સંસારમાં ભટકાવે લાલચ ! સંપાદકીય આ સંસારમાં અનંત અવતારથી ભટકામણ થઈ છે. કારણ કે પોતાને કંઈક સુખ ભોગવવાની લાલચ છે અને તે લાલચ એક વસ્તુ પૂરતી નથી રહેતી પણ જ્યાંથી ત્યાંથી સુખ ભોગવી લેવું, તે ય નફ્ફટ રીતે. એ લાલચુપણું છૂટે નહીં ત્યાં સુધી જોખમ તૂટે નહીં ! ભૌતિક સુખો જે યેનકેન પ્રકારેય ભોગવે છે. લાલચના માર્યા તે તો એને અધોગતિમાં નર્કે જઈને ભયંકર ફળ તો ભોગવવાં જ પડે છે! સાચું સુખ તો આત્મામાં છે પણ ત્યાં શંકા છે કે ભૌતિક સુખો છોડી દઈશ તો મારું સુખ જતું રહેશે તો ? પણ ભૌતિક સુખ વિનાશી છે, એ છૂટે તો અવિનાશી આત્મસુખ પ્રાપ્ત થાય. પણ લાલચ એને વાત સમજવા નથી દેતી. વિષય-વિકારમાં લાલચ જ એને ભમાવી દે છે. વિષયની ભીખ માંગે અને છેવટે દબડાવીને ય વિષય ભોગવે પછી શું થાય ? લાલચનો ગુનો ચોંટ્યો અને સામી વ્યક્તિ વેર બાંધે ને આવતે ભવ વેર વાળે તે નફામાં. આવાં લાલચુને તો જ્ઞાન પ્રાપ્ત થવું જ મુશ્કેલ છે. પ્રાપ્ત થાય તો પરિણામ પામવું બહુ મુશ્કેલ. જ્ઞાનીની આજ્ઞા એનાથી યથાર્થતાએ પાળવી મુશ્કેલ છે. એટલે લાલચુનો ઉકેલ આવવો મહામુશ્કેલ છે. દાદાજી લાલચનું સચોટ દ્રષ્ટાંત આપે છે કે જેમ કૂતરાને એક પૂરી દેખાડીએ તો એ ખાવાની લાલચમાં એના ફેમિલિને ભૂલી જાય, એનો લત્તો છોડી દે, પોતાનું સ્થાન ખોઈ નાખે અને ક્યાંય ભટકીને ઊભો રહે ! જાનવરમાં હોય તેવું માણસ જાતમાં ના હોવું જોઈએ, નહીં તો એ માણસને જાનવરમાં ફેર શો રહ્યો ? તેથી દાદાશ્રી કહે છે ને, ''લાલચ, જેનો હું સ્ટ્રોંગ વિરોધી છું. લોકોમાં લાલચ દેખું ત્યારે મને થાય કે આવી લાલચ બધી ? ઓપન પોઈઝન છે ! સહજ મળી આવે એ ખાવું પણ લાલચ ના હોવી જોઈએ.'' તેથી આપણાં સંતોએ લખ્યું છે ને, સહજ મીલા સો દૂધ બરાબર, માંગ લીયા સો પાની. ખીંચ લીયા સો રક્ત બરાબર, કહત ગોરખ બાની ! એથી વધારે બૂરી લાલચ તો ધર્મમાં પૂજાવાની કામના છે. એ તો માણસને ક્યાંય સંસારમાં પછાડી દે. પોતાનો આત્મા તો અનંત શક્તિનો ધણી પણ પોતાનું આત્મસ્વરૂપ છોડી લાલચમાં પડ્યે કેવી હીન દશા ભોગવે છે ! ત્યાં જ્ઞાની પુરુષ દાદા ભગવાન અત્યંત કરૂણાથી લાલબત્તી ધરે છે, ચેતવે છે, છૂટવાના ઉપાયો દેખાડે છે અને લાલચ છૂટ્યે પરમાત્મ દશા ભોગવે તે પરિણામો દેખાડે છે. તે સઘળું પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીની વાણીમાં જ સંકલિત થયું છે તે એકેએક લાલચમાંથી બહાર નીકળી નવા દ્રઢ નિશ્ચય કરાવશે એ જ અભ્યર્થના. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ સંસારમાં ભટકાવે લાલચ ! લાલચ વગરનો થયે ભગવાન ! હવે આ 'સેન્ટ્રલ' સ્ટેશન જ છે. અહીંથી ફરી આગળ જવાનું નહીં, ફરી મુસાફરી કરવાની નહીં. કશી ઉપાધિ નહીં. આધિ નહીં, વ્યાધિ નહીં, કશું નહીં, નહીં તો આ દરેક સ્ટેશને તો ભટકવાનું જ છે ને ! ને ભટક ભટક જ કરે છે. આમથી આમ ભટકે ને આમથી આમ ભટકે છે. કારણ કે એને આ લાલચો છે કે 'આ જોઈએ છે, તે જોઈએ છે.' ભગવાન તો કહે છે કે, 'તારી લાલચ પૂરી થાય તો મારી પાસે આવ, મારા આશ્રયે આવી જા, તો તું ને હું એક જ છીએ.' પણ એને પોતાને આ લાલચો છે ને લાલચો છે તેથી ભટકામણ ઊભી રહી છે. બાકી આ જગતમાં લાલચ ના રાખે એ મોક્ષ એની મેળે ખોળી જ કાઢે. જો લાલચ બંધાય નહીં, તો મોક્ષ ખોળી જ કાઢે. આ તો લાલચથી જ આ જગત બધું ભટક્યા કરે છે અને લાલચથી ભયંકર દુઃખો ભોગવે છે. એક ભાઈ અહીં આવેલા. એમને મેં કહ્યું, 'લાલચ છે કે ?' ત્યારે એ કહે છે, 'લાલચ બિલકુલ રાખી નથી.' મેં કહ્યું, 'બહુ સરસ એડજસ્ટમેન્ટ કહેવાય.' જેણે લાલચ જિંદગીમાંય કરેલી નથી, ત્યારે એ ભગવાન સુધી પહોંચી શકે. લાલચમાં, નિયમ પણ નહીં ! પ્રશ્નકર્તા : લાલચ એક પ્રકારની હોય કે અનેક પ્રકારની હોય ? દાદાશ્રી : એક પ્રકારની લાલચ હોય તેનો વાંધો નહીં. એને એક પ્રકારનો લોભી કહેવાય છે. પ્રશ્નકર્તા : પણ આ લાલચ આપ જે કહો છો, એ એક પ્રકારની હોય ? દાદાશ્રી : ના, બધી જાતની લાલચ. જ્યાંથી ને ત્યાંથી સુખ જોઈએ. પ્રશ્નકર્તા : ભ્રાંતિનું સુખ ? દાદાશ્રી : હા, તે જ તો, બીજું શું ? નિયમ ના હોય કોઈ. વિષય એકલાની લાલચ હોય તો વાંધો નથી. એ લોભ કહેવાય. બીજા બધામાં લાલચ નથી ને ? ના. જ્યારે લાલચુ માણસને બધી લાલચ હોય, તમામ પ્રકારની લાલચ હોય. જયાં-ત્યાંથી સુખની જ લાલચ ! પ્રશ્નકર્તા : લાલચમાં બીજું શું શું આવે ? દાદાશ્રી : લાલચમાં બધું ય આવે ને ! પ્રશ્નકર્તા : પણ એ કેવા પ્રકારની લાલચ હોય ? દાદાશ્રી : બધાં પ્રકારની લાલચ ! કોઈ બાકી જ ના હોય ને !! પ્રશ્નકર્તા : દાખલો આપીને સમજાવો ને. દાદાશ્રી : એ તો બધાં સમજે છે. માર ખાવાની લાલચ કોઈને હોય ? ગાળો ખાવાની લાલચ હોય ? કેવા પ્રકારની લાલચ તે ના સમજે બધા ય ? આ ભોગવી લઉં, પેલું ભોગવી લઉં, ફલાણું ભોગવી લઉં, એ જ લાલચ. પ્રશ્નકર્તા : પણ એ લાલચ કયા આધારે ઊભી રહે ? દાદાશ્રી : સુખ ચાખવાના આધારે ! જ્યાંથી ત્યાંથી સુખ ચાખી લેવું. ધ્યેય કે કશું નહીં. માન-અપમાનેય નહીં, કશુંય નહીં. નફ્ફટ થઈને સુખ ચાખવું. કોઈ કાયદો ય નહીં. પ્રશ્નકર્તા : તો એવી લાલચોનું કારણ શું ? કઈ રીતે આ લાલચો આવે છે ? દાદાશ્રી : જેમાં ને તેમાંથી સુખ પ્રાપ્ત કરવું, ને જેનું ને તેનું પડાવી લેવું. એટલે પછી 'લૉ', કાયદો કે કશું નહીં. અને તે લોકનિંદ્ય હોય તો ય કશી પડેલી ના હોય અને તે લોકનિંદ્ય જ હોય આ બધું. એટલે પછી લાલચ આવાં કામ કરાવે. માણસને માણસજાતમાં ના રાખે. પ્રશ્નકર્તા : એટલે લાલચમાં એને કેવા ભાવ ઊભા થાય ? દાદાશ્રી : જે કંઈ મળે તેની લાલચ થાય. લાલચ એટલે ભૌતિકમાં આખો દહાડો સુખ ખોળ ખોળ કર્યા કરે. પ્રશ્નકર્તા : ગમે તે ભોગે ભૌતિક સુખ લેવાનું ? દાદાશ્રી : હા, બસ. આપણું 'જ્ઞાન' લીધેલા મહાત્માઓ એવું સુખ ખોળે નહીં. એ તો 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરે. આવી પડેલું હોય તેનો નિકાલ કરે, પણ ખોળે નહીં. કોઈ ભવમાં લાલચ ગઈ નથી, તેથી જ આ બધું દુઃખને ! અને દુઃખે ય અનંત અવતાર મળે, સુખ કોઈ કાળે ના મળે. લાલચ એ દુઃખનું જ કારણ છે. સુખનો ધરાવો યે ના આવે કોઈ દહાડો ય. આ એક અવતારની લાલચ હોય નહીં માણસને, કેટલાય અવતારની લાલચ હોય. પણ હવે આ એક અવતારમાં એ લાલચ તોડી નાખે તો પાંસરું થઈ જાય. એટલે લાલચ ગુણ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી જોખમ તૂટે નહીં. આપણું 'જ્ઞાન' શું કહે છે ? જગતમાં ભોગવવા જેવું છે શું ? તું અમથો આની મહીં ફાંફા મારે છે. ભોગવવા જેવો તો આત્મા છે ! પ્રશ્નકર્તા : એ આત્મામાં સુખ જે રહેલું છે એવું બીજે ક્યાંય સુખ છે જ નહીં. દાદાશ્રી : બીજે સુખ હોતું હશે ?! બધું કલ્પિત છે એ સુખ તો. આપણે સુખ કલ્પીએ તો સુખ લાગે. એક જણ કહે છે, મને જલેબી બહુ ભાવે છે અને એક જણ કહે, મને જલેબી દેખું છું ને ચીતરી ચઢે છે. એટલે એ સુખ કલ્પેલાં બધાં. જગત આખું સોનાનો સ્વીકાર કરે અને 'જ્ઞાની પુરુષ' એનો સ્વીકાર ના કરે અગર તો જૈનના સાધુઓ ય સોનાનો સ્વીકાર ના કરે. જગતના લોકોએ વિષયમાં સુખ કલ્પ્યું. વિષય એટલે નર્યો ગંદવાડો, એમાં સુખ તે હોતું હશે ? વિષયની લાલચ, કેવી હીન દશા ! પ્રશ્નકર્તા : હવે આ વિષયમાં સુખ લીધું, એના પરિણામે પેલા ઝઘડા ને ક્લેશ બધું થાય ને ? દાદાશ્રી : બધું આ વિષયમાંથી જ ઊભું થયું છે અને સુખ કશુંય નહીં પાછું. સવારના પહોરમાં દિવેલ પીધા જેવું મોઢું હોય. જાણે દિવેલ પીધેલું ના હોય ?! પ્રશ્નકર્તા : એ તો કંપારી છૂટે કે આટલાં બધા દુઃખો આ લોકો સહન કરે છે આટલા સુખને માટે ! દાદાશ્રી : એ જ લાલચ છે ને, આ વિષય ભોગવવાની ! પછી એ તો નર્કગતિનું દુઃખ ત્યાં ભોગવે ને, ત્યારે ખબર પડે કે શું સ્વાદ ચાખવાનો છે આમાં !! ને વિષયની લાલચ એ તો જાનવર જ કહી દો ને ! વિષયમાં ઘૃણા ઉત્પન્ન થાય તો જ વિષય બંધ થાય, નહીં તો વિષય શી રીતે બંધ થાય ? તેથી કૃપાળુદેવે કહ્યું કે, થૂંકવાનું યે ના ગમે. પ્રશ્નકર્તા : આ બધી વસ્તુઓમાં દોષ ઊભો થાય, તે જાગૃતિ ન હોવાથી જ ઊભો થાય ને ? દાદાશ્રી : લાલચ હોય તો જાગૃતિ રહે નહીં. મૂળ લાલચ જ હોય છે. ને લાલચમાંથી લાચારીમાં ! લાલચુને તો કોઈ બઈ વિષય ના આપે ને, તો એને 'બા' કહે, એવા બેભાન માણસો છે ! એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે ત્યારે એક વખત અડવા દે ! ત્યારે એના કરતાં આ દરિયામાં સમાધિ લેતો હોય તે શું ખોટું ? શા સારુ આ ચાર વખત સાષ્ટાંગ ?! પ્રશ્નકર્તા : આમાં સ્ત્રી શાથી આવું કરે છે ? દાદાશ્રી : એ એક પ્રકારનો અહંકાર છે. પણ આમ અહંકાર કે 'જોયું ને, આ કેવો સીધો કરી નાખ્યો !' અને પેલો બિચારો લાલચથી કરેય એવું ! પણ સ્ત્રીને પછી ફળ ભોગવવું તો પડે ને ? પ્રશ્નકર્તા : એમાં સ્ત્રીપણાનો બચાવ કરે છે પોતે ? દાદાશ્રી : ના. સ્ત્રીપણાનો બચાવ નહીં, એ અહંકાર જ રોફ મારે છે. તે પેલાને માંકડાની પેઠ નચાવે. પછી એનાં 'રીએક્શન' તો આવે ને ? પેલો ય વેર રાખે પછી કે 'હું તારા લાગમાં આવ્યો, ત્યારે તે મારો વેષ કર્યો ને મારી આબરૂ લીધી. તું લાગમાં આવે એટલી વાર છે !' તે પછી લઈ લે આબરૂ, ઘડીવારમાં ધૂળધાણી કરી નાખે પછી. એનાથી જ અથડામણ ! પ્રશ્નકર્તા : વિષયની લાલચમાં પોતે સફળ ન થાય ત્યારે શંકા ને એ બધું પછી કરે છે ને ? દાદાશ્રી : સફળ ના થાય એટલે બધુંય કરે. શંકાઓ કરે, કુશંકાઓ કરે બધી. બધી જાતના વેષ કરે એ પછી. યા અલ્લાહ પરવરદિગાર થાય પછી ! એક લાલચ હઉ થાય પછી. પણ એ જ એને પાછું ફજેત કરે તે જુદું. એના કબજામાં ગયા એટલે ફજેત કર્યા વગર રહે નહીં ને ! 'વાઈફ' જોડે મન-વચન-કાયાથી કોઈ સંબંધ જ નથી અને ધણીપણું કરે, એ ના થવું જોઈએ. ધણીપણું તો ક્યારે કહેવાય ? મન-વચન-કાયાથી પાશવતાનો સંબંધ હોય ત્યાં સુધી ધણીપણું કહેવાય. પ્રશ્નકર્તા : પણ વિષય હોય તો જ ધણીપણું કરતો હોય ને ? દાદાશ્રી : ધણીપણું એટલે શું કે દબડાવીને ભોગવવું. પણ પછી આવતા ભવનો હિસાબ આવી જાય ને ?! પ્રશ્નકર્તા : એ શું થાય ? દાદાશ્રી : વેર બંધાય ! કોઈ આત્મા દબાયેલો રહેતો હશે ઘડીવાર ? બહુ અથડામણ થાય ને, પછી કહેશે, 'મોઢું તોબરો જેવું લઈને શું ફરો છો ?' તે તોબરો પછી વધારે ચઢે. પછી એ રીસ રાખે. પેલી કહે, 'મારા ઘાટમાં આવે ત્યારે હું એનું તેલ કાઢીશ.' તે રીસ રાખ્યા વગર રહે નહીં ને ! આ જીવમાત્ર રીસ રાખે, તમે છંછેડો એટલી વાર ! કોઈ કોઈનો દબાયેલો નથી. કોઈ કોઈને લેવાદેવા નથી. આ તો બધું ભ્રાંતિથી મારું દેખાય છે, મારું-તારું ! આ તો નાછૂટકે સમાજની આબરૂને લીધે આમ ધણીના દબાયેલા રહે. પણ પછી આવતે ભવ તેલ કાઢી નાખે. અરે, સાપણ થઈને કૈડે હઉ ! આ વિજ્ઞાન છે, સંપૂર્ણભાવે વિજ્ઞાન છે. દેવતાને કેમ અડતા નથી ? ત્યાં કેમ ચોક્કસ રહે છે ? કારણ કે એનું ફળ તરત જ મળે છે અને વિષયમાં તો પહેલી લાલચ થાય છે. એટલે લાલચથી ફસાય છે. આ દેવતા અડેલો સારો. તેનો ઉપાય છે. પછી ગમે તે ચોપડીએ તો ઠંડું પડી જાય. પણ પેલું તો અત્યારે લાલચમાં ફસાવી અને પાછો આવતો ભવ દેખાડે. આ તો આપણા જ્ઞાનને ય ધક્કો મારનારું છે, આવું મોટું વિજ્ઞાન છે, એને ય ધક્કો મારે એવું છે !! માટે ચેતવું ! એ જ પુરુષાર્થ ! બાકી લાલચ કંઈ એકલા વિષયની હોય છે ? બધી લાલચ ! ખાવાની-પીવાની બધી લાલચો જ છે ને ! કંઈ પણ ખાવાનો વાંધો નહીં, પણ લાલચ ના હોવી જોઈએ. પ્રશ્નકર્તા : લાલચ એટલે દેખતાં જ ગલગલિયાં થઈ જાય ? દાદાશ્રી : ગલગલિયાં તો ખરેખરાં થાય. પણ આ લાલચ છે એવું ઓળખાય તોય સારું ! કોઈને દેખે તો તરત એ લાલચુના મનમાં એમ થાય કે 'ચાલો, આજે જોડે જઈને ખાઈશું.' એ લાલચ ! તે ઘડીએ આપણે શું કરવું જોઈએ ? 'મેં તો હમણાં જ ખાધું હતું. હવે નહીં ફાવે.' સ્વમાન જેવું હોવું જોઈએ ને ? લોક તો આપણને ખવડાવે, પણ મનમાં રહે ને ! ઓછું કંઈ મનના ચોપડામાં ભૂંસાઈ જાય છે ? એટલે પેલો ભેગો થાય કે વિચાર તો આવે ને, કે આ ખવડાવે તો સારું ? પણ એ વિચારને ફેરવવા એ આપણું કામ ! ફેરવવો એ આપણો પુરુષાર્થ કહેવાય. એને નહીં ફેરવવાના જોખમદાર આપણે. જે વિચાર ફેરવ્યા, એ વિચારના આપણે જોખમદાર નહીં. અને વિચાર ના ફેરવ્યા તો એ વિચારના આપણે જોખમદાર થયા ! પ્રશ્નકર્તા : હવે ખાવાની ચોખ્ખી ના પાડી દીધી, તો એ પેલાના ભાવને તરછોડ મારી ના કહેવાય ? દાદાશ્રી : શાની તરછોડ કહેવાય ? એ તો કોઈ કહેશે કે 'હેંડો, બહાર દારૂ પીવા.' તો ? એમાં શાની તરછોડ ? આવા પોલાં બહાનાં શું કરવા ખોળો છો ? એ કહે તો આપણે જઈએ ને ના ખાવું હોય તો આપણે આમ લઈને આમથી આમ નાખી દઈએ. બધુંય આવડે. આમ ચાંપ દબાવીને ચલાવી લેવાનું. કંઈ ના આવડે એવું ઓછું છે ? એક જ વસ્તુ ખાતા હોય તો ય પણ વાંધો નહીં ને ! એને બીજી કોઈ લાલચ નહીં ને !! એટલી એક જ લાલચમાં રમ્યા કરે, બસ. એક ઉપર આવી જાય તો ય વાંધો નહીં ને ! આ લાલચુ તો જેની ને તેની લાલચમાં પડ્યા હોય ! એટલે પછી એણે જ્યાં જ્યાં ચોર પેસી જાય ને, ત્યાં ત્યાં વાડ ઘાલી દેવી પડે. લાલચ તો બહુ ઝેરી વસ્તુ છે. લાલચ તો એક 'લિમિટ' પૂરતી હોય, એકાદ. એનો વાંધો નહીં. લાલચુ વહોરે જોખમો જ ! પ્રશ્નકર્તા : કોઈ એક લાલચ કે જે 'એક્સ્ટ્રીમ' છે, એ જ એને ફસાવે છે ? દાદાશ્રી : હા, એવું બને ને ! કોર્ટમાં તારીખ હોય તો ય પણ લાલચ પ્રાપ્ત થાય એવી જગ્યા મળી ગઈ, તો એ કોર્ટેય છોડી દે. એટલે જોખમ બધું વ્હોરે. પ્રશ્નકર્તા : એ માણસને બહુ બેજવાબદાર માણસ કહી શકાય ? દાદાશ્રી : બેજવાબદાર ના કહેવાય, પણ બહુ વધારે જવાબદારીવાળો કહેવાય ! લાલચમાં જ શૂરો હોય એટલે બહુ જવાબદારી વ્હોરે. લાલચ તો ધ્યેય ચૂકાવે ! કૂતરાને એક પૂરી દેખાડીએને, એમાં તો એની બધી 'ફેમિલી'ને પણ ભૂલી જાય. છોકરાં, કુરકુરિયાં, બધાંયને ભૂલી જાય અને આખું પોતાનું સ્થાન છે, જે લત્તામાં રહેતો હોય તેય ભૂલી જાય અને કયાનો ક્યાંય જઈને ઊભો રહે છે ! લાલચની હારુ પૂંછડી પટપટાવતો હોય, એક પૂરીને માટે ! લાલચ, જેનો હું 'સ્ટ્રોંગ' વિરોધી છું. લોકોમાં હું લાલચ દેખું ત્યારે મને થાય, આવી લાલચ બધી ?! 'ઓપન પોઈઝન' છે ! મળી આવે એ ખાવું પણ લાલચ ના હોવી જોઈએ. એટલે આ લાલચુને જ આ ભાંજગડ છે. નહીં તો બધું મળી રહે, ઘેર બેઠાં મળે. આ અમે કશી ઇચ્છા પણ નથી કરતાં તોય બધી ચીજ મળે છે ને ! લાલચ તો નથી, પણ ઇચ્છાયે નથી કરતા ! પ્રશ્નકર્તા : લાલચ અને ઇચ્છા એ બેમાં શો ફેર ? દાદાશ્રી : ઇચ્છા રાખવાની છૂટ છે બધાને, બધીય જાતની. ઇચ્છાનો વાંધો નથી. પ્રશ્નકર્તા : એટલે લાલચમાં સારા-નરસાનો વિવેક નહીં રહેતો હોય ? દાદાશ્રી : લાલચ તો, જાનવર જ કહી દો ને એને ! મનુષ્યરૂપે જાનવર જ ફર્યા કરે છે. પ્રશ્નકર્તા : તો અમારી ધર્મક્રિયાઓ લાલચ ને પ્રતિષ્ઠા ને કીર્તિને લીધે હોય તો એનું ફળ શું ? દાદાશ્રી : એ લાલચ ના કહેવાય. કીર્તિને માટે, એ તો સ્વભાવિક રહે માણસને ! સંસારમાં છે એટલે નામ કાઢવાની ઇચ્છા હોય, બીજી ઇચ્છા હોય, એ કંઈ લાલચ ના કહેવાય. લાલચ તો આ કૂતરાં જેવું હોય. કશું ભાન નહીં. થોડી ઘણી લાલચ તો બધાને હોય, પણ એ લાલચ નભાવી લેવાની. એક માણસને, ખાવાની કોઈ સરસ ઊંચી વસ્તુ લાવ્યા, હવે પેલા માણસને એ વસ્તુ બહુ જ ભાવે છે, તો એ લાલચ સારુ બેસી રહે. બે-ત્રણ-ચાર કલાક બેસી રહે. થોડુંક એને આપીએ ત્યાર પછી જ એ જશે. પણ એ લાલચ સારુ બેસી રહે છે. અને જે અહંકારી છે એ તો કહે, 'મેલ પૈડ તારી, એના કરતાં આપણા ઘેર જવા દો ને !' એ લાલચુ ના હોય. એટલે લાલચોથી આ જગત બંધાયેલું છે. અલ્યા, કૂતરાં-ગધેડાંને લાલચ હોય. પણ આપણને લાલચ કેમ હોય ? લાલચ તે હોતી હશે ?! આ ઉંદર પાંજરામાં ક્યારે આવે છે ? પાંજરામાં ક્યારે ઝડપાઈ જાય છે ? પ્રશ્નકર્તા : લાલચ હોય ત્યારે. દાદાશ્રી : હા, ઢેબરાની સુગંધ આવી અને ઢેબરું ખાવા ગયો કે મહીં તરત ફસાય. પાંજરાની મહીં ઢેબરું દેખ્યું તે બહાર રહ્યો એ તલપાપડ થયા કરે કે 'ક્યારે પેસું ? ક્યારે પેસું ?' પછી મહીં પેસી જાય એટલે પેલું 'ઓટોમેટિક' વસાઈ જાય. મનુષ્યોને આ 'ઓટોમેટિક' આવડે બધું. એટલે એની મેળે જ વસાઈ જાય. એટલે સર્વ દુઃખનું મૂળ લાલચ છે. લાલુ સ્વભાવથી થઈ ફસામણ ! પછી, આપણે ત્યાં પહેલાં આવડી નાની માટલીઓમાં દહીં કરતાં હતા. બિલાડીને દહીં-દૂધ ખાવાની ટેવ હોયને, તે બિલાડી શું કરે ? એ મોઢું ઘાલે ચાખવા હારુ. કારણ કે એને સુગંધી આવી. સુગંધી આવી એટલે સમજી ગઈ કે દહીં છે અને હવે છોડે એ બીજો અને કોઈ છે નહીં આજુબાજુ. તે વાસણ હલાવીને દહીં ખાઇ જાય. પછી થોડું ચપટીક દહીં મહીં રહ્યું હોય તો તેની લાલચે બિલાડી મોઢું જોરથી અંદર ખોસી દે ત્યારે એનું મોં અંદર ફસાઇ જાય. કારણ કે જોશથી મોઢું ઘાલતી વખતે સ્ટ્રેન્થ થાય, પણ પાછું ખેંચવું એ સ્ટ્રેન્થ ના થાય. પછી તો અંદર અંધારું. તે બિલાડી આમથી દોડે ને તેમથી દોડે. હવે આવી ફસામણમાં ફસાયા પછી છૂટે શી રીતે ? તેમ આ આખું જગત આવું ફસાયું છે ! હવે પોતે પોતાથી છૂટાય શી રીતે ? બિલાડીને છૂટવું હોય તો કોઇ છોડાવી આપે તો જ છૂટે. તેમ આ જગતની ફસામણમાંથી એક 'જ્ઞાની પુરુષ' જ છોડાવી શકે, બીજો કોઇ છોડાવી ના શકે. પોતે પોતાનાથી તો ક્યારેય ના છૂટી શકે, ઊલટો વધારે ગૂંચાય. નાનપણમાં અમે આ બધું બિલાડીનું નિરીક્ષણ કરેલું. હું જાતે દહીંનું વાસણ મૂકી છાનોમાનો જોયા કરું. દહીં બગડે એની પડેલી જ નહીં. પણ જોવા ને જાણવા તો મળે ને ! આ તો આવી પ્રત્યક્ષ ફસામણ જાણ્યા છતાં પાછો ફસાય એવો મૂરખ કોણ ? આ બિલાડીને કેવું કે એક વખત મોઢું ફસાયું હોય છતાં પણ ફરી દૂધનું વાસણ જુએને પછી ભૂલી જાય ને છોડે નહીં ને પાછી ફસાય. પછી તે બહુ ય પસ્તાય પણ ફસાયા પછી શું થાય ? આ એક વાર ફસામણ થઇ ગઇ હોય તે પછી તેને યાદ રહેતું હશે કે આવું ફરી નહીં કરાય ? ના, એ તો શિક્ષા કરી હોય તો ય ભૂલી જાય. આ માણસો ભૂલી જાય છે તો પછી જાનવરનું શું ગજું? આ દેહ આપણો ના થાય ને 'આ મારો, આ મારો' એવું બધાં કહે છે. અલ્યા, આ દેહ જ તારો નથી ને, બીજાં તારાં શી રીતે થશે ? બિલાડી લાલચની મારી મોઢું જોશથી વાસણમાં નાખી દે છે. પછી નીકળે નહીં ! એ શા માટે મોઢું નાખે છે ? સ્વાર્થ ને લાલચ માટે જ ને? એ સ્વાર્થ અને લાલચ એ જ અજ્ઞાન છે ! એટલે પછી માટલી લઈને ફર્યા કરે. મેં જોયેલી એવી બિલાડીને ! ધન્ય છે !! લોક દહીં ખાય, પણ તેં તો શીખંડ ખાધો ! તમે આવું નહીં જોયેલું ? હું તો ટીખળી હતો. તે મને આવું જડી આવે. ના હોય તો કોઈક મને દેખાડવા આવે 'હેંડો મારે ત્યાં.....', ટીખળી હતો તો ! તમારે ટીખળી થવું પડે એના માટે. ના થવું પડે ? મારું કહેવાનું કે ટીખળી સ્વભાવ ને, તેથી આ જડેલું બધું. પ્રશ્નકર્તા : અમે બધા માટલીઓ લઈને જ ફરીએ છીએ ને ? દાદાશ્રી : અરે, ફરે જ છે ને, પણ ! હું જોઉં છું ને ? ઘણાંની તો મેં માટલીઓ ફોડી નાખેલી, ત્યારે શું કરે બિચારો ?! કયાં સુધી લઈને ફર્યા કરે ?! આંખે દેખાય નહીં. પ્રશ્નકર્તા : તમે એવા કેટલા માણસો માટલી ફોડી ? દાદાશ્રી : એ તો નંબર નહીં કહું પણ મેં માટલી ફોડી છે ખરી અને એ દેખતા થયાં ને, હવે. 'હવે ફરી નહીં ઘાલું' એવો એને અનુભવ થઈ ગયો. એ અનુભવ થયા પછી એ ના ઘાલે. ઘડામાં હાથ ઘાલતી વખતે વાંદરાં આમ કરીને હાથ જોશથી ઘાલે છે, લાલચનાં માયાર્ં. 'મહીંથી ચણા કાઢી લઉં' કહેશે. તે જોશથી હાથ દાબીને ઘાલે છે અને પછી ચણાનો મુઠ્ઠો વાળ્યો. હવે જોશથી હાથ ઘાલ્યો તે ફરી નીકળે તો ખરો જોશથી, પણ મુઠ્ઠો વાળેલો એનું શું થાય ? તે પછી મુઠ્ઠો વાળીને ખેંચે છે ને ! પછી હાથ ના નીકળે એટલે ચીસાચીસ, ચીસાચીસ, ચીસાચીસ ! હવે એ શાથી નથી છોડી દેતું ? એને જ્ઞાન છે કે 'મેં હાથ ઘાલ્યો છે તો હું કાઢી શકું એમ છું. તો કેમ આ નીકળતો નથી ? માટે કોઈએ મને પકડયો છે મહીંથી.' પણ એ છોડતું જ નથી, બળ્યું. મુઠ્ઠી જ છોડતું નથી અને બહાર ચીચીઆરી, બૂમાબૂમ. છૂટવા માટે પ્રયત્ન કરે, આખી માટલીને ઊઠાવ ઊઠાવ કરવા જાય પણ ઊઠાવાય જ નહીંને ! પેલી આજુબાજુ માટી દબાવી દીધેલીને ! જોર કરીને ઉઠાવે ખરો, પણ પાછું માટલી ને એ બે સાથે પકડાઈ જાય. પછી એ વાંદરાને લોક પકડી લે છે. વાંદરો પકડાઈ જાય છે. તે આપણા લોક પણ કારીગર છે ને ! કારણ કે એમાં રહીને આવ્યા છે આ. એમનાં પિતરાઈઓને ઓળખે છે આ લોકો. પણ જો પકડી લે છે ને ! વાત તો સમજવી પડશે ને ? જોખમી, લોભ કે લાલચ ? પ્રશ્નકર્તા : લાલચ કોણ કરાવે ? મન કરાવે ? દાદાશ્રી : મન કરાવે, પણ મૂળ તો અહંકારનો જ ગુણ ને ! ગયા અવતારની લાલચો મનની મારફતે નીકળે અને પાછું આ અહંકારથી ફરી લાલચો ઊભી થયા કરે. પ્રશ્નકર્તા : આ લાલચ કયા કષાયમાં જાય ? દાદાશ્રી : લાલચ એ રાગ કષાય છે. રાગ અને કપટ, એ બે ભેગું થાય એટલે લાલચ ઊભી થાય. પ્રશ્નકર્તા : એ મોહમાં પણ આવે ને, દાદા ? દાદાશ્રી : એ જે ગણો તે, પણ લાલચ શબ્દ જુદો છે. પ્રશ્નકર્તા : કપટ જેવી હોય, લાલચ ? દાદાશ્રી : કપટેય નહીં આ તો. આ તો લાલચુ જ બધું. કપટ તો તમને ય આવડે. આ તો લાલચુ ! લાલચમાં મુખ્યપણે તો લોભ હોય. પ્રશ્નકર્તા : એ લોભ ધીરે ધીરે લાલચુ બનાવી નાખે ? દાદાશ્રી : નહીં. એ લાલચ થયા પછી જ લોભ ઉત્પન્ન થાય. લોભિયાનો વાંધો નહીં. તો ય લોભિયો કોઈ દહાડો જીતે પણ લાલચુ ના જીતે. લોભિયા કરતાંય લાલચુ બહુ ભારે હોય. લોભિયો સારો કે ધૂતારાને ભૂખે ય ના મરવા દે. ધૂતારાને ભૂખ્યા કોણ રાખે ? બીજાં બધાં મરવા દે પણ આ લોભિયો ના મરવા દે. પ્રશ્નકર્તા : તો લોભિયામાં ને લાલચુમાં ફેર શો છે ? દાદાશ્રી : લાલચુ તો બધામાં લાલચુ ! લોભિયો તો, તેને લોભ એક જ બાબતમાં. પૈસા એકલામાં જ લોભ ! અને પૈસાના અંગે, જેમાંથી પૈસા પ્રાપ્ત થાય એ વસ્તુઓનો લોભ ! જ્યારે આ લાલચુને તો જે આવ્યું તે ! જરા ભાંગ આવે ને તો ય લાલચ, ગાંજો આવે તો ય લાલચ !! જેમાં ને તેમાં સુખ લે, ભોગવી લેવાની લાલચ !! લાલચુ માણસ વકરે એટલે ત્રાગાં કરે. 'હું મરી જઈશ, આમ કરીશ કે આપઘાત કરીશ' એમ બીવડાવી મારીને ભોગવી લેવા ફરે ને વકરે પાછો. પ્રશ્નકર્તા : ત્યાં એને કઈ લાલચ છે કે જેથી એ વકરે છે ? દાદાશ્રી : સુખ ભોગવી લેવાની. પેલાં ભોગવવા ના દેતાં હોય તે આવું વકરે કે 'આપઘાત કરીશ, હું તો આમ કરીશ.' પ્રશ્નકર્તા : લાલચ ખાસ કરીને વિષય માટે હોય ? દાદાશ્રી : વિષય માટે, ને બીજાં બધાં માટે ય હોય. પ્રશ્નકર્તા : એટલે બીજું, માન, પૂજાવાની કામના એવું બધું પણ ખરું ? દાદાશ્રી : હા, એય હોય. અને દારૂ બહુ ના પીવા દે, તો ય આવું કરે. પ્રશ્નકર્તા : લાલચ વસ્તુની હોય કે વસ્તુમાંથી આવતા સુખની હોય ? દાદાશ્રી : સુખનું જ છે ને ! વસ્તુનું નહીં. વસ્તુને તો શું કરવાનું ! વસ્તુમાંથી આવતા સુખની લાલચ છે. પ્રશ્નકર્તા : લોભિયાને પણ એવું જ હોય ને ? દાદાશ્રી : લોભિયો સારો, લોભ તો એને અમુક જ જાતનો હોય. બીજી કંઈ ભાંજગડ નહીં. એને તો સ્ત્રીની ભાંજગડ ઘણા ફેરો હોતી ય નથી, બીજાં સુખોની ય ભાંજગડ નથી હોતી. આ લોભની એકલી જ ભાંજગડ ! પ્રશ્નકર્તા : લોભિયા અને લાલચુમાં ભારે કોનું કહેવાય ? દાદાશ્રી : લાલચુનું ! લાલચુને તો છૂટવાનો વારો ય ના આવે. સીધા માણસોને આવી તેવી ડિફિકલ્ટીઓ નથી આવતી. જ્યારે લાલચુ માણસને અપમાન ભરેલી 'લાઈફ' રહેવાની. પ્રશ્નકર્તા : તો ય એને અપમાનનું દુઃખ ના લાગે ? દાદાશ્રી : એવું લાગે તો એ લાલચુ રહે નહીં ને ! વધુ લાલચુને નફ્ફટ કહે લોક ! પ્રશ્નકર્તા : એટલે જેને માનની પડેલી હોય, તો તેને લાલચની પડેલી ના હોય ? દાદાશ્રી : માનની પડેલી હોય તો તેને અવગુણો બહુ પેસે નહીં. અપમાનના ભયથી જ ના પેસે. પ્રશ્નકર્તા : પણ માનની લાલચ પેસી જાય તો ? દાદાશ્રી : હા, એય લાલચ હોય છે. એ જ લાલચ ! એને માનની ભીખ કહીએ છીએ અમે. પ્રશ્નકર્તા : પણ લોભિયો એ પણ લાલચુ હોઈ શકે કે નહીં ? દાદાશ્રી : નહીં. લોભિયામાં ને લાલચુમાં બહુ 'ડિફરન્સ' ! લોભિયો એટલે લોભિયો ને લાલચુ એટલે લાલચુ ! લોભિયો બેભાન ના હોય, લાલચુ બેભાન હોય. લાલચુ તો પોતાનું અહિત જ કર્યા કરે, નિરંતર અહિત કર્યા કરે. પ્રશ્નકર્તા : એને પોતાને એમ ખબર પડતી હોય કે આ હું અહિત કરું છું ? દાદાશ્રી : ના, એ ખબર જ ના હોય ને ! ભાન જ ના હોય ને !! એટલે કોઈ દહાડોય લોભિયો છૂટે. સહુથી પહેલો છૂટે કોણ ? માની. એટલે ક્રોધવાળો. ક્રોધ ને માનવાળો એ સહુથી વહેલો છૂટે. કારણ કે બેઉ ભોળાં હોય. રસ્તે જતાંય કોઈ કહે કે શું મોટાં છાતી કાઢીને ફરો છો ?! પણ પેલા લોભીને તો પોતાને ય ખબર ના હોય કે મારામાં લોભ છે. એટલો બધો ઊંડો વ્યવહાર હોય કે ધણીને ય ખબર ના હોય કે મને લોભ છે. એ તો અમારે દેખાડવો પડે ! પ્રશ્નકર્તા : લોભ એટલો ઊંડો હોય, એટલે એ જલ્દી ન છૂટે ? દાદાશ્રી : હા, તે ના છૂટે જલ્દી. બહુ તેલ કાઢી નાખે. તો ય પણ લોભિયો નિયમવાળો હોય. જ્યારે લાલચુને તો નિયમ જ ના હોય. લાલચુને કોઈ નિયમ નહીં. એ 'જ્ઞાની'ની આજ્ઞા જ ના પાળે ને ! પાળવી હોય તો ય પાળી શકાય જ નહીં. પ્રશ્નકર્તા : પણ 'જ્ઞાની' પ્રત્યે ભાવ બહુ હોય, તો એનું શું ? દાદાશ્રી : ભાવ હોય, તો ય ભલીવાર ના આવે ને ! એટલે લોભિયો છૂટે પણ લાલચુ ના છૂટે. આ 'જ્ઞાન' પછી થોડો લોભેય જીવતો રહે છે અને લાલચેય જીવંત રહે છે. પણ લાલચુને 'સેફસાઈડ' નહીં. એ 'સેફસાઈડ' લોભિયાને થઈ જાય, પણ લાલચુને 'સેફસાઈડ' થાય નહીં, મેં એવું ઘણી જગ્યાએ જોયેલું. મોટો લોભિયો હોય ને, તે 'જ્ઞાની'ની આજ્ઞા પાળી શકે નહીં. તે ય પણ વખતે 'જ્ઞાની'ની આજ્ઞા પાળે પણ લાલચુ, એ 'જ્ઞાની'ની આજ્ઞા ના પાળે. આ બધાં ડિફરન્સ બીટવીન લોભિયો અને લાલચુ ! લાલચુ છે એનો માર ખાય છે આ જગત. લાલચ શી હોવી જોઇએ માણસને ? લાલચ દીનતા કરાવરાવે ને દીનતા પેઠી કે મનુષ્યપણું ગયું. એવો નિશ્ચય છોડાવે લાલચો ! એટલે 'કોઈ વસ્તુ ના ખપે' એવું નક્કી કર્યું, ત્યારથી લાલચ શબ્દ જ ઊડી જાય. નહીં તો લાલચ જ જોખમ ને ! ક્રિયા એ જોખમ નથી, લાલચ જોખમ છે. 'કોઈ પણ વસ્તુ ના ખપે', પછી આપણે લઈએ એ વાત જુદી છે. બાકી, આપણને લાલચ હોય નહીં. લાલચ તો નર્કે લઈ જાય અને જ્ઞાન પચવા ના દે. પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' પછી પણ આ લાલચો બધી રહેવાની ખરી ? દાદાશ્રી : કો'કને રહે. પ્રશ્નકર્તા : એને આ લાલચોમાંથી છૂટવું હોય તો તે શી રીતે છૂટે ? દાદાશ્રી : એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને ! પોતાનાં હિતને માટે છે ને ! નિશ્ચય કર્યા પછી, છૂટ્યા પછી પેલી બાજુ સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે. પ્રશ્નકર્તા : પણ એ ભય નીકળે નહીં ત્યાં સુધી પેલો લાભ થાય નહીં ને ? પેલો ભય છે એને એટલે આ બાજુ નિશ્ચય ત્યાં સુધી થવા ના દે ને, એને ? દાદાશ્રી : એટલે ભયને લઈને એની લાલચ છૂટે નહીં, ને એને ભય છે કે 'આ સુખ મારું જતું રહેશે.' અરે, જતું રહેવા દેને, અહીંથી. તો જ પેલું આવશે. લાલચની ગ્રંથિ ! પ્રશ્નકર્તા : એ લાલચો જન્મજાત વસ્તુ છે કે સંગથી ઉત્પન્ન થયેલી છે ? દાદાશ્રી : જન્મ્યો ત્યારથી જ એ ગ્રંથિ બધી આવી પડેલી છે. પ્રશ્નકર્તા : તો આ લાલચ છે એ આ જન્મની છે કે આગલા જન્મની છે ? દાદાશ્રી : એ તો આગળના જ જન્મની છે ને ! પણ આ જન્મમાં ય હજુ તો ભમી જાય છે. એટલે તે ઘડીએ ભમી ના જાય ત્યારે લાલચ છૂટી પડે. પણ ભમી ના જાય એવું બને નહીં ને ! લાલચ તો બહુ ખરાબમાં ખરાબ ચીજ છે. હવે મરી જાય તો જ લાલચ જાય. પણ એ લાલચનું બીજ હોય, તેથી ફરી એને લીધે બીજે અવતાર પાછી લાલચ ઊભી થાય. બાકી, લાલચ જાય નહીં. લાલચ તો માણસને મારી નાખે, પણ જાય નહીં. લાલચ તો અજ્ઞાનતાની નિશાની છે. સ્વચ્છંદ, અટકણ ને લાલચ ! આ તો હજુ લાલચ રહી ગઈ છે ને ! એ લાલચ મારી નાખે પોતાને ! એટલે અમે ચેતવણી આપ આપ કરીએ કે ચેતો, ચેતો. બાકી, બહુ મજબૂત માણસ હોય, પણ આગળ આવી શકે નહીં ને ! પ્રશ્નકર્તા : પણ એ તો લાલચ નીકળી જાય તો પછી આગળ આવી શકે ને ? દાદાશ્રી : પણ લાલચ જ ના નીકળે, બળી ! એ લાલચને કાઢતાં તો બહુ ટાઈમ જાય એ તો. પ્રશ્નકર્તા : સ્વચ્છંદી અને લાલચુમાં શું ફેર ? દાદાશ્રી : સ્વચ્છંદીનોય વાંધો નહીં. સ્વચ્છંદી તો હોય, પણ લાલચુનો બહુ વાંધો. પ્રશ્નકર્તા : આપ અટકણ કહો છો એ અને લાલચ, એ બે એક જ પરિણામી વસ્તુ છે ? દાદાશ્રી : અટકણ જુદી વસ્તુ છે. અટકણ તો નીકળી શકે છે. અટકણો બધી હોય જ દરેક માણસને પણ તે નીકળી શકે. આપણાં અહીં અટકણવાળા બધાં બહુ છે ને ! છતાં નિરંતર એ મારી આજ્ઞામાં જ રહે એવાં ય છે. અટકણનો વાંધો નહીં. અટકણ તો ભાંગે કોઈક દહાડો. પણ આ લાલચુ તો આજ્ઞામાં જ ના રહી શકે ને ! કારણ કે લાલચની જગ્યા આવે ને, ત્યાં એ પોતે જ ભમી જાય. જાગૃતિ ત્યાં આગળ રહે નહીં. આની લાલચ શી તે ? પ્રશ્નકર્તા : એવું ખરું કે લાલચુને નોકરી-ધંધો કરવાનું મન ના થાય, લાલચને લીધે ? દાદાશ્રી : એ મળે ય નહીં ને મન પણ ના થાય. હવે લોક તો નવી નવી લાલચ દેખાડે ત્યારે મનમાં થાય કે આ કેળું લઈ જઉં કે લૂમ લઈ જઉં ?! જ્યારે કંઈક ખરી મહેનત કરીને કમાવી લાવ્યો હોય, પણ એ કમાણી જવાની થાય ત્યારે આવું લાલચવાળું આપણને ભેગું થાય. લોક તો લાલચો દેખાડે, પણ પોતાને લાલચ ઊભી થઈ કે મુશ્કેલીમાં મૂકાઈ જાય. બાકી, આપણે તો એવો ધંધો કરીએ કે જે આપણને 'હેલ્પ' આપે. આપણી પ્રકૃતિમાં જે ધંધા છે એટલા જ ધંધા કરીએ તો જ આપણને ફળે. પણ પ્રકૃતિમાં ખાલી આભાસ માત્ર દેખાતા હોય એવા ધંધાઓ કરવા જઈએ ને, તેમાં જ માર્યા જાય ! પ્રકૃતિમાં પણ આભાસ જેવા ધંધા હોય. કોઈકે કહ્યું કે તરત મહીં લાલચના માર્યા ચોંટી પડવાનું મન થાય. એ બધું આભાસ જેવું કહેવાય. અમને એવું બનેલું. અમે આ બધા આભાસી ધંધા જોયેલા. આ સંસારની આશા રાખીએ, લાલચ રાખીએ કે ના રાખીએ તો ય તેનું તે જ ફળ આવવાનું છે. તો પછી આની લાલચ શી તે ? નાશવંત ચીજો છે. તમે ઠોકર મારશો તો ય એ પાછું આવશે. અને નહીં તો તમે 'આવ, આવ' કરશો તો ય નહીં આવે. કારણ કે એ બધું 'મિકેનિકલ' છે ! લાલચુની નજર જ ભોગમાં ! પણ લાલચુ એટલે સબ બંદર કે માલિક. એ તો પછી બધાય બંદર પર એની 'સ્ટીમર' ઊભી રહે. અને જે પોતાનો માલ હોય, એનો વેપારી પોતાનો ભેગો થાય એવો કાયદો છે ! પ્રશ્નકર્તા : પણ એ તો નજર જ ત્યાં હોય ને ? દાદાશ્રી : ના. નજર ઉપરથી નહીં. કાયદો જ એવો છે. કારણ કે આપણે મોઢેથી દવા પીએ ને, તે ક્યાં જશે ? જ્યાં આગળ દુઃખે છે ત્યાં જ જાય. આ મોઢેથી, જ્યાં દુઃખે છે ત્યાં આગળ દવા શી રીતે ગઈ ? એ કાયદા છે, આકર્ષણ છે ત્યાં. એટલે આપણે શું કહીએ છીએ ? દર્દ દવાને આકર્ષણ કરે છે, નહીં કે દવા દર્દને સપડાવે છે. એટલે દર્દ જ દવાને આકર્ષણ કરે છે. બજારમાં કોઈ જગ્યાએ શીશી ના મળતી હોય, તે શીશી અહીં આવીને ઊભી રહે. અને પછી કહે, 'આ દવા કોઈ જગ્યાએ મળતી નહોતી. આ એક જ મળી. હતી એક જ એની પાસે.' મેં કહ્યું, 'હા, હું સમજી ગયો. તારા કહેવા સિવાય હું સમજી ગયો !' આવો દુરુપયોગ થતો નથીને ! પ્રશ્નકર્તા : એની લાલચનો એને માર પડે ને ? દાદાશ્રી : બહુ માર પડે. પ્રશ્નકર્તા : તો એ પાછો ના ફરે ? દાદાશ્રી : માર પડે ત્યારે બીજી લાલચ સાંભરે કે આ પેલું કરી આવીશ હમણે. એટલે રૂઝાઈ જાય. પ્રશ્નકર્તા : એટલે રૂઝાવાની ઘણી દિશા હોય એની પાસે ! દાદાશ્રી : હા, છતાં જો કદી એ શુધ્ધાત્મામાં રહે, આજ્ઞા પાળે ને એક બાજુ વસ્તુઓ બધી છોડી દે તો રાગે પડી જાય. પણ આ તો એને પોતાને ય ખબર ના પડે કે મને લાલચ છે. ભાન જ ના હોય ને એવું. એવું ભાન હોય તો તો પોતે છૂટો ના થઈ જાય ? આ તો અમે દેખાડીએ, ત્યારે એને કંઈ દેખાય. એ તો એમ જ જાણે કે આ હું 'સમભાવે નિકાલ' કરું છું. લોકનિંદ્ય કામો આચરવા અને સમભાવે નિકાલ કરવો, એ બેનું સામસામી બનતું હશે ? પોતાની સ્ત્રી સાથે વાંધો નથી. પણ લોકનિંદ્ય કામો આચરવાં અને આજ્ઞા પાળું છું એમ માને, આને આજ્ઞાનો દુરુપયોગ કર્યો કહેવાય. બળ્યો, 'લાસ્ટ' દુરુપયોગ - સો ફેરા દુરુપયોગ બોલીએ એવો દુરુપયોગ કર્યો કહેવાય. દુરુપયોગ તો આ સાધારણ માણસો ય કરે છે અને એ લાલચુ તો આપઘાતી, પોતાનો ઘાત જ કરી રહ્યો છે. જો પુણ્યશાળી હોય તો ચેતી જાય, નહીં તો ના ચેતે. ચેતે ય શી રીતે ? કારણ કે એમાં 'ઇન્ટરેસ્ટ' પડતો હોય એને પાછો, એટલે ત્યાં પાછો ભમી જાય. એટલે બીજ ગયું નથી. બીજ તો હમણે પાણી પડ્યું કે ફૂટ્યું ! સંજોગો બાઝ્યા નથી એટલે. સંજોગ બાઝે કે તરત ફૂટે. આપણે જાણીએ કે અહીં પુરાવા કશું રહ્યું નથી, એકલી વાડ જ દેખાય, ગાંઠો-બાંઠો, છોડવા કશું છે જ નહીં, પણ ગાંઠો હોય અંદર. તે પાણી પડ્યું કે ફૂટ્યું ! એટલે કોઈ અભિપ્રાય ના અપાય કે એને કશું ઓછું થયું છે. એવું થાય જ નહીં ઓછું. શી રીતે ઓછું થાય તે ? એટલે બધાનો છેડો આવશે, પણ લાલચુનો છેડો નહીં આવે. આજ્ઞાપાલન જ અંતિમ ઉપાય ! પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' લીધાં પછી આ લાલચ ભાગ એનો ગયો ના હોય ? દાદાશ્રી : એ લાલચ જીવતી રહે. પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે એને 'જ્ઞાન' પરિણામ નથી પામ્યું ? દાદાશ્રી : અમુક ભાગ પરિણામ પામ્યું, પણ બીજી લાલચ જીવતી રહી. પ્રશ્નકર્તા : તો પછી આ જ્ઞાને જેવું જોઈએ એવું ફળ આપ્યું નથી, ત્યારે જ આમ થાય ને ? દાદાશ્રી : નહીં. લાલચુ છે એટલે 'જ્ઞાન' જ ફળ ના આપે. મૂળમાંથી જ, ગ્રંથિ જ લાલચુ ! એ લાલચ 'જ્ઞાન'ની અસર ના કરવા દે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું ને, લાલચુ ઊતરતાં ઊતરતાં નર્કગતિમાં જાય. લાલચુ તો કોઈ ચીજ બાકી ના રાખે. પ્રશ્નકર્તા : એવું થાય કે 'જ્ઞાન' લીધા પછી, લાલચોનો પણ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકે ? દાદાશ્રી : ના. પણ ત્યાર હોરુ કંઈક લાલચ આવે ને, તો પાછો ત્યાં જાય. જ્યાં એમનો 'સ્લીપિંગ પાથ' છે ને, જ્યાં લપસવાની જગ્યા છે ને, ત્યાં આગળ એ લોકોને જાગૃતિ રહેતી નથી. નહીં તો અમુક જગ્યાએ તો બહુ સરસ જાગૃતિ રાખે. પ્રશ્નકર્તા : પણ દાદા, શુધ્ધાત્મા પદ મળ્યું છે. ત્યારે એ તો 'જોયા' જ કરે ને ? દાદાશ્રી : પણ તે લપસવાની જગ્યાએ ના 'જુએ'. બીજા બધામાં 'જુએ' અને લપસ્યો એ તો મહીં એને લાલચ છે, તેથી જ ને ! પ્રશ્નકર્તા : તે ઘડીએ આજ્ઞામાં ના રહ્યો તો લપસવાનું થાય ? દાદાશ્રી : લાલચ છે એટલે ત્યાં આગળ આજ્ઞામાં રહી શકે જ નહીં ને ! લાલચ હોય ત્યાં આત્મા એકાકાર થઈ જાય. એટલે એને તો બહુ પુરુષાર્થ કરવાની જરૂર છે. પ્રશ્નકર્તા : ફરી 'જ્ઞાન'માં બેસે તો લાલચ નીકળે ? દાદાશ્રી : ના નીકળે. 'જ્ઞાન'માં બેસવાથી કંઈ ઓછું નીકળે છે ? આ તો પોતે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરે, તે નિરંતર આજ્ઞામાં રહેવું જ છે એવું નક્કી કરે ને આજ્ઞાભંગ થાય તો પ્રતિક્રમણ કરે, ત્યારે દહાડો વળે. 'જ્ઞાની' પાસે ફરે તો ફરી જાય વખતે ! એ તો મન-વચન-કાયાથી બહુ મજબૂત થઈને, શુધ્ધ ચિત્તે વાત કરે ને, તો કશું થાય, તો ફરી જાય. નહીં તો ના ફરે. પણ લાલચ તો શુધ્ધ ચિત્ત જ ના થવા દે. નિર્ણય રહે નહીં ને ! લાલચ પોતાના નિર્ણયને તોડી નાખે. પ્રશ્નકર્તા : પણ એને કોઈ વખત એવું મનમાં આવે કે મારે આમાંથી નીકળવું છે ? દાદાશ્રી : એ હોય, હોય ! પણ લાલચ એવી વસ્તુ છે ને, એ પહેલું લાલચ જાય તો જ પછી નીકળાય. પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં રહે તો એનો અંત આવશે ને ? દાદાશ્રી : લાલચનો અંત લાવે તો આવે. લાલચને ઉખાડશે તો આવશે. એટલે એના સામે પ્રયોગ કરે કે આજ્ઞા પૂરી પાળવી છે ને ના પળાઈ તો પ્રતિક્રમણ કરવાં છે, એવું. પછી ઘરવાળાં બધાં માણસો જોડે 'રેગ્યુલર' થઈ જવું જોઈએ. 'સમભાવે નિકાલ' આજ્ઞા પાળે એટલે પછી 'રેગ્યુલર' થાય ને ? પછી 'રિયલ-રિલેટિવ' જોવું જોઈએ. પણ તો ય આપણે પૂછી જોઈએ કે આજ્ઞાપૂર્વક એકુંય દહાડો જોયું છે કે ? એ આજ્ઞાપૂર્વક જોઈ રહ્યો હોય તો આવું પરિણામ ના આવે ને ? જોયાનું પરિણામ તરત આવે. આ તો બધું બુદ્ધિનું, કશી 'હેલ્પ' ના કરે. એ વાતો ય બધી બુદ્ધિની કરવાનાં. પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિથી જ આખી આજ્ઞાને 'એડજસ્ટ' કરે ? દાદાશ્રી : હા, જ્ઞાનથી નહીં, બુદ્ધિથી 'એડજસ્ટ' કરે. પ્રશ્નકર્તા : તો પછી એનું પરિણામ કેવું આવે ? દાદાશ્રી : કશુંય નહીં. બુદ્ધિથી તો નાશ થઈ જાય બધું ! બુદ્ધિ વિનાશી અને એનાથી આ જે જે થયું એ બધું વિનાશી હોય. પ્રશ્નકર્તા : ના, પણ તો જ્ઞાનથી કેવી રીતે હોય એ ? જ્ઞાનથી આજ્ઞા પાળવી અને બુદ્ધિથી આજ્ઞા પાળવી એમાં ફેર શો ? દાદાશ્રી : જ્ઞાનથી આજ્ઞા પાળે એટલે બધે પરિણામ પામેલું હોય અને બુદ્ધિથી આજ્ઞા પાળે એટલે પરિણામ પામે નહીં કશું. પ્રશ્નકર્તા : પરિણામ પામે ત્યાં શું હોય ? દાદાશ્રી : સમભાવે નિકાલ થાય એટલે બધે રાગે પડી જાય. પ્રશ્નકર્તા : એટલે પરિણામ આવે બહાર ? દાદાશ્રી : ચોક્કસ આવે, પાસ જ થાય. આ તો આપણે જોઈએ ને, તો કશું કોઈ દહાડો ય રાગે નથી પડ્યું. એક દહાડોય નહીં, એક કલાકેય નહીં ને ! પ્રશ્નકર્તા : એટલે આ બધું ઊંધું હતું કે 'હું આજ્ઞા પાળું છું, હું બધું પામી ગયો છું ?!' દાદાશ્રી : ઊંધું જ ને, ત્યારે બીજું શું ?! બુદ્ધિનો જ ખેલ બધો. બધાંને જે કંઈ કહે, બધાંની જોડે વાતો કરે તે ય બુદ્ધિની જ વાતો ! એ સ્પર્શે નહીં ને સામો શું ય જાણે કે ઓહો, શું થઈ ગયા ! એટલે મારે સામાને કહેવું પડે કે ભઈ, કશુંય નથી ત્યાં આગળ ! નહીંતર પરિણામ તો બધાં માલમ પડે, સુગંધી આવવા માંડે. પ્રશ્નકર્તા : એટલે બહાર પરિણામ ના આવતું હોય તો ત્યાં સુધી બુદ્ધિથી જ પાળી રહ્યો છે એમ ગણાય ? બીજા 'મહાત્મા'ઓને માટે પૂછું છું. દાદાશ્રી : ના, બીજાને નહીં. બીજાને તો કશું અડે નહીં, બિચારાને ! એ તો લાલચવાળાને માટે, લાલચુ હોય તેને ત્યાં મૂળ જ્ઞાન પામેલું ના હોય ! લાલચુને આપણું 'જ્ઞાન' આખુંય હાજર રહે છે, પણ બુદ્ધિનું જ જ્ઞાન રહે છે. એટલે ખરે ટાઈમે ઊડી જાય. બુદ્ધિનું જ્ઞાન એટલે ખરે ટાઈમે ઊભું ના રહે, ખરે ટાઈમે એ ખસી જાય. આમ દેખાય આ ના જેવું જ બધું, એમાં ફેરફાર ના દેખાય. પણ ખરે ટાઈમે ખસી જાય ને બીજાને ખરે ટાઈમે ખસે નહીં. પ્રશ્નકર્તા : બુદ્ધિનું જ્ઞાન એટલે આ જ્ઞાનને બુદ્ધિથી સમજેલો હશે ? દાદાશ્રી : એને બુદ્ધિજ્ઞાન પ્રગટ થયું હોય. કારણ કે આ લાલચની જે ખરાબી રહી ને, એટલે જ્ઞાન ઊભું ના થાય ને ! મહામુશ્કેલી બિચારાંને ! ઘણોય પસ્તાય પણ શું થાય ? કોઈ મિનિટ સુખ પડે નહીં. પ્રશ્નકર્તા : હવે જે બધી ભૂલો કરી હોય, એ બધી ભૂલોનું પ્રતિક્રમણ 'જ્ઞાની'ની પાસે કરી લે અને પાછો નિશ્ચય કરીને 'જ્ઞાની'એ બતાવ્યું એ પ્રમાણે ચાલે તો ? દાદાશ્રી : પણ હજુ ભૂલ દેખાતી નથી, તો શી રીતે પ્રતિક્રમણ કરે તે ? એ તો જેમ જેમ અમારા કહ્યા પ્રમાણે આગળ વધતા જશે, તેમ તેમ ભૂલો દેખાતી જશે. આ તો હજુ ભૂલો થઈ છે તે ય દેખાતી નથી. એટલે આ આજ્ઞા પાળવાની શરૂઆત કરે, પછી ઘરમાં, બીજાં બધાં આજુબાજુ બધાંને સંભાળે, એમ કરતાં કરતાં બધી ભૂલો દેખાતી જશે. અને એ ભૂલો દેખાશે, અમુક હદ સુધી આવશે, તો અમે ય રસ્તો કરી આપીશું પછી આગળ ! આ તો બધી શક્તિ પાછી લાલચને મળે છે. એટલે એમાં ને એમાં શક્તિ પેસી જાય. આ અમારી મૂકેલી શક્તિ પેલી લાલચમાં વપરાઈ જાય. એ તો અમારે જવાબદારી આવે. થોડો-ઘણો ઉકેલ આવ્યા પછી અમને એમ લાગે, ખાતરી થાય, તો અમે પાછળ શક્તિ મૂકીએ. નહીં તો એ શક્તિ પછી આમાં વપરાઈ જાય. તો એ શક્તિના આધારે પાછું આમાં મલિદા મળે. એટલે એ તો અમુક હદ સુધીનો સંયમ આવે, એવું આપણને આમ લાગે તો શક્તિ આપેલી કામની. નહીં તો આ શક્તિ આપી આપીને જ આવું થયું છે ને ! એવું હું સમજી ગયો છું. પ્રશ્નકર્તા : પણ જે રીતે લાભ હોય, એ રીતે આપ કંઈ કહો ને ! દાદાશ્રી : હા, એ તો એ રીતે કહીએ. પણ આ કહ્યું એટલું જો કદી કરે ને, આ ઘરનાં બધાં માણસો જોડે એમ તેમ થોડો ફેરફાર થવા માંડ્યો તો એની સાથે લક્ષ્મી ય પછી એને ખૂટશે નહીં. એટલે પહેલાં તો ભૂલની પ્રતીતિ બેસવી જોઈએ. પછી એને ખાતરી થાય ત્યાર પછી ભૂલ ભાંગવા માંડે અને પછી પુરુષાર્થ માંડવો પડે એક બાજુ. આ ભૂલ એવી નથી કે પુરુષાર્થ વગર ચાલી જાય. જબરજસ્ત પુરુષાર્થ માંડવો પડે. પછી વીસ શક્તિ ઉત્પન્ન થઈ, એટલે વીસ પાછી ફરી શક્તિ વાપરી એટલે ચાળીસની શક્તિ ઉત્પન્ન થાય, ફાયદો થાય. એમ કરતાં કરતાં શક્તિ જબરજસ્ત વધી જાય. પ્રશ્નકર્તા : એ લાલચુ પોતે ભાવના કરે કે આજ્ઞા પાળવી જ છે તો એનું પરિણામ આવે કે નહીં ? દાદાશ્રી : એણે આજ્ઞા તો પાળવી જ જોઈએ ને ! અને સમભાવે નિકાલ કરવો જ જોઈએ. પછી ઘરવાળા બધાં કહે, 'ના, દાદાજી અમારા તરફની કોઈ ફરિયાદ નથી.' મહિનામાં પરિણામ આવ્યા વગર રહે કે ? સાચું હંમેશાં પરિણામ લાવે અને જૂઠું ય પરિણામવાળું હોય. અમે તો એટલે કહીએ કે આ ઘરનાનો પહેલો નિકાલ લાવો, રસ્તો લાવો. પરિણામ લાવે તો જ એને લાભ છે ને ! થોડું પરિણામ આવેને, એટલે દસ પરિણામી જાય ત્યારે વીસની શક્તિ ઉત્પન્ન થાય. ફરી પાછું વીસ પરિણામી જશે તો ચાળીસની શક્તિ વધે. પછી પોતાને માલમ પડે ને, કે આ શક્તિ વધી છે મારી ?! નહીં તો આ લાલચથી તો 'ડીઝોલ્વ' થયેલી શક્તિ છે. આ લાલચને લઈને તો અત્યાર સુધી આજ્ઞામાં એક મિનિટેય રહેતો નથી. આજ્ઞામાં રહેતો હોય તો ઘરનાં માણસને દુઃખ થાય ? કેવો સમભાવે નિકાલ કરીને બધાંનો પ્રેમ જીતી લે ! આ તો આજ્ઞામાં રહેતો જ નથી આજ્ઞા શું છે તે જાણતો જ નથી. ખાલી બુદ્ધિથી જાણે કે આ શબ્દોથી જાણે, પણ ભાવાર્થ ના જાણે. નહીં તો આજ્ઞામાં રહેનારને થોડો-ઘણો મતભેદ હોય, બાકી ભાંજગડ ના હોય. ઘરનાં માણસ એનાથી કંટાળે નહીં. પ્રશ્નકર્તા : એટલે લાલચ કાઢવાના ઉપાયમાં તો શુધ્ધાત્મામાં રહે, પ્રતિક્રમણ કરે, વસ્તુથી દૂર રહે? દાદાશ્રી : હા, અને પછી ઘરના દરેક માણસની સાથે 'એડજસ્ટ' થઈ શકે. સમભાવે નિકાલ કરવાની એ આજ્ઞા મુખ્ય છે ને ! અને ઘરનાં બધાનામાં શુધ્ધાત્મા જોવા જોઈએ ને ?! પણ આ તો કશુંય યાદ નહીં, ભાન જ નહીં ને, એ જાતનું ! લાલચથી છૂટવાનો રસ્તો આ છે કે 'દાદા'ની આજ્ઞામાં રહેવું એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દે અને જેટલું આજ્ઞામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તો ય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાને ય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો એનાં પક્ષમાં જ હોય ઘરનાં માણસો. પછી 'વાઈફ' પર ધણીપણું ના કરવું જોઈએ. ધણી છે નહીં ને ધણીપણું કરો છો ! નામના, કહેવાતા ધણી છે. તેમાં પાછું ધણીપણું કરો છો ! સાચા ધણી હોય તો વાંધો નહીં. હવે નથી ધણી, ત્યાં આગળ આપણે ધણીપણું કરીએ તો ઊલટી મુશ્કેલી ઊભી થાય ને ?! એટલે પોતે ધણીપણું ના બજાવવું જોઈએ. હવે એ બઈ આપણી ઉપર ધણીપણું બજાવે તો આપણે હસવું કે 'ઓહોહો ! તમે ય છે તે, ઉધાર કરેલું જમે કરાવ્યું ખરું' એમ કહીએ. એ તો સારું જ ને, આ જમે કરાવે તે ?! 'દાદા'ની નિરંતર આજ્ઞામાં રહેવાય તો વાંધો નથી. આજ્ઞામાં રહેવાય નહીં તો ફરી પ્રતિક્રમણ કરવું. લાલચ ખાતર તો દુઃખ આપે ! આ તો આખો દહાડો લાલચમાં ને લાલચમાં જ ભમ્યા કરે. લાલચને લીધે બળતરા થાય. તે અહીં સત્સંગમાં આવે એટલો વખત શાંતિ રહે અને એટલા માટે તો અહીંયા આવે. બાકી, આખો દહાડો લાલચમાં જ ભમ્યા કરે. એની પાસે 'જ્ઞાની'ની કૃપા ય કશું ના કરે. કૃપા ય હારી જાય ત્યાં તો. લાલચુ એટલે દગાખોર. આજ્ઞા જ ના પાળે ને ! કૃપા શી રીતે ઊતરે તે ? અને દુનિયામાં કોઈને ય સુખ ના આપે, બધાંને દુઃખ આપે. એની લાલચ ખાતર એ ગમે તેને દુઃખ આપે. ને પેલાં ઘરનાં બધાં તો કે બીજા કોઈ જેનાં ભાગ્યમાં હોય, તે એક અવતાર કતલ થાય. બીજે અવતારે કંઈ ઓછું કતલ થવાનું છે ? ત્યારે લાલચ જાય ! પ્રશ્નકર્તા : આ લાલચુને છૂટવા માટે બીજો કોઈ ઉપાય તો ખરો ને ? દાદાશ્રી : એ તો એ પોતે લાલચ છોડે તો જ જાય. બધી બાબતમાં ઉપરથી છેદ ઊડાડી દે તો જ થાય. નહીં તો આપઘાત સ્વભાવ છે એનો ! લાલચ એટલે પોતે પોતાનો આપઘાત કરવો તે. એનો કોઈ ઉપાય નથી લખેલો. પ્રશ્નકર્તા : એ બધો છેદ ઊડાડવો હોય તો તે કઈ રીતે ઊડે ? દાદાશ્રી : નહીં, એ ઊડે જ નહીં. એ તો પોતે પોતાનું બધું બંધ કરી દે, લલચાવનારી ચીજો બધી જ બંધ કરી દે, બાર મહિના સુધી અપરિચય થઈ જાય, તો પછી ભૂલી જવાય, વિસારે પડી જાય. અપરિચયની જરૂર. લાલચુ માણસ તો રાત્રે બે વાગે ય કો'ક કંઈક દેખાડે તો તૈયાર ! એને ઊંઘવાની ય પડેલી ના હોય. જેટલી ચીજ લલચાવનારી હોય એ બધી જ બાજુએ મૂકી દે, એને યાદ ના કરે. યાદ આવે તો પ્રતિક્રમણ કરે, તો એ છૂટે. બાકી, શાસ્ત્રકારોએ એનો કંઈ ઉપાય બતાવ્યો નથી. બધાનો ઉપાય હોય, લાલચનો ઉપાય નહીં. લોભનો ઉપાય છે. લોભિયા માણસને તો મોટી ખોટ આવે ને, ત્યારે લોભ ગુણ જતો રહે હડહડાટ ! અહંકારે કરીને ય કઢાય ! પ્રશ્નકર્તા : એક રીતે તો આ લાલચ એ પણ કર્મનો ઉદય જ છે ને ? દાદાશ્રી : હા, કર્મનો ઉદય છે. પણ આ કર્મનો ઉદય ખોટો છે ને ? પ્રશ્નકર્તા : તો પછી લાલચો ઉત્પન્ન થવાનું કારણ શું ? દાદાશ્રી : એવા સંજોગો મળી આવે ત્યારે લાલચો ઊભી થાય. પ્રશ્નકર્તા : જે વસ્તુ પ્રત્યે લાલચ હોય એ વસ્તુનો તિરસ્કાર થશે ત્યારે લાલચ છૂટી જશે ? દાદાશ્રી : તિરસ્કાર કે ગમે તે, પણ તે તો વસ્તુનો તિરસ્કાર થાય ત્યારે બીજી વસ્તુની લાલચ ઊગે. અને ચીજો તો બધી બહુ ને ! આ તો જેમ કરિયાણાને ત્યાં બધી જ જાતની ચીજો હોય ને ? એવું આમને, લાલચુને ત્યાં બધી જ ચીજો હોય, બધી જ ડબીઓ હોય. એ તો સામટું ફેંકી દે ત્યારે રાગે પડે. નહીં તો એકનો તિરસ્કાર કરે તો બીજું વધારે પેસે. એ તો અહીં સત્સંગમાં બેઠાં બેઠાં કોઈ દહાડો નીકળશે. પણ તે ય એકદમ તો નીકળે નહીં. એ સહેલી વાત નથી. લાલચ શી રીતે જાય, તેનો રસ્તો નથી. પણ અહંકાર ઊભો કરે ને લાલચને કાઢે, તો લાલચ જાય. એટલે લાલચને અહંકારે કરીને કાઢી નાખવાની. એ તો જબરજસ્ત અહંકાર ઊભો કરે તો વાંધો નથી. 'દાદા' પાસે શક્તિઓ માગીને અહંકાર ઊભો કરે અને અહંકારથી એ કાઢી નાખે ત્યારે ! એ ય એમ ને એમ તો નીકળે નહીં ને ! સહજ થયેલું, તે નીકળે કેમ કરીને ? એટલે અહંકારથી કાઢી નાખે ત્યારે જાય. પણ ફરી પાછો એ અહંકાર ધોવો પડે. પણ પહેલી લાલચ કાઢી નાખે, ને પછી અહંકારને ધોવાનો ! એટલે અહંકારે કરીને પણ કાઢી નાખ. એ અહંકાર પછી અમે કાઢી આપીશું. નહીં તો અનંત અવતારનો આ રોગ ક્યારે નીકળે ? એ તો મારા જેવાની હાજરીમાં નીકળ્યું તો નીકળ્યું, નહીં તો રામ તારી માયા ! એનાં આવરણ ભારે ! કોઈ લાલચ એને ના હોય એવું નહીં. એટલે એવા તો અહીં આવે ત્યારથી હું એને ચોપડું કે, 'પાંસરો રહેજે. અનંત અવતારથી માર ખાધો, પણ તોય લાલચ જતી નથી. અહીં આવ્યા પછી તારું ઠેકાણું ના પડે, તો શું કામનું ?' અમારી 'જ્ઞાની પુરુષ'ની વાણી વીતરાગ વાણી હોય, એટલે વીતરાગતાના ચાબખા હોય. એ વાગે બહુ, અસર બહુ કરે પણ દેખાય નહીં. પણ આ મુખ્ય ગુણ જે લાલચ કામ કરી રહ્યો છે, એ તો 'જ્ઞાની'નાં વાક્યને ય ખઈ જાય, વાટીને ખઈ જાય ! લાલચ !! એ લાલચરૂપી અહંકાર છે ને, એ તૂટતો નથી એ લોકોનો !! 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે આ અહંકાર તૂટતો નથી, આ ભાગ જીવતો રહે છે. તેથી પછી આ વેષ વધે છે. આધીનતા, પણ ઉપરી નહીં ! મને કેટલાક લોકો એમ કહે છે કે, 'તમે થોડીઘણી ચાવીઓ જુદી તમારી પાસે રાખી મૂકતા નથી ?' મેં કહ્યું, શેનાં હારુ હું ચાવીઓ રાખી મૂકું ? મારે ગુરુ તરીકે રહેવું હોય અને રોફ બજાવવો હોય એવો, તો ચાવીઓ રહેવા દઉં. પણ મારે રોફે ય નથી બજાવવો અને ગુરુ તરીકે રહેવું ય નથી. અમારે તો તું જ ગુરુ હવે. ગુરુ તરીકે રહેવું હોય ને, તે પોતાનું પૂરેપૂરું જ્ઞાન આપે નહીં. કારણ કે શિષ્યને થોડું થોડું આપતો જાય એટલે શિષ્ય જતો ના રહે, અને એનું ગાડું ચાલ્યા કરે. અને અહીં તો બધાંને છૂટ છે. અહીં તો મારી પાસે રહે છે ને, એમને કહી દઉં કે તમારે જ્યારે ભાગી જવું હોય ત્યારે ભાગી જજો. હું ના નહીં કહું. તમે મને મુશ્કેલીમાં મૂકશો તો ય હું તમને ના નહીં કહું. તમારે જ્યારે ભાગી જવું હોય ત્યારે ભાગી જજો. શું વાંધો પછી ? અને હું ક્યાં આમને માથે વીંઢાળું ? એવું તો આ ગુરુઓ કરે કે જેમને બીજી લાલચો હોય. જેને કંઈ લાલચ નથી, એને ખુદા ય પૂછે નહીં. કારણ કે ખુદા પૂછે કે 'તુમ કહાં ગયે થે ?' તો એ ખુદા ફસાય ! કોને પૂછયું સાહેબ, તમે આ ?! ભૂલ કરી આ !! જેને કોઈ પણ પ્રકારની લાલચ નથી એમને પૂછવાનો અધિકાર નથી. ખુદાને પણ પૂછવાનો અધિકાર નથી. લાલચ છોડો. લાલચમાં બધુંય આવી જાય. એક ભવ, 'જ્ઞાની'ની આધીનતામાં ! એથી અમે શું કહ્યું કે આ સત્સંગની એકતા છોડશો નહીં. નહિ તો જુદું જવા ફરે. પણ કશુંય નહીં આવડે. લોક ધક્કા મારીને કાઢી મૂકશે ! આવું ના ચાલે. ચાલતું હશે ? બનાવટ કરેલો વાઘ કેટલો દહાડા ચાલે ? વાઘનું ચામડું પહેરીને ફરે તો ચાલે ? એ મૂળિયું જ ઊગે નહીં, એટલા માટે કહી દીધેલું, મૂળિયું જ ના ઊગવું જોઈએ આપણને. એ તો આપણે આ ભવ આધીનતામાં જ કાઢવાનો. આધીનતા છોડશો નહીં. કારણ કે જમાવટ કરે તો માણસો ભેગા થઈ જાય. પણ એમાં પોતાનું અહિત થાય અને પેલાનુંય અહિત થાય. આપણે ત્યાં એક ભાઈ જુદું કાઢીને બેઠો હતો હઉ. બે-ચાર જગ્યાએ 'દાદા'ના નામ પર કરી આવ્યો બધું. મોટી મોટી સભાઓ ભરી આવ્યો ને બધું કરી આવ્યો. પણ મેં કહ્યું, 'અલ્યા, માર ખાઈશ છેવટે. કેટલા દહાડા ઓઢેલું ચાલશે ?' પાછો, આમ પાછો ય ફરી જાય. આમ આડો ના થઈ જાય. પણ લાલચ પેસી જાય, તે 'કંઈક કરી આવું' કહેશે. એ પાછો જમાવી દે એવો હતો. એક ફેરો તો હજારો માણસ ભેગાં કર્યા હતાં. કારણ કે મોઢે જરા આકારવાળો હોય, ભવ્યતા સારી ! પણ એને મેં ચેતવી દીધો, '' સહેજ પણ 'દાદા'ની આધીનતા તું છોડીશ તો નર્કે જઈશ. તું શબ્દો કંઈથી લાવવાનો હતો ? આ શબ્દ મારા કહેવા પડશે લોકોને ! મારા કહેલા શબ્દો ચાલશે, પણ નવે નવાં કહેવા જઈશ તો નર્કે જઈશ !'' એટલે મારે ચેતવવા પડે. આવી ય લાલચ હોય 'દાદા'થી સ્વતંત્ર થવા ! અલ્યા, આમાંય સ્વતંત્ર થવું છે ? સ્વતંત્ર તો થઈ ગયા, કંઈ પરતંત્ર છો ? કંઈ મારા દબાયેલા હોય તો વાત જુદી છે. પેલા ગુરુમાં દબાયેલા હોઈએ, તે ત્યાં વખતે સ્વતંત્ર થવા ફરો તો વાત જુદી છે. અહીં કંઈ દબાયેલા નહીં, કશું નહીં અને હું તો કહું છું કે, 'હું તો બધાનો શિષ્ય છું.' પછી ભાંજગડ શેને માટે ? પણ ટેવ પડેલી અનાદિની, સ્વતંત્રમાં મજા આવે, 'ઈન્ટરેસ્ટ' આવે. મેલ પૂળો ઇન્ટરેસ્ટને ! મહીં પડી રહે ને આમાં, આ સત્સંગમાં ને સત્સંગમાં !! પ્રશ્નકર્તા : પણ દાદા, સ્વતંત્રતા કરતાં 'હું કંઈક જાણું છું' એવું દેખાડવાની ઇચ્છા હોય. દાદાશ્રી : એ જ ભાંજગડ છે ને ! 'હું જાણું છું' એ તો બધું, જાણતો કશુંય ના હોય. હવે એક ભવ આધીનતાથી કાઢવો. પ્રશ્નકર્તા : આધીનતાથી તો સારું ને, કંઈ ઉપાધિ તો નહીં. દાદાશ્રી : હા, ઉપાધિ નહીં. બધા આધીનતાથી જ કાઢે. પણ કો'કનું મહીં મૂળિયું વાંકું હોય તે વેષ ભજવીને ઊભો રહે પાછો, જુદી દંડુકી વગાડે ! પૂજાવાની લાલચ ! આ તો કેવું કે એ લાલચ ક્યારે ઊગી નીકળે એ કહેવાય નહીં. પાંચ-સાત જણ જ જો મળ્યા હોય તો બહુ થઈ ગયું ને ! આખા મુંબઈ શહેરમાં ખબર આપી દે કે આ જ્ઞાની આવ્યા છે. ટોળકી ઊભી થઈ કે બધું તૈયાર કરી નાખે. માથે વાળ ના હોય તો પેલા વેચાતા લઈ આવીને કરશે. અનંત અવતાર આ જ કર્યું છે બળ્યું. તેનાં જ આ લક્ષણ ! આ દુઃખ અને આ અડચણો બધી તેની જ છે, આ જ કર્યું છે !! દંડુકી વગાડનાર પાંચ-સાત-દસ જણ જોઈએ, કે ચાલ્યું પછી ગાડું ! એની જવાબદારી શું આવશે એનું ભાન નથી. આ અવતારમાં છૂટે તો ય સારું છે, બહુ સારું છે. પણ આ વાત સમજે તો છૂટે, નહીં તો લાલચ મોક્ષે જવા દે નહીં. પ્રશ્નકર્તા : પણ આવું દંડુકી વગાડનારાં ભેગાં કરીને જ્ઞાની થઈ જાય, એની જવાબદારી શું આવે ? દાદાશ્રી : એ તો હડોહડ અગ્નિ ! નર્કગતિ ! એ ભોગવે એટલે પછી પાછો તૈયાર થઈને અહીં આવે, ફરી પાછું એનું એ જ ! લાલચ પડેલી જાય નહીં ને ! 'જ્ઞાની પુરુષ' હોય ત્યારે બદલાઈ જાય કંઈક. આપણને લાલચ ના હોય તો પાછળ ફૂદાં ય ભમે નહીં. લાલચ હોય ત્યાં ફૂદાં ભમે. લાલચ નહીં એ દુનિયાનો રાજા ! અને લાલચુ તો લાળો પાડ પાડ કરે, તોય વળે નહીં કશુંય. લાલચને જીવવાની ને મજબૂત થવાની જગ્યા મળે, તો હવે એ જગ્યા જ આપીએ ત્યારે ને ? એટલે ત્યાં પછી પ્રતિક્રમણ કરવાં પડે. 'ફરી હવે નહીં જવાનું' કહીએ. આપણે કહેવું કે, 'ચંદુભાઈ, ફરી આવું જવાનું નહીં.' પોતાની છૂટવાની મજબૂત ભાવના, 'સ્ટ્રોંગ' ભાવના હોય, પણ પેલી લાલચ ને એ બધું આંતર્યા કરે ને ! પણ પોતાના ખ્યાલમાં રાખે ને, કે ક્યારે ઉડાડી મૂકું ? જેમ દુશ્મનોને ખ્યાલમાં રાખે ને, એવું. તો આનો નિવેડો આવશે, નહીં તો નિવેડો ના આવે. પ્રશ્નકર્તા : આ લાલચ એ ભયંકર રોગ છે ! દાદાશ્રી : એ ઘણાં કાળનો રોગ છે તે કેમ કરીને મારું માનતા થાય ! તે પછી આંબે કેરી હાલી કે મહીં હાલ્યું હડહડાટ !! આંબે કેરી હાલવી જોઈએ, એટલે અહીં યે અંદર કેરી હાલે ! પ્રશ્નકર્તા : અમુક માણસો એવા હોય છે કે યેનકેન પ્રકારેય એમને પોતાને જાહેર થવું જ હોય છે, સો માણસની વચમાં. દાદાશ્રી : એ તો પાંચ-દસ માણસોના ગુરુ થવાની ટેવ છે એને. શિષ્ય થતાં તો આવડતું નથી ને ગુરુ થઈ બેસવું છે ! એટલે પછી કોઈ ઘરાક હાથમાં આવ્યું ને, કે ત્યાં બેસી જાય. પણ તે ય લાલચ માટે, બધું ભોગવવા માટે કોઈ વસ્તુ ભોગવવાની નહીં, એવું નહીં. સંસારીક લાલચો ભટકાવે ! અમારા વખતમાં કહેતા હતાં કે; દુનિયા દિવાની કહેવાશે રે, ભૂંડી ભીંતોમાં ભટકાશે.પાપે ય એનું જ્યારે પ્રગટ થાશે, ત્યારે ભૂવા-જતિ ઘેર જાશે. પાપ જ્યારે એનું પ્રગટ થશે, ત્યારે ભૂવા-જતિઓને ત્યાં જઈને દોરા-ધાગા કરાવે ને ફલાણું કરાવે. એટલે પાપ એનું પ્રગટ થાય પછી એ ભૂવા ખોળે, જતિ ખોળે એવું કોઈ કવિએ ગાયું છે. સંસારની આશા રાખીએ, લાલચ રાખીએ, તોય એનું એ જ ફળ આવવાનું છે. આની શી લાલચો ? પ્રશ્નકર્તા : અત્યાર સુધી એવા મૂરખ બનતાં જ આવ્યા છીએ. દાદાશ્રી : પણ તે આવું જીવન ક્યાં સુધી જીવવું ? શા માટે લાલચ હોવી જોઈએ ? માણસને લાલચ શેને માટે હોવી જોઈએ ? અને એ વળી કોણ આપનારો ? એને સંડાસ જવાની શક્તિ જ નથી, તો એ શું આપવાનો છે ?! લાલચ ત્યાં ભક્તિ નહીં ! એટલે એમની લાલચો પૂરી કરવાનું સાધન છે એ. માતાજીની શા હારુ ભક્તિ કરતો હોય ? મારું શરીર સારું રહે, છોકરાને ત્યાં છોકરો નથી, લાલચો બધી. ભૌતિક સુખો માટે આ બધા લાલચમાં પડ્યા છે. કોઈ મોક્ષને માટે પૂજા કરતાં નથી. પણ તે ય અમે તો કહીએ છીએ કે જ્યાં સુધી મોક્ષનો માર્ગ ના મળે, ત્યાં સુધી ભૌતિક સુખો માટે આ ભક્તિ કરજો અને આ ભક્તિ છોડાવી દેશો તો રમી રમવા જતો રહેશે મૂઓ, જેટલો નવરો પડ્યો તો ! એટલે આમાં ગૂંથાયેલા રહે એવું કર્યા કરવું. પ્રશ્નકર્તા : હા, પણ આપ સમજાવોને કે આ સંતાન શા હિસાબે છે અને શા હિસાબે નથી હોતા ? દાદાશ્રી : એ તો જાણે બધુંય. પણ એ લાલચ છોડે નહીં ને ! જાણે તો બધા, બીજાને ત્યાં ન્યાય કરવાનો હોય તો કરી આપે, પોતાને જોઈતું હોય ત્યાં લાલચ છોડે નહીં ને, એટલે ભૂલી જાય ! બધું સમજે ઈન્ડિયનો તો. બીજા દુઃખો મટાડવાનાં છે, આ બીજા બધા કેટલાંય પ્રકારનાં દુઃખો છે ! સંતાનનું તો દરેકને દુઃખ હોય છે જ ક્યાં ? કો'કને જ હોય એ તો. દરેકને તો ઊલ્ટાં છોકરાં વધારે પડતા હોય છે. લોક કંટાળી ગયેલા હોય છે. સંતાનનું દુઃખ તો કો'કને હોય અને લોકે ય લાલચુ છે બિચારાં ! છોકરાંને ઘેર છોકરાં નથી, કહેશે ! અલ્યા મૂઆ, તારા છોકરાં તો છે ને ! લાલચ જ ભમાવે ! પ્રશ્નકર્તા : અત્યારે ગુરુઓ પૈસાની પાછળ જ હોય છે. દાદાશ્રી : એ તો આ લોકો ય એવા છે ને ? લાકડાં વાંકાં છે એટલે આ કરવતી વાંકી આવી છે. આ લાકડાં ય સીધા નહીં ને ! લોક વાંકા ચાલે તેથી ગુરુ વાંકા મળે. લોકમાં શું વાંકાઈ છે ? 'મારે બાબાને ઘેર બાબો જોઈએ છે.' એટલે લોકો લાલચુ છે એટલે આ ગુરુઓ ચઢી બેઠા છે. અલ્યા, એ શું બાબાને ત્યાં બાબો આપવાનો હતો ?! એ બાઈડી-છોકરાં વગરનો છે, એ કયાંથી લાવવાનો હતો ? કોઈ છોકરાંવાળાને કહે ને ! આ તો 'મારા બાબાને ઘેર બાબો થાય' એટલા હારુ એને ગુરુ કરે. એટલે લોક લાલચુ છે ત્યાં સુધી આ ધુતારા ચઢી બેઠા છે. લાલચુ છે, તેથી ગુરુની પાછળ પડે છે. લાલચ આપણને ના હોય ત્યારે ગુરુ કરીએ તો સાચું ! આ તો લૂગડાં બદલીને લોકોને ભમાવે છે અને લોક લાલચી એટલે ભમી જાય છે. લાલચી ના હોય તો કોઈ ના ભમે ! જેને કોઈ પ્રકારની લાલચ નથી, એને કંઈ ભમવાનો વારો આવે નહીં. પ્રશ્નકર્તા : પણ આજ તો ગુરુ પાસે ભૌતિક સુખ માગે છે, મુક્તિ કોઈ માગતું નથી. દાદાશ્રી : બધે ભૌતિકની વાતો જ છે ને ! મુક્તિની વાત જ નથી. આ તો 'મારા છોકરાને ઘેર છોકરો થાય અગર તો મારો ધંધો બરાબર ચાલે, મારા છોકરાને નોકરી મળે, મને આમ આશીર્વાદ આપે, મારું ફલાણું કરે' એવી પાર વગરની લાલચો છે બધી. અલ્યા, ધર્મ માટે, મુક્તિ માટે આવ્યો છે કે આ જોઈએ છે બધું ?! આપણામાં કહેવત છે ને, 'ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનોં ખેલે દાવ.' એવું ના હોવું જોઈએ. શિષ્ય લાલચુ, એટલે ગુરુ એને કહેશે કે 'તુમ્હારા યે હો જાયેગા, હમારી કૃપાસે યે હો જાયેગા, યે હો જાયેગા.' તે લાલચ પેઠી એમાં ભલીવાર આવે નહીં. ગુરુને ઘાટ ન હોવો ઘટે ! કળિયુગને લઈને ગુરુમાં માલ કશો હોતો નથી. કારણ કે એ તમારા કરતા વિશેષ સ્વાર્થી હોય છે. એમાં એ પોતાનું કામ કરાવવા ફરે છે, તમે તમારું કામ કરાવવા ફરો છો. આ રસ્તો ગુરુ-શિષ્યનો ના હોવો જોઈએ. પ્રશ્નકર્તા : બુદ્ધિશાળી માણસો ઘણી વખત આવા ખોટા ગુરુને વર્ષો સુધી એમ જ માને છે કે આ જ સાચા ગુરુ છે. દાદાશ્રી : એ તો લાલચો હોય છે બધી. ઘણા ખરા લોકો તો લાલચોથી જ ગુરુઓ કરે છે. અત્યારના આ ગુરુ એ કળિયુગના ગુરુ કહેવાય. કંઈક ને કંઈક ઘાટમાં જ હોય, કે 'શું કામમાં લાગશે' એવું પહેલેથી જ વિચારે ! આપણા ભેગા થતા પહેલાં જ વિચારે કે શું કામમાં લાગશે ? વખતે આ ડૉક્ટર ત્યાં આગળ જાય ને, ને એમને જુએ ત્યારથી વિચાર આવે કે કો'ક દહાડો કામના છે. એટલે 'આવો, આવો ડૉક્ટર' કહેશે. અરે, તારે શું કામના ? 'માંદો થઉં ત્યારે કો'ક દહાડો કામ લાગે ને !' એ બધા ઘાટવાળા કહેવાય. ઘાટવાળા પાસે કોઈ દહાડો કામ ના થાય આપણું. જેને ઘાટ નથી, કશું જ જોઈતું નથી, ત્યાં જવું. આ ઘાટવાળામાં તો, એ સ્વાર્થી ને આપણે ય સ્વાર્થી ! ગુરુ-શિષ્યમાં સ્વાર્થ હોય, તો એ ગુરુપણું ય નથી ને એ શિષ્યપણું ય નથી. સ્વાર્થ ના હોવો જોઈએ. આપણે જો ચોખ્ખા છીએ તો એ ગુરુને કહી દઈએ કે, 'સાહેબ, જે દહાડે જરાય સ્વાર્થ તમારામાં દેખાશે, તો હું તો જતો રહીશ. બે ગાળો ભાંડીને ય જતો રહીશ. માટે તમારે મને જોડે રાખવો હોય તો રાખો. હા, ખાવા-પીવાનું જોઈતું હોય તો તે તમારે અડચણ નહીં પડવા દઉં. પણ તમારે સ્વાર્થ નહીં રાખવાનો.' હા, સ્વાર્થ નહીં દેખાય એવા ગુરુ જોઈએ. પણ અત્યારે તો લોભી ગુરુ ને લાલચુ શિષ્ય, બે ભેગા થાય તો શું દહાડો વળે ?! પછી 'દોનોં ખેલે દાવ' એવું ચાલ્યા કરે ! મૂળમાં લોક લાલચુ છે, તેથી આ ધુતારા બધાંનું ચાલ્યા કરે છે. સાચો ગુરુ ધુતારો ના હોય. એવા સાચા છે હજુ. એવા કંઈ નથી ? આ દુનિયા કંઈ ખાલી થઈ નથી. પણ એવા મળવા ય મુશ્કેલ છે ને ! પુણ્યશાળીને મળે ને ! કેવી કેવી લાલચો ! લક્ષ્મીની લાલચે એને ભીખારી બનાવ્યો. જ્યાં ને ત્યાં ઈચ્છા ! અહીં કંઈક મળશે, અહીં કંઈક મળશે. અલ્યા મૂઆ, બે હાથવાળા પાસે ના હોય કશું ય. એ તો હજારો હાથવાળા પાસે હોય ! ક્યાં હોય ? બે હાથવાળા પાસે આશા રાખે, શરમ નથી આવતી ?! લાલચ એ જેની છૂટી બધી, બધા રોગ મટી ગયા ! આ તો ડૉક્ટર આવે તો મારે કામ લાગશે, વકીલ આવે તો મારે કામ લાગશે, ઓળખાણ કરી લો ! અલ્યા મૂઆ, લાલચ ? આવી લાલચો ?! ડૉકટર શું કામ લાગશે ? માંદો થઉં એવો છું નહીં ત્યારે કહો 'ના, કો'ક દહાડો થઈ ત્યારે !' તું પણ આજે પાળ બાધું છું ? જો નીયાણું કેવું કરે છે ?! મરવાનું નીયાણું. કામ, કામ એ લાગતા નથી. ટાઈમે કામ લાગતા નથી. આપણી સેવા નકામી જાય. એય પાછા મેં અખતરા કરી જોયેલા ! જેનું તમે કરો છો એ તમારે કામ લાગતા નથી. બીજો જે માણસ તે ઘડીએ કામ લાગે છે, માટે તમારે કોઈનું એમ નહીં રાખવું કે આ મારું ધોળશે ! ધોળ્યું તો સાચું વખતે, બાકી એવું માનશો નહીં. આ તમને કહી દઉં. જગત બીજી જ રીતે છે. તમારા તે ઘડીયે નહીં થાય ને બીજા માણસ તમારા થઈને ઊભો રહે. માટે બહુ અતિશય ના રાખશો. બધા પારકાં ય સારા. આ તો મારા અનુભવની વાતો કહું છું. અનંત અવતારના અનુભવો મને યાદ છે તે બધા કહી દઉં છું આ બધું. આ દુનિયામાં છેતરાય કોણ ? લાલચુ ! જો લાલચુ ના હોય તો તેને ભગવાન પણ છેતરી ના શકે. લાલચ ના હોય તો જગત કલ્યાણ થાય. શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી.... પ્રશ્નકર્તા : હવે જ્ઞાની વગર આવા ફોડ કોણ પાડી શકે ? બાકી, જગતમાંથી છૂટવું હોય તે કેટલું બધું જોખમી છે ! દાદાશ્રી : આવું ભાન જ ના હોય ને ! ખરેખર તો, હું બંધાયેલો છું કે નહીં એવું જાણે તો ય બહુ સારું. પણ બંધાયેલો છે એટલે એ જાણે કે 'આ બધાય લોક કરે છે ને !' એટલે એને બહાનું જડ્યું. અલ્યા, બધા કૂવામાં પડ્યા હોય તો તારે હઉ કૂવામાં પડવું ?! પણ લાલચ છૂટી કે એની સુગંધી આવે ! પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં લાલચુ શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી. દાદાશ્રી : કોઈ છૂટું પાડે જ નહીં ને ! કોણ છૂટું પાડે ? આ તો આપણે વિગતવાર સમજાવીએ. એ તો શાસ્ત્રો જે વાંચેલા હોય, તે ચાર પ્રકાર બોલે કે ક્રોધ-માન-માયા-લોભ ! ત્યારે કોઈ કહેશે, 'એ તો સાહેબ, શાસ્ત્રમાં છે. કંઈ નવું બતાવો ને !' એટલે એ આગે સે ચલી આઈ. તે શાસ્ત્ર જ્યારે થયું હશે ને, ત્યારથી તેમાં લખ્યું છે 'બળેલી દોરડીમાં સાપની ભ્રાંતિ થઈ, એવી રીતે આ જગત ભ્રાંતિવાળું દેખાય છે !' તે હજુય એ શબ્દ ફેરફાર કરનારો કોઈ નીકળ્યો નહીં. એ ને એ જ શબ્દથી ચાલે છે ગાડું ! 'સીમીલી' જ આ. બીજી 'સીમીલી' આવડે નહીં. મહા મહા મોટા મનુષ્યોએ પણ આની આ જ 'સીમીલી' આપી. અને બીજી, છીપમાં છે તે ચાંદીની ભ્રાંતિ થઈ. ત્યારે આ બે શબ્દો તો પહેલેથી ચાલ્યા આવે છે. તું નવા બે શબ્દ બોલ. શબ્દો નવા હોવા જોઈએ કે 'ડીઝાઈન'વાળા હોવા જોઈએ કે 'પ્રેક્ટિકલ' હોવા જોઈએ, એવું હોવું જોઈએ. તો કંઈ માણસમાં ફેરફાર થાય. નહીં તો એ તો આગે સે ચલી આઈ, એને શું કરવાનું ? એ 'સીમીલી' તો હું વાંચત તો મને ય જડત ! તેથી કૃપાળુદેવે કહ્યું ને, કે શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવી જેની વાણી છે તો એ 'જ્ઞાની' કહેવાય ! નહીં તો પછી એને 'જ્ઞાની' કહેવાય જ નહીં ને !! હેતુ, પૂર્ણકામનો ઘટે ! તમે જોયેલી લાલચ ? પ્રશ્નકર્તા : અરે, આપણે જ લાલચુ હતા ને ! દાદાશ્રી : એમ ?! શી બાબતમાં ? પ્રશ્નકર્તા : અરે, ગમે તે બાબતમાં, સત્સંગની બાબતમાં લાલચુ જ હતા ને ! દાદાશ્રી : આ મારી જોડે લાલચુ એ લાલચુ કહેવાતા નથી. બીજી બધી બાબતોમાં લાલચુ કહેવાય. આ લાલચ ના કહેવાય. મારી જોડે તો આ સ્વાર્થેય ના કહેવાય. મારી જોડે તમે જે સ્વાર્થ રાખો, એનું નામ જ પરમાર્થ ! પ્રશ્નકર્તા : હું અહીં આવ્યો અને ખેંચાઈને આવ્યો છું. પણ જ્ઞાન મેળવવાની લાલચથી જ આવ્યો છું ને ! દાદાશ્રી : એ લાલચ સારામાં સારી ! એ ઉત્તમમાં ઉત્તમ લાલચ !! આ લાલચ તો ના રાખેને, તેને અમે કહીએ કે, 'જરા કચાશ છે તમારામાં, પાકા નથી.' લાલચ તો આની રાખવા જેવી છે. બાકી, સંસારમાં કોઈ ચીજની લાલચ રાખવા જેવી છે નહીં. તમે રાખી એ ઉત્તમ કામ કર્યું. પ્રશ્નકર્તા : પણ આ જ્ઞાનની લાલચ કહેવાય ? દાદાશ્રી : લાલચ તો શું હેતુ માટે છે, એ જોવાય છે. કારણ કે લાલચ તો બહુ સરસ કામ કરે છે, જો હેતુ સારો હોય તો. પ્રશ્નકર્તા : આ શુભ હેતુની લાલચ છે, એમ ગણાય ને ? દાદાશ્રી : શુભ હેતુ નહીં, આ પૂર્ણકામની લાલચ ! શુભ હેતુ તો, હમણે દાન શીખ્યા કે ફલાણું શીખ્યા એમાં શુભ હેતુ છે જ. પછી પાછો અશુભ હેતુ આવશે. પણ જ્યાં શુધ્ધ હેતુ છે કે જ્યાં પૂર્ણકામ થવાનું છે, પછી કોઈ કામ બાકી ના રહે એવું પૂર્ણકામ સ્વરૂપ હોય, એ શુધ્ધ હેતુ છે ! પરમાત્મ યોગ ત્યાં શેની લાલચો ? આખું બ્રહ્માંડ હાલે એવી શક્તિ મહીં ભરેલી છે. મેં જાતે જોઈ, ત્યારે તો મેં ઊઘાડ્યું ! પણ તમે શેની લાલચોમાં પડી ગયા છો ? શેને માટે ? આખું બ્રહ્માંડ સામું આવે તો ય એની લાલચ કેમ હોય ? માટે બરોબર યોગ જમાવો, રાત ને દહાડો ! હવે ઊંઘ કેવી આવે ? હવે યોગ પૂરેપૂરો કરી લો. દસ લાખ વર્ષે આ સ્હેજાસ્હેજ યોગ પ્રાપ્ત થયો છે, બૈરાં-છોકરાં, કપડાં-લત્તાં સાથે. ફરી ફરી આવો યોગ પ્રાપ્ત થાય એવો નથી. આ તો પરમાત્મયોગ છે ! આ કંઈ જેવો તેવો યોગ નથી ! જય સચ્ચિદાનંદ |