દાદાશ્રી : નિંદા એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે. એ અવર્ણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ, તોય લોકો પાછળથી નિંદા કરે છે. અલ્યા, નિંદા ના કરાય. આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે. પહોંચી જાય બધું. કશું એક શબ્દ પણ કોઈના માટે બેજવાબદારીવાળો ના બોલાય. અને બોલવું હોય તો કંઈક સારું બોલ, કીર્તિ બોલ, અપકીર્તિ ના બોલીશ.

એટલે કોઈની નિંદામાં ના પડવું. કમાણી ના કરાય, કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શો ફાયદો ? એમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈની ય નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ.

અહીં નિંદા જેવી વસ્તુ ના હોય. આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું ખરું ને શું ખોટું ! ભગવાને શું કહ્યું કે ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ. પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર દ્વેષ ના રહેવો જોઈએ અને સારું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. એટલે વિગતવાર આપણે વાત કરવાની. 'જ્ઞાની' પાસે જ્ઞાનથી જ સમજાય.

અવર્ણવાદની વ્યાખ્યા !

પ્રશ્નકર્તા : ''હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.'' (નવ કલમો) આમાં જે અવર્ણવાદ શબ્દ છે ને, એનો 'એક્ઝેક્ટ' 'મિનિંગ' શું છે ?

દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ ! જેમ છે એમે ય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.

અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખવું, એને અવર્ણવાદ કહેવાય. આ અવર્ણવાદ તો નિંદાથી ય ભારે ખરાબ વસ્તુ છે. અવર્ણવાદ એટલે એના માટે ગાઢ નિંદાઓ કરવી. આ લોકો નિંદા કેવી કરે છે ? સાદી નિંદા કરે છે. પણ ગાઢ નિંદા કરવી એ અવર્ણવાદ કહેવાય.

પ્રશ્નકર્તા : ગાઢ નિંદા એ કેવી નિંદા ?

દાદાશ્રી : એનું રૂપક જ ખરાબ દેખાડે. આમ સાધારણ નિંદા કરે કે 'એ તો માણસ સારા નથી.' એ સાધારણ નિંદા કહેવાય. પણ એના માટે પેલો પેલાને ઠસાવી દે, એ અવર્ણવાદ કહેવાય.

કોઈ માણસનામાં થોડું સારું હોય કે ના હોય?

પ્રશ્નકર્તા : હોય ને !

દાદાશ્રી : ને થોડું અવળું ય હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. 'આવી બાબતમાં જરા એવાં, પણ આ બીજી બાબતમાં બહુ સારાં.' આવું હોવું જોઈએ.

અવર્ણવાદ, પરોક્ષ કે મૃત્યુ પામેલાનો !

પ્રશ્નકર્તા : ''હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.'' (નવ કલમો) આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ, એ એને પહોંચે ખરું ?

દાદાશ્રી : એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો, તો તમે ભયંકર દોષમાં પડો. આમાં એવું કહેવા માગે છે. એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું. બાકી પહોંચાડવા-ના પહોંચાડવાનો સવાલ નથી પણ મરી ગયેલાનું નામ ના દેવું. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ભૂંડું પછી ના બોલવું.

અત્યારે રાવણનું અવળું ના બોલાય. કારણ કે હજુ એ દેહધારી છે. એટલે એને 'ફોન' પહોંચી જાય. 'રાવણ આવો હતો ને તેવો હતો' બોલે, તે તેને પહોંચી જાય.

આપણાં કોઈ સગાંવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું, વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એને ય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના હોવું જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. જોખમ છે એમાં, બહુ મોટું જોખમ છે.

તે વખતે પહેલાંના 'ઓપીનિયન'થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે.

છેવટે એ પોતાને પહોંચે !

આપણને જેવું ગમે છે, તે બોલવું. એવું પ્રોજેક્ટ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી. કો'કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે છે. માટે એવી શુધ્ધ વાણી બોલો કે શુધ્ધ વાણી જ તમારી ઉપર પડે.

અમે કોઈને ય 'તું ખોટો છે' એમ ના કહીએ. ચોરને ય ખોટો ના કહીએ. કારણ તેના વ્યુ પોઈન્ટથી તે સાચો છે. હા, અમે તેને ચોરી કર્યાનું ફળ શું આવશે, તે 'જેમ છે તેમ' તેને સમજાવીએ.

અપશબ્દો દુઃખદાયી જ !

શબ્દ કોઈને બોલીએ અને એને ખરાબ લાગે તો એ શબ્દ અપશબ્દ કહેવાય. તે અમથા અમથા ય અપશબ્દ બોલતો હોય ને, તો ય જોખમ. અને સારા શબ્દો અમથા અમથા બોલતા હોય તો ય હિતકારી છે. પણ ખોટા શબ્દો, અપશબ્દો અમથા અમથા બોલતા હોય તે અહિતકારી. કારણ કે અપશબ્દ કોને કહેવાય ? બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધા ય અપશબ્દ કહેવાય. બહાર તો પોલીસવાળાને કંઈ કહે નહીં. ઘરમાં જ કહે ને ! પોલીસવાળાને અપશબ્દ બોલનારો મેં કોઈ જોયો નથી એવો બહાદુર (!) પોલીસવાળો તો આપણને પાઠ ભણાવે. ઘરમાં પાઠ કોણ ભણાવડાવે ? આપણે નવો પાઠ તો શીખવો જોઈએ ને ?!

આ કડક શબ્દ કહ્યો, તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દહાડો કકળાટ જ માંડે છે.

મહાભારતનું કારણ, એક કડવો શબ્દ !

એક શબ્દ કડવો ના બોલાય. કડવું બોલવાથી તો બધાં બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ 'આંધળાના આંધળા' આ શબ્દે તો આખું મહાભારત ઊભું થયુ.ં બીજું તો કોઈ ખાસ કારણ નહોતું. આ જ મુખ્ય કારણ ! દ્રૌપદીએ કહ્યું હતું ને ? ટકોર મારી હતી ને ? હવે એનું ફળ એ દ્રૌપદીને મળ્યું. હંમેશાં એક શબ્દ કડવો બોલેલો ફળ મળ્યા વગર રહે કે ?

પ્રશ્નકર્તા : એક શબ્દ ઉપર જ આ બધું ઘમસાણ થઈ ગયું !

દાદાશ્રી : એક શબ્દ ઉપર જ આ બધું થયેલું છે. એ શબ્દ જો ના નીકળ્યો હોત ને તો ક્શું થવાનું નહોતું. માટે શબ્દ બોલવામાં તો બહુ જ કંટ્રોલ હોવો જોઈએ. જે શબ્દ લોકોને દુઃખદાયી થાય એવો શબ્દ ના બોલાય. એના માટે રોજે રોજ અભ્યાસ કરવો જોઈએ. એટલે માણસે સાચવવું જોઈએ.

છૂટવું હોય ત્યાં ખપે મૃદુ-ઋજુ ભાષા !

પ્રશ્નકર્તા : ''કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે, તો તેનાં પ્રત્યે મૃદુ-ઋજુ ભાષા બોલો.'' એટલે એનો વાંક ના જુઓ, એવું ?

દાદાશ્રી : એનો તો વાંક જોવાનો ના હોય. એ કઠોર બોલે ને આપણે મૃદુ-ઋજુ બોલીએ.

પ્રશ્નકર્તા : એ કઠોર હોય, એનું હ્રદય બહુ એવું હોય.

દાદાશ્રી : એ આપણે જોવાની જરૂર નથી. એ કઠોર બોલે તો આપણે મૃદુ બોલવું જોઈએ. કારણ કે આપણે છૂટવું છે. એને ગમે તે કરવું હોય એ કરે. એને બંધાવું ગમતું હોય કે છૂટવું ગમતું હોય તો એ જાણે. પણ આપણે તો છૂટવું છે. એટલે છૂટવાનો કામી બંધાવાની શરતો સ્વીકારે નહીં. અને સામો માણસ એગ્રીમેન્ટ કરાવી લેવા ફરતો હોય, એ કઠોર બોલે એટલે આપણે કઠોર બોલીએ, એ બંધાવાની શરત થઈ. આપણે તો છૂટવાના કામી જ છીએ. એ કઠણ બોલે તો ય આપણે મૃદુ-ઋજુ ભાષા બોલવી જોઈએ. કારણ કે એ જવાબદાર નથી. એ તો ફાવે એવું બોલે. આપણે જવાબદાર છીએ. આપણે એક જ દિશામાં જવાનું છે.

ક્રેક મગજવાળાની કઠોર ભાષા !

પ્રશ્નકર્તા : વાણીમાંથી કઠોરતા કેવી રીતે જાય ?

દાદાશ્રી : એ તો આપણે વાણીને વાળીએ એટલે જેવી વાળીએ એવી વળી જાય પછી. પણ અત્યાર સુધી કઠોર આપણે કરી હતી. લોકોને બીવડાવવા માટે, ફફડાવવા માટે.

પ્રશ્નકર્તા : એટલે આપણે એને પોષણ આપેલું.

દાદાશ્રી : આપણે મોટી કરી હતી, ખરાબ કરી હતી. અને આપણે પાછી સુધારવી છે, તે આપણે સુધારી નાખો.

કવિરાજ લખે છે ને, કે

'કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવળી ભાષા.'

હે દાદા, કંઠે બિરાજો. એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું નિદિધ્યાસન કરીએ તો ય વાણી સુધરી જાય.

આ પોલીસવાળા બધાને પકડી ગયા હોય કંઈ ગુનો થયો હોય તો, પોલીસવાળા ત્યાં બધાને બેસાડે, તો કોની વાણી વધારે અકળાટવાળી નીકળે ? ત્યાં કોઈ કઠોર બોલે ?

પ્રશ્નકર્તા : ના, એ નહીં બોલાય.

દાદાશ્રી : કેમ ?

પ્રશ્નકર્તા : પેલી બીક રહે છે, એટલાં ખાતર કઠોર ના બોલે.

દાદાશ્રી : તો એને છૂટો મૂક્યો, એટલે કઠોર બોલે છે !

પ્રશ્નકર્તા : એટલે સામો આપણને નબળો લાગે તો ત્યાં કઠોર વાણી નીકળે, એવું ?

દાદાશ્રી : હા. અને કેટલાંકની વાણી એવી હોય કે સામો જબરો હોય તો ય કડક વાણી નીકળે. પોલીસવાળા પાસે બેઠો હોય ને, તો ય કંઈક નવી જ જાતનું બોલે, તૃતિયમ બોલે. પછી પોલીસવાળો દંડો ના મારતો હોય, તે પછી માર માર કરે. હવે પોલીસવાળા પાસે ય અજુગતું બોલે ત્યારે જાણવું કે આ ક્રેક છે. મહીં માટલામાં ફાટ પડી ગઈ છે, મહીં પાણી ટપકવા માંડ્યું. આપણા લોકો ક્રેક કહે છે ને, એનો શો અર્થ ? કે ભઈ, આ માણસ તો ક્રેક છે, આને જવા દો. પાણી ભરેલું હોય ને, તો ય માટલામાંથી ધીમે ધીમે નીકળ્યા કરે. એ વાણી ફાયદો ના કરે, નુકસાન જ કરે. એટલે જ્યાં જ્યાં જેવું શોભે ને, એવું જ બોલાય. પોલીસવાળા પાસે તો કોઈ મોટો કલેક્ટર ગયો હોય તો ય ના બોલે. કારણ કે એક વાર તો એ ઝૂડી નાખે, પછી જોઈ લેવાશે, જો દેહની પડેલી હોય તો ! ના પડેલી હોય તો વાંધો નથી.

પ્રશ્નકર્તા : આપે કહેલું કે નાનો બાળક હોય એની પાસે આપણે કેવી રીતે બોલીએ છીએ, એ રીતની વાણી હોવી જોઈએ.

દાદાશ્રી : હા. એ રીતની. ત્યાં કેમ સાચવીને બોલે છે ! નાનું બાળક હોય તો કાઉન્ટર પુલી નાખીને બોલે. ગુસ્સો થયેલો હોય તો ય તરત ફેરવી નાખે.

તંતીલી ભાષા એટલે ?

પ્રશ્નકર્તા : તંતીલી ભાષા એટલે શું ?

દાદાશ્રી : રાતે તમારે વાઈફ જોડે ભાંજગડ થઈ હોય ને, તે સવારમાં ચા મૂકતી વખતે આમ ટકોરો મારે. એટલે આપણે સમજી ગયા કે 'ઓહોહો, રાત્રે બન્યું તે ભૂલ્યા નથી !' એ તાંતો. પછી બોલે, તે વાણી ય એવી તંતીલી નીકળે. પંદર વર્ષે એ માણસ-ગુનેગાર મળ્યો હોય, ત્યાં સુધી તમને યાદે ય ના હોય પણ પંદર વર્ષે એ ભેગો થાય કે તમને યાદ આવે, બધું તૈયાર થઈ જાય, એનું નામ તાંતો કહેવાય.

ઊંચી નાતોમાં વઢવાડ, વાણીની !

આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં ? લાકડીઓ કે ધોલો નથી મારતા ? નીચી નાતમાં હાથથી ને લાકડીથી મારામાર કરે. ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં ત્યારે વચનબાણ જ માર માર કરે છે સંસ્કારી લોકો. આમ તો બહુ વિવેકી છે, એટલે કોઈ મારતા નથી. પણ વચનના બાણ મારે છે કે 'તું આવી છે ને તું તેવી છે.' ત્યારે પેલી કહેશે, 'તમે આવા ને તમે તેવા.' એટલે રૂઝાય નહીં એવાં બાણ મારે છે અને એનાથી જરા ઊંચા હોય ને, તે વચનબધ્ધ કરી દે. હિન્દુસ્તાનમાં એવો ઊંચો ય માલ ખરો. પેલો સામો બાણ મારે તો પોતે ના મારે. એ જાણે કે આમાં શું ફાયદો કાઢવાનો ?! બાકી વચનથી બાણ મારે ખરા કે ? વચનનું લાગે ?

પ્રશ્નકર્તા : લાગે, જરૂર લાગે.

દાદાશ્રી : એ કંઈ આપણને અડે છે ? ઢેખાળો જો મારે તો અડે, લાકડી અડે.

પ્રશ્નકર્તા : પણ વચનની અસર તો થાય છે, વધારે થાય.

દાદાશ્રી : વગર અડ્યે, આમ અડે નહીં તોય ?

પ્રશ્નકર્તા : રૂઝ ના વળે જલ્દી.

દાદાશ્રી : હા, પેલા મારે તે બે-ચાર દહાડામાં રૂઝ આવી જાય ને આ વચનના બાણ તો રૂઝાય નહીં. આ વચનનાં બાણથી રાતે ઊંઘ ના આવે.

કઠોર શબ્દોથી દિલને ઘા !

પ્રશ્નકર્તા : કેટલાંક ઘર એવાં હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી થયા કરે, પણ મન અને હ્રદય સાફ હોય છે.

દાદાશ્રી : હવે વાણીથી ક્લેશ થતો હોય, પણ સામાને હ્રદય ઉપર અસર થાય. બાકી જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી. બાકી એવું છે ને, બોલનાર તો હ્રદયથી અને મનથી ચોખ્ખો હોય, એ બોલી શકે. પણ સાંભળનાર તો, એને પથરો વાગે એવું લાગે એટલે ક્લેશ થાય જ. જ્યાં બોલ કંઈ પણ ખરાબ છે ને, વિચિત્ર બોલ છે ને ત્યાં ક્લેશ થાય.

પ્રશ્નકર્તા : સામાને ઘણી વખત અસર નથી થતી.

દાદાશ્રી : થયેલી ! એ તો દેખાવ કરે એટલું જ. અંદર બધું અસર કરે. મન તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. શબ્દ વખતે ખરાબ નીકળ્યો, પણ સામાને અસર થયા વગર રહે નહીં. શબ્દ હંમેશાં દિલ પર ઘા કરે. કેટલાંક તો એવા બોલ બોલે છે, તે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. એટલે આ તો જાત જાતનાં લોક. બોલ શબ્દ બહુ વસમો છે. શબ્દ જો ના હોય ને, તો કામ જ થઈ જાય. આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજાસહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધ છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં.

બોલ તો એક્સ્પેન્સ (ખર્ચો) કહેવાય. વાણી ખર્ચાઈ ના જવી જોઈએ. બોલ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવાં જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ? આ બોલ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય.

વઢવાડ ટાળવા 'ન બોલવા'ની કળા !

આ સંસારનું તો કશું આઘુંપાછું થાય એવું નથી. સંસારમાં તો 'તમારે' 'ચંદુભાઈ'ને કહેવું, કામ કર્યે જાવ. કોઈને વઢશો નહીં, લઢશો નહીં ને કામ કર્યે જાવ. વઢવા-લઢવાની તો આમાં વાત જ નથી.

પ્રશ્નકર્તા : વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું ?

દાદાશ્રી : વેપારી જોડે તો જાણે કે વેપાર માટે છે, ત્યાં તો બોલવું પડે. ત્યાં ય 'ના બોલવા'ની કળા છે. ત્યાં ના બોલે તો બધું કામ થાય એવું છે. પણ એ કળા નથી જલ્દી આવડે એવી, એ કળા બહુ ઊંચી છે. માટે ત્યાં લઢજો ને, હવે ત્યાં જે ફાયદો (!) થાય એ જોઈ લેવાનો, એ પછી જમે કરી લેવાનો. લઢ્યા પછી જે ફાયદો (!) થાય ને, એ ચોપડે જમા કરી લેવાનો. બાકી ઘરમાં બિલકુલ વઢવું નહીં. ઘરમાં પોતાના માણસ કહેવાય.

પ્રશ્નકર્તા : આ 'ના બોલવા'ની કળાની વાત કરો જરા.

દાદાશ્રી : 'ના બોલવા'ની કળા, એ તો બીજાને નથી આવડે એવી. બહુ અઘરી છે કળા.

એ કળામાં તો શું કરવું પડે ? 'એ તો સામો આવ્યો ને, તે પહેલા એના શુધ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને એને ઠંડું પાડી દેવાનું ને ત્યાર પછી આપણે બોલ્યા વગર રહેવાનું. એટલે આપણું બધું કામ પતી જાય.' હું તમને ટૂંકમાં કહી દઉં છું. બાકી સૂક્ષ્મકળા છે એ. એટલે એ ટાઈમ તમારો આવે ત્યારે મને પૂછજો ને, બધું વિગતવાર દેખાડી દઈશ. એ પગથિયું આવે ત્યારે શીખજો. હમણાં ઘરમાં તો વઢવાડ બંધ કરી દો.

વાણીના રૂપ અનેક !

વાણી તો કેટલા પ્રકારની ! માણસ કોઈકની જોડે લઢતો હોય, તે ઘડીએ એને વાણીનું રૂપ કેવું હોય છે, તે જોઈ લેજો. કોઈની ઉપર દ્વેષ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું છે, તે જોજો. કોઈની ઉપર રાગ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું હોય, તે જોઈ લેજો. રાગ કરે ત્યારે વાણી બદલાય, દ્વેષ કરે ત્યારે વાણી બદલાય, કોર્ટમાં જાય ત્યારે વાણી બદલાય. બધાને ઓળખાણ પડે કે આ વાણી આવી હતી. એટલે જેવો હેતુ તેવી વાણી નીકળે. હેતુ પ્રમાણે વાણી નીકળે. હેતુ શો છે કે જગત કલ્યાણની ભાવના છે ને પોતે શુધ્ધાત્મા થયેલા છે, એટલે વીતરાગી વાણી નીકળે. જે વાણી નીકળી, તે સામાને સીધી અસર કરે.

વાણીથી વાગ્યું, વાણીથી રૂઝવો !

કોઈને સહેજેય તરછોડ ના વાગે ને, એવું આપણું જીવન હોવું જોઈએ. તમે તરછોડને ઓળખો કે ના ઓળખો ? બહુ ઓળખો ? સારી રીતે ? કો'કને વાગી જાય ખરી ?

પ્રશ્નકર્તા : મહીંથી સૂક્ષ્મ રીતે વાગી જાય.

દાદાશ્રી : તે સૂક્ષ્મ વાગે તેનો વાંધો નહીં. સૂક્ષ્મ વાગે, તે તો આપણને નુકસાનકર્તા છે. જો કે સામાને વિરોધ કર્તા તો છે જ. કારણ કે સામો એકતા નહીં અનુભવે.

પ્રશ્નકર્તા : ધારો કે સ્થૂળ તરછોડ વાગી ગઈ હોય તો ય પ્રતિક્રમણ તરત થઈ જ જાય.

દાદાશ્રી : હા, તરછોડ વાગી ગયા પછી પ્રતિક્રમણ કરવાના. અને બીજું, ફરી પાછું એની જોડે સારું બોલી અને ફેરવી નાખવાનું.

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ છે તે જીવનવ્યવહારમાં પળે પળે અનુભવમાં આવે છે.

દાદાશ્રી : હા, દરેકને આ જ થઈ રહ્યું છેને? જગતમાં દુઃખ જ એનાં છે. અવળવાણી એવી તે નીકળે, 'દુકાળ પડો' એમ બોલે !

પ્રશ્નકર્તા : અવળવાણીના તો અત્યારે રાજા હોય છે.

દાદાશ્રી : અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો, તરછોડનું કેટલું બધું નુકસાન છે ! તેથી મજૂરોને ય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે સાપ થઈને ય કૈડે, તરછોડ બદલો લીધા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?

દાદાશ્રી : એના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, 'ભઈ, મારી તો બહુ ભૂલ થઈ. હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.' એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂઝાય.

પ્રશ્નકર્તા : પગે પડીને ય માફી માગી લેવાની.

દાદાશ્રી : ના. પગે પડીએ તો ગુનો થાય. એવું નહીં. બીજી વાણીથી ફેરવો. વાણીથી વાગ્યું હોય ને, તે વાણીથી ફેરવો. પગે પડવાથી તો એ પાછો મનમાં તે ઘડીએ અવળો ફરેલો માણસ અવળું માને. માટે આ વાણીથી જ ફેરવો એને, કે બિચારાને સંતોષ થઈ જાય. એવી મીઠી વાણીથી એને ફેરવો, તે પાછો રાગે આવી જાય. પછી એ સહી કરી આપે તરત. હમણે જ થયું ને હમણે જ તરત સહી કરી આપે. એટલે પછી એની જોડે એકતા ના તૂટે. મને બહુ જાતના લોક મળે. પણ તે હું એમની જોડે એકતા નથી તૂટવા દેતો.

પ્રશ્નકર્તા : એ તો ગજબની વાત.

દાદાશ્રી : આ હું એકતા ના તૂટવા દઉં બિચારાની. એકતા તૂટે તો પછી એની શક્તિ ના રહે. જ્યાં સુધી મારી એકતા છે, ત્યાં સુધી એની શક્તિ છે. એટલે સાચવવું પડે. આપણે જે પ્રયોગશાળામાં બેઠા છીએ, ત્યાં પ્રયોગો બધું જોવું પડે ને !

વાણી, સુસ્વર - દુઃસ્વર !

આ તો મન ફ્રેકચર થઈ ગયું, બુધ્ધિ ફ્રેકચર થઈ ગયેલી, વાણી ફ્રેકચર થઈ ગયેલી, એ બોલે તો પેલા સામાને ખોટું લાગે. કેટલાંક માણસ જમવા બોલાવવા આવે આપણને બધાને, તે પહેલાં એ કઠોર બોલે એવું, તે આપણા મનમાં એમ થાય કે આથી જમવા ના ગયા હોય તો સારું પડત. એ ભાષા જ એવી બોલેને કે એને સારું બોલતા જ આવડતું નથી.

પ્રશ્નકર્તા : એ શું બોલે ? કેવું બોલે ?

દાદાશ્રી : હમણે કો'ક આવે ને કહેશે, 'બધા અક્કલ વગરનાં અહીં બેસી રહ્યા છો ? ઊઠોને, જમવા.' ત્યારે પેલાં કહેશે, 'અલ્યા, જમી રહ્યા અમે. હવે આ તે અહીં જમાડ્યા, તે ઓછું છે આ ?!' એને દુઃસ્વર કહેવાય.

જો અક્કરમીને ભાગ કાગડા જેવા શબ્દ આવ્યા છે. આપણા હિતને માટે બોલતો હોય તો ય આપણે કહીએ, 'ના બોલો તો સારું. એનાં કરતાં અહિત થાય તો સારું. આનાં કરતાં મરી જવાય તો બહેતર છે. પણ આ ના બોલે તો સારું.' જીવવાનું ય ના ગમે, એનાં બોલ એવાં કડવાં લાગે.

કેટલાંક ખીચડી ખવડાવે, તે એવું મીઠું બોલે કે 'ભઈ, જરા જમવા પધારોને !' તે આપણને ખીચડી એવી સુંદર લાગે, ભલેને ખીચડી એકલી હોય, પણ એ સુસ્વર. એટલે સ્વર ને બધું ના જોઈએ ? બધું જોઈએ ને !

કરે સામાને દુઃખદાયી ને પોતાને રોગીષ્ટ !

આ શબ્દો જે નીકળે છે ને, એ શબ્દોમાં બે જાત, આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વૉલિટી. સારા શબ્દો શરીરને નીરોગી બનાવે અને ખરાબ શબ્દો શરીરને રોગીષ્ટ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો જોઈએ. 'એ ય નાલાયક.' હવે 'એ ય' શબ્દ નુકસાનકારક નથી. પણ 'નાલાયક' શબ્દ બહુ નુકસાનકારક છે.

'તારામાં અક્કલ નથી' એમ કહ્યું વાઈફને, એ શબ્દ સામાને દુઃખદાયી છે અને પોતાને રોગ ઊભો કરનાર છે. ત્યારે પેલી કહે, 'તમારામાં ક્યાં બરકત છે !' તો બેઉને રોગ ઊભાં થાય. આ તો પેલી બરકત ખોળે છે અને પેલો આમની અક્કલ ખોળે છે. આની આ દશા બધી ! ફોરેનમાં 'બરકત, બરકત' ના કરે. અને 'યુ યુ' કરીને વઢમ્વઢા કરે, ભસે સામાસામી. એવાં ભસે, એવાં ભસે, તે દાંત તોડી નાખે. પછી છૂટા પડતા વારે ય નહીં. ત્યાં ટ્રીક ના હોય અને આ તો ટ્રીકવાળા. આ તો પાછા ધણી સમજી જાય કે જો આ વેશ થઈ જશે તો પેલી પિયર જતી રહેશે, તો ખાધા વગર રહેશું. માટે કળા કરે પાછો. માટે સ્ત્રીઓ જોડે કશું ના થાય. અને સ્ત્રીઓએ પુરુષો જોડે વઢવાડ ના કરવી જોઈએ, કારણ કે બંધનવાળા છે. માટે નિવેડો લાવવો જોઈએ.

આમ પાડ્યો અક્કલનો અંતરાય !

તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા આસીસ્ટન્ટને 'અક્કલ વગરનો' કહો એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ એળે ખોઈ નાખ્યો છે ! તમને 'રાઈટ' જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો, તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે. તમે આના તરત જ પ્રતિક્રમણ કરો તો અંતરાય પડતા પહેલાં ધોવાઈ જાય.

ગાંડી વાણીને વાળો સમ્યક્પણે !

ડખો-ડખલ એ જ અંતરાય છે. તમે પરમાત્મા છો, ને પરમાત્માને શાના અંતરાય હોય ? પણ આ તો ડખો-ડખલ કરે છે, કે 'એય આમ કેમ કર્યું ? એય આમ કર.' અરે, આમ શું કરવા કરો છો તે ?

પ્રશ્નકર્તા : એટલે મૌન થઈ જાય તો સારું ?

દાદાશ્રી : મૌન જ થવાનું છે. વાણી તો બોલશો જ નહીં. આ કાળની વાણી તો ગાંડી જ છે. બોલે કે તરત ગાંડપણ બહાર પડી જાય.

પ્રશ્નકર્તા : તો બોલવું જોઈએ ને ? બહાર પડી જાય તે સારું ને ?

દાદાશ્રી : નહીં. એ ખોટું કહેવાય. આમાં બોલવા જેવું રહેતું જ નથી. 'આ જ્ઞાન' જ એવું પ્રકાશમય છે કે બોલવાની જરૂર જ ના રહે.

પ્રશ્નકર્તા : પણ વાતાવરણ જ એવું હોય તે કોઈ વખત બોલાઈ જાય.

દાદાશ્રી : બોલાઈ જવાય, તો આપણે કહેવું કે 'આ ચંદુભાઈનું મગજ જરા એવું વસમું જ છે.' આપણે ચંદુભાઈનું અવળું બોલ બોલ કરવું. ચંદુભાઈની જોડે વહાલ રહ્યું નથી ને તમને કે બહુ વહાલા લાગે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી હકીકત કહી દેવી. 'ચંદુભાઈ' 'તમારા'થી જુદા છે, એવી રીતે વાત કરવી તમારે.

પ્રશ્નકર્તા : 'ચંદુભાઈ'નું હથિયાર ઉપાડવું જ નથી, એવી વાત છે.

દાદાશ્રી : બસ, એ ખરેખરું. હથિયાર ઉપાડવાનું નહીં. અનંત અવતારથી હથિયાર ઉપાડીને પારકાંનું રક્ષણ કર્યું.

વધારે પડતું બોલ્યા એટલું ગાંડપણ લાગે ને ? વખતે એવું ગાંડપણ નીકળી જાય, એટલે તમારે કહેવા લાગવું કે 'આ ચંદુભાઈ બોલ્યા છે ને, તેને હું ઓળખું છું. જરા વસમું ખાતું છે' એવું કહેવું. અમારા ભત્રીજાને હું કહેતો હતો કે, 'કાકા પહેલેથી જ એવા હતા. આજના નહીં.' ત્યારે એ કહે છે, 'તમે એવું કેમ બોલો છો ?' 'તમે' ને 'કાકા' બે જુદા છો, એ એમને સમજ ન પડે ને !

હવે તમને તો ખબર પડી જાયને કે અવળું બોલ્યા ? તમે તો જાગૃત વધારે છો.

પ્રશ્નકર્તા : હા, ખબર પડી જાય.

દાદાશ્રી : અને તમે એવું બે-ચાર વખત બોલશો ને, એટલે સામેવાળો પણ પોતાની જાતને 'વાંકા છે' એવું પોતે કહેશે. પણ તમે એને એમ કહો કે 'તમે ખોટા છો', તો એ તમને પકડી લે. માટે બીજાને ખોટા કહેવાનું છોડી જ દો અને કોઈનેય ખોટા કહેવાનું હોય જ નહીં. આ તો આપણી મૂર્ખાઈ છે. કોઈને ખોટો કહેવો, બ્લેઈમ કરવો, એવું બોલવું એ આપણી ફૂલીશનેસ છે.

ડખા, વાણીનાં...

આપણે શબ્દોથી ડખોડખલ ના કરવી. આપણે સંસ્કાર દેખાડીને ડખોડખલ કરવી અને શબ્દો તો એવા બોલવા કે સામાને વાગે નહીં, તો શબ્દો બોલવાનો અધિકાર છે. મારા શબ્દો સામાને વાગતા નથી, એટલે હું બોલું છું.

પ્રશ્નકર્તા : બે જણા વાત કરતાં હોય ને આપણે વચમાં બોલીએ, એ કંઈ આપણે ડખો કર્યો કહેવાય કે આપણું ડિસ્ચાર્જ છે એ ?

દાદાશ્રી : ડખો કરવાથી ડખો થઈ જાય.

પ્રશ્નકર્તા : ડખો કરવાથી એટલે કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ કહે કે, 'તમે શું કરવા બોલ્યા ?' ત્યારે આપણે કહીએ, 'હવે નહીં બોલું.' તો એ ડખો નહીં. એને બદલે તમે તે ઘડીએ શું કહો કે 'હું નહીં બોલું તો નહીં ચાલે આ ગાડું, બગડશે બધું.' એ ડખો. વચ્ચે બોલાઈ જવાય એ ડખો કહેવાય, પણ તે ડખો ય ડિસ્ચાર્જ છે. હવે તે ડિસ્ચાર્જ ડખામાં ય નવો ડખો થઈ ગયો હોય. ડખો ડિસ્ચાર્જ કોને કહેવાય ? પેલો કહે કે, 'ના બોલશો. મારે તમારી વાત નથી સાંભળવી.' ત્યારે આપણે કહીએ, 'બંધ, ચાલો. નહીં બોલીએ.' એ ડખો બધો ડિસ્ચાર્જ. એ ડખો કહેવાય નહીં. ડખો તો કોને કહેવાય કે પેલો બોલવાનું ના કહે તો ય તમે પેલાને કહો, 'તમે માનતા નથી. મારી વાત તો સાંભળો.' એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : બને જ, દાદા. બને જ. જ્યાં આગ્રહ હોય ત્યાં બને જ.

દાદાશ્રી : એ આગ્રહ એ જ ડખો છે. ફરીવાર એમ કહેવાય કે અમે તને વિનંતી કરીએ છીએ કે આમ કરો તો સારું. એ ડખા સ્વરૂપ નહીં. બાકી જ્ઞાન લીધા પછી ય ડખો કરે. એની આદત જાય નહીં ને !

વાંક, જીભનો કે પોતાનો ?!

પ્રશ્નકર્તા : આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં તેમ બોલી જાય.

દાદાશ્રી : એવું છે ને, આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા બત્રીસ દાંત છે ને, એમની જોડે રહે છે, રાત-દહાડો કામ કરે છે પણ લઢતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઈઝર વાંકા છીએ. ભૂલ આપણી છે.

એટલે જીભ તો બહુ સારી છે, આ બત્રીસ દાંત વચ્ચે રહે છે તો કોઈ દહાડો ય એ કચરાય છે ? એ કચરાય ક્યારે કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય ત્યારે જરા કચરાય. અને આપણે જો વાંકા હોઈએ તો જ ચિત્ત બીજામાં જાય. નહીં તો ચિત્ત બીજામાં ના જાય ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઈઝરે આમ આડું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય.

પ્રશ્નકર્તા : મારી જીભ ઉપર કાબુ થાય, એવું કરો ને ! કારણ કે હું વધારે બોલું છું.

દાદાશ્રી : તે હું ય બોલ બોલ જ કરું છું આખો દહાડો. તમારા બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને, કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું, ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં.

સમભાવ કેવી રીતે રાખવો ?

પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ?

દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે ? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડમાં કોઈ જન્મ્યો જ નથી કે જે તમારામાં કશું ડખલ કરી શક્યો હોય. કોઈનામાં કોઈ ડખલ કરી શકે એમ છે જ નહીં. તો આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે, એ તમારે માટે નિમિત્ત છે. પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને એ નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે.

એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકાં ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું કશું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે. આપણું વિજ્ઞાન ચોખ્ખુંચટ છે. કોઈ ઉપરી છે નહીં. કોઈની આપણામાં ડખલ નથી, એવું આ જગત છે. આ ડખલ દેખાય છે, એ ભ્રાંતિ છે. બાકી આપણો કોઈ ઉપરી છે જ નહીં. ત્યારે ઉપરી કોણ ? પોતાની બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ. પોતાના સ્વરૂપનું ભાન નહીં, તે બ્લન્ડર્સ કહેવાય. એટલે હવે મિસ્ટેક્સ રહી ફક્ત. હવે ભૂલનાં પરિણામ ભોગવવાનાં રહ્યાં.

અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો, ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં.

પ્રશ્નકર્તા : નવી રકમ ધીરવી કોને કહો છો?

દાદાશ્રી : કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે 'આ મને કેમ અવળું બોલે છે ?' એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગૂંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુધ્ધિ શી રીતે પહોંચે ? જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ.

ન વાગે વેણ, વિના વાંક !

પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?

દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો એવો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે.

હવે એ આપણી ભૂલ છે, માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ, એને સદ્બુધ્ધિ આપજો. એટલે જ કહેવું, કારણ કે એ નિમિત્ત છે.

ચોપડાના હિસાબો, ધીરેલું જમા કરો !

પ્રશ્નકર્તા : એક વખત જમે કરીએ, બે વખત જમે કરીએ, સો વખત જમે કરીએ, એવું બધી વખત જમા જ કર્યા કરવાનું ?

દાદાશ્રી : હા, ફરી ઉધાર કરશો તો ફરી એ ચોપડા ચાલુ રહેશે. એના કરતાં લાખ વખત તું જમે કરાવને, આપણે જમે કરવાના. અને એનો અંત આવશે, જો જો ને ! મારા કહ્યા પ્રમાણે ચાલો ને !

પ્રશ્નકર્તા : આટલા વર્ષ ગયા છતાં હજુ અંત નથી આવ્યો.

દાદાશ્રી : બીજો વિચાર કર્યા કરતાં મારા કહ્યા પ્રમાણે કરજો ને, અંત આવી જશે. અને મેં જમે કરેલા છે, એવા બધા બહુ. અમે અઠ્ઠાવીસ વર્ષથી નવી ધીરતા નથી. તે ચોપડા બધા કેટલા ચોખ્ખા થઈ ગયા ! ધીરવાનું જ બંધ કરી દીધું ને જમે જ કર કર કરેલું. 'અમે' 'પટેલ'ને કહી દીધેલું કે 'ભઈ, જમે કરી દેજો. જે આપવા આવે, તેનું જમે કરી દેજો.'

માર્ગ સહેલો છે ને ? એટલે આવું વિજ્ઞાન છે આપણું. અને ચોપડાના હિસાબ તો પૂરા થવાં જ જોઈએ ને ? તમને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : થવાં જ જોઈએ.

દાદાશ્રી : હા. અને આપણા પાડોશીને કહીએ કે 'તમે સવારના પહોરમાં મને પાંચ ગાળો ભાંડજો.' ત્યારે એ શું કહેશે કે 'હું કંઈ નવરો છું ?' એટલે હિસાબ નથી, એ કોઈ ગાળ ભાંડે જ નહીં ને ! અને હિસાબ છે, એ કોઈ છોડનાર નથી.

પ્રશ્નકર્તા : એટલે કોઈ આપણને ગાળ આપે તો આપણે ખુશ થવું જોઈએ ને, કે આપણો હિસાબ ચૂકતે થાય છે ?

દાદાશ્રી : હા. અને ખુશ થઈને જમે કરી દઈએ કે ચાલો, પાછલો આટલો હિસાબ આવ્યો. ધીરેલી રકમ જતી રહે, તેના કરતાં પાછી આવી એટલી સારી ને ! એટલે ચોપડે જમે કરી દેવું. જેટલું ધીર્યું હોય એટલું જ પાછું આવશે. ધીરેલું ના હોય તે નહીં આવે.

રાગ-દ્વેષના હિસાબોવાળા જ સગા !

કોઈ કહેશે, 'આમની જોડે મારે અત્યારે કંઈ લેવા-દેવા જ નથી. તો ય એ કેમ ગાળો દઈ ગયો ?' તે અત્યારના ચોપડાની લેવા-દેવા ના હોય તો પાછલા ચોપડાનો હિસાબ હશે ને એને ત્યાં જમે કરાવ્યા વગર એમ ને એમ તમારે ત્યાં કોઈ જમે કરાવે નહીં.

અનાદિકાળથી ચોપડાનો વહીવટ ચાલુ છે. પાછલા ચોપડાના આ ચાલુ હિસાબ હોય છે. જુઓને, આ સાસુને અને વહુને ઓળખાણે ય નથી હોતી ને બેઉ ભેગા થયા પછી ચાલે છે ને ?! પહેલાં તો ઓળખાણે ય નહોતી. સાસુએ વહુનું મોઢું ના જોયેલું હોય, વહુએ સાસુનું મોઢું ના જોયેલું હોય. તે પાછા વહુ પહેલે દહાડે આવે છે ને, ત્યારે શું કહેશે ? 'આટલી જણસ આપો તો જ મોઢું દેખાડીએ.' એટલે જણસ આપે ત્યારે મોઢું દેખાડે. પછી ઓળખાણ પડે કે આ તો આપણી ધીરધારવાળું સત્તાણું નંબરનું ખાતું છે. પછી લેવા-દેવાનું ચાલુ કરે. એટલે પહેલે જ દહાડે જણસ તોલે. અને આ લોક રાજીખુશી થઈને આપે બધું. એટલે આ વગર ઓળખાણે જુઓને, બધું ખાતું ચાલુ જ છે ને !

એટલે વાતને ટૂંકમાં સમજી લેવાની છે, કે નહીં લેવા, નહીં દેવા, છતાં આ તો બધો આપણો હિસાબ જ છે. આ 'જ્ઞાન' જે આપ્યું છે ને, એમાં રહેવાનું અને આ બધા હિસાબ છે, એને ધીમે ધીમે ચૂકતે કરવાના છે.

જ્યાં જ્યાં વીતરાગ, તેટલા થયા ભગવાન !

અહીં શું કહે છે કે

''હસતે મુખે ઝેર પીવે, નીલકંઠી ખાનદાન.

નિઃસ્પૃહ અયાચકને ખપે નહીં માનતાન.''

હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે 'હસતે મુખે ઝેર પીવો.' કો'ક દહાડો છોકરાની જોડે કંઈ મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય તો પછી જે 'પ્યાલો' આપી જાય, તે પીવો તો પડે ને ! રડી રડીને ય પણ પીવો તો પડે જ ને ? એ 'પ્યાલો' કંઈ ઓછો એના માથામાં મરાય છે ? પીવો તો પડે જ ને ?

પ્રશ્નકર્તા : હા, પીવો પડે.

દાદાશ્રી : જગત રડી રડીને પીવે છે. આપણે હસીને પીવું ! બસ, એટલું જ કહે છે. જગત શું કરીને પીવે છે ? રડી રડીને, કે 'આણે આમ કર્યું ને આણે આમ પાયું. ને આણે તેમ પાયું.' પોતાની પાસે એક તો આનંદ છે જ, પણ હસ્યા એટલે તેનો સાયકોલોજી આનંદ પણ થાય. સાયકોલોજી શું કહે છે કે 'તમે હસો તો તમને આનંદ થાય.' ને પેલો સ્વાભાવિક આનંદ તો આપણી પાસે છે જ. મૂળ સ્વાભાવિક આનંદ અને આ સાયકોલોજિકલ આનંદ, બે ભેગું થયું પછી ચા કેવી સરસ બને ? સરસ ના બને ?

પ્રશ્નકર્તા : સરસ બને.

દાદાશ્રી : અને પેલું તો ચા ય બગડી જાય ને બધુંય બગડી જાય. એટલે આ શું કહે છે કે હસીને ભોગવો.

તમને અત્યારે રસ્તામાં જતાં કોઈ કહે કે 'તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો' એવી તેવી ગાળો ભાંડી દે ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા. અને તમે જગતથી જીતી ગયા એટલે પછી આખા ય, પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈની ય જોડે મતભેદ પડે નહીં.

અથડામણ માત્ર, અજ્ઞાનતાથી !

જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે, એ તમારી નિર્બળતાની નિશાની છે. લોક ખોટા નથી. મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણી જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે 'ભઈ, મને આ સમજણ પડતી નથી.' બાકી લોક ભૂલ કરતાં જ નથી, લોકો મતભેદ પાડે એવાં છે જ નહીં. જ્યાં અથડામણ થઈ, ત્યાં આપણી જ ભૂલ છે. ભીંત અથડાઈ તો ભીંતની ભૂલ કે આપણી ભૂલ ? ભીંત જોડે આપણે ન્યાય માગીએ કે 'ખસી જા, ખસી જા' તો ?

પ્રશ્નકર્તા : ના ખસે.

દાદાશ્રી : અને આપણે કહીએ કે 'હું અહીં રહીને જ જવાનો છું' તો ?

પ્રશ્નકર્તા : તો ય ના ખસે.

દાદાશ્રી : કોનું માથું ફૂટી જાય ?

પ્રશ્નકર્તા : આપણું.

દાદાશ્રી : ભીંતનું ના તૂટે ને ? એટલે ભીંત જેવું જગત છે. અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. કોઈની ય જોડે અથડામણ થઈ, એ આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું-ખોટું ભગવાન જોતાં જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે 'એ ગમે તે બોલ્યા, પણ કંઈ અથડાયું તો નથી ને ?' ત્યારે કહે, 'ના.' 'બસ, અમારે એટલું જ જોઈએ.'

એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો દ્વંદ્વ જ હોતો નથી ને ! 'ચોરીઓ કરી કે દાન આપ્યું' એવું કશું ભગવાનને ત્યાં હોતું જ નથી. એમને ત્યાં તો ચોર જાય તો ય 'જય સચ્ચિદાનંદ' ને દાનેશ્વરી જાય તો ય 'જય સચ્ચિદાનંદ'. ચોરને ચોરી કરવાનો રોગ છે અને દાનેશ્વરીને દાન આપવાનો રોગ છે, બન્ને રોગીષ્ટ છે. ચોરને ચોરી કરવા પાછળ ઇરાદો શો છે ? 'પૈસા લાવીને સુખી થઈ જઉં.' અને દાનેશ્વરીને દાન આપવા પાછળ શો ઈરાદો છે કે 'પૈસા આપીને કીર્તિ ફેલાય, એમાં હું સુખી થઉં.' એટલે બન્ને સરખા છે. ભગવાન બેઉને રોગીષ્ટ કહે છે, નીરોગી નથી કહેતા. નીરોગી એટલે, કોઈ પણ જાતનું જેને આવું દ્વંદ્વ કશું રહ્યું નથી, તે નીરોગી છે, એ વીતરાગ છે.

તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું ?

પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે.

દાદાશ્રી : હા. અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે 'એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !' એટલે થઈ ગયો ઉકેલ, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે 'સામાની ભૂલ છે' એવું ખોળવા જઈશું તો કોઈ દહાડોય આ પઝલ સોલ્વ નહીં થાય. 'આપણી ભૂલ છે' એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે. અને ઉપાયો કરવા એ આપણો અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે 'હું તો પહેલેથી જ વાંકો છું.'

ઉપકારી છે કહેતાં, છૂટે અભાવ-દ્વેષ !

પ્રશ્નકર્તા : 'આપ્તવાણી'માં એમ લખ્યું છે કે 'દાદા ચોર છે' એવું કોઈ કહે તો મહાન ઉપકાર માનવો.

દાદાશ્રી : એનો શા બદલ ઉપકાર માનવો ? કારણ કે કોઈ કહે નહીં આવું. આ પડઘો છે કશાકનો. તે આ મારો પોતાનો જ પડઘો છે. માટે ઉપકાર માનું.

આ જગત પડઘા સ્વરૂપે છે. કંઈ પણ આવે તો એ તમારું જ પરિણામ છે, એની હંડ્રેડ પરસેન્ટ ગેરેન્ટી લખી આપું છું. એટલે અમે ઉપકાર જ માનીએ. તો તમારે ય ઉપકાર માનવો જોઈએ ને ?! અને તો જ તમારું મન બહુ સારું રહેશે. હા, ઉપકાર નહીં માનો તો એમાં આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે ? તમે નાદારી કરાવી. એટલે તમારે કહેવું કે, 'ભઈ, તારો ઉપકાર છે.' તે આપણી નાદારી ના નીકળે એટલા સારું. એ તો નાદાર થઈને ઊભો જ રહેશે. એને શું ? એને દુનિયાની પડેલી નથી. એ તો બોલે. હા, બેજવાબદાર વાક્ય કોણ બોલે ? જેને પોતાની જવાબદારીનું ભાન નથી, તે બોલે. તો એના ભેગું આપણે ભસવા જઈએ, તો આપણે ય કૂતરા કહેવાઈએ. એટલે આપણે કહીએ કે, 'તારો ઉપકાર છે.'

પ્રશ્નકર્તા : તો આપણા દ્વેષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ ને શમાવીએ, એટલા માટે આપણે એનો ઉપકાર માનવો ?

દાદાશ્રી : જ્યાં જ્યાં દ્વેષ આવતો હોય ત્યાં અંદરખાનેથી ઉપકાર માનજો, તો એ દ્વેષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપરે ય અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો, તો એ અભાવ બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખૂંચતો હોય તો તે 'બહુ સારો માણસ છે, આ તો ઘણાં ઉપકારી છે' એવું રહે, તો ખૂંચતું બંધ થઈ જશે. આપણે ઉપકાર માનવાનો. ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં.

એટલે આ શબ્દ અમે જે આપીએ છીએ ને, એક-એક શબ્દ, એ દવાઓ છે બધી, દરઅસલ મેડીસીન છે. નહીં તો ય આ લોકો તોલીને બોલે છે કે તોલ્યા વગર બોલે છે ?

પ્રશ્નકર્તા : તોલ્યા વગર.

દાદાશ્રી : એટલે આપણે એવો હિસાબ લેવો કે 'સારું ને, ચોર એકલા કહે છે. લુચ્ચા છે, બદમાશ છે, નાલાયક છે એવું બધું નથી કહેતા, એટલા સારાં છે ને !' નહીં તો એનું મોઢું છે, એટલે ફાવે એટલું બોલે. એને કંઈ ના કહેવાય આપણાથી ?

આપ્યું તેટલું આવે, તેવો વ્યવહાર !

પ્રશ્નકર્તા : આ કાળમાં વાણીની જ ભાંજગડ છે ને ?

દાદાશ્રી : સામો શું બોલ્યો, કઠણ બોલ્યો, તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા, તેના ય 'આપણે' જ્ઞાતા-દ્રષ્ટા અને એમાં જો સામાને શૂળ લાગે એવું બોલાયું હોય, એ તો વ્યવહાર છે. વાણી કઠણ નીકળી, એ એના વ્યવહારને આધીન નીકળી. પણ જો તમારે મોક્ષે જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. કઠણ વાણી નીકળી અને સામાને દુઃખ થયું, એ ય વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી ? કારણ કે આજે આમનો અને આપણો વ્યવહાર છતો (ઉઘાડો) થયો. ભગવાન પણ આ વ્યવહાર એક્સેપ્ટ (કબૂલ) કરે.

કોઈ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે. જે' જે' કરતો હોય તો તે અથવા ગાળ ભાંડતો હોય તો તે એ તમારો બધો જ, તમારી જોડેનો વ્યવહાર ઓપન(ખુલ્લો) કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો. અને વ્યવહાર એક્સેપ્ટ કરવો. ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઈશ.

પ્રશ્નકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ?

દાદાશ્રી : જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. પણ આ તો આગલો પાછલો હિસાબ છે, તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઈ પણ જાતની અસર થઈ, તે હિસાબ વગર ના થાય. અસરો એ બીજનું ફળ છે. ઈફેક્ટ(અસરો)નો હિસાબ તે વ્યવહાર.

વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું. જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?

ન્યાય શું કહે છે ? નવને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઈ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, એ આવું આવું બોલ્યા, તે તમારે આવું બોલવું જોઈએ. તમે એક વખત બોલો એટલે પેલો બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બન્ને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો. વ્યવહાર ભગાઈ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે. એમાં જો તમારે મોક્ષે જવું હોય તો તુર્ત જ પ્રતિક્રમણ કરો.

તમારે ના બોલવું હોય તો ય બોલાઈ જવાય છે ને ? એ સામાનો વ્યવહાર એવો છે, તે આધારે જ નીકળે છે. કોઈ કોઈ જગ્યા તપાસી જોજો. કોઈ માણસ તમારું નુકસાન કરતો હોય તો ય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઈકે તો તમારું જરાય નુકસાન ના કર્યું હોય તો ય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? ત્યારે કહે, એવું સામાના વ્યવહારને આધીન થાય છે.

જેવા વ્યવહારે વીંટાયું છે, તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે તમે મને કેમ નથી વઢતા. તો હું કહું કે, તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા. અમારે જ્ઞાની પુરુષને કઠણ વાણી જ ના હોય અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઈએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઈ પણ પ્રકારની કામના નથી, કોઈ ઇચ્છા નથી, કોઈ પણ પ્રકારનો રાગ-દ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય, છતાં કોઈ મહાપુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે ક્યાંથી હોય ? એક કલાકમાં જે મોક્ષ આપે છે, એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય ? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે ! કવિ શું કહે છે કે, 'મૂઆ જેને કહે, એ તો અજર-અમર તપે ગાળ્યું જેણે ખાધી, એના પૂરવનાં પાપોને બાળે.'

કોઈ કહેશે, 'આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દો કહે છે ?' એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યો હોય, તે અમારી પાસે કઠણ વાણી દેખે.

હવે આપણાથી વાણી અવળી નીકળે, તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું, તેનું શું ?

દાદાશ્રી : એ વ્યવહારાધીન છે.

પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને?

દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તો ય ના બંધાય. કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપ જ્ઞાન ના હોય, તેણે વ્યવહાર, વ્યવહાર સ્વરૂપ જ રાખવો હોય તો, સામો અવળું બોલ્યો, તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો, એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.

દુઃખકારી વાણીના પ્રતિક્રમણો !

પ્રશ્નકર્તા : આપે જે પાંચ આજ્ઞાઓ કહી તો એના આધારે જીવવાનું, એવું નહિ ?

દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળવાની. તેથી આત્માને રક્ષણ થાય, આ જ્ઞાનને રક્ષણ થાય. એમાં અઘરી નથી ને ?

પ્રશ્નકર્તા : ના, અઘરી તો છે જ. તમે જે સમભાવ રાખવાનો કહ્યો, તે કોઈની ઉપર ગુસ્સે ના થવું, બોલવાનું નહીં.

દાદાશ્રી : ના, એ તો તમારે મનમાં નક્કી કરવાનું કે 'મારે સમભાવે નિકાલ કરવો' એટલું જ. બીજું તમારે કંઈ જોવાનું નહીં. થયું કે ના થયું એ જોવાનું નહીં.

પ્રશ્નકર્તા : જે રીતે થાય, એમ.

દાદાશ્રી : એ ભાંજગડમાં તમારે પડવાનું નહીં.

પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ થઈ ગયું કહેવાયને ?

દાદાશ્રી : હા, એ દુઃખ તો આપણી ઈચ્છા વિરુધ્ધ થયું છે ને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે, તે ચૂકવાઈ ગયો.

પ્રશ્નકર્તા : આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગે ને ?

દાદાશ્રી : હા, એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગેને ! હિસાબ ચૂકવવો પડે, તે તો ચૂકવવો જ પડેને ! એમાં છૂટકો જ ના થાય.

પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે.

દાદાશ્રી : હા, એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું, બસ, બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને એવું ફરી નહીં કરવું એવું નક્કી કરવું જોઈએ. પછી નવરાં પડીએ એટલે એનાં પ્રતિક્રમણ કર કર કર્યા જ કરવાનાં. એટલે બધું નરમ થઈ જાય. જે જે કઠણ ફાઈલ છે એટલી જ નરમ કરવાની છે, તે બે-ચાર ફાઈલ કઠણ હોય, વધારે ના હોયને !

સોનાનો હેતુ, પણ સામાને દુઃખ તો... !

તારાથી લોકો દુભાય છે કે ?

પ્રશ્નકર્તા : દુભાય છે.

દાદાશ્રી : પછી તરત ખબર પડી જાય કે ?

પ્રશ્નકર્તા : તરત ખબર પડે.

દાદાશ્રી : એમ કે ? ત્યારે શું કરું તું પછી ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરું છું.

દાદાશ્રી : વઢ્યા પછી પ્રતિક્રમણ કરી લઈએ, તો શું વાંધો ? હેતુ સારો છે ને ! બસ એટલું જ તો જોઈએ.

પ્રશ્નકર્તા : હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે, પેલાને દુઃખ થયું ને ! અને વ્યવહારમાં લોકો કહેશેને, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે. પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય, તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય, પણ શું કામનો ? એ ચાલે નહીં હેતુ. હેતુ સાવ સોનાનો હોય તો ય અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધાય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગત કલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તોય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડાં ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને ? એવાં આ કપડા ઉપરના ડાઘ છે.

આ 'અમારી' ટેપરેકર્ડ વાગે, તેમાં કંઈ ભૂલચૂક થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો, નહિ તો ના ચાલે. ટેપરેકર્ડની પેઠે નીકળે છે એટલે અમારી વાણી માલિકી વગરની છે, તો ય પણ અમને જવાબદારી આવે. લોકો તો કહે ને કે, 'પણ સાહેબ, ટેપ તો તમારી જ ને ?' એવું કહે કે ના કહે ? કંઈ બીજાની ટેપ હતી ? એટલે એ શબ્દો અમારે ધોવા પડે. ના બોલાય અવળા શબ્દો.

પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એટલે આ તમારી જોડે મારાથી કડક બોલાઈ જવાયું હોય, તમને બહુ દુઃખ ના થયું હોય છતાં મારે જાણી લેવું જોઈએ કે આ મારાથી કડક બોલાય જ નહીં. એટલે આ જ્ઞાનના આધારે આપણી ભૂલ માલમ પડે. એટલે મારે તમારા નામનું પ્રતિક્રમણ કરવું પડે.

સામાને ફીટ થાય તે જ વાણી સાચી !

પ્રશ્નકર્તા : એટલે વાણી બોલતી વખતે, આપણને આપણા વ્યુપોઈન્ટથી કરેક્ટ લાગતું હોય, સામાને એનાં વ્યુપોઈન્ટથી કરેક્ટ લાગતું ના હોય તો ?

દાદાશ્રી : એ બધી વાણી સાવ ખોટી છે. પણ સામાને ફીટ થઈ, એનું નામ કરેક્ટ વાણી ! સામાને ફીટ થાય એવી આપણે વાણી બોલવી જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે સામાને કંઈક કહીએ, આપણા મનમાં અંદર કશું હોય નહીં તે છતાં આપણે એને કહીએ, તો એને એમ લાગે કે 'આ બરાબર નથી કહેતાં, ખોટું છે.' તો એને અતિક્રમણ કહેવાય ?

દાદાશ્રી : પણ એને દુઃખ થતું હોય તો આપણે પ્રતિક્રમણ કરી લેવું. આપણને શું એમાં મહેનત જવાની છે ? કોઈકને દુઃખ આપીને આપણે સુખી થઈએ નહીં.

શરૂઆતમાં અમારાથી કોઈને દુઃખ થાય એવું બોલાઈ જાય, તો એને વાળી લેવા અમે કહીએ કે, 'ભઈ, પહેલેથી જ અમારું મગજ જરા આવું છે.' એટલે સામો ખુશ થઈ જાય.

ટોકાય, પણ દુઃખ ના થાય તેમ !

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય, તેને ટકોર કરવી પડે છે. તો તે કરાય કે નહીં ?

દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે પણ એમાં અહંકાર સહિત થાય છે. માટે એનું પ્રતિક્રમણ કરવું.

પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે?

દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો 'ટેસ્ટેડ' (પરીક્ષણ થયેલી) વાણી જોઈએ. 'અન્ટેસ્ટેડ' વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તો ય સીધું થઈ જશે.

પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવું પડે, અટકાવવા પડે. તો તે વખતે એને દુઃખ પહોંચે તો ?

દાદાશ્રી : હા. કહેવાનો અધિકાર છે. પણ કહેતાં આવડવું જોઈએ. આ તો ભાઈ આવે, તેને જોતાં જ કહે કે 'તું આવો છું ને તું તેવો છું.' તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, 'હે ચંદુભાઈ પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું.' એટલું જ પ્રતિક્રમણ કરવું પડે.

સામાની ભૂલ બતાડીએ, વિનયપૂર્વક !

પ્રશ્નકર્તા : એટલે બીજાને માઠું લાગે, એ આપણે જોવાનું નહીં. આપણે કહી દેવાનું ?

દાદાશ્રી : એવું ના કહેવું જોઈએ. દુઃખ થાય એવી વાત શા માટે કહેવી જોઈએ ?

પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ?

દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, 'આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.' આપણે એવું કહેવાય. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય, એને વિનયથી કહેવા જોઈએ.

પ્રશ્નકર્તા : ખરાબ શબ્દ બોલતાં વિનય જળવાઈ શકે ?

દાદાશ્રી : એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે 'ડ્રામેટિક' (નાટકીય) છે ને ! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, 'હું ભર્તૃહરી રાજા છું, આ રાણીનો ધણી થઉં, પછી ભિક્ષા દેને મૈયા પીંગળા.' કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે 'અલ્યા, તું તો લક્ષ્મીચંદ છેને ? તું સાચું રડે છે ?' ત્યારે કહેશે, 'હું શું કરવા સાચું રડું ? આ તો મારે અભિનય કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.' એવી રીતે અભિનય કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે.

પ્રશ્નકર્તા : એટલે સામેવાળી વ્યક્તિને દુઃખ થાય તો ય આપણને કાંઈ કર્મ ન બંધાય ?

દાદાશ્રી : દુઃખ થાય એવું આપણા નિમિત્તે ન કરવું. તેમ છતાં થયાં કરે તો એ એનું પોતાનું. આપણે આપણા નિમિત્તે ન થાય એવી રીતે સાચવણી રાખવી જોઈએ.

પ્રશ્નકર્તા : છતાં આવેશમાં કંઈ બોલાઈ જવાય તો ?

દાદાશ્રી : બોલાઈ જવાય તો પછી પ્રતિક્રમણ કરવું.

ઈચ્છા વગર એ થઈ જાય, તો છૂટયા !

પ્રશ્નકર્તા : આપણી ઇચ્છા ના હોય છતાં કલેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું?

દાદાશ્રી : જે કાર્ય પૂરું થવાનું થાય ત્યારે ઇચ્છા ના હોય તો ય કાર્ય થયા કરે. ત્યારે થયા પછી પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરવું.

પ્રશ્નકર્તા : આપણે મનથી એમ ઈચ્છીએ કે આની જોડે નથી બોલવું, નથી કંઈ કજિયો કરવો, નથી ઝઘડવું અને છતાં ય કાંઈક એવું થાય છે કે, પાછું એ ઝઘડાઈ જ જવાય છે, બોલાઈ જ જવાય છે, ક્લેશ થઈ જાય છે. બધું જ થઈ જાય છે. ત્યારે શું કરું કે આ બધું અટકે ?

દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેપ્સ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાંય ખોટું થાય. તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય, બસ. ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તે ય જ્યારે એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે મહીં ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ કાર્ય થાય. નહીં તો એ કાર્ય હજુ અધૂરું હોય, આપણને ઊંધું કરવાનો ભાવેય થાય અને ઊંધું કાર્ય થાયેય ખરું, બેઉ થાય. આ બધું કરવાનો ભાવ ન થાય અને ઊંધું થઈ જાય, તો આપણે જાણવું કે હવે આનો નક્કી છેડો-અંત આવવાનો થઈ ગયો. એના ઉપરથી અંત ખબર પડે. એટલે 'કમીંગ ઈવેન્ટસ કાસ્ટસ ધેર શેડોઝ બીફોર' (બનવાનું હોય તેના પડઘા પડે પહેલેથી).

યથાર્થતા પ્રતિક્રમણની !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને અથવા બોલીને ?

દાદાશ્રી : ના, મનથી જ. મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે, તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તોય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં બસ. હલકી નાતોમાં માર માર કરે અને આપણામાં શબ્દ મારે, નહીં તો મનથી મારે. શબ્દ મારે કે ન મારે ? આ બેનો તો કહે, હજુ તો કાળજેથી શબ્દ જતો નથી. એવો ઘા વાગ્યો છે મને. એવાં શબ્દો બોલે ! અને મનથી મારે તે ય એના ઘરનાં હોય.

પ્રશ્નકર્તા : મનથી એટલે બોલ્યા વગર જ ને?

દાદાશ્રી : જો શબ્દો બોલે ને, તો એ સામી થઈ જાય એવી હોય, તો મનથી મારે. વહુથી ય ધણી સામો થઈ જતાં હોય તો, એ મનથી મારે. મારા લાગમાં આવે તો તેને તે વખતે હું સીધો કરીશ, લાગ ખોળે !

પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેની વ્યક્તિ આપણા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય, તો એના રિએક્શનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે. તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે ?

દાદાશ્રી : જીભથી કરે ને, એ ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એ અત્યારે બીજ રોપ્યું. એટલે કોઝીઝ કહેવાય. એનું ફળ તો પછી પાકશે. એટલે કોઝીઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું.

અવળાનાં કરવાં પ્રતિક્રમણો !

પ્રશ્નકર્તા : શુધ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે.

દાદાશ્રી : જે બોલો તેનું પ્રતિક્રમણ થાય એટલે તમારી જવાબદારી ના રહે ને ! કડક બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની.

આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. સુષમકાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોતને તો મોક્ષ તો સહેજાસહેજ છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં. કોઈને ખોટું કહેવું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલો તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેની ય મહીં પોતાની ઉપર ધૂળ પડે. એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય.

- જય સચ્ચિદાનંદ.