સમભાવ - વિષમભાવ

સંપાદકીય

તમામ જ્ઞાનીઓ, તમામ તીર્થંકરો આ જગતથી શી રીતે મુક્ત થયા ? પોતાના ઉદયકર્મમાં સમભાવ રાખીને ! ગાળો ભાંડનાર પ્રત્યે દ્વેષ નહીં, ફૂલાં ચઢાવનાર પ્રત્યે રાગ નહીં. એવી રીતે સમભાવ રાખીને ભેગી થયેલી વ્યક્તિઓના-સંયોગોના સમભાવે નિકાલ કરીને છૂટી ગયા. આ કાળનાં જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન એ જ માર્ગ આપણને પુનઃ બોધે છે કે આ સંસાર જંજાળનો સમભાવે નિકાલ કર્યા વગર કોઈ છૂટી શક્યો જ નથી.

નિરંતર અંદરની જાગૃતિ એવી રાખો કે આપણે કર્મો બાંધ્યા છે તે છોડાવવા માટે નિમિત્ત ભેગા થયાં છે, નિમિત્ત શાતા કે અશાતા ગમે તે આપે, આપણને આક્ષેપ આપે, અપેક્ષા રાખે, ગમે તેવું આપણું અવળું કરે, છતાં તેનો દોષ છે નહીં. નિમિત્ત પ્રત્યે સમભાવ રાખી પોતાના દોષ ખપાવવા ભણી દ્રષ્ટિ રાખીએ તો દોષરહિત સ્થિતિએ પહોંચાય. એથી આગળ એટલી બધી સૂક્ષ્મ જાગૃતિ રાખવાની છે કે 'એ ગમે તેટલું ખરાબ કરે, ઊંધું કરે, નુકશાન કરે, જો હું રીપેર કરવા જઉં, તો એનો અર્થ એટલો કે હું રાગ-દ્વેષમાં પડ્યો.' એવું દાદાશ્રી કહે છે. ત્યાં ય સમભાવે નિકાલ કરો. નહીં તો પાછાં રાગ-દ્વેષથી સંસાર પ્રવાહમાં તણાયા.

જ્ઞાની પુરુષો, તીર્થંકરો વીતરાગતા પ્રાપ્ત કરી મોક્ષ ગયા, જે આપણા જીવનનો ધ્યેય છે. પણ એ સ્વરૂપ ઓળખવું કેવી રીતે ? સંપૂર્ણ વીતરાગ કોને કહેવાય ? સમભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ વીતરાગતાની શરૂઆત થાય છે. પછી સમભાવે નિકાલ કરતાં કરતાં પૂરૂં થાય ત્યારે સંપૂર્ણ વીતરાગ થાય. એટલે સમભાવે નિકાલ કરવો એ જ વીતરાગ થવાનો રસ્તો છે.

'દાદા ભગવાન'ની કૃપાથી અક્રમ વિજ્ઞાન દ્વારા બે જ કલાકમાં આત્મજાગૃતિ મહાત્માઓને પ્રાપ્ત થાય છે. પોતે શુધ્ધાત્માપદને પ્રાપ્ત થાય છે. હવે બાકી રહેલા કર્મો સમભાવે નિકાલ કરવાનાં રહ્યા. તે જેમ જેમ નિકાલ પૂરો થઈ રહે કે પૂર્ણ દશાને પ્રાપ્ત થાય. એટલો બધો મોક્ષમાર્ગ સરળ બનાવી આપ્યો છે. હવે પોતાના તરફથી પ્રત્યેક મન-વચન-કાયાની અવસ્થામાં પ્રાપ્ત સંયોગોમાં કિંચિત્માત્ર વિષમભાવ ન થવા દઈ અને સમભાવે નિકાલ કર્યા કરે તો નવું બીજ પડે નહીં અને જૂનું કર્મ પૂરૂં થઈ જાય એ પુરૂષાર્થ માંડવાનો છે.

ભિન્ન ભિન્ન પ્રસંગે સમભાવમાં રહેવાની ચાવીઓ દાદાશ્રીની જ્ઞાનવાણીમાં પ્રાપ્ત છે તે અત્રે સંકલિત થઈ છે, જે સંસારસાગરમાં સમભાવમાં રહીને છૂટવાનો નિશ્ચય દ્રઢ કરાવી દેશે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

સમભાવ - વિષમભાવ

જગતથી છૂટવા જેવું !

જો 'જ્ઞાની પુરુષ' આ સંસારની વિકરાળતાનું માત્ર વર્ણન જ કરે તો એને થઇ જ જાય કે, 'આવો અતિ કઠિન સંસાર છે ?!' આમાંથી તો છૂટાય એવું નથી. માટે એ આખો કેસ ઊંચે મૂકવાનો. 'હા બાપા ! હા બાપા!' કરીને ઉકેલ લાવવાનો. 'સમભાવે નિકાલ' કરવા જેવું છે જગત !

મોટામાં મોટો ધર્મ !

કોઈ એવો ડફોળ માણસ સામો મળ્યો હોય, તો છેટેથી દેખતાની સાથે એમ લાગેને, કે આ ફાઈલ આવી છે, તે સમભાવે નિકાલ કરવા જેવું છે. મહીં ચેતવે કે ભૂલી જાય ? પહેલેથી ચેતવે ? તને હઉ ચેતવે ? એટલે મોટામાં મોટો ધર્મ સમભાવે નિકાલ કરવો. અને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. અને છતાં ય મહીંથી કોઈને માટે ખરાબ પૌદ્ગલિક ભાવ નીકળે તો 'એને' પ્રતિક્રમણ કરવાનું કહેવું. જ્યાં આગળ ડાઘ પડ્યા હોય તે ધોઈ નાખવાના. સાફ કરી નાખવાના. નવા ડાઘ પાડવાના નહીં એનું નામ 'સમભાવે નિકાલ'.

વિષમભાવ ત્યાં નોર્માલિટી ચૂક્યા !

પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરવાનું જ ચાલુ છે. બીજો ઉપાયે નથી. બીજો છૂટકો જ નથી.

દાદાશ્રી : એવો સમભાવ રહે તો જ કામનું ને ! વિષમભાવ એટલે શું ? વિષમ કરી નાખ્યું. એબોવ નોર્માલિટી રહ્યો તે, નોર્માલિટીથી ગયા. સમભાવ એટલે નોર્માલિટી. નાઈન્ટી એઈટ ઇઝ ધી નોર્મલ. નાઈન્ટી સેવન ઈઝ ધી બિલો નોર્મલ ફીવર. નાઈન્ટી નાઈન ઇઝ ધી એબોવ નોર્મલ ફીવર. બોથ આર ફીવર.

નહીં રાગ, નહીં દ્વેષ એ સમભાવ !

પ્રશ્નકર્તા : દાદાએ ફાઈલોનો નિકાલ કરો એવું ના કહ્યું અને ફાઈલોનો સમભાવે નિકાલ કરો કહ્યું, એનું શું કારણ ? સમભાવની અંદર શું આવે?

દાદાશ્રી : સમભાવ એટલે આપણને તેના પર વહાલ આવે તે ખોટું કહેવાય. વહાલ નહીં આવવા દેવાનું. ના ગમતું કરે તો એના પર દ્વેષ નહીં આવવા દેવાનો. રાજી-ઇતરાજી નહીં થવાનું.

પ્રશ્નકર્તા : પણ આપે જે સમતાભાવ કહ્યોને, એ રહેતો નથી.

દાદાશ્રી : સમતાભાવ રાખવાનો નથી. સમભાવે ફાઈલનો નિકાલ કરવાનો છે. સમભાવ કોને કહેવાય કે તમને કોઈ ગાળો ભાંડે ને તો એની પર દ્વેષ ના થાય અને કોઈ સારું બોલે તો રાગ ના થાય. સારા ઉપર રાગ નહીં અને ખોટા ઉપર દ્વેષ નહીં, એનું નામ સમભાવ. એવી રીતે સમભાવે નિકાલ કરો. સમભાવે નિકાલનો અર્થ તો સમજવો જોઈએને ? તે જ્ઞાની પુરુષ પાસે સમજવો જોઈએ. આ બાજુ ગાળો બોલતો હોય ને આ બાજુ ફૂલાં ચઢાવતો હોય, તો ફૂલાંવાળા પર રાગ નહીં ને ગાળો બોલનાર પર દ્વેષ નહીં.

મનમાં રાગ-દ્વેષ રહિતપણે નિકાલ કરવાનો છે, બીજું કશું કરવાનું છે નહીં. કોઈ તમને કોર્ટે લઈ જાય તો ત્યાં ય રાગ-દ્વેષ નહીં કરવાનો. સામા માણસ ઉપર ક્યારેય પણ, કોઈ પણ ક્રિયામાં રાગ-દ્વેષ ન થવો જોઈએ. ભગવાનને ઘેર સારું-ખોટું છે જ નહીં. આ ડિસ્ચાર્જ કર્મોનો નિકાલ કરવાનો છે.

ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ ના હોય. ડિસ્ચાર્જ એ ભરેલો માલ કહેવાય. એમાં આપણે ભળતા નથી, એટલે રાગ-દ્વેષ ના કહેવાય. નવો માલ ભરવાનો હોય ત્યાં રાગ-દ્વેષ હોય. જ્ઞાનદશામાં ડિસ્ચાર્જ હોયને, એટલે સમભાવે નિકાલ કરી નાખો !

રીપેર કરવું તે ય રાગ-દ્વેષ !

ગમે તેવું એ કરેને તો ય આપણે એ પ્રકૃતિને દ્વેષે ય નહીં ને રાગે ય નહીં કરવાનો, એનું નામ સમભાવે નિકાલ ! એ ગમે તેવું ખરાબ કરે, ઊંધું કરે, નુકસાન કરે, જો હું એને કંઈ રીપેર કરવા જઉં, તો એનો અર્થ એટલો કે હું રાગ-દ્વેષમાં પડ્યો. જો હું એને કંઈ રિપેર કરવા જઉં તો મને હજુ એની જરૂર છે, એ મારી ઈચ્છા છે, એ જ મારી રાગ-દ્વેષવાળી પ્રકૃતિ છે. તેનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું છે.

સમભાવથી શરૂઆત, વીતરાગતાથી પૂર્ણ !

સમભાવ એટલે નફાને અને ખોટને સરખું ના કહે. પણ નફાને બદલે ખોટ આવે તોય વાંધો નહીં, નફો આવે તોય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય. પેલાથી ડીપ્રેશન ના આવે. એટલે કશું નહીં. દ્વંદ્વાતીત થયેલા હોય. આ તો બધું દ્વંદ્વમાં ફસાયેલું જગત છે !

સમભાવ એટલે દ્વેષની જગ્યાએ દ્વેષ ના થાય ને રાગની જગ્યાએ રાગ ના થાય. ફૂલો ચઢાવે તો રાગ ના થાય ને પથ્થર મારે તો પણ દ્વેષ ના થાય, તે જ સમભાવ.

વીતરાગ કોને કહેવાય ? 'સમભાવે નિકાલ' કરતો થયો ત્યાંથી માંડીને સંપૂર્ણ વીતરાગ થાય, ત્યાં સુધી વીતરાગ કહેવાય. અરે, 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ વીતરાગતાની શરૂઆત થાય. તે ઠેઠ સંપૂર્ણ વીતરાગ થાય ત્યાં સુધી વીતરાગતા કહેવાય !

તો જગત આખાથી ઉકેલ આવી જાય !

સમભાવ આખા જગત જોડે આપણને છે જ. ફક્ત આપણી જોડે જે બસ્સો-પાંચસો માણસ છે, જે આપણા ઋણાનુબંધવાળા છે ને, એની જોડે જ ભાંજગડ છે. એની જોડે જ નિકાલ કરવાનો છે. આ આટલાં હારુ અનંત અવતાર ભમીએ છીએ, ને આખી દુનિયાની જોખમદારી લઈએ છીએ.

પ્રશ્નકર્તા : દાદાએ મોટામાં મોટી શોધ આપી છે કે આખા જગત જોડે તમે વીતરાગ છો અને તમારી બસ્સો-પાંચસો ફાઈલ જોડે જ તમારે રાગ-દ્વેષ છે.

દાદાશ્રી : બસ, બીજી ભાંજગડ છે જ નહીં. બસ, આટલું જ છે. આટલાં હારુ બેસી રહ્યા છો ! જો બધાની જોડે હોતને, તો આપણે જાણીએ, 'ચાલવા દો ને ! થશે એ ખરું' પણ આટલાં બસ્સો-પાંચસો માણસ હારુ અટક્યું છે. પાંચ અબજની વસ્તી છે, તેમાં બધા જોડે આપણે કશી ભાંજગડ નથી. બસ્સો-પાંચસો જોડે જ ને ? તે એટલા હારુ સમભાવે નિકાલ કરો ને ! મારો અક્ષર માનો ને ! તો ઉકેલ આવી જાય ને !

વાત સમજાવી ટૂંકમાં !

હવે તમે શુધ્ધાત્મા થયા. હવે આ સંસાર શું છે ? ત્યારે કહે છે, વ્યવસ્થિતના આધીન છે. એને તું જો, બધું જ જેટલું છે એટલું તું જો. એટલે એ બધું ધીમે ધીમે સહજ ભાવે ચાલ્યા કરશે અને તું જ્ઞાતા-દ્રષ્ટામાં રહી શકીશ, સ્વ-ઉપયોગમાં ! આટલું જ કહેવા માંગે છે એ. ત્યારે કહે છે, એમાં છે તે કોઈએ મારી મશ્કરી કરી, તો કહે 'સમભાવે નિકાલ કરી નાખજે.' તે સમભાવે નિકાલ કરીને કામ લેજે, કોઈ ગમ્મે તેવું કરે તો ય. તારું ચોરી ગયો બધું ય, તું બહાર ગયો ને તાળું તોડીને ચોરી ગયો ને આવીને જોયું, તો કશું ય નહીં, વ્યવસ્થિત ! અને હવે સમભાવે નિકાલ કરી નાખ. આ બન્યું તે જ કરેક્ટ છે. જતું રહે તો ય ચિંતા નથી એવું રાખવું જોઈએ. આ કંઈ સારું જતું નથી ને ખોટું ઊભું રહેતું નથી. એ તો એનો હિસાબ ચૂકતે કર્યા સિવાય જતા નથી. સમભાવે નિકાલ કરવાનો છે. સમજે તો વાત અઘરી નથી અને ના સમજે તો એનો પાર નથી આવે એવો.

નડે કર્મરૂપી ફાચર !

'સ્વરૂપ જ્ઞાન' પછી રહ્યું શું ? 'ચારિત્રમોહ' એકલો જ. 'ચારિત્રમોહ'નો સમભાવે નિકાલ કરી નાખવાનો. ચારિત્રમોહને કાઢવાનો નથી. 'જ્ઞાન' પહેલાં જે જે ભાવ કરેલાં, તેનો ઉદય આવે તે ચારિત્રમોહ.

મારી આજ્ઞામાં રહેવું પડે અને એ તો સહેલું છે. એમાં ફક્ત છે તે જૂનાં કર્મો હેરાન કરે છે. ડિસ્ચાર્જ કર્મો એને ધક્કા માર માર કરે. પણ એનો સમભાવે નિકાલ કરી નાખવાનો.

'સ્વરૂપજ્ઞાન' પ્રાપ્ત થયા પછી બાકી શું રહ્યું ? બધામાં શુધ્ધાત્મા દેખાય છે, પોતાનામાં શુધ્ધાત્મા દેખાય છે, ત્યારે હવે બાકી શું રહ્યું ? કર્મરૂપી ફાચર. પોતે પરમાત્મા થઈ ગયા, બધું ય જાણે છે પણ શું થાય છે ? ત્યારે કહે કે કર્મરૂપી ફાચર નડે છે. કર્મરૂપી ફાચર શેનાથી નીકળી જાય ? 'ફાઈલ'નો સમભાવે નિકાલ કરવાથી.

રાગ-દ્વેષ કર્યા વગર આવી પડેલી 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરવો એ જ એનો, કર્મરૂપી ફાચરો કાઢવાનો ઉપાય છે. ફાચરની ક્રિયાઓ આપણાથી બધી જ થાય. અરે, કોઈને આપણો હાથ પણ વાગી જાય પણ રાગ-દ્વેષ થાય નહીં. ફાઈલ આવતાં પહેલાં જ આપણે નક્કી કરેલું હોય કે આનો સમભાવે નિકાલ કરવો છે. પોતે પૂર્વે ચીતરેલા ચોપડા એ જ કર્મરૂપી ફાચર કહેવાય છે. કર્મરૂપી ફાચર જે ઘડીએ ફરી વળેને, તે ઘડીએ વગર કામનું આપણને ગૂંચાય, ગૂંચાય કર્યા કરે. તે આપણે 'જાણીએ' કે આજે એણે ચંદુભાઈને બહુ ગૂંચવ્યા ! આપણને ના ખબર પડે ?

છેવટે સમભાવે નિકાલ કરવું રહ્યું !

'જ્ઞાની પુરુષે' ગૂંચો પાડેલી નહીં, તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાંને અત્યારે આ અવતારમાં 'જ્ઞાની પુરુષ' મળી ગયા છે, માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી, નવી ગૂંચો ફરી ના પાડશો, તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે.

હવે સમભાવે નિકાલ કરવાનો. અત્યારે બધો કચરો ભર્યો હોયને તો ય શુધ્ધાત્મા કંઈ જતો રહેતો નથી. પણ આ તો એક જાણી રાખવાનું. છેવટે આ બધું નિકાલ કરી રહેશોને, તો વાણી ચોખ્ખી થશે જ એની મેળે.

અનુભવપૂર્વક શક્તિઓ વ્યક્ત !

એવું છે કે આત્માની જે શક્તિ છે તે જ્યાં સુધી પ્રગટ ના થાય ત્યાં સુધી પૂર્ણકામ ના થાય. હવે હું કરી આપું તો તમારી શક્તિ પ્રગટ થયા વગરની રહે. પ્રગટ તો આપણે જ કરવી જોઈએ ને ? આવરણ તો તોડવું પડે ને ? અને આપણે નક્કી કર્યું કે આ ફાઈલોનો નિકાલ કરવો જ છે, ત્યારથી એ આવરણ તૂટશે. એમાં તમારે કશી મહેનત નથી. ખાલી તમારે તો એવો ભાવ જ કરવાનો છે. સામી ફાઈલ વાંકી થાય તો ય આપણે તો ફાઈલનો 'સમભાવે નિકાલ' કરવો.

'સમભાવે નિકાલ', નિશ્ચય થયે ઉકેલ !

આ 'અક્રમ'નું 'સમભાવે ફાઇલોનો નિકાલ' એ તો એક અજાયબ વસ્તુ છે ! આ અમારી આજ્ઞા પાળવાનું તમે નક્કી કરો કે 'ફાઇલોનો સમભાવે નિકાલ' કરવો જ છે, તો એ તમને હાજર થઇ જશે. આપણો નિશ્ચય જોઇએ કે નિકાલ કરવો છે. આ શબ્દો જ જ્ઞાન રૂપે છે. પછી બહારનું બધું 'વ્યવસ્થિત'ને આધીન છે. તમારી ભાવના દ્રઢ જોઇએ કે આ આજ્ઞા પાળવી જ છે.

'સમભાવે નિકાલ' કરવો એટલે સંજોગોને અનુસરીને કામ લેવું. સમતામાં એવું નથી હોતું.

ના ફાવતો માણસ આવે એટલે મહીં મન- બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું જ કૂદાકૂદ કરે. તે ઘડીએ આપણે કહીએ કે સમભાવે નિકાલ કરવાનો છે. એટલે બધું ચૂપ થઇ જાય. સમભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ સામા માણસ પર એની અસર પડે ને સામો પણ ઠંડો થઇ જાય. કોઇ વખત બહુ ચીકણો હિસાબ હોય તો ઠંડો ના પણ થાય ! તે આપણે જોવાનું નહીં, આપણે તો દ્ઢ નિશ્ચય કરવાનો કે સમભાવે નિકાલ કરવો જ છે. મોડો વહેલો ય એ નરમ પડ્યા વગર રહે જ નહીં. બધું 'વ્યવસ્થિત' પ્રમાણે થાય જ.

આપણે કેવું છે ? 'સમભાવે નિકાલ કરો.' પછી છે કશી ભાંજગડ ? ભાંજગડ જ નહીં ને !

નાટક ભજવવું, સમભાવે !

આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર જોઇએ પણ તે ડ્રામેટિક હોય. કારણ કે 'ફાઇલો' રહી છે તેનો નિકાલ કરવો પડે. તેથી ચંદુલાલનો ડ્રામા રહ્યો. નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તો ય અડે નહીં. માત્ર ચંદુલાલનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે.

તે તો આપણે 'ચંદુભાઈને' કહેવું, એને ટૈડકાવો. જરા ટૈડકાવો. તારે આની પાસે કહેવું કે, આ સમભાવે નિકાલ કરીને ટૈડકાવો. અમથા અમથા નાટકીય ઢબે લઢવું કે, 'આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ?' એવું બધું કહેવું.

એમાં બીજાને દુઃખ થયા કરે તો આપણે શું કરવાનું ? આપણને ખબર પડેને કે આવું કર્યું છે, તો આપણે ય મહીંથી પોતાની જાતને કહેવું કે ચંદુભાઈ, તમે આવું શા હારુ કર્યું તે ! કોઈકને કહેવું પડે, એવું તમે આવું શું કરવા કરો છો ! સમભાવે નિકાલ તો કરવો જ પડે ને !

ના, ભાગેડુ શા માટે થઈએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરૂર છે ? આપણે એનો 'સમભાવે નિકાલ' કરી નાખવો.

જ્ઞાનીનું ગેરન્ટી બોન્ડ !

તારો ઉપરી કોઇ છે જ નહીં. કોઇ પણ માણસને ગેરેન્ટી બોન્ડ જોઇતું હોય તો હું લખી આપું કે, 'તારો કોઇ ઉપરી જ નથી, તેમ કોઇ અન્ડરહેન્ડ પણ નથી.' કોઇ જીવનો કોઇ ઉપરી જ નથી. કોઇ જીવમાં કોઇ ડખલ કરી શકે એવો કોઇ જન્મ્યો જ નથી ! સહેજ પણ ડખલ કરી શકે એવો કોઇ જન્મ્યો જ નથી. છતાં, આ જગત કેટલું પઝલ સમ થઇ ગયું છે ! તારો ઉપરી કોણ છે ? તારી બ્લન્ડર્સ અને મિસ્ટેઇક્સ બે જ તારા ઉપરી છે. એ બ્લન્ડર્સ કઇ છે ? જયાં 'પોતે' નથી ત્યાં આરોપ કરે છે કે 'હું ચંદુલાલ છું' એ બ્લન્ડર્સ છે. એ બ્લન્ડર્સ ગયા પછી શું રહ્યું? સામો ગાળ દેવા આવે તો આપણે ના સમજી જઇએ કે આ આપણી પહેલાંની મિસ્ટેઇક્સ છે ? એટલે આપણે એનો સમભાવે નિકાલ કરવાનો.

છતી દ્રષ્ટિનું પરિણામ !

એક ભાઈને પછી મેં કહ્યું, 'કેમ તારો શું ગુનો ?' ત્યારે કહે, 'કશો ય ગુનો નહીં બળ્યો. હું પહેલાં મારતો હતો એને. તે એણે આ વેર વાળ્યું.' ત્યારે મેં કહ્યું, 'હવે બંધ કરી દઈશને !' ત્યારે કહે, 'હા. હવે આ જ્ઞાન મળ્યુંને ત્યારથી હવે શાંત.' ત્યારે મેં કહ્યું, 'સમભાવે નિકાલ કરી નાખને !' તે અનંત અવતારથી લડતો લડતો જ આવ્યો છું ! હવે સમભાવે નિકાલ કરું છું ! 'હા, તમે કહ્યું એ પ્રમાણે કરું છું' કહે છે. 'તો સારું કર્યું તેં. આ ઉદય જતા રહેશે' ને પછી વહુ એનાં કહ્યામાં જ રહે. આ ઉદયકર્મ છે મૂઆ. તું સીધી કરવા જઉં, ક્યાં જશે આ ઉદયકર્મ તે ?! ઉદય તો ભોગવ્યે જ છૂટકો, તે અત્યારે વહુ રોફ મારે છે ! આ તો સમભાવે નિકાલ કરીને અત્યારે સરસ દહાડા કાઢે છે એ ને આ બેઉનું સરસ ચાલે છે ! નહીં તો છોકરાં-છોડીઓ બધું બગડી જાત. હવે એ ત્યાં એ વહુએ જે એને માર્યો, તે આ જ્ઞાન એને સમતામાં રાખે છે. જો જ્ઞાન ના આપ્યું હોત તો ઊંધે રસ્તે જાત. એની ઊંધી દ્રષ્ટિ હતીને તે છતી કરી.

ઝઘડા મટ્યા સમભાવે નિકાલથી !

સંસાર વ્યવહાર ચલાવતાં નિરંતર સમાધાનમાં રહેવાય એવું આ જ્ઞાન છે. નિરંતર સમાધિમાં રહી શકાય એવું આ જ્ઞાન છે, એટલે પછી આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય, પણ આપણે લીધે બીજાને પણ ક્લેશ ના થાય. પછી એ ચીઢાતા હોય તો ય ઠંડા પડી જાય. કારણ કે આ રસ્તામાં આપણને ઠોકર વાગી, તે આપણે એની જોડે ચીઢાઈએ પણ એ ઠોકરને તો ઠંડું થઈ જવું પડે ને ? અને સામો ચીઢાય તો આપણે વધારે ચીઢાઈએ અને આપણે જો ઠંડા થઈ જઈએ, તો પછી પેલી ચીઢાય નહીં. ઠોકર જેવાં, ભીત જેવાં થઈ જવું. આ બધા આમ સમભાવે નિકાલ કરે, એમને બધાને ય ઝઘડા હતા. પણ અત્યારે ઝઘડો નથી ઊલટાં બેઉ સાથે ને સાથે.

'કારણ' વગર કોઈ ન 'કાર્ય' !

આ ફાઈલ ઊભી રહે ત્યાં સુધી તમારે (પતિને) એક-બે અવતાર વધારે થાય. એના કરતાં સમાધાન કરીને ફાઈલનો નિકાલ કરવો. આ તો ફાઈલ નં. ૨ (પત્ની) છે પણ ફાઈલ નં. ૧૦૦ હોય તો ય એનું સમાધાન કરશો તો જ, નહીં તો નિકાલ કર્યા વગર એ ફાઈલ આપણને મોક્ષે ના જવા દે. હિસાબ ચૂકવવો એવી આ દુનિયા છે. ના માંગતી હોય તો ય આપીને છૂટ્ટો કરવો. ફરી નહીં તો પછી ક્લેઇમ માંડે પાછું. માંગે છે એનું કારણ છે કે એની પાછળ કૉઝીઝ (કારણો) છે. હવે વગર કૉઝીઝે કોઈ પણ વસ્તુ બને નહીં. માટે કૉઝ છે. માટે એનું સેફ કરી લો. અને કૉઝ વગર તો કોઈ નામ જ ના લે. આ વર્લ્ડમાં કોઈ પણ નામ ન લે. આજુબાજુ વાઘ રહેતાં હોય અને વચ્ચે સૂઈ જઈએ તો ય કોઈ નામ ન લે, કૉઝ ના હોય તો અને કૉઝ છે તો આ બધું ઊભું થાય છે વાત. એટલે એનો સમભાવે નિકાલ કરી નાખો હવે.

નભાવો મિત્રાચારી જ્યમ !

આ વાઇફ કુદરતે નથી આપી. તમે પોતે જ લાવ્યા છો. જેની જોડે વ્યવહાર મંડાયો તેની જોડેનો જ વ્યવહાર છે આ. જો વ્યવહાર ના મંડાયો હોત તો ના ભેગા થાત.

આપણે તો હવે 'સમભાવે નિકાલ' કરવાનો. ઘરમાં 'વાઇફ' જોડે 'ફ્રેન્ડ' તરીકે રહેવાનું. એ તમારા 'ફ્રેન્ડ' ને તમે એમના 'ફ્રેન્ડ' ! બે મિત્રો બધા સાચવી સાચવીને રહે છે, તો આ મિત્રો કરતાં ય વધારે કહેવાય. આ તો બે મિત્રો કાયદેસર રહે સાચવી સાચવીને મિત્રાચારી નભાવે. મિત્રોમાં જો એવો કકળાટ થાય તો મિત્રો છૂટી જાય પણ અહીં તો સ્ત્રી છૂટે નહીં ને ! સામાજિક બંધન છે, ક્યાં જાય ? એટલે સામસામે માર ખાય પછી, ગાળો ખાય અને સ્ત્રીઓ ય પછી સામી થાય. એટલે તમારે આમની જોડે સમભાવે નિકાલ, ઉકેલ લાવવો જોઈએ.

બદલા વાળે, વ્યાજ સાથે !

નહીં તો શું થાય ? આપણા લોકો તો બંધનવાળાં. ટકી કેમનું રહે ? જાય ક્યાં તે ? આ ફોરેનરો જેવું ન્હોય આ, કે જતું રહે. મનમાં વિચાર કરે કે મારું દુનિયામાં શું દેખાશે, ખોટું દેખાશે ! આમ કરીને રહે, ટકે, નાસી ના જાય. અહીં એ બઈ બિચારી સહન કરશે. બાકી એને કુદરત છોડશે નહીં કરે, દંડ આપશે જ. આ લોકોને તો ભાન જ નથી કે આનું મને શું દુઃખ પડશે ? મારી જવાબદારી શું છે ?

પછી પેલી નોંધ કરે કે જરાં ટાઈટ છે, તે આપણને ફફડાવે છે. જરાં નરમ થશે એટલે પછી હું ફફડાવીશ. એટલે તેલમાં તળે પછી. હંમેશાં કર્યું હોય તો ફળ આપે ને ? આપણે ઊંધું કરીએ તો ફળ આપે ને ? ઊંધું કરીએ જ નહીં તો ? પુરુષો પ્રસંગો ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે. પુરુષો ભોળા હોય, મોટા મનના હોય, ભદ્રિક હોય, તે ભૂલી જાય બિચારા.

એ બધું તો 'આ' જ્ઞાન મળ્યા પછીની વાત છે. જ્ઞાન મળ્યા પહેલાંની વાત હું કરું છું. જ્ઞાન મળ્યા પછી કહીએ છીએ કે સમભાવે નિકાલ કરી નાખો. આ તો સ્ત્રીની આ જે વાત છેને, એ સંસાર વ્યવહારના લોકોને માટે અને આપણે તો સમભાવે નિકાલ કરવા જેવું હોય, એ ઉકેલ લાવી નાખવાનો.

ભાવતા-ના ભાવતાનો સમભાવે નિકાલ !

ઘરનાં બધાં જોડે, આજુબાજુ, ઓફિસમાં બધાં જોડે 'સમભાવે નિકાલ' કરજો. ઘરમાં ના ભાવતું થાળીમાં આવ્યું ત્યાં 'સમભાવે નિકાલ' કરજો. કોઇને છંછેડશો નહીં જે ભાણામાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તો ય અમે મહીંથી બે ચીજ ખાઇ લઇએ. ના ખાઇએ તો બે જણની જોડે ઝઘડા થાય. એક તો જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય અને બીજું ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે, મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે પણ અપમાન ના કરીશ મારું. હવે એને આપણે માન ના આપવું જોઇએ ? અમને તો ના ભાવતી ચીજ આપી જાય તો ય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેની તમે ખોડ કાઢી તો પહેલું આમાં સુખ ઘટે કે વધે ?

પ્રશ્નકર્તા : ઘટે.

દાદાશ્રી : ઘટે એ વેપાર તો ના કરો ને ? જેનાથી સુખ ઘટે એવો વેપાર ન જ કરાય ને ? મને તો ઘણા ફેર ના ભાવતું શાક હોય તે ખઇ લઉં ને પાછો કહું કે આજનું શાક બહુ સરસ છે.

ઘરમાં દાળ જરા વધારે તીખી થયેલી હોય એટલે આપણે બૂમ પાડીએ કે, 'આ દાળ બગાડી છે ને આમ છે ને તેમ છે.' એમ બૂમ પાડીએ. પછી આપણને ખબર પડે કે, આ તો આપણી ભૂલ થઈ. આ ફાઈલનો સમભાવે નિકાલ ના કર્યો. ફાઈલનો સમભાવે નિકાલ કરવો એટલે શું ? આપણે દાળને ઓછી લઈને, ગમે તેમ કરીને ઉકેલ લાવવાનો, વ્યાવહારિક રીતે. નહીં તો પછી આપણે પ્રતિક્રમણ કરવું પડે. એવો દોષ દેખાય છે ખરોને તરત ?

જોડે શું કહું છું કે આપણે છે ને રસ-રોટલી, સરસ હાફુસ કેરીઓ હોય અને રસ કાઢ્યો હોય તે ભેગું કરીને નહીં ખાવાનું. આ કેરીઓ ટેસ્ટથી ખાજો. ફાઈલનો સમભાવે નિકાલ કરજો. ટેસ્ટથી ખાજો, ભેગું ખાવાનું ન હોય આ. કારણ કે મનને તૃપ્તિ થવી જોઈએ. હવે પછીની જે ફાઈલો હશેને તમારી, એનો નિકાલ એ તૃપ્તિ થવા માટેનો જ છે.

જેવું નક્કી તેવી અસરો !

એટલે મારું કહેવાનું છે કે આ અભિપ્રાય આપી દે છે, અત્યારે તમે કહો કે કઢી ખારી છે એ તમારે સમભાવે નિકાલ કરવો પડે. બાકી અભિપ્રાય નહીં બંધાય.

તે ય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાના અભિપ્રાયથી દૂર કરવા માટે છે અને પ્રતિક્રમણથી શું થાય કે, સામાને જે અસર થતી હોય તે ના થાય, બિલકુલેય ના થાય. મનમાં નક્કી રાખો કે, મારે સમભાવે નિકાલ કરવો છે. તો એની પર અસર પડે તો એનું મન આવું સુધરે, અને તમે મનમાં નક્કી કરો કે આને આમ કરી નાખું કે તેમ કરી નાખું. તો એનું મન એવું જ રીએક્શન (પ્રતિક્રિયા) લે.

કોઈ કોઈનું નથી રે !

એટલે આપણે શું કહ્યું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરો. આ બધી ફાઈલો છે. આ કંઈ તમારી છોડીઓ નથી કે આ તમારી વહુ નથી. આ વહુ-છોડીઓ એ બધી 'ફાઈલો' છે. 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરો. જ્યારે પક્ષાઘાત થયો હોય ને, ત્યારે કોઈ તમારું સગું થાય નહીં. ઊલટું બહુ દહાડા થાય ને, તો લોક બધા ચિઢાયા કરે. પેલો પક્ષાઘાતવાળો યે મહીં મનમાં સમજી જાય કે બધાં ચિઢાયા કરે છે. પણ શું કરે તે ?! આ 'દાદા'એ દેખાડેલો મોક્ષ સીધો છે, એક અવતારી છે. માટે સંયમમાં રહો ને 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરો. છોકરી હોય કે બૈરી હોય કે બીજું હોય કે ત્રીજું હોય, પણ બધાનો સમભાવે નિકાલ કરો. કોઈ કોઈની છોકરી હોતી નથી દુનિયામાં. આ બધું કર્મના ઉદયને આધીન છે. અને 'જ્ઞાન' ના મળ્યું હોય તેને આપણાથી આવું કશું કહેવાય નહીં. આવું બોલે તો એ વઢવા તૈયાર થઈ જાય.

એ મેળ તો ના પડે ને ! એ મેળ પડે નહીં, પણ આપણે એને 'એડજસ્ટ' થવાનું છે. તેથી જ મેં કહ્યું ને કે ત્યાં 'સમભાવે નિકાલ' કરજો.

બાળક જોડે બાળક જેવા !

એવું છે કે, આપણે મોટી ઉંમરના છીએ એવો ખ્યાલ ના રહે તો કામ થાય. બાળક જેવી અવસ્થા હોય તો 'સમભાવે નિકાલ' સરસ થાય. અમે બાળક જેવા હોઈએ. એટલે અમે જેવું હોય તેવું કહી દઈએ, આમે ય કહી દઈએ ને તેમે ય કહી દઈએ, બહુ મોટાઈ શું કરવાની ?

સાસુ થવાની ડિગ્રી લીધી ?

બાપ થતાં નથી આવડતું. ધણીને ધણી થતાં નહીં આવડતું અને વહુને વહુ એ થતાં નહીં આવડતું ને સાસુને સાસુ થતાં આવડતું નથી. છોકરાની વહુ આવે તો રહી શકે નહીં. આ સાસુ થઈને બેસે ત્યારે શું એ થાય ? આ તો હવે જ્ઞાન મળ્યા પછી, નહીં તો પેલીનું શું થાય ? આ જ્ઞાન મળ્યા પછી જેમ તેમ કરીને નિકાલ કરે, સમભાવે ફાઈલોનો. સાસુ થતાં આવડે નહીં ને ! સાસુ થવું એટલે કંઈ જેવી તેવી વાત છે ?! ડિગ્રી કોર્સ પાસ થવો જોઈએ, એનો ડિપ્લોમા થાય તો ય ચાલે.

અબોલા એટલો બોજો !

આપણે તો સામો મળે તો 'કેમ છો ? કેમ નહીં ?' એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોંશિયાર- ભણેલા, તે તમારી ભૂલો ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.

એ પૂર્વગ્રહો છે બધા. પૂર્વગ્રહોમાં એકદમ ચેન્જ ના કરવું જોઈએ. પૂર્વગ્રહ બંધ કરવા માટે આવી રીતે વાણી બોલતા પહેલાં પરવાનગી લઈને કામ કરો તો ચાલે. અને જોડે જોડે આ જ્ઞાન પછી 'સમભાવે નિકાલ' કરતા જાય તેમ તેમ પૂર્વગ્રહો ય ઓછાં થઈ જાય ને પછી બોલે, તે પૂર્વગ્રહ રહિત બોલે.

જ્ઞાન હાજર ત્યાં અસરોથી મુક્તિ !

'આ બોલે છે એ વ્યવસ્થિત છે. આ ફાઈલ છે, એનો સમભાવે નિકાલ કરવાનો છે.' આ બધું જ્ઞાન જોડે જોડે હાજર રહે ને, તો આપણને કશું અસર ના થાય. જે બોલે છે એ 'વ્યવસ્થિત' છે ને ? અને રેકર્ડ જ બોલે છે ને ? એ પોતે નથી બોલતાને આજે ? એટલે કોઈ માણસ જોખમદાર છે જ નહીં અને ભગવાનને એવું દેખાયું છે કે કોઈ જીવ કોઈ જાતનો જોખમદાર છે જ નહીં. એટલે કોઈ ગુનેગાર છે જ નહીં, એ ભગવાને જોયેલું. એ દ્રષ્ટિથી ભગવાન મોક્ષે ગયા. અને જગતે ગુનેગાર છે એમ જોયું, તેથી જગતમાં અથડાય છે. બસ, આટલી જ દ્રષ્ટિનો ફેર છે !

પૂછયા વિણ ભર્યું પૂર્વભવમાં !

એવું છેને, તમે જે આ કર્મો ગૂંથી લાવ્યા છો એ મને પૂછયા સિવાય બધા ગૂંથી લાવ્યા છો. ગયા અવતારે કંઈ મને પૂછવા આવ્યા નથી. માર્કેટ મટેરિયલમાં જે ભેગું થયું તેને ખરીદ-ખરીદ કર્યું, અને જેટલી બેન્કોએ ઓવરડ્રાફ્ટ આપ્યા, તે લે લે કર્યા છે. એટલે મેં કહ્યું કે, આ ઓવરડ્રાફ્ટ લઈને નાદાર જેવી સ્થિતિ થઈ ગયેલી છે માટે હવે તમે શુધ્ધાત્મા થઈ જાવ. અને આ બીજું બધું છે તે નિકાલ કરી નાખવાનો. આ દુકાન ધીમે ધીમે કાઢી નાખવાની, તે ખાંડ હોય તો ખાંડેય વેચી ખાવ અને ગોળ હોય તો ગોળેય વેચી ખાવ. મરીયાં હોય તો મરીયાં વેચી ખાવ અને કોઈની જોડે લઢશો નહીં. કોઈ પૈસા ના આપે તોય એની જોડે લઢશો નહીં અને કોઈ પૈસા માંગતો હોય તો તેને વહેલામાં વહેલી તકે આપી દેજો અને તે તમારી સગવડ ના હોય તો 'બાપજી, જય બાપજી' કરીને એને દુઃખ ના થાય, એવી રીતે સમભાવે નિકાલ કરીને છૂટા થઈ જાવ.

સામાને સુધારવાનો રસ્તો !

આપણું બધું આપણે જ બગાડ્યું છે. આપણને જેટલી અડચણો છે એ બધી આપણે જ બગાડી છે. એનો સુધારવાનો રસ્તો શો ? સામો ગમે તેટલું દુઃખ દેતો હોય, પણ તેને માટે જરા પણ અવળો વિચાર ના આવે, એ એને સુધારવાનો રસ્તો. આમાં આપણું ય સુધરે ને એનું ય સુધરે. જગતના લોકોને અવળા વિચાર આવ્યા વગર રહે નહીં. એટલે આપણે તો સમભાવે નિકાલ કરવાનું કહ્યું, એટલે એ કરે. સમભાવે નિકાલ એટલે શું કે એને માટે કંઈ વિચાર જ કરવાનો નહીં.

સમાધાન વૃત્તિ કે સમભાવે નિકાલ ?

પ્રશ્નકર્તા : સમાધાન વૃત્તિ અને સમભાવે નિકાલ - એ બેમાં ફરક શું ?

દાદાશ્રી : ફરક ખરો. સમભાવે નિકાલ અને સમાધાન વૃત્તિ. આપણી વૃત્તિ કેવી હોય ? સમાધાનવાળી. એટલે જ્યાં ને ત્યાં સમાધાન ખોળે. અને આ સમભાવે નિકાલ એટલે આપણને સમાધાન ન થાય તોય નિકાલ કરવાનો અને સમાધાન થાય તોય નિકાલ કરવાનો. એટલે એનો નિકાલ જ કરવાનો, સમભાવથી. એટલે સમાધાનવૃત્તિ તો ક્યારે ? રેગ્યુલર કોર્સમાં હોય તો જ સમાધાન આપણને રહે, ન્યાય-અન્યાય બન્ને જુએ. આ સમભાવે નિકાલમાં ન્યાય-અન્યાય એ જોવાનું નથી.

અમે એક ફેરો એક ઓળખાણવાળાને પાંચસો રૂપિયા આપેલા. આ તો જ્ઞાન થતાં પહેલાંની વાત કરું છું. તે પછી અમે તો કોઈ દહાડો માંગીએ નહીં. પછી મને અમારા મહેતાજીએ એક દહાડો કહ્યું, 'આ આના બે-એક વર્ષ થયા, તે આ ભઈને કાગળ લખું ?' ત્યારે મેં કહ્યું, 'ના, કાગળ ના લખશો. ખોટું લાગે એમને.' અને મને રસ્તામાં ભેગા થયા એ. ત્યારે મેં કહ્યું, 'મહેતાજી કાગળ લખવાનું કહેતા હતા. પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.' ત્યારે કહે, 'કયા પાંચસોની તમે વાત કરો છો ?' ત્યારે મેં કહ્યું, 'તમે બે વર્ષ પહેલાં ન્હોતા લઈ ગયા ? તે વખતના ચોપડામાં જોઈ જાવ.' 'એ મેં તમને આપેલા, તમે આ તો ભૂલ ખઈ ગયા છો' કહે છે. મેં જાણ્યું કે આવી ડિઝાઈન આખી જિંદગીમાં ફરી જોવા-જાણવા નહીં મળે. માટે આપણે આ ધન્યભાગ્ય આજે, મોટામાં મોટો ઉપદેશ આપવા આ માણસ આવ્યો. એટલે મેં એને શું કહ્યું ? આ મારી ભૂલ થઈ હોય વખતે, આજ બપોરે આવો ઘેર તમે. પછી ચા-પાણી પઈને પાંચસો આપી પાવતી લખાવી લીધી. આવો માણસ ફરી આખી જિંદગીમાં મળવાનો નથી. તે મૂઆ પાંચસો નહીં ને હજાર ગયા, પણ આટલો ઉપદેશ મળ્યોને કે આવાં પણ માણસ હોય છે ! માટે ચેતીને જરા ચાલવાનો ભાવ થાયને આપણને ! પણ તે કેવો માણસ મળી ગયો મને ! સ્વપ્નામાંય કલ્પના ના કરી હોય આપણે. ઉપકાર તો ક્યાં ગયો !

હવે ત્યાં આગળ તમે કહો કે સમાધાન વૃત્તિ, ત્યાં શી રીતે મેળ પડે ?! અમે નિકાલ કરી નાખીએ, સમભાવે નિકાલ. તમને સમજાયુંને, હું શું કહેવા માગું છું તે ? આફ્ટર ઓલ આપણે આ ભાંજગડોમાં પડી રહેવું નથી અને પાછું એ પાંચસો જે લઈ ગયો તે કો'કના હાથની સત્તા નથી, એ વ્યવસ્થિતની સત્તાના આધારે એ નિમિત્ત છે. એને આવો વ્યાપાર કરવો છે એટલે આ વ્યવસ્થિત એને ભેગો કરી આપે છે, એની દાનત આવી છે એટલે અને આપણા હિસાબમાં જવાનું હોય. અને આપણને બોધપાઠ મળે છે. તમે જિંદગીમાં જોયેલો ના હોયને આવો ?!

ત્યાર પછી આ તે ઘડીએ તમારા મનમાં કેટલા બધા ડિસ્કરેજ થઈ જાવ, આ પાંચસોની બાબતમાં ! આમ આપણે હોટલમાં પાંચસો રૂપિયા ખર્ચી નાખીએ. ખર્ચીએ કે ના ખર્ચીએ ? મુંબઈ ગયા હોય અને સારી હોટલ હોય તો બે દહાડા રાખીને પણ પાંચસો રૂપિયા ખર્ચી નાંખીએ. અને આમ પાંચસો ગયા તે આપણને છાતીએ ઘા લાગે. કારણ કે પેલું આપણે સમાધાન વૃત્તિ ખોળીએ છીએ ! કોઈ દહાડો સમાધાન ના થાય, કેમ થાય ?! આ સાવ આવું ઊંધું જ બોલે તેને ! એટલે સમભાવે નિકાલ કરી નાખો. ખરું કે ખોટું પણ કેસ ઊંચો મૂકી દેવાનો ! વેર ના બાંધે ને કશુંય નહીં ! ઊંધો ચોંટી પડે તો ઊંધો ચોંટી પડ, છતો તો છતો ચોંટી પડ ! અમે લોભિયો હોયને ત્યાં છેતરાઈને એને ખુશ કરીએ ! માની માણસ હોય તેને માન આપીને ખુશ કરીએ. જેમ તેમ ખુશ કરીને આગળ જઈએ ! અમે આ લોકોની જોડે ઊભા ના રહીએ. એડજસ્ટ એવરીવ્હેર, એવી કોઈ જગ્યા નથી કે અમે એડજસ્ટ ન થઈએ.

આમ થાય વ્યવહાર શુધ્ધિ !

પ્રશ્નકર્તા : આવી રીતે જ્યાં એડજસ્ટ થવા જઈએ, ત્યાં વ્યવહાર શુધ્ધિ રહે ખરી ?

દાદાશ્રી : ચોક્કસ રહે. વ્યવહાર શુધ્ધિ એટલે શું ? કોઈને દુઃખ ન થાય, એનું નામ જીવન. કંઈ ન્યાય તોળવો, એનું નામ વ્યવહાર શુધ્ધિ નથી. અને ન્યાય-અન્યાય કરવા ગયા તો એકને દુઃખ થાય ને એકને સુખ થાય. સમાધાન વૃત્તિ અને સમભાવે નિકાલ, એને એક્ઝેક્ટ હું શું કહેવા માગું છું એ સમજાઈ ગયુંને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બસ, બસ. સમાધાન વૃત્તિ તો ક્યારેય ના થાય. સમાધાન ખોળ ખોળ કરુંને તો દસ જગ્યાએ થાય ને બે જગ્યાએ ના થાય, એ ફ્રેક્ચર કરી નાંખે આપણું મન પાછું.

અમારા મનને એક ડાઘ નથી પડ્યો. કો'ક હમણે કહે કે બદમાશ માણસ છો. હું કહું કે ભઈ, બરોબર છે. તારે બીજું કશું કહેવાનું છે ? શાના આધારે તું કહું છું બદમાશ, એ મને સમજાય હવે. ત્યારે કહે, 'તમારા કોટની પાછળ લખ્યું છે, બદમાશ છે !' ત્યારે કહે, બરોબર છે.

હિતાહિત જોવાનું ગજુ ક્યાં ?

પ્રશ્નકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ?

દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું, પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે? તમે તમારું જ હિત જોઇ શકતા નથી, તે બીજાનું હિત શું જુઓ છો ? સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઇએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઇએ.

અંત આવશે હોળીએ, નહીં તો દિવાળીએ !

પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ?

દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો 'સામાનું સમાધાન કરવું છે' એટલું નક્કી રાખવું. 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષે ય થશે. વાઇફના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, માબાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે 'આપણે સમભાવે નિકાલ કરવો છે' એટલે એક દહાડો એ નિકાલ થઇ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે. આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઇએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે 'સમભાવે નિકાલ' કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી. બોલી જવું એ પુદગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી કરી કામ કર્યે જાવ, હિસાબ ચૂકતે થઇ જ જશે.

ને આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે, હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે. પણ માંગનારો લઇ જ જશે.

આજ્ઞા પાલનનો દ્રઢ ભાવ !

પ્રશ્નકર્તા : તમે જે સમભાવ રાખવાનો કહ્યો, તે કોઈની ઉપર ગુસ્સે ના થવું, બોલવાનું નહીં એવું ?

દાદાશ્રી : ના, એ તો તમારે મનમાં નક્કી કરવાનું કે 'મારે સમભાવે નિકાલ કરવો' એટલું જ. બીજું તમારે કંઈ જોવાનું નહીં. થયું કે ના થયું એ જોવાનું નહીં.

ઘણાં માણસો મને કહે છે કે, 'દાદા, સમભાવે નિકાલ કરવા જઉં છું પણ થતું નથી !' ત્યારે હું કહું છું, ''અરે ભઈ, નિકાલ કરવાનો નથી ! તારે સમભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સમભાવે નિકાલ થાય કે ના થાય. તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહેને ! એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પતે તો તે 'નેચર'ના આધીન છે.''

નિશ્ચયના અધિકારી, પરિણામના નહીં !

અમે તો આટલું જ જોઈએ કે, 'મારે સમભાવે નિકાલ કરવાનો છે.' એટલું તું નક્કી કર. પછી તેમ થયું કે ના થયું તે અમારે જોવાનું નથી. આ નાટક ક્યાં સુધી જોવા બેસી રહીએ ? એનો પાર જ ક્યાં આવે ? આપણે તો આગળ ચાલવા માંડવાનું. વખતે સમભાવે નિકાલ ના પણ થાય. તો પછી આગળ ઉપર થશે !

ના, એ તો તમારે મનમાં નક્કી કરવાનું કે 'મારે સમભાવે નિકાલ કરવો' એટલું જ. બીજું તમારે કંઈ જોવાનું નહીં. થયું કે ના થયું એ જોવાનું નહીં.

'તમારે' કશું કરવાનું નહીં, તમારે તો નક્કી કરવાનું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે અને ના પળાય તો ય તેની ચિંતા નહીં કરવાની. તમારે દ્રઢ નિશ્ચય કરવાનો કે મારાં સાસુ વઢે છે તો તેમની જોડે, સાસુ દેખાય તે પહેલાં જ મનમાં નક્કી કરવું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે 'સમભાવે નિકાલ' કરવો જ છે. પછી સમભાવે નિકાલ ના થાય, તો તમે જોખમદાર નથી. આજ્ઞા પાળવાના અધિકારી, તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી ! તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે. પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ સીધો ને સુગમ માર્ગ છે, તેને સમજી લેવાનો છે !

સહન કરવું કે ગળી જવું ?

પ્રશ્નકર્તા : તો સમભાવે નિકાલ કરવો એટલે ગળી જવાનું ? એટલે એવો ભાવ રાખવો કે વર્તનમાં આવવું જોઈએ ?

દાદાશ્રી : ગળી જવું એ સમભાવમાં રહ્યો ના કહેવાય ! આપણે મનમાં ભાવ જ કરવાનો સમભાવે નિકાલ કરવો છે. આપણે અમુક ગામ જવું છે એવું નક્કી કરીએ તેથી કરીને ના જવાયું એનો વાંધો નથી, પણ તમારે નક્કી કરવાનું. પહેલા તમે નક્કી નહોતા કરતા કે મારે સમભાવે નિકાલ કરવો છે એવું. એટલે આ પરંપરા થઈ. હવે તમે નક્કી કરો પછી એક્સિડન્ટ થઈ જાય એ વાત જુદી છે. પણ દરેક ફેર નક્કી કરવાનું. ગળી નહીં જવાનું. તે ગળી જવાયું કે બહાર નીકળી ગયું એ વાત જુદી છે. બેઉ ઊલટી છે. ઊલટી થતી હોય તેને દબાવવી નહીં. ઊલટી થતી હોય એને દબાવે તો રોગ થાય.

આપણે આ સમભાવથી નિકાલ કરીએ એનું નામ જ શુધ્ધાત્મા હાજર, ભલે દેખાતું ના હોય. પછી ચંદુભાઈ ચિઢાઈ ગયા એ વાત જુદી છે ને આપણે સમભાવે નિકાલ કરનારા, તે જુદા છે.

પ્રશ્નકર્તા : દાદા, સમભાવે નિકાલ કોણ કરી શકે ? જ્ઞાન લીધું તે કરી શકે કે બીજા કોઈ કરી શકે?

દાદાશ્રી : બીજાને સમભાવે નિકાલ શબ્દ જ ના હોયને ! બીજો તો સહન કરે બિચારો. પણ સહન કરવું એ તો ગુનો છે. સહન કરવું એ તો સહેજાસહેજ થોડુંઘણું, એ નાની નાની બાબતોમાં સહન કરી લેવું. પણ મોટું સહન કરે તો પછી સ્પ્રિંગ કૂદે પછી. કૂદે એટલે બધાંને મારી નાખે, ઊડાડી મેલે. એટલે સહન નહીં કરવાનું, ગળી જવાનું નહીં, સમભાવે નિકાલ કરવો. આ બધાંય સમભાવે નિકાલ કરે !

પ્રશ્નકર્તા : દાદાજી પોતે ગળી જાય ? આ બધાં મહાત્માઓ ગમે તે કરતાં હોય, તો દાદાજી તમે ગળતા નથી ?!

દાદાશ્રી : ગળવાનું અમારે ના હોય. અમારે તો કશું ગળવાનું ના હોય. અમારું જ્ઞાન જ એવું છે કે મહાત્મા ગમે તે કરતાં હોય તોય અમને ફીટ થઈ જાય. અમારું જ્ઞાન જ એવું છે. જ્ઞાન એટલે પ્રકાશ. મહાત્મા લીલા રંગનો તો એ લીલા રંગનો દેખાય. આ લાલ હોય તો લાલ રંગનો દેખાય. અમને પ્રકાશ જ દેખાય અને તે ય મહાત્મા એ તો શુધ્ધ પ્રકાશનો છે. એની પ્રકૃતિ અમે જાણીએ, કે આની આ પ્રકૃતિ છે. અમને કશું ગળવું ના પડે. અમે ગળીએ ત્યાર પછી તે ટેન્શન ઊભા થાય. અમે તો મુક્ત રહીએ આમ, એય રોફભેર ! આખા બ્રહ્માંડના રાજા હોય એવી રીતે રહીએ.

પ્રતિકૂળ સંજોગોનો નિવેડો જ્ઞાનથી !

એમ બોલ બોલ ના કરવું જોઈએ કે 'વ્યવસ્થિત' (સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવીડન્સીસ)માં હશે તો સત્સંગમાં જવાશે.' એવું બોલવાનું નહીં, નહીં તો પછી ના જવાય. આપણે જવું છે એવું નક્કી કરવાનું. નક્કી કર્યા પછી સામું કોઈ આડું આવે તો 'વ્યવસ્થિત' કહીને આપણે સમભાવે ફાઈલનો નિકાલ કરવાનો. એટલે 'વ્યવસ્થિત'નો દુરુપયોગ ના થવો જોઈએ. આ 'વ્યવસ્થિત'નું જ્ઞાન તો બહુ શાંતિ આપે, જરાય ઉપાધિ ના થવા દે ને !

અજ્ઞાને કરીને સંજોગ ભેગો થયો એટલે વઢકણી નાર ભેગી થઈ, તે હવે એને જ્ઞાને કરીને નિવેડો લાવવો પડશે, સમભાવે નિકાલ કરી કરીને !

એટલે બધી પરિસ્થિતિ માટે તૈયાર થાવ. ગમે તે પરિસ્થિતિ આવે. કારણ કે વ્યવસ્થિત છે ને ! વ્યવસ્થિતની બહાર નથીને કશું ? હવે સમભાવે નિકાલ તો કરવો પડે ને ! તો શું જવાબ આપીએ, એ ઈન્કમટેક્ષનું કાગળિયું લઈને આવ્યો હોય તો ? એ માણસ જાતે લઈને આવ્યો છે, એને ય બાય ઓર્ડર ! કો'કના ઓર્ડરથી આવ્યો હતો ને !

આપણે એને શેકહેન્ડ કરીને જઈએ, એ શું ખોટું ? આવ્યો છે તે તેડી ગયા વગર રહેવાનો નથી. હવે આપણું જ્ઞાને ય આપણને કહે કે 'વ્યવસ્થિત છે, સમભાવે નિકાલ કરો, ફાઈલ આવી છે.' તે બધી રીતે આપણને જ્ઞાન મળી ગયું. એટલે આપણે એને કહીએ, 'લાવો, તમને શેકહેન્ડ કરીએ, નહીં તો ચા પીને જાવ'. શું વાંધો ?

વખત પ્રમાણે કામ લો !

વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જ્યાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, 'દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.' હવે આપણા ચોખ્ખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરનાં હોય ને ત્રણ લાખ લોકોના હોય, તો એ લોકો ધક્કા ખાય તે ય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેનેજરને કહીએ, 'ભઈ, મને નફો રહ્યો નથી.' એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ કરવો. નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈને ય આપણો ચેક લઈ લેવો. હવે ત્યાં મારાથી આવી લાંચ કેમ અપાય ?' એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી લો.

ઠેઠ સુધી ભાવ, 'સમભાવે નિકાલ'નો !

હા, તેવું બને પણ તેની જોખમદારી આપણી નથી. આપણે નક્કી એવું રાખવું જોઈએ કે 'સમભાવે નિકાલ' ના થાય તો ય આપણે આપણો 'સમભાવે નિકાલ' કરવાનો ભાવ ફેરવવો નથી જ. મનમાં એવું ના થવું જોઈએ કે બળ્યું હવે નિકાલ નથી કરવો. મારે 'સમભાવે નિકાલ' કરવો જ છે, એવો ભાવ આપણે છોડવો નહીં. 'સમભાવે નિકાલ' ના થાય, એ 'વ્યવસ્થિત'ના તાબાની વાત છે.

પહેલાં જે ચાર દિવસ સુધી જે પરિણામ ઊભા થતાં હતા, તે હવે વ્યવસ્થિતને તાબે સોંપી દીધું છે. સમભાવે ફાઈલનો નિકાલ કરવો છે, એટલે એક-બે મિનિટ પેલું ઊભું થાય પણ તરત જ પાછું શમી જાય.

દસ-પંદર ટકા જ ના થાય. તે ય પાછી બહુ ચીકણી હોય તેનું જ. તેમાં ય આપણે ગુનેગાર નથી, 'વ્યવસ્થિત' ગુનેગાર છે. આપણે તો નક્કી જ કર્યું કે 'સમભાવે નિકાલ' કરવો જ છે. આપણા બધાં જ પ્રયત્નો 'સમભાવે નિકાલ' કરવાના હોવા જોઈએ.

ભાગેડુ વૃત્તિથી કંઈ કર્મથી છૂટાય ? હું વડોદરામાં હોઉં, તું વડોદરામાં હોઉં, તો ય કર્મ ભેગાં નહિ થવા દે ! આ જ્ઞાન આપેલું છે. જે વખતે જે ભેગું થયું તે 'વ્યવસ્થિત' અને તેનો સમભાવે નિકાલ બસ આટલી જ વાત છે.

અસરોથી મુક્ત રખાવે જ્ઞાન !

હવે 'આ' જ્ઞાન હોય, તેને મનની અને વાણીની આ બે અસરો ના થાય. દેહની અસર તો એને ય થાય. હમણે દાઢ દુઃખતી હોયને તો જ્ઞાનીને ય ખબર પાડી દે ! એટલે આ 'બોડી'માં 'ઇફેક્ટિવ' ચેતન છે. પણ 'જ્ઞાન' છે એટલે 'કોઝીઝ' ઉત્પન્ન ના કરે એ. એનો હિસાબ સમભાવે શાંતિથી ચૂકવી દે !

દુનિયાના ખેલ જાત જાતના !

અમે એક ગામમાં 'કંટ્રાકટ' કરવા ગયા હતા. પુલ બાંધવાનો હતો, ૧૯૩૯ની સાલમાં. ત્યારે મારી ઊંમર ૩૦-૩૧ વર્ષની હતી. તે ગામનો વાણિયો આખો દા'ડો ધંધો કરે પણ રાત્રે જુગાર રમી આવે ને પૈસા બગાડે. રાત્રે વાણિયો મોડો આવે એટલે તેની વહુ છે તે એને સારો કરીને મારે. તે ગામના લોકો અમને કહેવા આવ્યા કે, 'હેંડો શેઠ, ત્યાં જોયા જેવું છે.' મેં કહ્યું, 'અલ્યા, શું જોયા જેવું છે ?' ત્યારે એ લોકો કહે, 'તમે ચાલો તો ખરાં.' તે અમે ત્યાં ગયા. ત્યાં તો બારણું અંદરથી વાસેલું જોયું. અંદર એની બાયડી લાકડી આમ મારતી હશે ત્યારે વાણિયો શું કહે, 'લે લેતી જા, લે લેતી જા, લે લેતી જા !!!' આ તો ખરું ! આ નવું શાસ્ત્ર ભણ્યા આપણે !! ત્યારે ગામડાવાળાં મને કહે કે બઈ રોજ આને આમ મારે છે ને શેઠિયો શું બોલે છે કે લે લેતી જા !! આ શેઠે ય છે ને અક્કલવાળો. આ તો દુનિયા છે. દુનિયામાં જાત જાતના રંગ હોય ! વાણિયાએ આબરૂ રાખી ને ? આપણે તો એવી આબરૂ રાખવાની નથી, આપણે તો આબરૂ રહેલી જ છે. આપણે તો ફક્ત 'સમભાવે નિકાલ' કરવાનો છે.

ઘરવાળાને સંતોષ પમાડો !

સમભાવે નિકાલ થાય એટલે બધે રાગે પડી જાય.

આજ્ઞા તો પાળવી જ જોઈએ ને ! અને સમભાવે નિકાલ કરવો જ જોઈએ. પછી ઘરવાળા બધાં કહે, 'ના, દાદાજી અમારા તરફની કોઈ ફરિયાદ નથી.' મહિનામાં પરિણામ આવ્યા વગર રહે કે ? સાચું હંમેશાં પરિણામ લાવે અને જૂઠું ય પરિણામવાળું હોય. અમે તો એટલે કહીએ કે આ ઘરનાનો પહેલો નિકાલ લાવો, રસ્તો લાવો.

એટલે એના સામે પ્રયોગ કરે કે આજ્ઞા પૂરી પાળવી છે ને ના પળાઈ તો પ્રતિક્રમણ કરવાં છે, એવું. પછી ઘરવાળાં બધાં માણસો જોડે 'રેગ્યુલર' થઈ જવું જોઈએ. 'સમભાવે નિકાલ' આજ્ઞા પાળે એટલે પછી 'રેગ્યુલર' થાય ને ? પછી 'રિયલ-રિલેટિવ' જોવું જોઈએ.

રસ્તો આ છે કે 'દાદા'ની આજ્ઞામાં રહેવું એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દે અને જેટલી આજ્ઞામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તો ય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાને ય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો એનાં પક્ષમાં જ હોય ઘરનાં માણસો.

જોજો, અંદર સમભાવ ન તૂટે !

પ્રશ્નકર્તા : પણ ફરજ તો બજાવવી જ જોઈએ ને ? આ પોલીસવાળા શું કરે ?

દાદાશ્રી : ફરજ બજાવવી જ પડે, એમાં ચાલે નહીં. એ તો પોલીસવાળાએ બે-ત્રણ ચોર ફરતા હોય તો પકડવા જ પડે, એમાં ચાલે નહીં. એ વ્યવહાર છે. પણ હવે એમાં બે ભાવ રહે છે, એક તો ફરજ બજાવતાં ક્રૂરતા ના રહેવી જોઈએ. ક્રૂરભાવ જે પહેલાં રહેતો હતો, તે હવે રહેવો ના જોઈએ. આપણો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) ના બગડે તેમ રાખવું. બાકી ફરજ તો બજાવવી જ પડે. ગુરખો હોય તેને ય બજાવવી પડે, અને બીજું મનમાં એમ પશ્ચાતાપ રહેવો જોઈએ કે આવું આપણે ભાગ ના આવે તો સારું !

દેખાવમાં વિરોધ, મહીં અંદર સમભાવ. બહાર દેખાવમાં વિરોધ અને તે એ ચોરી કરે તેની ઉપર આપણે નિર્દયતા સહેજ પણ ન થવી જોઈએ. જો અંદર સમભાવ તૂટી જશે તો નિર્દયતા થશે અને જગત આખું નિર્દય થઈ જાય છે.

છૂટે વેર સમભાવે નિકાલથી !

આ જગત શાથી ઊભું રહ્યું છે ? વેરથી. જો વેરભાવ ગયો તો બધું જ ગયું. આ તો વેરથી જ જગત ઊભું રહ્યું છે, તેથી અમે સમભાવે ફાઇલોનો નિકાલ કરવાનું કહીએ છીએ. આ નિકાલ કરવાથી જૂનાં વેરનો નિકાલ થાય છે, પછી નવું વેર ના બાંધશો.

આ ઘર્ષણ, બે જ્ઞાનનું ઘર્ષણ નિરંતર થયા કરે માણસને. આ બે ઘર્ષણ ચાલ્યા જ કરે. એટલે હવે શું કરવું ? ત્યારે કહે છે, જૂનું જો ખોટું હોય તો એના પરનો પ્રેમ છોડી દેવો. થયા વગર તો રહેવાનું નથી, પણ એની ઉપરનો પ્રેમ છોડી દો કે આ ન હોવું જોઈએ. જે થાય એ જોયા કરવું. સમભાવે નિકાલ કરી નાખો. કારણ કે લાવ્યો છું એ તો પછી એનો કંઈ નિકાલ તો કરવો જ પડશે ને આમ. એમ ને એમ ક્યાં સુધી દુકાનમાં મૂકી રાખીએ ? સમભાવે નિકાલ કરવો.

એટલે જગતે બધું જ જોયું હતું, પણ પ્રેમ જોયો નહોતો. અને લોક સમજે છે કે પ્રેમથી આ જગત ઊભું રહ્યું છે. પણ પ્રેમથી આ જગત ઊભું રહ્યું નથી, વેરથી ઊભું રહ્યું છે. પ્રેમનું ફાઉન્ડેશન જ નથી. આ વેરના ફાઉન્ડેશન પર ઊભું રહ્યું છે. માટે વેર છોડો. સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે, પ્રેમ તો કરશોને, તો એની મેળે જ વેર થઈને ઊભું રહેશે. કારણ કે એ આસક્તિ છે. અને આસક્તિથી શું થાય ? આસક્તિ વેર લાવે. અમારામાં આસક્તિ ના હોય.

ઉકેલવાં પૂર્વભવના વેર !

સામાનો દોષ જ ના જોઈએ, એનાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને ? આ તો બધા અન્યોન્ય દોષ દે કે 'તમે આવા છો, તમે તેવાં છો'ને ભેગા બેસીને ટેબલ પર ખાય. આમ વેર મહીં બંધાય છે, આ વેરથી દુનિયા ઉભી રહી છે. તેથી તો અમે કહ્યું કે 'સમભાવે નિકાલ કરજો' એનાથી વેર બંધ થાય.

ધીમે ધીમે 'સમભાવે નિકાલ' કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. પ્રતિક્રમણ ખૂબ કરવાં પડે. આપણું કશું કોઈ લેતું નથી. ખાવાનું બે ટાઈમ મળે, કપડાં મળે, પછી શું જોઈએ ? ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તો ય કંઈ નહીં, આપણે સૂઈ જઈએ. પૂર્વભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરીને જાય ! વેર અને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઈએ કે આ સમજણવાળું છે, તો ય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે ? એટલે ત્યાં વાતને છોડી દેવી.

વિષય સુખના દાવા અનેક !

આ સમભાવે નિકાલ કરવાનો કાયદો શું કહે છે કે તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે નિકાલ કરી નાખ ! વેરથી મુક્ત થઈ જા ! આપણે અહીં તો એક જ કરવા જેવું છે, કે વેર ના વધે ! અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રીવિષય અને પુરુષવિષય !

બે મન એકાકાર થઈ શકે જ નહીં. એટલે દાવા જ ચાલુ થાય. આ વિષય સિવાય બીજા બધા વિષયમાં એક મન છે, એક પક્ષે છે. તેથી સામો દાવો ના માંડે ! જ્યારે મનવાળા જોડે તો જોખમ છે. એક જ ફેરો જેની જોડે વિષય કર્યો હોય તો એને પેટે જન્મ લેવો પડે, નહીં તો એ જ્યાં ગઈ હોય ત્યાં જવું પડે ! મિશ્રચેતન જોડે શાદી કરી પછી શું થાય ? મિશ્રચેતનના દાવાની તો ઉપાધિ બહુ ! આપણને તદ્દન પરવશ કરી નાખે. એટલે મિશ્રચેતનનું ખાતું જ રાખવા જેવું નહીં. છતાં હોય તેને શું કરવાનું ? પછી એ ખાતાનો સમભાવે નિકાલ કરી નાખવાનો. ખાતું ઓછું ફાડી નખાય છે ? ફેંકી દઈએ તો એ વધારે ચોંટે. એટલે નિરંતર જાગૃત રહી એનો નિકાલ કરી નાખવાનો.

એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો સમભાવે નિકાલ કરો, કહ્યું છે. અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે.

મિશ્રચેતન મહા જોખમી !

જ્ઞાન આપીએ એટલે બેઉ સમભાવે નિકાલ કરતાં શીખી જાય અને ઉકેલ આવી જાય, નહીં તો લાખો અવતારે છોડે નહીં. આપણે છોડવાની ઇચ્છા હોય ત્યારે એ આપણને છોડે નહીં અને એને છોડવાની ઇચ્છા થાય ત્યારે આપણે એને છોડીએ નહીં. એટલે કોઈ દહાડો બેઉનો ટાઈમિંગ મળે નહીં અને એંજિન મોક્ષ ભણી ચાલે ય નહીં, એવું છે આ મિશ્રચેતન ! ખાવા-પીવામાં હરકત નથી. ચાર વેઢમી ખાઈને સૂઈ જજો પણ આ મિશ્રચેતન તે મહા જોખમ છે ! સંસારનું બીજ જ આ છે. એક રાજા જિતાયો તો એનું દળ આપણા કાબૂમાં આવી ગયું, એનું પુર પણ આપણા કાબૂમાં આવી ગયું. કૃપાળુદેવે આ કંટાળી કંટાળીને ગાયું છે. સંસારમાં જે લટકાવનારું છે, તેના પર તેમણે જબરજસ્ત ભાર દીધો કે શું આવી ગતિ ! એ પોતે કહેતા હતા કે, 'સંસારથી તો ઘણો કાળ થયો, ઘણા અવતાર થયા કંટાળ્યો હતો, પણ છેવટે એમણે કાપી નાખ્યું. આમથી કાપ્યું, તેમથી કાપ્યું ને સડસડાટ ઉડાડી મૂક્યું. ગજબના પુરુષ હતા, જ્ઞાની પુરુષ હતા ! એ તો ચાહે સો કરે !! વિષય એ તો જીવતું જોખમ છે. બીજાં બધાં જોખમ તો મરેલાં કહેવાય. આ તો બહુ પુણ્યશાળી માણસ તે બધાં જોખમ ઊડી ગયાં ને પોતે પાર નીકળી ગયા અને વેર બંધાયાં નહીં.

વિષય મોહમાં દુરુપયોગ !

કરવાનું તો કશું હોતું જ નથી ને ! દાદાની આજ્ઞા પાળે તો આવું તેવું હોય જ નહીં ને !! 'હું શુધ્ધાત્મા છું' પછી પેલું બધું જોયા કરવાનું. આજ્ઞા પાળે તો કશું છે જ નહીં. પણ 'આજ્ઞા શું છે' એ સમજ્યા જ નથીને હજુ ? એક સમભાવે નિકાલ કરે, તે થોડુંઘણું સમજીને કરે હજુ ! પેલો દારૂ પીધેલો ફરતો હોય, એટલે મોહ હલાય હલાય જ કરે ને ?! અંદર જે અહંકાર છે, તે મોહનો દારૂ પીને આખો દહાડો ફર્યા જ કરે છે અને જ્યાં મોહવાળી વસ્તુ દેખે કે ત્યાં પાછો ખેંચાય.

આ સત્સંગને દગો દીધો, જ્ઞાનીને દગો દીધો. દગાખોર કહેવાય મોટો. આવું તે હોતું હશે ? શું પોતે સમજતો નથી કે આ ખોટું છે એવું ? આ તો જાણી જોઈને ચલાવી લે કે કંઈ વાંધો નહીં, નહીં તો 'સમભાવે નિકાલ' કરવાનો દુરુપયોગ કરે, નહીં તો 'વ્યવસ્થિત છે' કરીને દુરુપયોગ કરે. આવું બધું તમે સાંભળેલું નહીં ને, પહેલાં ?

વિષય સુખ, પરિણામે દુઃખ જ !

આત્માનું ખરું સુખ તો આ બ્રહ્મચારીઓ જ ચાખી શકે. જે સ્ત્રી રહિત પુરુષો છે, તે જ ચાખી શકે. પછી એમને 'સ્ટડી' જલદી થઈ જાય. કારણ કે જે પરણેલાઓ છે એમની પાસે આ સાચું સુખ કે પેલું, એ બેની તુલનાત્મક દ્રષ્ટિ નથી. છતાં ય ચાલવા દો ને ગાડું આપણે ! જે પરણેલા છે, એને અમારાથી એવું ઓછું કહેવાય કે તું કુંવારો થઈ જા ! એટલે અમે એને 'સમભાવે નિકાલ' કરવાનું કહ્યું છે. પણ વાતને સમજો એમ પણ કહીએ છીએ. વિષયમાં તો મરવા જેવું દુઃખ થતું હોય છે. વિષય હંમેશાં પરિણામે કડવો છે. શરૂઆતમાં એને એવું લાગે છે કે આ વિષય સુખદાયી છે, પણ પરિણામે તો એ કડવો જ છે. એનો વિપાકે ય કડવો છે. પછી માણસ થોડીવાર તો મડદાલ થઈ જાય છે ! પણ એ ય છૂટકો નથી ને ? એ ય ફરજિયાત છે. હવે તમે કઈ બાજુ જશો ?

તો પછી એ તો ઊકેલ લાવી દેવાનો. જ્યારે ત્યારે સમભાવે નિકાલ વગર છૂટકો જ નથી. તો હવે આ નિકાલ કરી નાખો. જો છૂટકો નથી તો પહેલેથી કેમ ના કરવો ?

તમારી વાત જુદી છે. તમે તો લગ્ન કરીને આવેલા છો. તમારે તો 'સમભાવે નિકાલ' કરવાનો હોય. આમને પણ પૈણે તો પછી 'સમભાવે નિકાલ' કરવાનો, નહીં તો વહુને દુઃખ થાય. પણ જેને બ્રહ્મચર્યવ્રત લેવું હોય તો તેમાં રહી શકાય એવું છે. આપણું જ્ઞાન એવું છે. 'હું શુધ્ધાત્મા છું' એ નિરંતર, જેના લક્ષમાં રહે છે એ મોટામાં મોટું બ્રહ્મચર્ય. પણ જેને વ્યવહારમાં 'ચારિત્ર' લેવાની ઇચ્છા છે, તેને બહારના બ્રહ્મચર્યની જરૂર છે.

સમભાવે નિકાલથી પરમાણુ શુધ્ધિ !

વિષય ભણી ધ્યાન નહીં આપવા માટે વિષયનો વિચાર આવતાં પહેલાં ઉખેડી નાખે ને બધું પ્રતિક્રમણ કરીને બધું એક્ઝેક્ટનેસમાં રહેવું પડે. એ ખેતરમાં બીજ પડવા જ નહીં દઈએ, તો ઊગે જ શી રીતે ?! તારે મહીં કંઈ પાંસરું રહે છે કે બગડી ગયું છે ? આખું ય બગડી ગયું છે ? થોડું થોડું ? તો કંઈ હવે સુધારો કરી લે ! આ વિષયનાં દુઃખો તો તારાથી સહન ના થાય. આ તો જાડી ખાલના લોકો તે સહન કરે, એ યાતનાઓ. બાકી તું તો પાતળી ખાલનો, તે શી રીતે આ યાતના સહન થાય ?

પૂર્વે આપણે ચૂક ખાધી છે, પૂર્વે તન્મયાકાર થવા દીધું છે, તેનું આ ફળ આવ્યું છે. તો હવે એ આકર્ષણમાં ફરી તન્મયાકાર ના થાય ને એનું પ્રતિક્રમણ કરી પેલી ચૂક કાઢી નાખવાની. અને ફરી તન્મયાકાર થાય એટલે નવી ચૂક ખાધી, તો એનું ફળ આવતે ભવ આવશે. એટલે તન્મયાકાર ના થાય એવું આ વિજ્ઞાન છે આપણું !! સામામાં શુધ્ધાત્મા જ જો જો કર્યા કરવા અને બીજું દેખાય ને ખેંચાણ થાય તો પ્રતિક્રમણ કરવું, તે સિવાય ભય-સિગ્નલ જ છે. બીજું બધું તમારે સમભાવે નિકાલ કરવો. આમાં તો સામો જબરજસ્ત મોટી ફરિયાદ કરનારો છે, માટે ચેતજો. અમે એ ચેતવણી આપીએ.

આકર્ષણ-વિકર્ષણ આ શરીરને થતું હોય તો આપણે ચંદુભાઈને કહેવું પડે કે, 'હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે તો પ્રતિક્રમણ કરો.' તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ-વિકર્ષણ બેઉ છે તે આપણને રઝળાવનારાં છે. આ પુદગલ શું કહે કે, 'તમે શુધ્ધાત્મા થઈ ગયા એનો મને વાંધો નથી, પણ તમારો મોક્ષ ક્યારે થશે ? અમે તો શુધ્ધ પરમાણુ રૂપે હતા, પણ તમે જ અમને બગાડ્યા છે. માટે અમને શુધ્ધ કરી નાખો. જેવા હતા તેવા કરી નાખો તો તમે છૂટશો. જ્યાં સુધી અમને શુધ્ધ કરશો નહીં ત્યાં સુધી તમે છૂટશો નહીં'. આ પુદગલનો નિકાલ ના થાય ત્યાં સુધી એ છોડે નહીં. તેથી આપણે આ બધી ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું; તે પરમાણુ શુધ્ધ થવા માટે કહેલું છે.

સંયોગો સ્વભાવે વિયોગી !

સંયોગ પસંદ કરવા યોગ્ય ! બીજા તો બધા સંયોગો તે સંયોગો જ છે. અરે, મોટામાં મોટા રાત-દા'ડો જોડે જ સૂઇ રહેનારા સંયોગ - મન, વચન, કાયાના સંયોગ એ જ દુઃખદાયી થઇ પડયા છે, તો પછી બીજો કયો સંયોગ સુખ આપશે ? આપણને તો આ સંયોગ છોડે તેમ નથી, પણ ત્યાં સમભાવે નિકાલ કરવાનો છે ! આમાં કેવું છે કે જેમ અવળા સંયોગ વધારે હોય તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે ! છતાં અવળા સંયોગ વેચાતા લાવવા જેવું નથી, જે છે તેનો નિકાલ કરી નાખવાનો છે!

સંયોગો એ તો ફાઇલ છે અને એનો સમભાવે નિકાલ કરવાનો છે. આ તો અનંત અવતારથી સંયોગોને તરછોડ માર માર કરેલા તેથી અત્યારે આ કાળમાં લોકોને જ્યાં ત્યાં તરછોડ મળે એવા જ સંયોગ ભેગા થાય છે ! સંયોગો તો વ્યવસ્થિતના હિસાબી પરમાણુથી જ ભેગા થાય. કડવા લાગે તેવા સંયોગોને લોક કાઢ કાઢ કરે ને તેને ગાળો આપે. સંયોગ શું કહે છે કે, 'અમને વ્યવસ્થિતે મોકલ્યા છે. તું અમને ગાળો દે છે પણ પછી તને વ્યવસ્થિત પકડશે.' અને જ્યારે મીઠો સંયોગ આવે છે ત્યારે લોક 'આવ બા ! આવ બા !' એમ કરે. આ કેવું છે કે જો તું સંયોગો સાથે રહીશ તો સંયોગો તો વિનાશી છે, તે તું પણ વિનાશી થઇ જઇશ અને સંયોગોથી છૂટો 'સ્વ'માં રહીશ તો તું અવિનાશી જ રહીશ.

ભોગવવી ગુનેગારી પોતાની જ !

આ જગત 'વ્યવસ્થિત' છે. તે 'વ્યવસ્થિત શક્તિ', જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે. તેને આવવા દેવી અને આપણે આપણા સમભાવમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તો ય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી !

નિકાલ કરવો પડે સમભાવે !

પ્રશ્નકર્તા : દાદા, આપે સત્સંગમાં એવું કીધેલું કે ફાઈલોનો નિકાલ કરવાનો કીધું છે, ફાઈલોને જોયા કરવાનું નથી.

દાદાશ્રી : હા, નિકાલ કરવાનો છે. સમભાવે નિકાલ કરવાનો છે.

પ્રશ્નકર્તા : દાદા, એ જરા સમજાવોને ! ફાઈલોને જોયા કરવું, એટલે તે એ કઈ જાતની હશે ?

દાદાશ્રી : જોવાની નથી, ફાઈલોનો નિકાલ કરવાનો.

પ્રશ્નકર્તા : નિકાલ કરવાનો છે એટલે કંઈક અંદરથી તમારે ઉપયોગ આપવો પડેને !

દાદાશ્રી : નિકાલ કરવો એટલે એ ભાવ હોવો જોઈએ. કે હું શું શું કરું, શું કરું તો આનો સમભાવે નિકાલ થઈ જાય. જેમ કોઈની જોડે ઝઘડો થયો હોય, એનો નિકાલ કરવો હોય તો આપણે એવાં પ્રયત્નો કરવાં પડેને ! એકલું કંઈ જોવાનું ઓછું ચાલે ?

પ્રશ્નકર્તા : એટલે અંતરમુખ થવું જ પડે.

દાદાશ્રી : હં... એટલે એવી રીતે એનો નિકાલ કરવો જોઈએ. તે મચ્છરાંને ય પણ નિકાલ કરવો પડે. એ ય ફાઈલ છેને ! એ પણ ફાઈલો છે ને ?! નિકાલ કરવો પડે સમભાવે, નહીં તો કરશો શું તે ?

તત્ત્વદ્રષ્ટિ પૂર્ણ પ્રકાશે ક્યારે ?

આ પાંચ આજ્ઞા આપી છે ને ? તેમાં રહે તો એની મેળે જ જૂનાં કર્મનો સમભાવે નિકાલ જ થઈ જાય બધો, નવાં કર્મો બંધાયા સિવાય.

આપણે તો આત્માને નિરાલંબ કરવાનો છે. નિરાલંબ ના થાય તો અવલંબન રહી જાય અને અવલંબન રહે ત્યાં સુધી 'એબ્સોલ્યુટ' ના થાય ! નિરાલંબ આત્મા એ 'એબ્સોલ્યુટ' આત્મા છે. તો ત્યાં સુધી આપણે જવાનું છે. ભલે આ ભવમાં ના જવાય, તેનો વાંધો નથી. આવતે ભવે તો તેવું થઈ જ જવાનું છે, એટલે આ ભવમાં તો આપણે આજ્ઞા પાળીને 'સમભાવે નિકાલ' જ કરવાનો છે. એ મોટી આજ્ઞા છે અને ચીકણી ફાઈલ, તે કેટલી હોય ? તે કંઈ ઓછી બસે-પાંચસે હોય છે ? બે-ચાર જ હોય અને ખરી મજા જ ચીકણી ફાઈલ હોય ત્યાં આવે ને !

જ્યાં સુધી બધી ફાઈલોનો સમભાવે નિકાલ ના થઈ જાય ત્યાં સુધી તત્ત્વદ્રષ્ટિ છે તે પૂર્ણતાએ પ્રકાશતી નથી. ફાઈલોનો નિકાલ થઈ જાય એટલે તત્ત્વદર્શન, તત્ત્વજ્ઞાન અને તત્ત્વચરિત્ર બધું ભેગું થાય.

નિકાલ કરવું મોહરૂપી દેવું !

આ સાયન્સ છે. સાયન્સ એટલે સાયન્સ. પચ્ચીસ પ્રકારના મોહ. ચાર્જ મોહ મેં બિલકુલ બંધ કરી દીધો છે અને ડિસ્ચાર્જ મોહ તો રહેવાનો જ. ડિસ્ચાર્જ મોહ તો ભગવાન મહાવીરને પણ હતો. એમના ગજા પ્રમાણે, કારણ કે એ ખપાવીને ગયેલા હોય અને આપણે ખપાવ્યા વગરના હોય. એ દસના દેવાદાર હોય અને આપણે લાખના દેવાદાર હોઈએ. એમણે દેવાનો નિકાલ કરી નાખેલો અને તમે ય નિકાલ કરી નાખશો. બસ દેવાનો નિકાલ જ કરવા બેઠા ત્યાં આગળ ! આપણે સમભાવે નિકાલ કરીએ છીએને ? હા. નિકાલ જ કરી નાખવાનો છે.

ચંદુભાઈ શું કરે છે એ તમારે જોયા કરવાનું, બસ ! આ તમારી ફરજ, જ્ઞાતા-દ્રષ્ટની અને ચંદુભાઈ કોના આધારે ચાલશે ? ત્યારે કહે, 'વ્યવસ્થિત'ના આધારે. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ! અને ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનો !

આમ અટક્યું નવું ચાર્જ !

હવે આ 'પ્રતિષ્ઠિત આત્મા' એ 'શુધ્ધાત્મા'થી તદ્દન ભિન્ન છે. 'પ્રતિષ્ઠિત આત્મા' અને 'શુધ્ધાત્મા'ને જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ છે. આ જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ જ્યારે ઉત્પન્ન થાય, 'શુધ્ધાત્મા' જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહે અને 'પ્રતિષ્ઠિત આત્મા' કેવળ ડિસ્ચાર્જ સ્વરૂપમાં રહે ત્યારે નવું ચાર્જ ના થાય; ત્યારે અધિકરણ ક્રિયા સંપૂર્ણ બંધ થઇ જાય અને આવતા ભવ માટેનો નવો 'પ્રતિષ્ઠિત આત્મા' ના બંધાય; પછી જે પાછલી ગનેગારી પદનો 'પ્રતિષ્ઠિત આત્મા' લાવેલા હોઇએ, તેનો સમભાવે નિકાલ કરવાનો રહે છે. નવું ચાર્જ ના થાય. તેથી ડિસ્ચાર્જ થવાનો વખત જ ના આવે.

અક્રમ વિજ્ઞાનથી જોખમદારી રહી નહીં !

'હું શુધ્ધાત્મા છું' એવું કંઈક અંશે ભાન ના થાય, ત્યાં સુધી જે બોલે છે તે બધી જ ભૂલ છે. જે જે બોલે, શાસ્ત્ર બોલે જે જે ખાધું, જે જે બધું કર્યું એ બધી જ ભૂલો છે. હવે એમને એકુંય ભૂલ દેખાતી નથી. અને તમારે તો જુઓ, આ જ્ઞાન પછી, તમે 'હું શુધ્ધાત્મા છું' એવું બોલ્યા, એટલે ખાનાર ખાય છે, તે બધી જોખમદારી તમારી નહીં. એટલે એ બધી ભૂલો નીકળી ગઈ. પછી વાણી એ ટેપરેકર્ડ છે કહ્યું, એટલે તે બધી ભૂલો નીકળી ગઈ. હવે ફક્ત થોડુંક તમારે સમભાવે નિકાલ કરવાનો છે. જેટલી ફાઈલો હોય એટલાનો. બીજું કશું કરવાનું નથી. બધી ભૂલો એમ ને એમ ભાંગી ગઈ છે. ખાવાની જોખમદારી ના રહી. વાણીની જોખમદારી ના રહી, નહીં તો સ્યાદ્વાદ વાણી બોલે નહીં ને દહાડો વળે નહીં. કારણ કે સ્યાદ્વાદ વાણી બોલે, તેને સંસાર નડે નહીં. અને સ્યાદ્વાદ વાણી બોલે કોણ ? જ્ઞાની સિવાય સ્યાદ્વાદ વાણી કોઈ બોલી શકે નહીં !

ગોઠવો જુદાપણાની જાગૃતિ !

ખાતી વખતે 'શુધ્ધાત્મા' યાદ નહોતું રહ્યું, પણ એથી કરીને ઓછો એ આત્મા ખઈ ગયો ? કોઈ પણ સ્થિતિમાં આત્મા ચંદુભાઈ થતો નથી હવે. આ આટલું તમે બગાડ્યું તો ય નથી થઈ ગયો હજુ. હજુ ય તમે ફેરફાર કરો આ કહ્યા પ્રમાણે, તો કાલથી રાગે પડી જાય. કારણ કે તમારું રાગે પડેલું છે, સમભાવે નિકાલ કરો છો. વ્યવસ્થિત સમજમાં આવ્યું. ભૂલચૂક થઈ હોય તો સુધરી શકે.

વિષમભાવે અશુધ્ધ, સમભાવે શુધ્ધ !

ચારિત્રમોહનીય એટલે સમભાવે નિકાલ કરવાનો. સમભાવે નિકાલ કર્યો એટલે એની શુધ્ધતા થઈને ગયો. શુધ્ધતા થવી જોઈએ. વિષમભાવ કર્યો છે એટલે આ અશુધ્ધ થયેલું છે. હવે સમભાવે નિકાલ કરો એટલે શુધ્ધ થઈ જાય. વિષમભાવે ભેગું કરેલું છે.

ચારિત્રમોહ નિકાલી !

અજાયબ માર્ગ છે આ. એટલે કામ કાઢી લેવા જેવું છે આપણે, ઝટપટ આની પાછળ પડીને ! બીજી ઇચ્છાઓ અત્યારે ઊભી થાયને, તે મોળી કરી નાખવી એને જેમતેમ કરીને અને તે બધો ચારિત્રમોહ છે. ઇચ્છા એ કંઈ ખરેખર મોહ નથી, ચારિત્રમોહ છે. ભગવાનનેય ચારિત્રમોહ હતો. ઘેરથી બહાર નીકળ્યાંને, તે કેવળજ્ઞાન થતાં સુધી જે મોહ રહ્યો તે બધો ચારિત્રમોહ. આ તમે છે તે વેઢમી-જલેબી ખાતા હોય, તો હું તમને વઢવા ના આવું. હું જાણું કે આમનો ચારિત્રમોહ છે અને તમે તેનો નિકાલ કરો છો. ફરી આવે નહીં એવી રીતે એનો સમભાવે નિકાલ કરી નાખવાનો. અત્યારે જે આવ્યું એ વ્યવસ્થિત, ના આવ્યું તેય પણ વ્યવસ્થિત. વેઢમી કાચી આવી તેય વ્યવસ્થિત, સરસ આવી તેય વ્યવસ્થિત. બધું વ્યવસ્થિત છેને ?

એ જોવાથી ચારિત્રમોહ થાય ચોખ્ખો !

આ છે તે ચારિત્રમોહનીય, એ આપણી માલિકી ન્હોય. એ તો દાદાને સોંપી દીધેલી છે. આપણે જોવાની છે. જેટલી ચારિત્રમોહનીય શુધ્ધ દ્રષ્ટિથી જોઈએ એટલી જ ચારિત્રમોહનીય ચોખ્ખી થઈ જાય અને જેટલી રહી જાય એટલી ફરી પાછી ચોખ્ખી કરવાની રહે. તમારે રહી જતી નથીને ?

પ્રશ્નકર્તા : કોઈ વાર રહી જાય, દાદાજી.

દાદાશ્રી : એમ... તો ક્યારે જોશો ? થશે એ ?

પ્રશ્નકર્તા : બીજીવાર કરવું પડશે, દાદા. બીજું શું થાય ?

દાદાશ્રી : એટલે રહી જાય, તે આવતે ભવ બાકી રહે. એ કંઈ બહુ મોટા અવતાર માગતું નથી.

તે આપણે ત્યાં સમભાવે નિકાલ કરી નાખીએ છીએ એ ચારિત્રમોહનો, એનું નામ મુક્તિ. બીજું કશું છે નહીં. આવો સહેલો મોક્ષમાર્ગ કોઈ દહાડો સાંભળવામાં ય ના આવેલો હોય એટલો બધો સહેલો-સરળ માર્ગ છે આ. ત્યાગ કરવાનું નહીં. કશી ભાંજગડ નહીં, ડખો નહીં, ડખલ નહીં.

રહી ગયું તેનું કરો પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : નવ્વાણું વખત સમભાવે નિકાલ કરીએ અને એક વખત સમભાવે નિકાલ ના કરીએ કે ના થાય, તો એ નવ્વાણું વખતનું નકામું જાય ?

દાદાશ્રી : ના. એમ કંઈ નવ્વાણું વખતનું નકામું જતું રહે ઓછું કે ? એક વખત સમભાવે નિકાલ ના થાય તેની માફી મંાગી લેવાય. દાદાજી માફી માંગી લઉં છું. મારાથી ના થયું, કોઈપણ કારણે ના થયું, હવે ફરી ભૂલ નહીં કરું. ફરી એવી ભૂલ થાય તો ફરી માફી માંગી લેવાય.

જોવાથી વધે આત્મશક્તિ !

પ્રશ્નકર્તા : હવે આ જે ફાઈલ આવી, સમભાવે નિકાલ કર્યો, એ પ્રકૃતિની જે કંઈ ગૂંચો અંદર હતી, જે કંઈ થયું એ બધું આપણે જોયા કરીએ. એ જોયા કરીએ એમ પ્રકૃતિ બધી ચોખ્ખી થતી જાયને ?

દાદાશ્રી : થાયને બધું. ચોખ્ખી થતી જાય. જેમ તમે જુઓને તેમ તમારી જોવાની શક્તિ વધતી જાય. કારણ કે શક્તિ મલ્ટિપ્લાય થાય અને ચોખ્ખું થાય. મહીં આનંદ ઊભો થાય. આ તો માથું દુખ્યું તો કહેશે, મારે તો બહુ માથું દુખે છે. અલ્યા, પણ તારું દુખે છે કે ચંદુલાલનું દુખે છે ? તું તો શુધ્ધાત્મા. તો કહે કે, હા, હું તો શુધ્ધાત્મા. એ તો ચંદુલાલનું દુખે છે. હવે ચંદુભાઈનું માથું દુખે, એમાં મને માથું દુખ્યું કહ્યું એટલે અસર થઈ !

અજાગૃતિથી રહે પેન્ડિંગ !

પ્રશ્નકર્તા : આ ફાઈલોનો નિકાલ કરતી વખતે તો ઉપયોગ મૂકવો પડે, તો તે વખતે કઈ દશા હોય ?

દાદાશ્રી : આ ફાઈલોનો નિકાલ કરતી વખતે ઉપયોગ મૂક્યોને એ જ શુધ્ધ ઉપયોગ. એ ફાઈલને સમભાવે નિકાલ કરીને જવા દેવી. જ્ઞાને કરીને શુધ્ધ કરવી એ શુધ્ધ ઉપયોગ.

કેટલાંક લોકોને અજાગૃતિ હોય છેને, તે ફાઈલોનો નિકાલ થતો નથી અને એમ માનોને તમને બહુ ભીડ આવી હોય તો મહીં કેટલો બધો નિકાલ કરવાનો રહી જાય. એકદમ બહુ ભીડ આવી હોયને, બહુ એટ એ ટાઈમ ફાઈલો આવી હોય તો કેટલાંકનો નિકાલ થાય ને કેટલાંકનો નિકાલ થયા વગર જતો રહે. થાય કે ના થાય એવું ?

પ્રશ્નકર્તા : હા, થાય. એવું બને !

દાદાશ્રી : એવું આમને ભીડ ના આવી હોય તોય જતાં રહે એવી વાત છે. ઉપયોગ રાખ્યા સિવાયનો વ્યવહાર ફરી ફરી સહીઓ કરાવવા માટે આવશે. ત્યારે ઉપયોગ રાખશો તો વ્યવહાર છૂટશે. જ્યારે ત્યારે એ જોઈને જ વ્યવહાર કાઢવો પડશે. એટલે આપણે કહીએ છીએને, તમારે જોયા વગર જતું રહેશે એ બધી ફાઈલ પછી ફરી આવશે.

આજ્ઞા થકી પુરુષાર્થ !

આપણી આજ્ઞામાં રહ્યો તે શુધ્ધ ઉપયોગમાં રહ્યો કહેવાય. આ ફાઈલ આવીને, એનોય સમભાવે નિકાલ કરવો. આમાં કંઈ ધ્યાન ના આપીએ, તો સમભાવે નિકાલ ના થયો કહેવાય. અને જો ધ્યાન આપીએ તો શુધ્ધ ઉપયોગ. અમારાં પાંચ વાક્યો જ શુધ્ધ ઉપયોગવાળા છે.

પાંચ આજ્ઞા પાળવી, એનું નામ પુરુષાર્થ અને પાંચ આજ્ઞાના પરિણામે શું થાય છે ? જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાય છે. અને અમને કોઈ પૂછે કે ખરા પુરુષાર્થનું નામ શું ? ત્યારે અમે કહીએ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે ! તે આ પાંચ આજ્ઞા, જ્ઞાતા-દ્રષ્ટા જ શીખવાડે છેને ! રિલેટિવ ને રિયલ, એ જોતાં છે તે આ આગળ-પાછળનો જે વિચાર આવતો હોય તો વ્યવસ્થિત કહીને બંધ કર. જોતી વખતે આગળનો વિચાર એને હેરાન કરે, તો આપણે 'વ્યવસ્થિત' કહીએ એટલે બંધ થઈ ગયું. એટલે પાછું જોવાનું ચાલુ રહે આપણું. તે વખતે કોઈ ફાઈલ પજવતી હોય તો સમભાવે નિકાલ કરીને પણ તે ચાલુ રહ્યું આપણું. આમ આજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રાખે છે.

અમારી આજ્ઞામાં રહો એ પુરુષાર્થ. પુરુષ થયા પછી પુરુષાર્થ શો બીજો ? અને આજ્ઞાથી ફળ આવેલું હોય, એટલે પોતે સહજ સ્વભાવે વગર આજ્ઞાએ રહી શકે. તે ય પુરુષાર્થ કહેવાય. મોટો પુરુષાર્થ કહેવાય. આ આજ્ઞાથી પુરુષાર્થ અને પેલો સ્વાભાવિક પુરુષાર્થ.

પ્રશ્નકર્તા : દાદા, મારો સવાલ છે કે જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા કોઈ પાળે અને જ્ઞાન લીધા પછી પાળે એ બેમાં શું ફરક છે ?

દાદાશ્રી : જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા કોઈ પાળી શકે જ નહીંને ! રિયલ કેવી રીતે દેખી શકે ? રિયલ દેખાય શી રીતે ? રિયલ ના દેખાય ત્યાં સુધી વ્યવસ્થિત સમજાય નહીં, સમભાવે નિકાલ થાય નહીં !

છેવટે રહેવું આત્મધર્મમાં !

પ્રશ્નકર્તા : કોઈ વખત તો ફાઈલોનો સમભાવે નિકાલ થતો નથી.

દાદાશ્રી : સમભાવે નિકાલ નથી થતો એ જેણે 'જાણ્યું' એ આત્મધર્મ અને સમભાવે નિકાલ થવો - ના થવો એ પુદગલધર્મ. બેનાં ધર્મ જુદા છે. પુદગલનો ધર્મ ના થાય, તેમાં આપણે શું લેવાદેવા ? આપણે તો 'જાણ્યું' ખરું ને ? 'જાણ્યું' એ આપણે આપણા ધર્મમાં છીએ. પુદગલનો ધર્મ હોય કે ના ય હોય. આપણે લેવાદેવા નથી. પુદગલ ધર્મ જુદો, આત્મધર્મ જુદો. આત્મધર્મ એટલે નિરંતર 'જાણ્યા' કરવું, સંપૂર્ણ જાગૃતિ. એક પરમાણુ ઊડ્યું હોય તો ખબર પડે, એનું નામ આત્મા. પારકી પુદગલ પીડામાં પડશો નહીં. પુદગલ તો ઘડીમાં ઊંચું થાય, નીચું થાય. 'જાણ્યા' કરવું એ આપણો ધર્મ ને ઊંચા-નીચા થવું, મતભેદ થવો એ તો જૂનો પરિચય, વધે તો ગમે અને ઘટે તો ના ગમે. એ ધર્મ ના રહેવો જોઈએ આપણો. એ પરિચય પહેલાંનો છે. એટલે આપણે કહી દેવાનું કે આમ નથી આપણું, આ આપણું ન્હોય. એ પાડોશીનાં પરિણામ છે. દાદાએ ના કહ્યું છતાં આપણું માનીએ, તેને પછી દાદા શું કરે ?

અંતર તપથી કર્મ ખપે !

શાસ્ત્રકારો કહે છે શું અને માર્ગદર્શકો કરે છે શું ? વેપાર વધારાવડાવેે. તપ કરો, જપ કરો. ભગવાને કયું તપ કહ્યું હતું કે કળિયુગમાં ઘેર બેઠાં આવી પડે, એ તપ કરજે. આ મફતમાં તપ આવ્યું. કોણ છોડે ? હમણાં કોઈક ગજવું કાપી ગયો, બસમાં બેઠો હતોને અને આ ગજવામાં પાંચસો હતા ને આમાં અગિયારસો હતા. અગિયારસોવાળું કાપી ગયો એટલે પછી તરત મહીંથી વૃત્તિઓ બૂમો પાડે, પેલાને આપવાના છે ત્રણસો, પેલાને પાંચસો આપવાના હતા. આપણે સમભાવે નિકાલ કરીએને ત્યારે વૃત્તિઓ શું કહે ? ના, ના. આ શું સમભાવે નિકાલ કરો છો ? ત્યારે તે ઘડીએ આપણે તપ કરવાનું. તે ઘડીએ હ્રદય લાલ લાલ થઈ જાય. તેને જોયા કરવાનું. મહીં અકળામણ થાય. તેથી આપણે એવું સમજવાનું કે કાલના જેટલું લાલ નથી આજ. અને પછી લાલ ઓછું થાય ત્યારે જાણવું કે હા, ઘટ્યું હવે. જેમ આ ગ્રહણ થાય છેને, તે ગ્રહણ વધતું વધતું આપણે સમજીએ કે હજુ વધે છે, હજુ વધે છે. અને પછી વધી ગયા પછી ઊતરે ત્યારે આપણે કહીએ, 'હવે ગ્રહણમુક્ત થવા માંડ્યું છે. હવે કલાક પછી આપણે બધું કરીએ' પણ આ કલાક પછી ગ્રહણમુક્ત થઈ જશે એવું આપણે જાણીએ કે આ તપ ઘડીવાર પછી ખલાસ થઈ જશે પણ હ્રદય તપે. અને જગતના લોકોને તપેને, તે તપે એ સહન

ના થાય એટલે એટેક કરે પેલા ઉપર. તમે એટેક ના કરો ને તપવા દો. એવું બને કે ના બને ? એટેક કરેને એટલે તપવાનું બંધ થઈ જાય. એટલે નવી લોન લઈ અને જૂની રીપે કરવી. અને આ તપ એટલે તો નવી લોન લીધા સિવાય જૂની રીપે કરવાની. આકરું પડી જાય, નહીં ? આકરું પડે.

પ્રશ્નકર્તા : અદીઠ તપ કરીએ, તો સમભાવે નિકાલ થઈ ગયો કહેવાયને ?

દાદાશ્રી : બધું નિકાલ થઈ ગયું. એમાં લાંચ(મીઠાશ) લઈએ તો એ જરા બાકી રહી જાય ત્યાં, જેટલા પ્રમાણમાં લાંચ લઈએ એટલા પ્રમાણમાં બાકી રહ્યું. અને નિકાલ કરો એટલે એ ગયા. તે ઘડીએ આત્મા હલકો થયો એટલે આનંદ જ હોય. બહુ તપી જાય પછી તું શું કરું ? બૂમાબૂમ કરી મેલું ? પેલો કકળાટ કરેલો ? કો'કની દાઝ કો'ક ઉપર કાઢે પછી. જે ફાઈલ હોય તે ફાઈલ રૂબરૂ જ પતાવી દેવાની. બીજી ફાઈલને ને એને કનેક્શન નહીં, નહીં તો કો'કની દાઝ કોઈની ઉપર કાઢે.

સમભાવે નિકાલ ત્યાં થાય અંતર તપ !

પ્રશ્નકર્તા : પણ તપમાંય આનંદ હોઈ શકે કે નહીં ?

દાદાશ્રી : તપમાં હંમેશાં એક બાજુ દુઃખ લે અને તપના જ્ઞાતા-દ્રષ્ટાનો આનંદ હોય. તપમાં તપે ખરું પાછું પણ આનંદ હોય. આ ચંદુભાઈનું કો'કે એમની ઓફિસમાં આવીને અપમાન કર્યું કે 'તમને ધંધો કરતાં નથી આવડતું ને તમે અમને હેરાન કરી નાખ્યા.' આવી રીતે એમ તેમ કંઈક ગમે તે શબ્દ બોલ્યો. એટલે તરત જ્ઞાન ઉપર આપણી દ્રષ્ટિ આવે કે આ આપણું જ્ઞાન શું કહે છે ? ત્યારે કહે, 'આ ફાઈલનો સમભાવે નિકાલ કરો.' એવું થાયને ? હવે પણ પેલો બોલ્યો, તે આ શરીરમાં જે મન ને એ બધું રહ્યું છે તે પકડી લેને તરત, અંતઃકરણ પકડી લે તરત. અને એનો સામો જવાબ આપવા માટે, હિંસક જવાબ આપવા માટે મહીં બધું લાલ લાલ થઈ જાય. પણ તે ઘડીએ આ જવાબ આપે નહીં ને નક્કી જ રાખે કે સમભાવે નિકાલ કરવો છે. એટલે એ 'ઓહોહો, અંદર લાલ લાલ લાલ થઈ ગયું છે', એ જુએ તે ઘડીએ આ આત્મા ક્લિયર થઈ ગયો. જે તપને જુએ છે એ ક્લિયર આત્મા. એ લાલ લાલ જુએ પછી એને ટાઢું પડી જાય. હંમેશાં કોઈ પણ સંયોગ જામ્યો તે લાલનો હોય કે ઠંડકનો હોય ત્યારે જ એ વિયોગી સ્વભાવનું હોય છે. એ ઉભરો થોડીવાર પછી બેસી જાય. પણ એક વખત તો બહુ જ તપે. એને પછી એમ આ અભ્યાસથી જોઈએ, ત્યારે આનંદ થઈ જાય છે પણ તપ તો જતું જ નથી. તપ તો પેલું રહે છે જ.

'પેલા'માંથી જુદો રાખવો 'આપણે'. ભેગો થવાનો થાય, આમ તો પોતે જુદો રહે છે પણ કો'ક કહે, 'તમે અમારું પાંચ હજારનું નુકસાન કર્યું.' એવું કહે, તે ઘડીએ ભેગો થઈ જાય. તે ઘડીએ તપ કરવાનું. તે ઘડીએ ધક્કો વાગે કે, 'મેં તો કર્યું નથી.' શાથી ધક્કો વાગે છે ? મનમાં એમ થાયને કે આણે મારી પર આરોપ મૂક્યો. એટલે પછી 'હું શુધ્ધાત્મા' રહેશે કે એ રહે ? તે વખતે તપ કરીને પછી 'હું શુધ્ધાત્મા છું' રહેવું જોઈએ.

વ્યવહાર-નિશ્ચયની બન્ને પાંખે મોક્ષમાર્ગ !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે એનો સમભાવે નિકાલ કરવો અને એક વખત આપે શિખવાડ્યું'તું કે આપણું જ પાછું આવ્યું.

દાદાશ્રી : એ સમભાવે નિકાલ કરવાનું કેમ કહ્યું ? કારણ કે એ પાછું આવ્યું. એટલે એનો સમભાવે નિકાલ કરવાનો. એને અનુલક્ષીને હોય છે બધા. એક એક વાક્યને અનુસંધાનમાં હોય છે !

સામો ગાળો ભાંડશે, પણ તું ફાઈલનો સમભાવે નિકાલ કર. પછી આ સામો અવળું બોલી જતો હોય, તોય પોતે નક્કી કર્યું હોય કે મારે સમભાવે નિકાલ કરવો છે. એ નક્કી કર્યું છે, એ જ વ્યવહારમાં ગણાય છે. આ બોલ્યો એ વ્યવહારમાં ગણાતું નથી. વઢમ્વઢા, મારામારી થઈ તે વ્યવહાર નથી પણ 'મારામારી નથી કરવી' એવું એણે જે નક્કી કર્યું છે કે સમભાવે નિકાલ કરવો છે, એ જ એનો વ્યવહાર છે.

વ્યવહાર સિવાય જે નિશ્ચય છે એ નિશ્ચય ખોટો છે. 'આપણું' વિજ્ઞાન સમભાવે નિકાલ કરવો, એ બેઝમેન્ટ ઉપર ઊભું રહેલું છે.

વ્યવહાર શુધ્ધ હશે એટલે નિશ્ચયમાં આવી ગયો જ જાણો ! નિશ્ચયમાં કશું કાચું ના રહેવું જોઈએ. નિશ્ચય એટલે નિશ્ચય. એમાં કશું કચાશ ના રાખવી જોઈએ. પણ વ્યવહારમાંય કાચું રહે તો ભૂલ કહેવાય. વ્યવહાર ચોખ્ખો, નિર્મળ જોઈએ. વીતરાગ, રાગ-દ્વેષ વગરનો, સહેજે કોઈને દુઃખ ના થાય. વ્યવહારમાં કાચું રહે તો નિશ્ચયમાં પણ કાચું પડી જાય છે. અકષાયી વ્યવહાર તે સાચો વ્યવહાર છે. પોતાના સ્વરૂપનું લક્ષ એ નિશ્ચય છે અને એનાથી મોક્ષ થાય.

જય સચ્ચિદાનંદ.