વિશ્વના સનાતન સિદ્ધાંતોની દ્રષ્ટિ

સંપાદકીય

કહેવત છે ને કે 'દ્રષ્ટિ તેવી સૃષ્ટિ'. સૃષ્ટિ બદલવાની મહેનત નથી કરવાની. દ્રષ્ટિ બદલાઈ ગઈ તો સૃષ્ટિ સરસ જ છે, ખોડ વગરની જ છે પણ દ્રષ્ટિ બદલાય શી રીતે ? ચામડાની આંખની દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી, એને જ્ઞાન પ્રમાણે દ્રષ્ટિ હોય. જે જ્ઞાન એને પ્રાપ્ત થયું છે, એના આધારે એની દ્રષ્ટિ હોય અને જેવી દ્રષ્ટિ હોય તેવું બહાર બધે દેખાય. આ અમારો દુશ્મન ને આ અમારો મિત્ર. હવે ખરેખર કોઈ મિત્ર કે દુશ્મન છે નહીં જગતમાં, પણ એની એવી દ્રષ્ટિ બંધાઈ ગઈ તેથી એવું દેખાય.

જગતના લોકોની દ્રષ્ટિ એવી છે વિનાશી ચીજોના સુખને સુખ માન્યા છે. અને આગળની વાત દેખાડનાર કોઈ નિમિત્તો મળ્યા નથી. અજ્ઞાની નિમિત્ત મળે તો મિથ્યાત્વ દ્રષ્ટિ મજબૂત કરી આપે. જ્ઞાની પુરુષ નિમિત્ત રૂપે મળી જાય તો મિથ્યાત્વ દ્રષ્ટિ છોડાવી દે ને સમકિત દ્રષ્ટિ કરી આપે. પછી આ સંસારમાં અવળાં વાણી, વર્તન, વિચાર છૂટતાં જાય. પોતે તમામ દુઃખોથી મુક્ત થતો જાય.

ક્રિયા ફેરવવાની નથી, વર્તન સુધારવા માથાકૂટ કરવાની નથી. દ્રષ્ટિ બદલી આપો. આચરણના પરિણામ એની મેળે આવીને ઊભાં રહેશે. સંસાર દુઃખદાયી નથી, ઊંધી દ્રષ્ટિ દુઃખદાયી છે. જ્ઞાનીઓનો રસ્તો જુદી જાતનો છે. સુખી થવા માટે માત્ર દ્રષ્ટિફેર કરી આપે તો સુખ, સુખ ને સુખ જ છે. નેગેટિવ દ્રષ્ટિથી દુઃખ છે, પોઝીટીવ દ્રષ્ટિથી સુખ છે અને આત્મદ્રષ્ટિથી મોક્ષ છે. જે જોઈતું હોય તે પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો છે.

વિશ્વના સનાતન સિદ્ધાંતો જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ જ પમાય. જગત તો વિનાશી પદાર્થો, વિનાશી સંબંધોની દ્રષ્ટિમાં અટવાયું છે. જ્ઞાની પુરુષ પોતે નિરંતર અવિનાશી આત્મસ્વરૂપમાં વર્તે છે અને જગતના જીવમાત્ર પ્રત્યે નિરંતર આત્મદ્રષ્ટિ જ છે, નિર્દોષ દ્રષ્ટિ જ છે. એવાં જ્ઞાની પુરુષને લોકોએ વિવિધ માન્યતાઓના અસંખ્ય પ્રશ્નો પૂછ્યા છે. જ્યારે જ્ઞાની પુરુષના જવાબો કેવળ જ્ઞાનસ્વરૂપને જોઈને નીકળ્યા છે, જે અવિરોધાભાસ સૈદ્ધાંતિક છે.

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાં જે રિયાલિટી છે, ત્રિકાળ સત્ય છે એવાં સનાતન સિદ્ધાંતોની સુંદર રજૂઆત થઈ છે. સ્થૂળ વ્યવહારિક પ્રસંગોમાં જ્ઞાનીની દ્રષ્ટિ તથા અવિનાશી તત્ત્વોના આધ્યાત્મિક વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક દ્રષ્ટિ અત્રે સંક્ષિપ્તમાં સમાવેશ થાય છે. જે વાચકને વિશ્વના સનાતન સિદ્ધાંતોના રહસ્યો પામવા નવો જ દ્રષ્ટિકોણ બક્ષશે.

દીપકના જય સચ્ચિદાનંદ

વિશ્વના સનાતન સિદ્ધાંતોની દ્રષ્ટિ !

ભેદ, ચક્ષુદ્રષ્ટિ : જ્ઞાનદ્રષ્ટિનો !

જ્ઞાન એ તો દ્રષ્ટિ છે. આ ચામડાની આંખની દ્રષ્ટિ છે અને બીજી જ્ઞાનદ્રષ્ટિ છે, જો એનાથી જોતાં આવડ્યું તો કામ નીકળી જાયને ! આ ચામડાની આંખ નથી ? એનાથી તો એવું દેખાય કે 'આ મારા સસરા થાય, આ મારા મામા થાય, આ ફૂઆ થાય.' એ બધી વાત ખરી હશે ? આ 'કરેક્ટ' છે વાત બધી ? કાયમનો સસરો હોય છે કોઈ ? જ્યાં સુધી 'ડાઈવોર્સ' ના લીધો હોય ત્યાં સુધી સસરો, 'ડાઈવોર્સ' લે તેને બીજે દહાડે એ સંબંધ ખલાસ થઈ જાયને ! એટલે આ બધાં 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ' છે ! બાકી દ્રષ્ટિ એ તો 'જ્ઞાની પુરુષ' બદલી આપે.

દ્રષ્ટિફેરથી સંસાર વિસ્મૃત !

પ્રશ્નકર્તા : જ્ઞાની બહિર્મુખ દ્રષ્ટિથી અંતર્મુખ દ્રષ્ટિ કરી આપે.

દાદાશ્રી : ના. એવી અંતર્મુખ દ્રષ્ટિ નહીં. અત્યારે તમારી દ્રષ્ટિ તો બધી અંદરની ય છે જ. પણ તમને દ્રષ્ટિ બદલી આપીએ; તે બહાર પણ પછી આત્મા દેખાય. અંદર છે એવું બહારે ય આત્મા નથી ? પણ એ દ્રષ્ટિ તમને બદલી આપીએ. એટલે બાકી અમને તો એક મિનિટેય આ સંસાર યાદ નથી આવતો.

પ્રશ્નકર્તા : અમને એક મિનિટેય સંસાર ભૂલાતો નથી.

દાદાશ્રી : એટલે આખી 'ડિઝાઈન' ફેર છે. આખી દ્રષ્ટિ જ ફેર છે, બીજું કશું જ નથી. તમે આ જોઈ રહ્યા છો, હું બીજી બાજુ આમ જોઈ રહ્યો છું. આખી દ્રષ્ટિ જ ફેર છે. આમાં બીજો કશો પ્રયત્ન કરવાનો નથી. જો કોઈ દ્રષ્ટિ બદલી આપેને તો તમને પણ બધું એવું જ દેખાય પછી !

એ દ્રષ્ટિ એક ફેરો બદલાય પછી એ દ્રષ્ટિ ખીલે ને, તેમ તેમ 'પોતે' 'ભગવાન' થતો જાય. પણ દ્રષ્ટિ ખીલી નથી ત્યાં સુધી તો ગજવું કપાય એટલે પેલાને ગુનેગાર ગણે. દ્રષ્ટિદોષથી પુદગલ અન્ય સ્વરૂપે દેખાય છે.

જેવું જ્ઞાન, તે પ્રમાણમાં દ્રષ્ટિ !

પ્રશ્નકર્તા : આ ચર્મચક્ષુવાળી દ્રષ્ટિનો દોષ કહેવાયને ? અજ્ઞાનતામાં હોય તો ખબર જ કેવી રીતે પડે કે અમે અજ્ઞાનતામાં છીએ ?

દાદાશ્રી : એ ખબર જ ના પડેને ! પછી જેવી એની દ્રષ્ટિ હોયને તેવો એ થઈ જાય, આ ચામડાની આંખની દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી. એને જ્ઞાન પ્રમાણે દ્રષ્ટિ હોય, જ્ઞાનના પ્રમાણસર દ્રષ્ટિ હોય છે. જે જ્ઞાન 'એને' પ્રાપ્ત થયું છે, એના આધારે 'એની' દ્રષ્ટિ હોય છે ને જેવી દ્રષ્ટિ હોય તેવું બહાર બધે દેખાય. 'આ અમારો દુશ્મન અને આ અમારો મિત્ર' કહેશે. હવે કોઈ મિત્ર કે દુશ્મન છે નહીં જગતમાં, પણ એની એવી દ્રષ્ટિ બંધાઈ ગઈ છે તેથી એવું દેખાય છે.

વીતરાગ દ્રષ્ટિએ, વિલય થાય સંસાર !

પ્રશ્નકર્તા : જે ખોટી વસ્તુ છે, એ ત્યજવી જોઈએ. એટલો પ્રયત્ન ધીમે ધીમે કેળવીએ તો ફેર પડતો જાય છે.

દાદાશ્રી : જો મોક્ષે જવું હોય તો ખોટી-ખરીના દ્વન્દ્વ કાઢી નાખવા પડશે. અને જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો દ્વેષ કરો, તિરસ્કાર કરો ને સારી વસ્તુનો રાગ કરો. અને શુધ્ધમાં સારી-ખોટી બન્ને ઉપર રાગ-દ્વેષ નથી રાખવાનો. કારણ કે વસ્તુ સારી-ખોટી છે જ નહીં, આ તો દ્રષ્ટિની મલિનતા છે. આ સારી દેખાય છે ને આ ખરાબ દેખાય છે, એ જ દ્રષ્ટિની મલિનતા છે અને એ જ મિથ્યાત્વ છે. એટલે દ્રષ્ટિવિષ ખલાસ થવું પડે. એ દ્રષ્ટિવિષ અમે કાઢી આપીએ છીએ. એ દ્રષ્ટિવિષ જાય પછી આત્માનું લક્ષ પમાય, નહીં તો આત્માનું લક્ષ પામવું એ કંઈ જેવી તેવી વાત છે ! અને વીતરાગતા આવવી જોઈએ, રાગ-દ્વેષ જ ના થવા જોઈએ. રાગ-દ્વેષ બંધ કરવાની 'પ્રેક્ટિસ' કરવાથી બંધ થતા નથી. એને બંધ કરવાની 'પ્રેક્ટિસ' કર્યા કરીએ અને રાગ-દ્વેષ બંધ થાય એવું કદી બને નહીં. વીતરાગ એ તો દ્રષ્ટિ છે !

અત્યારે આ તમારી રાગ-દ્વેષવાળી દ્રષ્ટિ છે અને અમારી વીતરાગ દ્રષ્ટિ છે. એટલે ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. આખો દ્રષ્ટિફેર જ છે. અને 'જ્ઞાની પુરુષ' સહેજમાં એ દ્રષ્ટિ બદલી આપે ! ત્યારે પછી મુક્તિ અનુભવમાં આવે !

જ્ઞાન, બે પ્રકારના !

જ્ઞાન બે પ્રકારના. એક - સંસારમાં શું ખરું ને શું ખોટું ? શું અહિતકારી ને શું હિતકારી દેખાડે તે અને બીજું- મોક્ષમાર્ગનું જ્ઞાન. એમાં જો મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત થઇ જાય તો પેલું સંસાર માટેનું જ્ઞાન તો સહેજે ઉત્પન્ન થાય. કારણ કે એને દ્રષ્ટિ મળી ને ! દિવ્યદ્રષ્ટિ મળી ! મોક્ષમાર્ગનું જ્ઞાન ના મળે તો સંસારના હિતાહિતનું જ્ઞાન આપનારા સંતો મળવા જોઇએ. આ કાળમાં એવા સંતો દુર્લભ હોય છે.

વિપરીત જ્ઞાન જાણે, તેમ પરવશતા...

પહેલાં વિપરીત જ્ઞાન જાણવાનો પ્રયત્ન હતો, તેનાથી બંધનમાં અવાય. હવે સમ્યક્ જ્ઞાન જાણવાનો પ્રયત્ન છે એ 'પોતાનું' છે, એનાથી સ્વતંત્ર થવાય. પેલું ય જ્ઞાન છે એટલે જાણવાનો 'ટેસ્ટ' આવે પણ એ પરાવલંબી છે, કોઈનું અવલંબન લેવું પડે ! અને સમ્યક્ જ્ઞાન પોતાને સ્વસુખ આપનારું છે, સ્વાવલંબનવાળું ને સ્વતંત્ર બનાવનારું છે !

પ્રશ્નકર્તા : જ્ઞાન તો એક જ પ્રકારનું હોય ને? આત્મા એ જ જ્ઞાન છે. તો પછી વિપરીત જ્ઞાન ને આ જ્ઞાન જુદાં જુદાં કેમ હોઈ શકે ?

દાદાશ્રી : વિપરીત એટલે જરૂરિયાત નથી, તે જ્ઞાનમાં પડ્યા.

પ્રશ્નકર્તા : પણ એને જ્ઞાન કહેવાય ?

દાદાશ્રી : જ્ઞાન જ કહેવાય ને ! અજ્ઞાન શા આધારે કહ્યું કે 'આ હિતકારી નથી'. માટે અજ્ઞાન કહ્યું.

પ્રશ્નકર્તા : એટલે એને અજ્ઞાન જ કહેવાય ને ? જ્ઞાન કહેવાય નહીં ને ?

દાદાશ્રી : જગતની દ્રષ્ટિએ તો બધું જ્ઞાન જ છે ને ?! સાંસારિક જે બધું જાણવાનો પ્રયત્ન છે તે મિથ્યા જ્ઞાન છે. ઊંધી શ્રદ્ધા બેઠી એટલે ઊંધું જ્ઞાન ઉત્પન્ન થાય ને ઊંધું ચારિત્ર ઊભું થાય. એનો સ્વાદે ય પડે ને એનો મારે ય પડે. એ રાગ-દ્વેષવાળું જ્ઞાન છે અને આ વીતરાગી જ્ઞાન છે. આ જાણવા-જોવા સાથે વીતરાગતા રહે ને પેલું જાણતાં ને જોતાંની સાથે જ રાગ-દ્વેષ થાય.

જન્મ્યા ત્યારથી અજ્ઞાનનું પ્રદાન !

એવું છે ને, કર્મ બીજાં કશાં લાગ્યાં નથી. ભાન ખોયું છે એ જ કર્મ લાગ્યાં છે. બાકી પોતે શુધ્ધ જ છે. અત્યારે ય તમારો આત્મા શુધ્ધ જ છે. દરેકનો આત્મા શુધ્ધ જ છે, પણ આ જે બાહ્યરૂપ ઊભું થયું છે તે રૂપમાં પોતાને 'રોંગ બીલિફ' ઊભી થઈ છે. જન્મથી જ પોતાને અહીં તે રૂપમાં અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે. સંસાર છે, એટલે બાબો જન્મ્યો ત્યારથી જ એને અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે કે 'બાબો આવ્યો, બાબો, બાબો' કહેશે. પછી ચંદુ નામ પાડવામાં આવે તે લોકો પછી એને 'ચંદુ, ચંદુ' કહે, ત્યારે પોતે માની લે કે 'હું ચંદુ છું.' પછી એને પપ્પાની ઓળખાણ કરાવે, મમ્મીની ઓળખાણ કરાવે, બધું અજ્ઞાનનું જ પ્રદાન કરવામાં આવે છે. 'તું ચંદુ, આ તારા મમ્મી, આ તારા પપ્પા' એવી ઓળખાણ કરાવે એટલે એને 'રોંગ બીલિફ' બેસી ગયેલી છે, તે ઊખડતી જ નથી. એ 'રોંગ બીલિફ' 'જ્ઞાની પુરુષ' તોડી આપે ત્યારે 'રાઇટ બીલિફ' બેસે ને ત્યારે ઉકેલ આવી જાય ! એટલે આત્મા તો શુધ્ધ જ છે, આ તો ખાલી દ્રષ્ટિફેર જ છે !

જગતમાં 'ચેતન' જણાય ક્યારે ?

પ્રશ્નકર્તા : ચેતનનો અર્થ આપ શું કરો છો?

દાદાશ્રી : ભગવાન. અને ભગવાન એ જ ચેતન છે. એનો અર્થ એક જ હોય ને ! બે અર્થ ના હોય હંમેશાં ય. પછી અવળો બીજો અર્થ સમજે એ જુદું હોય. બાકી સાચામાં તો એક જ અર્થ છે ને ! પછી પિત્તળને સોનું માની બેસે એ ચાલે જ નહીં. બજારમાં વેચવા જાય તો ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : ચેતનને કેવી રીતે જોવું ? ચેતન જોવાનું શું સાધન છે ?

દાદાશ્રી : એ દ્રષ્ટિ જોઈએ. એ જ્ઞાન જોઈએ.

પ્રશ્નકર્તા : એ ક્યાંથી મળે ?

દાદાશ્રી : એ તો મોક્ષનું દાન આપવા આવેલાં હોય એવાં 'જ્ઞાની પુરુષ' હોય ત્યારે ત્યાંથી એ દ્રષ્ટિ મળે, એ જ્ઞાન મળી જાય. અને તે કોઈક વખતે, હજારો વર્ષે કોઈક ફેરો આવે.

એવું છે, અત્યારે આપને મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદર્શન એટલે નાશવંત ચીજોને જ દેખાડે, અવિનાશીને ના દેખાડે. એટલે તમે ચેતન જોઈ શકો જ નહીં ને ! એવું સમજાયું તમને ?!

એક વિનાશી દ્રષ્ટિ છે અને એક અવિનાશી દ્રષ્ટિ છે; બે જાતની દ્રષ્ટિઓ છે. ખરેખર મૂળ પોતાની દ્રષ્ટિ તો અવિનાશી છે પણ આ વિનાશીમાં દ્રષ્ટિ ઘાલી પાછી. તેથી ઊલ્ટો વિનાશી ભાવ આપણો ઉત્પન્ન થયો !

વિનાશી ને અવિનાશીનો ભેદ શો ?

માણસ મરે છે ત્યારે વિનાશી ચીજો જુદી પડી જાય છે અને અવિનાશી ચીજો જુદી પડી જાય છે. આમાં જે અવિનાશી વસ્તુ છે, એ 'રિયલ' એટલે કે સનાતન વસ્તુ છે અને 'રિલેટિવ' બધું વિનાશી છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે 'રિલેટિવ' બધું વિનાશી છે, નાશવંત છે. હવે વિજ્ઞાનીઓ અને ભારતીય દર્શન પણ એમ કહે છે, કે આ દુનિયામાં કોઈ તત્ત્વ વિનાશી નથી. તો આપ આ નાશવંત માટે શું કહેવા માંગો છો ?

દાદાશ્રી : હું એમ જ કહેવા માગું છું કે આ દુનિયામાં કોઈ તત્ત્વ વિનાશી નથી. અને એ તત્ત્વ, તત્ત્વની દ્રષ્ટિએ છે. એ તત્ત્વ તમે જોયેલું ય નથી ! આ તમારા અનુભવમાં બધી અવિનાશી વસ્તુઓ આવે છે કે વિનાશી વસ્તુઓ આવે છે ?

પ્રશ્નકર્તા : વિનાશીના અર્થ માટે હું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત પૂછું છું.

દાદાશ્રી : ના. અહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિની જરૂર જ નથી. આપણે વ્યવહારની દ્રષ્ટિની જરૂર છે. અહીં વ્યવહારમાં વ્યવહારની દ્રષ્ટિ જોઈએ.

વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તો શું છે, એ પણ તમને કહી દઉં ! વૈજ્ઞાનિક દ્રષ્ટિ તો શું કહે છે કે, 'આ દુનિયામાં એક પણ પરમાણુ ઘટતું નથી. ગમ્મે એટલું નાશ થયા કરે તો ય એક પરમાણુ ઘટતું નથી તેમ એક પરમાણુ વધતું નથી.' પણ લોકોને ઘેર તો કપરકાબી તૂટી ગયાં એટલે કકળાટ થાય કે ના થાય ? કપડાં બળી ગયાં તો કકળાટ થાય ને ? આ ઘર બળી ગયું તો ય દુઃખ થાય કે ના થાય ? એટલે એને વિનાશી કહ્યું. એમાં આત્મા કંઈ બળતો નથી !

એ આત્મસ્વરૂપ એવું છે કે તમારી દ્રષ્ટિમાં આવશે નહીં. હવે તમારું પોતાનું જ્ઞાન અમુક સુધી જાણે છે, તેની આગળ આત્મસ્વરૂપ ઘણું છેટું છે. એટલે તમારું પોતાનું જ્ઞાને ય ત્યાં પહોંચી શકશે નહીં. જ્યાં તમારી દ્રષ્ટિ પહોંચતી નથી, જ્યાં તમારું જ્ઞાન પહોંચતું નથી.

પુનર્જન્મ સમજે તે આત્માને સ્વીકારે !

જીવમાત્રમાં ભેદ છે જ નહિ. જીવ બધા એક જ સ્વભાવના છે. ફક્ત ભેદ તો, એની દ્રષ્ટિભેદથી આ બધા ભેદો દેખાય છે. અને આ ભેદ એ કુદરતનું સંચાલન છે. અને તે પણ બાહ્ય ભેદ છે, 'કપડાં'નો ભેદ છે, મૂળ ભેદ નથી.

પ્રશ્નકર્તા : હવે 'આત્મા છે' એવું તો જૈનોએ, વેદાંતો અને બધાઓએ કહ્યું છે. પણ અત્યારની જે 'સાયન્સ' દ્રષ્ટિ છે, તે 'યુનિવર્સલી' બધા કેમ 'એક્સેપ્ટ' નથી કરતા ?

દાદાશ્રી : ના કરે. કારણ કે એને સમજાય નહિ ને ! આત્માનું અસ્તિત્વ તો આપણા હિન્દુસ્તાનમાં દરેક દર્શનો સ્વીકારે છે. 'ફોરેન'વાળાને આત્માના અસ્તિત્વનું દર્શન હોય નહીં. કારણ કે એ લોકો હજુ પુનર્જન્મને જ સમજતા નથી. જે લોકો પુનર્જન્મ સમજે છે, તેને જ આત્માના અસ્તિત્વનું દર્શન હોય.

આત્મા દેખાય કઈ દ્રષ્ટિથી ?

પ્રશ્નકર્તા : પોતાનો આત્મા કેવી રીતે દેખાય?

દાદાશ્રી : કઈ વસ્તુથી તમારે દેખવો છે ?

પ્રશ્નકર્તા : તે ક્યાં ખબર છે ?

દાદાશ્રી : પણ પોતાનો આત્મા કેવી રીતે દેખાય, એટલે દેખનારને કોણ દેખવા ફરે છે ? તમે દેખવા ફરો છો ?

પ્રશ્નકર્તા : આપણો આત્મા આપણા મગજથી જ જોવાનો છે ને ?

દાદાશ્રી : ના, મગજથી જોઈ શકાય નહીં. મગજ એ તો સેલ છે. આ પાવર આત્મા છે.

પ્રશ્નકર્તા : તો શરીરના કયા ભાગથી જુએ ? અનુભવ શેનાથી થાય ?

દાદાશ્રી : કોઈ એવો ભાગ નથી કે જેનાથી આત્માનો અનુભવ થાય. આત્મા અનુભવ તો આત્માનુભવી પુરુષ દ્રષ્ટિ ફેરવે તો થાય.

પ્રશ્નકર્તા : પણ દ્રષ્ટિ એટલે કઈ ?

દાદાશ્રી : આ જે એની દ્રષ્ટિ ભૌતિકમાં સુખ છે, એ દ્રષ્ટિ એને જ્યારે પોતાના આત્મામાં સન્મુખ થાય ત્યારે સુખ થાય એવી દ્રષ્ટિ ફેરવી આપે.

દ્રષ્ટિ બદલવાની જ જરૂર !

એટલે પણ એ દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ફેરવી આપે. બીજા કોઈ ફેરવી શકે નહીં. બીજાનું કામે ય નહીં. જ્ઞાની પુરુષ હોય ને મુક્ત હોવા જોઈએ ને તે પાછાં બુદ્ધિરહિત હોવા જોઈએ. એક સેન્ટ પણ બુદ્ધિ હોય ત્યાં સુધી એ જ્ઞાની કહેવાય નહીં. એટલે એ જ્ઞાની પુરુષ આપણું કામ કાઢી આપે, આપણને દ્રષ્ટિ ફેરવી આપે.

હવે 'હું ચંદુભાઈ છું' એ દ્રષ્ટિ તમને બેસી ગયેલી છે. લોકોએ કહ્યું, 'ચંદુભાઈ'. તે તમને દ્રષ્ટિ બેસી ગઈ કે 'હું ચંદુભાઈ છું.' પણ એ બધી રોંગ બિલીફો છે આ, રોંગ બિલીફો !

પ્રશ્નકર્તા : એ તો અહીંનું લેબલ છે.

દાદાશ્રી : બસ, હા, લેબલ છે. પણ એ લેબલોને તમે માન્ય કર્યા છે કે 'હું છું આ.' એટલે કોઈ કહે કે 'આ ચંદુભાઈએ બગાડ્યું.' એટલે તમને અસર થાય, ઈફેક્ટ થાય. માટે તમે ચંદુભાઈ છો. અસર ના થતી હોય તો તમે બીજાં છો. એ જ્યારે અનુભવ થાય પછી અસર ન થાય.

પ્રશ્નકર્તા : ને એટલી જ જરૂર છે ને ?

દાદાશ્રી : એટલી જ જરૂર. તે એને માટે છે. તે દ્રષ્ટિ બદલવાની જરૂર છે. દ્રષ્ટિ બદલાઈ જાય, તો થઈ ગયું. બીજું કશું લાંબું નથી. એને કંઈ બહુ ગામ લાંબું નથી.

તરસ લાગ્યા સિવાય હંમેશાં પાણી એ ના સારું લાગે. ભૂખ લાગ્યા વગર જમવાનું ય સારું ન લાગે. જ્યારે ભૂખ લાગ્યા પછી ખીચડી-શાક બહુ સુંદર લાગે. કેમ લાગે છે સાહેબ ?

પ્રશ્નકર્તા : આ જન્મ તો એને માટે લીધો, તો હવે ભૂખ નથી એમ કેમ કહો છો ?

દાદાશ્રી : ના, ભૂખ લાગી ક્યારે કહેવાય કે તમને છે તે એવી ગરજ ઉત્પન્ન થાય. ભૂખ્યો માણસ ગરજ બતાડે કે ના બતાડે ? એટલે ગરજ. મારે ગરજ નથી જોઈતી. પણ તમને જેટલી ગરજ એટલો આ અનુભવ થશે.

આ તો દ્રષ્ટિ, દ્રષ્ટામાં કે દ્રશ્યમાં ?

કુંડલિની જાગ્રત કરે પણ એનાથી દ્રશ્ય દેખાય, પણ એ તો હતું જ ને પહેલેથી ! દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં ત્યારે 'નિર્વિકલ્પ સમાધિ'નું સુખ આવે !

દ્રષ્ટિ દ્રષ્ટામાં ક્યારે પડે ? સ્વરૂપને જાણે ત્યારે જ. એ 'જ્ઞાની પુરુષ' સ્વરૂપની ઓળખાણ કરાવી આપે. આ જે દ્રષ્ટિ તમને છે, તે દ્રશ્યને જ જુએ છે. અંદર મુરલીવાળા કૃષ્ણ દેખાય છે, તે દ્રશ્ય છે. દ્રષ્ટા દેખાય નહીં. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, એક ક્ષણવાર પણ પડે તો ભ્રાંતિ રહે નહીં, ઉકેલ આવે.

કડવું કે મીઠું પીવાનું નથી, માત્ર દ્રષ્ટિ જ ફેરવવાની છે. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો કામ જ થઈ ગયું.

કેવી ભક્તિ, છતાં આત્મજ્ઞાન બાકી !

એક 'રિલેટિવ'નું 'રિયલાઇઝ' કરે છે ને બીજું 'રિયલ'નું 'રિયલાઇઝ' કરે છે. ભક્તોને સાક્ષાત્કાર થાય તે શું છે કે મહીં મોરલીવાળા કૃષ્ણ દેખાય, એવી સિદ્ધિ લાવેલા હોય. પણ જો તે મને મળે તો હું તેમને કહું કે, 'એ તો દ્રશ્ય છે ને તું દ્રષ્ટા છે. તને જે મોરલીવાળા કૃષ્ણ દેખાય છે તે ખરાં કૃષ્ણ નથી. એ તો દ્રશ્ય છે ને ખરાં કૃષ્ણ તો તેને જે જુએ છે તે છે, તે તું 'પોતે' જ છે. ભક્તો પણ આ ધ્યેયને પામ્યા હોતાં નથી. એમને ય એ જોઇએ છે. ધ્યેય હોય તો પોતે ધ્યાતા થાય, પણ ધ્યેયનું સ્વરૂપ જાણવા માટે વચ્ચે ગુરૂ જોઇએ.

નરસિંહ મહેતાએ શું ગાયેલું ?

'જહાં લગી આત્મા તત્વ ચિન્હ્યો નહીં,

તહાં લગી સાધના સર્વ જૂઠી.'

સાક્ષાત્કાર થયા પછી જાય નહીં !

જે દેખાયું છે તે તમને ફાયદાકારક દ્રશ્ય ઘણું છે પણ એ આત્મા નથી. જે તમે જોયુંને તે દ્રશ્ય છે અને લાઈટ દેખાય છે તેય દ્રશ્ય છે ને લાઈટને જોનારો આત્મા છે. દ્રષ્ટિ જ્યારે દ્રષ્ટામાં પડે તો કામ થયું કહેવાય, નહીં તો આ ઘણાં માણસને મન વિક્ષિપ્ત થયું હોયને, તે મનને શાંત કરી નાખે. ઘણાં લોકોને પ્રકાશ દેખાય, લાઈટ અવનવી દેખાય, બધું દેખાય. તેનાથી મન જે વિક્ષિપ્ત થઈ ગયું હોય, તેને શાંત કરી નાખે. એકાગ્રતા કરાવડાવે પણ તે આત્મા નથી. આત્મા એવો સસ્તો નથી કે એમને એમ પ્રાપ્ત થઈ જાય. આખી દુનિયામાં એક માણસે ય થયો નથી. એવી સહેલી વસ્તુ નથી. કરોડો ઉપાયે, કરોડો અવતારે ય એ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી.

પ્રશ્નકર્તા : આ દેખાય છે તે માર્ગ તો સાચો છે ને ?

દાદાશ્રી : હા, મનથી શાંતિ થઈ જાય. બાકી આત્માને તો કંઈ લેવા-દેવા નથી. એનો દ્રષ્ટા મૂળ આત્મા છે. આવાં ઘણાં લોકો મારી પાસે આવે છે, પણ સુરતના સ્ટેશનને જો મુંબઈ માની બેસે તો કામ ના થાય. આ દેખાય છેને તે દ્રશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો કામ થઈ જાય. એક બાજુ વિક્ષિપ્ત મન હતું, તેમાં ફેરફાર થઈ ગયો અને પછી આ મળી જાય પછી રહ્યું શું ? પણ આ મનની શાંતિ કેવી ? કોઈ સળી કરેને તો શાંતિ તૂટી જાય પછી કોઈ સળી કરે તો ફેણ માંડે. દ્રશ્યને જોઈને ક્યાં સુધી આનંદ માણ્યા કરીએ ? જ્યારે આત્મા પ્રાપ્ત થયો પછી ફેણ માંડવાની બંધ થઈ જાય. આત્મા એવી વસ્તુ છે, પરમાત્મા જ છે, જેવી તેવી વસ્તુ નથી. આત્મા એક સમય પણ ટચ થઈ જાય તો થઈ ગયું કલ્યાણ, મિનિટનો નાનામાં નાનો ભાગ ! એટલે જ્ઞાની પુરુષ દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખી દે એક ફેરો, એ સ્પર્શ કરાવી દે સાક્ષાત્કાર, તે ફરી જાય નહીં. ફરી એ સાક્ષાત્કાર એક મિનિટ પણ આઘોપાછો થાય નહીં. તમે કામ કરવા ગયા હોય કે ધંધો કરવા ગયા હોય ત્યારે છૂટું પડે નહીં. સાક્ષાત્કાર એનું નામ કહેવાય કે સાક્ષાત્ રહ્યા જ કરે નિરંતર. આ કાળમાં મનની શાંતિ રહેવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે.

દ્રષ્ટામાં દ્રષ્ટિ પડી એવું જે કહે છે ને, એ તો દ્રષ્ટાથી ઘણાં છેટે છે. એમને દ્રષ્ટા પ્રાપ્ત કરતાં કરતાં તો ઘણો કાળ જશે. આ તો આપણને દ્રષ્ટા પ્રાપ્ત થઈ ગયેલો છે. જેને જગત ખોળે છે તે આપણી પાસે છે. હવે એનો ઉપયોગ, શુધ્ધ ઉપયોગ કેમ કરવો એ આપણું કામ, એ પુરુષાર્થ કહેવાય.

દ્રશ્યનો દ્રષ્ટા કોણ ?

પ્રશ્નકર્તા : દ્રષ્ટિનો દ્રષ્ટા ગોતવાની વાત હજુ મને સમજાઈ નથી, તે મને જરા સમજાવો.

દાદાશ્રી : આપણે આ જ્ઞાન મળ્યા પછી દ્રષ્ટા ગોતીને બેઠાં છીએ પણ જેને સ્વરૂપનું ભાન ના હોય તેને કહીએ કે 'તારી દ્રષ્ટિ પડે છે એ તો દ્રશ્ય છે. પણ ત્યાં દ્રષ્ટા કોણ છે, તેની તપાસ કર.' એવું અમે કહેવા માંગીએ છીએ.

પ્રશ્નકર્ર્તા : દ્રષ્ટિ, દ્રશ્ય ને દ્રષ્ટા સમજાવો.

દાદાશ્રી : દ્રશ્ય અને દ્રષ્ટા બે જુદાં જ હોય હંમેશાં. દ્રશ્ય કંઈ દ્રષ્ટાને ચોંટી પડતું નથી. આપણે હોળી જોઈએ તેથી કંઈ આંખ દાઝે છે ? જગતમાં શું શું છે ? દ્રશ્ય અને જ્ઞેય, તેમજ દ્રષ્ટા અને જ્ઞાતા ! આ પાંચ ઈન્દ્રિયોથી જે કંઈ દેખાય છે એ બધાં જ્ઞેય છે, દ્રશ્ય છે; પણ એમાં દ્રષ્ટા કોણ છે ?

જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, જ્ઞાન જ્ઞાતામાં પડે, ત્યારે સાક્ષાત્કાર થાય. જ્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યારે આત્મજ્ઞાની કહેવાય અને જ્ઞાન જ્ઞાતાની મહીં પડી જાય એટલે નિર્વિકલ્પ થઈ ગયો ! જે કાયમનો અસ્થિર સ્વભાવનો છે, તેને લોક સ્થિર કરવા પ્રયત્ન કરે છે. દ્રષ્ટા કે જે કાયમ સ્થિર જ છે, તેના તરફ દ્રષ્ટિ પડે તો બધું જ સ્થિર થઈ જાય ! આપણું 'જ્ઞાન' જ્ઞેયોમાં ફર્યા કરે છે. એ જ 'જ્ઞાન' જ્ઞાતામાં પડે, તો 'પોતાનું' થઈ જાય !

લોકદ્રષ્ટિથી માનેલું ચેતન...

જગત જેને 'ચેતન' કહે છે એ એમની દ્રષ્ટિનું 'ચેતન' છે, એક્ઝેક્ટ 'ચેતન' નથી. એ 'ચેતન'ને 'નિશ્ચેતન ચેતન' કહેવામાં આવે છે. એટલે એ 'ડિસ્ચાર્જ' થતી ચીજ છે. 'ડિસ્ચાર્જ' થાય ત્યારે એ 'નિશ્ચેતન ચેતન' હોય. આ મનુષ્ય માત્ર હરે-ફરે, જે બધું કરે છે, એ બધું ય નિશ્ચેતન ચેતન છે. ફક્ત આત્માની હાજરીને લઈને જ આ બધું મશીન ચાલી રહ્યું છે. જો આત્મા હાજર ના હોય તો આ મશીન ચાલે જ નહિ, બંધ થઈ જાય.

વિકલ્પી-નિર્વિકલ્પીમાં ફેર દ્રષ્ટિનો જ !

બાકી વિકલ્પી કોઈ દહાડો ય નિર્વિકલ્પી થઈ શકે જ નહીં. વિકલ્પી બીજ ક્યારેય પણ નિર્વિકલ્પી થઇ શકતું નથી અને ખોટાં ફાંફા મારે છે. નિમિત્તની જરૂર છે. વિકલ્પી અને નિર્વિકલ્પી, બંને દ્રષ્ટિફેર છે. જ્યારે નિર્વિકલ્પીની દ્રષ્ટિ જો થાય એને, કરી આપે કોઈ, તો પછી એ નિર્વિકલ્પ થાય. 'દ્રષ્ટિ' જ ચેન્જ કરવાની જરૂર છે. આમાં અભ્યાસથી નથી થાય એવું. અભ્યાસથી થતું હોત તો અભ્યાસ કરી નાખે. પણ દ્રષ્ટિ જ ચેન્જ છે આખીય.

બ્રહ્મ તો શબ્દથી ય પર !

પ્રશ્નકર્તા : 'શબ્દબ્રહ્મ' પણ છે ને ?

દાદાશ્રી : પણ શબ્દબ્રહ્મ એટલે શું કે કાનને રણકાર થાય, એમાં આપણને શો સ્વાદ આવે ? એટલે યથાર્થ બ્રહ્મ જોઇશે. એવાં તો બધા બહુ બ્રહ્મ છે. શબ્દબ્રહ્મ, નાદબ્રહ્મ ! પણ યથાર્થ આત્મા જોઇશે, જે અગમ્ય છે, શાસ્ત્રમાં ઊતરી શકે એવો છે નહિ, અવર્ણનીય છે, અવક્તવ્ય છે ! જ્યાં શબ્દ પણ પહોંચી શકે નહિ, જ્યાં દ્રષ્ટિ પણ પહોંચી શકે નહિ, ત્યાં આત્મા છે અને નિર્લેપ ભાવે રહેલો છે, અસંગ ભાવે જ રહેલો છે. અને શબ્દ-નાદ એ બધાં સ્ટેશનો છે. એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. એ કંઈ આત્મા પ્રાપ્ત થયો ના કહેવાય. આત્મા તો પ્રાપ્ત થયા પછી જાય નહિ, એનું નામ આત્મા. એક ક્ષણ આઘોપાછો ના થાય, એનું નામ આત્મા.

પ્રશ્નકર્તા : અને આવરણ દૂર થાય તો એ પરમાત્મા થાય ?

દાદાશ્રી : પણ આવરણ દૂર એમ ને એમ થાય નહિ ને ! પહેલી એની દ્રષ્ટિ ફરે. અત્યારે દ્રષ્ટિ કેવી છે કે તમારી દ્રષ્ટિ આ 'સાઇડ'માં છે. એટલે આ બાજુનું જ દેખાય છે. 'હું ચંદુભાઈ છું' એ જ દ્રષ્ટિ છેને તમારી કે બીજું કશું છું એવી દ્રષ્ટિ છે?

અંતર ભેદાયા વિણ નીપજે ના અંતરદ્રષ્ટિ !

પ્રશ્નકર્તા : એટલે મુખ્ય તો અંતર્મુખ દ્રષ્ટિ હોવી જોઈએ !

દાદાશ્રી : એવું છે ને, આ કેટલાંક લોકો તો મહીં જો જો કરે છે. અલ્યા, મહીં કશુંય નથી ! મહીં તો 'જ્ઞાની પુરુષ'ના દેખાડ્યા પછી દેખાય ! નહીં તો મહીં તો આમ આંખ મીંચીને બધું બીજું દેખાય !

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષો એમ કહે છે કે તમારે અંદર જ જોયા કરવાનું છે. એટલે આપણે અંદર શું જોવાનું છે ?

દાદાશ્રી : એ જે કહેલું છે તે સાપેક્ષ વચન છે. જેને આંતરિક જ્ઞાન થયેલું હોય તેણે અંદર જોવાનું અને જેને બાહ્ય જ્ઞાન થયું હોય તેણે બહાર જોવાનું. હવે બાહ્યજ્ઞાન થયેલું હોય અને અંદર જુએ તો શું દેખાય એને ?

પ્રશ્નકર્તા : બહારનું જ દેખાય.

દાદાશ્રી : એટલે મારું કહેવાનું એ છે કે આ જે વચન કહ્યું છે તે સાપેક્ષ વચન છે. જેને અંતરનું કંઈક જ્ઞાન થયેલું છે, અંતરની કંઈક વાત સાંભળી છે અને અંતર કંઈક ભેદાયું છે તેને અંદર જોવાનું. અને અંતર ભેદાયું ના હોય તો અંદર શું જોશો ?

પ્રશ્નકર્તા : આપણને કંઈ વિચાર ઊઠતાં હોય તે ?

દાદાશ્રી : હા, પણ તે અંતર ભેદાયું હોય તેને માટે એ કામનું છે. અંતર ભેદાયું ના હોય, વિચારો ઊઠતાં હોય, તેમાં તન્મયાકાર થઈ જાય પછી શું દેખાય ? અંતર ભેદાયું હોય તે તો વિચારમાં તન્મયાકાર ના થાય ને તેને જુએ કે મને શું વિચાર આવ્યો ? પણ અંતરભેદ થવો બહુ સહેલો નથી. એ 'જ્ઞાની પુરુષ' વગર અંતરભેદ ના થાય. ભેદ તો પડવો જોઈએને આપણને ? અહંકાર ભેદ ના પડવા દે.

જેની દ્રષ્ટિ બહાર જ છે, લૌકિકમાં રાચેલો છે, એને અંદર શું જોવાનું ? એની રમણતા ક્યાં છે તે ઉપર દ્રષ્ટિનો આધાર છે. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અંદર કશું દેખવા જેવું જ નથી. ફક્ત શુભ ઉપયોગ રાખે પણ એ કંઈ મોક્ષમાર્ગ નથી, ધર્મમાર્ગ છે. એટલે એને ને મોક્ષને કંઈ લેવા-દેવા નથી. તમે અંદર ગમે તેટલો ઉપયોગ રાખશો પણ તે શુધ્ધ ઉપયોગ તો નહીં ગણાય.

શુધ્ધ ઉપયોગ તો 'જ્ઞાની પુરુષ' 'જ્ઞાન' આપે પછી રહે. 'જ્ઞાન' કયું ? આત્મજ્ઞાન. 'હું કોણ છું' એ નક્કી થાય. અને તે પાછું ભાન સહિત હોવું જોઈએ. શુધ્ધ ઉપયોગ એ મોક્ષમાર્ગ છે અને તમે કહો છો એ બધા શુભ ઉપયોગ છે. અશુભમાંથી શુભમાં આવવાનો એ માર્ગ છે.

દ્રષ્ટિ ફરે તો માર્ગ બદલાય !

આ બાજુ જવાનું છે તેને બદલે આ બીજી બાજુ જાય છે, ને એમ માનીને જાય છે કે આ રસ્તે મારી પરિપૂર્ણતા છે. જ્યારે એને કોઈ 'જ્ઞાની પુરુષ' મળી આવે તો એને પાછો વાળે અને આ બાજુ એની દ્રષ્ટિફેર કરી આપે. ત્યાર પછી જીવાત્માની દશા તૂટે અને જ્યારે મૂળ સ્થાન પર આવે ત્યારે એની અંતરાત્મદશા થાય. પછી વૃત્તિઓ બધી પાછી આવવા માંડે. જેમ 'એ' પાછો ફર્યો એટલે વૃત્તિઓ ય પાછી ફરે અને પછી એની મેળે સહજ થયા કરે. અંતરાત્મા થતાં સુધી, 'ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ' સુધી 'જ્ઞાની પુરુષ'નો આશરો લેવો પડે. અને 'ઈન્ટ્રીમ ગવર્નમેન્ટ'નું સ્થાપન થઈ ગયું એટલે 'ફુલ ગવર્નમેન્ટ' થયા કરે.

જ્ઞાન મળ્યા પછી સહજ વર્તે...

પ્રશ્નકર્તા : એ રીતે આત્મદ્રષ્ટિથી જોવા માટે કંઈ પુરુષાર્થ કરવો પડે છે કે એની મેળે જ જોવાય છે ?

દાદાશ્રી : એની મેળે જ દેખાય ! અમે જે જ્ઞાન આપ્યું છે તેનાથી 'રિલેટિવ' અને 'રિયલ'ને જુઓ, 'રીલેટિવ' બધી વિનાશી ચીજો છે ને 'રિયલ' બધી અવિનાશી છે. આ બધાં જ્ઞેય જે દેખાય છે તે બધાં વિનાશી જ્ઞેયો છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો એ વિનાશી સંયોગો છે. આ બધું અહીં સત્સંગમાં આવીને પૂછી લેવું જોઈએ ને ફોડ પાડી લેવા જોઈએ. તો દરેક બાબતનું લક્ષ રહે ને લક્ષ રહે એટલે પછી કશું કરવાનું રહેતું નથી. સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી કશું કરવાનું ના હોય. જ્ઞાન જ્ઞાનમાં જ રહે. આત્મા જ્ઞાયક સ્વભાવમાં જ રહે. જ્ઞાયક એટલે જાણ્યા જ કરવાના સ્વભાવમાં રહે. બીજો સ્વભાવ જ આત્માને ઉત્પન્ન ના થાય.

જ્ઞાન, ત્યાં કર્મબંધન જ નહીં !

પ્રશ્નકર્તા : કર્મ ના બંધાય તેનો રસ્તો શું ?

દાદાશ્રી : સ્વભાવ ભાવમાં આવવું તે. 'જ્ઞાની પુરુષ' પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે પછી કર્મ ના બંધાય. પછી નવાં કર્મો 'ચાર્જ' ના થાય, જૂનાં 'ડિસ્ચાર્જ' થયા કરે.

પ્રશ્નકર્તા : શરીરનો ખાવા-પીવાનો જે ધર્મ છે તેમાં જે કર્મો બંધાઇ રહ્યાં છે તે શી રીતે છૂટે ?

દાદાશ્રી : સ્વરૂપજ્ઞાન પછી કર્મ બંધાય જ નહીં. પછી ખાઓ-પીઓ, ફરો, ચશ્મા ઘાલો તો ય ના બંધાય.

પ્રશ્નકર્તા : ખાવા-પીવામાં જીવોની હત્યા થાય છે ને ?

દાદાશ્રી : જ્યાં સુધી પોતે હિંસક છે ત્યાં સુધી દરેક ક્રિયામાં હિંસા રહેલી છે. 'હું ચંદુલાલ છું' એ આરોપિત ભાવ છે, એ જ હિંસક ભાવ છે. અને જ્યાં પોતે આત્મા થયો, એટલે અહિંસક થયો ત્યાર પછી એને હિંસાનો દોષ લાગતો નથી. આ તો સ્વરૂપનું ભાન જ નથી તેથી નરી હિંસા જ છે. માત્ર દ્રષ્ટિફેર કરવાની છે.

સ્વભાવને પામવા...

પ્રશ્નકર્તા : કેમ સ્વભાવને પામીએ એ જ આરાધના માંગીએ છીએ આપની પાસે ?

દાદાશ્રી : સ્વભાવને પામવું, એનું નામ જ સમકિત. સમકિત પહેલું થાય તો સ્વભાવને પામે પછીનો ઉત્તરોત્તર સ્વભાવ વધતો જાય. સ્વ-સ્વભાવ થતો જ જાય. એક ફેરો સમકિત પામ્યો એટલે દ્રષ્ટિ ફરી જાય. આ મિથ્યાદ્રષ્ટિ છે તે જગતના જ ભાવો દેખાડે છે. દ્રષ્ટિ ફરી જાય એટલે આત્માના સ્વભાવ દેખાયા કરે. જેમ તમે આમ જોઈ રહ્યા છો તો પાછળની કોઈ વસ્તુ ના દેખાય. એવી દ્રષ્ટિ ફેરવી આ જગત ઊભું રહ્યું છે. જ્ઞાની પુરુષ સિવાય દ્રષ્ટિ બદલી શકે નહીં. જ્યારે જ્ઞાની પુરુષ દિવ્યચક્ષુ આપે ત્યારે દ્રષ્ટિ બદલાય જાય. આપણો આત્મા તો દેખાય પણ બીજાનો હઉ દેખાય.

દ્રષ્ટિ ફરે, એનું નામ સમકિત. દ્રષ્ટિ ફરે નહીં ત્યાં સુધી સમકિત કહેવાય નહીં. આમ બેઠા છો તો આમ જ દેખાય ને ? અને ભાવે ય આનાં જ આવેને ? અને આમ ફરીને બેઠા હોય તો ? એ દેખાય તો એના ભાવ આવે, જ્યાં દ્રષ્ટિ ફરે ત્યાંના ભાવ આવે.

ગમે તેટલો વૈરાગ હોય, વૈરાગ બધો પુષ્કળ હોય, કશું ગમતું ના હોય. સંસાર નામેય પસંદ ના હોય, સંસાર ઉપર અભાવ થઈ ગયો, તો પણ દ્રષ્ટિ સંસાર પર છે. એટલે ત્યાં આગળ છે ને ત્યાંના ભાવ ઉત્પન્ન થાય. દ્રષ્ટિ બદલાયા સિવાય કેમ કશું ફરે ? એ જ્ઞાની પુરુષ દ્રષ્ટિ બદલે. આખી દ્રષ્ટિ ઊંધી છે. આ જગત દ્રષ્ટિ છે અને વિનાશી દ્રષ્ટિ છે. જે જુઓ છો તે બધી વિનાશી ચીજો છે. અને પેલી સ્વભાવ દ્રષ્ટિ છે અને અવિનાશી છે. આ તો બધું વિનાશી આ આવ્યા પછી પેલું આવે. પેલું આવ્યા પછી પેલું આવે. પછી 'આપ' સ્વભાવમાં રહેવાય, એને ભગવાને જ્ઞાન કહ્યું.

પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની પુરુષને મળે એટલે આપણે એને કહી દેવું કે સાહેબ, અમને આવું કરી આપો, મારાથી થાય એવું નથી. અમે હેંડી હેંડીને થાક્યા પણ કોઈ ગામ આવતું નથી.

દાદાશ્રી : તમે હેંડ હેંડ કરશો તો ક્યારે પાર આવે ? હેંડતા હેંડતા અહીંથી મહાવિદેહ જવું હોય તો ક્યારે પાર આવે ? જ્ઞાની પુરુષ તો પ્લેનમાં લઈ જાય, એ ચાહે સો કરે, જ્ઞાની પુરુષ તો ચાહે સો કરે, કર્તા નથીને માટે. કોઈ ચીજના કર્તા નથી, માટે કરી શકે અને જગત આખું કર્તા સ્વભાવમાં છે, એ કરી શકે નહીં.

દ્રષ્ટિ દ્રષ્ટાને ન રહી જુદાઈ !

જે દિશામાં તમારું મુખારવિંદ હોય તે બાજુનું (બાહ્ય) દર્શન હોય, એટલે બીજી બાજુ (આત્મા તરફ) ના દેખાય. જે દિશામાં દ્રષ્ટિ હોય તે દિશામાં જ જ્ઞાન, દર્શન, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું પ્રવૃત્ત થયેલું હોય. જે બાજુ દ્રષ્ટિ છે તે બાજુનું જ્ઞાન પ્રવર્તનમાં આવી જાય. એને દર્શન, જ્ઞાન ને ચારિત્ર્ય કહ્યું. હવે જે દેહદ્રષ્ટિ, મનોદ્રષ્ટિ, સંસારદ્રષ્ટિ હતી, તેને કોઈ આત્માની તરફ ફેરવી આપે એટલે આત્મદ્રષ્ટિ ઉત્પન્ન થાય. અને પછી તે બાજુનું દર્શન શરૂ થઈ જાય, પછી જ્ઞાન શરૂ થાય અને છેવટે ચારિત્ર્ય શરૂ થઈ જાય.

'જ્ઞાની પુરુષ' એટલું જ કરે કે જે દ્રષ્ટિ જ્યાં ને ત્યાં બહાર પડી રહી હતી, તે દ્રષ્ટિને દ્રષ્ટામાં નાખી આપે. એટલે દ્રષ્ટિ મૂળ જગ્યાએ 'ફીટ' થઈ કહેવાય, ત્યારે જ મુક્તિ થાય. અને જે અમુક હદનાં જ દ્રશ્યોને જોઈ શકતો હતો તે બધા જ દ્રશ્યોને 'ફૂલ' જોઈ-જાણી શકે. 'જ્ઞાની પુરુષ' દ્રષ્ટિને દ્રષ્ટામાં નાખી આપે એટલે 'પોતાને' ખાતરી થાય કે 'હું શુધ્ધાત્મા છું.' દ્રષ્ટિ પણ એમ બોલે કે 'હું શુધ્ધાત્મા છું.' બન્નેને હવે જુદાઈ ના રહી, ઐક્યભાવ થઈ ગયો. પહેલાં દ્રષ્ટિ શુધ્ધાત્માને, પોતાના સ્વરૂપને ખોળતી હતી પણ જડતું નહોતું. હવે એ દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થઈ એટલે નિરાકુળતા ઉત્પન્ન થાય, નહીં તો ત્યાં સુધી આકુળવ્યાકુળ રહ્યા કરે.

દેહદ્રષ્ટિ, મનોદ્રષ્ટિથી સંસાર મળે ને આત્મદ્રષ્ટિથી મોક્ષ મળે. આત્મદ્રષ્ટિ આગળ બધા જ માર્ગો એક થાય છે. ત્યાંથી આગળનો રસ્તો એક જ છે. આત્મદ્રષ્ટિ એ મોક્ષ માટેનો પ્રથમ દરવાજો છે.

જ્યાં લોકદ્રષ્ટિ છે ત્યાં પરમાત્મા નથી. જ્યાં પરમાત્મા છે ત્યાં લોકદ્રષ્ટિ નથી.

ખપે ભૂલ વગરની સમજણ !

આત્મામાં આત્મબુદ્ધિ એનું નામ મોક્ષ અને દેહમાં આત્મબુદ્ધિ એ સંસાર.

આ દ્રષ્ટિ દ્રશ્યમાં પડ્યા કરે છે, પણ કોઇ દહાડો દ્રષ્ટામાં પડતી નથી.

પ્રશ્નકર્તા : પણ ચર્મચક્ષુથી જેટલું દેખાય એટલું જ દેખાય ને ?

દાદાશ્રી : ચર્મચક્ષુથી દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે જ નહિ. એ તો દિવ્યચક્ષુ ઉત્પન્ન થાય ત્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે.

આત્મા જાણવા તો ખાલી વાતને સમજવાની છે, કરવાનું કંઇ જ નથી. એક જણ ભગવાનને પૂછે કે, 'મારો મોક્ષ ક્યારે થશે ?' ત્યારે ભગવાને કહ્યું કે, તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. બોલો, હવે ભગવાને આમાં ખોટું શું કહ્યું ?

નિવેડાની રીતિ નોખી !

એવું છે, હંમેશાં આ દ્રષ્ટિ તો કેવી છે ? આમ બેઠાં હોય તો આપણને એક જ લાઈટને બદલે બે લાઈટ દેખાય. આંખ જરા આમ થઈ જાય તો બે દેખાય કે ના દેખાય ? હવે ખરેખર તો એક જ છે છતાં બે દેખાય છે. આપણે રકાબીમાં ચા પીતાં હોઈએ તો ય ઘણી વખત રકાબીની અંદર એ સર્કલ હોય ને, તે બબ્બે દેખાય. એનું શું કારણ કે બે આંખો છે, એટલે બધું ડબલ દેખાય છે. આ આંખો ય જુએ છે અને પેલી મહીંલી આંખો ય જુએ છે. પણ તે મિથ્યાદ્રષ્ટિ છે. એટલે આ બધું ઊંધું દેખાડે છે. જો છતું દેખાડે તો બધી ઉપાધિ રહિત થાય, સર્વ ઉપાધિ રહિત થાય. વીતરાગ વિજ્ઞાન એવું છે કે સર્વ દુઃખોનો ક્ષય કરનારું છે, એ વિજ્ઞાન જ એવું છે કે સર્વ દુઃખોથી મુક્ત કરે. અને 'વિજ્ઞાન' જ એવું હોય, વિજ્ઞાન હંમેશાં ક્રિયાકારી હોય. એટલે એ વિજ્ઞાન જાણ્યા પછી વિજ્ઞાન જ કામ કર્યા કરે, તમારે કશું કરવાનું નહિ. તમારે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી બુદ્ધિ છે. અને જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે અને અહંકાર છે ત્યાં સુધી આનો નિવેડો લાવવો હોય તો ય નહિ આવે.

પ્રશ્નકર્તા : આ દ્રષ્ટિ બદલવાની શરૂઆત શી રીતે થાય ?

દાદાશ્રી : દ્રષ્ટિ બદલવાની શરૂઆત તો, જ્યારે 'જ્ઞાની પુરુષ' મળે અને એમની પાસે સત્સંગ સાંભળવા આવીએ તો આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બદલાય. અત્યારે તમે સાંભળો છો તે તમારી થોડી થોડી દ્રષ્ટિફેર થાય. એમ કરતાં કરતાં અમુક પરિચય થાય એકાદ મહિનો, બે મહિનાનો, એટલે દ્રષ્ટિ બદલાય. અને નહિ તો 'જ્ઞાની પુરુષ'ને કહીએ કે સાહેબ, મારી દ્રષ્ટિ બદલી આપો, તો એક દહાડામાં ય, એક કલાકમાં જ બદલી આપે !

જોનારો દેખે ફેઝિઝ !

ચંદ્રને કંઈ ફેઝિઝ હોતાં જ નથી. આ તો જગતની દ્રષ્ટિમાં એવું દેખાય છે ને તે સાચું છે.

પ્રશ્નકર્તા : કોઈની દ્રષ્ટિ એવી નહીં હોય કે તે આખું જ જોઈ શકે !

દાદાશ્રી : ના. આ તો ચંદ્રના ફેઝિઝ છે. મૂળ ચંદ્ર તો આખો જ છે ને ! આ તો સંજોગોને લીધે આવો દેખાય છે. સંજોગોમાં શું છે ? ત્યારે કહે, 'સૂર્યનું એ લાઈટ લે છે. એટલે સૂર્ય કઈ દિશામાં છે, એક્ઝેક્ટ સામસામી દિશામાં આવેને, ત્યારે ચંદ્ર આખો દેખાય. એ જ્યાં સુધી દિશા જેટલી વાંકી છે એટલા ફેઝિઝવાળો દેખાય છે.'

વ્યાખ્યા દર્શનમોહ તણી !

પ્રશ્નકર્તા : દર્શનમોહ શેને કહેવાય ?

દાદાશ્રી : દર્શનમોહ તો એને કહેવાય કે જે સાચું નથી છતાં એને સાચું મનાવડાવે છે. જગત શું કહે છે, 'નથી' તેને 'છે' મનાવડાવે. ના, પણ ત્યારે મૂઆ, 'નથી' એવું કેમ કહેવાય, દેખાય છે ઊઘાડું ? પણ તમે ચંદુભાઈ સાચાં નથી, ખરેખર તમે નથી છતાંય તમને મનાવડાવે કે ના, તમે ચંદુભાઈ જ છો, એ દર્શનમોહ. પછી તમે પોતે દેહ નથી છતાં આ દેહ તે હું જ છું, કહેશે.

પ્રશ્નકર્તા : એનું માલિકીપણું ધરાવે.

દાદાશ્રી : 'હું છું' આવ્યું એટલે માલિકી હોય જ, આનું નામ દર્શનમોહ. 'હું છું' છૂટે એટલે માલિકીપણું છૂટે. આ દર્શનમોહ છૂટે તો આ જગતમાં માણસ છૂટે, નહીં તો કોઈ દા'ડોય મુક્તિ થાય નહીં. અમને ભેગા થાય, એને કહીએ કે ચંદુભાઈ, તમે ન્હોય. ત્યારે કહે, 'હું જ ચંદુભાઈ. આવું કેવું બોલો છો ?' 'અરે ભઈ, ન્હોય તમે ચંદુભાઈ. ચંદુભાઈ તો તમારું નામ છે આ.' 'ત્યારે એને શંકા પડે. વાત તો સાચી છે. નામ તો મારું ચંદુભાઈ, ત્યારે હું કોણ ?' એ ત્યાર પછી દાદા દેખાડે, ત્યારે પહેલો દર્શનમોહ છૂટે. આંધળા પાટા લઈને ફરતો હતો, તે હવે દેખતો થાય. તે દર્શનમોહ તૂટ્યો. પછી દેખાવા માંડ્યું. ત્યારે લોક કહે છે, 'કેમ આટલું બધું પહેર્યું છે તમે ? આટલો બધો મોહ ?' એ તમને નહીં ખબર પડે કે આ મોહ છે, પણ તે આ ચારિત્રમોહ છે. એટલે પહેલાં જે મોહ ભાવ કરેલા, તેનું આ ફળ આવ્યું. આ ઇફેક્ટ છે, નોટ કૉઝ. કૉઝીઝ બંધ થઈ ગયા. જેના કૉઝ બંધ થઈ ગયા, એનો મોક્ષ થયો.

પ્રશ્નકર્તા : દાદા, કઈ રીતે પણ દર્શનમોહ છૂટે ?

દાદાશ્રી : બીજો કોઈ રસ્તો નહીં, જ્ઞાની પુરુષ છોડાવી આપે ત્યારે છૂટે. દર્શનમોહ એટલે શું ? આમ બધું જુએ છે, તેને બદલે પાછલી બાજુ જુએ. એ દ્રષ્ટિ ફેરવી આપે, જ્ઞાની પુરુષ. પોતાની મેળે ફરે નહીં. આ સંસાર દ્રષ્ટિ છે અને પાછળ આત્મદ્રષ્ટિ છે. તે આત્માભણી દ્રષ્ટિ કરી આપે. પછી છે તે એને સમજાઈ જાય કે આ હું છું.

રાઈટ બિલિફ એ સમ્યક્ દર્શન !

'હું ચંદુભાઈ છું' એ ફર્સ્ટ રોંગ બિલીફ, 'હું આ બઈનો ધણી થઉં' એ સેકન્ડ રોંગ બિલીફ, 'આ છોકરાનો ફાધર થઉં' એ ત્રીજી રોંગ બિલીફ, 'આનો મામો થઉં' એ ચોથી રોંગ બિલીફ, આવી કેટલી રોંગ બિલીફો બેઠી છે ? હવે રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન. અને એના સામું રાઈટ બિલીફ જોઈએ, એટલે સમ્યક્ દર્શન હોવું જોઈએ. એટલે રોંગ બિલીફ ફ્રેકચર થાય, ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય. 'ખરેખર આપણે કોણ છીએ' એવી દ્રષ્ટિ બદલાઈ જાય અને દ્રષ્ટિ બદલાઈ જાય એટલે મુક્તિ થઈ જાય. બસ, બીજું કંઈ આમાં છે નહીં.

આ એક છે તે ભૌતિક દ્રષ્ટિ છે, બીજી આત્મદ્રષ્ટિ છે. બે દ્રષ્ટિ ડિફરન્ટ છે, સામસામી છે અને જ્ઞાની પુરુષો દ્રષ્ટિફેર કરી આપે. એને આખું ચેન્જ થઈ જાય બધું.

દ્રષ્ટિ બદલાયા વિના બધું વ્યર્થ !

પ્રશ્નકર્તા : એટલે હું એ પૂછતો હતો કે દ્રષ્ટિ મટે પણ વૃત્તિ રહે, એનું શું ?

દાદાશ્રી : દ્રષ્ટિ શી રીતે મટે ? ના, કોઈ એવો રસ્તો નથી કે દ્રષ્ટિ મટે. વૃત્તિ મટે પણ દ્રષ્ટિ ના મટે. દ્રષ્ટિને લઈને તો આ બધું જગત રોળાયું છે ! કઈ દ્રષ્ટિ ? ત્યારે કહે, 'ઊંધી દ્રષ્ટિ.' 'જેમ છે એમ' દેખાતું નથી. એટલે પછી 'એને' જેવું દેખાય છે, એમાં 'એ' તન્મયાકાર રહે છે. વૃત્તિઓ તો બધી તૂટી જાય ને પાછી નવી પેસે. પણ જ્યાં સુધી દ્રષ્ટિ ના બદલાય ને, ત્યાં સુધી વૃત્તિઓ બદલાયા કરે. તેથી કંઈ ફાયદો થયો નથી. અરે ! બાવા થયા, ખાવાનું ખાટું-મીઠું કશું યાદ જ ના આવે, એ વૃત્તિઓ બધી તૂટી જાય, તો ય દ્રષ્ટિ બદલાયા સિવાય કશું વળે નહીં.

એટલે આપણે ત્યાં એવાં કેટલાંય સંતો છે, કે જેની પાસે આપણે બેસીએ ને, તો આપણાં મનમાં એકદમ આનંદ થઈ જાય ! તે આપણને એમ લાગે કે ઓહોહો ! આ સંત કેવા હશે ?! કારણ કે બરફનો સ્વભાવ છે કે દરેકને ઠંડક આપે જ. હવે એ સંત ઠંડક આપે એટલે તમે ના સમજો કે અહીં કંઈક છે ? ત્યારે હું કહું કે ત્યાં કશું ય નથી. કારણ કે એણે વૃત્તિઓ માર માર કરી છે. એ વૃત્તિઓ મારી એટલે સ્થિર થઈ ગયું, અને સ્થિર થઈ ગયું એટલે લોકોને હેલ્પફુલ થાય, પણ પેલાએ તો ફરી અસ્થિર કરવું પડશે, તો જ કામ થશે. હવે આ બધી જગતને શી રીતે ખબર પડે ?

પ્રશ્નકર્તા : પણ એનાથી દ્રષ્ટિ બદલાય ખરી?

દાદાશ્રી : દ્રષ્ટિ ના બદલાય, વૃત્તિઓ બધું બદલાય. અમુક અહંકાર ને એવી વૃત્તિ સિવાય બીજી બધી વૃત્તિઓ ખલાસ કરી નાખે. એટલા બધા આપણે ત્યાં પ્રયોગવાળા છે. અને તે આમ બેઠાં હોયને, તો આજુબાજુ વાતાવરણ કેવું સુંદર લાગે ! આ ય મેં જોયેલું છે પાછું. છતાં મેં શોધખોળ કરેલી કે અહીં કશો માલ નથી. જ્ઞાનની વાત પૂછીએ તો ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : ના જ હોય ને !

દાદાશ્રી : તો જ્યાં જ્ઞાન નથી ત્યાં અધ્યાત્મ ય નથી. આ તો બધા આધિભૌતિક માર્ગો છે. પહેલાંના કાળમાં આધ્યાત્મિક માર્ગો હતા. અત્યારે તો લોકો 'નથી અધ્યાત્મ', તેને અધ્યાત્મ કહે છે.

પ્રશ્નકર્તા : દાદા, એ જો એમ સ્વીકારી લે કે હું તો કોરો ધાકડ છું. ક્લિન સ્લેટ છું.

દાદાશ્રી : સ્વીકારે તો એ બહુ સારું, ડહાપણની વાત કહેવાય.

પ્રશ્નકર્તા : પછી તો એની દ્રષ્ટિ પણ બદલાય ?

દાદાશ્રી : ચોક્કસ બદલાય, પણ દ્રષ્ટિ બદલાવનાર હોવો જોઈએ. પોતાની મેળે દ્રષ્ટિ બદલી શકશે નહીં. અનાદિથી આ વ્યવહાર ચાલુ આવેલો છે કે દ્રષ્ટિ બદલાવનાર હોવો જોઈએ. દ્રષ્ટિ બદલાય ત્યારથી તમારી સૃષ્ટિ બદલાયેલી લાગે, એનું નામ દ્રષ્ટિ બદલાઈ કહેવાય. સૃષ્ટિ ના બદલાય તો દ્રષ્ટિ બદલાયેલી જ કેમ કહેવાય ? નહીં તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આવીને ઊભી રહે.

'દર્શન' શુધ્ધ થયે, શુધ્ધમાં સમાવેશ !

એક પ્રતિષ્ઠિત આત્મા અને એક દરઅસલ આત્મા. પ્રતિષ્ઠિત આત્મા 'મિકેનિકલ' છે. એ ખાય-પીવે તો જ જીવે અને નહિ તો શ્વાસ આમ બંધ કરી દઈએને તો ખલાસ થઈ જાય. એ પ્રતિષ્ઠિત આત્મા જે કરે છે તેમાં 'આપણે' 'હું કરું છું' એવો અહંકાર કરીએ છીએ, એટલે પાછો બીજો નવા ભવનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે.

એવું છે ને, મૂળ અસલ આત્માને કશું થયું નથી. આ તો લોકોએ અજ્ઞાનનું પ્રદાન કર્યુંને એટલે સંસ્કાર બધા ઊભાં થઈ ગયા છે, તે જન્મતાં જ લોક 'એને' 'ચંદુ, ચંદુ' કરે. હવે પેલા બાબાને તો ખબર જ ના હોય કે આ શું કરે છે તે ?! પણ એને આ લોક સંસ્કાર પાડ પાડ કરે છે. પછી 'એ' માની બેસે છે કે 'હું ચંદુ છું.' પછી મોટો થાય ત્યારે કહે, 'આ મારા મામા થાય ને આ મારા કાકા થાય.' એવું આ બધું અજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે, તે ભ્રાંતિ ઊભી થઈ જાય છે. આમાં થાય છે શું કે આત્માની એક શક્તિ આવરાય છે, દર્શન નામની શક્તિ આવરાય છે. એ દર્શન નામની શક્તિ આવરાવાથી આ બધું ઊભું થઈ ગયેલું છે. એ દર્શન જ્યારે ફરી સમું થાય, સમ્યક્ થાય, ત્યારે પાછા 'પોતે' પોતાનાં 'મૂળ સ્વરૂપ'માં બેસી જાય. આ દર્શન મિથ્યા થઈ ગયું છે અને એટલે આ ભૌતિકમાં જ સુખ છે એવું માની બેઠો છે, તે દર્શન સમું થાય તો આ ભૌતિક સુખની માન્યતા પણ ઊડી જાય. બીજું કશું બહુ લાંબું બગડ્યું જ નથી. દર્શન જ બગડ્યું છે, દ્રષ્ટિ જ બગડી છે. એ દ્રષ્ટિ અમે ફેરવી આપીએ છીએ.

'જ્ઞાની' તો સહજમાં 'સિદ્ધાંત' પ્રકાશે !

પ્રશ્નકર્તા : આ બધાં લોકો આત્મા કહે છે, તે પ્રતિષ્ઠિત આત્માને જ ને ?

દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્માને જ આત્મા માને છે. પણ એ 'રોંગ બિલીફ' છે. હવે એ એમને ખબર ના હોય ને ! અને એ તો પ્રતિષ્ઠિત આત્માને 'એ જ મારો આત્મા છે' એમ માનીને આગળ જાય છે. મોહના એક એક પરમાણુ પરમાણુ ઓછાં કરતાં કરતાં આગળ જવાનું, એ આખો ય ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગમાં 'પ્રતિષ્ઠિત આત્મા'ને આત્મા કહે છે, અહીં અક્રમ માર્ગમાં મૂળ આત્માને આત્મા કહીએ છીએ. એટલે ક્રમિક માર્ગમાં અને અક્રમ માર્ગમાં, બેઉમાં કહેવાનો દ્રષ્ટિ ફેર છે. ક્રમિક માર્ગમાં એ લોકો સાચું જ કહે છે, એ આત્માને વેદકતા હોય જ. 'આ વેદકતા, એ બધા આત્માના આટલાં ગુણ હોય' એમ ક્રમિક માર્ગમાં કહે છે, જ્યારે આપણે અક્રમ માર્ગમાં એ વેદકતા ને બધું પ્રતિષ્ઠિત આત્મામાં કહ્યું. આ ક્રમિક માર્ગમાં આપણે જેને પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ, એને એ લોકો વ્યવહાર આત્મા કહે છે અને એ વ્યવહાર આત્માને જ મૂળ આત્મા માની બેઠા છે. અને એને જ સ્થિર કરવો છે, એને જ કર્મરહિત કરવો છે, એવું માને છે. એટલે આ આત્મા કર્મથી બંધાયો છે અને એને જ કર્મરહિત કરવો છે એવું માને છે. બાકી મૂળ આત્મા આવો નથી. મૂળ આત્મા તો કર્મથી મુક્ત જ છે. ફક્ત 'તને' એનું ભાન નથી, 'તારે' એ ભાન આવે એની જરૂર છે.

એટલે આ જગત શેમાંથી ઉત્પન્ન થયું છે ? ત્યારે કહે, 'પ્રતિષ્ઠિત આત્મામાંથી આ બધું ઉત્પન્ન થયું છે ને એમાં જ પાછું લય થાય છે. આમાં મૂળ આત્માને કશી લેવાદેવા જ નથી. એટલે આ તો ફક્ત વિભાવિક દ્રષ્ટિ જ ઉત્પન્ન થઈ છે.

શબ્દો બોલવાથી પમાય ના !

આત્મજ્ઞાન થયા સિવાય કોઈ માણસ કહેશે કે મારો છૂટકારો છે, તો એ વાત ખરી નથી. આ તો લોકો આત્મજ્ઞાન માની બેઠા છે. એમાં બે-ચાર વાક્ય બોલે કે 'હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું' એવાં બે-પાંચ ગુણોને લઈને બૂમાબૂમ કરે છે. એમાં એ આત્મજ્ઞાન નથી. પુસ્તકમાં જે છે કે 'હું શુધ્ધાત્મા છું' એમાં એવું કહેવા માંગે છે કે, 'તું આ બધું નથી ને તું આ છે' એવી દ્રષ્ટિ બદલવા માગે છે. 'એવાં ભાવમાં તું આવી જા', કહે છે. પણ તેથી કંઈ આત્મા પ્રાપ્ત થયો કહેવાય નહીં.

ભ્રાંતિ ભાંગ્યે ભેદ ભૂંસાય !

પ્રશ્નકર્તા : જીવને પરમેશ્વર કેવી રીતે કહેવાય ? જીવ તો એક આભાસ છે.

દાદાશ્રી : ભેદબુદ્ધિથી જીવ કહેવાય. ભેદબુદ્ધિ છે કે હું જુદો ને ભગવાન જુદા છે, ત્યારે જીવ થયો કહેવાય. અને અભેદ બુદ્ધિ થાય કે 'હું ભગવાન જ છું' એટલે શિવબુદ્ધિ થાય.

પ્રશ્નકર્તા : 'હું આત્મા છું' એ દ્રષ્ટિએ આત્મામાં ભેદ નથી ?

દાદાશ્રી : 'હું આત્મા છું' એવું ભાન થાયને એટલે જીવ-શિવનો ભેદ તૂટી ગયો !

પુદગલમાં જ, વિનાશી ચીજોમાં જ સુખ છે એવું માન્યું છે, ત્યાં સુધી એ જીવાત્મા. અને એ માન્યતા પૂરી થઇ અને સનાતનમાં સુખ છે એ માન્યતા શરૂ થઈ એટલે અંતરાત્મા થયો. અને પરમાત્મા એટલે શું ? જે વીતરાગ થઇ ગયા, કોઈની જોડે રાગ-દ્વેષ નહીં તો એ પરમાત્મા કહેવાય. ત્યારે અંતરાત્મા કોણ ? ત્યારે કહે, વીતરાગ થવાની જેને દ્રષ્ટિ છે તે અંતરાત્મા. અને આ ભૌતિક સુખોની જેને લહેર પડે છે અને રાગ-દ્વેષ જ કર્યા કરે છે એ જીવાત્મા છે ! આમાં આપને સમજાયું ને ?

'એને જાણકાર' જ 'જુદું' પાડે !

પ્રશ્નકર્તા : પણ ભૌતિક જગત, જીવ અને આત્મા - એ ત્રણેયની વ્યાખ્યામાં શું ફેર છે ? એ ભેદ છે એ શા માટે ?

દાદાશ્રી : જીવ એ જ ભૌતિક જગત છે. એમાં ભૌતિક જગત જાણવાની જરૂર જ નથી. એમાં કેમ ફેર પાડ્યો ? તમે કહો.

પ્રશ્નકર્તા : જીવ અને અજીવ તરીકે.

દાદાશ્રી : પણ જીવ એ જ ભૌતિક છે. જીવાત્મા કેમ કહેવાય ? ત્યારે કહે, 'ભૌતિક તરફ એની દ્રષ્ટિ છે અને ભૌતિકમાં જ એનો મુકામ છે, માટે એને જીવાત્મા કહ્યો.' ભૌતિક સુખમાં જ એની રાચના છે, રમણતા છે, એને જીવાત્મા કહેવાય. અને એ જ આ ભૌતિક જગત કહેવાય. કારણ કે ભૌતિક હોય ત્યાં સુધી ભૌતિક રમણતા જ હોય. આપને સમજમાં આવ્યું ? તમને જુદું જોઇતું હોય, જુદું પાડવું હોય તો જુદું પાડી આપું. બાકી આ ભૌતિક જગત છે, તે જ આ જીવાત્મા છે. જેમાંથી આ 'ટેમ્પરરી' સુખો ખોળે છે, 'રિલેટિવ' સુખો ખોળે છે, એ બધું ભૌતિક જગત છે ! જ્યાંથી ખોળે છે એ બધું ય ભૌતિક જગત છે અને ખોળનારો પણ ભૌતિક જગત છે. એ જો સમજાય તો કામ નીકળી જાય.

ભગવાનનું સર્વવ્યાપકપણું !

ભગવાન ક્યાં રહેતા હશે ?

પ્રશ્નકર્તા : ભગવાન તો સર્વવ્યાપી છે. કણ કણમાં બધે જ ભગવાન છે.

દાદાશ્રી : તો પછી ભગવાનને ક્યાંય ખોળવાના રહ્યા જ નહીં ને ? જો બધે જ ભગવાન છે તો પછી સંડાસ ક્યાં જવું ? બધે જ ભગવાન હોય તો પછી જડ ને ચેતન જેવું જુદું કશું રહ્યું જ નહીં ને ? એટલે એવું નથી. જડ પણ છે ને ચેતન પણ છે. બધા જ ઘઉં હોય તો વીણવાનું શું રહ્યું? ઘઉંમાંથી ઘઉં ઓળખો તો ય કાંકરા વીણાશે ને કાંકરાને ઓળખશો તો ય કામ થશે. તેમ આમાંથી આત્માને જાણો તો અનાત્માને જાણશો ને અનાત્માને જાણશો તો ય આત્માને ઓળખશો. ત્યારે આ લોકો કહે છે કે બધે જ ભગવાન છે, તો પછી તેમને ખોળવાના ક્યાં રહે ?

સંકલ્પી ચેતન એટલે...

આ લોકો કહે છે કે કણ કણમાં ભગવાન છે, આમાં છે, તેમાં છે. તે કહેનારની ભાષા ને એનો અર્થ કરનારની ભાષામાં ફેર ખરો કે નહીં?

પ્રશ્નકર્તા : ફેર તો હશે જ ને !

દાદાશ્રી : એ કઇ અપેક્ષાએ કહ્યું એ સમજાવું. આ જગતમાં આત્મા અને અનાત્માના બે ભાગ છે. આ ટીપોયમાં ચેતન નથી, પણ આ વસ્તુ 'ચંદુભાઇ'ની માલિકીની છે તેથી તે તેટલા ચેતનભાવને પામેલી છે. એ સંકલ્પી ચેતન છે. અને તમે આ વસ્તુ તેમને પૂછયા વગર લઇ લો તો તેટલો દોષ તમને લાગે અને એની કિંમત આપીને તમે લો ને પછી એને તોડી નાખો, છૂંદી નાખો તો ય દોષ ના લાગે. ચેતન તત્ત્વ તો તે કે જેનામાં જ્ઞાન છે, દર્શન છે.

સાપેક્ષ દ્રષ્ટિએ સર્વવ્યાપક !

એટલે 'આત્મા સર્વવ્યાપક છે' એ બધાં સાપેક્ષ વાક્યો છે, એને લોક નિરપેક્ષ માની અને ઊંધું બાફે છે અને ચોપડવાની પી જાય છે. એ સાપેક્ષ છે, એટલે શું કે બધાં મનુષ્યો મરે છે ત્યારે આત્મા સર્વવ્યાપક થતો નથી. જ્યારે કેવળી કે તીર્થંકર નિર્વાણ પામે ત્યારે એમનો આત્મા જે બહાર નીકળે છે તે આખા બ્રહ્માંડમાં પ્રકાશમાન થાય છે, સર્વવ્યાપક થાય છે. એ દ્રષ્ટિએ, સાપેક્ષ દ્રષ્ટિએ આત્મા સર્વવ્યાપક છે, કાયમનો સર્વવ્યાપક નથી. ત્યારે આપણા લોકો તો એને સર્વવ્યાપક, સર્વવ્યાપક, સર્વવ્યાપક ગા ગા જ કર્યા કરે છે. બાકી આ મનુષ્યને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એનું અજવાળું બહાર પડતું નથી. એ તો 'ફુલ' જ્ઞાન થાય ત્યારે એ આખા બ્રહ્માંડમાં પ્રકાશ થાય. અને તમારામાં આત્મા તો એવો જ છે, પણ તે નર્યો આવરાયેલો છે.

આત્મા મોક્ષે જાય છે ત્યારે આખો પ્રકાશ બધે જ બ્રહ્માંડમાં ફેલાય છે. સર્વવ્યાપક પ્રકાશ તે બ્રહ્માંડમાં ફેલાય છે. એ દ્રષ્ટિએ સર્વવ્યાપક છે. અને આમ જે ભગવાન દેખાય છે તે તો દિવ્યચક્ષુથી દેખાય છે. અને તે પણ સામું ક્રિએચર હોય તો દેખાય, નહીં તો ક્રિયેશન હોય તો ના દેખાય. આ તો 'ગોડ ઈઝ ઈન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇન્વિઝિબલ, નોટ ઈન ક્રિયેશન !' આ મશીનની મહીં ભગવાન નથી. તે આપણા લોકોએ 'દરેક જગ્યાએ ભગવાન છે' એવું ઠોકી બેસાડ્યું.

ઈશ્વરનો અંશ કે સર્વાંશ ?

પ્રશ્નકર્તા : 'હું ઇશ્વરનો અંશ છું' એ વાત તો સાચીને ?

દાદાશ્રી : આ અંશની વાત લોકોને સમજાવીને અવળે રવાડે ચઢાવ્યા છે. પોતે ભગવાનનો અંશ શી રીતે હોઇ શકે ? ભગવાનના ટુકડા કઇ રીતે કરાય ? આત્મા અસંયોગી વસ્તુ છે. સંયોગી વસ્તુ હોય તો તેના ટુકડા કરીએ. આત્મા સ્વાભાવિક વસ્તુ છે, સ્વાભાવિકના ટુકડા ના થાય. ખરેખર તમે સર્વાંશ જ છો પણ આવરાયેલા છો. આ 'ઇશ્વરનો હું અંશ છું' એનો અર્થ શું કહેવા માગે છે કે મને અંશજ્ઞાન પ્રગટ થયું છે, અંશ આવરણ ખૂલ્યું છે. આ સૂર્યનારાયણ તો આખા છે પણ જેટલું આવરણ ખસ્યું તેટલા અંશે પ્રકાશ થાય, પણ સૂર્યનારાયણ તો સર્વાંશ જ છે. તેમ તમે પોતે સર્વાંશ જ છો, માત્ર આવરાયેલું છે. શરૂઆતમાં એકેન્દ્રિય જીવ હોય છે, તેને અંશ આવરણ ખૂલ્યું છે. એને કુહાડો મારો તો દુઃખ થાય, પણ ગાળો ભાંડો કે ચા આપો તો તેને કશું ના થાય. પછી બે ઇન્દ્રિય તે છીપલાં. પછી ત્રણ ઇન્દ્રિયવાળા, પછી ચાર ઇન્દ્રિય ને પછી પાંચ ઇન્દ્રિય થાય. પંચેન્દ્રિયવાળાને પંચેન્દ્રિય જેટલું આવરણ ખૂલ્યું છે. બાકી ભગવાન દરેકમાં સર્વાંશ રૂપે જ છે, માત્ર આવરણ સહિત છે. સંપૂર્ણ નિરાવરણ થાય તો તમે પોતે જ પરમાત્મા છો. જેનું વિભાજન થતું હોય તેના અંશ હોય. આત્મા તો અવિભાજ્ય છે, એના અનંત પ્રદેશો અવિભાજ્ય રૂપે છે.

જાગૃતિ થયા સિવાય પોતાનું ભાન પ્રગટ થાય નહીં. સંપૂર્ણ જાગૃતિ આવે તો પોતાનું ભાન પ્રગટે અને ભાન પ્રગટે એટલે પોતે સર્વાંશે ઇશ્વર છે એવું પોતાને માલુમ પડે, અનુભવમાં આવે અને ત્યાર પછીની ક્રિયા હોય તેમાં દુઃખ ના હોય કોઇ દહાડો ય.

આત્મા, દ્વૈત કે અદ્વૈત ?

પ્રશ્નકર્તા : કેટલાંક કહે છે કે 'જગતમાં આત્મા અદ્વૈત છે' એ ખરું છે ?

દાદાશ્રી : એ કહે, પણ આ તો અદ્વૈત દ્રષ્ટિ જ ઉત્પન્ન થઇ નથી ને આત્માને અદ્વૈત કહેવું એ ગુનો છે. આત્મા વસ્તુ જ ઓર છે અને આ તો ખાલી અદ્વૈત ભાવ ઉત્પન્ન કરે છે, પણ જ્યારે કોઇ મારે કે ગજવું કાપે ત્યારે એ અદ્વૈત ભાવ ક્યાં જતો રહે છે ? ત્યારે ખબર પડે કે આત્મા પ્રાપ્ત છે કે નહીં ! આત્મા પ્રાપ્ત કરેલાને તો નિર્ભયતા-સ્વતંત્રતા ઉત્પન્ન થઇ જાય, પણ છતાં અદ્વૈત ભાવ એ રિલેટિવ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય અને એવા તો હિંદુસ્તાનમાં ઘણા છે. આ બધા જાતજાતના પક્ષોમાં પડી ગયા ! જૈનો પડ્યા દ્વૈતમાં અને આ વેદાંતી લોકો પડ્યા અદ્વૈતમાં કે, 'હું આત્મા જ છું, શુધ્ધ જ છું' તો મંદિરમાં શું કરવા જાય છે ? પુસ્તક શું કામ પઢે છે ? આ એકાંતિક અદ્વૈતમાં પડ્યા ને પેલા એકાંતિક દ્વૈતમાં પડ્યા ! 'હું કરું તો જ થાય ને ? મેં ક્રોધ કર્યો માટે મારે ભોગવવાનું ને ?' આ તો જાતજાતની ભૂતાવળ વળગી છે ! એમાં ય પાછી જાતજાતની દુકાનો કાઢી લોકોએ વિશિષ્ટાદ્વૈત, શુધ્ધાદ્વૈત વગેરે. આ અદ્વૈતવાળા અહીં અમને ભેગા થાય છે, એમને મારે કહેવું પડે છે કે, 'તું અદ્વૈતવાળો છે તો અહીં શું જાણવા આવ્યો છે ?' તો એ કહે, 'આત્માને જાણવો છે.' મેં કહ્યું, 'ના, અદ્વૈતવાળાને આત્મા જાણવાનો બાકી ના હોય. તને આ અદ્વૈતનું સ્ટેશન ક્યાંથી મળ્યું ? આ તને આવા ગુરુ ક્યાંથી મળી આવ્યા તે આવું શીખવ્યું ?'

આત્મા તો છે દ્વૈતાદ્વૈત !

એટલે 'જ્ઞાની પુરુષ' 'જેમ છે તેમ' કહે કે આત્મા દ્વૈતાદ્વૈત છે, દ્વૈતે ય છે ને અદ્વૈતે ય છે. આ દ્વૈતાદ્વૈતનું વિશેષણ ક્યાં સુધી લાગુ થાય ? જ્યાં સુધી સાંસારિક કામમાં છે ત્યાં સુધી દ્વૈત છે અને પોતાના સ્વ-ધ્યાનમાં છે ત્યારે અદ્વૈત છે. આ દેહ છે અને કેવળજ્ઞાન પણ છે, ત્યાં સુધી દ્વૈતાદ્વૈત કહેવાય. લોકોને માણસે ય દેખાય ને લોકોને કેવળજ્ઞાની ય દેખાય. જેની જેવી દ્રષ્ટિ તે પ્રમાણે એવું દેખાય ! એટલે આત્મા અદ્વૈત ક્યારેય થતો નથી. કારણ કે જો અહીંથી દેહ છૂટી જાય ને મોક્ષ થાય તો ત્યાં સિદ્ધગતિમાં ગયા પછી આ વિશેષણ એને રહેતું નથી. આ દેહ છે ત્યાં સુધી જ વિશેષણ છે અને બેઉ કાર્ય કરે છે. માટે આપણે વિશેષણને 'એક્સેપ્ટ' કરવાં જોઈએ. આ તો અદ્વૈતના ખાડામાં પડ્યા તે એકાંતિક કહેવાયા ને દ્વૈતના ખાડામાં પડ્યા તે ય એકાંતિક કહેવાયા અને કોઈ પણ એકાંતિક માર્ગ ગ્રહણ કર્યો એટલે મોક્ષ હાથમાં આવે નહિ. એકાંતિક થયા, આગ્રહી થયા એટલે સત્ય વસ્તુ પ્રાપ્ત થાય નહિ. સત્ય વસ્તુ પ્રાપ્ત થવા માટે નિરાગ્રહ ઉપર જવું પડશે. આગ્રહ એ જ અહંકાર છે.

'આત્મા' વડે 'આત્મા'નું દર્શન ?(!)

પ્રશ્નકર્તા : પણ દાદા, એવું કીધું છે કે 'આત્માને આત્માનિષ્ઠ' આત્મા વડે આત્માને જુઓ, આત્મા વડે આત્માનું દર્શન કર એટલે શું ?

દાદાશ્રી : આત્મા વડે એટલે આ જે 'વ્યવહારિક આત્મા' માન્યો છે ને, તેનાથી જ 'તું' 'આત્મા' જો, કહે છે. પણ વચ્ચે નિમિત્તને લાવ. જેણે જોયો છે એ નિમિત્તને લાવ. એ તારું 'એડજસ્ટમેન્ટ' એવું કરી આપશે, એટલે તને ફળ મળશે. બાકી આમ જાતે જોવા જઈશ તો કશું વળશે નહીં. કારણ કે તારી પાસે દ્રષ્ટિ જ ઇન્દ્રિયગમ્ય છે ને ! અને ત્યાં આગળ અતીન્દ્રિય જોઈશે. ઇન્દ્રિયગમ્ય જ્યાં સુધી 'જ્ઞાની પુરુષ' છોડાવે નહીં અને અતીન્દ્રિય ભાગ આપે નહીં, દ્રષ્ટિ બદલી આપે નહીં, ત્યાં સુધી દેખાશે નહીં. એટલે 'અમે' દ્રષ્ટિ બદલી આપીએ છીએ !

આધ્યાત્મિક માર્ગ ક્રિયાનો નથી...

મોક્ષમાર્ગ સમજવાનો છે. બાકી આ સ્વાધ્યાય કરો, તપ કરો, જપ કરો, એ બધું જ પુદગલ કરે છે. એનો લાભ શો ? મૂળ દ્રષ્ટિ બદલાયા સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે બંધન છે ! ક્રિયાઓ બદલવાની નથી, તારી દ્રષ્ટિ જ બદલને ! અધ્યાત્મ વસ્તુ એ ક્રિયા નથી, એ તો દ્રષ્ટિ છે. જગતના લોકોની સંસાર દ્રષ્ટિ છે અને 'આ' આધ્યાત્મિક દ્રષ્ટિ છે. 'જ્ઞાની પુરુષ' દ્રષ્ટિ ફેરવી આપે પછી એ બાજુ અધ્યાત્મ દેખાય.

આત્મા પ્રાપ્ત થયા સિવાય કોઈ જગ્યાએ દ્રષ્ટિરાગ કરવા જેવું નથી, કોઈ જગ્યાએ અભિનિવેષ કરવા જેવું નથી, અટકવા જેવું નથી.

ક્રિયાઓ શેને માટે છે ? બધું આ સંસારમાં ઊર્ધ્વગતિ માટે છે. પણ જેને મોક્ષ સિવાય બીજું કશું જોઈતું નથી, તેણે આ ક્રિયાઓની ભાંજગડમાં પડવા જેવું નથી. એ તો દ્રષ્ટિરાગ છે.

દ્રષ્ટિરાગનો રોગ !

મતાંધ કરતાં ય દ્રષ્ટિરાગીનો રોગ બહુ ભારે, તે અનંત અવતાર સુધી ના નીકળે. જ્યાં સુધી સમ્યક્ત્વ ના થાય ત્યાં સુધી અંધશ્રદ્ધા રહે જ. મિથ્યાત્વ હોય તેને અંધશ્રદ્ધા હોય. એટલે અંધશ્રદ્ધાનો જેટલો વાંધો નથી તેટલો આ દ્રષ્ટિરાગીનો છે. દ્રષ્ટિરાગી એટલે શું ? ૩૬૦ ડિગ્રીઓ છે, વ્યુપોઈન્ટ છે અને તેની ૩૬૦ દ્રષ્ટિઓ છે. તેમાં એક-એક દ્રષ્ટિ પર અનંત દ્રષ્ટિઓ છે. એમાંની કોઈ પણ દ્રષ્ટિ ઉપર, એ વ્યુપોઈન્ટ ઉપર સંપૂર્ણ રાગ ઉત્પન્ન થઈ ગયો તે દ્રષ્ટિરાગ છે. તે દ્રષ્ટિરાગ ક્યારેય પણ ના જાય. અનંત અવતારની ભટકણ પછી જ્યારે જ્ઞાની પુરુષ ભેગા થાય ત્યારે તેનો દ્રષ્ટિરાગરૂપી રોગ અપસેટ થાય.

દ્રષ્ટિરાગીને આત્મા ઉપર આવરણ આવેલું હોય. સંસારના રાગ-દ્વેષ જાય પણ દ્રષ્ટિરાગ ના જાય, એના ઉપાય નથી. આ અવતાર અને અનંત અવતાર મરે તો ય આ રોગ જતો નથી, મટતો જ નથી.

દ્રષ્ટિરાગનાં લક્ષણો શું ? વીતરાગતાનું એક પણ લક્ષણ નહીં તે. જેને દ્રષ્ટિરાગ હોય તેને અમારી વાત ના સમજાય. બાકી ગમે તેવો અભણ હોય તો પણ તેને અમારી વાત સમજાય.

દ્રષ્ટિરાગ તો રાગનો ય રાગ છે. એને તો મૂળથી જ કાઢી નાખે, તો જ સત્ય સમજાય.

દ્રષ્ટિરાગ એટલે એને લાગ્યું કે આ જ જગ્યા સત્ય છે, આ ડિગ્રી સત્ય છે. એટલે ત્યાં આગળ એ ચોંટી રહ્યો છે. ત્યાંથી ખસતો નથી તે.

દ્રષ્ટિરાગ એટલે શું કે એક માણસ ઉપર આપણને એના ઉપર, એ જે કહેને એની ઉપર રાગ હોવાથી એ જે કહે એ આપણને માન્ય જ હોય. ન્યાય જોયા સિવાય માન્ય જ થઈ જાય. એ દ્રષ્ટિરાગ કહેવાય. દ્રષ્ટિરાગ એટલે ૧૭૦ ડીગ્રીનો માણસ છે, તે ૧૭૦ ડીગ્રીની વાત કરે તેની પર જ આપણે ત્યાં જ આપણે અટકી જઈએ. દ્રષ્ટિરાગ હોય એટલે એ ડીગ્રી પર અટક્યા આપણે. દ્રષ્ટિરાગ એટલે આ ડીગ્રી પર એને રાગ પેસી ગયો, ૧૭૦ ડીગ્રી ઉપર, તે ત્યાંજ અટકી જાય પછી. આ જતાં જતાં રસ્તામાં બધા બહુ જાતના ઓબસ્ટ્રક્શન હોયને બધા !!

જો કે આપણા આ લિફ્ટ માર્ગમાં તો ઓબસ્ટ્રક્શન હોય જ નહીં. પેલા માર્ગમાં ઓબસ્ટ્રક્શન હતા. આ તો લિફ્ટ છેને ! અને આ ઈલેક્ટ્રિકસીટી પેલી ઈલેક્ટ્રિકસીટી નથી. આ તો આમની ગુજરાત રાજ્યની હોય તો બંધ થઈ જાય લીફ્ટ. આ તો ઈલેક્ટ્રિકસીટી જુદી જ છે !

સાચા ભક્તની નિશાની શી ? સ્વચ્છંદ ના હોવો જોઈએ, અભિનિવેશ ના હોવો જોઈએ, દ્રષ્ટિરાગ ના હોવો જોઈએ, ક્લેશ ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય.

જગતની દ્રષ્ટિ કેવી હોય ? એકાંતિક દ્રષ્ટિ હોય, વ્યુપોઈન્ટ દ્રષ્ટિ હોય. અમારી સર્વ વ્યુપોઈન્ટ દ્રષ્ટિ હોય એટલે બધું દેખાય.

સૂક્ષ્મતમ સુધી છૂટે, જ્ઞાની કૃપાથી !

પ્રશ્નકર્તા : 'પ્ક્કને કાઢવા શું કરવું જોઇએ?

દાદાશ્રી : તમને 'હું' કરવાનો રસ્તો બતાડું, પણ તમારાથી થશે નહીં. આ કોમ્લેક્સ છે ને કાળ વિચિત્ર છે. એટલે તમારે મારી હેલ્પ લેવી પડશે. ઁત્ અને 'પ્ક્કમાં તમે બધું જ બાદ નહીં કરી શકો. દ્રષ્ટિગમ્ય બાદ કરી શકશો. પછી બુદ્ધિગમ્ય બાદ કરી શકશો. પણ બુદ્ધિગમ્યથી આગળ જે છે, તે બાદ નહીં કરી શકો. ત્યાં જ્ઞાનીનું જ કામ. છેલ્લો સૂક્ષ્મતમ અહંકાર તમારાથી ના નીકળે. ત્યાં અમારી જરૂર પડે. હું એ બધું જ તમને છૂટું પાડી આપું. પછી તમને 'હું શુધ્ધાત્મા છું' એવો એક્સ્પીરીયન્સ થયા કરે. અનુભવ થવો જોઇએ. અને જોડે જોડે દિવ્યચક્ષુ પણ આપું છું એટલે 'આત્મવત્ સર્વ ભૂતેષુ' દેખાય.

મોક્ષનો શોર્ટ માર્ગ, અક્રમ !

વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઇતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઇએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઇતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે. મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાં ય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં ; અન્ય માર્ગ છે. 'જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય. ખીચડી કરતાં ય સહેલો થઇ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારે ય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે ! આ 'જ્ઞાન' તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત 'અક્રમ' છે. દ્રષ્ટિ જ આખી બદલાઇ જાય છે. આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઇ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાનીઓને 'શુધ્ધાત્મા'નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જ્યારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઇ પડ્યું છે. તે તમને કલાકમાં આત્મા આપ્યો, ત્યાર પછી ક્યારેય પણ ચૂકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે.

પછી ચાખે આત્માનો આનંદ !

મહીં ભરપટ્ટે આનંદ જીવમાત્રને ભરેલો પડ્યો જ છે, પણ એ આત્માનો આનંદ આવતો બંધ થઇ ગયો છે. કષાય, ક્લેશ, રાગ-દ્વેષ થાય, તેનાથી આત્મા પર આવરણ આવે ને આનંદ ચાલ્યો જાય. ગાયના શિંગડા પર રાઇનો દાણો મૂકે ને જેટલી વાર ટકે એટલી જ વાર જો આત્માનો આનંદ ચાખે તો એ પછી જાય નહીં, એક ફેરો દ્રષ્ટિમાં બેસી ગયો માટે. સાચો આનંદ એકધારો રહે, બહુ તૃપ્તિ રહે. એ આનંદનું વર્ણન ના થાય.

મહીં અનંત શક્તિ છે. અનંત સિદ્ધિ છે પણ અવ્યક્તરૂપે રહેલી છે. મહીં રૂપાળી, રળિયામણી શકિતઓ છે ! ગજબની શક્તિઓ છે તે મૂકીને બહારથી કદરૂપી શક્તિઓ વેચાતી લાવ્યા. સ્વભાવકૃત શક્તિઓ કેવી સુંદર છે ! અને આ વિકૃત શક્તિઓ બહારથી વેચાતી લાવ્યા ! મહીં દ્રષ્ટિ જ પડી નથી. આત્મા પ્રાપ્ત થાય એટલે એ શક્તિઓ વ્યકત થવા માંડે.

પેરાલિસીસ થાય તો ય સુખ ના જતું રહે, એનું નામ આત્માનુભવ. માથું દુઃખે, ભૂખ લાગે, બહાર ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પણ મહીં શાતા જતી નથી એને આત્માનુભવ કહ્યો. આત્માનુભવ તો દુઃખને ય સુખ કરી આપે અને મિથ્યાત્વીને તો સુખમાં ય દુઃખ લાગે. કારણ કે દ્રષ્ટિફેર છે. યથાર્થ, જેમ છે તેમ દેખાતું નથી, ઊંધું દેખાય છે. માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. બાકી ક્રિયાઓ લાખો અવતાર કર્યા કરશો તો ય તેનું ફળ સંસાર જ મળશે. દ્રષ્ટિ બદલવાની છે. અજ્ઞાને કરીને ઊભા કરેલાંનો જ્ઞાને કરીને છેદ કરવાનો છે. પુદગલમાં જે ખળભળાટ છે તે બંધ થઈ જાય એટલે આત્માનો અનુભવ થાય.

જ્ઞાનીના દ્રષ્ટિફળથી મોક્ષ !

વીતરાગ ભગવાનનાં દર્શન જો કરતાં આવડે તો, ભલેને એ મૂર્તિ છે છતાં અભ્યુદય અને આનુષંગિક ફળ મળે ! પણ એ દર્શન કરવાનું તો 'જ્ઞાની પુરુષ' સમજાવે તો આવડે, નહીં તો કોઇને આવડે નહીં ને? 'જ્ઞાની પુરુષ' મૂર્તામૂર્ત છે, એટલે એમનાં દર્શનથી તો બંને અભ્યુદય અને આનુષંગિક ફળ મળે. 'જ્ઞાની પુરુષ'નાં દર્શન માટે તો કોટી જન્મોની પુણ્યૈનો ચેક વટાવવો પડે. હજારો વર્ષે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થાય અને તેમાં ય આ તો અક્રમ જ્ઞાની; તે કશા જ જપ નહીં, તપ નહીં ને વગર મહેનતે મોક્ષ ! 'જ્ઞાની પુરુષ' પાસે દ્રષ્ટિફળ મળે અને એનાથી મોક્ષફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યુદય થાય. અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા. અહીં 'જ્ઞાની પુરુષ'ને કંઇ ખોટ હોય ? એ કશાના ભિખારી ના હોય. ફૂલનો વિનય એ જ સેવા ! જેને સાંસારિક અડચણ હોય તે 'જ્ઞાની પુરુષ'ને ફૂલાં ચઢાવે તો અડચણો દૂર થાય.

રાજાને ત્યાં સર્વિસ નક્કી થાય અને રાજાને ત્યાં મળવા જઇએ તો દ્રષ્ટિફળ મળે. નોકરીનો પગાર મળે એ સેવાફળ. પણ દ્રષ્ટિફળ એટલે રાજાની દ્રષ્ટિ પડે અને ભાઇને પૂછે કે, 'તમે ક્યાં રહો છો ?' તે જાણ્યા પછી એને સારી જગ્યા રહેવા મળે તે દ્રષ્ટિફળ. એક રાજાની દ્રષ્ટિથી આવું ફળ મળે છે ત્યારે 'જ્ઞાની પુરુષ'ની દ્રષ્ટિથી શું ના મળે? રાજા તો ઊણો છે, એને તો રાજ વધારવાની લાલચ છે; જ્યારે આ તો 'જ્ઞાની પુરુષ' જે સંપૂર્ણ નિરીચ્છક દશામાં વર્તે ! અને તેમની દ્રષ્ટિનું ફળ તો કેવું હોય? અહીં સત્સંગમાં આવ્યો, એટલે અહીંથી એ દ્રષ્ટિફળ અવશ્ય લઇ જાય. સેવાફળથી તો રાજાના ૨૫૦ રૂપિયા મળે છે, રાજાને વંદીને આવ્યો તેથી તો દ્રષ્ટિફળ મળે !

'જ્ઞાની પુરુષ'નાં દર્શન કર્યા તેથી તો ઊંચામાં ઊંચા ફળ અભ્યુદય અને આનુષંગિક મળે છે અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે ! સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંને ય સાથે જ રહે.

જગતમાં સક્રિયતા જડતત્વની !

સ્વભાવ અને ભ્રાંતિ બે જ છે. સ્વભાવ પુરુષ છે ને ભ્રાંતિ પ્રકૃતિ છે. ભ્રાંતિનું ફળ પ્રકૃતિ ઊભી થઈ જાય. હવે પોતાનો સ્વભાવ, પોતાના ભાવો છે અને વિભાવને બહિરભાવ કહેવાય છે. એક ખાલી બહિરભાવ એટલે આમ દ્રષ્ટિ જ કરવાથી આ મૂર્તિઓ ઊભી થયેલી છે. બીજું કશું જ નથી કર્યું. જો આત્માએ કર્યું હોત તો તે જોખમદાર બનત. પણ એ અક્રિય સ્વભાવનો છે. અને આત્મા જાતે નથી કરતો. વિશેષ ભાવથી થાય છે. એના વિશેષ પરિણામ છે. જે વિભાવ કહેવાય છે ને ? વિભાવ એટલે વિરૂદ્ધભાવ નથી, વિશેષભાવ છે, એ વિશેષ ભાવ અમે તો સમજીએ ! તે એવો આ નવો ગુણધર્મ ઉત્પન્ન થયો છે.

સ્વભાવિક જ્ઞાનનેત્રે એટલે દિવ્યદ્રષ્ટિથી જો, કે આ કોણ કરે છે તે જો પછી, કહે છે. આ બધી પુદગલની બાજી છે. આ કરામત જે છે, તે પુદગલની છે.

દ્રષ્ટિ ફરે તો નવી પ્રતિષ્ઠા અટકે !

બે વસ્તુના સામિપ્ય ભાવથી વિશેષ પરિણામ, પોતાના ગુણધર્મ પોતાની પાસે રાખીને, વિશેષ પરિણામ ઊભાં થાય છે. જ્યાં સુધી આવડી આવડી કાકડી ભેગી ના થાય, ત્યાં સુધી મહીં ભાવ ઉત્પન્ન થાય છે કશો ? પણ ભેગી થાય એટલે વિશેષ પરિણામ ઊભાં થાય કે બહુ સરસ કાકડી છે ! પણ ના દેખીએ તો ભેગી ના થાય તો કશું ય નહીં !! ત્યારે કો'ક કહે, 'આ લોકોને મોટું એકાંત ખોળી કાઢે કે જ્યાં માણસ ભેગાં જ થવા ના દે ત્યાં રાખીએ તો ?' પણ તે ના ચાલે ! એની જે સ્થાપના થયેલી છે, પ્રતિષ્ઠા થયેલી છે ને, એ ફૂટશે અને બીજું પાછી નવી પ્રતિષ્ઠા ઊભી કર્યા વગર રહેવાનો નથી. આ જાતની, નહીં તો બીજી જાતની પણ એને વિશેષ પરિણામ છૂટે નહીં. પોતાનું સ્વરૂપભાન થાય, એ જે આનંદ, જે સુખ ખોળે છે એ સુખ મળે, એથી દ્રષ્ટિફેર થઈ જાય, દ્રષ્ટિ શુધ્ધ થઈ જાય. પછી વિશેષ પરિણામ ઊભું ના થાય.

જ્ઞાનીએ દોહ્યાં, અનેરાં નવનીત !

પ્રશ્નકર્તા : આપની એક સામાન્ય વાત પણ નવો જ દ્રષ્ટિકોણ આપતી હોય છે. નવી જ, એની કલ્પનામાં પણ ના આવે, કે આવું ? આ સામાન્ય વાતનું પૃથક્કરણ જ્ઞાનીની વાણીમાં કંઈક જુદું જ હોય છે.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : આપનું કેવું છે કે પૂછનારનો પ્રશ્ન નીકળ્યો ને, તો આપનું આખું એ બાજુનું વિઝન ઊભું થઈ જાય છે. આપને લાખો પ્રશ્નો પૂછાયા હશે, આડા-અવળા, ગાંડા-ઘેલા, પણ આપની મહીંથી વિજ્ઞાન જ નીકળે છે.

દાદાશ્રી : હા. એટલે મારું કહેવાનું કે આ ગમે તેવું પૂછે, આપણને લાભ છેને ! એ ખોટું શું છે ?! એટલે આપણે એ જોવાનું છે કે વિજ્ઞાન શું નીકળે છે ! એ જુઓને આપણે ! અને આ જોવાનું ચૂકે, તો એ 'ચૂકનાર'ને ય 'આપણે' જોવાનો. બસ, બીજું કશું નથી, આપણે ત્યાં બીજી ભાંજગડ જ નથી ને !

કેટલાંક તો પ્રશ્નો પૂછવામાં ય એટેક કરે કે 'તમે આ શબ્દનું આવું કેમ કહો છો ?' તે અમે એનું સમાધાન કરાવીએ. સમાધાન થઈ જ જવું જોઈએ. ભલે ઊંધું-ચત્તું પૂછે, પણ ટાઈમ તો આમાં-સત્સંગમાં જ જવાનો છે ને બધો ? અને મારે મોઢેથી નીકળ્યું હશે તે કંઈ ખોટું-અવળું ઓછું નીકળવાનું છે કશું ? એ તો ફાયદો થશે. વાત કઢાવનારને સંતોષ થાય છે ને ! આ તો કો'કને એવી વાત ના ગમે, એટલે 'આ ડખો કરે છે' એવું લાગે.

પ્રશ્નકર્તા : તે દાદા, એ આંખની અંદર નિષ્કારણ કરુણા હોય ?

દાદાશ્રી : હા, એ જ. બીજું શું ? આ તો નિષ્કારણ કરુણા ! એના આત્મા ઉપર જ અમારી દ્રષ્ટિ હોય, એના પુદગલ ઉપર દ્રષ્ટિ ના હોય. છતાં ય વ્યવહાર અમે સાચવીએ પાછાં કે આ સત્સંગને હિતકારી માણસ છે, એટલે 'આવો પધારો' એમ કહ્યા કરીએ. બીજા લોકોનું હિત કરે એવાં માણસ હોય એને અમે બોલાવીએ. એ વ્યવહાર સાચવવો પડે, એ વ્યવહાર સાચવીએ અમે. અને પેલા તીર્થંકર ભગવાન છે તે એવું ના સાચવે. એમને ખટપટ નહીં ને ! અને આ તો ખટપટ અમારી !!

પ્રશ્નકર્તા : ખૂબી એ છે કે આપના શબ્દો જે નીકળે છે, તે 'એક્ઝેક્ટ' 'એને' મહીં અડે છે, એ રોગ ઉખડે છે, દ્રષ્ટિ ફેરવે છે ને અંદર 'એક્ઝેક્ટ' ક્રિયાકારી થતું દેખાય, બહુ વૈજ્ઞાનિક લાગે બધું !

દાદાશ્રી : વાત બધી વૈજ્ઞાનિક હોય તો જ લોકોને નિવેડો આવે ને, નહીં તો નિવેડો જ ના આવે ને !

ભીતરની દ્રષ્ટિથી ભાળ્યું જગત !

તમે અત્યારે જોઈને કહો છોને કે અહીં આ ફલાણા બેઠાં છે, આ ફલાણા બેઠાં છે, એવું આ અમે કેવળજ્ઞાનમાં જોઈને કહીએ છીએ. અને આ બધા તમારા જવાબ આપીએ છીએ. તમારે જે પૂછવું હોય એ પૂછો. ભગવાન શું છે ? કેવી રીતે આ જગત બનાવ્યું ? કેવી રીતે જગત ચાલે છે ? આ બધું શું છે ? આ અહીં યથાર્થ વસ્તુ છે, જેમ છે તેમ જ છે. એમાં કંઈ ફેરફાર ના થાય, એવી વાત છે આ. વાસ્તવિકતા એટલે રિયાલિટી. અને આ નવી વસ્તુ, તદ્દન નવી વસ્તુ છે.

મુંબઈનું ઝવેરીબજાર ફોટામાં જોયેલું હોય અને જાતે જોયેલામાં ફેર નહીં ?

પ્રશ્નકર્તા : ઘણો ફેર !

દાદાશ્રી : એવું જાતે જોયેલું હોય એવું બધું દેખાય. હરેક વસ્તુ દેખાય. તમે તો ફોટામાં જોઈને ફર્યા કરો છો. ઝવેરીબજાર જાતે જુઓને !

પ્રશ્નકર્તા : ફોટામાં જોયું હોય તો ખબર પડે, નહીં તો એની ય ખબર ના પડે.

દાદાશ્રી : હા. નહીં તો એની ય ખબર ના પડે. આ મેં જાતે જોયેલું છે. આ આંખે જોયેલું નથી, આ આંખે એ ના દેખાય. અંદરની આંખથી બધું જગત જોઈને કહીએ, તો એના જેવું તો એકુંય એક્ઝેક્ટ પુરાવો ના આવે ને !

જ્ઞાનદ્રષ્ટિએ જોઈ વાસ્તવિકતા !

પ્રશ્નકર્તા : આપ કહો છો, 'હું જોઈને કહું છું' એ વાત જરા વિગતવાર સમજાવો.

દાદાશ્રી : એમાં શું વિગતવાર ? આ બુદ્ધિજન્ય હોય, તો તે વિગતવાર કહેવાય. આ દ્રશ્ય આંખનું નથી, એવું કહી દીધું ને ! આ આંખનું હોય, ઇન્દ્રિયોનું હોય તો તે બધું વિગતવાર સમજાય. આમાં વિગતવાર હોય નહીં ! એ તો તમે એ જગ્યાએ આવશો, ત્યારે તમને દેખાશે. એટલે આપણે એ જગ્યાએ આવવા તરફ દ્રષ્ટિ રાખવી. અને આ પાંચ આજ્ઞા પાળશો એટલે એ જગ્યાએ અવાશે, એ નિર્વિવાદ છે.

હું ડુંગરની ટોચ ઉપર જઈને વાતો કરું છું કે અમને કેવું દેખાય છે ! આ જે હું બોલું છું, તે વાંચેલું નથી બોલતો આ. વાંચવામાં આવું હોય નહીં ને ! હા. બીજા બધાં જે ચઢતાં ચઢતાં બોલેલા, એમાં ભૂલો જડશે. અને અમે તો ડુંગર ઉપર રહીને બોલીએ છીએ. એમાં કોઈ ભૂલ નથી નીકળી ને તમારું કામ થઈ જશે. રસ્તો સરળ નીકળશે. અમે કહીએ કે આ બાજુથી આમ ફરો ને આમથી આમ ફરો તો તમે ય પાંચ મિનિટમાં અહીં આવી જશો ને પેણે પચાસ લાખ માઈલ થશે તો ય દહાડો નહીં વળે. કારણ કે પોતે રસ્તામાં વચ્ચે છે.

જે કહી ગયા એ જાણી શકતાં નથી અને જે જાણે છે તે કહી શક્યાં નથી. એક હું કહી શકું છું ને જાણી શકું છું.

આત્મદ્રષ્ટિ થયે પ્રગટે આત્મશક્તિ !

એક આત્મામાં આખા બ્રહ્માંડની શક્તિ છે ! એને પ્રગટ કરવા માંડો. જેમ જેમ સંસાર બાજુની દ્રષ્ટિ ઓછી થતી જશે, તેમ તેમ આત્માભણી દ્રષ્ટિ થતી જશે, તેમ તેમ આત્મશક્તિ પ્રગટ થતી જાય ! પણ આ બાજુ પાર વગરનાં ખેતરાં છે. તે હજુ ખેડવાં જ પડશે ને ?

જ્યાં સુધી 'પેકિંગ' દ્રષ્ટિ છે ત્યાં સુધી સંસાર છે. પણ જો 'મટિરિયલ' દ્રષ્ટિ થશે તો મોક્ષ થશે.

'રિયલ' એટલે તત્ત્વ. 'રિલેટિવ' એટલે અવસ્થા. તત્ત્વદ્રષ્ટિથી અવસ્થાની કિંમત ઊડી જાય. તત્ત્વદ્રષ્ટિ થાય તો 'વસ્તુ' દેખાય. અવસ્થા દ્રષ્ટિથી કેફ ચઢે.

અદ્ભૂત તત્વને અનુભવ્યું જ્ઞાનીએ !

શાસ્ત્રોનો આત્મા નહીં ચાલે. યથાર્થ આત્મા જોઈશે, જે અગમ્ય છે, શાસ્ત્રમાં ઊતરી શકે તેમ નથી, જે અવર્ણનીય છે, અવક્તવ્ય છે. જ્યાં શબ્દ પહોંચી શકે નહીં, જ્યાં દ્રષ્ટિ પહોંચી શકે નહીં ત્યાં આત્મા છે ! એ આત્મા નિર્લેપ ભાવે રહેલો છે, અસંગ ભાવે જ રહેલો છે !

તત્ત્વોની ખૂબી કેવી છે એ 'જ્ઞાની પુરુષે' જ જોઈ હોય. બીજા કોઈને બુદ્ધિથી સમજાવી શકાય તેમ નથી. આત્મતત્ત્વની ખૂબી એવી છે કે એની હાજરીથી જ બધું થઈ જાય ! આમ દ્રષ્ટિ કરે તો આમ થઈ જાય ને તેમ દ્રષ્ટિ કરે તો તેમ થઈ જાય ! આત્માની દ્રષ્ટિ ચોગરદમ હોય, તેનાથી બધું હાજર જ થઈ જાય ! આત્માની અનંત શક્તિ છે, એની હાજરીથી આ બધું ઉત્પન્ન થાય છે અને એની હાજરીથી જ આ બધું ચાલે છે.

'અમે' જે જોયેલો છે 'આત્મા', એ ઓર વસ્તુ છે ! તેથી તો 'તમારી' કલાકમાં જ દ્રષ્ટિ બદલાય છે, નહીં તો જે લાખો અવતારે ના બદલાય !

- જય સચ્ચિદાનંદ