|
ઋણાનુબંધથી છૂટવા માટે પ્રતિક્રમણ ! સંપાદકીય આ સંસારના બંધનો ગમતા નથી, છતાં છૂટાતું પણ નથી, ત્યાં શાંતિનો ઉપાય શો ? આ સંસાર જંજાળ એ માછલાની જાળ જેવી નથી કે કાપી કપાય ? એ તો જ્ઞાનીઓ એના બંધનના કારણો જાણે અને મુક્તિના કારણો પણ જાણે. જેવી રીતે આ જંજાળમાં પેઠા, તેની પ્રતિક્રિયાથી આ જંજાળમાંથી છૂટાય. સંસારની વ્યક્તિઓ સાથે ઋણાનુબંધ બંધાયો છે રાગ-દ્વેષરૂપી દોષોના અતિક્રમણથી. ત્યારે આ સંબંધોથી છૂટવા માટે સમભાવ અને પ્રતિક્રમણ જોઈશે. આ સંસારની વિચિત્રતા છે, જે વ્યક્તિ આપણને 'ગમે' તે વ્યક્તિ જોડે રાગ થાય, 'ના ગમે' તે વ્યક્તિ જોડે દ્વેષ થાય અને રાગનો અતિરેક થાય, પ્રમાણથી રાગ વધ્યો તો ત્યાં જ દ્વેષ થાય. એટલે ગમતી વ્યક્તિ જ પાછી ના ગમતી થાય. એટલે આજે જે વ્યક્તિનો સહવાસ ગમતો જ ના હોય અને છતાં સહવાસમાં ફરજિયાત રહેવું પડતું હોય, તે માટે દાદાશ્રી કહે છે, ત્યાં પૂર્વભવના અતિક્રમણના ફળથી આ ભેગાં થયા છે. તો બાહ્ય વ્યવહાર એની જોડે રહેવા દઈ અંદર એના માટે દિલથી ખૂબ ખૂબ પ્રતિક્રમણ કરીએ તો હિસાબ ચોખ્ખો થઈ જાય, તો પછી ફરી ભેગાં નહીં થાય. જેમ ટપાલ અને ટિકિટ વચ્ચે બંધન ગુંદરથી છે. ટિકિટને ઉખેડી નાખવી હોય તો ટિકિટને અડ્યા સિવાય ગુંદરને ઓગાળવાનો ઉપાય કરવો પડે. વરાળમાં ભીનું કરો, પાણી ચોપડો. ગુંદર નરમ પડી જશે તેમ તેમ ટિકિટ ટપાલથી છૂટી પડી જશે. તેવી રીતે જે વ્યક્તિ દીઠી ગમે જ નહીં, કાયમ અભાવ-તિરસ્કાર થયા કરે. તે વ્યક્તિને કશું જ કર્યા વિના પ્રતિક્રમણ કર્યા કરવાથી ગુંદર રૂપી મોહ-રાગ-દ્વેષ ઓગળી જશેને. પેલી વ્યક્તિના ઋણાનુબંધથી છૂટી જવાશે. એના હિસાબમાંથી છૂટયા નથી ત્યાં સુધી સમભાવ ગોઠવ્યે જવાનો ને જેટલા અવળા વિચાર, વાણી કે વર્તન થઈ જાય તેના પ્રતિક્રમણ કર્યે જવાનું, તો અંતે છૂટી જવાશે. બીજી બાજુ, કોઈને આપણી માટે જબરજસ્ત દ્વેષ-અભાવ રહ્યા કરતો હોય તો શું કરવું ? ત્યાં આધ્યાત્મિક રહસ્ય ખુલ્લું પાડતા દાદાશ્રી જણાવે છે કે વાવમાં બોલીએ, 'તુંુ ચોર છે' તો પડઘો પડશે કે તું ચોર છે. તો સામી વ્યક્તિનો વ્યવહાર તે આપણે કરેલા દોષોના પડઘા છે, તેમાં કોનો દોષ કાઢવો ? ત્યાં સામાનો દોષ કાઢીએ તો પાછું આવતે ભવ બગડે. માટે ત્યાં પોતાની ભૂલનું પરિણામ છે એમ સ્વીકારી પ્રતિક્રમણ કર્યેથી ઉકેલ આવે. બધાં જ્ઞાનીઓને આ જ ઉપાય જડેલો, સંસારની વ્યક્તિઓના ઋણાનુબંધથી છૂટવા માટે પોતાની ભૂલોના પ્રતિક્રમણ કર્યા કરવા, બીજો ઉપાય નથી ! આ સઘળી વિગતો અહીં દાદાશ્રીની વાણીમાં પ્રગટ થઈ છે, જે અત્રે પ્રસ્તુત સંકલનમાં સંકલિત થઈ છે, જે ઋણાનુબંધના હિસાબ ચોખ્ખા થવા અર્થે મુમુક્ષુને ઉપયોગી નિવડશે ! દીપકના જય સચ્ચિદાનંદ ઋણાનુબંધથી છૂટવાં માટે પ્રતિક્રમણ ! ઋણાનુબંધથી છૂટવા માટે ! પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણને જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય અને છતાં સહવાસમાં રહેવું પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ ? કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામનાં પ્રતિક્રમણ કરવાં જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું, તેનું આ પરિણામ છે. કૉઝિઝ શું કર્યા'તાં ? ત્યારે કહે, એની જોડે પૂર્વભવમાં અતિક્રમણ કર્યું'તું. તે અતિક્રમણનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો પ્લસ-માઇનસ (વત્તા-ઓછા) થઈ જાય. એટલે અંદર તમે એની માફી માંગી લો. માફી માંગ માંગ કર્યા કરો કોઈ પણ ભગવાનની સાક્ષીએ, કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું. તો બધું ખલાસ થઈ જશે. સહવાસ નહીં ગમે તો પછી શું થાય ? કોઈ પુરુષને સ્ત્રી ના ગમતી હોય તો એને બહુ દોષિત જો જો કરે, એટલે તિરસ્કાર છૂટે. એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો આપણને ભય લાગે. એને દેખો કે ગભરામણ થાય. એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે માફી માંગ માંગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માંગ માંગ કરો, એના નામની. જેના તરફ જે જે દોષ કર્યા હોય, હે ભગવાન ! હું ક્ષમા માગું છું. તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર તમે માફી માંગ માંગ કરો તો બધું ધોવાઈ જશે. ત્યાં દાદા દેખાડે પ્રતિક્રમણનો માર્ગ ! આ તો નાટક છે. નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે 'આ મારો મોટો દીકરો, શતાયુ.' પણ બધું ઉપલક, નાટકીય. આ બધાને સાચા માન્યા તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ અને દ્વેષ શરૂ થઈ જાય અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ 'દાદા' દેખાડે છે તે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે. પ્રશ્નકર્તા : ક્યારેક તો મન દુઃખી થઈ જાય કે, એમણે ય જ્ઞાન લીધું છે, આપણે ય જ્ઞાન લીધું છે, તો આવું કેમ થાય છે ? દાદાશ્રી : આ તો બધા કર્મના ઉદયો છે, એમાં આપણે પ્રતિક્રમણ કરવું. આ તો કર્મના ઉદયો છે, તે ધક્કો લાગ્યા વગર રહે નહીં. એમની ઇચ્છા એવી ના હોય, છતાંય બધા કર્મના ધક્કા વાગ્યા કરે. કર્મ તો ભોગવ્યે જ છૂટકો ને ! પ્રશ્નકર્તા : મને એમ થાય કે, 'એમનું' સારું કરું પણ મારાથી બગડી જ જાય અને હું ખોટી ઠરીને ઊભી રહું. દાદાશ્રી : વાંધો શું છે પણ એ ! એનો વાંધો શું છે ? બન્યું એ કરેક્ટ. જેને સારું કરવું છે, એને કોઈ ડર રાખવાની જરૂર નથી. જેને ખરાબ કરવું છે એ ગમે એટલો ડર ના રાખે તો એનો ભલીવાર આવવાનો નથી. એટલે આપણે સારું કરવું છે એમ નક્કી રાખવાનું. પ્રશ્નકર્તા : પહેલાં મને બહુ ડર લાગતો હતો. હવે ડર નથી લાગતો. દાદાશ્રી : પણ આવી વાતો ય કરવાની જરૂર નહીં. એમને ખરાબ લાગીને ઘેર ગયાં હોય તો, એ આપણે પ્રતિક્રમણ કરવું. બીજે દહાડે આવશે, તો રાજી થઈ જશે. આ બધા રિલેટિવ સંબંધો છે ને ! રિયલ સંબંધ નથી. પ્રતિક્રમણ ના થાય તો ફાટી જાય. પ્રતિક્રમણનો અર્થ શું ? સાંધવું. સામો માણસ ફાડે ને આપણે સાંધીએ તો એ લૂગડું ટકે. પણ સામો ફાડે ને આપણે ફાડીએ તો શું રહે ? પ્રશ્નકર્તા : મારા પતિ મારાથી જુદાં રહે છે, છોકરાઓ પણ લઈ ગયા છે, તે મારા કર્મમાં તેમ હશે ત્યારે થયું હશેને ? દાદાશ્રી : હાસ્તો, બીજું શું ?! નવું તો થાય નહીં ને કશું. અને એનાં પ્રતિક્રમણ ના કર્યાં, તેને લઈને આ આવું થયું. પ્રતિક્રમણ કરવાથી પાછું ફરે. રાગમાંથી દ્વેષ ને દ્વેષમાંથી રાગ ! પ્રશ્નકર્તા : અકારણ કોઈનો ડંખ હોય, અકારણ કોઈ દ્વેષ કરે, અકારણ કોઈ કપટ કર્યા કરતું હોય, તો એનો અર્થ એ કે કો'ક જન્મમાં આપણે એના માટે રાગ-દ્વેષનો હિસાબ બાંધ્યો છે ? દાદાશ્રી : હા. આપણે જ આ હિસાબ કર્યો છે. તેનું જ આ રિએક્શન (પ્રતિક્રિયા) છે. પ્રશ્નકર્તા : તો એ આપણો કયો હિસાબ હોય ? આપણા રાગનો કે દ્વેષનો ? દાદાશ્રી : કપટ એ બધું રાગમાં આવી જાય અને અહંકાર ને ક્રોધ એના અંગેનું હોય એ બધાં દ્વેષમાં જાય. પેલું રાગમાં જાય, કપટ ને લોભ. લોભની ઇચ્છાઓ થયેલી હોય એ બધું રાગમાં જાય. હું શું કહેવા માગું છું એ પહોંચે છે ? પ્રશ્નકર્તા : હા, પહોંચે છે. દાદાશ્રી : આ રાગ કયો ? ત્યારે કહે, લોભ અને કપટ. અને માન અને ક્રોધ એ દ્વેષમાં કહેવાય. એટલે કોઈ કપટ કરતું હોય તો તે રાગમાં ગયો, રાગવાળો, જેની જોડે આપણે રાગ હોય ને એ કપટ કર્યા કરે. રાગ વગર તો લાઈફ જ કોઈની ગયેલી નહીં. જ્યાં સુધી જ્ઞાન મળે નહીં, ત્યાં સુધી રાગ ને દ્વેષ - બે જ કર્યા કરે છે. ત્રીજી વસ્તુ જ ના હોય. પ્રશ્નકર્તા : પણ દાદા, દ્વેષ એ તો રાગનું જ ફરજન્દ છેને ? દાદાશ્રી : હા. એ ફરજન્દ તેનું છે, પણ એનું પરિણામ છે. ફરજન્દ એટલે એનું પરિણામ છે એ રાગ બહુ થયોને ! જેના પર રાગ કરીએને, તે એક્સેસ (વધુ પડતો) વધી જાય, એટલે એની પર દ્વેષ થાય પાછો. કોઈ પણ વસ્તુ એને પ્રમાણની બહાર જાયને એટલે આપણને ના ગમતી થાય અને ના ગમતી હોય એનું નામ દ્વેષ. સમજમાં આવ્યું ? પ્રશ્નકર્તા : હા, સમજમાં આવ્યું. દાદાશ્રી : એ તો આપણે સમજી લેવાનું કે, આપણા જ રિએક્શન આવ્યાં છે બધાં ! આપણે એને માનથી બોલાવીએ અને આપણને એમ થાય કે એનું મોઢું ચઢેલું દેખાય, એટલે આપણે જાણવું કે આપણું આ રિએક્શન છે. એટલે શું કરવું ? પ્રતિક્રમણ કરવા. બીજો ઉપાય નથી જગતમાં. ત્યારે આ જગતના લોકો શું કરે ? એની પર પાછું મોઢું ચડાવે ! એટલે ફરી હતું એવું ને એવું જ ઊભું કરે પછી. આપણે શુધ્ધાત્મા થયા એટલે અટાવી-પટાવીને આપણી ભૂલ એક્સેપ્ટ (સ્વીકાર) કરીને પણ ઊંચું મૂકી દેવું જોઈએ. અમે તો જ્ઞાની પુરુષ થઈને બધી ભૂલો એક્સેપ્ટ કરીને આમ કેસ ઊંચો મૂકી દઈએ. ના ભાવતું, નિકાલ કરો સમભાવથી ! ઘરમાં દાળ જરા વધારે તીખી થયેલી હોય એટલે આપણે બૂમ પાડીએ કે, 'આ દાળ બગાડી છે ને આમ છે ને તેમ છે.' એમ બૂમ પાડીએ. પછી આપણને ખબર પડે કે, આ તો આપણી ભૂલ થઈ. આ ફાઈલનો સમભાવે નિકાલ ના કર્યો. ફાઈલનો સમભાવે નિકાલ કરવો એટલે શું ? આપણે દાળને ઓછી લઈને, ગમે તેમ કરીને ઉકેલ લાવવાનો, વ્યવહારિક રીતે. નહીં તો પછી આપણે પ્રતિક્રમણ કરવું પડે. એવો દોષ દેખાય છે ખરોને તરત ? પ્રશ્નકર્તા : તરત ખ્યાલ આવી જાય. ઋણાનુબંધી સાથે જ ટકરામણ ! પ્રશ્નકર્તા : જેની સાથે કંઈ ઋણાનુબંધ હોય એની જ સાથે ટકરાઈ જવાયને ? બીજા કોઈ સાથે ના ટકરાવાયને ? દાદાશ્રી : એ તો પહેલાના હિસાબ હોયને, ત્યાં જ ટકરાવાય. પ્રશ્નકર્તા : મારે હવે કોઈની સાથે ના ટકરાવાય. બધે સાચવી લઉં પણ આમની સાથે છ-આઠ મહિને, જો કે હવે બહુ ઓછું થઈ ગયું છે, પણ એમની સાથે આંતરિક તપ ના થાય, કહેવાઈ જ જાય. દાદાશ્રી : તે વાંધો નહીં. એ તો તારે નિકાલ કર્યે જ છૂટકોને ! એમણે નિકાલ કરવો, પછી તમારે નિકાલ કરવો. ત્યાં જ ટકરામણ થઈ એટલે ભૂલ તો એક જણની નહીં કહેવાય. બે જણની જ ભૂલ હોય, કોઈકની ચાલીસ ટકાવાળી, કોઈની સાઠ ટકાવાળી, કોઈકની ત્રીસ ટકાવાળી, પછી એંસી ટકા, સિત્તેર ટકા હોય. એ બેની કંઈક ભૂલ હોવી જોઈએ. પ્રશ્નકર્તા : અને પછી સમાધાન તો આવી જાય, બે-પાંચ મિનિટમાં. દાદાશ્રી : એ આવી જાય. પ્રશ્નકર્તા : પણ ત્યારે પેલું પરાક્રમ જો વપરાઈ જાય અને સંજોગ સાચવી લઈએ તો આનંદ થાય. પણ હજુ એ સચવાય નહીં. દાદાશ્રી : પણ એટલે એ ધીમે ધીમે જાગૃતિ એવી રાખીને કરવાનું. તમે જેમ મારી જોડે રહોને, તેમ તેમ એ ફેરફાર થતો જાય. મારો એક જ શબ્દ તમોને કાનમાં પડેને, તો એ શબ્દ જ કામ કર્યા કરે. પ્રશ્નકર્તા : પેલી કહેવત છેને, અણી ચૂક્યો સો વર્ષ જીવે. એવી રીતે અમારામાં જે કષાયો ઉત્પન્ન થાય. એના પર જો કાબુ આવી જાય તો કેટલું બધું જીતી જઈએ ! દાદાશ્રી : એવું છે ને, કાબુ એટલે શું કહેવાય ? આપણે ધારીએ ત્યારે કરી શકીએ. આપણું જ્ઞાન આપણને જડ્યું તો આ મૂઆ કંટ્રોલમાં જ હોય, જ્ઞાન જ કામ કરે. એટલે સૌથી સારામાં સારો એનો ઉપાય કે, 'ચંદુલાલ, કેમ છે, કેમ નહીં ?' એ વાતો કરવા જેવી, એ જ ઉપાય !!! શું કહેવું જોઈએ ?! પ્રશ્નકર્તા : એની સાથે નિરંતર વાતો કરીએ અને કહે કહે કરવું જોઈએ કે આ સારું ના કહેવાય. અણી કેમ ચૂકી જાવ છો ? દાદાશ્રી : એવું કહેવાય. એ તો બધું કહેવાય. પછી ફરી પાછા ચૂકી જાય, તો પાછું કહેવાનું ને પ્રતિક્રમણ કરવાનું. પ્રત્યાખ્યાને ય કરવું જ પડે. નહીં તો પછી આ ખરું હતું એવું માની લે. તો ત્રણ અવતારે મોક્ષની ગેરન્ટી ! અથડામણ ના થાય, તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરન્ટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ, પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા, એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે, 'એણે મને આમ કહ્યું, તેમ કહ્યું,' એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતાં નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. 'જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે, આ બિચારા સમજતા નથી, ઝાડ જેવાં છે. અને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે. અહિંસા તો પૂરેપૂરી સમજાય એવી નથી અને પૂરી રીતે સમજવી બહુ ભારે છે. એના કરતાં આવું પકડ્યું હોય કે, 'ઘર્ષણમાં ક્યારેય ન આવવું.' એટલે પછી શું થાય કે, શક્તિઓ અનામત રહ્યા કરે ને દહાડે દહાડે શક્તિઓ વધ્યા જ કરે. પછી ઘર્ષણથી થતી ખોટ ના જાય ! વખતે ઘર્ષણ થઈ જાય તો ઘર્ષણની પાછળ આપણે પ્રતિક્રમણ કરીએ તો ભૂંસાઈ જાય. આ સમજવું જોઈએ કે, અહીં આગળ ઘર્ષણ થઈ જાય છે, તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ, નહીં તો બહુ જોખમદારી છે. આ જ્ઞાનથી મોક્ષે તો જશો પણ ઘર્ષણથી મોક્ષે જતાં વાંધા બહુ આવે ને મોડું થાય ! આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષે ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે ત્યાં આગળ પ્રતિક્રમણ કરો. એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય. પ્રતિક્રમણથી અથડામણનો અંત ! પ્રશ્નકર્તા : આપણું વાક્ય છે કે 'અથડામણ ટાળો'. એ વાક્યનું આરાધન કરતો જાય તો ઠેઠ મોક્ષે પહોંચાડે. એમાં સ્થૂળ અથડામણ પછી ધીમે ધીમે વધતો વધતો સૂક્ષ્મ અથડામણ, સૂક્ષ્મતર અથડામણ ટાળો. દાદાશ્રી : જેમ જેમ આગળ જાયને, તો એની સૂઝ પડતી જ જાય, એની મેળે. કોઈને શીખવાડવું ના પડે. એની મેળે જ આવડે. એ શબ્દ જ એવો છે કે, એ ઠેઠ મોક્ષે લઈ જાય. બીજું 'ભોગવે એની ભૂલ' એ પણ મોક્ષે લઈ જાય. આ એક એક શબ્દ મોક્ષે લઈ જાય, એની ગેરન્ટી આપણી. પ્રશ્નકર્તા : તો એ સ્થૂળ અથડામણનો દાખલો આપ્યો, પેલો સાપનો, થાંભલાનો કીધો, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એના દાખલા આપોને ! સૂક્ષ્મ અથડામણ કેવી હોય ? દાદાશ્રી : તારે ફાધર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : એટલે કેવી કહેવાય ? દાદાશ્રી : એ મારંમાર કરો છો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : સૂક્ષ્મ એટલે માનસિક ? વાણીથી હોય એ પણ સૂક્ષ્મમાં જાય ? દાદાશ્રી : એ સ્થૂળમાં. જે પેલાને ખબર ના પડે, જે દેખાય નહીં, એ બધું સૂક્ષ્મમાં જાય. પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મ અથડામણ ટાળવાની કેવી રીતે ? દાદાશ્રી : પહેલાં સ્થૂળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ અથડામણ ટાળવાની. પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણો કોને કહેવાય? દાદાશ્રી : તું કો'કને મારતો હોય ને આ ભઈ જ્ઞાનમાં જુએ કે હું શુધ્ધાત્મા છું, આ વ્યવસ્થિત મારે છે. તે બધું જુએ પણ મનથી તરત સ્હેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા : ફરીથી કહો, સમજાયું નહીં બરાબર. દાદાશ્રી : આ તું બધા લોકોના દોષ જોઉં છું ને, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા : એટલે બીજાના દોષ જોવા, એ સૂક્ષ્મતર અથડામણ. દાદાશ્રી : એવું નહીં, પોતે નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે જ નહીં અને છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણો. એ દોષ તને દેખાવા જોઈએ. કારણ કે એ છે તે શુધ્ધાત્મા છે અને દોષ જુદો છે. પ્રશ્નકર્તા : દોષ જુએ છે એ કોણ જુએ છે ? દાદાશ્રી : દોષ જોનારા. પ્રશ્નકર્તા : પણ એ મનનું સ્થાન ત્યાં નથી. માનસિક સ્તરે નથી એ વસ્તુ. દાદાશ્રી : એ ગમે તે સ્તર છે પણ દોષ જુએ છે. પ્રશ્નકર્તા : તો એ જે માનસિક અથડામણ કીધી તે ? દાદાશ્રી : એ તો બધું સૂક્ષ્મમાં ગયું. પ્રશ્નકર્તા : તો આ બે વચ્ચે ફેર ક્યાં પડે છે? દાદાશ્રી : આ મનની ઉપરની વાત છે આ તો. પ્રશ્નકર્તા : માનસિક અથડામણ અને જે દોષો... દાદાશ્રી : એ માનસિક નથી. પ્રશ્નકર્તા : એટલે આ સૂક્ષ્મતર અથડામણ છે તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે હોય ને ? દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય અને સૂક્ષ્મતર જુદું હોય. સૂક્ષ્મતર એટલે તો છેલ્લી વાત. પ્રશ્નકર્તા : એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી કે, ચંદુલાલ જોડે તન્મયાકાર થવું એ સૂક્ષ્મતમ અથડામણ કહેવાય. દાદાશ્રી : હા. સૂક્ષ્મતમ અથડામણ ! એને ટાળવી. ભૂલથી તન્મયાકાર થયું ને પછી ખબર પડે છે ને કે, આ ભૂલ થઈ ગઈ. પ્રશ્નકર્તા : હવે કેવળ શુધ્ધાત્મા તત્ત્વ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે ખપતી નથી છતાં પણ આ ચંદુભાઈને તન્મયાકારપણું અવારનવાર રહે છે. એટલે એ સૂક્ષ્મતર અથડામણ થઈને ? દાદાશ્રી : એ તો સૂક્ષ્મતમ કહેવાય. પ્રશ્નકર્તા : એક ભાવના એવી છે કે, એક શુધ્ધાત્મા તત્ત્વ સિવાય અને દાદાની પાંચ આજ્ઞા સિવાય બીજી કોઈ વસ્તુમાં કંઈ જ ઇચ્છા નથી. દાદાશ્રી : આ તો મુખ્ય વસ્તુ જ હોયને બધાને. એટલે ધીમે ધીમે શું કરતાં જવાનું છે કે એ દેખાવું જોઈએ એને. પ્રશ્નકર્તા : દેખાય છે એ, કે આપણે આ ત્રીજી આજ્ઞાનો ભંગ થયો, બીજી આજ્ઞાનો ભંગ થયો, એવું રીતસર દેખાય છે. દાદાશ્રી : હા. રીતસર દેખાય. બરાબર છે. પ્રશ્નકર્તા : એ ભંગ થયો એ અથડામણ થઈ કહેવાય ? દાદાશ્રી : એ તો ફાઈલ ફરી તપાસવાની જરૂર છે. પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણની વાત કરી કે, સામાવાળો આપણા અભિપ્રાયમાં નિર્દોષ જ છે છતાં દોષિત ઠરાવાઈ જાય છે. એટલે એની સાથે સૂક્ષ્મતર અથડામણ થઈ જાય છે ને ? દાદાશ્રી : દોષિત ઠરાવાઈ જાય છે. એ ગુનો લાગુ થાય છે ને ? પ્રશ્નકર્તા : એમાં થોડેઘણે અંશે તન્મયાકાર થયો અને પાછાં આવી ગયા. દાદાશ્રી : પાછાં આવી જાય. પ્રશ્નકર્તા : તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કોઈ છે ? દાદાશ્રી : બીજું કોઈ હથિયાર છે જ નહીં. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ આપણી નવ કલમો, એ ય પ્રતિક્રમણ જ છે. બીજું કોઈ હથિયાર નથી. આ પ્રતિક્રમણ સિવાય બીજું કોઈ સાધન નથી. ઊંચામાં ઊંચુ સાધન. કારણ કે અતિક્રમણથી ઊભું થયું છે જગતમાં. પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રતિક્રમણ તો એટલા ઝડપથી થઈ જાય છે, એ જ ક્ષણે ! દાદાશ્રી : હા. એ જ ક્ષણે થઈ જાય. પ્રશ્નકર્તા : આ તો ગજબ છે, દાદા ! દાદાશ્રી : આ ગજબ જ છે ! પ્રશ્નકર્તા : એ દાદાની કૃપા ગજબ છે. દાદાશ્રી : હા, એ ગજબ છે. વસ્તુ સાયન્ટિફિક છે ફક્ત. પ્રતિક્રમણ, ડાઘ ધોવાનો પુરુષાર્થ ! કોઈને કિંચિત્માત્ર દુઃખ ન થવું જોઈએ. આ તો અજાણ્યે પાર વગરનાં દુઃખ થાય છે. સામાને દુઃખ ના થાય એવી રીતે તમે કામ લો. એ ક્રમણ કહેવાય. પણ અતિક્રમણ ક્યારે કહેવાય ? તમારે ઉતાવળ હોય ને અહીં ચા પીવા ગયો હોય, પછી એ આવે કે તરત તમે બૂમાબૂમ કરો કે, ક્યાં ગયો હતો ? નાલાયક છે ને 'આમ-તેમ' કરો તે અતિક્રમણ કર્યું કહેવાય. અને એ સ્વભાવિક થઈ જાય. તેમાં તમારે કંઈ ઇચ્છા નથી હોતી. એ સ્વભાવિક તમારાથી થઈ જાય. અતિક્રમણ થવું એ સ્વભાવિક છે પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. એટલે એ જે કર્યું હોય એ ભૂંસાઈ જાય. પ્રતિક્રમણથી પડેલો ડાઘ તરત ભૂંસાઈ જાય. પ્રતિક્રમણ કર્યે પાછલા અભિપ્રાયથી જુદાપણું ! પ્રશ્નકર્તા : સામા માણસને દુઃખ થયું એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : એ તો એનું મોઢું-બોઢું તરત ખબર પડી જાય. મોઢા ઉપરથી હાસ્ય જતું રહે. એનું મોઢું બગડી જાય. એટલે તરત ખબર પડેને, કે સામાને અસર થઈ છે એવી. ન ખબર પડે ? પ્રશ્નકર્તા : પડે. દાદાશ્રી : માણસમાં તો એટલી શક્તિ હોય જ કે સામાને શું થયું તે ખબર પડે ! પ્રશ્નકર્તા : પણ ઘણાં એવા ડાહ્યા હોય છે કે જે મોઢા ઉપર એક્સ્પ્રેશન (હાવભાવ) ના લાવે. દાદાશ્રી : તો પણ આપણે જાણીએ કે આ શબ્દો ભારે નીકળ્યા છે આપણા. એટલે એને વાગશે તો ખરું. માટે એમ માનીને પ્રતિક્રમણ કરી નાખવું. નીકળ્યું હોય ભારે તો આપણને ના ખબર પડે કે, એને વાગ્યું હશે ?! પ્રશ્નકર્તા : ખબર પડે ને ! દાદાશ્રી : તે ય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાના અભિપ્રાયથી દૂર કરવા માટે છે અને પ્રતિક્રમણથી શું થાય કે, સામાને જે અસર થતી હોય તે ના થાય, બિલકુલે ય ના થાય. મનમાં નક્કી રાખો કે, મારે સમભાવે નિકાલ કરવો છે. તો એની પર અસર પડે તો એનું મન આવું સુધરે અને તમે મનમાં નક્કી કરો કે આને આમ કરી નાખું કે તેમ કરી નાખું. તો એનું મન એવું જ રિએક્શન (પ્રતિક્રિયા) લે. પ્રશ્નકર્તા : એનો અર્થ એમ કે પ્રતિક્રમણ કરતાં રહેવું ને ધીમે ધીમે આપણી ટેવો જતી રહેને બધી ? દાદાશ્રી : પ્રતિક્રમણથી બધું જતું રહે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની પાછળ જેટલો ભાવ વધારે જોરથી હોય એટલું.... દાદાશ્રી : નહીં. સાચા દિલથી હોવું જોઈએ. ભાવથી, શબ્દો એ આવડ્યા કે ના આવડ્યા. એ તો કંઈ નહીં પણ સાચા દિલથી હોવું જોઈએ. આમ કર્મોદયના ફોર્સ ચોખ્ખાં થાય ! પ્રતિક્રમણ કર્યું એટલે હવે આપણો અભિપ્રાય છૂટ્યો આ બાબતનો કે આ જ સાચું છે અને આ ખોટું છે. પ્રશ્નકર્તા : અભિપ્રાય તો મહાત્માઓના તૂટીને ભૂક્કો થઈ ગયા પણ ઉદય આવે ત્યારે હલાવી કાઢે. આ હમણાં એ ભાઈ જે બોલ્યા, એ એમના સ્વભાવથી બહાર બોલાઈ ગયું. દાદાશ્રી : હા. સ્વભાવની બહાર બોલાઈ ગયું, એટલું તમે સમજી ગયાં ને કે આ કર્મના ઉદયે એટલું બધું જોર કર્યું કે પોતે ન બોલે તેવું બોલી ગયાં. એટલે હવે વધારે પસ્તાવો થાય કે આ શું હતું ? ત્યારે કહે, મહીં હજુ મોટો રોગ છે, તે નીકળી જવા દો. અને તે ઘડીએ એને માટે આજ નિરાંત ખોળી કાઢી અને પાંચેક કલાક પશ્ચાતાપ કર કર કરવા. પશ્ચાતાપમાં શું કહેવું પડે ? તમારે ક્યાં જવાનું છે ? શું ભાંજગડ તમારે ? અને વખતે ભાંજગડ થઈ ગઈ તો - 'બન્યું એ કરેક્ટ.' છોડી દેવાનું. ખેંચ રાખી તો માર પડે. તમારી જે પ્રકૃતિ ન્હોતી તે નીકળી ખરી ?! પ્રશ્નકર્તા : કોઈ દહાડો આવું ય કરે નહીં અને ખબર નહીં એ કેમ કર્યું ? દાદાશ્રી : એ જ જોવાનું અને પેલાનો રોગ નીકળવાનો હશે, આમનો રોગ નીકળવાનો હશે તે ભેગું થઈ ગયું ! પ્રશ્નકર્તા : આ તો એમનો ઉદય છે, એ પોતે નથી બોલતાં. દાદાશ્રી : હા. એ પોતે નથી, એનો ઉદય બહુ જોર કરે છે. આપણે પૂછવું કે, તમારી ભાવના આવી હતીને ? ત્યારે કહે, ના. મારી ઇચ્છા આવી નહોતી તો ય થઈ ગયું. તો એ નીકળી ગયું, ધોવાઈ ગયું અને સાફ થઈ ગયાં. ક્લીયર કટ ! એવું છે ને, મન ક્લીયર કરવાનું છે. પ્રતિક્રમણનો પ્રતિસાદ અવશ્ય ! એટલે હું ગેરન્ટી (બાંયધરી) આપું કે બે ખોટ ના ખાય એનું નામ જ્ઞાન. અને બે ખોટ ખાય, તોય મનમાં પાછું એનું પ્રતિક્રમણ કરે તો બે ખોટ ના ખવાય. બે ખોટ ના ખાવી જોઈએ. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ કરે તો માફી થાયને ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો દોષ થયો તે બદલ પ્રતિક્રમણ કરીએ છીએ. દોષ ના થયો તો કંઈ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એ તો એની જોડે હિસાબ આપણો ચૂકતે થઈ ગયો. પણ ઊંધું થયું ના હોય તો કશી લેવા-દેવા નથી. અને જેમ જેમ પ્રતિક્રમણ થશેને, તેમ તેમ બધું હલકું થતું જશે, તે માણસો જોડે. તે માણસો જોડે સંબંધો બિલકુલ ક્લિયર. એક માણસ જોડે તમારે બિલકુલ ફાવતું નથી, તેનું જો તમે આખો દહાડો પ્રતિક્રમણ કરો, બે-ચાર દિવસ સુધી કર્યા કરો તો પાંચમે દહાડે તો તમને ખોળતો આવે અહીંયા. તમારા અતિક્રમણ દોષોથી જ આ બધું અટક્યું છે. અને પ્રતિક્રમણ તો કોઈ કરે નહીં, આ ડાહ્યા માણસો તો પ્રતિક્રમણ કરતા હશે કે ? 'દોષ એનો અને હું શાનો પ્રતિક્રમણ કરું' કહેશે ! પેલાને પૂછીએ કે 'ભઈ, તારે ?' ત્યારે એ કહે, 'એનો દોષ, હું શાનો પ્રતિક્રમણ કરું તે ?' ચાલો નિરાંત થઈ ગઈ, આપણે હિન્દુસ્તાન ને પાકિસ્તાન, બોંબાર્ડિંગ ચાલુ જ રહેવા દોને (!) સામો અપમાન કરે, તેનાંય પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય કે, હું આટલું બધું કરું છું છતાં આ મારું અપમાન કરે છે ? દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર છે. આમાં બધી જાતનાં લોક છે. તે મોક્ષે ના જવા દે. પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે ! જગત કોઈનેય મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. આપણે પ્રતિક્રમણ કરીએ તો તેનાથી આંકડા છૂટી જાય, એટલે મહાવીર ભગવાને આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે, જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. હિસાબ માત્ર ચૂકવવાના જ ! જગત આખું બધું હિસાબ જ છે અને હિસાબને ચૂકવવા માટે આપણે ત્યાં આલોચના- પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન છે. બીજી જગ્યાએ એની પાસે હિસાબ ચૂકવવાનું કંઈ સાધન નથી. આપણે અહીં સાધન છે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. તમે થોડું ઘણું ચૂકવો છો હવે ? હિસાબ જ ચૂકવવાના છેને ? બીજું શું કરવાનું છે ?! કોઈના હાથમાં પજવવાની ય સત્તા નથી ને કોઈના હાથમાં સહન કરવાની ય સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય. બાકી ગમે તેવો ગાંડો માણસ હોય પણ તે આપણાં પ્રતિક્રમણથી ડાહ્યો બની શકે. એ છે આપણાં જ પરિણામ ! પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિ આપણું અહિત કરતું આપણને જણાય ત્યારે તે પરિણામ છે એમ સમજીને, જે થતું હોય તે જોયા કે જાણ્યા કરવું કે રાત્રે સૂતી વખતે પ્રતિક્રમણ કરવું કે રૂબરૂ મળીને રોકડું પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : અહિત કરતું હોય તો અજ્ઞાનીને શું ઉપાય છે કે, એની જોડે બાઝે-લઢે, ગાળો દે, મારંમાર કરે. અજ્ઞાની શું ઉપાય કરે ? આ જ ઉપાય કરેને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ગાળંગાળા કરે, લઢંલઢા કરે, તેથી કંઈ અહિત બંધ થઈ જતું નથી. એ તો હિસાબ લઈને આવ્યા છે, તો એવું થવાનું જ અને આ બધું વધારે કર્યું. તે આવતા ભવને માટે સિલ્લક કરી, એની વટેશ્રી. આવતા ભવની વટેશ્રી બાંધી. એટલે આપણે હવે વટેશ્રી ના કરીએ. કોઈ અહિત કરતો હોય, તેને આપણે જોયા-જાણ્યા કરવું. અહિત એ જે કરે છે એ તો મારું પરિણામ આવ્યું. જેમ પેલી વાવ 'ચોર' આપણને કહે છે, એ એમ કહેવાય કે, વાવ અહિત કરે છે ?! ના, આપણું પરિણામ આવ્યું. કારણ કે એ તરત ને તરત કરે છે ને એટલે આપણને એમ લાગે છે કે આનું પરિણામ આવ્યું. અહીં તો ખબર નથી પડતી. એટલે આમાં એનું પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. કારણ કે એ અહિત કરે છે. આપણે અહિત કરતાં હોય તો આપણે પ્રતિક્રમણ કરવાનું. એ અહિત કરતો હોય તો આપણને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. નિરાંતે જોયા કરો. આપણું કોઈ હિત કરતો હોય તેય આપણું પરિણામ છે અને અહિત કરતો હોય તેય આપણું પરિણામ છે. જગતના લોકો આ બેઉ જગ્યાએ જુદું વર્તે. હિત કરતો હોય તેની પર રાગ અને અહિત કરતો હોય ત્યાં દ્વેષ કરે. તમે તો મારું ખરાબ કરી નાખ્યું ને આમ છે ને તેમ છે. બેઉ રાગ-દ્વેષનાં પરિણામ છે. અને એવું તેવું છે નહીં, અહિત ને હિત કરનારો કોઈ છે જ નહીં, તમારા જ પડઘા છે. બીજું કોઈ છે નહીં. આમાં બહારથી કેવી રીતે આવે ?! વિશ્વાસ પશ્ચાતાપથી પાછો મેળવાય ! પ્રશ્નકર્તા : કોઈ માણસ ઉપરથી આપણને વિશ્વાસ ઊડી ગયો હોય, એણે આપણી જોડે વિશ્વાસઘાત કર્યો હોય અને આપણને વિશ્વાસ ઊડી ગયો હોય, એ વિશ્વાસ પાછો મેળવવા શું કરવું જોઈએ ? દાદાશ્રી : એના માટે જે ખરાબ વિચાર કર્યા હોયને, એનાં છે તે પશ્ચાતાપ કરવાં જોઈએ. વિશ્વાસ ઊડી ગયા પછી આપણે જે જે ખરાબ વિચાર કર્યા હોય, એનો પશ્ચાતાપ લેવો પડે. પછી રાગે પડી જાય. એટલે પ્રતિક્રમણ કરવાં પડે. શંકામાંથી નિઃશંક થવા ખપે પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર કરવી ? દાદાશ્રી : ત્યાં પછી એના શુધ્ધાત્માને સંભારીને ક્ષમા માંગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી તેથી શંકા આવે છે. પ્રશ્નકર્તા : આપણા કર્મના ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાયને ? દાદાશ્રી : ઓછું થાય. અને 'આપણને' ભોગવવું નથી પડતું. 'આપણે' 'ચંદુભાઈ'ને કહીએ 'પ્રતિક્રમણ કરો' એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાયને ! પછી રાગે પડી જશે. આ તો કર્મના ઉદયથી બધા ભેગા થયેલા છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાની ય ફેરવી શકવાના નથી, તો આપણે શા માટે બે ખોટ ખાવી ? પ્રશ્નકર્તા : પેલું બરાબર કહ્યું કે આ જગત પહેલેથી આવું જ છે. દાદાશ્રી : આમાં બીજું છે જ નહીં. આ તો ઢાંક્યું છે એટલે એવું લાગે છે. અને શંકા જ મારે છે. એટલે શંકા આવે તો આવવા ના દેવી ને પ્રતિક્રમણ કરવાં. પ્રતિક્રમણ કરવાનાં બાકી ના રહ્યાં એટલે તમારા પર કોઈને શંકા જ ના આવે, નિઃશંક પદ થાય. કોઈના માટે સહેજ પણ અવળો-સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો થોડીક જ વાર રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડે ય એને ઊગે. માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : એના માટે આપણે શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરી ભૂંસી નાખવું તરત જ. પ્રતિક્રમણ ના થાય તો 'દાદા'ને યાદ કરીને, કે તમારા ઈષ્ટદેવને યાદ કરીને ટૂંકામાં કહી દેવું કે, 'આ વિચાર આવે છે તે બરોબર નથી, તે મારા નથી.' જંગલમાં જાય ત્યારે લૌકિક જ્ઞાનના આધારે બહારવટિયા મળશે તો ? એવા વિચાર આવે અથવા વાઘ મળશે તો શું થશે એવો વિચાર આવે. તે ઘડીએ પ્રતિક્રમણ કરી નાખવું. શંકા પડી એટલે બગડ્યું. શંકા ના આવવા દેવી. કોઈ પણ માણસ માટે, કોઈ પણ શંકા આવે તો પ્રતિક્રમણ કરવું. શંકા જ દુઃખદાયી છે. ચંદુભાઈને શંકા પડી તો ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવી લઈએ. અને આપણે શુધ્ધાત્મા તો આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય ?! ચંદુભાઈ તો છે માણસ છે તે શંકા તો પડે પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરાવી લઈએ. જેના માટે શંકા આવે એનું પ્રતિક્રમણ કરવાનું, નહીં તો શંકા તમને ખાઈ જશે. પ્રશ્નકર્તા : સંશય એ ગ્રંથિમાં જાય ? દાદાશ્રી : સંશય એટલે શંકા ને ? પ્રશ્નકર્તા : હા. એ દુર્ગુણમાં જાય કે ગ્રંથિમાં જાય ? દાદાશ્રી : ગ્રંથિમાં ને દુર્ગુણમાં કશાયમાં ના જાય. એ તો ભયંકર આત્મઘાત છે. એ અહંકાર છે એક પ્રકારનો. શંકા એટલે સંદેહ કરવો. શંકા કરવી એ સંદેહથી માંડીને શંકા સુધીના બધા લખ્ખણ આત્મઘાતી છે. એમાં એક પણ ફાયદો ના થાય. ભયંકર નુકસાન જ થયા કરે. એટલે અમે શંકા કરવાની જ ના પાડીએ છીએ. શંકા કોઈ કરશો નહીં. એ ઊભી થાય, ખરેખર એવું થયું હોય તોય તમારે શંકા કરવાથી કંઈ મળશે નહીં. એ એક જાતનો અહંકાર છે. મારી વાત સમજણ પડી ? પ્રશ્નકર્તા : શંકા આવે કે તરત જ શંકાના ઉપાયમાં પ્રતિક્રમણ કરી લેવાનું ? દાદાશ્રી : હા. જેના માટે શંકા આવે તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રશ્નકર્તા : એટલે એ જ ઉપાય છેને એનો ? દાદાશ્રી : હા. એ જ ઉપાય. નહીં તો શંકા તો તમને ખઈ જશે. પ્રશ્નકર્તા : કોઈ પણ શંકા આવે એની ચોખવટ કરી લેવી સારી. તો શંકાનો નિકાલ આવે. દાદાશ્રી : કોઈ પણ વસ્તુની શંકા આવતી હોયને, તે આ બધી તપાસ કરી આવવી અને આવીને સૂઈ જવું. અને છેવટે તપાસેય બંધ કરી દેવાની છે. ઈર્ષા છે પૂર્વે ભરેલા પરમાણુઓ ! પ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ? દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ ગયા પછી પશ્ચાતાપ કરવો ને બીજું, ઈર્ષા થાય છે, તે તમે ઈર્ષા નથી કરતાં. ઈર્ષા એ પૂર્વભવનાં પરમાણુઓ ભરેલાં છે, તેને એક્સેપ્ટ (સ્વીકાર) ના કરો, તેમાં તન્મયાકાર ના થાવ તો ઈર્ષા ઊડી જાય. તમને ઈર્ષા થયા પછી પશ્ચાતાપ કરવો એ ઉત્તમ છે. અભાવ-તિરસ્કારનાં કરો પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : કોઈકવાર અમુક વ્યક્તિને જોઈને, એનું વર્તન જોઈને અભાવ આવી જાય છે. દાદાશ્રી : એ તો પહેલાંની આપણને આદત ખરીને, એ આદતનો ધક્કો હજુ વાગ્યા કરેને ! પણ આપણું જ્ઞાન એના પર મૂકવું જોઈએને ! આદત તો પહેલાંની એટલે આવ્યા કરે. પણ એમ કરતાં કરતાં આપણું જ્ઞાન મૂકીએને, એટલે એમ કરતું કરતું સ્થિર થાય. આદતો પૂરી થવી જ જોઈએને ! પ્રશ્નકર્તા : પ્રશ્ન એ છે કે અમુક માણસોને માટે જ કેમ થતું હશે ? એ તિરસ્કારવૃત્તિ કે એવું જે કંઈ આવે તે ? દાદાશ્રી : પૂર્વનો હિસાબ હોય, ત્યારે આવેને ?! પણ તે આજે હવે લેવા-દેવા નથીને ! આપણે એના શુધ્ધાત્મા જ જોઈએ છીએ. તે દહાડે તો એના બહારના ખોખા ઉપર તિરસ્કાર હતો. પેકિંગ જોડે હિસાબ હતા. આજે હવે તે પેકિંગની જોડે તો લેવા-દેવા નથી. એના પેકિંગનું ફળ એને મળે. પહેલાં તો આપણે એમ જ જાણતાં હતાં કે આ જ ચંદુભાઈ. એટલે આપણને અભાવ-તિરસ્કાર એવું થતું હતું. પ્રશ્નકર્તા : અભાવ-તિરસ્કાર એ અભિપ્રાયને આધારે રહેને ? દાદાશ્રી : એ અભિપ્રાય બધા કરેલા તેના ફળરૂપે આ અભાવ રહ્યા કરે. તેનું આપણે 'પ્રતિક્રમણ' કરીને ફેરવી નાખવું કે સામો તો બહુ સારો છે. તે આપણને પછી સારો દેખાય. પ્રશ્નકર્તા : અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન કરવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારો છે. જે ખરાબ લાગતો હોય, તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલા છે. મનની પાસે સિલક છે. અમે જેટલા અભિપ્રાય આપીએ એ અભિપ્રાયો ધોઈ નાખીએ. પ્રશ્નકર્તા : સાધન કયું ધોવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ. આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને આત્મા-અનાત્માનું ભેદજ્ઞાન થયું હોય, તેને નવું કર્મ ના બંધાય. હા. અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે. તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એકુંય કર્મ બંધાય નહીં. અને જો પ્રતિક્રમણ કરો તો એ અસરે ય ઊડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાતે ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ. એટલે આપણા મનની છાયા એની ઉપર પડે છે ! અમારા મનની છાયા બધા પર કેવી રીતે પડે છે !! ઘનચક્કર હોય તો ય ડાહ્યો થઈ જાય. આપણા મનમાં એ ભઈ ગમે નહીં, એમ હોય તો એ ભઈ આવ્યો એટલે પછી અણગમો ઉત્પન્ન થાય ને આપણો ફોટો એની ઉપર પડે. એને તરત મહીં ફોટો પડે કે આપણી મહીં શું ચાલી રહ્યું છે ! એ આપણા મહીંનાં પરિણામો સામાને ગૂંચવે ! સામાને પોતાને ખબર ના પડે પણ એને ગૂંચવે ! એટલે આપણે અભિપ્રાય તોડી નાખવા જોઈએ ! આપણા બધા અભિપ્રાય આપણે ધોઈ નાખવા એટલે આપણે છૂટ્યા. એટલે આપણું મન ફરે. કેટલાંકની વાણી બધી બગડી ગઈ હોય છે, તે પણ અભિપ્રાયને લીધે હોય છે. એટલે અભિપ્રાય જે ભર્યા છે, તેની ભાંજગડ છે. જે અભિપ્રાય નથી રાખ્યો, તેની ભાંજગડ હોતી નથી ! પ્રશ્નકર્તા : પણ અત્યારે ય તિરસ્કાર આવે તો પછી આપણે ગુનેગાર છીએ ? દાદાશ્રી : ના, ગુનેગાર નથી. જોયું અને જાણ્યું એટલે બહુ થઈ ગયું કે આ આવે છે ત્યારે એના માટે તિરસ્કાર થાય છે અને આ આવે છે ત્યારે જરા મહીં આનંદ થાય છે. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ કરવું જોઈએ ? દાદાશ્રી : સામાને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવાનાં. બાકી વિચાર આવે ને જાય. તો એનું પ્રતિક્રમણ ના હોય. એને માટે તો એવું કરવું કે આમ ન હોવું ઘટે. એટલું જ બોલીએ તો બહુ થઈ ગયું. પ્રતિક્રમણ તો ક્યારે કરવું કે કંઈક ગુસ્સો નીકળી ગયો હોય ને કો'કને વાગ્યું હોય તો આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ મનમાં આવો વિચાર આવ્યો હોય તો પ્રતિક્રમણ નહીં કરવાનું ? દાદાશ્રી : એ તો એ બધું ચાલે જ. પેસતાં ય સ્પીડી પેસે અને નીકળતાં ય સ્પીડી નીકળે છે. વારંવાર પ્રતિક્રમણ, પડવાળા દોષોનાં ! પ્રશ્નકર્તા : બધી એક્સ્પર્ટ બહેનો ભેગી થઈ છે અને એકબીજા પર કપટ કરે છે. પણ પછી તરત મનમાં પ્રતિક્રમણ કરે ને મોઢેય માફી માંગી લઈએ. એકબીજા સામસામી ય કપટ થઈ જાય, પણ એમને તરત થાય કે, આ ભૂલ થઈ ગઈ. હવે આમાં આ ભઈ કહે છે કે, એવી ભૂલ થવા જ ના દેવી જોઈએ. દાદાશ્રી : ના, એવું ચાલે નહીં. એવો પાછો નવો કાયદો લાવ્યો ? અહીં તો નો લૉ લૉ. અહીં કાયદો જ નથીને ! પ્રશ્નકર્તા : જો એકવાર સાચું પ્રતિક્રમણ કરે, તો એ ભૂલ બીજીવાર થવી ના જોઈએ. દાદાશ્રી : ના. એવું ના કહેવાય. કેટલાંકનાં તો પચાસ-પચાસ, સો-સો છે તે પડળ હોય. પ્રશ્નકર્તા : પણ એવું કંઈક જોરદાર એવું પ્રતિક્રમણ ના હોય કે એક સાથે બધાં પડળ કાઢી નાખે ? દાદાશ્રી : ના થાય તે. એવું ના થાય. પ્રશ્નકર્તા : અક્રમ પ્રતિક્રમણ કરોને ? દાદાશ્રી : એ તો બે હાથે જમાય નહીં. એક જ હાથે જમવું પડે. એ તો પ્રમાણથી જ બધું સારું. બહુ દહાડાનો તાવ હોય તો એક દહાડો આખી દવાની શીશી પી ગયાં એ ચાલે ? પ્રશ્નકર્તા : ના ચાલે. દાદાશ્રી : એથી પછી ઊંધું થાય. બધું પ્રમાણથી શોભે. તે તો પછી નીકળી જાય. કેવી નાદારી પ્રકૃતિની ! એને તો કોઈ એનામાં ડખલ કરે, એવું કરે તો સામું 'તું અક્કલ વગરનો છે ને આમ છે.' એવું બોલી નાખે, ત્યારે તો એને સંતોષ થાય. પછી આખી રાત નિરાંતે ઊંઘ આવે. પ્રશ્નકર્તા : એવું કેમ થતું હશે ? દાદાશ્રી : અહંકાર એવો કે, કેવો ડફળાવ્યો ?! એનો આનંદ લે. તમે હઉ ડફળાવતા'તાને ? પ્રશ્નકર્તા : પણ મેં પ્રતિક્રમણ બહુ કર્યા બધાયનાં. દાદાશ્રી : ત્યારે રાગે પડ્યું. પ્રશ્નકર્તા : એને પ્રતિક્રમણ કેમ નહીં થતાં હોય ? દાદાશ્રી : એને પ્રતિક્રમણ શરૂ થાય જ નહીંને ! પ્રશ્નકર્તા : કેમ ના થાય ? દાદાશ્રી : હજુ તો એ દેવાળું સ્થિતિ. દેવું જ ઓછું થયું નથીને ? પ્રશ્નકર્તા : શેનું દેવું ? કેવા પ્રકારનું દેવું ? દાદાશ્રી : એને નાદારી છે. તમારે તો પ્રતિક્રમણ થાય એવું હતું. એને નાદારી છેલ્લી ડીગ્રીની થઈ, પહેલો નંબર જ છે, એટલે ચાલે એવું છે, જલ્દી ઊકેલ આવશે. નહીં તો પોતાનું ડહાપણ કર્યું કે વધ્યું પાછું. પ્રશ્નકર્તા : પછી એવું આવે છે કે દોષ દેખાય, દોષ થાય પણ જ્યાં સુધી પ્રતિક્રમણ ના થાયને ત્યાં સુધી ચેન ના પડે. દાદાશ્રી : એ જગ્યાએ આવતા તો બહુ વાર લાગે. જબરજસ્ત નાદારી છે. કોઈને દુઃખ દેવાનું બાકી નથી રાખ્યું. જે ભેગો થાય તેને દુઃખ જ આપ્યું છે. પ્રશ્નકર્તા : એટલે દુઃખ દેવાથી નાદારી થાય? દાદાશ્રી : ત્યારે બીજું શું થાય ? નાદારી જ થાયને ? પ્રશ્નકર્તા : શું શું કર્યું હોય તો નાદારી થાય? દાદાશ્રી : બધું આવું કર્યું હોય, લોકોને દુઃખ દીધાં હોય, એણે કોઈને બાકી જ રાખ્યા નથીને, મા-બાપ હોય કે ગમે તે. પૂર્વે લુચ્ચા લોકોના ટોળામાં આવી ગયેલા. કેટલાય અવતારથી આવું ને આવું જ રહ્યા કરેલું, એવું એને ગમે જ ને ! પ્રશ્નકર્તા : હવે ના ગમે. દાદાશ્રી : કેટલાં કર્મ ભર્યા હતાં, એની ઊંચાઈ જોઈ તમે ? ગંઠાઈ ગયેલો હોય, બહુ કર્મ હોયને તેમ દેહ નાનો હોય, સાંકડો હોય. પ્રશ્નકર્તા : હવે ઉપાય શું કરે ? પ્રતિક્રમણ નથી થતાં તો શું કરે બીજું ? દાદાશ્રી : થોડીવાર કરે તો, આમ થોડે થોડે થોડે આગળ વધે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. દાદાશ્રી : અત્યારે અસરકારક ના હોય, પણ એ કરતાં કરતાં પછી અસરકારક થતાં જાય. પ્રશ્નકર્તા : એક દહાડો થઈને ઊભું રહે. દાદાશ્રી : પતાવાની સ્પીડેય એટલી જ છે. પ્રશ્નકર્તા : નાનપણથી એવું જ હોય તો એનો અર્થ ગયા ભવે એવા ભાવ કરેલા ? દાદાશ્રી : રોફ પાડવા, ગયા અવતારમાં ભાવ કરેલા, બીજાને દબડાવી દઉં, બીજાને આમ કરી નાખું, બીવડાવી દઉં, બીજાને આમ કરી નાખું. પ્રશ્નકર્તા : તો આ બીવડાવીએ એટલે તો કેટલો મોટો દોષ થયો કહેવાયને ? દાદાશ્રી : એ તો જ્યારે તમને કોઈ એવું બીવડાવે ત્યારે ખબર પડે કે ઓહોહો, આ લોકો આવું કરે છે ! પણ તે આપણે કરીએ છીએ તે ખબર ના પડે ? દુઃખ દેવાયાનું પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : મારાથી એને દુઃખ થાય એવું કશું કરવું નથી છતાં એને દુઃખ દેવાઈ જાય છે. એવી આપ કૃપા કરો કે, મારાં પરમાણુ ઊછળે નહીં. દાદાશ્રી : આજે તમને આશીર્વાદ આપીશું. તમારે એની માફી માંગ માંગ કરવાની. ગયા અવતારમાં બહુ એને ગોદા માર માર કરતી હતી. પ્રશ્નકર્તા : બહુ થયું. મારી મોટી ગાંઠ છે આ. દાદાશ્રી : હા. એ તો કંઈ કરવું પડેને ? એની માફી માંગ માંગ કર્યા કરવી. નવરાશ મળે કે ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરવું. ટૂંકમાં કરવું. એની જોડે અતિક્રમણ કર્યું છે એટલે પ્રતિક્રમણ કરવું પડે. ગોદા માર માર કર્યા છે તે ? પ્રશ્નકર્તા : હું એના બહુ જ પ્રતિક્રમણ કરું છું. દાદાશ્રી : ખૂબ કરજે. ક્ષમા માગજે. અને હે દાદા ભગવાન ! મને એને કંઈ દુઃખ નહીં આપવાની, ત્રાસ નહીં આપવાની શક્તિ આપો. એ માંગ માંગ કરવાનું. અમે એ ચીજ આપીએય ખરાં. તું બોલીશ તો મળશે. પ્રશ્નકર્તા : રોજ માગીશ. દાદાશ્રી : સારું. પ્રશ્નકર્તા : આપણાથી કિંચિત્માત્ર કોઈને દુઃખ થઈ ગયું હોય તો અહીં એકાંત મળ્યું હોય તો એમનું પ્રતિક્રમણ કરીએ. એ ચાલી શકે ? દાદાશ્રી : એ તો તરત જ તે ઘડીએ જ કરી નાખવું. કોઈને દુઃખ દેવાની ઇચ્છા તને થતી નથી ને હવે ? પ્રશ્નકર્તા : કોઈ વાર દેવાઈ જાય. દાદાશ્રી : દુઃખ દેવાઈ જાય તો શું કરો ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ. દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું એટલે પછી કોર્ટમાં કેસ નહીં ચાલવાનો. 'ભઈ, તારી માફી માગીએ છીએ' એમ કરીને નિકાલ કરી નાખ્યો. શું આવાં પાપો ધોવાય ? પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત, ઠેસ વાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ? દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યાં કરીએ ને એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા : સાસુએ વહુને કહ્યું ને પેલી વહુએ આપઘાત કરી નાખ્યો, ત્યાં સુધીનું થયું. એમાં એ મરી ગઈ પછી એનું પ્રતિક્રમણ કરીએ તો એને શાંતિ થાય ? દાદાશ્રી : આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવાનાં, બીજું જવાબદારી આપણી નથી. અને જો જીવતો હોયને તો આપણે એનેય કહેવાય કે આ 'ચંદુભાઈ'નામાં તો અક્કલ નથી. તમે એને માફ કરજો. એવું કહેવું આપણે. એટલે ખુશ થઈ જાય. આપણી અક્કલ ઓછી છે એવું દેખાડ્યું કે સામો ખુશ થઈ જાય. એવું કહેવું કે, ચંદુભાઈનામાં કંઈ બરકત નથી, અક્કલ નથી, તેથી આ તમને આવું કર્યું, આવું થયું હશે, એવું કહીએ એટલે પેલો ખુશ થઈ જાય. હાથ ભાંગી ગયા પછીએ જો કદી એટલું કહીએને તો હાથ ભાંગી જવાની ખોટને ના ગણે. પેલો ખુશ થઈ જાય. કારણ કે ભાંગી જવો એ ડિસાઈડેડ (નિશ્ચિત) હતું પણ નિમિત્ત આપણે હતાં. તે નિમિત્ત થઈ ગયું. એટલે વાળી દીધું. રકમ જમા-ઉધાર થઈ ગઈ. પ્રતિક્રમણથી પછી ન રહે જવાબદારી ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી છૂટી જવાય એવો ખ્યાલ જો આપણે રાખીએ તો બધાને સ્વચ્છંદતાનું લાયસન્સ મળી જાય લોકોને. દાદાશ્રી : ના, એવી સમજ રાખવાની નહીં, વાત એમ જ છે. આપણે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટા. તમારી જવાબદારીમાંથી તમે છૂટાં. પછી એ ચિંતા કરીને, માથું ફોડીને મરી ય જાય. તેનું હવે તમારે કશું લેવા-દેવા નહીં. પ્રશ્નકર્તા : આપણે પ્રત્યક્ષમાં 'સોરી' કહીએ છીએ, ત્યારે તેમાં ય જુનિયર (હાથ નીચેના) માણસને કહીએ તો, તેના મગજમાં એટલી બધી રાઈ ચઢી જાય છે, જેનો કોઈ હિસાબ નહીં. દાદાશ્રી : એવું કશું કહેવાનું નહીં. જો આપણે બોલ છૂટી ગયો, પછી આપણને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય એટલે પ્રતિક્રમણ કરીએ છીએ. પછી 'યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ.' તમે એના જવાબદાર નથી. એટલે અમે આ કહેલું કે એમની જવાબદારી અમે માથે સ્વીકારીએ છીએ. કારણ કે તમે જો આટલું કરોને તો પછી તમારી જોખમદારી નથી. પછી એની વકીલાત કરતાં અમને આવડે. પણ આટલું અમારું કહેલું કરો. પછી તમે કાયદામાં આવી ગયા. એટલે પછી વકીલાત, પછી જે થાય એ તો અમને આવડે. અમે પહોંચી વળીએ. પણ આટલું અમારું કહ્યું કરો, તો બહુ થઈ ગયું. આપણા કહેવાથી સામો આપઘાત કરે એવી દશા થઈ ગઈ હોય, તો આપણે રોજ પા-અડધો કલાક પ્રતિક્રમણ કર કર કર્યા કરવું કે અરેરે, મારી આવી દશા ક્યાંથી થઈ આ ?! આવું મારા નિમિત્તે બધું ?! પછી જવાબદારી આપણી નથી. એટલે ગભરાવું નહીં આમાં. આટલે સુધી અમારું આ પાળ્યું તે પછી આગળની કોર્ટનું બધું અમે અમારે માથે રાખીએ છીએ. પછી એની જવાબદારી દેવલોકોની. ઝઘડો ઊભો થાય તે એને પતાવી દઈએ અમે. પણ આ આટલે સુધી જાવને, તો બહુ થઈ ગયું. જેટલો હિસાબ છે એટલું જ, બહુ ઊંડું ઊતરવા જેવું છે નહીં. આમ ફાંસી આપતાં ય નિર્લેપ ! પ્રશ્નકર્તા : માઠાં ભાવ થઈ જાય છે પણ તરત જ એમ થાય છે કે આ મેં ભૂલ કરી. દાદાશ્રી : એટલે આ તમને કહું કે, રિલેટીવમાં જે ડિસ્ચાર્જ ભાવ છે એ માઠાં ભાવ છે. ડિસ્ચાર્જમાં માઠાં ભાવ થાય છે અને ચાર્જ થતું નથી. માઠાં ભાવ ઉપર તરત જ એમ કહે છે કે આમ ન હોવું જોઈએ. તો આમ ન હોવું જોઈએ, એને શું કહે છે ? સંયમ. નહીં તો માઠાં ભાવ થાય તેની સાથે એકાકાર થવું, એનું નામ અસંયમ. પણ જુદું ને જુદું રહે છે ને, માઠાં ભાવથી? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હવે માઠાં ભાવ ઈફેક્ટિવ (અસરકારક) વસ્તુ છે. ટાળ્યા ટળે નહીં અને અત્યારે આ ચંદુલાલ કો'કને ટૈડકાવે, તો તમને મહીં એમ થાય કે, આમ ન હોવું જોઈએ. એ શેને માટે ? એવું થાય ? એટલે ચંદુલાલ કરે તે ય તમે જાણો. આ મહીં આવું કરે છે, તે ય તમે જાણો અને 'તમે' જાણનારા, આ બેઉની વાતને. સંયમ પરિણામને જાણનારા, અસંયમને ય જાણનારા, એ તમે 'પોતે'. અનુભવમાં આવે છે ને ?! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હા. આ બધું જોયા કરો, આ તાલ. એક જજ મને કહે કે, સાહેબ, તમે મને જ્ઞાન તો આપ્યું અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાંતદંડની શિક્ષા કરવી કે નહીં ? ત્યારે મેં એને કહ્યું, 'એને શું કરશો, દેહાંતદંડની શિક્ષા નહીં આપો તો ?!' એણે કહ્યું, 'પણ મારે દોષ બેસે.' મેં કહ્યું, 'તમને મેં ચંદુલાલ બનાવ્યા છે કે શુધ્ધાત્મા બનાવ્યા છે ?' ત્યારે એ કહે, 'શુધ્ધાત્મા બનાવ્યા છે.' તો ચંદુલાલ કરતાં હોય તેના તમે જોખમદાર નથી અને જોખમદાર થવું હોય તો તમે ચંદુલાલ છો. તમે રાજીખુશીથી ભાગીદાર થતાં હો તો અમને વાંધો નથી. પણ ભાગીદાર ના થશો. પછી મેં એને રીત બતાવી કે આ કહેવું કે, 'હે ભગવાન, મારે ભાગે આ કામ ક્યાં આવ્યું તે ?' અને તેનું પ્રતિક્રમણ કરજો ને બીજું ગવર્મેન્ટના (સરકારના) કાયદા પ્રમાણે કામ કર્યે જજો. જ્ઞાનીનાં વાડ સહિત પ્રતિક્રમણ ! અમારાથી ય કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઇચ્છા ના હોય તોય હવે એવું અમારે બનતું જ નથી પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં પંદર-વીસ વર્ષમાં બે-ત્રણ માણસોનું થયું હશે. એય નિમિત્ત હશે ત્યારેને ? અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે ત્યાંથી એ પડે નહીં. એની વાડ, એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ. પડવા તો ના જ દઈએ. સામું બોલી ગયો, ગાળો દઈ ગયો હોય તોય ના પડવા દઈએ. એને બિચારાને ખ્યાલ જ નથી. બેભાનપણે બોલી રહ્યો છે. એનો અમને વાંધો નથી. પડવા દઈએ તો આપણે ચઢાવેલો ખોટો. આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો, રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય. એવો અમારો સિધ્ધાંત હોય બધો. કોઈને પડવા ના દઈએ. એની એ જ જગ્યાએ રહે એ પછી. એના વિચારો જ બધા ફેરવી નાખીએ અમે, ઘેર બેઠાં બેઠાં એના વિચારો જ ફેરવી નાખીએ અમે. ત્યાં અમે વધારે મહેનત કરીએ જરા. મહેનત વધારે કરવી પડે. તમારા માટે, બધાને માટે મહેનત ના કરવી પડે. એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી આગળ વિચાર કરી શકે નહીં એવું કરવું પડે. એવો કો'ક જ કેસ હોયને ? બધા કેસ ના હોયને !! પ્રશ્નકર્તા : આ વાડ-બાડ મૂકવાનું એ બધું શું છે ? એ બધું શું કરવાનું એને ? દાદાશ્રી : એનું અંતઃકરણ પકડી લેવાનું, એનું 'વ્યવસ્થિત' અમારા હાથમાં લઈ લેવાનું. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : એ અમે બધું લઈ લઈએ, એવું ના લઈએ તો તો પડી જાયને !! શુધ્ધાત્મા અતિક્રમણથી નોખો ! પ્રશ્નકર્તા : આપણે જે કંઈ પ્રતિક્રમણ કરીએ, એ અતિક્રમણ થયું, એટલે પ્રતિક્રમણ કરવાનું છે. તો સામાવાળાને આપણા અતિક્રમણ દરમિયાન આપણે જે દુઃખ પહોંચાડ્યું એટલા માટે પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : હા, એટલા માટે જ. બીજા કોઈ કારણ માટે નહીં. હવે આપણે તો લેવા-દેવા જ ના રહીને ! હવે આની જોડે વ્યવહાર જ નથી રહ્યો. ફક્ત આ કોઈને દુઃખ ના પડે એટલું જ જરા જોવા પૂરતું જ, તે જે ગુનેગાર હોય તેને કહી દેવું કે પ્રતિક્રમણ કર. બાકી આપણે 'શુધ્ધાત્મા'ને તો કંઈ ધોવાનું નથી રહ્યું. ધોવાઈ ગયું બધું. પ્રશ્નકર્તા : પણ આપણાથી બીજીવાર આવાં અતિક્રમણો ના થાય ?! દાદાશ્રી : 'ના થાય' એવું નહી,ં અતિક્રમણો એ ડિસ્ચાર્જ છે એટલે હોય જ. જેટલાં હોય એટલાં જ નીકળવાનાં. 'ના થાય ને થાય' એવો સવાલ જ નથી. આપણને લાગે કે આ અતિક્રમણ છે, એટલે તેનાં પ્રતિક્રમણ કરાવવાં. અતિક્રમણ ના હોય તો ડિસ્ચાર્જ જોયા જ કરવાનું. કશુંય નહીં, એને જોયા જ કરવાનું આ. હા, આપણે માફી આપવી ! પ્રશ્નકર્તા : આપણા કોઈ સગા છે, તો એ એટલી બધી મોટી ભૂલો કરે છે, બ્લંડર્સ, કે એને ભગવાને ય માફ ના કરે. અને આપણી પાસે માફી માંગે, ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ, એવું કહ્યા કરે તો ત્યાં માણસ શું કરે ? દાદાશ્રી : માણસે માફી આપવી, ભગવાન ના કરી શકે, ભગવાનમાં નબળાઈને (!) આપણે જબરા કહેવાઈએ. કારણ કે ભગવાન તો છેવટે એનો પૂરેપૂરો બદલો આપે, ત્યારે માફી થાય. એમને તો બદલો આપવાનો. આપણે કંઈ બદલો આપવો નથી. આપણે તો માફી આપી દઈએ, સારું થજો તારું ! વારંવાર એ જ ભૂલ કરે તો ?! પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માગે, આપણે માફ કરી દઈએ, ના માગે તોય આપણે મનથી માફ કરી દઈએ, પણ ઘડીએ ઘડીએ એ માણસ ભૂલ કરે તો આપણે શું કરવું ? દાદાશ્રી : પ્રેમથી સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કર્યે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખાઈને માફ કરશો તમે. ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી, એ ફરી ફરી ભૂલ ના કરે એવાં ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી. માણસ નક્કી કરે કે, હવે મારે ભૂલ કરવી જ નથી છતાં થઈ જાય છે એ જુદી વસ્તુ છે. પણ કરવી જ છે, એવું કહે તો એનો પાર જ નહીં આવે. એ તો ઊંધો ફરેલો માણસ કહેવાય. પણ ભૂલ કરનારને પોતાને પસ્તાવો થાય ને નહીં કરું એવું નક્કી કરે, પછી છે તે ફરી ભૂલ થાય તો વાંધો નથી. નહીં કરું એવું નક્કી પણ કરે, પછી થાય તો પાછો પશ્ચાતાપ કરવો જોઈએ. એનું કારણ શું છે ? ત્યારે કહે, ભૂલનાં કેટલાં પડ છે, ડુંગળીની પેઠે. એ પડ પસ્તાવો કરવાથી જતાં રહે, પણ બીજું પડ પાછું આવે. એટલે ડુંગળી એવી ને એવી દેખાય. એ તો જ્યારે બધાં પડ જતાં રહે ત્યારે ખાલી થાય. ત્યાં સુધી ના થાય. એ તો અનંત અવતારની ભૂલો પાર વગરની કરી છે. ત્યાં આપણે શું કરવું ? પ્રશ્નકર્તા : એને ખબર જ ના પડે કે હું ભૂલ કરું છું અને ભૂલ કર્યા જ કરે તો ? પસ્તાવોય ના થાય તો ? દાદાશ્રી : તો પછી એનો અર્થ જ નહીં. એ મિનિંગલેસ (અર્થહીન) છે તે. જ્યાં ભાન જ ના હોય ત્યાં મિનિંગલેસ છે. એ તો આપણે એનો વિરોધ તો કરવો જોઈએ. એને ભાન કરાવવું જોઈએ. ભાન થવા માટે વિરોધ કરવો જોઈએ. પ્રશ્નકર્તા : એ ઘડી ઘડી કોઈ આવી ભૂલ કરે, તો આપણે એના માટેનો પ્રેમભાવ ઊઠી જાય, એને માટે માન હોય તે ઊઠી જાય. દાદાશ્રી : ત્યાર પછી શું થાય ? આપણે બનતાં સુધી પ્રેમભાવ ના ઊઠાડવો. કારણ કે આ કળિયુગમાં તો આ સિવાય બીજું શું હોય તે ? આપણે રિલેટિવ સંબંધ છે, એ બીજું શું હોય તે ? આપણે એ ઊઠાડ્યા પછી આપણું ઊલટું બગડી જાય. આપણે અજાણમાં ગયા, ત્યારે આપણે શું કરીએ છીએ, એના જેવું આપણે રાખવું. છોકરાને શાક લેવા મોકલીએ અને મહીં પૈસા કાઢી લે તો એ પછી જાણીને શું ફાયદો છે ? એ તો જેવો છે એવો ચલાવી લેવાનો, નાખી દેવાય ? બીજો લેવા જવાય કંઈ ? બીજો મળે નહીંને ? કોઈ વેચે નહીં. ગમે તેવો માલ રાખીએ તોય !! સામાને જેમ તેમ કરીને લો નભાવી ! પ્રશ્નકર્તા : તો પછી એવી વ્યક્તિ માટે આપણે શું કરવું જોઈએ ? આ પેલી ભૂલ કર્યા કરે સામો માણસ ને એને કંઈ પસ્તાવો ના થાય, ખબરે ય ના પડે તો આપણે શું કરવાનું ત્યાં ? દાદાશ્રી : આપણે આપઘાત નહીં કરવો જોઈએ. બીજું શું કરવાનું ? તે આ દેહનો આપઘાત એટલે પેલો મોટો આપઘાત, પછી મનનો આપઘાત કરે. મનનો આપઘાત કરે એટલે સંસાર ઉપરથી મન ઉઠી જાય. એવું નહીં કરવું જોઈએ. એને લીધે છોકરા ઉપરેય ઊઠી જાય. બધા ઊપર ઊઠી જાય. એવું નહીં કરવું જોઈએ. આપણે નભાવી લેવું જોઈએ. આ સંસાર એટલે જેમ તેમ નભાવીને કામ કાઢવા જેવું છે. અત્યારે કળિયુગ છે, એમાં કોઈ શું કરે ત્યાં ? 'ધેર ઈઝ નો સેફસાઈડ એની વેર.' (ક્યાંય સલામતી નથી.) આ તો સેફસાઈડ માનીને સૂઈ જવાનું. 'સીન્સિયારીટી-મોરાલિટી ગોન ફોર એવર.' (નિષ્ઠા અને નૈતિકતા હંમેશ માટે ગયાં) એટલે આ જ્ઞાન લઈ લેજો. તો સુખી થવાય કાયમનું. પછી આ અડચણ તો નહીં કોઈ જાતની. એ ય મજા !! એની રીત આવડવી જોઈએ ! પ્રશ્નકર્તા : હું આપને એ જ કચાશની વાત કહેવા માંગતો હતો કે જ્યારે કોઈની બિલિફ તૂટે છે, એ વખતે એનો અહમ્ દુભાય છે. દાદાશ્રી : એને દુઃખ થાય તો, આપણને બિલિફ તોડતાં ના આવડે તો તોડાય નહીં. હું બિલિફ જ તોડી આપું છું ને કે તમે ચંદુભાઈ ન હોય. ચંદુભાઈ તમે નહીં. એટલે એમ કરતાં કરતાં એની મોટી જબરજસ્ત કેટલાં અવતારની બિલિફ, એ તો ફ્રેકચર થવા માંડે. એક્ઝેક્ટનેસ હોવી જોઈએ, નહીં તો એને બહુ દુઃખ થાય. ભગવાન વિશેની બિલિફ હું તોડું છું. માટે 'ભગવાન નથી' એવું કહું તો માર્યો ગયો. પછી એને સમજાવતાં આવડવું જોઈએ કે કેવી રીતે નથી અને કેવી રીતે છે. એ બધું હોવું જોઈએ. અને કોને માટે ભગવાન છે અને ભગવાન કોને માટે નથી. એવી બધી રીતથી સમજણ પાડું, એના મનને સહેજે પણ દુઃખ ના થાય. આપણું હથિયાર વાગે નહીં એકુંય. આપણું હથિયાર આપણને વાગે પણ એને ના વાગે એ તારે ખાસ જાણવું જોઈએ. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : એને ઑપરેશન કહેવાય છે. થોડી થોડી કચાશ હોય તો કાઢી નાખવી ! નવી ક્ષમાપના લઈ લેવી જોઈએ. સામા માણસને કિંચિત્માત્ર દુઃખ ના થવું જોઈએ. એ ધ્યેયપૂર્વકનું જીવન હોય. કોઈને દુઃખી કરવા માટે આપણે આવ્યા નથી. કંઈ બને તો સુખ થાઓ, એ આપણો ધ્યેય છે. અગર તો દુઃખ કોઈને ન હોવાં જોઈએ. એટલે અણસમજણથી, આપણી ભૂલથી જ દુઃખ થાય સામાને. એની ભૂલથી થતું હોય તે પણ આપણને ન હોવું જોઈએ. એની ભૂલથી, એટલે એ ભૂલવાળો છે જ ! એને તમે સુધારવા નીકળ્યા છો, તો એને દુઃખ કર્યા વગર જ સુધારવો જોઈએ. મલમપટ્ટી કરીને રીપેર ! દાદાની કૃપાથી બધું રાગે પડી જશે. આપણે જાણીએ છીએ કે, આ બગડે એવું છે અને આ દૂધની સવારમાં ચા નહીં થાય, તો પછી મીઠું કાઢી નાખવાની ક્રિયા આપણે કરવી, નાખેલું મીઠું કાઢી નાખવું. એ તો આપણું વિજ્ઞાન એવું છે કે કાઢી નાખે. એ તો પછી હં.. બીજા મલમપટ્ટા મારી મારીને પછી સમું કરી દેવું. લોહી નીકળતું બંધ કરી દેવું. પછી જો અવળું ફર્યું, એવું આપણે જાણ્યું કે પછી છોડી દેવાનું આપણે. પછી એને મલમપટ્ટા જ માર માર કરવાના. પછી એને લોહી નહીં નીકળે. પણ ફરી એ કો'ક દહાડો કહેશે કે, આવજો. તો આપણે ફરી પાછું જવું ત્યાં. પ્રશ્નકર્તા : એટલે એવું બને છે. પેલી વ્યક્તિનું ઑપરેશન કરવા જઈએ તો બીજા પચ્ચીસનું પાછળ લોચો પડતો હોય છે. દાદાશ્રી : હા. તો એવું થઈ ગયું છે. એટલે સાચવીને કામ લઈ લેવું. એને વિવેક કહેવામાં આવે છે. સાચી વસ્તુ પણ વિવેકથી આપવી જોઈએ. એ ધોલ મારીને ના અપાય. સાચી વસ્તુ ખવડાવીએ તો ય ધોલ મારીને ના અપાય. કારણ કે બધાનું વોટીંગ છેને ! ગામડાનું કામ હોય તો ચાલ્યું જાય. એ લોકો હાર્ટીલી, એટલે તમારું ચાલ્યું જાય. બાકી અહીં શહેરમાં ના ચાલે. શહેરમાં કશું ના ફાવે. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : ત્યાં હાર્ટીલી એટલે બધું ચાલ્યું જાય. એટલે જોઈ લેવું. ક્યાં બગડી જાય છે ? તે તપાસ કરી લેવી કે આવું ના હોવું જોઈએ. સમાધાન આત્મજ્ઞાન થકી જ ! પ્રશ્નકર્તા : દાદા, આ અહંકારની વાત સારી છે. ઘરમાં ય ઘણી વખત લાગુ પડે. સંસ્થામાં લાગુ પડે. દાદાનું કામ કરતાં હોય, એમાંય કંઈ અહંકાર વચ્ચે ટકરાતાં હોય, ત્યાંય લાગુ પડે. ત્યાં પણ સમાધાન જોઈએને ? દાદાશ્રી : હા, સમાધાન જોઈએને ! એ આપણે ત્યાં જ્ઞાનવાળો સમાધાન લે, પણ જ્ઞાન નથી ત્યાં શું સમાધાન લે ? ત્યાં પછી જુદો પડતો જાય, એની જોડે મન જુદું પડતું જાય. આપણે અહીં જુદું ના પડે ! પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરાવવું ના જોઈએને? દાદાશ્રી : ટકરાય છે, એ તો સ્વભાવ છે. ત્યાં માલ એવો ભરેલો લાવ્યા છે. એટલે એવું થાય છે. જો એવો માલ ના લાવ્યા હોત તો એવું ના થાત. એટલે આપણે સમજી લેવું કે ભાઈની આદત જ છે આવી. એવું આપણે જાણવું. ચંદુભાઈની આદત છે, એવું આપણે જાણવું. એટલે પછી આપણને અસર નહીં કરે. કારણ કે આદત આદતવાળાની અને 'આપણે' આપણાવાળા ! અને પછી તેનો નિકાલ થઈ જાય છે. તમે અટકી રહો ત્યારે ભાંજગડ. બાકી ટકરામણ તો થાય. ટકરામણ ન થાય એવું બને જ નહીંને ! એ ટકરામણથી આપણે જુદા ન પડાય એવું જોવાનું ફક્ત. ટકરામણ તો અવશ્ય થાય. એ તો બૈરી-ભાયડાને ય થાય. પણ તે એકનાં એક રહીએ છીએ ને પાછાં ?! એ તો થાય. એમાં કોઈના પર કંઈ દબાણ નથી કર્યું કે તમે ના ટકરાશો. પ્રશ્નકર્તા : એમાં તાંતો ન રહેવો જોઈએ. દાદાશ્રી : તાંતો રહેતો જ નથી. જે કોઈ કહેશે કે, મને તાંતો રહે છે, એ ય તાંતો નથી (મહાત્માઓને માટે). ટકરામણ થાય, ત્યાં પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરામણો ન થાય એવો સતત ભાવ રહેવો જોઈએને ? દાદાશ્રી : હા, રહેવો જોઈએ. એમાં એ જ કરવાનું ને ! એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાના ! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું. કારણ કે એક પડ જતું જ રહે, પછી બીજું પડ આવે, એમ પડવાળાં ને ? મને તો જ્યારે ટકરામણ થતી હતી, એટલે નોંધ કરતો હતો કે, આજે સારું જ્ઞાન મળ્યું ! ટકરાવાથી લપસી ના પડાય, જાગૃત ને જાગૃત જ રહેને ! એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવામાં ભાંજગડ નથી. ટકરાયા પછી જુદું નહીં પડવું. એ અહીંયા પુરુષાર્થ છે. મન જુદું પડતું હોય તો પ્રતિક્રમણ કરીને બધું રાગે પાડી દેવાનું. અમે આ બધાની જોડે શી રીતે મેળ પાડતાં હોઈશું ? તમારી જોડેય મેળ પડે છે કે નથી પડતો ? એવું છે, શબ્દોથી ટકરામણ ઊભી થાય છે. તે મારે બોલવાનું બહુ, છતાંય ટકરામણ નથી થતીને ? એક માણસે મને એમ કહ્યું કે, 'હું મહાન બળવાખોર છું, તમારે ત્યાં જ મને એલાઉ કર્યો, બાકી કોઈ એલાઉ ના કરે મને.' મેં કહ્યું, 'ભાઈ, અહીં તો બધાંની જગ્યા છે. બળવાખોરની, બધાંની જગ્યા અહીં !' બળવો કરો પણ આત્મા પામો. બળવો કરી કરીને પાંચ-દસ જણને ગાળો દઈ દેશે, બીજું શું કરવાનાં હતાં ? 'તમે અક્કલ વગરના છો, આમ છો, તેમ છો' કહેશે. તે પુદ્ગલને જ ગાળો દેવાનો છે ને ? આત્માને કોઈ દઈ શકે ? ટકરામણ તો થાય. ટકરામણ તો આ વાસણો ખખડે કે ના ખખડે ? પુદ્ગલનો સ્વભાવ છે ટકરાવું તે પણ માલ ભર્યો હોય તો. ના ભર્યો હોય તો નહીં. અમારે ય ટકરામણ થતી હતી. પણ જ્ઞાન થયા પછી ટકરામણ નથી થઈ. કારણ કે અમારું જ્ઞાન અનુભવજ્ઞાન છે. અને અમે નિકાલ કરીને આવેલા છીએ, આ જ્ઞાનથી ! બધું નિકાલ કરી કરીને આવેલા છીએ. અને તમારે નિકાલ કરવાનો બાકી છે. તમે તો મોક્ષમાં બેઠા, ઉપર ત્રીજો માળ ચણીને, પણ અહીં નીચે ચણવાનું બાકી રહ્યું ને ? હવે ઊંધું ચણતર કરવું પડશે, ઉપર બેઠા પછી. અને મોક્ષ માટે તો પહેલાં પાયા ખોદીને ત્રણ માળ ચણવાનું કહેલું, તો તગારાં-પાવડા અહીં મૂકીને જ લોક જતાં રહેલાં. મહીં શાંતિ ના હોય, ત્યાં કોણ માથાકૂટ કરે આ ?! પહેલી શાંતિ અમે આપીએ, પછીથી નીચેનું બધું એ કરી લે. એટલે અક્રમ કાઢ્યું ને આ ! ક્રમ નહીં, અક્રમ !!! તરછોડના કર્મો પસ્તાવાથી ખપે ! પ્રશ્નકર્તા : કોઈ પણ માણસને તરછોડ મારીને પછી પસ્તાવો થાય તો તે શું કહેવાય ? દાદાશ્રી : પસ્તાવો થાય એટલે પછી તરછોડ મારવાની ટેવ છૂટી જાય. થોડો વખત તરછોડ મારી ને પસ્તાવો ના કરે ને 'મેં કેવું સારું કર્યું.' તો તે નર્કે જવાની નિશાની. ખોટું કર્યા પછી પસ્તાવો તો કરવો જ જોઈએ. પ્રશ્નકર્તા : આપણી તરછોડથી સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં. અને સામો મળે તો મોઢે બોલવું કે 'ભઈ, મારામાં અક્કલ નથી, મારી ભૂલ થઈ', એમ કહેવું, આવું બોલવાથી એ તરછોડના ઘા રુઝાય. ઉપાય, તરછોડના પરિણામ અટકે તેનો ! પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ? દાદાશ્રી : તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગાં થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માંગવી કે, 'ભઈ, મારી તો બહુ ભૂલ થઈ. હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.' એટલે સામાવાળાના ઘા રુઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રુઝાય. અમને પાછલા અવતારના તરછોડનું પરિણામ દેખાય છે. તેથી તો હું કહું કે, કોઈને તરછોડ ના વાગે. મજૂરને ય તરછોડ ના વાગે. અરે છેવટે સાપ થઈને ય બદલો વાળે. તરછોડ છોડે નહીં. એક પ્રતિક્રમણ જ બચાવે. પ્રતિક્રમણ જોડે સમભાવે નિકાલ ! પ્રશ્નકર્તા : આપણાથી કોઈ દુભાયો હોય તેથી અહીં ન આવતો હોય, પછી આપણે અહંકાર કરીને પણ ખંખેરી નાખીએ ને કહીએ ભઈ, હવે મેં પ્રતિક્રમણ કરી લીધું. હવે એ નથી આવતો, એમાં મારે શું લેવા-દેવા ? દાદાશ્રી : પણ એ તો બધું ખોટું કહેવાય. પણ એકંદરે આપણા નિમિત્તે બની ગયુંને, આ બધું ! તે આપણે બને એટલું કરવું જોઈએ. પછી ના બને તો રહ્યું. ના બને તો પછી એના માટે કંઈ મરી ફીટાય નહીં. પ્રશ્નકર્તા : એ બરાબર છે. પણ આજે પોતાની અંદર સમજણની વાત છે કે, પોતાની સમજણમાં શું હોવું જોઈએ કે હવે મેં પ્રતિક્રમણ કર્યું, મને એના માટે કશું નથી. હવે પોતે ગોળી છોડી દે, પછી પોતાને તો આટલું કરીને ભૂંસી નાખવાનું સહેલું છે. પણ જેને વાગી હોય, એને લ્હાય બળતી હોયને ! દાદાશ્રી : પણ એ દર્શન કરવા નથી આવતો, તે કેટલી લ્હાય બળતી હશે કે, આ નાલાયક માણસ મળ્યો. તેથી મારે આ જવાયું નહીં. એટલે એ તો આપણે સમભાવે નિકાલ કરવો જોઈએને ?! પ્રતિક્રમણની સૂક્ષ્મ કચાશો ! પ્રશ્નકર્તા : બીજું એવું છે કે, એ ડીમાર્કેશન કેવી રીતે ખબર પડે કે આપણે એનું પ્રતિક્રમણ કર્યું અને આપણને એના માટે અભિપ્રાય નથી રહ્યા હવે ? હવે એ હંડ્રેડ પરસેન્ટ આપણો અભિપ્રાય ઊડી ગયો છે ? દાદાશ્રી : છતાં એને જતું નથીને ? પ્રશ્નકર્તા : એનું નથી જતું. અને આપણુંય કદાચ મહીં રહેતું હોય, કોઈવાર એવુંય થઈ જાયને, કે હવે એ તો કેટલા બધા સેન્સિટિવ છે, આટલું કહ્યું, એમાં આટલું બધું શું લઈ લેવાનું ? એવું પણ આવી જાયને પોતાને, તો ત્યાં એટલી કચાશ રહે અભિપ્રાય ઊડવામાં. દાદાશ્રી : આપણને રહેતો હોય તોય એ ખબર ના પડે. પ્રશ્નકર્તા : ના પડે. એ ખરી વાત છે. બહુ ઝીણું છે આ. એટલે સેફસાઈડ માટે પ્રતિક્રમણ કરવું સારું એમનું ? દાદાશ્રી : આવાં કેસ દુનિયામાં ઓછાં બને છે. એટલે વાળી આવવું. જુઓને ! આવતાં નથીને ! શુભ માન, નુકસાનકારક નહીં ! પ્રશ્નકર્તા : પણ દાદા, માનના પરમાણુ હોય બહુ જ, તો નુકસાનકારક કહેવાય ? દાદાશ્રી : કયા ? પ્રશ્નકર્તા : એવું માન હોય કે, ચાલો ભઈ, આનું ભલું કરીએ, આનું સારું કરીએ. દાદાશ્રી : ના. કશું કોઈ વસ્તુ નુકસાનકારક છે નહીં. નુકસાનકારક તો બીજાને તિરસ્કારવાળું માન એ વ્યક્તિને નુકસાનકારક છે. માન એટલે કોને કહેવું કે જે માન એક્સેસ હોય, લોકોને તિરસ્કારવાળું હોય, બાકી આ હું સારું કરું કે, એનો વાંધો છે જ નહીં. પ્રશ્નકર્તા : હું આમ બહુ એનાલીસીસ (પૃથક્કરણ) કરું ત્યારે એમ લાગે કે ઊંડે ઊંડે એવી એક ઇચ્છા રહી હોય કે, આમ માન, વટ, પણ એ કેવી જાતનો કે કોઈનો લાભ લેવા માટે નહીં, કોઈનું સારું કરવા માટે. દાદાશ્રી : આ જે માન છેને, તે માન તમને આ જગ્યાએ લાવ્યાં. નહીં તો આ માન જો ભરેલું ના હોત તો તમે બીજી જગ્યાએ હોત. પ્રશ્નકર્તા : કેમ કે સીમંધર સ્વામીનું મંદિર બનાવવાનું હોયને, તો મને એમ થાય કે, હું તો આમાં હરીફાઈમાં ઊતરું. દાદાશ્રી : એના જેવી વાત જ ના હોયને આ દુનિયામાં. એ તો બહુ સારામાં સારી વસ્તુ. બાકી માન કોને કહેવાય ? હું તમને કંઈક કહું પણ એ તમને દુઃખ થાય એવું હોય, પછી એવું જ વર્તન હોય કે તમને દુઃખ થાય, તો તેને માન કહેવાય. આ તો લોકોને બહુ આનંદ થાય. સવારમાં ઊઠેને તો જેને ભગવાન ઉપર ભાવ છે, એની પર દાદાનો ભાવ સંપૂર્ણ જ હોય. એટલે આ તો સારી વસ્તુ છે. આવું બને નહીં. પછી એ બન્યું કે ના બન્યું, એ વાત જુદી છે. પણ આ ભાવ આવ્યો ઊંચો, બહુ સારો. તમને ખ્યાલમાં આવી ગઈ બધી વાત ? પ્રશ્નકર્તા : હા, એવી ભાવના સતત રહે કે કંઈક કરું, કંઈક કરું. અને ગમે તેટલું કરું તોય એમ જ લાગે કે હજુ કશું કર્યું નથી. દાદાશ્રી : હા, એવું લાગ્યા કરે. જાણે ભૂખ્યા ને ભૂખ્યા હોય ! બહુ ઊંચી વસ્તુ છે આ ! કોઈક મહાપુણ્યશાળીને પ્રાપ્ત થાય એવી વસ્તુ છે આ. અકર્તા ? છતાં સામાને દુઃખ તો પ્રતિક્રમણ ! દાદાશ્રી : વાતચીત આગળ ચલાવો. પ્રશ્નકર્તા : આપણે અકર્તા રહીએ છીએ પણ ચંદુભાઈ જે પણ કંઈ કર્મ કરે છે, એનાથી એના આજુબાજુવાળાને કોઈને દુઃખ પહોંચે છે, તો એમને એમ લાગે છે કે આ ચંદુભાઈ જ એમને દુઃખ પહોંચાડે છે. તો એની આપણને જે અસર પહોંચે તો એના માટે શું કરવું ? દાદાશ્રી : એ તો કહ્યું છેને મેં, ચંદુભાઈ જો કોઈને અતિક્રમણ કરે, એટલે દુઃખદાયી થઈ પડે, તો ચંદુભાઈને કહેવું કે, 'ભઈ, પ્રતિક્રમણ કરો એના નામનું.' અતિક્રમણ નહીં તો કશું જ નહીં કરવાનું. અંતે કરવું જાથું પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : અમુક કર્મોમાં વધારે, લાંબી બોલાચાલી થઈ હોય તો, લાંબો બંધ પડે, તે માટે બે-ચાર વાર પ્રતિક્રમણ કે વધારે વાર કરવાં પડે કે પછી એકવાર કરે તો આવી જાય બધામાં ? દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું. અને પછી જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ બહુ ભેગાં થઈ જાય તો જાથું પ્રતિક્રમણ કરવું. 'હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું.' આપણે દાદા ભગવાનને કહી દેવાનું, બીજા કોઈને નહીં. 'હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું' પછી પતી ગયું. - જય સચ્ચિદાનંદ |
|---|