|
ટાળો, ભ્રાંતિ કર્તાપદની ! સંપાદકીય દરેક માણસ નાનપણથી પોતાના કુળધર્મના સંસ્કાર પામતો જ હોય છે. મોટો થાય તેમ ધર્મમાં કંઈ ને કંઈ સાધના કર્યા કરતો હોય છે. જેમ કે ભક્તિ, સેવા-પૂજા, જપ-તપ, ઉપવાસ પણ છતાં દુઃખોથી મુક્તિ થતી નથી, અંતર શાંતિ વળતી નથી. કેટલાંક તો કઠોર તપશ્ચર્યા કરે છે છતાં સંસાર પરિભ્રમણમાંથી મુક્તિ કેમ અનુભવાતી નથી ? આટલા બધા શાસ્ત્રો છે, સંતો-મહંતો પ્રવચન-વ્યાખ્યાન આપે છે. દેહ જુદો છે ને આત્મા જુદો છે એવું બધાને ખબર છે છતાં અંદરથી વિદેહી દશા કેમ અનુભવાતી નથી ? ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-ચિંતા-ટેન્શન-ક્લેશથી છૂટકારો કેમ મળતો નથી ? કઈ ભૂલ રહી ગઈ છે ? એક તરફ કહે છે, મારે આત્મા જાણવો છે અને તેને માટે કહે છે, 'હું ધ્યાન કરું છું, હું જપ કરું છું, હું તપ કરું છું, હું ભક્તિ કરું છું.' આમ કંઈ પણ કર્તાપણું છે ત્યાં સુધી આત્મસાક્ષાત્કાર નહીં થાય. કંઈ પણ કરવાપણું છે ત્યાં સુધી અશુભ છોડીને શુભમાં જઈ શકાશે. છતાં શુભ કરવાથી પુણ્ય બંધાય પણ મુક્તિ તો ના જ થાય. આત્માની ગમે તેટલી વાતો કરવા છતાં જ્યાં સુધી કર્તાપદની ભ્રાંતિ ટળતી નથી ત્યાં સુધી આત્માનો એક્ઝેક્ટ અનુભવ-લક્ષ-પ્રતીતિ ઉત્પન્ન થતાં નથી. જ્યારે કર્તાભાવ છૂટે તો આત્મસાક્ષાત્કાર થાય, તો કર્મબંધનથી મુક્ત થવાય. તો જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે. મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાએ છેવટે કહ્યું કે 'હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જ્યમ શ્શવાન તાણે. સૃષ્ટિ મંડાણ છે એણી પેરે, યોગી યોગેશ્શવરા કો'ક જાણે !' અખા ભગતે કહ્યું કે, 'જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી. કર્તા છૂટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ.' શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું કે, છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ. નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.' તમામ સંતો-ભક્તો, જ્ઞાનીઓએ કર્તાપદની ભ્રાંતિમાંથી છૂટવાની જ વાત લખી છે, પણ એ ભ્રાંતિ ટળે શી રીતે ? કર્તાપદની ભ્રાંતિ અનાદિકાળથી પેસી ગઈ છે અને તે નીકળતી જ નથી. એ તો જ્યારે કોઈ સમર્થ પૂર્ણ આત્મજ્ઞાની પુરુષ પ્રત્યક્ષ હોય, ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી, જોડે જોડે કર્તા કોણ છે એનું અભૂતપૂર્વ જ્ઞાન પ્રાપ્ત કરાવી દે, ત્યારે ભ્રાંતિમાંથી મુકત થઈ જાય છે અને ફરી ભ્રાંતિના ચક્કરમાં ફસાતો નથી. પ્રસ્તુત સંકલનમાં ભ્રાંતિ કર્તાપદની કેવી રીતે ઊભી થાય છે ? ભ્રાંતદશાથી કેવા કેવા ગૂંચવાડા થાય છે ? ભ્રાંતિ છૂટે કેવી રીતે ? અને જે કર્તાસંબંધીની વાસ્તવિકતા છે તેના અદ્ભૂત ફોડ પરમ પૂજ્ય આત્મવિજ્ઞાની પુરુષ દાદાશ્રીના શ્રીમુખેથી નીકળેલી જ્ઞાનવાણી દ્વારા આપણને પ્રાપ્ત થયા છે તે અત્રે સંકલિત થયા છે. જે વાંચકને સૂક્ષ્મ ફોડ કર્તાપદની ભ્રાંતિ ટાળવાની સમજ માટે વાંચકને ઉપયોગી નીવડશે! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ ટાળો, ભ્રાંતિ કર્તાપદની ! તત્ત્વો ચોંટ્યા ભ્રાંતિરસથી ! આત્મા અને અનાત્મા બે જુદા તો છે જ. એ કંઈ એકાકાર થયા નથી. પણ ચોંટ્યા છે શેનાથી ? ત્યારે કહે, 'ભ્રાંતિરસથી ચોંટ્યા છે ! ભ્રાંતિરસ ક્યાંથી આવ્યો ? ત્યારે કહે, 'મેં આ કર્યું' એમ કહેતાની સાથે રસ બેની વચ્ચે પડ્યો પાછો. એ રસ એટલો બધો ચીકણો છે કે વરસ દહાડાનો હોય તોય એ ઊખડે નહીં. તો આ તો રોજ રોજ પડે છે ! એટલે પછી વાત જ શી કરવી ? આ ભ્રાંતિનો રસ એટલો બધો ચીકણો છે કે વર્લ્ડમાં કોઈ ચીજ એવી ચીકાશવાળી ના હોય ! આ ભ્રાંતિનો રસ ક્યાંથી લાવ્યા ? 'હું ચંદુભાઈ' બોલ્યા કે તરત રસ ઉત્પન્ન થયો. અને 'આ બેગ મારી છે' બોલ્યા કે તરત રસ ઉત્પન્ન થયો. આ બેઉ રસ ભેગા થઈને ભ્રાંતિરસ ઉત્પન્ન થાય છે. તે નિરંતર આ રસ પડ્યા કરે ને જૂનો નીકળ્યા કરે. હવે જ્ઞાની પુરુષ એ ભ્રાંતિરસ ને બધું ઓગાળી આપે. પછી છૂટું પડી જાય, પછી સહુ સહુના સ્વભાવને ભજે. પુદગલ પુદગલના સ્વભાવને ભજે અને આત્મા આત્માના સ્વભાવને ભજે. પણ જુદું પડ્યા પછી. જ્યાં સુધી ભ્રાંતિથી એકાકાર હોય ત્યાં સુધી 'કર્તા હું ને જાણકારેય હું'! એવું બોલે, 'આ મેં કર્યું, આ હું જાણું છું'! અને પછી આ તો બેઉ જુદે જુદાં થઈ જાય !! જગત ભાષામાં કયો ભાગ ભ્રાંતિનો ? પ્રશ્નકર્તા : જો કરવાનું ના હોય તો પાપ-પુણ્ય બંધાય જ નહીં ? દાદાશ્રી : પાપ-પુણ્ય એ છે તે એક ભ્રાંતિજન્ય અહંકાર છે. પોતાનું સ્વરૂપ અહંકારથી વિમુક્ત છે. અનાદિથી મુક્ત છે પોતાનું સ્વરૂપ અને તે પોતાનું સ્વરૂપ પરમાત્મા જ છે, જો ભાન થાય તો. ના ભાન થાય તો જીવાત્મા છે. એનો એ જ જીવ છે તે શિવ છે, ફક્ત દ્રષ્ટિફેરથી છે આ બધું ! કોઈ માણસને આંખ આમ થઈ ગઈ હોય તો બે લાઈટ દેખાય. પછી આપણે કહીએ કે 'છેવટે આ બે લાઈટ નથી, એક જ છે !' ત્યારે એક દેખાય. પ્રશ્નકર્તા : તો બધા જીવને એક સાથે એક સરખી કેમ ભ્રાંતિ થાય છે ? દાદાશ્રી : ભ્રાંતિમાં જ છે જગત આખું. આખું જગત ક્રોધ-માન-માયા-લોભને આધીન છે. એટલે પ્રકૃતિવશ છે અગર તો કષાયોને વશ છે. પોતાના સ્વાધીન છે જ નહીં, ભગવાનને ય આધીન નથી. પ્રશ્નકર્તા : ક્રિયા જો ભ્રાંતિ હોય, તો પાપ-પુણ્ય થયું કેવી રીતે અને પછી પાપ-પુણ્ય ભોગવે છે કઈ રીતે ? દાદાશ્રી : ભ્રાંતિથી પાપ-પુણ્ય થાય છે અને ભ્રાંતિથી ભોગવે છે. પ્રશ્નકર્તા : ભ્રાંતિનો ભાગ કયો, જગત ભાષામાં ? દાદાશ્રી : જે પોતે ન હોય, પોતે ન હોવા છતાં 'હું છું' એમ માનવામાં આવે એ એક અને પોતે ન કરતાં હોવા છતાં 'હું કરું છું', એ બે. પોતે ભોગવતા ન હોય છતાં 'હું ભોગવું છું' એ ત્રણ. એવી કેટલીય ભ્રાંતિની ભાષા ! 'હું ચંદુભાઈ છું' એ પહેલી ભ્રાંતિ, 'મેં ઓપરેશન કર્યું' બીજી ભ્રાંતિ, 'આ મેં ભોગવ્યું' એ ત્રીજી ભ્રાંતિ, 'આ બાઈનો ધણી થઉં, આનો આમ થઉં, તેમ થઉં' બધી ભ્રાંતિ. ખરેખર પોતે કર્તા કે અકર્તા ? વાત કરેકટ છે કે પોતે કર્તા હોવા છતાં અકર્તા છે. બાય 'રિલેટીવ વ્યુ પોઈન્ટ' 'એ' કર્તા છે. આમ પાછો 'રિયલ વ્યુ પોઈન્ટ'થી અકર્તા છે. પણ 'એને' લેપ લાગવાનું કારણ એટલું જ છે કે બે દ્રષ્ટિથી જોતો નથી. એક જ દ્રષ્ટિ કરી નાખે છે કે 'હું કર્તા જ છું.' ભ્રાંતિ કરી નાખે છે કે હું જેમ છે તેમ કર્તા છું. અકર્તાપદ ભૂલી જાય છે. તે 'હું કર્તા છું' એમ માને છે, એટલે લેપ લાગે છે. આ બન્ને વ્યુ પોઈન્ટથી જુએ એને લેપ લાગે નહીં. જેમ છે તેમ જુએ અને તેમ માને અને તેમ વર્તે તો લેપ લાગે નહીં. આ જગત આખું 'હું કર્તા છું' એક જ પદ માને છે, એ જ ભ્રાંતિ છે. કરવું-ના કરવું કે જાણવું ? પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી. દાદાશ્રી : ના કરવા જેવું ય નથી રહેતું. પ્રશ્નકર્તા : ના કરવા જેવું તો કરતાં જ નથી. દાદાશ્રી : અને કરવાં જેવું ય નથી રહ્યું ને ના કરવા જેવું ય નથી રહેતું. પ્રશ્નકર્તા : તો શું કરવાનું ? દાદાશ્રી : જાણવાં જેવું છે જગત ! પ્રશ્નકર્તા : જાણવું કઈ રીતે ? દાદાશ્રી : 'અત્યારે શું બની રહ્યું છે' એ જોયા કરવાનું ને જાણ્યા કરવાનું, બસ. પણ એને ખરેખર પોતે કર્તા નથી, 'રોંગ બિલિફો' બેસી ગઈ છે. કર્તા તો એક ક્ષણવાર 'પોતે' થયો જ નથી ! હવે એ 'રોંગ માન્યતા' કાઢી નાખે પછી એ જતું રહે. ભ્રાંતિ છે તેથી એકતા ભાસે ! પ્રશ્નકર્તા : પણ પુદગલ સાથે આત્મા હોય ને ? દાદાશ્રી : આ તો ભ્રાંતિ છે માટે પુદગલ સાથે છે, નહીં તો ભ્રાંતિ ગયા પછી પુદગલને અને આત્માને કશી લેવાદેવા નથી ને ! ભ્રાંતિ ગયા પછી તો જેટલું 'ચાર્જ' થયેલું છે એટલું 'ડિસ્ચાર્જ' થઈ જાય એટલે પછી ખલાસ થઇ ગયું. પછી નવું 'ચાર્જ' ના થાય. આ જે કર્મો બધાં અત્યારે થાય છેને તે કર્મનો, જો 'હું માલિક છું' એમ કહે, 'મેં કર્યાં' એમ કહે તો નવો હિસાબ બંધાય અને 'આ વ્યવસ્થિતે કર્યા' અને 'હું તો શુધ્ધાત્મા છું' એવું સમજાય તો કર્મો જોડે એને લેવાદેવા નથી. કર્તાની માન્યતા બદલે વારંવાર ! એ તો જ્યારે સારું થાય, કોઇ વખાણે કે 'અરે, આમણે આ કેવું સરસ કર્યું.' ત્યારે કહે, 'મેં કર્યું હતું.' અને ખોટું થાય ત્યારે કહેશે, 'આ મારા કર્મના ઉદય ફરી વળ્યા છે.' આખું જગત આવું બોલે છે. કર્તાપદ કોઇ કાળે ય છૂટે નહીં. બધું છૂટશે પણ કર્તાપદ નહીં છૂટે. કર્તાપદનું ભાન તૂટે નહીં ત્યાં સુધી અહંકારી કહેવાય ને અહંકાર એટલે ભ્રાંતિ. સંપૂર્ણ ભ્રાંતિવાળાને 'ત્યાં' પેસવા ના દે. કર્તાપદનું ભાન તૂટી જવું જોઇએ કે ના તૂટી જવું જોઇએ ? શુધ્ધાત્મા બોલે ખરા, પણ તેથી કાંઇ વળે નહીં. એ તો કર્તાપદનું ભાન તૂટે ને કર્તા કોણ છે એ સમજાય પછી કામ આગળ ચાલે. નહીં તો કેમ ચાલે ? જ્યાં સુધી કર્તાપદ છે ત્યાં સુધી અધ્યાત્મની જાગૃતિ જ ગણાતી નથી. કર્તાપદ છૂટ્યા સિવાય કોઇ બાપો ય પેસવા દે એમ નથી મોક્ષના દરવાજામાં ! કર્તાપદ છૂટે તો આત્મભાન ટકે ! 'હું ચંદુલાલ છું' એ ભ્રાંતિ તૂટી જવી જોઇએ અને કર્તાપદ છૂટી જવું જોઇએ. પછી નાટકીય કર્તાપદ રહે. 'ડ્રામેટિક' કર્તાપદ એટલે શું ? 'મેં કર્યું' એમ કહે. જેમ ભર્તુહરી રાજા નાટકમાં બોલે કે 'હું રાજા છું.' પણ જોડે 'હું લક્ષ્મીચંદ છું ને ઘેર જઇને ખીચડી ખાવાની છે' એ ભૂલી ના જાય. એવી રીતે આ જ્ઞાન લીધા પછી તમે 'હું શુધ્ધાત્મા છું' એમ ભૂલી ના જાવ. ને 'આ મેં કર્યું' એમ બોલો એ 'ડ્રામેટિક' કહેવાય. કર્તાપદનું ભાન તૂટી જવું જોઇએ. નહીંતર શુધ્ધાત્મા તો લોકો ગા ગા કરે જ છે ને ? શાસ્ત્રમાં તો લખ્યું જ છે ઉઘાડું, એવું એ શાસ્ત્ર ગા ગા કરે પણ એથી કંઇ એનો દહાડો વળે એમ નથી. એવું તો અનંત અવતારથી ગાયું છે. ' હું કરું છું' એ બધી જ ભ્રાંતિ ! પરાઈ શક્તિને પોતાની માને છે, એનું નામ ભ્રાંતિ. આ વાત થોડીક સમજાઈ આપને ? બે આની કે ચાર આની સમજાયું ? પ્રશ્નકર્તા : હા, સમજાય છે. દાદાશ્રી : એટલું સમજાય તો ઉકેલ આવે. આ બધી પરસત્તા છે. તેથી તો કહું છું કે આ વર્લ્ડમાં એવો કોઈ જન્મ્યો નથી કે જેને પોતાની કંઈ પણ કરવાની સ્વતંત્ર શક્તિ હોય. પણ આ શી રીતે માન્યામાં આવે ? તમને માન્યામાં આવે છે ? નથી આવતી ને ? એટલે શી રીતે માન્યામાં આવે ? એ તો જ્યારે ધાર્યું ના થાય ને ત્યારે ખબર પડે કે ઓહોહો ! આ મારાથી થતું નથી. એટલે આ લોક જે બધાય બોલે છે ને, મેં આટલું કર્યું, આમ કર્યું, પદ્માસન કર્યાં, એ કર્યું, એ બધું જ ભ્રાંતિ છે ! પોતાની સત્તા કેટલી ? તમે કોઈ દહાડોય ખાધું પણ નથી ને ! આ તો બધું ચંદુલાલ ખાય છે ને તમે મનમાં માનો છો કે મંે ખાધું. ખાય છે ચંદુલાલ ને સંડાસે ય ચંદુલાલ જાય. તમે તો વગર કામના આમાં સપડાયા છો. એ સમજાય છે આપને ? પ્રશ્નકર્તા : એ સમજાવો. દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસ સંડાસ જવાની સ્વતંત્ર સત્તાવાળો જન્મ્યો નથી. સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી કોઈને, તો બીજી કઈ સત્તા હશે ? આ તો જ્યાં સુધી પોતાની મરજી મુજબ થોડું ઘણું થાય છે એટલે મનમાં માની લે છે કે મારાથી જ થાય છે બધું. જ્યારે અટકેને, ત્યારે ખબર પડે. મેં ફોરેન રીટર્ન ડૉકટરોને અહીં વડોદરામાં ભેગા કર્યા હતા, દશ-બાર જણને. મેં કહ્યું, 'સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ તમારામાં નથી', એટલે એ ઊંચાનીચા થવા માંડ્યા. પછી કહ્યું કે એ તો અટકશે ત્યારે ખબર પડશે. ત્યારે ત્યાં આગળ હેલ્પ લેવી પડે કોઈકની. માટે આ તમારી સ્વતંત્ર શક્તિ જ નથી. આ તો ભ્રાંતિથી તમે કુદરતી શક્તિને પોતાની શક્તિ માની લીધી છે. પરસત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ ભ્રાંતિ. આ વાત થોડીઘણી સમજાઈ આપને ? બે આની કે ચાર આની સમજાયું ? પ્રશ્નકર્તા : હા, સમજાય છે. દાદાશ્રી : એટલું સમજાય તો ય ઉકેલ આવે. આ બધા લોકો જે બોલે છે ને કે, 'મેં આટલું તપ કર્યુ, આમ જાપ કર્યા, ઉપવાસ કર્યા' એ બધું જ ભ્રાંતિ છે, છતાંય જગત તો આવું ને આવું જ રહેવાનું. અહંકાર કર્યા વગર રહેવાનું નથી. સ્વભાવ છે ને ? મહાભેદ છે ધર્મ અને વિજ્ઞાનમાં ! આ તો વિજ્ઞાન છે અને આ સંસારના બધા ધર્મ છે. ધર્મમાં વિજ્ઞાન હોય નહીં અને વિજ્ઞાનમાં ધર્મ ના હોય. ધર્મ શુભાશુભ હોય. આ ખોટું છોડો ને સારું કરો. ખોટું છોડો ને સારું કરો, પણ એ ધર્મ ! અધર્મને ધક્કા મારવા એનું નામ ધર્મ અને તે ધર્મ એટલે ભ્રાંતિ. સારું કરો તો ય ભ્રાંતિ. ભ્રાંતિ એનું નામ કે જૂઠું ને સાચું એક કાંટે તોલાય. કર્તા પોતે થયો ને જગતમાં કર્તા કોઈ છે નહીં. બધા 'કરો, કરો, કરો' કહે છે. તપ કરો, ધ્યાન કરો, યોગ કરો, બધું કરવાનું કહે છે. જ્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી ગૂંચવાડો છે, સંસાર છે. હા, 'ઈટ હેપન્સ' જે સમજે તો સાચું, બાકી અક્ષરે ય સાચો નહીં ને ખોટું ફાંફાં મારીએ !! બાકી બીજા બધા તો 'કરો કરો' કહે. અંગ્રેજોના શાસ્ત્રો 'કરો, કરો' કહે ! મુસ્લીમોના શાસ્ત્રો 'કરો, કરો' કહે, વેદાંતે ય 'કરો, કરો' કહે ને જૈનો ય 'કરો, કરો' કહે ! આ તો કોઈ જ્ઞાની એકલા જ હોય તે જ કહે, 'આવું કરવાની જરૂર નથી. કરી કરીને તો આ દશા થઈ તમારી !' એટલે કંઈ પણ કરવાનું કહેવામાં આવે છે ત્યાં આગળ બંધનરહિત થવાનો માર્ગ જ નથી. આમ કરો કે તેમ કરો કે ફલાણું કરો. કરવાપણું એ જ ભ્રાંતિ છે. કરવાનું કહે છે, એ ભ્રાંતિને વધારનારું છે. અહંકાર ઓછો કરવાનો જે લોકો કહે છે, એ કંઈક સાચો માર્ગ છે. અહંકાર જેટલો ઓછો થાય એ રસ્તે કંઈક કરો, તો એ માર્ગ સાચો છે. કર્તાપણું ત્યાં મોક્ષમાર્ગ નથી ! આ બધું રિલેટીવ છે અને રિલેટીવ એ બધું વિનાશી છે. એ જ્યાં કરવાનું કહે કે આમ કરો, તેમ કરો, ત્યાં આગળ મોક્ષમાર્ગ છે નહીં. જ્યાં કર્તાપણું નથી ત્યાં આગળ મોક્ષમાર્ગ છે. જેને મોક્ષ જોઈતો હોય તો આ કર્તાપણું ના જોઈએ અને કર્તાપણું હોય ત્યાં મોક્ષમાર્ગ નથી. એટલે જ્યાં કરવાપણાનો ઉપદેશ આપે છે કે 'આવું કરો, આમ કરો, તેમ કરો, ફલાણું કરો' એવું કહે છે, ત્યારથી આપણે ના સમજીએ કે આ કરવાનું શીખવાડે છે ! એટલે આપણે ત્યાં આગળ મોક્ષમાર્ગની વાત કોઈએ કરવી નહીં. મુક્તિની ય વાત કરવી નહીં. વાંધા, વચકા ને અજ્ઞાન માન્યતાઓ આ ત્રણથી જગતની ભ્રાંતિ ઊભી રહી છે. આ ત્રણ જ શબ્દો કાઢવા માટે આખા જગતનાં શાસ્ત્રો રચ્યાં છે! શુભાશુભ ધર્મ ત્યાં લગી છે ભ્રાંતિ ! શુભ કરવું એ તો ભૌતિક સુખો જોઈતા હોય તો ખોટું નથી, પણ મોક્ષ જોઈતો હોય તો ખોટું છે. આ ક્યારે પાર આવે ? તારે જવું છે સ્ટેશને ને તું પાછો ખેતીવાડી કરવા જઉં, અહીંથી ફોરેન જવાનું હોય અને ગામમાં ખેતરોમાં ખેતીવાડી કરી આવે, દાણા નાખી આવે તો ચાર મહિના તો રહેવું જ પડેને પાછું અહીં. એવું આમાં દાણા નાખ નાખ કર્યા કરે છે. પહેલાં નર્યા ઊંધાં-ચત્તાં કરતો હતો. ત્યારે હવે કહે છે, 'તમે શુભ કરો.' અલ્યા, અશુભમાંથી શુભમાં શું કામ ઘાલો છો ? અહીંથી ઉકેલ જ લાવી નાખોને ! કર્તાપદ જ ભ્રાંતિ છે, એ પછી 'શુભ કરો કે અશુભ કરો' એ બેઉ ભ્રાંતિ છે. એક સોનાની બેડી ને એક લોખંડની બેડી ! જ્યાં કંઈ પણ કરવાનું છે ત્યાં સંસાર છે. ત્યાં સુધી એને સાચો ધર્મ કહેવાય નહીં. આ સોનાનો ધર્મ શું ? એને કાટ ચઢે ખરો ? એટલે પોતાના સ્વભાવમાં રહે તો ધર્મ કહેવાય. એટલે તમે આત્મા છો, તે આત્મસ્વરૂપમાં રહો તો જ ધર્મ કહેવાય. આ તો દેહાધ્યાસ છે. ખોટાં કર્મ છોડાવડાવે ને સારાં કર્મ કરાવડાવે. એ બધી જ ભ્રાંતિ છે. સારા કર્મે ય ભ્રાંતિ છે ને ખોટા કર્મે ય ભ્રાંતિ છે, પણ તેથી કરીને સારાં કર્મો છોડી દેવાનું હું નથી કહેતો. ખોટામાંથી સારામાં જાય છે એ સારી વાત છે, પણ તો ય ભ્રાંતિ જતી નથી. ભ્રાંતિ ગયા પછી સાચા ધર્મની શરૂઆત થાય છે. યથાર્થ ધર્મ તો તેને કહેવાય કે ભ્રાંતિ ના હોય. દેહાધ્યાસ જાય ત્યાર પછી 'હું શુધ્ધાત્મા છું' બોલાય. દેહાધ્યાસ ના ગયો હોય ત્યાં બોલાય નહીં. દેહાધ્યાસ એટલે 'હું ચંદુભાઈ છું.' આ દેહ તે 'હું છું' અને કર્તા 'હું છું' આ ભાન એ દેહાધ્યાસ કહેવાય. એટલે એ સૂક્ષ્મજ્ઞાનને પામે નહિ એ લોકો. દેહાધ્યાસ છૂટે નહિ ત્યાં સુધી કર્તાપણું છૂટે નહિ. કર્તાપણું છૂટે નહિ ત્યાં સુધી ભોક્તાપણું છૂટે નહિ. સંસાર ચાલ્યા જ કરે. 'જ્ઞાની પુરુષે' તો બહુ લખ્યું છે શાસ્ત્રમાં, સહુ સહુની સમજણ પ્રમાણે ગ્રહણ કરેને ! કર્તાપદ ગયું નહીં, કર્તાભાવ ગયો નહીં, કર્તાપદનું ભાન ગયું નથી. હા, એટલે ભોક્તાપદનું ભાન છે. એટલે કષાય ઊભા રહ્યા છે. ભોક્તાપદનું ભાન ના હોય તો કષાય જતાં રહે. જ્ઞાન સમજ્યાનું પરિણામ વર્તન ! શાસ્ત્રમાં લખ્યું છે કે 'ક્રોધ ના કરો, લોભ ના કરો, હિંસા ના કરો, આમ ના કરો.' તે આ પાછા લોક કરવા જાય છે. 'એ ય લોભ કરશો નહિ.' અલ્યા, શાથી એવું કરે છે ? ત્યારે કહે, 'મહીં શાસ્ત્રમાં લખ્યું છે તે.' મેં કહ્યું, શાસ્ત્રમાં તો જ્ઞાન લખ્યું છે. જ્ઞાન કરવાનું ના હોય. આખું જગતે ય એ ભૂલ્યું છે. આ હું એકલો જ ફોડ પાડું છું કે જ્ઞાન કરવાનું ના હોય, જ્ઞાન સમજવાનું હોય. અને વર્તન તો એની મેળે જ આવે. તો આ તો જ્ઞાન પ્રમાણે જ કરવા જાય છે. મારી વાત સમજાય છે ? પ્રશ્નકર્તા : હા, જ્ઞાન સમજે એટલે વર્તનમાં આવી જ જાય. દાદાશ્રી : તમારે છેલ્લે સ્ટેશને જવાનું હોય તો કરવાનું ના હોય કશું ય. તમારે બીજે સ્ટેશને જવું છે, વચલા સ્ટેશને જવું છે ને ?! કારણ કે જ્યાં કરવાનું હોય ત્યાં તો છેલ્લું સ્ટેશન હોય જ નહીં ને ! જ્યાં કરવાનું હોય ત્યાં ભ્રાંતિ વધતી જાય ઊલટી. કર્તાપણું એ જ ભ્રાંતિ છે. તો પછી આ તો પાછું ઉમેરાયું કર્તાપણું કે 'આ કરો ને તે કરો ને ફલાણું કરો ને આમ કરો.' કર્તાપદ એ ભ્રાંતિ, નહીં ? તોય ભ્રાંતિ ને ભ્રાંતિ જ ! પ્રશ્નકર્તા : આપણી ભાવના સારી હોય, કોઈ સંત વિશે, અને એમની ફિલોસોફી વાંચીને પણ આપણા હ્રદયમાં આનંદ થાય અને આપણે એને અનુસરીએ તો એ સારી વાત નથી ? દાદાશ્રી : સારું કહેવાય. પણ તમે તો કરવાના ને ! એમના કહ્યા પ્રમાણે તમે કરવાના ને ! એટલે ભ્રાંતિ વધારો છો. એ એવું નથી કહેતા. આ ભ્રાંતિ ઓછી કરીને પેલી ભ્રાંતિ વધારો છો. બધી ભ્રાંતિ ને ભ્રાંતિ જ છે ને ! 'હું ધર્મ કરું છે' તેય ભ્રાંતિ છે અને 'હું સંસાર કરું છું' તેય ભ્રાંતિ છે. બન્ને ભ્રાંતિ. ભ્રાંતિ વધે છે ઊલટી ! ભ્રાંતિથી ભ્રાંતિને કાપવું એમ ક્રમિક માર્ગમાં કહ્યું છે. દા.ત. કપડું મેલું હોય તો તેનો મેલ કાઢવા સાબુ જોઈએ. હવે તે સાબુ એનો મેલ મૂકતો જાય. તે સાબુનો મેલ કાઢવા વળી ટીનોપોલ જોઈએ. તે ટીનોપોલ સાબુનો મેલ કાઢે પાછો તે પોતાનો મેલ મૂકતો જાય. આમ ઠેઠ સુધી જે જે સાધનો વાપરે તે તે તેનો મેલ મૂકતાં જાય. નિર્મળ ક્યારેય ના થાય. એ તો નિર્મળ એવા જ્ઞાની પુરુષનો ભેટો થાય ત્યારે જ નિર્મળ થાય. જ્ઞાની પુરુષ જે પોતે સંપૂર્ણ નિર્મળ થયા હોય, શુધ્ધ થયા હોય તે જ તમારાં એકેએક પરમાણુને છૂટા પાડી તમારાં પાપોને ભસ્મીભૂત કરીને કેવળ શુધ્ધાત્મા તમારા હાથમાં આપે ત્યારે ઉકેલ આવે. ત્યારે જ મોક્ષ થાય. નહીં તો અનંત અવતાર લૂગડું ધો ધો કરવાનું અને જેનો સાબુ ધોવા લીધો તેનો મેલ ચોંટતો જાય. પોતાનું ધાર્યું થાય કેટલું ? પ્રશ્નકર્તા : પણ આપણે પછી કરીએ છીએ તો ખરાં જ ને ! આ બધી ક્રિયાઓ તો થાય છે જ ને! દાદાશ્રી : ના, આપણે જો કર્તા હોય ને, તો આપણું ધાર્યું થાય. આ વર્લ્ડમાં એક પણ માણસ પોતે કરતો હોય તો એનું ધાર્યું જ કરે. પણ એ ધાર્યું એક સેકન્ડ થાય નહીં. આ તો કરે છે બીજો અને પોતે ઈગોઈઝમ કરે છે, 'હું કરું છું' બસ. એટલું જ છે અને તે ભમરડા કહ્યા છે મેં. આખા વર્લ્ડના મનુષ્યોને ભમરડા કહ્યા છે. ખરી રીતે આ કશુંય કરતો નથી, 'ઈટ હેપન્સ' થઈ રહ્યું છે. તમે શું ઊંઘતાં હોય તે ઘડીએ આ રાત પસાર નહીં થતી હોય ? પ્રશ્નકર્તા : હા, થાય. દાદાશ્રી : તો સવારે સાત ના વાગે ? પ્રશ્નકર્તા : વાગે. દાદાશ્રી : લોકો ચા-પાણી ના પીવે ? પીવે જ. બધું થઈ રહ્યું છે આ અને મનમાં કહે છે, 'હું કરું છું.' એ ભ્રાંતિથી ભાસે છે એને, એવું લાગે છે કે 'હું જ કરું છું.' મારા સિવાય બીજું કોઈ દેખાતું નથી. શી રીતે દેખાય તને ! તારી પાસે દ્રષ્ટિ જ નથી ત્યાં આગળ ! અને તે આંખોની ય દ્રષ્ટિ ક્યાં છે ? બળ્યા, ચશ્મા લઈ આવે છે અને દાબડા ઘાલે છે. શરમ નથી આવતી તને ! શરમ આવવી જોઈએ કે દાબડા પહેરવા પડ્યા ! ઉપરવાળાની કૃપા કે પછી... પ્રશ્નકર્તા : આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, એમાં એવું જ માનીએ છીએને કે 'હું કરું છું' એમ. દાદાશ્રી : એટલે આ માને છે એટલું જ, તેની જ ભ્રાંતિ છે ને તેથી આ ભટકે છે. એટલે પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે પોતાને સમજાઈ જાય કે આ હું કર્તા ન હતો. 'કર્તા કોણ હતો ?' એ જ્ઞાની પુરુષ દેખાડી દે. જો ભગવાન કર્તા હોય તો ભગવાનને બંધન થાય. તમે કરો તો તમને બંધન થાય. માટે કર્તા ભગવાને ય નથી ને તમે ય નથી. કર્તા બીજી વસ્તુ છે અને 'આપણે કરીએ છીએ' એવું કહીએ છીએ, એટલે આપણને બંધન થાય છે. એ કર્તાપણું છૂટી જાયને એટલે આપણે છૂટી જઈએ. 'કરે' તે ન કદિ પરમાત્મા ! એટલે કંઈ પણ 'હું કરું છું' એ ભાન, એ આત્મા ક્યારેય પણ પ્રાપ્ત ના કરાવે. જ્યાં સુધી તમે કરો છો, ત્યાં સુધી ભ્રાંતિમાં છો. જ્યાં સુધી જગતમાં કંઈ પણ તમે કરો છો, એવું ભાન છે ત્યાં સુધી એકે અંશ પણ આત્માનો ચાખ્યો નથી. લોકો આકુળ-વ્યાકુળ રહેતા હશે કે નહિ ? નિરંતર આકુળ-વ્યાકુળ, કારણ કે કર્તાપદ છે. 'હું કરું છું ને તે કરે છે ને તેઓ કરે છે', એ જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી ભ્રાંતિ છે. ને ત્યાં સુધી આકુળતા-વ્યાકુળતા જ છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત શું કહે છે ? 'હું કરતો નથી, તે કરતાં નથી, ને તેઓ ય કરતાં નથી.' કોણ કરે છે ? આ બધું પરસત્તાના હાથમાં છે. પરસત્તા કરે છે. હવે આપણે સામા માણસને તમે કરો છો એમ કહીએને, તો આપણને ભ્રાંતિ હજુ ગઈ નથી. જ્યાં કરું, ત્યાં પરમાત્મા નહીં ને જ્યાં પરમાત્મા, ત્યાં કરું નહીં. હા, જ્યાં સુધી 'હું કરું છું' એકલું નહીં, 'તે કરે છે, તેઓ કરે છે', આ ત્રણ શબ્દો હોય, ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થયા નથી. મારા મનમાં એમ થયું કે 'હું કરતો નથી' પણ કો'ક કરે છે એમ માનેને, તો ય ભ્રાંતિ ! કોઈ કરતું જ નથી, ખરેખર. 'કોઈ આ કરે છે' તેમ કહેવું તે ગુનો છે. 'કોઈ આ નથી કરતો' તે કહેવું પણ ગુનો છે. અને 'હું કરું છું' તેમ બોલવું તે ય ગુનો છે. ઉદયકર્મ કરાવે છે ને કહે છે કે 'આણે આમ કર્યું.' આ તો કરે છે કો'ક અને કહે છે 'મેં કર્યું.' કારણ કે એ જાણી જોઈને નથી કહેતો, એવું એને ભાસે છે કે 'હું જ કરું છું.' આ બીજું કોઈ દેખાતું નથી. દાદાએ જ પ્યાલો ફોડ્યો. અલ્યા મૂઆ, મેં તો ઠેઠ સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. મેં ક્યાં ફોડ્યો છે ? ત્યારે કહે, 'બીજું કોઈ હતું જ નહીં પણ ! તમે જ ફોડ્યો.' હવે આ બધું શી રીતે બિલિફ જડે ? કર્તાભાન છોડાવે જ્ઞાની ! 'હું ચંદુભાઈ છું' ત્યારથી જ ભ્રાંતિ. 'જ્ઞાની પુરુષ' આપણી ઊંઘ ઉડાડે છે. જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. ઊંઘવું એટલે 'હું આ કરું છું', 'હું કર્તા છું' એવું ભાન રહે છે. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય અને પોતાની જે શક્તિ છે તેને પોતે જાણતો નથી. પોતાની શક્તિ સ્વક્ષેત્રમાં છે. પોતાની શક્તિ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ શક્તિ ઉત્પન્ન થઈ ગઈ એટલે કામ થઈ ગયું. સંપૂર્ણ શક્તિ ક્ષેત્રજ્ઞ છે. આ બધી ભ્રાંતિ છે. 'કર્તાપદ' એ જ ભ્રાંતિ ! ચિંતા શાથી થાય છે કે 'હું જ ચંદુભાઈ છું' અને 'હું જ કરું છું' એમ કહો છો, તેથી ચિંતા થાય છે ! માણસ કશું કરી શકે ખરો ? આ કરે છે કે 'ઈટ હેપન્સ' છે ? પ્રશ્નકર્તા : 'ઈટ હેપન્સ' એટલે પોતાની જાતે કશું થતું નથી, એમ ? દાદાશ્રી : હા, બસ. તે આ પોતાની જાતે કરવા જાય છે ને, તેની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે ને કર્તા થયો એટલે ચિંતા ઊભી થાય. પોતે છે અકર્તા, પણ કર્તાપદ ધારણ કર્યું છે અને કર્તાપદ ધારણ થયું તેથી ભોક્તાપદ ઉત્પન્ન થયું, કરવા ગયો તેથી ભોક્તા થયો. અને એટલે આખો દહાડો ચિંતા, ઉપાધિ ને કકળાટ ! પછી કોઈ કશું અપમાન કરે તો ય દુઃખ થાય !! આ જગત શું છે ? કરવું માત્ર ભ્રાંતિ છે. મેં કર્યું કહેવું એનું નામ ભ્રાંતિ. આખું જગત ભ્રાંતિમાં સપડાયેલું છે. ભ્રાંતિ ટળે કયા ઉપાયથી ? પ્રશ્નકર્તા : આ બધાને ભ્રાંતિ થઈ છે, તે ભ્રાંતિ ટાળવાનો ઉપાય શું ? દાદાશ્રી : ભ્રાંતિ શેની થઈ છે ? એ આપને સમજાયું ને ? પ્રશ્નકર્તા : પોતે પોતાને જાણ્યો નથી. દાદાશ્રી : બસ, એટલી જ ભ્રાંતિ થઈ છે. પોતે પોતાથી જ બેભાન થઈ ગયો એટલી જ ભ્રાંતિ થઈ છે 'એને', બીજી કશી ભ્રાંતિ નથી ! પ્રશ્નકર્તા : ભ્રાંતિ જે પડી છે, એ ભ્રાંતિ કયા સાધને જાય ? તે કૃપા કરીને આપ સમજાવશો. દાદાશ્રી : કર્મનો કર્તા છે, માટે ભોક્તા છે. એ શું છે કે કર્મને પોતે આધાર આપે છે કે 'આ મેં કર્યું'. આ વર્લ્ડમાં કોઈ જીવ કશું કરી શકે એમ છે જ નહીં. જે 'કરે છે' એવું કહે છે એ જ ભ્રાંતિ છે ને એ જ અહંકાર છે. આ તો અહંકાર પોતાનો દેખાવ કરે છે. બાકી, આ બધું તો 'ઈટ હેપન્સ' છે. બધું થઈ જ રહ્યું છે. થઈ રહ્યાને પાછો કહે છે, 'મેં કર્યું ! હું કરું છું.' આ તો થઈ રહ્યું છે. એ ના કશું કરે ને તોય સવારમાં ઉઠ્યો કે ચા-પાણી બધું તરત મળી જ જાય એને ! હવે ભ્રાંતિ કયા સાધને જાય ? 'એ પોતે કોણ છે' એવું જો 'જ્ઞાની પુરુષ' એને જણાવડાવે તો એ ભ્રાંતિ જતી રહે, બસ ! એટલે 'જ્ઞાની પુરુષ' મળી આવે તો એ ભ્રાંતિ જાય ! આ જગતમાં 'હું કરું છું' ને 'હું જાણું છું' બે ભાવ ભેગા કરે, એનું નામ ભ્રાંતિ. 'અમને' 'હું કરું છું' એ ભાન જ ના હોય. જ્યારથી 'અમને' 'આત્મા'નું ભાન પ્રગટ થયું છે ત્યારથી 'હું કરું છું' એ ભાન જ ઉત્પન્ન થયું નથી. અરે, આ દેહનો 'હું' માલિક જ નથી રહ્યો ને ! 'અમને' આ મન-વચન- કાયાનું માલિકીપણું જ આજ પચ્ચીસ વર્ષથી નથી. કેમ જતી નથી ભ્રાંતિ ? અત્યારે તો મનમાં એમ થાય કે આ બધું 'મેં કર્યું, આ મેં કર્યું.' એવું થાય ને ? પણ એ બધુંય ભ્રાંતિ છે. પ્રશ્નકર્તા : ભ્રાંતિ છે છતાંય છૂટતું નથી. દાદાશ્રી : એ છૂટે નહીં. એ છૂટવાની રીતે છૂટે. એમ ને એમ છોડવા જઈએ તો છૂટે નહીં ને ! તે એમને એમ છૂટવાનું હોત તો બધાં છોડીને બેસી ગયા હોય. એ છૂટે એવું નથી. અને સમકિત થાય એવું યે નથી. એ જ્ઞાની પુરુષની કૃપા ઊતરી જાય કે સમકિત થઈ જાય એ. સમકિત પછી અટકે કર્મબંધન ! શાસ્ત્રજ્ઞાની હોય તો સમજી જાય કે મહીં કર્તાપણું બંધ થઈ જાય એનું, કર્તા મટે એટલે કર્મ બંધ થઈ જાય. 'મેં કર્યું, મેં કર્યું' એવો આધાર આપે ત્યાં સુધી કર્મ ઊભાં રહે અને 'મેં કર્યું' એવું છૂટી જાય, ભ્રાંતિ છૂટી જાય તો થઈ રહ્યું. સમકિત થાય એટલે કર્મ બંધાતા અટકે ! ભ્રાંતિથી છૂટવા માટે તો... જેની ભ્રાંતિ છૂટી ગઈ હોય એવા મુક્ત પુરુષ, નિર્ભય પુરુષ, વીતરાગ પુરુષ. તે કોઈને કરવાનું કહેતાં નથી. કિંચિત્માત્ર કરવાનું કહેવું તે ઉશ્કેરણી છે. તે એ ય કર્તાપદમાં જતાં રહે છે, જે કરવાનું કહે છે અને કરવાનો ઉપદેશ આપે છે તે ય કર્તાપદમાંથી જતાં નથી. અમે તો કરવાનો ય ઉપદેશ ના આપીએ. 'હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે' એ અમારી ડીક્ષનરીમાં હોય નહીં. કારણ કે બધી ભ્રાંતિ જ છે. કર્તા કોણ ? આપણે કર્તા નથી, આ બીજી શક્તિ કરે છે. ભગવાનેય કર્તા નથી ને આપણેય કર્તા નથી. આ બીજી શક્તિ કરી રહી છે. જો ભગવાનને કર્તા કહીએ તો ગુનો કર્યો કહેવાય. આરોપ કર્યો ને ? જે નથી કરતો, તેને કર્તાનો આરોપ કર્યાનો ગુનો થયો. આપણે કર્તા કહીએ તો ભ્રાંતિ કહેવાય. એક વ્યવસ્થિત નામની શક્તિ છે એ જીવમાત્રનું સાચવી લે છે. એ નથી ભગવાન ચલાવતાં કે નથી કોઈ બાપો ય ચલાવતો. જગત સનાતન છે કાયમનું. અનંતકાળથી આવું ને આવું જ છે. સૂર્ય, ચંદ્ર, તારા બધું આવું ને આવું જ છે. આને અનાદિકાળથી વ્યવસ્થિત નામની શક્તિ ચલાવે છે, ને અનંતકાળ સુધી એની એ જ વ્યવસ્થિત શક્તિ ચલાવશે આ જગતને. ને તે વ્યવસ્થિત ભાવે જ રાખે છે. સૂર્ય, ચંદ્ર, તારા, બીજું બધું, આ દેવગતિઓ, ટાઇમિંગ ચારે ગતિઓને બધી વ્યવસ્થિત રાખે છે, બિલકુલ અવ્યવસ્થિત નથી થવા દેતી. આ જીવમાત્ર શું કરે છે ? ભ્રાંતિથી અવ્યવસ્થિત કરવા માગે છે પણ તે 'વ્યવસ્થિત શક્તિ' વ્યવસ્થિત કરી નાખે છે. આપણા લોકો કહે ખરાં કે 'અરે, ભગવાન નહીં પણ કોઈ શક્તિ છે ખરી'. પણ એ શક્તિની ખબર ના હોય ને ! બેમાં મૂળ તત્ત્વ કયું ? પ્રશ્નકર્તા : 'વ્યવસ્થિત શક્તિ' અને 'શુધ્ધાત્મા' એમ બે ભિન્ન મૂળ તત્ત્વ સમજવાનાં છે ? દાદાશ્રી : ના, ના. વ્યવસ્થિત એ મૂળ તત્ત્વ છે જ નહીં. 'શુધ્ધાત્મા' એકલું જ મૂળ તત્ત્વ છે. મૂળ તત્ત્વ તો જે ઈટર્નલ છે, તે મૂળ તત્ત્વ. 'વ્યવસ્થિત' શક્તિ (એટલે સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) એ તો પરિણામ આપનારી છે. એટલે વિસર્જન કરનારી શક્તિ છે. વિસર્જન જ કરે, એનું નામ વ્યવસ્થિત શક્તિ. સર્જન જો એનાં હાથમાં હોત તો બહુ મોટી શક્તિ ગણાત ! પ્રશ્નકર્તા : પણ સર્જન અને વિસર્જન તો એક કાઉન્ટર પાર્ટ જ થયો ને ? દાદાશ્રી : ના. વિસર્જન શક્તિ એ નિમિત્ત ખરી, સર્જનની. પણ એનો ભાગ નહીં, લેવાદેવા જ નહીં. નિમિત્ત ખરી, એનો ધક્કો ખરો. પ્રશ્નકર્તા : એટલે નૈમિત્તિક કર્તા બની શકે ? દાદાશ્રી : ના, નૈમિત્તિક કર્તા નહીં. નિમિત્ત ખરું. એનો ધક્કો વાગવાનું નિમિત્ત ખરું એ. હા, કોઈને વાગે ને કોઈને ના ય વાગે. નૈમિત્તિક કર્તા હોય તો કાયમને માટે વાગે. એટલે સર્જવામાં તો જ્ઞાનનો આધાર છે ને. પોતે નવું સર્જી શકે એમ છે. ભ્રાંતિમાં ય પોતે નવું સર્જી શકે છે. જેટલા પ્રમાણમાં 'એને' જ્ઞાન પ્રાપ્ત થયું એ હિસાબે નવું સર્જી શકે છે. સર્જન ક્રિયા પોતાના તાબામાં છે હજુ, ભ્રાંતિમાં છે તોય ! પ્રશ્નકર્તા : અને વિસર્જન શક્તિ એ પોતાના તાબામાં ખરી ? દાદાશ્રી : વિસર્જન ક્રિયા પોતાના તાબામાં નહીં. ખાય ખરો પણ પછી એના તાબામાં નહીં. મહીં નાખ્યા પછી એના તાબામાં નહીં. પ્રશ્નકર્તા : એટલે વિસર્જન શક્તિ છે, એ શુધ્ધાત્માના તાબામાં છે કે જીવાત્માના તાબામાં છે ? દાદાશ્રી : જીવાત્માના તાબામાં કશું નથી. જીવાત્મા જ વ્યવસ્થિત શક્તિને તાબે છે. એ ભમરડો છે ત્યાં આગળ ! કંઈ પણ કરવું હોય તોય 'વ્યવસ્થિત'ના તાબામાં છે આ ! એ તો કાર્ય ના થાય ત્યારે ખબર પડે કે આપણા તાબામાં નથી આ ! વિસર્જન બધું વ્યવસ્થિતના તાબામાં છે, વિસર્જન એના તાબામાં નથી. પ્રશ્નકર્તા : જીવાત્માને ભ્રાંતિ ભાગનું સર્જન તો ખરું ને ? ભાવનો કર્તા છે એટલે ? દાદાશ્રી : હા, પણ કોણ સર્જન કરે ? વ્યવસ્થિત નહીં. એટલે ભ્રાંતિથી જીવને કર્તાભાવ ગણ્યો છે. પોતે કહે છેને, 'મેં કર્યું' એમ કહે છે ને ! પ્રશ્નકર્તા : 'ભાવનો કર્તા' અને 'વ્યવસ્થિત' બે જુદી જ વસ્તુ છે ને ? દાદાશ્રી : હા, જુદી વસ્તુ. એટલે 'હું કર્તા છું' માને તે સર્જન ભાવ. સમજાય તો કામ કાઢી નાખે ! પ્રશ્નકર્તા : જો કોઈ કહે કે 'નહીં, હવે જે થવાનું હશે તે થશે' તો ? દાદાશ્રી : ના ચાલે. તેથી આપણે જ્ઞાન આપીએ છીએ તે અલૌકિક જ્ઞાન આપીએ છીએ બધાને. 'વ્યવસ્થિત'નો જો અર્થ સમજે તો કામ કાઢી નાખે. અને ભ્રાંતિવાળો હોય એ ક્યારે અર્થ એનો બગાડી નાખે એ કહેવાય નહીં. એટલે કૃપાળુદેવે કહ્યું કે 'જીવતા મરે તો ફરી મરવું ના પડે.' એ નિયતિના હાથમાં ગયું. જીવતા મરી જવું જોઈએ. પ્યાલા ફૂટ્યા પણ મહીં કશી અસર ના થવી જોઈએ. લાખ રૂપિયાનું ગજવું કપાયું પણ એ અસર ના થવી જોઈએ. પ્રશ્નકર્તા : પણ દરેકે દરેક જીવને નિયતિ પ્રમાણે કાર્ય કરવાનું એટલે એને કંઈ કરવાનું હશે બીજું સંસારમાં ? દાદાશ્રી : નિયતિ પ્રમાણે કરે તો બહુ સારું, ડખલ ના કરે તો. પણ ડખલ કર્યા વગર રહે નહીં ને ! અજ્ઞાનની ભ્રાંતિવાળો છે ને ! ભ્રાંતિ છે એટલે એ ડખો કરે છે. ભાવશક્તિ સ્વાધિન, ક્રિયાશક્તિ પરાધીન ! ક્રિયાશક્તિ પોતાના હાથમાં નથી. ભાવશક્તિ એકલી પોતાના હાથમાં છે. આપણે બહુ ત્યારે એમ કરાય કે મારે 'દાદા'ની આજ્ઞા પાળવી છે, એવો ભાવ કરી શકાય. બીજું કશું કરી શકાય નહીં. એક ભાવશક્તિ જ વાપરવાની છૂટ છે. આ તો કહેશે, 'હું સુરત જઇને આવ્યો.' અલ્યા, ગાડી સુરત ગઇ કે તું ગયો ?! પાછો 'હું થાકી ગયો' કહે ! હવે 'ગાડી સુરત ગઇ અને સુરત આવ્યું ને હું ઊતર્યો' એમ બોલે તો થાકે ય ના લાગે. 'હું કરું છું' એ ભ્રાંતિ છે. કર્તાપદ એ ભ્રાંતિપદ છે, એવું તમને કોઇ દિવસ નહીં સમજાયેલું ? પ્રશ્નકર્તા : નહીં સમજાયેલું. દાદાશ્રી : કર્તાપદ આખું ભ્રાંતિપદ છે. જો કર્તાપદ કદી થતું હોત ને, તો દાઢીઓ બધું મનફાવતું કર્યું હોત. માથા ઉપર તો વેરાન થવા જ ના દેને કોઇ પછી ? ! 'માથે-રાન' થવા દે, એટલે માથામાં જંગલ જેવા વાળ થવા દે. પણ આ તો રાન હઉ થઇ ગયેલા ને કેટલીક જગ્યાએ તો વેરાન થઇ ગયેલા ! પોતાના હાથમાં સત્તા જ નથી. એક દાઢ દુઃખતી હોય ને, તો પોતે બૂમાબૂમ કરે ! કશું નથી કરતો, છતાં કર્મબંધન ! જગતમાં કોઈ કર્તા નથી. 'હું કરું છું' એ ઈગોઈઝમ' છે. 'ઈગોઈઝમ'ની છત્રછાયા નીચે ભ્રાંતિ ઊભી રહી છે. 'પરભાવ'ને 'પોતાનો' ભાવ માને છે એ જ ભ્રાંતિ. કરે છે કો'ક ને 'હું કરું છું' એમ માને છે એ જ ભ્રાંતિ. પરસત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ જ ભ્રાંતિ. આટલું સમજાય તોય ઉકેલ આવે. આ બીજાની સત્તા છે, એમ માણસો સમજતાં થશે ત્યારે કંઈક ભ્રાંતિ ખસશે. આ જગત બધું નૈમિત્તિક છે. આ જગતમાં કોઈ કર્તા થયો જ નથી ને કોઈ કર્તા જન્મ્યો ય નથી. આ ભ્રાંતિથી કર્તા થાય છે, તેનાં કેવાં કેવાં કર્મો ચોંટે છે ! પ્રારબ્ધ-પુરુષાર્થની સમજણ ! એટલે પ્રારબ્ધ અને પુરૂષાર્થના ભેદની જ લોકોને ખબર પડતી નથી. આ ભ્રાંતિથી આવું કહે છે. ભ્રાંતિ એક દ્રષ્ટિ છે ને ?! તે ભ્રાંત દ્રષ્ટિથી એવું દેખાય કે આ પ્રારબ્ધ અને આ પુરૂષાર્થ. ખરી રીતે પુરૂષાર્થ દેખાતો જ નથી. આ જે દેખાય છે એ બધું જ પ્રારબ્ધ છે. પુરૂષાર્થ તો થયા કરે છે, એની પોતાને ખબરે ય પડતી નથી. જો પુરૂષાર્થ દેખાય તો બધા જ એને વાળી લે. આ સંસારમાં પુરૂષાર્થ જે માને છે તે પુરૂષાર્થ છે જ નહીં. હવે આવડી મોટી ભૂલ હિન્દુસ્તાનમાં ચાલે, બધે ય ચાલે, તો લોકોની શી દશા થાય ? 'પુરૂષાર્થ ને પ્રારબ્ધનાં ભેદ' 'જ્ઞાની પુરુષ' પાસે સમજી લેવા જોઇએ. આપણા લોકો શેને પુરૂષાર્થ માને છે ? સવારમાં ઊઠ્યો તે 'વહેલો ઊઠ્યો' એને પુરૂષાર્થ કહે છે, 'કાલે મોડું થઇ ગયું ને આજે વહેલો ઊઠ્યો' એમ કહે. પછી ચા પી લીધી, પછી ન્હાયો-ધોયો ને ઝટ વેપાર માટે ચાલ્યો અને વેપારમાં આખો દહાડો બેસી રહ્યો, એને પુરૂષાર્થ કહે છે. પણ એ તો પ્રારબ્ધ છે. ટેન્ડર ભર્યું, ફલાણું કર્યું, ત્રિકમસાહેબને મળી આવ્યો, ફલાણે જઇ આવ્યો, આ બધું જ પ્રારબ્ધ છે. દોડધામ કરે, દુકાન માંડે, તે ય પ્રારબ્ધ છે. બોલો હવે, આ પબ્લિક શું સમજતી હશે પ્રારબ્ધને ? જે પ્રારબ્ધ છે, તેને જ પુરૂષાર્થ કહે છે, તો બોલો હવે પુરૂષાર્થ ક્યારે થતો હશે ? સમજવા જેવી વાત છે ને ?! 'જ્ઞાની પુરુષ' પાસે પ્રારબ્ધ અને પુરૂષાર્થનો ભેદ સમજી લે તો ઉકેલ આવે. આ જ્ઞાન પછી પ્રારબ્ધ-પુરૂષાર્થ 'આપણ'ને હોતો નથી. તમે આત્મસ્વરૂપ થયા એટલે બિલકુલ 'વ્યવસ્થિત' જ છે. જગતના લોકોને માટે જગત 'વ્યવસ્થિત' નથી. કારણ કે એ પોતે ભ્રાંતિ સ્વરૂપમાં છે, એટલે એ ડખો કર્યા વગર રહે નહીં. અત્યારે ચા મોડી આવી હોય તો તમે 'વ્યવસ્થિત' સમજી જાવ અને સમભાવે નિકાલ કરીને ઉકેલ લાવો; પણ ડખો ના કરો અને પેલો શું કરે ? પ્રશ્નકર્તા : બૂમાબૂમ કરી નાખે. દાદાશ્રી : આપણે તો 'પુરૂષ' થયા, માટે પુરૂષાર્થ છે. પણ જગતના લોકોને પુરૂષાર્થ વગર તો ભૂમિકા હોય નહીં ને ? એ ભ્રાંત પુરૂષાર્થ કહેવાય છે, એ પણ પુરૂષાર્થ છે. પણ એ ય જાણવો જોઇએ ને ? ભ્રાંત પુરૂષાર્થથી ક્રમિકમાર્ગમાં આગળ જવાનું મોક્ષ તરફ. હવે જગતના લોકો કહેશે કે, 'આ દુકાન ખૂબ વધારી, ધંધો ખૂબ જમાવ્યો, હું ભણ્યો, હું પહેલે નંબર પાસ થઉં.' એને જ પુરૂષાર્થ કહે છે. પણ એ બધું પ્રારબ્ધ છે. ભૂલ સુધારવી પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : સુધારવી પડે. દાદાશ્રી : તમે નહીં સુધારો તો ચાલશે. કારણ કે તમારે તો 'વ્યવસ્થિત' હાથમાં આવી ગયું છે ને ? પણ લોકો તો ક્યારે સમજશે આ ?! પુરુષાર્થ છતાં ભ્રાંતિ! અત્યારે તમે કોઈની જોડે જરા ગુસ્સામાં એક- બે ધોલ મારી દીધી, પછી તમને મહીં છે તે મનમાં ખરાબ લાગે કે ખોટું થયું. છતાં પેલાં ભાઈ આવીને પૂછે, 'અરે ભાઈ, આવી ધોલ મરાતી હશે, રસ્તા ઉપર આવું ?' ત્યારે તમે શું કહો ? 'એમને મારવા જેવા જ છે, તમને ક્યાં ખબર ?' હવે અંદરખાને જાણો છો ખોટું થયું છે, છતાં પેલાં ભાઈ આગળ શા હારુ આવું બોલો છો ? પ્રશ્નકર્તા : પોતાનું માન જાળવવા. દાદાશ્રી : હા, એ ગુનામાં પેઠો પાછો. આપણે બધું એક્સેપ્ટ, એફિડેવીટ કર્યું કે આ ખોટું થઈ રહ્યું છે. હવે એને કહે ને કે 'ભાઈ, મારાથી ખોટું થયું, ખરાબ થયું છે.' પણ હવે ત્યાં આગળ બચાવ કરે છે. તો શું થાય ? આ પુરુષાર્થ બધો ! આવાં ને આવાં પુરુષાર્થથી જગત લટક્યું છે ! કરતાં હશે કે નહીં કરતાં હોય પુરુષાર્થ આવો ? પ્રશ્નકર્તા : એવો જ કરીએ છીએ, ઊંધો જ. દાદાશ્રી : એ ઊંધો પુરુષાર્થ. આ આખા સંસારકાળમાં જાગૃતિ છે એ પુરુષાર્થ છે. જાગૃતિ છે એના સિવાય બીજો પુરુષાર્થ જ નથી. પ્રારબ્ધ જોડે હંમેશા પુરુષાર્થ હોય, પણ પુરુષાર્થ અંદર થતો હોય, ભાવથી. ભાવો ફરે છે એ પુરુષાર્થ. ક્રિયામાં ના હોય પુરુષાર્થ. ક્રિયા કોઈ માણસ કરી શકે નહીં. ક્રિયા તો બધું હાથ સારા હોય, પગ સારા હોય, માથું સારું હોય ત્યારે બધાના આધારે ક્રિયા થાય. અહંકારરૂપી પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : હમણાં એમ કહ્યું કે ક્ષાયક સમ્યક્ત્વ પહેલા પુરુષાર્થ છે જ નહીં અથવા પુરુષાર્થ જેવું નથી તો એ પહેલા આપણે પ્રયત્ન એક્ચ્યુઅલી પ્રયત્ન ગણાય કે કર્મ અનુસાર જ થયા કરે ? દાદાશ્રી : કર્મના અનુસારમાં અહંકારરૂપી પુરુષાર્થ છે. અહંકાર છેને ત્યાં સુધી પુરુષાર્થ છે પણ એ ભ્રાંત પુરુષાર્થ કહેવાય છે. અને બીજા નિમિત્તો આને આધીન છે. પોતાનું સ્વતંત્ર નથી તો ય એ ભ્રાંત પુરુષાર્થ કહેવાય છે. પોતે કરતો નથી છતાં માને છે કે મેં કર્યું. એનું ફળ રિલેટિવ ! પ્રશ્નકર્તા : દેવ-દેવીઓની આપણે પૂજા કરીએ, એની ભક્તિ કરીએ, તો આપણને આપણી કંઈ મનોકામના સિદ્ધ થાય, તો મારું કહેવું એમ છે કે જે વસ્તુ નક્કી જ થયેલી છે, એમાં દેવ-દેવીઓ ફેરફાર કેવી રીતે કરે ? દાદાશ્રી : એવું નક્કી થયેલું હોતું જ નથી. નક્કી થયેલું હોય, ત્યાર પછી ઘેર સૂઈ જ રહેવાનું ને ? પ્રશ્નકર્તા : એટલે પુરુષાર્થ કરવાનો રહે છે ? દાદાશ્રી : ભ્રાંતિમાં ભ્રાંત પુરુષાર્થ અને જ્ઞાન થયા પછી સાચો પુરુષાર્થ. બેઉ પુરુષાર્થની જરૂર છે. એમ ને એમ સૂઈ રહેવાનું નથી. પછી માતાજીની સેવા કરતો હોય, તો તે ફળ મળે એને, રિલેટીવ ફળ મળે. આ છે રિયલ પુરુષાર્થ ! પુરુષાર્થ બે પ્રકારના : ભ્રાંતિવાળાને ભ્રાંત પુરુષાર્થ અને 'જ્ઞાની'ને જ્ઞાન પુરુષાર્થ. 'ચંદુભાઈ' શું કરી રહ્યા છે એને 'તમારે' જોવું, એનું નામ 'પુરુષાર્થ'. જ્યારે ભ્રાંત પુરુષાર્થ કયો ? જે થઈ રહ્યું છે એમાં શો ભાવ હતો ને શો ભાવ ન હતો એ જ ભ્રાંત પુરુષાર્થ. ભ્રાંત પુરુષાર્થમાં વચ્ચે ભાવ આવે ને યથાર્થ પુરુષાર્થમાં જ્ઞાતા-દ્રષ્ટા. બધા સંયોગો ભેગા થાય ત્યારે જ રીલેટિવ કાર્ય થાય. તે 'વ્યવસ્થિત' છે. 'જ્ઞાની' શું કહે છે કે આ ભ્રાંતિના પુરૂષાર્થમાં હતા, હવે સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી 'રિયલ' પુરૂષાર્થમાં મંડી પડો કે જ્યાં સંયોગોની જરૂર નથી. 'રિયલ' પુરૂષાર્થમાં તો કોઇ વસ્તુની જરૂર ના રહે ને 'રિલેટિવ' પુરૂષાર્થમાં મન-વચન- કાયા બધા જ સંયોગો જોઇશે. સ્વપુરૂષાર્થ કયો ? પુદગલ પરિણતિમાં ક્યાંય પણ રાગ-દ્વેષ ના થાય તે. પછી માર મારે તો ય રાગ-દ્વેષ ના થાય. ભ્રાંતિમાં પણ પુરુષાર્થ ! પ્રારબ્ધ એટલે શું ? આપણા હાથની સત્તા નથી. એ પરસત્તા છે, છતાં આપણે આપણી સત્તા માનીએ એ પુરૂષાર્થ છે. મેં આમ કર્યું, તેમ કર્યું. કર્તા નથી, છતાં આરોપિત ભાવ રાખે તે બધો પુરૂષાર્થ, એ ભ્રાંત પુરૂષાર્થ કહેવાય. અને 'હું કર્તા નથી' એવું ભાન થયું ત્યારથી ભ્રાંત પુરૂષાર્થ બંધ થઇ જાય અને પછી મોક્ષનો પુરૂષાર્થ ચાલુ થાય. પ્રશ્નકર્તા : 'હું કર્તા નથી' એ જાતનો ભાવ આવે, એ ય પાછું ભાગ્યમાં હોય તો થાય ને ? દાદાશ્રી : એ ભાગ્યમાં હોય તો જ થાય. છતાં ભાગ્યનું જ છે, એમ બોલે તો ચાલે નહીં. આત્મા પ્રાપ્ત થયા પછી યથાર્થ પુરૂષાર્થ ચાલુ થાય છે. નહીં તો ભ્રાંત પુરૂષાર્થ તો છે જ ને ! ભ્રાંતિનો ભ્રાંત પુરૂષાર્થ ચાલુ હોય અને જ્ઞાનનો જ્ઞાન પુરૂષાર્થ ચાલુ હોય. જ્ઞાન પુરૂષાર્થ મોક્ષે લઇ જાય અને ભ્રાંત પુરૂષાર્થ અહીં સંસારમાં ભટકાવે. પ્રશ્નકર્તા : પ્રયત્ન, પ્રારબ્ધ અને પુરૂષાર્થ આ ત્રણેય એક જ છે ? દાદાશ્રી : પ્રારબ્ધ અને પ્રયત્ન તો એક જ વસ્તુ છે. બેઉ એક જ મા-બાપનાં છોકરા છે. અને ખરો પુરૂષાર્થ તો કોને કહેવાય ? ભેળ ના હોય તેને. એ નિર્ભેળ હોય. ખરા પુરૂષાર્થમાં કોઇનું અવલંબન ના જોઇએ. એ તો જ્યારે કરવો હોય ત્યારે થાય. અને આ સંસારનો કહેવાતો પુરૂષાર્થ તો પગ સાજા હોય તો સ્ટેશને જવાય. માથું ભારે ના હોય તો પાંસરું હેંડે આગળ, એટલે પરાધીન કહેવાય આ બધું. સાપેક્ષ, અપેક્ષાવાળું કહેવાય ને પુરૂષાર્થ નિરપેક્ષ હોય. યથાર્થ પુરૂષાર્થમાં આવી ગયો તો બધી વાતનો ઉકેલ આવી જાય. પ્રશ્નકર્તા : હું ક્રમિકમાર્ગમાં હતો, આજે અક્રમમાર્ગમાં મારું ધ્યાન વળી ગયું. તો એ મારો પુરૂષાર્થ માનવો કે ભાગ્યોદય માનવો ? દાદાશ્રી : એ તમારો પુણ્યનો ઉદય કહેવાય. ભાગ્યનો ઉદય તમને અહીં તેડી લાવ્યું. પછી અમે તમને જ્ઞાન આપ્યું. એટલે તમે પુરૂષ થયા ને પુરૂષ થયા પછી પુરૂષાર્થ શરૂ થયો. જ્યાં સુધી 'હું કરું છું' ત્યાં સુધી પુરૂષાર્થ ના કહેવાય. આત્માનું જ્ઞાન થયું એટલે આત્મા 'જોવા-જાણવાનું' શીખ્યો. 'આપણે' 'જ્ઞાતા' અને 'ચંદુલાલ' 'જ્ઞેય', એટલું જાણ્યું ત્યારથી પુરૂષાર્થ શરૂ થયો ! આત્મા અને પ્રકૃતિ બે જ છે. પ્રકૃતિ બધી પ્રારબ્ધાધીન છે. આ ક્રિયાઓ થવાથી ભાવ એની મેળે કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. આ ભાવ તે આવતા ભવનો પુરૂષાર્થ છે. પણ તેની લોકોને ખબર નથી કે આને ભ્રાંત પુરૂષાર્થ કહેવાય ! આવતા ભવનું જે ચાર્જ કરે છે તે ભ્રાંત પુરૂષાર્થ ને બીજું બધું પ્રારબ્ધ છે. ભાવ તો થાય જ ને ? લગ્ન કરવું છે એ ભાવ કરવો પડેને ? પૂર્વભવના ભાવથી અત્યારે આપણને ઇચ્છાઓ થાય છે, એટલે ભાવ ચાર્જ કર્યો હતો એટલે આ આવ્યું. એટલે ભાવને પુરૂષાર્થ કહ્યો ને દ્રવ્યને પ્રારબ્ધ કહેવાય. પણ લોકો તો એમની ભાષામાં દ્રવ્યને જ પુરૂષાર્થ કહે છે અને પેલો ભાવ પુરૂષાર્થ તો સમજાતો જ નથી. અહીં અક્રમમાર્ગમાં દ્રવ્ય ને ભાવ બેઉને ડિસ્ચાર્જ સ્વરૂપે મૂકી દીધાં છે. ક્રમિકમાર્ગ ભાવને આધીન છે. આપણે અક્રમમાર્ગમાં તો સ્વભાવમાં આવ્યા, એટલે પેલા પરભાવ છે. આપણે ભાવને બાજુએ મૂકી દીધા અને દ્રવ્યનો સમભાવે નિકાલ કરવાનો કહ્યો. પ્રશ્નકર્તા : જ્યાં સુધી પોતાને જાણે નહીં ત્યાં સુધી પુરૂષાર્થ કર્યો જ ના કહેવાય ? દાદાશ્રી : ખરો પુરૂષાર્થ થયો ના કહેવાય. પણ ભ્રાંતિનો પુરૂષાર્થ તો થાય. જો મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ હોય તો ભ્રાંતિના પુરૂષાર્થમાંથી બીજ પડે છે. એ વ્યવહાર પુરૂષાર્થ કહેવાય. મનમાં જેવું હોય તેવું વાણીમાં બોલે ને તેવું જ વર્તનમાં રાખે. ને શુભમાં પડે તો વ્યવહાર પુરૂષાર્થમાં ફાયદો થાય. અને એમ કરતાં કરતાં 'રિયલ' માટેનો જોગ થઇ જાય. માટે શુભને વખાણ્યું છે. આ ભ્રાંત પુરૂષાર્થ એક પ્રકારનો પુરૂષાર્થ જ કહેવાય. આને ભ્રાંત પુરૂષાર્થ શાથી કહેવામાં આવે છે તે તમને સમજાવું. ક્રમિકમાર્ગ એવો છે કે જો એને કહીએ કે તું જાપ કરવા બેસી જા. એટલે એ જાપ કરવા બેસે. તે જાપ પ્રારબ્ધથી થાય છે. પણ તે વખતે મહીં જે ભાવ કરે છે તેથી પાછું આવતા ભવનું બીજ પડે છે, એ પુરૂષાર્થ કહેવાય છે. એટલે પ્રારબ્ધ ભોગવતાં મહીં પુરૂષાર્થ ઉત્પન્ન થાય છે. પ્રારબ્ધ ભોગવતાં પુરૂષાર્થનું મહીં બીજ પડે છે. કારણ કે 'હું કર્તા છું' એ ભાન છે તેથી. નહીં તો પ્રારબ્ધ ભોગવતાં બીજ ના પડે અને મોક્ષે જાય. પણ કર્તાભાવ છે માટે પ્રારબ્ધ પર, ક્રિયાઓ પર બહુ જોર આપતા. કારણ કે એની પાછળ પુરૂષાર્થ એની મેળે થયા જ કરે છે. આજે તો એ ક્રમિકમાર્ગ ફ્રેકચર થઇ ગયો છે. જાપ કરવા બેઠો હોયને તો જાપ કરતો જાય અને મનમાં ભાવ કરતો જાય કે, 'મારા ફાધર નાલાયક છે, મારા ફાધર નકામા છે... મને હેરાન કરે છે. મારું તેલ કાઢી નાખે છે.' એટલે મનમાં જુદું, વાણીમાં જુદું ને વર્તનમાં જુદી જ જાતનું હોય. નહિ તો અત્યાર સુધી ક્રમિકમાર્ગ કેવો હતો કે પ્રારબ્ધ ભોગવતાં પુરૂષાર્થ કરો. અને 'અક્રમમાર્ગ' એટલે શું ? સીધો 'ડિરેકટ' પુરૂષાર્થ. 'જ્ઞાની પુરૂષ'ની કૃપાથી પુરૂષ થઇ પુરૂષાર્થ ઉત્પન્ન થઇ જાય, સંપૂર્ણ જાગૃતિમાં આવી જાય, એકદમ અજવાળું થઇ જાય ! પછી એક સેકન્ડ પણ તમારું 'સ્વરૂપ' ના ભૂલો તમે ! સ્વસત્તામાં સર્જન, પરસત્તામાં વિસર્જન ! પ્રશ્નકર્તા : આપ જે શક્તિ વિશે વાત કરો છો ને, જે શક્તિ કરી રહી છે એ શક્તિનું કોઈ કેન્દ્ર ખરું ? એ શક્તિ ક્યાંથી આવે છે ? દાદાશ્રી : એ શક્તિ આપણી ભ્રાંતિને લઈને ઉત્પન્ન થયા કરે છે. આપણી ભ્રાંતિ છે તે સર્જન કરાવડાવે છે અને એ શક્તિ વિસર્જન કરાવડાવે છે. વિસર્જન એટલે શું ? જન્મથી મરણ સુધી વિસર્જન જ થઈ રહ્યું છે. ઇફેક્ટને વિસર્જન કહેવાય. જન્મથી મરણ સુધીની બધી ઈફેક્ટ કહેવાય છે. અને વિસર્જન, તે તમારી સત્તામાં નથી. ભણવું તમારી સત્તામાં નથી. બીજું કંઈ તમારી સત્તામાં નથી. વિસર્જન એ પરસત્તા છે, એટલે આ ફક્ત સર્જન તમારા હાથમાં છે. તે ય તમારા સ્વતંત્ર હાથમાં નથી, તે ય નૈમિત્તિક સર્જનતા છે. આ ઈફેક્ટમાં તમારા કોઝિઝ થયા કરે છે. ઈફેક્ટ, ઈફેક્ટરૂપે રહેતી હોય તો મોક્ષ જ છે. ઈફેક્ટ સ્વાભાવિક રીતે રહેતી હોય તો મોક્ષ જ છે. ઈફેક્ટ વિભાવિક રીતે થાય છે. આમ વપરાય સર્જન શક્તિ... સર્જન તમારી ભ્રાંત શક્તિ કરે છે. તમારી સાચી શક્તિ નહીં, ભ્રાંત શક્તિ સર્જન કરે છે. અને વિસર્જન છે તે આ કોમ્પ્યુટર જેવી શક્તિ (વ્યવસ્થિત શક્તિ) કર્યા કરે છે. વિસર્જન તમારા હાથમાં છે નહીં. તમે ખાવ ખરાં જે ઠીક લાગે તે. ખાતી વખતે વિવેકપૂર્વક ખાવ, પરંતુ પછી ગલન તમારા હાથમાં નહીં. માટે આ બધું ય કર્મ તમે બાંધો ને, તે ભ્રાંત શક્તિ છે. તે સાચી શક્તિ નથી. પણ પાછું છોડવાની તમારા હાથમાં સત્તા નહીં. એ વિસર્જનના હાથમાં ગયું એટલે વિસર્જન શક્તિ વિસર્જન જ કરાવે છે નિરંતર ! હવે ભ્રાંત શક્તિ કઈ ? કરે છે કોણ ? હવે રાત્રે આ શહેરમાં રહેતા હોય ને, શહેરની રીત કહું છું તમને. તે તમે ગયા ત્યાં આગળ પાંચ-છ માણસ લઈને, કોઈ ઓળખાણવાળો હોયને એને ત્યાં રાત્રે અગિયાર વાગે બૂમ પાડે, 'એય નગીનદાસ શેઠ, નગીનદાસ શેઠ'. ત્યારે નગીનદાસ કહેશે, 'કોણ છે ?' ત્યારે તમે કહો, 'હું'. તે પછી બારણું ઉઘાડે બિચારા. ઉઘાડે કે ના ઉઘાડે ? પ્રશ્નકર્તા : ઉઘાડે. દાદાશ્રી : ઓળખાણવાળા છે એટલે ! પણ જ્યારે પાંચ-છ દેખેને ત્યારે મનમાં જરા ધ્રાસકો પડે કે, 'અત્યારે રાત્રે આ કંઈથી મૂઆ આવ્યા ?' છતાં પણ શું કહે એને, સંસ્કારી પુરુષને બધા, 'આવો પધારો, આવો પધારો'. બોલે કે ના બોલે ?! આ સંસ્કાર જે તમે વાપર્યા એ વિસર્જન શક્તિ છે. તમારા હાથમાં સત્તા નહીં અને જે તમારા હાથમાં સત્તા હતી તે તો તમે વાપરી કે અત્યારે કંઈથી મૂઆ ! એ છે તે ભ્રાંત શક્તિનો પુરુષાર્થ થયો. એટલે આમ પ્રારબ્ધ સારું દેખાડ્યું અને પુરુષાર્થ વાંકો કર્યો ! બોલો હવે, આવતે અવતારે શી રીતે સુખી થાય ? તમને આ સમજાયું ને ?! ત્યારે આપણે શું કહેવું જોઈએ આ બધાને કે હવે આવું સારી રીતે બોલાવો છો ત્યારે મહીં છે તે આવા ભાવ શું કરવા કરો છો ? મહીં બગાડીને, આ દૂધપાકમાં મીઠું નાખીને શું થાય ? દૂધપાક થાય ખરો ? એકવાર તો દૂધપાક કરવો છે ને મહીં મીઠું નાખવાં જઈએ તો શું થાય ? એટલે આવતો ભવ બગડે. એટલે આપણે શું જાણવાનું કે એ ભાવ થઈ જાય છે આ કળિયુગને લઈને ! પણ પછી આપણે 'પસ્તાવો કરો' કહીએ. 'પસ્તાવો કરો, આમ આવું ન થવું જોઈએ હવે ફરીવાર કે'. એટલે આમ પસ્તાવા કરવા જોઈએ. ભૂલચૂક થઈ ગઈ પણ પછી સુધારવું જોઈએને! ના સુધારવું જોઈએ ? ભાવ બગડે ખરો, પણ ભાવ સુધારી લો. એટલે તમને એમ લાગે છે કે આ કળિયુગમાં ભાવ બગડી જાય ત્યાં આગળ ? એ તો મોટા મોટા મહાન ભક્તોના હઉ ભાવ બગડી જાય અત્યારે તો. કારણ કે બૈરી કચ કચ કરતી હોય, એટલે પાછું બધાં ભાવ બગડી જાય. ભ્રાંતિથી ચાર્જ ! 'હું ચંદુભાઈ છું' એ જ ભ્રાંતિ છે અને એમાંથી 'ચાર્જ' થાય છે. 'ચાર્જ' થતું ક્યારે બંધ થાય ? જ્યારે 'હું કોણ છું' એનું 'જેમ છે તેમ' ભાન થાય ત્યારે. આખા જગતને 'હું કરું છું' એ ભ્રાંતિજન્ય ભાન છે. ખરી રીતે તો બધાનું 'ડિસ્ચાર્જ' જ થઈ રહ્યું છે પણ તેનું તેને ભાન નથી. પોતાને 'પોતાનું' જ ભાન નથી. ચિત્ત જ્ઞાન-દર્શન સ્વરૂપે છે. 'એવિડન્સ' ભેગા થાય છે ત્યારે તે 'ડિસ્ચાર્જ' થાય છે ને તેમાંથી પાછો પોતે ભ્રાંતિથી 'ચાર્જ' કરે છે. ઈફેક્ટમાં કર્તાપણાથી કોઝીઝ ! આ મન-વચન-કાયાની 'ઈફેક્ટ્સ' એની મેળે થયા કરે છે, પણ પોતે અંદર 'કોઝિઝ' કરે છે. આધાર આપે છે કે, 'મેં કર્યું, હું બોલ્યો.' 'ઈફેક્ટ્સ'માં કોઈને કરવાની જરૂર ના રહી. એ તો એની મેળે સહજ ભાવે 'ઈફેક્ટ' થાય અને તેને 'આપણે' ટેકો આપીએ કે 'હું કરું છું' એ ભ્રાંતિ છે અને તે જ છે તે 'કોઝ' છે અને આ 'કોઝ'નું 'કોઝ' એટલે 'રૂટ કોઝ' અજ્ઞાનતા છે. આ તો 'ઇફેક્ટિવ' મોહને 'કોઝિઝ' મોહ માનવામાં આવે છે. તમે એવું ફક્ત માનો જ છો કે 'હું ક્રોધ કરું છું.' પણ આ તો તમને ભ્રાંતિ છે ત્યાં સુધી જ આ ક્રોધ છે. બાકી, એ ક્રોધ છે જ નહિ, એ તો 'ઇફેક્ટ' છે. અને 'કોઝિઝ' બંધ થઇ જાય એટલે 'ઇફેક્ટ' એકલી જ રહે છે અને 'કોઝિઝ' બંધ કર્યા એટલે 'હી ઇઝ નોટ રીસ્પોન્સિબલ ફોર ઇફેક્ટ' અને 'ઇફેક્ટ' એના ભાવ બતાવ્યા વગર રહેવાની જ નથી. કર્તાપદ : જ્ઞાતાપદ ! આ જગતમાં 'હું કરું છું' અને 'હું જાણું છું' એ બે ભાવ ભેગા કરે, એનું નામ ભ્રાંતિ. કર્તાપદ ઊભું થયું એ જ ભ્રાંતિ છે. 'કર્તા કોણ છે' એટલું જાણ્યું તો જ્ઞાતા-દ્રષ્ટા પદ ઊભું થાય ! કંઈ પણ કર્યું એનું નામ ભ્રાંતિ અને જાણ્યું એનું નામ જ્ઞાન. 'હું બોલ્યો' એ પણ ભ્રાંતિ ! આ વર્લ્ડમાં કોઈ માણસ બોલી શકે જ નહીં ! જે બોલે છે, એ એમ કહે છે 'હું બોલ્યો.' પણ એ ભ્રાંતિ છે. આવું જ્યારે મેં કહ્યું ત્યારે સાયન્ટિસ્ટોને સમજમાં ના આવ્યું, એક વાર તો સાયન્ટિસ્ટો ગૂંચવાડામાં પડી ગયા ! આપણા લોક તો સમજણ વગર કહે છે કે હું બોલ્યો. એ સંસારિક વાત છે, જ્ઞાનીની વાત ન હોય. એ વાતો બધી ભ્રાંતિ છે અને ભ્રાંતિને સત્ય માનીએ તો ક્યાં દહાડો વળે ?! એમાં ભલીવાર આવે નહીં. અવાજ કોનો ? આત્માનો ? પ્રશ્નકર્તા : તો અંતરમાં આવે છે એ અવાજ કોનો, આત્માનો નહીં તો ? દાદાશ્રી : એ ત્યાં જ ભ્રાંતિ છે. આંટી ત્યાં જ પડેલી છે. લોકોને ભ્રમણા પડી કે આ બોલે છે, તે જ આત્મા હોવો જોઈએ. એવી આંટી પડી ગઈ પણ એ બધું ઉદયકર્મ બોલે છે. એ પ્રેરણા કરનારું ઉદયકર્મ. અને એ પોતાના કર્મના પરિણામ રૂપકમાં આવે છે. ચોરી કરવાના ભાવ કર્યા છે એટલે પછી મહીં અવાજ થાય ચોરી કરવાનો અને એને કહે છે, 'મારો આત્માનો અવાજ છે.' આ તો આપણા લોક અમસ્તા બોલે ગામઠી ભાષામાં કે 'મારો આત્માનો અવાજ, આત્માનો અવાજ.' આપણી સાદી ભાષામાં ગમે તેમ બોલે. કોઈ એને પૂછનાર નથી ને ! આમને કોઈ દાવો માંડનાર નહીં ને ! પણ એ તો ગામઠી ભાષા કહેવાય. એ વિદ્વાનોની ભાષા ન હોય. વાણી માત્ર ટેપરેકર્ડ ! પ્રશ્નકર્તા : જે વાણીનો પ્રવાહ આવે છે, એનું કંઈ મૂળ તો હશેને ? દાદાશ્રી : મૂળની અત્યારે જરૂર નથી. અત્યારે તો કોણ બોલે છે ? તો આ ટેપરેકર્ડ બોલે છે અને આપણા લોકો કહે છે, 'હું બોલ્યો.' પણ એ ભ્રાંતિ છે. પ્રશ્નકર્તા : અમારે બધાને 'હું બોલું છું' એ ભ્રાંતિ છે, પણ આપ જે બોલો છો તે, એના માટે પૂછું છું. દાદાશ્રી : હું બોલું છું, પણ આ ટેપરેકર્ડ જ છે. ભ્રાંતિ કોનું નામ કહેવાય કે જે પોતે નથી કરતો, ત્યાં કહે, 'હું બોલ્યો' ! એટલે 'હું બોલ્યો' એ ભ્રાંતિ છે ને જો 'ટેપરેકર્ડ' કહું તો એ જ્ઞાન સાચું. નહીં તો બીજી બધી ભ્રાંતિ. પ્રશ્નકર્તા : આ બધી જ વસ્તુ ભ્રાંતિ છે, તો આપની વાણી પણ ભ્રાંતિ ખરી કે નહીં ?! દાદાશ્રી : વાણી બે પ્રકારની હોય. એક રિલેટિવ વાણી, જે સંપૂર્ણ ભ્રાંતિ હોય અને બીજી રિયલ-રિલેટિવ હોય, એ પાતળા પ્રકારની ભ્રાંતિ, અભ્રાંતદશાને પ્રાપ્ત કરાવે એવી હોય. એ રિયલ તરફ લઈ જનારી રિલેટિવ, બાકી વાણી એ રિલેટિવ તો છે જ, પછી બધી ભ્રાંતિ જ છે. વાણીના માલિક ! ટેપરેકર્ડ જે ઘડીએ થાય ને, તે ઘડીએ એના માલિક ખરાં. હા, ટેપરેકર્ડ કરતી વખતે પોતે એના કર્તા હતા. પણ હવે ટેપરેકર્ડ બોલતી વખતે પોતે એમાં નથી, પોતે એનો માલિક નથી. આ ભ્રાંતિવાળા માલિક થાય અને જ્ઞાની માલિક ના થાય. જે ઘડીએ ટેપરેકર્ડ વાગતી હોય, તે વખતે ભ્રાંતિવાળો એમ કહે છે કે 'હું બોલું છું.' અને જ્ઞાની ના બોલે કે 'હું બોલું છું.' એ કહે કે આ ટેપરેકર્ડ બોલે છે. અહંકારની ભ્રાંત માન્યતા ! આ તો બોલ્યાનો અહંકાર કરે છે. બોલે છે બીજો અને પોતે કહે છે 'હું બોલું છું.' અહંકાર શાથી છે ? 'બોલે છે કોણ' એ જાણતો નથી એટલે. જો બોલનારાને જાણી જાવને, તો તમારો અહંકાર ના રહે. આ તો ટેપરેકર્ડ બધી અંદર ગોઠવાયેલી છે. પણ મનમાં આમ 'હું બોલ્યો' એમ માને છે. હા, એનું નામ ભ્રાંતિ અને ભ્રાંતિથી ઊભું રહ્યું છે આ જગત. વાણીની ઉપર તો બધી ભાંજગડ છે. વાણીને લીધે જ તો આ બધી ભ્રાંતિ જતી નથી. કહેશે કે 'આ મને ગાળો દે છે.' અને એટલે પછી વેર જાય જ નહીં ને ! વાણીથી આખું જગત ઊભું રહ્યું છે. જો વાણી ના હોત તો આ જગત આવું ના હોત. એટલે વાણી જ મુખ્ય આધાર છે. ભરેલો માલ, વાણી ! પ્રશ્નકર્તા : જરૂર ના હોય ત્યાં બોલવાનો શો અર્થ છે ? દાદાશ્રી : એ એટલું જ જો સમજેને તો બોલ બંધ થઈ જાય. પણ બોલ બંધ થતાં નથી. એટલા માટે બોલવામાં અર્થ છે, એવું સમજે છે. બાકી બોલવાનો કશો અર્થ જ નથી. મીનીંગલેસ છે. 'બોલવાનું' એ તો ભ્રાંતિમાં વ્યવહાર છે એક જાતનો. ભ્રાંતિમાં એની જરૂર છે, પણ પછી જરૂર નથી. છતાંય બોલ્યા વગર છૂટકો જ ના થાય ને ! ભરેલો માલ તેથી ! 'જેમ છે તેમ', જ્ઞાનમાં જોયેલું ! પ્રશ્નકર્તા : 'હું તમને પૂછું છું અને તમે મને જવાબ આપો છો', એ બધું શું છે ? દાદાશ્રી : બધું 'વ્યવસ્થિત' છે ! કેવું સુંદર !! આ બધા જાત જાતના માણસો છે દુનિયામાં, પણ બે હાથ, બે પગ બધું પદ્ધતસરનું હોય છે ! કો'ક જ અપવાદરૂપ હોય છે. બધું 'વ્યવસ્થિત' છે. જરાય અહીં ભૂલચૂક કાઢવા જેવું નથી. છતાં ય મનમાં એમ લાગે કે 'આ હું જ બોલી રહ્યો છું, હું જ કરી રહ્યો છું'. ખરી રીતે એક અક્ષરેય, એ બોલી નથી રહ્યો. છતાં 'હું જ કરી રહ્યો છું' એ ભ્રાંતિ કોઈની ઊઠતી નથી. વકીલ ઘેરથી નક્કી કરી ગયો હોય કે મારે આમ પ્લિડિંગ કરવું છે ને કોર્ટમાં જઈને જુદી જ જાતનું પ્લિડિંગ થઈ જાય ! એટલે પછી મહીં પોતે ગુંચાય કે મારે બોલવું હતું આવું ને બોલાઇ ગયું આવું. તે અમે આ 'જ્ઞાન'માં જે જોયેલું, તે બહાર પાડ્યું છે. બીજું નવું બહાર પાડ્યું નથી. પ્રશ્નકર્તા : તમે જે બોલી રહ્યાં છો એ ય આખી રેકર્ડ ચાલી રહી છે. તેમાં ય ફેરફાર નહીં એવું 'વ્યવસ્થિત'માં છે ? દાદાશ્રી : હા, 'વ્યવસ્થિત' એટલે આ લિંક છે આખી, નવું નથી. 'વ્યવસ્થિત' બધા સાયન્ટિફિક સરકમટેન્શિયલ એવિડન્સ ભેગા કરી આપે. અહંકાર વિનાની વાણી, કલ્યાણકારી ! આ વાણી વર્લ્ડને સ્વચ્છ કરશે. કારણ કે આ વાણી મારી નથી. આ વાણી 'એ. એમ. પટેલ'ની ય ન હોય. જો આ 'મારી વાણી' કહું તો મને ભ્રાંતિ છે. મમતા હોય તો 'મારી વાણી' એમ બોલે. આ વાણી 'એ. એમ. પટેલ'ની હોય તો એ ઇગોઈઝમ કહેવાય. 'હું કેવું બોલ્યો' એ ઇગોઈઝમ છે. મારે ઇગોઈઝમ જતો રહ્યો, એટલે હવે કોણ માલિક રહ્યો બોલનારો ? ટેપરેકર્ડ રહી. અહંકાર ગયા પછી જે બોલે છે ને, તે શેના આધારે બોલે ? એટલે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. જેનું 'હું' ના હોય, 'હું' ખલાસ થઈ ગયું હોય, ત્યાં ઓરિજિનલ ટેપરેકર્ડ છે. અમારે અહંકાર હોય નહીં. અમારે મમતા નથી. અમારામાં અહંકાર ને મમતા શૂન્યતાને પહોંચેલું હોય. એટલે હું કહું છું કે આ ટેપરેકર્ડ બોલી રહી છે. 'હું બોલ્યો' ને આ 'મારી વાણી' હોય નહીં, માટે એ ટેપરેકર્ડ છે અને આ ટેપરેકર્ડમાં અહંકાર ને મમતા બેઉ નથી, એટલે પ્યૉર છે. કર્તા વ્યવહારથી, નિશ્ચયથી ! તમને લાગે છે ને, વાસ્તવિક છે આ વાત ? પ્રશ્નકર્તા : હા, હા. બરોબર લાગે છે. દાદાશ્રી : વાસ્તવિક એ ભ્રાંતિ વગરની વાત છે. ભ્રાંતિવાળી વાત બધી જ વિરોધાભાસ હોય. અત્યારે બધે જ, બધા ત્યાગીઓ-સાધુ-આચાર્યો, બધા 'આત્મા કર્તા છે' કહે છે. હવે એ માન્યતા છૂટે નહિ ત્યાં સુધી ભ્રાંતિ છૂટે નહિ અને જોઈએ છે જ્ઞાન, જ્ઞાનનો પ્રકાશ કરવો છે, ભ્રાંતિ છોડવી નથી. ભ્રાંતિ પર પ્રીતિ છે. 'હું કર્તા છું' એવી પ્રીતિ જ છે. 'હું કર્તા જ.' 'આ કોઈ કરે છે કે હું કરું છું ?' એ જો વિચાર્યું હોત તો ય આગળ વધત. 'આ કોઈ કરે છે કે હું કરું છું', ના ખબર પડે ? તું વ્યવહારથી કર્તા માનું છું કે નહીં માનતો ? પ્રશ્નકર્તા : વ્યવહારથી માનું છું ! દાદાશ્રી : વ્યવહારથી માનું છું ને ? હા, 'વ્યવહારથી કર્તા ના માનવું' તે ય મિથ્યાત્વ અને 'હું નિશ્ચયથી કર્તા છું' તે ય મિથ્યાત્વ છે. 'હું કર્તા છું' એ ભાન જ મિથ્યાત્વ છે. જગતને ભ્રાંતિ છે. તેથી આત્મા કર્તા દેખાય છે. બીજા શબ્દમાં કહેવું હોય તો ભ્રાંતિથી આત્મા કર્તા-ભોક્તા છે. મૂળ આત્મા તો વ્યવહારથી પણ કર્તા-ભોક્તા નથી. બહુ ઊંડી વાત છે. જ્યાં સુધી ભ્રાંતિ ખસી નથી, ત્યાં સુધી નિશ્ચય શી રીતે પ્રાપ્ત થાય ? પહેલી ભ્રાંતિ ખસેડવાની, પછી નિશ્ચયની વાત. વ્યવહાર-નિશ્ચય બન્ને જોઈએ. એક ના ચાલે. 'હું કોણ છું' જાણવું, જ્ઞાની કને ! 'હું કરું છું' એ ય ભ્રાંતિ છે ને 'મારું છે' એ ય ભ્રાંતિ છે, પણ 'હું છું' એ સાચું છે. આ જગતમાં જે જે પણ કંઈ ક્રિયા કરવામાં આવે છે તે ભ્રાંતિ છે. 'સ્વ'નું ભાન થયું તો ભ્રાંતિરહિત થાય. જ્યાં સુધી કર્તા છે ત્યાં સુધી મોક્ષ હોય નહીં. કર્તા એ જ ભ્રાંતિ. જ્યાં સુધી 'તમે કરો છો' ત્યાં સુધી ભ્રાંતિમાં છો. ત્યાં સુધી આત્માનો એક અંશ પણ ચાખ્યો નથી. કર્તાપદની ભ્રાંતિ પોતાથી ના તૂટે. 'જ્ઞાની પુરુષ' એકલાં જ એ તોડી આપે. સંપૂર્ણ અકર્તાભાવ, અક્રમ જ્ઞાનમાં ! આપણે અહીં 'કરવાનો' માર્ગ જ નથી. પ્રશ્નકર્તા : તો આ શું કરીએ છીએ ? દાદાશ્રી : આ તો ડિસ્ચાર્જ થાય છે. પ્રશ્નકર્તા : હા, પણ આ જ કર્યું કહેવાયને, બીજું શું ? દાદાશ્રી : ના, એ કર્યું ના કહેવાય. અહીં ભ્રાંતિરહિત વાત છે બધી. સંપૂર્ણ ભ્રાંતિરહિત. કરવાનું નથી એટલે ભ્રાંતિ ગઈ. જ્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી બધી ભ્રાંતિ છે. પ્રશ્નકર્તા : પણ પૂર્ણ ના થાય ત્યાં સુધી કર્તાભાવ રહેવાનો છે, અહમ્ રહેવાનો છે થોડો ઘણો ? દાદાશ્રી : કર્તાભાવ રહે તો અહીં આગળ દાદાનું તો અક્રમ વિજ્ઞાન એ સમજ્યો નથી, એક અક્ષરે ય. વર્તે, સંપૂર્ણ નિમિત્તભાવે ! કોઈ કોઈને કશું આપી શકતો નથી, લઈ શકતો નથી. નિમિત્તથી બધું તમારું તમને ઉઘાડી આપું. તમારે તમારું ચાખવાનું, કંઈ મારામાંથી આપવાનું નથી. બધાની પાસે છેને પોતાનો માલ ! ફક્ત એ માલ ક્યાં છે, શું છે, એનો ખ્યાલ નથી, એને ભ્રાંતિ છે એની, એ ભ્રાંતિ એની ઊડી જાય, કે કામ થઈ ગયું ! એ માગે છે રિલેટીવ અને હું આપું છું રિલેટીવ ! એમાં હું રિયલી ક્યાં આપું છું ?! અને રિલેટીવ બધું નિમિત્તભાવે છે. પછી ભાંજગડ જ ક્યાં રહી ?! જગત આખું નિમિત્તભાવે છે. પણ એ નિમિત્તભાવે છે એમ બોલી ના શકે, તે વર્તી ય ના શકે. અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ. ન થાય બાહ્ય ફેરફાર આ ભવમાં ! પ્રશ્નકર્તા : તો પછી પૂર્વકર્મના હિસાબે જે જીવન ઊભું થયું, વ્યવસ્થિતના હિસાબે એ તો ભોગવવાનું જ છે, તો પછી આ ચાલુ જીવનમાં ય કોઈ કર્મ એવું કરે તો એનાથી વ્યવસ્થિતમાં કંઈ ફેરફાર થાય ? દાદાશ્રી : કશો જ ફેરફાર નથી થવાનો. અહીં જન્મ્યો ત્યાંથી છેલ્લા સ્ટેશન ઉપર ગયો, તે નનામી કાઢે ત્યાં સુધી બધું ફરજિયાત છે. અને એને મરજિયાત માને છે તે ભ્રાંતિ છે. મરજિયાત માન્યું એટલે ભ્રાંતિ ! છે ફરજિયાત. કર્યા વગર ચાલે જ નહીં એવું છે આ. કારણ કે એ ડિઝાઈન થઈ ગયેલી છે. એ યોજના ઘડાઈ ગયેલી છે ને એ યોજના આ લાઈફમાં રૂપકમાં આવી છે એટલે ઘડાયેલી યોજના પ્રમાણે જ થયા કરવાનું છે. એ રૂપકમાં કંઈ ફેરફાર થવાનો નથી અને તે ફરજિયાત છે. એટલે તમે ફેરવવા માંગો તો ય કશું ફરે નહીં. પ્રશ્નકર્તા : તો પછી જીવ સુખ-દુઃખ ભોગવે છે, એ પણ વ્યવસ્થિતના કારણે ? દાદાશ્રી : હા, વ્યવસ્થિત જ. એ ખાલી માને છે કે 'મને આ સુખ-દુઃખ પડે છે', ખાલી ભ્રાંતિથી માને છે કે 'દેહ મારો છે ને હું છું આ દેહ'. દેહાધ્યાસ છે ત્યાં સુધી માને. પ્રશ્નકર્તા : આ ભ્રાંતિ એ કોના કારણે છે ? વ્યવસ્થિતને કારણે છે ? દાદાશ્રી : વ્યવસ્થિતને કારણે શેની ? પોતાને કારણે છે, પોતાનું કારણ જ, નૈમિત્તિક રીતે છે. સ્વતંત્ર કારણ નથી. હવે એ સંજોગો જ ચલાવે છે આ જગતને. તમારું ને મારું આપણું બધાનું મિલન થયું ને આ સંજોગ બધા ભેગા થયા, એટલે નવી જાતનું ઊભું થયું, બસ. એમાં તમે કર્તા છો નહીં ને હું ય કર્તા નથી. પ્રશ્નકર્તા : આ દુનિયા એટલે વ્યવસ્થિતની લેબોરેટરી જ કહેવાય ને ? દાદાશ્રી : હા, લેબોરેટરી તરીકે. આ લેબોરેટરીમાં આત્મા શું ગણાય છે ? યોજક રૂપે ને આ છે યોજના. એમાં આ વસ્તુ નાખો, આ વસ્તુ નાખો. તે પોતાને નાખવી પડતી નથી, એની મેળે જ નંખાય છે. તેમાં કેમીકલ ઈફેક્ટસ થાય છે, તેમાં પોતે આંગળી ભ્રાંતિથી ઘાલે છે ને પોતે દઝાય છે. પેલા સાયન્ટિસ્ટ હાથ ના ઘાલે, જ્ઞાની પણ હાથ ના ઘાલે. ખાલી જોયા કરે ને આ હાથ ઘાલે, ઈમોશનલ થાય તો દઝાય પછી ! સાચી વસ્તુ જાણવી તો પડશેને, એક દહાડો ! માર ખઈને ય છેવટે તો જાણવી પડશે ને ! અનંત અવતાર થશે, બીજા અવતારમાં, ત્રીજા અવતારમાં પણ જાણવી તો પડશે જ ને ! ક્યાં સુધી અજાણ્યા રહીશું ? પ્રયોગ, પ્રયોગી ને પ્રયોગશાળા ! પ્રયોગી પ્રયોગ સ્વરૂપે થઈ જાય છે એ જ ભ્રાંતિ ! એક લેબોરેટરીમાં બેઠેલો સાયન્ટિસ્ટ પ્રયોગનાં બધાં જ સાધનો લઈને બેઠો હોય અને ક્યાંક પ્રયોગ કરતાં અચાનક એકાદ વાસણમાંથી ગેસ છૂટી જાય, ને પેલો માણસ મહીં ગૂંગળાવા માંડે અને બેભાન થઈ જાય. ત્યારે એ બધું જ ભૂલી જાય, સંપૂર્ણ ભાન ગુમાવે. પણ પછી જેમ જેમ એ ભાનમાં આવતો જાય તેમ તેમ તેનો પ્રકાશ વધે અને તેને વધારે ને વધારે સમજાતું જાય. શરૂઆતમાં એમ સમજાય કે આ બધું મારા જ હાથમાં છે, મારી જ સત્તામાં છે. પછી ભાન વધતું જાય તેમ સમજાય કે આ તો કોઈક ભગવાનની સત્તામાં છે, મારા હાથમાં નથી. એથી આગળ જ્યારે વધુ ભાનમાં આવે ત્યારે તેને એમ લાગે કે આ બધું તો ભ્રાંતિસ્વરૂપ છે ! ભગવાનની ય સત્તામાં નથી અને મારી ય સત્તામાં નથી. પછી છેલ્લે જ્યારે સંપૂર્ણ ભાનમાં આવે ત્યારે 'સંયોગો જ કર્તા છે' એવું ભાન થાય અને ત્યારે જ એને સંયોગોથી મુક્તિસુખ વર્તાય ! આમ ભાનમાં જ ફેરફાર થયા કરે છે. પ્રયોગી જો સંયોગોમાં સંયોગી થઈ ગયો, એકાકાર થઈ ગયો તો તે ભયંકર બેભાનપણું કહેવાય અને જ્યારે 'સંયોગ જુદા અને હું જુદો' એવું જો ભાન થાય ત્યારે મુક્તિ ચાખવા મળે. સ્વભાવ એ પુરુષ ને ભ્રાંતિ એ પ્રકૃતિ ! પ્રશ્નકર્તા : જડ અને ચેતનથી જે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય અને જે આ ક્રોધ-માન-માયા-લોભ તેને લઈને આવે, તો એ વ્યવસ્થિતથી જ થતાં હશે ને ?! દાદાશ્રી : આપણે તો એની ડીઝાઈનને કહીએ કે આ વ્યવસ્થિત છે. બાકી આ તો બેની હાજરી થઈ એટલે એની મેળે ઉત્પન્ન થાય જ, ક્રોધ-માન-માયા-લોભ નિયમથી જ થાય. અત્યારે તમને એમ લાગે છે કે 'હું ચલાવું છું'. પણ સો ટકા વાત ખોટી છે. ખાલી તમે આમાં નિમિત્ત છો. પણ કર્તા નથી તમે. અને કર્તા છો એવું માનો છો, તેથી ભ્રાંતિથી કર્મ બંધાય છે ને ભવોભવ ભટકવાનું થાય છે. કર્તાપણું છૂટી જાય અને પોતાનો સ્વભાવ જાગૃત થઈ જાય, તો કામ થઈ ગયું. સ્વભાવ અને ભ્રાંતિ બે જ છે. સ્વભાવ પુરુષ છે ને ભ્રાંતિ પ્રકૃતિ છે. ભ્રાંતિનું ફળ પ્રકૃતિ ઊભી થઈ જાય. પ્રકૃતિ એટલે 'પોતાના' સ્વભાવની અજાગૃતિ ને ભ્રાંતિ. હવે, પોતાનો સ્વભાવ, પોતાના ભાવો છે અને વિભાવને બહિરભાવ કહેવાય છે. એક ખાલી બહિરભાવ એટલે આમ દ્રષ્ટિ જ કરવાથી આ મૂર્તિઓ ઊભી થયેલી છે. બીજું કશું જ નથી કર્યું. જો આત્માએ કર્યું હોત તો તે જોખમદાર બનત. પણ એ અક્રિય સ્વભાવનો છે અને આત્મા જાતે નથી કરતો. વિશેષ ભાવથી થાય છે. એના વિશેષ પરિણામ છે. જે વિભાવ કહેવાય છે ને ? વિભાવ એટલે વિરૂદ્ધભાવ નથી, વિશેષભાવ છે. એ વિશેષ ભાવ અમે તો સમજીએ ! તે એવો આ નવો ગુણધર્મ ઉત્પન્ન થયો છે. પ્રશ્નકર્તા : એમ કહે છે કે વિશેષ ભાવથી જે કર્મ થયા તો તે વિશેષ ભાવમાં થયા કે એથી જુદું છે સંયોજન ? દાદાશ્રી : વિશેષ ભાવનું ફળ આવે છે. 'પોતે' માને છે કે આ મારું ફળ છે. વિશેષ ભાવ એ કારણ કહેવાય અને એનું કાર્ય આવે એ ફળ કહેવાય. પ્રશ્નકર્તા : પણ કાર્ય આપનારી સત્તા કઈ ? દાદાશ્રી : એ જ વ્યવસ્થિત શક્તિ. હા, વ્યવસ્થિત શક્તિ બધાં કારણો ભેગાં થઈને પછી ફળ આપે. જડ-ચેતન સંયોગથી, જન્મે વિશેષ પરિણામ? હવે માણસને ભ્રાંતિ કેમ ઉત્પન્ન થઈ ? બે વસ્તુ સાથે મૂકવાથી, જડ અને ચેતન બેનો સંયોગ થવાથી એમાંથી વિશેષ પરિણામ ઊભાં થાય છે. બન્ને ય પોતાના ગુણધર્મ છોડતાં નથી અને નવા જ ગુણધર્મ ઉત્પન્ન થાય છે. એ વિશેષ પરિણામનો આ સંસાર ઊભો થયો છે. એ વિશેષ પરિણામ ઊડી જાય, તો છૂટી જાય પછી વિશેષ પરિણામ ઊભાં થાય નહીં. જે સિદ્ધક્ષેત્ર છે ત્યાં બે ભેગાં થતાં જ નથી એટલે ત્યાં વિશેષ પરિણામ ઉત્પન્ન થતાં જ નથી. અહીં બે ભેગાં થાય છે ને આ બધું ઊભું થઈ જાય છે. હવે વિશેષ પરિણામ એટલે શું ? આપણે કોઈ દરિયા કિનારાથી એક માઈલ છેટે લોખંડની બે લોરીઓ ખાલી કરી, તદ્દન નવું લોખંડ અને વર્ષ દહાડા પછી આપણે ત્યાં જોઈએ, ત્યારે લોખંડને કશી અસર થયેલી હોય ખરી ? શું અસર થયેલી હોય ? પ્રશ્નકર્તા : કાટ ચઢે. દાદાશ્રી : હા, હવે આપણે પૂછીએ લોખંડની ઈચ્છા છે આ કાટ ચઢવાની ? ત્યારે કહે, ના. લોખંડની ઈચ્છા નથી. ત્યારે દરિયાની ઈચ્છા છે ? ત્યારે કહે, એની ય ઈચ્છા નથી. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કોઈની ઈચ્છા નહીં હોવા છતાં કાટ ચઢે છે. એવી રીતે કોઈની ઈચ્છા નહીં હોવા છતાં આ બધું જગત ઊભું થયું છે ! હું આ જાતે જોઈને બોલું છું. એમ ને એમ નથી બોલતો, આ ગપ્પું નથી. આ શાસ્ત્રની વાત નથી ! ભગવાન, એ પોતે જ વિશેષભાવમાં આવી ગયા છે. પોતાનો જે સ્વભાવ હતો તેના કરતાં વિશેષ જાણવાના ભાવ થયા, તેની આ ગૂંચામણ થઈ ગઈ. પ્રશ્નકર્તા : તો એનાં પછી છૂટકારો ક્યારે થઈ શકે ? દાદાશ્રી : પછી જ્યારે એને પોતાને સમજાય કે 'હું કોણ છું ? કરે છે કોણ ?' એવું પોતાના સ્વરૂપનું ભાન આવે, ત્યારે એ છૂટો થઈ શકે છે. બે વસ્તુ ભેગી થવાથી એનું ભાન જતું રહ્યું, 'પોતે કોણ છું' એ અને તીસરો જ ગુણ ઉત્પન્ન થયો. હવે જ્યારે એ સંસારકાળ પૂરો થવા આવે છે, ત્યારે 'એને' ભાન થાય એવાં સંજોગો ભેગા થાય છે. આ તમે અહીં આવ્યા ને, તે સંજોગ ભેગો થયો. પેલાં ભાઈને સંજોગ ભેગા થયા તેથી થઈ ગયું ને ! એ સંજોગો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પછી પાછો છૂટકારો ય થાય છે અને નિયમથી જ છે આ બધું. પ્રશ્નકર્તા : તો ભ્રાંતિ કાઢવાનો પ્રયત્ન જો જીવ કરે તો એ વ્યવસ્થિતને આધીન છે કે પોતાની સ્વતંત્રતા છે ? દાદાશ્રી : છે વ્યવસ્થિતને આધીન, પણ એવું કહેવું ના જોઈએ કે આ વ્યવસ્થિતના આધીન છે. ઊલ્ટું પોતે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. પછી ના થાય તો વ્યવસ્થિત કહેવું. અહો ! જ્ઞાનીએ સ્વસત્તા કોને કહી !! પ્રશ્નકર્તા : 'ક્ષણે ક્ષણે સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું.' તો સ્વસત્તા તો આપે આપી જ છે, તેનો ઉપયોગ શી રીતે કરું ? અને પરસત્તામાં પ્રવેશ ના કરું તો તે કઇ રીતે ? એ વિગતથી સમજાવો. દાદાશ્રી : તમામ ક્રિયામાત્ર પરસત્તા છે. ક્રિયામાત્ર ને ક્રિયાવાળું જ્ઞાન પણ પરસત્તા છે. જે જ્ઞાન અક્રિય છે, જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી છે. જે આ બધી ક્રિયાવાળા જ્ઞાનને જાણે છે તે આપણી સ્વસત્તા છે ને તે જ 'શુધ્ધાત્મા' છે. પ્રશ્નકર્તા : સંસારી માણસોએ સ્વસત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહેવું. મન-વચન-કાયા સ્વભાવથી જ 'ઇફેક્ટિવ' છે. ઠંડીની 'ઇફેકટ' થાય, ગરમીની થાય, આંખ ખરાબ જુએ તો ચીતરી ચઢે, કાન ખરાબ સાંભળે તો અસર થાય. તે આ બધી 'ઇફેકટ'ને આપણે જાણીએ. આ બધું 'ફોરેન ડિપાર્ટમેન્ટ'નું છે ને આપણું 'હોમ ડિપાર્ટમેન્ટ' છે. વીતરાગોની આગવી શોધ ! કાર્ય કરનારી શક્તિ બીજી છે. એને શાસ્ત્રકારોએ પરસત્તા કહી છે. સ્વસત્તા જ સેલ્ફ રિયલાઈઝ થયા પછી આવે. ત્યાં સુધી સ્વસત્તા આવે નહિ, પરસત્તામાં છે. આત્મજ્ઞાન થયા પછી બધું થાય. અનાદિકાળથી આ જ ભ્રાંતિ પેસી ગઈ છે. તે ભ્રાંતિ કાઢતાં ય બહુ ટાઈમ લાગે. કારણ કે એટલું બધું નિકટવર્તી છે આ કે પોતાને ખબર ના પડે. 'આ હું કરું છું કે બીજો કોઈ કરે છે ?' એ અત્યંત નિકટવર્તી છે. એટલે આ વીતરાગોનું સાયન્સ છે. બહુ ઊંચી શોધખોળ છે ને, ગૂઢાર્થ કેવો ? અત્યંત ગુહ્ય !! એ સમજવા જેવું છે આ ! સમજવું તો પડશે જ ને ? તમને કેમ લાગે છે ? સાર તો કાઢવો પડશે ને, નહીં કાઢવો પડે ? એટલે આ સાર કાઢવા માટે છે, આપણે આમાં સત્ય કરાવવું નથી. જે સત્ય છે તેને જ સત્ય રાખવું છે. કે સત્ય મારું છે એવું મારે કરાવવું નથી. સત્ય મારું હોતું જ નથી. સત્યનું સત્ય હોય છે. જ્ઞાની સમજાવે પુદગલની કરામત ! પુદગલની કરામત એટલે શું ? ઘડી પહેલાં કશું ય ના હોય ને અડધા કલાકમાં તો અહીં ધુમ્મસ, ધુમ્મસ, ધુમ્મસ થઈ જાય. તે કોણ કરવા આવ્યું ? કોઈ વચ્ચે આવ્યું ? એવું તમે બહાર કશે નથી જોયું ? પછી આ વાવાઝોડાં કોણ કરાવે છે ? ત્યારે આપણા લોક આ ભગવાને કર્યું તેથી થાય છે, એવું કહે છે. ના એવું નથી. એટલે મારું કહેવાનું કે આત્મા અક્રિય છે, પુદગલ ક્રિયાકારી છે. ક્રિયાકારી એટલે સ્વભાવ જ પુદગલનો ક્રિયાકારી છે. આમ બરફ પડતો હોયને, તો કોઈ જગ્યાએ મહાવીર ભગવાનનું સ્ટેચ્યુ જેવું થઈ જાય, મહાવીર ભગવાનની મૂર્તિ છે એવું હઉ દેખાય. હવે આ કોણે બનાવ્યું ? એ પુદગલની કરામત છે બધી ! જો મહીં રસોડામાં વઘાર કર્યો અને ઉડે એટલે આ લોકો શું કરે ? પ્રશ્નકર્તા : ઉધરસ ખાય ને ! દાદાશ્રી : અલ્યા, આ કોણે આવું કર્યું ? પેલો માણસ તો વઘાર કરે છે, એમાં અહીં શું થયું ? પ્રશ્નકર્તા : વઘાર પેલો કરે છે, છીંક અહીંયા આવે છે. દાદાશ્રી : તું તારા કામમાં છું, એ એના કામમાં છે, આ કર્યું કોણે ? રાજાનો છોકરો હોય તે ઉધરસ ખાય અને જ્ઞાની ય ઉધરસ ખાય, જુઓ તો ખરા આ દુનિયા ! હવે વઘાર કરનારની ઈચ્છા નથી કે આ લોકોને ઉધરસ ખવડાવવી છે. ખાનારને ઈચ્છા નથી. આ પુદગલની કરામત છે બધી. પુદગલ વસ્તુ સમજાય એવી નથી. એ તો 'જ્ઞાની' વગર બીજા કોઈ ના સમજી શકે. પુદગલની કરામત ઓર જાતની છે, જુઓને ! એક પુદગલે આખા જગતને મુંઝાવી માર્યું છે ! વીતરાગોનું એક જ વાક્ય સમજે તો ઉકેલ આવે. પુદગલમાં જ ક્રિયા છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. જગતને અહીં જ ભ્રાંતિ પડી જાય છે કે શી રીતે આ ચાલે છે ? જગત જેને આત્મા માને ત્યાં એક અંશ આત્મા નથી. આત્મા તો જ્ઞાનીઓએ જુદો જોયો છે, જુદો જાણ્યો છે, જુદો અનુભવ્યો છે ! આત્માને ક્રિયાવાન કહ્યો, ત્યાંથી જ ભ્રાંતિ ઊભી થઈ ગઈ ! 'આત્મા અકર્તા છે' એવું ભાન થાય ત્યારે સમકિત થયું કહેવાય. અલભ્ય ફોડો પાડે, પ્રત્યક્ષ જ્ઞાની ! પ્રશ્નકર્તા : દાદા, આ ફોડ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સિવાય ક્યાં પડે ?! દાદાશ્રી : હા. ચોપડીમાં ના હોય ને ! ચોપડીમાં હોય નહીં. ચોપડીમાં હોય તો બધાં વીતરાગ જ થઈ જાય ને ?! વ્યવસ્થિત સમજી જાય તો વીતરાગ જ થઈ જાય ને બધાં !! શાસ્ત્રોમાં ના હોય, શાસ્ત્રોમાં આ માર્ગ જ ના હોય. હું કહું છું ને એ બધો માર્ગ જ શાસ્ત્રોમાં ના હોય. શાસ્ત્રમાં તો સાધનો બતાવેલાં હોય કે આમ કરજો, તેમ કરજો. અહીં કરવાપણાંનો માર્ગ ના હોય. આ સમજવાનો માર્ગ હોય. કરવાપણાથી ઉપર ગયેલાં આપણે, ભ્રાંતિથી ઉપર ગયેલાં. એટલે વાત જ જુદીને ! આ વાત કામ લાગશે ને ? - જય સચ્ચિદાનંદ. |
|---|