ચિત્ત શુધ્ધિથી મોક્ષ !

સંપાદકીય

લૌકિક ક્રિયાઓ, કર્મકાંડ, ધર્મ, ભક્તિ, ધ્યાન, ઉપવાસ, મંત્ર, જાપ વગેરે કંઈક ને કંઈક માણસ મનની શાંતિ માટે કર્યા કરતો હોય છે અને એમ જ કહેવામાં આવે છે કે મન ચંચળ છે એને સ્થિર કરો, મનને એકાગ્ર કરો. મન ભટકતું છે, એને વશ કરો. પણ જે ચિત્ત ખરેખર બગડી ગયું છે, તેનાથી આ બધી અશાંતિ અને સંસારમાં ભટકવાનું વધી ગયું છે. તે તો વાત સાવ ગુપ્ત જ રહી ગઈ છે. તેની ઉપર પડદો જ આવી ગયો છે. સંતો-મહંતો પણ એ વાત ક્યાંય કરતાં જ નથી. એ ફોડ પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાને અત્રે પાડ્યો છે. મનને ક્યાંય વચ્ચે લાવતાં જ નથી. બધાનું મૂળ કારણ ચિત્તની અશુધ્ધિ છે. જે ચિત્ત બગડવાથી આ બધું સંસારમાં તોફાન ઊભું થઈ ગયું છે. ચિત્ત બગડે તેમ અધોગતિ થતી જાય ને ચિત્ત ચોખ્ખું થતું જાય તેમ ઉર્ધ્વગતિ થતી જાય, ચિત્ત શુધ્ધ જ થઈ જાય તો પોતે પરમાત્મા થઈ જાય, મોક્ષે જતો રહે.

ચિત્તનું સ્વરૂપ શું ? જ્ઞાન અને દર્શન. અશુધ્ધ જ્ઞાન ને અશુધ્ધ દર્શન એ અશુધ્ધ ચિત્તનું સ્વરૂપ. એટલે હું ચંદુભાઈ છું, આમનો ધણી થઉં, આનો બાપો છું, એ જ બધા પ્રકારની રોંગ માન્યતાઓ તે જ અશુધ્ધ ચિત્તનું સ્વરૂપ. અક્રમ માર્ગમાં બે જ કલાકમાં જ્ઞાનવિધિ દ્વારા ચિત્તની શુધ્ધિ જ કરી આપવામાં આવે છે, જોડે જોડે રક્ષણ માટે પાંચ આજ્ઞા આપવામાં આવે છે, જેનાથી શુધ્ધ થયેલું બગડે નહીં અને પાછલાં ભવનું બગડેલું છે તે ચોખ્ખું થયા કરે.

અનાદિ કાળથી ચિત્તની શુધ્ધિ થઈ જ નથી, તેથી વિનાશી વસ્તુઓમાંથી સુખ ખોળ્યા કરે છે અને વસ્તુઓ વિનાશી હોવાથી સુખ ટકતું નથી, તેથી પાછી બીજી વસ્તુ શોધે છે. આમ અનંત કાળથી ચિત્તની શોધખોળની ભટકામણનો અંત આવતો જ નથી. વિનાશી વસ્તુનો સંયોગ થાય તો ગમે એટલે રાગ કરે. પાછો વિયોગ થાય તો ના ગમે એટલે દ્વેષ કરે, ત્યારે બીજી કોઈ ચીજ ઉપર રાગ કરે. આમ ભટકામણ ચાલી આવી છે. અહીં જ્ઞાની પુરુષ પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે ચિત્તની શુધ્ધિ થવાથી ચિત્ત આત્માનું સુખ ચાખતું થઈ જાય છે. એટલે બહારના રાગ-દ્વેષ ખલાસ થતાં જાય છે ને બહાર અશુધ્ધ ચિત્ત ભટકતું ઓટોમેટીકલી બંધ થતું જાય છે. શુધ્ધ ચિત્ત પોતાના આત્મામાં રમણતા કરતું થઈ જાય છે, પરમાનંદમાં રાચતું થઈ જાય છે. નિરંતર આત્મરમણતા એ જ મોક્ષ !

પ્રસ્તુત સંકલનમાં ચિત્તની શુધ્ધિ વિશે વિવિધ પ્રકારના અદ્ભૂત ફોડ પ્રાપ્ત થયા છે, જે જાગૃતિ વર્ધમાન થઈ આત્મરમણતાના પુરૂષાર્થ અર્થે ઉપકારી થશે.

દીપકના જય સચ્ચિદાનંદ

ચિત્ત શુધ્ધિથી મોક્ષ !

શુધ્ધિ-અશુધ્ધિ, ચિત્તની !

પ્રશ્નકર્તા : આત્માની ઉર્ધ્વગતિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : ચિત્ત શુધ્ધિ થાય ત્યારે. ચિત્ત શુધ્ધિ થાય એટલે ઉર્ધ્વગતિ થાય. જેટલુ જેટલું ચિત્ત શુધ્ધ થતું જાય એમ એમ ઉર્ધ્વગતિ થાય. સંપૂર્ણ શુધ્ધ ચિત્ત થઈ જાય, એટલે પોતે જ પરમાત્મા થઈ ગયો. શુધ્ધ ચિત્ત જ પરમાત્મા છે.

પ્રશ્નકર્તા : પણ તે ચિત્ત શુધ્ધિ કેવી રીતે થવાની ?

દાદાશ્રી : ચિત્ત શુધ્ધિ તો આ લોકોને તમે સુખ આપો, તો તમારી ચિત્તની શુધ્ધિ થાય અને દુઃખ આપો તો શુધ્ધ થયેલું હોય તો ય અશુધ્ધ થઈ જાય. એમ કરતાં કરતાં સુખ આપતા આપતા ચિત્ત શુધ્ધિ અમુક જગ્યા સુધી જાય, લિમિટ સુધી. પછી છે તે બાકી આગળ ના થાય. આગળ પછી ભોમિયા મળે ત્યારે દહાડો વળે.

મૂળ દોષ, ચિત્ત અશુધ્ધિનો !

ચિત્તની અશુધ્ધિને લઈને આ જગત ઊભું થયું છે. ચિત્ત શુધ્ધિ થઈ જાય કે કામ થઈ ગયું. બસ એટલું જ છે. ચિત્ત અશુધ્ધિમાં સંસાર અભિમુખ દ્રષ્ટિ છે એની, જેને સાપેક્ષ દ્રષ્ટિ કહે છે. એને લઈને ચિત્તની અશુધ્ધિ છે. નિર્પેક્ષ દ્રષ્ટિ થાય એટલે ચિત્ત શુધ્ધિ થઈ જાય.

પ્રશ્નકર્તા : અશુધ્ધ ચિત્તમાં જે અશુધ્ધિ છે, એનું સ્વરૂપ શું ?

દાદાશ્રી : ચિત્ત એ તો કદી પોતાના સ્વરૂપ ભણી ના વળતાં બીજી બાજુ જુએ એટલે અશુધ્ધ થઈ જાય. અન્ય દ્રષ્ટિ થઈ કે અશુધ્ધ કહેવાય. પોતાના સ્વભાવ તરફ જુએ તો શુધ્ધ કહેવાય.

લોકોને ચિત્ત સંસાર દ્રષ્ટિ તરફ જુએ છે, એટલે ક્રોધ-માન-માયા-લોભ બધાં ઊભાં થયાં છે અને બધું એનાથી બહુ દુઃખ પડે છે. પણ એનો ઉપાય જડતો નથી ને ! એટલે એકમાં રાગ કરે, જ્યાં આગળ ઠંડક વળે ત્યાં રાગ કરે. કારણ કે સ્વભાવ બેઉ છે. શાતા અને અશાતા વેદનીય બેઉ જોડે ને જોડે ચાલ્યા કરે. ઘણા ફેરાં અશાતા વધારે હોય. એમ ચાલ્યા કરે. આ દુષમકાળમાં શાતા જરીક જ છે કો'ક વખત પણ એના આધારે, લાલચે બેસી રહે છે ને, હમણે ઠંડક વળશે, હમણે ઠંડક વળશે. આવતે વરસ, આવતે વરસ એમ કહીને કાઢે છે તે ? અશાતામાં કાઢે છે આશાનો માર્યો ને ? સારા કાળમાં અશાતા ઓછી હોય ને શાતા વધારે હોય. આ દુષમકાળમાં અશાતા વધારે હોય, શાતા ઓછી હોય.

આ બધી ચિત્તની જ ભાંજગડ છે. અશુધ્ધ ચિત્ત છે, એની જ ભાંજગડ છે, શુધ્ધ ચિત્ત થવું જોઈએ.

ચિત્ત અશુધ્ધિથી સંસાર !

પ્રશ્નકર્તા : તો શુધ્ધ ચિત્ત અને અશુધ્ધ ચિત્તમાં ફરક શો ?

દાદાશ્રી : અશુધ્ધ ચિત્ત ઊંધું જુએ છે કે આ મારા બાપા થાય ને આ મારા મામા થાય, આ કાકા થાય ને આ સસરા થાય. 'હમણે છોકરાં જોડે મને ગમતું નથી' એમ કહે. આત્મા એ શુધ્ધ ચિત્ત છે. આ સંસાર એ અશુધ્ધ ચિત્તનું ફળ છે.

પ્રશ્નકર્તા : પણ એ તો બુધ્ધિ અને જ્ઞાનનો વિષય છે ને ? એમાં ચિત્ત કેવી રીતે આવે ?

દાદાશ્રી : બુધ્ધિની કશી ભાંજગડ નથી. બુધ્ધિ તો છેવટે એન્ડ ઉપર ડિસિઝન લે છે. બીજું કશું કરતી નથી.

જ્ઞાની બોલે પણ માને નહીં !

આ મારા સસરા થાય, આ મારા મામા થાય, આ મારા ફૂવા થાય, આ મારો દીકરો થાય, આ મારી દીકરી થાય, આ જે જ્ઞાન છે તે અશુધ્ધ ચિત્તનું જ્ઞાન છે. એ અશુધ્ધ ચિત્ત કહેવાય છે. તેવું તેવું તો જ્ઞાની ય બોલે કે આ મારા સસરા છે. જ્ઞાની શું બોલે ? મામા કહે, સસરાને ? એ ય એમ કહે કે આ મારા સસરા થાય, આ મારા ફૂવા થાય, આ મારા મામા થાય. પણ એમને શ્રધ્ધા ના હોય. બોલે ખરા પણ બિલિફ (માન્યતા)માં એવું ના હોય અને પેલાં લોકોને ? એ લોકો જેવું બોલે છે એવું એમની બિલિફમાં છે. અને આ લોકો (મહાત્માઓ) બોલે છે એવું એમની બિલિફમાં નથી. ખાલી નાટકીય બોલે છે.

ચિત્ત અશુધ્ધ થયેલું છે. મન તો અશુધ્ધ થયેલું જ નથી કોઈ દહાડો ય ! એ તો એનાં સ્વભાવમાં જ છે બિચારું. આ ચિત્તની અશુધ્ધિ થયેલી છે. ચિત્તની અશુધ્ધિ એ સંસાર અને ચિત્ત શુધ્ધિ એ મોક્ષ, બસ !

એટલે મેલું તો ચિત્ત જ !

ચિત્તના અને મનના ભેદને સમજતો જ નથી ને ! મારું મન મુંબઈ જતું રહ્યું એવું તેવું બોલે છે ને, એ ચિત્ત જતું રહે છે.

પ્રશ્નકર્તા : પણ આ સાધુઓ, આ સત્સંગવાળા, બીજા-ત્રીજા, બધા લોકો મનની જ વાત કરે છે.

દાદાશ્રી : એમને ખબર જ ના પડે ને ! ચિત્તનું અને મનનું ભાન જ નથી એ લોકોને ! મન મેલું થાય જ નહીં. ચિત્ત જ મેલું થાય અને સંસ્કૃતમાં અશુધ્ધ ચિત્ત કહે. પણ આમ મેલું ના બોલે, એનું નામ દુનિયા !!

પ્રશ્નકર્તા : ત્યારે આ લોકો એમ કહે છે મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે.

દાદાશ્રી : હા. મન જ કારણ છે.

પ્રશ્નકર્તા : તો તમે ચિત્તની વાત કરો છો પાછી.

દાદાશ્રી : મેલું શું આમાં ? ચિત્ત મેલું છે તેથી આ મન ઊભું રહ્યું છે. એટલે ચિત્ત જો ચોખ્ખું થાય તો મોક્ષે લઈ જાય ને ચિત્ત મેલું થાય તો અહીં આગળ બધું રખડાવી મારે. ચિત્તને ને મનને યથાર્થ સમજ્યા વગર બધું ઠોકાઠોક કહેલું છે બધાય પુસ્તકોમાં !

ચિત્ત અશુધ્ધ થયેલું હોય ત્યારે મન અશુધ્ધ થયેલું હોય, તે એમાં નર્કગતિમાં ને બીજી ગતિઓમાં લઈ જાય. સંસારમાં રખડાવી મારે. એટલે અશુધ્ધ ચિત્ત જ થાય છે. મન કોઈ દહાડો અશુધ્ધ થતું નથી.

મન ચંચળ, સ્વભાવથી જ !

પ્રશ્નકર્તા : ગીતામાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે કે મન બહુ ચંચળ છે.

દાદાશ્રી : મન ચંચળ છે પણ મેલું નથી. ચંચળ તો, દરેક વસ્તુ ચંચળ જ છે ને ! મન એકલું કંઈ ચંચળ છે ?!

પ્રશ્નકર્તા : ચિત્ત પણ ચંચળ ખરું જ ને ?

દાદાશ્રી : એ તો હોય જ. ચિત્ત પણ ચંચળ તો ખરું જ, પણ આ ચિત્ત મેલું છે. ચિત્તનાં મેલાંને લઈને આ જગત ઊભું છે, મનને લઈને નથી ઊભું. એવું સ્ટ્રોંગ રીતે ત્રણેય કાળને માટે સત્ય બોલીએ છીએ આપણે આ.

લૌકિકમાં તો બધું એવું જ હોય. લૌકિકની વાત આપણે કરવાની નહીં. આપણે સમજવા માટે લૌકિક સમજવું. લૌકિક તો ગાયો-ભેંસોને રાડાં નાખે ને, એના જેવા આ રાડાં (ઘાસ) નાખવામાં આવે છે. પીરસનારા ય રાડાં ખાય છે અને એ ય રાડા ખાય છે.

ચિત્તને જ શુધ્ધ કરવાનું છે. મન કશું બગડ્યું નથી. મનનો સ્વભાવ જ છે, અવળું-સવળું બધું દેખાડવું. ચિત્ત જ બગડ્યું છે ને ભટક ભટક ભટક ભટક... કર્યા કરે છે અને પાછી ટિકિટ કશી લેવાની નહીં, એ તો ખુદાબક્ષ !

મન સ્થિર હોય એટલે સ્પંદન ના થાય, એટલે ફળ મળે. જો જોડે જોડે ચિત્ત શુધ્ધિ હોય તો કામ જ કાઢી નાખે ને !

અશુધ્ધ ચિત્ત, મિશ્ર ચેતન !

પ્રશ્નકર્તા : મન-બુધ્ધિ-ચિત્ત ને અહંકાર, તેમાં વધારેમાં વધારે શક્તિ તો ચિત્તની છે ને ?

દાદાશ્રી : એવું છે ને, ચિત્ત એ મિશ્ર ચેતન છે અને પેલાં તો સ્વભાવે પુદ્ગલ છે. ચિત્ત એ જ્ઞાન-દર્શન છે. એ શુધ્ધ થઈ જાય તો શુધ્ધાત્મા થઈ જાય અને જ્યાં સુધી આ સંસારની જેને વાત ગમતી હોય, સંસારમાં જ ચિત્ત ભટક ભટક કરતું હોય તો શુધ્ધાત્મા ના હોય. આ જ્ઞાનના પ્રભાવથી ચિત્ત શુધ્ધ થાય એટલે 'સ્ટેડીનેસ' (સ્થાયી) થાય.

ચિત્ત શુધ્ધિ થઈ ગઈ, એનું નામ જ ક્ષાયક દર્શન. સંસારી ચિત્ત એ અશુધ્ધ ચિત્ત કહેવાય. અશુધ્ધ ચિત્ત એ મિશ્ર ચેતન છે. શુધ્ધ ચિત્ત થાય છે તે શુધ્ધ ચેતન છે. અશુધ્ધ ચૈતન્યને ચિત્ત કહે છે. અશુધ્ધ પણ ચૈતન્ય છે !

શુધ્ધ ચિત્ત - શુધ્ધ ચેતન !

પ્રશ્નકર્તા : ચિત્તની શુધ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : આ ચિત્તની શુધ્ધિ જ કરી રહ્યા છો ને ! ચિત્તનો અર્થ લોકો પોતપોતાની ભાષામાં સમજે છે. ચિત્ત નામની કોઈ જુદી વસ્તુ છે એમ જાણે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન ભેગાં કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય તે. ચિત્તની શુધ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શનની શુધ્ધિ કરવી. શુધ્ધાત્માને શું કહેવાય ? શુધ્ધ 'ચિદ્રૂપ'. જેનું જ્ઞાન-દર્શન શુધ્ધ થયું છે એવું જે સ્વરૂપ પોતાનું તે જ શુધ્ધ ચિદ્રૂપ.

ચિત્ત બે ધાતુની ભેગી થયેલી વસ્તુ છે. જ્ઞાન અને દર્શન - બે ધાતુ ભેગી થાય ત્યારે એ ચિત્ત કહેવાય છે. જ્ઞાન અને દર્શન એ જોઈન્ટ (ભેગા) થાય છે ત્યારે ચિત્ત કહેવાય છે. એ ચિત્ત અશુધ્ધિ જ્ઞાનમાં હોય છે એટલે વિપરીત જ્ઞાનમાં હોય છે, વિપરીત દર્શનમાં હોય છે ત્યારે અશુધ્ધ ચિત્ત કહેવાય છે અને શુધ્ધ જ્ઞાન ને શુધ્ધ દર્શનમાં હોય ત્યારે શુધ્ધ ચિત્ત કહેવાય છે.

જ્ઞાની જ શુધ્ધ આત્મા આપી શકે !

અશુધ્ધ ચિત્તની શુધ્ધિ કરવા માટે જગતના બધા જ ધર્મો ફાંફાં મારી રહ્યાં છે. સાબુથી મેલાં કપડાં ધોઈને સાફ કરાય તેમ ! પણ સાબુ કપડાંનો મેલ તો કાઢશે પણ પાછો પોતાનો મેલ મૂકતો જશે. તે સાબુનો મેલ કાઢવા પાછો ટીનોપોલ જોઈએ. તે ટીનોપોલ સાબુનો મેલ તો કાઢી આપે પણ પાછો પોતાનો મેલ મૂકતો જાય ! તે ઠેઠ સુધી એક મેલ સાફ કરનારી વસ્તુ પોતાનો મેલ સાફ થનાર વસ્તુ પર મૂકતી જ જાય. તેમ આ જગતના બધા જ રીલેટિવ ધર્મોમાં છે. જ્યાં સરવાળે ચિત્ત ઉપર પણ છેલ્લે અશુધ્ધિ-મેલ રહે જ છે. સંપૂર્ણ શુધ્ધ, તો તે જ કરી શકે કે જે સ્વયં સંપૂર્ણ શુધ્ધ, સર્વાંગ શુધ્ધ છે. માટે એવા જ્ઞાની પુરુષ જ કરી શકે. એટલા માટે તો દરેક શાસ્ત્ર છેવટે કહે છે કે, 'તારે આત્મા પ્રાપ્ત કરવો હોય તો જ્ઞાની પાસે જા. તે જ શુધ્ધ આત્મા આપી શકે. અમારી પાસે તો ભેળસેળવાળો આત્મા છે. અશુધ્ધ આત્મા છે, જેની કંઈ જ કિંમત નથી.'

મોક્ષમાર્ગમાં મનને કશું જ કરવા જેવું નથી, માત્ર ચિત્તને જ શુધ્ધ કરવાનું છે, તો જ ઉકેલ આવે. કેટલાંક સમજ્યા વગર મનની પાછળ પડે છે, તેને વશ કરવા જાય છે. તે તેમના વ્યૂ પોઈન્ટથી બરોબર છે, પણ જો મોક્ષ જોઈતો હોય તો ફેક્ટ જાણવું પડશે અને ફેક્ટથી તે કમ્પ્લિટ રોંગ છે. શુધ્ધ ચિત્ત થયા પછી મનની સાથે કંઈ જ લેવા-દેવા નથી રહેતી. શુધ્ધ ચિત્ત પછી તો મનની ફિલ્મ જોયા કરે છે.

ગમતી-ના ગમતી જગ્યાએ ભટકે ચિત્ત !

ચિત્ત પોતાની ગમતી જગ્યાએ અને ભયની જગ્યાએ વિશેષ ભટકે છે. બપોરે રૂમમાં સાપ જોયો હોય તો સૂતી વખતે પણ સાપ યાદ આવે. ચિત્તને ભય લાગે છે ત્યારે ત્યાંનું ત્યાં જ જાય છે. જડ પણ નહીં અને ચેતન પણ નહીં એવું મિશ્ર ચેતન-અશુધ્ધ ચિત્ત જ્યાં ગમે ત્યાં ભટકે છે. ટિકિટ વગરનું ભટકવાનું છે, માટે ભટકે છે. ટિકિટ હોત તો સારું, તો ચિત્ત ભટકત જ નહીં !

ચિત્ત ઉપરથી ચેતન થયું છે. શુધ્ધ જ્ઞાન ૅ શુધ્ધ દર્શન = શુધ્ધ ચેતન.

પૂર્વે જે જે પર્યાયોનું ખૂબ જ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે. ત્યારે ચિત્ત ત્યાં ચોંટી રહે, કલાકોના કલાકો રહે, ગુંઠાણા જાય. ત્યાં આગળ બહુ ભારે બીજ પડે. જે પર્યાયો પાતળા થઈ ગયા તે પર્યાયોની ચોંટ ચિત્તને વધારે ના રહે. ચોંટે ને છૂટું જ પડી જાય.

જ્ઞાન અને દર્શનને ભેગું બોલવું હોય તો ચિત્ત બોલવું પડે. ચિત્ત નાશવંત વસ્તુઓ જ દેખાડે. જ્યાં જ્યાં વાસના લાગે ત્યાં ચિત્ત ભટકે. જેટલું જ્ઞાન હોય તેટલું દેખાય અને દર્શન હોય તેટલું ભાંભરું (ઝાંખું) દેખાય. જ્ઞાનથી એક્ઝેક્ટ દેખાય.

સ્થાનો, ચિત્તને રોેકવાના !

ચિત્ત પોતે જ્ઞાન-દર્શન સ્વરૂપ છે. હવે એ જ જ્ઞાન-દર્શન અશુધ્ધ રૂપે છે અત્યારે, એનું શુધ્ધિકરણ કરો એટલું જ કહેવા માંગે છે આ. એના શુધ્ધિકરણનાં રસ્તા છે.

રસ્તેસર જવાને માટે શુધ્ધિકરણના રસ્તા છે. પણ લોકો શુધ્ધિકરણના રસ્તા જાણતા નહીં હોવાથી પોતે ફાવે એમ રસ્તાને પકડે છે. એકવાર તો ચિત્તને જ સમજતા નથી. એ વાતો સાંભળીએ તો લાગે કે સાવ ઠોકાઠોક હોય, ત્યાં શી રીતે માણસ 'વસ્તુ'ને પામે ?

ચિત્ત અશુધ્ધ ક્યાં સુધી છે ? ત્યારે કહે, જગતની એને લાલચો છે, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. એ જ્યારે પોતાના ઘરનું સુખ જુએ છે પછી બહાર નહીં નીકળે. પોતાના ઘરનું સુખ, પોતાના સ્વરૂપનું સુખ જે જુએ છે, પછી એ બહાર ભટકે નહીં.

જગતના લોકો મોહના સુખમાં રાચતા હોય છે, પણ મહીંલી બળતરા તેનાથી કંઈ જાય નહીં. સાંજે છ જણા પત્તા રમતા હોય તેમને કહીએ, હવે જમવાનો વખત થયો, ઊઠો પણ કોઈ હાલે નહીં ! તે શાથી કે પત્તામાં સુખ હોય છે ? ના, એ તો ચિત્તને રોકવાનું સ્થાન ઊભું કર્યું છે. આ જગતમાં મનને રોકવાના સ્થાન છે, પણ ચિત્તને રોકવાનાં સ્થાન નથી. પત્તા રમે એમાં ચિત્ત રોકાય, પણ એ સ્લીપરી (લપસાવનાર) છે. એમ કરતાં સ્ટેપ બાય સ્ટેપ (પગથિયે પગથિયે) સ્લીપ (લપસતો) થતો જાય. પછી દારૂ ય પીવે ! એટલે અશુધ્ધ ચિત્ત રોકાય નહીં ક્યારેય ! એ તો જ્ઞાની પુરૂષ અશુધ્ધ ચિત્તનું શુધ્ધિકરણ કરી આપે તો રોકાય ! અશુધ્ધ ચિત્તની શુધ્ધિ કરવા માટે જગતના બધા ધર્મો ફાંફા મારી રહ્યા છે.

તે આ બીજા રસ્તા, આ નીચલા રસ્તા બધા દેખાડેલાં. કેટલાંક ધર્મોમાં હેય... મૂર્તિને આમ ધૂએ, ધોવડાવે ને આમ કરે ને તેમ કરે, એ ચિત્તની શુધ્ધિ માટે છે. એટલો વખત જરા પાંસરો રહ્યો. તે થોડી ઘણી શુધ્ધિ થઈ મહીં. પણ એમાં કશુંય એક તલ જેટલું ય ના મળે. આખોય દહાડો કષાય, ગાળો જ ભાંડ્યા કરતો હોય માંહ્યોમાંહ્ય.

પ્રશ્નકર્તા : એટલો વખત તો એને એકાગ્રતા આવે ને, જ્યાં સુધી સેવામાં હોય ત્યાં સુધી ?

દાદાશ્રી : પણ એટલો વખત એને કરવાનું ય શું તે ? એમાં શું દહાડો વળ્યો આપણો ? શક્કરવાર શું વળ્યો ? જેનાથી અંતરશાંતિ થાય, જેનાથી કોઈને દુઃખ ના દેવાય, એનું નામ ધર્મ કહેવાય. આ તો દુઃખો દેવામાં પાછો શૂરો.

મૂર્તિને નવડાય-ધોવડાય કરે અને લાકડાંની માળા ફેરવ ફેરવ કરે. 'નાસ મણકા, મણકો આવ્યો. નાસ મણકા, મણકો આવ્યો.'

ચિત્ત શુધ્ધિના સાધનો !

આ સંસાર એવો છે કે નિરંતર ચિત્તની અશુધ્ધિ જ થયા કરે. એટલે આ લોકોએ ધર્મ મૂકેલો કે ધર્મ ચિત્તની શુધ્ધિ કર્યા કરે. ધર્મ ના હોય તો ચિત્ત અશુધ્ધિ થઈ જાય એટલે અધોગતિમાં જતો રહે પછી.

રસ્તામાં કોઈક સામું મળે તો તમને ગાળો દે દે કરે કે આ માણસ ઠેકાણા વગરનો, બહુ નાલાયક છે, એવું તેવું બધું બોલે તો શું કહો ?

પ્રશ્નકર્તા : હવે તો કશું જ કહીએ નહીં ને ?

દાદાશ્રી : એટલે તમે તમારું ચિત્ત અશુધ્ધ ના કરો. ચિત્ત અશુધ્ધિનું કારણ આ. એ બોલે છે ને તમે સામું બોલો એ તમારી ચિત્તની અશુધ્ધિ થઈ જાય. પણ તે તમે સામું કશું ના કરો, એટલે ચિત્તની અશુધ્ધિ થાય નહીં.

પ્રશ્નકર્તા : આપણે એક્સેપ્ટ (સ્વીકાર) ના કરીએ તો લાગતું જ નથી ને ?

દાદાશ્રી : હા. તે ચિત્તની શુધ્ધિ થાય.

ચિત્ત હંમેશાં ય ભટક્યા કરે અને તે જ અશુધ્ધ ચિત્ત થયા કરે. કોઈ દહાડો મન અશુધ્ધ થતું નથી. અશુધ્ધ એકલું ચિત્ત જ થયા કરે છે. એ ચિત્તની જ શુધ્ધિ કરવાની છે, તેને બદલે લોકો શુંનું શું ય શુધ્ધ કરવા માંડ્યા !

પ્રશ્નકર્તા : ખરી ચિત્તની શુધ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : આ ચિત્તની શુધ્ધિ જ કરી રહ્યા છો ને ! આ જે તમે બોલો છો ને, પ્રશ્ન પૂછો છો ને, તે ચિત્તની શુધ્ધિ કરવા માટે જ પૂછી રહ્યા છો.

જેમ શરીરને નદીમાં ઝબોળવાથી શરીર શુધ્ધ થાય છે, તેમ સત્સંગમાં ઝબોળ ઝબોળ કરવાથી મન અને ચિત્તની શુધ્ધિ થાય છે. ચિત્તની શુધ્ધિ થયા જ કરે અને સંપૂર્ણ શુધ્ધ ચિત્ત થઈ ગયું, એનું નામ નિર્વિકલ્પ દશા ! એટલે ચિત્ત શુધ્ધિ એ એનો મૂળ ઉપાય છે !

ધર્મનાં પુસ્તક વાંચશો તો આટલો લાભ થશે. કારણ કે બીજી જગ્યાએ રમી રમવામાં તો નથી ને અત્યારે ! અને તમારું ચિત્ત અહીં છે ને ! જેટલું ચિત્ત પાંસરું એટલી શુધ્ધિ થશે અને શુધ્ધ થયેલું ચિત્ત બગાડશો નહીં તો આગળ શુધ્ધિ વધતી જશે. ચિત્ત જ શુધ્ધ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી.

પ્રશ્નકર્તા : સારા વાંચનથી ચિત્ત શુધ્ધિ થાય ?

દાદાશ્રી : હા, થાય. સારા વાંચનથી ચિત્તની શુધ્ધિ ધીમે ધીમે થાય. પણ પાછું જેટલા પ્રમાણમાં ચિત્તની શુધ્ધિ કરીએ છીએ, એટલા પ્રમાણમાં અશુધ્ધ વધારે કરીએ છીએ. એટલે પછી નફો શો રહ્યો આપણી પાસે ? દસ ટકા જેટલી આપણે ચિત્ત શુધ્ધિ કરી. તો સાંજ સુધીમાં કો'કની જોડે ભાંજગડો કરી, તેમાં વીસ ટકા અશુધ્ધિ થઈ જાય. એટલે દસ ટકાની આપણે ઘેર ખોટ ને ખોટ જ આવીને ? એ તો એક જ ફેરો ચિત્તની શુધ્ધિ કરીને, તો એ ચોખ્ખું થઈ ગયું.

જ્ઞાન જ એને ચલાવે !

એને એવું જ્ઞાન મળ્યું હોય, આ જીવો, માંકણ, મચ્છરો મારી નાખવા જોઈએ, આપણને ત્રાસ આપે છે. તો એ એનાં જ્ઞાનના આધારે ઊંધું કરે છે. જે જ્ઞાન એને આજે પ્રાપ્ત થયું હોય, તે જ્ઞાનના આધારે એ કામ કર્યે જવાનો. એ જ્ઞાન શેમાં પ્રાપ્ત થયેલું ? ત્યારે કહે, ચિત્તમાં મળેલું છે પણ અશુધ્ધ ચિત્ત, એટલે અશુધ્ધ જ્ઞાન-દર્શન, એ એના આધારે કામ કરે છે.

ને એવું જ્ઞાન-દર્શન મળ્યું હોય, જરા સારું જ્ઞાન-દર્શન કે ભઈ, જીવોને મારવા એ હિંસા છે. તો એ ત્યાં આગળ અટકી ય જાય છે. એ અહંકાર ત્યાં અટકી ય જાય. પણ એવું જ્ઞાન જ ના મળ્યું હોય તે શું કરે પછી ? બધા લોકોને મારતાં જોયાં ને પછી પોતાને જ એવું જ્ઞાન મળે તો શું કરે ? એને પૂર્વના સંસ્કાર નથી. પૂર્વના સંસ્કાર એવા અહિંસાના હોય તો બધા લોકોને મારતાં જુએ તો ય એનાં મનમાં એમ થાય, અરે, કમકમાટી છૂટે ! આ જૈનોનાં છોકરાં મેં જોયા છે, એમને તો કમકમાટી ઊપજે એવી કંઈ હિંસા કરવી હોય તો, કારણ કે પૂર્વના સંસ્કાર છે મહીંના !

ચિત્ત શુધ્ધિનો ઉપાય !

પ્રશ્નકર્તા : જ્યાં સુધી ખબર નથી પડી કે આ ચિત્તને શુધ્ધ કેવી રીતે કરવાનું, જ્યાં સુધી સાચું શું, ખોટું શું ખબર નથી, તો ચિત્ત શુધ્ધ કેવી રીતે થવાનું ?

દાદાશ્રી : ખબર તો બધુંય છે. સાચું-ખોટું બધુંય ખબર પડે. દરેક પોતપોતાનાં ગજા પ્રમાણે. દરેક નાનું છોકરું ય એના ગજા પ્રમાણમાં, એનાથી મોટું એના ગજા પ્રમાણે, દરેક પોતપોતાનાં ગજાના પ્રમાણમાં સારું-ખોટું બેઉ સમજે જ. પણ આનું ફળ ચિત્ત શુધ્ધિ થાય છે એવું એ જાણે નહીં અને એ જાણે તો ચિત્ત શુધ્ધિનું ફળ શું ? તો મોક્ષ છે, એવું જાણે નહીં. એવું બધું નહીં જાણવાથી જ આ બધું ચાલ્યા કરે છે, બેભાનપણે.

પ્રશ્નકર્તા : ચિત્તને નિજઘરમાં કેવી રીતે વળાય ?

દાદાશ્રી : ચિત્ત શુધ્ધ થાય તો જ નિજઘરમાં આવે. પહેલામાં પહેલી અશુધ્ધિ શું ? ત્યારે કહે, 'હું ચંદુલાલ છું, હું જુવાન છું, હું આનો ધણી છું.' આ બધું અશુધ્ધ ચિત્ત છે. એના ઉપરથી તો સમજાય છે કે ચિત્તનાં પરમાણુ ઠેરઠેર વેરાઇ ગયા છે અને આજે લોકોને તો ચિત્ત પણ બે-ચિત્ત થઇ ગયા છે ! 'અનંત ચિત્ત'ની ઉપર વધારે જાય તો બે-ચિત્ત થાય ! આ બે-ચિત્તવાળાને તે પછી બધું બે-બે દેખાય. એક જણ મને કહે કે, 'હું ચિત્ત શુધ્ધિ કરાવવા જાઉં છું.' આ કલાઇવાળા પાસે જાવ તો તે કલાઇ કરી આપે ! પણ આ તો બે-ચિત્તવાળા લોકો ને તેમને ત્યાં જ ચિત્ત શુધ્ધિ કરાવવા જાય, તે તારું જે ચિત્ત છે ને એ ય બે-ચિત્ત કરી નાખશે ! એના કરતાં જે છે એને રહેવા દે ને ! એ બે-ચિત્તવાળો પછી કહેશે કે, 'મને આ દીવા બબ્બે દેખાય છે !' તો અલ્યા, તારું થઇ ગયું કલ્યાણ ! આ એક છે ને બે શી રીતે દેખાય છે ?

ચિત્ત શુધ્ધિનો સારો ઉપાય 'દાદા'નો પ્રત્યક્ષ સત્સંગ, અહીં તો નિરંતર ચિત્તની શુધ્ધિ થયા જ કરે. 'દાદા' અહીં હાજર હોય અને ઘેર બેઠાં બેઠાં ચિત્ત શુધ્ધિ કરે એ બરોબર નહીં.

ચિત્ત શુધ્ધિનો નાનામાં નાનો ઉપાય, તે નિસ્પૃહી પુરુષનો પરિચય અને દર્શન. અને છેલ્લામાં છેલ્લો ઉપાય 'જ્ઞાની'નું દર્શન ! આ સિવાય ચિત્ત શુધ્ધિનો કોઈ ઉપાય જ નથી સંસારમાં. નિસ્પૃહી પુરુષો અને વીતરાગોની વાણી હ્રદયદ્રાવક હોય !

અશુધ્ધ ચિત્ત શાથી અશુધ્ધ છે ? 'સ્વ'ને જોઇ શકતું નથી, માત્ર પરને જ જોઇ શકે છે; જયારે શુધ્ધ ચિત્ત 'સ્વ' અને 'પર' બન્નેને જોઈ શકે !

એ સમજે કોણ ?

પ્રશ્નકર્તા : અશુધ્ધ છે એવું જે સમજે છે તે શુધ્ધ ચિત્ત છે ?

દાદાશ્રી : ના. તે તો પાછો અહંકાર સમજી જાય ને, કે મારું ચિત્ત અશુધ્ધ છે. ચિત્ત શુધ્ધિ નથી થયેલી એવું અહંકાર સમજે ને ! અહંકાર બધું કામ કરી શકે છે. એ છેલ્લેવારકું અહંકારને લઈને જ અંધો રહેલો હોય, એટલો ભાગ છે તે આત્માની જરૂર પડે છે, શુધ્ધ લાઈટની. કારણ કે અહંકારને લઈને આંધળો રહેલો હોય. બીજું, અહંકાર બધું લાઈટ આપી દે છે, બુધ્ધિજન્ય લાઈટ બધું આપી દે છે. બુધ્ધિજન્ય લાઈટ જે બુધ્ધ ભગવાને આપ્યું એ બુધ્ધિજન્ય અહંકાર વિલય થયો ત્યારે એ બુધ્ધ થયા અને આગળ જો પગલું મૂક્યું હોય તો કેવળ જ્ઞાની કહેવાત. પણ ત્યાં અટકી ગયા.

વ્યવહાર સંગે સંગે ચિત્ત શુધ્ધિ !

પ્રશ્નકર્તા : સંસારમાં રહીને ચિત્ત શુધ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : સંસારમાં ચિત્ત શુધ્ધિ કરવા માટે બહુ પ્રામાણિક નિષ્ઠાથી રહેવું જોઈએ. અને ઓબ્લાઈઝીંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખવો પડે. પ્રમાણિક નિષ્ઠાથી એટલે કોઈનું કંઈ પણ ખોટું આપણા ઘરમાં ના આવે, એવી રીતે રહેવું જોઈએ. અને બીજું ઓબ્લાઈઝીંગ નેચર. આપણું કો'કને ત્યાં જવું જોઈએ. એટલે જેટલું આપણું લોકોને ત્યાં ગયું એટલી ચિત્ત શુધ્ધિ થાય.

પ્રશ્નકર્તા : તો તો આપણો વ્યવહાર વધાર્યો, ચોપડા વધાર્યા ઊલટાં આપણે.

દાદાશ્રી : એ આપણા જ્ઞાન લીધેલાઓ માટે નથી, આ બહારના માટે વાત કરું છું. આ જે પૂછે છે તે બહારના માટેની વાત કરે છે. એટલે એમને આ રીતે કરે તો કામ લાગે. તેનાથી ચિત્ત શુધ્ધિ થાય. પણ છેવટે આત્માને જાણવો પડે, જ્ઞાની પુરૂષ પાસેથી ! આત્મજ્ઞાની સિવાય કોઈ દહાડો ચિત્તની શુધ્ધિ ના થાય. આત્મજ્ઞાની મળે તો આપણો ઉકેલ આવે, નહીં તો પછી આ ભાંજગડ છે. રમી રમવા જાય, તેના કરતાં ત્યાં બેસી રહે તે સારું. એ જગ્યાએ બેસી રહ્યો હોય તે લપસી ના પડાય ને ! એટલે ઉકેલ કરવો હોય તો આત્મજ્ઞાની સિવાય ઉકેલ ના થાય.

જ્ઞાની કરાવે ચિત્ત શુધ્ધિ !

ચિત્તની શુધ્ધિ કરવી છે તમારે ?

પ્રશ્નકર્તા : એ જ પૂછું છું, કઈ રીતે પ્રયત્ન થઈ શકે ?

દાદાશ્રી : જેની શુધ્ધિ થઈ ગયેલી હોય ને, તે આપણને શુધ્ધિ કરી આપે. જે લોકોની અશુધ્ધિ હોય અને એ આપણને ચિત્ત શુધ્ધિ કરી આપે ?! ચિત્ત શુધ્ધિ તો અહંકાર બહુ જૂજ રહે ને ત્યારે કંઈક ચિત્ત શુધ્ધિ થયેલી હોય, ક્રોધ-માન-માયા-લોભ થોડા થોડા રહ્યા હોય ત્યારે ત્યાં ચિત્ત શુધ્ધિ થયેલી હોય.

આ જગતમાં કરવા જેવું માત્ર ચિત્તની શુધ્ધિ કરવા જેવી છે.

પ્રશ્નકર્તા : એનો રસ્તો કોણ બતાવે ?

દાદાશ્રી : જ્ઞાની પુરૂષ સિવાય આ વર્લ્ડમાં કોઈ કરી શકે નહીં આ, એ નિમિત્ત હોય એનાં. તે નિમિત્ત મોટામાં મોટા હોય તો ય પણ એ જ્ઞાની પુરૂષ એ નિમિત્ત. બીજા આ લોકો કંઈ કારીગરો બધા કરી શકે નહીં. જે કારીગરો છે, એટલે કર્તાભાવ છે જેને, કર્તાભાવ હોય તેને શું કહેવાય આપણે ? કારીગરો કહેવા પડે. અને કર્તાભાવ નથી એને કારીગર કેમ કહેવાય ?

જગત આખું શું જાણે કે મનને વશ કર કરવું એ ધર્મ છે. એટલે મન વશ કરવાની પાછળ પડ્યા છે લોકો. જ્યારે જ્ઞાની પુરૂષને પૂછે કે ખરેખર શું છે ? મન વશ થાય ? ત્યારે કહે કે, મન વશ તો મોટા યોગીઓ કરે. હા, એ તો એવું જ ને ! એકાગ્રતા કરે. નહીં તો ત્રાટક કરીને ય કરે મૂઓ ! પણ ચિત્તની શુધ્ધિ થઈ શકે નહીં.

ચિત્તની શુધ્ધિ એકલી જ મોક્ષે લઈ જાય છે આ દુનિયામાં. સંસારમાં પુરુષાર્થ હોય તો આ ચિત્તની શુધ્ધિ કરવી. તેથી અમે કહીએ ને કે અમારી પાસે બેસી રહેજે ને એટલે ચિત્ત શુધ્ધિ થયા કરશે એમ ને એમ. અરે, અમથો હાથ અડાડીને, હું આમ બેસી રહ્યો હોઉં ને આમ હાથ અડાડીને બેસી રહ્યો હોય તો ય ચિત્ત શુધ્ધિ થયા કરે. એનો છેલ્લો ઉપાય આની પાસે હોય બધોય.

પ્રશ્નકર્તા : ચિત્ત, બુધ્ધિ, મન અને અહંકાર, આમાં જો ચિત્ત શુધ્ધિ થાય તો આ બધા અંદર ચિત્તમાં ઓગળી જાય કે નહીં ?

દાદાશ્રી : આ ચિત્ત શુધ્ધિ થતી નથી જ ને ! ચિત્તે અશુધ્ધ થયું ને, તેને લીધે આ બધાં ઊભાં થયાં છે. અને ચિત્ત શુધ્ધિ થાય એટલે પેલાં વિલય થઈ જાય. બીજું કોઈ કારણ નથી.

કોઈ કહે, ચિત્ત શુધ્ધિ માટેનો શો ઉપાય ? ત્યારે કહે, જ્ઞાની પુરૂષ પાસે કૃપા પ્રાપ્ત થવી જોઈએ. એટલે તમારે જ્ઞાનીને કહેવું જોઈએ કે મારી ઉપર કૃપા વરસાવો. કોની કૃપા ? ત્યારે કહે, 'ભગવાનની કૃપા વરસાવજો !' ત્યારે ચિત્ત શુધ્ધિ થઈ જાય. પછી મોક્ષનો માર્ગ નજીક થઈ ગયો. આત્યંતિક કલ્યાણ થઈ ગયું. ચિત્ત અશુધ્ધિને લઈને આ સંસાર છે અને ચિત્ત શુધ્ધિથી મોક્ષ છે.

આમાં મન ફજેત કરતું નથી. મન તો નાવડું છે. જો તમે સંસારપક્ષમાં છો તો નાવડું તમને ભટકાય ભટકાય કરશે અને જો મોક્ષપક્ષમાં આવ્યા, તો નાવડું તમને કિનારે લઈ જશે. એ તો હેલ્પર (મદદકર્તા) છે. તમને મન કશું નુકસાન કરનારું છે જ નહીં.

એટલે અમે સ્વરૂપનું સુખ દેખાડી દઈએ અને ચિત્તની શુધ્ધિ કરી આપીએ. બધી રીતે આત્મા- અનાત્મા જુદા પાડી આપીએ. અને પછી દિવ્યચક્ષુ આપીએ. આ ચામડાની આંખથી સાચી વસ્તુ દેખાય નહીં. આ કોણ આવ્યું ? ત્યારે કહે, મારા સાળા આવ્યા. આ કોણ આવ્યું ? ત્યારે કહે, મારા સસરા આવ્યા. આ કોણ આવ્યું ? ત્યારે કહે, મારા મામા આવ્યા. એવાં કેટલાં છે તમારે ? કેટલાં લફરાં છે આવા ? લફરામાંથી જ નવરો ના થાય ને !

પ્રશ્નકર્તા : આ લફરાંમાંથી છૂટવા માટે સ્વરૂપનું જ્ઞાન જોઈએ ને ?

દાદાશ્રી : હા. તે અમે આપીશું ને બધી રીતે છોડાવીશું. અમે જ્યારે તમને ભેગા થઈશું, ત્યારે બધી રીતે સર્વસ્વ રીતે છોડાવીશું.

કર્મ શુધ્ધિ, ચિત્ત શુધ્ધિના આધારે !

પ્રશ્નકર્તા : આ ચિત્ત ખેંચાયા કરે, એનું શું કારણ ?

દાદાશ્રી : એ જ પૂર્વકર્મ !

પ્રશ્નકર્તા : કર્મની શુધ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : કર્મની શુધ્ધિ એટલે ચિત્તની શુધ્ધિ કરવાથી થઈ જાય. ચિત્તની શુધ્ધિ થાય એટલે કર્મની શુધ્ધિ થઈ જાય. આ તો ચિત્તની અશુધ્ધિને લઈને કર્મ અશુધ્ધ થાય છે. ચિત્ત શુધ્ધ થઈ જાય એટલે કર્મ શુધ્ધ જ થઈ જાય.

પ્રશ્નકર્તા : દરેક કર્મ શુધ્ધ થઈ જાય ? ગમે તે કર્મ કરે તે શુધ્ધ થઈ જાય ?

દાદાશ્રી : ચિત્ત શુધ્ધ થઈ જાય ને, તો પછી કર્મ શુધ્ધ થઈ જાય. ચિત્ત અશુધ્ધ હોય તો કર્મ અશુધ્ધ. ચિત્ત શુભ હોય તો કર્મ શુભ, ચિત્ત અશુભ હોય તો કર્મ અશુભ ! એટલે ચિત્ત ઉપર ડિપેન્ડ(આધારી) છે બધું એનું. એટલે ચિત્તને રીપેર કરવાનું છે. આપણા લોક શું કહે છે, કે મારે ચિત્ત શુધ્ધિ કરવાની છે. એટલે આ જગતમાં ચિત્ત શુધ્ધિ કરવા માટે જ અધ્યાત્મ છે. એટલે ચિત્ત શુધ્ધિ કરવાની જરૂર છે.

ચોરી કરવાથી ચિત્ત અશુધ્ધ થાય અને મહીં એનું પશ્ચાતાપ કરવાથી એ ચિત્ત શુધ્ધ થઈ જાય. અને પશ્ચાતાપ નહીં કરવાથી આજ લોકોના ચિત્તની અશુધ્ધિ રહી છે, તેથી બધા અશુધ્ધ કર્મો થયાં કરે છે. પશ્ચાતાપ કરવા જ નથી. જાણે તો ય પશ્ચાતાપ નથી કરતાં. જાણે તો ય શું કહે, કે બધા એવું જ કરે છે ને ! એટલે પોતાનું ચિત્ત અશુધ્ધ થાય છે તે ભાન નથી રહેતું.

પ્રશ્નકર્તા : વ્યવહાર શુધ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો વ્યવહારમાં ચિત્તની શુધ્ધિ રાખે કે ભઈ, આપણે આને દગો કરવો નથી તો પછી એ વ્યવહાર શુધ્ધિ થઈ ગઈ અને દગો થઈ જાય તો વ્યવહાર અશુધ્ધ થઈ જાય, એટલે નીતિ-નિયમથી પ્રમાણિકતાથી ચાલે તો વ્યવહાર શુધ્ધિ રહે.

ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી, ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીસનેસ. વ્યવહાર શુધ્ધિ માટે, સામાને દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ એ વ્યવહાર શુધ્ધિ કહેવાય. સહેજ દુઃખ ના થાય. આપણને થયું હોય તે ખમી લેવાનું પણ સામાને ન જ થવું જોઈએ.

પ્રશ્નકર્તા : ચિત્તથી જ સૌથી વધારે દ્રવ્યકર્મ ઊભાં થયા હશે ?

દાદાશ્રી : ખરું કહે છે, ચિત્તથી જ બધાં દ્રવ્યકર્મ ઊભાં થાય છે. રૂટકોઝ (મૂળ કારણ) બધાં આનાથી જ ઊભાં થાય છે.

તેથી અમે કહીએ છીએ ને કરવાનું અમારે, લિફ્ટ ચલાવવાની અમારે, તમે બેસી રહો. અમારા કહ્યા પ્રમાણે કર્યા કરો. તમારે કશું કરવાનું નહીં, એવું કહીએ છીએ ને !

જ્ઞાની જ કરી આપે ચિત્ત શુધ્ધિ !

પ્રશ્નકર્તા : ચિત્તને શુધ્ધ કરવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : ચિત્ત શુધ્ધિ જ્ઞાની પુરુષ પાસે થઈ શકે. એ તો પાપને ધોવડાવા પડે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ કર્મનો ગોટો વાળીને નાશ કરી શકે છે. એ પાપ બધા ધોઈ કાઢે, ત્યારે પછી ચિત્ત શુધ્ધિ થાય.

અમે તો તમારું ચિત્ત જ શુધ્ધ કરી આપીએ છીએ, બીજું કશું જ કરી આપતા નથી. મન છોને રહ્યું, એ કશું નડતું નથી. એટલે અમે એને ચિત્ત શુધ્ધિ કરી આપીએ ત્યાર પછી ચિત્ત ડાહ્યું થઈ જાય.

રોંગ બિલિફો એ જ શુધ્ધ ચિત્ત !

પ્રશ્નકર્તા : ચિત્તની વાત કરીને કે અશુધ્ધ ચિત્ત આખું ઊડી જાય છે. એ જરા આમ ફોડ પાડોને બરાબર ?

દાદાશ્રી : બધી રોંગ બિલિફો, એ અશુધ્ધ જ્ઞાન-દર્શન કહેવાય. એવી રીતે બધા અશુધ્ધ ચિત્ત છે લોકોને.

પ્રશ્નકર્તા : એટલે દાદા, મહાત્માને અશુધ્ધ ચિત્ત આખુંં, કમ્પ્લિટ ઊડી જ ગયું ?

દાદાશ્રી : કમ્પ્લિટ જ ઊડી ગયું.

પ્રશ્નકર્તા : તો પછી એને આ જે બધું દેખાય છે, લાગે છે કે આ મારું ચિત્ત ખેંચાય છે, આ થાય છે એ શું છે ?

દાદાશ્રી : એ બધું ભાસે છે. ભાસ્યમાન પરિણામ છે. રોંગ બિલિફો એ જ અશુધ્ધ ચિત્ત છે. રોંગ બિલિફો ને રોંગ જ્ઞાન એ બે અશુધ્ધ ચિત્ત છે. 'આ મારું છે' તે ય અશુધ્ધ. 'આ હું છું' તે ય અશુધ્ધ. એ બધું અશુધ્ધ.

પ્રશ્નકર્તા : ના. એટલે એ પ્રતિષ્ઠિત થયેલું નથી એમ. ચાર્જ કરેલું નથી એ, બિલિફને લીધે ઊભું છે. બિલિફ ઊડી કે તરત ઊડી ગયું.

દાદાશ્રી : ઊંધું દેખાય છે ને ઊંધું જણાય છે. ઊંધું દેખાય છે, છતું દેખાતું નથી અને એટલે જ પોતે 'હું ચંદુભાઈ છું' એવું બોલે છે, આ રોંગ બિલિફો ઊભી થઈ ગઈ બસ. એક બિલિફ ચંદુભાઈ થઈ ગઈ એટલે પછી બીજી બધી થઈ ગઈ.

પ્રશ્નકર્તા : આ બહુ ગજબનું જ્ઞાન કહેવાય કે આમ બિલિફ ફેરવીને આખુંં, કમ્પ્લિટ અશુધ્ધ ચિત્ત આખુંં ઊડાડી મૂક્યું એમ.

દાદાશ્રી : ઊડી જ ગયુંને પણ !

પ્રશ્નકર્તા : એ છતાં આ એમ કે આ ખેંચાય છે, આકર્ષણ થયું માટે પ્રતિક્રમણ કરો એ બધું શું છે તો પછી ?

દાદાશ્રી : કશું થતું જ નથી એવું-તેવું. આ તો ભાસ્યમાન છે. મન એકલું જ્ઞેય સ્વરૂપે હોય. કશું જ થતું નથી. એ ભાસ્યમાનવાળાને મહીં સફોકેશન થાય એટલે દેખાય. કર્મના ઉદય આડે આવે એટલે એની મહીં એમ લાગે. બાકી આ જ્ઞાન પછી હું આનો મામો થઉં, આનોે કાકો થઉં, એવું બધું લાગે ?

પ્રશ્નકર્તા : ના લાગે.

દાદાશ્રી : એ લાગે ત્યારે એ અશુધ્ધ ચિત્ત.

પ્રશ્નકર્તા : એક બાજુ પેલું કહેને ચિત્ત ફોટા પાડે. એટલે પેલાને બધું દેખાય ને એટલે થાય કે હજુ અશુધ્ધ ચિત્ત છે આમાં. ખરી રીતે જોઈએ તો આખુંં અશુધ્ધ ચિત્ત રહેતું જ નથી.

દાદાશ્રી : છે જ નહીં ને અશુધ્ધ ચિત્ત ! શુધ્ધ ચિત્ત થયું, એનું નામ જ આ શુધ્ધાત્મા. એ શુધ્ધ ચિત્ત રૂપ છે. શુધ્ધાત્માને બદલે કોઈક માણસ એમ કહે છે 'હું શુધ્ધ ચિત્ત રૂપ છું' તો એ ચાલ્યું પછી. અશુધ્ધ ચિત્ત હતો ત્યાં સુધી શંકા રહેતી હતી, શુધ્ધ ચિત્ત થયું કે થયું.

પ્રશ્નકર્તા : આ દાદાનું નિદિધ્યાસન કરે છે, એ કોણ જુએ છે ?

દાદાશ્રી : એ તો પ્રજ્ઞાશક્તિ.

પ્રશ્નકર્તા : એટલે એમાં ચિત્તનું કંઈ કામ નહીં ?

દાદાશ્રી : ચિત્તને શું લેવા-દેવા ?

એક ફેરો સમજી લેવાનું હોય. વારેઘડીએ સમજી લેવાનું ના હોય. ફરી પ્રશ્ન ઊભો ના થાય.

પ્રશ્નકર્તા : આ તો હું માનતો હતો જ એવું કે દેખાડે છે જે બધું જે, દેખાય છે એ બધું ચિત્ત જુએ છે. ચિત્તને લીધે દેખાય છે. એ આખું, એ આખી વસ્તુ જ ખોટી ?

દાદાશ્રી : ના, પણ ચિત્ત એ જ્ઞાન-દર્શન છે એટલે જુએને ! આ અજ્ઞાની માણસને ઓફિસમાં જાય ચિત્ત, તે ત્યાં ખુરશી-ટેબલ બધું જોઈ આવે. પેલા મહેતાજી બેઠેલા દેખાય એને, બીડીઓ પીતાય દેખાય છતાં એ અશુધ્ધ ચિત્ત છે.

ચિત્ત તો આ બધાં લોકોને અશુધ્ધ થયેલું હોયને, તેને આ બધું દેખાય. અશુધ્ધ ચિત્ત એ બધું અશુધ્ધિ જ દેખાડે. અશુધ્ધ જ્ઞાન-દર્શન દેખાડે. ખુરશી ને ટેબલ ને સાસુ ને સસરો ને બીજું બધું. અશુધ્ધ દેખાડે અને હું છે તો ચંદુ છું, આમ છું, ઈન્જિનીયર છું એ અશુધ્ધ જ્ઞાન-દર્શન. શ્રધ્ધા એ અશુધ્ધ અને જ્ઞાનેય અશુધ્ધ.

જગત આખું અશુધ્ધ ચિત્તને છે તે થોડું શુધ્ધિકરણ કરવા માટે જાત જાતના પ્રયોગો અને જાત જાતનું એ કર્યા કરે છે, ક્રિયાઓ. અલ્યા મૂઆ, ક્રિયા સ્વરૂપે નથી અશુધ્ધ ચિત્ત. અશુધ્ધ ચિત્ત તો રોંગ બિલિફ અને રોંગ જ્ઞાન એ અશુધ્ધ ચિત્ત. 'હું ચંદુભાઈ છું' એ રોંગ બિલિફ.

પ્રશ્નકર્તા : રોંગ બિલિફ તો, 'હું ચંદુભાઈ છું' એને રોંગ બિલિફ કહી, તો પછી રોંગ જ્ઞાન એ કોને કહ્યું ?

દાદાશ્રી : આ રોંગ જ્ઞાન એને છે તે આ વિગતવાર કહીએ કે 'ભઈ, એમનો છોકરો.' પેલું વિગતવાર બોલીએ એ જ્ઞાન કહેવાય. વિશેષ ભાવને એ જ્ઞાન કહેવાય અને આ સામાન્ય ભાવને દર્શન કહેવાય. રોંગ બિલિફ આ કહેવાય ને પેલું રોંગ જ્ઞાન કહેવાય. આ રોંગ બિલિફો તો આપણે જ કહી છે. કોઈએ કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ રોંગ બિલિફો મિથ્યાત્વનું સ્વરૂપ છે એવું કહ્યું જ નથી. મિથ્યાત્વ શું છે એ જ ખોળી આપ્યું નથી આ લોકોએ અને કહે છે, મિથ્યાત્વ કાઢો.

અશુધ્ધ ચિત્તમાંથી ઉદ્ભવે !

પ્રશ્નકર્તા : ઈચ્છાઓનું ઉદ્ભવસ્થાન અશુધ્ધ ચિત્ત છે ?

દાદાશ્રી : હા, અશુધ્ધ ચિત્તમાંથી મન-બુધ્ધિ-અહંકાર બધું ઊભું થાય છે. શુધ્ધ ચિત્ત છે ત્યાં ઈચ્છા જ નથી. અશુધ્ધ ચિત્તથી આ દેહ બધું ઊભું થયું છે. આપણે પાછાં વળ્યા છે તેથી આ બધી ઈચ્છાઓને આથમતી ઈચ્છાઓ કહીએ છીએ. શેકી નાખેલાં બી ફરી ઊગે નહીં એના જેવું.

એટેકથી ચિત્તની અશુધ્ધિ !

સામા ઉપર એટેક (આક્રમણ) કરવાથી ચિત્તની અશુધ્ધિ થાય. કોઈ એટેક કરે, તેની પર એટેક નહીં કરવાથી ચિત્ત શુધ્ધ થાય. એ બસ આટલું જ છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી એ પ્રમાણે રહે ને ?

દાદાશ્રી : જ્ઞાન લીધા પહેલા તો હોય જ નહીં. અશુધ્ધ ચિત્ત બગડ્યા જ કરે ઊલટું.

બિના ચિત્ત શુધ્ધિ, નહિ મોક્ષમાર્ગ !

પ્રશ્નકર્તા : આપે આત્માને જ્ઞાન સ્વરૂપ કહ્યો, પ્રકાશ સ્વરૂપ કહ્યો, તો પછી ચેતન સ્વરૂપ કેમ કહ્યો ?

દાદાશ્રી : ચેતનનો અર્થ એ થાય કે જાણવું અને જોવું. બન્ને સાથે થાય ત્યારે એ ચેતન ગણાય છે. ત્યારે ચિત્ત ગણાય છે અને ચિત્ત એટલે ચેતન ! અને 'હું ચંદુભાઈ છું' એ ચિત્ત અશુધ્ધ થયેલું છે. એ જ્ઞાન-દર્શન અશુધ્ધ થયેલું છે. 'હું ચંદુભાઈ છું' એ ભાવ કાઢી નાખીએ અને તમે 'આત્મા' છો એ ભાન કરાવીએ. એટલે ચિત્તની શુધ્ધિ કરી નાખીએ. ચિત્તની શુધ્ધિ થઈ તે આવું શુધ્ધ દેખાય. અને ચિત્તની અશુધ્ધિથી જ આ મારા સસરા ને આ મારા સાસુ ને એવું બધું દેખાય અને પેલો આત્મા દેખાય ! આપણા જ્ઞાન આપ્યા પછી ચિત્ત શુધ્ધિ જ થઈ જાય. પછી ચિત્ત એનું ભટકતું નથી.

પ્રશ્નકર્તા : તો આપણી લાઈનની અંદર ચિત્ત શુધ્ધિ થઈ જાય છે ?

દાદાશ્રી : ચિત્ત શુધ્ધિ કર્યા વગર તો મોક્ષમાર્ગ મળે જ નહીં. ચિત્ત શુધ્ધિ તો પહેલી કરવી પડે. અને ચિત્ત શુધ્ધિ એકલાથી કામ નથી થાય એવું. હું આ ચિત્ત શુધ્ધિ બધાની કરી આપું. પણ આ બધા ઓવર ડ્રાફ્ટ લઈને આવેલા છે, કળિયુગના માણસો. તે એટલાં મોટા ઓવર ડ્રાફ્ટ છે કે આજ બેલેન્સ શીટ મેળવવું મુશ્કેલી પડી જાય.

જડ શાસ્ત્રોમાંથી દવા ને વૈદું ચેતનનું !

પ્રશ્નકર્તા : આ ચિત્ત જે છે તમે જેને શુધ્ધ કરવાનું કહો છો...

દાદાશ્રી : એ તો તમને (મહાત્માઓને) શુધ્ધ કરી આપ્યું ત્યારે તો રાગે પડ્યા છો.

પ્રશ્નકર્તા : નહીં તો એમ ને એમ શુધ્ધ ના થાત ?

દાદાશ્રી : એમ ને એમ તો કોઈનું થયેલું જ નહીં. ઊલટું વધારે ને વધારે અશુધ્ધ થાય. જેમ શુધ્ધ કરવા જાય તેમ વધારે અશુધ્ધ થાય.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાની સિવાય ચિત્તને શુધ્ધ કોઈ કરી શકે જ નહીં ?

દાદાશ્રી : અરે પણ ચિત્તને ઓળખતો જ નથી, ત્યાં શી રીતે કરે તે ? શાસ્ત્રમાં જુએ ને રસ્તો કરવા જાય. જાણે વૈદું કરવાનું હોય એવું શાસ્ત્રોમાં જુએ ! શાસ્ત્ર જડ અને ચેતનનું વૈદું કરે ! એટલે કૃષ્ણ ભગવાને સાચી વાત કહી દીધી કે આ ચાર વેદ ત્રિગુણાત્મક છે, રાગ-દ્વેષ કરાવનારાં છે. માટે વીતરાગ વાત સમજો !

આ જ્ઞાન પછી ચિત્ત શુધ્ધિ થઈ ગયેલી જ છે ! ચિત્ત શુધ્ધિ થઈ જાય, પછી તો આત્મા પ્રાપ્ત થાય. હવે જે ચિત્તની અશુધ્ધિ છે તે નિકાલી બાબત છે. એક વખત ચિત્ત શુધ્ધિ કરી આપે પછી બગડે જ નહીં. પછી એ જ્ઞાની પુરૂષની આજ્ઞામાં રહેવું.

હવે 'આ' દવા કહી છે ને, તેની પાછળ પડવું, એટલે એકદમ શુધ્ધ થઈ જશે. આ રાતનું ધ્યાન કરો છો ને, 'હું શુધ્ધાત્મા છું' ?

ચિત્ત, શુધ્ધમાં ને અશુધ્ધમાં !

ચિત્ત બીજી બાજુએ હોય તો ય સંસારી કાર્યો થાય એવાં છે. કારણ કે સંસારની જોડે એનું અશુધ્ધ ચિત્ત રહેલું જ છે. એટલે તમને એમ લાગે કે મારું ચિત્ત નથી ત્યાં આગળ, પણ આની જોડે અશુધ્ધ ચિત્ત રહેલું જ છે. શુધ્ધ ચિત્ત તમારું જે થયું તે તમને એમ લાગે કે મારું ચિત્ત અહીં છે ને ત્યાં કામ ચાલ્યા કરે છે.

એટલે જગતવ્યાપી ભાવમાં ભલે ચિત્ત ના રહે. તે ચિત્ત તમારું શુધ્ધ ચિત્ત નથી રહેતું. જે આપણે જ્ઞાન આપ્યું છે ને, ત્યારે ચિત્ત શુધ્ધિ થઈ ગઈ. તે આમાં ના રહે. પણ જગત તો ચાલ્યા જ કરે તમારું. સુંદર ચાલે ઊલટું !

એટલે આ જ્ઞાન-દર્શન અવળું થયું, ઊંધું દેખાયું, એનું નામ અશુધ્ધ ચિત્ત. ઊંધું એટલે આપણા સ્વરૂપ સિવાય આ બીજું બધું જોયું એ બધું અશુધ્ધિ. એ જ્ઞાની પુરૂષના જ્ઞાન આપવાથી અશુધ્ધિ બધી ઊડી જાય એ. પછી થોડીક વ્યવહારિક અશુધ્ધિ પહેલાના હિસાબ જામી ગયેલા હોય એટલું જ ફળ આપવાને માટે તૈયાર થાય.

પ્રશ્નકર્તા : પણ એ તો આવ્યા જ કરે ને ?

દાદાશ્રી : એ આવે. પણ એ તો નિર્જરા છે એની. એ નિર્જરા ભાવે નિર્જરા થઈ જ જાય એની. આ તમને સંવર જ રહે. આ જ્ઞાન જ એવું છે કે સંવર જ રાખે. પણ તમે મૂંઝાવ નહીં કે આ શું થયું ને શું નહીં તો ! તો કશું જ થવાનું નથી.

અશુ્ધ્ધિને લઈને ભટકે !

તારું ચિત્ત ભટકે તો વાંધો નથી ?

પ્રશ્નકર્તા : વાંધો આવે કોઈ ફેર ભટકે ત્યારે.

દાદાશ્રી : મારું ચિત્ત તો આઘુંપાછું થતું જ નથી કોઈ દહાડો સત્યાવીસ વર્ષથી. સત્યાવીસ વર્ષથી હું જ્યાં બેસુંને ત્યાં જ હોય અને આમ હેંય... સાપ આગળ મોરલી વાગતી હોય અને સાપ આમ ડોલતો હોય...

પ્રશ્નકર્તા : મન-બુધ્ધિ-ચિત્ત-અહંકારની વાત કરતા હતા તો ચિત્ત આપણું ભમ્યા કરે છે, તો એને સ્થિર કરવા માટે સામાન્ય માણસ શું કરી શકે ?

દાદાશ્રી : ચિત્તની શુધ્ધિ કરવી જોઈએ. જેમ જેમ શુધ્ધ થાયને તેમ તેમ તે ભટકતું ઓછું થઈ જાય. ચિત્તની અશુધ્ધિને લીધે ભટકે છે.

પ્રશ્નકર્તા : ચિત્ત શુધ્ધ થાય તો પછી શુધ્ધ દિશામાં ના ભટક્યા કરે ?

દાદાશ્રી : એ તો ભટકે તો ખરું, પણ આમ નુકસાન ન કરે. શક્તિ આવે, બળવાન થાય. આપણે ધારેલું હોય તે જગ્યાએ જઈ શકે ચિત્ત. પેલું ધારેલા પ્રમાણે થાય જ નહીં. આપણે ના કહીએ તો ય લપટું પડી ગયેલું હોય. જેમ બૂચ લપટો પડી ગયેલો હોય તો આપણે વાસીએ તોય નીકળી જાય.

પ્રશ્નકર્તા : તો સ્થિરતા લાવવા માટે શું જાણવું જોઈએ ?

દાદાશ્રી : એવું છે ને, ચિત્ત શુધ્ધિ કરવાની. ચિત્ત શુધ્ધિ એકાગ્રતાથી થાય, એકાગ્રતા કરવાથી.

દાદા બતાવે ચિત્ત સ્થિરતાનો માર્ગ !

પ્રશ્નકર્તા : તમારું ચિત્ત ક્યાંય જતું ના હોય, તો તમે પરફેક્ટ થઈ ગયા કહેવાઓ ?

દાદાશ્રી : મારું ચિત્ત તો જતું જ નથી. એટલે હું એવું શીખવાડું છું ને કે ચિત્ત ના ભમતું હોય એવો રસ્તો દેખાડું છું.

પ્રશ્નકર્તા : પણ એ તો રસ્તો બતાડોને તમે.

દાદાશ્રી : તે આ બતાડ્યું છે તેથી આ બધા મારી પાછળ ફર્યા કરે છે ને ! બધા શા હારુ ફર્યા કરે છે ? એ રસ્તો બતાડ્યો છે તેથી ને !

અને તને રસ્તો બતાડ્યો પણ તું તો કહે છે, મારે હોટલ છોડવી નથી ! એ છોડવાનું નથી આપણે. પણ અમારી આજ્ઞા પાળવાની છે, અમે કહીએ એ કરવાનું. હોટલમાં સર્વિસ કરવાની, બીજું જે કરતો હોય એટલું કરવાનું, પણ અમારી આજ્ઞા પાળવાની એટલે ચિત્ત ઠેકાણે રહે. એક ફેરો જ્ઞાન સમજી લેવું જોઈએ, બરાબર.

જાત જાતની વાસનામાં ચિત્ત થયું મેલું !

પ્રશ્નકર્તા : આપ કહો છો ને, અમારું ચિત્ત નિરંતર, એટલે કે ક્ષણે ય બહાર ના જાય. આઘુંપાછું ના થાય, મુરલીની આગળ સાપ આમ ડોલે એવું.

દાદાશ્રી : ફેણ માંડીને બેસી રહે. મુરલી વાગે ને ફેણ માંડીને હેય... ડોલ્યા કરે. એ સ્ટેશને ગયા એટલે થઈ રહ્યું, બસ.

પ્રશ્નકર્તા : ના એટલે આમાં મુરલી અને સાપનું રૂપક મૂક્યુંને, પણ મહીં કેવું હોય છે ?

દાદાશ્રી : એ તો દાખલો આપેલો કે આવી રીતે આમાં જેમ નાગ સ્થિર રહે છે ને એવી રીતે આ ચિત્ત સ્થિર રહે. મોરલીનો દાખલો આપીએ, ત્યારે નાગ રહેને !

પ્રશ્નકર્તા : અમારું ચિત્ત કેમ આઘુંપાછું જાય છે ?

દાદાશ્રી : તમારે બધી જાતજાતની વાસનાઓ હોય છે. વાસનાવાળું ખરુંને ? વાસનાવાળું, જાત જાતની વાસનાઓ, ગંધાતું....

પ્રશ્નકર્તા : આપણે વાસનાનો ક્ષય થાય એવી ભાવના જ ભાવવાની ને ?

દાદાશ્રી : એવી ભાવના ભાવીએ તો ઘઉંમાંથી કાંકરા ઊડી જાય ?

પ્રશ્નકર્તા : વીણવા પડે.

દાદાશ્રી : એ વીણી વીણીને બાજુએ મૂકો ત્યારે જાય.

પ્રશ્નકર્તા : વીણવાનું કેવી રીતે ? જોવાનું ને જાણવાનું એ ?

દાદાશ્રી : જેમ કાંકરામાંથી વીણતી વખતે ક્યાં પૂછવું પડે છે ? ઓળખે કે ભઈ આ ઘઉં ને આ કાંકરા. એટલે વીણી જ નાખે. એટલે ઓળખવા પડે, આ વાસના છે ને આ આત્મા છે.

પ્રશ્નકર્તા : આપનો આખો પ્રોસેસ ચાલુ હશે પહેલેથી આવી રીતે, આ ઘઉં ને કાંકરા વીણવા જેવો ?

દાદાશ્રી : ના, અમારે તો વીણવાનું કશું બાકી જ નહીં રહ્યુંને !

પ્રશ્નકર્તા : પણ જ્ઞાન પહેલાં ?

દાદાશ્રી : હા, એ ચાલુ, એ વીણી નાખેલું ને ! તે જ રીત. જે રીતે અમે ચાલ્યા, તે રીત બતાવી દઈએ. પછી તમારી ભાવનાથી ઉડાડવું હોય તો ઉડાડજો. ઘઉં ને કાંકરા એટલે ભાવનાથી વીણાઈ જતાં હોય પછી એ લોટ દળાવજો.

પ્રશ્નકર્તા : તો એ ભાવનાથી શક્ય નથી ને ?

દાદાશ્રી : ભાવના હોય તો કાર્ય થાય, એટલા માટે ભાવનાની જરૂર છે.

પ્રશ્નકર્તા : એટલે પહેલું સ્ટેપીંગ ભાવના છે. એને જ્યારે ત્યારે એક્ઝેક્ટ ઓળખવું તો પડશે જ કે આ વાસનાવાળું છે.

દાદાશ્રી : ઓળખ્યા વગર તો, ઓળખ્યા વગર તો નીકળે જ નહીંને !

દુશ્મનને ઓળખવો પડશે અને સાળાને ય ઓળખવો પડશે. સાળાને ઓળખીએ તો સાળાને, એને રહેવા દઈએ અને દુશ્મનને કાઢી મેલીએ. પણ જો ઓળખીએ નહીં તો સાળાને કાઢી મેલીએ અને દુશ્મન રહી જાય.

પ્રશ્નકર્તા : આપણને ખબર પડી કે આ જાતની વાસના છે એ ઓળખાણ પડી તો એ વાસનામાં તન્મયાકાર ન થઈએ કે પછી એ તન્મયાકાર થઈને નિકાલી બાબત તરીકે કાઢી નાખીએ ?

દાદાશ્રી : એમાં તન્મયાકાર ન થઈએ એટલે એને, વોસરાવી દઈએ કે આ મારું નહીં એટલે પછી એ નીકળી જાય.

હજી મીઠાશને લઈને 'અમારું છે' એવું માને છે.

ચટણી થઈ ગઈ પછી એ પથરાને ધોઈ નાખીને મૂકી દીધો પાછો. કામ હતું એ કાઢી લીધું. હવે આ સાધનોને ગળે વળગાડીને ફર્યા કરે તો ? પણ આ ચટણી વાટવાના પથ્થરને, સાધનને ગળે વળગાડીને ફરે, કાલે જોઈશે ત્યારે શું કરીશ ? એવી તું ઘણી ચીજો ગળે વળગાડીને ફરું છું.

એ બઈ કેટલી ડહાપણવાળી છે ?! ધોઈ કરીને મૂકી દીધું. કાલે જરૂર પડશે ત્યારે ફરીથી ને તું તો ગળે વળગાડીને ફરું. કાલે જો લઈ જાય તો શું કરીશ ?

પ્રશ્નકર્તા : એ કયા સાધનો લઈને ફરું છું ?

દાદાશ્રી : આ બધા...

પ્રશ્નકર્તા : ના, પણ એ તો ચટણી માટેના છે.

દાદાશ્રી : એ એના જેવા હશે ને, મહીં તને ગમતા હશે ને ? આ બઈએ તો મૂકી દીધું, પાછું ધોઈને મૂકી દીધું, તે જોયું ?

એ પથ્થરો ફરિયાદ કરે કે તમે તો મને કામ કરીને કેમ છોડી દીધું ?

પ્રશ્નકર્તા : ના, પણ આમાં એ વળગાડવાનું કેવી રીતે હોય છે ?

દાદાશ્રી : બળ્યું, આત્મામાં ચિત્ત ના જાય અને ત્યાં બીજે બધે ચિત્ત જાય. વળગાડે તો આ ભાર ના લાગે ? ભાર લાગે તો ચિત્ત ત્યાં જાય.

પ્રશ્નકર્તા : એટલે વળગાડ્યું કહેવાય એને ?

દાદાશ્રી : હંઅ. વળગાડ્યું કહેવાય.

પ્રશ્નકર્તા : પેલું વારે વારે યાદ જ આવ્યા કરતું હોય એવું ને ? આમાં ચિત્ત ના જુએ.

દાદાશ્રી : ધણીમાં ચિત્ત વળગાડીને શું કામ છે તે ? ધણી થયા તે કંઈ ના કહીએ આપણે કંઈ ? ધણી, ધણીની પથારીમાં સૂઈ જાય. કાયમ કંઈ એક પથારી હોય છે ? એને ચિત્તમાં વળગાડીને કામ શું છે ?

પ્રશ્નકર્તા : એટલે આત્મા સિવાય સ્મૃતિમાં આવે એ બધું વળગણ ?

દાદાશ્રી : આ છોકરાં-બોકરાં બધા વળગાડીને અહીંયા હાર પહેરાવીને શું કામ છે ? એક છોકરો અહીં વળગાડીએ પછી વળી અહીં વળગાડ્યું !

પ્રશ્નકર્તા : બંધન વધે, વળગાડીએ તો ને ? વળગાડીએ એટલે બંધન વધે, ઘેરાં થતા જાય.

દાદાશ્રી : હા. એમાં ને એમાં, એમાં ચિત્ત પછી જતું રહે. ખેંચાયા કરે પછી. નાનો બાબો ભણતો નથી, મોટો બાબો છે તે આમ થયું છે, સૂકાતો જાય છે. આનું કામ થયું છે, એમ કર્યા કરે. બેબીને ડાન્સીંગ આવડતું નથી, કહેશે. લે, તું ક્યાં વળગાડું છું એવું તેવું બધું ?

પ્રશ્નકર્તા : એ વળગી કેવી રીતે જાય છે ?

દાદાશ્રી : એને મૂળ પોતાના આત્માની ઉપર એનું પૂરું એ થયું નથી ને અહીં આગળ આ સાધનોમાં જ વળગી રહ્યો છે. મીઠાશ લાગે છે.

પ્રશ્નકર્તા : એટલે આત્મા ઉપર શું થયું નથી ?

દાદાશ્રી : મીઠાશ અહીંયા આગળ લાગે છે ને એટલે આત્માના આનંદમાં બરોબર વળગ્યો નથી. એ તો સારું છે તારે બાબા-બેબી નથી, નહીં તો તું તો છૂટી જ ના શકે. અહીં ઘંટ લટકાવીને ફર્યા કરે.

પ્રશ્નકર્તા : આપ કહો છો ને બાબા-બેબી બધાએ વળગાડી રાખ્યા. ત્યારે એ વળગેલું છૂટે કેવી રીતે એને ?

દાદાશ્રી : એમાં રસ ના આવતો હોય, એને છૂટી જાય. રસ રાખીએ છે ત્યાં સુધી વળગે. એમાં રસ માની બેઠો છે.

પ્રશ્નકર્તા : બરોબર, એને ઈન્ટરેસ્ટ આવે છે એમાં !

દાદાશ્રી : આ બઈ આને અહીં ચટણી વાટતી હતી એની ઉપર, હમણે વાટતી હતી તે કાલે હવે ફરી જરૂર નહીં પડે ! તો આ બાંધીને ફરવું ? મૂકી દેવાનું ! એની જરૂર પડે તો ફરી. પાછું મૂકી દેવાનું. બાંધીને ફરવાની જરૂર ? એવું આ બાંધીને ફરે તે ના કહી છે આપણે. બાંધીને ફરાય ? એ સાધન હજી બાંધીને ફેરવે છે, આ તો પાછાં કેટલાં સાધન !

પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓ કયા સાધન બાંધીને ફરે ?

દાદાશ્રી : એને જે વાસના હોય તે સાધન. કોઈ મોટાઈની વાસના હોય તે મોટાઈનું સાધન, કોઈને લોભની હોય, કોઈને વિષયની હોય.

પ્રશ્નકર્તા : એવાં પણ ઘણાં બધા છે પાછાં, એવી એક-બે નહીં, ઘણી બધી વસ્તુઓ.

દાદાશ્રી : ઘણું બધું છે એટલે ન્હોય આપણું !ં જો એક-બે હોય તો ઠીક છે. તપાસે ય કરીએ કે એક-બે વખતે આપણું હોય.

પ્રશ્નકર્તા : ઘણું બધું છે, માટે આપણું ન્હોય.

દાદાશ્રી : એ ન્હોય આપણું, તો છૂટે.

જોયા કરવાથી થાય બધું ચોખ્ખું !

પ્રશ્નકર્તા : મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર પર આપણો પ્રભાવ પડવો જોઈએ ને ?

દાદાશ્રી : મશીનરી પર કોઈ દહાડો પ્રભાવ પડતો જ નથી. એટલે મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ઉપર પ્રભાવ પડે જ નહીં. એ તો અંતઃકરણ ખાલી થઈ જાય એટલે એની મેળે બધું ઠેકાણે આવી જાય. 'આમને' સાથ ન આપીએ અને એને 'જોયા' જ કરીએ તો આપણે છૂટા જ છીએ. જેટલો વખત 'આપણે' એને જોયા કરીએ, એટલો વખત ચિત્તની શુધ્ધિ થયા કરે. ચિત્ત એકલું જ જો રાગે પડી ગયું તો બધું રાગે આવી જાય. અશુધ્ધ ચિત્તને લઈને ભટક ભટક કરે છે એટલે ચિત્તની શુધ્ધિ થતાં સુધી જ આ યોગ બરોબર જમાવવાનો છે.

ઊંઘ વખતે, વિધિ પકડે શુધ્ધિ ચિત્ત !

રાત્રે શુધ્ધ ચિત્તને જે પકડાવીએ તે આખી રાત ચાલે ને ઊંઘ પણ આવે. અમારે એવું ઘણી વાર બને કે રાતે વિધિ શરૂ કરીએ, તે અમુક વખતે આંખ મીંચાઇ જાય ને પછી પાછી આંખ ખૂલે, તે જ્યાંથી બાકી હતી ત્યાંથી વિધિ શરૂ થાય ને ફરી જો આંખ મીંચાય તો ફરી તેમ જ થાય, તે સવારે વિધિ પૂરી થાય. આમ રાતે શુધ્ધ ચિત્તને જે પકડાવીએ તે સવાર સુધી ચાલે.

શુધ્ધ ચિત્ત એ જ આત્મા !

પ્રશ્નકર્તા : ચિત્ત એ આત્માનો ભાગ છે ?

દાદાશ્રી : ચિત્ત એ આત્માનું મુખ્ય દ્વાર જ એ છે, આત્મા પ્રાપ્ત કરવાનું. ચિત્તની અશુધ્ધિને લઈને આત્મ અશુધ્ધ થયેલો છે. બાકી ચિત્ત શુધ્ધ થઈ જાય તો આત્મા શુધ્ધ થઈ જાય. ભગવાનમાં જ નિરંતર ચિત્ત રહે તો ચિત્ત શુધ્ધિ થઈ જાય.

પ્રશ્નકર્તા : આત્મા અને ચિત્તમાં શું તફાવત ?

દાદાશ્રી : આત્મા અને ચિત્તમાં ફેર એટલો જ છે કે ચિત્ત ક્યાં સુધી ? અશુધ્ધતા છે ત્યાં સુધી. અશુધ્ધ જ્ઞાન-દર્શન છે એ ચિત્ત છે અને શુધ્ધ જ્ઞાન-દર્શન એ આત્મા છે. જ્યારે ચિત્તમાંથી અશુધ્ધતા ઓછી થતી થતી થતી નવ્વાણું ટકા શુધ્ધ થઈ તો ય ત્યાં સુધી અશુધ્ધ ચિત્ત કહેવાય અને સો ટકા થાય એટલે જ્ઞાન કહેવાય, આત્મા કહેવાય. એટલે આ અશુધ્ધ ચિત્તને શુધ્ધ કરવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : શુધ્ધ ચિત્ત એ ચિત્ત કહેવાતું નથી પણ તમે કહ્યું કે એ શુધ્ધ ચિત્ત છે ને પેલું અશુધ્ધ ચિત્ત છે.

દાદાશ્રી : શુધ્ધ ચિત્ત ને શુધ્ધાત્મામાં ફેર નહીં.

પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' અને 'હું ચંદુભાઈ નથી' એ વસ્તુ તો જ્ઞાનથી જોવાય ને ? એમાં ચિત્ત ક્યાં આવ્યું ?

દાદાશ્રી : 'હું શુધ્ધાત્મા છું' એ જ છે તો શુધ્ધ ચિદ્રુપ છે. શુધ્ધ ચિદ્રુપ, એનું નામ જ શુધ્ધાત્મા.

ભેદ, ચિત્ત ને અંતરાત્માનો !

પ્રશ્નકર્તા : ચિત્ત અને અંતરાત્મા વચ્ચેનો ભેદ સમજાવો.

દાદાશ્રી : ચિત્ત શુધ્ધ થયું એ જ અંતરાત્મા. એ અંતરાત્મા શાથી કહેવાય કે પોતાના પરમાત્માને એટલે કે શુધ્ધાત્માને ભજવાનું છે, તે રૂપ એટલે કે શુધ્ધાત્મરૂપ થવાનું છે. પહેલું, શુધ્ધાત્મા પ્રતીતિમાં આવે, લક્ષમાં આવે. ત્યાર બાદ અનુભવપદમાં રહેવા માટે, શુધ્ધાત્માની જોડે એક લક્ષ, એક તાર કરવાનું ! પણ જ્યાં સુધી બહાર 'ફાઈલો' હોય ત્યાં સુધી તેવું આખો દહાડો થાય નહીં, એટલે અંતરાત્મા કહ્યો. અંતરાત્મદશા એટલે 'ઈન્ટ્રીમ ગવર્મેન્ટ' અને આ 'ફાઈલો' પૂરી થઈ એટલે 'ફૂલ ગવર્મેન્ટ', પરમાત્મા થાય.

અહીં આવી જશો તો એનો ઉકેલ આવશે અને લાંબું ફરવા જશો તો નર્યા પુસ્તકો ને પુસ્તકો ભરાશે. એનો પાર જ નથી આવે એવો.

પરમાત્મા એ 'પરમેનન્ટ' છે. મૂઢાત્મા, બર્હિમુખી આત્મા એ 'પરમેનન્ટ' નથી અને અંતરાત્મા પરભવમાં ય સાથે જાય. મૂઢાત્મ દશા પરભવમાં આની આ જ સાથે ના હોય, ત્યાં બીજી મૂઢાત્મ દશા આવે.

વૃત્તિ વહે નિજ ભાવમાં !

પ્રશ્નકર્તા : ચિત્ત શુધ્ધ થયા પછી, અંતરાત્માનું જ્ઞાન જે પ્રાગટ્ય કરે છે, એમાં બાહ્ય આવરણોને મુક્ત રાખે છે. એટલે મન છે તે એકદમ બાહ્ય વિચારો તરફ ઝૂરતું નથી પણ આંતરિક વિચારો તરફ વધારે ઢળે છે.

દાદાશ્રી : એટલે કે જે વૃત્તિઓ પહેલાં બહાર ભટકવા જતી હતી તે હવે પાછી અંદર આવે, પોતાને ઘેર આવે.

પ્રશ્નકર્તા : એમાં મનની લાગણીઓમાં કંઈ ફેરફાર થાય ખરો ?

દાદાશ્રી : કશો જ ફેરફાર થાય એવું નથી. મન જડ છે. બહાર જે જાય છે તે 'પરમેનન્ટ' વસ્તુ નથી. ક્ષણે ક્ષણે એ બદલાયા કરે. આમાં 'પરમેનન્ટ' આપણે 'પોતે'. બીજું આ બધું તો બદલાયા જ કરે. તમને ખાલી ભાસ થાય કે આ વરસાદ પડશે ને, એ ઊડી જાય ! એ ખાલી ભાસ્યમાન પરિણામ છે. એનો લાંબો કશો અર્થ નથી. એટલે આપણને શું ભાસે છે ? કોને એ ભાસે છે ? એની તપાસ કરવાની.

ચિત્ત 'દાદા ભગવાન'ને યાદ કરે, જેમાં ને તેમાં 'દાદા' દેખાય, તે ચિત્ત બહુ સારું કહેવાય. એવું ઘણાંને રહે છે. વત્તા-ઓછા પ્રમાણમાં હોય. 'દાદા ભગવાન' એ જ પોતાનો 'શુધ્ધાત્મા' છે એટલે ચિત્ત શુધ્ધાત્મામાં રાખો કે 'દાદા ભગવાન'માં રાખો, એ સરખું જ છે. બન્ને ચિત્તને શુધ્ધ જ રાખે છે.

સંસારી ચિત્ત એ અશુધ્ધ ચિત્ત કહેવાય. અશુધ્ધ ચિત્ત એ મિશ્ર ચેતન છે. એ શુધ્ધ ચિત્ત થાય છે એટલે શુધ્ધ ચેતન થઈ જાય છે. શુધ્ધ ચિત્ત એટલે શુધ્ધ ચેતન. 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ બેઠું એ જ આપણું સ્વરૂપ. એને અંતરાત્મ દશા કહેવાય.

ચિત્ત શુધ્ધિની દવા !

અમારી વાણી તો કોઈ કાળે સાંભળી ના હોય તેવી ગજબની અપૂર્વ છે. આ વાણી સાંભળી સાંભળીને મહીં ધારણ કરે અને ધારણ કરીને એના એ જ શબ્દો પોતે બોલે અને ધારણ રહે એ ટાઈમમાં ચિત્તની ગજબની એકાગ્રતા થયા કરે છે ! શુધ્ધ ચિત્ત તો શુધ્ધ જ છે, પણ વ્યવહારિક ચિત્ત છે તે આ ધારણ થવાથી તત્ક્ષણ શુધ્ધ થઈ જાય છે. સિનેમાનાં ગીતો સાંભળવાથી તેટલો ટાઈમ ચિત્ત અશુધ્ધ થયા કરે છે. મૂળથી અશુધ્ધ તો હતું અને તે વધારે અશુધ્ધ થાય !

'શુધ્ધ' જુએ, તેમ 'શુધ્ધત્વ' પ્રગટે !

પ્રશ્નકર્તા : તમારું શુધ્ધ ચિત્ત કેવું હોય છે ?

દાદાશ્રી : અમારે તો બધું શુધ્ધ જ દેખાય. મને કોઈની જોડે જુદઈ દેખાતી નથી. 'આપણે એક જ છીએ, હું જ છું' એવું મને બધે લાગે છે. દુશ્મન હોય ને તે ય 'હું જ છું' એવું લાગે, એટલે પછી મને કોઈ દુશ્મન શી રીતે લાગે ? અમને કોઈ 'તું હી' નથી લાગતું. 'તું હી' હોય ત્યાં સુધી આ વેષ થયો છે !! 'તું જ છે', તો એમાં આપણને શો લાભ મળ્યો ?

પ્રશ્નકર્તા : અમારી ચિત્ત શુધ્ધિ સામાના શુધ્ધાત્માના દર્શનથી થાય છે ?

દાદાશ્રી : હા, શુધ્ધાત્મા તમે જુઓ તો ચિત્ત શુધ્ધિ થયા જ કરે. તમે જેટલું શુધ્ધ જુઓ એટલું શુધ્ધ અંદર થયા કરે અને અશુધ્ધ જુઓ તો અશુધ્ધ થઈ જાય. છે તો બધું શુધ્ધ જ આ, પણ આ પ્રકૃતિનો દોષ છે. બાકી આત્મા તો મહીં શુધ્ધ જ છે. અને તે અશુધ્ધ થયો જ નથી કોઈ દહાડો ય ! કારણ કે અત્યારે ય સહુ સહુના સ્વભાવમાં જ છે.

આ વીંટી છે ને, એમાં સોનું ને તાંબું હોય, તે તાંબાનું મિક્ષ્ચર એટલા માટે કરે છે કે વીંટી જરા મજબૂત કઠણ રહે. હવે વીંટીમાં ય સોનું તો એવું ને એવું જ શુધ્ધ રહેને ! અને તાંબું છે. એને કાટ ચઢ્યા વગર રહે નહીં. તે ઘડીએ સોનું બૂમ પાડે કે ભઈ, મને કાટ કેમ ચઢ્યો ? અલ્યા, ન હોય આ તારો સ્વભાવ ! આ તો તાંબાનો સ્વભાવ જ છે કાટ ચઢવાનો !

એટલે જેની પાસે 'દ્રષ્ટિ' છે એ સોનાને શુધ્ધ જોઈ શકે ને ! ને કાટને જુદું જોઈ શકેને ! એટલે જેટલું શુધ્ધ જુએ, એટલી શુધ્ધતા મહીં થયા કરે.

ચિત્ત પ્રસન્નતાના ઉપાયો !

ચિત્ત અશુધ્ધિથી આ જગત વિભ્રમ દેખાય છે. જેમ ચશ્મા ચોખ્ખા ના હોય, ત્યારે આ બધું 'જેમ છે તેમ' કશું દેખાય નહીં, એવું ચિત્તની અશુધ્ધિથી આ બધું વિભ્રમ દેખાય છે અને પછી કહે છે કે 'આ મારી સાસુ ને આ મારો સસરો !' છતાં આ ચિત્તની અશુધ્ધિ પ્રમાણની અંદર છે. એટલું સારું છે કે હજુ પ્રમાણ જળવાઈ રહ્યું છે, કે હજુ સાસુને સાસુ કહે છે ને સસરાને સસરો કહે છે, નહીં તો સસરાને કહેશે કે તું મારો ભઈ થઉં છું ને સાસુને કહેશે, તું મારી માસી થઉં. ચિત્તની વધારે અશુધ્ધિ થઈ જાય, એટલે ગાંડાની હોસ્પિટલમાં મૂકવો પડે. આ તો અશુધ્ધિ થોડીક બાકી રહી છે. આ ડૂંટી આગળ થોડીક શુધ્ધિ છે, તેથી તો પોતાનું ઘર જડે છે, પોતાની વાઈફને ઓળખે છે. જો સંપૂર્ણ અશુધ્ધિ થઈ જાયને તો પોતાનું ઘરે ય જડે નહીં ને વાઈફને ય ઓળખે નહીં. કશું નામ પૂછો તો ય એનું ભાન ના હોય. એટલે ચિત્તની અશુધ્ધિ એટલી થોડીક બાકી રહી છે. તેથી આ ફરી શુધ્ધિ થાય. નહીં તો ચિત્ત સંપૂર્ણ અશુધ્ધ થયા પછી શુધ્ધ ના થાય. પણ એ સંપૂર્ણ અશુધ્ધિ થતી જ નથી. એ કાયદો જ છે પાછો એવો ! નહીં તો પછી થઈ જ રહ્યું ને !! આ એકેન્દ્રિય જીવ હોય, તેને થોડીક શુધ્ધિ છે, તો એકેન્દ્રિય જીવ રહે છે. એ શુધ્ધિ ય ના હોય, પછી રહ્યું જ નહીં ને,

એ જીવ જ ના રહ્યો ને ! પણ એવું બનતુંજ નથી.

હવે આ ચિત્તની અશુધ્ધિ શેનાથી જાય ? ચિત્ત પ્રસન્નતાથી. હવે ચિત્ત પ્રસન્નતા કોનામાં હોય ? 'જ્ઞાની' એકલાને હોય. બીજા કોઈને ચિત્ત પ્રસન્નતા ના હોય.

પ્રશ્નકર્તા : બીજે ન હોય ?

દાદાશ્રી : હોય વખતે, પણ તે એક ક્ષણવાર, એક પળ, બે પળ ! લાંબો કાળ ચિત્ત પ્રસન્નતા ના હોય. આવી ચિત્ત પ્રસન્નતામાં જે મહીં આમ નાગની પેઠે પોતે ડોલ્યો, તેનું એટલું ચિત્ત શુધ્ધિ થઈ જાય.

પ્રશ્નકર્તા : પછી એ વસ્તુ કાયમ રહે ?

દાદાશ્રી : શુધ્ધિ જ થતી જાય. જેટલો વખત ડોલ્યો એટલો વખત શુધ્ધ થયા કરે. બીજો ચિત્ત શુધ્ધિનો ઉપાય જ નથી. આ બીજા તપ-જપ એ બધાં છે, એ ધીમે ધીમે ચિત્ત શુધ્ધિ થયા કરે. જપ-તપ છે એ બધું ખોટું નથી. એ ય ચિત્ત શુધ્ધિનાં ઉપાય છે, પણ આ તો જેટલાં પ્રમાણમાં પોતે ડોલે, તેટલું ઓન ધી મોમેન્ટ ફળ મળે છે !

આ 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલાવીએ છીએ ને, એનાથી ચિત્ત પ્રસન્નતાનો લાભ મળે છે ! ત્યારે કેટલાક મહીં પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે, તેથી મારે કહેવું પડે છે ને કે મોઢામાંથી પાનનો ડુચો કાઢી નાખો ને ! હા, નહીં તો એને આ પ્રસન્નતાનો લાભ ના મળે. તે પછી હું બોલાવું ત્યારે પાછો એ પોતે જ આનંદમાં આવી જાય, ને તે ઘડીએ તો જે પ્રસન્નતા ઊભી થાય છે, એનો લાભ તરત જ મળવાનો, તે કેટલી બધી અશુધ્ધિ ધોવાઈ જાય !

ચિત્ત પ્રસન્નતાના પરિણામ !

ચિત્ત પ્રસન્નતા વગર મુક્ત થવાય નહીં. આંખમાં સ્થિરતા અને ચિત્ત પ્રસન્નતા - આ બે જ્યાં હોય ત્યાં દર્શન કરીએ તો લાભ થાય. ચિત્ત પ્રસન્નતા હોય, તેને જ મોક્ષમાં પેસવા દે. ખરું સુખ કોને કહેવાય છે ? 'ચિત્ત પ્રસન્નતાને'. જેને ચિત્ત પ્રસન્નતા મળી ગઈ, એને અહીં સંસારમાં ભીખ માગવાની જરૂર જ નહીં ! ચિત્ત પ્રસન્નતાને ભગવાને 'સુખ' કહ્યું. કોઈ ગાળ ભાંડે, ગજવું કપાય તો ય ચિત્ત પ્રસન્નતા ના જાય ! રાતે બે વાગે ય ચિત્ત પ્રસન્નતા ના જાય ! ચિત્ત પ્રસન્નતા સાથે 'ઈગોઈઝમ' હોય ખરો ને ના પણ હોય. ચિત્ત પ્રસન્નતા સાથે 'ઈગોઈઝમ'વાળા કેટલાંક સંતપુરુષો હોય. ચિત્ત પ્રસન્નતાથી શરૂઆત થાય, તે ઠેઠ 'ઈગોઈઝમ' ખલાસ થાય ત્યાં 'એન્ડ' આવે. પણ જ્યારથી ચિત્ત પ્રસન્નતાની શરૂઆત થાય, ત્યારથી એનાં દર્શન કરાય અને નિર્અહંકારી પુરુષ ને ચિત્ત પ્રસન્નતા, આ બેઉ હોય તેની તો વાત જ જુદી ! ચિત્ત પ્રસન્ન થાય એટલો વખત જગત વિસ્મૃત રહે.

મૂળ રસ્તે ચઢ્યા...

પ્રશ્નકર્તા : મેં આપને એક વખત પૂછેલું કે ચિત્ત શુધ્ધ કેમ કરવું ? ત્યારે આપે કહ્યું કે તમારું ચિત્ત શુધ્ધ કરી નાખ્યું છે.

દાદાશ્રી : એ ચિત્ત શુધ્ધિ થઈ ગયેલી છે. પણ ચિત્ત શુધ્ધિ હજુ જે બાકી છે, તે નથી થઈ ત્યાં સુધી તમને ચિત્ત પ્રસન્નતા ઊભી ના થાય. ત્યાં સુધી ચિત્ત શુધ્ધિ બાકી. એટલે ચિત્ત શુધ્ધિ થયેલી હોય, તે એનું નામ કે ચિત્ત પ્રસન્નતા થાય.

ચિત્ત એટલે જ્ઞાન-દર્શન. તે નિરંતર જ્ઞાન-દર્શનની પ્રસન્નતા રહે. બાકી ચિત્ત શુધ્ધિ થઈ, તેથી તો તમે આમ વળ્યા છો. પણ એ તો સહુ સહુને એના અમુક પ્રમાણમાં થયું છે.

પ્રશ્નકર્તા : એટલે મૂળ રસ્તા ઉપર આવી ગયા.

દાદાશ્રી : હા, મૂળ રસ્તા પર આવી ગયા. વિસા મળી ગયો.

પ્રશ્નકર્તા : પછી આગળ શું કરવાનું ?

દાદાશ્રી : કરવાનું તો કશું છે જ નહીં આપણે ત્યાં !

પ્રશ્નકર્તા : પણ હવે આગળ શું સમજવાનું ?

દાદાશ્રી : આ જ સમજવાનું બસ, બીજું કશું કરવાનું નથી. આ બધું કહીએ છીએને, તે જ સમજવાનું છે બધું.

પ્રશ્નકર્તા : પણ પેલી ટિકિટ મેળવવાની કેવી રીતે ?

દાદાશ્રી : ટિકિટ તો અમે આ જે કરીએ છીએને, એ ટિકિટ જ ફડાવીએ છીએ. બીજું બધું દરેક કામ થઈ રહ્યું છે. આપણે ટિકિટ ફાડવા કંઈ જવાનું નથી.

પ્રશ્નકર્તા : સત્સંગથી ચિત્ત શુધ્ધિ થાય છે, એમ પણ આપે કહ્યું હતું.

દાદાશ્રી : હા, સત્સંગથી ચિત્ત શુધ્ધિ થાય.

ચિત્ત શુધ્ધિ ત્યાં મુક્ત હાસ્ય !

આ ચિત્તની અશુધ્ધિ થતાં ય વાર ના લાગે. અહીં જેટલી શુધ્ધિ થઈ જાય છે એટલું અશુધ્ધિ થતાં ય વાર ના લાગે ! જેનું ચિત્ત અશુધ્ધ છે ને, એ જે હાસ્ય હોય છે ને, પાછું અશુધ્ધિનું ય હાસ્ય એવું અસરવાળું હોય છે, સામાને આકર્ષણ કરે એવું. એ હાસ્ય તેટલું જ પાછું ચિત્તને અશુધ્ધ બનાવે. આ તો દવા છે, આ છેડે અમૃત છે ને પેલે છેડે ઝેર છે !

મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય એવી વસ્તુ નથી. કોઈક ફેરો ઉત્પન્ન થાય. મુક્ત હાસ્યવાળાના સંસર્ગમાં રહેવાથી મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. મુક્ત હાસ્ય કરાવવા માટે તો આ બધું કરીએ છીએ કે જેનાથી ચિત્ત શુધ્ધિ થતી થતી સંપૂર્ણ શુધ્ધતાને પામી ગઈ, તો મુક્ત હાસ્ય કાયમ રહે. પછી કાયમ એટલે રાત્રે બે વાગે ઉઠાડે તો ય મુક્ત હાસ્ય હોય ! સંવેદનમાં ય મુક્ત હાસ્ય હોય !

જ્ઞાતા-દ્રષ્ટાથી શુધ્ધિ !

ચિત્તને જેટલો વખત 'આપણે' 'જોયા' કરીએ એટલી એની શુધ્ધિ થતી જાય. ચિત્તની શુધ્ધિ થતાં સુધી આ યોગ બરોબર જમાવવાનો છે ! એને સાથ ના આપીએ ને એને જોયા કરીએ એટલે આપણે છૂટા થઈએ ! અશુધ્ધ ચિત્તના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી એ ઊડી જાય ! જ્ઞાતા-દ્રષ્ટા રહો તો એની મેળે ઊડી જાય ને નહીં તો પ્રતિક્રમણ કરવું પડે !

અંતે થાય કેવળજ્ઞાન !

''ફક્ત એક સમય શુધ્ધ ચિત્ત હ્યાંં પમાય છે, અંતકાળે પૂર્ણ કેવળજ્ઞાન થાય છે.''

અહીં અમે જ્ઞાન આપીએ છીએ, તે એક સમય શુધ્ધ ચિત્તને પામે છે. એક સમયની જ જરૂર છે. એક સમય પણ શુધ્ધ ચિત્ત થયું જ નથી જગતમાં. એક સમય જગતે શુધ્ધ ચિત્ત જોયું નથી, એવું સાંભળ્યું ય નથી, આત્મા થયો નથી. એક સમય પૂરતો થઈ ગયો તો થઈ રહ્યું, કેવળજ્ઞાન સુધી એ છોડે નહીં પછી. 'સ્વરૂપ જ્ઞાન' પછી સંપૂર્ણ ચિત્ત શુધ્ધિ થઈ, તેનું નામ જ કેવળ જ્ઞાન ! ત્યાં સુધી કેવળ દર્શન કહેવાય.

સત + ચિત્ + આનંદ...

શુધ્ધાત્માને શું કહેવાય તે જાણો છો ? શુધ્ધ ચિદ્રુપ, એનું નામ જ શુધ્ધાત્મા. જેનું જ્ઞાન-દર્શન શુધ્ધ થયું છે એવું રૂપ, સ્વરૂપ પોતાનું, એ શુધ્ધ ચિદ્રુપ. એ જ શુધ્ધાત્મા.

સચ્ચિદાનંદ એ તો અનુભવ દશા છે અને આ શુધ્ધાત્મા એ પ્રતીતિ દશા છે. શુધ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા અને સચ્ચિદાનંદ એ અનુભવ દશા છે. વસ્તુ એની એ જ, અને શુધ્ધ ચિદ્રુપ અને શુધ્ધાત્મા એક જ શબ્દ છે, બીજું કશું જ નહીં.

પ્રશ્નકર્તા : 'સચ્ચિદાનંદ' શબ્દનો અર્થ શું ?

દાદાશ્રી : સચ્ચિદાનંદ એ જ સ્વરૂપ છે પોતાનું. શુધ્ધાત્મા જે છે એ સત્-ચિત્-આનંદ. આ અસત્ ચિત્ત થઈ ગયેલું છે. અસત્ એમાં અશુધ્ધ ચિત્ત થઈ ગયું છે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન કહેવાય. એટલે જ્ઞાન-દર્શન અશુધ્ધ થયેલું છે. એ શુધ્ધ જ્ઞાન-દર્શન થાય એટલે સચ્ચિદાનંદ.

પ્રશ્નકર્તા : સત્ શબ્દનો અર્થ શું છે ?

દાદાશ્રી : સત્ શબ્દ એટલે અવિનાશી. આ જગતનું સત્ય નહીં. આ જગતનું સત્ય વિનાશી સત્ય છે. આ જગતનું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત્ એ અવિનાશી છે, સનાતન છે.

ચિત્ત એટલે જ્ઞાન-દર્શન. જ્ઞાન-દર્શન ભેગું કરેને એ ચિત્ત કહેવાય. એ પ્યૉર (શુધ્ધ) જ્ઞાન, પ્યૉર દર્શન અને સનાતન, એનું ફળ છે તે આનંદ, એનું ફળ, રિઝલ્ટ (પરિણામ) આનંદ.

અત્યારે આ વિનાશી જ્ઞાન-દર્શન છે, 'આ મારું ઘર છે ને આ બધું મેં જાણ્યું છે' એ બધું વિનાશી છે. એ જ્ઞાન અવિનાશી નથી. અને અવિનાશી તો પોતાનું સ્વરૂપ છે. એ જાણે ત્યાર પછી અવિનાશી જ્ઞાન ઉત્પન્ન થાય !

સત્ ચિત્ત એટલે જ્ઞાન. અસત્ ચિત્ત એટલે અજ્ઞાન. અસત્ ચિત્ત કોને કહેવાય ? પુદ્ગલપક્ષી ચિત્ત એ અસત્ ચિત્ત કહેવાય અને આત્મપક્ષી, સ્વપક્ષી થયું એટલે સત્-ચિત્-આનંદ થયું !

અવસ્થાઓને જ નિત્ય માને એ અશુધ્ધ ચિત્ત. અવસ્થાઓમાં જ પ્રવર્તના કરે એ અશુધ્ધ ચિત્ત અને વસ્તુ (આત્મા)માં રમણતા કરે એ શુધ્ધ ચિત્ત.

સચ્ચિદાનંદ પ્રત્યક્ષ-પ્રગટ !

પ્રશ્નકર્તા : સનાતન સુખ અને આનંદ, એનો પરિભાષામાં કંઈક ફેર ખરો કે એક જ ?

દાદાશ્રી : એ એક જ વસ્તુ છે, છતાં પણ આનંદ બે પ્રકારનાં હોય છે. એક તો સનાતન આનંદ અને બીજો તીરોભાવી આનંદ. એટલે આનંદ બે જગ્યાએ વપરાય છે. માટે આનંદ કરતાં સનાતન ઊંચી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : એટલે સ ચ્ચિદાનંદમાં જે આનંદ છે તે સનાતન આનંદ છે ?

દાદાશ્રી : એ જ સનાતન આનંદ છે. કેટલાક પક્ષવાળા કહે છે, 'સચ્ચિદાનંદ' કેમ બોલો છો ? 'સચ્ચિદાનંદ' આપણાથી બોલાય નહીં. જાણે બીજા ધર્મનું વાક્ય હોયને ! સચ્ચિદાનંદ સમજો તો ખરાં, સચ્ચિદાનંદ તો એનું સ્વરૂપ છે અને બધાને એક્સેપ્ટ કરવા જેવી વસ્તુ છે. એ વૈષ્ણવ હોય, જૈન હોય, ગમે તે જાતનો હોય, દરેકને સચ્ચિદાનંદ સ્વરૂપ એક્સેપ્ટ કરવાનું. સ્યાદ્વાદ માર્ગ છે આપણો !

અશુધ્ધ ચિત્ત એનું રીઝલ્ટ શાતા વેદનીય ને અશાતા વેદનીય. કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ, સાચું સુખ એક ક્ષણ વાર જોયું ના હોય. સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો જ અનુભવમાં આવે.

સત્ એટલે અવિનાશી અને પ્યૉર જ્ઞાન-દર્શન એ જ પ્રભુ છે. એબ્સોલ્યુટ, પ્યૉર જ્ઞાન-દર્શન એ જ ભગવાન છે ને એ જ પરમાત્મા છે અને એ જ તમે છો, યોરસેલ્ફ.

પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ કોને કહેવાય ?

દાદાશ્રી : આ જોઈ લો સચ્ચિદાનંદ ! સચ્ચિદાનંદ !! આ સચ્ચિદાનંદ મુક્ત હાસ્યથી માલુમ પડે. હાસ્ય વિધાઉટ એની ટેન્શન. ત્યાં સચ્ચિદાનંદ પ્રગટ ! સમજાય છે તમને ?

પ્રશ્નકર્તા : કો'ક વિરલ જ સાચા સચ્ચિદાનંદવાળા હોય.

દાદાશ્રી : સાચા સચ્ચિદાનંદવાળા તો કો'ક વર્લ્ડમાં એકાદ હોય, બેય હોય નહીં. અજોડ હોય, એની જોડ ના હોય. એટલે મુક્ત હાસ્યવાળા હોય એ સિવાય, બીજી બધી બહુ ચીજો હોય, દરેક પ્રકારનું તમે માગો એ મળે, તમે જે માગોને એ બધું મળે.

પ્રશ્નકર્તા : આ વ્યાખ્યા તમે પૂરેપૂરી વિકસાવો.

દાદાશ્રી : જેનું ચિત્ત પોતાના આત્મામાં નિરંતર રહે છે એ સચ્ચિદાનંદ. જેનું ચિત્ત સહેજે ભટકે નહીં આઘુંપાછું. ગાળ દે તો ય ભટકે નહીં, માર મારે તો ય ભટકે નહીં. દુનિયાની કોઈ અસર ચિત્તને થાય નહીં એ છે સચ્ચિદાનંદ.

- જય સચ્ચિદાનંદ.