| < એકાવતારી મોક્ષમાર્ગ, સિધ્ધાંતરૂપે ! સંપાદકીય આત્મદશાની અનુભવની શ્રેણીઓ ચઢતાં ચઢતાં પૂર્ણત્વ પામવા માટે જે પુરુષાર્થમાંથી જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી પસાર થયા છે. તે પોતાના અનુભવેલો માર્ગ આપણને બોધિ રહ્યાં છે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધનારાને મન હંમેશા મૂંઝવતું હોય છે. મોટા બ્રહ્મચારીને વિષયના વિચાર આવી જાય ત્યારે મૂંઝાઈ ઉઠે કે આમ કેમ ? પણ ત્યાં મનના સ્વભાવને ઓળખી લીધું હોય તો પછી ગમે તેવા વિરોધાભાસ વિચારો આવે તો ય પોતે ધ્યેય પ્રમાણે જઈ શકે. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી કેટલીય સિધ્ધાંતિક ચાવીઓ મળી જાય છે. મન વશ કરવાની ! મન-બુધ્ધિ-ચિત્ત-અહંકારની ઉપરનું આત્મજ્ઞાન જ પોતાને અંતઃકરણની મુક્ત રાખે છે. દાદાશ્રી કહે છે, અમારો કેટલાય અવતારનો સિધ્ધાંત ભેગો થયેલો છે, તે તમને આપીએ છીએ માટે એને સિધ્ધાંતપૂર્વક સમજો ! મન એ પૂર્વભવનાં અભિપ્રાયનું પરિણામ છે અને આજનું જ્ઞાન પોતાનું જુદું છે. એ પાયાની વાત સમજી લઈ આજના જ્ઞાનના અભિપ્રાય પ્રમાણે ચાલવાનું છે, મનનાં કહ્યાં પ્રમાણે નહીં. એ સૂક્ષ્મ વાત, ગેડ બેસી ગઈ તો કોઈ પણ પરિસ્થિતિમાં મન પોતાને મોક્ષમાર્ગમાંથી ચૂકાવી શકે નહીં. આખું જગત નિર્દોષ છે, આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આ સિધ્ધાંત પ્રમાણે વર્તીએ તો કોણ આપણને બાંધી શકે ? અને મન-બુધ્ધિ કોઈને દોષિત ઠરાવતા હોય તો ત્યાં ય દાદાશ્રી ગજબની છૂટવાની ચાવીઓ આપે છે! આ અક્રમ વિજ્ઞાન એકાવતારી મોક્ષપદનું વિજ્ઞાન છે. દાદા ભગવાનની પાંચ આજ્ઞાઓ અને આ બધી વિગતવાર સિધ્ધાંતિક સમજણો સત્સંગમાં રહીને સમજી લીધી હોય તો સંસારની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુઓ કે સંજોગો આપણી નિરાકુળતાને ડગાવી શકે નહીં. આમ અંદરનાં આનંદમાં રહીને બહારનાં સંયોગોના સમતાભાવે નિકાલ આવી જાય. પોતે આત્મરૂપે રહેવું અને આ મન-વચન-કાયારૂપી ચંદુભાઈ નિરંતર કેવી રીતે જુદાં જોયા કરવા, તેની જાગૃતિ પ્રત્યક્ષની કૃપાથી વર્તાયા કરે છે અને તે જ સંસારમાં વાઈફ-છોકરાંની જવાબદારી-ફરજોમાં રહીને પ્રત્યેકને મુક્તિનો અનુભવ કરાવે છે. પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીએ એકાવતારી મોક્ષમાર્ગ સિધ્ધાંતરૂપે આપ્યો છે, તે સિધ્ધાંતને આપણે વળગી રહીએ તો પૂર્ણતાની નજીક પહોંચાય ! દીપકના જય સચ્ચિદાનંદ એકાવતારી મોક્ષમાર્ગ, સિધ્ધાંતરૂપે ! પહેલું પીછાણ પોતાના મનને ! પ્રશ્નકર્તા : ભક્તિના પ્રવાહમાં મન અને બુધ્ધિને કોન્ટ્રાવર્સી (વિરોધાભાસ) થાય છે, તો એ બન્નેનું કોન્ટ્રાવર્સીમાં સમતુલન ક્યારે આવે ? દાદાશ્રી : એ બધાને જે હરકત કરતા હોય ને, તે હરકત કોણ કરે છે તે એનું મોઢું જોઈ લેવું જોઈએ, ઓળખવા જોઈએ. તમે તો મનને નામથી જ ઓળખો છો કે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પણ તમને હરકત કોણ કોણ કરે છે, મન કરે છે ? પ્રશ્નકર્તા : મન. દાદાશ્રી : પણ તે મનને ઓળખ્યું તમે ? એને ઓળખો તો ખરાં ! તમારા મનને ના ઓળખો તો બીજાનાં મનને તમે શી રીતે ઓળખશો ? તમને સમજવામાં આવે છે ને ? તમે જે મન જાણ્યું છે, એવું તો બધાં લોકો, નાના છોકરાંય કહે છે, મારું મન મહીં પજવે છે. એને તો તમારે ઓળખવું જોઈએ. ત્યારે કહે, એની ઉંમર કેટલી છે, એની જાતિ શું છે ? એને ઓળખીએ તો એ વશ થઈ જાય. તે પ્રયત્ન નથી કર્યો આને ઓળખવાનો ? આપણને હરકત કરનારને, આપણા પર દાવો માંડ્યો હોય, તેને આપણે ખોળી કાઢીએ કે ભઈ કોણ છે, એ માણસને ઓળખો તો ખરાં કહીએ. હું પોતે આવી રીતે મનને કહું છું તે જ તમને કહું છું કે ભઈ, આ પ્રમાણે 'નોટેડ' (નોંધ લીધી) કહેજો. તે પછી કશું નહીં. પછી બીજી સારી વાત કરશે. કારણ કે આ શરીરમાં એક જ ચીજ એવી છે કે સંપૂર્ણ વિરોધાભાસી છે. દરેક રીતે વિરોધાભાસી હોય તો મન છે અને એટલે જ મજા આવે છે. કારણ કે જો એક જ તરફી હોય ને, તો મજા ના આવે ને ! ઘડી પછી પાછું જુદી જ જાતનું કહેશે. અરે, એક પાંસઠ વર્ષનાં માણસને મન એનું શું કર્યા કરતું હતું ? 'પૈણ્યા હોય તો ?' તે પછી એણે મને કહ્યું. મેં કહ્યું, મૂઆ, કઈ જાતનું આ તારું મન છે ! વિરોધાભાસી !! આ તો અમે જે અમારી પ્રક્રિયા છે એ તમને કહી દઈએ કે અમે કેવી રીતે સ્વતંત્ર થયા છીએ. ભગવાનથી પણ સ્વતંત્ર થયા છીએ. પછી એ તમને કહી દઈએ. તમારી પ્રક્રિયામાં આવી જાય, પછી તમને વાંધો નહીં આવે. જોયેલો માર્ગ છે, અનુભવેલો માર્ગ છે, જાણેલો માર્ગ છે. તમે તમારી મેળે એડજસ્ટ કરો તો થઈ શકે એમ છે. ના થતું હોય તો મને કહો, અમુક જગ્યાએ મારે થતું નથી. તો હું તમને બતાવી શકું છું. બાકી મનને મારીને કોઈ મોક્ષે નહીં ગયેલો. મનનો સ્વભાવ વિરોધાભાસી ! પ્રશ્નકર્તા : મન સમજે છે કે આ બાજુ ફસામણ છે, પોસાતું નથી ને બીજી બાજુ સંસારી વિચારો આવ્યા કરે, તે શું છે ? દાદાશ્રી : એવું છે કે મન વિરોધાભાસી હોય. આપણી સમજણ પ્રમાણે મન કામ કર્યા કરે. આપણે જાણીએ કે અમદાવાદ 'નોર્થ'માં છે એટલે આપણે આપણી સ્ટીમર હાંકીએ, પણ પછી આપણી સમજણ ફરી ગઈ કે ભૂલથી બીજી બાજુ વાળીએ તો અમદાવાદ આવે કંઈ ? એટલે મન એ સ્ટીમર જેવું છે. આપણે જેવું વાળીએ એવું કામ આપે. એટલે મનને સમજણ બહુ સારી આપવી જોઈએ, આપણા જ્ઞાનથી. પછી મન 'ફર્સ્ટ કલાસ' ચાલે. મન આ વાત પકડે નહીં ને પકડ્યા પછી પાછું છોડે નહીં. પ્રશ્નકર્તા : તો દાદા, એને પકડવા માટે શું કરવાનું ? દાદાશ્રી : એ અમે કરી આપીએ. અમે જ્ઞાન આપીએ છીએ, તે જ દહાડે આત્મા જગાડીએ છીએ. તેથી મન આ બાજુ વળી જાય. પુરુષાર્થ છે યોજનામાં ! હવે કોઈ માણસ કહેતો હોય, 'ચોરી કરવી જ જોઈએ' ને એ ચોરી કરતો હોય, લાંચ લેતો હોય, લોકોની જોડે સારી સારી વાતોચીતો કરે અને કહે કે 'તને આમ કરી આપીશ, તેમ કરી આપીશ, તારું બધું કામ પૂરું કરી આપીશ.' એની પાસે હજાર રૂપિયા લાંચના લે છે, આ બધું કાર્ય જે કરે છે, એ પ્રતિષ્ઠિત આત્મા છે. આ યોજના હતી તે રૂપકમાં આવ્યું છે. એ જે વાત કરે છે તે ય રૂપક, પેલો ભેગો થયો તે ય રૂપક અને હજાર રૂપિયા લે છે તે ય રૂપક છે. લાંચ લે છે, લાંચ લેવાનાં ભાવ, એને એ 'ડિસાઈડેડ' છે અને તે પણ રાજીખુશીથી લે છે. પણ પછી મહીં મનમાં ભાવ થાય છે, હવે એણે 'જ્ઞાન' લીધેલું નથી, એમ ભાવ થાય છે કે 'આ બધી લાંચો લઈ અને ભોગવવાનું તો મારે જ છે ને ?' આ 'લાંચ લેવી ના જોઈએ.' એ આવતા ભવના પ્રતિષ્ઠિત આત્મામાં લાંચ નહિ લેવી જોઈએ, એવી ત્યાં આગળ યોજના ઘડાઈ ગઈ. તે આવતા ભવમાં ફરી લાંચ લેશે નહિ. આપને સમજાય છે આ રૂપરેખા ?! હવે, કેટલાંક માણસો લાંચ લેતા નથી. તે માણસને એને ઘેર એની વાઈફ કહે છે, 'આ તમારી જોડે બધા ભણતા હતા, તે બધાએ બંગલા બાંધ્યા. તમે એકલા જ ભાડાની રૂમમાં રહો છો.' એટલે પેલાને થયું કે 'આ તો મારી જ ભૂલ છે કે શું છે આ ?' એ પોતાનો સિધ્ધાંત ખરો માને છે, પોતાને શ્રધ્ધા છે કે મારો સિધ્ધાંત ખોટો નથી, આ સિધ્ધાંત સુખદાયી છે, એ બધું જ જાણે છે. જ્યારે એની સ્ત્રી એને આવું કહે છે, ત્યારે મનમાં એને એમ થાય કે 'લાંચ લેતો નથી એ મારી જ ભૂલ થાય છે.' ત્યારે કુબુધ્ધિ ફરી વળે કે 'ભઈ, આપણે એનું કામ કરી જ દેવાનું છે, તો એમાં લાંચ લેવામાં શું વાંધો છે ?' તે પછી એ ભાવ કરે છે કે લાંચ લેવી જ જોઈએ. એટલે પછી એ પેલા માણસને કહે છે કે, 'તારું કામ હું કરી આપીશ.' ત્યારે પેલો માણસ કહેશે, 'સાહેબ, હું પાંચસો રૂપિયા આપીશ.' પણ પછી જ્યારે પેલો આપવા આવે ત્યારે એનાથી લેવાય નહિ, મહીં ગભરામણ થઈ જાય, ઉપાધિ થઈ જાય છે. કારણ કે પૂર્વભવે પ્રતિષ્ઠા કરેલી કે 'લાંચ લેવી એ ખોટી છે, લાંચ ન જ લેવી જોઈએ.' તે લાંચ ન લેવા દે. પેલાને કહ્યું હોય, તું લાવજે. પણ એ હાથમાં લે તે ઘડીએ આમ ધ્રુજી જાય, સ્પર્શ ના થવા દે. એટલે એનાથી એક પૈસો લેવાય નહિ, પણ આવતે ભવે 'લાંચ લેવી છ ે' એવું એને પાછું નવું બીજ પડે છે. આ અવતારમાં કશું લીધું નહિ ને આવતાં ભવનાં બીજ નાખ્યાં ! આવડાં મોટા જગતમાં માણસ કઈ જાતનાં બીજ નહિ નાખતો હોય ? અને શું શું ફસાતા હશે, એ શી ખબર પડે ? તમને સમજ પડીને ? સિધ્ધાંત છે ને ? પધ્ધતિસર સિધ્ધાંતિક છે ને? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આપણે અહીં પાંચ વર્ષની યોજના ઘડે છે, તેમાં 'પહેલાં વર્ષમાં આ પ્રમાણે અમુક અમુક જગ્યાએ બંધ બાંધવા, અમુક જગ્યાએ આમ કરવું, અમુક જગ્યાએ આમ કરવું' એવું બધું નક્કી કરે છે. પછી એ બધું કાગળ ઉપર લખે છે અને ડ્રોઈંગ બધું જ કાગળ ઉપર તૈયાર થાય છે. એ જ્યારે સેંક્શન થાય ત્યાર પછી એ યોજના રૂપક માટે મૂકે, ત્યારે એ જન્મ થયો કહેવાય. ત્યારથી એ યોજનાને આકાર મળ્યા કરે. એવી રીતે આ યોજના પહેલી થાય છે. તે એક અવતારમાં યોજના થાય છે, બીજા અવતારમાં આકાર લેવાય છે અને આકાર લેતી વખતે ફરી મહીં નવી યોજના ઘડાતી જાય છે કે આ પ્રમાણે નાખવું જોઈએ, આવું હોવું જોઈએ, એમ ઘટમાળ ચાલ્યા કરે છે ! એટલે આ બહુ સિધ્ધાંતિક વસ્તુ છે. જ્ઞાનથી મન વશ ! અમે તો મન ઉપર સવારી કરી ત્યારે તો આ અવિરોધાભાસ જ્ઞાન ઉત્પન્ન થયું છે ! અલ્યા, મન એ તો સંસાર સમુદ્રનું નાવડું છે. તે આ લોકો મનને ફ્રેકચર કરી નિર્વિચાર ભૂમિકા કરી નાખે છે. પણ નિર્વિચાર પદ ક્યારેય પણ પ્રાપ્ત થાય તેમ નથી. નિર્વિચાર થયો એટલે પથરો જ થઈ ગયો કહેવાય. આ લોકો નિર્વિચાર પદ શેને કહે છે ? અમુક બાબતમાં - જે બાબતમાં મન બહુ કૂદાકૂદ કરે તે બાબતોને દાબી દે. ત્યારે મૂઆ, બીજી બાજુ કૂદાકૂદ કરવા મંડશે. નિર્વિચાર પદ તો કોને કહેવાય ? 'સમયે સમયે આવતા વિચારોને પોતે શુધ્ધાત્મ દશામાં રહીને સંપૂર્ણ જુદા રહીને જુએ અને જાણે તે જ ભગવાનની ભાષાનું નિર્વિચારી પદ છે.' મનને વશ કરવા મૂઆ લંગોટી એકલી લઈને બધું જ છોડીને, ઘર-બાર, બૈરી-છોકરાં, બધું ય છોડીને જતા રહ્યા. અહીં લોક દર્શન છોડીને જંગલમાં જંગલી જાનવરોના અને ઝાડવાંના દર્શન કરવા ગયા. પણ મૂઆ, પેલું મન તો જોડે લઈને ગયા તે બધું જ કરવાનું. ગાય-બકરી પાળશે, ગુલાબનો છોડ રોપશે, ઝૂંપડી બાંધશે. અલ્યા, મનનો સ્વભાવ જ એવો છે કે જ્યાં જાય ત્યાં સંસાર ઊભો કરે ! હિમાલયમાં જાય ત્યાં પણ સંસાર ઊભો કરે. હવે આવાં મનને તે શી રીતે તમે વશ કરશો ? મનને વશ કરવું એ તો મોટો વિરોધાભાસ છે. મનના સ્વભાવને વશ કરી શકાય એવું નથી. પણ યોગીઓ વિગેરે હોય છે તે પૂર્વેની એવી ગ્રંથિ લઈને આવેલા હોય છે તે તેમને અત્યારે એમ લાગે કે મન વશ થયેલું છે. પણ તેમને ય જ્યારે મન આડું થાય ત્યારે પોતાને ખબર પડે કે મન વશ નથી. યોગવાળાને જો સળી કરવામાં આવે ત્યારે એમને મન કેટલું વશ છે તે સમજાય. યોગ કરવાની તેમની ગાંઠ છે. એ તો પ્રાકૃત સ્વભાવથી યોગ થાય છે. ત્યારે એ એમ સમજે છે કે મેં યોગ કર્યો ! મેં મનને વશ કર્યું ! મન જ્ઞાનને વશ થાય છે એટલે કે જ્ઞાની 'સ્વરૂપ જ્ઞાનથી' ગ્રંથિઓ ઓગાળી નાખે છે અને નિર્ગ્રંથ પદને પમાડે છે. મનના કાર્યમાં ડખો ના હો ! વિચાર ઉપરથી મનનું સ્વરૂપ સમજી શકાય કે શેની ગાંઠ પડેલી છે. વિચાર આવે છે તેને વાંચી શકાય છે. ગમતા વિચાર આવે છે તેમાં રાગ કરે છે અને ના ગમતા વિચાર આવે છે તેમાં દ્વેષ કરે છે અને કહે છે કે અમે મનને વશ કરવા જઈએ છીએ. મન તો ક્યારેય પણ વશ થઈ શકે જ નહીં. એ તો મનને જ્ઞાનથી જ બાંધી શકાય, જેમ પાણી ભોટવાથી-કુંજાથી બંધાય છે તેમ. મનને વશ કરવું એ મોટામાં મોટો વિરોધાભાસ છે. પોતે ચેતન છે અને મન અચેતન છે, તે બન્નેનો ગુણાકાર શી રીતે થાય ? એ તો ચેતન ચેતનનું કાર્ય કરે ને મનને મનનું કાર્ય કરવા દે તો જ ઉકેલ આવે. હા, જાગૃતિ એટલી રાખવાની કે મનના કાર્યમાં ડખો નહીં કરવાનો, તન્મય નહીં થવાનું. બહિરાભાવના પરિણામ ! વિચારોનો સ્વભાવ કેવો છે ? ખાટકી વાડે જાય તેવા વિચાર આવે ! 'શેષા મે બાહિરાભાવા.' ત્યારે કહે, 'બાહિરા-ભાવા કેમ ઓળખાય ? બાહિરા ભાવ શું કર્યા છે તે ? ત્યારે કહે, 'સવ્વે સંજોગ લખ્ખણા.' સંજોગ લખ્ખણ ઉપરથી. ચોરી કરીએ તો આપણને ના સમજણ પડે કે કયો ભાવ કર્યો હતો ? આપણા પૈસા કોઈ ઘાલી જનાર ના મળ્યો, તો આપણે ના સમજીએ કે આ કયો ભાવ કર્યો હતો ? હા, કોઈના દબાવવાનો વિચાર કર્યો તે જ આપણને દબાવી જાય. આપણા એ વિચારનું પરિણામ છે આ. ક્રિયાનું પરિણામ નથી, વિચારનું પરિણામ છે. લોક તો શું સમજે ? મેં ઘાલ્યા હશે તો એ દબાવી જાય. ના, એવું નથી આ ! તેં ઘાલવાના વિચાર કર્યા, તેથી જ તારા ઘાલ્યા. માટે વિચારને જાણજે. આ બધું ભયંકર જોખમ છે. વિચાર શબ્દથી તો ભયંકર જોખમ છે. ક્યાં સુધી જોખમ છે ? જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી. જ્ઞાન મળ્યા પછી વિચાર હોય જ નહીં. વિચરે તો વિચાર. એટલે સંજોગ લખ્ખણ ઉપરથી ખોળી કાઢવાનું. એક દહાડો મનમાં વિચાર આવ્યો હોય કે અથડાઈ પડ્યા તો શું વાંધો છે ? એક જ દહાડો બોલ્યા હોય તો વિચાર એવા આવે. રોજ મનમાં ભાવ કર્યો હોય કે ક્યારેય અથડાવું નથી, અથડાવું નથી, વિચારેય ના આવે તો અથડાવાય નહીં. પણ એક જ દહાડો આવો વિચાર આવ્યો ને, તે અથડાયા વગર રહે નહીં. એટલે અવિરોધાભાસ જોઈએ. આ તો જગત બહુ સમજીને ચાલવા જેવું છે. જોખમવાળું, નર્યું જોખમ જ ભરેલું છે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે ત્રણેય કાળ પ્રુફ કરી શકે. સિધ્ધાંત છે, સિધ્ધ થઈ શકે એવું છે. આપણા સાયન્ટિસ્ટોએ પણ આને એક્સેપ્ટ કરવું જ પડે ! વિકટ સંયોગોની અસરો કોને ? પ્રશ્નકર્તા : અંતઃકરણના કયા ભાગને પહેલી 'ઇફેક્ટ' થાય છે ? દાદાશ્રી : પહેલી બુધ્ધિને 'ઇફેક્ટ' થાય છે. બુધ્ધિ જો હાજર ના હોય તો અસર ના થાય. પ્રશ્નકર્તા : ભારે વિકટ સંયોગોમાં અંતઃકરણથી આગળ કયા ભાગને 'ઇફેક્ટ' થાય છે ? દાદાશ્રી : એથી આગળ કોઈને અસર થતી નથી. પ્રશ્નકર્તા : 'પ્રતિષ્ઠિત આત્મા'ને થાય છે ? દાદાશ્રી : એ 'પ્રતિષ્ઠિત આત્મા' જ કહેવાય. અંતઃકરણમાં ક્રોધ-માન-માયા-લોભ, મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર તે બધાને 'પ્રતિષ્ઠિત આત્મા' જ કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી 'પ્રતિષ્ઠિત આત્મા' અને અંતઃકરણ, એ જુદું કેમ પાડ્યું ? દાદાશ્રી : જુદું નથી કહ્યું. 'શુધ્ધાત્મા' સિવાય આખો ય 'પ્રતિષ્ઠિત આત્મા.' પછી પૂછો એટલે અંતઃકરણ જુદું, ઈન્દ્રિયો જુદી, મન જુદું એમ જવાબ તો આપવો પડે ને ! પ્રશ્નકર્તા : બુધ્ધિને અસર થાય છે, તો મનને અસર નથી પહોંચતી ? દાદાશ્રી : બુધ્ધિમાંથી મનને પહોંચે. જો બુધ્ધિ વચ્ચે ના હોય તો કોઈ કશી અસર ના થાત. અમને બુધ્ધિ નહીં એટલે અમને કશી અસર ના થાય. અમને 'મથુરા'(?) મહીં જાતજાતના હોય, તે જાતજાતનું કહી જાય, પણ વચ્ચે બુધ્ધિ સ્વીકારનાર હોય તો ભાંજગડ થાયને ! બુધ્ધિ સ્વીકારે પછી મન પકડી લે ને મન કૂદાકૂદ કરી મૂકે ! પ્રશ્નકર્તા : બુધ્ધિએ ઝીલ્યું પછી વાગોળવાની ક્રિયા કોણ કરે છે ? દાદાશ્રી : બુધ્ધિ ઝીલે છે ને મનને પછી પહોંચે છે. હવે મન જ કૂદાકૂદ કરે છે, તે વાગોળવાનું કામ પણ મન જ કરે છે. મન વિરોધાભાસી છે. તે ઘડીમાં આમ લઈ જાય ને ઘડીકમાં પેલે ખૂણે લઈ જાય. હલાય હલાય કરીને તોફાન કરી મૂકે ! સિધ્ધાંતને નુકશાન નહીં ત્યાં નોબલ ! પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી એક બાજુ ભૂલ થઇ જાય છેે અને બીજી બાજુ મારે આમ નથી કરવું, આ ભૂલ થઈ મારી.' એ બે કોણ ? દાદાશ્રી : એમાં એક બાજુ મન કરે છે અને એક બાજુ પ્રજ્ઞા કરે છે. પ્રશ્નકર્તા : આ બે જ છે ? વચ્ચે અહંકાર કશું નથી ? દાદાશ્રી : બે જ છે, અહંકારનું ચલણ જ નથી. અહંકાર તો 'ગૉન' (ગયો). એ અહંકાર તો પછી મડદાલ રહ્યો એટલે આપણે જે સિધ્ધાંત નક્કી કરીએ તે પ્રમાણે એ કામ કર્યા કરે. અહંકારને કશું લેવાદેવા નહીં. એ ડિસ્ચાર્જ ને ! પ્રશ્નકર્તા : એક બાજુ મન છે ને એક બાજુ પ્રજ્ઞા છે, તો મનનું ચલણ કયા આધારે થઈ જાય છે ? દાદાશ્રી : અજાગૃતિને લીધે. અજાગૃતિ ને લાલચ. લાલચ તો આપણે કંઈ રહી ગયું હોય ને, કે આ ફલાણું શાક ભાવતું હોય એટલે આપણે મનનું કહ્યું એક્સેપ્ટ કરીએ. પ્રશ્નકર્તા : એ આપણે એટલે કોણ મહીં કરે છે ? દાદાશ્રી : એ તો મૂળ અહંકાર, બીજું કોણ ? આ હું ઘણી વખત કહું છું ને ! જુઓને, આ સરસ નાસ્તો છે, તો ય મઠિયાં ખાય છે. હું કહું ય ખરો કે ખાવ. પણ એ પાંચ ખાવાનું કહે ત્યારે બે ખાવા દઉં. પ્રશ્નકર્તા : એટલે મન બતાડે કે પાંચ ખાવા છે ત્યારે ? દાદાશ્રી : એ કહે, પાંચેક મઠિયાં ખાઈએ ત્યારે અમે કહીએ, ફરી હમણે નહીં મળે. આ દિવાળી પછી. એ હઉ કહું એટલું હું બે મઠિયાં રોજ ખાઈ જઉં છું. એટલે હું ખવડાવું ખરો, સારું કરીને ખાવ કહું. એ જુએ છે ને ગરમ નાસ્તો હોય તો ય. સિધ્ધાંત શું કહે છે ? ગરમ નાસ્તો ખાવ, ટાઢો ના લેશો. ને છતાંય બે મઠિયાં ખવડાવવા. પ્રશ્નકર્તા : એટલે પાર્શીયલ (અંશતઃ) સિધ્ધાંતનું રાખ્યું ને પાર્શીયલ મનનું રાખ્યું, ત્યારે એનું સમાધાન થયું ને ? દાદાશ્રી : ના. એવું નહીં. એ સિધ્ધાંતને નુકસાન ના કરતું હોય તે બાબતમાં એને જરા નોબીલિટી (વિશાળતા) જોઈએ છે. સિધ્ધાંતને નુકસાન ના કરતું હોય ત્યાં નોબલ રહેવું જોઈએ આપણે. તમને શું લાગે છે આમાં ? તમારો નિશ્ચય મનથી કરેલો કે સમજણપૂર્વકનો ? પ્રશ્નકર્તા : મનથી જ કરેલો. દાદાશ્રી : જ્ઞાન છે એટલે પહોંચી વળાય. નહિ તો હું તમને કહું જ નહીં ને ! કશુંય ના બોલું. જ્ઞાન ના હોય તો હું તમને આ સિધ્ધાંતની વાત કરુ જ નહીં. ના પહોંચી શકે માણસ. જ્ઞાન છે એટલે તમે પહોંચી શકો. પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો બીજા જોડે 'ડિલીંગ' કરતી વખતે મનના કહ્યા પ્રમાણે ચાલવાનું ને ? દાદાશ્રી : આ અમે વ્યવહારમાં નથી રહેતા ? પ્રશ્નકર્તા : એમાં તમને અંદર સિધ્ધાંત હોય ને ? દાદાશ્રી : પણ અમારો વ્યવહાર કંઈ નાનો છે ? મન બતાડે ત્યારે મઠિયાં ખવડાવું છું ને પણ ? અરે, કેટલાંક ફેરી ગોળી હઉ ખવડાવું. ન મનાય મનનું વ્યવહાર કે નિશ્ચયમાં ! પ્રશ્નકર્તા : વ્યવહારિક કામ માટે મન બતાડ બતાડ કરતું હોય તો મનનું માનવાનું ? દાદાશ્રી : મનનું કોઈ પણ સંજોગોમાં માનવું નહીં, વ્યવહાર હો કે નિશ્ચય હો. અમને ખાવાનું આ વધારે મૂક્યું તો અમે પેલું કાઢી નાખીએ. પેલું મૂકે તો બીજુંં કાઢી નાખીએ. પ્રશ્નકર્તા : આ મનનું બતાવેલું છે અથવા મનનું મનાઈ રહ્યું છે એ પોતાને ખબર પડે ? દાદાશ્રી : કો'કનું કહેલું ના ખબર પડે કે આ કો'ક મારા કાનમાં કહી રહ્યું છે ? એવું ના ખબર પડે ? આ વહુ કહી રહી છે કે 'તમારા બાનો સ્વભાવ તો ખરાબ છે' એવું આપણે બોલીએ કે વહુ બોલે ? પારકું બોલેલું ખબર ના પડે આપણને ? પ્રશ્નકર્તા : હવે પોતાનું બોલેલું શું હોય તો ? દાદાશ્રી : પોતાનું બોલેલું પોતાના હિતની જ વાત હોય, પોતાની આબરૂ જાય એવી ના હોય એ વાત. વહુ તો એવું જ કહે ને, 'તમારા બાનો સ્વભાવ ખરાબ છે !' આપણે એવું બોલીએ ? ત્યાંથી ના સમજીએ કે આ વહુ બોલી ? તું ના ઓળખી જઉં? પ્રશ્નકર્તા : દાખલો બહુ સહેલો છે પણ પોતાને મહીં ગૂંચાય ત્યારે પેલું જજમેન્ટ (નિર્ણય) આવવું જોઈએ ને ? દાદાશ્રી : તે ના આવે, બળ્યું ?! આપણા સિધ્ધાંતની વિરુધ્ધ આ કોણ બોલ્યું એ ના ખબર પડે ? 'આ મૂઓ કોણ છે' ? એવું મનને કહીએ તો પેલું ખસી જાય, આમ થોડીવાર ભડકાવીએ તો. 'અલ્યા, કોણ આવ્યો ? કંઈથી આવ્યો છે ?' કહીએ તે ભાગી જાય. આ તો બોલવામાં આટલો ફાયદો થાય. પ્રશ્નકર્તા : આ ફક્ત બોલે ને, જ્યારે મનની સાથે વાત કરવાનું શરૂ કરે ને ત્યાં જ એનો ફોર્સ ખલાસ થઈ જાય છે. દાદાશ્રી : હા. તો જ એનો ફોર્સ ખલાસ થઈ જાય, એનો જો સહેજે પ્રતિકાર કરવા માંડ્યો તો. એની વિરુધ્ધ નહીં થવું જોઈએ. એમને દબાવવાની વાત નહિ કરવી. એ તો સ્પ્રીંગ છે. દબાય દબાય કરીએ એનો અર્થ જ નહિ ને ! એને તો કહેવાનું કે, 'ભઈ, અમારો સિધ્ધાંત આ છે ને તું આ જે કહું છું એ અમારે એક્સેપ્ટ નથી.' પ્રશ્નકર્તા : એટલે સમજાવીને સોલ્યુશન લાવવું પડે ! દાદાશ્રી : હા. આપણે પરાણે દબાવીએ એટલે એ તો સ્પ્રીંગ છે, ઊછળે પાછી. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ખબર પડે કે આપણે પ્રતિકાર કરીને દબાવી રહ્યા છીએ કે સમાધાન કરાવી રહ્યા છીએ ? દાદાશ્રી : એવું પ્રતિકાર ના કરાય. પ્રતિકાર કરવું એટલે દબાવી દીધું. એ તો મનને અમથા અમથા જોર મારીએ કે 'કૌન હૈ અબે સાલા ?' પણ એનો અર્થ એવો નહિ. પછી મનને સમજાવીને કહેવું કે 'જો, આવું થાય ? આપણે તું તો ઘરનો રહીને આવું થાય ?' આમ તેમ કરીને સમજાવીને પછી કામ લેવું પડે. નહિ તો મન સ્પ્રીંગની પેઠ કૂદે પછી ! આ અમે વિચાર્યા વગર બધો સિધ્ધાંત મૂકીએ છીએ ? પ્રશ્નકર્તા : ના, દાદા, અનુભવનાં છે આ તો ! દાદાશ્રી : આ એક અવતારનો અનુભવ નથી. આ તો કેટલાંય અવતારનો સિધ્ધાંત ભેગો થયેલો છે. માટે એને સિધ્ધાંતપૂર્વક સમજો. કાણ ને વાજાં બેઉ સરખા જ્ઞેય ! અમે તો અમારી જાતને શું માનેલું, અમે જે છીએ એ છીએ, અંતઃકરણમાં બીજા કોઈનું સાંભળેલું જ નહીં. આમાંથી મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર આ બધા બોલે, કોઈનું સાંભળેલું નહીં. ત્યારે સ્થિર રહેલાને ! આ તો કેટલાંક બહુ સરસ બોલે, બેન્ડવાજાં વગાડે અને કેટલાંક તો કાણ કરવા આવે. અલ્યા, બેન્ડવાજા વગાડ્યા કરતા હતા, હવે કાણ કરવા આવ્યા છો ?! તમે કોણ, અલ્યા મૂઆ ?! એ બેન્ડના વાજાં મને ગમે તો કાણવાળાનું મને વાંધો આવેને ?! આ મારું અને આ પરભાર્યું, સ્વ-પરની ભેદરેખા દેખાડે છે, તે ક્ષાયક સમકિત કહેવાય. સમ્યક્ દર્શન બેઉ ભેદરેખા ના બતાવે. સમ્યક્ દર્શન એટલે શું કે આ હું છું એવું મને હવે ભાસે છે એમ. એટલે થોડી થોડી પ્રતીતિ બેસતી જાય. પછી ઊઠી જાય, થોડીવાર પછી ઊઠે-બેસે, પાછી ઊઠે-બેસે અને આ ક્ષાયક સમકિત કાયમ પ્રતીતિ રહે અને આ જ હું અને આ જુદું, આ હું અને આ જુદું. હવે જુદામાં બે પ્રકાર, ઘડીકમાં છે તે બેન્ડવાજાં લઈને આવે ને મોટા મોટા શણગાર કરીને આવે અને ઘડીકમાં કાણ કાઢવા તૈયાર થાય. તે પેલું બેન્ડવાજાં આવે ત્યારે ખુશ થઈ જઈએ અને પેલું કાણ કાઢવા આવે ત્યારે ડિપ્રેસ થઈ જઈએ. અને આ હવે ખુશ થવાનું ને ડિપ્રેસ થવાનું નહીં, એને 'જોયા' જ કરવાનું. એટલે આ વાજાં વાગે તેને ય ખાલી 'જોવાનાં' છે. પછી આ જો આમાં વાજાં વગાડ્યામાં એનો રસ ચાખીશું તો કાણ કાઢશે તેનો પાછો રસ ચાખવો પડશે. તે વખતે ગમશે નહીં. એના કરતાં કાણ કાઢે, તે રસ ના ચાખવો હોય તો પહેલાં આ રસ ચાખશો જ નહીં, ખાલી 'જોવાનું' છે. આ ચાખવા માટે નથી. ક્ષાયક દર્શન કોનું નામ ? પોતાનું એ પોતાનું અને પારકું એ પારકું. પારકું લેવા-દેવા નહીં, આપણે જે પોતાના 'જાણીએ' એ તો જ્ઞેય વસ્તુઓ છે, 'જાણવાની' જ જરૂર છે, ચાખવાની વસ્તુઓ ન્હોય. બન્ને દેખાય ખરાં, વાજાંવાળો હોય તે ય ને કાણવાળું હોય તે ય, દેખાય ખરું ને ? કારણ કે એક જ પ્રકારનું ના હોય પુદ્ગલ. પુદ્ગલ હંમેશા વિરોધાભાસ અને જાતજાતનું હોય. ચાલવું પોતાના સિધ્ધાંત પ્રમાણે... આ જ્ઞાન છે તોય તું મનના કહ્યા પ્રમાણે નથી ચાલતો ? બાકી આ જ્ઞાન એવું છે કે મનને પોતાના અભિપ્રાયની બહાર ના ચાલવા દે. પોતાના સિધ્ધાંતને અનુસરવું હોય તો એક્સેપ્ટ (સ્વીકાર) કર. અને તમે તો તમારા સિધ્ધાંતની બહારે ય ચાલો છો. પ્રશ્નકર્તા : તો મનની સામે થવાનું ? દાદાશ્રી : ના. સામે નહિ થવાનું. સામો થાય તો મારી નાખશે. પ્રશ્નકર્તા : એટલે એના ચલાવ્યા નહિ ચાલવાનું. એની સામે ચેતવાનું કઈ રીતે ? દાદાશ્રી : ના, ના. ચેતવાનું નહીં. એ જ્ઞાન જ હાજર હોય કે આ સિધ્ધાંત પ્રમાણે જ કરવાનું. નહિ તો તારે ના કરવું હોય તો અમારે લેવા-દેવા નહીં. આપણા અભિપ્રાય પ્રમાણે ચાલવાનું. એ અભિપ્રાયમાં મન એડજસ્ટ થતું હોય તો એવું મનનું ચલાવી લેવાનું. ઘણું ખરું અમુક બાબતમાં એડજસ્ટ થાય. પ્રશ્નકર્તા : હા, પણ એમાં એડજસ્ટમેન્ટ કઈ રીતે લેવાનું ? દાદાશ્રી : એ પછી એવું કરવાનું નહિ ને ! માનવાનું જ નહિ ને ! સાંભળવાનું જ નહિ ને ! પ્રશ્નકર્તા : એટલે કઈ રીતે માનવાનું નહિ ? દાદાશ્રી : એ તો આપણી બૈરી કહે કે 'તમારા ફાધર નાલાયક છે' એટલે માનવું ? એવું આ મનનું સાંભળીએ એટલે કે આપણે કાચા કાનના થઈએ તેવું છે. મન ને સ્ત્રીમાં ફેર નથી. કોઈ સ્ત્રી કહે તો આપણે એના કહ્યા પ્રમાણે ચાલવું ? અત્યારે તો મહીં રૂપાળું નીકળ્યું છે તે ચાલે છે. તે આ જ્ઞાન છે તો તમે પકડી શકો. નહિ તો માણસનું ગજુ નહિ. 'મને' તો ઘણાંને ફેંકી દીધેલાં. કેટલાંય ફેંકાઈ ગયેલાં. પણ આ જ્ઞાન છે એટલે તમે સેફસાઈડ કરી શકો. એટલા માટે તમને ચેતવીએ. આ ભલો આદમી તો હજુ મનના કહ્યા પ્રમાણે જ ચાલે છે. આખું કોળું શાકમાં જતું રહે. પ્રશ્નકર્તા : તો જ્ઞાન ક્યાં ગયું ? જ્ઞાનનું પરિણામ ક્યાં ગયું ? દાદાશ્રી : હજુ કચાશ એવી. વળગી રહેવું બ્રહ્મચર્યના સિધ્ધાંતને ! મન આઈસ્ક્રીમ માંગ માંગ કરતું હોય તો તે એના બ્રહ્મચર્યના સિધ્ધાંતને એટલું બધું નુકસાન કરતું નથી. તે એને થોડોક આઈસ્ક્રીમ આપવો, વધારે નહીં. એને ડિસ્કરેજ ના કરો. બે ગોળીઓ પણ ખવડાવી દેવી. અને 'નહીં, જાવ.' એવું દબાવવાનું, એ ના હોવું જોઈએ. એક ફક્ત પેલું આવે ત્યારે વિચારીને કામ લેવું કે, 'ભઈ, આ અમારો સિધ્ધાંત છે. સિધ્ધાંતમાં વચ્ચે આવવું નહિ તારે' ! જેમ આપણી સ્ત્રીને કહીએ છીએ કે 'મારા ધંધામાં તારે હાથ ઘાલવો નહીં' એવું નક્કી કરીએ એટલે પછી એ ના ઘાલે. અને 'અમે તમારામાં ડખલ ના કરીએ.' મન, સ્વભાવથી વિરોધાભાસ ! પ્રશ્નકર્તા : આપ કહેતા હતા ને મન ઘોડો અને અમે તેના પર સવાર થઈએ, તો એમાં આવાં બધાં એટલે આખા જગતની વિચારણામાં પણ હોય ? એટલે મન કેવી વિચારણામાં હોય તે વખતે ? દાદાશ્રી : મન ખૂબ દોડે, ખૂબ દોડે. મન તો આ વિચારણામાં આપણને ઊંઘવા ના દેતું હોય, એટલે પછી આપણે એને કહીએ, 'ચાલ, હવે ઊંઘવું જ નથી. હેંડ, તારી જોડે જાગું છું, ચાલ.' પ્રશ્નકર્તા : પણ મન શું બતાડતું હોય ? દાદાશ્રી : એ બધું જાતજાતનું બતાવે. મન કોઈ દહાડો ય એક વસ્તુ ના બતાવે. મન હમેશાં વિરોધાભાસી હોય. ઘડીમાં આ બતાવે અને ઘડી પછી નવી જ જાતનું બતાવે. મનનો સ્વભાવ શું ? બસ, વિચારણા કર્યા કરે, નિરંતર વિચાર કર કર કર્યા જ કરે. અને એ એની મેળે ડિસ્ચાર્જ થયા જ કરે છે. તમે તમારી મેળે જોયા જ કરવાનું કે શું થઈ રહ્યું છે. મન શું વિચાર કરે છે ને શું નહીં ! ઘડીકમાં મન દાન આપવાના વિચાર કરે, ઘડીકમાં ચોરી કરવાના વિચાર કરે, બન્નેય વિરોધાભાસી વિચાર આવે, એનું નામ જ મન ! 'ભરતી-ઓટ મન સાગરની, નિશ્ચિત અને વ્યવસ્થિતમાં.' ભરતી-ઓટ મન સાગરની નિશ્ચિત અને વ્યવસ્થિત છે. હા. મન છે તે એમાં બધી જાતનો માલ નીકળે. ઘડીકમાં પૈણવાનો વિચાર આવે, પછી રાંડવાનો વિચાર આવે. આમ ગજવું કાપે અને તેને ગજવામાંથી ત્રીસ જ રૂપિયા હાથમાં આવ્યા હોય, તે બહાર નીકળેને, કોઈ પતિયો દેખે કે તરત જ દસની નોટ આપી દે. અલ્યા, પતિયાને આપવા હારુ જોખમ ખેડ્યું ? તે મનનો સ્વભાવ હું તમને કહું છું. પછી વીસ વધ્યા ને ઘેર ગયો. ત્યારે એની બેન આવી હોય, તો એ જાણે કે ઓહોહો, બેન ઘણે દહાડે આવી છે, તે વીસ રૂપિયા બેન તું લેતી જા ! આવું ! એટલે વિરોધાભાસ હોય. તેથી લોક અકળાઈ જાય ને ! તે ય કાયદેસર છે, વ્યવસ્થિતમાં. નવું કશું ના આવે એમાં. મોક્ષ ભણી મોઢું ફેરવો મનનું ! હવે એ શાથી મન કૂદાકૂદ કરે છે ? મનને કોઈ કામ આપ્યું નથી. મનને કામ આપવું જોઈએ. મન નવરું પડે ને તો 'ઝટ કરો, ઝટ કરો' કહેશે. ક્યાં ઝટ કરો ? ત્યારે કહીએ, મોક્ષમાં. ત્યારે મૂઆ, અત્યાર સુધી આ બાજુ 'ઝટ કરો, ઝટ કરો' કહેતું હતું ને ?! એટલે મન વિરોધાભાસી છે. એમાં એક પ્રકારનું નથી. અને જે બાજુ મોઢું ફેરવી આપોને તો એ બાજુ ચાલવા જ માંડે. તમને ફેરવી આપતાં આવડવું જોઈએ. એને મારી-ઠોકીને કહીએ, તું ફર, તું ફર. ત્યારે એ નહીં ફરે. તમે એને ફેરવી આપો ને ! મનનો સ્વભાવ છે એવો ! મનનો સ્વભાવ એવો છે એને ઓળખીને કામ લેવું પડે. એના સામા થવામાં ફાયદો નહીં. સત્સંગમાં મનને ખોરાક આપણે ના આપીએ એટલે એ આપણને ખાઈ જાય. એને ખોરાક નાખવો જ પડે. પેલામાં વ્યવહારમાં તો આપણને ખોરાક મળ્યા જ કરે એમ ને એમ. પેલો કશું બોલે તે પહેલાં આપણે સામું આપી દઈએ. એટલે એવું મનને ખોરાક મલ્યા કરે. આ સત્સંગમાં કયો ખોરાક મળે ? આમાં સામું આપી દેવાનું નહીં ને ! મન જોડે થોડું-ઘણું બોલે એટલે મનને પેલું બીજું કાર્ય બંધ થઈ જાય. એટલે આત્મા સ્થિર થાય. પછી જો વાંચવું હોય તો વાંચેય ખરો. એ વાંચે તો આત્માનો ઉપયોગ કર્યો કહેવાય. નહીં તો સ્થિર થાય, એટલે એ ય આત્માનો ઉપયોગ કહેવાય. એટલે આખો દહાડો પછી મનને સત્સંગનું કામ જ સોંપ સોંપ કરવું. બીજો ખોરાક જમવા ન જાય, એ વીતરાગ થયો. બીજો ખોરાક જમતો હોય તો આપણે કામ સોંપીએ ને, એટલે બેનો વિરોધાભાસ થાય. એટલે આ બધું ઊડી જાય. વાણી બોલે જુદી અને મન વિચારે જુદું, વાણીના બોલવામાં પેલું મનના વિચાર ને બધું ઊડી જાય. ફરી આવો તાલ મળવાનો નથી કોઈ અવતારમાં. આ તો વિજ્ઞાન છે. આ અક્રમ વિજ્ઞાન એટલે તો ફૂલ (પૂર્ણ) વિજ્ઞાન છે આખું. એટલે સૈધ્ધાંતિક છે ! અભેદતા એ જ સેફસાઈડ ! પ્રશ્નકર્તા : સેફસાઈડની બાઉન્ડ્રી કઈ ? દાદાશ્રી : સામેની વ્યક્તિ આપણને જુદાં માને ને આપણે એને એક માનીએ. એ આપણને જુદો માને, કારણ કે બુધ્ધિના આધીન છે એટલે. જુદાં માને ને ? આપણે બુધ્ધિ ના હોવી જોઈએ. એટલે એકતા લાગે, અભેદતા ! પ્રશ્નકર્તા : સામો ભેદ પાડ પાડ કરે ત્યારે ? દાદાશ્રી : એ સારું ઊલ્ટું. એ તો એને બુધ્ધિ છે એટલે શું કરે ? એની પાસે જે હથિયાર હોય એ જ વાપરે ને ?! પ્રશ્નકર્તા : તો આપણે કઈ રીતે અભેદતા રાખવી એની જોડે ? દાદાશ્રી : પણ એ કરે છે એ તો પરવશ થઈને કરે છે ને બચારો ! અને એમાં એ દોષિત શું છે ? એ તો કરુણા ખાવા જેવા. પ્રશ્નકર્તા : એના પર થોડીવાર કરુણા રહે. પછી એમ થાય કે, 'આના પર તો કરુણા રાખવા જેવી ય નથી', એવું થાય. દાદાશ્રી : ઓહો ! એવું તો બોલાય જ નહીં. આવો અભિપ્રાય તો બહુ ડાઉન લઈ જાય આપણને ! પ્રશ્નકર્તા : કરુણા રાખવા જેવી નથી એ ડબલ અહંકાર કહેવાય ? દાદાશ્રી : અહંકારનો સવાલ નથી. 'કરુણા રાખવા જેવી નથી' એવું ના બોલાય. એ આપણને એમ નથી કહેતો કે તમે મારી પર કરુણા રાખો. એ તો ઊલ્ટાં પાછાં કહે 'ઓહોહો ! મોટા કરુણા રાખવાવાળા આવ્યા ! એટલે એ બધું ખોટું. પ્રશ્નકર્તા : કરુણા રાખવાનો પ્રયત્ન જ ના હોય ને ? દાદાશ્રી : કરુણા એ તો સહજ સ્વભાવ છે. પ્રશ્નકર્તા : આ જે પ્રયત્ન કરવા માંડ્યો, એનાં રીએક્શનમાં 'નથી રાખવા જેવું' થયું ને ? દાદાશ્રી : એ તો ખોટું. એ વાત જ ખોટી ! કરુણા બોલાય જ નહીં આપણાથી. એને અનુકંપા કહેવાય. કરુણા તો બુધ્ધિની બહાર જાય ત્યારે કરુણા કહેવાય, બુધ્ધિની બહારની વાત હોય ત્યારે ! દાદાશ્રી વર્તે, અભેદતાના સિધ્ધાંતથી ! પ્રશ્નકર્તા : ગઈકાલે આપે આખી રાત પ્રતિક્રમણ કર્યાં એની પાછળ કયો પ્રિન્સીપલ (સિધ્ધાંત) કામ કરે છે ? દાદાશ્રી : અભેદતાનો ! આ પચ્ચીસો જોડે અભેદ હતું. પચ્ચીસો નહિ, આખા શહેર જોડે અભેદ હતું. છતાં કોઈ આંખો ય કાઢી ગયા, કોઈ દર્શને ય કરી જાય. પ્રેમ તેં જોયો બધે ! ખુલ્લો આત્મા ચાલ્યો બેઠો બેઠો બેઠો ! ખુલ્લો આત્મા, દેહ વગરનો આત્મા ચાલ્યો, બજાર વચ્ચે ને જો આનંદ આનંદ આનંદમાં હતું લોક ! આવી જાવ, એક વાત પર ! અહીં જો સંસારમાં તમને ગમતું હોય તો દોષિત જોયા કરવું. સંસાર ગમતો હોય તો જગતને દોષિત જોયા કરો અને સંસાર ન ગમતો હોય તો એક કિનારે આવો. એક વાત ઉપર આવી જાવ. જો સંસાર ન ગમતો હોય તો સંસાર દોષિત નથી, એવું તમે જોયા કરો. મારા દોષે જ થઈને આ ઊભું થયું છે. એક કિનારે તો લાવવું પડશે ને ? વિરોધાભાસ ક્યાં સુધી ચાલવાનું ? મહાવીર ભગવાનને કોઈ દોષિત લાગ્યું નથી. પેલા ઉપરથી દેવ આવીને હેરાન કરી ગયા તો ય એમને દેવ દોષિત નથી લાગ્યા. અને એ તો લાગે આપણને કે આ દોષ સામેનાંને દુઃખ થાય એવો છે, તેનું પ્રતિક્રમણ કરવાનું અને તે કરે છે આપણા મહાત્માઓ. શુધ્ધાત્માને પ્રતિક્રમણ શું કરવાનું ? જે અતિક્રમણ કરતો જ નથી, તેને પ્રતિક્રમણ શું કરવાનું ? આ તો જેણે કર્યું તેને કહીએ, તમે પ્રતિક્રમણ કરો. આખો સિધ્ધાંત મોઢે રાખવો પડશે આ તો. અને રહે છે પણ, લખે તો ભૂલી જાય. આખો સિધ્ધાંત મોંઢે યાદ રહે છે ને ? હા... એમનાથી ઉંમરને લઈને થોડું ઓછું અવાય તો ય પણ બધું મોઢે, લક્ષમાં રહેવાનું બધું ય. આપણે તો કામ સાથે કામ છે ને ? છૂટવા સાથે કામ છે ને આપણે ? અક્રમ માર્ગે સાર ! આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન મહાવીર ભગવાનના સિધ્ધાંતનો સાર છે અને અક્રમમાં જ્ઞાની-પુરુષ એ સાર છે, એટલું જ સમજવું જોઈએ. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ છે. પણ એ ડખો કર્યા વગર રહે નહીં ને ! અનાદિની કટેવ પડી છે. ક્રમિક માર્ગમાં ઇર્યાપથિકિ ક્રિયા પહેલા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય. ઇર્યાપથિકિ ક્રિયા એટલે શું ? કે અહંકાર હોય ત્યાં સુધી ઇર્યાપથિકિ ક્રિયા હોય. એટલે ક્ષાયક સમકિત થયા પછી અહંકાર ખલાસ થયા પછી ઇર્યાપથિકિ ક્રિયા હોય નહીં. ઇર્યાપથિકિ ક્રિયા એટલે શું કે પોતે જે બહાર ગયો અને આવ્યો એમાં જે જે દોષ થયા હોય, ત્યાં એનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવું. અહંકાર ગયા પછી પેલાને ક્રિયા હોતી નથી. અહંકાર હોય ત્યાં સુધી કંઈકેય ક્રિયા હોય. ક્રમિક માર્ગ એટલે અહંકાર ઠેઠ સુધી. આમાં (અક્રમમાં) અહંકાર નહીંને ! તમને થોડું સમજાયું ? પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણ કરવું પડે પછી. દાદાશ્રી : તમારે ઇર્યાપથિકિનું પ્રતિક્રમણ કરવાનું નહીં. એ તો ક્રમિક માર્ગમાં કરવું પડે. અને જો અક્રમ માર્ગમાં તમે પ્રતિક્રમણ કરો તો તમે છે તે દેહના માલિક છો એમ પાછું પૂરવાર થઈ ગયું પછી. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : 'તમે કરો' તો શું થઈ જાય ? પ્રશ્નકર્તા : આ દેહના માલિક સમજીને જ પછી પ્રતિક્રમણ કરવાનું. દાદાશ્રી : એ પૂરવાર થઈ ગયું. પ્રશ્નકર્તા : પૂરવાર થયું એટલે વિરોધાભાસ થયું. દાદાશ્રી : એટલે તમારે કરવું હોય, તમારી પોતાની ઇચ્છા હોય તો 'તમારે' 'ચંદુભાઈ'ને કહેવું કે તમે પ્રતિક્રમણ કરી લો. આમ કહીએ આટલું. અને તમે મોટાં મોટાં પ્રતિક્રમણ કરજો. બહુ ઝીણી વાતમાં ઉતરશો નહીં. કારણ કે ઝીણી કરવા રહીએ તો મોટાં રહી જાય. રહી જાય કે ના રહી જાય ? પ્રશ્નકર્તા : રહી જાય. શુધ્ધાત્માને પહોંચે એ અસર ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ આપણે જે કરીએ છીએ તે પ્રતિક્રમણનું પરિણામ, આ મૂળ સિધ્ધાંત ઉપર છે કે આપણે સામાના શુધ્ધાત્માને જોઈએ છીએ તો એના પ્રત્યેના જે ખરાબ ભાવ છે, એ ઓછા થાયને ? દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તૂટી જાય. આપણા પોતાને માટે જ છે આ બધું. સામાને માટે લેવાદેવા નથી. સામાને શુધ્ધાત્મા જોવાનો એટલો જ હેતુ છે કે આપણે શુધ્ધ દશામાં, જાગૃત દશામાં છીએ. પ્રશ્નકર્તા : તો એને આપણા પ્રત્યે ખરાબ ભાવ હોય, એ ઓછો થાય ને ? દાદાશ્રી : ના, ઓછો ના થાય. તમે પ્રતિક્રમણ કરો તો થાય. શુધ્ધાત્મા જોવાથી ના થાય પણ પ્રતિક્રમણ કરો તો થાય. પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ તો તે આત્માને અસર થાય કે નહીં ? દાદાશ્રી : થાયને, અસર થાય. બધાને શુધ્ધાત્મા સ્વરૂપે જોઈએ તો ય ફાયદો થાય પણ એકદમ ફાયદો ના થાય. પછી ધીમે ધીમે ધીમે ! કારણ કે શુધ્ધાત્મા રીતે કોઈએ જોયું જ નથી. સારા માણસ ને ખોટા માણસ, એ રીતે જોયું છે. બાકી શુધ્ધાત્મા રીતે કોઈએ જોયું નથી. કોઈ દોષિત નથી જગતમાં ! દોષિત ના હોય એને દોષિત કહે એટલે શું થાય ? એનું મન નિર્બળ થતું જાય. પ્રશ્નકર્તા : અને દોષિતને નિર્દોષ કહ્યો, તેમાં શું મળે ? દાદાશ્રી : એમાં મન મજબૂત થતું જાય. આમ દેખાવમાં એ દોષિત દેખાતો હોય છતાં ખરી રીતે એ નિર્દોષ છે. એવું જો જોઈએ તો મન મજબૂત થઈ જાય. પ્રશ્નકર્તા : દોષિત દેખાડે છે એ મન ? દાદાશ્રી : એ અજ્ઞાન મન દોષિત દેખાડે અને જ્ઞાન મન મજબૂત કરે. ખરેખર તો જ્ઞાન મન હોતું જ નથી. એ તો આપણે કહીએ જ્ઞાન મન. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન પક્ષી થયું ને મન ? દાદાશ્રી : એ સિધ્ધાંત પ્રમાણે આપણે એક્સેપ્ટ કરવાનું. એ ગમે એવું બૂમો પાડે તેનું કશું નહીં. આપણા સિધ્ધાંતમાં કોઈ દોષિત છે જ નહીં ને ! આના પર ખડો સિધ્ધાંત મહાવીરનો ! આપણે જેનાં પ્રતિક્રમણ કરીએ ને તેને આપણા માટે કંઈ ખરાબ તો ના હોય, પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તો ય છૂટી જાય, આ ભવમાં જ !!! આ એક જ ઉપાય છે ! આ ભગવાન મહાવીરનો આખો સિધ્ધાંત પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી ત્યાં ધર્મ જ નથી. હવે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જગતના લોકોને યાદ રહે નહીં. તમે શુધ્ધાત્મા થયા છો, એટલે તમને તરત યાદ આવે ! ઉપકારી માનવો, એ છૂટવાની કળા ! જ્યાં જ્યાં દોષ કોઈના પ્રત્યે આવતો હોય ત્યાં ઉપકાર માનજો અંદરખાનેથી, તો એ દોષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપરે ય અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો, તો બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખૂંચતો હોય તો તે બહુ સારો માણસ, આ તો આપણો ઉપકારી છે. બંધ થઈ જશે ખૂંચતું. એટલે આ શબ્દ અમે જે આપીએ છીએને, એક-એક શબ્દ દવાઓ છે. આ બધી દરઅસલ મેડીસીન છે, દરઅસલ !! નહીં તો 'ચોર' કહે તેનો ઉપકાર માનજો એ વાક્ય શી રીતે સમજાય એને ! એટલે તમે મને પૂછવા ના આવો ને તમારા પરિણામ બધાં બદલાઈ જાય, એના કરતાં તમે ઉપકાર માનજો, દાદાનું કહ્યું એટલું કરજો કે એનો ઉપકાર છે ભઈ, આ દાદાએ કહ્યું છે માટે. પ્રશ્નકર્તા : દાદા ઉપકાર માનતા હોય પછી અમે ઉપકાર માનીએ એમાં શું વાંધો પછી ?! દાદાશ્રી : હા, આપણે એવો હિસાબ લેવો કે 'સારુંને, ચોર એકલા કહે છે.' લુચ્ચો છે, બદમાશ છે, નાલાયક છે એવું બધું નથી કહેતા. એટલો સારો છેને ? નહીં તો એનું મોઢું છે. એટલે ફાવે એટલું બોલે. એને કંઈ ના કહેવાય આપણાથી ? આપણે ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં. આ વાત સૈધ્ધાંતિક છે. કેવી રીતે કે તમે મને કહો કે દાદા આ પેલો તમને 'ચોર' કહે છે. તો તમે શું કરો ? ત્યારે હું કહું કે ભઈ, ઉપકાર માનવો. કેમ કહે છે ઉપકાર માનો તમે ? શા બદલ ? ત્યારે કહે છે, કોઈ કહે નહીં આવું. આ પડઘો છે કશાકનો. તે મારો પોતાનો જ પડઘો છે. માટે ઉપકાર માનું. આ જગત પડઘા સ્વરૂપે છે. એની હન્ડ્રેડ પરસન્ટ ગેરન્ટી લખી આપુ હું. એટલે અમેય ઉપકાર માનીએ તો તમારે ય ઉપકાર જ માનવો જોઈએ ને ! અને તમારું મન બહુ સારું રહેશે. 'ચોર કહે છે' તેનો ઉપકાર માને છે. તો પછી તમને સહેજે લાગણી થઈ જાય, દાદા માટે આવું બોલે છે ?! દાદા માટે શું શું નથી બોલતો ? મહાવીર માટે આવડાં આવડાં શબ્દો બોલતા હતા તોય લોકોએ પચાવ્યા. એમના ભક્તોએ બધાએ પચાવ્યા એમના શબ્દો. જે જે બોલે એ બધું પચાવી લેતા હતા. ભગવાને શીખવાડેલું એવું. વિરોધાભાસમાં પોતે સ્થિર રહે, એનું નામ જ મોક્ષ. જાતે કપાઈ છૂટવું પણ આપણે કોઈને ના કાપવું. ચીકણાં કર્મથી ઉકેલ ! પ્રશ્નકર્તા : કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ? દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઇ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્તમાત્ર છે. દુઃખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. સસરા મરી ગયાનો કાગળ પોસ્ટમેન આપી જાય એમાં પોસ્ટમેનનો શો દોષ ? પ્રશ્નકર્તા : ચીકણાં કર્મ કોને કહેવાય ? દાદાશ્રી : મન-વચન-કાયાના તદ્ન એકાકારથી કરે કે જેમાં બીજા વિરોધાભાસી ભાવ ના હોય, તેનાથી ભયંકર ચીકણાં કર્મો બંધાય. 'અહીં' આત્માર્થે કરેલાં આવાં ચીકણાં કર્મ બે કે ત્રણ અવતારમાં છોડાવે અને સંસારનાં ચીકણાં કર્મ તો પરિપાક થતાં બહુ ટાઇમ લે. તેથી તો આ સંસાર ઊભો રહ્યો છે ને ! કોઇ સીધો માણસ નવો નવો ગજવાં કાપવા જશે તો પકડાઇ જશે. કારણ કે એનું કર્મ તરત વિપાક થઇ જાય ને આ કર્મથી એ છૂટે છે. જ્યારે બનેલો-ઠનેલો પકડાય જ નહીં. હવે લોકો જે પહેલો ઝડપાઇ ગયો તેને ગુનેગાર કહેશે. પણ કુદરત તારા 'ફેવર'માં છે. સુંવાળા કર્મવાળાને કર્મફળ આપી ઊર્ધ્વગતિમાં લઇ જાય, જ્યારે અઠંગ હોય તે ના પકડાય તેથી તેની અધોગતિમાં જવાની નિશાની છે. અક્રમ માર્ગે કર્મ ચાર્જ થાય ? પ્રશ્નકર્તા : ભાવ અને ઇચ્છામાં શો ફરક ? દાદાશ્રી : આ જગતમાં લોકો દેખાય એને ભાવ કહે છે. ભાવ તો કોઈને દેખાય જ નહીં. પોતાને ય ખબર ના પડે કે શો ભાવ કર્યો ! પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી અમને ઘણા ભાવ થાય છે, તો તેનાથી કર્મ 'ચાર્જ' ના થાય ? દાદાશ્રી : ભાવ તમને થાય જ શી રીતે ? 'તમે' ફરી પાછાં 'ચંદુભાઈ' થઈ જાવ તો ભાવ થાય. તમે 'ચંદુભાઈ' થઈ જાવ ત્યારે અહંકાર હોય, ત્યાર પછી ભાવ થાય. 'હું કર્તા છું' એવું ભાન હોય તો જ ભાવ થાય. પ્રશ્નકર્તા : અને આ જે ઇચ્છાઓ થાય છે તે કર્તાપણું નહીં ? દાદાશ્રી : ના, હવે તમારી ઇચ્છા એ બધી આથમતી કહેવાય. ઇચ્છા તો મને હઉ થાય ! બાર વાગી ગયા હોય, તો હું પણ આમ રસોડામાં જાઉં તે તમે ના સમજી જાવ કે દાદાને કશી ઇચ્છા છે ! એ પણ આથમતી ઇચ્છા કહેવાય ! ઘડી વાર પછી એ બધી આથમી જવાની. એ ઊગતી ઇચ્છા ના કહેવાય ! એ બધી નિકાલી બાબત કહેવાય. પ્રશ્નકર્તા : કામ કરીએ અને વચ્ચે ઇચ્છા થાય તો તે દરેક વખતે કયો 'ટેસ્ટ' 'એપ્લાય' કરવાનો કે જેથી ખબર પડે કે આ 'ડિસ્ચાર્જ' ઇચ્છાઓ છે ને આ 'ચાર્જ' ઇચ્છાઓ છે ? દાદાશ્રી : તમે 'ચંદુલાલ' થઈ જાવ તો જ 'ચાર્જ' થાય. આમાં ગૂંચાવાની કાંઈ જ જરૂર નથી. આ તો વિજ્ઞાન છે ! આપણું 'અક્રમ વિજ્ઞાન' કહે છે, સૈધ્ધાંતિક બોલજો કે ફરી ચૂંથાચૂંથ ના કરવું પડે. ફરી ચૂંથાચૂંથ કરવું પડે, એનો અર્થ શો ? 'અક્રમ'નો કેવો સાયન્ટિફિક સિધ્ધાંત ! આપણે અજ્ઞાનતામાં હોઇએ, ત્યાં સુધી આ બોલને ફેંકીએ. એનાં પરિણામને જાણીએ નહીં. હવે આપણને જ્ઞાન થાય પછી બોલ નાખવાનું બંધ કરી દીધું, પણ એને પહેલાં ફેંકેલો એટલે એ ઉછળવાનો તો ખરો. પચીસ-પચીસ વાર ઉછળે. આપણે ફેંક્યો તે એક જ પરિણામ આપણું. હવે ક્રમિક માર્ગમાં આ ફેંક્યા પછી ઉછળતા બોલને બંધ કરવા જાય છે ને બીજી બાજુ બોલને નાખવાનું ચાલુ રાખે છે. એટલે પાછળ બંધ કરતો જાય ને આગળ નાખતો જાય. એ તો ક્યારે પાર આવે ? આપણે શું કરીએ છીએ કે બોલને નાખવાનું બંધ કરી દઇએ છીએ અને પછી જે પરિણામ ઊછળે છે તેને 'જોયા' કરવાનું કહીએ છીએ. આ પરિણામ તો 'ડિસ્ચાર્જ' સ્વરૂપે છે એટલે એની મેળે જ બંધ થઇ જવાનાં. 'આપણે' મહીં હાથ ઘાલીએ નહીં, એટલું જ જોવાનું છે હવે. પ્રશ્નકર્તા : પરપરિણામમાં જવાથી કોઇ પણ પ્રકારની મૂંઝવણ ઊભી થાય ખરી ? દાદાશ્રી : પરપરિણામમાં નરી મૂંઝવણ જ છે. એમાં જવાનું જ નહીં. પરપરિણામને જોવાનાં. આ બોલ આપણાં પરિણામથી નંખાયો, ત્યાંથી પછી પરપરિણામ. હવે આપણે ખાલી ભાવ બંધ કરી દેવાના. એ ભાવ બંધ કેવી રીતે થાય? એ 'જ્ઞાની પુરુષ'ને સોંપી દીધા એટલે એનાથી છૂટાય. પછી જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવાનું. આ તો નિરંતર સમાધિ આપનારું પ્રત્યક્ષ વિજ્ઞાન છે. બોલને ફેંક્યા પછી બંધ કરવું ને બોલ નાખવાની પ્રક્રિયા ચાલુ રાખવી એ 'સાયન્ટિફિક' રસ્તો નથી. તેં બોલ નાખવાનો બંધ કર્યો એટલે પેલું એની મેળે બંધ થશે જ ! તેથી આ 'અક્રમ માર્ગ'માં અમે કોઇની પાત્રતા જોતાં નથી. ક્રિયા ભણી જોશો નહીં. 'એણે' બોલ નાંખવાનું બંધ કર્યા પછી ક્રિયા ભણી જોવાનું ના હોય. અમારી પાસેથી 'સ્વરૂપ જ્ઞાન' પ્રાપ્ત કરી જાય, એને પૂરેપૂરું સમજી જાય પછી એ ક્રોધ કરે તો ય અમે કહીએ કે એ 'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે. એ ક્રમે ક્રમે કરીને બંધ થઇ જ જવાનું. 'ડિસ્ચાર્જ' કોઇના હાથમાં છે જ નહીં, 'ડિસ્ચાર્જ'ને 'જોવાની' ને 'જાણવાની' જરૂર છે. ભરેલા માલ સામે ... પ્રશ્નકર્તા : મને લાગે છે કે ઉપર સારો દેખાઉં છું, પણ મારો સ્વભાવ એમનો એમ જ છે. દાદાશ્રી : અમે જાણીએ જ છીએ કે આ માલ આવો જ છે. એક-એક શીશી (જ્ઞાનની) પાઈએ જ છીએ, રોજ. એ સ્વભાવ આખો ચેન્જ થઈ જશે. કુંટુંબમાં ખોળશે કે ભઈ આપણા ક્યાં ગયા ? કારણ કે આ તો પાવરફુલ જ્ઞાન બધું. એ કંઈ ગોટાળિયું નથી બધું પણ હવે માલ કચરો ભરેલો, તેનું શું થાય ? પછી મને કોઈ કહેશે કે 'દાદા, આ તો એના ઘરમાં તકરાર કરતો હતો.' એ તકરાર કરીનેય ભરેલો માલ ખાલી કરે છેને ! કંઈ નવું ભરે છે ?! એને વાપરવા માંડ્યો એટલે એ ખાલી થઈ જાય. આપણી પાસે નવી આવક નથી. નવી આવક ના હોય ને વપરાય એટલે રહે કે ?! બાકી આ તો સિધ્ધાંત છે. એ સિધ્ધાંત કોઈ જગ્યાએ બ્રેકડાઉન થતો હોય તો મને કહો ! આપણો સિધ્ધાંત બ્રેકડાઉન થતો નથી. ભરેલો માલ લાવ્યા હતા, તે મને પૂછીને લાવ્યા હતા ? પ્રશ્નકર્તા : પૂછ્યા વગર. દાદાશ્રી : હા, બધું પૂછ્યા વગર ભર ભર કરેલો. સ્ટોરમાં ગયા તે જે આવે તે લીધું પોતાને ફાવે એ, પણ દાદાને નહીં પૂછ્યું કે આ લઉં કે આ લઉં. મને પૂછીને લીધું હોત તો ચોંટત નહીં કશું. કારણ કે મારી આજ્ઞા થઈ કહેવાય ને ! હવે એ ચોંટ ઊખડી ગઈ, પણ ભરેલો માલ નીકળે છે. પ્રશ્નકર્તા : આપણે આ ગાડીને કંટ્રોલમાં રાખવા માટે એના અમુક નિયમો હોય છે એ પાળીએ છીએ. અમુક સ્પીડની બહાર ના જતાં રહીએ. નેવું-પંચાણુંની સ્પીડ કરીએ તો ઠોકી દઈએ. એવી રીતે જ આપણા જીવનમાં, એટલે ચંદુભાઈને, કાયાને અમુક કંટ્રોલમાં રાખવા પડેને ? દાદાશ્રી : એ ગાડી તો એનો કંટ્રોલર છેને ! તે કંટ્રોલર થાવ તો પછી નિયમમાં રાખવાને માટે પ્રયત્ન કરવો પડે. પણ તોય રહેતા નથી નિયમમાં. કારણ કે આ પરસત્તા છે, આપણી સત્તા જ નથી. પોતે એને પોતાની માની અને લોકો ઠોક ઠોક કર્યા કરે છે. પોતાની સત્તા માની ને, એટલે એને કંટ્રોલમાં કરવા જાય છે. ટાંકી ભરેલી હોયને, તે ખાલી ના કરો અને એનો જો કંટ્રોલ કરો તો આગળ ઉપર તમારે છે તે લાંબું લંબાશે. આ ડિસ્ચાર્જ એટલે ભરેલી ટાંકી ખાલી થાય છે. પ્રશ્નકર્તા : હજુ બરાબર સમજાયું નથી. દાદાશ્રી : આપણે આ ચાર્જ ના રહ્યું હવે. કર્મનો કર્તા ના રહ્યો. કૉઝિઝ ના રહ્યા. ફક્ત ઇફેક્ટ રહી. ઇફેક્ટ એટલે ભરેલી ટાંકી. એટલે આપણે જો એને ઓછું કરવા જઈશું તો આગળ લાંબું લંબાશે. એનાં કરતાં નીકળી જવા દો જલ્દી જેમ બને તેમ. જે નીકળતું હોય એને 'જોયા' કરો. ઇફેક્ટ હંમેશાં કેવી હોય કે આપણે બેટરીની અંદર સેલ પૂરીએને, હવે સેલને ઓછો વાપરીએ તો લાંબો ચાલે અને ખૂબ વાપરીએ તો જલદી ઉકેલ આવી જાય. પછી સેલ છૂટા થઈ જાય ને આપણેય છૂટા થઈ જઈએ. આ મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ છે. તે આ પાવર ભરેલો છે મહીં. એ પાવર હવે વપરાઈ રહ્યો છે. નવો પાવર ભરાતો નથી. એટલે પાવર જો વહેલો વપરાઈ જાય તો જલ્દી ઉકેલ આવી જાય. પછી તો એકદમ નિરંતર સમાધિ રહે ને આપણો ધંધો ચાલ્યા કરે બધો. ટાંકી ભરેલી હોય, તે જેની મોટી ભરી હોય તેનો મોટો માલ ને નાની ભરી હોય તો નાનો. અમુક જાતનો માલ ભર્યો હોય, વિષયોનો વધારે ભર્યો હોય તો એને વિષય વધારે નીકળે. જેણે માનનો વધારે ભર્યો હોય તો માન વધારે નીકળે. જેણે હિંસાનો વધારે ભર્યો હોય તો હિંસા વધારે નીકળે. જેણે જે ભરેલો હોય, તે માલ નીકળે બધો. એ 'જોયા' કરવાનું આપણે. કર્તાપણું છૂટ્યા પછી હવે કરવા જઈએ, એ કશું બને એવું નથી. એમ પણ કોઈથી કશું થઈ શક્યું નથી. આ તો ઇટ હેપન્સ, થઈ રહ્યું છે એને પોતે કર્તા માને છે. આ ત્રણ બેટરીઓમાં પાવર ભરેલો છે. નવો પાવર બંધ થાય તો પછી બેટરીઓ ડિસ્ચાર્જ થઈ ગઈ. એટલે મુક્ત થઈ ગયા અને અત્યારથી દુઃખમુક્ત થયા છીએ. હવે દુઃખ રહે જ નહીં. રાગ-દ્વેષ થાય નહીં, વીતરાગતા રહે. તે ચંદુભાઈ શું કરે છે એ તારે 'જોયા' કરવાનું, બસ એટલું જ કામ ! આ અવતારમાં ક્ષાયક સમકિત પ્રાપ્ત થયું છે. હવે એ અમારી આજ્ઞામાં જેટલું રહેવાય એટલી સમાધિ રહે. હવે એ આજ્ઞામાં તમારે રહેવું હોય નિરંતર, પણ મહીં માલ ભરેલો તે રહેવા ના દે. એટલે આપણે બને એટલો પ્રયત્ન વધારે રાખવો. માલનો સ્વભાવ શું છે ? આજ્ઞામાં ન રહેવા દેવું. હવે એ માલ શું ભરેલો છે ? ત્યારે કહે છે કે, આમથી મૂર્છાના પરમાણુ ભર્યા, આમથી અહંકારના પરમાણુ ભર્યા, આમથી લોભના પરમાણુ ભર્યા, બધા જે પરમાણુ ભરેલાને, હવે એ પરમાણુ છે તે, એમનો વખત પાક્યો હોય ને, તો એ પાછાં ઢોલકી વગાડે. 'મૂઆ, તમે કેમ ઢોલકી વગાડો છો ?' ત્યારે કહે, 'અમે છીએને મહીં.' તે એમનો સમભાવે નિકાલ કરી નાખવો. જુદાપણાથી, છૂટાય ચારિત્રમોહથી ! ચંદુભાઈ જે કરે, તેને તમે 'જુઓ' તે તમે છૂટા. ચંદુભાઈને તમે 'જોયા' કરો તો ચારિત્રમોહથી છૂટા થયા અને ના જોયા તો ચારિત્રમોહ રહ્યો. ના 'જુઓ' તો ચારિત્રમોહ છે હજુ. જ્યારે ત્યારે 'જોઈને' છોડવો જ પડશે. બધું જોઈને છૂટે. 'જોઈએ' એટલો એકઝેક્ટ ના દેખાય એ વખતે. પણ જાગૃતિ રહે તોય બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : 'જોવામાં' બરાબર ન પણ જોવાય, શાથી ? દાદાશ્રી : જાગૃતિ ન હોય તો થોડું ચૂકી જવાય. પ્રશ્નકર્તા : પણ એક્ઝેક્ટ જોયું ત્યારે એ કેવું હોય ? દાદાશ્રી : એકઝેક્ટ 'જોવાતું' નથી. એક્ઝેક્ટ 'જોવાનું' એટલે આમ બધું દેખાવું, એ તો બહુ એક્સ્પિરિયન્સ માંગે છે. હું તો ઘણાં કાળનો જોતો જોતો આવેલો ત્યારે શરીર સાથે બધું એક્ઝેક્ટ જુદું દેખાય. આ તમે વાતો કરો છોને, તે અહીં સુધીનું બધું 'જોયા' કરે. બધું આમ આમ હાથ કરીને વાતો કરે તેને આમ જુદું 'જુએ'. અહીં તમે બીજી વ્યક્તિને 'જોયા' કરો એવી રીતે ચંદુભાઈને પોતે જુદા જુએ. પ્રશ્નકર્તા : હા, બરાબર, કે એને બધું જુદું જ દેખાય પોતાનું. દાદાશ્રી : જુદું છે જ ! પ્રશ્નકર્તા : પણ પેલું દેખાતું નથી, આને દેખાય ! દાદાશ્રી : દેખાતું નથી એટલું જ નહીં, એણે એવું સાંભળ્યુંય નથીને ! કોઈ દહાડો સાંભળે કશું તો કંઈ જુદું પડે ને જુદું પડે તો કંઈક દેખાતું થાય. ખાલી સાંભળે કે મારા દાદાનું નામ નગીનભાઈ હતું તો એને પ્રેમ ઉત્પન્ન થાય. કશું સાંભળવાથી જ ખાલી. કશું જોયા પણ ના હોય. એવું આ તો બધું સાંભળવાથી જ્ઞાન પ્રગટે. પહેલી પ્રતીતિ બેસે પછી થોડો થોડો અનુભવ થાય અને પછી એનું ચાલે. અનુભવ થયો એટલે વર્તનમાં આવી જ જાય. પ્રશ્નકર્તા : મન-વચન અને કાયામાં મનનું જુદાપણું દેખાવું સહેલું હશે. પછી વાણીનું એથી મુશ્કેલ અને એથી મુશ્કેલ શરીરનું એવું હશે ખરું ? દાદાશ્રી : ખરુંને તે તો. મનનું તો સાધારણ અજ્ઞાની માણસનેય જુદું દેખાય. ખરાબ વિચાર આવે છે એ બોલે છે તે ઇટસેલ્ફ સૂચવે છે કે એવી રીતે મનને જુદું જોઈ રહ્યો છે. પ્રશ્નકર્તા : હા. પણ એ વાણીમાં એટલો જુદો ન પડી શકે. એને ભાન ન રહે એ વખતે. પછી આપણે કહીએ છીએ કે પાછળથી ખ્યાલ આવ્યો એમ. દાદાશ્રી : હા. એ પછી ખ્યાલ આવે એ તો. અને શરીરે દોડતો હોય અને દોડતો જુએ ત્યારે ખરું. ચંદુભાઈ આ સાહેબને વઢતા હોય અને તે પાછાં તમે ચંદુભાઈને જુઓ. એ પોતાને દેખાય કે 'ઓહોહો, આ વઢી રહ્યા છે. શું જોઈને વઢી રહ્યા છે ?' એટલે આવી જુદું જોવાની વાત સાંભળે. આ વાત સાંભળવાથી આગળ જાગૃતિ આવે. સાંભળી જ ના હોય તો જાગૃતિ શી રીતે આવે ? આપણે આ ખેતરને ત્રણ જ ખૂણાની વાડ છે, એવું કહે એટલે પછી એને આંખમાં દેખાય એ ત્રણ વાડવાળું ખેતર. એ સાંભળે પેલો. ચોથી વાડ ના હોય. ત્રણ જ વાડ ના હોય ? એવાં ખેતરાં ના હોય ? પ્રશ્નકર્તા : હોય, ટ્રાયેંગલના હોય ! દાદાશ્રી : ત્રિકોણિયા ખેતરાં. એવું સાંભળ્યા પછી એને દેખાય એવું. આ તો સૂક્ષ્મ, ઊંડી વૈજ્ઞાનિક શોધ છે આ, નહીં તો અક્રમ બોલાય નહીં. અક્રમ બોલવું એ કંઈ સહેલી વાત નથી. અક્રમ એટલે આખો સિધ્ધાંત કહેવાય આ તો અને આ વૈજ્ઞાનિક છે એ. ક્ષણે ક્ષણ એક વાળ જેટલી જગ્યા વૈજ્ઞાનિક સિવાય નથી આમાં. મારી જોડે સિધ્ધાંત જુએ ત્યારે ખબર પડે ! ટેકાજ્ઞાન વિના નહીં પૂર્ણાહૂતિ ! પ્રશ્નકર્તા : પ્રતીતિ રહે છે, પછી એ અનુભવ માટે ત્યાં શું ખૂટે છે ? દાદાશ્રી : એ જે દશા થઈ રહે, એનાં માટે જરૂરિયાત જે જ્ઞાન છે એ ખૂટે છે. જરૂરિયાત એટલે ટેકાજ્ઞાન, આ બધી વાતો હું કહું છું ને એ બધું ટેકાજ્ઞાન કહેવાય. એનાં આધારે બધું તમને અનુભવ પ્રાપ્ત કરાવે. પ્રશ્નકર્તા : એટલે એ ટેકાજ્ઞાનમાં જ્ઞાનકળા અને બોધકળા એ વસ્તુ આવે ? દાદાશ્રી : ટેકાજ્ઞાન તો આપણે શબ્દ આપ્યો. બાકી ટેકાજ્ઞાન જેવું હોતું નથી, પણ એ તમને હેલ્પ કરે. અનુભવ થવામાં આ જ્ઞાન ખૂટે છે. પ્રશ્નકર્તા : એટલે દર્શન પૂર્ણતાવાળું છે પણ વચ્ચે આ ટેકાજ્ઞાનની જરૂર છે. દાદાશ્રી : ટેકાજ્ઞાન નથી તેથી આ અનુભવ એને ફીટ થતો નથી. એણે એવું સાંભળ્યું હોય, 'જે બન્યું એ જ કરેક્ટ', દાદા કહેતા'તા, તો એને એવું બની જાય તો પેલું ટેકાજ્ઞાન એને કામ લાગે તો અનુભવ થાય. પ્રશ્નકર્તા : એટલે આ વાક્ય ટેકાજ્ઞાન કહેવાય ? દાદાશ્રી : ટેકાજ્ઞાન તો આપણે નામ પાડ્યું. બાકી એનું મૂળ હશે પેલું જ્ઞાન. એ આ હોય તો અનુભવ થાય. તેથી અમે વાતો કરીએને આવી બધી. પ્રશ્નકર્તા : હવે એની પાસે દર્શનમાં શું હતું તે ઘડીએ ? દાદાશ્રી : દર્શન તો છે હજુ. દર્શનની જાગૃતિ પૂરી છે. પ્રશ્નકર્તા : આજે દર્શનમાં કઈ વિગત છે એની પાસે ? દાદાશ્રી : દર્શનમાં એને પોતાને જાગૃતિવાળું દર્શન છે અને તે પ્રતીતિ છે એ. દર્શન એટલે પ્રતીતિ, પછી બીજું કશું જોઈએ નહીં. પ્રશ્નકર્તા : એટલે 'શુધ્ધાત્મા છું' એ પ્રતીતિ ? દાદાશ્રી : એ બધું ય, 'હું શુધ્ધાત્મા છું', આ શું છે ? તે શું છે ? બધી ય એને પ્રતિતી હોય. પણ આને અનુભવ ના થવા દે, ટેકાજ્ઞાન સિવાય. 'ભોગવે એની ભૂલ' સાંભળ્યું ને પછી છે તે જ્યારે ભોગવવાનું થાય ને ત્યારે એને અનુભવ થઈ જાય કે ભૂલ તો આપણી જ છે. ખરેખર વાત સાચી છે. પણ એવી વાત સાંભળી ના હોય તો ? ફીટ ના થાય. તે ઘડીએ બુધ્ધિ જોર કરે કે હવે આવું આ ન્યાય કહેવાતો હશે ? એટલે ટેકાજ્ઞાન અમારી પાસે સાંભળ્યું હોય તો બહુ હેલ્પ કરે. એ તો જોડે બેસ બેસ કર્યા હોય, તે સાંભળે. આ ભોગવે એની ભૂલ તો આ અજ્ઞાની માણસો ય પકડી લેને, તોય એનું ગાડું ચાલુ થઈ જાય. એને પછી અનુભવ થાય કે ના, વાત સાચી છે. એને હઉ અનુભવ થાય. એ વ્યવહારમાં અનુભવી કહેવાય બધા અને આમાં આત્માના અનુભવી. 'ભોગવે એની ભૂલ' એટલે એને કશી ભૂલ થઈ ગઈ એટલે તરત જ આ શબ્દો યાદ આવે એટલે પછી તરત હિસાબ કાઢે કે ઓહોહો ! મારા હાથમાં શું હતું ? આ તો કંઈક હિસાબ જ હતો લાગે છે. તો પછી અનુભવ જ્ઞાન થઈ ગયું એને. પ્રશ્નકર્તા : એટલે આત્માની જાગૃતિ છે, પણ આત્માનો અનુભવ થવા માટે આ ટેકાજ્ઞાનની જરૂર છે. દાદાશ્રી : 'હું આત્મા છું' એ તો અનુભવમાં આવેલું જ છે ને ! દેહાધ્યાસનો અનુભવ તૂટ્યો ને આ આવ્યો. પ્રશ્નકર્તા : આ પ્રતિતીરૂપે આવ્યો છે ને ? દાદાશ્રી : ગમે તે રીતે, પણ છે ને અનુભવ ? હવે તો આ આગળનો અનુભવ તો જ્ઞાન પ્રગટ થવાને માટે છે. એક ફેરો અનુભવમાં આવી ગયું એટલે પછી કાયમને માટે જ્ઞાન પ્રગટ થઈ ગયું. પ્રશ્નકર્તા : એટલે એવી રીતે દરેક જુદાં જુદાં પ્રસંગે નવા જ્ઞાનની જરૂર પડે ખરી ? દાદાશ્રી : હા, એ તો જોઈએ જ ને ! બધું જોઈએ તો ખરું ને પણ ! જેટલા પ્રકારનાં જ્ઞાન એટલા પ્રકારનાં પર્યાય બધા. પ્રશ્નકર્તા : આપે પેલું કહેલું ને, દરેક ગૂંચની પાછળ અજ્ઞાન હોય છે. એટલે એ ગૂંચના સોલ્યુશન માટે કંઈક જ્ઞાનની જરૂર હોય જ છે. એ દરેક વખતે જુદું જુદું એટલે એ જ્ઞાન પ્રગટ થવાની વાત છે ને આ ? દાદાશ્રી : હં. અનુભવ પ્રમાણ આત્મા. હવે તમારો અનુભવ વધતો જશે, તેમ તમારો આત્મા પ્રગટ થતો જશે. આત્મા કેટલો પ્રગટ થયો ? ત્યારે કહે, અનુભવ પ્રમાણ ! જાગૃતનું સાનિધ્ય વધારે જાગૃતિ ! પ્રશ્નકર્તા : જાગૃતિ વધે છે, પણ બહુ વધારવી હોય તો શું કરવું ? દાદાશ્રી : જાગૃતિ વધારવી હોય તેણે જાગૃત જોડે બેસવું. એવું છે ને, બધા ઝોકાં ખાતા હોય તો પછી આપણને ય ઝોકાં આવે. બધા જાગૃત જોડે હોય તો, જો ઝોકું આવતું હોય એય બંધ થઈ જાય. માટે જાગૃત જોડે બેસવું. અત્યારે રાગ હોય તો બહુ ત્યારે જ્ઞાની ઉપર થાય કે જ્ઞાનીના ફોલોઅર્સ ઉપર થાય, બીજો બહાર તો નથી થતો ને ? પ્રશ્નકર્તા : બીજો રાગ ના થાય. દાદાશ્રી : તો આ રાગને તો પ્રત્યક્ષ મોક્ષનું કારણ કહ્યું છે. એ રાગથી તો આપણે એમની પાસે બેસવાના સંજોગો ભેગા થાય ને એનું ફળ આપણને જાગૃતિ ઊભી થઈ જાય. દીવો ઝપાટાબંધ સળગતો થઈ જાય. સ્ટેશન પર પ્લેટફોર્મ પર બેઠા હોયને બધા, આપણી જોડેવાળા બેઠેલા બધા ઝોકાં ખાતાં હોય તો પછી આપણે સત્સંગ કરતાં કરતાં ય ઝોકાં ખઈએ. એટલે આ જેની જોડે બેસીએને તેવું ફળ મળે. ઊંઘતા જોડે બેસો તો ઊંઘતું ને જાગતા જોડે બેસે તો જાગૃતિનું ફળ મળે. ધંધા ઉપર જાય તો પછી એ લોકો જોડે જ બેસવું પડેને ? પ્રશ્નકર્તા : બેસવું પડે. એટલે એમાં અજાગૃતિ થાયને ? દાદાશ્રી : હા, થાયને ! સ્વાભાવિક થાય. એટલે તેને તે વખતે જાણ્યા કરેને તે ય એક જાગૃતિ છે. અજાગૃતિ ઉત્પન્ન થઈ છે આનાથી, એવું જાણ્યા કરે તે ય એક જાગૃતિ છે. પ્રશ્નકર્તા : દાદાજી, આ જાગૃતિને અટકાવનારા કારણો પાછળનાં છે કે અત્યારનાં પણ કોઈક છે ? દાદાશ્રી : પાછળનાં કારણો તો બધાં અજાગૃતિવાળા જ હતા. અત્યારે જે જ્ઞાન આપ્યું છે એ પછીના કારણો આજ્ઞામાં રહે તો તેટલી જાગૃતિ ઊંચી રહે. પ્રશ્નકર્તા : તો જાગૃતિને અટકાવનારા અત્યારનાં કારણો કયાં એ ? દાદાશ્રી : મારી જોડે બહુ પરિચયમાં ના અવાતું હોય, મારી વાત પૂરી સમજાતી ના હોય. પ્રશ્નકર્તા : આપની વાતને પોતે પૂર્ણ રીતે સમજી શકે ખરો ? દાદાશ્રી : કેમ ના સમજી શકે ? પરિચયમાં રહે ને પોતે સમજવાનું નક્કી કર્યું છે, પછી કેમ ના સમજી શકે ? પ્રશ્નકર્તા : નક્કી કર્યા છતાં હજી નથી સમજાતું, એનું શું કારણ ? દાદાશ્રી : પરિચય નથી. એનો સાંધો કાપી નાખે છે. આજ બે કલાક બેઠો અને પાછું કાચું કપાયું ને પાછો બીજે દા'ડે બે કલાક નકામા જાય, એના કરતાં આખું લાંબા સમય સુધી અખંડ બેઠો હોય ને, તો ઉકેલ આવે. પ્રશ્નકર્તા : પણ એ તો પછી બહારના સંયોગને આધીન છે ને આ તો ? આપનો સાંધો મેળવવાનો નિશ્ચય હોય... દાદાશ્રી : એ બરોબર છે. તેથી આપણે કહીએ છીએ ને, વ્યવસ્થિત છે. એવાં સંજોગ ભેગા થવા જોઈએ. પ્રશ્નકર્તા : પણ એ નિશ્ચય છે માટે આગળ ભેગું થશે જરૂર ? આ નિશ્ચય છે એટલે વ્યવસ્થિત બદલાશે ? દાદાશ્રી : એ તો બદલાય ને ! વ્યવસ્થિત બદલાયા જ કરે. નિશ્ચય આપણો જેવો હોય ને, તે બાજુ જ વ્યવસ્થિત જાય. આપણો નિશ્ચય હોયને જે દિશામાં, તે દિશામાં જ વ્યવસ્થિતને જવું પડે. વ્યવસ્થિતનો નિયમ એવો છે કે તારો નિશ્ચય કઈ બાજુ છે ! પ્રશ્નકર્તા : પણ પેલા આગળના નિશ્ચય પછી તો ન નડે ને ? દાદાશ્રી : આગળનું તો અહીં લેવા-દેવા નથી. આજે શું નિશ્ચય છે ! પણ એ વિરોધાભાસ ના હોવો જોઈએ એ નિશ્ચય. પ્રશ્નકર્તા : પણ પ્રકૃતિ આગળ બધા લાચાર હોય છે. દાદાશ્રી : આમ અસામાન્ય પુરુષો જ ફક્ત પ્રકૃતિ આગળ લાચાર ના થાય. બાકી બધા ય પ્રકૃતિ આગળ લાચાર. ઉપયોગ જાગૃતિ ! પ્રશ્નકર્તા : આ રેશમનો કીડો છે, તે મહેનત કરીને કોશેટો બનાવે છે અને પછી પોતે જ એમાં ફસાય છે ! પછી બહાર નીકળવા માટે એને કોશેટાની માયા છેદવી પડે છે. હવે એનાં કેટલાં લેયર્સ છે ? આ બધાં... દાદાશ્રી : લેયર્સ-બેયર્સ કશું જ નથી, ખાલી ભડકાટ જ છે ! આ મેં તમને જ્ઞાન આપ્યું ને એટલે હવે તમે શુધ્ધાત્મા થયા. એટલે આ મન-વચન-કાયા અને 'ચંદુભાઈ'ના નામની જે જે માયા હોય, એ બધી 'વ્યવસ્થિત'ને તાબે છે. મહીં પ્રેરણા 'વ્યવસ્થિત' આપશે ! એટલે તમારે તો 'હું શુધ્ધાત્મા છું' એમાં તમે રહો ! અને આ 'ચંદુભાઈ'નું શું થયા કરે છે, 'ચંદુભાઈ' શું કરે છે એ તમે જોયા કરો ! બસ આટલું થઈ ગયું એટલે 'તમે' પૂર્ણ થયા ! બેઉ પોતપોતાનું કામ કર્યા કરે, 'ચંદુભાઈ' 'ચંદુભાઈ'નું કામ કરે. એમાં હવે ડખલ ના કરો. એટલે તમે કોશેટાની બહાર નીકળી ગયા ! એક જ દહાડો 'તમે' ડખલ ના કરો, તો તમને સમજાશે કે 'ઓહોહો ! હું કોશેટાની બહાર નીકળી ગયો !' એક જ દહાડો રવિવારે તમે આનો અખતરો તો કરી જુઓ ! તમે જે પાંચ ઈન્દ્રિયોના ઘોડાઓની નાડ (લગામ) ઝાલી છે, તેને છોડી અને મને ઝાલવા દોને ! પછી તમે નિરાંતે રથમાં બેસો અને કહેવું કે, 'દાદા, આપને જેવું હાંકવું હોય તેવું હાંકો, અમે તો આ નિરાંતે બેઠા !' પછી જુઓ, તમારો રથ ખાડામાં નહીં પડે. આ તો તમને હાંકતાં આવડે નહીં ને તમે જે હાંકવા જાવ છો. તેથી 'સ્લોપ' આવે ત્યારે લગામ ઢીલી મૂકો છો અને ઊંચે ચઢવાનું આવે ત્યારે ખેંચ ખેંચ કરો છો ! તે આ બધું વિરોધાભાસી છે. બાકી મેં જે આત્મા આપ્યો છે ને, તે કોશેટાની બહાર તમે નીકળી જ ગયેલા છો ! પણ હવે ઉપયોગ તમારે ગોઠવવો પડે ! એટલે આત્મા તમને આપ્યો છે પણ આત્માનો ઉપયોગ એવી વસ્તુ છે કે સ્લીપ થવાનો ઉપયોગ તો સહેજે રહે છે એને ! એટલે આ ઉપયોગ ગોઠવવાનો. એની પોતે જાગૃતિ રાખવી પડે, પુરુષાર્થ કરવો પડે. કારણ પોતે પુરુષ થયો છે ! હવે સ્લીપ થવાનો ઉપયોગ કોને કહેવાય ? એક મિલમાલિક શેઠ હતા. તે મારી જોડે જમવા બેઠા. તેમનાં વાઈફ સામાં આવીને બેઠાં. મેં કહ્યું, 'કેમ આમ તમે સામાં આવીને બેઠાં છો ?' ત્યારે શેઠાણી કહે, 'આ પાંસરી રીતે રોજ જમતા નથી. તે આજ તમે આવ્યા છો, તો કંઈક પાંસરી રીતે જમે. એટલા હારુ હું બેઠી છું !' ત્યારે શેઠ કહે, 'ઊઠ, ઊઠ, તું તો અક્કલ વગરની છે.' હું સમજી ગયો બધું કે 'શેઠ કેવા હશે ?!' મેં શેઠને કહ્યું, 'શેઠાણી તમારા હિતને માટે કહે છે. તમે પાંસરી રીતે જમો તો તમારું શરીર સારું રહે. ઊલટાં એને અક્કલ વગરની કહીને ડફળાવો છો શું કરવા ?' ત્યારે શેઠે કહ્યું કે એની વાત તો ખરી છે. હું જ્યારે જમવા બેસું છું ત્યારે મારું ચિત્ત મિલમાં હોય છે, ત્યાં સેક્રેટરી જોડે વાતો કર્યા કરે ને અહીં આગળ આ ધોકડું ખાયા કરે ! આને સ્લીપ થયેલો ઉપયોગ કહેવાય. પછી મેં શેઠને કહ્યું, 'શેઠ, આ તમારો ઉપયોગ સ્લીપ થયો. તેનાથી શું થશે જાણો છો ? ચિત્ત 'એબ્સન્ટ' હોય તે વખતે તમે ખાવાનું ખાવ, તો 'હાર્ટફેઈલ'નાં સાધન ઊભાં થાય ! જમતી વખતે ચિત્ત 'એબ્સન્ટ' તો ક્યારેય પણ રખાય નહીં ! ત્યારે શેઠ કહે, ''મારું ચિત્ત તો 'એબ્સન્ટ' જ રહે છે, મને કંઈ રસ્તો બતાવો.'' તે પછી મેં તેમને રસ્તો બતાવ્યો કે 'કેમ કરીને ચિત્ત હાજર રહે.' હવે એ શેઠને પૈસા ગણવા આપ્યા હોય તો શું થાય ? પ્રશ્નકર્તા : ખાવાનું ય ભૂલી જાય. દાદાશ્રી : તે વખતે તેમનો ઉપયોગ પૈસા ગણવામાં જ હોય. એક વાણિયાના છોકરાને નોકરીમાં છસોનો પગાર હતો. તેને મેં પૂછયું કે 'એક-એકની નોટો પગારમાં તને આપે તો તું શું કરું ?' ત્યારે એ કહે કે 'હું ગણીને લઉં !' 'અલ્યા, છસો નોટો તું ક્યારે ગણી રહે ? આનો પાર ક્યારે આવે ?' ત્યારે હોરો પેણે કોઈ શિકારી હોય તે ઝાપટ મારીને ચાલતો થઈ જાય અને આ રૂપિયા ગણવામાં તું ઉપયોગ રાખે તો, તારો કેટલો ટાઈમ બગડે ? બહુ ત્યારે પાંચ રૂપિયા ઓછા નીકળશે. બીજું તો શું થશે ? અને આ લોકો ઓછી નોટો આપે જ નહીં ને ? બધા ગણી ગણીને લે છે એવું એ જાણે. આપણા જેવા તો કો'ક જ પુણ્યશાળી હોય કે જે ગણ્યા વગર લે. એટલે આપણું તો એમ ને એમ નીકળી જાય. આમાં ટાઈમ કોણ વેસ્ટ કરે ? ત્યારે એ કહે કે, 'પાંચ-પાંચ પૈસા હોય તો ય હું ગણીને લઉં !' ધન ભાગ છે આનાં !!! આમ ઉપયોગ વેડફાઈ જાય છે, સ્લીપ થાય છે ! શુધ્ધાત્મામાં ઉપયોગ હશે તો તે બધી જગ્યાએ હેલ્પ કરશે. ખવાય-પીવાય, ધંધો થાય ત્યાં બધે 'હેલ્પ' થશે. કારણ કે (પ્રતિષ્ઠિત) આત્મા આમાં બીજું કશું કરતો નથી, ખાલી ડખલ જ કર્યા કરે છે. ડખલનો અર્થ શો થાય ? કોઈ પૂછે કે દહીં શી રીતે બનાવવું ? તે મને શીખવાડો, મારે બનાવવું છે. તો હું એને રીત બતાડું કે દૂધ ગરમ કરીને, ઠંડું કરજે. પછી એમાં એક ચમચી દહીં નાખીને હલાવજે. પછી ઢાંકીને નિરાંતે સૂઈ જજે. પછી કશું કરતો નહીં. હવે પેલો બે વાગે રાત્રે 'યુરીન' જવા માટે ઊઠ્યો હોય, તે પાછો મહીં રસોડામાં જઈને દહીંમાં આંગળી નાખીને હલાવી જુએ કે દહીં થાય છે કે નહીં ? તે ડખલ કરી કહેવાય ને તેથી સવારે દહીંનો ડખો થઈ ગયો હોય ! એવી રીતે આ સંસારનો ડખો કરીને લોકો જીવે છે ! એટલે આત્માનો ઉપયોગ ખસવા ના દેવો, એનું નામ ઉપયોગ જાગૃતિ. ઉપયોગ કોને કહેવાય ? આ દોઢ માઈલ સુધી બે બાજુ દરિયો હોય ને વચ્ચે એક જ જણ ચાલે. એટલા સાંકડા પૂલ પરથી તમને ચાલવાનું કહ્યું હોય, તો તે વખતે જે જાગૃતિ રાખો છો તેને ઉપયોગ કહેવાય. હવે તે ઘડીએ બેંકનો વિચાર આવે કે આટલી રકમ રહી છે ને આટલી ભરવાની છે, તો તેને તરત જ ખસેડી મૂકે ને જાગૃતિને પૂલ પર ચાલવામાં જ 'કોન્સેન્ટ્રેટ' કરે ! શાસ્ત્રકારોએ કહ્યું છે કે ઉપયોગ રાખો. ખાતી વખતે, પીતી વખતે, દરેક કામ કરતી વખતે ઉપયોગમાં રહો. ઉપયોગ એટલે ખાતી વખતે બીજું ના હોય. ચિત્તને હાજર રાખવું, એનું નામ ઉપયોગ. આ દરિયો બેઉ બાજુ હોય ત્યાં આગળ ચિત્તને હાજર રાખે કે ના રાખે ? નાનાં છોકરાં ય રમવાનું બાજુએ મૂકીને જાગૃત થઈ જાય ! એ ય બહુ પાકાં હોય ! કોઈ દેહધારીને ઉપયોગ ના હોય એવું ના બને. પૈસા ગણતી વખતે તમે કોઈ જોઈ આવજો. તે ઘડીએ વહુ આવી હોય, છોકરી આવી હોય તો ય એને એ જુએ પણ દેખાય નહીં. પેલી બઈ કહે કે, 'તમે પૈસા ગણી રહ્યા હતા ત્યારે અમે આવ્યાં હતાં તો ય તમને અમે ના દેખાયાં ?' ત્યારે એ કહે કે, 'ના, મારું લક્ષ ન હતું !!' આંખો દેખે છતાં દેખાય નહીં, એનું નામ ઉપયોગ. અત્યારે ય અમારો શુધ્ધાત્મામાં ઉપયોગ છે. તમારી જોડે વાતો કરતો હોઉં કે ગમે તે કરતો હોઉં, પણ અમારો ઉપયોગમાં ઉપયોગ રહે !! આ મન-વચન-કાયા એનું કાર્ય કરે, ત્યાં આગળે ય ઉપયોગમાં ઉપયોગ રાખી શકાય. તમારે પોતાને તો જેટલું રહે એટલું સાચું. ના રહે તો કંઈ ઓછું સૂરસાગરમાં પડાય છે ? આપણો આ સૂરસાગર તળાવ ખોળવાનો ધંધો નથી. આત્મા અને આ પ્રકૃતિ બન્ને ય જુદાં છે, સ્વભાવથી જુદાં છે. બધી રીતે જુદાં છે. સંસારમાં આત્મા બિલકુલે ય વપરાતો નથી. આત્માનો પ્રકાશ એકલો જ વપરાયા કરે છે. એ પ્રકાશ ના હોય તો આ પ્રકૃતિ બિલકુલ ચાલે ય નહીં. એ પ્રકાશ છે તો આ બધું પ્રકૃતિ ચાલે છે, બાકી આત્મા આમાં કશું જ કરતો નથી. અગર તો કોઈ દરિયાની વચ્ચે બે ફૂટનો રસ્તો કરેલો હોય ને બે બાજુ રેલીંગ ના હોય, ત્યાં જવાનું તે ઘડીએ વાઈફ યાદ આવે કે એને લક્ષ્મી યાદ આવે કે બંગલા યાદ આવે ? પ્રશ્નકર્તા : કોઈ ના યાદ આવે. દાદાશ્રી : હંઅ. એનું નામ ઉપયોગ. દાદાએ એક અવતારી મોક્ષમાર્ગ સિધ્ધાંતપૂર્વક આપ્યો તો પછી એ સિધ્ધાંતને આપણે વળગી રહેવું જોઈએ. ઉપયોગ એમાં જ રાખવો જોઈએ. અને દરિયામાં પડે તો એક જ અવતારનું મરણ થાય. જ્યારે આ લાખો અવતારનું મરણ થાય. મહીં તો ચંદુભાઈને કહેવું જોઈએ કે 'સીધો રહે'. અપૂર્ણ, છતાં નિરંતર જાગૃતિ ! જે કાળે જે માફક આવે તે સિધ્ધાંત કામ લાગે. પેલો સિધ્ધાંત કામ ના લાગ્યો. અને કલ્યાણકારી આ માર્ગ છે આટલો. નહીં તો કરોડો અવતારે આ મોક્ષ પમાય એવો નથી. અને તમારે તો મહીં ચેતવે પાછું કે આ ખોટું થઈ રહ્યું છે. એ મોક્ષે લઈ જવા ફરે છે. અને જે મહીં જાગૃતિ એ જ આત્મા છે, બીજું કશું નથી આત્મા. તમને જાગૃત કરે એવી અંદર જાગૃતિ ઉત્પન્ન થઈ, એ મોટામાં મોટું આશ્ચર્ય છે. નિરંતર જાગૃતિ રહેવી જોઈએ. એક સેકન્ડ પણ અજાગૃતિ રહે એ ચાલે નહિ. સંપૂર્ણ જાગૃતિ ના રહે પણ અમુક અંશે, નિરંતર હોય ! સંપૂર્ણ જાગૃતિ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય. સંપૂર્ણ અને નિરંતર ! આ અપૂર્ણ ને નિરંતર એ આ જાગૃતિ શરૂ થઈ જાય. પ્રશ્નકર્તા : અપૂર્ણ અને નિરંતર જાગૃતિ એ ના સમજ્યો. દાદાશ્રી : એટલે કેવળજ્ઞાન નહીં. પૂર્ણ હોત તો કેવળજ્ઞાન કહેવાત. એટલે તમારે હવે પુરુષાર્થ કરવાનો રહ્યો, તમે પુરુષ થયા માટે. તો હવે તમે પુરુષાર્થ કરો. જેટલી આજ્ઞા પાળો એટલું મહીં જાગૃતિ વધતી જાય, પૂર્ણતા ઉત્પન્ન થતી જાય. જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા. જેટલું નજીક ગયા, એટલું અજવાળું વધારે એટલો પ્રકાશ થતો જાય. આ વિજ્ઞાન છે, આ તો ત્રણે કાળનું વિજ્ઞાન છે આ. ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે, ભવિષ્યકાળમાં બદલાશે નહીં, એવું વિજ્ઞાન છે આ તો. તમને નથી લાગતું આ વિજ્ઞાન છે દાદાનું ? તાળા મેળવી જોતા હોય તો ખબર પડે. અવિરોધાભાસ સૈધ્ધાંતિક રીતે નથી લાગતું એવું ? જ્ઞાનીની અપાર કરુણા... અમે આજ્ઞા આપી છે ને એ આજ્ઞામાં રહેને તો નિરંતર સમાધિમાં રહે એવું છે. એ આજ્ઞા અઘરી ય નથી. એમાં વિરોધાભાસ લાગે છે કંઈ ? આપણે અહીં તો જેનો કોરો કાગળ એનો જલ્દી ઉકેલ આવે. અને પાછું પુસ્તકો ભણ ભણ કર્યા'તા. જો પુસ્તકો ના ભણ્યા હોયને તો એથી બહુ ઊંચી દશા હોત. આ તો પુસ્તકો પાછાં ઠેબાં માર માર કરે. અમારી હાજરીમાં આ અમારી પાંચ આજ્ઞા પાળેને, અગર તો અમારો કોઈ એકાદ શબ્દ લઈ જશેને તો મોક્ષ થઈ જશે. એક જ શબ્દ, આ અક્રમ વિજ્ઞાનનો કોઈ પણ એક શબ્દ ઝાલી પાડે અને એની મહીં વિચારણામાં પડ્યો, આરાધનામાં પડ્યો તો એ મોક્ષે લઈ જશે. કારણ કે અક્રમ વિજ્ઞાન એ સજીવન જ્ઞાન છે, સ્વયં ક્રિયાકારી વિજ્ઞાન છે અને આ તો આખો સિધ્ધાંત છે. આમાં કોઈ પુસ્તકનું વાક્ય જ નથી. એટલે આ વાતનો એક અક્ષરેય જો સમજેને, તો એ બધા અક્ષર સમજી ગયો તે ! પ્રશ્નકર્તા : એ તો આપે એમેય કીધું છે ને, આજ્ઞામાં ન રહેવાય તો ય આજ્ઞામાં રહેવું છે એવું નક્કી કરવાનું. દાદાશ્રી : તે રહેવું એટલું નક્કી જ કરવાનું. એ રહેવું એવું નથી કહેતો. એટલું તમારે નક્કી જ કરવાનું ! આ તો સિધ્ધાંત છે. આમાં સિધ્ધાંતમાં ફેર હોય નહીં. પ્રશ્નકર્તા : સિધ્ધાંતમાં ફેર નથી, એના એપ્લિકેશનમાં જ ડખા છે. દાદાશ્રી : ના, ગમે એવું એપ્લાય કર્યું હશે, એપ્લિકેશન રોંગ કર્યું હશે તો ચાલશે. કારણ કે આ રઘા સોનીનો કાંટો નથી, આ કારુણ્યતાનો કાંટો છે. રઘા સોનીનો કાંટો તો કહેશે, 'એ ય ઓછું થયું, જતાં રહો.' અરે ! થોડું ઓછું થાય, એમાં શું બગડી ગયું ? ખટપટ, કલ્યાણ માટે જ ! ખટપટિયા વીતરાગનો અર્થ લોકોએ પોતાની ભાષામાં નહીં લઈ જવો જોઈએ. કારણ કે તમારા હિતને માટે જ, આત્મકલ્યાણ માટે જ ખટપટ કરવી પડે છે. મારું પોતાનું હિત તો સંપૂર્ણ થઈ ગયેલું જ છે. એટલે ખટપટિયા વીતરાગ ! સમજાયું ને ? પ્રશ્નકર્તા : હા. ખટપટિયા વીતરાગ વિશે હવે સમજ પડી. દાદાશ્રી : હા. ખટપટિયા ના હોય ને, તો ગાડું કેમ ચાલે ? જલેબી ખવડાવીને વીતરાગ બનાવે. બધું ખાવ-પીવો-મઝા કરો ને વીતરાગ થાવ. કેવો સરળ રસ્તો ! સરળ માર્ગ ઉપર રાખીને વીતરાગ બનાવે. પ્રશ્નકર્તા : આપની પાસે વિરોધાભાસ જેવી વસ્તુ જોવા મળી. ખટપટ કરનાર કોઈ દહાડો વીતરાગ હોય નહીં અને આ જોયું કે ખટપટ પણ કરે છે અને છતાં ભારોભાર વીતરાગતા છે. દાદાશ્રી : હા. ખટપટ ના હોય તો ચાલે નહીં ને ! અને આજના લોકો ખટપટ વગર ભેગા ના થાય. જો સંપૂર્ણ વીતરાગતા હોય ને, તો મને કોઈ ભેગો જ ના થાય. - જય સચ્ચિદાનંદ. |
|---|