|
ગ્રંથિઓ ઓગાળવા સામાયિક સંપાદકીય જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ સામાયિકનો સાચો અર્થ એ છે કે સમપરિણામમાં રહેવું અથવા તો જ્ઞાનીની સમજણ ગોઠવી અડતાળીસ મિનિટ સુધી વિષમભાવ ન થવા દેવો. સમાચાર મળ્યા કે પાંચ લાખનું નુકસાન થયું છે તો તે ઘડીએ એક કલાક અંદર સમતા રાખે, તો એ જ સામાયિક ! અથવા એક કલાક આત્માનો જ વિચાર કરવો, સંસારનો એક વિચાર નહીં આવવા દેવો તે સામાયિક છે. દાદા ભગવાનની જ્ઞાનવિધિમાં એક કલાક આત્મા-અનાત્માને જુદા પાડવાનું ભેદજ્ઞાન જે બોલાવે છે તે ઊંચામાં ઊંચું સામાયિક જ થાય છે. પછી જ્ઞાનીપુરુષની આજ્ઞા પાળીએ, સમભાવે નિકાલ કરવો, એનું નામ જ સામાયિક. એથી ઊંચી સામાયિક તો એક કલાક પોતાના મન-વચન-કાયાના નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે છે ! આ અક્રમ વિજ્ઞાનમાં બે જ કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ તમામ પ્રકારના કર્મો ખપાવ્યા સિવાય, તેથી દાદાશ્રી એક વિશેષ સામાયિક બતાડે છે. મન ગ્રંથિઓનું બનેલું છે. તેમાં ક્રોધ-માન-માયા-લોભ-વિષય બધી જાતજાતની ગાંઠો પડેલી હોય, તો તેમાં એકાદ મોટી ગ્રંથિને સામાયિકમાં જોવાની. દાખલા તરીકે વિષય વિકારની ગ્રંથિને ખલાસ કરવી છે, તો તે દોષ 'ક્યારે થયો, ક્યાં ક્યાં થયો, કોના પ્રત્યે થયો, કયા કારણસર થયો, કેવી મોહદ્રષ્ટિ ઊભી થઈ. હકીકતમાં એ વિષયવિકારનું સ્વરૂપ શું છે, ભૂલ કરનારો કોણ, પોતાનું સ્વરૂપ શું', એવી તમામ જાગૃતિપૂર્વક વિષયવિકારના દોષોનું એનાલિસીસ થાય, એ પોતાની સર્વ ભૂલો આખા દિવસમાં ક્યાં ક્યાં, ક્યારે ક્યારે થઈ, પછી પાછલાં જીવનકાળમાં એ દોષો થયાં હોય તે સર્વને શુધ્ધાત્મા થઈને જ્ઞાતાપદમાં બેસી ચંદુભાઈના દોષોને જ્ઞેયરૂપે જુએ તો આવી સામાયિકથી તે ગ્રંથિ ઓગળી જાય. આમ સામાયિકમાં જોવાથી જ ગ્રંથિના પડો ઓગળતા જાય છે. એમ રોજ એક કલાકની સામાયિક કરે, તો ઝડપથી વિષયની ગાંઠ ખલાસ થઈ જાય. એવી રીતે ક્રોધ-માન-માયા-લોભ, હિંસા, ગર્વરસ વગેરે તમામ દોષોની ગ્રંથિ છેદ કરવા માટે સામાયિક કરી શકાય. અને તે બધા મહાત્માઓ માટે આ ખૂબ જ આવશ્યક અનિવાર્ય બની જાય છે, તો જ ગ્રંથિઓ ખલાસ થાય ને જાગૃત દશા વર્ધમાન થાય. સામાયિકમાં પોતે શુધ્ધાત્મા પદમાં બેસીને ચંદુભાઈના દોષોને વિગતવાર જોવાના જ છે. જ્યારે પ્રતિક્રમણમાં ચંદુભાઈથી બીજાને દુઃખ થયું હોય, કંઈક અતિક્રમણ થયું હોય તો ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવીએ છીએ. પરમ પૂજ્ય દાદાશ્રીએ સામાયિકમાં ઈન્ટ્રોસ્પેક્શનથી ખૂબ જ ઊંચો વૈજ્ઞાનિક પ્રયોગ બતાવ્યો છે. જે આત્મારૂપ થવામાં અને પ્રકૃતિના તમામ દોષો ક્ષય કરવામાં જબરજસ્ત ઉપકારી થાય છે, તે સર્વ વિગત અત્રે સંકલિત થઈ છે. જેનો ઝીણવટપૂર્વક સ્ટડી કરી જીવનમાં દરરોજ ઉપયોગમાં લેવું ઘટે, એ જ અભ્યર્થના. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ ગ્રંથિઓ ઓગાળવા સામાયિક સામાયિકની યથાર્થ વ્યાખ્યા ! પ્રશ્નકર્તા : 'સામાયિક' શબ્દનો ભાવાર્થ જરા બરાબર સમજાવો. દાદાશ્રી : સામાયિક એટલે પેણે દસ પ્યાલા પડી ગયાનું આમ જાણવામાં આવ્યું, તો ય મહીં સમતા રાખે, ત્રાજવાનો પલ્લો નમે નહીં એકુંય બાજુ, એનું નામ સામાયિક. સામાયિક એટલે ત્રાજવાનો પલ્લો એક્ઝેક્ટ ! આજ તો આ બધા સામાયિક કરતી વખતે શું કરે છે ? આમ કુંડાળું ચીતરી અને જે યાદ આવે તેને બહાર કાઢો, ઉડાડી પાડો. રોજ એમ કરતો કરતો પોણો કલાક નીકળી જાય, જે યાદ આવેને, ગધેડું પેસી જાય, કૂતરું પેસી જાય, તે હાંક્યા કરે. આવાં સામાયિક કરે છે. પેલું સામાયિક તો એને ફાવે જ નહીંને ! સમતા તો રહે જ નહીંને !! પણ આવાં સામાયિક એટલે બીજું બધું જે આવતું હોયને, તેને કાઢ કાઢ કરે, ધક્કા માર માર કરેને, એટલે પોતે કોણ રહ્યો ? એકલો ! એણે નક્કી કર્યું હોય કે આજ દુકાન યાદ નથી કરવી તો આંખ મીંચતાની સાથે જ ધબડકો પહેલો જ એ પડે. અને આપણે કહીએ, 'દુકાન-બુકાન બધાં તમે આવો. બધા મને સામાયિકમાં આવીને હેરાન કરો.' તો બધા ય નાસી જશે. એ બધા જાણે કે સાલું શું કર્યું, કંઈ દવા-બવા કંઈક લાવ્યા હશે. ફટાકડા ફોડે એ ત્યારે શું કરીએ ?! એમાં ભડકો શું કરે છે ? 'દુકાન યાદ ના આવજે.' 'આવને તું, હું છું, હું બેઠો છું અને તું આવ.' 'હે ભગવાન, હે પ્રભુ, દુકાન યાદ ના આવે.' મેર મૂઆ, કઈ જાતનો ચક્કર છું તું, દુકાન નહીં યાદ આવે તો વહુ યાદ આવશે પણ આવશેને ! એ ય દુકાન જ છેને ! વહુ દુકાન નહીં ? પ્રશ્નકર્તા : મોટી દુકાન ! દાદાશ્રી : પાછાં આ મોટી દુકાન કહે છે ! સામાયિકનો ખરો અર્થ એ છે કે, વિષમભાવ ન થવા દે, કોઈપણ કારણસર ! સમ ન રહે પણ વિષમ ન થવા દે, એનું નામ સામાયિક. ત્યાં આગળ છોકરો એની માને ગાળો ભાંડતો હોય, આ પોતે સાંભળે છતાં વિષમભાવ નહીં, પેલો ઉછાળો તો રહે પણ એને સમ કરી નાખે, જેમ આ તોલતી વખતે જરાક પેલામાં એ થયું તો પાછા આમાં નાખો, પાછું આ ઊંચું ગયું તો આમ નાખ્યું પણ રાગે પાડી દે. દેડકાની પાંચ શેરી જેવું ના હોય. સામાયિક એટલે એક અડતાળીસ મિનિટ વિષમભાવ ન થવા દો, એનું નામ સામાયિક. પોતાને જ્ઞાન તો છે નહીં અને વિષમભાવ ન થવા દેવો, ઓહોહો ! બહુ મોટી અજાયબી કહેવાય. જો કે આ અર્થ અત્યારે પ્રચલિત નથી, મૂળ અર્થ આ છે સામાયિકનો. સમભાવે નિકાલ કરો એ સામાયિક ! બહાર જે છે તે સામાયિક એટલે શું ? સમતાભાવ કેળવે. હવે આપણા અક્રમ વિજ્ઞાનમાં સમભાવે નિકાલ કરવાની તમે આજ્ઞા પાળો, એનું નામ જ સામાયિક. સમભાવે રહેવું એનું નામ જ સામાયિક અને વિષમભાવે રહેવું એનું નામ જ સંસાર અને આ દુનિયાની વ્યવહારિક સામાયિક એટલે શું ? અડતાળીસ મિનિટ સુધી બીજા વિચારમાં ન આવવું, એક જ વિચારમાં. બસ એ સામાયિક. અડતાળીસ મિનિટ સુધી આત્મા એકલાના જ વિચાર હોય અને ભૌતિકનો કોઈ વિચાર આવે નહીં તો એ શુધ્ધ સામાયિક કહેવાય. એથી વધારે મિનિટ થાય નહીં. કોઈથી ય થાય નહીં. અડતાળીસ મિનિટ, એથી વધારે નહીં. જ્ઞાનવિધિ એ આત્માનું સામાયિક ! સામાયિક એટલે મેં તમને જે આ જ્ઞાનવિધિ કરાવીને, એક કલાક એ સામાયિક કહેવાય. અધ્યાત્મ સંબંધમાં એક જ ધ્યાનમાં રહેવું, એનું નામ સામાયિક. એ સામાયિક મનુષ્યથી પૂરેપૂરું સરસ થઈ શકે નહીં. એને માટે જ્ઞાની પુરુષ પાપ ધોઈ આપે અને પાપ ના ધોવાય ત્યાં સુધી કશું વળે નહીં. અમે ફરી 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે તમને શું કહીએ છીએ કે ફરી બેસજો. આ સામાયિક ફરી ફરી નહીં થાય. માટે નવરા પડ્યા હોય તો બેસજો. ના નવરા પડ્યા હોય તો ધંધો કરીને પણ અહીં આવજો. કાયોત્સર્ગ સહિત ! ભગવાને સામાયિક કેવું કહેલું કે આ દેહને એ બધું મારું નથી, એવી રીતે સામાયિક કહ્યું હતું ! એ સામાયિક તો કાયોત્સર્ગપૂર્વક હોય. આપણું આ જ્ઞાન લીધેલું હોય તે સામાયિક કાયોત્સર્ગપૂર્વક કરે. કાય ઉત્સર્ગપૂર્વક ! એ બહુ જ કિંમતી. હવે એ કાયોત્સર્ગ કેવી રીતે કરતા ? આ જે મોટાં મોટાં માણસો, ગણધરો બધા કાયોત્સર્ગ કરતાં. તે આમ ઊભાં રહે થાંભલા જેવું, પછી પહેલું નક્કી કરે, હું પગ નહીં, પેટ નહીં, છાતી નહીં, માથું નહીં, ફલાણું નહીં, તે ઉત્સર્ગ કરે અને પછી મહીં નક્કી કરે કે હું શુધ્ધાત્મા છું. ત્યારે કહે, કેવો ? ત્યારે કહે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ એવા પાંચ-છ ગુણધર્મ જાણતો હોય. શાસ્ત્રના શબ્દના આધારે તે શબ્દો વાગોળ વાગોળ કર્યા કરે. પહેલું ઉત્સર્ગ કરી નાખે. કાયોત્સર્ગ એને ભગવાને છેલ્લામાં છેલ્લો ઉપચાર કહ્યો. આ મન-વચન-કાયા હું નહીં, હું શુધ્ધાત્મા છું, એવું બોલાવ્યું એ બધું કાયોત્સર્ગ જ હતું. હવે આવો કાયોત્સર્ગ ક્યારે કરાવે ? કાયોત્સર્ગ એટલે શું એ સમજતા નથી ?! અક્રમનું સામાયિક કાયોત્સર્ગ કરતાં ય બહુ ઊંચું છે. પ્રશ્નકર્તા : કાયોત્સર્ગ એટલે શું ? દાદાશ્રી : આંખો મીંચે તો ચંદુભાઈ દેખાય કે નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે ચંદુભાઈ તમને દેખાય, તેનું નામ કાયોત્સર્ગ. તમારે નિરંતર ચંદુભાઈને 'જોવું' એટલું જ આપણા અક્રમ વિજ્ઞાનનો સાર. જગત વિસ્મૃત કરાવે તે સામાયિક ! સામાયિકનો અર્થ શું ? જગત વિસ્મૃત કરાવડાવે. જગત વિસ્મૃત કરાવડાવે એ સામાયિક. આ બહારવટિયાની વાત હોય તોય, જગત વિસ્મૃત કરાવડાવે. તમે ઘેર ગયા હોય, તે પછી કહો કે જમવાનું મૂકી દો. ત્યારે કહે, થોડીવાર છે, પાંચ મિનિટ, તો તમે અકળાયા કરતાં હોય. પછી આવીને પેલી ચોપડી ઝાલી કે, પેલા કહેશે, હેંડો, જમવા. તે ઊઠે નહીં પાછો. અલ્યા, કેમ આમ ? ત્યારે કહે, પેલી ચોપડીમાં એકાગ્ર થઈ ગયો. કારણ કે ઉતારનારા જે સંસ્કારો છે, એ જલ્દી એકાગ્ર કરે માણસને. તે સંપૂર્ણ એકાગ્ર થાય, તે ઊઠે નહીં પછી. હવે તે ઘડીએ ય જગત વિસ્મૃત થાય. પણ એ અધોગતિમાં લઈ જનારું. એ આપણું જ ધન વટાવીને માર ખવડાવે છે અને જે ઉર્ધ્વગામી સામાયિક એમાં જરા વાર લાગે. જગત વિસ્મૃત થતાં થતાં વાર લાગે. જો સામાયિક ને મોહ સાથે હોય તો તે સામાયિક ખોટી છે. મોહ હોય ત્યાં સામાયિક નહીં ને સામાયિક ત્યાં મોહ નહીં. દાદા સ્મૃતિમાં તો વિશ્વ વિસ્મૃતિમાં ! આ બધાને દાદા યાદ રહેતા હશે આખો દહાડો ?! અને દાદા યાદ રહે એટલે શું થાય કે જગત વિસ્મૃત થયું. એક યાદ હોય, કાં તો જગત યાદ હોય તો દાદા યાદ ના હોય અને દાદા યાદ હોય તો જગત વિસ્મૃત થાય. જગતની વિસ્મૃતિ થઈ ત્યાંથી કર્મો ઓછાં લાગે. જગત વિસ્મૃત કરવા માટે જ કૃપાળુદેવ કહેતા'તા. એક કલાક જો જગત વિસ્મૃત થઈ જાય તો એની તુલના જ બહુ મોટી લખી છે એમણે. તે લોકોને તો સામાયિકમાં ય જગત વિસ્મૃત થતું નથી. મનમાં એવું હોય તે શું થાય ? મનમાં એવું હોય પણ આત્માથી જુદો છે. એ શેઠને ય ખબર પડે કે આ સામાયિક કરું છું ને મન વિષયમાં ગયું છે. તે કોને ખબર પડે ? એને પેલું મીઠાશ વર્તે છે એટલે ત્યાં પાછો દોડે છે. મીઠાશ વર્તે છે, ત્યાં જઈને ઉઘરાણી કરવા માંડે ! ઉઘરાણી શરૂ કરી દે !! અને અત્યારે મારી હાજરીમાં બધું ભૂલી ગયા છો કે નથી ભૂલી ગયા ? એ સામાયિક કહેવાય. અહીં સંસારની વાત છે નહીં બિલકુલેય. અહીં આત્મા ને પરમાત્માની બે જ વાત છે. તે બધું ભૂલી ગયાને, તે આ મોટામાં મોટું સામાયિક. બીજું કશું ના આવડે તો ય અહીં આવીને બેસી રહેજોને થોડીવાર, કલાકે ય બેસીને, હેંડતા થાવને ! જુઓ, નર્યા પાપો ધોવાઈ જશે. ભસ્મીભૂત થઈ જશે પાપો બધાં. આ સામાયિકમાં પાપો ભસ્મીભૂત થઈ જાય. જ્ઞાની પુરુષની અજાયબી કહેવાય. પ્રકાર સામાયિકના... પ્રશ્નકર્તા : એવું કહ્યું છે કે અનેક પ્રકારે સામાયિક કરવી જોઈએ. એ સામાયિકના પ્રકાર કયા કયા ? દાદાશ્રી : હા, એ તો અનેક પ્રકારે, એટલે આપણે અડતાળીસ મિનિટ કરીએ એ તો સામાયિક કહેવાય પણ અમથા અમથા રસ્તામાં ય કો'કની જોડે ઝઘડો થઈ ગયો તો તે ઘડીએ સામાયિક લઈ લેવું. સમત્વમાં આવી જવું. એવું જ્યાં જ્યાં હોય ત્યાં સમત્વમાં આવી જવું અને આપણો માર્ગ એ જ છે ને, સમભાવ. આપણો સામાયિકનો જ માર્ગ છે આખો. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખાનનો આ માર્ગ સામાયિકનો એટલે આપણો છેલ્લો માર્ગ છે. પ્રશ્નકર્તા : આપણે તો અડતાળીસ મિનિટમાં ક્યાંથી આવીએ ? આપણે તો ચોવીસ કલાક એ ભાવમાં જ રહેવાનું ને ? દાદાશ્રી : એના જેવું તો એકુંય નહીંને, એની તો વાત જ જુદીને ! અરે, આપણા તો જે આ પ્રતિક્રમણ કરે છે, એ તે બહુ કિંમતી ! બબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી તો જગત યાદ જ ના હોય કશું એમને અને દોષો જ દેખાયા કરે, ત્રણ-ત્રણ કલાક સુધી ! દોષ દેખાય તો તે દોષ જતાં રહે. એ જીવતું પ્રતિક્રમણ કહેવાય ને આ નિર્જીવ પ્રતિક્રમણ કહેવાય છે. આનું પુણ્ય બંધાય. નકામું જાય નહીં એ. સામાયિક-પ્રતિક્રમણની પરિવ્યાખ્યા ! પ્રશ્નકર્તા : આપણા પ્રતિક્રમણ અને સામાયિકમાં શું કનેક્શન (સાંધો) છે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો અતિક્રમણ થયું હોય તેનું. તમારો વ્યવહાર એ ક્રમણ છે ને વધારે બોલાયું તે અતિક્રમણ છે. તે તમારે ચંદુભાઈને કહેવું કે અતિક્રમણ કેમ કર્યુ ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ. સામાયિક એટલે 'હું શુધ્ધાત્મા છું'નું ભાન તે સામાયિક. પાંચ આજ્ઞામાં નિરંતર સામાયિક રહે. સમભાવે નિકાલ કરવો એ પહેલું સામાયિક. અને સહજદશામાં, સ્વાભાવિક રહેવું તે અમારા જેવું સામાયિક. તે તમને ય થોડું-ઘણું રહે. આપણે અહીં મનની ગાંઠો ઓગાળવા માટે સામાયિક કરાવીએ છીએ. એમાં પોતે શુધ્ધાત્મા જ્ઞાતા પદમાં રહી મનની ગાંઠને જ્ઞેય રૂપે જોવાની છે. એનાથી ગાંઠો ઓગળ્યા કરે. આ સામાયિક કરો છો, ત્યારે પ્રકૃતિ બિલકુલ સહજ હોય. સામાયિક કરતાં કરતાં વર્તમાનકાળને પકડતાં આવડે. એમ સીધેસીધું ના આવે. કલાક સામાયિકમાં બેસો છો ત્યારે વર્તમાનમાં જ રહો છો ને ! પાંચ વાક્યો (આજ્ઞા) એ સામાયિકવાળા છે. પાંચ વાક્યોમાં રહેવું એ જ સામાયિક છે. ફેર, સામાયિક અને પ્રતિક્રમણમાં ! જગત જે સામાયિક કરે છે એ જુદું સામાયિક છે અને આપણું આ સામાયિક એ જુદી જાતનું સામાયિક છે ! ગજબનું ઊંચું છે આ સામાયિક !!! આવું સામાયિક તો હોય જ નહીંને ! આ લોકોનું સામાયિક તો કેવું હોય છે કે સામાયિક કરે તેમાં બાઉન્ડ્રી બાંધીને બેસે, પછી જે વિચાર આવ્યો એમ ધક્કા માર માર કરે. દુકાનનો વિચાર આવ્યો કે તેને ધક્કો મારે એટલે પછી બીજાને ધક્કો મારે, એટલે ધક્કા માર માર કરે, એમ કરતાં કરતાં એક ગુંઠાણું પૂરું થયું એને આ સામાયિક કહે છે ! અને આપણું આ સામાયિક તો ઓર જ જાતનું છે. આ સામાયિક શેને માટે છે ? બહારની ગાંઠો ઓગાળી નાખવાની. તે આપણે જાતે 'ખુદ' થયાં હોઈએ પછી આ સામાયિક થાય. આપણે શું કહીએ છીએ કે, 'મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ જાણું છું.' તો એ મન-વચન-કાયાના સ્વભાવને તું ઓગાળી નાખ. સામો પૂછે કે શી રીતે એ ઓગળે ? ત્યારે હું કહું, એને જોવાથી કે મન-વચન-કાયાનો સ્વભાવ આટલો જાડો છે, આટલો જાડો છે. તે તને ખબર પડેને કે આ આટલો જાડો છે ? પ્રશ્નકર્તા : ખબર પડે. દાદાશ્રી : તે સ્વભાવને સામાયિકમાં મૂકી દેવાનો. તે એટલો એક એનો સ્વભાવ ઓગળીને ખલાસ થઈ ગયો. એટલે પછી બીજો સ્વભાવ પકડવાનો. એટલે આ ગાંઠો ઓગાળી નાખવા માટે આ સામાયિક છે. આપણે એનો અક્રમ માર્ગ છે, એટલે સ્વભાવ ઓગાળવા માટે આપણે આ સામાયિક કરવાની છે. નહીં તો આપણને આ જ્ઞાન જ એવું છે કે આખો દહાડો સામાયિક જ હોય. સામાયિક કોને કહેવામાં આવે છે કે કષાયનો અભાવ. કષાયના અભાવને ખરું સામાયિક કહેવામાં આવે છે. પણ કષાયનો અભાવ તો લોકોને રહે નહીં ને ! શી રીતે રહે ? તે આપણે તો કાયમ આખો દા'ડો સામાયિક રહે છે, પણ આ સામાયિક તો શેને માટે કરવું પડે છે કે આ બધો ભરેલો માલ ખાલી કરવાનો છે. તે બધો બહુ માલ છે ! મસાલો એટલો બધો ભરી આવેલાં છે કે મુસ્લિમ માર્કેટમાંથી હઉ ભરી લાવ્યાં છે. અલ્યા, આપણી દેશી, હિન્દુ માર્કેટમાંથી લે ને ? ત્યારે કહે, ના આ બટાકા જેવું લાગે છે એમ કરીને આ બધું જાતજાતનું ભરી લાવ્યાં. આપણે કહેવા જઈએ તો યે શરમ આવે, ઘડીવાર !!! આત્મા એ જ સામાયિક ! સામાયિકના કર્તા તમે નથી, પ્રતિક્રમણના કર્તા તમે નથી. આ તો ઉદયકર્મ કરાવે છે અને આ લોકો, અણસમજણથી બધા સાધુઓ કહે છે, 'મેં કર્યું, હું કરું છું.' એ બધું અજ્ઞાન પેસી ગયું છે. પ્રશ્નકર્તા : સમભાવ એટલે સામાયિક અને સમભાવમાં જો રહેવાય તો પછી આ સામાયિક કરવી જોઈએ ? દાદાશ્રી : અરે, આત્મા એ જ સામાયિક. આ તમને જ્ઞાન પ્રાપ્ત થયું અને મારી આજ્ઞામાં રહો તો આખો દહાડો સામાયિક કહેવાય. અને બીજું આ સામાયિક કરવાનું નથી. આ તો ફક્ત પાછલા દોષ ધોવા માટેનું છે. મોટું પ્રતિક્રમણ છે આ એક જાતનું ! તે મહીં પાછલા દોષ ધોવાનું. આ પાછળ જે દોષ થયા હોય, તેને ધોઈ નાખે બધું. તેને આ લોકો સામાયિક કહે છે. બાકી આત્મા એ જ સામાયિક અને આત્મા પ્રાપ્ત થયે આખો દિવસ સામાયિકમાં જ રહી શકાય! શુધ્ધ ઉપયોગ રાખવા માટે ! પ્રશ્નકર્તા : અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર છે ? દાદાશ્રી : દાદાની જાગૃતિ હોય, બીજી જાગૃતિ રહેતી હોય, આજ્ઞામાં રહેતાં આવડતું હોય, ગમે તેવું નિરંતર જાગૃતિનું રહેતું હોય તો સામાયિક ના કરે તો ચાલે. બાકી કંઈ અબ્રહ્મચર્ય કે એવા બધા દોષો ક્યાં ક્યાં કર્યા, એવી સામાયિક લેવાની હોય તમારે. શુધ્ધ ઉપયોગ રાખવા માટે જ સામાયિક કરવાની છે. પાંચ આજ્ઞા પળાય, એ જ સામાયિક ! 'હું શુધ્ધાત્મા છું' જેને એક કલાક રહ્યું એ જ સામાયિક. સમભાવે નિકાલ કરવું એ સામાયિક. રિલેટિવ અને રિયલ જોયું એ ય સામાયિક. આપણાં પાંચ વાક્યો એ સામાયિક સ્વરૂપ છે ! પ્રશ્નકર્તા : ક્રમિકમાર્ગમાં તો પુણિયા શ્રાવકનું સામાયિક ઊંચામાં ઊંચું ? દાદાશ્રી : હા, એ તો આ આપણું જ સામાયિક ! આ તમે સવારમાં નીકળો અને આ આંખે ગાય દેખાય અને પેલી અંદરની આંખે શુધ્ધાત્મા દેખાય, એ જ સામાયિક પુણિયા શ્રાવકનું હતું. તેથી હું તમને કહું છું ને, પુણિયા શ્રાવકનું સામાયિક તમને આપ્યું છે, પ્યૉર સામાયિક. હવે તમને ભોગવતાં આવડ્યું તો ભોગવો. તે એવું સામાયિક આ કાળમાં થાય એવું છે. લાભ ના લેતાં હોય તો ભૂલ છેને ! એક કલાક રિલેટિવ ને રિયલ - બેનું જોતાં જોતાં જોતાં ઉપયોગ રાખે બરાબર એને ભગવાને શુધ્ધ ઉપયોગ કહ્યો. એ શુધ્ધ ઉપયોગ જો એક ગુંઠાણું રહેને તો પુણિયા શ્રાવકનું સામાયિક થાય એવું છે. તો તમે લાભ ઉઠાવજો. કરી શકો તો અવશ્ય લાભ ઉઠાવો. મહીં મન ગમે તે સળી કરે, તો ય કહીએ કે તમે હમણે બેસો. એક કલાક પછી આવો જે કંઈ આવવું હોય તે. મહીં પાછા આવનાર હોયને, બૂમો પાડનાર હોય. એમને કહીએ કે હમણે એક કલાક બંધ છે. અમારું સામાયિક ચાલે છે. હમણે આવશો નહીં. અંદર હોમ ડિપાર્ટમેન્ટમાં કોઈને પેસવાનો અધિકાર નથી. ચૂપ કહીએ. ફોરેનમાં રહો કહીએ. અમે કલાક પછી બહાર નીકળીએ ત્યારે પછી. એટલે બંધ થઈ જાય, એની મેળે. આપણે ઓર્ડર કરીએ એ પ્રમાણે. કારણ કે એ નિર્જીવ છે બધી વસ્તુઓ પણ સચેતન થયેલી છે. સચેતન ભાવને પામેલી છે. એટલે આ કલાક કરજો, પુણિયા શ્રાવકની સામાયિક. બધું ખંખેરીને જતું રહેશે ! અક્રમ માર્ગનું સામાયિક ! પ્રશ્નકર્તા : આપણું અક્રમનું સામાયિક એ સમજાવો. દાદાશ્રી : આપણું સામાયિક તો આત્મારૂપ થઈ જવાનું. મહીં ચંદુભાઈનું તંત્ર શું ચાલી રહ્યું છે એ જોવું. ચંદુભાઈને આ વિચાર આવ્યો, તે વિચાર આવ્યો, ફલાણો આવ્યો, તેને બધાને જોવા. આપણે જોનાર અને વિચાર એ દ્રશ્ય, આપણે દ્રષ્ટા. જે સમજણ પડે એવા વિચાર હોય એ જ્ઞેય કહેવાય અને આપણે જ્ઞાતા. પછી ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, પગમાં દુઃખે છે, ત્યાં ચંદુભાઈ ધ્યાન રાખે છે કે નહીં ? એ બધું 'આપણે' જાણવું. પેટમાં ભૂખ લાગી હોય તો ય જાણવી અને બહારનાનો વિચાર આવે તેને શુધ્ધ જોવો એ આપણું સામાયિક. શુધ્ધ રહેવું, શુધ્ધ જોવું. આખી રાત કચકચ કરી હોય ને પછી સામાયિકમાં બેઠાં, એટલે શુધ્ધ જોવું અને કહેવું ચંદુભાઈ, માફી માગી લો ! એમાં જોયા જ કરવાનું ! પ્રશ્નકર્તા : સામાયિક સમયે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીએ એ વાત બરોબર પણ મન-બુદ્ધિ-ચિત્ત અહંકારની કેવી સ્થિતિ હોય ? સામાયિક સમયે ખાસ શું શું ધ્યાન રાખવું જોઈએ ? દાદાશ્રી : આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર શું શું કરી રહ્યા છે, એ જોયા કરવાનું. જેમ 'સુપરવાઈઝર' હોય ને તે સાહેબે કહ્યું હોય કે આનું 'સુપરવાઈઝ' કરો, એટલે આપણે શું કરીએ ? પ્રશ્નકર્તા : બધાની સામું જોવાનું, એ કોણ શું શું કરે છે ? દાદાશ્રી : સુપરવિઝન જ કરવાનું. કોઈને ધોલ-બોલ મારવાની નહીં. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એને જોયા જ કરવાનું. સામાયિકમાં અંદર આત્માને જુદો પાડ પાડ કરવો અને બીજું બધું મહીંનું જો જો જ કરવું. પણ એ 'જોવાનું ને જાણવાનું' બે જ અભ્યાસ 'આત્મા' કર્યા કરે છે. બીજા અભ્યાસમાં આત્મા ના ઉતરે. 'શું બન્યું' તે જોયા કરે. મન શું ધર્મમાં છે, બુદ્ધિ શું ધર્મમાં છે, એ બધું જોયા કરે. બધાને 'જોવાનું'. ખાલી જો જો જ કર્યા કરવાનું. જેમ સિનેમામાં જોઈએ છીએ કે મહીં માણસ મારંમાર કરે છે, તોફાન કરે છે પણ આપણે તેમાં 'ઈમોશનલ' થતાં નથી ને ? જેવું સિનેમામાં જોઈએ છીએ તેવું. અંદરનો બધો સિનેમા જોવાનો, એ સામાયિક છે. અડતાળીસ મિનિટ કરવામાં આવે તો બહુ કામ થઈ ગયું. પ્રશ્નકર્તા : તો આમાં ભૂતકાળને યાદ કરવાની જરૂર નહીં ? દાદાશ્રી : ભૂતકાળ યાદ કરવાનો નથી. સામાયિક કરવાની છે. સામાયિક કરવાની એટલે મહીં જે કૂદે છે, તેને આત્મા જોયા કરે છે. તે ઘડીએ આત્મા સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે ! અંદરની શુધ્ધિ સામાયિકથી ! પ્રશ્નકર્તા : આ સામાયિકમાં આપણે બેઠા હોઈએ તે જ્યારે મનમાં આવો ખરાબ વિચાર આવે તો એ સમયે જ પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : હા, એ સમયે જ કરવું બધું. અને તે 'આપણે' કરવાનું નથી. 'આપણે' જાણકાર છીએ અને ચંદુભાઈને ભાન નથી, ચંદુભાઈ કર્તા છે. એટલે કર્તાને આપણે એમ કહેવું કે 'આમ કરો, તમે આમ કેમ કર્યું ?' આપણે જ્ઞાતા છીએ ને એ કર્તા છે. ધ્યાન-સાધનાની ક્રિયા જે છે તે તમને અહીં ફરીવાર આવશો ત્યારે બતાવશે. એક પ્રકારનું એવું સામાયિક છે કે જે અંદર આખી લાઈફના દોષો જોઈ શકે, તમે અંદર દોષો બધા જોઈ શકો અને જોવાથી એ ઓછા થઈ જાય. એ સામાયિક તમે અહીં આવશો ત્યારે બતાવશે. પણ હમણાં તો પાંચ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરોને ! આપણે અહીં તમને આ 'સામાયિક' કેવી રીતે કરવી તે દેખાડે છે. તો સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય, તે અહીં ઓગાળી શકાય. પ્રશ્નકર્તા : એવું કંઈક હોય તો તે કામનું ને! દાદાશ્રી : છે. અહીં બધું જ છે. અહીં તમને બધું જ દેખાડશે. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય તે જ 'સામાયિક'માં મૂકવાનો. અને આ દેખાડે એ પ્રમાણે તેને જોયા કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય. આપણે અહીં કરાવે છે એવી સામાયિકો કરવી. સામાયિકથી જે બહુ મોટી ગ્રંથિ હોય, જે બહુ હેરાન કરતી હોય, તે ઓગળી જાય. નિર્ગ્રંથદશા, ગ્રંથિઓ છેદીને... પ્રશ્નકર્તા : આપણે બચપણમાં ભૂલ કરી છે, જુવાનીમાં ભૂલ કરી છે કે પછી ભૂલ કરી છે, એ બધું એક પછી એક દેખાય. દાદાશ્રી : હવે તે રોજ એક કલાક ટાઈમ મળે ત્યારે કરવું. રોજ ટાઈમ મળે નહીં એટલે બે દહાડામાં પણ એક સામાયિક કરવું. એમાં વિષયોના દોષ જોવાના. એક દહાડો સામાયિકમાં હિંસાના દોષ જોવાના. એ બધા દોષો જોવાનું સામાયિક આપણે ગોઠવવું. અને તે આ 'દાદાની' કૃપા છે કે સામાયિકમાં બધા જ દોષ દેખાય. નાની ઉંમર સુધીનું બધું તમને દેખાશે અને દોષ દેખાયા એટલે ધોવાઈ જશે અને ધોવાઈ જાય છતાં ય, પાછી મોટામાં મોટી ગાંઠ પકડી રાખવી. તેને તો રોજ સામાયિકમાં પોતે લાવવી. એટલે આમ કરતાં કરતાં સામાયિક કરતાં જાવ. પ્રશ્નકર્તા : એ મોટી ગાંઠ છે એમ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : મોટી ગાંઠ તો, વારે ઘડીએ એના વિચાર આવે એ મોટી ગાંઠ. આ બાજુ લીંબુ મૂક્યાં હોય ને આ બાજુ સંતરાં મૂક્યાં હોય, ને આ બાજુ ડુંગળી મૂકી હોય, એ બધાંની ગંધ આવે. પણ જેની વધારે ગંધ આવે તે જાણવું કે આ માલ અહીં વધારે છે. એટલે મહીં આપણને ખબર પડે. બહુ વિચાર આવે, વિચાર પર વિચાર, વિચાર ઉપર વિચાર આવે એટલે આપણે જાણીએ કે ઓહો, આ માલ વધારે છે એટલે એની પછી નોંધ કરવી કે આ ફર્સ્ટ, આ સેકન્ડ, એવી કેટલી ગાંઠો છે એ જોઈ લેવી. પછી રોજના ઉપયોગમાં લેવું એને. એક ફેરો જુએ-જાણે, અને પ્રતિક્રમણ કરે, એટલે એક પડ જાય. એવાં કોઈને પાંચસો-પાંચસો પડ હોય, કોઈને સો પડ હોય, કોઈને બસો પડ હોય, પણ બધું ખલાસ થઈ જાય. હવે તો મોક્ષે જવાનું તે નિર્ગ્રંથ થઈને જવું પડે. નિર્ગ્રંથ એટલે અંદરની ગ્રંથિ બધી ગઈ. હવે બહારની ગ્રંથિઓ રહી. બાહ્ય ગ્રંથિઓ રહી. અને એ ય પાછું આ 'ચંદુભાઈ'ને રહી. સામાયિકથી વિકારગ્રંથિ ઓગાળવી ! પ્રશ્નકર્તા : અમે યુવાન છીએ એટલે અમારી વિષય સંબધી ગાંઠ મોટી હોય. તો જો અમારો ઉપયોગ સામાયિકમાં હોય તો જ એ ગાંઠ ઓગાળી શકીએને ? દાદાશ્રી : હં જોવાથી ઓગળી જાય છે. પ્રશ્નકર્તા : હા. તે એ જોઈ જોઈને ઓગાળવાનું. એટલા માટે સામાયિકમાં બેસાય તો સારું ને ? અને એ પછી સામાયિકમાં બેસવું છે એવું નથી થતું. દાદાશ્રી : સામાયિકમાં ના બેસાય તો આમ જ્યારે ગાંઠ ફૂટે ને, વિચાર આવે તો એને જ્ઞાને કરીને ચોખ્ખો કરવો, એનું નામ જાગૃતિ કહેવાય. છેવટે કશું ના આવડે તો 'ન્હોય મારાં' એમ કહે એ વિચારોને, તો એ છૂટ્યો. વિચાર આવ્યો કે દ્રષ્ટિ બગડી તો 'ન્હોય મારું' એમ કહે તો છૂટ્યો. અને વિષયનો વિચાર તો જ્યારે ઉત્પન્ન થાય એને 'ન્હોય મારો' એમ કહીએ તો ય બંધ થઈ ગયું. પ્રશ્નકર્તા : એટલે એમાં સામાયિકની જરૂર જ નથી ઊભી થતી કે રીતસર આપણે બેસવું જોઈએ કલાક. દાદાશ્રી : સામાયિક થાય તો સારી વસ્તુ છે. ના થાય તો આમ, જેમ જેમ ઉત્પન્ન થાય તેમ તેમ ટાઈમ કાઢતાં રહેવું. પ્રશ્નકર્તા : અમારી ઇચ્છા છે કે સામાયિક કરવું જોઈએ અને છતાં નથી બેસાતું એ શાથી ? દાદાશ્રી : બધા ભેગા હોય ત્યારે બેસાય. એકલાને બેસતાં ના ફાવે. ભેગાનું વજન થાય સામસામી, વાતાવરણ ઊભું થાય. એટલે ભેગા ફરી બેસવું બધાંય. પ્રશ્નકર્તા : અમારે એવું કેવી રીતે ગોઠવણી કરવી કે જેથી વધુમાં વધુ લાભ લેવાય ? દાદાશ્રી : વધારે માણસ ભેગા થાય એટલે વધારે લાભ લેવાય. અસર થાય ને બધી સત્સંગની. સામાયિક કરવી હોય તો દસ-બાર માણસ ભેગા બેઠાં હોય તો સામાયિક કરો તો સારી થાય. એકલા બેસો તો ના થાય. બધાની અસર થાય. નથી કરવાપણું આમાં ! પ્રશ્નકર્તા : આ તો આપણા વિજ્ઞાનની વાત છે. આપણે અડતાળીસ મિનિટ બેસીને કરીએ છીએ તે, આ ગાંઠો ઓગાળવા માટે આપે કહ્યું હતું. દાદાશ્રી : એ તો આપણું અક્રમ વિજ્ઞાન છેને, એટલે સ્થિર બેસીને ગાંઠ બાળવા માટે ! બાકી સામાયિક આને કહેવાય નહીં. બીજું નામ આપવું પડે. ને બીજું નામ જડતું નથી એટલે આ ચાલવા દીધું. અને સામાયિક એટલે તો બીજું કશું નહીં, મનમાંથી જે સ્ફૂરણા થાય, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા કરવાનું. પ્રશ્નકર્તા : સામાયિક ને પ્રતિક્રમણ એ ક્રિયા કહેવાય ? દાદાશ્રી : ના, સામાયિક-પ્રતિક્રમણ એ ક્રિયા નથી. એ જ્ઞાનક્રિયા છે. અજ્ઞાનથી કરે છે એ અજ્ઞાન ક્રિયા છે અને આપણી તો આ જ્ઞાનક્રિયા છે. જ્ઞાનક્રિયાથી છૂટે અને અજ્ઞાનક્રિયાનું તો ફળ આવે, ભૌતિક સુખો મળે. પ્રશ્નકર્તા : મારો એવો અનુભવ છે કે સામાયિક કરવાથી જાગૃતિ બહુ વધે છે. દાદાશ્રી : જાગૃતિ બહુ વધે. જાગૃતિ માટે એના જેવું એકેય નથી. પ્રશ્નકર્તા : પણ હું એને ક્રિયા સમજતો હતો. દાદાશ્રી : ના, એ તો જ્ઞાનક્રિયા છે. જ્ઞાનક્રિયાને ખરેખર ક્રિયા કહેવામાં આવતી નથી. વ્યવહારમાં કહેવું પડે કે હું સામાયિક કરું છું. સામાયિક 'કરવાનું' એ તો 'કરવાનું' શબ્દ બોલીએ એટલું જ. જો કે સામાયિકમાં રહેવાનું જ હોય. આ તો પહેલાંની ટેવ પડી ગયેલી ને, શબ્દો બોલવાના, એટલે એવું બોલવું પડે. ભાષા થઈ ગયેલીને કે સામાયિક કરવાની છે. બાકી સામાયિક તો રહેવાનું છે. કરવાનું તો છે જ નહીંને આપણે ત્યાં. એ ભાષા એવી થઈ ગયેલી તે બોલવું પડે. ભાષાનો વ્યવહાર બધો એવો થઈ ગયેલોને, આપણે ત્યાં કરવા જેવી વસ્તુ જ નથી ને ! સામાયિકનો ઊઠાવો લાભ ! પ્રશ્નકર્તા : મારા મનની નબળાઈ છે એટલે મારાથી આપણી સામાયિકમાં બેસી શકાતું નથી. દાદાશ્રી : બધાંની જોડે જોડે બેસીએ તો બેસાય. તેનાથી સામસામી, પર્યાયી અસર થાય. તમારે સામાયિકમાં ગાંઠ ના મૂકવી. તમારે તો મન શું કરે છે, તે બધું જોવામાં જ કાઢવું. મનની નબળાઈ શું કરે છે, તે જોયા કરવું. પણ જ્યારે-ત્યારે એ ગાંઠોને ઓગાળવી તો પડશેને ! જેટલું ઓગાળીએ તેટલો લાભ થશે. આ ભવમાં ને આ ભવમાં લાભ થશે ! સંયમની શક્તિ ખૂબ વધી જશે ! આવાં રસ્તા, આ માર્ગ, આવો અવસર ફરી ફરી મળે નહીં. માટે કામ કાઢી લો. આ સામાયિકથી ગમે તેવી ગાંઠ હોય તો તે ઊડી જાય ! નિરંતર સમાધિનો માર્ગ છે આ આપણો ! જેટલું અમારી આજ્ઞામાં રહેવાય, એટલી નિરંતર સમાધિ રહે, આજ્ઞામાં વધારે રહીશું તો સમાધિનો વધારે લાભ મળશે ! અક્રમમાં ગાંઠો ઓગાળવા ! ખરેખર તો શુધ્ધાત્માનું ભાન થયા પછી સામાયિક કરવાનું ના હોય. શુધ્ધાત્મા એ જ સામાયિક છે. જગતના લોકો કરે છે તેવું સામાયિક આપણે હવે કરવાનું રહ્યું નહીં. છતાં અહીં જે સામાયિક કરાવવામાં આવે છે, એ તો શેને માટે કરવી પડે છે ? આપણે 'અક્રમ માર્ગે' કર્મો ખપાવ્યા સિવાય 'લિફ્ટ'માં ઉપર ગયા છીએ તેથી. મહીં ગાંઠો સાબૂત છે, તેને ઓગાળવાનું સામાયિક આ બધા કરે છે. જે ગાંઠ મોટી હોય તેને સામી જ્ઞેય તરીકે મૂકે ને પોતે જ્ઞાતા તરીકે રહે ને એક કલાક એમાં ગાળે, એટલે એ ગાંઠ એટલા પ્રમાણમાં ઓગળે. ગાંઠ બહુ મોટી હોય તો તે બહુ કલાક માંગે. રોજ એક એક કલાક જાય તો તે ખલાસ થઈ જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધું ખલાસ થઈ જાય !!! આ સામાયિકમાં શું કરે કે 'મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ હું જાણું છું.' પણ એ સ્વભાવનું શું થાય ? કોઈને આટલો સ્વભાવ જાડો હોય, તો કોઈને આટલો જાડો હોય. હવે આ સામાયિક કરે ને, તે ઘડીએ એ સ્વભાવને મૂકીએ, તો તે બધું ઓગળી જાય. એ સ્વભાવનો જ્ઞાતા-દ્રષ્ટા થયો તો એ ઓગળવા માંડે. આપણી સામાયિક કેવી હોય ? જ્ઞાતા-દ્રષ્ટાની સામાયિક હોય. એટલે એમાં કાયોત્સર્ગ પણ આવી જાય. આવી સામાયિક તો કોઈ કરે જ નહીં ને ! આ તો ઓર જ પ્રકારની સામાયિક છે. હવે આ સામાયિકની શી જરૂર છે ? ત્યારે કહે કે અક્રમ છે એટલે મહીં માલ સ્ટોક પડેલો છે. જ્યાં જ્યાં ઓગળવાનું છે, એ સ્વભાવને સામાયિકમાં મૂક્યાં કરવાનો અને આપણે જાણીએ એટલે એ સ્વભાવ ઓગળ્યા કરે. અને બીજો શું લાભ મળે કે આત્માનો રસાસ્વાદ ચાખે ! આત્મા સ્થિર છે, અચળ છે અને દેહને જો અચળ કર્યો તો સ્વાદ ઉત્પન્ન થઈ ગયો ! બહાર જો અચળ કરીએ તો અચળતાનો મહીં સ્વાદ આવે. તેથી પેલા લોક સામાયિક કરે, કાયોત્સર્ગ કરેને કે મહીંથી સ્વાદ આવે. એટલે જાણે કે બહાર ઇન્દ્રિયોનું સુખ નથી, સુખ અંદર છે અને આપણે તો સુખ અંદર છે એ જાણી ગયાં છીએ તો હવે આ સામાયિક શા માટે કરવાનું કે, આ સ્વાદ ચાખવા માટે છે. આત્મરસ ભોગવવા માટે આપણે સામાયિક કરવાનું છે ને પેલા લોકોને તો આત્મરસનું ભાન થવા માટે કરવાનું છે. સામાયિકમાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી અને ગાંઠોને જ્ઞેય જોવાથી ગાંઠો ઓગળી જાય છે. ઓગળી જાય તો શો અર્થ કે મિશ્રસા બધા વિશ્રસા થઈ જાય. સ્વભાવ રસ ઓગળે એમાં ! એટલે આપણું અક્રમનું પ્રતિક્રમણ જુદી જાતનું હોય. આ બધી જે ગાંઠો હોય, તે આમાં (સામાયિકમાં) મૂકી દેવાની. લોભ હોય, ક્રોધ હોય, તેની ગાંઠો મૂકી દેવાની. એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. ક્રોધ હોય કે માન હોય, એની ગાંઠ મૂકી દેવાની. એ જ્ઞેય ને આપણે જ્ઞાતા, એવી રીતે અડતાળીસ મિનિટનું સામાયિક કરવાનું. જ્ઞેય-જ્ઞાતા સંબંધથી જ ગાંઠો બધી ઓગળી જાય. આ વ્યવહાર સામાયિક કરે છે. તે તો એકાગ્રતા કરવા માટે છે. અને આ સામાયિક તો ગાંઠો ઓગાળવા માટે છે. જે ગાંઠ વધારે હેરાન કરતી હોય, જેના બહુ વિચાર આવતા હોય એ ગાંઠ મોટી હોય. આ પ્રતિક્રમણ વખતે માઈન્ડ એબ્સન્ટ છે. બીજું કશું નહીં. વિચારો જોડે જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ, પ્રતિક્રમણ વખતે વિચારો આવતાં જ નથી. વિચારો બંધ થઈ જાય અને વિચારો જો કોઈને આવતાં હોય તો એ જુએ, એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. 'મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને 'શુધ્ધ ચેતન' જાણે છે અને પોતાના સ્વ-સ્વભાવને પણ 'શુધ્ધ ચેતન' જાણે છે. કારણ કે તે સ્વ-પર પ્રકાશક છે.' આત્માનો મોક્ષગામી સ્વભાવ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે ને સ્વરૂપજ્ઞાન પછી આપણે આપણા સ્વભાવને જાણીએ છીએ અને આ મન-વચન-કાયાની ટેવોને પણ જાણીએ છીએ. મન આવું છે, વાણીની ટેવ આવી છે, સામાને અપ્રિય થઈ પડે એવી છે, ખરાબ ભાષા છે, એવું બધું તમે જાણો કે ના જાણો ? તમે આ ય જાણો ને 'પેલું' ય જાણો. કારણ કે તમે સ્વ-પર પ્રકાશક છો. પોતાને, 'સ્વ'ને પણ પ્રકાશ કરી શકે અને પરને પણ પ્રકાશ કરી શકે. અજ્ઞાની માણસ, 'પર' એકલાને જ પ્રકાશ કરી શકે, 'સ્વ'ને પ્રકાશ ના કરી શકે. એમને એમ થાય ખરું કે મારું મન બહુ ખરાબ છે પણ પાછાં જાય ક્યાં ? ત્યાં ને ત્યાં જ રહેવું પડે. જ્યારે આત્મજ્ઞાનવાળો તો જુદો રહે. પ્રશ્નકર્તા : 'ટેવો અને તેનો સ્વભાવ' એ ના સમજાયું. દાદાશ્રી : મન-વચન-કાયાની ટેવ એકલી નથી કહી. જોડે તેનો સ્વભાવ કહ્યો છે ! સ્વભાવ એટલે કોઈ કોઈ ટેવ ખૂબ જાડી હોય છે, કોઈ ટેવ છે તે બિલકુલ પાતળી હોય છે, નખના જેટલી જ પાતળી હોય, તે એક કે બે વખત પ્રતિક્રમણ કરે એટલે ખલાસ થઈ જાય. અને જે ટેવ ખૂબ જાડી હોય તેનાં તો પ્રતિક્રમણ ખૂબ કરીએ, છોલ-છોલ કરીએ ત્યારે એ ઘસાઈ જાય ! મન-વચન-કાયાની ટેવો જે છે એ તો મરે ત્યારે છૂટે એવી છે, પણ એનો જે સ્વભાવ છે તે ઘસી નાખવો જોઈએ. પાતળા રસથી બંધાયેલી ટેવોનાં તો બે-પાંચ વખત પ્રતિક્રમણ કરશો તો એ ઊડી જશે, પણ જાડા રસવાળાને પાંચસો-પાંચસો વખત પ્રતિક્રમણ કરવાં પડે ને કેટલી ગાંઠો, લોભની ગાંઠો તો એટલી મોટી હોય કે, રોજ બબ્બે, ત્રણ-ત્રણ કલાક લોભનાં પ્રતિક્રમણ કર કર કરે તો ય છ વર્ષે ય પૂરી ના થાય ! અને કોઈને લોભની ગાંઠ એવી હોય કે એક દહાડામાં કે ત્રણ કલાકમાં ખલાસ કરી નાખે ! એવાં જાતજાતના સ્વભાવ રસ હોય છે. ફાડ ફાડ કરવાં ચીતરાયેલાં પાનાં ! અને સામાયિક શું છે ? જે તમારે આદત હોય, પેલા ભાઈ કહેતા'તાને કે મારે પુસ્તકો વાંચવાની આદત છે. તો એ પુસ્તકોનો ઢગલો મૂકવો કલ્પનાથી અને પછી જ્ઞાતા-દ્રષ્ટા રહી, પુસ્તકો ફાડ ફાડ કરવાં. એક કલાક ફાડે ને આપણે જોઈએ. ચંદુભાઈને કહેવું, 'પુસ્તકો બધાં ફાડી નાખો'. એટલે એ ગાંઠ ઓગળી જાય. લોભની ગાંઠ હોય તો લોભની ગાંઠ મૂકવી, આ ગાંઠો ઓગાળવાનું સાધન છે. મહીં ગ્રંથિઓ છે, છેવટે નિર્ગ્રંથ થવું પડશે. નિર્ગ્રંથ થયા વગર છૂટકો નથી. પસ્તાવાનું જ સામાયિક ! એટલે આવું છેને, જે કર્યું એનો પસ્તાવો કરો. હજુ પસ્તાવો કરશો તો આ દેહે પાપો ભસ્મીભૂત કરી શકશો. પસ્તાવાનું જ સામાયિક કરો. કોનું સામાયિક ? પસ્તાવાનું જ સામાયિક. શું પસ્તાવો ? ત્યારે કહે, મેં લોકોના પૈસા ખોટા લીધા. તે બધા જેના લીધા હોય તેનાં નામ દઈને, એનું મોઢું યાદ કરીને, વ્યભિચાર ફલાણું કર્યું, દ્રષ્ટિ બગાડી એ બધા પાપો ધૂઓ તો હજુ ધોઈ શકો છો. પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પહેલાં જે કર્મ કર્યાં છે, હવે એનું સરવૈયું કાઢવા બેઠા છે કે આ કર્યું છે. તે ક્યારે પ્રકાશમાં આવશે ? દાદાશ્રી : એ યાદ આવે તો પ્રતિક્રમણ કરવું. જેટલાં યાદ આવે એટલાં પ્રતિક્રમણ કરવાં. નહીં તો પછી અહીં આગળ અમે સામાયિક કરાવીએ છીએ. તે દહાડે બેસવું તે આખું એક્ઝેક્ટ કરવું. તે દહાડે થોડું ધોવાઈ જાય. એમ કરતું કરતું બધું ધોવાઈ જાય. પ્રશ્નકર્તા : ઘણાં વર્ષો પહેલાં થઈ ગયું હોયને, તે આપણને યાદ પણ ના આવતું હોય તો ? દાદાશ્રી : યાદ ના આવે તેને ? તે તો રહી ગયું, એમ ને એમ જ ! એ પછી સામાયિક કરવાનું એમાં યાદ આવશે. પ્રશ્નકર્તા : સામાયિકમાં યાદ આવે ? દાદાશ્રી : હા, કેટલાંકને તો પાંચ વર્ષ સુધીનું બધું યાદ આવે. વિષય સંબંધીનું સામાયિક ! અમે વિષય સંબંધીનું સામાયિક કરાવડાવ્યું હતું, કે અત્યારથી ઊંડા ઉતરો તે અત્યારે આપણી ચાલીસ વર્ષની ઉંમર છે, તે ૩૯ વર્ષમાં શું થયું, ૩૮ વર્ષમાં શું થયું, એમ કરતાં કરતાં છેવટે ૧૦ વર્ષની ઉંમર સુધી લોકો પહોંચેલા હતા. હવે એ તો પહોંચ્યા આ વાત જુદી જ છે. પણ એ પછી ય આઠ-આઠ દહાડા સુધી એમને એ દોષો દેખાવાના ચાલુ જ રહ્યા. તે બંધ જ ના થાય. ઘેર ખાતી વખતે, પીતી વખતે, મહીં ચાલુ જ રહે. મહીં કોતર્યા કરે. એટલે પછી એ લોકો કહે છે કે આ તો અમે કંટાળી ગયા છીએ. હવે બંધ કરાવી દેવડાવો. તે અમે પછી બંધ કરાવડાવ્યું. મહીં નિરંતર ચાલુ જ રહેલું. તે મહીં ખોળ ખોળ ખોળ ખોળ કરે. પચ્ચીસ વર્ષ ઉપર આ કર્યું હતું, તે કર્યું હતું, તે બધાં પર્યાય દેખે. પછી અમારે એ બંધ કરાવવું પડ્યું હતું. ભૂતકાળમાં વસાઈ ગયેલાં પર્યાયોને જોવાં એ આપણું સામાયિક. આ સામાયિકમાં તો દોષો ધોવાય. અત્યાર સુધી જે, જ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાંના, જે દોષો થયેલા હોય એ જોવાનું સામાયિક છે. તે કયા દોષ જોવા છે ? જ્ઞાન લેતાં પહેલાં જે દોષો બધા થયેલા હોય, તેને જોવાથી એ દોષો બધા ધોવાઈ જાય. પણ હજુ પણ જોઈએ તો ધોવાઈ જાય. અને યાદ કરવા જાય તો એકુંય યાદ આવે નહીં. આ જ્ઞાને કરીને દેખાય બધા. આત્મા હાજર થઈને બધું દેખાય. ઠેઠ સુધીનું, આખી લાઈફનું દેખાય અને વિષયના દોષો તો... પ્રશ્નકર્તા : વિષયના દોષોનું સામાયિક કરેલું. દાદાશ્રી : હા, તે ઠેઠ સુધી બધા વિષયના જે જે દોષો થયા હોય તો બધા દેખાશે. દેખાતા દેખાતા દેખાતા બાર વર્ષનો થયો ને ત્યાં સુધી દેખાયા કરશે. જ્યારથી વિષયની શરૂઆત થાય ત્યાં સુધી દેખાશે. શરૂઆતથી તે અંત સુધી જેટલા દેખાયા એટલા બધા ઊડી ગયા. હાર્ડવેર સામાયિકનું ! પ્રશ્નકર્તા : આગલા જન્મમાં અમે અતિક્રમણ કેટલાં કર્યા ? કેવાં કર્યા ? શું કર્યું ? એ તો અમને ખ્યાલ જ નથી. એ ખ્યાલ કેમ આવે ? દાદાશ્રી : આગલા ભવનું આપણે શું કામ છે તે ? અત્યારે જેટલાં અતિક્રમણ કરીએ તે ધોવાનાં છે. પ્રશ્નકર્તા : આ ભવમાં ય અતિક્રમણ કર્યા હોય, તેનો ય ખ્યાલ ન આવે ને બધો કંઈ ?! દાદાશ્રી : એ તો એકલા સામાયિકમાં બેસીએ ને એ બાજુ પડીએ કે મારે આ બધું ખોળી કાઢવું છે. તો બધું જડી આવે. વિગતવાર જડી આવે. આજે એક સામાયિક કરજો. પ્રશ્નકર્તા : હા, કેવી રીતે સામાયિક કરીએ ? દાદાશ્રી : હા, નાનપણથી તે અત્યાર સુધી જેની જેની જોડે દોષ થયા હોય, હિંસા સંબંધી કોઈ જીવો જોડે થયા હોય, કોઈને દુઃખ દીધું હોય, કોઈને અવળો શબ્દ બોલ્યા હોય, કોઈની જોડે કષાય કર્યા હોય, એ હિંસા સંબંધી દોષો. પછી જૂઠ, ચોરી સંબંધી, વિષય-વિકાર સંબંધી કે આ વસ્તુઓમાં મમતા, એ શું કહેવાય ? પરિગ્રહ કહેવાય. એ જે જે દોષ કર્યા હોય એ દોષોને યાદ કરી કરી અને ભગવાન મહાવીરની સાક્ષીએ અથવા શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું એમ કહીને માફી માંગજો. કરજો આટલું, થાય એટલું ? પ્રશ્નકર્તા : થાશે. જેટલાં યાદ આવશે એટલાં બધાં કરી જઈશું. દાદાશ્રી : યાદ આવે એટલો વખત બધું કરજોને ! જેની ઇચ્છા છે, જે સરળ છે, એને યાદ આવ્યા વગર રહેશે નહીં. અને ભગવાનના માર્ગમાં સરળતા એ મોક્ષનો સરળ રસ્તો, ઊંચો રસ્તો. સરળ ના થયો તો ભગવાનના માર્ગમાં જ નથી. એટલે આટલું કરજો. બધું યાદ કરી કરીને કરજો. અને જોડે જોડે એમે ય કરજો કે જ્ઞાની પુરુષ હોવા છતાં ય અમે શંકા કરીને, જ્ઞાની પુરુષ કેવા હોય, એવું બધું પૂછયું, તે ય અમારો દોષ છે. એવું પણ કરજો. નાનપણમાં બિલાડીને માર્યું હોય પછી વાંદરાને કંઈક ઢેખાળો માર્યો હોય, એ બધું મહીં દેખી શકે છે. એ પહેલાંના પર્યાય મહીં દેખી શકે છે પણ સામાયિક વધુ કરતાં હોય તો. પહેલી વખત સામાયિક કરે તો એવું એકદમ ના થાય. પણ પાંચ-દસ-પંદર સામાયિક થાય ત્યાર પછી બહુ ઝીણવટ આવતી જાય. સોફ્ટવેર સામાયિકનું ! હવે અત્યારથી જોતાં જોતાં જોતાં ઠેઠ નાની ઉંમર સુધી અંદર જોયા કરો. જોતાં જોતાં આ વર્ષથી આગલા વર્ષમાં, ગયા વર્ષમાં એમ કરતાં કરતાં બધું દેખાશે, ઠેઠ સુધી ! નાનપણથી અત્યાર સુધીનું જોવું અગર તો અત્યારથી નાનપણ સુધી જોવું. ગમે તે એક અભ્યાસમાં પડી જજો મહીં. આત્મા થકી જોજો મહીં, અટકે તો ય જોજો કર્યા કરજો. એટલે દેખાતું જશે આગળ. અંતરાયો ઘણી વખત ના હોય અને કોઈનું હોય તો અટકે અને અંતરાય ઓછાં હશે તેને દેખાતું જશે બધું. ઠેઠ નાના હતા ત્યાં સુધી દેખાશે બધું. શું શું કર્યું તે બધું ય. વિધ વિધ અનુભવો સામાયિકમાં... પ્રશ્નકર્તા : સામાયિક તો બહુ કામ કાઢી નાખે. દાદાશ્રી : એકલા હોય તો બધું જેવું જોઈએ તેવું ના થાય. તમને હું બોલાવું એટલે બધું મહીં છૂટું થઈ જશે. પ્રશ્નકર્તા : આ પહેલીવાર સામાયિક કરી. ગમ્યું ! દાદાશ્રી : એ તો રાગે પડી જશે. અને આપણું આ સામાયિક તો એ વસ્તુને આત્મા પ્રત્યક્ષ કરવી. આ આત્માનું સામાયિક કહેવાય. એમાં પુદગલને લેવાદેવા નહીં. પુદગલ જોડે લેવાદેવા નહીં. પુદગલનો જ્ઞાતા થઈને કામ કરે એવું આ સામાયિક છે. એવું કોઈ દહાડો દેખાયેલું નહીંને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : નવેનવું છે. કો'કને બરોબર ના થયું હોય, પણ આ ઉપાય છે. બહુ સુંદર. તમને ક્યાં સુધી દેખાયું ? પ્રશ્નકર્તા : નાનપણથી અત્યાર સુધી. દાદાશ્રી : બધું દેખાય, આમ ફોટા સાથે દેખાય. કોઈને ચૂંટી ખણી હોય તો ય દેખાય. બચકું ભરી લીધું હોય તે ય ખબર પડે. તમારે ખેદ નહીં કરવાનો. તમને ના દેખાય. કારણ કે મેં તમને હજુ દ્રષ્ટિ નથી આપીને. હું તમને દ્રષ્ટિ આપીશ પછી દેખાશે. બધાં બેઠાં હોય ત્યારે તમે ક્યાં જઈને બેસો ? પ્રશ્નકર્તા : કોશિશ કરી જોવાની. દાદાશ્રી : હા, ખરું. નહીં તો મનમાં થાય કે આ જંગલમાં દાદાએ મને ક્યાં ઘાલ્યો ?! પહેલી જ વખત કર્યું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હવે આવું સામાયિક કોઈ સાધુ- સંન્યાસીઓ કોઈ કરી ના શકે. પ્રશ્નકર્તા : આજે સામાયિક કર્યું તે મોટામાં મોટી પાવરફૂલ ટેકનિક (શક્તિશાળી વૈજ્ઞાનિક રીત) છે. દાદાશ્રી : આ તો સામાયિક નથી. આ તો આપણી શોધખોળ છે. સામાયિક એટલે સમતામાં રહેવું. રાગ-દ્વેષ ન થવા દે. એ તો તમારે આખો દહાડો રહે જ છે ને એવું. એ તો આખો દહાડો તમારે સામાયિક છે. તે રાગ-દ્વેષ તો તમને થતાં નથી. એટલે તમારે આખો દહાડો, દહાડાના દહાડા સામાયિક થાય. અને આ તો તમે અંદર જોયું તે ઘડીએ આત્મા કેવો થઈ ગયો ? એની શક્તિ કેટલી છે ? તે વખતે નહોતા ચંદુભાઈ, નહોતા કોઈના ધણી, નહોતા કોઈના કશું ત્યારે જ બધું દેખાયું. નહીં તો ધણી થયેલો, વળી આંધળો દેખે શું બહાર ? એ તો ફૂલ લાઈટ જ જોઈએ. યાદ કરવા જાય તો એમાંનો એકુંય પર્યાય યાદ ના આવે ને આ જો બધા પર્યાય જોયાને ! બાકી સ્મૃતિ એટલી બધી સ્પીડી જલદી ફરી જ ના શકે. આ તો નાનપણમાં આમ થયું, પછી અમુક મોટી ઉંમરમાં આમ થયું. પછી અમુક ઉંમર સુધી આમ થયું, દેખાડ્યે જ જાય. હવે આ દેખાય છે, તે બધાંનો ફેર હોય. કોઈને બિલકુલ પ્યૉર દેખાતું હોય. કોઈને સહેજ આવરણવાળું દેખાતું હોય, આમાં ફેર હોય. પ્રશ્નકર્તા : સામાયિકમાં પહેલાં થોડા વખતમાં પંદર-વીસ મિનિટમાં આખી ફિલ્મ પતી ગઈ. દાદાશ્રી : હા, એ પતી જાય. પ્રશ્નકર્તા : તો પછી શું કરવાનું ? દાદાશ્રી : પછી એમ ને એમ સ્થિર રહેવાનું, એમાં કંઈ વાંધો નહીં. અગર તો બીજો કોઈ પણ ઉપયોગ લેવાનો. પ્રશ્નકર્તા : પછી એ ફિલ્મ મેં બે વાર જોઈ લીધી. દાદાશ્રી : એનો વાંધો નહીં, સારું. જેટલું જોવાય એટલું ચોખ્ખું કરવાનો ટાઈમ મળે ને ! આ તો શુધ્ધ ચોખ્ખો-પ્યૉર આત્મા છે. આમ દોષ હોય એ બધા યાદ કરવા જઈએ, તો એમાંનું કશું યાદ આવે નહીં અને સામાયિકમાં બધું એમ ને એમ દેખાય. એટલે એ જોનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા હતો આનો. એટલે આત્મા તમને જુએને કે તમે શું કામ કરો છો ! બીજા કોઈને કશું કહેવું છે, અનુભવ સામાયિકનો ? પ્રશ્નકર્તા : એકદમ શાંતિ થઈ ગઈ. બધાં દોષો ખૂબ દેખાયા. દાદાશ્રી : દોષો જોયા એટલા ગયા. હજુ નાના નાના હશે તે ફરીવાર સામાયિક કરો આવું, ત્યારે જતાં રહે. પછી તમારે કશું આવ્યું ? પ્રશ્નકર્તા : નાનપણથી તે અત્યાર સુધીના બધા દોષો દેખાયા અને હવે એક વિશેષ પ્રાર્થના છે કે હવે ફરી વિષય સંબંધી આવાં દોષો ના થાય, એવું કરી આપો. દાદાશ્રી : હા, એ કરી આપીશું. પણ કેટલી ઉંમર સુધી દેખાયા ? પ્રશ્નકર્તા : નાનપણથી. દાદાશ્રી : નાનપણથી અત્યાર સુધીના બધા દોષો દેખાયા ! આ તો બહુ સારું ! એ દેખનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા, આ આત્મા દેખાયો ! તમે આમ યાદ કરવા જાવ તો એકુંય યાદ ના આવે અને આ બધું દેખાયું. તમારે કેમનું છે ? પ્રશ્નકર્તા : નાનપણથી તે અત્યાર સુધીનું બધું આવી ગયું. દાદાશ્રી : ચાલો, કમ્પલીટ (પૂરું) થઈ ગયું, હેંડો! તમારે બેન કેમનું છે ? થોડું ઘણું દેખાયું ? પ્રશ્નકર્તા : અત્યારથી પાછળ ગયું. દાદાશ્રી : બસ, બહુ થઈ ગયું. ચાલો, જેટલા દેખાયા એટલા ગયા એ ફરી નહીં આવે. ... ત્યારે આત્મા જ જોનારો ! મેં આપેલો આત્મા શુધ્ધાત્મા જ છે ને તરત ચાલુ થાય એવો જ છે. તમને સામાયિકમાં શું શું મહીં અંદર થયું, પરિણામ આવ્યું ? બોલો. હિંસા સંબંધી દોષો જોવાનું સામાયિક કરવાથી, એ હિંસાના પરમાણુ છૂટા થઈને એની મેળે ઘેર ગયાં ને આપણને બોજો ઓછો થઈ જાય એકદમ. આવી રીતે રોજ કરો તો હિંસાના પરમાણુ છૂટા થાય. પછી બ્રહ્મચર્યનું સામાયિક કરો તો અબ્રહ્મચર્યનાં પરમાણુ છૂટા થાય. મહીં બધો સામાન ભરેલો છે. આ ય સમજાયુંને ? પ્રશ્નકર્તા : હાજી, હા. દાદાશ્રી : કારણ કે મનનો સ્વભાવ જોવાનો, જોઈ શકવાનો નથી. આપણે મનને કહીએ તું જો જોઈએ અંદર, નાનપણ સુધી તેં શું શું કર્યું તે ? ત્યારે કહે, 'ના, મારામાં જોવાનો સ્વભાવ જ નથી.' ત્યારે યાદશક્તિ એ જડશક્તિ છે. એટલે થોડાં દહાડાં, થોડું ઘણું યાદ આવે, મોટી મોટી વાતો. બાકી કશું યાદ ના આવે. એ જડશક્તિ છે. બુદ્ધિને કહીએ, તું જો. ત્યારે કહે, બુદ્ધિ લાંબું જોઈ શકે જ નહીં. નફો-ખોટ જ જુએ. બીજું કશું જુએ નહીં. ક્યાં નફો છે ને ક્યાં ખોટ છે એ જ જોઈ લે. અહીં પેસતાં જ એ જુએ. કંઈ બેસવાની જગ્યા છે ? કઈ સારી જગ્યા છે એટલું જ જુએ. બાકી બુદ્ધિ કશું જોઈ શકે નહીં. અને અહંકાર તો આંધળો જ છે મૂઓ, ધૃતરાષ્ટ્ર જેવો. એટલે આ એકલું આત્મા જ જોઈ શકે છે આ. અને આત્માની હાજરી થઈ ગઈ આટલો કલાક, આટલો વખત. કેટલી બધી જાગૃતિ આવે !? આવું કોઈ જગ્યાએ કરી શકે નહીં કોઈ માણસ. આ તો આત્મા જે પ્રાપ્ત થયેલો હોય અક્રમ વિજ્ઞાનમાં, તો જ થઈ શકે. નહીં તો ના થાય. ક્રમિકમાર્ગમાં આત્મા પ્રાપ્ત થયો હોય તો ય આવું તો ના થાય. એ જુદી જાતનું. થાય ખરું પણ આવું ના થાય. બીજા કોઈને સારો અનુભવ થયો છે કે ? પરમાણુઓ, આ મહીં સ્ટોકમાં પડ્યા છેને, તે બધો ખાલી કરવો પડે. નહીં તો તેના આધારે આવતો ભવ બાંધે એ. નથી અસ્તિત્વ મનનું ત્યારે ! પ્રશ્નકર્તા : આ પોતાની ફિલ્મ જોતા હોઈએ અને એ વખતે એમાં મન ચોંટતું હોય, ગમતું હોય, એમાં કંઈ ખરાબ કર્યું છે કે કંઈ ખોટું થયું છે. એવા ભાવ ન થતા હોય તો એ કેવું દેખાય ? દાદાશ્રી : સામાયિકમાં તે ઘડીએ મન હોય જ નહીં. મનનું અસ્તિત્વ જ ના હોય. આ તો જોવાનું જ હતું. સારું કે ખોટું એવું કશું જોવાનું નહીં. ખાલી જોવાનું જ હતું. પ્રશ્નકર્તા : જોઈને એવું કહેવાનું નહીં કે માફી માગું છું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એ જુદી વસ્તુ છે. પણ આ આવું-તેવું અટકી રહેતું હતું, એવું ના બોલાય. આમાં અટકનારું કોઈ છે જ નહીં. આ મનની ક્રિયા નથી. આ આત્માની ક્રિયા છે. આ આત્માની ક્રિયા છે તે એટલે આમ દેખાય ખરું, તેથી મનને એમાં કશું લેવા-દેવા નથી. દેખાય આત્માનું ચારિત્ર ! પ્રશ્નકર્તા : એકવાર પ્રતિક્રમણ કરીએ તો ફરી આવ્યા કરે ? દાદાશ્રી : બહુ જાડું હોય તો આવ્યા કરે. લાંબું હોય તો ઠેઠ સુધી રહ્યા કરે. એટલા માટે જ ફરી કરવાનું ને ખલાસ થતાં સુધી કર કર કરવાનું. અને તે ઘડીએ આ સામાયિકમાં આત્માનું ચારિત્ર જોવાનું મળ્યુંને આપણને, આ ચારિત્ર કહેવાય, પ્યૉર ચારિત્ર કહેવાય ! તે કોઈને જરા ઠીક પ્રમાણમાં દેખાયું તો આંગળી ઊંચી કરજો. તમને હઉ દેખાયું ?! પાટીદારને હઉ દેખાયું ? પ્રશ્નકર્તા : ચોખ્ખું દેખાયું. દાદાશ્રી : સાપ મળ્યો હોય તો ય માર્યા વગર જવા ના દે એવાં પાટીદારો. એમને પણ દેખાય. ત્યારે એ આત્મા કેવો પ્રાપ્ત થયો એમ કહેવાય ?! આ વર્લ્ડની અજાયબી કહેવાય. એક કલાક પુણિયા શ્રાવકનું સામાયિક, શ્રેણિક રાજાનું રાજ દલાલીમાં જાય, તે આ એક કલાકની કિંમત કેટલી ?! આ દાદાએ શું આપ્યું છે એ સમજાઈ ગયુંને તમને ?! આપણી સામાયિક તો ગજબની છે. એવું તો ક્રમિકમાર્ગનાં જ્ઞાનીઓને પણ નહોતું રહેતું. આ સામાયિક તો ઠેઠ સુધીનું જોઈ કાઢે છે. પછી સ્વયં ખોતર ખોતર થાય ! આખો દહાડો મારી જોડે બેસી રહ્યા છો તે ખોટ ગઈ નથી ? પ્રશ્નકર્તા : કશી ખોટ નથી ગઈ. દાદાશ્રી : ત્યારે શા હારુ મારી જોડે રખડતા નથી ? આમ દુનિયામાં રઝળવું, તેના કરતાં અહીં રઝળવું શું ખોટું ? પ્રશ્નકર્તા : પેલો એ તો મોટો રઝળપાટ કહેવાય. આને રઝળપાટ ના કહેવાય ! દાદાશ્રી : આખા બ્રહ્માંડનું રાજ્ય આપ્યું છે. જે સાધુ-આચાર્યો કોઈ દહાડો ય પામે નહીં, એ તમને આપ્યું છે. ચાર વર્ષથી દેખાયું ? તે ક્યાં સૂઈ ગયો'તો, તે બધું ય દેખાય. છોકરો મસ્તી કરતો હોય તે ય દેખાય. એટલે દેખાયું પાછું, યાદ આવે એ તો આત્મા ન હોય ! 'હું શુધ્ધાત્મા છું.' 'શુધ્ધાત્મા' કરીને પતંગ ઉડાડી આપી. આ તો આગળ હિંસાનું સામાયિક કરાવેલું, તે ઘેર જાય તો ય, સંડાસમાં હોય તો ય હિંસાને હિંસાના દોષો દેખાવાનું ચાલું જ રહે મહીં, તે બંધ ના થાય. તે પછી એક ફેરો તો, પહેલી વખત તો ત્રણ દહાડા પછી બંધ કરાવવું પડ્યું. ત્રણ દહાડા સુધી ચાલું રહેલું. ખોતર, ખોતર, ખોતર, ખોતર થયા જ કરે, તે બંધ કરાવેલું વિધિ કરીને ! અડતાલીસ મિનિટ જ શા માટે ? પ્રશ્નકર્તા : આપની ગેરહાજરીમાં સામાયિકમાં કોની આજ્ઞા લેવાની ? દાદાશ્રી : ગેરહાજરી અમારી હોતી જ નથી. ત્યાં હાજર જ હોય. અને તમારે ત્યાં તો ગેરહાજર રહે જ નહીં. તમે તો બહુ ચોક્કસ પાકા ! પ્રશ્નકર્તા : સામાયિક ઓછામાં ઓછી કેટલો સમય કરાય ? દાદાશ્રી : ઓછામાં ઓછી આઠ મિનિટ ને વધારેમાં વધારે અડતાલીસ મિનિટ. પ્રશ્નકર્તા : આ સવારની સામયિક કરીએ છીએ એમાં તો અડતાલીસ મિનિટ પછી સુખનો ઉભરો આવે છે. દાદાશ્રી : આવે જ ને ! કારણ કે આપેલો આત્મા છે અને અચળ આત્મા છે. લોકોની પાસે તો ચંચળ આત્મા છે અને તમારે તો આત્મસ્વરૂપ થઈને સામાયિક કરો. એટલે ગજબ આનંદ આવે. જેટલી સ્થિરતા વધારે ઉત્પન્ન થાયને, એટલું સુખ વધારે આવે. પ્રશ્નકર્તા : અડતાળીસ મિનિટનું કેમ રાખ્યું સામાયિક ? દાદાશ્રી : સુડતાળીસ નહીં, અડતાળીસ મિનિટ. અરે, એક દહાડો જો અડતાળીસ મિનિટ રહ્યું તો થઈ ગયું. પ્રખર આત્મા ! ફૂલ ટેસ્ટેડ !! આઠ મિનિટ મન-વચન-કાયા જેને બંધ થઈ જાય, તેને ભગવાને સામાયિકની શરૂઆત કહ્યું ને આઠથી અડતાળીસ મિનિટ રહે, તેને સામાયિક કહી. અડતાળીસ મિનિટથી તો વધારે કોઈને પણ ના રહે. આત્મામાં જ રહેવું એ સામાયિક. 'અક્રમ'માં સામાયિક ! પ્રશ્નકર્તા : સામાયિકમાં વિચારો આવે ને દોષો જોવાનું બેઉ ચાલે, તે શું છે ? દાદાશ્રી : અહીં પાડોશમાં મીયાંભાઈની ઘાણી ચકડ ચકડ બોલતું હોય ને તમે રેંટિયો કાંતતા હોય તો શું કરો ? તેમ આ મનના મીયાંભાઈનો ચક્કો ચાલ્યા જ કરશે. તમારે એને જોયા જ કરવાનો. ખરાબ વિચારો કે સારા વિચારો જોયા જ કરવાના છે. હવે પાડોશી હોય, તેની કંઈ વાણી બંધ કરાય ? એનાથી ગભરાવાની જરૂર નથી. આપણે અહીં સત્સંગ કરતાં હોઈએ. આ આપણે આપણી સ્ટડી રૂમમાં હોઈએ ને બહાર હુલ્લડ થાય તો તમારે શું ? મન જ્ઞેય થયું ને તમે જ્ઞાતા થયા, એટલે મન વશ થઈ ગયું. અમારે ય મન તો હોય, મોક્ષ થતાં સુધી મન તો હોય. પણ અમારું મન કેવું હોય ? સેકંડના કાંટાની જેમ ફર્યા કરે, અટકે નહીં. અમારું મન બધું ખલાસ થયેલું. મનનાં જ્ઞાતા-દ્રષ્ટા રહો તો મન ખલાસ થાય. પ્રશ્નકર્તા : વ્યવહાર સામાયિક અને નિશ્ચય સામાયિકમાં શો ફેર ? હિતકારી કયું ? દાદાશ્રી : નિશ્ચય સામાયિક ! વ્યવહાર સામાયિક મનથી થાય અને નિશ્ચય સામાયિક આત્માથી થાય. મનને એકાગ્ર કરવું ને બહાર દોડધામ ના કરવા દેવું તે વ્યવહાર સામાયિક. પ્રશ્નકર્તા : વ્યવહાર સામાયિકનું ફળ શું ? દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્ય. નિશ્ચય સામાયિક તે તમે શુધ્ધાત્મા છો એ ફરી નક્કી કરાવડાવે. ને પછી વિષયસંબંધી દોષો જોવા માંડે, તે ૩૫ થી ૩૪, ૩૩ તે ઠેઠ સુધી જોવા માંડે પછી હિંસા સંબંધી, કષાય સંબંધી આમાં ફક્ત આત્મા જ હોય. મન, બુદ્ધિ, બધું આઈડલ રહે. જોયા કરવું એ સામાયિક કહેવાય ને આ આપણું પ્રતિક્રમણ-સામાયિક કહેવાય. પ્રશ્નકર્તા : ખાલી સામાયિક કરવાથી ધોવાય કે પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું પડે. એટલે આ સામાયિક-પ્રતિક્રમણ કહેવાય છે. સામાયિક એટલે બહારનો વ્યવહાર બંધ અને પ્રતિક્રમણ એટલે મહીં ચાલુ. પ્રશ્નકર્તા : સામાયિક બધાં ભેગાં થઈને અમે કરીએ છીએ. તો તેમાં દર વખતે શું કરવું ? દાદાશ્રી : વિષયનાં દોષોનું સામાયિક વધારે કરવું. પહેલા વિષયનું પ્રતિક્રમણ લો. તે તેને ઠેઠ સુધી જાય. પછી ઋણાનુબંધ પર લો, ઋણાનુબંધ એટલે આપણને જે જે ભેગાં થયા હોય, તે બધાને યાદ કરીને પ્રતિક્રમણ કરો. હિંસા સંબંધી દોષો જોવાથી હિંસાનાં પરમાણુઓ ખાલી થઈ જાય. બ્રહ્મચર્યનું સામાયિક કરવાથી અબ્રહ્મચર્યનાં પરમાણુઓ ખલાસ થઈ જાય. ગ્રંથિઓ છે એમ ખબર પડે પણ વ્યવહારમાં સમજાય તેમ નથી. માટે અમે એ ગ્રંથિને સામાયિકમાં મૂકવા કહીએ છીએ. સામાયિકમાં એક ગ્રંથિને મૂકીને ઓગાળવા જઈએ પણ મહીં બીજી ગાંઠો ફૂટે. વિચારો દેખાય. તે પેલી ગાંઠ પર ઉપયોગ મૂકવા ના દે. ત્યારે જે દેખાય તેને જોવું. પ્રશ્નકર્તા : આ સામાયિક-પ્રતિક્રમણમાં દોષો જોવા ને પ્રતિક્રમણ કર્યું, તો પછી એ દોષો ભોગવવા તો પડે ને ? દાદાશ્રી : ના. ધોવાઈ જાય. કેટલાક ચીકણા હોય તે રહે. પણ તે કેવાં રહે કે આ ભીંતે ચોંટેલા રહે પણ એ આમ અડતાંની સાથે જ ઊખડી જાય. પ્રશ્નકર્તા : સામાયિકમાં જે દ્રશ્યો દેખાય, તે ટાઈમે તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું. દાદાશ્રી : ક્યારે દ્રશ્યો દેખાયાં હતાં ? પ્રશ્નકર્તા : સામાયિકમાં. દાદાશ્રી : સામાયિકમાં એ દ્રશ્યો દેખાય, એનું પ્રતિક્રમણ ના હોય. જે દેખાય એ તો ગયા. પ્રતિક્રમણ તો દેખાય નહીં, તેનું કરવાનું હોય. સમજ પડીને ? દ્રશ્ય જોયું એ તો ગયું. જોયું એટલે ચોખ્ખું થઈ ગયું. પ્રશ્નકર્તા : પણ ફરીથી દેખાયને એ ? દાદાશ્રી : ફરી તે બીજા દેખાય છે. આ ડુંગળી હોય તેવું એક પડ જતું રહે જોવાથી. પાછી ડુંગળી ને ડુંગળી દેખાય. પ્રશ્નકર્તા : પણ એનાં એ દ્રશ્યો દેખાય છે ને? દાદાશ્રી : દ્રશ્યો એનાં એ ના દેખાય. બે વખત ના દેખાય. પ્રશ્નકર્તા : કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછું એના એ જ જીવનું પ્રતિક્રમણ કરવાનું રહે છે ? દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવાનું છે તે આપણો મોટો દોષ હતો તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું. બીજાં બધાં લાખો પડ રહ્યાં. પ્રતિક્રમણ કરવાથી એનાં પડ ઊડે છે. એટલે જ્યાં સુધી પૂરું ના થાય, ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યા કરવા પડે. કોઈ માણસની જોડે આપણે મહિના-બે મહિનાનાં પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય, હિસાબ ચૂકતે. કોઈ માણસનો હિસાબ આખી જિંદગી સુધી ચાલ્યા કરે. ગ્રંથિ બહુ મોટી હોય. આ ડુંગળી હોય છે તેનું એક પડ જાય એટલે પાછું ડુંગળી દેખાય ને ? એવી રીતે આ દોષોમાં પડ હોય છે બધાં, પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ. એટલે તમારે બીજી વખત ના કરવું પડે. એક જ વખત, એકનું પ્રતિક્રમણ એક જ હોય. હાજરી-ગેરહાજરીની અસરો ! પ્રશ્નકર્તા : આપણું આ જે પ્રતિક્રમણ ને સામાયિક કરીએ છીએ, તે વખતે દાદાની હાજરી હોય તો, આ જે અનુભવ થાય છે તે થાય કે અમસ્તું ય થાય ? દાદાશ્રી : ના, દાદાની હાજરી હોય તો વધારે સારું થાય. બહારનું કોઈનું અડે નહીં ને વાતાવરણ બહુ ઊંચું હોયને ? અને હું જે કરું છું, 'હું શુધ્ધાત્મા છું' એ ય પાંચ-છ વાર બોલાવું છું ને એ બધું કામ કરે. મારા શબ્દો બહુ કામ કરે. પ્રશ્નકર્તા : અને એ સિવાય પણ અસર તો રહેને દાદા ન હોય તો પણ ? દાદાશ્રી : કરી શકાય, કરી શકાય. પણ જરા આઘુંપાછું થાય એટલું જ. તો ય બહુ થઈ ગયું, બે મિનિટ થાય તો ય બહુ ! અમુકને તરત જ અનુભવ થાય. આપણે ત્યાં આ સામાયિક કરાવે છેને એ મોટો પુરુષાર્થ છે. આ સામાયિક એ આત્માનું વિટામિન છે. વ્યવહારમાં આ વિટામિન દેહનું લેવું પડે. એવું એ આત્માનું વિટામિન. શક્તિઓ તો બધી અનંત છે પણ પ્રગટ થઈ નથી. એટલે નવરું બેસી ના રહેવું. સામાયિક જેટલી વધારે થાય તેટલી કરવી. છેવટે ટુકડે ટુકડે કરું તો ય ચાલે ને એકાદ-બે સામાયિક આખી કરવી. ઓફિસ કામકાજમાં, ભણવાનું હોય ને ટાઈમ ના મળે ને ઓછી સામાયિક ચાલે. પણ ટાઈમ મળે તો કરવી પણ નવરું ના બેસી રહેવું. પદ્માસનની આવશ્યકતા કેટલી ? એક ભાઈ કહે છે, અમે સામાયિક કરીએ ત્યારે પદ્માસન કરીએ કે ના કરીએ ? મેં કહ્યું, આ કાળમાં પદ્માસન કરશો નહીં. નહીં તો પગ આપણને મરડવા જવું પડશે. એના કરતાં પદ્માસન કરશો નહીં. હા પણ સ્થિર બેસજે. અને સ્થિર બેસાય નહીં તો સૂતાં સૂતાં કરજો. આંખો મીંચીને કરજો. આંખ ઉઘાડી રાખીને સામાયિક એક જ્ઞાની પુરુષ જ કરી શકે. બીજા લોકોનું કામ જ નહીં. છતાં સૂતા સૂતા સામાયિક કરીએ તો ઘેન ચઢે. પૂરેપૂરું ફળ ના મળે. અમને હઉ તેવું થાય ને ! કરાવો પ્રતિક્રમણ, જાત પાસે જ ! સામાયિકમાં પ્રકૃતિનાં દોષો જુઓ. પછી જે બહુ ભારે દોષો હોય તેને કાગળ ઉપર લખી નાખો અને એ દોષ વાંચીને આપણે દાદા પાસે ક્ષમા ચંદુભાઈ પાસે મંગાવડાવીએ. ચંદુભાઈને આપણે પાડોશી તરીકે શીખવાડવાનું. દાદાની પાસે માંગ માંગ કરીએ. દહાડામાં બે-ત્રણ વખત માફી માંગીએ એટલે એ દોષ છ-બાર મહિને નીકળી જાય. સામાયિકની વિધિ બોલીને પછી સામાયિકમાં દોષ જોવા. 'છૂટું' પાડવાની સામાયિક ! આજે છૂટું પાડવાની સામાયિક બતાડીએ છીએ. ચંદુલાલ અને શુધ્ધાત્માને જુદા પાડવાની આ ઊંચામાં ઊંચી રીત છે ! એ સામાયિકમાં તમારે આ પ્રમાણે બોલ્યા કરવાનું, હે શુધ્ધાત્મા ભગવાન, તમે જુદા છો ને ચંદુભાઈ જુદા છે. હે શુધ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો ને ચંદુભાઈ રિલેટીવ છે. હે શુધ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો ને ચંદુભાઈ ટેમ્પરરી છે. આટલું અડતાલીસ મિનિટ બોલ્યા કરવું. 'હું' અને 'ચંદુભાઈ' બે જુદા જ છીએ એવું મને જુદા રહેવાની શક્તિ આપો. મને તમારા જેવું જુદા રહેવાની શક્તિ આપો અને ચંદુભાઈ જુદા રહે. હે દાદા ભગવાન ! તમારી કૃપા વરસો. 'ચંદુભાઈ શું કરે છે ?' એને હું જોઉં અને જાણું એ જ મારું કામ. એમાં તમારે જે કાંઈ શક્તિઓ ખૂટતી લાગતી હોય તે સામાયિકમાં શુધ્ધાત્મા ભગવાન પાસે મંગાય. આનાથી તદ્દન છૂટું જ પડી જશે. દિવસમાં જ્યારે પણ યાદ આવે ત્યારે ત્રણ વાક્યો બોલી નાખશો, પાંચ-પચ્ચીસ વાર તો ય તરત મહીં બધું છૂટું પડી જશે ને ક્લિયર (ચોખ્ખું) થઈ જશે બધું. અરીસા સામાયિક ! અરીસામાં ચંદુભાઈ સામા દેખાય. એમાં એક આત્મા છે અને સામા ઊભા છે એ ચંદુભાઈ છે. આપણે એમને કહ્યું કે, 'ચંદુભાઈ, આવી આવી ભૂલો ક્યાં સુધી કરશો ? જરા તમને ઠપકો આપવા જેવો છે' એમેય કહીએ. તમે કોઈ દહાડો અરીસામાં જોઈને માજીને ઠપકો આપો છો ? આપણે અરીસામાં માજીને સામાં બેસાડીને કહીએ કે, 'તમે ચોપડીઓ છપાવી, જ્ઞાનદાન કર્યું, એ તો બહુ સારું કામ કર્યું, પણ તમે બીજું આમ કરો છો, તેમ કરો છો, તે શાને માટે કરો છો ?' આવું પોતાની જાતને કહેવું પડે કે નહીં ? દાદા એકલા જ કહે કહે કરે ?! એના કરતાં તમે પણ કહો તો એ બહુ માને, તમારું વધુ માને ! હું કહું ત્યારે તમારા મનમાં શું થાય ? દાદા, જે મારી જોડે પાડોશમાં છે તે મને નથી કહેતા ને તમે મને શું કરવા કહો છો ?! માટે આપણે જાતે જ ઠપકો આપીએ. પારકાંની ભૂલો કાઢતાં બધી ય આવડે અને પોતાની એકુંય ભૂલ કાઢતાં નથી આવડતી. પણ તમારે તો ભૂલો કાઢવાની નથી. તમારે તો 'ચંદુભાઈ'ને વઢવાનું જ છે જરા. તમે તો તમારી બધી ભૂલો જાણી ગયા છો. એટલે હવે 'તમારે' ચંદુભાઈને ઠપકો આપવાનો છે, પાછું 'માની' પણ એવું જ છે. બધી રીતે 'માનવાળું' છે. એટલે એને જરા પટાવીએ તો વધુ કામ થાય. 'પોતે' થવું અભેદ 'પોતાના' આત્મા જોડે ! હવે તમારે શું કરવાનું કે તમારે ચંદુભાઈ જોડે, ચંદુભાઈને બેસાડીને વાતચીત કરવી પડે કે, 'તમે સડસઠ વરસે રોજ સત્સંગમાં આવો છો, તેનું બહુ ધ્યાન રાખો છો તે બહુ સારું કામ કરો છો !' પણ જોડે બીજી સમજણ પાડવી, ને સલાહ આપવી કે, 'દેહનું ધ્યાન શું કામ બહુ રાખો છો ! દેહમાં આ આમ થાય છે તે છો ને થાય. તમે અમારી જોડે ટેબલ ઉપર આમ આવી જાવને ! અમારી જોડે પાર વગરનું સુખ છે.' એવું તમારે ચંદુભાઈને કહેવું. ચંદુભાઈને આમ સામે બેસાડ્યા હોય તો તમને 'એક્ઝેક્ટ' દેખાય કે ના દેખાય ? પ્રશ્નકર્તા : અંદર વાતચીત તો મારે કલાકો સુધી ચાલે છે. દાદાશ્રી : પણ અંદર વાતચીત કરવામાં બીજા ફોન લઈ લે છે, એટલે એમને સામા બેસાડીને મોટેથી વાતચીત કરીએ એટલે કોઈ બીજો ફોન લે જ નહીંને! પ્રશ્નકર્તા : પોતાને સામે કેવી રીતે બેસાડવું ? દાદાશ્રી : તું 'ચંદુભાઈ'ને સામે બેસાડીને વઢવઢ કરતો હોય તો 'ચંદુભાઈ' બહુ ડાહ્યો થઈ જાય. તું જાતે જ વઢું કે, 'ચંદુભાઈ આવું તે હોય ! આ તેં શું માંડ્યું છે ! ને માંડ્યું તો હવે પાંસરું માંડને !!' આવું આપણે કહીએ, તે શું ખોટું છે ? કો'ક લપકા કરતું હોય, તે સારું લાગતું હશે ? તેથી અમે તને 'ચંદુભાઈ' ને વઢવાનું કહીએ, નહીં તો હપુચું (સદંતર) અંધેર જ ચાલ્યા કરે ! વાતચીતનો પ્રયોગ એ ય સામાયિક ! તારે 'ચંદુભાઈ'ને અરીસા સામે બેસાડી આમ પ્રયોગ માંડવો. અરીસામાં તો મોઢું બધું જ દેખાય. પછી આપણે 'ચંદુભાઈ'ને કહીએ, 'તે આમ કેમ કર્યું ?! તારે આમ નથી કરવાનું. વાઈફ જોડે મતભેદ કેમ કરે છે ? નહીં તો તમે પૈણ્યા શું કરવા ? પૈણ્યા પછી આમ શું કરવા કરો છો ?' આવું બધું કહેવું પડે. આવું અરીસામાં જોઈને ઠપકો આપ એક-એક કલાક, તો બહુ શક્તિ વધી જાય. આ બહુ મોટામાં મોટું સામાયિક કહેવાય. તને ચંદુભાઈની બધી જ ભૂલોની ખબર પડે ને ! જેટલી ભૂલો દેખાય એટલી આપણે અરીસા સામે ચંદુભાઈને બેસાડીને એક કલાક સુધી કહી દીધી કે એ મોટામાં મોટું સામાયિક ! પ્રશ્નકર્તા : આપણે અરીસામાં ના કરીએ ને આમ મન સાથે એકલા એકલા વાતો કરીએ તો તે ના થઈ શકે ? દાદાશ્રી : ના, એ નહીં થાય. એ તો અરીસામાં તને ચંદુભાઈ દેખાવા જોઈએ. એકલા એકલા મનમાં કરીએ તો આવડે નહીં. એકલા એકલા કરવાનું એ તો 'જ્ઞાની પુરુષ'નું કામ. પણ તમને તો આમ આ બાળભાષાનું શીખવાડવું પડેને ?! અને આ અરીસો છે તે સારું છે, નહીં તો લાખ રૂપિયાનો અરીસો વેચાતો લાવવો પડત. આ તો સસ્તા અરીસા છે ! અરીસાભવનમાં થયું કેવળજ્ઞાન ! ઋષભદેવ ભગવાનના વખતમાં ભરત ચક્રવર્તીએ એકલાએ જ અરીસાભવન બનાવેલું! અને અત્યારે તો એ ય મોટા મોટા અરીસા બધે દેખાય ! આ બધી પરમાણુની થિયરી છે. પણ જો અરીસા સામું બેસાડીને કરે તો બહુ કામ નીકળી જાય એવું છે, પણ કોઈ કરતું નથી ને ?! અમે કહીએ ત્યારે એક-બે વખત કરે ને પછી પાછો ભૂલી જાય! ભરત રાજાને ઋષભદેવ ભગવાને 'અક્રમજ્ઞાન' આપ્યું ને છેવટે તેમણે અરીસાભવનનો આશરો લીધો ત્યારે તેમનું રાગે પડ્યું. અરીસાભવનમાં વીંટી નીકળી ગયેલી, આંગળીને અડવી દીઠી, ત્યારે તેમને થયું કે બધી આંગળીઓ આવી દેખાય છે ને આ આંગળી કેમ આવી દેખાય છે ? ત્યારે ખબર પડી કે વીંટી નીકળી પડી છે. તેથી વીંટીને લીધે આંગળી કેટલી બધી રૂપાળી દેખાતી હતી, એ ચાલ્યું મહીં તોફાન ! તે ઠેઠ 'કેવળ' થતાં સુધી ચાલ્યું ! વિચારણાએ ચઢ્યા કે વીંટીને આધારે આંગળી સારી દેખાતી હતી ? મારે લીધે નહીં ? તો કહે કે તારે લીધે શાનું ? તે પછી આ ન હોય મારું, ન હોય મારું, ન હોય મારું, એમ કરતાં કરતાં 'કેવળજ્ઞાન'ને પામ્યા !!! એટલે આપણે અરીસાભવનનો લાભ લેવો. આપણું 'અક્રમ વિજ્ઞાન' છે. જે કોઈ આનો લાભ લે તે કામ કાઢી નાખે. પણ આની કોઈને ખબર જ ના પડે ને ? ભલે આત્મા જાણતો ના હોય છતાં ય અરીસાભવનની સામાયિક ફક્કડ થાય. ઠપકા સામાયિક ! હેય, પોતાની રૂમમાં જઈને 'ચંદુભાઈ, તું શું સમજે છે ? ચંદુભાઈ, તારા ડાબા હાથે જમણા ગાલને ધોલ માર.' એમ આપણે કહેવું. એક છોકરાને ક્રોધ જતો નહોતો. તે એ છોકરાને મેં કહ્યું, 'ટૈડકાવ, આખો દહાડો બિચારો પ્રતિક્રમણ કરે, તો એ ગાંઠે નહીં એ પ્રતિક્રમણને ! એ તો નિરાંતે પાછો હતો તેવો ને તેવો.' ત્યારે મેં કહ્યું, 'ટૈડકાવને.' ત્યારે કહે, 'શી રીતે ટૈડકાવું ?' મેં કહ્યું, 'અગાશીમાં જઈને ટૈડકાવ.' પછી એણે ભાઈને જે ટૈડકાવ્યો, પોતે શુધ્ધાત્મા અને ભાઈને જે ટૈડકાવ્યો 'અરે, શું તું સમજું છું ?' તે ભાઈ રડી પડ્યો. પોતે ટૈડકાવનાર ને પોતે રડી પડ્યો. અને આત્મા જુદો થઈ ગયો ઉલટો ! ટૈડકાવે ત્યાં આત્મા જુદો થઈ ગયો. એટલે રૂમમાં બેસીને ટૈડકાવજો. સારો કરીને તું યે ટૈડકાવજે થોડુંક. ઠપકા સામાયિક અમારી આજ્ઞા લઈને જ કરવું. તો જ પ્રજ્ઞા રહે, નહીં તો બીજું કશું ચોંટી પડે તો વેષ થઈ પડે. પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગ બતાવો છોને, અરીસા સામાયિક કરવાની, પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બતાવો ત્યારે સારો લાગે છે, પછી બે-ત્રણ દિવસ સારું ચાલે છે. પછી એમાં કચાશ આવી જાય છે. દાદાશ્રી : કચાશ આવે ત્યારે ફરીથી નવેસરથી કરવું. જૂનું થાય એટલે બધી કચાશ જ આવે. પુદગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય. નવી પાછી કરીને મૂકી દેવાની. પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જે કાર્ય સિદ્ધ થવું જોઈએ, એ થતું નથી. અને અધવચ્ચે એ પૂરું થઈ જાય છે પ્રયોગ. દાદાશ્રી : એ એમ કરતાં કરતાં સિદ્ધ થાય. એકદમ ના થઈ જાય. પ્રશ્નકર્તા : એ પ્રયોગ અધૂરો રહ્યો એટલે પછી બીજો પ્રયોગ પાછો કરીએ. એ અધૂરો મૂકીએ ત્રીજો પ્રયોગ કરી બતાવ્યા પ્રમાણે એ હમણાં અધુરો એટલે બધા અધૂરા રહે છે. દાદાશ્રી : હજુ પણ પ્રયોગ પૂરો નથી થયો ? આપણે એ ફરી પૂરા કરવા ધીમે ધીમે કરીને. એમાં 'જોયો' 'જોનારો'ને ! સામાયિકમાં 'જોનારા'ને જોયો 'તમે' ! આ સામાયિકમાં દોષો ધોવાઈ જાય ! સામાયિક વખતે આત્મા તમે પોતે અને આ જોનારને ય તમે જોયો, અંદરથી ! નહીં તો માણસમાં યાદ કરવાની શક્તિ તો હોય જ નહીં ને આટલી ?! યાદ કરવાની શક્તિ હોય જ નહીં ને ? આ તો બધું પડેપડ જોઈ લે. થોડુંઘણું તમને મહીં ભાસ પડ્યો કે નહીં ? એમ ? શું વાત કરો છો ? કહેવું પડે ! તમારે કેમનું છે મહીં ? થોડું ઘણું રાગે પડ્યું હતું ? આ તમને સામાયિકનો લાભ મળી ગયો. કારણ કે આ સામાયિક તો આત્મસામાયિક કહેવાય. અને વ્યવહાર સામાયિક એટલે શું ? મનનું સામાયિક, મનને સ્થિર કરવાનું સામાયિક, આ બહાર જે સામાયિક કરે છે તે મનને સ્થિર કરવાનું સામાયિક. તે ય પૂરું મન સ્થિર થાય તો ઉત્તમ અને અહીં આ તો મનની વાત જ નહીં ને ? આ તો આત્મ સામાયિક. પુણિયા શ્રાવકનાં સામાયિક આ બધાં ! પ્રશ્નકર્તા : આપે પેલું હમણાં કહ્યુંને કે આ સામાયિકમાં જોનારાને જુએ છે તો એ જરા સમજાયું નહીં. દાદાશ્રી : આત્મા સિવાય બુદ્ધિની શક્તિ છે એટલે બહારની વસ્તુને જોઈ શકે, સંસારી વસ્તુઓને જોઈ શકે. અને આ દોષોને બધાંને 'એ' જુએ. એટલે આ જાણવાની શક્તિ આત્માની. આત્મા સ્વ-પર પ્રકાશક છે. એટલે એ જોઈ શકે છે. પોતાને ય જુએ છે અને પારકાને ય જુએ છે. સ્વ-પર પ્રકાશક એટલે સંસારને ય પ્રકાશી શકે અને પોતાની જાતને ય પ્રકાશી શકે. બન્ને જોઈ શકે. પ્રશ્નકર્તા : પણ તમે તો એમ કહ્યું કે જોનારાને એ જુએ. દાદાશ્રી : હા, એટલે ત્યાં ખરેખર અહીં આ મૂળ આત્મા જ કામ કરે છે. એટલે જુદું પાડ્યું અમે. મૂળ આત્મા જ કામ કરે છે. સ્વ-પર પ્રકાશક જે છે તે જ કામ કરી રહ્યું છે. માટે એ સ્વ-પર પ્રકાશકની તમને ખાતરી થઈ કે આ સ્વ-પર પ્રકાશક મહીં છે અને કાર્ય કરી રહ્યો છે તે આપણે જોયું. જોનારને જોયો હવે. જોનારને જોવામાં બીજો અભ્યાસ નથી થતો. પણ અહીં આગળ આપણને ખાતરી થઈ કે આ કોણે જોયું ?! એટલે આપણે ખોળીએ કોણ ? ત્યારે કહે, જોનારને ! એટલે કહ્યું જોનારને જોયો આપણે !! પ્રશ્નકર્તા : આપને ચોવીસેય કલાક સામાયિક જ હોય ને ?! દાદાશ્રી : હા, સામાયિક તો હોય જ. સામાયિક તો સ્વભાવિક જ છે ને ! કારણ કે આત્મા જ સમ છે અને એ પોતે જ સામાયિક છે. આત્મા સ્વભાવમાં આવ્યો એટલે સામાયિક જ છે. પણ જ્ઞાની પુરુષને સામાયિક ઉપર છે, તે બીજા ગુણો, બધા બહુ ગુણો હોય, સ્વાભાવિક ગુણો હોય. આત્મા એ જ સામાયિક ! અમે નિરંતર સામાયિકમાં રહીએ છીએ. આપણું તો સામાયિક એ જ સમાધિ છે. - જય સચ્ચિદાનંદ |
|---|