અણહક્કના વિષયદોષના જોખમો !

સંપાદકીય

આ જગતમાં જેટલી જોખમવાળી વસ્તુઓ છે તેનાથી માણસ ચેતતો જ રહ્યો છે. ૪૪૦ વોલ્ટનું વીજળીના પાવરનું ટ્રાન્સફોર્મર હોય, કેવો છેટો રહે છે ? મોટો નાગ આવતો હોય ત્યાં ? કેવો ભય લાગે છે, ત્યાં કેવી સેફસાઈડ કરીએ છીએ. પણ વિષય-વિકારના જોખમો જાણતો નથી એને સંપૂર્ણ સુખનું જ સાધન માની બેઠો છે અને એટલે વધુ ને વધુ સુખ મેળવવા ફાંફા માર્યા જ કરતો હોય છે. સમાજની વ્યવસ્થા જળવાઈ રહે એટલે મનુષ્યમાં લગ્નબંધનનો રિવાજ ગોઠવ્યો. પરણે એટલે સામસામે હક્કનો સંબંધ બંધાયો. અને તે પણ નિયમસર પ્રમાણમાં હોય તો લગ્નજીવન સુખ-સંતોષથી પૂરું થાય. પણ આ તો હક્કથી આગળ જઈને બધું બગડ્યું છે. મનથી દ્રષ્ટિદોષથી વિષયના ગુના કરે છે અને એથી વધારે ગુનો તો અણહક્કમાં દેહાચાર બગાડે તે ! અણહક્કના ગુનાના પરિણામ શું ભોગવવા પડતા હોય છે તે જાણતો નહીં હોવાથી એમાં અટકતો નથી.

પોતાના હસબંડ કે વાઈફ સિવાય બીજે દ્રષ્ટિ કે વિચાર બગડે તે બહુ જ મોટું જોખમ છે. જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન અહીં રેડ સિગ્નલ ધરે છે કે 'આ કાળમાં બ્રહ્મચર્યની સમજ ના હોય તો માણસ નર્કે જશે. પહેલાં તો લોકોની એકાદ જગ્યાએ દ્રષ્ટિ બગડતી. આજે તો ઠેર ઠેર દ્રષ્ટિ બગડે છે. તે પછી હિસાબ ચૂકવવા જવું જ પડે. એટલે એ હલકી નાતમાં જાય તો આપણે ય હલકી નાતમાં જન્મ લેવો પડે. જે બીજાની બેન-દીકરી-વાઈફ પર નજર બગાડે છે, તેની પોતાની બેન-દીકરી-વાઈફ પર કોઈ નજર બગાડશે. જે બીજાનું બગાડે છે, તેનું પોતાનું જ બગડી જવાનું છે. પરિણામે મનુષ્યપણું ખોઈને જાનવરમાં જવાનો વખત આવે. ઓફિસોમાં, બસસ્ટેન્ડ, રસ્તે જતાં, જ્યાં ને ત્યાં વિષયના દ્રષ્ટિદોષ, ફોટાઓ પાડ્યા જ કરે છે. એના ઉપાયમાં દાદા ભગવાન એક જ વાત સમજણ પાડે છે, ખૂબ પસ્તાવો ને પ્રતિક્રમણથી આવતા ભવની જોખમદારી ધોવાઈ જશે.

અણહક્કના વિષય સંબંધ એ તો નર્ર્કે જવાની નિશાની છે. એ તો ગમે તે ભોગે ગુનો થવો જ ના જોઈએ. છતાં થયો હોય તો જ્ઞાની પાસે હ્રદયપૂર્વક પસ્તાવા સાથે આલોચના કરવી પડે. અને જીંદગીમાં એ ભૂલ ફરી ન જ કરવાના હોય તો જ્ઞાની એ દોષને ધોઈ નાખે. એટલે દાદા ભગવાન પાસે ચોખ્ખા થવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે.

પ્રસ્તુત સંકલનમાં અણહક્કના વિષયના જોખમો જણાવ્યા છે, ચેતવ્યા છે, પાછાં ફરવાના રસ્તા બતાડ્યા છે, જે સમજીને અત્યાર સુધી થયેલી ભૂલોને પ્રતિક્રમણો કરીને ચોખ્ખા થઈએ તો મોક્ષના પંથમાં કોઈ બાધકતા નહીં આવે.

દીપકના જય સચ્ચિદાનંદ

અણહક્કના વિષયદોષના જોખમો !

જોવાથી દ્રષ્ટિદોષના સોદા !

અત્યારે તો બધું ઓપન બજાર જ થઈ ગયું છેને ? એટલે સાંજ પડ્યે દેખાય કે કશોય સોદો જ નથી કર્યો, પણ એમ ને એમ બાર સોદા લખી નાખ્યા હોય. આમ જોવાથી જ સોદા થઈ જાય ! બીજા સોદા તો થવાના હશે તે થશે, પણ આ તો જોવામાત્રથી જ સોદા થઈ જાય ! આપણું જ્ઞાન હોય તો એવું ના થાય. સ્ત્રી જતી હોય તો એની મહીં તમને શુધ્ધાત્મા દેખાય, પણ બીજા લોકોને શી રીતે શુધ્ધાત્મા દેખાય ? જોવાથી તને સોદો થાય છે હવે ? નથી થતો ને ? ને જ્ઞાન પહેલાં તો કેટલાં થતાં'તાં સાંજ સુધીમાં ?

પ્રશ્નકર્તા : દસ-પંદર થઈ જાય.

દાદાશ્રી : અને કોઈના લગનમાં જઉં તો ? કોઈને ત્યાં લગનમાં ગયા હોઈએ, તે દહાડે તો આપણે બહુ બધું જોઈએ ને ? સોએક સોદા થઈ જાય ને ? એટલે એવું છે આ બધું ! એ તારો દોષ નથી ! બધા મનુષ્યમાત્રને એવું થઈ જ જાય. કારણ કે આકર્ષણવાળું દેખે એટલે દ્રષ્ટિ ખેંચાઈ જ જાય. એમાં સ્ત્રીઓને ય એવું ને પુરુષોને ય એવું, આકર્ષણવાળું દેખે કે સોદો થઈ જ જાય ! જેમ આપણે માર્કેટમાંથી શાક આકર્ષણવાળું હોય તો સાંજે લઈને જ આવીએ છીએ ને ?! ના લેવું હોય તો ય લે છે ને ?! કહેશે, 'બહુ સરસ શાક દેખાયું એટલે લઈ આવ્યો !' કેરીઓ આકર્ષણવાળી નહીં લાવતા લોક, સરસ રૂપાળી દેખાતી હોય તો ? રૂપાળી દેખી તો સોદો કરી નાખે છેને ? પછી કાપ્યા પછી મોઢું ખાટું થાય ત્યારે કહેશે કે પૈસા છૂટી પડ્યા ! આવું છે આ જગત !! આ તો બધા આંખના ચમકારા છે ! આંખ દેખે છે અને ચિત્ત ચોંટે છે !! આમાં આંખનો શો ગુનો ? ગુનો કોનો ?

પ્રશ્નકર્તા : મનનો ?

દાદાશ્રી : મનનો ય શો ગુનો ? ગુનો આપણો કે આપણે કાચા પડ્યા, ત્યારે મન ચઢી બેઠું ને ! ગુનો આપણો જ ! પહેલાં તો એવો ય વિચાર કરતા હતા કે અહીં આપણાથી ના જોવાય, આ તો બહેન થાય, આ તો મામાની દીકરી થાય, ફલાણું થાય. અત્યારે તો કશું જોવામાં બાકી જ નથી રાખતા ને? આ તો બધી પાશવતા કહેવાય ! થોડું-ઘણું વિવેક જેવું કશું ના હોય ?

દ્રષ્ટિનો જરા વિચ્છેદ ના થવો જોઈએ. કોઈની પ્રત્યે આપણી દ્રષ્ટિ ખેંચાય તો આખો દહાડો પ્રતિક્રમણ કરવું પડે. તે કેવડું મોટું બીજ નાખેલું કે આપણી દ્રષ્ટિ ખેંચાયા કરે ! એક સંતે તો દ્રષ્ટિ ખેંચાતી હતી, તેથી તેમણે આંખમાં મરચું નાખ્યું. પણ આપણે એવું કરવાનું નથી કહેતા. આપણે મરચું ના નાખશો એમ કહીએ છીએ. આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવું. એમણે મરચું શાથી નાખ્યું હશે કે આંખનો દોષ છે. આંખને દંડ દો, એમ કહે છે. અલ્યા, દોષ તારો છે. આંખને દંડ શું કામ કરે છે ? પાડાને વાંકે પખાલીને ડામ દે છે.

દ્રષ્ટિ બગડે ત્યાં ભવ જોડાય !

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય સંબંધી બહાર કોઈ બોલતું જ નથી.

દાદાશ્રી : 'મેરી ભી ચૂપ ઔર તેરી ભી ચૂપ' એવું પોલંપોલ ચાલ્યું છે. હું બ્રહ્મચર્ય સંબંધી વાત કરું છું ત્યારે મોટા મોટા આચાર્ય-મહારાજોને આશ્ચર્ય થાય છે. 'આ કાળમાં આવું ચેતવનાર ના હોય, તો માણસ નર્કે જશે. કારણ પહેલાં તો લોકોની એકાદ જગ્યાએ દ્રષ્ટિ બગડતી, આજે તો ઠેર ઠેર દ્રષ્ટિ બગડે છે ! તે પછી હિસાબ ચૂકવવા જવું જ પડે. એટલે એ જ્યાં જાય, હલકી નાતમાં જાય તો આપણે પણ હલકી નાતમાં જવું પડે. છૂટકો જ નહીં. હિસાબ ચૂકવવો જ પડે. હવે આ બધા બિચારાને આની ખબર જ ના હોય ને કે આની જવાબદારી શું છે ! તમે જાણો કે આ લોકો આવું કરે છે, તે આપણે ય એવું કરીએ છીએ. વીંછી જો ડંખ મારે તો તરત કેમ છેટા રહો છો ? 'આમાં ડંખ મારનારું છે' એમ કોઈ દેખાડનાર નથી ને ?!

નીચી નાતમાં ઊંચા પુરુષોને શા માટે જન્મવું પડે છે ? વિષય વિકારના રોગ જેને લાગુ થયા છે, એ બધા ય નીચી નાતોમાં જન્મ પામે છે, એક જ આધારે. વિષય-વિકાર જેને ઓછાં હોય, તે ઊંચી નાતમાં, ઊંચા કૂળ અને ઉચ્ચ ગોત્રમાં હોય. વિષયદોષ ઓછો એટલે ! દ્રષ્ટિ જ ફેર થવાથી એ જ્યાં જાય ત્યાં જવું પડે. એટલે ચેતવાનું છે. પોતાની સ્ત્રી સિવાય બીજે દ્રષ્ટિ જ ના બગડવી જોઈએ. બીજે દ્રષ્ટિ બગડી તો ખલાસ થઈ ગયું.

'વેરાઈટિઝ ઓફ પેકિંગ્સ' છે ! આનો પાર આવે એવો નથી, પણ એટલી બધી જાગૃતિ ય રહેતી નથી. એટલે નક્કી જ કરવું કે જે થવાનું હોય તે થાય, પણ દ્રષ્ટિ માંડવી જ નથી. નહીં તો બીજ તો બહુ મોટાં પડી જાય, તે આવતો ભવ ખલાસ કરી નાખે !! પેલી જ્યાં જાય ત્યાં આને જવું પડે અને પછી ખલાસ થઈ જાય.

એ ડાઘ ધૂએ પ્રતિક્રમણથી !

હું શું કહું છું કે બીજી કોઈ સ્ત્રીને જોઈશ નહીં. કો'કની સ્ત્રી ઉપર નજર કરે તો તે ચોરી કર્યા બરાબર છે. આપણી સ્ત્રી ઉપર કોઈ નજર કરે તો તમને સારું લાગે ખરું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એવું આપણે પણ કાયદેસર રહેવું જોઈએ. ગમે એવી દેખાવડી હોય તો ય છોકરી પર નજર જાય નહીં, આટલું સાચવવાનું કહ્યું છે.

પ્રશ્નકર્તા : પવિત્ર રહેવાનું.

દાદાશ્રી : હા, પવિત્ર રહેવાનું છે. પવિત્ર રહેવા છતાં ક્યાંક આંખ ખેંચાઈ જાય અને કંઈક જરા ભૂલ થઈ ગઈ હોય તો અમે સાબુ આપેલો છે, તેનાથી તરત જ ડાઘ ધોઈ નાખજો. તરત ધોઈ ના નાખે તો કપડું મેલું થયા કરે. આ છોકરાઓને બિચારાને દ્રષ્ટિ બગડે. તમારે મોટી ઉંમરનાને પણ સાબુ આપવો પડે. કારણ કે આ આંખ તો ક્યારે બગડશે, તે કહેવાય નહીં. અમે આ સ્ત્રી સાથે મોક્ષ આપેલો છે. તમને હું કહું કે સ્ત્રી મૂકીને અહીં આવતા રહો ને એને મનમાં દુઃખ થયું, તો પછી તમે કોઈ દહાડો મોક્ષે જઈ શકો ? અને હું તમને બોલાવું તો હું ય મોક્ષે જઉં ખરો ? તમને બેઉને રખડાવી માર્યા, તેમાં મારો ય મોક્ષ થાય ખરો ?!

વાંધો ફક્ત સ્ત્રી-પુરુષો બે સામસામે ભેગા થાય છે ત્યાં આગળ મૂળ દ્રષ્ટિનો રોગ છે. તે દ્રષ્ટિ બગડે તો પ્રતિક્રમણ કરી લેવું. બસ, એટલો જ વાંધો ! બીજો કોઈ વાંધો નથી. કારણ કે શાસ્ત્રકારોએ કહ્યું છે, જગતે કહ્યું છે કે પેટ્રોલ અને અગિન્ એ બે જોડે ના મૂકાય. છતાં આપણે અહીં જોડે બને છે. તો આટલું ચેતીને ચાલવાનું કે દીવાસળી ના પડવી જોઈએ.

અહીં આ સ્ત્રીઓને, પુરુષોને, દરેકને પ્રતિક્રમણનું સાધન આપ્યું છે. દ્રષ્ટિ બગડી કે તરત પ્રતિક્રમણ કરવું, પછી જોખમદારી મારી. કારણ કે તમે પ્રતિક્રમણ કર્યું, મારી આજ્ઞા પાળી એટલે જોખમદારી બધી મારી. પછી આપને શું જોઈએ ? જોખમદારી દાદા લેતા હોય, પછી શો વાંધો છે ?

આપણાં જ્ઞાનથી બહાર તો દ્રષ્ટિ બેસે જ નહીં અને બેસે તો ઉખેડીને પાછું પ્રતિક્રમણ કરી લે. બેસે ખરી પહેલાંનો માલ ભરેલો એટલે. પણ ઉખેડીને પ્રતિક્રમણ કરે.

પ્રશ્નકર્તા : દ્રષ્ટિ ના બગડે, મન ચોખ્ખું રહે, એનાં માટે તો કેટલી બધી જાગૃતિ રાખવી પડે ?

દાદાશ્રી : ઓહોહો, એની જાગૃતિ ના રાખે, ત્યારે તો પછી કરવાનું શું ત્યારે ?! એ તો ફાઈલો હજુ આવતાં ભવમાં ય ચોંટે પાછી. ગયા અવતારની ચોંટેલી, તે આ જ્ઞાને કરીને ઉખાડી નાખવાની છે. નવી ચોંટે નહીં એ જ જોવાનું ને !

ચિત્ત ચોંટે ત્યાં બીજ પડે !

કોઈક સ્ત્રી બહાર શાકભાજી લેવા નીકળે, તે કોઈક પુરુષને દેખીને એનું ચિત્ત ત્યાં ચોંટે. આ ચિત્ત ચોંટવાથી બીજ પડે. તે આવતાં-જતાં આવાં પચ્ચીસ-પચાસ પુરુષ જોડે બીજ પડે. આમ રોજ બને, તે પાર વગરના પુરુષો જોડે બીજ પડે. એવું પુરુષને સ્ત્રીઓ સામે થાય. હવે જો જ્ઞાન હાજર હોય તો બીજ પડવાનું અટકી જાય, છતાં પ્રતિક્રમણ કરે તો જ ઉકેલ આવે. આ બીજ તો મિશ્રચેતન જોડે પડે. મિશ્રચેતન પછી દાવો માંડે. મિશ્રચેતન તો કેવું હોય કે બન્નેની મરજીના ડિફરન્સ, બન્નેનાં સંચાલન જુદાં. ત્યાં પોતાની ઇચ્છા ના હોય તો ય સામાને સુખ ભોગવવા જોઈએ, તો શું થાય ? એમાંથી પછી રાગ-દ્વેષનાં કારખાનાં થાય. આપણી પાસે તો જ્ઞાન છે, તો શુધ્ધાત્મા જોઈને ચોંટ ધોઈ નાખવાની. નહીં તો આ ચિત્ત ચોંટે તો, એનું ફળ બે-પાંચ હજાર વર્ષે ય આવે !

માન આપીને પાડે વિષયના ખાડામાં !

સ્ત્રી-પુરુષોમાં આ કળિયુગના આધારે સામસામી અસર થાય છે. બંનેને સંતોષ હોય તો ય બહાર કંઈક જુએ છે, તો દ્રષ્ટિ મંડાઈ જાય છે. એ મોટામાં મોટું ભય સિગ્નલ છે. આ દ્રષ્ટિમાં મીઠાશ વર્તે તે ય બહુ મોટું જોખમ. તમે માની હો, તો તમને કોઈ સ્ત્રી માન આપે તો તમારી દ્રષ્ટિ ખેંચાઈ જાય. લોભી હોય તો તેને લોભ આપે તો ય દ્રષ્ટિ ખેંચાઈ જાય. પછી બધું જીવન ખેદાનમેદાન કરી નાખે !

પ્રશ્નકર્તા : વ્યવહારમાં એકબીજાને માન આપવું એ તો કંઈ ખરાબ ના કહેવાય ને ?

દાદાશ્રી : માન આપવું, પણ દ્રષ્ટિ નીચી રાખીને. દ્રષ્ટિ બગડે કે તરત ખબર પડી જાય. માનમાં તો તરત દ્રષ્ટિ બગડે. આટલું જ જોખમ છે, બીજું કશું જોખમ નથી.

તમને બધું કામ લાગશે કે ?

કેટલાંકને કેવું હોય કે માનની ગાંઠ વિષયને માટે જ રક્ષા કરતી હોય. એટલે એનો વિષય ગયો કે માનની ગાંઠ છૂટી જવાની. કેટલાંકને પહેલી માનની ગાંઠ હોય ને પછી વિષય હોય છે, એટલે માનની ગાંઠના આધારે વિષય હોય છે અને કેટલાંકને વિષયના આધારે ય માનની ગાંઠ હોય છે ! એટલે એનો આધાર નિરાધાર થાય કે પેલું ઊડ્યું.

પ્રશ્નકર્તા : કોઈ સ્ત્રીને આપણે બહેન તરીકે માનીએ, દીકરી તરીકે માનીએ કે માતા તરીકે માનીએ, તો પછી તેના માટે આપણને ખરાબ ભાવ ના થાયને ?

દાદાશ્રી : માનવાથી કશું ફળ મળે નહીં. માનેલું રહે જ નહીં ને !

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ કે દરેક બાબતમાં ચેતતા રહેવું જોઈએ ?

દાદાશ્રી : બહુ જ ચેતતા રહેવું જોઈએ અને આ તો દાદાની આજ્ઞા છેને ! તે આ આજ્ઞા તો ખાસ બધાને આપેલી જ છે ! જેને જીતવું છે, તેને અમારી આ મોટામાં મોટી આજ્ઞા પાળવાની છે. બાકી, માનેલું કશું રહે નહીં.

પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા ભાવથી જોતા હો, તો પછી વાંધો જ ના આવેને ?

દાદાશ્રી : શુધ્ધાત્મા ભાવથી તો જોઈ લેવાનું છે પણ દ્રષ્ટિ તો ના જ મંડાવી જોઈએ. તમને કોઈ જે' જે' કરે અને બે શબ્દ સારા બોલે તો તરત તમારી દ્રષ્ટિ એનાં પર મીઠાશવાળી મૂકાશે અને પેલીની દ્રષ્ટિ તમારે માટે પછી બગડશે. એટલે માન આપે ત્યાંથી તેને દુશ્મન માની લેવું. વ્યવહારમાં સાધારણ માન આપે તો તો વાંધો નથી, પણ જો બીજા પ્રકારનું માન આપે, ત્યાંથી આપણે જાણવું કે આ આપણા દુશ્મન છે, આપણને ખાડામાં લઈ જશે !

મોટામાં મોટું જોખમ જ આ છે, બીજું કોઈ જોખમ જ નથી. બાકી, માનેલું કશું રહે નહીં. આવું તમે કંઈથી લાવ્યા માનેલું ?

પ્રશ્નકર્તા : ના, એ તો આ પ્રશ્ન નીકળ્યો કે કોઈને ભાઈ-બહેન એ દ્રષ્ટિથી જોતાં હોય તો કેવું ?

દાદાશ્રી : ના, એ દ્રષ્ટિથી જોવાય જ નહીં ને ! એ દ્રષ્ટિ તો હવે રહી જ નથી ને ! એટલે એ દ્રષ્ટિથી જોવામાં 'સેફસાઈડ' રહી નથી. તમને શી ખબર પડે કે આ પ્રજા કેવી છે ? સગા કાકાની દીકરી ઉપરે ય દ્રષ્ટિ બગડે ! આ તો ઘેર-ઘેર બધો આવો માલ થઈ ગયો છે ! કળિયુગ તો બધે ફેલાઈ ગયો છે.

ન મિલાવો દ્રષ્ટિ કદિ...

એટલે ચેતવાનું શું કે સ્ત્રીએ પુરુષથી ને પુરુષે સ્ત્રીથી બિલકુલ લપ્પન-છપ્પન નહીં રાખવી જોઈએ, નહીં તો એ ભયંકર રોગ છે ! એ વિચારથી જ માણસને બેભાનપણું રહે છે ! તો પછી આત્માની જાગૃતિ ક્યારે થાય ? એટલે આટલું ચેતવાનું છે ! આમાં શું અઘરું છે કશું ?

પ્રશ્નકર્તા : ત્યાં સાવચેત રહેવું જોઈએ.

દાદાશ્રી : એટલેથી જ છેટું રહેવા જેવું છે. બીજી બધી બાબતો અમે છોડી દેવડાવીએ, રસ્તો કરીએ પણ અહીં તો ચેતન મિશ્રિત થયું ને ? એટલે સ્ત્રી-પુરુષોએ બન્નેએ ચેતવા જેવું, ભયંકર જોખમ છે !!! હંમેશાં નીચું જ જોવું, બીજો કોઈ બાધ આપણા માર્ગમાં નથી. ઘેરે ય આની આ જ વાતચીત કરવી. તે પછી ઘરનાં બધાં સમજી જાય કે દ્રષ્ટિ ઊંચી કરવા જેવી જ નથી.

આવું કોઈએ ચેતવ્યા જ નથી !

કોઈ પુરુષથી સ્ત્રીઓ સામું જો જો ના કરાય અને કોઈ સ્ત્રીથી પુરુષો સામું જો જો ના કરાય. હલવાઈની દુકાને લોકો જો જો નથી કરતા. કારણ કે એ જાણે છે કે આપણું ન હોય. પણ આ પુરુષો સ્ત્રીઓને જોયા કરે છે અને સ્ત્રીઓ પુરુષોને જોયા કરે છે. અલ્યા, આમાં શું જોવાનું તે ? આ તો તડબૂચાં જાય છે બધા, એમાં શું જોવાનું છે ?

આવું કોઈ કહેતું નથી ! સબ ચલને દો, એવું બોલ્યા કરે ને ! પણ આ તો ભયંકર જોખમદારી છે. પોતાની પૈણેલી સ્ત્રી હોય, તો એ સ્ત્રીનાં મા-બાપ હઉ પૈણાવે છે એને, ગામવાળાઓ પૈણાવે છે, એટલે બધા લોકો 'એક્સેપ્ટ' કરે છે ને ? એનો વાંધો નથી, પણ બીજું તો જોવાય નહીં. બીજે ક્યાંય દ્રષ્ટિ બગાડાય નહીં. પણ આવો ઉપદેશ કોઈએ આપ્યો નહીં. આવું ને આવું પોલ ચાલવા દીધું, તે ગાડું ઊંધું ચાલ્યું.

આ તો જગત છે. શું દ્રષ્ટિ ના બગડે ? કારણ કે જાત જાતની કેરીઓનું આ તો સંગ્રહસ્થાન. હાફુસની કેરી હોય, રત્નાગિરિની, બીજી હોય, ત્રીજી હોય, તે માણસ બિચારો શું કરે ? એટલો બધો 'કંટ્રોલ' શી રીતે આવે ? આ જ્ઞાન લીધું હોય તો 'કંટ્રોલ' રાખી શકે. બાકી અણહક્કનું ભોગવવાના વિચાર આવ્યા, ત્યારથી જાનવર ગતિમાં જાય. આપણા મનમાં એમ થાય કે આપણું શું થવાનું છે ? એટલે લોક ભય નથી રાખતા. પણ આ જગત તો બધું ભયનું જ કારખાનું છે. માટે ચેતીને ચાલો. ભયંકર કળિયુગ છે. દિવસે દિવસે 'ડાઉન' કાળ આવ્યા કરે છે, વિચારો ને બધું ખરાબ બગડતા જ જવાના. માટે મોક્ષે જવાની વાત કરશો તો કંઈક દહાડો વળશે.

ભોગવવા પડે વિષયના હિસાબો !

આ કેરી ઝાડ ઉપર દેખાતી હોય ને લોકોએ દેખી તો રાત્રે આવીને લઈ જાય. તેવું આ સ્ત્રી કોઈને ગમી હોય તો, તેને રાત્રે આવીને ઉઠાવી જાય. તે આ ય બધી કેરીઓ જ છે ને ? જે ભોગવાઈ જાય તે બધી જ કેરીઓ. આ ઊંચી જાતની હાફુસની કેરીઓ હોય, પણ ભોગવાઈ જાય પછી ગોટલો પડી રહે અને આમાં મરતી વખતે ગોટલો લઈને જોડે જાય.

વિષય જો નાછૂટકે ભોગવવો પડે તો એ વિષ નથી. તું પૈસા છૂટથી વાપરે કે નાછૂટકે ? આ તો પૈસાની જ વાત છે, પણ આ એક જ વખતના વિષયમાં તો અબજો-અબજોનું નુકસાન છે, ભયંકર હિંસા છે. આ પૈસાની બહુ કિંમત નથી, પૈસો તો ફરી આવે. આ બધા હિસાબ ભોગવવા પડશે. જેટલા હિસાબ બાંધવા હોય એટલા બાંધજો. જેટલી મજબૂતી હોય એટલાં હિસાબ બાંધજો. બાકી ભોગવતી વખતે સહન ના થાય ને રડારડ કરે, એનાં કરતાં પહેલેથી જ ચેતીને હિસાબ બાંધજો. એ બધા હિસાબ છોડવા તો પડશે ને ? વિષયની વેદના કરતાં નર્કની વેદના સારી. આ વિષય તો બીજ નાંખે પાછું. નર્કમાં બીજ પડે નહીં, નર્કમાં ભોગવવાનું એકલું જ, ડેબિટ પૂરી થઈ ગઈ. અને ક્રેડિટ હોય તો ત્યાં દેવગતિમાં પૂરી થાય છે. જ્યારે વિષયમાં તો નવાં બીજ પડ્યા વગર રહે જ નહીં. આ તો અમને બહુ નાનપણમાંથી વિચારો આવતા, બધા બહુ વિચારો કરી નાખેલા.

વૈરાગ્ય વર્તાવે તેવી દ્રષ્ટિ !

'ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.' હવે કાષ્ટની પૂતળી શી રીતે ગણે ?! ગણવું તે કંઈ સહેલું છે ? આ લોક તો સાચે જ કાષ્ટની પૂતળી લાવી આપીએ તો ય આમ બાથમાં ઘાલ ઘાલ કરે એવાં છે ! હવે અહીં દેખે ને વૈરાગ આવે, તે તો ભગવાન જ કહેવાય ! હાડકાં, માંસ, લોહીથી ભરેલો આ દેહ એનાં જેવો જગતમાં કોઈ ગંદવાડો નથી. જ્યારે આ દેહ જ મોક્ષનું કામ કાઢે તો એનાં જેવું કોઈ બીજું ઉત્તમ નથી ! મનુષ્ય દેહ છે, એનાંથી જેમનું કામ કાઢવું હોય તેમનું થાય એવું છે.

બ્રહ્મચર્યથી તો મનને સંસ્કારી કરવાનું છે ને જ્ઞાન સમજવાનું છે કે ક્યાંય ખેંચાણ ના થાય. અમને આ સ્ત્રી-પુરુષો કેવાં દેખાય ? પહેલાં તદ્દન નાગાં દેખાય, પછી ચામડી કાઢી નાખેલાં દેખાય એટલે પછી વૈરાગ જ રહે ને ?! વૈરાગ તે કંઈ મારી-ઠોકીને ના આવે, એ તો જ્ઞાનથી આવે.

પ્રશ્નકર્તા : આ તો બહુ ગૂઢ કહેવાય.

દાદાશ્રી : આ સમજવા બેસે તો બહુ ઊંડું છે પણ છતાં સહેલું છે. ક્યાંય વિરોધાભાસ ન ઊભો થાય. આ સૈધ્ધાંતિક જ્ઞાન છે અને સબળ અનુભવપૂર્વકનું જ્ઞાન છે. આ તો આપણો અક્રમ માર્ગ, તેથી આપણે ખાવા-પીવાની છૂટ મૂકી, બધા પ્રકારની છૂટ મૂકી, પણ આપણે વિષય સામે ચેતવાનું કહીએ છીએ ! બાકી, વિષયથી તો ભગવાન પણ ડર્યા હતા.

મનુષ્યનો સ્વભાવ હરૈયો છે. હરૈયો એટલે જ્યાં દેખે ત્યાં ચોંટે, જ્યાં દેખે ત્યાં ચોંટે. બીજી બધી વસ્તુમાં રૂપ જોવાનું છે, આમાં રૂપ છે જ ક્યાં, તે જોવાનું ? આ તો ઉપરથી જ રૂપાળાં દેખાય છે. પેલી કેરી તો અંદર કાચી હોય તો ય સ્વાદ લાગે ને દુર્ગંધે ય ના આવે અને આને કાપો તો ? દુર્ગંધનો પાર ના હોય.

એટલે આ અહીં જ માયા છે. આખા જગતની માયા અહીં જ ભરેલી છે. સ્ત્રીઓની માયા પુરુષોમાં છે ને પુરુષોની માયા સ્ત્રીઓમાં છે.

પ્રશ્નકર્તા : તેથી જ બધું અટક્યું છેને ?

દાદાશ્રી : હા, તેથી જ અટક્યું છે.

જેવું કોઈને બગાડશો, તેવું પોતાનું બગડશે !

આ લોકોને તો પાછું કશું ભાન ના હોય ને ! અને હરૈયા જેવા હોય. હરૈયા એટલે તમે સમજ્યા ને ? તમે હરૈયા કોઈને જોયેલા ? હરૈયું એટલે જેનું હાથમાં આવે, તેનું ખાઈ જાય. આ ભેંસબંધુ (ભેંસનો ભાઈ)ને તમે ઓળખો કે ? એ બધાં ખેતરોનું ચોખ્ખું જ કરી આપે. આમ આ હરૈયા પાડા જેવું જગત છે. અલ્યા, મૂઆ તને વિચાર ના આવ્યો કે તારે ય બહેન, દીકરી છે. તું બીજી જગ્યાએ લે છે, તો તેના ફળ રૂપે તારું આ જશે. તમે જેવો ધક્કો મારો છો, તેવું પરિણામ ઊભું થશે. આ જગત બગાડવા જેવું છે નહીં. બગડી ગયું હોય તો એને સહન કરી લેવું. ફરી નવેસરથી બગાડવું નહીં. આવું જો બધા હરૈયા થાય તો શું રહ્યું ?

બહુ જૂજ માણસો છે કે જેને કંઈક આમાં મહત્ત્વતા સમજાયેલી છે. બાકી મળ્યું નથી ત્યાં સુધી હરૈયા નથી ! મળ્યું કે હરૈયા થઈ જતાં વાર ના લાગે. આ શોભે નહીં આપણને ! આપણાં હિન્દુસ્તાનની, કેવી ડેવલપ પ્રજા ! આપણે તો મોક્ષે જવાનું છે !!

પહેલાંના કાળમાં મનુષ્યો કેવાં હશે ? પારકી બહેન-દીકરી હોય તે ય પોતાની ગણે અને પોતાની ય પોતાની. કેવું સુંદર વાતાવરણ ! આ તો બધું 'ફ્રેકચર' થઈ ગયું. પછી સુખ કેવી રીતે આવે ? સાંસારિક સુખ તો આમાં હોય જ નહીં.

અણહક્કનું લઈ જાય નર્કે....

નિરંતર આજ્ઞામાં રહેવાય, નિરંતર સમાધિમાં રહેવાય, સરળ અને સમભાવી પાછો એવો આપણો માર્ગ છે. કેરીઓ બધું ખાવાની છૂટ આપી છે. ફક્ત એક વિષય એકલો જ, પોતાની સ્ત્રી કે પોતાના પુરુષ સિવાય અન્ય વિષય ન હોવો જોઈએ અને જે અણહક્કના વિષય છે, એનાથી તો અધોગતિ નોતરવાનું થાય. અને વિષયમાં તો કયું સુખ છે ? આ જાનવરોને ય એમાં સુખ નથી દેખાતું. જાનવરો ય સીઝન પૂરતાં ફક્ત વિષયમાં પડે છે, તે ય સીઝનનો ઉશ્કેરાટ છે. જાનવરોને ય આ ગમે નહીં. તેથી તો આ બધા બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠા છે. આ વિષયમાં ક્યાંય સુખ ના દેખાયું. જેનાં મોઢાં ગંધાય, જે શરીરમાંથી રાત-દહાડો નર્યો ગંદવાડો જ નીકળતો હોય, તેની ઉપર વિષય કેમ ઉત્પન્ન થાય ?

આ તો આજ્ઞા પાળવાની ગોઠવણી કરી દે, તો રાગે પડી જાય. બીજે અન્ય અણહક્કના વિષયો ભોગવવા જતાં તો નર્કગતિની નિશાની સામે આવે !

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યું અને આવું અણહક્કનું થાય એટલે જોખમદારી વધી જાય ને ?

દાદાશ્રી : ભયંકર. પછી જ જોખમદારી વધેને ! નહીં તો ય પહેલાં જોખમદાર હતો જ, જવાનો જ હતો જાનવરમાં. એને કશી પડેલી જ નહોતી ને ! હવે સારા માર્ગે આવ્યા પછી જો કદી આવી ભૂલ થયા કરે તો શું થાય ? આજ્ઞા બને એટલી પાળવી, આજ્ઞા ઉપર આવી જવું. બ્રહ્મચર્ય આવ્યું અને આ જ્ઞાન છે, એટલે પછી સુખ ખૂટે જ નહીં.

અબ્રહ્મચર્ય તો એવું કે આ અવતારમાં પોતાની સ્ત્રી થયેલી હોય, અગર તો બીજી રખાત રાખી હોય તો આવતાં અવતારમાં પોતાની છોકરી થઈને ઊભી રહે એવી આ સંસારની વિચિત્રતા છે. તેથી ડાહ્યા પુરુષો બ્રહ્મચર્ય પાળીને મોક્ષે ગયેલાને !

હક્કના જ મોક્ષની હદમાં, તેની ગેરેન્ટી !

પ્રશ્નકર્તા : નાનપણથી જ છોકરીઓમાં બહુ જ રસ છે.

દાદાશ્રી : છોકરીઓને જોવાનો કે છોકરીઓમાં ?

પ્રશ્નકર્તા : બધુંય, પહેલાં જોવામાં હતો પછી...

દાદાશ્રી : એ જ રોગ છે. એ જ પોલ છે. હું એ જ પૂછું છું, ક્યાં આગળ છે ? અહીં મૂઆ નથી, ત્યાં તો મૂઆ છો ને ! એમાં કેટલું ધારેલું સફળ થયું છોકરીઓમાં ?

પ્રશ્નકર્તા : આ બાબતમાં અત્યાર સુધી મને કોઈએ કંઈ જાણકારી આપી જ નથી.

દાદાશ્રી : પારકી સ્ત્રી કે પારકી છોકરી સાથે કંઈ પણ દ્રષ્ટિ બગડે તો ભયંકર પાપ છે. તારી પોતાની સ્ત્રી હોય તો વાંધો નથી. પણ પારકી અને પછી અહીં તો હરૈયો રહ્યો પણ ત્યાં ય પૂછડાં સાથે હરૈયો કૂદે, કૂદાકૂદ, કૂદાકૂદ. આ મનખો જતો રહેશે. મહાપરાણે મળેલું આ માણસપણું જતું રહેશે. માટે ચેત જરા.

એટલે તો તુલસીદાસને આખું શાસ્ત્ર લખવાનો વખત ના આવ્યો પણ બે જ અક્ષર બોલ્યા કે,

'પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન.

ઈતને સે હરિ ના મિલે, તો તુલસી જમાન.'

કૃપાળુદેવ તો જમાન થયા છે અને આ બીજા જમાન. હક્કનું ખાય તો મનુષ્યમાં આવે, અણહક્કનું ખાય તો જાનવરમાં જાય.

આ રહ્યો ગુના ધોવાનો ઉપાય !

પ્રશ્નકર્તા : અમે અણહક્કનું તો ખાધું છે.

દાદાશ્રી : ખાધું છે તો હજુ પ્રતિક્રમણ કરો ને, હજુ ભગવાન બચાવશે. હજુ મંદિરમાં જઈને પશ્ચાત્તાપ કરો. હજુ જીવતા છો. આ દેહમાં છો ત્યાં સુધી પશ્ચાતાપ કરો.

પ્રશ્નકર્તા : ખાલી પશ્ચાત્તાપ કરવાથી શું થાય ?

દાદાશ્રી : એ તમને સમજણ હોય તો કરો. જ્ઞાની પુરુષનું માનવું હોય તો માનો. તમારે ના માનવું હોય તો એનો કોઈ ઉપાય છે નહીં. હજુ પશ્ચાત્તાપ કરશો તો ગાંઠો ઢીલી થઈ જશે અને ઉપરથી રાજીખુશી થઈ તે કરેલું છે. તે નર્કગતિનું બાંધી કાઢ્યું છે. અણહક્કનું ખાધું તો ખરું, પણ રાજીખુશીથી કરે તો નર્કગતિમાં જાય અને જો પશ્ચાતાપ કરે તો જાનવરમાં આવે. ભયંકર નર્કગતિ ભોગવવાની છે. માટે જો અણહક્કનું હજુ જેટલું ખાવું હોય એટલું ખાજો લોકોનું.

પ્રશ્નકર્તા : આ બધામાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય શું ?

દાદાશ્રી : અણહક્કનું ખાધું હોય તેનો પશ્ચાતાપ કરો. અણહક્કનું ખાવાના વિચાર આવે તો ય પશ્ચાતાપ કરો. આખો દહાડો પશ્ચાતાપમાં જ રહો. આવું ન ખવાય. મારે તો હક્કનું હોય તો જ મારા કામનું. પોતાના હક્કની સ્ત્રી હોય, પોતાના હક્કનાં છોકરાં હોય, ઘર-મકાન બધું આપણું હોય, પણ પારકાંના હક્કનું કેમ લેવાય ? એ પછી જાનવર થયે છૂટકો નથી, નર્કગતિના અધિકારી થયાં છે. ભયંકર દુઃખોમાં સપડાયા. હજુ ચેતવું હોય તો ચેતજો. આ જ્ઞાની પુરુષ શું કહે છે કે તમને પશ્ચાતાપરૂપી હથિયાર આપ્યું છે. પ્રતિક્રમણ કર્યા કરો.

'હે ભગવાન ! અણસમજણથી, ખરાબ બુધ્ધિથી, કષાયોથી પ્રેરાઈને પણ આ જે મેં દોષો કર્યા છે, ભયંકર દોષો કર્યા છે. એની ક્ષમા માગું છું.' કષાયોની પ્રેરણાથી કર્યા છે, તમે તમારી જાતે નથી કર્યા. હજુ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો તમારી મરજીની વાત છે.

સંસારીને હક્કનું ભોગવવાની છૂટ...

જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે અને તું ત્યાગી હોઉં તો તારી વિષય તરફ દ્રષ્ટિ જ ના જવી જોઈએ ! અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઇચ્છા કરવી, અણહક્કના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક, એ બે વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન તો હોવી જોઈએ ને ? અને એ ડીમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં ! તો ય પણ લોક ડીમાર્કેશન લાઈનની બહાર નીકળ્યા છે ને ?! એને જ પાશવતા કહેવાય.

ભગવાન મહાવીરે ય પોતાના હક્કનું ભોગવતા હતા. એ કંઈ થાળી ફેંકી નહોતા દેતા. જે હક્કનું ભોગવે, એને ચિંતા ના થાય.

પ્રશ્નકર્તા : પણ હક્કનું કોને કહેવું અને અણહક્કનું કોને કહેવું ?

દાદાશ્રી : આપણા પોતાના હક્કની ચીજ તો દરેક માણસ સમજે. આ મારું ને આ પારકું, એ તરત બધાં સમજી જાય. મારી પથારી કઈ, મારું ઓશીકું કયું, એ બધું નાનું છોકરું ય સમજી જાય. મારી જમવાની થાળી આવે તો, હું મારી મેળે મહીં જે મૂકયું હોય તે બધું ખાઉં, તે હક્કનું કહેવાય. તો કોઈ બૂમ ના પાડે, કોઈ વાંધો ના કરે, કોઈ દાવો ના કરે. આપણામાં લગ્ન કરાવે છે, એટલે બેઉનું હક્કનું છે. એનો ભગવાનને વાંધો નથી, પણ અણહક્કનું હશે તો વાંધો છે. કારણ કે અણહક્કનું એટલે બીજાના હક્કનું એણે લૂંટી લીધું. ચોર તો સારા કે લક્ષ્મી જ લૂંટી જાય, પણ આ તો બીજી જ વસ્તુઓ લૂંટી જાય. પછી કહેશે, 'મારે મોક્ષે જવું છે.' અલ્યા, મોક્ષે જવાનો આ માર્ગ જ ન હોય. આ ઊંધો જ રસ્તો લીધેલો છે. અણહક્કનું ભોગવી લે છે કે નથી ભોગવતા ? ભોગવે છે અને પાછા ચોરીછૂપીથી નહીં, રોફથી ભોગવે છે.

પ્રશ્નકર્તા : જાણે છે છતાં ય અણહક્કનું ભોગવવાનો પ્રયત્ન કરે છે !

દાદાશ્રી : તેથી જ આ દુઃખ છે ને ! તેથી જ આ સંસાર ઊભો રહ્યો છે. સંસારમાં સુખ જોઈતું હોય તો અણહક્કનું ભોગવશો નહીં. અણહક્કનું ભોગવે, એમાં 'હું સુખી છું' એમ મનથી માને એટલું જ છે. બાકી, એમાં 'સેફસાઈડ' નથી અને હું જે બ્રહ્મચર્યની વાત કરું છું, એ તો કાયમને માટેની 'સેફસાઈડ' છે.

પ્રશ્નકર્તા : અણહક્કનું ભોગવવા કઈ વૃત્તિ ઢસડી જાય છે ?

દાદાશ્રી : આપણી દાનત ચોર છે, તે વૃત્તિ.

પ્રશ્નકર્તા : ના, પણ તમે કહો છો કે તમે જો અણહક્કથી ભોગવવા ના ગયા હોય તો ય તમને જે મળવાનું છે, તે મળવાનું જ છે. પણ લેવા જવામાં નવાં પરિણામ ઊભાં થાય છે ને ?

દાદાશ્રી : આ શેઠનું ખેતર અમારી જોડે હતું ને એક કાકાનું જોડે ખેતર હતું. તેમાં જ્યાં ગલકું દેખાય, તે અમે તોડી લાવતા હતા. ત્યારે એ હક્કનું કહેવાય ? આપણે કહેવું જોઈએ કે હું તમારા ખેતરમાંથી ગલકું તોડી લાવીશ અગર તો તોડી લાવ્યા પછી પણ મારે કહેવું જોઈએ. પણ અણહક્કનું તો ના જ લેવાય.

લોકોએ અણહક્કનું ખાધું ને પીધું, અણહક્કનું તો બધું જ કર્યું; કંઈ કરવામાં બાકી નથી રાખ્યું ને ! સંસાર એટલે 'હક્કનું ભોગવો' એમ કહે છે. સ્ત્રી પણ પૈણે તો, એક તમને પોષાતી ના હોય તો બે પૈણજો. બાકી, આપણે ત્યાં તો તેરસો હઉ પૈણેલા ! તે ય છે તે સ્ત્રી-પુરુષ હક્કનું હોય, માલિકીનું હોય તો તેનો વાંધો નથી. હક્કનું કોને કહેવાય ? આખો સમાજ કબૂલ કરે. પૈણાવે, તે ઘડીએ બધા જાનમાં હઉ આવે. પણ અણહક્કી હોય તો ભાંજગડ છે.

અણહક્કના પરિણામોની ભયાનકતા !

ઘેર હક્કની હોય તો પણ બહાર બીજે દ્રષ્ટિ બગાડે છે પાછી ! હક્કનું ભોગવને ! બીજે અણહક્ક પર દ્રષ્ટિ જ કેમ જાય ? પોતાને જે પરણેલી છે, તે સિવાય બીજે બધે આખી જિંદગી દ્રષ્ટિ બગડવી જ ના જોઈએ ! હક્કનું છોડીને બીજી જગ્યાએ 'પ્રસંગ' થાય, તો એ સ્ત્રી જ્યાં જાય, ત્યાં આપણે અવતાર લેવો પડે. એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. 'ક્યાં અવતાર થશે ?' તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા, તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી (દીકરી) પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કના વિષય ભોગવ્યા હોય તે જ પછી મા થાય કે છોડી થાય. અણહક્કનું લીધું, ત્યારથી જ મનુષ્યપણું જાય. અણહક્કનો વિષય એ તો ભયંકર દોષ કહેવાય. આપણે કો'કનું ભોગવી લઈએ એટલે પોતાની છોડીઓ કો'ક ભોગવે, તેની ચિંતા જ નથી ને ! એનો અર્થ એ જ થયોને ? અને એવું જ થાય છે ને !? પોતાની છોડીઓ લોકો ભોગવે જ છે ને !! આ બહુ નાલાયકી કહેવાય, 'ટોપમોસ્ટ' નાલાયકી કહેવાય. પોતાને ઘેર છોડીઓ હોય તો પણ બીજાની છોડીઓ જુએ છે ? શરમ નથી આવતી ? 'મારે ઘેર પણ છોડીઓ છે' એવું ભાન રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ ? આપણે ચોરી કરીએ તો કોઈ બીજો ચોરી

કર્યા વગર રહે જ નહીં ને ? જ્યાં અણહક્કના વિષય હોય, ત્યાં તે કોઈ રસ્તે સુખી ના થાય. પારકું આપણાથી લેવાય જ કેમ કરીને ?

લોકોએ વિષયોની લૂંટબાજી કરી છે. આપણે બધાને નથી કહેતા. કારણ કે 'એક્સેપ્શન કેસ' બધામાં હોય જ. પણ ઘણો ખરો એવો માલ થઈ ગયો છે કે વિષયોમાં લૂંટબાજી અને અણહક્કના વિષયો ભોગવે છે. હક્કના વિષયની તો ભગવાને ય ના નથી પાડી. ભગવાન ના પાડે તો ભગવાન ગુનેગાર ગણાય. અણહક્કનું તો ના પાડે. જો પસ્તાવો કરે તો પણ છૂટે. પણ આ તો અણહક્કનું આનંદથી ભોગવે છે, તેથી ઘોડાગાંઠ મારે. તે કેટલાંય અવતાર બગાડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થાય ને છૂટવા માટે અવસર મળે.

જેમ પોતાની સ્ત્રી હોય, એવી દરેકને પોતાની સ્ત્રી હોય. દરેક છોકરી કો'કની સ્ત્રી થવા માટે જ જન્મેલી હોય છે, એ પારકો માલ કહેવાય. કોઈની સ્ત્રીને બીજી રીતે જોઈ શકાય નહીં, ભૂલથી જોવાઈ જાય પાછલા સંસ્કારને લીધે, તો પ્રતિક્રમણ કરવું જોઈએ. આટલું જ સાચવવાની જરૂર છે. બીજું કશું સાચવવાની જરૂર નથી.

...તો માનવ ધર્મેય તૂટ્યો !

એટલે પોતાના ઘરમાં બધા માણસો પર બિલકુલ કંટ્રોલ રાખવો જોઈએ, નહીં તો પછી નાકકટ્ટો થશે ત્યારે બૂમાબૂમ કરશે. પોતે શીલવાન હોય તો છોકરીઓ શીલવાન થાય, નહીં તો પોતાનું જ ઠેકાણું ના હોય તો છોકરીઓ તો બગડી જ જાયને પછી. ફાધરનો વ્યવહાર એવો ના દેખાવો જોઈએ કે છોકરીઓનાં મનમાં ફાધરનો એક પણ દોષ ના દેખાય એવી રીતે ફાધરે જીવન જીવવું જોઈએ. આ તો કંઈ ફાધર છે ? આ તો અડધા જાનવર જ છે ! ફાધર તો કેવા હોય કે છોકરાંઓને એમની સહેજ પણ ખાનગી બાબત માલમ ના પડે.

પ્રશ્નકર્તા : પહેલાં તો સામાજીક ભયો પણ બહુ હતા ને ?

દાદાશ્રી : હા, એ સામાજીક ભયની જરૂર હતી. એ ભયથી જ લોકો સીધા રહેતા હતા. અમારા વખતમાં તો વિચારે ય નહોતા આવતા. એ છોડીઓ-છોકરાંઓ બધાં ફરે તો ય વિચારો જ નહીં. એ જાતના સંસ્કારો જ નહીં.

કોઈની છોકરી જતી હોય અને એના ઉપર દ્રષ્ટિ બગડે, તો તે ઘડીએે તરત જ આપણને વિચાર ના આવવો જોઈએ કે ભઈ, મારી છોકરીની ઉપર દ્રષ્ટિ કોઈ બગાડે તો કેટલું મને ખરાબ લાગે ?! એવો વિચાર ના આવવો જોઈએ ?

પ્રશ્નકર્તા : આવે જ છે !

દાદાશ્રી : એવો વિચાર આવે તો જ એ મનુષ્ય છે અને બીજાની પર દ્રષ્ટિ બગાડે, એને મનુષ્ય જ કેમ કહેવાય ? તે બધું અણહક્કનું જે હોય વસ્તુ, તેની પર દ્રષ્ટિ ના બગાડાય ને ? પોતાની હક્કની સ્ત્રી હોય, તેનાં માટે સંસારના લોકો ય કહે કે ના ભઈ, આ તો સારું છે, પોતાની સ્ત્રી છે. ખભે હાથ નાખીને જતો હોય તો ય લોકો પાછળ અમથા ટીકા કરે. પણ પછી કહેશે, 'ભઈ, એની સ્ત્રી છે.' તો એનો વાંધો નથી, પણ અણહક્કનું તો લોકો ટીકા ય કરે, નિંદા ય કરે. કરે કે ના કરે ? અને જગત નિંદા કરે ને, ત્યાં બધાં દોષ ફરી વળે. માટે અણહક્કનું બહુ નુકસાનકારક ને ?

કાગળ લખ્યો અને જ્યાં સુધી નાખ્યો નથી મહીં પોસ્ટમાં, ત્યાં સુધી નીચે લાઈન લખાય કે આગળ અમે તમને ગાળો ભાંડી છે કાગળમાં પણ એની અમે માફી માંગીએ છીએ, એમ નીચે વાક્ય લખાય.

પ્રશ્નકર્તા : તે ઉપરનું બધું ભૂંસાઈ જાય.

દાદાશ્રી : ભૂંસાઈ જાય. એનો અર્થ સવળો થઈ જાય. એટલે આજ કલાક પ્રતિક્રમણ કરો બરોબર.

અણહક્કની ઈચ્છા તે ય જાનવર ગતિ !

પ્રશ્નકર્તા : ચારિત્ર ભ્રષ્ટતા, એ આત્માના માર્ગે જતાં રોકે ?

દાદાશ્રી : એ તો નર્કે જવાની નિશાની છે આ. તમને હક્ક કેટલો છે કે જે સ્ત્રી પૈણ્યા, તે સ્ત્રીની જોડે તમે જતાં હોય તો કોઈ આંગળી ના કરે ને પર-સ્ત્રી જોડે જતાં હોય તો સંસારના લોકો ય આંગળીઓ કરે. તો જ્યાં કંઈ પણ આંગળી થાય તમારી પાછળ, ત્યાં નર્કગતિ છે. અને તમારી દ્રષ્ટિ બગડી તો અણહક્કનું, અને અણહક્કનું તમે ભોગવવાની ઈચ્છા કરી, માટે ત્યાં આગળ જાનવર ગતિ.

પ્રશ્નકર્તા : આપે એવું કહ્યું છે ને, અણહક્કના વિષયો નર્કે લઈ જાય એ શાથી ?

દાદાશ્રી : અણહક્કના વિષયમાં હંમેશાં કષાયો હોય ને કષાયો હોય એટલે નર્કમાં જવું પડે. પણ આ ખબર પડે નહીં લોકોને. એટલે પછી બીતાં નથી, ભડકે ય નથી લાગતી કોઈ જાતની. અત્યારે આ મનુષ્યભવ તો, ગયા અવતારે સારું કરેલું તેનું ફળ છે.

પ્રશ્નકર્તા : સ્વર્ગ ને નર્ક, બે અહીં જ છે ? એ અહીં જ ભોગવવાનું ?

દાદાશ્રી : ના, અહીં નથી. અહીં તો નર્ક જેવી વસ્તુ જ નથી. નર્કનું તો હું વર્ણન કરું ને એ માણસ સાંભળે, તો સાંભળતાં જ મરી જાય એટલાં દુઃખો છે ! ત્યાં તો જેણે ભયંકર ગુના કર્યા હોય, તેને પેસવા દે ! અહીં સ્વર્ગ-નર્ક જેવું કશું છે નહીં. અહીં તો ઓછું પુણ્યવાળાને ઓછું સુખ અને વધુ પુણ્યવાળાને વધારે સુખ. કોઈને પાપ હોય ત્યારે એને દુઃખ હોય.

અણહક્કમાં ભંગ પાંચેય મહાવ્રતો !

અણહક્કમાં તો પાંચે પાંચ મહાવ્રતોનો દોષ આવી જાય છે. એમાં હિંસા થઈ જાય છે, જૂઠું થઈ જાય છે, ચોરી તો, આ ઉઘાડી ચોરી કહેવાય. અણહક્કનું એટલે ઉઘાડી ચોરી કહેવાય. પછી અબ્રહ્મચર્ય તો છે જ અને પાંચમું પરિગ્રહ, તે આ મોટામાં મોટો પરિગ્રહ છે. હક્કના વિષયવાળાને મોક્ષ છે પણ અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી, એમ ભગવાને કહ્યું છે !

પોતાના હક્કના વિષય હોય તો ભોગવજો. અણહક્કનો વિચાર ના આવવો જોઈએ. હક્કના વિષય હોય તો હક્કનું, અમે બેઉને વિધિ મૂકી આપીએ. એને અબંધભાવની વિધિ મૂકી આપીએ. તે હક્કનું પણ પોતાની રાજીખુશીથી ના હોવું જોઈએ. જેમ પોલીસવાળો પકડીને માંસાહાર કરાવડાવે, તેના જેવું હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે પોતાના ઉદયકર્મ પ્રમાણે ?

દાદાશ્રી : ના. ઉદયકર્મમાં તો અણહક્કના ય હોય, પણ અણહક્કનું ના હોવું જોઈએ. હક્કનું એટલે જગતના લોકો એક્સેપ્ટ કરે, લોકો નિંદા કરે નહીં એવું હોય અને તે પણ પોતાની સ્ત્રી જોડેનું જ હોવું જોઈએ, લોકમાન્ય હોવું જોઈએ. તે પોતાને પણ ખૂંચે નહીં, ભય ના લાગે. નહીં તો અણહક્કનું ભય લાગે, કાંકરો ખૂંચે એમ ખૂંચ્યા કરે.

પરપુરુષ-પરસ્ત્રી ભોગે, નર્કનું કારણ !

આ વિષયને ઝેર જાણ્યું જ નથી, આનું જોખમ જાણ્યું જ નથી ને નર્કે જવાય એવું થઈ ગયું છે. માટે કંઈક પાછાં ફરે તો નર્કગતિથી બચે.

પરસ્ત્રી અને પરપુરુષ એટલે પ્રત્યક્ષ નર્કનું કારણ છે. નર્કે જવું હોય તો ત્યાં જવાનો વિચાર કરો. અમારે એનો વાંધો નથી. તમારે અનુકૂળ હોય તો એ નર્કના દુઃખનું વર્ણન કરું, તે સાંભળતા જ તાવ ચઢી જશે તો ત્યાં એ ભોગવતાં તારી શી દશા થશે ?

પ્રશ્નકર્તા : પણ એ બન્ને પતિ-પત્ની હોય તો ?

દાદાશ્રી : પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. એટલું પાપરહિત પરિણામ કહેવાય. ત્યારે આમાં બીજાં પાપ બધાં બહુ છે. એક જ ફેરો વિષય કરવાથી કરોડો જીવ મરી જાય છે. એ કંઈ ઓછાં પાપ છે ?! પણ તો ય એ પરસ્ત્રી જેવું મોટું પાપ ના કહેવાય.

પ્રશ્નકર્તા : છતાં એમાં પાપ તો ખરું ને ?

દાદાશ્રી : ખરું. તેથી આ લોકોએ નિષ્પાપી રહેવા માટે શોધખોળ કરેલી ને કે નિષ્પાપી રહેવા માટે શો ઉપાય ? બ્રહ્મચર્યમાં આવવું જોઈએ. અહીં જો સ્ત્રી-પુરુષનું બ્રહ્મચર્ય પળાય, તો તો દેવલોકો જેવું સુખ આવે. પછી તો સંસાર દેવલોક જેવો લાગે. દ્રષ્ટિ ના માંડે એ જીત્યો. દ્રષ્ટિ માંડી કે ખલાસ થઈ ગયું. દ્રષ્ટિ તો માંડવી જ ના જોઈએ.

પ્રશ્નકર્તા : આપે જે પરપુરુષ ને પરસ્ત્રીગમનનું ભય સિગ્નલ બતાવ્યું, એનું 'કેઝયુઅલ કનેક્શન' શું છે ?

દાદાશ્રી : આપણા અહીં જ્ઞાન લીધા પછી આવા દોષવાળો તો સીધો નર્કમાં જાય. કારણ કે જ્ઞાન લીધા પછી તો દગો કહેવાય. જ્ઞાનીને દગો કહેવાય અને સત્સંગને દગો કહેવાય. ભયંકર દગો કહેવાય, એટલે નર્કનો અધિકારી થઈ જાય. એટલા માટે અમે ચેતવ ચેતવ કરીએ. અત્યારના લોકોને જે વિષયો છે, એ તો જાનવરોને ય ના હોય. આ તો કળિયુગની નિશાની છે. બિચારા બળતરામાં ને બળતરામાં આખો દહાડો મહેનત કરે અને પછી ભાન ના રહે ને ?!

અને આ માલ કંઈ ફરી મનુષ્યમાં આવે એવો માલ નથી. આ તો રખડી મરવાનો બધો માલ છે. પહેલાંનો જૂનો માલ હતો, એ તો એક પત્નીવ્રતવાળો. કારણ કે જૂનો માલ તો ચારિત્રને સમજતો હતો કે મારી છોડી એવી ના થાય, એવું બધું એ જાણે કે હું કો'કને ત્યાં નુકસાન કરું તો કો'ક મારે ત્યાં નુકસાન કરે અને પછી પોતાની છોકરી એવી જ થાય.

શિયળ લૂંટનારા, નર્કાધિકારી !

પ્રશ્નકર્તા : નર્કમાં ખાસ કોણ વધારે જાય ?

દાદાશ્રી : શિયળ લૂંટનારાને સાતમી નર્ક છે. જેટલી મીઠાશ આવી હતી, એનાથી અનેકગણી કડવાશ અનુભવે ત્યારે એ નક્કી કરે કે હવે ત્યાં નર્કે નથી જવું. એટલે આ જગતમાં કંઈ પણ ના કરવા જેવું હોય તો તે કોઈનું શિયળ ના લૂંટવું. કયારેય પણ દ્રષ્ટિ ના બગડવા દઈશ. શિયળ લૂંટે પછી નર્કમાં જાય ને માર ખા ખા કરે. આ દુનિયામાં શિયળ જેવી ઉત્તમ કોઈ ચીજ જ નથી. આ જગતમાં શીલવાન જેવી ઉત્તમ વસ્તુ કોઈ જ નથી.

પ્રશ્નકર્તા : આ કાળમાં શિયળનું કોઈને મહત્ત્વ જ નથી, તો પછી શિયળ લૂંટાયા જેવું કોઈને લાગે જ નહીંને ?

દાદાશ્રી : આ કાળમાં લોકોને પહેલાંના કાળ જેવું શિયળે ય લૂંટતા નથી આવડતું ને ! તેથી બહુ ત્યારે પહેલી, બીજી, ત્રીજી કે ચોથી નર્કે જાય. અત્યારે આ કાળમાં ચાર નર્ક ખુલ્લી છે, તે ત્યાં સુધી જાય. એથી આગળની બંધ થઈ ગયેલી છે. આગળની તો આ કાળના લોકો માટે હોય નહીંને ! આ ચોળિયાં જેવાં જીવો. આગળની નર્કમાં જનારા તો પ્રખર પુરુષ અને આ તો ચોળિયાં બિચારાં, તે 'બેન, બેન' કહીને શિયળ લૂંટે એવાં લોક, આ લોક તો 'બેન' કહીને દગાફટકા રાખે. પેલાં લોક આવાં દગાફટકા ના કરે.

પ્રશ્નકર્તા : દગોફટકો દુનિયા જોડે કે વ્યક્તિ જોડે ?

દાદાશ્રી : દુનિયા ને વ્યક્તિ બધા ય જોડે. આ કાળના લોકો જે છે ને, તે તો પોતાની જાતને હઉ દગો દે.

આપણે અહીં આ સત્સંગમાં એવો દગાફટકાનો વિચાર આવે તો હું બોલું કે આ મીનીંગલેસ વાત છે. અહીં એવો વ્યવહાર કિંચિત્માત્ર ના ચાલે અને એવો વ્યવહાર ચાલે છે એવું મારા લક્ષમાં આવ્યું તો હું બાળી મેલીશ, ભયંકર બાળી મેલીશ. આ જગ્યાએ કિંચિત્માત્ર એવું ના ચાલે, આ સંઘ એવો ના હોય, અહીં એવી ભૂલ કરાય નહીં.

અમે તો ઘણાં એવા માણસો જોયા છે કે બનેવી હોય છતાં સગી બેનને 'પૈણેલો' હોય છે. પછી છે તે બનેવીને ત્યાં રોજ જાય. અરે, બનેવીને ત્યાં જ મુકામ. એવાં તો ઘણાં કેસ જોયેલા. હું એને કહું પણ ખરો કે 'અલ્યા, શું ધંધો માંડયો છે ? કયા અવતારે છૂટીશ તું ? મારી પાસે આવ, જો ફરી આવું ના કરવાનો હોય તો હું તને ચોખ્ખો કરી આપીશ.' આ વર્લ્ડમાં ગમે તેવાં ગુના કર્યા હોય, ગમે તેવાં ગુના લઈને આવે તો ય, જો ફરી જિંદગીમાં ના કરવાનો હોય, તો બધી રીતે ચોખ્ખો હું કરી આપું. આ લોકોએ કેવા ભયંકર ગુના કર્યા છે. 'બેન, બેન' કરીને પૈણેલા. પણ આ લોકોને સાતમી નર્ક ના હોય. બહુ ત્યારે પહેલી, બીજી, ત્રીજી કે ચોથી નર્કમાં જાય.

ભયંકર જોખમી, અણહક્કના વિષયો !

આ દુનિયામાં લક્ષ્મી કે બીજી કોઈ ચીજ બંધન કરતી નથી. ફક્ત પરસ્ત્રી એકલી જ બંધન કરે છે. જ્યાં પરસ્ત્રીની લૂંટ ચાલે છે, ત્યાં બંધન છે. બીજે કોઈ જગ્યાએ દુઃખ છે જ નહીં. આપણું આ જ્ઞાન એવું છે, બીજે બધેથી છોડાવડાવે, પણ પરસ્ત્રીમાં જે ફસાયો, તે નરકનો અધિકારી થઈ જાય. માટે તેનાથી છૂટવાં માટે અહીં 'વિધિ' કરી લેવી પડે. માણસ છે એ ભૂલચૂક તો કરે જ ને હવે!

એટલે અહીં જોખમ આટલું જ છે. કોઈની ય એમાં ભૂલચૂક થતી હોય તો મારી પાસે માફી માંગી છોડાવી જવું. તેની હું વિધિ કરી આપીશ. આ જ્ઞાન મળ્યા પછી જાતજાતનાં કર્મો લઈને આવ્યા હોય, એમાં કોણ કેવો બંધાયેલો હોય, તે શી ખબર પડે ? તું લક્ષ્મીથી બંધાયેલો હોય તેનો વાંધો નહીં, એ દંડ તને માફ કરાવી દઈશ. પણ આ પરસ્ત્રીનો એકલો જ મોટો દંડ છે. તે પણ મારી પાસે માફ કરાવવાના કાયદા છે. મારી પાસે બધું ય સાધન છે.

દાદા છોડાવે નર્કગતિથી !

માનવતાનો અધિકાર કેટલો કે જે પોતાની પરણત હોય, અધિકારનું હોય એટલું જ પોતાનું અને બીજું પારકું લેવાય નહીં. મારું એ મારું અને તારું એ તારું. તારું મારે જોઈએ નહીં, મારું તને આપું નહીં, એનું નામ માનવતા !

જેને પરસ્ત્રીનો ત્યાગ થયો, તે ભગવાન થવા માંડે. પરસ્ત્રી એ રોગ મોટો હશે કે નહીં ? બહુ મોટો કહેવાય ! એથી જ જગત ઊભું રહ્યું છે. એ ગાયો-ભેંસોને ચાલે, ત્યાં તો ચોરી ય નથી ને બ્રાહ્મણે ય નથી. ગાયો-ભેંસોમાં ચોરી હોય ? ત્યાં બ્રાહ્મણને બેસાડે નહીં ને ? આ તો મનુષ્યમાં તો વિવેક કરવામાં આવે છે અને કુદરતનું બંધન જ એવું છે. મનુષ્યમાં આવ્યો તે બંધન જ હોય, મહામુશ્કેલી !

તને કંઈ પસ્તાવો થાય આ સાંભળીને ?

પ્રશ્નકર્તા : બહુ જ થાય છે.

દાદાશ્રી : પસ્તાવામાં બળે તો ય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, 'અમારું શું થશે ?' મેં કહ્યું, 'અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.' જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મૂકું. કારણ કે મારી પાસે બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ કરીએ.

એનાં જોખમો તો ખ્યાલમાં રાખો !

એટલે ખરું જોખમ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ ? જોખમ યાદ રહેશે કે તને ? હવે ભૂલાય નહીં ને આખી જિંદગી ? છોકરાઓને બિચારાને તો મુશ્કેલી ને ? હજુ પૈણ્યાં ના હોય. આવું જોખમ સંબંધી કોઈ ઉપદેશ આપતું ના હોય! કોઈ આપે છે ? ના. કારણ કે લોક વિષયી છે. પોતે વિષયી માણસ, એ વિષયો સંબંધી ઉપદેશ કેમ આપી શકે ? પોતે ચોરી કરતો હોય, તે 'ચોરી ના કરવી' એવો ઉપદેશ કેવી રીતે આપી શકે ? જોખમ તો સમજવું ના પડે ? જગતમાં કોઈ આ જોખમ કહે નહીં. લોકો તો 'તમે બહુ સરસ છો, બહુ સરસ છો.' એમ કહેશે. આ લોક તો સારું, સારું જ કહેને ! કોના બાપાની દિવાળી ?! ચંદુભાઈ પાસેથી પાંચસો રૂપિયા જોઈતા હોય તો, 'ચંદુભાઈ સંત પુરુષ થઈ ગયા' કહે. એટલે પાંચસો રૂપિયાનો ચેક લખી આપે.

પારકી સ્ત્રી જોડે ફરીએ તો લોકો આંગળી કરે ને ? એટલે આ સમાજવિરોધક છે અને બીજું તો અંદર બહુ જાતની ઉપાધિ થાય છે. નર્કની વેદનાઓ એટલે ઇલેક્ટ્રિક ગેસમાં ઘણાં કાળ સુધી બળ્યા કરવાનું ! એક ઇલેક્ટ્રિક ગરમીની વેદનાવાળી નર્ક છે અને બીજી ઠંડીની વેદનાવાળી નર્ક છે. ત્યાં એટલી બધી ઠંડી છે કે આપણે પાવાગઢ પર્વત નાખીએ તો એનો પથરો આવડો મોટો ના રહે, પણ એના કણેકણ છૂટા પડી જાય ! એટલી બધી ઠંડી છે. પણ ત્યાં અત્યારે તો એ છેલ્લી ત્રણ નર્કો બંધ થઈ ગઈ છે. ઠંડીવાળું જોખમ બંધ થઈ ગયું છે. આ ગરમીવાળું જોખમ હજુ ચાલુ છે. અત્યારે એવા પાપ કરનારો કોઈ છે જ નહીં. આ જીવડાં શું પાપ કરી શકે બિચારાં ! રેશન અને ભેળસેળવાળો માલ લાવીને ખાય, તે કેટલાં પાપ કરી શકે ?! એટલે છેલ્લી ત્રણ નર્કમાં જવાય એવાં પાપ કરનારા જન્મતાં જ નથી. બાકી આ નાના પ્રકારના પાપ કરનારા એ બધા પહેલી ચાર નર્કે જાય. એમાં એ અહીં બહુ મોટો શૂરવીર (!) હોય, ત્યારે એના માટે એ નર્ક ઊઘડે. પાપ કરતાં આવડે નહીં, તેને શું થાય ? આ તો બધા મહીં અંદર ને અંદર મારંમાર કરે, બહાર મારતો નથી.

પરસ્ત્રીના જોખમમાં તો કેટલાં કેટલાં જોખમ ઊભાં રહ્યાં છે ! એ જ્યાં જાય ત્યાં તમારે જવું પડશે, એને મા કરવી પડશે ! આજે ઘણાં ય એવા દીકરા છે કે જે એની પૂર્વભવની રખાતને પેટે જન્મેલા છે. એ મારા જ્ઞાનમાં હઉ આવેલું. દીકરો ઊંચી નાતનો હોય અને મા નીચી નાતની હોય, મા નીચી નાતમાં જાય અને દીકરો ઊંચી નાતમાંથી નીચી નાતમાં પાછો આવે. જો ભયંકર જોખમો !! ગયા અવતારે જે સ્ત્રી હોય, તે આ અવતારે મા થાય. ને આ અવતારે મા હોય, તો આવતાં અવતારે સ્ત્રી થાય. એવું આ જોખમવાળું જગત છે ! વાતને ટૂંકામાં સમજી જજો !! આ તો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ એકલું જોખમ છે.

બેઉ સહમત તો ય જોખમ !

પ્રશ્નકર્તા : બન્ને પાર્ટીને સંમત હોય તો જોખમ ખરું ?

દાદાશ્રી : સંમતિ હોય તો ય જોખમ છે. બન્ને સામસામે ખુશી હોય એમાં શું દહાડો વળ્યો ? એ જ્યાં જવાની હોય ત્યાં આપણે જવું પડે. આપણે મોક્ષે જવું છે ને એના ધંધા આવાં છે, તો આપણી શી દશા થાય ? ગુણાકાર ક્યારે મળે ? એટલાં માટે દરેક શાસ્ત્રકારોએ દરેક શાસ્ત્રમાં વિવેકને માટે કહેલું છે કે પૈણજો. નહીં તો આ રખડેલ ઢોર હોય તો કોને ઘેર સાવધાની રહે ? પછી 'સેફસાઈડ' જ શું રહે ? કઈ જાતની સેફસાઈડ રહે ? તું કેમ બોલતો નથી ? પાછલી ચિંતામાં પડી ગયો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હું તને ધોઈ આપીશ. અમારે તો એટલું જોઈએ છે કે અત્યારે અમને ભેગા થયા પછી કોઈ ડખલ નથી ને ? પાછલી ડખલ હોય, તો તેને છોડવા માટે અમારી પાસે બહુ જાતના આંકડા છે. તારે મને ખાનગીમાં કહી દેવાનું. હું તને તરત ધોઈ આપીશ. કળિયુગમાં માણસની શું ભૂલ ના થાય ! કળિયુગ છે અને ભૂલ ના થાય, એવું બને જ નહીં ને ?!

બ્રહ્મચર્યના ઈચ્છાવાનને ઉગારે જ્ઞાન !

તારી ઇચ્છા તૂટી ગઈ છે કે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : તો હું તારો કચરો કાઢી નાખીશ. જેની ઇચ્છા ના તૂટી હોય, તેનો કચરો શી રીતે કઢાય ?!

પ્રશ્નકર્તા : મરતાં સુધી ઇચ્છા ના જાય તો શું થાય ?

દાદાશ્રી : શેની ઇચ્છા છે ?

પ્રશ્નકર્તા : કોઈ પણ ઇચ્છા હોય.

દાદાશ્રી : બીજી બધી ઇચ્છા થશે તેનો વાંધો નથી, પણ વિષય સંબંધી ના હોવી જોઈએ. એકની જોડે ડાયવોર્સ લઈને બીજી જોડે લગ્ન કરવાની ઇચ્છા હશે તેનો વાંધો નથી, પણ લગ્ન હોવું જોઈએે. એટલે એની બાઉન્ડ્રી હોવી જોઈએ. 'વિધાઉટ એની બાઉન્ડ્રી' એટલે હરૈયા ઢોર કહેવાય. પછી એમાં અને મનુષ્યમાં ફેર નથી.

પ્રશ્નકર્તા : રખાત રાખી હોય તો ?

દાદાશ્રી : રખાત રાખી હોય, પણ તે રજિસ્ટર્ડ હોવું જોઈએ. પછી બીજી ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : એમાં રજિસ્ટર કરાય નહીં, કરે તો મિલકતમાં ભાગ માંગે, અનેક લફરાં થાય.

દાદાશ્રી : મિલકત તો આપવી પડે, જો આપણને સ્વાદ જોઈતો હોય તો ! પાંસરા રહોને એક અવતાર, આમ શું કરવાને કરો છો ? અનંત અવતાર સુધી આવું ને આવું કર્યું ! એક અવતાર પાંસરા રહોને ! પાંસરું થયા વગર છૂટકો નથી. સાપે ય દરમાં પેસતી વખતે સીધો થાય કે વાંકો ચાલે ?

પ્રશ્નકર્તા : સીધો ચાલે. હવે પરસ્ત્રીમાં જોખમ છે, એ ખોટું છે એવું આજે જ સમજાય છે. અત્યાર સુધી તો આમાં શું ખોટું છે એવું જ રહેતું હતું.

દાદાશ્રી : તમને કોઈ અવતારમાં કોઈએ 'આ ખોટું છે' એવો અનુભવ નથી કરાવ્યો, નહીં તો આ ગંદવાડમાં કોણ પડે ? પાછી નર્કની જવાબદારી આવે !

પ્રશ્નકર્તા : અને નર્કમાં જવાનું થાય, એ તો ખરાબ જ ને ?

દાદાશ્રી : આ વાત જ એવી છે, આ હરૈયું કામ છે ને, એ બધું નર્કે જ લઈ જાય.

આપણું આ વિજ્ઞાન મળ્યા પછી હાર્ટિલી પસ્તાવો કરે તો ય બધાં પાપો બળી જાય. બીજા લોકોનાં પણ પાપો બળી જાય, પણ આખું ના બળી જાય. આપણે તો આવું વિજ્ઞાન મળ્યા પછી, એ વિષય ઉપર ખૂબ પસ્તાવો રાખ્યા કરે, તો પછી પાર નીકળી જાય !

આ એકલો જ રોગ એવો છે કે નર્કમાં લઈ જનારો છે અને નર્કમાં ગયો કે પછી ફરી જ્ઞાની પુરુષ ભેગા ના થાય, આ સત્સંગ ભેગો ના થાય ! મોક્ષમાર્ગ હાથમાંથી જતો રહે !

આ ચાદર કાઢી નાખે તો ? કોઈ હાથ ના અડાડે ! એટલે એમાં શું જોવા જેવું છે ? એનો તો વિચાર સરખો ય ના આવવો જોઈએ ! તેથી જ અમે બૂમો પાડીએ છીએ ને ! અત્યારે દહીંવડાં બધું જ ખાવા દઈએ છીએ ને ! પણ મોટામાં મોટું જોખમ આ છે ! નર્કમાં જતાં ય ઠેકાણું નહીં પડે !

સંસારી લોક તો ઠગાઈ ગયેલા, બિચારાને ખબર નથી ! અને અહીં તો આની જો ખબર હોય અને પછી જો કદી માર ખાય તો બહુ ખોટું કહેવાય ને ?!

અત્યાર સુધી રઝળી મર્યા છે, તેનું કારણ જ આ વિષય છે ને ! તે ના હોવું જોઈએ અને હોય તો તેને એકદમ છોડી ના દેવાય, પણ એનાં તો તરત પ્રતિક્રમણ કરવાં પડે. વિષય, તે કંઈ આમ ને આમ છોડ્યું છૂટી જાય એવું છે ? આ તો અનંત અવતારથી વળગેલું છે, તે જલદી છૂટે નહીં ! રાત-દિવસ એક વિષયના જ નિરંતર પ્રતિક્રમણ કર્યા કરવાં પડે અને તે ય દ્રષ્ટિ બગડ્યા પહેલાં પ્રતિક્રમણ કરી નાખવાં પડે.

અણહક્કના વિષયથી સ્ત્રીપણું ના છૂટે !

પ્રશ્નકર્તા : વચમાં જે પેલી વાત થયેલી. પુરુષે ઉત્તેજન આપ્યું છે, કપટ કરવા માટે, તો એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે. અમારો જે જીવનવ્યવહાર અને એમનું જે કપટ, એમની જે ગાંઠ, એમાં જો હું કંઈ જવાબદાર હોઉં તો એ માટે વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું.

દાદાશ્રી : હા, વિધિ કરી આપીશું. એમને કપટ વધ્યું, તે એને માટે આપણે પુરુષો રિસ્પોન્સિબલ છીએ. એ ઘણાં પુરુષોને આ જવાબદારીનું ભાન બહુ ઓછું હોય છે. એ જો બધી રીતે મારી આજ્ઞા પાળતો હોય તો પણ સ્ત્રીને ભોગવવા માટે પુરુષ સ્ત્રીને શું સમજાવે ? સ્ત્રીને કહેશે કે હવે આમાં કશો વાંધો નથી. એટલે સ્ત્રી બિચારી એને દવા ના પીવી હોય છતાં ભૂલ-થાપ ખઈ જાય. અને ના જ પીવાની હોય છતાં પ્રકૃતિ પીવાવાળી ખરી ને ! પ્રકૃતિ તે ઘડીએ ખુશ થઈ જાય. પણ એ ઉત્તેજન કોણે આપ્યું ? તો આપણે એનાં જવાબદાર. જેમ અજ્ઞાની માણસ હોય ને તે સીધો રહેતો ના હોય કોઈની જોડે. કોઈ સ્ત્રીઓ હોંશિયાર થયેલી હોય બિચારી. એને પેલો માણસ શું કહે ? તું તો બહુ જ અક્કલવાળી છું. ખૂબ એનાં વખાણ કરે ને, એટલે એની ઈચ્છા ના હોય તો ય એ પુરુષ જોઈન્ટ થઈ જાય. હવે માણસો સ્ત્રીને પોતાનું ગમતું છે તે બોલે, તો એ સ્ત્રી એને વશ થઈ જાય. પોતાને ગમતું કોઈ પુરુષ બોલે, બધી બાબતમાં કહે ને, 'કરેક્ટ, બહુ સારું.' અને એનો ધણી જરા વાંકો હોય અને બીજો પુરુષ છે તો પછી આવું મીઠું બોલે, તો અવળું થાય ખરું ?

પ્રશ્નકર્તા : થાય, દાદા.

દાદાશ્રી : આ બધી સ્ત્રીઓ એના લીધે જ સ્લિપ થયેલી. કોઈ મીઠું લગાડે કે ત્યાં થઈ જાય. આ બહુ ઝીણી વાત છે. સમજાય એવું નથી.

પ્રશ્નકર્તા : સમજાય, દાદા.

દાદાશ્રી : હવે પુરુષ તો પેલું સ્વાર્થ કાઢવા માટે કરે છે અને પેલીને રોગ પેસી જાય, કાયમનો. અને પુરુષ તો સ્વાર્થી નીકળે, એટલે ચાલ્યું. એ તાંબાનો લોટો નીકળ્યો આ. ધોઈ નાખ્યો એટલે સાફ પણ પેલીને ચઢ્યો કાટ. એનો કપટનો સ્વભાવ બંધાઈ જાય. એને ઈન્ટરેસ્ટ આવે એટલે પછી સ્ત્રીનો સ્વભાવ બંધાઈ જાય.

તમને બીજો એક દાખલો આપું. આપણે ઘેર છોકરા હોય, તે અવળું કરે ત્યારે વઢીએ, મારીએ. એ રિસાઈને જતો રહેતો હોય. એવું પાંચ-સાત-દસ વખત ઘડાયું હોય, તો થોડું કંટાળે તો ખરો ને ?

પ્રશ્નકર્તા : હા, કંટાળે.

દાદાશ્રી : મા-બાપને કામ લેતાં ના આવડે એટલે. આજના બધા છોકરા પાસે મા-બાપને કામ લેતાં ય નથી આવડતું. એ છોકરો કંટાળી જાય ને ! હવે પડોશી શું કહે ? એ ય બાબા, આય બા. તે આવે. અલ્યા, લાવો મહીંથી જરા, પેલો નાસ્તો લાવો. એટલે પછી ભઈને પછી જે કહે એ કરી આપે કે નહીં એને ?

પ્રશ્નકર્તા : કરી આપે અને મા-બાપો માટે ઘૃણા ઉત્પન્ન થઈ જાય.

દાદાશ્રી : અને આનાં ઉપર ?

પ્રશ્નકર્તા : એના માટે પ્રેમ ઉત્પન્ન થાય. એ કહે એ બધું કરવા તૈયાર થાય.

દાદાશ્રી : એવી રીતે સ્ત્રીને પોતાના ધણીથી ઘૃણા ઉત્પન્ન થાય એટલે પછી. કારણ કે એને વિષય ગમે છે અને પેલો પુરુષ છે તે સારું બોલવા માંડ્યો. એટલે એ રૂપાળો દેખાતો જાય. એને એન્કરેજ કરે. એનું કામ કાઢી લેવા માટે એન્કરેજ કરે આને અને એ જાણે કે ઓહોહો... મારે અક્કલ નથી, છતાં આટલી બધી અક્કલ થઈ ગઈ આ, એમ કહે છે. એટલે લપટાયા કરે. કોઈને સમજાય એવી વાત છે આ ?

પ્રશ્નકર્તા : સમજાય છે.

સતી થયે, મોક્ષ પાક્કો !

દાદાશ્રી : ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તો ય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય, પણ ના. 'મને મારો ધણી છે, ધણીવાળી છું.' એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય, એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સત્યુગમાં એવો ટાઈમ કો'ક ફેરો આવે છે, સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણાં લોક !!

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ સતી થવાની ઈચ્છાથી, એનું નામ લીધું હોય તો કો'ક દહાડો સતી થાય અને વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ?

પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે.

દાદાશ્રી : કયા બજારમાં ? કોલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે નહીં. બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તો ય ના લે. ગમે તેવું આપો તો ય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય !

અને માંસાહાર ક્યારેય ના કરતો હોય પણ બે-ત્રણ દહાડાનો ભૂખ્યો હોય, તો મરી જવા તૈયાર થાય કે માંસાહાર કરે ? માંસાહાર કરે જ નહીં, ગમે તેવું થાય અને બોલે ય ખરો, મરી જઈશ પણ માંસાહાર કરું નહીં, કોઈ દહાડો ના કરું. ભૂખે મરી જવાય તો ભલે. પણ એને બે-ત્રણ દહાડા થાય ને ભૂખમાં મરી જવાય એવું લાગે તો ? કોઈ દેખાડે તો ?

પ્રશ્નકર્તા : તો કરી નાખે કદાચ, જીવવા માટે.

દાદાશ્રી : કરી જ નાખે. અને ત્યાં ના કરે, એ સતી કહેવાય. મોઢે બોલે તો એવું જ હોય એને, મરી જવાય તો ય ના કરું.

એટલે આ વિષયના ગુનાને લઈને સ્ત્રી થયો છે. ફક્ત એકલાં વિષયથી જ અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો ય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, શાથી માની લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે, 'એમાં ખોટું શું છે ?' એની મેળે માની લીધેલું ના હોય ! તમે કહ્યું હોય, 'તું બહુ સરસ છે. તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી.' એને કહીએ કે 'તું રૂપાળી છું.' તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે, જાણે કે આ રસ્તે ભટકતું હોય... બહુ સમજાતું નહીં ને ?! થોડું થોડું ?

પ્રશ્નકર્તા : સમજાય છે, કમ્પ્લીટ. પહેલાં પુરુષોનો કંઈ વાંક નથી એવી રીતે સત્સંગો ચાલતા હતા. પણ આજે વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે બહુ મોટો જવાબદાર બની જાય છે.

દાદાશ્રી : પુરુષ જ જવાબદાર છે. સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે.

પ્રશ્નકર્તા : હા. એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી.

દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઈન્ટરેસ્ટ આવે છે, ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં, એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એનાં ધણી, એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તો ય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. કોનું કપટ ઓગળી જાય ?

પ્રશ્નકર્તા : સતી સ્ત્રીઓનું.

દાદાશ્રી : જે સ્ત્રી બિલકુલ સતી તરીકે કામ કરે છે, એનાં બધા રોગ મટી જાય.

પ્રશ્નકર્તા : અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપને બતાવીને, અમારાથી પણ સતી થવાય ને ?

દાદાશ્રી : સતી તો પહેલેથી થઈ ના હોય અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે.

પ્રશ્નકર્તા : અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે ?

દાદાશ્રી : સતીપણું કર્યું એટલે કપટ તો જવા જ માંડે, એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતી એ જન્મથી સતી હોય એટલે એને કશું પહેલાંનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાંનાં ડાઘ રહી જાય અને ફરી પાછાં પુરુષ થાવ. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે.

લોકનિંદ્ય નહીં, તે જ લોકપૂજ્ય !

કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે, ગૃહસ્થધર્મ છે એટલે, એની સ્ત્રી પૂરતો જ વિકાર હોય તો ભગવાને એને એક્સેપ્ટ કરેલું છે. એક પત્નીવ્રતની ભગવાને છૂટ આપી છે કે બીજે દ્રષ્ટિ પણ ના બગડે. બહાર જાય, ગમે ત્યાં જાય પણ દ્રષ્ટિ ના બગડે. વિચાર પણ ના આવે ને વિચાર આવે તો ક્ષમા માંગી લે એવું એક પત્નીવ્રત હોય તો ભગવાનને વાંધો નથી ! એ તો શું કહે છે કે આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીશું અને જે લોકનિંદ્ય નથી, માટે તેને અમે લોકપૂજ્ય કહીશું. ભગવાન કેવા ડાહ્યા છે ! આ કાળમાં જ્યાં ને ત્યાં બધે લોકોની નરી નિંદાઓ જ થઈ રહી છે અને લોકો નિંદ્યકર્મ જ કરી રહ્યા છે ને ? વેપારમાં ય અને ધર્મમાં ય, બધે ધંધો જ આ માંડ્યો છે ને ? એમાં ય કોઈ અપવાદ હશે. અપવાદ તો હોય જ હંમેશાં. છતાં હિંદુસ્તાનમાં તો આજે સાત્ત્વિક વિચારના માણસો થવા માંડ્યા છે. એટલે આગળ ઉપર સારું થવાનું છે.

'એક પત્નીવ્રત' આ કાળનું બ્રહ્મચર્ય જ !

જેણે લગ્ન કરેલું છે, તેને તો એક જ કાયદો અમે કરી આપેલો કે તારે બીજી કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડવાની નહીં. અને વખતે દ્રષ્ટિ એવી થઈ જાય તો પ્રતિક્રમણ વિધિ કરવાની અને નક્કી કરવાનું કે આવું હવે ફરી નહીં કરું. પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને જોતો નથી, બીજી સ્ત્રી પર જેની દ્રષ્ટિ રહેતી નથી, દ્રષ્ટિ જાય છતાં એના મનમાં વિકારી ભાવ થતો નથી, વિકારી ભાવ થાય તો પોતે ખૂબ પસ્તાવો કરે છે, એને આ કાળમાં એક સ્ત્રી છે છતાં ય બ્રહ્મચર્ય કહેવાય.

આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં સોમાંથી નેવું માણસો એક પત્નીવ્રત પાળતા હતા. એક પત્નીવ્રત અને એક પતિવ્રત; કેવા સારા માણસો કહેવાય એ ! જ્યારે આજે ભાગ્યે જ હજારમાં એક હશે !

આ કાળમાં જેને પરસ્ત્રીનો વિચાર પણ ના આવે અને એક જ પોતાની સ્ત્રી સાથે રહે, તો ય એને સ્વરૂપનું જ્ઞાન ના હોય તો ય તે દેવગતિમાં જાય. બોલો, ત્યારે આ દેવગતિવાળાઓએ કેટલી બધી સગવડો કરી ! બીજું, આઈસ્ક્રીમ ખાવાની ટેવ હશે એનો વાંધો નહીં આવે, સિનેમા જોવાની ટેવ હશે એનો વાંધો નહીં આવે, પણ આ સ્ત્રી-પુરુષના વિષય સંબંધનો મોટો ગુનો છે. તેમાં ય લગ્ન કરેલું હોય તેટલાં પૂરતાનો વાંધો નહીં આવે. કારણ કે 'બાઉન્ડ્રી' છે. 'બાઉન્ડ્રી' ચૂકયાનો વાંધો છે. કારણ કે તમે સંસારી છો, એટલે 'બાઉન્ડ્રી' હોવી જોઈએ. 'બાઉન્ડ્રી'માં મન પણ ના ચૂકવું જોઈએ, વાણી પણ ના ચૂકવી જોઈએ, વિચાર પણ ના ચૂકવો જોઈએ. એક પત્નીવ્રતના 'સર્કલ'માંથી વિચાર બહાર ના જવો જોઈએ, ને જાય તો વિચાર પાછો બોલાવી લેવાનો. આ કાળ વિચિત્ર છે, માટે 'બાઉન્ડ્રી'ની બહાર ના જવું જોઈએ.

જે કોઈ આ કાળમાં એક પત્નીવ્રતવાળો હોય તો ય બહુ ઉત્તમ. એક પત્નીવ્રત એ કંઈ જેવી તેવી વસ્તુ છે ?! આ કાળમાં માણસને એક પત્નીવ્રત રહી શકે જ નહીં. હિન્દુસ્તાનમાં પચ્ચીસ-પચાસ માણસ એવાં નીકળે પણ તે ય પાછાં જડભાવવાળા હોય, બુધ્ધિપૂર્વકના નહીં, અબુધ્ધિપૂર્વકના અને તે ય તેમની પુણ્યૈના આધારે હોય.

અને આપણાં ઋષિમુનિઓ તો એક સ્ત્રી રાખતા હતા, ને તે ય વરસમાં એકાદ વખત પુત્રદાન આપવા પૂરતા પૈણતા હતા.

પ્રશ્નકર્તા : મારું પૂછવાનું કે મન-વચન-કાયાથી બ્રહ્મચારી જગતમાં પાકેલાં કોઈ ?

દાદાશ્રી : અત્યારે હોય નહીં.

પ્રશ્નકર્તા : પહેલાં ખરાં ?

દાદાશ્રી : પહેલાં તો ખરાં જ ને ! આપણે ત્યાં મહાસતીઓ થતી એ એક પતિવ્રતા. આ ઋષિમુનિઓ બધા એક પત્નીવ્રતવાળા.

પ્રશ્નકર્તા : મહાસતીને પતિ તો ખરો જ ને?

દાદાશ્રી : હા, પણ પતિવ્રતવાળી. પતિવ્રતનો નિયમ બિલકુલ ભંગ નહીં થવા દેવાનાં અને પેલા ઋષિમુનિઓ તો સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રતવાળા.

પ્રશ્નકર્તા : પણ એ તો એવું સહેજે લઈને આવેલા હોય ને ?

દાદાશ્રી : એ તો એવો માલ ભરેલો અને અત્યારે આ લોકોએ આવો માલ ભર્યો, તે એવો નીકળે છે. પણ હવે નવેસરથી કેવો ભરવો, તે પોતાના આધિન ખરું ને ?

પરણો ચાર, પણ તેમને જ સિન્સીયર !

આ તો નાછૂટકે પૈણવાનું કહ્યું છે અને પૈણું તો એક પત્નીવ્રત પાળજે, કહે છે. એક પત્નીવ્રત પાળતો હોય અને આ દુષમકાળ હોય અને જો બીજી જગ્યાએ દ્રષ્ટિ ના બગડતી હોય, તો એને બ્રહ્મચર્ય કહ્યું.

પ્રશ્નકર્તા : ધારો કે બે વાઈફ હોય તો, એ શા માટે ખરાબ ?

દાદાશ્રી : કરોને બે વાઈફ. કરવામાં વાંધો નથી. પણ બીજી સ્ત્રી ઉપર દ્રષ્ટિ બગાડે તો ખરાબ કહેવાય. કંઈ નીતિ-નિયમ તો હોવાં જોઈએ ને ?

પ્રશ્નકર્તા : મારી પાસે કોઈ પ્રિન્સિપલ્સ નથી.

દાદાશ્રી : તો જાનવરની પેઠ રાખવાની જરૂર છે ? જાનવરની પેઠ રાખીએ તો છૂટું જ હોય. તમારે જ્યાં આગળ અનુકૂળ આવે તેમ કરો. આ મનુષ્યોએ પોતાનો માનવધર્મ સચવાય એટલા માટે આ વ્યવસ્થા કરેલી છે, નહીં તો જાનવરમાં જ ગયો ને પછી તો ! પછી એ જાનવરમાં જ ખપી જાય ને ? કારણ કે કો'કની બેન-દીકરી હોય એવી આપણી બેન-દીકરી હોય, તો આપણે એટલાં માટે સેફસાઈડ જોવી જોઈએ ને ?

અને આપણને પોષાતી હોય તો ચાર કરો ને ? કોણ ના પાડે છે ? છો લોકો બૂમો પાડે ! પણ પેલી બાઈને દુઃખ ન હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ બાઈને તો નેચરલી દુઃખ હોય જ.

દાદાશ્રી : તો પણ કોઈને દુઃખ થાય એવું વર્તન ન હોવું જોઈએ. અને તે પોતાની સ્ત્રીને દુઃખ ના થાય, એ પહેલું જ જોવું જોઈએ. કારણ કે આપણે એને વિશ્વાસ આપીને લાવ્યા છીએ. આપણે લગ્નથી બંધાયા છીએ. પ્રોમીસ આપેલું છે. પ્રોમીસ આપ્યા પછી જો દગો દઈએ તો પછી આપણે હિન્દુસ્તાનની આર્ય પ્રજા તો ના કહેવાઈએ, પણ અનાડી તો કહેવાઈએ ને !!

પ્રશ્નકર્તા : તો ચાર પત્ની કેમ કરે છે ?

દાદાશ્રી : મુસલમાનોને એમના કુરાનમાં લખ્યું, કુરાનનો કાયદો છે કે મુસલમાન દારૂ પીવે નહીં. દારૂનો છાંટો પડ્યો હોય તો એટલી જગ્યા કાપી નાખે, ખરો મુસલમાન આવો હોય. ખરો મુસલમાન કેવો હોય, કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડે નહીં અને એક લગ્નથી તમને સંતોષ ન રહેતો હોય અને બીજી કોઈ સ્ત્રી પર દ્રષ્ટિ જતી હોય તો બીજી પૈણજો. ત્રીજી પર દ્રષ્ટિ જતી હોય તો ત્રીજી પૈણજો. ચાર કરે પણ દ્રષ્ટિ ના બગાડે. કેટલું સુંદર બંધારણ છે એનું. એ કાયદો મુસલમાનોનો બહુ ગમે છે અમને. બહુ સારો કાયદો ! પણ શું થાય હવે, આ લોકો તો થઈ ગયા એવાં ! એટલે જ્યાં ને ત્યાં દ્રષ્ટિ બગાડે છે.

પ્રશ્નકર્તા : ચાર પત્ની કરવાથી દ્રષ્ટિ સુધરશે એવું કંઈ ખાતરી ખરી ?

દાદાશ્રી : ના, એ શું કહેવા માંગે છે. તું દ્રષ્ટિ બગાડીશ નહીં. તું ચાર પત્ની કર એટલે પછી પોતે નક્કી કરેલું હોય કે મારે આટલામાં જ રહેવાનું છે. અને આ તો એને નક્કી થઈ ગયું, એક જ છે ને મારે ! એટલે બીજે બહાર દ્રષ્ટિ બગાડવાની છૂટ થઈ ગઈ એને. આ બહાર દ્રષ્ટિ બગાડવાથી શું થાય છે કે એ કંઈ કાર્ય થતું નથી, પણ દ્રષ્ટિ બગડવાથી બીજ પડે છે અને એ બીજમાંથી વૃક્ષ થાય છે. માટે અમે આ બધાને કહી દીધેલું કે તમારી દ્રષ્ટિ બગડે તો તમે પ્રતિક્રમણ કરજો એટલે તમને બીજ નહીં પડે. દ્રષ્ટિ બગડતાંની સાથે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : એમનો ધર્મ એમ કહે છે કે ચાર સ્ત્રી પરણો પણ દ્રષ્ટિ ન બગાડો. પણ દ્રષ્ટિ બગાડવી-ન બગાડવી એ એના હાથમાં છે ને !

દાદાશ્રી : આ ભવમાં અત્યારમાં સાંભળ્યું હોય એ જ્ઞાન, તો આવતા ભવમાં ફીટ થઈને જ આવ્યો હોય. પછી બહાર દ્રષ્ટિ ના બગડે.

પ્રશ્નકર્તા : ખાલી સાંભળ્યું હોય એ ?

દાદાશ્રી : હા, જ્ઞાન જો એણે સાંભળ્યું હોય આ, કે આવું જ કરવાનું છે તો આ ભવમાં બગડે વખતે, ગયા અવતારમાં સાંભળ્યું નથી એટલે. પણ આ તો આવતા ભવમાં ફીટ થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ છતાં આ ભવમાં જે કર્મ બંધન કર્યા, એ તો ભોગવવા જ પડે ને પછી ?

દાદાશ્રી : એ તો ભોગવવા પડે, પણ બીજું નહીં ભોગવવું પડે. એનો અંત આવી જાય. પણ આ હિસાબ તો ય આવી જાય. દ્રષ્ટિ બગાડવી એ આરોગ્ય ઉપર બાધક છે.

દ્રષ્ટિ બગાડ્યાનો ગુનો બહુ છે. બીજી બધી સ્ત્રીઓ તરફ દ્રષ્ટિ કરે તો, તે સારું કહેવાય ? ભગવાને શું કહ્યું છે ? અણહક્કનું ના ભોગવીશ. અમથા અણહક્કના ભોગવવાના ચાળા કરીએ, તેનાં તો ભવોભવ બધા બગડી જાય. હવે તારી દ્રષ્ટિ બીજી જગ્યાએ નહીં જાયને ? કોઈ દહાડો ય નહીં જાયને ? આ કાળમાં આની કિંમત વધારે અંકાઈ છે. કસોટીનો કાળ છે એટલે દ્રષ્ટિ પણ બદલાવી ના જોઈએ. અને બદલાઈ હોય તો પ્રતિક્રમણ આપેલું છે, એનાથી ચોખ્ખું કરી નાખવાનું.

તારી તાકાત પ્રમાણે પૈણ !

પ્રશ્નકર્તા : આપણા ધર્મમાં એક જ પત્નીનો ફાયદો છે, પણ આપણે ત્યાં કેટલાંક રાજાને ત્રણ પત્નીઓ કેમ હતી ?

દાદાશ્રી : એવું છે ને, કેટલાંક તો ત્રણ પત્ની રાખતા. અને ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી હતા, એમને તેરસો રાણીઓ હતી. એટલે આપણું ધર્મશાસ્ત્ર શું કહે છે કે લગ્ન કરજો. પણ દ્રષ્ટિ ના બગાડશો. આ દ્રષ્ટિ બગડવાથી ભયંકર રોગો ઊભા થાય છે.

પ્રશ્નકર્તા : આપણામાં તો એક જ કહ્યું છે અને પહેલાં તો ત્રણ-ત્રણ એવું કેમ છે ?

દાદાશ્રી : તમને ય કહું છું કે, તમારી શક્તિ જોઈએ. એકની જોડે તો વઢંવઢા કરો છો એટલે પછી એક જણ તો હતો, તે પછી બીજી પૈણી લાવ્યો. તે મેં એને પૂછયું કે, 'ભઈ, હવે શું કરો છો તમે ? બે વાઈફ અને તું શું કરું છું ? આ તો ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું હું. આજની નહીં. ત્યારે એ કહે, 'નવી કરે રોટલા અને જૂની કરે દાળ, બંદા બેઠા કઢી હલાવે, ત્રણેવ હારંહાર !' શક્તિ હોય તો કરોને, નિવેડવાની શક્તિ જોઈએ. એકને ન પહોંચી વળે ને આમ બૂમો પાડે પછી !

ખપે સૂક્ષ્મથી પણ એક પત્નીવ્રત !

આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું, તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ.

પ્રશ્નકર્તા : એક પત્નીવ્રત કહ્યું, તે સૂક્ષ્મથી કે એકલું સ્થૂળ ? મન તો જાય એવું છે ને ?

દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ. અને એના પ્રતિક્રમણ કર કર કરવાં પડે. મોક્ષે જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત. એક પત્નીવ્રત કે એક પતિવ્રતનો કાયદો હોય, એ લિમિટ કહેવાય.

હવે આખી જિંદગી બીજે મન ના બગડ્યું, તો તારું ગાડું સારું જશે. નહીં તો પછી....

પ્રશ્નકર્તા : બરાબર, આપે કહ્યું એ પ્રમાણે એક પત્નીવ્રત જ, એની સિવાય બીજું કાંઈ નહીં.

દાદાશ્રી : બીજે તો દ્રષ્ટિ પણ ના બગડવી જોઈએ અને બગડે તો તરત પ્રતિક્રમણ કરજે. અનંત અવતાર છૂટી જઈને મોક્ષે જવાનું એ કંઈ સહેલી વસ્તુ નથી અને પેલું બ્રહ્મચર્ય હોય તો તો વાત જ જુદી છે ને !

પ્રશ્નકર્તા : હમણાં તો લગ્ન કરું છું, પણ અમુક વર્ષો પછી તો બ્રહ્મચર્ય લઈ શકાય ને ?

દાદાશ્રી : હા, બેઉ જણ લેવા તૈયાર હોય તો લેવાય. બન્ને ય તૈયાર હોય તો પાંચ વર્ષ પછી પણ લેવાય.

પ્રશ્નકર્તા : પણ આ બ્રહ્મચારીઓ જેવું તો રીઝલ્ટ આવે નહીં ને ?

દાદાશ્રી : એ તો ભૂતને જોડે ફેરવવું જ પડે ને ! અને પેલી બઈ જાણે કે આ ભૂતને મારે ફેરવવો પડે છે. એટલે આ ઉપાધિ તો ખરી જ ને ! એક ફેરો સહીસિક્કા થઈ ગયેલા એટલે કરાર તૂટે નહીં ને ! જ્યારે બ્રહ્મચારીને તો કોઈ નામ દઈ શકે નહીં ને ! કોઈ દાવો જ ના માંડે ને ! એટલે એના જેવું તો એકે ય નહીં.

પ્રશ્નકર્તા : તો સિન્સીયરલી એક પત્નીવ્રત પાળીએ તો વાંધો ના આવે ને ?

દાદાશ્રી : પછી આપણી આ પાંચ આજ્ઞા પળાય તો મોક્ષ થાય. આ પાંચ આજ્ઞા પાળવી જોઈએ ફક્ત અને એક પત્નીવ્રત પાળે એટલે બહુ સારું કહેવાય, બ્રહ્મચર્ય જેવું જ ફળ આપે.

પ્રશ્નકર્તા : પણ આટલો વખત બ્રહ્મચર્યની જે ભાવના કરી છે, બ્રહ્મચર્યનાં જે બીજ નાખ્યાં છે, તો આવતા ભવમાં તો દીક્ષા મળશે ને ?

દાદાશ્રી : એની ચિંતા કરીને આપણે શું કામ છે ? અત્યારે તો આપણે અત્યારની ભાંજગડ કરવી. આવતાં ભવની ભાંજગડ અત્યારે કરીએ તો શું થાય ? અત્યારે તો આપણી શી સ્થિતિ છે ? અત્યારે આપણા દોષ દેખાય છે ને ? લોકોના દોષ ના દેખાવા જોઈએ. પોતાના દોષ દેખાવા જોઈએ. કોઈના દોષ દેખાતા હોય તો પ્રતિક્રમણ કરવું પડે. એવું બધું જોવું. બીજું, આવતા ભવની ભાંજગડ તો એની મેળે થઈ રહેશે. એ તો પરીક્ષા જેવી આપીએ, વાંચ્યું હશે એવું થશે. આવતો અવતાર તો માર્ક (રિઝલ્ટ) છે.

એક પત્નીવ્રત પાળશો ને ? ત્યારે કહે, 'પાળીશ.' તો તમારો મોક્ષ છે ને બીજી સ્ત્રીનો સહેજ વિચાર આવ્યો, ત્યાંથી મોક્ષ ગયો. કારણ કે એ અણહક્કનું છે. હક્કનું ત્યાં મોક્ષ અને અણહક્કનું ત્યાં જાનવરપણું.

- જય સચ્ચિદાનંદ.