|
ધર્મ અને ફરજ, વ્યવહારમાં ! સંપાદકીય આ સંસારમાં ધર્મને બે રીતે લોકો સમજે છે, એક સાંપ્રદાયિક ધર્મ અને બીજું ફરજ. છોકરા પ્રત્યે ફરજ બજાવે છે તેને કહે છે, 'મારો ધર્મ છે' અને મંદિરમાં દર્શન-પૂજા કરે છે, તેને ય 'ધર્મ કર્યો' કહે છે, પણ આમાં સાચી સમજણ શું ? વ્યવહાર જે એકબીજા સાથે કરવો પડે છે, મા-બાપ છોકરા વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, સાસુ-વહુ વચ્ચે, તે ફરજિયાત છે પણ ધર્મ આંતરિક વસ્તુ છે. છોકરો મા-બાપની સામે અવળું બોલતો હોય તોય મા-બાપે પોતાનો ધર્મ ચૂકયા વગર ફરજ બજાવવાની છે. મા-બાપનો ધર્મ છોકરાને પાલન-પોષણ કરી મોટો કરવો, એને સદ્માર્ગે ચઢાવવો. એ અવળું બોલે ને પોતે અવળું બોલે તો શું રહ્યું ? ત્યાં મા-બાપે છોકરાને પ્રેમથી સમજણ પાડવી પડે. એ આંતરિક સ્થિરતા, સમતા એ ધર્મ કહેવાય છેે. જ્યારે કચ કચ કરીને વ્યવહાર કરે તે અધર્મ કહેવાય છે. એટલે પરમ પૂજ્ય દાદાશ્રી બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે 'આખા જગતના લોકો બધું શું કામ કરે છે ? ડ્યુટી જ બજાવે છે, પણ કોઈક કચ કચ કરતો બજાવે તો એનો ગુનો લાગુ થાય, એને જાનવર ગતિમાં જવું પડે. રાજીખુશીથી ફરજો બજાવે તો ફરી મનુષ્યમાં આવે અને નમ્રતાથી ફરજો બજાવેે તો દેવગતિમાં જાય. ડ્યુટી તો બધાંય બજાવે છે પણ કેવી રીતે એ બજાવે છે, એ સમજવાની જરૂર છે.' એટલે બાહ્ય વ્યવહાર એ ફરજરૂપે ફરજિયાત ભાગ છે પણ જે મરજિયાત ભાગ છે ત્યાં યોગ્ય સમજણની ગોઠવણી હોય તો ધર્મપૂર્વક વ્યવહાર પૂરો કરી શકાય. બાહ્ય વ્યવહાર પાછો પૂર્વકર્મના હિસાબરૂપે છે. સામસામે કર્મોનો હિસાબ ફરજિયાતપણે ચૂકવાય જાય છે. આંતરિક પરિણતિથી આવતા ભવના નવા હિસાબ બંધાય છે. ત્યાં પોતાની જાગૃતિ હોવી જોઈએ કે ભાવ બગડે નહીં, નહીં તો અધોગતિ વહોરી લેવાશે ! એટલે બધી ફરજોમાં ધર્મ હોવો જ જોઇએ. ધર્મ નહીં રાખો તો અધર્મ તો પેસી જ જશે. છતાં આ ધર્મ એ દેહાધ્યાસરૂપી ધર્મ છે અને સંસારમાં જ રાખે. જયારે બીજા પ્રકારનો ધર્મ જે છે એ આત્મધર્મ છે. જો જ્ઞાની પુરુષ મળી જાય તો પોતાને 'હું કોણ છું' એનું ભાન કરાવી આપે તો આત્મધર્મ શરૂ થઈ જાય અને આત્મધર્મનું ફળ મોક્ષ મળે ! પ્રસ્તુત અંકમાં મા-બાપે છોકરા પ્રત્યે, પત્ની અને પતિ વચ્ચે, શિષ્યો- વિદ્યાર્થીઓએ ગુરુ પ્રત્યે, જવાનીયાઓએ ઘૈડિયાઓ પ્રત્યે કેવી-કેટલી ફરજ બજાવવી, ધર્મને અંતરમાં રાખીને, તેનું દાદાશ્રીની વાણીમાં સંકલન થયું છે. જે વાચકને જીવનમાં ધ્યેય ગોઠવવા હિતકારી થઈ પડશે. દીપકના જય સચ્ચિદાનંદ ધર્મ અને ફરજ, વ્યવહારમાં ! માનવનો ધર્મ જીવનમાં ! પ્રશ્નકર્તા : મનુષ્ય તરીકે આપણો ધર્મ શો છે ? દાદાશ્રી : કેમ કરીને આ જગતમાં આપણાં મન-વચન-કાયા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. લોકોનો ધક્કો ખાઈએ, વાણીથી કોઈને સારી સમજણ આપીએ, બુધ્ધિથી સમજણ પાડીએ, કોઈને દુઃખ ના થાય એવું આપણે વલણ રાખીએ, એ આપણો ધર્મ છે. કોઈ જીવને દુઃખ ના થાય, તેમાં બધા જીવની બાધા ના લેવાય તો મનુષ્ય એકલાંની એવી બાધા લેવી જોઈએ. અને મનુષ્યની બાધા લીધી હોય તો બધાં જીવની બાધા લેવી જોઈએ કે આ મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ના હો. આટલો જ ધર્મ સમજવાનો છે ! માનવધર્મ કોને કહેવાય કે, તમે સામાને સુખ આપો તો તમને સુખ મળે ને સામાને દુઃખ આપો તો તમને દુઃખ મળે. કરો ક્લેશ વિનાનું ઘર ! ઘરમાં વઢવાડ ઓછી થાય છે ? પ્રશ્નકર્તા : ઘરમાં ય અશાંતિ તો છે જ નહીં, એટલે શું ખબર પડે ? દાદાશ્રી : ધણી જોડે, છોકરાં જોડે ભાંજગડ નથી ? પ્રશ્નકર્તા : છોકરાઓ જોડે ફરજરૂપે લઢવું પડે, બીજું કશું નથી. દાદાશ્રી : લઢવાની ફરજ હોતી નથી. પોતાના છોકરાને લઢવાના હોતા હશે ? પ્રશ્નકર્તા : એને ભણે-કરે નહીં, તો આપણે એમને કહેવું પડે. દાદાશ્રી : તે આ કૂતરી ક્યાં કહે છે કુરકુરિયાને, કશું કહે છે કૂતરી ? તો ય કુરકુરિયા ઑલરાઈટ થઈ જાય છે ને ! પ્રશ્નકર્તા : મારા માન્યા છે, એટલા માટે એમ ? દાદાશ્રી : તે મારા માન્યા છે એનો અર્થ એવો કે દુશ્મનાવટ રાખવાની આવી ? એને બિચારાને દુઃખ દેવાનું ? પ્રશ્નકર્તા : એટલે અશાંતિ લાગે. દાદાશ્રી : ના, ના. એવું નહીં, પ્રેમ રાખો એની ઉપર હાથ ફેરવો. માતાનો સાચો પ્રેમ હોય તો પ્રેમથી છોકરા આમ ખીલે, ગુલાબના ફૂલ ખીલે એમ ખીલે. આ તો છોકરા જ બધા કરમાઈ ગયેલા. કરમાઈ ગયેલા છોકરાને શું કરવાના ! માતાનો હાથ ફરતાંની સાથે છોકરો ખીલે આમ ! ફૂલ ખીલે એમ ખીલે. પ્રેમ ના જોઈએ, બેન ? પ્રશ્નકર્તા : હા, જોઈએ. દાદાશ્રી : તો પછી ટપલા મારીને દમ કાઢી નાખો છો, ચૂંટીઓ ભરો છો ? પ્રશ્નકર્તા : ના, ના, ના એવું નથી કરતા. દાદાશ્રી : એટલે છોકરાને ઉછેરો સારી રીતે, આ ધ્યાન-બ્યાન એમાં ખોવાઈ જઈને શું કરવાનું ! આમ ઘરમાં બધા લોકોને આનંદ, આનંદ, આનંદ રહે, બધા આપણા ધણીને, છોકરાને, બધા આનંદમાં રહેતા હોય, એવી રીતે રહેવું જોઈએ ! બગીચા જેવું કરી નાખો ઘર. એ ઘરમાં ઠેકાણું ના હોય, પેલા કહે કે, 'કઢી કેમ ખરાબ કરી ?' તો આ કહેશે, 'તમે આવા છો ને તેવા છો.' ઝઘડા, બધી ભાંજગડો, આ તે કંઈ ઘર કહેવાતા હશે ?! એના કરતાં ધ્યાન બંધ કરી દો ને આ કરો ને પહેલું ! આ સમું કરવાનું છે તે પહેલું કરો ને પછી પેલું ધ્યાન-બ્યાન કરવાનું. લોકોએ પેલાં ધ્યાન શીખવાડ્યા, એને તોપને બારે ચઢાવવા સારુ ! પહેલું રિપેર કરો ઘરના માણસોમાં. ઘરમાં ક્લેશ ના હોવો જોઈએ. જેને ઘેર ક્લેશ નહીં, ત્યાં ભગવાનનો વાસો રહે, નહીં તો સહેજ ક્લેશ થાય તો ભગવાન જતાં રહે. પ્રશ્નકર્તા : પૂજાપાઠ નિયમિત થાય છે રોજ. દાદાશ્રી : પૂજાપાઠનો સવાલ નથી. પણ ઘરનાં માણસોમાં ક્લેશ ના રહેવો જોઈએ. મહિનામાં એકુંય દહાડો અથડામણ ન થવી જોઈએ. પૂજાપાઠ ઓછું થશે તો ચાલશે, ભગવાન કંઈ એવું પૂજાના ભૂખ્યા નથી. ભગવાન તો એટલું જુએ છે કે આ ઘરમાં સંપ છે કે ક્લેશ છે ! જો ક્લેશ છે તો હું રહેવા માંગતો નથી અને સંપ હોય તો હું કાયમ જવા માંગતો નથી. તમને કયો ફાયદો લાગે છે ? પ્રશ્નકર્તા : સંપ હોય તે. દાદાશ્રી : હં. એટલે ઘરમાં ચોખ્ખું એવું કરો કે ઘરમાં ક્લેશ જ ના થાય. એટલે ઘરમાં ક્લેશ નહીં કરવો, એ પહેલામાં પહેલો ધર્મ અને બીજો ધર્મ મોક્ષનો. બસ, આ બે જ ધર્મ છે. સુધારશો ઘેર ? હેં ? પ્રશ્નકર્તા : હા, ચોક્કસ સુધારીશું ! દાદાશ્રી : હં.... ત્યારે ખરું ! ફેમિલીમાં અણસમજણ ભાંગો, એ જ મુખ્ય ! પહેલું ધર્મ જે છે એ ઘરમાંથી શરૂ કરો. ઘરમાં કિંચિત્માત્ર ડખો ના રહે અને દુઃખ ના થાય કોઈને એવી રીતે ફેમિલી મેમ્બર તરીકે થઈ જાવ. બહેનો કશી વાતચીત કરજો. દુઃખનો અંત તો આવવો જોઈએ. આમ ક્યાં સુધી આવું ને આવું રહે આપણું જીવન ! આટલા બધા રૂપિયા પગાર મળે છે. આટલાં બધાં સરસ મકાનો છે, અડચણ કોઈ જાતની નથી, છતાં દુઃખ ક્યાંથી આવ્યું ? ક્યાંથી પેસી ગયું ? કયા ખૂણામાંથી પેસી ગયું ? પ્રશ્નકર્તા : ઘેર આવીએ તો મોઢું ચડેલું હોય છે. દાદાશ્રી : શા માટે ? આ અણસમજણ જ છે બધી. અણસમજણો ભાંગો... બીજો ધર્મ નહીં કરો તો ચાલશે, ભગવાનને એના પર વાંધો નથી, પણ એવી અણસમજણ કાઢી નાખોને. આપણી સેફસાઈડ તો કરો. વધારે ના થાય તો આપણા ઘરની ફેમિલી સેફસાઈડ તો કરો. એ પહેલો ધર્મ અને 'આપણે કોણ છીએ' એ પછી જાણવું જોઈએ, એ મોક્ષધર્મ. બે ધર્મો જાણવા જોઈએ. ઘરમાં દુઃખ આપીને આપણે સુખી થઈએ, એવું બને નહીંને ! અને છોકરા ય ખરાબ થઈ જાય. એટલે બહેન કંઈક સારું જીવન જીવો. હવે ધણીને કહી દેવું કે આપણે ફેમિલીમાં છીએ. ફેમિલીને અન્યાય ના કરશો. એ કળા, વ્યવહાર ધર્મ ! પણ જો 'કંપ્લીટ' જીવન જીવવાની કળા શીખેલા હોયને તો લાઇફ 'ઇઝી' રહે. પણ ધર્મ તો જોડે જોઇએ જ. જીવન જીવવાની કળામાં ધર્મ મુખ્ય વસ્તુ છે અને ધર્મમાં ય બીજું કશું નહીં, મોક્ષધર્મની ય વાત નહીં, માત્ર ભગવાનની આજ્ઞારૂપી ધર્મ પાળવાનો છે. મહાવીર ભગવાન કે કૃષ્ણ ભગવાન કે જે કોઇ ભગવાનને તમે માનતા હો, તેમની આજ્ઞાઓ શું કહેવા માગે છે તે સમજીને પાળો. હવે બધી ના પળાય તો જેટલી પળાય એટલી સાચી. હવે આજ્ઞામાં એવું હોય કે બ્રહ્મચર્ય પાળજો ને આપણે પૈણીને લાવીએ તો એ વિરોધાભાસ થયું કહેવાય. ખરી રીતે તેઓ એમ નથી કહેતા કે તમે આવું વિરોધાભાસવાળું કરજો. એ તો એવું કહે છે કે તારાથી જેટલી અમારી આજ્ઞાઓ 'એડજસ્ટ' થાય એટલી 'એડજસ્ટ' કર. આપણાથી બેે આજ્ઞાઓ 'એડજસ્ટ' ના થઇ તો શું બધી આજ્ઞાઓ મૂકી દેવી ? આપણાથી થતું નથી માટે શું આપણે છોડી દેવું ? તમને કેવું લાગે છે ? બે ના થાય તો બીજી બે આજ્ઞા પળાય તો ય બહુ થઇ ગયું. લોકોને વ્યવહારધર્મ પણ એટલો ઊંચો મળવો જોઇએ કે જેથી લોકોને જીવન જીવવાની કળા આવડે. જીવન જીવવાની કળા આવડે એને જ વ્યવહારધર્મ કહ્યો છે. કંઇ તપ-ત્યાગ કરવાથી એ કળા આવડે નહીં. આ તો અજીર્ણ થયું હોય તો કંઇક ઉપવાસ જેવું કરજે. જેને જીવન જીવવાની કળા આવડી તેને આખો વ્યવહારધર્મ આવડી ગયો અને નિશ્ચયધર્મ તો ડેવલપ થઇને આવે તો પ્રાપ્ત થાય અને આ અક્રમ માર્ગે તો નિશ્ચયધર્મ જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થઇ જાય છે ! 'જ્ઞાની પુરુષ' પાસે તો અનંત જ્ઞાનકળા હોય ને અનંત પ્રકારની બોધકળા હોય ! એ કળાઓ એવી સુંદર હોય કે સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત કરે. મૂળ સ્ટેજમાં ધર્મ ત્યાં ચિંતા નહીં ! આ તો સાયન્સ છે. કોઈ વખતે અક્રમ વિજ્ઞાન નીકળે છે. અક્રમ એટલે ક્રમ-બ્રમ નહિ. આ ધોરી માર્ગ નથી, આ તો કેડી માર્ગ છે. ધોરી માર્ગ તો ચાલુ જ છેને ! તે માર્ગ અત્યારે મૂળ સ્ટેજમાં નથી, અત્યારે અપસેટ થઈ ગયો છે. ધર્મો બધા અપસેટ થઈ ગયાં છે. મૂળ સ્ટેજમાં ધર્મ હોય ત્યારે તો જૈનોને, વૈષ્ણવોને ચિંતા વગર ઘરો ચાલતા હતા. આ તો કેટલી ચિંતા-ઊકળાટ ! કશોય મતભેદ જતો નથી, તોય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછો ય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, 'ના, પણ મેં ધર્મ તો કર્યો જ ને ?!' અલ્યા, શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું એનું નામ ધર્મ કહેવાય. આ તો ક્લેશ પરિણામ વધારે ને વધારે થયાં કરે છે ! ક્લેશ, ત્યાં ધર્મ નહીં ! જ્યાં કંઈ પણ ક્લેશ છે ત્યાં ભગવાને ય નથી ને ધર્મે ય નથી. ક્લેશ એટલે ભયંકર સંસારરોગ. જેનાથી ક્લેશ ઉત્પન્ન ના થાય એને ધર્મ કહેવાય. સંસારમાં ખાય-પીવે એનો વાંધો નથી, પણ જે ક્લેશ ઉત્પન્ન થાય છે એ ના હોવો જોઇએ. ભગવાન શું કહે છે કે મોક્ષ ના મળે તેનો વાંધો નથી, પણ ક્લેશ ના થાય તો સંસારમાં રહેવું સારું. ક્લેશ તો ભયંકર રોગ કહેવાય, ટી.બી. કરતાં ય ખરાબ રોગ કહેવાય. ક્લેશ ના ગયો તો તું ધર્મ જ નથી જાણતો એમ ભગવાને કહેલું. ક્લેશ થાય તો જનાવરની ગતિ આવે. માટે બે વાતો શીખી લેવાની છે. ક્લેશ ના થતો હોય તો સંસારમાં રહેવું, નહીં તો મોક્ષનો માર્ગ ખોળવો. જ્યાંં જરાક પણ ક્લેશ છે ત્યાં ધર્મ નથી અને જ્યાં ધર્મ છે ત્યાં ક્લેશ નથી. ક્લેશ એટલે તો માનસિક રોગ કહેવાય. એને લીધે તો આવતો ભવ બગડે. દેહને રોગ થાય તો આવતો ભવ ના બગડે. એને માટે તો દવા કરીએ છીએ. તો પછી ક્લેશના રોગની દવાની તપાસ ના કરવી જોઇએ ? એની તો તરત તપાસ કરવી જોઇએ કે કયા કારણથી ક્લેશ થયો છે ! ઘરમાં ક્લેશ ના થવો જોઈએ, બસ. કંઈ પણ થાય, ઊંધું-ચત્તું થાય પણ ક્લેશ ન થવો જોઈએ. ઘરમાં ઝઘડા ના થવા જોઈએ એ ધર્મ હોવો જોઈએ, બસ. દુઃખોથી છૂટો, એવી જ્ઞાનીની કરુણા ! લોકોને ઘેર ક્લેશ ના થાય, ક્લેશીત જીવન ના રહે એવો ધર્મ જ બતાવવાનો છે. અત્યારે આ ધર્મ તો અપસેટ થઈ ગયો છે. એટલે આ લોકો ક્લેશીત જીવન જીવે છે. નહીં તો આ જૈનો, વૈષ્ણવો કંઈ ગુનેગાર છે ? એવું નથી. છતાંય કેમ ચિંતાઓ આટલી બધી છે ?! કારણ કે આખું જીવન જ ક્લેશીત છે. આખો ધર્મ જ આમ હતો, તે અત્યારે આમ ઊંધો થઈ ગયો છે. એટલે જે આમ ઊંધું થયેલું છે, તેને ફરી પાછું આમ ઊંધું કરી આપીશું. બહુ જ સહેજમાં જ ક્લેશ વગરનું જીવન થાય એવું છે ! અને આ લોકોને વગર મહેનતનો ધર્મ આપીશું. આમનાં મોઢાં ઉપર તો દિવેલ ફરી વળેલું છે, આમની પાસે શું મહેનત કરાવડાવીએ ? મોઢાં ઉપર દિવેલ નથી દેખાતાં બહાર લોકોને ? મોઢાં ઉપર દિવેલ ચોપડીને ફરતાં હશે ? એનું શું કારણ ? આ લોકોને મહેનત આપવા જેવી નથી, તપ-ત્યાગ કરાવવાં જેવું નથી, દુઃખી જ છે બિચારાં. પાછું કહેશે, 'ફલાણું ખાવાનું છોડી દો.' અલ્યા, એ એકલું જ તો ભાવે છે બિચારાંને, એ શું કરવા છોડાવી દે છે ? એને ત્યાગ કરાવવા જેવો જ નથી. એને સુખ જ નથી કોઈ જાતનું ! કરુણા આવે એવું થઈ ગયું છે ! અમને આમ દેખાય બધું, તે અમને કરુણા આવે કે આમાંથી, આ દુઃખોથી આ લોકોને મુક્તિ થાય. વ્યવહારમાં, કર્મ શું ? ધર્મ શું ? આ વાઈફે જમવાનું બનાવ્યું હોય તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ. ના કઢાય એવું ! જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે. હાઉ ટુ એડજસ્ટ ? એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જેની કાયમ સાથે રહેવાનું, એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ ? આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કહેવાય તે ? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ. બીબી-છોકરાં એ તો આપણા આશ્રયે આવેલાં છે. જે આપણા આશ્રયે આવેલું હોય, તેને દુઃખ કેમ કરીને દેવાય ? સામાનો વાંક હોય તો પણ આશ્રિતને આપણાથી દુઃખ ના દેવાય. ઘરમાં તો વ્યવહાર સારો જ રાખવો જોઈએ ને ! પોતાના ખેતરનો છોડવો ના વટાય એ આપણે ખ્યાલ રાખીએ છીએ ને ?! સામસામી સમાધાનપૂર્વક હિસાબ કરવો, એનું નામ ધર્મ. સામસામી સમાધાનપૂર્વક હિસાબ નહીં કરવો એનું નામ કર્મ. શાકમાં મીઠું વધારે પડ્યું ત્યાં ખાઇ લેવું તે ધર્મ અને 'ખારું બનાવ્યું, આમ કેમ કર્યું' કહીએ, એેનું નામ કર્મ. સંસાર બગડે નહીં તે સાચો ધર્મ ! જેના સંસારના કામ બગડે, તે ધર્મ પામ્યો ના કહેવાય. સંસારનું કામ સુધરવું જોઈએ, સંસાર સુધરવો જોઈએ. આજુબાજુવાળા ય કહે કે, 'ના ભઈ, આ બહુ સારા માણસ છે. જ્યારે ભગતો બહુ ઘેલા હોય, તેમનો તો સંસારે ય બગડે ને ધર્મે ય બગડે, બધું બગાડે. અને આ તો જ્ઞાનીઓ કહેવાય, વ્યવહારમાં એક્ઝેક્ટ રહે. 'આ' જ્ઞાન તો લોકોનું કામ કાઢી નાખશે, નહીં તો માણસને અશાંતિમાં પાપ બંધાય. માણસને અશાંતિ થઈ જાય ને, ત્યારે સામા માણસ સારાં હોય તો ય ખરાબ દેખાય, પણ જો અંદર શાંતિ હોય તો કોઈ સામો માણસ જો ખરાબ હોય તો ય સારો લાગે. એડજસ્ટમેન્ટ, એ જ મોટો ધર્મ ! તમારે ત્યાં કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારેય પણ તરછોડશો નહીં, છંછેડશો નહીં. બધાને માનભેર રાખશો. કો'ક માણસથી શો ય લાભ થઈ જાય ! વ્યવહારમાં 'એડજસ્ટમેન્ટ' લેવું, તેને આ કાળમાં જ્ઞાન કહ્યું છે.'ડીસ્એડજસ્ટમેન્ટ'ને 'એડજસ્ટ' કરવાનું છે. સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ 'એડજસ્ટ' થતાં તો આવડવું જોઈએ. સામો 'ડિસ્એડજસ્ટ' થયા કરે ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે એને કોઈ દુઃખ જ ન હોય. 'એડજસ્ટ એવરીવ્હેર'. દરેક જોડે 'એડજસ્ટમેન્ટ' થાય, એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ તે 'એડજસ્ટ' થયા વગર કેમ ચાલે ? 'એવરીવ્હેર એડજસ્ટ' થાય ત્યારે વીતરાગોની વાત પૂર્ણ પામ્યો કહેવાય. વાહન વ્યવહારનો ધર્મ, દ્રષ્ટા તે રૂપે ! પ્રશ્નકર્તા : પેલી ચોપડી કાલે લીધી હતી એમાં એ હતું કે, આ રોડ પરનાં વાહન વ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે અને તમે કોઈની જોડે અથડાશો જ નહીં. તેમ આ વ્યવહારમાં ધર્મો એટલે રિલેટિવ ધર્મમાં કહે છે કે કોઈને પણ ત્રાસ ન આપો ને તમારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપજો. દાદાશ્રી : જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ, પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અથાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે. પણ આપણો નુકસાન કરવાનો ઈરાદો ન હોવો જોઈએ. આપણે એને નુકસાન કરવા જઈએ તો આપણને નુકસાન થવાનું છે એ. એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો ને તેની સાથે તમને એમ ને એમ ઓન ધી મોમેન્ટ દુઃખ પડ્યા વગર રહે જ નહીં. એ અથડામણો છે. એ એવી રીતે આ વ્યવહારિક કાર્યોમાં પણ અથડાશો નહીં. અથડાવામાં જોખમ જ છે હંમેશાં. અને અથડાવાનું કોઈક દહાડો બને છે, કંઈ મહિનામાં બસો વખત થાય છે ? મહિનામાં કેટલા વખત આવે છે એવું ? ગૃહસ્થીધર્મ ગણાયો ઉત્તમ ! પ્રશ્નકર્તા : ગૃહસ્થીધર્મ ઉત્તમ શાથી કહેવાય છે ? ગૃહસ્થી ભોગવતા ભક્તિ સાચી કે ગૃહસ્થમાં પ્રવેશ્યા પછી તેને ત્યાગીને ભક્તિ કરીએ એ સાચી છે ? દાદાશ્રી : ત્યાગ કરવામાં કોઈને દુઃખ ન થયું હોય, ઘરમાં કોઈ પણ માણસને, બધા ખુશી ખુશી થઈને રહેતા હોય તો એ ભક્તિ સારી કહેવાય. પણ ત્યાગમાં લોકોને દુઃખ થયું હોય એનાં કરતાં તો ગૃહસ્થીમાં રહીને ભક્તિ કરવી સારી. બધાને પોષણ તો કરવું જોઈએને ? જેની જોડે આપણા લગ્ન થયા, છોકરાં હોય તે બધા આશ્રય ભાવના રાખે નહીં ? આશ્રય રાખે. તે આશરો તમારે આપવો પડેને! નિરાશ્રિત ન કરાય એને. અહીં ઘરનાં બધાં માણસ રાજીખુશી થઈને કહેતા હોય, 'ના, ના. તમે ત્યાગ લો તો અમારે વાંધો નથી. અહીં દુઃખ નથી.' તો વાંધો નહીં. અને નહીં તો આપણે ઘરમાં રહીને ભક્તિ કરીએ એ સાચી. તો બહુ સારામાં સારું. એના જેવું નહીં. પણ સાચી ભક્તિ, ધર્મ ક્યારે થયો કહેવાય કે ઘરનાં કોઈ માણસને આપણા થકી દુઃખ ના હોય. ઘરનાં માણસ થકી આપણને દુઃખ થાય પણ આપણાથી એને દુઃખ ના હોય, એ સાચી ભક્તિ. ગૃહસ્થધર્મ તો ઉત્તમ શાથી ગણાય છે કે કસોટી ધર્મ છે આ. ત્યાગીને તો કસોટી જ નહીં ને ! ઇન્કમટેક્સ નહીં, સેલટેક્સ નહીં, ભાડું નહીં, નાડું નહીં, કશું જ નહીં ! અને આપણે તો બધાની વચ્ચે રહીને સમતા રાખવાની એટલે ઉત્તમ ગણાય. કસોટી એની હોય. એ તો ટેસ્ટેડ હોવું જોઈએ. આ ત્યાગી હોય ને, તેને કહીએ કે મહિનો તમે પૈણી જુઓ જોઈએ. પૈણ્યા પછી મહિનો ય રહે નહીં. પાછો જતો રહે. કારણ કે પેલી કહે 'આજ દાળ લઈ આવો, આજ જરા ખાંડ લઈ આવો.' પેલાને સમજણ ના પડે કે એ ક્યાંથી લાવવું, એટલે એ નાસી જાય. આર્થિક પીડા હોય એ ય ગમે નહીં, તરત ભાગી જાય ! એટલે ગૃહસ્થધર્મ તો ઉત્તમ જ કહેવાય. વ્યવહાર ઉકેલવો સમાધાનપૂર્વક ! પ્રશ્નકર્તા : આપણે ધર્મના માર્ગે જવું હોય તો, ઘરસંસાર છોડવો પડે. એ ધર્મના કામ માટે સારું કહેવાય પણ ઘરના લોકોને દુઃખ થાય પણ પોતાને માટે ઘરસંસાર છોડે એ સારું કહેવાય ? દાદાશ્રી : ના. ઘરવાળાનો હિસાબ ચૂકવવો જ પડે. એમનો હિસાબ ચૂકવ્યા પછી એ બધાં ખુશ થઈને કહે કે 'તમે જાવ' તો વાંધો નથી. પણ એમને દુઃખ થાય એવું કરવાનું નહીં. કારણ કે એ એગ્રીમેન્ટ(કરાર)નો ભંગ કરી શકાય નહીં. આ ચીકણી પટ્ટી શરીર પર ચોંટાડી હોય તો તેને ઉખાડીએ તો પણ એ ઊખડે નહીં, વાળને સાથે ખેંચીને ઊખડે તેમ આ સંસાર ચીકણો છે. 'જ્ઞાની પુરુષ' દવા દેખાડે તો એ ઊખડે. આ સંસાર છોડ્યે છૂટે એવો નથી. જેણે સંસાર છોડ્યો છે, ત્યાગ લીધો છે એ એનાં કર્મના ઉદયે છોડાવ્યો છે. સહુસહુને તેના ઉદયકર્મના આધારે ત્યાગધર્મ કે ગૃહસ્થીધર્મ મળ્યો હોય. સમકિત પ્રાપ્ત થાય ત્યારથી સિધ્ધદશા પ્રાપ્ત થાય. વ્યવહારમાં ધર્મ ને ફરજનો સમન્વય ! સાંસારિક ફરજો તો ફરજિયાત જ છે. મા-બાપે માનવું કે છોકરાંની આપણે ફરજો બજાવી એ છે તે ફરજિયાત છે. છોકરાએ એમ માનવું જોઈએ કે મારી ઉપર ઉપકાર કર્યો છે એટલે એમના તરફ મારે ભાવ રાખવા જોઈએ, એવી માન્યતા હોવી જોઈએ. નહીં તો પછી પેલો મિકેનિકલ થઈ જાય. ફરજિયાત થયું એટલે મા-બાપ પ્રત્યેની સેવાનો ભાવ ઊડી જાય ને ! હવે, સંસારની ફરજો બજાવતી વખતે ધર્મ જોડે સમન્વય શી રીતે થાય ? ત્યારે કહે છે કે, છોકરો અવળું બોલતો હોય, તો ય આપણે આપણો ધર્મ ચૂક્યા વગર ફરજ બજાવવી. તમારો ધર્મ શું કે છોકરાનું પાલન-પોષણ કરવું, મોટો કરવો, એને સદ્રસ્તે ચઢાવવો. હવે એ અવળું બોલતો હોય તો તમે અવળું બોલો તો શું થાય ? એ બગડી જાય. એટલે તમારે પ્રેમથી એને ફરી સમજણ પાડવી કે બેસ ભઈ, આમ છે, તેમ છે. એટલે બધી ફરજોમાં ધર્મ હોવો જ જોઈએ. ધર્મ નહીં પેસવા દો તો એ વેક્યુમમાં અધર્મ પેસી જશે. ખાલી ઓરડી નહીં રહી શકે. અત્યારે આપણે અહીં ખાલી ઓરડીઓ રાખી હોય તો તાળાઓ ઊઘાડીને પેસી જાય કે ના પેસી જાય ? પ્રશ્નકર્તા : રાઈટ (બરાબર). દાદાશ્રી : તો ત્યાં આગળ ખાલી ના રખાય. ત્યાં ધર્મને ઘાલી જ રાખવાનો. નહીં તો અધર્મ પેસી જાય. એટલે દરેક ફરજો ધર્મ સહિત કરવી જોઈએ. મનમાં આવે એવી ફરજો નહીં, મનમાં આવે તેમાં પાછું ધર્મ નાખીને સરખી કરીને પછી બજાવવી જોઈએ. એ સમજાયું સમન્વય કરવાનું ? પ્રશ્નકર્તા : એટલે આ ફરજ અને ધર્મ બે, એક જ બનાવીને વર્તવું એમ ? દાદાશ્રી : ના. ફરજો એટલે ફરજિયાત છે. ધર્મ એટલે નેચરલ લૉ છે. બે પ્રકારના ધર્મ. એક આત્મધર્મ અને એક દેહાધ્યાસરૂપી ધર્મ. જેમાં સુખી થવાય. એટલે અશુધ્ધ અને અશુભ એ અધર્મ છે અને શુભ એ ધર્મ છે. કોઈનું સારું કરવું, કોઈને સુખ આપવું, કોઈને હેલ્પ કરવી, કોઈને દાન આપવું, એ બધું ધર્મ કહેવાય છે. પણ એ દેહાધ્યાસરૂપી ધર્મ કહેવાય, એ મુક્તિધર્મ નથી. મુક્તિધર્મ તો આત્મધર્મ, સ્વધર્મમાં આવે ત્યારે. તો એ ધર્મ, સ્વધર્મ પાળવા માટે કાલે 'આત્મજ્ઞાન' લેવા માટે હું તમને બોલાવું છું. તમે પેલા ધર્મ તો બહુ દહાડા કર્યા, અનંત અવતાર કર્યા, એનું ફળ આવ્યું શું ? પુણ્યૈ આવી. અને પુણ્યનું ફળ ભોગવતી વખતે પાપ બંધાયા. સમન્વય સમજાયું તમને થોડું ઘણું ? પ્રશ્નકર્તા : હા જી. દાદાશ્રી : ઘરમાં સ્ત્રીઓનો સાચો ધર્મ ક્યો કે આજુબાજુની બધી સ્ત્રીઓ, આજુબાજુના બધા પુરુષો એમ કહે કે કહેવું પડે આ બઈ ! એવી ફરજો બજાવે કે આજુબાજુના લોકો ખુશ થઈ જાય. એટલે સ્ત્રીનો સાચો ધર્મ છે તે છોકરાંને મોટા કરવાં, છોકરાંને સંસ્કાર આપવા, ધણીમાં સંસ્કાર ઓછા હોય તો સંસ્કાર રેડવા. બધુંં સુધારવું આપણું, એનું નામ ધર્મ. ના સુધારવું પડે ? જો આટલું આવડી જાય તો... સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછી) વ્યવહાર કેમ કરવો, એની તો બહુ મોટી કોલેજ છે. આ તો ભણ્યા વગર પૈણી જાય છે. ધણી થવામાં વાંધો નથી, પણ ધણીપણું બજાવવામાં વાંધો છે. 'શું કરવાથી પોતે સુખી થાય', એટલું જ જો આવડી જાય ને, તો બધું જ 'સાયન્સ' આવડી ગયું એને. સામાની કાળજી રાખવી, એનું નામ મનુષ્યપણું. આ તો પૈણીને જાય એટલે સાસુ એને દુઃખ દે ને એ સાસુને દુઃખ દે. પછી નર્કગતિ બાંધે. સાસુ ય સમજી જાય કે છોકરો ખોઈ નાખવો હોય તો પૈણાવવાનો ! જેનું સાસુપણું છૂટી ગયું, તેનો બધો મોહ ઊડી ગયો ! પછી ફરી સાસુ થવાનો વારો જ ના આવે ને ! સાસુપણું જલદી છૂટે એવું નથી. આપણને એમ છે કે આ આપણું ઘર છે ને કુટુંબ છે. ના, કર્મો ખપાવવાની દુકાન છે. ઘરાક-વેપારી જેવો સંબંધ છે ! 'ફેમિલી મેમ્બર' એટલે શું કે જેટલો જેનો વેપાર એટલાં એના ઘરાક ! નાનો વેપાર તો ઓછા ઘરાક ને મોટો વેપાર તો ઘણાં ઘરાક ને વેપાર બંધ થયો, ચોપડાનાં ખાતાં પૂરાં થયાં, તો ઘરાક બંધ થાય. સુધારવું અંદરનું ! લોકો મિત્રચારી તોડે છે તે મહીંની ને બહારની બન્ને તોડી નાખે છે. સંજોગવશાત્ બહારનું બગડ્યું પણ મહીંનું ના બગડવું જોઈએ. અંદરનું ના બગડ્યું એટલે 'આપણું' ના બગડ્યું. બહારનું બગડેલું લાકડામાં જશે. પછી બહારનું સુધરે કે ના ય સુધરે. જો અંદર કશું ના બગડતું હોય તો બહાર કશું જ બગડતું નથી. જગતનું આ ગુપ્ત રહસ્ય છે. લોકોને દેવાં બહુ થઈ જાય એટલે પહેલાં એમ થાય કે આપવું છે, પછી એમ થાય કે શું આપવું છે ? તો એ બગડ્યું ! અંદરની સહી ના કરી આપવી. બહાર બગડી ગયું હોય તો ભલે બગડી ગયું, પણ મહીં ના બગડવા દઈશ. દેવું આપવાની સગવડ ના હોય ત્યારે મહીં ચોખ્ખું રાખવું કે આપવું જ છે. તે મહીંનું બગડવા ના દીધું એટલે દેવાં આપવાનો સમય આવશે. આત્મકલ્યાણ સાધવું, મુખ્યતાએ ! પ્રશ્નકર્તા : સાચો રસ્તો કયો, અમારે ત્યાં છોકરાઓ સાચવવા કે અમારુંં પોતાનું કલ્યાણ કરવા માટે સત્સંગમાં આવવું ? દાદાશ્રી : છોકરાં તો સચવાઈ રહ્યા છે. છોકરાંને તમે શું સાચવવાના ? તમારું કલ્યાણ કરવું એ જ મુખ્ય ધર્મ. બાકી આ છોકરાં તો સચવાઈ રહેલાં છે ને! છોકરાંને કંઈ મોટા તમે કરો છો ? બગીચામાં ગુલાબના છોડ બધા રોપ્યા હોય તે રાતે ઊંચા થાય કે ના થાય ? એ તો આપણે સમજીએ કે ગુલાબ મારું, પણ ગુલાબ તો એમ જ સમજે ને કે હું પોતે જ છું, કોઈનો ય નથી. પોતે પોતાના સ્વાર્થથી બધા આગળ છે. અત્યારે તો આપણે અહંકાર કરીએ ગાંડો, ગાંડપણ કરીએ. ફોરેનમાં છોકરાં, વાળો આમ ધર્મમાં ! પ્રશ્નકર્તા : અમારા છોકરાંઓ ચર્ચમાં જવા માટે જીદ કરતા હોય છે, તો શું કરવું એમને જવા દેવા કે નહીં ? દાદાશ્રી : છોને જાય, એમાં વાંધો શું છે ! પ્રશ્નકર્તા : પછી આપણો ધર્મ ના પાળે તેનું શું ? દાદાશ્રી : આપણો ધર્મ જ ક્યાં સમજ્યા છે તે ! એના કરતાં જે ચર્ચમાં જતા હોય તો જવા દો ને ! આપણો ધર્મ તો અંદર છે, તે કો'ક સારો માણસ ભેગો થશે, તે ઘડીએ ઊગી નીકળશે. પણ ચર્ચમાં જશે તો ચોરીઓ તો ના કરે ને, ચર્ચમાં જઈને ! છોને જાય ! બોધરેશન ના રાખીશ. મીટ ખાતો નથી ને ? પ્રશ્નકર્તા : ખાય છે. દાદાશ્રી : ત્યાર પછી મીટ ખાતો થયો, તો ત્યાં ચર્ચમાં જ જાય ને ! તું ખઉં છું કે નહીં ? પ્રશ્નકર્તા : હું પણ ખઉં છું. દાદાશ્રી : ત્યાર પછી એ તો શું રહ્યું ? તો તું એના કરતાં ચર્ચમાં જતી હોઉં તો શું ખોટું છે ! જેને મર્યાદા જ નથી કોઈ જાતની, લિમિટ જ નથી. પ્રશ્નકર્તા : આપણા બાળકો ઘણી વખત આપણા ધર્મની બાબતમાં પૂછે તો એ બાળકોને સારી સમજ કેવી રીતે આપવી ? દાદાશ્રી : બાપા જાણતા હોય તો વાત કરે. બાપ કશું જાણતો ન હોય તો ધર્મ વિશે વાત કરે જ નહીં ને ! એ પછી બીજી બાબતનું અવળું શીખી જાય એની નાની ઉંમરમાં. આપણે જો સારી સમજ પાડીએ નહીં તો અવળું તો ભર્યા જ કરે. વેપાર તો કંઈ કરે જ ને ! આ વેપાર ના કરે તો પેલો કરે. પ્રશ્નકર્તા : પણ એમને ધાર્મિક શું સમજાવવું ? દાદાશ્રી : જ્ઞાન વગર શું સમજાવો તે ? પ્રશ્નકર્તા : અહીંયા બાળકોને ધર્મ સમજાવવા માટે એક તો લેંગ્વેજનો પણ ભાગ છે અને બીજું ધર્મની સમજ મા-બાપને પણ ઘણી ઓછી છે, તો આવા સંજોગોમાં બાળકોને ધર્મનું માર્ગદર્શન કેવી રીતે આપવું ? તો એનો ઉકેલ બાળકો સાથે કઈ રીતે લાવવો ? દાદાશ્રી : કેમ કરીને આવે, આ બાળકનો ઉકેલ જ ના આવે ને ! એક તો પોતે સંસ્કારી થવું જોઈએ. બાળકોની જોડે ફ્રેન્ડશીપ કરવી જોઈએ. આ બે બાળક હોય, એમની જોડે ફ્રેન્ડશીપ કરવામાં શું નુકસાન છે ? એને આપણા વગર ગમે નહીં એવું કરવું જોઈએ અને માંસાહાર ઉપર ચઢે નહીં. માંસાહારથી પછી માણસના મન ઉપર આવરણ ફરી વળશે ને તે પછી સારાસારનો વિચાર રહેતો નથી. આ હિતકારી કે અહિતકારીનું બિચારાને ભાન રહેતું નથી. આવરણ ફરી વળે. માંસાહારનું મોટું ગાઢ આવરણ છે. એટલે દારૂ-બ્રાન્ડી, માંસાહાર ઉપર ન ચઢે એ જોવું જોઈએ અને તે બદલ આપણે પણ ચેતતા રહેવું જોઈએ. આપણે પણ એને અડાય નહીં. હવે આપણે લઈએ ને છોકરાને ના પાડીએ એ ખોટું છે. એટલે બધું પોતે સંયમમાં હોય તો પછી આગળ વધાય. સંયમ સિવાય ચાલે નહીં. હું બીડી પીતો હોઉં ને લોકોને કહું કે ના પીવી જોઈએ, એ ચાલે નહીં. આ વર્લ્ડમાં કોઈ ચીજ હું લેતો ના હોઉં, મને કોઈ પણ એ ના હોય, વિષયનો વિચાર થતો ના હોય અમને, લક્ષ્મીનો વિચાર અમને ના હોય. લક્ષ્મી અડીએ નહીં, અબજો રૂપિયા આપો તોય મારે કામનાં નહીં. ત્યારે અમારા એક એક શબ્દથી બધી આખી મિલ આમ ધરી દેનારા હોય પણ અમારે જરૂર જ નહીં ને ! બાકી તમારે બંને જણાએ, તમારા વાઈફ અને તમારે બન્નેએ સંયમમાં આવી જવું જોઈએ. કંઈક ભોગ ના આપવો જોઈએ છોકરાઓ માટે !! પ્રશ્નકર્તા : અહીંયા જે ભાષાના પ્રશ્ન છે, બાળકો નાનપણથી પેલું અંગ્રેજીમાં શીખે. એટલે આ આપણો આ ધર્મ છે તે લોકોને શીખવા માટેનું આપણું ભાષાનું માધ્યમ એમની પાસે રહેતું નથી. તો એ પ્રશ્ન કેવી રીતના સોલ્વ કરવો ? દાદાશ્રી : એમને ગુજરાતી શીખવાડી દો. લોકો ફોરેનવાળા બધા ગુજરાતી શીખવા આવ્યા છે અમારી પાસે. આ ગુજરાતી શીખશો તો આ વિજ્ઞાન સમજશો. આ વર્લ્ડનું ભારે અજાયબ વિજ્ઞાન છે-'અક્રમ વિજ્ઞાન', આખા વર્લ્ડનું કલ્યાણકારી છે. એને સમજો ! અવિરોધાભાસ છે, સિધ્ધાંતિક છે. બુધ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુધ્ધિશાળીઓની બુધ્ધિનાં પડીકાંઓ વાળી દેવડાવ્યા છે, ધૂળધાણી કરી નાખ્યા આ વિજ્ઞાને તો. પ્રશ્નકર્તા : આપણા ભારતમાં પણ, મુંબઈમાં જોઈએ તો સિત્તેર ટકા જૈનના છોકરાઓ ઈંગ્લીશ મિડિયમમાં ભણે છે. દાદાશ્રી : હા, તે એ બધું નુકસાન જ થઈ જાય છે ને ! પોતપોતાને સુધારો, મારું કહેવાનું એમ છે. બીજો આમ કરે છે તેથી, બીજો કૂવામાં પડતો હોય તો આપણે કૂવામાં પડવું એવું કંઈ લખી આપ્યું નથી ! પોતપોતાને સુધારવામાં વાંધો નથી. આ તો પહેલેથી આવું ચાલે છે, આ આજનું નથી, મહાવીરના વખતમાં ય આવું હતું. પોતે પોતાનું સુધારવું. પોતાને માથે જે જોખમદારી છે, એટલી સમજી લેવી. પ્રશ્નકર્તા : અહીંયા અમેરિકામાં આપ ફરી આવો ત્યારે હું બધાને ભેગા કરીશ. ત્યારે આપ એવું કંઈક જ્ઞાન બધાને આપો કે જેથી કરીને બધાના જીવનમાં પરિવર્તન થઈ જાય. દાદાશ્રી : એ હું ફેરફાર થાય એવું કરી આપીશ. ઘણાં ખરામાં ફેરફાર થઈ ગયો, ઘણાં માણસોમાં ફેરફાર થઈ ગયો. છોકરાને માટે એવી હાઈસ્કૂલ ને કોલેજ બાંધો અને ત્યાં આગળ બધું રહેવા-કરવાની વ્યવસ્થા કરો, તો બધું આપણા ઈન્ડિયાથી આવીને બધું કરાવે અને જ્યાં છોકરાઓને રહેવાનું હોય તો ખોરાક પણ દેશી આપણો ઈન્ડિયન ફૂડ લાવીને કરવું પડે. પણ તે કંઈ કરે ત્યારે ને ! બાળકોને ધર્મ શીખવાડવા... પ્રશ્નકર્તા : આપણે આ બાળકોને ધર્મ કેવી રીતે શીખવવો ? દાદાશ્રી : આપણે ધર્મરૂપ થઈ જઈએ એટલે એની મેળે થઈ જાય. આપણે માંસાહાર ના કરીએ, દારૂ ના પીએ અને ઘરમાં સ્ત્રી જોડે અથડામણ ના કરીએ. એટલે છોકરાઓ જુએ કે પપ્પા બહુ સારા છે. પેલાના પપ્પા-મમ્મી લઢતાં હતાં. મારાં મમ્મી-પપ્પા લઢતા નથી. એટલું જુએ એટલે પછી છોકરાઓ શીખે. પ્રશ્નકર્તા : એટલે છોકરાઓના સંસ્કારનો મા-બાપ ઉપર તો ઘણો આધારને ? સંસ્કાર માટે ? દાદાશ્રી : મોટામાં મોટો વળી. ના હોય ?! તને જુએ-દેખે એવો છોકરો થાય અને તું જ ઊંધું કરું, વહુની જોડે ગોદા માર માર કરું એ દેખે, તો પછી છોકરો એવો જ થઈ જાયને ! એ જાણે કે કાયદો આવો હશે. વહુને ગોદા જ મારવાનો કાયદો હશે, તેથી આ મારા ફાધર મારે છે. ધર્મ શીખવાડવા થવું ધર્મ સ્વરૂપ ! પ્રશ્નકર્તા : આ છોકરાઓ બધા મોટા થાય તો એ લોકોને આપણે ધર્મનું જ્ઞાન કેવી રીતે આપવું ? દાદાશ્રી : આપણે ધર્મસ્વરૂપ થઈ જઈએ એટલે થઈ જાય. આપણા જેવા ગુણ હોયને તેવા છોકરા શીખે. એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું. શીખે આપણું જોઈ જોઈને. જો આપણે સિગરેટ પીતા હોય તો સિગરેટ પીતા શીખે, આપણે દારૂ પીતા હોય તો દારૂ પીતા શીખે. માંસ ખાતા હોય તો માંસ ખાતા શીખે, જે કરતા હોય એવું શીખે એ. એ જાણે કે એનાથી સવાયો થઉં એવું કહે. છોકરાની ઇચ્છા શું હોય ? પ્રશ્નકર્તા : બાપથી સવાયો થઉં. દાદાશ્રી : મારા ફાધરથી સવાયો થઉં ત્યારે ખરો. એ દારૂમાં ય સવાયો થાય ને માંસાહારમાં ય સવાયો થાય. તો આપણે જે કરીએ છીએ એ કરશે. છોકરાઓને સુધારવાની ઇચ્છા બહુ છે, નહીં ? તમે માંસાહાર કરો છો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : દારૂ-બારૂ પીઓ છો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે વાંધો નહીં, તો છોકરાઓ બગડે નહીં. છોકરાને એક જ કહેવાનું કે ભઈ, મારાથી સવાયો થજે, હું કરું છું એમાં. છોકરાની ઇચ્છા શું હોય કે મારા બાપથી સવાયું થવું છે. એવું કરતા નથી ને, એવું લફરું નથી ને કશું ? પ્રશ્નકર્તા : ના, બીજું કંઈ નથી. દાદાશ્રી : ત્યારે સારું છે. નહીં તો છોકરાઓ સવાયા થશે. આપણને જોઈને શીખે એ કે ઓહોહો, મારા ફાધર તો કશું જો.... બ્રાન્ડી નથી લેતા, સીગરેટ નથી પીતા, એ જોઈને શીખે અને પેલો ફાધર બ્રાન્ડી લેતો હોય ને છોકરાને કહે, જો દારૂને અડીશ નહીં. એટલે છોકરો સમજે કે આમાં ટેસ્ટ છે ને મને લેવા નથી દેતા. છોકરાને શંકા પડે કે પોતે સુખ ભોગવે છે અને મને ભોગવવા નથી દેતાં. હું તો પીઇશ જ. તે ના પીતો હોય તો ય પીવે. એટલે આપણે સંસ્કારી થવું જોઈએ. આપણે ઈન્ડીયન બ્લડ, આપણે આર્યપ્રજા, અનાડી જેવા થઈએ, એ કેમ પોસાય ? ડિસીપ્લિનમાં લાવવાનો રસ્તો ! પ્રશ્નકર્તા : આપણા બાળકોને ડિસીપ્લિનમાં લાવવા માટે આપણે શું કરવું જોઈએ, મા-બાપે ? દાદાશ્રી : એમને ડિસીપ્લિનમાં લાવવા માટે આપણે ડિસીપ્લિન્ડ થવું જોઈએ. જો હું ડિસીપ્લિન્ડ થઈ ગયો છું, તમને બધાને દેખાય છે કે નથી દેખાતું ? જો મારામાં કોઈ વ્યસન નથી, કોઈ હરકત રહી નથી મારામાં અને નો સીક્રેસી. આખું જગત સીક્રેસીવાળું ! અહીં નો સીક્રેસી, એટલે તમે કેવાં ડાહ્યા થઈ ગયા છો બધા ! આ ડૉકટર કેવા ડાહ્યા થઈ ગયા છે ! એટલે તમારે ડાહ્યા થવાનું તો છોકરા તમારા ડાહ્યા, પહેલાં છોકરાંને ડાહ્યા કરીને પછી તમે ડાહ્યા થાવ એવું ના ચાલે. તમારું જોઈને શીખે છે છોકરાઓ તો ! એમની સ્વતંત્ર ગાંઠો લાવ્યા હોય, પણ એ આગળ બહારનું જોઈને જ તૈયાર થાય. બહારનું સારું દેખાય અને પોતાની પાસે અવળી હોય તો મનમાં એમ લાગે કે સાલું આ આવું કેમ, મારામાં ખરાબ છે, એવું સમજી જાય. એ ફેરફાર કરી જુઓ, તમે મા-બાપ બેઉ જણા, છોકરાં તો આમ ઓલરાઈટ થઈ જાય. હવે વાંધા જેવું નથી ને ?! આ સેવામાં થાય, પરોક્ષ પ્રભુસેવા ! કેટલાંક તો શું કરે છે ? ભગવાનની ભક્તિમાં તન્મયાકાર રહે અને છોકરાં દેખે ને ચીઢ ચઢે. જેમાં ભગવાન પ્રગટ થયાં એવાં છોકરાં દેખે ને ચીઢ ચઢે અને ત્યાં પેલા ભગવાનની ભક્તિ કર્યા કરે એનું નામ ભગત ! આ છોકરાં ઉપર ચીઢાવાતું હશે ? આ આમાં તો ભગવાન પ્રગટ છે. પ્રશ્નકર્તા : છોકરાંને તો જંજાળ સમજેને ! દાદાશ્રી : જંજાળ ! આ આખા જગતની માઓ, ખરાબમાં ખરાબ કામ કરનારી હોય, પણ છોકરાંને ખવડાવે છે. માટે એમને આ જગતમાં ખાવા-પીવાનું બધું મળે છે. છોકરાને, પોતાનો છોકરો માનીને ખવડાવે છે, પણ મહીં ભગવાન તરીકે છે એટલે એનું ફળ મળે છે આ. છોકરાનાં નામથી પણ ભગવાનની પૂજા કરે છે ને, તને સમજાયું ? મોહથી ય ભગવાનની પૂજા કરે છે ને ! આ જગતમાં જીવમાત્રને ખાવાનું મળે છે એનું કારણ શું ? ત્યારે કહે, પોતાના છોકરાનું પોષણ કરે છે એટલે. આ જીવમાત્ર એના પોતાના છોકરાનું પોષણ કરે છે, એની મા ધવડાવે છે ને, એટલે જ આ લોકોને ખાવાનું મળે છે. કારણ કે એ તો ભગવાન છે. એ રીતે ભગવાનની ભક્તિ થઈ રહી છે. અંદર તો ભગવાન જ બેઠેલા છે ને ? આ કૂતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાંની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે, તેનાથી બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે. કૂતરી બચ્ચાં ધવડાવે છે એ ફરજિયાત છે, એ કંઈ ઉપકાર કરતી નથી. પાડુ બે દહાડા ભેંસને ધાવે નહીં તો ભેંસને બહુ દુઃખ થાય. આ તો પોતાની ગરજે ધવડાવે છે. બાપા છોકરાંને મોટાં કરે છે તે પોતાની ગરજે, એમાં નવું શું કર્યું ? એ તો ફરજિયાત છે. જગત શું સમજે છે કે આ છોકરાને ધવડાવે છે એમાં છોકરાંને માટે ધવડાવે છે, પણ એ માઓને પૂછી જોજો કે છોકરા હારુ ધવડાવે છે કે પોતાના હારુ ધવડાવે છે ? ધાવણ આવતું હોયને તે કૈડ લાગે. આ ડૉકટર સમજે. તે કૈડ મટાડવા હારુ ધવડાવે છે, પણ વ્યવહારમાં આમ ના બોલાય. વ્યવહારમાં તો ઉપકાર માનવો જોઈએ. સમજી લો, અંતે રિલેટિવ સંબંધો ! આપણે તો છોકરાંને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે એ કંઇ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો રિલેટિવ ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય. જે રીતે ફરજ બજાવે, તેવી ગતિ ! પ્રશ્નકર્તા : ધર્મ બે રીતે ઓળખે છે. એક તો રિલિજિયન અને બીજું ડ્યુટી. તો આપણે કઈ રીતે ચાલવાનું ? દાદાશ્રી : ડ્યુટી બજાવવી એ ધર્મ નથી, ડ્યુટી ના બજાવવી એ ગુનો છે. ડ્યુટી તમે ના બજાવો તે ગુનો છે. ડ્યુટી ના બજાવો એવું તો બને જ નહીં ને ! ડ્યુટી બજાવવી તો પડે, પણ કચ કચ કરતાં બજાવો તો ગુનો છે. તમે કોઈ ફેરો એવું કચ કચ કરતાં બજાવો છો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો બધી ડ્યુટી રાજીખુશીથી બજાવો છો ? છોકરો ફી માગે, ખર્ચો માગે, તે બધું રાજીખુશીથી આપો છો ? પ્રશ્નકર્તા : આપું છું, પણ ખોટું હોય તો સમજાવું કે આ ખોટું છે. દાદાશ્રી : ટૈડકાવવાનું નહીં ? પ્રશ્નકર્તા : ના, કોઈને ટૈડકાવવાનું નહીં. દાદાશ્રી : એમ ? ત્યારે સારું. હા, નહીં તો બઈના ધણી થઈ બેસે. જાણે દુનિયામાં બીજો ધણી જ ના હોય ?! એવું ધણી થઈ બેસે ને પછી ટૈડકાવે ! આ વર્લ્ડ ઈમ્પ્રુવ કરવાની જરૂર નથી. આ તો પોતે ઈમ્પ્રુવ થાય ને, એટલે બધું જ ઑલરાઈટ થઈ જશે ! એને ઈમ્પ્રુવ કરવામાં શું કરવું જોઈએ ? એને ધર્મની સમજ પાડવી પડે. હવે ધર્મ કહો કે ડ્યુટી બાઉન્ડ કહો કે ફરજો કહો, બધી એક જ વસ્તુ છે. બાકી આ લોકો જેને ધર્મ કહે છે, એનું નામ ધર્મ જ ના કહેવાય. પણ આપણે છોકરાં જોડેની ફરજો, વાઈફ જોડેની ફરજો, એ પધ્ધતસર બજાવીએ, એટલે એમાં ધર્મ આવી જ ગયો. એટલે જે લોકો એ ફરજો બરાબર બજાવતા ના હોય તો આપણે એને સમજ પાડીએ અને એ પછી આ પ્રમાણે બધાને એડજસ્ટ થાય. એટલે એને સુખ જ આવશે. બાકી ભગવાનમાં તો એકદમ બિલિફ બેસે એવું છે જ નહીં. ભગવાનને ઓળખ્યા વગર ભગવાનમાં શી રીતે બિલિફ બેસે ?! છોકરાં માટે કેટલાં જવાબદાર તમે, સમજાયુંને ? અને કેટલાંક સત્સંગીઓ કહેશે, છોકરાને માટે એના બાપ પૂરા જવાબદાર છે. પછી જ્યારે છોકરાને બે લાખ દેવું હોય ને તો આપવાની વખતે, મારે લેવા-દેવા નથી, એ છોકરો મારો ન્હોય, હું એનો બાપે ય નહીં, કહેશે. અલ્યા મૂઆ, એ અત્યાર સુધી તું કહેતો'તો ? એટલે, સબ સબ કી સમાલવા જેવું છે. આ શી હાય હાય ? આપણે ફરજ બજાવી છૂટવી. તમે તમારી ફરજ બજાવી ચૂક્યા, ભણાવ્યા, એન્જીનીયર બનાવ્યા ? પછી હવે તમને શું વાંધો છે ? કેટલી ફરજ બજાવવી ? પ્રશ્નકર્તા : પરણાવવાની ફરજ ખરી કે નહીં ? દાદાશ્રી : ફરજ તો બધી ય, પૈણાવો ત્યારે ને! પૈણાવો નહીં ત્યાં સુધી ફરજ તો પૂરી ના થઈ કહેવાય ને ? બધી ફરજો છે ? અને આપણે દાદા થવાની ય આપણી ફરજ છે. શી ફરજ નથી આપણી ? પણ આ ફરજ મોટામાં મોટી કે એને આપણે પાલનપોષણ કરીને એને ભણાવી અને એને નોકરી-ધંધે લગાડવો. આપણી ફરજ આટલી છે ને છોકરીઓ હોય તો તો આપણે એને પૈણાવવી જ જોઈએ. અને ના પૈણતી હોય તો એની બાજુનાં એવિડન્સ જોવા જોઈએ. એ વૈરાગ્યવાળી છે કે કેમ ? હવે વૈરાગીને પૈણાવીએ તો શું થાય ? આપણી દીકરી વૈરાગી, ચોગરદમ વૈરાગવાળી હોય અને મોહ જ ના થતો હોય, આપણે મોહ ઊભો કરીએ તો ય ના થતો હોય અને પૈણાવીએ, તો પેલાને દુઃખી કરે ને પોતે દુઃખી થાય. એટલે આ બધું જોવું પડે. ખાસ કરીને છોકરીને તો ખાસ પૈણાવવી જોઈએ આપણે. આખા જગતના લોકો બધું શું કામ કરે છે ? ડ્યુટી જ બજાવે છે, પણ કોઈક કચ કચ કરતો બજાવે તો એનો ગુનો લાગુ થાય, એને જાનવર ગતિમાં જવું પડે. રાજીખુશીથી ફરજો બજાવે તો ફરી મનુષ્યમાં આવે અને નમ્રતાથી ફરજો બજાવે તો દેવગતિમાં જાય. ડ્યુટી તો બધાં ય બજાવે છે. પણ કેવી રીતે એ બજાવે છે, એ સમજવાની જરૂર છે. કડવાશથી નહીં, પ્રેમથી જીતાય ! પ્રશ્નકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં કારણે કે અકારણે કટુ વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે ? દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય ? ગુલાબના ફૂલ જેવું, નહીં ? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવા વચન ના બોલાય, ધીમે રહીને આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળા પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. 'અત્યારે તો નાની ઉંમરનો છું તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.' એવા પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો, એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દશ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે એ તો જુઓ. તમને ગમી આ વાત ? કડવું વચન બોલીએ તો આપણું મોઢું ના બગડી જાય ? પ્રશ્નકર્તા : આપણે અનેકવાર સમજાવીએ, છતાં એ ના સમજે તો શું કરવું ? દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે ? પ્રશ્નકર્તા : પણ એવી ધીરજ હોવી જોઈએ ને ? દાદાશ્રી : હમણે ડુંગર ઉપરથી ઢેખાળો પડે ને એ તમારા માથે પડે તો તમે ઉપર જોઈ લો ને પછી કોની ઉપર ક્રોધ કરો ? તે ઘડીએ શાંત રહો ને ? કોઈ દેખાય નહીં એટલે આપણે જાણીએ કે આ કોઈએ નથી નાખ્યો માટે એની મેળે પડ્યો છે. એટલે એનો આપણે ગુનો નથી ગણતા. ત્યારે પેલો ય એની મેળે જ પડે છે. એ તો નાખનાર તો વ્યક્તિ દેખાય છે એટલું જ છે. બાકી એની મેળે જ પડે છે. તમારા જ હિસાબ ચૂકતે થાય છે બધા. આ દુનિયામાં બધા હિસાબ ચૂકતે થઈ રહ્યા છે. નવા હિસાબ બંધાઈ રહ્યા છે ને જૂના હિસાબ ચૂકતે થઈ રહ્યા છે. માટે સીધું બોલજો છોકરાં જોડે, સારી ભાષા બોલજો. સાચા ધર્મની ખામી ! અહીં તો મારી હાજરીમાં માયા બહાર જતી રહેલી હોય ને ! એટલે માયા વળગેલી જ ના હોય ને ! પણ બહાર સુખ દેખાતું નથીને કોઈ જગ્યા પર ?! પ્રશ્નકર્તા : અહીંયા તો બધાના મોંઢા ઉપર હાસ્ય હોય છે. દાદાશ્રી : અહીંયા હાર્ટીલી છે, દિલ છે ને, તે દિલ બહાર છે તે આખું દિલ મુરઝાઈ ગયું છે. સાચો ધર્મ ના હોવાથી આ બધું થયું છે. ધર્મથી જ સંસાર સરસ ચાલે. છોકરાંઓ કેમ કેળવવાં તે ધર્મથી સૂઝ પડે. આ તો નવી પ્રજામાં ધર્મનો ઉદય ! પ્રશ્નકર્તા : આ નવી પ્રજામાંથી ધર્મનો લોપ શા માટે થતો જાય છે ? દાદાશ્રી : ધર્મનો લોપ તો થઈ જ ગયો છે, લોપ થવાનો બાકી જ રહ્યો નથી. હવે તો ધર્મનો ઉદય થાય છે. લોપ થઈ રહે ત્યારે ઉદયની શરૂઆત થાય. જેમ આ દરિયામાં ઓટ પૂરી થાય એટલે અડધા કલાકમાં ભરતીની શરૂઆત થાય. તેવું આ જગત ચાલ્યા કરે છે. ભરતી-ઓટના નિયમ પ્રમાણે. ધર્મ વગર તો માણસ જીવી જ શકે નહીં. ધર્મ સિવાય બીજો આધાર જ શો છે, માણસને ? યુવાનોને ધર્મમાં વાળવાના ઉપાય ! પ્રશ્નકર્તા : યુવાનોને ધર્મમાં વાળવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : યુવાનોને ધર્મ તરફ વાળવા માટે બહુ જ સુંદર યુવાની જોઈએ કે યુવાનોને એ સિવાય બીજું જોવાનું જ ના ગમે. જોતાંની સાથે દિલ ઠરે એવી યુવાની જોઈએ. હા, પછી એ ધર્મમાં વળી જાય. આ તો દિલ ઠરે એવાં માણસ જોતાં નથી, એટલે બિચારા ભટકે છે. એટલે આ કબીર સાહેબ છેને, તે આખી દિલ્હીમાં, તે ઘડીએ કેટલાય માણસો રહેતા'તા. તો ય કબીર સાહેબ નીકળ્યા, કો'કે પૂછયું કે કેમ કંઈ આજ શું છે ? ત્યારે કહે, તપાસ કરવા નીકળ્યો છું. ત્યારે કહે, કોની તપાસ કરવા નીકળ્યો ? 'માણસને ખોજું છું.' કહે છે, શું કહે છે ? હા, આ દિલ્હીમાં આટલાં બધા લોક આય-જાય કરે છે ત્યારે માણસ ખોજવો પડે ? કહે છે. એટલે પછી બોલ્યા, કે 'માણસ ખોજત મૈં ફીરા, માણસકા બડા સુકાલ.' સામાસામી અથડાતા'તા, કહે છે. પણ 'જાકો દેખી દિલ ઠરે, તાકાં પડ્યા દુકાળ' કહે છે. આખી દિલ્હીમાં દિલ ઠરે એવો માણસ ના જોયો એટલે બીજે ગામ ભટકવા ગયો, કહે છે. એટલે દિલ ઠરે એવાં માણસો ભેગાં થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય અને યુવાનો-બુવાનો બધા ફરી જાય. અહી ંમારી હાજરીમાં તો આ યુવાન ખસતાં જ નહીં. પૈણવું ય નથી, કશુંય કરવું નથી, કહે છે. પ્રશ્નકર્તા : હવે આ જનરેશનમાં ફેરફાર કરવા, એ લોકોમાં વધારે શક્તિઓ પ્રગટ કરવા, કન્સ્ટ્રક્ટીવ (રચનાત્મક) કરવા માટે શું માર્ગદર્શન આપવું ? શું કરવું ? દાદાશ્રી : ચારિત્રવાન જોઈએ. હા. સામો માણસ ચારિત્રવાન હોય તો બને. આ વેપારી લોકો શું કરે એમાં ? આ બધાં જ બીઝનેસવાળા વેપારી થઈ ગયેલાં છે. ચારિત્રવાન જોઈએ. એ જેના વાણીમાં વચનબળ હોય, જેના વાણી-વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. પ્રશ્નકર્તા : આજના વિદ્યાર્થીઓ તો માસ્તર જો ફૂટપટી સહેજ મારે તો સામી ફરિયાદ કરે. દાદાશ્રી : શું કરે તે ? માસ્તરો એવા જ મળ્યા છે કે વિદ્યાર્થીની પાસે કામ કેમ લેવું તે આવડતું નથી એટલે માસ્તરોનો દોષ નથી. બિચારાં એ ય શું કરે ?! એમને જો કદી કમાય નહીં તો ઘેર વહુ વઢે ! એટલે એમને આ કમાવા માટે આ બધું જવું પડે છે. ફીટનેસ થતું નથી, કારણ કે ચારિત્ર નથી. ચારિત્રબળ જોઈએ ! પ્રશ્નકર્તા : જો શિક્ષકો જ સંપૂર્ણ હોય નહીં, તો એ લોકો સ્ટુડન્ટને કઈ રીતના તૈયાર કરી શકે, પૂર્ણ થવા માટે ? દાદાશ્રી : સ્ટુડન્ટ તો નિશાળમાં, ચારિત્રવાન પુરુષ ખોળી કાઢી અને એક-એક જણને હજાર-હજાર છોકરાં સોંપો તો તૈયાર થાય ! મારી પાસે એક લાખ માણસ લાવો, હું વિધીન વન યર તૈયાર કરી આપવા તૈયાર છું ! એક લાખ સ્ટુડન્ટો લાવો ! ધર્મ પરિણામ પામ્યાનું થર્મોમીટર ! આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું 'થર્મોમીટર' છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે 'થર્મોમિટર' ક્યાંથી લાવવું ? ઘરમાં 'થર્મોમિટર' મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે ! છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કષાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમીટર છે. એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમીટર છે આપણું. ઘરનાં થર્મોમીટર કામ લાગે છે કોઈ વખત ? પ્રશ્નકર્તા : લાગે છે ને, દાદા. દાદાશ્રી : ઘરનાં માણસો જ થર્મોમીટર હોય આપણું. આપણને તાવ કેટલો ચઢ્યો છે, કેટલો ઉતર્યો છે, તરત ખબર પડી જાય છે. આપણે એને કશુંક સલાહ આપી અને સલાહ આપી એટલે જરાક કઠણ બોલ્યા કે તરત એ કંઈ એવું બોલે કે આપણને તાવ ચઢ્યો છે કે નહીં, એ આપણને ખબર પડી જાય. એટલે ઘરમાં બેઠા થર્મોમીટર ! દવાની દુકાનવાળાને કહીએ, કે થર્મોમીટર લાવ જોઈએ, તો એ શું આપે ? આવું થર્મોમીટર કોઈ આપે ? છોકરાં કોઈ ફેરો થર્મોમીટર થાય કે ન થાય ? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : તમને ખબર પડી જાય કે આ થર્મોમીટર છે મારું ? એવું લાગે તમને ? એટલે તમે સાચવીને જ મૂકો. થર્મોમીટર ભાંગી નાખવું નથી ? રહેવા દેવું છે ? એ હોય તો કામ લાગશે. પછી તોડી જ ના નાખોને ! થર્મોમીટર કામ લાગેને ? એટલે સાચવીને મૂકે કે ના સાચવીને મૂકે ? એટલે સાચવીને મૂકી રાખવું. વે ટુ સ્મશાન, ત્યાં કચકચ શી ? બધું 'વ્યવસ્થિત' ચલાવે છે, કશું બોલવા જેવું નથી. 'પોતાનો' ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આ ય ભમરડા ને તે ય ભમરડા ! મેલ ને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઇએ ત્યારે એ કહે ને કે, 'તમે જોતા હતા ને કેમ ના બોલ્યા ?' અને ના હોય તો હાથમાં માળા લઇને ફેરવ્યા કરીએ એટલે એ કહેશે કે, 'આ તો માળામાં છે.' મેલો ને પૈડ ! આપણે શી લેવા-દેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચ કચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો-ભેંસો ય એના બાબા જોડે રીતસર ભોં ભોં કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. બોલે એ મૂરખ કહેવાય. આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટક્યા. ના કોઇનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે. મૌનથી સુધરે કે બોલવાથી ? આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકેય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવાં નીકળે છે અને દરેકના એવાં જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, 'ગાડીએ વહેલો જા.' તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો, તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારાં નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટાં એ બોલ પાછાં આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી, એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે એ કંઈ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો 'રિલેટિવ' ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો, તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય. જેના ઘરમાં મા કડક હોય, તેના છોકરાને વ્યવહાર ના આવડે. નિશ્ચય ચૂકયો ત્યાં નહીં વ્યવહારધર્મ ! એટલે જ્ઞાન વસ્તુ સત્ય છે, યથાર્થ જ્ઞાન છે આ ! એટલે શુક્લધ્યાન છે આ, એમાં જેમ છે તેમ જુઓ ! અને આ તો ન્હોય, સાસુ-વહુએ ન્હોય, મામીએ ન્હોય ને કાકીએ ન્હોય. વ્યવહારથી તમારે બધું કરવામાં વાંધો નથી, પણ નિશ્ચયથી કરે તો ભૂલ છે. લોક નિશ્ચયથી વર્તે છે ને ? પ્રશ્નકર્તા : પણ વ્યવહાર ધર્મમાં તો રહેવું પડે ને ? દાદાશ્રી : વ્યવહાર ધર્મમાં તો તમે કોઈ દહાડો રહ્યા જ નથી. વ્યવહાર હંમેશાં આદર્શ હોય. જે માણસ નિશ્ચય ચૂક્યો ને, એનું નામ વ્યવહાર ના કહેવાય. નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો અને વ્યવહારને વ્યવહારમાં રાખવાનો, એનું નામ આદર્શ વ્યવહાર. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. મારે ઘેર આજુબાજુ પૂછવા જાવને તો બધા ય કહેશે, 'કોઈ દહાડો એ લઢ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી.' એવું બધા આજુબાજુવાળા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ? પ્રશ્નકર્તા : કહેવાય. દાદાશ્રી : અને તમારા માટે આજુબાજુ પૂછવા જઈએ તો ? એવું કહે કે, એ કોઈ દહાડોય ઊંચા સાદે બોલ્યા નથી ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે તમે તો વ્યવહારે ય બગાડયો અને આ નિશ્ચય પણ બગાડ્યો. નિશ્ચયમાં કશું કાચું ન રહેવું જોઈએ, પણ વ્યવહારમાં ય કાચું રહે તો તે ભૂલ જ કહેવાય. વ્યવહારમાં કાચું રહે તો નિશ્ચયમાં પણ કાચું પડી જાય. વ્યવહાર એટલો જ કરવાનો છે કે બાપ થયો માટે છોકરાનાં ધક્કા તું ના ખાઈશ, નહીં તો છોકરાને ખરાબ લાગશે. અને છોકરો થયો છે એના માટે વ્યવહાર એટલો કરવાનો છે કે બાપના ધક્કા તું ખાજે, નહીં તો ખોટું દેખાશે. એવો વ્યવહાર-વિવેક ચૂકવાનો નથી. પહેલાં તો મૂર્ચ્છાથી વ્યવહાર બહુ કાચો રહેતો હતો. કેટલીક જગ્યાએ તો હપૂચાં ટાઢાં, તે આખો દહાડો ઘરમાં કોઈને કશું બોલે જ નહીં. આ તો વ્યવહારને 'રિયલ' માન્યો તો ય વ્યવહાર આવડ્યો નહીં. વ્યવહાર કેવો હોવો જોઈએ ? 'આદર્શ' ! આ તો ઘેર ઘેર ડખા ! ઘેર ઘેર ડખા !! ઘરડા થયા પછી આદર્શ વ્યવહાર થાય તે શા કામનો ? આદર્શ વ્યવહાર તો જીવનની શરૂઆતથી હોવો જોઈએ. સૂક્ષ્મતામાં આવો આત્મધર્મમાં ! કઠોર બોલવું કે મધુરી વાણી બોલવી, એ બધાં વાણીનાં ધર્મો છે અને આ પાંચ ઇન્દ્રિયોનાં ધર્મ, આ બધા ધર્મને જાણ્યા કરવું. એ જ કામ કરવા માટેનો આ મનુષ્ય અવતાર છે. એ બધા ધર્મો શું કરી રહ્યા છે, એને જાણ્યા કરવું. બીજી બાબતમાં પડવા જેવું નથી. બાળકની ભાષામાં પીરસ્યો ધર્મ ! પ્રશ્નકર્તા : આ બેબી પૂછે છે દાદા, કે જેવી આપ આ બધા મોટાઓને આજ્ઞા આપો છો, એવું અમારે નાના છોકરાઓને માટે શું આપ આજ્ઞા આપો છો ? દાદાશ્રી : જ્ઞાન આપે ત્યારે તો સરખી જ આજ્ઞા હોય. જેને જ્ઞાન લેવું હોય, તેને સરખી આજ્ઞા હોય, જેને સંસારના સુખો ભોગવવા છે અને સંસારમાં સારી રીતે ધર્મ પાળવો છે, તેને અમે બીજી આજ્ઞા આપીએ. પ્રશ્નકર્તા : બાળકોને તો જ્ઞાન (જ્ઞાનવિધિ) અપાય નહીં, તો એમને શું ? એવી રીતના પૂછે છે ? દાદાશ્રી : એટલે એમને આ સંસારનો ધર્મ આપીએ અમે. પ્રશ્નકર્તા : દાદા, સંસારનો ધર્મ કયો ? દાદાશ્રી : આપણી આ નવ કલમો અને ત્રિમંત્રો ને 'દાદા ભગવાનના અસીમ જય જયકાર', નમસ્કાર વિધિ ને એ બધું, એ તો બધા એ ધર્મ કરે, એટલાથી બહુ સેટીસ્ફેક્શન થઈ જાય. અને લોકોને સુખ જ આપવું, દુઃખ આપવું નહીં. એ વેપાર સારો, ચોખ્ખો કરવો. આપણે દુકાનમાં સુખનો માલ રાખવો જોઈએ કે દુઃખનો ? દુકાન શરૂ કરીએ તો સુખનો માલ રાખવો જોઈએ કે દુઃખનો ? પ્રશ્નકર્તા : સુખનો જ, દાદા ? દાદાશ્રી : હા, બધાને સુખનો માલ આપવો. એ વખતે દુઃખ આવી જાય, તો ય પણ આપણે એને સુખ આપવું. છેવટે સુખનો વિજય થશે. દુઃખનો વિજય નહીં થાય. દુકાનમાં માલ સુખનો જ આપવાનો રાખવો. સુખની દુકાન કાઢવી. કોઈ સલાહ પૂછવા આવે તો સારી સલાહ આપવી. કોઈ ઝઘડો કરવા આવે તો આપણે એને કહીએ કે 'ભઈ, મારી ભૂલચૂક થઈ હોય તો તારી માફી માગું, પણ શું થયું છે, શા હારુ આમ કરે છે ?' એની પતાવટ કરી દેવી. ના ફાવે ? પ્રશ્નકર્તા : હા, ફાવે. સેવા કરશો, તો સેવા પામશો ! દાદાશ્રી : આ વડીલોની સેવા કરવી એ તો મોટામાં મોટો ધર્મ છે. જુવાનીયાનો ધર્મ શું ? ત્યારે કહે, વડીલોની સેવા કરવી. જૂની ગાડીઓને ધકેલીને લઈ જવી અને તો જ આપણે ઘૈડા થઈશું તો આપણને ધકેલનારા મળશે. એ તો આપીને લેવાનું છે. આપણે ઘૈડાઓની સેવા કરીએ તો આપણી સેવા કરનારા મળી આવે અને આપણે ઘૈડાઓને હાંક હાંક કરીએ તો આપણને હાંક હાંક કરનારા મળી આવે. જે કરવું હોય તે છૂટ છે. આ સમજણથી થાય વ્યવહાર આદર્શ ! સાચું વિજ્ઞાન કયું કે જે વ્યવહારને એક્સેપ્ટ કરે તે. વ્યવહારને ખસેડે તે સાચું વિજ્ઞાન ના કહેવાય. આવી પડેલા વ્યવહારને ક્યારેય પણ ધક્કો ના મરાય. પહેલો વ્યવહાર પછી નિશ્ચય. નિશ્ચય પોતાનું સ્વરૂપ છે, વ્યવહાર પોતાની ગનેગારી છે. 'જ્ઞાની પુરુષ' જે સમજણ આપે તે સમજણથી છૂટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. આ વ્યવહારની વાતો કોઈએ કહી નથી. વ્યવહાર સુધરે જ નહીં કોઈ દહાડો આવી વાત સમજણ પડ્યા વગર. આ તો વ્યવહાર સુધરે તો તમે મુક્ત થશો, નહીં તો મુક્તે ય શી રીતે થવાય તે ? અશાંતિ ના રહેવી જોઈએ, ચિંતા ના થવી જોઈએ. ચોખ્ખો વ્યવહાર ને શુધ્ધ વ્યવહારમાં ફેર છે. વ્યવહાર ચોખ્ખો રાખે તે માનવધર્મ કહેવાય અને શુધ્ધ વ્યવહાર તો મોક્ષે લઈ જાય. બહાર કે ઘરમાં વઢવાડ ના કરે તે ચોખ્ખો વ્યવહાર કહેવાય અને આદર્શ વ્યવહાર કોને કહેવાય ? પોતાની સુગંધી ફેલાવે તે. જ્યાં સુધી વ્યવહાર ચોખ્ખો ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. વ્યવહારના આધાર પર જ મોક્ષ છે ! આદર્શ વ્યવહાર હોવો જોઈએ, બીજા કોઈને દુઃખદાયી ના થાય એવો. સમભાવથી જે વ્યવહાર થાય, તે શુધ્ધ વ્યવહાર કહેવાય. નિશ્ચયને નિશ્ચયમાં રાખવો ને વ્યવહારને વ્યવહારમાં રાખવો, એનું નામ શુધ્ધ વ્યવહાર ! શુધ્ધ નિશ્ચય જ્યાં આગળ છે ત્યાં બધો વ્યવહાર શુધ્ધ છે. 'અકષાયી વ્યવહાર' તે શુધ્ધ વ્યવહાર અને પોતાના સ્વરૂપનું લક્ષ એ નિશ્ચય ! એનાથી મોક્ષ ! રહેવું વડીલો જોડે વિનય ધર્મમાં ! જેનાં વાણી, વર્તન ને વિનય મનોહર થઈ જાય, એનો વ્યવહાર બધો ય આદર્શ થઈ ગયો ! એ તો અત્યારે વિનય ધર્મની વાત કરે છે. વિનય ધર્મ તારે કેવો રાખવાનો ? તું શું કહું છું ? પ્રશ્નકર્તા : બરાબર છે, વિનય હોવો જ જોઈએ. દાદાશ્રી : બહાર પણ હોવો જોઈએ, તો ઘરમાં કેવો હોવો જોઈએ ? પ્રશ્નકર્તા : આદર્શ હોવો જોઈએ. દાદાશ્રી : એટલે હવે તારાથી નીકળી જાય છે, શબ્દો નીકળી જાય છે એ વાત ઉપરથી કહીએ છીએ. પણ એની પાછળ જાગૃતિ, આપણું જ્ઞાન હોય એટલે તરત માફી માંગી લઈએ. એટલે એને ઘા ના લાગે. પ્રશ્નકર્તા : હા, દાદાની હાજરીમાં ક્ષમા માંગું છું. દાદાશ્રી : બસ, તારું કામ થઈ ગયુંં. દીકરો તો તેને કહેવાય કે જે બાપની બધી જ ઝંઝટ છોડાવી દે. ધર્મ, આશ્રમમાં કે માબાપની સેવામાં ? મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે. અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય એ થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખી કરે એ માણસો કાયમ કોઈ દહાડો દુઃખી હોતા જ નથી. એક ભાઈ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછયું કે, 'અહીં ક્યાંથી તમે ?' ત્યારે તેમણે કહ્યું કે, 'હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.' ત્યારે મેં તેમને કહ્યું કે 'તમારાં મા-બાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે.' ત્યારે તેમણે કહ્યું કે, 'એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.' આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે મા-બાપને બોલાવે, ભાઈને બોલાવે. બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ? તમારે મા-બાપ છે કે નથી ? પ્રશ્નકર્તા : મા છે. દાદાશ્રી : હવે સેવા કરજો, બરાબર. ફરી ફરી લાભ નહીં મળે અને કોઈ માણસ કહેશે, 'હું દુઃખી છું.' તો હું કહું કે તારા મા-બાપની સેવા કરને, સારી રીતે. તો સંસારના દુઃખ તને ન પડે. ભલે પૈસાવાળો ન થાય, પણ દુઃખ તો ન પડે. પછી ધર્મ હોવો જોઈએ. આનું નામ ધર્મ જ કેમ કહેવાય ? મેં ય બાની સેવા કરેલી. વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માજીની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડ્યો, મૂઆ આવા તો કેટલાય બાપુજી થયા. હવે શું કરીશું ? ત્યારે કહે, જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે તું એમની સેવા કર હોય તો, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા, એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતાં નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે. બાળકો શીખે વડીલોનું જોઈને ! તમારે ઘેર છોકરાંઓને કેવા સંસ્કાર પડે હવે ? તમે તમારા ફાધર-મધરને નમસ્કાર કરો. આટલાં વર્ષે, ધોળાં આવ્યાં તો ય, તો છોકરાંના મનમાં વિચાર ના આવે કે બાપા તો લાભ ઉઠાવે છે, તો હું કેમ ન લાભ ઉઠાવું ? તો તમને પગે લાગે કે ના લાગે ? પ્રશ્નકર્તા : લાગે છે. દાદાશ્રી : અને પેલું તો આપણે જ આપણા ફાધર-મધરને પગે ન્હોતાં લાગતાં અને જોડે જોડે આપણે આપણી આબરૂ ખોતાં હતાં કે ન્હોતાં ખોતાં ? પ્રશ્નકર્તા : આપણું જ ખોતાં હતાં. દાદાશ્રી : એટલે કયું સારું ? તમારા મા-બાપની તમે સેવા ના કરો તો પછી એને સરવાળે તમે શું જોશો ? એટલે પછી પોતાની જ ઘોર ખોદી છે ને ? પ્રશ્નકર્તા : પણ આ તો ઘરની વાત છે કે ઘરમાં એકબીજાને પગે પડતાં હોય, કોઈ મોટા આપણા વડીલ આવે ને આપણે એને પગે પડીએ તો એનો લાભ થાય કે ના થાય ? દાદાશ્રી : બહુ સારું, બહુ લાભ થાય. એટલે વિનય મોટામાં મોટો. 'અક્રમ જ્ઞાન' લીધા પછી બધે ઘણાંખરાં ઘરમાં આવું થઈ ગયું. એક ભઈ તે વધારે ભણતર તો ભણેલો, પણ જોડે જોડે પુસ્તક બધાં ખૂબ વાંચેલાં અને લેખક પાછો. એના ફાધરે ય ગ્રેજ્યુએટ થયેલા ! પણ એ ભઈ એના ફાધર માટે શું જાણે કે આમનામાં અક્કલ નથી. તે બેને રોજ કચકચ ટકટક થાય. અહંકાર લડે બેઉનો ય. પેલો ફાધર અહંકાર છોડે નહીં અને આ અહંકાર જામી ગયેલો. તે ખૂબ જામી ગયેલો બધો અહંકાર. પછી એ ભાઈએ જ્ઞાન લીધું અમારી પાસેથી. આપણે બોલાવીએ 'નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં' તો બધા બોલે, પણ એ બોલે નહીં. પછી મેં એમને કહ્યું, બધાંની રૂબરૂ, 'તમે નથી બોલતાં, તે તમે જાતે બોલતાં નથી કે કોઈ બોલવા દેતું નથી ?' તો કહે, 'બોલવામાં શું ફાયદો ? ત્યારે મેં કહ્યું, 'હું શું કરવા બોલું, મારે બોલવાની જરૂર નથી. હું તો બધું લઈને બેઠો છું. આ બોલો, એ શીખવાડું છું. આ વિજ્ઞાન છે, આ સાયન્સ છે.' એકે એક શબ્દ સાયન્સ રૂપ છે. પછી જે એને સારું એવું સમજાવ્યું ને સમજી ગયો. બોલવા માંડ્યો. હવે એને ફાધર-મધર જોડે શું થતું, ફાધર જોડે ટક્કર રોજ ચાલ્યા કરે, તો ફાધરે એક ફેરો મને કહ્યું કે 'આણે જ્ઞાન લીધું પણ ઘેર લઢવાડ પાર વગરની કરે છે.' એટલે મેં ભઈને શું કહ્યું કે, 'તમે એક અમારી આજ્ઞા પાળો.' તે કહે, 'હા દાદાજી, આપ જે કહો તે.' આજથી તમારા ફાધરને રોજ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી અને ઊઠવું. પછી આખા દિવસનું કામ ત્યાર પછી કાર્ય કરવાં. એણે ચાલુ કર્યું. પછી એના ફાધર આવીને કહે છે, 'મારું ઘર સ્વર્ગ થઈ ગયું હવે તો. નર્ક જેવું થઈ ગયું'તું, તો સ્વર્ગ થઈ ગયું.' હવે પેલા ભઈને શું ફાયદો થયો એ જાણો છો તમે ? એના છોકરાં હતા પંદર-પંદર વર્ષનાં, બાર-બાર વર્ષનાં એ બધા એને પગે લાગવા માંડ્યા. ત્યારે આને કહ્યું, 'કેમ પગે લાગો છો ?' ત્યારે કહે, 'તમે તમારા ફાધરને કેમ લાગો છો ? તમે લાભ ઊઠાવો અને અમે ના લાભ ઊઠાવીએ ?!' ત્યાં ઘણાં ખરાં ઘરે ચાલુ છે. અંદર અંદર બધા સંકેલવામાં બહુ લાભ થાય. બહારના માણસોને ના કરવા જોઈએ. તે ટાઈટ થાય. અહીં તો વડીલ ખરાંને, વડીલ તો ઉપકારી કહેવાય આ તો ! એના આશીર્વાદ હોય જ ! હવે એ પચાસ વર્ષનાં માણસ દર્શન કરે સવારથી, દંડ શરૂ કર્યા. આજ્ઞા પાળવામાં બહુ શૂરો પણ. એટલે બરાબર 'દાદાજી આપ જે કહો એ મારે કરવાનું.' એને ફાધરની શરમે ય ના આવી ને ત્યાં સીધો જઈને પેલો ફાધરને પગે લાગ્યો. એનો ફાધર ઊંચો-નીચો થઈ ગયો કે આ શું ? દુનિયામાં ના બને એવું બન્યું !! મહાન ઉપકાર, આ મા-બાપ-ગુરુનો ! પ્રશ્નકર્તા : આજના છોકરાંઓ મા-બાપને પગે લાગતાં નથી. સંકોચ અનુભવે છે. દાદાશ્રી : એવું છે, મા-બાપને પગે લાગતાં નથી. મા-બાપના દૂષણ જોઈ લે છે છોકરાઓ. એટલે પગે લાગવા જેવાં નથી એવું એમના મનમાં માને છે, એટલે નથી લાગતાં. જો એમનામાં કંઈક એનાં પોતાનાં આચાર-વિચારો ઊંચા બેસ્ટ લાગે તો હંમેશાં પગે લાગે જ. પણ આજના મા-બાપ તો બેઉ છોકરા ઊભાં હોય ને મા-બાપ લઢતાં હોય, મા-બાપ લઢે કે ના લઢે ? પ્રશ્નકર્તા : લઢે. દાદાશ્રી : હવે એ છોકરાના મનમાં કંઈ રહે એમના માટે જે માન હોય તે ? પ્રશ્નકર્તા : સંત-મહાત્માઓને પણ હાથ જોડી ઉપરથી માથું નામનું નમાવે છે. દાદાશ્રી : હા, પણ સંત-મહાત્મામાં ભલીવાર ના હોય તો નામનું જ નમાવે પછી. છોકરા ખોટાં નથી, મા-બાપની ભૂલ છે, સંત-મહાત્માની ભૂલ છે. પ્રશ્નકર્તા : આપની પાસે ચરણમાં પડતાં આપના ચરણ છોડવાની ઇચ્છા પણ કરતાં નથી. દાદાશ્રી : એ અહીં સાચું છે એટલે. છોકરો શું, નાનું છોકરુંં પાંચ વર્ષનું ખસે નહિ, સાચું છે એટલે ! પોતાને તરત સુખ ઉત્પન્ન થાય છે. મા-બાપને શી રીતે પગે લાગે ? મા-બાપને તો લગ્ન કરે તે દહાડે જરા આમ આમ કર્યા કરે, પૈણાવ્યો તે બદલ ! બાકી કશું ના લાગે. એના માટે ચારિત્રબળ જોઈએ. ચારિત્રબળ હોય તો સામો માણસ પગે લાગે, નહિ તો પગે લાગે નહિ. આ દુનિયામાં ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો જ નથી. ફાધર, મધર અને ગુરુનો ! આપણને જેમણે રસ્તે ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી. પ્રાર્થના, એનાં આત્માનાં કલ્યાણની ! પ્રશ્નકર્તા : આ ભાઈને દીકરો મરી ગયાનું જે દુઃખ થાય છે ને, પણ મારે પોતાને એવો અનુભવ થયેલો કે મા-બાપ ગુજરી ગયાં પછી મને કોઈ દિવસ યાદ જ નથી આવ્યાં. મરી ગયાં ને પાંચ-સાત દહાડા પછી મેમરી પણ નથી આવી, એ શાથી ? દાદાશ્રી : તમારે એ સારું કહેવાય, મા-બાપ એટલાં પુણ્યશાળી. જો તમને મેમરી હોત તો એમને દુઃખ થાત. તમને મારી વાત સમજાય છેને ? માટે જ્યારે યાદ આવેને, ત્યારે એટલું બોલજો ને કે 'હે દાદા ભગવાન, આ છોકરો તમને સોંપ્યો !' એટલે તેનો ઉકેલ આવશે. તમારા દીકરાને સંભારીને એનાં આત્માનું કલ્યાણ થાય એવું મનમાં બોલ્યા કરજો. આંખમાં પાણી ના આવવા દેશો. તમે તો જૈન થીયરીવાળા માણસો છો. તમે તો જાણો કે આત્મા ગયા પછી એવી ભાવના ભાવવી જોઈએ કે, 'એમના આત્માનું કલ્યાણ હો ! હે કૃપાળુદેવ, એમના આત્માનું કલ્યાણ કરો.' તેને બદલે આપણે મનમાં ઢીલા થઈએ તે પોષાય નહીં. આપણા જ પોતાના સ્વજનને દુઃખમાં મૂકીએ તે આપણું કામ નહીં. તમે તો ડહાપણવાળા, વિચારશીલ, સંસ્કારી લોકો, એટલે જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આવું બોલવું કે, 'એમના આત્માનું કલ્યાણ થાવ. હે વીતરાગ ભગવાન, એમના આત્માનું કલ્યાણ કરો.' એટલું બોલ્યા કરવું. કૃપાળુદેવનું નામ લેશો, દાદા ભગવાન કહેશો તો ય કામ થશે. કારણ કે દાદા ભગવાન અને કૃપાળુદેવ આત્મારૂપે એક જ છે ! દેહથી જુદા દેખાય છે. આંખોમાં જુદા દેખાય, પણ વસ્તુ તરીકે એક જ છે. એટલે મહાવીર ભગવાનનું નામ દેશો, તો ય એકનું એક જ છે. એમના આત્માનું કલ્યાણ થાવ એટલી જ આપણે નિરંતર ભાવના રાખવાની. આપણે જેના જોડે નિરંતર રહ્યા, જોડે ખાધું-પી ધું, તો આપણે એમનું કેમ કલ્યાણ થાય એવી ભાવના ભાવીએ. આપણે પારકાં માટે સારી ભાવના ભાવીએ, તો આ તો આપણા પોતાના માણસને માટે તો શું ના કરીએ ?! જીવન વહે, નદીના પ્રવાહ જ્યમ ! તમારા ઓરિયા બધા પૂરા થયાં કે ? પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધા પછી એમ થાય છે કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે, તેમ આપણે પણ વહી જવું. દાદાશ્રી : હા, વહી જવું. કોઈને અસર ના થાય, કોઈને ય દુઃખ ના થાય એ રીતે. કોઈને ય દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ, એ બને નહીં. કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોઈએ ત્યાંથી પેલો દોરડું નાખીને પકડશે કે ઊભા રહો અને બધાંને સુખ આપીએ તો બધાં જવા દે. પાનચારો કરાવીએ તો ય જવા દે, બીડી આપીએ તો ય, છેવટે લવિંગનો દાણો ય આપે તો ય જવા દે. લોક આશા રાખે, કંઈક મળશે. લોક આશા ના રાખે તો આપ મહેરબાન શાનાં ? મોક્ષે જનારા મહેરબાન કહેવાય. તે મહેરબાની દાખવતા દાખવતા આપણે જવાનું. બુધ્ધિના આશયમાં ધર્મ જ હો ! એક ભઈ હતા ને, એમણે મને પુછ્યુંં, 'દાદાજી એવું શું લાવ્યા કે તમને આ બધું જ તમારા અનુકૂળ, તમારી ઇચ્છા પ્રમાણે બધું અનુકૂળ રહે છે. સત્સંગ કરી શકો છો, ઇચ્છા પ્રમાણે ધર્મ કરી શકો છો. ઇચ્છા પ્રમાણે બધું કરો છો' ત્યાર પછી મેં એને સમજ પાડી કે બીજાએ શું ભૂલ કરી છે! મેં કહ્યું, 'ભૂલમાં જો તેં ટેન્ડર ભરતી વખતે મારે વાઈફ આવી જોઈશે. છોકરાં બે જોઈશે, છોડી જોઈશે. આમ છે ને તેમ છે. બંગલો જોઈશે. ગાડી જોઈશે.' બધું લખાવ્યું અને પછી દસ-પંદર ટકા બાકી રહ્યા તે તેં કહ્યું કે 'ધર્મ ખાતે લખી નાખો' અને મેં તો પાંચ ટકા આમાં રહેવા દીધાં અને પંચાણું ટકા આ ધર્મમાં નાખ્યા ! ધર્મ માટે જ બુધ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ મોટર, બંગલા, રેડિયો એ બધાંની ભજના કરી તેના જ માટે બુધ્ધિનો આશય બાંધવા જેવું નથી. ધર્મ માટે જ, આત્મધર્મ માટે જ બુધ્ધિનો આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો, પણ હવે તો માત્ર આશય ફેરવીને સંપૂર્ણ સો ટકા ધર્મ માટે જ રાખો. અમે અમારા બુધ્ધિના આશયમાં સો ટકા ધર્મ અને જગત કલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાંય અમારું પુણ્ય ખર્ચાયું જ નથી. પૈસા, મોટર, બંગલો, દીકરો, દીકરી ક્યાંય નહીં. અમને જે જે મળ્યા ને જ્ઞાન લઈ ગયા. તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે, મુક્તિને માટે નાખેલા તેથી અમે મળ્યા. અમે સો એ સો ટકા ધર્મમાં નાખ્યા તેથી બધેથી જ અમને ધર્મ માટે 'નો ઓબ્જેકશન' સર્ટિફિકેટ મળ્યું છે. જીવનનો ધ્યેય ગોઠવવો આમ ! મનુષ્યનો ધ્યેય શું ? હિન્દુસ્તાનના મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લો ધ્યેય છે. ટૂંકમાં તને ભૌતિક સુખમાં રસ હોય તો તું જીવ માત્રને સુખ આપ અને તને દુઃખમાં રસ હોય તો તું લોકોને દુઃખ આપ. આ જગત સર્વસ્વ તારું જ પ્રોજેક્શન છે. તારે ભૌતિક સુખ અને દુઃખથી પર જવું હોય તો 'હું કોણ છું ?' એ જાણવાનો પ્રયત્ન કર તે પ્રયત્નમાં ફક્ત જ્ઞાની પુરુષની ખોજ કરી તેમની પાસે જઈ તેમની આજ્ઞામાં રહેવું એ મોક્ષધર્મ છે. એટલે જીવનનાં બે પ્રકારે ધ્યેય નક્કી થાય છે : એક તો 'જ્ઞાની પુરુષ' આપણને મળે નહીં તો સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈને ય કિંચિત્માત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ અને બીજામાં તો પ્રત્યક્ષ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારાં દરેક કામ થાય. 'પઝલ' 'સોલ્વ' થઈ જાય બધાં. - જય સચ્ચિદાનંદ |
|---|