મોહ ખવડાવે માર !!!

સંપાદકીય

આ સંસારમાં જ્યાં સુધી પોતાના આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, ત્યાં સુધી જે જે બાહ્ય દેખાય, ધણી કે વાઈફ, છોકરાં, ઘર, પૈસા, દેહ - તે સ્વરૂપો ઉપર મોહ થયા જ કરવાનો. પણ જે દેખાય છે, પાંચ ઈન્દ્રિયથી અનુભવાય છે તે સર્વ સંયોગ સંબંધો છે એટલે કાળક્રમે વિયોગ થયા વગર રહેવાના નથી. ત્યારે જે મોહથી રાગ થતો હતો. તે વસ્તુ કે વ્યક્તિના વિયોગે દુઃખ થયા વગર રહે જ નહીં. પણ જ્યારે દુઃખ થાય છે ત્યારે તે વ્યક્તિ કે સંબંધિત સંયોગો જ દોષિત મનાય છે. પણ પોતાનો મોહરૂપી દોષ પોતાને જડતો નથી. એક જગ્યાએ મોહનો માર પડે તો તેનો મોહ છોડી પાછો બીજાં ઉપર મોહ ચોંટાડ્યા વગર રહેતો નથી. આમ અનંત કાળથી મોહના માર ખાયા જ કરે છે.

છતાં એ માર ખોટી વસ્તુ પણ નથી. આ સંસારનું સ્વરૂપ જ એવું છે કે જે જે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે મોહ થાય, તેમાં સુખ ભાસે. તેમ તેમ તેનું આકર્ષણ વધ્યા જ કરે, ગમ્યા જ કરે. પરિણામે વિકર્ષણમાં અણગમો થવાનો ને માર પણ એટલો જ પડવાનો. પણ છેવટે અનુભવ થાય કે ના આમાં કશું સુખ જ નથી. સંપૂર્ણ ખાતરી થાય, તો એમાંથી છૂટી બીજી વસ્તુઓમાં મોહ ચોંટે છે. એમ કરતાં કરતાં સંસારની તમામ વસ્તુઓમાંથી મોહના માર ખાઈને છેવટે અનુભવનું તારણ એ આવે કે ક્યાંય સુખ છે જ નહીં. સાચું સુખ, શાશ્વત સુખ પોતાના આત્મામાં જ છે. સંસારમાં પછી એની ખોજ કરતાં કરતાં જ્યારે પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષના સાનિધ્યમાં આવે, એમની પ્રત્યે સમર્પણ ભાવ જાગે, જ્ઞાની કૃપાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે, પછી તે સ્વરૂપની જાગૃતિમાં નિરંતર વર્તે. ત્યારે સનાતન સુખ અનુભવે. જ્ઞાનીની આજ્ઞામાં રહી પૂર્વેના મોહથી જે જે વ્યવહાર સંબંધો ભેગા થાય, તેનો સમભાવે નિકાલ કરતો જાય. જે માર પડે, દુઃખ પડે, તેને પોતે સમજે કે સામો નિમિત્ત નિર્દોષ જ છે. મારા મોહના પરિણામ રૂપે આ દુઃખ છે. કોઈનો દોષ નથી. હવે આત્મસ્વરૂપમાં જ રહેવું છે અને પ્રતિક્રમણો ખૂબ કરીને ઋણાનુબંધના હિસાબો ચોખ્ખા કરીને અંતે મુક્તિપદને પામે છે.

પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષ દાદાશ્રી મોક્ષાર્થીઓને જ્ઞાનદ્રષ્ટિએ સંસારમાં છોકરાં પ્રત્યે જે મોહ છે તે મોહના સ્વરૂપની વાસ્તવિકતા દેખાડે છે. તે સમજી જઈને આત્મામાં રહી નાટકનું પાત્ર ભજવી પોતાનું મોક્ષનું કામ કાઢી લેવાનું છે.

દીપકના જય સચ્ચિદાનંદ

મોહ ખવડાવે માર !!!

ન થાય દીકરો કદિ સગો !

તમે એક કલાક છોકરાને ટૈડકાવો ને ! 'નાલાયક, બદમાશ, ચોર લોકો', એવું કહીને... એને વઢો તો ? એક કલાક મારી તો જુઓ ! મારીએ તો શું કહે ?

પ્રશ્નનકર્તા : ઠપકારીએ તો સામા થાય.

દાદાશ્રી : સામા થાય તો મારવા ફરી વળે. તો એ તમારા છોકરા કેમ કહેવાય ? છોકરા તો એનું નામ કે મારી મારીને એ કરી નાખીએ, તો ય કહેશે, બાપુજી, તમે જે કરો એ. તમારું જ છે આ બધું. એનું નામ છોકરાં. એવાં છે ?

પ્રશ્નનકર્તા : નથી. રામ-સીતાનાં વખતમાં હશે !

દાદાશ્રી : રામના વખતમાં ય નહોતા.

દેહ પણ અંતે દે છે દગો !

આ દેહ પોતાનો નથી તો આ છોકરા શી રીતે પોતાનાં થાય ? આ દેહ, પોતાનો દેહ પોતાનો થાય છે ?

પ્રશ્નનકર્તા : નથી થતો.

દાદાશ્રી : રાત-દહાડો બ્રશ મારીએ છીએ તો ય દાઢો દુઃખે છે ને પાછી, રાત્રે ઊંઘવા ના દે. એટલે આપણો દેહ તો દગો છે. હવે આ દેહ છે, એટલે આગળનો ડખો ઊભો થયો છે. ત્યાં સુધી માણસ શી રીતે સુખી હોય ?

પ્રશ્નનકર્તા : જીવન છે તો જીવવા માટેનો ધ્યેય તો હોવો જોઈએ ને?

દાદાશ્રી : ધ્યેય હોવો જોઈએ. શું ધ્યેય છે તમારો ? છોકરાં મોટાં કરીને દુકાને બેસાડી દેવા એ ધ્યેય છે ?

પ્રશ્નનકર્તા : છોકરા મોટાં થશે, પછી આપણા રહેશે કે નહીં એ કોને ખબર ?

દાદાશ્રી : હા, તે કોઈ આપણું કોઈ કશું રહેતું હશે ? આ દેહ જ આપણો નથી રહેતો તો ! આ દેહ જ લઈ લે છે પછી આપણી પાસેથી. કારણ કે પારકી ચીજ આપણી પાસે કેટલા દહાડા રહે ?

મોહ ઓછો ત્યાં સંસાર અસાર !

હવે સંસાર ગમતો નથી એ નક્કી થઈ ગયું છે ચોક્કસ !

પ્રશ્નનકર્તા : હા.

દાદાશ્રી : એ તો ખાતરી થઈ ગઈ છે ?

પ્રશ્નનકર્તા : ખાતરી થઈ ગઈ છે.

દાદાશ્રી : આ ખાતરી જોઈએ. આ ડેવલપ કોમ શેને કહેવાય છે કે જેની સ્ત્રીઓ એમ કહે છે કે હવે આ સંસાર અમને ગમતો જ નથી. એ ડેવલપ કોમ કહેવાય છે. નહીં તો સ્ત્રીઓ તો બધી મોહી હોય કે માર ખાય તો ય એને ગમે. પણ આ કોમ ડેવલપ્ડ શાથી કહેવાય તે જેની સ્ત્રીઓ પણ જાગૃત થઈ ગઈ કે આ આમાં શું સુખ છે બળ્યું ! કડવું લાગે છે. અરે, ખારું લાગે છે ! સંસારનું પાણી બધું, આ સંસાર સંબંધીનું પાણી ખારું છે. તો ય લોક શું કહે છે, ના, મીઠું છે. બોલો, કેટલી ભ્રાંતિ હશે ! ભ્રમણા કેટલી હશે !

મોહને લીધે, મીઠો સંસાર !

તે એક ઘૈડાં માજી હતાં. સિત્તેર વર્ષનાં બહાર આવીને કકળાટ કરવા માંડ્યાં. બળ્યો, આ સંસાર ખારો દવ જેવો, મને તો આ ગમતો જ નથી. હે ભગવાન ! તું મને લઈ લે. ત્યારે કો'ક છોકરો હતો ને તે કહે છે, માજી રોજ કહેતાં હતાં, બહુ સારો છે ને આજ ખારો કેમ થઈ ગયો ? રોજ મીઠો દરાખ જેવો લાગતો હતો. અને આજ ખારો કેમ થઈ ગયો છોકરાએ પૂછયું, ત્યારે કહે, બળ્યો, મારી જોડે કકળાટ કરે છે છોકરો અને ઘડપણમાં પણ કહે છે, તું જતી રહે અહીંથી. હા, બળ્યો ખારો દવ જેવો જ લાગે છે ને સંસાર ! છોકરો બોલ્યો નહીં ત્યાં સુધી મીઠો અને આ બોલ્યો એટલે પેલો મોહ ઊડી ગયો. એટલે દેખાયું ખારું ને ખારું. બોલે તો મોહ ઊડે ને !

'જ્ઞાની'ને જગત 'જેમ છે તેમ' દેખાય !

છોકરો પજવે એટલે મૂર્ચ્છા એટલા પૂરતી ઊડી જાય ને સંસાર ખારો લાગે પણ ફરી પાછી મૂર્ચ્છા આવી જાય ને બધું ભૂલી જાય ! અજ્ઞાની તો એટ એ ટાઈમ જઈને બધું ભૂલી જાય. જ્યારે 'જ્ઞાની'ને તો એટ એ ટાઈમ બધું હાજર રહે. એમને તો આ જગત 'જેમ છે તેમ' નિરંતર દેખાયા જ કરે, એટલે મોહ રહે જ ક્યાંથી ? આ તો પેલાને ભાન નથી, તેથી માર ખાય છે.

જાગૃતને સંસારમાં કાયમ કંટાળો !

બંધન ગમે છે ? કંટાળો આવે છે કોઈ વખત ? આ બંધનમાં કંટાળો આવે છે કોઈ વખત ?

પ્રશ્નનકર્તા : કંટાળો જ છે.

દાદાશ્રી : કંટાળો છે જ. કંટાળો આવતો નથી, છે જ કંટાળો. તમને નથી લાગતો કંટાળો ? થોડો ઘણો લાગે છે, બહુ નહીં ? ચા પીતી વખતે હઉ કંટાળો આવે ? સરસ ટેસ્ટી ચા પીવો તો ય કંટાળો આવે ?

પ્રશ્નનકર્તા : દર વખતે કંઈ એવો કંટાળો આવતો નથી. આમાં રચ્યાપચ્યા રહીએ તે વખતે ભૂલી જવાય.

દાદાશ્રી : આમાં રચ્યાપચ્યા રહીએ એટલે કંટાળો ભૂલી જવાય ને ? એટલે એ તો મૂર્ચ્છા કહેવાય ને ? એક ફેરો કંટાળો આવ્યા પછી, આપણે દેવતામાં એક ફેરો દઝાયા, ફરી ફરી ભૂલી જઈએ એને તો મૂર્ચ્છા જ કહેવાય ને ! એક ફેરો દેવતાને અડ્યા ને દઝાયા, પછી ભૂલી જઈએ ?

આ તો કાયમનો ખારો છે. છતાં મૂર્ચ્છાને લીધે મીઠો લાગે છે. પછી જ્યારે ગાળો ભાંડે, ખોટ જાય, ઘર બળી જાય ત્યારે મૂર્ચ્છા ઉતરે. ત્યાં સુધી મૂર્ચ્છા ઉતરે નહીં ને ! તે આ મૂર્ચ્છામાં બધાં, મસ્તીમાં ગધ્ધામસ્તાનીમાં રહ્યા છે. ગધેડું એનાં મનમાં મસ્તાન ! મૂર્ચ્છિત સુખ છે આ. સાચું સુખ તો આવ્યા પછી જાય જ નહીં. એનો અંત જ ના આવે. એને સનાતન સુખ કહેવાય.

છોકરાં પજવે તે મોક્ષ માટે ઉપકારી !

પ્રશ્નનકર્તા : છોકરાં પજવે તો એ છોકરાંનો ઉપકાર માનવો જોઈએ ?

દાદાશ્રી : ઉપકાર જ માનવો જોઈએ ને ! તેથી આ કાળમાં ઉપકારી ઘેર બેઠાં જન્મ્યા છે. પહેલાં ખોળવા જવાં પડતાં હતાં બહાર અને ઉપકારી ઘેર બેઠાં જન્મ્યા છે એટલે નિરાંતે છોકરો દુઃખ આપે એટલું લઈ લેવું.

અને મહાવીર ભગવાનને ય ઉપકારી મળતા ન્હોતા. આર્ય દેશમાં ઉપકારી મળતા ન્હોતા. તે પછી અનાર્યમાં વિચરવું પડ્યું, સાઈઠ માઈલ છેટે અને આપણે તો ઘેર બેઠાં ઉપકારી છે. છોકરો કહેશે, અમારે મોડું-વહેલું થાય તો તમારે કચકચ ના કરવી. તમારે સૂવું હોય તો સૂઈ રહો છાનામાના. હવે સૂઈ રહીશ કહીએ, હું ના જાણું આવું તેવું, નહીં તો માંડત જ નહીં આ. માંડ્યું તો માંડ્યું કહીએ હવે. આ પહેલી ખબર ના પડે ને આપણને, તે પહેલાં તો માંડી દઈએ અને પછી ફસાઈએ !

પ્રશ્નનકર્તા : ના ગમતું આવે ને આત્માના ઉપયોગમાં એને લેવાનું એવો અર્થ થયો ?

દાદાશ્રી : ના ગમતું આવે તે આત્માના હિતકર જ હોય. એ આત્માનું વિટામીન જ છે. ભીંસ આવી કે તરત આત્મામાં રહે ને ? હમણે કોઈ ગાળ ભાંડે ને તે ઘડીએ એ સંસારમાં ના રહે, પોતાના આત્મામાં જ એક થઈ જાય. પણ જેણે આત્મા જાણ્યો છે તેને !

મોહને લીધે બાબો લાગે મીઠો !

એ મોહને લીધે તો 'પપ્પાજી, પપ્પાજી' એવું બાબો બોલે, એટલે પપ્પાજી ઊંચો ને ઊંચો ચઢતો જાય ને બાબો 'મમ્મી, મમ્મી' કરે એટલે પેલી મમ્મી ય ઊંચે ચઢતી જાય. પપ્પાજીની મૂંછો ખેંચે તો ય પપ્પો બોલે નહીં. આ નાના છોકરાં તો બધું બહુ કામ કરે. એ પપ્પા-મમ્મીનો ઝઘડો થયેલો હોય ને તો એ બાબો જ લવાદ તરીકે નિકાલ કરી આપે. ઝઘડો તો હંમેશા થવાનો જ ને ! સ્ત્રી-પુરુષને અમથી ભાંજગડ તો પડ્યા જ કરવાનીને ! તો બાબો કેવી રીતે નિકાલ કરી આપે ? સવારમાં પેલાં ચા પીતા ના હોય, જરા રીસાયા હોય, તો પેલી બઈ બાબાને શું કહેશે કે જા, પપ્પાજીને કહે, 'મારી મમ્મી ચા પીવા બોલાવે છે, પપ્પાજી ચાલો.' એટલે આ છોકરો પપ્પાજી પાસે જઈને બોલ્યો કે 'પપ્પાજી, પપ્પાજી' કે પેલો બધું ભૂલી જાય ને તરત ચા પીવા આવે. એવી રીતે બધું ચાલ્યા કરે. 'પપ્પાજી' બોલ્યો કે જાણે ઓહોહો ! જાણે શું ય મંત્ર બોલ્યો ! અલ્યા, હમણે તો કહેતો હતો કે મારે ચા નથી પીવી !

અરે, પપ્પાને જ બાબો જઈને કાલી ભાષામાં કહે કે 'પપ્પાજી, ચાલો, મમ્મી ચા પીવા બોલાવે છે.' તે બાપો મહીં એવો મલકાય, એવો મલકાય, જાણે સાંઢ મલકાયો ! એક તો બાળભાષા, કાલીભાષા, તેમાં ય 'પપ્પાજી' કહે, એટલે ત્યાં તો મોટો પ્રધાન હોય તો ય તેમનો હિસાબ નહીં. આ તો મનમાં શું ય માની બેઠો છે કે મારા સિવાય કોઈ પપ્પો જ નથી. મેરગાંડિયા ! આ કૂતરાં, ગધેડાં, બિલાડાં નર્યા પપ્પા જ છે ને ? કોણ પપ્પા નથી ? આ બધો કકળાટ એનો જ છેને !

સમજીને પપ્પા ના થાય એવું કંઈ ચરિત્ર કોઈનું ઉદયમાં આવે તો એનાં તો વધામણાં જ લેવાં પડે. બાકી બધા પપ્પા જ થાય છે ને ? બોસે ઓફિસમાં ટૈડકાવ્યો હોય ને ઘેર બાબો 'પપ્પા, પપ્પા' કરે. એટલે તે ઘડીએ બધું ભૂલી જાય ને આનંદ થાય. કારણ કે આ પણ એક પ્રકારની મદિરા જ કહેવાય છે, તે બધું ભૂલાવી દે છે !

લઢતાં સાથે, થાય બાપથી છૂટો !

છોકરો કાલું કાલું બોલે તો ના સમજી જાય ? વખતે પપ્પાને 'પપ્પી' કહ્યું તો, પપ્પાને રીસ ચઢે ? પપ્પાને એ કહે, 'તું પપ્પી છું, પપ્પી છું.' તો ય રીસ ના ચઢે. એ જાણે કે આ કાલું કાલું બોલે છે, બિચારો.

કોઈ કોઈનો છોકરો થયો નથી વર્લ્ડમાં. આખા વર્લ્ડમાં એવો કોઈ છોકરો ખોળી લાવો કે જેની જોડે બાપ ત્રણ કલાક લઢે અને છોકરો કહેશે, 'હે પૂજ્ય પિતાશ્રી, આપ ગમે તેટલું લઢો તો ય તમે ને હું એક જ છીએ.' એવું બોલે એવો છોકરો ખોળી લાવશો ? આ તો અડધો કલાક ટેસ્ટમાં લીધો હોય ત્યાર પહેલાં તો ફૂટી જાય. આ બંદુકીયો ટેટો ફૂટતાં વાર લાગે, પણ આ તરત ફૂટી જાય. જરા વઢવા માંડીએ તે પહેલાં ફૂટી જાય કે ના ફૂટી જાય ?

ઉછીનું સુખ, અંતે આપે દુઃખ !

લોક આપણને એમ જ કહે છે, આ પપ્પા ચાલ્યા. અલ્યા, પપ્પા શાના કહો છો અમને ? ત્યારે કહે છે, સહી કરતી વખતે, બાપ છોકરાંને શું કહે ? અલ્યા, 'પ' લખ 'પ'. પપ્પાનો 'પ' એટલે લોકોએ પપ્પા નામ પાડી દીધું. પત્ર લખવાનો ને, તે સહી કરતી વખતે 'પ' લખાવ્યો હોય તો પપ્પાનો 'પ' લખ કહે છે. તે 'પપ્પા' લોક કહેતાં હતા, મશ્કરી કરતા હતાં. હવે પપ્પા કહે છે, એટલે ખુશ થઈ જાય છે !

હવે આ જે સુખો લો છો ને એ બધાં, તો લોન ઉપર લો છો, તે પાછાં રીપે (ય્ફૂર્ષ્ટીક્ક) કરવાં પડશે. માટે ચેતીને ચાલજો. લોન ઉપર લીધેલાં સુખ બધાં રીપે કરવાં પડશે આ. આ વાઈફની પાસેથી, છોકરા પાસેથી સુખ લઈ લઉં છું ને, લોન ઉપર લઉં છું એ રીપે કરવાં પડશે. જેટલું રીપે કરવાની આપણી શક્તિ હોય એટલું લોન ઉપર લેજો અને પછી સહન નહીં થાય.

પ્રશ્નનકર્તા : સંસાર ભોગવવામાં સુખ ચાખ્યું, તો એ પછી એનું દુઃખ કઈ જાતનું આવવાનું છે ?

દાદાશ્રી : એ લોન તો એવી ભારે પડશે, તે મરવાના વિચાર આવશે કે આ ક્યાં જઈને મરવું ! હજુ તો આની લોન રીપે કરવાનું આવશેને ત્યારે ખબર પડશે. હજુ તો કાગળ નથી આવ્યો રીપે કરવાનો. માટે સમજીને લોન લે આ. લોન લઉંને તો રીપે કરવી પડશે, એવું સમજીને લે. આ જેટલાં સુખ, સંસારી સુખો છે ને, એ બધાં રીપે કરવાં પડશે.

પ્રશ્નનકર્તા : મારા મા-બાપે સંસારસુખ ભોગવ્યું, તે એ તો હજી સુખી જ છે. એ સુખ ભોગવે જ છે. એમને દુઃખ આવતું નથી કંઈ ?

દાદાશ્રી : એ તો સુખી લાગે તને. મોંઢા ઉપર આપણે કહીએને, કોઈ બહુ દુઃખીયો હોય, એના મોંઢા ઉપર કહીએ, 'બહુ દુઃખીયો છે.' ત્યારે કહે 'તારો બાપ દુઃખીયો મૂઆ' અને આમ રડતો હોય. મારી પાસે બધા બહુ રડે છે બિચારાં, પણ મોંઢે ના કહે. મોંઢે તો બધાની આબરૂ જાય.

શા માટે પપ્પા કહે છે ? એમ કરીને ભાડાના પપ્પા કહે છે એ તો ! સાચા પપ્પા નહીં. ભાડાના એક વખત પપ્પા કહ્યા બદલનાં વીસ ડૉલર લેશે !!

છોકરો 'પપ્પાજી, પપ્પાજી' કરે તો તે કડવું લાગવું જોઈએ. જો મીઠું લાગ્યું તો એને ઉછીનું સુખ લીધું કહેવાય. એ પછી દુઃખરૂપે પાછું આપવું પડશે. છોકરો મોટો થશે, ત્યારે તમને કહેશે કે, 'તમે અક્કલ વગરના છો.' ત્યારે થાય કે આમ કેમ ? તે પેલું તમે ઉછીનું લીધું હતું, તે પાછું લે છે. માટે પહેલેથી ચેતો. અમે તો ઉછીનું સુખ લેવાનો વ્યવહાર જ મૂકી દીધેલો. અહો, પોતાના આત્મામાં અનંત સુખ છે ! એ મૂકીને આ ભયંકર ગંદવાડામાં પડવાનું !

માને લાત મારી, આબરૂ વધારી !

અમારે ત્યાં પાડોશીમાં એક આંધળાં ડોસી અને તેનો દીકરો રહે. ડોસી આખો દહાડો ઘર સાચવે ને કામ કર્યા કરે. તે ભાઈને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા. આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ ! બંને ઘેર આવ્યા. તે ભાઈસાહેબને થયું કે મારી આંધળી માને મારો સાહેબ જોશે, તો મારી આબરૂ જશે. તે મૂઓ સાહેબની સામે પોતાની માને કહે કે આંધળી ઊઠને, મારા સાહેબ આવ્યા છે ! મૂઆએ માને લાત મારીને સાહેબ પાસે પોતાની આબરૂ ઢાંકી ! મોટો સાહેબ ના જોયો હોય તો ! આ મૂઓ, આબરૂનો કોથળો ! 'મા'ની આબરૂ સાચવવાની હોય કે સાહેબની ?

આપણે કલકત્તાથી આવતાં સારી કેરી દીઠી હોય, ને ત્યાં મજૂર ના મળે, કરંડિયા ના મળે, તો ય સાચવીને અહીં લાવીએ. અને અહીં લાવ્યા પછી કેરીઓ ખાઈએ અને ખાઈ લીધા પછી ગોટલા ને છોતરાં નાખી દઈએ. અલ્યા, આટલી મહેનત કર્યા પછી નાખી દીધું ? તો કહે કે હા, માત્ર રસનું જ કામ હતું. એમ આ માણસોને ય ગોટલા-છોતરાં રહે, રસ ના રહે ત્યારે છોકરાં ય લાતો મારે !

આ કેરી શાથી લઈ આવતા રહો છો ? તો કહે કે રસ માટે, સ્વાદ માટે. આ તો સ્વાર્થનું જગત ! માટે આપણા માંહ્યલા ભગવાન સાચા ને મોક્ષે ગયા તો કામ થયું, નહીં તો આ તો 'ઊઠ આંધળી' એવું કહે !

આવાં દુઃખ દેખે, છતાં મોહ સંસારમાં !

નાનપણમાં મેં નજરોનજર જોયેલું. એક આંધળા ડોસા હતા. એ ખાતાં હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલાં કંટાળીને ચિઢાય ને બૂમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઈ જાય ને વધારે કાંકરા નાખે ! એવું આ જગત છે ! અને પાછાં આવાં કેટલાં અવતાર થવાના છે એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે-ત્રણ અવતારમાં ય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી છતાં ય આ જગત પર લોકોને કેટલો મોહ છે !

નર્યો માર ખા ખા કર્યો, અનંત અવતાર મોહનો માર ખા ખા કર્યો છે ! હવે હિન્દુસ્તાનમાં આવ્યા પછી આપણે મોહનો માર ખાઈએ તો એ આપણને શોભે નહીં. કારણ કે બહાર ફોરેનમાં હોય ત્યાં સુધી મોહનો માર ખાવાનો વાંધો નથી.

મોટાં થયે બાપ પર રોફ !

કેડમાં ઘાલેલું છોકરું હોયને, દરિયામાં જઇએને, તે પગ નીચે લંબાવી જુએ, જો ભોંયે અડે નહીંને, ત્યાં સુધી આપણને છોડે નહીં. અને ભોંયે અડ્યું તો છોડી દે આપણને. તે દબાવી જુએ, પગ મૂકી જુએ અને પગ પહોંચે નહીં ભોંય પર, એટલે આપણને છોડે નહીં. આપણે કહીએ કે છોડ છોડ, તો ય ના છોડે. પણ પગ પહોંચ્યા કે તરત છોડી દે. એટલે આ પઝલ છે બધું !

મોટી ઉંમરનો થાય અને અહંકાર થાય, ત્યાર પછી એનો પગ પહોંચે, પછી રોફ મારે ને ? પગ ના પહોંચે ત્યાં સુધી તો મૂઓ ટાઢો ટપ જેવો રહે. પણ પહોંચ્યા એટલે આપણા પર રોફ મારવાની તૈયારી થાય ! એ એના ઘાટમાં જ હોય.

ઘૈડપણમાં કરશે ચાકરી કે ભાખરી ?!

પ્રશ્નનકર્તા : ઘૈડપણમાં ચાકરી કોણ કરે, તો પછી ?

દાદાશ્રી : ચાકરીની આશા શું કરવાની ? ભાખરી ના કરે તો સારાં છે. ચાકરીની આશા રાખવી નહીં. કોઈ માણસ સેંકડેે પાંચ ટકા સારું મળી આવે, બાકી ૯૫ ટકા તો ભાખરી કરે એવાં છે. એટલે તમારી ભાખરી ના કરે તો ઉત્તમ, તમારા જેવા કોઈ પુણ્યશાળી નહીં. મને પાંસરો ખાવા દઉં તો બહુ સારું, સૂવા દઉં તો બહુ સારું ! કહીએ.

સાસુથી કામ ના થતું હોય, તો વહુ સાસુને શું કહેશે કે તમે આઘાં બેસો. નહીં તો સાસુને ઘંટીએ બેસાડી દે. સાસુને કહે કે તમે દળો એટલે વચ્ચે ના આવો અને આ મા તો શું જાણે કે છોકરો મોટો થાય તો મારી ચાકરી કરશે. તે એ મૂઓ ચાકરી કરશે કે ભાખરી કરશે એ પછી ખબર પડે.

પહેલાં આંબા ઉછેરતા હતાં. એ તો કેરીઓ ઘેર આવતી હતી અને આજના આંબા ઉછેરતાં, છોકરારૂપી આંબા, તે બે કેરીઓ એમને આવે, બીજી બે કેરીઓ આપણી પાસે માંગશે, એટલે આ આંબા ઉછેરશોને, ઉછેર્યા વગર છૂટકો નથી. આવી પડે તે ઉછેરવા તો પડે જ. પણ આજનો આ માલ છે બધો, કળિયુગનો માલ.

ભાવના ભાવો, ઘરનાં જ્ઞાન પામો !

પ્રશ્નનકર્તા : મારા ઘરેથી એકલી આવું છું, એટલે એકલાપણું બહુ લાગે છે.

દાદાશ્રી : ઘરનાં કોને કહો છો ? કલાક ગાળો ભાંડે તો 'ગેટ આઉટ' કહી દે.

પ્રશ્નનકર્તા : ઘરનાં બે-ચાર જણાં એક વિચારનાં હોય તો બહુ સારું લાગે.

દાદાશ્રી : પણ એવું હોય તો ને ? એની માટે આપણે ક્યાં પાછાં નવા જણીએ (જન્મ આપીએ) ? જે જણ્યા છે એ સાચાં. નવા પાછાં ક્યારે જણીએ અને ક્યારે દહાડો વળે ?! જણીએ તો ય પચ્ચીસ વર્ષ તો જોઈએ ને પાછાં ! એનાં કરતાં જે હોય તે ખરું. એટલે બધી સેફસાઈડ જોવા જઈએ તો નથી પાર આવે એવો. છતાં ઘરનાંને જુદાં ગણવાં નહીં. ઘરનાં એ ઘરનાં, પણ અતિશય લાગણી એવું બધું ના રાખવું. છતાં ભાવના રાખવાની કે બધા જ્ઞાનને પામો !

મમતા આપે દુઃખ ને ચિંતા !

પ્રશ્નનકર્તા : આપણા સગાસંબંધીને દુઃખ થયું હોય, પૈસા કે માન-અપમાનનું, તબિયતનું વગેરે તેની ચિંતા આપણને થતી હોય ?

દાદાશ્રી : એ તો બધું આપણું ઈગોઈઝમ છે, મમતા છે. મમતા હોય તો દુઃખ થાય, હમણાં તમારો સગો ભાઈ હોય, તે મમતા હોય તો થાય. પણ એક દહાડો ખૂબ લડ્યા અને પછી તમે કહો કે ભઈ, તારું મોઢું ના દેખાડીશ. ત્યાર પછી દુઃખ ના થાય. એને દુઃખ થાય તો ય, તમને પછી દુઃખ થાય ? ત્યારે એને મમતા છૂટી ગઈ. આ મમતાને દુઃખ થાય છે.

મમત - લાગણીના તાર, અંતે રડાવે !

એક બાપ, ડૉકટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું. તે પછી પાકેલું, એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપે છોકરાને બહુ ફંટવેલો, બહુ પૈસાવાળો હતો. હવે ડૉકટર કહે કે હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ. તમે ચિંતા ના કરશો. પણ શેઠ કહે કે મને ઓપરેશન થીયેટરમાં બેસવા દો. શેઠ તો વજનદાર માણસ એટલે ડૉકટરે બેસાડવા દેવા પડ્યા. હવે બાપ બેઠેલો આઠ ફૂટ છેટે અને ડૉકટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂક્યો. છોકરા પર મમતા બહુ, તે પેલું આંગળીનું ઓપરેશન કરવાનું હતું ને તે દવા ચોપડીને કર્યું, છોકરાને કશું ના થયું અને પેલાં બાપે જોયું. બાપે, પેલું આમ ઓપરેશન કર્યું તે જોયું, તે રડવા માંડ્યો. થર, થર, થર ! અલ્યા, તાર-બાર નથી, આ શી રીતે ? પણ એ મમતા, એ ભોગવે તે ભૂલ એની. 'ભોગવે એની ભૂલ.' એવું બને કે ? બાપ ભોગવે એમ ? રડે એ ? આંગળી પેલાની ક્યાંય હોય ?! હવે ન્હોતો કોઈ તાર જોડ્યો, કશું હતું નહીં ને છતાં આ ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે ? એ તો બબૂચક કહેવાય. ના સમજણ પડી ?

પ્રશ્નનકર્તા : હા, પડી.

દાદાશ્રી : હમણાં બાપ છોકરા જોડે એક કલાક લડે, આવડી આવડી ગાળો ભાંડે, તો છોકરો શું કહે ? શું સમજો છો તમે ? વારસાની મિલકત માટે કોર્ટમાં દાવો હઉ માંડે. પછી એ છોકરા માટે ચિંતા થાય ? મમતા છૂટી ગઈ કે ચિંતા છૂટી. છોકરાની મમતા છૂટી ગઈ. મૂઓ એ છોકરો, મારે નહીં જોઈતો હવે. આ ચિંતા થાય છેને, તે મમતાવાળાને થાય છે.

એ થઈ એબવ નોર્મલ મમતા !

છોકરા પર ભાવ તો જોઈએ. મનુષ્ય છે, વિચારશીલ છે. એટલે ભાવ તો જોઈએ. એટલે બિલો નોર્મલ આપણાથી રખાય નહીં. પણ નોર્માલિટીની હદ સુધીમાં એની મમતા રાખવી જોઈએ. અને એબવ નોર્મલ મમતા, લોકો કહે, આટલી બધી શી મમતા ! એ જરા ઓછી રાખ ને મમતા, આટલી બધી શી મમતા રાખું છું ? એ છોકરો ગયો કોલેજમાં, તે મને ગમતું નથી. કઈ જાતની ફીકર છે ? એને લોકો ય વઢે. એવું ના કહે કે આટલી બધી મમતા શું કરવા રાખો છો ? કહે કે ના કહે ? એ મમતા એટલે વધારે પડતી એક્સેસ, એબવ નોર્મલ થઈ એ મમતા. આ અમારે બધા જોડે સંબંધ વધે પણ એબવ નોર્મલ તો નહીં, એ તો ઉપર જતું રહે. આપણે જઈએ એટલે વળી યાદ ના આવે. અને યાદ આવે એ વધારે પડતી મમતા.

પ્રશ્નનકર્તા : યાદ ન આવે એ મમતા નહીં.

દાદાશ્રી : હા, યાદ તો ન જ આવવું જોઈએ. શું હેલ્પફુલ યાદ આવે તે ?

સાચી લાગણી, પ્રમાણસર !

પ્રશ્નનકર્તા : તો પછી આપણે લાગણી વગરનાં છીએ, એવું ના કહેવાય ?

દાદાશ્રી : લાગણી વગરનો કોણ ? આ યાદ આવે એ લાગણી વગરનો. લાગણીવાળાને યાદ જ ના આવે.

પ્રશ્નનકર્તા : આ તો ઊંધું જ કહ્યું.

દાદાશ્રી : આ લાગણી તો તમે રાખો, તેથી પેલાને શું ફાયદો થાય ?

પ્રશ્નનકર્તા : કંઈ નહીં. આપણને ચિંતા થઈ, એને તો કંઈ ના હોય.

દાદાશ્રી : એટલે હેલ્પફુલ નથી. તમારે લાગણીમાં, ફુલ લાગણી બતાવો ને ! પણ અહીં છૂટ્યા એટલે કશું જ નહીં. પછી ભેગાં થાય એટલે ફુલ લાગણી બતાવો. અહીંથી ઊઠ્યા એટલે કશું ય નહીં એવું હોવું જોઈએ. આ તો, તમે અહીંથી ઊઠ્યા તે લાગણી લઈ જાઓ, પછી ભેગા થાય ત્યારે કૂદંકૂદા કરો, વઢંવઢા કરો. એ લાગણી કહેવાય નહીં ને ! કારણ કે લાગણી વપરાઈ જાય છે, ખોટે રસ્તે વપરાઈ જાય છે. એ લાગણી સિલક રાખો, રસ્તામાં પાડી ના દેવી જોઈએ અને પછી ભેગાં થાય ત્યારે પછી લાગણી વાપરવી. પેલી સમજાય કે ના સમજાય, મારી વાત ? બહુ ઝીણી વાત છે આ. સંતો ય ના સમજે એવી વાત છે.

પ્રશ્નનકર્તા : બની ના શકે, ઇમ્પોસિબલ છે એમ.

દાદાશ્રી : આ દુનિયામાં કશું ઇમ્પોસિબલ હોતું જ નથી. તમે દાદા ભગવાનનું નામ લઈને કરો. તમે દાદા ભગવાનની સાક્ષી લઈને જો કરો તો બધું પોસિબલ છે.

પ્રશ્નનકર્તા : આપણે અહીંયા અમેરિકામાં રહીએ, પણ મા-બાપને ભૂલી ઓછાં શકીએ ?

દાદાશ્રી : એ જગત ભૂલાતું નથી ને એ જ મમતા, ખોટી મમતા છે. એબ્નોર્મલ મમતા. મને બધાં સગાવહાલાં કહે છે, શું દાદા, તમારો પ્રેમ ! કેવો જબરજસ્ત પ્રેમ છે !! અને તમને છે તે તમારા ઘરમાં જ માણસો કહે છે, તું આવી છું, તેવી છું. આવું તમારા ઘરનાં જ માણસો કહે. કારણ કે તમને પ્રેમ ઢોળતાં નથી આવડતું. તમે પ્રેમ રસ્તામાં ઢોળી દો છો અને ભેગો થાય ત્યારે અડધો પ્યાલો આપો છો એને. આવાં જીવનથી તો આ મન, શરીર ફ્રેકચર થઈ જશે.

અતિશય ખોટું, રીતસર સારું !

એટલે બહુ અતિશય કરવા જેવું નહિ. રીતસર સારું છે. નાટકીય ડ્રેસમાં કોઈ આંગળી ના કરે એવું જોઈએ. નાટકમાં કોઈની આંગળી થાય તો પગાર ઓછો થઈ જાય, કપાઈ જાય. એટલે અભિનય કરવો પડે. હા, છોકરો મરી ગયો નાટકનો, એટલે આંખમાં જરા પાણી ના હોય તો આમ આમ એ કરીને લાવવું પડે. બાકી છોકરાનાં તો સ્વાદ ભવોભવ જોયેલાં ને ! એક કલાક છોકરાને લેફટરાઈટ લઈ જુઓ જોઈએ અને કાઢે સ્વાદ પછી. જો માખણ કાઢે વલોવીને !! આ તો વળી મર્યાદામાં હોય તો સારું છે. પણ એનાં બાપાની પાછળ કોઈ જવા તૈયાર થયેલો નહિ ! આંતરવું પડે નહિ આપણે કે, 'ના, બા. તારાં બાપ જોડે નહિ જવાનું, બા. હેંડ બા પાછો.' ઝાલી ઝાલીને લઈ જવાં પડે, એવું નહિ. પણ જાય જ નહિને, મૂઓ. એ બાપા ગયા તો મારે શું ? હું પૈણીશ ઘેર જઈને અને બિસ્કીટ-બિસ્કીટ બધું, ઘેર લાવીને ખાય નિરાંતે.

એટલે આની મર્યાદા કેટલી છે, આપણે જાણીને પછી કામ લેવું. મર્યાદા ના સમજે એ મોહ કહેવાય. પપ્પા ખરાં, પણ મૂરખ બનવા માટે નહીં.

મમતાના આંટા છૂટે જ્ઞાની કળાથી !

પ્રશ્નનકર્તા : એમ નહીં, ઝઘડો ના થયો હોય અને મમતા બાંધેલી હોય તો શું કરવું ?

દાદાશ્રી : એ મમતા ધીમે રહીને છોડી નાખવી. મહીં મનથી બોલવું 'હે દાદા ભગવાન ! એ મારા ન્હોય. હે દાદા ભગવાન ! મેં મારા માન્યા, તેથી મને ઉપાધિ આવી ગઈ.

પ્રશ્નનકર્તા : એ કેવી રીતે પોસીબલ બને ?

દાદાશ્રી : હા, ચોક્કસ બને. આવું કરોને, એક દહાડો કરી જો. બીજે દહાડે જતી રહેશે. આ તો બધા ઉપાય છે.

પ્રશ્નનકર્તા : મા-બાપ હોય, એમની પ્રત્યે મમતા હોય, એ તો કેમ છોડાય ?

દાદાશ્રી : મા-બાપની ય છોડી દેવાય ને ! મા-બાપ તો વ્યવહારના છે અને વ્યવહારના ઉપકારી છે. અને વ્યવહારનો ઉપકારનો હું બદલો વાળીશ, પણ બીજું મારે શું લેવા-દેવા ? આમ કરીને ય મા-બાપની ય મમતા છોડી દેવાય. વ્યવહાર ઉપકારી છે, તે આપણે વ્યવહારથી બદલો આપીશું. પણ મા મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી, પછી ચિંતા જ થાય ને ! તમને એવું થતું નથી ને ?

પ્રશ્નનકર્તા : ના.

દાદાશ્રી : તો સારું. એવી ભાંજગડ નહીં. આમને બહુ થાય.

પ્રશ્નનકર્તા : વ્યવહારમાં મા-બાપની ને છોકરાઓની મમતા કેવી રીતે છૂટે, એ તો ના છૂટે ને ?

દાદાશ્રી : એ મમતા શેને કહેવાય છે ? વધારે પડતું એબ્નોર્મલ થવું એને મમતા કહેવાય છે. નહીં તો મમતા કેવી રીતે કહેવાય ? એબ્નોર્મલ જો થઈ ગયું હોય તો મમતા ! અને બિલો નોર્મલ એ પણ સારું ના કહેવાય ! કારણ કે મનુષ્યો છીએ આપણે, મા-બાપ ઉપર, છોકરા ઉપર ભાવ તો રહેવો જોઈએ જ આપણો !

રાખવી પ્રીત પરાણે જેવી !

બાબો માંદો હોય તો આપણે દવા બધી કરીએ, પણ બધું ઉપલક. છોકરાંને 'મારા છોકરાં' કહે અને છોકરાં ય 'મારી મા' કહે, પણ મહીં લાંબી સગાઈ નહીં. એટલે આ કાળમાં ઓરમાઈ સગાઈ રાખજો, નહીં તો માર્યા ગયા જાણજો. છોકરાં કોઈને મોક્ષે લઈ જનારાં નથી. જો તમે ડાહ્યા થશો તો છોકરાં ડાહ્યા થશે. છોકરાં જોડે વહાલ તે કરાતું હશે ? આ વહાલ તો ગોળી મારે. વહાલ દ્વેષમાં ફરી જાય. પરાણે પ્રિત કરીને ચલાવી લેવાનું. બહાર 'સારું લાગે છે' તેમ કહેવાનું પણ મહીં જાણીએ કે પરાણે પ્રીતિ કરી રહ્યા છીએ, આ ન્હોય સાચી સગાઈ.

કર્માધિન સગાઈના મોહ શા ?

આ તો બધી પરભારી પીડા છે. છોકરો એમ નથી કહેતો કે મારા પર પડતું નાખો, પણ આ તો બાપ જ છોકરાં પર પડતું નાખે છે. આ આપણી જ ભૂલ છે. આ કળિયુગમાં તો માંગતા લેણાવાળાં છોકરાં થઈને આવ્યા હોય છે ! આપણે ઘરાકને કહીએ કે, 'મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી.' તો ઘરાક શું કરે ? મારે. આ તો 'રિલેટિવ' સગાઈઓ છે. આમાંથી કષાયો ઊભા થાય. આ રાગકષાયમાંથી દ્વેષકષાય ઊભો થાય. ઉછાળે ચઢાવાનું જ નહીં. આ દૂધપાક ઊભરાય ત્યારે લાકડું કાઢી લેવું પડે, એના જેવું છે.

છોકરાંને આપણે કશી લેવા-દેવા નથી. આ તો વગર કામની ઉપાધિ ! બધાં કર્મને આધીન છે. જો ખરી સગાઈઓ હોય ને તો ઘરમાં બધાં નક્કી કરે કે આપણે ઘરમાં વઢવાડ નથી કરવી. પણ આ તો કલાક-બે કલાક પછી બાઝી પડે ! કારણ એ કોઈના હાથમાં હોતું જ નથી ને ! આ તો બધા કર્મના ઉદય ફટાકડાં ફૂટે તેમ ફટાફટ ફટાફટ ફૂટે છે !

આ મોહ કોની ઉપર ? જૂઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક-વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે, એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય, એવા સંબંધમાં મોહ શો રાખવો ?

છોકરાં મોકલે ઘરડાં ઘરમાં !

શેઠ શું કહે કે અમે શું કરીએ ? અમારે તો મિલકત છોકરાને આપવાની છે. મૂઆ, ચારસોવીસી કરીને કમાણી કરી અને તે ય પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે ? છોકરો તો રિલેશનવાળો છે; રિલેટિવ સંબંધ અને પાછો અહંકારી. કંઈ શાશ્વત સંબંધ હોય, રિયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો સારું. આ તો સમાજને લીધે દબાઈને જ સગાઈ રહી છે અને તે ય ક્યારેક બાપ-દીકરો લડે છે, ઝઘડે છે ને ઉપરથી કેટલાંક છોકરાં તો કહે છે કે, બાપને ઘરડાંઓના ઘરમાં મૂકી આવવાના છે ! જેમ આ બળદોને પાંજરાપોળમાં મૂકી આવે તેમ ઘરડાંઓનું ઘર ! કેવું રૂપાળું નામ કાઢ્યું છે ! આ સગાઈમાં કેમ બેસી રહ્યા છો તે જ મને તો સમજાતું નથી. આ રિલેશન સંબંધમાં અહંકાર ના હોય તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે ક્યાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને, મારી નાખીને રાજગાદીઓ લીધેલી !

આ તો મછવામાં ભેગું થયેલું માણસ. તે એ તો એનો કિનારો આવશે એટલે ઊતરી પડશે. અને આ કહેશે કે, મને એના વગર નહીં ચાલે. આવું 'એના વગર ના ચાલે' એ કેમ થાય ? આ તો ઋણાનુબંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા. ચપટીક ખાવું ને ગામ આખાનું માથે લઈને ફરવું ને પગ દુઃખે તો કોઈ જોવા ય આવે નહીં. એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે.

ઉપકારીને તરછોડ્યા !

પ્રશ્નનકર્તા : દાદા, આપણને એવો ભાવ કેમ રહેતો હશે કે આપણે આ છોકરાઓનાં છોકરાઓ છે, એનાં માટે પણ કંઈક આપતા જાવ, આમ કરતાં જાવ. એ શું ? એ કેમ ભાવ રહેતો હશે ?

દાદાશ્રી : બળ્યું ! બાપનું નામેય સંભારતો નથી, બાપના મરી ગયા પછી.

પ્રશ્નનકર્તા : હા. એ તો બરાબર છે.

દાદાશ્રી : જ્યાં સંભારવું છે, ત્યાં સંભારતો નથી. જેનો ઉપકાર છે તેને આ ભઈ સંભારતો નથી અને વ્યાજના વ્યાજને બે ફેરો સંભારે છે. જે મારા નથી તેને મારા કર્યા અને જે મારા હતા તેને તરછોડ્યા. મા-બાપે આપણા પર ઉપકાર કર્યો, નવ મહિના તો આપણને પેટમાં રાખે મા, તો ય પણ એને તરછોડે.

પ્રશ્નનકર્તા : હા, એવું બને છે.

દાદાશ્રી : અને છોકરાને મારાં-મારાં કરે ! હવે છોકરાને આપણે પૂછીએ ત્યારે એ આપણને કહે, 'ઘૈડાં થયા ને તે કચકચ કર્યા કરે છે વગર કામનાં !' એ પાછો એના બાબાને રમાડ રમાડ કરતો હોય. બાબો ગોદા મારે તો ય પાછો એને રમાડ રમાડ કરે અને બાપ સુંવાળું સુંવાળું બોલે તો ય એને ગમે નહીં. એટલે મેં તો છેકીને કાઢી દીધેલું કે આ ન્હોય મારા, એમ કરીને ! મમતા, ખોટી મમતા !

બીબીની ચાવી !

આડે દા'ડે શું કહે, સ્વભાવ વહુનો સારો નથી અને વખત આવે ત્યારે બે એક થઈ ગયા હોય. હું તો એ કહે ત્યારથી સમજું ! મૂર્છાથી છેતરાય છે જગત, મૂર્છાથી માર ખાય છે. મને એ પોષાય એવો ન્હોતો માર્ગ. આ માર્ગ કેમ પોષાય ! મિલકત આપવી અને પાછો પેલો ટૈડકાવે.

એનો સાઢુ હોય ને, તો બાર વખત દવાખાનામાં જોઈ આવે અને બાપા હોય ત્યારે ત્રણ વખત ગયો હોય. અલ્યા મૂઆ, એવી તે કઈ ચાવીને આધારે તું આવું કરું છું તે ! ઘરમાં બીબી ચાવી ફેરવે, મારા બનેવીને જોતાં આવજો ! તે બીબીએ ચાવી ફેરવી એટલે એકાકાર. તે બીબીને આધીન છે જગત.

'ગુરૂ' કાબુ જમાવે, મા કાબુ ગુમાવે !

આ ધણી મળ્યો, છોકરો મળ્યો, આ બધા જોડે કંઈ આપણને સાઢું સહિયારું છે ?! આમ તો ૭૦-૮૦ વર્ષનું આયુષ્ય હોય. તેમાં આ છોકરો ૧૮-૨૦ વર્ષનો થાય, એટલે ૨૦ વર્ષ તો જતાં રહ્યા. પછી એને પૈણાવો એટલે એના ગુરુ આવ્યા હોય એટલે નવી જ જાતનો ફેરફાર થયેલો હોય ! ફક્ત ૨૦ વર્ષ આપણા તાબામાં રહે અને ગુરુ આવ્યા કે તરત ફેરફાર ! એટલે આપણે પહેલેથી ના સમજીએ કે ગુરુ આવશે એટલે ફેરફાર થઈ જશે. માટે આપણે પહેલેથી તૈયારી કરી રાખવી. આપણે ગાંઠે કરીને (જરૂરિયાત મુજબ પોતાની મૂડી ખાનગીમાં અલગ રાખી) બંધ રાખી દેવાનું. ધણીને ય કહેવું કે 'ગાંઠ કરી રાખજો આપણે.' આ દેખાતું આપણે એને આપી દેવાનું, પછી છોકરો હક્ક ના કરે !

આમ તો છોકરો સારો હોય, પણ જો એને ગુરુ ના મળવાનાં હોય તો. પણ ગુરુ મળ્યા વગર રહે નહીં ને ! પછી પરદેશી ગુરુ આવી કે ઇન્ડિયાની હોય, તો ય પણ મારું કહેવાનું કે પછી આપણા હાથમાં કાબુ ના રહે. માટે લગામને પધ્ધતિસર રાખવી જોઇએ.

છોકરામાં ઊંચા ગુણો આવ્યા હોય તો ઘરમાં તમને બધાને શાંતિ રહે, આનંદ રહે, બધાને સુખ રહે. અને છોકરાનાં લગ્ન તો કરવાનાં જ. લગ્ન કરે એટલે બહારનો માલ આવવાનો અને એ ગુરુ થઈ બેસવાનો પાછો. પછી એને શીખવાડે એટલું જ એ શીખે. પણ અત્યારથી છોકરાને હું તૈયાર કરી રાખું, એટલે પેલી ગુરુ થઈ બેસે નહીં ને ! અત્યારે તો બધે ગુરુ થઈ બેસે છે ને મા-બાપને મુશ્કેલીમાં મૂકે છે !!

પ્રશ્નનકર્તા : આ મોહ છોડાવા માટે છોકરાઓ વધારે ઉપકારી કે વહુઓ ?

દાદાશ્રી : વહુઓ જ ઉપકારીને વધારે ! પણ મૂળ કારણ તો છોકરાં જ છે. દેખાવમાં વહુઓ લાગે. પણ મૂળ કારણ તો છોકરાં જ છે. કારણ કે છોકરો જે હતો એની બાનો અસલ ભક્ત હતો, એની મધરનો. આ છોકરાઓ એની મધરના ભક્ત હોય છે બિચારા. પણ પછી એક બેન મને કહેતી હતી કે મારો છોકરો મને પૂછયા વગર કશું કરવાનો નથી. એની મા આવું કહેતી હતી. એટલે મેં કહ્યું કે હજુ એના ગુરુ આવવા તો દો, પછી જુઓ ! એના ગુરુ આવે ત્યારે શું કહે, એને ગુરુ મળવા જોઈએ. ગુરુ મળ્યા નથી ત્યાં સુધી. ગુરુ મળ્યા કે ચાલ્યું ! 'ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા.'

છોકરા તો બહુ સારાં હોય છે પણ પૈણ્યા પછી એમના ગુરુ આવે છે ત્યારે જોઈ લો પછી ! વાઈફ હોય ને, એને ય ગુરુ કરે ને ! જ્યારે ગુરુ એને કહે ને, કે આ બા તો તમે જાણો છો, બા તો આવાં છે ! ત્યારે પહેલાં તો છોકરો જોર કરે, બે તમાચા મારી દે, કે 'કેમ મારાં બાની વાત કરું છું ? એક શબ્દ જો મારી મમ્મી માટે બોલી છો તો તારી વાત તું જાણે, કાઢી મૂકીશ.' કહે છે. બે-ચાર વખત એવું કરીને પેલીને નરમ કરી મૂકે. હવે હમણે ટાઈમ છે ને પેલી તે વાત નરમ મૂકે. તે વર્ષ-બે વર્ષ આવું બોલે એટલે પેલી સમજી જાય કે આમને કંઈ રાગે પાડવાં પડશે. પછી છે તે ધીમે, ધીમે ટાઈટ કરી દે નટ. પછી ઈન્જીન ઊંચું-નીચું જ ના થાય. તે બધું આવડે એને કળા, તે ધીમે ધીમે ગરમ થાય કે ઉપર હથોડી મારે અને વાળે. એમ ને એમ ટાઢું વળે નહીં. દોઢ-બે ઈંચનો સળીયો ગરમ થાય એટલે હથોડી મારે. એમ કરી કરીને વાળે એને અને પછી કહે, 'જો, બા આજ આ પ્રમાણે બોલતાં હતાં ને તમને કેમ લાગે છે ?' ત્યારે છોકરો કહેશે, 'હા, તે મારી બાનો જ વાંક છે, બરાબર છે, યુ આર રાઈટ.' તે ચાલ્યું અવળું. દ્રષ્ટિ બદલી નાખે એ !

કારણ કે બઈ જો જરા જબરી હોય ને, તો ભઈને ઓળખી જાય કે ભઈને કયા પ્રિય અને અપ્રિય શબ્દ પર બહુ મમતા છે. પછી બઈ કયો પ્રિય શબ્દ છે એની શોધખોળ કરે. આપણે ગાય રાખી હોય ને તો ય ચાર દિવસમાં આપણને ખબર પડી જાય કે આ ગાયને શી રીતે રાખે તો સારી રીતે ખાય. એવું બઈ એ ય સમજી જાય એટલે બઈ પ્રિય શબ્દ એવા બોલે કે પછી પેલાને માજી જોડે ઝઘડો થાય.

માવડિયો મટ્યો, બન્યો વહુ ઘેલો !

એક પાંત્રીસ વર્ષનો છે તે બી.કોમ. થયેલો મોટો ઓફીસર હતો, અમારા ભત્રીજાનો દીકરો. એટલે હું દાદો થઉં એનો. તે મને આવીને કહેવા માંડ્યો કે દાદાજી, મારી મધર ઓફ થઈ ગયાં, તો ય મારે હજુ કહેવું પડે છે કે બહુ પક્ષપાતી હતાં.

એટલે આ જ્ઞાન થતાં પહેલાંની આ વાત, બે વર્ષ અગાઉ. એટલે પછી જ્ઞાન થયેલું નહીં અને વાતને તો એને જવાબ આપવાની પ્રેક્ટિસ. એટલે પછી મેં એને શું કહ્યું, તારી બાએ પક્ષપાત કર્યો એ વાત સાચી ભઈ. તારી બાએ તને શું કર્યું છે એ હું કહી આપું તને હવે. જો સાંભળ બધી વિગત. હું જાણું છું, તું તો નાનો હતો આવડો. તારી માએ નવ મહિના પેટમાં રાખ્યો હતો, ભાડું-બાડું દીધું નથી તેં. નવ મહિના આરામ કર્યો તેનું. કંઈ જેવી તેવી વાત છે ?! એનું ભાડું તો આપી જો ! ખાવા-પીવાનું, સૂઈ રહેવાનું, બધું સાથે, વિથ કમ્પ્લીટ રીઝર્વેશન ! તો ય આ લોકોને કિંમત નહીં ! અઢાર વર્ષ કુરકુરિયું જોડે ફેરવે એમ ફેરવ્યો. છોકરું તો માની જોડે જ ફરે ને ! આમ આઘી ખસે તો ય હાથ ઝાલે. મા આઘી ખસી જાય તે આ સાલ્લો ઝાલીને ફરે અને અત્યારે તો ઓછા ઝાલે છે આજનાં છોકરા તો. પણ પહેલાં તો બહુ ઝાલતા હતા મૂઆ ! ત્યારે બા ઉપર તિરસ્કાર ન્હોતો આવતો. અને પછી ગુરુ આવ્યા ત્યારે પછી ફરી ગયો ! ગુરુ શીખવાડે છે એમ તું કરું છું ! મેં પૂછયું, આ પેટમાં રાખનાર કોણ ? આવડા મોટા ઓફિસરને ! પણ આ જુઓને કહે છે, આ મારી માએ પક્ષપાત કર્યો, બોલાતું હશે ?! કર્યો હોય તો ય ના બોલાય. મધર એટલે મધર. તમને કેમ લાગે છે ?

પ્રશ્નનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : નવ મહિના કેબીનમાં તમે રહ્યા હતાં. એ નવ મહિના તો મા ખાતી હતી, તે રસ ચાખીને તમારું બંધારણ થયેલું છે, ઘનચક્કરો ! કઈ જાતના પાક્યા છો ? અઢાર વર્ષ સુધી ગાયને પાછળ વાછરડું ફરે એમ તને જોડે ફેરવ્યો, તો ય તને મા પર વિશ્વાસ ઊડી ગયો ? અને આ વહુ આવી એની પર વિશ્વાસ બેસી ગયો ? આમ મોટો ઓફિસર, ભણેલો, તે આવું કશુંક જરા કહીએ ત્યાર વગર ગાંઠે નહીં ને ! હવે મોટા થયા પછી સાહેબ થઈ જાય, તો શું થાય ?

માનો ઉપકાર કેટલો બધો !

આ છોકરાંઓને સમજણ નથી તેથી માનો ઉપકાર નથી માનતાં ને ! માનો ઉપકાર તો ભૂલાય નહીં. આખી ચામડીના જોડા સીવડાવીએ તો ય માનો ઉપકાર ચૂકવાય નહીં. અને વહુ આવી એટલે આ વિફર્યો ! આ તે કઈ જાતનું કહેવાય ?! મા જોડે ઝઘડો કરું છું ? તને મા ઉપર વિશ્વાસ નથી આવતો એટલે આ વહુ ઉપર વિશ્વાસ આવે છે. આવું કેમ હોય માણસને ? મનુષ્યપણું કોઈ મૂરખ બનાવી જાય એવું ના હોવું જોઈએ. વર્લ્ડમાં કોઈ મૂરખ ના બનાવી શકે એવું મનુષ્યપણું હોવું જોઈએ અને જેવી એની વાઈફ આવે છે, ત્યારે જ એ ગુરુ આવે છે કે તરત બદલાઈ જાય છે ને ! આવાં માણસો જે કો'કના કહેવાથી, કો'કના ચડાવવાથી બદલાઈ જાય. મા-બાપની વિરુધ્ધ થઈ જાય.

બહુ શરમ આવી એને. આ શું કહે છે, દાદા ! ખરું કહે છે, સ્ત્રીનું મનાય જ કેમ કરીને ? પોતાના મા-બાપ ગમે તેવા ગાંડાઘેલાં હોય. તમને કેમ લાગે છે ?

પ્રશ્નનકર્તા : બરાબર છે. સાચી વાત છે.

દાદાશ્રી : આ કાળ દુષમકાળ છે. જ્યારે મહાવીર ભગવાનનો કાળ હતો ને, તે વખતે પિતાનું કહેવું છોકરો માનતો હતો અને એની વાઇફનું કહેવું માનતો નહોતો. અત્યારે તો વાઇફને 'ગુરુ' કહે છે અને પછી પિતાને આવડી આવડી ચોપડે છે. વાઇફને ગુરુ કરી દે છે અને વાઇફના કહ્યા પ્રમાણે જ ચાલે છે. એટલે પિતાને ગણકારતાં નથી.

એ તો માતા-પિતા જમાના પ્રમાણે !

એટલે આપણાં મહાત્મા દુઃખી ન થાય એવાં બધા રસ્તા બતાવીએ. વ્યવહારમાં ય દુઃખી ના થાય. એટલે દેશમાં બધાને શીખવાડી દેવાનું આ તો. ફરી ફજેતો ના થાય. નહીં તો પછી દાદાને સમું કરવા આવવું પડે. પાછું નટ તો ખોલી આપું હું તો. ત્યારે શું થાય ?

એટલે ચેતતા રહેવું આપણે. કારણ કે છોકરો તો આપણો જ છે, પણ હજુ ગુરુ આવવાના બાકી છે અને ગુરુ આપણે જ લઈ આવવાના પાછા. કોણ લઈ આવે ?

પ્રશ્નનકર્તા : આપણે ! મા-બાપ જ.

દાદાશ્રી : હા, એ જ ગુરુ આપણી ગાદીને ખસેડે છે. તે ખસેડે, જોઈ લો, દેખ લો, મજા પછી!

પ્રશ્નનકર્તા : સારું પણ મળે, કદાચ. સારી ગુરુ પણ મળે કદાચ.

દાદાશ્રી : અત્યારે માલ જ સારો ના હોય ને !

પ્રશ્નનકર્તા : આપણે સારા ન્હોતા ?

દાદાશ્રી : એ જમાનો જુદો ગયો અને આ જમાનો જુદી જાતનો આવ્યો !

પસંદગીની વહુ, પછી ભૂલ કોની ?

પ્રશ્નનકર્તા : આપણે એમ કીધું કે છોકરો પૈણાવીએ, પછી વહુ આવે અને જો આપણું વ્યવસ્થિત એવું હોય કે તમારા બા તો આવા છે. આ બધાની સામે આપણે કયું શસ્ત્ર રાખવું ? એની સામે આપણે પ્રીકોશન કેવું રાખવું કે જેનાથી આપણી જાગૃતિને અથવા આપણાથી એ સહન થાય, એને માટે કયા પગલાં ભરવાં ?

દાદાશ્રી : પાસ કરીને વહુ લાવ્યા અને પછી વહુ અવળું બોલવા માંડી. એટલે તરત આપણે આ બોલે છે એ 'વ્યવસ્થિત' છે બધું. કારણ કે પાસ કરીને લાવ્યા આપણે. આશીર્વાદ આપ્યા, ઘરમાં આવીને સોનાની માળા પહેરાવી. હવે એ બોલવા માંડી. તો આ 'વ્યવસ્થિત' સમજી જવાનું અને પછી ભોગવવું પડે તો 'ભોગવે એની ભૂલ' કહેવાની. આપણે ભોગવવું તો આપણે મહીં જાતને કહેવું કે બા, 'ભોગવે એની ભૂલ'. એ દાદાજીએ બધી એક એક વાત સમજણ પાડી દીધેલી છે.

પ્રશ્નનકર્તા : આ તો તમે પછીની વાત કરી, પણ આ અમને પ્રીકોશન જોઈએ કે હવે....

દાદાશ્રી : પ્રીકોશન તો હોતાં જ નથી. પ્રીકોશનમાં તો આપણે સારું લાવવું છે એવી ભાવના રાખવી. જે આવવાની છે ને, તેને કોઈ છોડવાનું નથી પણ છતાં આપણે જોવી-કરવી.

પ્રશ્નનકર્તા : અને આપણે એના શુધ્ધાત્માને જોયા કરીએ, તો કદાચ ઢીલું પડી જાય.

દાદાશ્રી : નરમ પડે, નરમ પડે. પણ પૂર્વનું જે વેર હોય ને, તે વાળ્યા વગર ના રહે.

છોકરાંની પજવણી ? નહીં, મોહ તોડાવે !

આજના છોકરાઓ જોડે, આ જનરેશન જોડે મેળ નથી પડતો ઘૈડા માણસોને. એટલે એ ખત્તા ખઈખઈને રહેવું પડે છે. પેલો અવળું બોલે છે, ચલાવી લઈશું પણ એવું આ ચલાવી લે છે. મહીં પણ પાર વગરનો અજંપો થયા કરે ને મનમાં એમે ય થાય કે મૂઆ, આથી વહેલો મરી ગયો હોત તો સારો એ. કાં તો હું મરી ગયો હોત તો સારો. બેમાંથી એક નક્કી કરે. આવાં અજંપાથી બધું ચાલી રહ્યું છે.

માને પજવે તો ય એને આ વ્હાલો લાગ્યા કરે અને બાપને સહન ના થાય, બાપને શી રીતે સહન થાય ? જ્યાં બુધ્ધિનું લાઈટ હોય. સ્ત્રીઓમાં ય બુધ્ધિ ખરી, પણ મોહ ખરો ને ! તે મોહને લઈને અંધારું થયા કરે બુધ્ધિ પર ? અને આપણે પાછળ ફોકસ મૂકેલું હોય એટલે મૂંઝામણ થઈ જાય.

આ કાળમાં પેલાં ધણી કહેશે, હું ઘરડાંઘરમાં જઉં છું, તમે આવો છો કે ?! ત્યારે પેલી કહે, ના, છોકરા જોડે મને ફાવશે, વહુ સારી છેને ! ના આવે, આવે નહીં કોઈ દહાડોય. આ બહારનાં લોકોને માટે વાત છે. બહારના લોકોને કેવી મુશ્કેલી છે, એ તો મને સમજાય !

આ મને તો સાત છોકરાં હોય ને, જો કદિ આવું છોકરાં પજવ પજવ કરતાં હોય ને, તો જેમ અવળું બોલે, તેમ હું ખુશ થઈ જઉં. 'હેંડ, તું ગાંડો છું પણ હું તો ડાહ્યો છું ને !' પણ હું મોઢા ઉપર અવળું દેખાડું. મોઢા ઉપર એવું દેખાડવું પડે કે મને બહુ દુઃખ થયું અને અંદરખાને હું ખુશ થઉં કે એનો ચક્કર કાચો પડ્યોે. જે મશીન ફટાકા મારે ને, તેને અમે 'કાચા' કહી દઈએ. એ વિનય રાખે એટલે હું જાણું કે 'પાકો' છે આ. પણ 'તમે આવાં છો ને તેવાં છો' બોલે એટલે હું એને માટે માની લઉં કે આ વીક છે બિચારો, દયા ખાવા જેવો છે ! આપણે કંઈ એવાં વીક છીએ ?!

સબ સબ કી સમાલો !

છોકરાઓ જોડે ડીલ કરતાં ના આવડે એ આપણી ભૂલ ખરી કે નહીં ?

પ્રશ્નનકર્તા : હા, ભૂલ ખરી.

દાદાશ્રી : હં, બધે આની આ જ ભૂલો થયેલી તમારી, નહીં ? આ બધે જ્યાં જુઓ ત્યાં આની આ જ ભૂલો. લોકો મોહમાં મારું લડકું, મૂઆ ન્હોય લડકું, જરા અથડાવી જોજો. એની જોડે સામો થા જોઈએ એક કલાક ! એ તારું લડકું છે કે નહીં, ખબર પડશે ! એ તો રીતસર બધું સારું. છૂપો પ્રેમ રાખવાનો, ઉપરથી પ્રેમ ના ઓપન કરાય છોકરાઓને, એ તો આસક્તિ કહેવાય. એટલે જરા રીતસરનું કરવું બધું આપણે. આપણું કંઈ કલ્યાણ તો કરવું જોઈએને ! કયા અવતારમાં નહોતાં છોકરાં ?! દરેક અવતારમાં છોકરાં હતાં જ ને ?! તો હજુ શેનાં હારુ આટલો બધો મોહ !! તેમ છતાં છોકરાંને છંછેડવાનાં નહીં. એમને જરૂર હોય, જે જોઈએ એ બધું ય આપીએ-કરીએ ! રાતે સૂઈ જાવ છો ત્યારે સોડમાં ઘાલીને સૂઈ જાવ છો ? એ કહેશે, 'મને નથી ગમતું તો ?'

એટલે રીતસરનું જેટલું થાય એટલું જ કરાય. આપણે દાઝીએ તો છોકરાંને લ્હાય બળે ? કેમ ના બળે ? છોકરાં તો આપણાંને ? એટલે આવું છે આ બધું ! માટે સબ સબ કી સમાલો.

ભગવાને શું કહ્યું કે 'સબ સબકી સમાલો. મૈં મેરી ફોડતા હું !' એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા ભૈયાઓ એક મેદાનમાં ઊતરેલા. બધાએ સૌ-સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાંલ્લીમાં મૂકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે, તેને પોતાની હાંલ્લી જડી જ નહીં. તેને ચિંતા થઈ કે, મારી પેલી કે પેલી ? આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ? ને પાછો તે વિચાર કરવા માંડ્યો કે, બીજાની લઈશ તો મને બધા ગાંડો કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢ્યો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડ્યો, 'મેં મેરી હાંલ્લી ફોડતા હું, સબ સબ કી સમાલો'. તે તરત જ બધાએ પોત પોતાની હાંલ્લી પકડી લીધી અને પેલાને એની હાંલ્લી મળી ગઈ ! આ તો આપણી હાંલ્લી સમાલીને ચાલવા જેવું છે.

ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન !

પ્રશ્નનકર્તા : મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું શું ?

દાદાશ્રી : આપણે આગળના વિચાર કરવાનાં ને, તેના કરતાં આજે સેફસાઈડ કરવી સારી. રોજ-દરરોજ સેફસાઈડ કરવી સારી. આગળનાં વિચાર જે કરો છો ને એ વિચાર હેલ્પિંગ નથી કોઈ રીતે, નુકસાનકારક છે. એના કરતાં આપણે સેફસાઈડ દરરોજ કરતાં જ રહેવું એ જ મોટામાં મોટો ઉપાય. ના સમજાયું તમને ?

પ્રશ્નનકર્તા : હા, સમજાયું.

દાદાશ્રી : આગળના વિચાર કરવાનો અર્થ નથી. એ સત્તામાં જ નથી. એક ઘડીવારમાં તો માણસ મરી જાય. એનો એ વિચારવાની જરૂર જ નથી. એ તારા વિચારમાં મહેનત નકામી જાય. ચિંતાઓ થાય, ઉપાધિઓ થાય અને હેલ્પિંગ જ નથી એ. એ વૈજ્ઞાનિક રીત જ નથી.

આપણે જેમ બહાર જઈએ છીએ, એ કેટલાં ફૂટ લાંબું જોઈને ચાલીએ છીએ ? સો ફૂટ-બસો ફૂટ કે નજીકમાં જોઈએ છીએ ?

પ્રશ્નનકર્તા : હા, નજીકમાં જોઈએ છીએ.

દાદાશ્રી : લાંબું કેમ જોતાં નથી ? લાંબું જોઈએ તો નજીકનું રહી જાય તો ઠોકર વાગશે. એટલે પોતાના એમાં નોર્માલિટીમાં રહો. એટલે એની રોજ સેફસાઈડ જોયા કરવી. આપણે એને સંસ્કાર સારા આપવા એ બધું કરવું. તમે જોખમદાર એના છો, બીજા કોઈ જોખમદાર તમે નથી. અને આવી વરીઝ કરવાનો તો અધિકાર જ નથી માણસને. માણસને કોઈ પણ જાતની વરીઝ કરવાનો અધિકાર જ નથી. એ અધિકાર એનો છાનોમાનો વાપરી ખાય છે. આ ગુપ્ત રીતે ભગવાનને ય છેતરે છે એ. વરીઝ કરવાની હોય જ નહીં, વરીઝ શેને માટે કરવાની ?

તમે ડૉકટર કરો છો આવી ચીજ ? શેની ચિંતા કરો છો તમે ?

પ્રશ્નનકર્તા : બધાની.

દાદાશ્રી : કેમ, બધા પેશન્ટો મરી જાય છે તેની કે ઘરનાં માણસોની ?

પ્રશ્નનકર્તા : બધી. ઘરની, બહારની, પેશન્ટોની. બધી વરીઝ, વરીઝ, વરીઝ જ છે.

દાદાશ્રી : એ તો એક જાતનો ઇગોઇઝમ કહેવાય ખાલી. કૃષ્ણ ભગવાને કહ્યું, 'જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય એ કરે !' આ અહીંથી બહાર નીકળો એટલે તમે લોંગ સાઈટ જોઈને ચાલો છો ? કેમ આપણે સાઈટ નક્કી કરીએ છીએ નજીકમાં કે અહીં એક્સિડન્ટ ન થાય, પછી આગળ એમ ને એમ જતી જ રહેશે. એટલે સેફ સાઈડ થઈ ગઈ કહેવાય. તમને ના સમજાયું એમાં ? હેલ્પ કરશે કે પછી વાત નકામી જશે ?

પ્રશ્નનકર્તા : હેલ્પ કરશે.

દાદાશ્રી : કેટલી બધી યુઝલેસ વાતો ! આ તો બહુ છેટે જોશો તો એક્સિડન્ટ કરી નાખશો ઘડીવારમાં, પાંચ-પાંચ મિનિટમાં એક્સિડન્ટ કરશો.

સમજાયુંને, વૈજ્ઞાનિક રીત આ છે. પેલી તો ગપ્પા મારવાની રીત છે બધી. કોઈ જાતની છોકરીઓને હરકત નહીં આવે. એની થોડી દવા હું આપું છું. પછી શું ? છોકરીઓની બાબતમાં હવે એ પ્રશ્નન બંધ થઈ જાય છે, પૂરો થાય છે. ખાતરી છે, પૂરો થાય છે ?

પ્રશ્નનકર્તા : હા.

દાદાશ્રી : છોકરા-છોકરી છે, તેના તમારે વાલી તરીકે, ટ્રસ્ટી રહેવાનું છે. એને પૈણાવાની ચિંતા કરવાની ના હોય.

મરવાની ચિંતા કેમ નથી કરતો ?

આ તો સાયન્સ છે. કોઈ વખતે અક્રમ વિજ્ઞાન નીકળે છે. અક્રમ એટલે ક્રમ-બ્રમ નહિ. આ ધોરી માર્ગ નથી, આ તો કેડી માર્ગ છે. ધોરી માર્ગ તો ચાલુ જ છેને ! તે માર્ગ અત્યારે મૂળ સ્ટેજમાં નથી, અત્યારે અપસેટ થઈ ગયો છે. ધર્મો બધા અપસેટ થઈ ગયાં છે. મૂળ સ્ટેજમાં ધર્મ હોય ત્યારે તો જૈનોને, વૈષ્ણવોને ચિંતા વગર ઘરો ચાલતા હતા. અત્યારે તો છોડી ત્રણ વર્ષની હોય તો, કહેશે કે 'જુઓને, મારે આ છોકરી પૈણવાની છે.' 'અલ્યા, છોકરી વીસ વર્ષે પૈણશે, પણ અત્યારે શાની ચિંતા કરે છે ? તો મરવાની ચિંતા કેમ નથી કરતો ?' ત્યારે કહેશે કે 'ના, મરવાનું તો સંભારશો જ નહિ.' ત્યારે મેં કહ્યું કે, 'મરવાનું સંભારવામાં શો વાંધો છે ? તમે નથી મરવાનાં ?' ત્યારે કહે કે, 'પણ મરવાનું સંભારશો ને તો આજનું સુખ જતું રહે છે. આજનો સ્વાદ બધો બગડી જાય છે.' ત્યારે છોડીનું પૈણવાનું શું કરવા સાંભરે છે? તો ય તારો સ્વાદ જતો રહેશે ને ? આ છોડી એનું પૈણવાનું, બધું જ સાધન લઈને આવેલી છે. મા-બાપ તો આમાં નિમિત્ત છે. વધારે કે ઓછો જેટલો ખર્ચો હોય એ એક્ઝેક્ટલી બધું લઈને આવેલી હોય છે. આ તો બધું બાપને સોંપેલું હોય છે ફક્ત. એટલે વરીઝ કરવા જેવું આ જગત છે નહિ. એકઝેક્ટલી જોવા જતાં આ જગત બિલકુલ વરીઝ કરવા જેવું છેજ નહિ, હતું ય નહિ ને થશે ય નહિ.

કાળ પાક્યે, પરણવાનું નક્કી !

છોડીએ એનો હિસાબ લઈને આવેલી હોય છે. છોડીની વરીઝ તમારે કરવાની નહીં. છોડીના તમે પાલક છો, છોડી એને માટે છોકરો ય લઈને આવેલી હોય છે. આપણે કોઈને કહેવા ના જવું પડે કે છોકરો જણજો. અમારે છોકરી છે, તેને માટે છોકરો જણજો એવું કહેવા જવું પડે ? એટલે બધો સામાન તૈયાર લઈને આવેલી હોય છે. ત્યારે બાપા કહેશે, 'આ પચ્ચીસ વર્ષની થઈ, હજી એનું કંઈ ઠેકાણું પડતું નથી, આમ છે, તેમ છે'. તે આખો દહાડો ગા ગા કર્યા કરશે. અલ્યા, ત્યાં આગળ છોકરો સત્તાવીસ વર્ષનો થયેલો છે પણ તને જડતો નથી, તો બૂમાબૂમ શું કરવા કરે છે ? સૂઈ જાને, છાનોમાનો ! એ છોડી એનું ટાઈમીંગ બધું ગોઠવીને આવેલી છે.

કેટલાંક તો હજી છોડી ત્રણ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે કે, 'અમારી નાતમાં ખર્ચા બહુ, કેવી રીતે કરીશું ?' તે બૂમો પાડ્યા કરે. આ તો ખાલી ઈગોઈઝમ કર્યા કરે છે. શું કામ છોડીની ચિંતા કર્યા કરે છે ? છોડી પૈણવાના ટાઈમે પૈણશે, સંડાશ સંડાશના ટાઈમે થશે, ભૂખ ભૂખના ટાઈમે લાગશે, ઊંઘ ઊંઘના ટાઈમે આવશે, તું કોઈની ચિંતા શું કામ કરે છે ? ઊંઘ એનો ટાઈમ લઈને આવેલી હોય છે, સંડાશ એનો ટાઈમ લઈને આવેલો છે. શેને માટે વરીઝ કરો છો ? ઊંઘવાનો ટાઈમ થશે કે એની મેળે આંખ મીંચાઈ જશે, ઊઠવાનું એનો ટાઈમ લઈને આવેલું છે, એવી રીતે છોડી એનો પૈણવાનો ટાઈમ લઈને આવેલી હોય છે. એ પહેલી જશે કે આપણે પહેલાં જઈશું, છે કશું એનું ઠેકાણું ?

ચિંતાનું ફળ જાનવર ગતિ !

જો આખી જિંદગીમાં ભક્તિનું સરવૈયું સારું હોય, સત્સંગનું સરવૈયું સારું હોય, એ સરવૈયું મોટું હોય તો છેલ્લા કલાકમાં ચિત્ત એમાં ને એમાં વધારે રહ્યા કરે. વિષયોનું સરવૈયું મોટું હોય તો મરતી વખતે એનું ચિત્ત વિષયમાં જ જાય. કોઈને છોડી-છોકરાં પર મોહ હોય તો છેલ્લી ઘડીએ ચિત્ત એમનામાં રહ્યા કરે.

એક શેઠને મરવાનું થયું, તે બધી રીતે શ્રીમંત હતા. છોકરાંઓ ય ચાર-પાંચ. તે કહે, પિતાજી હવે નવકાર મંત્ર બોલો. ત્યારે પિતાજી કહે કે આ અક્કલ વગરનો છે. અલ્યા, આ બોલવું એ હું નથી જાણતો ? હું મારી મેળે બોલીશ. તું પાછો મને કહે કહે કરે છે ! તે છોકરાં ય સમજી ગયા કે પિતાજીનું ચિત્ત અત્યારે કોઈ જગ્યાએ ભમે છે. પછી બધા છોકરાંઓએ સાર કાઢ્યો કે શેમાં ભમે છે ? આપણને પૈસાનું દુઃખ નથી, બીજી કોઈ અડચણ નથી, પણ ત્રણ છોકરીઓ પૈણાવી હતી ને એક નાની છોકરી રહી ગઈ હતી, તે શેઠનું ચિત્ત નાની છોકરીમાં રહ્યા કરતું હતું કે મારી આ છોડીને પૈણાવવાની રહી ગઈ, તે હવે આનું શું થશે ? તે છોકરાં સમજી ગયા, એટલે નાની બહેનને જાતે મોકલી. એ કહે છે, પપ્પાજી મારી કોઈ ચિંતા કરશો નહિ. તમે હવે નવકાર મંત્ર બોલો. ત્યારે પપ્પાજી એને કશું બોલ્યા તો નહિ, પણ મનમાં એમ સમજે કે આ હજુ છોકરું છે ને, એને શું સમજણ ?! અલ્યા, જવાનો થયો તે પાંસરો રહે ને ! આ હમણાં કલાક-બે કલાક પછી જવાનું. તે છોડી કહે છે તે કરને, નવકાર મંત્ર બોલવા માંડને ! પણ શું થાય ? શી રીતે નવકાર બોલે ? કારણ એનાં કર્મ એને પાંસરો નથી રહેવા દેતાં, એના કર્મ તે ઘડીએ ફરી વળે છે !

આ નાની છોકરી પૈણાવી નહિ, તેમાં જીવ રહે એમનો. આ તો મરવા જેવો ખાટલામાં પડ્યો હોય તો ય નાની બેબીની ચિંતા કર્યા કરે. તે ચિંતામાં ને ચિંતામાં મરે એટલે પછી જાનવરમાં જાય. જાનવરનો અવતાર નાલેશીભરેલો છે. પણ મનુષ્ય અવતારમાં ય સમો ના રહે તે શું થાય ? જો અક્કલનો કોથળો ! જવાનું થયું ને લોક ચેતવે છે, તો મૂઆ, પાંસરો મરને ! ને અત્યારે મૂઆ, હવે જતી વખતે પૈણાવવા બેઠો છું ?! સારો છોકરો હતો ત્યારે ના પૈણાવી ને હવે પૈણાવવા બેઠો છું ?!

દાદાને સોંપ્યા પછી શું ભાર !

પ્રશ્નનકર્તા : આ દેશમાં એવાં બનાવો બને છે કે જો આપણે બરાબર ધ્યાન ન રાખીએ, તો કોઈ છોકરાઓને ઉઠાવી જાય, હેરાન કરે ને એવું કંઈક પ્રસંગ બને. એની માટે ચિંતા વધારે થાય છે કોઈક વાર.

દાદાશ્રી : તો પછી છોકરાઓને અવતાર નહોતો આપવો. શું કરવા નવરા પડ્યા હતા ?! આટલો બધો ભડકાટ રહેતો હોય તો !

પ્રશ્નનકર્તા : એ વાત સાચી, દાદા.

દાદાશ્રી : કાલે આપણને જ ઊઠાવી જાય એનું શું કરવાનું, ગુંડા હોય તો ? એટલે એ તમારી ચિંતા મારી પર સોંપવી કે છોકરા દાદાને સોંપ્યા એવું કહી દેવું. મને સોંપી દો તો બંધ થઈ જાય. આ બધા ચિંતા મને સોંપી દે છે બધા.

પ્રશ્નનકર્તા : અમે તો એટલા માટે જ આવ્યા છીએ કે ચિંતા તમને સોંપી દઈએ હવે.

દાદાશ્રી : હા, તે ચિંતા બંધ કરી દેવડાવીએ. હા, તો હવે શેની ભાંજગડ છે પછી ?

પ્રશ્નનકર્તા : મારો ચિંતાવાળો સ્વભાવ છે એટલે નાની નાની વાતમાં કંઈ ને કંઈ થઈ જાય એમ.

દાદાશ્રી : એટલે પ્યાલા ફૂટી જાય તો ?

પ્રશ્નનકર્તા : ના, ના. એ બાબત નહીં. પણ આ છોકરાંઓનું કંઈ પણ કરવાનું હોય તે ન થાય, તો તે બાબતમાં ચિંતા થઈ જાય મને.

દાદાશ્રી : તેથી કંઈ છોકરાંઓનું કામ થઈ જાય, ચિંતા કરવાથી ? આપણે આ ચિંતા જો ફ્રૂટફૂલ ન થતી હોય, તો પછી એ બંધ કરી દેવી. જો હેલ્પ ન કરતી હોય ચિંતા તો બંધ કરી દેવી.

ચિંતા માત્ર ઈગોઈઝમ !

'તું મારી ચિંતા કરીશ નહીં અમથી વગર કામની, જો તારું શરીર કેવું થયું.' માને આવું કહે ત્યારે પેલી ચિંતા કરે ! આ તો બેઉ મૂર્ખ છે. હવે જે ચિંતા કરો છો, યાદ લાવો છો ને, એ ઇગોઇઝમ છે, રોંગ ઇગોઇઝમ છે. આ ઇગોઇઝમ શું કામનાં બધાં ? જે ઇગોઇઝમ હેલ્પફુલ ના થાય, નુકશાનકારક હોય, એ ઇગોઇઝમને શું કરવાનું ? જાણ્યા વગરનાં જગતમાં શું સુખી થાઓ છો તમે ? એને જાણવું પડે જ્ઞાની પુરુષની પાસે. જ્ઞાની પુરુષને આખા જગતનું જ્ઞાન હોય એમને. દરેક બાબતનું તમારી સમસ્યાઓનો ઉકેલ લાવી આપે. માને કહે કે તું મારી ચિંતા કરીશ નહીં અને આ ચિંતા કર કર હજુ ય કરે છે. કહે છે, ચિંતા કર્યા વગર ના ચાલે. 'ઓહોહો ! હવે આ તે મેડનેસ કે ડહાપણ ?'

જ્ઞાન પચ્યાની પારાશીશી !

આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું 'થર્મોમીટર' છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે 'થર્મોમિટર' ક્યાંથી લાવવું ? ઘરમાં 'થર્મોમિટર' મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે !

છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કષાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમીટર છે. એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમીટર છે આપણું. ઘરનાં થર્મોમીટર કામ લાગે છે કોઈ વખત ?

પ્રશ્નનકર્તા : લાગે છે ને, દાદા !

દાદાશ્રી : ઘરનાં માણસો જ થર્મોમીટર હોય આપણું. આપણને તાવ કેટલો ચઢ્યો છે, કેટલો ઉતર્યો છે, તરત ખબર પડી જાય. આપણે એને કશુંક સલાહ આપી અને સલાહ આપી એટલે જરાક કઠણ બોલ્યા કે તરત એ કંઈ એવું બોલે કે આપણને તાવ ચઢ્યો છે કે નહીં, એ આપણને ખબર પડી જાય. એટલે ઘરમાં બેઠા થર્મોમીટર ! દવાની દુકાનવાળાને કહીએ, કે થર્મોમીટર લાવ જોઈએ, તો એ શું આપે ? આવું થર્મોમીટર કોઈ આપે ? છોકરાં કોઈ ફેરો થર્મોમીટર થાય કે ન થાય ?

પ્રશ્નનકર્તા : થાય.

દાદાશ્રી : તમને ખબર પડી જાય કે આ થર્મોમીટર છે મારું ? એવું લાગે તમને ? એટલે તમે સાચવીને જ મૂકો. થર્મોમીટર ભાંગી નાખવું નથી ? રહેવા દેવું છે ? એ હોય તો કામ લાગશે. પછી તોડી જ ના નાખોને ! થર્મોમીટર કામ લાગેને ? એટલે સાચવીને મૂકે કે ના સાચવીને મૂકે ? એટલે સાચવીને મૂકી રાખવું.

વ્યવહાર ધર્મ, ક્યાં સમજાયો છે ?

પ્રશ્નનકર્તા : પણ વ્યવહાર ધર્મમાં તો રહેવું પડે ને ?

દાદાશ્રી : વ્યવહાર ધર્મમાં તો તમે કોઈ દહાડો રહ્યા જ નથી. વ્યવહાર હંમેશા આદર્શ હોય. જે માણસ નિશ્ચય ચૂક્યો ને, એનું નામ વ્યવહાર ના કહેવાય. નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો અને વ્યવહારને વ્યવહારમાં રાખવાનો, એનું નામ આદર્શ વ્યવહાર. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. મારે ઘેર આજુબાજુ પૂછવા જાવને તો બધા ય કહેશે. કોઈ દહાડો એ લડ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી. એવું બધા આજુબાજુવાળા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નનકર્તા : કહેવાય.

દાદાશ્રી : અને તમારા માટે આજુબાજુ પૂછવા જઈએ તો ? એવું કહે કે, એ કોઈ દહાડો ય ઊંચા સાદે બોલ્યા નથી ?

પ્રશ્નનકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે તમે તો વ્યવહારે ય બગાડ્યો અને આ નિશ્ચય પણ બગાડ્યો. વ્યવહાર એટલો જ કરવાનો છે કે બાપ થયો માટે છોકરાનાં ધક્કા તું ના ખાઈશ, નહીં તો છોકરાને ખરાબ લાગશે. અને છોકરો થયો છે એના માટે વ્યવહાર એટલો કરવાનો છે કે બાપના ધક્કા તું ખાજે, નહીં તો ખોટું દેખાશે. એવો વ્યવહાર-વિવેક ચૂકવાનો નથી.

પહેલાં તો મૂર્ચ્છાથી વ્યવહાર બહુ કાચો રહેતો હતો. કેટલીક જગ્યાએ તો હપૂચાં ટાઢાં, તે આખો દહાડો ઘરમાં કોઈને કશું બોલે જ નહીં.

સગાઈ, રિલેટિવ કે રિયલ ?

વ્યવહાર એટલે રિલેટિવ છે આ સંબંધ ! સાચવી સાચવીને કામ લેવાનું છે. આ રિલેટિવ સંબંધ છે, એટલે તમે જેવું રિલેટિવ રાખો તેવું એ રહેશે. તમારે જેવું રાખશો એવું રહેશે, આનું નામ વ્યવહાર કહેવાય !

તમે જાણો કે મારો છોકરો છે, એટલે ક્યાં જવાનો છે ! 'અલ્યા મૂઆ ! છોકરો છે, પણ ઘડીવારમાં સામો થઈ જશે.' કોઈ આત્મા બાપ-બેટો થાય નહીં. આ તો હિસાબ છે સામાસામી લેણ-દેણના. જોને ઘેર જઈને એવું કહેતો નહીં કે તમે મારા બાપ નહીં, એવું ! એ વ્યવહારથી તો ખરાં જ ને !

એટલે રિલેટિવ સંબંધ છે. આ સાચવી સાચવીને કામ કરો અને કોઈને સુધારવા ફરશો નહીં. સુધરે ત્યાં સુધી સુધારવો. પછી મૂકી દેવું. નહીં તો પાછું સામાવાળિયો થઈ જશે. આપણે જોઈ લેવું કે સુધરે એવું છે ? તો જરા પ્રયત્ન કરી જોવો. પણ જો વળી સામો થતો હોય તો છોડી દેવું. આ વળી પાછું ઉપાધિ ! દુશ્મન થાય ઉલ્ટો. આપણે એને સુધારવા જઈએ, એ દુશ્મન થાય. એ જાણે કે મારો બાપ વેરવી છે. એવું કહે કે ના કહે ?

પ્રશ્નનકર્તા : કહે.

દાદાશ્રી : બૈરીને ય સુધારવા બહુ મહેનત નહીં કરવાની. એને જો સુધારી શકાય તો સુધારી લો અને ના સુધારાય તો રહ્યું. કારણ કે આ ભવ પૂરતું જ છે ને ભાંજગડ ! કંઈ કાયમની છે ? જો કાયમની હોય તો લાવ સુધારીએ આપણે !

એટલે આ રિલેટિવ સગાઈઓ છે. રિલેટિવ એટલે કોઈ વસ્તુનાં અનુસંધાનમાં. એટલે કંઈ હિસાબ માંગતો હોય, કંઈ બીજું હોય, ત્રીજું હોય, તેના હિસાબે આ ભેગું થાય છે, બધું ઋણાનુબંધ.

ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તે આપણે એડજસ્ટમેન્ટ રહે ત્યાં સુધી સારું છે ! આપણી દાનત કેવી રાખવી કે એ તોડવા ફરે તો ય આપણે સાંધ સાંધ કરવું. એમ કરતાં કરતાં રહે થોડો વખત અને જ્યારે આપણને એમ લાગે કે આ બધું ઊડી જવાનું છે, તો એ ફાડે ત્યારે આપણે ય ફાડી નાખવાનું. બને ત્યાં સુધી સાચવવું.

પ્રશ્નનકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : આપણે સમજી જવું કે આ સગાઈ રિલેટિવ છે, વિનાશી છે. એ છોકરો છેડો ફાડતો હોય ને ત્યારે આપણે સાંધ સાંધ કરવું, જો આપણે કામ હોય તો. એ ફાડ ફાડ કરે ને આપણે આખી રાત સાંધ સાંધ કરીએ તો સવારમાં થોડું ઘણું અડધું સંધાયેલું રહે અને આપણે જાણીએ કે આ છોકરાની જરૂર નથી, એની જોડે રહીને આમાં સ્વાદ કાઢવાનો જ નથી ! તે ફાડે ત્યારે આપણે ય ફાડી નાખવું. તે ઉકેલ આવી ગયો.

મરીને જીવે, તે સંસારમાં તરે !

પ્રશ્નનકર્તા : દીકરો ભૂલ કરતો હોય વ્યવહારમાં, આપણે એને ન કહીએ. આમ સંસારમાં શું કહે, વ્યવહારની અંદર કે ભઈ તમારે કહેવું જોઈએ. આપણે કહેવું જોઈએ, એને સમજાવવો જોઈએ. પણ આપણે કંઈ પણ એમાં ન કહીએ, કંઈ બોલીએ જ નહીં. એટલે ડખો કંઈ પણ ન કરીએ. કારણ કે આ જ્ઞાન લીધા પછી આપણને તો એમ સમજાતું હોય કે આ જે ચાલી રહ્યું છે એ સામેના એકબીજાના કર્મના ઉદયને લઈને ચાલી રહ્યું છે. એમાં આપણે કશું ફેરવી શકવાના નથી. તો પછી શું કામ બોલવું જોઈએ કંઈ પણ ?!

દાદાશ્રી : બરાબર છે. પછી ?

પ્રશ્નનકર્તા : બસ, આટલું જ પૂછવું છે કે એ બરાબર છે, આપણે ન બોલીએ કંઈ પણ તે ?

દાદાશ્રી : હંડ્રેડ પરસેન્ટ. અને બોલ્યા હોય તો પસ્તાવો કરો. ખોટું છે માટે પસ્તાવો કરો. બાકી આપણે ના હોય ત્યારે શું કરે ? ઉદય પ્રમાણે વર્તે છે. એના ઉદય છે એટલે વર્તે છે.

જગતના લોકો તો ન બોલે તો ય ખોટું. કારણ કે તો એને ખબર ના પડે કે ભૂલ છે. એ ખોટું કંઈ ફળતું નથી પણ લોકો ઉપદેશ માને.

પ્રશ્નનકર્તા : હા, પણ એમાં જ ગરબડ થાય છે. કંઈ પણ થાય તો એમ કહે કે તમારે કંઈ કહેવું જોઈએ ને ! વ્યવહાર ખાતર તો કહેવું જોઈએ.

દાદાશ્રી : એ તો એ બોલે ને આપણે ય કહેવું કે હા, એ બરાબર છે, વાત સાચી છે. એ કહેવું કે ના કહેવું એ આપણા હાથની વાત છે ? ના કહેવાય એ ઉત્તમ.

પ્રશ્નનકર્તા : હં, ના કહેવાય એ ઉત્તમ.

દાદાશ્રી : અરે, ના કહેવું હોય તો ય કહેવાઈ જાય છે.

પ્રશ્નનકર્તા : હા, એ તો બરાબર છે, પણ ન કહેવાય તો....

દાદાશ્રી : એના જેવું એકુંય ઉત્તમ નહીં. આપણે ન હોઈએ તો એ શું કરે ?

પ્રશ્નનકર્તા : હં, એ જ કહું છું ને ! મેં તો એકવાર કીધું કે હું મરી ગયો હોઉં તો શું થાય ?

દાદાશ્રી : એટલે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, 'મરીને પછી જીવો.'

પ્રશ્નનકર્તા : હા, બરાબર છે. મેં તો બધાને કીધું છે કે હું નથી એમ જ સમજવું તમારે.

દાદાશ્રી : હા, એ તો એક વાર મરે, તેને ફરી મરવું ના પડે. એ પણ થવું જોઈએ ને ! જીવતા મરેલાં, જીવે તો છોકરો છે તે પૈસા ઉડાડતો હોય, તો ય પણ મરેલો માણસ શું કરે ?! જોયા કરે. એવું આ ય છે. એવું જીવન હોવું જોઈએ.

છૂટવા માટે, શું બને 'જોયા' કરો !

હવે બહારનો ભાગ એટલે શું કે છોકરો જતો હોય આમ અને છોકરાના ગજવામાંથી પૈસા પડે, પડતા હોય તો પાછળ આપણે પહેલાં શું કરતા હતા, કકળાટ કરી મેલીએ, કૂદાકૂદ કરી મેલીએ, 'ઊભો રહે, પૈસા પડે છે, ઊભો રહે.' હાલી જાય મહીં બધું. કારણ કે જીવતો હતો. ચંદુભાઈ તરીકે જીવતો હતો. એટલે એવું થાય ને પછી આ જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે પછી પૈસા પડે કે જે કંઈ થવાનું હોય, તે આપણે ચેતવણી અપાય કે 'એ ભાઈ, તારા ગજવામાંથી પૈસા પડે છે.' પછી એમાં આપણે આઘાપાછા ના થઈએ કશું. એ તો ચેતવણી ના આપીએ તો ય વાંધો નથી. જાણે જીવતા હોઈએ એવું ખબર ના પડવી જોઈએ.

હજુ આ દ્રષ્ટિ ઊંચી જતી જશે. જીવતા હોય આજે તો મહીં કકળાટ કરી મેલે, હવે તો જે ભૂલ થવાની હોય કે નુકસાન જવાનું હોય તો થાય, આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. મરી ગયા હોય તો પછી શું કરીએ ? પછી ભૂલો થાય તો ? એ બધું આવી રીતે એના જેવું ! છોડીના હાથે ગ્લાસવેર બધા તૂટી ગયા, તો આપણે જોનાર ને જાણનાર. બસ ! અક્ષરેય બોલવું નહીં, જાણે જીવતાં ના હોઈએ એવી રીતે રહેવું.

પ્રશ્નનકર્તા : દાદા, તમે તો બહુ ટૂંક સમયમાં કૃપાળુદેવની છેલ્લી દશા આપી દીધી !

દાદાશ્રી : હા, તો કલ્યાણ થઈ જાયને, એ સારું.

સંસારી સંબંધ ઘાટવાળો જ !

પરિણામ સમજવું જોઈએ, છતાં છોકરાં છે. છોકરા પર પ્રેમ રાખવાનો, છોકરા જ માનવાનાં. છોકરો એટલે શું સંબંધ છે એ સમજી લેવું. કારણ કે આ દરેક જોડે શું સંબંધ છે, એ ના સમજી લઈએ આપણે ? એ તો જ્યારે દાઢ દુઃખે ત્યારે ખબર પડે ! કાન દુઃખે, પેટ દુઃખે ને ત્યારે ખબર પડે. માટે બહુ અતિશય માયા કરશો નહીં, ફસામણ છે. સમજીને કરજો આ બધું. હું તમને માયા છોડવાનું નથી કહેતો. છોડ્યું છૂટાય એવી નથી. પણ આ બહુ માયા ના કરશો, હાયવોય ના કરશો. મારી વાત વ્યાજબી લાગે છે ને ?

સાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડો ય ના બગડે. આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા સંબંધ છે. ઘાટવાળા એટલે પોતાને કામ લાગે ત્યાં સુધી સંબંધી ! ઘાટમાં લે ને ! તમને કોઈ ઘાટમાં લેતું નથી ? આ સંસાર ઘાટવાળો જ છે. જ્યાં કોઈ પણ પ્રકારનું ઘાટ નથી હોતો ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા. જ્યાં સુધી સાંસારિક કોઈ પણ ઘાટ છે, સંસારિક ઇચ્છાઓ છે ત્યાં સુધી સાચી વાત કોઈથી ના નીકળે. એક શબ્દે ય સાચો નીકળે નહીં.

કચકચ કરીને બગાડ્યા અવતાર !

બધું 'વ્યવસ્થિત' ચલાવે છે, કશું બોલવા જેવું નથી. 'પોતાનો' ધર્મ કરી લેવાં જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ, એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આ ય ભમરડા ને તે ય ભમરડા ! મેલ ને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઈએ, ત્યારે એ કહે ને કે, 'તમે જોતા હતા ને કેમ ના બોલ્યા ?' અને ના હોય તો હાથમાં માળા લઈને ફેરવ્યા કરીએ. એટલે એ કહેશે કે, 'આ તો માળામાં છે', મેલો ને પૈડ ! આપણે શી લેવા-દેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચ કચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો-ભેંસો ય એના બાબા જોડે રીતસર ભોં ભોં કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. એ મૂરખ કહેવાય, આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટક્યા. ના કોઈનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે, તે જ બીજાનું ભલું કરે. કોઈનીય પડેલી નથી આજે. નાટક છે આ. તે આપણે કાઢી નાખવાનું નથી. આવ ભઈ, બેસ બા. એવું તેવું થોડું છે તે પ્રેમ-બેમ દેખાડવાનો, બધું કરી શકો.

ઠેઠ સુધી સથવારો 'દાદા'નો !

એ તો 'ભાભો ભારમાં તો વહુ લાજમાં' એવું છે. કોઈ આપણું થાય નહીં. આ દાદા એકલા તમારાં થશે. જ્યારે જોશો ત્યારે, સુખમાં-દુઃખમાં એકલા દાદા તમારા થશે, બાકી કોઈ તમારું થાય નહીં. એની ગેરેન્ટી આપું છું. એ ખરે ટાઈમે કોઈ હાજર નહીં થાય. પેલા સાહેબ કહેતા હતા કે બહુ જગ્યાએ ફર્યો. વીસ-પચ્ચીસ વર્ષ તો એક સંત જોડે રહ્યો પણ મારો ખરો ટાઈમ આવ્યો તે ઘડીએ કોઈ હાજર ના થયું, દાદા હાજર થઈ ગયા. કોઈ ના થાય, આ દાદા હાજર થાય. ગમે તે દુઃખે-સુખે પ્રસંગમાં તરત હાજર થઈ જાય. અને હું કહું ય ખરો. મેં કહ્યું, ગભરાશો નહીં. બીજું કોઈ હાજર નહીં થાય. આ છોકરા-બોકરા તો કોઈ હાજર નહીં થાય.

રહેવું વ્યવહારમાં ઉપલક !

સંસારમાં ડ્રામેટિક રહેવાનું છે. 'આવો બેન', 'આવ બેબી', આમ તે ય બધું છે તે સુપરફલ્યુઅસ કરવાનું છે. ત્યારે અજ્ઞાની શું કરે કે સોડમાં ઘાલ ઘાલ કરે, તો પેલી બેબી ય એની પર ચિઢાયા કરે. અને જ્ઞાની પુરુષ વ્યવહારમાં 'સુપરફલ્યુઅસ' રહે તો બધા ય ખુશ રહે એમની પર. કારણ કે લોકોને 'સુપરફલ્યુઅસ' જોઈએ છે. બહુ આસક્તિ લોકોને નથી ગમતી. એટલે આપણે પણ બધું 'સુપરફલ્યુઅસ' રહેવું, આ બધા તોફાનોમાં પડવું નહીં.

'જ્ઞાની' શું સમજે કે બેબી પૈણી, તે પણ વ્યવહાર અને બેબી બિચારી રાંડી, તે પણ વ્યવહાર. 'રિયલ' ન હોય આ. એ બન્ને વ્યવહાર છે, 'રિલેટિવ' છે અને કોઈથી ફેરવી ના શકાય એવું પાછું ! હવે આ લોક શું કરશે ? જમાઈ મરી ગયો ને પાછળ માથાં ફોડે ? તે ઊલટાં ડૉકટરને બોલાવવા પડે. એટલે એ રાગ-દ્વેષને આધીન છે ને ! વ્યવહાર વ્યવહાર સમજાયો નથી તેથી ને !

છોકરાંને વઢવું પડે, બઈને બે શબ્દ કહેવાં પડે પણ નાટકીય ભાષામાં, ઠંડકથી ગુસ્સો કરવાનો. નાટકીય ભાષા એટલે શું કે ઠંડકની સાંકળ ખેંચીને ગુસ્સો કરવાનો, એનું નામ નાટક !

જેમ નાટકમાં ડ્રામા કરે છે ને, એના જેવું 'સુપરફ્લ્યુઅસ' છે, પણ આ બધી ક્રિયા છે, તેને પોતાની ક્રિયા માની લીધી. એ ખોટી 'બીલિફ' થઈ છે. આ 'સુપરફ્લ્યુઅસ' છે. આને મનમાં રાખી મૂકવા જેવું ન્હોય. ચિત્તમાં ફોટોગ્રાફી લેવા જેવું ન્હોય, આ 'સુપરફ્લ્યુઅસ' છે ! આ તેથી આપણે કહીએ છીએને કે તમને 'આ' જ્ઞાન આપ્યું છે, તમે 'હોમ ડીપાર્ટમેન્ટ'માં તમારી રૂમમાં રહો અને 'ફોરેન'માં 'સુપરફ્લ્યુઅસ' રહેજો. આ વ્યવહાર બધો 'ફોરેન' છે. જેટલો વ્યવહાર દેખાય છે, વ્યવહાર જેટલો બધો કહેવાય છે, એ બધો 'ફોરેન' છે. અને આ 'રિલેટિવ' છે, એ બધો વ્યવહાર જ છે. 'રિયલ' એકલું જ નિશ્ચય છે, હકીકત સ્વરૂપ છે, વાસ્તવિક છે !

મોક્ષે જવું હોય તો...

વ્યવહાર પણ જાગૃતિપૂર્વક થાય ત્યારે 'પ્રોગ્રેસ' કહેવાય. વ્યવહારમાં પોતાનો છોકરો છે એવું કહે ખરો, પણ મહીં પોતાનો છે એવાં પરિણામ ના વર્તતા હોય. આત્મા કોઈનો છોકરો થાય નહીં, આત્મા કોઈનો પુત્ર કે પિતા થાય ? એટલે એ જાગૃતિપૂર્વકનું હોવું જોઈએ. આમ વ્યવહારમાં વાતોચીતો કરીએ, પણ નાટકની પેઠે અને અંદર જાગૃતિ રહેવી જોઈએ કે કોઈ કોઈના બાપ નહીં અને કોઈ કોઈનો છોકરો નહીં. એ આત્મા જ છે, આપણે આત્મા જ છીએ, એવું રહેવું જોઈએ. બધાનામાં શુધ્ધાત્મા જો જો કર્યા કરવા. બીજું આમાં શું કરવાનું છે ! બીજો વ્યવહાર વચ્ચે લવાય નહીં. બીજો વ્યવહાર તો વ્યવહાર કરવા માટે છે. સંસારમાં રહેવું હોય તો પુત્ર-પુત્રી તમારાં જ છે. મોક્ષે જવું હોય તો તમારાં કોઈ પુત્ર-પુત્રી છે નહીં.

- જય સચ્ચિદાનંદ