|
મતભેદનું કારણ, વારણ, નિવારણ ! સંપાદકીય આ દુનિયામાં મતભેદ કોની કોની વચ્ચે નથી ? જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર મતભેદવાળો વ્યવહાર જોવા મળશે જ. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને, લાખો જ્ઞાનીઓનો એક જ મત હોય, એક જ અભિપ્રાય હોય. જ્યારે ત્રણ અજ્ઞાનીમાં તેંત્રીસ મતભેદ પડ્યા હોય ! હવે આનો પાર ક્યારે આવે ? હવે મતભેદ હોય ત્યાં સુધી શાંતિ-આનંદ હોય નહીં. ત્યાં મતભેદમાંથી બહાર નીકળવાનો ઉપાય શો ? પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદાશ્રી તો એક જ સિધ્ધાંત જણાવે છે કે એના કારણોનો નાશ કરો, તો પરિણામનો અંત આવ્યે જ છૂટકો. મતભેદના કારણો જ ઊભા થવા દેવાના નહીં, તો એનું પરિણામ ભોગવવું નહીં પડે. મતભેદનું મોટામાં મોટું કારણ પોતાનો મત સાચો ઠેરવવો, પોતાનો મત પકડી રાખવો તે. અને પોતાનો મત પોતાના વ્યુપોઈન્ટથી સાચો છે, સામાના વ્યુપોઈન્ટથી ખોટો હોઈ શકે. પણ પોતાની તૈયારી હોવી જોઈએ કે મારે શાંતિથી જીવવું છે. તો પોતાનોે મત કાઢી નાખો. સામા જોડે એડજસ્ટ થઈ જ જવું છે. પોતાના વ્યુપોઈન્ટના મત ક્યારે છૂટે ? જો સર્વ દુઃખોનું મૂળ પોતાના સ્વરૂપની અજ્ઞાનતા જાય તો પોતાની રોંગ માન્યતાની પક્કડ છૂટે છે ને રાઈટ બિલિફ બેસે છે, તો સહેજે વ્યુપોઈન્ટના મત છૂટતા જાય. સામી વ્યક્તિ જોડે મતભેદ પડે તેટલું જ નહીં, પોતાની જાતમાં મહીં જ કેટલાંય મતભેદ પડે છે. બહાર વાણીમાં 'આવો, પધારો' બોલે, મનમાં થાય, 'અત્યારે મૂઆ ક્યાંથી ?' આમાં શાંતિ શી રીતે રહે માણસને ? પછી ધણી અક્કલવાળો ને વાઈફ અક્કલવાળી, પછી બન્નેની અક્કલ પાછાં મતભેદ ઊભાં કરીને ટકરાય ! બુધ્ધિ સામા જોડે ભેદ ઊભા કરે. સમજણ હંમેશાં ભેદનું નિવારણ કરે, અભેદતા ઊભી કરે. જમવાનું ટેસ્ટ મુજબનું ના થયું તો વાઈફ જોડે મતભેદ પડી જાય. પછી પેલી ય મનમાં રીસ રાખે ! નવા નવા પૈણેલાને ધણીપણાના અહંકારને લીધે મતભેદ પડી જાય. દાદાશ્રી કહેતા, અમે પણ ધણીપણાના રોફ મારવા ગયેલા, લગ્નજીવનની શરૂઆતમાં પણ એક ભૂલ થઈ પછી વાઈફને મુશ્કેલી પડે, દુઃખ થાય એવું સમજાયું. પછી એ ભૂલ આખી જિંદગી રીપીટ થવા દીધી નથી. વાઈફ જોડે આખી જિંદગી મતભેદ પડવા દીધો નથી. પ્રસ્તુત સંકલનમાં મતભેદ પડવાના કેટલાંય કારણો આપણા રોજિંદા જીવનમાં બન્યા કરતાં હોય છે. તે દાદાશ્રી ખુલ્લા દેખાડી આપે છે. તેમાંથી કેવી રીતે વાળી લેવું, તેની કળા પણ સોલ્યુશનરૂપે સમજાવે છે. દાદાશ્રી કહેતા, સામાને ઘા વાગી જાય, દુઃખ થાય એવો વ્યવહાર બની જાય તો તરત વાળી લો, એનું વારણ કરો. વારણથી નિવારણ અને નિવારણથી નિર્વાણ...... ! દીપકના જય સચ્ચિદાનંદ મતભેદનું કારણ, વારણ, નિવારણ ! મત કરાવે મતભેદ ! તારે શાનું દુઃખ છે, પૈસાનું દુઃખ છે કે ધણી સારો નથી કે છોકરાં સારાં નથી ? પ્રશ્નકર્તા : બધું સારું છે, મતનું જ દુઃખ છે. દાદાશ્રી : મતનું દુઃખ છે ને ! એ મત મને સોંપી દે ને, તારા મત મને અહીં સોંપી દે ! પ્રશ્નકર્તા : આપી દીધા દાદા. દાદાશ્રી : હં... સોંપી દે ને ! પ્રશ્નકર્તા : લઈ લો તમે. એટલે મત જ નહીં રાખવો ? દાદાશ્રી : મત જ નહીં રાખવો જોઈએ. વળી બન્નેએ શાદી કરી પછી મત જુદો કેવો ? બન્નેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે ? પ્રશ્નકર્તા : રખાય નહીં, પણ રહે. દાદાશ્રી : તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે ? નહીં તો શાદી નહોતી કરવી, શાદી કરી તો એક થઈ જાવ. પ્રશ્નકર્તા : મત ના રાખીએ તો દુનિયામાં આપણને ગાંડા ગણે. બુધ્ધિ ઓછી છે એવું કહે. દાદાશ્રી : ભલે ગાંડા કહે, દુનિયા ગમે તે કહે, પણ આપણે ઘેર તો શાંતિ રહે. દુનિયાને તો એમ કરીને ઝઘડા કરાવવા છે, મત રખાવડાવા છે. ગાંડા કહે, નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બીજા ગાંડા હશે નહીં આ દુનિયામાં ? આખું વર્લ્ડ મેન્ટલ હૉસ્પિટલ જ છે. દોષ, સંસારચક્રનો કે પોતાની નબળાઈનો ? તમારે તો કોઈક દહાડે ય ડખો થઈ જતો હશેને ?! ડખો થઈ જાયને, મતભેદ ? પ્રશ્નકર્તા : એ તો સંસારનું ચક્ર એવું છે. દાદાશ્રી : ના, આ લોકોને બહાના કાઢવામાં સારું જડ્યું છે. સંસારચક્ર એવું છે, એમ બહાનું કાઢે છે. પણ એમ નથી કહેતો કે મારી નબળાઈ છે. પ્રશ્નકર્તા : નબળાઈ તો ખરી જ. નબળાઈ છે ત્યારે જ તો તકલીફ થાય છેને ! દાદાશ્રી : હા બસ, એટલે લોકો સંસારનું ચક્ર કહી અને પેલું ઢાંકવા જાય છે. એટલે ઢાંક્યાથી એ ઊભું રહ્યું છે. એ નબળાઈ શું કહે છે કે જ્યાં સુધી મને ઓળખશો નહીં. ત્યાં સુધી હું જવાની નથી. સંસાર કશો ય અડતો નથી. સંસાર નિર્પેક્ષ છે. સાપેક્ષે ય છે અને નિર્પેક્ષ ય છે. એ આપણે આમ કરીએ તો આમ ને આમ નહીં કરે તો કશુંય નહીં, કશું લેવા- દેવા નથી. મતભેદ એ તો કેટલી બધી નબળાઈ છે ! પ્રશ્નકર્તા : પણ ઘરમાં મતભેદ તો ચાલ્યા કરે, એ તો સંસાર છેને ! દાદાશ્રી : આપણા લોકો તો બસ, રોજ વઢવાડ થાય છેને, તોય કહે છે પણ એ તો ચાલ્યા કરે. અલ્યા, પણ એમાં ડેવલપમેન્ટ (પ્રગતિ) ન થાય. શાથી થાય છે ? શાથી થાય છે ? કેમ આવું બોલે છે, શું થાય છે ? તેની તપાસ કરવી પડે. આ તે કેવા રક્ષણ શોધી કાઢયા ! પ્રશ્નકર્તા : જો કોન્ફ્લીક્ટ ના થાય જિંદગીમાં, તો જિંદગીની મજા ના આવે ! દાદાશ્રી : ઓહોહો.... મજા તેથી આવે છે ? તો તો પછી રોજ જ કરવાનું રાખો ને ! આ કોણે શોધખોળ કરી છે ? કયા ફળદ્રુપ ભેજાએ શોધખોળ કરી છે ? તો પછી રોજ મતભેદ કરવા જોઈએ. કોન્ફ્લીક્ટની મજા લેવી હોય તો. પ્રશ્નકર્તા : એ તો ના ગમે. દાદાશ્રી : આ તો પોતાની જાતનું રક્ષણ કર્યું છે માણસોએ ! આવું જીવનમાં ?! મજા કેમ આવે ? ઘરમાં તો શું હોય ? ઘરમાં તો તમે ત્રણ જણ, ત્યાં મતભેદ શાના ? નથી બેબીઓ બે-ચાર કે પાંચ, એવું તેવું તો કશું છે નહીં. તમે ત્રણ જણ એમાં મતભેદ શાના ? પ્રશ્નકર્તા : ના, પણ ત્રણ જણમાં જ ઘણા મતભેદ છે. દાદાશ્રી : આ ત્રણમાં જ ?! એમ ! મતભેદ થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં ? પ્રશ્નકર્તા : થોડા પ્રમાણમાં થાય અને વધારે પ્રમાણમાં ય થાય. દાદાશ્રી : કોઈક ફેરો દિવાળી અને કોઈ દહાડો હોળી, મજા આવે છે એમાં કે મજા મારી જાય છે ? પ્રશ્નકર્તા : મજા મારી જાય છે. દાદાશ્રી : તો આવું મજા મારી જાયને ! ઘરમાં તો ધણી ને સ્ત્રી બન્ને હોયને, પણ મજા મારી જાય તો એ ધણી શેના તે ?! ધણી ને સ્ત્રી બેઉ જુદા જુદા ગામમાં રહેતા હોય તો મજા મારી જાય. પણ જોડે રહેતા હોય ને મજા મારી જાય, એ કેવું ? પ્રશ્નકર્તા : કોઈક વખત થાય એવું. સંસારી જીવન છે એટલે થાય. દાદાશ્રી : એટલે આ દિવાળીનો દહાડો એક જ દહાડો આવે છે એવુંને આખા વર્ષમાં !? તો તો ઉજવણી કરવી જોઈએ ! પ્રશ્નકર્તા : દરેકને ઘેર રોજે ય થાય ને એવું ! દાદાશ્રી : કોને ઘેર નથી થતું, આંગળી ઊંચી કરો જોઈએ ! આ બેન ખરું કહે છે, મજા મારી જાય છે. જીવન શાંત અને ડહાપણવાળું જીવન જોઈએ. મન જોડે ય મતભેદ ! એકાગ્રતા તો એવી હોવી જોઈએ કે ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, વઢવાડ કરતાં એકાગ્રતા ના તૂટે. આખા શરીરમાં બીજો કોઈ મતભેદ જ ના હોય. શરીરની મહીં મતભેદ ના હોવા જોઈએ. હિન્દુસ્તાનના મતભેદોને કાઢવા ફરે છે લોકો. પણ પહેલાં આપણે મહીં મતભેદ ના હોવો જોઈએ. અને મહીં મતભેદ થયો એટલે ગોટાળો. પછી ટેન્શન થાય, પછી કોમ્પ્રેશન આવે. કોમ્પ્રેશન આવે ને ! પ્રશ્નકર્તા : અંદરનો મતભેદ એટલે શું, દાખલો આપીને સમજાવો. દાદાશ્રી : હવે તમે કોઈને બોલાવતા હોય, કો'કને દેખ્યા એટલે કહેશે, આવો, આવો. તો મહીં કહેશે, 'આ નાલાયકને શું કામ છે તે !' મહીં પાછાં એવું બોલે. એ તૃતિયમ બોલે. એવું કોઈ વખત બને ખરું ? પ્રશ્નકર્તા : કો'ક વખત શું, લગભગ બધી વખત બને. દાદાશ્રી : રોજ ? પ્રશ્નકર્તા : ભૂલમાં બોલાવી દીધા પછી થઈ જાયને કે આમને કંઈ બેસાડ્યા ! દાદાશ્રી : એટલે આ મતભેદ ઠેર ઠેર ઘરમાં, મહીં અંદર ઝઘડાં-મતભેદ હોય. આ તો હમણે આ જ્ઞાન આપ્યા પછી ઓછા થયા. નહીં તો પહેલાં તો આખો દહાડો ય મહીં તોફાન-ઝઘડાં ચાલ્યા કરતાં. એ કહેશે, અલ્યા, મેં તારું શું બગાડ્યું છે, તમે ઘરમાં વઢો છો બધાં ? ત્યારે બીજો કહે, તમે શું બગાડ્યું છે તમે જાણતા નથી ? એટલે આ જીવન જીવતાં ય ના આવડ્યું ! અકળામણથી જીવો છો ! એકલો મૂઓ છું ? ત્યારે કહે, ના, પૈણેલો છું. ત્યારે મૂઆ, વાઈફ છે તોય તારી અકળામણ ના મટી ! અકળામણ ના જવી જોઈએ ? આ બધું મેં વિચારી નાખેલું. લોકોએ ના વિચારવું જોઈએ આવું બધું ? બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમની અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તો ય સારું. પણ ત્યાં ય 'વાઈફ' જોડે લઠ્ઠાબાજી ઉડાડે ! કઈ દવા ચોપડવી, મતભેદની ?! ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ? પ્રશ્નકર્તા : મતભેદની કોઈ દવા નથી. દાદાશ્રી : હેં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં, બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા થઈને સૂઈ રહેવાનું ? દવા ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાં ય ઘા રૂઝાતો નથી. સવારમાં ય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમે ય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ ! એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે. પ્રશ્નકર્તા : બીજી તો શું દવા ? શાંત રહેવાનું ! દાદાશ્રી : ક્યાં સુધી શાંત રહો, એ મતભેદ મટાડે નહીં ત્યાં સુધી ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ તો ફરી ઊભો થવાનો પાછો. જ્યાં મતભેદ ઊભા થતા હોય અને જ્યાં ભયવાળી જગ્યા હોય ત્યાં રહેવાય જ કેમ કરીને ? પ્રશ્નકર્તા : તો શું કરવાનું ? દાદાશ્રી : તો ? જવું ક્યાં ? એટલે મતભેદ રહિત થઈ જવું ત્યારે સિક્યોરિટી (સલામતી) થઈ. આપણે તો મૂળ ક્રોધ-માન-માયા-લોભ જાય, મતભેદ ઓછા થાય એવું જોઈએ. આપણે અહીં પૂર્ણતા કરવાની છે, પ્રકાશ કરવાનો છે, અહીં ક્યાં સુધી અંધારામાં રહેવું ? મતભેદ, ઘરમાં ના પડવા દેવો ! શી બાબતમાં ઘેર મતભેદ પડે ? પ્રશ્નકર્તા : બે માણસ જુદા હોય, એટલે કંઈને કંઈ તો મતભેદ પડે જ. દાદાશ્રી : ના, અમારે મતભેદ નથી પડતા કોઈની સાથે. પ્રશ્નકર્તા : પણ અમારે તો મતભેદ જોરદાર પડે છે. દાદાશ્રી : એવું ના રાખવું જોઈએ, આપણે સમું કરવું જોઈએને ! રિપેર કરી નાખવું જોઈએ. પ્રશ્નકર્તા : હા, રિપેર પણ દરરોજ થાય છે, થોડું થોડું ! દાદાશ્રી : પણ રોજ રોજ એ ઘા પડેલો રહે બળ્યું. ઘા જાય નહીં ને, ઘા પડેલો તો રહેને ! ગોબા પડેલા હોય, માટે ગોબા જ ના પડવા દેવા. કારણ કે અત્યારે ગોબા પાડ્યા હોયને, તે આપણું ઘૈડપણ આવે ત્યારે બૈરી પાછી ગોબા પાડે આપણને. અત્યારે તો મનમાં કહે, કે જોરદાર છે ભઈ, એટલે થોડાક વખત ચાલવા દેશે. પછી એનો વારો આવે ત્યારે આપણને સમજાઈ દેશે. એના કરતાં વેપાર એવો રાખવો કે એ આપણને પ્રેમ કરે, આપણે એમને પ્રેમ કરીએ. ભૂલચૂક તો બધાની થાય જ ને ! ભૂલચૂક ન થાય ? ભૂલચૂક થાય એમાં મતભેદ કરીને શું કામ છે ! મતભેદ પાડવો હોય તો જબરા જોડે જઈને વઢવું એટલે આપણને તરત હાજરજવાબ મલી જાય, અહીંયા હાજરજવાબ જ ન મલે કોઈ દહાડો. એટલે બેઉ જણા સમજી લેજો. આવાં મતભેદ ના પાડશો. જે કોઈ મતભેદ પાડે કે આપણે કહેવું કે દાદાજી શું કહેતા હતા, આવું શા હારુ બગાડો છો ?! વાતમાં તથ્ય ખરું કે નહીં ? પ્રશ્નકર્તા : જીવનમાં મતભેદ તો હોયને, કોઈ માણસ સંપૂર્ણ તો છે જ નહીં ને ! દાદાશ્રી : મતભેદ પડે એનો અર્થ જ શું ? એ સેન્સલેસ ફેલો (મૂરખ માણસ) ! મતભેદ તો એકાદ બે હોય, આ તો આખો દહાડો મતભેદ પડ્યા કરે ! એ તો સેન્સલેસ ફેલો કહેવાય, પછી ! આપને કેમ લાગે છે મારી વાત ? બરાબર લાગતી હોય તો સાંભળજો, ના લાગે તો મને ના કહી દેજો કે મને ઠીક નથી લાગતી તો વાત બંધ કરી દઈશ, બીજી વાત કાઢીશ. પ્રશ્નકર્તા : દરેક માણસ સંપૂર્ણ હોતો નથી, એટલું જ હું આપની પાસે કહેતો હતો. દાદાશ્રી : અરે, અપૂર્ણ ય ક્યાં છે તે બળ્યો ? સંપૂર્ણ તો ના હોય પણ અપૂર્ણ હોય તો ય બહુ સારું કહેવાય. પ્રશ્નકર્તા : હું તો આપની પાસે કંઈક જાણવા માટે આવ્યો છું. દાદાશ્રી : બધું જાણવાનું અહીં મળશે. હું કંઈ તમને જ આ કહેતો નથી, આ તો જનરલ (સામાન્ય) રીતે વાત કરું છું. તમારા મનમાં એવું ના લઈ જશો કે મને કહે કહે કરે છે. આ તો જનરલી વાત છે ! પ્રશ્નકર્તા : ચોક્કસ. દાદાશ્રી : એટલે જનરલી તેમાં આપને ઠીક લાગે એવું સ્વીકાર કરવો અને ના ઠીક લાગે એ બાજુએ મૂકવું જોઈએ. પણ જનરલી આવું છે, એમાંથી આપણે વિચારવંત થવું જોઈએ. એટલે આ વિચારવા જેવું છે. મારી વાતમાં કંઈક રૂપિયે બે આની સત્ય જેવું લાગે છે કે નહીં ? પ્રશ્નકર્તા : ચોક્કસ લાગે છે. મતભેદ બંધ કરવામાં ય મતભેદ ! દાદાશ્રી : મતભેદ પડે એટલે બહુ મજા આવે, નહીં ? તે ઘડીએ ? પછી જાણે નાસ્તો કર્યો હોય એવું લાગે ! કે ના ગમે ? તું કહેતી નથી, બોલતી નથી કંઈ ?!! પ્રશ્નકર્તા : મતભેદ કોઈને ના ગમે. દાદાશ્રી : તો પછી બંધ કરી દેવા જોઈએ. એવું છે, એમાં સરકારનો અધિકાર નથી, આપણી પર દબાણ નથી. જો સરકારનું દબાણ હોય તો ના જાય, પણ આ તો આપણે આપણી પોતાની મેળે કાઢી નાખવાના છે. એટલે બંધ કરી દેવા એને. ના ગમતાં હોય તો બંધ કરી દેવામાં વાંધો શો છે ?! ક્યારે બંધ કરી દેશો હવે ? પ્રશ્નકર્તા : એમને જ પૂછો. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : અહીંયાં જ પહેલા મતભેદ થઈ ગયા. હું કરું કે એ બંધ કરે ?! દાદાશ્રી : હા. એટલે મતભેદ કરીને શું કામ છે ?! આપણે ભેગું રહેવું, વહેંચવું નથી. વહેંચવું હોય તો વહેંચી નાખો આ ડૉલર કે ભઈ, આટલા ડૉલર તમારા ને આટલા ડૉલર મારા, પણ મતભેદ ના કરવા. મતભેદ વિનાનું જીવન શકય ? પ્રશ્નકર્તા : મતભેદ વગર તો જીવન અશક્ય જ હોય. દાદાશ્રી : એવું આપણે તો અશક્ય કેમ કહેવાય તે ? કોઈને મતભેદ ના ય પણ હોય. પ્રશ્નકર્તા : અપવાદ નથી માન્યામાં આવતું. દાદાશ્રી : તમને (મહાત્માઓને) મતભેદ છે ? કોઈ જાતનો નહીં ? આમને મતભેદ નહીં હોય ? મતભેદ નથી કહે છે. વાત ખરી કહે છે. તમને માન્યામાં આવે ? પ્રશ્નકર્તા : નિકાલી મતભેદ હોય, નિકાલી ! દાદાશ્રી : પણ એને મતભેદ જ ના કહેવાયને ! નિકાલી એ વસ્તુ મતભેદ જ ના કહેવાય. તેં મતભેદ જોયેલો અહીં સત્સંગમાં આવ્યા ત્યારથી ? પ્રશ્નકર્તા : નથી જોયો. દાદાશ્રી : મેં ય નથી જોયો આટલા વર્ષોમાં, કોઈં દહાડો થોડોકે ય મતભેદ પડ્યો હોય એવું ! મતભેદ પડે તો કામનું જ શું લાઈફમાં ?! પોતાની વાઈફ જોડે મતભેદ કેમ પોષાય ? ઘરમાં વાઈફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરાં જોડે મતભેદ ઊભો થાય તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગૂંચાયા કરે. પ્રશ્નકર્તા : ધણી તો એમ જ કહેને, કે 'વાઈફ' સમાધાન કરે, હું નહીં કરું ! દાદાશ્રી : હંઅ, એટલે 'લિમિટ' પૂરી થઈ ગઈ. 'વાઈફ' સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી 'લિમિટ' થઈ ગઈ પૂરી. પુરુષ હોયને તે તો આવું બોલે કે 'વાઈફ' રાજી થઈ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે માટે સમાધાન કરવું. આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે 'હું તારો છું' પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર 'પ્રોબ્લેમ' વધે તેમ જુદું થતું જાય. 'પ્રોબ્લેમ' 'સોલ્વ' થઈ જાય પછી જુદું ના જાય. જુદાઈથી દુઃખ છે. અને બધાંને 'પ્રોબ્લેમ' ઊભા થવાના, તમારે એકલાને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી, તેને 'પ્રોબ્લેમ' ઊભા થયા વગર રહે નહીં. વહુની જોડે મતભેદ પડતો હોય મૂઆને ! જેની જોડે જુદી પથારી હોય છે કે એક પથારી હોય છે ? પ્રશ્નકર્તા : ના, માફ કરજો. એક જ હોય છે. દાદાશ્રી : તો પછી એની જોડે આ ઝઘડા થાય તો રાતે લાત મારે ત્યારે શું કરીએ ? પ્રશ્નકર્તા : નીચે. દાદાશ્રી : તો એની જોડે એકતા રાખવાની. 'વાઈફ' જોડે પણ મતભેદ થાય ત્યાં ય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે, એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે તમે ? પ્રશ્નકર્તા : આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું. દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા ! એ બાબતમાં ફરી ન પડે મતભેદ ! પ્રશ્નકર્તા : વિચારોનો મતભેદ મેઈન હોય. આચાર-વિચારમાં ફરક પડી શકે ને ? દાદાશ્રી : તે મતભેદથી પછી ફાયદો શું નીકળે, એનું સરવૈયું શું નીકળે ? પ્રશ્નકર્તા : બેની સમજણમાં ફેર હોય તો મતભેદ થાય. દાદાશ્રી : એમ ! પણ ધીમે ધીમે મતભેદ કાઢી નાખવો છેને ?! મતભેદો ના થાય એવું કરો છો પ્રયત્ન ? પ્રશ્નકર્તા : સમજવાની કોશિશ કરીએ. દાદાશ્રી : આખી રાત વિચાર્યા કરો, સમજવાનું ? પ્રશ્નકર્તા : એટલી વાર ના લાગે. દાદાશ્રી : ત્યારે કેટલી વાર ? સમજવાની કોશિશ કરી હોય તે ફરી વાર ઘરમાં પડે નહીં મતભેદ. ફરી પડતો નથીને પછી ? પ્રશ્નકર્તા : એ વસ્તુમાં પછી ફરી મતભેદ ના પડે. દાદાશ્રી : હા, પણ ફરી પાછું એના માટે પડે જ છે. ફરી એક વખત નહીં, પછી તો પચ્ચીસ વખત પડે છે. પ્રશ્નકર્તા : એ મતભેદ પડે છે પછી, પણ એ જ વસ્તુ માટે નહીં. દાદાશ્રી : ત્યારે ? ફરી એની એ જ વસ્તુ માટે થયા કરે. કપ-રકાબી પડી ગયા નોકરના હાથથી, એટલે બેન કહેશે કે એના બિચારાના હાથથી પડી ગયા, તમે શું કરવા અકળાવ છો ? ત્યારે તમે કહો કે, ના, આટલું બધું નુકસાન થયું અને પછી તમે વિચારીને પાછાં મતભેદને કાઢી નાખો. પાછા ફરી પડે ત્યારે પાછું આવું જ થાય. એટલે આમાં કશું વિચારતા આવડતું જ નથી ને ! વિચાર તો એનું નામ કહેવાય કે ફરી મતભેદ પડે નહીં. સોલિડ (નક્કર) કામ થાય. આ તો કોઈ કામ થતું નથીને, અહીં જ ભમ્યા કરો છો. ગોળ ગોળ ફરે એ કેટલા માઈલ ચાલે ? એનો એન્ડ (અંત) આવે ખરો ? પ્રશ્નકર્તા : ગોળ ગોળ ફરો તો એનો એન્ડ (અંત) ના આવે. દાદાશ્રી : ત્યારે એવું જ છે આ બધું, ગોળ ગોળ ફર્યા કરે છે, બિચારા, મનુષ્યમાત્ર બધાંય ભટક ભટક ભટક ભટક ભટક કર્યા કરે છે અને પાછું ફરી મનુષ્યપણું મળશે કે નહીં એનું ઠેકાણું નથી પાછું. માટે મનુષ્યમાં આવે ત્યારે આવું ખાવા-પીવા ને મોજ-મજા હોય, પછી પેલા ખરાબ વિચારો થવાથી જાનવરમાં જાય પાછાં. એટલે સમજવું જોઈએ કે આ શું છે - શું નથી, આ જગત કેવી રીતે બન્યું, શી રીતે ચાલે છે, આપણે કોણ છીએ, આપણે શા માટે છીએ, આપણે શું કરવાનું છે, એ જાણવાનું છે, એ જાણવું જોઈએ બધું ! ડિમોલિશન નહીં, ઓવરહોલ જરૂરી ! મતભેદ કરવાની જરૂર નથી, મતભેદથી કંઈ ફાયદો થયો ?! મતભેદ ક્યારે કરીએ કે મતભેદ કરી રહ્યા પછી ફરી મતભેદ ન કરવો પડે તો મતભેદ કરવો જોઈએ. આ તો ચોથા દહાડે પાછો કકળાટ કર્યો જ હોય, કકળાટ કકળાટ કકળાટ કર્યા જ કરે છે એટલે કકળાટ કરો છો કે મતભેદ કરો છો ?! મતભેદ તો ફરી ના કરવો પડે. એક ફેરો મતભેદ થઈ ગયો, પણ એ સુધારી લે અને આપણે ય સુધારી લઈએ. આ તો ત્રીજે દહાડે પાછો હતું તેનું તે ! કંઈ વિચારવા જેવું નથી લાગતું તમને ?! આ તો આ વિચારોને, સારા માણસ થઈને કેવું કરો છો ! હજી સુધારી શકાય એવું છે. હજુ કંઈ બગડી ગયું નથી. તદ્દન બગડી ગયું હોત તો તો આપણે કહીએ કે ભઈ, ઉખેડી નાખો હવે બધું, ફરી નવેસરથી વાવો. હજુ ડિમોલિશન કરવા જેવું નથી, હજુ તો સારું છે. રીપેર કરવાની જરૂર છે. ઓવરહોલ કહે છેને ! ઓવરહોલ કરવાની જરૂર છે. બીજું કશું નહીં. કેવા સારા માણસ અને આપણે મતભેદ ક્યાં થાય ? આવતી સાલ હું આવું ત્યારે મતભેદનું ભૂત કાઢી નાખો ! પ્રશ્નકર્તા : ઝઘડાંના મતભેદ નથી. દાદાશ્રી : મતભેદે નહીં ને કશુંય નહીં રાખવાનું ! પ્રશ્નકર્તા : આમાં સામાન્ય રીતે ઝઘડાંના મતભેદો હોતાં નથી. દાદાશ્રી : ઝઘડા હોય તો સારા, તે એનો નિવેડો આવી જાય. આ તો કાયમ કચકચ, કચકચ ! ઝઘડાનો મતભેદ સારો કે એકબીજાથી છૂટા પડી ગયા એટલે નિકાલ થઈ ગયો. પણ આ તો કાયમ કચકચ, તે ઘર બગડી જાય. ભાણાં ટાણે જ ભાંજગડ ?! તે પાછા મતભેદ ક્યારે કરે ? એ ય ટેબલ ઉપર જમવા બેસે તે ઘડીએ ટેબલ ખખડાવે. અલ્યા, મૂઆ, જંપીને ખાધા પછી મતભેદ પાડ. ત્યાં તો પ્યાલો પાડી દે. જમ્યા પહેલાં પાડી દે તો જમવાની મજા આવે, નહીં ? બહુ સરસ મજા આવે ? કેમ બોલતા નથી ? પ્રશ્નકર્તા : સાંભળું છું, મને સાંભળવામાં મજા આવે છે. દાદાશ્રી : બરાબર, એટલે મતભેદ શાને માટે પાડવાના આપણે ? ટેબલ ઉપર જમવાનું બધું બગડે. એના કરતાં આપણે કહીએ કે તમારી વાત કરેક્ટ છે. આપણે એકવાર પીરસી દો, કહીએ. કરેક્ટ કહીએ તો ભાવે ય ખરું પણ તો ય વાતને ના છોડે. અહંકાર છેને, તે ઊંધું બોલે ! એટલે મોજ-બોજ કરજો. તમે જેઠ મહિનો આવે તો કેરીઓ ખાઈને, રસ બરોબર પી લઈને સૂઈ જજો. આમ પેટ ના બાળશો ને હૈયું ના બાળશો. શેના હારુ હૈયાં બાળો છો તે ? આપણું ય ના બાળવું ને કોઈનું ય ના બાળવું. આ તો લોકોનાં હૈયાં બાળ્યાં ને પોતાનાં ય બાળ્યાં. બધું જ તૈયાર છે, પણ ભોગવતાં આવડતું નથી, ભોગવવાની રીત આવડતી નથી. મુંબઈના શેઠિયાઓ મોટાં ટેબલ પર જમવા બેસે છે, પણ જમી રહ્યા પછી તમે આમ કર્યું, તમે તેમ કર્યું, મારું હૈયું તું બાળ બાળ કરે છે વગર કામની ! અરે વગર કામનું તો કોઈ બાળતું હશે ? કાયદેસર બાળે છે, ગેરકાયદેસર કોઈ બાળતું જ નથી. આ લાકડાંને લોકો બાળે છે, પણ લાકડાના કબાટને કોઈ બાળે છે ? જે બાળવાનું હોય તેને જ બાળે છે. આમ આક્ષેપો આપે છે. આ તો ભાન જ નથી. મનુષ્યપણું બેભાન થઈ ગયું છે, નહીં તો ઘરમાં તે આક્ષેપો અપાતા હશે ? પહેલાંના વખતમાં ઘરમાં માણસો એકબીજાને આક્ષેપો આપે જ નહીં. અરે, આપવાનો થાય તો ય ના આપે. મનમાં એમ જાણે કે આક્ષેપ આપીશ તો સામાને દુઃખ થશે અને કળિયુગમાં તો લાગમાં લેવા ફરે. આ કંઈ માણસાઈ કહેવાતી હશે ? ઘર એકલું ચોખ્ખું રાખે તો સારું ને ? પ્રશ્નકર્તા : બહારે ય પડે છે. દાદાશ્રી : પણ ઘરમાં ક્લીયર રાખીએ તો શું ખોટું ? પ્રશ્નકર્તા : બહારે ય પડે ને ઘરમાં ય પડે, પણ બહાર તો શું કરે ? દાદાશ્રી : બહારના લોકો કંઈ જલેબી ખવડાવતા નથી. આ ઘરમાં જ જલેબી ખવડાવે છે. આ ચા-પાણી બધું આપે, તે ઘરમાં તો કશું મતભેદ નહીં કરવાનો. પ્રશ્નકર્તા : બહાર મતભેદ પડે, તો બહાર કંઈ થોડું ઝઘડાય છે ? આ ઘરે આવીને તો ઝઘડાય ખરું ! દાદાશ્રી : પણ આ જે આપણી ઉપર ઉપકાર કરે, ખાવા માટે તૈયાર બધું કરી આપે, તેની જોડે ઝઘડવાનું ? અમારે આખી જિંદગી વાઈફ જોડે એક મતભેદ નહીં પડેલો ! ગાંઠ પડતાં પહેલાં ઢીલું મૂકો ! તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ? પ્રશ્નકર્તા : એમને વધારે પડે છે. દાદાશ્રી : ઓહોહો ! મતભેદ એટલે શું ? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છેને, તે જોયેલી તમે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બે-ચાર જણ આ બાજુ ખેંચે, બે-ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે જોઈ લેવું કે આ ઘેર બેન ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું થાય ? પ્રશ્નકર્તા : તૂટી જાય. દાદાશ્રી : અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એનાં કરતાં આખી રાખીએ, એ શું ખોટું ? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું. પ્રશ્નકર્તા : પણ બેમાંથી મૂકે કોણ ? દાદાશ્રી : સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં ! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું. એકદમ છોડી દેને તો પડી જાય પેલું. એટલે ધીમે ધીમે ધીમે ધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરેને તો ધીમે ધીમે છોડી દઉં. નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું ? હવે છોડી દેતા આવડશે ? છોડી દેશોને ? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય ? પાછું ગાંઠ તો વાળવી જ પડેને ! દોરડું તો પાછું ચલાવવું જ પડે ને ! તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા, કરવું જ પડે. દાદાશ્રી : હં... એટલે છોડી દેવું અને તે પાછાં પડી ના જાય એવી રીતે ! પછી એમના મનમાં હિંમત આવશે કે આ આટલી મોટાઈ રાખે છે તો હુંય મોટાઈ રાખું, એવું મન થાય એમને. પ્રશ્નકર્તા : કોઈ નથી રાખતું, એકેય નમતું આપતાં જ નથી. દાદાશ્રી : એ તો ડાહ્યો હોય તે છોડી દે. નહીં તો એક ફેરો ગાંઠ પડ્યા પછી ગાંઠ નહીં જાય માટે દોરી ઘરમાં એવી રીતે રાખો, ગાંઠ પાડવી ના પડે. તૂટે નહીં એવી રાખો. તો એ ના સમજવું જોઈએ ? પ્રશ્નકર્તા : સમજવું જોઈએ. દાદાશ્રી : આખું છે, તેને પાછું શું કામ તોડે છે ?! તોડ્યા પછી ગાંઠ વાળવી પડે કે ના વાળવી પડે ? 'પણ એ મને ખબર નહીં કે પછી આ ગાંઠ વાળવી પડશે.' અલ્યા, તૂટતાં પહેલાં, આપણે છોડી દેવું પડે. નહીં તો ગાંઠ પડી જાય. એટલે ફરી એ દોરડું નકામું ગયુંને ! એટલે આ હિસાબ આપણે સમજવો જોઈએ, નહી તો ગાંઠ તો વાળવી જ પડશે ને ? ખખડાટ વાસણનાં, માનવનાં નહીં ! પ્રશ્નકર્તા : બે તપેલાં હોય તો રણકાર થાય ને પછી શમી જાય ! દાદાશ્રી : રણકાર થાય તો મજા આવે ખરી ! છાંટો ય અક્કલ નથી એવું હઉ બોલે. પ્રશ્નકર્તા : એ તો પાછું બીજું ય બોલેને કે તમારા સિવાય મને બીજું કોઈ ગમતું જ નથી. દાદાશ્રી : હા, એવું ય બોલે ! પ્રશ્નકર્તા : પણ વાસણ ઘરમાં ખખડે જ ને ? દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગૃત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાં ય સ્પંદનો કર્યા કરે કે 'આ તો આવા છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે !' અને પેલાં વાસણોને કંઈ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે ! મેર ચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ હોય ? આ 'દાદા'ને કોઈએ એક દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નું ય ના આવ્યું હોય એવું !! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઈ કો'કની જોખમદારી પર છે ? ચા જલદી આવી ના હોય તો આપણે ટેબલ પર ત્રણ વાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબુચક થઈને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો જઈશું ઓફિસે. શું ખોટું ? ચાનો ય કંઈ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે 'વ્યવસ્થિત' ! એનો ટાઈમ થશે એટલે ચા મળશે. તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભાં નહીં કરો તો ચા આવીને ઊભી રહેશે. અને સ્પંદન ઊભાં કરશો તો ય એ આવશે. પણ સ્પંદનોથી પાછાં વાઈફના ચોપડામાં હિસા બ જમે થશે કે તમે તે દહાડે ટેબલ ઠોકતા હતા ને ! અમે-હું, તું - હુંસાતુસી - હલદીઘાટ ! બૈરી ને એનો ધણી બેઉ પાડોશી જોડે લઢે ત્યારે કેવાં અભેદ થઈને લઢે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવાં ને તમે તેવાં. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી એકતા !! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો'ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહ્યોમાંહી જ્યારે ઝઘડે ને, 'તું આવી ને તમે આવા, તું આવી ને તમે આવાં.' ...પછી ઘરમાં જામેને, ત્યારે તો કહે, 'તું જતી રહે, અહીંથી તારે ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં. હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તૂટી ગયો અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય 'મારી- તારી' થઈ જાય. 'તું આવી છું ને તું આવી છું !' ત્યારે એ કહેશે, 'તમે ક્યાં પાંસરા છો ?' એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય. 'હું ને તું, હું ને તું, હું ને તું'. તે પહેલાં અમે હતાં, અમે બે એક છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. અમારું જ છે આ. તેનું 'હું ને તું' થયા ! હવે હું અને તું થયાં એટલે હુંસાતુસી થાય. એ હુંસાતુસી પછી ક્યાં પહોંચે ? ઠેઠ હલદીઘાટીની લડાઈ શરૂ થઈ જાય. સર્વ વિનાશને નોતરવાનું સાધન એ હુંસાતુસી ! એટલે હુંસાતુંસી તો કોઈની જોડે થવા ના દેવી. સંસારમાં કેમ ઊભું રહેવાય, આવાં ફસામણવાળા સંસારમાં, હું ને તું હોય, ત્યાં જીવાય જ કેમ કરીને ? હું ને તું, હું ને તુંમાં મતભેદ ના લાગે, બળ્યો? પ્રશ્નકર્તા : 'હું' હોય તો જ 'તું' હોય. દાદાશ્રી : હા, પણ 'હું' જતો રહ્યો છે તમારે ? એ તો ગજવું કાપે ત્યારે ખબર પડે. પ્રશ્નકર્તા : ગયો નથી પણ એટલી સમજ પડે કે 'હું' જવો જોઈએ. દાદાશ્રી : હા, 'હું' જાય તો બધો ઉકેલ આવી જાય. 'મારી'-'તારી' કહી પાડયા મતભેદ ! રોજ 'મારી વાઈફ, મારી વાઈફ' કહીએ. અને એક દહાડો વાઈફે છે તે, પોતાનાં કપડાં ધણીની બેગમાં મૂકી દીધાં. બીજે દિવસે ધણી શું કહે ? 'મારી બેગમાં તેં સાડીઓ મૂકી જ કેમ ?!' આ આબરૂદારના છોકરા ! એની સાડીઓ આને ખઈ ગઈ ! પણ એનું પોતાનું જુદું અસ્તિત્વ છેને ! એટલે વાઈફ અને હસબન્ડ એ તો બિઝનેસને લઈને એક થયા. કોન્ટ્રાક્ટ છે એ. એ જુદું અસ્તિત્વ કંઈ છૂટી જાય ? અસ્તિત્વ જુદું જ રહે છે. 'મારી પેટીમાં સાડીઓ કેમ મૂકે છે', એવું કહે કે ના કહે ? પ્રશ્નકર્તા : કહે, કહે. દાદાશ્રી : તો મારી ને તારી જુદાં તો છે જ ને ઊઘાડાં ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : મારી-તારી ખુલ્લું નથી ? એ મારી-તારી થઈ જાય એવું ના રાખવું જોઈએ આપણે. એવું બોલવા સુધી ના આવે. આપણી આપણી કર્યા કરીએ ત્યાર સુધી સારું છે, બા. આ તો અહીં મારી-તારી થઈ ગઈ એટલે આપણે સમજીએ કે આ તો બરકત વગરનો છે, એ બુધ્ધિ દેખાડે, ભેદ પાડે. બુધ્ધિ ના હોય તેને ભાંજગડ નહીં ! નહીં તો કહેને મારી બેગમાં સાડી મૂકી જ કેમ ?! તે અક્કલનો કોથળો, મૂઆ સાડી મૂકી એમાં તારા બાપનું શું ગયું ? એમાં ખોટું શું છે તે ? ત્યાં કહેને, સાડી અહીં મૂકી સારું થયું, એવું બોલેને તો એને સારું લાગેને ! બીબીને સારું ના લાગે ? પ્રશ્નકર્તા : લાગે. દાદાશ્રી : આ તો કકળાટ કરે કે મારી બેગમાં તારી સાડી મૂકી જ કેમ ? એટલે બઈ કહેશે, કો'ક દહાડો એની બેગમાં હાથ ઘાલીએ તો આવું ને આવું ગોટાળા વાળે છે. બળ્યો, આ ધણી ખોળવામાં મને ભૂલચૂક થઈ ગઈ લાગે છે. આવો ધણી ક્યાંથી મળ્યો ? પણ હવે શું કરે ? ખીલે બંધાયું ! 'મેરી' હોય તો જતી રહે બીજે દહાડે, પણ ઈન્ડિયન શી રીતે જતી રહે ? ખીલે બંધાયેલા !! ઝઘડો કરવાની જગ્યા જ નથી, સ્પેસ જ નથી એવી, ત્યાં ઝઘડો કરે, તો ઝઘડો કરવાની જગ્યા હોય તો તો મારી જ નાખેને આ લોકો ! અરે, નહીં તો જોડે જોડે બેગો મૂકેલી હોયને તોય કહેશે, 'ઉઠાવી લે તું તારી બેગ અહીંથી'. અલ્યા મૂઆ પૈણેલો છું, આ શાદી કરી છે, એક છો કે નહીં ?! અને પાછો લખે શું ? અર્ધાંગિની લખે. મૂઆ, કઈ જાતના છો તે આ ! હા, ત્યારે મૂઆ અર્ધાંગિની શું કરવા લખે છે ? એમાં અર્ધો અંગ નહીં આ બેગમાં ! કોની પુરુષોની મશ્કરી કરીએ છીએ કે સ્ત્રીઓની આપણે ? એવું કહેને, અર્ધાંગિની નથી કહેતાં ?! પ્રશ્નકર્તા : કહે ને ! દાદાશ્રી : અને આમ ફરી જાય પાછા. સ્ત્રીઓ ડખલ નહીં કરે. સ્ત્રીઓની બેગમાં જો કદી આપણા ધોતિયાં મૂક્યાં હોયને, તો ડખલ નહીં કરે અને આ તો બહુ એને અહંકાર. આમ આંકડો જ ઊંચો ને ઊંચો, વીંછીની પેઠ જરાક મારે તો ડંખ મારી દે હડહડાટ. અનુભવેલી આપવીતી, કરી ખુલ્લી ! આ તો મારી વીતી બોલું છું હં કે. આ મારી આપવીતી બોલું છું. એટલે તમને બધાને પોતાને સમજણ પડે કે આમને વીતેલી આવી હશે. તમે એમ ને એમ સીધી રીતે કબૂલ કરો નહીં, એ તો હું કબૂલ કરી દઉં. પ્રશ્નકર્તા : આપ બોલો એટલે બધાને પોતાનો પાછો ખ્યાલ આવી જાય ને કબૂલ કરે. દાદાશ્રી : ના, પણ તમે કબૂલ ના કરો પણ હું તો કબૂલ કરી દઉં કે મારી વીતેલી છે, આપવીતી નહીં વીતેલી ? અરે ! મારે ડંખ તે કેવો ડંખ મારે, તું તારે ઘેર જતી રહેજે, કહે છે. અલ્યા મૂઆ, જતી રહે તો તારી શી દશા થાય ? એ તો આ કર્મથી બંધાયેલી છે, ક્યાં જાય બિચારી ! પણ બોલું છું તે નકામું નહીં જાય, આ એના હાર્ટ ઉપર ડાઘ પડશે. પછી એ ડાઘ તારી ઉપર પડશે, મૂઆ. આ કર્મો ભોગવવાં પડશે. એ તો એમ જાણે કે કંઈ જવાની છે હવે ?! આવું ના બોલાય. અને એવું બોલતા હોય તો એ ભૂલ જ કહેવાયને ! થોડા ઘણાં તો ટોણાં મારેલાં કે નહીં મારેલાં બધાએ ? પ્રશ્નકર્તા : હા, મારેલા. બધાએ મારેલાં એમાં અપવાદ ના હોય. ઓછું-વધતું હોય પ્રમાણ, પણ અપવાદ ના હોય. દાદાશ્રી : એટલે આવું છે બધું. હવે આ બધાને ડાહ્યા બનાવવાના. બોલો હવે, આ શી રીતે ડાહ્યા થાય ?! જો ઢેડફજેતો, ઢેડફજેતો ! મોઢાં પર દિવેલ ફરી વળેલાં છે ! સરસ સરસ દૂધપાક ને સારી સારી રસોઈઓ જમે છે તો ય મોઢાં પર દિવેલ પીધું હોયને એવાં ને એવાં દેખાય છે. દિવેલ તો મોઘું થયું છે તે ક્યાંથી લાવીને પીવું ? આ તો એમ ને એમ જ મોઢાં પર દિવેલ ફરી વળે છે ! ઘરમાં વાઈફ જોડે 'તમારું ને અમારું' એવી વાણી ના હોવી જોઈએ. વાણી વિભક્ત ના હોવી જોઈએ. વાણી અવિભક્ત હોવી જોઈએ. આપણે અવિભક્ત કુટુંબના ને ? આ મારું અને આ તમારું, તે ધણી જોડે ય આ મારું ઘડિયાળ ને આ તમારું ઘડિયાળ. પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો જરૂર પડે એટલું તો રાખવું પડે ને, આ મારું ને આ તમારું. નહીં તો બંધ પડેલું ઘડિયાળ આપણે માટે મૂકી જાય. દાદાશ્રી : એટલે વ્યવહારમાં બધું રાખવું પડે પણ વ્યવહારની લિમિટ ક્યાં સુધી છે ? વ્યવહારની લિમિટ હોય ને ? આ બધાએ જ્ઞાન લીધેલું છે, એ પણ વ્યવહારમાં રહે છે. પણ આમનો (જ્ઞાન લીધેલાવાળાનો) વ્યવહાર લિમિટવાળો છે ને તમારો વ્યવહાર તો અન્લિમિટેડ. એટલે તમારે એ વ્યવહારમાં 'તમારું પોતાનું' ય ઊડી ગયું. અને ઘરમાં લેટ ગો કરવામાં આપણને શું વાંધો છે ? પ્રેમથી લેટ ગો કરવું ! સમજવું તો પડશેને, આ જગત આવું ક્યાં સુધી ચાલશે ? ગપ્પાં ક્યાં સુધી ચાલે ? નથી છતાં માને બુધ્ધિશાળી ! વાતચીત કરો, કરોને ! કંઈ ખુલાસા થશે આમાં. આ તો જોગ બેઠો છે તે ભેગા થયાં, નહીં તો ભેગા થવાય નહીં, આ તો !! એટલે કશી વાતચીત કરોને ! એમાં વાંધો શો ? આપણે બધા એક જ છીએ. તમને જુદાઈ લાગે છે આ બધી, કારણ કે ભેદબુધ્ધિથી માણસને જુદું લાગે. બાકી બધું છે એક જ. માણસને ભેદબુધ્ધિ હોયને ! વાઈફ જોડે તો ભેદબુધ્ધિ નથી હોતીને ? પ્રશ્નકર્તા : હા, એ જ થઈ જાય છે ! દાદાશ્રી : આ વાઈફની જોડે ભેદ કોણ પાડે છે ? બુધ્ધિ જ ! પ્રશ્નકર્તા : અમુક લોકો બુધ્ધિશાળી વર્ગ તો કહેવાય ? દાદાશ્રી : બુધ્ધિશાળીની તો અહીં જરૂર જ નહીં. બુધ્ધિશાળી તો મેં જોયો ય નહીં કોઈ માણસ. તમે જોયેલો કોઈ દિવસ ? પ્રશ્નકર્તા : લોકો લર્નેડ (શિક્ષિત) શબ્દ વાપરે છે ને ? દાદાશ્રી : લર્નેડ એટલે ભણેલો માણસ. બુધ્ધિશાળી તો આપણા માણસ અમથા માની બેઠા છે કે હું બુધ્ધિશાળી છું. ડૉક્ટરો એમની મેળે માની બેઠા છે, વકીલો એમની મેળે માની બેઠા છે, દરેક ધંધાવાળા એમની જાતને બુધ્ધિશાળી માને. બુધ્ધિશાળી કોને કહેવાય કે જેના ઘરમાં મતભેદ ના હોય, ઝઘડાં ના હોય. બુધ્ધિશાળીને આટલું કામ તો આવડે જ અને મહિનામાં એકાદ વખત થાય પણ બહુ લાંબું હોય નહીં. પ્રશ્નકર્તા : મતભેદ કેવી રીતે ના થાય ? દાદાશ્રી : મતભેદ તો, બુધ્ધિ હોય એટલે મતભેદ જ પડી જાય ને ? જેને બુધ્ધિ નથી, આદિવાસી હોય એને મતભેદ ના પડે. કારણ કે એને તો બુધ્ધિ નથી. અને આ તો બુધ્ધિ નથી અને પાછો બુધ્ધિ છે, એમ કહે છે એટલે મતભેદ પડી જાય છે. પ્રશ્નકર્તા : બુધ્ધિ ના હોય ત્યાં મતભેદ ના પડે ? દાદાશ્રી : જેનામાં ખરેખર બુધ્ધિ નથી, એનામાં મતભેદ હોય નહીં. પણ આ તો બુધ્ધિ નથી અને છે એમ માની બેઠેલા છે તેને મતભેદ પડે છે. પ્રશ્નકર્તા : મુશ્કેલીઓ હોય એના સમાધાન, શુધ્ધિકરણ માટે પણ બુધ્ધિની જરૂર પડે છે ! દાદાશ્રી : બુધ્ધિ બે પ્રકારની. જે બુધ્ધિ પઝલ ના હોય ત્યાં પઝલ ઊભું કરે એ વિપરીત બુધ્ધિ અને જે બુધ્ધિ પઝલ હોય એને સોલ્વ કરી નાખે એ સાચી બુધ્ધિ. સાચી બુધ્ધિ હોય તો હેલ્પ કરે. બાકી બીજી, પેલી હેલ્પ ના કરે. પઝલ ના હોય તો પઝલ ઊભું કરી દે, વધારે ગૂંચવે. પ્રશ્નકર્તા : એવી સાચી બુધ્ધિ હોય તો એ સરળ હોય ? દાદાશ્રી : હોય જ નહીં ને પણ, ક્યાંથી લાવે સાચી બુધ્ધિ ? સાચી બુધ્ધિ મારો હાથ ફર્યા વગર થાય નહીં. વિપરીત જ હોય. તે દા'ડે દા'ડે મુશ્કેલીઓ વધારે ના હોય તો ઊભી કરે. કો'ક દા'ડો કઢી ખારી થાય અને ટેબલ ઉપર બીજું સારું જમવાનું હોય છતાંય ગાંડુ બોલ્યા વગર રહે નહિ. કઢું ખારું થયું છે, એવું બોલે. બોલે કે ના બોલે ? આને હવે બુધ્ધિશાળી કહેવા કે ડફોળ કહેવો ? પ્રશ્નકર્તા : સમજ અને બુધ્ધિ વચ્ચે શું ફેર ? દાદાશ્રી : સમજ છે તે મતભેદને ઘટાડે અને બુધ્ધિ વધારે. અક્કલે અક્કલ લઢે, ત્યાં થાય મતભેદ ! પ્રશ્નકર્તા : ઘરમાં મતભેદ દૂર કરવા શું કરવું ? દાદાશ્રી : મતભેદ શેના પડે છે એ તપાસ કરવી પહેલી. કોઈ દા'ડો એવો મતભેદ પડે છે કે એક છોકરો ને એક છોડી હોય, તો પછી બે છોકરા નથી એનો મતભેદ પડે છે ? પ્રશ્નકર્તા : ના આમ તો નાની નાની વાતમાં મતભેદ થાય. દાદાશ્રી : અરે, આ નાની વાતમાં તો, એ તો ઈગોઇઝમ છે. એટલે એ બોલે ને આમ છે, ત્યારે કહેવું, 'બરોબર છે' એમ કહીએ એટલે પછી કશું ય નહીં પાછું. પણ આપણે ત્યાં આપણી અક્કલ ઊભી કરીએ છીએ. અક્કલે અક્કલ લઢે એટલે મતભેદ થાય. પ્રશ્નકર્તા : 'એ બરાબર છે' એવું મોઢેથી બોલવા માટે શું કરવું જોઈએ ? એ બોલાતું નથી, એ અહ્મ કેવી રીતે દૂર કરવો ? દાદાશ્રી : એ હવે એ બોલાય નહીં પાછું. ખરું કહે છે. એ થોડા દા'ડા પ્રેક્ટિસ લેવી પડે. આ કહું છુંને એ ઉપાય કરવા માટે થોડા દા'ડા પ્રેક્ટિસ લો ને, પછી એ ફીટ થઈ જશે, એકદમ નહીં થાય. પ્રશ્નકર્તા : મતભેદ કેમ પડે છે, એનું કારણ શું ? દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો અને પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો.... કેવી અક્કલવાળી છે ! તો એ ય ટાઢી પડી જાય પછી. પણ આપણે ય અક્કલવાળા અને એ ય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું થાય તે ?! અને અક્કલવાળો મેં જોયો નહીં કોઈ જગ્યાએ. એ અક્કલવાળો કોનું નામ કહેવાય કે જે કોઈ દા'ડો કોઈની નકલ ના કરતો હોય, એનું નામ અક્કલવાળો. આ તો બધા નકલી લોકો. હું જોઈ જોઈને શીખ્યો, કહેશે. આ બેનોએ નકલ કરીને, કઢી કરતાં આવડી, જોઈને શીખી ગયાં. આ સાડી કોઈની જોઈને લાવ્યાં. અને પછી કહેશે, હું અક્કલવાળી. મતભેદ ભાંગે તે સમજણ સાચી ! મેં મારી જિંદગીમાં કદિ નકલ નથી કરી, અસલ જ. મને અનુકૂળ આવે એ જ કરું હું. બીજી કોઈની ભાંજગડ નહીં, હું ક્યાં શીખું તમારી પાર્ટીનું ? તમારું ડ્રોઇંગ વાસી હોય ને હું પાછું મારું એ જ ચીતરું તો પાછું મારું ય વાસી થઈ જાય. આ મારે મતભેદ નથી પડતો કોઈની જોડે. કારણ કે મારામાં અક્કલ નહીં ને ! અક્કલના કોથળા બહુ મતભેદ પાડે. અક્કલવાળા વધારે હોયને એ બહુ મતભેદ પાડે. તારામાં અક્કલ ખરી કે નથી ? પ્રશ્નકર્તા : ખબર નહીં. દાદાશ્રી : તમારે મતભેદ પડે છે ખરા ને પણ ? માટે અક્કલવાળા છો. આ તો કો'ક દહાડો એવું ય સંભળાવી દે, 'તારામાં પૈણ્યા ત્યારથી અક્કલ ઓછી છે.' અરે, મેલને પૂળો અહીંથી. અક્કલ ઓછી છે તે જાણે છે, ત્યારે વળી ગા ગા શું કરવા કરે છે વગર કામનો હવે ? શું અક્કલનો કોથળો ! આપણે અક્કલના કોથળા !! આપણે તો એ અક્કલની વાતો કરતી હોયને, તો આપણે હસવું એટલે એ જાણે કે આ મારી મશ્કરી થવા માંડી એટલે બંધ થઈ જશે પછી. આપણે સામસામી બાઝવું નહીં. આમ ખરું છે, તેમ ખરું છે એ બોલતી હોયને, એટલે આપણે જાણવું કે આ અક્કલ ચાલી હવે. એટલે આપણે હસવું જરાક. એટલે એની મેળે બંધ થઈ જશે, ટાઢું ટપ્પ ! બાકી ઘરમાં મતભેદ ના પડાય. મતભેદ પડે એને માણસ જ કેમ કહેવાય ? મતભેદ ટાળતા ના આવડ્યા તો બુધ્ધિ જ ના કહેવાય ને ! મતભેદ પડે એવી વાત કરતા હોય તો આપણે એને ફેરવી શકાય છે. મતભેદ કેમ પડવા જોઈએ ?! મતભેદ તો બુધ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. મતભેદ ટળે એટલી જાગૃતિ તો પ્રકૃતિ ગુણથી પણ આવી શકે છે, મતિ પહોંચતી નથી તેથી મતભેદ થાય છે. મતિ 'ફૂલ' પહોંચે તો મતભેદ ના થાય. પણ આ કાળને લઈને અત્યારે બધાં ફ્રેક્ચર થઈ ગયેલાં છે ને ભટક ભટક ભટક કરે છે. કંઈ હેતુ નથી, કંઈ ભાન નથી, કશું જ નથી. એમાં ઘરમાં ય કોઈની જોડે સુખ નથી એને. અને ઘરવાળાને ય કોઈને સુખ નથી એની જોડે. અને મતભેદ ઘટ્યા નથી. તે કહે છે, હું કંઈક પામ્યો. અલ્યા, મતભેદ ઘટવા જોઈએ, શાંતિ વધવી જોઈએ. કંઈક તો કારણ બનવું જોઈએ. કશું બન્યું નથી ને મનમાં શું ય માની બેઠાં છે ! જાણ્યું તેનું નામ કહેવાય કે કોઈની જોડે મતભેદ ના પડે. ઘરમાં મતભેદ થતો હશે ? એક અંશે ય ના થવો જોઈએ !! ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફીટ ફોર હસબન્ડ, જો હસબન્ડ આવું કરે એ અનફીટ ફોર હસબન્ડ અને વાઈફ આવું કરે તો અનફીટ ફોર વાઈફ. મતભેદ પાડે, તે ઠરે બરકત વિનાનો ! તે મારે ભાગ વાળવાનો આવે છે ચાર-ચાર ફૂટ ઊંડો પૂંજો (કચરો). પ્રશ્નકર્તા : એ ક્યારે વળાઈ જશે, દાદા ? દાદાશ્રી : આ વાળવા બેઠો છું આ બધાં મદદ કરે મહીં જોડે વાળવામાં ત્યારે ! ત્યારે ઈન્ડિયામાં લોક કહે છે, 'દાદા, તમે ઝાપટો છો બહુ, વકીલ કે ડૉક્ટર કશું જોતા નથી, ઝાપટી નાખો છો'. ત્યારે હું સમજણ પાડું. એ વકીલ કે ડૉક્ટરને જેને ઝાપટું તેને, બોલો, આ કોટ છે તે, વીસ વર્ષથી, આ ગરમ કોટ બહાર પડેલો છે અને પાછો ગરમ, ઊંચી જાતનું ઊન હોય, તો ધૂળ મહીં પેસી ગયેલી હોય. હવે બોલો એ ધૂળ કાઢવી છે, શું થાય ?! એને ઝાપટવો પડે. ઝાપટ ઝાપટ કરીએ ત્યારે નીકળે. મેં કહ્યું, 'આ આવી ધૂળ પડી, પછી ઝાપટું છું, મને આ તો સારું લાગતું હશે ?' પણ મારું મગજ ખરાબ થાય ને ત્યારે કહે, 'પણ ઝાપટીને મને ચોખ્ખો કરી આપજો.' મારે પછી ના કહેવું પડે ? પહેલાં તો એવું કહેતા'તા 'હું અક્કલવાળો છું.' મેં કહ્યું, 'હોવે, અક્કલ છે તેથીને, ઘરમાં મતભેદ નહીં પડતો હોય ?!' એ તો બુધ્ધિને લઈ પડે. મેં કહ્યું, 'બુધ્ધિશાળી ના હોય તો જ પડે. બુધ્ધિશાળી હોય તો કાઢી નાખે, વિચાર વિચાર કરીને, આ તમારી બુધ્ધિ નથી તેથી.' 'હેં, મારે બુધ્ધિ નથી ?' ત્યારે મેં કહ્યું, 'મતભેદ પડે છે ને ?!' સંસાર ચલાવતા આવડતું નથી. બુધ્ધિશાળી થઈને બેઠા છે. આખો દહાડો મતભેદ પડ્યા કરે, વહુ જોડે. જો પોતાનાં હરીફ હોય તો જાણે ઠીક છે. જે શેઠને નોકર જોડે મતભેદ પડે તો આપણે જાણીએ ને, કે આ શેઠનામાં બરકત નથી ? પ્રશ્નકર્તા : હં. દાદાશ્રી : હરીફ હોય તો વાત જુદી છે. સમાન બુધ્ધિ જોડે મતભેદ પડે તો સમજીએ. આ અસમાન બુધ્ધિ જોડે મતભેદ પડે છે. હવે શું થાય ?! ઝાપટી ઝાપટીને પણ, ઝાપટું છું તે પાછાં સમજી જાય કે આ ભલા છે દાદાજી ! ઘરમાં એક દહાડો મતભેદ ન થવો જોઈએ. આ મતભેદ કરે છે એ બુધ્ધિ ઓછી એટલે. બુધ્ધિથી વિચાર કરે, તો મતભેદ કરવાની જરૂર જ નથી. પણ બુધ્ધિ ઓછી હોયને તો એ મતભેદ કરે અને પોતાની જાતને બુધ્ધિશાળી માનતો હોય. બુધ્ધિશાળી એનું નામ કે ઘરમાં સેફસાઈડ કરે, બહાર સેફસાઈડ કરે, સેફસાઈડ વધારે એનું નામ બુધ્ધિશાળી. ઘરમાં આનંદ કરાવડાવે એનું નામ બુધ્ધિશાળી કે ડાચું ચઢેલું હોય એનું નામ બુધ્ધિશાળી ? પ્રશ્નકર્તા : જો વિવેક કરીને કામ કરે એને બુધ્ધિશાળી કહેવાય ? દાદાશ્રી : હં. વિવેકપૂર્વક બધાંને સુખ વધે એવું ખોળી કાઢે, સુખ ઘટે એવું ના ખોળી કાઢે. આ તો ઘેર આવીને ડખો કરે મૂઆ, આખું ઘર બગાડે. એવી લાઈફ કેમ હોવી જોઈએ ! આપણી લાઈફ ફેરવી શકીએ છીએ આપણે, આપણા વિચારો ફેરવી શકીએ છીએ. આપણે નક્કી કર્યું કે, ઘરમાં મતભેદ નથી પાડવો. એવું નક્કી કરીને બીજા જોડે ભાંજગડ કરેને, તો ય મતભેદ પડે નહીં ! પણ આપણે એ ચાવી માર્યા વગર જ કરીએ છીએને, તેથી ભાંજગડ થઈ જાય છે. અમે પહેલેથી ચાવી મારીને પછી કરીએ. 'યુ આર કરેક્ટ' ત્યાં ટળે મતભેદ ! મારી પાસે પચાસ હજાર માણસો આવે છે. પણ મારે કોઈની સાથે મતભેદ નથી. પ્રશ્નકર્તા : આપ કહો છો કે આટલા બધા પચાસ હજાર માણસો જોડે મારે કોઈ દા'ડો મતભેદ નથી થયો. હવે કોઈ ખોટું કહેતો હોય અને તમે છે તે સાચું કહો, તો પછી એ મતભેદ પડ્યો ના કહેવાય ? દાદાશ્રી : એવું છેને, અત્યારે હું કહું કે ભઈ, અત્યારે બહાર અંધારું થઈ ગયું છે. ત્યારે આ ભઈ કહે, ના, અજવાળું છે. ત્યારે હું કહું કે ભઈ હું તમને રીકવેસ્ટ (વિનંતી) કરું, વિનંતી કરું છું તમે ફરી જુઓને ! ત્યારે કહે, ના, અજવાળું છે. એટલે હું જાણું કે આમને જેવું દેખાય છે એવું બોલે છે. માણસની દ્રષ્ટિની બહાર આગળ દ્રષ્ટિ જઈ શકે નહીં. એટલે પછી હું એને કહી દઉં કે તમારા વ્યૂપોઈન્ટથી તમે બરાબર જ છો. હવે બીજું મારું કામ હોય તો કહો. એટલું જ કહું, 'યસ, યુ આર કરેક્ટ બાય યોર વ્યૂપોઈન્ટ !' (હા, તમે તમારા દ્રષ્ટિબિંદુથી સાચા છો.) કહીને, હું આગળ ચાલવા માંડું. આમની જોડે આખી રાત ક્યાં બેસી રહું ? એ તો આવા ને આવા જ રહેવાના છે. આવી રીતે મતભેદનો ઉકેલ લાવી નાખવાનો. શું કારણથી આવું બોલ્યા ? એ આગળ દેખાતું નથી, એનું કારણ જડતું નથી. એટલે પછી મતભેદ થઈ જાય અને અમે જે જ્ઞાન આપીએ છીએને, તે સર્વ સમાધાની જ્ઞાન છે. એટલે ક્યારેય પણ મતભેદ ના પડે. સમાધાન થઈ જવું જ જોઈએ, ગમે તે ટાઈમે, એટ એની સ્ટેજમાં (ગમે તે દશામાં). કોઈ પણ જગ્યાએ સમાધાન થઈ જવું જ જોઈએ. મારે આ જગતમાં કોઈની જોડે, કોઈ પણ જગ્યાએ મતભેદ પડે જ નહીં. મને ગાળ ભાંડે કે તમે ચોર છો, તો ય મારે મતભેદ ના પડે. કારણ કે એ એની દ્રષ્ટિથી બોલે છે બિચારો, એની કોઈ પણ દ્રષ્ટિ છે. કોઈ ગપ્પું મારી શકે નહીં. ગપ્પું મારવું તે ય દ્રષ્ટિ છે. એ એના મનમાં એમ માને છે કે હું ગપ્પું મારું છું. પણ એને કોઈ દ્રષ્ટિનો આધાર છે. એટલે અમને એની જોડે મતભેદ ના પડે. અને મતભેદ પડે એ તો નબળાઈ કહેવાય. વીકનેસ કહેવાય. એ બધી વીકનેસ જવી જોઈએ. સહુ પોતાની દ્રષ્ટિથી સાચા ! એમ માનોને કે અહીંથી પાંચસો ફૂટ છેટે આપણે એક એકદમ સરસ સફેદ એવો ઘોડો ઊભો રાખ્યો છે અને અહીં આગળ દરેકને આપણે દેખાડીએ કે પેલું શું દેખાય છે ? ત્યારે કોઈ ગાય કહે, તો આપણે એને શું કરવું ? આપણા ઘોડાને કોઈ ગાય કહે તે ઘડીએ આપણે એને મારવો કે શું કરવું ? પ્રશ્નકર્તા : મારવાનો નહીં. દાદાશ્રી : શાથી ? પ્રશ્નકર્તા : એની દ્રષ્ટિથી ગાય દેખાઈ. દાદાશ્રી : હા... એના ચશ્મા એવા છે. આપણે સમજી જવાનું કે આને બિચારાને નંબર લાગેલા છે. એટલે એનો દોષ નથી. એટલે આપણે વઢાય નહીં. કે ભઈ બરાબર છે તમારી વાત. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? ત્યારે કહે કે ઘોડો દેખાય છે, તો આપણે જાણીએ કે આને નંબર નથી. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? ત્યારે કહે, 'મોટો બળદ હોય એવું દેખાય છે.' તો આપણે નંબર સમજી જઈએ એના. ના દેખાય એટલે નંબર સમજી લેવા. તમને શું લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : એટલે મતભેદનું કારણ શું, આપણે સમજી જવું કે આને નંબર વધી ગયા છે. મતભેદ પાડવા ઇચ્છા જ નથી રાખતા લોકો. પોતાને જેવું દેખાય એવું બોલે બિચારા, એમાં એનો શો ગુનો, કહો ?! દ્રષ્ટિ આગળની બંધ થઈ જાય એટલે પછી મતભેદ થાય અને મતભેદ થાય એને સંસ્કાર જ ના કહેવાય ને ? સંસ્કારીને ત્યાં મતભેદ ના હોય. મારે જ્ઞાન નહોતું થયું તે વખતે બે-ચાર જણની જોડે મતભેદ પડ્યો હશે, પણ 'આ' જ્ઞાન થયાં પછી તો કોઈની જોડે મતભેદ જ નથી પડ્યો. મતભેદ શેને માટે ? આ તો પોતાને આગળ ના દેખાય એટલે મતભેદ ઊભો થાય. મતભેદ શેનાથી થાય છે ? એ દ્રષ્ટિ આગળની બંધ થઈ જાય એટલે. મતભેદ એટલે અથડામણ છે એક જાતની, એવું આપને સમજાયું ? મારે તો કોઈની જોડે મતભેદ પડ્યો જ નથી અત્યાર સુધી, તો પછી મનભેદ તો હોય જ નહીંને ? મતભેદ ના હોય તો મનભેદ હોય જ નહીં. અમે તો પ્રેમસ્વરૂપ ! બધું મારું પોતાનું જ છે, એ પ્રેમથી જ બધું આ છે. પ્રશ્નકર્તા : અમારે ઘરમાં પણ મતભેદ તો ઘણા છે ! દાદાશ્રી : હા, ઘણાં હોય, પણ તો ય વિચારશીલ માણસ ધીમે રહીને વિચારે કરીને મતભેદ કાઢી નાખે. મતભેદથી તો આ જગત બધું ઊભું રહ્યું છે. એટલે મતભેદ એ ફાયદાકારક નથી અને ધીમે ધીમે એ કમી કરવા જેવી ચીજ છે. આપને કેમ લાગે છે ? વિચારશીલ માણસ હંમેશાં ય મતભેદ ન પડવા દે. પિસ્તાળીસ વર્ષમાં ન પડયો મતભેદ ! પિસ્તાળીસ વર્ષથી વર્લ્ડમાં કોઈની જોડે મારે મતભેદ નથી. ઘરમાં તો નહીં તે નહીં પણ કોઈની જોડે બહારે ય નહીં. પ્રશ્નકર્તા : તમારી પાસે એવું શું સિક્રેટ (રહસ્ય) છે કે મતભેદ ના થાય ? દાદાશ્રી : એ જ સિક્રેટ (રહસ્ય) આપવા માગું છું તમને. આ તો માઈન્ડ ફ્રેક્ચર થઈ ગયું છે, બૉડી ફ્રેક્ચર થઈ ગઈ છે, બધું ફ્રેક્ચર થઈ ગયેલું છે આ તો. માઈન્ડ કેવું થઈ ગયેલું છે કે ડૉલર જતો રહે તો જાણે મરી ગયો પોતે એવું લાગે. ના લાગે એવું ? એ મન ફ્રેક્ચર થઈ ગયું છે. પ્રશ્નકર્તા : પણ હવે બારસો ડૉલર ભાડું ભરવાનું હોય તો લાગે જ ને ! દાદાશ્રી : આ લાગવાથી એ ભાડું ભરી દીધું હશે ખરું ?! લાગવાથી એ થઈ જતું હશે ખરું ?! પ્રશ્નકર્તા : ના, પણ નેચરલ .... દાદાશ્રી : ના, એ નબળાઈ છે, વીકનેસ બધી ! આ માઈન્ડ ફ્રેક્ચર થઈ ગયેલું છે. એ ફ્રેક્ચર ના થવું જોઈએ. અમારે તો ઘેર મારા વાઈફ છે, હીરાબા છે તે આજ કેટલાંય વર્ષોથી અમારામાં મતભેદ નહીં. કોઈ દહાડો એ નાખી દેતા હોય રૂપિયા તો ય હું એમ ના કહું કે કેમ આવું કરો છો ? પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં પણ હીરાબા સાથે મતભેદ નહોતા કોઈ દિવસ ? દાદાશ્રી : હા, પહેલાં થતો. છેલ્લા પિસ્તાળીસ વર્ષથી તે બધાં આજુબાજુવાળા ય જાણે કે આમને કશો કોઈ દહાડો ય મતભેદ નથી. રોજ જોડે રહેવાનું તો ય મતભેદ નહીં, એ લાઈફ કહેવાય. કશો મતભેદ જ નહીં એવા વ્યવહારની લાઈફ કેવી સુંદર કહેવાય ! આજે અમારા ઘરમાં વાઈફ હજુ છે, જીવે છે. એમની જોડે મતભેદ નથી પડ્યો. પાડોશી જોડે મતભેદ નહીં. પાડોશીઓને ય લાગે કે ભગવાન જેવા છે. કંઈ મનુષ્યપણું હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? તમારો શો મત છે ? પ્રશ્નકર્તા : એ તો હોવું જ જોઈએ. ભૂલનું પુનરાવર્તન નથી થવા દીધું ! દાદાશ્રી : અમારે પૈણ્યે પંચાવન વર્ષ થયાં. તે પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમર સુધી જરા ભૂલચૂક થઈ હશે. પણ પછી હું તો ત્રીસ વર્ષનો હતો ત્યારથી બધું રીપેર કરી નાખેલું. ઘરમાં પછી ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં. બાકી અમારે પહેલાં લોચા પડી ગયેલા. અણસમજણના લોચા. કારણ કે ધણીપણું બજાવવા ગયેલા. મેં તો બહુ રોફ મારેલા. પ્રશ્નકર્તા : શું રોફ માર્યા હતા, દાદા તમે ? દાદાશ્રી : અરે બહુ રોફ, આમ કડક બહુ. પછી સમજણ પડી ગઈ આ તો ભૂલ થઈ રહી છે બધી. એટલે પછી બંધ કરી દીધું. નાનપણમાં તો સમજણ ના પડેને કે આ ભૂલો છે આ, નરી ભૂલો જ છેને બધી ! પ્રશ્નકર્તા : એટલે હીરાબા કહેતાં હશે કે દાદા તો તીખાં ભમરા જેવાં. દાદાશ્રી : તીખાં ભમરા જેવાં.... તે દહાડે કડકાઈ બહુ, બહુ કડકાઈ ! આ તો જ્ઞાનને લઈને બધું જતું રહ્યું, બધી કડકાઈ. આજ છવ્વીસ વર્ષથી જતું રહ્યું. પહેલાં હતું પણ તે ઓછું. પણ હીરાબાની જોડે તો બહુ વર્ષથી મેં બંધ કરી દીધેલું. પ્રશ્નકર્તા : બધા ધણીપણું બજાવે અને આપ ધણીપણું બજાવો એમાં ફેર તો ખરો જ ને ? દાદાશ્રી : ફેર ? શાનો ફેર ! ધણીપણું બજાવ્યું એટલે બધું ગાંડપણ, મેડનેસ કહેવાય. અંધારાના કેટલા ભેદ હોય ?! પ્રશ્નકર્તા : તો ય આપનું જરા જુદી જાતનું હોયને ? આપનું કંઈક નવી જ જાતનું હોય ને ! દાદાશ્રી : થોડો ફેર હોય. એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતા. અને પડ્યો હોય તો વાળી લેતાં અમને આવડે. મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં તો ય એને અવળું પડી જાય, પછી એનો ઉપાય શો ? સારું-ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં ! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. અમારા તો બધા ય રૂપિયા ચાલે. તમારે તો કેટલીક જગ્યાએ નહીં ચાલતો હોય ને ? પ્રશ્નકર્તા : અહીં દાદા પાસે જ ચાલે. બીજે ક્યાંય ચાલતા નથી. દાદાશ્રી : એમ ! હશે ત્યારે ! આ ઑફિસમાં ચાલે તોય બહુ થઈ ગયું. આ તો દુનિયાની હેડ ઑફિસ કહેવાય. પલ્ટી મારીને ટાળ્યો મતભેદ ! તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું હીરાબા કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને બા કહેવાય અને આ બીજી છોડીઓ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું. આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે. પ્રશ્નકર્તા : હા, એ વાત કહો ને ! દાદાશ્રી : એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી. પ્રશ્નકર્તા : એ તો એમની થઈ ગઈ હશે, પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી. દાદાશ્રી : હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તો ય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને ! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ? પ્રશ્નકર્તા : તમને. દાદાશ્રી : તે મારે સમજવું જોઈએ ને ! તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, 'મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે તેમાં આ પહેલી છોડી પૈણે છે, આપણે લગ્નમાં શું આપીશું ?' તે આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું 'ના' કહું નહીં. મને પૂછયું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય ? પૂછયું એટલે મેં શું કહ્યું ? 'આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છેને તે આપજોને નવું બનાવ્યા કરતાં ! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે નાના નાના તે આપજોને એકાદ-બે !' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણાં જ બોલાય. તે એ એવું બોલ્યાં કે 'તમારા મામાની દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ને !!!' હવે 'મારા' ને 'તમારા' બોલ્યા તે દહાડે, કાયમ 'આપણું' જ બોલે. મારા-તમારા ભેદ ના બોલે. તે દહાડે પેલા બોલ્યા. મેં કહ્યું, 'આજ આપણે ફસાઈ ગયા !' હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું ! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય ! એટલે મારી-તારી થઈ તે દહાડે ! 'તમારા મામાના દીકરા' કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! એટલે મેં કહ્યું, આ ઠોકર વાગવાની થઈ આજ તો ! એટલે હું તરત જ ફરી ગયો ! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેનાં કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખો ય. મેં કહ્યું, 'એવું નથી કહેવા માંગતો.' હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, 'મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો !' ત્યારે કહે, 'તો શું કહો છો ?' ત્યારે મેં કહ્યું, 'આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.' 'તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે ?' એટલે હું સમજી ગયો આપણે જીત્યા ! પછી મેં કહ્યું, 'તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે !' એટલે ખુશ થઈ ગયાં. 'દેવ જેવા છે' કહે છે !! પ્રકૃતિ ઓળખીને કળા કરી ! જો પટ્ટી મારી દીધીને ! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ? પ્રશ્નકર્તા : ના, કંઈ વાંધો નહીં. દાદાશ્રી : એટલે મેં કહ્યું, આ પાંચસો એક ને બીજું આ આપો. 'તમે બહુ ભોળા, આવું અપાતું હશે, એને તો ચાર છોડીઓ છે.' મેં કહ્યું, 'હવે જીત્યા આપણે.' ભોળા કહ્યું કે તરત હું જીત્યો. પણ જીતી ગયો તે દા'ડે. નહીં તો મતભેદ પડત તો ખરેખરો પડત. મારું ને તમારું અને આંટી હઉ રહેત. હું જાણું કે પાંચસો ય અપાવાના નથી એમનાથી, એ આપે તો ય હું તો ખુશી હોઉં ! સાચા દિલથી ઇચ્છા ખરી કે આપે, પણ હાથ છૂટવો મુશ્કેલ છે ને ! એ બાર મહિને બે-ત્રણ વખત છે તે વડોદરાથી મુંબઈ આવે તો એરોપ્લેનમાં આવે એટલી મારી ઇચ્છા ખરી, પણ દસ-પંદર વખત આવે તો ના કહી દઉં. પણ એમને તો હું આજ પંદર વર્ષથી કહે કહે કરું છું. તમારે જ્યારે જ્યાં એરોપ્લેનમાં જવું હોય તો છૂટ. હું જાણુંને જવાના નથી તો પછી મારે શું કામ ના કહેવું ? ત્યારે કહે, એ પ્લેનમાં જવાનું તમારે, મારે પ્લેનમાં નથી જવું, તમે જજો ! મને એક ફેરો, ગયે ફેરે અમેરિકા ગયો ત્યારે મૂકવા આવ્યા હતા, ફક્ત પ્લેનમાં આવ્યા એટલું જ અને પાછા પ્લેનમાં ગયા હતા બસ. એ બાકી આમ બેસે નહીં, આપણે કહીએ તો ય ના બેસે. પ્રકૃતિ ના ઓળખીએ આપણે ? છતાં ભૂલ પોતાની જ ગણી ! એટલે હું તો એ દહાડે છૂટી ગયેલો. નહીં તો તે દહાડે ભૂલમાં સપડાત. તમારા મામાના દીકરા એવું બોલ્યા. એટલે અમારું ને તમારું એવું બોલાય ? આપણે વન ફેમિલિ, અમારું-તમારું, આમચા-તુમચા બોલે પછી રહ્યું જ શું ત્યારે ? એટલે અમારે મતભેદ નહીં પડેલો કોઈ દહાડો પછી ! પ્રશ્નકર્તા : હં, હવે એ વાત શીખી ગયો છું. દાદાશ્રી : ના, પણ આવું સમજવું નહીં પડે ભઈ ! જીવન જીવવાની કળા તો સમજવી પડે ને ! એટલે પછી મને કહે છે, 'તમે તો ભોળા છો એવા પાંચસો અપાતા હશે !' મેં કહ્યું, આપણો હિસાબ પતી ગયો બધો. જો આપણું સંધાઈ ગયું. આ લોહી નીકળ્યું ખરું આપણાથી. પણ પાછું પટ્ટી લાગી ગઈ. એવું ના શીખવું જોઈએ, ભઈ ?! પ્રશ્નકર્તા : પણ ત્યાં તો અહંકાર આવેને હું ધણી. મારું કેમનું નીચું પાડવું જોઈએ ? દાદાશ્રી : મૂઆ, તું ધણી ?! ધણી તો કેવો નોબલ હોય ! આવાં હોતાં હશે ? આ તો 'મારા' ભાઈને ત્યાં તમે ઓછું આપો છો. એ વિચારો એમના મનમાં પેસતા હતા. તેને બદલે એમણે એમ કહ્યું કે આટલાં બધા ના અપાય. પ્રશ્નકર્તા : તમે 'ફરી ગયા' કે તમે ઢીલું મૂક્યું ? દાદાશ્રી : મેં ઢીલું નથી મૂક્યું. એ મારી ભૂલ જ થઈ. આવું કેમ થાય ? મારી-તારી થતું હશે ? એમણે મને કહ્યું કે 'તમારા મામાના દીકરાને ત્યાં આવડાં મોટા તાટ' એવું કહ્યું કે મને થયું, હું એવું કેવું બોલ્યો કે એ મારી-તારી બોલ્યા ? મારી ભૂલ મને સમજાઈ, કે ઓહોહો ! આવડી મોટી ભૂલ કરી મેં ? સંસારમાં નીવડેલો માણસ આવું બોલે ? પણ તે તરત મેં ભૂલ ભાંગી. અમને આવડી જાય તરત. તે ઢીલું મૂકેલું નહીં. મારી ભૂલ જ હતી. જ્ઞાની પાસે અદ્ભૂત બોધકળા ! પ્રશ્નકર્તા : આપે સુધારી લીધું એમ કહેવાય ? દાદાશ્રી : હા. સુધારી લીધું. આખો ફરી ગયો કે આવું વાસણ આપજો એવું કહેવા ગયો, તેને બદલે આ હું આખો ફરી ગયો. એટલે મેં પાંચસો એક કહ્યા અને એ તો મારા ખ્યાલમાં જ હોય કે હું પાંચસો રૂપિયા કહીશ તો એ મને શું કહેશે. એટલે રૂપિયા ભેલાડવા નથી બેઠો. મારે તો મતભેદ પાડવો નથી ને રૂપિયા ભેલાડવા નથી. આ તો અણસમજણ ઊભી થવા દેવી નથી. બાકી રૂપિયા ભેલાડવા નથી બેઠો. પ્રશ્નકર્તા : એટલે સાચવી લીધું. દાદાશ્રી : હા, આ મારી ભૂલ થઈ એ ખુલ્લી કરી મેં. હું સમજી ગયો કે આ ભૂલ થઈ. કોઈ દહાડો આવું બન્યું નથી ને એક્સિડન્ટ થયો આવો ! મેં જાણ્યું કે આ મારી ને તમારી થઈ, માટે આ ઘરમાં આપણો હવે છૂટકારો થઈ ગયો. તે આપણે એવું કેવું બોલ્યા કે એમને આ બોલવાનો વખત આવ્યો. પણ તે બ્રેઈન અમારું બહુ પાવરફુલ. બહુ બોધકળા હોય અમારી પાસે, બધી બોધકળા, જ્ઞાનકળા, બધી કળાઓથી સાબૂત હોઈએ. તરત જ બ્રેઈન કહે કે રૂપિયા પાંચસો આપી દેજો. ત્યારે એ કહેશે, 'તમે ભોળા છો !' એટલે આ તો ભૂલ અમારી ને ફસાયા તમે એવું સમજી જઈએ. જાણી-જોઈને છેતરાતા જ્ઞાની ! પ્રશ્નકર્તા : જે તૂટવાની તૈયારીમાં હતું, એ સાંધી લીધું દાદાએ. અને રાજી કરીને પાછું. દાદાશ્રી : હા. અને રાજી તો કેવાં હોય, તે મને તો પહેલેથી કહેતા આવ્યાં છે કે તમે ભોળા છો બહુ. શાથી કે કોઈક આવે અને કહે કે 'મારે આમ થયું, તેમ થયું' એટલે કબાટમાંથી આપી દો છો. એટલું જ શીખ્યા છો તમે. એટલે હું સમજી ગયેલો કે ભોળપણ તો છે. વાત સાચી છે. પણ મારું ભોળપણ, હું જાણીને આપતો હતો. પેલા મૂરખ બનાવી દે એવું નહીં. પણ જાણીને આપું, કારણ કે એને દુઃખ ઓછું થાય છે. છેતરતો હશે તો ય દુઃખ તો ઓછું થશે, એમ જાણીને આપતો હતો. હું કંઈ ભોળો નથી. આખી દુનિયાને ઓટીમાં ઘાલીને બેઠો છું. એટલે હીરાબાએ મને ભોળો માની લીધેલો પહેલેથી કે આ બહુ ભોળા છે. ત્યારે મેં કહ્યું કે આ એકલું અવલંબન સારું છે આપણા માટે. એ ભોળા કહેશેને ! ત્યાં સુધી એમની કોર્ટમાં નિર્દોષ. એમની હાઈકોર્ટમાં આપણે કાયમના નિર્દોષ ! હું હોંશિયાર હોઉં તો દોષિત થાઉંને ? ભોળા જ બસ ! મતભેદ ટાણે, સમાધાનથી સાચવી લીધું ! એક દહાડો એવું બનેલું, હીરાબા કહે છે, 'હું તો અહીં મામાની પોળે જ રહીશ. ત્યાં નવું (ફલેટ) બંધાયું છે કોઠી પર, ત્યાં રહેવા નહીં જઉં.' મેં કહ્યું, 'તમને અનુકૂળ આવે ત્યાં રહેવાનું.' હા, અમે એમ ના કહીએ કે ત્યાં રહેવા જાવ તમે. તમને અનુકૂળ આવે ત્યાં રહો. ઘરધણી માણસના મનમાં એમ થાયને, સહેજ ખટકો થાયને કે પોતાનું ઘર બંધાયું તો ય આ ઘર ખાલી કરતાં નથી. તો એનું ઘરધણીને થોડુંક વધારે ભાડું આપી દઈશું. મેં કહેલું, ઘરધણી જે માગે એ ભાડું આપી દેવાનું અને એ ઘરધણી ય એવું સમજે છે કે 'મારે એવું કશું કરવું નથી.' પણ છતાંય અમે એને સંતોષ આપીએ. એમાં બિચારાનો શો ગુનો ? આપણું ઘર જુદું થયું એટલે જુદું રહેવું જ જોઈએ ને ? આપણે ઘેર જવું પડે ને ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : પણ હીરાબા તો ખસવાનું ના કહે છે. અમે એડજસ્ટ થઈ જઈએ. પણ મતભેદ પડવા ના દઈએ ! હમણાં એક દહાડો મતભેદ પડી જાય એવું થયું હતું. રાત્રે મેં કહ્યું બેન જમવા બનાવનાર છે તો પછી હવે રસોઈયાની શી જરૂર છે ? ત્યારે કહે, ના, એમના હાથનું હું નહીં જમું ! પછી બીજે દહાડે મેં કહ્યું, 'રસોઈયો તમને જ્યારે જોઈતો હોય ત્યારે બોલાવી લો એકને બદલે બે.' આવું કેમ બોલ્યો હું ? એમને ઠીક લાગે એ કરે, મારે શી જરૂર આ બધી ? હાથ ઘાલીને શું કામ છે તે આપણે ? તમને શું લાગે છે ? હાથ ઘાલવો જોઈએ ? પ્રશ્નકર્તા : ના, ના. એ એના સંજોગો ઉપર આધાર છે. દાદાશ્રી : સંજોગો જોવા પડે. મને તો અત્યારે ય હીરાબા ભોળા જાણે. હજુય હીરાબા તો મને કહે છે, 'તમે ભોળા છો. હું ભોળી નથી.' પ્રશ્નકર્તા : હું પાકી, દાદા ભોળા. એવું કહેતા. દાદાશ્રી : હા, દાદા ભોળા માણસ છે. મારે એનું જ કામ છે. ભોળા કહે એટલે છોડી દેને ? પ્રશ્નકર્તા : હા, છોડી દે. દાદાશ્રી : પાકાં થયા તો છોડે નહીં. ભોળા થવામાં છોડી દે. અને ભૂલચૂક થઈ હોય તો કહેશે કે 'ભોળા છે.' થઈ ગયું, ભાંજગડ જ નહીં ને ! પહેલેથી ભોળાની છાપ. ભોળા કહેનારા ભોળા ! હવે ખરી રીતે એ ભોળા છે. હું તો ભોળો જરાય નથી. હું તો જાણીને જવા દેતો હતો બધુંય. અને એ એમનું અજાણ્યામાં જતું રહે. પ્રશ્નકર્તા : અજાણ્યામાં જતું રહે એ તો ભોળું કહેવાય. દાદાશ્રી : એટલે જ એ ભોળા કહેવાયને અને મને તો કોઈ ભોળો કહેને, તો હું કહું કે મને ભોળો કહેનાર ભોળો છે. મને ઓળખતો જ નથી તું. પણ હું જાણીને જવા દઉં. જે માંગો એ આપી દઉં, કશું રહેવા ના દઉં પાસે, એવો સ્વભાવ હતો. કારણ કે એક લોભ નહોતો અમને, બિલકુલેય લોભ જરાય નહીં. કશું જોઈએ જ નહીંને ! અને પાસે હોયને, તો આપી દઉં પાછો. મારી પાસે કશું રહે નહીં. એટલે અમારા ભાગીદારે કહેલું કે તમારી પાસે રૂપિયા હાથમાં રાખવા જેવા નથી. મેં ય કહી દીધું કે મને આપશો જ નહીં. કારણ કે મારી પાસે રહે નહીં. એટલે હીરાબા ય કહે કે 'તમને તો પૈસા અપાય જ નહીં.' ત્યારે મેં કહ્યું, 'ના આપશો. આપશો જ નહીંને ? બાકી કો'ક આવ્યો. તે ઢીલો થયેલો દેખાય કે કબાટ ઉઘાડીને આપી દેવાનું.' બાકી સ્ત્રી જાતિને તો, 'હમણે જ હું સ્ટેનલેસ સ્ટીલનું ફલાણું એ લાવી.' એ સાંભર સાંભર કર્યા કરે. ત્યારે આમને તો એમની પાસે હોય તો ય બધાંને આપી દે. એટલે ભાંજગડ જ નહીં ને કશી. કાલની ફિકર નહીં એમને. સારાં માણસ ! સામાનો આશય સમજે, ત્યાં મતભેદ ક્યાંથી ? મારે અમારા ઘરમાં અમારાં વાઈફ જોડે મતભેદ પડેલો નથી. એ ય મર્યાદાપૂર્વકની વાત કરે, તો હું ય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો'ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયાં છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે, પણ મતભેદ ના પડવા દઉં. એમને એમ ના લાગે કે એક મિનિટે ય મને દુઃખ દીધું છે. અમને ય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે. એ ત્યાં રહે છે ને હું અહીં રહું છું. જુદા રહીએ પણ વઢવાડ નથી કોઈ જાતની. રોજ ભેગું થવાનું. મતભેદ જ નહીં ને, ભાંજગડ જ નહીં. ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડ્યો હોય એવું મને ખબર નથી. હું ય એમના જેવો હોઉં તો પછી એ તો મતભેદ પડી જાય. એ શું કહે છે ને કેવા આશયથી કહે છે, એ શું હેતુથી કહે છે એ તરત સમજી જઉં. એટલે હું એલાઉ કરું કે બરાબર છે. નથી પાડવો મતભેદ, તેને કળા આવડે ! એટલે મતભેદ કોઈ જગ્યાએ અમે પડવા ના દઈએ. મતભેદ પડતાં પહેલાં જ અમે સમજી જઈએ કે આમથી ફેરવી નાખો ને તમે તો ડાબું ને જમણું બે બાજુનું જ ફેરવવાનું જાણો કે આમના આંટા ચઢે કે આમના આંટા ચઢે. અમને તો સત્તર લાખ જાતના આંટા ફેરવતાં આવડે ! પણ ગાડું રાગે પાડી દઈએ, મતભેદ થવા ના દઈએ. અને મતભેદ પડ્યો તો હું જ્ઞાની શાનો ? તારે પાડવો હોય તો ય ના પડવા દઉં. તું આમ ફરું ત્યારે હું આમ ફરું. તું આમ ફરું તો હું આમ. કારણ કે અમારી જાગૃતિ, એવર જાગૃતિ હોય. રાત્રે, ચોવીસેય કલાક જાગૃતિ. આ ઊઘાડી આંખે ઊંઘ્યા કરે છે આ આખું જગતે ય. તમારા બોસ, બોસ બધા ઊઘાડી આંખે ઊંઘે છે. તમે કહેતા હો તો કહી આપું અને પછી કહું એક્સપ્લેનેશન માંગો. પહેલાં કહી આપું, આ પીરસી આપું અને પછી કહું. 'આઈ વૉન્ટ ટુ એક્સપ્લેઈન યુ.' કંઈ ગપ્પું નહીં, નહીં તો આટલા બધા કપડાં ધોવાના ક્યારે પાર આવે તે ! એટલે આ મશીનમાં ઘાલ્યા કે પાર ! જ્યાં મતભેદ છે ત્યાં અંશજ્ઞાન છે ને જ્યાં મતભેદ જ નથી ત્યાં વિજ્ઞાન છે. જ્યાં વિજ્ઞાન છે ત્યાં સર્વાંશ જ્ઞાન છે. 'સેન્ટર'માં બેસે તો જ મતભેદ ના રહે. ત્યારે જ મોક્ષ થાય. પણ ડિગ્રી ઉપર બેસો ને 'અમારું-તમારું' રહે તો એનો મોક્ષ ના થાય. નિષ્પક્ષપાતીનો મોક્ષ થાય. તમારો મત એ જ મારો મત ! પ્રશ્નકર્તા : પણ પેલા આંતરિક મતભેદ જે હોય તે બીહેવિયરમાં (વર્તનમાં) એનું પરિણામ પામે. એ તો બહુ ભયંકર કહેવાયને ? દાદાશ્રી : આંતરિક મતભેદોને ? એ તો બહુ ભયંકર ! પણ મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે ? તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી, જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત. બોલ્યા પ્રમાણે વર્ત્યા જીવનમાં ! હું તો આ બોલું છું ને એ પ્રમાણે જ લાઈફમાં વર્તેલો છું. કારણ કે આ મેં હિસાબ ખોળી કાઢેલો, આમાં ખોટ શું, નફો શું, એમ ખોળી ખોળીને આગળ ચાલેલો છું. એટલે છેલ્લાં પીસ્તાલીસ વર્ષથી મારા વાઈફ જોડે મતભેદ નથી, એ અત્યારે ય છે. હું કંઈ આ લોકોની પાસે... સાધુ કે એવો તેવો નથી, વૈરાગી નથી. હું તો વેપારી છું પણ જ્ઞાની પુરુષ છું. એટલે આ દેહનો માલિક સત્યાવીસ વર્ષથી રહ્યો નથી, કોઈ મિલકતનો માલિક રહ્યો નથી, કોઈ ચીજનો માલિક રહ્યો નથી. હું તો આ તમને બધાને કહું છુંને, તે મારી જાત ઉપર ટ્રાયલ લીધા વગર કહેતો નથી. બધી ટ્રાયલ લઈને પછી કહું છું. કારણ કે મારે વાઈફ જોડે, જ્ઞાન નહોતું તો ય મતભેદ નહોતો. મતભેદ એટલે ભીંતમાં માથું અથાડવું. ભલે લોકોને સમજણ નથી. મને પોતાને તો સમજણ પડી કે આ ઉઘાડી આંખે ભીંતમાં અથડાયો, મતભેદ પડ્યો એટલે ! - જય સચ્ચિદાનંદ. |
|---|