વ્યવહાર ઉકેલવો જ્ઞાનીની દ્રષ્ટિએ !

સંપાદકીય

જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળ્યા નથી, આત્મદ્રષ્ટિ થઈ નથી ત્યાં સુધી મનુષ્ય માત્ર લોકસંજ્ઞાની દ્રષ્ટિએ જ ચાલવાના અને લોકસંજ્ઞા મિથ્યાત્વ દ્રષ્ટિવાળી છે. સવળાને ય અવળું બતાડે ! જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ સમ્યક્ દ્રષ્ટિ છે તે અવળામાં ય સવળું દેખાડે. જીવનમાં લક્ષ્મીનો વ્યવહાર, પતિ-પત્ની વચ્ચે વ્યવહાર, માબાપ-છોકરાના વ્યવહારમાં જ લોકો મિથ્યાત્વ દ્રષ્ટિને લઈને વધારે ગૂંચવાઈ જતા હોય છે. એ તો જ્ઞાની પુરુષ સવળી દ્રષ્ટિ કરી આપે અને ગૂંચવાડાના સૉલ્યુશન કરી આપે તો પછી સૉલ્યુશન આવે ને પરમેનન્ટ સુખ ઉત્પન્ન થાય !

સંસાર એટલે રાગ-દ્વેષવાળી દ્રષ્ટિ, જ્યારે વીતરાગ દ્રષ્ટિનું પ્રમાણ શું ? જગત આખું નિર્દોષ દેખાય. વીતરાગ દ્રષ્ટિનું ફળ મોક્ષ !

દરેક માણસને પોતાનું દ્રષ્ટિબિન્દુ હોય છે અને એને પોતે સાચો માને છે અને બીજાના દ્રષ્ટિબિન્દુને ખોટું માને છે. ત્યાં જ્ઞાનીઓ શું કરે ? એને જે દેખાય તે સાચું. પોતાનું સાચું ઠરાવવા ના જાય. 'યુ આર કરેક્ટ બાય યોર વ્યુ પોઈન્ટ' કહીને છૂટી જાય ને પોતાની પ્રગતિ રૂંધાવા ના દે !

છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ કઈ ? 'આખું જગત નિર્દોષ જ છે.' ફૂલહાર ચઢાવનારા ય નિર્દોષ છે ને ગાળો ભાંડનાર ય નિર્દોષ છે. દોષિત દેખાય છે તે માત્ર દ્રષ્ટિનો દોષ છે. જગતમાં કોઈ દોષિત નથી એ છેલ્લું દર્શન છે ! આવી દ્રષ્ટિ થશે ત્યારે જગતમાંથી છૂટકારો થશે !

જ્ઞાની પુરુષને જગત શાથી નિર્દોષ દેખાય ? કારણ કે એમની દ્રષ્ટિ કાયમ આત્મા ભણી જ હોય અને બહારનો ભાગ છે તે ઉદય કર્મને આધિન, ડિસ્ચાર્જ કર્મને આધિન કરી રહ્યો છે. એમાં એનો શો દોષ ? આમ બહારથી ને અંદરથી બન્ને રીતે નિર્દોષ દેખાય ! એવી દ્રષ્ટિ પોતાની ક્યારે થાય ? જ્ઞાનીના પરિચયથી ! જ્ઞાનીની દ્રષ્ટિએ દ્રષ્ટિ મળી ગઈ તો કામ થઈ જાય !

પ્રસ્તુત સંકલનમાં જીવન વ્યવહારમાં જ્ઞાનીની દ્રષ્ટિએ દ્રષ્ટિ કેવી રીતે ગોઠવવી અને નિર્દોષ દ્રષ્ટિ કેવી રીતે કરવી, તેની સૂક્ષ્મતાએ સમજ ખુલ્લી થઈ છે. તે ઝીણવટથી પોતે સમજી લઈને જીવનમાં ફીટ કરતાં જાય તો વ્યવહારનો ઉકેલ આવે અને મોક્ષનો સાંધો મળી જાય !

દીપકના જય સચ્ચિદાનંદ

વ્યવહાર ઉકેલવો જ્ઞાનીની દ્રષ્ટિએ !

બન્નેમાં અગત્યતા શેની ?

રવિવારે તમારા નજીકમાં જ સત્સંગ હોય છે તો કેમ આવતા નથી ?

પ્રશ્નકર્તા : રવિવારે ટી.વી. જોવાનું હોયને, દાદા !

દાદાશ્રી : ટી.વી.ને ને તમારે શું સંબંધ ? આ ચશ્મા આવ્યા છે તોય ટી.વી. જુઓ છો ? આપણો દેશ એવો છે કે ટી.વી. ના જોવું પડે, નાટક ના જોવું પડે, બધું આ અહીં ને અહીં રસ્તા પર થયા કરે છે ને !

પ્રશ્નકર્તા : એ રસ્તે પહોંચીશું ત્યારે એ બંધ થશેને ?

દાદાશ્રી : કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે મનુષ્યો અનર્થ ટાઇમ વેડફી રહ્યાં છે. ખાવા માટે, નોકરીએ જાય એ તો કંઇ અનર્થપૂર્વકનું ના કહેવાય. જ્યાં સુધી પેલી દ્રષ્ટિ મળે નહીં ત્યાં સુધી આ દ્રષ્ટિ છૂટે નહીંને ?

લોક શરીરે ગંધાતો કાદવ ક્યારે ચોપડે ? એને લ્હાય બળે ત્યારે. એવું આ ટી.વી., સિનેમા એ બધું ગંધાતો કાદવ કહેવાય. એમાંથી કશો સાર ના નીકળે. અમને ટી.વી. જોડે ભાંજગડ નથી. દરેક વસ્તુ જોવાની છૂટ હોય છે. પણ એક બાજુ પાંચ ને દસ મિનિટે ટી.વી. હોય ને એક બાજુ પાંચ ને દસ મિનિટે સત્સંગ હોય, તો શું ગમે ? અગિયાર વાગે પરીક્ષા હોય ને અગિયાર વાગે જમવાનું હોય તો શું કરો ? એવી સમજણ હોવી જોઇએ !

આ તો મનુષ્યપણું વેડફ્યું !

આ હિન્દુસ્તાન દેશમાં તો આઠ આના ખોવાઇ ગયા હોય તેના માટે આઠ કલાક જો જો કરતો હોય એવા ય માણસો છે ! એટલે સહુ સહુની સમજણ પ્રમાણે સમય વાપરે. આ મનુષ્યદેહ મહાપરાણે મળ્યો છે. બહુ કિંમતી છે આ દેહ, પણ જેવી સમજણ હોય એવું એ વાપરી ખાય. સમજણ પ્રમાણે વાપરેને ? આ કરો છો તેને અમે 'ખોટું છે' એમ નથી કહેતા. ખોટું તો આ દુનિયામાં કશું હોતું જ નથી. પણ એમાં ટાઇમ બગડેને ? 'વેસ્ટ ઓફ ટાઇમ' છે. સમજણના અભાવને લઇને કોઇક ફેરો મનુષ્યપણું પ્રાપ્ત થયેલું હોય તે ય ખૂંચવાઇ જાય ને ચાર પગો, છ પગો, આઠ પગો થાય. ભટક, ભટક કરે ને બધો ટાઇમ ધૂળધાણીમાં જાય, વેડફાઇ જાય.

આ લોકોને તો એવું છે કે પાનાં રમતાં પહેલાં જ્ઞાન હોય કે આ પાનાં તો ગમ્મતની ખાતર રમવાનાં છે. રમી રહ્યા પછી આપણે પૂછીએ કે કેમનું છે ? તો કહેશે કે, 'ગમ્મતને ખાતર રમતા હતા.' પણ જ્યારે પાનાં રમે ને, તે વખતે રાગ-દ્વેષ કરે, ગોટાળા કરે, બધું ય કરે. એવો આ જીવનો સ્વભાવ છે. જો ગમ્મતને માટે રમો છો તો ગમ્મત જ કરોને ! પણ એમાં ગોટાળા કરવાની ક્યાં જરૂર છે ?! ગમ્મત કરવા બેઠાં તો ગમ્મત જ કરવી પડે ને ? તે આમ ગોટાળા કરીને સામાને 'કોટ' (પત્તાની રમત) પહેરાવે ! એટલે જીવનો સ્વભાવ મૂળથી જ વાંકો છે અને તેનો માર ખા ખા કરે છે. વીતરાગ જેવા ડાહ્યા થઈ જાય ને, તો કશી ખોટ નથી !

મમતાની સાચી હદ કેટલી ?

મને જેટલી જેટલી સમજણ પડી ને, કે તરત છોડી દઉં. જ્યાં માર પડે ત્યાં તરત છોડી દઉં, પછી નક્કી કરી લઉં. પણ આ બધી અમારી જ્ઞાન થતાં પહેલાંની વાતો છે. જ્ઞાન થતાં પહેલાં અમારે આવી દ્રષ્ટિઓ ઊભી થયેલી. બાકી મમતાનો સ્વભાવ એવો છે કે આ કશું છોડે નહીં.

એક ભાઈ કહે છે, 'મારી મમતા જતી નથી.' ત્યારે મેં કહ્યું કે, 'શી રીતે જાય તે ? આ તમારા મકાનની બાઉન્ડરી છે, તે આટલું જ તમારું એવું જાણો છો ને કે બીજું આગળ કહો છો આમ ? આટલી જ બાઉન્ડરી, એવી બાઉન્ડરી બતાવો કે ના બતાવો તમે ? તો મમતાની બાઉન્ડરી બતાવશો ? મમતાની બાઉન્ડરી કેટલી ? ઘરની બાઉન્ડરી તો બીજો હઉ બતાવે કે આ તમારું જ છે. એમ મમતા દેખાડવી પડે ને ?

આ સંસારના લોકોએ તો મમતાની 'બાઉન્ડરી' જોઈ નથી. દરેક વસ્તુ 'બાઉન્ડરી'થી શોભે. આ તમારું મકાન છે, હવે એથી બહાર આપણી દ્રષ્ટિ જાય છે કે આ જોડેનું મકાન પણ અમારું છે એવું?

પ્રશ્નકર્તા : પણ જેને મમતાનો વિસ્તાર મોટો એને સંસારની દ્રષ્ટિએ મોટો માણસ કહે છે.

દાદાશ્રી : હા, મોટો માણસ કહે. પણ એને દુઃખેય એટલું જ ને ! આ તો બધાએ ખોટી મમતા વિસ્તારી છે.

મમતાને ક્યાં સુધી વિસ્તારી ?

બાકી જગત તો મમતાના છોડવાને જ પાણી પા પા કરે છે. જગત આખું શું કરે છે ? મમતાનાં છોડવાને ઉછેરે છે કે 'આ અમારું, આ અમારું, આ અમારું.' ત્યારે એને પૂછીએ કે, 'કયું તારું નહીં ?' ત્યારે કહે, 'આ ન્હોય અમારું, આ અમારા ભાઈનું.' પછી થોડાં વર્ષ પછી પાછો કહે છે, 'ભાઈએ અમારું દબાવ્યું છે.' અરે, કેટલું દબાવ્યું છે ? ત્યારે કહે, 'આટલું, દોઢ હાથ દબાવી દીધું.' તે પાછો કોર્ટમાં જાય. વકીલને કહે કે, 'સાહેબ, આટલું બધું દબાવી દીધું.' તે પાછો એ 'છેલ્લે સ્ટેશને' જતો રહે ને પછી છોકરો હઉ લઢે. અને છોકરો હઉ કહે કે આટલું દબાવ્યું છે !

હવે આમને અક્કલવાળા કહેવા કે અક્કલના કોથળા કહેવા ? વેચીએ તો કેટલા પૈસા આવે ? ચાર આના ય ના આવે, નહીં ?

અને એ મમતા તો એટલે સુધી કે 'હિન્દુસ્તાનનો દેશ અમારો' કહેશે. પછી ગુજરાતમાં શું કહેશે ? 'ગુજરાત અમારું.' ત્યાં કોઈક ગુજરાતમાં છે તે બધા વાતો કરે કે 'સૌરાષ્ટ્ર તો તમારું, પણ અમારું ચરોતર બહુ સારું'. તે આખા ચરોતરના માલિક થઈ બેસે ! પછી ચરોતરમાં આણંદવાળા કહે કે 'અમે આવા.' ત્યારે આ ભાદરણવાળા કહે છે, 'અમારા ભાદરણવાળા આવા.' તે ત્યાં આખા ગામનો માલિક થઈ બેસે. પછી ગામમાં બે ખડકીવાળા બૂમાબૂમ કરતા હોય ત્યારે કહે, 'તમારી ખડકી આવી ને અમારી ખડકી આવી.' પછી એક જ ખડકીવાળાની માથાકૂટ ચાલે ત્યારે કહે, 'તમારું કુટુંબ આવું ને અમારું કુટુંબ આવું.' કુટુંબવાળાની માથાકૂટ કરે ત્યારે કહે, 'તમારું ઘર આવું ને અમારું ઘર આવું.' ક્યાં સુધી, તે ઠેઠ બે ભાઈઓ જોડે ભાંજગડ આવે ત્યારે કહે, 'તારા કરતાં તો હું જુદો છું.' તે ઠેઠ સુધી આનું આ જ. પછી ત્યાં સાચવવા ઠેઠ સુધી જાય. ગુજરાત આખું, હિન્દુસ્તાન આખું સાચવવા ફરે. આખા હિન્દુસ્તાનમાં પથારો પાથર્યો હોય, એનો અર્થ શું છે તે ?! આ તો પોતાનું કલ્યાણ કર્યું નહીં ને આવા બધા પથારા પાથર પાથર કરે છે.

હવે આ દ્રષ્ટિભેદ કોણ કરાવે છે ? બુધ્ધિ. અને તે એટલે સુધી દ્રષ્ટિભેદ કરાવે છે કે બધા લોકો જોડે અમારે કશું લેવા-દેવા નહીં. 'આ અમારું, આ અમારું ઘર, અમારું છે આ બધું. બીજા કોઈ જોડે અમારે લેવા-દેવા નહીં' એટલું બધું દ્રષ્ટિભેદ કરાવે. આપણે કહીએ, 'તમારું ઘર, તો ઘરમાં તમારે જુદાઈ નથી ને ?' ત્યારે એ કહે, 'ના, અમારા ઘરમાં જુદાઈ નથી.' પણ જ્યારે બે જણ પાછા માંહ્યોમાંહ્ય લઢેને, ત્યારે શું કરે ? ઘરમાં પાછાં બે જણ માંહ્યોમાંહ્ય લઢે કે ના લઢે કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : હા, લઢે જ ને !

દાદાશ્રી : ત્યારે શું કરે પછી ? 'તમે આવા.' ને પેલો કહે, 'તું એવી.' એવું કરે કે ના કરે ? એમ ભેદ થતો થતો ક્યાં સુધી આવીને ઊભો રહે ? ક્યાં સુધી આવે એનું મૂળ ? પોતાની જાત ઉપર કે 'હવે હું જ છું. બાકી બીજું કોઈ મારું પોતાનું નથી.' આવી આ ભેદદ્રષ્ટિ 'મારું તારું, મારું તારું' કરાવે. આની આ જ હાયવોય, હાયવોય, હાયવોય.

'જય' બોલાવો ભગવાનનો !

ચિંતા એ આર્તધ્યાન છે. આ શરીર જેટલો શાતા-અશાતાનો ઉદય લઇ આવ્યું છે, એટલું ભોગવ્યે જ છૂટકો છે. એટલે કોઇનો દોષ જોઇશ નહીં, કોઇના દોષ ભણી દ્રષ્ટિ ના કરીશ અને પોતાના દોષે જ બંધન છે એવું સમજી જા. રાઇ માત્ર વધ-ઘટ થવાનું નથી. તારાથી ફેરફાર કશો થશે નહીં એટલે 'જય મહાવીર, જય મહાવીર, જય મહાવીર' અથવા 'જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ' કર્યા કર ને ! જય ભગવાનનો બોલાવ. બીજા લોકોનો શું કરવા બોલાવે છે ? આ તો તમે આ ભાઇને વઢતા હો ને આ બીજા ભાઇ તેમનું ઉપરાણું લે તો આ બીજા ભાઇનો જય બોલાવે આ. અલ્યા, જય બોલાવ મહાવીરનો કે કૃષ્ણનો. આજે તો પેલા ભાઇનો જય બોલાવું છું. તે તો કાલે પાછો વઢવા આવશે. આમનાં શાં ઠેકાણાં ? બોલાવ જય વીતરાગનો- નમો વીતરાગાય ! નમો વીતરાગાય !

દુઃખ, પોતાની દ્રષ્ટિ પ્રમાણે !

પ્રશ્નકર્તા : આમ મને પોતાને કંઈ દુઃખ નથી, હું દુઃખી છું જ નહીં.

દાદાશ્રી : એ બરોબર છે. પણ આ તો મનુષ્યનો સ્વભાવ છે કે બીજાનું દુઃખ જોઈને આપણને સ્વાભાવિક રીતે દુઃખ થાય જ.

એવું છે ને, આ દુઃખી દેખાય છે એ તમારી દ્રષ્ટિ છે. એ દુઃખી માણસને પૂછીએને, તો એ શું કહેશે ? 'આ લોકો બધાં દુઃખી છે.' અલ્યા, તું દુઃખી નહીં ? ત્યારે કહેશે કે, 'મારે કશું દુઃખ જ નથી.' એટલે આ તો બધી તમારી દ્રષ્ટિઓ રોંગ છે, જ્યારે એમને તમે પૂછશો ત્યારે ખબર પડશે. એટલે આ બધાં લોકોની દ્રષ્ટિ સાચી હોતી નથી.

જ્ઞાનીની પોઝિટિવ દ્રષ્ટિ !

પ્રશ્નકર્તા : આજનો યુવાનવર્ગ કયા રાહ પર જઈ રહ્યો છે ? એનું ભવિષ્ય આપશ્રીની દ્રષ્ટિએ શું છે ? સાચો રાહ શું છે ?

દાદાશ્રી : આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી સફોકેશનમાં છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહિ એવો છે કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યૉર છે. એને માર્ગદર્શન આપનારની જરૂર છે. જો માર્ગદર્શન આપે તો આ હિન્દુસ્તાન ઓલરાઈટ થઈ જાય અને માર્ગદર્શન આપનારો મળી આવશે હવે થોડા વખતમાં, બધું મળી આવશે. અને આ યુવાવર્ગ એટલો બધો સારો કે પોતે બધું જ ખુલ્લું કરી નાખે છે, કશું સંતાડતો જ નથી. પ્યૉર કહી દે છે અમને.

એક છોકરો હતો, તે મને કહે છે કે 'દાદાજી, મને બહુ દુઃખ થાય છે અંદર.' મેં કહ્યું, 'શેનાં માટે તને દુઃખ થાય છે ?' ત્યારે કહે છે, 'મને એક ખરાબ વિચાર આવે છે એટલે મને દુઃખ થાય છે. કેમ આવા વિચાર આવે છે ?' ત્યારે મેં કહ્યું, 'પણ શું વિચાર આવે છે મને કહેને ! હું તને મટાડી દઉં.' ત્યારે કહે, 'મને એવાં વિચાર આવે છે કે દાદાજીને ગોળી મારી દઉં.' મેં કહ્યું 'હા, એ બરોબર છે. હવે તને દુઃખ થયા જેવી વાત છે આ, નહીં ?' મેં કહ્યું, 'પણ શાથી આવું થયું એ મને કહે.' ત્યારે કહે, 'તમે વિધિ કરાવતા હતા તે વખતે બીજાં બહારનાં માણસ આવ્યા. તેને ઝટ બોલાયાં ને મને ત્યાં આગળ દસ મિનિટ અટકાવ્યો. એટલે મને મનમાં થયું કે આ દાદાને ગોળીબાર કરો.' મેં કહ્યું, 'બરોબર છે, એ મારી ભૂલે ય બરોબર છે. એટલે આ મારી ભૂલ થઈ ને માટે તને આ વિચાર આવ્યો. હવે નહીં આવે.' બીજાંને પેસવા દીધાં, એને ના પેસવા દીધો. એટલે આવાં વિચાર આવે જ ને માણસને ? તીખો માણસ હોય તો આવી જાય કે ના આવી જાય ? બંડખોર હોય..... એટલે સાચું બોલ્યો. એટલે મેં એનો ખભો થાબડ્યો કે ધન્ય છે કે મારી રૂબરૂમાં તું મને ગોળીબાર કરવાની વાત કહું છું, તું સાચું બોલ્યો ! ધન્ય છે આ યુવાવર્ગને ! આટલું જો સત્ય હશે ત

ો યુવાવર્ગ એકદમ ઊંચા હાઈલેવલે પહોંચી જશે અને આ યુવાવર્ગ તો અમારાં નિમિત્તમાં આવશે, તે જેટલાં આવ્યાને એ સપાટાબંધ ચઢી જશે ! કારણ નિમિત્ત છે આ. અને યુવાવર્ગ બહુ જ સુંદર છે, તદ્ન સાચો. કંઈ પણ સુખ પડતું નથી છતાં ય સત્યતા છોડતો નથી.

ત્યારે મને એક જણે કહ્યું, કે તમે એને ખભો થાબડો છો, પણ તમારા જેવાં આ સાંભળનારા ય નહીં મળે. ગોળીબાર કરવાનું કહે છે, છતાં તમે એને થાબડો છો ? બીજો તો કાઢી મેલે કહે છે. ત્યારે મેં કહ્યું, ના, અમારે અહીં ના હોય. અક્રમ વિજ્ઞાન છે આ તો. તમે ગમે એટલો વિરોધ બતાવો તો અમને વાંધો જ ના હોય. વિરોધ એ અમારામાં કંઈ પણ ભૂલ હોય તેનું કારણ છે. નહીં તો વિરોધ કેમ ઉત્પન્ન થાય ? કોઈ પણ જાતનો વિરોધ થાય એ મારી જ ભૂલ છે ! એટલે યુવાવર્ગ તો બહુ સારા રાહ પર જઈ રહ્યો છે. એમને નિમિત્ત મળી આવશે.

ઘર, પ્રાકૃત ફૂલોનો બગીચો !

કળિયુગમાં બાપ ઝીણો હોય, મા ઝીણી હોય ને છોકરો લાફો હોય તો મા-બાપ છોકરાને લાફો કહે. અલ્યા, જરા ધીરજ તો રાખ. આ લાફાપણાની પ્રકૃતિને ફૂલાં આવશે. આ 'દાદા'ની દ્રષ્ટિ મળી જાય તો પ્રકૃતિભેદ ના પડે ને વઢવાડો ના થાય. દરેક પ્રકૃતિને ફૂલ આવશે. માટે રાહ જુઓ. આ તો લોક શું કરે કે ગુલાબને ફૂલ આવ્યાં હોય ને ચંપાને ના આવ્યાં હોય તો ચંપાનો દાંડો કાપી નાખે. પણ ધીરજ રાખે તો ફૂલ સૂંઘવા મળે. દરેકની પ્રકૃતિને ફૂલો આવશે. આ ગુલાબનો છોડ જુએ અને ફૂલ ના જુએ તો કહે કે આ કાંટાળો છોડ છે, માટે ઉખેડી નાખો. ના અલ્યા, આ કાંટા છે માટે એની સામે બીજા કોઇ સારા ગુણ હશે, એવો કુદરતમાં નિયમ છે. તેથી રાહ જુઓ. ધીરજથી જુઓ. તે કાંટાળા છોડમાં ગુલાબ નીકળશે.

સત્યુગમાં જે ખેતરાં હતા તે કળિયુગમાં બગીચારૂપે થયું છે ! પણ એને જોતાં નથી આવડતું, એનું શું થાય ? જેને જોતાં ના આવડે તેને દુઃખ જ પડે ને ? તે આ જગતની દ્રષ્ટિ નથી આ જોવાની. કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકાર છે. જોતા નથી આવડતું તેના અહંકાર છે. જોતાં આવડે તો દુઃખ જ નથી. મને આખી દુનિયા જોડે મતભેદ નથી પડતો. મને જોતાં આવડે છે કે ભઈ, આ ગુલાબ છે કે આ મોગરો છે. આ પેલો ધતૂરો છે કે કડવી ગીલોડીના ફૂલ છે, એવું બધું ઓળખું પાછો.

અમે તો પાંચ વર્ષનું છોકરું હોય તો એની જોડે પ્રેમ કરીએ, એની જોડે ફ્રેંડશીપ જેવું રાખીએ.

પ્રશ્નકર્તા : જોયું છે. ઔરંગાબાદમાં બધા છોકરાઓને ભેગા કરીને તમે વાતો કરતા, એમના જ દ્રષ્ટિબિંદુથી 'દાદા' બી પાંચ વર્ષના બની જાય.

બાળકના હિત માટે, ત્યાં પુણ્ય !

પ્રશ્નકર્તા : ઘરમાં આપણું નાનું બાળક હોય, તે આપણી ઈચ્છા ન હોવા છતાં પણ એના દોષ દેખાઈ જ જાય. આપણે જાણીએ કે આ નથી જ જોવું, છતાં પણ આપણી નજરમાં એવું આવી જ જાય કે આ બરોબર નથી. એટલે એને ટકોર કરવી પડે, નહીં તો આપણાં મનમાં એને માટે દુઃખ થાય, મનમાં ક્લેશ થાય. આ બધું શું, આ કઈ જાતનો વર્તે છે ? તો આ બધાનું શું કારણ ?

દાદાશ્રી : એવું છે, કે આપણી જાગૃતિ ઊંધે રસ્તે છે. આપણી જાગૃતિ મિથ્યાત્વમાં છે. અત્યારે તમારી દ્રષ્ટિ એ બાજુ છે એટલે અવળું બધું દેખાય છે. 'જ્ઞાની પુરુષ' દ્રષ્ટિ ફેરવી આપે એટલે આ જાગૃતિ સમ્યક્ત્વમાં જાય. ત્યાર પછી જાગૃતિ છતે રસ્તે આવે, ત્યારે આપણને બધું છતું દેખાય. મિથ્યાત્વ એટલે અવળી દ્રષ્ટિ અને સમ્યક્ત્વ એટલે સવળી દ્રષ્ટિ. સવળી દ્રષ્ટિ થાય એટલે બધું સુખ થાય. અત્યારે તમે તમારી ઊંધી દ્રષ્ટિથી બધું કરો છો, તેથી મહીં દુઃખ થાય છે. છતાં ય પણ પોતાનાં છોકરાં માટે આવું બધું કરે છે એટલે પુણ્ય બંધાય. તમે છોકરાંને આશરો આપો, સારાં સંસ્કાર માટે ટકોર કરો, એ બધાથી તમને પુણ્ય બંધાય. એનું ભૌતિક સુખ મળે. પણ એ સુખો બધા ટેમ્પરરી હોય. 'જ્ઞાની પુરુષ' દ્રષ્ટિ સવળી કરી આપે, એટલે પછી પરમેનન્ટ સુખ ઉત્પન્ન થાય.

સર્ટીફાઈડ ફાધર-મધર, ત્યાં...

પ્રશ્નકર્તા : છોકરાઓને આપણા માટેની દ્રષ્ટિ અવળી પડી ગઈ હોય, રાગ-દ્વેષવાળી પડી ગઈ હોય, આપણા માટે અભાવ હોય છોકરાઓને તો આપણે ત્યાં શું કરવું?

દાદાશ્રી : એવું છે ને છોકરાઓને અભાવ નથી. આ તો બાપ છે તે 'બાપ' થવા જાય છે. મા 'મા' થવા જાય છે. આ છોકરો જાણે છે કે બાપામાં ફીટનેસ છે નહીં ને મારો બાપ થઈ બેઠો છે. એટલે પેલા છોકરાં બાપાની સામાં થયા કરે છે. અત્યારે બધે એવું જ થયું છે. હવે આ છોકરાઓમાં પણ 'ફીટનેસ' નથી બળી, પણ એને આ ભણતર છે ને, તે એને એમ દેખાડે છે કે મારા બાપાની જ ભૂલો થાય છે. એ તો બાપાની એ ખામી હોય છે. સર્ટિફાઈડ ફાધર હોય ત્યાં એના છોકરા કેવાં હોય ?! આમ છોકરાં કૂદાકૂદ કરતાં હોય, એવું હોય ? ના હોય !

પ્રશ્નકર્તા : સર્ટિફાઈડ ફાધર્સ-મધર્સના છોકરા કેવાં હોય ?

દાદાશ્રી : સંસ્કારી હોય એ. એના ઘરમાં બાપ ગમે તે બોલે તો ય છોકરો કહેશે, 'ના, મારાથી ના બોલાય. પૂજ્ય છે મારા !

છોકરાં ના માને તો શું સમજવું !

પ્રશ્નકર્તા : દીકરો બાપનું ના માને તો શું કરવું ?

દાદાશ્રી : 'આપણી ભૂલ છે' એમ માનીને મૂકી દેવાનું ! આપણી ભૂલ હોય તો જ ના માને ને ! બાપ થતાં આવડ્યું હોય, એનો છોકરો ના માને એવું હોતું હશે ?! પણ બાપ થતા આવડતું જ નથી ને !

પ્રશ્નકર્તા : એક વાર ફાધર થઈ ગયા પછી કંઈ ગલુડીયાં છોડે ?

દાદાશ્રી : છોડતાં હશે ? ગલુડીયાં તો આખી જિંદગી એવા ડૉગ ને ડૉગીનને, બેઉને જોયા જ કરે, કે આ ભસ ભસ કરે અને આ (ડૉગીન) બચકાં ભર ભર કર્યા કરે. ડૉગ ભસ્યા વગર રહે નહીં. પણ છેવટે દોષ પેલા ડૉગનો નીકળે. છોકરાં એના મા તરફી હોય. એટલે મેં એક જણને કહેલું, 'મોટાં થઈને આ છોકરાં તને મારશે. માટે ધણીયાણી જોડે પાંસરો રહેજે !' એ તો છોકરાં જોયા કરે તે ઘડીએ, એમનો પગ ના પહોંચે ને ત્યાં સુધી અને પગ પહોંચે એટલે તો ઓરડીમાં ઘાલીને મારે. તે એવું બન્યું હઉ લોકોને ! છોકરાએ તે દહાડાથી નિયાણું જ કરેલું હોય કે હું મોટો થાઉં કે બાપને આપું ! મારું સર્વસ્વ જજો પણ આ કાર્ય થાવ, એ નિયાણું. આ ય સમજવા જેવું છે ને ?!

પ્રશ્નકર્તા : એટલે બધો દોષ બાપનો જ ?

દાદાશ્રી : બાપનો જ ! દોષ જ બાપનો. બાપનામાં બાપ થવાની બરકત ના હોય ત્યારે વહુ સામી થાય. બાપનામાં બરકત ના હોય ત્યારે જ આવું બને ને ! આ તો મારી-ઠોકીને ગાડું રાગે પાડે. આ તો સમાજની બીકના માર્યા જોડે રહે.

પ્રશ્નકર્તા : એવું જ હોય કે બાપની ભૂલ જ હોય ?

દાદાશ્રી : બાપની જ ભૂલ હોય છે. એને બાપ થતાં આવડતું નથી, એટલે આ બધું ભેલાઈ ગયું. ઘરમાં જો બાપ થવું હોય તો, સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે, એવી દ્રષ્ટિ થાય ત્યારે બાપ થઈ શકે.

એ મોટામાં મોટો પુણ્યશાળી !

પ્રશ્નકર્તા : એ પોતે પતિ-પત્ની બે જ છે. એમને બાળક નથી, એટલે સાધારણ રીતે એમના વાઈફની અંદર મનમાં એ થયા કરે કે બાળક નથી અને પાછા જજ જેવી મોટી પ્રતિષ્ઠિત પોઝિશન. એટલે એમના ફાધર-મધર બધાંને એમ થયા કરે, કે આમને છોકરું નથી એટલે એ બધાને મનની અંદર ક્લેશ થયા કરે. પણ આપનું જ્યારે આ વાક્ય વાંચ્યું કે સંતાન જો ન હોય તો એ બહુ મોટો પુણ્યશાળી હોય તો તેને આવો યોગ બેસે. એ જરા સમજાવો આપ.

દાદાશ્રી : કોને કહેલું આ ? સંતતિનું આ અંદર ઊંચા પુસ્તકોમાં ઘાલી દીધું છે આ લોકોએ. કારણ કે લોકોને પેલી બાજુ દ્રષ્ટિ વધારે હતી. હવે આમ પૂરાં સમજદાર નહીં અને બ્રહ્મચર્ય તરફ દ્રષ્ટિ વધારે હતી નહીં. એક કાળ એવો આવ્યો હતો. આ તો કાળે કાળે બધું બદલાયા કરે. તે લોક આ બાજુ જ વળી ગયેલું. એટલે પછી આ મૂકેલું, કે ભઈ, જો પૈણશે નહીં, છોકરાં નહીં હોય તો પછી સરાવશે કોણ ? ને સરાવશે નહીં તો ગતિ સારી નહીં થાય, એવું તે દહાડે બધું મૂકેલું. એનું તોફાન છે બધું !

ઋણાનુબંધનો હિસાબ હોય ને, તો છોકરાં આવે. આ હિસાબ વગર કોઈ આવે જ નહીં એટલે એ મોટામાં મોટા પુણ્યશાળી કે જેને ઘરે પ્રજા બોલાવે તો ય ના થાય. ચોપડામાં હિસાબ હોય તો આવે ને ! હિસાબ ચોખ્ખો કરતાં કરતાં આવ્યા હોય. એ બહુ પુણ્યશાળી કહેવાઓ તમે. હિસાબ આટલો ચોખ્ખો પ્યૉર લઈને ફરો છો !

આમ વાળે, ઊંધી સમજણને !

પ્રશ્નકર્તા : આપણા હિન્દુ ફેમીલીમાં કહે છે, 'છોકરી પારકે ઘરે જતી રહેવાની છે અને છોકરો કમાઈને ખવડાવાનો છે કે આપણો સહારો થવાનો છે.' એવી અપેક્ષાઓ છે, એ દ્રષ્ટિ રાખી અને છોકરીને માટે છે તો પ્રેમ ના રાખે એ બરાબર કહેવાય ?

દાદાશ્રી : પ્રેમ ના રાખે એ બોલનારી જ ખોટી છે. આ વાંધો જ ખોટો છે, એ જ અણસમજણ છે ને ! પ્રેમ ના રાખે એવાં કોઈ મા-બાપ જ ના હોય. આ એને સમજણ જ નથી એટલે શું થાય તે ! આવું પ્રેમ ના રાખે કહે તો મા-બાપને કેટલું દુઃખ લાગે કે નાનપણથી ઉછેરી શું કરવાં, તને પ્રેમ ન્હોતો રાખવાનો તો ?!

પ્રશ્નકર્તા : તો પછી મને આવું ફીંલીંગ કેમ થયું કે મને મા-બાપ પ્રેમ નથી કરતા ? મને આવી દ્રષ્ટિ ક્યાંથી આવી ?

દાદાશ્રી : નહીં, સહુ આવા બધા પ્રશ્નો ઊભા કરે, શું થાય તે ! નાની હોય તો એડીએ દાબી દે, પણ મોટી થઈ એટલે શું કરવાનું ? હવે અમે જોઈ શકીએ એને ! આ અક્કલ મળી છે ને બુધ્ધિ બહારની મળી છે ને, તે ઊંધી બુધ્ધિ છે. એટલે એ ય દુઃખી થાય ને બીજાને દુઃખી કરે.

સુપર હ્યુમનનો સ્વભાવ પહેલેથી !

મેં લોકોને કહેલું, 'તમારું કામ કરાવી જજો મારી પાસે, જે કંઈ હોય તે. સલાહ સંપ, બીજું કંઈ હોય ! મારી પાસે પૈસા હોય તો ય આપીશું પણ તમારું કામ કરીશું. તમારે મારું કામ કરવું નહીં.' કારણ કે મારું કામ તમને કરવાનું ના કહું ને, એટલે તમને મારા તરફનો ભય ના રહે. રાતે કોઈક દહાડો સિનેમામાં ગયા હોય ને ત્યાંથી તમારે ત્યાં આવ્યા. તમે કહો, 'આ કોઈ દહાડો આવે નહીં ને આમ આવ્યા. માટે કંઈ જોઈતું હશે !' તે આ ઊલટું તમે 'સતી' ઉપર દ્રષ્ટિ બગાડો છો. આપણે જોઈતું નથી અને એ દ્રષ્ટિ બગાડે, ફફડે મહીં કે 'કંઈ માગશે, માગશે.' ત્યારે મેં બધાને કહી દીધું કે 'આ હાથ ધરવા માટે નથી. માટે તમારે જે જરૂર હોય, તે મને કહેજો.' એટલે બધાં નિર્ભય બની ગયેલાં.

હવે બધું ઘાટવાળું થઈ ગયું. મેલોને પૂળો, કશા હારુ ઘાટ ના કરીશ. એની મેળે જો આપી જાય તો ઠીક છે, નહીં તો એમને એમ ચલાવજે ને ! આ ભૌતિક માટે વળી ઘાટ શા કરવાં ? ઘાટ એટલે તો આ સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરીએ અને ઘાટ કરીએ, એ બે સરખું છે ! બાપને દીકરાની ઉપર ઘાટ હોય છે અને દીકરાને બાપ ઉપર ઘાટ હોય છે ! શું ઘરમાં ય ઘાટ નથી ?

ચિંતાનું પડીકું પધરાવ્યું નદીમાં !

ત્યારે આજુબાજુવાળા લોક શું કહે ? બહુ સુખી માણસ ! કંટ્રાક્ટનો ધંધો, પૈસા આવે-જાય. લોકો પર પ્રેમ. લોકોએ પણ પ્રેમદ્રષ્ટિ કબૂલ કરી કે ભગવાન જેવા માણસ, બહુ સુખી માણસ ! લોક કહે કે સુખી માણસ, ને હું ચિંતા પાર વગરની કરતો હતો ને પછી એક દહાડો ચિંતા મટતી નહોતી, ઊંઘ જ નહોતી આવતી. પછી બેઠો અને ચિંતાનું પડીકું વાળ્યું. આમ વાળ્યું, તેમ વાળ્યું ને ઉપર વિધિ કરી. મંત્રોથી વિધિ કરી અને પછી બે ઓશીકા વચ્ચે મૂકીને સૂઈ ગયો, તે ઊંઘ ખરેખરી આવી ગઈ. અને પછી સવારમાં પડીકાને વિશ્વામિત્રીમાં પધરાવી આવ્યો પછી ચિંતા ઓછી થઈ ગઈ. પણ જ્યારે 'જ્ઞાન' થયું ત્યારે બધું આખું જગત જોયું-જાણ્યું.

એટલે એવરીવ્હેર એપ્લીકેબલ !

પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ'વાળાને આ જ્ઞાનનો લાભ જેવો થવો જોઈએ એવો ના થાય ને ? કારણ કે એની દ્રષ્ટિ આ 'વ્યવહાર' તરફની હોય.

દાદાશ્રી : એ 'કોમનસેન્સ' ના ગણાય. એ તો બધું-સ્વાર્થમય પરિણામ બધાં, 'વન સાઈડેડ' હોય. કોમનસેન્સ તો 'એવરીવ્હેર એપ્લીકેબલ', ૩૬૦ ડિગ્રીનું હોય. પણ 'એક્સપર્ટ' કોઈ બાબતમાં ના હોય.

પ્રશ્નકર્તા : મોટા ભાગનું તો પોતે જે સમજ્યો હોય તે પેલો માણસ તરત સમજી જાય એવો આગ્રહ વધારે ઉત્પન્ન થઈ જવાથી અવળાં પરિણામ ઊભાં થઈ જાય છે.

દાદાશ્રી : પોતાની દ્રષ્ટિથી સામાને માપે છે. તું સામાની દ્રષ્ટિ શોધી કાઢ. સામાની દ્રષ્ટિ એટલે શું કે દરેકને એડજસ્ટ થવું એવી દ્રષ્ટિથી જો. આ તો પોતાની દ્રષ્ટિથી સામાને માપ માપ કરે છે.

સામાનો 'વ્યુ પોઈન્ટ' શું છે તે જાણીને બોલો. પોતાની દ્રષ્ટિ સાથે તોળીને કે જોડીને બોલવું એ ગુનો છે.

આવડત, 'એકસપર્ટ' થતાં અટકાવે !

અમને આ લખવા કરવાનું ના આવડે, પેને ય પકડતાં ના આવડે. અમને કશું આવડે નહીં. સંસારનું કશું ના આવડે એનું નામ 'જ્ઞાની'. અમે અબુધ કહેવાઇએ.

પ્રશ્નકર્તા : આપ આપની જાતને અબુધ કહો છો, પણ પ્રબુધ લાગો છો અમને.

દાદાશ્રી : પણ હું તો દરેક બાબતનો અનુભવ કરીને કહું છું. આજે સિત્તેર વર્ષની ઉંમર થઇ પણ હજી મને દાઢી કરતાં નથી આવડતી. લોકો મનમાં માને છે કે પોતાને દાઢી કરતાં આવડે છે, એ બધું ઇગોઇઝમ છે. અમુક જ, બહુ જૂજ માણસોને દાઢી કરતાં આવડતી હશે ! મને પોતાને જ સમજાય છે કે આ કેમનું રેઝર પકડવું, કેટલી ડિગ્રીએ પકડું, એની કશી ખબર હોતી નથી. એના એક્સપર્ટ આપણે થયેલા નથી. જ્યાં સુધી હું એક્સપર્ટ થયો નથી ત્યાં સુધી આપણને આવડતું નથી એમ જ કહેવાય.

પ્રશ્નકર્તા : એક્સપર્ટ થવામાં આપને ફાયદો નથી દેખાયો ને ?

દાદાશ્રી : ફાયદાની વાત નથી, પણ હું 'જેમ છે તેમ' કહી દઉં છું કે મને દાઢી કરતાં નથી આવડતી. તમને એમ થાય કે આમ તો કેમ કરીને હોય ? પણ તમને આવડે છે એ જ ખોટું છે. એ ખાલી 'ઇગોઇઝમ' છે. કેટલાકને તો બ્લેડ વાપરતાં જ નથી આવડતી. બ્લેડ વપરાઇ કે નથી વપરાઇ તે જ જાણતા નથી. આ તો બધું પોલંપોલ ચાલ્યા કરે છે !

પ્રશ્નકર્તા : એક્સપર્ટ એટલે ?

દાદાશ્રી : માણસ એક્સપર્ટ થઇ શકે નહીં. એક્સપર્ટ એ તો કુદરતી બક્ષિસ છે. આ આત્મવિજ્ઞાનમાં હું ય એક્સપર્ટ થયેલો છું, તે ય કુદરતી બક્ષિસ છે. નહીં તો માણસ તે જ્ઞાની શી રીતે થઇ શકે ? તેથી અમે કહીએ છીએ કે 'ધીસ ઇઝ બટ નેચરલ.'

અરે, મને તો ચાલતાં ય નથી આવડતું. લોકો કહે કે દાદા બહુ સરસ ચાલે છે ! પણ હું તો જ્ઞાનદ્રષ્ટિથી જોતો હોઉં એટલે મને ખબર પડે કે મને ચાલતાં ય નથી આવડતું.

પ્રશ્નકર્તા : પણ અમને તો તમારું બધું જ આદર્શરૂપ જ દેખાય.

દાદાશ્રી : એવું લાગે, પણ હું જ્ઞાનરૂપે જોઉં, છેલ્લા ચશ્માથી જોઉં, એટલે છેલ્લી લાઇટથી આ બધું કાચું લાગે.

કેટલાંક માણસો મને કહે છે કે દાદા, તમારી જોડે બેસીને અમે ખાતાં શીખ્યા. હવે હું મારી જાતને જાણુંને કે મને જમતાં જ નથી આવડતું. જમતાનો ફોટો કેવો હોવો જોઇએ, કેવું ચારિત્ર હોવું જોઇએ એ અમને લક્ષમાં હોય જ. પણ તે કોને હોય ? બક્ષિસવાળાને હોય.

એક બાજુ અહંકાર હોય અને એક બાજુ 'એક્સપર્ટ' થવું, એ બે સાથે થઇ શકે જ નહીં. અહંકાર જ 'એક્સપર્ટ' થતાં અટકાવે છે.

એટલે અમે 'અબુધ' છીએ એ અનુભવપૂર્વકનું કહીએ છીએ, એમ ને એમ નથી કહેતાં. છતાંય તમને પ્રબુધ દેખાય છે એ તમારી દ્રષ્ટિ છે. મારી દ્રષ્ટિ ક્યાં હશે એ તમને સમજાયું ? અમારી છેલ્લી દ્રષ્ટિ છે.

ધંધામાં ય હું મારી જાતને 'એક્સપર્ટ' માનતો હતો. તે ય આ જ્ઞાન થયા પછી તટસ્થ દ્રષ્ટિથી જોયું, લોકોને ધંધા કરતા જોયા ત્યારે હું સમજી ગયો કે આ તો કશું આવડતું જ નથી. આ તો 'ઇગોઇઝમ' જ છે ખાલી. કોઇ પાંચ જણા માને, સ્વીકાર કરે, માટે કંઇ બધી આવડત થઇ ગઇ ?

અપરિચય તેની વિસ્મૃતિ !

પ્રશ્નકર્તા : આપની દ્રષ્ટિએ અબુધપણું બરાબર છે પણ વ્યવહારિક દ્રષ્ટિએ ?

દાદાશ્રી : 'હુ બુધ છું' એ ભાન અને આ જ્ઞાન એ બે સાથે રહી શકે જ નહીં. અમારી પાસે જ્ઞાનનો ફુલ પ્રકાશ હોય, એટલે અમને બુધ્ધિની જરૂર જ નહીં ને ! બુધ્ધિ 'ઇમોશનલ' કરાવે અને જ્ઞાન મોશનમાં રાખે.

અમને સંસાર વિસારે પડી ગયો હોય. અમને સહી કરતાં ય આવડતી નથી. પંદર-વીસ વરસથી કશું લખ્યું જ નથી એટલે બધું વિસારે પડી ગયું છે. આ સંસાર એની મેળે વિસારે પડી જાય એવો છે. એના માટે આટલા બધા પ્રયોગ કરવાની જરૂર નથી. પરિચય છૂટ્યો કે વિસારે પડે. એટલે પરિચય છૂટવો જોઇએ. સાધારણ વ્યવહારનો વાંધો નથી, પણ પરિચયનો વાંધો છે.

એવું કહેનાર જ ખોટો !

વીતરાગોનો માર્ગ શું કહે છે કે કોઇને તમે 'એ ખોટો છે' એમ કહેશો તો તમે જ ખોટા છો. એની દ્રષ્ટિફેર છે એટલે એવું એને દેખાય, એમાં એનો શો દોષ ? કોઇ આંધળો ભીંતને અથડાય પછી આંધળાને ઠપકો અપાતો હશે કે દેખાતું કેમ નથી ? અલ્યા, દેખાતું નહોતું એટલે તો એ અથડાયો. એવું આ જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. આ બધી ક્રિયાઓ થાય છે તે બધી ઊંઘમાં જ થાય છે. સ્વપ્નમાં આ બધું થઇ રહ્યું છે અને મનમાં શું ય માની બેઠા હોય કે આપણે કેટલી બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ. પણ આ સ્વપ્નાની ક્રિયાઓ કામ લાગશે નહીં, જાગૃતની ક્રિયાઓ જોઇશે. આ તો ઉઘાડી આંખે ઊંઘે છે.

ભૂલ્યા દ્રષ્ટિદોષથી !

કોઈ કહેશે, 'દાદાજી, પણ પેલા પુસ્તકમાં તો આવું લખેલું છે.' તો હું કહું કે, 'એ પુસ્તકની વાતે ય સાચી છે ને તારી વાતેય સાચી છે.' કારણ કે 'ખોટી છે' કહ્યું કે ભાંજગડ ! એટલે આપણે 'તમારી દ્રષ્ટિએ બરોબર છે' એમ કહેવું ! અને એમાં કશી ભૂલ નથી એમ કહીએ એટલે આપણને આગળ જવા દે !

આપણે આગળ ચાલવા માંડવાનું. એની જોડે ક્યાં બેસી રહીએ ? એને દેખાતું નથી. એને મારી- ઠોકીને દેખાડીએ તો દેખાય ? એટલે આપણે ચાલવા માંડવાનું કે 'તારું તારી દ્રષ્ટિએ બરોબર છે. એની જોડે ભાંજગડ જ નથી આપણને. જે માણસને જેવું દેખાય છે એવું બોલે છે, એમાં એનો કોઈ દોષ છે નહીં. એમનો દ્રષ્ટિદોષ છે. એમાં એનો શો દોષ બિચારાનો અને ધર્મેય એ દ્રષ્ટિદોષને લઈને ભૂલ્યાં છે લોકો. બુધ્ધિદોષ, દ્રષ્ટિદોષ. બધા દોષોને લઈને માર ખા ખા કર્યા કરે છે !!

સાચું તારી દ્રષ્ટિ !

કોઈ અત્યારે સાંજે કહે, આ બારી વાસેલી હોય ને એ કહે અત્યારે બહાર તો અંધારું ઘોર થઈ ગયું, રાત પડી ગઈ. ત્યારે ભગવાન શું કહે કે, 'તું જો તો ખરો, અજવાળું છે.' ત્યાર પછી પેલો કહે ના, અંધારું ઘોર થઈ ગયું છે. ત્યારે ભગવાન શું કહે બીજી વખત કે 'અમે તને વિનંતી કરીએ છીએ. તું તપાસ તો કર, બહાર જોઈ આવ.' પછી એ કહે, 'ના, અંધારું ઘોર થઈ ગયું છે' એટલે ભગવાન કહે, 'તારી દ્રષ્ટિથી તને દેખાયું, એ કરેક્ટ (સાચું) છે આ. ને મને ના દેખાયું આ !' આટલું કહી અને પછી ભગવાન આગળ ચાલવા માંડે, પેલો નિરાંતે બેસે. નહીં તો ધોતિયું ઝાલે ભગવાનનું કે 'ઊભા રહો ને, આ પૂરું કરતાં જાવ', તે ભગવાનને છોડે નહીં પેલો.

આ વાતને તમે સમજી ગયા ને ? જેવું દેખાય એવું જ બોલેને, લોક ? એમાં એનો દોષ ખરો ? આપણે સમજી લેવું કે એને બિચારાને દેખાય છે જ આવું, માટે આ આવું બોલે છે. તો આપણે કહીએ કે હા ભઈ, તારી દ્રષ્ટિથી આ બરોબર છે. ત્યાં આપણે એમ પણ ના કહેવું જોઈએ કે ના, અમારી દ્રષ્ટિથી અમારું બરાબર છે. એટલું જ કહેવાય કે તારી દ્રષ્ટિથી બરાબર છે. નહીં તો પાછો કહેશે કે, 'ઊભા રહો, ઊભા રહો. તમારી દ્રષ્ટિથી શું છે એ મને કહો.' એમ પાછો ઊલટો બેસાડી રાખે. એનાં કરતાં તારી દ્રષ્ટિથી બરોબર છે, કહીને આપણે હેંડવા જ માંડવાનું !

પછી ન ઊભા રહીએ અમે !

આ ભાઈ કહેશે, 'તમે અમારું કહેલું માનો કે નથી માનતા ?' ત્યારે અમે કહીએ કે ભઈ, જો આ દ્રષ્ટિએ તમારો ભાવ બરોબર નથી. ત્યારે એ કહે કે, 'ના, આ સાચું જ છે.' તો અમે કહીએ, 'ભઈ, બરોબર છે, તમારી દ્રષ્ટિએ બરાબર છે.' અમે ક્યાં એની જોડે સત્યાગ્રહ કરીને બેસી રહીએ ? એ તો આખી રાત માથાફોડ કરવાના ને મારે તો આગળ બહુ કામ હોય. એટલે 'બરાબર' કહીને હેંડવા માંડું. હું મારી ગતિ ક્યાં ધીમી કરું ?! આવા રસ્તામાં મળનારા કેટલો વખત કાઢે ? આખી રાત એની જોડે ફોડ પાડીએને, તોય એ બદલાય નહીં. એટલે અમે આગળ ચાલવા માંડીએ. અમે ઊભા ના રહીએ.

મુકાબલાથી જ્ઞાનની વિરાધના !

આપણે એની જોડે મુકાબલો કરવા નથી આવ્યા. આપણે સાચી વાત દેખાડવા આવ્યા છીએ. મુકાબલો કરીએ કે 'તારું ખોટું છે, અમારું સાચું' એવું નહીં. ભઈ, તારી દ્રષ્ટિથી તારું સાચું ! એમ કરીને આગળ ચાલવા માંડીએ. કારણ કે નહીં તો જ્ઞાનની વિરાધના કરી કહેવાય.

જ્ઞાન તેનું નામ કે વિરાધક ભાવ ઊભો ના થવો જોઈએ. કારણ કે એ એની દ્રષ્ટિ છે. એને આપણાથી કેમ ખોટું કહેવાય ?

વ્યવહારમાં ભેદ, દ્રષ્ટિમાં અભેદ !

પ્રશ્નકર્તા : જ્ઞાનીના વ્યવહારમાં બે વ્યક્તિ વચ્ચે ભેદ હોય ખરો ?

દાદાશ્રી : એમની દ્રષ્ટિમાં ભેદ જ ના હોય, વીતરાગતા હોય. એમના વ્યવહારમાં ભેદ હોય. એક મિલમાલિક ને તેનો ડ્રાયવર અહીં આવે તો શેઠને સામે બેસાડું ને ડ્રાયવરને મારી જોડે બેસાડું, એટલે શેઠનો પારો ઊતરી જાય ! અને વડાપ્રધાન આવે તો હું ઊઠીને એમનો આવકાર કરું ને એમને બેસાડું, એમનો વ્યવહાર ના ચૂકાય. એમને તો વિનયપૂર્વક ઊંચે બેસાડું અને એમને જો મારી પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું હોય તો મારી સામે નીચે બેસાડું, નહીં તો ઊંચે બેસાડું. લોકમાન્યને વ્યવહાર કહ્યો અને મોક્ષમાન્યને નિશ્ચય કહ્યો, માટે લોકમાન્ય વહેવારને તે રૂપે 'એક્સેપ્ટ' કરવો પડે. અમે ઊઠીને એમને ના બોલાવીએ તો તેમને દુઃખ થાય, તેની જોખમદારી અમારી કહેવાય.

પ્રશ્નકર્તા : મોટા હોય તેને પૂજ્ય ગણાય ખરું ?

દાદાશ્રી : મોટા એટલે ઉંમરમાં મોટા એવું નહીં, છતાં માજી મોટાં હોય તો એમનો વિનય રખાય અને જ્ઞાનવૃધ્ધ થયાં હોય, તેમને પૂજ્ય ગણાય.

બેમાં મોટું કોણ ?

પ્રશ્નકર્તા : ક્ષમા માગનાર મોટો કે ક્ષમા આપનાર મોટો ?

દાદાશ્રી : ક્ષમા તો ઘોડાગાડીવાળો, ટેક્ષીવાળો કે માટલાવાળો ય માગવા આવે. પણ કોઇને ય ક્ષમા આપી ન હોય. માટે ખરી કિંમત ક્ષમા કરે તેની છે. ક્ષમા આપવી બહુ અઘરી છે. અમારી સહજ ક્ષમા હોય. તમારી ભૂલ થઇ જાય તો એની મેળે ક્ષમા અપાઇ જાય, તમે માગો કે ના માગો તો ય.

પાપના ઉદય વખતે શો ઉપાય ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કદાચ નવાં પાપ બંધાય નહીં, પણ જૂનાં પાપ ભોગવવાં તો પડેને ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી નવાં પાપ થાય નહીં એ તમારું કહેવું બરોબર છે અને જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. હવે ભોગવટો એ ઘટે ખરો, એ માટે મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો. તો ય ભોગવટાનું ફળ હલકું કરી આપશે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય અને બિચારો આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ આમ એકદમ જોવાની આવી ગઈ અને દ્રષ્ટિ ત્યાં ગઈ તો પેલો એનું દુઃખ ભૂલી જાય, વજન છે છતાં એને દુઃખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રો છે ને, એ બોલવાથી પેલું વજન જ લાગે નહીં. એટલે આ મંત્રો એ હેલ્પિંગ વસ્તુ છે. તમે કોઈ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતા ? એક જ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતા ? તે જરા વધારે બોલોને એટલે બધું હલકું થઈ જાય અને તમને ભય લાગતો હોય તે ય બંધ થઈ જાય.

પુણ્યનો ઉદય શું કામ કરે ? પોતાનું ધાર્યું બધું જ થવા દે. પાપનો ઉદય શું થવા દે ? આપણું ધારેલું બધું ઊંધું નાખે.

ફરિયાદી ? તો થઈશ આરોપી !

તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઇ જઇશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાંખરાં ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઇ જઇશ અને સામો આરોપી થશે. એટલે એની દ્રષ્ટિમાં આરોપી તું ઠરીશ. માટે કોઇની વિરુધ્ધ ફરિયાદ ના કરવી.

એ તમને ખરાબ કહે, તમે એમને ખરાબ કહો. અને પછી વાતાવરણ દૂષિત થતું ચાલ્યું અને પછી ભડકા થશે આમાં. એટલે તમારે એમને સારાં કહેવા, કઈ દ્રષ્ટિએ ? એક દ્રષ્ટિ મનમાં સમજી લો કે 'આફટર ઓલ હી ઇઝ એ ગુડ મેન.' (અંતે તો એ સારા માણસ છે.)

શેની શેની અડચણો આવે છે, ક્યાં ક્યાં વાંધા આવે છે, તે વાંધા ભાંગી નાખીએ ને ! વાંધા પડે છે, એ ટૂંકી દ્રષ્ટિ છે. તો જ્ઞાની પુરુષ લોંગ સાઇટ આપી દે, એ લોંગ સાઇટના આધારે બધું 'જેમ છે તેમ' દેખાય !

અભિપ્રાય બાંધ્યો તે જ બંધન !

અમે તો તમને કહીએ ને કે, ચેતીને ચાલો, હડકાયેલું કૂતરું મહીં પેસી જાય છે એમ લાગે કે તરત 'આપણું' બારણું વાસી દો. પણ તેની પર તમે એમ કહો કે આ હડકાયેલું જ છે, તો એ અભિપ્રાય બાંધ્યો કહેવાય.

પ્રશ્નકર્તા : અરે દાદા, કૂતરું પેસી જશે, માટે બારણું વાસવાને બદલે હું સામો જોર કરું અને બારણું બંધ કરતાં ય બારણાનો ફજેતો કરું ને કૂતરાનો ય ફજેતો કરું !

દાદાશ્રી : આ બધું લૌકિક જ્ઞાન છે. ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે કે કોઈની ઉપર આરોપે ય ના આપશો, કોઈની ઉપર અભિપ્રાય ના બાંધશો. કોઈના માટે કશો ભાવ જ ના કરશો. 'જગત નિર્દોષ જ છે !' એવું જાણશો તો છૂટશો. જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું, મારા જ દોષે કરીને બંધાયેલો છું, એવી દ્રષ્ટિ થશે ત્યારે છૂટાશે.

ભગવાને જગત નિર્દોષ જોયું, મને પણ કોઈ દોષિત દેખાતું નથી. ફૂલહાર ચઢાવે તો ય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તો ય કોઈ દોષિત નથી અને જગત નિર્દોષ જ છે. આ તો માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે.

દાનેશ્વરી માણસ દાન આપે છે તેને એ કહે, 'આ દાન આપે છે એ કેવા સરસ લોકો છે ?!' ત્યારે ભગવાન કહે છે કે તું શું કરવા રાજી થાય છે ? એ એનાં કર્મના ઉદય ભોગવી રહ્યો છે. દાન લેનારાં ય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. તું વચ્ચે વગર કામનો શું કરવા ભાંજગડ કરે છે ? ચોરી કરનારા ચોરી કરે છે, એ ય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. જગત આખુંય પોતપોતાનાં કર્મને જ વેદે છે !

અમે તમને જ્યારથી જોયા, જ્યારથી ઓળખ્યા, ત્યારથી અમારો તો કોઈ દિવસ અભિપ્રાય ના બદલાય. પછી તમે આમ ફરો કે તેમ ફરો, એ બધું તમારા કર્મના ઉદયને આધીન છે.

પરાયા બજારમાં ગુનેગાર કોણ !

એક જણ મને પૂછતો હતો કે, 'દાદા, તમારામાં બીજી ના કહેવા જેવી કશી વસ્તુ ખરી ?' મેં કહ્યું, 'ના, ના, અહીં બિલકુલે ય પોલ નથી, એક આટલું ય પોલ ચાલે નહીં. દિન-રાત મારી જોડે રહે, કાયમને માટે રહે તો ય મારી આટલી ય પોલ તમને જોવા ના મળે. મહીં એવું હોય તો પોલ દેખાય ને !' અમે સંસારમાં જ રહેતા નથી. એક ક્ષણવાર પણ અમે સંસારમાં રહ્યા નથી. સંસારમાં રહેવું એટલે પરપરિણતિ કહેવાય. અમે સ્વપરિણામમાં હોઈએ, નિરંતર મોક્ષમાં જ હોઈએ, ઉઘાડી આંખે જ હોઈએ.

આખું જગત બંધ આંખોમાં છે. દુઃખ સંસારમાં ક્યાંથી લાવ્યા ? દુઃખ તો બંધ આંખોને લીધે છે. બંધ આંખ એટલે શું ? ધણી વહુને માટે કહેશે કે, 'આ ખરાબ છે.' ત્યારે વહુ કહેશે કે, 'હું સારી છું.' એનું નામ ઉઘાડી આંખે આંધળા. ભગવાનની ભાષામાં કયું સાચું છે ? ત્યારે ભગવાન કહે છે કે, 'બેઉ આંધળાં છે, એટલે આવું કરે છે.' જો ભગવાનની ભાષા સમજવી હોય તો ભગવાનની ભાષામાં આ દુનિયામાં કોઈ માણસ સહેજેય ગુનેગાર નથી. આ દુનિયામાં મને કોઈ ગુનેગાર લાગતું નથી. ગજવા કાપે તે ય ગુનેગાર નથી ને ફૂલહાર ચઢાવે તે ય ગુનેગાર નથી. ગુનેગાર દેખાય છે તે જ તમારો ગુનો છે, તમારી દ્રષ્ટિનો રોગ છે. એ દ્રષ્ટિનો રોગ જશે ત્યારે કામ થશે. કોઈ ગુનેગાર દેખાય છે તેનું નામ જ મિથ્યાત્વ, એ દ્રષ્ટિરોગ છે. જ્ઞાની પુરુષ દ્રષ્ટિરોગ કાઢી આપે પછી ગુનેગાર દેખાતા બંધ થઈ જાય છે.

કોઈ 'કમ્પ્લીટ' ગુનેગાર હોય, આપણને કાપી નાખવાનો હોય એવો ગુનેગાર હોય તો ય આપણે એની જોડે સમતા રાખીએ. એ શું કાપવાનો છે ? આપણું કાપવાનો જ નથી. જે કાપવાનું હશે તે પુદગલનું કાપશે. આ દુનિયામાં પુદગલ બજારની ખોટ છે. લોક પુદગલ બજારને પોતાનો વેપાર માની બેઠા છે.

વીતરાગતાથી વેર ખપાવ્યું !

પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠ દેવ થયેલા, તે ઉપરથી જતા હતા. તેમને નીચે દ્રષ્ટિ નહોતી નાખવી તો ય તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા, મોટા મોટા પથ્થરો નાખ્યા, અગ્નિ વરસાવ્યો, ધોધમાર વરસાદ વરસાવ્યો, બધું જ કર્યું. ત્યારે ધરણેન્દ્ર દેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો તેમણે અવધિજ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું ને દેવીએ પદ્મકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા ! અને ભગવાન તો આટલું બધું બન્યું છતાં ય ધ્યાનમાં જ રહ્યા ! તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ, વેરવી જોડે કિંચિત્ માત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધરણેન્દ્ર દેવ અને દેવી પર કિંચિત્ માત્ર રાગ નથી થતો એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે ! એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે ! ગજબની વીતરાગતામાં રહ્યા ત્યારે ઉકેલ આવ્યો.

કઈ દ્રષ્ટિએ જગત દીસે નિર્દોષ !

પુદગલને જોશો નહીં, પુદગલ તરફ દ્રષ્ટિ જ ના કરશો. આત્મા તરફ જ દ્રષ્ટિ કરજો. ભગવાન મહાવીરને જગતમાં બધાં જ નિર્દોષ દેખાયા, કાનમાં ખીલા મારનારા તે પણ નિર્દોષ દેખાયા. કોઈ દોષિત છે જ નહીં જગતમાં. દોષિત દેખાય છે તે જ આપણી ભૂલ છે, એ એક જાતનો આપણો અહંકાર છે. આ તો આપણે વગર પગારના કાજી થઈએ છીએ, એનો પછી માર ખઈએ છીએ.

મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલાં પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ, જે આપેલું જ્ઞાન છે, તેને સહેજેય ફ્રેકચર નહીં થવા દે!

વીતરાગોની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિએ...

હમણે કઢીમાં જરાક મીઠું વધારે હોય, ભઈ ટેબલ ઉપર જમવા બેઠા હોય, તો કઢીમાં મીઠું વધારે કેમ પડ્યું ? ત્યારે કહે, ઈફેક્ટના આધારે. એટલે સમાધાનપૂર્વક નિરાંતે ખાવી જોઈએ. કારણ કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આ જગત સંપૂર્ણ નિર્દોષ જ છે. જે દોષિત દેખાય છે તે પોતાના દોષને લઈને જ દોષિત દેખાય છે, બેભાનપણાને લઈને જ દેખાય છે. 'કોઈ દોષિત નથી' એ છેલ્લું દર્શન છે. વચલા દર્શન, એ ગમે તે હો, ભલે જેને જેવું દેખાય એવું કહે, બાકી છેલ્લું દર્શન શું છે ? કોઈ જીવ દોષિત છે જ નહીં. મને કોઈ દહાડો એકુંય જીવ દોષિત નથી દેખાયો.

એક માણસ અત્યારે તમને ગુનેગાર દેખાય છે કે આણે ગજવું કાપ્યું. તમે એને એમ માનો છો કે આ માણસે ગજવું કાપવાનું સર્જ્યું, આ માણસે નવું સર્જન કર્યું છે. તમે એકલા જ આવું માનતા નથી, પણ આખું જગત જ એવું માને છે. હવે મારી ભાષા શું છે કે એ ગજવું કાપી રહ્યો છે એ વિસર્જન છે. એનું પોતાનું એ વિસર્જન નથી. આ તો કુદરતનું વિસર્જન છે. કુદરત વિસર્જન કરાવડાવે છે, તેમાં ગજવું કાપવાનું એને ભાગે આવ્યું છે. બાકી આ કુદરતી વિસર્જન છે.

આખું જગત જે જે કરે છે, તે બધું કુદરતી વિસર્જન જ છે. પછી 'જપ કરો કે તપ કરો' બધું જ કુદરતી વિસર્જન છે. સર્જન આગળ ઉપર પૂર્વભવે થયેલું છે, સર્જનમાં પોતે નિમિત્ત હોય છે અને વિસર્જનમાં પોતાનો કંઈ જ હાથ નથી. આ બધું કુદરતી વિસર્જન છે. એટલે ફૂલ ચઢાવે છે, એનો ઉપકાર શો ? અને ગજવું કાપે છે, તેનો અપકારે ય શો ? જે જે કંઈ પણ કરે છે, તમે અહીં આવ્યા છો, આખું જગત જે કંઈ પણ કરી રહ્યું છે, તે બધું જ છે તે કુદરતનું વિસર્જન છે. આ અમને જેટલું દેખાયું તેટલું અમે ઊઘાડું કરીએ છીએ.

પ્રશ્નકર્તા : આ આપની દ્રષ્ટિએ છે તો એવું બીજાની દ્રષ્ટિએ બીજું હોઈ શકે ?

દાદાશ્રી : આ છેલ્લી દ્રષ્ટિ છે. વીતરાગોને જે દ્રષ્ટિ દેખાઈ છે, તે જ આ દ્રષ્ટિ છે, છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે. આને કોઈ સુધારી શકે તેમ નથી. અમે જે વાક્ય બોલીએ છીએ, તેનાં પર વર્લ્ડમાં ય કોઈ ચેકો મૂકી શકે એમ નથી, ક્યારેય પણ, હજાર વર્ષો પછી પણ, એટલે આ કાયમનું જ થયું ને !

પ્રશ્નકર્તા : બધાનું બધું વિસર્જન ક્યારે થશે ?

દાદાશ્રી : એવું ના હોય. સર્જન ને વિસર્જન ચાલ્યા જ કરવાનું. સર્જનમાં પોતે નિમિત્ત હોય છે અને વિસર્જન પછી કુદરતના હાથમાં જાય છે. તે આ બધું જે કંઈ પણ કરે છે, તે બધું વિસર્જન જ છે. આંખે દેખાય એવું, કાને સંભળાય એવું, નાકે સુંઘાય એવું, હાથે અડાય એવું, જે કંઈ પણ પાંચ ઇન્દ્રિયોથી છે, તે બધું જ વિસર્જન છે. પછી અંદરની ક્રિયા એ વસ્તુ જુદી છે. પણ આ જગત જે કરી રહ્યું છે, આ બધા વેપાર-ધંધા, જે ખાય છે, પીવે છે, ઊંઘે છે, જાગે છે, બોલે છે, તે બધું જ વિસર્જન છે. આ નેચરલ વિસર્જન છે.

અમારી દ્રષ્ટિમાં જે જોયેલું છે એ અમે ઉઘાડું કરીએ છીએ. એટલે ફૂલાં ચઢાવે તેની પર અમને રાગ નથી, કોઈ ગાળો ભાંડે તેની પર અમને દ્વેષ નથી. અમે જાણીએ છીએ કે આ કોનું વિસર્જન છે ! આ અમે જે દ્રષ્ટિએ જોઈએ છીએ, એની આગળ કોઈ દ્રષ્ટિ જ નથી. જે જ્ઞાન અમે જાણીએ છીએ તેની આગળ કોઈ જ્ઞાન જ નથી. આ છેલ્લામાં છેલ્લી વિગત છે. તે કો'ક ફેરો બધું ય ઉઘાડું કરી નાખીએ ! આખા જગતના ગુરુઓ શિષ્યને વઢે છે. અમે વઢતાં નથી. તેનું કારણ શું ? કે આ બધું થાય છે તે વિસર્જન છે.

બંધાયા, ભૂલોને લઈને !

આ વર્લ્ડમાં કોઇ તમારો ઉપરી જ નથી, તેની હું તમને ગેરેન્ટી આપું છું. કોઇ બાપોય તમારો ઉપરી નથી. 'તમારી ભૂલો એ જ તમારી ઉપરી છે !' જો 'જ્ઞાની પુરુષ' મળી જાય તો તમારી ભૂલ ભાંગી આપે. તું તારી જ ભૂલોથી બંધાયો છું. આ તો માને કે આ સાધનથી હું છૂટવાનો પ્રયત્ન કરું છું પણ તે એ જ સાધનથી તું બંધાય છે !

અમે જાતે જ્ઞાનમાં જોયું છે, કે જગત શેનાથી બંધાયું છે ? માત્ર નિજદોષથી બંધાયું છે.

એક-એક અવતારે એક-એક ભૂલ ભાંગી હોત તો ય મોક્ષ સ્વરૂપ થઇ જાત, પણ આ તો એક ભૂલ ભાંગવા જતાં નવી પાંચ ભૂલ વધારી આવે છે ! આ બહાર બધું રૂપાળુંબંબ જેવું ને મહીં બધો કકળાટનો પાર નહીં ! આને ભૂલ ભાંગી કેમ કહેવાય ? તમારો તો કોઇ ઉપરી જ નથી, પણ ભૂલ બતાવનાર જોઇએ. ભૂલોને ભાંગો, પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે ? અને તે ય એકાદ-બે જ છે કંઇ ? અનંત ભૂલો છે !!! કાયાની અનંતી ભૂલો છે, વાણીની અનંતી ભૂલો છે. વાણીની ભૂલો તો બહુ ખોટી દેખાય. કોઇને જમવા બોલાવવા ગયા હો તે એવું કઠોર બોલે કે બત્રીસ ભાતનું જમવાનું તેડું હોય તો ય ના ગમે. એના કરતાં ના બોલાવે તો સારું એમ મહીં થાય. અરે, ચા પાય તો કર્કશ વાણી નીકળે. અને મનના તો પાર વગરનાં દૂષણો હોય!

ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. 'તારા સ્વરૂપનું અજ્ઞાન' એ જ મોટામાં મોટો દોષ છે. આ તો 'હું ચંદુલાલ છું' ત્યાં સુધી બીજા દોષો ય ઊભા છે અને એક વખત 'પોતાના સ્વરૂપ'નું ભાન થાય તો પછી બીજા દોષો હેંડતા થાય !

સવળી દ્રષ્ટિ, સંસારથી છોડાવે !

દ્રષ્ટિ છતી થાય ત્યારે પોતાના જ દોષ દેખાય ને અવળી દ્રષ્ટિ હોય ત્યારે સામાના દોષ દેખાય.

પોતાના ગુના દેખાય તે 'સમ્યક્ દ્રષ્ટિ' અને પારકાંના ગુના દેખાય તે 'મિથ્યા દ્રષ્ટિ'.

નિજદોષ દ્રષ્ટિ એટલે સમકિત એટલે કે સવળીએ ચઢેલો. એક જ વખત સવળીએ ચઢી જાય તો તેની સંસારની દુકાન ખાલી થવા લાગે. સવળીએ ચઢેલો હંમેશાં પોતાના જ દોષ જુએ. જ્યારે અવળીએ ચઢેલો એટલે શું ? ત્યારે કહે, પોતાનાં વાસણ એઠાં પડી રહ્યાં હોય ને બીજાને કહે કે લાવ, તમારાં વાસણ ધોઇ આપું !

છેવટે દ્રષ્ટિ તો કઇ જોઇશે ? જીવમાત્ર નિર્દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય. માણસોમાં જ નહીં પણ આ ઝાડ વાંકું છે એવું ય ના બોલાય ! મેલને મૂઆ પૈડ. આનું આ જ અનંત અવતારથી ગાયું છે ને !

પોતાની જ ભૂલ છે, એમ જો ના સમજાય તો આવતા ભવનું બીજ પડે. આ તો અમે ટકોર મારીએ. પછી ના ચેતે તો શું થાય ? અને આપણી ભૂલ ના હોય તો મહીં સહેજ પણ ડખો ના થાય. આપણે નિર્મળ દ્રષ્ટિએ જોઇએ તો જગત નિર્મળ દેખાય અને આપણે વાંકું જોઇએ તો વાંકું દેખાય. માટે પ્રથમ પોતાની દ્રષ્ટિ નિર્મળ કરો.

કર્મોનો હિસાબ, ત્યાં દોષિત કોણ ?

કારણ કે મેં તો જગત નિર્દોષ જોયેલું, દોષિત કોઈ છે જ નહીં. એ જોયેલું મેં ! આ જગતમાં કોઈ જીવ દોષિત નથી, એ મારી દ્રષ્ટિમાં રહ્યા જ કરવાનું નિરંતર. જે કંઈ દોષ છે તે મારા જ કર્મનું પરિણામ છે.

પ્રશ્નકર્તા : એ એમ ન કહે, હું અથડાવ છું. તમે અથડાવ છો, એમ કહે એ તો. કોઈને પોતાના દોષ દેખાય નહીં ને !!

દાદાશ્રી : દોષ ના દેખાય ત્યાં સુધી મોક્ષે જવાનું વિચારી જ ના શકે ને ! એને દ્રષ્ટિ જ ના કહેવાય ને ? દ્રષ્ટિ સમ્યક્્ હોવી જોઈએ.

હમણાં સાસુ દુઃખ દેતી હોય ને, તો વહુ પોતાના દોષ જોતી નથી પણ સાસુની જ ખોડ કાઢ કાઢ કરે છે. પણ તે જો ધર્મધ્યાન સમજે તો શું કરે ? 'મારા કર્મના દોષ, તેથી મને આવાં સાસુ મળ્યાં. પેલી મારી બહેનપણીને કેમ સારી સાસુ મળી છે' એવો વિચાર ના કરવો જોઇએ? આપણી બહેનપણીને સારાં સાસુ હોય છે કે નથી હોતાં ? તો આપણે ના સમજીએ કે આપણી કંઇક ભૂલ હશે ને, નહીં તો આવાં સાસુ ક્યાંથી ભેગાં થાય ?

પ્રશ્નકર્તા : દ્રષ્ટિમાં ફેર છે એટલે આમ થાય છે ?

દાદાશ્રી : ના, દ્રષ્ટિમાં ફેર નહીં પણ એને ભાન જ નથી કે આ મારાં કર્મના ઉદયનું ફળ છે. એ તો પ્રત્યક્ષને જ જુએ છે, નિમિત્તને જ બચકાં ભરે છે. સાસુ તો નિમિત્ત છે, એને બચકાં ના ભરીશ. નિમિત્તનો તે ઊલટાનો આપણે ઉપકાર માનીએ કે એણે એક કર્મમાંથી મુક્ત કર્યા આપણને. એક કર્મમાંથી મુક્ત થવું હોય તો કેવી રીતે મુક્ત થવાય ? પેલો ગજવું કાપી ગયો અને ગજવું કાપનાર માણસને આપણે નિર્દોષ જોઇએ, અગર તો સાસુ ગાળો આપતી હોય કે આપણી ઉપર દેવતા નાખ્યો હોય, તે ઘડીએ આપણને સાસુ નિર્દોષ દેખાય તો આપણે જાણવું, કે આ કર્મની મુક્તિ થઇ ગઇ, નહીં તો કર્મ મુક્ત થયું નથી. કર્મ મુક્ત થયું નથી ને ત્યાર પહેલાં તો સાસુનો દોષ જુએ, એટલે પાછાં બીજાં નવાં કર્મ વધ્યાં ! કર્મ વધ્યાં ને પછી ગૂંચાઇ જાય. માણસ ગૂંચાઇ જાય પછી ગૂંચમાંથી શી રીતે નીકળે ? ગૂંચાઇ જાય. આખો દહાડો ગૂંચમાં ને ગૂંચમાં, ગૂંચમાં ને ગૂંચમાં !

નુકસાનમાં ય નફો દેખાડે, એવી દ્રષ્ટિ !

મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારી ને ? હાથ તો નથી ભાંગ્યો ને ! એટલી તો બચત થઈ ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો, બીજો તો નથી ભાંગ્યો ને ?! બે હાથ કાપી નાખ્યા, ત્યારે કહે, પગ તો છે ને ?! બે હાથ ને બે પગ કાપી નાખે તો કહેવું કે હું જીવતો તો છું ને ?! આંખે તો દેખાય છે ને ? લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં; હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને ?!

ભગવાને સમ્યક્ દ્રષ્ટિથી જોયું, જેથી નુકસાનમાં પણ નફો દેખાય !

ગટરના ઢાંકણા ઊઘાડાય ?!

પ્રશ્નકર્તા : સામાના દોષ દેખાય, તે દોષ પોતાનામાં હોય ?

દાદાશ્રી : ના. એવો કોઈ કાયદો નથી છતાં એવો દોષ હોય. આ બુધ્ધિ શું કરે છે ? પોતાના દોષ ઢાંક ઢાંક કરે ને બીજાના જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય, તે બીજાની ભૂલો ના જુએ. એ કુટેવ જ ના હોય. સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ.

દોષો તો બધાની ગટરો છે. આ બહારની ગટરો આપણે ઊઘાડતા નથી. આ નાના બાબાનેય એ અનુભવ હોય. આ રસોડું રાખ્યું તે ગટર તો હોવી જ જોઈએ ને ! પણ તે ગટરને ઊઘાડવી જ નહીં. કોઈનામાં અમુક દોષ હોય, કોઈ ચિઢાતો હોય, કોઈ રઘવાયો ફરતો હોય, તે જોવું તે ગટર ઊઘાડી કહેવાય. એનાં કરતાં ગુણો જોવા તે સારું. ગટર તો આપણી પોતાની જ જોવા જેવી છે. પાણી ભરાઈ ગયું હોય તો પોતાની ગટર સાફ કરવી. આ તો ગટર ભરાઈ જાય છે પણ સમજાતું નથી ! અને સમજાય છતાં કરે શું ? છેલ્લે કોઠે પડી જાય એ, એનાથી તો આ બધા રોગ ઊભા થાય છે. શાસ્ત્રો વાંચીને ગા ગા કરે કે 'કોઈની નિંદા ના કરશો' પણ નિંદા તો ચાલુ જ હોય.

કોઈનું જરાક અવળું બોલ્યો કે તેટલું નુકસાન થયું જ ! આ બહારની ગટરોનું ઢાંકણ કોઈ ઊઘાડતું નથી પણ લોકોની ગટરના ઢાંકણ ઊઘાડ ઊઘાડ કરે છે.

... ત્યારે ચોખ્ખું થશે !

આ લોકોનું દ્રષ્ટિબિંદુ ૧૦૦ ટકા રોંગ છે.

ભગવાને સહુને નિર્દોષ જોયેલા. કોઈને દોષિત તેમણે જોયેલા નહીં અને આપણી એવી ચોખ્ખી દ્રષ્ટિ થશે ત્યારે ચોખ્ખું વાતાવરણ થશે. પછી જગત આખું બગીચા જેવું લાગ્યા કરે. ખરેખર કંઈ લોકોમાં દુર્ગંધ નથી. લોકોનો પોતે અભિપ્રાય બાંધે છે. અમે ગમે તેની વાત કરીએ પણ અમારે કોઈનો અભિપ્રાય ના હોય કે, તે આવો જ છે !

કોઈની ટીકા કરવી એટલે આપણી દસ રૂપિયાની નોટ વટાવીને એક રૂપિયો લાવવો તે. ટીકા કરનાર હંમેશાં પોતાનું જ ગુમાવે છે. જેમાં કશું જ વળે નહીં, તે મહેનત આપણે ના કરવી. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે. આપણને જો દેખાયું કે આ તલ નથી પણ રેતી જ છે, તો પછી તેને પીલવાની મહેનત શું કામ કરવી ? ટાઈમ અને એનર્જી બન્ને વેસ્ટ જાય છે. આ તો ટીકા કરી ને સામાનો મેલ ધોઈ આપ્યો ને તારું પોતાનું કપડું મેલું કર્યું ! તે હવે ક્યારે ધોઈશ, મૂઆ ?!

આટલી દ્રષ્ટિ ફેર થયે મોક્ષ !

જ્યાં સુધી પોતાના દોષો દેખાતા નથી અને પારકાના જ દોષો દેખાયા કરે છે, એવી દ્રષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસાર ઊભો રહેવાનો. અને જ્યારે પારકાંના એકુંય દોષ નહીં દેખાય અને પોતાના બધા જ દોષો દેખાશે, ત્યારે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. બસ આટલો જ દ્રષ્ટિફેર છે !

પારકાં દોષ દેખાય છે એ આપણી જ દ્રષ્ટિમાં ભૂલ છે. કારણ કે આ બધા જીવો કોઈ પોતાની સત્તા નથી, પરસત્તાથી છે. પોતાનાં કર્મના આધારે છે. નિરંતર કર્મોને ભોગવ્યા જ કરે છે ! એમાં કોઈ કોઈનો દોષ હોતો જ નથી. જેને આ સમજણ પડી તે મોક્ષે જશે. નહીં તો વકીલાત જેવી સમજણ પડી, તો અહીંનો અહીં જ રહેશે. અહીંનો ન્યાય તોલશે તો અહીંનો અહીં જ રહેશે.

વ્યવહાર ઉકેલવો, દ્રષ્ટિ નિર્દોષ રાખી !

પ્રશ્નકર્તા : જે પાણીથી મગ ચડે એ પાણીથી ચડાવો.

દાદાશ્રી : તે તાનસાનું પાણી જો આવે તો એનાથી ચડાવો, એ ના મળે તો કુવો હોય, તો એનાથી ચડાવો. એ ના મળે તો કો'કનું છે તે ઢોરોને પાણી પાવાનું, તો તે પાંચ-પાંચ દહાડાથી પડી રહ્યું હોય એનાથી ચડાવો. અને તે ના મળે તો ગટરના પાણીથી ચડાવો. કોઈ પણ પાણીથી મગ ચડાવવા સાથે કામ છે. મગ ના પાડે, નહીં ?! ત્યારે ઝંઝટ બધી ચડાવનારને છે ?

એટલે આ કરુણા કહેવાય. એક ખરાબ વિચાર પણ મને નથી, કારણ કે નિર્દોષ દ્રષ્ટિથી જોઉં છું. તમને શીખવાડું ય છું કે નિર્દોષ છે અને એક્ઝેક્ટલી એવું છે જ. કોઈ કહેશે, 'પ્રુફ આપો.' તો સો ટકા પ્રુફ આપવા તૈયાર છું. આ જે એ પોતે આપી શકે એમ છે ત્યારે એમની પ્રતીતિમાં શું હશે ? પ્રતીતિમાં નહીં, વર્તનમાં પણ એવું જ હોય. તો તમને પ્રતીતિ બેસશે, તો ય બહુ થઈ ગયું. વર્તન નહીં આવે તો વાંધો નથી.

દોષ, પોતે જ અહંકાર ભાગ !

બીજાના દોષ દેખાય તો તો બહુ ગુનો કહેવાય. આ નિર્દોષ જગતમાં કોઇ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં અને ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.

અહંકારનો અર્થ શો ? આંધળું થવું, પોતાની દ્રષ્ટિથી. 'જ્ઞાની' અહંકાર કાઢી આપે.

દ્રષ્ટિ નિર્દોષ કરી, નિર્દોષ જોયું !

ભગવાન મહાવીરની સભામાં આચાર્ય મહારાજ બેઠા હતા. તે તેમને મહીં જરાક કેફ થઈ ગયો કે 'હું બહુ જાણું છું' અને 'હું કંઈક જાણું છું.' તે તેમણે ભગવાનને પૂછયું, 'ભગવાન, તમારામાં અને મારામાં હવે ફેર કેટલો ? હજુ મારે કેટલાં અવતાર બાકી રહ્યા છે ?' તે આચાર્ય મહારાજને એમ કે ત્રણેક ભવમાં મોક્ષ થઈ જશે ! ભગવાન તો વીતરાગ પણ અંદરખાનેથી આચાર્ય મહારાજની વાત સમજી ગયા. તેમણે કહ્યું, પ્રશ્ન તો સારો છે, પણ બે-પાંચનું પુણ્ય ઉદયમાં આવ્યું છે, તો તેમને પણ બોલાવો. ગામના નગરશેઠ, સતી, વેશ્યા, ગજવાં કાપનારને બોલાવો ને પેલો ગધેડો બહાર ઊભો છે તેની ય વાત તમને કહું. 'હે આચાર્ય મહારાજ ! મારામાં, તમારામાં આ નગરશેઠનામાં, સતિમાં, વેશ્યામાં, ગજવાં કાપનારમાં ને પેલા ગધેડામાં જરાય ફેર નથી.' મહારાજ બોલ્યા, 'શું બોલ્યા ભગવાન ! તમારામાં અને અમારામાં કંઈ ફેર નથી ? ફેર તો ઘણો બધો દેખાય છે ને ?'

ત્યારે ભગવાન બોલ્યા, 'જુઓ, ફેર તે તમને તમારી દ્રષ્ટિથી દેખાય છે. અમે આજથી ત્રીજા અવતાર પૂર્વે જ્ઞાની પુરુષના શિષ્ય થયેલા. તેમણે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરી આપી. તે દ્રષ્ટિનો અમે બે અવતારમાં ઉપયોગ કર્યો અને આ અવતારમાં સંપૂર્ણ નિર્દોષ થયા. સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને સર્વેને સંપૂર્ણ નિર્દોષ જોયા. તે નિર્દોષ દ્રષ્ટિથી અમે કહીએ છીએ કે તમારા, અમારામાં ને બધાનામાં કંઈ જ ફેર નથી !' આચાર્ય મહારાજ કહે, 'પણ પ્રભુ ! અમને તો બહુ ફેર લાગે છે. તમે સતીને ને વેશ્યાને, નગરશેઠને ને ગજવાં કાપનારને, મને અને પેલા ગધેડાને બધાંને એકસરખા શી રીતે કહો છો ? અમને નથી સમજાતું. આ વાત માન્યામાં નથી આવતી.' ભગવાને કહ્યું, 'જુઓ, આચાર્ય મહારાજ ! તમારામાં-અમારામાં, નગરશેઠનામાં, સતીમાં, વેશ્યામાં, ગજવાં કાપનારમાં ને પેલા ગધેડામાં માલ એક જ સરખો છે. બધાનામાં એકસો વીસ કાઉન્ટનું એક તોલો સૂતર ને તે ય પાછું ન્યુ શોરોક મિલનું છે. બધામાં સરખું જ છે. એ જ મિલનું અને એ જ એકસો વીસ કાઉન્ટનું એક તોલો સૂતર ! ફેર માત્ર એટલો જ છે કે તમારા બધાનું ગૂંચાયેલું છે ને મારી ગૂંચ નીકળી ગઈ છે ! આ સહુમાં સૌથી ઓછા અવતાર પેલા ગધેડાના થાય તેમ છે તેમ અમે અમારા જ્ઞાનથી જોઈને કહીએ છીએ. કારણ કે આચાર્ય મહારાજ, તમે શાસ્ત્રોનાં શાસ્ત્રો ભણ્યા, તેનો માનસિક બોજો ઉતારતાં તમને ઘણાં અવતાર થાય અને આ ગધેડાને તો આવતે અવતારે જ્ઞાની પુરુષનો ભેટો થશે અને તેનો મોક્ષ થઈ જશે !'

વિગતવાર પૂછજો જ્ઞાનીને !

વીતરાગોની કેવી દ્રષ્ટિ ! શું દ્રષ્ટિએ એમણે જોયું કે જગત નિર્દોષ દેખાયું !!! આપણે વીતરાગોને પૂછીએ કે સાહેબ તમે તો કેવી, કંઈ આંખે એવું જોયું તે આ જગત તમને નિર્દોષ દેખાયું ? ત્યારે એ કહે, 'એ જ્ઞાનીને પૂછજો. અમે તમને જવાબ આપવા ના આવીએ.' ડીટેલમાં વિગતવાર જ્ઞાનીને પૂછજો. એ એમણે તો જોયું પણ મેં ય જોયું એ !

જ્ઞાની પરિચય પમાય !

શરીરનું માલિકીપણું છે, મનનું માલિકીપણું છે, વાણીનું માલિકીપણું છે ત્યાં સુધી પરમ તત્ત્વ સાંભળ્યું નથી, જોયું નથી, શ્રધ્ધેલું નથી અને જે સાંભળ્યું છે, જોયેલું છે એ પરમ તત્ત્વ છે જ નહીં. એ કલ્ચર્ડ પરમ તત્ત્વ છે. સાચું પરમ તત્ત્વ તો ક્યારે થાય ? દેહનો માલિક ના હોય ! આ તો સાચું મળતું નથી ત્યાં સુધી લોકો કલ્ચર્ડને વાપરીને પણ દહાડા કાઢે છે.

આ તો બધાં ભૂતો છે. તમે ડરો તો ભૂત વળગી જશે. મહીં બૂમ પડે કે ફાંસીએ ચઢાવશે તો ? ત્યારે કહીએ કે 'હા, 'કરેક્ટ' છે.' આત્માને ફાંસી નથી. આત્માને કશું નથી. બધી પુદગલની કરામત છે. ફાંસી એ પુદગલ છે ને ફાંસીએ ચઢાવનાર હઉ પુદગલ છે. આત્મા કોઈ દહાડો ફાંસીએ ચઢ્યો નથી. આ તો દ્રષ્ટિમાં બેસતું નથી એટલે ગભરામણ થાય છે. પણ 'જ્ઞાની'ની દ્રષ્ટિએ એની દ્રષ્ટિ મળી ગઈ કે થઈ રહ્યું ! એના માટે 'જ્ઞાની' પાસે પરિચયમાં રહેવું પડે !

સંસાર દ્રષ્ટિ ત્યાં કષાય !

ચિત્તની અશુધ્ધિને લઈને આ જગત ઊભું થયું છે ! ચિત્તશુધ્ધિ થઈ જાય એટલે કામ થઈ ગયું ! ચિત્ત અશુધ્ધિમાં પોતાની સંસાર અભિમુખ દ્રષ્ટિ છે, જેને સાપેક્ષ દ્રષ્ટિ કહે છે. એને લઈને ચિત્તની અશુધ્ધિ છે. નિરપેક્ષ દ્રષ્ટિ થાય એટલે ચિત્તશુધ્ધિ થઈ જાય !

લોકોનાં ચિત્ત સંસારદ્રષ્ટિ તરફ જુએ છે. એટલે ક્રોધ-માન-માયા-લોભ બધાં ઊભાં થાય છે અને એમાંથી બહુ દુઃખ પડે છે, પણ એનો ઉપાય જડતો નથી. એટલે જ્યાં ઠંડક લાગે ત્યાં રાગ કરે ને ગરમી થાય ત્યાં દ્વેષ કરે.

જ્ઞાનીની સમદ્રષ્ટિ !

વીતરાગપણું ક્યાં છે ? બંને ય, વખાણીએ કે વખોડીએ છતાં સમદ્રષ્ટિ રહે. અમે 'નંગોડ' શબ્દ બોલીએ, પણ ભાવમાં સમદ્રષ્ટિ જ રહે. આ વખાણવું અને વખોડવું એ બંનેય જોડે તમારે ફાવટ કરી લેવી પડશે, પછી કોઇ તમને બેમાંથી એક આપે તો ય તમને તે અડશે નહીં. બહાર જો બંનેય સરખા દેખાશે તો અંદર પણ સરખા દેખાશે. બધાય પાયા તો સરખા દેખાવા પડશે ને ? આ ખાટલાના ચાર પાયા સરખા ના હોય તો ય તેને ટેકો લગાવવો પડે છે ને ? જ્યારે આ બંનેય તો એક જ માના પુત્રો, તો પછી તેમનામાં ય ભેદ કેમ ? આ દ્વંદ્વથી તો જગત ઊભું રહ્યું છે. વખાણવું ને વખોડવું એ બંને દ્વંદ્વ છે. બંને દ્વંદ્વોથી દ્વંદ્વાતીત થવું પડશે, વીતરાગ થવું પડશે.

'ક્રમિક માર્ગ'ના જ્ઞાનીઓનો નિયમ એવો હોય કે એંસી ટકા સુધી જ્ઞાની પહોંચેલા હોય તો તે ઇઠ્્યોતેર ટકાના જ્ઞાની પાસે પગે લાગવા ના જાય, બ્યાંસી ટકાવાળા પાસે જ જાય. જ્યારે 'અક્રમ માર્ર્ગ'ના જ્ઞાનીનું કેવું છે ? 'અમે' સો ટકાવાળા છીએ છતાં પાંચ ટકાવાળા પાસે જઇને અમે પગે લાગીએ. જેનો કેફ ઉતરી ગયો છે, એને શો વાંધો આવે ? અમને તો આત્માની જ દ્રષ્ટિ હોય. અમે ઓછા ટકાવાળાને શા સારું પગે લાગીએ ? એને ડાહ્યો બનાવવા કે 'મહારાજ, આ તમારું સાચું નથી.' અમારે તો કેફ ચઢે નહીં પણ એને કેફ વધે એટલે અમે કારણ સિવાય જઇએ નહીં, નહીં તો એનો રોગ વધે.

અમને તો અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ અમે જાતે નિર્દોષ દ્રષ્ટિ કરીને આખા ય જગતને નિર્દોષ જોઈએ છીએ ! તાત્ત્વિક દ્રષ્ટિએ જોઈએ તો દોષ કોઈનો ય નથી, સંજોગો એવા છે તેથી. પણ આ અમે કડક બોલીએ છીએ, તે સામા માટે સંપૂર્ણ કરુણા હોવાથી, એનો રોગ કાઢવા બોલીએ છીએ.

અમે ચોખ્ખું જ કહી દઈએ. કારણ કે અમારે ઘાટ નથી, લાલચ નથી. તારું હિત એ જ અમારે જોવાનું છે. તારા પર અમને અપાર કરુણા હોય, તેથી જ અમે તો નગ્ન સત્ય કહી દઈએ. આ જગતને અમે એકલાં જ નગ્ન સ્વરૂપે કહીએ છીએ.

અમે કઠણ બોલીએ. જ્ઞાનીના શાથી કઠણ શબ્દો હોય ? કારણ કે તેઓ નિર્ભીકપણે બોલે છે અને જગત આખું બીકનું માર્યું બોલે છે. ઉપર બાપો છે તેની બીક લાગે, કર્મ બંધાશે તેની બીક લાગે ! જ્યારે જ્ઞાની પુરુષને તો કોઈ જાતની બીક જ નથી. જ્ઞાની તો વર્લ્ડના ગમે તે માણસને જે ફેક્ટ છે તે કહી દે. કારણ કે જેને કશું જ જોઈતું નથી, પછી શું ? જેને કશું જોઈતું હોય તેને તો લાલચને માટે બીક રાખવી પડે. જ્ઞાનીને તો વર્લ્ડની કોઈ ચીજ જોઈતી નથી, એમને બીક હોતી હશે ? એ તો વર્લ્ડના માલિક કહેવાય !!!

- જય સચ્ચિદાનંદ