જીવનમાં બ્રહ્મચર્યની મહત્વતા !

સંપાદકીય

'બ્રહ્મચર્ય' શબ્દ વાંચતા જ કેટલાંક લોકોને એમ થાય કે આપણા જીવનમાં આ કંઈ શક્ય નથી, આપણે પરણેલા-ગૃહસ્થ છીએ, આ તો બહુ ઊંચી વાત છે. ત્યાગીઓ-સાધુઓ માટે જ છે ! પરંતુ અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી ગૃહસ્થીઓનો પણ મોક્ષ થાય એવો માર્ગ ખુલ્લો કરી આપે છે. સંસારમાં સ્ત્રી-છોકરાં-ધણી-પૈસો મોક્ષે જતાં નડતું નથી. પોતાના નિજ સ્વરૂપની અજ્ઞાનતાથી જ સંસારમાં બંધન થયું છે અને સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય તો સંસારની કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ બંધનકારક છે જ નહીં. દાદાશ્રી પોતે ગૃહસ્થપણામાં રહીને પણ આ અપવાદ સિદ્ધ કરી આપ્યું છે કે તેઓ જબરજસ્ત જ્ઞાનદશામાં રહી શક્યા હતા.

અક્રમ વિજ્ઞાન પરણેલાઓનો પણ આત્મજ્ઞાન પામી મુક્તિ પ્રાપ્ત કરી શકે એવો રસ્તો બતાડે છે. વિષય-વિકારને દાટાં મારી કંટ્રોલ કરવાની વાત જ નથી પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિષયવિકારનું સ્વરૂપ જો સમજવામાં આવે, તો પછી ફેરફાર થઈ શકે. વિષયવિકારના પરિણામને બંધ કરવા કે અટકાવવાની વાત જ નથી, પણ વિષય વિકાર ઊભા થવાનું જે મૂળ કારણ છે તે કારણો તે સંબંધી સર્વ અજ્ઞાન દૂર કરવામાં આવે તો વિષયના પરિણામો ધીમે ધીમે ખરી પડે છે.

જગતની દ્રષ્ટિએ સર્વોત્તમ સુખ વિષયભોગમાં મનાયું છે અને તેનું પૃથ્થકરણ લોકદ્રષ્ટિએ આપણને મળ્યું છે. કોઈ વખતે જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ વિષયનું પૃથ્થકરણ સાંભળ્યું નથી, જાણ્યું નથી. જો જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ વિષયના સ્વરૂપને સમજીએ તો વિષયના મૂર્ચ્છિત સુખોમાંથી છૂટી આત્માના શાશ્વત સુખ ભણી પ્રયાણ થાય.

આ કાળની વિચિત્રતા એવી છે કે વિષયવિકાર ભયંકર રીતે ફરી વળ્યો છે. જ્યાં-ત્યાં દ્રષ્ટિ બગડે, આ સુખ પાછળ જ દોટ મૂકી છે, તેથી ભગવાન મહાવીરે ય પાંચમું મહાવ્રત મૂક્યું કે લોકો કંઈ સમજે, વિચારે અને 'વિષય વિકાર ખોટો છે' એવો અભિપ્રાય બદલાય તો ય એને પાછાં ફરવાનો અવસર મળે છે, નહીં તો વિષયના સુખને જ સત્ય માનવાથી અંતે અધોગતિ ને સંસાર પરિભ્રમણ નોંતરે છે. આ કાળમાં સૌથી વધુ ગુના વિષયના દોષોના થઈ જાય છે.

આમ વિષયવિકારના સ્વરૂપની, એ સુખની માન્યતા સંબંધી અને તેમાંથી બહાર નીકળવા માટે સાચી સમજણ આપતી પરમ પૂજ્ય દાદાશ્રીની બ્રહ્મચર્ય સંબંધી જે જ્ઞાનવાણી નીકળી છે તે પ્રસ્તુત સંકલનમાં અંકિત થઈ છે. જે વાચકને નવો દ્રષ્ટિકોણ બક્ષશે !

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

જીવનમાં બ્રહ્મચર્યની મહત્વતા !

અવલંબનો પરવશતાઓ લાવે !

મોક્ષની ઇચ્છા તો બધી બહુ છે, પણ મોક્ષનો રસ્તો મળતો નથી. એટલે અનંત અવતારથી રઝળપાટ જ કર્યો છે અને અવલંબન વગર જીવાતું નથી. એટલે સ્ત્રી જોઈએ છે, બધું જોઈએ છે. પૈણે છે, તે ય આધાર ખોળે છે. તેથી પૈણે છે ને ?! માણસ નિરાધાર રહી શકે નહીં ને ?! નિરાલંબ રહી શકે નહીં ને ! જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ નિરાલંબ રહી શકે નહીં, અવલંબન ખોળે જ કશું !

આ કરોળિયો જાળું વીંટે, પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણે ટેન્ડર ભર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. બે-ત્રણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલું જ જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી પણ સાસુ-સસરો, સાળો-સાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, મામી સાસુ, ...... હેય ફસામણ, ફસામણ !!! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેંડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આપ્યું ? ત્યારે કુદરત કહે છે, 'ભઈ, એ એકલું તો ના અપાય, મામી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મઝા આવે !!' એક આટલું લેવા જઈએ ત્યાર હોરું કેટલી વળગાડ, કેટલી બધી પરવશતાઓ ! એ પરવશતા પાછી સહન થાય નહીં.

પ્રશ્શનકર્તા : આ મન-વચન-કાયાનાં જ લફરાં ગમતાં નથીને હવે !

દાદાશ્રી : આમાં તો છ ભાગીદાર છે. પૈણ્યા એટલે એમાં પાછા બીજા છની ભાગીદારી, એટલે બાર ભાગીદારોનું કોર્પોરેશન ઊભું થયું પાછું. છમાં તો કેટલી બધી લઢવાડો ચાલે જ છે, ત્યાં પાછી બારની લઢવાડો ઊભી થાય. પછી દરેક છોકરે છોકરે નવા છ ભાગીદારો પાછા મહીં ઉમેરાય. એટલે કેટલી ફસામણ ઊભી થઈ જાય !

જીવન જીવવાનો હેતુ !

આ ઇન્જિન હોય છે, તે કોઈ માણસ ઇન્જિનમાં તેલ રેડ્યા કરતો હોય તે ઇન્જિન ચલાય ચલાય કરતો હોય, એવું વરસ દહાડા સુધી કર્યા કરતો હોય તો આજુબાજુના લોકો શું કહે એને ? 'અલ્યા, ઇન્જિનને કંઈ પટ્ટો નાખીને કામ કરાવી લે ને !' એવું આપણા લોકો જીવન જીવવા સારુ ખોરાક ખાય છે, પણ પછી પટ્ટો જ નથી આપતા ! એટલે આ મશીન પાસેથી બીજું કામ કરાવી લેવું કે ના કરાવી લેવું ? તમે શું કરાવી લેવાનું નક્કી કર્યું છે ? કંઈ સદ્ગતિ થાય, મોક્ષ થાય એટલા માટે પટ્ટો આપવાનો છે, જીવન જીવીને કામ કાઢી લેવાનું છે.

આપણે લોકોને પૂછીએ તમે શા સારુ ખાવ છો ? તો કહેશે, જીવન જીવવા સારુ અને પૂછીએ કે જીવન શેના સારુ જીવો છો ? ત્યારે કહેશે, કે મને ખબર નથી ! અલ્યા, આ તે કઈ જાતનું ? શાને માટે જીવન જીવવાનું છે ? તે ય ખબર નથી ને છોકરાંનાં કારખાનાં કાઢ્યાં છે ! આ જીવન કંઈ છોકરાનાં કારખાનાં માટે હશે ? છોકરાનાં કારખાનાં એ તો સ્વાભાવિક છે, પણ એમાં શું દહાડો વળ્યો ? છોકરાં તો, પૈણ્યા એટલે થયા જ કરે ને ! કૂતરાંને ય છોકરાં થયા કરે છે. એ તો વગર ભણેલાં છે, તો ય છોકરાં થાય છે. આ કૂતરાં કંઈ ભણેલાં છે ? તો એમને છોકરાં નહીં થતાં હોય ? એમણે ય લગન કરેલું હોય. એમને ય વાઈફ હોય છે ને ? એટલે કંઈક સમજવું તો પડશે ને ? તું એન્જિનીયર પાસ થયો એટલે તારી પાસે શું થયું ? મેઈન્ટેનન્સની તારી પાસે સગવડ થઈ. તારે હવે એન્જિન ચાલુ રહેવાનું. પેટ્રોલ ને ઓઈલ માટે સગવડ બધી તૈયાર થઈ ગઈ. તારે હવે આ એન્જિન પાસે શું કામ કઢાવી લેવું છે ? આપણો કંઈક હેતુ તો હોવો જોઈએ ને ? આ નોકરી-ધંધા કરે છે, રૂપિયા કમાય છે છતાં આ રૂપિયા તો આખો દહાડો ચિંતા જ કરાવડાવે અને ખરાબ વિચાર જ આવ આવ કરે. કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, બધું અણહક્કનું ભોગવ્યા કરે ને પછી નર્કમાં જવું પડે. ત્યાં ભયંકર દુઃખો ભ

ોગવવાં પડે. આ સુખો એ તો ઉછીના લીધેલાં સુખ કહેવાય અને ઉછીના સુખ લે, તે કેટલા દહાડા ચાલે ? નર્કગતિમાં વ્યાજ સાથે વાળવું પડે. એના કરતાં ઉછીનું સુખે ય ના જોઈએ ને આપણે પેલું દુઃખે ય ના જોઈએ. બીજું બધું ખાવ નિરાંતે. જલેબી ખાવ, ચા પીવો !

દેહનો સંબંધ, નરી ઉપાધિ !

હવે તારે સંસારમાં શું શું જોઈએ છે ? એ કહેને.

પ્રશ્શનકર્તા : મારે તો આ શાદી જ નથી કરવી.

દાદાશ્રી : આ દેહ જ નર્યો ઉપાધિ છે ને ! પેટમાં દુઃખે ત્યારે આ દેહ ઉપર કેવું થાય છે ? તો બીજાની દુકાન સુધી વેપાર માંડીએ, તો શું થાય ? કેટલી ઉપાધિ આપે ? અને પાછા બે-ચાર છોકરાં હોય. બઈ એકલી હોય તો ઠીક છે વળી, એ પાંસરી રહે પણ આ તો ચાર છોકરાં ! તે શું થાય ? પાર વગરની ઉપાધિ !! નરી 'ફાઈલો' જ વધી જાય. એટલે ભગવાને એવું કહ્યું છે કે ઔપચારિક ના કરશો. અનુપચાર એટલે તમે જેનો ઉપચાર પણ કર્યો નથી એવો આ દેહ છે, તે તો છૂટકો જ નથી. પણ પેલો ઉપચાર કરે છે, પૈણે છે, વ્યાપાર માંડે છે, એ ના કરશો ને આને હવે ઉપચાર કરવાની ઇચ્છા નથી, તેથી કહે છે કે શાદી જ નથી કરવી.

અક્રમ વિજ્ઞાનથી પરણેલાનો ય મોક્ષ !

છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાને ય મોક્ષે લઈ જશે. પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો'ક મગજની ખુમારીવાળો હોય, તે કહેશે, 'સાહેબ, હું બીજી પૈણવા માગું છું.' તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ? ભરત રાજાને તેરસો રાણીઓ હતી, તો ય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત કે સ્ત્રીઓ છોડી દો. તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત ? અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી અને બીજી પૈણવી હોય તો મને પૂછીને પૈણજે, નહીં તો પૂછયા વગર ના પૈણશો. જો છૂટ આપી છે ને બધી ?

કર્મને આધીન સ્ત્રી-પુરુષ થયાં. એક ઝાડ ઉપર પંખીઓ બધાં નક્કી કરીને બેસે છે ? ના ! તેવી રીતે આ બધાં એક કુટુંબમાં જન્મે. કોઈ નક્કી કર્યા વગર જ કર્મનાં ઉદયે જ બધાં ઘરનાં લોક ભેગાં થાય ને પાછાં વિખરાઈ પણ જાય. આપણા લોકોએ એને એડજસ્ટમેન્ટ લઈને, વ્યવસ્થિત કરેલું. એટલે કે આ છોકરો છે, એટલે આની પર પુત્રભાવ આવતા હોય. બીજું, બહેનના ભાવ આવતા હોય, સ્ત્રીના ભાવ આવતા હોય. અત્યારે આપણામાં એ ભાવ વિકૃત થયેલા છે. બાકી પહેલા બહેનનો ભાવ આવે તો બીજો ભાવ જ ઉત્પન્ન ના થાય. બહેન કહે એટલે બહેન જ, મા એટલે મા. બીજો વિચાર ના આવે. પણ અત્યારે તો બધે બગડી જ ગયું છે.

કોઈ ચેતવે જ નહીં !

યોનિમાંથી જન્મ લે છે. તે યોનિમાં તો એટલાં બધાં ભયંકર દુઃખોમાં રહેવું પડે છે ને મોટી ઉંમરનો થાય કે યોનિ ઉપર જ પાછો જાય છે. આ જગતનો વ્યવહાર જ એવો છે. કોઈએ સાચું શીખવાડ્યું નથી ને ! મા-બાપે ય કહે કે પૈણો હવે. અને મા-બાપની ફરજ તો ખરી ને ? પણ કોઈ સાચી સલાહ ના આપે કે આમાં આવું દુઃખ છે. એ તો કહેશે, પૈણાવો હવે. જેથી એને ત્યાં છોકરો થાય તો હું દાદો થાઉં. બસ, આટલી જ એમને લ્હાય હોય. 'અરે, પણ દાદા થવા માટે મને શું કામ આ કૂવામાં નાખો છો ?' બાપાને દાદા થવું હોય એટલા હારુ આપણને કૂવામાં નાખે. લગ્નમાં તો કેટલાંય એક્સિડન્ટ થાય છે, છતાં કેટલાંય લગ્ન થાય છે ને ? આ તો લગ્નના કૂવામાં પડવું પડે છે. કશું ના હોય તો છેવટે મા-બાપ પણ ઊંચકીને એ કૂવામાં નાખે. એ લોકો ના નાખે તો મામો ઊંચકીને નાખે. આવું છે આ ફસામણવાળું જગત !

આ તો સુખ કે બંધન !

લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ, પેઠા હોય તો ય નીકળી જવાય તો વધુ ઉત્તમ અને નહીં તો ય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ ! પરણતાં પહેલાં દસ દહાડા પહેલાં વહુ જો ગાડીમાં મળી હોય તો તે ધક્કો મારે. એને પાછી પોતે પાસ કરી. લ્યો, એ વાઈફ થઈ ગઈ ! કોની છોડી, કોનો છોકરો, નહીં કશી લેવા-દેવા ?! વાઈફ મરી જાય તો પાછા રડે. શાથી એ રડે છે ? એ ક્યાં આપણી સગી હતી ? માની સગાઈ સાચી કહેવાય, ભાઈની સગાઈ કહેવાય, બાપની સગાઈ કહેવાય પણ વાઈફની શી સગાઈ કહેવાય ?! પારકાં ઘરની છોડી, તે જોવા ગયો હતો તે ઘડીએ તો 'આમ ફરો, આમ ફરો' કરતો હતો. મરજીમાં આવે તો સેંક્શન કરે. ઘેર લાવે. પછી પાછો મેળ ના પડે, તો કહેશે કે ડાયવોર્સ લો.

આસક્તિ છે કે પ્રેમ ?

એક ભાઈ મને કહે છે કે મારી વાઈફ વગર મને ઓફિસે ગમતું નથી. અલ્યા, એક વાર હાથમાં પરુ થાય તો તું ચાટું ? નહીં તો શું જોઈને સ્ત્રીમાં મોહ પામે છે ?! આખું શરીર પરુથી જ ભરેલું છે. આ પોટલી શાની છે, એના વિચાર ના આવે ? ભલે આચાર ના છૂટે પણ વિચાર તો ના આવવો જોઈએ ? મનુષ્યને એની સ્ત્રી પર પ્રેમ છે, એના કરતાં ભૂંડને ભૂંડણ પર વધારે પ્રેમ છે. આ તે કંઈ પ્રેમ કહેવાતો હશે ? આ તો પાશવતા છે નરી ! પ્રેમ તો કોનું નામ કે જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ કહેવાય. આ તો બધી આસક્તિ છે. વધી ગઈ તો આસક્તિ ને ઘટી ગઈ એ વિકર્ષણ શક્તિ. જો એરિંગ સારાં લાવી આપ્યાં, હીરાના કાપ સારા લાવી આપ્યા તો બઈ આસક્તિમાં ને આસક્તિમાં ખુશ ને ના લાવી આપ્યા તો, 'તમે આવાં છો, તમે તેમ છો.' તે પછી ઝઘડા નથી થતાં ? મતભેદ નથી થતાં, બળ્યા ?! આમાં શું સુખ છે, તે પડી રહ્યા છો? શું માન્યું છે તમે ? અનંત અવતારથી ભટક ભટક કરો છો, તે હજુ ભટકવાનો શો શોખ પડ્યો છે તમને ? શું થયું છે તમને ?

સાપણની પેઠ કૈડે !

વીતરાગ ભગવાનના ભક્તોને ય ચિંતા ? જ્યારે શાસ્ત્ર વાંચે, તેટલો વખત જરાક મહીં ઠંડક રહે. તે ય પાછું વાંચતા વાંચતા યાદ તો મહીં આવી જાય કે આજે કારખાનામાં તો પેલી બારસોની ખોટ ગઈ છે. તે એને કૈડે હઉ પાછું !!! આખો દહાડો કૈડ, કૈડ ને કૈડ. અંદર પેલું કૈડે ને બહાર માકણ, મચ્છર જે હોય તે કૈડે. રસોડામાં બાઈ કૈડે. મેં એક જણને પૂછયું, 'કેમ કંટાળી ગયા છો ?' ત્યારે એ કહે કે, 'આ બઈ સાપણની પેઠ કૈડે છે.' એવી ય બૈરી કેટલાંક લોકોને મળે છે ને ?! આખો દહાડો 'તમે આવા ને તમે તેવા' કર્યા કરે, તે જંપીને ખાવા ય ના દે બિચારાને ! હવે એ બાઈ શું સુખ આપી દેવાની છે ? એ કંઈ 'પરમેનન્ટ' સુખ આપે ? તો શા સારુ પોતે દબાયેલો બેસી રહે છે ? વિષય ભૂખ્યો છે એટલે. નહીં તો નિર્વિષયીને ડરાવનાર કોણ ?! એક વિષય માટે પડી રહેવાનું અને પોતાની સ્વતંત્રતા ખોવાની ? બૈરી-છોકરાની જંજાળ અને તે અનંત અવતાર બગાડી નાખે. જે આમાંથી કુદરતી રીતે છૂટ્યો, તેની તો વાત જ શી કરવાની ?

અશુચિ ત્યાં સાચું સુખ હોય ?

જ્યાં ભ્રાંતિરસમાં જગત તદાકાર પડ્યું છે. ભ્રાંતિરસ એટલે ખરેખર રસ નથી, છતાં માની બેઠો છે ! શું ય માની બેઠો છે ?! એ સુખનો ફોડ પાડવા જાય ને, તો નરી ઊલટીઓ થાય !

આ શરીરની રાખોડી થાય છે અને એ રાખોડીનાં પરમાણુથી ફરી શરીર બંધાય છે. તે અનંત અવતારની રાખોડીનાં આ પરિણામ છે. નર્યો એંઠવાડો છે ! આ તો એંઠવાડાનો એંઠવાડો ને તેનો ય એંઠવાડો !! એની એ જ રાખોડી, એના એ જ પરમાણુ બધા, એનું ફરી ફરી બંધાયા કરે છે ! વાસણને બીજે દહાડે અજવાળીએ એટલે એ દેખાય ચોખ્ખાં પણ અજવાળ્યા વગર એમાં જ રોજ રોજ ખા ખા કરે તો ગંદવાડો નથી ?

પુદ્ગલના જે ગુણો છે ને, જે સ્થૂળ ગુણો કે જે આંખે દેખાય એવા છે, કાનથી સંભળાય, આમ સ્પર્શથી અનુભવમાં આવે, નાકને સુગંધ આપે, જીભને સ્વાદ આપે એવા છે. પુદ્ગલના ગુણો અને આ પ્રાકૃતિક ગુણો - બે ભેગા થયા છે. પ્રાકૃતિક ગુણો એ મિશ્ર ચેતનના છે અને પુદ્ગલના જે ગુણો છે, એ બધું ભેગું થઈને આ લોહી-પરુ ને આ બધું ઊભું થઈ ગયું ને સંસાર ઊભો થઈ ગયો છે. તેથી આ જગત બધું મૂંઝાયું છે. પોતાની અજ્ઞાનતાને લઈને એને આ બધી અશુચિનું ભાન રહેતું નથી ને ભાન નથી રહેતું એટલે આ સંસાર ઊભો રહ્યો છે.

રાતે જલેબી ખાય છે, તે સવારમાં જલેબીની શી દશા થશે એવું ભાન રહે છે લોકોને ? શાથી ભાન નથી રહેતું ? કારણ પુદ્ગલના ગુણમાં જ અનુરાગ છે એને. આ તો પુદ્ગલ છે, આ પૂરણ થયું છે અને પેલું ગલન થાય છે એવું ભાન જ નથી ને ! જ્યારે ગલન થાય છે, સવારના પહોરમાં ત્યારે ચીતરી ચઢે છે ?! અલ્યા, બેઉ પુદ્ગલ જ છે. બેઉ પુદ્ગલના જ ગુણો છે, પણ એને અશુચિનું ભાન નથી એટલે જલેબી ખાતી વખતે ટેસ્ટથી ભોગવે છેને !

પ્રશ્શનકર્તા : આત્મા ને પુદ્ગલનો સંયોગ થાય એટલે દરેકને આમ જ થાય ને ?

દાદાશ્રી : ના, પણ એને ભ્રાંતિ છે ત્યાં સુધી જ. બાકી 'હું કોણ છું' એનું ભાન નથી રહ્યું એટલે બેભાનપણે આવું ચાલ્યા કરે છે. ભાન થયા પછી પોતે છૂટો પડી ગયો. પછી એને વિષયસુખ મોળાં લાગે. જલેબી ખાધા પછી ચા પીધેલી ? મોળી લાગે ને ? પછી આપણે ચામાં ઘણો ટેસ્ટ કરવા જઈએ પણ ટેસ્ટ ના બેસે. એવું આ જગત અસરવાળું છે !

અરે, આમ સરસ દૂધપાક ખાધો હોય, તે ય ઊલટી કરી નાખે તો કેવો દેખાય ? રૂપાળું હાથમાં ઝલાય એવું દેખાય ? હમણાં મહીં રેડ્યું હતું તે જ પાછું નીકળ્યું, તે હાથમાં કેમ ના ઝલાય ? એટલે આ મહીં અશુચિનું સંગ્રહસ્થાન છે. મહીં રેડતાંની સાથે જ અશુચિ થઈ જાય છે. વાડકો ચોખ્ખો હોય, દૂધપાક સારો હોય પણ મહીં રેડીએ ને એનો એ જ દૂધપાક પછી ઊલટી કરીને આપે કે ફરી પી જાવ, તો ના પી જાય ને કહેશે, જે થવાનું હશે તે થશે પણ નહીં પીઉં. એટલે આ બધું ભાન રહેતું નથી ને !

સાચો કેરીનો ભોગ, વિષય કરતાં !

આ જલેબી નીચે ધૂળમાં પડી હોય. પછી એ આપે કે ખાઈ જાવ તો ખાય કે ના ખાય ? ના. કેમ ? આમ મોઢામાં તો ગળી લાગે છે તો ય ? જોઈને જ ના પાડી દે ને ? આમ રૂપાળી કેરી હોય પણ ખાટી નીકળી તો ? તો ય કહેશે, ના, નથી ખાવી. એટલે આટલું બધું આ લોકો જોઈને ખાય છે. જીભ ના પાડે તો ય ફેંકી દે, આંખ એકલી ના પાડે તોય ના પાડી દે છે, નાક એકલું ના પાડે તોય છોડી દે છે. એટલે આમાં પાંચેય ઇન્દ્રિયો ખુશ થાય ત્યારે એ વસ્તુને ખાય છે. પણ આ વિષય એકલો એવો છે કે બધી ઇન્દ્રિયને એ ગમતું જ નથી. છતાં 'એને' વિષયમાં મઝા આવે છે, એ ય અજાયબી છેને !

પાંચ ઇન્દ્રિયના વિષયમાં એક જીભનો વિષય એકલો સાચો વિષય છે. બીજા બધા તો બનાવટ છે. શુદ્ધ વિષય હોય તો આ એકલો જ ! ફર્સ્ટ ક્લાસ હાફૂસની કેરીઓ હોય, તે કેવો સ્વાદ આવે ?! ભ્રાંતિમાં જો કદી શુદ્ધ વિષય હોય તો આટલો જ છે. ચોખ્ખો ખોરાક મળતો હોય ને એનો સ્વાદ બેભરમો ન થયો હોય, તો એ વિષય સ્વીકારાય એવો છે. છે તો આ પણ કલ્પિત જ, પણ ઊંચામાં ઊંચું કલ્પિત છે. આની મહીં વિચારણા કરીએ તો ઘૃણા ના છૂટે ને વિષયમાં તો વિચાર કરીએ તો ઘૃણા છૂટે.

વિષયોમાં ભોગ છે જ નહીં, પણ માને છે કે આ ભોગ છે. ભોગમાં તો પાંચેય ઇન્દ્રિયો ખુશ હોય. આ કેરી એ ભોગ કહેવાય. એની સુગંધ સારી હોય, સ્પર્શેય સારો હોય, સ્વાદ પણ આવે, આંખને આમ ગમે. જ્યારે આ વિષયમાં તો કશું છે જ નહીં. એ તો ફૂલ્સ પેરેડાઈઝ છે.

આ તો કેવી ભૂલવણી !

વિષયમાં કોઈ ઇન્દ્રિય ખુશ થતી નથી. આંખો ય અંધારું ખોળે. કેરી જોવા માટે આંખો અંધારું ખોળે ? નાક કહે કે ડૂચા મારી દો ? માણસો ગંધાતાં હશે ખરાં ? બે દહાડા ના નહાય તો શું થાય ? આ કેરી જેવા ગંધાય ? એટલે આ વિષયો તો નાકને જરાય ના ગમે, આંખને ય ના ગમે. જીભની તો વાત જ શી કરવી ?! ઊલટી આવે એવું હોય છે. આ કેરી બગડે છે પછી સોડે તો ગમે ? બગડેલી કેરીને અડવાનું, સ્પર્શ કરવાનું ગમે ? એટલે ત્યાં પછી ભોગવવાનું જ ક્યાં હોય ? કોઈ ઇન્દ્રિયો એક્સેપ્ટ કરતી નથી, છતાં આ વિષય ભોગવે છે એ અજાયબી છે ને ?! આ વિચાર કરજો બધુ. તમને બાવો બનાવવા નથી આવ્યો. આ ખોટી માન્યતા કેટલી બધી ઘૂસી ગઈ છે, તે કાઢવાની જરૂર છે. વિષય સંબંધમાં વિગતવાર સમજી લેવામાં આવે તો વિષય રહેતો જ નથી.

અમારી રીતે કોઈને ય ના સમજાય અને કહીએ તો બીજે દહાડે ભૂલી જાય. બાકી વિષય એ વિચાર્યા વગરની વાત છે. આ લોકો દેખાદેખીથી એમાં પડ્યા છે. ખાલી લોકસંજ્ઞા છે એ અને જ્ઞાનીની સંજ્ઞા, જો કદી જ્ઞાનીને પૂછયું હોય તો આમાં કોઈ પડે જ નહીં. એક પણ ઇન્દ્રિય આને 'પાસ' ના કરે. એટલે જ્ઞાનીઓએ કહેલું કે જ્યાં સુખ નથી, ત્યાં ક્યાં સુખ માની બેઠા છો ? પણ આ વિષયમાં એને મૂર્છા બહુ છે. એટલે મૂર્છાને લીધે એને ભાન નથી રહેતું.

સાચા સુખની શોધ !

માણસને રોંગ બિલિફ છે કે વિષયમાં સુખ છે. હવે વિષયથી ય ઊંચું સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે ! વિષયમાં સુખ નથી પણ દેહધારીને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે ? વિષયમાં સુખ હોય તો ચક્રવર્તીઓ આટલી બધી રાણીઓ હોવા છતાં સુખની શોધમાં ના નીકળત ! આ જ્ઞાનથી એવું ઊંચું સુખ મળે છે. છતાં આ જ્ઞાન પછી તરત વિષય જતાં નથી પણ ધીમે ધીમે જતાં રહે. છતાં પણ પોતે વિચારવું તો જોઈએ કે આ વિષયો એ કેટલો ગંદવાડો છે !

પુરુષને સ્ત્રી છે એવું દેખાય તે પુરુષમાં રોગ હોય તો 'સ્ત્રી છે' એવું દેખાય. પુરુષમાં રોગ ના હોય તો સ્ત્રી ના દેખાય.

જ્ઞાનીઓને આરપાર દ્રષ્ટિ હોય. જેવું છે તેવું દેખાય. એવું દેખાય તો પછી વિષય રહે ? એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે આરપાર જેમ છે તેમ દેખાવું. આ હાફૂસની કેરી હોય તો તે વિષયની અમે ના ન પાડીએ. એને જો કાપે તો લોહી ના દેખાય, તો એ નિરાંતે ખા. આ તો કાપે તો લોહી નીકળે, પણ એની જાગૃતિ રહેતી નથી ને ! તેથી માર ખાય છે. તેથી આ સંસાર ઊભો રહ્યો છે. આ જ્ઞાનથી જાગૃતિ પછી ધીમે ધીમે વધતી જાય, વિષય ખલાસ થતો જાય. મારે બંધ કરવાનું કહેવું ના પડે. એની મેળે જ તમારે બંધ થતું જાય.

તૃપ્તિ આત્મવિજ્ઞાન થકી !

હંમેશાં દુષમકાળમાં માણસનાં મન કેવાં હોય, કે 'કાલથી ખાંડ નહીં મળે' એવું કહ્યું કે બધા દોડધામ કરીને ખાંડ લઈ આવશે. એટલે મન વાંકાં ચાલે એવાં છે. એટલે અમે બધી છૂટ જ આપી છે. દુષમકાળમાં મનને બંધન કરીએ કે આમ કરો તો મન અવળું ચાલ્યા વગર રહે નહીં. આ દુષમકાળનો સ્વભાવ છે કે જો અટકાવીએ તો ઊલટું જોશ કરીને એમાં જ પડે. એટલે આ કાળમાં અમારા નિમિત્તે અક્રમ ઊભું થયું, તે કોઈ જાતનું અટકાવવાનું જ નહીં. એટલે પછી મન જુવાન થતું જ નથી, મન ઘૈડું થઈ જાય છે. ઘૈડું થાય એટલે નિર્બળ થાય, પછી ખલાસ થઈ જાય. જુવાન તો ક્યારે થાય કે અટકાવીએ તો. તૃપ્ત થયેલો માણસ વિષયના ગંદવાડામાં હાથ ઘાલે જ નહીં. આ તો મહીં તૃપ્તિ નથી. તેથી આ ગંદવાડામાં ફસાઈ પડ્યા છે. વીતરાગોનું વિજ્ઞાન એ જ તૃપ્તિને લાવનાર છે.

કેટલાંય અવતારથી ગણીએ તો ય પુરુષો આટઆટલી સ્ત્રીઓને પૈણ્યા અને સ્ત્રીઓ પુરુષોને પૈણી તો ય હજુ એને વિષયનો મોહ તૂટતો નથી. ત્યારે આનો ક્યારે પાર આવે તે ?! એનાં કરતાં થઈ જાવ એકલાં એટલે ભાંજગડ જ મટી ગઈને ?!

આખી દુનિયાનો એ એંઠવાડો !

બાકી વિષયભોગ એ તો નર્યો એંઠવાડો જ છે. આખી દુનિયાનો એંઠવાડો છે. આત્માનો આવો ખોરાક તે હોતો હશે ? આત્માને બહારની કશી વસ્તુની જરૂર નથી, નિરાલંબ છે. કોઈ અવલંબનની એને જરૂર નથી. પરમાત્મા જ છે પોતે. નિરાલંબ અનુભવમાં આવે, એટલે પરમાત્મા થઈ જ ગયો ! એને કશું જ અડે નહીં. ભીંતોની આરપાર ચાલ્યો જાય એવો આત્મા અંદર છે, અનંત સુખનું ધામ છે !

આ ખોખાને આપણે શું કરવાનું ? ખોખું તો કાલે સડી જાય, પડી જાય, કોહવાઈ જાય. ખોખું તો શાનું બનેલું છે ? એ આપણે નથી જાણતા ? છતાં લોકો ભૂલી જાય છે ને ? ભૂલી જતાં હશે લોકો ? પણ આ ખોખું તમને ય ભૂલથાપ ખવડાવી દે.

આરપાર દ્રષ્ટિ જ્ઞાનીની !

અમારે જ્ઞાની પુરુષને આમ આરપાર દેખાય. કપડાં બધું હોય છતાં કપડાંની મહીં, ચામડીની મહીં જેમ છે તેમ યથાવત દેખાય. પછી રાગ ક્યાં થાય ? પોતે એક આત્મા જ જુએ ને બીજો બધો તો આ કચરો છે, સડેલો માલ છે. એમાં શું જોવા જેવું છે ?! ત્યાં જ રાગ થાય છે એ જ અજાયબી છે ને ! પોતે નથી જાણતો ? જાણે છે બધું જ, પણ એને આવી સમજ આપી નથી. જ્ઞાનીઓએ માલ પહેલેથી જ જોયેલો છે. આમાં નવું શું છે તે ? પાછો વહુની જોડે સૂઈ જાય છે. અલ્યા, આ માંસને જ દાબીને સૂઈ જાય છે ?! પણ એ તો ભાન નથી ને ! એનું નામ જ મોહ ને ?! અમને નિરંતર જાગૃતિ હોય, એવરી સેકન્ડ જાગૃતિ હોય, એટલે અમે બધું જાણીએ કે નર્યું માંસ જ છે આ બધું.

સુખી થવાનો ખરો માર્ગ !

હવે આવી વાત કોઈ કરતું નથી ને ? કારણ લોકોને વિષય ગમે છે. એટલે આ વાત કાઢે નહીં ને કોઈ ! જે નિર્વિષયી છે એ જ આ વાત કાઢે, નહીં તો આવું ખુલમ્ ખુલ્લું કોણ કહે ? છેવટે તો આ બધું છોડ્યા વગર છૂટકો જ નથી. તમે અમને કહો કે મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. તો અમે હા પાડીએ. શાથી કે ભઈ, બહુ સારું છે, બા. ખરો સુખી થવાનો માર્ગ આ છે, જો ઉદય તમારો હોય તો. નહીં તો પૈણો. પૈણીને અનુભવો. એક ફેરો અનુભવ થયો એટલે પછી બીજા અવતારમાં છૂટી જશે.

પ્રશ્શનકર્તા : કો'ક છૂટી જાય, નહીં તો બાકી છૂટવું મુશ્કેલ છે.

દાદાશ્રી : એ અનુભવને નોંધ કરે તો છૂટે. અમે તો ક્ષણે ક્ષણે નોંધ કરવાવાળા.

પ્રશ્શનકર્તા : એવો તો કો'ક જ નોંધ કરવાવાળો હોય, નહીં તો કીચડમાં ઊતરતો જ જાય.

દાદાશ્રી : હા, એ તો કાદવ જ છે, ઊંડો કાદવ છે. એમાં ઊતરતો જ જાય. રીસર્ચ તો નિર્વિષયી હોય તે કરી શકે. વિષયી માણસ રીસર્ચ કરી શકે જ નહીં.

વિષયના કીચડમાં મઝા માણી !

આ પાંચ ઇન્દ્રિયના કીચડમાં મનુષ્ય થઈને કેમ પડ્યા છે એ જ અજાયબી છે ! ભયંકર કીચડ છે આ તો ! પણ એ નહીં સમજવાથી, બેભાનપણાથી જગત ચાલ્યા કરે છે. એક સહેજ જો વિચારે તોય કીચડ સમજાય. પણ આ લોકો વિચારતા જ નથી ને ?! નર્યો કીચડ છે, તો મનુષ્યો કેમ આવા કીચડમાં પડ્યા છે ? ત્યારે કહે, 'બીજી જગ્યાએ ચોખ્ખું મળતું નથી. એટલે આવા કીચડમાં સૂઈ ગયો છે.'

પ્રશ્શનકર્તા : એટલે કીચડ માટેની અજ્ઞાનતા જ છે ને ?

દાદાશ્રી : હા, એની અજ્ઞાનતા છે. એટલે જ કીચડમાં પડ્યો છે. પાછું આને જો સમજવા પ્રયત્ન કરે તો સમજાય એવું છે, પણ પોતે સમજવા પ્રયત્ન જ નથી કરતો ને !

કોઈ કહે કે જાનવરોને આ વિષયો પ્રિય છે ? તો હું કહું કે ના, જાનવરોને આ વિષયો બિલકુલ પસંદ નથી. પણ છતાં ય એમને 'નેચરલ' ઉશ્કેરાટ થાય છે. બાકી આ વિષયને કોઈ પસંદ જ ના કરે. સાચો પુરુષ હોય તો પસંદ જ ના કરે. તો આ મનુષ્યો શાથી વિષયોમાં પડે છે કે આખો દહાડો દોડધામ દોડધામ કરે. થાકેલો હોય એટલે એને ભાન નથી રહેતું કે આ કીચડ છે. એટલે એ માર પડતું નાખે છે મહીં !! બાકી બિલકુલ 'સેન્સ' ખલાસ થઈ જાય ત્યારે આ કીચડ યાદ આવે. નહીં તો 'સેન્સીબલ' માણસને તો આ કીચડ ગમે જ નહીં ને ! આ તો દોડધામની મહેનત ને એની બળતરા, એને શમાવવા માટે આ કાદવમાં પડે છે. ખાડામાં પડ્યા તેથી કરીને આ બળતરા કંઈ શાંત થતી નથી. જરા સંતોષ આપે એટલું જ અને ઊંઘ આવી જાય. બાકી પછી તો મરવા જેવું લાગે. આ વિષયના કાદવ કરતાં વાંદરાની ખાડીનો કાદવ તો બહુ સારો, એકલી ગંધ આવે એટલું જ, બીજું કંઈ નહીં. જ્યારે આ તો અપાર ગંધ ને નર્યા કેટલાંય જીવો મરી જાય છે, પણ ભાન નથી અને પાછો કહે છે કે, 'હું જૈન છું.' અલ્યા, જૈન તો આવો ના હોય. આમાં તો કરોડો જીવ ખલાસ થઈ જાય છે !!!

એવું છે, નિર્વિષય વિષય કોને કહ્યો છે ? આ જગતમાં નિર્વિષયી વિષયો છે. આ શરીરને જરૂરિયાત માટે જે કંઈ દાળ-ભાત-શાક-રોટલી, જે ભેગું થાય તે ખાવ. એ વિષય નથી. વિષય ક્યારે કહેવાય કે તમે લુબ્ધમાન થાવ ત્યારે વિષય કહેવાય છે, નહીં તો એ વિષય નથી, એ નિર્વિષય વિષય છે. એટલે આ જગતમાં આંખે દેખાય તે બધું જ વિષય નથી, લુબ્ધમાન થાય તો જ વિષય છે. અમને કોઈ વિષય જ અડતો નથી. વિષયની જરૂર શી છે, તે જ હું સમજતો નથી. આ જાનવરો પણ જેનાથી કંટાળી ગયાં છે, તે વિષયમાં આ મનુષ્યોને મઝા આવે છે, આ કઈ અજાયબી છે તે ?! કેમ આ કીચડમાં ઝંપલાવે છે, એનો વિચાર જ નથી આવતો, એવા 'બ્લંટ' થઈ ગયા છે !

ભગવાને મૂક્યું મહાવ્રત પાંચમું !

તેથી ભગવાન મહાવીરે પાંચમું મહાવ્રત બ્રહ્મચર્યનું ઘાલ્યું કે આજના મનુષ્યોને વિષયના કીચડનું ભાન જ નહીં રહે. માટે આ ચાર હતા, તેના પાંચ મહાવ્રત કરી આપ્યા. તેમના મનમાં એમ કે લોકો થોડું ઘણું વિચારે, આની જોખમદારી સમજે. આ તો ભયંકર વિકૃતિ કહેવાય. આનાં કરતાં તો નર્કનું દુઃખ સારું, નર્કની વેદના સારી, પણ આ વેદના તો બહુ ભયંકર !

મને કેટલાંક માણસો કહે છે કે, 'આ વિષયમાં એવું શું પડ્યું છે કે વિષયસુખને ચાખ્યા પછી મારી જાત મરણતુલ્ય થઈ જાય છે, મારું મન મરી જાય છે, વાણી મરી જાય છે.' મેં કહ્યું કે, આ મરી ગયેલાં જ છે બધાં, પણ તમને ભાન નથી આવતું ને ફરી પાછી આની આ જ દશા ઉત્પન્ન થાય છે. નહીં તો બ્રહ્મચર્ય જો કદી સચવાય તો એક એક મનુષ્યમાં તો કેટલી શક્તિ છે ! આત્માનું જ્ઞાન કરે એ સમયસાર કહેવાય. આત્માનું જ્ઞાન કરે અને જાગૃતિ રહે એટલે સમયનો સાર ઉત્પન્ન થયો અને બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે. એટલે આ વિષયમાં તો એક દહાડો ય બગાડાય નહીં.

મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળે તો કેવું સરસ મનોબળ રહે, કેવું સરસ વચનબળ રહે ને કેવું સરસ દેહબળ રહે ! આપણે ત્યાં ભગવાન મહાવીર સુધી કેવો વ્યવહાર હતો ? એક-બે બચ્ચાં સુધી 'વ્યવહાર' કરવો. પણ આ કાળમાં એ વ્યવહાર બગડવાનો એવું ભગવાન જાણતા હતા, તેથી એમને પાંચમું મહાવ્રત ઘાલવું પડ્યું.

આ ઝેરને ઝેર જાણ્યું ?

વિષયને ઝેર જાણ્યું જ નથી. ઝેર જાણે તો એને અડે નહીં ને ! તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ ! જાણ્યાનું ફળ શું કે અટકી જાય. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.

ભય રાખવા જેવો હોય તો, આ વિષયનો ભય રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે વિષયથી ચેતો. આ સાપ, વીંછી, વાઘથી નથી ચેતતા ? ચેતતા રહીએ છીએ ને ? જેમ વાઘની વાત આવે, ત્યારે એ ભય આપણે ના રાખવો હોય તો ય એનો ભય લાગે છેને ? તેમ વિષયની વાત આવે ને ભય લાગવો જોઈએ. ભય હોય ત્યાં ખાવાનું મોજથી જમે ? ના. એટલે ભય હોય ત્યાં મોજ ના હોય. જગત આ વિષયો ભયથી ભોગવતા હશે ? ના. આ તો લોકો મોજથી ભોગવે છે. ભય હોય ત્યાં ભોગવટો જ ના હોય.

મનુષ્યપણું મોક્ષ કાજે !

કોઈ કહેશે કે જલેબી ખાઉં ? તો હું કહું કે એ સારી છે, ખાજો નિરાંતે. દહીંવડા ખાજો, બધું ખાજો. આ બધામાં સ્વાદ લાગે છે. જ્ઞાનીને સ્વાદ સમજાય, પણ એમને આ સ્વાદમાં સારું-ખોટું ના હોય કે આ હોય તો જ મારે ચાલશે. વિષયનો તો જ્ઞાની પુરુષને સ્વપ્ને ય વિચાર ના આવે. એ તો પાશવી વિદ્યા છે. મનુષ્યમાં ખુલ્લી પાશવતા કહેવામાં આવે તો આટલી જ છે. મનુષ્યપણું તો મોક્ષને માટે જ હોવું જોઈએ.

અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!!

ચોખ્ખી બુદ્ધિથી વિચાર્યું વિષયને કદિ ?

વિષય તો મૂર્ખો ય ના ચાહે એવી વસ્તુ છે. બુદ્ધિનો સંપૂર્ણ પ્રકાશ થયેલો હોય, બુદ્ધિનો વિકાસ પામેલો હોય, તે પણ વિષયથી ડરે બિચારો. કારણ કે વિષય એ તો સાવ ગાંડામાં ગાંડી વસ્તુ જેવું છે. આ કાળમાં, આ તો બળતરાને લઈને વિષયના કાદવમાં પડે છે. નહીં તો કોઈ કાદવમાં પડે નહીં ને ! બહુ બળતરા હોય, ત્યારે માણસ શું કરે ? એટલે ઊંધો ઉપાય કરે. વિષય જો વિચારવામાં આવે તો વિચારક માણસને એ ગમે જ નહીં. એટલે બુદ્ધિથી ય વિષય છૂટે એવો છે. તેમાં પછી જ્ઞાનને અને આને શી લેવાદેવા ?! વિષય પર જો વિચાર કર્યો હોતને, તો એને વિષય તો બિલકુલ ગમત જ નહીં. ચોખ્ખી બુદ્ધિવાળાને વિષયનું પૃથક્કરણ કરી આપવાનું કહીએ તો, 'વિષય થૂંકવા જેવી પણ વસ્તુ નથી.' એમ કહે. એટલે ચોખ્ખી બુદ્ધિ હોય, એને તો વિષય ગમે જ નહીં. એ અડે જ નહીં ને ! પણ બુદ્ધિમાં મળ જામી ગયેલો હોય, તેને તો બધું ઊંધું જ દેખાય.

પ્રશ્શનકર્તા : આ મનુષ્ય જાતિમાં બ્રહ્મચર્ય રહે નહીં, એનું શું કારણ ? મોહ છે ? રાગ છે ?

દાદાશ્રી : બુદ્ધિપૂર્વકનું સુખ નથી આ. અવિચાર્યું સુખ છે. લોકોએ માન્યું, એ આપણે ય માન્યું. એ માન્યતાનું જ સુખ છે ખાલી અને જલેબી સુખદાયી છે એ બુદ્ધિપૂર્વકનું સુખ છે.

વિષય એ તો બુદ્ધિપૂર્વકનો ખેલ નથી, આ તો મનનો ખાલી આમળો જ છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ જો બુદ્ધિથી વિષયને સમજવા જાય તો બુદ્ધિ વિષયને લેટ ગો કરે નહીં. આ બુદ્ધિશાળીઓ લેટ ગો કરે છે, એનું શું કારણ ? લોકની સંજ્ઞા પ્રમાણે ચાલે, એટલે પેલી બાજુનું આવરણ તૂટ્યું નથી,

એક જણે કહ્યું કે બુદ્ધિપૂર્વકમાં શું વાંધો છે ? ત્યારે મેં કહ્યું, બુદ્ધિપૂર્વકની ચીજો અજવાળામાં કરવાની હોય. સીક્રેસી (ખાનગી) ના હોય. હજાર માણસની હાજરીમાં બેસીને જલેબી ખવાય ? જલેબીમાં વાંધો નહીં ને ? એને શરમ ના આવે ?

પ્રશ્શનકર્તા : ના. શરમ ના આવે, રોફથી ખવાય !

દાદાશ્રી : એટલે વિષયને જો માણસ વિચારે ને, જો વિચાર કરતાં આવડે ને, તો એ વિષય ભણી કોઈ દિવસ જાય જ નહીં. પણ વિચાર કરતાં જ નથી આવડતું ને ?! વિષય એ અજાગૃતિ છે. વિષય પોષાય જ કેમ કરીને ? જે વિચારે કરીને ગમે એવી વસ્તુઓ નથી, તે જ વસ્તુનો સંબંધ કેમ પોષાય ?

નર્યો ગંદવાડો દેખાય વિષયમાં !

હવે કેટલાંક લોકો ચારિત્ર લેવા માંડ્યા છે. કારણ કે વિષયમાં એટલો બધો ગંદવાડો છે કે જેનો નિબંધ લખવો હોય તો નિબંધ લખતાં જ ચીતરી ચઢે. આ તો ઠીક છે, એક જાતની હેબિટ પડી ગઈ છે. મૂળ અજ્ઞાનતામાં, બેભાનપણામાં ચૂંથારો ચૂંથ્યો. હવે ભાન થયા પછી શું કંટાળો ના આવે ? આ તદ્દન ગંદવાડાનું સુખ છોડવાનું છે. એ તો ગંદવાડો દેખીને જ છોડી દેવાનું છે. જો આ વિષયનું સુખ છોડી દે, તો આખી દુનિયાનો માલિક થઈ જાય. ખરેખર તો એ સુખ જ ન હોય. આ જલેબીમાં સુખ કહેવાય, શ્રીખંડમાં સુખ કહેવાય, એમાં ના ન કહેવાય. પણ આ વિષયમાં તો સુખ જ ન હોય.

મને તો આ વિષયનો એટલો બધો ગંદવાડો દેખાય કે મને આમ ને આમ સહેજે એ બાજુનો વિચાર ના આવે. મને વિષયનો કોઈ દહાડો વિચાર જ નથી આવતો. મેં એટલું બધું જોઈ નાખેલું, એટલું બધું જોયેલું કે મને માણસ આરપાર દેખાય એવું જોયેલું. વિષયનું જો પૃથક્કરણમાં આવે, જ્ઞાનથી નહીં પણ બુદ્ધિથી, તો ય માણસ ગાંડો થઈ જાય.

આ તો બધું અણસમજણથી ઊભું છે. ડુંગળીની ગંધ કોને આવે ? જે ડુંગળી ખાય તેને ગંધ ના આવે. જે ડુંગળી ના ખાતો હોય તેને તરત જ ગંધ આવે. વિષયોમાં પડ્યો છે તેથી વિષયોમાં ગંદવાડો સમજાતો નથી. એટલે વિષય છૂટતો નથી ને રાગ કર્યા કરે છે. એ ય બેભાનપણાનો રાગ છે. આત્મા એક જ માંસ સ્વરૂપ નથી. બીજું બધું નર્યું માંસ જ છે ને ?!

જેમ આહારી આહાર કરે છે, તેમ વિષયી વિષય કરે છે. પણ વાત સમજવી જોઈએ ને ? અને એ લક્ષમાં રહેવું જોઈએ ને ? આહાર તો રોજ સરસ ખાતો હોય, પણ ચાર દહાડાનો ભૂખ્યો હોય તો લીંટ પડેલો ગંદો રોટલો ય ખાશે. આ ખોરાક તો સારો હોય છે, પણ આ વિષય તો એથી ય ગંદવાડો છે. ભૂખની બળતરાને લઈને ગંદો રોટલો ખાય છે. એવી આ બળતરાને લઈને વિષય ભોગવે છે. પણ આ ગંદો રોટલો ખાતી વખતે 'ચાલશે' કહે છે. પણ ફરી ખાવાની ઇચ્છા રહે છે ? ના ! એ તો ફરી ખાવાની ઇચ્છા કોઈને ય ના હોય. પણ વિષયમાં એવું રહેતું નથી ને ? વિષયમાં પણ એવું રહેવું જોઈએ.

આ મુસલમાન માંસાહાર કરે, તે રાજીખુશીથી કરે છે ને ? અને તમને માંસાહાર કરવાનો કહ્યો હોય તો ? ચીતરી ચઢે ને ? એનું શું કારણ ? કારણ કે માંસાહાર કરનારનું ડેવલપમેન્ટ જુદું છે અને તમારું ડેવલપમેન્ટ જુદું છે. જેમ જેમ ડેવલપમેન્ટ ઊંચું ચઢતું જાય, તેમ તેમ સંસારની વસ્તુ પર ચીતરી ચઢતી જાય. આ વિષય પર ચીતરી ચઢતી નથી ને ? પણ એ તો બીજી બધી ગંદી વસ્તુ કરતાં ય વધારે ભૂંડું છે. છતાં લોકોને આની ખબર પડતી નથી. એટલે કેટલી બધી ડેવલપમેન્ટની કચાશ છે. આ ભજિયામાં પરસેવો પડતો હોય એવું દેખે છે છતાં ખાય છે, તો એ ડેવલપમેન્ટ કેટલું કાચું ?! કારણ કે આ ગંદવાડો સમજાયો જ નથી. આ શરીર આમ રૂપાળું લાગે છે પણ આ ગંજીફરાક કાઢીને મોઢામાં ઘાલો ત્યારે ખબર પડે કે એ કેવું છે ! એ કેવું લાગે ? ખારું લાગે ને ? ગંધાય ! જેની જોડે ઊભાં રહેતાં ય ગંધ મારે છે, ત્યાં એની જોડે વિષય શી રીતે ઊભો થાય છે ? આ કેટલી બધી ભ્રાંતિ છે !

સર્વ ઈન્દ્રિયોએ વખોડ્યો વિષય !

વિષય એ સંડાસ છે. નાકમાંથી, કાનમાંથી, મોઢામાંથી, બધેથી જે જે નીકળે છે, એ બધું સંડાસ જ છે. ડિસ્ચાર્જ એ ય સંડાસ જ છે. જે પારિણામિક ભાગ છે, તે સંડાસ છે પણ તન્મયાકાર થયા વગર ગલન થતું નથી. સંડાસ થાય છે, તે પણ મહીં કૉઝીઝ થાય છે, તેનું પરિણામ છે. દૂધપાક-પૂરી કોને ના ગમે ? પણ ભગવાન કહે છે કાલ સવારે એ સંડાસ થશે. વિષયને સંડાસ શાથી કહ્યો ? એટલા માટે જ કે એ ગલન થાય છે.

વિચારવાન માણસ વિષયમાં સુખ શી રીતે માની બેઠો છે, તેની જ મને નવાઈ લાગે છે ! વિષયનાં પૃથક્કરણ કરે તો ખરજવાને વલૂરવા જેવું છે. અમને તો ખૂબ ખૂબ વિચાર આવે ને થાય કે અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?! જેટલું આપણને નથી ગમતું, તે બધું જ વિષયમાં છે. નરી ગંધ છે. આંખને જોવું ના ગમે. નાકને સૂંઘવું ના ગમે. તંે સૂંઘી જોયું'તું ? સૂંઘી જોવું હતું ને ? તો વૈરાગ તો આવે. કાનને રુચે નહીં. ફક્ત ચામડીને રુચે. લોક તો ખોખાંને જુએ, માલને ના જુએ. ખોખામાં તો જે ચીજ નથી ગમતી, તે જ ચીજો ભરેલી છે. નર્યો દુર્ગંધનો કોથળો છે ! પણ મોહને લીધે ભાન નથી રહેતું ને તેથી તો જગત આખું ચક્કરે ચઢ્યું છે.

આ વાંદરા સ્ટેશનની ખાડી આવે છે, તેની ગંધ ગમે ? એથી પણ બૂરી ગંધ આ ખોખામાં છે. આંખને ના ગમે એવા ચિત્ર-વિચિત્ર પાર્ટસ્ મહીં છે. આ કોથળામાં તો પાર વગરનો વિચિત્ર ગંદવાડો છે. આ આપણી મહીં હ્રદય છે. તે જ લોચો કાઢીને આપણા હાથમાં મૂકે તો ? અને કહે કે જોડે હાથમાં રાખીને સૂઈ જા, તો ? ઊંઘ જ ના આવે ને ? આ તો દરિયાના વિચિત્ર જીવડા જેવું દેખાય. જે નથી ગમતું એ બધું જ આ દેહમાં છે. આ આંખો આમ બહુ રૂપાળી દેખાતી હોય, પણ મોતિયો આવ્યો ને એ ધોળી આંખો દેખી હોય તો ? ના ગમે. ઓહોહો ! વધારેમાં વધારે દુઃખ આમાં છે. આ દારૂ જે કેફ કરે છે, એ દારૂની ગંધ માણસને ગમતી નથી અને આ વિષય તો સર્વ ગંધનું કારણ છે. બધી જ ના ગમતી વસ્તુઓ ત્યાં છે. હવે શું હશે આ અજાયબી ?! આમાંથી છૂટ્યા એટલે પછી રાજા. ભૂખ્યા જ ના હોય, તેને શું ? ભૂખ્યો હોય, તે હોટલોમાં પેસે ને ?! જ્યાં ને ત્યાં ડાફોડિયું મારે, પણ જે જમ્યો છે, જમીને નિરાંતે ફરે છે, રસ-રોટલી ખઈને ફરે છે, એ શાના હારુ ત્યાં હોટલોમાં પેસે ? ગંદવાડાવાળી હોટલો ! વિષયને ઊંડો વિચારવાથી એ જ લાગે કે આ ગટર તો ઉઘાડવા જેવી જ નથી. કેટલું બધું બંધન ! આ જગત તેથી જ ઊભું રહ્યું છે ને !

સમજો બ્રહ્મચર્યના ફાયદાઓ !

પ્રશ્શનકર્તા : બ્રહ્મચર્યના ફાયદા શું થાય ?

દાદાશ્રી : આ અબ્રહ્મચર્યના શું ફાયદા થયા તમને, એ કહો પહેલાં. બાબા-બેબલી થયાં. ઓછો ફાયદો કંઈ એ તો ?! નર્યો વ્યાપાર જ છે ને, નફો જ થયો ને ! હિન્દુસ્તાનમાં ઘણાં લોકો રડે છે. 'કેમ શું છે ભઈ ? તમારે શી અડચણ આવી ?' હું જૈન વાણિયો, મારી છોડી સુથારને ત્યાં ભાગીને જતી રહીને એને પૈણી. તે જો સ્વાદ આવ્યા ને ! કેવો મીઠો સ્વાદ આવ્યો ?! પછી ઘરના બધાને મનમાં એમ થાય કે આ છોડી ના હોત તો સારું !

પ્રશ્શનકર્તા : પણ બ્રહ્મચર્ય શું ફાયદા માટે પાળવું જોઈએ ?

દાદાશ્રી : આપણે અહીં આગળ કંઈ વાગ્યું ને લોહી નીકળ્યું હોય, તો પછી બંધ કેમ કરીએ છીએ ? શું ફાયદો ?

પ્રશ્શનકર્તા : બહુ લોહી જતું ના રહે.

દાદાશ્રી : લોહી જતું રહે તો શું થાય ?

પ્રશ્શનકર્તા : શરીરમાં બહુ વિકનેસ આવી જાય.

દાદાશ્રી : તો આ બહુ અબ્રહ્મચર્યથી જ વિકનેસ આવી જાય. આ બધા રોગ જ અબ્રહ્મચર્યના છે. કારણ કે બધા ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું થતું થતું એનું.... જેમ આ દૂધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું એ થતાં થતાં માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ છે. એવું આમાં બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે આખો !

આ લોહી નીકળી જાય તો વાંધો નહીં, પણ પુદ્ગલસાર નીકળી જાય તો મુશ્કેલી, બહુ નુકસાનકારક. અત્યાર સુધી પૂરણ કર્યું, એનો સાર શું ? ત્યારે કહે, એ સાચવો નહીં તો માણસપણું જતું રહેશે. સારમાં સાર છે એ. તત્ત્વનો તત્ત્વાર્ક છે, અર્ક ઓછો વપરાય તો સારું કે વધારે વપરાય તો ?

પ્રશ્શનકર્તા : ઓછો વપરાય તો સારું.

કરકસર રાખો વીર્ય ને લક્ષ્મીની !

એટલે આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને બીજું વીર્ય. જગતની લક્ષ્મી ગટરોમાં જ જાય છે. એટલે લક્ષ્મી પોતાને માટે ના વપરાવી જોઈએ. વગરકામનો દુરુપયોગ ના થવો જોઈએ અને બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. જે ખોરાક ખાઈએ છીએ, તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને તે વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ.

બ્રહ્મચર્યનો રિવાજ તો એકલા મનુષ્યની જ નાતમાં છે ને ! પરાણે ઉપદેશ આપીને બ્રહ્મચારી બનાવે છે. છતાં એ ફળ આપે એટલે આ ચાલવા દીધેલું. ખરેખર તો બ્રહ્મચર્ય એ સમજીને પાળવા જેવું છે. બ્રહ્મચર્યનું ફળ જો મોક્ષ ના મળતું હોય એ બ્રહ્મચર્ય બધું ખસી કર્યા જેવું જ છે. છતાં એનાથી શરીર સારું થાય, મજબૂત થાય, દેખાવડા થાય, વધારે જીવે ! બળદ પણ હ્રષ્ટપુષ્ટ થઈને રહે છે ને ?! બળદને પણ શક્તિ બહુ રહે છે, તેથી તો એ ખેતર ખેડવાના કામમાં આવે છે ને ?! આપણે કોઈને વગોવતા નથી, પણ વાતને સારભૂત સમજી લેવાની છે ! ફોરેનના દેશની હજારની નોટ હોય તો અહીં ઇન્ડ્યિામાં એની એક્સચેન્જ કિંમત દોઢસો રૂપિયા જ થતી હોય. એટલે હજારની સામે કંઈ હજાર રૂપિયા ગણીને ન જ અપાય. એટલે એવું આપણે તપાસ કરીએ કે આ વસ્તુની એક્સચેન્જની કિંમત શું છે ? આ બ્રહ્મચર્ય કેવું ? અને ખરું બ્રહ્મચર્ય કેવું હોય ?! જે બ્રહ્મચર્યથી મોક્ષ થાય, એ બ્રહ્મચર્ય કામનું !

જ્ઞાન કોને વધુ રહે, બેમાંથી ?

પ્રશ્શનકર્તા : પૈણેલાં હોય, એ લોકોને જ્ઞાન મોડું આવે ને ? અને બ્રહ્મચર્ય પાળે છે, એ લોકોને જ્ઞાન વહેલું આવે ને ?

દાદાશ્રી : ના. એવું કશું નથી. પૈણેલાં હોય અને જો બ્રહ્મચર્યવ્રત લે તો આત્માનું કેવું સુખ છે, એ એને પૂરેપૂરું સમજાય. નહીં તો ત્યાં સુધી સુખ વિષયમાંથી આવે છે કે આત્મામાંથી આવે છે એ સમજાતું નથી અને બ્રહ્મચર્યવ્રત હોય તો, એને આત્માનું સુખ મહીં પાર વગરનું વર્તે. મન સારું રહે, શરીર બધું સારું રહે !!

પ્રશ્શનકર્તા : અને બ્રહ્મચર્યવ્રત પરણ્યા પહેલાં જેણે લીધું હોય, એને કઈ રીતનો અનુભવ થાય ?

દાદાશ્રી : આને પૂછી જો ને ! બહુ સુખ વર્તે અને તેથી જ બધો બહુ ફેરફાર થઈ ગયો.

પ્રશ્શનકર્તા : તો બંનેને જ્ઞાનની અવસ્થા સરખી હોય કે એમાં ફેર હોય ? પૈણેલાની અને બ્રહ્મચર્યવાળાની ?

દાદાશ્રી : એવું છે ને, બ્રહ્મચર્યવ્રતવાળો કોઈ દહાડો ય પડે નહીં. એને ગમે તેવી મુશ્કેલી આવે તો ય પડે નહીં. પછી એને સેફસાઈડ કહેવાય.

શરીરનો રાજા પુદ્ગલસાર !

બ્રહ્મચર્ય તો શરીરનો રાજા છે. જેને બ્રહ્મચર્ય હોય તેનું મગજ તો કેવું સુંદર હોય ! બ્રહ્મચર્ય એ તો આખો પુદ્ગલનો સાર છે.

પ્રશ્શનકર્તા : આ સાર અસાર નથી થતો ને ?

દાદાશ્રી : ના, પણ એ સાર ઊડી જાય, 'યુઝલેસ' થઈ જાય ને ! એ સાર હોય, એની વાત તો જુદી ને ? મહાવીર ભગવાનને બેંતાળીસ વર્ષ સુધી બ્રહ્મચર્યસાર હતો. આપણે જે ખોરાક લઈએ છીએ, એ બધાનો સારનો સાર એ વીર્ય છે, એ એક્સ્ટ્રેકટ છે. હવે એકસ્ટ્રેકટ જો બરોબર સચવાઈ રહે તો આત્મા જલદી પ્રાપ્ત થાય, સાંસારિક દુઃખો ના આવે, શારીરિક દુઃખો ના આવે, બીજાં કોઈ દુઃખો આવે નહીં.

પ્રશ્શનકર્તા : પણ એ શારીરિક છે કે એને આત્માની સાથે પણ સંબંધ છે ?

દાદાશ્રી : ના, આત્માની સાથે કોઈ સંબંધ નથી, એ શારીરિક છે. પણ આ શરીર સારું હોય તો આત્મા છૂટે ને વહેલો ? આ શરીર નબળું હોય, એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થઈ જાય. એમાંથી બંધન થાય.

પ્રશ્શનકર્તા : એટલે જો શારીરિક સંપત્તિ સારી હોય, તો ક્રોધ-માન-માયા-લોભ જરા ઓછાં ઉત્પન્ન થાય એમ ?

દાદાશ્રી : હા, પણ શારીરિક સંપત્તિ બે પ્રકારની. એક તો, પુણ્યૈને લઈને શારીરિક સંપત્તિ હોય અને બીજું, પેલું એક્સ્ટ્રેક્ટને લઈને. અને એવી એક્સ્ટ્રેક્ટને લઈને જો શારીરિક સંપત્તિ હોય તો, એની તો વાત જ જુદી ને ?!

પ્રશ્શનકર્તા : એ એક્સ્ટ્રેક્ટના હિસાબે શારીરિક સંપત્તિ સારી રહે ?

દાદાશ્રી : હા, સરસ રહે. કશી અડચણ જ ના આવે. કોઈ જાતની ડિફેક્ટ જ ના આવે. ક્રોધ-માન-માયા-લોભેય ઉત્પન્ન ના થાય.

બ્રહ્મચર્ય પ્રગટાવે તમામ બળ !

પ્રશ્શનકર્તા : બ્રહ્મચર્ય એ આત્મસુખ માટે કેવી રીતે હેલ્પ કરે છે ?

દાદાશ્રી : બહુ હેલ્પ કરે. બ્રહ્મચર્ય ન હોય તો દેહબળ ઘટ્યું કે મનોબળ ખલાસ થઈ જાય બધું અને બુદ્ધિબળેય ખલાસ થઈ જાય, અહંકાર હઉ ઢીલો થઈ જાય. મોટો ડી.એસ.પી. હોય, કોઈ ઘૈડો થયેલો હોય તો, ઢીલો થઈ જાય કે નહીં ? એટલે એ એનું તેજ કહેવાય છે, બ્રહ્મચર્ય !

પ્રશ્શનકર્તા : એટલે આ મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, એ બધા બ્રહ્મચર્યથી વધારે સુદ્રઢ થાય છે ?

દાદાશ્રી : એમાંથી જ ઊભાં થયા છે. અબ્રહ્મચર્યથી એ બધાં મરી જાય છે.

પ્રશ્શનકર્તા : બ્રહ્મચર્ય એ તો અનાત્મ ભાગમાં આવે ને ?

દાદાશ્રી : હા, પણ એ પુદ્ગલસાર છે !

પ્રશ્શનકર્તા : તો પુદ્ગલસાર છે, એ સમયસારને હેલ્પ કઈ રીતે કરે છે ?

દાદાશ્રી : એ પુદ્ગલસાર હોય તો જ સમયસાર થાય, આ, મેં છે તો આ જ્ઞાન આપ્યું, ને એ તો અક્રમ છે એટલે ચાલ્યું. બીજી જગ્યાએ તો ચાલે નહીં, પેલા ક્રમિકમાં તો પુદ્ગલસાર જોઈએ જ, નહીં તો યાદે ય ના રહે કશુંય. વાણી બોલતાં ફાંફાં પડે.

પ્રશ્શનકર્તા : એટલે આ બેને કંઈ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ ખરો ?

દાદાશ્રી : ખરો ને ! કેમ નહીં ? મુખ્ય વસ્તુ છે એ તો ! બ્રહ્મચર્ય હોય તો પછી તમારું ધાર્યું હોય એ કામ થાય. ધાર્યા વ્રત-નિયમ બધાં પાળી શકાય. આગળ જઈ શકાય ને પ્રગતિ થાય. પુદ્ગલસાર તો બહુ મોટી વસ્તુ છે. એક બાજુ પુદ્ગલસાર હોય તો જ સમયનો સાર કાઢે !

બોલનાર ચારિત્રબળવાળો....

કોઈએ લોકોને આવી સાચી સમજ જ નથી પાડીને ! કારણ લોકો પોતે જ પોલ સ્વભાવના છે. પહેલાનાં ઋષિમુનિઓ ચોખ્ખા હતા. માટે તેઓ સમજ પાડતા હતા.

પ્રશ્શનકર્તા : અમે એવી ઉંમરના વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ કે જે ઉંમરના હિસાબે એને કહેવું જોઈએ કે તું વીર્યબળ સચવાય એવું કર, તો એ નવ્વાણું ટકા છોકરાઓ નહીં માને.

દાદાશ્રી : અને હું આ છોકરાઓને કહું છું કે, 'અલ્યા, તમે પૈણો.' ત્યારે એ કહે છે કે, 'ના. અમારે બ્રહ્મચર્ય પાળવું છે.' અને તમે કહો છો કે, 'બ્રહ્મચર્ય પાળો.' ત્યારે એ કહે છે કે, 'ના. અમારે પૈણવું છે.' એટલે પહેલું ઉપદેશ આપનારે વીર્યબળ પાળવું જોઈએ. બોલનારો બળવાળો હોવો જોઈએ. તમારા બોલની કિંમત ક્યારે કે તમે બળવાન હો, તો સામો એક્સેપ્ટ કરે. નહીં તો સામો આગળ ચાલે જ નહીં ને ! અત્યારે આના જેવા કેટલાંય છોકરાઓ મારી પાસે છે. તેમને કાયમનું બ્રહ્મચર્ય પાળવું છે મન-વચન-કાયાથી.

વિકારો હઠાવવાનું સાધન ?

પ્રશ્શનકર્તા : 'અક્રમ માર્ગ'માં વિકારો હઠાવવાનું સાધન કયું ?

દાદાશ્રી : અહીં વિકાર હઠાવવાના નથી. આ માર્ગ જુદો છે. કેટલાંક માણસો અહીં મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય લે છે અને કેટલાંક સ્ત્રીવાળા હોય, તેને અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. એટલે 'અહીં' વિકારી પદ જ નથી, પદ જ 'અહીં' નિર્વિકારી છે ને ! વિષયો એ વિષ છે, તે તદ્દન વિષ નથી. વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય તો ના છૂટકે, પોલીસવાળો જેમ પકડીને કરાવે ને કરે તેમ હોય તો, તેનો વાંધો નથી. પોતાની સ્વતંત્ર મરજીથી ના હોવું જોઈએ. પોલીસવાળો પકડીને જેલમાં બેસાડે ત્યાં તમારે બેસવું જ પડે ને ? ત્યાં કંઈ છૂટકો છે ? એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય નહીં ને ! બાકી જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ.

વિકારથી જ સંસાર ઊભો થયો છે. આ બધો સંસાર એટલે વિષયોનો વિકાર, આ પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિકારો છે અને મોક્ષ એટલે નિર્વિકાર, આત્મા નિર્વિકાર છે. ત્યાં રાગે ય નથી ને દ્વેષે ય નથી.

નિર્વિકારી ગુરુ તારે સૌને !

પ્રશ્શનકર્તા : વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક તો નાવડું હોવું જોઈએ ને ?

દાદાશ્રી : હા, એના માટે જ્ઞાન હોય છે. એના માટે ગુરુ એવા મળવા જોઈએ. ગુરુ વિકારી ના હોવાં જોઈએ. ગુરુ વિકારી હોય તો આખું ટોળું નર્કે જાય. ફરી મનુષ્યગતિ ય ના દેખે. ગુરુમાં વિકાર ના શોભે.

કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા.

પ્રશ્શનકર્તા : એ પણ એક વિકૃત સ્વરૂપ જ થયેલું કહેવાય ને ?

દાદાશ્રી : હા, વિકૃત જ ને ! તેથી વામમાર્ગી કહ્યું ને ! વામમાર્ગી એટલે મોક્ષે જાય નહીં ને લોકોને ય મોક્ષે જવા દે નહીં. પોતે અધોગતિમાં જાય ને લોકોને ય અધોગતિમાં લઈ જાય.

પ્રશ્શનકર્તા : દરેક કાળમાં આવા વામમાર્ગ હશે તો ખરાં જ ને ?

દાદાશ્રી : હા, દરેક કાળમાં વામમાર્ગ તો હોય છે જ. વધતા-ઓછા પ્રમાણમાં વામમાર્ગ તો હોય. પહેલાં બહુ ઓછા પ્રમાણમાં હતા. અત્યારે કળિયુગમાં જબરજસ્ત પ્રમાણમાં હોય.

સહેજ વિકારી સંબંધવાળો હોયને ત્યાં સુધી દુનિયામાં કોઈને સુધારી શકે નહીં. વિકારી સ્વભાવ જ આત્મઘાતી સ્વભાવ. અત્યાર સુધી કોઈએ શીખવાડ્યું નહીં કશું ?

જેવાં પ્રોજેકટ તેવું પરિણામ !

પ્રશ્શનકર્તા : કુદરતને જો સ્ત્રી-પુરુષની જરૂરિયાત ન હોય, તો એ શા માટે આપ્યું ?

દાદાશ્રી : સ્ત્રી-પુરુષ એ કુદરતી છે અને બ્રહ્મચર્યનો હિસાબ એ પણ કુદરતી છે. માણસ જેવી રીતે જીવવા માગે, તે જેવી ભાવના પોતે કરે છે, એ ભાવનાના ફળરૂપે આ જગત છે. બ્રહ્મચર્યની ભાવના ગયા અવતારમાં ભાવી હોય તો અત્યારે બ્રહ્મચર્યનો ઉદય આવે. આ જગત પ્રોજેક્ટ છે.

પ્રશ્શનકર્તા : પણ હજુ મને એ વાત સમજાતી નથી કે માણસે શા માટે બ્રહ્મચર્ય પાળવું ?

દાદાશ્રી : એ લેટ ગો કરો આપણે. બ્રહ્મચર્ય નહીં પાળવાનું. હું કંઈ એવા મતનો નથી. હું તો લોકોને કહું છું કે પૈણી જાવ. કોઈ પૈણે એમાં મને વાંધો નથી.

એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં.

પ્રશ્શનકર્તા : 'બ્રહ્મચર્ય ના જ પાળવું' એવી મારે ચેલેન્જ નથી, પણ એ વાતની સમજ નથી.

દાદાશ્રી : બરોબર છે. વાત સાચી છે. તમારી ચેલેન્જ નથી, એ વાત ખરી છે ! અને ચેલેન્જ અપાય એવું ય નથી. કારણ કે આ દુનિયામાં કઈ જાતના ભાવ કર્યા હોય, એણે શું પ્રોજેક્ટ કર્યો હોય, એ શું આપણે કહી શકીએ ?! કોઈએ આખી જિન્દગી ભક્તિનો જ પ્રોજેક્ટ કર્યો, તો આખી જિન્દગી ભક્તિ જ કર્યા કરે. કોઈએ દાન જ આપવાનો પ્રોજેક્ટ કર્યો હોય તો દાન આપે. કોઈએ ઓબ્લાઈઝિંગ નેચરનો કર્યો હોય તો ઓબ્લાઈઝ કર્યા કરે. કોઈ છે તે વિકારી નેચરનો હોય, એ પોતાની સ્ત્રીનું સુખ ભોગવતો હોય પણ બીજી કેટલીક છોકરીઓનો ખોટો લાભ ઊઠાવે. એ બધું ગમે તેવાં માણસો હોય, જેવો પ્રોજેકટ કર્યો હોય, તેવું આ ફળ મળ્યું છે. એનાં ફળ મળે છે કડવાં. તે નર્કગતિમાં ભોગવવા જવું પડે.

હેતુ સંસાર વધારનારો, ન કામનો !

વિષય વિકાર હોય તો ગમે તેટલો યોગ ફળે નહીં.

પ્રશ્શનકર્તા : વિષય જે હોય છે, વિકાર અંદર ભરેલો હોય છે, તે નાનો જીવ હોય ત્યાંથી મોટાં સુધીમાં, દરેકનો વિષય પુત્રદાન માટે જ હોય છે ને ?

દાદાશ્રી : પુત્ર કે પુત્રી ગમે તે હોય, પણ તે સંસાર વધારવા માટે જ. વેલો વધે એ માટે જ છે ને !

પ્રશ્શનકર્તા : વિષય કરે છે તે ઇચ્છાથી નહીં, ખાલી સંતાન પ્રાપ્તિ માટે જ વિષય હોવો જોઈએ, એ સારું કહેવાય ?

દાદાશ્રી : એવું છે ને, પુત્રના હેતુ માટે અબ્રહ્મચર્ય કરે છે તેને ને બ્રહ્મચર્યને કંઈ લાગતું-વળગતું નથી. બ્રહ્મચર્ય તો બહુ ઊંચી વસ્તુ છે. અબ્રહ્મચર્ય તો પ્રજાની ઉત્પત્તિ માટે વાપરવાની કંઈ જરૂર નથી. પ્રજાની ઉત્પત્તિ માટે તો આ જાનવરો બધા કર્યા જ કરે છે ને ! એમાં નવું શું છે તે ?

પ્રશ્શનકર્તા : તો એમાં દોષ ખરો કે ?

દાદાશ્રી : દોષ તો ખરો જ ને ! એ પ્રજા ઉત્પત્તિ માટે ના હોવું જોઈએ. એના કરતાં તમે શોખને માટે કરતા હોય તો છેવટે એનો ધક્કો વાગે એટલે પાછો ફરે અને આમાં તો પાછો જ ના ફરે ને, પ્રજાની ઉત્પત્તિમાં નવ છોકરાં થાય તો ય !!!

ગ્રહસ્થ નિર્વિકાર દશા પામે !

પ્રશ્શનકર્તા : આજના વિકારમય વાતાવરણમાં, ઘરમાં રહીને પણ આત્માનો, ભગવાનનો અનુભવ કેવી રીતે થાય ?

દાદાશ્રી : ઘરમાં રહીને એટલે ઘર વાંધો કાઢે છે ?

પ્રશ્શનકર્તા : વાતાવરણ વિકારી છે.

દાદાશ્રી : હા, પણ કઈ જગ્યા વિકારી નથી ? જ્યાં મન હોય, તે જગ્યાએ વિકારી વાતાવરણ હોય જ. તમે જ્યાં જશો ત્યાં મન તો જોડે હશે જ ને ? ગુફાઓમાં જવું, એના કરતાં ઘર સારું. ત્યાં ગુફાઓમાં નવી જાતના વિકાર ઊભા થાય, એના કરતાં આ જૂના વિકારો સારા. જૂના તો ઘૈડા થઈ ગયેલા હોય. તે વિકાર મરશે કો'ક દા'ડો. જ્યારે આ નવા વિકાર નહીં મરે.

પ્રશ્શનકર્તા : ઘરમાં રહીને મનના વિકારો છૂટી શકે ?

દાદાશ્રી : હા, બધું છૂટી જ જાય છે ને ! ઘરમાં રહીને તો શું, ગમે ત્યાં રહીને છૂટી જાય, જો 'જ્ઞાની પુરુષ' મળે તો. 'જ્ઞાની પુરુષ' મળે અને જો કદી વિકાર ના છૂટી જાય, તો એ જ્ઞાની જ ન હોય. આપણે જ્ઞાનીને કહેવું, કે આપ કેવા મળ્યા અમને, તે અમને આ વિકાર ઉત્પન્ન થયા ? પણ આપણા લોકો વિનયી એટલે એવું નથી બોલતાં બિચારા. અફળાય અફળાય કરે છે તો ય નથી બોલતાં.

ન જાણ્યંુ સ્વરૂપ વાસનાનું !

પ્રશ્શનકર્તા : કામવાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઇચ્છા થવાનું કારણ શું ? અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય ?

દાદાશ્રી : કામવાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામવાસના શાથી ઉત્પન્ન થાય છે, એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય. પણ વસ્તુસ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ જાણતો જ નથી. પછી શી રીતે કાબૂમાં લઈ શકે ? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે એવું દેખાય છે, એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે. બાકી, કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું એ ઉત્પન્ન દશા જાણે, ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળાં મારે કે ગમે તે કરે તો ય કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ.

અજ્ઞાનના વાંકે ઈન્દ્રિયોને ડામ !

પ્રશ્શનકર્તા : આ ઇન્દ્રિયો છે, તે ભોગવ્યા સિવાય શાંત પડતી નથી. તો એ સિવાય બીજો ઉપાય ખરો ?

દાદાશ્રી : એવું કશું નથી. ઇન્દ્રિયો તો બિચારી ભોગ ઠેઠ સુધી ભોગવ્યા જ કરે છે. એનામાં જ્યાં સુધી સત્ત્વ હોય ત્યાં સુધી, જીભમાં બરકત હોય ને એટલે એની ઉપર આપણે કોઈ વસ્તુ મૂકીએ કે તરત એનાં સ્વાદ આપણને કહી આપે, અને ઉંમર ઘૈડી થયેલી હોય ને જીભમાં બરકત ના હોય તો ના કહી આપે. આંખમાં બરકત હોય તો બધી ગમે તે વસ્તુ હોય તો કહી આપે. બરકત જરા ઓછી થયેલી હોય ઘૈડપણને લઈને, તો ના કહી આપે ? એટલે ઇન્દ્રિયો તો બિચારી, એમ ને એમ મોળી થઈ જાય છે, ઉંમર થાય એટલે. પણ એ વિષય મોળા ના થાય. આ ઇન્દ્રિયો વિષયી નથી.

વિષય આ ઇન્દ્રિયોનો દોષ નથી. ઇન્દ્રિયોને વગર કામનાં ડામ દે છે આ લોકો. ઇન્દ્રિયોને, શરીરને બધા ડામ દે છે ને ? એ પાડાનાં વાંકે પખાલીને ડામ દે છે. વાંક પાડાનો છે અને દે છે પખાલીને ડામ. ભૂખે મારે છે, વગર કામનું મૂઆ. એનું શું કામ નામ દે છે તું ? પાંસરો મરને. તારું વાંકું છે મહીં, દાનત ચોર છે અને તે ય જ્ઞાની મળ્યા નથી, જ્ઞાની મળે તો સવળે રસ્તે ચડાવી દેવાય, વાર ના લાગે.

પ્રશ્શનકર્તા : વિષયોમાંથી વાળવા માટે જ્ઞાન મહત્ત્વની વસ્તુ છે.

દાદાશ્રી : બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે જરૂરી. અજ્ઞાનથી જ વિષયો વળગ્યા છે. તે ગમે એટલાં તાળાં વાસે તો ય કંઈ વિષય બંધ ન થાય. ઇન્દ્રિયોને તાળાં મારનારા મેં જોયા, પણ એમ કંઈ વિષય બંધ થાય નહીં.

જ્ઞાનથી બધું જતું રહે. આપણે આ બધા બ્રહ્મચારીઓને વિચાર સરખો નહીં આવતો જ્ઞાનથી. અને વખતે વિચાર આવે તો એમને સાબુ આપેલો છે. તે ધોઈ નાખે ને ચોખ્ખા થઈ જાય.

ભોગવે વિષય, તેમ વધે વિષય !

પ્રશ્શનકર્તા : આપણા બધા શોખ હોય, એ પૂરા કરવાથી આપણને ટેમ્પરરી આનંદ મળે ખરો ?

દાદાશ્રી : પણ હમણે આઈસ્ક્રીમ હોય તો સારું ના લાગે પેટમાં ?! પણ પછી શું, ખઈ રહ્યા પછી ? પછી લાવ, જરા સોપારી ! કેમ પાછું આ આઈસ્ક્રીમ હોય તો ય હજુ સોપારીની જરૂર ! ત્યારે કહે, ના, એ તો મોઢું ચોખ્ખું કરવું પડે ને ! અને સોપારી ખાધા પછી શું ? હતો તેનો તે મૂઆ !

પ્રશ્શનકર્તા : સાયકોલોજી એવું કહે છે કે તમે એક વખત ધરાઈને ખાઈ લો આઈસ્ક્રીમ. પછી તમને ખાવાનું મન જ ના થાય.

દાદાશ્રી : એવું દુનિયામાં બની શકે નહીં. ના, એ ધરાઈને ખાવાથી તો ખાવાનું મન થાય જ. પણ જે તમને ના ખાવું હોય ને ખવડાય ખવડાય કરે, રેડ રેડ કરે. તે પછી ઉલ્ટીઓ થાયને ત્યારે બંધ થઈ જાય. ધરાઈને ખાય તો ફરી જાગે એ તો. આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય. વિષય તો વધારે સળગતા જાય.

અપરિચયથી છૂટે વિષય !

જે સુખ ભોગવે છે એની તરસ વધતી જાય છે. ભોગવવાથી તરસ વધતી જાય. ના ભોગવે તો તરસ મટી જાય. એનું નામ તૃષ્ણા. ના ભોગવવાથી થોડાં દહાડાં હેરાન થઈએ વખતે મહિનો-બે મહિના પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી. અને ભોગવનારો માણસ એ વાસના કાઢી શકે એ વાતમાં માલ નથી. એથી આપણાં લોકોની, શાસ્ત્રોની શોધખોળ છે કે આ બ્રહ્મચર્યનો રસ્તો જ ઉત્તમ છે. એટલે મોટામાં મોટો ઉપાય, અપરિચય ! એટલે વિચાર આવે, એનું તોલન થાય, એના પરિણામ ખબર પડે. પરિચયમાં તો ખબર જ ના પડે ને, કે શું દોષ છે તે જ ! અને અપરિચયને લઈને વિષય છૂટે. હિન્દુસ્તાનમાં લોકો શેને બ્રહ્મચર્ય કહેવાય એ જ સમજતા નથી. વિષય એ અપરિચયથી ખલાસ થઈ જાય છે.

અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે ! પરિચય મનનો છૂટો થયો. 'આપણે' છૂટા રહ્યા એટલે મને ય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદે ય ના આવે. પછી કહે તો ય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિનો-બે મહિના સુધી કચ કચ કર્યા કરે એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને ?!

ફેરવો કારણો, તો બદલાય પરિણામ !

પ્રશ્શનકર્તા : મનને જ્યારે વિષય તરફ ભોગવવા માટે આપણે છૂટ આપીએ છીએ, ત્યારે એ છે તો નિરસ રહે છે અને જ્યારે આપણે એને વિષયો ભોગવવા માટે કંટ્રોલ કરીએ છીએ, ત્યારે એ વધારે ઉછળે છે, આકર્ષણ રહે છે, તો એનું શું કારણ ?

દાદાશ્રી : એવું છે ને, મનને કંટ્રોલ આનું નામ કહેવાય નહીં. જે આપણો કંટ્રોલ સ્વીકારે નહીં એ કંટ્રોલ જ ન્હોય. કંટ્રોલર હોવો જોઈએ ને ? પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે. પોતે કંટ્રોલર છે નહીં. મન નથી માનતું, મન તમને ગાંઠતું નથી ને?

મનને આંતરવાનું નથી. મનના કૉઝીઝને આંતરવાના છે. મન તો પોતે, એક પરિણામ છે. એ પરિણામ બતાવ્યા વગર રહેશે નહીં. પરીક્ષાનું એ રિઝલ્ટ છે. પરિણામ બદલાય નહીં, પરીક્ષા બદલવાની છે. એ પરિણામ જેનાથી ઊભું થાય છે એ કારણોને બંધ કરવાના છે. ત્યારે તે શી રીતે પકડાય ? શાનાથી ઊભું થયું છે મન ? ત્યારે કહે, વિષયમાં ચોટેલું છે. 'ક્યાં ચોટેલું છે' એ ખોળી કાઢવું જોઈએ અને પછી ત્યાં કાપવાનું છે.

પ્રશ્શનકર્તા : એ વિષયોમાંથી બંધ કેવી રીતે કરવું મનને ?

દાદાશ્રી : વિષયોમાંથી બંધ નહીં કરવાનું. જે વિષયો મન ઊભા કરે છે અને એ મન છે તે પછી પકડ પકડે છે. એ વિષયોને આપણે જ્યાં ત્યાં એ ધીમે ધીમે કમી કરવા જોઈએ. એટલે એના કૉઝીઝ બંધ કરવા જોઈએ.

આપણે પાડોશીને કહીએ કે ભઈ, તમારે અમારી જોડે ઝઘડો કરવો નહીં. અમારી જોડે આ તકરાર કરવી નહીં, તો ય તકરાર થયા કરતી હોય તો આપણે ના સમજીએ કંઈ ભૂલ બીજી જ છે. સમજીએ કે ના સમજીએ ? ત્યારે કહે, શી ભૂલ ? ત્યારે કહે, આ ઝઘડો ના થાય એવા કારણો ઊભા કરો પછી. એટલે પેલો ઝઘડો તો થઈ જ જશે થોડા દહાડા, પણ ઝઘડો ન થવાના કારણોનું જ્યારે સેવન થાય ત્યારે પછી તેવા પરિણામ આવશે. ઝઘડાનાં કારણો સેવ્યા કરીએ અને ઝઘડો બંધ કરવા પ્રયત્ન કરીએ, એ બને ખરું ?

પ્રશ્શનકર્તા : ના બને.

દાદાશ્રી : એટલે એના કારણો બંધ કરવા પડે. મેં કહ્યું છે ને, મન-વચન-કાયા એ ઈફેક્ટીવ વસ્તુ છે. એના કૉઝીઝ બંધ કરો !

પ્રશ્શનકર્તા : કારણ બંધ કરવા એટલે ? આવું ના થાય એવા ભાવ કરવા એવું જ ને ?

દાદાશ્રી : આપણે કારણ બંધ કરવું, એટલે ગઈકાલે પોલીસવાળા એ આપણું નામ લખી લીધું હોય. સાયકલ ઉપર જતા હોય ને લાઈટ ન હોય તો નામ લખી લીધું હોય તો બીજે દહાડે આપણે કૉઝીઝ બંધ કરીએ કે ના બંધ કરીએ ? કે ભઈ આજ તો લાઈટ ઘાલો. તો પછી લખી લે ? એ કારણ બંધ થઈ જાય ને ? એવી જ રીતે આ કૉઝીઝ બંધ કરવાના છે. બધું આવડે એવું છે.

પેલું એ તો બંધ નહીં થાય. આ તમે આ રસ્તો બદલો, એનું નામ જ્ઞાન. પેલું બંધ કરવા પ્રયત્ન કરે, તેનું નામ જ ભ્રાંતિ. ભ્રાંતિ હંમેશા ઈફેક્ટને જ તોડવા ફરે છે. જ્યારે જ્ઞાન કૉઝીઝને બંધ કરવા ફરે છે.

વાસના છૂટે, જ્ઞાનપ્રયોગથી !

પ્રશ્શનકર્તા : મનુષ્યોની વાસનાઓનો મોક્ષ ક્યારે થાય ?

દાદાશ્રી : વાસનાઓનો તો થઈ જ જાય. વાસનાઓ તો તમે ઊભી કરેલી છે. તમે જ એના જન્મદાતા છો અને વિલય કરનારા ય તમે છો.

તમારી વાસના જુદી ને ભઈની વાસના જુદી. દરેકની જુદી જુદી વાસનાઓને ? અને વાસના તો સાયન્ટિફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. હમણે એક મુસલમાન ભઈબંધ થયો હોય ને, તો પછી પેલું માંસાહાર ખાતા હઉ શીખી જાય. હવે એ વાસના કંઈથી લાવ્યા'તા ? ત્યારે કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય અને તે નવું નથી, આ ગપ્પું નથી. પાછું પહેલાના કૉઝીઝના હિસાબે છે આ બધું. તે ખાતાં શીખી જાય. બીજું, સંજોગોને લીધે વાસનાઓ ઊભી થાય છે. બાકી એક છોકરો છે તે એમ ને એમ કોઈ માણસ દેખાય નહીં ને, ત્યાં આગળ એ ઉછરતો હોયને તો એ વિષય સમજી શકે નહીં. ખાવા-પીવાનું સમજી શકે એ. પણ ત્યાં આગળ જાનવર કશું હોવું ના જોઈએ. એને જોવામાં ન આવવું જોઈએ. તો એને કશું વાસના નથી. આ તો બધું વાસનાઓનું સંગ્રહસ્થાન છે ને ત્યાં જન્મ થવાનો, એટલે પછી શું થાય એ સંગ્રહસ્થાનમાંથી ? એ જોવામાં આવ્યું, ત્યાંથી વાસના ઊભી થઈ જાય. અને તે ય અજાયબી છે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે વાસનાઓ ક્યાંની ક્યાં ઉડી જાય છે, તે જ સમજણ નથી પડતી.

પ્રશ્શનકર્તા : અંદરનો રસ સૂકાઈ જાય છે.

દાદાશ્રી : હા. વસ્તુને વાસના નથી કહેતા, રસને વાસના કહે છે. આ રસ ના હોય તો વાસના ગણાતી જ નથી. એટલે વાસના ક્યાંની ક્યાં ઉડી જાય છે. હવે એ એક કલાકના જ જ્ઞાનપ્રયોગથી. આ જ્ઞાન મળ્યા પછી વાસના જતી રહે છે ને ! રસ જતો રહે છે ને ? બીજું બધું સ્થૂળ છે.

છૂટેલા જ છોડાવે, વાસના સહેલાઈથી !

પ્રશ્શનકર્તા : વાસના છોડવાનો સહેલામાં સહેલો ઉપાય કયો ?

દાદાશ્રી : મારી પાસે આવો તે ઉપાય. બીજો શો ઉપાય ? વાસના તમે જાતે છોડશો તો બીજી પેસી જશે. કારણ કે એકલો અવકાશ રહેતો જ નથી. તમે વાસના છોડો કે અવકાશ થયો ને ત્યાં પછી બીજી વાસના પેસી જશે.

પ્રશ્શનકર્તા : આ વાસનાની જગ્યાએ બીજી કોઈ સારી વાસના આવે, તો એ સારી વસ્તુ ના કહેવાય?

દાદાશ્રી : વાસના ચેન્જ થઈ શકે. ખરાબ વાસનાને બદલે સારી વાસના મહીં પેસી શકે, પણ સારી વાસના મહીં પેસે તો પાછું ખરાબ તૈયાર કરી રહી હોય. જો કાયમને માટે સારી વાસના રહી શકે એવું હોય તો બહુ સરસ જગત છે આ. પણ તેવું રહી શકે તેવું નથી. માટે આમાંથી છૂટકારો લેવો સારો. વાસના કન્વર્ટ કરીએ અને સારી વાસના ભેળી કરીએ એવું બની શકે એવું જ નથી. એ 'પોસીબલ' જ નથી. તદ્દન શુભ વાસનાવાળો માણસ દેખાવો પણ મુશ્કેલ છે !

પ્રશ્શનકર્તા : એટલે સામાન્ય રીતે પુરુષને સ્ત્રી તરફ જે વલણ રહે છે એમાંથી કેવી રીતે મુક્તિ મેળવાય ?

દાદાશ્રી : એવું છે ને, પોતે જ્યાં સુધી પુરુષ હોય ત્યાં સુધી સ્ત્રી તરફનું વલણ રહે જ, જ્યાં સુધી જવાની હોય ત્યાં સુધી. હમણે એંસી વર્ષનાં ડોસાને ના હોય ! દુકાન નાદારીમાં ગઈ પછી શું હોય ? નાદારીની દુકાનમાં કશો માલ હોય ? ત્યારે બાળકને નવ વર્ષ સુધી ના હોય. આ વચલી દુકાન જરા જબરજસ્ત ચાલતી હોય, ધમધોકાર. ત્યારે બધું આ હોય, પણ જ્યાં સુધી પુરુષ છે ત્યાં સુધી આ વાસના રહે અને સ્ત્રી છે ત્યાં સુધી વાસના રહે. પણ પુરુષ જ મટી જાય તો ?

પ્રશ્શનકર્તા : એ કેવી રીતે મટી શકાય ?

દાદાશ્રી : આ વાસનાવાળો એ ચંદ્રેશ અને તમે તો 'માય નેઈમ ઈઝ ચંદ્રેશ' કહો છો. માટે તમે જુદા છો આનાથી. એ વાતની ખાતરી થાય છે ? તો એ તમે કોણ છો ? એટલું જ તમને હું રીયલાઈઝ કરી આપું એટલે તમારી વાસના છૂટી ગઈ.

વાસનાઓ શું છે તે ? 'હું ચંદ્રેશ છું' એ મટે તો જ વાસનાઓ જાય, નહીં તો વાસનાઓ જાય નહીં. હું તો શું કહું છું કે 'આત્મા શું છે' એ જાણો, 'અનાત્મા શું છે' એ જાણો. એ જાણતાં જ વાસનાઓ ઊડી જશે.

જેમ ડેવલપમેન્ટ વધારે ઊંચું, તેમ મૂર્છા ઓછી. આમાં શું ભોગવવાનું છે ? બધું ભોગવીને જ આવેલા છીએ. જેણે ઓછું ભોગવેલું, તેને મૂર્છા વધારે.

વિષય ને કષાયની ભેદરેખા !

પ્રશ્શનકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ તમે કહ્યું ને, તે આ વિષય શેમાં આવે છે ? 'કામ' શેમાં આવે છે ?

દાદાશ્રી : વિષય જુદા ને આ કષાય જુદા છે. વિષયોને જો કદી આપણે તેની હદ ઓળંગીએ, હદથી વધારે માંગીએ એ લોભ છે.

પ્રશ્શનકર્તા : સ્ત્રી-પુરુષના વિષય માટેનો પ્રશ્શન છે.

દાદાશ્રી : હા, એ જ ને ! એ વિષયના અતિરેકને લોભ કહ્યો.

પ્રશ્શનકર્તા : વિષયનો ભૂખ્યો માણસ હોય છે, તે શું 'વ્યવસ્થિત'ના હિસાબે હોય છે ?

દાદાશ્રી : ના. એવું છે ને, કે આ મોટી કડાઈ હોય, ને એની મહીં કઢી કરી હોય, તે કઢીમાં હિંગનો વઘાર કર્યો હોય. હવે છ મહિના પછી એ કડાઈ ફરી અજવાળો, ને પછી એમાં દૂધપાક બનાવો તો ય મહીં હિંગની ગંધ આવે. શાથી ? કે હિંગનો પાસ બેસી ગયો છે. એટલે આવી આ વિષયની ગંધ બધી મહીં પડી રહેલી હોય છે.

વાતને સમજવી જ્ઞાની પાસે !

પ્રશ્શનકર્તા : વિષયમાંથી વિરક્ત થવાની તીવ્ર ભાવના હોય તો પછી એનાથી આસ્તે આસ્તે નીકળી જવાય ?

દાદાશ્રી : હા. એ જે તમન્ના છે, એ જ આમાંથી છોડાવે. પણ વિષયની કિંમત સમજી લેવી જોઈએ, કે આની કિંમત કેટલી ? ઊતરેલી દાળની કિંમત છે, ઊતરેલી કઢીની કિંમત છે પણ વિષયની કિંમત નથી. પણ આ વાત આખા જગતને સમજાય નહીં ને !

પ્રશ્શનકર્તા : એટલે એ તો શૂન્ય થયું ?

દાદાશ્રી : શૂન્ય તો સારું, પણ આ તો નર્યું માઇનસ જ છે.

મનુષ્યને બેક જોવાની શક્તિ જ નથી ને ! એટલે વિષય ચાલુ રહ્યો છે. જુઓને, પાછાં રોફથી ચાલે જ છે ને ! એટલે જ્ઞાની પુરુષ પાસે વાતને સમજે તો વિષય જાય ને તો મુક્તિ થાય. વિષયને લઈને તો આ બધું અટક્યું છે.

વિષયથી ખરડાયેલાં જીવન...

પ્રશ્શનકર્તા : જે બાળબ્રહ્મચારી હોય તે વધારે ઉત્તમ કહેવાય કે પરણ્યા પછી બ્રહ્મચર્ય પાળે તે ઉત્તમ કહેવાય ?

દાદાશ્રી : બાળ બ્રહ્મચારીની વાત જ જુદી ને ! પણ આજના બાળ બ્રહ્મચારી કેવા છે ? આ જમાનો ખરાબ છે. તેમનું અત્યાર સુધી જે થયું છે તે જીવન તમે વાંચો તો વાંચતાની સાથે જ તમારું માથું ચઢી જાય.

પ્રશ્શનકર્તા : આપણે પોતાનું જ જીવન જોઈએ તો માથું ચઢી જાય, તો વળી એમના જીવનની કંઈ વાત કરો છો ?!

દાદાશ્રી : છતાં ય હજી એ પાળશે, હજી પાળ બાંધશે તો કંઈક આનો ઇલાજ છે. જ્ઞાની પુરુષ તો કોઈ દહાડો માથે હોય જ નહીં ને દહાડો વળે નહીં. જ્ઞાની પુરુષ હોય તો આ પાળી શકાય, નહીં તો આ શી રીતે પાળી શકે ? જ્ઞાની પુરુષની કૃપા જોઈએ. ચોગરદમથી જ્યારે મૂંઝાય ત્યારે માર્ગદર્શન બતાવનાર જોઈએ, આમાંથી શી રીતે છૂટાય ? એની બધી ચાવીઓ જ્ઞાની પુરુષને ખબર હોય.

આટલું આવશ્યક, બ્રહ્મચર્ય પાળનાર માટે !

આ તો 'જેમ છે તેમ' નહીં દેખાવાથી મૂર્છા થાય છે. જ્યાં સુધી સ્ત્રીને 'જેમ છે તેમ' આરપાર ના જોઈ શકે, ત્યાં સુધી વિઝન ખુલ્લું ના થાય. જ્યારે મન વિષયમાં ખુલ્લું થશે ત્યારે વિઝન ખુલશે અથવા તો વરસ દહાડો બ્રહ્મચર્ય પાળે ને વિષયનો વિચાર પણ ના આવે, તો વિઝન ખુલ્લું થાય. ફર્સ્ટ વિઝને નેકેડ દેખાય, સેકન્ડ વિઝને ચામડી ઊતરેલી દેખાય ને છેલ્લે આરપાર દેખાય ત્યારે વિઝન ખીલે.

બીજે દ્રષ્ટિ બગડે તો એ બહુ અધોગતિની નિશાની કહેવાય. લગ્ન થયેલું છે કે નથી થયેલું ?

પ્રશ્શનકર્તા : નથી થયું.

દાદાશ્રી : તો લગ્ન કરી નાખો ને ?

પ્રશ્શનકર્તા : લગ્ન કરવાની ઇચ્છા જ નથી થતી મને.

દાદાશ્રી : એમ ? તો લગ્ન કર્યા વગર ચાલશે ?

પ્રશ્શનકર્તા : હા, મારે તો બ્રહ્મચર્યની જ ભાવના છે. એને માટે કશી શક્તિ આપો, સમજણ પાડો.

દાદાશ્રી : એના માટે ભાવના કરવી પડે. તારે રોજ બોલવું કે, 'હે દાદા ભગવાન ! મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો !' અને પેલો વિષયનો વિચાર ઉત્પન્ન થતાં જ કાઢી નાખવો. નહીં તો એનું બીજ પડે. એ બીજ બે દહાડા થાય તો મારી જ નાખે પછી. ફરી ઊગે, એટલે વિચાર ઊગતાં જ ઉખાડીને ફેંકી દેવો અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ ના માંડવી. દ્રષ્ટિ ખેંચાય તો ખસેડી લેવી ને દાદાને યાદ કરી માફી માંગવી. આ વિષય આરાધવા જેવો જ નથી એવો ભાવ નિરંતર રહે એટલે પછી ખેતર ચોખ્ખું થઈ જાય. અને અત્યારે ય અમારી નિશ્રામાં રહે તો એનું બધું પૂરું થઈ જાય.

પ્રશ્શનકર્તા : હા, બરાબર.

દાદાશ્રી : એના ભવે ય બધા ઓગળી જાય, કેટલાંય ભવના ઊભાં થયેલાં લફરાં ય ઓગળી જાય.

હરૈયા વિચાર એ તો પાશવતા કહેવાય. જુએ ત્યાં વિચાર આવે, એ હરૈયા ઢોર જેવું કહેવાય. એના કરતાં આપણે એક ખીલે બાંધી દેવું સારું. વિષય એ તો સંડાસ છે. તે સંડાસ જાઓ છો ત્યારે જાજરૂમાં બેસી રહેવાનું મન થાય છે ? તેવું આ ય સંડાસ જ છે. તેમાં શું મોહ રાખવાનો હોય ?! વિષય વિષયને ભોગવે છે, એ તો પરમાણુનો હિસાબ છે.

જેને બ્રહ્મચર્ય જ પાળવું છે, એણે તો સંયમને બહુ રીતે ચકાસી જોવો, તાવી જોવો ને જો લપસી પડાય તેવું લાગે તો પૈણવું સારું. છતાં પણ તે કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. પૈણનારીને કહી દેવું પડે કે મારે આવું કંટ્રોલપૂર્વકનું છે.

બ્રહ્મચર્ય પાળવાના પગથિયાં !

પ્રશ્શનકર્તા : સ્વભાવ મુજબ, પ્રાકૃતિક ગુણધર્મ મુજબ બીજે દ્રષ્ટિ બગડી જાય, તો એ સંસાર કેમ કરીને ભૂંસે ?

દાદાશ્રી : એ ભૂંસવાની અમારી પાસે બધી દવા હોય. આ વર્લ્ડમાં એવી કોઈ દવા નથી કે જે દવા અમારી પાસે ના હોય. આ છોકરાંઓને અમે બ્રહ્મચર્યવ્રત આપ્યું છે. હવે આ બ્રહ્મચર્યવ્રતને લઈને ય કો'ક સ્ત્રી એને ભેગી થઈ જાય, તો એને દ્રષ્ટિનું ખેંચાણ થઈ જાય ને મન એમનું બગડી જાય ખરું, તો તેને હું દોષ કહેતો નથી. પણ એ થઈ જાય, તો એને પછી એ તરત ભૂંસી નાખવાનાં. કારણ કે અમે સાબુ આપેલો હોય છે. હું રસ્તામાં જતો હોઉં અને મારાં કપડાં ઉપર ડાઘ પડ્યો. તે તરત મને ધોઈ નાખવાનું આવડતું હોય, તો પછી તમારે ત્યાં ચોખ્ખો આવું કે ના આવું ?

પ્રશ્શનકર્તા : હા, અવાય.

દાદાશ્રી : એવી રીતે આમને બધું સાધન આપેલું હોય, નહીં તો મન-વચન-કાયાથી બ્રહ્મચર્યવ્રત શી રીતે પાળી શકાય ? અને તે ય આવાં બળતરાના કાળમાં !

જો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો તમને ઉપાય બતાવું. તે ઉપાય તમારે કરવાનો હોય, નહીં તો તમારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવું એ ફરજિયાત વસ્તુ નથી. એ તો જેને મહીં કર્મના ઉદય હોય તો થાય. પૈણવાનો કોઈ જાતનો વાંધો નથી પણ આ લોકોને પૈણવામાં સુખ દેખાતું જ નથી. એમને પોષાતું જ નથી. તે પરણવાની ના પાડે છે, ત્યારે અમે બ્રહ્મચર્યવ્રત આપીએ છીએ, નહીં તો હું કોઈને એવું બ્રહ્મચર્યવ્રત લેવાનું કહું નહીં. કારણ કે વ્રત લેવું, વ્રત પાળવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. બ્રહ્મચર્યવ્રત લેવું એ તો એમનો પૂર્વકર્મનો ઉદય હોય તો સચવાય. પૂર્વે ભાવના કરેલી હોય તો સચવાય, અગર તો જો તમે સાચવવા ધારશો તો સચવાશે. અમે શું કહીએ છીએ કે તમારો નિશ્ચય જોઈએ ને અમારું વચનબળ જોડે છે, તો આ સચવાય એવું છે.

જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર !

પ્રશ્શનકર્તા : એ તો એની ભૂમિકા પ્રમાણે થાય ને ? આ મનોબળ ઉપર કંઈ બધી વસ્તુનો આધાર રખાતો નથી. એની આધ્યાત્મિક સ્ટેજની ભૂમિકા જોઈએ, તો જ આ વસ્તુ શક્ય છે ને ?

દાદાશ્રી : એ શક્ય હોય કે ના હોય, પણ અત્યારે શક્ય થઈ પડ્યું છે. કેટલાંક સ્ત્રી-પુરુષો અમારી પાસે કાયમનું બ્રહ્મચર્યવ્રત લે છે. આ ભાઈ ને એમનાં વાઇફે નાની ઉંમરથી બ્રહ્મચર્યવ્રત લીધું છે. એવું મુંબઈમાં કેટલાંય જણે લીધું છે. કારણ કે મહીં ગજબનું સુખ વર્તે. સુખ એટલું બધું વર્તે કે આ વિષય એમને યાદ જ નથી આવતો.

પ્રશ્શનકર્તા : દેહની સાથે જે કર્મ ચાર્જ થઈને આવેલા હોય તે ફેરફાર તો ના થાય ને ?

દાદાશ્રી : ના, કશો ફેરફાર ના થાય. છતાં વિષય એવી વસ્તુ છે ને, કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું જ ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ છીએ અને અમારું વચનબળ કામ કરે છે. એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય.

બ્રહ્મચારી, રાજાઓનો રાજા !

આ બ્રહ્મચર્ય જો કોઈ પાળે ને જો ઠેઠ સુધી પાર નીકળી ગયો ને, તો બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય. આ 'દાદાઈજ્ઞાન', 'અક્રમ વિજ્ઞાન' અને જોડે જોડે બ્રહ્મચર્ય એ બધું હોય, પછી એમને શું જોઈએ ? એક તો આ 'અક્રમ વિજ્ઞાન' જ એવું છે કે જો કદી એ અનુભવ, વિશેષ પરિણામ પામી ગયો, તો એ રાજાઓનો રાજા છે. આખી દુનિયાના રાજાઓએ પણ ત્યાં નમસ્કાર કરવા પડે !

પ્રશ્શનકર્તા : અત્યારે તો પડોશી ય નમસ્કાર નથી કરતો !

દાદાશ્રી : તે શી રીતે પડોશી કરે ? જ્યાં સુધી હજુ પારકા ખેતરમાં પેસી જાય છે, ત્યાં સુધી શી રીતે એવું બને ?

જ્ઞાનીની આજ્ઞાપૂર્વકનું વ્રત તે સાચું !

પ્રશ્શનકર્તા : કોઈ વિધવા હોય, વિધુર હોય તે બ્રહ્મચર્યવ્રત પાળે છે, એનાં કરતાં આપનું આપેલું બ્રહ્મચર્યવ્રત પાળે તો બહુ ફેર પડે ને?

દાદાશ્રી : પેલું બ્રહ્મચર્યવ્રત કહેવાય જ નહીં ને ! જ્યાં બ્રહ્મચર્ય મનનું નથી, ત્યાં બ્રહ્મચર્ય કહેવાતું નથી અને જ્ઞાન સિવાય બ્રહ્મચર્ય કોનું પાળે ? પોતાને જ્ઞાન છે નહીં. આ તો 'હું કોણ છું', એનું જ ઠેકાણું નથી ને !

પ્રશ્શનકર્તા : એ મેડિટેશનવાળામાં એવું કહે છે કે તમે બ્રહ્મચર્યવ્રત પાળો.

દાદાશ્રી : હા, પણ એવું કંઈ સહેલું નથી. એને કહીએ, 'તું જ પાળને ! મને શું કરવા કહું છું ?' આમ બધાને કહે, પણ પોતે પાછાં પોલ મારે. બ્રહ્મચર્ય તો કોણ પાળી શકે ? જ્ઞાની પુરુષના હાથ નીચે હોય, એ બધા બ્રહ્મચર્ય પાળી શકે. એટલે આ બ્રહ્મચર્ય, જો એમ ને એમ પાળવા ગયો અને જો કદી સાચવતાં ના આવડ્યું તો માણસ મેડ (ગાંડો) થઈ જાય. અમારી આ શોધખોળ બહુ સુંદર છે, આખું વિજ્ઞાન બહુ સુંદર છે અને આખું વર્લ્ડ એક્સેપ્ટ કરે એવું છે. આ સાયન્ટિસ્ટો બધાને ય આ એકસેપ્ટ કરવું પડશે.

સહેજે વૈરાગ્ય જ્ઞાનીની વાણીથી !

આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ તો બહુ અજાયબ વિજ્ઞાન છે. જગત જ્યારે જાણશે ત્યારે કૂદાકૂદ કરશે.

તમને વિષય ઉપર વૈરાગ આવ્યો કે ના આવ્યો ? કેટલી વારમાં? અત્યારે પા કલાકમાં જ ? ત્યારે જ્ઞાનીઓની ચાવીઓથી કેવા વૈરાગ આવે છે ! અને આમ પહેરો ભરીએ, તે ક્યારે પાર આવે ? આમ પહેરો ભરે તો પેલી બાજુ પેસી જશે. અમે કોઈની ઉપર પહેરો જ ભરીએ નહીં ને ! અમે ક્યાં પહેરો ભરીએ ? આ ગંદવાડામાં જેને લબદાવું જ છે, તેને પછી અમે છોડી દઈએ !

અહીં આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે એ તો સહજ સ્વભાવે રહે, એક ક્ષણ પણ ચૂક્યા સિવાય નિરંતર રહે.

વિષય બધી રીતે અધોગામી !

સાતમી નર્કનું વર્ણન કરે તો ય માણસ સાંભળતા જ મરી જાય. ત્યારે બોલો, ત્યાં કેટલો ભોગવટો હશે ? કે ફરી સંસાર ભોગવવાની તો ચડીચૂપ ! એક વિષયને લીધે આ સંસાર ઊભો રહ્યો છે. આ સ્ત્રી વિષય ના હોય ને, તો બીજા બધા વિષય તો કોઈ દહાડો ય નડતા નથી. એકલા આ વિષયનો અભાવ થાય તો ય દેવગતિ થાય. આ વિષયનો અભાવ થયો કે બીજા બધા વિષયો, બધું જ કાબૂમાં આવી જાય અને આ વિષયમાં પડ્યો કે વિષયથી પહેલાં જાનવર ગતિમાં જાય અને એથી વધારે વિષયી હોય તો નર્કગતિમાં જાય. વિષયથી બસ અધોગતિ જ છે. કારણ કે એક વિષયમાં તો કરોડો જીવ મરી જાય છે ! સમજણ ના હોય છતાંય જોખમદારી વહોરે છે ને ! એટલે જ્યાં હિંસા છે, ત્યાં ધર્મ જેવું કશું જ નથી.

વિગતે સમજ સમજ્યા તો ક્રિયાકારી !

પ્રશ્શનકર્તા : સમજવા છતાં જગતના વિષયોમાં મન આકર્ષાયેલું રહે છે, સમજીએ છીએ કે સાચું-ખોટું શું છે છતાં વિષયોમાંથી છૂટાતું નથી, તો એનો ઉપાય શો ?

દાદાશ્રી : જે સમજણ ક્રિયાકારી હોય તે જ સાચી સમજણ કહેવાય. બીજી બધી વાંઝિયા સમજણ કહેવાય. બે શીશી હોય. એક શીશીમાં વિટામીનનો પાવડર હોય, બીજી શીશીમાં પોઈઝન હોય, બંનેમાં સફેદ પાવડર હોય તો આપણે છોકરાંને સમજ પાડીએ કે આ વિટામીન છે તે લેજે અને આ બીજી શીશીમાંથી ના લઈશ. બીજી શીશીમાંથી લઈશ તો મરી જવાશે. એટલે એ છોકરો 'મરી જઈશ' શબ્દ સાંભળ્યો એટલે એ સમજી ગયો નથી. બોલે ખરો કે આ દવા લેવાથી મરી જવાય, પણ મરી જવું એટલે શું એ સમજતો નથી. આપણે એને કહેવું પડે કે ફલાણા કાકા તે દહાડે મરી ગયા'તા ને ! પછી બધાએ એને ત્યાં બાળી મેલ્યા'તા, એવું આ દવાથી થાય. એવી એક્ઝેક્ટલી જ્યારે સમજ પડે ત્યારે એ સમજ જ ક્રિયાકારી થાય. પછી એ પોઈઝનને અડે જ નહીં. અત્યારે આ સમજની એને એક્ઝેક્ટનેસ આવી નથી. આ સમજ તો લોકોએ શીખવાડેલી લોન તરીકે લીધેલી છે.

પ્રશ્શનકર્તા : એ સમજ ક્રિયાત્મક થાય, તે માટે શું પ્રયત્ન કરવો ?

દાદાશ્રી : હું તમને વિગતવાર સમજણ પાડું. પછી એ સમજણ જ ક્રિયા કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. તમે ઉલટો ડખો કરવા જાવ તો બગડી જાય. જે જ્ઞાન, જે સમજણ ક્રિયાકારી હોય, તે સાચી સમજણ છે અને તે સાચું જ્ઞાન છે.

મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને તમારી પોતાની જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે અને એ સમજ તમને ઠોકી બેસાડાય નહીં અને એમ ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય અને તમે તમારી સમજથી ચાલો.

આ દુનિયામાં કોઈ ચીજની નિંદા કરવા જેવી હોય તો તે અબ્રહ્મચર્ય. બીજી બધી એટલી નિંદા કરવા જેવી ચીજ નથી.

ન પળાય, પણ ન બનવું વિરોધી !

બ્રહ્મચર્ય ન પળાય એની વાત જુદી છે, પણ બ્રહ્મચર્યના વિરોધી તો ન જ થવું જોઈએ. બ્રહ્મચર્ય તો મોટામાં મોટું સાધન છે. આપણું બ્રહ્મચર્ય એ પવિત્ર વસ્તુ હોવી જોઈએ. બ્રહ્મચર્ય એ માનસિક વસ્તુ નથી. આ બીડીના વ્યસન જેવું અબ્રહ્મચર્યનું નથી. વિષય સંબંધી અણસમજણને લઈને બ્રહ્મચર્ય ટકતું નથી. બ્રહ્મચર્યને માટે, જ્ઞાની પુરુષની પાસે સમજણ જો સમજી લે તો બ્રહ્મચર્ય સરસમાં સરસ ટકે. સમજવાની જ જરૂર હોય છે એમાં. આ વ્યસન એ જુદું છે ને અબ્રહ્મચર્ય એ જુદી વસ્તુ છે. આ તો અનાદિથી લોકપ્રવાહ આવો ને આવો ચાલ્યો આવે છે ને તેનાથી લૌકિક જ્ઞાન ઊભું થઈ ગયું છે અને પાછી એની અવળી સમજ બેસી ગઈ. હવે જેવી સમજ બેસી ગઈ એટલે પછી એવું વર્તનમાં આવ્યા વગર રહે નહીં.

દ્રષ્ટિ સાચવે તો ય મોક્ષમાર્ગે પ્રગતિ !

વ્યવહારમાં પણ બ્રહ્મચર્ય પાળવાનું શાથી કહ્યું છે કે નોર્માલિટીમાં રહે. તેનાથી દેહ, મન બધું સારું રહે. જગતના લોકોને તો મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પળાય જ નહીં ને ?! આ તો ફક્ત આપણે અહીં પાળી શકાય. આ લોકો વ્રત લે છે. તે પછી વ્રત લેવાથી શું થાય કે મન બધું ઠેકાણે રહે, મન બાઉન્ડ્રીમાં રહ્યા કરે અને વ્રત ના લે તો એમનું ચિત્ત બધું ભટકતું જ હોય ! છતાં, સંસારમાં ય જો કદી આ દ્રષ્ટિ સાચવે તો એ આગળ આગળ વધતો જાય અને એને પણ મોક્ષનો રસ્તો મળી આવે. આ તો જે મને ભેગો ના થયો હોય, એવા બહારના લોકો માટે કહું છું !

બ્રહ્મચર્ય ખાતર સમાન પાવર !

બ્રહ્મચર્ય એ કદી એક છ જ મહિના સાચા દિલથી પાળ્યું હોય, મન-વચન-કાયાએ કરીને, તો એ ગુલાબ આવડાં આવડાં મોટાં થાય. બ્રહ્મચર્ય એ તો મોટામાં મોટું ખાતર છે. જેમ ગુલાબને ખાતર નાખીએ તો આવડાં નાનાં હોય તે પછી આવડાં મોટાં થાય. એટલે એક છ જ મહિના જેને પાળવું હોય તે પાળે ! છ મહિનાના બ્રહ્મચર્યથી તો શરીરમાં કેટલો બધો ફેરફાર થઈ જાય ! પછી વાણી બોલે તે આમ બોમ્બ પડે એવી નીકળે ! જ્યાં સુધી સંસારના કોઈ પણ વિષયમાં મન ઘૂસી ગયું હોય ત્યાં સુધી બધા જ ડીપાર્ટમેન્ટ ઉપર ફૂલ (શ્શ્યશ્રશ્ર) શક્તિ ચાલે નહીં ! કોઈ પણ દિશામાં પ્રવહન કરવું એ મનનો સ્વભાવ છે ! આથી મનને ધાર્યું વાળી શકાય એવું છે, એને ડાયવર્ટ કરી શકાય એવું છે. બે-પાંચ વર્ષ જ જો મનને આ બ્રહ્મચર્ય તરફ વાળે, આ એક જ દિશામાં વહન કરે તો એની સામે કોઈ આંખ પણ માંડી ના શકે !

જવાનીમાં જાણવો સિદ્ધાંત !

અબ્રહ્મચર્યથી જ બધા રોગ ઊભા થાય છે. એટલે બ્રહ્મચર્ય પાળવું એ સિદ્ધાંત રાખવો જોઈએ અને તે પહેલેથી જ જાણવો સારો ! એંસી વર્ષે આ સિદ્ધાંત જાણીએ તો શું કામનો ? આપણું અસ્તિપણું એક જ જગ્યાએ હોય, બે જગ્યાએ ના હોય. એટલે બને ત્યાં સુધી સિદ્ધાંતને પાળવો. અત્યારે ચારિત્રની કિંમત જ ઊડી ગઈ છે. બ્રહ્મચર્યની તો કિંમત જ ઊડી ગઈ છે ને ?! સ્વચ્છ જીવન જીવવાની કિંમત જ ઊડી ગઈ છે ! પવિત્ર જીવન જ જીવવાનું છે.

અભિપ્રાય બદલાયે શક્તિ ઉર્ધ્વગમન !

પ્રશ્શનકર્તા : પણ માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી રહે. એટલે પછી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં ને ?

દાદાશ્રી : હું શું કહું છું કે વિષયનો અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી ! જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં. આપણે અહીં તો સીધો આત્મામાં જ ઘાલી દેવાનો છે, એનું નામ જ ઉર્ધ્વગમન ! વિષય બંધ કરવાથી એને આત્માનું સુખ વર્તાય અને વિષય બંધ થયો એટલે વીર્યનું ઉર્ધ્વગમન થાય જ. અમારી આજ્ઞા જ એવી છે કે વિષય બંધ થઈ જાય છે.

પ્રશ્શનકર્તા : આજ્ઞામાં શું હોય છે ? સ્થૂળ બંધ કરવાનું ?

દાદાશ્રી : સ્થૂળને અમે કંઈ કહેતા જ નથી. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બ્રહ્મચર્યમાં રહે એવું હોવું જોઈએ. અને મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, બ્રહ્મચર્ય માટે ફરી ગયા એટલે સ્થૂળ તો એની મેળે આવે જ. તારાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારને ફેરવ. અમારી આજ્ઞા એવી છે કે આ ચારેય ફરી જ જાય છે !

પ્યૉર બ્રહ્મચારી જ પળાવે બ્રહ્મચર્ય !

'આ' 'એ.એમ.પટેલ' 'પબ્લિક ટ્રસ્ટ' એવું છે કે સંપૂર્ણ નીરોગી છે. વર્લ્ડનું ટોપમોસ્ટ છે આ ! તમારે જે રોગો કાઢવા હોય, તે કાઢી શકાય એમ છે ! જે સુંદર બ્રહ્મચર્ય પાળતા હોય, એમને આધીન રહીને બ્રહ્મચર્ય પાળી શકાય. નહીં તો પોતે પાળતા ના હોય, પોતાની મહીં ગુપ્ત 'ડિફેક્ટ' હોય, તો પોતાને જ પાળવાની મુશ્કેલી પડી જાય. એટલે આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ બ્રહ્મચર્ય સંબંધી વાત કોઈ કરતું જ નથી ને ?! હું જેમાં 'હન્ડ્રેડ પરસેન્ટ' કરેક્ટ હોઉં, તેનો જ તમને ઉપદેશ આપું, તો જ મારું વચનબળ ફળે. પોતામાં સહેજ પણ 'ડિફેક્ટ' હોય તો બીજાને ઉપદેશ શી રીતે આપી શકાય ?

વિષયની જોખમદારી બહુ જ મોટી છે. મોટામાં મોટી જોખમદારી હોય, તો તે વિષયની છે. એનાથી પાંચેય મહાવ્રત અને અણુવ્રત તૂટે છે.

વિષયનું વિરેચન કરાવે દાદાવાણી !

પ્રશ્શનકર્તા : જ્ઞાની પુરુષનાં વાક્યો વિષયનું વિરેચન કેવા પ્રકારે કરાવે ?

દાદાશ્રી : વિષય બંધ થતા જાય દહાડે દહાડે, નહીં તો લાખ અવતાર ચોપડીઓ વાંચે તો ય કશું ના વળે.

પ્રશ્શનકર્તા : એમનું વાક્ય શાથી આવું અસરકારક થઈ શકે છે ?

દાદાશ્રી : એમનું વાક્ય બહુ જબરજસ્ત હોય, જોરદાર હોય ! 'જુલાબ આપે એવા શબ્દ' કહ્યું, ત્યારથી જ ના સમજીએ કે એમના શબ્દમાં કેટલું બળ છે !

પ્રશ્શનકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ?

દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચન- કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય.

'જ્ઞાની પુરુષ'નાં વાક્યો વિષયનું વિરેચન કરાવનારાં છે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ 'જ્ઞાની પુરુષ' જ નથી.

- જય સચ્ચિદાનંદ.