આદેશ : ઉપદેશ : દેશના

સંપાદકીય

આપણા સામાન્ય વ્યવહારમાં આદેશ, ઉપદેશ જેવા શબ્દો વપરાતાં હોય છે પણ તેની યથાર્થ સમજણ તો જ્ઞાની પુરુષ ફોડ પાડે ત્યારે જ સમજાય. શાસ્ત્રોના શબ્દોના ગૂઢ અર્થ એકદમ સરળ ભાષામાં સચોટ દ્રષ્ટાંત સાથે સમજાવી દે છે ત્યારે કેટલાંય પ્રકારની અણસમજણો નીકળી જાય છે. એટલું જ નહીં એ શબ્દો આપણા જીવનમાં કંઈક અયોગ્ય રીતે વપરાઈ જતાં હોય તો એની જોખમદારી સમજાય છે અને યથાર્થ રીતે શબ્દો વાપરવાની સમજણ પ્રાપ્ત થાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રીને જ્યારે પ્રત્યક્ષ પ્રશ્નો પૂછવામાં આવે તો પછી સામાના સમાધાન થાય તેવી વાણી નીકળ્યા જ કરે. પ્રશ્ન પૂછવાની જ જરૂર. ના સમજણ પડે તો વધુ પૂછે તો વધારે ફોડકારી વાણીમાં જવાબ અવશ્ય મળે જ. આવી એમની અદ્ભૂત ખૂબી હતી ! સામો માણસ ખુશ થઈને કહે, આપે સુંદર સમજાવ્યું. તો દાદાશ્રી તરત કહી દેશે, 'આ તો ટેપરેકર્ડે સમજાવ્યું.' તેથી પૂજ્ય ડૉ. નીરુબહેન અમીને 'વાણીના સિધ્ધાંત' જ્ઞાનગ્રંથના સમર્પણમાં લખ્યું છે ને,

ટેપરેકર્ડ કહી વીતરાગે નિજ વાણી; ઓહોહો હદ કરી આપે જુદાપણાની !

કળિકાળમાં ન કદિ જે સંભળાણી; અતિ અતિ કિંમતી છતાં માલિકી વિનાની!

ચાર ડિગ્રી કમી છતાં ય ભૂલ વિનાની; તીર્થંકરોના સ્યાદ્વાદની કમી પૂરાણી !

આદેશવાળી વાણી કેવી હોય ? 'તારે બટાકાં નથી ખાવાના. બટાકાં ખાવાની બાધા લઈ લે. તારે આમ કરવું જ પડશે.' એવી ઓર્ડરવાળી ભાષા હોય. જ્યારે ઉપદેશવાળી વાણી તો સમજણ પાડશે, 'બટાકાં ન ખાવા આ રીતે હિતકારી છે. બટાકાં ખાશો તો આ રીતે નુકસાન કરશે.' સંપૂર્ણ હિતાહિતની તમામ સમજણ પાડશે, પછી કંઈ નહીં. કરો-ન કરો તેનો વાંધો નહીં. જ્યારે દેશનાવાળી વાણી તો આત્મા-અનાત્માને જુદા પાડતી વાણી જ હોય. આત્મા આમાં ખાનારો છે જ નહીં, જાણનાર જ છે. એ પદમાં પોતાને સ્થિત કરી દેનારી વાણી હોય. જોડે જોડે વાસ્તવિકતાના અવિરોધાભાસ સૈધ્ધાંતિક ફોડ પાડતી વાણી જ હોય. સામાને કે કોઈને કર્તા ઠરાવે નહીં. જેમ છે તેમ દશાની વાત ખુલ્લી કરી નાખે. છતાં વાણીનો પોતે માલિક ક્યારેય થાય નહીં. નિરંતર પોતે આત્મરમણતામાં વર્ત્યા કરે અને તત્ત્વસ્વરૂપે જગતને જુએ-જાણે. એવી દેશના સ્વરૂપે વાણી દાદાશ્રીની હતી. છતાં દાદાશ્રી કહે છે ને, ''આ માર્ગ ન હોય ઉપદેશનો અને આ દેશનાનો ય માર્ગ ન હોય અને આદેશનો માર્ગે ય ન હોય આ. આ તો પોતાનું કામ કાઢી લેવાનો માર્ગ છે.''

દીપકના જય સચ્ચિદાનંદ

આદેશ : ઉપદેશ : દેશના

વ્યાખ્યાઓ, ફોડકારી !

પૂછો ને ! બોલો, બોલો ને ! અહીં કશી ફી લેવાતી નથી, પૂછવાની ફી નથી. ખોટું પૂછાશે તો ય વાંધો શો છે ? ભૂલ થશે તો કંઈ વાંધો છે આપણે ? તો હું સમું કરી આપીશ. અને એક શબ્દ ઉપર તો કેટલી બધી વાત નીકળે ઘણી વખત તો. અને પૂછનાર જોઈએ, તો આ બધાને સાંભળવાનું મળે ને ! તમે ને હું, બે એક જ છીએ. આપણે જુદા નથી. હું ઉપદેશક નથી કે તમે ઉપદેશ સાંભળનાર નથી. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે.

પ્રશ્નકર્તા : આદેશ, ઉપદેશ અને દેશના, એની વ્યાખ્યા કરવી હોય તો કેવી રીતે કરી શકાય?

દાદાશ્રી : એ ત્રણ શબ્દો છે ગુજરાતીમાં. એક તો એવો શબ્દ છે, આદેશ ! કોઈ બાપજીને વાંદવા ગયો તો બાપજી એને આદેશ આપે, 'તારે આમ કરવું જ પડશે.' એનું નામ આદેશ કહેવાય.

અને બીજો શબ્દ છે, ઉપદેશ ! તે ઉપદેશ બોલે એટલું જ, પછી કંઈ નહીં. કરો-ના કરો, તેનો વાંધો નહિ.

અને ત્રીજો શબ્દ છે, દેશના ! જે વાણીનો માલિક નહીં, તે દેશના કહેવાય. અમારી દેશના કહેવાય. તીર્થંકરોની દેશના કહેવાય !

આદેશ એટલે...

પ્રશ્નકર્તા : આદેશ એટલે, એમાં વિગતવારમાં શું હોય ?

દાદાશ્રી : આદેશ એટલે એક જાતનો હુકમ કરવો. આદેશમાં હુકમગીરી હોય, સત્તાગીરી હોય કે 'અમે તને આ કહીએ છીએ, તારે કરવાનું જ છે.' એ કહેનાર માણસ એમ કહે છે કે, 'તારે આટલું કરી લાવવું જ પડશે.' આમ નામ દઈને કહેશે કે, 'ચંદુભાઈ, તમારે આમ કરવું પડશે.' એની પાછળ પોતાનો ઓર્ડર હોય છે, મહીં ઓર્ડરની ભાષા આવી.

પ્રશ્નકર્તા : એટલે આદેશમાં કરાવવાનું દબાણ હોય.

દાદાશ્રી : મહીં દબાણ હોય, ઓર્ડરની નજીકનું જ કહેવાય.

પ્રશ્નકર્તા : આજ્ઞા જેવું કહેવાય ?

દાદાશ્રી : ના. આજ્ઞા એની હોતી હશે ? એ આજ્ઞાને સમજતો જ ના હોય ને ! આદેશ કરનારો આજ્ઞા જ સમજે નહીં. જે પોતે જ ના સમજે, તો આજ્ઞા શેની કરે ?

આદેશ, ઘરમાં ને ધરમમાં !

જેમ પોલીસ ખાતાનાં માણસ હોય ને, તે ઓર્ડર કરે કે 'આમ કરવું જ પડશે.' એમ આદેશ દેનાર હોય ને, તેની નીચેના પદવાળાને આદેશ કરે. એવા આદેશ કરનારા જોયેલા નહીં ?

પ્રશ્નકર્તા : હા, આદેશ જોયેલા. ત્યાં ઉપાશ્રયમાં લગભગ આદેશ જ હોય છે ને !

દાદાશ્રી : અને આપણા ઘરમાં શું હોય છે ?

પ્રશ્નકર્તા : ઘરમાં તો આદેશ જ હોય.

દાદાશ્રી : 'કેમ અલ્યા, આવું કરે છે ? આવું તારે નહીં કરવાનું. તું આમ કરજે, તેમ કરજે.' મા-બાપ બધાં આવું બોલે. એવું બોલતાં નહીં જોયેલું ? એ વાતમાં શું હશે ? 'કાલથી તારે પાન ખાવાનું નથી.' એને શું ઉપદેશ કહેવો કે આદેશ કહેવો ?

પ્રશ્નકર્તા : એ આદેશાત્મક થયું.

દાદાશ્રી : હા, એવાં ત્યાં ગુરુઓ ય હોય છે. મિથ્યાત્વ દશામાં આજે ઉપદેશ અપાય છે ને, એ ઉપદેશ નથી. એ આદેશ છે. 'તમે આ છોડી દો, તમે ફલાણું છોડી દો, બીડી છોડી દો.' એવું વ્યક્તિગત રીતે કહેતા હોય, તો એ આદેશ કહેવાય. 'આજથી તારે બટાકાં ખાવાના નહીં.' ત્યારે પેલો કહેશે, 'સાહેબ, મને બટાકાં સિવાય બીજું કશું શાક ભાવતું નથી.' ત્યારે સાહેબ કહેશે, 'હું તમને ના કહું છું ને, કે તારે ખાવાનું નહીં.' એ આદેશ કહેવાય.

કેટલાંક માણસો એમ કહે, 'તમારે લીલોતરી છોડવી જ પડશે.' એ આદેશ કહેવાય. એમાં ઓર્ડર કરે છે. આદેશ કોણ આપે ? મિથ્યાત્વી. વળી આંગળી કરીને કહે. તે આદેશમાં આંગળી નથી હોતી. આંગળી તો બહુ ભારે કહેવાય. આદેશથી આગળ જાય. તે આદેશ બંધ થઈ ગયો આ લોકોને. એથી ય આગળ ગયો આદેશ તો સડી ગયેલો આદેશ, પછી ગાઢ આદેશ, અવગાઢ આદેશ ને બધું કહે છે ને !

ઓર્ડર તો કોનો મનાય ?

પ્રશ્નકર્તા : અમે જે ધર્મ પાળીએ છીએ, તેમાં અમને અમારા ધર્મગુરુઓ ઓર્ડર આપ્યા કરે છે કે 'તમારે કાંદા નહીં ખાવા, રાત્રિભોજન નહીં કરવું, આમ નહીં કરવું, તેમ નહીં કરવું, ક્રિયાકાંડ કરવાં, તપ કરવાં.'

દાદાશ્રી : એવું છે ને, ઓર્ડર કોનો મનાય કે જેના કષાય ખલાસ થઈ ગયા હોય, તેનો ઓર્ડર મનાય. કષાયવાળાનો ઓર્ડર ના મનાય. કષાયવાળો પોતે જ ગુનેગાર છે, તો બીજાને ઓર્ડર કરી શકે કેવી રીતે ? ઓર્ડર તો, મહાવીર ભગવાનનો મનાય અગર તો જ્ઞાની પુરુષનો મનાય. આ બે સિવાય કોઈનો ય ઓર્ડર ના મનાય. ત્યારે એ ઓર્ડર કરે નહીં ને ! જેનામાં પોતાનો ગુનો નથી અને પોતાના ગુનાને જે જાણે છે, તેનો ઓર્ડર મનાય.

અણસમજણમાં જોખમો !

પ્રશ્નકર્તા : પણ આ બીજા બધા ભગવાનના નામે ઓર્ડર કરે છે ને ?

દાદાશ્રી : ના. પણ એ ચાલે નહીં. 'એનું ફળ શું આવવાનું છે', એ અહીં ઓપનમાં કહેવાય એવું નથી. માટે બહુ ઊંડા ઉતરશો નહીં. બાકી ઓર્ડર કોઈનાથી અપાય જ નહીં. ભગવાનના નામે ય ઓર્ડર ના અપાય. એ પોતે એક અક્ષરે ય ભગવાનનો પાળતો નથી. ભગવાનના શબ્દો પાળવા જોઈએ કે ના પાળવા જોઈએ ? મહાવીર ભગવાને શું કહ્યું કે 'કષાયરહિત થવું એ જ ધર્મ છે.'

પણ આ તો સમજણ નથી, તેથી ભોળાભાવે બિચારા ઓર્ડર આપે છે. એમાં કોઈનો દોષ નથી. 'તમે આમ છોડી દો, આમ છોડી દો' એવું એક અક્ષરે ય બોલાય નહીં. એવું કહેવાય કે 'ભાઈ, આ છોડવું હિતકારી છે. તમને ઠીક લાગે તો કરજો.' 'બટાકા હિતકારી નથી, ભગવાને ખાવાની ના પાડી છે.' એવું તેવું કહેવાય. પછી એને ઠીક લાગે તે કરે.

ઓર્ડરને આધીન જ્ઞાની !

આદેશ તો લશ્કરનો કમાન્ડર કરે અગર તો રાજા હોય તે કરે અગર તો સંસારી મોટાં મોટાં માણસો હોય તે કરે. બીજા કોઈથી આદેશ કરી શકાય નહીં. પણ તે અત્યારે બોલે જ છે ને બધાં ?! એવા આદેશ આપે જ છે ને ?! એવા આદેશ કરનારા બહુ જોયેલાને ?

પ્રશ્નકર્તા : ઘણા. બધે કંટાળ્યો ત્યારે તો અહીં ભેગો થઈ ગયો, દાદાને.

દાદાશ્રી : બધાથી કંટાળ્યા હતા ?

પ્રશ્નકર્તા : બધા ઓર્ડર કરતા હતા, તેથી બધેથી કંટાળ્યો હતો. અહીં તમે ઓર્ડર નથી કરતા.

દાદાશ્રી : ના. અમે ઓર્ડર ના કરીએ. અમે જ ઊલટાં તમારા ઓર્ડરમાં રહીએ છીએ ને ! તમે કહો કે, 'દાદા, અહીં બેસો.' તો અમે અહીં બેસીએ. તમે ઓર્ડર કરો તો ય અમે બંધાવા ના દઈએ અને છોડાવીએ.

ગુનેગારો એ, તીર્થંકરોના !

'તમારે આ જ કરવું પડશે ને કર્યા વગર ના ચાલે' એવું કહે ને, ત્યારથી હું જાણું કે આ જ્ઞાન નથી. જ્ઞાન તો એનું નામ કહેવાય કે 'આમ કરવું જ પડશે' એવું ના બોલે. કારણ કે કરવાની સત્તા જ કોઈ જીવમાં નથી. એવું તો ભગવાન નથી બોલ્યા ને તમે બોલો છો ? આદેશ કરો છો ? આ આદેશ કરનારા તો ગુનેગાર કહેવાય.

પ્રશ્નકર્તા : કેમ ?

દાદાશ્રી : એ તીર્થંકરોના ગુનેગાર કહેવાય. ઉપદેશ કરી શકાય પણ આદેશ ના કરી શકાય. પણ આપણા લોકો તો આદેશ આપે છે. એમને ક્યાં ખબર છે કે 'આ હું આદેશ આપું છું.' આદેશની જોખમદારીની ખબર છે ? જો કદી તીર્થંકર ભગવાનને કહીએ કે, 'સાહેબ, તમે એક આદેશ તો આપો.' ત્યારે એ કહે, 'નહીં, આદેશ આપવો મહાન જોખમદારી છે. અમારાથી આદેશ ના બોલાય.' આદેશ આપનારો બહુ મોટો અહંકારી કહેવાય.

ડર્યા ત્યાં, જ્ઞાનીઓ પણ !

તેથી કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું છે ને,

''અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશની વાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે. અને ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેનો ઉદય નથી.''

''અમે કોઈને આદેશ વાત એટલે 'આમ કરવું' એમ કહેતાં નથી. વારંવાર પૂછો તો પણ, તે સ્મૃતિમાં હોય, તે અમારા સંગમાં આવેલા કોઈ જીવને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તો કે આમ કરો. માત્ર શિક્ષાબોધ તરીકે કહ્યું છે.''

એટલે કૃપાળુદેવે પણ કોઈ જગ્યાએ આદેશ વાત કરી જ નથી, કોઈ દહાડો ય નહીં. કોઈ પત્રમાં નથી કરી.

ઉપદેશ એટલે...

પ્રશ્નકર્તા : પછી ઉપદેશમાં કેવું હોય ?

દાદાશ્રી : ઉપદેશ વસ્તુ જુદી છે. એમાં હુકમ હોતો નથી. ઉપદેશવાળા આદેશ કરે નહીં. ઉપદેશ કરનારાઓથી ઉપદેશ થઈ શકે. ઉપદેશમાં અહંકાર હોય પણ ઓર્ડર નહીં. બધાને કોઈનું નામ દીધા વગર કહું કે, 'ભઈ, આ પ્રમાણે કરવા જેવું છે.' તો એ ઉપદેશ કહેવાય.

ઉપદેશ એટલે શું ? સામાન્યભાવે બધાને કહેવું. સહુ સહુને જેટલું અનુકૂળ આવે, એ પ્રમાણે ગ્રહણ કરે. હું બોલું અને તમને અનુકૂળ આવે, તે પ્રમાણે એનો અર્થ સમજીને કરો. આમાંથી તમે જે સાર ગ્રહણ કરો, એ પ્રમાણે છોડો યા ના છોડો, એમાં મારાથી બોલાય નહીં. એવું બોલવું એટલે આદેશ થઈ જાય. ઉપદેશવાળો એવું બોલે નહીં. ઉપદેશવાળો એટલું જ કહે કે આ કરેક્ટ છે અને આ ઈન્કરેક્ટ છે.

વિવેક આચરે, કર્તાભાવે !

પ્રશ્નકર્તા : ઉપદેશમાં ચેતનતા ના હોય !

દાદાશ્રી : ઉપદેશમાં ચેતનતા હોય જ નહીં ને ! ઉપદેશમાં ચેતનતા હોય તો, તેને ઉપદેશ કહેવાય જ કેમ ? ઉપદેશમાં ચેતનતા હોતી હશે ? ચેતનતા તો આદેશમાં ય ના હોય. ચેતનતા શબ્દમાં હોય નહીં, વર્લ્ડમાં ય. શબ્દ બોલે છે, ભાષા બોલે છે, ત્યાં ચેતનતા ના હોય.

ઉપદેશમાં વિધિપૂર્વકનું હોય કે 'ભઈ, આમ કરજો, આમ કરવા જેવું છે, આ કરવા જેવું નથી. આમ શોભે, આમ ના શોભે.' એટલે એ પોતે કર્તા અને બીજાને ય કર્તા બનાવે કે તું ય કર્તા થા અને હું ય કર્તા થઉં. એટલે બોલનારનો ય કર્તાભાવ હોય અને સાંભળનારનો ય કર્તાભાવ હોય, ત્યાં ઉપદેશ છે.

પ્રશ્નકર્તા : સાંભળનારનો કર્તાભાવ હોય ?

દાદાશ્રી : એમણે જે શીખવાડ્યું હોય, એ પેલો કરે. પોતે કર્તા હોય ને પેલાને ય કરવાનું કહે. પોતે આચાર પાળે અને બીજા પાસે પળાવડાવે.

પ્રશ્નકર્તા : આમાં તો એને ક્રિયાની રીતની સમજણ પાડવામાં આવે છે ને ?

દાદાશ્રી : હા, શી રીતે એ કરી શકે, એ રીત સમજાવે છે. અને પેલો રીત સમજી જાય છે એટલે કરવા માંડે છે અને એ બાપજીને ય પેલા ઉપરવાળાએ શીખવાડ્યું હોય, તે બાપજી કરે.

જોડે સમ્યક્ દ્રષ્ટિ જોઈએ !

હવે એક બાજુ સમકિત થયેલું હોય, આત્મા પ્રાપ્ત કર્યો હોય ને થોડો અહંકાર બાકી હોય, ત્યારે એ ઉપદેશ આપી શકે. એટલે સમકિત પણ અહંકારી હોય, તો એનો ઉપદેશ કામનો.

આદેશ તો સમકિત વગર જ હોય, મિથ્યાત્વમાં હોય. અને પેલું ઉપદેશ તો, છઠ્ઠા ગુંઠાણામાં સમકિત થયા પછી પોતે ઉપદેશ આપે. એટલે અહંકારથી ઉપદેશ આપે. પણ સામાના કલ્યાણ માટે આપે. એ છઠ્ઠા ગુંઠાણામાં જે આચાર્યો છે અત્યારે બીજા ક્ષેત્રમાં ખરાં, એ ઉપદેશ આપે. બાકી જ્યાં મિથ્યાત્વ છે, ત્યાં આગળ ઉપદેશ જ ક્યાં કહેવાય ?

બાકી બહાર જે ઉપદેશ છે, તે તો કામના જ નહીં ને ! ખરી રીતે તો ઉપદેશ આ બધાથી અપાય નહીં. કારણ કે ભગવાનના કહેલામાં નથી આ. ભગવાને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ ફરે નહીં, દ્રષ્ટિ સમ્યક્ થાય નહીં, ત્યાં સુધી આ જે ઉપદેશો આપે છે એવું કરાય નહીં. જગતને હેલ્પ કોણ કરી શકે ? જેની દ્રષ્ટિ બદલાયેલી હોય, સવળી દ્રષ્ટિ થયેલી હોય, તે હેલ્પ કરી શકે. બાકી અવળી દ્રષ્ટિવાળો કોઈ પણ જાતની વાત કરે, એ હેલ્પ કરી શકે નહીં. એટલે સવળી દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી કોઈને ઉપદેશ આપશો નહીં.

ઉપદેશ, ત્યાં માય સ્પીચ !

ઉપદેશ તો અહંકાર સહિત કરી શકાય. નહીં તો એમ ને એમ અહંકાર વગર ઉપદેશ ના અપાય. પોતે અહંકારવાળો હોય, તે ય ઉપદેશ આપી શકે અને અહંકાર ઓછો થયેલો હોય તો ય ઉપદેશ આપી શકે. કંઈક એમને અહંકાર હોય તો જ ઉપદેશ આપે ને !

'હું આ વ્યાખ્યાન કરું છું, મારો ઉપદેશ છે આ.' અને પછી વ્યાખ્યાન કરે. ઉપદેશ છે તે માલિકને ય પહોંચે અને સાંભળે તેને ય પહોંચે. આ ઉપદેશ બોલનાર 'ધીસ ઈઝ માય સ્પીચ' એમ કહે છે. પછી 'હું કેવું બોલ્યો હતો, કેવું લાગ્યું' એવું હઉ કહે, 'સારું બોલ્યા' એમ જાણીને તો ખુશ થઈ જાય. એટલે ઉપદેશમાં અહંકાર અને મમતા બેઉ હોય.

એનાથી વધી જવાબદારીઓ !

પ્રશ્નકર્તા : તો થોડુંઘણું જાણનાર માણસોએ ક્યારેય કોઈને પ્રતિબોધ પમાડવો જ નહીં ?

દાદાશ્રી : પણ તે ઉપદેશક તરીકે નહીં. બીજી રીતે કરે. બીજી રીતે વાતો કરો સામસામી. આ તો મોટી છાપ પડે કે ભગવાનનો આ ઉપદેશક. એટલે એના પર વિશ્વાસ, એના બોર્ડ માર્યા, ભગવાનના પ્રતિનિધિ ગણાયા.

પ્રશ્નકર્તા : એ લોકો તો એમ કહે છે કે આ તો અમારા ભક્તોએ બોર્ડ માર્યા છે. અમે થોડા માર્યા છે ?

દાદાશ્રી : ભક્તો શું કરવા બોર્ડ મારે તે ? લૂગડાં તો એમણે બદલ્યાં, એ બોર્ડ કહેવાય અને પાછાં ઉપદેશ આપ્યા !

પ્રશ્નકર્તા : પણ જ્યારે સાચું ઘી ના હોય, ત્યારે વેજીટેબલ ઘીથી ચલાવવું પડે. તો તેમાં શું ખોટું છે ?

દાદાશ્રી : આ ન હોય વેજીટેબલ ! સાંભળનારનું તો જે થવાનું હશે, તે થશે. પણ એને પોતાને જ આની જવાબદારી છે ને ?

વ્યવહારમાં જોખમો ઓછાં !

પ્રશ્નકર્તા : વ્યવહારમાં ય બધા ઉપદેશ આપે, એનું શું ?

દાદાશ્રી : વ્યવહારમાં જોખમદારી નથી. એ માણસ કોઈ ડિગ્રીધારી નથી. જોખમદારી તો ડિગ્રીધારીને હોય. ઉપદેશ આપવાની ડિગ્રી જે ધરાવતો હોય ને, ત્યાં લોકો સો ટકા એની વાત સત્ય માની લે. એટલે લોકો ઊંધા ચાલે. એની જોખમદારી પેલા લોકોને આવે છે.

અને વ્યવહારમાં તો તમારું સાંભળે કે ના ય સાંભળે. એ જાણે કે 'તમારામાં શું અક્કલ છે.' પણ બાપજીમાં તો એ જાણે કે એમણે કહ્યું એ સો ટકા જ સાચું ! તેથી જોખમદારી આવે ને ! બાકી વ્યવહારમાં કોઈ જાતનો વાંધો નથી.

છતાં દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. માટે જો બોલતા ના આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઊડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો વગર માંગ્યે જ બધા ઉપદેશ આપે છે.

દાદાશ્રી : હા. અને સામાને વાત અવળી પડે તો તરત કહી દે ને, કે 'તમે અક્કલ વગરની વાતો કરો છો.' પણ બાપજીને ના કહેવાય. એ જાણે કે મારી ભૂલ થતી હશે, બાપજી કંઈ ખોટું કહે નહીં.

ચઢો, મંદ કે અકષાયીની દુકાને !

પ્રશ્નકર્તા : ઉપદેશ આપતા હોય, પણ મુક્ત ન થયેલી એવી વ્યક્તિઓ કે સંતો પાસે સાંભળવું, એ સ્વાધ્યાય ગણાય કે કેમ ?

દાદાશ્રી : ભલે મુક્ત ના થયેલા હોય, પણ કષાયો મંદ થઈ ગયેલા હોય તો એની પાસે સાંભળવું. કષાયો મંદ કોને કહેવાય કે પોતાને ક્રોધ-માન-માયા-લોભ થાય, પણ સામાને એની ઝાળ ના અડે. એની આંખોમાં ન દેખાય તો ત્યાં સાંભળવું અને આપણે ભૂલથી બોલીએ કે 'મહારાજ સાહેબ, તમારી વાત મને ના ગમી' ને એ ફેણ માંડે તો આપણે જાણવું કે આ દુકાન આપણી ન હોય. આપણે બીજી દુકાન કરવી. આપણે મહારાજને વઢવું કરવું નહીં. કારણ કે આપણે જાણીએ કે જેની દુકાનમાં જે હોય એ આપે. બીજો માલસામાન ક્યાંથી લાવીને આપે ? એટલે આપણે દુકાન બદલી નાખવી.

કેટલી બધી દુકાનો ! ઓહોહો, આ બજારમાં ઓછી દુકાનો હશે ? આ દુકાનમાંથી પેલી, પેલી દુકાનમાંથી પેલી દુકાનમાં. પણ જે કહે કે, 'હા, આવી જશે, છ મહિનામાં આવી જશે. તમે આવો.' તો ત્યાં બેસવું.

એમાં કોઈ ઊતરી ગયો, તો છ મહિના જ ગયા. બીજા જિંદગીનાં વર્ષો છે ને મહીં ? એટલે આપણને ખબર પડે કે આ પેલા જેવા જ છેતરનારા બીજાં છે. એટલે આ દુકાન કામની નહીં. પછી આપણને ખબર પડે ને ! એમ કરતાં કરતાં સાચો મળી આવશે.

પ્રશ્નકર્તા : એટલી અવેરનેસ આવવી જોઈએ ને ?

દાદાશ્રી : અવેરનેસ જોઈતી હોય તો મારી પાસે આવજો. બીજું શું જોઈએ ? અવેરનેસની જરૂર. અવેરનેસ વગર શું યાદ આવે ? જાગૃતિ પહેલી જોઈએ. તે મારી પાસે આવજો. જાગૃતિ તમને આપીશ.

સમજવા જેવી વાત, પ્રરૂપકોને !

પ્રશ્નકર્તા : પણ એ લોકો ઉપદેશ નથી આપતા પણ ભગવાને જે કંઈ કહેલું છે, એ જ કહે છે.

દાદાશ્રી : એ બોલવાનો અધિકાર જ નથી. એટલે કેટલાંકને હું પૂછું કે, 'સાહેબ, આપ શું શું કરો છો ?' ત્યારે એ મને કહે છે, 'બપોરે વ્યાખ્યાન આપીએ છીએ. આટલા બધા શાસ્ત્રો ભણીએ છીએ. અમારા મોક્ષ માટે આ બધું....' મેં કહ્યું, 'આમાં મોક્ષની વાત શેની કરો છો તે ? અને આ વ્યાખ્યાનો આપો છો, તે વ્યાખ્યાન ના અપાય તમારાથી. શાના આધારે તમે વ્યાખ્યાન આપો છો ? સર્ટિફિકેટ છે તમારી પાસે કોઈ જાતનું ? ઉપદેશ આપવાની લાયકાત ધરાવો છો, એવું લાયસન્સ છે તમારી પાસે ? ત્યારે એ કહે છે, 'કેમ એવું પૂછો છો ?' મેં કહ્યું, 'તમને શાસ્ત્રના આધારે પૂછું છું કે કોઈ પણ શાસ્ત્રમાં દેખાડો કે તમને ઉપદેશ આપવાનો અધિકાર છે ?' પછી એ કહે છે, 'પણ અમારું આ પદ બધું વિધિપૂર્વક કર્યું છે.' મેં કહ્યું, 'પણ એ તો તમે માંહ્યોમાંહ્ય ભેગા મળીને એ પદને બધું ખોળી કાઢ્યું છે ને !' ત્યારે એ કહે છે, 'અમારે છઠ્ઠું ગુંઠાણું ન હોય ?' મેં કહ્યું, 'આ છઠ્ઠું ગુંઠાણું છે, એ તો વ્યવહારથી છે અને નિશ્ચયથી છઠ્ઠા ગુંઠાણાવાળાને વ્યાખ્યાન આપવાનો અધિકાર છે. તમે ક્યાં વ્યાખ્યાન આપવામાં પેસી ગયા છો ?' ત્યારે એ કહે છે, 'પણ લોકો બધા સાંભળવા આવે છે ને !' મેં કહ્યું, 'લોકો તો સાંભળવા આવે જ, લોકોનું શું જવાનું છે ? તમારું જશે. ખોટ તમને જવાની છે. સાંભળનારને કશું ય નહીં થાય. સાંભળનાર તો હરે હરે કરશે. એમને ઘેર નથી ગમતું એટલે તો અહીં આવીને બેસી રહ્યા છે.' ત્યારે એ કહે છે, 'કેમ, એમાં શો વાંધો છે ? અમને શી ખોટ જવાની છે ?' મેં કહ્યું, 'કષાયસહિત પ્રરૂપણા કરવી એ નર્કે જવાની નિશાની છે.' એટલે એ તરત સમજી ગયા ને કહે છે, 'એ તો અમે એ જ કરીએ છીએ.' મેં કહ્યું, 'આ તો વાત કહી દઉં છું. તમારે જે અનુકૂળ આવે તે કરો ને! તમારો કંઈ માલિક નથી હું. હું તો કહી છૂટું.'

પ્રરૂપણા કષાયસહિત !

આ બોર્ડ સમજવું પડશેને કે 'કષાયસહિત પ્રરૂપણા કરવી એ નર્કની નિશાની !'

બહુ સ્ટ્રોંગ વાક્ય બોલું છું. પણ આની પાછળ કરુણા છે અમારી ! અરે, આ નર્કે જવાનું ક્યાંથી ખોળી કાઢયું ? પ્રરૂપણા કરવા બેઠા (!) જાણે પોતાનું કલ્યાણ થઈ ગયું, તે લોકનું કલ્યાણ કરવા બેઠાં (!) કષાય ખરા કે નહીં ? કષાય છે અને પ્રરૂપણા કરો છો, તો નર્કે જશો.

પછી મને કહે છે, 'અમે તો અત્યાર સુધી પ્રરૂપણા કરી.' મેં કહ્યું. 'હવે એની માફી માગી આવો, ભગવાન પાસે જઈને. શું જોઈને પ્રરૂપણા કરો છો ? મહીં ઠેકાણું નથી. મહીં તો બોલતાં પહેલાં છંછેડાઈ જાવ છો.'

પ્રશ્નકર્તા : શાંતિ અને સમભાવ રહેવો જોઈએ.

દાદાશ્રી : હમણે મને ધોલો મારે અને હું છંછેડાઉં, તો પછી હું જ્ઞાની જ કેમ કહેવાઉં ? મને ગાળો ભાંડે, કપડાં કાઢી લે, તો ય પણ જરા મારા મોઢા પર ફેરફાર થાય, તો હું જ્ઞાની કેમ કહેવાઉં ? આખા વર્લ્ડની સમતા જ્ઞાનીમાં હોય. કચડી કચડીને મારે કરે તો ય સમતા રાખે. અને જોડે જોડે આશીર્વાદ આપે !

કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ, જ્યાં સુધી હોય ત્યાં સુધી ઉપદેશ આપવો એ ગુનો છે. કષાયથી પર તો એકુંય નથી. કષાયો તો, અડધા કષાય પણ ગયા નથી હજુ. આખા પૂરા કષાય છે, સંપૂર્ણ કષાયી છે. એ તો જ્યારે છંછેડો ત્યારે ખબર પડે. છંછેડો ત્યારે શું દેખાય ?

પ્રશ્નકર્તા : ક્રોધ આવી જાય.

દાદાશ્રી : ને ફેણ માંડે કે ના માંડે ? બધા સાંભળવાવાળા બેઠેલા હોય, તે ભડકી જાય ને ? 'હેય, ફેણ માંડી' કહેશે. એટલે કો'ક ટૈડકાવે તો ફેણ માંડે. જે ફેણ માંડતા હોય, એ ઉપદેશ માટે લાયક હોતા હશે ? ટૈડકાવે, માર મારે તો ય ફેણ ના માંડે, સમતા હોય, ત્યારે ઉપદેશ અપાય એનાથી. આ તો ફેણ માંડે, હું-હું-હું ! જ્યાં સુધી 'હું' ઊભો છે, ત્યાં સુધી એ ઉપદેશ માટે લાયક હોતા હશે ?! જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, 'હું' દેખાય નહીં ત્યાં વાત સાંભળજો. તો મોક્ષ થશે, નહીં તો મોક્ષ થવાનો નથી.

એ 'દેવતા' 'એનાથી' ના ઝલાય !

કષાયસહિત જે વાણી હોય એ બધી પોઈઝનસ છે અને ઉપદેશ પોઈઝનસ માણસ આપે તો પોઈઝન ફેલાય.

પ્રશ્નકર્તા : પણ એ લોકો પુસ્તકોમાંથી - શાસ્ત્રોમાંથી જે જ્ઞાન મેળવે છે, એ પછી પોતાની બુધ્ધિથી થોડો કોઈને ઉપદેશ આપે, એમાં વાંધો શો ?

દાદાશ્રી : અપાય નહીં. વીતરાગોનો ઉપદેશ ના અપાય, બીજો બધો અપાય. બીજા બુધ્ધિના ઉપદેશ અપાય. વીતરાગોનો ઉપદેશ એ કેવળજ્ઞાનનો ઉપદેશ છે, એ ના અપાય. કોઈ બોલી શકે નહીં. આ ભગવાન મહાવીરનાં વાક્યો ના બોલાય. ગીતા ઉપર બોલો. ગીતા વાસુદેવ નારાયણની છે. વાસુદેવ નારાયણ તો એક અવતાર પછી વીતરાગ જ થવાના. વાસુદેવ નારાયણનાં વાક્યો છે, એ બોલી શકો છો. વાસુદેવ નારાયણનું કહેશો, તેનો અર્થ કરશો તો તમને બહુ અપરાધ નહીં બેસે. પણ અહીં તીર્થંકરોનાં વાક્યોનો જો અર્થ કરશો, તો બહુ અપરાધ બેસશે. એ તો વીતરાગ, સંપૂર્ણ વીતરાગ !

એટલે જોખમદારીનો ખ્યાલ હોવો જોઈએ ને કે ના હોવો જોઈએ ? એ ખ્યાલ કોને હોય ? વકીલો ગુના જાણે કે આ ગુનો થઈ રહ્યો છે, એની આ જોખમદારી છે. પણ બીજાને શી રીતે ખબર પડે ? આ તો એ લોકોને ખબર નથી કે એમણે ક્યાં જવાનું છે. શું થવાનું છે, તે તો એમને ખબર નથી. છતાં એમાં એમનો દોષ નથી. ભગવાન મહાવીરની આજ્ઞા પાળવી છે, છતાં ફસાયા છે અને અણસમજણથી કરે છે. એમને ખબર જ નથી કે આ હું શું કરી રહ્યો છું ! પણ કુદરત છોડે નહીં ને ! ન્યાય તો છોડે નહીં.

પ્રશ્નકર્તા : એક જગ્યાએ એવી રીતે લખ્યું છે કે 'નહીં દે તું ઉપદેશ, પ્રથમ લેહી ઉપદેશ.'

દાદાશ્રી : પણ એને કુટેવ પડેલી છે ને ! બધાને સમજણ પાડવાની કુટેવ પડી છે. એ પોતે રખડી મર્યો છે અને બીજાને રખડી મારવાની કુટેવ પડેલી છે. ઉપદેશ અપાય નહીં કોઈનાથી.

જ્યાં જાવ ત્યાં પુસ્તક લઈને બેઠા હોય અને ઉપદેશ આપ્યા કરે. અલ્યા, આંકડાની ય સમજણ નથી ને શું કરવા ગા ગા કરે છે અમથો વગર કામનો ?! પણ આ બધી નર્કે જવાની નિશાનીઓ !!

સ્વાધ્યાય કરનાર, સલામત !

પ્રશ્નકર્તા : આ લોકો તો વીરની વાણી બોલે છે ને ?!

દાદાશ્રી : વીરની વાણી મિથ્યાત્વી બોલે, તો પોઈઝન થઈ જાય અને વીરની વાણી સમકિતી બોલે, ભલેને વૈષ્ણવ હોય, તો ય અમૃત થાય. વીરની વાણી કયે મોઢે બોલી રહ્યા છે ? મિથ્યાત્વી બોલે, એ ઝેર મહીં ઓકે છે. એ વીરની વાણી ચાલે નહીં. વીરની વાણી સમકિતી બોલે તો જ કામની.

પ્રશ્નકર્તા : કેટલાક તો વ્યાખ્યાન પુસ્તકો વાંચીને જ બોલે છે.

દાદાશ્રી : વાંચી વાંચીને બોલે છે, ત્યાંથી એ પુસ્તકનું જે જ્ઞાન હતું ને, તે ઝેરી થયું, માટે જવાબદાર બન્યા. તમે આ ઝેરી કેમ કર્યું ? તમારા મોઢે બોલ્યા શું કરવા ? તમે મિથ્યાત્વી માણસો ! મિથ્યાત્વી એટલે પોઈઝનસ માણસ, એને મોઢે આ વાક્યો બોલાય નહીં. ભગવાનની સ્યાદ્વાદ વાણીનાં વાક્યો એમને મોઢે બોલાય નહીં. પોતાને સ્વાધ્યાય માટે વાંચવાનો અધિકાર છે પણ બોલવાનો, ઉપદેશ દેવાનો અધિકાર નથી.

આ બોલે તેની પાછળ દોષ બેસે. એને ઉત્સૂત્ર પ્રરૂપણા કહેવાય. એટલે બીજો સાંભળે, તેને નુકસાન કરે. એમનું જે સાંભળે, તેને નુકસાન થાય. એને નર્કના અધિકારી કહેવાય છે, તિર્યંચના અધિકારી નહીં. કારણ કે તું એવું બોલ્યો કે આને નુકસાન થાય. એવું શું કરવા બોલ્યો ? ન્હોતું બોલવું, બેસી રહેવું હતું ને, એમ ને એમ. ના બોલ્યો હોત તો શું ખોટું હતું ? આને નુકસાન થાય એવું શું કરવા બોલે છે તે ?

પ્રશ્નકર્તા : એને તો ખબર ના હોય ને કે આને નુકસાન થશે ! એ તો એમ કે આનું સારું થશે, એમ કરીને બોલે ને ?

દાદાશ્રી : તેથી નર્ક મળે ને ! જાણીને કોઈ નર્ક લે ?

પ્રશ્નકર્તા : પણ કેવળ ભગવાનની જ વાણી હોય, એનાં સિવાય પોતાનું કંઈ જ ના બોલે તો ય?

દાદાશ્રી : ખુદ ભગવાનની વાત કરવાની હોય તો ય ના બોલાય એમનાથી. એમનાથી સ્વાધ્યાય કરી શકાય. પ્રરૂપણા ના કરાય. ઉપદેશ ના અપાય. ઉપદેશ બોલવો જોખમ છે.

પ્રશ્નકર્તા : એ એમ કહે કે 'અમે અમારો સ્વાધ્યાય કરીએ છીએ' તો ?

દાદાશ્રી : સ્વાધ્યાય કરવાનો વાંધો નહીં. સ્વાધ્યાયનો અર્થ એવો ના હોવો જોઈએ કે બીજાને ઉપદેશ આપો. બાકી જો સ્વાધ્યાય કરતાં હોય, એવું જો ડહાપણ હોય તો સારું. એને આ ગુનામાંથી છોડી દેશે.

પ્રશ્નકર્તા : આનંદઘનજી મહારાજે જ કહ્યું છે ને કે 'ભઈ, તું ઉપદેશ આપીશ નહીં. એમાં ય ખાસ કાળજી રાખજે કે કંઈ ખોટો ઉપદેશ આપીશ તો, સિવાય નર્ક બીજું કાંઈ તારે માટે નથી.'

દાદાશ્રી : નહીં તો ય કષાયસહિત પ્રરૂપણા એ નર્કે જવાની ટિકિટ જ છે. જો નર્કે જવાની ટિકિટ લઈ આવ્યા ને ! જો અજાયબી !! દેવગતિ તો ક્યાં ગઈ પણ નર્કે જવાની ટિકિટો થઈ !

સહજ સ્વભાવે સરે...

પ્રશ્નકર્તા : હવે દેશનાનું સ્વરૂપ સમજાવો.

દાદાશ્રી : દેશના એટલે આમ સહજભાવે વાણી નીકળ્યા કરે, બોલે નહીં. સ્વભાવિક વાણી નીકળ્યા કરે, ઉદયભાવે. એની ગોઠવણી નહીં, ઇચ્છાપૂર્વક નહીં. કોઈને કરવું ના પડે અને તે નીડરતાથી નીકળ્યા કરે, કોઈ ડર-બર કશું નહીં.

પ્રશ્નકર્તા : તે વખતે સાંભળવાવાળું કોઈ હોય ખરું ?

દાદાશ્રી : હા. બધું ભેગું થયેલું હોય. તીર્થંકરને કેવળજ્ઞાન થયા પછી દેવલોક સમોવસરણ રચે અને તે ઘડીએ આ વીતરાગ ભગવાનની વાણી દેશના રૂપે નીકળ્યા જ કરે અને તે બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. એ બધા લોકો ભેગા થયા પછી ભગવાનની દેશના નીકળ્યા જ કરે. એનો ઉદય હોય એટલો કાળ એ દેશના થઈ અને પછી પૂરી થઈ જાય.

પ્રશ્નકર્તા : તીર્થંકર ભગવાનની જે દેશના સાંભળતા હતા, એમાં તો બધાંને દર્શન થયેલાં ને જેણે દેશના સાંભળેલી, એ બધા મોક્ષે જાય ?

દાદાશ્રી : હા, ઘણાં ખરાં મોક્ષે ગયેલા.

દેશના સમજરૂપે !

પ્રશ્નકર્તા : દેશના એટલે આમ આજ્ઞારૂપે હોય ?

દાદાશ્રી : ઉપદેશ આજ્ઞારૂપે હોય. દેશના સમજરૂપે હોય. તમે સમજો છતાં અમારી આજ્ઞા ઉપદેશરૂપે નથી, દેશનારૂપે છે. કહેવાય ફક્ત આજ્ઞા, એટલું જ બાકી છે દેશનારૂપે !

અમે તો પાંચ આજ્ઞા આપીએ, તે મહાવીર ભગવાન આપે તેના જેવી આજ્ઞા આપીએ છીએ. આજ્ઞા જો પાળે ને તો નિરંતર સમાધિ રહેવી જોઈએ એવી અમારી શર્ત હોય. ગમે તે પરિસ્થિતિમાં સમાધિ રહે, એ દાદાની પાંચ આજ્ઞા અને એમાં અહંકાર હોય નહીં ને ! જેનો અહંકાર ના હોય ત્યારે એમની આજ્ઞા પળાય.

આજ્ઞા તો બે જ જણની પળાય. તીર્થંકર ભગવાન અને અક્રમ વિજ્ઞાનીની, જેનામાં અહંકાર ખલાસ થયેલો હોય તેની જ પળાય. બીજા કોઈની પળાય નહીં. કષાય ગયેલા હોય તો જ આજ્ઞા પળાય. નહીં તો કષાયી માણસની આજ્ઞા પાળી શકાય જ નહીં અને આજ્ઞા આપનારથી આપી શકાયે ય નહીં. આજ્ઞા આપવી એ ય ગુનો છે. ઉપદેશે ય ના અપાયને, કષાયી માણસથી !

જોનાર જુદો, બોલનાર જુદો !

દાદાશ્રી : દેશના શબ્દનો અર્થ તમારે ત્યાં શું થાય છે ?

પ્રશ્નકર્તા : દેશના એટલે જે પશ્યંતી, જે સીધી જોવાતી હોય. એને દેશના કહેવાય. એ વાણીવાળા સીધું જોઈને જ બોલતા હોય.

દાદાશ્રી : પણ તે જોઈને બોલતા હોય એટલે જોનાર જુદો અને બોલનાર જુદો ! એટલે એને ટેપરેકર્ડ જ કહેવાય. દેશના કોને કહેવાય છે ? તે પોતાને કશું બોલવાપણું હોતું નથી, રેકર્ડ જ બોલે. દેશના એટલે ફેરવી ના શકાય. ટાઈપ થઈ ગયેલી રેકર્ડ નીકળ્યા કરે. દેશનાનું અંગ્રેજીમાં નામ જ ટેપરેકર્ડ.

માલિકીવિહોણી વાણી !

પ્રશ્નકર્તા : બાહ્યધર્મોનાં વલણો ઉપદેશાત્મક છે.

દાદાશ્રી : હા, ઉપદેશાત્મક છે.

પ્રશ્નકર્તા : અને આપણું ઉપદેશાત્મક વલણ નથી.

દાદાશ્રી : આપણો દેશના માર્ગ. દેશના છે, એટલે ઉપદેશ આપનારો કોઈ નથી. દેશના ! એટલે સ્પિચ વિધાઉટ ઓનર ! ઓનરશીપ નથી સ્પિચની ! એટલે એની વાત જ જુદી ને !

પ્રશ્નકર્તા : એ સ્વયંભૂ વાણી હોય.

દાદાશ્રી : હા. એ સ્વયંભૂ વાણી કે જે કહો તે. એ દેશના કહેવાય. એની મેળે સર્યા જ કરે, નીકળ્યા જ કરે. દેશનાનો માલિક નહીં ને. એ છૂટો જ છે. સાંભળનારો ય છૂટો. કારણ કે દેશના 'આમ કરો' એવું ના કહે. અમુક વિષય પર બોલાય એ ઉપદેશ કહેવાય, એવું અમારે ના હોય. અમારામાં ઉપદેશ ના હોય, આદેશે ય ના હોય, અમારામાં દેશના હોય.

પ્રશ્નકર્તા : દેશના એટલે પ્રશ્નોત્તર કહી શકાય?

દાદાશ્રી : દેશના એટલે શું ? એ પ્રશ્નોત્તરી રૂપે હોય કે ગમે તે રૂપે હોય. દેશના એટલે સહજ વાણી નીકળ્યા કરવી અને ટેપરેકર્ડમાં નીકળ્યા કરે એમ નીકળ્યા કરે. ભગવાન મહાવીરને ય ટેપમાંથી નીકળતી હતી અને આ અમારી ય ટેપમાંથી નીકળે.

દેશના એ નિર્અહંકારી ગુણ છે, એટલે એ અહંકારરહિત હોય. જેનો અહંકાર ખલાસ થઈ ગયો, એ ઉપદેશ ના આપી શકે. એને દેશના હોય. જેનો બોલનાર નથી, 'હું બોલ્યો' એવી માલિકી નથી જેને, હુંપણાની માલિકી નથી, મારાપણાની માલિકી નથી, જેને માય સ્પીચ જેવું નથી, તેની બધી દેશના કહેવાય. માલિકીવાળી વાણી રાગ-દ્વેષવાળી હોય.

પોતાપણું ગયા પછી, ખરી વાણી ત્યાર પછી છૂટશે.

માલિકી નહીં, માટે દેશના !

પ્રશ્નકર્તા : આપની વાણી નીકળતી હોય એમાં આ દોષ થાય, તેનું આ રીતે પ્રતિક્રમણ કરવું પડે. આ ના કરવું જોઈએ, આવું હોવું જોઈએ. તો એ બધી વાતો નીકળે. અને કોઈ છ તત્ત્વોની વાત પૂછે તો તે નીકળે. એને દેશના સાથે સંબંધ કેવી રીતે ?

દાદાશ્રી : આ તો તમે પૂછો, તેનું સમાધાન આવું નીકળે. નહીં તો આમ ને આમ સહજ નીકળતી હોય ને, એમાં આવું કશું ના નીકળે. આ તો પૂછો, તેનો જવાબ શબ્દથી તો આપવો પડે ને?

પ્રશ્નકર્તા : હવે પૂછે તે ઘડીએ, જે શબ્દથી જવાબ નીકળે પણ એ બધું દેશનામાં સમાય ?

દાદાશ્રી : હા, કારણ કે બધા શબ્દો માલિકી વગરના છે. માલિકી વગરની વાણી એ તો બધી દેશના જ ગણાય.

પ્રશ્નકર્તા : હવે તીર્થંકરોએ પણ દેશનાને ડીસ્ચાર્જ સ્વરૂપે જ માનેલી હશે ને ?

દાદાશ્રી : હા, કમ્પ્લીટ ડિસ્ચાર્જ. અને અમારું મહીં થોડુંક જરા કચાશ હોય એટલે કોઈ વખત ભૂલ થવી સંભવે. પણ એને છે તે દેશના જ કહેવાય. એમાં કોઈ ભૂલ હોય, પણ એ માલિકી વગરની વાણી !

વાણીનાં વહેણો....

પ્રશ્નકર્તા : તીર્થંકરો દેશના કોને આપે અત્યારે ?

દાદાશ્રી : લાખો માણસો ત્યાં (મહાવિદેહ ક્ષેત્રમાં) બેસી રહ્યાં હોય.

પ્રશ્નકર્તા : ત્યાં લોકો હોય ખરાં ?

દાદાશ્રી : આપણા જેવું જ ત્યાં. ગજવા કાપનાર હઉ ત્યાં !

પ્રશ્નકર્તા : અત્યારે અહીં દેશના આપનાર કેમ કોઈ નથી ? હવે મહાવીર ભગવાન પછી બીજો કોઈ દેશના આપનારો કેમ નથી ?

દાદાશ્રી : કેવી રીતે હોય તે ? આ દુષમકાળમાં હોતા હશે ? આ તો જ્ઞાની પુરુષ જોવા મળ્યા. જે સત્યુગમાં ના જોવા મળે, એ તમને આ દુષમકાળમાં જોવા મળ્યા. જ્ઞાની પુરુષ હોતા હશે ? આ દુર્લભ, દુર્લભ, દુર્લભ વસ્તુ સુલભ થઈ છે. આ શબ્દો સાંભળવાના ક્યાંથી હોય તે ?

જ્ઞાની પુરુષ તો આપણા હિન્દુસ્તાનમાં વીસ હજાર જ્ઞાનીઓ છે. પણ એ લોકોને કહેવાના જ્ઞાનીઓ. એ શાસ્ત્રના જ્ઞાની હોય બધે.

બાકી જ્ઞાની તો કોને કહેવાય ? જેનામાં બુધ્ધિ સેન્ટ ના હોય ! આ બધા તો બુધ્ધિશાળીઓ. જરા આપણે કહીએ કે બાપજી, આ વાત તમારી બરોબર નથી લાગતી. તો તે અકળાઈને ઊભો રહે. ફેણ માંડે એટલે આપણે ના સમજીએ કે આ બુધ્ધિવાળો છે ! આ તો બધો ભૂસું માલ કહેવાય ! ભૂસું ખાધેલું એવું ?!

આત્માનું કંઈ જ્ઞાન હોય, સમકિત થયેલું હોય તો ઉપદેશ. અને સમકિત ના થયું હોય તો આદેશ કહેવાય. તમે જેમ વેપારમાં ભાગ પાડો છો ને, એવું વીતરાગોએ બધા ભાગ પાડેલા કે આ હોય તો આ કહેવાય. એટલે અમારે ઉપદેશ ના હોય, દેશના હોય. પણ તીર્થંકરોની સંપૂર્ણ ફૂલ મૂનની દેશના હોય અને અમારી ચૌદશની !

વાણી, તીર્થંકરોની !

પ્રશ્નકર્તા : તીર્થંકરની દેશનાને મૌન કહ્યું. ગુણે કરીને એનું પ્રાધાન્ય સમજાવો.

દાદાશ્રી : એમની દેશના પોતે બોલતા ન હતા. ટેપરેકર્ડ બોલતી હતી. ટેપરેકર્ડ બોલે એટલે એમને બોલવાનું નહીં ને ? એટલે મૌન જ કહેવાય ને !

અને સાધુ-સંન્યાસીઓને બધાંને ઉપદેશ હોય. પણ આ સાધુ સંન્યાસીઓને તો આદેશ હોય છે ! ઉપદેશ તો સમકિતવાળા સાધુ થયા હોય ત્યાં હોય. આમને સમકિત નથી, એટલે આદેશ કહેવાય. આદેશ એટલે હુકમ.

ભગવાનનો સ્વર કેવો હતો, વીતરાગોનો ? હેય... જાણે મધુર વાજિંત્ર વાગ્યા કરતું હોય તેમ ! આપણા મધ કરતાં ય ઉત્તમ ગણાયું છે ! બીજી હરેક મીઠાશ કરતાં ઉત્તમમાં ઉત્તમ શબ્દ ભગવાનનો કહેલો છે.

અરિહંત જ આપે દેશના !

પ્રશ્નકર્તા : દેશના આપે ત્યારે એ લોકો અરિહંત થઈ ગયેલા હોય ?

દાદાશ્રી : એ તો નિરંતર અરિહંત જ રહે. અરિહંત એટલે જેણે કષાયો નિવૃત્ત કર્યા, એ બધા અરિહંત. અરિ એટલે બીજું કોઈ નહીં, કષાયને અરિ કહ્યા છે. એને આ વેદાંતીઓ ષડરિપુ કહે છે અને આ જૈનો અરિ કહે છે.

પ્રશ્નકર્તા : તીર્થંકરોને સત્તા હતી નહીં કે સત્તા વાપરતા ન હતા ?

દાદાશ્રી : સત્તા હતી જ નહીં. એ બોલે તો ખટપટિયા થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ પોતાને બોલવું હોત તો બોલી શક્યા હોત ને એ !

દાદાશ્રી : પણ સત્તા હતી જ નહીં, એટલે બોલે શું તે ? એમને બોલવાની સત્તા નથી. એમ એ કહી દે. કારણ કે પોતે પોતાનું પદ કોણ છોડી દે ? નીચે ઊતરવું પડે. કોણ ઊતરી પડે ? સત્તા ત્યાં કિંચિત્માત્ર ઈગોઈઝમ છે. એ એમને હોય નહીં. સત્તા જ ના હોય.

પ્રશ્નકર્તા : લોકોનું ભલું કરવા માટે એમણે સત્તા વાપરવી જોઈએ ને ?

દાદાશ્રી : એમનો સત્તા વાપરવા માટેનો દેહ જ ન હોય. એ તો 'દર્શન કરવાનો' દેહ. છેલ્લાં દર્શન ! વીતરાગ !! સંપૂર્ણ વીતરાગ !!! જેમ પૂનમનો ચંદ્ર હોય ને !!! અમે ચૌદશ કહેવાઈએ !

ચારિત્ર મોહ, ભગવાનનો !

પ્રશ્નકર્તા : તીર્થંકરોને કેવળજ્ઞાન થયા પછી ચારિત્રમોહ ના હોય ને ? તે પહેલાં જ હોય ને ?

દાદાશ્રી : તે પહેલાં જ હોય. બારમા ગુંઠાણા સુધી હોય. અને તેરમું ગુંઠાણું એ કેવળજ્ઞાન થયું. પછી દેશના હોય. પછી તો કોઈ સામે આવીને ઊભો રહ્યો હોય ને એ આમ જે' જે' કરે, હવે એ નર્કે જવાનો હોય તો ય ભગવાન એને એમ ના કહે કે તું આમ થઈ જઈશ. કારણ કે ખટપટ ના કરે એ. એકની પર રાગ અને એકની પર દ્વેષ, એવું નહીં.

પ્રશ્નકર્તા : એ તો બરોબર. પણ એવો જે પાપી હોય, તે ત્યાં આવીને તીર્થંકરને પગે લાગે, તો એનાં પાપ હળવાં થઈ જાય ને તરત ?

દાદાશ્રી : ઘણાં બળીને ખલાસ થઈ જાય.

એ કયું કર્મ ?

પ્રશ્નકર્તા : ભગવાન દેશના આપે, એ કયું કર્મ કહેવાય ?

દાદાશ્રી : આખી ટેપરેકર્ડ ઉકલ્યા જ કરે ને, ટેપ વાગ્યા જ કરે. અમુક વિષય ઉપર, એવું તેવું કશું નહીં.

પ્રશ્નકર્તા : એટલે એની મેળે જ નીકળ્યા કરે?

દાદાશ્રી : એની મેળે જ નીકળ્યા કરે. ત્યાં સાંભળવાનું જ હોય. દેશના એનું નામ કે કેવળ સાંભળવાની જ.

અમારી ય દેશના હોય છે, પણ અમારી દેશના ઉપદેશ-આદેશની છાયાવાળી હોય. પેલી દેશના તો કોઈ જાતની ખેંચ નહીં. બધી જ જ્ઞાતિઓ સાંભળે. બધા જ પોતાની ભાષામાં સમજે, જાનવરો પણ પોતાની ભાષામાં સમજે. એ તો અમે ય અનુભવ કર્યો છે કે અમારી ભાષા જાનવરો સમજે છે પણ અમારી ઓછી સમજે અને તીર્થંકરોની પૂરી સમજી જાય.

તે વાણીના માલિક નહીં પોતે !

પ્રશ્નકર્તા : દેશના તીર્થંકરો માટે જ કહી છે ને ? અક્રમમાં ખરી એ ?

દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાની તો સંપૂર્ણ જ્ઞાની છે ને ! આ તો દેશના જ કહેવાય. જ્ઞાની પુરુષ પછી આગળનાઓની દેશના જ હોય. એ ઉપદેશ ના આપે.

પ્રશ્નકર્તા : એટલે ક્રમિક માર્ગમાં દેશના ના હોય ને, જ્ઞાનીને ?

દાદાશ્રી : ત્યાં ના હોય. ક્રમિકમાર્ગના જ્ઞાનીઓની દેશના કહેવાય નહીં. એ બધા જ્ઞાનીઓનો ઉપદેશ કહેવાય.

પ્રશ્નકર્તા : તીર્થંકરને દેશના હોય ને ?

દાદાશ્રી : તીર્થંકરને ખરી દેશના. કેવળીને દેશના હોય નહીં. દેશના અક્રમ વિજ્ઞાની એકલાંને જ હોય અને તીર્થંકરોને હોય, બસ.

પ્રશ્નકર્તા : ગણધરોને હોય ને ?

દાદાશ્રી : ગણધરોને દેશના નહીં.

દરેક કેવળજ્ઞાનીને અને કેવળીને શૈલેષીકરણ સરખી થાય. ફક્ત એમને આ તીર્થંકરનાં જેવી દેશના ના નીકળે, એક અક્ષરે ય ના નીકળે. જોડેવાળા માણસને એક અક્ષરે ય સમજાવવાની વાત ના આવડે.

દેશના તીર્થંકર સિવાય કોઈને ય હોય નહીં. અમને તો અક્રમ વિજ્ઞાની તરીકે દેશના ખરી. તીર્થંકરની અને બુધ્ધિ વગરના જ્ઞાનીની વાણી દેશનારૂપે હોય, ઉપદેશ ના હોય. બુધ્ધિવાળા જ્ઞાનીની વાણી દેશનારૂપે ના હોય, ઉપદેશ હોય. અમને તો ઉપદેશ હોય નહીં. અમે તો કોઈ દહાડો ઉપદેશ કર્યો જ નથી. અમારે તો ખાલી દેશના જ હોય. તે અત્યારે તમે આ દેશના સાંભળો છો. ધન્યભાગ્ય છે આ લોકોનાં ! લોકોનાં કલ્યાણ માટે છે.

એમની દેશના, ઉદયવર્તી !

પ્રશ્નકર્તા : તીર્થંકરો એક જ વાર દેશના આપે ને ? પછી નહીં ને ?

દાદાશ્રી : એ તો જેટલો વખત નીકળે, ટેપરેકર્ડ વાગે, પછી બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ એ પાંચ દિવસ, સાત દિવસ, પછી નહીં ને ?

દાદાશ્રી : એ તો વારેઘડીએ ચાલ્યા જ કરે. સમોવસરણ રચાય એમાં એમની વાણી નીકળતી હતી. તે દેશનારૂપે એની મેળે જ આમ નીકળ્યા કરે, પ્રયત્ન સિવાય.

પ્રશ્નકર્તા : તીર્થંકરોને તો કો'ક પ્રશ્ન પૂછે તો જવાબ આપે ?

દાદાશ્રી : હા, પ્રશ્ન પૂછે તો જવાબ આપે.

પ્રશ્નકર્તા : પછી એ તો બોલાવે એટલું જ બોલે ને ?

દાદાશ્રી : ના. એ તો બોલાવે એટલું ય ના બોલે. એ તો ઉદય આવે તેમ વર્તે. 'ભમરડો' ફર્યા કરે, એને 'એ' 'જોયા' કરે, બસ ! દેશના નીકળે એ ય સંજોગો અનુસાર હોય.

પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીનો જેને જેટલો યોગ છે, તેને એવી વાણી નીકળે છે. બાકી નથી નીકળી. એટલે ઉદય સાબિત થાય છે.

દાદાશ્રી : એવું છે ને, અરિહંતને-તીર્થંકરોને પોતાની વાણી હોતી જ નથી ને ! એ ઉદયમાં આવેલો ભાવ એ દેશના કહેવાય. તીર્થંકરોને એવું બોલવું નહીં પડેલું. એમાં કોઈનું કલ્યાણ થવાનું હોય તો થાય કે ના થવાનું હોય તો ના થાય. એ મૂર્તિ એમ ને એમ બેસી રહે. એ દેશના આપે. પણ તે સામાના ઉદય જો થયા તો જ દેશના નીકળે. નહીં તો દેશના ય ના નીકળે. દેવલોકો બધી તૈયારી કરે ને ત્યાં ભગવાન એની મેળે આવે. આવવું-જવું એમના પોતાના હાથમાં નથી. ઉદયને આધીન ફર્યા કરે છે. આ અમે જ ઉદયના આધીન ફર્યા કરીએ છીએ ને !

દેશના, સ્વ-ઉપયોગ સહિત !

પ્રશ્નકર્તા : દેશના આપી, તે 'હું' ય કરીને તો આપી જ નથી ને ?

દાદાશ્રી : ના. 'હું' તો હોય જ નહીં ને !

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાની સ્વ-ઉપયોગમાં જ વર્તે, છતાં તેઓ દેશના આપતા હોય છે. તો એને 'પર-ઉપયોગ' ના કહેવાય ?

દાદાશ્રી : ના. એ તો સ્વભાવિક નીકળ્યા કરે. ટેપરેકર્ડ નીકળ્યા કરે. પોતે કર્તા નથી. એની મેળે નીકળ્યા કરે. પોતે સ્વ-ઉપયોગમાં જ હોય. એટલે પર-ઉપયોગ કરવો જ ના પડે એમને. એટલે વાણી એની મેળે સહજ નીકળ્યા કરે. એમની ચાલવાની ક્રિયાઓ, બીજી ક્રિયાઓ બધી ઈફેક્ટ છે.

ન બંધાય કર્મ, દેશનામાં !

પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે અંતિમ કાળે પાવાપુરીમાં એમની દેશના આપી. તે દેશના આપવા મહાવીર ભગવાન જાતે ચાલીને ગયેલા. તો એમણે બોલવાનું કર્મ અને ચાલવાનું કર્મ કર્યું. એનું ફળ તો એમને લાગે ને ?

દાદાશ્રી : મહાવીર ભગવાનને કોઈ કર્મ અડે નહીં.

પ્રશ્નકર્તા : એમણે કર્મ તો કર્યું, એમ આ લોકો કહે છે.

દાદાશ્રી : એ કર્મ તો લોકોને આંખે દેખાય છે. પણ આ ક્રમિકવાળા લોકોને ખબર નથી કે એમનું ડિસ્ચાર્જ કર્મ છે.

પ્રશ્નકર્તા : એ ડિસ્ચાર્જ કર્મ ગણવું ?

દાદાશ્રી : હા, ડિસ્ચાર્જ કર્મ છે એટલે એમને કર્મ બંધાય નહીં. એ કર્મ ખરે છે, નિર્જરા થાય છે.

પ્રશ્નકર્તા : પણ એ આ લોકો માનતા નથી.

દાદાશ્રી : એ માનવાના જ નથી.

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાન ચાલ્યા ને બોલ્યા એ કર્મ કર્યું. માટે કર્મ લાગે. તો એ મોક્ષે કેવી રીતે જાય ?

દાદાશ્રી : પણ આ કર્મ જ ન હોય. એ સમજણ જ નથી ને ! તેથી તો આ મુશ્કેલી ઊભી થઈ છે. એવું છે ને, આ આશ્રવ ને નિર્જરા નહીં સમજાવાથી બધું રખડી મર્યું છે.

પ્રશ્નકર્તા : તો પછી ભગવાનનો મોક્ષ કેવી રીતે થયો ? એવો લોકોને પ્રશ્ન થાય.

દાદાશ્રી : એ એને સમજણ જ ના પડે ને ! ભાન જ નથી. આ તો કહેશે, 'અમે નવ તત્ત્વ સમજીએ છીએ.' અને એ નવ તત્ત્વ શબ્દથી બોલતા આવડે છે. પણ શબ્દનો ભાવાર્થ કોઈ સમજતા નથી. શબ્દનો ભાવાર્થ સમજે તો મુમુક્ષુ કહેવાય અને શબ્દનો પરમાર્થ સમજે તો જ્ઞાની કહેવાય.

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીની પણ દેશના જ કહેવાય ને ?

દાદાશ્રી : એ તો તીર્થંકર કહેવાય. એમની વાણી આમ દેશનાની પેઠ નીકળ્યા કરે અને નિરંતર કરુણા જ હોય. એમને ભાવકર્મ ના હોય. જ્યાં સુધી કોઈ પણ ભાવકર્મ હોય, ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહીં.

બન્યું તે પધ્ધતિસર જ !

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું, પછી જ એમણે દેશના આપી. ત્યાં સુધી મૌન રહ્યા.

દાદાશ્રી : પછી દેશના આપી. તે પહેલાં અપાય નહીં.

પ્રશ્નકર્તા : પણ મહાવીર ભગવાનને તો જન્મથી ત્રણ જ્ઞાન હતાં. છતાં દેશના તો ક્યારે આપી ? સંપૂર્ણ શુધ્ધ થયા પછી દેશના આપી. તો ભગવાને આટલી મોડી દેશના કેમ આપી ?

દાદાશ્રી : એવું છે ને, દેશના ત્યારથી અપાય છે કે જ્યારથી એ પોતે વાણીનો માલિક નથી. ત્યાંથી દેશના આપવાની શરૂઆત થાય છે. જેને દેશના આપવી હોય તેને છૂટ છે. વાણીનું સંપૂર્ણ માલિકપણું છૂટી ગયું એટલે દેશના આપી શકવાની છૂટ જ છે. પણ એમને તો તીર્થંકર નામ ગોત્ર હતું ને ! એટલે એમને પૂર્ણદશા થયા પછી જ એ નીકળે. તેથી ભગવાન મહાવીરે પૂર્ણજ્ઞાન થયા પછી દેશના આપી. એટલે મહાવીર ભગવાનથી આટલી મોડી અપાઈ તે ય પધ્ધતિસરની જ છે.

એ દેશના, શા આધારે ?

મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી, જે બોલ્યા એ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલતી હતી. અને આ અમારી પણ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. બાકી ક્રમિક માર્ગના જ્ઞાનીઓને, એ બોલે એ ઓરિજિનલ ટેપરેકર્ડ ના હોય. એ તો પોતે જ, 'હું જ બોલ્યો' એમ કહેશે. છતાં એમનું જ્ઞાન જતું રહેતું નથી. એ જ્ઞાનીઓ જ કહેવાય, ક્રમિક માર્ગના. પણ 'હું બોલ્યો, મારાથી ખરાબ બોલાયું, મારાથી આ સારું બોલાયું' કહેશે.

પ્રશ્નકર્તા : આપ ઉપદેશ આપો તો બધાને કંઈ કામ લાગી શકે આ કાળમાં ?

દાદાશ્રી : એવું છે ને, ઉપદેશ અમે એક ક્ષણવાર ના કરીએ, કોઈ દહાડો ય. ઉપદેશ તો અહંકારી આપે. અમારે અહંકાર નહીં ને, એટલે દેશના હોય.

પ્રશ્નકર્તા : તમારી દેશના છે એમ શેના ઉપરથી કહ્યું ?

દાદાશ્રી : કારણ કે વાણીના માલિક નથી ને ! અઠ્ઠાવીસ વર્ષથી આ વાણી નીકળ્યા કરે છે, પણ અમે એના માલિક ના હોઈએ. ભગવાને ય વાણીના માલિક નહીં અને ક્રમિક માર્ગમાં તો ઠેઠ સુધી વાણીના માલિક. ત્યાં તો જ્યાં સુધી બારમા ગુંઠાણામાં ના આવે ત્યાં સુધી કોઈની દેશના ગણાય નહીં. કારણ કે બારમા ગુંઠાણામાં આવે ત્યારે છેલ્લો અહંકાર જાય. અને આ તો નિર્અહંકારી, એટલે આ ઉપદેશ ના કહેવાય.

અમારામાં અહંકાર બિલકુલ હોય નહીં, એટલે અમે કહીએ છીએ ને, કે આ અમારું ટેપરેકર્ડમાંથી નીકળે છે. પણ તે તમે પ્રશ્ન પૂછો, એટલું જ નીકળે છે અમારી પાસે. આ રેકર્ડ બોલે એ તમે સાંભળો છો, એવું અમે પણ સાંભળીએ છીએ. આમાં 'આમ કરો કે તેમ કરો' એવું અમને આગ્રહ ના હોય. દેશનામાં કોઈ પણ પ્રકારનો આગ્રહ ના હોય. અમારે તો કશું ય દબાણ ના હોય.

પ્રશ્નકર્તા : એમાં એવું ખરું કે એનાં બધા પરિણામ બતાડે ?

દાદાશ્રી : હા, બધું બતાડે. હિતાહિત બધું બતાડે. આખો નકશો બધું જ બતાડે. પણ તને અનુકૂળ આવે તો આ કર. નહીં તો પેલું કર.

એટલે બે જણની દેશના હોય. એક, તીર્થંકર ભગવાનની દેશના હોય અને બીજું, ભેદવિજ્ઞાની પુરુષની દેશના હોય. પણ અમને આમાં 'હું' અને 'તમે' એવા ભેદવાળા ખ્યાલ સાથે રહે છે. પેલામાં, તીર્થંકરોને એ ભેદનો ખ્યાલ ના હોય. અભેદતા હોય, વીતરાગતા રહે. એટલે અમારી કચાશ ક્યાં આગળ છે, તે અમારું આ ઓપન કર્યું.

વાણી : કેવળીની, તીર્થંકરોની !

પ્રશ્નકર્તા : સામાન્ય કેવળી ભગવંતની અને તીર્થંકરની વાણી, એ બેમાં શું ફેર રહ્યો ?

દાદાશ્રી : બહુ ફેર. તીર્થંકર ભગવાનની વાણી તો 'અતિશય' સહિત હોય અને કેવળીની વાણી તો મારા જેવી જ હોય. હું જેવું બોલું છું ને, તે મારા કરતાં ચાર ડિગ્રી તેમની વાણી વધારે ચઢેલી હોય. મારે ત્રણસો છપ્પન ડિગ્રીને બદલે ત્રણસો સાઠ ડિગ્રી થાય ને, તો હું જે બોલું એવું જ એ કેવળી બોલે. પણ કેવળી કોઈનું કલ્યાણ ના કરે. પોતે એકલાં બૂઝે, પણ બીજાનો દીવો સળગાવી આપે નહીં. તીર્થંકર સિવાય કે ભેદવિજ્ઞાની સિવાય બીજાને કોઈ બૂઝાડે નહીં.

પ્રશ્નકર્તા : પણ આ તો પછી અહંકાર સાવ નિર્મૂળ થઈ જાય, સમૂળગો જાય, આપ ત્રણસો છપ્પન ડિગ્રીએ પહોંચ્યા, તો પછી તીર્થંકરમાં ને આપનામાં ફેર શું રહ્યો ?

દાદાશ્રી : બહુ ફેર. એક ડિગ્રી તો બહુ કામ કરે. એક ડિગ્રીમાં તો કેટલા બધા 'અતિશયો' હોય, એ તીર્થંકરની વાણીમાં ! મારે 'અતિશયો' ના હોય. એમની વાણીમાં તો બધા 'અતિશયો' ખરાં.

દેશના, શરૂઆતથી એન્ડ સુધી !

પ્રશ્નકર્તા : આપને ચાર ડિગ્રી પૂરી થઈ જાય, કેવળજ્ઞાન થઈ જાય. પછી દેશના રહે કે ના રહે ?

દાદાશ્રી : દેશના તો રહે ને ! એવું છે, કેવળજ્ઞાન થયા પછી જે વાણી બોલે, તે દેશના જ કહેવાય.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમને ત્રણસો છપ્પન ડિગ્રી છે. તો આ ત્રણસો છપ્પન ડિગ્રી આ વાણીમાં શું હેલ્પ કરે ?

દાદાશ્રી : કશું હેલ્પ કરે નહીં. પેલી ટેપરેકર્ડ તો તૈયાર થઈ ગયેલી છે. એટલે હેલ્પ કરવાનું રહ્યું જ ક્યાં ? એને જુએ કે આ કંઈ ભૂલ રહી છે, તે તપાસ કરે.

દેશનાની શરૂઆત થઈ, ત્યાંથી એન્ડ સુધી સંપૂર્ણ દેશના થઈ ગઈ કહેવાય. સંપૂર્ણ દેશના એ તીર્થંકરોની કહેવાય. પણ શરૂઆત થાય તે અમુક જગ્યાએથી જ થાય ને !

પ્રશ્નકર્તા : અમુક જગ્યાએ એટલે કઈ ?

દાદાશ્રી : આ અમારી જગ્યા કહીએ છીએ ને, તે દેશનાની શરૂઆત અહીંથી થાય.

પ્રશ્નકર્તા : આ દેશનાની શરૂઆત થઈ શાથી કહેવાય ?

દાદાશ્રી : અહંકાર ઓગળી ગયેલો હોય ત્યારથી દેશનાની શરૂઆત થાય. હવે દેશનાની શરૂઆત થઈ ત્યારથી, બિગિનિંગથી તે એન્ડ સુધી એ દેશના છે. દરેકની શરૂઆત તો થાય ને ? આ સૂર્યનારાયણ શરૂઆતમાં નથી ઊગતો ? અને તેનો એન્ડે ય થાય ને ? પણ ત્યાં સુધી એનો એ જ સૂર્ય. પણ ફળ જુદું જુદું આપે.

એ વાણી જ જુદી જાતની !

આ જે અમારી ટેપરેકર્ડ નીકળે છે, એમાં ને તીર્થંકરોની દેશનામાં ફેર એટલો છે કે આ શાખ પડ્યા વગરની પાકેલી કેરી છે અને તીર્થંકરોની શાખ પડેલી પાકેલી કેરી છે. માટે આ જરા મોળી લાગે. એટલો રસાસ્વાદ આવતો નથી આમાં. કારણ કે શાખ પડ્યા વગરની કેરી છે. નહીં તો માણસ મંત્રમુગ્ધ થઈ જાય. અત્યારે ય મંત્રમુગ્ધ થઈ જાય, પણ આટલું મોળું છે. પણ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. વૈષ્ણવ હોય, સ્વામીનારાયણવાળા હોય, જૈન હોય, મુસ્લીમ હોય, દિગંબરી હોય, પણ એ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય, હું શું કહેવા માગું છું તે.

અત્યારે ય અહીં મુસલમાન, પારસી, સ્થાનકવાસી, દિગંબરી, શ્વેતાંબરી, બધા જૈનો, વૈષ્ણવો, શિવધર્મી એ બધા અમારી વાણી સાંભળે, તો બધાને એકધારી વાણી લાગે. એમને સહેજે ય મનમાં ના થાય કે આ પક્ષપાતી વાણી નીકળી છે. નહીં તો ઊઠીને ચાલવા માંડે. આ વાણી ય આમ કોઈ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એવી હોય અને મીઠી હોય. અહીંથી ઊઠવાનું મન ના થાય. સાંભળતાં સાંભળતાં સવાર થાય તો ય ઊઠવાનું મન ના થાય. ત્યારે જો જ્ઞાનીઓની વાણી આટલી મીઠી છે, તો ભગવાનની વાણી કેટલી મીઠી હશે ?!

તીર્થંકર ભગવાનની દેશના જુદી જાતની હોય, કમ્પ્લીટ સ્યાદ્વાદ વાણી ! કોઈ ધર્મનું કિંચિત્માત્ર કોઈ જગ્યાએ ખંડન ના થાય. અને અહીં તો બધી જાતના ફોડ પાડવાના ને, એટલે બીજા અમુક ધર્મોનું ખંડન થઈ જાય પણ રાગ-દ્વેષ વગર. દેશના ફૂલ સ્ટેજની હોવી જોઈએ. અમારી ફૂલ સ્ટેજની ના કહેવાય. સ્યાદ્વાદ વાણી ખરી પણ સ્યાદ્વાદ અસલ સ્ટેજ ઉપર નહીં બેઠેલું. ફૂલ સ્ટેજની દેશના તો એ વાણી જ જુદી જાતની હોય, એનો રસ જુદી જાતનો હોય.

દેશના, ખટપટિયા વીતરાગીની !

પ્રશ્નકર્તા : એટલે તીર્થંકરોની વાણી પણ દેશના કહી અને આપની વાણી એ પણ દેશના જ કહેવાય છે ?

દાદાશ્રી : હા, દેશના જ.

પ્રશ્નકર્તા : તો બેનું લેવલ ફેર ક્યાં રહે છે એ સમજવું હતું.

દાદાશ્રી : એવું છે ને, આ અમારું છે તે બધું ખટપટિયું. મહાવીર ભગવાનની દેશના તો સંપૂર્ણ વીતરાગી હોય. આ દાદા ખટપટિયા છે. અને હું કહું ય ખરો કે હું ખટપટિયો વીતરાગ છું. બે ભેગા થયા!

પ્રશ્નકર્તા : સાંભળનારા બધા ખટપટિયા છે, એટલે આપની દેશના ખટપટી છે ?

દાદાશ્રી : ના. સામાવાળા ખટપટિયા નહોતા. હું ખટપટિયો હતો એટલે આ બધા ખટપટિયા મને ભેગા થયા છે. આ ખટપટિયાનું કહી દીધું મેં. હું ખટપટિયો, તેથી આ બધા ખટપટિયા મને ભેગા થયા. જે ખટપટિયા નથી એમને હજુ ભેગો થયો નથી.

અમે કહીએ કે, 'તમે અહીં આવજો, અમે તમને મોક્ષ આપીશું, અમે તમને જ્ઞાન આપીશું.' આ એક જાતની ખટપટ જ છે ને ?

પ્રશ્નકર્તા : એ કરુણાભાવ પ્રગટ થયો છે.

દાદાશ્રી : હા, કરુણાભાવ. પણ તે ય છે તે ખટપટ તો ખરી જ ને ?! કરુણાભાવ તો તીર્થંકરોમાં ય છે. પણ એ એક અક્ષરે ય બોલે નહીં. કોઈ આમ ખાડામાં પડતો હોય તો ય બોલે નહીં. પોતે જ્ઞાનમાં જુએ, પણ કશું બોલે નહીં. પેલો સીધો થાય તો એને બધું ય આપે. અને વાંકો થાય તો કશું ય બોલે નહીં. અને અમે તો પેલો વાંકો થાય તો કહીએ, 'ભઈ, શું કરવા વાંકો થાય છે ?' શાથી ? અમારી આમાં શી લાલચ છે ? અમને મનમાં એક ઇચ્છા છે કે અમારા જેવું સુખ આમને બધાને વર્તો. આ દુઃખમાંથી બચો. કંઈ પણ ઇચ્છા છે ને, આવી ? એ ખટપટપણું જ છે ને ? આને ખટપટિયું ના કહેવાય ? અમને લોક પૂછે છે ને, 'તમે વીતરાગ છો ?' ત્યારે મેં કહ્યું, 'અમે ખટપટિયા વીતરાગ છીએ.' અને મહાવીર ભગવાન ખટપટિયા નહીં, ચોખ્ખા વીતરાગ ! એટલે એ તમને મહીં મુશ્કેલી નહીં કરે. જેટલો ઉદય હોય એટલું જ કરે, પણ અમારો ખટપટિયો ઉદય હોય. ઉદય ખટપટ મિશ્રિત હોય અને ભગવાનને મિશ્રિત ના હોય. એટલે અમે ખટપટિયા વીતરાગ છીએ.

ખટપટિયા વીતરાગનો અર્થ લોકોએ પોતાની ભાષામાં નહીં લઈ જવો જોઈએ. કારણ કે તમારા હિતને માટે જ ખટપટ કરવી પડે છે. મારું પોતાનું હિત તો સંપૂર્ણ થઈ ગયેલું જ છે. એટલે ખટપટિયા વીતરાગ ! સમજાયું ને ?

પ્રશ્નકર્તા : હા. ખટપટિયા વીતરાગ વિશે હવે સમજ પડી.

દાદાશ્રી : હા. ખટપટિયા ના હોય ને, તો ગાડું કેમ ચાલે ? જલેબી ખવડાવીને વીતરાગ બનાવે. બધું ખાવ-પીવો-મઝા કરો ને વીતરાગ થાવ. રસ્તો કેવો સરળ ! સરળ માર્ગ ઉપર રાખીને વીતરાગ બનાવે.

પ્રશ્નકર્તા : આપની પાસે વિરોધાભાસ જેવી વસ્તુ જોવા મળી. ખટપટ કરનાર કોઈ દહાડો વીતરાગ હોય નહીં અને આ જોયું કે ખટપટ પણ કરે છે અને છતાં ભારોભાર વીતરાગતા છે.

દાદાશ્રી : હા. ખટપટ ના હોય તો ચાલે નહીં ને ! અને આજના લોકો ખટપટ વગર ભેગા ના થાય. જો સંપૂર્ણ વીતરાગતા હોય ને, તો મને કોઈ ભેગો જ ના થાય.

જેવો હિસાબ તેવો લાભ !

પ્રશ્નકર્તા : એટલે કહેલું કે મહાવીર ભગવાનની સાથે હતા છતાંય હજુ રખડે છે.

દાદાશ્રી : હા. સાથે હતા. પણ મહાવીર ભગવાન ખટપટિયા નહોતા. એ તો તારે સાંભળવું હોય તો સાંભળ. ના સાંભળવું હોય તો ના સાંભળીશ. એમની તો બસ દેશના નીકળ્યા જ કરે.

પ્રશ્નકર્તા : એટલે મહત્ત્વતા આની કહેવાય ?

દાદાશ્રી : એ પેલી હોય તો ઉત્તમ. ના હોય તો આ તો ખરી જ. મહાવીર ભગવાન પાસે બેઠેલા અને ત્યાં બેસીને વાઈફને શું કહેતા હતા કે તું ઘેર જઉં છું, તો પૂરી ને શાક લાવજે. પણ પેલું લીલોતરી ના લાવીશ.' ત્યારે પેલી બઈ કહે છે, 'તમે ઘેર આવશો નહીં ?' ત્યારે આ કહે છે, 'ના, મને તો આ સાંભળવાનું બહુ ગમે છે.' એટલે નિરંતર સાંભળવાનું ગમ્યા જ કરે. જગ્યા જ છોડવાનું મન ના થાય એવી ભગવાનની વાણી, મધુર વાણી !!

અને એ જ શેઠિયાઓ અત્યારે મેં જોયા છે કે કપડા ખેંચ ખેંચ કરે છે. 'અલ્યા, ભગવાનની વાણી સાંભળીને હજુ કપડા ખેંચ ખેંચ કરે છે ?' 'ત્યારે સાહેબ, બધા ય એવું જ કરે છે ને !' 'બધાએ ભગવાનની વાણી સાંભળી નથી. એ કૂવામાં પડતા હોય તો તમારે ય કૂવામાં પડવું છે ?' ત્યારે એ કહે, 'ના, મોક્ષે જવું છે.' ત્યારે મેં કહ્યું, 'આ ન હોય મોક્ષે જવાની રીત. શેનાં હારુ કરો છો ?' ત્યારે એ કહે છે, 'ચાલીસ મીટર હોય છે, તે અડધો મીટર વધે છે.' 'અલ્યા, અડધો મીટર વધતું હશે ? દુનિયામાં કોઈ જગ્યાએ વધતું નથી, તો તમારે ત્યાં કેમ વધે છે ? આ જ કૂડા તોલ ને કૂડા માપ ! એ ચાર પગની નિશાની !! વધારે ના અપાય તો સરખું આપ.'

પ્રશ્નકર્તા : તીર્થંકર ભગવાનની દેશના સાંભળ્યા પછી પણ જો આવી દશા થાય, તો એની કંઈ ભૂલ રહી ગઈ વચ્ચે ?

દાદાશ્રી : એમાં ફેરફાર ના થાય. કારેલું કડવું ને કડવું જ રહે, ભગવાનની પાસે ફેરફાર કશો થાય નહીં. એ તો ફક્ત પુણ્યૈ બંધાઈ જાય, ભગવાનની દેશના સાંભળીને. એટલો વખત એને શું ગમે છે ? ભગવાનના શબ્દો ગમે છે. તે ભગવાન ઉપર એને પ્રીતિ થઈ, તેથી પુણ્યૈ બંધાઈ.

પ્રશ્નકર્તા : પણ એને આવો ઉદય આવ્યો કેવી રીતે ?

દાદાશ્રી : પુણ્યૈના આધારે આ ઉદય આવ્યો અને ફરી પાછી નવી પુણ્યૈ બંધાઈ.

પ્રશ્નકર્તા : પણ એને આત્મિક લાભ ના થયો.

દાદાશ્રી : એણે કશો લાભ લીધો નહીં.

પ્રશ્નકર્તા : એ લાભ કેમ ન લઈ શક્યો ?

દાદાશ્રી : એનો બીજો લાભ લેવાતો નથી. લાભ તો, મહીં અંદર જો હિસાબ હોય તો છૂટકારો થઈ જાય ત્યાં આગળ. આ તો છેલ્લા સ્ટેશનવાળાનું કામ છે. વચલા સ્ટેશનવાળાઓ તો આવીને મુસાફરી કરીને ચાલ્યા જાય એટલું જ. ત્યાં છેલ્લાં સ્ટેશનવાળાની જરૂર. છેલ્લા સ્ટેશનવાળા જોડે ભગવાન વાતે ય કરે અને તદ્દન છેલ્લા જોડે તો વાતે ય કરવી ના પડે. તદ્દન છેલ્લું તો, એણે આવીને ભગવાનના દર્શન કર્યા કે મહીં કમ્પ્લિટ થઈ ગયું, દર્શન કરતાંની સાથે જ. કારણ કે બધું જોયું, પણ એણે સંપૂર્ણ વીતરાગતા જોઈ ન્હોતી. એ જોયું એટલે પૂરું થઈ ગયું !

જોટો ના જડે, એ મધુરતાનો !

ભગવાન દેશના આપતા હતા, એની મેળે નીકળ્યા જ કરે. અને આજુબાજુ હજારો માણસો બધા સાંભળ્યા કરે અને લાઉડ સ્પીકર વગર. લાઉડ સ્પીકર ગોઠવ્યા ના હોય તો ય એ દેશના સંભળાય. એવી દેશના આ કાળમાં ક્યાંથી સાંભળે ? એ તો મહાવીર ભગવાનના વખતમાં હતી, તે સાંભળી હતી. બાકી અત્યારે કંઈ એવી દેશના સાંભળવામાં આવે નહીં.

પ્રશ્નકર્તા : એ દેશના એટલે ભાષાથી પર છે?

દાદાશ્રી : એ ભાષાથી પર કહો કે જે કહો તે. પણ વસ્તુ જુદી છે ને આ અમારું ભાષાની મહીં આવેલું. ભગવાન મહાવીરની દેશના ! કોઈ એવી મધુર ચીજ નથી કે આની જોડે વર્ણન થઈ શકે. એટલે એને વાણી જ કહેવાય નહીં, તેથી એને દેશના કહેલી ને ! પ્રભુની દેશના !! તે ઘડીએ દેવલોકો સમોવસરણ ને બધું સ્થાપન કરી આપે. દેવલોકો પોતે પોતાની મેળે જ રચે અને ત્યાં ભગવાન દેશના આપવા બિરાજે.

પ્રશ્નકર્તા : દેશનાને પરાવાણી કહેવાય ખરી?

દાદાશ્રી : પરાવાણી એ વાણીરૂપે છે અને દેશના એ દેશના સ્વરૂપે છે. અને દેશના એટલે તો દેશના ! એવો મીઠો ધ્વનિ નીકળે, કેટલાંક તો સાંભળવામાં તલ્લીન થયા હોય. અર્થની કંઈ પડેલી ના હોય. સાંભળવામાં જ બસ એટલું બધું મીઠું લાગે, મધુરતા એટલી લાગે, એવું અનુપમ હોય. મધુર ધ્વનિ ! એનાથી કોઈ ચીજ મધુર ના હોય એવી મધુર ધ્વનિ !!

સર્યા શબ્દો જ, દેશનામાં !

પ્રશ્નકર્તા : કેટલાંક એમ કહે છે કે ભગવાન બોલતા નહોતા. ખાલી ૐ શબ્દનો ધ્વનિ જ નીકળતો હતો.

દાદાશ્રી : ૐ કારનો ધ્વનિ, એનું નામ જ ટેપરેકર્ડ ! ટેપરેકર્ડ શબ્દ પહેલાં જાણતા નહોતા એટલે આ ૐ તરીકે મૂક્યો.

પ્રશ્નકર્તા : એ જ સમજવું હતું કે કેટલાંક એવું માને છે કે શબ્દરૂપ તીર્થંકરોની વાણી નીકળતી હતી. જ્યારે કેટલાંક એવું માને છે કે ૐ સિવાય કોઈ શબ્દ ધ્વનિ જ નહોતો એમનો. તો શું કહેવાય એ ?

દાદાશ્રી : એ ટેપરેકર્ડ જ હતી. આ આમને સમજ ના પડી એટલે એને ૐ કહે છે. બાકી બેઉ સરખા છે. પેલા ય સરખા છે ને આ ય સરખા છે. બેની ભાષા ફેર છે, સમજણ ફેર છે. બીજું કશું નહીં. આ લોકો શબ્દ કહે છે તે ય બરોબર છે અને પેલા ૐ કહે છે તે ય બરોબર છે. જ્યાં ત્યાં એમને જુદું પાડવું છે, એટલા માટે એ આવું બોલે છે. 'અમારું ખરું છે' એમ કહેવડાવવા માટે આવું કર્યું છે. કેટલાંકે બધી વાતમાં જુદું પાડ્યું કે આત્મા શક્તિરૂપે રહેલો છે ને બીજાઓ આત્માને સત્તારૂપે રહે છે એવું કહે છે. એકનો એક શબ્દ, એની એ જ વાત, પણ જુદું પાડવું એ એમનો ધંધો.

પ્રશ્નકર્તા : પણ દેશનામાં તીર્થંકર બોલતા હતા, એ નક્કી વાત છે ?

દાદાશ્રી : હા, આ ટેપરેકર્ડ જ હતી.

પ્રશ્નકર્તા : એ ખરું, પણ એ શબ્દરૂપે હતી ને ?

દાદાશ્રી : શબ્દો જ. બીજું શું ત્યારે ?! અને તે ય અર્ધ માગ્ધી ભાષામાં.

પ્રશ્નકર્તા : એટલે દેશનાની વાણીમાં શબ્દો હોય ?

દાદાશ્રી : શબ્દો હોય ને ! એ શબ્દમાં ખરું.

એ દિવ્યધ્વનિ, તીર્થંકરોની !

પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરની દિવ્યધ્વનિ મુખથી છૂટે કે આખા શરીરથી છૂટે ?

દાદાશ્રી : મુખથી જ બધું છૂટે. શરીર પર કાણા નથી પડ્યા. વાણી તો મુખથી જ છૂટે. વાણી એટલે શું ? મશીનરી મારફત અવાજ એ દિવ્યધ્વનિ તીર્થંકરોની !

પ્રશ્નકર્તા : છે જ ને ! પણ ભગવાનની વાણીને દિવ્યધ્વનિ કેમ કહેવાય ?

દાદાશ્રી : દિવ્ય જ ધ્વનિ કહેવાય. દિવ્યધ્વનિ એટલે માલિકી વગરની વાણી !

વાણી પ્રમાણી, વીતરાગતા થકી !

એટલે મહાવીર ભગવાનને ઓળખવાનું સાધન શું હતું ? વાણી ! એમની જે વાણી હતી ને, તે આ દુનિયામાં કોઈ ચીજની એવી મધુરતા નથી, મીઠાશ નથી. ભગવાનની વાણી તો કેવી મધુર ! કાનને સાંભળવી નિરંતર ગમ્યા જ કરે, તે લોક ખસતા જ નહોતાં. આ એમની વાણી વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે. પ્રતિવાદી ય કહે કે 'ભઈ, અમે એમના વિરોધી છીએ. પણ ભગવાન કહે છે એ વાત સાચી છે.' એમની વાણીને પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે, જેટલી મનુષ્યમાં વીતરાગતા હોય એટલું એમનું વાક્ય પ્રમાણ કરવા યોગ્ય છે. રાગ-દ્વેષવાળા વાક્યો લોકો માને નહીં. એ પ્રમાણ ના કહેવાય. વીતરાગતા હોય તો પ્રમાણ કહેવાય !

એ પહોંચે સર્વભાષીને !

પ્રશ્નકર્તા : અત્યારે દેશનાનો દાખલો સમજવો હોય તો કંઈ આપી શકાય ?

દાદાશ્રી : હું કંઈ શબ્દ ગુજરાતીમાં બોલ્યો હોઉં ને, તો અહીં ફોરેનવાળો બેઠેલો હોય તે હું શું કહેવા માગું છું, એનો ભાવાર્થ સમજી જાય. વાત એને પહોંચી જાય. ભાષા ના સમજતો હોય છતાં પહોંચી જાય અને એને મહીં આનંદ થાય. એવી એ તીર્થંકરની સુંદર વાણી હોય.

પ્રથમ દેશના, મહાવીરની !

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનની પહેલી દેશના નિષ્ફળ કેમ ગઈ ?

દાદાશ્રી : હા, એમની પહેલી દેશના નિષ્ફળ ગયેલી ! લોકોની તૈયારી જોઈએ ને ?! આ છેલ્લો કાળ આવી ગયો હતો, પાંચમા આરાની નજીકનો કાળ હતો. લોકોની તૈયારી જ નહીં. લોક પરિગ્રહમાં જ પડેલા હતા. બધું જ નકામું ગયું હતું, પછી ધીમે ધીમે રાગે પડ્યું.

ભાષાને ભેદીને, જઈ અડે એ !

પ્રશ્નકર્તા : તીર્થંકરોની દેશના એવી હતી કે તેમની પર્ષદામાં જ્યારે દરેક જણ સાંભળે, તો તે દરેક જણ પશુ-પંખી બધાં પોતપોતાની ભાષામાં સમજતા હતા.

દાદાશ્રી : એવું છે, પોતાની ભાષામાં સમજે, એને આપણા લોકો શું સમજ્યા હશે ? આપણે ત્યાં બહાર કૂતરા હોય છે ને, તો આપણે બોલીએ કે 'આ કૂતરું એકુંય કરડકણું નથી અને બધા સારાં છે.' એ કૂતરાને તરત પહોંચી જાય. જો તમારી વાત આટલી સમજી જાય છે, તો તીર્થંકરોની વાત કેવી સરસ સમજી જતાં હશે ?! બાકી ભાષામાં સમજતા નથી. એ પરમાણુની રીતે સમજે છે. ભાષા તો કોઈ સમજે જ નહીં ને ! ભણ્યા જ નહીં, ત્યાં શું ભાષા સમજે બિચારાં ! આ ભણેલાં મનુષ્યો જ એમની ભાષા નથી સમજતા પણ પરમાણુઓની અસર થાય બધી.

બધાને પોતપોતાની ભાષામાં સમજાય એનો અર્થ એટલો જ કે એની ભાષામાં નથી પહોંચતું. પણ પોતાની ભાષામાં સમજે એવું એને એ વાતાવરણ લાગે. એટલે આનંદયુક્ત હોય.

આ અહીં દોઢ વર્ષનું બાળક ના સમજે તો ય પણ બેસી રહ્યું હોય. બીજું કશું આપવાનું કહીએ તો ય અહીંથી બહાર ના જાય. એનું કારણ ? આ વાતાવરણ એવું છે. એવું જાનવરો ત્યાંથી ખસે નહીં, એવું એ સુખદાયી વાતાવરણ ! પ્રાણીઓ એટલું સમજે કે આ સુખદાયી વાણી છે. એટલે તીર્થંકરનો જે અવાજ નીકળે ને, એનાં વાતાવરણથી જ સુખદાયી બધું થઈ જાય.

પ્રશ્નકર્તા : આ સમોવસરણની અંદર ભગવાન મહાવીરની વાણી સાંભળનાર જીવોને એ વાણીની એક જ પ્રકારની અસર થયેલી ખરી ?

દાદાશ્રી : ના. ભગવાન એક જ પ્રકારની વાણી બોલે, પણ દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય. પોતાની સમજણે પોતાની ભાષામાં લઈ જાય, એટલે સંતોષ થાય એમને. એ વાણીનો એવો ગુણ હોય છે કે ગમે તે માણસ હોય, મુસ્લિમ હોય કે બીજા હોય, વેદાંતી હોય, જૈનો હોય, શિવપંથવાળા હોય. પણ બધા પોતપોતાની ભાષામાં વાત સમજી જાય. પણ વાણી એક જ પ્રકારની !

...દર્શાવે સર્વ સામાન્યપણું !

પ્રશ્નકર્તા : એને દેશના જ કેમ કહ્યું હશે ? કોઈ દિશા બતાવે તેથી ?

દાદાશ્રી : એ સર્વ સામાન્યપણું બતાવે છે. એટલે કોઈને ય બાધક ના હોવી જોઈએ. ઉપદેશ તો બાધકે ય હોય. દેશના દરેકને લાગુ થાય. કોઈ પણ જ્ઞાતિના બેઠેલા હોય, કોઈ પણ ધર્મના બેઠેલા હોય, પણ દેશના એ સાંભળ્યા કરે. તીર્થંકરની દેશના સામુદાયિક હોય. એમાં જરા ય પોતાપણું નહીં. દેશના અનેકાંત હોય. એટલે એકાંતિક રીતે કોઈને ય સ્પર્શે નહીં. બધાને કામ લાગે.

આ તો કામ કાઢવાની કેડી !

શબ્દો તો ઓળખવા પડશે ને ? ઓળખીએ એટલે સારું પડે. એક તો દેશના, પછી ઉપદેશ અને આદેશ ! એટલે ગુજરાતી ભાષા જો પોતાની બધી વ્યાખ્યા-અર્થ સહિત છે ને ! કેવી રમણીયતાવાળી છે !! એટલે આ બધું દેશના શું ? ઉપદેશ શું ? આદેશ શું ? એ બધું સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ ? અને આ બધાને રોજ હું કહું છું કે પૂછો આ અક્રમ વિજ્ઞાન છે. એટલે બધું પૂછાય. જેને જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. દરેક જાતના પ્રશ્નો પૂછવાનો અહીં આગળ વાંધો નથી. કારણ કે આ માર્ગ ન હોય ઉપદેશનો અને આ દેશનાનો ય માર્ગ ન હોય અને આદેશનો માર્ગે ય ન હોય આ. આ તો પોતાનું કામ કાઢી લેવાનો માર્ગ છે !!!

- જય સચ્ચિદાનંદ.