ધંધામાં સાચું - ખોટું !

સંપાદકીય

ધંધામાં સાચું - ખોટું કરીને પૈસા મેળવવાની તરકીબ બધે જોવામાં આવે છે. એને એમ જાણે છે કે આ લોકો ફાવી ગયા ને હું રહી ગયો. તે જોઈને પછી પોતે પણ ઊંધું શીખી જાય છે. આમ તાત્કાલિક ફાયદો દેખાય કે આપણે કમાઈ ગયા. પણ એના પરિણામની માણસને ખબર નથી.

એક સામાન્ય માનવતાની સમજણ લઈએ કે મારી સાથે કોઈ છેતરપીંડી કરે તો ? મારા પૈસા ચાલાકીથી વધારે પડાવી લે તો ? મારા પૈસા કોઈ પાછા ના આપે તો ? મારી સાથે ટ્રીક કરે તો ? મારી પાસે લાંચ લે તો મને ગમે ? આવા ઘણા બધા ઊંધા રસ્તા આપણી જોડે ધંધામાં કોઈ કરે તો આપણને પોષાતુ નથી, તો પછી બીજા જોડે આપણાથી એવો વ્યવહાર કેમ થાય ?

આ જગતનો એક જ સિદ્ધાંત છે, બીજાને તમે સુખ આપશો તો તમને સુખ આવશે. બીજાને તમે દુઃખ આપશો તો તમને દુઃખ આવશે. તમને પોસાતું હોય તો તે બીજા જોડે કરો. આ સિદ્ધાંત ના જાણતા હોય અને બીજાને દુઃખ આપે તો પોતાને દુઃખ ભોગવ્યા વગર છૂટકો જ નથી. એક્શનનું રીએક્શન આવશે જ. પોતાની જવાબદારી ઉપર છે બધું.

પૂર્વના પુણ્યૈના આધારે લક્ષ્મી પ્રાપ્ત થવાની છે અને એ લક્ષ્મી પોતે કાળા-ધોળા કરીને, ચાલાકી કરીને મેળવવા જાય છે તે એક પૈસો વધારે મેળવી શકતો નથી પણ ચાલાકીનો ગુનો ચોંટી જાય છે ને બે પગમાંથી ચાર પગમાં જવાની તૈયારી થઈ જાય છે.

ખોટું કરવાનું બંધ કરીને વ્યાપાર કરશો તો શરૂઆતમાં એમ લાગશે કે પૈસા ઓછા આવે છે પણ ખરેખર અંતર શાંતિ પાર વગરની પ્રાપ્ત થશે અને પૈસા તો હિસાબસર આવ્યા વગર રહેવાના જ નથી.

ધંધામાં ખોટું કરવાનાં શા નુકશાન ? સાચી રીતે ધંધો કરવાના આ ભવ-પરભવના કેવા ફાયદા ?! 'વ્યાપારમાં ધર્મ હોવો ઘટે, ધર્મમાં વ્યાપાર ન હોવો ઘટે.' - દાદાશ્રી. કોન્ટ્રાક્ટના ધંધા માટે દાદાશ્રી કહેતાં કે આ સિમેન્ટ કાઢી લેવો એ માણસમાંથી બ્લડ ચૂસી લેવા જેવું છે અને લોખંડ કાઢી લેવું એ આ બધા સ્કેલેટન (હાડકાં) કાઢી લેવા જેવું છે. સ્કેલેટન કાઢી લીધું, લોહી કાઢી લીધું, પછી મકાનમાં શરીરમાં રહ્યું શું ? આપણે શાહુકાર થઈને ચોરી કરીએ, તેનાં કરતાં તો ચોર સારાં.

અહીં તમામ સમજણ અંગે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પોતાના અનુભવની વાતો કહી ગયા છે તે સર્વ અત્રે સંકલિત થઈ છે જે વ્યાપારીઓ, નોકરીયાતો સર્વક્ષેત્રમાં રહેલા વ્યક્તિઓને સોનેરી ચાવી સમાન ઉપયોગી થશે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

ધંધામાં સાચું-ખોટું

આપીને મેળવો !

પ્રશ્નકર્તા : પૈસો કેવી રીતે મેળવવો ? ખોટું કાર્ય કરીને પણ પૈસો મેળવાય ?

દાદાશ્રી : એનાં પરિણામ સહન કરવાં હોય તો લેવા. પરિણામ સહન કરવાની શક્તિ હોય તો લેવા. તમારી પાસે ખોટું કરીને કોઈ પૈસા લઈ જાય તો તમને સુખ લાગે ખરું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કોઈની પાસે ખોટું કરીને પૈસો લેવાય જ નહીં. સામાને દુઃખ થાય એ પોતાને દુઃખ થયા બરાબર છે. ખોટો એક પૈસોય લેવાય નહીં. આપણા પુણ્યનું આવીને મળે એ સાચું.

આ દુનિયામાં સુખ આપે તો સુખ મળે પણ દુઃખ જ આપે તો દુઃખ મળે. શું આપો છો ? મિક્ષ્ચર આપો છો ?

પ્રશ્નકર્તા : સુખ આપવા પ્રયત્ન કરું છું.

દાદાશ્રી : છતાં દુઃખ કેમ અપાઈ જાય છે ! પ્રયત્ન કેમ ફળતો નથી ?

પ્રશ્નકર્તા : હું અત્યારે લાઈફ ઇન્શ્યોરન્સનું કામ કરું છું. અહીંયા લાઈફ ઈન્શ્યોરન્સ સચ્ચાઈથી નથી મળતો. એટલે એપ્લિકેશન કરવા માટે જૂઠું કરવું જ પડે છે. એટલે સચ્ચાઈના માર્ગે જવા માંગતા હોય તો વિઘ્નો આવે. એટલે મને એમ થાય કે ખોટે માર્ગે પૈસો કમાવો ? કે એના કરતાં પૈસો નહીં કમાવો ? કે સાચે રસ્તે જવું ?

દાદાશ્રી : સાચે રસ્તે જવું. એમાં અંદર શાંતિ રહેશે. ભલે બહાર પૈસા નહીં હોય પણ અંદર શાંતિ ને આનંદ રહેશે. ખોટા રસ્તાનો પૈસો ટકેય નહીં અને અંદર દુઃખી દુઃખી કરે. એટલે ખોટે રસ્તે જવું જ નહીં, એમ નક્કી કરવું અને બધાંને સુખ આપશો તો સુખ મળશે. દુઃખ આપશો તો દુઃખ મળવાની શરૂઆત થઈ. દુઃખ ગમે ખરું તમને ?

નફો નહીં, પણ જોખમ વહોર્યું !

ધંધામાં તમારે પ્રયત્ન કર્યા કરવાનો, 'વ્યવસ્થિત' એની મેળે ગોઠવ્યા કરશે. તે ય તમારે ફક્ત પ્રયત્ન કર્યા કરવાનો, એમાં આળસ નહીં કરવાની. ભગવાને કહ્યું છે કે બધું 'વ્યવસ્થિત' છે. નફામાં પચાસ હજાર કે લાખ આવવાના છે, તે ચાલાકી કરવાથી એક આનોય વધશે નહીં અને ચાલાકીથી આવતા અવતારના નવા હિસાબ બાંધશો એ જુદાં !

પ્રશ્નકર્તા : પણ ધંધામાં ચાલાકી કર્યા વગર તો ધંધો ચાલે નહીં ને ?

દાદાશ્રી : ભગવાને શું કહ્યું કે, ''આ બધું તને 'વ્યવસ્થિત'માં છે એટલું જ મળશે અને ચાલાકીથી કર્મ બંધાશે ને પૈસો એકુંય વધશે નહીં !'' એક માણસ ચાલાકી સિવાય ધંધો કરે અને એ જ માણસ બીજી સાલ ચાલાકી સાથે ધંધો કરે, પણ નફો તેનો તે જ રહે ને ચાલાકી કર્યાનું કર્મ બંધાય તે જુદું. માટે આ ચાલાકી ના કરશો. ચાલાકીથી કશો ફાયદો નથી ને નુકસાન પાર વગરનું ! ચાલાકી નકામી જાય છે અને આવતા અવતારની જોખમદારી વહોરી લે છે. ભગવાને ચાલાકી કરવાની ના કહી છે. અત્યારે તો કોઈ ચાલાકી કરે જ નહીં ને ?

પ્રશ્નકર્તા : બધા જ કરે છે, દાદા.

દાદાશ્રી : એમ ?! શું વાત કરો છો ? ! પણ આપણે હાથે કરીને ચાલાકી નહીં કરવાની. ચાલાકીનો તને ફોડ પડશ્ો ને ?

પ્રશ્નકર્તા : લોભની ગાંઠ હોય તો તેનાથી ચાલાકી થાય, એવું ?

દાદાશ્રી : લોભની ગાંઠ તો લોકોને હોય જ, પણ ચાલાકી ના પણ હોય. ચાલાકી તો આ કાળમાં બીજાનું જોઈને શીખી ગયેલા. ચાલાકી એ ચેપી રોગ છે. બીજાને ચાલાકી કરતાં જુએ એટલે પોતે ય કરે. તમારે ચાલાકી કરવી પડે છે કે ?

પ્રશ્નકર્તા : મારે એની જરૂર નથી પડતી. ચાલાકી કરવી ને કપટ, એ બે જુદાં કેવી રીતે ?

દાદાશ્રી : કપટ એવી વસ્તુ છે ને, કે એની સામાને ય ખબર ના પડે અને તને પોતાને ય ખબર ના પડે કે મહીં કપટ થઈ રહ્યું છે; જ્યારે ચાલાકીની તો ખબર પડી જાય, પોતાને ય ખબર પડી જાય અને બીજાને ય ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : આપણી સામે કોઈ ચાલાકી કરતો હોય તો આપણે પણ સામી કરવી જોઈએ ને, એવું અત્યારે તો લોકો કરે છે.

દાદાશ્રી : આવી જ રીતે ચાલાકીનો રોગ પેસી જાય ને ! અને 'વ્યવસ્થિત'નું જ્ઞાન હાજર હોય તેને ધીરજ રહે. કોઈ આપણી જોડે ચાલાકી કરવા આવે તો આપણે પાછલે બારણેથી નીકળી જવું, આપણે સામી ચાલાકી કરવી નહીં.

સાચું-ખોટું ધંધામાં !

ધંધામાં મન બગાડે તો ય નફો ૬૬,૬૧૬ થશે ને મન ના બગાડે તો ય નફો ૬૬,૬૧૬ રહેશે, તો કયો ધંધો કરવો ?

પ્રશ્નકર્તા : આપણે જે ધંધા કરીએ એમાં સાચું-ખોટું પણ કરવું પડે છે તો શું કરવાનું ?

દાદાશ્રી : તમને જેટલી સમજણ પડે, ખોટું ને ખરું, એટલું જ ને ? કે બધું ય ખોટું છે એવી તમને સમજ પડી ?

પ્રશ્નકર્તા : બધું તો ખોટું ન જ હોય ને !

દાદાશ્રી : તમને સમજ પડે એટલું કરો. નાનો છોકરો એના પ્રમાણમાં કરે અને મોટી ઉંમરના એના પ્રમાણમાં કરે, સહુ સહુને સમજણ પડે એટલું ખરું-ખોટું સમજે. નાના છોકરાને હીરો આપીએ તો હીરો લઈને બહાર રમવા જાય અને કોઈક બિસ્કીટ આપે તો લઈ લે, કારણ કે એને સમજણ નથી ને ! તમને ખરા-ખોટાની સમજણ ક્યાંથી આવી ?

પ્રશ્નકર્તા : દુનિયાદારીની રીતે જે કહેતા હોય ને, અગર તો આપણને એમ લાગતું હોય કે આ ખોટું છે. કોઈને માલ વેચ્યો અને આપણે ખોટું બોલીએ એ બધું ખોટું કહેવાયને ?

દાદાશ્રી : એ તો આપણને દુઃખ થાય તે ઘડીએ આપણને અંદર ખરાબ લાગે. પોતાને સમજણ પડે કે આ ખોટું થઈ રહ્યું છે અને સુખ થાય તો પોતાને સમજણ પડે આ સારું જ થઈ રહ્યું છે. તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું ?

પરિણામ, દગા-ફટકાનાં !

ધંધામાં દગા-ફટકા કરું છું ?

પ્રશ્નકર્તા : બિઝનેસ છે એટલે થોડાઘણાં તો કરવા પડેને ?

દાદાશ્રી : એટલે તું દગો-ફટકો કરું છું ?

પ્રશ્નકર્તા : એ તો લોકો પણ કરતા હશેને ?

દાદાશ્રી : પણ મારું કહેવાનું કે જો આપણે એવું બંધ કરીએ તો સામો બંધ કરે, ત્રીજો બંધ કરે, એવું બધા દગા-ફટકા બંધ કરીએ તો કેવું સરસ લાગે ? બધા એવું કરે છે, માટે તું કરું છું ?

પ્રશ્નકર્તા : આ તો બિઝનેસ છે એટલે એવું બોલવું પડેને ?

દાદાશ્રી : નહીં તો શું થાય ?

પ્રશ્નકર્તા : ખોટું ના બોલે તો ઑર્ડર ના મળે, કામ ન મળે, બિઝનેસ ના મળેને !

દાદાશ્રી : લોકોને કેટલી બધી ઊંધી શ્રદ્ધા બેસી ગઈ છે ? આખો દહાડો ખોટું બોલીએ તો કેટલો લાભ થાય ?

પ્રશ્નકર્તા : કંઈ નહીં.

દાદાશ્રી : કેમ ! વધારે ખોટું બોલીએ તો વધારે લાભ ના થાય ?

પ્રશ્નકર્તા : એ તો લિમિટમાં બોલીએ તો લાભ થાય.

દાદાશ્રી : આ તો એક ભડક પેસી ગઈ છે કે ખોટું બોલું તો જ લાભ થાય !

બેમાંથી એક આઈટમ પર આવો. ભગવાન શું કહે છે ? કાં તો સાચું બોલીએ ને કાં તો ખોટું બોલું, તો બેઉ પર હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. હું ભગવાનને પૂછું કે ભગવાન, તમે કોની પર રાજી ? ખોટું કરે તેની પર રાજી કે સારું કરે તેની પર ? ત્યારે ભગવાન કહે, 'ના, તદ્દન સારું કરતો હોય તો તેની પર રાજી છું અગર તો તદ્દન ખોટું કરતો હોય તેની ઉપરેય હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. તું મિક્ષ્ચર કરીશ તો તને સમજણ જ નહીં પડે કે આ ક્યાંથી સુખ આવે છે ? આ તો એમ જ સમજણ પડે છે કે આ જૂઠું બોલે છે તેથી સુખ આવે છે. પછી એવી શ્રદ્ધા માણસને બંધાય.

તે પ્રતિક્રમણથી ભૂંસાય !

પ્રશ્નકર્તા : આ ધંધો કરીએ છીએ, તેમાં કોઈકનેે કહીએ 'તું મારો માલ વાપર, તને એમાંથી ટકા-બે ટકા આપીશું' એ ખોટું કામ તો છે જ ને ?

દાદાશ્રી : ખોટું કામ થઈ રહ્યું છે એ તમને ગમે છે કે નથી ગમતું ?

પ્રશ્નકર્તા : ગમતું એ બીજો પ્રશ્ન છે. પણ ન ગમતું હોય તો ય કરવું પડે છે, વ્યવહારને માટે.

દાદાશ્રી : હા, માટે જ કરવું પડે છે. એટલે ફરજિયાત છે. તો આમાં તમારી ઇચ્છા શું છે ? આવું કરવું કે નથી કરવું ?

પ્રશ્નકર્તા : આ કરવાની ઇચ્છા નથી પણ કરવું પડે છે.

દાદાશ્રી : એ ફરજિયાત કરવું પડે, તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો કરવો જોઈએ; 'આ નથી કરવું છતાં ય કરવું પડે છે.' આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટ્યા. આ તો આપણી ઇચ્છા નહીં હોવા છતાંય ફરજિયાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે છે. 'આવું જ કરવું જોઈએ' તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવાંય માણસો ખરા ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવો ય ના થાય.

એવું છે ને દ્રવ્ય કોઈના તાબામાં નથી. આ ફક્ત ભાવ એકલો જ તાબામાં છે. દ્રવ્ય ફરજિયાત છે બધું અને ભાવ જે છે એટલું જ તમારા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો ! અમારું દ્રવ્ય સારું હોય અને ભાવે ય સારો હોય, બેઉ સારા હોય. તમારા બધાનું સ્વચ્છંદપૂર્વકનું નીકળે એટલે તમારે પસ્તાવો થાય કે આવું કેમ થાય છે. આજનાં જ્ઞાન જોડે એડજસ્ટ ના થાય એટલે એમ જ લાગે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. એટલે આ જે દ્રવ્ય પરિણામ છે, જે ફરજ્યિાત લાગે છે. આપણને ન કરવું હોય છતાં ય કરવું જ પડે, એ બધું 'ડિસ્ચાર્જ' છે અને ભાવ જે અંદર છે તે 'ચાર્જ' છે. તો આપણે સાંજે અડધો કલાક બેસીને પસ્તાવો પ્રતિક્રમણ કરવું કે આમ નથી કરવું છતાંય આ થાય છે એ મારું કામ નહીં. આ જવાબદારી મારી નથી એમાં, હવે ભવિષ્યમાં નહીં કરું. હવે આવી જાતના ભાવ ભવિષ્યમાં નહીં કરું. બસ.' એવો પસ્તાવો કરવાનો.

પ્રશ્નકર્તા : પણ ફરી રોજ તો પેલું ખોટું કરવાના જ છીએ.

દાદાશ્રી : નહીં, ખોટું કરવાનો સવાલ નથી. આ પસ્તાવો લો છો એ જ તમારા ભાવ છે. થઈ ગયું એ થઈ ગયું, એ તો આજે 'ડિસ્ચાર્જ' (નિકાલી) છે અને 'ડિસ્ચાર્જ'માં કોઈનું ચાલે જ નહીં. 'ડિસ્ચાર્જ' એટલે એની મેળે સ્વાભાવિક રીતે પરિણામ પામવું. અને 'ચાર્જ' એટલે શું કે પોતાના ભાવ સહિત હોવું જોઈએ. કેટલાક લોકો ઊંધું કરે છતાં ભાવમાં એમ જ કહે કે 'આ બરાબર જ થઈ રહ્યું છે.' તો એ માર્યો ગયો જાણો. પણ જેને પસ્તાવો થાય છે એનું આ ખોટું ભૂંસાઈ જશે.

'ખોટું' બંધ કરી તો જુઓ ?!

પ્રશ્નકર્તા : હવે ખોટું બંધ ના થાય તો, એના માટે શું કરવું ?

દાદાશ્રી : એ ખોટું બંધ કરતાં આવડવું જોઈએ ને ? તો એ ખોટું કરવાનું શીખ્યા ક્યાંથી ? કોઈ એ શીખવાડેલું નહીં ?

પ્રશ્નકર્તા : દુનિયાદારી શીખવાડે છે કે ખોટું બોલો, ખોટું કરો. પૈસા કમાવા માટે શીખવાડે છે.

દાદાશ્રી : હા, પણ તે આપણે શીખવું હોય તો શીખીએ, ના શીખવું હોય તો ના શીખવાડે.

પ્રશ્નકર્તા : બિઝનેસમાં ખોટું કરતા હોય તો એમાંથી અલગ રહેવાનો રસ્તો શું ?

દાદાશ્રી : પણ ખોટું કરો છો જ શું કરવાને ? એ શીખ્યા જ ક્યાંથી ? બીજું સારું કોઈ શીખવાડે ત્યાંથી સારું શીખી લાવો. આ ખોટું કરવાનું કોઈની પાસેથી શીખ્યા છો તેથી તો ખોટું કરતાં આવડે છે, નહીં તો ખોટું કરવાનું આવડે જ શી રીતે ? હવે ખોટું શીખવાનું બંધ કરી દો અને ખોટાના બધા કાગળો બાળી નાખો !

પ્રશ્નકર્તા : પણ તો ધંધો ના ચાલે, ધંધો એવો હોય કે ખોટું તો કરવું જ પડે.

દાદાશ્રી : ધંધો ના ચાલે તો તમને શું નુકસાન ?

પ્રશ્નકર્તા : ધંધો ના ચાલે તો પૈસા ના મળે અને આપણે દુનિયામાં રહેવું છે.

દાદાશ્રી : શી રીતે તમે એવું જાણો કે ખોટું નહીં કરીએ તો ધંધો નહીં ચાલે ? એનું ફોરકાસ્ટ છે બધું તમારી પાસેથી ? ફોરકાસ્ટ વગર શી રીતે તમે કહી શકો કે તમારું નહીં ચાલે ? એટલે થોડા દહાડા આમ જે ખોટું કરો છો તેનાથી અવળું તો કરો. કરી તો જુઓ, તો ખબર પડે કે ધંધા પર શી અસર થાય છે ! કોઈ ઘરાક આવે ને એ પૂછે, 'આની શી કિંમત છે ?' ત્યારે કહીએ, 'અઢી રૂપિયા'. પછી પેલો કહેશે કે 'સાહેબ, આની ખરી કિંમત કેટલી છે ?' ત્યારે તમારે ખરું કહેવાનું કે, 'બજારમાં આ લેવા જઉં તો આની ખરી કિંમત પોણા બે રૂપિયા મળશે.' એવું આપણે એક ફેરા કહી તો જુઓ પછી શું થાય છે એ જુઓ.

પ્રશ્નકર્તા : તો પછી આપણી પાસેથી માલ કોઈ લેશે નહીં.

દાદાશ્રી : એ લેશે કે નહીં લેશે, તેની તમને શી રીતે ખબર પડી ? તમને ફોરકાસ્ટ થયેલું હોય, જાણે પોતાને આગળનું દેખાતું હોય એવું કરે છે ને લોકો ? એ ના લે તો બીજો ઘરાક લઈ જશે, નહીં તો ત્રીજો કોઈક તો લેનાર મળશે ને ?

સામાનું ખોટું ચાલવા દેવું ?

ખોટાની પરખ ના હોય ત્યાં સુધી ખોટું પેસી જાય મહીં.

પ્રશ્નકર્તા : અને આ ધંધામાં સાચું છે, આપણે સમજીએ છીએ, છતાં સાચું કહી શકાતું નથી. ખોટું ચાલવા દેવું પડે છે.

દાદાશ્રી : એટલે વ્યવહાર આપણા તાબામાં નથી, નિશ્ચય આપણા તાબામાં છે. બીજ નાખવું એ આપણા તાબામાં છે, ફળ લેવું આપણા તાબામાં નથી. એટલે ભાવ આપણે કરવો. ખરાબ થઈ જાય તો ય ભાવ આપણે સારો કરવો કે આમ ના થવું જોઈએ.

પ્રશ્નકર્તા : સામાનું ખોટું હોય તો ય ચાલવા દેવું !

દાદાશ્રી : તમે શું ખરું કે ખોટું ચાલવા દેવાના હતા ? માણસોમાં ચલાવવાની શક્તિ જ નથી. આ તો ખોટો અહંકાર કરે છે કે હું ખોટું નહીં જ ચાલવા દઉં, એનાથી ઊલટી વઢવાડો થાય છે, ડખા થાય છે. કોઈનાથી ખોટું થતું હોય તો આપણે એને સમજાવવું, નહીં તો મૌન રહેવું.

આ વિપરીત બુદ્ધિ છે એને સમ્યક્ કરવાની છે. વિપરીત બુદ્ધિ સમ્યક્ કેમ કરીને થાય ? એક જ સમ્યક્ બુદ્ધિવાળાને જુએ એટલે વિપરીત બુદ્ધિવાળો જાણે કે આપણું ખોટું છે આ. એટલે ફેરવી નાખે તરત જુએ તો. કહેવાથી, ઉપદેશથી ના ફરે. ઉપદેશથી ફરે જ નહીં, જોવાથી જ ફરે.

ખોટું કરવાનું અટકનું કેમ નથી ?

પ્રશ્નકર્તા : ખોટું કરવાવાળાને બધો ખ્યાલ આવી જાય, તો ય ખોટું કેમ કરે છે ?

દાદાશ્રી : ખોટું થાય છે, એ તો પરપરિણામ છે. આપણે આ 'બોલ' અહીંથી નાખીએ પછી આપણે એને કહીએ કે હવે તું અહીંથી આઘો ના જઈશ, નાખ્યો ત્યાં જ પડી રહેજે. એવું બને ખરું ? ના બને. નાખ્યા પછી 'બોલ' પરપરિણામમાં જાય. એટલે જેવી રીતે કર્યા હશે, એટલે કે ત્રણ ફૂટ ઊંચેથી નાખ્યો હોય તો પરિણામ બે ફૂટનાં આવે. દસ ફૂટનાં પરિણામ સાત ફૂટ આવે. પણ એ પરિણામ એની મેળે બંધ જ થઈ જવાનાં છે, આપણે જો ફરીથી એમાં હાથ ના ઘાલીએ તો !

ભગવાનની દ્રષ્ટિએ, બીજાને ખોટો જોવાય ?

બાકી, આ દુનિયામાં જે કોઈ ખોટી વસ્તુ થયેલી જોવામાં આવે છે, એનું અસ્તિત્વ જ નથી. ખોટી વસ્તુનું અસ્તિત્વ જ નથી. આ ખોટી વસ્તુનું અસ્તિત્વ તમારી કલ્પનાથી ઊભું થયેલું છે. ભગવાનને ખોટી વસ્તુ આ જગતમાં કોઈ દહાડો લાગી જ નથી. સહુ કોઈ જે કરી રહ્યા છે, એ પોતાની જોખમદારી પર જ કરી રહ્યા છે. એમાં ખોટી વસ્તુ છે નહીં. ચોરી કરી લાવ્યો, એ આગળ લોન લઈને પછી પાછી વાળશે. દાન આપે છે એ લોન આપીને પાછી લેશે. આમાં ખોટું શું છે ? ભગવાનને કોઈ દહાડો ખોટું લાગ્યું નથી. ખોટી વસ્તુ જ નથી ને !

એટલે ખોટી જે આપણને લાગે છે એ હજુ આપણી ભૂલ છે. જે બને છે, જે બની રહ્યું છે એને જ 'કરેક્ટ' (બરાબર) કહેવામાં આવે તો નિર્વિકલ્પ થાય. નહીં તો બને છે એને કરેક્ટ ના કહે તો વિકલ્પી થયા કરશે. આ ઉપાય સાથે બધી વાત કહી દીધી. કશું 'ખરું-ખોટું' હોતું જ નથી. બીજું બધું 'કરેક્ટ' જ છે. પછી સહુ સહુનું ડ્રોઈંગ જુદું જ હોય. એ બધું ડ્રોઈંગ કલ્પિત છે, સાચું નથી. જ્યારે આ કલ્પિતમાંથી નિર્વિકલ્પ ભણી આવે ને, નિર્વિકલ્પની હેલ્પ લઈ લે ને, એટલે નિર્વિકલ્પપણું ઉત્પન્ન થાય. એ એક સેકન્ડ પણ થયું કે કાયમને માટે થઈ ગયું ! તમને સમજાઈ કે આ વાત ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હા, એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઈંગ કેવું છે ! એ બધું ડ્રોઈંગ સમજી લઈએ ને, તો પછી આપણને એના પરથી પ્રીતિ ઊઠી જાય.

સુધરેલા બહારવટિયાની સામે....

પ્રશ્નકર્તા : પણ અમારે તો જીવનમાં એવા અમુક પ્રસંગો આવે છે કે જ્યારે ખોટું બોલવું જ પડે ત્યારે શું કરવું ?

દાદાશ્રી : એ તો હું તમને દેખાડી દઈશ. ક્યાં ખોટું બોલવું ને ક્યાં ખોટું ના બોલવું એ હું તમને દેખાડી દઈશ. કેટલીક જગ્યાએ ખોટું બોલવું સારું અને કેટલીક જગ્યાએ સાચું બોલવું તે ય સારું. ભગવાનને તો 'સંયમ છે કે નહીં' તેટલી જ પડેલી છે. સંયમ એટલે કોઈ જીવને દુઃખ નથી દેતો ને ? ના. તો એ સંયમ કહેવાય. ખોટું બોલીને ય દુઃખ ના દેવું જોઈએ.

કેટલાક કાયદા કાયમના હોય છે ને કેટલાક કાયદા ટેમ્પરરી હોય છે. ટેમ્પરરીને લોક કાયમનું કરી નાખે છે ને મહામુશ્કેલી ઊભી થાય છે. ટેમ્પરરી એડજસ્ટેબલ, ઈટ એડજસ્ટ્સ, એ પ્રમાણે નિકાલ કરીને આગળ કામ કાઢી લેવાનું. કંઈ બેસી રહેવાય આખી રાત ?

પ્રશ્નકર્તા : તો વ્યવહાર કેવી રીતે કરવો ?

દાદાશ્રી : વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જ્યાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, 'દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.' હવે આપણા ચોખ્ખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરના હોય ને ત્રણ લાખ લોકોના હોય તો એ લોકો ધક્કા ખાય તે ય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેનેજરને કહીએ, 'ભઈ, મને નફો રહ્યો નથી' એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈને ય આપણો ચેક લઈ લેવો. હવે ત્યાં મારાથી આવી લાંચ કેમ અપાય ?' એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી લો.

લાંચ આપવામાં ગુનો નથી. આ જે ટાઈમે જે વ્યવહાર આવ્યો તે વ્યવહાર તને 'એડજસ્ટ' કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલા પૂછડું પકડી રાખે ?! એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જ્યાં સુધી લોકો આપણને ગાળો ના દે અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું, પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલાં ગાળો દેતાં હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, બરોબર છે.

દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, 'ભાઈ આપી આવ રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.' નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ આપી દેવી. એને હું ગુનો નથી કહેતો. ગુનો તો પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા એને ગુનો કહું છું.

બહારવટિયો રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યને ખાતર નહીં આપવાના ?

પ્રશ્નકર્તા : આપી દેવા પડે.

દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો ?! અને કેમ અહીં નથી આપતા ?! આ સેકન્ડ પ્રકારના બહારવટિયા છે. તમને નથી લાગતું કે આ સેકંડ પ્રકારના બહારવટિયા છે !

પ્રશ્નકર્તા : પેલા પિસ્તોલ બતાવી લે છે ને ?

દાદાશ્રી : આ નવી પિસ્તોલ બતાવે છે. આ યે ભડક તો ઘાલે છે ને કે 'ચેક તને મહિના સુધી નહીં આપું !' છતાં ગાળો ખાતાં સુધી આપણે પકડી રાખવું ને પછી લાંચ આપવાની હા પાડવી, એના કરતાં ગાળો ખાતાં પહેલાં પથ્થર નીચેથી હાથ કાઢી લો એમ કહ્યું છે. ભગવાને કહ્યું કે પથ્થર નીચેથી સાચવીને હાથ કાઢજો, નહીં તો પથ્થરના બાપનું કશું જવાનું નથી, તમારો હાથ તૂટી જશે. કેમ લાગે છે તમને ?

પ્રશ્નકર્તા : બિલકુલ બરાબર છે.

દાદાશ્રી : હવે આવું ગાંડું કોણ શીખવાડે ? બધા સત્યનાં પૂંછડાં પકડે. અલ્યા, ન હોય સત્ય. આ તો વિનાશી સત્ય છે, સાપેક્ષ સત્ય છે. હા, એટલે કોઈને હિંસા થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કો'ક માર્યો જતો હોય, એવું ના થવું જોઈએ.

આ બાજુ માંગતાવાળા બિચારા ગળે આવી ગયેલા છે અને આ બાજુ પેલો મેનેજર ગળે આવી ગયો છે. 'તમે દસ હજાર નહીં આપો તો હું તમારો ચેક નહીં આપું.' નહીં તો શેઠને કહી દે ને ! પણ હવે શેઠને કહેવાની આપણામાં હિંમત નથી. એ કહે છે, 'ના, શેઠને કહું તો મારો ધંધો ના ચાલવા દે.' ત્યારે આમે ય લાલચુ, ત્યારે આપી દે ને, અહીંથી. મેલ પૂળો અહીંથી !

આવી રીતે ન્યાય કરવામાં કંઈ હરકત ખરી ? ભગવાને ય આને ગુનેગાર ના ગણે. બહારવટિયા મળે ત્યારે એને પૈસા આપી દેવા એ ગુનો છે ? એ કંઈ સત્ય છે ? મારા રૂપિયા હું આપી દઉં એ કંઈ સત્ય છે ? ત્યારે કેમ આપી દો છો ?

પ્રશ્નકર્તા : બીકના માર્યા.

દાદાશ્રી : ત્યારે આ બીજા, સેકન્ડ પ્રકારના બહારવટિયા ! આ સુધરેલા બહારવટિયા, પેલા સુધર્યા વગરના બહારવટિયા ! આ સિવિલાઇઝડ બહારવટિયા, પેલા અનસિવિલાઇઝડ બહારવટિયા ! સિવિલાઇઝડ બહારવટિયા તમે નહીં જોયેલા હોય ?! સિવિલાઇઝડ બહારવટિયાના લાગમાં ય આવેલા નહીં ? અમે સિવિલાઇઝડ બહારવટિયા બહુ જોયેલા.

પણ મારી વાત એ સમજવા જેવી છે, જો સમજો તો. અને આવું કોઈ શીખવાડે નહીં. મારા જેવું કોઈ શીખવાડે નહી.ં બીજા તો કહેશે, નહીં આપવાનું, બહુ ત્યારે ત્યાં ઉપવાસ કર, સત્યાગ્રહ કર કહેશે.

એટલે અનુભવની વાતો છે આ બધી કે જેટલો ગુનો આમાં છે એથી વધારે ગુનો પેલા માગતાવાળાને ધક્કા ખવડાવ ખવડાવ કરવા તેમાં છે. સૂડી વચ્ચે સોપારી આવે ત્યાં શું કરવું આપણે ? કપાઈ જ જાય ને ?! સૂડી વચ્ચે સોપારી આવેલી રહે કે ? માટે કશું આવી તેવી ગણતરી ના ગણવી. અમારા 'દાદા'એ શીખવાડ્યું છે એમ કહી દેજો.

પ્રશ્નકર્તા : જવાબદારી 'દાદા'ની બધી.

દાદાશ્રી : હા, જવાબદારી મારી. પણ મારા કહ્યા પ્રમાણે હોય તો ! તમે પેલી ખોટ વધારે ખાશો, આ ઓછી ખોટ છે એવું હું તમને કહું છું. ખોટ તો અવશ્ય છે. તમે લાંચ આપો એ ખોટ તો છે જ. પણ પેલી ખોટ, તો સો રૂપિયા જતા હોય તો આ પંદર રૂપિયામાં પતે છે. તે આપણા પંચ્યાશી તો બચ્યા ! અને નહીં તો પછી ગધે કા પૂંછ પકડા સો પકડા, લાતો આટલી ખાધી, હવે છોડ.

સત્ય પણ કાળાધીન !

પ્રશ્નકર્તા : સત્ય વસ્તુ હમેશાં બહુ તકલીફ આપે છે. જીવનમાં સત્ય એક હોતું નથી. ઘરમાં એક સત્ય હોય, ધંધામાં બીજું સત્ય હોય. ઘણીવાર મારું સત્ય એક જ હોય અને આ ભાઈને બે સત્ય હોય- એમને જીવનનું સત્ય એક હોય અને વેપારનું સત્ય બીજું હોય. જીવનનું સત્ય એટલે ઘરમાં એ ભાઈ જૂઠું ના બોલી શકે અને વેપારમાં સત્ય બોલે તો ચાલે નહીં. અને મારે પિતા તરીકે એક સત્ય છે, જીવનનું મારું આ એક સત્ય જ છે. અને આ ભાઈને બે સત્ય એક રાખવાં પોષાય નહીં, એમને બે અલગ અલગ સત્ય હોઈ શકે. તો શું સત્ય બે હોય છે કે સત્ય એક જ હોય ?

દાદાશ્રી : હા, બધે સત્ય જુદાં જુદાં હોય. ધંધામાં એક હોય તો બીજે જુદું હોય. એ જ મુશ્કેલી ઊભી થઈ છે. વેપારમાં જે સત્ય છે એ કાળને આધીન છે. સત્યુગમાં કળિયુગના પ્રકારનું સત્ય ન હતું. આજનું સત્ય એ કળિયુગનું સત્ય છે. કળિયુગનું સત્ય એટલે કપટ સાથેનું સત્ય. અને પેલું સત્ય એટલે કપટ રહિતનું સત્ય, એટલે કાળને આધીન, સંજોગવશાત્ છે. સંજોગવશાત્ આ બધું વેપારમાં કરવું પડે છે.

જુઠ્ઠા સુખી ને સાચાં દુઃખી ?

પ્રશ્નકર્તા : અસત્યના તથા જૂઠના માર્ગવાળા આ જમાનામાં ઘણા વધુ સુખી થતા જોવામાં આવે છે અને સત્યાગ્રહીઓ વધુ દુઃખી, એમાં કયો કુદરતી ન્યાય રહેલો છે ?

દાદાશ્રી : આ જમાનામાં જે સુખી થાય છે તે ગયા અવતારની ઈફેક્ટ ભોગવી રહ્યા છે, ફળ ભોગવી રહ્યા છે, એટલે પુણ્યનું ફળ લઈ રહ્યા છે. અને આ એમનું જે અસત્ય ને જૂઠ છે એનાથી નવાં પાપ બાંધી રહ્યા છે. એટલે અત્યારે પુણ્ય ભોગવી રહ્યાં છે અને નવાં પાપ બાંધી રહ્યા છે. બીજા સત્યાગ્રહીઓ દુઃખી થાય છે તે અત્યારે પાપનું ફળ ભોગવી રહ્યા છે ને નવા પુણ્ય બાંધી રહ્યા છે. ખુલાસો થયો ?

સાચાથી સુખ : જૂઠાથી દુઃખ !

પ્રશ્નકર્તા : સાચા અને જૂઠામાં ફેર કેટલો ?

દાદાશ્રી : તમે કો'કને પાંચસો રૂપિયા આપ્યા હોય અને પછી પૂછો કે 'મેં તમને રૂપિયા આપ્યા હતા' ને એ જૂઠું બોલે કે 'નથી આપ્યા', તો તમને શું થાય ? આપણને દુઃખ થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : તો આપણને ખબર પડે ને, કે જૂઠું એ ખરાબ છે, દુઃખદાયી છે ?

પ્રશ્નકર્તા : હા, બરોબર છે.

દાદાશ્રી : અને સાચું બોલે તો સુખદાયી લાગે ને ? એટલે સાચી વસ્તુ પોતાને સુખ આપશે અને જૂઠી વસ્તુ દુઃખ આપશે. એટલે સાચાની કિંમત તો હોય ને ? સાચાની જ કિંમત. જૂઠાની શી કિંમત ?! જૂઠું દુઃખદાયી હોય !

પ્રશ્નકર્તા : સાચા માણસોનું હંમેશાં શોષણ થાય છે અને જે ખોટાં માણસો છે તે ગુંડાગીરી કે ખોટાં જ કામ કરે છે એ મોજમજા કરે છે શા માટે ?

દાદાશ્રી : સાચાં માણસ તો ગજવું કાપવા જાય ને, ત્યારે તરત પકડાઈ જાય. અને ખોટો માણસ તો આખી જીન્દગી કરે તો ય પકડાય નહીં મૂઓ ! કુદરત મદદ કરે એને અને પેલાને મદદ ના કરે, પેલાને પકડાવી દે ! એનું કારણ શું લાગે છે ?

પ્રશ્નકર્તા : કારણ કે એનાથી ખોટું થાય નહીં એટલે.

દાદાશ્રી : ના, કુદરતની ઈચ્છા એવી છે કે એને ઊંચી ગતિમાં લઈ જવો છે એટલે એને પહેલેથી ઠોકર મારીને ઠેકાણે રાખે અને પેલાને નીચી ગતિમાં લઈ જવાનો છે એટલે એને મદદ કર્યા કરે. તમને સમજણ ના પડી ? ખુલાસો થયો કે નહીં ? થયું ત્યારે !

ખોટું નાણું જ ખવાય !

ધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. એક ફેરો ખોટું નાણું આવેલું. તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા. તે મેં નક્કી કર્યું કે આ ના જોઈએ.

એવું છે, કે જેટલું સાચું નાણું છે, પરસેવાનું નાણું છે એ કોઈ દહાડો ય જતું જ નથી અને આ બિનપરસેવાનું ખોટું નાણું છે ને તે એની મેળે ગમે તે રસ્તે, આમ જાય, તેમ જાય, ગજવું કપાઈને જાય, પણ ગમે તે રસ્તે જાય, જાય ને જાય જ. સાચું નાણું છે એ આપણને સુખ ભોગ આપીને જાય અને ખોટું નાણું છે એ દુઃખ ભોગ આપીને જાય. એ પછી ડૉક્ટર પાસે પેટ કપાવે, મહીં ચીરા મૂકાવે ને હજાર રૂપિયા ખર્ચે ! એટલે ખોટું નાણું દુઃખ આપે, સાચું નાણું સુખ આપે. અમારે ત્યાં ખોટું નાણું નહીં આવવાનું. અત્યારે તો એવું છે કે ખોટું તો બધે પેસી જાય છે, પણ અમારે ત્યાં આમ બહુ ખોટું નહીં પેસવાનું. એટલે કોઈ જાતનો દુઃખ ભોગ ઉત્પન્ન નહીં થવાનો. જેને ત્યાં ખોટું નાણું નહીં આવતું હોય એવાં કેટલાંક માણસો હશે, તેને દુઃખ ભોગ ના હોય.

એવું છે, કે આ ધંધા એ લોકો કરતાં નથી. આ જે નાલાયક લોકો પૈસા ભેગા કરે છે, તે ખોટા પૈસા છે, એ ખોટા પૈસા માટે આ જીવડાં ઉત્પન્ન થાય છે. નહીં તો આ નાલાયકોનું નાણું કોણ આ ભગવાન જાતે લેવા આવે ? એટલે જે આ બધી ખોટી લક્ષ્મી છે, તેને લઈને આ જીવડાંઓ વધારે થાય છે. જ્યારે લક્ષ્મી સારી થશે ત્યારે આ જીવાત ઓછી હશે. જેવી આ એક જાતની જીવાત છે, એવી વકીલો ય જીવાત છે, ડૉકટરો ય જીવાત છે પણ આ ડૉકટરો અને વકીલોની જીવાત કરતાં ટી.બી.ની જીવાત સારી. આ બધી જાતની જીવાતો જ છે, પણ કઈ જીવાતો સંસારને કામની ? ખેડૂતો કામના કે એ અનાજ પકવીને આપે, ગાયો-ભેંસો રાખે. એ જીવાતો કામની કે એ ઘી-દૂધ બધું સપ્લાય કરે છે. એટલે જાનવર ઉછેરે છે, ખેડૂતો છે એ બધા કામના છે અને વૈદો ય કામનાં છે, લોકોનાં દર્દ મટાડે છે, આ અમુક ડૉકટરો ય કામના. પણ બાકી જે ડૉકટરોમાંથી અમુક જીવાત ઊભી થઈ છે, વકીલો ય અમુક એવાં ઊભા થયા કે નરી જીવાત ઊભી થઈ છે. કારણ કે આ કાળમાં કજિયા વધ્યા એટલે વકીલો વધ્યા અને વકીલ વધે એટલે કજિયા વધે જ, એ ના હોય ત્યાંથી ઝઘડાં ઊભા કરાવે.

આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયા પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી. તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખ રૂપિયા કમાય પણ આ 'પટેલ' સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય. બીજા તો ધંધામાં જ રહેવા દેવાય, ઈન્કમટેક્ષવાળાનો કાગળ થાય તે આપણે કહેવું, 'પેલી રકમ હતી તે ભરી દો, ક્યારે કયો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં 'ઈન્મકટેક્ષવાળાનો એટેક' આવ્યો તો આપણે મહીં પેલો 'એટેક' આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે.

લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને 'હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય.

હું ધંધો કરતો હતો તેમાં મારો એક કાયદો અમારા ભાગીદાર જોડે નક્કી કરેલો. હું નોકરી કરતો હોય તે ટાઈમે જેટલો પગાર મળે એટલા પૈસા ઘેર મોકલવા. એથી વધારે મોકલવા નહીં. એટલે એ પૈસા તદ્દન સાચા જ હોય. બીજા પૈસા અહીં ધંધામાં જ રહેવાના, પેઢીમાં. ત્યારે એ મને કહે છે, 'એને શું કરવાના પછી ?' ત્યારે મેં કહ્યું, ઈન્કમટેક્ષવાળો કહે, 'દોઢ લાખ ભરી જાવ દાદાના નામથી, તે તમારે ભરી દેવાના. એટલે મને કાગળ લખવો નહીં. અગર કંપનીને મોટી ખોટ આવી હોય તો ય મને કાગળ લખવાનો નહીં તમારે. એટલે ઉપાધિ જ નહીં ને ! અને એ પૈસા સારા લાગતા હતા, પદ્ધતિસર. જો કે અત્યારે તો બધો પૈસો ખોટો છે. બધો જ સાચો કે ખોટો, મૂળ રકમ જ ૧૯૪૨ની સાલ પછીનો પૈસો સાચા રસ્તાનો નથી. એટલે સંતોષ નહીં આપે, જેવો જોઈએ એવો. એના કરતાં સારા કામમાં વપરાઈ જાય ને, નિરાંત ! નહીં તો ગટરમાં જતો રહેવાનો.

લક્ષ્મી મેઈન પ્રોડક્શન કે બાય પ્રોડક્શન ?

જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો શરૂ ના થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે !

આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી માલ લઈ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઈ ખોળે ને ? આનાથી સુખ કંઈ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઈન પ્રોડક્શન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે, પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો, ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો મજૂરને ય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઈ છે. તેથી આ બાય પ્રોડક્શનનાં કારખાનાં ખોલ્યાં છે. બાય પ્રોડક્શનનું ના ખોલાય. મેઈન પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે. પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા, દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા તો તોફાન પૂરું થાય !

ખોટી લક્ષ્મી, અશાંતિ જ આપે !

આ નાણું જે છે ને અત્યારે, આ નાણું બધું જ ખોટું છે. બહુ જૂજ, થોડું સાચું નાણું છે. બે જાતની પુણ્યૈ હોય છે. એક પાપાનુબંધી પુણ્ય કે જે અધોગતિમાં લઈ જાય એ પુણ્ય અને જે ઉર્ધ્વગતિમાં લઈ જાય એ પુણ્યાનુબંધી પુણ્ય. તે એવું નાણું બહુ ઓછું રહ્યું છે. અત્યારે આ રૂપિયા જે બહાર બધે દેખાય છે ને, તે પાપાનુબંધી પુણ્યના રૂપિયા છે. એ તો નર્યાં કર્મ બાંધે છે અને ભયંકર અધોગતિમાં જઈ રહ્યાં છે. પુણ્યાનુબંધી પુણ્ય કેવું હોય ? નિરંતર અંતરશાંતિ સાથે જાહોજલાલી હોય, ત્યાં ધર્મ હોય.

આજની લક્ષ્મી પાપાનુબંધી પુણ્યૈની છે. એટલે તે ક્લેશ કરાવે એવી છે, એના કરતાં ઓછી આવે તે સારું. ઘરમાં ક્લેશ તો ના પેસે. આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં ક્લેશનું વાતાવરણ થઈ જાય છે. એક ભાખરી ને શાક સારું પણ બત્રીસ જાતની રસોઈ કામની નહીં. આ કાળમાં તો સાચી લક્ષ્મી આવે તો એક જ રૂપિયો, ઓહોહો... કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે.

લક્ષ્મી શાથી ખૂટે ?

પ્રશ્નકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?

દાદાશ્રી : ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. અધૂરામાં પૂરું ટ્રીકો કરતાં શીખી ગયાં છે. ટ્રીક એટલે સામાની ઓછી બુદ્ધિનો ગેરલાભ ઉઠાવી પોતાની વધારે બુદ્ધિથી સામાનું છેતરીને પડાવી લેવું તે. તે ટ્રીકવાળો બહુ ચપળ હોય, બીજો ચોર પણ ચપળ હોય. ટ્રીકવાળો તો ભયંકર અધોગતિ પામે.

ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રિકો તો હોવી જ ના જોઈએ. ટ્રિકો કરી કોને કહેવાય ? 'બહુ ચોખ્ખો માલ છે' કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, 'આવું તો કરાતું હશે ?' તો એ કહે કે, 'એ તો એમ જ કરાય.' પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે 'મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે. પણ માલ આવો છે એ લઈ જાવ.' આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !

એટલે આ બધા ક્યાં સુધી પ્રામાણિક છે કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી. જો એને કાળાબજારનો અધિકાર પ્રાપ્ત થાય, ત્રણ ગણાં નાણાં ઉપજે અને વેચવાનો માલ પાંચ-પચ્ચીસ હજારનો પડ્યો હોય. હવે એ અધિકાર એને વેચવાનો છે અને લેનાર ઘરાક ઘેર બેઠાં આવતાં હોય અને કોઈ મુશ્કેલી ના હોય, પેલાં લઈ જનારા શું કહે કે જવાબદારી અમારી. તો તું પાંસરો રહે તો હું જાણું.

મન-વચન-કાયાથી કિંચિત્ચોરી કરે તે ઘણી ય મહેનત કરે તો ય માંડ લક્ષ્મી મળે. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે, ચોરી. આ તો શું થાય કે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોય તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જાય છે. આજે પ્રમાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મેળવી શકે. એનો અર્થ એ કે આગળથી જ મનુષ્યપણાની સિદ્ધિ અવળી રીતે વટાવીને જ આવ્યો છે, તેનું આ પરિણામ છે. મોટામાં મોટી સિદ્ધિ કઈ ત્યારે કહે, મનુષ્યપણું. અને તે પણ ઊંચી નાતમાં જન્મ લેવો એ તેય હિન્દુસ્તાનમાં. આને મોટામાં મોટી સિદ્ધિ કહી કારણ કે આ મનુષ્યપણાથી મોક્ષે જવાય !

ટ્રીકની કળાના જોખમો !

પૈસા કમાવા માટે અક્કલ વાપરવાની ના હોય. અક્કલ તો લોકોનું ભલું કરવા માટે જ વપરાય.

જ્ઞાન જાણવાથી પ્રકાશમાં આવે કે શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી દુઃખી થાય છે ? અક્કલવાળા તો ટ્રીક વાપરીને બધું બગાડે છે.

ટ્રીક શબ્દ જ ડીક્ષનરીમાં ના હોવો જોઈએ. 'વ્યવસ્થિત'નું જ્ઞાન શા માટે આપ્યું છે ? 'વ્યવસ્થિત'માં જે હોય તે ભલે હો. અગિયાર સો રૂપિયા નફો હોય તો ભલે હો અને ખોટ હોય તો તે પણ ભલે હો. આ તો 'વ્યવસ્થિત'ના હાથમાં સત્તા છે, આપણા હાથમાં સત્તા નથી. જો આપણા હાથમાં સત્તા હોય તો કોઈ માથાના વાળ ધોળા જ ના થવા દે. ગમે તે ટ્રીક ખોળી કાઢે ને કાળાને કાળા જ વાળ રાખે.

ટ્રીક વગરનો માણસ સરળ લાગે. તેનું મોઢું જોઈએ તો ય રાજી થઈ જવાય. પણ ટ્રીકવાળાનું મોઢું તો ભારે લાગે, દીવેલ પીધેલા જેવું લાગે. પોતે 'શુધ્ધાત્મા' થયા પછી આ બધો માલ ચોખ્ખો કરવો પડશે ને ? જેટલું લિયા એટલું દિયા તો કરવું જ પડશે ને ! અને ટ્રીકથી ભરેલો માલ માર ખાઈને પણ દિયા તો કરવો પડશે જ ને ?! તેથી જ અમે કહીએ છીએ કે 'ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી એન્ડ ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ.'

એક મોટા મારવાડી શેઠ હતા. તે એનો નોકર છે તે કપડું ખંચતો'તો આમ. કપડું ખેંચી ખેંચીને આપતો હતો. મેં શેઠને કહ્યું, 'આ છોકરો કસરત કેમ કરે છે ?' ત્યારે કહે, 'એ કસરત નથી કરતો. એ તો અમારે ચાલીસ મીટર તાકો હોય છે ને ! તે અડધો મીટર વધે છે. મેં કહ્યું, ' આ તમે ભગવાન મહાવીરની પાસે બેસી રહેતા'તા, મને હજી યાદ છે. હવે તમારે ક્યાં જવું છે એ કહો મને ! આ ભાવ કહેલો હોય તો અઢારને બદલે સાડા અઢાર કહેવો. પણ માપ-તોલમાં ઓછું ના અપાય અને માપમાં તોલમાં ઓછું આપ્યું ને તો અહીંથી ચાર પગવાળા થવાનું છે શેઠ ! બે પગવાળા નહીં ચાર પગવાળા! પાશવતા કરી કહેવાય. મેં એને સમજણ પાડી ત્યારે કહે છે કે દાદાજી ! બધા આવું કરે છે ને ! જો મહીં પેલો વકીલ શું શીખવાડે છે ? બધાં આવું કરે છે ને ? મેં કહ્યું, 'મને વાંધો નથી. કરજો.' તો કહે, 'કાલથી બંધ કરી દઉં ?' મેં કહ્યું, 'ભાવ વધારે કરજો ને ?' ત્યારે કહે, 'ભાવ વધારે કહું તો ઘરાક જતો રહે. બધા અઢારે આપે ને હું સાડા અઢાર કહું તો એ જતો રહે.' મેં કહ્યું, 'બધા કૂવામાં પડતા હોય તો તમને કૂવામાં પડવાનું કહ્યું છે ? તમારો હિસાબ કોઈ ઓછો ના કરી આપે. એક રૂપિયો પણ ઓછો ના કરી શકે એટલું બધું આ જગત હિસાબસર છે. તમારે તો કામ

કર્યે જવાનું છે. એમ નહીં કે પ્રારબ્ધને આધીન જે થવાનું છે તે થશે ! પ્રારબ્ધ જેવી વસ્તુ જ નથી, એમ માનીને તમારે કાર્ય કરે જવાનું અને એને કૃષ્ણ ભગવાને કહ્યું કે 'તું નિષ્કામ કર્મ કર્યા કર. શું થશે ? આમ થશે કે તેમ થશે ? એને બદલે નિષ્કામ કર્મ કર્યા કર.'

એ શેઠ શું કહેવા માંડ્યો ? 'બધા આવી રીતે કરે છે. એટલા માટે ભાવ તો એવો જ રાખવો પડે ને ?' મેં કહ્યું, 'ના, તમે આમ ખેંચશો નહીં અને ભાવ વધારે બોલજો અને તે ઘરાક આવશે કે નહીં તે બાબતમાં નિષ્કામ રહેજો. એની વરીઝ મારે માથે નાખજો.' મારી ગેરન્ટી. ત્યારે શેઠ કહે, 'આજથી ચાલુ કરી દઈશ.' પણ શેઠ મરી ગયા પછી છોકરાઓએ પેલું ચાલુ કરી દીધું પાછું.

ચોખ્ખો વેપાર કરો !

માટે અમે પરમ હિતનું કહીએ છીએ. ટ્રીકો વાપરવાની બંધ કરો. ચોખ્ખે ચોખ્ખો વેપાર કરો. ઘરાકને સાફ કહી દો કે ભાઈ, આમાં મારા પંદર ટકા છે. તમારે જોઈતું હોય તો લઈ જાવ. ભગવાને શું કહ્યું છે ? જો તને ત્રણસો રૂપિયા મળવાના છે તો ચોરી કરીશ કે ટ્રીકો વાપરીશ કે પછી ચોખ્ખો રહીને ધંધો કરીશ, તને તેટલા જ મળશે. એમાં એક પૈસો પણ આઘોપાછો નહીં થાય. ત્યારે મૂઆ ચોરી અને ટ્રીકોની જોખમદારી શું કામ વહોરે છે ? થોડા દહાડા ન્યાયમાં રહીને જ ધંધો કરી જુઓ. શરૂઆતમાં છ બાર મહિના અડચણ પડશે. પણ પછીથી ફર્સ્ટ કલાસ ચાલશે. લોકો પણ સમજી જશે કે, આ માણસનો ધંધો ચોખ્ખો છે, ભેળસેળિયો નથી. તે એની મેળે વગર બોલાવ્યે તમારી જ દુકાનમાં આવશે. કેટલા ઘરાક આજે તમારી દુકાનમાં આવશે તે 'વ્યવસ્થિત' 'વ્યવસ્થિત' જ હોય છે. ત્યારે અક્કરમી ગાદીએ બેસી હમણાં 'ઘરાક આવે તો સારું, હમણાં આવે તો સારું' એમ ચીતર ચીતર કરશે. તે પોતાનું ધ્યાન બગાડે છે.

તો મનમાં એવું નક્કી કર્યું હોય કે મારે તો ચોખ્ખો, ભેળસેળ વગર ધંધો કરવો છે તો તેવો મળી આવે. ભગવાને કહ્યું છે, કે ખાવાની વસ્તુઓમાં, સોનામાં ભેળસેળ કરીશ તો એ ભયંકર ગુનો છે.

અત્યારે તો ટ્રીકવાળાની વચ્ચે જ રહેવું પડે તેવો જમાનો છે. છતાં આપણાથી ટ્રીકોમાંથી ક્યારે છૂટાય એ જ નિરંતર લક્ષમાં હોવું જોઈએ. એ લક્ષમાં હશે તો પશ્ચાત્તાપથી મોટી જોખમદારીમાંથી છૂટી જશો ને એવા સંયોગ પણ મળી રહેશે કે તમારે એકુંય ટ્રીક વાપરવી નહીં પડે ને ધંધો સરસ ચાલશે. પાછા લોક તમારા ધંધાને વખાણશે.

જો આપણે મોક્ષે જવું હોય તો જ્ઞાનીના કહ્યા અનુસાર કરવું જોઈએ અને જો મોક્ષે ના જવું હોય તો જમાનાને અનુસરીને કરવું. પણ મનમાં એટલો ખટકો તો અવશ્ય રાખવો જ કે મારે આવો ટ્રીકવાળો ધંધો નથી કરવો. તે એવો ધંધો મળી આવશે. વેપારમાં તો એવું હોવું જોઈએ કે નાના છોકરા આવે તો ય માબાપને ભો ના હોય કે છોકરો છેતરાશે.

આ વણિકબુદ્ધિવાળા તો કોઈ જીવડાને મારતા નથી અને કોઈના ગજવામાંથી લઈ લેતા નથી. તે સ્થૂળ ચોરીઓ અને સ્થૂળ હિંસા બંધ કરી પણ સૂક્ષ્મ ચોરી અને સૂક્ષ્મતમ ચોરીઓ જથ્થાબંધ થાય. આ સ્થૂળ ચોરીવાળાની નાત તો ઊંચી આવશે પણ આ સૂક્ષ્મ ચોરીવાળાની નાત ઊંચી ના આવે. આ ટ્રીકવાળો તો બેઠો હોય ઘેર, પણ એવી બધી સૂક્ષ્મ મશીનરીઓ તેણે ગોઠવી દીધી હોય કે ખેડૂતો બિચારાના હાડકાં ને ચામડી જ રહે ને લોહી લોહી પેલો ટ્રીકોવાળો ચૂસી ખાય, ભગવાને આને સૂક્ષ્મ હિંસા કહી છે. બંદૂકથી મારી નાખનારાઓનો ઉકેલ આવશે પણ આ ટ્રીકબાજનો ઉકેલ નહીં આવે, તેમ ભગવાન કહ્યું છે.

બંદૂકથી મારનારો તો નરકે જઈને પાછો ઠેકાણે આવી જશે ને મોક્ષનો રસ્તો ખોળશે. ત્યારે ટ્રીકથી મારવાવાળો સંસારમાં વધારે ને વધારે ખૂંપશે. લક્ષ્મીના ઢગલા થશે ને પાછો દાનમાં નાખી આવશે, તે બીર્યાં ઊગ્યા જ કરશે ને સંસાર ચાલુ ને ચાલુ જ રહેશે. આ તો પોલિશવાળી ટ્રીકો કહેવાય.

જ્ઞાની પુરુષમાં એકેય ટ્રીકવાળો માલ જ ના હોય. વણિકબુદ્ધિ ટ્રીક ઉપર જ રહી છે ને ! એનાં કરતાં ના આવડ્યું તે સારું. હું જ્ઞાન ઉપજ્યા પહેલાં લોકોને ટ્રીકો શીખવાડતો હતો. તે ય સામો ફસાઈ ગયો હોય તો તેના ઉપર કરુણા આવે તેથી. પણ પછી તો તે ય બંધ કરી દીધું. અમારે ટ્રીક ના હોય. જેમ છે તેમ હોવું જોઈએ. મનથી, વાણીથી અને દેહથી એક જ હોવું જોઈએ. જુદાઈ ના હોય.

આ ઘડિયાળ તમે નેવું રૂપિયામાં લીધું ને વેચવા કાઢ્યું ૧૧૦ રૂપિયામાં. તે મૂઆ ટ્રીક વાપરી કહે કે મેં તો ૧૧૦ રૂપિયામાં લીધું છે. તે ૧૧૦માં જ વેચે. એના કરતા ચોખ્ખે ચોખ્ખું કહી દે ને કે નેવુંમાં લીધું ને એકસો દસમાં વેચવું છે તે સામાને લેવું હશે તો તો ૧૧૦ રૂપિયા આપીને લઈ જશે. 'વ્યવસ્થિત' એવુ છે કે, ૧૧૦ રૂપિયા તને મળવાના જ છે. તું ટ્રીક વાપર કે ન વાપર. જો આટલું બધું હિસાબી છે તો ટ્રીક વાપરી મફતમાં શા માટે જોખમદારી વહોરવી ? આ તો ટ્રીકનું જોખમ વહોર્યું. તેનું ફળ અધોગતિ છે.

લક્ષ્મીજીના અંતરાય શાથી પડે છે ? આ ટ્રીકો વાપર વાપર કરે છે તેથી. ટ્રીકની ટેવ પડી ગઈ છે તેથી. નહીં તો વણિક તો વેપાર કરે. ચોખ્ખો વેપાર કરે. એને તે વળી નોકરી કરવાની હોતી હશે ?

બુદ્ધિનો આર.ડી.એક્સ. !

વધારે બુદ્ધિશાળીઓ ઓછી બુદ્ધિશાળીઓનો લાભ ઊઠાવી લે. એ શેના જેવું છે. એનો દાખલો આપું, આપણે રસ્તામાં જતા હોઈએ અને રસ્તો કાદવ-કીચડવાળો હોય, ત્યાં આપણી પાસે એક પેલું કેન્ડલ હોય, ખૂબ લાઈટ આપે એવું હોય ને, હવે બીજા લોકો બિચારા ફાનસ લઈને આવે તેને રસ્તો બરોબર દેખાતો ના હોય, તો આપણે એ લોકોને કહીએ કે ભઈ આવો અહીં આગળ હું ઊભો રહું છું. ઊભા રહીને એમને રસ્તો દેખાડવો. આપણું વધારે અજવાળાવાળું છે, માટે એમને અજવાળું ધરવું એ આપણી ફરજ છે. હવે આ છે તે વધુ બુદ્ધિ, તે વધુ અજવાળું છે. આપણી પાસે ને પેલાં પાસે ઓછું અજવાળું છે, એ બિચારાં આમ ખાડામાં પડે ને, એટલે આપણે એમને શું કરવું જોઈએ તરત ? આવી રીતે ના કરશો, આમ કરજો ભાઈ ! તેને બદલે બુદ્ધિથી લૂટ્યું.

બુદ્ધિથી મારતાં હશે કોઈ ? ગરીબને તો આપણે સલાહ આપવી જોઈએ, શાંતિ આપવી જોઈએ. એને આપણા વધુ લાઈટનાં પૈસા ના લેવા જોઈએ. આ તો બુદ્ધિ વધારે છે. એટલે અબુધની પાસે પંપ મરાવી લે અને બુદ્ધિ વધારે તો ભેળસેળ કરતાં આવડેને ? આ સોનું ભેળસેળવાળું કરતાં કોણે શીખવાડ્યું હશે ? ત્યારે કહે, હિન્દુસ્તાનના સોનીએ. બહાર ફોરેનમાં ભેળસેળ સોનું હોતું જ નથી. આ તો હિન્દુસ્તાનનાં સોની ! આ બધી શોધખોળ ઈન્ડિયનની છે.

અને કેવું ભેળસેળ કરે છે ?! એક શેઠે એક વેગન ઉતાર્યું'તું. તે ઘઉંનું વેગન ઉતાર્યું'તું. તે ગુણો બારોબાર સીધી ગોડાઉનમાં ગઈ. અને એક વેગન રેતીનું ઉતાર્યું'તું. તે રેતી ને બેઉ ભેળસેળ કરીને, ફરી ગુણો ભરી લીધી. રેતી બહારથી વેચાતી લાવ્યા ! ક્યારે આ લોકોનું કલ્યાણ થશે ? ત્યારે કહે છે ભૂલ કોની ? આ વેગન લાવનારાની ભૂલ છે ?! રેતી લાવનારાની ભૂલ ?! ત્યારે કહે, ના. ભોગવે તેની ભૂલ. અત્યારે તો એમને ત્રણ ગણા પૈસા મળી ગયા. એ ફરી ભોગવશે ત્યારે એની ભૂલ. પણ અત્યારે તો આ ભોગવે તેની ભૂલ.

એટલે આ લોકો માટે નર્ક ખુલ્લી થઈ ગયેલી છે અને ત્યાં જગ્યા પુષ્કળ છે, અનામત છે, રીઝર્વેશન છે ! બુદ્ધિથી માર માર કર્યું ને, નવી પ્રકારની નર્કગતિમાં જવાનું થયું આ. પહેલાં બુદ્ધિથી મારતા નહોતાં. કહીને મારતાં'તાં, કે હું મારીશ તમને. આ તો બુદ્ધિ મારે છે ને અહિંસક કહેવડાવે છે.

પ્રશ્નકર્તા : આ બુદ્ધિનું તો આપણા હિન્દુસ્તાનના લોકોએ નવું વિજ્ઞાન શોધી કાઢ્યું છે મારવાનું ?

દાદાશ્રી : નવું જ વિજ્ઞાન (!) અને તે આ કાળમાં જ. કોઈ કાળમાં એવું નથી. આ કાળમાં અને આ વિપરીત સંજોગો ભેગા થયા છે પચ્ચીસ્સો વર્ષમાં. એટલે એમાંથી સૂઝ ના પડી. આમેય સૂઝ ના પડી ને આમેય સૂઝ ના પડી. ત્યારે જે છે એ આપણો માલ. જે થશે તે ખરું કહે છે !

પ્રશ્નકર્તા : આપણા પુણ્ય કાચાં પડી ગયા લાગે છે.

દાદાશ્રી : બહુ મોટા કાચાં પડી ગયા. તેથી તે આ શાસ્ત્રકારોએ લખ્યું, કેટલા જણ નર્કે જવાનાં છે ? ત્યારે કહે, નવ નવડા. ગણી લેજો. હવે એટલી તો વસ્તીય નથી આપણે ત્યાં. ત્યારે કેટલા કાળ સુધી આવું ને આવું ચાલ્યા કરે, ત્યારે એ નવ નવડાં પૂરા થાય.

આ કાળમાં જ, ભેળસેળનો મેળ ?

આ જગત એવી જ જાતનું છે. બહુ જ ન્યાયમાં ચાલે છે. કશું ભૂલચૂક કરશો નહીં. બધી જવાબદારી તમારી છે. ભગવાન વચ્ચે આવતા નથી. સમજીને કરશો તો સમજીને, અણસમજીને કરશો તો અણસમજીને.

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે જેનામાં સમજ છે કે બુદ્ધિ છે અને એનાથી ખોટું કામ થાય તો ?

દાદાશ્રી : વધારે ભોગવવું પડે.

પ્રશ્નકર્તા : અણસમજણમાં જે થયું હોય તે જુદી વાત છે. પણ સમજણ હોવા છતાં કરે તો બહુ જવાબદારી.

દાદાશ્રી : વધારે જવાબદારી આવે જ ને ! તેથી અમે કહ્યું કે, આ બુદ્ધિથી મારશો તો આઠમી નર્ક આવવાની છે હવે. વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાનો લાભ ઉઠાવશો તો એ આઠમી નર્ક આવવાની છે. નર્કો સાત જ હતી પણ નવી જ જાતનું ભોગવવાનું થયું. કારણ કે કોઈ દહાડો બુદ્ધિથી દુરુપયોગ કરેલો જ નહીં. આ કાળમાં જ દુરુપયોગ થયો. બુદ્ધિનો દુરુપયોગ જો કોઈ કાળમાં થયો હોય તો તે આ કાળમાં એટલે આજ અમારે પુસ્તકમાં લખવું પડ્યું કે આઠમી નર્ક આવશે.

હવે ચેતવે છે. શેઠિયાઓ સાંભળે છે બધા, કે નવી નર્ક કરવામાં આવી છે !! માટે હવે બુદ્ધિથી ના મારશો. આટલું અમારું વાક્ય સાંભળીને જો કદી વરસ દહાડો ચરી પાળે ને, તો એનું આ અટકી જાય બધું.

બુદ્ધિ હોય તો બુદ્ધિથી મારે ને ! બુદ્ધિ નથી, તે બુદ્ધિથી કોણ મારવાનાં છે ? અને ફોરેનવાળા બધાં સાહજિક હોય. એટલે એમને બુદ્ધિ હોય, છતાં મારે નહીં. આવું આવડે જ નહીં. એમને આ દિશા ભણી વિચાર જ ના જાય. આ તો 'આડજંતર' આ લોકોને જ આવડે.

ચોખ્ખી બુદ્ધિવાળા...

એ બુદ્ધિશાળી માણસો છે તે ઘણાખરાં ખોટો પૈસો ના લે, ત્યારે બુદ્ધિ આટલી બધી ફેલાય. એ બહુ નિયમવાળા હોય. પ્રમાણિકપણું ને નિષ્ઠા બહુ સારી હોય છે. આમ છે તે એને પગારેય બહુ સારો મળે. પણ પ્રધાન થઈને લૂંટી લઉં, એવું એને નહીં. એટલે બુદ્ધિશાળી પ્રધાનમાં હોય નહીં. એક બુદ્ધિશાળી હોય તો આ બધામાં એ એક માર્યો જાય બિચારો. એટલે ચોખ્ખા બુદ્ધિશાળીને એ તો ગમે જ નહીં.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે ટ્રીકો કરે, જૂઠું બોલે તો બુદ્ધિ ડેવલપ જ ના થાય.

દાદાશ્રી : આ લુચ્ચાઈ કરે, જૂઠું બોલે એ તો બધી બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હોય તે જ કરે ! બુદ્ધિવાળો તો બધું આખું ક્લિયર કરી નાખે. મનની પાતળામાં પાતળી ધાર ખોળી કાઢે ત્યાં સુધી વિચારી નાખે પણ શોધખોળ કર્યા વગર રહે નહીં. ત્યારે એનો ઈગોઈઝમ બહુ વધેલો હોય, ઈગોઈઝમ પુષ્કળ હોય. બળતરા ય મહીં હોય. પણ બીજી બળતરા ઊભી નહીં થવાની ને બહાર મતભેદ કે કશું નહીં ને !

ધંધામાં હિતાહિત !

ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઇને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તે શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાં ય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તે જનાવરમાં ચાર પગમાં જઇશ. ચારપગો થાય પછી પડે તો નહીં ને ? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે.

ચોર ચોરી કરે છે એ તો બિચારા સારાં, બાકી જે શાહુકાર કહેવાય ને એ ચોરીઓ કરે એ તો વધારે ગુનેગાર છે. એના કરતાં પેલો ચોર જ છે. એ કહે પણ છે ને, કે મારો ધંધો જ ચોરી છે.

આપણને ચોરી ના શોભે. આપણે શાહુકાર થઈને ચોરી કરીએ તેનાં કરતાં તો ચોર સારાં. આ ચોરીઓ કરે છે તેનાં કરતાં ભેળસેળ કરે છે તે તો વધારે ગુનેગાર છે. આ તો ભાન જ નથી કે 'હું આ ગુનો કરું છું', તેનું ફળ શું આવશે ! બેભાનપણામાં ભાન વગર જ ગુના કરે છે.

પોતે જજ ને પોતે આરોપી !

લોકો કહે છે કે, 'આપણે ભેળસેળ કરીશું ને ભગવાન પાસે માફી માગી લઈશું.' હવે માફી આપનારો કોઈ છે નહીં. તમારે જ માફી માંગવી ને તમારે ને તમારે જ માફી આપવાની.

એટલે આવું છેને, જે કર્યું એનો પસ્તાવો કરો. હજુ પસ્તાવો કરશો તો આ દેહે પાપો ભસ્મીભૂત કરી શકશો. પસ્તાવાનું જ સામાયિક કરો. કોનું સામાયિક ? પસ્તાવાનું જ સામાયિક. શું પસ્તાવો ? ત્યારે કહે, મેં લોકોના પૈસા ખોટા લીધા તે બધા જેના લીધા હોય તેનાં નામ દઈને, એનું મોઢું યાદ કરીને, વ્યભિચાર ફલાણું કર્યું, દ્રષ્ટિ બગાડી એ બધા પાપો ધૂઓ. તો આમ પસ્તાવાથી હજુ ધોઈ શકો છો.

પુણ્ય, પણ પાપાનુબંધી !

પ્રશ્નકર્તા : એ પૈસા ક્યાંથી આવતા હશે ?

દાદાશ્રી : પૈસા તો પુણ્યશાળીની પાસે બધા હોય જ ને ?

પ્રશ્નકર્તા : એ પૈસા પુણ્યશાળી પાસે હોય એવું કંઈ નથી.

દાદાશ્રી : ત્યારે પાપી પાસે પૈસા હોય નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે તો પાપી પાસે જ પૈસો છે.

દાદાશ્રી : પાપી પાસે નથી, હું તો આપને સમજાવું બરોબર. તમે મારી વાત સમજો એક વખત કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહિ. કાળા બજારનોય ના અડે કે ધોળા બજારનો ય ના અડે પુણ્ય વગર તો ચોરીનો ય પૈસો આપણને ના અડે. પણ એ પાપાનુબંધી પુણ્ય છે. તમે કહો છો તો પાપ, તે છેવટે પાપમાં જ લઈ જાય છે. એ પુણ્ય જ અધોગતિમાં લઈ જાય છે.

ખરાબ પૈસો આવે એટલે ખરાબ વિચાર આવે કે કોનું ભોગવી લઉં ! આખો દહાડો ભેળસેળ કરવાના વિચાર આવે, એ અધોગતિમાં જાય છે. પુણ્ય ભોગવતો નથી ને અધોગતિમાં જાય છે, એના કરતાં પુણ્યાનુબંધી પાપ સારું કે આજ જરા શાક લાવવામાં અડચણ પડે પણ આખો દહાડો ભગવાનનું નામ તો લેવાય અને પુણ્યાનુબંધી પુણ્ય હોય, તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય.

બે નંબરના પૈસાથી કર્મબંધ કયો ?

પ્રશ્નકર્તા : મુંબઈના શેઠિયા બે નંબરના પૈસા ભેગા કરતા હોય એનાથી શું ઇફેક્ટ થાય ?

દાદાશ્રી : એનાથી કર્મનો બંધ પડે. એ તો બે નંબરના ને એક નંબરના હોય. તે ખરા-ખોટા પૈસા એ બધા કર્મનો બંધ પાડે. કર્મનો બંધ તો એમ ને એમ પણ પડે. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી કર્મનો બંધ પડે છે. બીજું કશું પૂછવાનું છે ? બે નંબરના પૈસાથી ખરાબ બંધ પડે. આ જાનવરની ગતિમાં જવું પડે, પશુયોનિમાં જવું પડે.

આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઊતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઇને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલના પાણી જેવું છે, તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે, 'ચેતીને ચાલજો.'

પ્રશ્નકર્તા : કાળા બજારિયાને મોઢા ઉપર કાળા બજારિયા નથી કહી શકાતું.

દાદાશ્રી : મારાથી કહેવાય. મારાથી તો કાળો બજારિયો કહેવાય. નાલાયક કહેવાય, ગુંડો છે કહેવાય, બધું બોલાય મારાથી. કારણ કે મારે જોઈતું નથી કશું. જેને કંઈ પણ જોઈતું હોયને, તેણે કશું સારું બોલવું પડે, મીઠું મીઠું બોલવું પડે. મારે કશું જ જોઈતું નથી.

ધંધો કરતા હોય, તે નઠારા માણસ પેસી ના જાય એટલા માટે 'એય આમ છે, તેમ છે, નંગોડો,' આમતેમ બોલવું. એટલે નઠારા માણસ હોય તે નાસી જાય બધા. કોઈ નાગો માણસ લાભ ના ઉઠાવી જાય. તે નાટક તો કરવું પડેને ! 'નંગોડ પેસી ગયા છે, આમતેમ' બોલીએ એટલે નંગોડ હોય તે તરત સમજી જાય કે આ તો આપણને કહે છે !

આ એક જ શબ્દ મહીં પેઠો કે, 'અલ્યા, આ દુનિયા ચલાવવા માટે તો આવું કરવું જોઇએ.' તો થઇ રહ્યું !!! સંસ્કાર બગડ્યા વગર રહે જ નહીં. આ સંસ્કાર તો ક્યારે બગડે એ કહેવાય નહીં. આ જ્ઞાન હોય તો જ સંસ્કાર ટકે.

કોઇ સંત પુરુષ હોય અને આખી જિંદગી સંત પુરુષની રીતે રહેતો હોય ને દૂધનો ધંધો કરતો હોય ને કોઇ માણસ મળી જાય ને કહે, 'અલ્યા, આ જો તો ખરો, તારો બાજુવાળો કેટલું બધું કમાયો છે ! અને તું તો સાવ આવો જ રહ્યો.'

ત્યારે સંત પુરુષ પૂછે, 'એ શી રીતે કમાયો ?'

પેલો માણસ જવાબ આપે, 'દૂધમાં પાણી નાખીને સ્તોને' અને આ એક જ શબ્દ પેલાની મહીં ઊતરી જાય તો બસ થઇ રહ્યું ! આ એક જ શબ્દથી એના આખી જિંદગીનાં બધા સંસ્કાર ઉપર પાણી ફરી વળે !

આવી ચોરીઓ ના શોભે !

પ્રશ્નકર્તા : પણ આવું ના કરે તો પેટ ક્યાંથી ભરે ?!

દાદાશ્રી : અમને ય એવો ભય લાગતો હતો પહેલાં. આ કળિયુગમાં અમે ય જન્મેલા ને ! તે ૧૯૫૧ સુધી તો એવો ભય રહ્યો હતો પણ પછી ભય છોડી દીધો. કારણ કે આ સિમેન્ટ કાઢી લેવો એ માણસમાંથી બ્લડ ચૂસી લેવા જેવું છે અને લોખંડ કાઢી લેવું એ આ બધા સ્કેલેટન (હાડકાં) કાઢી લેવા જેવું છે. સ્કેલેટન કાઢી લીધું, લોહી કાઢી લીધું, પછી મકાનમાં શરીરમાં રહ્યું શું ?

૧૯૫૧ પછી બધું જ બંધ કરી દીધું. આપણને ચોરી ના શોભે. આપણે શાહુકાર થઈને ચોરી કરીએ તેના કરતાં તો ચોર સારા.

કાળા બજારની ફસામણ !

એટલે અમે માર બહુ ખાધેલા. કાળાબજાર કરેલા ને બધું કર્યું અને માર-ઉપાધિઓ હતી.

પ્રશ્નકર્તા : ત્યારે કાળાબજાર હતા નહીં.

દાદાશ્રી : અરે, હતા. '૪૨ની સાલમાં મારું લોખંડનું કારખાનું હતું. એ તો એગ્રિકલ્ચર ઈન્સ્ટ્રુમેન્ટ બધાં આપવાનાં. બીટકો એન્જિનિયરિંગ કંપની. તે સરકાર લોખંડ આપે, અગિયાર રૂપિયા હંડ્રવેટથી અને બત્રીસ રૂપિયાનો ભાવ બજારમાં ચાલે. અહીં અમારા ભાગીદાર કંટ્રાક્ટના ધંધામાં સરકારને અમુક.... આના ફૂટે આપે અને બહાર રૂપિયો ભાવ ચાલે. એટલે આ પાઈપો વેચ વેચ કરે. ધંધાના અંગે આવેલી ને અને લોખંડ વેચ વેચ કરીએ. કાળો બજાર નહીં કરવાની ઇચ્છા, હં. દાનત ચોર નહીં જરાય આવી પણ કંઈક બુદ્ધિએ માર ખવડાવી દીધો. શી રીતે માર ખવડાવ્યો ? પેલું લોખંડ તો ભેગું થવા માંડ્યું અને પૈસા આપણી પાસે, રકમ ત્યાં વ્યાજે લાવવા માંડી. ત્યારે એક દલાલ આવ્યો તે કહે, 'સાહેબ, આટલો બધો માલ છે, અમને આપતા હોય તો શું ખોટું ?' મેં કહ્યું, 'ભઈ, કાળો બજાર અમારાથી ના થાય.' ત્યારે તેણે કહ્યું, 'કાળા બજાર તમે ના કરતા. મારા જેવાનું પેટીયું રળી આપવાનું કરી આપો.' આ એ હું ભૂલ ખઈ ગયો ત્યાં આગળ. એટલે 'કાળા બજારનો ભાવ ભલે ૩૨ રૂપિયા છે, એ તમે ના લેશો. પણ મારે તો આ પેટીયું નીકળે એવું તો કરી આપો.' ત્યારે મેં કહ્યું, 'પણ તે તેને વેચવું પડે ને ?' 'હા, ઓછું લઈને આપો એટલે પેલા પાસે પેટીયું નીકળે.' એટલે

પછી એમને ૨૫ રૂપિયે આપ્યું. પણ એણે ૩૨ ને બદલે ૩૫ લીધા. એટલે પછી અમને ખબર પડી કે આ તો ઊલટું ડબલ ચોર લોકોની પાસે વધારે લૂંટાવડાવ્યું, એનાં કરતાં આપણે સીધું આપો. હવે કહ્યું એમ કરતું કરતું સ્લીપ થતું થઈ ગયું અને સ્લીપ થઈ ગયા પછી જોઈ લો પરિણામ એનાં ! સારા માબાપનું છોકરું ચોરી કરી લાવે તો કેટલા દહાડા ઊંઘ આવે એને ?! ખૂંચ્યા કરે ને ? રોમે રોમે કૈડવા માંડ્યું એટલે મેં મારા ભાગીદારને કહ્યું, 'આ તમારી પાસે ને મારી પાસે, આ મૂડી જતી રહે, વહેલામાં વહેલી તકે તો સારું. ને આવો પૈસો ફરી ભેગો ના કરીએ. પણ તે લક્ષ્મી જતી રહી, ચાલવા માંડી. પુણ્યશાળી લોકો ! પાંચ-સાત વર્ષમાં જતા રહ્યા.

એ તો એવું બનેલું કે એલેપ્પીમાં અમારી પેઢી હતી. અમારી ને અમારા ભાગીદારની ત્યાં પેઢી હતી ! સૂંઠને મરીનો મોટો બિઝનેસ. કાળાબજારનું ધન ભેગું થયું ને, તે ત્યાં ઓફિસમાં નાખ્યું પછી. પણ ત્યાં આ નાણું ગયું. તે આપણે ફાવ્યા. નિરાંત થઈ ગઈ. તે પછી અમારા ભાગીદારનો કાગળ આવ્યો કે ભલે ગયું હશે, પણ હવે ફરી પાછું રાગે પડે એવું મને લાગે છે. માટે હવે છેલ્લા, વધારે નહીં, પણ ચૌદ હજાર તો મને મોકલો. એટલે મેં ૧૯૪૫-૪૬માં ચૌદ એમને મોકલ્યા અને કાગળમાં જોડે લખ્યું કે આ ચૌદ હજાર જાય તો ચિંતા કર્યા વગર પાછા આવજો. વખતે આ જાય, ધાર્યા પ્રમાણે ના પડે અને જાય તો એની ઉપાધિમાં પડશો નહીં. પણ આપણે વહેલી તકે પાછા આવો. આપણે છીએ તો વહેલી તકે કમાઈશું. નહીં તો આપણી પર એટેક થાય તો શી દશા થાય ? અને એટલે તો '૪૬ની સાલથી જ ચાલુ થઈ ગયેલા. આ એટેક વધ્યા ક્યારથી ? ૧૯૩૯માં આ હિટલરે વલોણું વલોવ્યું વર્લ્ડનું ત્યારથી એટેકની શરૂઆત થઈ ગઈ.

એટલે પછી મને મારા ભાગીદારનો કાગળ આવ્યો, કે 'હું ધારતો હતો પણ મારું ધારેલું અવળું પડ્યું અને ચૌદ હજાર ગયા. એટલે આ પૈસા મારે ખાતે, સ્વતંત્ર મારે ખાતે ઉધારજો કે તમે ના કહ્યું છતાં મેં કર્યું', એટલે મેં કહ્યું, 'હવે બીજા કોઈ ભાગીદારને આવું કહેશો નહીં. મને કહો તો મારે એવું કશું કરવાનું નથી. મારે તો તમે બીજા લાખ ખોઈને આવો તો ય તમારા ભાગીદારમાંથી મટીશ નહીં. તમે જે કરીને આવો તેમાં હું ભાગીદાર અને નફો આવતાં હું લેત પાછો, નહીં ? ના લેત ? ના કહ્યા પછી એ નફો આવ્યો હોત તો ના લેત હું ? તે પછી તે ન્યાય તરત ના સમજણ પડે આપણને ? મેં કહ્યું 'તમે જે કરીને આવો છો, તેનો અમને વાંધો જ નથી.' તે પછી એમના મનમાં બહુ દુઃખ થયું. મેં કહ્યું, 'ચૌદ હજારમાં શું બગડવાનું હતું તે ? આપણે તો જીવતા છીએ ! આપણે જીવતા છીએ તો ફરી દુનિયા ઊભી કરી નાખીશું. ગયા પછી નવી દુનિયા થાય એવી. આપણે જીવતા છીએ, એટલું કહ્યું એટલે રાગે આવી ગયું પછી.

ધરમ કરતાં ધાડ !

મારી ૪૫ વર્ષની ત્યારે ઉંમર હતી. ત્યારે જ્ઞાન નહીં થયેલું. ત્યારે થયું એવું કે આપણું લોખંડનું કારખાનું હતું, 'બીટકો એન્જિનિયરીંગ કું.' તે કારખાનામાં અમારા ગામનો એક જણ હતો. તે મને કહે, 'મારે કારખાનામાં પતરાં મૂકવાં છે. મારે હમણાં ગાડું લઈ જવાનું સાધન નથી.' મેં કહ્યું, 'ક્યાંથી લાવ્યો આ ?' ત્યારે એ કહે, 'કંટ્રોલમાંથી લાવ્યો છું.' ત્યારે મેં અમારા ભાગીદારને ચિઠ્ઠી લખી આપી કે એને બિચારાને પતરાં મૂકવા દેજો. છ પેટી પતરાં હતાં. એક એક પેટીમાં છ-છ નંગ હોય, સાત-આઠ નંગની ય હોય. પછી છ મહિના, બાર મહિના થયા પણ પેલો લેવા આવેલો નહિ. પછી કાગળ આવ્યો એનો, પછી એ જાતે આવ્યો ને કહે કે, 'આજે અમે ગાડું લઈને આવ્યા છીએ લેવા.' હવે એ પહેલાં અમારે ત્યાં સરકારના માણસો આવી ગયેલા. તેમણે પૂછયું, 'તમારે ત્યાં પતરાં ક્યાંથી લાવ્યા છો ?' મેં કહ્યું, 'બહારગામવાળાનાં છે, અમારે ત્યાં મૂકી ગયા છે ખાલી.' ત્યારે સરકારવાળા કહે, 'અમે જપ્તીમાં લઈએ છીએ. આ કંટ્રોલનું લાવ્યા ક્યાંથી ?' મેં કહ્યું, 'લો જપ્તીમાં, મારે શું ?'

હવે પેલા લોકો આવ્યા તે, 'અમે એ લોકોને પરમીટ દેખાડી આવ્યા કે હવે માલ લેવા દો.' મેં કહ્યું, 'આ ઝઘડો થયો, એ લોકો પરમીટ ખોળતા હતા.' ત્યારે એમણે કહ્યું, 'એ તો અમે દેખાડી આવ્યા, હવે માલ લેવા દો.' મેં કહ્યું, 'હા, ત્યારે લઈ લો.' ને અમારા ભાગીદારે માલ લેવા દીધો. પછી પેલા સરકારના માણસો આવ્યા, એ અમને કહે કે, 'તમે માલ વેચી દીધો ?' અલ્યા ભઈ, અમે વેચતા જ નથી. અમે જાણતા જ નથી. આ તો પેલા માણસો લઈ ગયા.' ત્યારે એમણે કહ્યું, 'પણ અમે તમને ના કહ્યું હતું ને ? આ જપ્તીમાં લીધેલા છે ને ? આ સરકારી માલ છે. એ કેમ વેચાય ? તમારાથી અપાય કેમ કરીને ?' મેં કહ્યું, 'ભઈ, એ તો પરમીટ બતાડીને લઈ ગયા !' ત્યારે એ કહે, 'એણે ખોટું કહ્યું, આ તો તમને એણે ફસાવ્યા.' ત્યારે મેં કહ્યું, 'ભાદરણમાં અમુક નામ છે.' એ ખબર આપી. તે લોકોએ તપાસ કરી. મામલતદારે પેલા લોકોને ટૈડકાવ્યા. તો તે કહે છે, 'અમે લાવ્યા જ નથી ને !' એટલે મામલતદારે અહીં કહેવડાવ્યું એટલે પછી આ સરકારના લોકો કહે છે કે આ લોકોએ વેચી ખાધાં ! એટલે અમારી ઉપર વોરંટ કાઢ્યું.

મુખ્ય ભાગીદાર તરીકે તો અંબાલાલ મૂળજીભાઈ પટેલને ત્યાં પોલીસવાળો આવ્યો. હું અંદર બેઠેલો. પોલીસવાળો કહે છે, 'અંબાલાલ મૂળજીભાઈ છે ?' મેં કહ્યું, 'હા, હું છું.' સાંજના સાડા પાંચ વાગેલા. હું તો ગયો એની જોડે. ત્યારે ત્યાં ફોજદાર નાની ઉંમરનો બેઠેલો. ત્રીસ વર્ષની ઉંમરનો હતો. મેં કહ્યું, 'શું નામ આપનું ?' ત્યારે એ કહે, 'અહમદ મીયાં.' તે મને કહે છે, 'તમે કેમ ફસાઈ ગયા છો ?' મેં તેમને કહ્યું, 'તમને શી રીતે ખબર પડી કે હું ફસાયો છું ?' ત્યારે એ કહે, 'અમે તમને ના ઓળખીએ ? બિલાડીને ઉંદરની ગંધ આવે કે ના આવે ?' 'આવે.' 'તેમ અમને ચોરની ગંધ આવે.' એવું એણે કહ્યું. 'તમે ચોરી નથી કરી. તમે ચોરી કરી હોય તો અમને ગંધ આવે કે આ માણસે ચોરી કરી છે !' મેં કહ્યું, 'પણ સાહેબ અમે ફસાયા છીએ. શું થાય તે ?' ત્યારે એ કહે, 'પણ સાહેબ શું વાંધો થયો ? તમે થોડીવાર બેસો. હું નમાજ પઢી આવું.' તે પછી નમાજ પઢીને આવ્યા. તેમણે ચા મંગાવી. ચાના પૈસા મેં આપવા માંડ્યા ત્યારે એ કહે, 'તમારે નહિ આપવાના.' મેં કહ્યું, 'સાહેબ, કામ મારું ને ચા ઉલ્ટાં મને પાઓ છો ?' પછી એ કહે, 'તમે ફસાયા છો એવું મને લાગ્યું માટે હવે કંઈ રસ્તો કરી આપું.' 'તમે રસ્તા કાઢો છો ?' ત્યારે એ કહે,

'સીટી મામલતદારને ખબર આપો કે તમે ફોજદાર પાસેથી આ બિનવારસી મિલકત મંગાવી લો. તો પછી એની પાસે કેસ બધા જાય. પછી આ ફોજદારી ગુનો ઊડી જાય તમારો !' મિયાંભાઈને મેં કહ્યું, 'તમને હું ચોર નથી એ શી રીતે ઓળખાણ પડી ? કો'કે મારા ગજવામાં વીંટી નાખી હોય તો તમે શું કરો ?' ત્યારે એ કહે, 'અમે તરત જાણી જઈએ કે તમે ચોરી નથી કરી. આ કો'કે નાખેલી છે. ઉંદર-બિલાડી જેવું, ગંધ આવે. ડાકુ જેવી આંખ ઓળખતા નહિ હોય લોક ? આની આંખ ડાકુ જેવી છે, આની આંખ છે તે ચારિત્ર્યનો ફેલ છે, એવું નથી ઓળખાતું ? અને અમારી આંખમાં વીતરાગતા દેખાય. બધા જુએ ને કે કોઈની પર રાગે ય ના થાય ને દ્વેષે ય ના થાય.

પછી એવું થયું કે હું ઘેર આવ્યો. ત્યાં એક અંબુભાઈ પાઠક કરીને ભાઈ આવેલા. તે ડીપ્લોમા થયેલો. તે મારી પાસે કોન્ટ્રાક્ટના અનુભવની લાઈન શીખતો હતો. એટલે એ રોજ આવે. તે આવીને બેઠેલો. મેં એને કહ્યું, 'કેમ પાઠક, કેમ ? ક્યારના આવ્યા છો ?' એણે મને કહ્યું, 'તમે ક્યાં ગયા હતા ?' મેં કહ્યું, 'આવી ફસામણ હતી, તે ત્યાં ગયા હતા. હવે અહીં સીટી મામલતદારને ત્યાં જવું પડશે.' તે પાઠક મને કહે, 'મારા કાકા પરમ દા'ડે જ નવસારીથી અહીં મામલતદાર તરીકે આવ્યા. શું કામ છે તમારે ?' મેં કહ્યું, 'આવું કામ છે.' ત્યારે એ કહે, 'એ તો કરી આવીશ, તમારું કામ !' મેં કહ્યું, 'અલ્યા, આ તો બહુ ગોટાળિયું કામ છે, મને જાતે આવવા દે.' 'ત્યારે એ કહે, 'ગમે તેવું ગોટાળિયું કામ હશે તો ય હું કાકાને કહી દઈશ.' ને એણે તો એના કાકાને કહી દીધું કે કંઈક રસ્તો કાઢો ! જેટલા હજાર-બારસો ભરવાના હશે તો ભરી દઈશ.' ત્યારે એના કાકા કહે, 'ચાર આનાય નહીં !' ને એમણે કેસ જ કાઢી નાખ્યો ! એમને બધું આવડે.

એ તો આપણો ગુનો હતો જ નહીં ને આવો તો અહંકાર કર્યો કે લો, અમારા કારખાનામાં પતરાં મૂકો. કશો વાંધો નહીં. એના આ ધક્કા ખાવા પડ્યા. કંઈ દાનત ખોરી ન હતી.

પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ આપણી પાસે આવી રીતે હેલ્પ માંગવા આવ્યા કે ભાઈ, આ અમને હેલ્પ કરો, મૂકવા દો, તો તેને મૂકવા દેવું કે નહિ ?

દાદાશ્રી : અરે, મૂકવા દેવું હોય તો બોંબ મૂકીને જાય, અત્યારે તો ! મને હઉ લોકો કહે છે કે બોંબ મૂકી જાય, પણ મેં કહ્યું, 'ભાઈ હવે મૂકી જાય એનું શું થાય તે ? જે થશે એ ખરી ! છેવટે કર્મના ઉદય હશે તો જ મૂકાશે ને ! આ કંઈ દુનિયા ન્યાયમાં છે કે અન્યાયમાં ?

પ્રશ્નકર્તા : ન્યાયમાં.

દાદાશ્રી : એટલે ગભરાવું નહિ. તેમ મૂકવા દેવું એવો ય નિશ્ચય નહિ રાખવો અને નહિ મૂકવા દેવું એવો ય નિશ્ચય નહિ રાખવો અને પેલો નિશ્ચય કરીએ તો આ બાજુ પડીએ અને આ નિશ્ચય કરીએ તો પેલી બાજુ પડીએ ! વચ્ચે મોક્ષનો માર્ગ !

ઉપલકના પૈસા !

પ્રશ્નકર્તા : ધંધામાં ઉપલકના પૈસા લે તે ગુનો ના કહેવાય ?

દાદાશ્રી : શાનો ગુનો ? આ બધા ગુના છે, એ એમ જ બીવડાવ બીવડાવ કરે છે લોકો. એમાં ગુનો શાનો તે ? આ તો સરકારે કાયદો કાઢ્યો એટલે આપણે ઉપલક કરવું પડ્યું. કાયદો જ ખોટો છે એ. એવો કાયદો જ ના હોવો જોઈએ કે કોઈને ઉપલક કરવું પડે. બધા વેપારીઓને ફરજિયાત ઉપલક કરવું પડે છે. કોઈ એક વેપારી બાકી નહીં એમાં.

ઇન્કમટેક્ષથી એવો 'એ' રાખે છે કે લોકોને આવું કરવું જ પડે, નહીં તો એના હાથમાં શું રહે બિચારાના ? એટલે એ કંઈ ગુનો નથી. કોઈની પાસે ચોરી લેવું, એ કરવું અગર તો સરકારનું દાણ ચોરી લેવું, એવું તેવું કોઈ હોય તો ખોટું કહેવાય.

બે નંબરનું નાણું કાયદેસર !

અમુક દેશમાં તો એવો કાયદો સરકારે કાઢ્યો છે કે ભઈ, એક નંબરના નાણાનો વ્યવહાર જુદો અને બે નંબરના નાણાનો વ્યવહાર જુદો. એક નંબરના પૈસા બેન્કમાં જુદા જમા કરવાના. બે નંબરના પૈસા યે બેન્કમાં જુદા જમા કરવાના.

પ્રશ્નકર્તા : આ નવું સાંભળવા મળ્યું.

દાદાશ્રી : હા, પણ એવું જ હોય. કાયદેસર આવું જ હોવું જોઈએ. એ શોધખોળ બહુ સારી છે. બે નંબરની કિંમત, ભાવ ઓછો હોય. એનું વ્યાજેય ઓછું હોય પણ ચોપડામાં કામ લાગે નહીંને ! અને બધા ઇન્કમટેક્ષ ઓફિસરો જાણે કે આ બે નંબરના છે ને આ એક નંબરના છે. એને કરવાનું શું તે ? એનો ઉપાય શો તે ? એમનો છોકરો જ ધંધો કરતો હોય તે બે નંબર ને એક નંબર હોય ત્યાં. બધે આનું આ જ છે ને ! એનો શું ઉપાય બીજો !

પણ આ શોધખોળ સારી. મને ગમી. બે નંબરનું નાણું અમારું, અને આ એક નંબરનું નાણું. તેય એ જ બેન્કમાં જમા કરાવવાનું. બંનેની વિન્ડો જુદી. એક નંબરના પૈસાની વિન્ડો અને બે નંબરના પૈસાની વિન્ડો જુદી.

પ્રશ્નકર્તા : ગવર્નમેન્ટ લીગલાઈઝ કરેલું હશેને ?

દાદાશ્રી : લીગલાઈઝ કરવું જ જોઈએ આવું. નહીં તો આ તો નકામી ભાંજગડ મહીં. સરકાર મૂંઝાયા કરે અને લોકોને રૂપિયા દાબ દાબ કરવા પડે. અને આ તો પેલા રૂપિયાનું વ્યાજ ટકો, ઉપરના ઓનના રૂપિયાનું અને પેલા એક નંબરના રૂપિયાનું વ્યાજ હોય ટકો, પોણા બે ટકા, બે ટકા વ્યાજ !

કાળા બજારનાં ય પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : અત્યારે ટેક્સ(કર) એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધાં લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડેને ?

દાદાશ્રી : ચોરી કરો છો પણ પછી તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તો ય એ હળવું થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે જાણીએ કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી (હ્રદયપૂર્વક) પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છૂટાય. અત્યારે કંઈ કાળાબજારનો માલ લાવ્યા, તે પછી કાળાબજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. હા, પહેલાં પ્રતિક્રમણ કરતાં ન હતાં. તેથી કર્મનાં તળાવડાં બધાં ભર્યા. હવે આ પ્રતિક્રમણ કયર્ું એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળાબજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, ચંદુલાલ વેચો તેનો વાંધો નહીં, એ 'વ્યવસ્થિત'ના આધીન છે. પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીએ કે ફરી આવું ના થાય.

પ્રશ્નકર્તા : કેટલીક જગ્યાએ માણસો ભૂખે મરે છે અને એક બાજુ હું બ્લેકમાં પૈસા બનાવું છું, એનો સમભાવે નિકાલ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ જે કરે છે ને એ જ બરાબર છે. પ્રકૃતિ જે કરે ને એ કૉઝ(કારણ)ની ઈફેક્ટ (પરિણામ) જ છે. પછી આપણે જાણીએ, આપણને સમજણ પડે કે આ ન્યાયમાં નથી થયું. એટલે આપણે 'ચંદુલાલ'ને કહેવાનું કે આ ના કરો. માફી માંગી લેવાની કે આવું ફરી નહીં કરું, એ કહે પણ ફરી એવું જ કરે. કારણ પ્રકૃતિમાં ગૂંથાયેલું એવું છે ને ! 'આપણે' ધોતા જવાનું પછી પાછળથી.

લાંચનું કારણ !

પ્રશ્નકર્તા : લાંચ-રૂશ્વતનું કારણ તો આર્થિક અસમાનતા છેને ?

દાદાશ્રી : ના, આર્થિક અસમાનતાને લઈને નહીં. આ તો માણસની વૃત્તિઓ દિવસે દિવસે હીન થતી જાય છે. માણસો ખરાબ નથી પણ સંજોગોવશાત્, સંજોગો એવા ઊભા થયા છે, એથી આવી સ્થિતિ ઊભી થઈ છે. બાકી આ જગત જ્યારથી છે ત્યારથી લાંચ-રૂશ્વત તો ચાલુ છે. પણ પહેલાં જુદા પ્રકારની હતી. પહેલાં મસ્કો મારતા હતા. એવી લાંચ હતી. અત્યારે તો બધું રૂપિયા રૂપિયા થઈ ગયું છે.

ચોરીઓનાં ય પ્રતિક્રમણ !

લોકોની પાસેથી પડાવી લેવાના ભાવ નથી આવતા ? પૈસા પડાવી લઈએ, આમતેમ ? લોકો પાસેથી ચોરીઓ કરવાના ભાવ આવે છે ?

પ્રશ્નકર્તા : લોકોની પાસેથી ચોરીઓ એ કેવી રીતે ?

દાદાશ્રી : માલ વેચવો, તેમાં છે તે વજન વધારે લખી નાખવું.

પ્રશ્નકર્તા : એ થોડું ઘણું રહ્યા કરે.

દાદાશ્રી : હજુ ખરું ? પછી પ્રતિક્રમણ કરે છે તું ?

પ્રશ્નકર્તા : કોઈ વખતે થઈ જાય, કોઈ વખત નથી થતું.

દાદાશ્રી : બધું ધ્યાન તો રાખવું પડેને ? સો કિલોને બદલે એકસો એક કિલો ચઢાવી દો તો એક કિલોની ચોરી કરીને ?

પ્રશ્નકર્તા : એનું પ્રતિક્રમણ કરીએ તો શું થાય ?

દાદાશ્રી : આપણે એના અભિપ્રાયમાં નથી. એવો અભિપ્રાય આજે નથી. આજે તો પૂર્વ ફોર્સથી થયા કરે છે આ. આજે તારો એવો ચોરી કરવાનો અભિપ્રાય ખરો ?

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : એટલા માટે પ્રતિક્રમણ કર્યું તો જાણવું કે, આજે એનો અભિપ્રાય નથી. પૂર્વ ફોર્સથી થયા કરે છે.

પ્રશ્નકર્તા : એનું આવતા ભવે કર્મફળ બદલાઈ જાય ?

દાદાશ્રી : નહીં. આ ભવમાં જ ઊડી ગયું કહેવાયને ? જગતના લોકોને ચોરી કરવાનો અભિપ્રાય હોય, તે અભિપ્રાય તો મજબૂત કરે કે આ કરવું જ જોઈએ. અને તને શું થાય ?

પ્રશ્નકર્તા : આવું ના હોવું ઘટે.

દાદાશ્રી : એટલે તું ઉત્તરમાં જઈ રહ્યો છે ને લોક દક્ષિણમાં જઈ રહ્યું છે. આ તો ચંદુલાલનું પાછલું સ્વરૂપ દેખાય છે. કેવું ભયંકર હતું એ હિસાબે ! પાછલું સ્વરૂપ કેવું હતું ?

પ્રશ્નકર્તા : બહુ ભયંકર. પ્રતિક્રમણ કર્યા પછી ફરી દોષો કન્ટીન્યુઅસ દેખાયા જ કરતા હોય તો શું કરવું ?

દાદાશ્રી : એનાં ફરી ફરી પ્રતિક્રમણ કરવાં. નહીં તો બધા દોષોનું જાથું પ્રતિક્રમણ કરવું. પા કલાક દોષો દેખાયા કરતા હોય, પછી જાથું પ્રતિક્રમણ, ભેગું પ્રતિક્રમણ કરવું જોઈએ.

એક સારા આબરૂદાર ઘરનો છોકરો હતો. પણ તેને ચોરીની કુટેવ પડી ગયેલી. તેણે ચોરી બંધ કરી દીધી. પછી મારી પાસે આવીને એ કહે, 'દાદા, હજુ લોકો મને ચોર કહે છે.' ત્યારે મેં એને કહ્યું, ''તું દસ વર્ષથી ચોરી કરતો હતો, તો ય લોકોએ તને ઓળખ્યો નહીં, ત્યાં સુધી તને લોકો શાહુકાર કહેતા હતા. હવે તું ચોર નથી. શાહુકાર થઈશ તો ય દસ વર્ષ સુધી ચોરનો પાછલો પડઘો પડ્યા કરશે. માટે તું દસ વર્ષ સુધી સહન કરજે. પણ હવે તું ફરી ચોરીઓ કરતો ના થઈ જઈશ. કારણ મનમાં એવું લાગે કે, 'આમે ય મને લોક ચોર કહે છે જ, માટે ચોરી જ કરો ને ! એવું ના કરીશ.'

પોલમ્પોલ ચાલ્યું જાય એવું નથી. અમારેય જ્ઞાન થતાં પહેલાંના પડઘા અમારા સગાંસંબંધીઓને રહ્યા કરે !

પ્રશ્નકર્તા : તો એ પડઘા જલદી જાય કેમ ?

દાદાશ્રી : ધીમે ધીમે જવા જ માંડ્યા છે.

જય સચ્ચિદાનંદ