લક્ષ્મીજી આવે કેવી રીતે ?

સંપાદકીય

મારી પાસે લક્ષ્મી આવે કેવી રીતે ? એનું ચિંતવન સંસારમાં કોને નહીં હોય, અમુક સાધુ-સન્યાસી કે જ્ઞાની સિવાય ? પણ માણસને એવી ખબર નથી કે લક્ષ્મી કયા આધારે આવે છે ને ક્યા આધારે નથી આવતી ? એ રહસ્યજ્ઞાન જ્ઞાનીઓ પાસે હોય છે. કેમ કરીને આત્મશ્રેય થાય અને વ્યવહાર અડચણ વિના ચાલ્યા કરે, ત્યાં જ્ઞાની પુરુષની જાગૃતિ હોય ! આ ભવ સમતાભાવે પૂરો થાય અને આવતે ભવ સેફસાઈડ રહી શકે, તેવી કળા જ્ઞાની પાસે જ પ્રાપ્ત થઈ શકે.

આજે જ્યાં જુઓ ત્યાં લક્ષ્મી વિના ચાલતું જ નથી, ત્યાં પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, 'પણ લક્ષ્મી મળવી-ના મળવી એ પણ પોતાની સત્તાની વાત નથીને !' દાદાશ્રી એક જ વાક્યમાં લક્ષ્મી સંબંધી રહસ્ય ખુલ્લું કરી આપે છે કે પૈસા કમાવા એ બુધ્ધિના ખેલ નથી કે મહેનતનું ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્યૈ કરેલી છે, તેના ફળરૂપે તમને મળે છે. અને ખોટ એ પાપ કરેલું તેના ફળરૂપે છે. કોઈ પણ પરિણામ જોઈતું હોય તો એના કારણોનું સેવન કરવું જોઈએ, તો પરિણામ એની મેળે આવે જ. એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ. પુણ્ય-પાપની ટૂંકી સચોટ વ્યાખ્યા દાદાશ્રીએ આપી છે, કે બીજાને કંઈ પણ સુખ આપવાનો ભાવ ત્યાંથી પુણ્ય બંધાય છે ને બીજાને કંઈ પણ દુઃખ આપવાનો ભાવ ત્યાં પાપ બંધાય છે !

જેમ પરિક્ષા આપ્યા પછી રિઝલ્ટ (પરિણામ) મેળવવા ચિંતા કરે, દોડધામ કરે તો શું કહેવાય ? તેવી રીતે જન્મ્યા ત્યારથી મરતાં સુધી પાપ-પુણ્યનાં રિઝલ્ટ ભોગવવાનાં છે. તો જે કુદરતી રીતે આવવાનું છે, તેની પાછળ પડવાની આપણે શી જરૂર ? પણ એ ખાત્રી નહીં બેસવાથી મનુષ્યો દુઃખી થાય છે. આત્મા જે પોતાનું સ્વરૂપ છે તેનો ખ્યાલ છે નહીં અને લક્ષ્મી જે પરસત્તામાં પરાધીન છે, તેની પાછળ દોડધામ કરી નાખે છે ને અધોગતિના કર્મો બાંધી નાખે છે.

રોજ સવારે નહાવાનું પાણી મળશે કે નહીં, તેનું ધ્યાન કરવું પડે છે ? રાતે ઊંઘ આવશે કે નહીં તેની ઈચ્છા આખો દહાડો કરીએ છીએ ? પરસેવો હાથના મેલ માટે ઈચ્છા નથી છતાં એની મેળે આવ્યા કરે છે ને ! તેમ લક્ષ્મી પણ એની મેળે જ આવે છે ! એટલું જ નહીં પણ ધર્મમાં રહીએ કે અધર્મમાં, એ આવતી લક્ષ્મીમાં ફેરફાર થવાનો નથી ! તો ડાહ્યા માણસે શું નક્કી કરવું જોઈએ ?

લક્ષ્મી પ્રાપ્તિના કેટલાંય કાયદાઓ અત્રે સંકલિત થયા છે, જે સમજ્યા પછી લક્ષ્મીની પ્રાપ્તિ પાછળ દોટ મૂકનારાને હાયવોયથી મુક્ત કરાવી દેશે એ જ અભ્યર્થના !

દીપકના જય સચ્ચિદાનંદ

લક્ષ્મીજી આવે કેવી રીતે ?

મૂઆ પીછે ય ચાલશે...

ઘરમાં સુખ હોત તો કોઈ માણસ મોક્ષ ખોળત નહીં ને ! આ તો સંસાર છે એટલે એવું જ હોય, પણ બે ટાઈમ ખાવા મળે છેને ? ખમીસ પહેરવા મળે છેને ?

પ્રશ્નકર્તા : પણ પૈસાનું સુખ નથી.

દાદાશ્રી : આપણને ખાવા તો મળે છે ને ! આ મુંબઈ ગામમાં તો બધા પૈસા સારુ દોડે છે. ધનની ઇચ્છા છે ને બધાને ! આપણે સંતોષ રાખીએ. આપણો હિસાબ હશે તો મળશે. હિસાબ લાવ્યો હોય તો હિસાબની બહાર તો એકદમ મળી ન જાય ને ? કેટલું ધન ભેગું કરવું છે ?

પ્રશ્નકર્તા : જિંદગી સુધી ભેગું કરવું છે.

દાદાશ્રી : પણ પછી સાથે કશું લઈ જવાનું નહીં, તો ય આવી દોડધામ કોણ કરે ?

પ્રશ્નકર્તા : આવ્યા'તા, તે કંઈ સાથે લઈને આવ્યા'તા ?

દાદાશ્રી : બસ, સાથે લઈને આવવાનું નહીં ને સાથે લઈ જવાનું નહીં. કાયદો સારો છે, નહીં તો આ રાતે ય ના ઊંઘે, રાતે ય દુકાનો ચાલુ હોત અને ઇલેક્ટ્રિસિટી વાપરત, આખી રાત.

આ બે વાત જો સમજે ને, તો કશી ઉપાધિ ના રહે !

'જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પીછે ચાલશે

અટકે ના કોઈ દી વહેવાર રે,.....

સાપેક્ષ સંસાર રે...'

'જન્મ પહેલાં પારણું ને મૂઆ પીછે લાકડાં,

સગાંવહાલાં રાખશે તૈયાર રે,.....

વચ્ચે ગાંઢ જંજાળ રે...'

બધા બુધ્ધિજીવીઓને આ એક્સેપ્ટ કરવું પડે, એવી વાત છે ને !

તૈયારી કરી, કશું જોડે લઈ જવાની ?

કોનું મકાન છે આ ? તમારું પોતાનું ? આવડું મોટું મકાન ? તે તમે શું કરો છો ? બીજો, ત્રીજો માળ બધું એમનું એમ જ ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : માણસો કેટલા ?

પ્રશ્નકર્તા : ચાર.

દાદાશ્રી : આ સૂના ઘરમાં બીજા ત્રણ જ જણા ? અને સંડાસ કેટલાં ?

પ્રશ્નકર્તા : પાંચ, શાંતિનું સ્થાન જ એ છે.

દાદાશ્રી : જરા વૈરાગ્ય આવવાનું સ્થાન હતું, તેને આ લોકોએ વૈરાગ્ય ઊડી જાય એના માટે રસ્તો કરી આપ્યો. વૈરાગ્ય આવવાનું એટલું જ સ્થાન હતું આ કાળમાં, તે એમ ને એમ ઊડાડી દીધું. જ્યાં વૈરાગ્ય આવવાની ભૂમિકા હતી ત્યાં જ ઊંઘે છે લોકો, સિગરેટ પીને !

પ્રશ્નકર્તા : બબ્બે લાખ રૂપિયાનાં આલિશાન જાજરૂ બનાવ્યાં છે લોકોએ !

દાદાશ્રી : એ તો મેં ય મુંબઈમાં જોયેલું ને ! મને એના એ જ લોકોએ બતાડેલાં કે દાદા, આ આવું બનાવ્યું છે. મેં કહ્યું, 'હશે, હવે જે કર્યું એ કર્યું. મેલ છાલ હવે. એ તો અહીંને માટે કર્યું. ત્યાં લઈ જવા માટે શું કર્યું ? એ મને કહે, 'અહીંની સેફસાઈડ કરી, પણ ત્યાં લઈ જવાની ?'

લક્ષ્મી વિના નથી ચાલતું, છતાં...

પ્રશ્નકર્તા : કોઈ માણસને જરૂરિયાત હોય એટલે પૈસાની પાછળ પડવું પડે છે ને !

દાદાશ્રી : પાછળ પડવાથી જો પૈસો થતો હોયને, તો આ મજૂરોને પૈસા પહેલાં મળે. કારણ કે આ તો પૈસા હારુ બાર કલાક પાછળ પડે છે.

પ્રશ્નકર્તા : પૈસા એ વિનાશી ચીજ છે. છતાં પણ એના વગર ચાલતું નથીને ? ગાડીમાં બેસતાં પહેલાં પૈસા જોઈએ.

દાદાશ્રી : જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી-ના મળવી એ પણ પોતાની સત્તાની વાત નથીને ! આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી કરીને મરી જાય છે છતાં માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલમાલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે.

લક્ષ્મી, મહેનતથી કે અક્કલથી આવે ?

વાત તો સમજવી પડશે ને ? આમ ક્યાં સુધી પોલંપોલ ચાલશે ? ને ઉપાધિ ગમતી તો છે નહિ. આ મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે. ખાલી પૈસા કમાવવા માટે નથી. પૈસા શેનાથી કમાતા હશે ? મહેનતથી કમાતા હશે કે બુધ્ધિથી ?

પ્રશ્નકર્તા : બંનેથી.

દાદાશ્રી : જો પૈસા મહેનતથી કમાતા હોય તો આ મજૂરોની પાસે ઘણા બધા પૈસા હોય. કારણ કે આ મજૂરો જ વધારે મહેનત કરે છે ને ! અને પૈસા બુધ્ધિથી કમાતા હોય તો આ બધા પંડિતો છે જ ને ! પણ તે એમને તો પાછળ ચંપલ અડધું ઘસાઈ ગયેલું હોય છે. પૈસા કમાવા એ બુધ્ધિના ખેલ નથી કે મહેનતનું ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્યૈ કરેલી છે તેના ફળરૂપે તમને મળે છે. અને ખોટ એ પાપ કરેલું, તેના ફળરૂપે છે. પુણ્યને અને પાપને આધીન લક્ષ્મી છે. એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ.

અક્કલવાળા તો, ભૂલેશ્વરમાં અર્ધા ચપ્પલ ઘસાયેલા બધા બહુ માણસો અક્કલવાળા છે. કોઈ માણસ મહિને પાંચસો કમાય છે, કોઈ સાતસો કમાય છે, કોઈ અગિયારસો કમાય છે. કૂદાકૂદ કરી મેલે છે કે 'અગિયારસો કમાઉં છું' કહે છે ! અરે પણ તારું ચંપલ તો અર્ધું ને અર્ધું જ છે. જો અક્કલનાં કારખાનાં ! એ કમઅક્કલના બહુ કમાય છે. અક્કલવાળો પાસા નાખે તો છત્તા પડે કે મૂરખ માણસના પાસા છત્તા પડે ?

પ્રશ્નકર્તા : જેની પુણ્યૈ એના છત્તા પડે.

દાદાશ્રી : બસ, એમાં તો અક્કલ ચાલે જ નહિ ને ! અક્કલવાળાનું તો ઊલટું ઊંધું થાય. અક્કલ તો એને દુઃખમાં હેલ્પ કરે છે. દુઃખમાં કેમ કરીને સમોવડિયું કરી લેવું, એવી એને હેલ્પ કરે છે.

પૈસાપ્રાપ્તિમાં શો પુરુષાર્થ ?

પ્રશ્નકર્તા : આ પુણ્યૈની લક્ષ્મી આપણી પાસે આવવાની છે કે નહીં, એની માટે સહજ પુરુષાર્થ તો કંઈક હોવો જોઈએ ને ?

દાદાશ્રી : પુણ્યૈની લક્ષ્મી માટે પુરુષાર્થ કેવો હોય ? આમ સરળ ને સુંવાળો પુરુષાર્થ હોય. આ તો સરળ ને સુંવાળો હોય, તેને આપણે અણસમજણથી કઠણ બનાવીએ છીએ.

પ્રશ્નકર્તા : આપણને એમ લાગે કે સરળ ને સુંવાળો નથી અને કઠણ છે તો પછી એને પડતું મૂકી દેવું ? આપણને એમ લાગે કે આપણી પુણ્યૈ એટલી બધી નથી કે સરળ રસ્તેથી લક્ષ્મી આવે, તો પછી ત્યાં આપણે સહજ થઈ જવું ?

દાદાશ્રી : ના, ના. ધીરજ રાખો તો બધું એની મેળે સરળ જ નીકળે છે ! પણ આ તો ધીરજ નથી રહેતી અને દોડધામ કરી મેલે છે ને બધું બગાડે છે.

પ્રશ્નકર્તા : ધીરજ નથી રહેતી ને, આમ કરું તેમ કરું એમ થઈ જાય છે.

દાદાશ્રી : હા અને આમ કરી નાખું, તેમ કરી નાખું એનાથી બધું ગૂંચવી નાખે છે. ટ્રેન પકડવાની હોય ત્યાં ય એને ધીરજ ના રહેતી હોય, ત્યાં નિરાંતે ચા પીએ ખરો ? ના. એને તો ગાડી હમણાં આવશે, ગાડી હમણાં આવશે, એમાં જ હોય. એને કહીએ કે 'જરા ભાઈ, અહીં આવો, વાતચીત કરવી છે.' પણ તો ય એ સાંભળે નહીં, તેવું આ અધીરજથી આમ કરી નાખું, તેમ કરી નાખું કરે છે. પછી એવો જ ક્લેશ ને થાક અનુભવે છે.

પ્રશ્નકર્તા : એવું છે, ધંધામાં આપણા માથે સ્વાભાવિક રીતે કંઈક તલવારો લટકતી હોય કે ઈન્કમટેક્ષ ભરવાનો છે, સેલટેક્ષ ભરવાનો છે. પગારો વધારવાના છે, તો એના દબાણને લઈને એ ફાંફાં મારતો હોય કે આમ કરી લઉં ને તેમ કરી લઉં !

દાદાશ્રી : તો ય કશું વળે નહીં. ફાંફાંવાળાને ફાંફાં જ મારવાનાં રહે.

પ્રશ્નકર્તા : એટલે આપે કહ્યું તેમ ધીરજ પકડે તો એની મેળે ગોઠવણી થઈ શકશે ?

દાદાશ્રી : ધીરજથી જ બધું થાય. શાંતિથી બધું આવે. એ ઘેર બેઠાં બોલાવવા આવે. પાછું એવું નહીં કે આપણે બજારમાં ખોળવું પડે. બાકી મહેનત કરીને મરી જાય, બુધ્ધિ વાપરીને મરી જાય તો પણ આજે ચાર આનાય મળે નહીં, અને આવું એકલો ક્યાં ઝાલી પડ્યો છે ? આખી દુનિયા લક્ષ્મી પાછળ પડી છે !

'વે ટુ સ્મશાન'માં પૈસા ખોળાય ?

લોક પૈસાની પાછળ જ પડ્યા છે કે ક્યાંથી પૈસો લેવો ?! અલ્યા, આ સ્મશાનમાં શેના પૈસા ખોળો છો ? આ તો સમશાન થઈ ગયું છે. પ્રેમ જેવું કશું દેખાતું નથી. ખાવા-પીવામાં ચિત્તનાં ઠેકાણાં નથી, લૂગડાં પહેરવાનું ઠેકાણું નથી, જણસો પહેરવાનું ઠેકાણું નથી, કશામાં બરકત ના રહી. આ કઈ જાતનું આવું ક્યાં સુધી ચાલશે ? આ કઈ જાતની જીવાત પાકી એ જ સમજાતું નથી ! આખો દહાડો પૈસા, પૈસા ને પૈસાની પાછળ જ ! ને પૈસો કુદરતી રીતે આવવાનો છે. એનો રસ્તો કુદરતી રીતે છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારુંને બાપ !

સંયોગ, પાપ-પુણ્યના આધારે !

કોઈ ફેરા સંજોગો સારાં આવે છે ખરાં કે ?

પ્રશ્નકર્તા : સારાં ય આવે છે.

દાદાશ્રી : એ ખરાબ ને સારાં સંજોગોને કોણ મોકલતું હશે ? આપણા જ પુણ્ય ને પાપના આધારે સંજોગો ભેગા થાય છે.

મેં લોકોને કહ્યું કે, શું કરવા પૈસા પાછળ પડ્યા છો તે ? પૈસા હારુ ધ્યેય શાનો રાખો છો ? પૈસા તો પુણ્યને આધીન છે. ત્યારે કહે કે, 'અક્કલને આધીન નહીં ?' મેં કહ્યું કે, 'અક્કલવાળો તો, તું ભૂલેશ્વરમાં જા, અરધાં ચપ્પલવાળાં બધાં બહુ ફરતાં હોય. એ તને બધી જાતની સલાહ હઉ આપે ! અક્કલ તો વટાવી ખાય બધી. બેઅક્કલના જ પૈસા હોય, પુણ્યના જ પૈસા હોય.'

પ્રશ્નકર્તા : રૂપિયાથી પથારી ને જલેબી બન્ને મળે છે.

દાદાશ્રી : હા, એ બધું ભગવાનથી નથી મળતું એટલે પછી આ લોકોને ભગવાન પર પ્રીતિ ઊઠી ગઈ છે. એને ખાતરી પણ નથી ભગવાન પર ! એટલે એ ભગવાનને ઓળખતો ય નથી ! અને જે દેખાય છે, એના પર પ્રીતિ થઈ જાય છે. આ રૂપિયા પર આખા જગતને ય પ્રીતિ ખરી ને ?

ચિંતા, ત્યાં લક્ષ્મી ટકે ?

પ્રશ્નકર્તા : એવું જો હોય તો તો પછી લોકો કમાવા જ ના જાય ને ચિંતા જ ના કરે.

દાદાશ્રી : નહીં, કમાવા જાય છે એ ય એમના હાથમાં જ નથી ને ! એ ભમરડા છે. આ બધા નેચરના ફેરવ્યા ફરે છે અને મોઢે અહંકાર કરે છે કે હું કમાવા ગયેલો. અને આ વગર કામની ચિંતા કરે છે. પાછું એ ય દેખાદેખીથી કે ફલાણાભાઈ તો જુઓને, છોડી પૈણાવવાની કેટલી બધી ચિંતા રાખે છે ને હું ચિંતા નથી રાખતો. તે ચિંતામાં ને ચિંતામાં પછી તડબૂચા જેવા થઈ જાય અને છોડી પૈણાવવાની હોય ત્યારે ચાર આનાય હાથમાં ના હોય. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ? લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે ? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય, એને ત્યાં લક્ષ્મીજી જાય.

શાથી દિવેલ પીધા જેવું મોં ?!

આ બધા વેપારીઓ મોઢા ઉપર કંઈ દિવેલ ચોપડીને ફરે છે ? ના, છતાં એનું દિવેલ પીધું હોય એવું મોઢું થઈ જાય છે, શાથી ? કારણ કે આખો દહાડો વિચાર કર્યા કરે, કે આ દુકાન મોટી કરું ! હવે, આ દુનિયામાં પૈસા કમાવાના વિચાર કોને ના આવે ? એવા કોને ના આવતા હોય વિચાર ? હવે બધા જ જો કમાવા ફરે તો પછી કુદરત પહોંચી શી રીતે વળે ? એ બધાને શી રીતે આપી શકે ? એના કરતાં થોડાક તો એવાં રહોને, કે ભઈ, મારે પૈસા જોઈતા નથી. જે આવશે તે મારે કરેક્ટ છે. જેટલા એની મેળે આવે એટલા સાચા અને નહિ આવે એવુંય નથી. આ લક્ષ્મી શેના આધીન છે એની લોકોને ખબર જ નથી.

લક્ષ્મી 'લિમિટેડ' છે અને લોકોની માગણી 'અનલિમિટેડ' છે !

કોણ, કોની પાછળ ?

લક્ષ્મીજી તો પુણ્યશાળી પાછળ જ ફર્યા કરે છે અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી રોટલા મળશે, ખાવા-પીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી પુણ્યૈ વગર લક્ષ્મી ના મળે.

એટલે ખરી હકીકત શું કહે છે કે તું જો પુણ્યશાળી છો તો તરફડિયાં શું કરવા મારે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ તરફડિયાં શું કરવા મારે છે ?

પુણ્યશાળી તો કેવો હોય ? આ અમલદારો ય ઓફિસેથી અકળાઈને ઘેર પાછાં આવેને, ત્યારે બાઈસાહેબ શું કહેશે, 'દોઢ કલાક લેટ થયા, ક્યાં ગયા હતા ?' આ જુઓ પુણ્યશાળી (!) પુણ્યશાળીને આવું હોતું હશે ? પુણ્યશાળીને એક અવળો પવન ના વાગે. નાનપણમાંથી જ એ ક્વૉલિટી જુદી હોય. અપમાનનો જોગ ખાધેલો ના હોય. જ્યાં જાઓ ત્યાં 'આવો, આવો ભાઈ' એવી રીતે ઉછરેલાં હોય અને આ તો જ્યાં ને ત્યાં અથડાયો ને અથડાયો. એનો અર્થ શું છે તે ? પાછું પુણ્યૈ ખલાસ થાયને એટલે હતા એના એ ! એટલે તું પુણ્યશાળી નથી તો આખી રાત પાટા બાંધીને ફરે, તોય સવારમાં કંઈ પચાસ મળી જાય ? માટે તરફડિયાં માર નહિ ને જે મળ્યું તેમાં ખા-પીને સૂઈ રહેને છાનોમાનો !

પ્રશ્નકર્તા : એ તો પ્રારબ્ધવાદ થયો ને !

દાદાશ્રી : ના, પ્રારબ્ધવાદ નહિ. તું તારી મેળે કામ કર. મહેનત કરીને રોટલા ખા. બાકી બીજાં તરફડિયાં શું કરવા માર માર કરે છે ? આમ ભેગા કરું ને તેમ ભેગા કરું ! જો તને ઘરમાં માન નથી, બહાર માન નથી, તો શાનો તરફડિયાં મારે છે ? અને જ્યાં જાય ત્યાં એને 'આવો, બેસો' કહેનાર હોય, એવી મોટામાં મોટી પુણ્યૈ લાવેલા હોય, એની વાત જ જુદી હોય ને ?

આ શેઠ આખી જિંદગીના પચ્ચીસ લાખ લઈને આવ્યા હોય તે પચ્ચીસ લાખના બાવીસ લાખ કરે છે પણ વધારતા નથી. વધે ક્યારે ? હંમેશાં ય ધર્મમાં રહે તો. પણ જો પોતાનું મહીં ડખો કરવા ગયો તો બગડ્યું. કુદરતમાં હાથ ઘાલવા ગયો કે બગડ્યું. લક્ષ્મી આવે છે, એને એ જાણે છે કે આ રેતીમાંથી લક્ષ્મી આવે છે. એટલે એ રેતીને પીલ પીલ કરે છે. પણ કશું મળતું નથી. લક્ષ્મી એ તો પુણ્યનું ફળ છે. ખાલી પુણ્યનું જ ફળ છે. મહેનતનું ફળ હોત ને તો તો બધી મજૂરોના હાથમાં જ ગઈ હોત અને અક્કલનું ફળ હોત ને, તો આ લોખંડના વેપારી જેવા કોઈ અક્કલવાળા નહીં, તો બધી લક્ષ્મી ત્યાં ગઈ હોત. પણ એવું નથી. લક્ષ્મી એ તો પુણ્યૈનું ફળ છે.

લક્ષ્મી તો પુણ્યૈથી આવે છે. બુધ્ધિ વાપરવાથી ય નથી આવતી. આ મિલમાલિકો ને શેઠિયાઓમાં છાંટો ય બુધ્ધિ ના હોય પણ લક્ષ્મી ઢગલાબંધ આવતી હોય ને એમનો મુનીમ બુધ્ધિ વાપર વાપર કરે, ઇન્કમટેક્ષની ઑફિસમાં જાય, ત્યારે સાહેબની ગાળોય મુનીમ જ ખાય, જ્યારે શેઠ તો લહેરથી ઊંઘતો હોય.

બિચારા મજૂરોની દશા !

કેટલાંક મજૂરો આખો દહાડો મહેનત કરે, બિચારો સાંજના શેઠને કહેશે કે 'શેઠ મારે ઘેર કશું ખાવાનું નથી, એટલે તો મેં તમને કહ્યું'તું કે સાંજે રોકડા પૈસા આપજો તો જ રહીશ.' ત્યારે શેઠ કહેશે, 'હા, રોકડા આપીશ કહેલું પણ અત્યારે તો મારી પાસે સોની નોટ છે. લાવ પંચાણું રૂપિયા, તારા પાંચ લઈ લે, નહીં તો જવું હોય તો જા ને રહેવું હોય તો રહે. નાલાયક છે કે શું ?' એમ બે ગાળો ખાઈને બિચારાને પૈસા વગર ઘેર જવું પડે, શું કરે બિચારો ? મજૂર છે ને ? ત્યારે શેઠનો તો શો દોષ છે ? અત્યારે ભોગવે છે તેનો દોષ છે. શેઠ પાંચ રૂપિયા નથી આપતા પણ ઉપરથી ટૈડકાવે છે. ગાળો દે છે, એમાં કોને ભોગવવું પડ્યું ? મજૂરને. તો મજૂરની ભૂલ છે, અને શેઠને ફળ આપશે ત્યારે શેઠની ભૂલ હશે. મજૂરને ટૈડકાવ્યો, ગાળો દીધી, દુઃખ દીધું, એનું ફળ એને આવશે. પેલાને તો એની ભૂલનું ફળ પાક્યું ને અત્યારે મળી ગયું, શેઠનું તો બંધાયું, તેનું ફળ ઉત્પન્ન થશે, પાકશે પછી વારો આવશે. ત્યાં સુધી શેઠનું તો ચાલ્યું.

વધારે મુશ્કેલીમાં કેમ મૂકાય ?

ત્યાં કેવી લાગણી આપણે રાખવી જોઈએ કે ધર્મ જેવી વસ્તુ આપણે સમજતા હોઈએ તો આપણી પાસે સોની નોટ હોય તો ગમે ત્યાંથી છૂટા લાવીને પેલાને પાંચ રૂપિયા આપી દેવા જોઈએ. પેલો બિચારો પાંચ રૂપિયા માટે આખો દહાડો મહેનત કરે અને એના આવતાં પહેલાં આપણે બેસી રહેવું જોઈએ કે એ ક્યારે આવે ને ક્યારે એની મજૂરી લઈ જાય. એના આવતાં પહેલાં કહીએ કે લે ભાઈ તારા પાંચ રૂપિયા ! એક મિનિટે ય મોડું ના કરાય. કારણ કે એને તો હજુ મરચું લેવાનું હોય, આમલી લેવાની હોય, બીજું શું શું લેવાનું ના હોય ? પાછી તેલની શીશી લાવેલો હોય, તેમાં થોડું તેલ લઈ જાય, એવું બધું લઈને ઘેર જાય ત્યાર પછી જમવાનું બનાવે. અમારે તો કામ પર મજૂરો હોય તે અમે આવું બધું જાણીએ. તે અમારો કાયદો એવો કે મજૂરના પૈસામાં કશું આઘુંપાછું થઈ ગયું હોય તો ખબર લઈ નાખું. બધું કડક ખાતું. એમને બિચારાને તો મહાદુઃખ, તે એમને વધારે મુશ્કેલીમાં આપણાથી કેમ મૂકાય ?

લક્ષ્મીવાન, અંતે તો...

લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. જો લક્ષ્મી વધુ પડતી આવી એટલે પછી માણસ મજૂર જેવો થઈ જાય. આમની પાસે લક્ષ્મી વધુ છે, પણ જોડે જોડે આ દાનેશ્વરી છે, એટલે સારું છે. નહીં તો મજૂર જ કહેવાયને ! એ આખો દહાડો વૈતરું કર્યા જ કરતો હોય, એને બૈરીની ના પડેલી હોય, છોકરાંની ના પડેલી હોય, કોઈની ય ના પડેલી હોય, લક્ષ્મી એકલાની જ પડેલી હોય. એટલે લક્ષ્મી માણસને ધીમે ધીમે મજૂર બનાવી દે અને પછી પેલી તિર્યંચ ગતિમાં લઈ જાય. કારણ કે પાપાનુબંધી પુણ્ય છે ને ! પુણ્યાનુબંધી પુણ્ય હોય તો તો વાંધો નથી. પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય કે આખા દિવસમાં અરધો જ કલાક મહેનત કરવી પડે. એ અરધો કલાક મહેનત કરે અને બધું કામ સરળતાથી ધીમે ધીમે ચાલ્યા કરે.

વાપરે એનું નાણું !

આ જગત તો એવું છે. એમાં ભોગવનારાં ય હોય ને મહેનત કરનારાં ય હોય, બધું ભેળસેળ હોય. મહેનત કરનારાં એમ જાણે કે આ હું કરું છું. એનો એમનામાં અહંકાર હોય. જ્યારે ભોગવનારામાં એ અહંકાર ના હોય. ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે. પેલાં મહેનત કરનારાંને અહંકારનો ગર્વરસ મળે.

એક શેઠ મને કહે, 'આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.' મેં કહ્યું, 'કશું કહેવા જેવું જ નથી. એ એની પોતાના ભાગની પુણ્યૈ ભોગવતો હોય એમાં આપણે શું કરવા ડખો કરીએ ?' ત્યારે એ મને કહે કે, 'એમને ડાહ્યા નથી કરવા ?' મેં કહ્યું, 'જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે, એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય.' પણ મહેનત કરે છે, એને અહંકારનો રસ મળે ને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોક, 'શેઠ આવ્યા, શેઠ આવ્યા' કરે એટલું જ બસ. અને ભોગવનારને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું.

અક્કલવાળો, મુનીમ કે શેઠ ?

લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રિકો વાપરવાથી આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોય તો આપણા પ્રધાનોને ચાર આનાય મળત નહીં. આ લક્ષ્મી તો પુણ્યૈથી કમાય છે. ગાંડો હોય તો ય પુણ્યૈથી કમાયા કરે.

એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા, અમદાવાદમાં સ્તોને ! લાકડાનું પાટિયું ને ઉપર ગાદી એવો પલંગ, સામે ટિપોય ! અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડિઝાઈન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર, જમીનની ઊંચે દોઢ ફૂટે માથું, મોઢાનો ત્રિકોણ આકાર અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડાં જાડાં ઢેબરાં જેવા અને બાજુમાં ફોન. તે ખાતાં ખાતાં ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયેલા અને ભાત તો કેટલોય વેરાયેલો નીચે. ફોનની ઘંટડી વાગે ને શેઠ કહે કે 'બે હજાર ગાંસડી લઈ લો' ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઈ જાય. મુનીમજી બેઠા બેઠા માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય. આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યૈને લઈને પ્રકાશ મારે છે. આ પુણ્યૈથી છે. તે તો શેઠને અને મુનીમજીને ભેળા રાખો તો સમજાય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં. આ પુણ્યૈ ક્યાંથી આવી ? ભગવાનને સમજીને ભજ્યા તેથી ? ના. ના સમજીને ભજ્યા તેથી ! કોઈની ઉપર ઉપકાર કર્યા, કોઈનું ભલું કર્યું. એ બધાથી પુણ્યૈ બંધાઈ. ભગવાનને ના સમજીને ભજે છતાં, અગ્નિમાં હાથ અણસમજણે ઘાલે તોય દઝાય ન

ે ?

દુઃખની ડેફિનેશન !

સંસાર એ વગર મહેનતનું ફળ છે. માટે ભોગવો, પણ ભોગવતાં આવડવું જોઈએ. આ જગતમાં તો ભગવાને કહ્યું કે જેટલી આવશ્યક ચીજ છે એમાં જો તને કમી થાય તો દુઃખ લાગે, સ્વાભાવિક રીતે. અત્યારે હવા જ બંધ થઈ ગઈ હોય અને શ્વાસોશ્વાસ ને ગુંગળામણ થતી હોય તો આપણે કહીએ કે દુઃખ છે આ લોકોને. શ્વાસોશ્વાસ ને ગુંગળામણ થાય એવું વાતાવરણ થયું હોય તો દુઃખ કહેવાય. બપોર થાય, બે-ત્રણ વાગતાં સુધી ખાવાનું ના થાય તો આપણે જાણીએ કે આને દુઃખ છે કંઈ. જેના વગર શરીર જીવે નહીં એવી આવશ્યક ચીજો, એ ના મળે તો એને દુઃખ કહેવાય. આ તો છે, ઢગલેબંધ છે, બળ્યું એને ભોગવતા ય નથી ને બીજી વાતમાં જ પડ્યા છે. એને ભોગવતા જ નથી. ના કશુંય નહીં, એના બાપના સમ જો ભોગવ્યું હોય તો, કારણ કે એક મિલમાલિક જમવા બેસે તો બત્રીસ ભાતની રસોઈ હોય, પણ એ મિલમાં મૂઓ હોય. શેઠાણી કહે કે 'ભજિયાં શાનાં બનાવ્યા છે ?' ત્યારે કહે, 'મને ખબર નથી, તારે પૂછ પૂછ ના કરવું.' એવું બધું છે આ.

લક્ષ્મી છતાં અશાંતિ શાને ?

આ નાણું જે છે ને અત્યારે, આ નાણું બધું જ ખોટું છે. બહુ જૂજ, થોડું સાચું નાણું છે. બે જાતની પુણ્યૈ હોય છે. એક પાપાનુબંધી પુણ્ય કે જે અધોગતિમાં લઈ જાય અને જે ઉર્ધ્વગતિમાં લઈ જાય એ પુણ્યાનુબંધી પુણ્ય. તે એવું નાણું બહુ ઓછું રહ્યું છે. અત્યારે આ રૂપિયા જે બહાર બધે દેખાય છે ને, તે પાપાનુબંધી પુણ્યના રૂપિયા છે અને એ તો નર્યાં કર્મ બાંધે છે અને ભયંકર અધોગતિમાં જઈ રહ્યાં છે. પુણ્યાનુબંધી પુણ્ય કેવું હોય ? નિરંતર અંતરશાંતિ સાથે જાહોજલાલી હોય, ત્યાં ધર્મ હોય.

પોતાની જવાબદારી પર ગુના !

પોતાનામાં કોઈ ભાગીદારી કરે નહીં, મહીં આમ હાથે ય ઘાલે નહીં. આ તો અક્કલનો ઇસ્કોતરો હોય તે કર્યા જ કરે.

આપણે છોકરાને પૂછીએ કે અલ્યા ભઈ આ ચોરીઓ કરી કરીને ધન કમાઈએ છીએ. ત્યારે એ કહે, 'તમારે કમાવવું હોય તો કમાવ, અમારે એવું નથી જોઈતું,' ઉપરથી પાછી બૈરી કહે, 'આખી જિંદગી ખોટાં કર્યાં છે. હવે છોડી દોને, બળ્યાં ?' તો ય ના છોડે મૂઓ.

પ્રશ્નકર્તા : કળિયુગમાં હજુ કોઈ બૈરી એવી મળી નથી. એ તો (બીજીનું) પેલીનું દેખે સારું, તો મને કેમ ના લાવી આપ્યું ? પોતે કહે જ કે આવું અમને કરી આપો. ધણીની ઇચ્છા હોય કે ના હોય તો યે કરવું પડે.

દાદાશ્રી : ના, એવું કશું નથી. એ તો બધો પ્રકૃતિ સ્વભાવ હોય છે.

આ મનુષ્ય એકલાને ઠેઠ સુધી ઢસરડા કરવા પડે છે. બાકી આ બળદને તો પાંજરાપોળમાં મૂકી આવે. કારણ કે હવે કશા કામમાં નહીં આવે બિચારો. માટે એને પાંજરાપોળમાં મૂકો !

કળિયુગની લક્ષ્મી, કરાવે કલેશ !

આજની લક્ષ્મી પાપાનુબંધી પુણ્યૈની છે. એટલે તે કલેશ કરાવે એવી છે, એના કરતાં ઓછી આવે તે સારું. ઘરમાં ક્લેશ તો ના પેસે. આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે, ત્યાં ક્લેશનું વાતાવરણ થઈ જાય છે. એક ભાખરી ને શાક સારું પણ બત્રીસ જાતની રસોઈ કામની નહીં. આ કાળમાં તો સાચી લક્ષ્મી આવે તો એક જ રૂપિયો, ઓહોહો... કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ-શાંતિ આપીને જાય. ઘરમાં બધાને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે.

અને આ તો દુષમકાળ, તો આ દુઃખ-મુખ્ય કાળમાં જીવો કેવા હોય તે ? કકળાટવાળા, આખો દહાડો કકળાટ, કકળાટ, કકળાટ. અંતરશાંતિ ના રહે. રૂપિયાથી કોઈ શાંતિ થાય નહીં.

મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા હોય છે !' મેં કહ્યું, 'ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યા નહીં ?' બેન કહે, 'ના, તોય કાઢવાના, પાઉંને માખણ ચોપડતાં જવાનું.' તે ક્લેશે ય ચાલુ ને નાસ્તા ય ચાલુ. અલ્યા, કઈ જાતના જીવડાંઓ છે ?!

પ્રશ્નકર્તા : કેટલાંકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ?

દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી. તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી.

ઘરખર્ચ માટે કેટલી લક્ષ્મી આપવી ?

ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખ રૂપિયા કમાય પણ આ 'પટેલ' સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય. બીજા તો ધંધામાં જ રહેવા દેવાય, ઈન્કમટેક્ષવાળાનો કાગળ આવે ને પૈસા ભરવાના થાય તે આપણે કહેવું, 'પેલી રકમ હતી તે ભરી દો. ક્યારે કયો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં 'ઈન્કમકટેક્ષવાળાનો એટેક' આવ્યો તો આપણે મહીં પેલો 'એટેક' આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે.

લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને 'હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય.

નહાવાના પાણીની જેમ લક્ષ્મી મળે !

પ્રશ્નકર્તા : પણ લોકોને હમણાં પૈસાની જરૂર છે ને ?

દાદાશ્રી : હા, પણ તેથી આવાં સજ્જડ દુર્ધ્યાન કરાતાં હશે ? આ નહાવાનું ય રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નહાવા માટે ધ્યાન નથી બગાડતા ? અત્યારે તો પાણી નથી મળતું તે તેમાં ય ધ્યાન બગાડે છે, પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું, નહીંતર નહીં, પણ ધ્યાન બગડવું ના જોઈએ. પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે, તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી થાય. આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની 'પોતાની' નથી. આ તો માત્ર નૈમિતિક ક્રિયા કરવાની હોય પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઇચ્છા રાખે તો તો પછી ફળ કેવાં આવે ?

સંભારે ત્યાં સુધી એનાં અંતરાય !

એક ભાઈ આવેલા તે બિચારાને ધંધામાં દર મહિને ખોટ જાય, તે પૈસાની હાય હાય કરતા હતા. મેં એમને કહ્યું, પૈસાની શું કરવા વાત કરો છો ? પૈસા તો સંભારવાના બંધ કરી દો. પણ ત્યારથી એમને પૈસા વધવા માંડ્યા. તે દર મહિને ત્રીસ હજાર રૂપિયા નફો થવા માંડ્યો, નહીં તો પહેલાં વીસ હજાર રૂપિયાની ખોટ આવતી હતી. ને પૈસાને તો સંભારાતા હશે ? લક્ષ્મીજી એ તો ભગવાનની સ્ત્રી કહેવાય. એનું નામ તો દેવાતું હશે ?

નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઇચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે.

ખાવાની જરૂર નથી ? સંડાસ જવાની જરૂર નથી ? તેમ લક્ષ્મીની પણ જરૂર છે. સંડાસ જેમ સંભાર્યા સિવાય થાય છે, તેમ લક્ષ્મી પણ સંભાર્યા સિવાય આવે છે.

પૈસો આવે, પરસેવા પેઠ !

કોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. કોઈને 'ક્યાંથી કમાવું, ક્યાંથી કમાવું' એવી અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠ્યો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે ! એ ય મોટી અટકણ કહેવાય.

પ્રશ્નકર્તા : પણ પૈસા વગર ચાલતું નથી ને !

દાદાશ્રી : ચાલતું નથી, પણ પૈસા શેનાથી આવે છે તે લોકો જાણતાં નથી અને પાછળ દોડ દોડ કરે છે. પૈસા તો પરસેવાની પેઠે આવે છે. જેમ કોઈને પરસેવો વધારે આવે અને કોઈને પરસેવો ઓછો આવે અને જેમ પરસેવો થયા વગર રહેતો નથી તેવી રીતે આ પૈસા આવે જ છે લોકોને !

મારે તો મૂળથી પૈસાની અટકણ જ નહોતી. બાવીસ વર્ષનો હતો ત્યારથી હું ધંધો કરતો હતો તો ય મારે ઘેર જે કોઈ આવ્યો હોય તે મારા ધંધાની વાત કોઈ જાણતા જ નહોતા. ઊલટો હું એને પૂછ પૂછ કરું કે તમે શી અડચણમાં આવ્યા છો ?

ઊંઘની જ્યમ આવે લક્ષ્મી !

પૈસા ભેગા કરવાની ઇચ્છા છે પણ પૈસા શેનાથી આવે તે ખબર નથી. તે એક માણસે પૂછયું કે, 'દાદા, કેવી રીતે લક્ષ્મી આવે ?' મેં કહ્યું, 'જેવી રીતે ઊંઘ આવે છે તેવી રીતે.' હા, કેટલાંકને ઊંઘ બિલકુલેય નથી આવતી ને ? તો એવું ત્યાં રૂપિયા ય ના દેખાય. એ રૂપિયા અને ઊંઘ એ બે સિમિલી છે. જેમ ઊંઘ આવે છે ને, તેવી રીતે જ લક્ષ્મી આવે છે. ઊંઘ લાવવાને માટે તમારે કશું કરવું નથી પડતું અને જો પ્રયત્ન કરશો તો વધારે આઘી જશે. ઊંઘ લાવવાને માટે પ્રયત્ન કરશો તો દૂર જશે. આજે કરી જો જો ને !

આ મુંબઈ શહેર આખું દુઃખી છે. કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે, એ કરોડનો સિક્કો મારીને બેઠાં છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારીને બેઠાં છે !

લક્ષ્મી આવી પણ ઘર ભેલાયાં !

લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. જે લોભાંધ થઈ જાય તેની બધી જ દિશા બંધ થઈ જાય. તેને બીજું કશું જ ના દેખાય. એક શેઠનું આખો દહાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત તે તેના ઘરનાં છોકરીઓ-છોકરાઓ કોલેજને બદલે બીજે જાય. તે શેઠ કંઈ જોવા જાય છે ? અલ્યા, તું કમાયા કરે છે અને પેણે ઘર તો ભેલાઈ રહ્યું છે. અમે તો રોકડું જ, એના હિતનું જ કહી દઈએ.

ઉભરાયેલી લક્ષ્મી ના ટકે કદી !

લક્ષ્મી તો હાથનો મેલ છે, એ તો નેચરલ આવવાનો. તમારે આ સાલ પાંચ હજાર સાતસો ને પાંચ રૂપિયા અને ત્રણ આના એટલો હિસાબ આવવાનો હોય ને, તે હિસાબની બહાર કોઈ દહાડો જતું નથી અને છતાં આ વધારે આવતા દેખાય છે, એ તો પરપોટાની પેઠે ફૂટી પણ જાય. પણ જેટલો હિસાબ છે એટલો જ રહેશે. આ અરધી તપેલી દૂધ હોય ને નીચે લાકડાં સળગાવ્યાં ને દૂધની તપેલી ઉપર મૂકી, તો દૂધ આખી તપેલી થાય ને, ઉભરાવાથી આખી તપેલી ભરાઈ, પણ તે ભરાઈ રહેલું ટકે છે ? એ ઉભરાયેલું ટકે નહીં. એટલે જેટલો હિસાબ છે એટલી જ લક્ષ્મી રહેશે. એટલે લક્ષ્મી તો એની મેળે જ આવ્યા કરે. હું 'જ્ઞાની' થયો છું, અમને સંસાર સંબંધનો વિચારે ય નથી આવતો, તો ય લક્ષ્મી આવ્યા કરે છે ને ! તમારે પણ એની મેળે આવે છે, પણ તમે કામ કરવા માટે બંધાયેલા છો. તમારે ફરજિયાત શું છે ? વર્ક છે.

પૈસાના વિચાર નહીં એ જ સુખ !

અત્યારે છે એ તો લક્ષ્મી જ ના કહેવાય. આ તો પાપાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી. તે પુણ્ય એવાં બાંધેલાં કે અજ્ઞાન તપ કરેલાં તેનું પુણ્ય બંધાયેલું. તેનું ફળ આવ્યું, તેમાં લક્ષ્મી આવી. આ લક્ષ્મી માણસને ગાંડો-ઘેલો બનાવી દે. આને સુખ જ કેમ કહેવાય તે ? સુખ તો પૈસાનો વિચાર ના આવે તેનું નામ સુખ.

પ્રશ્નકર્તા : બોજારૂપ લાગે ?

દાદાશ્રી : ના, બોજો તો અમને હોય જ નહિ. પણ અમને એ વિચાર જ ના હોય ને ! શેને માટે વિચાર કરવાના ? બધું આગળ-પાછળ તૈયાર જ હોય છે. જેમ ખાવા-પીવાનું તમારા ટેબલ પર આવે છે કે નથી આવતું ? કે સવારથી વિચાર લઈને બેસો છો ? માળા ફેરવ ફેરવ કરો છો કે 'ખાવાનું થશે કે નહીં થાય ? ખાવાનું મળશે કે નહીં મળે ?' એવું કર્યા કરો છો ? આ ખાવા માટે જાપ નથી કરવો પડતો કે સવારના પહોરમાં ઊઠીને જાપ કરો છો ?

પ્રશ્નકર્તા : કો'કને જાપ થતો પણ હોય.

દાદાશ્રી : કો'કની શું કામ ભાંજગડ કરો છો ? તમને કોઈ દહાડો થયેલો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ નાહવાનું પાણી ગરમ મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, એ રાતના વિચાર કરીએ, સવાર સુધી, તો એ જાપ કરવાની જરૂર પડે છે ? તો ય સવારના ગરમ પાણી નહાવા માટે મળે છે કે નથી મળતું ?

પ્રશ્નકર્તા : મળે છે.

દાદાશ્રી : એવું છે, જે નેસેસિટી છે, એ નેસેસિટી એના ટાઈમે આવે જ છે. એનું ધ્યાન કરવાની જરૂર નથી. તેથી તો કહ્યું છે ને, લક્ષ્મી એ તો હાથનો મેલ છે.

એ નિયમ, 'વ્યવસ્થિત'નો !

ભગવાન શું કહે છે કે, તારું ધન હશે ને, તો તું ઝાડ રોપવા જઈશ અને તને જડી આવશે. તેના માટે જમીન ખોદવાની જરૂર નથી. આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે. બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરૂર નથી. આ મોક્ષ પણ મહેનતથી ના મળે. છતાં, લક્ષ્મી માટે ઓફિસે બેસવા જવું પડે એટલી મહેનત. ઘઉં પાક્યા હોય કે ના પાક્યા હોય, છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહિ ? 'વ્યવસ્થિત'નો નિયમ જ એવો છે !

એટલો જ પૈસો મળે, રહો ધર્મ કે અધર્મમાં !

પૈસા તો જેટલા આવવાના હશે એટલા જ આવશે. ધર્મમાં પડશે તો ય એટલા આવશે ને અધર્મમાં પડશે તો ય એટલા આવશે. પણ અધર્મમાં પડશે તો દુરુપયોગ થશે ને દુઃખી થશે, અને આ ધર્મમાં સદુપયોગ થશે ને સુખી થશે અને મોક્ષે જવાશે તે વધારાનું. બાકી પૈસા તો આટલા જ આવવાના.

વધુ લક્ષ્મી મેળવે, તે શેના જેવું ?

પૈસા માટે વિચાર કરવો એ એક કુટેવ છે. એ કેવી કુટેવ છે કે એક માણસને બહુ તાવ ચઢ્યો હોય અને આપણે તેને વરાળ આપીને તાવ ઉતારીએ. વરાળ આપી એટલે તેને પરસેવો બહુ થઈ જાય, એવું પછી પેલાં રોજ વરાળ આપીને પરસેવો કાઢ કાઢ કરે તો એની સ્થિતિ શું થાય ? પેલો આમ જાણે કે આ રીતે એક દહાડો મને બહુ ફાયદો થયેલો, મારું શરીર હલકું થઈ ગયેલું. તે હવે આ રોજની ટેવ રાખવી છે. રોજ વરાળ લે ને પરસેવો કાઢ કાઢ કરે તો શું થાય ?

પ્રશ્નકર્તા : શરીરમાંથી પાણી બધું નીકળી જાય.

દાદાશ્રી : પછી આ લાકડું થઈ જાય. આ ડુંગળીને જેમ સૂકવે છે ને ? એવી રીતે આ લક્ષ્મીનું ચિંતવન કરવું એ એના જેવું છે. જેમ આ પરસેવો પ્રમાણમાં જ નીકળે છે, એવી રીતે લક્ષ્મી પ્રમાણસર આવ્યા જ કરે છે. તમે તમારે કામ કર્યે જવાનું છે. કામમાં ગાફેલ નહીં રહેવાનું. લક્ષ્મી તો આવ્યા જ કરશે.

લક્ષ્મી માટે ચાર્જિંગ કેવી રીતે ?

પ્રશ્નકર્તા : બધા લોકો લક્ષ્મીની પાછળ બહુ દોડે છે. તો એનું 'ચાર્જ' વધારે થાય ને, તો એને આવતા ભવ લક્ષ્મી વધારે મળવી જોઈએ ને ?

દાદાશ્રી : આપણે લક્ષ્મી ધર્મને રસ્તે વાપરવી હોય એવું ચાર્જ કર્યું હોય તો વધારે મળે.

પ્રશ્નકર્તા : પણ આમ મનથી ભાવ કર્યા કરે કે મને લક્ષ્મી મળે, તો આવતા ભવમાં, આ ભાવ કર્યા, એ 'ચાર્જ' કર્યું તો એને કુદરત લક્ષ્મી પૂરી ના પાડે ?

દાદાશ્રી : ના, ના, એનાથી લક્ષ્મી ના મળે. આ લક્ષ્મી મળવાના જે ભાવ કરે છે ને તેનાથી લક્ષ્મી મળતી હોય તો ય ના મળે. ઊલટો અંતરાય પડે. લક્ષ્મી સંભારવાથી મળે નહીં, એ તો પુણ્ય કરવાથી મળે.

'ચાર્જ' એટલે પુણ્યનું ચાર્જ કરે, તો લક્ષ્મી મળે. એ ય લક્ષ્મી એકલી ના મળે. પુણ્યના ચાર્જમાં જેની ઇચ્છા હોય, કે મને લક્ષ્મીની બહુ જરૂર છે, તો એને લક્ષ્મી મળે. કોઈ કહેશે, મારે તો ફક્ત ધર્મ જ જોઈએ, તો ધર્મ એકલો મળી જાય. અને પૈસા ના ય હોય. એટલે એ પુણ્યનું પાછું આપણે ટેન્ડર ભરેલું હોય કે આવું મારે જોઈએ છે. એ મળવામાં પુણ્ય વપરાય.

કોઈ કહેશે, 'મારે બંગલા જોઈએ, મોટરો જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ.' તો પુણ્ય એમાં વપરાઈ જાય. તો ધર્મમાં કશું ના રહે. અને કોઈ કહેશે મારે ધર્મ જ જોઈએ, મોટરો ના જોઈએ. મારે તો આવડી બે રૂમો હશે તો ય ચાલશે, પણ ધર્મ જ વધારે જોઈએ તો એને ધર્મ વધારે હોય ને બીજું ઓછું હોય એટલે એ પુણ્યનું પોતાના હિસાબે પાછું ટેન્ડર ભરે.

બેન્કમાંથી ઉપાડયા એમાં કઈ મહેનત ?

ચેક આવ્યો ત્યાંથી જ સમજોને કે આને વટાવીશ એટલે પૈસા આવશે ! તે આ તો ચેક લઈને આવ્યા હતા અને તે આજ વટાવ્યો તમે ! વટાવ્યામાં શું મહેનત તમે કરી ? ત્યારે લોક કહેશે, હું આટલું કમાયો, મેં મહેનત કરી ! અલ્યા, એક ચેક વટાવી લાવ્યો એમાં મહેનત કરી કહેવાય ? તે પાછો જેટલાનો ચેક હોય એટલો જ વટાવાય. વધારે ના મળે ને ? એ તમને સમજાયું ?

વીતરાગોને સેવ્યાથી લક્ષ્મી મળી !

લક્ષ્મી તો મળ્યા કરશે, કારણ કે વીતરાગના કાયદામાં કંઈકેય છો ને, એટલે લક્ષ્મી મળ્યા કરશે, પણ લક્ષ્મી તે ય પાછી આવન-જાવન છે. પૂરણ- ગલન છે. ઘડીમાં બેન્કમાં દસ લાખ ભેગા ય થઈ જશે ને ઘડીમાં તળિયું ય ખલાસ થઈ જાય એવી વસ્તુ છે. બહુ વિશ્વાસ રાખવા જેવું નથી. પૂરણ- ગલન સ્વભાવનું છે, પણ આ વીતરાગના મતને લઈને લક્ષ્મી તો આવ્યા કરે છે. વીતરાગ ધર્મ પાળે છે, કંઈક, કંઈક અહિંસા ધર્મ, એવાં તેવાં અમુક, વીતરાગોએ સેવન કર્યું એવું કંઈક ક્રિયાઓ કરે છે. તેથી લક્ષ્મી તો આવ્યા કરે છે. કારણ કે વીતરાગોના મોઢામાંથી વાણી નીકળેલી અને એમની આજ્ઞા પળાય છે. તેને લીધે આટલું ચાલે છે. બાકી વીતરાગોનો મત તો સંસારમાં રહેતાં કંઈ પણ દુઃખ ન પડે એવો વીતરાગોનો મત છે.

પાંસરી પરોક્ષ ભક્તિ ય પૈસો લાવે !

'પ્રત્યક્ષ' ના મળે ત્યાં સુધી 'પરોક્ષ' કરવું જોઈએ. પણ લોકોને 'પરોક્ષ'ની સાચી ભક્તિ મળતી નથી. જો પરોક્ષની સાચી ભક્તિ મળતી હોત ને તો ઘેર કશી અડચણ આવે નહિ. કોઈ દહાડોય એમ ના યાદ આવે કે મારે આ ખૂટી પડ્યું છે અને આ તો દસ દહાડા થાય કે 'આજે ખાંડ નથી, ઘાસલેટ નથી, ફલાણું નથી, એવું સાંભળવું પડે. બાસમતી ચોખા થઈ રહ્યા છે, હવે પેલા જાડા ચોખા લઈ આવો. ત્યારે શું કરીશું ? એટલે પરોક્ષ ભક્તિ પણ સાચી કરી હોય ને, તો કશું ખૂટે નહીં. વિચારવું પણ ના પડે કે મારે આ જોઈએ છે. વિચાર્યા વગર વસ્તુ આપણી ઉપર આવીને પડે અને પરોક્ષ ભક્તિ ના કરી તેથી તેનું ફળ શું આવ્યું કે વસ્તુ લેવા જાય, દોડધામ કરી મેલે, તોય ભેગી થાય નહિ.

પૈસા કમાવાની જરૂર શાને ?

પ્રશ્નકર્તા : પૈસા કમાવાની જરૂર શા માટે ?

દાદાશ્રી : એવું છે ને કે વ્યવહાર શેનાથી ચાલે છે ? એટલા હારુ. વ્યવહાર પૈસાથી ચાલે છે. એટલે અત્યારે આપણે ખેતીવાડી કરતા હોય, બધુંય પાકતું હોય, ખાવાલાયક બધુંય, મીઠું લાવવું પડે, કપડાં લાવવાં પડે, તેનું શું થાય ? એટલે થોડું વેચીને એને બદલે બીજું લાવી દઈએ એટલે વ્યવહાર ને !

પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર પૂરતું.

દાદાશ્રી : હા, એક વસ્તુ એવી નક્કી કરો કે આ તમારે વધારે સરપ્લસ હોય તો આ લઈ લો. તો તમારે જે જોઈતું હોય તે મળશે. અને પૈસા તો કમાવાની જરૂર, પણ એવી પુણ્યૈ લઈને જ આવેલો છે. કોઈ કમાઈ શકે નહીં. પુણ્યૈ લઈને આવેલો છે એટલે સંજોગ સારા થઈ જાય. જેટલાં સંજોગ સારા થઈ જાય, એટલા પૈસા મળી આવે.

જીવન જરૂરિયાતનું પ્રમાણ કેેટલું ?

આ તો ચિંતા કરે તો ય પડોશીઓનું જોઈને. પડોશીને ઘેર ગાડી ને આપણે ઘેર નહીં. અલ્યા, જીવન જરૂરિયાત માટે કેટલું જોઈએ ? તું એક વાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાત છે. દા.ત. ઘરમાં ખાવા-પીવાનું પૂરતું જોઈએ. રહેવા માટે ઘર જોઈએ. ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ. તે તેટલું તને મળી રહેશે જ, પણ જો પડોશીએ બેન્કમાં દસ હજાર મૂક્યા હોય તો તને મહીં ખૂંચ્યા કરે. આનાથી તો દુઃખ ઊભાં થાય છે. દુઃખને મૂઓ જાતે જ નોતરે છે.

એક જમીનદાર મારી પાસે આવ્યો તે મને પૂછવા લાગ્યો કે 'જીવન જીવવા માટે કેટલું જોઈએ ? મારે ઘેર હજાર વીઘાં જમીન છે, બંગલો છે. બે મોટરો છે ને બેંક બેલેન્સ પણ ખાસ્સું છે. તો મારે કેટલું રાખવું ?' મેં કહ્યું, 'જો ભાઈ, દરેકની જરૂરિયાત કેટલી હોવી જોઈએ તેનો ખ્યાલ તેના જન્મ વખતે કેટલી જાહોજલાલી હતી તેના ઉપરથી આખી જિંદગી માટેનું ધોરણ તું નક્કી કર. તે જ દરઅસલ નિયમ છે. આ તો બધું એક્સેસમાં જાય છે અને એક્સેસ તો ઝેર છે, મરી જઈશ !'

પૂરણ-ગલન કુદરતી !

મારું કહેવાનું કે ગંભીરતા પકડો, શાંતિ પકડો. કારણ કે જે પૂરણ-ગલન માટે લોકો દોડધામ કરી રહ્યા છે અને ગુણાકાર-ભાગાકાર કરી રહ્યા છે એ એના અવતારો બગાડે છે અને બેન્ક બેલેન્સમાં કંઈ ફેરફાર થાય એવો નથી, એ નેચરલ છે. નેચરલમાં શું કરી નાખવાના છે ? એટલે આ તમારો ભય ટાળીએ છીએ. અમે 'જેમ છે તેમ' ખુલ્લું કરીએ છીએ કે સરવાળા-બાદબાકી કોઈના હાથમાં નથી, એ નેચરના હાથમાં છે. બેન્કમાં સરવાળો થવો એ ય નેચરના હાથમાં છે અને બેન્કમાં બાદબાકી થવી એ ય નેચરના હાથમાં છે, નહીં તો બેન્કવાળો એક જ ખાતું રાખત. ક્રેડિટ એકલું જ રાખત, ડેબિટ રાખત નહીં. પણ એ જાણે છે કે, ડેબિટ થયા વગર રહેવાનું નથી. કેટલાંક માણસ નક્કી કરે છે કે, 'હવે આ ફેરો મારે બેન્કમાં લાખ રૂપિયા રાખી મૂક્યા છે. ફરી ઉઠાવવા જ નથી. ઉઠાવીએ તો મહીં ભાંજગડ થાય ને !' પણ અલ્યા, ડેબિટનું ખાતું શું કરવા રાખ્યું છે લોકોએ ? બેન્કવાળા જાણે છે કે આ લોકો જ્યારે-ત્યારે રૂપિયા ઉઠાવ્યા વગર રહેવાના નથી. છેવટે ય મરવાનો તો છે જ.

ગુણાકાર-ભાગાકાર બુધ્ધિશાળીનાં !

એટલે આ બધું નેચરલ થયા કરે છે, શું કામ આમાં ચિંતા કરો છો ! 'ડોન્ટ વરી !!' અને ગુણાકાર-ભાગાકાર બંધ કરી દો ને ! તો ય પણ આપણા લોક છાનામાના ઓઢીને ગુણાકાર-ભાગાકાર કરે છે ને, કે હવે આ મિલ તો બંધાવાની પૂરી થવા આવી છે. હવે બીજું કારખાનું રચીએ. અલ્યા મેલને, આ છોકરાંઓ કહે છે કે, બાપુજી સૂઈ જાવ. બધાંય કહે છે, અગિયાર વાગી ગયા છે. તમારી તબિયત સારી નથી. પ્રેશર વધી ગયું છે, તે હવે નિરાંતે ઊંઘી જાવને ! પણ મહીં ઓઢીને પાછો યોજના ઘડે. ઓઢીને શાથી કે પોતાની ચંચળતા કોઈ જોઈ ના જાય. એટલે સરવાળા ને બાદબાકી તો નેચરલ થઈ રહ્યું છે પણ ગુણાકાર-ભાગાકાર આ ઓઢીને કર્યા કરે છે !

આટલું વાક્ય સમજે તો પછી બેન્કવાળા જોડે કંઈ ભાંજગડ રહી બહુ ? એમને પૂછીએ કે લાખ રૂપિયા તમે મૂકી જાવ છો તે ક્યારે ઉપાડશો ? એ ખબર નથી. પણ તું ઉપાડશે એ નક્કી છે ! ત્યારે કહેશે કે મારી ઇચ્છા નથી. હવે રૂપિયા ઉપાડવાની ઇચ્છા ના હોયને તો ય ક્યારે ઉપાડી જાય એ કહેવાય નહીં. અલ્યા, તારું પોતાનું નક્કી કરેલું ય અદબદ છે ! પણ કહે છે શું કે ઇચ્છા નથી. નક્કી કર્યું હોય કે નથી જ ઉપાડવા. હવે તો આટલા બચાવવા જ છે. અલ્યા તું જ બચવાનો નથી ને આ શી રીતે બચવાના છે તે ! અલ્યા, આ કઈ જાતની પોલિસી લઈને બેઠો છું તે !! એના કરતાં ખાઈ-પી ને વાપરને ! તાજાં શાક આવે છે તે ખાને નિરાંતે ! ફ્રૂટ લાવીને નિરાંતે ખા. અને બૈરીને બે-ચાર સારા દાગીના ઘડાવી આપ. પેલી બિચારી રોજ કચકચ કરતી હોય તો ય અલ્યા નથી લાવી આપતો !!

આત્મસ્વરૂપીની જાગૃતિ !

આ બધું શું છે ! પૂરણ-ગલન છે. અમે અમારા જ્ઞાનથી જોઈને કહ્યું છે આ ! હવે જો કશું ભો ભણકાર રહ્યો છે ? એક બાજુ 'વ્યવસ્થિત' છે કહીએ અને બીજું કહીએ, બેન્કના સરવાળા-બાદબાકી અગર તો ચોપડાના એકાઉન્ટના સરવાળા બાદબાકી અગર તો પેલો ઇન્કમટેક્ષવાળો ગજવાં કાપી લેશે, તે બધું 'નેચરલ' છે. એ એના હાથમાં સત્તા નથી. એ તો બિચારો નિમિત્ત છે. પણ ગુણાકાર-ભાગાકાર તમારા હાથમાં છે. 'આ' 'જ્ઞાન' લીધું એટલે હવે એ ગુણાકાર-ભાગાકાર તમેે હવે 'પોતે' કરો નહીં. કારણ કે 'તમે' તો 'આત્મસ્વરૂપ' થઈ ગયા. આ તો ક્યાં સુધી ગુણાકાર-ભાગાકાર કરતા હતા ? ક્યાં સુધી યોજનાઓ ઘડતા હતા ? અજ્ઞાન હતું ત્યાં સુધી. અને હવે જો એવું ઓઢીને યોજના કરીએ તો તે 'ઇફેક્ટ' છે. એ યોજના આવતા ભવના માટે નથી, તે નિકાલી યોજનાઓ છે. બે પ્રકારની યોજનાઓ - એક ગ્રહણીય યોજના અને બીજી નિકાલી યોજના. ગ્રહણીય યોજનામાં મહીં ચૂન ચૂન ચૂન ચૂન થયાં કરે. નિકાલી યોજના શાંત ભાવે થયા કરે. યોજના જે કરી છે, એનો નિકાલ તો કરવો પડે ને ? અને તમારે આખો દહાડો નિકાલી ભાવ રહે છે ને ?

તે આજ કહેશે કે પૈસા છે તે બે વર્ષ પછી કશું જ ના હોય. એટલે લક્ષ્મીનો સ્વભાવ કેવો છે ? ચંચળ. એનું કંઈ ઠેકાણું ના માનવું. બહુ એટલો બધો એનો આધાર ના માનવો. આધાર એકલો આત્માનો માનવો. બીજી બધી વસ્તુ ચંચળ છે.

પુણ્ય, પણ પાપાનુબંધી !

પ્રશ્નકર્તા : એ પૈસા ક્યાંથી આવતા હશે ?

દાદાશ્રી : પૈસા તો પુણ્યશાળીની પાસે બધા હોય જ ને ?

પ્રશ્નકર્તા : એ પૈસા પુણ્યશાળી પાસે હોય એવું કંઈ નથી.

દાદાશ્રી : ત્યારે પાપી પાસે પૈસા હોય નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે તો પાપી પાસે જ પૈસો છે.

દાદાશ્રી : પાપી પાસે નથી, હું આપને સમજાવું બરોબર. તમે મારી વાત સમજો એક વખત કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહિ. કાળા બજારનોય ના અડે કે ધોળા બજારનો ય ના અડે. પુણ્ય વગર તો ચોરીનો ય પૈસો આપણને ના અડે. પણ એ પાપાનુબંધી પુણ્ય છે. તમે કહો છો તો પાપ, તે છેવટે પાપમાં જ લઈ જાય છે. એ પુણ્ય જ અધોગતિમાં લઈ જાય છે.

ખરાબ પૈસો આવે એટલે ખરાબ વિચાર આવે કે કોનું ભોગવી લઉં, આખો દહાડો ભેળસેળ કરવાના વિચાર આવે, એ અધોગતિમાં જાય છે. પુણ્ય ભોગવતો નથી ને અધોગતિમાં જાય છે. એના કરતાં પુણ્યાનુબંધી પાપ સારું કે આજ જરા શાક લાવવામાં અડચણ પડે પણ આખો દહાડો ભગવાનનું નામ તો લેવાય અને પુણ્યાનુબંધી પુણ્ય હોય, તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય.

સહજ મિલા... ત્યાં સિધ્ધિઓ !

અનંતી, પાર વગરની શક્તિઓ છે. જ્ઞાન ના હોય તો ય પાર વગરની શક્તિ છે. અજ્ઞાન દશામાં ય અહંકાર તો છે જ ને ? પણ અહંકાર ચોખ્ખો કરે, પોતે કંઈ પણ ન વાપરે, પોતાને ભાગે આવ્યું હોય તે ય બીજાને આપી દે, પોતે સંકોચાઈ સંકોચાઈને રહે, તો ઘણી સિધ્ધિઓ ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : અત્યારે તો એવું છે કે જો પોતાનો રોટલો હોય, મહેનત કરીને ખાય છે ત્યારે બીજો આવીને ખેંચી જાય છે. હવે પોતે જો સામો બચાવ ના કરે તો ભૂખે મરે એવો ટાઈમ છે, એમાં તમે આવું કહો છો.

દાદાશ્રી : હા, અત્યારે તો ખેંચી લે છે ઊલટું કે એ ય લાવ ઈધર ! અને આગળ શું કહેતા હતા કે.... 'સહજ મિલા સો દૂધ બરાબર.' જે કંઈ પણ મળ્યું, સહજ પાણી મળ્યું હોય તો યે દૂધ બરાબર. પછી 'માંગ લિયા સો પાની' દૂધે ય માંગી લીધું તો પાણી. અને 'ખિંચ લિયો સો રક્ત બરાબર' આ કાયદો કોણ પાળે છે ?

પ્રશ્નકર્તા : આ કાયદો પાળે તો બૈરી-છોકરાં ભૂખે મરે !

દાદાશ્રી : પણ ત્યારે એને બીજી સિધ્ધિઓ ઉત્પન્ન થાય ને !

પ્રશ્નકર્તા : પણ તે સિધ્ધિ ઉત્પન્ન થતા સુધીમાં વચલા ગાળામાં શું કરવું ? અહીં તો તમારી મહેનત, તમારા હક્કનું લોકો પડાવીને બેઠા છે ! આપણું બચાવવા ના રહ્યા તો લોકો આપણું જ ખેંચી જાય.

દાદાશ્રી : ના, ના, કોઈ ખેંચી ના જાય. એવું છે ને આ જ્ઞાન આપણું જે છે ને, જ્ઞાન એટલું બધું સિધ્ધાંતિક છે કે રાતે સોનું બહાર મૂકીને સૂઈ ગયા હોય તો સવારમાં જુઓ તો એટલું ને એટલું જ હોય અને એવું તેવું કશું થાય જ નહીં.

પ્રકારો, પુણ્યથી પ્રાપ્તિના !

પુણ્યશાળીઓને ઓછી મહેનતે બધું ફળે. એટલે સુધી પુણ્ય થઈ શકે છે. સહજ વિચાર્યું, કશું આઘાપાછા ના થયા તો બધી વસ્તુઓ વિચાર પ્રમાણે મળી આવે એ સહજ પ્રયત્ન. પ્રયત્ન નિમિત્ત છે, પણ સહજ પ્રયત્ન એટલે એને પુરુષાર્થ કહેવો, એ વ્યાખ્યા બધી ભૂલભરેલી છે.

લક્ષ્મી એટલે પુણ્યશાળી લોકોનું કામ છે. પુણ્યૈનો હિસાબ આવો છે કે ખૂબ મહેનત કરે અને ઓછામાં ઓછું મળે, એ બહુ જ થોડુંક અમથું પુણ્ય કહેવાય. પછી શારીરિક મહેનત બહુ ના કરવી પડે અને વાણીની મહેનત કરવી પડે, વકીલોની પેઠે, એ થોડી વધારે પુણ્યૈ કહેવાય, પેલા કરતાં અને એથી આગળનું શું ? વાણીનીય માથાકૂટ કરવી ના પડે, શરીરની માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટથી કમાય. એ વધારે પુણ્યશાળી કહેવાય અને એનાથીય આગળ કયું ? સંકલ્પ કરતાંની સાથે જ તૈયાર થઈ જાય. સંકલ્પ કર્યો એ મહેનત. સંકલ્પ કર્યો કે બે બંગલા, આ એક ગોડાઉન. એવો સંકલ્પ કર્યો કે તૈયાર થઈ જાય એ મહાન પુણ્યશાળી. સંકલ્પ કરે એ મહેનત, બસ. સંકલ્પ કરવો પડે. સંકલ્પ વગર ના થાય. થોડીકેય કંઈક મહેનત જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એ મનુષ્યમાં એમ ન થઈ શકે.

દાદાશ્રી : મનુષ્યમાં હઉ થાય. કેમ ના થાય ? મનુષ્યમાં તો જોઈએ એટલું થાય.

પ્રશ્નકર્તા : એ તો એમ કહેલું કે દેવલોકમાં એમ થાય ?

દાદાશ્રી : દેવલોકનું બધું સિધ્ધ થાય પણ અહીંયા ય કોઈ કોઈ સંકલ્પસિધ્ધિ થઈ જાય. બધું થાય. આપણું પુણ્ય જોઈએ. પુણ્ય નથી. પુણ્ય ખૂટી પડ્યાં છે.

જેટલી મહેનત એટલો અંતરાય, કારણ કે મહેનત કેમ કરવી પડે છે !

કેવું પુણ્યનું ઉપાર્જન !!

આ મોટા મોટા ચક્રવર્તી રાજાઓ હતા, તેમને આ દહાડો છે કે રાત છે, તેની ખબર ન હતી. તેય સૂર્યનારાયણેય ના જોયો હોય તો ય મોટું રાજ કરતા'તા. કારણ કે પુણ્ય કામ કરે છે.

પ્રશ્નકર્તા : શાલિભદ્ર શેઠને પેટીઓ આવતી હતી ને ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : આ શાલિભદ્રને કહે છે કે ઉપરથી દેવો સોનામહોરની પેટીઓ રોજ આપતા, તો એ સાચું ?

દાદાશ્રી : આપે, બધું આપે. એનું પુણ્ય હોય ત્યાં સુધી શું ના આપે ? અને દેવ જોડે ઋણાનુબંધ હોય, એમના સગાવહાલા ત્યાં ગયા હોય ને પુણ્ય હોય તો એમને શું ના આપે ?

ટાઈમે મળે, કાયદેસર રીતે !

પ્રશ્નકર્તા : આ લક્ષ્મીજી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઈએ ?

દાદાશ્રી : એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઈ વિચાર કરે છે કે એક લોટો જ મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે. એમાં કોઈ વધારે-ઓછું કરી શકતો નથી. માટે મન-વચન-કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઇચ્છા ના કરીશ. આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે, તે બેંકમાં જમા હશે તો મળશે ને ? કોઈ લક્ષ્મીની ઇચ્છા કરે તો લક્ષ્મીજી કહે કે, 'તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા, તે આવતા જુલાઈમાં મળશે.' અને જો કહે કે, 'મારે પૈસા નથી જોઈતા' એ ય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારે ય નહીં ને ઇચ્છા ય નહીં કરવી જોઈએ. એમને તો નમસ્કાર કરવા જોઈએ. એમનો તો વિનય રાખવો જોઈએ. કારણ કે એ તો હેડ ઑફિસમાં છે. લક્ષ્મીજી કહે છે કે, 'જે ટાઈમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઈમે જ રહેવું જોઈએ અને અમે ટાઈમે ટાઈમે મોકલી જ દઈએ છીએ. તારા દરેક ડ્રાફ્ટ વગેરે બધાં જ ટાઈમસર આવી જશે પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે કાયદેસર હોય છે, તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ. જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ. બીજું લક્ષ્મીજી શું કહે છે કે, 'તારે મોક્ષે જવું હોય તો હકની

લક્ષ્મી મળે તે જ લે

જે. કોઈની ય લક્ષ્મી ઝૂંટવીને, ઠગીને ના લઈશ.

કયા કાયદાઓથી લક્ષ્મી આવે ?!

પ્રશ્નકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ?

દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે પછી લક્ષ્મીજી ક્યાંથી રાજી રહે ? પછી તું લક્ષ્મીજી ધોને ! બધાય ધૂએ છે ! ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે ?

પ્રશ્નકર્તા : ના, દાદા, ત્યાં કોઈ લક્ષ્મીજીને ધોતું નથી.

દાદાશ્રી : તોય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ? એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે ? દહીંમાંય ધૂએ છે અહીં હિન્દુસ્તાનમાં. લક્ષ્મીજીને બધાય ધો ધો કરે છે ને, કોઈ કાચા નથી. મને ય લોકો કહેવા આવે કે, 'તમે લક્ષ્મીજી ધોઈ કે નહીં ?' મેં કહ્યું, 'શાના માટે ? આ લક્ષ્મીજી જ્યારે અમને ભેગાં થાય છે ત્યારે અમે તેમને કહી દઈએ છીએ કે વડોદરે મામાની પોળ ને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો.' એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. એમ એવું ત્યાં આગળ ના કહીએ કે 'અમારે એની જરૂર નથી.' તમે ય ઘેર રાત્રે જઈને બોલજો કે 'હે લક્ષ્મીજી દેવી, તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે મારે ઘેર આવજો અને જ્યારે અનુકૂળ હોય ત્યારે જજો. પણ આ ઘેર આવજો. તમે ધ્યાન રાખજો.' એવું કહેવાયને ?

પ્રશ્નકર્તા : આવતાં-જતાં રહેજો.

દાદાશ્રી : ના, એવું નહીં. 'આ ઘર તમારું છે. જ્યારે અનુકૂળ આવે ત્યારે આવજો. અમારી ઇચ્છા છે કે આવજો.' એટલું બોલીને પછી સૂઈ જવાનું. શુધ્ધાત્માનું ધ્યાન કરતાં કરતાં પછી એમાં સંકલ્પ-વિકલ્પ કરે તો ભયંકર દોષ બેસે. પછી કેસ ઊંચો મૂકી દેવાનો. એ ગૂંચવાડો રહ્યો નહિને કોઈ ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : થયું ત્યારે, બસ.

લક્ષ્મી પધારે, નોબલને ત્યાં !

શ્રીમંતાઈ શું કર્યું હોય તો આવે ? કેટલી બધી લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે ! નહિ તો લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે છે, છેતરાય, નોબિલિટી વાપરે, એને લક્ષ્મી આવે. જતી રહેલી આમ લાગે ખરી, પણ આવીને પછી ત્યાં જ ઊભી રહે.

પ્રશ્નકર્તા : આપે લખ્યું છે કે જે કમાય છે તે મોટા મનવાળો જ કમાય છે. આપવા-લેવામાં જે મોટું મન રાખે એ જ કમાણી કરે છે. બાકી સાંકડા મનવાળો કમાતો જ નથી કોઈ દહાડો !

દાદાશ્રી : બધા અરધા ચંપલવાળા થઈને ફર્યા કરે છે ને ! મેં ભૂલેશ્વરમાં બહુ જોયેલા. માપેલા બધાને ! બધી રીતે નોબલ હોય, તો લક્ષ્મી ત્યાં જાય. આ પાજી પાસે લક્ષ્મી જતી હશે ?!

પ્રશ્નકર્તા : એટલે પુણ્યને લીધે માણસ ધનવાન બને ?

દાદાશ્રી : ધનવાન થવા તો પુણ્યૈ જોઈએ. પુણ્યૈ હોય તો પૈસા આવે.

પ્રશ્નકર્તા : પૈસા માટે તો લખ્યું છે ને કે બુધ્ધિની જરૂર પડે.

દાદાશ્રી : ના. બુધ્ધિ તો નફો-તોટો બે જ દેખાડે. જ્યાં જાવ ત્યાં નફો-તોટો એ દેખાડી દે. એ કંઈ પૈસા-બૈસા આપતી નથી. બુધ્ધિ જો પૈસા આપતી હોય ને તો આ ભૂલેશ્વરમાં એટલા બધા બુધ્ધિશાળી મહેતાજી હોય છે. શેઠને સમજણ પડતી નથી એ બધું એને સમજણ પડે છે. પણ ચંપલ બિચારાનાં અરધાં હોય, પાછળ અરધાં ઘસાઈ ગયેલાં હોય અને શેઠ તો સાડી ત્રણસો રૂપિયાના બૂટ પહેરીને ફરતા હોય, છતાં ડફોળ હોય !

પૈસા કમાવવા માટે પુણ્યની જરૂર છે. બુધ્ધિથી તો ઊલટાં પાપો બંધાય. બુધ્ધિથી પૈસા કમાવા જાવ તો પાપ બંધાય. મારે બુધ્ધિ નહીં એટલે પાપ બંધાય નહીં. અમારામાં બુધ્ધિ એક સેન્ટ પરસેન્ટ નહિ !

સાચી લક્ષ્મી, ભોળાની લક્ષ્મી ?

દુનિયાનો કાયદો એવો છે કે, હિન્દુસ્તાનમાં જેમ બરકત વગરનાં માણસ પાકે તેમ લક્ષ્મી વધતી જાય અને બરકતવાળો હોય તેને રૂપિયા ના આવવા દે. એટલે આ તો બરકત વગરના માણસોને લક્ષ્મી ભેગી થઈ છે. ને ટેબલ ઉપર જમવાનું મળે છે. કોઈને કેમ ખાવું-પીવું એ નથી આવડતું.

આ કાળના જીવો ભોળા કહેવાય. કોઈ લઈ ગયું તોય કશું નહીં. ઊંચી નાત, નીચી નાત, કશું પડેલી નહીં. એવા ભોળા એટલે લક્ષ્મી બહુ આવે. લક્ષ્મી તો બહુ જાગ્રત હોય તેને જ ના આવે. બહુ જાગ્રત હોય એ બહુ કષાય કર્યા કરે. આખો દહાડો કષાય કર્યા કરે. આ તો જાગ્રત નહીં, કષાય જ નહીં ને કોઈ ભાંજગડ જ નહીંને ! લક્ષ્મી આવે ત્યાં પણ વાપરતાં ના આવડે. બેભાનપણામાં જતી રહે બધી.

ફોરેનવાળા જેવા ભોળા થઈ ગયા છે આપણા લોકો. તેથી લક્ષ્મી આવે. આ સાચી લક્ષ્મી નથી આવતી. ભોળાની લક્ષ્મી ! સાચી લક્ષ્મી તો જાગૃતિમાં રહે અને દિલદાર ભોળો હોય. એ ભોળો જાણીને જવા દે બધું. એ લક્ષ્મી છે તે પુણ્યાનુબંધી પુણ્યની હોય અને આમને તો ભાન જ નથીને ! આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી. શાંતિ ઘડીવાર ના આપે અને મૂર્ચ્છિત જ હોય આખો દહાડો.

લક્ષ્મી વધે, તેમ ઉપાધિ ય વધે !

પ્રશ્નકર્તા : આ બધા મહાત્માઓ ઉપર એક વખત કૃપા વરસાવોને તો લક્ષ્મી આમ રેલમછેલ થઈ જાય.

દાદાશ્રી : એવું છે, લક્ષ્મી વધારે માગોને તો મૂકવાની પાછી ઉપાધિ. વપરાઈ જાય તો ય ઉપાધિ કે વધારે વપરાઈ ગયું, એમ થયા કરે. લક્ષ્મીનો સ્વભાવ એવો છે કે મહાદુઃખે કરીને એ આવે - મહામહેનતે, મહાકપટે કરીને જંજાળ કરીએ ત્યારે એ ભેગી થાય પછી એને ક્યાં મૂકવી એનો ભય રહ્યા કરે. લાખેક રૂપિયા બેન્કમાં હોય તો પાછો સાળો લેવા આવે કે મને દસેક હજાર આપજોને ! સાળાને તો આપ્યા, પછી બીજો મામાનો દીકરો આવે. એ ય ઉપાધિ. એના કરતાં સરખું બેલેન્સ હોયને, તો કોઈ લેવા-કરવા આવે નહીં.

દાદાઈ બ્લેન્ક ચેક વટાવાય ?

આ 'દાદા' એક એવું નિમિત્ત છે, જેવું કે દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે ઊભું થાય એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે. માટે આપણે એમ ને એમ વાપરવા નહીં.

એક વણિક શેઠ હતા, મિત્ર જેવા. આમ હતા તો શ્રીમંત માણસ, પણ એ મારી જોડે બેસે-ઊઠે. એક ફેરો ઇન્કમટેક્ષનો કાગળ આવ્યો હતો. એક વખત મેં એમને કહ્યું કે કંઈક અડચણ આવે તો ગભરાશો નહીં, અમને કહેજો. હવે તે દહાડે તો જ્ઞાન થયેલું નહીં. એટલે સંસારની મરામત કરવી હોય તો અમે કરી આપતા હતા. તે પેલો ઇન્કમટેક્ષનો કાગળ આવેલો ત્યારે મેં પેલા શેઠને કહ્યું કે, એવું કંઈક કહેવું હોય તો કહેજો. ત્યારે કહે છે, કે તમે જે કોરો ચેક આપ્યો છે તે સો એ સો પૂરાં થશે ત્યારે વટાવીશ, છેલ્લો શ્વાસ હશેને તે ઘડીએ વટાવીશ, નહીં તો આમ તમારો ચેક ના વટાવાય, એ તો મેં રાખી જ મેલ્યો છે !

એટલે આ દાદાના તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં, ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો.

ટેન્ડર ભરાય, કાયદેસર !

પ્રશ્નકર્તા : પુણ્ય-પાપને જ આધીન હોય તો પછી ટેન્ડર ભરવાનું ક્યાં રહ્યું ?

દાદાશ્રી : એ ટેન્ડર ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે 'ટેન્ડર' ભરો, પણ હું જાણું કે શેના આધારે 'ટેન્ડર' ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી.

હું ઘણાં જણને મારી પાસે 'ટેન્ડર' ભરી લાવવાનું કહું છું. પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા અને થોડું થોડું સાધારણ કામ કર. અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શી છે ? ઘેર બેઠાં સામસામી સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય ! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ. વાત ખાલી સમજવાની જરૂર છે.

ઈચ્છાઓ બંધાઈ કઈ રીતે ?

તમારું જ છે. આમાં કોઈ કરનાર નથી, આ બધું તમારી ઇચ્છા પ્રમાણે જ વહેંચાયેલું છે. ઇચ્છા પ્રમાણે થયા કરે. પહેલાં જે ઇચ્છા હતી તે નવમા માઈલમાં તમારી ઇચ્છા હતી. તે આ જગત પ્રવાહરૂપે છે. તે ઇચ્છા હતી નવમા માઈલમાં અને એ ઇચ્છા ભોગવતી વખતે આવ્યા બારમા માઈલમાં. એટલે તે ઘડીએ પાછો તમને ફેર પડી જાય છે કે આ તો સાલું અહીંયાં આવું જોઈતું હતું ! ઇચ્છા નવમા માઈલની અને આવ્યા બારમા માઈલમાં ! નવમા માઈલના આધારે ઇચ્છા શું કરી ? લાંચ-રુશ્વત કશું જ લેવાય નહીં. લાંચ લેવા જેવી રીત જ નહીં. ખોટું કરાય જ નહીં. હવે એ સંજોગો તે દહાડે તેવા હતા, નવમા માઈલમાં. હવે બારમા માઈલમાં સંજોગો એવા હોય કે ત્યારે બધાય લાંચ લે અને આપણે એકલા જ એવા કે લાંચ ના લઈએ. તે બૈરી કહે કે બધાંએ બંગલા બાંધ્યા, તમારામાં જ બરકત નથી. હવે બિચારો લાંચ લેવા જાય તો ય લાંચ લેવાય નહીં, કારણ કે પેલી પ્રકૃતિ બંધાઈ ગયેલી છે. અને મનમાં ભાવ કર્યા કરે છે કે લેવા જોઈએ, લેવા જોઈએ. તે ઊલટો આવતે ભવે ચોર થયો. આ જગત આવું છે બધું અને પૂરું સમજ્યા વગર બહુ માર ખાય છે.

પુણ્યૈની વહેંચણી કેવી રીતે ?

એટલે આ પુણ્યૈ છે ને તે આપણે જેમ માંગણી કરીએને, તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે મારે આટલો દારૂ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, તો તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે, મારે મોટર જોઈએ અને ઘર ? ત્યારે કહે, બે રૂમ હશે તો ચાલશે. બે રૂમના ઘરમાં એને સંતોષ હોય અને મોટર વાપરવાની મળે.

આ લોકોને સંતોષ રહેતો હશે, નાની નાની છાપરડીઓમાં રહેતા હશે, તે બધાંને ? ખરો સંતોષ ! તેથી તો એને એ ઘર ગમે. એ હોય તો જ ગમે. હમણે પેલા આદીવાસીને આપણે ત્યાં તેડી લાવો જોઈએ. ચાર દહાડા રાખો જોઈએ ! એમને ચેન ના પડે એમાં. કારણ કે એનો બુધ્ધિનો આશય છે ને, તો તે પ્રમાણે પુણ્યનું ડિવિઝન થાય. ટેન્ડરના બદલે આઈટમ મળે.

મળે, બુધ્ધિના આશય પ્રમાણે !

દરેક માણસને પોતાના ઘરમાં આનંદ આવે. ઝૂંપડાવાળાને બંગલામાં આનંદ ના આવે અને બંગલાવાળાને ઝૂંપડામાં આનંદ ના આવે. એનું કારણ એની બુધ્ધિનો આશય. જે જેવું બુધ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય તેવું જ તેને મળે. બુધ્ધિના આશયમાં જે ભરેલું હોય તેના બે ફોટા પડે : (૧) પાપફળ અને (૨) પુણ્યફળ. બુધ્ધિના આશયનું દરેકે વિભાજન કર્યું તે ૧૦૦ ટકામાંથી મોટા ભાગના ટકા મોટર, બંગલા, છોકરા-છોકરીઓ અને વહુ એ બધાં માટે ભર્યું. તે એ બધું મેળવવામાં પુણ્ય ખર્ચાઈ ગયું અને ધર્મને માટે માંડ એક કે બે ટકા જ બુધ્ધિના આશયમાં ભર્યા.

બે ચોર ચોરી કરે છે, તેમાંથી એક પકડાઈ જાય છે ને બીજો આબાદ છૂટી જાય છે. એ શું સૂચવે છે ? ચોરી કરવી એમ બુધ્ધિના આશયમાં તો બન્નેય ચોર લાવ્યા હતા પણ એમાં જે પકડાઈ ગયો તે તેનું પાપફળ ઉદયમાં આવ્યું ને વપરાયું. જ્યારે બીજો છૂટી ગયો તેનું પુણ્ય તેમાં વપરાઈ ગયું. તેમ દરેકના બુધ્ધિના આશયમાં જે હોય છે, તેમાં પાપ અને પુણ્ય કામ કરે છે. બુધ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એમ ભરી લાવ્યો. તે એનું પુણ્ય વપરાયું તો લક્ષ્મીના ઢગલે ઢગલા થાય. બીજો બુધ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી એવું લઈને તો આવ્યો પણ તેમાં પુણ્ય કામે લાગવાને બદલે પાપફળ સામું આવ્યું. તે લક્ષ્મીજી મોઢું જ ના દેખાડે. અલ્યા, આ તો આટલો બધો ચોખ્ખે ચોખ્ખો હિસાબ છે કે કોઈનું જરાય ચાલે તેમ નથી. ત્યારે આ અક્કરમીઓ એમ માની લે છે કે હું દસ લાખ રૂપિયા કમાયો. અલ્યા, આ તો પુણ્યૈ વપરાઈ અને તે ય અવળે રસ્તે. એના કરતાં તારો બુધ્ધિનો આશય ફેરવ. ધર્મ માટે જ બુધ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ - મોટર, બંગલા, રેડિયો એ બધાની ભજના કરી તેના જ માટે બુધ્ધિનો આશય બાંધવા જેવો નથી. ધર્મ માટે જ, આત્મધર્મ માટે જ બુધ્ધિનો આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો, પણ હવે તો માત્ર

આશય ફેરવીને સંપૂર્ણ સો ટકા ધર્મ માટ

ે જ રાખો.

અમે અમારા બુધ્ધિના આશયમાં સો ટકા ધર્મ અને જગત કલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાં ય અમારું પુણ્ય ખર્ચાયું જ નથી. પૈસા, મોટર, બંગલા, દીકરો, દીકરી, ક્યાં ય નહીં.

અમને જે જે મળ્યા અને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે, મુક્તિને માટે નાખેલા. તેથી અમે મળ્યા. અમે સોએ સો ટકા ધર્મમાં નાખ્યા. તેથી બધેથી જ અમને ધર્મ માટે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' મળ્યું છે.

શેઠ-નોકર ભેગા, શા આધારે ?

આ બધું પુણ્ય ચલાવે છે. તને હજાર રૂપિયા પગાર કોણ આપે છે ? પગાર આપનારો તારો શેઠ પણ પુણ્યૈને આધીન છે. પાપ ફરી વળે એટલે શેઠને ય કર્મચારીઓ મારે.

પ્રશ્નકર્તા : શેઠે ભાવ કર્યા હશે, આને નોકરીએ રાખવાનો, આપણે ભાવ કર્યા હશે કે ત્યાં નોકરી કરવી તેથી આ ભેગું થયું ?

દાદાશ્રી : ના, એવો ભાવ ના હોય.

પ્રશ્નકર્તા : તો એ લેણ-દેણ હશે ?

દાદાશ્રી : ના, એવું કશું ય નહીં.

પ્રશ્નકર્તા : તો એની પાસે નોકરીએ કેમ ગયો ?

દાદાશ્રી : ના, એ તો એનો હિસાબ બધો. શેઠને અને એને ઓળખાણે ય નહીં ને પારખાણે ય નહીં. શેઠની બુધ્ધિના આશયમાં એવું હોય કે મારે આવા નોકર જોઈએ. અને નોકરની બુધ્ધિના આશયમાં હોય કે મારે આવાં શેઠ જોઈએ. તે બુધ્ધિના આશયમાં છપાયેલું હોય, તે પ્રમાણે ભેગું થઈ જ જાય !

હિસાબ પોતાનો, ત્યાં વાંક કોનો ?

શેઠ ઈનામ આપતા હોય તે આપણું વ્યવસ્થિત અને આપણું વ્યવસ્થિત અવળું આવે ત્યારે શેઠના મનમાં થાય કે આ ફેરા એનો પગાર કાપી લેવો જોઈએ. એટલે શેઠ પગાર કાપી લે. એટલે પેલાને મનમાં એમ થાય કે આ શેઠિયો નાલાયક છે. આ નાલાયક મને મળ્યો. પણ આવા ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે આ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતા હતા ! માટે કંઈક ભૂલ છે. શેઠિયો વાંકો નથી, આ તો આપણું 'વ્યવસ્થિત' ફરે છે.

હિસાબ બંધાય રાગ-દ્વેષથી !

પ્રશ્નકર્તા : આ લૌકિક વ્યવહાર જે થયો એ વિજ્ઞાનનું જ પરિણામ છે ?

દાદાશ્રી : કયો વ્યવહાર ?

પ્રશ્નકર્તા : આપણે કોઈને આપવું, લેવું, વધવું, ઘટવું.

દાદાશ્રી : એ હિસાબ જ છે. વિજ્ઞાન એટલે હિસાબ જ છે એ તો. એટલે ડિસ્ચાર્જ સ્વરૂપે ગોઠવાયેલું છે. એ પ્રમાણે બધું આવે છે. એ કંઈ રૂપિયા લીધેલા-ધીરેલા નથી. ઋણાનુબંધ રૂપિયા નથી હોતું, પેલાને ભાવ છે કે મારે આવાં બાપા મળે તો સારું. એટલે આમ બાપ જોઈએ નહીં, પણ આવા વિચારોવાળા બાપ મળે, આવા વિચારોવાળા છોકરા મળે, એટલે તેવું થાય. બસ, બીજું કશું નહીં.

પ્રશ્નકર્તા : એટલે બુધ્ધિના આશય પ્રમાણે ભેગું થાય.

દાદાશ્રી : હા, ભેગું થાય બધું. બાકી રૂપિયા આપવા-દેવાનું કંઈ ત્યાં આગળ નથી એવું. ફક્ત રાગ-દ્વેષના આધીન છે. રાગ-દ્વેષ ખરો એટલે એવા આશયનાં ચાર જણ હોય તેમાં રાગ-દ્વેષ કોની જોડે છે, તેનું છે આ, તેની જોડે જોઈન્ટ થાય છે. બીજો રાગ-દ્વેષ વગરનો હોય તે ના ચાલે. હિસાબસર જ છે. એટલે કુદરતી રીતે જ થાય છે. બધું નેચરલ, બસ આમાં કોઈને કશું કરવા આવવું પડતું નથી.

આ તો કરો છો કે ઈટ હેપન્સ ?

પ્રશ્નકર્તા : અમુક પ્રકારના લોકો પૈસા કમાઈને સિક્યોરિટી મેળવવા વ્યસ્ત હોય છે અને બીજા પ્રકારના લોકો સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી, આત્મદ્રષ્ટિ મેળવવાની સિક્યોરિટીમાં રત હોય છે. તો સાધકે જ્ઞાન સમજવા માટે શું સાચો વ્યવસાય કરવો જોઈએ ? જ્ઞાનની પ્રગતિ માટે શું કરવું ?

દાદાશ્રી : તો તો તમારે જાણવું જોઈએ કે પૈસા ખરેખર તમે કમાવ છો કે ઇટ હેપન્સ છે ! એ તમારે જાણવું જોઈએ પહેલેથી ! આ બધું તમે કરો છો કે કોઈ કરાવે છે ? તમને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : બધું આપણે જ કરીએ છીએ ને ! કોઈ કરાવતું નથી.

દાદાશ્રી : ના, આ કોઈક કરાવે છે અને તમારા મનમાં ભ્રાંતિ છે કે હું કરું છું. આ તો રૂપિયા કોઈકને આપો છો, એ પણ કોઈક કરાવડાવે છે અને નથી આપતા તે પણ કોઈક કરાવડાવે છે. બિઝનેસ છે તે પણ કોઈક કરાવડાવે છે. ખોટ જાય છે તે પણ કોઈક કરાવડાવે છે, નફો આવે છે તે પણ કોઈક કરાવડાવે છે. તમને એમ લાગે છે કે હું કરું છું ? એ ઈગોઈઝમ છે. એ કોઈ કરાવે છે એ ઓળખવું પડશે ને ? અમે એ ઓળખાણ કરાવી આપીએ છીએ. જ્ઞાન આપીએ છીએ ત્યારે બધું સમજણ પાડીએ છીએ કે કરે છે કોણ ?

એક સ્વસત્તા છે, બીજી પરસત્તા છે. સ્વસત્તા કે જેમાં પોતે પરમાત્મા થઈ શકે છે. જ્યારે પૈસા કમાવાની તમારા હાથમાં સત્તા નથી, પરસત્તા છે તો પૈસા કમાવા સારા કે પરમાત્મા થવું સારું ? પૈસા કોણ આપે છે એ હું જાણું છું. પૈસા કમાવાની સત્તા પોતાના હાથમાં હોય ને તો ઝઘડો કરીને પણ ગમે ત્યાંથી લઈ આવે. પણ એ પરસત્તા છે. એટલે ગમે તે કરો તો ય કશું વળે નહીં. એક માણસે પૂછ્યું કે લક્ષ્મી શેના જેવી છે ? ત્યારે મેં કહ્યું કે ઊંઘ જેવી. કેટલાને સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય અને કેટલાકને આખી રાત પાસાં ઘસે તો ય ઊંઘ ના આવે. ને કેટલાક ઊંઘ આવવા માટે ગોળીઓ ખાય. એટલે આ લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી, એ પરસત્તા છે. અને પરસત્તાની ઉપાધિ આપણે શું કરવાની જરૂર?

એ તો છે નૈમિત્તિક !

એટલે અમે તમને કહીએ કે પૈસા ગમે એટલી માથાકૂટ કરો તો મળે એવું નથી. એ 'ઈટ હેપન્સ' છે. હા અને તમે એમાં નિમિત્ત છો. કોર્ટમાં જવું-આવવું એ નિમિત્ત છે. તમારે મોઢે વાણી નીકળે છે એ બધું નિમિત્ત છે એટલે તમે આમાં બહુ ધ્યાન ના આપો. એની મેળે ધ્યાન અપાઈ જ જશે અને આમાં તમને હરકત આવે એવું નથી.

આ તો મનમાં એમ માની બેઠા કે ના, હું ના હોઉં તો ચાલે જ નહીં. આ કોર્ટો બંધ થઈ જાય એવું માની બેઠા છો. એટલે એવું કશું નથી.

ત્યારે મોક્ષે જવાની તૈયારી !

આ લક્ષ્મી ભેગી થવી તે ય કેટલાંય કારણો ભેગાં થાય ત્યારે એ લક્ષ્મી ભેગી થાય તેમ છે. કોઈ ડૉક્ટરના ફાધરને અહીં ગળે ગળફો બાઝયો હોયને, તે ડૉક્ટરને કહીએ કે આવડાં આવડાં મોટાં ઓપરેશનો કર્યાં તો આ ગળફો કાઢી નાખને ! ત્યારે કહે, ના. કાઢી નાખીશ તે પહેલાં મરી જશે. એટલે આમાં આટલું ય ચાલે નહીં. એવિડન્સ ભેગા થયા, બધા ! હું જ્ઞાની બન્યો એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે. આ લોકો કરોડાધિપતિ ય જાતે નથી બન્યા. પણ એ મનમાં માને છે કે 'હું બન્યો', એટલી જ ભ્રાંતિ છે અને જ્ઞાની પુરુષને ભ્રાંતિ ના હોય. જેવું હોય એવું કહી દે કે ભાઈ, આવું થયું હતું. હું સુરતના સ્ટેશન ઉપર બેઠો હતો ને એવું થઈ ગયું અને પેલો માને કે હું બે કરોડ કમાયો અને મેં ત્રણ સ્ત્રીઓ કરી ! પણ આ બધું તમે લઈને આવ્યા છો. આ તો તમારા મનમાં માની બેઠા છો કે 'ના, હું કરું છું' એટલું જ છે. ઈગોઈઝમ છે અને તે ઈગોઈઝમ શું કરે છે ? આવતા ભવને માટે તમારી યોજના ઘડી રહ્યા છો. એમ ભવ પછી ભવની યોજના કર્યા જ કરે છે જીવ. એટલે એને કોઈ દહાડો ભવ અટકતો જ નથી. યોજના બંધ થઈ જાય ત્યારે એને મોક્ષે જવાની તૈયારી થાય.

- જય સચ્ચિદાનંદ.