|
નિષ્પક્ષપાતી ત્રિમંદિર સંપાદકીય જ્યાં સુધી ઘરમાં મતભેદ હોય તો ઘરમાંય કોઈને શાંતિ ના રહે, તેવું આ દુનિયામાં જ્યાં સુધી ધર્મના મતભેદો છે ત્યાં સુધી દુનિયામાં શાંતિ રહે જ નહીં. મતભેદથી દુઃખી થયેલા જીવો પ્રત્યે જ્ઞાની પુરુષને અત્યંત કરૂણા હોય કે કેમ કરીને દુઃખોમાંથી આ જીવો છૂટે. સંસારના તમામ દુઃખોથી છૂટકારો થાય તેના કોડ જ્ઞાનીના હ્રદયમાં દિન-રાત વર્ત્યા કરતા હોય અને એમની પાસે વિઝન ખુલ્લું થઈ ગયું હોય કે શું કરવાથી જીવનમાં સુખી થઈએ અને ધીમે ધીમે મોક્ષમાર્ગને પામીએ. પરમ પૂજ્ય દાદા ભગવાને જગત કલ્યાણના મહાન યજ્ઞમાં એક ક્રાંતિકારી સ્ટેપ લીધું. ધર્મમાં મતભેદ મટે તે માટે હિન્દુસ્તાનના મુખ્ય ત્રણ ધર્મોના મંત્રોને એકીકરણ કરી નિષ્પક્ષપાતી ત્રિમંત્ર લાખો માણસોના હ્રદયમાં ગૂંજતા કરી દીધા. જોડે જોડે ત્રિમંદિરની સ્થાપના કરી મતભેદની દ્રષ્ટિ નિર્મૂળ કરી દીધી. મૂળ તત્ત્વ સ્વરૂપે જોતાં શ્રી સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી શિવ ભગવાનમાં ભેદ જ નથી, પ્રગટ આત્મસ્વરૂપી જ છે. આ તો વ્યવહાર દ્રષ્ટિએ લોકોએ ભેદ પાડી દીધાં છે અને એટલું જ નહીં પણ 'અમે સાચાં, તમે ખોટાં' કરી નાખ્યું છે. આ તો શેના જેવી વાત છે કે એક જ કોલેજના બાળમંદિરથી લઈને પી.એચ.ડી. સુધીના બધા ધોરણ હોય તો તેમાં કયું ધોરણ ખોટું ને કયું ધોરણ સાચું ? બધા ધોરણો સાચા છે પણ સરખા નથી. બધાં ધોરણોમાં તમામ વિદ્યાર્થીઓને જોડે ના બેસાડાય. તેવી રીતે વીતરાગ ધર્મના જુદા જુદા ધોરણો સમાન તમામ ધર્મો છે. પ્રત્યેક ધર્મ આગળના ધર્મને હેલ્પિંગ છે. કોઈ ધર્મ ખોટો નથી. તમામ ધર્મો એની જગ્યાએ સાચા છે અને તે અમુક લેવલના લોકો માટે જરૂર જ છે. પણ ભૂલ ક્યાં થાય છે કે અમારો સીલેબસ (ક્રિયાકાંડો-શાસ્ત્રો) સાચો, અમારા ટીચર સાચા, અમારા વિદ્યાર્થીઓ સાચા, બીજાનું ખોટું એમ કરીને પોતાના ગ્રુપ પર રાગ કરે છે, પારકાં માન્યા છે ત્યાં દ્વેષ કરે છે. આમ ધર્મમાં મતભેદ ઊભાં થઈ ગયાં છે. તેના દુનિયામાં દુઃખો છે. અંતિમ લક્ષ 'વીતરાગ' થવાનું છે એ તો છેવટે બધા ધર્મો સ્વીકારે જ છે. વ્યવહાર ધર્મમાં ય નિષ્પક્ષપાતી દ્રષ્ટિ થશે તો અંતરશાંતિ વધશે. તેનો માર્ગ નિષ્પક્ષપ ાતી ત્રિમંદિરની રચનાથી મોકળો થયો. ત્રિમંદિરમાં મૂળ નાયક શ્રી સીમંધર સ્વામી ભગવાન છે, એક બાજુ જુદા મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાન છે, બીજી બાજુ જુદા મંદિરમાં શ્રી શિવ ભગવાન છે. આ બધા ભગવાનની મહત્વતા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનના શ્રીમુખે નીકળેલી જ્ઞાનવાણીમાં જે પ્રાપ્ત થઈ છે તે પ્રસ્તુત સંકલનમાં અંકિત થઈ છે, જે વાચકને નિષ્પક્ષપાતી ભાવના જગાવી, મૂળ પુરુષોની મહત્વતા સમજી મોક્ષમાર્ગ પામવાને ઉપકારી થશે એ જ અભ્યર્થના. દીપકના જય સચ્ચિદાનંદ નિષ્પક્ષપાતી ત્રિમંદિર શ્રી સીમંધર સ્વામી હાજર તીર્થંકર, શ્રી સીમંધર સ્વામી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એ કોણ છે ? તે સમજાવવા કૃપા કરશો. દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે તીર્થંકર સાહેબ છે. તેઓ બીજા ક્ષેત્રમાં છે ! ઋષભદેવ ભગવાન થયા, મહાવીર ભગવાન થયા.... એવા એ સીમંધર સ્વામી તીર્થંકર છે. જે આજે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે ! સીમંધર સ્વામીની ઉંમર કેટલી, ૬૦-૭૦ વર્ષની હશે ? ના. દોઢ લાખ વર્ષની ઉંમર છે ! હજુ સવા લાખ વર્ષ જીવવાના છે ! આ એમની જોડે તાર-સાંધો મેળવી આપું છું. કારણ કે ત્યાં જવાનું છે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે એટલે સાંધો મેળવી આપું છું. દર્શન માત્ર કરે કલ્યાણ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં દર્શનનું વર્ણન કરો. દાદાશ્રી : જેવા આપણા અહીંના ઋષભદેવ ભગવાન આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તેવાં આ આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તે આપણે અહીં નથી, પણ બીજી ભૂમિકામાં (ક્ષેત્રમાં) છે કે જ્યાં માણસ જઈ શકતો નથી. જ્ઞાનીઓ પોતાની શક્તિને ત્યાં મોકલે છે. પૂછીને પછી પાછી આવે છે. ત્યાં સ્થૂળ દેહે કરીને ના જવાય પણ અવતાર ત્યાં થાય ત્યારે જવાય. આપણે અહીં તીર્થંકરોનો જન્મ થતો તે બંધ થઈ ગયો અઢી હજાર વર્ષથી ! તીર્થંકર એટલે છેલ્લા, 'ફૂલ મૂન' ! પણ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં કાયમને માટે તીર્થંકરો જન્મ લે છે. સીમંધર સ્વામી ત્યાં આજે હયાત છે. આપણા જેવો દેહ છે, બધું છે. પ્રશ્નકર્તા : એ અંતર્યામી છે ? દાદાશ્રી : એ આપણને જુએ છે. આપણે એમને જોઈ શકતાં નથી, એ આખી દુનિયા જોઈ શકે છે. સીમંધર સ્વામી એ બીજા ક્ષેત્રમાં છે, એ બુધ્ધિની બહારની વાત છે બધી. પણ મારા જ્ઞાનમાં આવેલી છે. આ લોકોને સમજાય નહિ, પણ અમને એક્ઝેક્ટ (જેમ છે તેમ) સમજાય. હવે એમનાં દર્શન કરવાથી લોકોનું કલ્યાણ બહુ થઈ જાય. મહાવીર ભગવાને બધું ખુલ્લું કર્યું હતું ! મહાવીર ભગવાન જાણતા હતા કે હવે અરિહંત નથી. કોને ભજશે આ લોકો ? એટલે એમણે ખુલ્લું કર્યું કે વીસ તીર્થંકરો છે અને એમાં સીમંધર સ્વામી પણ છે. ખુલ્લું કર્યું એટલે પછી એ ચાલુ થયું. માર્ગદર્શન મહાવીર ભગવાનનું પછી કુંદકુદાચાર્યને તાલ મળેલો હતો. ઘણાં પ્રકારનાં અજ્ઞાનમાં જગત ! પ્રશ્નકર્તા : રામ, કૃષ્ણ, અલ્લા, ક્રાઈસ્ટ આવાં કેટલાંય થઈ ગયા. પણ દોઢ લાખ વર્ષથી જો સીમંધર સ્વામી છે, તો એમના માટેનું આટલું બધું અજ્ઞાન કેમ છે ? દાદાશ્રી : એમના એકલાં માટે નહિ, બધા બહુ જણ માટે અજ્ઞાન છે. બધું અજ્ઞાન જ છે આ ! અંધારામાં જ છે જગત. આ તો જેટલું દેખાયું એટલું અજવાળું થયું. બાકી બધું અંધારું જ છે. જગત તો બહુ વિશાળ છે અને સીમંધર સ્વામી જેવા પાછાં બીજાં છે. આ તો ટૂંકી દ્રષ્ટિથી-શોર્ટ સાઈટથી આવું અંધારામાં દેખાય છે. બહુ વિશાળ છે જગત. મોટા મોટા ઇન્દ્ર લોકોય છે. તેમને બે-બે લાખ વર્ષના આયુષ્ય છે. નર્કગતિમાં ય જીવો છે, તેમને ય બે-બે લાખ વર્ષના આયુષ્ય છે. ત્યાં આયુષ્યની ખોટ જ નથી. અહીં મનુષ્ય એકલામાં જ આયુષ્યની ખોટ છે. અહીં જ ભાંજગડ બધી ! સાસુ-સસરો થયો કે હેંડ્યો...! ભૂલવાળું ફળમાં ફેર ? પ્રશ્નકર્તા : એટલે સીમંધર સ્વામી છે, તેમને સિધ્ધ ભગવાન કહેવાય નહિ ને ? દાદાશ્રી : ના કહેવાય. એ હાજર છે. માટે એ સિધ્ધ ભગવાન નહીં અને સિધ્ધ ભગવાન જોડે આપણે શું લાગે-વળગે ? એ જવાબે ય ના આપે. આ તો તીર્થંકર ભગવાન પાસેથી જવાબ મળે, બધું મળે ! પ્રશ્નકર્તા : તો પછી 'નમો અરિહંતાણં'નું ફળ શું મળે ? અને 'નમો સિધ્ધાણં' બોલવાથી, બન્નેના ફળમાં ફેર શો પડે ? દાદાશ્રી : 'સિધ્ધાણં' ના બોલે તો ચાલે, પણ પેલું 'નમો અરિહંતાણં' તો બોલવું પડે. મોક્ષ થવા માટે 'નમો અરિહંતાણં' બોલવું પડે. પ્રશ્નકર્તા : એટલે જે ફળ મળે છે તે આ આમનું જ, 'નમો અરિહંતાણં'નું જ ફળ મળે છે, એવું થયું ને ? 'નમો સિધ્ધાણં'નું કશું ફળ નહીં ? દાદાશ્રી : બીજું કશું ફળ મળે નહીં, એ તો આપણે એમ નક્કી કરી નાખીએ કે, 'ભઈ, કયે સ્ટેશને જવું છે ?' ત્યારે કહે, 'ભઈ, આણંદ જવું છે.' તે આણંદ આપણા લક્ષમાં રહ્યા કરે. એટલે મોક્ષમાં જવાનું, સિધ્ધગતિમાં જવાનું, તે એ લક્ષમાં રહ્યા કરે. બાકી સર્વશ્રેષ્ઠ ઉપકારી અરિહંત કહેવાય. અરિહંત કોને કહેવાય ? જે હાજર હોય તેને. ગેરહાજર હોય, તેને અરિહંત ના કહેવાય. પ્રત્યક્ષ-પ્રગટ હોવાં જોઈએ. માટે સીમંધર સ્વામીની ઉપર બધું લઈ જાવ હવે. જો કે બધા વીસ તીર્થંકરો છે. પણ બીજા કંઈ નામ આપણને ખ્યાલ રહે ?! તેનાં કરતાં આ જે મહત્ત્વ છે, આપણા હિન્દુસ્તાનને માટે ખાસ મહત્ત્વ ગણાયા છે તે સીમંધર સ્વામી, તેમના પર લઈ જવાનું અને એમને માટે જીવન અર્પણ કરો હવે. પ્રગટ, હાજરાહજુર ભગવાન ! આ સીમંધર સ્વામી તો પ્રગટ, પ્રત્યક્ષ, હાજરાહજુર ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી પ્રગટ કહેવાય ? દાદાશ્રી : હા, એ પ્રગટ કહેવાય. પ્રત્યક્ષ, હાજરાહજુર છે. દેહધારી છે ને અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર રૂપે વિચરે છે. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી મહાવિદેહમાં છે, તો તે અમારે માટે પ્રગટ કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : કલકત્તામાં સીમંધર સ્વામી હોય તો ય પ્રગટ ગણે તેમને, ના જોયા હોય તો ય, તેવું આય છે, મહાવિદેહ ક્ષેત્રનું. પ્રત્યક્ષ દર્શન સીમંધર સ્વામીના... પ્રશ્નકર્તા : અહીંથી સીમંધર સ્વામીના દર્શન થઈ શકે ? દાદાશ્રી : અમારે ત્યાં (જ્ઞાન લીધેલા મહાત્માઓ) બધા કરી શકે, તમારાથી (બધી પબ્લીકથી) ના થાય. તેનું મિડિયમ જોઈએ ને ? મિડિયમ, દાદા ભગવાન થ્રુ થઈ શકે. અગર તો સીમંધર સ્વામીના દેરાસર બંધાવે તો થઈ શકે. કારણ કે જીવતા તીર્થંકર છે, હાલ વર્તમાન તીર્થંકર છે. એનું દેરાસર બાંધે તો દર્શન સીધા થાય. બીજી જગ્યાએ સીમંધર સ્વામીની મૂર્તિઓ મૂકી છે, ઘણી જગ્યાએ મૂકી હશે, પણ આ મહેસાણાના મંદિર (મૂળ નાયક શ્રી સીમંધર સ્વામી) જેવું હોવું જોઈએ તો આ દેશનું બહુ ભલીવાર થાય. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ભલીવાર થાય ? દાદાશ્રી : સીમંધર સ્વામી જે તીર્થંકર છે, વર્તમાન તીર્થંકર, તેને મૂર્તિરૂપે ભજે. એમ માનોને કે ભગવાન મહાવીર હોય, મહાવીર ભગવાનના વખતમાં આપણે હોત તો અને એ આ બાજુ વિહાર કરતાં કરતાં આવી શકે નહીં, આપણાથી ત્યાં જવાય નહીં, તો આપણે અહીં 'મહાવીર, મહાવીર' કરીએ, તો આપણને એટલો જ લાભ છે ને ? લાભ ખરો કે નહીં ? પ્રશ્નકર્તા : ખરો. દાદાશ્રી : વર્તમાન તીર્થંકર એટલે ? વર્તમાન તીર્થંકરના પરમાણુ ફરતા હોય. વર્તમાન તીર્થંકરનો બહુ લાભ થાય ! જ્ઞાની દ્રષ્ટિએ, આ છે જીવંત ! પ્રશ્નકર્તા : હું ઘેર બેસીને સીમંધર સ્વામીને યાદ કરું ને મંદિર જઈને યાદ કરું, એમાં ફરક ખરો ? દાદાશ્રી : ફરક પડે. પ્રશ્નકર્તા : કારણ કે પેલી પ્રતિષ્ઠા કરેલી છે, પ્રાણપ્રતિષ્ઠા કરી છે એટલે ? દાદાશ્રી : પ્રતિષ્ઠા કરેલી છે અને ત્યાં આગળ દેવલોકોનું બધુ રક્ષણ ખરું ને ? એટલે ત્યાં વાતાવરણ હોય, એટલે ત્યાં અસર જ વધારે થાય ને ! એ તો તમે દાદાનું મનમાં કરો ને અહીં કરો, એમાં ફેર તો બહુ પડે ને ? પ્રશ્નકર્તા : દાદા, તમે તો જીવંત છો. દાદાશ્રી : નહીં, જેટલું આ જીવંત છે, એટલું જ જીવંત પેલું છે. અજ્ઞાનીઓને આ જીવંત છે. જ્ઞાનીને તો પેલું એટલું જ જીવંત છે. કારણ કે એમાં જે ભાગ દ્રશ્ય છે, એ બધો મૂર્તિ જ છે. મૂર્તિ સિવાય બીજું કશું છે નહીં. પાંચ ઇન્દ્રિયગમ્ય છે, તેમાં અમૂર્ત નામે ય નથી. બધું જ મૂર્ત છે ને આ મૂર્તિમાં ફેર નથી, ડિફરન્સ નથી. પ્રશ્નકર્તા : પણ આ ય અમૂર્ત છે અને ત્યાં અમૂર્ત નથી એમ માને છે ને ? દાદાશ્રી : ત્યાં અમૂર્ત નથી, પણ તેમની પ્રતિષ્ઠા કરેલી હોય છે. પ્રતિષ્ઠા કરેલી હોય છે, તે જેવું જેવું પ્રતિષ્ઠાનું બળ ! આની તો વાત જ જુદી છે ને ?! પ્રગટની વાત જુદી. પ્રગટ ના હોય તો... ત્યારે શુંનું શું થાય ? પ્રશ્નકર્તા : અને પ્રગટ હોતાં જ નથી, ઘણાં કાળ તો. દાદાશ્રી : અને એ ના હોય તો ભૂતકાળના તીર્થંકરો, આપણા ચોવીસ તીર્થંકરો તો છે જ ને ! મૂર્તિ છે પ્રતિનિધિસમ પ્રત્યક્ષ ! આ દેરાસર, જે હાજર નથી, તેનાં દેરાસર બાંધવાના મતનો હું નથી. હું તો જે હાજર છે, એનાં દેરાસર બાંધવાના મતનો છું. તે સીમંધર સ્વામી આજે પ્રત્યક્ષ છે. માટે દેરાસર બાંધવાનું છે. પ્રત્યક્ષને દેરાસર કહેવાય, નહીં તો પેલું મૂર્તિ કહેવાય. આ મૂર્તિ, મૂર્તિ ના કહેવાય, પ્રત્યક્ષ કહેવાય. સીમંધર સ્વામીની મૂર્તિ એ પ્રતિનિધિ કહેવાય, મૂર્તિ ના કહેવાય. મૂર્તિ તો જે અહીં ના હોય અને એમના પાછળ એમનું નામ ગાવા માટે ઊભી કરીએ. કલાપ્રિય વસ્તુ તે, મૂર્તિ કહેવાય. પણ આ તો પ્રતિનિધિ એટલે છે જ એ, છે એનું પ્રતિનિધિત્વ ધરાવે છે આ. આ મૂર્તિ એ સીમંધર સ્વામીની પ્રતિનિધિ ગણાય છે. મૂર્તિના દર્શન કરવાથી પુણ્યૈ બંધાય અને આ મૂર્તિ નથી, પ્રતિનિધિ છે. માટે પુણ્યાનુબંધી પુણ્યૈ એટલે મોક્ષે પણ લઈ જાય. મૂર્તિ તો મહાવીર ભગવાનની કહેવાય. મહાવીર ભગવાન તો સિધ્ધ કહેવાય. આ તો જાતે હાજર છે. આ દાદા ભગવાનનો ફોટો ક્યાં સુધી કામ કરે ? દાદા ભગવાન હાજર છે ત્યાં સુધી એ પ્રતિનિધિ, નહીં તો પછી મૂર્તિ. મૂર્તિ ફળ પુણ્યૈનું આપે, બીજું કંઈ ફળ આપે નહીં. આ મૂર્તિ તો મહીં કેટલાય કાળ સુધી આ ભગવાનના પ્રતિનિધિ તરીકે રહેવાની. કેટલાય લોકોનું કલ્યાણ થઈ જાય. ભલે એ સમજતો હોય કે ના સમજતો હોય કે ભગવાન છે કે નહિ ? ના સમજતો હોય પણ પ્રત્યક્ષ દેવતા (અગ્નિ) ના જાણતા હોય પણ હાથ પડે તો તરત ફળ તો આપે ને, દેવતામાં અજાણથી હાથ મૂકીએ તો ? ફળ આપે કે ના આપે ? એવી રીતે અજાણથી કરેલા કર્મનું ફળ આપે છે માટે ભગવાનનું દેરાસર થાય તો સારું. ભાવના બધાએ કરવાની. બીજું કશું કરવાનું નથી. લેવું-દેવું એ તો અંદરની શક્તિના ખેલ છે, ઉમળકાના ખેલ, ભાવનાના ખેલ છે. પણ હાથ દેવો, થઈ જાય તો સારું. બીજું કંઈ નહીં. પ્રશ્નકર્તા : સદ્ગુરુ વગર તો મોક્ષે પહોંચાશે નહિ ને ? દાદાશ્રી : સદ્ગુરુથી તો મોક્ષે જવાનું સાધન હોય પણ આ લોકોને જે દુઃખો છે તે બધાં જતાં રહે, પુણ્યોદયમાં ફેરફાર થયા કરશે. એટલે આ દુઃખ બિચારાને ના રહે. આ બધા કેટલા દુઃખોમાં સપડાયા કરે છે. પછી મોક્ષ તો થશે. સદ્ગુરુ મળે તો કંઈ દહાડો વળે, નહિ તો ના મળે તો પુણ્ય તો ભોગવે બિચારો. સારું કર્મ તો બાંધે. ખોટાં કર્મ ના કરે તો બહુ થઈ ગયું. મોક્ષ તો બધાંનો હોય જ નહિ ને ! મોક્ષ તો કો'કનો જ હોય. લાભ, જીવતા ભગવાનની ભજનાથી... પ્રશ્નકર્તા : તો મહાવીરને બદલે સીમંધર સ્વામીનું દેરાસર વધારે કામનું ને ? દાદાશ્રી : હા, એ જીવતા છે, ને વર્તમાન તીર્થંકર જોઈએ. પછી મહાવીરની મૂર્તિ આવશે. પણ મૂળ નાયક તો આપણા સીમંધર સ્વામી એ જીવતા છે. જે ગયાને એનાથી પુણ્ય બંધાય, જ્ઞાનનો ઉઘાડ ના થાય ને વર્તમાન હોય તો જ જ્ઞાનનો ઉઘાડ થાય. આ દેરાસર સીમંધર સ્વામીનું દેરાસર છે. આ તો હાલ છે, જેમ મારો ફોટો હોય અહીં અને અત્યારે કામ કરે, તે ફળ આપે તરત, એવું. આ તો મૂર્તિમાં પ્રતિષ્ઠા થશે સરસ. પ્રતિષ્ઠા થાય પછી પૂજ્ય ગણાય. એટલે અમે ચેતન મૂકીએ એમાં. મૂર્તિમાં ચેતન મૂકીએ ત્યાર પછી પ્રતિષ્ઠા થઈ કહેવાય. આ દેરાસરમાં જો જો ને, અમે એક-એક મૂર્તિમાં ચેતન મૂકીશું. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એ પ્રત્યક્ષ છે, એ બરોબર પણ આપણે એમને પ્રત્યક્ષ જોયા જ નથી ને ? દાદાશ્રી : આપણે પ્રત્યક્ષ જ છેને ! દાદા ભગવાન થ્રુ નમસ્કાર કરીએ એટલે પહોંચે જ. પહોંચ્યા જ આપણા નમસ્કાર. નામ, રૂપથી ભજનાનું રહસ્ય ! પ્રશ્નકર્તા : જો ભગવાન નિરાકાર હોય તો નામ અને રૂપમાં આપણે સીમંધર સ્વામી કહીએ, તો એ તો 'સીમંધર સ્વામી' એ નામ કહ્યું. તો ભગવાનનું એ સ્વરૂપ છે, એ સીમિત ના થઈ જાય ? કારણ કે પરમાત્મા તો નિરાકાર છે. તો પછી આ નામ અને રૂપની જ ભજના કરવી, એનું શું કારણ ? દાદાશ્રી : એવું છે ને, કેરી નામ દેવાથી આપણા લક્ષમાં જ હોય કે રસ હતો. રસને માટે જ કેરીનું નામ દઈએ છીએને આપણે ? એટલે આ નામ દેવાથી ભગવાન મહીં છે એની ખાતરી જ હોય. નામ એ મંદિર કહેવાય અને મહીં ભગવાન. અને પેલું જે છે એ તત્ત્વ. એ અરૂપી તત્ત્વ હોય તે લક્ષમાં નહીં આવી શકે. માટે જ્યાં અરૂપી તત્ત્વ પ્રગટ થઈ ગયેલું છે, સંપૂર્ણ પ્રગટ થઈ ગયેલું છે, કમ્પ્લિટ પ્રગટ ! તે ત્યાં એમનાં મંદિરનું નામ દઈએ, ત્યારથી જ આપણને એનો લાભ થાય. આપણે અહીં કેરી બોલીએ તે કંઈ કેરી શબ્દ માટે નથી, રસને માટે છે. અને ઘણાં ફેરી તો કેરી જોઈએ છીએ અને જીભમાં સ્વાદ આવે છે. પ્રશ્નકર્તા : મગર મોટર નામ દેને સે મોટર નહીં આ જાતી ! જેનું નામ દઈએ, તો પ્રેમ મળતો નથી. દાદાશ્રી : નામ ઉપર બેસી રહેવા જેવું નથી અને નામ વગર ચાલે એવું નથી. કારણ કે અરૂપીને કેમ કરીને તમે પકડશો ? અરૂપી પકડાશે નહીં. માટે આ નામ દીધેલું છે. એમાં નામ કંઈ અડચણ કરતું નથી કોઈ જાતનું, પણ નામમાં જ જે પેસી જાય છે, તેને અરૂપી પકડાતા નથી, નામના હઠાગ્રહી જ થઈ જાય છે. અરૂપીના હેતુ માટે જ નામ ઘાલીએ છીએ આપણે. બીજું કોઈ કારણ નથી. પ્રશ્નકર્તા : નામને પકડવાથી પાછી આપણામાં એ યાંત્રિકતા નહીં આવી જાય ને ? મિકેનિકલ નહીં થઈ જાય ને ? દાદાશ્રી : એવું છે ને, આ દાદા ભગવાન કહો તો આ દેખાય છે એ ન્હોય. મહીં પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે. પણ કહેતાંની સાથે સમજાઈ જાય કે મહીં દાદા ભગવાન છે. એમનાં દર્શન કરીએ. આપણે તો આ દાદા બોલાવે છેને સીમંધર સ્વામીનું, તે બધું બોલાવે એટલું બોલવાનું, એટલે બહુ થઈ ગયું. એક ફેરો દર્શન થયા તો કામ કાઢી નાખે. તો આ દાદાની હાજરીમાં દર્શન પહોંચ્યા કરે છે ને ભગવાન ત્યાં સ્વીકાર કરે છે. સ્વીકાર કરે એ ચાલે ને, નહિ તો એ કેવળજ્ઞાની ના કહેવાય. હા, ભીંતની બહાર રહીને દર્શન કરતો હોય તો ય કેવળજ્ઞાની સ્વીકાર કરે ! અહીં બેઠાં બેઠાં નીચેવાળો દર્શન કોઈ કરતો હોય ને, તેનો સ્વીકાર પોતે કરે. તે આ તો દાદાના થ્રુ કહેવાય, તે સિફારસ આપે. શા માટે, દાદા ભગવાનની સાક્ષીએ ? પ્રશ્નકર્તા : આપણે સીમંધર સ્વામીને નમસ્કાર કરીએ છીએ, તો દાદા ભગવાનની સાક્ષીએ બોલીએ અને ડાયરેક્ટ બોલીએ, 'સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું' એવું બોલીએ, તેમાં ફરક શો પડે છે ? દાદાશ્રી : અહીં દર્શન કર્યા પછી એનું ફળ સારું મળે. પ્રશ્નકર્તા : દાદા મળ્યા પહેલાં પણ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું એવું બોલતા હતા અને દાદા મળ્યા પછી બોલીએ છીએ, એમાં શું ફરક પડે ? દાદાશ્રી : બહુ ફેર પડે, બહુ ફેર પડે. પ્રશ્નકર્તા : જરા ડિટેઈલમાં સમજાવોને ! દાદાશ્રી : તમે રાજાને જોયા ના હોય અને રાજાને નમસ્કાર કર્યા કરો પણ રાજાને પ્રધાને તો જોયેલા હોયને, એવા પ્રધાનની હાજરીમાં કહો તો ફેર ના પડે ? ત્યાં ખબર આપે ને કે તમારા નામનું રટણ રટે છે. પેલાનું ફળ તો મળે જ ને ! હંમેશાં મોટાં મોટાં સંતોનું નામ લે, તે ફળ મળે. નામ દેવાય તો ફળ મળ્યા વગર રહે નહિ. જેમ ખોટા માણસનું નામ દે તો ખોટું ફળ મળે અને સારાનું સારું ફળ મળે. પણ પ્રત્યક્ષ હોય તો ફળ અનેકગણું મળે અને પરોક્ષ હોય તો થોડું મળે. રિયલી-રિલેટિવલી, દર્શનની રીત ! પ્રશ્નકર્તા : આપણે રામના મંદિરમાં જઈએ કે શિવના મંદિરમાં જઈએ, તો કેવી રીતે પ્રાર્થના કરવી ? કેવી રીતે એમનાં દર્શન કરવા ? દાદાશ્રી : કશુંય કરવાનું નહિ. રીત-બીત કશુંય નહિ. અમે હઉ જઈએ છીએને મંદિરમાં. કારણ કે હું ના જાઉં તો લોક શું કહે ? આ દાદા છે, તે જતા નથી તો આપણે ય શું જવાનું કારણ ? એટલે પછી લોક અવળે રસ્તે જાય. મૂળ પાછળની પ્રજા છેને, તે લોકોનો વ્યવહાર બગડી જાય. આપણે તો જ્ઞાનને લઈને ના જઈએ. પણ પેલાં અજ્ઞાની તો કહેશે, 'નથી જવું.' પ્રશ્નકર્તા : મંદિર હોય એટલે સાધારણ તરત ખેંચે કે ચાલો, દર્શન કરવા. દાદાશ્રી : એ રિલેટિવને ! તે તમારે 'શુધ્ધાત્મા'એ નહિ પગે લાગવાનું. તમારે તો જાણવાનું કે આ 'ચંદુભાઈ' પગે લાગ્યા. સમકિતીને છૂટ બધે દર્શનની ! પ્રશ્નકર્તા : મારા જેવાએ જ્ઞાન લીધું છે, તો હવે મંદિરમાં જઈએ તો શું કરવું ? દાદાશ્રી : હવે 'ચંદુલાલ'ને જ કહીએ કે જે' જે' કરજે, બા ! અંદર ભાવ થાય તો ને ના થાય તો કંઈ નહિ. પણ એના તરફ ઘૃણા નહિ રહેવી જોઈએ. અભાવ નહિ રહેવો જોઈએ. એ રિલેટિવ (વ્યવહાર) છે. રિલેટિવનો વાંધો નહિ. રિલેટિવમાં મસ્જિદમાં જઈએ તો ય દર્શન કરાય. અમે તેડી જઈએને, ચારસો-ચારસો માણસોને મસ્જિદમાં લઈ જઈએ ને મસ્જિદમાં બેસે છે ય. એટલે રિલેટિવમાં નિષ્પક્ષપાતી અને રિયલમાં (નિશ્ચય) આ શુધ્ધાત્મા એકલું જ. રિયલ ભક્તિ એક જ છે. 'સીમંધર સ્વામીના અસીમ જયકાર', બોલાય ? પ્રશ્નકર્તા : 'સીમંધર સ્વામીને નિશ્ચયથી નમસ્કાર કરું છું' એમ જે બોલીએ છીએ, તો નિશ્ચયથી જ બોલવાનું હોયને કે વ્યવહારથી બોલવાનું હોય ? દાદાશ્રી : નિશ્ચયથી. અને દેહ તો ઊંચો-નીચો હોય, તે અમારે દેહ સાથે લેવા-દેવા નથી. પ્રશ્નકર્તા : એટલે 'હું સીમંધર સ્વામીને નિશ્ચયથી નમસ્કાર કરું છું' એમ જે બોલું છું તે બરોબર છે ને ? દાદાશ્રી : બરોબર છે. વ્યવહાર એટલે દેહથી. અને આ નમસ્કાર વિધિમાં જે બીજું છે ને આ બધું વ્યવહારથી છે. હવે આ અહીં એકલું જ નિશ્ચયથી છે. પ્રશ્નકર્તા : દાદા ભગવાનનું નિશ્ચયથી છે ? દાદાશ્રી : હા, બસ. એટલે ખરી રીતે અહીં જ તમારે નિશ્ચયથી નમસ્કાર કરવા જોઈએ, બીજું બધું વ્યવહારથી નમસ્કાર બધે કરું છું. હવે સીમંધર સ્વામીને નિશ્ચયથી બોલો તો વાંધો નથી, સારી વસ્તુ કહેવાય. ત્યાં આપણે નિશ્ચય લખીએ તો બધે નિશ્ચય લખવું પડે આ. પ્રશ્નકર્તા : 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' જે બોલાવીએ છીએ, એવી રીતે 'સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો' બોલાવી શકાય ? દાદાશ્રી : ખુશીથી બોલાવી શકાય. પણ 'દાદા ભગવાનના જય જયકાર' બોલતી વખતે જે મહીં આનંદ થાય છે એવો આનંદ પેલામાં ન થાય. કારણ કે આ પ્રત્યક્ષ છે. પેલું પ્રત્યક્ષ તમે જોઈ શકતાં નથી. બોલાવી શકાય ખરું. સીમંધર સ્વામી માટે ગમે તે બોલાય. કારણ કે આપણા શિરોમાન્ય ભગવાન છે અને રહેશે. જ્યાં સુધી આપણે છૂટીએ નહીં ત્યાં સુધી રહેશે. આ તો અમે આંગળી કરી છે કે આમનું જે આવડ્યું એ બોલશે, તેનું કલ્યાણ થશે. પ્રશ્નકર્તા : હા, અંગુલિ ઈશારો છે, બધું બરોબર છે. દાદાશ્રી : આ બધું અંગુલિ નિર્દેશ છે. કોઈએ આંગળી કરેલી નહીંને, શું કરવું તે ! વાતો બધી કરી હશે પણ આંગળી નથી કરી કે આમ કરો ! પ્રશ્નકર્તા : આ તો મેં તે દિવસે બોલાવેલુંને, ત્યારે એક ભાઈએ કહ્યું કે આવું ના બોલાવાય. નિશ્ચયથી ના બોલાવાય. એટલે મેં પૂછયું. દાદાશ્રી : ના. એ બોલ્યાં હોય તો વાંધો નથી. એથી કંઈ પાપ નથી લાગે એવું. પણ આ જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે બોલેને, તેનો બહુ ફેર પડી જાય. બોલ્યા હોય તેનું જોખમ નથી. પ્રતિક્રમણ કરવું ના પડે. સીમંધર સ્વામીનું ફક્ત નામ દેશેને તોય એને ફાયદો થઈ જશે. શબ્દ-રૂપક સાથે દર્શન કરવા ! અમે સીમંધર સ્વામીને નમસ્કાર બોલીએ ત્યારે સીમંધર સ્વામીનું ચિત્રપટ, એમનું પદ, એ બધું એટ એ ટાઈમ લક્ષમાં રહે. ''દાદા ભગવાનના અસીમ જય જયકાર હો'' એવું બોલીએ એવું જ તે વખતે દેખાય અને શબ્દ અને રૂપક બે સાથે હોયને, તે બહુ ફળ આપનારું હોય અમે બોલીએને, મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર સાહેબ બોલીએ તો તીર્થંકર સાહેબના દર્શન કરીએ એટલે શબ્દ અને રૂપક જોડે હોય તે બહુ ફળ આપનારું છે. એમનું મોઢું જોવાનું જરૂર નથી. એમનો સ્વભાવિક આકાર દેખાવો જોઈએ. 'કૃષ્ણ ભગવાન' બોલતાંની સાથે જેવા કૃષ્ણ ભગવાન જેવા હોય તેવા દેખાય એટલે કામ પત્યું. દેખાય એટલે રૂપક કહેવાય. બોલવું અને આ એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. સીમંધર સ્વામી જોડે અમારે એટલી બધી ઓળખાણ છે કે અમે કહીએ એ પ્રમાણે તમે દર્શન કરો તો ઠેઠ પહોંચે. એ નમસ્કાર વહેલાં પહોંચે ! આ બધા લોકો સવારે ઊંઘમાંથી ઊઠે તો ભીડ થાયને ? અને સાંજે તો નરી ભીડ જ હોય. એટલે સવારનું સાડા ચારથી સાડા છ, એ તો બ્રહ્મમુહૂર્ત કહેવાય, ઊંચામાં ઊંચું મુહૂર્ત એ. એમાં જેમણે જ્ઞાની પુરુષને સંભાર્યા, તીર્થંકરોને સંભાર્યા, શાસન દેવ-દેવીઓને સંભાર્યા, તે બધું જ પહેલું એક્સેપ્ટ થઈ જાય બધાંને ! કારણ કે પછી દર્દી વધ્યાં ને ! પહેલો દર્દી આવ્યો, પછી બીજો આવે. પછી ભીડ થવા માંડે ને ! સાત વાગ્યાથી ભીડ થવા માંડે. પછી બાર વાગે જબરજસ્ત ભીડ હોય. માટે પહેલો દર્દી જઈને ઊભો રહ્યો, એને ભગવાનનાં ફ્રેશ દર્શન થાય. 'દાદા ભગવાનની સાક્ષીએ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું' બોલ્યા કે તરત ત્યાં સીમંધર સ્વામીને પહોંચી જાય. તે વખતે ત્યાં કોઈ ભીડ હોય નહિ, પછી ભીડમાં ભગવાને ય શું કરે તે ! માટે સાડા ચારથી સાડા છ, એ તો અપૂર્વ કાળ કહેવાય ! જેની જુવાની હોય, તેણે તો આ છોડવું ના જોઈએ. આ નમસ્કાર વિધિ બોલજો. એ બધા આજે આ ભૂમિ પર નથી પણ બીજી ભૂમિ ઉપર છે ને પૂર્ણ સ્વરૂપે પહોંચેલા એવાં પુરુષોના નામ લખેલાં છે. અમે તેમને જોયેલાં છે. એટલે તમારે 'દાદા ભગવાન થ્રૂ', 'દાદા ભગવાનની સાક્ષીએ' બોલો એટલે બધું ત્યાં દર્શન પહોંચે છે. તે આ બોલજો. ભાવના, ભાવિ પ્રજાને ઉગારવા ! એટલે આ સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે. આ વ્યવહાર છે. ભવિષ્યની પ્રજાને ઉગારવા માટે છે આ. અને આ સીમંધર સ્વામી પોતે છે, ત્યાં સુધી એ હેલ્પફુલ છે. અને આ તો આપણે જે કરીએ છીએ, એ તો ઈટ હેપન્સ છે ! 'ઈટ હેપન્સ' થઈ રહ્યું છે ! સીમંધર સ્વામીને ભજીએ તો હિન્દુસ્તાનમાં ફેરફાર થાય, નહીં તો ફેરફાર કેમનો થાય ? પ્રશ્નકર્તા : દાદા, હિન્દુસ્તાનમાં હમણાં જોઈએ તો હળહળતો કળિયુગ છે. દાદાશ્રી : તે છોને રહ્યું હળહળતું ! આ બધું જ્યાં સુધી સીમંધર સ્વામી રાજી છે, જ્યાં દેવલોકો બધા રાજી છે, ત્યાં શું બાકી રહે ? સીમંધર સ્વામી જીવતા તીર્થંકર છે એટલે એમની મૂર્તિની હિન્દુસ્તાનમાં ખાસ જરૂર છે. સીમંધર સ્વામીના આપણા દેરામાં ત્રિમંદિરમાં જે મૂર્તિઓ છે એટલા બધા હેલ્પફુલ છે, એટલી ઉત્તમ વસ્તુ છે. શાથી દેવ-દેવીઓને રાજી ? પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ એ મુક્તિનો માર્ગ છે, એમાં કશી અપેક્ષા ના હોઈ શકે. તો પછી આમાં શાસન દેવ-દેવીઓને રાજી રાખવાની શી જરૂર છે ? દાદાશ્રી : આ શાસન દેવ-દેવીઓને રાજી એટલા માટે રાખવાનું કે આ કાળના મનુષ્યો પૂર્વવિરાધક છે. પૂર્વવિરાધક એટલે કોઈને સળી કરીને આવેલા. તેથી તો અત્યાર સુધી રખડી મરેલા. આપણે દેવ-દેવીઓનું આરાધન એટલા માટે કરવાનું કે એમના તરફનો કોઈ 'ક્લેઈમ' (દાવો) ના રહે, આપણા માર્ગમાં વચ્ચે તેઓ અંતરાય ના નાખે અને આપણને પસાર થવા દે અને 'હેલ્પ' કરે. કલ્યાણકારી આરતી સીમંધર સ્વામીની ! હાલમાં જે ભગવાન બ્રહ્માંડમાં હાજર છે, તેમની આરતી આ બધા કરે છે તે દાદા ભગવાન થ્રુ (માધ્યમ દ્વારા) કરે છે ને હું તે આરતી તેમને પહોંચાડું છું. હું પણ તેમની આરતી કરું છું. ભગવાન હાજર છે, તેમને પહોંચાડું છું. આરતીમાં બધા દેવો હાજર હોય છે. જ્ઞાની પુરુષની આરતી સીમંધર સ્વામીને ઠેઠ પહોંચે. દેવલોકો શું કહે છે કે જ્યાં પરમહંસની સભા હોય ત્યાં અમે હાજર હોઈએ. આપણી આરતી ગમે તે મંદિરમાં ગાઓ તો ભગવાનને હાજર થવું પડે. જેને ત્યાં ભગવાનની આરતી ઊતરે, તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે ! આરતી તો વિરતિ છે ! જેને ઘેર આરતી થાય, એને ઘેર તો વાતાવરણ આખું જ ફેરફાર થઈ જાય. પોતે તો 'શુધ્ધ' થતો જાય ને ઘરનાં બધાં છોકરાંને ય, બધાંને ય ઊંચા સંસ્કાર મળે. આ આરતી બરોબર બોલાયને, તે ઘેર દાદા ભગવાન હાજર થાય ! અને 'દાદા ભગવાન' હાજર થાય એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઈમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું. ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખું ય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી તો શું થાય કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઈ જાય ! જ્ઞાનીઓથી ત્યાં જવાય, પણ સદેહે નહિ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી ત્યાં છે. આપ તો રોજ દર્શન કરવા જાવ છો, તો એ કઈ રીતે ? એની અમને સમજણ પાડો. દાદાશ્રી : એ અમે જઈએ. પણ અમારે રોજ દર્શન કરવા જઈ શકાય નહિ. અમારે જ્ઞાની પુરુષને અહીંથી (ખભા પરથી) એક લાઈટવાળું અજવાળું નીકળે અને નીકળીને જ્યાં તીર્થંકર હોય ત્યાં જાય, તે પ્રશ્નનું સોલ્યુશન કરીને પછી પાછું આવે. જ્યારે સમજણમાં ફેર પડી જાયને, કંઈક સમજણમાં ભૂલ થાય ત્યારે પૂછીને આવે. બાકી અમારે જવાય-અવાય નહિ, મહાવિદેહ ક્ષેત્ર એવું નથી ! અમારે સીમંધર સ્વામી સાથે તાર જોઈન્ટ થયેલો છે. અમે બધા જ પ્રશ્નો ત્યાં પૂછીએ ને એ બધા જવાબ આપી દે. એટલે અત્યાર સુધીમાં અમને લાખો પ્રશ્નો પૂછાયા હશેને એ બધાનાં અમે જવાબ આપ્યા હશે. પણ આ બધા સ્વતંત્ર નહીં, જવાબ અમારે બધા ત્યાંથી આવેલા. બધા જવાબ આપી શકાય નહીં ને ! જવાબ આપવો એ કંઈ સહેલી વસ્તુ છે ? એ પાંચ જવાબ ના આપી શકે એકુંય માણસ ! જવાબ આપે ત્યારે હોરા તો વાદવિવાદ શરૂ થઈ જાય. આ તો એક્ઝેક્ટ જવાબ આવે. તેથી સીમંધર સ્વામીને ભજે છે ને ! આ કાળમાં જો પ્રગટ જ્ઞાની પુરુષ ના હોય તો સેકન્ડ નંબરે કયું ? ત્યારે કહે, સીમંધર સ્વામીના દર્શન (મૂર્તિના). ભરત ક્ષેત્ર જોડે હિસાબ ! સીમંધર સ્વામી તો (ભરત ક્ષેત્રમાં) અઢારમા તીર્થંકર હતા, ત્યાર પહેલાના છે ભગવાન ! બધા તીર્થંકરોએ અનુમોદના કરેલી. તે આ અનુમોદનારૂપ એમની કૃપા ઊતરતી જ ચાલે છે. એટલે બધું અહીંનું કામ જ જાણે એમનું હોય એવી રીતના ચાલે છે. બાકી છે તો વીસ તીર્થંકરો, પણ આ તીર્થંકર વધારે એક્સેપ્ટ કરે બધાય. તે ઋણાનુબંધી હિસાબ હશે. પહેલાંનો હિસાબ હશે ને, તે છૂટે હંમેશાં. વીતરાગમાં હિસાબ ના હોય. હિસાબ પહેલાંનો છૂટતો હોય. જે દ્રવ્યકર્મના આઠ કર્મ છૂટેને, એવી રીતે એ છૂટે, તેની મહીં ભેગા હિસાબ છૂટે. એમને બધા તીર્થંકરોએ માન્ય કરેલા. અને અત્યારે એ માન્ય કરીએ તો આપણને ફળ મળે. પ્રશ્નકર્તા : જે અત્યારે, હાલમાં વિચરી રહ્યા છે ને ? દાદાશ્રી : હા. વિચરી રહ્યા છે. હજુ બહુ કાળ સુધી રહેવાનાં છે અહીં આગળ. તાર જોઈન્ટ કરીએ, તો કામ નીકળી જાય. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી સાક્ષાત્ હોય એવા અનુભવ થાય છે. દાદાશ્રી : થાય. સાક્ષાત્ છે જ. ભાવે કરીને સંપૂર્ણ વીતરાગ જ છે, તીર્થંકર જ છે. પણ જે મૂળ છે તે તીર્થંકર નામકર્મનાં આધારે આ કર્મ ભોગવે છે અત્યારે. સીમંધર સ્વામી એ તો કૅશ (રોકડા) કહેવાય. ભલે બીજા ક્ષેત્રમાં હોય પણ હાજર છે એ ! દર્શનનું મહાતમ ! આ આમની મૂર્તિ નથી પધરાવતા, સીમંધર સ્વામી જાતે હાજર છે. એમની મૂર્તિ એટલે પોતે જાતે એના પ્રતિનિધિ કહેવાય. મૂર્તિનાં ક્યાં સુધી દર્શન કરવાનાં છે ? અમૂર્ત પ્રાપ્ત થતાં સુધી. અમૂર્ત પ્રાપ્ત થતાં સુધી મૂર્તિનું અવલંબન છે. ભગવાને કહેલું કે પછી મૂર્તિ છોડી દેવાની ? ના. મૂર્તિ છોડી નહિ દેવાની, નહિ તો લોકો છોડી દેશે. એટલે અમથા આપણે નામના જવું ખરું. વ્યવહાર ધર્મ છે એ, અમે હઉ જઈએ. વર્ષમાં બે-ત્રણ વખત મારે હઉ ત્યાં જવાનું. તો પોળના નાકાવાળા બધાને સમજાય કે દાદા જાય છે. વ્યવહાર ધર્મ બધોય ખુલ્લો રાખવાનો. પ્રશ્નકર્તા : હમણાંના બધા લોક છે, વ્યવહારમાં અને ભાવિક પ્રજાને માટે તો એ મૂર્તિ પરોક્ષ છે, તો ભક્તિ લોકો કરશે જ ને ? દાદાશ્રી : ના, આ મૂર્તિ પરોક્ષ નથી. પ્રશ્નકર્તા : પણ ભવિષ્યની પ્રજા, એને માટે પરોક્ષ જેવું થઈ જશે ને ? દાદાશ્રી : એકલું એને માટે જ નહિ. પહેલું આપણે માટે છે આ. આપણે માટે શું છે ? સીમંધર સ્વામી આજે હાજર છે. હજુ તો સવા લાખ વરસ સુધી હાજર છે. એમનું ચિત્રપટ બધું કામ કરે. એટલે આપણા મહાત્માઓને ત્યાં દર્શન જ કર્યા કરવાના. સામે બેસી રહેવાનું, એક કલેક્ટર ત્યાં આગળ ખુરશી ઉપર હોય, ત્યાં સુધી કામ થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : એક કલેક્ટર તમારું કામ ના કરતો હોય, તો તેનાં ઘેર બેઠા તમે પ્રતિક્રમણ કર્યા કરો તો તમારું કામ થઈ જાય. એના ફોટા પાસે તમે કર્યા કરો તો, હવે કલેક્ટરના ફોટાની જરૂર નહિ. આમાં ફોટાની જરૂર અને ભવિષ્યની પ્રજા માટે તો, આખા જગતના કલ્યાણ માટે છે. આ દેરાસરનું સંકુલ તો મતાર્થ જવા માટે, મતભેદ બધા જતા રહેશે ને લોકોને ફળ આપશે. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન બિરાજે છે. તે તેમની મૂર્તિ અહીં મૂકવાની છે, જીવતાની મૂર્તિ હોય ! કેટલું બધું ફળ આપે ! એટલે એવું અહીં આગળ સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે. એ શું હેતુ માટે બંધાય છે ? એ હેતુ આપને કહી દઉં. આ જગતના લોકોને આત્માર્થ કરવાનો હતો અને લોકો શેમાં પડ્યા ? મતમાં. પેલાં કહે, અમારો મત સાચો ને પેલાં કહે, અમારો મત સાચો. મતાર્થમાં જ આત્માર્થ ક્યાંય જતો રહ્યો ! એટલે આ મતાર્થ જવા માટેનું એક દેરાસર આ સીમંધર સ્વામીનું બંધાય છે. જોડે શ્રીકૃષ્ણ વાસુદેવનું મંદિર આવશે. જુદું, ત્યાંથી સેપરેટ બિલકુલ અને આ બાજુ સેપરેટ એક શિવનું મંદિર આવશે. અને તે આ મતભેદ મટાડવાનું સાધન છે. આપણા મતભેદ તૂટી જશે, આ દર્શન કરવાથી. કૃષ્ણ વાસુદેવ નારાયણ છે. તીર્થંકરોએ એક્સેપ્ટ (સ્વીકાર) કરેલા. અને શિવ છે એ જ્ઞાની તરીકે એક્સેપ્ટ કરેલા છે. જે કોઈ પણ જ્ઞાની થાય, એ શિવ કહેવાય. એટલે આ બધાને એક્સેપ્ટ કરેલાં છે. આ ત્રણ મંદિરોમાં મૂર્તિ જોશો ત્યારે તમને ભવ્યતા લાગશે. હવે જે હાજર હોય તે મૂર્તિનાં દર્શન કરીએ તો ઘણો લાભ થાય. દેરાસર માટે જગત કલ્યાણી સંજ્ઞા ! એટલે આ દેરાસર બાંધવાનો વિચાર કરેલો. આમ હું તો આશ્રમે ય બંધાવવાના વિચારોનો નહીં. હું તો આશ્રમે ય બાંધું નહીં. મેં તો આશ્રમે ય બાંધ્યો નથી. અમે તો ગમે ત્યાં બેસીને સત્સંગ આપીએ. પ્રશ્નકર્તા : જૈન ધર્મ તો આશ્રમ બાંધવાની ના જ પાડે છે ને ? દાદાશ્રી : હા. પણ એને માટે બરોબર છે. એટલે આશ્રમની વિરુધ્ધ અમે. આ મંદિરોને માટે આ બધી સંજ્ઞા થઈ એટલે બંધાયું છે. જગત કલ્યાણ માટેની સંજ્ઞા છે અમારી ! નહીં તો હું તો ઈંટ ચોડવાવાળો માણસ જ ન્હોય. આ જે ચોડેલી છે એ જ નકામી ચોડી લોકોએ. પણ આમાંથી આ, એ જે ફસામણ કહો કે ગમે તે કહો, પણ આ ફસામણ ઊભી થઈ ગઈ. બાકી અમે તો ઈંટ ચોડીએ એવા માણસ જ નહીં... પછી જોડે જોડે વિચારે ય એવા આવ્યા કે આ સીમંધર સ્વામીનું દેરાસર થઈ જાય તો સારું. લોકોના હિતનું છે. સીમંધર સ્વામીના અહીં લોકો જેટલાં દર્શન કરશે ને એટલું વિશેષ ફળદાયી થઈ પડશે. કારણ કે આ તીર્થંકર હાજર છે. હાજર તીર્થંકર કહેવાય. બહુ હેલ્પફુલ ! એટલે આ ઈંટ ચોડવાનો વખત અત્યારે અમારે આવ્યો. નહીં તો અમારા જ્ઞાનમાં ઈંટ ચોડવાનો વખત જ હતો નહીં ! એટલે કેટલાંક લોકો એમ કહે કે દાદા ય આ પ્રમાણે દેરાસર બંધાવવામાં ચાલ્યા ! પણ અમે હવે આવાં સંજોગોમાં મૂકાયા. છૂટે મતાર્થ, તો આવે આત્માર્થ ! એટલે દેરાસર છેવટે અમારે ફરજિયાત બાંધવું પડ્યું, આ મતાર્થ જવા માટે ! ત્યાં ત્રણ દેરાસર બંધાય છે. આ સીમંધર સ્વામીનું, જે જીવતા છે તેમનાં માટે બંધાય છે. કૃષ્ણ ભગવાન જીવતા છે, એમનું બંધાય છે અને 'શિવ' એટલે કલ્યાણ સ્વરૂપ જ્ઞાની, તે પણ જીવતા હોય છે. એટલે ત્રણેય દેરાસરો બંધાય છે એ ય ભેગાં નહિ, પણ જુદાં જુદાં ! પણ બધા લોકો દર્શન કરી જાય. એનાથી આ લોકોનો મતાર્થ બધો જતો રહેશે. એવી આ મૂર્તિઓમાં પ્રતિષ્ઠા કરીશ ! મૂર્તિઓ બોલશે તમારી જોડે !!! મૂર્તિઓ વાતો કરશે ! બોલો, પછી નાસી જાયને પેલાં લોકો ? પછી આ બાવાઓ ને વેપારીઓનું પછી કશું ચાલવાનું નથી. આ તો ત્યાં સુધી નામ ચરી ખાશે આ લોકો. આ બધું જતું રહેશે. આ જે દેવ-દેવીઓનું છે અને અહીં પણ દેવ-દેવીઓ છે, તે ધર્મનું રક્ષણ કરશે. પણ આ લોકો જ વાંકા ચાલે, ત્યાં એમનું શું ચાલે ? લાકડાં વાંકા હોય ત્યાં કરવતે ય વાંકી આવે ને લાકડાં વાંકા હોય ને કરવત સીધી હોય તો તૂટી જાય. એટલે આ બધું સીધું થઈ રહ્યું છે. એટલે આ ત્રણેય દેરાસર બાંધવા લોકો તૈયાર છે. હિન્દુસ્તાનમાં મતાર્થ ના રહેવો જોઈએ. કૃષ્ણ ભગવાનને જે ભજે, એ સીમંધર સ્વામીને ભજે અને આ બાજુ શિવને ભજે. જગ્યા એક, પણ દેરાસર સેપરેટ, એવું આ સંકુલ બંધાઈ રહ્યું છે. પ્રશ્નકર્તા : દેરાસર તો ઘણાંય છેને ? પછી નવું બાંધવાની શી જરૂર ? દાદાશ્રી : એ બધે મતાર્થી છે. આ તો મતાર્થની બહાર કાઢું છું. આ મતાર્થ કાઢવા માટે છે. લોકો આત્માર્થને બદલે મતાર્થમાં પડ્યા છે. એ મતાર્થ નીકળી જાય એટલે આત્માર્થમાં આવી જાય. આ ઈચ્છા છે 'અમારી' ! જગતમાં મતભેદ ઓછા કરી નાખવા છે. મતભેદથી દૂર થશેને, ત્યારે આ વાત સાચી સમજતા થશે. આ મતભેદો તો એટલાં કરી નાખ્યા છે કે આ શિવની અગિયારસ ને આ વૈષ્ણવની અગિયારસ, અગિયારસ જ જુદી જુદી ! ત્યાં મેં મંત્રો ભેગા કરી નાખ્યા છે અને દેરાસર જુદા જુદા રાખો. કારણ કે એ બિલિફ છે એક જાતની. શિવમાં કૃષ્ણને ના ઘાલો. પણ આ મંત્રો છે, તે ભેગા રાખો. કારણ કે મન છે તે હંમેશાં શાંત થવું જોઈએ ને ? તે આ લોકોએ આ બધાં મંત્ર વહેંચી નાખેલા અને આ ભેગું કરીને હું પ્રતિષ્ઠા એવી કરીશ કે લોકોને ધીરે ધીરે મતભેદ બધા વિસારે પડી જાય. આ ઈચ્છા છે અમારી, બીજી કોઈ ઇચ્છા નથી. નિષ્પક્ષપાતી ત્રિમંદિરનું નિર્માણ ! એટલે આ નિષ્પક્ષપાતી ધર્મ છે. આખો અવસર્પિણીકાળ ગયો. અત્યાર સુધી તો મતાર્થમાં ચાલ્યા ! ભગવાન મહાવીરનું શાસન છે, ત્યાં સુધી જ ધર્મ છે. પછી ધર્મનો અંશ રહેવાનો નથી, મંદિર- પુસ્તક કશું જ રહેવાનું નથી. માટે અઢાર હજાર વર્ષ જો ચેતી જાય અને મતાર્થમાંથી છૂટી જાય અને ઋષભદેવ ભગવાને જેવું નિષ્પક્ષપાતી વલણ કહ્યું હતું, એવું નિષ્પક્ષપાતી વલણ પાછું થાય, તો લોકોનું કલ્યાણ થાય ! સહુ સહુના દેરાં જુદાં રાખે, પણ મંત્રો તો બધાનાં ભેગાં બોલવા જોઈએ. કોઈ કોઈને સામસામી વેર-ઝેર ના હોવાં જોઈએ. મંત્રો ભેગા બોલે એટલે બધું પહોંચી ગયું. આપણા મનમાં જુદાઈ નથી, તો કશું જુદું છે જ નહીં. એટલે આ ત્રણેય મંદિરો ભેગાં થાય એટલે હિન્દુસ્તાનમાંથી મતાર્થ ઊડી જાય તો શાંતિ થાય ! આ શક્કરિયું ભરહાડમાં મૂક્યું હોય તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી. એવું આ લોક ચોગરદમથી બળી રહ્યું છે. તું અમદાવાદમાં, મુંબઈમાં, જા તો ખરો ! અહીં તો ઓછું બફાયેલું છે. અહીં મોહરાજાનું બળ જરા ઓછું છે, તેથી ઓછું બળે. ત્યાં તો મોહરાજાનું બળ જો તો ખરો ! માછલાં તરફડે એમ લોક તરફડી રહ્યું છે, કરોડો રૂપિયા હોવા છતાં ! એટલાં માટે આ ઉપાય છે. તમને આમાં કશો વાંધો લાગે છે ? તમે પણ આમાં તમારો મત આપશો ને ? તમારો રાજીપો આપશો ને ? પ્રશ્નકર્તા : હા. હવે સીમંધર સ્વામી સાથે કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન પણ મૂક્યા છે ! સીમંધર સ્વામી તો વીતરાગ ગણાય ને ? દાદાશ્રી : હા, વીતરાગ જ ગણાય અને પેલાં ય છે તે શલાકા પુરુષો છે. સીમંધર સ્વામી તો હયાત છે. એમનો લાભ તો જુઓ ! એમનો લાભ તો આખું જગતે ય લે. બધાંય લાભ લેવાનાં અને કૃષ્ણ ભગવાન તો વાસુદેવ નારાયણ કહેવાય. નરમાંથી નારાયણ થયેલા હતા એ. એ ત્રેસઠ શલાકા પુરુષોમાં ગણાય અને પાછાં આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે. એમને જે ના માને, તે તો જૈન જ ના કહેવાય ને ! ત્રણ પ્રકારના તીર્થંકરોના દર્શન કરવાનો અધિકાર છે. ભૂતકાળના તીર્થંકરો, ભૂત તીર્થંકરો કે જે ચોવીસ થઈ ગયા છે, એમના પણ દર્શન કરવા જોઈએ. કારણ કે એમનાં શાસન દેવ-દેવીઓ કામ કરી રહ્યાં છે અને આ અક્રમ માર્ગ તો નિમિત્ત છે. એમાં શાસન દેવ-દેવીઓ જ કામ કરી રહ્યાં છે. હું તો નિમિત્ત બની ગયો છું. કોઈ વરરાજા જોઈએ કે ના જોઈએ ? આ સીમંધર સ્વામી એ વર્તમાન તીર્થંકર છે. એમને માટે તો હિન્દુસ્તાનમાં કોઈ જીવને રાગ-દ્વેષ નથી. સીમંધર સ્વામીને જ પૂજો ! આ દેરાસર એટલા માટે છે કે જગતના લોકો સીમંધર સ્વામીને ઓળખી શકે, કે 'સીમંધર સ્વામી કોણ છે ?' ઘેર ઘેર સીમંધર સ્વામીનાં ફોટા પૂજાશે ને આરતીઓ થશે ને ઠેર ઠેર સીમંધર સ્વામીના દેરાસરો બંધાશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર જ હશે ! હજુ ઘણું કામ થવાનું છે, મારા હાથે તો ઘણું કામ થવાનું છે ! આવું કંઈક થશે તો આ લોકોનું કલ્યાણ થશે, નિમિત્ત જોઈશે. એટલે આ સીમંધર સ્વામીનો સંકેત અવશ્ય ફળવાળો છે. એટલે આપણા લોકોએ જ્ઞાન નહીં લીધું હોય ને, ત્યાં સીમંધર સ્વામીના દર્શન કરે તો ય ફળ છે એમાં. એટલે આ બધું બાંધવાનું થાય છે, નહીં તો આપણે આ તો હોતું હશે ? આપણને શોભે ય નહીં આ બધું. અને આ તો જીવતા તીર્થંકર છે, એટલે વાત કરીએ છીએ. બીજા ભૂતકાળના તીર્થંકરની વાત જ કરવાનો અર્થ નથી. આપણને બીજા જોઈએ એટલાં દેરાસર છે જ. એની જરૂર છે. આપણે એને ના નથી કહેતા. કારણ કે એ મૂર્તિપૂજા છે ને ! અને ભૂત તીર્થંકરોની છે ને ! એ તીર્થંકરો હતા, એ વાત તો સાચી છે ને ! એમનો ફોટો પણ કલ્યાણકારી ! આ સીમંધર સ્વામીના ચિત્રપટ બહુ સારા કાઢ્યા છે અને ઠેર ઠેર પહોંચી જશે ને, તો કામ થઈ જશે. વૈષ્ણવો-જૈનો બીજે બધે ઘેર પહોંચી જશે. હાજર છે એ ફળ રોકડું આપે. હિન્દુસ્તાનમાં જો ઘેર ઘેર સીમંધર સ્વામીના ફોટાઓ હોય તો કામ જ થઈ જાય. કારણ કે હયાત છે. વખતે અમારો ફોટો નહીં હોય તો ય ચાલશે. પણ એમનો ફોટો રાખજો, ભલેને લોકો એમને ઓળખે નહીં ને એમ ને એમ દર્શન કરશે તો ય કામ થઈ જશે. સીમંધર સ્વામી જે હાલ છે, તેમની પર ભાવ આવે તો કામ નીકળી જાય. નાણું નાખો સીમંધર સ્વામીના દેરામાં ! બંધાવું છે દેરાસર ? એટલા કરોડ રૂપિયા તો હશે નહીં ને તમારી પાસે ! દેરાસર બંધાવે તે શી રીતે બંધાવે ? પ્રશ્નકર્તા : એ તો આ કમાય પછી બંધાવાય કહે છે. દાદાશ્રી : કમાઈને ય બંધાવે તો સારું. આખું ના બંધાવે તો થોડું બંધાવજે કે ભઈ, આ પગથીયાનો ખર્ચ મારો. વધારે નાણું હોય તો સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકેય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકુંય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુઃખીયાને ત્યાં આગળ આપજો. અને તે ય રોકડાથી નહીં, ખાવાનું-પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાં ય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ? સંઘ તો સુખ આપવા માટે છે ! આ તો મોટા માણસો પાસે પૈસા વધારે માગે અને એ મોટા માણસને જ ભીડ વધારે હોય, તે પેલો મૂંઝાયા કરે. એટલે 'તમને દુઃખ દીધું ઉલટું, ધર્મ કરાવતાં તમને દુઃખ દીધું' એમ માનીને આ સંઘ એક પૈસોય કોઈની પાસે માગે નહીં. જાણે કે કોઈ મુશ્કેલીમાં હોય. આ સંઘ તો સુખ કરવા માટે છે, દુઃખ આપવા માટે નથી અને સરપ્લસ હોય તે ના નાખે તોય ગુનો છે. કારણ કે આવી જગ્યા નહીં મળે ફરી અને સરપ્લસ ના હોય તો કંઈ નાખવાની જરૂર નહીં અને કોકને અડચણ હોય તો અડચણ કહેવાની જરૂર. તે અમે અડચણવાળાને આપીએ છીએ ખરા. એવી જો કોઈને મુશ્કેલી આવી હોય તો આપવાનું, એટલી બધી સરસ સગવડ રાખેલી છે. કારણ કે આ તમારા ઘરનું છે. જગત કલ્યાણ કરે તેવી પ્યૉરિટી ! આ સંઘ એટલો બધો ચોખ્ખો છે કે એમાં હું તો ઘરનાં કપડાં, ધોતિયાં પહેરું છું મારા પોતાના કમાયેલા, પોતાની કમાણીના જ પૈસામાંથી. તેથી આવો મેલો ફરું છું. સંઘના પહેરતો હોત તો ધોતિયાં ચારસો-ચારસોના મળે ને ! અરે, હું તો નથી લેતો, પણ આ નીરુબહેન પણ નથી લેતાં ! આ નીરુબહેને ય મારી જોડે રહે છે, તે કપડાં પોતાના ઘરનાં પહેરે છે. અમારે ધ્યેય શું ? એક પાઈ કોઈની લેવાની નહિ અને જગત કલ્યાણ માટેની બધી તૈયારી છે. પચાસેક હજાર સમકિતધારી મારી પાસે છે અને એમાં બસો જેટલાં બ્રહ્મચારી છે. એ બધાં જગત કલ્યાણ માટે તૈયાર થઈ જવાનાં. વાળો, સીમંધર સ્વામીમાં ! આપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ. મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયા તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલું બધું તમારું આવી ગયું. બધું બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોય ને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે કરવાની જરૂર નથી. પછી દવાખાના બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એ ય પુણ્ય ખરું પણ સંસારમાં જ રાખે અને આ પુણ્યાનુબંધી પુણ્ય, જે મોક્ષે જવા હેલ્પ કરે ! આ અનંત અવતારની ખોટ ભાંગવાની છે અને એક જ અવતારમાં ભાંગવાની છે. એટલે ખરી રીતે મારી પાછળ પડવું જોઈએ, પણ એ તો તમારું ગજું નહીં. આ એમની જોડે તાર-સાંધો મેળવી આપું છું, કારણ કે ત્યાં જવાનું છે. હજી એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે એટલે સાંધો મેળવી આપું છું. મંદિર માટેના કાર્યોથી થાય આત્માર્થ ! પ્રશ્નકર્તા : તો આપણું મંદિર બનવાનું છે તો એ ધારો કે ધીમું થાય, જલ્દી થાય, ન થાય, આમ થાય, તેમ થાય તો એમાં તો આપણે પેલો શુધ્ધાત્માનો ઉપયોગ ચૂકી જઈએ એ બધામાં. દાદાશ્રી : એના માટે શુધ્ધાત્માનો ઉપયોગ ચૂકે તો તો બહુ ઊંચી વસ્તુ. કારણ કે આપણો હેતુ શું છે ? સીમંધર સ્વામીને અહીં પધરાવવા છે. પ્રશ્નકર્તા : હા. પણ તે પેલા કામ નથી થતું એમાં ઉપયોગ આવી જાય. એટલે સીમંધર સ્વામીને ભૂલીને મંદિર નથી થતું એમાં. દાદાશ્રી : ના, મંદિરને માટે જ ને પણ ? પ્રશ્નકર્તા : હા. મંદિરને માટે. દાદાશ્રી : મંદિરને માટે તો તમે ઉપયોગ કાઢ્યોને એ તો આપણા જ્ઞાનમાં હોય એવું જ. મંદિર માટે લક્ષ્મી જો કાઢો તોય જ્ઞાનના જેવી આ. કારણ કે સીમંધર સ્વામીને માટે છે. પુસ્તકો દાન આપોને તેના કરતાંય વિશેષ વધે એવું. હા, સીમંધર સ્વામીને માટે જે કંઈ કરવામાં આવે એની વાત જુદી. ગણતરી જ નથી થાય એવી. ચોવીસ તીર્થંકરોની મૂર્તિ પણ એ ગયા તીર્થંકરો, આ હાજર તીર્થંકર કહેવાય. હાજર તીર્થંકરની આપણે અહીં મૂર્તિ, મંદિરો બનાવતા નથી પહેલેથી. આપણા ભારત દેશમાં પારસનાથ હાજર હતા, તે ઘડીએ મંદિર થયેલું એમનું. ક્યાં સુધી એ રિવાજોમાં રહેવું ? કેટલાંક સંપ્રદાયના લોકો મને કહે છે, 'સીમંધર સ્વામીનું દેરાસર તમે શું કામ બંધાવો છો ? અને અમને સોંપી દો. તો અમે બાંધી આપીએ, તમારા કહ્યા પ્રમાણે.' મેં કહ્યું, 'તમારા રીતરિવાજ અમારે ઘાલવા પડે અને તમારા રિવાજો છે તે શુષ્ક અને જડ રિવાજો છે. સીમંધર સ્વામીની પાસે મને દર્શન કરવા અંદર નથી જવા દેતાં ને ! જ્ઞાની પુરુષને ય રોકે ! પવિત્રમાં પવિત્ર, નિરંતર પવિત્ર હોય. જે દેહના માલિક નથી, તેને જ આ લોકો અંદર જવા નથી દેતા !' અને લોકો ય કેવા પ્રેમથી પૈસા આપે છે ! નહિ તો આ દેરાસર બંધાવું, કંઈ સહેલી વાત નથી. જૈનોએ કહ્યું, પૈસા આપવા માટે પણ એ તો પછી એમના કાયદાઓ ઘાલી દે. પ્રશ્નકર્તા : હા, કાયદા એમના ઘાલી દે. દાદાશ્રી : અમારે તો વૈષ્ણવ આવવાના, બધા આવવાના. તે એ લોકો એમના કાયદાથી પેસવા ના દે પછી. પૂજા કરવી હોય તો ના પેસવા દે. વૈષ્ણવોને એ કહે, આવા કપડાં પહેરીને અંદર જાવ... કાયદા પેસી જાયને ? એટલે (જૈનોના પૈસા લેવાની) બધાએ ના પાડી, આપણા મહાત્માઓએ. જરૂર સીમંધર સ્વામીના દેરાસરની ! આ બધા અમારું મંદિર બાંધવાનું કહેતા હતા. મેં કહ્યું, 'ના, ના. મારું મંદિર ના બાંધશો. આ બધાં છે જ. હા, એક સીમંધર સ્વામીના મંદિરની જરૂર છે. જેથી કરીને આ જગતનું કલ્યાણ થાય.' એમને કહું, 'પધારો સાહેબ, અહીં આગળ. આ કલ્યાણ થાય લોકોનું.' દેરાસર હોય તો પધારો એમ કહેવાય, મૂર્તિ હોય તો ! નહિ તો ક્યાં પધારે ?! હવામાં ઊડે એ કામ ના આવે. એક જગ્યાએ સ્થિર થયેલું હોય ત્યાં પધારો કહેવાય. બાકી મારી મૂર્તિ મૂકીને શું કરવાનું ?! આ તો હાજર છે. કોની મૂર્તિ ? પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીની. દાદાશ્રી : હંઅ... પૂજવા બેઠેલી મૂર્તિ ! હિન્દુસ્તાનમાં બધા લોકોએ મને કહ્યું કે અમારે તમારી મૂર્તિ મૂકવી છે, મંદિરમાં. મેં કહ્યું, 'ના, મૂર્તિ મૂકવાની નહિ.' હું મૂર્તિ મૂકાવીશ તો પાછળવાળાને ફાવતું આવી ગયું. એટલે પછી એમના પછી એ ય મૂકાવડાવે. કોઈ ફરી પાછો બીજો મૂકાવતો જાય એ રીતે. પ્રશ્નકર્તા : મૂળ ધ્યેય ચૂકી જવાય. દાદાશ્રી : એટલે મારી મૂર્તિ મૂકવાની જરૂર નથી. હું તો મૂર્ત જ છું, જ્યારે જુઓ ત્યારે. આ મૂર્તિ તો બધા આગળના લોકોની મૂકેલી. બે જાતના લોકોની મૂર્તિ મૂકાયેલી. સાચા પુરુષો, મૂળ પુરુષો, જેની આપણા લોકોએ મૂર્તિ મૂકી. અને મારી પછી તો શું થશે ? પછી તો પ્રથા ચાલશે કે મારા પછી જે હોય ને એ દાદાની પછી મૂકે, એટલે મેં કહ્યું છે કે મારી મૂર્તિ મૂકવી હોય તો સીમંધર સ્વામીની સામે હું આમ કરીને (પગે લાગતાં) બેસી રહ્યો હોઉં તેવી મૂર્તિ મૂકજો. પ્રશ્નકર્તા : મૂર્તિ મૂકવી પડે એવું હોય તો જ એવી કરાવવી. દાદાશ્રી : તો તેનો વાંધો નહિ. એટલે લોકોને થાય કે આ દાદાને પૂજાવાની કામના નથી, પૂજવાની કામના છે. એટલે પૂજાવા માટે નથી. આ પૂજવા માટે છે અને એમને પૂજવાનું છે. એ બતાવે છે, હું તો બહુ બહુ પૂજાયેલો છું. અનંત અવતારથી ધરાઈ ગયો છું પૂજાઈ પૂજાઈને ! એ ભીખ નથી રહી મારી કોઈ જાતની. એ તો એક જાતની ભીખ છે માનની, પૂજાવાની કામના. આ બધી કામના છોડીએ, તો એનો ઉકેલ આવે. જેમ સાધુઓએ મારા 'ગુરુ, દાદા ગુરુ' કર્યું. તે મેલને મૂઆ. અહીં બાપ, દાદો કર્યા પાછાં ! દાદાગુરુને લાવે પાછો ! પુસ્તકમાં એમનું નામ લખે. આ તો એમની મૂર્તિ બેસાડે. શ્રીમદ્ રાજચંદ્રે ઘણું ના કહ્યું હતું, તો ય એમની મૂર્તિ બેસાડી લોકોએ ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કારણ કે લોકોને એમ કે પાછળ પ્રભુશ્રીની મૂકતાં ફાવે. પછી પ્રભુશ્રીની પાછળ બ્રહ્મચારીની આવે. પ્રશ્નકર્તા : પછી તો બીજાની આવે. દાદાશ્રી : હા. કૃપાળુદેવ ચોખ્ખા માણસ, પ્રભુશ્રી ય પ્યૉર હતા. પછી ગંદવાડો કરી નાખ્યો. મહાવિદેહ ક્ષેત્રની વિગતો ! એવું છે, આ પાંચ ભરત ક્ષેત્ર છે, પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે અને પાંચ ઐરાવત ક્ષેત્ર છે. આ પંદર મનુષ્ય લોકના ક્ષેત્રો, તેમાં પાંચ ભરત ક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં ય અત્યારે તીર્થંકર નથી. કારણ કે પાંચમો આરો ચાલે છે બધામાં. ફક્ત મહાવિદેહ ક્ષેત્રમાં ચોથો આરો ચાલે છે. એટલે ત્યાં તીર્થંકરો થયા જ કરે છે. એમાં બહુ પહેલેથી તીર્થંકર હોય અને ત્યાં વીસ તીર્થંકરોમાં આ સીમંધર સ્વામી છે ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું પૂજન શા માટે ? અન્ય ઓગણીસ તીર્થંકરોનું પૂજન કેમ નહિ ? દાદાશ્રી : બધા તીર્થંકરોનું થઈ શકે પણ સીમંધર સ્વામીને અહીં હિન્દુસ્તાન જોડે હિસાબ છે, ભાવ છે એમનો અને એ બહુ ટાઈમ સુધી રહેવાના છે ! સીમંધર સ્વામીનું વીસ તીર્થંકરોમાં ખાસ ભજવાનું એટલા માટે કે આપણા ભરતક્ષેત્રની નજીકમાં નજીક તે છે અને ભરતક્ષેત્રની જોડે એમનું ઋણાનુબંધ છે. મહાવિદેહ ક્ષેત્ર છે ક્યાં ? પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્ર આપણા બ્રહ્માંડની સોલર સિસ્ટમની બહાર છે કે અંદર છે ? દાદાશ્રી : બ્રહ્માંડની અંદર છે. બ્રહ્માંડની બહાર કશું છે નહિ. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર બ્રહ્માંડમાં ક્યાં છે ? દાદાશ્રી : ઈશાનમાં ! પ્રશ્નકર્તા : આ ઈશાન એટલે કઈ બાજુ ? ઈશાન એ તો રિલેટિવ (સાપેક્ષ) વસ્તુ થઈ ને ! દાદાશ્રી : આ જગત જ આખું રિલેટીવ છે. આ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, એ રિયલ (નિર્પેક્ષ) છે જ નહિ, ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી કોઈની, વાતાવરણ જુદું છે બધું. આ ક્ષેત્રનું ને એ ક્ષેત્રનું વાતાવરણ જુદું છે. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર કેવું છે ? દાદાશ્રી : આપણી ભૂમિ જેવી જ ભૂમિ છે, મનુષ્યોવાળી વસ્તી, બધું અહીં જેવું દેખાય છે એવું જ મહાવિદેહ ક્ષેત્રમાં પણ દેખાય બધે. આવા મનુષ્યોને રહેવા લાયક પંદર ક્ષેત્રો છે. તે એક એક ક્ષેત્રમાં સામસામી જઈ શકે નહીં. વાતાવરણ નહીં એટલે. દરેક ક્ષેત્રની આજુબાજુ એનું વાતાવરણ 'એન્ડ' થયેલું હોય. પેલાંનું 'એન્ડ' થયેલું હોય ને આ ય 'એન્ડ' થયેલું હોય. તે જઈ શકે નહિ. જ્ઞાનીઓને દેખાય ખરું. હજુ અમારાથી થોડું ઊંચું જ્ઞાન થાય તો અમને હઉ દેખાય. મહાવિદેહમાં વ્યવહાર-વ્યાપાર ?! પ્રશ્નકર્તા : આપને મહાવિદેહ ક્ષેત્રનો કંઈ અનુભવ થયો છે ? તે થયો હોય તો, ત્યાં શું છે ? દાદાશ્રી : જેમ આપણે અહીં ચોથો આરો હતો ને, ભગવાન મહાવીરના વખતમાં, એવાં ચોથા આરાનાં મનુષ્યો છે. ત્યાં આવી રીતે દુકાનો છે, ખેતીવાડી, વ્યાપાર બધું જ છે. બાકી ત્યાંના માણસો ય આપણા જેવાં છે અને આપણા જેવું જ બધું કાર્ય છે. આપણાં જેવું જ ત્યાં બધું, સાસુ ને વહુ ને રાજા, સુપાળ, સરસુપાળ.... પ્રશ્નકર્તા : ત્યાં પણ આવી સભા ભરાતી હશેને ? દાદાશ્રી : અરે, ત્યાં તો બહુ મોટી સભા ! આ સભા તો શું ? અને ક્યાં ત્યાંની સભાની વાત ! ત્યાંની સભાની વાત જ જુદી છે ! ત્યાં છે મન-વચન-કાયા તણી એકતા ! ફક્ત ચોથા અને પાંચમા આરામાં ફેર શો પડે છે ? ત્યારે કહે, ચોથા આરામાં મન-વચન-કાયાની એકતા હોય છે અને પાંચમા આરામાં આ એકતા તૂટી જાય છે. એટલે મનમાં જ હોય એવું વાણીમાં બોલતા નથી ને વાણીમાં હોય એવું વર્તનમાં લાવતા નથી, એનું નામ પાંચમો આરો. અને ચોથા આરામાં તો મનમાં જે હોય એવું જ વાણીમાં બોલે અને એવું જ કરે. કોઈ માણસ ત્યાં આગળ ચોથા આરામાં કહે કે મને આખું ગામ સળગાવી મેલવાનો વિચાર આવે છે, એટલે આપણે જાણવું કે આ રૂપકમાં આવી જવાનું છે અને આજ કોઈ બોલે કે હું તમારું ઘર સળગાવી મેલીશ. તો આપણે જાણવું કે હજુ તો વિચારમાં છે, તું મને ભેગો ક્યારે થવાનો ? મોઢે બોલ્યો હોય તો ય બરકત નથી. હું તમને મારી નાખીશ કહેને પણ તે શેના આધારે ? પણ આધાર નથી, મન-વચન-કાયાની એકતા નથી. તો બોલ્યા પ્રમાણે શી રીતે કાર્ય થાય ? કાર્ય જ થાય નહિને ! અહીં પાંચમો આરો છે, એટલે દુષમ કાળ છે આ. દુષમ એટલે જરાક સમતા રાખવી હોય તો મહા દુઃખે કરીને સમતા રહે, બાકી સમતા જ રહે નહિ. અને ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં સુષમ કાળ છે. એટલે અહીંથી જે જીવો લાયકાત ધરાવે ચોથા આરા માટે, તે અહીં પોષાય નહિ. એ લોકો ક્ષેત્રના પ્રભાવથી ખેંચાઈ જાય ત્યાં, ચોથા આરામાં મહાવિદેહ ક્ષેત્રમાં અને ત્યાં પાંચમા આરાને લાયક થયા હોય તે અહીં આવે. એવું ભર-નીકળ ચાલ્યા જ કરવાનું. ત્યાં પાંચમા આરાને લાયક એવો ખડધૂસ થઈ ગયા હોય ને મન-વચન-કાયા જૂઠા થયા હોય, તે બધા અહીં આવતા રહે. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ થાય એટલે મોક્ષે જવાય એવું કંઈ છે ? દાદાશ્રી : ના, ના. એવું કશું જ નથી. ત્યાં ય ગજવા કાપનારા છે, હરણ કરી જનારા, બધું ય છે. પછી એ આરો ચોથો રહે છે કાયમ, એટલે ત્યાં આગળ તીર્થંકર ભગવાન કાયમ હોય છે ! અને ચોથા આરામાં મન-વચન-કાયાની એકતા હતી તે જૂઠા-લબાડ બધું જ આવું ને આવું જ, પણ ત્યાં એકતા ને અહીંયા એકતા નહિ. મહાવિદેહ ક્ષેત્રમાં ય આવું જ. આના જેવા જ બધા ગજવા હઉ કાપી લે, માણસો ય આપણા જેવા જ બધા, નામેય આપણા જેવા પાછાં ! પણ હવે અહીં એકતાવાળા થાય, તો પછી ક્ષેત્રનો સ્વભાવ છે તે ખેંચી લે. તે ત્યાં લઈ જાય ને ત્યાં આગળ એકતા તૂટી ગયેલી હોય એવા માણસ હોય તે ક્ષેત્ર સ્વભાવથી અહીં ખેંચાઈ જાય. અહીં જેને કર્તાપદ છૂટેલું હોયને, એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જાય. ત્યાં આગળ તીર્થંકર સાહેબ મળેને, તો એનો મોક્ષ થઈ જાય. બસ, એટલું જ છે ! એને તીર્થંકરનાં દર્શન કરવાની જ જરૂર છે અને ત્યાં તીર્થંકર છે, છતાં ત્યાં બીજા કેટલાય લોકો દર્શન કરતાં જ નથી, ત્યાં કોઈને પડેલી નથી. અમુક માણસોને જ મોક્ષની પડેલી છે. બધા લોકોને નથી પડેલી ! પ્રશ્નકર્તા : કારણ કે અહીં તો ઘણાં લોકો એવો જ ભાવ કરે છે કે મહાવિદેહ ક્ષેત્રમાં જવું છે. દાદાશ્રી : હા, પણ એ મહાવિદેહ ક્ષેત્રમાં એમને તો મોક્ષને માટે જવાનું છે ને ! ત્યાં એ મોક્ષનું સાધન મળી આવે ! પ્રશ્નકર્તા : અહીંથી ડીરેક્ટ (સીધું) મોક્ષમાં નથી જવાતું ? દાદાશ્રી : ના, સીધું નથી જવાતું. અહીંથી સીધા મોક્ષે જવાનું બંધ થઈ ગયું છે. કારણ કે અહીં તો મન-વચન-કાયાની એકતા નથીને ! એટલે મોક્ષ ઊડી ગયો. અહીંથી એક અવતાર થઈને પછી મોક્ષ થાય. એક અવતાર બાકી રહે એટલે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જવાનું. ત્યાં આપણને તીર્થંકર મળેને ! દર્શન કરવાથી જ મુક્તિ થાય. બીજું કશું ઉપદેશ ય શીખવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : ત્યાં મન-વચન-કાયાની એકતા છે જેને, એ લોકો દર્શન કરી શકતાં નથી, તો અહીંયા તો મન-વચન-કાયાની એકતા નથી, એ લોકો કેવી રીતે દર્શન કરી શકશે ? દાદાશ્રી : પણ આ લોકો કરી શકે. કારણ કે એમની ભાવના એવી છે અને તેથી 'અક્રમ જ્ઞાન' મળ્યું છેને ? એકતા નથી રહેતી, એ તો કાળને આધીન છે. ત્યાં આગળ કાળ સારો છે એટલે એકતા રહે. પછી ક્ષેત્ર એને ખેંચે ! પ્રશ્નકર્તા : ત્યાં જવું હોય તો કઈ સ્થિતિમાં માણસ જઈ શકે ? દાદાશ્રી : એ ત્યાંના જેવો થઈ જાય. ચોથા આરા જેવો માણસ થાય, આ પાંચમા આરાના દુર્ગુણો જતા રહે, તો ત્યાં જાય. કોઈ ગાળ ભાંડે તો ય મનમાં એની માટે ખરાબ ભાવ ના આવે તો ત્યાં જાય. પ્રશ્નકર્તા : સામાન્યપણે અહીંથી સીધું મોક્ષે જવાતું નથી. મહાવિદેહ ક્ષેત્રમાં જવાનું પછી મોક્ષે જવાનું, એવું કેવી રીતે થાય ? દાદાશ્રી : અહીંથી આ ચોથા આરાના માણસો જેવો થાય તો જ્યાં ચોથા આરો ચાલતો હોયને, તે ક્ષેત્ર એને ખેંચી લે. ક્ષેત્રનો સ્વભાવ એવો છે કે જે આરાના માણસ થઈ ગયા હોય, અહીં આગળ છે તે ચોથા આરાના થઈ ગયા હોય, અહીં આ જ્ઞાન ના આપ્યું હોય અને બીજાં લોકો ય એવાં હોય, તો તે ત્યાં ખેંચાઈ જાય અને ત્યાં જે પાંચમા આરાના જેવા થઈ ગયા હોય તે અહીં પાંચમા આરામાં આવી જાય. એવો આ ક્ષેત્રનો સ્વભાવ છે. કોઈને લઈ જવો-લાવવો પડતો નથી. ક્ષેત્ર સ્વભાવથી આ લોકો તીર્થંકર પાસે પહોંચવાના બધા. તેથી સીમંધર સ્વામીનું બોલ્યા કરે ને, એમને ભજે છે ને પછી એમની જોડે ત્યાં દર્શન કરશે ને એમની પાસે બેસશે લોકો ને મોક્ષે જતા રહેશે. અમે જેમને જ્ઞાન આપીએ છીએને, તે એક-બે અવતારી થાય. પછી એમણે ત્યાં સીમંધર સ્વામી પાસે જ જવાનું છે. એમના દર્શન કરવાનાં. તીર્થંકરનાં દર્શન કરવાનાં એકલાં જ બાકી રહ્યા. બસ, દર્શન થવાથી જ મોક્ષ. બીજા બધા દર્શન થઈ ગયા. આ છેલ્લા દર્શન કરેને, આ દાદાથી આગળનાં દર્શન એ છે. એ દર્શન થઈ ગયા કે કેવળજ્ઞાન થાય તરત ! 'અક્રમ વિજ્ઞાન' જ ક્ષેત્ર ફેરફાર લાવે ! આ જ્ઞાન છે ને, તેના પ્રતાપે પછી સ્વભાવ બદલાઈ જાય. એટલે અહીંના લોકો જોડે મેળ ના પડે. કારણ કે આપણા જેવા સ્વભાવવાળા જતા રહ્યા અને બીજા અહીં આગળ હોય તેની જોડે આપણને મેળ પડે નહિ. એટલે આપણે તો અહીં ઊભા રહીએ તે શું કામ આવે ? આપણું ટોળું ત્યાં જતું રહ્યું, એટલે આપણે અહીં આગળ કોની જોડે માથાકૂટ કરીએ ? એટલે આપણા જ્ઞાન આપ્યા પછી ઘણાં ખરાં, બધાં આ મહાત્માઓ ત્યાં ખેંચાઈ જવાનાં. પણ તે પછી એકદમ એવું કહેવાય નહિ, એકાદ અવતાર અહીં કરે ને પછી ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જાય ! અને મહાવિદેહ ક્ષેત્રમાં શાથી જવાનાં ? કારણ કે ત્યાં કાયમ તીર્થંકરનાં દર્શન થયા કરે. એટલા પૂરતું જ હિતકારી છે. અને અહીંનો જીવ ત્યાં જાય તે તીર્થંકર ભગવાન માટે જ જાય, બીજો કોઈ ભાવ નહિ. એટલે અહીંના જે જવાનાને, એ તો તીર્થંકર ભગવાન પાછળ જ પડેને, એક-બે અવતારમાં કામ કાઢી લે ! મહાત્માઓ જવાના મહાવિદેહે ? પ્રશ્નકર્તા : તો બધા મહાત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં જવાના ને ? દાદાશ્રી : કેટલાંકને અહીં આવીને પછી જવાનું થાય. એકાદ અવતાર કરીને ! મહીં હિસાબ બધો પડ્યો હોય લોકોનો, તે બધો આપી દેવો પડે ને ! બંધ પડ્યો હોય તે પૂરો કરવાનો. દસ-પંદર વર્ષનો હિસાબ પતાવવાનો બાકી હોય તે પતાવીને પછી જવાનાં. હિસાબ તો ચૂકવવો પડેને વચ્ચે ! આ જ્ઞાન લેતા પહેલાં એવું કંઈક ખરાબ કર્મ બાંધી લીધું હોય, તે દંડ થયેલો હોય, તે દંડ તો ભોગવવો જ પડે ને આપણે ! અને ભોગવી લઈને છૂટો, એક અવતારનો દંડ. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી કોઈ રખડી પડે ખરો ? દાદાશ્રી : ના રખડી પડે. પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કોઈ કાયમને માટે રખડી પડે ? દાદાશ્રી : ના. પણ જ્ઞાન પામે નહિ અને પછી અવળું ચાલે, બધાનું અવળું બોલ બોલ કરે, તો ઠેકાણું નથી પછી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં જેટલાં લોકો દર્શન કરે, એ બધા પછી મોક્ષે જાયને ? દાદાશ્રી : એ દર્શન કરવાથી મોક્ષે જાય એવું કશું હોતું નથી. એમની કૃપા પ્રાપ્ત થવી જોઈએ. હ્રદય ચોખ્ખું થાય, ત્યાં આગળ હ્રદય ચોખ્ખું થાય પછી એમની કૃપા ઉતરતી જાય. આ તો સાંભળવા માટે આવે અને કાનને બહુ મીઠું લાગે. એટલે સાંભળીને પછી પાછાં હતા ત્યાંના ત્યાં. એને તો ચટણી ને ચટણી ગમતી હોય. આખો થાળ ના જમે, એક ચટણી સારું જ થાળમાં બેસી રહ્યો હોય. પ્રશ્નકર્તા : તો અમે અહીંયાથી સીમંધર સ્વામીનાં દર્શન કરીએ મહાવિદેહ ક્ષેત્રમાં જઈને તો પછી અમારો મોક્ષ થાય કે નહીં ? દાદાશ્રી : એ તો થાય જ ને ! કારણ કે તમે તો આ જ્ઞાન લીધેલું છે ને, એટલે મહાવિદેહ ક્ષેત્રમાં જાવ એટલે પછી ત્યાં સંજોગો ભેગા થઈ જાય તો રાગે પડી જાય. કારણ કે તમારે જે બે-ત્રણ કે ચાર અવતાર રહેવાના છે બાકી કે જે તે અમારી આજ્ઞા આપી છે તેનાં ફળરૂપે રહેવાના અને પુણ્ય હોય જબરજસ્ત એટલે અહીંથી જતાં જ બંગલો બાંધવો પડે નહીં, બંગલાવાળાને ત્યાં, તૈયાર થયેલો હોયને, તૈયાર થયા પછી જન્મ થાય ભઈનો, પોલીશ થઈ ગયા પછી બાંધવું ના પડે. પુણ્યશાળીને કશું મહેનત કરવાની ના હોય. મહેનત તો બિચારા પેલાં મા-બાપ કર્યા કરે. પ્રશ્નકર્તા : હવે જેણે 'જ્ઞાન' લીધું, એને મોક્ષે જવું હોય, સીમંધર સ્વામીનાં દર્શન કરવા ત્યાં આગળ પહોંચવું હોય, તો એણે શું કરવું જોઈએ ? દાદાશ્રી : કશું ય કરવાનું નહીં. આજ્ઞા અમારી પાળે. આજ્ઞા જ મોક્ષે લઈ જશે. કશું જ કરવા જેવું નથી. અને આજ્ઞા પાળો છો તે તો સંજોગ, મારો સંજોગ ભેગો થાય જ. એ ય ખોળવાનો ના હોય. આજ્ઞા પાળવાના પરિણામો... આ જ્ઞાન લીધા પછી આ અવતાર જ મહાવિદેહ ક્ષેત્ર માટે તમારો ઘડાઈ રહ્યો છે. મારે કંઈ કરવાની જરૂર નથી. નેચરલ (કુદરતી) નિયમ જ છે. પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ? પુણ્યથી ? દાદાશ્રી : આ અમારી આજ્ઞા પાળે તેનાથી આ ભવમાં પુણ્યૈ બંધાઈ જ રહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે, તે બધું ફળ આપશે. પુણ્યૈ બંધાય છે, અમારી આજ્ઞા પાળે છે એટલાં પૂરતી. તે પછી ત્યાં આગળ તીર્થંકરની પાસે ભોગવવી પડશે. પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી અમારા મહાત્માઓના કચરા જેવા આચાર છે તે જોઈને અમને ત્યાં સંઘરશે ખરા ? દાદાશ્રી : તે ઘડીએ આવાં આચાર નહિ રહે. અત્યારે તમે જે આજ્ઞા મારી પાળો છો, તેનું ફળ તે વખતે આવીને ઊભું રહેશે ને અત્યારે જે કચરો માલ છે તે મને પૂછયા વગર ભર્યો હતો, તે નીકળે છે. પ્રશ્નકર્તા : દાદા, સીમંધર સ્વામીને યાદ કરવાથી, સીમંધર સ્વામી પાસે જવાય એવું નક્કી થાય ખરું ? દાદાશ્રી : જવાનું એ તો નક્કી હોય જ. એમાં નવું નથી પણ સતત યાદ રહેવાથી બીજું કંઈ નવું મહીં પેસે નહિ. દાદા યાદ રહ્યા કરતા હોય કે તીર્થંકર યાદ રહ્યા કરતા હોય તો માયા ઘૂસે નહિ ! અત્યારે અહીં માયા ના આવે. પૂનમ પમાવ મહાવિદેહે ! જ્ઞાન આપીએ છીએ ત્યારે અનાદિ કાળથી, એટલે લાખો અવતાર થઈ ગયા, તો અમાસ હતી. અમાસ તમે સમજ્યા ? 'નો મૂન' ! અનાદિ કાળથી 'ડાર્કનેસ'માં (અંધારામાં) જ જીવે છે બધા. અજવાળું જોયું જ નથી. મૂન (ચંદ્ર) જોયો જ નથી ! તે અમે આ જ્ઞાન આપીએ છીએ એટલે મૂન પ્રગટ થાય છે. તે પહેલું બીજના જેવું અજવાળું આવે. અને આખું ય જ્ઞાન આપીએ ત્યારે મહીં પ્રગટ થાય. કેટલું ? બીજના ચંદ્રમા જેટલું જ. પછી આ અવતારમાં પૂનમ થાય ત્યાં સુધી આપણે કરી લેવું. પછી બીજની ત્રીજી થાય, ચોથ થાય, ચોથની પાંચમ થાય.... ને પૂનમ થઈ જાય એટલે કમ્પ્લિટ થઈ ગયો ! પ્રશ્નકર્તા : ફૂલ મૂન આ જ જન્મમાં થઈ જશે ને ? દાદાશ્રી : ના, આ જ જન્મમાં પૂરું થાય એવું નથી. પણ પછી એક અવતાર થાય, તે બિલકુલ જાહોજલાલીવાળો. સીમંધર સ્વામીની પાસે જ બેસી રહેવાનું. કારણ કે ફૂલ મૂન (પૂનમ) નથી. ફોરટીન્થ (ચૌદશ) છે અને સીમંધર સ્વામી ભગવાન, એ ફૂલ મૂન છે. ત્યાં સુધી ઈન્ટ્રીમ (મધ્યવર્તી) ગવર્નમેન્ટ અને પછી ફૂલ ગવર્નમેન્ટ ! સ્વતંત્ર ! નોટ ડિપેન્ડન્ટ ! ઈન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) ! પછી આગળ આપણે બહુ જરૂર નથી. આપણી કોલેજ એથી આગળનો ભાગ નથી. આપણી કોલેજમાં છેલ્લું વર્ષ બાકી રહી જાય છે, એટલે નકામી આગલી માથાકૂટ કરવાની ? પ્રશ્નકર્તા : પણ દાદાજી, અમને છેલ્લી ડિગ્રી ગમે તે ભવમાં આપી દેજો. દાદાશ્રી : એ તો ડિગ્રી જ આપી દેવાની. છેલ્લું વર્ષ ત્યાં બાકી રહ્યું. પ્રશ્નકર્તા : છેલ્લું વર્ષ બાકી ન રાખતા. દાદાશ્રી : અત્યારે છેલ્લું વર્ષ બાકી રહ્યું. તે આ (સીમંધર સ્વામી) ભગવાન પાસે જઈને, ત્યાં આગળ પૂરું થવાનું. એને સામું આવે મહાવિદેહ ક્ષેત્ર ! જેને અહીં શુધ્ધાત્માનું લક્ષ બેઠું હોય તે અહીં આગળ ભરત ક્ષેત્રમાં રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય, તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે ! અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. આ શુધ્ધાત્માનું લક્ષ બેઠું તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરનાં દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય. એવો સહેલો-સરળ માર્ગ છે આ ! અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ ! સમભાવે નિકાલ કરવાનો હોય. એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું રહે, પૂરેપૂરું રહે તો મહાવીર જેવું રહી શકે ! આ રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાવ, તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય પણ ત્યારે હોરું મનમાંથી કંઈ નીકળ્યું હોય તો તમે ગૂંચાઈ જાવ. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અમારી પાંચ આજ્ઞા પાળે તો, ભગવાન મહાવીર જેવો અહીં રહી શકે એમ છે. અમે પોતે જ રહીએ છીએ ને ! જે રસ્તે અમે ચાલ્યા છીએ એ રસ્તો જ તમને બતાવી દીધો છે ને જે ગુંઠાણું અમને મહીં પ્રગટ થયું છે તે ગુંઠાણું તમારું ય થયું છે ! પ્રશ્નકર્તા : દાદા, તમારી વાણી, તમારી સરસ્વતીથી અમે સ્પર્શ પામીએ અને તમારા શુધ્ધ ચેતનની સાક્ષીએ અમે સીમંધર સ્વામીને નમસ્કાર પહોંચાડીએ. દાદાશ્રી : અમે તમને જ્ઞાન આપીએ ને, તે અમે ત્યાં બેસી જઈએ છીએ. એટલે તમારા નમસ્કાર પહોંચી જ જાય છે. જેને જ્ઞાન મળ્યું, જે આજ્ઞામાં રહ્યો. એનું પહોંચી જ જાય. પછી આજ્ઞા ઓછી-વત્તી પળાય એ જુદી વસ્તુ છે. તો ય પણ આજ્ઞા પાળે છે ને ? કોઈને પ્રમાણ જરા ઓછું હોય. આ જ્ઞાન પછી હવે તમને કર્મ બંધાય નહીં. કર્મ કરતો હતો, તે કરનારો જ છૂટી ગયો હવે. એટલે કર્મ બંધાય નહિ. એટલે સંવર જ રહેશે નિરંતર. સંવરપૂર્વક નિર્જરા થયા કરે. ફક્ત એક અવતાર કે બે અવતારનાં કર્મ બંધાશે. તે મારી આજ્ઞા પાળવાને લીધે. અને તે તો તમને અહીંથી સીમંધર સ્વામીની પાસે જ જવું પડશે. મહાવિદેહ ક્ષેત્રમાં જ તમને ખેંચી લેશે. કારણ કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય તે અહીંયા આ ક્ષેત્રમાં રહી શકે નહીં. એને મહાવિદેહ ક્ષેત્ર જ ખેંચી લે. કોઈ લઈ જનારો નથી. ક્ષેત્ર જ ખેંચે ! અને ત્યાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન સખત થઈ જાય, તેને અહીં આવવા દે. અનુસંધાન 'દાદા ભગવાન' થકી ! આ પોતે છે હાજર, પણ આપણી દુનિયામાં નથી, જુદી દુનિયામાં છે. એમની જોડે અમારે તાર ને બધું ચાલવાનું. તે આખા જગતનું કલ્યાણ થવું જ જોઈએ. અમે તો નિમિત્ત હોઈએ. એટલે 'દાદા ભગવાન' થ્રુ દર્શન કરાવું છું ને તે ત્યાં પહોંચી જાય છે. એટલે આપણે એક અવતાર કહ્યું છે ને, તે અહીંથી પછી ત્યાં જ જવાનું છે ને એમની પાસે બેસવાનું છે. પછી છૂટકારો થશે. એટલા માટે આજથી ઓળખાણ કરાવીએ છીએ અને 'દાદા ભગવાન' થ્રુ નમસ્કાર કરાવીએ છીએ. જવાબદારી કોની લીધી ? અમારે સીમંધર સ્વામી જોડે સંબંધ છે. અમે બધા મહાત્માઓની મોક્ષની જવાબદારી લીધી છે. અમારી આજ્ઞા જે પાળશે, તેની અમે જવાબદારી લઈએ છીએ. આ જ્ઞાન પામ્યા પછી એક અવતારી થઈ અને સીમંધર સ્વામી પાસે જઈને ત્યાંથી મોક્ષે ચાલ્યો જાય. કોઈને બે અવતાર પણ થાય, પણ ચાર અવતારથી વધારે તો ના જ થાય, જો અમારી આજ્ઞા પાળે તો. અહીં જ મોક્ષ થઈ જાય. 'અહીં એક ચિંતા થાય તો દાવો માંડજો' એમ કહીએ છીએ. આ તો વીતરાગ વિજ્ઞાન છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે. જવાશે મહાવિદેહ ક્ષેત્રે ! પ્રશ્નકર્તા : આપણે મહાવિદેહ ક્ષેત્રની અંદર જો જન્મ લેવો છે, તો એ મળી શકે ખરો ? દાદાશ્રી : હા, કેમ ના મળે ? બધા ફોર્થવાળાને જ ફીફ્થમાં બેસાડેને ? પાસ થાય તેને. એવી રીતે એક અવતાર અહીંથી ક્ષેત્ર સ્વભાવ લઈ જાય છે માણસને. એટલે ચોથા આરાને લાયક સ્વભાવ થાય તે ચોથો આરો જ્યાં ચાલતો હોય, ત્યાં એ ક્ષેત્ર એને ખેંચી લે અને ચોથા આરામાં પાંચમા આરાને લાયક જીવો હોય, તેને આ પાંચમો આરો ત્યાંથી ખેંચી લે. એટલે તમારે સીમંધર સ્વામી પાસે બેસવાનું અને ત્યાં આગળ તમને આ પ્રાપ્તિ થઈ જશે. એ છેલ્લાં દર્શન થાય. અમારાથી ઊંચાં દર્શન એ. અમે ત્રણસો છપ્પન ડિગ્રીએ, એમની ત્રણસો સાઈઠ ડિગ્રી, એટલે ત્યાં એ દર્શન થશે. એ દર્શનની જ જરૂર છે હવે, એટલે બધું આવી ગયું. એ દર્શન થાય એટલે મોક્ષ થાય. વિઝા મળ્યા, ટિકિટ બાકી ! પ્રશ્નકર્તા : દાદા, મહાવિદેહ ક્ષેત્રમાં જઈશું ત્યારે તીર્થંકરને તો આંખે દેખીશુંને ? દાદાશ્રી : હા, દેખવાનાં. એમની સામે જ બેસવાનું. આંખે દેખીને એમના સામે જ બેસવાનું. એમના દર્શન કરવા હારુ જ, એ ઉદ્દેશથી જ ત્યાં જવાનું. મારી પાસે એ દર્શન રહ્યા નથી. હજુ કાચા છે, આ દર્શન. એટલું ફળ, સંપૂર્ણ ના મળે. પેલાં તો પૂર્ણ દર્શન કહેવાય. ટિકિટ કઢાવી ? વિઝા કઢાવ્યો મહાવિદેહનો ? આપણા જ્ઞાનને સિન્સિયર રહેવું, એનું નામ વિઝા. પ્રશ્નકર્તા : અને ટિકિટ આવે એટલે ? દાદાશ્રી : ટિકિટ આવે તો એની વાત જ જુદી છે. તમારી દશા તદ્દન મારા જેવી દશા આવીને ઊભી રહે. કારણ કે પછી ડખલ કરનારો કોઈ રહે નહીં. જે મોઢું થોડો વખત બગડી જાય છે, મોંઢા ઉપર આનંદ જતો રહે છે કોઈ વખત, એ તમારી પતંગને પેલો કાટ કાટ કરે છે ને એટલે. છતાં પતંગનો દોરો તમારા હાથમાં છે. મારી પતંગને તો કાટ કરનારું જ કોઈ નહીંને ! એટલે તમારે એવું થશે એટલે થઈ રહ્યું, ટિકિટ આવી ગઈ. આ વિઝા તો આવી ગયા, વિઝા મળ્યા ! સમ્યક્ દ્રષ્ટિ એ જ વિઝા ! પ્રશ્નકર્તા : આપે કહ્યું છે ને, તીર્થંકરનાં દર્શન કરે તો માણસને કેવળજ્ઞાન થઈ જાય. દાદાશ્રી : તીર્થંકરના દર્શન તો બહુ લોકોએ કરેલાં. આપણે બધાએ ય કરેલાં પણ તે ઘડીએ આપણી તૈયારી નહિ. દ્રષ્ટિ ફરેલી નહિ. મિથ્યા દ્રષ્ટિ હતી. તે મિથ્યા દ્રષ્ટિમાં, તીર્થંકર શું કરે તે ? સમ્યક્ દ્રષ્ટિ હોય તેને તીર્થંકરની કૃપા ઊતરી જાય. પ્રશ્નકર્તા : એટલે એને તૈયારી હોય તો એમનાં દર્શન થાય તો મોક્ષ થાય. દાદાશ્રી : તેથી આપણે આ તૈયાર થઈ જવાનું. કારણ આટલું જ કે તૈયાર થઈને પછી વિઝા લઈને જાવ ને ગમે ત્યાં જશો ત્યાં કોઈ ને કોઈ તીર્થંકર મળી આવશે. અહો, તે દર્શનની અદ્ભુતતા ! પ્રશ્નકર્તા : અમે તો દાદાનો વિઝા બતાવીશું. દાદાશ્રી : વિઝા દેખાડતાં જ એની મેળે કામ થાય. તીર્થંકરને જોતાં જ તમને આનંદનો પાર નહિ રહે. જોતાં જ આનંદ. બધું જગત વિસ્મૃત થઈ જશે. જગતનું કશું ખાવાનું-પીવાનું નહિ ગમે. તે ઘડીએ પૂરું થઈ જશે. નિરાલંબ આત્મા પ્રાપ્ત થશે ! પછી અવલંબન રહ્યું નહિ કશું. એટલે બરાબર સીમંધર સ્વામીનું ધ્યાન લગાડો. 'પ્રભુ, નિરંતરનું આપનું અનન્ય શરણું આપો.' એમ માંગો. પૂર્ણનાં દર્શન થકી પૂર્ણતા ! પ્રશ્નકર્તા : આપે અમારા કૉઝીઝ કર્મો બંધ કરી દીધાં. તો હવે બધા ડિસ્ચાર્જ કર્મો પતી જાય તો અમે મોક્ષે જઈશું. તો વચ્ચે સીમંધર સ્વામીને મળવાની શી જરૂર ? દાદાશ્રી : તો કોને મળવું જોઈએ ? પ્રશ્નકર્તા : કોઈને પણ મળવાની શી જરૂર ? આ સમજવા માટે પૂછું છું ! દાદાશ્રી : પણ અમે શું કહીએ છીએ કે અમારું જ્ઞાન ૩૫૬ ડિગ્રીનું છે. ચાર બીજા ઉમેરવા ત્યાં જવાનું. અમે અમારું જેટલું છે એટલું આપી શકીએ. બીજું જ્ઞાન લેવાનું રહેતું નથી. જ્ઞાન તો સંપૂર્ણ આપી દીધેલું જ છે. પણ એમનાં દર્શન કરવાથી જ, એ મૂર્તિ જોવાથી જ આપણે એવાં થઈ જઈએ, બસ. એટલે ખાલી દર્શન જ બાકી રહ્યા. બીજે દેહધારણ ક્યાં ? પ્રશ્નકર્તા : આપ હમણાં જગત કલ્યાણ કરો છો, હવે એ ઈચ્છાઓ અમુક વખત પછી ઓછી થશે તો ખરી જ ને ? અથવા એ પૂરી થઈ જશે, તે પછી તમારો જન્મ ક્યાં થશે ? દાદાશ્રી : પૂરું થાય જ નહિ. જ્યારે દેહ છૂટે ત્યારે આનું પરિણામ આવે. તે પાછું તે ઘડીએ થોડું બાકી હોય તે પૂરું થઈ જાય અને પૂરું થાય એટલે મોક્ષે જાય. આ છેલ્લી ઈચ્છા છે, પોતાને લેવા-દેવા નથી, છતાં એ ઈચ્છા છે. એક પણ ઈચ્છા છે, ત્યાં સુધી સંસારમાંથી છૂટે નહિ. જો કે આ અમારી ભરેલી ઈચ્છા છે. આજની ઈચ્છા નથી. પણ ભરેલી ઈચ્છા પૂરી થવી જોઈએ. ભરેલી ઈચ્છા જે હોય ને તે પૂરી થવાની, નિકાલ થઈ જવાની. પ્રશ્નકર્તા : આપનું એ ચાર્જ થયેલું કહેવાય ? દાદાશ્રી : ના, આ જે ઈચ્છાઓ છે તે ડિસ્ચાર્જ રૂપે છે, ચાર્જ રૂપે નથી આ. હવે ખલાસ થવા આવે, આ દેહનું બધું એ થઈ ગયું એટલે ખલાસ, ડિસ્ચાર્જ ખલાસ થઈ જાય. પહેલાં ચાર્જ કરેલું, તે આ ડિસ્ચાર્જ થાય છે. મને ગમે કે ના ગમે, પણ ડિસ્ચાર્જ થયે જ છૂટકો. પ્રશ્નકર્તા : એ ઈચ્છાઓ જ્યારે પૂરી થશે, પછી આ દેહ કાયમ રહેશે ? દાદાશ્રી : ના. એ દેહ બીજો મળવાનો છે, એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં થઈ અને મોક્ષે જતાં એકાદ-બે અવતારમાં એની પુણ્યૈ પાછી ભોગવીને પછી મોક્ષે જશે. પુણ્યૈ તો બંધાય ને ? જગત કલ્યાણ કર્યું, એનું ફળ તો એ જ આવે પછી અને તીર્થંકર નામકર્મે ય બંધાય. તીર્થંકર ફળે ય આવે. પણ એ ભોગવવું પડે. તો ય દર્શન થશે, ઘણાં કાળ સુધી ! પ્રશ્નકર્તા : આ પંચ મહાભૂતરૂપી દેહ વિલય થયા પછી પણ આપ આ સ્વરૂપે કેટલા સમય સુધી સ્થૂળરૂપે આપના મહાત્માઓને દર્શન દીધા કરશો ? દાદાશ્રી : હું શું કરવા દર્શન દીધા કરું ? હું મારા કામમાં હોઉં કે આ લોકોને દર્શન આપવા આવું ? પણ દર્શન થયા કરે ખરાં. દર્શન આપવા માટે મારે આવવું ના પડે. તમારા મહીંથી જ દર્શન થયા કરે અને યથાર્થ ફળ આપે એવાં. મારે દર્શન આપવા આવવાની જરૂર નથી. એની મેળે જ સ્વાભાવિક રીતે દર્શન થયા કરે. એટલે ઘણાં સમય સુધી આ સ્થૂળરૂપે દર્શન થશે લોકોને, મહાત્માઓને ! સીમંધર સ્વામી છે અમારા ઉપરી ! પ્રશ્નકર્તા : અમારા તો તમે રક્ષણહાર ખરાં પણ તમારી ઉપર કોણ ? તમારે તો કાયદેસર જ ચાલવું પડેને, જે આવે તેની જોડે ? દાદાશ્રી : બહુ જ કાયદેસર ! અને અમારા ઉપરી તો આ બેઠાં છે ને, સીમંધર સ્વામી, એ એકલાં જ છે ! એટલાં જ ઉપરી છે અમારા ! એ અમે એમની પાસે કંઈ માગણી કરીએ નહિ. માગણી થાય નહિને ! તમારે મારી પાસે માગણી કરાય !! મોક્ષ સ્વરૂપીના સાનિધ્યમાં ! અને સીમંધર સ્વામી પાસે બેસી રહોને, એ મૂર્તિ પાસે બેસી રહોને, તો ય હેલ્પ થાય. હું હઉ બેસી રહું છુંને ! મારે તો મોક્ષ મળી ગયો છે, તો ય હું બેસી રહ્યો છું. નહિ તો મારે એમનું શું કામ હતું ? મોક્ષ મને મળી ગયો છે તો ય હું બેસી રહ્યો છું. કારણ કે હજુ એ ઉપરી છે. એમનાં દર્શન કરે ત્યારે મોક્ષ થાય, નહિ તો મોક્ષ થાય નહિ. એમનાં દર્શન કરીએ, એ કોનાં દર્શન ? મોક્ષ સ્વરૂપનાં. દેહ સાથે જેનું સ્વરૂપ મોક્ષ છે. હવે બાકી આટલું જ ! અમારો સિક્કો માર્યા પછી તીર્થંકર એકલાંને જોવાના રહ્યા ! અને એ જુએ એટલે મુક્તિ !! તીર્થંકર, વીતરાગ, છેલ્લી દશામાં દર્શન કર્યા એટલે મુક્તિ ! બીજું બધું તો અહીં આગળ જ્ઞાની પુરુષે તૈયાર કર્યું. હવે પેલાં વરખ ચોટાડનારા રહ્યા ! મીઠાઈ કોણ કરે ને વરખ કોણ ચોંટાડે ?! એટલે આ સીમંધર સ્વામી ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે એમના નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગજબના પુરુષ કૃષ્ણ ભગવાન ! પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાન વિશે થોડુંક કહો આજે ! દાદાશ્રી : કૃષ્ણ ભગવાનની ક્યાં વાત થાય ? એ તો વાસુદેવ નારાયણ કહેવાય પણ તે આપણા લોકો એને લીલામાં લઈ ગયા... ને બધું જાતજાતનું ચિતરી માર્યું. બાકી કૃષ્ણ ભગવાન એ તો યોગેશ્વર કૃષ્ણની વાત ! કૃષ્ણ તો ગજબના પુરુષ થઇ ગયા, વાસુદેવ હતા અને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે. કૃષ્ણ તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. પ્રશ્નકર્તા : નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું ? દાદાશ્રી : જેના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય ! ડિસ્ચાર્જ થતું અબ્રહ્મચર્ય છે અને ચાર્જ થઇ રહ્યું છે અખંડ બ્રહ્મચર્ય ! કૃષ્ણ ભગવાનને સોળસો રાણીઓ હતી, છતાં તે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. આ કેવી રીતે તે તમને સમજ પાડું. એક માણસ ચોરી કરે છે, પણ મહીં નિરંતર ભાવમાં રમ્યા કરે છે કે, 'ચોરી નથી કરવી,' તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય. 'શું ચાર્જ થઇ રહ્યું છે' તે એનો હિસાબ છે ! એક માણસ દાન આપે છે અને મનમાં હોય કે, 'આ લોકોનું આમ પડાવી લઉં', તો એ દાન ગણાતું નથી. આ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય નવું બાંધવા માટે ગણાતું નથી, પણ મહીં નવો હિસાબ શું બાંધી રહ્યો છે, જે ચાર્જ થાય છે તે ગણાય ! પ્રશ્નકર્તા : તો પછી કૃષ્ણ ભગવાનને ચારિત્રવાન કેમ કહ્યા છે ? દાદાશ્રી : એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ઊલટું, એમના ચારિત્ર્યને દુષ્ચારિત્ર્ય કહી વગોવણું થયું છે. કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું કે બધી ચીજના ભોક્તા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય ! ગીતામાં 'હું' એટલે કોણ ? પ્રશ્નકર્તા : ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે ત્યારે એનો નાશ કરવા માટે 'હું' જન્મ લઉં છું, તે 'હું' કોણ ? દાદાશ્રી : એને જ આત્મા કહે છે, હું એટલે કૃષ્ણ નહીં. 'હું' એટલે જ આત્મા. નિયમ એવો છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે ત્યારે કોઈ મહાન પુરુષનો જન્મ થઈ જ જાય. એટલે યુગે યુગે મહાન પુરુષનો જન્મ થાય છે. પ્રશ્નકર્તા : એવું કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી હતી, તેનું શું કારણ ? દાદાશ્રી : ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા ? એ તો બધી વાર્તાઓ છે. કૃષ્ણ તો મહાન યોગેશ્વર હતા. એમને રાસલીલામાં લોકોએ લાવી દુરુપયોગ કર્યો. કૃષ્ણનું બે રીતે આરાધન કરવામાં આવે છે. બાળમંદિરના મનુષ્યો છે, એમણે બાળકૃષ્ણનાં દર્શન કરવાં અને વૈકુંઠમાં જવું હોય એણે યોગેશ્વર કૃષ્ણનાં દર્શન કરવાં. અર્જુનને વિશ્વ્ર દર્શન ! પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વ દર્શન કરાવેલું, એ શું છે? દાદાશ્રી : એ વિશ્વદર્શન એ આત્મજ્ઞાન નથી. આ કેટલાં બધાં જન્મેલાં એ મરી જાય છે, ફરી જન્મે છે, આમ કાળચક્રમાં બધાં ખપાયા કરે છે. માટે કોઇ મારનાર નથી, કોઇ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડયું, બધા મરેલા દેખાડ્યા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઇ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો. પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું. આમ કૃષ્ણ ભગવાનને જે દેખાયેલું તે અર્જુનને તેમણે બતાવેલું આ વિશ્વ દર્શન. અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ ! પ્રશ્નકર્તા : વિરાટ સ્વરૂપ એ શું કહેવા માગે છે ? દાદાશ્રી : બીજાનો અહંકાર લઈ લે, એનું નામ વિરાટ પુરુષ કહેવાય. પ્રશ્નકર્તા : વિરાટનું દર્શન થાય, એટલે અહંકાર જાય ? દાદાશ્રી : અહંકાર જાય તો જ વિરાટ સ્વરૂપના દર્શન થયાં કહેવાયને ! પ્રશ્નકર્તા : વિરાટનું દર્શન થવું એટલે જ્ઞાન થવું ? દાદાશ્રી : વિરાટનું દર્શન એટલે જ્ઞાની પુરુષને ઓળખવું. ખરી રીતે વિરાટ કોને કહેવાય કે જે આપણા અહંકારને પણ ખાઈ જાય. આપણા અહંકારનેય ભક્ષણ કરી જાય, એનું નામ વિરાટ ! અને તેનું ફળ શું આવે ? આપણને વિરાટ બનાવે !! વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીંને ! એવું કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું, ત્યારે નમેલોને ! નહીં તો નમે નહીં !! એટલે લખ્યું છેને, શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી ને અમારો અહમ્ લઈ લે છે. ત્યારે એક જણ મને કહે છે, તે તો સાચી વાત. તમે અહમ્ તો મારો લઈ લીધો ! પણ ત્યારે એ જ વિરાટ પુરુષ ! ત્યાં પુસ્તકોના વિરાટ પુરુષ ખોળવા જાવ છો ?! જે આપણો અહમ્ લઈ લે, એ વિરાટ પુરુષ ! બીજો વિરાટ પુરુષ દુનિયામાં કેવો હોય ? સાદી ને સીધી વાત ! લોક મને કહે છે, 'તમારે વિરાટ પુરુષ થવાનો શોખ છે ?' મેં કહ્યું કે આ ભૂત પાછું ક્યાં વળગાડું હું મહીં ? એ.બી.સી.ડી., એમ.બી.બી.એસ... ફલાણું ને ફલાણું તેમ. આ લફરાવાળો છું હું તો કંઈ ? લાખો અવતારેય અહમ્ જાય એવી વસ્તુ નથી. આ એકલી વસ્તુ નથી. પણ જ્યાં વિરાટ સ્વરૂપ હોય, તે આપણો અહંકાર લઈ લે. વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુધ્ધિ ના હોય, છાંટોય બુધ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય તે જ લઈ શકે. એ વિરાટ પુરુષ કહેવાય. પોતાનો અહંકાર ખલાસ કરે એ જ્ઞાની, બીજાનો અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ ! સુદર્શન ચક્ર ! પ્રશ્નકર્તા : કૃષ્ણનું સુદર્શન ચક્ર એ શું હતું ? દાદાશ્રી : એ તો નેમીનાથ ભગવાને તેમને સમ્યક્ દર્શન આપેલું તે ! સુદર્શન એટલે સમ્યક્ દર્શન, તેનાં લોકોએ ચક્રો ચીતરી માર્યા ! તે લોકો એવું સમજ્યા કે ચક્ર લોકોને કાપી નાખે છે ! કયા ધર્મને શરણે જવું ? પ્રશ્નકર્તા : બધા ધર્મો કહે છે, 'મારા શરણે આવ', તો જીવે કોના શરણે જવું ? દાદાશ્રી : બધા ધર્મોમાં તત્ત્વ શું છે? ત્યારે કહે કે, 'પોતે શુધ્ધાત્મા છે' એ જાણવું. શુધ્ધાત્મા એ જ કૃષ્ણ છે, શુધ્ધાત્મા એ જ મહાવીર છે, શુધ્ધાત્મા એ જ ભગવાન છે. 'બધા ધર્મો છોડી દે અને મારે શરણે આવ' એમ કહે છે. એટલે એ કહેવા માગે છે કે, 'તું આ દેહધર્મ છોડી દે, મનોધર્મ છોડી દે, ઈન્દ્રિય ધર્મો બધા છોડી દે અને પોતાના સ્વાભાવિક ધર્મમાં આવી જા, આત્મધર્મમાં આવી જા.' આને હવે લોક ઊંધું સમજ્યા. મારે શરણે એટલે કૃષ્ણ ભગવાનને શરણે એમ સમજ્યા. અને કૃષ્ણ કોને સમજે છે? મુરલીવાળાને! આ ચોપડવાની (દવા) પી ગયા, એમાં ડૉક્ટરનો શો દોષ ? એવું આ પી ગયા અને તેથી ભટકે છે ! ફોડ, સ્વધર્મ-પરધર્મનો ! પ્રશ્નકર્તા : સ્વધર્મ એટલે શું ? આપણા વૈષ્ણવમાં કહે છે ને કે સ્વધર્મમાં રહો ને પરધર્મમાં ના જશો ! દાદાશ્રી : આપણા લોકો સ્વધર્મ એ શબ્દ જ સમજ્યા નથી ! વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને શૈવ કે જૈન કે ઇતર બીજા ધર્મ તે પરધર્મ, એમ સમજી બેઠા છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'પરધર્મ ભયાવહ,' એટલે લોક સમજ્યા કે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા બધા ધર્મ પાળે તે ભય છે. તેમ દરેક ધર્મવાળા એવું જ કહે છે કે પરધર્મ એટલે બીજા ધર્મમાં ભય છે, પણ કોઇ સ્વધર્મ કે પરધર્મને સમજ્યું જ નથી. પરધર્મ એટલે દેહનો ધર્મ અને સ્વધર્મ એટલે આત્માનો પોતાનો ધર્મ. આ દેહને નવડાવો, ધોવડાવો, અગિયારસ કરાવો એ બધા દેહધર્મ છે, પરધર્મ છે; આમાં આત્માનો એકુય ધર્મ ન હોય, સ્વધર્મ ન હોય. આ આત્મા એ આપણું સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઇ કરે તે તો પરાયો ધર્મ છે, એમાં સ્વરૂપ ન હોય.' 'પોતાનો આત્મા એ કૃષ્ણ છે' એમ સમજાય, એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય. જેને મહીંવાળા કૃષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય, આજે તો કોઇ સાચો વૈષ્ણવ થયો નથી ! 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ....' એ વ્યાખ્યાવાળો એક પણ વૈષ્ણવ જડતો જ નથી ! આમ કહે છે કે, 'અમે કૃષ્ણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ,' પણ કૃષ્ણ ભગવાન મને રોજ કહે છે કે, 'આમાંનો એકુંય જણ મારો સાચો ભક્ત નથી. હું જે કહું છું તે મારી આજ્ઞા તેઓ એક દા'ડો, અરે એક કલાક પણ પાળતા નથી.' પ્રકૃતિ પર નથી ઈશ્વરની ય સત્તા ! પ્રશ્નકર્તા : ગીતાનું પેલું વાક્ય કહે છે, 'પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ'. એટલે પેલું ભગવાને એમ કહ્યું છે ગીતામાં કે મારા વડે આ સૃષ્ટિ સર્જાય છે. દાદાશ્રી : બરોબર છે. એમાં ગીતામાં અમુક બાબત તો ખુલ્લી કરી છે. કેટલીક બાબતો એવી રાખી છે કે જ્યાં અધ્યાહાર રાખ્યું છે. આ 'હું' જ્યાં કહે છે પોતે, ત્યાં આ 'શુધ્ધાત્મા'ની વાત છે. એ કૃષ્ણ ભગવાન નથી. હવે લોકો છે તે પોતપોતાની ભાષામાં સમજે. અને આ પ્રકૃતિ એ તો એમાં કોઈ જાતની આપણી, મનુષ્યની કોઈ ક્રિયા ચાલે એવી નથી, ઈશ્વરનું ય ચાલે એવું નથી. એ બધું આ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એક્ઝેક્ટ માણસ રૂપાળા-બુપાળા, કદરૂપા-બદરૂપા, બધું એના હાથમાં છે અને તોલી-તોલીને, જરાય ફેર ન પડે. પ્રશ્નકર્તા : પણ એ માણસ કદરૂપા કે સારા રૂપાળા થવાનું, જે કરે છે વ્યવસ્થિત શક્તિ, તેનો આધાર શેના ઉપર ? દાદાશ્રી : એ આધાર આપણો જ. આપણા જે ભાવ પૂર્વે હતા, જે ભાવમાં અવસ્થિત થયા હતા આપણે, તેનું આ આની મારફત 'વ્યવસ્થિત' થઈને આવે છે. જગત ચાલે સ્વભાવથી જ ! કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, 'આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે !' કૃષ્ણ ભગવાને કહ્યું કે આ જગત સ્વભાવથી જ ઊભું થઈ ગયું છે. સ્વભાવથી જ ચાલે છે. એવું ગીતામાં 'સ્વભાવથી જ થયેલું', કહેલું છે. એટલે સ્વભાવથી જ થઈ રહ્યું છે. 'ન કર્તૃત્વં, ન કર્માણી, લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફળ સંયોગં, સ્વભાવસ્તુ પ્રવર્તતે !' જગત ચાલે છે તે સ્વભાવથી ચાલે છે અને ચલાવે છે 'વ્યવસ્થિત' નામની શક્તિ. વડનું બીજ રાઈથી ય નાનું હોય છે. છતાં તેમાં આખા વડની શક્તિ છે, શક્તિ રૂપે આખો વડ તેમાં સમાયો છે. 'વ્યવસ્થિત' સંયોગ તેમાં ભેળા કરી આપે અને વડ રૂપે પરિણમે સ્વભાવથી. 'વ્યવસ્થિત' જગતને ચલાવનાર છે. એ જગતની ક્રિએટર નથી. જગત તો સ્વભાવથી બનેલું છે. અને 'વ્યવસ્થિત' છે તે સ્વભાવિક છે અને અનંત કાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ છે નહીં. આ જગતનાં 'મૂળ તત્વો' છે તે સ્વભાવિક છે. તે રિલેટીવમાં આવે છે ત્યારે વિભાવિક થાય છે. જગત બંધ થઈ જશે તો ? બંધ થાય એવું જ નથી. કારણ કે જગત સ્વાભાવિક છે. એનો સ્વભાવ જ એવો છે કે નિરંતર ચાલ્યા જ કરે. વડમાંથી બીજ ને બીજમાંથી વડ. લોકો કહે છે કે ભગવાન ચલાવે છે. જો કોઈ ચલાવનાર હોય તો વહેલું-મોડું બંધ થાય જ. મોક્ષે જાય છે તે ય સ્વભાવથી જ થાય છે ! માટે કશું અટકી જશે, બગડી જશે એવું છે જ નહિ. રામચંદ્રજી ગયા. કૃષ્ણ ભગવાન ગયા તો ય જગત ચાલ્યું ! આ જગત કોઈએ બનાવ્યું નથી. આ તો સ્વભાવથી જ ચાલે છે ! એટલે આ જગતનો સ્વભાવ જ કેવો છે ? પરિવર્તનશીલ, નિરંતર ચેન્જ થયા જ કરે હરેક વસ્તુનો. છે જગતમાં બન્ને, જડ ને ચેતન ! એટલે કૃષ્ણ ભગવાને ફોડ પાડ્યો કે આત્મા અને અનાત્મા - બે વસ્તુ છે. આ જડને જ જો આત્મા માને તો પછી આત્માની શી દશા થશે ? જો બધે જ ઘઉં છે તો વીણવાનું શું રહ્યું ? ઘઉં ને કાંકરા ભેગાં હોય અને કહે કે આ એકલા ઘઉં જ છે તે પછી વીણવાનું જ ક્યાં રહ્યું ? સાચો સંન્યાસ ! કૃષ્ણ ભગવાને મોક્ષના બે રસ્તા બતાવ્યા : એક સંન્યાસ અને બીજો નિષ્કામ યોગ. સંન્યાસ શબ્દ બહુ ઊંચો છે, પણ તેને કોઇ સમજતું નથી. લોકોએ જે ભગવાં વસ્ત્ર પહેરે તેને સંન્યાસી કહેવા માંડ્યું ! સંન્યાસ એટલે ન્યાસ લેવા મન-વચન-કાયામાંથી, બધેથી આત્મા ખેંચીને આત્મામાં મૂકી દે, તેને સંન્યાસ કહેવાય. જ્યાં સુધી 'જ્ઞાની પુરુષ' આત્માનું જ્ઞાન ના આપે ત્યાં સુધી સંન્યાસી જ ના થાય. ખેતરમાં ગયો હોય તે ઘેર ના હોય ને ઘેર હોય તે ખેતરમાં ના હોય, તેમ ખરો સંન્યાસી છે તે નિરંતર આત્મામાં જ રહે. કૃષ્ણના એકુંય શબ્દનો અર્થ આજે કોઇ જાણતું જ નથી. બધી ક્રિયામાં 'હું કરું છું' એ ભાન ના રહે તે સંન્યસ્ત યોગ ને તે જ સંન્યાસી કહેવાય ! આ આજના સંન્યાસીઓમાં છાંટો ય સંન્યસ્ત નથી. આત્મા આત્મામાં જ મૂક્યો તે જ સંન્યસ્ત યોગ ! સંપૂર્ણ સંન્યાસી એટલે ધર્મ સંન્યાસ. તે આ આપણો છેલ્લો સંન્યાસ છે, તે અહીં આત્મા આત્મામાં રહે, આત્મા શુધ્ધાત્મામાં જ વર્તે. આપણો આ અલૌકિક ધર્મ છે ! આ લૌકિક ધર્મમાં તો આત્મામાંથી સંન્યસ્ત લઇને દેહમાં નાખે છે ! કૃષ્ણ ભગવાને કહ્યું કે આ ત્રણ ગુણ હોય તો તે ખરો સંન્યાસી, પછી તે ગૃહસ્થ હોય, ત્યાગી હોય કે ગમે તે હોય : ૧. કર્તૃત્વનું અભિમાન ન હોય. ૨. આસક્તિ ના હોય. ૩. કામના ના હોય. આ આસક્તિ એ તો દેહનો ગુણ છે. તે કેવો છે ? જેમ લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે, તેમ દેહને ફીટ થાય તેવાં પરમાણુ પ્રત્યે દેહ ખેંચાય છે. તેમાં આત્માને કશી જ લેવા-દેવા નથી, પણ લોક તો ભ્રાંતિથી માને છે કે, 'હું ખેંચાયો.' આપણને તો દેહથી આસક્તિ છે અને આત્માથી અનાસક્ત છીએ, આત્મા ખેંચાય નહીં. આત્મા જેમાં તન્મયાકાર થતો નથી તેનો તેને ત્યાગ વર્ત્યો કહેવાય. કર્તૃત્વનું અભિમાન એ જ આસક્તિ છે. નિષ્કામ કર્મનો અર્થ ! કૃષ્ણ ભગવાને લોકોને બીજો રસ્તો બતાવ્યો કે જે કરવાથી ભૌતિક સુખો મળે ! એ નિષ્કામ કર્મ કોને કહેવાય ? આપણા ઘરની આવક આવે છે. જમીનની આવે છે, તે ઉપરાંત આ છાપખાનું કરાવ્યું એમાંથી મળશે. આમ, બાર મહીને વીસ-પચ્ચીસ હજાર મળે, એવું ધારીને કરવા જઇએ ને પછી પાંચ હજાર મળ્યા તો વીસ હજાર ખોટ ગઇ લાગે. અને ધારણા જ ના બાંધી હોય તો ? નિષ્કામ કર્મ એટલે એના આગળનાં પરિણામ ધાર્યા વગર કર્યે જાવ. કૃષ્ણ ભગવાને બહુ સુંદર વસ્તુ આપી છે, પણ કોઇથી એ બની શકે નહીં ને ? માણસનું ગજુ નહીં ને ! આ નિષ્કામ કર્મને યથાર્થ સમજવું મુશ્કેલ છે. તેથી તો કૃષ્ણ ભગવાને કહેલું કે મારી ગીતાનો સૂક્ષ્મતમ અર્થ સમજનારો કોઇક એકાદ જ હશે ! પ્રશ્નકર્તા : નિષ્કામી કેવી રીતે થવાય ? દાદાશ્રી : પરિણામનો વિચાર કર્યા વિના કામ કર્યે જા. 'સાહેબ મને વઢશે, ટૈડકાવશે,' એવો વિચાર કર્યા વિના કામ કર્યે જા. પરીક્ષા આપવાનો વિચાર કર્યો હોય તો પછી 'પાસ થવાશે કે નહીં, થવાશે કે નહીં' એવા વિચાર કર્યા વિના પરીક્ષા આપ્યે જા. નિષ્કામ યોગ તે લોકો કહે છે કે, 'કામ કર, પણ ફળની આશા રાખીશ નહીં'. અલ્યા, ફળની આશા રાખ્યા વગર તો ઘરની બહાર જીવડું ય ના જાય, ફળની આશા રાખ્યા વગર કોઈ કામ કરે જ નહીં. શાકની આશા રાખ્યા વગર ત્યાં બજારમાં કોણ જાય ? આ જો ખબર પડી કે, 'આજે બજારમાં શાક નહીં મળે,' તો કોઈ શાક લેવા જાય જ નહીં. છતાં એવું કહેવું પડે કે, 'ફળની આશા રાખ્યા વગર તું કામ કર.' આનાથી શું થાય કે કામ કરતી વખતે આ વાક્ય ખૂંચે કે, 'ભગવાને તો ફળની આશા રાખ્યા વગર કામ કરવાનું કહ્યું છે,' તેથી તેનું ફળ સારું આવે. આ જો ફળની આશા રાખ્યા વગર કામ કરે તો લોકો પ્રગતિ માંડે, પણ કૃષ્ણ ભગવાન જે કહે છે તે લોકો સમજ્યા નથી. કૃષ્ણ ભગવાને તો શું કહેલું કે, 'જો તું શાક લેવા જાય તો શાકની આશા રાખજે, પણ જો શાક લીધું છતાં કડવું આવી જાય તો પછી લેવાઈ ગયું એ ફળ, એમાં ફળની આશા ના રાખી, એટલે રાગ-દ્વેષ ના કરીશ, જે થયું તે માન્ય રાખજે.' જો ગજવું કપાય તો શાંતિ રાખજે, એના પર વિલાપ ના કરીશ, ત્યાં સમતા રાખજે, રાગ-દ્વેષ ના કરીશ. અહીંથી સાડી લેવા ગયા, માટે સાડીની આશા તો હોય જ, પણ પછી જો સાડી ખરાબ નીકળી તો ડીપ્રેસ ના થઈશ. સાડી જેવી નીકળી એ ભલે હો, ત્યાં આગળ ફળની આશા ના રાખીશ, રાગ-દ્વેષ ના કરીશ એવું કહેવા માંગે છે, બાકી જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય ? મોચીને ત્યાં જવું, પણ સારું કે ખોટું, પ્રિય કે અપ્રિયની આશા ના રાખીશ. એટલે પ્રિય કે અપ્રિયની આશા ના રાખવી તે નિષ્કામ કર્મ. વેદો, ત્રણ ગુણોમાં જ છે ! કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે, 'વેદો ત્રણ ગુણથી બહાર નથી, વેદો ત્રણ ગુણને જ પ્રકાશ કરે છે.' 'ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન', આ ગજબનું વાક્ય કૃષ્ણે કહી નાખ્યું છે ! આત્મા જાણવા વેદોથી પર જવા કહ્યું છે પણ લોકો સમજતા નથી. એમણે એમ કહ્યું કે, 'હે અર્જુન ! આત્મા જાણવા તું ત્રિગુણાત્મકથી પર થા.' ત્રિગુણાત્મક કયા કયા ? સત્વ, રજ અને તમ. વેદો આ ત્રણ ગુણને ધરાવનાર છે, માટે તું એમનાથી પાર નીકળીશ તો જ તારું કામ થશે. આ ત્રણ ગુણો પાછાં દ્વંદ્વ છે, માટે તું ત્રિગુણાત્મકથી પર થા અને આત્મા સમજ ! ચારેય વેદ પૂરા થાય ત્યારે વેદ ઇટસેલ્ફ શું બોલે છે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. તું જે આત્મા ખોળે છે તે આમાં નથી, 'ન ઇતિ ન ઇતિ'. માટે તારે જો આત્મા જાણવો હોય તો ગો ટુ જ્ઞાની. ખરેખર વેદો એ તો બુધ્ધિને વધારનારા છે. સમજણ આપી છે. પણ બુધ્ધિને વધારનારું છે. એને પકડી રાખશો નહીં. એમાં મોક્ષમાર્ગ ના હોય અને આત્મા સંબંધમાં ના હોય. આત્માનો એક ગુણેય ના જાણ્યો હોય. કારણ કે આત્મા સંબંધમાં તો એ વેદ બોલે કે ધીસ ઈઝ નોટ ધેટ. 'ન ઈતિ' હવે ખોટું પકડી રાખેને ! ઊંધું ચાલે છે, પછી માર જ ખાય ને ! પ્રશ્નકર્તા : વેદાંતનો માર્ગ સહેજ લાંબો હશે ને ? દાદાશ્રી : લાંબો એટલે બુધ્ધિને ડેવલપ કરતો કરતો જાય છે. બુધ્ધિને મોટામાં મોટું ડેવલપ કરનારો આખા દુનિયામાં જો કોઈ ધર્મ હોય તો વેદાંત માર્ગ. કૃષ્ણ ભગવાને જે ફોડ પાડ્યો છે, એ ફોડને જ જો સમજી જાય તો ય સાચો ભક્ત થાય. કૃષ્ણ ભગવાને તો સાયન્સ બધું બહાર પાડ્યું છે અને એમણે કહ્યું કે, આ ચાર વેદો તો લોકોને માટે છે. પણ જેને મોક્ષે જવું હોય તે આ ચાર વેદથી આગળ આવો, ગીતામાં આવો. ગીતા જ્ઞાન છે, એ હ્રદય માર્ગ છે. જ્ઞાનીઓ જાગૃત ત્યાં જગત... પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને કહ્યું, 'જ્યાં જગત જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ ને જ્યાં જગત ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ.' એ ના સમજાયું. એ સમજાવો. દાદાશ્રી : જગત ભૌતિકમાં જાગે છે ત્યાં કૃષ્ણ ઊંઘે છે ને જગત આત્મામાં ઊંઘે છે ત્યાં કૃષ્ણ ભગવાન જાગે છે. છેવટે અધ્યાત્મની જાગૃતિમાં આવવું પડશે. સંસારી જાગૃતિ એ અહંકારી જાગૃતિ છે ને નિર્અહંકારી જાગૃતિ એનાથી મોક્ષ છે. નાથિયો કાળિનાગ ?! પાંચ હજાર વર્ષ પહેલાં કાલિયા નાગની વાત રૂપકમાં મૂકી, તે કાલિયા નાગને નાથનારા કૃષ્ણ નહોતા. આ તું ચિઢાય છે, ગુસ્સે થાય છે, એ જ નાગ. પેલા નાગમાં તો મદારીનું કામ હતું, તેમાં કૃષ્ણ ભગવાનનું શું કામ હતું ? ને કૃષ્ણ ભગવાને નાગને નાથવાની શી જરૂર પડેલી ? તે શું તેમને મદારી નહોતા મળતા ? પણ કોઇ વાતને જ સમજતા નથી અને તે રૂપક હજી ચાલ્યા કરે છે. કાલિયદમન થયું ત્યાં કૃષ્ણ હોય. આ કાલિયદમનમાં નાગ એટલે ક્રોધ, તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય. કર્મને કૃષ કરે તે કૃષ્ણ ! આત્મા તરફ વાળ... પ્રશ્નકર્તા : ગીતાજીમાં એમ કેમ કહ્યું છે તારું મન, બુધ્ધિ તરફથી વાળ અને મારામાં જોડ, તો હું તને દેખાઈશ. દાદાશ્રી : ખરું કહે છે એ. એ તદ્ન સત્ય વાક્ય છે. આ બુધ્ધિને છોડી દે મન, અને જો એમના તરફ વાળે એટલે આત્મા તરફ વાળે તો કૃષ્ણ ભગવાન દેખાય. સાચી વાત છે. કૃષ્ણ ભગવાને ખરી વાત લખી છે. લોકોને સમજણ ફેર જ છે. સમજણ ફેર થાય ત્યારે ઊંધું થાય. ચોપડવાનું પી જાય. અને પછી કહેશે, મને આમ થયું. બુધ્ધિથી છેટો થા, એમ કહે છે. શ્રી કૃષ્ણે કહી એને વ્યભિચારિણી ! સત્ પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે સાંભળવાથી જે બુધ્ધિ સ્વચ્છ થાય છે, તે અવ્યભિચારિણી બુધ્ધિ કહેવાય. આ બધાને વિપરીત બુધ્ધિ છે. કૃષ્ણ ભગવાને કહ્યું, અવ્યભિચારિણી બુધ્ધિ જોઈશે. વ્યભિચારિણી એટલે વિપરીત બુધ્ધિ. આ બધાને જગતમાં અત્યારે વિપરીત બુધ્ધિ જ છે, જે પોતાનું નિરંતર અહિત કરી રહ્યો છે. એક ક્ષણવાર એ પોતાનું હિત કરી રહ્યો નથી અને એ વિપરીત બુધ્ધિને જ સમ્યક્ માને છે ! સંશયાત્મા વિનશ્યતિ ! પ્રશ્નકર્તા : ગીતામાં કહ્યું છે કે 'સંશયાત્મા વિનશ્યતિ.' તો તેમાં આત્માસંબંધી સંશય થાય કે બીજો કોઈ સંશય થાય ? દાદાશ્રી : સંશય બધાને હોય. એમાં સંશય વગરનો કોઈ માણસ હોય નહીં. એને તો આ જગતમાં કોઈ જગ્યાએ વિશ્વાસ જ ના બેસે, સંશય જ થયા કરે અને સંશયથી એ મરી જાય, મરેલો જ છે ને ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં સંશય કે નિશ્ચયમાં સંશય ? કયો સંશય ? દાદાશ્રી : નિશ્ચયમાં તો સંશય આખા જગતને હોય જ. એ તો કાયદેસર હોય. કૃષ્ણ ભગવાને વ્યવહારમાં 'સંશયાત્મા વિનશ્યતિ' લખેલું છે. જે માણસને જ્યાં ને ત્યાં શંકા પડે, બૈરીમાં શંકા પડે, બાપમાં શંકા પડે, મામાં શંકા આવે, ભાઈમાં શંકા આવે, એ માણસ મરેલો જ છે ને ! બધામાં શંકા આવે, એ માણસ જીવે જ શી રીતે ? આખું જગત આત્માના સંશયમાં છે જ, જાણે કે એને કશું મરવાનું નથી. પણ જે વ્યવહારમાં સંશયવાળો છે તે મરી જાય, એ મરેલો જ છે. એ માણસને કોઈ પર વિશ્વાસ ના આવે, સંશય થયા કરે. પોતાને ધીરવું હોય અને પેલા દેવાદારો પર સંશય થયા કરે, તો એ માણસ મરેલો જ છે. અહીં છોડીઓ કોલેજમાં જતી હોય, તો 'ફાધર'ને મનમાં થાય કે 'ઉંમરલાયક થઈ, હવે આ છોડીઓ શું કરતી હશે ? એ શું કરે છે ? કોણ મિત્ર કરે છે ?' એમ સંશય કર્યા જ કરે. તે મરી ગયેલો જ છે ને ! સંશય તો કામનો જ નહીં. સંશય તો, આ ચપ્પુ લઈને મારવા જતાં હશે, એને જરા ય સંશય ના હોય ત્યારે તો એ મારવા જાય ! અને મરનારાને ય જરાય સંશય ના હોય ત્યારે મરે. પણ એ એક જ વખત મરે અને આ સંશયાત્મા, એ કાયમને માટે મરેલો જ છે. આત્મા સંબંધી નિઃશંકતા ?! હવે ભગવાને આત્મા સંબંધી શંકા કોઈને જાય નહીં, એમ કહ્યું. કૃષ્ણ ભગવાનને એ શંકા ગઈ હતી. બાકી, આત્મા સંબંધી શંકા, કે 'આત્મા આવો હશે કે તેવો હશે, ફલાણો હશે કે તેવો હશે, આમ હશે કે તેમ હશે ? થોડું ઘણું તો એ કર્તા હશે ને ? અમુક બાબતમાં એ કર્તા હશે જ ને ?' એવી શંકા પાછી રહ્યા કરે. નહીં તો કહેશે, 'કર્તા વગર તો કેમ ચાલે આ ગાડું ?' અલ્યા, તને ના ખબર પડે. એ તો 'જ્ઞાની પુરુષ' જ જાણે કે આ શી રીતે ચાલી રહ્યું છે ! હવે એ આત્મા 'જ્ઞાની'એ જાણ્યો તેવો હોય, આ પુસ્તકમાં લખેલો તેવો ના હોય. પુસ્તકમાં આત્મા સંબંધી વાત જ નથી કોઈ. એટલે આત્મા સંબંધી શંકારહિત કોઈ થયેલો જ નહીં. આ તો કહેશે, 'આટલી ભાવના તો આત્માની હોવી જ જોઈએ ને !' હવે એ જેને આત્મા માની રહ્યા છે, તેને હું નિશ્ચેતન ચેતન કહું છું. હવે ત્યાં આગળ આત્મા શી રીતે પ્રાપ્ત થાય ? શંકા જ રહે ને, પછી ! જગત બધું આત્માની શંકામાં જ પડેલું છે. લોક મને પૂછે છે કે, 'આ ક્રોધ-માન-માયા-લોભ તો આત્મા વગર કોઈ કરે જ નહીં ને ?' મેં કહ્યું, 'નિરાંત થઈ ગઈ ત્યારે. (!)' ત્યારે કહે છે, 'પણ જડ તો કરે જ નહીં ને ?' મેં કહ્યું, 'આ જડ કરે નહીં. પણ ચેતને ય શી રીતે કરે ? જે જેનામાં ગુણધર્મ નથી, એ શી રીતે કરે ?' એવું છે ને, આ વ્યતિરેક ગુણો છે, એની એને ખબર ના હોય ને ! કે બે વસ્તુ સાથે હોય તો તીસરો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય, પોતાના ગુણધર્મ છોડે નહીં અને નવો ગુણ ઉત્પન્ન થાય. પણ એ 'જ્ઞાની' સિવાય સમજાય શી રીતે ?! ગીતાનું રહસ્ય બે જ શબ્દોમાં ! ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દ કહેવા માગે છે. એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી, તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યાં છે. કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે, 'હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવાં એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવાં એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવાં એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્ મારો આશય સમજી શકે !' એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે. હવે આ સાડા ત્રણ અબજની વસતિમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે ? કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે જ શબ્દમાં કહેવા માગે છે, એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે જ સમજી શકે ને કહી શકે, બીજા કોઇનું કામ નહીં. આજે 'અમે' જાતે કૃષ્ણ આવ્યા છીએ, તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે. કૃષ્ણ ભગવાન શું કહેવા માગે છે ? માણસ મરી જાય ત્યારે કહે છેને કે, 'મહીંથી જતા રહ્યા,' તે શું છે ? તે 'માલ' છે અને અહીં પડ્યું રહે છે તે 'ખોખું' છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહીં 'માલ' છે, મટીરીયલ છે. ધેર આર વેરાઇટીઝ ઓફ પેકિંગ્ઝ. કોઇ આંબાનું પેકિંગ, કોઇ ગધેડાનું પેકિંગ, તો કોઇ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે; પણ મહીં 'માલ' ચોખ્ખો, એક સરખો બધામાં છે. પેકિંગ તો ગમે તેવું હોય, સડેલું ય હોય, પણ વેપારી પેકિંગની તપાસ ના કરે, મહીં 'માલ' બરાબર છે કે નહીં તે જોઇ લે, તેમ આપણે મહીંના 'માલ'નાં દર્શન કરી લેવાનાં. કૃષ્ણ ભગવાન કહે છે કે, 'મહીં જે 'માલ' છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે, એને ઓળખ. એટલે ઉકેલ આવશે તારો. બાકી, લાખ અવતાર તું ગીતાના શ્શલોક ગાઇશ તો ય તારો ઉકેલ નહીં આવે !' 'ખોખું' અને 'માલ' - આ બે જ શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માગતા તે છે અને આ બુધ્ધિશાળી લોકો ગીતાનાં અર્થ કરવા જાય છે, એનાં પુસ્તકો કાઢે છે ! મૂળ તો આ લોકોને અર્ક કાઢતાં જ નથી આવડતું ને મોટાં મોટાં વિવેચનો, ટીકાઓ લખી અર્ક કાઢવા ગયા છે; પણ આ તો પોતાના સ્વચ્છંદથી નામના કાઢવા જ કરે છે ! બાકી બે શબ્દમાં જ કૃષ્ણ ભગવાનનો 'અંતર આશય' સમાઇ જાય છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે, 'અભ્યાસ કરજે'. તે અત્યારે ગીતાનો એટલો બધો અભ્યાસ કર્યો કે અભ્યાસનો જ અધ્યાસ થઈ ગયો. અધ્યાસ છોડવા માટે ભગવાને અભ્યાસ કરવાનો કહ્યો, તો અભ્યાસનો જ અધ્યાસ થઈ ગયો ! પ્રશ્નકર્તા : સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું ? એ જ પ્રજ્ઞા ? દાદાશ્રી : સ્થિતપ્રજ્ઞ દશા એ તો નાનામાં નાનું પદ છે. એને લોકો બહુ મોટું પદ માને છે. પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થવી એ તો બહુ મોટી વસ્તુ છે, એ નિરંતર ચેતવે. આત્માની એ જાહોજલાલી છે. 'હું કરું છું' તેમાં નિઃશંક છે તે અજ્ઞદશા. 'હું કરું છું' તેમાં શંકા પડે છે તે સ્થિતપ્રજ્ઞ દશા અને 'હું'પણું છૂટી ગયું તો પ્રજ્ઞા ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : સ્થિતઅજ્ઞ એટલે સમજાવો. દાદાશ્રી : અજ્ઞાનમાં જ મોજ-મજા માને છે, એમાં જ સ્થિત હોય એ. અજ્ઞાનમાં જો અસ્થિર થાય તો જાણીએ કે આગળ વધ્યો. અજ્ઞાનમાં જો અસ્થિર થાય તો શેમાં વધ્યો ? એ પ્રજ્ઞા તરફ આગળ વધ્યો કહેવાય. સ્થિતપ્રજ્ઞ દશાથી આગળ ! પ્રશ્નકર્તા : સ્થિતપ્રજ્ઞ દશાથી ઘણું ઘણું આગળ કંઈક છે, એ સમજાવો. દાદાશ્રી : સ્થિતપ્રજ્ઞ દશા એ એક જાતની એક દશા એવી છે કે વૈકુંઠમાં જતાં જતાં બુધ્ધિ સ્થિર થઈ જાય છે. કૃષ્ણ ભગવાનનું જે વૈકુંઠ છે એ કૃષ્ણ ભગવાનની વાત સાંભળતાં સાંભળતાં, ગીતાનો જેમ જેમ અભ્યાસ વધતો જાય, તેમ બુધ્ધિ સ્થિર થતી જાય અને જેની બુધ્ધિ સ્થિર થઈ, તેને ભગવાને સ્થિતપ્રજ્ઞ કહ્યાં. એની આગળ તો ઘણું જાણવાનું બાકી છે. હજી તો આ એક જગ્યાએ એને વીઝા આપવાને લાયક થયો. સ્થિતપ્રજ્ઞ એ અનુભવદશા નથી. 'આ આત્મા છે અને અન્યથી તે પર છે' એમ શબ્દથી ભેદ પાડવાનું ચાલુ થઇ જાય તો સ્થિતપ્રજ્ઞ દશા ચાલુ થઇ જાય અને તે છેક આત્માનો અનુભવ થાય ત્યાં સુધી જે દશા, તે સ્થિતપ્રજ્ઞ દશા કહેવાય ! કૃષ્ણ ભગવાને માર્ગ બાંધ્યો તે સ્થિતપ્રજ્ઞ દશા સુધી આવે, પણ એની આગળ તો ઘણું બધું છે ! અમે તમને સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ, ત્યારે સ્થિતપ્રજ્ઞ દશાથી તો ઘણી બધી ઊંચી દશા તમને રહે છે. સ્થિતપ્રજ્ઞ દશા અને આત્મા જાણવો એમાં બહુ ફેર છે. સ્થિતપ્રજ્ઞ એ પ્રજ્ઞામાં સ્થિર થાય તે, પણ તે રિલેટિવ પ્રજ્ઞા, એના પછી એને આત્મા પ્રાપ્ત કરવાનો છે, અને આપણને જે પ્રજ્ઞા છે તે આત્મા પ્રાપ્ત કર્યા પછીની છે. તે રાગ-દ્વેષ કર્યા વગર સમભાવે ઉકેલ આવે ! સ્થિતપ્રજ્ઞ દશા એટલે શુધ્ધ થયેલી બુધ્ધિથી આત્માના ગુણધર્મ જાણે અને તેની ઓળખાણ પડે, પણ અનુભૂતિ ના થાય. સ્થિતપ્રજ્ઞ દશાથી ઈમોશનલ ના થાય. મોશનમાં રહે તે સ્થિતપ્રજ્ઞ, પણ સમાધિ ઉત્પન્ન ના થાય. 'જ્ઞાન' વિના સમાધિ ઉત્પન્ન ના થાય. ભ્રાંતિ જાય ત્યારે સમાધિ ઉત્પન્ન થાય ! મોહ મિટ્યો ને સ્થિર અચળમાં ! પ્રશ્નકર્તા : અર્જુન કહે છે કે, 'નષ્ટો મોહ સ્મૃતિલબ્ધ સ્થિતોસ્મિ.' દાદાશ્રી : હા. એ તો સ્થિર થયો ને પણ ! પ્રશ્નકર્તા : હા, એટલે એ મારે જાણવું છે, કેવી રીતે ? દાદાશ્રી : જેને આટલાં લક્ષણ થાય કે, જેને મોહ નષ્ટ થયો, એટલે સ્થિર થવાની એની નિશાની થઈ. બીજું એની મહીં હેલ્પ થયું કે, સ્મૃતિલબ્ધા થઈ એટલે બીજી હેલ્પ થઈ. આ બધા કારણોથી એ સ્થિર થઈ રહી છે અને થોડું થોડું ય સ્થિર રહે. ત્યારથી એને સ્થિતપ્રજ્ઞ દશા કહ્યું છે. આમ સ્થિર રહી શકે તો. જો કે એ કહે છે કે, મારો મોહ તૂટી ગયો. એ તો ઊંચી દશા કહેવાય. પ્રશ્નકર્તા : અહીંયા સામાન્ય રીતે ભમરડાની જેમ બધાની પરિસ્થિતિ છે, તો આ અર્જુન પણ મનુષ્ય જ હતો અને એ 'સ્થિતોસ્મિ' કહે છે. એમાં મૂક્યું છે કે, એ કૃષ્ણ ભગવાનને કહે છે, હે અચ્યુત, તમારી કૃપાથી હું સ્થિર થયો. તો મનુષ્યમાં આ વિરોધાભાસ આવે છે ? દાદાશ્રી : તે ભમરડો મટી અને રિયલમાં આવ્યો, પ્રકૃતિ હોવા છતાં રિયલમાં આવ્યો. કારણ કે એની માન્યતા એ હતી કે આ હું છું, દેહાધ્યાસમાં. એ માન્યતા આખી ય તૂટી ગયેલી. મોહ નષ્ટ થયો તેથી અને આ માન્યતા 'હું આ છું' એમાં આવી ગઈ. એ તો આ પ્રકૃતિ સચળ છે અને મૂળ આત્મા અચળ છે. એટલે સચળમાં જે માન્યતા હતી, તે ઉડી ગઈ ને અચળમાં માન્યતા ઉત્પન્ન થઈ, એટલે પછી એ સ્થિર થઈ ગયો. પુષ્ટિમાર્ગ શું છે ? વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢ્યો. પાંચસો વર્ષ ઉપર જયારે મુસલમાનોનો બહુ કેર હતો, આપણી સ્ત્રીઓ મંદિરમાં કે બહાર ક્યાંય નીકળી નહોતી શકતી, હિન્દુ ધર્મ ખલાસ થવાની અણી પર આવ્યો ત્યારે વલ્લભાચાર્યે કાળને અનુરૂપ પડતા ધર્મને પુષ્ટિ આપી, તે ઘેર બેઠાં ભક્તિ કરાય એવો માર્ગ આપ્યો, પણ તે ધર્મ તે કાળ પૂરતો જ હતો. માટે પાંચસો વર્ષ સુધી જ રહેશે એમ તેઓ જાતે જ કહી ગયા, તે આજે તે પૂરાં થાય છે. હવે આત્મધર્મ પ્રકાશમાં આવશે. તેથી ગાયું છે જ ને, 'મુરલીના પડઘે ઝૂમી જમુના બોલી, શ્રીકૃષ્ણના પ્રકાશક આવી ગયા છે.' વલ્લભચાર્યે તો વેદાન્ત માર્ગને સુંદર પુષ્ટિ આપેલી. વલ્લભચાર્યના વખતમાં કેવા આચાર હતા કે લોકો મહારાજનાં દર્શન કરે અને મહારાજ લોકોના શુધ્ધાત્માનાં દર્શન કરે. આ તો કાળની વિચિત્રતાને લીધે બધો ફેરફાર થઇ ગયો છે. આ જો મહારાજસાહેબનાં લોકો દર્શન કરે ને સામે મહારાજ જો લોકોના આત્માનાં દર્શન ના કરે તો મહારાજ પોતે લૂંટાઇ જાય ! હવે આ વાત કોને સમજાય ? હવે કાળ પૂરો થવા આવ્યો છે. હવે બધાં જ રિલેટિવ ધર્મો ટોપ ઉપર આવશે. અમે બધા જ અપસેટ થઇ ગયેલા રિલેટિવ ધર્મોને ફરીથી અપસેટ કરી નાખીશું, એટલે શું થશે ? સેટઅપ થઇ જશે ! મર્યાદા એટલે અંશધર્મ; લિમિટેડ ધર્મ, તે પાળે તો સારો, પણ આ તો આખો દહાડો ક્લેશ કરે છે. વૈકુંઠ એટલે... કૃષ્ણ ભગવાન કહે છે કે વૈકુંઠમાં તેડી જઈશ. કૃષ્ણ ભગવાનની ભક્તિથી વૈકુંઠમાં ચિત્ત જાય. ત્યાર પછી કરવું ના પડે કશું. એટલે વૃત્તિઓ જ ઊભી ના થાય કશી. કુંઠિત થઈ ગયેલી હોય બધી અને ત્યાર પછી જ મોઢા પર ટેન્શનરહિત હાસ્ય આવે નહીં તો ટેન્શન જ ખેંચ્યા કરતું હોય. વૃત્તિઓ બધી જ્યાં જાય ત્યાં ટેન્શન કરે. સાચો બ્રહ્મસંબંધ ! પ્રશ્નકર્તા : આ બ્રહ્મસંબંધ કરાવે છે એ શું છે ? દાદાશ્રી : બ્રહ્મરસ ઝરે ત્યારે લગની લાગે ને ત્યારે બ્રહ્મસંબંધ થાય. 'પોતાનું સ્વરૂપ' સમજાય તે ખરો બ્રહ્મસંબંધ થયો કહેવાય. એક ક્ષણ પણ સ્વરૂપ ભૂલાય નહીં તે બ્રહ્મસંબંધ, પછી એકુંય ચિંતા ના થાય. આ અમે 'સ્વરૂપનું જ્ઞાન' આપીએ છીએ ત્યારે પછી તમને શુધ્ધાત્માનું નિરંતર લક્ષ રહે છે, તે તમે ખરો બ્રહ્મસંબંધ પામ્યા કહેવાય ! બાકી, કંઠી તો સામાન્ય મર્યાદા કહેવાય. આજે ખરો બ્રહ્મસંબંધ એકુંય માર્ગમાં રહ્યો જ નથી. અરે, જેના પોતાના જ બ્રહ્મસંબંધનું ઠેકાણું ના હોય એ બીજાનો બ્રહ્મસંબંધ શી રીતે કરાવી શકે ? 'પોતે' પરમાત્મા છે, પણ જ્યાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અમે વૈષ્ણવ ને અમે જૈન છીએ કરે અને પછી વૈષ્ણવ હ્રદયમાં કૃષ્ણને ધારે, પણ મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ ધારણા કહેવાય. 'મૂળ વસ્તુ' પોતાનું સ્વરૂપ, એ પ્રાપ્ત થાય, તે બ્રહ્મસંબંધ છે. બ્રહ્મસંબંધ કોને કહેવાય ? લગની લાગે પછી ક્યારેય પણ ભૂલાય નહીં તે બ્રહ્મસંબંધ. એટલે આત્મા સાથે સંબંધ બાંધી આપે, એનું નામ બ્રહ્મસંબંધ. 'જ્ઞાની પુરુષ' જગતમાંથી તમારી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડે ને તમને બ્રહ્મનિષ્ઠ બનાવી આપે ! આમાં તો આત્મા અને અનાત્માને ગુણધર્મથી છૂટા પાડવાના છે. અનંત અવતારથી આત્મા અને અનાત્મા ભ્રાંતિરસથી ભેગા થયા છે. 'જ્ઞાની પુરુષ' તમારાં પાપો બાળી મૂકે ત્યારે તો તમને 'સ્વરૂપ'નું લક્ષ રહે, તે વગર લક્ષ કેમ રહે? કૃષ્ણ એ વાસુદેવ નારાયણ છે. લોકોનું કલ્યાણ કરવા માટે રહ્યા છે. એમને પોતાને બહુ મોટું કલ્યાણ કરવું છે એટલે એક અવતાર કરીને પછી જશે અને રામને તો એવી ઇચ્છા ન હતી. રામને તો મોક્ષે જ જવું હતું ! કૃષ્ણ ભગવાને તો નિયાણું કર્યું હતું કે આખું જગત મને પૂજે. અને બધાનું કલ્યાણ કરી અને પછી જવાના, એટલે એ તીર્થંકર થવાના છે. કૃષ્ણ તીર્થંકર છે, દેવકી તીર્થંકર છે ને બળદેવ, એ ત્રણેય તીર્થંકર થવાના છે અને ચોથા, રાવણ પણ તીર્થંકર થવાના છે. આ ડિસાઈડેડ (નક્કી) થઈ ગયેલું છે. નામ-બામ બધું ડિસાઈડેડ થઈ ગયું. કયા નંબરના તીર્થંકર થવાના છે, એ ય ડિસાઈડેડ થયેલું છે. ચિંતા અને અહંકાર ! શ્રીકૃષ્ણ કહે છે : 'જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.' ત્યારે આ શું કહે છે ખબર છે ? કૃષ્ણ તો કહે, એમને જે કહેવું હોય તે. પણ આ સંસાર ચલાવવાનો, તે ચિંતા કર્યા વગર ઓછું ચાલે ? તે લોકોએ ચિંતાનાં કારખાનાં કાઢ્યાં છે ! એ માલે ય વેચાતો નથી. ક્યાંથી વેચાય ? જ્યાં વેચવા જાય ત્યાં ય તેનું કારખાનું તો હોય જ ને ! આ જગતમાં એક પણ એવો માણસ ખોળી લાવો કે જેને ચિંતા ના થતી હોય. એક બાજુ કહે છે 'શ્રીકૃષ્ણઃ શરણં મમ' ને બીજી બાજુ કહે છે કે, 'હે કૃષ્ણ ! તું મારા શરણે થા.' જો કૃષ્ણનું શરણું લીધું છે, તો પછી ચિંતા શેની ? મહાવીર ભગવાને ય ચિંતા કરવાની ના કહી છે. તેમણે તો એક ચિંતાનું ફળ તિર્યંચ ગતિ કહ્યું છે. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. 'હું જ આ બધું ચલાવું છું.' એમ જબરજસ્ત રહ્યા કરે ને તેના ફળ રૂપે ચિંતા ઊભી થાય. ભગવાનનો સાચો ભક્ત તો ચિંતા થાય તો ભગવાનને ય ટૈડકાવે. તમે ના કહો છો ને મને ચિંતા કેમ થાય છે ? જે ભગવાનને વઢતો નથી તે સાચો ભક્ત નથી. જો કંઈ ઉપાધિ આવે તો તમારા મહીં ભગવાન બેઠેલો છે તેમને ભાંડજો, દબડાવજો. ભગવાનને પણ ટૈડકાવે તે સાચો પ્રેમ કહેવાય. આજે તો આ ભગવાનનો સાચો ભક્ત જડવો ય મુશ્કેલ છે. સહુ પોતપોતાના ઘાટમાં ફરે છે. પ્રાપ્તને ભોગવો... કૃષ્ણ તો કેટલું કેટલું કહી ગયા કે, 'પ્રાપ્તને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરીશ.' અત્યારે આ જમવાનો થાળ સામે આવ્યો છે, એ પ્રાપ્ત સંયોગ છે, ત્યારે એને નહીં ભોગવતાં. શેઠ ગયા હોય કારખાનામાં ને અહીં માત્ર ધોકડું જ ખાતું હોય ! હવે આને કૃષ્ણ પણ શું કરે ? કૃષ્ણ કહે છે કે, 'એક બાજુ મને હિંડોળે બેસાડે છે ને બીજી બાજુ મારી જીભ ઉપર પગ મૂકે છે આ બધા વૈષ્ણવો ! મારો એકુંય શબ્દ પાળતા નથી.' તમને કેમ લાગે છે ? મારી વાત બરોબર છે ને ? તમે જ કહો કે ચિંતા કરો છો કે નથી કરતા ? દર્શન, રિલેટિવ ને રિયલ ! જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા. ભક્ત ને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય. કૃષ્ણ ભગવાનને તો કોઇ ઓળખી જ શક્યું નથી. કોઇએ વાંસળીવાળો, તો કોઇએ ગોપીઓવાળો વગેરે વગેરે કૃષ્ણ ભગવાનને બનાવ્યા. અલિયો વ્હોરાજી છબીઓ વેચે ને આપણે ખરીદીએ ને તેને ભજીએ, આ બધો વેપાર છે ! કૃષ્ણ ભગવાન એવાં ના હોય, તમે જેવા કલ્પો છો તેવાં તે નથી. મૂર્તનાં દર્શન કરવાથી મૂર્ત થવાય અને અમૂર્તને ભજવાથી અમૂર્ત થવાય, એનાથી મોક્ષ મળે. આ કૃષ્ણ ભગવાનના ફોટાનાં દર્શન કરીએ તો તે 'રિલેટિવ'ને પહોંચે. 'અહીં' પગે લાગે, તે તેના આત્માને જ 'ડાયરેક્ટ' પહોંચે. કારણ કે વીતરાગ સ્વીકાર ના કરે ને ? હંમેશાં 'રિલેટિવ' ને 'રિયલ' બેઉ દર્શન હોય, ત્યાં જ મોક્ષ છે. નિયમથી જ દરેક વસ્તુના બે ભાગ હોય છે : 'રિલેટિવ' ને 'રિયલ'. ફોટાનાં દર્શન કરતાં 'રિલેટિવ'ની ટપાલ તો કૃષ્ણ ભગવાનને પહોંચે અને 'રિયલ'માં આપણા આત્માની જ ભક્તિ થાય છે. શ્રી શિવ ભગવાન શિવની ઓળખાણ ! પ્રશ્નકર્તા : શિવની ઓળખાણ શી છે ? શિવ ક્યાં છે ? દાદાશ્રી : કલ્યાણ સ્વરૂપ થયેલો હોય, તે પુરુષ શિવ કહેવાય. છે પોતે શિવ, પણ ભ્રાંતિમાં જીવ ! પ્રશ્નકર્તા : બ્રહ્મને જીવ કેમ થવું પડ્યું ? દાદાશ્રી : તમે તો શિવ છો ! પણ તમને 'હું' શિવ નથી એવી ખાતરી થઈ ગઈ છે, ભ્રાંતિ પડી ગઈ છે તમને. 'હું' ચંદુભાઈ છું' એવું તમે માનો છો. આ લોકોએ નામ આપ્યું એટલે આપણે માની લેવાનું ? તમે શિવ જ છો, પણ જીવ-શિવનો ભેદ સમજાય તો ને ? પ્રશ્નકર્તા : પછી અદ્વૈત થયું ને ? દાદાશ્રી : જીવ-શિવનો ભેદ ના રહ્યો, એટલે પછી અદ્વૈત થાય. જીવ-શિવ એકરૂપ ભાસ્યા એ અદ્વૈત ! જીવ જુદો ને શિવ જુદો એ ભ્રાંતિ છે ! પ્રશ્નકર્તા : પણ આત્મા તો શિવ હોત, તે જીવ કઈ રીતે થયો ? દાદાશ્રી : આ ઊંધી માન્યતાથી, 'રોંગ બિલિફથી'થી જીવ થઈ ગયો છે. જ્ઞાની પુરુષ આ 'રોંગ બિલિફો' ફ્રેકચર કરી આપે અને પછી 'રાઈટ બિલિફ' બેસાડી આપે. 'રાઈટ બિલિફ' બેસાડી આપે એટલે 'પોતે' 'આત્મા' જ થઈ જાય પાછો, શિવ સ્વરૂપે થઈ જાય. જીવને શિવ થવામાં વાર નથી લાગતી. છે જ પોતે શિવ ! પણ એને આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, એટેલે 'રોંગ બિલિફ' બધી બેસી ગઈ છે. એ 'બિલિફ' બદલાય અને 'રાઈટ બિલિફ' બેઠી કે 'પઝલ સૉલ્વ' થઈ જાય. પ્રાકૃત ગુણને મજબૂત કરવા અર્થે... પ્રશ્નકર્તા : પણ શાસ્ત્રમાં વર્ણન આવે છે એ બધું બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ તો એ બધું શું છે ? દાદાશ્રી : એ તો પ્રકૃતિને મજબૂત કરવા માટે આ મૂર્તિઓ મૂકેલી છે. વિષ્ણુ રજોગુણી છે, મહેશ તમોગુણી છે અને બ્રહ્મા સત્ત્વગુણી છે. એ ત્રણેય ગુણોને મજબૂત કરવા માટે આપણા લોકોએ મૂર્તિઓ સ્થાપી છે. એટલે આમની પૂજા કરવાથી આ ગુણ મજબૂત થાય પણ એ ગુણો પાછાં ધીમે ધીમે નાશ થાય. અને મહાદેવજી એ તો ત્રિગુણને માટે છે. ત્રણ ગુણો દબાવવા માટે. સત્ત્વ, રજસ્ અને તમો ગુણ. સત્ત્વગુણ છે તે બ્રહ્મા ! સત્ત્વગુણ કોને કહેવાય ? સાધુ-સંતો જે ભગવાનને માર્ગે વળ્યા હોય, એ બધા સત્ત્વગુણમાં. અને રજોગુણી કોને કહેવાય ? આખો દ |
|---|