લોભ

સંપાદકીય

આ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ કયું ? પોતાના નિજસ્વરૂપની અજ્ઞાનતા અને તેનાથી પછી રાગ-દ્વેષ ઊભાં થાય છે. રાગનું સ્વરૂપ માયા-લોભ અને દ્વેષનું સ્વરૂપ ક્રોધ-માન. અજ્ઞાન ગયું ના હોય ત્યાં સુધી સંસારમાં રઝળપાટ વિના છૂટકો જ નથી. અક્રમ વિજ્ઞાનમાં સૌથી પહેલું જ્ઞાની પુરુષની કૃપા થકી અજ્ઞાન જતું રહે છે અને નિજ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે ક્રોધ-માન-માયા-લોભ રૂપી ભરેલા માલને ખાલી કરવાનો છે. જેમ જેમ માલ ઓળખાય ને તેના વિરોધમાં રહ્યા કરે તેમ તેમ તે ખલાસ થતો જાય. માલ ઓળખે નહીં ને ગમ્યા કરતો હોય, તો એ દોષ ઘર ખાલી કરે નહીં.

ક્રોધ-માન-માયા-લોભમાં લોભ પેઠો છે પહેલો, નીકળે છે છેલ્લો અને લોભ ઢંકાયેલો દોષ છે, કપટવાળો દોષ છે. જ્યારે માન-ક્રોધ તો ઊઘાડા ખબર પડી જાય લોકોને કે આ છાતી કાઢીને ફરે છે. તે કો'ક ટૈડકાવે તો ય માનનો પારો ઊતરી જાય. જ્યારે લોભ તો ધણીને ય ખબર ના પડે, લોકોમાં યે ડાહ્યો લાગતો હોય પણ એની લોભની ગાંઠ એને ભટકાવ ભટકાવ કરતી હોય.

જે પોતે ક્રોધ-માન-માયા-લોભ મુક્ત થયા હોય, તે ક્રોધ-માન-માયા-લોભથી મુક્ત થવાનું જ્ઞાન ખુલ્લું કરી શકે અને એમાંથી છૂટવાનો માર્ગ આપી શકે.

લોભ આટલો બધો જોખમી છે અને કપટવાળો છે, એની જ પોતાને ખબર જ ના પડે ! આ તો જ્ઞાની પુરુષ હથોડા માર માર કરે તો કંઈક આવરણ હટે અને સમજાય કે હા, મારે મહીં લોભની મોટી ગાંઠ છે.

છતાં પોતાનો દ્રઢ નિશ્વય હોય કે મારે લોભની ગાંઠ તોડવી છે, લોભમાંથી છૂટવું જ છે, તો આખો દિવસ ક્યાં ક્યાં લોભની ગાંઠ ફૂટે છે, લોભ કેવી રીતે પાઠ ભજવે છે તે પોતાની પ્રકૃતિનું પહેલાં ઓબ્ઝર્વેશન કર્યા કરવાનું. પછી પ્રસંગે પ્રસંગે લોભને ઓળખવાનો, તેના વિરુદ્ધમાં જ રહેવાનું. લોભને પોષણ ના મળે તેવા પુરુષાર્થમાં રહેવાનું. પરમ પૂજ્ય દાદાશ્રી ચોખ્ખું કહેતા કે લોભની ગાંઠ કાં તો ભયંકર ખોટ આવે તો તૂટે અથવા પારકાં માટે વપરાય, દાન કરે સીમંધર સ્વામીના મંદિરમાં કે જ્ઞાનદાનમાં પૈસા નાખે તો છૂટે અથવા તો પછી ધૂતારા આવા લોભીયાને લૂંટી જાય તો તૂટે. માર ખાઈને લોભ છોડવો તેના કરતાં સમજણથી લોભની વૃત્તિઓને વાળી લેવી અને ધર્મમાં લક્ષ્મી ભેલાડી દેવી તેના જેવું એકેય ઉત્તમ નહીં !

પ્રસ્તુત સંકલનમાં લોભની ગ્રંથિનું સ્વરૂપ, એના કારણો, એના લક્ષણો, એના પરિણામો અને લોભની ગ્રંથિમાંથી છૂટવાના ઉપાયો જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાં સંકલિત થયા છે. જે સમજ લોભની ગ્રંથિ તોડાવી નિર્ગ્રંથ પંથે આગળ લઈ જવા ઉપકારી નીવડશે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

લોભ

આ તો જીવનનિર્વાહ કે લોભ ?

દાદાશ્રી : ધોરાજીથી અહીં કલકત્તામાં શું કામ તમે આવેલા ?

પ્રશ્નકર્તા : જીવનનિર્વાહ માટે.

દાદાશ્રી : જીવનનિર્વાહ તો જીવમાત્ર કરી જ રહ્યા છે. કૂતરાં-બિલાડાં બધાં જ પોતપોતાના ગામમાં જ રહીને જીવનનિર્વાહ કરે છે. આ મથુરાનાં વાંદરાં હોય છે ને તે પણ ત્યાં ને ત્યાં ગમે તેના ચણા લઈને પણ એમનો નિર્વાહ કર્યા જ કરે છે, એ બહારગામ જતાં નથી, મથુરામાં ને મથુરામાં જ રહે છે અને આપણા લોકો બધે જાય છે.

પ્રશ્નકર્તા : લોભદ્રષ્ટિ છે ને એટલે.

દાદાશ્રી : હા, એ લોભ હેરાન કરે છે. નિર્વાહ હેરાન નથી કરતો. આ નિર્વાહ હેરાન કરે એવો છે જ નહીં. નિર્વાહ તો એ જ્યાં હોય ત્યાં એને મળી રહે જ. મનુષ્યપણું એ તો મહાન સિદ્ધિ છે. એને હરેક ચીજ મળી આવે, પણ આ લોભને લીધે ભટક ભટક કરે છે. 'આમથી લઉં કે તેમથી લઉં, આમાંથી લઉં કે તેમાંથી લઉં' કર્યા કરે છે. અહીં કલકત્તા સુધી આવ્યા છતાં કોઈ એમ નથી કહેતો કે હું ધરાઈને બેઠો છું !

પ્રશ્નકર્તા : સંતોષ હોય તો દુઃખ શેનું છે ?

દાદાશ્રી : ના, ના. સંતોષની વાત નથી. અહીં સુધી કમાવા આવ્યા હતા. હવે કમાઈને કોઈ એમ નથી કહેતો કે 'મારી પાસે પાંચ અબજ થઈ ગયા છે. હવે મારે કોઈ જરૂરિયાત નથી, એવું કોઈ મને કહેનાર મળ્યો નથી. પાંચ અબજ નહીં તો એક અબજ થઈ ગયા છે, એવું બોલતો હોય તો ય હું જાણું કે ભાઈ, કલકત્તા આવેલા, તે શાબાશ ! બેન્કમાં તમારે કેટલા છે ? પચાસેક લાખ રૂપિયા છે ?

પ્રશ્નકર્તા : શું વાત કરવી સાહેબ ?

દાદાશ્રી : શું કહો છો, શેઠ ?! જો ધોરાજીથી અહીં આવ્યા તો ય બેન્કમાં કશું ના મળે ?! જુઓ, શરમાવા જેવું બન્યું. ત્યાંથી અહીં આવ્યા ને ફસાયા ઉલટા ! ના અહીંના રહ્યા, ના ત્યાંના રહ્યા !

લક્ષ્મી માટે રેસકોર્સ ?!

પ્રશ્નકર્તા : આ આર્થિક વાત છે, ભૌતિક વાત છે. જે ભૌતિક પામેલાઓ છે એમને વધારે પામવા માટે વ્યગ્રતા હોય છે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર હોય છે, એ શાથી ?

દાદાશ્રી : લોકોને રેસકોર્સમાં ઉતરવું છે. રેસકોર્સમાં ઘોડાઓ દોડે છે, એમાં કયા ઘોડાને ઈનામ હોય છે ?

પ્રશ્નકર્તા : પહેલા ઘોડાને.

દાદાશ્રી : તે તમારા ગામમાં કયો ઘોડો પહેલા નંબરે છે ? રેસકોર્સમાં જે પહેલો આવ્યો એમાં કોનું નામ છે ? એટલે બધા ઘોડા દોડાદોડ કરે છે ને હાંફી હાંફીને મરી ગયા, પણ પહેલો નંબર કોઈનો ય લાગતો નથી અને આ દુનિયામાં કોઈનો પહેલો નંબર લાગ્યો નથી. આ તો વગર કામની દોડમાં પડ્યા છે. તે હાંફી હાંફીને મરી જવાનું અને ઈનામ તો એકને મળવાનું. માટે આ દોડમાં પડવા જેવું નથી. આપણે આપણી મેળે શાંતિપૂર્વક કામ કર્યે જવાનું. આપણી ફરજો બધી બજાવી છૂટવી. પણ આ રેસકોર્સમાં પડવા જેવું નથી. તમારે આ રેસકોર્સમાં ઊતરવું છે ?

પ્રશ્નકર્તા : જીવનમાં આવ્યા એટલે રેસકોર્સમાં ઊતરવું જ પડશે ને ?

દાદાશ્રી : તો દોડો, કોણ ના પાડે છે ? જેટલું દોડાય એટલું દોડો. પણ અમે તમને કહી છૂટીએ છીએ, કે ફરજો સવળી બજાવજો ને શાંતિપૂર્વક બજાવજો. રાતે અગિયાર વાગે આપણે બધે તપાસ કરવી કે લોકો ઊંઘી ગયા છે કે નથી ઊંઘી ગયા ? તો આપણે જાણીએ કે લોકો ઊંઘી ગયા છે. એટલે આપણે પણ ઓઢીને સૂઈ જવું ને દોડવાનું બંધ કરી દેવું. લોકો ઊંઘી ગયા હોય ને આપણે એકલા વગર કામના દોડાદોડ કરીએ એ કેવું ? આ શું છે ? લોભ નામનો ગુણ છે એ પજવે છે.

લૌકિક માન્યતાથી થઈ ફસામણ !

પ્રશ્નકર્તા : પૈસાથી જ સુખ મળે છે એવું આપણે બધાં કેમ માનીએ છીએ ?

દાદાશ્રી : એ તો આખા જગતે માન્યું છે. લૌકિકભાવે છે એ. લોકોની રીતે છે એ. લૌકિક રીતે છે. પૈસાથી સુખ થતું હોય તો બધા પૈસાવાળા સુખી જ હોય પણ કોઈ સુખી છે નહીં.

'આનાથી સુખ મળશે, આ હોય તો સુખ છે, નહીં તો સુખ છે નહીં.' તે એનું માની બેઠેલું લૌકિક સુખ, લૌકિક માન્યતા. એટલે લોભની ગાંઠ ઊગતી જાય. 'ભેળું કરેલું કામ લાગેને ! વારેઘડીએ ઉછીના ખોળવાની જરૂર ના પડે.' એવું બધું માને. એટલે લોભની ગાંઠ વધે. લોભ બહુ હોય એટલે ભેળું કર કર કર્યા કરે !

પ્રશ્નકર્તા : કર્મ કરવાથી મળે તો ભેળું કરવાનું, પણ કર્મ કર્યા વગર ના થાયને ?

દાદાશ્રી : હા, પણ એનાથી લોભ વધતો જાયને, બળ્યું ! ભેળું કરવાનો વાંધો નથી, લોભ ના વધે તો વાંધો નથી.

વાણિયો હોયને એટલે લોભની ગાંઠ તો હોય જ. કારણ કે એનો ધંધો જ એ. ભેળું કરવું, સેફસાઈડ, સેફસાઈડ, સેફસાઇડ !

પ્રશ્નકર્તા : પ્રકૃતિ જ એવી થઈ ગઈ હોય.

દાદાશ્રી : પ્રકૃતિ એવી થઈ ગઈ હોય જ. બાપ-દાદાના સંસ્કારથી આવેલી હોય. એના એ જ સંસ્કાર જોવા મળ્યા હોયને એટલે એ જ સંસ્કાર પછી ચાલ્યા કરે.

હવે સેફસાઈડ કરે તેનોય વાંધો નથી, પણ સેફસાઈડ થયા પછી ઊડાડી દેવું જોઈએ.

પ્રશ્નકર્તા : પછી ના ઊડે. પછી પેલો નવ્વાણુંનો ધક્કો વાગી જાય.

દાદાશ્રી : હા, પછી નવ્વાણુંનો ધક્કો વાગી જાય !

લોભ ક્યાંથી પેસે ? એની શરૂઆત ક્યાંથી થાય ? પૈસા ના હોય તે ઘડીએ લોભ ના હોય. પણ જો નવ્વાણું થયા હોય તો મનમાં એમ થાય કે આજે ઘેર નહીં વાપરીએ પણ એક રૂપિયો ઉમેરીને સો પૂરા કરવા છે ! આ નવ્વાણુંનો ધક્કો વાગ્યો !! એ ધક્કો વાગ્યો એટલે એ લોભ પાંચ કરોડ થાય તોય છૂટે નહીં. એ જ્ઞાની પુરુષ ધક્કો મારે તો છૂટે !

નવ્વાણુંનો ધક્કો...

'નવ્વાણુંનો ધક્કો વાગ્યો' એવી કહેવત તમે સાંભળેલી ? આને નવ્વાણુંનો ધક્કો વાગ્યો નથી. આને વાગ્યો એમ કહે છેને ? એમ કહેશે.

પ્રશ્નકર્તા : દાદા, સમજાવો આ ધક્કાની વાત.

દાદાશ્રી : એક વણિક શેઠ હતા. બાજુના ઘરમાં એક સુલેમાન ઘાંચી રહેતો હતો ! એ ઘાંચીનો ધંધો તેલનો, તે એણે એ કાઢી નાખ્યો. એ ધંધો ના ચાલ્યો એટલે પછી શાકભાજી વેચી ખાતો હતો. શું કરે ? માર્કેટમાંથી શાકભાજી લઈ આવે ને પછી વેચી ખાય. એટલે શાકભાજીનો ધંધો સારો ચાલ્યો. લત્તો સારો હતોને ! તે રોજ પાંચ-સાત રૂપિયાની કમાણી થાય. હવે જ્યારે ઓછામાં ઓછા પગાર હતા, પચાસ રૂપિયાના તે જમાનામાં, તેમાં આ આટલા કમાય એટલે પછી એ રાજા જ કહેવાયને ? તે પછી શું કરે ? બીબી સારું જમવાનું બનાવે. તે પાછળ વાડીમાં બીબી નીકળે, તે એક બાજુ શેઠાણી કપડાં સૂકવતાં હોય. શેઠાણી પૂછે, 'શું કર્યું આજે જમવાનું ?' ત્યારે બીબી જે એનું વર્ણન કરે ! 'આજે બિરયાની બનાયા, યે બનાયા, તે બનાયા !' 'બિરિયાનીમાં શું નાખો ?' ત્યારે બીબી કહે, 'ઘીની જ બનાવીએ, તેલ-બેલ નહીં.' એટલે આ શેઠાણીને મનમાં એવું થાય કે બળ્યું, આ થોડુંઘણું સારું કરું છું ત્યારે હોરો આ શેઠ બૂમ પાડે છે, પછી કહેશે, 'શાકેય લાવવું નથી, બાકરા મૂકો પેલા ચણાના ને તુવેરના ! રોજ શાક ના હોય. અઠવાડિયામાં બે દહાડા હોય.' શેઠ લાખ્ખોધિપતિ, પણ પહેલાં આવો રિવાજ હતો આપણો. એમાં એમને દોષ નહીં, બધા શેઠિયાઓને ત્યાં આવ

ો જ રિવાજ હતો. એટલે પછી શેઠે જાણ્યું કે આ તો ઘરમાં આવો સડો પેઠો !' શેઠે પૂછયું કે, 'કેમ તમે આવું ખાવાનું પૂછ પૂછ કર્યા કરો છો ? પહેલાં નહોતાં કરતાં.' ત્યારે શેઠાણી કહે, 'આ ગરીબ છે જોડે, પણ કેવું સરસ સરસ ખાય છે ?!' શેઠને થયું, 'આ મારું હારુ ટી.બી. કંઈથી પેઠું, આ ટી.બી.ના જંતુઓ !' હવે આ શેઠિયા તો બહુ પાકા હોય. સડે ત્યાંથી ડામ દેવો ! નુકસાન કોઈને દેખાડે નહીં, થાય નહીં. જાણે કે ડામ ક્યાં દેવાનો ! મારી દે ડામ ! બહુ પાકા ! હું જ ફરેલો એ આખી નાત જોડે. મને આખી નાત ઓળખે.

પછી શેઠે કળા કરી. શેઠ જાણે કે આ રોગ જો પેસશે તો પછી આ શેઠાણી જોડે મારે રોજ ઝઘડા ચાલ્યા કરશે. એટલે પછી શેઠે બીજો ઊંધો રસ્તો ના લીધો, છતો રસ્તો લીધો. ઊંધો કરીને એને ઘર ખાલી કરાવવાનું કરે, એ બધા ઊંધા રસ્તા કહેવાય. આમ તો એ વણિક ખરોને ? સંસ્કાર તો ખરાંને ! મહીં દોષ બેસેને એને, ખોટો. પણ એને કંઈક એવો રસ્તામાં લાવવો. એટલે શેઠે એક થેલી પાતળા લુગડાની લીધી. તેની મહીં નવ્વાણું રૂપિયા ભર્યા. પછી ઉપર મોઢું બાંધી દીધું. બાંધીને પછી ગજવામાં લઈને ગયા, 'અલ્યા સુલેમાન, આ તાંદળજાની ભાજી શું ભાવથી આપે છે ? અને આ છે તે મેથીની ભાજી ?' તે મેથીની ભાજીનો ઢગલો હતો એની નીચે આ થેલી ઘાલી દીધી ! અને થોડીક તાંદળજાની ભાજી વેચાતી લઈને ગયા.

પછી મિયાંભાઈ તે સાંજે ધંધો પૂરો થઈ ગયા પછી મેથી ઉથામવા માંડ્યા. ઘેર લઈ જવા માંડ્યા, થોડી થોડી વધી હતીને ! ત્યાંથી ચમક્યાં. અલ્લાને કુછ દિયા ! આમ રૂપિયા જેવું લાગ્યું !! અને અંદર ગોળ ગોળ લાગ્યું ! આમ માપી જોયું, આમ આમ દાબી જોયું, પૈસા જ છે એને લાગ્યું, કોઈ તો કંઈ આપી જાય ? અલ્લા સિવાય બીજો કોઈ નવરો ના હોય અત્યારે ! અને આપી જાય તો આવું ? મોઢે કહીને આપી જાય કે, 'જા સલિયા, આપું છું તને, વ્યાજ આપજે આટલું.' હવે આ શેઠને કેમ પહોંચી વળાય ? શી રીતે પહોંચી વળાય ? એમ ને એમ કોયડો કાઢી નાખ્યો !

તે પછી સલિયો મહીં ઘરમાં લઈ ગયો. બીબીને કહે છે, 'તું અહીં આવ, અહીં આવ.' બીબી કહે, 'અરે, મને રસોઈ બનાવવા દોને ! તમે શું કકળાટ કર્યા કરો છો ?' ત્યારે સલિયો કહે, 'બારણાં બંધ કરી દે અને લાઈટ કરજે.' બીબી કહે 'શું છે તે ?' 'આ છે !' સલિયાએ કહ્યું. જોતાં જ બીબીની આંખો ચાર થઈ ગઈ ! 'આ શું પૈસા ક્યાંથી આવ્યા ?!! કોઈના લાવ્યા તો નથીને ?' અરે, ના, ના, ખુદાને દિયા ! શાકભાજીની મહીંથી નીકળ્યા. ખુદાને દિયા આજ તો.' પછી એણે ધીમે રહીને ગણ્યા. ખખડે, અવાજ થાય નહીં એવી રીતે, તે નવ્વાણું થયા.

પછી એણે વિચાર કર્યો કે કાલે જે વકરો આવે એમાંથી બે ખાવા માટે પેટે રાખી બીજા બધાય આમાં નાખવા. બેન્કમાં મૂકીએ એવું. આ નવ્વાણુંનો ધક્કો વાગ્યો એને ! એ લોભિયો ન હતો. રોફભેર ખાતો હતો, તેને લોભિયો બનાવ્યો વાણિયાએ ! તે પછી રોજ પાંચ-છ ઉમેરે !

પછી શેઠાણીને શેઠે કહ્યું, 'કેમ પેલી બીબીજીની વાત તમે હવે નથી કરતાં ? વઢવાડ થઈ તમારે ? વઢવાડ થઈ હોય તો હું એને કહી આવું કે લઢીશ નહીં અમારે ઘેર.' ત્યારે શેઠાણી કહે, 'ના, હવે તો એ કહે છે કે આજે તો રોટલા ને કઢી કરી ને એવું તેવું બધું કરે છે.' એટલે શેઠે જાણ્યું કે ગોળી વાગી ખરેખરી. આ વાણિયાને શી રીતે પહોંચી વળાય ? પેલો સલિયો લોભિયો ન હતો, તેને લોભિયો બનાવ્યો. એટલે આપણાય કેટલાક લોકો લોભિયા ન હતા, તે અહીં અમેરિકામાં નાણું દેખ્યું ને તે નવ્વાણુંનો ધક્કો વાગી ગયો. વાગી જાય કે ના વાગી જાય ?

પણ આ જે કહેવત કહેલી ને તે બહુ સારી કહેવત, અક્કલવાળી કહેવત છે. હં, મેં તપાસ કરેલી કે નવ્વાણુંનો ધક્કો એટલે શું હશે ? આ વાત કહે છે તે આપણા ઘૈડિયાઓની અનુભવની વાત હોય છે, અનુભવસિદ્ધ પ્રમાણો સાથે. જુઓને, પેલો મુસલમાન ફરી ગયોને ! બીબી રોટલા-કઢી કરતી ને ખાતી થઈ ગઈને ! જો વઢવા જવું પડ્યું ? લાકડાની તલવાર ! એમ ને એમ ધીકી નાખે ! ડૉક્ટર સાંભળ્યું કે આ કળા બધી ! વાણિયાની કળા !

કેવો ધક્કો માર્યો ?! શાકની નીચે ઘાલી દીધું. એટલે મિયાં સમજી ગયા કે અલ્લાને દિયા. નવ્વાણુંનો ધક્કો, બહુ સારી કહેવત ! આમ સમજ બધી હોય.

પ્રશ્નકર્તા : એ એવું થવાનું કારણ શું ?

દાદાશ્રી : લોભ, પ્રકૃતિ જ વણિક. વણિક એટલે નિરંતર વિચાર કરી કરીને જ કામ કરે, પગલાં ભરે. વિચાર કરનારો હંમેશા લોભી થાય. દરેકમાંથી ખોળી કાઢે. શામાં નફો છે ને શેમાં ખોટ છે ! તારણ કાઢે એટલે પછી એ લોભ શી રીતે છૂટે ? ભગવાન ભૂલાય. એને તો એમાં જ મજા આવે, એમાં જ ઇન્ટરેસ્ટ આવે.

આમાં આ લોકોને વાપરતાં વધે નહીં, તો લોભ શેનો થાય તે !

આયુષ્યનું એક્સ્ટેન્શન કરાવ્યું ?

પ્રશ્નકર્તા : અમારા વિચારો એવા છે કે ધંધામાં એટલા ઓતપ્રોત છીએ કે લક્ષ્મીનો મોહ જતો જ નથી, એમાં જ ડૂબ્યા છીએ.

દાદાશ્રી : તેમ છતાં પૂર્ણ સંતોષ થતો નથી ને ! જાણે પચ્ચીસ લાખ ભેગા કરું, પચાસ લાખ ભેગા કરું એવું રહ્યા કરે છે ને ?! એવું છે. પચ્ચીસ લાખ તો હું પણ ભેગા કરવામાં રહેત પણ મેં તો હિસાબ કાઢી જોયેલો કે આ અહીં આયુષ્યનું એક્સ્ટેન્શન કરી આપતા નથી ! આયુષ્યમાં એક્સ્ટેન્શન હોતું નથી ને ! તે પછી આપણે શું કરવા ઉપાધિ કરીએ ? સોને બદલે હજારેક વર્ષ જીવવાનું થતું હોય તો જાણે ઠીક કે મહેનત કરેલી કામની. આ તો એનું કંઈ ઠેકાણું નથી.

શું સારું ?

પ્રશ્નકર્તા : આ જગતમાં પૈસાદાર થવું સારું કે સુદામા થવું સારું ?

દાદાશ્રી : આ જગતમાં બહુ પૈસાદાર થવું એય જોખમ છે ને સુદામા થવું એય જોખમ છે. લક્ષ્મી તો આવે ને જાય એ સારું.

લોભમાં ય બીજા કોઈને ય નુકસાન ના કરે એવો લોભ હોય. અને જગતમાં લોભી એ તો, કેમ કરીને લોકોનું ધન મારી પાસે આવે, તે દેવોની બાધા રાખે કે ગમે તેમ કરીને આનું ધન મારી પાસે લાવી આપો. એવો લોભ ના હોવો જોઈએ.

સંતોષ કેમનો રહે ?

પ્રશ્નકર્તા : આ લોકો પૈસા પાછળ પડ્યા છે તો સંતોષ કેમ નથી રાખતા ?

દાદાશ્રી : આપણને કોઈ કહે કે સંતોષ રાખજો તો આપણે કહીએ કે ભાઈ, તમે કેમ રાખતા નથી ને મને કહો છો ? વસ્તુસ્થિતિમાં સંતોષ રાખ્યો રહે એવો નથી. તેમાં યે કોઈનો કહેલો રહે એવો નથી. સંતોષ તો જેટલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં એની મેળે સ્વાભાવિક રીતે સંતોષ રહે જ. સંતોષ એ કરવા જેવી ચીજ નથી, એ તો પરિણામ છે. જેવી તમે પરીક્ષા આપી હશે તેવું પરિણામ આવે. એવી રીતે જેટલું જ્ઞાન હશે એટલું પરિણામ સંતોષ રહે. સંતોષ રહે એટલા માટે તો આ લોક આટલી બધી મહેનત કરે છે ! જુઓને, સંડાસમાં ય બે કામ કરે છે. દાઢી ને બેઉ કરે ! એટલો બધો લોભ હોય ! આ તો બધું ઈન્ડિયન પઝલ કહેવાય ! એટલે જ ઈન્ડિયન પઝલ કહ્યું ને !

સંતોષ એ એક પ્રકારનું જ્ઞાન છે. અમુક જ્ઞાન સુધી આવેલો હોય માણસ ત્યારે એ સંતોષ રાખી શકે, અમુક અનુભવી માણસો. નહીં તો સંતોષ રાખ્યો ના રહે.

પ્રશ્નકર્તા : એટલે દાદા, જેનામાં આ સહજ સંતોષ આવ્યો હોય એનું ડેવલપમેન્ટ વધારે હોય છે.

દાદાશ્રી : હા, ઘણું ડેવલપમેન્ટ. જો સંતોષી અમે જોઈએ ને, તો અમે નમસ્કાર કરીએ કે ઓહોહો ! આ કાળમાં સંતોષી રહેલો છે !

પ્રશ્નકર્તા : આ સહજ સંતોષ શેને લીધે આવતો હોય ?

દાદાશ્રી : અનેક અવતારથી 'આમાં સુખ નથી, આમાં સુખ નથી' એવું શોધખોળ કરેલી. તેને સંતોષ હોય, એને તારણ કહે છે. વેપારીયે ખત્તા ખાયા પછી સંતોષી થાય, ખત્તા ખાય પછી.

મૂળ માલ, મહીં જ !

પ્રશ્નકર્તા : કેટલાક લોકોને તો લોકસંજ્ઞાએ બધું જોઈએ છે. કોઈની ગાડી જુએ એટલે એને પોતાનેય જોઈએ.

દાદાશ્રી : એ લોકસંજ્ઞા ક્યારે ઉત્પન્ન થાય ? પોતે મહીં ધરાયેલો ના હોય ત્યારે. મને અત્યાર સુધી કોઈ સુખ લગાડનાર મળ્યો નથી ! નાનપણથી જ મને રેડિયો સરખો લાવવાની જરૂર પડી નહીં. આ બધા જીવતા જાગતા રેડિયો જ ફર્યા કરે છેને ! મહીં લોભ પડ્યો હોય ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય. સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા !

સંતોષ ક્યારે રહે ?

લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય. આત્મજ્ઞાન નહિ, પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં સુધી એને લોભ રહ્યા કરે. અને આત્મજ્ઞાન હોય ત્યાં તો તૃપ્તિ જ હોય.

અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં અને ના ભોગવેલું હોય તેને કંઈ કંઈ જાતના લોભ પેસી જાય. પછી 'આ ભોગવું, તે ભોગવું ને ફલાણું ભોગવું' રહ્યા કરે. રાજસુખ પૂર્વભવમાં ભોગવેલું હોય તો અત્યારે તમને રાજ આપીએ તો ય ના ગમે, કંટાળો આવે !

તૃષ્ણા, સંતોષ અને તૃપ્તિ !

સંસારનું ખાઈએ-પીએ, ભોગવીએ, તેનાથી સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સંતોષમાંથી નવાં બીજ નંખાય, પણ તૃપ્તિ થઈ તો તૃષ્ણા ઊભી ના રહે, તૃષ્ણા તૂટી જાય. તૃપ્તિ અને સંતોષમાં ઘણો ફેર છે. સંતોષ તો બધાને થાય, પણ તૃપ્તિ તો કો'કને જ હોય. સંતોષમાં ફરી વિચાર આવે. દૂધપાક પીધા પછી તેનો સંતોષ થાય. પણ તેની ઇચ્છા ફરી રહે. આને સંતોષ કહેવાય. જ્યારે તૃપ્તિ તો ફરી ઇચ્છા જ ના થાય, એનો વિચારેય ના આવે. તૃપ્તિવાળાને તો વિષયનો એકુંય વિચાર જ ના આવે. આ તો ગમે તેવા સમજદાર હોય પણ તૃપ્તિ ન હોવાથી વિષયોમાં ફસાઈ પડ્યા છે ! વીતરાગ ભગવાનનું વિજ્ઞાન એ તૃપ્તિ જ લાવનારું છે.

લોકો કહે છે, 'હું ખાઉં છું'. અલ્યા, ભૂખ લાગી છે તેને હોલવે છેને ? આ પાણીની તરસ સારી, લક્ષ્મીની તરસ ભયંકર કહેવાય ! એની તૃપ્તિ ગમે તેવા પાણીથી ના છીપે. આ ઇચ્છા પૂરી થાય જ નહીં. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય.

સાધનોમાં તૃપ્તિ માનવી એ મનોવિજ્ઞાન છે ને સાધ્યમાં તૃપ્તિ માનવી એ આત્મવિજ્ઞાન છે.

બીજાનો ક્વોટા પડાવી લેવો...

પોતાને પૈસા આવતા હોય, સારી રીતે આવતા હોય તોય છે તે પૈસાની પાછળ જ રાત-દહાડો ધ્યાન કર્યા કરવું એ રૌદ્રધ્યાન, કે 'ભઈ, તારે આટલું બધું આવે છે તોય લોકોના ક્વોટા હઉ લઈ લેવા છે ? લોકોના ક્વોટા હોય છે તેમાંથી તારે લેવું છે ?' એટલે લોભને રૌદ્રધ્યાન કહ્યું. કરોડો આવતા હોય તો આવવા દો પણ એની ઉપર ધ્યાન રાખ રાખ ના કરે. 'આમથી લઉં કે આમથી લઉં' એવાં હશે ખરાં આ દુનિયામાં ?

પ્રશ્નકર્તા : હા, ઘણાંય.

દાદાશ્રી : એ જ, બીજું કંઈ નહીં. એ સિવાય કશું, વહુ યે યાદ ના આવે એવા પુણ્યશાળી લોકો (!) એ રૌદ્રધ્યાન કહેવાય, એ નર્કગતિનું કારણ.

એ ભાવના એટલે રૌદ્રધ્યાન !

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં એક વાક્ય છે એ વિગતવાર સમજાવો કે પૈસા કમાવવાની ભાવના એટલે રૌદ્રધ્યાન.

દાદાશ્રી : જે વસ્તુ એમ ને એમ મળી જવાની હોય, એને મળવાની ભાવના કરવામાં શું ફાયદો ?

પ્રશ્નકર્તા : પણ તો કમાણીની ભાવના વગર એમ ને એમ મળી જાય ?

દાદાશ્રી : કમાણી એમ ને એમ જ મળે છે. આ ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છે ને, એટલે 'હું કરું તો મળે, નહીં તો મળે નહીં' કહેશે.

પ્રશ્નકર્તા : અમે કારખાને ના જઈએ તો નુકસાની જાય છે.

દાદાશ્રી : હા, પણ જે જાય તેનેય નુકસાની જાય છેને ? એટલે આ શું કહેવા માગે છે ? પૈસા કમાવવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં પછી. એનો અર્થ એટલો કે હું ક્વોટા પડાવી લઉં એટલે પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વોટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દોને ! લોભનો અર્થ શું ? બીજાનું પડાવી લેવું. વળી કમાવવાની ભાવના કરવાની જરૂર જ શું ? મરવાનું છે તેને મારવાની ભાવના કરવાની જરૂર શું ? એવું હું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય એવું હું કહેવા માગું છું, આ એક વાક્યમાં !

આ વેપારીઓ કાપડ ખેંચીને કપડું આપે છે તે મારે તેમને કહેવું પડે છે કે, 'શેઠિયાઓ મોક્ષે જવાની ઇચ્છા નથી હવે ?' તો તે કહે, 'કેમ એમ ?' ત્યારે મારે કહેવું પડે છે, 'આ કાપડ ખેંચો છો એ કયા ધ્યાનમાં છો ? મહાવીર ભગવાનના ધ્યાનને તો ઓળખો ! આ રૌદ્રધ્યાન કહેવાય. બીજા પાસેથી થોડુંક, એક આંગળી જેટલું ય પડાવી લેવું એ રૌદ્રધ્યાન કહેવાય. તમને એટલું કહેવાનો અધિકાર છે કે ઘરાક પૂછે કે, 'આ ટેરિલીનનો શો ભાવ છે ?' તો તમે અઢારને બદલે સાડા અઢાર કહી શકો. પણ તમે અઢાર કહ્યા પછી તમારે એને માપ પૂરું આપવું જોઇએ, કિંચિત્ માત્ર ઓછું નહીં. ઓછું ના અપાયું હોય ને ઓછું આપવાની ભાવના માત્ર કરી એને ય રૌદ્રધ્યાન કહ્યું છે. ઓછું આપતી વખતે ભૂલથી પાછું વધારે ય જતું રહ્યું હોય તો ત્યાં કોઇ જમે કરનારું નથી. શેઠિયાઓએ નોકરને કહી રાખેલું હોય કે, 'જો આ આપણે ચાલીસ વારમાં આટલું વધવું જોઇએ.' એટલે પાછું એને અનુમોદના કરી રાખેલી હોય. પોતે કરે, કરાવે ને કર્તા પ્રત્યે અનુમોદે.

એક વેપારી કપડું ખેંચીને આપે છે અને ઉપરથી ખુશ થાય છે કે, 'હું ધંધામાં કેટલો હોશિયાર છું, હું કેટલું બધું કમાઉં છું.' પણ તેને ખબર નથી કે તે નર્કગતિ બાંધે છે ! તેનું રૌદ્રધ્યાન છે. હવે બીજો કપડું ખેંચીને આપે છે તેવા જ ધ્યાનથી, પણ મહીં તેને અપાર પશ્ચાત્તાપ રહે છે કે, 'આ ખોટું કરું છું. મહાવીરનો ભક્ત આવું ના કરે.' તે તિર્યંચ ગતિ બાંધે છે. ક્રિયાઓ સરખી છે પણ ધ્યાન જુદું જુદું હોવાથી ગતિ જુદી જુદી થાય છે.

લક્ષ્મી ધ્યાને ચંચળ થયા...

લક્ષ્મીના સ્વતંત્ર ધ્યાનમાં ઉતરાતું હશે ? લક્ષ્મીનું ધ્યાન એક બાજુ છે, તો બીજી બાજુ બીજું ધ્યાન ચૂકીએ છીએ. સ્વતંત્ર ધ્યાનમાં તો લક્ષ્મી શું, સ્ત્રીના ય ધ્યાનમાં ના ઉતરાય. સ્ત્રીના ધ્યાનમાં ઉતરે તો સ્ત્રી જેવો થઈ જાય ! લક્ષ્મીના ધ્યાનમાં ઉતરે તો ચંચળ થઈ જાય. લક્ષ્મી ફરતી ને એ ય ફરતો ! લક્ષ્મી મોટું રૌદ્રધ્યાન છે એ તો. એ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે ! કારણ કે પોતાના ઘેર ખાવા-પીવાનું છે, બધું ય છે પણ લક્ષ્મીની હજી વધુ આશા રાખે છે. એટલે એટલું બીજાને ત્યાં ખૂટી પડે. બીજાને ત્યાં ખૂટી પડે એવું પ્રમાણભંગ ના કરો. નહીં તો તમે ગુનેગાર છો. એની મેળે સહજ આવે એના ગુનેગાર તમે નથી ! સહજ તો પાંચ લાખ આવે કે પચાસ લાખ આવે. પણ પાછું આવ્યા પછી લક્ષ્મીને આંતરી રખાય નહીં. લક્ષ્મી તો શું કહે છે ! અમને આંતરાય નહીં, જેટલી આવી એટલી આપી દો.

લોભ કરાવે અધર્મ !

પ્રશ્નકર્તા : અત્યારે લોભને લીધે આ અધર્મ પેઠો છેને ?

દાદાશ્રી : હા, આ લોભને લઈને આ બધું નુકસાન થાય છે ને લોભ જ એને ફસાવે છે. 'આમ કરો ને, એટલે આટલા હજાર બચી જશે'. તેથી તો લોભને દુશ્મન કહ્યો છેને ! લોભ ઊંધું શીખવાડીને માણસને આંધળો કરી નાખે છે. 'આ દસ હજાર બચી જાય છે માટે લખી કાઢોને ઊંધું !'

પ્રશ્નકર્તા : અને લોભને પણ વધારનાર આપણી સરકાર જ છેને !

દાદાશ્રી : સરકાર એટલે છેવટે આપણે જ છીએ, એ આપણું જ સ્વરૂપ છે. એટલે એ આપણી ને આપણી જ માથે આવે છે. માટે કોને ગાળ દેવી ? સરકાર તો આપણું જ પ્રતિક છે. એટલે કોને કહેવું આપણે ? માટે ભૂલ પોતાની જ છે. બધી બાબતમાં જો પોતાની જ ભૂલ જોશો તો ભૂલ ભાંગશે, નહીં તો ભૂલ ભાંગશે નહીં.

મોંઘવારી કે હિસાબ ?

પ્રશ્નકર્તા : આપણને આજે એમ લાગે છે કે આપણી પ્રજા કેટલાં બધા પૈસા વાપરે છે, પણ આપણા જમાનામાં રૂપિયે મણ બાજરી હતી અને અત્યારે ?!

દાદાશ્રી : વાત ખરી છે ! એવું છે ને, હું તમને ખરી વસ્તુ કહી દઉં. એ હકીકત જાણવા જેવી છે કે આવી જો મોંઘવારી થાય તો 'પબ્લિક' ખાવા-પીવાનું કશું ના પામે. એટલે પછી મેં જ્ઞાનથી જોયું કે, 'આ શું છે તે ? આ માણસો શી રીતે તેલ લાવીને ખાય છે ? શી રીતે દસ રૂપિયાના ભાવની ખાંડ લાવીને ખાય છે ? આટલી મોંઘી વસ્તુઓ તે કેવી રીતે ખાતા હશે ?' એ બધો હિસાબ કાઢ્યો. છેવટે જ્ઞાનથી જોયું ત્યારે ખબર પડી કે ત્યાં આગળ રૂપિયાની ભાંજગડ નથી હોતી. તમારે કેટલું ઘી, કેટલું તેલ, કેટલું શાક, કેટલું વેજીટેબલ ઘી, કેટલું ચોખ્ખું ઘી, કેટલું દૂધ, આ બધાનો હિસાબ તમારી જોડે 'જોઈન્ટ' થયેલો છે. તેથી આ બધી વસ્તુઓ મળે છે, નહીં તો આ તો કોઈને ય મળે નહીં, શ્રીમંતોને ય મળે નહીં.

આપે ત્યારે તૂટે !

પ્રશ્નકર્તા : પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે લોભ બહુ રહેતો હતો.

દાદાશ્રી : હા, તેથી જ લોભ રહે. ત્યાં સુધી મનમાંથીય છૂટે નહીં. એક ફેરો આપવા માંડેને ત્યારથી મન મોટું થતું જાય.

પ્રશ્નકર્તા : ખબર જ ના પડે કે આ લોભ છે કે ઈકોનોમી છે !

દાદાશ્રી : એ લોભ જ. પણ આ સારી જગ્યાએ વપરાયો અને એમના હાથમાંથી છૂટવા માંડ્યો. એટલે એ લોભ તૂટી ગયો, નહીં તો એ લોભ જ ત્યાં ને ત્યાં ચીતર્યા કરે. ત્યાં ને ત્યાં ચીતરે. આત્મામાં ના રહે. મૂડી ઓછી થઈ જશે ! 'અરે, પણ જોડે લઈ જવાની છે ?' ત્યારે કહે, 'જોડે તો નહીં લઈ જવાની, પણ જીવીએ ત્યાં સુધી જોઈશેને ?' અલ્યા મૂઆ, પછી રહી જશે તેનું શું કરીશ ? પણ પેલો ભડકાટ, એક જાતનો ભડકાટ રહે.

દુઃખ છે જ ક્યાં ?

પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે ?

દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઈ જાય. કેટલીક વખત આર્થિક હોતું જ નથી, પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં, એટલું જ જોઈ લેવાનું. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તે પછી એે દુઃખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુઃખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટએટેક આવે. અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી, એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.

ભગવાને કહ્યું કે હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન હોય તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય તો કાલે મરી જઈશ એવો હિસાબ માંડ ને ?!

લોભ અને કરકસર !

પ્રશ્નકર્તા : દાદા પાસે આવતાં સુધી મને એમ લાગતું હતું કે હું કરકસર કરું છું, એ સારી વસ્તુ છે. હવે સમજાયું કે એ લોભ છે.

દાદાશ્રી : નહીં, કરકસર કરવાની જરૂર હતી. ખોટે રસ્તે, પેલા સંસારમાં જતા રહે એનો અર્થ નથી. પૈસાની કરકસર ફક્ત અહીં એક આત્માની બાબતમાં નહીં કરવાની. બીજે બધેય કરકસર કરવાની. કંઈ નાખી દેવાય ?

આપણને જરૂરિયાત હોય ને સ્ટેશન પર દૂધ મંગાવ્યું અને ચા બનાવાય એટલી બનાવીને દૂધ છેવટે વધી ગયું તો કંઈ નાખી દેવાય ? એ કંઈ કૂતરું-બૂતરું હોય કે ગમે તે જતો આવતો હોય તેને કહીએ લે ભઈ, આ દૂધ પી જા, કો'કને પીવડાવી દઈએ. પણ નાખી ના દેવાય.

પ્રશ્નકર્તા : કરકસર અને લોભની ડીમાર્કેશન કેવી રીતે કરવી ?

દાદાશ્રી : લોભ એટલે તો શું ? આપણું ચિત્ત જ ત્યાં ને ત્યાં રહ્યા કરે. આપણી મૂડીમાં જ ચિત્ત રહે. ઓછા ના થાય, ઓછા ના થઈ જાય એવું રહ્યા કરે, એનું નામ લોભ. અને કરકસર એટલે શું ? જતાં ન રહે વધારે. માર્કેટમાં જાય તો પાંચ મિનિટ વધારે થાય તો ભલે, પણ બહુ પૈસા ના જતા રહે એવી રીતે, પણ સારું શાક લે, એનું નામ કરકસર કહેવાય. સારું શાક લેવું ને વધારે ખર્ચ ના થાય, એનું નામ કરકસર. સડેલું શાક લેવું, એનું નામ કરકસર ના કહેવાય. એ લોભ કહેવાય.

પ્રશ્નકર્તા : દાદા, ઘરખર્ચમાં મને એમ થાય કે થોડા પૈસા બચાવીને મૂકી દઉં. એ લોભ કહેવાયને ?

દાદાશ્રી : ના, એ લોભ નહીં. જરૂરે કરીને વાપરવા માટે રાખી મેલ્યા છે, તે લોભ ના કહેવાય. એ સારા રસ્તે વપરાય નહીં, તો એ લોભ કહેવાય અને સારે રસ્તે વાપરવા માટે, પારકા માટે વાપરવામાં લોભ તૂટે.

પૈસા ભેગા કર્યા છે હવે, પણ તે શામાં ગયા ? સારા કામમાં ગયા તો લોભ તૂટી ગયો. મોજશોખ ના કરો ને પૈસા ભેગા કરો એ લોભ કહેવાય. મોજીલા નહીં થવાનું, શોખીન નહીં થવાનું પણ મોજશોખ સાધારણ વ્યવહારથી તો આમ ખાવું-પીવું ને રહેવું જોઈએ. પણ ના, એવું ના કરાય, એ લોભ કહેવાય. પણ લોભના પૈસા સારી જગ્યાએ વાપર્યા માટે એ લોભ ના કહેવાય. નહીં તો લોભ જ કહેવાય બધો. કરકસર કરે તેનો વાંધો નથી.

કરકસર તો કરવી જ જોઈએ. ઈકોનોમી તો એક મોટો આધાર છે એક જાતનો. એ ખોટું નહીં પણ શરીરને બાળીને નહીં.

બાકી કરકસરિયો અને લોભિયો એમાં બહુ ફેર. કરકસર તો જોઈએ જ ! લોભ ના જોઈએ. ઇકોનોમી ના હોય તો માણસ ના કહેવાય. કારણ કે એનો સાંધો મળે નહીં, તો તારો તૂટી જાય બધા. આટલા ખાતાને સપ્લાય કરવાનું, આટલા ખાતાને આમ કરવાનું, તે બધું તૂટી જાય. ઇકોનોમીમાં લોભ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : પૈસા ગજવામાં હોય છતાંય મંદિરમાં આમ નાખે નહીં, નાખવાનું મન ના થાય એ શું ?

દાદાશ્રી : એ ગરીબાઈનું કારણ. અમુક સ્થિતિમાં આવી સ્થિતિ બરોબર ના હોય ત્યારે થાય. તો ફરી પૈસા હોય ત્યારે કરીશું, એમ કહેવું. તો એ લોભની ગાંઠ ના કહેવાય.

અર્થશાસ્ત્રની સમજ, જ્ઞાની થકી

પ્રશ્નકર્તા : લોભિયો થવું કે કરકસરિયા થવું ?

દાદાશ્રી : લોભિયા થવું એ ગુનો છે. કરકસરિયા થવું એ ગુનો નથી.

'ઇકોનોમી' કોનું નામ ? ટાઈટ આવે ત્યારે ટાઈટ અને ઠંડું આવે ત્યારે ઠંડું. હંમેશાં દેવું કરીને કાર્ય ન કરવું. દેવું કરીને વેપાર કરાય પણ મોજશોખ ના કરાય. દેવું કરીને ક્યારે ખવાય ? જ્યારે મરવા પડે ત્યારે. નહીં તો દેવું કરીને ઘી ના પીવાય.

પ્રશ્નકર્તા : દાદા, કંજૂસાઈ અને કરકસરમાં ફેર ખરો ?

દાદાશ્રી : હા, બહુ ફેર. હજાર રૂપિયા મહિને કમાતા હોય તો આઠસો રૂપિયાનો ખર્ચ રાખવો અને પાંચસો આવતા હોય તો ચારસોનો ખર્ચ રાખવો, એનું નામ કરકસર. જ્યારે કંજૂસ ચારસોના ચારસો જ વાપરે, પછી ભલેને હજાર આવે કે બે હજાર આવે. એ ટેક્સીમાં ના જાય. કરકસર એ તો ઇકોનોમિક્સ (અર્થશાસ્ત્ર) છે. એ તો ભવિષ્યની મુશ્કેલી ધ્યાનમાં રાખે. કંજૂસ માણસને દેખીને બીજાને ચીઢ ચઢે કે કંજૂસ છે. કરકસરિયા માણસને જોઈને ચીઢ ના ચઢે. જો કે કરકસર કે કંજૂસ એ રિલેટિવ છે. લાફા માણસને કરકસરિયો ય ના ગમે. આ બધો ડખો સંસારમાં ભ્રાંતિની ભાષામાં રહેલો છે કે લાફા ના થવું જોઈએ. પણ કરકસરિયા માણસને ગમે તેટલું કહીએ તોય એ ના છોડે અને પાજી માણસ કરકસર કરવા જાય તોય પાજી રહે. લાફાપણું કે કંજૂસપણું એ બધું સહજ સ્વભાવે છે. ગમે તેટલું કરે તોય વળે નહીં. પ્રાકૃત ગુણો બધા જ સહજ ભાવે છે. છેવટે તો બધામાં જ નોર્માલિટી જોઈશે.

આ અમારા ગજવામાં પૈસા મૂકે તે તો આ સત્સંગમાં આવવા માટે અમારે ટેકસી કરવી પડે તો તે ટેક્સી કે ગાડી એકલામાં જ વપરાય. નથી વાપરવું એમ પણ નથી અને વાપરવા છે એમ પણ નથી. એવું કશું જ નક્કી નહીં. નાણું વેડફી નાખવાનું ના હોય, જેવા સંયોગો આવે તેમ વપરાય.

આ દાદાય ઝીણા છે, કરકસરિયા ય છે અને લાફાય છે. પાકા લાફા છે, છતાંય કમ્પ્લીટ એડજસ્ટેબલ છે. પારકા માટે લાફા અને જાતને માટે કરકસરિયા અને ઉપદેશ માટે ઝીણાં; તે સામાને અમારો ઝીણો વહીવટ દેખાય. અમારી ઇકોનોમી એડજસ્ટેબલ હોય. ટોપમોસ્ટ હોય. અમે તો પાણી વાપરીએ તોય કરકસરથી, એડજસ્ટમેન્ટ લઈને વાપરીએ. અમારા પ્રાકૃત ગુણો સહજ ભાવે રહેલા હોય.

કરકસરમાં રસોડું અપવાદ !

ઘરમાં કરકસર કેવી હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ. ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય. કોઈ મહેમાન આવે તોય મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ લાફો હોય, તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.

સંઘરેલું ટક્યું કોઈનું ય ?!

લક્ષ્મીજી તો એની મેળે આવવા માટે બંધાયેલી જ છે. અને આપણી સંઘરી સંઘરાય નહીં કે આજે સંઘરી રાખીએ તો પચ્ચીસ વર્ષ પછી છોડી પૈણાવતી વખતે, તે દહાડા સુધી રહેશે; એ વાતમાં માલ નથી અને એવું કોઈ માને તો એ બધી વાત ખોટી છે. એ તો તે દહાડે જે આવે તે જ સાચું, ફ્રેશ હોવું જોઈએ.

આ કીડીઓ હોય છે, તે સવારે ચાર વાગ્યાની ઊઠે છે. આપણે ચા પીતા હોઈએ ને ખાંડનો કણ પડ્યો હોય તો લઈને જતી રહે. 'અરે, તમારે તો નથી છોડીઓ.' તો પણ લઈને ત્યાં ભેગું કર કર કરે, બીજું કશું કરવાનું નહીં. અન્નનાં દાણા, ખાંડના દાણા બધું ભેળું કર્યા કરે. પાછું ભૂખ લાગે ત્યારે ત્યાં જઈને ચટકો મારી આવે ને પછી બહાર નીકળીને આખો દહાડો આજ વેપાર. તે બહુ ભેગું થાય ને, એટલે પેલો ઉંદર કાણું પાડીને બધું ખઈ જાય.

એવું આ જગત છે. માટે સંઘરો કરશો તો, કોઈ ખાનારો મળી રહે છે, એનો ફ્રેશે ફ્રેશ ઉપયોગ કરો. જેમ શાકભાજીને સંઘરી રાખે તો શું થાય ? એવું લક્ષ્મીજીનો ફ્રેશે ફ્રેશ ઉપયોગ કરો. અને લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો એ મહા ગુનો છે.

છોકરાં માટે કેટલું મૂકી જવું ?

લક્ષ્મી ભેગી કરવાની ઇચ્છા વગર ભેગું કરવું. લક્ષ્મી આવતી હોય તો અટકાવવી નહીં અને ના આવતી હોય તો ખોતરવી નહીં.

માટે આવતી વસ્તુ બધી વાપરવી, ફેંકી ના દેવી. સદ્રસ્તે વાપરવી અને બહુ ભેગી કરવાની ઇચ્છાઓ રાખવી નહીં. ભેગી કરવાનો એક નિયમ હોય કે ભઈ, આપણી મૂડીમાં અમુક પ્રમાણમાં તો જોઈએ. જેને મૂડી કહેવામાં આવે, એટલી મૂડી રાખી અને પછી બાકીનું યોગ્ય જગ્યાએ વાપરવું. લક્ષ્મી નાંખી દેવાય નહીં.

પણ જો લોભિયો ભેગું કરવા માંડેને, તો એને ત્યાં છોકરા એક-બે એવા દારૂડિયા પાકે કે એનું નામ તો નીકળી જાય, નીકળી જાય, પણ એનું આખું ઘરબાર બધું ઊડી જાય.

અને વધારે મૂકીને જાય તો શું થાય ? છોકરાં દારૂ પીતાં શીખે. એને તો કામમાં ને કામમાં જ રહે એવી રીતે રાખવાનો. રોકડું હાથમાં ના આવે, ધંધો આવે, બીજું આવે, રોકડું ના આવે. એ તો થોડું દેવું આપવું. લાખ રૂપિયાની એસેટ આપવી અને પચાસ હજારનું દેવુંયે આપવું ! એટલે ઘડતર થાય છોકરાનું.

છોકરાને મિલકત આપવી એ મહાનમાં મહાન ગુનો છે. કારણ કે તરત જ એને દારૂડિયા મળી આવશે. અને આપણે ગયા કે દારૂડિયા બધા ભેગા થઈને બધું ઘરમાં ધૂળધાણી કરી નાખે. કંઈક બાપની મૂડી રખડી ગઈ આમ તો. છોકરાને આપવું એ મોટામાં મોટો ગુનો છે ! ઉલટાં એમને લોભિયા બનાવો છો અને અવળે રસ્તે ચઢી જાય. કાં તો જો કદી આગળ દારૂડિયા ના મળ્યા તો લોભિયો બની જાય.

એ છે હિંસક ભાવ !

પૈસા ભેગા ના કરાય. આ તો પરિગ્રહ કરે, પૈસા ભેગા કરે પણ પૈસા ભેગા કરવા એ હિંસા જ છે. કારણ કે બીજાને દુઃખ દે છે. લોભમાં ય હિંસકભાવ રહેલો છે. લોભમાં હિંસકભાવ શું રહ્યો છે કે આપણી પાસે પૈસા આવે, તે બીજા પાસેથી ઓછા થઈને આવેને ? ક્રોધ-માન-માયા-લોભ એ બધાં હિંસક છે. કપટ કર્યું એ હિંસકભાવ નહીં ? પણ એનું બિચારાનું પડાવી લેવા હારુ કરો છો આવું ? એ બધા હિંસકભાવ છે.

આનંદના અભાવે અંધારું !

લોભને એક જાતની જાગૃતિ કહી છેને ? હા, બેફામપણું નથી એ, પણ એક બાજુ વહી ગયેલી જાગૃતિ. એટલે સુખ ના આપે.

આ તો પૈસા ભેગા કરવાની ઇચ્છા માણસને શાથી થાય છે ? કંઈ પણ ચેન ના પડે એટલે, ગમે તે બાજુ ઢળી પડે. પૈસામાં પડી રહે, વિષયોમાં ઢળી પડે. જો આવો જ્ઞાનનો આનંદ હોયને, તો તૃપ્તિ જ હોય એને. પછી ક્રોધ-માન-માયા-લોભ રહે જ નહીં એને. આ તો આનંદ ના હોવાથી જ બિચારા લક્ષ્મી તરફ ઢળી પડ્યા છે, સ્વરૂપનું 'જ્ઞાન' થાય ત્યાર પછી જ લોભ જાય.

લોભ પમાડે રોગ !

વિષયોથી રોગ થતા નથી, પણ વિષયોમાં લોભ પેસે છે ત્યારે જ રોગ પેસે છે. લોક વિષયોને ડામ દે છે. મૂઆ, વિષયોને શું કામ ડામ દે છે ? વિષયમાં જે લોભ છે, તેને ડામ દે ને ? વિષયો નથી નડતા પણ વિષયોમાં લોભ નડે છે. રસોઈમાં કહેશે કે મારે મરચાં વગર નહીં ચાલે, અમુક વગર નહીં ચાલે, ફલાણું તો જોઈશે જ, તે લોભ છે. એટલે જ વિષય છે અને તે એટલે જ રોગ છે. ક્રોધ-માન-માયા-લોભ એ જ રોગ કરનાર છે.

ક્રોધ... માન... માયા... લોભ !

પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ એ આપણે આમ સીકવન્સમાં કેમ બોલીએ છીએ ?

દાદાશ્રી : એને જે જવાનો રસ્તો છે, તે પહેલાં ક્રોધ ઓછો થતો જાય, પછી માન ઓછું થતું જાય, પછી કપટ ઓછું થતું જાય, પછી લોભ તો છેલ્લામાં છેલ્લો જાય.

પ્રશ્નકર્તા : છેલ્લામાં છેલ્લો લોભ જાય છે. એવું સ્ટેપિંગ કેમ છે ? લોભ છેલ્લો કેમ ?

દાદાશ્રી : એવું છેને, પહેલો પેઠેલો લોભ. સૌથી પહેલો લોભ પેઠો અને એ પ્રમાણે જેવું પેઠા એવું નીકળે.

પ્રશ્નકર્તા : એ કેમનો પેસી ગયેલો ?

દાદાશ્રી : તપાસ કરજેને હવે ? એ તારે જોવાનું. કોઈ પણ વસ્તુ તું જોઉં છું તે લેવાનું મન થાય છેને ? લેવાનો ભાવ થયો એ જ લોભ અને પછી કો'કને દેખાડવાનો ભાવ થાય કે આ હું લઈ આવ્યો છું એ માન ! પછી કોઈ લઈ લેતો હોય તો ક્રોધ કરે. પહેલો લોભ થાય.

પ્રશ્નકર્તા : અને માયા ?

દાદાશ્રી : માલ લેતી વખતે પેલા એકને બદલે બીજું બદલી લે, બીજું સારું હોય તે કંઈકને પેલો ધણી પેલી બાજુ જુએને ત્યારે બદલાવી નાખે તો એ કપટ કરે, એ જ માયા. લોભ થયો એટલે કપટ થાય. કંઈ પણ લેવાનો ભાવ થયો એ લોભ પછી ત્યાં છળ-કપટ થાય. કંઈ પણ ઇચ્છા નથી, તેને કશું દુનિયામાં નડે નહીં.

લોભ-કપટ ના દેખાય, ધણીને ય !

પ્રશ્નકર્તા : દાદા, ઘણાં દોષો સમજાતા પણ કેમ નથી ?

દાદાશ્રી : લોભ અને માયા હોય તે આ દોષોને સમજવા ના દે, પણ માન ને ક્રોધ હોય તો તરત જ દોષો દેખાય. અરે, બીજા પણ તે દોષ દેખાડી આપે.

લોભે ય ખબર ના પડે. કોઈ લોભિયાને 'પોતે લોભી છે' એવી ખબર ના પડે. ફક્ત માન અને ક્રોધ, બે ભોળા એટલે ખબર પડી જાય. માયાની કંઈ ખબર પડે નહીં, લોભની ખબર પડે નહીં.

આ ક્રોધ-માન-માયા-લોભ જે છે ને, એમાં લોભની પ્રકૃતિ એવી છે કે પોતાને ધણીને ય માલમ ના હોય કે મને મહીં કેટલો લોભ છે ! એટલે લોભ એટલો બધો કપટવાળો છે. ક્રોધનો સ્વભાવ ભોળો છે. ધણીને તો શું પણ પારકો માણસે ય કહી જાય કે આટલો બધો ક્રોધ શું કરો છો ? પણ લોભની તો પોતાને ખબર જ ના પડે. લોભથી માણસ બધું ઊંધું ચાલે છે ને ! અને લોભની પ્રકૃતિ જાય એવી નથી, અનંત અવતાર સુધી લોભની પ્રકૃતિ ના જાય. કારણ કે લોભની રાગપ્રકૃતિ છે, એ દ્વેષપ્રકૃતિ નથી. અને રાગપ્રકૃતિ ઠંડકવાળી હોય એટલે એ પ્રકૃતિ છૂટવા નથી દેતી, એ તો બહુ ભારે પ્રકૃતિ છે. લોભ અને કપટ, એ બે રાગપ્રકૃતિમાં જાય ને ક્રોધ અને માન, એ દ્વેષપ્રકૃતિમાં જાય. દ્વેષપ્રકૃતિનું તો આપણને પકડાઈ જાય, પણ રાગપ્રકૃતિ તો પકડાય નહીં. ધણીને ય ના પકડાયને ! કારણ કે એમાં તો એટલી બધી મીઠાશ વર્તતી હોય ને ! લોકોને તો માન અને અપમાનની જ પડેલી છે ને બધી !

પરમાણુમાં તન્મયાકાર, ત્યાં કષાય !

લોભ ક્યારે થાય ? કોઇ પણ વસ્તુ જોઇ ને આસક્તિના પરમાણુઓ ઊભા થાય અને તેની મહીં આત્મા ભળે ત્યારે લોભ ઊભો થાય. કો'કે જે' જે' કર્યા એટલે મીઠાશ, ઠંડક ઊભી થઇ ને તેમાં આત્મા ભળ્યો તે માન કહેવાય. અને આ બધી પરમાણુઓની અવસ્થામાં આત્મા તન્મયાકાર થાય નહીં ને છૂટો રહે તો તેને ક્રોધ, માન, માયા, લોભ કહેવાય નહીં. એ તો પછી ખાલી ઉગ્રતા કહેવાય. જે ક્રોધમાં તાંતો અને હિંસક ભાવ ના હોય તેને ક્રોધ કહેવાય નહીં. અને જ્યાં મોઢે બોલે-કરે નહીં પણ મહીં તાંતો અને હિંસક ભાવ છે, તેને ભગવાને ક્રોધ કહ્યો. આ તાંતાથી જ જગત ઊભું રહ્યું છે. ક્રોધનો તાંતો, માનનો તાંતો, કપટનો તાંતો, લોભનો તાંતો - આ તાંતો જાય એટલે પેલા કષાયો મડદાલ થઈ જાય.

લોભ એ પરમાણુનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે. પ્રકૃતિનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે. એમાં આત્મા ભળે તો રાગ-દ્વેષ છે ને જો આત્મા ભળે નહીં તો નહીં લેવા કે નહીં દેવા ! આપણા શરીરમાં ઇલેક્ટ્રિકલ બોડી છે એટલે લોહચુંબકપણું રહે છે અને એટલે લોહચુંબકપણાને લીધે આ દેહ ખેંચાય છે. તે એને કહે છે, 'હું ખેંચાયો!' તારી ઇચ્છા નથી છતાં તું ખેંચાય છે કેમ ?

ક્રોધ-માન-માયા-લોભ 'અમે' સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતાં જ નથી, પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે !

ભેલાયાં ઘર, તેનું શું ?

એ જે ક્રોધ-માન-માયા-લોભ છે, એનાથી અંધાપો બંધાય છે અને તેનાથી પછી ભાવ ઊંધા-છતાં કરે છે. એ અંધાપો તૂટવા માટે ક્રોધ-માન-માયા-લોભ જાય તો જ અંધાપો તૂટે ને તો ભાવ ચોખ્ખા થાય. અહંકારથી આંધળો થયો છે, લોભથી આંધળો થયો છે, ક્રોધથી આંધળો થયો છે અને કપટથી આંધળો થયો છે; ચારેય રીતે આંધળો, આંધળો ને આંધળો થઈને ફરે છે.

લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. જે લોભાંધ થઈ જાય તેની બધી જ દિશા બંધ થઈ જાય. તેને બીજું કશું જ ના દેખાય. એક શેઠનું આખો દહાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત તે તેના ઘરનાં છોકરીઓ-છોકરાઓ કોલેજને બદલે બીજે જાય. તે શેઠ કંઈ જોવા જાય છે ? અલ્યા, તું કમાયા કરે છે અને પેણે ઘર તો ભેલાઈ રહ્યું છે. અમે તો રોકડું જ એના હિતનું જ કહી દઈએ.

અહંકાર, સ્વભાવથી જ આંધળો !

પ્રશ્નકર્તા : એક બાજુ તમે ઇગોઇઝમને બ્લાઇન્ડ (આંધળો) કહો છો ને પાછું.

દાદાશ્રી : હા. ઇગોઇઝમનો અર્થ જ બ્લાઇન્ડ. જેમાં ઇગોઇઝમ વધારે તેમાં, એ લાઈનમાં બ્લાઇન્ડ જ હોય એ માણસ.

પ્રશ્નકર્તા : તો ઇગોઇઝમ બ્લાઇન્ડ તમે એકઝેક્ટલી(ખરેખર) કોને કહો છો ?

દાદાશ્રી : ઇગોઇઝમ એટલે શું કે આ લોભિયો ખરોને, તે જન્મથી જ લોભિયો હોય. તે મરતા સુધી લોભિયો હોય. તેની એક એક વાતમાં લોભ હોય, એને પેશાબ કરવામાંય લોભ. કહેશે, અહીં વધારે પેશાબ કરીશ તો પેણે આગળ ઓછો થશે. એટલે મારું કહેવાનું કે લોભિયો માણસ જન્મથી મરતાં સુધી લોભી જ અને માની માણસ જન્મથી તે મરતાં સુધી માની જ રહેવાનો. માનીને તો એના માનનો જ લોભ હોય. જો માનનો લોભ ના હોય તો એ એટલું ઇગોઇઝમ ઓછું કહેવાય. તે એને ચોખ્ખું દેખાય એ. પણ માનનો લોભ જ થઈ ગયો તો પછી આંધળો જ થઈ ગયો.

પછી થાય લોભાંધ...

પ્રશ્નકર્તા : એટલે બધી જગ્યાએ જુદાં જુદાં લોભને લીધે જ ઊભું છે ?

દાદાશ્રી : હા બસ, અને એક પ્રકારનો લોભ નથી. લોભ અનેક પ્રકારના છે. અને જેમાં વધારે પડતો લોભ હોય એમાં એ અંધ થઈ ગયેલો હોય.

પ્રશ્નકર્તા : આ જ્ઞાનની પાછળ લોભ લાગે તો ? માણસને જ્ઞાનનોય લોભ તો લાગેને ?

દાદાશ્રી : એના લોભનો વાંધો નથી. એ લોભ તો સારો લોભ છે. એ તો 'રિયલ'નો લોભ છેને ! છતાં લોભ એકંદરે સારો નહીં. આય લોભ સારો નહીં પણ આ હેતુ, આ લોભ હશે તો કંઈ નુકસાન નહીં થાય. આના લોભમાં બહુ નુકસાન ના થાય. પેલા લોભમાં તો આંધળો થઈ જાય.

પ્રશ્નકર્તા : સ્થૂળ વસ્તુનો લોભ તો માણસને જરાક અનુભવમાં આવે અને અથડાય એટલે એનાં બધા લોભ છૂટી જાય.

દાદાશ્રી : બસ, છૂટી જાય એ તો.

પ્રશ્નકર્તા : પૈસાનો લોભ એવો છે કે એય છૂટી જાય ?

દાદાશ્રી : સૂક્ષ્મ રહે. પણ આત્માનું અજવાળું મહીં થઈ જાય, પછી એ છૂટી જાય. અજવાળું થાય એટલે અંધપણું ઓછું થઈ જાય.

વિષયાંધથી યે ભારે લોભાંધ !

આ વિષય એવી વસ્તુ છે કે એક ફેરો અંધ થયો પછી ના જોવા દે. સૌથી ભારેમાં ભારે અંધ એટલે લોભાંધ અને એનાથી સેકન્ડ નંબર હોય તો વિષયાંધ.

પ્રશ્નકર્તા : લોભાંધને વધારે કહેવાય ?

દાદાશ્રી : અરે, લોભાંધની તો દુનિયામાં વાત જ જુદી છેને ! લોભાંધ એટલે દુનિયાનો એક નવી જ જાતનો રાજા. વિષયવાળા તો મોક્ષે જવાને માટે પ્રયત્ન કરે. કારણ કે વિષયવાળાને તો કલેશ થાયને ! એટલે પછી કંટાળે. જ્યારે લોભાંધને તો કલેશ પણ ના થાય. એ તો એની લક્ષ્મીની જ પાછળ પડેલો હોય. લક્ષ્મી કંઈ બગડતી નથીને એ જ જોયા કરે અને એમાં જ એ ખુશ. છોકરાંને ઘેર છોકરાં હોય તોય એને લક્ષ્મીની જ પડેલી હોય. અને લક્ષ્મીને સાચવવા આવતો ભવ ત્યાં સાપ થઈને બગાડે.

ઈન્ડિયનમાં લોભ ફુલ્લી ડેવલપ !

ફોરેનનાં લોકોને ક્રોધ-માન-માયા-લોભ હજુ ડેવલપ થાય છે. જ્યારે હિન્દુસ્તાનનાં લોકોના ક્રોધ-માન-માયા-લોભ ફુલ્લી ડેવલપ થઈ ગયા છે. ટોપ ઉપર જઈ પહોંચ્યા છે.

ત્યાં ફોરેનમાં તમારો સહેજ ઓળખાણવાળો હોય ને તેને તમે કહો કે મારે અહીંથી પચાસ માઈલ દૂર જવું છે. તો તે તમને તેની મોટરમાં લઈ જશે ને પાછો લાવશે ને વળી રસ્તામાં હોટલનું બિલ પણ તે આપશે. જ્યારે અહીં તમારા કાકાના દીકરાની પાસે મોટર માગશો તો તે હિસાબ કાઢશે કે પચાસ માઈલ જવાના ને પચાસ માઈલ આવવાના, સો માઈલ થાય. પેટ્રોલનો ખર્ચ આટલો, ઓઈલ-પાણીનો ખર્ચ આટલો ને ઉપરથી મારી મોટર એટલી ઘસાશે એવો ય મહીં હિસાબ કાઢી મૂકે. તે મૂઆ જૂઠું બોલે કે 'કાલે તો મારા સાહેબ આવવાના છે.'

તે શું છે ? પેલાનો લોભ જ ડેવલપ નથી થયો ને આનો લોભ ફુલ્લી ડેવલપ થઈ ગયો છે. સાત પેઢી સુધીનો ડેવલપ થઈ ગયો છે. જ્યારે ત્યાંની પ્રજાનો લોભ કેટલો ડેવલપ થયેલો હોય ? પોતા પૂરતો જ.

લોભ કેટલી પેઢી સુધીનો ?!

આ કૂતરાં હોય છે, તે કંઈ પૈણવાની ડખલમાં પડે ? ગાય-બાય પૈણવાની ડખલમાં પડે ? પૈણી લે મૂઆ ! ગાય પણ એના બચ્ચાને છે તે છ મહિના સુધી સાચવે છે. કેવું સરસ સાચવે છે ! જ્યાં સુધી વાછરડું મોટું નથી થયું ત્યાં સુધી એની ફરજો કેટલી બધી સુંદર બજાવે છે ? પછી નહીં અને આપણા લોકો તો સાત પેઢી સુધી મારા છોકરાના છોકરાં ને તેનાં છોકરાં છોડતાં નથી ! અને ફોરેનવાળાને તો અઢાર વર્ષનો વિલિયમ ને મેરી થાય એટલે જુદાં ! આપણે અહીં તો અવિભક્ત કુટુંબ. આ તો હમણે સારું થયું, નહીં તો પહેલાં તો સાત પેઢી સુધી લોભ. મારા છોકરાના છોકરાં, છોકરાનાં છોકરાં સુખી રહે એટલા માટે આ જમીનો-બમીનો બહુ રાખે !

પ્રશ્નકર્તા : કોઈ સાત પેઢીનો પૈસો ભેગો કરે ત્યારે ઘણા માણસો પર આ સૃષ્ટિમાં અન્યાય થાય છે, તે કઈ રીતે ચલાવી લેવાય ?

દાદાશ્રી : એ તો અન્યાય છે એટલે જ એકબીજાનું લૂંટી લે ને ? લોકોને સાત પેઢીનો લોભ ! લોભિયો માણસ ગમે તે રસ્તે છેતરે, કપટ કરીને પણ લોભ પૂરો કરે જ. બહુ મુશ્કેલી ! અને ફોરેનવાળાને એવું નથી.

નહીં તો મોક્ષ સૂઝે ના !

ફોરેનના લોકોનાં ક્રોધ-માન-માયા-લોભ આવડા-આવડા જ છે ! એક ઇંચના !! અને આપણા લોકોના ક્રોધ-માન-માયા-લોભ તો ઝાડ જેટલા થયેલા છે ! તેથી ચિંતાઓ ય બહુ છે અને એમને (ફોરેનવાળાને) ચિંતા-બિંતા ના થાય અને આપણા લોકોને ચિંતાય બહુ, એટલે પછી મનમાં કંટાળે કે બળ્યું, આમાં સુખ નથી. એટલે શોધખોળ કરે કે સુખ શામાં છે ? ત્યારે સુખ મોક્ષમાં છે કહેશે ! પછી મુક્તિના વિચારો આવે. અહીં જો ચિંતા ના હોયને તો મોક્ષમાં કોઈ જાય નહીં, એકુંય માણસ ના જાય.

દેશી-પરદેશીમાં કોણ ચઢે ?

બે માણસો ઘૈડા ઘરના હોય, એક ફોરેનમાંથી આવ્યો હોય, ફોરેનનો હોય અને એક આપણા અહીંનો ઇન્ડિયન હોય. બેને આપણે કહીએ કે તમે હવે હિમાલયમાં ગમે ત્યાં જઈને બેસી જાવ. લો, આ લાખ-લાખ રૂપિયા તમારા ખર્ચ માટે. તો પછી બેઉની સ્થિતિ શું થાય ? બંને કેવી રીતે વાપરે ? ખાવા-પીવાનું તો બધું જોઈએ. તે વાપરે કે ના વાપરે ?

પ્રશ્નકર્તા : વાપરે.

દાદાશ્રી : અને પછી પંદર-વીસ વર્ષ પછી બેઉ મરી જાય તો કોની પાસે મૂડી વધારે નીકળે ?

પ્રશ્નકર્તા : ભારતીય પાસે.

દાદાશ્રી : શાથી ? એણે લાખ રૂપિયા લીધા ત્યારથી ભો કે, 'વપરાઈ જશે તો શું કરીશ ? વપરાઈ જશે તો શું કરીશ ?' ખલાસ થઈ જાય તો શું થાય ?

પ્રશ્નકર્તા : ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય.

દાદાશ્રી : હા, ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય. પણ એ વાપરે ખરો, ધર્માદા કરે, દાન-પુણ્ય કરે પણ એની મહીં આ જાગૃતિ રહે કે ખલાસ થઈ જશે તો શું થશે ? અને પેલા ફોરેનવાળાને એવું કશું ના હોય. એ મઝામાં ય વાપરે. કોઈની ઉપર ઉપકારેય કરે. એ ઓબ્લાઈઝ કરે. ના કરે એવું નહીં. તે ફોરેનવાળો મરી જાય ત્યારે એની પાસે વખતે બે હજાર રૂપિયા હોય, નહીં તો નાયે હોય અને આવું તેવું ના હોય. એ સાહજિક છે. કોથળીયે ખાલી થતી જાય અને એય ખાલી થતો જાય. જ્યારે ઇન્ડિયનની તો કોથળી પડી રહેને, એ ખાલી થઈ જાય. એટલે આપણા લોકોની પ્રકૃતિ એવી ! વધારે જીવીશ તો શું થશે ? જરૂર પડશે તો શું થશે ? તે જ્યારથી રૂપિયા હાથમાં આવ્યા ત્યારથી એવું હોય કે ના હોય ?

ભગવાનને ય છેતરનારા છે !

ફોરેનના લોકો એ સાહજિક પ્રજા છે. એમને ક્રોધ-માન-માયા-લોભ આટલા બધા ના હોય. આપણે ત્યાં તો, મારા છોકરાના છોકરાં ને તેનાં છોકરાં ખાશે ! એટલો બધો લોભ !! એક વાણિયાએ તો ભગવાન પાસે માગ્યું હતું કે મારી સાતમી પેઢીના છોકરાની વહુ મહેલના સાતમા માળે સોનાની ગોળીમાં છાશ વલોવે તે હું અહીં રહીને દેખું !!! પોતે આંધળો હતો !! કેટલું બધું માગ્યું ?!! આટલો બધો લોભવાળો ! અને એ લોભને લઈને બળતરા ઊભી થાય. બળતરા ઊભી થાય એટલે પછી રસ્તો ખોળે કે અહીંથી ક્યારે કેમ કરીને મોક્ષે નાસી જઈએ ?! વધારેમાં વધારે બળતરા જૈનોને. એ વહેલો મોક્ષ ખોળે. તેથી એમનાં છોકરાંઓને દીક્ષા હઉ લેવા દે. મોહ ઓછો હોય. અત્યારે તો બધું ભેળસેળ થઈ ગયું છે.

એકનો એક છોકરો મરી જાય તો ય એ 'વ્યવસ્થિત' થાય છે, પણ આ તો એ એના લોભને લઈને, એના સ્વાર્થને લઈને રડે છે. એટલે એ અવ્યવસ્થિત માને છે. આ ગજવું કપાય છે તે ય વ્યવસ્થિત જ છે; પણ પાછો સ્વાર્થને લઈને, લોભને લઈને બૂમાબૂમ કરે છે, નહીં તો રડારડ કરવાથી પાછું આવે ?

ઘર બનાવવું બગીચો કે ખેતર ?

આ તો એના ધાર્યા પ્રમાણે ના કરે, એટલે છોકરા જોડે લઢવા આવે. તમારા ધાર્યા પ્રમાણે થતું હશે ! આપણા ધાર્યા પ્રમાણે છોકરાએ ચાલવાનું ? બાપ લોભિયો હોય એટલે છોકરાને લોભિયો કરવો ? છોકરા તો નોબલ હોય ને બાપ લોભિયો હોય તો શું થાય ? રોજ લઢવાડ થાય. બાપ નોબલ હોય ને છોકરો લોભિયો હોય તો ય લઢવાડ થાય. હવે એ લઢવા જેવી વસ્તુ નથી. એ પહેલાના જમાનામાં હતું કે લોભિયાના છોકરા-છોડી બધાં લોભી હોય, સત્યુગમાં ! આ તો કળિયુગ છે !! લોભિયાને ત્યાં મોટા મોટા નોબલ માણસો જન્મે છે !

એક બાપ એનાં છોકરાને વગોવ વગોવ કરે. છોકરો બહુ ખરાબ, કેમ એમ ? ત્યારે બાપ કરકસરિયા હતા જરા, ઘરે પૈસા બહુ હતા. પણ કરકસરિયા સ્વભાવનાં. છોકરો જરા નોબલ હતો. તે બાપની શી ઇચ્છા ? કે આ છોકરો મારા જેવો થાય, તો મારા ઘરનું રાગે પડે. તે પછી બાપ મને પાછા કહેવા માંડ્યા, કે જુઓને, આ છોકરો મારો બગડી ગયો છે. મેં કહ્યું, કેમ દુનિયામાં બીજા કોઈ નોબલ માણસો નહીં હોય ? તમારો છોકરો એકલો જ નોબલ છે. બીજા નોબલ ખરાં કે દુનિયામાં ? ત્યારે કહે, ના, પણ મારા જેવો થાય તો એનું રાગે પડશે ને પછી, અત્યારથી દુઃખ ના આવે ને ? મેં કહ્યું, પ્રકૃતિને ઓળખો. એક હજાર કોઈકના કાઢી ય લાવનારો હોય પાછો. અમે કરીએ નહીં કશું, એ તો આવું જ હોય. હા, એને સમજણ પાડ પાડ કરીએ. મારા જેવા પાસે તેડી લાવો તો દવા કરીએ અમે. પણ માર માર કરવાનો શું અર્થ છે એને મૂઆ ?! તારાં જેવો બબૂચક બનાવું છું ! ચાર આના તો વપરાતાં નથી તારાથી અને આવો મોટા મનનો માણસ, એને માર માર કરું છું ? મોટા મનનો તો કો'ક હોય, એકાદ માણસ. મોટા મનનો ક્યારે થાય ? કેટલા સંસ્કાર થાય ત્યારે મનનો મોટો થાય. આ ભાઈનું મન કેટલું મોટું હશે ? માટે કહે છે, બધું ય આમાં, સત્સંગમાં જ વાપરવું છે. દર સાલ એક પુસ્તક છપાવે છે !

આ પ્રકૃતિ ઓળખતાં નથી. એટલે મેં પુસ્તક લખ્યું છે, 'ઘર એક બગીચો થયો છે. માટે કામ કાઢી લો આ વખતમાં.' આ પોતે જો નોબલ હોય અને છોકરો ચીકણો હોય તો કહેશે, 'અલ્યા, સાવ ચીકણો છે, મારો એને.' એને એ મારી-ઠોકીને એની જેમ નોબલ કરવા માંગે, ના થાય. એ માલ જ જુદો છે. મા-બાપ પોતાના જેવા કરવા માંગે. અલ્યા, એને ખીલવા દો. એની શક્તિઓ શું છે ? ખીલવો. કોનામાં કયો સ્વભાવ છે એ જોઈ લેવાનો. મૂઆ, લઢો છો શેના માટે ?

ખા-પી, ખીલાઈ દે...

અને શું કામ લોભિયો થઈને ફર્યા કરે છે ? હોય તો ખાઈ-પીને મોજ કરને છાનોમાનો ?! ભગવાનનું નામ દીધા કર ! આ તો કહે કે 'આ ચાલીસ હજાર બેન્કમાં છે તે ક્યારેય કાઢવાના નથી.' તે પાછો જાણે કે આ ક્રેેડિટ જ રહેશે. ના, એ તો ડેબિટનું ખાતું હોય છે જ. તે જવા માટે જ આવે છે. આ નદીમાંય જો પાણી છલકાય તો તે બધાને છૂટ આપે કે જાવ, વાપરો. જ્યારે આમની પાસે આવે તો એ આંતરી રાખે. નદીને જો ચેતના આવતને તો એય સાચવી રાખે ! આ તો જેટલું આવે એટલું વાપરવાનું, એમાં આંતરવાનું શું ? ખાઈ-પીને, ખિલાવી દેવાનું.

અલ્યા, બેન્કમાં જમા શું કરે છે ? ખા-પી, બધા મહાત્માઓને બોલાવીને ભેલાડી દે. તેથી કબીર સાહેબે કહ્યું, 'ચલતી વખતે હે નરો સંગ ન રહે બદામ.' અને જેનું ગયા અવતારે મોઢું નહોતો જોતો, તેને મિલકત આપીને તું જવાનો છે. 'હેં ! હું મોઢું નહોતો જોતો ?!' ત્યારે કહે, 'ગયા અવતારે તું મોઢું જોવાનું ના કહેતો હતો એ જ આ તારી પાસે છે, એને જ છાતીએ તું ઘાલ ઘાલ કરે છે ! તને શું ઓળખાણ પડે ?! અલ્યા, માર ખાય છે વગર કામનો ! જેમ માયા માર ખવડાવે છે !

એટલે કબીરેય કહ્યુંને કે તારી પાસે આ જે મિલકત હોય, તેમાં તું પહેલાં ખા-પી. પી એટલે બ્રાંડી-બ્રાંડી નહીં, દૂધ છે, ચા છે. ખા-પી ને ખવડાવી દે લોકોને ને 'કર લે અપના કામ. ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.' માટે ખવડાવી દેજે !

નહીં તો આમાં નહીં જાય તો બીજે રસ્તે જતું જ રહે ! ધનનો સ્વભાવ ચંચળ છે.

'ખા-પી ને ભેલાડી દે !' એવું શીખવાનું અત્યારથી. નાની ઉંમરમાંથી ભેળું કરવાનું સંસારીઓ બધાંને ગમે. તે બંધન છે. ભેળું કરવાની ભાવના એ બંધનનો માર્ગ છે અને ભેલાડવાની ભાવના એ મોક્ષનો માર્ગ છે !

પુણ્ય ખર્ચતાંય પુણ્ય !

જીવતાં તો આવડ્યું કોને કહેવાય ? પોતાની પાસે આવ્યું હોય તે ભેલાડે ! એનું નામ જીવતાં આવડ્યું કહેવાય. ગાંડપણ નહીં. ડહાપણથી ભેલાડે. ગાંડપણથી દારૂ-બારૂ પીતા હોય. એમાં ભલીવાર જ ના આવે. કોઈ દહાડો વ્યસન હોય નહીં ને ભેલાડે. જુઓને, આ ભેલાડે છેને ! આ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય.

પુણ્યાનુબંધી પુણ્ય કયું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે. સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય !

જ્ઞાની શીખવાડે, ભેલાડવાનું !

અમેય ભેલાડી દેતા હતા. તે હીરાબાને ખૂંચે. 'તમે તો બધું ભેલાડી દો છો.' ત્યારે અમે કહીએ, 'હવે નહીં ભેલાડું !'

પ્રશ્નકર્તા : ભેલાડવું એ શબ્દ મેં સાંભળ્યો નથી. જરા સમજાવોને !

દાદાશ્રી : અમે જમીનદાર ખરાને ? થોડી થોડી જમીનો ખરી અને ખેડૂતોય ખરા. તે કોઈ પૂછે કે, 'શાક હમણે કેમ લાવતાં નથી ?' ત્યારે કહે, 'ભેલાઈ ગયું હવે !' ભેલાઈ ગયું એટલે શું ? ખેતરમાં આ ગાયો-ભેંસો ફરે તે બધું ખાઈ જાય ત્યારે આપણાથી વાંધો ના ઉઠાવાય. એ ખેતર ભેલાઈ ગયું કહેવાય ! એ ગુજરાતી ભાષાનો શબ્દ છે ! જે આવ્યો તે લઈ જાય. આપણે એવું ભેલાડવું નથી. પણ આવું જો નિયમથી, પ્રમાણથી કરવામાં આવે તો !

મનુષ્ય આપણે ઘેર આવે, આપણી પાસે પૈસા હોય અને મનુષ્યોની પાછળ ખર્ચો કરવો. નહીં તો એ દુનિયામાં બની શકે જ નહીં. આપણે ત્યાં આવવા કોઈ નવરો જ નથી. આ તો લોકોને લાભ લેતાં નથી આવડતું. મનુષ્ય જે લે છે તે તો મનુષ્ય જે આપે છે તેનાં કરતાંય કિંમતી છે. કારણ કે આપનાર હોય તોય કોઈ લે નહીં. આવતાં જ જો આપણે ભેલાડી ના દીધું તો આપણે ભેલાઈ જઈશું ! એટલે ભેલાડી દેવું જોઈએ !

હવે એ ભેલાવવા માટે શું કરે ? તમારી બુદ્ધિ એમાં કામ લાગે નહીં એટલે અમારા જેવાની તમારે મિત્રાચારી કરવી જોઈએ, ક્ષત્રિયોની જોડે ને કામ કાઢી લેવું. અને તમારી (વણિકો) જોડે મિત્રાચારી કરીએ તો અમારી સેફસાઈડ રહે, નહીં તો અમારી સેફસાઈડ નહિ.

ભેલાડ્યું શબ્દ નથી સાંભળ્યો, નહીં ? કેટલાંક શબ્દો ખોવાઈ ગયા છે.

જેનો ધણીધોરી ના રહ્યો એ ભેલાઈ ગયું કહેવાય. કોઈ એમ ના વાંધો ઉઠાવે કે આ અમારું છે ને ઉઠાવી ગયા. જેનો ધણીધોરી ના હોય એ ભેલાઈ ગયું.

આવો છે મોક્ષમાર્ગ !

વીતરાગોએ મોક્ષનો માર્ગ શેને કહ્યો ? જે પાસે છે એને ભેલાડી દેવું. અને તે સારાં કામ માટે, મોક્ષને માટે અગર મોક્ષાર્થીઓ, જિજ્ઞાસુઓ માટે અગર જ્ઞાનદાન માટે ભેલાડી દેવું. એ મોક્ષનો જ માર્ગ. આ ભાઈ ભેલાડી દેતા હતા, તે પછી મને પૂછતા હતા કે શું મોક્ષનો માર્ગ ? મેં કહ્યું, 'આ જ મોક્ષનો માર્ગ. આથી બીજો મોક્ષનો માર્ગ કેવો હોય તે ?' પોતાની પાસે હોય એ ભેલાડી દેવું, એનું નામ મોક્ષનો માર્ગ. મોક્ષને માટે ! છેવટે તો પૂળો મૂકવાનો છેને ? છેવટે તો પૂળો મૂકીએ, દરેકને મૂક્યા વગર રહેવું પડે છે ? જો ને, કાકા કેટલા બધા રૂપિયા મૂકીને ગયા છે ! તું ભેલાડવાનું શીખ્યો છે ? તે શું નિયમ કર્યો છે ?

પ્રશ્નકર્તા : ભેલાડવાનો જ.

દાદાશ્રી : તું જેટલું કમાઈશ એટલું બધું ભેલાડી દેવાનો ?

પ્રશ્નકર્તા : છેવટે તો એવું જ થશે. હમણાંથી પણ પ્રયત્ન એવો ચાલુ જ છે.

દાદાશ્રી : એમ નહીં, આપણી પાસે પાંચ પૈસા હોય તો ચાર પૈસા પણ ભેલાડી દેવા. એ તો લાખ્ખોધિપતિ ગમે તે કરે, કરોડાધિપતિ હોય તે ગમ્મે તે કરે ! આપણે એમની જોડે દોડીએ તો માંદા પડીએ. એવું નહીં કરવાનું. પણ ભાવના એવી રાખવી કે ભેલાડી દેવું છે.

પ્રશ્નકર્તા : ભેલાડવા માટે જિગર જોઈએ ?

દાદાશ્રી : હા, જિગર જોઈએ. મોક્ષમાં જવું હોય તો જિગર એની મેળે આવે.

આ કાળમાં જ્ઞાન મળ્યાથી મોક્ષ થાય ખરો, પણ જોડે જોડે આ ભાવના હોયને તો બહુ હેલ્પફુલ થાય, સ્પીડી થાય, અડચણ વગર થાય. મોક્ષ તો જ્ઞાનનું ફળ જ છે, પણ જોડે જોડે આ એક ભાવના જોઈએ, ભેલાડવાની ! બાકી ભેળું કરવાની તો અનાદિકાળથી ટેવ પડેલી હતી ! આ કીડીઓ કેટલું ભેળું કરતી હશે ? પછી ઉંદરડો પેસીને ખઈ જાય છે ! ત્યારે ભેળું કર્યાનો આ જ ફાયદોને ? શું ફાયદો ? ઉંદરડા પેસીને ખઈ જાયને ! ઉંદરડા તો ખોળતા જ હોય કે ક્યાં આગળ કોઈએ ભેગું કર્યું છે !

ખોરાકથી જ જીવે લોભ !

કોઈ માણસને ભૂલ રહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક ના આપીશ, તો બધા મડદાલ થઈ જશે. ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ-માન-માયા-લોભનું ઉપરાણું. જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું ક્યારેય પણ ના લીધું તો ભાગી જાય.

પોષે આમ લોભને !

કો'ક ઝીણા સ્વભાવનો તમને ચાની પડીકી લાવવા કહે ને તમે ૩૦ પૈસાની લાવો તો તે કહે કે, આટલી મોંઘી તે લવાતી હશે ? આવું બોલ્યો તેથી લોભ પોષાય અને કો'ક એંસી પૈસાની ચાની પડીકી લાવ્યો. તો લાફો માણસ કહે કે, આ સારી છે. તો ત્યાં ય પણ લાફાપણાનો લોભ પોષાય, આ થયો લોભનો ખોરાક. આપણે નોર્મલ રહેવું.

લોભાચાર, અધોગતિનું કારણ !

પ્રશ્નકર્તા : પૈસાનો બહુ લોભ હોય તો તિર્યંચમાં જવાય ?

દાદાશ્રી : બીજું શું થાય તે ? લોભને લઈને જે આચાર થાય છેને, તે આચાર જ એને જાનવરગતિમાં લઈ જાય. લોભ બે પ્રકારના હોય છે. જે લોભથી આચાર ના બગડે અને લોભ હોય તો એ લોભ દેવગતિમાં લઈ જાય. એ ઊંચા પ્રકારનો લોભ કહેવાય. બાકી આ લોભથી તો બધા આચાર બગડી ગયેલા, તે પછી અધોગતિએ લઈ જાય !

પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય.

રૂપિયા કમાતાં જે આનંદ થાય છે તેવો જ આનંદ ખર્ચ કરતી વખતે થવો જ જોઈએ. ત્યારે એ બોલે કે આટલા ખર્ચાઈ ગયા !!

પાણી પાયું ગટરને !

પ્રશ્નકર્તા : તો પોતાને માટે વાપર્યું કોને કહેવાય ?

દાદાશ્રી : ખઈ જઈને તે પાછળ ના આવવાનું હોય તે. તમે કોઈ જગ્યાએ હપ્તા ભરો તે તો પાછું આવવાનું જ હોયને ! બેન્કમાં ડિપોઝીટ ભર્યા કરો, બીજું કર્યા કરો, પણ પાછું આવવાનું જ ને ! અને ચા-પાણી ને એ બધું મંગાય મંગાય કરો, તે એના પૈસા બધું ગયું ગટરમાં ! પછી પચાસ ગેલન પેટ્રોલ બાળતા હોય તોય ગટરમાં ગયું.

રીત, જોડે લઈ જવાની !

પ્રશ્નકર્તા : પૈસા કઈ રીતે સાથે લઈ જવાય ?

દાદાશ્રી : રસ્તો તો એક જ એટલો કે જે આપણાં સગાવહાલાં ના હોય એવાં કોઈનાં દિલ ઠાર્યાં હોય તો જોડે આવે. સગાવહાલાંને ઠાર્યાં હોય, તોય છે તે જોડે ના આવે, પણ ખાતાં ચોખ્ખાં થઈ જાય. એમની જોડે જે ખાતાં હતાં તે ચોખ્ખાં થઈ જાય, સગાંવહાલાંને ઠાર્યાં હોય તો ! અને બીજાં સગાવહાલાં ના હોય તો એમની જોડે દિલ ઠાર્યાં હોય તો એ આપણી જોડે આવે.

પ્રશ્નકર્તા : એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ?

દાદાશ્રી : એ જે કહો તે, પણ દિલ ઠારવું જોઈએ. અગર તો અમારા જેવાને કહો તો લોકોને હિતકારી થાય એવું જ્ઞાનદાન બતાડીએ. એટલે સારાં પુસ્તક છપાવવાં કે જે વાંચવાથી ઘણા લોકો સારે રસ્તે ચઢે. અમને પૂછે તો દેખાડીએ. અમારે લેવાદેવા ના હોય.

ઉપયોગ એ જાગૃતિ છે. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું ? જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય. કીર્તિ, નામ આપણને એ પ્રાપ્ત ના થાય. એટલા માટે ઢાંક્યું આપીએ. એ જાગૃતિપૂર્વક કહેવાયને ! એ એનું નામ ઉપયોગ કહેવાય. પેલું તો નામ ના છપાયું હોય તો ફરી આપે નહીં.

પાંચમો ભાગ પારકા માટે !

પ્રશ્નકર્તા : આવતા જન્મના પુણ્યના ઉપાર્જન માટે આ જન્મમાં શું કરવું ?

દાદાશ્રી : આ જન્મમાં જે પૈસા આવે તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં નાખી આવવો. પાંચમો ભાગ લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફ્ટ પહોંચ્યો ! આ ગયા અવતારના ઓવરડ્રાફ્ટ તો ભોગવો છો. આ જન્મનું પુણ્ય છે તે આગળ પછી આવે. અત્યારની કમાણી આગળ ચાલશે.

રિવાજ, ભગવાન માટે જ ધર્માદા !

આ મારવાડી લોકોને ત્યાં જાઉં છું, તે પૂછું, ધંધો કેમનો ચાલે છે ? ત્યારે કહે, 'ધંધો તો સારો ચાલે છે.' નફો-બફો ?' ત્યારે કહે, 'બે-ચાર લાખનો ખરો !' ભગવાનને ત્યાં આપવા-કરવાનું ? 'વીસ-પચ્ચીસ ટકા નાખી આવવાના ત્યાં દર સાલ !' 'એમનું શું કહેવાનું ? ખેતરમાં વાવીએ તો દાણા નીકળેને, બળ્યા ! વાવ્યા વગર દાણા શેના લેવા જઉં ? વાવીએ જ નહીં તો ? આ મારવાડી લોકોને ત્યાં આ જ રિવાજ કે ભગવાનના કામમાં નાખવા, જ્ઞાનદાન ભગવાનમાં, બીજી-ત્રીજી જગ્યાએ દાનમાં આપવા અને પેલા દાનમાં નહીં, એ હાઈસ્કૂલને, ફલાણાને, એમાં નહીં, આ એકલું જ ખાલી.

રાજલક્ષ્મી ન હો, આત્મલક્ષી હોજો !

પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી હોય તેને પૈસા પેદા કરવાના વિચાર જ ના આવે. આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે, આને તો લક્ષ્મી જ ના કહેવાય ! નર્યા પાપના જ વિચાર આવે, 'કેમ કરીને ભેગું કરવું, કેમ કરીને ભેગું કરવું' એ જ પાપ છે. ત્યારે કહે છે કે, આગળના શેઠિયાને ત્યાં લક્ષ્મી હતી એ ? એ લક્ષ્મી ભેળી થતી હતી, ભેળી કરવી પડતી નહોતી. જ્યારે આ લોકોને તો ભેળું કરવું પડે છે. પેલી લક્ષ્મી તો સહજભાવે આવ્યા કરે, પોતે એમ કહે કે, 'હે પ્રભુ ! આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ન હો' છતાંય એ આવ્યા જ કરે. શું કહે કે આત્મલક્ષ્મી હો પણ આ રાજલક્ષ્મી અમને સ્વપ્ને પણ ના હો. તોય તે આવ્યા કરે, એ પુણ્યાનુબંધી પુણ્ય. એને લક્ષ્મી તો ઢગલાબંધ આવે, આવવાની કમી ના હોય. વિચાર જ કોઈ દહાડો ના કર્યો હોય ને ઊલટા કંટાળી ગયેલા હોય કે હવે જરા ઓછું આવે તો સારું પણ તોય લક્ષ્મી આવે. તે લક્ષ્મી આવે એનો નિવેડો તો લાવવો પડે ને ? એટલે શું કરવું પડે ? હવે નિવેડો લાવવામાં બહુ મહેનત પડી જાય. એ કંઈ ઓછી રસ્તામાં નાખી દેવાય ? હવે એ નિવેડો કેવો હોય કે એનાથી લક્ષ્મી પાછી આવીને એવી જાય ને પાછી ફરી ઊગી ઊગીને આવે પાછી.

પુણ્ય, ભોગવે દુઃખમાં !

પ્રશ્નકર્તા : પૈસા પુષ્કળ છે પણ સારા રસ્તે વાપરી શકતાં નથી. એનો અર્થ શો ?

દાદાશ્રી : પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય ? બંગલા હોય, મોટરો હોય, છોડીઓ સારી હોય, છોકરાં હોય છતાંય આખો દહાડો નવરો ના હોય. ધૂનમાં ને ધૂનમાં, ધૂનમાં ને ધૂનમાં, ભોગવેય નહીં. એ પાપાનુબંધી પુણ્ય. પુણ્ય છે છતાં ભોગવતો નથી. અને સામો પાપ જ બાંધ્યા કરે છે. પૈસા શા હારુ ખોળવા નીકળ્યો છે ? ત્યારે કહે 'મારે જોઈશેને એક લાખ ?' ત્યારે કુદરતે બૂમ પાડી કે લોકોના ક્વોટા ખાઈ જવા છે તમારે ? 'ગમે તે હો પણ અમને તો વાંધો નથી.' એટલે લોકોનો ક્વોટા ખાઈ જવો એનું નામ લોભ કહેવાય. બીજાના ક્વોટા ઉપર તરાપ મારવી, પૈસા તો એની મેળે, પુણ્યનો ખેલ છે એટલે આવ્યા જ કરે. તમારે એને ના નહીં પાડવાની. તેમાં બૂમાબૂમ નહીં કરવાની. લાલચ નહીં રાખવાની. એ તો આવ્યા જ કરે. એ તો પુણ્યનો ખેલ છે. પાપ કર્યા હોય તો ભૂલેશ્વરમાં પૈસા હારુ ચંપલો ઘસાઈ ગયાં હોય બળ્યાં ! શેઠને સલાહ આપતો હોય ફક્કડ, પણ શેઠને સમજણ ના પડતી હોય તોય ફર્સ્ટક્લાસ દોઢસો રૂપિયાના બૂટ પહેર્યા હોય ! અને પેલાંના ચંપલ ઘસાઈ ગયેલાં હોય ! એટલે આ પાપાનુબંધી પુણ્યૈ બધી !

પાપાનુબંધી પુણ્ય એટલે શું ? પોતાનું પુણ્ય તો છે જ, અને નવાં પાપ ઊભાં કરી રહ્યો છે. હાય પૈસા ! હાય પૈસા !! છોડીઓ પૈણાવતો નથી, મોટી મોટી થવા આવી તોય. વહુ કહે છે, 'આ છોડીઓનું જોતા રહેજો.' 'જોઈશું' એમ કહે. હાય, હાય, હાય ! ઊંઘેય ના આવે એને બીજો કોઈ હોય તો ઊંઘે તો ખરો ! ભગવાને કરુણા ખાધી છે આ લોકોની ! અલ્યા, ના સમજણ પડે તો શું કરવા બૂમાબૂમ કરે છે ! જીવતાં ય આવડ્યું નહીં !

કુદરત કાયમ ન્યાયી જ !

દસ-પંદર વર્ષ તો એવાં કડક આવવાનાં છે કે લોકોય જિંદગીમાં ભૂલી જાય, એવું બધું આવશે. હજુ તો આવવાના છે. ત્યાર પછી સત્યુગ આવશે. પછી મન સારાં થઈ જશે. લોભ છૂટશેને !

લોભ ક્યારે છૂટે ? કંઈક આવો માર પડે કે કાં તો ખોટ જાય. લાંબી ખોટ જાય તો લોભ છૂટી જાય કાં તો માર પડે તો છૂટી જાય, એટલે આ કુદરત ફરી વળે છે. એવી દસ-પંદર વર્ષ મારશે. પાછું ન્યાયથી જ મારશે ! કારણ કે અન્યાયથી મારવાનો કુદરતનો નિયમ જ નથી, તદ્દન ન્યાય ! કુદરત એક મિનિટ ન્યાયની બહાર ચાલતી નથી.

લોભ કરાવે ડખો !

લોભથી આ જગત ઊભું રહ્યું છે. તને જલેબી ભાવતી હોય ને તને ત્રણ મૂકે ને પેલાને ચાર મૂકે, તો તને મનમાં ડખો થાય ! એ લોભ જ છે ! ત્રણ સાડીઓ હોય ને ચોથી લેવા જાય !

લોભથી ઊભો થયો સંસાર !

એક પણ સંયોગનો લોભ હોય ત્યાં સુધી સંસારમાં આવવું પડે છે, ત્યાં સુધી સંસારની રઝળપાટ ચાલુ રહે છે અને સંયોગોનો સ્વભાવ દુઃખદાયી છે. પણ સંયોગોનો લોભ છે ત્યાં સુધી સંસારમાં ભટકવું પડે.

છેવટે લોકોને કશાયનો લોભ ના હોય તો માનનો લોભ હોય. લોકોને લોભના માન કરતાં માનનો લોભ બહુ હોય, કારણ કે લોભનું માન નથી હોતું. એટલે માનનો લોભ બહુ હોય છે ! એ લોભ પણ હોય છેવટે. અને લોભથી સંયોગ ઊભો થાય. સંયોગ ઊભો થાય એટલે સંસાર ઊભો થઈ જાય !

એ થર્મોમિટર જ્ઞાની પાસે !

પ્રશ્નકર્તા : કોઈને છૂટ્યું કે નથી છૂટ્યું એ આપણને કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : અમને બધી ખબર પડે.

પ્રશ્નકર્તા : એ અંદરની વસ્તુ છે ને ? વાપરતો હોય કે ના વાપરતો હોય, એ એના ડિસ્ચાર્જમાં હોય. પણ અંદર શું છે એ શું ખબર પડે ?

દાદાશ્રી : ડિસ્ચાર્જમાં વાપરવાનું હોય કે ના હોય, તે જરા જૂદું છે. એવું ડિસ્ચાર્જ તો હોય જ પણ અંદરથી મમતા છૂટવી મુશ્કેલ છે.

ચેતવે જ્ઞાની, લક્ષ્મી-મમતથી !

પ્રશ્નકર્તા : મમતાનો વિસ્તાર કેટલો મોટો હોય છે. મમતાનો વિસ્તાર કંઈ નાનો નથી રહેતો.

દાદાશ્રી : કોણ કહે છે નાનો ? તમે નાનો સમજો છો. મમતા ઉપર તો આખી ડિઝાઈન હોય. તમે જેટલું સમજો છોને એનો એક અંશ નથી આ વાત. મમતાની બહુ મોટી ડિઝાઈન છે. એટલી વિસ્તૃત છે.

પ્રશ્નકર્તા : એ બધું સમજાવવાની જરૂર છે.

દાદાશ્રી : બધું સમજાવી દીધેલું જ છે, પણ છોડેલું નથીને ! માણસથી જરાક પણ છોડવું મુશ્કેલ છે. છોડી પૈણાવવી હોય તો પૈણાવી દે, ત્રણ લાખ રૂપિયા ખર્ચીને બાકી આમ છોડવું મુશ્કેલ છે. તે આ કમાઈને બે લાખ છૂટ્યા તે મને બહુ ઉત્તમ લાગ્યું કે પાટીદાર થઈને !

પ્રશ્નકર્તા : મમતા એકલી કંઈ લક્ષ્મી ઉપર જ નથી હોતી, પણ બીજી બધી કેટલી જગ્યાએ હોય !

દાદાશ્રી : પણ આ લક્ષ્મીમાં જ મમતા છૂટે તો બહુ થઈ ગયું. બીજી મમતા તો છૂટી જાય. લક્ષ્મીને લઈને આ બધી વસ્તુઓ ચોંટેલી છે.

પ્રશ્નકર્તા : બૈરી છે, છોકરાં છેને ?

દાદાશ્રી : એ બધી મમતા લક્ષ્મીને લઈને જ. અને વિષય પણ ભટકાવડાવે. વિષયની ને લક્ષ્મીની બેની મમતા છૂટવી જોઈએ.

પ્રશ્નકર્તા : આવ્યુંને, વિષયમાં બૈરી-છોકરાં આવ્યુંને ?

દાદાશ્રી : એ વિષય તો છોડી શકે ! લક્ષ્મી છૂટે નહીં કોઈને ! તેથી કહ્યું છેને, આ મમતા દબડાવીને પણ છોડાવી લેવી ! વિષય ને લક્ષ્મી બે ના જાય. લક્ષ્મી છે તે વિષયને છોડી આપે અથવા તો વિષય તો જ્યાં છૂટી ગયેલા છે તે છોડાવી આપે. જે વિષય સ્ત્રીસંબંધી છે, તે દાદા ભગવાન છોડાવી આપે છે, પણ લક્ષ્મી તો ના છૂટે.

સર્વસ્વ સમર્પણ, શાને ?

એટલે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાની પુરુષ જે મોક્ષ આપે છે કે જે મોક્ષદાતા પુરુષ હોય, મોક્ષનું દાન આપવા આવેલા હોય એવા જ્ઞાની પુરુષ ત્યાં આગળ એમની તન-મન-ધનથી સેવા કરવી. ત્યારે કહે, 'સાહેબ, તન-મન તો અમે અર્પણ કરીએ છીએ. પણ ધનની એમને જરૂર જ નથી. ત્યારે કહે કે તારી લોભની ગાંઠ કોણ તોડી આપશે ? જ્ઞાની પુરુષ તને એમ કહેશે કે આ બાજુ ફલાણી જગ્યાએ ધર્માદામાં આપી દે ત્યારે એ રકમ. એટલે એમના આધારે તું આપીશ. નહીં તો તું તારી જાતે નહીં આપું. જાતે તું કપાઈ મરું તોય નહીં આપું. એમના આધારે, એમના ઉપર પ્રેમ છે એ પ્રેમના આધારે તું આપીશ તો તારી ગ્રંથિ તૂટી ગઈ અને એક ફેરો આપે એટલે મન છૂટું થઈ જાય. પછી લોભ છૂટી જાય. આપવું જોઈએ એક ફેરો. આ ગ્રંથિઓ જ છે. લોભ છે ત્યાં સુધી એનો નિવેડો નહીં આવે. એટલે આ લોભને તોડવા માટે કરે છે નહીં કે તારી મૂડી ઓછી કરવા. એટલે કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાનીપુરુષની તન-મન-ધનથી ભક્તિ કરજે.

પ્રશ્નકર્તા : ત્યાં સુધી ભક્તિ ઊગતી નથી.

દાદાશ્રી : હા, ભક્તિ ઊગતી નથી. પરિણામ પામતી નથી અને એમણે કહેલું તે પાછું અનુભવનું કહેલું. નહીં તો આપણે ક્યાં ભાંજગડ કરીએ, આ ગાંઠો ઓગાળવાની ?

અને સારી જગ્યાએ નાખો એટલે આવતા ભવનો એ ઓવરડ્રાફ્ટ નહીં ? હેં ? કે વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ? આપણે મોજમજામાં વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ગણાય ? ત્યારે એ રેસમાં નાખી આવે તે ઓવરડ્રાફ્ટ નહીં ?

પ્રશ્નકર્તા : એ ઊંધો ઓવરડ્રાફ્ટ થઈ ગયો.

દાદાશ્રી : એ બધું ગટરમાં ગયું. તમે જેટલું વાપરશો એ બધું ગટરમાં. માટે ભગવાને આ પ્રમાણે કહ્યું કે સારી જગ્યાએ નખાવડાવ ! એટલે લોભની ગાંઠ તૂટી જશે. પછી ચિત્ત એમાં ને એમાં રહે. પછી 'આપણું' ગાડું ચાલ્યા કરશે. હરકત આવે નહીં અને જેણે કોઈ પણ સારી જગ્યાએ પૈસા નાખ્યા, એને દુઃખ આવે જ કેમ કરીને ? દુઃખ એને માટે રાહ ના જોતું હોય. રાહ જુએ કોના માટે ? જે પોતાના હારુ વાપરે છે, તેને માટે દુઃખ રાહ જુએ છે.

પ્રશ્નકર્તા : મૂળ ભ્રાંતિ ગઈ ને પછી જ આ લોભ છૂટવા માંડ્યોને !

દાદાશ્રી : હા, ભ્રાંતિ પહેલા યે લોભ છૂટે. લોભિયો તો જાણે અને તે પહેલાં છોડે ને તો મોટાં મોટાં પુણ્ય બંધાય, જબરજસ્ત ! લોભ છોડે. કો'ક સમજણ પાડે તો છૂટે, તો પુણ્ય બંધાય. દેરાસર બંધાવું ને પોતાને માટે ના વાપરે એ બધું ઓવરડ્રાફ્ટ !

જ્ઞાની પુરુષને પોતાને કશું જોઈતું નથી, કારણ કે એમને કોઈ ચીજની ભીખ ના હોય. સર્વસ્વ પ્રકારની ભીખ જાય, ત્યારે ભગવાનનું પ્રતિનિધિત્વ મળે.

કયા કયા પ્રકારની ભીખ ? કીર્તિની ભીખ, માનની ભીખ, લક્ષ્મીની ભીખ, સોનાની ભીખ, સ્ત્રીઓની ભીખ ! સ્ત્રીઓનો અમને વિચાર પણ ના હોય. કોઈ પણ પ્રકારનું, આ દેહનું માલિકીપણું જ નહીંને ? પછી ભગવાનનું પ્રતિનિધિત્વ મળે.

હવે બદલાવો ધ્યેય !

અનંત અવતારથી આનું આ જ કરેલુંને ! અને આનાથી જ, લોભથી જ મારે શાંતિ રહે છે ને સુખ થાય છે એવું એને મનમાં ફીટ થઈ ગયેલુંને ! હવે એ લોભેય કોઈ ફેરો માર ખવડાવે છે. આત્મા થયો ત્યારે પછી પેલો લોભ છૂટતો જાય. અત્યાર સુધી છેલ્લું સ્ટેશન લોભ હતો, હવે છેલ્લું સ્ટેશન આત્મા આવ્યો એટલે એની મેળે પ્રકૃતિ બદલાતી જાય !

સમર્પણનું સાયન્સ !

તમે જે પામવા માગો છો તે મારી પાસેથી ક્યારે પામો ? મારી નજીક ક્યારે આવી શકાય ? તમારી વહાલામાં વહાલી ચીજ મને અર્પણ કરો ત્યારે. સંસારમાં, વ્યવહારમાં જે વહાલી ચીજ છે તે મને અર્પણ કરો તો નજીક આવી શકાય. તમે તો આ મન-વચન-કાયા મને અર્પણ કર્યા. પણ હજુ એક ચીજ બાકી રહી ગઈ, લક્ષ્મી ! એ તમે અર્પણ કરો તો નજીક આવી શકાય. હવે મારે તો જરૂર ના હોય. એટલે અમને કેમની અર્પણ કરો ? ત્યારે કહે કે એવો કંઈ રસ્તો નીકળે તો અર્પણ કરી શકાય ! એટલે આ ગઈ સાલ તમે લક્ષ્મી આપી ત્યારથી તમારું વધારે ચોંટ્યું એવું તમને લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : એ આ જ કળા આની, નહીં તો ચોંટે નહીં. છૂટું ને છૂટું જ રહ્યા કરે. હવે આપણે ત્યાં તો પૈસા લેવા માટેનું કશું હતું જ નહીંને ! આપણે તો લેતા જ ન હતાને ? ત્યાં સુધી મન છેટું ને છેટું જ રહ્યા કરે. પૈસાની બાબત આવી એટલે ત્યાં ચોંટ્યું હોય મન. નહીં તો મન ત્યાંથી ઊખડી જાય, જ્ઞાની પુરુષ ઉપર લોકોની પ્રીતિ હોય, એટલે જ્ઞાની પુરુષ કહેશે કે તું આમ બહાર (આ જગ્યાએ) નાખી દે ! લક્ષ્મી ઉપરનો પ્રેમ ઘટ્યો કે આત્મા થઈ ગયો !

- જય સચ્ચિદાનંદ