વાણી મધુરી થવાના કારણો...

સંપાદકીય

જીવનના દરેક પ્રસંગે વાણી બોલાતી જ હોય છે, તેમાં ક્યાંક બીજાને દુઃખદાયી લાગે તેવી બોલાય અથવા તો બીજાને સુખદાયી લાગે તેવી વાણી બોલાય. પોતાની જાત માટે ય સારું-ખરાબ એવું જાત જાતનું બોલી જવાય છે. કોઈને માટે અભિપ્રાય પણ વાણીમાં કહી દેવાય છે. પણ પોતાની જાગૃતિ દરેક સ્ટેજે હોતી નથી. તેને લઈને પરિણામે કેટલાં પ્રકારના ભોગવટા આવે છે. પણ આ ભોગવટામાં એટલું ય કોઈ વખત સમજાય કે વાણી બોલવામાં કંઈક ભૂલ થઈ છે, તેને પરિણામે વ્યવહાર બગડ્યો છે અને કોઈક વખત કશું સમજાય નહીં કે શા માટે અંદર ભોગવટો આવ્યા કરે છે ને ગુંચામણ થયા કરે.

વાણીમાં કોઈકને માટે એક અવળો શબ્દ બોલાઈ ગયો તો તે સામાને નુકસાન કરશે અને રિએક્શનમાં પોતાને પાર વગરનું નુકસાન કરશે એટલે બહુ મોટી જોખમદારી છે. તદ્ઉપરાંત અવળી વાણી બોલાવાથી પોતાના મનમાં લેપાયમાન ભાવો ઉત્પન્ન થઈ માણસને ખૂબ મૂંઝવે છે. ત્યાં એવી જાગૃતિ રાખે કે કોઈના માટે નેગેટિવ શબ્દ બોલાઈ ગયો તો તે વાત ઉપર ખૂબ પસ્તાવો કરે તો પછી જવાબદારી મટી જાય અને મન શાંત થઈ જાય. બાકી કોઈ માટે પોઝિટિવ શબ્દો ગમે તેટલા બોલાય તો સામાને સુખ આપે અને પોતાને ય સુખદાયી હોય! એટલે 'મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો' એવી ભાવનાથી વાણી ઊંચા પ્રકારની બનતી જાય.

દાદાશ્રીના પોતાના જીવનના અનુભવોનાં નિચોડ સ્વરૂપે આપણને કડવી વાણીમાંથી મધુરી વાણી થવાના કારણો અને એડજસ્ટમેન્ટો દેખાડી આપે છે. તે જીવનમાં ગોઠવણી કરીએ તો વાણીના પરિણામોના દુઃખ-ભોગવટાથી મુક્ત રહીને નવી સ્યાદ્વાદ મધુરી વાણીના કારણો સેવી શકાય.

છેવટનું વિજ્ઞાન તો એ છે કે 'પોતાની વાણી પોતે જ્યારે સાંભળ્યા કરશે ત્યારે મોક્ષ થશે.' હા, વાણી બંધ કરવા ગયા કે ફેરવવા ગયા તો મોક્ષ નહીં થાય. કારણ કે બંધ કરવા ગયા તો પાછાં બીજાં બીજ પડશે તેમાંથી નવું ઊગશે. વાણીને જોયા કરવાથી મોક્ષ ! આ જ્ઞાનદશાની છેલ્લી પ્રકારની જાગૃતિ છે !

જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાને વાણીનું અદ્ભૂત વિજ્ઞાન આપ્યું છે. જેમાં શબ્દોની કેવી અસરો થાય તેમજ વાણી મધુરી થવાના કારણો, તેના યથાર્થ ફોડ પ્રસ્તુત સંકલનમાં પ્રાપ્ત થાય છે. જેનો અભ્યાસ વાચકને વાણી ઉપર જાગૃતિ રાખવા ઉપકારી થશે.

દીપકના જય સચ્ચિદાનંદ

વાણી મધુરી થવાના કારણો...

'ઠીક'નું ઠીક, 'સારું'નું સારું !

હું 'જ્ઞાન' થતાં પહેલાંની વાત કહું છું. હું પચ્ચીસ વર્ષનો હતો, ત્યારે મારી તબિયત નરમ હોય ત્યારે કોઈ કહે કે, 'કેમ છે તમારી તબિયત ?' હું કહું કે, 'બહુ સારી છે.' અને બીજાને તબિયત સારી હોય અને આપણે પૂછીએ કે, 'કેમ છે તમારી તબિયત ?' ત્યારે એ કહે, 'ઠીક છે.' મેર અલ્યા, 'ઠીક છે' કહે છે, તે આગળ નહીં જાય. અલ્યા, કઈ જાતના રમકડાં છો તે ?!' 'ઠીક છે' કહે છે. એ 'ઠીક'ની બહાર કોઈ દહાડો જાય નહીં. તેને આખી જિંદગી 'ઠીક' રહે. જવાનીમાં 'ઠીક' બોલે, ઘૈડપણમાં 'ઠીક' બોલે, ત્યારે 'સારું' ક્યારે બોલશો ?

આ આટલી ઊધરસ આવે ને, તો ય 'સારું' ના બોલે, તો ક્યારે 'સારું' બોલશો ? વધારે ઊધરસ આવે ત્યારે કહીએ કે 'બહુ સરસ છે.' તે આવેલી ય જતી રહે તરત. એ કહ્યા કર્યા વગર જતી રહે છે. હવે આનો કાયદો ખોળી આપે તે ખરો. બંધ કોણ કરે છે એને ? આવી, એ તો જોઈ આપણે કે આ દુશ્મન છે પણ બંધ કોણ કરે છે ? કયા કાયદાએ જતી રહે છે ? જતી ના રહેતી હોય તો આવી કહેવાય, નહીં તો આવી કહેવાય જ નહીં ને ! મને લોક પૂછે છે, 'ઊધરસ મટી તમને ?' મેં કહ્યું, 'કયે દહાડે નહોતી થઈ, તે મટી ?' એ ક્યારેક આવે છે ને ક્યારેક જતી રહે. ત્યારે એને પૂછું છું કે, 'જવાની ઉતાવળ શું હતી હમણે ? કહ્યા કર્યા વગર શું કરવા જતી રહે છે ? રહે ને, અહીં આગળ વાંધો શો છે?' અને આત્માને એ ઊધરસ કંઈ હેરાન કરતી નથી. ઊધરસ આત્માને હેરાન કરે નહીં. આ દેહને જાગૃત રાખે એટલું જ.

એટલે પછી મેં 'ઠીક' શબ્દ ઊડાડી દીધો. આ શબ્દ નુકસાન કરે છે. આત્મા 'ઠીક' થઈ જાય પછી. 'બહુ સરસ' કહીએ, તે ઘડીએ આત્મા 'સરસ' થઈ જાય.

પક્ષાઘાત થઈ જાય, તે ઘડીએ 'બહુ સરસ છે' એમ કહેવું. હા, ક્યાં દર્દ ના થાય ? અપવાદ છે કશો ? કશું ના થાય ? અને આપણે એ બજારમાં જ રહેવું નથી, એ શું ખોટું ?! બજાર જોડે સોદો નહીં, બજાર જોડે લેણદેણ નહીં. એ ચોરબજાર છે, એમાં આપણા જેવા શાહુકારોનું કામ નહીં.

હીરાબાને એવું થયુંને તો બહાર લોક પૂછે કે 'કેમ છે હીરાબાને ?' તો કહું, 'સારું છે.' ફરી પેલો માણસ બપોરે આવે ને હીરાબા ઓ ઓ કરતાં હોય, તો કહીએ 'એ તો જરા ઘડીમાં તબિયત બગડે ને !' એટલે એ લાગણી ખાતર પૂછે છે. એને 'સારું છે' કહીએ તો આનંદ થાય ને બિચારો આનંદથી ચા પીએ !

'ઠીક છે' તો ક્યારેય ના કહીએ. ઠીક તો ઠીકાઠીક થઈ જાય. ઠીક હોય તો 'સારું' કહેવું ને જરા બગડેલું હોય તો 'બહુ સારું છે' કહીએ.

મહારાજને પૂછીએ તો 'ઠીક છે', કહેશે. 'શાતા છે' અને 'ઠીક છે', બેમાં બહુ ફેર છે. શાતા એટલે શાતા. શબ્દની મારામારી છે આ બધી, એક શબ્દ સારો બોલીએ, 'સારું છે'.

પ્રશ્નકર્તા : કો'કના માટે ના બોલવું હોય છતાં બોલાઈ જાય, તો કેમ બોલાઈ જાય છે ?

દાદાશ્રી : કો'કને માટે હોય, તે રાગ-દ્વેષને આધીન છે. એથી બોલાઈ જાય છે અને બીજું સામાન્ય તબિયતનું ય છે તો કહીએ છીએ, 'ઠીક છે.' તે ભાષા શા માટે બગાડો છો ? સામો શા માટે પૂછે છે ? લાગણીથી. લાગણીવાળાને 'સારું છે' કહીએ, તો આનંદ થાયને !

અમે હંમેશાં 'સારું છે' કહીએ. આખું ઘર બળી ગયું હોય તો પૂછે કે 'આખું ઘર બળી ગયું હશે ને ?' તો કહીએ, 'ના, જરા સંડાસ બળી ગયું છે.' અમે આખો કેસ આવું કહીને ઊંચે મૂકી દઈએ. આવું કહીએ તો એને આનંદ થાય ને !

જરા કોળીયો જ જમવામાં ખવાયું હોય ને તો ય કહીએ, ના, જમીને આવ્યા. ત્યારે આ લોક કોઈ પૂછે તો કહે કે 'ના, આજે તો જરાય ખવાયું નથી. એક કોળીયો જ ખાધું છે.' મૂઆ, એની પાસે તો સારું કર. એટલે આવું શબ્દે શબ્દે ગાડી ઊભી રાખીએ તો ? એટલે કાઠિયાવાડી કહે છે ને, 'હાલવા દો, હાલવા દો.' કોઈ બેસી રહેતાં હશે ?

'જો-તો' ન ખપે ડિક્ષનેરીમાં !

'જો આમ થાય, તો આમ' એ 'જો-તો' વાળા વાક્ય આપણે ત્યાં માઈનસ કરેલા છે. 'આમ થાય, તો આમ' એ બધું વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. એ બબૂચક લોકોનાં વાક્ય છે. જેને સંસાર પણ સમજ પડતો નથી, તેનાં વાક્યો છે. 'આમ કર્યું હોત તો આમ થાત.' અલ્યા, જે થયું તેને ગા ગા કરને ! આ કંઈથી લાવ્યો છે ? સંસારમાં ય કોઈ આવું ના વાપરે. હું નાનપણથી સમજી ગયો હતો, કેટલું ભયાનક વાક્ય છે 'જો-તો' ! એ વાક્ય એ અહંકારનો ફોટો છે. કશું કોઈ રીતે હેલ્પ કરતું નથી.

બોલે તેવું થઈ જાય !

પ્રશ્નકર્તા : કોઈ એક કામ કરતાં હોઈએ અને એમાં એમ થાય કે 'આ નથી કરવું ?' તો એનાં શું પરિણામ ?

દાદાશ્રી : પેલો મારીને બેસાડે તો કરવું પડે. કરાર હોય એવો તો મારીને બેસાડે પેલો.

પ્રશ્નકર્તા : આ બોલ્યા, એનું શું ફળ આવે ?

દાદાશ્રી : માર પડે. કરાર હોય ને આપણે આવું બોલ્યા.

પ્રશ્નકર્તા : માર એટલે શું ? સફોકેશન થાય?

દાદાશ્રી : 'બેસને, નહીં તો આપું છું' કહેશે. કયા કામોની વાત કરો છો ?

પ્રશ્નકર્તા : કોઈ એક કામ કરતાં હોય ને પોતે કહે, 'હવે આ કામ નથી કરવું.' તો એનું ફળ શું આવે ?

દાદાશ્રી : પછી મોડેથી કરવું પડે. કરાર હોય તો કરવું પડે. એ તો છૂટકો જ થાય નહીં ને !

પ્રશ્નકર્તા : પાછો થોડા વખત પછી કહે કે, 'આ કામ મારે કરવું જ જોઈએ.'

દાદાશ્રી : એ તો કરે જ. પણ એ મૂડમાં ના હોય તો છોડી દે ને પછી મૂડ આવે ત્યારે કરે પાછો. મૂડ ના જોઈએ ? મૂડની જરૂર ખરી કે નહીં ?

પ્રશ્નકર્તા : હા, એટલે બોલવાની અસરો થાય ખરી ને ?

દાદાશ્રી : બોલવાની તો બધી બહુ અસરો થાય. જેવું એ બોલે ને, એવો એ થઈ જાય. 'હું નાલાયક છું' બોલે તો નાલાયક થઈ જાય.

પ્રશ્નકર્તા : 'કામ નથી કરવું' એમ બોલે, તો એમાં શું થઈ જાય ?

દાદાશ્રી : પછી આળસ આવી જાય. એની મેળે જ આળસ આવે અને 'કરવું છે' કહે તો આળસ બધું ક્યાંય જતું રહે. 'કરવું છે' બોલે કે પાછો હોંશિયાર થઈ જાય, ઊંઘ આવતી હોય તો ય ઉડાડી દે, ચૂંટી ખણીને ઉડાડી દે હડહડાટ.

'વ્યવસ્થિત'ને વધાવતાં...

એક બેન આવેલી. તે કહે છે, 'મારું લગ્ન થયું છે, પણ મને એ રસ્તો પસંદ નથી. મને આ ધર્મના રસ્તામાં જ જવાનું વધારે ગમે છે.' ત્યારે મેં કહ્યું, 'હા, પણ એ પસંદ નથી એવું કરવાથી શું ફાયદો ?' ત્યારે એ બેન કહે છે, 'પસંદ નથી એ તો રહેવાનું જ, પણ ભક્તિ વધારે કરવાની.' મેં કહ્યું, 'પસંદ નથી પણ એ રહેવાનું એ વાતની તો ખાત્રી છે ને ?' ત્યારે એ બેન કહે છે, 'હા.' મેં કહ્યું કે જે રહેવાનું હોય તે 'પસંદ નથી' એવું ના બોલવું. 'મારું લગ્ન થયું એ મને બહુ ગમે છે' એવું બોલવામાં શું વાંધો ? આપણે જે જે કસોટીમાં આવ્યા ત્યાં આપણે કહીએ કે 'બળ્યું, આ દુઃખમાં હું ક્યાં સપડાયો ? આ દુઃખમાં સપડાયો.' તેનાથી દુઃખ વધે. અને આપણે દુઃખમાં સપડાયા ને ત્યાં આગળ આપણે કહીએ કે, 'ના, અહીં અનુકૂળ છે. સારું અનુકૂળ છે.' તો અનુકૂળ થાય. માટે પાંસરું બોલવું.

આ જે જે એડજસ્ટમેન્ટ નેચર તમને કરાવે, તેને તમે સારું બોલશો તો તમારો છૂટકારો થશે. નહીં તો તમે ખરાબ બોલશો તો તમારો છૂટકારો નહીં થાય. એટલે આપણે મનમાંથી કાઢી નાખવું કે મને આ સંસારમાં દુઃખ છે કે એવું તેવું કશું છે. જે છે, દેવતા અડ્યો તો દઝાવાશે, બરફ અડ્યો તો ટાઢું લાગશે, એમ અસરો થયા કરવાની. એમાં દેવતાને વગોવ વગોવ કરીને શું ફાયદો કરવાનો છે ? બરફને વખાણ વખાણ કરીએ, તેમાં આપણને લાભ થાય કશો ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : ત્યારે દેવતાને વગોવ વગોવ કરીએ તો ? એના કરતાં આપણે ભાંજગડ જ મૂકી દો ને!

અસરો, નારા લગાડ્યાની !

આ 'સચ્ચિદાનંદ' શબ્દ બોલવાથી ઘણી ઈફેક્ટ થાય છે. સમજ્યા વગર બોલે તો ય ઈફેકટ થાય છે. સમજીને બોલે તો ઘણો લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે. બધું સાયન્ટિફિક છે.

બાકી જ્ઞાની પુરુષ એકલાં જ માનસિક અસરથી જગત ઉપર ફરી વળે. આ ભ્રષ્ટાચાર વિરુધ્ધ પદો એક લાખ માણસ વાણીથી બોલે ને, તો ભ્રષ્ટાચાર તૂટવા જ માંડે. આ બધું તેથી ગા ગા કરવાનું ને ! એટલે પછી આ ભ્રષ્ટાચારનાં જે ઝાડ છે ને, તે બધાં પાંદડા-બાંદડાં સૂકાવા માંડે. ખાલી આટલું જ સાયન્સ છે. એ ઝાડને ક્શું કાપવાની જરૂર નથી. શુધ્ધભાવે વાણી નીકળી, તે કામ કર્યા કરે. માનસિક તો લોકો કરી શકે નહીં. એ જ્ઞાની પુરુષ એકલાનું જ કામ છે. બાકી, સામાન્ય જનતા તો વાણીની જ અસર કરી શકે. એટલે ભ્રષ્ટાચાર વિરોધીના પદો ગા ગા કરો એટલે બધાં પરમાણુ ફર્યા જ કરે છે અને વર્લ્ડમાં એને જ્યારે, હજાર વર્ષ પછી કોઈ પકડનારો હોયને સાયન્ટિફિકલી, તો પકડી શકે પાછાં એ શબ્દો. એવું આ જગત છે.

પ્રકૃતિને વગોવી નથી કદી....

બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે, એ વાતમાં માલ નથી. પદ્માસન વાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસન વાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું.

કારણ કે પ્રકૃતિને મેં કોઈ દહાડો વગોવી નથી. એનું વગોણું કોઈ દહાડો કર્યું નથી. અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે, એનું અપમાન કરશો તો એની અસર થશે. આને (જડને) અપમાન કરો તો અસર થાય છે. શું અસર થાય છે ? ત્યારે કહે, બીજો પડઘો તમને જ પડે છે અને પ્રકૃતિ થોડી જીવતી છે, મિશ્રચેતન, એટલે થોડો ઓછો પડઘો પડે. એટલે અપમાન તો ન કરાય.

જોખમદારી જાણી લેવી સારી !

પંદર વરસ ઉપર આપણે કોઈ માણસ જોયો હોય, તેને આજે જોઈએ તો ય તે આપણને ફરી યાદ આવે કે જોયેલો હતો, એવું આ મશીન છે.

પરમાણુ પરમાણુમાં ટેપ કરવાની શક્તિ છે. આંખોને ફિલમ ઊતારવાની શક્તિ છે. મહીં પાર વગરની શક્તિ છે. આ એક મહીંની મશીનરી પરથી આ બીજી બધી પાર વગરની મશીનરીઓ બને છે. એટલે આ મશીન જબરજસ્ત પાવરફૂલ છે.

આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરા ય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે 'આ નાલાયક છે', તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનુંય ના બોલાય, અક્ષરેય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય એવી આ મશીનરી છે. બોલવું હોય તો સારું બોલજો કે 'સાહેબ, તમે બહુ સારા માણસ છો.' સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.

પ્રશ્નકર્તા : કડવું તો જોઈતું જ નથી.

દાદાશ્રી : તમને કડવું ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય તો બોલશો નહીં. કોઈ મારે તો ય એને કડવું ના કહેશો. એને કહીએ કે 'તારો ઉપકાર માનું છું.' કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે તમારી વાણી ના બગાડો.

જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય એવી છે. તેનો જશ સારો મળે.

ન ઘટે પ્રતિપક્ષી ભાવ !

સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું. આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. તારામાં નબળાઈ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.

પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ?

દાદાશ્રી : ખરાબ ભાવ ના આવવો જોઈએ, એ વાત ખરી છે. ભાવમાં આવે છે, તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને, તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય અને એવું, ત્યાં સુધી તમારે પણ આવવાનું છે.

એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે.

આપણે કાગળમાં કોઈના માટે કશું ખોટું લખાઈ ગયું હોય. પણ એ કાગળ નાખ્યો નથી ત્યાં સુધી ફરી પાછું નીચે લખી શકાય કે 'ઉપર તમારા માટે બે શબ્દ ખરાબ લખી નખાયા છે તે, તે ઘડીએ મારા મગજમાં કંઈ ગાંડપણ ભરાયું હશે તેથી લખાયું. માટે માફ કરજો.' આવું લખો તો બધું માફ થઈ જાય. પણ તે ઘડીએ આમની આબરૂ જાય, એટલે ના લખે. આ આબરૂદારના કટકા બધા ! કેટલાંય કપડાં રાખે ત્યારે આબરૂ રહે છે. તે ય પાછું ફાટ્યું હોય તો સાંધવું પડે, કપડું મેલું થયું હોય તો કકળાટ માંડે કે 'મારી સફેદ ટોપી ધોઈ જ નથી તમે, નાવડી છાપ પહેરતો હતો તે ? ઈસ્ત્રી કેમ ના કરી ?' હવે ઈસ્ત્રી માટે કકળાટ માંડે. શેનાં હારુ આબરૂ રાખે છે આ ? નાગો ફરું તો ય લોક પૂજા કરે એવી આબરૂ ખોળી કાઢ.

મહીં અનંતી શક્તિઓ છે. જેવી ફેરવવી હોય તેવું ફેરવી શકો તેમ છો, રસ્તો જાણવાની જરૂર છે.

લશ્કર, લેપાયમાન ભાવોનું !

એક માણસને તમે કહો કે 'તમે જૂઠા છો.' તો હવે 'જૂઠા' કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. માટે શબ્દ બોલાય જ નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો. 'તમારે બોલવું જ નહીં' એવું તો આપણે કહી શકાય નહીં. કારણ કે વ્યવસ્થિત છે ને ! પણ બોલાય તો પ્રતિક્રમણ કરો. એ આપણી પાસે સાધન છે.

અત્યારે આ સત્સંગમાં જે પદ ગવાય છે, તે રાત્રે ઘેર સૂતાં સૂતાં આવાં જ રાગમાં સંભળાય છે કે નહીં ? તે ઘડીએ કોઈ ગાતું હોય તે આપણને સંભળાય છે ! આના જેવું જ સંભળાય. રાગે ય આવો, બધું તાલમાં. પણ એ વાત સાચી છે કે ખોટી છે ?

પ્રશ્નકર્તા : સાચી વાત છે.

દાદાશ્રી : પણ સાચી ય નથી એ. એવું છે, આપણે કો'કને કહી દીધું કે 'તમે નાલાયક છો. તમે નાલાયકી કરી. આ ન હોવું જોઈએ.' અને બીજે દહાડે પછી આપણે સમભાવે નિકાલ કરવા જઈએ તો ય મહીં બીજા ભાવ બોલ બોલ કરે કે ?

પ્રશ્નકર્તા : હા, બોલ બોલ કરે ને !

દાદાશ્રી : શું શું બોલે એ ?

પ્રશ્નકર્તા : એ તો છે જ એવો, પણ હવે આપણે જવા દો ને, ભઈ.

દાદાશ્રી : 'નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે.' એ બધા બોલનારા કોણ આ ?

પ્રશ્નકર્તા : ખબર નથી.

દાદાશ્રી : આ બધા પડઘા છે. એ તમે આગલે દહાડે અભિપ્રાય આપ્યો ને, તેનું ફળ છે આ. આપણે પેલું કહ્યું ને, કે તમે નાલાયક છો. તમે નાલાયકી કરી એવી વાણી નીકળી, એટલે પેલા લેપાયમાન ભાવો મહીં તૈયાર થઈને બેસી રહ્યા હોય, તે જેવી આપણી વાણી હોય એવા બધા એ લેપાયમાન ભાવો ઊભા થઈ જાય. 'બહુ ખરાબ છે, આમ છે ને તેમ છે' ને જાતજાતનું મહીં લેપાયમાન ભાવો આપણને કહ્યા કરે. એ કુદરતી રીતે ઊભા થાય છે. કારણ કે આપણે બહાર બોલ્યા, તેના પરિણામ રૂપે એ ભાવો પુદ્ગલમાંથી ઊભા થાય છે. હવે એને અધ્યવસન કહે છે. તે જગત આખું અહીં જ ફસાઈ જાય છે, આ જ જગ્યાએ એમનું મરણ છે.

સવળા ભાવોની સવળી અસરો !

મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય ? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે. લેપાયમાન ભાવો એટલે આપણે લેપાવું ના હોય તો ય એ લેપાયમાન કરી દે. એથી અમે કહીએ છીએ ને, કે 'મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.' એ લેપાયમાન ભાવોએ જગત આખાને લેપાયમાન કર્યું છે અને એ લેપાયમાન ભાવો એ ખાલી પડઘા જ છે અને તે નિર્જીવ છે પાછાં. એટલે તમારે એનું સાંભળવાનું નહીં.

પણ તે એમ ને એમ જાય એવાં ય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. તો ઉપાય શો કરશો ? આપણે શું કરવું પડે ? પેલા અધ્યવસન બંધ કરવા માટે ? 'એ તો મારા ઉપકારી છે' એવું તેવું બોલવું પડે. હવે તમે એવું બોલશો ત્યારે એ અવળા ભાવો બધા બંધ થઈ જાય, કે આ તો નવી જાતનું 'ઉપકારી' કહે છે પાછાં. એટલે પાછાં ટાઢા પડી જશે. !

કેટલાંકની પાછળ બહુ બહુ લેપાયમાન ભાવ હોય, આપણે બંધ કરવા હોય તો ય બંધ ના થાય. આ તો દુનિયા જ એવી છે. આ તો સાવ વગર કામનું મહીં છે જ નહિ. આખું તોફાન જ આનાથી ચાલી રહ્યું છે. આ મન-વચન-કાયાના લેપાયમાન ભાવોથી જ ચાલી રહ્યું છે આ જગત.

પ્રશ્નકર્તા : આપે તો બહુ મોટું હથિયાર આપ્યું.

દાદાશ્રી : હા, એટલે આ જે હોય તે તમે સમજી જજો. ગભરાશો નહીં. એ છોને આવે.

તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ થઈ જાય.' 'અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં કહી દીધું, પણ તમે શું કરવા ભસ ભસ કરો છો ?' એટલે આપણે કહીએ કે, 'ના, ના. એ તો લાભદાયી છે.' ત્યાર પછી એ બધા ભાવો બેસી જાય પાછાં.

અવળી વાણીની અસરો અનેકગણી !

આ પેલાં તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં ?

પ્રશ્નકર્તા : ઘણાં વાગે.

દાદાશ્રી : એક જ ખખડાવો તો ય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાંય શબ્દો ઊભાં થઈ જાય છે. એને ભગવાને અધ્યવસન કહ્યા. અધ્યવસન એટલે ના બોલવા હોય, તો ય તે ઊભાં થઈ જાય બધાં. પોતાને બોલવાનો ભાવ થઈ ગયોને, એટલે પેલાં એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોયને તે બધી ઊભી થઈ જાય, ઇચ્છા નથી તો ય ! અધ્યવસન એટલાં બધાં ઊભાં થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે અક્રમ વિજ્ઞાન મૂક્યું. કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે ! કોઈ પણ બુધ્ધિશાળી માણસ આ પઝલનો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.

'તમે નાલાયક છો' એવું બોલીએને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ. પણ આનાં જે પર્યાય ઊભાં થાય, તે તમને બહુ દુઃખ આપે અને તમે કહો, બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો. તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને શાંતિ થઈ ગઈ. તમને ય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને !

દુનિયામાં કોઈને 'અક્કલ વગરનો' કહેશો નહીં. 'તું ડાહ્યો છે' એવું જ કહેજો તો તમારું કામ થશે.

પ્રશ્નકર્તા : આપણે પાંચ મિનિટ સુધી કડક બોલ્યા હોઈએ, પછી એની પાછળની ઈફેક્ટો બીજી પચાસ મિનિટ ખાઈ જાય છે.

દાદાશ્રી : એ તો ખાઈ જાય ને ! તમે એક શબ્દ બોલો કે 'આ નાલાયક છે', તો 'લાયક'નું વજન એક રતલ હોય ને 'નાલાયક'નું વજન ચાલીસ રતલ હોય છે. એટલે 'લાયક' બોલશો એનાં સ્પંદન બહુ ઓછાં થશે, હલાવશે ઓછું અને 'નાલાયક' બોલશો તો ચાલીસ રતલ હલાહલ કરશે. બોલ બોલ્યા એનાં પરિણામ !

પ્રશ્નકર્તા : એટલે ચાલીસ રતલનું પેમેન્ટ ઊભું.

દાદાશ્રી : છૂટકો જ નહીં ને !

પ્રશ્નકર્તા : પછી અમારે બ્રેક કેવી રીતે લાગે ? એનો ઉપાય શું ?

દાદાશ્રી : 'આ વાણી ખોટી છે' એવું લાગે એટલે દહાડે દહાડે ફેરફાર થતો જાય.

પ્રશ્નકર્તા : એ પણ મશીનગન ફૂટી ગયા પછી ખોટી લાગે છે.

દાદાશ્રી : ના, પણ પછી ય ખોટી લાગે છે ને ? એમ કરતાં કરતાં રાગે આવશે.

પ્રશ્નકર્તા : પણ એ રાગે આવવાનું ક્યારે પતશે ?

દાદાશ્રી : અરે, પેલું તો અબજ અવતારે ય ઠેકાણું ના પડે ને આ તો થોડા વખતમાં જ ઠેકાણું પડી જશે.

એટલે આપણે તો કહીએ છીએ કે 'ભઈ, બોલતી વખતે પુરુષાર્થમાં રહેવું. બોલતા પહેલાં વિચાર કરજો. અને પુરુષાર્થ છે, તમે પુરુષાર્થ ધર્મમાં આવેલા છો. કંઈ કરી શકો એમ છો.'

જવાબદારીવાળું જગત !

ન્યાય-અન્યાય જોવાવાળો તો બહુ જણને ભાંડે. એ તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો એક થર્મોમીટર છે જગતનું કે કોને કેટલો તાવ ઊતરી ગયો ને કેટલો ચઢ્યો ?! જગત ક્યારે ય ન્યાયી બનવાનું નથી અને અન્યાયી ય થઈ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.

આ જગત છે, ત્યારથી આવું ને આવું જ છે. સત્યુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા. તો અત્યારે ના હોય ? આ તો ચાલ્યા જ કરવાનું. આ મશીનરી એવી જ છે પહેલેથી. એને ગમ પડતી નથી, પોતાની જવાબદારીઓનું ભાન નથી, માટે બેજવાબદારીવાળું બોલશો નહીં. બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં. બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઈનું સારું કરવું હોય તો કરવા જજો. નહીં તો બૂરામાં પડશો જ નહીં ને બૂરું વિચારશો નહીં. બૂરું સાંભળશો ય નહીં કોઈનું. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ! ને કેટલાંય અવતારથી ભટક ભટક કરે છે.

શાસ્ત્રોએ કહ્યું કે ખરાબ બોલશો નહીં, ખરાબ વિચારશો નહીં. આપણે વિચારીએ કે આ આવું શા માટે ગા-ગા કરતાં હશે ? આ મશીનરી જ એવી છે કે બધું ટેપ થઈ જાય. પછી જ્યારે પુરાવા ભેગા થાય ત્યારે ફજેતો થાય.

પ્રશ્નકર્તા : પુરાવા સંયોગો રૂપે બહાર આવે?

દાદાશ્રી : હા, સંયોગ ભેગા થાય ત્યારે બહાર આવે અને કેટલાંક પુરાવા તો આપણને મહીં ને મહીં હેરાન કરે. તે ય પણ મહીં સંયોગો ભેગા થાય ત્યારે. એ અંદરના સંયોગો કહેવાય. એ 'સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે.

ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને ! આ તો એમ ને એમ જ છે ને ! નાનાં છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી-બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે ? અલ્યા, મહીં ટેપ થાય છે, તેનું શું ? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે !

આ કાળમાં કોઈને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવતાં આવડે તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તો ય જવાબદારી ના આવે. માટે 'પોઝિટિવ' રહેજો. જગતમાં પોઝિટિવ જ સુખ આપશે અને નેગેટિવ બધું દુઃખ આપશે. માટે કેટલી બધી જોખમદારી છે ?!

'કોડ' બદલાવવાની કળા !

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતનાં ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે ?

દાદાશ્રી : ના. એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. અને પછી આજે શું થાય ? છપાયા પ્રમાણે જ વાગે.

પ્રશ્નકર્તા : પાછું અત્યારે બોલીએ, તે વખતે જાગૃતિ રાખીએ તો ?

દાદાશ્રી : અત્યારે તમે કોઈને દફડાવો. પછી મનમાં એવું થાય કે 'આને દફડાવ્યો, તે બરાબર છે.' એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો. અને 'આને દફડાવ્યો, તે ખોટું થયું.' એવો ભાવ થયો, તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. 'આ દફડાવ્યો, એ બરોબર છે.' એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. અને 'આ બહુ ખરાબ થઈ ગયું, આવું ના બોલવું જોઈએ, આવું કેમ થાય છે ?' એવું થાય તો કોડ નાનો થઈ ગયો.

પ્રશ્નકર્તા : હવે 'આ બરોબર કર્યું' એવું ય ના થાય ને 'બરોબર ના કર્યું' એવું ય ના થાય, તો પછી કોડ ઊભો થાય ?

દાદાશ્રી : એ તો મૌન નક્કી કરીએ તો મૌન થઈ જાય.

પ્રશ્નકર્તા : ઘણી વખત મોઢેં ના બોલાય, પણ અંતરવાચા હોય ખરી ને ? મહીં અંદર ભાવ બગડ્યા કરે, તેનું શું ?

દાદાશ્રી : તમારે પોતાની જાતને અંદર કહી દેવાનું કે 'આવું ખોટું ના હોવું જોઈએ. આવું સુંદર હોવું જોઈએ.'

પ્રશ્નકર્તા : પછી સુંદરનો કોડ આવી જાય ને?

દાદાશ્રી : સુંદરનો કોડ તો આવે જ ને !

પ્રશ્નકર્તા : તે પાછો નવો કોડ થાય, તેના માટે નવો દેહ ધારણ કરવો પડે ? એના કરતાં કોડ જ ના થાય એવું અમારે જોઈએ.

દાદાશ્રી : આ તો એકાદ ભવ પૂરતું જ છે. આગળ તો તમારા કોડ આવા રહેવાનાં જ નથી.

જેની આજે ખરાબ ભાષા નથી, તે લોકોએ કોડ બદલ્યો નથી અને જેની ખરાબ ભાષા છે, તેમણે કોડ બદલ્યા છે. એટલે પેલા કાચા પડી ગયા છે ને આ પાકાં થયા છે. જે કહે કે 'દાદા, મારી આ વાણી ક્યારે સુધરશે ?' ત્યારથી આપણે ના સમજીએ કે આ કોડ બદલે છે ?

પ્રશ્નકર્તા : જેને મોક્ષે જવું હોય, તેને તો કોઈ કોડ દાખલ જ નહીં કરવાનો ને ? એના માટે શું કરવું ?

દાદાશ્રી : મોક્ષમાં જતાં સુધી કશી હરકત થાય તેમ નથી. મોક્ષે જતાં જેવા કોડ જોઈએ, તે આવતા ભવમાં ઉત્પન્ન થશે. અત્યારે મને પૂછીને જેટલો માલ ભરે, તેનો આવતા ભવમાં પછી એવો જ કોડ ઉત્પન્ન થશે.

પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીના કોડ કેવાં હોય છે ?

દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય. ઝાડનું ય પ્રમાણ ના દુભાય. એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય.

નિઃસ્પંદને સ્થંભિત ટેપીંગ !

પ્રશ્નકર્તા : જેને ટેપ જ ના કરવું હોય, તેના માટે શું રસ્તો ?

દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આ ય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : હવે આવું ક્યાં સાંભળવાનું મળે ? જ્ઞાની સિવાય આવી બધી વાતો બીજે ક્યાં સાંભળવા મળે ?

દાદાશ્રી : તે આવી વાતો સાંભળે ત્યારે જ મનમાંથી બધો રોગ નીકળી જાય. જે અનાદિકાળનો સંસારરોગ છે ને, પાછો ક્રોનિક થયેલો છે. તે આવું કહીએ ત્યારે ક્રોનિકપણું તૂટી જાય અને આ તો વિજ્ઞાન છે ખાલી ! વિજ્ઞાન સમજી લેવાનું છે. આમાં ક્શું કરવાનું નથી, સમજવાનું જ છે.

પ્રતિક્રમણ પમાડે સ્યાદ્વાદ વાણી !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જ જન્મમાં જ?

દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે ! અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે, એનું કારણ જ પ્રતિક્રમણ છે. વ્યવહાર શુધ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહાર શુધ્ધિ પહેલી હોવી જોઈએ.

કારણો, કર્કશવાણી કેરાં !

પ્રશ્નકર્તા : ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યુપોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી વાણી કર્કશભરી નીકળે ?

દાદાશ્રી : એ દેખાયા કરતું હોય તેથી જ અવળું થાય છે ને ! એ પૂર્વગ્રહો ને એ બધું જ નડે છે ને ! 'ખરાબ છે, ખરાબ છે' એવો પૂર્વગ્રહ થયેલો તે પછી વાણી નીકળે તો એવી ખરાબ જ નીકળે ને!

પ્રશ્નકર્તા : એટલે એ અભિપ્રાયો જ ચેન્જ કરી લેવા.

દાદાશ્રી : એ પૂર્વગ્રહો છે બધા. પૂર્વગ્રહ બંધ કરવા માટે આવી રીતે વાણી બોલતાં પહેલાં પરવાનગી લઈને કામ કરો તો ચાલે. અને જોડે જોડે આ જ્ઞાન પછી 'સમભાવે નિકાલ' કરતાં જાય તેમ તેમ પૂર્વગ્રહો ય ઓછાં થઈ જાય ને પછી બોલે, તે પૂર્વગ્રહરહિત બોલે.

જેને મોક્ષે જવું હોય, તેણે 'આમ કરવું જોઈએ કે તેમ ના કરવું જોઈએ' એવું ના હોય. જેમ તેમ કરીને પતાવટ કરીને ચાલવા માંડવાનું. એમાં પકડી ના રાખે. જેમ તેમ કરીને ઉકેલ લાવે.

એ પ્રયોગે ફરી વાણી !

પ્રશ્નકર્તા : આચાર-વિચાર ને ઉચ્ચાર, એ નાનપણથી જ જો સુધારે-સચવાય તો સારું પરિણામ આવે ને ?

દાદાશ્રી : જુવાનીમાં વધારે અસરકારી હોય ને ! એ તો એના જ્ઞાનમાં રહેવું જોઈએ ને પછી નિશ્ચય થવો જોઈએ, એટલે એની મેળે થયા કરે.

એક જણને વાણી સુધારવી હતી. આમ ક્ષત્રિય હતો અને બંગડીઓનો વેપાર કરતો'તો. હવે એ બંગડીઓ અહીંથી બહારગામ લઈ જાય. તે શેમાં ? ટોપલામાં લઈ જાય. ટોપલો માથે ઊંચકીને ના લઈ જાય. એક ગધેડી હતી ને, તેની પર આ ટોપલું બાંધીને બહારગામ લઈ જાય. ત્યાં આગળ એ ગામમાં બધાને બંગડીઓ વેચીને પછી રાતે વધી એ પાછો લઈને આવતો રહે. એ વારે ઘડીએ પેલી ગધેડીને કહે છે 'હત્ ગધેડી, ચાલ જલદી' આમ કરતો કરતો હાંકીને જાય ને, તે એક જણે એને સમજણ પાડી કે, 'ભઈ, તું આ ત્યાં આગળ ગામોમાં ક્ષત્રિયાણીઓને બંગડીઓ ચઢાવે છે. તે અહીં તને આ ટેવ પડી જશે ને ત્યાં કોઈક દહાડો ગધેડી બોલીશ તો મારી મારીને તારું તેલ કાઢી નાખશે તે લોકો.' ત્યારે એ કહે છે, 'વાત તો સાચી છે. એક ફેરો હું એવું બોલી ગયેલો. મારે પસ્તાવું પડ્યું'તું.' ત્યારે પેલો કહે છે, 'તો તું એ ટેવ જ બદલી નાખ.' 'શી રીતે બદલી નાખું ?' ત્યારે પેલો કહે છે, 'ગધેડીને તારે કહેવું કે હેંડ બા, હેંડ બા, બેની હેંડો.' હવે એવી ટેવ પાડી એટલે ત્યાં આગળ 'આવ બા, આવ બા' એમ તેમ એણે ફેરવી નાખ્યું પણ. 'આવ બા, આવ બા' કરવાથી ગધેડીને એની પર આનંદ થઈ જવાનો છે ? પણ એ ય સમજી જાય કે આ સારા ભાવમાં છે. ગધેડી ય એ બધું સમજે. આ

જાનવરો બધું સમજે, પણ બોલે નહીં બિચારાં.

એટલે આમ ફરે ને ! પ્રયોગ કંઈ કરીએ તો વાણી ફરે. આપણે જાણીએ કે આમાં ફાયદો છે ને આ નુકસાન થઈ પડશે તો ફેરફાર થાય પછી.

તો જ વરે સાહજિકતા !

પ્રશ્નકર્તા : અમારી વાણીમાં તો સાહજિકતા નથી. એને છૂટી મૂકી દઈએ છીએ તો મારામાર કરે છે અને બ્રેક મારીએ છીએ તો અંદર તોફાન થાય છે.

દાદાશ્રી : તમારે કશું કરવાનું નહીં. છૂટી મૂકવાની નહીં કે બ્રેક મારવાનું નહીં. એ તો ખરાબ બોલાય ત્યારે આપણે 'ચંદુભાઈ'ને એમ કહેવું કે, 'ચંદુભાઈ આવું ના શોભે. અતિક્રમણ તમે કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો. 'આપણે' તો છૂટા જ રહેવાનું. કર્તા 'ચંદુભાઈ' છે અને 'તમે' જ્ઞાતા-દ્રષ્ટા છો. બેનો વ્યવહાર જ જુદો છે.

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી 'ચંદુભાઈ'નું કામ બરાબર એક્ઝેક્ટ થાય ?

દાદાશ્રી : બહુ સુંદર એક્ઝેક્ટલી આવી જાય છે.

પ્રશ્નકર્તા : કંઈ પ્રયત્ન કર્યા વગર એકઝેક્ટલી આવી જાય ?

દાદાશ્રી : પ્રયત્ન કરવાથી જ બગડે છે. 'ચંદુભાઈ' બધો પ્રયત્ન કરશે. આ હું ટેપરેકર્ડ શાથી કહું છું ? એ સાહજિક વસ્તુ છે. એમાં હું હાથ ઘાલતો નથી. એટલે પછી ભૂલ વગરની નીકળે છે. આવી કેટલીય 'ટેપો' ભરાઈ છે અને તમારે એક 'ટેપ' ભરવાની હોય તો ઊંધું-ચત્તું કરી લાવો. કારણ કે સાહજિકપણું છે નહીં. સાહજિકપણું આવવું જોઈએ ને ?

સાહજિકપણા માટે પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો સાહજિકપણું આવે. જે કર્તા છે, એને કર્તા રહેવા દો અને જ્ઞાતા છે, એને જ્ઞાતા થવા દો. 'જેમ છે એમ' થવા દો, તો રાગે પડી જાય. આ જ્ઞાનનું સરવૈયું જ એ છે.

બંને પોતપોતાની ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે અને 'ચંદુભાઈ' 'ચંદુભાઈ'ની ફરજ બજાવે. જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ રહેવો જોઈએ. દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનચાળા છે, એ દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવું જોઈએ. પણ તે ય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ. કઠોર બોલવું કે મધુરી વાણી બોલવી, એ બધાં વાણીનાં ધર્મો છે અને આ પાંચ ઇન્દ્રિયોનાં ધર્મ, આ બધા ધર્મને જાણ્યા કરવું. એ જ કામ કરવા માટેનો આ મનુષ્ય અવતાર છે. એ બધા ધર્મો શું કરી રહ્યા છે, એને જાણ્યા કરવું. બીજી બાબતમાં પડવા જેવું નથી.

અને ત્યારે જ મનની સહજતા, વાણીની સહજતા, શરીરની સહજતા આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતો છૂટતો સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ જ છે અને આની સહજતા આવી ગઈ. સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્માત્ર અહંકાર ના હોય !

પ્રતિક્રમણથી ચોપડો ચોખ્ખો !

પ્રશ્નકર્તા : મારે નહોતું બોલવું છતાં જે બોલાઈ જવાયું, એ જે બોલાઈ જવાય છે એ ચંદુભાઈનો વિભાગ છે અને આવું નહોતું બોલવું જોઈતું એ જે કહે છે, એ શું આત્માનો વિભાગ છે?

દાદાશ્રી : બરોબર છે. કારણ કે એ જ્ઞાનનો વિભાગ છે. પણ ચંદુભાઈનો વિભાગ તમે જાણો ને?

પ્રશ્નકર્તા : પણ એવું બોલાઈ જાય પછી એમ થાય કે આપણે નકામું બોલ્યા.

દાદાશ્રી : હા. એટલું ભાન થાય કે આ નહીં બોલવું જોઈએ એવું, તો ય ડાઘ છૂટી જાય.

પ્રશ્નકર્તા : પાછળથી કહેશે, આ બોલવામાં ફાયદો નથી.

દાદાશ્રી : બોલવામાં ફાયદો ના હોય, છતાં બોલી જવાય. પણ બોલી જવા ઉપર 'આ ખોટું થાય છે' એવું સમજાય તો ય બહુ થઈ ગયું. તો ય ડાઘ ના પડે.

પ્રશ્નકર્તા : આવી કડક વાણી નીકળે છે, એના માટે બહુ બહુ ખેદ રહે છે કે આવું ના હોવું ઘટે આપણે.

દાદાશ્રી : નાનપણમાં હઉ ખેદ રહેતો હતો ?

પ્રશ્નકર્તા : ના, કશું નહીં.

દાદાશ્રી : ત્યારે ખેદ કોણે મૂક્યો ? એ સ્ટેશન તેં નવું બનાવ્યું એવું મને લાગે છે ! તે સ્ટેશનો કોણે બાંધ્યા પણ ખેદના ?!

પ્રશ્નકર્તા : આપે જ્ઞાન આપ્યું પછીથી થયું આ.

દાદાશ્રી : એમ કે ? સારું !!

પ્રશ્નકર્તા : બોલેલા એનું પ્રતિક્રમણ કર્યા કરીએ એટલે છૂટાય ને ?!

દાદાશ્રી : સો વર્ષથી આખો ચોપડો બગડ બગડ થયા કરતો હોય, પણ દસ દહાડા લઈ બેઠા અને મહીં સીવી કરીને સરખું કરી દઈએ, પછી બધી ભૂલ મટે કે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : બસ, એટલું જ.

વાણી, આ ભવની કે પૂર્વની ?

પ્રશ્નકર્તા : આ વાણી જે નીકળે છે, આપણા મહાત્માઓની વાણી, એ પૂર્વભવના કર્મના આધીન છે કે આ ભવના પણ કર્મને આધીન છે ?

દાદાશ્રી : પૂર્વભવના કર્મને આધીન છે. પણ આ ભવની એની સમજણ છે ને, તે હેલ્પ કરે છે.

પ્રશ્નકર્તા : આ ભવની સમજણ કેવી રીતે હેલ્પ કરે છે ?

દાદાશ્રી : આ ભવનું જ્ઞાન છે ને, તે એને ઢીલી કરી નાખે. એનાથી સામાને વાગતી હોય તો ના વાગે એવું કરી નાખે.

પ્રશ્નકર્તા : એ તો આ જ્ઞાનનું પરિણામ, મહાત્માઓને માટે ને ? બહારના માટે નહીં ને ?

દાદાશ્રી : બહારના લોકોને ય સમજણના આધારે વાણી ફેરવેને ! એણે જે ક્રમિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેના આધારે વાણી ફેરવે !

પ્રશ્નકર્તા : આ ભવની સમજણ કેવી રીતે વાણીમાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા સમજાવો.

દાદાશ્રી : અત્યારે તને એક ગાળ ભાંડે, તે મહીં અસર થઈ જાય. થોડું ઘણું મનમાં ને મનમાં બોલું ય ખરો કે 'તમે નાલાયક છો.' પણ એમાં તું ના હોય. જુદો પડ્યો એટલે તું આમાં ના હોય. આત્મા જુદો પડી ગયો છે એટલે પેલું એકાકાર ના હોય. પેલું માંદું માણસ હોય એવું બોલે, એવું કરી નાખે.

પ્રશ્નકર્તા : હવે અહંકાર નથી ગયો, આત્મા નથી છૂટો પડ્યો, એને એની સમજણ હેલ્પ કરે ?

દાદાશ્રી : હા. પણ એ જેવું છે એવું બોલી જાય અને પછી પસ્તાવો કરે.

નીરોગી વાણી !

પ્રશ્નકર્તા : અત્યારનું મન અને વાણી એ પૂર્વભવના લઈને આવેલા છે. એટલે એ રોગીષ્ટ જ હોયને અને હવે નીરોગી મન અને નીરોગી વાણી જોઈશે, તે કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ જ્ઞાન થયા પછી નીરોગી થવા માંડે. વધારે રોગીષ્ટ હોય તો મોડું થાય પણ થવા માંડે, શરૂઆત થઈ જાય.

પ્રશ્નકર્તા : નીરોગી વાણી કોને કહેવાય ?

દાદાશ્રી : કોઈ પણ માણસને દુઃખ ના થાય તે.

પ્રશ્નકર્તા : દરેક માણસની એવી ઈચ્છા હોય છે કે એની સારામાં સારી વાણી નીકળે. છતાં આવી નીકળી જાય છે, એનું શું કારણ ?

દાદાશ્રી : એ જે ભાવ છે ને, એ ભાવસંજ્ઞા, તે એ જે જગ્યાએ ઊભો છે.

પ્રશ્નકર્તા : તો દ્રશ્ય જે જુએ છે એવી એની આ વાણી છે.

દાદાશ્રી : એટલે આ અહીંથી જે જુએ છે, એ રાગ-દ્વેષથી જુએ છે. ભાવ એટલે રાગ-દ્વેષ, આમ જુએ તો રાગ થાય, આમ જુએ તો દ્વેષ થાય. એટલે પછી આ વાણી રાગ-દ્વેષવાળી નીકળે. બસ, બીજું કશું લેવા-દેવા નથી. જેવું દેખાય છે, એવું એ ગાય છે !

નથી ફાયદો છતાં બોલાય ?!

પ્રશ્નકર્તા : મારો મિત્ર વાણીયો છે, તે કહે કે બહુ બોલવામાં ફાયદો નથી. બહુ બોલવાથી બગડી જાય.

દાદાશ્રી : એ બધાં વાણીયાને આવી બધી ચાવીઓ આવડે અને તમને નહીં આવડે. બોલવામાં ફાયદો ના હોય, ત્યાં ચાવી બંધ કરી દે એ અને તમે બોલી દો છો અને તમને પછી થાય કે આ ખોટું બોલાયું, આ અવળું બોલાયું, તે ન્હોય બરાબર.

પ્રશ્નકર્તા : જરૂર ના હોય ત્યાં બોલવાનો શો અર્થ છે ?

દાદાશ્રી : એ એટલું જ જો સમજેને તો બોલ બંધ થઈ જાય. પણ બોલ બંધ થતાં નથી. એટલા માટે બોલવામાં અર્થ છે, એવું સમજે છે. બાકી બોલવાનો કશો અર્થ જ નથી. મીનીંગલેસ છે. 'બોલવાનું' એ તો ભ્રાંતિમાં વ્યવહાર છે એક જાતનો. ભ્રાંતિમાં એની જરૂર છે, પણ પછી જરૂર નથી. છતાંય બોલ્યા વગર છૂટકો જ ના થાય ને, ભરેલો માલ તેથી !

પોષાય તે ધિરાય !

જ્યાં સુધી 'રીલેટિવ'ની જરૂર છે, ત્યાં સુધી સારું બોલો. આ સંસાર રિલેટિવ છે. તમે દઝાડો ને એ આપણને માન આપે, એવું બને નહીં. માટે વાણી એવી સરસ બોલો.

આ વાવ તમે જોયેલી ? મહીં પગથિયાં ઊતરીને આપણે નીચે જઈએ એ ?

પ્રશ્નકર્તા : હા, હા. મને ખબર છે.

દાદાશ્રી : હવે એ વાવમાં નીચે પગથિયે જઈ અને ત્યાં બૂમ મારીએ કે 'તું ચોર છે', તો વાવ શું કહેશે ?

પ્રશ્નકર્તા : 'તું ચોર છે' એમ જ કહે.

દાદાશ્રી : તો પછી આપણને ના ગમે. 'કેમ તું મને ચોર કહે છે ?' ત્યારે ના ગમતું હોય તો આપણે એને કહેવું 'તું રાજા છે.' તમને ગમે એ કહો. આ તમારું જ પ્રોજેક્શન છે બધું, ભગવાનનું પ્રોજેક્શન નથી. તમે વાવમાં જેમ બોલો છો ને, તેમ તમારો હિસાબ તમને પ્રાપ્ત થાય છે. આ વાવનો દાખલો તમને સમજાવવા માટે આપું છું. માટે આપણને જે ગમે તે લોકોની જોડે બોલો. લોકોને 'બદમાશ' કહો તો 'બદમાશ' સાંભળવું પડે !

પ્રશ્નકર્તા : આપણને ગમે એવું બોલીએ, એટલે એવું જ આપણને સામેથી મળવાનું છે.

દાદાશ્રી : હા, એટલે કોઈ આવે અને તેને 'કેમ છો' ય ના બોલીએ તો એ બિચારો બેસે. અને તમે એવી રીતે એને ત્યાં જાવ તો, તે ય તમને આવું કરે એવી ઇચ્છા તમને હોય છે ? તમને શું ગમે છે?

પ્રશ્નકર્તા : આપણને આવકાર આપે એ જ ગમે ને !

દાદાશ્રી : હા, તો તમારે ય પેલાને આવકાર આપવાનો. એટલે આ પડઘો છે. આપણને શું પોષાય છે, એ આપણે બીજાને આપો. શું ગુનો છે આ વાતમાં ? કાયદો સમજાય એવો નથી ?

કારણસેવન, કાર્ય સુધારે !

દાદાશ્રી : એટલે વાણી સુધારવાની જરૂર ખરી ને ?

પ્રશ્નકર્તા : વાણી સુધારવાની ઈચ્છા રાખીએ તો વાણી સુધરે ખરી ?

દાદાશ્રી : હા, સુધારવાની ઇચ્છા રાખીએ અને આપણે આવો કંઈક પ્રયોગ કરીએ તો થાય. વાણી સુધારવી એટલે શું ? વાણી ગમતી થવી જોઈએ બધાને.

પ્રશ્નકર્તા : આપ કહો છોને, વાણી તો ટેપ થયેલી જ હોય છે ?

દાદાશ્રી : હા, ટેપ થયેલી. એટલે વાણી બદલાય નહીં. એ બદલવા જઈએ તો ય ના બદલાય. એ એવાં કપડાં-લત્તાં નથી કે જે બદલી શકાય. એટલે વાણી એ ફેરફાર કરી શકાય નહીં. એ તો અમુક વસ્તુ કરીએ તેનું પરિણામ છે. એટલે 'આ વાણી સુધારવી છે, આ વાણી સુધારવી છે' એમ આખો દહાડો ભાવના રહ્યા કરે એટલે સુધરી જાય. આવાં કારણો સેવાય તો સુધરે પાછું. કારણ તો સેવવા જ પડે ને !

આપણે નક્કી કરીએ કે 'કોઈને દુઃખ ના થાય એવી વાણી બોલવી છે. કોઈ ધર્મને અડચણ ના પડે, કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવાય એવી વાણી બોલવી જોઈએ.' ત્યારે એ વાણી સારી નીકળે. 'સ્યાદ્વાદ વાણી બોલવી છે' એવો ભાવ કરે તો સ્યાદ્વાદ વાણી ઉત્પન્ન થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ આ ભવમાં ગોખ ગોખ જ કરે કે 'બસ, સ્યાદ્વાદ વાણી જોઈએ છે', તો તે થઈ જાય ખરી ?

દાદાશ્રી : પણ આ 'સ્યાદ્વાદ' સમજીને બોલે ત્યારે. એ પોતે સમજતો જ ના હોય ને બોલ બોલ કરે કે ગા ગા કરે તો કશું વળે નહીં.

પ્રશ્નકર્તા : પણ અમે એવું કહીએ કે 'દાદાની વાણી જેવી જ વાણી જોઈએ છે' તો ?

દાદાશ્રી : 'જોઈએ છે' એવું બોલવાથી કશું વળે નહીં ને ! એ તો આવી વાણીની ભાવના ભાવવી પડે. વાણી એ તો ફળ છે. બીજ નાખવાનું છે. કોઈ જીવને કિંચિત્ માત્ર દુઃખ ના થાય એવી વાણી બોલવાની ભાવના થાય એટલે એવી ટેપ તૈયાર થઈ જાય. વાણી એવી રેકર્ડ થઈ જાય. 'આપણી ભાવના શું છે' એ ઉપરથી કોડવર્ડ થાય.

આ 'જ્ઞાન' મળ્યા પછી પોતાને એ આશય ગોઠવતાં આવડે. 'જ્ઞાન' મળ્યા પહેલાં તો આશય કશાનું ભાન જ ના હોય ને ! એ પછી જેમ તેમ ગોઠવાઈ જાય. હવે આશય જેવો ગોઠવીએ એવું મળી જાય.

કોની વાણી સારી નીકળે કે ઉપયોગપૂર્વક બોલતો હોય. હવે ઉપયોગવાળો કોણ હોય ? જ્ઞાની હોય. એ સિવાય ઉપયોગવાળા હોય નહીં. આ મેં 'જ્ઞાન' આપેલું છે, તેને 'જ્ઞાન' હોય, તેને ઉપયોગપૂર્વક નીકળી શકે. એ પુરુષાર્થ માંડે તો ઉપયોગપૂર્વક થઈ શકે. કારણ કે 'પુરુષ' થાય પછીનો પુરુષાર્થ છે. 'પુરુષ' થયા પહેલાં પુરુષાર્થ છે નહીં.

અપવાદરૂપ ફેરફાર, જ્ઞાનીની આજ્ઞાથી !

પ્રશ્નકર્તા : આપને પૂછેલું કે અમારી આ જે વાણી છે, એ વાણી બરાબર નથી. વાણી સુધારવા માટે શું કરવું ? અમારી વાણી જે છે, એ તો આગળથી ચાર્જ થયેલી બેટરી છે અને પછી 'ડિસ્ચાર્જ' થાય. તો વાણીમાં મારે ફેરફાર કરવો છે. તો આપે કહ્યું કે, જ્ઞાનીની આજ્ઞા લો. જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને પછી ફેરફાર થઈ શકે.

દાદાશ્રી : તે આજ્ઞા મળે નહીં ને, એ તો કોઈ આપે નહીંને આજ્ઞા ! આજ્ઞા આપે તો ફેરફાર થાય.

પ્રશ્નકર્તા : હા. પણ આજ્ઞા આપે તો ફેરફાર થાય ને ?

દાદાશ્રી : પણ આપે નહીંને કોઈને, એ તો કો'ક વખત મળી જાય.

પ્રશ્નકર્તા : હા. પણ જ્યારે પણ મળી જાય, કોઈક વખત મળી જાય.

દાદાશ્રી : મળી જાય, એ આપે નહીં. એ આજ્ઞા તો કૃપા ઊતરે તો થાય, નહીં તો થાય નહીં.

પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત ચેન્જ થઈ શકે છે?

દાદાશ્રી : એટલું જ આ વ્યવસ્થિતમાં ચેન્જ છે. જ્ઞાની આજ્ઞાના કર્તા હોવાથી પુરુષાર્થ સહિત છે.

પ્રશ્નકર્તા : તો પછી પ્રકૃતિ ય ચેન્જ થાય કે નહીં ?

દાદાશ્રી : પુરુષાર્થ હોય તો બધું કોઈ પણ કરી શકે. જ્યાં સુધી પુરુષાર્થ નથી ત્યાં સુધી એ સ્ત્રી પણ નથી, નાન્યતર જાતિ છે. એટલે કશું થાય નહીં.

પ્રશ્નકર્તા : 'વ્યવસ્થિત' આમાં બદલી શકાય.

દાદાશ્રી : એ જ્ઞાની પુરુષ એકલાં જ કરી શકે. વચનબળ હોય, પુરુષાર્થ હોય બધું. પણ તે કો'કને જ થાય. બધાને ના થાય. કૃપા ઉતરવી સહેલી વસ્તુ નથી.

પ્રશ્નકર્તા : હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું ?

દાદાશ્રી : વાણી પોતે પોતાની મેળે સુધારી ન શકે, એ ટેપરેકર્ડ થઈ ગયેલી છે.

પ્રશ્નકર્તા : હા, એટલે જ ને ! એટલે વ્યવસ્થિત થયેલું છે.

દાદાશ્રી : વ્યવસ્થિત થયેલું છે, એ હવે અહીં આગળ 'જ્ઞાની પુરુષ'ની કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ છે.

જ્ઞાનીની આજ્ઞાથી બધું સુધરી શકે. કારણ કે ભવમાં દાખલ થવાને માટે એ વાડ સમાન છે. ભવની અંદર દાખલ ના થવા દે.

પ્રશ્નકર્તા : ભવની અંદર એટલે શું ?

દાદાશ્રી : ભવમાં ઘૂસવા ના દે. ભવમાં એટલે સંસારમાં આપણને ઘૂસવા ના દે.

માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહીં. બધું જ તોડી નાખે, પણ એણે જ્ઞાનીને ખુશ કરતાં આવડવા જોઈએ, રાજી કરતાં આવડવાં જોઈએ. બધું ભસ્મીભૂત કરી નાખે. જો એક કલાકમાં આટલું બધું ભસ્મીભૂત થાય છે લાખો અવતાર જેટલું, તો પછી બીજું શું ના કરી શકે ? કર્તાભાવ નથી. આ માલિકી વગરની વાણી હોઈ શકે નહીં અને માલિકી વગરની વાણીને કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ન બને, એવું. ખરેખર આટલો આ અપવાદ નથી, પણ આ વસ્તુસ્થિતિ છે. પછી હિસાબ કાઢવો હોય તો એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત કાઢીને પછી નીકળે. પણ એ એનો લાભ ના મળે જેવો જોઈએ એવો.

પ્રશ્નકર્તા : આવતા ભવમાં આ બધું સ્મૃતિમાં લાવજો.

દાદાશ્રી : હા. તમે નક્કી કરો કે મારે દાદા ભગવાનના જેવી જ વાણી જોઈએ. અત્યારે આવી મારી વાણી ગમતી નથી. એટલે એ પ્રમાણે થશે. તમારા નક્કી કરવા ઉપર આધાર રાખે છે.

ટેન્ડર ભરતી વખતે નક્કી કરો. જેવાં વાણી-આચાર જોઈતા હોય તેવાં અને ટેન્ડરમાંથી બધું તમારું ડિસીઝન આવશે.

પ્રશ્નકર્તા : નક્કી કરવાની બધી બહુ વસ્તુઓ છે. એનાં કરતાં એક જ નક્કી કરવું કે દાદા જેવું.

દાદાશ્રી : બસ.

આમ સુધરે વાણી !

વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તો ય વાણી સુધરી જાય.

પ્રશ્નકર્તા : તો પછી કંઈ બોલવાનું જ ના રહ્યું ને ! વાણી જ ના રહી ને ?

દાદાશ્રી : ત્યારે આ વાણી તમારે સુધારવી છે કે નહીં ? બીજાની ભૂલ કાઢવાની વાણી તમારે સુધારવી છે ? તમે આખો દહાડો બોલવાના જ છો ને ? વ્યવહારમાં જરૂર જ વાણીની ને !

પ્રશ્નકર્તા : પણ બધી વાણી સુધારવી છે.

દાદાશ્રી : એ સુધારો ત્યારે ! ગાળો ભાંડતી વખતે વાણી સુધરી જાય એવું ખોળી લાવો ! અમારા કહ્યા પ્રમાણે જો કદી હેંડેને તો વાણી સુધરે. એમાં પાછી પોતાની સમજણ લાવીને મહીં મારે છે, તે પાછી અથડામણ ઊભી થઈ જાય. ડૉક્ટરને કહે કે તમે આ દવા પીઓ. ઊલ્ટાં એ ત્યાં જ જઈને કહે.

પ્રશ્નકર્તા : સામાને ચેતવવા માટે ઘણીવાર કંઈક યુઝફૂલ બોલે છે.

દાદાશ્રી : હા. સામાને ચેતવવા માટે બોલેને બધું. પણ લોકોને ગમતું નથી ને ! એટલે વિવેકપૂર્વક હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : પછી લોકો સમજી જાય કે આ બોલે છે એ બરોબર છે, એ ભલે બોલ્યા કરે.

દાદાશ્રી : 'બોલ્યા કરે' એટલે એનો અર્થ એવો જ કે આ ગાયા કરશે ને આપણે ધ્યાન રાખવાનું નહીં. હવે એમનો ઇરાદો ખરાબ નથી હોતો, એ ચેતવવા ફરે છે. પણ સામો ચેતતો ના હોય, તેનું શું થાય તે ? અને ચેતવવા માટે જેવું બોલવું જોઈએ એવું એમની પાસે નીકળતું નથી. એટલે આ શબ્દો નકામા જાય છે !

તેથી અમે કહીએ છીએને, કે આ બધું બોલવાનું છોડી દો. તો વાણી સુધરી જાય. અગર તો આ બધા લોકો-મહાત્માઓ સાંભળે તો વાણી સુધરી જાય. સાંભળીને ખરાબ લાગે તેનો વાંધો નથી, પણ સાંભળે. આ તો સાંભળતા જ નથી ને ! એટલે આ કાને સાંભળે ને પેલે કાને કાઢી નાખે તરત. 'એ તો એમને ટેવ છે', કહેશે ! હવે ખરેખર એક્ઝેક્ટ ગાળો ભાંડેને, તે તો આ કાને કાઢી ના નાખે. એની અસર પેલાને થાય, માટે એ ગાળ યુઝફૂલ (!) ગણાયને ! જે અસર કરનારું છે, એ યુઝફૂલ (!) કહેવાયને અને આ શબ્દો તો અસર જ ના કરે ને !

લોકોને જે ભાષા ગમતી નથી તેવી વાણી બંધ થઈ જાય, તો વાણી સુધરી જાય. લોક સાંભળવા જ તૈયાર નથી ત્યાં આગળ !

પ્રશ્નકર્તા : સાંભળનારને શું અસરો પડે ? મેં સાંભળવાનું છોડી દીધું તો મને ગેરલાભ કે લાભ ?

દાદાશ્રી : વળી ગેરલાભની તો કોઈ તપાસ કરતું હશે ? કોઈને લાભની પડેલી નથી. અમારું નુકસાન કરે એવું બોલો, પણ તે સારું બોલો. લાભનો તો કોઈ વિચાર કરતો હશે ?

પ્રશ્નકર્તા : પણ ધારો કે કોઈને એવું લાગે કે ભઈ, મને આવું મફતીયું કોણ ગાળો દઈને આગળ લાવે ? એવો વિચાર કોઈને આવેને ?

દાદાશ્રી : એ વિચાર તમે કેમ ના સંઘર્યો ત્યારે ? તો બીજો કોણ સંઘરે ? કડવું લાગે ત્યાર પછી ખસી જાય પાછાં. અત્યારે એવું લાગે 'તું અમારું ખાઈ જા પણ મીઠું બોલ.' એમ લોક કહે.

કોઈ સંઘરે નહીં, એક અક્ષરે ય સામો સંઘરે નહીં આમાં. એ આખી જિંદગી બોલે પણ કોઈએ સાંભળ્યું નથી ને કોઈએ સંઘર્યું ય નથી. ત્યારે એ ય જાણે કે બધા અક્કલ વગરનાં છે. આ જાણે કે આવું છે. એટલે બેઉ સામસામી ચાલ્યું.

એટલે આવી વાણી છોડી દે તો ઉકેલ આવે. કારણ કે લોક સાંભળતા નથી. એ તો બહુ જ ખોટું કહેવાય. એકુંય માણસ એવો ખોળી લાવો કે જે સાંભળતો હોય. આણે કહ્યું ને કે 'એ તો એમને ટેવ જ પડી છે !' તને કેટલાં વરસથી ખબર પડેલી કે એમને ટેવ પડેલી છે ?

પ્રશ્નકર્તા : ત્રણ-ચાર વરસથી ખબર પડી ગઈ.

દાદાશ્રી : પછી એ ટેવ પડેલી તું સંઘરે નહીં ને !

પ્રશ્નકર્તા : એમનું મારે ખોટું ય નહીં લગાડવાનું.

દાદાશ્રી : ખોટું તો ના લાગે. પણ બધાં ય સમજી ગયેલા કે ખોટું લગાડવા જેવું નહીં આમાં, તો ય ત્યારે મીઠું લાગતું નથી. ખોટું તો લાગે જ છે પણ પેલું ખોટું નહીં. જુદું પડી જાય, એવું ખોટું નહીં.

એ જો છોડી દે તો બહુ થઈ ગયું. વાણી ય સુધરી જાય તરત. ટેવ છે એટલે બોલે છે, એનાથી બગડે છે આ. હવે એ શું કહે છે, મારે રહેવા દેવી છે વાણી ?

પ્રશ્નકર્તા : ના, કાઢવી છે બધી.

દાદાશ્રી : ના. પણ આ રહેવા દઈને સુધારવી છે ? આ લોકોને વઢવાનું તો ખરું જ.

પ્રશ્નકર્તા : ના. પણ હવે વાણી બધી કાઢવી જ છે.

દાદાશ્રી : હા, તો આ વાણી કાઢી નાખે, તો બધું બંધ થઈ જાય. તો પછી ફર્સ્ટ કલાસ થઈ જાય. પછી જે વાણી બોલશો, તે બધા સાંભળશે. 'ભઈ, શું કહો છો ? મને કંઈક સલાહ આપો.' એમ ઉલ્ટાં કહેશે લોક ! આ તો ઘણાં ફેરા સાચી સલાહ હોય તો ય માર ખાઈ જાય છે. કારણ કે પેલાં લોકોએ એમ જ નક્કી કરેલું હોય છે કે 'આ ટેવ પડેલી છે.' એટલે સાંભળે જ નહીં ને ! હું સમજી જઉં કે આ સલાહ સાચી હતી, ભલા આદમીની.

આ તો એમની મહેનત કરેલી નકામી જાય અને કશો ય સ્વાદ પડે નહીં. કોઈ અડે નહીં ને ! સાચું હોય તે ય માર્યું જાય છે. અને ગામમાં તો એમને એક ઓળખાણવાળો સામો મળ્યો. તેને શું કહ્યું એમણે ખબર છે ? 'અલ્યા, તું હજુ જીવે છે ? મર્યો નથી ?' હવે આ વાણી જ આવી ! સામો ચીઢાય ઉલ્ટો. બધાંયની જોડે એક જ જાતનું બોલે. એટલે બધાંને અવળું પડે. એમનાં વાઈફ એકલાંને નહીં, છોકરાંને ય અવળું પડે. કારણ એ ખીલે બાંધેલાં ને ? તે ક્યાં જાય તે ? આ આમથી ઝાપટે, તો પેલી બાજુ જતાં રહે, પેલી બાજુ ઝાપટે તો આ બાજુ જતાં રહે.

રસ્તામાં બોસ એમનાં મળ્યા હોત તો એમ ના કહેત કે, 'હજુ જીવો છો કે તમે ?' ત્યારે બીજી સરસ વાણી નીકળત. આ તો એમને એમ લાગે કે શું કરવા જીવતાં હશે આ ? એના કરતાં ગયા હોત તો સારાં !

હવે એમનામાં જ્ઞાનનો પ્રતાપ તો જુઓ ! મોઢું જરા ઊઘડે છે ?! બોલતા નથી ને અસરે ય થતી નથી એ જ્ઞાનનો પ્રતાપ.

પ્રશ્નકર્તા : તમે તો દસ-બાર વર્ષથી મળ્યાને, પણ મને સોળ વર્ષની ઉંમરથી ખબર હતી કે મારી વાણી ખોટી છે, ખરાબ છે. પછી બહુ બહુ પ્રયત્નો કરેલા. પણ પછી મેં કહ્યું, 'આ તો સારી થતી નથી, ત્યારે લાકડામાં જજે.'

દાદાશ્રી : આ જ્ઞાન ના હોય તો આટલો બધો ફેરફાર થાય ખરો ? વાણીનો ફેરફાર થાય ? દુકાળ પડે એવી વાણી હતી એમની. પણ અત્યારે એ દેખાતી નથી.

પ્રશ્નકર્તા : દાદા, વાણી સુધારવા બહુ પ્રયત્નો કરેલા.

દાદાશ્રી : હવે આ તો જાણવાનું એટલું જ છે. પણ એનો ઉપાય કરે તો એ સુધરે.

પ્રશ્નકર્તા : મરતી વખતે છેલ્લા વર્ષમાં સુધરે, એ શું કામની ?

દાદાશ્રી : હા. એટલે વાણીને કહી દેવાનું કે તારે જો સુધરવી હોય તો સુધર, નહીં તો પછી છેલ્લી વખતે નકામી અહીં શું આવી ?! એવું એને કહી દેવાનું.

પ્રશ્નકર્તા : છેલ્લા બાર મહિનાથી વીસેક ટકા વિચાર આવે કે આવુ બોલીએ અને તરત જ સમજમાં આવી જાય કે આ ના બોલાય. પણ એ બહુ ઓછા ટકા, બાકી તો બોલી જ જવાય.

દાદાશ્રી : ના, પણ બહુ ફેરફાર થઈ ગયો. વાણી ય બહુ ફરી છે. આ તમે આવી વાત કરો છો, તે પહેલાં તો હેડેક થાય એવી વાત કરતા હતા તમે અને અત્યારે મને તમારી વાત ગમે એવી હોય છે. એકસ્ટ્રા ઓર્ડીનરી ફેરફાર થયો છે. તે મને થાય કે પુરુષાર્થ તો એમણે જ માંડ્યો કહેવાય ને !

ખપે મનોહર મન-વચન-વર્તન !

પ્રશ્નકર્તા : કેટલાંકની વાણી એટલી મીઠી હોય છે કે લોકો એની વાણીથી મુગ્ધ થઈ જાય. તો એ શું કહેવાય ?

દાદાશ્રી : એ ચોખ્ખા માણસ હોય અને બહુ પુણ્ય કર્યું હોય ત્યારે એવું થાય અને પોતાના માટે પૈસા ના લે. પારકાં માટે જીવન કાઢે. એ ચોખ્ખા માણસ કહેવાય. એટલે એ સારું છે !

મનુષ્ય તો કેવો હોય કે એની વાણી મનોહર હોય, આપણા મનનું હરણ કરે એવી વાણી હોય, એનું વર્તન પણ મનોહર હોય અને વિનય પણ મનોહર હોય. આ તો બોલે એવું કે તે ઘડીએ આપણને કાન બંધ કરી દેવા પડે ! વાણી બોલે તો ઊલટો પેલો ચા આપતો હોય તો ય ના આપે. 'તમને નહીં આપું', કહેશે.

'વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા.' આટલું જ આવડેને, તો ય ઘણું છે. પણ શી રીતે આવડે ? એવું થવું એ ગપ્પું નથી. આત્મા જાણ્યા પછી બની શકે.

જેનાં વાણી, વર્તન ને વિનય - આ ત્રણેવ જો મનોહર થઈ ગયા, કોના મનનું હરણ કરે એવાં ? આપણા ઘરવાળાનાં મનનું, ઘરનાં છોકરાં, એ બધાનાં મનનું તો હરણ કરી શકીએ, પણ બહારવાળાનું થવું જોઈએ. જો વાણી-વર્તન-વિનય બધું એવું મનોહર હોય તો મોક્ષે જવાય. નહીં તો મોક્ષ તો થાય જ નહીં ને !

મધુ તિષ્ઠતિ જીવ્હાગ્રે !

બે પ્રકારની મીઠી વાણી. એક મધુ તિષ્ઠતિ જીવ્હાગ્રે. એ ય મીઠી તો ખરી ને કે મીઠી નહીં ? ચાખેલી કે નહીં ચાખેલી તમે ?

પ્રશ્નકર્તા : ચાખેલી ને !

દાદાશ્રી : અને બીજી એક દરઅસલ વાણી. જે વાણી આપણને સંતોષ આપે, આનંદ આપે અને મીઠી લાગ્યા કરે. સાંભળવાનું મન થયા કરે. મધુર વાણી હોય.

સંસારની મીઠી વાણી, મધુ તિષ્ઠતિ જીવ્હાગ્રે હોય. મીઠાશવાળી હોય. 'આવજો, ચંદુભાઈ તમે બહુ સારા માણસ ને આમ છો ને તેમ છો.' બહુ મીઠું મીઠું બોલે એટલે આપણને લપસાવે. જે કપટી માણસ હોય, તે મીઠું બોલે એટલે આપણે સમજી જવું કે આજે આપણને વધેરવાનો છે, મહાદેવજી પાસે. આપણે નારિયેળી તો એ વધેરનાર. તે લોક તો વધેરી નાખે આપણને, નહીં ? એ કપટીને ઓળખવા.

કડવી છતાં બાંધે પુણ્ય !

પ્રશ્નકર્તા : પણ નક્કી એવું તો ખરું જ કે વાણી તો મધુકર જ જોઈએ, મધુર વાણી જોઈએ.

દાદાશ્રી : લુચ્ચો હોયને, તેને મધુર વાણી હોય. કપટ કરવું હોય તેને મધુર વાણી બહુ આવડે આવું. આપણા પાટીદાર લોક કપટી નહીં, તે શી રીતે આવડે ? લોક તો કપટી હોય તો મીઠો હોય. લોક કહેને, મીઠડો છે !

પ્રશ્નકર્તા : કપટ કોને કહેવું ? કપટનો દાખલો આપો.

દાદાશ્રી : એનું કામ હોય ત્યારે મીઠું મીઠું બોલીને કામ કરાવી લે, આપણી પાસે. મીઠું બોલે એ તો છેતરનાર. એ બધા આ કપટી હોય. કાં તો જ્ઞાની હોય તે મીઠું બોલે કાં તો કપટી હોય તે. જ્ઞાની તો મીઠું બોલે. ખરાબ બોલીને એ શું કરવા ખોટાં દોષ બાંધે ?

પ્રશ્નકર્તા : જે મીઠું બોલે કપટ કરીને, એ દોષ બાંધે ને ?

દાદાશ્રી : એ તો મીઠું બોલીને લાભ લીધો, તેનો આ દુરુપયોગ કર્યો, તેનું છે તે એને બહુ પાપ લાગે છે, દોષ બેસે છે. સ્ટોકમાંથી થોડી ઘણી મીઠી વાણી હતી, તે થોડી થોડી વાપરી ખાધી. પછી દુરૂપયોગ કર્ર્યો.

હવે આ ભાઈ છે તે મીઠી વાણી માંગે છે, તે હવે ધીમે ધીમે આવશે. પેલો વાણીનો સ્ટોક ખલાસ થઈ જવો જોઈએને, બળ્યો ! સ્ટોક તો કેવો મોટો, હેય... મોટું સરોવર ભરેલું હોય ! પણ બધું ખલાસ થઈ જશે એ નક્કી !

પ્રશ્નકર્તા : પણ જે કડવી વાણી હોય, એ પણ સામાને અહિતકારી તો હોય જ ને ?

દાદાશ્રી : એ બધી વાણી ખરાબ અને ખરાબ વાણી એ નુકસાનકારક છે. હવે કડવી બોલે, તો સામાને હિતને માટે કડવું બોલતો હોય તો ય પુણ્ય બંધાય. હિતને માટે છે ને !

પ્રશ્નકર્તા : પણ એમાં કપટનો આશય ના હોવો જોઈએ ને ?

દાદાશ્રી : કપટ તો હોય જ નહીં ને, હિતને માટે કરે તો !

વાણી બદલાય લાંબા ગાળે...

બાકી બહુ મીઠી વાણી થયા પછી, મધુર વાણી થયા પછી તમે ઊલટાં વઢોને તો પેલો હસે !

એટલે વાણી એ તો મુખ્ય વસ્તુ છે. માણસની વાણી બદલાય નહીં. એ બદલાતા તો ઘણો ટાઈમ લાગે. વાણી બદલાય ત્યારે સ્યાદ્વાદ વાણી થાય. ત્યારે જગત એને કહે કે આ જ્ઞાની પુરુષ છે. ત્યાં સુધી બદલાયા કરશે. ધીમે ધીમે મહીં જેમ પરમાણુ ફરશે, તેમ એ વાણી પોતે બદલાયા કરશે. પહેલી માઈલ્ડ થતી સુંવાળી થતી જશે, રેશમી થતી જશે.

મીઠી વાણી, ખપે મોક્ષદ્વારે !

ભગવાન શું કહે છે ? હજુ તમે મોક્ષમાર્ગના દરવાજે રહીને હજુ દરવાજાની ધજા જોઈ છે. દરવાજામાં આવશો ત્યારે મીઠી વાણી થઈ જશે. વાણી મીઠી થયા વગર દરવાજામાં પેસાતું નથી. એ એની નિશાની હોવી જોઈએ ને કંઈ કે ના હોવી જોઈએ ?

કબીર બહુ મોટામાં મોટાં બુધ્ધિશાળી મહાન સંત હતા એ. આ યુગમાં તો મોટામાં મોટો સંત કહેવાય. છતાં ય મોક્ષમાર્ગનો જે દરવાજો છે ને, એ દરવાજાની ધજા જોઈને જ આનંદ બહુ પામી ગયા છે. હજુ તો મહીં પેસીએ, એ તો ત્યાર પછીની વાત! હજુ દરવાજામાં પેઠાં નથી, ધજા છેટેથી જોઈને ખુશ થઈ ગયા છે.

છતાં એ બોલ્યા કે ''મેરી વાણી ખાંડે કી ધારા, પણ જો ઉતરે સો ગ્રહે પારા.''

પ્રશ્નકર્તા : એટલે શું કહે છે ?

દાદાશ્રી : ગ્રહે એટલે ગ્રહણ કરે તો, સંસાર પાર ઉતરી જાય. પણ ખાંડાની ધાર જેવી મારી વાણી છે. ત્યારે એ પોતે જ કબૂલ કરે છે, મેરી વાણી ખાંડે કી ધારા.

થોડે-ઘણે અંશે વાણી બદલાઈ છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જેટલી કડવી હોયને, તેમાંથી કડવાટ ઓછો થઈ જાય. પાછી ખારી વાણી નીકળે. ખારીલી વાણી હોય છે ને, તે ખારી ઓછી થઈ જાય. તીખી વાણી નીકળે છે ને, તે તીખી વાણી ઓછી થતી જાય.

આ વાણીમાં કશું મહીં મરચું નાખવામાં આવે છે ? જો વગર મરચે-મીઠે, લોક કેવું કહે છે ? આવી તીખી વાણી બોલ બોલ ના કરશોે. અલ્યા, મેં મરચું નાખ્યું નથી ને શું કરવા આમ બોલ બોલ કરે છે ? છતાં ય લોક તીખી વાણી બોલે છે ને ! કડવી વાણી મીઠી થઈ જાય, તો કેવું સરસ કામ કાઢી નાખે !

એટલે એ શબ્દ ધીમે ધીમે મીઠો થવો, મધુરતા આવવી જોઈએ. એ ધીમે ધીમે મધુરતા આવે ત્યારે પછી એ શબ્દ બીજાને વહાલાં લાગે, વઢે તો ય વહાલાં લાગે.

વાણી મીઠી ક્યારે થાય ? ક્લેશ ભાવ ઓછો થતો જાય, પ્રેમ વધતો જાય, તેમ વાણી મીઠી થતી જાય. જ્યારે ભેદભાવ ઓછો થતો જાય ત્યારે પ્રેમ વધે. પોતાના ઘરનાં માણસો પર પ્રેમ તો સહુ કોઈને હોય. પણ જ્યારે પોતાના ઘરના માણસ જેવો બીજા ઉપરે ય પ્રેમ વધતો જાય ત્યારે વાણી મધુર થતી જાય. અને ત્યારે બે ધોલ મારો તો ય એને ગમે.

પ્રશ્નકર્તા : વાણી મધુર કરવી એવું નહીં, પણ થવી જોઈએ.

દાદાશ્રી : હા, થવી જોઈએ. કરવી હોય તો ય ના થાય. મધુર કરેલી તો જીવ્હાગ્રે રહે. મધુર કરેલી કામની નહીં.

માદક વાણી !

પ્રશ્નકર્તા : વાણીમાં નશો-માદકતા કેમ આવે છે ?

દાદાશ્રી : ક્યાં જોઈ ?

પ્રશ્નકર્તા : તમે જે બોલો છો ત્યારે અમને જે નશો ચઢે છે, તેની વાત કરું છું.

દાદાશ્રી : એવું છે ને, આ વાણીથી માદકતા એટલાં માટે આવે છે કે એમાં એને સાંભળવાનું મન થયાં કરે. એમાં મીઠાશ છે એવી અને બહુ મીઠાશ પીવે એટલે કો'કને માદકતા ય થઈ જાય. નશો ચઢ્યા કરે. બાકી મીઠાશ બહુ હોય અને આ મીઠાશ જેણે જોઈ છે એ ઉપરથી હિસાબ કાઢે કે ત્યારે તીર્થંકરની વાણીમાં મીઠાશ કેટલી હશે ?! આ દુનિયામાં કોઈ ચીજ એવી મધુરી નથી, કે જે તીર્થંકરની વાણીને મળતી આવે. જ્ઞાનીની વાણી ય મધુરી હોય. પણ તીર્થંકરની વાણીની તો વાત જ જુદી.

દોષ જ બધા વાણીના છે. વાણી સુધરે નહીં, મીઠી ના થાય તો આગળ ફળે નહીં. દેહના દોષ તો ઠીક છે, એને ભગવાને 'લેટ ગો' કર્યાં, પણ વાણી તો બીજાને વાગે ને ?

વાણીમાં મધુરતા આવી કે ગાડું ચાલ્યું. એ મધુર થતી થતી છેલ્લા અવતારમાં એટલી મધુર થાય કે એની જોડે જોડે કોઈ 'ફ્રૂટ'ને સરખાવી ના શકાય એટલી મીઠાશવાળી હોય ! અને કેટલાક તો બોલે તો એવું લાગે કે પાડાઓ બોંગેડે છે ! આ ય વાણી છે ને તીર્થંકર સાહેબોની ય વાણી છે !!!

મુલાયમ વાણી !

તું સુંવાળું બોલે છે કે કકરું બોલે છે ?

પ્રશ્નકર્તા : કકરું ખરું.

દાદાશ્રી : આમ અથાડી દઉં ને ? હવે સુંવાળું બોલજે. એના માટે શું કરવું પડશે ?

આપણે ચંદુભાઈને કહીએ, 'મુલાયમ વાણી બોલજો. મહાવીર ભગવાન બોલ્યા હતા એવી. એથી જરા બે આની ઓછી હશે, કચાશ હશે તો ચાલશે. આ અમારી વાણી છે, એક આની કચાશ છે. મહાવીર ભગવાન કરતાં તો એની બે આની કચાશ હોવી જોઈએને ? ના ચાલે ?

વિધિની વાડ મૂકીને વાત !

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે, એ જોવાનું છે.

પ્રશ્નકર્તા : સામા જોડે વાતચીત કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ?

દાદાશ્રી : એક તો 'એમની' સાથે વાત કરવી હોય તો તમારે એમના 'શુધ્ધાત્મા'ની પરવાનગી લેવી પડે કે એમને અનુકૂળ આવે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો. પછી તમારે દાદાની પરવાનગી લેવી પડે. એવી પરવાનગી લઈને બોલો તો પાંસરી વાણી નીકળે. એમ ને એમ બેફ્ટ બોલ્યા કરો તો પાંસરી વાણી શી રીતે નીકળે ?

પ્રશ્નકર્તા : એમ વારે ઘડીએ ક્યાં એની પરવાનગી લેવા જાય ?

દાદાશ્રી : વારે ઘડીએ જરૂરે ય નથી પડતી ને ! જ્યારે એવી અવળી ફાઈલો આવે ત્યારે જરૂર પડે.

પ્રશ્નકર્તા : એટલે કે ફાઈલો મળતા પહેલાં, એની સાથે વાતચીત કરતાં પહેલાં આપણે આવી પરવાનગી લઈ લેવી ?

દાદાશ્રી : લઈ જ લેવી. ત્યાર પછી વાતચીત કરો. નહીં તો વાણી સારી નીકળે નહીં. કારણ કે જેવી ભરી હોય ને, એવી નીકળશે. પેલું મિકેનિઝમ ગોઠવ્યું ને, એટલે મિકેનિઝમનાં આધારે ફેરફાર થાય પછી. આ તો અંદર નર્યું મિકેનિઝમ છે. મિકેનિઝમ ગોઠવાયું એટલે પછી એની મેળે ચેંજ થઈને આવે પછી.

ચીકણી ફાઈલ સાથે કંઈ બોલવું હોય તો, પહેલાં એના શુધ્ધાત્મા જોઈ લેવા પછી મનમાં વિધિ બોલવી કે (૧) હે દાદા ભગવાન, (ફાઈલનું નામ) જોડે એના મનનું સમાધાન થાય એવું બોલવાની શક્તિ આપો. પછી (૨) બીજું આપણાં મનમાં બોલવું પડે કે હે ચંદુભાઈ, આ (ફાઈલ)ના મનનું સમાધાન થાય એવી વાણી બોલજો અને પછી (૩) ત્રીજું બોલવાનું કે, હે પદ્માવતી દેવી, (ફાઈલ)ના મનનું સમાધાન થાય, એમાં સર્વ વિધ્નો દૂર કરો.

આ ત્રણ બોલીને વાત કરવાની. મનમાં ને મનમાં વાત કરતા પહેલાં અગર તો થોડી થઈ ગઈ હોય તો ય વાંધો નહીં, ગોઠવીને બોલવું. તમને ફાવશે ? તો વિરોધ ઊભો નહીં થાય ને ફાઈલનો નિકાલ થઈ જાય. આ તો ફાઈલનો નિકાલ ના થાય ને 'શું બોલવાનું છે' તે પોતાને ખબર જ ના હોય. આવું ગોઠવવું. ફીટ થઈ ગયું ને બધાને. નહીં તો એક જ વાક્યમાં ભાંજગડ પડી જાય. આ ભૂલાય નહીં ને ?

એના કૉઝિઝ સેવવા !

પ્રશ્નકર્તા : ભાવ એવા કર્યા હોય કે 'આવી સ્યાદ્વાદ વાણી પ્રાપ્ત હો, આવી મધુરી વાણી પ્રાપ્ત હો.' તો તે ભાવ જ એવી વાણીની રેકર્ડ કાઢે ને ?

દાદાશ્રી : ના, એવું નહીં. વાણી તો, આપણે ભાવથી એવી માગણી દરરોજ કરવાની કે 'મારી વાણીથી કોઈને પણ દુઃખ ના હો અને સુખ હો.' પણ એકલી માગણી જ કરવાથી કશું ના વળે. એવી વાણી ઉત્પન્ન થાય એવા કૉઝિઝ કરવાના, તેથી તેવું ફળ આવે. વાણી એ ફળ છે. સુખ દેવાવાળી વાણી નીકળે એટલે એ મીઠી થતી જાય અને દુઃખ દેવાવાળી વાણી કડવી થતી જાય.

જેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન. શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય.

કરો એને નિકાલી !

પ્રશ્નકર્તા : આપણે કંઈક બોલીએને તો બીજાને દુઃખ થાય, તો એવી વાણી કેવી રીતે સુધારવી ?

દાદાશ્રી : એવું છે ને કે આ વાણી તો બગડી જ ગયેલી છે અને આ 'જ્ઞાન' લીધા પછી એના માલિક નથી. માલિક હોય તેને સુધારવાની જરૂર, એ સુધારનારો હોય અને સુધારનારો હોય એણે સુધારવી જ જોઈએ. આ સુધારનારો ય નથી અને (તમે શુધ્ધાત્મા) માલિકે ય નથી, તો શી રીતે સુધારશો ? અમથા વિકલ્પો કરશો એટલું જ. એટલે આનો નિકાલ કરી નાખવાનો. અત્યાર સુધી નિકાલ કર્યો ને બધો ?

હવે સમભાવે નિકાલ કરવાનો. અત્યારે બધો કચરો ભર્યો હોયને તો ય શુધ્ધાત્મા કંઈ જતો રહેતો નથી. પણ આ તો એક જાણી રાખવાનું. છેવટે આ બધું નિકાલ કરી રહેશોને, તો વાણી ચોખ્ખી થશે જ એની મેળે.

બીજાને દુઃખ થાય એવી વાણી નીકળે તો 'ચંદુભાઈ'ને એમ કહેવું કે 'આવું દુઃખ થાય એવું કેમ બોલ્યા ? હવે તમે પ્રતિક્રમણ કરો.' 'ચંદુભાઈ' પ્રતિક્રમણ કરે અને 'તમે શુધ્ધાત્મા' આના જાણકાર છો.

પછી તો છે ચારિત્રમોહ !

આત્મજ્ઞાન પછી બધી મનની ક્રિયા, બધી વાણીની ક્રિયા, બધી દેહની ક્રિયા સારી હો કે ખરાબ હો, એ બધો ચારિત્રમોહ.

એટલે મનના વિચારો એ શું છે, એ સમજી ગયા ને ? એ ચારિત્રમોહ છે. વાણી કઠોર બોલાય કે કર્કશ બોલાય કે સ્યાદ્વાદ બોલાય, એ બધો ચારિત્રમોહ જ છે. પછી વર્તન સીધું હોય કે ગાંડું હોય, એ બધો ચારિત્રમોહ જ છે.

આ અત્યારે જે બધી જૂની આદતો નથી ગમતી, તે ય ચારિત્રમોહ છે અને જે આદતો ગમે છે, તે ય ચારિત્રમોહ છે. જે સુવિચારો છે, કુવિચારો છે, તે ય ચારિત્રમોહ છે અને ખરાબ વાણી છે, તે ય ચારિત્રમોહ છે. માટે ખરાબ વાણી હોય તો ડિસ્કરેજ ના થઈ જશો અને સારી વાણી હોય તો બહુ એલિવેટ ના થઈ જશો. એવી રીતે ખપાવો.

આ રેકર્ડ તો આમ બંધ થાય એવી નથી. છતાં અમે જે આંકડા છે તે જાણીએ કે આ આંકડા પર મૂકીએને તો રેકર્ડ બરાબર ધીમી ચાલશે ને ધીમે રહીને બંધ થઈ જશે. આમ અમે અમારી રેકર્ડને બંધ કરી દઈએ.

સમભાવ સજાવે શુધ્ધતા !

હવે આપણને આ વાણી સાથે સંબંધ નથી. પણ એ વાણી આપણી ભરેલી છે, એ પરમાણુને આપણે જ ખરાબ કર્યા છે અને ગીલેટેડ કર્યા છે. પિત્તળ ઉપર સોનાનું ગીલેટ ચઢાવ્યું ને સોનું કહેવડાવ્યું. એટલે હવે આપણે એને જ્ઞાને કરીને કાઢવાના છે. અજ્ઞાને કરીને ભર્યા હતા, તે જ્ઞાને કરીને ગલન કરવાના છે. એટલે પરમાણુનો હક્ક-દાવો ના રહે આપણી ઉપર. અત્યારે હક્ક-દાવો છે. એ પરમાણુઓ કહે છે કે, 'તમને દાદાએ શુધ્ધ કર્યા અને તમે શુધ્ધ થઈ ગયા પણ એમ નહીં છૂટાય. તમે અમને બગાડ્યા છે, અશુધ્ધ કર્યા છે. અશુધ્ધ કરવામાં તમે નિમિત્ત છો. માટે અમને શુધ્ધિ કરી આપો. તો તમે ય છૂટા ને અમે ય છૂટા.'

એટલે આપણે દરેક કાર્ય ગલન થતી વખતે શુધ્ધિકરણ કરીને કાઢવાના, ને તે નિકાલ કરવાનો. હા, સમતાભાવે નિકાલ કરવાનો. સમજે તો વાત અઘરી નથી અને ના સમજે તો એનો પાર નથી આવે એવો.

'પોતે' સાંભળે, 'પોતાને' !

પોતાની વાણી પોતે જ્યારે સાંભળ્યા કરશે ત્યારે મોક્ષ થશે. હા, વાણી બંધ થયે દહાડો નહીં વળે. વાણી બંધ થવાથી મોક્ષ નહીં થાય. કારણ કે આમ બંધ કરવા ગયા એટલે પછી બીજી શક્તિ પાછી ઊભી થાય. બધી શક્તિઓને એમ ને એમ ચાલવા દેવાની. પ્રાકૃત શક્તિ છે આ બધી. પ્રાકૃત શક્તિમાં હાથ ઘાલવા જેવો નથી. એટલે આ અમારી વાણીને તેથી કહીએ ને, કે આ ટેપરેકર્ડ વાગ્યા કરે છે, અમે જોયા કરીએ છીએ. બસ, આ મોક્ષ ! આ ટેપરેકર્ડને જુએ, એ બધો મોક્ષ !!

- જય સચ્ચિદાનંદ.