|
'આત્મદ્રષ્ટિ'ના પુરુષાર્થની શ્રેણીઓ ! સંપાદકીય અક્રમ વિજ્ઞાન થકી બે કલાકમાં પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એવા 'આત્મદ્રષ્ટિ' મહાત્માઓને 'બીજ' જેટલી અંતરાત્મ દશા પ્રગટ થઈ જ જાય છે. હવે 'બીજ'થી 'પૂનમ', 'કેવળ' દશા સુધી પહોંચવામાં શું પુરુષાર્થ હોવો ઘટે ? પોતાને શુધ્ધાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી ગમે તેવો વ્યવહાર બાકી રહ્યો, છતાં જો દાદાશ્રીની પાંચ આજ્ઞા પાળતો હશે, ભલે સો ટકા નહીં પણ સીત્તેર ટકા તોય એને વ્યવહાર અડશે નહીં. એનો વ્યવહાર બરફ જેવા સ્વરૂપનો છે, ફાવે એટલો લાકડાનો વ્હેર દબાવી રાખશે તો ય બરફ ઓગળીને ખલાસ થઈ જશે. વ્યવહારની નિર્જરા થઈ જશે અને અંદર સંવર રહેશે, આ દ્રષ્ટિફેર થવાથી ! મોક્ષના માર્ગે કરેક્ટ છીએ કે નહીં ? તેની પારાશીશી દાદાશ્રી દેખાડી દે છે કે ક્યાંય કોઈ જોડે મતભેદ ના પડતો હોય, કોઈ બાબતમાં સહેજ આગ્રહ ના રહેતો હોય, અરે, સત્યના ય પૂંછડા પકડી ઝલાઈ જતા ના હોય, કોઈ ગમે તેવું ઉતારી પાડે તો ય જક્કે ના ચઢે, તો સમજી લેવું કે આપણી ગાડી મોક્ષના પાટે દોડી રહી છે. આવતા ભવના કર્મ બંધાવામાં વર્તનની કોઈ કિંમત નથી, માત્ર ઊંધી દ્રષ્ટિ જ કારણભૂત છે. આ 'જ્ઞાન' મળ્યા પછી ઊંધી દ્રષ્ટિ છૂટી જાય છે, દ્રષ્ટિ આત્મસન્મુખ થઈ જાય છે. હવે રહ્યું વર્તન તે 'વ્યવસ્થિત' છે ને નિકાલી બાબત છે. એને જ્ઞાનીદ્રષ્ટિમાં ચારિત્રમોહ રહ્યો કહેવાય. આ જ્ઞાન મળ્યા પછી શુધ્ધાત્માની દ્રષ્ટિ મળવાથી શુધ્ધ નિશ્ચય પ્રાપ્ત થાય છે. હવે દરેકને નિશ્ચયથી શુધ્ધાત્મા જોવા, વ્યવહારથી નિર્દોષ જોવા, તો એટલો શુધ્ધ ઉપયોગ રહ્યો કહેવાય ને તે જ આત્મરમણતા થઈ કહેવાય ! 'શુધ્ધાત્મા તરફની દ્રષ્ટિ એ જ પ્રેમ.' પછી વાંકુંચૂંકું વર્તન જોવાનું રહ્યું જ ક્યાં ? દાદાશ્રીને તો કોઈ વ્યક્તિની વાત થતી હોય તો ય એના શુધ્ધાત્મા પ્રત્યે જ દ્રષ્ટિ હોય ! છેવટે ત્યાં સુધી પહોંચવાનું છે ! પરમ પૂજ્ય દાદાશ્રી વારંવાર ચેતવે છે, જે સ્વની દ્રષ્ટિ મળી છે એને મજબૂત કરી લો કે 'આ હું ને આ ન્હોય હું.' પછી આગળ પ્રગતિમાં મુશ્કેલી નહીં આવે ! ગમે તેવો વ્યવહાર બને છતાં 'હું આ છું' એનું પ્રમાણ સહેજે બદલાવું ના જોઈએ ! એવા પુરુષાર્થ ઉપર મહાત્માઓએ આવવાનું છે. દાદાશ્રી પોતાની દશાનું વર્ણન કરતા કહે છે કે નિરંતર સ્વભાવ જાગૃતિ રહે છે, પરભાવ પ્રત્યે કિંચિત્ માત્ર રૂચિ રહી નથી ! પરભાવ ક્ષયથી ઓર આનંદ અનુભવાય છે. માટે એ ક્ષય ભણી દ્રષ્ટિ રાખજો. પરભાવ ગયો કે સ્વક્ષેત્રમાં થોડો કાળ રહી પછી સિધ્ધક્ષેત્રમાં સ્થિતિ થાય ! 'આત્મદ્રષ્ટિ'ના પુરુષાર્થની શ્રેણીઓ સંક્ષિપ્તમાં પ્રસ્તુત સંકલનમાં અંકિત થઈ છે, જે મહાત્માઓને મોક્ષમાર્ગે પુરુષાર્થ થવા અર્થે ઉપકારી નીવડશે ! દીપકના જય સચ્ચિદાનંદ 'આત્મદ્રષ્ટિ'ના પુરુષાર્થની શ્રેણીઓ ! છતાં દ્રષ્ટિમાં નિરંતર સમભાવ ! વ્યવહારનો સ્વભાવ કેવો છે ? આ અક્રમ માર્ગનો (આ જ્ઞાન લીધા પછી) વ્યવહાર કેવો છે ? અક્રમ માર્ગનો વ્યવહાર બરફ જેવો છે. એટલે એક મણનો મોટો બરફ હોય તો એ લાવ્યા પછી કહેશે કે 'અમે તો વ્હેર દબાવીશું', ત્યારે હું કહું કે 'તમને ફાવે તે દબાવજોને પણ છેવટે એ ઓગળીને ખલાસ થઈ જશે.' એ તમે ગમે એટલો બચાવવા પ્રયત્ન કરશો પણ એક દહાડો ઓગળીને ખલાસ થઈ જશે. વ્યવહાર સત્તાને એક્સેપ્ટ કરવી જ પડે. ધર્મમાં પૈસાની મદદ કરતા હોય તેય એક્સેપ્ટ કરવું પડે. ધર્મમાં દેહની સેવા કરતાં હોય તોય એક્સેપ્ટ કરવું પડે. જેની જેની વધારે સેવાઓ હોય તેય એક્સેપ્ટ કરવી પડશેને ? પણ દ્રષ્ટિમાં સમભાવ હોય ! અમારે બધાંની ખબર પૂછવાની. મગજ મેડ થઈ ગયેલું હોય, તેનેય એની ખબર પૂછવાની. કારણ કે મગજ મેડ છે, આત્મા મેડ નથી ! મગજ તો એક અવતાર પૂરતું જ કે અમુક ટાઈમ પૂરતું જ હોય છે ને આત્મા તો પરમેનન્ટ છે. પ્રશ્નકર્તા : આજે અમે વ્યવહારમાં કામ કરીએ અને કોઈ માણસ ખોટું કરતો હોય તો એ ફંકશનલી ખોટો છે કે સાચો છે, એવું તો અમારે વ્યવહારમાં રાખવું જ પડેને ? દાદાશ્રી : વ્યવહારમાં એવું છેને, જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાં તમને એ વાત ગમે છે, ત્યાં સુધી તમે વ્યવહાર કરો. જ્યારથી તમારો એ વ્યવહાર ઊડી જશે એટલે એ વસ્તુ તમને ગમશે જ નહીં. આજ્ઞાધીનતા ત્યાં સ્વચ્છંદ રહિતતા ! પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓ ઉઠે ત્યારથી વ્યવહાર તો ચાલતો જ હોય છે. અને વ્યવહારિક વાતો બધી કરવી પડતી હોય, તો એ વ્યવહારિક વાતો કરવી અને 'આ' દ્રષ્ટિ ન રહેવી એ ઊંઘમાં ગયું કહેવાય ? દાદાશ્રી : અમારી આજ્ઞા પાળતો હોય તો એ જાગે છે. સિત્તેર ટકા, હંડ્રેડ પરસેન્ટ નહીં. હંડ્રેડ પરસેન્ટમાં તો બધાંય નાપાસ થાય. એ તો લોક એમ કહે કે 'ભઈ, હંડ્રેડ પરસેન્ટ શી રીતે માણસ પાળી શકે ? માણસનું ગજું શું ?' ત્યારે મેં કહ્યું, 'ના ભઈ, હું તો સિત્તેર ટકે પાસ કરું છું. પછી કંઈ અમારો દોષ ખરો, સિત્તેર ટકાએ છૂટ આપીએ તો પછી !' તેમાં સિત્તેર ટકા પાળી તોય હું સો ટકા કરી દઈશ. કારણ કે હું જાણું કે અત્યારે કઠણ કાળ છે, એમાં લોકોથી થઈ શકે નહીં આખુંય, આટલું જ થઈ શકે એટલે માર્ક વધારે મૂકવા પડેને ! આ અમે તમને આજ્ઞા આપી તે આજ્ઞામાં રહો એટલે તમારો સ્વચ્છંદ ગયેલો જ કહેવાય. પોતાના ડહાપણથી ચાલવું છે એ જતું રહ્યું. ઓછું-વધતું રહેવાય એ વાત જુદી છે. પણ તમારી દ્રષ્ટિ શું હોય ? તમારો પોતાનો એમાં મત નહીં, આજ્ઞામાં રહેવાનું જ નક્કી હોય. તમારી વૃત્તિ કેવી હોય ? આજ્ઞાધીન હોય એટલે સ્વચ્છંદ નહીં અને અમારી આ સ્વચ્છંદ નીકળી ગયાની દશા છે, પોતાનું ડહાપણ જ ના રહ્યું પછી. તેથી મને જે બધાં ભેગાં થયા છે અને જે આજ્ઞામાં જ રહે છે, એનાં સ્વચ્છંદ તૂટી ગયા છે. સ્વચ્છંદ નામનો રોગ નીકળી ગયો આખોય. દ્રષ્ટિફેરથી નિર્જરા સંવરપૂર્વક ! પ્રશ્નકર્તા : દાદા, આ ફાઈલ નંબર એકનો નિકાલ કરુંને, હવે અંદર જે કંઈ થતું રહે છે એ બરોબર દ્રષ્ટિગોચરમાં આવ્યા રાખે તો એનો મતલબ એ થયો કે ફાઈલ નંબર એકનો નિકાલ થાય છે ? દાદાશ્રી : કેમ ના થાય પણ ? પહેલાં તો ફાઈલ નંબર એક બાજુ આપણી એવી દ્રષ્ટિ જ નહોતી. જે કરતાં હોય તે 'હું જ કરું છું' કહેતા હતા. હવે તો ફાઈલ નંબર એક કરે છે, તેને તમે જાણો છો. પ્રશ્નકર્તા : કષાય ભાવે બંધ પડ્યો હોય અને કષાય ભાવે નિર્જરે, એ વખતે કષાય ભાવનો બંધ ના પડે ? દાદાશ્રી : ના. બંધ ના પડે. જે ભાવે બંધ થયો હોય, તે ભાવે નિર્જરે. તે આ જાનવરોને ય નિર્જરે અને આપણને ય નિર્જરે. નિર્જરામાં ફેર નથી, ફક્ત દ્રષ્ટિમાં ફેર છે લોકોની કે અહીં મને થાય છે આ. અજ્ઞાનતામાં મનમાં માને છે કે મને થાય છે અને આવું થાય છે. પણ આ જ્ઞાન પછી હું જુદો છું, જુદાપણું અનુભવે, એને સંવર કહેવાય. છતાંય જો કહીએ, કષાય ભાવે નિર્જરતું હોય અને કો'કને ઘા વાગે એવો શબ્દ બોલી ગયા તો આપણે કહેવું કે 'ચંદુભાઈ, અતિક્રમણ કેમ કર્યું, પ્રતિક્રમણ કરો.' આપણે કોઈને કંઈ ઘા લગાડવા માટે નથી આવ્યા. નહીં તો એનો હિસાબ ચૂકતે ના થાય. આપણને ખબર પડે કે ના પડે, કે આ અતિક્રમણ થઈ ગયું ? મોક્ષે ચાલનારાની દ્રષ્ટિ ! હવે બહાર બીજો કોઈ વાત કરતો હોય, તો 'આપણું સાચું છે, આ અમે પકડ્યું છે તે સાચું છે' એટલું માણસમાં રહે. આ 'જ્ઞાન' મળ્યા પછી યે એવું રહે તો એને ભગવાને અહંકાર કહ્યો. આ અહંકાર કાઢવો પડશે. બહારનો કોઈ માણસ ઉતારી પાડે, ઉતારી પાડવા જાય, તો ઝાલી પાડે ને જક્કે ચઢાવે તો જક્કે હઉ ચઢી જાય. જક્કે ચઢ્યો, ચડસે ચઢ્યો કે મિથ્યાત્વ ફરી વળે. ઉપયોગ ખલાસ થઈ ગયો પછી. એ બધું મિથ્યાત્વ ફેલાવે. ભયંકર રોગ કહેવાય આ તો ! આ દુનિયામાં સત્ય વસ્તુ હોતી જ નથી. સત્ અવિનાશી છે. બીજું સત્ હોતું જ નથી. બીજું સાપેક્ષભાવ છે બધો. અને એની પકડ પકડે છે, જુઓને ! અને ભગવાનને ત્યાં સત્ય ને અસત્ય કશું છે નહીં. આ બધું તો સમાજના આધીન છે. સમાજમાં કોઈ પણ જાતના મનુષ્ય હોય જ, એટલે સમાજ-આધીન છે આખું આ બધું. પણ ભગવાનને ત્યાં દ્વંદ્વ જ નથી ને ! નફો-ખોટે ય નથી. ભગવાનને સગાઈ-બગાઈઓ કશું છે નહીં. અને તે સગાઈ વગરનું મને દેખાય છે ય ખરું પાછું. હું જોઈ શકું છું, શી રીતે સગાઈ નથી તે બધું દેખાય છે ય ખરું પાછું મને. બિલકુલે ય સગાઈ નથી, નામે ય સગાઈ નથી. આ તો એક ઝાડ ઉપર પંદર-વીસ પંખીઓ આવે, તે પેલાં આમથી આવ્યાં, બીજાં આમથી આવ્યાં, ને રાતે મુકામ થઈ ગયો, બધાં ભેગાં થઈ ગયા. એટલે પછી બધાં એમ કહે કે આપણે કંઈ સગાઈ છે આ બધી ! તે સગાઈનાં નામે ચાલ્યું છે આ. પણ સવારમાં પાછાં ઊડી જાય છે પછી. એટલે સગાઈ જેવું કશું છે નહીં. પ્રશ્નકર્તા : એનાં કરતાં ટ્રેનનો દાખલો સારો પડે. લાંબી મુસાફરીમાં ભેગા થાય છે ને ? દાદાશ્રી : ગાડીમાં તો એટલો ય વિચાર કરે કે, 'આવું બધું દુઃખ છે ભલા આદમીને, તે હેલ્પ કરું.' સગાઈ ના માનેને ! અને પાછો પોતે સ્ટેશન આવે, તે ઊતરી પડે. હવે સાચી વાત પકડી રાખવી એ જૂઠ છે. સત્યનું પૂછડું પકડે એ અસત્ય જ છે અને અસત્ય યે છોડી દે તે સત્ય છે. પકડી રાખ્યું કે બધું બગડ્યું. તે આ લોકો સત્યનાં પૂછડાં પકડી રાખી અને માર ખા ખા કરે છે. જેમ ગધેડાનું પૂછડું પકડી રાખેને ? તે લાતો ખા ખા કરે, પણ 'નહીં છોડું હું' કહે ! જ્યારે અમને સહેજે ય ગ્રહ કે આગ્રહ નહીં. કોઈ પણ બાબતમાં સહેજ પણ ગ્રહ નહીં કે આગ્રહ નહીં, કે આમ જ ! એક સેકન્ડે ય નહીંને ! આ ખરું છે, આ સત્ય છે, એવું ય અમારો આગ્રહ ના હોય. આ જ્ઞાન થયું છે, એ ય આગ્રહ ના હોય. તમે કહો કે, 'પેલું ખોટું છે' તો ય આગ્રહ ના હોય. તે તમારી દ્રષ્ટિથી આવ્યું એ સાચું. આપણને મતભેદ કોઈ જગ્યાએ ના પડતો હોય, તો આપણે 'કરેક્ટ' રસ્તા ઉપર છીએ એ વાત નક્કી માની લેવી. અને મતભેદ પડે ત્યાં આગળ જાણવું કે હજુ આ રસ્તો 'ક્લિયર' નથી થયો. હજુ ઉપર ડુંગર તોડવાનાં છે, મોટા મોટા પથ્થર આવે તે કાઢવાનાં છે. નહીં તો રોડ ઉપર પથરો હોય તો અથડાય જ ને ?! પ્રશ્નકર્તા : એ મોક્ષના માર્ગે ચાલનારાની દ્રષ્ટિ કેવી હોય ? એની સમજ કેવી હોય નિરંતર ? દાદાશ્રી : એ બધું કહ્યાથી નહીં વળે એવું. કપટભાવ ને બધું છૂટે તો, પોતાનામાં જે કપટ હોય તે છૂટે તો, જેટલી ખબર હોય એટલું નીકળી જાય. બાકી, બીજું તો ખબર વગરનું બહુ પડેલું હોય. કપટભાવ એટલે શું ? પોતાના ધણીને જો એની ખબર પડતી હોય તો એને ક્યારનો ય કાઢી મેલે ! માટે ચેતો, બી'વેર, બી'વેર, બી'વેર ! ''મારગ સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ.'' સંદેહ છૂટી ગયા, સાચો માર્ગ તો મળી ગયો. ભૂલા પડ્યા હશે તો ફરી એક માઈલ ચાલવું પડશે. બીજું શું કરવું પડશે ? પણ જેને જવું છે તેને જડી આવશે. 'દાદા'ને પૂછવું કે ભૂલા પડ્યા છે કે સાચે રસ્તે છે ? એટલું પૂછવું. 'મારું જ્ઞાન કેવું છે' એવું ના પૂછવું. 'ભૂલો પડેલો છું કે સાચા રસ્તે છું ?' એટલું જ પૂછવું. દાદા કહે, 'બરોબર છે રસ્તો'. ત્યારે પછી ચાલ્યા જવું. ગઈ ઊંધી દ્રષ્ટિ, ગયો દર્શનમોહ ! વસ્તુ એક જ છે, વસ્તુ બે નથી. જગતના લોકોને મોહનીય છે ને આપણને (આ જ્ઞાન લીધા પછી) ચારિત્રમોહનીય છે, ફેર એટલો જ. ચારિત્રમોહ એટલે મેં જે તમને જ્ઞાન આપ્યુંને, એ તમને દ્રષ્ટિ આપી કે આ ઊંધી દ્રષ્ટિ છે બધી. તેનાથી આવતા ભવ ઉપર ભવ બંધાયા કરશે ને આપણું કલ્યાણ નહીં થાય. હવે આ દ્રષ્ટિ છે તે આત્મસન્મુખ થઈ. હવે એ ઊંધી દ્રષ્ટિ કાઢી આપી. ઊંધી દ્રષ્ટિ નીકળી ગઈ, એ દર્શનમોહ નીકળી ગયો. મોહના બે ભાગ, મોહના બે છોકરા, એક ઊંધી દ્રષ્ટિ અને એક વર્તન. તે હવે તમારું વર્તન એકલું રહ્યું. ઊંધી દ્રષ્ટિ જતી રહી. નવું વર્તન ઊભું થશે નહીં. એ જૂનું વર્તન છે એ ચારિત્રમોહ છે. વ્યવસ્થિત જે નિકાલ કરશે એ બધોય ચારિત્રમોહ છે, ખરું-ખોટું બધુંય ! છતામાં છતું કામ થઈ જાય કે ઊંધામાં ઊંધું કામ થઈ જાય, તોય તમે શુધ્ધાત્મા છો એ ભાન તૂટવું ના જોઈએ. કારણ કે મને તો દાદાએ શુધ્ધાત્મા પદ આપ્યું છે. તે આ બધું હવે જે વ્યવસ્થિત છે, એ બધો ચારિત્રમોહ નિકાલ કરવાનો છે. એ મોહ જતો રહે એટલે મોક્ષ થઈ જાય. દ્રષ્ટિ બદલાયા પછી, રહ્યો બધો ડિસ્ચાર્જ મોહ ! આત્મા ને દેહને બે જુદાં પાડે એવું વિજ્ઞાન મેં આપ્યું, એટલે તારી દ્રષ્ટિ જે વાંકી હતી તે સીધી થઈ ગઈ. અને વાંકી દ્રષ્ટિ હતી ત્યાં સુધી તને મોહ હતો અને ત્યાં સુધી કર્મ બંધાતા'તા. ત્યારે કહે છે, 'હજુ સાહેબ, મોહ તો મને રહ્યો છે. હજુ તો કપડાં સારાં પહેરીએ છીએ, ઘડીયાળ જોઈએ છે, ચશ્મા જોઈએ છે, આમ જોઈએ છે, તેલ જોઈએ છે, અત્તર જોઈએ.' ત્યારે કહે, એ ચારિત્રમોહ છે, ડિસ્ચાર્જ મોહ ! ચારિત્ર મોહ, એને હવે મનમાં એમ ના થાય કે ફરી ફરી આવું પ્રાપ્ત હો. જે આવ્યું એ નિકાલ કરી નાખ. ખારું આવ્યું તો ઓછું ખા, સારું આવ્યું તો ખા નિરાંતે પણ નિકાલ કરી નાખ. સમભાવે નિકાલ કરે છેને ? બસ ત્યારે, એના જેવું પછી રહ્યું જ શું તે ? શુધ્ધ દ્રષ્ટિથી જોઈને થાય ચોખ્ખું ! ચારિત્રમોહનીય એટલે સમભાવે નિકાલ કરવાનો. સમભાવે નિકાલ કર્યો એટલે એની શુધ્ધતા થઈને ગયો. શુધ્ધતા થવી જોઈએ. વિષમભાવ કર્યો છે એટલે આ અશુધ્ધ થયેલું છે. હવે સમભાવે નિકાલ કરો એટલે શુધ્ધ થઈ જાય. વિષમભાવે ભેગું કરેલું છે. આ છે તે ચારિત્રમોહનીય, એ આપણી માલિકી ન્હોય. એ તો દાદાને સોંપી દીધેલી છે. આપણે જોવાની છે. જેટલી ચારિત્રમોહનીય શુધ્ધ દ્રષ્ટિથી જોઈએ એટલી જ ચારિત્રમોહનીય ચોખ્ખી થઈ જાય અને જેટલી રહી જાય એટલી ફરી પાછી ચોખ્ખી કરવાની રહે. તમારે રહી જતી નથીને ? પ્રશ્નકર્તા : આપે જે અમને શુધ્ધાત્માની દ્રષ્ટિ આપી દીધી એ બરાબર, પણ હવે આ દ્રષ્ટિ આપ્યા પહેલાં જે અમે નિકાચીત કર્મો બાંધી દીધેલા એ તો આવવાના જ, ભોગવવા જ પડવાના, તેનું શું ? દાદાશ્રી : એમાંથી ઘણો ભાગ ઊડાડી દીધો છે. તે વરાળ ને પાણી રૂપે છે, જે જામી ગયા નથી તે ઊડાડી દીધા અને બરફ રૂપે જામી ગયેલા હોય એટલાં કર્મ ભોગવવા પડે. કારણ કે જ્ઞાની પુરુષ જ્ઞાનાગ્નિથી નાશ કરી શકે બધાં કર્મને. સમ્યક્ દ્રષ્ટિથી ટળ્યું જોખમ વર્તનનું ! આપણાં મહાત્માઓને, પહેલું મન શુધ્ધ થાય ત્યાર પછી વાણી શુધ્ધ થાય. વાણી શુધ્ધ થાય ત્યાર પછી વર્તન શુધ્ધ થાય. પણ પહેલું મન શુધ્ધ થવું જોઈએ. મન જેટલા અંશે શુધ્ધ થયું એટલા અંશે વાણી શુધ્ધ થાય. જેટલા અંશે વાણી શુધ્ધ થઈ એટલા અંશે વર્તન શુધ્ધ થશે. વર્તન છેલ્લામાં છેલ્લું થાય. વર્તનની બહુ કિંમત નથી. ભગવાને વર્તનની કિંમત બહુ ગણી નથી. જગતે વર્તનની કિંમત ગણી છે. વર્તન તો ઘી તાવ્યા પછી, ગરમ કર્યા પછી આવે ! જે ટાઢું થયેલું ઘી હોય તે ઢળી ન જાય, માટે કંઈ વર્તનમાં આવ્યું નથી એવું ના કહેવાય. એને ગરમ કરે એટલે પાછું એવું થાય. અક્રમ વિજ્ઞાનીનું કહેવું એ જ છે કે જગત જે આખું માને છે, તેનાથી આ જુદું કરે છે. જગત આખું આને માને છે, વર્તનને. તારે મનમાં ગમે તે હશે પણ વર્તનમાં તો બહુ સારું છે ને એ અક્રમ જ્ઞાની ના પાડે છે કે મૂઆ, જોખમ તો આમાં છે. તારું વર્તન ગમે તેટલું સારું હોય પણ મન તારું બગડેલું છે એ આવતા ભવનો હિસાબ છે અને આ વર્તનનો તને આ ભવમાં જશ મળી જશે પણ આવતો ભવ બગડ્યોને ? ત્યારે જગતને આવતા ભવની નથી પડેલી. અત્યારે સારું-સારું દેખાય. કારણ કે દ્રષ્ટિ નથી એને, સમ્યક્ દ્રષ્ટિ નથી એને, એને મિથ્યાદ્રષ્ટિ છે. મહાત્માનું વર્તન ખોળવા જાય તો કશો દહાડો ના વળે. વર્તન તો કેટલા કાળે હાથમાં આવે એવું છે. અને આ કાળ એવો નથી. આ સ્લિપિંગ કાળ છે, લપસણો કાળ છે. આમાં આપણે હવે દહાડો વળે નહીં. એના કરતાં મેલ પૂળો. વર્તનને બાજુએ મૂકી મનોશુધ્ધિ થવા દો. આત્મા શુધ્ધ થઈ ગયો. પહેલી મનની શુધ્ધિ થયા જ કરે નિરંતર. આત્મા શુધ્ધ થયો એટલે મનમાં જેટલું ડિસ્ચાર્જ થાય એને જોયા કરીએ, એટલું શુધ્ધ થયું મન. જગતનું મન અશુધ્ધ થયા કરે છે. જેટલું ડિસ્ચાર્જ થાય છેને, તેમાં પોતે તન્મયાકાર થઈ જાય. કહેશે, 'મને વિચાર આવ્યો, મને વિચાર આવ્યો !' અલ્યા, ખરાબ વિચાર આવ્યો તે ય ? ત્યારે કહે, 'હા, મને જ ખરાબ વિચાર આવે છે.' અલ્યા, તને ખરાબ શી રીતે આવે ? તારી ઇચ્છા નથી તો તને વિચાર શી રીતે આવે ? તારી જાતનો એ માલિક છે ? પણ આ તો ભ્રાંતિ છે એને કે મને આવે છે વિચાર. વિચાર બીજા કોને આવે ? મહીં બીજું કોણ છે ? અલ્યા, મહીં તો બહુ છે, બધા કૌરવો-પાંડવો, કૃષ્ણ ભગવાન છે, બધું આખું મહાભારત પડેલું છે. દ્રષ્ટિ કોની ? વર્તન કોનું ! પ્રશ્નકર્તા : દ્રષ્ટિ મળ્યા પછી ગમે તે વર્તન થાય, છતાં પણ દ્રષ્ટિમાં જુદાપણાની જાગૃતિ રહે, તો એ બંધન ખરું ? દાદાશ્રી : વર્તન કોનું છે ? દ્રષ્ટિ કોની છે ? 'આ તો મને ચોંટ્યું, મને ચોંટ્યું' કહે તો ચોંટે. નહીં તો મૂઆ, વસ્તુ જુદી થઈ ગઈ. હવે શું ચોંટવાનું તને અહીં તે ?! આત્મા નિર્લેપ જાણ્યો, નિર્લેપ અનુભવ્યો પછી એને શું ચોંટે તે ? અને ચોંટે કે તરત પછી પ્રજ્ઞા તમને ચેતવે ! આજ્ઞા પાળીએ એટલે બંધ ના પડે અને બંધ ના પડે એટલે આત્મા મહીં જુદો જ થઈ ગયો છે. સ્વની દ્રષ્ટિ ને પરની દ્રષ્ટિ. મેં જે તમને આત્મા આપ્યો એની દ્રષ્ટિ જુદી અને આની દ્રષ્ટિ જુદી. આ જે રૂમ દેખાય છે આ બધું એ દ્રષ્ટિ જુદી, પરની દ્રષ્ટિ કહેવાય અને પેલી સ્વની દ્રષ્ટિ. અને સ્વદ્રષ્ટિ જુદી હોય. સ્વ અને પર બેઉ જુદું દેખાય. આ પર ને આ સ્વ, તમે હઉ સમજો છો ને, પણ તમારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ આપણને તો સમજાયને કે ભઈ, આ બહુ જુદું. તમને ખબર ના પડે કે આ પર છે ? પ્રશ્નકર્તા : હા. એ તો ખબર પડે. દાદાશ્રી : એ જ દ્રષ્ટિ. આ ન્હોય નેે આ હું, આ ન્હોય ને આ હું. એટલે આ જ મજબૂત કરી દો ! આ રોડ બધા કાચા હોય ને પછી આગળ રોડ કરીએ ને તો પછી પેલું કાચું પડી જાય અને આ રોડ જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એને મજબૂત થઈ જવા દો બરાબર. એ તો નિયમથી જ આ બધું કામ કરે છે. તમારે એ બધી ભાંજગડમાં ઉતરવાનું નહીં. નહીં તો અહીં હતો એવો ડખલવાળો થઈ જાય. ત્યાં ડખલની જરૂર જ નહીં. આપણે આજ્ઞામાં રહો. આજ્ઞાની બહાર નીકળીએ એ ભયંકર ગુનો કહેવાય. આ તો પહેલાંની જે ટેવો પડી ગયેલી ને, તે બધી હેબિટ આ હેરાન કરે. બાકી, પાંચ આજ્ઞા જ પાળવાની. બીજી ડખલમાં ઉતરવાનું જ નહીં. તમને ખબર પડે ને કે આ પર છે, આ સ્વ ન્હોય ? પ્રશ્નકર્તા : હા દાદા, એ તો ખબર પડી જાય. દાદાશ્રી : જગતના લોકો કોઈ સમજી ના શકે. પ્રશ્નકર્તા : મૂળ આત્મા તો પૂરો જ છેને, પણ એને પેલી દ્રષ્ટિ પૂરેપૂરી થઈ નથીને એવું આપનું કહેવાનું છે ? દાદાશ્રી : હા, એ તો આત્મા પૂરો જ છે પણ એવી દ્રષ્ટિ પૂરી થઈ નથી, ક્રમે ક્રમે થશે. જેમ જેમ છોડતો જશે (ફાઈલોનો સમભાવે નિકાલ થતો જશે), તેમ દ્રષ્ટિ ખીલતી જશે. પરિગ્રહ ઓછાં થાય તેમ તેમ દ્રષ્ટિ ખીલતી જાય. વાંકી દ્રષ્ટિને પ્રેમ-વીતરાગતા ના જડે ! આપણી ભાવના જોઈએ, લોકકલ્યાણની ક્રિયા નહીં. આ બીજી ક્રિયા તો મહીં જે માલ ભરેલો છે તે જ નીકળશે. માલ ભરેલો તે નીકળે કે બીજો ? પ્રશ્નકર્તા : એ જ નીકળેને, દાદા. પણ એક પ્રશ્ન એ થાય છે કે જ્યારે આવું સંમેલન ભેગું થાય, જ્યારે બધી પ્રકૃતિઓને આપણે ભેગી કરીએ છીએ, આ બધું થાય છે તો વ્યવસ્થા જેવી વસ્તુનો આપણે વિચાર ન કરવો જોઈએ કે પછી એ વ્યવસ્થિત જ ગણવું ? દાદાશ્રી : છે જ વ્યવસ્થિત. જેટલી લાઈનો ચીતરશો એ બધી ભૂંસી નાખવી પડશે પાછી. આપણે ચીતરી ને આપણે ભૂંસવાનું થશે. પણ ભૂંસવું સારું એક ફેરો. એ ફરી ભૂલ ના થાય ને એવી. પ્રશ્નકર્તા : બાકી એક વસ્તુ નિર્વિવાદ છે કે આપના પ્રસંગની અંદર જે બધા આવીને બેસે છે અને પછી એ જે આપને સાંભળે છે ને તે વખતે જે બધાનો ઉલ્લાસ હોય છે ને 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલે છે એ જોઈને ભલભલા માણસો આવીને બધા ચકિત થઈ જાય છે. દાદાશ્રી : એ તો આવું બધું જોવાનું. પ્રશ્નકર્તા : કે આવું ટોળું કે આ પ્રકારનું તો... દાદાશ્રી : એને આવું જોવામાં જ ના આવ્યું હોય ને ! પ્રશ્નકર્તા : એ બાબતમાં કશું કોઈને કહી શકાય એવું નથી. દાદાશ્રી : આવી દુનિયા જ જોવામાં ના આવી હોય. પ્રશ્નકર્તા : પણ દાદા, અમે જ્યાં સુધી બધાને લાવીએ અને કહીએ કે હવે આ બધું જુઓ, તો મહાત્માઓનો વ્યવહાર જોઈને, ત્યાં એમને મુશ્કેલી પડી જાય છે. દાદાશ્રી : એ તો એમને કહી દેવું જોઈએ કે આ માલ આવો છે. અહીં વીતરાગતા જોવા જેવી છે અને ખાસ અડચણ આવે તો 'મને કહેજો' કહીએ, બસ. નહીં તો અડચણોનું સંગ્રહસ્થાન છે આ. આ ટોળું જુદી જાતનું છે. અને તે ટોળું સરસ કામ કરે છે ને ! જુઓને, ત્યાં જમતું હતું તે કોઈ દહાડો કકળાટ-બકળાટ છે કશું કોઈ જાતનું ? કકળાટ-બકળાટ હોય નહીં ! પ્રશ્નકર્તા : તો આવાં જે અમને ઉછાળા આવે છે આ સંસ્કારને લીધે તો એનું શું કરવું ? દાદાશ્રી : આ બધો ભરેલો માલ છે. બીજાને ભરેલું ના હોય. આપણે કશું કરવાનું રહ્યું નહીં, મહીં જે છે એ થશે. નવું આવવાનું નથી. પ્રશ્નકર્તા : એ દાદા ખરું, પણ આ બધું પી.એચ.ડી.ની વાત થઈ. પણ આપણે તો આ બધા પાછાં પાઠશાળાવાળાઓને બધાને ભેગા કરીએ છીએને આ પ્રસંગે. દાદાનું વિજ્ઞાન બધા સમજે, દાદાનું વિજ્ઞાન બધા સાહિત્યકારો સમજાવે, હવે પી.એચ.ડી.નું એમની પાસેથી વર્તન કેવી રીતે એક્સ્પેક્ટ થઈ શકે ? દાદાશ્રી : એમને કહી દેવું કે ભઈ, અહીં વીતરાગતા જોવા જેવી છે. જે બહાર જગતમાં જોશો, એના કરતાં જુદી જ જાતનું જોવામાં આવશે. અહીં પ્રેમ જોવાની જરૂર છે. તમે ખોળશો, એનો ઉકેલ ના હોય. પ્રશ્નકર્તા : પણ આ બહારના માણસો જે છે, તે હવે આવું પૂછે છે તે વખતે કેટલુંક મનમાં એમ થઈ જાય છે કે આ લોકો આવું જ અહીં જોઈ ગયા. બીજું કંઈ જોવાનું ના મળ્યું એમને ? દાદાશ્રી : એ તો પણ એની દ્રષ્ટિ એવી છે, ત્યાં સુધી શું થાય તે ? એમાં એનો શો દોષ બિચારાનો ? દ્રષ્ટિ જ વાંકી છે, તો વાંકું જ જુએને ! એ તો આપણને આનંદ થાય કે એની પાસે જે છે એ જુએ છે. તેથી નો લૉ લૉ કહ્યું છે ને ! કોઈ જાતનો લૉ વગરનો લૉ છે આ. તમને પોતાને જ્ઞાન ફાવે છે કે નહીં ફાવતું ? પ્રશ્નકર્તા : દાદા, એનો તો વિકલ્પ જ નથી આવતો. દાદાશ્રી : હા, તો પછી આપણે એટલું જ જોઈ લેવાનું. બીજાને જોવાની દ્રષ્ટિ જ ક્યાં છે ? એની દ્રષ્ટિ વાંકી હોય તો મારી જોડે ય નથી ફાવતું ને ! અહીં તમે તેડી લાવો ને, એની દ્રષ્ટિ વાંકી હોય તો મારી જોડે ના ફાવે. એ તો જાણો છોને તમે, એ તો મારી જોડે ફાવે એ સાચું ! શુધ્ધતાની દ્રષ્ટિ એ શુધ્ધ નિશ્ચય ! અમારે વ્યવહાર કેવો છે ? પ્રશ્નકર્તા : ટોપ, ઊંચામાં ઊંચો. દાદાશ્રી : એટલે એવું જોઈએ. એટલે આ ભવમાં એ પોતે સમજ્યા છે. છતાં એ વ્યવહાર ઊંચો છે તે ફીટ થઈ ગયો, તે આવતા ભવમાં એવો થઈ જાય. અને બીજા જે હિસાબ આપે, તે આપણો હિસાબ છે. કોઈ છે તે માળા ચડાવવા આવે, પગે લાગે તેય આપણો હિસાબ અને પછી કોઈ મારતો હોય તેય આપણો હિસાબ. તમને કોઈ ગાળ ભાંડે, તે ફેરો એનામાં શુધ્ધાત્મા જ તમને દેખાવો જોઈએ. પેલું વ્યવહાર ના દેખાય. વ્યવહાર તમારો હિસાબ છે. તમારો જે હિસાબ હતો ભોગવવાનો, તે પૂરો થઈ રહ્યો છે. તેથી એ એનો વ્યવહાર કરી રહ્યો છે, પણ એ પોતે તો શુધ્ધ જ છે. એટલે એમના તરફ શુધ્ધતાની દ્રષ્ટિ રહે તો એ શુધ્ધ નિશ્ચય કહેવાય. આપણે શુધ્ધ અને જગત શુધ્ધ. જેટલો શુધ્ધ ઉપયોગ, એનું નામ શુધ્ધ નિશ્ચય, એ જ શુધ્ધ આત્મરમણતા અને તો જ શુધ્ધ વ્યવહાર રહે. જેટલો શુધ્ધ નિશ્ચય હોય એટલી વ્યવહાર શુધ્ધતા રહે. નિશ્ચય એક બાજુ કાચો, અશુધ્ધ થાય એટલી વ્યવહાર અશુધ્ધતા. નિર્દોષ દ્રષ્ટિ એ શુધ્ધ વ્યવહાર ! હવે શુધ્ધ વ્યવહાર એટલે શું ? આ ભઈ મારું અપમાન કરે છે, એ એમનો વ્યવહાર અશુધ્ધ છે. પણ મારે એમને શુધ્ધાત્મા ભાવે જોઈ અને એમની જોડે શુધ્ધ વ્યવહાર રાખવાનો. મારો વ્યવહાર ના બગડવા દેવો. કારણ કે એ જે ગાળ ભાંડતો હોય, એ જે કંઈ આ આવું અપમાન કરે છે એ પોતે નથી કરતો આ, આ મારા કર્મના ઉદયો એની મારફત નીકળે છે. માટે હી ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ. એ તમે સમજી ગયાને ! હવે એ શુધ્ધાત્મામાં હોય યા ના પણ હોય, પણ એને શુધ્ધાત્મા તરીકે આપણે જોવો જોઈએ અને નિર્દોષ જોવો જોઈએ, એનું નામ શુધ્ધ વ્યવહાર. દોષિતને ય નિર્દોષ જોતાં આવડ્યું. બધું જગત જેને દોષિત કહે છે, તેને આપણે નિર્દોષ જોઈએ એ એવી રીતે, પોતે શુધ્ધ છે ને સામો શુધ્ધ જ છે, એવી દ્રષ્ટિ જેની છે એ શુધ્ધ વ્યવહાર ! પછી તમારી વાઈફને તમે વ્યવહારિક દ્રષ્ટિએ વાઈફ કહો, પણ તે મહીં તમે એવું જાણતા હોય કે આ 'ફાઈલ નંબર ટુ' છે ! અને તમે છોકરાંનેય 'ફાઈલ નંબર થ્રી' કહ્યું. આ દેહને 'ફાઈલ નંબર વન' કહે. એટલે 'ફાઈલ' કહ્યું ત્યારથી જ આત્મા ને દેહ બે જુદાં રહે છે જ. એ વાત બધાંને ધ્યાનમાં જ રહે છે. ચોખ્ખી ઊઘાડી દીવા જેવી સ્પષ્ટ વાત ! એટલે બહુ સુંદર વાત છે આ ! એની સમાધિ જો નિરંતર રહે છેને, આઘીપાછી થતી નથીને ! ન ચલાવાય આપણી દ્રષ્ટિથી કોઈને ! પ્રશ્નકર્તા : ફાઇલ ચીકણી અને પાસેની, એટલે એવું જ લાગે. એને તો એ ફાઈલો બધી કલેઈમવાળી કહેવાય. દાદાશ્રી : ચીકણી ફાઈલો બધી પોતાની ભૂલો છે એ. પ્રશ્નકર્તા : એ કઇ ભૂલ ? દાદાશ્રી : જેટલો પારકાં જોડે નોબલ રહે છે, ઓપન માઇન્ડ, એટલો અહીં ઓપન માઈન્ડ રહેતો નથી. એટલે પછી શોધખોળ કરેલી અમે, તે ઓપન માઇન્ડથી જ અમે ચાલેલા. એટલે અમારે આમની જોડે ય ફાવે ને આમની જોડે ફાવે. આ તો ઓપન માઇન્ડથી ચાલતાં નથી, મનમાં એમ છે કે હું એનું સીધું કરી આપું, આવી રીતે ના ચાલવું જોઈએ. પ્રશ્નકર્તા : હા, દાદા એવું જ છે. દાદાશ્રી : આપણી દ્રષ્ટિએ ચલાવવો છે એને, ચાલે છે જે દ્રષ્ટિએ એ નહીં ચાલવા દેવાનો. એ વીતરાગ મતની વિરુધ્ધ છે, એ વીતરાગોના સામાવળીયા કહેવાય છે. જે પોતાની દ્રષ્ટિએ બીજાને ચલાવડાવે, વીતરાગોના સામાવળીયા કહેવાય. એ બે દ્રષ્ટિ વર્તે જ્ઞાનીને ! એ તો અમારા લક્ષમાં હોય જ કે આ શુધ્ધાત્મા છે અને અત્યારે આ ફાઈલ રૂપે છે મારે. ફાઈલને મારે શું કરવું, તે મારે સમજવાનું ! બે દ્રષ્ટિ હોય અમારી, નિશ્ચયથી તો નિર્દોષ છે, વ્યવહારથી ય નિર્દોષ છે અને પછી આ ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો. હવે મારા નામનો ક્લેઇમ ના નોંધાય કોઈ જગ્યાએ. એટલે કોઈ સંયોગ નડતો નથી એવું વિજ્ઞાન આપ્યું છે. એટલે સુધી સંયોગ કે પોતાની બેગ ઊઠાવી જતો હોય તો વ્યવહારથી કચકચ કરે, પણ અંદરથી પેટમાં પાણી ના હાલવું જોઈએ. બધું સંયોગ જ છે ને ! અને એ કંઈ કાયમને માટે હોતું નથી. જે ગુનેગાર હતો, તે તમારી દ્રષ્ટિથી નિર્દોષ મનાઈને છૂટ્યો ? જો છૂટ્યો તો એ જ 'જ્ઞાન' છે અને 'જ્ઞાન' એ જ પરમાત્મા છે. અવસ્થા દેખાય ને પરમાત્મા દેખાય. અવસ્થાનો નિકાલ કર્યો કે હિસાબ ચૂકતે થયો. ગયું - રહ્યું તે ભ્રાંત દ્રષ્ટિ ! અમે સહેજ પણ પક્ષમાં પડીએને, તો બીજે દહાડે કોઈ અમારાં દર્શન કરેને, તે ઘડીએ અમારી દ્રષ્ટિ બદલાયેલી હોય. દ્રષ્ટિમાં વીતરાગતા ના દેખાય, પણ એવું બને નહીં. અણસમજણમાં શું ના કરે ! હવે એને તે હું શું કરવાનો હતો ? તો વિધિ મૂકી આપું, ધીમે ધીમે એની દ્રષ્ટિ પછી સીધી થઈ જાય. કંઈ ઉપાય છે એનો ? કશું નહીં, નહીં ? એમને ય મનમાં એમ લાગતું હતું કે આ પેસી ગયા બધા. મેં કહ્યું, જેટલું બને છે તે વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. શું કરવા ગભરાવ છો ? શું પેસીને લઈ જવાના છે ? તમારું છે એ તમારી પાસેથી કોઈ લઈ જવાનું નથી અને લઈ જવાનું હશે તે તમારી પાસે પાછું આવવાનું ય નથી. આ તમે શું કરવા વિચારો છો ? ભય છોડીને ના બેસીએ ! તમને કેમ લાગે છે ? આ દુનિયામાં તને 'આવ્યા-ગયા' દેખાય છે, પણ ખરી રીતે કોઈ આવ્યા નથી ને ગયા ય નથી. 'આવ્યા-ગયા' દેખાય છે, તે ભ્રાંત દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ફીટ થવાનો પુરુષાર્થ ? પ્રશ્નકર્તા : આ દ્રષ્ટિ કેળવવી કેવી રીતે ? દાદાશ્રી : એ જ જ્ઞાન મેં તમને આપ્યું છે. આપણું જ્ઞાન જ એવું આપેલું છે કે તમને કશી ય હરકત ના આવે એવું છે, પણ જો ઊંડા ઊતરેને તો! ગમે એટલું ખરાબ બોલે તો પણ એ રેકર્ડ છે ને ? પ્રશ્નકર્તા : હા, પણ આ જે દ્રષ્ટિ છે એ મહીં ફીટ થઈ જાય, એના માટે શું પુરુષાર્થ કરવો ? દાદાશ્રી : પુરુષાર્થ કશો ય કરવાનો નથી. આમાં તો 'દાદાજી'ની આ વાત તદ્દન સાચી છે ને એના પર ઉલ્લાસ જેમ જેમ આવે તેમ તેમ મહીં ફીટ થતું જાય. અનુભવ બદલાય તેમ દ્રષ્ટિ બદલાય ! પ્રશ્નકર્તા : એક દ્રશ્ય, એક પરિસ્થિતિ, એક વસ્તુ નાનપણમાં જે જોઈ હોય દસ-બાર વર્ષની ઉંમરે. એ બત્રીસ-તેત્રીસ વર્ષની ઉંમરે જુએ, સાઈઠ-બાસઠે જુએ, નેવું વર્ષે એ જુએ, જોનારો એક જ છે. દાદાશ્રી : જોનારો એક જ. પ્રશ્નકર્તા : પણ એમાં જોનારાને આખો ભેદ કેમ લાગે છે ? દાદાશ્રી : એવું છે ને, અનુભવ જેમ જેમ ફરતા જાય છે એમ બધો ભેદ ફરતો જાય. અનુભવ એક જ પ્રકારનો હોતો નથી. પાંચ વર્ષે એને આ રમકડામાં જ્યાં પ્રેમ હતો ત્યાં અનુભવ એમાં જ હતો કે આના વગર સુખ જ નથી. એટલે ત્યાં આગળ જોતો હતો. હવે વીસ વર્ષનો થાય એ એવું ના જુએ. એટલે અનુભવ જેમ જેમ ફરતો જાય તેમ તેમ એ જોનારની દ્રષ્ટિ બદલાતી જાય. પ્રશ્નકર્તા : ના, પણ એમાંથી અનુભવ થાય ને એમ કહે કે આ નકામું છે. એટલે વીસ વર્ષે જે કામનું લાગતું હોય, એ ચાલીસ વર્ષે નકામું લાગે. દાદાશ્રી : નકામું જ લાગે. પ્રશ્નકર્તા : પણ આત્મા જે છે, એ તે વખતે ય જોનારો હતો, જ્ઞાતા-દ્રષ્ટા હતો. વીસ વર્ષે એ ય જ્ઞાતા-દ્રષ્ટા છે. ચાલીસે ય એ જ... દાદાશ્રી : અને જતી વખતે ય તે જ્ઞાતા-દ્રષ્ટા જ છે. એમના જ્ઞાન-દર્શનમાં ફેર નહીં. કારણ કે પોતે ફેરફાર રહિત છે. દ્રષ્ટા, દ્રશ્ય ને દ્રષ્ટિ ! બહાર તો આ ઇન્દ્રિયદ્રષ્ટિ છે. પણ જ્યારે મનની બધી ક્રિયાઓ- મન શું શું બોલે છે ? શું વિચારે છે ? પછી બુધ્ધિની ક્રિયા-બુધ્ધિ શું શું દેખાડે છે ? પછી ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે ? અહંકાર 'ડિપ્રેસ' થાય છે કે 'એલીવેટ' થાય છે ? આ બધાંને જોયા કરવું એ જ આપણો દ્રષ્ટા-દ્રષ્ટિનો વિષય, એ દ્રશ્ય ને આપણે દ્રષ્ટા. શુધ્ધાત્મદ્રષ્ટિ, ઓગાળે મનોગ્રંથિ ! જ્યારે જ્ઞાની પુરુષને ગાંઠ ફૂટે ત્યારે એ તો ગાંઠને જુએ અને જાણે. જ્ઞાની પુરુષની આજ્ઞાથી, શુધ્ધાત્મ દ્રષ્ટિથી મનની ગાંઠો ઉપર દ્રષ્ટિ નાખ નાખ કરે તો ગાંઠો ધીમે ધીમે ઓગળતી જાય. અમારી પાસે તો અનંત સિધ્ધિઓ છે. તે તમારી ગાંઠો ઓગાળી આપી શકીએ, પણ બને ત્યાં સુધી અમે સિધ્ધિઓ નકામી ના વાપરીએ. અમે તમને રસ્તો દેખાડીએ. એ ગાંઠો ફૂટે તો તમને એક્સપીરિયન્સ થાય અને તમને ફિલ્મ જોવાની મળે. જો જ્ઞેય ના હોય તો જ્ઞાતા શું કરે ? જેટલું મન ખીલે એટલો જ આત્મા ખીલે. જેટલાં જ્ઞેય વધે તેટલી જ શુધ્ધાત્માની જ્ઞાનશક્તિ વધે. મન તો વીતરાગ છે. પણ 'પોતે' એમાં ભળે છે. તું કૂવામાં પડે, તેમાં મન શું કરે ? મનથી છેટા થયા એટલે આત્મદ્રષ્ટિવાળા થયા. તે પરમાત્મા થવાની તૈયારી થઈ. જ્ઞાની દાટો મારે ભાવમનને ! ભાવમન સહેતુક છે. તેથી નવાં બીજ પડે છે. હેતુ પરથી ભાવમન પકડાય, પણ તે હેતુ જોવાની દ્રષ્ટિ પોતાને હોય નહીં ને ! જ્યાં 'પોતે' શુધ્ધાત્મા થાય અને સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય અને મનને કમ્પ્લીટ જુદું ફિલ્મની જેમ દેખી શકે ત્યારે જ ભાવમન શું છે તે સમજાય. ભાવમન સુધી તો સર્વજ્ઞ સિવાય કોઈ પહોંચી જ ના શકે. જ્ઞાની પુરુષ જે સર્વજ્ઞ છે તે તમારા ભાવમન આગળ દાટો મારી આપે. એટલે નવું મન ચાર્જ ના થાય અને કેવળ ડિસ્ચાર્જ મન જ રહે. તે પછી તેની ઈફેક્ટને જ જોવાની અને જાણવાની. ત્યાં દ્રષ્ટિ ફેરવેલી રાખો ! બુધ્ધિ આ બાજુ ડખોડખલ કરે એટલે આપણે ત્યાંથી દ્રષ્ટિ ફેરવી લેવી. આપણને રસ્તામાં કોઈ ના ગમતો માણસ ભેગો થાય તો આપણે આમ મોઢું ફેરવી લઈએ છીએ કે નહીં ? એવું જે આપણામાં ડખોડખલ કરે છે, તેનાથી અવળું જોવું ! ડખોડખલ કોણ કરે છે ? બુધ્ધિ ! બુધ્ધિનો સ્વભાવ શો છે કે સંસારની બહાર નીકળવા ના દે. પ્રશ્નકર્તા : બુધ્ધિ સમાપ્ત ક્યારે થાય ? દાદાશ્રી : તમે એના ઉપર બહુ વખત જોશો નહીં, દ્રષ્ટિ ફેરવેલી રાખશો એટલે પછી એ સમજી જાય. એ પોતે પછી બંધ થઈ જાય. એને તમે બહુ માન આપો, એનું 'એક્સેપ્ટ' કરો, એની સલાહ માનો, ત્યાં સુધી એ ડખોડખલ કર્યા કરે. વ્યવસ્થિતની સમજ, અહંકાર ઓગાળો ! પ્રશ્નકર્તા : કડવાશ એ એક પ્રકારનો અહંકાર કહેવાય ? દાદાશ્રી : કડવાશ-મીઠાશ એ બેઉ કર્મનાં ફળ છે અને એ કર્મનાં ફળ જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી જ હોય. સારું કર્યાનો અહંકાર કર્યો તો મીઠાશ આવે, ખોટું કર્યાનો અહંકાર કર્યો તો કડવાશ આવે. એક વ્યવસ્થિત સમજમાં આવ્યું હોત તો તરીને પાર ઉતરી જાત. દાદાનું 'વ્યવસ્થિત' સમજણપૂર્વક આવ્યું હોત તો, દ્રષ્ટિપૂર્વક, પણ દ્રષ્ટિ હોય ક્યાંથી ! આંતર તપ કર્યા સિવાય દ્રષ્ટિ ઉત્પન્ન થાય નહીં અને દ્રષ્ટિ કાયમ રહે નહીં. પોતે ચોખ્ખો, તો બધું ચોખ્ખું ! આ તો 'ઈફેક્ટસ્' છે ખાલી ! દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. આ તો 'રોંગ બિલિફ છે ખાલી. એને સાચું માને છે. હવે એમની દ્રષ્ટિએ તો એ ખરેખર એમ જ છે ને ? એટલે કોઈ પણ પ્રકારની અસરો જ ના થાય, એ માટે આપણે શું થવું જોઈએ ? આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી. તમારે તો આ રીતે રહેવાનું. શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય, તો આ રીતે રહો. અને નહીં તો આપણે પેલી રીતમાં ઊતરો. ડિઝાઈન કરો તો માર ખાશો. બીજું કશું નવું મળી જવાનું નથી. અજ્ઞાનતાની નિશાની માર ખાય, બીજું કંઈ નહીં ! આને ઓવરવાઇઝ કહેવાય છે ! ઉપરથી દોઢ ડહાપણ પોતાનું કરવા જાય છે ! તત્ત્વદ્રષ્ટિ મળ્યા પછી શા માટે બીજું જોવું ? ના મળી હોય તો બીજું હતું જ ને ! અભ્યાસ ખીલવે દિવ્યદ્રષ્ટિ ! હવે બહાર જશો તો વાપરશો ને દિવ્યચક્ષુ ? એવું છે ને, અનાદિનો અજ્ઞાન પરિચય છે, તે આનાં માટે થોડું પ્રેક્ટિસમાં લેવા માટે બે-ચાર વખત અભ્યાસ કરશો ને પછી ચાલુ થઈ જશે. પ્રશ્નકર્તા : મનુષ્યમાં તો ખબર પડી જાય કે આમાં શુધ્ધાત્મા છે, પણ આ ઝાડ-પાનને જોવાની અમને પ્રેક્ટિસ ઉતરતી નથી ! દાદાશ્રી : એ પ્રેક્ટિસ આપણે પાડવી પડે. અનાદિથી અવળો અભ્યાસ, તે અવળો ને અવળો ચાલ્યા કરે. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથથી જમશો નહીં તમે, તોય આપણો જમણો હાથ પેસી જાય. જમવા માટે થોડીક ચાર દિવસ જાગૃતિ રાખવી પડે. એટલો આનો અત્યારથી અભ્યાસ કરી લેજો. દિવ્યચક્ષુથી જોતાં જોતાં જજોને ! ધીમે ધીમે ગોઠવણી આપણે કરતાં જવાનું, એટલે ફિટ થતું જાય. ગાયો-ભેંસો બધામાં છે. એ શુધ્ધાત્મામાં ચેન્જ થયો નથી. આ પેકીંગ ચેન્જ થયું છે, શુધ્ધાત્મા તો એ જ છે, સનાતન છે. આત્મદ્રષ્ટિથી અસર સ્વઅર્થે જ ! ભેંસને, ગધેડાને, બધાંને શુધ્ધ જ જોશો તો તમને શુધ્ધતાનો લાભ મળશે. તમે ભેંસ જોશો તોય ચાલી જશે અને તેને શુધ્ધાત્મા જોશો તોય ચાલી જશે. હમણે કોઈ માણસ હોય, આપણે એના શુધ્ધાત્મા જોઈએ તોય ચાલ્યો જશે અને 'નાલાયક છે, બદમાશ છે' એવું કહીશું તોય ચાલ્યો જશે. ગમે તેવી દ્રષ્ટિ તમારી હશે, તેની તો સામાને પડેલી નથીને ! પ્રશ્નકર્તા : પણ આપણા આત્માના જે ભાવ હોય, તે સામાનાં આત્માના ભાવને અસર ના કરે ? દાદાશ્રી : કશું ના અસર કરે. સામાને ને આપણે કશું લેવાદેવા જ નથી. ફક્ત જો લેવાદેવા હોય તો તમે પ્રતિક્રમણ કરો છો તે. પ્રતિક્રમણેય સમજાવું જોઈએ. કારણ કે આત્મા વીતરાગી સ્વભાવનો હોવાથી એ પ્રતિક્રમણ પહોંચે છે. એ અમારી જાત અનુભવીને મૂક્યું છે આ. તમનેય થોડા ઘણાં અનુભવ તો થયા હશે ? આપણે શુધ્ધાત્મા છીએ અને એ ય શુધ્ધાત્મા છે. આપણે લૂગડાં જોડે શું લેવા-દેવા ? લૂગડાં તો રેશમી ય હોય ને કકરાં ય હોય. આ શરીર એ તો બધાં લૂગડાં છે ! પ્રેમ એટલે શુધ્ધાત્મા તરફ જ દ્રષ્ટિ ! શુધ્ધાત્મા તરફ દ્રષ્ટિ એ જ પ્રેમ ! પછી વહુને અહીં આગળ મોટી મોટી રસોળી નીકળી હોય તો ય આપણને મનમાં ક્લેશ ના થાય !! નહીં તો મોઢું સારું દેખાય ત્યાં સુધી એના પર ભાવ રહ્યા કરે ને અહીં રસોળી નીકળી કે ચૂન ચૂન ચૂન થાય; આવું થાય કે નહીં ? પ્રશ્નકર્તા : થાય. દુર્ભાવ થાય. દાદાશ્રી : અરે, અભાવ થાય, અભાવ ! તત્ત્વદ્રષ્ટિ નિરંતર એ જ શુધ્ધ ઉપયોગ ! પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે અમારે નિરંતર શુધ્ધ ઉપયોગ હોય, તો એ ઉપયોગ શું છે ? દાદાશ્રી : અમે નિરંતર શુધ્ધ ઉપયોગમાં હોઈએ. શુધ્ધ ઉપયોગ એટલે શું ? આ જે બોલે છે, તે અમે આ નથી બોલતા. આ ટેપરેકર્ડ બોલી રહી છે તમારી સાથે ને હું જ્ઞાતા-દ્રષ્ટા રહું છું. જ્ઞાતા-દ્રષ્ટાપણું, એનું નામ શુધ્ધ ઉપયોગ. આ બધાંને જોઉં છું, તે પણ શુધ્ધ જ જોઉં છું હું. આ ઘૈડિયા છે કે આ જવાન છે કે આ સ્ત્રી છે એવું તેવું હું નથી જોતો. મૂળ તત્ત્વોને જોઉં છું. તત્ત્વદ્રષ્ટિ નિરંતર રહેવી એનું નામ શુધ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : 'આ ભમરડો છે' એટલું તે વખતે લક્ષમાં નથી રહેતું. દાદાશ્રી : ના, પહેલું તો 'વાણી એ રેકર્ડ છે' એવું નક્કી કરો. પછી 'આ બોલે છે એ વ્યવસ્થિત છે. આ ફાઈલ છે, એનો સમભાવે નિકાલ કરવાનો છે.' આ બધું જ્ઞાન જોડે જોડે હાજર રહે ને, તો આપણને કશું અસર ના થાય. જે બોલે છે એ 'વ્યવસ્થિત' છે ને ? અને રેકર્ડ જ બોલે છે ને ? એ પોતે નથી બોલતાને આજે ? એટલે કોઈ માણસ જોખમદાર છે જ નહીં અને ભગવાનને એવું દેખાયું છે કે કોઈ જીવ કોઈ જાતનો જોખમદાર છે જ નહીં. એટલે કોઈ ગુનેગાર છે જ નહીં, એ ભગવાને જોયેલું. એ દ્રષ્ટિથી ભગવાન મોક્ષે ગયા. અને જગત ગુનેગાર છે એમ જોયું, તેથી જગતમાં અથડાય છે. બસ, આટલી જ દ્રષ્ટિનો ફેર છે ! એટલે શુધ્ધ ઉપયોગ કોને કહેવાય ? શુધ્ધ ઉપયોગી શુધ્ધને જ જુએ. મહીંના માલને જુએ, પેકીંગને ના જુએ. તત્ત્વદ્રષ્ટિથી જોવું તે શુધ્ધ ઉપયોગ. શુધ્ધ ઉપયોગ આત્મા પ્રાપ્ત કર્યા પછી જ શરૂ થાય. ઉપયોગ સંપૂર્ણ શુધ્ધ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. શુધ્ધ ઉપયોગનું ફળ મોક્ષ. ખરો શુધ્ધ ઉપયોગ તો ક્યારે કે... પ્રશ્નકર્તા : કોઈ ચંચળ નામની વ્યક્તિ હોય અને શાંતા નામની વ્યક્તિ હોય, એ બેની વાત આવતી હોય તે વખતે તમે શું વાંચો ? દાદાશ્રી : હા, તે વખતે એના શુધ્ધાત્મા બધું અમારી જાગૃતિમાં હોય. આ ચંચળ એટલે એના શુધ્ધાત્મા ઉપર જ અમારી દ્રષ્ટિ હોય. એ તો તમારું નામ બોલે, તો ચંદુભાઈના શુધ્ધાત્મા પર દ્રષ્ટિ હોય અમારી. એટલી અમારી અજાગૃતિ ના હોય, જાગૃતિ હોય. પણ ઉપયોગ આમાં અને જાગૃતિ બેઉ સાથે રહે. પણ પેલો શુધ્ધ ઉપયોગ ના કહેવાય. ઉપયોગ બીજામાં ના હોય, એનું નામ શુધ્ધ ઉપયોગ. બીજામાં ઉપયોગ ના હોય અને જાગૃતિ હોય એ શુધ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : એ સ્ટેજ તો બહુ વાર લાગેને ? દાદાશ્રી : એટલે એવું અમારે થોડું બાકી રહ્યુંને ! થોડુંક બાકી રહે, બહુ જૂજ. એનો કશો હિસાબ નહીં એ તો. આપણે કામ જ શું ? આપણને અહીં કશું અડતું જ નથીને ! અડે તેને ભાંજગડ ! દાદાજીનાં શબ્દો કહેલાં, તેનું લક્ષ રાખું એ બધી જાગૃતિ. એ ચઢતી જાય જાગૃતિ. પણ એને ઉપયોગ ના કહેવાય. કાલે જાગૃતિ સારી રહી, એમ કહેવાય. પણ એને કંઈ મૂળ વસ્તુ, ઉપયોગ ના કહેવાય. પ્રશ્નકર્તા : એટલે મૂળ જગ્યાએ હજુ ઉપયોગ બેઠો નથી ? દાદાશ્રી : મૂળ જગ્યાએ વસ્તુ ભેગી થવી મુશ્કેલ છે. એ તો લક્ષ બેઠું છે એટલું જ એ. એનો અનુભવ થયા વગર તો ઉપયોગ કેમ ઉત્પન્ન થાય ? 'આ હું છું' એનું પ્રમાણ સહેજે બદલાવું ના જોઈએ, એના અનંત પ્રદેશો સહિત ! હજુ તો મહીં માન્યતામાં ભૂલે ય થાય વખતે. આ આત્મા હશે કે પેલો હશે ? થોડું થોડું મહીં ભૂલચૂક થાય, ભેળસેળ થઈ જાય. પ્રશ્નકર્તા : અને પાછી પેલી અસરો મહીં થાય છે ત્યાં સુધી તો ભૂલ ખરી જ ને ? દાદાશ્રી : હંઅ. એટલે એ મૂળ વસ્તુ જુદી છે. મૂળ વસ્તુ અનંતા પ્રદેશો સહિત બિલકુલ ચોખ્ખી, ક્લિયર છે અને તે પ્રમાણે જ હોય. ત્યાર પછી ઉપયોગ ખરો થાય, શુધ્ધ ઉપયોગ. ત્યાં સુધીનો શુધ્ધ ઉપયોગ છે, એ અંશે થોડોક, આ હજુ એ અહીં આવેલો જોઈ શકે અને આજુબાજુના સર્કલમાં આવેલો જોઈ શકે. એ જાગૃતિ કહેવાય બધી. પણ તદ્દન શુધ્ધ ઉપયોગ ના કહેવાય. શુધ્ધ ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ. છતાં એને ઉપયોગ કહે. શુધ્ધ ઉપયોગ કયા આધાર પર દ્રષ્ટિ છે, એ જાગૃતિના હિસાબે કહીએ આપણે, ચાલવા દઈએ, પણ એવું લોક એક્સેપ્ટ નહીં કરે. તમારો આત્મા અનુભવેય તમારી દ્રષ્ટિએ સાચો છે, ખોટો નથી પણ અંશ અનુભવ છે. અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છેને, તે તમને એમાં લાભ થાય, પણ હજુ પ્રગતિ માંડશે ને તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે. પરિચયમાં રહી અને જ્ઞાન સમજી લેવાનું છે બધું. આત્મદ્રષ્ટિને હોય શુધ્ધ ઉપયોગ ! પ્રશ્નકર્તા : ઉપયોગ મૂળ આત્માનો હોય છેને ? દાદાશ્રી : ના, આત્માનો ઉપયોગ ના હોય. આત્માને ઉપયોગ હોય તો પછી થઈ ગયો ભંડારી, સર્વિસમેન થઈ ગયો. અહીં તો આપણા લોકો શીખવાડે, પણ આત્મા તેવો નથી. આ બહાર જે પ્રચલિત વાક્યો છે તેમાં એક પણ જગ્યાએ આત્મા નથી. આ તમારે માની લેવું. એ સહુ સહુના સ્ટાન્ડર્ડ પ્રમાણે સહુ કોઈ બોલે છે પણ સ્ટાન્ડર્ડાઇઝ છે. આત્માને ઉપયોગેય નથી ને કશુંય નથી. પ્રશ્નકર્તા : તો આ ઉપયોગ કોનો છે એ હજી નથી સમજાતું. દાદાશ્રી : ઉપયોગ બધો અહંકારીનો. આત્મા પ્રાપ્ત કર્યા પછી આત્માની દ્રષ્ટિ થયા પછી એનો આત્મા બાજુ ઉપયોગ જાય છે, એ સ્વઉપયોગ કહેવાય છે અને આ બીજી બાજુ જાય તો પરઉપયોગ કહેવાય છે બસ. ઉપયોગ એટલે જાગૃતિ કઈ બાજુ વાપરી તે જ જોવાનું. આત્મા ઉપયોગ સ્વરૂપ નથી. આપણી આજ્ઞામાં રહ્યો તે શુધ્ધ ઉપયોગમાં રહ્યો કહેવાય. આ ફાઈલ આવીને, એનોય સમભાવે નિકાલ કરવો. આમાં કંઈ ધ્યાન ના આપીએ, તો સમભાવે નિકાલ ના થયો કહેવાય. અને જો ધ્યાન આપીએ તો શુધ્ધ ઉપયોગ. અમારાં પાંચ વાક્યો જ શુધ્ધ ઉપયોગવાળા છે. હંમેશાં 'શું થશે' એવું પરિણામ બદલાય તો બધું બગડે. કશું થાય નહીં, કશું થનાર જ નથી. આપણો ઉપયોગ શુધ્ધ છે તો દુનિયામાં ય કોઈ નામ દેનાર નથી ને શુધ્ધ ઉપયોગ બગડ્યો કે બધું ચઢી બેસે. પ્રશ્નકર્તા : આમ તો એવું કહેવાય છેને શુધ્ધ ઉપયોગ બે ઘડી રહે તો સર્વાંશ કેવળજ્ઞાન થાયને ? દાદાશ્રી : ના થાય. શુધ્ધ ઉપયોગ એ કેવળજ્ઞાન જ કહેવાય છે, પણ એને અંશ કેવળજ્ઞાન કહેવાય છે. સર્વાંશ કેવળજ્ઞાન ના કહેવાય. કારણ કે પચતું નથી આ કાળમાં. અક્રમ છે ને ! તેથી જ હું કહું છુંને કે એક ગુંઠાણું, અડતાલીસ મિનિટ સુધી બધાનાં શુધ્ધાત્મા એકધારા જોતાં જોતાં જાય તે શુધ્ધ ઉપયોગ. તે એક બાજુ ગધેડું દેખાય ને એક બાજુ શુધ્ધાત્મા દેખાય એમ જોતાં જોતાં જઈએ એનું નામ શુધ્ધ ઉપયોગ. બીજા જીવોને શુધ્ધાત્મા જુઓ, તે ઘડીએ શુધ્ધ ઉપયોગ હોય તમારો. જેમ છે તેમ, યથાર્થ જોવાના જેના ભાવ છે, જ્ઞાની પુરુષની આપેલી દ્રષ્ટિએ જોવાનાં જેનાં ભાવ છે એેને શુધ્ધ ઉપયોગ પ્રાપ્ત થાય જ ! હવે તો આપણે મૂળ વાત ઉપર જ આવી જવાનું. આપણે જે સ્ટાન્ડર્ડ જાણી ગયા, તે સ્ટાન્ડર્ડના પુસ્તકોની જરૂર ના રહીને આપણે ? હવે આત્માની શું હકીકત છે અને હવે આત્મા તરીકે કેવી રીતે વર્તવું એટલું જ જોવાનું રહ્યું. 'હું શુધ્ધાત્મા છું' એ દ્રષ્ટિ રાખવી એ 'શુધ્ધ ઉપયોગ'. સામામાં શુધ્ધાત્મા દેખવો એ 'શુધ્ધ ઉપયોગ'. સામો કર્તા ના દેખાય તે ય 'શુધ્ધ ઉપયોગ' ! 'શુધ્ધ ઉપયોગ' એ સંપૂર્ણ ચારિત્રનું કારણ છે, ઠેઠનું ચારિત્ર કે જેમાં ભગવાન હતા !
પ્રશ્નકર્તા : પણ તપમાંય આનંદ હોઈ શકે કે નહીં ? દાદાશ્રી : તપમાં હંમેશાં એક બાજુ દુઃખ લે અને તપના જ્ઞાતા-દ્રષ્ટાનો આનંદ હોય. તપમાં તપે ખરું પાછું પણ આનંદ હોય. આ ચંદુભાઈનું કો'કે એમની ઓફિસમાં આવીને અપમાન કર્યું કે 'તમને ધંધો કરતાં નથી આવડતું ને તમે અમને હેરાન કરી નાખ્યા.' આવી રીતે એમ તેમ કંઈક ગમે તે શબ્દ બોલ્યો. એટલે તરત જ્ઞાન ઉપર આપણી દ્રષ્ટિ આવે કે આ આપણું જ્ઞાન શું કહે છે ? ત્યારે કહે, 'આ ફાઈલનો સમભાવે નિકાલ કરો.' એવું થાયને ? હવે પણ પેલો બોલ્યો, તે આ શરીરમાં જે મન ને એ બધું રહ્યું છે તે પકડી લેને તરત, અંતઃકરણ પકડી લે તરત. અને એનો સામો જવાબ આપવા માટે, હિંસક જવાબ આપવા માટે મહીં બધું લાલ લાલ થઈ જાય. પણ તે ઘડીએ આ જવાબ આપે નહીં ને નક્કી જ રાખે કે સમભાવે નિકાલ કરવો છે. એટલે એ 'ઓહોહો, અંદર લાલ લાલ લાલ થઈ ગયું છે', એ જુએ તે ઘડીએ આ આત્મા ક્લિયર થઈ ગયો. જે તપને જુએ છે એ ક્લિયર આત્મા. એ લાલ લાલ જુએ પછી એને ટાઢું પડી જાય. હંમેશાં કોઈ પણ સંયોગ જામ્યો તે લાલનો હોય કે ઠંડકનો હોય ત્યારે જ એ વિયોગી સ્વભાવનું હોય છે. એ ઉભરો થોડીવાર પછી બેસી જાય. પણ એક વખત તો બહુ જ તપે. એને પછી એમ આ અભ્યાસથી જોઈએ, ત્યારે આનંદ થઈ જાય છે, પણ તપ તો જતું જ નથી. તપ તો પેલું રહે છે જ. નિશ્ચય-વ્યવહાર સમાય પાંચેયમાં ! પ્રશ્નકર્તા : ગઈ કાલે સત્સંગમાં આવ્યું કે પાંચ આજ્ઞામાંથી ત્રણ વ્યવહારની છે ને બે નિશ્ચયની છે તે જરા સમજવું છે. કેવી રીતે ? દાદાશ્રી : એટલે શુધ્ધાત્મા જોવું અને રિલેટિવ એનું ખોખું જોવું એ બે નિશ્ચય સ્વરૂપ છે. અને ત્રણ વ્યવહારિક છે ફક્ત. એ ત્રણ વ્યવહાર ને આ બે નિશ્ચય. વ્યવહાર-નિશ્ચય સાથેનો આપણો આ માર્ગ બધો. નિશ્ચયથી શુધ્ધાત્મા છે અને વ્યવહાર દ્રષ્ટિથી બકરી એકલી જ દેખાય. માટે એ બંને નિશ્ચયમાં જ જાય છે અને પેલાં ત્રણ વ્યવહારનાં છે અને વ્યવહાર-નિશ્ચય બંનેની સમતુલા રાખે. આ પાંચ આજ્ઞા ઠેઠ મોક્ષે લઈ જતાં સુધી કામ કર્યાં કરે અને સરળ-સીધી, વાંકી નહીં, ચૂંકી નહીં. કશું છોડવા કરવાનું કશું કહેલું નથી. પરાક્રમ દ્રષ્ટિથી ચાખે આનંદ ! પ્રશ્નકર્તા : ભાવને જ પુરુષાર્થ કહેવાય ને ? આપણો સાચો ભાવ જાણ્યો, સ્વભાવને ગુણોથી જાણ્યો, એ જ પુરુષાર્થ ને ? દાદાશ્રી : ભાવાભાવ આપણે બધું ભમરડા છાપમાં ઘાલી દીધું અને આપણે તો સ્વભાવ-ભાવ છે. ભાવાભાવ એ કર્મ છે અને સ્વભાવ-ભાવમાં જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ હોય. આપણા મહાત્માઓ સ્વભાવ ભાવમાં રહે છે, તેથી મહીં આનંદ એમને રહ્યા જ કરે. પણ એ ચાખતાં નથી. એ ચાખવાનું આવે ત્યારે એ ગયા હોય બીજે હોટલમાં, તેથી ખબર ના પડે. પ્રશ્નકર્તા : એટલે મહાત્માઓ એ કયા લક્ષણથી ચાખે છે ? વગર જાણ્યે ચાખે છે, એ પુરુષાર્થ લક્ષણથી કે ઉદય લક્ષણથી ? દાદાશ્રી : પુરુષાર્થ તો એમને ચાલુ જ છે, પણ પરાક્રમની દ્રષ્ટિથી ચાખે છે. વ્યવહારમાં દ્રષ્ટિ, લઘુત્તમની ! હવે આપણે શું કહીએ છીએ કે ભઈ, તમને એ 'ડિમાર્કેશન લાઈન' 'એક્ઝેક્ટ' પડી ગઈ કે આટલું 'રિલેટિવ' ને આટલું 'રિયલ'. અને 'રિયલ'માં આવું છે, 'રિયલ'માં શુધ્ધાત્મા. અને 'રિલેટિવ'માં તમને પાંચ વાક્યો આપ્યાં તે. બીજું બધું તો નિકાલી છે. પ્રશ્નકર્તા : એ નિકાલ થતો જાય છે ? દાદાશ્રી : હા, એની મેળે નિકાલ થયા જ કરે છે. સંડાસના માટે રાહ જોવી પડે નહીં અને રાહ જુએ એ મૂરખ ગણાય. એટલે આ બીજું બધું નિકાલી છે. તો હવે થવાનું શું ? પ્રશ્નકર્તા : લઘુતમ ! દાદાશ્રી : લઘુતમ ! બસ, એટલો જ ભાવ. ને 'દાદા'ની આજ્ઞા લઘુતમ ભાવમાં છે. એટલે હવે તમારે 'રિલેટિવ'માં ફક્ત લઘુતમ થવાની જરૂર છે. એટલે 'રિયલ' અને 'રિલેટિવ' વચ્ચે 'લાઈન ઓફ ડિમાર્કેશન' આવે અને 'રિલેટિવ'માં પોતે લઘુતમ થાય તો અહીંના સંસારના દુઃખોમાં ય સમાધિ રહે, ને એ જ સાચી સમાધિ ! તમે કેટલા લઘુતમ થયા છો ? પ્રશ્નકર્તા : 'દાદા'ને ખબર. મને એનું થર્મોમિટર બરોબર ખબર નથી પડતી. દાદાશ્રી : પણ કંઈ થયા છો લઘુતમ ? કેટલા ? બે આની ? ચાર આની ? પ્રશ્નકર્તા : પણ એવું કેવી રીતે માપ કઢાય ? દાદાશ્રી : એ તો કોઈની જોડે લઢતા હોય ત્યારે ખબર પડી જાય, કે તમે લઘુતમ પૂરેપૂરા થયા નથી. હજુ તો તમે આપી દો બરાબર, કે 'તું શું હિસાબમાં ?' એટલે હવે આપણે લઘુતમ ખોળવાનું. તમારે ગુરુતમ થવું છે કે લઘુતમ ? પ્રશ્નકર્તા : લઘુતમ. દાદાશ્રી : આમ બે હાથ જોડીએ એ તો ગમે છે અને કહો છો 'મારે લઘુતમ થવું છે.' આ બધા આમ હાથ જોડે ને, તો ખુશ. અને પાછું કહેશે, 'મારે હવે લઘુતમ થવું છે.' માલ ભરેલો બધો એવો વસમો છે, ગુરુતમનો જ માલ ભર્યો છેને બધો. તો ય આપણે દ્રષ્ટિ શું રાખવી ? પ્રશ્નકર્તા : લઘુતમ થવાની. દાદાશ્રી : તો અંદર આત્મા ગુરુતમ થતો જાય. 'અમે' લઘુતમ થઈને બેઠેલા છીએ. અમારો 'આત્મા' ગુરુતમ છે. તમારે પણ એ દ્રષ્ટિ સેવન કરવાની. બીજું શું, આમાં બહુ અઘરું છે નહીં કશું. અને પછી આપણું 'સાયન્સ' શું કહે છે ? 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે ? 'રિલેટિવ'માં તમે જેટલા લઘુતમ થશો એટલું 'રિયલ'માં તમે ગુરુતમ થશો, સંપૂર્ણ થશો. હવે એ શું ખોટું કહે છે ? બાકી, 'રિલેટિવ'માં તો આ જગત આખું ગુરુતમ થવા ફરે છે. તેથી આ પાડા ને ભેંસો બધું ઊભું રહ્યું છે. તે કોને લીધે ઊભું રહ્યું છે ? આટલી ભૂલથી જ. તે આ ભૂલ ભાંગવી નહીં જોઈએ, મનુષ્યમાં આવીને ? ભાંગવી જોઈએ એવું લાગે છે ને ? જગના શિષ્યની દ્રષ્ટિ, બનાવે ભગવાન ! અને ગુરુની આજ્ઞા તો શિષ્યને પરવડતી હોય તો પાળે ને ના પરવડતી હોય તો ના પાળે. કંઈ મારી આજ્ઞા નથી એ. એ તો એમની પોતાની આજ્ઞા છે. હું તો વઢતો જ નથી કોઈને. કોઈને આજ સુધી વઢ્યો જ નથી. આ બધાને કહી દીધેલું કે તમારો શિષ્ય હું છું. 'બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ' હું બધાનો શિષ્ય છું, લઘુતમ છું. 'બાય રીયલ વ્યૂપોઈન્ટ' હું ગુરુતમ છું. એટલે વ્યવહારિક દ્રષ્ટિથી, મારાથી કોઈ નીચો નથી, મારાથી બધા મોટા છે. અને ખરી દ્રષ્ટિથી, ભગવાનની દ્રષ્ટિથી મારાથી કોઈ મોટો નથી. એવું હું તો કહું છું. એટલે આ બધા મારા ઉપરી જ કહેવાય ને ? ને આ બધાનો શિષ્ય હું છું. લઘુતમ એ તો આપણું કેન્દ્ર જ છે. એ કેન્દ્રમાં બેઠા બેઠા ગુરુતમ પ્રાપ્ત થાય. આપણી તો નવીન 'થિયરી'ઓ બધી, તદ્દન નવી ! લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી એ આ અક્રમ વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' છે. 'આ' વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' શું ? લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી. જીવમાત્રની જોડે, આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદ દ્રષ્ટિ રાખવી એ જ આ વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' છે. આ વિજ્ઞાન કંઈ એમ ને એમ 'ફાઉન્ડેશન' વગર નથી. બીજી બધી ક્રિયાઓ એની મેળે થયા જ કરે છે, 'મિકેનિકલી' થયા જ કરે છે. 'દ્રષ્ટિ' અને 'મિકેનિકલ', એ બેને બહુ 'ડિફરન્સ' છે. દ્રષ્ટિ જ મુખ્ય વસ્તુ છે ને 'મિકેનિકલ' એ વસ્તુ જુદી છે. જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી, તે જગતમાં 'મહાવીર' થઈ શકે નહીં. નાનો છોકરો હોય, બાળક હોય, મૂરખ હોય, તે બધાનાં શિષ્ય થવાની દ્રષ્ટિ ! એટલે આપણે તો વીતરાગોની દ્રષ્ટિ રાખવી. વીતરાગો શું કહે છે ? આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ જેણે વેદી નથી, એ 'જ્ઞાની' થવાને લાયક નથી. માટે દ્રષ્ટિ લઘુતમમાં રાખો તો જ પેલા ગુરુતમમાં પહોંચાશે, નહીં તો ગુરુતમમાં કેમ પહોંચાશે ? આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય ઉત્પન્ન થાય, પછી જુદાઈ લાગે નહીં. અભેદ દ્રષ્ટિ થાય. જ્ઞાની સમજાવે ઝીણી દ્રષ્ટિ ! તમારે જોતાં રહેવાનું કે આ ખરેખર શુધ્ધ કેટલું થયું ને કેટલું બાકી છે ! પ્રશ્નકર્તા : હવે ઝીણવટપૂર્વક બધો કચરો કાઢી નાખવાનો છે. દાદાશ્રી : ઝીણવટથી કચરા નહતા કાઢતાં, અત્યાર સુધી ? પ્રશ્નકર્તા : ના, નહીં કાઢ્યો હોય. દાદાશ્રી : 'નહીં કાઢ્યો હોય' કહે છે, કાઢ્યો જ નથી. મારી પાસે એકુંય શબ્દ તોલ્યા વગર નહીં રહે. કાંટો જુદી જાતનો છે ! તે કચરો તમારે કાઢવાનો કે મારે કાઢવાનો ? પ્રશ્નકર્તા : તમારી કૃપાથી અમે કાઢી નાખીએ. દાદાશ્રી : પણ આવું જોતાં જ રહેવાનું બધુંય. ઝીણવટથી બધું જોયા પછી મને કહો કે, હું શુધ્ધ થયો હવે. જો આ બહારથી રંગરોગાનથી આટલું સુખ પડ્યું, તો બીજું જેમ જેમ અંદરનું શુધ્ધ કરો તેમ શું થાય ? પ્રશ્નકર્તા : વધારે સુખ થાય. દાદાશ્રી : પૂરેપૂરું સુખ. પરમાનંદ સ્થિતિ ! સમાધિમાં રહી શકે. એટલે આ બધું જોજો હવે ઝીણવટથી. મને બેસાડેને તો આખું રામાયણ થાય એવું છે ! આખી ચોપડી થાય. આ ટૂંકમાં પાંચ મિનિટમાં તમને સમજાવી દીધું. પ્રશ્નકર્તા : હજી આવી ઝીણી દ્રષ્ટિ મળે કે ના મળે ? દાદાશ્રી : આ હમણે બોલ્યા એટલે થવાની જ ઝીણી દ્રષ્ટિ. પણ તમે કોઈ દહાડો એમ નથી કહ્યું કે ભઈ, અમારે હવે કશું કરવાનું નહીં, અમારે તો થઈ ગયું, કહેશે. આ તો કહેતા હતા કે, હું ચોખ્ખો થઈ ગયો છું અને હવે કહે છે, ના, ચોખ્ખો નથી થયો. હવે ચોખ્ખું કરવું છે. પહેલાં કેવા થઈ ગયા હતા ? બહાર દેખાવમાં ચોખ્ખા પણ અંદર કચરાવાળા. આ તો પોતે ભગવાન થવાનું છે. અહીં ભગવાનના દાસ થવાનું નથી. અત્યારે દાસાનુદાસ લખો છો પણ છેવટે ચોખ્ખું કરતાં કરતાં ભગવાન થાવ. એ તમારી મહીં અનંત શક્તિ છે. દ્રષ્ટિ વધતા થાય મૂળ સ્વરૂપે ! પ્રશ્નકર્તા : હવે દાદા, ક્રમિકની અંદર ઉપર ચઢતો ચઢતો અગિયારમેથી નીચે પડે તો અક્રમની અંદર ઉપર ચઢ્યા પછી પડવાનો ભય ખરો ? દાદાશ્રી : ના. પણ આનો પડવાનો ભય જ નહીંને ! આ તો આજ્ઞામાં રહે તો પછી પાડનાર કોણ ? આજ્ઞા ચૂકે તો પડ્યો. નહીં તો અહીં પડવા જેવું નથી. અહીં તો આગળ વધે નહીં એટલું જ. અહીં પડવાનું સ્થાન જ નથી. ક્રમિક માર્ગમાં એ છે તે મોહને ઉપશમ કરતો કરતો આગળ ગયો હોય, ક્ષય કર્યા વગર. તે ત્યાં બધાં ઉપશાંત પરિણામ થઈ ગયેલાં હોયને, તે ભગવાન થઈ જાય. અને લોક ભગવાન જેવો માને. પછી મનમાં એમ થાય કે હું કંઈક છું હવે. એ પાછાં પડવાની નિશાની. જે મોહ ક્ષય કર્યા વગરનો છેને, તે પછી ફાટે ફરી. મોહ ક્ષય થઈ જવો જોઈએ. ચારિત્ર મોહનીય ક્ષય કરવી પડે. તમે છે તે ફાઈલોનો નિકાલ કરોને, તે તમે આજ્ઞા વાપરી ત્યાંથી શુધ્ધ ઉપયોગ. જેટલો વખત આજ્ઞામાં રહે એટલો શુધ્ધ ઉપયોગ જ હોય. હવે છતાં આજ્ઞામાં રહે અને તે સામાને દોષિત ગણે, આણે મારું બગાડી નાખ્યું આ, એ શુધ્ધ ઉપયોગ ના કહેવાય. કોઈ ગુનેગાર જ નથીને ! શુધ્ધ ઉપયોગની દ્રષ્ટિમાં કોઈ ગુનેગાર છે નહીં જગતમાં. શુભાશુભની દ્રષ્ટિમાં ગુનેગાર છે. પ્રશ્નકર્તા : દાદા, અમે તો તમારાં દર્શન કરી કરીને શુધ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરી. આપે કઈ રીતે કરી ? દાદાશ્રી : શાની જમે કરવાની ?! એક જ દહાડામાં પ્રગટ થયું ત્યાં ! ગઈ કાલે 'એ. એમ. પટેલ' હતા ને આજે શુધ્ધાત્મા થઈ ગયા, દ્રષ્ટિ માત્રથી. દ્રષ્ટિફેર થઈ ગયોને ત્યાં ! પ્રશ્નકર્તા : આપને એક જ કલાકમાં કેવી રીતે દ્રષ્ટિ સજ્જડ થઈ ગઈ ? દાદાશ્રી : કૃપાથી શું ના થાય ? ભગવાનની કૃપા ઊતરે એટલે શું ના થાય ? પ્રશ્નકર્તા : અમને તો આપની અંદર પ્રગટ થયા છે તે દાદા ભગવાનની કૃપા ઊતરે. આપને કોની ઊતરી ? દાદાશ્રી : મારે કોની ઊતરી એ શું ખબર પડે ? મને કોઈએ ફેરવ્યો ! એટલે હું બટ નેચરલ કહું છુંને ! અમારું આપેલું જ્ઞાન, એ તો એક્ઝેક્ટ એની જગ્યાએ છે. તમને દ્રષ્ટિગમ જેટલું થયું એટલું તમારું. બીજું દ્રષ્ટિગમ થયું નથી. મૂળ સ્વરૂપે જે જ્ઞાન આપેલું, એ મૂળ સ્વરૂપની તમને એક્ઝેક્ટનેસ હજુ આવી નથી પૂરેપૂરી. ત્યાં સુધી વધે છે એવું લાગે. નહીં તો આ જ્ઞાન તો તેનું તે જ છે, મૂળ સ્વરૂપે જ છે. પણ મૂળ સ્વરૂપે જ્યારે એક્ઝેક્ટનેસ આવશે ત્યારે પછી વધ-ઘટ નહીં રહે પછી. આ વધ-ઘટ શું છે ? તમને જે દ્રષ્ટિ મળે છે તે વધે છે દહાડે દહાડે. મૂળ સ્વરૂપે થવા માંગે છે. જેમ આપ્યું હતું તેમ, તે સ્વરૂપે થવા માંગે છે. ચાલો, તીર્થંકરોની દ્રષ્ટિએ... પ્રશ્નકર્તા : આ શું થાય છે ? આ ટેપરેકર્ડ થોડી વાગેને, તે વખતે એમ લાગે કે આ ટેપરેકર્ડ છે. પછી થોડીવાર વધારે બોલે ને એટલે મહીં જોઈન્ટ થઈ જાય, જુદાપણું રહેતું હતું તે ના રહે. દાદાશ્રી : છતાં આપણને હવે આ બધી નિકાલી બાબત છે. પહેલાં તો આપણે એમ જાણતા હતા કે આ બધા માણસો બોલે છે અને તેથી મને દુઃખ થાય છે. પણ હવે આપણને ખબર પડી કે આ તો રેકર્ડ બોલે છે. જ્યારે સાચું જ્ઞાન થયું ત્યારે આપણને ખબર પડી કે આ તો રેકર્ડ બોલે છે, આ ફાઈલ છે, આ 'વ્યવસ્થિત' છે. એટલે બધો ગહન કોયડો છે કે આ જગત કોઈથી ય ઉકેલાયેલું નહીં. તીર્થંકરો એ ઉકેલીને જતા રહ્યા ને તીર્થંકરોનાં દર્શન કર્યાં, એ લોકો ફાવી ગયાં. જે લોકોએ ભગવાનનાં ભાવથી દર્શન કર્યાં અને ભગવાનને કહ્યું કે મારી પર કૃપા વરસાવો, એ લોકો ફાવી ગયાં. બાકી કોઈ આનો ઉકેલ લાવેલા નહીં. બહુ ગહન ગહન ગહન કોયડો છે આ ! આ પઝલનું સોલ્યુશન આપણે થોડા વિભાગમાં આપી દીધું, શોર્ટકટ કરીને એને. શોર્ટકટમાં આપી દીધું એટલે ભાંજગડ જ મટી ગઈને ! એટલે જો તમારે મોક્ષે જવું હોય તો ભગવાનની દ્રષ્ટિથી ચાલવું પડશે. ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં અને સંસારમાં ભટકવું હોય તો લોકદ્રષ્ટિથી ચાલવું પડશે. લોકદ્રષ્ટિ કેવી છે કે 'આ આણે કર્યું, આણે મારી જોડે આમ કર્યું.' તેનાથી અહીં આગળ ભટકવું પડશે. અને ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે કોઈ જીવ ગુનેગાર છે જ નહીં. એટલે કોઈ ગાળો ભાંડતો હોય તો, મેં તમને જ્ઞાન આપ્યું છે કે એ રેકર્ડ બોલી રહી છે, એમાં એનો શો ગુનો ? અને રેકર્ડ જે બોલી હોય, તેનું ખોટું આપણને લાગે નહીં. આવી ભગવાનની દ્રષ્ટિ છે, એનાથી મોક્ષ થાય. આ તો બધા અજ્ઞાનતાથી એમ માને છે કે એ પોતે જ બોલે છે. તેથી એમ લાગે છે કે આ તો મારી પર બહુ ત્રાસ કરે છે. પણ એ કશું બોલતો જ નથી. એટલે આપણું જ્ઞાન ઇટસેલ્ફ જ બધી રીતે છોડાવે છે ને નિરંતર સમાધિમાં રાખે છે. જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ રહેવો જોઈએ. 'દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનવાળા છે' એ જ્ઞાનમાં દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવી જોઈએ કે હજુ તો કઠોર વાણી નીકળે છે. પણ તે ય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ. આ તો વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાનને સમજી લેવાનું છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય. વિજ્ઞાન એટલે વિરોધાભાસ નહીં ! ખાલી સમજી જ લેવાનું છે !! મોક્ષે જવું હોય તો ! માર મારે, લૂંટી લે, તોય રાગ-દ્વેષ ના થાય એ એનું થર્મોમીટર. થર્મોમીટર જોઈએને ! રડે તેનો વાંધો નથી. રાગ-દ્વેષ ન થવાં જોઈએ. જો કોઈને મારીએ અને એ રડે એ તો દેહ સુંવાળો હોય તો રડે અને દેહ કઠણ હોય તો એ હસે, એ જોવાનું નથી. આપણે રાગ-દ્વેષ ગયા કે નહીં ? ગમે તેવાં સંજોગો ભેગા થાય છતાં સ્થિરતા ના તૂટે, ધ્યેય ના બદલાય એ ધર્મ પામ્યો કહેવાય. આ તો લોકો આબરૂ રાખવા માટે સારા રહે છે કે પછી અવળા પાટાના સંજોગ ભેગા ના થાય એટલે સારા રહ્યા! આપણો ધ્યેય 'શુધ્ધાત્મા' ને મોક્ષ, એટલે બીજું કશું અડે જ નહીં. પરપરિણતિ અડે જ નહીં. મોક્ષે જવું હોય તો એ એક જ ધ્યેય જોઇએ. આરાધના ને ભજનામાં શો ફેર ? આરાધવું એટલે વારે ઘડીએ દ્રષ્ટિ ત્યાં જવી અને ભજવું એટલે નિરંતર તન્મયાકાર. આરાધના ને ભજના પોતાના સ્વરૂપની જ કરવાની છે. બીજું બધું તો સહેજે ય ચાલ્યા કરે ! અમે જે બાબતની આજ્ઞા આપીએ, તેટલાં પૂરતી અનુભવમાં આવે. બધી બાબતમાં આજ્ઞા અનુભવમાં ના આવેને ! પ્રશ્નકર્તા : બધી બાબતમાં આજ્ઞા અનુભવમાં ના આવે, એ કઈ દ્રષ્ટિએ ? દાદાશ્રી : એ તો જે આજ્ઞા કરી હોયને, તે અમુક એક કોર્નરની હોય. એ કોર્નર ફીટ થાય. બીજી જગ્યાએ ફીટ ના થાય ને ! પરભાવ સમજે તે સ્વભાવ પામે ! ઇફેક્ટને જાણે પોતે કે આ ઇફેક્ટ થાય છે અત્યારે ચંદુભાઈને. ઠેઠ સુધી એ જાણકાર રહે છે પોતે. પ્રશ્નકર્તા : પણ એ સારી-ખોટી જે ઇફેક્ટ થાય છે, હવે એ વ્યવહારની દ્રષ્ટિએ એમ લાગે કે આ ખોટું છે, તો... દાદાશ્રી : 'ખોટું છે' એમ લાગે, એ તો પણ ચંદુભાઈને લાગે છે ને, વ્યવહાર દ્રષ્ટિથી છે અને એ ય જાણે કે 'આ ખોટું છે'. મારો સ્વભાવ નથી, ત્યારથી જ અનુભવ સ્થિર થયો. એ જાગૃતિ રહી, તે ઘડીએ અનુભવ સ્થિર જ થાય. મારો સ્વભાવ ન્હોય, આ એટલું જે સમજે છે ને, તે પોતાનાં સ્વભાવમાં સ્થિર થાય છે. મારા-તારાનો ભેદ પડ્યો, મારું કયું ને તારું કયું, નિશ્ચયથી મારું આ અને આ વ્યવહારથી મારું, તે તારામાં ગયું. વ્યવહારથી આખું એ આપણામાં ગણાય નહીં. આપણી દ્રષ્ટિએ વ્યવહારમાં બોલવા માટે બોલવું પડે. પણ આપણી દ્રષ્ટિએ તો એ પરાયુ-પરભાર્યું કહેવાય. દ્રષ્ટિ રાખવી, પરભાવ ક્ષય ભણી ! પ્રશ્નકર્તા : જ્યારે જુઓ ત્યારે આપ એવા ને એવા જ લાગો છો. ફેર નથી લાગતો એ શું છે ? દાદાશ્રી : આ કંઇ ફૂલ છે કે કરમાય ? આ તો મહીં પરમાત્મા પ્રગટ થઇને બેઠાં છે ! નહીં તો ખખડી ગયેલાં દેખાય ! જ્યાં પરભાવનો ક્ષય થયો છે, નિરંતર સ્વભાવ જાગૃતિ રહે છે, પરભાવ પ્રત્યે જેને કિંચિત્માત્ર રૂચિ રહી નથી, એક અણુ-પરમાણુ જેટલી રૂચિ રહી નથી પછી એને શું જોઇએ ? પરભાવના ક્ષયથી ઓર આનંદ અનુભવાય છે. અને તમે એ ક્ષય ભણી દ્રષ્ટિ રાખજો. જેટલો પરભાવ ક્ષય થયો એટલો સ્વભાવમાં સ્થિત થયો. બસ, આટલું જ સમજવા જેવું છે, બીજું કશું કરવા જેવું નથી. જ્યાં સુધી પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર છે. પરભાવ ગયો કે સ્વક્ષેત્રમાં થોડોક વખત રહી અને સિધ્ધક્ષેત્રમાં સ્થિત થાય. સ્વક્ષેત્ર એ સિધ્ધક્ષેત્રનો દરવાજો છે ! એ સાયન્સ છેને આપણું આ બધું. માટે કામ કાઢી લેજો. હું તો એટલું કહું, મેં કામ કાઢી લીધું છે, તમે કામ કાઢી લેજો. આ બેઠા છે મહીં પ્રત્યક્ષ, જે માગો એ આપનાર છે. આ દુનિયામાં કોઈ પણ ચીજ માગો અધ્યાત્મ સંબંધમાં, તે બધી જ ચીજ, અહીં કેશ બેંક તરીકે રોકડું આપી દે. - જય સચ્ચિદાનંદ. |
|---|