|
''મારી ભાવના, મારી ઈચ્છા, જે કહો તે મારું 'આ' જ છે !'' સંપાદકીય અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની જગત કલ્યાણની ભાવના, કેમ કરીને જગતના જીવો સર્વ પ્રકારના સંસારના દુઃખોથી મુક્તિ પામે અને આત્મસુખમાં રમણતા કરતાં થઈ જાય, એ એમના રોમે રોમે, અણુ અણુમાં વ્યક્ત થતી દિન-રાત જોવામાં આવતી. નાનપણથી એમની એ જ ભાવના હતી કે 'મને ભેગો થયો એને સુખ મળવું જ જોઈએ. નહીં તો મારું એને ભેગા થવું નકામું છે' અને જ્યારે જ્ઞાન થયું ૧૯૫૮માં ત્યારથી એ ભાવના ઉત્કૃષ્ટ સ્ટેજે પહોંચી કે મને ભેગા થનારનું આત્મકલ્યાણ થાવ. અને એ અર્થે જ જીવનમાં દિન-રાત ઝઝુમ્યા છે. ઠંડી-ગરમી-ભર ચોમાસુ, દૂર દૂર સુધીની લાંબી મુસાફરી છતાં કશી પરવા કર્યા વિના સત્સંગ-જ્ઞાન માટે ગામડે ગામડે, માણસે માણસે ઠેઠ એંસી વર્ષની ઉંમરે ય ફર્યા છે. કેવી કરુણા હશે એમના હ્રદયમાં ! તેઓ કહેતા કે જગત કલ્યાણનું નિયાણું નથી તે જ્ઞાની જ નથી અને આ નિયાણું તો ભવોભવથી પોતે લઈને ફરેલા. તે આ ભવમાં પૂરું કર્યું. અને કહે છે કે મારો આઈડિયા એવો છે કે આખા જગતમાં 'આ' વિજ્ઞાનની વાત ખૂણે ખૂણે પહોંચાડવી અને દરેક જગ્યાએ શાંતિ થવી જ જોઈએ. મારી ભાવના, મારી ઈચ્છા, જે કહો તે મારું આ જ છે. ત્યારે આવાં મહાન જ્ઞાની પુરુષ માટે અહો અહો થઈ હ્રદય ભરાઈ આવે ! અરે, પોતાનો મોક્ષ પોતે હાથમાં લઈને ફર્યા છે અને ભાવના કેવી ગજબની કે એક અવતાર ભલે મોડું થશે તો વાંધો નથી પણ 'આ' વિજ્ઞાન જગતમાં ફેલાવવું જોઈએ. લોકોના સર્વ દુઃખોનો ક્ષય થવો જોઈએ. આ દુઃખો અમારાથી જોવાતા નથી છતાં વીતરાગતા છે મહીં અને એ જ એમની અત્યંત કરુણા હતી ! એમની પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો તરત એને અધ્યાત્મિકની બેઝીક પાયાની વાત સમજણ પાડતા, એમાં બીજો કોઈ આવે તો ફરી એજ બેઝીક વાતો એકડે એકથી શરૂ કરતા. આવી સત્તર વ્યક્તિઓ આવે તોય એ જ સમતાથી સમજાવતા, કદાચ આજુબાજુવાળાને લાગે એનું એજ સમજાવે છે, પણ ત્યારે દાદાશ્રીને સામાને પમાડવા માટે કેવી કરૂણા !! સવારે સાડા છ વાગેથી તે રાતે સાડા અગિયાર સુધી અવિરત એમની વાણી લોક કલ્યાણ અર્થે વહ્યા જ કરતી ! અને એ દાદાવાણીથી બનેલી આપ્તવાણીઓ ભવિષ્યના શાસ્ત્રો છે કે જે આખા જગતના કલ્યાણનું નિમિત્ત બનશે. જે વાણી વાંચતા જ માણસનું જીવનમાં સુખચેન શરૂ થઈ જાય છે ! પ્રસ્તુત સંકલનમાં એમના જ શબ્દોમાં એમના હ્રદયની વાતો ખુલ્લી થઈ છે, તે મહાત્માઓને જગત કલ્યાણના ધ્યેયને મજબૂત કરી પરમ પૂજ્ય દાદા ભગવાનના જગત કલ્યાણના મહાયજ્ઞમાં પોતાના જીવનની આહૂતિ આપવા પ્રેરિત કરી દેશે, એ જ અભ્યર્થના. દીપકના જય સચ્ચિદાનંદ ''મારી ભાવના, મારી ઈચ્છા, જે કહો તે મારું 'આ' જ છે !'' જગત કલ્યાણ સૂક્ષ્મ ભાવોથી ! સમાજ કલ્યાણ કરે છે, એ કંઈ જગતનું કલ્યાણ કર્યું ના કહેવાય. એ તો એક સાંસારિક ભાવ છે, એ બધું સમાજ કલ્યાણ કહેવાય. એ જેટલું સહુ સહુનાથી બને તેટલું કરે, એ બધી સ્થૂળ ભાષા કહેવાય; અને જગતકલ્યાણ કરવું એ તો સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભાષા છે ! ખાલી એવા સૂક્ષ્મતમ ભાવો જ હોય છે કે તેનાં છાંટણાં જ હોય છે. એવી પ્રાર્થના સ્વ-પર કલ્યાણી ! એક માણસ ભગવાનને રોજ પ્રાર્થના કરે કે, 'હે ભગવાન ! મને સુખી કરો, સુખી કરો.' બીજો માણસ પ્રાર્થના કરે ત્યારે બોલે કે, 'હે ભગવાન ! ઘરનાં બધાં માણસો સુખી થાય'. એમાં પોતે તો આવી જ જાય. ખરો સુખી બીજો માણસ થાય, પહેલાંની અરજી નકામી જાય. અને આપણે તો જગતકલ્યાણની ભાવના ભાવીએ તેમાં પોતાનું આત્યંતિક કલ્યાણ આવી જાય. જાત ઉપર ઉપકાર, જાત ઓળખીને ! હંમેશાં કોઈની પર ઉપકાર કર્યો હોય, કોઈને ફાયદો કર્યો હોય, કોઈકને માટે જીવ્યા હોય એટલો આપણને લાભ થાય, પણ એ ભૌતિક લાભ થાય, એનું ભૌતિક ફળ મળવાનું. પ્રશ્નકર્તા : કોઈક પર ઉપકાર કરવાને બદલે જાત ઉપર ઉપકાર કરે તો ? દાદાશ્રી : બસ, જાત ઉપર ઉપકાર કરવા માટે જ બધું કરવાનું છે. જો જાત ઉપર ઉપકાર કરે તો એનું કલ્યાણ થઈ જાય, પણ એને માટે પોતાની જાત જાણવી પડે, ત્યાં સુધી લોકો ઉપર ઉપકાર કરવાના, પણ એનું ભૌતિક ફળ મળ્યા કરશે. આપણી જાતને જાણવા માટે 'આપણે કોણ છીએ' એ જાણવું પડે. તમે તો અત્યાર સુધી 'હું ચંદુભાઈ છું' એટલું જ જાણો છો ને કે બીજું કશું જાણો છો ? આ 'ચંદુભાઈ' એ 'હું જ છું' એવું કહેશો. આનો ધણી થાઉં, આનો મામો થાઉં, આનો કાકો થાઉં; આમ બધી ઘટમાળ ! એવું જ છે ને ? એ જ જ્ઞાન તમારી પાસે છે ને ? એથી આગળ ગયા નથી ને ? ક્યારે થાય આત્મકલ્યાણ ? પ્રશ્નકર્તા : એક સંત કહેતા હતા કે લોકકલ્યાણ કરવા કરતાં આત્મકલ્યાણ જ શ્રેષ્ઠ છે. દાદાશ્રી : બરોબર છે. પણ એ આત્મકલ્યાણ ના થાય ત્યાં સુધી સમાજકલ્યાણ કર્યા કરવું. આત્મકલ્યાણ તો અઘરું છે. આત્મકલ્યાણ તો કોઈ દહાડોય હોય નહીં. અનંત અવતાર ભટકીશ, હિમાલયમાં ભટકે, ગમે ત્યાં ભટકે, કોઈ જગ્યાએ આત્મકલ્યાણ હોય નહીં. એ બધું બહારનું ને બહારનું જ. મોટા મોટા આચાર્યો જ રખડી મર્યા છે ને બધા. આ આટલા બધા ખોળખોળ કરે છે કે હું આત્મા છું, એવું જાણે છે, તોયે નથી થતું ને ! ના થાય એ વસ્તુ. સહેલી વસ્તુ નથી. એ તો કો'ક ફેરો જ્ઞાની પુરુષ હોય, જેનાં અહંકાર ને બુધ્ધિ બધું ગયું હોય, ત્યાં આત્મકલ્યાણ થાય. ક્રમિક માર્ગે જ્ઞાનીઓ હજારો વર્ષે પાકે છે, પણ એ પોતે દીવો બીજાને ધરે ને પોતે દીવો માગે પાછા આગળનો, એટલે પોતાને બીજા આગળના દીવાની જરૂર છે. સેન્ટર તરફની દ્રષ્ટિ ! એવું છે, આ જગતમાં એક જ જાતનાં બધાં લોકોના વિચારો દરેક મનુષ્યોના જુદા જુદા વિચારો જ હોય છે. એનું શું કારણ કે આ ગોળ હોય છે, 'સર્કલ' એવું તમે જોયેલું ? એમાં ત્રણસો સાઠ 'ડિગ્રી'માં જગતનાં મનુષ્યો રહેલાં છે. એટલે 'ડિગ્રી' ઉપર-અંશ ઉપર ઊભો રહ્યો છે, એને ત્યાંથી જેવું દેખાય એવું જ એ બોલે. એમાં એનો દોષ નથી. એટલે 'ડિગ્રી' પર બધું મતભેદવાળું છે. કારણ કે જુદા જુદા અંશ છે. અને વચમાં, 'સેન્ટર'માં આવે ત્યારે ખબર પડે કે 'પરમાત્મા શું છે ?! જગત શું છે ? કેવી રીતે જગત ચાલે છે ?' જ્ઞાન પ્રકાશ એ યુનિવર્સલ ટ્રુથ ! જગતમાં જે 'રિયલ' જ્ઞાન છે, 'યુનિવર્સલ' 'ટ્રુથ' છે, તેને બુધ્ધિ પહોંચી શકતી નથી. એ બુધ્ધિથી યે ઉપર છે. બુધ્ધિ ત્યાં આગળ અટકી જાય છે. બુધ્ધિનો એ છેલ્લો થર ઓળંગે તો 'જ્ઞાન પ્રકાશ'માં આવી જાય, 'યુનિવર્સલ ટ્રુથ'માં આવી જાય. એટલે મનમાં બધા 'લેયર' પૂરા થાય ત્યાર પછી બુધ્ધિના થર શરૂ થાય અને બુધ્ધિના થર પૂરા થાય ત્યાર પછી 'જ્ઞાન પ્રકાશ'માં આવી જાય. પણ ત્યાં સુધી કોઈ જઈ શકે નહીં. અરે, બુધ્ધિનાં થરમાં લોક પહોંચી શક્યા નથી ને ! એટલે પછી મનના થરમાં રહે. અહો ! એકમેવ ભાવના, જગત કલ્યાણની ! પ્રશ્નકર્તા : હવે 'આત્મા છે' એવું તો જૈનોએ, વેદાંતો અને બધાઓએ કહ્યું છે. પણ અત્યારની જે 'સાયન્સ' દ્રષ્ટિ છે, તે 'યુનિવર્સલી' બધા કેમ 'એક્સેપ્ટ' નથી કરતા ? દાદાશ્રી : ના કરે. કારણ કે એમને સમજાય નહિ ને ! આત્માનું અસ્તિત્વ તો આપણા હિન્દુસ્તાનમાં દરેક દર્શનો સ્વીકારે છે. 'ફોરેન'વાળાને આત્માના અસ્તિત્વનું દર્શન હોય નહીં. કારણ કે એ લોકો હજુ પુનર્જન્મને જ સમજતા નથી. જે લોકો પુનર્જન્મ સમજે છે તેને જ આત્માના અસ્તિત્વનું દર્શન હોય. પ્રશ્નકર્તા : પણ આ વાત 'યુનિવર્સલી' સત્ય હોય, તો પછી એવી રીતે 'યુનિવર્સલી' કેમ બધાને પહોંચી શકતી નથી ? દાદાશ્રી : એવું છે ને, જે બધા સત્ય છે ને તે 'યુનિવર્સલી' હોય તો પણ એ સાપેક્ષ સત્યો છે. હું તમારી જોડે વાત કરું ને, પણ એ વાત આ ભાઈ ના સમજી શકે કે હું શું કહેવા માંગું છું અને તમે તરત સમજી જાવ. એટલે દરેકના 'વ્યુપોઈન્ટ' જુદા જુદા હોય અને હિન્દુસ્તાન સિવાય બહારનો કોઈપણ માણસ આત્મા સંબંધમાં કશુંય સમજી શકે નહિ. મારી પાસે 'ફોરેન'ના 'સાયન્ટિસ્ટો' આવશે તો ત્યારે હું બધી વિગત એમને સમજાવીશ. અને 'સાયન્ટિસ્ટો' એકલા આ સમજી શકે, તે પણ અમુક હદ સુધીનું. તમે જેટલું આ સમજી શકો તેટલું તો એય ના સમજી શકે. કારણ કે હજી એ લોકો 'ડેવલપ' જ નથી ને ! 'અધ્યાત્મ'માં 'ફોરેન'વાળા બધાં 'અંડર ડેવલપ' છે. પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં એવો પુરુષાર્થ કોઈ કેમ ના કરી શકે કે જેથી કરીને બધાંને 'યુનિવર્સલી' આ વાત પહોંચે ? દાદાશ્રી : આ વાત પહોંચી શકે, પણ અત્યારે વીતરાગોનું જે 'લાઈટ' છે ને, તેમની વાત પર આવરણ પડી ગયેલું છે ! અત્યારે હું એકલો 'જ્ઞાની પુરુષ' છું. આખા 'વર્લ્ડના' પ્રશ્નોના ખુલાસા આપવા તૈયાર છું, ચારેય અબજ માણસોને સંપૂર્ણ ખુલાસો આપવા તૈયાર છું. પણ મને એ ભેગો થવો જોઈએ. બાકી, નહીં તો હું શું કરી શકું ? ક્યાં ક્યાં પહોંચી વળું ? તમે મને ભેગા થયા એ 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે, અને ભેગા થયા તો તમારું કામ થાય. નહિ તો જે ભેગો ના થાય એનું કામ થાય નહીં. ભેગો થાય તો એને બધા ખુલાસા થાય, નહિ તો એને ખુલાસા થાય નહિ ! બાકી, એક દહાડો બધા 'સાયન્ટિસ્ટો'ને ભેગા કરવાનો મારો વિચાર છે, અને તે 'હોલ' 'વર્લ્ડ'ના બધા 'સાયન્ટિસ્ટો'ને ! અને ત્યારે આખી ખુલ્લમ્ખુલ્લી બધી હકીકત બતાવીશ કે 'આ શરીર શેનું બનેલું છે ? મન શું છે ? મનનો જન્મ કેવી રીતે થાય ? મનનો વિલય કેવી રીતે થાય ? બુધ્ધિ શું છે ? આત્મા શું છે ? જગત કેવી રીતે ચાલે છે ?' એટલે આખું વિજ્ઞાન છે આ તો અને લોકોને પહોંચે તો લાભ થાય એવું છે ! પ્રશ્નકર્તા : મારું કહેવાનું આ જ હતું કે આપની પાસે 'હું આત્મા છું, હું અસંગ છું' એ બધું 'એક ને એક બે'ની જેમ સ્પષ્ટ થઈ જાય, 'કશું હલાવવાની શક્તિ ય નથી મારામાં.' એવું સ્પષ્ટ પછી વર્તાયા કરે, એવું જગતનેય થાય તો બહુ લાભ થઈ જાય ને ! મોટો ઉપકાર થઈ જાય !! દાદાશ્રી : એવું છે ને, આખા જગતને એકસરખું દર્શન ના હોય. કારણ કે દરેકના 'વ્યુપોઈન્ટ' જુદા છે. એટલે દરેકને આની જરૂરેય નથી. આપણે તો એટલું એને કહીએ કે, 'આત્મા તને પુરવાર કરી આપીએ છીએ.' ત્યારે કહે, 'પુરવાર કરી આપો.' અને સમજ પાડીએ તોય એને બીજે દહાડે કશું લક્ષમાં હોય નહીં. આ દર્શન નહિ પહોંચે ને મહેનત બધી નકામી જશે ! આપણા હિંદુસ્તાન માટે જ આ મહેનત કરેલી ફળદાયી થઈ શકે. અને 'ફોરેન' માટે તો કેટલી ફળદાયી થાય ? આપણે એમના 'સાયન્ટિસ્ટો'ને માર્ગદર્શન આપી શકીએ, અને એ સાયન્ટિસ્ટો એમની ભાષામાં એ લોકોને ઉતારી આપે તો જ બધું ઘેર ઘેર પહોંચે. મારો 'આઈડિયા' એવો છે કે આખા જગતમાં 'આ' 'વિજ્ઞાન'ની વાત ખૂણે ખૂણે પહોંચાડવી અને દરેક જગ્યાએ શાંતિ થવી જ જોઈએ. મારી ભાવના, મારી ઇચ્છા જે કહો તે મારું આ જ છે ! પ્રગટ્યું આ જ્ઞાન, જગ કલ્યાણાર્થે ! પ્રશ્નકર્તા : તમને જ્ઞાન થયું સુરતના સ્ટેશને, ત્યારે કેવો અનુભવ થયો હતો ? દાદાશ્રી : બ્રહ્માંડ દેખાયું આખું ! આ જગત શી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, બધું દેખાયું. ઈશ્વર શું છે, હું કોણ છું, આ કોણ છે, આ બધું શેના આધારે ભેગું થાય છે, એ બધું દેખાયું. પછી સમજમાં આવી ગયું અને પરમાનંદ થયો. ફોડ પડી ગયો ને બધો ! શાસ્ત્રોમાં પૂરું લખેલું ના હોય. શાસ્ત્રોમાં તો વર્ણન, જ્યાં સુધી શબ્દ હોય ત્યાં સુધી લખેલું હોય અને જગતની વાસ્તવિકતા તો શબ્દથી ય બહુ આગળ છે. પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન કેટલા અવતારનું સરવૈયું છે ? દાદાશ્રી : અક્રમ જ્ઞાન જે પ્રગટ થયું છે, તે ઘણાં અવતારનું સરવૈયું બધું ભેગું થઈ એની મેળે કુદરતી જ આ પ્રગટ થઈ ગયું છે. પ્રશ્નકર્તા : આ તમને બટ નેચરલ થયું પણ એ કેવી રીતે ? દાદાશ્રી : આ કેવી રીતે એટલે કે એના સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગાં થવાથી થયું. આ લોકોને સમજાવવા માટે મારે 'બટ નેચરલ' કહેવું પડ્યું. બાકી આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા મળી આવ્યા, તે પ્રગટ થઈ ગયું. પ્રશ્નકર્તા : કયા એવિડન્સો મળ્યા ? દાદાશ્રી : બધા બહુ જાતનાં એવિડન્સો મળ્યાં ને ! આખા જગતનું કલ્યાણ થવાનું હશે, તે ય કાળ પાક્યો હશે ને, અને તેથી કંઈ નિમિત્ત તો જોઈએ ને ! અલૌકિકતા અક્રમ માર્ગની ! અહીં તમને હરેક વસ્તુ પ્રાપ્ત થશે. તમારે ચિંતારહિત દશા પ્રાપ્ત કરવી હોય તો અહીં થઈ શકશે. તમારે નિરંતર સંયમિત દશામાં રહેવું હોય તો રહી શકાશે. એવી બધી દશાઓ અહીં પ્રાપ્ત થઈ શકે, જો તમારી ભાવના હશે તો. આ તો મારે જાતે કહેવું પડે છે કે આ દુકાનમાં શું માલ છે ! પ્રશ્નકર્તા : આપનો જે માર્ગ છે તે બહુ અલૌકિક માર્ગ છે. દાદાશ્રી : અલૌકિક, બહુ જ અલૌકિક ! તેથી અમે કહીએ છીએને, કે આ માર્ગ દસ લાખ વર્ષે એક ફેરો પ્રગટ થાય છે. એ તો પાછળથી લોકો કહેશે કે ઓહોહો ! આવો અલૌકિક માર્ગ નીકળ્યો હતો અને અમે રહી ગયા. લોકોનાં પુણ્ય જાગ્યાં નથી. એ પુણ્ય જાગવાં બહુ મુશ્કેલ વસ્તુ છે. કારણ કે આવો સહેલો-સરળ મોક્ષમાર્ગ કોઈને મળે નહીં. આ સાધુઓએ સ્ત્રી છોડી તોય મોક્ષમાર્ગ મળતો નથીને ! એટલે અલૌકિક વસ્તુ છે આ તો. પણ લોકોને સમજમાં બેસવું જોઈએને ! બંધ બેસવું જોઈએ. જેમ જેમ હજુ વખત જશે તેમ તેમ આગળ વાત સમજાતી જશે, કે ઓર જાતનું છે આ. અને જ્ઞાની પાસે બેસવાથી જ જ્ઞાનીસ્વરૂપ થઈ જવાય, તેવો માર્ગ ! અને ચિંતા વગર બેસી રહેવાનું. ચિંતા નહીં, ભય નહીં, આ લોકનો ભય નહીં, પરલોકનો ભય નહીં, હવે આવતા ભવમાં શું થશે એવો-તેવો કશો ભય નહીં. ઉપાધિ નહીં. સંસારના ખત્તા ખાતાંય સમાધિ રહે, એવું આ અક્રમ વિજ્ઞાન છે ! પુણ્યશાળીઓ માટેનો 'આ' માર્ગ ! આવું જ્ઞાન આ સાડા ત્રણ અબજની વસતિમાં કોને ના જોઇએ ? બધાંને જોઇએ. પણ આ જ્ઞાન બધાંને માટે ના હોય. એ તો મહાપુણ્યશાળીઓ માટે છે. આ 'અક્રમ જ્ઞાન' ઊભું થયું એમાં લોકોની કંઇ પુણ્યૈ હશે ને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા-ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને તેમને માટે 'આ' માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે અને અહીં સહેજાસહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે તેને આપી દઇએ. પણ લોકોને આના માટે કંઇ કહેવા જવાનું નથી હોતું. આ 'અક્રમ જ્ઞાન' તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે. બીજા બધા માટે 'અક્રમ માર્ગે' મોક્ષ નથી. બીજા બધાને તો એના 'ક્રમિક માર્ગ'નો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડીશું. તેનાથી તે ઠેઠ પહોંચી જશે! અહીં તો 'સહેજાસહેજ' જે આવી ચઢે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઇ આવે તેને અમે જ્ઞાન આપી દઇએ, 'દાદાની કૃપા મેળવી ગયો તેનું કામ થઇ ગયું ! 'અમે' જગત કલ્યાણના સ્વામી નથી, નિમિત્ત છીએ. જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠાં લાભ લઇ જાય ! પુણ્યશાળીઓનું ફળ તે આ 'અક્રમ માર્ગ' છે ! નહીં તો અક્રમ તે હોતું હશે ? આ તો પાછળથી ઇતિહાસ રચાશે ત્યારે લોક પસ્તાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં ? પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દહાડે તે ૩૫ માળના ફ્લેટ બાંધવાના કામમાં પડ્યો હતો ! બધા સંજોગ ભેગા થાય પણ આ 'અક્રમ જ્ઞાન'નો સંજોગ ભેગો થાય તેમ નથી. અહીં 'સત્ સંજોગ' છે. એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દહાડે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય ! અપવાદ, ગૃહસ્થી છતાં જ્ઞાનાવતાર ! આ કાળના મનુષ્યો બહુ પુણ્યશાળી છે કે આ દુઃખેય પુષ્કળ પડ્યાં, પણ પુણ્યૈ ભારે હતી તે આ જ્ઞાની પુરુષ ગૃહસ્થ ભાવે ઊભા થયા છે. અને એવું છેને, મારી જગ્યાએ કોઈ ત્યાગવાળા જ્ઞાની પુરુષ હોતને, તો તમારું-ગૃહસ્થીનું કલ્યાણ શી રીતે થાય ? કારણ કે તમારા મનમાં એમ રહ્યા કરે કે 'એ તો ત્યાગી છે એટલે એ બધું કરી શકે, પણ આપણાથી શી રીતે થાય ?! આપણે તો ગૃહસ્થી છીએ.' ત્યારે કુદરતનો નિયમ એવો હોય છે, તે કોઈ ફેરો ગૃહસ્થીનેય જ્ઞાની બનાવી દે છે. એટલે ગૃહસ્થી લોકોનાં મનમાં એમ થાય કે આ જો આટલા બધામાં રહી શકે છે તો મારાથી કેમ ના રહેવાય, એવો એને દાખલો મળે. જ્ઞાની પુરુષ ક્ષણવાર દેહમાં રહેતા ના હોય. છતાંય ધંધા ચાલે છે, એય અજાયબી છેને ! તો પછી તમને હિંમત આવે કે નહીં ? કે 'આ ધંધો કરે છે ને વીતરાગતાથી રહે છે, તો હું પણ કેમ ના રહી શકું ?' અને મારી જગ્યાએ ત્યાગી હોય તો તમને એમ થાય કે 'એ તો બૈરી-છોકરાં ત્યાગેલા, હું તો બૈરી-છોકરાંવાળો એટલે આપણાથી કશું વળે નહીં.' એ ભેદ પડી જાય. બાકી આ તો અપવાદ છે. નહીં તો ઘરમાં જ્ઞાની રહે જ નહીં. સંપૂર્ણ જ્ઞાની ઘરમાં હોય નહીં. આવું બને નહીંને ! આ કો'ક જ ફેરો, જબરજસ્ત પુણ્યૈ હોય તો જ ! કેટલી મોટી જબરજસ્ત પુણ્યૈ ! ને જ્ઞાનપ્રતાપ કેટલો બધો હોય ત્યારે રહી શકાય. એય અજાયબી છેને ! લોકોનું પુણ્ય જાગ્યું છે. આ તો અમે કેવળજ્ઞાનમાં નાપાસ થયેલા રહ્યા છીએ. નાપાસ થયા તો લોકોને કામ લાગ્યાને ! એટલે આ અજાયબ જ્ઞાની પુરુષ છે આ કાળમાં ! એમના શબ્દોથી ક્રોધ જાય, માન જાય, માયા જાય, લોભ જાય, બધું જ એમના શબ્દોથી જતું રહે. એમના શબ્દોમાં વચનબળ હોય છે. કારણ કે જેનું પોતાનું નીકળી ગયું છે એ બીજાનું કાઢી આપે. પોતાનું નીકળ્યું ના હોય ત્યાં સુધી એ બીજાનું શું કાઢી આપે ?! ફોડ, અજ્ઞાનથી કેવળજ્ઞાન સુધીના ! આ 'અક્રમ માર્ગ' છે એટલે ખુલ્લમ્ ખુલ્લું હોય, બધી વાતોનો તરત ફોડ મળે. જ્યારે 'ક્રમિક માર્ગ'માં કેવું હોય ? આ જરી-કસબ વણે છે ને એમાં એક મણ રૂમાંથી વણેલા સૂતરમાં એક તોલો સોનું પરોવે છે. એવું ગૌતમ સ્વામીએ, ભગવાન મહાવીર બોલ્યા તે બધું સૂત્રોમાં પરોવ પરોવ કર્યું. પણ આ કાળના લોકો તે મણ સૂત્રમાથી તોલો 'સોનું' શી રીતે કાઢી શકે ? એવું કોઈનું ગજું જ નહીં ને ! આ 'અમે' તો સીધું 'સોનું' જ આપ્યું છે. 'અમે' અજ્ઞાનથી 'કેવળજ્ઞાન' સુધીના બધા જ ફોડ આપી દીધા છે. ચાર્જ કેવી રીતે થાય છે ? ડિસ્ચાર્જ કેવી રીતે થાય છે ? આ બધું, જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? તમે કોણ ? આ બધાં કોણ ? એ બધાનો ફોડ અમે અહીં આપીએ છીએ. ખરાબ કાળનો અંત ! મહાવીર ભગવાનના નિર્વાણને ૨૫૦૦ વર્ષ પૂરાં થાય છે. ત્યારે સાધન પણ કેવાં ગજબનાં પ્રગટ થયાં છે ! નહીં તો 'અક્રમ માર્ગ' તે વળી હોતો હશે ? ભગવાનના ૨૫૦૦ વર્ષ પૂરાં થશે એટલે સાધનો ય આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાનને કહેલું કે, 'ભસ્મક ગ્રહની' અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો ત્યારે ભગવાને કહ્યું, ના, એ તો નિરાંતે લોકો ભોગવશે ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઈ જશે. અને એ પૂરું થશે ત્યારે એનું ય ફળ મળશે ! અત્યારે એ વિષમ કાળ પૂરો થવાનો છે. એનું ફળ 'અક્રમ' આવ્યું છે ! નહીં તો 'અક્રમ' તો હોતો હશે ? કોઇ કાળે ધર્મ માટે આવ્યો નહોતો એવો કાળ આજે આવ્યો છે. ભગવાન મહાવીર પછીનાં ૨૫૦૦ વર્ષ હવે પૂરાં થાય છે અને ભગવાન મહાવીર પછી સાડા ત્રણ વરસ જ વીત્યાં હોય તેવો કાળ આવી રહ્યો છે. અત્યારે ભલે દુષમકાળ હોય, પણ અત્યારે સારામાં સારો કાળ આવ્યો છે. ખરો કાળ જ અત્યારે આવ્યો છે. આ કાળમાં જે લોકનિંદ્ય નથી, તેને ભગવાને લોકપૂજ્ય કહ્યા છે. આવો આ સુંદર કાળ છે, તો તેનો લાભ ઊઠાવી લેવો જોઇએ ને ? પ્રગટ 'જ્ઞાની', ત્યાં આત્યંતિક કલ્યાણ ! આત્મા અમૂર્ત છે અને મૂર્તની મહીં રહેલો છે. જે મૂર્ત છે એ 'રિલેટિવ' છે અને મહીં અમૂર્ત છે તે 'રિયલ' છે. જે મૂર્તિમાં અમૂર્ત પ્રગટ થઇ ગયા છે તે મૂર્તામૂર્ત ભગવાન કહેવાય. 'જ્ઞાની પુરુષ' પ્રગટ ભગવાન કહેવાય, ત્યાં આપણું આત્યંતિક કલ્યાણ થાય. પૂર્ણ વ્યક્ત શક્તિઓ, એ જ પરમાત્મા ! પોતે પોતાની સંપૂર્ણ શક્તિઓ વ્યક્ત થઇ જાય તે પરમાત્મા. પણ આ શક્તિઓ આવરાઇ ગયેલી છે, નહીં તો પોતે જ પરમાત્મા છે. દરેક જીવમાત્રમાં, ગધેડાં, કૂતરાં, ગુલાબના છોડમાં ય આત્માની અનંત શક્તિઓ છે, પણ તે આવરાયેલી છે તેથી ફળ ના આપે. જેટલી પ્રગટ થઇ હોય એટલું જ ફળ આપે. 'ઇગોઇઝમ' અને મમતા બધી જાય તો એ શક્તિ વ્યક્ત થાય. પુદ્ગલ પ્રત્યેની જેટલી સસ્પૃહતા હતી અને આત્મા પ્રત્યે નિઃસ્પૃહતા હતી, તે હવે પુદ્ગલ પ્રત્યે નિઃસ્પૃહતા જેટલા પ્રમાણમાં આવશે તેટલા પ્રમાણમાં આત્મા ઉપર સસ્પૃહતા આવશે. પુદ્ગલની, આત્માની બધી જ શક્તિઓ એકમાત્ર પ્રગટ પરમાત્મામાં જ લગાડવા જેવી છે. મનુષ્યમાં પૂર્ણ પરમાત્મ શક્તિ છે, જે વાપરતાં આવડવી જોઇએ. 'જ્ઞાની પુરુષ' બધી જ શક્તિઓ આપવા તૈયાર છે, શક્તિ તમારી મહીં જ પડી છે. પણ તમને તાળું ઊઘાડીને લેવાનો હક્ક નથી. જ્ઞાની પુરુષ ઊઘાડી આપે ત્યારે એ નીકળે. આ હિન્દુસ્તાનનો એક જ માણસ આખા વર્લ્ડનું કલ્યાણ કરી શકે એટલી બધી એનામાં શક્તિઓ છે, પણ આ શક્તિઓ અત્યારે ઊંધે રસ્તે વહી રહી છે, તેથી 'સેબોટેજ' થઇ રહ્યું છે. આના 'કંટ્રોલર' જોઇએ. 'જ્ઞાની પુરુષ' અને સત્ પુરુષો અને સંત પુરુષો આના નિમિત્ત હોય છે. જગત ઉપકારી યોગબળ ! સંત પુરુષોનું યોગબળ, સત્પુરુષનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષનું યોગબળ આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આપણે કહીએ છીએને, આ ! પ્રશ્નકર્તા : આ વાક્ય સમજાવો. દાદાશ્રી : સંત પુરુષો દુનિયામાં ઘણાં છે. ફોરેનમાંય છે ને ! મુસ્લિમોમાંય છે. બધેય ઓલિયા પુરુષો છે. ઓલિયા જેવા પુરુષો જોવામાં આવે તે સંત પુરુષો કહેવાય બધા. પોપ, મુસલમાનોના બધા ઓલિયાઓ, હિન્દુસ્તાનનાં સંત પુરુષો, હિમાલયના સાધુ મહારાજો, આ ત્યાગીઓ, એ બધા જ સંત પુરુષમાં આવી ગયા. જે ચોખ્ખા હ્રદયના છે એ બધા સંત પુરુષ કહેવાય. પ્રપંચીઓને સંત પુરુષ ના કહેવાય. આ સંત પુરુષો લોકોને શાંતિ આપે. પછી, સત્પુરુષ કોને કહેવાય ? 'અહીં' જેને જ્ઞાન આપ્યું, જે સંયમી થયા છે, એ બધા સત્પુરુષ કહેવાય. અને ત્રીજા જ્ઞાની પુરુષ! જેને સત્ પ્રાપ્ત થયું નથી એ સંતપુરુષો કહેવાય. અને સત્ પ્રાપ્ત થયું છે એવા સત્પુરુષ કહેવાય. અને સત્પુરુષના ઉપરી એ જ્ઞાની પુરુષ કહેવાય. પ્રશ્નકર્તા : સંત પુરુષ અને જ્ઞાની પુરુષના યોગબળમાં શું ફેર ? દાદાશ્રી : સંત પુરુષનું યોગબળ તો, શારીરિક બળ હોય, મનોબળ હોય અને વચનબળ હોય. અને જ્ઞાની પુરુષનું યોગબળ તો આત્મયોગ હોય, એટલે એને ભગવાન જ કહેવાય. જ્ઞાની પુરુષ તો ખુદ ભગવાન કહેવાય. સંત પુરુષ અહંકારી હોય અને મન-વચન-કાયાના યોગબળવાળા હોય, તેય પૂરેપૂરું ના હોય. જ્યારે જ્ઞાની પુરુષમાં અહંકાર બિલકુલ ના હોય, અને આત્મયોગબળવાળા હોય. પ્રશ્નકર્તા : સંત પુરુષો, સત્ પુરુષો, અને જ્ઞાની પુરુષ, એ ત્રણેયમાં આમ તો ઘણો ભેદ છે. દાદાશ્રી : સંત પુરુષ દેહાધ્યાસવાળા હોય. સત્ પુરુષ દેહાધ્યાસવાળા ના હોય. અને જ્ઞાની પુરુષ તો ભગવાનની જોડે જ બેસનારા, એટલે ત્યાં બધી વાત જાણવા મળે, ત્યાં આપણું કલ્યાણ થાય. સંત તો બધાની સાથે સારો મેળ રાખતા હોય ને ક્રોધ-માન-માયા-લોભ કરતા ન હોય. ક્રોધ-માન-માયા-લોભ સંત પુરુષમાં હોય તો ખરા, પણ ક્રોધ-માન-માયા-લોભ કંટ્રોલેબલ હોય. છતાં, સંત તો એમને કહેવા જ પડે. એનું શું કારણ કે લોકો એમને માન્ય રાખવા માંડ્યા. એટલે એને સંત તો આપણે કહેવા જ પડે. અને જ્ઞાની પુરુષમાં તો ક્રોધ-માન-માયા-લોભ ના હોય. ડિસ્ચાર્જમાં પણ ના હોય ! જે સત્ને જાણે છે એ સત્પુરુષ ! અને નિરંતર સત્ના અનુભવમાં જ રહે છે એવા જ્ઞાની પુરુષ, એ તો કો'ક ફેરો જ જ્ઞાનાવતાર હોય, એ હોય નહીં. તેથી એમને દુર્લભ, દુર્લભ, દુર્લભ કહ્યા છે. આ સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષમાં જુદા જુદા ભેદ, એટલે આ ભેદ સમજવા જોઈએ આપણે. આ સરખામણી કરે તેનું જોખમ ! એવું છે ને, અત્યાર સુધી આવું ચાલતું જ આવ્યું છે. અરે, જગતના લોકો તો જ્ઞાની પુરુષનું તોલન કરે, અને તેય કોની જોડે ? આ જગતના સંતો જોડે. મનુષ્યનો સ્વભાવ એવો. જ્ઞાની પુરુષ તો કો'ક જ ફેરો હોય છે, ત્યારે આ લોકો જ્ઞાની પુરુષની સંત જોડે સરખામણી કરવા જાયને, તો ઊલટું માર ખાઈ જાય. 'જ્ઞાની પુરુષ ક્યાં બેઠેલા છે' એ તો વિચાર જ ના આવે, એ ભાન જ ના આવે. જ્ઞાની પુરુષ તો હજારો વર્ષે એકાદ પાકે, બાકી સંતો-શાસ્ત્રજ્ઞાનીઓ તો બધા બહુ હોય. એટલે આપણે અહીં તો શાસ્ત્રના જ્ઞાનીઓ ઘણા બધા છે, પણ આત્માના જ્ઞાનીઓ નથી. જે આત્માના જ્ઞાની હોયને, તે તો પરમ સુખી હોય. એને દુઃખ કિંચિત્માત્ર હોય નહીં. એટલે ત્યાં આગળ આપણું કલ્યાણ થાય. જ્યાં પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય તે આપણું કલ્યાણ કરે. પોતે તર્યા તે આપણને તારે. નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય તે ક્યારેય તારે નહીં. જગ આપે અજ્ઞાન, જ્ઞાની આપે જ્ઞાન ! ભગવાન કોઈને બાંધવા આવતા નથી. આ તો અજ્ઞાનથી બંધાયેલો છે ને જ્ઞાનથી છૂટે. એક ફેર છૂટ્યો, તો ફરી ના બંધાય. અજ્ઞાન એ ય નિમિત્તથી મળે અને જ્ઞાન એ ય નિમિત્તથી મળે. 'જ્ઞાની પુરુષ'ના નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થાય. અમે 'જ્ઞાન'માં જેમ છે તેમ હકીકત જોઈ છે, તે કહીએ છીએ. કોઈ બાપો ય બાંધતું નથી. અજ્ઞાન બાંધે છે ને જ્ઞાન છોડાવશે. અજ્ઞાન બંધાવનાર તો ઠેર ઠેર છે. જ્યારે છોડાવનાર જ્ઞાન તો 'જ્ઞાની પુરુષ' ભેગા થઈ જાય તો એ મળે ! જ્ઞાની પુરુષ વગર સેલ્ફનું રિયલાઈઝ કરી શકાય નહીં. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય ? આ અજ્ઞાન અને આ જ્ઞાન, પુદ્ગલ અને આત્મા, બે જુદાં પાડે. તે ભેદવિજ્ઞાની હોય, તેને જ્ઞાની કહેવાય. જુદાં પાડી આપવાની શક્તિ ધરાવતા હોય. પ્રશ્નકર્તા : જ્ઞાન આપી શકાય ? દાદાશ્રી : હા, આપી શકાય ને ! જ્ઞાન આપી શકાય. અને અજ્ઞાને ય આપી શકાય. આ જગત અજ્ઞાન આપી રહ્યું છે. જ્યારે જ્ઞાની જ્ઞાન આપી રહ્યા છે. બન્ને આપી શકાય એવી વસ્તુ છે. એટલું છે કે જ્ઞાન અને અજ્ઞાન, બન્ને વસ્તુ નૈમિત્તિક છે. મૂળ જ્ઞાન તો તમારી અંદર ભર્યું પડેલું છે. અમારા નિમિત્તથી એ ઉઘાડ થાય. એટલે નૈમિત્તિક છે. હું તો નિમિત્ત માત્ર છું. આમાં અમારું કર્તાપણું ના હોય. કોઈ બાબતમાં અમે કોઈ ચીજના કર્તા હોઈ શકીએ નહીં. કર્તા હોય તો અમને ય કર્મ બંધાય. જે કર્તા થાય તેને કર્મ બંધાય. આખા જગતના કલ્યાણના નિમિત્ત છીએ ! આ તો જગત કલ્યાણ માટે નીકળ્યું છે આ બધું !!! 'જ્ઞાન' જો 'જ્ઞાની' એકલા પાસે રહે તો જ્ઞાન રસાતળ જાય. 'જ્ઞાન' તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કો'ક ફેરો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો સુરતના સ્ટેશને 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે ! 'ધીસ ઈઝ બટ નેચરલ !' તો પછી એમાંથી જેટલા દીવા કરવા હોય તેટલા થાય. બાકી દીવામાં ઘી તો બધાય લોકોએ પૂરી રાખ્યું છે ! મોક્ષપ્રાપ્તિ 'અક્રમ' માર્ગે ! પ્રશ્નકર્તા : મોક્ષને મેળવવા સીધો રસ્તો નથી ? દાદાશ્રી : તારે વાંકો જોઈએ છે ત્યારે ? પ્રશ્નકર્તા : વાંકો તો નથી જોઈતો, પણ સીધો નથી મળતો. 'મોક્ષ મેળવવા માટેનો રસ્તો સહેલો નથી' એમ મારું માનવું છે. દાદાશ્રી : હા, એ તો બરોબર છે. મોક્ષ માટે બે રસ્તા છે. કાયમનો તો એક જ રસ્તો છે. આ જે અઘરો રસ્તો તમે કહો છો ને તે જ છે. આ તો કો'ક વખત ઇનામી રસ્તો નીકળ્યો છે. તે દસ લાખ વરસે નીકળે છે ! તેમાં જેને ટિકિટ મળી ગઈ તેનું કલ્યાણ થઈ ગયું ! આ રસ્તો કાયમને માટે હોતો નથી. આ 'અક્રમ વિજ્ઞાન' છે અને પેલું 'ક્રમ વિજ્ઞાન' છે. ક્રમિક એટલે શું કે 'સ્ટેપ બાય સ્ટેપ.' પગથિયે પગથિયે ચઢવાનું, પરિગ્રહ છોડતાં છોડતાં ઊંચે ચઢવાનું ને આ લિફ્ટ છે ! લિફ્ટ તને ગમતી ના હોય તો વાંધો નહીં. આપણે તને પેલો રસ્તો દેખાડીશું. તારાથી પગથિયાં ચઢવાની શક્તિ છે પછી શું ખોટું છે ? અને લિફ્ટ જેને ગમતી હોય, જેનામાં શક્તિ ના હોય, તે લિફ્ટમાં બેસે. અક્રમ માર્ગમાં પાત્રતા ?! પ્રશ્નકર્તા : ઉપાદાનની યોગ્યતા વગર, પાત્રતા વગર નિમિત્ત ઉપકાર કરી શકે ? કરી શકે તો કેટલો ને કેવા પ્રકારે ? દાદાશ્રી : ક્રમિક માર્ગમાં ઉપાદાનની યોગ્યતા વગર નિમિત્ત ઉપકાર કરી શકે નહીં. આ અક્રમ જ્ઞાની ગમે તેનું કામ કરી શકે, એમને ભેગો થયો એનું નામ જ પાત્રતા. આ તો 'અક્રમ વિજ્ઞાન' છે, કલાકમાં જ મુક્તિ આપે એવું આ વિજ્ઞાન છે ! જે કરોડો અવતારે ના બને તે કલાકમાં જ બની જાય છે ! તરત ફળ આપનારું છે. પ્રશ્નકર્તા : જે સત્તામાં દોષો પડ્યા હોય તો તે અક્રમિક માર્ગથી સદ્ગુરુ એનો નાશ કરી શકે ? દાદાશ્રી : હા, બધું ઉડાડી મેલે. પ્રશ્નકર્તા : પોતાનો આત્મા એ દોષોનો નાશ ના કરી શકે, પણ સદ્ગુરુ કરી શકે ? દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ' બધું જ કરી શકે. 'જ્ઞાની પુરુષ' શું ના કરે ? બધું જ કરી શકે, કારણ કે એ કર્તા નથી. જે કર્તા હોય તેનાથી કશું થાય નહીં. અને 'જ્ઞાની પુરુષ' તો કર્તા જ નથી, ખાલી નિમિત્ત જ છે. પ્રશ્નકર્તા : પોતાનો આત્મા એ ના કરી શકે ? દાદાશ્રી : પોતાનો આત્મા જો કરતો હોત તો અત્યાર સુધી રઝળપાટ હોત જ નહીંને ? નિમિત્ત વગર કોઇ દહાડો ઠેકાણું પડે નહીં. પોતાનો આત્મા કશું કરી શકે નહીં. જે બંધાયેલો છે તે સ્વયં શી રીતે છૂટી શકે ? પ્રશ્નકર્તા : આટલા બધા જ્ઞાનીઓ પૂર્વે થઇ ગયા તો કોઇએ આવો અક્રમિક માર્ગ બતાવ્યો હતો ? દાદાશ્રી : હા, બતાવ્યો હતો. ઋષભદેવ ભગવાને બતાવેલો છે. ઋષભદેવ ભગવાને અક્રમ માર્ગ બતાવી ભરત રાજાને સંસારમાં તેરસો રાણીઓ સાથે મોક્ષ આપ્યો હતો, બીજા ૯૯ છોકરાઓને 'ક્રમિક માર્ગ' આપ્યો હતો. પ્રશ્નકર્તા : એ તો ભરત રાજાની પાત્રતા હશે. અમારી એવી યોગ્યતા ક્યાંથી હોય ? દાદાશ્રી : આ 'અક્રમ વિજ્ઞાન'માં યોગ્યતા જોવાની જ નથી હોતી. મને ભેગો થવો જોઇએ. અને એ કહે કે મારું કલ્યાણ કરો, એટલે બહુ થઇ ગયું. આત્મકલ્યાણનું કામ કાઢી લેવું ! અમારી પાસે બે જ વસ્તુ લઈને આવજો. એક 'હું કંઈ જ જાણતો નથી' ને બીજું 'પરમ વિનય'. 'હું કંઈક જાણું છું', એ તો મૂઆ કેફ છે અને જો ખરેખર જાણ્યું એટલે એ તો પ્રકાશ કહેવાય ને પ્રકાશ હોય ત્યાં ઠોકર ન વાગે. ત્યારે આ તો ઠેર ઠેર ઠોકર વાગે છે, તેને જાણ્યું શી રીતે કહેવાય ? એકેય ચિંતા ઘટી ? સાચું જાણ્યું હોય તો એક પણ ચિંતા ના થવી જોઈએ. જો 'હું કંઈક જાણું છું' તેમ તું માને છે તો પછી તારા અધૂરા ઘડામાં હું શું રેડું ? તારો ઘડો ખાલી હોય તો હું તેમાં અમૃત ભરી આપું. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. છોકરાં-છૈયાં પરણાવજે, સંસાર ચલાવજે પણ મારી આજ્ઞામાં રહેજે. આ વાત અપૂર્વ કહેવાય. પૂર્વે સાંભળેલી ના હોય, વાંચેલી ના હોય. ચોવીસેય તીર્થંકરોની વાત અહીં નીકળે છે. આ ઉપદેશ સર્વ કાળને અનુસરીને નીકળે એટલે ચોવીસેય તીર્થંકરોનો ભેગો ઉપદેશ 'આ' છે ! અને પાછું એકેય લૉ નહીં. જ્યાં લૉ છે ત્યાં 'વીતરાગી જ્ઞાન' ના હોય. સંપૂર્ણ 'વીતરાગી જ્ઞાન' જ્યાં લૉ છે ત્યાં ના હોય, છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે. અને જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચે છતાં કોઇને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે. બધાંને સમાનતા રહે. આ તો અજાયબ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે. એટલે કામ કાઢી લેવાનું છે. કલ્યાણની ભાવનાથી યશનામકર્મ ! પ્રશ્નકર્તા : આશીર્વાદ માગીએ અને આપે તો, એ ફળે ખરાં ? દાદાશ્રી : હા, પણ કાયમ બધા ફળતાં નથી. એમાં આપણું વચનબળ હોવું જોઈએ, તો એ ફળે. નહીં તો ય આપણે આશીર્વાદ આપવા ખરા. બાકી કોઈનો આપ્યો અપાતો નથી, એ તો પેલાનું બનવાનું હોય છે ત્યારે આ નિમિત્ત થાય છે. જેને યશનામકર્મ હોય તે નિમિત્ત બને છે. પછી આશીર્વાદની દુકાનો કાઢે. પોતાથી તો સંડાસ જવાની પણ શક્તિ નથી, તો આશીર્વાદ શું આપવાનો હતો ! આ તો યશનામકર્મ હોય છે, તે મોટા માણસોને વધારે સારું યશનામકર્મ હોય. જગત કલ્યાણની ભાવના ઘણાં કાળથી, ઘણાં અવતારથી ભાવેલી હોય તો યશનામકર્મ બહુ મોટું હોય. યશનામકર્મ તો જગત કલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયા છે. નિરંતર જગતકલ્યાણની ભાવના, બીજી કોઈ જ ભાવના ના હોય. ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તો ય પણ નિરંતર ભાવના શી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય ! હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? જેટલા પ્રમાણમાં અને જગતના લોકોને સુખ થાય એવી ઇચ્છા હોય, તેમાંથી યશનામકર્મ બંધાય અને જગતને ગોદા મારે તો અપયશનામકર્મ થાય. અપયશનામકર્મવાળો ગમે તેટલું કામ કરે તો ય અપયશ આવે ! ઘણાં માણસો અહીં મને કહે છે કે, 'મેં ખૂબ કામ કર્યું તો ય મને અપજશ આવે છે.' 'અલ્યા, તું અપજશ લઈને આવ્યો છે, એટલે અપજશ મળશે. તારે તો તારું કામ કરવાનું અને અપજશ લેવાના !' આ દાદાને બધો જશ શાથી મળતો હશે ? મેં કંઈ જ કર્યું ના હોય તો ય લોક મને આવીને કહી જાય કે દાદા, તમારાથી જ મારું આ બધું કામ થયું ! હું ના પાડું તો ય જશ આપીને જાય. આ યશનામ કર્મ શું છે ? ભાવનાનું ફળ છે. ભાવના શી હતી કે આ જગતનું કંઈ પણ કોઈનું કામ કરો, ઘસાઈ છૂટો, ઓબ્લાઈઝ (ઉપકાર) કરો. છેવટે કશું રૂપિયા ના હોય તો ધક્કો ખાઈ છૂટો. આત્મસાક્ષાત્કાર પામ્યા પછી... ભાવો ભાવના જગ કલ્યાણની ! આપણા હાથમાં એકમાત્ર ભાવ કરવા સિવાય બીજી કોઇ તાકાત નથી. આપણો ભાવ પણ વ્યક્ત ના થવો ઘટે. ભાવ કર્યો તો તેની પાછળ અહંકાર છે જ. એક પોતે મોક્ષ જવા સિવાય અન્ય કોઇ પણ પ્રકારનો અહંકાર કરવા જેવો નથી. જગત કલ્યાણનો ય અહંકાર કરવા જેવો નથી. બધા નિમિત્ત છે. કોઇ કર્તા નથી. નિમિત્ત શા માટે કહેવાય ? આ નિમિત્ત શી રીતે બની જાય છે ? કોઇ ભાવ કરે કે 'મારે બધાને સીધા કરવા છે' તો તેનો ભાવ નેચરમાં જમે થાય, નોંધાય, પછી જ્યારે નેચરને સીધું કરવાનો વખત આવે ત્યારે એ ભાવવાળા નિમિત્ત પાસે નેચર બધા સંયોગ ભેગા કરી આપે. અને તે ભાવવાળા માણસનું એ ભાવ પ્રમાણે બની જાય. જગત ભાવ અને અભાવ કર્યા જ કરે છે. ભાવ-અભાવ એ જ રાગ-દ્વેષ છે. અમે સ્વરૂપ જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી તમને ભાવાભાવ નથી થતાં, બેઉ અમે બંધ કરી દઇએ છીએ. પણ પહેલાંનો ભાવ છે તે ફૂટે ત્યારે થાય કે આ ભાવ આવો કેમ થાય છે ? ખરેખર એ ભાવ નથી. એ ઇચ્છા છે. સો રાણીઓ હોય, પણ એને મહીં ભાવ ઉત્પન્ન થવા માંડે કે મારે તો બ્રહ્મચર્યનો જ ભાવ રાખવો જોઇએ, આ અબ્રહ્મચર્ય ન હોવું ઘટે તો એવો વિચાર થતાં થતાં ભાવ સ્વરૂપ થઇ જાય, તે આવતા ભવે કેવું સુંદર બ્રહ્મચર્ય રહે ! બ્રહ્મચર્ય પાળવું પોતાના હાથમાં નથી. ભાવ કરેલો તેનું ફળ આવશે. તીર્થંકરોને આગલા ભવોમાં જ્ઞાન થયા પછી છેલ્લો ભાવ ઉત્પન્ન થાય છે, જગત કલ્યાણ કરવાનો. પોતાનું કલ્યાણ થઇ ગયું. હવે બીજાનું કેમ કરીને કલ્યાણ થાય, એવા ભાવ ઉત્પન્ન થાય છે. તેના ભાવ સ્વરૂપે એ ભાવાત્મા તેવો થાય છે. પહેલો ભાવાત્મા તીર્થંકર થાય છે. પછી દ્રવ્યાત્મા તીર્થંકર થાય છે. એ ય નિર્વિકલ્પનું ફળ નથી, વિકલ્પનું ફળ છે, ભાવનું ફળ છે. પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના કોણ કરે છે ? દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિને લીધે છે. ખરી રીતે જગત કલ્યાણની ભાવના કરવાનો પ્રજ્ઞાનો ધંધો નથી, પણ એકાદ-બે અવતાર બાકી રહે છે તેટલા પૂરતી આ ભાવના છે. જ્ઞાન પછી નિરાકુળતા ! મહીં ભાવ જે થાય છે તે ભાવક કરાવડાવે છે. મહીં ભાવક, ક્રોધક, લોભક, માનક છે. આ બધા બેઠા છે. તે ભાન કરાવે છે. તેમાં જો ભાવ્ય ભળે, ભાવ્ય એટલે (પ્રતિષ્ઠિત) આત્મા જો ભળે તો ચિતરામણ નવું થાય છે. આ સંસાર જે છે તે આત્માની હાજરીથી ચાલે છે. આત્મા જરાય ભળે નહીં તોય એ ચાલે એવો છે. તેથી અમે આ 'વ્યવસ્થિત'ની શોધખોળ કરી છે. 'ક્રમિક'માં તો એમ જાણે છે કે આત્માએ ચલાવ્યા વગર ચાલે જ નહીં. જ્યારે અમે તમને 'વિજ્ઞાન' આપ્યું છે કે 'વ્યવસ્થિત' બધું ચલાવી લેશે. પ્રશ્નકર્તા : મને દ્વેષ થયો તો તેમાં આત્મા ભળ્યો કે નહીં ? એ દ્વેષ કોણે કર્યો ? મેં કર્યો ? દાદાશ્રી : આત્મા ભળે ત્યારે શું થાય ? રાગ ને દ્વેષ બેઉ થાય. હવે રાગ-દ્વેષ થયા તે ખબર કેમ પડે ? ત્યારે કહે કે દ્વેષ થાય ત્યારે મહીં ચિંતા થાય, જીવ બળે. આ જ્ઞાન પછી આત્મા ભળે નહીં એટલે નિરાંતની સ્થિતિ રહે, નિરાકુળતા રહે. નિરાકુળતા એટલે શુધ્ધ ભગવાનનો ૧/૮ ગુણ ઉત્પન્ન થયો કહેવાય. જગત તો આકુળતા ને વ્યાકુળતામાં જ હોય, તરફડાટ તો રહ્યા જ કરે, તેથી 'જ્ઞાન'ને શોધે. લોકો શું જાણે છે કે, આત્મા ભાવ કરે છે. ખરી રીતે આત્મા ભાવ કરતો નથી. ભાવકો ભાવ કરે છે. એને જો સાચા માન્યા એટલે ભળ્યો. ભાવ થયા એને સાચા માનવા એનું નામ જ ભળ્યો. એનાથી બીજ નખાય. પ્રશ્નકર્તા : ભાવક એટલે જૂનાં કર્મો ? દાદાશ્રી : ભાવક એટલે મનની ગાંઠો. કોઈને મનની ગાંઠ, કોઈને લોભની ગાંઠ, તો કોઈને ક્રોધની ગાંઠ, તો કોઈને વિષયની ગાંઠ. આ ગાંઠો જ હેરાન કરે છે, આત્મા પ્રાપ્ત થયા પછી ભાવોમાં ભાવ્ય ભળે નહીં તેથી નિરાકુળતા રહે. અંતિમ પ્રકારનો બુધ્ધિનો આશય બુધ્ધિના આશયમાં એવું હોય કે જ્ઞાની મળે ને કંઈક હવે છૂટકારો થાય, હવે તો થાક્યો આ રઝળપાટથી, ત્યારે એને જ્ઞાની મળે ! હવે આવો બુધ્ધિનો આશય તો કોઈ કરે જ નહીં ને ? લોકોને આ મોહ ક્યાંથી છૂટે ? જગત કલ્યાણની ભાવનાના પરિણામો... આ બધું ડૉલર શી રીતે અપાય છે ? એકને ખૂબ આપવાનું મન થાય અને એકને ના આપવાનું મન થાય, એવું થતું નથી ? શાથી ? પ્રશ્નકર્તા : બીજે પુણ્ય વપરાઈ ગયેલું હોય એટલે ? દાદાશ્રી : એ પુણ્યનો હિસાબ બીજે લખાવી દીધેલો. મોજશોખવાળાએ એવું કરેલું હોય કે વધુ કમાઈએ તો સારી રીતે મોજશોખ થાય. હવે એ ત્રીસ ટકા પાપના રહ્યા, એ આ પૈસા. હવે પૈસા વપરાય એ ના ગમતું હોય તો ય એ કરવાના સંયોગ આવે. પેલા સીત્તેર ટકા ગમતાના સંજોગો આવે અને આ ગમતા નથી એવા સંજોગ આવે. હવે એ ના ગમતા એટલે એમાં પાપ વપરાયું હોય ને તે વહુ મળી હોય, એ ગમે જ નહીં. એ ય ભેગી થાય, એમાં ય પૈસા વપરાય. વહુ મળી એટલે સંજોગ ભેગો થયો ને, એટલે ત્રીસ ટકા ના ગમતામાં વપરાય અને સીત્તેર ટકા ગમતામાં. એટલે ગમતાવાળાનું એડજસ્ટમેન્ટ સારું કરવું. સમજાય એવું છે કે નહીં ? પ્રશ્નકર્તા : બહુ સરસ વાત કરી. દાદાશ્રી : મારી ભાવના ખરી, પણ હવે આવું કહેવાય શી રીતે ? સમજણ પડે શી રીતે ? એટલે હવે તમે ટેન્ડર ભરો તો પાંસરું ભરજો. હજુ બે અવતાર છે. નહિ તો મોટરો માંગવી હોય તો મોટર માંગજો, ગાડીઓ માંગવી હોય તો ગાડીઓ માંગજો. તમારામાંથી બાદ થશે. શેમાંથી બાદ થશે ? આ તમારી મૂડી થઈ છે ને, તેમાંથી ! પ્રશ્નકર્તા : આજે બહુ આપી દીધું દાદા. દાદાશ્રી : ધન્ય છે ત્યારે ! પ્રશ્નકર્તા : આપણી જે જગત કલ્યાણની ભાવના છે, એમાં પુણ્ય કેટલું વપરાય ? અગર તો એ જ ભાવના એકલી હોય જીવનની અંદર તો ? દાદાશ્રી : હા. તે એ ભાવનાનું ફળ તમને બહુ મોટું મળશે. આપણે એનું ફળ શું મળશે એ જ જોવાનું. એ તો તીર્થંકરોએ શું કર્યું કે જગત કલ્યાણની જ ભાવના ભાવેલી, બસ ! એનું ફળ શું મળ્યું કે તીર્થંકર થાય. જ્યાં પગ પડે ત્યાં તીર્થં કહેવાય. એવું, હું એ જ ભાવના કરું છું, તમારી એ જ ભાવના છે તે ભાવના ફળશે. પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે એ ભાવના હશે તો તમને બધું જ મળી રહે વગર માગ્યે. દાદાશ્રી : હા, આપણે આજ ભાવના ભાવીએ તો આપણું સારું થાય જ. અને જોડે જોડે આવતે ભવ આપણું જે થવાનું હોય એમાં કોઈ હાથ ના ઘાલે. ડખલો ના આવે આટલું સમજી ગયા ને, એનું કલ્યાણ થઈ જાય. હવે પુણ્યૈ વપરાતી જગતકલ્યાણમાં ! કોઈ અમારું પુણ્ય જુએ તો ય ખુશ થઈ જાય. જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી બે માઈલ છેટે ઘર હોય અને ત્યાંથી ગાડીમાં નીકળ્યો અને અહીં ગાડીમાં ઉતરું તો ખુરશી લઈને હાજર હોય એટલે પછી બધાને એમ થાય કે આ શું ? આ દાદાનું પુણ્ય કહેવાય ? હરેક વસ્તુ હાજર ! તમે જોયું ને ! પુણ્યનો પ્રભાવ જોયોને ! અને કેવું જ્ઞાન પ્રગટ થયું ? મારા ધાર્યા પ્રમાણે દરેક લોકોનું કલ્યાણ થાઓ ને કલ્યાણ થાય એવું પુણ્ય નીકળ્યું. એટલે હવે તમારે જે માગણી કરવી હોય તે કરજો. મને કહે છે, 'ઘડીયાળ પહેરી હોય તો ?' મેં કહ્યું, 'ના ભઈ, ઘડીયાળ કશુંય જોઈએ નહીં. ઘડીયાળ તો લોક પહેરે જ છે ને ! એટલે મારે એમાં કંઈ પુણ્ય વાપરવું નહીં.' ત્યારે કહે, 'પછી ખાવા-પીવાનું સારું જોઈએ.' મેં કહ્યું, 'ના. એમાં એક પૈસાય, પુણ્ય વાપરશો નહીં. હીરાબા કરશે એવું મારે ખાવાનું. હીરાબાએ પુણ્ય વાપરેલું, તેનું હું ખઉં છું.' બીજા કોઈને સમજાય નહીં એટલે પુણ્ય વાપરી ખાય. બોલો હવે, શું થયું હશે ? કહો. પ્રશ્નકર્તા : તમારું ઘણું પુણ્ય જમા રહ્યું. દાદાશ્રી : એ તો મેં કહ્યું કે તેં વાપર્યું ખરું પુણ્ય બધું. હવે મેં છે તે બધું પુણ્ય, ૭૦ હજાર હતું, તે બધું પાંત્રીસમાં હિસાબ કરી નાખ્યો. તે હવે પાંત્રીસ રહ્યા, તેનું હવે કંઈક કહોને કે શું કરવું છે ? મેં કહ્યું, આત્મધર્મ અને એના સંજોગો મને પુણ્યમાં બે જ પ્રાપ્ત થાવ. તેનું આ મને મળ્યું છે. તો કહે, દાદા, અમારે ? મેં કહ્યું, તેં તો ગાડી છે એની જરૂર તો રહેશે જ ને, રેડિયો જોઈશે, ટી.વી. જોઈશે, ટેલીફોન જોઈશે. ફલાણું જોઈશે. પણ થોડું ધર્મ જોઈશે. એમાં કેટલાં વાપર્યા ? ત્યારે કહે, પાંચ હજાર વાપરો ત્યારે ધર્મનાં પાંચ હજાર તારા, અને મારા તો પાંત્રીસ હજાર. એટલે મેં સમજણ પાડી કે આ બધી શેની શેની ગોઠવણી છે. ત્યારે મને કહે, હેં આવું ?! પછી કહે છે, આપણે ફોન લઈશું ? મેં કહ્યું, નિરાંતે ઊંઘીએ છીએ. ઘરમાં કોઈને ઊંઘ ના આવતી હોય ને પછી નિરાંતે ઊંઘી ગયા હોય ત્યારે પેલી ઘંટડી વાગે, એવો ધંધો શું કરવા જોઈએ ? મને કહે, ફોન વગર શું કરશો ? અત્યારે વ્યવહાર થઈ ગયો છે. મેં કહ્યું, જોડેવાળો રાખે છે ને ! અને એને સરનામું આપી રાખેલું. એને રાત્રે ત્રણ વાગે ફોન આવેને તો સાંભળે અને સવારમાં આપણને કહે. તો આપણે એને ધન્યવાદ આપીએ, ઉપકાર માનીએ. અને અમે ઉપકાર વાળીએ ખરા. પણ એ બિચારો ત્રણ વાગે રાતે ફોન સાંભળે. અને સવારમાં કહે કે ના કહે ? એ કહેય ખરાં કે રાતે ત્રણ વાગે ફોન આવ્યો હતો. એક તો આપણને રાતે ઊંઘ આવતી નથી અને જરાક ઝોકું ખાય ત્યાં આ ફોન આવે. તો કલ્યાણ(!) થઈ ગયું બા, એની જોડે. આ હું પહેલેથી જાણતો હતો. અને જો ફોન રાખવો પડે વખતે કંઈ સંજોગ ધંધાના એવા થાય તો ફોન રાખવાથી જરૂર પડતી હોય. એથી મારા ના કહેવાથી બધા કંઈ ફોન ન રાખે એવું બને નહીં. તો પછી મારી રૂમમાં ફોન રાખ્યો આ લોકોએ, તો ફોન ઉપર જેની સાથે વાત થાયને તે બધાને કહી દીધું કે રાતે મારી સ્થિતિ સારી રહેતી નથી, તબિયતની અનુકૂળતા નથી માટે ફોન કરવાનું બંધ રાખજો. એવી મારી વિનંતી છે. અને રાતે કંઈ ફોન કરવો હોય તો મનમાં નક્કી કરવું કે સવારમાં જ કરીશું હવે. બહુ ઉતાવળ હોય તો ય એમ મનમાં નક્કી કરવું કે સવારના જ કરીશું. એટલે તે ફોનનું ના જ કહી દીધેલું હોય, બધાને જ, મારી પાસે જે આવતા હોય તેને. એટલે શેમાં વપરાઈ ગયા એ તમે સમજી ગયાં ને ? અમે અમારા બુધ્ધિના આશયમાં સો ટકા ધર્મ અને જગત કલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાંય અમારું પુણ્ય ખરચાયું જ નથી. પૈસા, મોટર-બંગલો, દીકરો-દીકરી ક્યાંય નહીં. અમને જે જે મળ્યા ને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે, મુક્તિને માટે નાખેલા. તેથી અમે મળ્યા. અમે સોએ સો ટકા ધર્મમાં નાખ્યા તેથી બધેથી જ અમને ધર્મ માટે 'નો ઓબ્જેક્શન' સર્ટિફિકેટ મળ્યું છે. નિયાણું, ધ્યેય ને ભાવના ! પ્રશ્નકર્તા : ધ્યેય અને નિશ્ચય, એ બે ને કંઈ સંબંધ ખરો ? દાદાશ્રી : નિશ્ચય તો નાનું કહેવાય. ધ્યેય તો જુદી વસ્તુ. નિશ્ચય તો જુદા જુદા કરવા પડે. ધ્યેય તો એક જ આત્મા પ્રાપ્ત કરવાનો ને મોક્ષે જવાનો જે કહો તે, એક જ શબ્દ - ધ્યેય. નિશ્ચય તો જાતજાતના. પ્રશ્નકર્તા : નિશ્ચય બધા વ્યવહારિક પણ હોય ? દાદાશ્રી : નિશ્ચય એ ગણતરીમાં જ ગણાય. પ્રશ્નકર્તા : આ નિયાણું કહે છે, મોક્ષનું નિયાણું. દાદાશ્રી : નિયાણું એટલે અત્યાર સુધી બધું જે જે કર્યું હોય આપણે, આત્મા માટે તપ-જપ બધું કર્યું હોય, તે આપણે કર્યું એટલે આપણી પાસે છે સિલ્લક, એને જેના માટે વાપરવી હોય તેમાં વાપરવાની છૂટ હોય આપણને. એટલે કહીએ કે અમેરિકા ખલાસ થઈ જાય, એવું નિયાણું કરેને એટલે પછી બધી આપણી સિલ્લક ત્યાં વપરાઈ જાય. પ્રશ્નકર્તા : એટલે સંસાર હેતુમાં વપરાઈ જાય, નિયાણું. દાદાશ્રી : હા, પોતે આમ અહંકાર કરે ને તે વપરાઈ જાય. આમ કરી નાખું, એમાં વપરાઈ જાય પછી. પ્રશ્નકર્તા : ત્રણ શબ્દો મોક્ષનું નિયાણું, શુધ્ધાત્માનો નિશ્ચય અને કલ્યાણની ભાવના, એટલે કે આ ત્રણનો શું સંબંધ એમ ? દાદાશ્રી : નિયાણું મોક્ષનું કરવું, નહીં તો કોઈ જોડે ચડસાચડસી થઈ જાય. મોક્ષ સિવાય બીજું કંઈ જ જોઈએ નહીં એવું નિયાણું હોય. એટલે આપણી બધી કમાણી એમાં વપરાય પછી. 'હું શુધ્ધાત્મા છું' એ નિશ્ચય ડગવો ના જોઈએ. એ જે નિર્ણય થયો છે એ નિર્ણય બદલાવો જોઈએ નહીં. પ્રશ્નકર્તા : અને જગત કલ્યાણની ભાવના એમ. દાદાશ્રી : બસ, આપણું જે કલ્યાણ થયું એવું લોકોનું હો. પ્રશ્નકર્તા : આ મહાત્માઓને શુધ્ધાત્માનો ધ્યેય પ્રાપ્ત થયો છે, મોક્ષનો ધ્યેય, તો આ ધ્યેયમાંથી ચલિત થાય, તો ફરી ધ્યેયમાં સ્થિર થવું હોય તો કેવી રીતે બની શકે ? દાદાશ્રી : ચલિત થાય, એનું નામ ધ્યેય ના કહેવાય. ધ્યેય એટલે બધું જ મારું આ, સર્વસ્વ બધું. પ્રશ્નકર્તા : એટલે પહેલાં ધ્યેય મજબૂત થવાની જરૂર. તો એ મજબૂત કેવી રીતે થઈ શકે ? દાદાશ્રી : ધ્યાતા છે તે ધ્યેયનું ધ્યાન કરી અને ધ્યેય સ્વરૂપ થઈ જાય. પ્રશ્નકર્તા : એમાં ધ્યાતા કોણ ? દાદાશ્રી : પોતે. પ્રશ્નકર્તા : અને ધ્યેય ? દાદાશ્રી : આત્મસ્વરૂપ. પ્રશ્નકર્તા : એ ધ્યેયસ્વરૂપ થવા માટે કેવી રીતે ધ્યાન કરે ? દાદાશ્રી : આ આજ્ઞા આપી છે. એ 'હું શુધ્ધાત્મા છું' એ ધ્યાન રહેવું જોઈએ. જ્ઞાની થકી, પ્રગટ સ્વસત્તા થાય ! તમને મેં તમારી પરમાત્મશક્તિ 'ઓપન' કરી આપી છે. એ જ સંપૂર્ણ સત્તા છે. જે સત્તા પરથી કોઇ ઉઠાડી મેલે, એને સત્તા જ કેમ કહેવાય ? સ્વસત્તા આગળ તો પરમાત્મા પણ નામ ના દઇ શકે. અત્યારે તમારી પાસે જે ધન છે તે પરમાત્મા પાસે પણ નથી. પ્રશ્નકર્તા : એ કઇ રીતે ? દાદાશ્રી : પરમાત્મા પાસે રેકર્ડ નથી. બોલવા-ચાલવાની બીજી મિકેનિકલ શક્તિ નથી. એટલે એ બીજાનું કંઇ જ કલ્યાણ ના કરી શકે ! જ્યારે તમે સ્વસત્તા સાથે લોકોનું કલ્યાણ કરી શકો ! માટે વાતને સમજો. કરવાનું કંઇ જ નથી. જ્યાં જ્યાં કરવાનું છે એ મરે છે ને સમજવાનું છે ત્યાં મુક્ત છે. આપણું કોઇ ઘોર અપમાન કરે તો તે બીજાની સત્તા આપણી ઉપર ચઢી બેસવી ના જોઇએ. અપમાન તો શું પણ નાક કાપી લે તો ય બીજાની સત્તા માન્ય ના કરીએ ! એની અસર ના થવા દઇએ. હવે આત્મા પ્રાપ્ત થયા પછી શું ? જેટલો જેટલો શુધ્ધ ઉપયોગ રહે તેટલી સ્વસત્તા ઉત્પન્ન થાય. અને સંપૂર્ણ સ્વસત્તા ઉત્પન્ન થઇ ગઇ તો એ ભગવાન થઇ ગયો ! પુદ્ગલ એ પરસત્તામાં છે. અને આત્મા પણ, જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી પરસત્તામાં જ છે. જ્ઞાની મળે અને આત્મા સ્વસત્તામાં આવે ત્યાર પછી પુદ્ગલનું જોર નરમ પડે અથવા મૃતઃ પ્રાય થાય. જેમ પુરુષાર્થ વધે તેમ પુદ્ગલ નરમ પડતું જાય. એક કલાક શુધ્ધાત્માપદમાં બેસી પ્રતિક્રમણ કરો તો સ્વસત્તાનો અનુભવ થાય. જ્ઞાની ચેતવે મોક્ષ માર્ગમાં ! જેવું બન્યું હોય તે બધું અમને કહી દે, જે બન્યું, એનો વાંધો નથી. એ તો બધું ક્ષમા જ હોય. પણ જેવું બન્યું એવું કહી દે, ત્યારથી આલોચના કહેવાય. એટલે એ રસ્તેથી પાછો ફરી ગયો. પછી અમે વાળી લઈએ. આ તો જોખમદારીવાળો રસ્તો છે, માટે ચેતજો. બહુ જોખમ છે. એક અક્ષરે ય બોલશો નહીં. અને બોલવું હોય તો ય અમને કહેજો, હું કહીશ કે 'બોલો હવે તમે.' બાકી બહુ જોખમ, એક અક્ષરેય બોલવું હોય તો બહુ જોખમ કહેવાય. જગતનું કલ્યાણ થવાનું હશે ત્યારે થશે, તમને એની મેળે કુદરત નિમિત્ત તૈયાર કરે ત્યાર પછી કરજો ને ! તમે તૈયાર થવા જશો નહીં. તૈયાર થવા જેવી ચીજ નથી એ !! તમારી જો સિધ્ધિઓ વેચવા માંડશો, તો જગત શું નહીં આપે ? પણ તમારી મનુષ્યરૂપી મૂડી ખલાસ ! અરે, ખલાસ નહીં, ઊલટી મનુષ્યરૂપી મૂડી જતી રહેશે ને નર્કના અધિકારી થઈ જાય. આપણો તો મોક્ષમાર્ગ છે, ત્યાં તો ગુપ્ત વેશે ચાલી જવાનું છે. જે રોગ હોય એ 'જ્ઞાની પુરુષ' દેખાડે, બીજો કોઈ દોષ ના દેખાડે. કારણ કે એમને પેલાનો રોગ મટાડવો છે. ડૉક્ટર દર્દીનો રોગ વધારે કે મટાડે ? અને અમે આ ક્યાં અમારા સારુ કહીએ છીએ ? આ તો તમારા માટે 'સ્પેશ્યલી' અને તે ય વીતરાગતાથી કહીએ છીએ. શબ્દ કઠણ ના હોય તો રોગ નીકળે નહીં. કઠણ શબ્દ વગર રોગ નીકળે નહીં. રોગ શેનાથી નીકળે ? કઠણ શબ્દો અને વીતરાગતા ! શબ્દો કઠણ કેવાં, તે આમ સાંધા તોડી નાખે એવા કઠણ અને છતાં સંપૂર્ણ વીતરાગતા !! ધૂળ પંપાળવાથી નીકળે કે ખંખેરવાથી ? અહીં તદ્દન છેલ્લા પ્રકારના ખુલાસા થાય, અને અમે કડકે ય બોલીએ. એ તમને ખંખેરીએ છીએ. આ કોટ છે એને અમથો આમ આમ કરીએ, તેમાં કંઈ ધૂળ જતી રહે છે ? એને તો આમ, આમ, સારું કરીને ખંખેરીએ એટલે ધૂળ ઊડી જાય. નહીં તો અમને આ કડક બોલવાનું ગમતું નથી. કોટને ખંખેરવો જોઈએ કે હાથ અડાડવો જોઈએ આમ ? આ દવા ય હલાવીને પીવી પડે. દવા હલાવીએ એમાં કંઈ આપણે હિંસક થઈ ગયા ? દવા હલાવીને પછી પીવો ! એવું આ હલાવું છું તમને. ગમે છે હું હલાવું છું તે ? પ્રશ્નકર્તા : હા, ગમે છે એટલે તો આવ્યો. ડફોળ કહેતાં, ગઈ ડફોળાઈ ! દાદાશ્રી : હવે અમારાથી એવું નીકળી ગયેલું. તે એક ભાઈને 'તું ડફોળ છું' બોલાયું, તે પછી એણે મને કહ્યું, 'દાદા, મને તો બહુ ફાયદો થઈ ગયો. દાદાજી, હવે બીજું કંઈક હજુ બોલો.' ત્યારે મેં કહ્યું, 'ના, એ મારાથી ના બોલાય.' એ પછી લોભ કરવા ગયો. એની ડફોળાઈ નીકળી ગયા પછી મારે બીજું કરવાનું હોય કે ના હોય ? અને તું કહે કે 'મને બીજું બોલો.' તો કંઈ હું નવરો છું ?! એ તો તારી પુણ્યૈ હતી, તેથી નીકળી ગયો એ શબ્દ. નહીં તો નીકળે નહીં.' અમારે મોઢે ખરાબ શબ્દ હોય કેમ કરીને ? અમારી લેંગ્વેજમાં કોઈને ખરાબ શબ્દ એવો ભારે ના હોય. 'મૂંઆ' શબ્દનું અજાયબ રહસ્ય ! અહીં તો બધી બોધકળાઓ મળે ને ! આ બધા ભેગા થાય તો નીકળે. નહીં તો નીકળે નહીં. હું કહું જ છું ને કે સામી વ્યક્તિ પ્રમાણે માલ નીકળે છે આ અને તે હું નથી બોલતો આ. 'મૂંઆ જેને કહે, એ તો અજર-અમર તપે.' અમે પુસ્તકમાં મૂંઆ કહ્યું છે, તે બધા અજર-અમર તપવાના છે. મૂંઆ એ તો આશીર્વાદ છે. મારવાના હેતુ માટે મૂંઆ નથી કહેતો. મા હઉ છોકરાને કહેશે, 'મૂંઆ ક્યાં ગયો હતો ?' એટલે મૂંઆ એ તો મોટામાં મોટો આશીર્વાદ છે. પણ જગત ક્યારે સમજે તે ? અમે એક વાર તો મૂંઆ બોલીએ જ નહીં, પણ 'મૂંઆ, પાંસરો મરને !' એવું કહીએ એ અજર-અમર રહે. 'ગાળ્યું જેણે ખાધી, એનાં પૂરવનાં પાપોને વીંધે.' પછી ગાળો જેણે ખાધી ને, એનું પાપ બધું ધોવાઈ જાય. આ સાધુઓની બહુ મોટી પુણ્યૈ જાગી છે. અમારે કોઈ દહાડો ઈચ્છા જ ના હોય. કિંચિત્ માત્ર કોઈનો અવર્ણવાદ બોલવાનો અમારો શબ્દ ના હોય. અમને રાગ-દ્વેષ છે જ નહીં. પણ અવર્ણવાદે ય ના હોય. કો'ક બહારના માણસને તો આ અવર્ણવાદ લાગે. ભક્તોને ના લાગે. 'એના ઝેરમાં અમૃતની સરવાણી.' એવું લખ્યું છે. આ દાદા કો'કની ઉપર જરા કડક થયા ને તો અમૃતની સરવાણી વરસશે, એવું કહેવા માગે છે. અહો, કારુણ્યતા 'જ્ઞાની' તણી ! આ 'દાદા' બેઠા બેઠા નિરાંતે લોકોને પાંસરા કરે, ધો ધો કર્યા કરે. પણ તો ય બધાને ક્યાં ધોવા જઉં ? મારું મગજ જ ના રહે પછી. આ તો કંઈ ઓછું કામ હશે, સવારથી સાંજ સુધીમાં ? કેટલી 'ફાઈલો' આવતી હશે ? કેટલાંક કહે, 'મારા ધણીએ મને આવું કર્યું !' હવે આ નિશાળેય અમારે શીખવવાની ? પ્રશ્નકર્તા : આ દુનિયામાં એવી કોઈ જાતનો કેસ નહીં હોય કે એ તમારી પાસે નહીં આવ્યો હોય, બધી જાતના કેસ આવ્યા છે. દાદાશ્રી : શું કરે તે પછી ? એક-બે જણને 'મેં' ના પાડેલી ત્યારે 'મહીં'થી બોલ્યા, 'તે કયા દવાખાનામાં જશે આ બિચારો ? અહીંથી જ તમે કાઢી મૂકશો તો એ કયા દવાખાનામાં દાખલ થશે ? બહાર કોઈ દવાખાનામાં ફીટ છે જ નહીં.' એટલે પછી મેં ચાલુ કર્યું પાછું ! મનમાં તો એમ થાય કે આ શી ઝંઝટ ? એટલે એને ખસેડી મૂકવાનું મન થાય. પણ પાછું મહીંથી આવે કે 'પણ એ જશે ક્યાં બિચારો ? બીજા કયા દવાખાનામાં જશે ? ભલે ગાંડો-ઘેલો હશે, બોલતાં જ આવડે નહીં, વિવેકેય નહીં, કશું જ નહીં, ભલે એવો હશે તો ય ચાલવા દો !' પ્રશ્નકર્તા : આ પેલું કહે છે કે 'જતા રહે તો સારું' એ કયો ભાગ બોલે છે ? ને પેલું કહે છે કે 'આ બિચારાં ક્યાં જશે ?' એ કયો ભાગ બોલે છે ? દાદાશ્રી : એ ભાગ પરમાત્મ ભાગ છે !!! 'ક્યાં જશે એ ?' પરમાત્મ ભાગ બોલે છે ! 'ભલે ગાંડો-ઘેલો છે, આપણી જોડે અવિનયમાં બોલે છે, પણ તે હવે ક્યાં જશે ?!' એ પરમાત્મ ભાગ બોલે છે ને ! એવું બીજું કોઈ દવાખાનું નથી કે સંઘરે આવો માલ. સારાને જ નથી સંઘરતા તો પછી ! અને સંઘરીને ય એની પાસે દવાઓ નથી. એની પાસે ખાંડેલા ચૂર્ણ છે. તે અહીં ખાંડેલા ચૂર્ણ ના ચાલે. અહીં તો લહી જોઈએ, તે આમ ચોંટી જાય, ચોપડતાંની સાથે જ !! બાકી આ કાદવમાં, પાછો ગંધાતા કાદવમાં કોણ હાથ ઘાલે ? પણ એ એક જીવ તરે ને, તો બીજા કેટલાય જીવો બધાનું રાગે પડી જાય, બિચારાં ! અને એનું કલ્યાણ થાય એવાં ભાવ હોય, તે કલ્યાણ કરવા માટે જ અમે વઢીએ. નહીં તો આવું કોણ વઢે ? મગજ કોણ ખરાબ કરે ? આ તો સામાના કલ્યાણ માટે વઢવાનું. નહીં તો બાપ તો બાપ થવા સારુ વઢે. સામાના હિત કરતાં બાપ થવાની બહુ ભીખ હોય. બૈરીને ધણી ટૈડકાવતો હોય તો તે ધણીપણા માટે કરે ! અને 'જ્ઞાની પુરુષ' સામાના કલ્યાણ માટે વઢે. કારણ કે જગત આખું શક્કરીયાં ભરહાડમાં મૂકે તેમ બફાઈ રહ્યું છે. ફોરેનવાળાઓ હઉ બફાઈ રહ્યા છે ને અહીંવાળા ય બફાઈ રહ્યા છે. 'શક્કરીયાં બફાઈ રહ્યા છે' એવું એક જણને કહ્યું ત્યારે એ કહે છે, 'દાદા, શક્કરીયાં બફાઈ રહ્યા છે કહો છો, પણ હવે તો સળગવા હઉ માંડ્યા છે. જે પાણી હતું, તે ખલાસ થઈ ગયું ને શક્કરીયાં સળગવા માંડ્યાં છે.' એટલે આ દશા છે ! આપણા સત્સંગનો હેતુ શો છે ? જગત કલ્યાણ કરવાનો હેતુ છે. એ ભાવના કંઈ નકામી જતી નથી. આપણે શું કહીએ છીએ કે સર્વ દુઃખોના ક્ષય કરો. આ દુઃખો અમારાથી જોવાતાં નથી. છતાં અમને 'ઇમોશનલ'પણું થતું નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે એનો અને એ જ કારુણ્યતા છે અમારી ! 'વીતરાગ', છતાંય 'ખટપટ' ! પ્રશ્નકર્તા : તે દાદા, એ આંખની અંદર નિષ્કારણ કરુણા હોય ? દાદાશ્રી : હા, એ જ. બીજું શું ? આ તો નિષ્કારણ કરુણા ! એના આત્મા ઉપર જ અમારી દ્રષ્ટિ હોય, એના પુદ્ગલ ઉપર દ્રષ્ટિ ના હોય. છતાં ય વ્યવહાર અમે સાચવીએ પાછાં કે આ સત્સંગને હિતકારી માણસ છે, એટલે 'આવો, પધારો' એમ કહ્યા કરીએ. બીજા લોકોનું હિત કરે એવાં માણસ હોય એને અમે બોલાવીએ. એ વ્યવહાર સાચવવો પડે, એ વ્યવહાર સાચવીએ અમે. અને પેલા તીર્થંકર ભગવાન છે તે એવું ના સાચવે. એમને ખટપટ નહીં ને ! અને આ તો ખટપટ અમારી !! પ્રશ્નકર્તા : એ ખટપટનો વિભાગ આપનો રહ્યો છે, માટે તો અમે બધાં આમ આપની પાસે આવી શકીએ છીએ. દાદાશ્રી : હા, તે જ. એને લઈને તો હું અટક્યો છું, એ આ લોકોનું મારાં જેવું કેમ કલ્યાણ થાય, એટલું જ, એને માટે ખટપટ ! ખટપટે ય એને માટે ને ! આ બધો વેપાર જ એનો ને ! અને લોકોનું પણ કલ્યાણ થઈ જાયને ! લોકોને વીતરાગતા જોવાની મળે અહીં આગળ. જગમાં અપૂર્વ પબ્લિક ટ્રસ્ટ ! એટલે આ દેખાય છે એ 'દાદા ભગવાન' નથી. 'દાદા ભગવાન' આંખે ના દેખાય, એ નિરંજન-નિરાકાર હોય આ તો 'એ. એમ. પટેલ' છે ને આ મંદિર દેખાય છે તે પબ્લિક ટ્રસ્ટ છે. વર્લ્ડમાં કોઈ દહાડો પબ્લિક ટ્રસ્ટ હોતું જ નથી. આ પબ્લિક ટ્રસ્ટ છે, તે પહેલી વખત છે, ફર્સ્ટ ટાઈમ ! જ્યાં અમારી કોઈ જાતની માલિકી નથી, ત્યાં આગળ બધું કામ થાય. અમારે આ દેહ ઉપર પ્રીતિ કેટલી ? આ દેહે મોક્ષ તો મળ્યો, પોતાનું કલ્યાણ તો થઈ ગયું, હવે લોકોના કલ્યાણ માટે આ દેહ ખર્ચાય એટલા પૂરતું જ એનું જતન, એટલા પૂરતી જ એની પ્રીતિ ! બાકી એને પણ અમે તો એક પાડોશીની જેમ નીભાવીએ છીએ ! દશા માલિકીભાવ વિનાની ! પ્રશ્નકર્તા : દેહનો માલિકીભાવ ના હોય તો અવલંબન લીધું ના કહેવાયને ? દાદાશ્રી : અવલંબન બધું વ્યવહારથી જ છે ને ! નિશ્ચયમાં તો કશું હોતું જ નથીને ! આપણે છીએ વ્યવહારમાં જ. તે નિશ્ચયની તો પ્રતીતિ બેઠી છે, પણ છીએ વ્યવહારમાં જ ને ? ખઈએ છીએ, પીએ છીએ, આપણે આ છીએ નક્કી થઈ ગયું. પણ હવે કંઈ એકદમ કબજો સોંપી દેવાય ? કબજો સોંપાય ત્યારે કશું રહ્યું નહીં. પછી આપણે નિરાલંબ થઈ ગયા. પ્રશ્નકર્તા : એ તો ઠેઠ સિધ્ધક્ષેત્રે જાય ત્યારે સંપૂર્ણ નિરાલંબ થયો. દાદાશ્રી : જ્યાં સુધી કબજો ના સોંપો ત્યાં સુધી શી રીતે જવાય ? મહાવીર ભગવાનેય કબજો સોંપ્યો ત્યારે ગયા. બોત્તેર વર્ષ ભાડાની જગ્યા લીધી'તી, ભાડું ચૂકવી દીધું, આપી દીધી જગ્યા ખાલી કરીને. પ્રશ્નકર્તા : એટલે મહાવીર ભગવાન બોત્તેર વર્ષ સુધી ભાડાની જગ્યામાં રહ્યા. પણ એ સોંપાવા સુધી શું મહીં કરતા હતા ? દાદાશ્રી : ધીમે ધીમે માલિકીભાવ ઉઠાવતા જાય. બધો ઉઠાવી રહ્યા એટલે પછી કબજો સોંપી દીધો હડહડાટ ભઈ. જેનો ઉઠાઈ રહ્યો એટલે એ પોતે ચાલ્યા આમ. આ આમ કબજો સોંપી દીધો. કબજો સોંપાય એટલે લોક લઈને બાળી મૂકે. માલિકી વગરનો હોય તે કચરો, પછી આપણે બાળવાનું નહીં. એની મેળે લોક બાળી મેલે, નહીં ? પ્રશ્નકર્તા : રહેનાર બાળે નહીં ? દાદાશ્રી : રહેનાર શી રીતે બાળે ? રહેનાર તો રોફથી ગયા, ચાર નાળીયેર સાથે, પાણીવાળા હોય કે પાણી વગરના હોય ! તેં કેટલા વર્ષ ભાડે લીધી ? સોએક વર્ષ કંઈ જીવજેને, તો લોકોનું કલ્યાણ થાય ! ખરું કે ખોટું ? આની હઉ ઇચ્છા છે ને આ લોકોનું, જગતનું કલ્યાણ કરવું. એની ભાવના આમ ફરે એટલે તો કામ કાઢી નાખે. પ્યૉરિટી જ આકર્ષે સહુને ! લોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખ્ખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ? પ્યૉરિટી એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યૉરિટી !! પ્યૉર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇમ્પ્યૉર વસ્તુ જગતને ફ્રેક્ચર કરે. એટલે પ્યૉરિટી લાવવાની ! પછી કામ કુદરતના તાબે ! જગતનું કલ્યાણ કોણ કરી શકે ? પોતાનું જે કલ્યાણ કરે, તે બીજાનું કરે. જગત કલ્યાણના 'અમે' નિમિત્ત છીએ, કર્તા નથી. આપણે જગત કલ્યાણની ભાવના ભાવીએ છીએ, તે એક દહાડો રૂપકમાં આવશે. જે જે ભાવો થાય છે તે રૂપકમાં આવ્યા વગર રહે નહીં. ક્રિયા કરવાની જરૂર નથી, રૂપક એની મેળે આવે છે. માટે ભાવના ભાવો. જગત કલ્યાણની તો આપણે ખાલી ભાવના જ કરવાની છે. પછી કાર્ય તો કુદરત કરશે. જ્ઞાનીનું નિયાણું, જગત કલ્યાણનું ! ભાવનાથી પણ કલ્યાણ થાય તેવું છે. ભાવના કોણ કરી શકે ? મહાપુણ્યશાળી હોય કે જેને જગતમાં કશાયની ભીખ કે લાલચ રહી નથી તે. સ્વચ્છ આંખો ના થાય ત્યાં સુધી સામાનું કલ્યાણ ના થાય. તેથી જ તો 'હું' બધાંને દર્શન કરાવું છું. સ્વચ્છ આંખો એ જ કારુણ્યતા, બીજો કોઈ ભાવ નહીં. ભગવાનની ભાષામાં આબરૂદાર કોણ ? આંખ માત્રથી 'વિશ્વ કલ્યાણ' કરે તે ! જગત કલ્યાણનું જેનું 'નિયાણું' ના હોય, તે 'જ્ઞાની' ન હોય. જેને બીજું 'નિયાણું' હોય, તે 'જ્ઞાની' જ્ઞાની જ નથી. 'અમારી' એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી, પણ આ 'વિજ્ઞાન' ફેલાવવું જોઈએ. 'વિજ્ઞાન'નો લોકોને લાભ થવો જોઈએ. કલ્યાણની ભાવનામાં સ્વ કલ્યાણ ! આ અજાયબી છે : સંસારમાં મોક્ષ દેખાવો તે અજાયબી છે. અને આ અક્રમ માર્ગ દસ લાખ વર્ષે થયો છે ! અજાયબ માર્ગ છે ! ધીટ્ આશ્ચર્ય છે ! આખા 'વર્લ્ડ'ના કલ્યાણ માટેનો આ માર્ગ છે. આખું વર્લ્ડ બળી રહ્યું છે 'પેટ્રોલ'ની અગ્નિથી, તે હવે તો સળગી ગયું છે ! એને માટે હું નિમિત્ત છું, છતાં ગુપ્ત રાખ્યું છે. અમે પલંગમાં સૂતા સૂતા બધું કરીએ. મજૂરો મહેનત કરે ને 'જ્ઞાની'ઓ ઘેર બેઠાં કરે ! આપણું કલ્યાણ થઈ ગયું, હવે બીજાનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. એ જ આપણને સંપૂર્ણ-પૂર્ણ દશા ઉત્પન્ન કરાવશે. 'બધાનું કલ્યાણ થાઓ' એ ભાવના, પહેલાં પોતાનું જ કલ્યાણ કરે ! મન પરોવ્યું જગત કલ્યાણમાં ! સત્સંગમાં મનને ખોરાક આપણે ના આપીએ એટલે એ આપણને ખાઈ જાય. એને ખોરાક નાખવો જ પડે. પેલામાં વ્યવહારમાં તો આપણને ખોરાક મળ્યા જ કરે એમ ને એમ. પેલો કશું બોલે તે પહેલાં આપણે આપી દઈએ. એટલે એવું મનને ખોરાક મળ્યા કરે. આ સત્સંગમાં કયો ખોરાક મળે ? આમાં હોય નહીં. આમાં આપી દેવાનું નહીં ને ! મન જોડે થોડું ઘણું બોલે એટલે મનને પેલું બીજું કાર્ય બંધ થઈ જાય. એટલે આત્મા સ્થિર થાય. પછી જો વાંચવું હોય તો વાંચે ય ખરો. એ વાંચે તો આત્માનો ઉપયોગ કર્યો કહેવાય. નહીં તો સ્થિર થાય, એટલે એ ય આત્માનો ઉપયોગ કહેવાય. એટલે આખો દહાડો પછી અંદર બોલાય બોલાય કરવું ને મનને કામમાં, કામ જ સોંપ સોંપ કરવું. બીજો ખોરાક જમવા ન જાય એ વીતરાગ થયો. બીજો ખોરાક જમતો હોય તો આપણે કામ સોંપીએ ને, એટલે બેનો વિરોધાભાસ થાય. એટલે આ બધું ઊડી જાય. વાણી બોલે જુદી અને મન વિચારે જુદું, વાણીના બોલવામાં પેલું મન વિચાર ને બધું ઊડી જાય. ફરી આવો તાલ મળવાનો નથી કોઈ અવતારમાં. પ્રશ્નકર્તા : મનને તો આ સત્સંગનો જ ખોરાક જોઈએ છે. દાદાશ્રી : હા, એ તો એવું છે ને, કે મનનો સ્વભાવ એવો છે કે આ પકડે નહીં અને પકડ્યા પછી છોડે નહીં આ. આ જે પકડાઈ ગયું આમ અટાવી- પટાવીને બધું ચોગરદમથી પકડાવી દીધું, પછી એ છોડે નહીં એ સારો સ્વભાવ કહેવાય ને ! પ્રશ્નકર્તા : પછી સત્સંગ ના મળે તો મન કંટાળે. દાદાશ્રી : હા. એટલે આ પહેલું મન પકડે નહીં. કારણ કે મન આ પકડે તો મનનું મરણ થાય છે. એટલે પોતાના મરણને કોઈ ઈચ્છે નહીં. પણ આપણે આડાઅવળી સમજાવીને એને પીવડાવી દઈએ, પછી છે તે આમ થઈ જાય પછી. પછી એને છોડે નહીં. છોડે નહીં એટલે જાણવું કે કરેક્ટ થઈ ગયું. પ્રશ્નકર્તા : તો ય મનનો સ્વભાવ પાછો પેલો સ્વભાવ, પાછલો સ્વભાવ બતાડે. દાદાશ્રી : એ તો બતાવે ને ! આ તો બધા અંતરમુખી થઈ ગયા. અંદર ક્યા હો રહા હૈ એ તે બધું દેખાય. પ્રશ્નકર્તા : જગત કલ્યાણની વાત કરી, મનને કહીએ કે જગત કલ્યાણ કરવાનું છે, તો એમાં એને ઉતાવળ તો આવે ને ? દાદાશ્રી : એમાં ખરી મઝા આવશે. એનાં ખૂણા બહુ મોટા છે. આખું એનું સર્કલ બહુ મોટું છે, અમે એમાં જ મૂકેલું છે અમારા મનને. તે રાત-દહાડો ખૂણા ખોળ્યા જ કરે એની મેળે. એ ફલાણા ભાઈને જ્ઞાન આપીએ, ફલાણા ભાઈને આમ કરીએ, ખોળીને આવે એની મેળે. અને આપણું કામ તો થયા જ કરે. એ સ્ટેડી (સ્થિર) રહે અને આપણને હેરાન ના કરે. એ જીવતું રહે. એ આનંદમાં રહે ને આપણને આનંદમાં રાખે. એવી ભાવના હવે ભાવવી જોઈએ. એને માટે મનને શું ખોરાક આપવો જોઈએ કે જગતનું કલ્યાણ હો તે એ કલ્યાણમાં નિમિત્ત થઉં એટલે મનને કામ આપશોને, એટલે મન એવું કામ કર્યા કરશે. એક કામ આપી દેવાનું અને જગત કલ્યાણ એ જ આપણું કામ. પોતાનું કલ્યાણ એટલે શું કે જગતનું કલ્યાણ એ જ પોતાનું કલ્યાણ. માટે કામ આપી દો ને ! તો એને માટે આમ કરશે, તેમ કરશે. કોઈ જતાં હોય તો કહેશે, હેંડોને દાદાને ત્યાં. પછી મને ય એવું કામ કરશે. પ્રશ્નકર્તા : મનમાં થયા કરે કે હવે જલદી આ પૂરું થઈ જાય. દાદાશ્રી : મનનો સ્વભાવ તો જેમાં મૂકો તેમાં ઉતાવળ કરે. હમણાં ગાડીમાં જવાનું હોય તો ત્યાં ઉતાવળ કરે. ઊતરવાનું હોય ત્યાં ઉતાવળ કરે. જ્યાં મૂકો ત્યાં મનનો સ્વભાવ જ ઉતાવળીયો. ઝટ કરો, ઝટ કરો, કહેશે. ઝટ કરીને તો દશા થઈ મારી, કહીએ ! પણ મનનો સ્વભાવ જ છે એ. હવે એ શાથી મન કૂદાકૂદ કરે છે. મનને કોઈ કામ આપ્યું નથી. મનને કામ આપવું જોઈએ. મન નવરું પડે ને તો ઝટ કરો, ઝટ કરો, કહેશે. ત્યાં ઝટ કરો ? ત્યારે કહીએ, મોક્ષમાં. ત્યારે મૂઆ, અત્યાર સુધી આ બાજુ ઝટ કરો, ઝટ કરો કહેતું હતું ને ?! એટલે મન વિરોધાભાસી છે. એમાં એક પ્રકારનું નથી. અને જે બાજુ મોઢું ફેરવી આપોને તો એ બાજુ ચાલવા જ માંડે. તમને ફેરવી આપતાં આવડવું જોઈએ. એને મારી-ઠોકીને કહીએ, તું ફર, તું ફર. ત્યારે એ નહીં ફરે. તમે એને ફેરવી આપો ને ! મનનો સ્વભાવ છે એવો ! મનનો સ્વભાવ એવો છે, એને ઓળખીને કામ લેવું પડે. એના સામા થવામાં ફાયદો નહીં. જગત કલ્યાણમાં મન પરોવી દઈએ તો મન ઠેકાણે રહે ! ચિત્તને ઠેકાણે રાખવા 'જ્ઞાની પુરુષ'ની 'કૃપા' પ્રાપ્ત કરવી પડે ! જગત કલ્યાણ કરનારને ઘેર તો કોઈ દિવસ દુઃખ હોય જ નહીં. પૂર્ણાહૂતિની પારાશીશી ! પ્રશ્નકર્તા : જ્યારે હું નિજભાવમાં રહેતો હોઉં, પછી છેલ્લે મને જે ખોટ પૂરી થવાની હોય ત્યારે મને શું એવો ભાસ થાય કે હવે કંઈક પૂરું થયું છે મારું ? દાદાશ્રી : એ તો તમને આ સંસારી દુઃખો કે બોજો ઓછો થતો જાય અને તમે મુક્ત છો એ ભાન વધારે થતું જાય. તમે મુક્ત સુખ ભોગવી રહ્યા છો એ ભાન વધારે પ્રગટ થાય. હું કહું છુંને કે મારે ભઈ, સત્યાવીસ વર્ષથી તો હું મુક્ત જ છું અને વિધાઉટ ટેન્શન. એટલે ટેન્શન થતું'તું 'એ. એમ. પટેલ'ને. કંઈ મને ન'તું થતું. પણ 'એ. એમ. પટેલ'ને ય ટેન્શન થાય છે, ત્યાં સુધી આપણે બોજો જ છે ને ! એ પૂરું થાય ત્યારે આપણે જાણવું કે આપણે છૂટ્યા અને તોય દેહ છે ત્યાં સુધી બંધન. અને તે તો અમને વાંધો નથી હવે. બે અવતાર થાય તોય વાંધો નથી. અમારો તો હેતુ શું છે કે, 'આ જે સુખને હું પામ્યો છું એ સુખને આખું જગત પામો' અને તમારે શેમાં ઉતાવળ છે એ કહો. તમને ત્યાં પહોંચવાની ઉતાવળ છે ? અમે છેલ્લે જઈશું ! પ્રશ્નકર્તા : તમે કહ્યું કે મને મોક્ષની ઉતાવળ નથી, તો આવું કેમ ? દાદાશ્રી : મારે શી ઉતાવળ ? મને મોક્ષ થયેલો જ લાગે છે પછી. મોક્ષ માટે કોને ઉતાવળ હોય કે આ દુઃખોથી જલદી છૂટવું હોયને, તે ઉતાવળ કરે. મારે તો મોક્ષ થયેલો જ છે. હવે મારી ઇચ્છા છે કે લોકોનું કલ્યાણ થાવ. એ પછી નિરાંતે જઈશું. પ્રશ્નકર્તા : અમને મોકલીને ! દાદાશ્રી : હા, બધા જાય તો સારું, એવી મારી ઇચ્છા ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર અને મોક્ષ, હવે આપે એમ કહ્યું કે મોક્ષમાં તમને પહેલા મોકલીશું. અમે પછી જઈશું. દાદાશ્રી : હા, પછી આવીશું. પ્રશ્નકર્તા : એ લઘુતમ ભાવ છે આપનો ? દાદાશ્રી : ના, લઘુતમ ભાવ નથી. અમારું કામ બાકી છે વધારે. પ્રશ્નકર્તા : કેટલા વખત કરશો એ કામ ? દાદાશ્રી : ના, એ વાંધો નથી. મારે જે રીતે જવાનું છેને, એ સ્ટેશનને આવતાં વાર લાગે એવું છે. પ્રશ્નકર્તા : એટલે અમને વહેલા મોકલશો ? દાદાશ્રી : આમાં કેટલાંક છે તે રહેશે, મારી જોડે આવશે. એવું કંઈ ખોળવા જેવું નહીં, એની મેળે શું બને છે એ જોયા કરો ! જગત કલ્યાણ માટે આ અવતાર ! આ શક્કરિયું ભરહાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી. તેમ આ આખું જગત બફાઈ રહ્યું છે. અરે, પેટ્રોલના અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે ! માટે આ લોકોનું કલ્યાણ કેમ થાય એ જ અમારે જોવાનું. અને એટલા જ માટે આ અમારો અવતાર થયો છે. આ અડધા જગતનું કલ્યાણ અમારા હાથે થશે અને બાકી અડધા જગતનું કલ્યાણ આ અમારા ફોલોઅર્સને હાથે થશે. અમે તેના કર્તા નથી, નિમિત્ત છીએ. પછી જ્ઞાનીઓની લીંક ચાલુ રહેશે ! અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું, અમારા વારસદાર મૂકતા જઈશું અને ત્યાર પછી જ્ઞાનીઓની લીંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિને ખોળજો. એના વગર ઉકેલ આવે તેમ નથી. 'અમારા જેવું સુખ તમે ય પામો !' હવે, આ બધું બોલવામાં મને શું ફાયદો હશે ? મારે તમારી પાસે કશું લેવાનું છે ? તમારી પાસે મને માન જોઈએ છે કે તમે મને પગે લાગો એના માટે છે આ ? આની પાછળ મારો શું હેતુ હશે ? આમાં હેતુ આટલો જ છે કે હું જે સુખને પામ્યો એ સુખને તમે પામો. મારી પાસે છે ને તમે પામો, એ હેતુ છે. બીજો કોઈ હેતુ નથી. બાકી, મોક્ષનું દાન આપવા આવેલો છું. એટલે મને તો હું જે સુખ પામ્યો એ સુખ તમે પામો એવી ઈચ્છા માટે મારો પ્રયત્ન છે. મારે કશું જોઈતું નથી. અમને કોઈ પણ પ્રકારની ઈચ્છા જ ના હોય. અમે નિરીચ્છક કહેવાઈએ. આ 'વિજ્ઞાન' દબાઈ જવાનું નથી ! પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના આપની કૃપા થકી અમને બધાને થઈ છે. તો જગત આ જ્ઞાનરૂપી સમુદ્રને જાણે કે પછી સમજાશે પણ એ જાણે એવું ય કેવી રીતે કરાય ? દાદાશ્રી : તમારે તો આ મહીં ભાવના જ રાખવાની કે જગત કલ્યાણને પામો. એ ભાવના સાચા દિલની છે ! જગત તો પામવાનું જ છે, એમાં બે મત જ નથી. કુદરત જ હેલ્પ કરશે આમાં. બીજું કોઈ હેલ્પ નહીં કરી શકે. તે એવી હેલ્પ કરશે ખરેખરી ! જગત પામવાનું છે એ નક્કી ! આ એમ ને એમ જવાનું નથી. આવું 'વિજ્ઞાન' જે પ્રગટ થયું છે એ એમ ને એમ દબાઈ જવાનું નથી આ. વૈજ્ઞાનિક ઢબ, તીર્થંકરોની ! તીર્થંકરો એટલે બહુ જ વૈજ્ઞાનિક રીતે એમની ઢબ છે. મારી આટલી વૈજ્ઞાનિક છે, તો એમની કેટલી ઢબ હશે, કેવી સરસ ઢબ હશે ? નાપાસ થયેલાની જો આટલી બધી વૈજ્ઞાનિક છે, તો પાસ થયેલાની કેવી વૈજ્ઞાનિક હોય ? તમને કેમ લાગે છે ? એક કલાકમાં તો મારી પાસે આટલો બધો ફેરફાર થઈ જાય છે માણસમાં, તો એ તો કેવા ડાહ્યા હશે !? અને આ એમની જ વાત છે. મારો આમાં કોઈ જાતનો માલ છે નહીં. આ તો ટેપરેકર્ડ વાગ્યા કરે છે ને હું સાંભળ્યા કરું છું. દીપશે શાસન, ભગવાન મહાવીરનું ! આ બધું તો હજુ અઢાર હજાર વર્ષ સુધી રહેશે. પછી તો પુસ્તક રહેવાનું નથી, દેરાં નથી રહેવાનાં. કશું ધર્મનો છાંટો રહેવાનો નથી. ત્યાં સુધી કંઈક સાધન તો જોઈશે ને ? ત્યાં સુધી ધર્મ ચાલુ છે. વીતરાગનું શાસન ! શાસન ભગવાન મહાવીરનું બહુ દીપશે, અત્યાર સુધી વગોવાઈ ગયું, હવે દીપશે. બહુ જબરજસ્ત દીપશે. અને બધા ય ધર્મો દીપવાના છે ! શાસન ભગવાન મહાવીરનું અને અમે તો એ શાસનના કળશ કહેવાઈએ. કળશ નથી ચડાવતા ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો દીપે ને આપણે જવાબદારી નહીં ! - જય સચ્ચિદાનંદ. |
|---|