|
લોભિયો સંપાદકીય મનુષ્યને કંઈ પણ મળે તો ખૂબ ગમે, ભેગું કર્યા કરે, બચાવ્યા કરે, કંઈ ફાયદો થાય તો મઝા પડી જાય. સસ્તું મળી જાય, ઓછી કિંમતે વધુ પ્રાપ્ત થાય તો એમાં એને ખૂબ સુખ લાગે. પૈસા ખૂબ કમાવા, વધુને વધુ પૈસા મળે ને પછી ભેગું કર્યા જ કરે. હજુ વધુ ભેગું થાય, એવી ઈચ્છામાં જ એનો બધો સમય વપરાયા કરતો હોય. તે બધા લક્ષણો લોભિયા પ્રકૃતિના. આ કીડી ખોરાક ભેગો કરવામાં જબરજસ્ત લોભી - એ આખો દહાડો ખાંડની કણી, અનાજનો દાણો કે ગમે તે ખાવાની ચીજ તાણીને એના કોઠારમાં મૂક્યા જ કરતી હોય. અંતે લોભિયાનું સરવૈયું શું આવે ? ઉંદરડો પેસી જઈને બધું વરસ દહાડાની કમાણી સાફ કરી આપે ! પણ લોભિયા પાસે ગમે તેટલી સમજણ પાડો તો પથ્થર ઉપર પાણી ફરી વળે. એને બીજે દહાડે પાછો લોભના તાનમાં ખોવાઈ જ ગયો હોય. લોભિયાને કંઈ છોડવાની વાત આવે તો ત્યાંથી ખસી જ જાય. એને કંઈ ગુમાવવું પડે તો મહીં તાવ ચઢી જાય ને ચેન ખોઈ નાખે. એને 'ભેગું કરવામાં સુખ છે' તેવી અટકણ પડી ગઈ છે ને ! અરે, માર્કેટમાં જાય તો ય સસ્તી શાકની ઢગલીઓ મળતી હોય ત્યાં પહોંચી જ જાય ને ખરીદ્યા વગર રહી શકે જ નહીં ને ! પૈસા કમાવામાં લોભ એટલું જ નહીં, પૈસા વાપરવામાં ય લોભ, પીરસવામાં લોભ. કો'કના લગનમાં કો'કને પીરસવામાં ય ઓછું જ પીરસે. ન્હાવામાં ય લોભ, પાણી ઓછું વપરાય ને સાબુ ઓછો વપરાય, આમ નાના પ્રકારનાં લોભથી માંડીને ધંધા-વ્યાપાર, બધામાં ખૂબ ભેગું કરવા માટે લોભિયો ગણતરી કર્યા વગર રહી શકે નહીં. સંસારમાં ભવોભવ ભટકાવે એવો આ લોભી સ્વભાવ, પોતાની જાતે છૂટવો મહામુશ્કેલ છે. એ તો જ્ઞાની પુરુષ જે રસ્તા બતાડે તે પ્રમાણે પોતે આજ્ઞામાં આધીન થઈને ચાલે તો લોભિયો સ્વભાવ બદલાય. લોભિયા પ્રકૃતિને ઘસવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ સુંદર રસ્તા બતાડ્યા છે, રીક્ષામાં બેસીને સો રૂપિયાનું પરચૂરણ વેરતો જા, પારકાંને માટે લક્ષ્મી વાપર્યા કરે, જ્ઞાનીના કહ્યા પ્રમાણે ધનને જ્ઞાનદાનમાં વાપરે, તે આ પ્રકૃતિમાંથી છૂટવાના ઉપાય છે. નહીં તો ભયંકર ખોટ આવે તો માર મારીને આ ગાંઠ તૂટશે. પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ લોભિયાની પ્રકૃતિની ઝીણવટથી એનાલિસિસ કરી ખુલ્લી પાડી દીધી છે. લોભિયાને લોભમાંથી છૂટવાની જબરજસ્ત ચાવીઓ આપી છે. તે વાતને સમજી લઈ જીવનમાં પુરુષાર્થ માંડે, તો મોક્ષે જવામાં બાધકરૂપ લોભિયા પ્રકૃતિ સ્વભાવથી ઉકેલ આવે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ લોભિયો રખડાવનારો પ્રાકૃત દોષ ! પ્રશ્નકર્તા : કેવા પ્રકારના દોષો ભારી હોય તો ઘણાં અવતારો સુધી ચાલે ? અવતારો બહુ લેવા પડે એવા કયા દોષો ? દાદાશ્રી : લોભ ! લોભ ઘણાં અવતારો સુધી જોડે રહે છે. લોભી હોયને તે દરેક અવતારમાં લોભ થાય એટલે એને આ બહુ ગમે. લોભી પ્રકૃતિ ! જે વસ્તુ પ્રિય થઈ પડી હોય, એના તાનમાં ને તાનમાં રહેવું, એનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય ! લોભિયો તો સવારમાં ઊઠ્યો ત્યાંથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી લોભમાં હોય. એનું નામ લોભિયો. સવારમાં ઊઠ્યો ત્યારથી ગાંઠ જેમ દેખાડે તેમ એ ફર્યા કરે. લોભિયો હસવામાં ય વખત ના બગાડે. આખો દહાડો લોભમાં જ હોય. માર્કેટમાં પેઠો ત્યાંથી લોભ. જો લોભ, લોભ, લોભ, લોભ ! વગર કામનો આખો દહાડો આમ ફર્યા કરે. લોભિયો શાકમાર્કેટમાં જાયને તો એને ખબર હોય કે આ બાજુ બધું મોંઘું શાક હોય અને આ બાજુ સસ્તી ઢગલીઓ વેચાય છે. તે પછી સસ્તી ઢગલીઓ ખોળી કાઢે ને રોજ એ બાજુ જ શાક લેવા જાય. પ્રશ્નકર્તા : એ સસ્તું શાક લેવા જાય, એમાં જ ફસાય ને ? દાદાશ્રી : ના, એ તો લોભિયો ના હોય તે ફસાય. લોભિયો તો પેલાની પાસેથી વધુ લઈ લે ને આવતો રહે. જે લોભિયો ના હોયને તે જ સસ્તુ લેવા જાય તો ફસાય. લોભિયો ફસાય જ નહીં. પ્રશ્નકર્તા : પણ કોઈ ફેરો ફસાઈ જાયને ? દાદાશ્રી : એ તો લોભિયો ઠગાય ખરો પણ ધૂતારા એમને મળે ત્યારે. લોભિયાનું સરવૈયું ! કીડીઓને આટલું વહેલું કોણ ઉઠાડતું હશે ? આ બધા જાનવરોમાં, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય સુધી બધામાં વધારેમાં વધારે લોભી હોય તો કીડી. એ તો લોભ જગાડે. થોડીવાર સૂઈ જાય, પણ એનો લોભ એને જગાડે. તે આ ખાંડ લઈને પાછું એમ ને એમ નહીં મૂકવાનું. મૂકી ગયા બદલનો એક ડંખ મારીને મૂકી દે. પછી ભવિષ્યમાં કામ લાગશે એ હિસાબે ! એક ભાઈને મેં કહ્યું, 'કીડીઓ તમે જોઈ નથી શું ?' ત્યારે એ કહે, 'જોઈ છેને ! રાત-દા'ડો કીડીઓ જ જોઈએ છીએને !' મેં કહ્યું, 'સવારમાં ચાર વાગ્યે ચા પીતો હોઉંને તે ઘડીએ હું તપાસ કરું કે ખાંડનો દાણો બહાર પડ્યો હોયને તો ત્યાં આગળ કીડીઓ ચાર વાગે ક્યાંકથી આવીને ખાંડનો દાણો લઈને ચાલતી જ પકડી લે !' અરે, તું શું કરવા વહેલી ઊઠે છે ? તારે છોડીઓ નથી, તારે પૈણવાનું નથી, આટલી ભાંજગડ શા હારુ તારે ? શું જોઈએ છે ? તું ભૂખી છે ? ના, એ ખાંડ પાછી પોતે નહીં ખાવાની. એ તો ત્યાં જઈને સ્ટોરમાં મૂકી આવવાની. તે સ્ટોરમાં બધું હોય. બાજરી હોય, ચોખા હોય, ખાંડ હોય, બધું ભેગું હોય, તે આટલો બધો સ્ટોક હોય ! ત્યાં મૂકી આવે. બધું ભેગું કર કર કર્યા કરે. જો જીવડાની પાંખ હોય તોય બધી કીડીઓ ભેગી થઈને તાણી જાય. લોભિયાનું સરવૈયું શું ? ભેળું કરે. તે પંદર વરસ ચાલે એટલું કીડી ભેળું કરે. તેને ભેળું કરવાની એક જ તન્મયતા. એમાં કોઈ વચ્ચે આવે તો કરડીને મરી ફીટે. તે કીડી આખી જિંદગી દરમાં ભેગું કરે ને ઊંદરભઈ મફતનું ખાનારા એક જ મિનિટમાં બધું જ ખાઈ જાય ! લોભિયો ભવિષ્યના હારુ બધું ભેગું કરે. તે બહુ ભેગું થાય એટલે પછી બે મોટા મોટા ઉંદર પેસી જાય ને બધું સાફ કરી જાય ! જો પેલાને પચીસ લાખનો એક ઉંદર પેસી ગયોને ! એટલે અમે લોકોને શીખવાડીએ, ઉંદરડા પેસી જશે. માટે તું ચેત ને ! અમે નથી કહેતા કે તું આ પુસ્તક માટે આપ, પણ ગમે ત્યાં આપ. કંઈક તારે જોડે લઈ જવાનું કર, નહીં તો ઉંદરડા ખાઈ જાય કે ના ખાઈ જાય ? એ કંઈ શરમ રાખે કે આ બિચારાને હરકત થશે ? જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા હોય જ, એની મેળે જ હોય. ભગવાનને રાગે પાડવા ના આવવું પડે. ગોઠવાયેલો જ ક્રમ હોય. કીડીઓનું ઉંદરડા ખાઈ જાય અને ઉંદરડાનું બિલાડી ખાઈ જાય. એ માન્યતાએ માંડી મોંકાણ.... પ્રશ્નકર્તા : દાદા, આ વખતે લોભની ગાંઠ કયા હિસાબે મળી હશે ? કયા ભાવ કરેલા ? દાદાશ્રી : બીજાનું જોઈને કરે છે કે આમની પાસે જોને ધન સંઘર્યું છે તો અત્યારે એય, મિલો-બિલો બધું ચાલ્યા કરે છેને ! એટલે પોતે ય ધન સંઘરે પછી. સંઘરવું એટલે લોભની ગાંઠ ઊભી થાય. બીજાનું જોઈને લોભની ગાંઠ ઊભી થાય. એણે એમ માન્યું છે કે આ પૈસા સંઘરી રાખીશ તો મને સુખ પડશે ને પછી દુઃખ કોઈ દહાડોય નહીં આવે, પણ એ સંઘરી રાખવાનું કરતાં કરતાં લોભિયો એવો જ થઈ ગયો. પોતે લોભિયો થઈ ગયો. કરકસર કરવાની છે, ઈકોનોમી કરવાની છે પણ લોભ નથી કરવાનો. ત્યાં છે નર્યો લોભ ! એમાં અમુક કોમ જે હોય છે, જે ડેવલપ કોમો એ લોભી બહુ હોય છે. આખો દહાડો લોભમાં ને લોભમાં, પાંચ-પચ્ચીસ લાખ મહીં બેંકમાં પડ્યા હોય ને તે આખો દહાડો લોભમાં ને લોભમાં હોય. અહીં એક ભાઈ આવે છે તે દર્શન-બર્શન બધું કરે પણ આખો દહાડો લોભમાં જ હોય. દાદાને કંઈ આપવું પડશે, એનાં કરતાં છેટાં સારાં. જો કે આપણે કંઈ માંગીએ નહીં પણ એના મનમાં ભડકાટ રહે. પ્રશ્નકર્તા : પણ જિંદગીમાં બીજું જોયું ના હોય તો શું થાય, દાદા ? દાદાશ્રી : બીજી જે અમુક કોમ છે, એ તો માલ બધો તરત વાપરી નાખે અને આ તો આખો દહાડો પૈસામાં જ રમત. બહુ લોભિયા હોય એ તો. આ તો કીડીઓ એકલી લોભી છે બધી ? બીજા ય લોભી ઘણાં ખરા હોય માલ. આ તો હું ઘેર બેઠો બેઠો જોયા કરું. એય કાગડાભાઈ પેણેથી રોટલી લાવ્યા હોય અને લાવીને અમારી બારીનું વેન્ટીલેટર હોય છે ને, તે ત્યાં વચલું લાકડું હોય ત્યાં પછી મૂકીને જાય. પછી મોડો ભૂખ્યો થાય ને કોઈ જગ્યાએ ઠેકાણું ના પડે તો એ આવીને ખાય પાછો. અલ્યા, અહીં સુધી તમને પરિગ્રહ કરતાં આવડ્યો ? ત્યાં બીજા લોકો પરિગ્રહ ના કરે, ચકલીઓ-બકલીઓ ના કરે. એમને તો ખાઈને સૂઈ જવાનું, બીજી ભાંજગડ નહિ. આ તો અક્કલવાળા એટલા બધા. પૈસો આવવો, પરસેવા પેઠ ! કોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. કોઈને 'ક્યાંથી કમાવું, ક્યાંથી કમાવું' એવી અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠ્યો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે ! એ ય મોટી અટકણ કહેવાય. પ્રશ્નકર્તા : પણ પૈસા વગર ચાલતું નથી ને ?! દાદાશ્રી : ચાલતું નથી, પણ પૈસા શેનાથી આવે છે તે લોકો જાણતાં નથી અને પાછળ દોડ દોડ કરે છે. પૈસા તો પરસેવાની પેઠે આવે છે. જેમ કોઈને પરસેવો વધારે આવે અને કોઈને પરસેવો ઓછો આવે અને જેમ પરસેવો થયા વગર રહેતો નથી તેવી રીતે આ પૈસા આવે જ છે લોકોને ! મારે તો મૂળથી પૈસાની અટકણ જ નહોતી. બાવીસ વર્ષનો હતો ત્યારથી હું ધંધો કરતો હતો તો ય મારે ઘેર જે કોઈ આવ્યો હોય તે મારા ધંધાની વાત કોઈ જાણતા જ નહોતા. ઊલટો હું એને પૂછ-પૂછ કરું કે તમે શી અડચણમાં આવ્યા છો ? શેઠ શોધે સડેલા શાક ! આપણને ખબર પડે કે આ માણસમાં લોભ નથી. અને લોભિયા માણસનો લોભ તરત ખબર પડી જાય કે આ લોભ કર્યો. અહીં શાક માર્કેટમાં ઊભા રહે ને તો દેખાડું કે કેટલા માણસો શાક સારું મળે તે બાજુ જાય ને પેલી ઢગલીઓ મળે તે મોટા મોટા શેઠિયાઓ હઉ એ બાજુ જાય. પહેલાં તો ઢગલીઓવાળા કહેતા'તા કે આ શેઠિયાઓ આવે છે તે ઢગલીઓ માટે, તે મોટા મોટા શેઠિયાઓ હઉ એ બાજુ જાય ને ઢગલીઓ ખરીદી લે. આ ટામેટાંનો શો ભાવ છે ? ત્યારે કહે 'ચાર આના, છ આના ?' પછી લઈ આવે. હવે એટલું જ પેણે આગળથી લેવા જાય તો સવા રૂપિયો હોય. હવે આ ઢગલીઓનું શું હોય ? શાક સારું ના હોય. એક બાજુ કાપી નાખે અને પછી શાક કરીએ છીએ એમ કહેશે. આ જંતુઓને તો અમેરિકાવાળા અડતા જ નથી આવું. ઉપર કશું ના થયું હોય તોય અડે નહીં. કાગળિયું વીંટ્યું હોય તેથી ઉપડે. ઉપર પેપર વીંટ્યું નથી માટે કાઢી નાખો. અને આપણે ત્યાં ઉપર ડાઘ પડેલો હોય. મહીં જંતુ ખાતા હોય, તેનેય કાઢી નાખીને ખાય ! અરે, રીંગણામાંથી જીવડું કાઢીને પછી રીંગણું રહેવા દે છેને ! લોભની ગાંઠ શું ના કરે ? જ્યાં જાય ત્યાં ખોળે સસ્તુ ! લોભિયો બજારમાં જાય ત્યારે લોભની ગાંઠ એને દેખાડે કે આ બાજુ શેઠિયાઓ માટે મોઘું છે ને આ બાજુ ગલીમાં સસ્તું મળે છે. તે ત્યાં એને લઈ જાય ! લોભની ગાંઠ એને ફેરવ્યા કરે. સસ્તુ ક્યાં આગળ મળે છે તે ખોળી કાઢે. ધંધો જ એ એનો જ્યાં જાય ત્યાં ! દુકાને જાય તો પાન ક્યાં સસ્તુ મળે છે એ ખોળી કાઢે. એને પાન ખાવાની ટેવ હોયને, તો સસ્તામાં સસ્તુ ક્યાં મળે છે, ચા પીવાની સસ્તામાં સસ્તી ક્યાં મળે અને સારી પાછી, સારી અને સસ્તી! એની શોધખોળ હોય બધી. શાકભાજી યે સારી અને સસ્તી ખોળી કાઢે. ક્યાં વધારે સસ્તાં દાતણ મળે છે, ત્યાંથી લઈ આવે એનું નામ લોભિયો. બાકી લોભિયાને, બસ એ લોભમાં જ વૃત્તિ. જન્મ્યો ત્યાંથી લોભ, સ્કૂલમાં જાય ત્યાંય લોભ, સંડાસમાં જાય ત્યાંય લોભ ! જ્યાં જાય ત્યાંય એને લોભ જ હોય. પ્રશ્નકર્તા : સંડાસમાં કેવી રીતે લોભ કરે ? દાદાશ્રી : ત્યાં પાણી બધું ઓછું વાપરે. એટલે બધામાં એનો લોભ હોય, એ લોભગ્રંથિ એની ! એ જન્મથી એને લોભ હોય. જો તમે સાબુથી નહાવા ગયા હોયને, તો નાહીને બહાર આવ્યા પછી એ જુએ કે કેટલો સાબુ ઘસી નાખ્યો ! હરેક બાબતમાં જાગૃતિ એની લોભમાં હોય. તેને આ દીવાસળી બે સળગાવવી ના પડે, એટલે આમ હાથે ઘસ ઘસ કરે. તે એક જ દીવાસળીથી પતાવે ! એટલે હરેક બાબતમાં જાગૃતિ ! એ જન્મ્યો ત્યારથી લોભમાં જ વૃત્તિ હોય. એમાં ને એમાં ચિત્ત હોય. એ ત્યાં આગળ સ્મશાનમાં જાય ત્યારે એનો લોભનો આંકડો પૂરો થાય ! એ લિંક હોય છે આખીય. આપણે જ્યારે જગાડીએને, ત્યારે એ લોભમાં જ હોય. જાગ્યો કે લોભમાં ! એ... અત્ર, તત્ર, સર્વત્ર ! લોભિયો સવારે ઊઠ્યો ત્યાંથી લોભ કર્યા કરે. આખો દહાડો એમાં ને એમાં જાય. ભીંડા મોંઘા ભાવના છે, કહેશે. વાળ કપાવવામાં પણ લોભ ! આજે બાવીસ દા'ડા થાય છે, પૂરો મહિનો જવા દો. કશો વાંધો નહીં આવે. આ સ્વભાવ એટલે આ ગાંઠ એને દેખાડ દેખાડ કરે ને કષાય થયા કરે અને આ કપટ અને લોભ બેનું બહુ વસમું છે. ત્યાં અસર, તો લોભ ! લોભિયાની નિશાની શું ? આપણે પૂછીએ કે આ બે હીરા કોઈને આપ્યા પછી ના આવે તો તમને કશી અસર થાય ? ત્યારે કહેશે કે 'એ તો થાય જ ને !' આ અસર થઈ એ જ લોભની નિશાની. બે હીરા આપે, તેમાં નથી હાથને વાગ્યું, નથી અપમાન કર્યું. અપમાન કર્યું હોય તો માનને ઘા કર્યો કહેવાય. આ તો એવી કશી લેવાદેવા વગર હીરા આપ્યા છે. કોઈક કહેશે કે, 'એને ગાળો ભાંડી અપમાન કર્યું હોય, તે શી રીતે સહન થાય ?' તો આપણે જાણીએ કે સંસારી છે એટલે સહન ના થાય, પણ હીરા આપ્યા એમાં નથી દેહને વાગ્યું કે નથી લોહી નીકળ્યું. તો આ શું પજવે છે ? આ લોભ નામનો ગુણ જ એને કૈડે છે, પજવે છે. લોભ, પણ આર્તધ્યાન કરાવે ! અત્યારે કોઈ શેઠ હોય ને એની પાસેથી બે હીરા કોઈ લઈ ગયો અને 'દસ દહાડે પૈસા આપીશ' એમ કહ્યું, પછી છ મહિના-બાર મહિના સુધી પૈસા ના આપે તો શું થાય ? શેઠને કશી અસર થાય ખરી ? પ્રશ્નકર્તા : મારા પૈસા ગયા, એવું થાય. દાદાશ્રી : મારું કહેવાનું કે એક તો હીરા ગયા એ ખોટ તો ગઈ અને ઉપરથી પાછું આર્તધ્યાન કરવાનું ? અને હીરા આપ્યા તે આપણે રાજીખુશી થઈને આપ્યા છે, તો પછી એનું કશું દુઃખ હોય નહીં ને ? પ્રશ્નકર્તા : લોભ હતો એટલે આપ્યા ને ? દાદાશ્રી : અને પાછો એ જ લોભ આર્તધ્યાન કરાવડાવે છે. એટલે આ બધું અજ્ઞાનતાને લઈને થાય છે. ત્યારે જ્ઞાનમાં કોઈ પ્રકૃતિ નડતી નથી. આત્માને સ્વભાવદશામાં કોઈ પ્રકૃતિ નડતી નથી. એટલે હીરા આપેલા તે ગયા તો ગયા, પણ રાતે ઊંઘવા ના દે પાછાં. દસ દહાડા થઈ ગયા ને પેલો બરાબર જવાબ ના આપતો હોય તો ત્યાંથી જ ઊંઘવાનું બંધ થઈ જાય. કારણ કે પચાસ હજારના હીરા છે, પણ શેઠની મિલકત કેટલી ? પચ્ચીસ લાખની હોય. હવે એમાં પચાસ હજારના હીરા બાદ કરીને સાડી ચોવીસ લાખની મિલકત નક્કી ના કરવી જોઈએ ? અમે તો એવું જ કરતા હતા, મારી આખી જિંદગીમાં મેં બસ એવું જ કર્યું છે ! સમજણ, બીજી ખોટ ના જવા દે ! શેઠના હીરાના પૈસા ના આવ્યા હોય છતાં શેઠાણી કંઈ ચિંતા કરે ? ત્યારે શું એ ભાગીદાર નથી ? સરખા પાર્ટનરશીપમાં છે. હવે શેઠ કહે કે, 'પેલાને હીરા આપ્યા, પણ એના પૈસા નથી આપતો.' ત્યારે શેઠાણી શું કહેશે કે, 'બળ્યું, આપણા કર્યા હશે, તે નહીં આવવાના હોય તો નહીં આવે.' તો ય શેઠના મનમાં થાય કે, 'આ અણસમજણવાળા શું બોલી રહ્યાં છે !' આ સમજણનો કોથળો ! પેલાએ પચાસ હજારના હીરાના રૂપિયા ના આપ્યા તો આપણે આપણી મિલકતમાંથી પચાસ હજાર બાદ કરીને બાકીની મિલકત નક્કી કરી નાખવી, ત્રણ લાખની આપણી મિલકત હોય તો પચાસ હજાર બાદ કરીને અઢી લાખની મિલકત નક્કી કરી નાખવી. પ્રશ્નકર્તા : એ સમાધાન લેવાની કેવી અજબની રીત છે, એકદમ તરત સમાધાન થઈ જાય ! દાદાશ્રી : એ તો નક્કી કરી નાખવાનું, સહેલો રસ્તો કરી ને ! અઘરો રસ્તો કાઢીને શું કામ છે ?! ખોટનો વેપાર કરે, એનું નામ વણિક કેમ કહેવાય ? ઘેર આપણા ભાગીદારને પૂછીએ, બૈરીને કે, 'આ પચાસ હજારનું ગયું તો તમને કંઈ દુઃખ થાય છે ?' ત્યારે એ કહેશે, 'ગયા માટે એ આપણા નથી.' ત્યારે આપણે ના સમજીએ કે આ બઈ આટલી સમજણવાળી છે, હું એકલો જ અક્કલ વગરનો છું ?! અને બૈરીનું જ્ઞાન આપણે તરત પકડી લેવું પડે ને ? એક ખોટ ગઈ તેને જવા દે, પણ બીજી ખોટ ના ખાય. પણ આ તો ખોટ ગઈ તેની જ કાણ માંડ્યા કરે ! અલ્યા, ગઈ તેની કાણ શું કરવા કરે છે ? ફરી હવે ના જાય એની કાણ કર. અમે તો ચોખ્ખું રાખેલું કે જેટલા ગયા એટલા બાદ કરીને મૂકી દો ! જુઓને, પચાસ હજારના હીરા પેલો લઈ જનારો નિરાંતે પહેરે અને અહીં આ શેઠ ચિંતા કર્યા કરે ! શેઠને પૂછીએ કે, 'કેમ કંઈ ઉદાસીન દેખાવ છો ?' ત્યારે કહેશે, 'કંઈ નહીં, કંઈ નહીં, કંઈ નહીં. આ તો જરા તબિયત બરોબર ઠીક નથી રહેતી.' ત્યાં ઊંધા લોચા વાળે ! અલ્યા, સાચું રડને કે, 'ભઈ, આ પચાસ હજારના હીરા આપ્યા છે, તેના પૈસા આવ્યા નથી. તેની ચિંતા મને થયા કરે છે.' આમ સાચું કહીએ તો એનો ઉપાય જડે ! આ તો સાચું રડે નહીં અને ગૂંચાઈ ગૂંચાઈને લોચા જ વાળ વાળ કરે ! ખૂંચે, તે લોભના લક્ષણો ! તમે દુકાનદારને સોની નોટ આપી. પાંચ રૂપિયાનો સામાન એણે આપ્યો અને પાંચ પાછાં આપ્યા તમને. એ નેવું આપવાનું ભૂલી ગયો આખું ય ધમાલમાં, એને ત્યાં કેટલીય સોની નોટો, કેટલીય દસની નોટો ગણતરી વગરની. એ ભૂલી ગયો ને પાંચ આપણને પાછાં આપે તો આપણે શું કહીએ ? 'મેં તમને સોની નોટ આપી હતી.' ત્યારે કહે, 'નહીં.' એને એવું જ યાદ છે, એ ય જૂઠું બોલતો નથી. તો શું કરવાનું આપણે ? પ્રશ્નકર્તા : પણ પેલું પાછું ખૂંચ ખૂંચ કરે છે, આટલાં પૈસા ગયા. મન બૂમાબૂમ કરે. દાદાશ્રી : એ ખૂંચે છે, તો જેને ખૂંચે છે, તેને ઊંઘ ના આવે. 'આપણે' શું ? આ શરીરમાં જેને ખૂંચે છે, તેને ઊંઘ ના આવે. બધાને કંઈ ઓછું ખૂંચે એવું છે ? લોભિયાને ખૂંચે મૂઆને ! ત્યારે એ લોભિયાને કહીએ, ખૂંચે છે તો સૂઈ જાને ! હવે તો આખી રાતે ય સૂવું જ પડશે ! પ્રશ્નકર્તા : એને ઊંઘે ય જાય ને પૈસા ય જાય. દાદાશ્રી : હા, એટલે ત્યાં બન્યું એ કરેક્ટ. એ જ્ઞાન હાજર રહ્યું તો આપણું કલ્યાણ થઈ ગયું. એવી હોજો આત્માની જાગૃતિ ! જેવી રીતે કોઈ લોભિયો હોયને, તો લોભિયાની જાગૃતિ લોભમાં કેટલી હોય ? લોભિયો એટલે હું તમને સમજ પાડું કે બાળક હોયને, ત્યાંથી જ મરે ત્યાં સુધી એ લોભમાં જ આખું ચેતન હોય. એ ગમે ત્યાં જાય, ત્યાં ક્યાં ક્યાં સસ્તુ મળશે, શું કરવાથી કેવી રીતે શું ફાયદો થાય ? એ ખોળ ખોળ જ કરે. ફાયદો જ ખોળે. જ્યાં જાય ત્યાં બધી બાબતમાં, ખાવાની બાબતમાં, ભલેને હલકો ખોરાક લઈએ, પણ આપણને ફાયદો રહેવો જોઈએ. એ લોભિયો ! જેમ તેમ કરીને પેટ ભરીશું પણ આપણે ફાયદો થવો જોઈએ. હવે આ લોભિયા જેવી જાગૃતિ આત્મામાં રહેવી જોઈએ કે જાગૃતિ જ્યાં ને ત્યાં આત્મામાં જ જાય તો સંસાર કોઈ રીતે અડતો નથી. જેમ લોભિયાને બીજી વસ્તુઓ નડતી નથી. એટલે લોભિયા બહુ પાકાં હોય, એવી રીતે આત્મામાં પાકાં રહેવા જેવું છે. ગાળો ભાંડે તો આપણે તો આત્માના કામ સાથે કામ છેને ! આની ક્યાં ભાંજગડ આપણે વધારવી છે ? લોભિયો લોભમાં જ હોય. આ રેલ્વેમાં બેસવાનું, વજન પરથી પૈસા લેવાના હોયને તો લોભિયો પાતળું થવાની ઇચ્છા રાખે. વજન પરથી ટિકિટના પૈસા લેતાં હોય તો, ત્યાં સુધી લોભ. લોભ વસ્તુ શું ના કરે ? જો કે આવો કોઈ જગ્યાએ રિવાજ નથી. પણ કોઈ કોઈ જગ્યાએ એવો રિવાજ છે. જૂનાગઢ ઉપર ચઢવું હોયને, તો આટલા કિલોવાળાને આટલા રૂપિયા ને આટલા કિલોવાળાને આટલા. ત્યાં આગળ લોભિયાને મનમાં ખૂંચ્યા કરે કે હાળું પાતળા હોત તો સારું થાત. ખૂંચ્યા વિના જાય નહીં એ. પૈસા આપવાના થાય ત્યાં એને ખૂંચે, એ લોભના લક્ષણ ! કોઈ વિષયી તો આખો દહાડો વિષયમાં ને વિષયમાં જ રહ્યા કરે. કપટી હોય તે આખો દહાડો નિરંતર કપટમાં જ રમ્યા કરે. આટલી જ જાગૃતિ આની મહીં આત્મામાં રાખવાની છે. આખો દિવસ ગાળે રક્ષણમાં ! એક માણસ તો એટલો બધો લોભિયો કે એણે આપણે ત્યાં આવવાનું જ છોડી દીધું અને બીજાઓએ જ્યારે મંદિર માટે પૈસા આપવા માંડ્યા ત્યારે એ કહે, 'દાદા તો પૈસા લેતા નથી ને તમે શું કરવા એમને ઊંધે રસ્તે ચઢાવો છો ?' હું સમજી ગયો કે આ માણસ બહુ લોભી છે. ચાર આના ય ના છૂટે અને ત્યાં એને ઘેર તમારે ચા પીવાની ઇચ્છા ના કરવી. પાય તો સારું કહીએ. એ માણસનો દોષ નથી. એના પર દ્વેષ કરવા જેવો નથી. એક ગાંઠ એને બિચારાને પજવે છે. એ માણસનો દોષ નથી. લોભિયો એટલે ચોગરદમ એનું રક્ષણ કર્યા જ કરે. આખો દહાડો વિચારોથી રક્ષણ કર્યા જ કરે, એનું નામ લોભિયો. શેનું રક્ષણ કર્યા કરતો હોય ? એના આત્માનું નહીં, લોભનું જ રક્ષણ કર્યા કરતો હોય, જન્મથી જ. જન્મ્યો ત્યાંથી તે મરતાં સુધી, છેલ્લા સ્ટેશન સુધી. મરતી વખતેય લોભ કરે. લોભની વાત કરે. લોભિયો : કંજૂસ ! પ્રશ્નકર્તા : લોભિયો અને કંજૂસ એ નજીકનો કહેવાય ? દાદાશ્રી : ના, કંજૂસ એ પાછા જુદા. કંજૂસ તો એની પાસે પૈસા ના હોય, તેથી કંજૂસાઈ કરે છે અને લોભી તો ઘેર પચીસ હજાર રૂપિયા પડ્યા હોય, પણ કેમ કરીને આ ઘઉં-ચોખા સસ્તા પડશે, કેમ કરીને ઘી સસ્તું પડશે એમ જ્યાં ને ત્યાં લોભમાં જ ચિત્ત હોય. લોભિયો કોને કહેવાય કે જે હરેક બાબતમાં જાગ્રત હોય ! હવે આમાં બે જાતના હોય છે. પોતાની પાસે વસ્તુ ખૂટે છે, માટે કોઈકને ઘેરથી લાવતો હતો, ત્યારે એને લોભ ના કહેવાય. પોતાની પાસે બધી વસ્તુ છે, સાધન છે, બેન્કમાં થોડા રૂપિયા છે તોય આવું કરે. તેને લોભ કહેવાય ! ખૂટતી વસ્તુ હોય ને લઈ આવે એ તો સ્વાભાવિક વસ્તુ છે, એનો વાંધો નથી. કંજૂસ ફક્ત લક્ષ્મીનો જ હોય. લોભિયો તો બધી જ બાજુએથી લોભમાં હોય. માનનો પણ લોભ કરે અને લક્ષ્મીનો ય કરે. આ લોભિયાને બધી જ દિશામાં લોભ હોય. કંજૂસ જુદી જાતનો. પહેલાંની ટેવ પડેલી હોય, પૈસા ના હોય તે દહાડે કંજૂસાઈ કરવાની ટેવ પડેલી તે પછી પૈસા આવે તોય કંજૂસાઈ કરે. એ ટેવ છૂટી જાય છે. આ તો એને ટેવ પડેલી છે. અને લોભિયો તો ગાંઠ છે એક જાતની, જબરજસ્ત ગાંઠ. રંગાય નહીં કશાયમાં ય ! અને કંજૂસાઈ કરનારો છે તે શ્રીમંત થાય તોય ચા હલકા પ્રકારની લઈ આવે. પહેલાં લાવતો હતો એવી ! એમ નહીં કે સારી લઈ આવે ! હું તો ચા ઉપરથી ઓળખી જઉં કે પાર્ટી સારી હોય તોય ! હવે એ ઓછું બોલવાનું છે ? મનમાં સમજી જવાનું. દરેક પ્રકૃતિ છેને, એનો શો દોષ ?! આત્માનો દોષ નથી, એ પ્રકૃતિનો દોષ છે ! પ્રશ્નકર્તા : પૈસા હોય ને વાપરે નહીં એ લોભી કહેવાય કે કંજૂસ ? દાદાશ્રી : એ તો કંજૂસ કહેવાય. એ તો ટેવ પડેલી. જ્યારે સ્થિતિ નરમ હોય, પંદર રૂપિયા પગાર મળતો હતો. તે દહાડે કંજૂસાઈ કરીને જ દહાડા કાઢેલા, તે પચાસ રૂપિયા આવતાંય એનો સ્વભાવ જાય નહીં ! એનું નામ કંજૂસાઈ ! લોભિયો તો લાખો રૂપિયા હોય તોય એનો એ જ, રંગાય-કરાય નહીં. ન રંગાય કશામાં ! અને લોભિયો તો સ્વભાવથી જ એવો હોય કે કશામાં રંગાય જ નહીં. કોઈ રંગ ચડે નહીં એને ! લોભિયો હોયને તો તમારે એટલું જોઈ લેવું કે કોઈ રંગ ચઢે નહીં ! લાલમાં બોળીએ તોય પીળો ને પીળો ! લીલામાં બોળીએ તોય પીળો ને પીળો ! એટલે લોભિયો રંગાય નહીં ! તમને તો જેમ રંગીએ એમ રંગાઈ જાવ ! એટલે રંગાય એને જાણવું કે આ લોભિયો નહીં. દરેક માણસને એમ થાય કે મારામાં કંઈ લોભ હશે ? તો જોઈ લેવું કે હું રંગાઉં એવો છું કે નહીં ? આપણે આ વાત છે ને એમાં તમે રંગાઈ જાવ, વાર ના લાગે અને લોભી તો રંગાય જ નહીં. હા એ હા કરે. આમ ઊંચો થઈ થઈને વાત કરે. બધું કરે, રંગાય નહીં. રંગનો શેડ હતો તેનો તે જ. ફરી પાછો ધોઈ નાખે તો હતો તેવો ને તેવો જ ! લોભ વગરના બધાય રંગાઈ જાય. પાછો હસે એટલે આપણે જાણીએ કે રંગાઈ ગયા. હું જે વાત કરું ને તે સાંભળે બધીય. બહુ સારી વાત, બહુ આનંદની વાત, આમ તેમ, પણ મહીં તન્મયાકાર ના થાય. એટલે આ ઘર-બર ભૂલી જાય ને પેલા ભૂલે નહીં. એને લોભ-બોભ કશું ભૂલે નહીં. હમણે જઈશ ને પેલા આવશે તો ગાડીમાં જઈશ એમની, તો પાંચ બચશે. એ ભૂલે નહીં. પેલો તો પાંચ બચવા કરવાનું ભૂલી જાય. પછી જવાશે કહેશે. પેલો કંઈ ભૂલે નહીં. એ રંગાયો ના કહેવાય. રંગાયો ક્યારે કે તન્મયાકાર થઈ જાય બધું, ઘર-બાર બધું ભૂલી જાય. તમને ના સમજણ પડી ? આ લોક નથી કહેતા કે દાદાનો રંગ લાગ્યો ?! પેલાને દાદાનો રંગ ના લાગે, તું ગમે તેટલા રંગમાં બોળ બોળ કરે તોય પણ. તે લોભિયો રંગાય નહીં. પેલો રંગાતો જ નથી. એ મને અજાયબી લાગી. મૌલિક વાતો, દાદાની ! આ લોભિયાની વાત નવી નીકળી અત્યારે ! પ્રશ્નકર્તા : આ વાત મૌલિક લાગી અમને પણ. દાદાશ્રી : ના, પણ ઊંચી વાત નીકળી ! હું સમજી જઉં બધાંને રંગ લાગે તે, પણ આજે લોભની વાત છે ને તે ઓળખવા માટે સાધન બહુ ઊંચું નીકળ્યું અત્યારે. મને પોતાનેય ખબર ન હતી કે આવું સુંદર સાધન છે ! લોભ કેમ ઓળખાય તે ? આ તો રેકર્ડમાંથી શું ના નીકળે ? એ કહેવાય નહીં. તાજ્જુબ માલ થઈ જાય એવો એવો ભરેલો છે બધો. આ તો બહુ ઊંચી વાત નીકળી છે. લોભિયો રંગાય નહીં. પ્રશ્નકર્તા : લોભની ગાંઠ છે, એની પારાશીશી. દાદાશ્રી : લોભી એની વહુની જોડે, છોકરાં જોડે, ભઈબંધ જોડે રંગાય નહીં. બહુ ઊંચી વાત નીકળી ! આવી આવી કો'ક ફેરો સરસ વાત નીકળી જાય છે ! તમારા ગામમાં એવો કોઈ માણસ નથી કે જે કશામાં રંગાય નહીં એવો ? આ કંઈ જોડે લઈ જવાનો છે ? હવે પોતાને દેખાતું નથી ને આ શું કરીશું ? જોડે શી રીતે લઈ જઈશ ? લાવ જતાં જતાં આપી દઈએ બૈરાંને, છોકરાંને બધું, તેય નહીં ?! લોભથી પ્રાપ્તિ કે ખોટ ?! પ્રશ્નકર્તા : લોભની ગાંઠ કયારે ફૂટે ? દાદાશ્રી : ૯૯ ભેગા થાય ત્યારે. કરોડાધિપતિ શેઠિયાઓ હોય છતાં ય તેમને લોભ ના હોય એવું બને ખરું ?! આ લોભની તો કટેવ પડી ગયેલી હોય છે. લોભીને શરૂઆતમાં પાંચ-દસ વર્ષ વધેલું લાગે પણ પછી ખોટ જ આવે. અને જેનું બંધારણ પ્રામાણિક છે તેનું તો કંઇ ખૂટે નહીં. પણ જ્યારે કુદરત ફરે ત્યારે તો બધાયનું તૂટી જાય. પણ એટલું ખરું કે પ્રામાણિક હોય તેને જરા ભય ઓછો લાગે. એ ભયંકર અશુભ ઉપયોગ ! લોભિયાને લોભનો ઉપયોગ રહ્યા કરે, માનીને માનનો ઉપયોગ રહ્યા કરે. આ બે પ્રકારના મોટા ઉપયોગ સંસારીને રહે. લગ્નમાં માની ગયો હોય ને જરાક હાથ જોડીને જે' જે' કરવાનું પેલો ઉતાવળમાં ભૂલી ગયો તો એ ય મહીં છાતીનાં પાટિયાં બેસી જાય ને આને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ કરે, તેનાથી મહીં ભયંકર અશુભ ઉપયોગ થાય. એટલે લોભિયાની લોભમાં જાગૃતિ હોય, માની માણસની માનમાં જ જાગૃતિ હોય. ક્યાં અપમાન થશે, તેનો ભો-ભો-ભો રહ્યા કરે. ક્યાં માન મળશે ? તે માન હારુ આગળ પેંતરા રચે. આખો દહાડો એ જ ! આ બધા માની ખરાં પણ પૂરા માની નહીં. માની તો આખો દહાડો તેમાં જ હોય. વેપારમાંય ના હોય. લોભ-માનની ખબર કેમની પડે ? પ્રશ્નકર્તા : લોભ થયો, તેમાં જોવું ને જાણવું, એમાં ડીટેઇલ્સમાં કઈ રીતે ઉતરવું ? ધારો કે આપણે કંઈ વસ્તુ લઈએ અને પૈસા બચાવવાનો પ્રયત્ને કરીએ, એવી રીતે. દાદાશ્રી : ના, એ લોભ ના કહેવાય. પ્રશ્નકર્તા : તો લોભ કોને કહેવાય ? દાદાશ્રી : લોભવાળો તો ખાય નહીં, પીએ નહીં, લૂગડાં પહેરે નહીં અને પૈસા ભેગા કર કર કરે, એનું નામ લોભ. તું તો ખઉં છું, પીઉં છું ખરોને ? કપડાં-બપડાં પહેરું છુંને ? પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : તો પછી શો વાંધો ?! પ્રશ્નકર્તા : માન થયું એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : આપણે આમ જે' જે' કરીએ એટલે તરત એના મોઢા ઉપર ખબર પડે. આ શરીર-બરીર ટાઈટ થયું કે તરત માલુમ પડે. અને પેલાએ જે' જે' ના કર્યું તોય એને અસર થાય. ડીપ્રેશન આવી જાય, એ માન ખબર પડે તરત. અમને એવું તેવું ના થાય. માન ત્યાં લોભ નહીં ! લોભિયો એકાંગી હોય. માનની બહુ ભાંજગડ ના હોય અને માનીને તો જરા અપમાન કરે તોય પાછું વેષ થાય ! તમારામાં લોભ ખરો કે ? પ્રશ્નકર્તા : માન અને લોભ બંને ! દાદાશ્રી : માન ને લોભ છે, તે સરખું છે. માન ને લોભ હોય ત્યાં સુધી લોભિયા ના કહેવાય. લોભ તો માનને બાજુએ મૂકતો હોયને ત્યારે લોભ કહેવાય. લોભિયો તો કહેશે, 'એને જે કહેવું હોય તે કહે, આપણને તો દસ મળી ગયાને !' અને જૂઠુંયે બોલે, તદ્દન જૂઠું ! કારણ કે એને મહીંની લોભની ગાંઠો આ બધું કરાવડાવે છે. એટલે લોભિયાને જગતના લોકો શું કહે ? નફ્ફટ કહે. ત્યારે એ શું કહે, તું મને નફ્ફટ કહે, પણ મને તો દસ મળ્યા છે. હું મારી મેળે ઘેર જઈને સૂઈ જઈશ, તારા તો દસ ગયાને ! હંમેશાં લોભિયો હસે અને ક્રોધી કોણ થાય ? જે સાચો હોય તે ક્રોધી થાય. લોભિયો તો હસે ઊલટો ! માન અને ક્રોધ હોય ત્યાં સુધી લોભિયો ના કહેવાય. લોભી ભાસે જ્ઞાની સમ ! કોઈ લોભિયો શેઠ હોય, એની દુકાને છોકરાને મોકલે કે જા, આ લઈ આવ. એ રડતું હોય ને ભઈથી જાતે ના જવાય એવું હોય, ત્યારે એને કહે કે લે આ રૂપિયો. તે પેલું લઈ આવ, જા. ભાવ જાણતા હોય કે આઠ આનામાં આપે છે એ. હવે છોકરું લઈને આવ્યું, તે ચાર આના પાછું લાવ્યું. 'અલ્યા, બાર આના કોણે લીધા ?' ત્યારે એ કહે, 'પેલા શેઠે લીધા.' ત્યારે આ ભાઈ શું બોલે ? 'એ શું સમજે છે શેઠિયો ?' આ તો પટેલ ભઈ, ગમે તેવું બોલે, જેને બોલવાનું કોઈ બંધન નહીં. પછી એ ઘેરથી ઉપડે દુકાને. 'અલ્યા, આ નાના છોકરાને તેં છેતરી લીધો ? આ આઠ આનાનું છે તેના બાર આના લીધા ?' ત્યારે શેઠ કહે, 'હવે પાછું ના લેવાય. એ તો ગયું એ ગયું.' એટલે પેલા પટેલ વધારે ચિઢાયા એટલે લોક ભેગું થયું. ત્યારે પેલો શેઠ હસવા માંડ્યો. પટેલ ગાળો જેમ જેમ ભાંડે તેમ પેલો હસે. 'તમે જુઠ્ઠા, લુચ્ચા, બધા પૈસા લઈ જાવ છો લોકોના.' ત્યારે પેલો શેઠ આમ હસે, એટલે લોક શું જાણે કે આ શેઠ હસે છે અને આ વગર કામના કકળાટ કરે છે. એટલે આ આરોપી બન્યો, લોકોની દ્રષ્ટિમાં. લોભિયો હસે કે મને તો મારા ચાર આના મળી ગયા. એ છોને કકળાટ કરતો. એ કકળાટ કરે છે, પણ એની મેળે થાકશે એટલે જતો રહેશે. પણ તે હસે ઊલટો ! તે પછી આડોશી -પાડોશી ને રસ્તે જતાં લોક આપણને શું કહે કે, 'આ ચિઢાય છે માટે આ જ નાલાયક માણસ છે. આ જુઓને બિચારો હસે છે ! તે અક્કરમી ઊલટો માથે પડે !! રૂપિયા જાય આપણા અને આપણે લોભિયા જોડે ખોટા દેખાઈએ. એટલે મેં અહીં મુંબઈના બજારમાં હસે એવા જોયેલા હઉં. હવે ત્યાં કકળાટ કરીએ તો નકામું છે. આવી વાત લોકો જાણે તો સુખીયા થઈ જાય ને ! અને માની માણસ હોયને, આપણે તેને કહીએ તો એ કહે, 'લે તારા બાર આના ! પાછા લઈ જા. અહીં બોલ બોલ ના કરીશ. લે તારા પૈસા ને લાવ એ રમકડું પાછું'. એટલે માની હોય તરત નિકાલ આવે અને આ તો ફરી હાથમાં આવે નહીં, એનું નામ લોભી. લોભી તો હસે ઊલટો. હસે એટલે આપણે જાણીએ કે જ્ઞાની જેવું હસે છે આ માણસ ! પ્રશ્નકર્તા : ઠંડક રાખીને વાત કરે. દાદાશ્રી : એમાં ઠંડક જ હોય. લોભ એકલા પૈસા ઉપર જ, બીજું નહીં. લક્ષણ કેવા ? માનીનાં ! લોભીનાં ! માન છે ત્યાં સુધી લોભ ના કહેવાય. લોભ તો માનને બાજુએ મૂકે. લોભ બધાયને ઓગાળી જાય. માનનો પણ લોભ હોય. લોભિયો તો શું કરે ? અપમાન થતું હોય એ સહન કરી લે, પણ લોભમાં ખોટ ના જવા દે. મને નાનપણમાં, હું પચ્ચીસ વર્ષનો હતો અને કોઈ અપમાન કરે તો લોભની ખોટ બધી નાખી દેવા હું તૈયાર. નામ દીધું તો કહી દઉં, 'તારી વાત તું જાણું, તારે જે જોઈતું હોય એ લઈ જા'. એટલે આ માનને માટે અને પેલાનું લોભને માટે, બસ એક ને એક ખૂણામાં બેસી ગયેલા હોય, પણ માનવાળો છૂટે. માનવાળાનું એવું ને કે, માનવાળાને સહુ કોઈ કહે કે શું છાતીઓ કાઢીને ફરો છો આટલા બધા ?! માન ભોળું છે, માનનો સ્વભાવ ભોળો છે ને લોકોને ખબર પડે, 'ઓહોહો, છાતી કાઢીને શું જોઈને ફરો છો ?!' તે ઊલટાં લોકો આવી ટકોર કરનારાં મળે અને લોભિયાની તો કોઈને ખબર ના પડે. અને પોતાને ય ખબર ના પડે કે આ દુકાન કઈ જાતની ચાલે છે, પોતાની જાગૃતિ જ નથી હોતી. પ્રશ્નકર્તા : લોભિયાને સહેજ જો ટર્ન કરી દઈએ તો ખૂબ પ્રગતિ કરી શકેને ? દાદાશ્રી : એ થવું મુશ્કેલ છે. માની ફરે, લોભી ફરવો મુશ્કેલ છે. લોભ તો બહુ મોટામાં મોટું આંધળાપણું છે. પોતાને, ધણીને ય ખબર ના પડે. અને માન તો ધણીને ખબર પડે, એટલે માન ભોળો છે ને લોભ ભોળો નથી. લોભિયો હોય એને માન-તાનની કંઈ પડેલી ના હોય. કોઈ અપમાન કરે ને સો રૂપિયા આપી જાય તો કહેશે, આપણને સો રૂપિયા નફા સાથે કામ છેને, છો અપમાન કરશે તો ! એક ફેરો અપમાન કરી ગયો પણ આપણને ઘરમાં તો સો રૂપિયા નફાના આવ્યા ! એ લોભનું કારણ ! અને માનનું કારણ હોયને, તો ભલે એને પાંચસો રૂપિયા ખર્ચ થાય, પણ માન મળે તો બહુ થઈ ગયું, કહેશે. તે માન અને લોભને લઈને આ જગત ઊભું રહ્યું કે માન જ્યાં નહીં ત્યાં લોભ છે. લોભ નહીં ત્યાં માન છે. ઉઘાડું દીવા જેવું છેને ?! લોભનો રક્ષક કપટ ! ક્રોધ-માન-માયા-લોભમાં લોભનો તાંતો ભારે હોય. લોભ એટલે કંઇક ઇચ્છા રાખવી તે. લોભિયાને કોઇ ટૈડકાવે તો ય તે હસે. જ્ઞાની પણ હસે, પણ લોભિયા લોભની ગાંઠ વધારે મોટી કરીને હસે ! જ્યારે માનીને કોઇ ટૈડકાવે તો તે ના હસે. તરત જ તેનો ક્રોધ ભભૂકી ઉઠે, પણ લોભિયાને ક્રોધ આવે નહીં. બુદ્ધિનો પ્રકાશ વધવાથી લોભનું રક્ષણ કરવા કપટ વધાર્યું. ક્રોધ ને માન ભોળાં હોય. કોઇકે ય બતાડનાર મળે જ્યારે આ લોભ અને કપટ તો એવાં કે ધણીને ય ખબર ના પડે. એ તો પેઠા પછી નીકળવાનું નામ ના લે. લોભિયો ક્યારે ક્રોધ કરે ? છેક છેલ્લી ઘડીએ જ્યારે મોટામાં મોટો લોભ હણાતો હોય ને કપટેય કામ ના કરતું હોય ત્યારે આ ક્રોધનો સહારો લે. જન્મ્યો ત્યારથી જ લોભિયાનો લોભનો દોરો તૂટે જ નહી. એક ક્ષણ પણ તેનો લોભ જાય નહીં. નિરંતર તેની જાગૃતિ લોભમાં ને લોભમાં જ હોય. માની તો બહાર નીકળે ત્યાંથી જ માનમાં ને માનમાં જ રહે. રસ્તામાંય જ્યાં જાય ત્યાં માનમાં જ, અને પાછો આવે તોય માનમાં જ. પણ જો કોઇ અપમાન કરે ત્યાં તે ક્રોધ કરે. મોક્ષે જતાં કોણ રખડાવે છે ? ક્રોધ, માન-માયા-લોભ. લોભનું રક્ષણ કરવા માટે કપટ છે, તે આંગળ કપડું વેચતાં કાપી લે. માનનું રક્ષણ કરવા ક્રોધ છે. આ ચારેયને આધારે લોક જીવી રહ્યાં છે ! જન્મથી જ લોભ નહીં ! હું ધંધો કરતો હતો તેમાં મારો એક કાયદો અમારા ભાગીદાર જોડે નક્કી કરેલો. હું નોકરી કરતો હોય તે ટાઈમે જેટલો પગાર મળે એટલા જ પૈસા ઘેર મોકલવા. એથી વધારે નહીં મોકલવા. પ્રશ્નકર્તા : આ જરા આશ્ચર્યની વાત છે. નહીંતર આ નથી હોતું માણસને. જ્યારે આપણે મેળવતા હોઈએ છીએ ત્યારે આપણે ઘરને માટે જ બધું કરતા હોય ને ઘરમાં વધારેમાં વધારે કેમ ભરીએ, એવું જ મોટે ભાગે થતું હોય છે. દાદાશ્રી : મને નાનપણથી લોભ ન હતો. પ્રશ્નકર્તા : તો પછી પૂર્વજન્મનું કંઈ ફળ ગણવું ? દાદાશ્રી : હા, તે પૂર્વજન્મનું. પણ પહેલેથી લોભ ન હતો. એ લોભ ન હતો, ત્યારે અહંકાર બહુ ભારે હતો. મોક્ષ જોઈતો હોય તો... મોક્ષ જોઈતો હોય તો લોભ અને માન બે બિલકુલ ના હોવા જોઈએ. લોભ તો જરાય ના હોવો જોઈએ. હવે આ જે મિલકત બધી આખી લઈ લે તો ય 'હું ખુશ છું' કહીએ. કારણ કે લેવી કોઈના હાથમાં નથી, અધિકાર નથી, સત્તા નથી કોઈની. આટલી એક સેકન્ડ પણ કશું બગાડવાની સત્તા નથી. પ્રશ્નકર્તા : તો આ ચારેય કષાયોની અંદર વધારેમાં વધારે જો હોય સખત તો આ લોભ નુકસાનકારક. દાદાશ્રી : લોભથી જ આ બધું, આ દુનિયા ઊભી થઈ છે. તેમાં લોભિયો કરે શું જાણો છો તમે ? જવાની તૈયારી થઈ હોયને તો ય લોભિયો કહેશે, 'ભઈ, પેલા પાસે વીસ હજાર રૂપિયા રહી ગયા છે તેનું શું થાય ? એને બોલાવોને'.... એ પેલો આપે, તે હાથમાં લઈને પોતે લે, પછી મુઠ્ઠીવાળે અને પછી પોતે મરી જાય. કોના સારું લીધા, કોના સારું લોભ કર્યો ? શું કામ માર ખાય છે ?! આનું નામ જ ભ્રાંતિને ! બધું જતું રહે તો આ વ્યવસ્થિતને આધીન છે એટલે ભડક રાખશો નહીં. તમે ઢોળી દો તો ય જાય એવું નથી. ઢોળી દો તો પાછું આવે. ફોર્ટ એરિયામાં દસ હજારનું ઘડિયાળ ને સોનાની ચેઈન એ બધું પડી ગયું હોય, એ ત્રીજે દહાડે પેપરમાં આવ્યું હોય કે ખર્ચો આપીને લઈ લો. એવું આ જગત છે. તો કોના સારું લોભ કરવાનો, મૂઆ ! છોકરા કોના અને કોના બાપ ! મૂઆ ત્યાં દેવતા મૂકી અને અહીં આવીને બિસ્કીટ ખાશે. એ ભાન નહીં હોવાથી આવું બધું કરે. એટલે ભક્તિ કર ભગવાનની. ખા સારી રીતે, ખા-પી અને ખિલાવી દે. નહીં તો મર્યા પછી તો નારિયેળ બાંધે છે, સૂકા નારિયેળ. અમને મૂળથી, નાનપણમાંથી લોભ નહીં. અહંકાર હતો. તે અહંકાર તો ભોળો, પેલો લોભ તો ભોળો નહીં ને ! માર ખવડાવે આખી રાત. ખાંડ ખાંડ કરે ત્યાં ચટણી. લોભ ને માનથી આ જગત ઊભું થયું છે. એ બે જતાં રહે તો ખલાસ થઈ ગયું. આ ભાઈને માટે ભલે લોકો કહેતાં હતા કે લોભિયા મૂઆ કશું આપે નહીં તમને. મેં કહ્યું, મારે જરૂર નથી. પણ જો એની મેળે કેવા એ પાંચ લાખ આપવાના છે ! જમીન આપી. એટલે લોભ છૂટી ગયો કહેવાય એમને. કારણ કે એ ઉંધા માણસને નથી આપતા, છતાને તો આપે છે, તૈયાર છે. અવળે રસ્તે તો ના જ આપે ને ! માનનો લોભ ! પ્રશ્નકર્તા : આપે કહ્યું કે લોભ અને માન સાથે ના હોય. અથવા વિરોધાભાસી છે, તો સાથે કેવી રીતે રહે છે ? દાદાશ્રી : આ તો માન હેતુ માટે લોભ છે. માટે સાથે રહે છે. માનની ખાતર માન હોય અને લોભની ખાતર લોભ હોયને, માન હેતુ ખાતર લોભ ના હોય તો એ બે સાથે રહી ના શકે. બધો લોભ, જેટલા પૈસા છેને, એટલું એને જ માન મળતું હોયને તો એને સાથ આપી દે. એટલે એ મૂળ પાછળ લોભ નથી. લોભની પાછળ માન રહેલું છે. એટલે અહંકાર બહુ ભારે છે આ. એ એમ જ જાણે કે મારા જેવો કોઈ અક્કલવાળો નથી ! પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે માનનો લોભ કહેવાય. દાદાશ્રી : હા, માનનો લોભ. માન પ્રાપ્ત કરવાનો લોભ પણ છેવટે માન ઉપર જાય છે. લોભને માટે નહીં, માનને માટે લોભ ! પ્રશ્નકર્તા : લોભને માટે માન હોય ? દાદાશ્રી : હા, હોયને. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ? દાદાશ્રી : આટલું કમાઉં તો જ મારે નિકાલ થાય, એ એક પ્રકારનું માન. પણ એ અહંકાર કહેવાય, માન ના કહેવાય. માન તો ભોળું ? પ્રશ્નકર્તા : પણ દાદા, લોભની ગાંઠ ખબર નથી પડતી એટલે બેસી રહી છે. દાદાશ્રી : એ ખબર પડે તો માણસનું કલ્યાણ જ થઈ જાયને ! પ્રશ્નકર્તા : આ લોભની ગાંઠ મને છે એમ ધ્યાનમાં આવવું એ પણ બહુ ડિફિકલ્ટ છે. દાદાશ્રી : ધ્યાનમાં આવે નહીં તો એ તૂટે શી રીતે ? માનની ગાંઠ તૂટે, જો કોઈ અપમાન કરનારો મળી આવે અને બીજું કોઈ મોઢે એમ કહેય ખરા કે આટલો બધો શેના હારુ અહંકાર કરો છો ? પણ લોભમાં એના ધણીને જ ખબર ના પડે, ભાન જ ના રહે. પ્રશ્નકર્તા : લોભવાળાને માન આપીને લોભની ગ્રંથિ તોડવાની, પણ આ માનની ગ્રંથિ કેવી રીતે તોડાય ? દાદાશ્રી : માનની ગ્રંથિ તો આ લોકો એની મેળે તોડી આપે. એ અપમાનથી તૂટે ને ! નહીં તો માન તો સહુ કોઈ દેખાડ દેખાડ કરે. ભોળું એટલે નાનાં છોકરાં હઉ સમજી જાય કે માનમાં આવી ગયા. અને પાછું શું થાય ? બહુ લોભિયો હોય ને તે અપમાન ખમીને, કંઈ ફાયદો મળતો હોય તો હસે અને મનમાં એમ સમજે કે મેલોને છાલ, આપણને તો મળે છેને ? એ લોભની ગાંઠ. અને માની તો બિચારો માને ચઢાવે એટલે વાપરી નાખે, એની પાસે જે હોય તે. પછી તેને અપમાનનો ભય બહુ લાગે. કોઈ મારું અપમાન કરશે તો ? અપમાન કરશે તો ? એવો તેને ભય બહુ લાગે. માની તો તમે જાવને તો તમને દેખીને કહેશે, 'આવો પધારો'. કારણ કે પોતાને જેવું જોઈએ એવું જ સામાને આપે. હવે માનની ગ્રંથિઓ તો તૂટી જવાની છે. કારણ કે તન-મન અર્પણ કરી દેવાનું છે. એટલે માનની ગ્રંથિ તૂટી જવાની છે પણ લોભની તૂટવી જોઈએ. લોભની ગ્રંથિઓ ના છૂટે તે. આ લોભની ગ્રંથિઓ કોણ તોડી આપે ? આર્તધ્યાન ને રોદ્રધ્યાન આખો દહાડો કર્યા કરે ! ના હોય ત્યાં સુધી જ ! મૂળ પાછી વણિક ગ્રંથિને ! પૈસા પર મદાર એટલે એ લોભ તૂટે કેવી રીતે ? પ્રશ્નકર્તા : આ લોભની ગાંઠ બધામાં હોય જ. દાદાશ્રી : હોય જ. તમારા ક્ષત્રિયોમાં ના હોય. તમારામાં ગરીબ હોય ને ત્યાં સુધી હોય. પછી શ્રીમંતાઈ આવે ત્યારથી તૂટેલી જ હોય. કારણ કે ક્ષત્રિયપણું હોય. પટેલોને જ્યાં સુધી ગરીબાઈ હોય ત્યાં સુધી લોભની ગાંઠ હોય. પછી છૂટ્યું એટલે પછી રાજેશ્રી હોય. મન સ્વભાવથી જ રાજેશ્રી હોય. અને લોભની ગાંઠ તૂટી જાય પછી. ના હોય ત્યાં સુધી લોભ કર્યા કરે. પછી આવ્યું કે ઉડાડે. પણ તોય ધર્માદા આપતાં વાંધો. વાહ વાહ કરે ત્યાં ખર્ચો કરે ! વાહ વાહ માટે ધૂળધાણી ! હું પોતે જ વાહ વાહ થાય ત્યાં કરતો હતો. મારાથી ધર્મમાં પૈસો વપરાતો ન હતો ને વાહ વાહ કરે ત્યાં પાંચ લાખ આપી દઉં. માનની ગાંઠ કહેવાય. વાહ વાહ, વાહ વાહ ! અલ્યા, એક દહાડો રહ્યું કે ના રહ્યું. કશુંય નહીં. પણ ના, એમાં ગમે, ટેસ્ટ પડે. મેંય શોધખોળ કરેલી કે મન મોટું છે ને આવું કેમ થઈ જાય છે ચીકણું ? પણ વાહ વાહમાં મન મોટું હતું. શોધખોળ કરવી જોઈએને કે આપણું મન કેવું છે તે ? આ મનની ગાંઠ કેવી ? ના હોય ત્યાં સુધી ભાંજગડ નહીં અને વીસ લાખ આવેને તો ઓગણીસ લાખ લખે એવો. વીસેવીસ નહીં, પણ ઓગણીસ શા હારુ ? પેલા ભાઈ કહેશે, જરા તો વિચાર કરો, તો કહે, 'લે, આ લાખ રહેવા દીધા !' પ્રશ્નકર્તા : દાદા, એ માનની ગાંઠ કહેવાયને ? દાદાશ્રી : હા, માનની ગાંઠ ! એ માનની ગાંઠ વાહ વાહ થાય ત્યાં આપે. ધર્મમાં ના આપે. પ્રશ્નકર્તા : એવી ગાંઠ તો વાણિયામાં ય હોય છે. વાહવાહ થાય, તકતીમાં આવે ત્યાં આપે. દાદાશ્રી : હોય, હોય તો ખરી પણ એ વાહ વાહની આમના (ક્ષત્રિયો) જેવી ના હોય. એ પૈસા ધૂળધાણી ના કરી નાખે. વાહવાહની તો હોય જ. પણ પેલી મોટી ગાંઠ નહીં, આમના જેવી નહીં. વણિકમાં લોભની ગાંઠ મોટી અને ક્ષત્રિયોને વાહ વાહની ગાંઠ મોટી. બન્ને ગાંઠ નુકસાનકારક છે. લોભનો લોભ - માનનો લોભ ! તારે કઈ કઈ ગાંઠ છે, લોભની અને બીજી ? પ્રશ્નકર્તા : માન. દાદાશ્રી : કેટલોક લોભ છે તારે ? માન હોય, માનને સાચવવું હોય તો લોભ ઓછો કરી નાખવો પડશે. અને લોભ સાચવવો હોય તો માન ઓછું કરી નાખવું પડે. તું તો બેઉ કરવા માગું છું. શી રીતે મેળ ખાશે ? પ્રશ્નકર્તા : એકેય ના જોઈએ. દાદાશ્રી : આ શું છે તે હું સમજી ગયો છું. એનો લોભેય જબરજસ્ત છે અને માનેય જબરજસ્ત છે. અને માનેય બરોબર છે. પણ એનો જે લોભ છેને, તે સરવાળે માન હેતુ માટે જાય છે. હેતુ માનનો છે. એટલે કેવળ એક માન ઉપર જ જાય છે બધું. લોભ શેને માટે કે જે પૈસા હોયને, એમાંથી તો પોતાને માન મળતું હોયને, તો તેમાં વાપરી નાખે. એટલે માનનો લોભ છે. તમને નહીં એવું કશું ? પ્રશ્નકર્તા : ના દાદા. એવું તો ના કહેવાય. ડિસ્ચાર્જમાં નીકળ્યા કરે છે, એ દેખાય છે ખરા. દાદાશ્રી : જે છે એ નીકળવા દોને ! નીકળે છે એ દેખાય છેને ! ત્યારે સારું ! લોભની ખાતર લોભ હોય એ રખડાવી મારે. પણ માનની ખાતર લોભ હોયને એ સારો ! આ તમારે માન અને લોભ બેઉ ખરું. માન ખરું. એટલે અમે કશું ના કરીએ. હું જાણું કે લોભને આ માન જ મારશે. ક્ષત્રિયપણુંને એટલે માની બહુ જબરજસ્ત ! એટલે એ લોભની ગાંઠ છેદી જ નાખે. બાપા મરી ગયા એટલે એય પાંચ-દસ હજારનું વાપરી નાખે. અને લોકોય જમણનું શીખવાડે. પ્રશ્નકર્તા : પણ કેવી ગોઠવણી કરી છે આ બધી ? દાદાશ્રી : ગોઠવણીમાં અમે તારણ કાઢી લઈએ. અમુક અમુક મહાત્માને માટે હું કશું કહું નહીં. લોભની ગાંઠવાળા હોય એના પર ધ્યાન રાખ્યા કરું કે લોભની ગાંઠ આને કામ કરે છે. એનું કલ્યાણ ના થાય ને નુકસાન થાય. હોય છતાં ન વાપરે ! એ તો એવું છે, આ બ્રાહ્મણમાં લોભની ગાંઠ ના હોય આવી. એ લોભિયા ખરા, પણ તે નહીં હોય તે બદલના. ગાંઠ ભેગી કરીને ખાય-પીવે નહીં. ને ગાંઠ કર કર કર્યા કરે. એ લોભને ભગવાને લોભ નથી કહ્યો. પૈસો હોય જબરજસ્ત તોય છે તે વાપરે નહીં એ લોભ. મારવાડીમાં કપડાં જોઈએ તો સારાં ના હોય અને આપણાં લોક (પટેલો) તો ત્રણસોની સાડી હોય તોય પેલી કહેશે કે 'તેરસોની લાવું ?' ત્યારે ધણી કહે, 'હા, લાવને તું સારી દેખાય તો મારે સારું !' અને મારવાડીમાં તો પેલી જેવી દેખાય તેવી પણ પૈસા ના જવા જોઈએ ! પણ મારવાડીમાં એક ગુણ હોય કે દસ લાખ કમાયો હોય તો દોઢ લાખ ભગવાનને ત્યાં નાખી આવે. આ દરેક મારવાડીનો ગુણ. બીજે બધે વાપરે નહીં. પણ ભગવાનને ત્યાં નાખી આવે. આ તેથી આવ્યા કરેને ! પણ એ વહુએ કેવી સાડી પહેરી છે એ ક્યારેય ના જુએ ! એ તો રાત-દહાડો પૈસામાં ને પૈસામાં રહે ! સાત લાખ પેલા છે, પેલા સિક્યોરિટીમાં ત્રણ લાખ છે, દસ અને ત્યાં એકાદ આવે તો ખરું. અને પછી તો હેંડ્યા ! તે ઘડીએ ચાર નાળિયેર છોકરો લઈ આવે ! પાણી વગરનાં બાંધજો કહેશે. આ બેભાનપણે ભોગવાઈ જાય છે ! જાણીને છેતરાય તે મોક્ષે જાય ! 'માનીને માન આપી, લોભિયાથી છેતરાય' એટલે 'લોભિયાથી છેતરાય' એમ લખ્યું છે. કારણ કે છેતરાઈને મારે મોક્ષે જવું છે. હું અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો અને હું એમેય જાણું છું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? એ હું જાણનારો છું એટલે વાંધો નહીં. હું ઓળખું કે આ માની છે એટલે એને માન આપીને આપણે આપણું કામ કાઢી લેવાનું. અને લોભિયો હોય ત્યાં છેતરાવાનું થોડીવાર. એ આપણને છેતરે એટલે એ જાણે કે આપણું કામ થઈ ગયું. પણ આપણે તો 'મને આ ધર્મ કરવા દે છે કે નહીં ?' એટલું જ જોવાનું. નહીં તો લોભિયાથી છેતરાય નહીં, તો લોભિયો ધર્મ કરવા દે નહીં. લોભિયાથી છેતરાયો એનું નામ જ ઊંચામાં ઊંચો માણસ. ત્યારે આપણા લોક શું કહે ? 'એ મને છેતરી ગયો નથી. એનું શું ગજું છે ?' અલ્યા, એનો છેતરવાનો ધંધો છે. એનો ધંધો કરવા દેને, ધંધો ચાલવા દેને ! તમારો ધંધો ક્યાં છેતરવાનો છે ? એના બિઝનેસને કંઈક હેલ્પ તો કરવી જ જોઈએને ? એનો બિઝનેસ ચાલતો હોય, તેમાં હેલ્પ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ? પ્રશ્નકર્તા : હા, હેલ્પ થવા દો. દાદાશ્રી : એ બિઝનેસ એને થવા દે, હા. નહીં તો આપણને કોચ કોચ કર્યા કરશે. તમે સારા માણસ છો ને તમે નહીં છેતરાવ તો બીજા કોણ છેતરાવાના છે ? નાલાયક તો છેતરાય નહીં. એનું તો 'સાપને ઘેર સાપ ગયો ને જીભ ચાટીને પાછો આવે' એવું ! છેતરાય તે કંઈક આપણી ખાનદાની ત્યારે જ કહેવાયને ! આપણને આવો-પધારો કહે તો એનું પ્રિપેમેન્ટ હોય છે. હું ભોળપણથી નહીં છેતરાયેલો. હું જાણું કે આ બધા મને છેતરી રહ્યા છે. હું જાણીને છેતરાઉં. ભોળપણથી છેતરાય એ ગાંડા કહેવાય. અમે ભોળા હોતા હોઈશું ? જે જાણીને છેતરાય એ ભોળા હોય ? આ ઉપાય કરી તો જુઓ ! પ્રશ્નકર્તા : આ બધી સંસારની જંજાળ ખોટી છે છતાં લાગુ પડેલી છે ! દાદાશ્રી : ખોટી કેમ છે ? કોઈ દહાડો રસ્તામાં પાંચ રૂપિયા નાખી દીધેલા કે ? પ્રશ્નકર્તા : નથી નાખી દીધા. દાદાશ્રી : આ જંજાળ ખોટી હોય તો નાખી દીધા વગર કોઈ રહે કે ? કારણ કે વગર કામનો બોજો કોણ રાખે ? આ ગજવામાં જે પરચૂરણ બધું ભર્યું છે તે બહાર નાખી દોને ! આ બોજો નથી ? છતાંય નાખ્યું નથીને ? કોઈ નાખી દેતું નથીને ? પ્રશ્નકર્તા : નાખી દેવાની શક્તિ આવવી જોઈએ. દાદાશ્રી : એક ફેરો નાખી તો દો એટલે બીજી વખતે શક્તિ આવી જાય પણ એકુંય વખત તમે નાખતા જ નથીને ? એક ભાઈ મને કહેતા હતા કે, 'મારે પૈસા વાપરવા છે તોય વપરાતા નથી. મારા હાથ બાંધેલા છે તો મારે શું કરવું ?' મેં એને કહ્યું, 'રિક્ષા ભાડે કરીને સ્ટેશન ઉપર ફરીને પાછા આવો અને રસ્તામાં પંદર-વીસ રૂપિયાનું પરચૂરણ નાખતા જાવ !!! તે મન કૂદાકૂદ કરશે, પણ તમે તમારે નાખતા જ જજો. પછી સ્ટેશનથી પાછા ફરતી વખતે રસ્તામાં નાખતા જવાનું. ત્યારે મન પાછું બૂમાબૂમ કર્યા કરશે. પછી બીજે દહાડે ફરી રૂપિયા નાખવા જશો ત્યારે આપણે ગઈકાલે દસ નાખ્યા હતા, તેને બદલે આજે નવ નાખીએ તો મન, 'આજે તો સારું છે, એમ કહેશે.' એવું શાથી ? પ્રશ્નકર્તા : એક ઓછું નાખ્યું તેથી. દાદાશ્રી : હા, ત્રીજે દહાડે આઠ, ચોથે દહાડે સાત એમ આઠ-નવ દહાડા મન સારું સારું કર્યા કરે તેમ નાખવું. પછી પાછા એક દહાડે સો રૂપિયાનું પરચુરણ રસ્તામાં નાખી દેવાનું ! એટલે પાછું નવ્વાણું નાખે એટલે પાછું મન 'સારું જ છે' એમ કહેશે. એવો મનનો સ્વભાવ છે. મનને વશ કેમ કરવું એ તો જ્ઞાનીઓ જ સમજે. એક ફેર રૂપિયા નાખી દે તો લોભિયો સ્વભાવ છૂટી જાય ! પણ નાખતા જ નથીને ? ઊલટાં કોઈએ નાખ્યા હોય કે કોઈના પડી ગયા હોય તો લઈ આવે. કરો મનના વિરુદ્ધમાં ! પાંચ-પચાસ રૂપિયા હાથમાં હોય તોય વાપરે નહીં, તોય રિક્ષાના ખર્ચે નહીં, શરીરે ચલાય નહીં તોય ! ત્યારે મેં એમને કહ્યું કે આવું ના કરો. થોડા રૂપિયા, દસ-દસ રૂપિયા રિક્ષાઓમાં વાપરવા માંડો. ત્યારે એ કહે કે એ તો ખર્ચાતું જ નથી. આપવાનું થયું એટલે ખાવાનું ના ભાવે. હવે ત્યાં હિસાબથી તો મનેય ખબર પડે છે કે આ ખોટું છે પણ શું થાય ? પ્રકૃતિ ના પાડે છે. તે એકવાર એમને મેં કહ્યું કે પૈસાનું પરચૂરણ લો ને રસ્તામાં વેરતા વેરતા આવો ! તે એક દહાડો થોડા વેર્યા ને પછી ના વેર્યા. આમ બે-ચાર વખત વેરી નાખેને તો આપણું મન શું કરે કે આપણા કાબૂમાં છે નહીં, આપણું માનતા નથી. આ તો એમ કરીને આપણું મન-બન બધાં ફરી જાય ! આપણે ઊંધું કરવું પડે. એ તો ધૂણવું પડે. ધૂણ્યા વગર ના ચાલે. તે ઘરનાં માણસ કાબૂમાં ના આવતાં હોય તો ધૂણવું પડે. એવી રીતે મનને કાબૂમાં લેવા માટે ધૂણવું પડે. કહેવું પડે આ લોભી સ્વભાવને ! લોભિયા માર્કેટમાં જાય તો એની દ્રષ્ટિ સસ્તા શાક ભણી જાય. મહીં લોભ શું કહે કે આ લોભિયાભાઈ તો મને ખવડાવે છે, માટે અહીં જ મુકામ કરો. ત્યારે લોભિયાએ શું કરવું જોઈએ કે મોંઘું શાક હોય ત્યાં જવું ને વગર પૂછયે શાક લેવું. તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે. લોભ સમજે કે મને ખાવા નહીં મળતું, તે પછી તે ભાગવા લાગે ! અમારે ત્યાં એક ભાઈ આવતા. તે મોટા સાહેબ હતા, સારા પગારદાર હતા. ધણી-બૈરી બે જ જણાં છે ઘરમાં. કોઈ છોકરું-છૈયું તેમને હતું નહી.ં તે એક દિવસ મને કહે, 'દાદા મારો સ્વભાવ બહુ જ ચીકણો છે. તે મારા હાથથી પૈસા ના છૂટે. હું કોઈને ઘેર લગનમાં પીરસું તોય મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય છે, તે બધા હું સાંભળું તેમ બોલે છેય ખરાં કે ચીકણા લીંટ જેવા છે. આ તો મારી બૈરીય બૂમો પાડે છે પણ શું કરું ? આ લોભિયો સ્વભાવ જતો નથી. તમે કંઈ રસ્તો બતાવો. આ તો કો'કનું વાપરવાનું હોય ત્યાંય મને આ લોભ ભૂંડો દેખાડે છે.' તે પછી તેમને એમ કહેલું કે તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે દસ રૂપિયાનું પરચૂરણ રસ્તામાં વેરતા વેરતા આવજો. ભાઈએ તેમ કર્યું ને તેમનું કામ થઈ ગયું. આનાથી શું થાય કે લોભનો ખોરાક બંધ થઈ જાય અને મન પણ મોટું થાય ! રિક્ષામાં બેસી પૈસા વેરતો જા. તારો લોભનો સ્વભાવ છૂટી જશે. વગોવો નિજ લોભને ! પ્રશ્નકર્તા : તમે જે કહો છો કે મૂઠી ના છૂટે, એ તો અનેક જન્મોના સંસ્કાર પડેલા, કોઠીમાં ભરેલો માલ એ જ આવેને ? દાદાશ્રી : ભરેલા માલને આપણે પછી શું કરવાનું ? ભરેલો માલ ! ભરેલો જ નીકળે. પણ આપણે પોતાની જાતને કહેવાનું કે અરેરે, આવું તમે કર્યું, આવું તમે કર્યું, આમાં શું સારું કહેવાય ? આપણે ઊલટાં વઢવાનું, ત્યારે લોભથી છૂટાય. આપણે છૂટીએ. લોભને વગોવીએ ત્યારે લોભથી છૂટાય. પેલો તે લોભને વખાણે છે. બીજો લોભિયો મળે તો એને ગમે. અરે, લોભ તો કેટલે સુધીનો ? ચામાં જરાક અમથી ખાંડ નાખે તો ચાલે. પછી એને મન બદલાઈ જાય પછી. બધામાં લોભ ખાવા-પીવા, કપડાં-લત્તાં બધામાં લોભ ! લોભની પજવણી ! એક માણસે મુંબઈમાં મને આવીને કહ્યું, 'દાદા, મારી પાસે પચ્ચીસ લાખ રૂપિયા છે. અને તેય પચ્ચીસ લાખ મારે સારા કામમાં વાપરવા છે. છતાં મારામાં લોભ નામનો ગુણ એવો છે કે હું વાપરવા જઉં છું, ત્યાર હોરો સામો થઈને મને પજવ પજવ કર્યા કરે છે. તો મારે શું કરવું ? વાપરવાની ઇચ્છા મારે ચોક્કસ છે.' મેં કહ્યું, 'તમે મારી પાસે આવો, હું તમને દેખાડીશ કે ઓવરડ્રાફ્ટ કેવી રીતે કઢાવવો. અને મારી હાજરીમાં લોભથી બોલાય નહીં. તમારો લોભ જોર નહીં કરે, અમારી શરમ રાખે એ તો. અમારી શરમ રાખે પછીય સહી કરી આપે. નહીં તો લોભ તો રાત્રે ય છોડે નહીં, પજવે, માથું હઉં તોડી નાખે. પણ અમારી હાજરીમાં સહી કરી આપે.' પછી મેં કહ્યું, 'પચ્ચીસ લાખ તમારે જ્યારે વાપરવા હોય ત્યારે કહેજો. લોકોને પૈસા ઘણાંય વાપરવા છે, પણ કેવી રીતે વાપરવા છે, ક્યાં વાપરવા તે ખબર નથી.' એટલે હું કહું છું કે ધૂળમાં જાય એના કરતાં કંઈ સારા રસ્તે જાય એવું કંઈક કરો. જોડે કામ લાગશે. અને ત્યાં તો જતી વખતે ચાર નાળિયેર બંધાવશેને ! અને તેય છોકરો શું કહેશે, 'જરા સસ્તામાંનાં, પાણી વગરનાં આપજોને !' મોટા લોભિયા હોય તો ચેતતા રહેજો હવે. છોકરાંઓને પૈસા વધારે નહીં આપવા. છોકરાંઓને કંઈક ધંધો કરી આપવો અને રીતસર એનું રહેવાનું આપવું. બાકી બીજા પૈસા જો વધારે આપશો તો દારૂડિયા પેસી જશે. તમે ગયા કે તરત ત્યાં દારૂડિયા પેસી જશે. માટે સારે રસ્તે પૈસા વાપરજો. લોકોના સુખને માટે વાપરજો. તમારા પૈસા જો વધારાના હોય તો લોકોના સુખને માટે વાપરશો એટલા જ તમારા, બાકી ગટરમાં ગયા ! આ તો આવું બધું ના બોલવું જોઈએ, છતાં બોલીએ છીએ. મર્યા પછી નાગ થયા ! પ્રશ્નકર્તા : કરોડો રૂપિયા હોય છતાં ધર્મમાં પૈસા ન આપી શકે એનું શું કારણ ? દાદાશ્રી : શી રીતે બંધ બાંધેલા છૂટે બા ? એટલે કોઈ છૂટે નહીં ને બંધાયેલો ને બંધાયેલો જ રહે. પોતે ખાય પણ નહીં. કોના હારુ ભેળું કરે છે ?! પહેલાં તો સાપ થઈને ફરતા હતા ને સાચવ સાચવ કરે. 'મારું ધન, મારું ધન' કરે ! લક્ષ્મી હોયને તે મેઇન્ટેનન્સ કરતાં વધારે પડતી હોય, તે વાપરતાં ના આવડે. તે ભેગી કર કર કરે. પહેલાં તો આટલી બધી લક્ષ્મી ભેગી કરતા હતા કે ચરુ દબાવતા હતા ને પછી પોતે નાગ થઈને ફર્યા કરે. કારણ કે રક્ષણ કરવાની ટેવ પડી ગયેલી. પોતે જ જાતે નાગ થયો છે. અમે લોભિયા બહુ જોયેલા. આખી જિંદગી આટલી પોતડી પહેરીને ફર્યા કરે અને પાંચ હજાર રૂપિયા દાટી રાખ્યા હોય. ધનનું રક્ષણ તો જ્યારે જીવતા હતા ત્યારે કર્યું. એટલે મરી ગયા પછીય ધનનું રક્ષણ કરવું પડે. તે પછી વીંછી થાય, નહીં તો આવડા મોટા ભમરા થાય. બધાનું સહિયારું ધન હોય તો બધા ભમરા થાય. બધા ભમરા થઈને મહીં ઘડામાં ભરાઈ રહે. કોઈ હાથ ઘાલવા જાય તો ભમરા કૈડી ખાય એને ! આ તો હિન્દુસ્તાન છે ! આઠ આના માટે આઠ કલાક ! આ હિન્દુસ્તાન દેશમાં તો આઠ આના ખોવાઈ ગયા હોયને તેને માટે આઠ કલાકથી જો જો કરે, તપાસ કરતા હોય, એવાંય માણસો છે. અલ્યા ભઈ, શું કરે છે ? ત્યારે કહે, 'મારા આઠ આના ખોવાઈ ગયા છેે', એ ખોવાઈ ગયા છે, એને ખોળી તો કાઢવા જ પડશે જ ને ? ખોળે કે ના ખોળે ? એટલે સહુ સહુની સમજણ પ્રમાણે જીવન વાપરે. આ મનુષ્યદેહ મહાપરાણે મળ્યો છે, બહુ કીંમતી દેહ છે પણ જેવી સમજણ હોય એવું વાપરી ખાય. સમજણ પ્રમાણે વાપરેને ? ન શીખ્યો આપવાનું ! આપવાનું શીખ્યો ત્યારથી સદ્બુદ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડો ય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને ! તેમાં જાનવરમાં હતો તો ય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં ! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષ ભણી વળે છે. કોઈને આપવાનું તને ગમે છે કશું ? પ્રશ્નકર્તા : હું તો બહુ આપી દઉં ! દાદાશ્રી : ત્યારે સારું ! બાકી અનાદિ અવતાર ગ્રહણ કરવાનું શીખેલો ! આ કીડીઓ હઉ બધી સ્વાર્થમાં ચોક્કસ ! એમાં કશુંક મંકોડો લઈ જતો હોય ને તો કીડીને ગમે નહીં ! હા, એમની ક્વૉલિટીની બધી કીડીઓ હોય તો એ જાણે કે આપણા સ્ટોરમાં જ લઈ જાય છે એટલે એ વઢે નહીં અને મંકોડા લઈ જાય ત્યાં લઢવા જ માંડે ! દૂધે ધોઈને ખોયા શેરમાં ! એ તો એક જણની લોભની ગાંઠ છૂટતી નહોતી પછી શેરબજારમાં એણે સોદા કર્યાને, પછી મને કહે છે, દાદા ! મારા ગઈ સાલ સાઠ હજાર ફસાયા છે. ત્યારે મેં કહ્યું, મૂઆ, ત્યાં આગળ તો લોભની ગાંઠ છૂટતી નથી ને પાછું આ શું કર્યું ? ત્યારે કહે, લોભના હારુ જ ! અને સાઠ હજાર જવા બેઠા છે ! તે વિધિ કરી આપો. તે વિધિ કરી આપશો તો દસ-પંદર હજાર વખતે પાછા આવશે. ત્યારે મૂઆ આમ જતા રહે, એના કરતાં આપણે સારી રીતે ડહાપણ ના વાપરીએ ?! એક મહાત્મા કહે છે કે શેરનું કામકાજ મારે બંધ કરી દેવું કે ચાલુ રાખવું ? મેં કહ્યું, બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું એનું મહીં ખેંચી લો નાણું. હવે બંધ કરી દેવું જોઈએ. નહીં તો આ અમેરિકા આવ્યા ન આવ્યા જેવું થઈ જશે ! હતા એવા ને એવા. કોરે પાટલે જવું પડશે ઘેર ! કોઈને આપેલા હોય ને તે તો બિચારો ખલાસ થઈ ગયો હોય ને તો ય પેલો સંભારે કે ના ભાઈ, મેં એમના લીધેલા છે. ને એ કમાયો હોય તો આપણને બોલાવે કે આવજો મારે ત્યાં, પણ આ કોને ત્યાં બોલાવે ? સ્હેજમાં ! આ તો દૂધે ધોઈને ખોઈ નાખ્યાં ! ખોટ આવે તો લોભ જાય ! એક ભાઈ મને કહે છે 'મારો લોભ કાઢી આપો. મારી લોભની ગાંઠ આવડી મોટી છે ! તે કાઢી આપો.' મેં કહ્યું 'એને કાઢીએ તો ના જાય. એ તો કુદરતી પચાસ લાખની ખોટ આવેને એટલે એ લોભની ગાંઠ એની મેળે જતી રહે.' કહેશે, હવે પૈસા જોઈતા જ નથી, બળ્યા !! એટલે આ લોભની ગાંઠ તો ખોટથી જતી રહે. મોટી ખોટ આવી હોયને તે બધું હડહડાટ ગાંઠ તૂટી જાય ! નહીં તો એકલી લોભની ગાંઠ ના ઓગળે, બીજી બધી ગાંઠ ઓગળે !! લોભિયાને બે ગુરુઓ, એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ આવેને તે લોભની ગાંઠ હડહડાટ તોડી નાખે ! અને બીજા લોભિયાને એમનો ગુરુ મળી આવે ફક્ત ધૂતારા ! તે હાથમાં ચંદ્રમા દેખાડે એવા ધૂતારા હોય, ત્યારે પેલો લોભિયો ખુશ થઈ જાય ! પછી આ પેલાની આખી મૂડી જ લઈ નાખે ! પૈસાનો મોહ ઘટાડ્યો ના ઘટે. ખોટ આવે ત્યારે લોભ જાય. ભેગું કરતાં કરતાં, થયાં ઠાઠડી ભેગાં ! પૈસાના વિચાર મનમાં લાવવાના જ નહીં. આપણાથી બને તો ટેકો કરવો અને તોય લોભ છોડવા માટે કહેલું છે. આપણો લોભ છૂટે નહીંને ત્યાં સુધી લોભની ગ્રંથિ જાય નહીં ને ત્યાં સુધી મોક્ષ થાય નહીં ! લોભની ગ્રંથિ છે ત્યાં સુધી લક્ષ્મીમાં ને લક્ષ્મીમાં, ચિત્ત ત્યાંનું ત્યાં જ રહ્યા કરે. 'હવે ત્રીસ હજાર ડોલર થયા છે. હવે બીજા દસ-વીસ હજાર કરું.' એમ કરતાં કરતાં પછી ઠાઠડી આવે અને ચાલ્યા ગયેલા, મેં જોયેલા. ઘણાં જોયેલા, બળ્યા ! જાત્રાથી લોભ કપાય ! લોભિયાની ગતને લોકો સમજી શકતા નથી. કૃપાળુદેવ સારું સમજી શક્યા. તે એટલે સુધી કે જાત્રાએ જવાથી લોભની ગાંઠ કપાય. તમે વાંચેલું ? પ્રશ્નકર્તા : હા, તીર્થયાત્રામાં પૈસા ખર્ચ્યા એટલે લોભ છૂટે. દાદાશ્રી : એટલે પૈસા ઓછા થાય એટલે એ ગાંઠ કપાય. જે તે રસ્તે પૈસા આમનાથી નખાવડાવો. પ્રશ્નકર્તા : આ કેવું ઓપરેશન કહેવાય ? દાદાશ્રી : જે તે રસ્તે ઓપરેશન કરીને આ ગાંઠ કાઢી નખાવડાવજો. માની હોય તેને કશી જરૂર નથી. માનીને કશું વઢવાની જરૂર નથી. માની ના હોય તે નફ્ફટ થઈ ગયેલો હોય, તો લોભ ચઢી બેઠેલો હોય ! લોભે જ પકડી રાખેલાને લોકોને ! તેથી ભગવાને કહેલું કે જાત્રાએ જઈ આવજો, આમ કરી આવજો ને પૈસા વાપરી નાખજો. એટલે રૂપિયા વપરાય તો પેલી લોભની ગાંઠ ઓછી થઈ જાય. નહીં તો નવ્વાણુંના ધક્કાની પેઠ લોભ વધતો જાય. એટલે આ દુનિયામાં કોઈ ચીજની જરૂરિયાત નથી એવો ભાવ રહેવો જોઈએ. આપવાનું ત્યાં ચઢે તાવ ! મનમાં પૈસા આપવાનો ભાવ થાય કે આપીએ, પણ અપાય નહીં એ લોભની ગાંઠ. પ્રશ્નકર્તા : સંજોગો એવા હોય કે આપવાનો ભાવ હોય છતાંય અપાય નહીં. દાદાશ્રી : એ જુદું છે. એ તો આપણને ખબર પડે કે આ સંજોગો એવા છે, પણ એવું હોતું નથી. આપવાનો નિશ્ચય કરીએ તો અપાય એવું છે. પ્રશ્નકર્તા : હા, પણ હોવા છતાં ના આપે. દાદાશ્રી : હોય તોય પણ ના અપાય. અપાય જ નહીંને, એ તો બંધ તૂટે નહીં. એ બંધ તૂટે તો મોક્ષ થાયને ! એ સહેલી વસ્તુ નથી. પ્રશ્નકર્તા : એમ તો બધાની લિમિટમાં અમુક શક્તિ આપવાની તો હોય જ ને ? દાદાશ્રી : ના, એ લોભને લીધે ના હોય. લોભિયાની પાસે લાખ રૂપિયા હોય તોય ચાર આના આપવા મુશ્કેલ પડી જાય, તાવ ચઢી જાય. અરે, પુસ્તકમાં વાંચે કે જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કરવી. એ વાંચે તે ઘડીએ એમ તાવ ચઢી જાય કે આવું શું કરવા લખ્યું છે ! જ્ઞાનીને પણ ના ગાંઠે ! એ તો એક માણસ મને કહેતો'તો કે મારી પાસે સિત્તેર લાખ રૂપિયા છે અને મારે પચ્ચીસ લાખ રૂપિયા કંઈક સારી જગ્યાએ વપરાય એવું કંઈક થાય તો કરવું છે પણ મારી લોભની ગાંઠને લઈને ચાર આનાય અપાતા નથી, મારાથી. તે મેં એમને કહ્યું, તમે અહીંયા આવતા રહેજો. તે એકાદ-બે ફેરો આવ્યા ને પછી આવ્યા જ નહીં. અહીં ગમે તો ખરું, બધુંય ગમે. લોભની ગાંઠ એમને ના આવવા દે. એ ગાંઠ પછી પોતે વાળેલી. દવા ચોપડતા જાય ને પડીકું વાળતા જાય. પ્રશ્નકર્તા : એણે ભારે કરેલી. દાદાશ્રી : એટલે મજબૂત કરેલી. ઊખડે નહીં, તે લોભની ગાંઠ ના છૂટે. હવે હું શી રીતે લોભ છોડી આપું ? અમારા કહ્યા પ્રમાણે તો ચાલવું નથી. લોભ છોડવા માટે જ્ઞાની પુરુષ કહે એ રીતે તું પૈસા નાખ. લોભની ગ્રંથિ તૂટે કયારે ? કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષની ત્રણ રીતે ભક્તિ કરવી. તન-મન ને ધનથી કરવી. ત્યારે કહે, 'સાહેબ, તન-મન તો અર્પણ કરી દઈશું, પણ હવે ધનની એમને જરૂર શું છે ?' ત્યારે કહે, 'એને પોતાને જરૂર નથી પણ ત્યાં સુધી તારે લોભની ગાંઠ તૂટશે નહિ. માટે એ તને એમ કહે કે આ બાજુ કોઈ જગ્યાએ એ જોખમ તું આપી દે અત્યારે. એટલે તેમના આધારે તું આપીશ, નહીં તો તું તારી જાતે નહીં આપું. જાતે તું કપાઈ મરું તો ય નહીં આપું. એમના આધારે, એમના ઉપર પ્રેમ છે, એ પ્રેમના આધારે તું આપીશ. એટલે તારી ગ્રંથિ તૂટી જાય. અને એક ફેરો આપે એટલે મન છૂટું થઈ જાય. આપવું જોઈએ. આ ગ્રંથિ છે. પસ્તાવો કરે ઢીલું ! લોભ તૂટવાના બે રસ્તા ખરા. એક જ્ઞાની પુરુષ તોડાવી આપે, પોતાના વચનબળથી. એક જબરજસ્ત ખોટ આવે તો છૂટી જાય કે મારે કંઈ કરવું નથી. હવે આટલા જે હોય તે નભાવી લેવું છે. મારે કેટલાય લોકોને કહેવું પડે છે કે ખોટ આવે ત્યારે લોભ છૂટે, નહીં તો લોભ છૂટે નહીં. અમારા કહેવાથીય ના છૂટે. એવી ઘોડાગાંઠ પડી ગયેલી હોય. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ તોડી આપે પણ પોતાના ભાવ થવા જોઈએ, લોભ દ્રષ્ટિગોચરમાં આવવો જોઈએ. લોભ એ પીડા છે એવું માન્યતામાં આવવું જોઈએને ? દાદાશ્રી : માન્યતામાં એવું આવેલું તોય નથી છૂટતું. કારણ કે ગાંઠ વાળી લીધી એટલે હવે શું થાય ? પસ્તામણ થાય. પસ્તાવો થતાં હલકું થતું જાય. લોભિયાને ગાંઠ ખોટથી ગયેલી. અગર તો જ્ઞાની પુરુષની આજ્ઞા જો થાય તો ઉત્તમ. આજ્ઞા પાળવા તૈયાર ના હોય, તેને કોણ સુધારે ? બીયાં, પણ ખઈ જવાય ?! પ્રશ્નકર્તા : પણ દાદા, જ્ઞાની પુરુષ જ્યારે એમ કહે કે તું નાખી દે અને તેમ ના થાય તો એ કેવા પ્રકારનો લોભ હશે ? દાદાશ્રી : ના કરે, પણ તોય થોડું ઘણું કંઈક કરે, એટલે કંઈક થોડી ગાંઠ છૂટીને ઢીલી થઈ જાય. કરે ખરો, કારણ કે હિસાબ કાઢે કે અમને પોતાને કશું જોઈતું નથી અને મેં પૂર્વે કંઈક કરેલું છે તો આ ભવમાં મળેલું છે. તો હવે ફરી ખેતરમાં નાખીશ તો પાછું બીજે ભવ મળશે. ખેતરાં એમ ને એમ પડી રહે, એના કરતાં દાણા પૂરતાં નાખી આવવા જોઈએ કે બધા દાણા ખઈ જવા જોઈએ ? એ અમારા પટેલો તો બધા ખાઈ જાય, ભોળાં લોકો ! અને તમે વણિક લોકો તો પદ્ધતિસર. તમે જાણો કે આપણા પોતાને માટે રાખવાના છે. પૈણતાં ય ચિત્ત લોભમાં ! એટલે લોભ છોડવા માટે ભગવાને બહુ રસ્તા કર્યા. માણસને લોભ છૂટે નહીં ત્યાં સુધી ગમે ત્યાં બેઠો હોય, પૈણવા બેઠો હોય તોય એનું ચિત્ત લોભમાં હોય. 'અલ્યા, થોડો વખત આ લેડીમાં રાખ.' ત્યારે કહે, 'આ લેડીને પૈણીશું જ ને ! એક તો પૈણવાની જ છે ને !' પણ પેલું ચિત્તમાં ! લોભ એવી વસ્તુ છે કે ચિત્ત એમાં ને એમાં જ રહે. એટલે ભગવાને કહ્યું કે લોભ છોડાવવા માટે એનો રસ્તો કરજો. નહીં તો લોભ નહીં છૂટે અને તમારે લોભની ગાંઠ તૂટે નહીં ત્યાં સુધી મોક્ષે જવાય નહીં. એવી ભાવનાથીય ઓગળે ગાંઠો ! પ્રશ્નકર્તા : મને લોભની ગાંઠ છે તો શું કરવું ? દાદાશ્રી : તમારે બોલવું કે 'વ્યવસ્થિત'માં જે હો તે ભલે હો ને ના હો તો ભલે હો. પ્રશ્નકર્તા : એ લોભની પ્રકૃતિ કેવી રીતે કાઢવાની ? દાદાશ્રી : લોભની પ્રકૃતિ હોયને, એ બધી મિલકતો હોય, તે બધી સબોટેજ કરાવી નાખવી. એટલે બહાર રૂપકમાં નહીં, પણ આમ કલ્પનાથી કે બેન્કમાંથી ઊપાડીને બધાંને આપી દેવાના અને કહેવું કે વાપરી કાઢો. તે બધું બહાર રૂપકમાં નહીં આપી દેવાનું, પણ એવી ભાવનાથી પેલી ગાંઠો બધી ઓગળી જાય. બહાર તો કશો જ અધિકાર નથી. બેન્કમાંથી તમે લઈને આપી દો, એવો અધિકાર કોઈને છે જ નહીં. આ કોઈ પોતાનાં છોકરાંને આપે એવા નથી. જો લઈ જવાતું હોય તો બધાં જ જોડે લઈને જાત ને ઊલટાં દેવું કરીને લઈને જાય એવાં છે. પણ આ જોડે નથી લઈ જવાતું એટલે શું થાય તે ? અને માણસના હાથમાં રૂપકમાં અપાય એવું છે જ નહીં. અપાય એવી એક શક્તિ હોય તો બધી શક્તિ હોય. શાથી અપાય છે ને શાથી લેવાય છે, તે બધું અમે જાણીએ છીએ. માટે આપણે કલ્પનાથી કંઈ કરી શકાય, ભાવનાથી કંઈ કરી શકાય ! મનની ગાંઠો કેમ ઓગળે ? લોભની ગાંઠ અને ક્રોધની ગાંઠ પોતાને માર ખવડાવે અને સામાને પણ માર ખવડાવે. ભગવાને લોભની ગાંઠવાળાને દાન આપવાનું કહ્યું છે અને જો વિચારે કરીને લોભની ગાંઠ છેદાય તો એના જેવું એકેય નહીં. જો વિચારે કે આટલું બધું ભેગું કરું છું તે કોના માટે ? પોતાના કયા સુખ માટે ? પોતાનું સુખ પ્રાપ્ત નહીં કરતાં પરાયાને માટે આપણે આપણું સુખ ખોઈ નાખીએ છીએ અને ઉપરથી જે જે ગુનાઓ કર્યા તેની કલમો લાગુ પડી જાય. ખોટ, છતાં તારે ! જે લોભિયો ડૂબવાનો હોય ને, તે ખોટ ના આવવા દે અને તરવાનો હોય તે ? ખોટ આવવા દે એટલે તરે પાછા. ખોટ ના આવે તો ફરી જાય. એટલે આપણે આશીર્વાદ શું આપીએ કે કોઈને ખોટ ના જશો પણ ના, લોભિયાને તો ખોટ જજો જ ! એક ભાઈની લોભની ગાંઠ જતી ન હતી. તે મને કહે છે, દાદા, આ લોભની ગાંઠ કાઢી આપોને ! તે ના ગઈ તો ના જ ગઈ. મેં કહ્યું કે ખોટ આવશે તો જતી રહેશે. ધંધાદારી માણસ તો છો જ. તેમનું કોટનનું કામકાજ ચાલે. તે પેઢી અમદાવાદમાં, એક ફેરો એક પાર્ટી જ આખી પંદર લાખ રૂપિયા દાબી ગઈ, તેની સાથે આ ય પાર્ટી બેસી ગઈ, હડહડાટ ! મેં કહ્યું, લોકોને આપી દેજો. થોડું થોડું કરીને આપી દેજો. તે એમણે બધું ચૂકવી દીધું ને લોભની ગાંઠ એમની જતી રહી. મોટી ખોટ આવશે ને તે આવવી જ જોઈએ ત્યારે એ જાય. પંદર લાખ બેસી ગયા ! કુદરત કાયમ ન્યાયી જ ! લોભ ક્યારે છૂટે ? કંઈક આવો માર પડે કે કાં તો ખોટ જાય. લાંબી ખોટ જાય તો લોભ છૂટી જાય કાં તો માર પડે તો છૂટી જાય, એટલે આ કુદરત ફરી વળે છે. એવી દસ-પંદર વર્ષ મારશે. પાછું ન્યાયથી જ મારશે ! કારણ કે અન્યાયથી મારવાનો કુદરતનો નિયમ જ નથી. તદ્દન ન્યાય ! કુદરત એક મિનિટ ન્યાયની બહાર ચાલતી નથી. ત્યારે મન પાછું પડે ! નહીં તો લોભની ગાંઠ તૂટવી બહુ મુશ્કેલ છે. પ્રશ્નકર્તા : હોવા છતાં ના અપાય. દાદાશ્રી : ના અપાય, ના અપાય. એ ક્યારે લોભની ગાંઠ તૂટે કે એકદમ સરકારે વેરો નાંખ્યો હોય અગર દસ-વીસ હજાર રૂપિયા ચોર લઈ ગયા હોય, ત્યારે લોભ છૂટે કે બળ્યું, આના કરતાં સારી જગ્યાએ વાપર્યા હોત તો સારું. પ્રશ્નકર્તા : પણ મૂળથી ગાંઠ છૂટે નહીંને, દાદા ! દાદાશ્રી : ના તૂટે. છતાં એક મોટા માણસે મને કહ્યું'તું કે 'મારે લોભની ગાંઠ બહુ છે, તે તોડી આપો !' મેં કહ્યું, 'ભાઈ, આ એવું નથી કે આ સૂરણની ગાંઠની જેમ કપાય.' 'તોય પણ તમે કંઈક કૃપા કરોને !' મેં કહ્યું, 'આમાં બે વસ્તુ છે. કાં તો અમારા કહ્યા પ્રમાણે નાખી દો કાં તો તમને ખોટ આવે. વીસ લાખનું સાધન હોય તો આઠ-દસ લાખની ખોટ આવે તો ચડી ચૂપ ! સડસડાટ ! હવે કશું પૈસાય નથી જોઈતા. બળ્યું, હવે મેલો પૂળો ! આ ધંધા હવે નથી કરવા. હવે ખાવાનું એકલું મળી રહે સારી રીતે આબરૂભેર, તો બહુ થઈ ગયું. આપણે તો હવે ખાઈ-પી ને મોજ કરો અને આપણે આ ધરમ કર્યા કરો. પણ જ્યાં સુધી ખોટ નથી ગઈ, ત્યાં સુધી શું થાય ? દિલનો રાજા ! નવ્વાણુંના ધક્કાથી લોભની ગાંઠ શરૂ થઈ જાય પણ નવ્વાણુંનો ધક્કો વાગે તોય જે દિલનો રાજા છે, એને ગાંઠ બંધાય નહીં, દિલનો રાજા હોયને તે આવતાં પહેલાં વાપરી ખાવાની ટેવ પડેલી હોય, ના હોય તો સારું. આ ખાલી હાથે પણ દિલના રાજા સારા. લોભની ગાંઠ તો ના બંધાય વળી ! બહુ ખોટી લોભની ગાંઠ તો ! ઓગળે ગાંઠો, સત્સંગથી જ ! આ જનરેશન બહુ ગાંઠો નથી લાવી. મોહની જ ગાંઠો છે. લોભની કે એવી તેવી ગાંઠ નથી. તે તમારા છોકરાને જોતા હશોને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ગાંઠો બીજી નથીને ? આ આજની જનરેશનો બધી ગાંઠવાળી નહીં. અમારી આગળની જનરેશનો બહુ જ ગાંઠોવાળી ! લોભની ભારે ગાંઠો ! એટલા હારુ ચોરી કરે, જૂઠું બોલે, લુચ્ચું કરે, બધું જ કરે, પેલી ચોરી નહીં. પકડાય છે એવી ચોરી નહીં. માનસિક બુદ્ધિથી ટ્રિકો લડાવે. પેલી ચોરી કરતાં આ ચોરી ખોટી કહેવાય. પકડાયો નથી એટલું જ. સત્સંગમાં રહીએ તો જ ગાંઠો ઓગળે. નહીં તો સત્સંગમાં હોઈએ નહીં ત્યાં સુધી ગાંઠોની ખબર પડે નહીં. સત્સંગમાં રહીએ એટલે પેલું નિર્મળ થતું દેખાય. આપણે છેટા રહ્યાને ! બહુ છેટા રહીને જોઈએ નિરાંતે, એટલે આપણને બધા દોષ દેખાય. પેલું તો ગાંઠોમાં રહીને જોઈએ છીએ. તે દોષ ના દેખાય. તેથી કૃપાળુદેવે કહ્યું, 'દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય !' સંયમ - માનનો, લોભનો ! પ્રશ્નકર્તા : માનનો સંયમ, લોભનો સંયમ એ જરા સમજાવો. દાદાશ્રી : એવું છે, કેટલાક માણસને માનનો સંયમ અમુક અંશે આવી ગયો હોય છે. કોઇ ગાળ ભાંડે, અપમાન કરે તો તે અર્ધ સંયમ પાળી શકે. ત્યારે લોભના વિષયમાં બેભાન થઇ જાય. ત્યાં આગળ અસંયમ વધારે ઉત્પન્ન થાય. પછી મોડેથી જાગૃતિ આવે તે વનફોર્થ(૧/૪) સંયમ થાય. વણિકને લોભની ગ્રંથિ મોટી હોય ને ક્ષત્રિયને માનની ગ્રંથિ મોટી હોય. જેને જે ગ્રંથિ મોટી હોય તેમાં સંયમ ના સચવાય. ત્યાં પુરૂષાર્થ ધર્મમાં ને પરાક્રમમાં આવવું પડે. એમાં જાગૃતિની જ જરૂર ! એને માટે એક પણ ખરાબ ભાવ નહીં આવવો જોઈએ, એનું નામ સંયમ. અને એના પર ખરાબ ભાવ આવ્યો હોય તો તરત તે ધોઈ નાખે એનું નામ સંયમ ! જે સંયમમાં રહેતા નથી તે પછી ઘડાયને ! જ્ઞાન લીધા પછી તો સંયમની જરૂર. એટલી બધી જાગૃતિ હોય તો વાંધો નથી. જે થાય એ જાગૃતિપૂર્વક જતું રહે, તો એને આખું વિજ્ઞાન ફીટ થઈ ગયું કહેવાય. જાગૃતિ હોય નહીં ને ગાંઠો મહીં ભારે, એને શી રીતે જાગૃતિ રહે ? પ્રશ્નકર્તા : જાગૃતિ ગાંઠોની જવાબદારી નથી લેતી. દાદાશ્રી : લેવા ફરે પણ ગાંઠ જ ન લેવા દે ત્યાં આગળ. ગાંઠનો પડછાયો એની ઉપર હોય. જાગૃતિનું અજવાળું ગાંઠ ઉપર પડવું જોઈએ તેને બદલે ગાંઠોનો પડછાયો એની ઉપર પડે. હવે શી રીતે પહોંચી વળાય ? ને આમ ગ્રંથિ છેદાય... જાતજાતની ગાંઠો આ શરીરમાં પડેલી છે બધી. ગ્રંથિઓ નિર્મૂળ થાય ત્યારે નિર્ગ્રંથ થાય. ગાંઠો છેદી છેદીને નિર્ગ્રંથ થાય. ઓળખે તો જ છેદાય. પ્રશ્નકર્તા : ક્રમિકમાં દોષ કાઢવા પડે અને અક્રમમાં દોષ જોવાથી નીકળી જાય. દાદાશ્રી : દોષ જોવામાં આવે પોતાનો. દોષ કો'ક દા'ડો જોવામાં આવી ગયો. કો'કને દેખાડવો ના પડે ને જતો રહે. પ્રશ્નકર્તા : પોતે જાગ્યો એટલે પેલો ચોર એની મેળે ના રહે ! દાદાશ્રી : એની મેળે જતા રહે. એટલે આ જોવાથી બધી ગાંઠો ઓગળી જાય. પણ ભારે ગાંઠ એવી હોય છે કે તે જોવાનું ય ત્યાં આગળ થાપ ખવડાવી દે છે. દેખાય જ નહીં ને ! તેને અમે ત્યાં આગળ સળી કરીએ. તો કંઈક જાગૃતિ આવે. ત્યાં ઉપાય જોવું-જાણવું ! પ્રશ્નકર્તા : એટલે આપણે આ જ્ઞાન પછી જોયા જ કરવાનું કે લોભનો માલ હોય કે માનનો માલ હોય. દાદાશ્રી : બીજો ઉપાય જ નથી એનો. આ જ્ઞાન લીધા પછી બીજો ઉપાય નથી. અને જ્ઞાન ના લીધું હોય તો બધું જ્યાં હોય ત્યાં કાયમનો ગૂંચવાયેલો જ. કાયમ સફોકેશનમાં જ રહો, ગૂંચવાયેલા જ રહો. આ જ્ઞાન પછી તો ગૂંચામણ ઊડી જાય. આમ આમ ખંખેરી નાખ્યું એટલે ખરી પડે ! લક્ષ નિરંતર લક્ષ્મીમાં ! લોભની ગ્રંથિ એટલે શું ? ક્યાં કેટલા છે, ત્યાં કેટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે. બેન્કમાં આટલા છે, પેલાને ત્યાં આટલા છે, અમુક જગ્યાએ આટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે. 'હું આત્મા છું' એ એને લક્ષમાં રહે નહીં. પેલું લક્ષ તૂટી જવું જોઈએ, લોભનું. 'હું આત્મા છું' એ જ લક્ષ રહેવું જોઈએ. નિંદા નિર્જરતા, લક્ષ્મી ઉભરાય ! આ આપણો દેશ ક્યારે પૈસાવાળો થશે ? ક્યારે લક્ષ્મીવાન અને સુખી થશે ? જ્યારે નિંદા અને તિરસ્કાર એ બંધ થઈ જશે ત્યારે. આ બે બંધ થયા કે દેશમાં નર્યા પૈસા ને લક્ષ્મી પાર વગરની થાય. પ્રશ્નકર્તા : નિંદા ને તિરસ્કાર ક્યારે બંધ થાય ? દાદાશ્રી : લોભ વધે એટલે નિંદા અને તિરસ્કાર, બેઉ બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : લોભ વધે તો કપટ વધે ને ? દાદાશ્રી : હા, પણ લોકોના તિરસ્કાર ને નિંદા કરવાની તો બંધ થઈ જાય ને ! લોભિયો માણસ નવરો પડે જ નહીં ને ! લોભી તો એના તાનમાં જ હોય, એટલે એને લક્ષ્મીના અંતરાય પછી ના પડે. લક્ષ્મી તો કોને અંતરાય કે જેને આ બધું થાય ને કે 'ચંદુલાલ આવાં છે, ફલાણાભાઈ આવાં છે.' એવી નિંદા છે ત્યાં લક્ષ્મી નથી. 'આ નીચી નાતનો છે, આ ઊંચી નાતનો છે. આ આમ છે, આ તેમ છે.' એવી કશી લોભિયાને ભાંજગડ જ ના હોય. કોઈ નીચી નાતનો હોય, પણ એનો ઘરાક હોયને તો તેને ય કહેશે કે, 'આવો ભાઈ, બેસો શેઠ, અહીં ગાદી પર બેસોને !' પ્રશ્નકર્તા : લોભિયાને એટલે કોઈ અંતરાય આવો ના અડે ? દાદાશ્રી : લોભિયો એટલે એકલા પૈસાનો જ લોભ એ નહીં, સુખનો ય લોભ હોય. લોભનો કંટ્રોલ શી રીતે ? પ્રશ્નકર્તા : પણ આ બધી ચીજો, તે 'કંટ્રોલ'માં આવી શકે પણ લોભ 'કંટ્રોલ'માં ના આવી શકે ને? દાદાશ્રી : પણ લોભનો કરનારો 'કંટ્રોલ'માં આવે એટલે બધું 'કંટ્રોલ'માં આવી ગયું ને ! મેં કંઈ કોઈને લોભને કાઢવાનું કહ્યું હતું ? મેં કંઈ લોભને કાઢવાનું કહ્યું છે ? લોભના કરનારાને પકડ્યો ને હડહડાટ ગાદીએથી ઉઠાવી દીધો કે બધું ઊડી ગયું હડહડાટ ! રાજા મર્યો એટલે લશ્કર બધું ભાગમ્ભાગા! લશ્કરમાં વાત ચાલે ને, કે રાજા મરાયા. પછી કોઈ ઊભું ના રહે. એટલે રાજા પકડાવો જોઈએ, બસ ! એટલે મદ હોય તો લોભ કરે ને ! નહીં તો લોભ કરે નહીં ને ! મદ જો જાય તો કશુંય લોભ રહે નહીં. આ ગરીબોને બિચારાને કશો લોભ જ નહીં ને ! કારણ કે મદ નહીં એટલે શાનો લોભ ?! ત્યારે વર્તે સમાધિ ! મને લોક પૂછે કે 'સમાધિ સુખ ક્યારે વર્તશે?' ત્યારે મેં કહ્યું કે 'જેને કંઈ જ જોઈતું નથી. બધી લોભની ગાંઠ છૂટે ત્યારે.' લોભની ગાંઠ છૂટે કે પછી સુખ વર્ત્યા કરે. બાકી ગાંઠવાળાને તો કશું સુખ આવતું જ નથીને ! એટલે ભેલાડોને, જેટલું ભેલાડશો એટલું તમારું !- જય સચ્ચિદાનંદ |
|---|