જ્ઞાનીની વ્યવહાર ઉકેલની બોધકળા ! સંપાદકીય 'ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ' એવું આ જગત જ કોયડો છે. એમાં કાયમ ગૂંચવાડા થયા જ કરે. એક બાજુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્મજાગૃતિમાં રહેવું છે, સર્વ કર્મો ખપાવી મોક્ષે જવું છે. જ્યારે બીજી બાજુ ગૂંચવાડો વ્યવહારનો છે. વ્યવહારે આપણને અટકાવ્યા છે, એમાં વ્યવહારનો ગુનો નથી. આપણને ગૂંચ ઉકેલવાનું જ્ઞાન નથી. તેથી ફસાયા છીએ. એ તો ગૂંચવાડો રહેવાનો જ છે. આપણી પાસે એવી કંઈક કળા હોવી જોઈએ કે જેથી આપણે આ ગૂંચવાડાને ઉકેલીને મુક્ત થઈ જઈએ. કોઈ ટેક્ષ્ટાઈલ મશીનરી હોય અને આપણને ઓપરેટ કરતાં આવડતું ના હોય તો દોરા ગૂંચાઈ જશે, તૂટી જશે, ગાંઠો માર માર કરવી પડશે. અને એના જાણકાર એક્સપર્ટ મશીનરી હેન્ડલ કરતાં હોય તો ? દરેક દોરો ગૂંચ્યા વગર, તૂટ્યા વગર રીલમાં વીંટાતો જશે. અમથું મશીનરીને ઠોક ઠોક કરવાથી કંઈ દોરા ગૂંચાવાનું અટકે નહીં કે દોરા તૂટવાનું અટકે નહીં. પછી મશીનરીનો વાંક કાઢીએ તે પણ ખોટું જ કહેવાય ને? આપણને હાઉ ટુ હેન્ડલ વીથ મશીન આવડતું જ નથી. એ જ મશીન એના કારીગર પાસે સારામાં સારું ચાલે. એવી રીતે ધણી-વાઈફ, માબાપ-છોકરાં, ઘરાક-વ્યાપારી, શેઠ-નોકર સામસામે એકબીજા માટે મશીનરી હેન્ડલ કરવાની જ છે. મશીનરીમાં ટેકનીશીયનની જરૂર છે. આમાં જ્ઞાનીની જરૂર છે, જેમને બોધકળા આવડતી હોય, જ્ઞાનકળા આવડતી હોય, એમની પાસે વ્યવહાર ઉકેલની બોધકળાઓ શીખી લઈ વ્યવહાર જીવન જીવવા જેવું બનાવી લઈએ અને વ્યવહારનો ઉકેલ લાવી મોક્ષમાર્ગની પ્રાપ્તિ પણ કરી લઈએ. ડૉક્ટર થયા, એન્જિનિયર થયા પણ જીવન જીવવાની કળા ન આવડે તો શું કામનું ? નહીં તો ઘરસંસાર ડહોળાઈ જશે. તેથી પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે ને, 'જેને જીવન જીવવાની કળા આવડી તેને આખો વ્યવહાર ધર્મ આવી ગયો અને આ અક્રમ માર્ગે નિશ્ચય ધર્મ જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થઈ જાય છે.' એ જીવન જીવવાની કળા જ્ઞાની પાસેથી પ્રાપ્ત થાય એમ છે. 'જ્ઞાની પુરુષ પાસે તો અનંત જ્ઞાનકળા હોય ને અનંત પ્રકારની બોધકળાઓ હોય. એ કળાઓ એવી સુંદર હોય કે સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત કરે.' પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષની વ્યવહાર ઉકેલની બોધકળાઓ સંકલિત થઈ છે, જે જીવનના પ્રસંગોમાં ઉપયોગમાં લેવાથી આદર્શમય જીવન જીવતા થઈ જવાય તેમ છે. દીપકના જય સચ્ચિદાનંદ જ્ઞાનીની વ્યવહાર ઉકેલની બોધકળાઓ ! જીવન જીવવાની કળા શીખવે કોણ ?! આજે જગતને હિતાહિતનું ભાન જ નથી. સંસારના હિતાહિતનું કેટલાકને ભાન હોય, કારણ કે એ બુધ્ધિના આધારે કેટલાકે ગોઠવેલું હોય છે. પણ એ સંસારી ભાન કહેવાય કે સંસારમાં શી રીતે હું સુખી થાઉં ? ખરેખર તો આ પણ 'કરેક્ટ' નથી. 'કરેક્ટનેસ' તો ક્યારે કહેવાય કે જીવન જીવવાની કળા શીખ્યો હોય તો. આ વકીલ થયો તો ય કંઈ જીવન જીવવાની કળા આવડી નહીં. ત્યારે ડૉક્ટર થયો તો ય એ કળા ના આવડી. આ તમે 'આર્ટિસ્ટ'ની કળા શીખી લાવ્યા કે બીજી કોઇ પણ કળા શીખી લાવ્યા, એ કંઇ જીવન જીવવાની કળા ના કહેવાય. જીવન જીવવાની કળા તો, કોઇ માણસ સરસ જીવન જીવતો હોય તેને આપણે કહીએ કે, તમે આ શી રીતે જીવન જીવો છો એવું કંઇક મને શીખવાડો. હું શી રીતે ચાલું ? તો એ કળા શીખાય. એના કળાધર જોઇએ, એનાં કળાધર હોવો જોઇએ, એનાં ગુરુ હોવો જોઇએ. પણ આની તો કોઇને પડેલી જ નથી ને? જીવન જીવવાની કળાની તો વાત જ ઉડાડી મેલી છે ને ? અમારી પાસે જે કોઇ રહેતો હોય તેને આ કળા મળી જાય. છતાં આખા જગતને આ કળા નથી આવડતી એવું આપણાથી ના કહેવાય. પણ જો 'કમ્પ્લીટ' જીવન જીવવાની કળા શીખેલા હોય ને તો લાઇફ 'ઇઝી' રહે. પણ ધર્મ તો જોડે જોઇએ જ. પાળવો ધર્મ, આજ્ઞારૂપી ! જીવન જીવવાની કળામાં ધર્મ મુખ્ય વસ્તુ છે અને ધર્મમાં ય બીજું કશું નહીં, મોક્ષધર્મની ય વાત નહીં, માત્ર ભગવાનની આજ્ઞારૂપી ધર્મ પાળવાનો છે. મહાવીર ભગવાન કે કૃષ્ણ ભગવાન કે જે કોઇ ભગવાનને તમે માનતા હો તેની આજ્ઞાઓ શું કહેવા માગે છે તે સમજીને પાળો. હવે બધી ના પળાય તો જેટલી પળાય એટલી સાચી. હવે આજ્ઞામાં એવું હોય કે બ્રહ્મચર્ય પાળજો ને આપણે પૈણીને લાવીએ તો એ વિરોધાભાસ થયું કહેવાય. ખરી રીતે તેઓ એમ નથી કહેતા કે તમે આવું વિરોધાભાસવાળું કરજો. એ તો એવું કહે છે કે તારાથી જેટલી અમારી આજ્ઞાઓ 'એડજસ્ટ' થાય એટલી 'એડજસ્ટ' કર. આપણાથી બેે આજ્ઞાઓ 'એડજસ્ટ' ના થઇ તો શું બધી આજ્ઞાઓ મૂકી દેવી ? આપણાથી થતું નથી માટે શું આપણે છોડી દેવું ? તમને કેવું લાગે છે ? બે ના થાય તો બીજી બે આજ્ઞા પળાય તો ય બહુ થઇ ગયું. પામવો નિશ્ચયધર્મ, જ્ઞાની કૃપાએ ! લોકોને વ્યવહારધર્મ પણ એટલો ઊંચો મળવો જોઇએ કે જેથી લોકોને જીવન જીવવાની કળા આવડે. જીવન જીવવાની કળા આવડે એને જ વ્યવહારધર્મ કહ્યો છે. કંઇ તપ-ત્યાગ કરવાથી એ કળા આવડે નહીં. આ તો અજીર્ણ થયું હોય તો કંઇક ઉપવાસ જેવું કરજે. જેને જીવન જીવવાની કળા આવડી તેને આખો વ્યવહારધર્મ આવી ગયો અને નિશ્ચય ધર્મ તો ડેવલપ થઇને આવે તો પ્રાપ્ત થાય અને આ અક્રમ માર્ગે તો નિશ્ચય ધર્મ જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થઇ જાય છે ! 'જ્ઞાની પુરુષ' પાસે તો અનંત જ્ઞાનકળા હોય ને અનંત પ્રકારની બોધકળા હોય ! એ કળાઓ એવી સુંદર હોય કે સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત કરે. ક્યાં વીતરાગ માર્ગ ને ક્યાં... જેમ અજ્ઞાનતા વધે, મોહ વધે, તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને શું ય માને કે કેટલી મારી પુણ્યૈ કે મને આ બંગલો મળ્યો, પંખા મળ્યા ! આ તો ઊલટો ફસાતો જાય છે. કાદવમાં ગરક્યા પછી નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ વધારે ફસાતો જાય, એવી દશા થાય ! ક્યાં વીતરાગોનો મોક્ષમાર્ગ ને ક્યાં આ દશા ?! સમ્યક્ આચારે ય કોઈ જગ્યાએ રહ્યો નથી, લોકાચાર થઈ ગયો છે. સમ્યક્્ આચાર તો જોઈને જ આપણે ખુશ થઈ જઈએ. પ્રશ્નકર્તા : લોકાચાર અને સમ્યક્ આચાર, એ બેમાં ફેર શો ? દાદાશ્રી : લોકાચાર એટલે લોકોનું જોઈને આચરણ કર્યા કરવું અને સમ્યક્ એટલે વિચારપૂર્વકનો આચાર, સંપૂર્ણપણે નહીં પણ જેટલા જેટલા અંશે વિચારપૂર્વક કરતો હોય તેટલા અંશે સમ્યક્ આચાર ઉત્પન્ન થાય, પણ જે સમ્યક્ આચાર હોય તે તો સર્વાંશે જ હોય. ભગવાનનાં શાસ્ત્રોને મળતો આવે એવો હોય. તો ચૂક્યા મોક્ષમાર્ગ ! આ તો લક્ષ્મીજીના ખૂણા પર ધ્યાન આપે છે ને બાકીના ખૂણા તરફ જોતો જ નથી. તેથી આપણા સંસ્કાર વેચાઈ ગયા, ગીરવે મૂકાઈ ગયા છે, આને જીવન જીવ્યું કેમ કહેવાય ? આપણે હિન્દુસ્તાનની આર્યપ્રજા કહેવાઈએ. આર્યપ્રજામાં આવું શોભે નહીં. આર્યપ્રજામાં ત્રણ વસ્તુ હોય; આર્યઆચાર, આર્યવિચાર ને આર્યઉચ્ચાર. તે અત્યારે ત્રણેય અનાડી થઈ ગયા છે ! અને મનમાં શું ય માને કે સમકિત થઈ ગયું છે ને મોક્ષ થઈ જવાનો ! અલ્યા, તું જે કરી રહ્યો છે તેનાથી તો લાખ અવતારે ય ઠેકાણું પડે નહીં. મોક્ષમાર્ગ એવો નથી. જાણી જોઈને છેતરાઈને થયા ભગવાન ! પ્રશ્નકર્તા : કબીરજી કહે છે, કબીર આપ ઠગાઈએ ઓર ઠગે ન કોઈ, આપ ઠગે સુખ ઉપજે, ઓર ઠગે દુઃખ હોઈ. આ સિધ્ધાંત વાસ્તવિક રીતે કોઈ દુનિયાદારીને ગમતો નથી, તો એ યથાર્થ શું છે ? દાદાશ્રી : આ વાણી સાચી છે. આખી જિંદગી સુધી અમે આ જ ધંધો માંડેલો. જુઓને, આ અમે છેતરાઈને ભગવાન થયા. આ લોકોની જોડે છેતરા છેતરા કર્યા અને છેતરે એનો ગુણ માનું પાછો કે બહુ સારું થયું, બા ! નહીં તો આપણે પાંચ હજાર રૂપિયા આપોને તોય કોઈ છેતરે નહીં. હું તમને પાંચ હજાર રૂપિયા આપું તોય તમે છેતરો નહીં. કહેશે, હું આ જોખમદારી શું કરવા લઉં અને આ મૂરખા એમ ને એમ જોખમદારી લે છે. જોખમદારી કોણ લે ? ફૂલિશ લોકો. પ્રશ્નકર્તા : આ દુઃખ જે કાયમ છે એમાંથી ફાયદો કેમનો ઉઠાવવાનો ? દાદાશ્રી : આ દુઃખને વિચારવા માંડે તો દુઃખ જેવું નહીં લાગે. દુઃખનું જો યથાર્થ પ્રતિક્રમણ કરશો તો દુઃખ જેવું નહીં લાગે. આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે ! એમ માનો ને, કે તમારે ત્યાં બહુ વખતના જૂના સોફાસેટ છે. હવે તમારા મિત્રને ઘેર સોફાસેટ હોય જ નહીં એટલે તે આજે એ નવી જાતના સોફાસેટ લાવ્યા. એ તમારા 'વાઇફ' જોઇ આવ્યાં. પછી ઘેર આવીને કહે કે, 'તમારા ભાઇબંધને ઘેર કેવા સરસ સોફાસેટ છે ! ને આપણે ત્યાં ખરાબ થઇ ગયા છે.' તે આ દુઃખ આવ્યું !! ઘરમાં દુઃખ નહોતું તે જોવા ગયા ત્યાંથી દુઃખ લઇને આવ્યા ! તમે બંગલો બાંધ્યો ના હોય ને તમારા ભાઇબંધે બંગલો બાંધ્યો ને તમારાં 'વાઇફ' ત્યાં જાય, જુએ ને કહે કે, 'કેવો સરસ બંગલો તેમણે બાંધ્યો ! અને આપણે તો બંગલા વગરનાં !' એ દુઃખ આવ્યું ! એટલે આ બધાં દુઃખો ઊભાં કરેલાં છે. હું ન્યાયાધીશ હોઉં તો બધાંને સુખી કરીને સજા કરું. કોઇને એના ગુના માટે સજા કરવાની આવે તો પહેલાં તો હું એને પાંચ વર્ષથી ઓછી સજા થાય એવું નથી એવી વાત કરું. પછી વકીલ ઓછાં કરવાનું કહે ત્યારે ૪ વર્ષ, પછી ૩ વર્ષ, ૨ વર્ષ એમ કરતાં કરતાં છેલ્લે છ મહિનાની સજા કરું. આથી પેલો જેલમાં તો જાય અને સુખી થાય. મનમાં રાજી થાય કે છ મહિનામા પત્યું, આ તો માન્યતાનું જ દુઃખ છે. જો તેને પહેલી જ છ મહિનાની સજા થશે એમ કહેવામાં આવે તો એને એ બહુ લાગે. સહજ મિલા.... ત્યાં સિધ્ધિઓ ! અનંતી, પાર વગરની શક્તિઓ છે. જ્ઞાન ના હોય તો ય પાર વગરની શક્તિઓ છે. અજ્ઞાન દશામાં ય અહંકાર તો છે જ ને ! પણ અહંકાર ચોખ્ખો કરે, પોતે કંઈ પણ ન વાપરે, પોતાને ભાગે આવ્યું હોય તે ય બીજાને આપી દે, પોતે સંકોચાઈ સંકોચાઈને રહે, તો ઘણી સિધ્ધિઓ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : અત્યારે તો એવું છે કે જો પોતાનો રોટલો હોય, મહેનત કરીને ખાય છે ત્યારે બીજો આવીને ખેંચી જાય છે. હવે પોતે જો સામો બચાવ ના કરે તો ભૂખે મરે એવો ટાઈમ છે, એમાં તમે આવું કહો છો. દાદાશ્રી : હા, અત્યારે તો ખેંચી લે છે ઊલટું કે એ ય લાવ ઈધર ! અને આગળ શું કહેતા હતા કે 'સહજ મિલા સો દૂધ બરાબર.' જે કંઈ પણ મળ્યું, સહજ પાણી મળ્યું હોય તો ય દૂધ બરાબર. પછી 'માંગ લિયા સો પાની' દૂધે ય માંગી લીધું તો પાણી અને 'ખિંચ લિયા સો રક્ત બરાબર.' આ કાયદો કોણ પાળે છે ? પ્રશ્નકર્તા : આ કાયદો પાળે તો બૈરી-છોકરાં ભૂખે મરે ! દાદાશ્રી : પણ ત્યારે એને બીજી સિધ્ધિઓ ઉત્પન્ન થાય ને ! પ્રશ્નકર્તા : પણ તે સિધ્ધિ ઉત્પન્ન થતા સુધીમાં વચલા ગાળામાં શું કરવું ? અહીં તો તમારી મહેનત, તમારા હક્કનું લોકો પડાવીને બેઠાં છે ! આપણું બચાવવા ના રહ્યા તો લોકો આપણું જ ખેંચી જાય. દાદાશ્રી : ના, ના. કોઈ ખેંચી ના જાય. એવું છે ને આ જ્ઞાન આપણું જે છે ને, જ્ઞાન એટલું બધું સિધ્ધાંતિક છે કે રાતે સોનું બહાર મૂકીને સૂઈ ગયા હોય તો સવારમાં જુઓ તો એટલું ને એટલું જ હોય અને એવું તેવું કશું થાય જ નહીં. યોગ ઉપયોગ પરોપકારાય ! મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ લોકોને માટે કર. તારે માટે વાપરીશ તો રાયણાનો (રાયણનું ઝાડ) અવતાર આવશે. પછી પાંચસો વર્ષ ભોગવ્યા જ કર. પછી તારું ફળ લોક ખાશે, લાકડાં બાળશે. પછી લોકો માટે તું કેદીરૂપે વપરાઈશ. માટે ભગવાન કહે છે કે, તારાં મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ બીજાને માટે કર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે. અવિરોધાભાસ ખોળવાની જેની મતિ ઊભી થઈ તે જ 'સુમતિ'. જનતા જનાર્દનની સેવા કરવાથી આપણને સંસારમાં બધા સુખો મળી આવે, ભૌતિક સુખો અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મોક્ષ તરફ જાય. પણ તે દરેક અવતારમાં એવું થાય નહીં. કો'ક જ અવતારમાં સંજોગો મળી જાય. બાકી દરેક અવતારમાં થાય નહીં એટલે એ સિધ્ધાંતરૂપ નથી. પાશવતા નહીં એ જ માનવ ધર્મ ! પ્રશ્નકર્તા : સાચો ધર્મ તે માનવધર્મ છે. હવે એમાં ખાસ જાણવું છે કે ખરો માનવધર્મ એટલે કોઈને પણ દુઃખ ના થાય. એ મોટામાં મોટો એનો પાયો જ છે. પૈસો હોય, લક્ષ્મી હોય, સત્તા હોય, વૈભવ હોય એ બધાનો દુરુપયોગ ના કરવો જોઈએ, સદુપયોગ કરવો જોઈએ. આ બધા માનવધર્મના પ્રિન્સિપાલ છે એમ મારું માનવું છે, તો આપની પાસે જાણવા માગું છું કે આ બરોબર છે ? દાદાશ્રી : સાચો માનવધર્મ એ જ છે કે કોઈ પણ જીવમાત્રને કિંચિત્માત્ર દુઃખ ના આપવું જોઈએ. કોઈ દુઃખ આપે તો સામો પાશવતા કરે છે પણ આપણે પાશવતા નહીં કરવી જોઈએ, જો માનવ રહેવું હોય તો. અને માનવધર્મ સારી રીતે પાળે તો મોક્ષમાં જવાની વાર જ નથી. માનવધર્મ જ જો સમજી જાય તો બહુ થઈ ગયું. બીજો કોઈ ધર્મ સમજવા જેવો છે જ નહીં. માનવધર્મ એટલે પાશવતા નહીં, એનું નામ માનવધર્મ. આપણને કોઈ ગાળ ભાંડે તો એ પાશવતા કરે છે પણ આપણે પાશવતા ન કરી શકીએ. આપણે મનુષ્યના પ્રમાણમાં સમતા રાખીએ. અને એને કહીએ કે 'ભાઈ, મારો શો ગુનો છે ? તું મને બતાડ તો મારો ગુનો કાઢી નાખું.' માનવધર્મ એવો હોવો જોઈએ કે કોઈને ય આપણાથી કિંચિત્માત્ર દુઃખ ના થાય. કો'કનાથી આપણને દુઃખ થાય તો તે એનો પાશવી ધર્મ છે. તે આપણે સામે એના બદલે પાશવીધર્મ ના કરી શકાય. પાશવીની સામે પાશવી નહીં થવું, એનું નામ માનવધર્મ. આપને સમજમાં આવે છે ? ટીટ ફોર ટેટ ના ચાલે, માનવધર્મમાં. કોઈ માણસ આપણને ગાળ ભાંડે ને પછી આપણે એમને ગાળ ભાંડીએ, કોઈ માણસ આપણને માર મારે અને પછી આપણે એને માર મારીએ તો પશુ જ થઈ ગયાને પછી, માનવધર્મ રહ્યો જ ક્યાં? એટલે ધર્મ એવો હોવો જોઈએ કે કોઈને દુઃખ ના થાય. પ્રશ્નકર્તા : આપણા હાથ નીચે કોઈ કામ કરતાં હોય, છોકરો હોય કે ઓફિસમાં હોય કે ગમે તે હોય, એ પોતાની ફરજ ચૂકતા હોય તે ઘડીએ આપણે તેને સાચી સલાહ આપીએ. હવે એનાથી પેલાને દુઃખ તો થાય તો તે ઘડીએ વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય તેમ લાગે છે. એટલે શું કરવું ત્યાં ? દાદાશ્રી : તેનો વાંધો નહીં. તમારી દ્રષ્ટિ સાચી છે ત્યાં સુધી વાંધો નહીં. એની ઉપર તમારો પાશવતાનો ઈરાદો હોય, તે ન હોવો જોઈએ. અને વિરોધાભાસ ઉત્પન્ન થાય તો પછી આપણે એની પાસે માફી માંગવી. એટલે એ ભૂલ સ્વીકાર કરી લો. માનવધર્મ પૂરો હોવો જોઈએ. વ્યવહારનું મૂળ સત્ય ! એટલે વ્યવહાર સત્ય કોને કહેવાય કે કોઈ જીવને નુકસાન ના થાય એવી રીતે વસ્તુ લે, વસ્તુ ગ્રહણ કરે, કોઈ જીવને દુઃખ ના થાય એવી વાણી બોલે. કોઈ જીવને દુઃખ ના થાય એવું વર્તન હોય. એ મૂળ સત્ય છે, વ્યવહારનું મૂળ સત્ય આ છે. એટલે કોઈને દુઃખ ના થાય એ મોટામાં મોટો સિધ્ધાંત. વાણીમાં દુઃખ ના થાય, વર્તનમાં દુઃખ ના થાય અને મનથી એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે, વ્યવહાર સત્ય છે, તે ય પાછું ખરેખર 'રિયલ' સત્ય નહીં. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે ! પ્રશ્નકર્તા : તો પછી સત્યને પરમેશ્વર કહે છે એ શું છે ? દાદાશ્રી : આ જગતમાં વ્યવહાર સત્યનો પરમેશ્વર કોણ ? ત્યારે કહે, જે મન-વચન-કાયાથી કોઈને દુઃખ નથી દેતો, કોઈને ત્રાસ નથી આપતો, તે વ્યવહાર સત્યના ભગવાન અને કોમન સત્યને કાયદાના રૂપમાં લઈ ગયાં. બાકી એ ય સત્ય નથી. આ બધું વ્યવહાર સત્ય છે. ઠેઠ મરતાં સુધી ફરજીયાત ! આ બધી જ ક્રિયાઓ અટકાવાય તેવી નથી. બધી જ ફરજિયાત છે અને નિરંતર બંધન રૂપ છે. મરજીથી કર્યું, નામરજીથી કર્યું એ કલ્પના છે. મરજિયાત જે છે તેનું ભાન નથી. ફરજિયાતમાં કર્તાપણું આખું ય ઊડી જાય છે ! જ્યારે મરજિયાતમાં પોતે કર્તા થઈ બેસે છે ! મરજિયાત માને છે તે ઈગોઈઝમ જ છે. કમાય ત્યારે 'હું કમાયો' કહે ને ખોટ જાય છે ત્યારે 'ભગવાને ઘાલી' એમ કહે છે એ જ બતાવે છે કે આ વિરોધાભાસ છે, ઈગોઈઝમ છે. જગતને મરજિયાત માને છે તેથી પાપ-પુણ્ય બાંધે છે. જો ફરજિયાત માને તો કશું જ બંધાય નહીં. આ લગ્ન કર્યા તે ફરજિયાત કર્યા કે મરજિયાત ? પ્રશ્નકર્તા : પહેલાં મરજિયાત લાગતું હતું, હવે ફરજિયાત લાગે છે. દાદાશ્રી : આ તમારું નામ છે તે ફરજિયાત છે કે મરજિયાત છે ? ફરજિયાત જ. કારણ કે નાનપણથી જ આપેલું, તેના તે જ નામે ચલાવવું પડે. ગમતું કે ના ગમતું હોય તોય એમાં છૂટકો નહીં. આ તો ફરજિયાત છે અને એની મેળે જ થઈ જાય છે. સંસારના સમસરણ માર્ગમાં ત્રીજા માઈલે ને ચોથે ફર્લાંગે આવું જ થશે, તે ફરજિયાત તેવું કરવું જ પડે. ફરજિયાતમાં પોલીસવાળો મારી-ઠોકીને કરાવે. બહારના પોલીસવાળા છે તેવાં જ મહીં પણ છે. તે મહીંના પોલીસવાળા તે બધા ભમરડાને ચલાવે. એક દહાડો હું ઓટલે બેઠો હતો ને બે-ચાર જણ એક બળદને ખેંચીને લઈ જતા હતા. તે બળદનું નાક ખેંચાય ને તૂટું તૂટું થઈ રહ્યું હતું ને ઉપરથી પાછળથી ડફણાં પડે, આરો મારે તોય મૂઓ ખસે જ નહીં. તે મેં પેલા માણસોને પૂછયું કે ભાઈ, કેમ આમ કરો છો ? બળદ કેમ ચાલતો નથી ? તે તેમણે કહ્યું કે, 'આગલે દહાડે બળદને દવાખાને લઈ ગયેલા. તે તેને તેની ભડક પેસી ગયેલી એટલે આજે જતો નથી.' આ તો જેમ તેમ કરીને ય ગયા વગર છૂટકો જ નહોતો. નાક ખેંચાય, ડફણાં પડે ને આરો ઘોંચાય ને જવું પડે, તેના કરતાં એમને એમ જવું શું ખોટું ? ડફણાં ખાઈને ય છેવટે કરવું, તેના કરતાં રાજીખુશીથી શા માટે ના કરવું ? અલ્યા, બધું જ ફરજિયાત છે. માટે પાંસરો થઈને છાનોમાનો ચાલને ! નહીં તો બળદની જેમ તને પણ જગત ડફણાં મારશે ! જગતનાં ઝેર તારે લાખ ના પીવાં હોય પણ તે ફરજિયાત છે. એટલે ડફણાં ખાઈને ય પીવાં તો પડશે જ. રડતે મુખે પીવા કરતાં હસતે મુખે પીને, નીલકંઠ બની જા ! એનાથી તારો અહંકાર રસ સુંદર રીતે ઓગળી જશે ને તું મહાદેવજી બનીશ ! અમેય આ રીતે જ મહાદેવજી બન્યા છીએ ! ભગવાન મહાવીરને પણ ત્યાગ ફરજિયાત હતો. તેમનું મરજિયાત તો જુદું જ હતું. તે પોતે સ્વતંત્ર થયા હતા. પુરુષ થયા હતા ને મરજિયાત ઉત્પન્ન થયું હતું. પણ બહારના ભાગમાં ફરજિયાત હતા. તે લક્ષ ના ચૂકે. વહુને છોડી તે ય ભગવાન મહાવીર ફરજિયાત છોડીને ગયા, તેને લોકો મરજિયાત માને છે. અમારા મહાત્માઓ જે ફરજિયાતમાં કરે તે વૈભવ અને મરજિયાતમાં કરે તે મોક્ષ ! વૈભવ સાથે મોક્ષ એવું આ દાદા ભગવાનનું 'અક્રમ જ્ઞાન' છે ! પ્યૉરમાં સમાધાનની અદ્ભુત બોધકળા ! શેઠના હીરાના પૈસા ના આવ્યા હોય છતાં શેઠાણી કંઈ ચિંતા કરે ? ત્યારે શું એ ભાગીદાર નથી ? સરખા પાર્ટનરશિપમાં છે. હવે શેઠ કહે છે, 'પેલાને હીરા આપ્યા, પણ એના પૈસા નથી આપતો.' ત્યારે શેઠાણી શું કહેશે કે, 'બળ્યું, આપણા કર્યા હશે, તે નહીં આવવાના હોય તો નહીં આવે.' તોય શેઠના મનમાં થાય કે, 'આ અણસમજણવાળા શું બોલી રહ્યા છે !' આ સમજણનો કોથળો ! પેલાએ પચાસ હજારના હીરાના રૂપિયા ના આપ્યા તો આપણે પચ્ચીસ લાખની મિલકતમાંથી પચાસ હજાર બાદ કરીને સાડી ચોવીસ લાખની મિલકત નક્કી કરી નાખવી અને ત્રણ લાખની મિલકત હોય તો પચાસ બાદ કરીને અઢી લાખની મિલકત નક્કી કરી નાખવી. પ્રશ્નકર્તા : એ સમાધાન લેવાની કેવી અજબની રીત છે ! એકદમ તરત સમાધાન થઈ જાય. દાદાશ્રી : એ તો નક્કી કરી નાખવાનું, સહેલો રસ્તો કરીને ! અઘરો રસ્તો કાઢીને શું કામ છે ?! ખોટનો વેપાર કરે, એનું નામ વણિક કેમ કહેવાય ? ઘેર આપણા ભાગીદારને પૂછીએ, બૈરીને કે, 'આ પચાસ હજારનું ગયું તો તમને કંઈ દુઃખ થાય છે ?' ત્યારે એ કહેશે, 'ગયા માટે એ આપણા નથી.' ત્યારે આપણે ના સમજીએ કે આ બઈ આટલી સમજણવાળી છે, હું એકલો જ અક્કલ વગરનો છું ?! અને બૈરીનું જ્ઞાન આપણે તરત પકડી લેવું પડેને ? એક ખોટ ગઈ તેને જવા દે પણ બીજી ખોટ ના ખાય. પણ આ તો ખોટ ગઈ, તેની જ કાંણ માંડ્યા કરે ! અલ્યા, ગઈ તેની કાંણ શું કરવા કરે છે ? ફરી હવે ના જાય તેની કાંણ કર. અમે તો ચોખ્ખું રાખેલું કે જેટલા ગયા એટલા બાદ કરીને મૂકી દો ! જુઓને, પચાસ હજારના હીરા પેલો લઈ જનારો નિરાંતે પહેરે અને અહીં આ શેઠ ચિંતા કર્યા કરે ! શેઠને પૂછીએ કે, 'કેમ કંઈ ઉદાસીન દેખાવ છો ?' ત્યારે એ કહેશે, 'કંઈ નહીં, કંઈ નહીં, કંઈ નહીં. આ તો જરા તબિયત બરોબર ઠીક નથી રહેતી.' ત્યાં ઊંધા લોચા વાળે ! અલ્યા, સાચું રડને કે, 'ભઈ, આ પચાસ હજારના હીરા આપ્યા છે તેના પૈસા આવ્યા નથી, તેની ચિંતા મને થયા કરે છે. આમ સાચું કહીએ તો એનો ઉપાય જડે ! આ તો સાચું રડે નહીં અને ગુંચાઈ ગુંચાઈને લોચા જ વાળ વાળ કરે ! અનામત સિલ્લકથી સમાધાન ! આપણે બધી સિધ્ધાંતિક વાત હોવી જોઈએ. શાસ્ત્રમાં લખવા જેવી વાત હોવી જોઈએ. કો'ક શેઠિયા મને દબાણ કરે કે, 'ના તમારે તો પ્લેનમાં કલકત્તા આવવું જ પડશે.' હું 'ના, ના' કહું તો ય દબાણ કર્યા કરે. એટલે કશું છોડે જ નહીં ને ! માટે એનો હિસાબ જ ના કરવો, વધ-ઘટનો હિસાબ જ ના કાઢવો. જ્યારે જે દહાડે ખોટ લાગે ને, તે દહાડે આપણે પાંચસો રૂપિયા 'અનામત' નામે જમે કરી દેવા. એટલે આપણી પાસે સિલક, અનામત સિલક રહે, કારણ કે આ ચોપડા કંઈ કાયમના છે ? બે-ચાર કે આઠ વર્ષે પછી ફાડી નથી નાખતા ? જો સાચો હોય તો ફાડે કોઈ ? આ તો બધું મનને મનાવવાનાં સાધનો છે. તો આપણે જે દહાડે દોઢસોની ખોટ ગઈ હોય ને, તે આપણે પાંચસો રૂપિયા અનામત ખાતે જમે કર્યા એટલે સાડી ત્રણસોની સિલક આપણી પાસે રહે. એટલે દોઢસોની ખોટને બદલે સાડી ત્રણસોની સિલક આપણને દેખાય. એવું છે આ જગત બધું. ગપ્પેગપ્પ ચુમ્માળસો છે, બારેબાર ચુમ્માળસો નથી આ. બારેબાર ચુમ્માળસો હોત તો એ એક્ઝેક્ટ સિધ્ધાંત કહેવાત. સંસાર એટલે ગપ્પેગપ્પ ચુમ્માળસો અને મોક્ષ એટલે બારેબારા ચુમ્માળસો. તમારે તો લાઈન સારી છે તે કશી વધ-ઘટ આવવાનું સાધન જ નહીં ને ! ખોટ જાય તો પડોશીને જાય, દુકાનદારને જાય કે શેઠને જાય. આપણે તો ભાગિયા નહીં, તે ભાગ્યશાળી ય નહીં થવાનું, અભાગિયા ય નહીં થવાનું, નોર્મલ !! અને જો કદી આ જ્ઞાન ના મળ્યું હોત, મનમાં એમ થાય કે આ જગતમાં હજી મને ફત્તેહ જેવું નથી, તે પછી બધા જોડે રેસકોર્સમાં ઊભા રહેવું પડત. દોડાય જરાય નહિ અને રેસકોર્સમાં ઊભા રહેવું પડે તો શી દશા થાય આપણી ? પાછું બધા દોડતા ઘોડાની ઉપાધિ આપણે કરવાની. એટલે તમને સમજાયું ને કે આ જગત એક્ઝેક્ટ નથી. બારેબાર ચુમ્માળસો નથી, આ તો ગપ્પેગપ્પ ચુમ્માળસો છે. બારેબારા ચુમ્માળસો હોય તો ભગવાનનો સિધ્ધાંત થયો કહેવાય, પણ એવું આ જગત નથી. અમારે ધંધાને ખોટ આવે તો હું કહી દઉં કે વીસ હજાર રૂપિયા અનામત નામે જમા કરી દો. પછી અનામત નામ પરની સિલક કાઢવી. હવે એ સિલક મૂકવી ક્યાં એ તો ભગવાન જાણે ! ખરેખર તો એ સિલક છે જ ક્યાં ? છતાં એવી સિલક હોય અને વખતે આપણે સાચવીને મૂકીએ ને કોઈ લઈ ગયું તો ? એટલે ક્યારે કોઈ લઈ જશે તેનું ય કશું ઠેકાણું નથી, કોના હાથમાં શું સ્પર્શે, તેનું ય ઠેકાણું નથી. મારી વાત તમને સમજાય છે ને ?! કચકચ નહીં, નિવેડો લાવો ! બાકી આ પૈસા ગણી લઈએ, બધું કરી લઈએ, શાકભાજી લઈએ ને રૂપિયા-પૈસા પાછાં લઈએ એની પાસેથી, તેથી કંઈ બગડી જતું નથી. પ્રશ્નકર્તા : પણ શાકવાળી જોડે કચકચ કરે તો ? દાદાશ્રી : એ કચકચ કરે તો અમે કહીએ, 'બેન, શું કરવા આમ કરે છે ? અને તારે બે આના વધારે જોઈએ તો લઈ લે પૈસા પણ કચકચ ના કરીશ, બા.' એમ તેમ કરીને પતાવી દઈએ. એ કહે, 'એક રૂપિયો વધારે આપતા જાવ', તો અમે કહીએ, 'આઠ આનામાં પતાવી દે ને !' ના માને તો બાર આનામાં પતાવી દઈએ, નહીં તો રૂપિયો લઈ લે ! પ્રશ્નકર્તા : રૂપિયો આપી દેવો. દાદાશ્રી : પણ કકળાટ ના કરીએ. પ્રશ્નકર્તા : એ સમ્યક્ દ્રષ્ટિવાળો ? દાદાશ્રી : હા, એ નિવેડો લાવે, નિવેડો ! અને જો એકદમ રૂપિયો આપી દઈએ તો બીજે દહાડે બે રૂપિયા માગીને ઊભી રહે. એટલે આપણા પેલા ભાઈ જેવું રાખવું. પેલી કહે કે એક રૂપિયો, તો આ કહે મારા પચાસ પૈસા ! પણ નિવેડો આવી જાય. પચાસ પૈસા કહેતાંની સાથે જ. એટલે જેવું માણસ એવું ચાલે છે ગાડું. પ્રશ્નકર્તા : પણ પૈસા પાછાં લેવાના હોય તો રૂપિયાને બદલે તે આઠ આના જ આપે તો ? જવા દેવા ? દાદાશ્રી : ના, જે આપે તે લઈ લેવાના અને આપ્યા પછી એ કહેશે, 'એ આઠ આના મને પાછાં આપી દો.' તો કહીએ 'લો, બેન.' ત્યાંથી ત્રીજો માણસ માપે કે આ બેમાં મમતા કોને છે ! શું માપી લે ? પ્રશ્નકર્તા : મમતા ! દાદાશ્રી : ત્યારે બન્ને પૈસા બેય રાખે છે પણ મમતા કોને છે ? થર્ડ પુરુષ માપે. એને મમતાવાળા કહેવાય ? પૈસા રાખ્યા એટલે મમતાવાળા ના કહેવાઈએ. પૈસા રાખવાના. બધું જ કરવાનું. સિધ્ધાંતિક વાત છે ને ? પ્રશ્નકર્તા : હા, બરોબર છે. લક્ષ્મીના કાયદા ગોઠવો જીવનમાં ! એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તે ય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં સુખ છે, પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બન્ને વિરોધાભાસી છે, આમાં લક્ષ્મીજીનો દોષ નથી. એનો પોતાનો જ દોષ છે. અમે સસ્પૃહ-નિઃસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિઃસ્પૃહ હતા. તે તેમના ચેલા નિઃસ્પૃહ થઈ ગયા છે ! નેસેસિટી એરાઈઝ થાય તે પ્રમાણે કામ લેવું. પ્રશ્નકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું. દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સસ્પૃહી-નિસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો. વખત પ્રમાણે કામ લેજો, પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય. ભ્રાંત બુધ્ધિ 'સત્ય'નું અવલોકન ના થવા દે. ભગવાન કહે છે કે તું ભલે જરાક થિયરી ઓફ રિલેટિવિટીમાં રહે, તેનો વાંધો નથી, પણ જરાક અવિરોધાભાસ જીવન રાખજે. લક્ષ્મીના તો કાયદા પાળવાના. લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય. દુકાને જઈને રોજ બેસવું પણ તેની ઇચ્છા ના હોય. કોઈના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે, પાછાં આપી દેવાના. રોજ ભાવ કરવા જોઈએ કે આપી દેવા છે, તો તે અપાશે જ. નક્કીપણું એક જ, સમભાવે નિકાલ ! સમભાવે નિકાલ કરવાનું એ તો આપણા મનમાં રાખવાનું, પછી જે થાય એ ખરું. બીજી એવી બધી ગોઠવણી નહીં કરવાની; વકીલાત નહીં કરવાની. મારે ફાઈલોનો સમભાવે નિકાલ કરવો છે, એટલું મનમાં તમે રાખોને એટલે પછી જે બોલાય, એના જવાબદાર તમે નહીં. તમારા મનમાં નક્કી હોવું જોઈએ કે મારે સમભાવે નિકાલ કરવો જ છે. એ તો પછી સામે કોઈને ખોટું લાગે, એકને આમ કરીએ, એવું કરવાની જરૂર નથી. તમારે મનમાં જ કરવાનું. પછી બધાં જોડે જે 'ડિલિંગ' થાય એ સાચું. એ 'ડિલિંગ'ની જવાબદારી તમારી નહીં. તમારો ભાવ જ જોઈએ કે મારે સમભાવે નિકાલ કરવો છે. વેર વધારવું નથી. પ્રશ્નકર્તા : તે છતાંય વેર વધે તો ? દાદાશ્રી : એવું તમને લાગે. પણ તમારે નિકાલ કરવો છે એવું તમે નક્કી રાખો છોને ! વેર વધી જાય તેય તમારે જોવાની જરૂર નથી. તમારે તો આ એક જ સિધ્ધાંત છોડવો નહીં, કે સમભાવે મારે નિકાલ કરવો છે. આ તો પ્રેમ કે આસક્તિ ! ઘરના જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાને આપણા ઉપર પ્રેમ આવે. આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે, ક્યારે આવે એવું રહ્યા કરે. લોકો પરણે છે પણ પ્રેમ નથી, આ તો માત્ર વિષયાસક્તિ છે. પ્રેમ હોય તો ગમે તેટલો એકબીજામાં વિરોધાભાસ આવે છતાં પ્રેમ ના જાય. જ્યાં પ્રેમ ના હોય તે આસક્તિ કહેવાય. આસક્તિ એટલે સંડાસ ! પ્રેમ તો પહેલાં એટલો બધો હતો કે ધણી પરદેશ ગયો હોય ને તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઇ સાંભરે જ નહીં. આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે ! આને પ્રેમ કહેવાય ? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ ! જે ગલન છે તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય. પ્રેમ એટલે લગની લાગે તે અને તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે, કોઇ વખત આબાદીમાં જાય તો કોઇ વખત બરબાદીમાં જાય. પ્રેમ બહુ ઉભરાય તે પાછો બેસી જાય. જે ઉભરાય છે તે આસક્તિ છે. માટે જ્યાં ઉભરાય તેનાથી દૂર રહેવું. લગની તો આંતરિક હોવી જોઇએ. બહારનું ખોખું બગડી જાય, કહોવાઇ જાય તો ય પ્રેમ એટલો ને એટલો જ રહે. આ તો હાથ દઝાયો હોય ને આપણે કહીએ કે 'જરા ધોવડાવો.' તો ધણી કહેશે કે, 'ના મારાથી નથી જોવાતું !' અલ્યા, તે દહાડે તો હાથ પંપાળ પંપાળ કરતો હતો, ને આજે કેમ આમ ? આ ઘૃણા કેમ ચાલે ? જ્યાં પ્રેમ છે ત્યાં ઘૃણા નથી ને જ્યાં ઘૃણા છે ત્યાં પ્રેમ નથી. સંસારી પ્રેમ પણ એવો હોવો જોઇએ કે જે એકદમ ઓછો ના થઇ જાય કે એકદમ વધી પણ ના જાય. 'નોર્માલિટીમાં હોવો જોઇએ.' જ્ઞાનીનો પ્રેમ તો ક્યારે પણ વધઘટ ના થાય. એ પ્રેમ તો જુદો જ હોય, એને પરમાત્મપ્રેમ કહેવાય. જે જીતે એના બાપનું ! પ્રશ્નકર્તા : વિષય ભાવ પછી પાછળથી એ બ્રહ્મચર્યનો નિશ્ચય કરે તો પછી પહેલો જે વિષય સંબંધી જે ભાવ કરેલો તે ઉડી જાય કે રૂપકમાં આવે? દાદાશ્રી : પહેલાનો આ પુરુષાર્થ અને પછીનો આ પુરુષાર્થ, બેની અથડામણમાં કયો પુરુષાર્થ જીતે છે, તેના ઉપર રૂપક આધાર રાખે છે. પ્રશ્નકર્તા : એટલે નિશ્ચયની બળવત્તા ઉપર આધાર છે. દાદાશ્રી : હા, બે લઢે પછી એ, એમાંથી જે જીતે એના બાપનું. ઘણાં ખરા બધું વિરોધાભાસ જ આવું જ હોય બધા, મહીં વઢવાડ ચાલતી જ હોય. વાઇફને ઉપરી બનાવવામાં વાંધો શો ? જગત તો બહુ ઊંડું છે, રહસ્યવાળું છે આ જગત. અને આજે લોકોએ ભૂતાં ઘાલ્યાં છે અંદર, તે ખોટાં ભૂતાં ઘાલ્યા છે અને ભગવાનને ઉપરી બનાવ્યો છે તેથી ગૂંચવાડા વધ્યા છે. એના કરતાં ઉપરી આપણા ઘરની વાઇફ સારી. આપણો ઘરનો બોસ હોયને, તે બહુ સારો. બોસ તે માલપૂડા ય કરી આપેને, જલેબી કરી આપે અને વઢે ય ખરી કોઈક દહાડો. આ ભગવાનને ઉપરી કરીને શું કામ છે તે ! જગતમાં કોઈ પણ ઉપરી છે એ તમારી ભૂલોનું પરિણામ છે. બૈરીના ઉપરી થયેલા બધા માર ખઈને મરી ગયેલા. ઉપરી થાય તો માર ખાય. પ્રશ્નકર્તા : પત્નીરૂપી બોસ નકામો છે એવો અર્થ થયો ? દાદાશ્રી : ના, એમ નહીં. નકામો કહેવાય નહીં. તો તો બીજો બોસ કામ નહીં લાગે. આ જ બોસ કામ લાગે. પ્રશ્નકર્તા : એ ત્રાસ તો ખરો પણ ઓછામાં ઓછો ત્રાસ એનો, આ બોસનો. દાદાશ્રી : બાકી તમારો ઉપરી કોઈ છે જ નહીં. ઉપર ખાલી આકાશ છે. જે છે એ તમે જ છો. તમારા સિવાય કશું છે જ નહીં અને તમારો ઉપરી તમારી બ્લંડર્સ અને મિસ્ટેક્સ, બે ઉપરી છે. તમારો ઉપરી કોઈ નથી. અને વ્યવહારમાં તમારી સ્ત્રી ઉપરી, બીજું કોણ ઉપરી છે ? આ કાળ એવો છે કે આ કાળમાં સ્ત્રી ઉપરી જેવું થઈ જાય અને આપણને વાંધો ય શું છે ? સારી સારી રસોઈ આપતા હોય, તો આપણને એમનું ઉપરીપણું રાખવામાં વાંધો શો છે ? 'તમારું ઉપરીપણું સ્વીકારીએ, પણ તમે સારું સારું ખાવાનું અમને જમાડો' એમ કહીએ. કેટલા બધા હસે છે, નહીં ?! મજા આવે છે ને ! આમ કરતું કરતું જ્ઞાન મૂકેલું હોય તો જ્ઞાન પેસે, નહીં તો.... સમજ્યા કે ! હસે તો પચે આ જ્ઞાન. હસતા જાય, કરતાં જાય. તને હસવું બહુ આવે છે ને ? આ બોધકળા એ ય મારી ન્હોય, આ તો લોકોનું પુણ્ય જાગ્યું છે. પ્રશ્નકર્તા : જ્ઞાન કરતાં બોધકળા ઊંચી છે ? દાદાશ્રી : ના, પણ આ લોકોનું પુણ્ય જાગ્યું છે. આવી બોધકળા હોય નહીં. આવી બોધકળા સ્વપ્નમાં ય હોય નહીં કોઈ દહાડો, તે આ લોકોનું પુણ્ય જાગ્યું છે. આ મને ક્યાંથી આવડ્યું ? આવું બધું આવડતું હશે ?! પ્રશ્નકર્તા : તમે ધારો તો આ હુક્કાને લોટો પણ કહેવડાવી શકો. તમારી પાસે કળા એવી છે કે આને એક વખત તો લોટો પણ કહેવડાવો. દાદાશ્રી : પણ બધા જોઈને કહે છેને ? એની કંઈ આંખો હું લઈ લઉં છું ? કળા કરીને મતભેદ ટાળ્યો ! તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારા વાઈફ(પત્ની)ને હું 'હીરાબા' કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને 'બા' કહેવાય અને આ બીજી છોડીઓ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું. આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે. પ્રશ્નકર્તા : હા, એ વાત કહો ને ! દાદાશ્રી : એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી. પ્રશ્નકર્તા : એ તો એમની થઈ ગઈ હશે, પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી. દાદાશ્રી : હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તો ય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને ! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ? પ્રશ્નકર્તા : તમને. દાદાશ્રી : તે મારે સમજવું જોઈએ ને ! તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, 'મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે તેમાં આ પહેલી છોડી પૈણે છે, આપણે લગ્નમાં શું આપીશું ?' તે આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું 'ના' કહું નહીં. મને પૂછયું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય ? પૂછયું એટલે મેં શું કહ્યું ? 'આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છેને તે આપજોને નવું બનાવ્યા કરતાં ! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે નાના નાના, તે આપજોને એકાદ બે !' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણાં જ બોલાય. તે એ એવું બોલ્યાં કે 'તમારા મામાની દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો, ને... હવે 'મારા' ને 'તમારા' બોલ્યા તે દહાડે, કાયમ 'આપણું' જ બોલે. 'મારા'-'તમારા' ભેદ ના બોલે. તે દહાડે તે બોલ્યા. મેં કહ્યું, 'આજ આપણે ફસાઈ ગયા !' હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું ! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય ! એટલે મારી-તારી થઈ તે દહાડે ! 'તમારા મામાના દીકરા' કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! મેં કહ્યું, 'આ ઠોકર વાગવાની થઈ આજ તો !' એટલે હું તરત જ ફરી ગયો ! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેનાં કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખો ય. મેં કહ્યું, 'એવું નથી કહેવા માંગતો. મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો !' ત્યારે કહે, 'તો શું કહો છો ?' ત્યારે મેં કહ્યું, 'આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.' 'તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે ?' એટલે હું સમજી ગયો આપણે જીત્યા ! પછી મેં કહ્યું, 'તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે !' એટલે ખુશ થઈ ગયાં. 'દેવ જેવા છે' કહે છે ! જો પટ્ટી મારી દીધીને ! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ? પ્રશ્નકર્તા : ના, કંઈ વાંધો નહીં. દાદાશ્રી : એટલે મેં કહ્યું, આ પાંચસો રૂપિયા ને બીજું આ આપો. 'તમે બહુ ભોળા, આવું અપાતું હશે, એને તો ચાર છોડીઓ છે.' મેં કહ્યું, હવે જીત્યા આપણે. ભોળા કહ્યું કે તરત હું જીત્યો. પણ જીતી ગયો તે દા'ડે. નહીં તો મતભેદ પડત તો ખરેખરો પડત. મારું ને તમારું અને આંટી હઉ રહેત. હું જાણું કે પાંચસો ય અપાવાના નથી એમનાથી, એ આપે તો ય હું તો ખુશી હોઉં ! સાચા દિલથી ઇચ્છા ખરી કે આપે, પણ હાથ છૂટવો મુશ્કેલ છે ને ! એ બાર મહિને બે-ત્રણ વખત છે તે વડોદરાથી મુંબઈ આવે તો એરોપ્લેનમાં આવે એટલી મારી ઇચ્છા ખરી, પણ દસ-પંદર વખત આવે તો ના કહી દઉં. પણ એમને તો હું આજ પંદર વર્ષથી કહે કહે કરું છું. તમારે જ્યારે જ્યાં એરોપ્લેનમાં જવું હોય તો છૂટ. હું જાણુંને જવાના નથી તો પછી મારે શું કામ ના કહેવું ? ત્યારે કહે, એ પ્લેનમાં જવાનું તમારે, મારે પ્લેનમાં નથી જવું, તમે જજો ! મને એક ફેરો, ગયે ફેરે અમેરિકા ગયો ત્યારે મૂકવા આવ્યા હતા, ફક્ત પ્લેનમાં આવ્યા એટલું જ અને પાછા પ્લેનમાં ગયા હતા, બસ. એ બાકી આમ બેસે નહીં, આપણે કહીએ તો ય ના બેસે. પ્રકૃતિ ના ઓળખીએ આપણે ? એટલે હું તો એ દહાડે છૂટી ગયેલો. નહીં તો તે દહાડે ભૂલમાં સપડાત. તમારા મામાના દીકરા એવું બોલ્યા. એટલે અમારું ને તમારું એવું બોલાય ? આપણે વન ફેમિલિ, 'અમારું-તમારું, આમચા-તુમચા' બોલે પછી રહ્યું જ શું ત્યારે ? એટલે અમારે મતભેદ નહીં પડેલો કોઈ દહાડો પછી ! પ્રશ્નકર્તા : હં, હવે એ વાત શીખી ગયો છું. દાદાશ્રી : આવું સમજવું નહીં પડે, ભઈ ! જીવન જીવવાની કળા તો સમજવી પડે ને ? એટલે પછી મને કહે છે, 'તમે તો ભોળા છો એવા પાંચસો અપાતા હશે ?' મેં કહ્યું, 'આપણો હિસાબ પતી ગયો બધો. જો આપણું સંધાઈ ગયું. આ લોહી નીકળ્યું ખરું આપણાથી પણ પાછું પટ્ટી લાગી ગઈ. એવું ના શીખવું જોઈએ, ભઈ ?!' પ્રશ્નકર્તા : પણ ત્યાં તો અહંકાર આવેને, હું ધણી ! મારું કેમનું નીચું પાડવું જોઈએ ? દાદાશ્રી : મૂઆ તું ધણી ?! ધણી તો કેવો નોબલ હોય ! આવાં હોતાં હશે ! આ તો 'મારા' ભાઈને ત્યાં તમે ઓછું આપો છો એ વિચારો એમના મનમાં પેસતા હતા. તેને બદલે એમણે એમ કહ્યું કે આટલા બધા ના અપાય. પ્રશ્નકર્તા : તમે 'ફરી ગયા' કે તમે એ ઢીલું મૂક્યું? દાદાશ્રી : મેં ઢીલું નથી મૂક્યું. એ મારી ભૂલ જ થઈ. આવું કેમ થાય ? મારી-તારી થતું હશે ? એમણે મને કહ્યું કે 'તમારા મામાના દીકરાને ત્યાં આવડા મોટા તાટ' એવું કહ્યું કે મને થયું, હું એવું કેવું બોલ્યો કે એ મારી-તારી બોલ્યા ? મારી ભૂલ મને સમજાઈ, કે ઓહોહો ! આવડી મોટી ભૂલ કરી મેં ? સંસારમાં નીવડેલો માણસ આવું બોલે ? પણ તે તરત મેં ભૂલ ભાંગી. અમને આવડી જાય તરત. તે ઢીલું મૂકેલું નહીં. મારી ભૂલ જ હતી. પ્રશ્નકર્તા : આપે સુધારી લીધું એમ કહેવાય? દાદાશ્રી : હા. સુધારી લીધું. આખો ફરી ગયો કે આવું વાસણ આપજો એવું કહેવા ગયો. તેને બદલે આ હું આખો ફરી ગયો. એટલે મેં પાંચસો કહ્યા અને એ તો મારા ખ્યાલમાં જ હોય કે હું પાંચસો રૂપિયા કહીશ તો એ મને શું કહેશે ! એટલે રૂપિયા ભેલાડવા નથી બેઠો. મારે તો મતભેદ પાડવો નથી ને રૂપિયા ભેલાડવા નથી. આ તો અણસમજણ ઊભી થવા દેવી નથી. બાકી રૂપિયા ભેલાડવા નથી બેઠો. પ્રશ્નકર્તા : એટલે સાચવી લીધું. દાદાશ્રી : હા, આ મારી ભૂલ થઈ એ ખુલ્લી કરી મેં. હું સમજી ગયો કે આ ભૂલ થઈ. કોઈ દહાડો આવું બન્યું નથી ને એક્સિડન્ટ થયો આવો ! મેં જાણ્યું કે આ મારી ને તમારી થઈ, માટે આ ઘરમાં આપણો હવે છૂટકારો થઈ ગયો. તે આપણે એવું કેવું બોલ્યા કે એમને આ બોલવાનો વખત આવ્યો. પણ તે બ્રેઈન અમારું બહુ પાવરફૂલ. બહુ બોધકળા હોય અમારી પાસે, બધી બોધકળા, જ્ઞાનકળા, બધી કળાઓથી સાબુત હોઈએ. તરત જ બ્રેઈન કહે કે રૂપિયા પાંચસો આપી દેજો. ત્યારે એ કહેશે, 'તમે ભોળા છો !' એટલે આ તો ભૂલ અમારી ને ફસાયા તમે. એવું સમજી જઈએ. પ્રશ્નકર્તા : જે તૂટવાની તૈયારીમાં હતું, એ સાંધી લીધું દાદાએ અને પાછું રાજી કરીને. દાદાશ્રી : હા. અને રાજી તો કેવાં હોય, તે મને તો પહેલેથી કહેતા આવ્યાં છે કે તમે ભોળા છો બહુ. શાથી કે કોઈક આવે છે અને કહે કે 'મારે આમ થયું, તેમ થયું' એટલે કબાટમાંથી આપી દો છો. એટલું જ શીખ્યા છો તમે. એટલે હું સમજી ગયેલો કે ભોળપણ તો છે. વાત સાચી છે. પણ મારું ભોળપણ, હું જાણીને આપતો હતો. પેલા મૂરખ બનાવી દે એવું નહીં. પણ જાણીને આપું કારણ કે એને દુઃખ ઓછું થાય છે. છેતરતો હશે તો ય દુઃખ તો ઓછું થશે. એમ જાણીને આપતો હતો. હું કંઈ ભોળો નથી. આખી દુનિયાને ઓટીમાં ઘાલીને બેઠો છું. એટલે હીરાબાએ મને ભોળો માની લીધેલો પહેલેથી કે આ બહુ ભોળા છે. ત્યારે મેં કહ્યું કે આ એકલું અવલંબન સારું છે આપણા માટે. એ ભોળા કહેશેને ! ત્યાં સુધી એમની કોર્ટમાં નિર્દોષ. એમની હાઈકોર્ટમાં આપણે કાયમના નિર્દોષ ! હું હોંશિયાર હોઉં તો દોષિત થાઉંને ? ભોળા જ, બસ ! એ સુધરેલું ક્યાં સુધી ટકે ?! દરેક વાતમાં આપણે સામાને 'એડજસ્ટ' થઇ જઇએ તો કેટલું બધું સરળ થઇ જાય. આપણે જોડે શું લઇ જવાનું છે ? કોઇ કહેશે કે, 'ભાઇ, એને સીધી કરો.' 'અરે, એને સીધી કરવા જઇશ તો તું વાંકો થઇ જઇશ.' માટે 'વાઇફ'ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને કરેકટ કહીએ. આપણે એની જોડે કાયમનું સાંઢું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઇ પડશે. બંનેના મરણકાળ જુદા, બંનેનાં કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો'કને ભાગે ! એડજસ્ટ થવાનો સિધ્ધાંત ! દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ (સિધ્ધાંત) હોવા જ જોઈએ. છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય, એનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો, ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે. જગતમાં લોકોને એડજસ્ટ થવાનું છે. એની જોડે વિરોધાભાસ ઊભો ના થવો જોઇએ. એક માણસ જોડે વિરોધાભાસ ના હોય. આ વર્લ્ડમાં કોઇ એવો માણસ નથી કે જેને મારે વિરોધાભાસ હોય. પોતાનામાં ડખો એ જ વિરોધાભાસ. પોતાની સમજણમાં, જ્ઞાનમાં, બધામાં જે ડખો, એ જ વિરોધાભાસ. ઓળખવી પ્રકૃતિને પૂરેપૂરી ! 'આ' અટકણ છે, એવું આપણે જાણ્યું એટલે એ અટકણ તૂટતી જાય. પ્રકૃતિ તો અજાયબી છે ! પણ ભાન ના રહ્યું કે, કેવી રીતે કામ કાઢવું. પોતે પ્રકૃતિ સ્વરૂપ થઇ ગયો ! તેથી ઘોડો આમ નાસે તો પોતાને તેમ નાસવું પડે. એના કરતાં પ્રકૃતિને લગામ નાખીને નિરાંતે ઘૂમોને ! પ્રકૃતિ નિયમવાળી છે. મનનો સ્વભાવ અનિયમવાળો છે. કોઇનું પાકીટ કાપીને ત્રીસ રૂપિયા હાથમાં આવે તો પાંચ રૂપિયા 'પતિયા'ને દાન આપે અને પચીસ રૂપિયા બહેનને આપી દે, આવું છે ! મનનો સ્વભાવ ઘડીમાં દાન આપે અને ઘડીમાં ચોરી કરે. મનનો સ્વભાવ વિરોધાભાસવાળો છે. પ્રકૃતિ નિયમવાળી છે. પ્રકૃતિ ઓળખાય તો વશ થાય એવી છે. માટે પ્રકૃતિને પૂરેપૂરી ઓળખી લેવી જોઇએ. 'જ્ઞાની પુરુષ'નો કેવો સિધ્ધાંત ! જેને પૂજ્ય ગણ્યા હોય પછી એ ગમે તેટલું ખરાબ કરે, પણ તું તારી દ્રષ્ટિ ના બદલીશ. મારો તો પહેલીથી જ સિધ્ધાંત કે મેં જે છોડવો પાણી પાઇને ઉછેર્યો હોય તો ત્યાંથી મારે રેલવે લાઇન પણ લઇ જવી હોય તો તેને બાજુથી વાળી લઉં, પણ મારો ઉછેરેલો છોડવો ના ઉખેડું ! સિધ્ધાંત હોવો જોઇએ. એક ફેર મંડન કર્યા પછી ખંડન ક્યારેય પણ ના કરાય. ખંડનની વાત તો ક્યાં રહી, પણ તમે ભેગા થયા છો ત્યારથી તમારા માટે જે અભિપ્રાય બાંધ્યો છે તે એક સેકન્ડ પણ મારો અભિપ્રાય ના ફરે ! આજે હું નક્કી કરું કે આ માણસ ચોખ્ખો છે, પછી એ માણસે મારા ખિસ્સામાંથી પૈસા લીધા હોય, કોઇ પુરાવો આપતો હોય કે મેં એને જાતે ચોરી કરતા જોયો છે તો ય હું કહું કે એ ચોર ન્હોય. કારણ કે અમારી સમજ જુદી છે. એ માણસ કાયમને માટે કેવો છે એવું અમે જોઇ લીધું હોય, પછી સંજોગવશાત્ એ માણસ ગમ્મે તે કરે, તેની અમે નોંધ કરીએ નહીં. જગત આખું સંજોગવશાતની નોંધ કરે છે. મૂળ પૂર્વવિરાધક જીવડાં તે વિરાધનાનો તેમને વિચાર આવે જ, તેમાં એનો અમે દોષ ગણતા નથી. અમે શું કહીએ છીએ કે વિરાધનાનો વિચાર તો તમને આવે જ, પણ વિરાધનામાં 'આપણે' ભળવું ના જોઇએ, તે રૂપ ના થવું જોઇએ. દરેક ભૂલ ભાંગી મોક્ષે જવાશે. ભૂલ ભાંગ્યા વગર મોક્ષે નહીં જવાય. ગમે તેવા સંજોગો ભેગા થાય છતાં સ્થિરતા ના તૂટે, ધ્યેય ના બદલાય એ ધર્મ પામ્યો કહેવાય. આ તો લોકો આબરુ રાખવા માટે સારા રહે છે કે પછી અવળા પાટાના સંજોગ ભેગા ના થાય એટલે સારા રહ્યા! આપણો ધ્યેય 'શુધ્ધાત્મા' ને મોક્ષ, એટલે બીજું કશું અડે જ નહીં. પરપરિણતિ અડે જ નહીં. અત્યારે તમે આખો દહાડો પરપરિણતિમાં રહો છો ને મોક્ષ ખોળો છો ?! મોક્ષે જવું હોય તો એ એક જ ધ્યેય જોઇએ. ઘૈડપણમાં શાંતિથી જીવાય એ ચાવી! એક છોકરો મને શું કહે, મને લાગણી છે દાદાજી. એમને બહુ સારી રીતે સાચવીશ. લાગણી છે પણ ગમે તેટલી લાગણી હોય બાપ જોડે, પણ બાપને કહેશે, નોનસેન્સ. એટલું કહ્યું એટલે થઈ રહ્યું ! એમના મનમાં એમ થાય કે બળ્યું, આવું જીવન કેમ જીવાય ? છોકરો જ કહે તે ! એ લાગણીને શું કરવાની ? પછી પોતે જે રીતે જીવેલો તે નથી જીવાતું ને ! પ્રશ્નકર્તા : નહીં જ ને ! દાદાશ્રી : એટલે ઠેઠ સુધી જીવવાની ચાવી આપણી પાસે રાખવી. એને બધી રીતે ઉત્તેજન કરવાનું. ધંધો કરાવી આપવો, બહુ હેલ્પ કરવી. એટલે પેલા સમજી ગયા બધા. તે એમણે ગોઠવણી કરી છે હમણે. એટલે હાથમાં લગામ રાખીને કામ લેજો. તે એને બહુ સમજણ પડી ગઈ. બધા આવી રીતે ફસાયેલાં હતાં. આ તો મા-બાપ બિચારાં ભલાં એટલે કહે, 'આ તારું જ છે ને, બા.' 'આ તારું જ છે' એમ કરીને તો છોકરાં પાછાં ચઢી બેસે એ તો પછી. ના આપે એ તો આપણને. માટે લગામને પધ્ધતસર રાખવી જોઈએ. એ ય સમજવા જેવી ને વાત પાછી. આપણા હાથમાંથી લગામ છોડી અને પછી બૂમો પાડીએ. આપણામાં એક કહેવત છે કે અંધારું ઘોર થયેલું હોય અને કાળો બળદ હોય અને પછી ખીલેથી આપણે છોડ્યો. પછી આપણે કહીએ લે, આવ, આવ, આવ. તે દેખાય નહીં ને કઈ બાજુ આવ આવ કરીએ ? એ ખીલે બાંધવા સારું ! તે મૂઆ ખીલેથી ના છોડીશ. અંધારું છે ને કાળો છે એ ! પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : એટલે કહ્યું, લગામ રાખ તારી પાસે. પ્રશ્નકર્તા : તો એમાં વાણી, મન અને વર્તનની સરળતા રાખીએ, તો એ તો શુધ્ધ ગુણ છે. તો પછી એનું શું કરવું ? એ ય નહીં રાખવાનું ? દાદાશ્રી : એ સરળતા રાખી જ ના કહેવાય. આપણે છે તે ઘોડાને હાંકવાનો હોય ને, તો એની લગામ ઢીલી કરી દઈએ એને સુખ પડે એવું, એને સુખી થાય એટલા સારુ તો શું થશે ? ઠોકર ખાઈ દેશે, પાડી નાખશે બધું. પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : એટલે આપણા હિતને માટે લગામ ખેંચવાની એ ભલે ડોળા ખેંચાય. જરા લોહી નીકળતું હોય તો ભલે નીકળે. પણ બંનેના હિતને માટે છે. પ્રશ્નકર્તા : હવે લગામ હાથમાંથી જતી રહી પછી શું કરવું ? દાદાશ્રી : જતી તો રહી એ લગામ જાણીને પછી, ફરી વાત દબાવી દેવાની. થયેલી ભૂલને શું કરવાનું ? પ્રશ્નકર્તા : બધાને જ એવું થયું છે, દાદા. દાદાશ્રી : એવું છે ને, બહુ મુશ્કેલીમાં આવ્યું હોય તો મારી પાસે લાવજે, હું સમું કરી આપીશ. ના મુશ્કેલીમાં આવ્યું હોય તો ચલાવી દેજો. જેવું ચાલે એવું ખરું, શું થાય તે ?! કારણ કે અમારે જ્ઞાનીની પાસે જ્ઞાન એકલું ના હોય, એની પાસે બોધકળા ને જ્ઞાનકળા બધી કળાઓ હોય. એ વ્યવહારમાં એવી રીતે રહે કે કોઈની જોડે મતભેદ ના પડે. કોઈ ગાળ ભાંડનારની જોડે મતભેદ ના પડે એવો વ્યવહાર રાખે. અને કોઈ સામો થાય જ નહીં. મોટો રાજા હોય તો ય સામો ના થાય એવો વ્યવહાર હોય. એટલે જ્ઞાન છે, ત્યાં શું ના હોય એમની પાસે. એટલે આપણે આપણું કામ કાઢી લેવું. જરા કાચું પડ્યું હોય તો ફરી સુધારી લેવું. સંસારમાં બધા કાચા પડી ગયેલા. અત્યારે તો આ વ્યવહારિક જ્ઞાન જ નથી ને લોકોને ! વ્યવહારિક જ્ઞાન ઓછું થઈ ગયું છે લોકોને. પૈસાની પડી છે, બસ ! બીજી કશી પડેલી નથી. રાત-દહાડો એનું જ ધ્યાન. જાણે એ મા-બાપ ના હોય ! બધે ધ્યાન રાખવું પડે. એકતરફી નહીં હોવું જોઈએ. બધું જ ધ્યાન, છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ, વાઈફનું ધ્યાન રાખવું જોઈએ, પૈસાનું ધ્યાન રાખવું જોઈએ. આપણો છોકરો સારો છે, પણ તો ય નાથ તો એક નાની અમથી આપણી પાસે રાખવી. પ્રશ્નકર્તા : નાથ ? દાદાશ્રી : નાથ, લગામ. બહુ જેન્ટલમેન છે, પણ એને બોલતાં શું શીખ્યો હોય અને કોઈ વખત ચિડાય ત્યારે શું બોલી જાય, તે એ બોલી જાય. જો આપણને મહીં પચી જતું હોય તો વાંધો નથી. એના બધા બોલ પચતા હોય તો વાંધો નથી, પણ નહીં પચે. જ્ઞાન છે તો ય નહીં પચતા. તો પછી જ્ઞાન ના હોય તો શું પચે ? એટલે પેલા ડૉક્ટર કહે છે, 'મને ય એવું કરી આપો, મારા છોકરા જોડે.' મેં કહ્યું, 'કરી આપીશું.' છોકરાં જોડે નિવેડો તો આવવો જોઈએ ને ! એ છોકરો તો ડાહ્યો થશે, જો તમે એને કંટ્રોલમાં રાખશો તો. બધી રીતનાં કંટ્રોલ નહીં. બીજું નહીં. એ અને એનાં વાઈફ વિનયમાં રહેતા હોય તો એનો કશો વાંધો નહીં. પણ અમુક એના મગજથી જ રાજ ચલાવે બધું અને આપણે એનાં પ્રજા થઈ જઈએ. પ્રશ્નકર્તા : તે નહીં ચાલે. દાદાશ્રી : તે ન થવું જોઈએ. મહાપરાણે પરસેવા પાડી પાડીને કમાયા. તે પાછળની જીંદગી દુઃખી કરવા માટે મોટા નથી કર્યા. અમારી જીંદગી દુઃખી થાય તો અમારો આત્મા જતો રહે. અમે તો આત્મા માટે આવ્યા છીએ. પ્રશ્નકર્તા : પણ દુઃખી થાય તો આત્મા જતો રહ્યો ? દાદાશ્રી : દુઃખી થાય તો મહીં બગડી જાય પછી. આપણા કાન ખરી જાય એવું બોલે. પછી એની વહુ આવશે ને ! એટલે પછી કહેશે, 'તમારામાં સેન્સ નથી બરોબર.' તો તે આબરૂ રાખ. તે ફજેતો ના થવા દેજો ! ચેતી જાવ આ. આ વ્યવહાર છે. ખરેખર રિયલી વસ્તુ નથી, આ રિલેટિવ વસ્તુ છે. પ્રશ્નકર્તા : ત્યારે પણ આપણે જ્ઞાનમાં, જાગૃતિમાં રહીએ તો સુંદર ને ? દાદાશ્રી : રહેવાય તો બહુ સારું. ઉલટું આવું જો મળે ને ત્યારે સારું કહેવાય. પણ મહીં સહન ના થાય તો પછી ઊંધું થાય. તમારું તો એટલું બધું સહન કરવાની શક્તિ ના પહોંચે તે વખતે. શીખે ફાધર આ બોધકળા દાદાની ! બીજું કંઈક સાધન હોય, તો એને ધંધો કરી આપવો જોઈએ. બસ, એટલું જ. નાનો અમથો પાંચ-પચ્ચીસ હજાર રૂપિયાનો ધંધો શરૂ કરી આપવાનો. દસ-વીસ-પચ્ચીસ હજાર આપણા નાખવાના. કોઈ બીઝનેસ એને ગમતો હોય તો કરી આપવો. કયો ધંધો ગમે છે તે પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને પચ્ચીસ-ત્રીસ હજાર બેંકના લઈ આપવા લોન ઉપર, તે ભર્યા કરે એની મેળે અને થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. એટલે એને કહીએ, પચ્ચીસ હજારની બેંકમાંથી લોન લે અને એ લોનના તું હપ્તા ભરજેે. એટલે હપ્તા ભરે. એ છોકરો ડાહ્યો થાય. બેંકવાળાનો કાગળ આવે કે તમે આ સાલ આ ભરી ગયા નથી, એને જાગતો ને જાગતો રાખે. અને આપણે જાતે કરીને દેવું આપવું. એ દેવાના આધારે એ સીધો થાય. પ્રશ્નકર્તા : બરાબર, દાદા. દાદાશ્રી : નહીં તો તમને ટૈડકાવી ટૈડકાવી તમારું તેલ કાઢશે અને જો તમે ટૈડકાવશો તો એ સામો થઈ જશે. આ બેંકવાળો ટૈડકાવશે તો એ સામો નહીં થાય તમને. એટલે આપણે એટલા બેન્કમાંથી લઈ લેવાના પચ્ચીસ હજાર અને કહેવું કે પચ્ચીસ હજારના આવી રીતે હપ્તા ભર્યા કરજે. તે સોંપી દેવાનું, હપ્તા સાથે. તે બેંકવાળો ગોદો મારે ને જાગે, ગોદો મારે ને જાગે. રોકડું બધું ના અપાય, ગુનો છે. અમારી વાત જો સમજે તો કામ કાઢે. વાત સમજવી જોઈએ ને ? છોકરાનું હિત કર્યું ક્યારે કહેવાય કે ગોદા મારનાર જોઈએ બેંકવાળો. 'રૂપિયા ભરી જતાં નથી, આમ ને તેમ.' અને આપણે કહીએ, 'અલ્યા, રૂપિયા મેં તને કહ્યું'તું આ ભરી જજે.' ત્યારે કહે, 'કચકચ ના કરશો. અમથા વગર કામનું મારું મગજ ખઈ જાવ છો.' અલ્યા, ત્યાં બેંકવાળાને કહે ને ?! તારાં બાપાને તો ત્યાં સામું કહે ! પણ બેંકવાળાને તો શી રીતે સામું કહેવાય ? એટલે બધું ખાનગી ચીજ કરી નાખવાની અને બેંકવાળો ટૈડકાય ટૈડકાય રોજ કરે. બેંકવાળો પછી આપણી પાસે આવે. 'તમે જામીન રહ્યા.' ત્યારે બેન્કવાળાને કહેવું, 'હું તમને ગમે ત્યાંથી લાવીને આપીશ. તમારા હમણે એની (છોકરાની) પાસે લો ને !' 'ગમે ત્યાંથી લાવીને આપીશ.' એને કહીએ. 'મારી પાસે નથી' એવું દેખાડવું. બેંકવાળાને જામીન તો રહેવું પડે. તો શું થાય, બેનો સંબંધ બહુ મીઠો રહે. ઉપરાંત છે તે આ છોકરો કોઈક ફેરો અડચણમાં મુંઝાયો. તો કહે, 'કેમ અલ્યા, આ શું છે ? કેમ અડચણમાં છું ?' એ કહે, 'બે-ચાર હજાર રૂપિયાની બહુ મુશ્કેલી છે, તે હવે ક્યાંકથી વ્યાજે લાવું ?' ત્યારે કહીએ, 'ના, હું તને લઈ આપીશ. મારા ફ્રેન્ડ છે ને તેની પાસેથી લઈ આપીશ.' પોતે ના આપે. ફ્રેન્ડ પાસેથી લઈ આપીશ, આવું કહે અને થોડુંક બેંકમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું દસ-વીસ હજાર. તે કો'ક ફેરો છોકરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને પાંચેક હજાર આપી દેવા. એને કહેવું નહિ કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહિ તો મુશ્કેલીમાં ના આવતાં હોય તો ય આવે. પાકાં હોય ને ! પ્રશ્નકર્તા : હા, કરવું જ પડે ને ! તમે તો એવી રીત શીખવાની વાત કરો છો ને પણ ! દાદાશ્રી : એવું છે ને, આ રીતે સામસામે કોઈનો કંટ્રોલ તૂટે નહીં. આત્મા વશ કરવો સહેલો છે, મનવશ કરવું વસમું છે. મનને કોઈ દિશાનું ઠેકાણું નથી. પેલી દિશામાં ય ભાગે અને આ દિશામાં ય ભાગે. એટલે એને માટે આ કળા છે. આ 'દાદા ભગવાન'ની કળા છે ને બોધકળા કહેવાય છે. આખા ઘરનાં માણસ આનંદમાં રહે અને કોઈને એમ ના લાગે કે અમારી ઉપર દબાણ છે. અને કોઈ મર્યાદા ના તોડે. જો કશું બોલીશ, ખોટું લાગશે તો મને નહીં આપે, કોઈ વખત મદદ નહીં કરે. પછી પેલાને ફરી ભીડ પડે ને તો કહેશે, 'પપ્પાજી, થોડા મારે ટેન થાઉઝન્ડ (દસ હજાર) જોઈશે.' 'હા, ભઈ ઊભો રહે, પાંચ હજાર મારી પાસે છે. પાંચ હજાર હું ઉછીના લઈ આવું છું જા.' એટલે એ કહેશે, 'ઓહોહો ! મારા ફાધરે પાંચ હજાર ઉછીના લઈ આપ્યા. હોય ભલે આપણી પાસે, પણ જરા આવું રાખવાનું, ટેકનિકલી. એવું ના જોઈએ ? પ્રશ્નકર્તા : જોઈએ, જોઈએ. દાદાશ્રી : પછી પાંચેક હજાર બીજા એને આપ્યા હોય આપણા. પણ કહેવાનું કે ભઈ આ ફલાણા ભઈના વ્યાજે લીધેલા છે. એટલે હપ્તા ભરજે, કહીએ. નહીં તો એ જાણે કે આટલા છે તો વાપરી ખાવ ને ! પછી જોઈ લઈશું. હપ્તા ભરવાના હોય ત્યારે ગાડું ચાલે. હપ્તા વગર તો માણસ બેફામ થઈ જાય. એટલે આ અમેરિકામાં એટલો સારો રિવાજ છે કે બધાને હપ્તા ભરવાના હોય છે. એ મને ગમ્યો. દરેકને હપ્તા ભરવાના હોય. મહિનો પૂરો થયો કે ચિંતા આવીને ઊભી રહી. પચ્ચીસ હજાર ડોલરનું દેવું છે તે આપ્યા કરજે, વીથ ઈન્ટરેસ્ટ. તો રીતસર ધંધો કરે, હપ્તા ભરતો જાય બેંકના. પછી છોકરો કહે કે, 'આ વર્ષમાં મારે લોન ભરાતી નથી.' ત્યારે કહીએ કે 'હું લાવી આપું, તને પાંચ હજાર. પણ આપી દેવાના વહેલા.' એટલે પાંચ હજાર લાવી આપવાના. પછી આપણે પેલા પાંચ હજાર સંભારીએ. પેલા વહેલા આપી દેવાના છે, એવું કહ્યું છે. આવું સંભારીએ તો છોકરો કહે, 'તમે કચકચ ના કરશો હમણે.' એટલે આપણે સમજી જવાનું. 'બહુ સારું છે એ.' એટલે ફરી લેવા જ ના આવે ને ! આપણને વાંધો નથી, 'કચકચ કરો છો' એવું કહે તેનો. પણ પછી લેવા આવે નહીં ને ! એટલે આપણી સેફસાઈડ આપણે રાખવાની અને પછી ખોટા ના દેખાઈએ, છોકરા પાસે. છોકરો કહેશે, 'બાપા તો સારા છે, પણ મારો સ્વભાવ વાંકો છે.' હું અવળું બોલ્યો તેથી. બાકી બાપા બહુ સારા છે ! એટલે છટકીને નાસી જવું આ જગતમાંથી. પછી છોકરો કહેશે, 'હજુ તો મૂડી બીજી વધારે જોઈશે.' ત્યારે કહે, 'હવે અમારી પાસે વધારે નથી, અમારે જરૂરિયાત પૂરતું જ રહ્યું છે હવે.' ત્યારે છોકરો કહે કે પપ્પાજી, આ આપણી પાસે પૈસા આટલા બધા હતા ને આ દેવું કેમ તમારે ? ત્યારે કહે, 'હતા ને એ શેરમાં જતા રહ્યા.' કોઈને કહેવાય નહીં. હવે કહીએ તો આપણી આબરૂ જાય. તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. સમજી જાને, વાત કહીએ છીએ તે ! બાળ ઉછેરની કળા ! પ્રશ્નકર્તા : આ નાના છોકરાઓને મગસ ખવડાયા કરે છે, તે ખવડાવાય ? દાદાશ્રી : ના ખવડાવાય, મગસ ના ખવડાવાય. નાના છોકરાઓને મગસને, ગુંદરપાક, દગડા ના ખવડાવાય. એમને સાદો ખોરાક આપવો અને દૂધ પણ થોડું આપવું જોઈએ. છોકરાને ના અપાય આવું બધું. આપણા લોકો તો બધા દૂધની ચીજો ખવડાય ખવડાય કરે છે. મૂઆ, ના ખવડાવાય. ઉશ્કેરાટ વધશે અને બાર વરસનો થયો ત્યારથી દ્રષ્ટિ બગડશે મૂઆની. ઉશ્કેરાટ ઓછો થાય એવો ખોરાક આપવો જોઈએ છોકરાંઓને, બાળકોને આ તો બધું ખ્યાલમાં નથી. જીવન કેમ જીવવું, તે ભાન જ નથી ને ! પ્રશ્નકર્તા : આ તો દ્રષ્ટિ જ ઊંધી છે, કેમ છોકરાને જાડો કરીએ ! દાદાશ્રી : 'છોકરાં કેવી રીતે ઉછેરવા અને નર્સરી કેવી રીતે કરવી' તે ભાન જ નથી એમને. બાળઉછેરની જોખમદારી ઘણી વધારે છે. લોક શરીરની જોખમદારી એકલી જ સમજે છે. આ તો નર્સરી છે ! આ વાત ક્યાંય હોઈ શકે નહીં. આ વાત શાસ્ત્રમાં ના હોય, પુસ્તકમાં ના હોય, મગજમાં ના હોય. આ તો બોધકળા છે. અજાયબ જ કળા છે, નવું વિજ્ઞાન છે. છોકરાને તો ડાહ્યા બનાવવા જોઈએ. ઉશ્કેરાટ વગરના, કેવા સુંદર ! ઉશ્કેરાટ એનો ઊભો કરીએ, ઉશ્કેરાટનો ખોરાક ખવડાવીએ અને સંસ્કાર ખોળીએ, એ બે કેમ બને ? એને દાળ-ભાત- રોટલી-શાક બધો સાદો ખોરાક આપીએ એ બહુ સુંદર ખોરાક છે, એમાં વાંધો નથી. જુવાનીમાં વાળવા છોકરાને ! પ્રશ્નકર્તા : અહીંયા જે ભાષાના પ્રશ્ન છે, બાળકો નાનપણથી પેલું અંગ્રેજીમાં શીખે. એટલે આ આપણો આ ધર્મ છે તે એમને શીખવા માટેનું આપણું ભાષાનું માધ્યમ એમની પાસે રહેતું નથી. તો એ પ્રશ્ન કેવી રીતના સોલ્વ કરવો ? દાદાશ્રી : એમને ગુજરાતી શીખવાડી દો. લોકો ફોરેનવાળા બધા ગુજરાતી શીખવા આવ્યા છે અમારી પાસે. આ ગુજરાતી શીખશો તો આ વિજ્ઞાન સમજશો. આ વર્લ્ડનું ભારે અજાયબ વિજ્ઞાન છે, 'અક્રમ વિજ્ઞાન'. આખા વર્લ્ડનું કલ્યાણકારી છે. એને સમજો ! અવિરોધાભાસ છે, સિધ્ધાંતિક છે. બુધ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુધ્ધિશાળીઓની બુધ્ધિનાં પડીકાંઓ વાળી દેવડાવ્યા છે, ધૂળધાણી કરી નાખ્યા આ વિજ્ઞાને તો. પ્રશ્નકર્તા : હવે તો બહુ એમ કે બધા અહીંના ધોળિયાં છોકરાઓ જેવાં કપડાં એવાં જ જોઈએ. જીદ કરે અને પછી આપણે લાવી આપવાં જ પડે, અને પછી એવું થાય કે આ છોકરાઓ બગડે છે. દાદાશ્રી : પેલું ભણવા એની જોડે મોકલ્યા, એટલે એની ઇચ્છા થાય. પણ પછી આપણે એને સમજણ પાડીએ કે આપણે કોણ ? કઈ નાતના ? ત્યારે એ પાછો ફરી જાય. પ્રશ્નકર્તા : એ લોકોને સમજવું જ નથી હોતું. દાદાશ્રી : બધી તૈયારી હોય છે. હું પૂછી જોઉં અમેરિકા ભણતી છોડીઓને કે 'તમારે અમેરિકન જોડે પૈણવું છે ?' 'ના, બા.' એટલે મન પાછું પડી જાય. ત્યાં પેઠું હોય તો ય. મેં કહ્યું, 'તમારે દક્ષિણ ભારતવાળી જોડે ?' 'ના.' એમ કરતાં કરતા એની જગ્યા ઉપર લાવી દઉં. પ્રશ્નકર્તા : એ દાદાનો સિધ્ધાંત જબરો છે કે પહેલાં પૂછે કે તમારે અમેરિકન જોડે પરણવું ? તો કહે', 'ના.' એમ કહેતાં દાદા છેલ્લે નાત ઉપર લાવીને મૂકી દે છે. દાદાશ્રી : એટલે આમ રસ્તો ખોળવો જોઈએ. પોતાનું સુધારતા નહીં આવડ્યું, તો આ બીજાને શું સુધારે તે ?! આ તો પૂર્વજન્મની કમાણીને લીધે બૈરી મળી, નહીં તો બૈરી ય ના મળે. કાયદેસર ગુણાકાર ગણવાના હોય કે આ લાયક છે ભઈ ? ત્યારે કહે, આ તો પૂર્વજન્મની પુણ્યૈ, તે બૈરીને ભાયડો મળે. આ પૂર્વજન્મની પુણ્યૈને લીધે ભેગું થયું બધું. તમને કંઈ નથી લાગતું એવું ? પ્રશ્નકર્તા : લાગે છે ને ! દાદાશ્રી : કારણ કે મા-બાપે એવા સંસ્કાર આપ્યા નથી તમને બધાને કે જે તમે મા-બાપ થઈ શકો. હવે એ તો બધું થવાનું હતું તે થઈ ગયું. પણ આપણે હવે એ ભૂલ સુધારવીને ! આપણા મા-બાપોને બ્લેઈમ કર્યા કરતાં આપણે સુધારી નાખીએ એ શું ખોટું ! પ્રશ્નકર્તા : બરોબર છે ! ઋણાનબંધના હિસાબોનું રહસ્ય ! પ્રશ્નકર્તા : કેટલાકને મા-બાપની પ્રકૃતિ ને છોકરાની પ્રકૃતિ એકદમ વિરોધાભાસવાળી હોય છે, સાવ જુદી હોય છે. તો એ શું ? દાદાશ્રી : મા-બાપને પ્રકૃતિ બાબતમાં લેવા-દેવા નથી. કશું જ લેવા-દેવા નહીં. એ તો એની પ્રકૃતિ અને આની પ્રકૃતિ, આ તો બધા સરખા સ્વભાવવાળા ભેગા થાયને, તે રીતે સરખા સ્વભાવવાળા જન્મ લે સામસામી ! કશું ય લેવા-દેવા નહીં. મા-બાપ આ દિશામાં હોય તો પેલો તૃતીયમ દિશાનો હોય. પ્રશ્નકર્તા : અમુક વખતે સમજણ ન હોવાથી કહે ય ખરાં, તમે ક્રોધી છો માટે હું ક્રોધી થયો છું. દાદાશ્રી : હા, એવું ય કહે ને બાપને મૂરખ બનાવે. પ્રશ્નકર્તા : એ મૂરખ બનાવે છે ? દાદાશ્રી : મૂરખ જ બનાવે છે ને ! તમે ક્રોધી એટલે હું ક્રોધી એવું બાપને કહે એટલે ગુનેગાર તમે, હું ગુનેગાર નહીં થયું ને ! એટલે બાપ મૂરખ ના બન્યો ? આ તો જો ડાહ્યા હોત તો હું ડાહ્યો હોત, કહે છે ! બાકી એક આટલો ય ગુણધર્મ અપાય એવું નથી. ત્યારે આ તો કહેશે, રૂપરંગ તો એના બાપનું જ. અલ્યા, ન્હોય એવું. આ તો એડજસ્ટમેન્ટ છે એટલે એવું દેખાય છે. આ તો મા ને બાપ બેઉ ઊંચા હોય અને છોકરા ઠીંગણા હોય, આ તો વિરોધાભાસ છે. પ્રશ્નકર્તા : આ જે જન્મ લેનાર છે એ એના કર્મોથી જન્મ લે છે ને ? દાદાશ્રી : બસ. એ ગોરો છે કે કાળો છે કે ઠીંગણો છે કે ઊંચો છે, એ એનાં કર્મથી છે. ત્યારે આ તો લોકોએ એડજસ્ટમેન્ટ લીધું, આ આંખે દેખેલું કે આ નાક તો એક્ઝેક્ટ સરખું જ દેખાય છે. એટલે બાપના જ ગુણ છોકરામાં ઊતર્યા છે, કહેશે. તો બાપ કૃષ્ણ ભગવાન થઈ ગયા, એટલે છોકરો કૃષ્ણ ભગવાન થઈ ગયો દુનિયામાં ? આવાં તો કરોડો કૃષ્ણ ભગવાન થઈ ગયા. બધા પ્રગટ પુરુષ કૃષ્ણ ભગવાન જ કહેવાય. પણ એકેય છોકરો કૃષ્ણ ભગવાન થયો ? એટલે આ તો સમજણ વગરની વાત છે ! જો બાપના ગુણ છોકરામાં આવતા હોયને, તો બધાં છોકરામાં સરખા આવે. આ તો બાપને જે પૂર્વભવે ઓળખાણવાળા છે, એના ગુણ મળતા આવતાં હોય. તમારા ઓળખાણવાળા બધા કેવા હોય ? તમારી બુધ્ધિને મળતા આવતાં હોય, તમારા આશયને મળતા આવતાં હોય. તો તમને મળતા આવતાં હોય, તે આ ભવમાં પાછાં છોકરા થાય. એટલે એનો ગુણ તમને મળતા આવતાં હોય, પણ ખરેખર એ તો એના પોતાનાં જ ગુણો ધારણ કરે છે. સાયંટિસ્ટોને એમ લાગે છે કે આ પરમાણુમાંથી આવે છે. પણ એ તો એનાં પોતાનાં જ ગુણો ધારણ કરે છે. પછી કોઈ નઠારો, નાલાયક હોય તો દારૂડિયો ય નીકળે. કારણ કે જેવા જેવા સંજોગ એણે ભેગા કર્યા છે, એવું જ ત્યાં આગળ બને છે, કોઈ જીવને વારસાઈમાં કશું અક્ષરે ય ના મળે. એટલે વારસાઈ એ તો એક દેખાવ માત્ર છે. બાકી પૂર્વભવે જે એનાં ઓળખાણવાળા હતા તે જ આવ્યા છે. પ્રશ્નકર્તા : પણ આ જે સ્થૂળ ગુણો છે ને, દેહનો આકાર, એ બધું થોડું ઘણું મળતું આવતું હોય ને ? દાદાશ્રી : દેહનો આકાર-બાકાર બધું એ લઈને આવેલો હોય છે. આ તો બધું ય પોતાના હિસાબથી જ હોય છે. ફક્ત આ મા-બાપ નિમિત્ત બને છે કે ભઈ આ મા-બાપ તરફનો છે. બાકી જે હિસાબ છે ને એ પોતાનો જ હોય છે. નહીં તો દરેક છોકરાનાં નાક સરખાં હોય. ડીઝાઈન સરખી હોય. પણ એવું કશું છે નહીં. આ તો બધું માનેલું છે કે મા-બાપના ગુણ છોકરામાં ઉતરે છે. બાકી વાત તદ્ન જુદી જ છે. આ વાત સમજવી હોય તો હું સાયન્ટિફિક રીતે સમજાવવા માગું છું. આ નહીં સમજાવાથી ઠોકાઠોક કરી નાખ્યું છે કે બાપાના ગુણ આવે છે. એટલે પછી બાપને શું કહે કે તમે ક્રોધી છો તેથી હું ક્રોધી થયો. અલ્યા તું ગયા અવતારે ક્રોધી હતો ને તારા બાપા ય ક્રોધી હતા. તે આ અવતારમાં બે ભેગા થયા છે. તે ફરી પાછો ક્રોધ આવે છે અને એવું જ જો હોય તો બીજો ભાઈ છે તે કેમ ક્રોધથી બોલતો ય નથી. કારણ કે બીજો ઓળખાણવાળો બોલતો ના હોય. આ તો જુદા જુદા ઓળખાણવાળા બધા ભેગા થઈ જાય છે. તે બીજા છોકરામાં બાપનો એક અક્ષરે ય ગુણ ના આવે. પ્રશ્નકર્તા : પણ એવું ખરું ને કે વડ છે એના બીજની અંદરથી વડ જ થશે, કારેલું નહીં થાય ? દાદાશ્રી : એ તો આમ દેખાવમાં બાપના ગુણ આવે. પણ એ પોતે બીડીઓ પીવે છે કે ગમે તે કરે, પણ એ પોતાના ગુણો બધું જ મહીં સ્વતંત્ર લઈને આવેલો છે. એ પરાવલંબી નથી. પોતાનું રૂપ, આકાર, બધું પોતાના સ્વતંત્ર ગુણો લઈને આવ્યો છે. પ્રશ્નકર્તા : મનોવૈજ્ઞાનિક વાત બરોબર છે. પણ હું વાત કરું છું એ દેહની વાત કરું છું. દાદાશ્રી : એ દેહે ય પોતાનો જ લઈને આવેલો છે. કશું પારકું નથી. નહીં તો બાપ ચઢી બેસે કે મારે લીધે, મારું નાક સારું છે તેથી તારું નાક સારું છે ! પણ એવું કશું લેવાદેવા નથી. કિંચિત્માત્ર લેવાદેવા નથી. એને ત્યાં જાય છે તે ઋણાનુબંધને આધારે ગર્ભમાં જાય છે અને બધું એના સ્વતંત્ર ગુણો જ છે. આ અમે જ્ઞાનથી જોઈને બોલીએ છીએ. અત્યાર સુધી બધાએ ઠોકાઠોક કર્યું કે બાપના ગુણ છોકરામાં આવ્યા પણ એવું નથી. આ તો બાપ ચોર હતો તે એના છોકરા જ્ઞાની પાકેલા, વેશ્યાને પેટે ય જ્ઞાની પાકેલા. એટલે આ લોક તો ઠોકાઠોક કરેલું છે બધું. પ્રશ્નકર્તા : પણ વેશ્યાના છોકરાના રૂપરંગની વાત છે એ તો ખરું ને ? દાદાશ્રી : રૂપરંગે ય જો પોતાનું સ્વતંત્ર લઈને આવેલો છે, બધી જ ચીજ પોતે સ્વતંત્ર લઈને આવે છે. પ્રશ્નકર્તા : પણ રૂપરંગમાં તો ઘણાં દાખલા એવાં છે કે એ મા-બાપને છોકરાં મળતાં આવે ! દાદાશ્રી : ના, એ તો દેખાય. અને મળતું તો બધું આવે ને. મળતું આવે એનો સવાલ નથી. પણ એ સાયન્ટિફિક વાત નથી. તમારા આમ દેખાવમાં મળતું આવે. પણ એ ગુણાકાર માંડો એનો અર્થ નથી, મીનીંગલેસ વાત છે, એ સાયન્ટિફિક નથી. જો એ બાપનો જરાક ગુણ ઉતરતો હોય તો બાપ રોફ મારે કે 'મારે લીધે... હું ગોરો છું તેથી તું ગોરો છે.' ઓહોહો ! ગોરા આવ્યા !! ત્યારે પેલો ભાઈ કહેશે, 'આ મારો બીજો ભઈ કાળો કેમ ? મારી મા ગોરી છે, તમે ગોરા છો પણ મારો ભાઈ કાળો કેમ ? એ હિસાબ કાઢી આપો.' એટલે વસ્તુસ્થિતિમાં પોતાનું સ્વતંત્ર લઈને આવે છે. પ્રશ્નકર્તા : એ સ્વતંત્રપણામાં પણ મા-બાપનો થોડો ભાગ છે ? દાદાશ્રી : ના, જરા ય નહીં. મા-બાપ નિમિત્ત માત્ર છે. આ તો ઋણાનુબંધ છે તે એના નિમિત્તે બાપ એનો હિસાબ ચૂકવે છે, આ બાપ તરીકે ભાવ ચૂકવે છે, પેલો છોકરા તરીકે ભાવ ચૂકવે છે. એ ભાવ ચૂકવવા માટેનું છે આ બધું. બાકી પોતપોતાનું સ્વતંત્ર છે બધું. જીવ માત્ર સ્વતંત્ર જ છે. પ્રશ્નકર્તા : પણ આ વિજ્ઞાન એટલું બધું હમ્બગ નથી. આ વિજ્ઞાન તો એક અવલોકનનું કારણ છે. દાદાશ્રી : આ વિજ્ઞાન તો આંખે દેખ્યું એને કહે છે. પણ આ વસ્તુ આંખે દેખેલ નથી. આ તો સાયન્ટિફિક વાત કરું છું. આંખે દેખેલું તો કહે છે કે બાપ આવો ગોરો હતો, તેમાં આ ગોરો થયો. તો આ બીજો ભાઈ કાળો કેમ થયો ? એ બન્ને વિરોધાભાસ ના આવે, એનું નામ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન તો ક્યારેય પણ વિરોધાભાસ ઉત્પન્ન ના થાય, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ તો જ્યાં ને ત્યાં નર્યું વિરોધાભાસ છે કે મા ઊંચી, બાપ ઊંચો અને છોકરો ઠીંગણો. આ બધી શોધખોળ હું જાતે જોઈને બોલું છું. આખા વર્લ્ડને જવાબ આપવા હું તૈયાર છું. આ બધા સાયન્ટિસ્ટો મૂરખ બની જશે જો કદી આવું બોલશે તો. આ બહારનું જોઈને બોલે તેનો અર્થ મીનીંગલેસ છે. પ્રશ્નકર્તા : એ બહારની વાત જ કરી છે એમણે. અંદરની વાત કરતા જ નથી. આ બહારની વાતો જ છે. દાદાશ્રી : નહીં, પણ મૂળ એક્ઝેક્ટ શું છે એ જાણવું જોઈએ. આખું જગત તો વિજ્ઞાન સ્વરૂપ છે. છોકરાને છોકરાનાં ભાવ ચૂકવવાનાં હોય ને બાપને બાપના ભાવ ચૂકવવાનાં હોય તો બાપને ત્યાં પેલાએ છોકરા તરીકે અવતાર લેવો જ પડે. પ્રશ્નકર્તા : પણ તે અવતાર જે લીધો છે એ કંઈ ખોળિયું જાણે છે ? દાદાશ્રી : ખોળિયાને કશું લેવા-દેવા નથી. ખોળિયું સ્વતંત્ર છે. કોઈ પણ વસ્તુ લેવા-દેવાની નથી. એ કહેશે, મેં તમને ભણાવ્યા. પણ એ એડજસ્ટમેન્ટ એવું થાય. પણ એ બુધ્ધિના ખેલ છે. બુધ્ધિથી તમને આવું દેખાય જ. પ્રશ્નકર્તા : ના, પણ હું તમને એક દાખલો આપું. દાદાશ્રી : ના, દાખલો આમાં હોય નહીં ને ! આ તો વૈજ્ઞાનિક છે, હું જે બોલું છું એ વૈજ્ઞાનિક વાત છે અને વૈજ્ઞાનિકમાં વિરોધાભાસ હોય નહીં. પ્રશ્નકર્તા : પણ પ્રાકૃત ભાગમાં વિરોધાભાસ ના હોય એવું બતાવો. દાદાશ્રી : વિજ્ઞાનમાં વિરોધાભાસ હોય નહીં. અમારું આ અક્રમ વિજ્ઞાન છે. એમાં અક્ષરે ય વિરોધાભાસ ના હોય. તે આ જ વીસ વર્ષથી બોલું છું. વિજ્ઞાન વિરોધાભાસ કેમ હોય ? અને જગતે ય વિરોધાભાસ છે નહીં. એ તો લોકોને નહીં સમજાવાથી ઠોકાઠોક કરે છે. મિલકતે ય બાપ આપતો નથી. પણ લોકોને એમ લાગે છે કે બાપ આપે છે. પણ એનો હિસાબ હોય તેટલી જ મિલકત લે છે. કશું બાપથી કંઈ પણ આપી શકાય એવું નથી. માથી કે બાપથી એક પરમાણુ માત્ર પણ આપી ના શકાય. પ્રશ્નકર્તા : પણ દાદા આપે કીધું બરાબર છે, વ્યવહારમાં જ્ઞાનની વાતો પણ જ્ઞાનની અગાસી સુધી પહોંચતા વ્યવહારમાં છીએ, તો વ્યવહારની અંદર આ વાતો ય કામમાં લાગે ને ! દાદાશ્રી : હા, કામમાં આવે ને ! વ્યવહારથી ય સારું ચાલે. એ 'જ્ઞાની પુરૂષની' પાસે, 'જ્ઞાની પુરુષ'માં વિશેષતા હોય, બોધકળા અને જ્ઞાનકળા બન્ને કળા હોય. આ બોધકળા એ સૂઝથી ઉત્પન્ન થયેલી છે. અને જ્ઞાનકળા જ્ઞાનથી ઉત્પન્ન થઈ એટલે ત્યાં આપણો નિવેડો આવે. કોઈ દહાડો આવી વાતચીત કરી હોય તો વાંધો શું એમાં ? આપણને શું નુકસાન જવાનું છે ? 'દાદા' ય બેઠાં હોય છે, એમની ફી હોતી નથી. ફી હોય તો વાંધો આવે ! નિમિત્તને આધિન પ્રગટે જ્ઞાન ! અહીં તો બધી બોધકળાઓ મળેને ! બધા ભેગા થાય તો નીકળે, નહીં તો નીકળે નહીં. હું જ કહું છું ને કે સામી વ્યક્તિ પ્રમાણે માલ નીકળે છે આ અને તે હું નથી બોલતો આ. અમારી પાસે પૂછવા આવનારની ફાઇલ તપાસીને જવાબ અમારે આપવા પડે. આગળ શું વાત કરી હતી, અત્યારે શું છે, એ બધાં 'કનેકશન'માં જવાબ હોય. દરેકની ફાઇલ જુદી જુદી. તેથી જવાબ જુદો જુદો હોય. જવાબ એની ફાઇલને આધીન હોય. હવે કોઇ કહેશે કે, 'દાદા, તમે એક જ જાતનો જવાબ બધાંને કેમ નથી આપતા ?' અલ્યા, એવું ના હોય. દરેકની ફાઇલ જુદી જુદી, દરેકના રોગ જુદા જુદા, તેથી શીશીઓ જુદી ને દવા ય જુદી જુદી અમારી પાસે હોય. દરેકના ક્ષયોપક્ષમ જુદા જુદા હોય. અમારે સૈધ્ધાંતિક વાતમાં ક્યાંય ફેરફાર ના હોય. એને તો ત્રણે કાળમાં કોઇ ચેકો મારી ના શકે તેમ હોય. આ વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ દરેક નિમિત્તને આધીન હોય. અક્રમ વિજ્ઞાન, અવિરોધાભાસ સિધ્ધાંત ! આ તો વિજ્ઞાન છે, તરત મુક્તિને આપનારું છે. અને જો આ વિજ્ઞાન સમજી જાય તો તાળા મળે એવું છે. જ્યાંથી તાળો મેળવો ત્યાંથી તાળા મળ્યા જ કરે અને જે કોઈ પણ વસ્તુનો તાળો ના મળતો હોય તો એ વિજ્ઞાન જ ના કહેવાય. તાળો મેળવવો હોય તો તાળો મળી રહેવો જોઈએ. વિરોધાભાસ ક્યારે પણ ના આવવો જોઈએ. સો વર્ષ થાય, પણ વિરોધાભાસ હોય નહીં. એનું નામ સિધ્ધાંત કહેવાય. આ અક્રમ સિધ્ધાંત બુધ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુધ્ધિશાળીઓ મુંબઈમાં આવ્યા, પણ કોઈને ગાંઠતું જ નથી. કારણ કે બુધ્ધિથી પરવસ્તુ છે આ !! બુધ્ધિ તો લિમિટેડ હોય. આની લિમિટે ય ના હોય. આ 'વિજ્ઞાન' વ્યવહારને છંછેડતું નથી. દરેક 'જ્ઞાન' વ્યવહારને તરછોડે છે. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની 'રિયાલીટી'માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી ! આ વ્યવહારને તરછોડે નહીં તે જ સૈધ્ધાંતિક વસ્તુ હોય. સૈધ્ધાંતિક વસ્તુ કોને કહેવાય કે જે ક્યારેય પણ, કોઈ પણ જગ્યાએ અસિધ્ધાંતપણાને ના પામે, તેનું નામ સિધ્ધાંત કહેવાય. કોઈ એવો ખૂણો નથી કે અસિધ્ધાંતપણાને પામે. એટલે આ 'રિયલ સાયન્સ' છે, 'કમ્પ્લિટ સાયન્સ' છે. વ્યવહારને કિંચિત્માત્ર ના તરછોડાવે ! જે જ્ઞાન વ્યવહારને તરછોડે, એ જ્ઞાન નિશ્ચયને પામે નહીં. વ્યવહારમાં અવતરણ નિશ્ચયનું ! આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય અને છે પાછું સૈધ્ધાંતિક, જે બધી રીતે સહેજે ય વિરોધાભાસ કોઈ જગ્યાએ કંઈ પણ ન હોય અને વ્યવહારમાં ફીટ થાય, નિશ્ચયમાં ફીટ થાય, બધે ફીટ થાય, ફક્ત લોકને ફીટ ના થાય. કારણ કે લોકો લોકભાષામાં છે. લોકભાષા ને જ્ઞાનીની ભાષામાં બહુ ફેર છે. જ્ઞાનીની ભાષા કેવી સારી છે, કશી અડચણ જ નહીં ને ! જ્ઞાની ફોડવાર બધા ફોડ આપે ત્યારે ઊકેલ આવે. આપણું આ 'અક્રમ વિજ્ઞાન' જગતમાં બહાર પડે તો લોકોનું બહુ કામ કાઢી નાખે. કારણ કે આવું વિજ્ઞાન નીકળ્યું નથી. આ વ્યવહારમાં, વ્યવહારની ઊંડાઈમાં કોઈએ કોઈ જાતનું જ્ઞાન મૂકેલું નહીં. વ્યવહારમાં કોઈ પડેલું નહીં. નિશ્ચયની જ વાતો બધી કરેલી. વ્યવહારમાં નિશ્ચય આવેલો નહીં. નિશ્ચય નિશ્ચયમાં રહેલો અને વ્યવહાર વ્યવહારમાં રહેલો. પણ આ તો વ્યવહારમાં નિશ્ચય લાવીને મૂક્યો છે, અક્રમ વિજ્ઞાને. અને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે અને તે સાયન્ટિફિક પાછું. આમાં કોઈ જગ્યાએ વિરોધાભાસ ના થાય. પણ હવે આ 'અક્રમ વિજ્ઞાન' બહાર શી રીતે પડે ? બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય ! પ્રશ્નકર્તા : એનો સંજોગ પણ આવશે ને ? દાદાશ્રી : હા, આવશે ને ! જય સચ્ચિદાનંદ. |