|
આગ્રહ - નિરાગ્રહ સંપાદકીય આ જગતમાં કોઈ પણ આગ્રહ કર્યો કે છેવટે વિગ્રહમાં પરિણામ પામે. ગમે તેવું સાંસારિક સત્ય હોય, પણ તે છેવટે વિનાશી વસ્તુ છે. તેને માટે આગ્રહ રાખવા ગયા તો પાછા બંધાયા. આમ સંસારના બંધનોમાંથી છૂટવું છે પણ આગ્રહમાં રચ્યાપચ્યા રહેવાથી બંધનના કારણોની ઉપાસના થઈ જાય છે. જે પરિણામે સંસારમાં ભટકાવે છે. સંસારના સત્ય રિલેટીવ સત્ય છે. તેનો આગ્રહ કેટલો રાખવાનો છે ? કોઈ કહે, આજે પૂનમ છે. તો આપણે કહીએ, આજે ચૌદશ છે. તો સામો માણસ કહેશે, ના, પૂનમ છે. તો પછી સાચી વાતને વિનંતીપૂર્વક બીજી વખત કહેવાની છૂટ છે કે ભઈ, આજે ચૌદશ છે. આટલો સત્યનો આગ્રહ કરાય, બસ. તો ય પેલો દબાણપૂર્વક કહે કે ના, આજે પૂનમ જ છે. તો પછી ત્રીજી વખત છોડી દેવું કે ભઈ, તો પછી આપની વાત સત્ય છે. મનમાં સમજી લેવું કે એના વ્યુ પોઈન્ટથી એની વાત સત્ય છે. બાકી ફરી વખતે સત્યનો આગ્રહ કર્યો કે દુરાગ્રહ બની જશે. હવે ત્યાં સત્યના આગ્રહની જરૂર જ નથી, નહીં તો આખી રાત બગડે ને ત્યાં પેલા ચંદ્રમાની ચૌદશની પૂનમ થઈ જવાની. ચૌદશ-પૂનમ ચંદ્રમાની એમાં આપણને-આત્માને શું લેવાદેવા ? ત્યાં આપણે આગ્રહ-દુરાગ્રહ કરીએ તો આપણો સમય બગડે, પેલી વ્યક્તિને હરાવવા ગયા તે બદલ અથડામણ થવાથી વેર બંધાય અને આપણી મોક્ષમાર્ગે પ્રગતિ રૂંધાય. ડાહ્યા માણસો પોતાના સત્યની ય પકડ પકડતા નથી. જે પોતાની પકડ છોડી દે તે સાચો વીતરાગમાર્ગી. સંપૂર્ણ વીતરાગ ભગવાન ક્યારે ઓળખાય ? સત્યનો ય આગ્રહ છૂટી જાય ત્યારે ! મતનો આગ્રહ, ધર્મનો આગ્રહ, ગચ્છનો આગ્રહ કે તમામ પ્રકારના આગ્રહ મોક્ષમાર્ગે અંતરાય બની જાય છે. આત્મજ્ઞાનીને આગ્રહ ના હોય, એ નિરાગ્રહી હોય. જે જે બાબતમાં નિરાગ્રહી થતા ગયા તે તે બાબત જીવનમાં જીતી ગયા. છેવટે સંપૂર્ણ નિરાગ્રહી થયા કે આ બાજુ મુક્તદશાનું સ્ટેશન આવે ! મહાવીર ભગવાન સંપૂર્ણ નિરાગ્રહી હતા. દાદાશ્રી પણ કહે છે, 'અમને તો સત્યનો ય આગ્રહ નથી. તેથી કરીને મને અસત્યનો આગ્રહ છે એવું નથી. અમે નિરાગ્રહી હોઈએ.' આગ્રહી એ પક્ષમાં પડે ને પક્ષ ત્યાં મોક્ષ ક્યારેય થાય નહીં. ચોવીશ તીર્થંકરોનો વીતરાગ મત હતો. પક્ષમાં પડેલાનો વીતરાગ મત ના હોય. 'અમે નિરાગ્રહી છીએ' એવાં ય આગ્રહ જ્ઞાની પુરુષને ના રહ્યા હોય ! તેની ઉપરથી આપણે આ ભવમાં ક્યાં સુધી નિરાગ્રહના માર્ગે આગળ વધીએ, એ લક્ષ રાખવા જેવું છે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ આગ્રહ-નિરાગ્રહ આટલો જ આગ્રહ, એક્સેપ્ટ ! પ્રશ્નકર્તા : મારી માન્યતા કેવી હતી કે સાચું બોલવું જોઈએ, સાચું જ કરવું જોઈએ, ખોટું ના કરવું જોઈએ. આ ખોટું કરીએ તો બરોબર ના કહેવાય, એવો આગ્રહ હતો. દાદાશ્રી : આત્માનું હિત જોવું. બાકી, સાચું બોલવાનું પણ આ સાચું એટલે સંસારહિત છે અને એ સાચું આત્માની બાબતમાં જૂઠું જ છે. એટલે બહુ આગ્રહ ના કરવો કોઈ વસ્તુનો. આગ્રહ ના રાખવો. મહાવીર ભગવાનના માર્ગમાં જે આગ્રહ છે ને, એ બધું ઝેર છે. એક આત્માનો જ આગ્રહ રાખવો, બીજો કોઈ આગ્રહ નહીં. આત્માનો અને આત્માનાં સાધનોનો આગ્રહ હોવો જોઈએ ! આગ્રહ એ અહંકારનો ફોટો છે. સામાનો અહંકાર એના આગ્રહથી સમજ પડે. આગ્રહ એટલે ગ્રહાયેલો. સત્યનો આગ્રહ હોય કે ગમે તે આગ્રહ. પણ આગ્રહ એટલે ગ્રહાયેલો ! આ ગ્રહાયેલો તમે સમજી ગયાને ? મોક્ષમાર્ગમાં સત્યનો આગ્રહ કરવો એ પોઇઝન છે અને અસત્યનો આગ્રહ કરવો તે ય પોઇઝન છે. ન સત્યનો, ન અસત્યનો આગ્રહ ! એટલે આ સત્યનો આગ્રહ અમે ના કરીએ. કારણ કે આ સત્ય એ 'એક્ઝેક્ટલી' નથી, આ ખોટી વસ્તુ પણ નથી. પણ એ રિલેટિવ સત્ય છે અને અમે રિયલ સત્યની ઉપર ધ્યાન રાખનારા ! રિલેટિવમાં માથું ન મારીએ, રિલેટિવમાં આગ્રહ ના હોય અમને. અમને તો સત્યનો ય આગ્રહ નથી, તેથી કરીને મને અસત્યનો આગ્રહ છે એવું નથી. કોઈ વસ્તુનો જ આગ્રહ ના હોય ત્યાં પછી ! અસત્યનો ય આગ્રહ ના જોઈએ અને સત્યનો ય આગ્રહ જોઈએ જ નહીં. કારણ કે સત્ય-અસત્ય છે જ નહીં કશું. હકીકતમાં કશું છે નહીં આ બધું. આ તો રિલેટિવ સત્ય છે. જગત આખું રિલેટિવ સત્યમાં આગ્રહ માની બેઠું, પણ રિલેટિવ સત્ય વિનાશી છે. હા, એ સ્વભાવથી જ વિનાશી છે. કયું સાચું ? છોડે તે કે પકડે તે ? આ જે વ્યવહાર સત્ય છે, તેનો આગ્રહ એ કેટલું ભયંકર જોખમ છે ? કંઈ બધા કબૂલ કરે છે, વ્યવહાર સત્યને ? ચોરો જ ના કબૂલ કરે, લ્યો ! કેમ લાગે છે તમને ? એ કોમ્યુનિટીનો એક અવાજ છેને ?! આ સત્ય જ ત્યાં અસત્ય થઈ પડે છે !! એટલે આ બધું રિલેટિવ સત્ય છે, કશું ઠેકાણું નથી. અને એવા સત્યને માટે લોક મરી ફીટે. અલ્યા, સત્ને માટે મરી ફીટવાનું છે. સત્ અવિનાશી હોય અને આ સત્ય તો વિનાશી છે. પ્રશ્નકર્તા : સત્માં આગ્રહ હોતો જ નથી. દાદાશ્રી : સત્માં આગ્રહ હોય જ નહીં ને ! આગ્રહ સંસારમાં હોય. સંસારમાં સત્યનો આગ્રહ હોય. અને સત્યના આગ્રહની બહાર ગયા, એટલે પછી મતાગ્રહ કહો, કદાગ્રહ કહો, દૂરાગ્રહ કહો, પછી એ બધાય હઠાગ્રહમાં જાય. પ્રશ્નકર્તા : સંસારમાં ય સત્યનો આગ્રહ ક્યાં રખાય છે ?! દાદાશ્રી : સત્યનો આગ્રહ કરવા પૂરતો જ છે. હમણાં અહીં આગળ ત્રણ રસ્તા આવ્યા, તો એક કહેશે, 'આ રસ્તે ચાલો.' બીજો કહેશે, 'ના, આ રસ્તે.' ત્રીજો કહેશે, 'ના, આ રસ્તે ચાલો.' તે ત્રણેવ જુદા જુદા રસ્તા બતાવે છે અને એક પોતે અનુભવી હોય તે જાણતો હોય કે 'આજ રસ્તે સાચી વાત છે અને આ બે ખોટે રસ્તે છે.' તો એણે એક-બે વખત એમ કહેવું જોઈએ કે, 'ભઈ, અમે તમને વિનંતી કરીએ છીએ કે આ જ સાચો રસ્તો છે.' છતાં ના માને તો પોતાનું છોડી દે તે જ સાચો છે. પ્રશ્નકર્તા : પોતાનું તો છોડી દે પણ એ જે જાણતો હોય કે આ ખોટો રસ્તો છે, તો એમાં એ સાથે કેવી રીતે જાય ? દાદાશ્રી : જે બને એ ખરું પછી. પણ છોડી દેવાનું. વિનાશી સત્યનો આગ્રહ કરશો તો તમે વિનાશી થઈ જશો. માટે સત્નો આગ્રહ કરો. 'સત્' એ શુધ્ધાત્મા છે, અવિનાશી છે. સત્ય પણ ભ્રાંતિનું ! પ્રશ્નકર્તા : આ બધા આગ્રહોમાં સત્યનો આગ્રહ આવી જાય કે નહીં ? દાદાશ્રી : હા, પણ સત્યનો આગ્રહ સંસારમાં દુઃખ ના આપે, સુખ આપે. પણ એય આગ્રહ જ કહેવાય. સત્ય હોતું જ નથી. આ જગતમાં કોઈ સત્ય હોતું જ નથી. એ સત્ય છે એ ભ્રાંતિનું સત્ય છે અને ભ્રાંતિનું સત્ય એ ભ્રાંતિની બહાર નીકળે ત્યારે અસત્ય જ હોય છે. આ તો સ્વપ્નાનું સત્ય છે. સ્વપ્નાનું સત્ય કેટલા દહાડા સત્ય કહેવાય ? પ્રશ્નકર્તા : આગ્રહમાં સત્યાગ્રહ સારો કે નહીં ? દાદાશ્રી : વ્યવહારમાં સત્યાગ્રહ સારો. એક જ વખત સત્યાગ્રહ કરવો. અને સત્યાગ્રહ ફરી પકડી રાખ્યો તો એ દુરાગ્રહ થાય. એ સત્યાગ્રહ પ્રમાણની બહાર જાય તો દુરાગ્રહ થઈ જાય. અને દુરાગ્રહની આગળ જાય તો કદાગ્રહ થઈ જાય. સત્યનો આગ્રહ, ક્યાં સુધી યોગ્ય ? પ્રશ્નકર્તા : તો સત્યનો આગ્રહ રાખવો કે નહીં ? દાદાશ્રી : સત્યનો આગ્રહ રાખવો, પણ કેટલો ? કે એ દુરાગ્રહ નહીં થવો જોઈએ. કારણ કે 'ત્યાં' આગળ તો કશું સત્ય છે જ નહીં. બધું સાપેક્ષ છે. સત્યાગ્રહેય જો વધુ તમેે પકડો કે સામો માણસ એમ કહે કે, 'ના, આમ જ છે' અને તમે કહો કે, 'ના આમ જ છે.' હઠે ચઢ્યા તો દુરાગ્રહ કહેવાય. પણ વ્યવહાર માટે સત્યાગ્રહની રીતે ચાલવું સારું. એક સત્ય આગ્રહ પૂરતું, એક નિયમ પૂરતો હોવો જોઈએ. પછી વધારે આગ્રહ ના હોવો જોઈએ. 'એ' એક પ્રકારનું ત્રાગું સત્યાગ્રહ એટલે વ્યવહાર સત્યનો એક વખત આગ્રહ કરજે. તેથી આગળ આગ્રહ થાય નહીં. પ્રશ્નકર્તા : એમાં સત્યાગ્રહ પણ આવી જાય ? દાદાશ્રી : એ સત્યાગ્રહ બહુ નડે નહીં. પણ સત્યાગ્રહ બે જાતના. અત્યારે તો હિન્દુસ્તાનમાં ઘણો ખરો સત્યાગ્રહ થાય છે ને, તે ત્રાગાં જ કરે છે. એની પર ત્રાગાંનો ભાવ છે. ખુલ્લું ત્રાગું નથી કરતા પણ સત્યાગ્રહના નામ પર ત્રાગું કરે છે. 'આમ નહીં કરો તો ઉપવાસ કરીને મરી જઈશું.' એ સત્યાગ્રહ ના હોવો જોઈએ. ત્રાગામાં ના આવવું જોઈએ. પણ એને કહેવાય સત્યાગ્રહ, પણ અંદરખાને ત્રાગું હોય. આ તો ત્રાગાં કરે છે ને, એ સત્યાગ્રહ તે તો પોતાના અહંકારનો કક્કો ખરો કરાવવા માટે ! ત્રાગું એ ગુનો ભયંકર ! સત્યાગ્રહનીયે હદ હોય છે. એકાદ-બે દિવસ ઉપવાસ કરીને પછી પેલા ના છોડાવડાવે, તો યે પોતે છોડી દેવા જોઈએ, નહીં તો ત્રાગું કહેવાય. સત્યાગ્રહમાંથી ત્રાગું ઉત્પન્ન થાય અને ત્રાગાં કરે એને જેલમાં ઘાલી દેવા જોઈએ. ત્રાગું એટલે પોતાનું ધાર્યું કરાવડાવું. ગમે તે રસ્તે માર-માથાફોડ કરીને સામાને ટાઢો પાડી દેવો ને પોતાનું ધાર્યું કરાવી દેવું. પ્રશ્નકર્તા : એનો હેતુ સારો હોય તો ? દાદાશ્રી : ગમે તેવો સારો હેતુ હોય પણ આવું ત્રાગું કર્યું એટલે જેલમાં ઘાલી દેવા જોઈએ. ત્રાગું કર્યું હોય એને બહાર રખાય નહીં, પણ અત્યારે રાખવા જ પડેને ! શું કરે ? ક્યાં લઈ જાય ?! ત્રાગાનો ગુનો અત્યારે કોઈ પકડે નહીં. કારણ કે બધાં ત્રાગાં કરનારાને ? પકડનારોય ત્રાગાં કરનારો !! સત્યાગ્રહી ને સત્યગ્રાહી ! પ્રશ્નકર્તા : સત્યાગ્રહી અને સત્યગ્રાહી, એ બન્ને વચ્ચેનો ફરક શો ? દાદાશ્રી : બેમાં બહુ ફેર. સત્યગ્રાહી એટલે સત્યનું જ ગ્રહણ કરે. અસત્યમાંય જે સત્ય પડેલું હોય તે ગ્રહણ કરી લે. એ સારી વસ્તુ છે. પણ સત્યાગ્રહ એ વસ્તુ ખરાબ છે, એ ત્રાગું છે. પ્રશ્નકર્તા : ગાંધીજી સવિનય ભંગ કહેતા એ સત્યાગ્રહ કહેવાય ? દાદાશ્રી : ગાંધીજીનો સત્યાગ્રહ પણ એમની ભાવના સારીને ! પોતાને માટે કશું ન્હોતું તેથી. પ્રશ્નકર્તા : ગાંધીજી તો સત્યના પૂજારી હતા ને ? દાદાશ્રી : એ સાંસારિક વાત હતી, એ ધાર્મિક વાત નથી. એ સત્યના પૂજારી હતા એ બરોબર છે પણ સત્ય વિનાશી હોય. એમનું સત્ય બધાય લોકો સ્વીકાર કરતા ન્હોતા, આવડી આવડી ગાળો દેતા હતા. અને જેનું અવિનાશી સત્ય હોયને તો તેને બધાય સ્વીકાર કરે ! એટલે ગાંધીજીની વાત સાચી છે. એમણે તો એ સત્ય ઉપર દેશનું કલ્યાણ કર્યું. સત્યાગ્રહ એ આપણા હિન્દુસ્તાનની શોધખોળ છે અને ગાંધીજીએ શોધખોળ કરી છે. પણ ગાંધીજીએ પોતાના માટે નથી કરી, દેશને માટે કરી છે. એટલે એ વંદનીય પુરુષ છે. એને આપણે ત્રાગું નહીં કહીએ. એની પાછળ જે લોકો છે કે 'અમે જેલમાં જઈશું' એવું બધું કહે છે, એ બધાં ધાર્યું કરાવવાનાં ત્રાગાં છે ! બાકી ગાંધીજીએ તો જે કંઈ કર્યું એ હિન્દુસ્તાનને છોડાવવા માટે કર્યું હતું !! પ્રશ્નકર્તા : જે સત્યગ્રાહી હોય એ જ સાચો સત્યાગ્રહી થઈ શકે. દાદાશ્રી : સત્યગ્રાહીને એનો આગ્રહ થઈ જાય તો સત્યાગ્રહી થઈ જાય. કારણ કે અસત્યનો ગ્રાહી તો કોઈ હોય જ નહીં. આપણે બજારમાં પૂછવા જઈએ કે કંઈ અસત્યના ગ્રાહી છે કે ? ના હોય એટલે સત્યગ્રાહી તો રહેવું જ જોઈએ પણ એનો આગ્રહ થઈ જાય કે 'આમ જ હોવું જોઈએ' તો એ સત્યાગ્રહી થઈ જાય. સત્યને સત્ય ઠરાવતાં, તે જ અસત્ય ! અને સત્યને સત્ય ઠેરવવા જતાં, એનો પ્રયત્ન કરવા જતાં અસત્ય બને છે. આ જગતમાં વાણી માત્ર સત્યાસત્યથી બહાર છે. એને સત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય, અસત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય. એ બેઉ આગ્રહપૂર્વક બોલાય એવું નથી. આગ્રહપૂર્વક બોલ્યા એ પોઈઝન ! શાસ્ત્રકારોએ કહ્યું કે વધુ પડતી ખેંચ કરી માટે અસત્ય છે ને ખેંચ ના કરી માટે સત્ય છે. ને સત્યને સત્ય ઠરાવવા જશો તો અસત્ય થઈને ઊભું રહેશે, એવા જગતમાં સત્ય ઠરાવો છો ?! સત્યનુંય પૂછડું ક્યાં સુધી પકડવું ? હવે આ સત્યના આગ્રહ છૂટી જાય તે તો બહુ મુશ્કેલ વસ્તુ છે. હજુ એમાંથીય મુક્ત થયેલો મેં જોયો નથી. સત્યનો આગ્રહ છૂટી જાયને, તો પછી થઈ રહ્યું. કામ જ ખલાસ થઈ ગયુંને ?! અને આપણું સાચું હોતું નથી. સાચું બોલાય પણ સાચું આવડતું નથી. એક અક્ષરેય સાચો આવડતો નથી અને ખાલી દોઢ ડહાપણ કર્યા કરે છે ! આ સત્ય છે તે રિલેટિવ સત્ય છે, એટલે આનો સાધારણ આગ્રહ રાખવાનો, બહુ દુરાગ્રહ પકડવાનો નહીં. ખરેખર સત્ય ન્હોય આ. ખરેખર તો સત્ છે એ અવિનાશી છે. સત્યનું પૂંછડું ક્યાં સુધી પકડવું ? આ ગધેડું લાતો મારે છે, પેટ ફૂટી ગયું છે, તોય સત્યનું પૂંછડું પકડી રાખવું ? પણ કહે, 'ના, મારા બાપાએ કહ્યું હતું ને કે અલ્યા, છોડીશ નહીં.' જે સત્યમાં ગધેડાની લાતો ખાવી પડે, એ સત્યને મેલી દેને પૂળો અહીંથી ! એટલે પછી આપણા લોક શું કહે છે, કે 'આવ્યું, આ સત્યનું પૂંછડું આવ્યું ! ગધ્ધેકા પૂંછ પકડા સો પકડા, માર ખાઈ ખાઈને મરી ગયો તોય પૂંછડું છોડતો નથી !' હવે સાચી વાત પકડી રાખવી એ જૂઠ છે. સત્યનું પૂંછડું પકડે એ અસત્ય જ છે અને અસત્ય યે છોડી દે તે સત્ય છે. પકડી રાખ્યું કે બધું બગડ્યું. તે આ લોકો સત્યનાં પૂંછડાં પકડી રાખી અને માર ખા ખા કરે છે. જેમ ગધેડાનું પૂંછડું પકડી રાખેને ? તે લાતો ખા ખા કરે, પણ 'નહીં છોડું હું' કહે ! આગ્રહ છૂટ્યે, સંપૂર્ણ વીતરાગનાં દર્શન ! પ્રશ્નકર્તા : એટલે આ તો અસત્યનો આગ્રહ તો છોડવાનો છે, પણ સત્યનો ય આગ્રહ છોડવાનો છે ! દાદાશ્રી : હા, તેથી કહ્યું છે ને, જ્યારે સત્યનો ય આગ્રહ છૂટી જાય છે, ત્યારે વીતરાગ સંપૂર્ણ ઓળખાય છે ! સત્યનો આગ્રહ હોય ત્યાં સુધી વીતરાગ ના ઓળખાય. સત્યનો આગ્રહ રાખવાનો નથી. જો કેવું સુંદર વાક્ય લખ્યું છે ! ન હોય સત્યનો આગ્રહ ! પ્રશ્નકર્તા : એ તો આપે કહ્યું છેને, સત્યનો આગ્રહ નહીં હોવો જોઈએ. દાદાશ્રી : એટલે શું ન્યાય છે એ લોકોને ખ્યાલ નહીં હોવાથી આગ્રહો પકડી પકડીને આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ જે તોફાને ચઢ્યાં છે !! આ તમે જે વાત કરો છોને, એ સત્યનો આગ્રહ કહેવાય. એ જ્યારે છૂટી જાય ત્યારે વીતરાગ સંપૂર્ણ ઓળખાય. પ્રશ્નકર્તા : હા, ત્યાં આપણે સત્યનો આગ્રહ નહીં રાખવાનો ? દાદાશ્રી : કશાનો આગ્રહ જ નહીં રાખવાનો. પ્રશ્નકર્તા : એને જેમ કરવું હોય તેમ કર્યા કરે. દાદાશ્રી : સહુ સહુની જવાબદારી છે. પોત-પોતાની જવાબદારી પર છે આ. એમાં આપણે સત્યનોય ક્યાં આગ્રહ રાખીએ ? આગ્રહ એ જ અસત્ય ! આ જગતમાં એવું કોઈ સત્ય નથી કે જેનો આગ્રહ કરવા જેવો હોય ! જેનો આગ્રહ કર્યો એ સત્ય જ નથી. મહાવીર ભગવાન શું કહેતા હતા ? સત્યાગ્રહ પણ ના હોવો જોઈએ. સત્યનો આગ્રહ પણ ના હોવો જોઈએ. સત્યનો આગ્રહ અહંકાર સિવાય હોઈ શકે નહીં. તે આ સત્યનો આગ્રહ કરશો ને, સત્ય જો આઉટ ઓફ નોર્માલિટી થશે ને, તો એ અસત્ય છે. આગ્રહ રાખ્યો એ વસ્તુ જ સત્ય નથી. આગ્રહ રાખે એટલે અસત્ય થયું. ભગવાન નિરાગ્રહી હોય, દુરાગ્રહી ના હોય. સત્યાગ્રહે ય ભગવાનની અંદર ના હોય. સત્યાગ્રહે ય સંસારી લોકોને હોય. ભગવાન તો નિરાગ્રહી હોય. અમે ય નિરાગ્રહી હોઈએ. અમે ભાંજગડમાં પડીએ નહીં. નહીં તો આનો પાર જ નથી આવે એવો. નિરાગ્રહી થવું એ વીતરાગતાનો માર્ગ છે. જ્યાંથી ત્યાંથી આગ્રહ છોડી દે. સત્યના આગ્રહને ય ભગવાને અજ્ઞાનતા કહી. 'અમારા'માં આગ્રહ નામે ય ના હોય ! પ્રશ્નકર્તા : ધર્મ ને અધર્મ જેમ આવે છે, શુભ અને અશુભ, સત્ય અને અસત્ય દ્વંદ્વવાળી જે વસ્તુ છે, એમાં આગ્રહ નહીં રાખવાનો. પણ જે પરમ સત્ય છે, નિશ્ચય ભાગ, એમાં આગ્રહ તો હોવો જ ઘટે, એમ અમારો મત છે. એમાં ક્યાં ખોટું આવે છે, સમજાવો. દાદાશ્રી : એમાં આગ્રહની જરૂર જ નહીંને ! ફક્ત આગ્રહ ક્યાં કરવાનો છે કે સત્ જે શબ્દ હોય ને ત્યાં આગ્રહ કરવાની જરૂર છે. આ જે સત્ય છે, તેનો આગ્રહ કરવાથી દોષ બેસે. અને કોઈ માણસ કહેશે, 'ભઈ, ના, હું સત્ છું.' એનો આગ્રહ કરવાથી દોષ બેસે નહીં. પ્રશ્નકર્તા : દાદા, પણ પોતાની સમજ માટે તો એ નક્કી હોયને ? દાદાશ્રી : એ તો પોતે નક્કી કરવા માટે જ આગ્રહ, પણ તે આપણા વ્યવહારમાં આગ્રહ કહેવાય. એ આગ્રહપૂર્વક નહીં કહેવાનું. સત્ એટલે આત્મા અને સત્ય એટલે આ વ્યવહારિક સત્ય, આ દુનિયાનું સત્ય. પ્રશ્નકર્તા : દુનિયાનાં સત્યમાં આગ્રહ રાખવો કે નહીં ? દાદાશ્રી : ના. અને પેલામાંય આપણે આગ્રહ રાખવાનો નહીં. આગ્રહ રાખવોને એ જ ભયંકર ઝેર છે. આપણે 'હું શુધ્ધાત્મા છું' એ નક્કી થઈ ગયું, નિશ્ચય-નિર્ણય, તે બસ, પછી બીજું શું જોઈએ ? પ્રશ્નકર્તા : 'હું છું' પછી એનો આગ્રહ શાનો ? દાદાશ્રી : અને છતાં વખતે આગ્રહપૂર્વક કહેવું પડેને, તોય એ આગ્રહ નિરાગ્રહી-આગ્રહ જેવું હોય. મહાવીર ભગવાન સંપૂર્ણ નિરાગ્રહી હતા. સત્યનોય આગ્રહ તેમને નહોતો. જ્યારે આ અત્યારે જે આ અહીં આગળ એ ચાલે છે, દીક્ષા ચાલે છેને, એ તો ગચ્છાગ્રહી છે. મોક્ષ માટે ગચ્છાગ્રહી દીક્ષા ચાલે નહીંને ? સત્યને આગ્રહની જરૂર ક્યાં ? પ્રશ્નકર્તા : 'હું પરમ જ્યોતિ સ્વરૂપ એવો સિદ્ધ ભગવાન છું.' આ પરમ સત્ય થયું. હવે એનો આગ્રહ છોડી દેવાય ? દાદાશ્રી : એનો આગ્રહ રાખવાનો જ નથીને ! છોડી ના દેવો હોય તો ના દેશો. પણ એનો આગ્રહ રાખવાનો નહીં. પ્રશ્નકર્તા : તો તેના સિવાય પ્રગટ કેમ થાય ? 'હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું' તેનો જો આગ્રહ ન રાખે તો એ પ્રગટ કેમ થાય ? દાદાશ્રી : એને છોડી દેવાનું નહીં, પણ એનો આગ્રહ તમારે રાખવાની જરૂર નથી. કોઈ કહે કે 'તમે પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન થયા નથી.' તો તમારે કહેવું કે 'એમ તો એમ !' કોઈ માણસ કહે કે 'તમે શુધ્ધાત્મા નથી' તો તે ઘડીએ તમારે આગ્રહ જ નહીં કરવાનો કે 'હું શુધ્ધાત્મા જ છું.' પોતે પોતાના સ્વરૂપમાં આગ્રહ હોય જ. એટલે એ આગ્રહ બહાર બોલવાની જરૂર જ નથી. પ્રશ્નકર્તા : 'હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું' એ સત્ય વસ્તુ છેને ? તો પછી એના આગ્રહની જરૂર જ ક્યાં છે એમ ? દાદાશ્રી : બસ. આગ્રહની જરૂર જ નથી ! અને વીતરાગના માર્ગમાં આગ્રહ જેવો શબ્દ જ નથી. આગ્રહ તો હજુ આ પુદગલમાં છે. જ્ઞાની પુરુષને કોઈ જાતનો આગ્રહ નહીં, સત્યનોય આગ્રહ નહીં. એક ફક્ત આત્માનો આગ્રહ કે 'હું આત્મા છું'. તે તો સાચી વાત છે અને એમાં આગ્રહ હોય જ નહીંને ! છું જ એમાં છે આગ્રહ ?! આગ્રહ ત્યાં અજ્ઞાન ! પ્રશ્નકર્તા : પણ દાદા, શું થાય છે ? પુસ્તકોનાં ખૂબ વાંચન પછી પંડિતાઈનો આગ્રહ વધારે રહે છે. દાદાશ્રી : પંડિતાઈ પેસે. એમાં પંડિતાઈનું ભૂત પેસે છેવટે. ભૂત ન્હોતું ને, મહીં શરીરમાં તે પેસે. નહીં તો ગોખી નાખે. હા, ધર્મનાં પુસ્તક ગોખનારાં બધાં કેટલાં હશે ? ગોખી નાખ્યું એ જાણે થઈ ગયો સાક્ષાત્કાર (!) આ. આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય કે આત્મજ્ઞાન થાય ત્યારે. અને આત્મજ્ઞાન એ કારણ કેવળજ્ઞાન કહેવાય છે. અત્યારે સંસારમાં આત્મજ્ઞાન થાય નહીં કોઈનેય ! અત્યારે આત્મજ્ઞાન કોઈનેય નથી. આત્મજ્ઞાન હોય તો આવી વાણી ય ના હોય, આવું વર્તને ય ના હોય, કોઈ આગ્રહ જ ના હોય ને ! આત્મજ્ઞાનીને આગ્રહ ના હોય, એ નિરાગ્રહી હોય. અને આત્મજ્ઞાન છે ત્યાં અહંકાર ના હોય, આગ્રહ ના હોય. બાકી અહંકાર છે, આગ્રહ છે, ત્યાં કશું જાણતા નથી. એ વાત ખરી છે કે એ શાસ્ત્રજ્ઞાન જાણે છે. પણ એમાં અહંકાર છે. જે શાસ્ત્રોથી અહંકાર ના ગયો, તો એ શાસ્ત્રોનું જ્ઞાન બધું આપણને કામ લાગ્યું નહિ. નિરાગ્રહતા ત્યાં આત્મજ્ઞાન ! પ્રશ્નકર્તા : હવે શાસ્ત્રજ્ઞાન થાય અને છતાં આત્મજ્ઞાન ન થાય તો એનું કારણ શું ? દાદાશ્રી : એનું કારણ, તેમને જો નિરાગ્રહી સ્ટેજ ઉપર લઈ જવાની ભાવના હોયને, તો આત્મજ્ઞાન અવશ્ય થવું જ જોઈએ. આ તો દુરાગ્રહમાં પડેલા છે. અને શાસ્ત્રજ્ઞાન જે થયેલું છે એમ પૂરેપૂરું થયેલું નથી પણ અમુક અપેક્ષાએ શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન તો શું કરે ? એ પોતે જાણે કે, આનું નામ જ આત્મજ્ઞાન અને આ આત્મજ્ઞાન નહીં. એ ભેદને શબ્દથી જાણે છે. પ્રશ્નકર્તા : જાણે છતાં સમજી શકે નહીં. દાદાશ્રી : થઈ શકે જ નહીંને ! નહીં તો એવું જો થઈ શકતું હોય તો વિકલ્પી નિર્વિકલ્પી થઈ જ જાય, બધાંય વિકલ્પી નિર્વિકલ્પી થઈ જાય. એવું જો પોતે તે રૂપ થઈ જાય તો તો ભગવાનનો માર્ગ જ ના રહ્યો ! એ તો કોઈક જ સ્વયંબુદ્ધ હોય ! એવું છેને, આ સિદ્ધાંત છેને, તે નિરાગ્રહી હોવાથી, સ્યાદ્વાદ હોવાથી, દરેક અંશે થાય છે. પણ તે કોઈ જ અપવાદ હોય એમાં. આ સિદ્ધાંત એમ જ નથી કહેતું કે આમ જ થવું જોઈએ. પણ સ્યાદ્વાદ હોવાથી કોઈથી એમ ના કહેવાય કોઈને કે પોતે પોતાથી ના જ થાય. કોઈકને થાય પણ તે કંઈ બધાને માટે એ રસ્તો નથી. બધાને માટે રસ્તો તો કોઈ માર્ગને પામેલા હોય તો એની પાસેથી જ મળે. તરેલાં જ તારશે, મોક્ષદાતા જ મોક્ષદાન આપશે. જે મોક્ષનું દાન આપવા આવેલા છે તે મોક્ષનું દાન આપશે. નહીં તો એનો જ મોક્ષ ના થયો હોય તો આપણે શી રીતે થશે ? એટલે શાસ્ત્રજ્ઞાન તો શું કરે છે કે માપ તો તું કાઢી શકે કે કરેક્ટ છે આ. પણ પોતે તે રૂપ ના થાય. પોતે શાસ્ત્રને જાણકાર તરીકે રહે અને તે રૂપ થયો હોય ને તે જ્ઞેયને જાણકાર તરીકે રહે ! આત્મજ્ઞાનનાં લક્ષણ શાં ? નિરાગ્રહી હોય, કોઈ પણ જાતના આગ્રહ ના હોય. નહીં નિરાગ્રહીનો ય આગ્રહ ! અમને કોઈ પણ બાબતમાં સહેજ પણ ગ્રહ નહીં કે આગ્રહ નહીં, કે આમ જ ! એક સેકન્ડેય નહીં ને ! 'આ ખરું છે, આ સત્ય છે' એવોય અમારો આગ્રહ ના હોય. 'આ જ્ઞાન થયું છે' એય આગ્રહ ના હોય. તમે કહો કે, 'પેલું ખોટું છે' તોય આગ્રહ ના હોય. તે તમારી દ્રષ્ટિમાં આવ્યું એ સાચું. ભગવાન મહાવીરનું નિરાગ્રહીપણું ! પ્રશ્નકર્તા : ધર્મ એવો હોવો જોઈએ કે જ્યાં કોઈ પણ વસ્તુનો આગ્રહ ના હોવો જોઈએ, તો જૈન ધર્મમાં કાંદા, બટેટા, લસણ જોડે શું વેર છે ? દાદાશ્રી : ભગવાન મહાવીરને ત્યાં બિલકુલ આગ્રહ ન હતો. મહાવીર ભગવાન તો એમ કહી દે કે આ પ્રકારનાં કપડાં છે એ તને શિયાળામાં ટાઢ નહીં ઊડે અને આ પ્રકારનાં કપડાં છે, તેનાથી ટાઢ ઊડશે એવું સમજાવે. મહાવીર ભગવાન એમ નથી કહેતા કે આ જ તું પહેરજે. પછી તને સમજણમાં ફાવે એ કરજે. ભગવાને એમ કહ્યું કે કયો ખોરાક હિતકારી અને કયો ખોરાક અહિતકારી ? કયા પ્રમાણમાં હિતકારી ? એ બધી વાત ભગવાને કરી. એમણે એવું નથી કહ્યું કે તમે આ છોડજો કે આમ કરજો. કેવા ડાહ્યા માણસ હતા ! નિરાગ્રહી પુરુષ હતા. હું જ આગ્રહ નથી કરતો ને કોઈ બાબતમાં. મેં આગ્રહ નથી કર્યો, પેલો કહે કે 'મારે તો કાંદા- બટાકા ખાવા છે'. ત્યારે હું કહું કે 'ખાજે બા'. અને પેલો કહે કે 'મને કાંદા-બટાકા દેખું છું ને કંઈક થઈ જાય છે.' તેને મેં કહ્યું, 'તારે આની જોડે વેર છે ? વેર છોડી દે ને છાનોમાનો. દેખે તો વેર ના રાખીશ. તારે ના ખાવા હોય તો ના ખઈશ.' કાંદા-બટાકા જોડે વેર રાખીને શું કામ છે ? એણે શું બગાડ્યું છે બિચારાએ ? આપણે ના ખાવા હોય તો નહીં ખાવા. સૌથી ભૂંડો દૂરાગ્રહ ! અહીં આગળ અક્રમ માર્ગમાં તો અધિકારી જોવામાં આવતો નથી. અધિકારી તો ત્યાં બહાર જોવાના હોય. બીડીઓ પીતો હોય, તેને અધિકારી ના ગણે ને બીડી ના પીતો હોય, એ અધિકારી ગણાય. લ્યો ! આ બિચારાએ બીડી પીધી એ ગુનો કર્યો ! આ બીડીઓ કરતાં દુરાગ્રહ ભૂંડો છે !! પ્રશ્નકર્તા : આ જે વર્ણન કર્યું છે કે સોયની અણી ઉપર બટાકાનું એ માપનું એક પીસ (ટૂકડો) આવે, તો અનંતા જીવો હોય છે. એ જીવોને.... દાદાશ્રી : એ બધું કોને માટે છે ? જેને બુદ્ધિ વધારવી હોય ને, તેને માટે. એમાં આગ્રહી થાય, તે ક્યારે દહાડો વળે ?! અને આ મોક્ષનો માર્ગ નિરાગ્રહી છે, આ જાણવાનું ખરું અને બને એટલું ઓછું કરી દેવાનું. ભગવાન હોય નિરાગ્રહી ! તમે બટાકા ના ખાતા હો અને તમને બહુ દુરાગ્રહ પેસી ગયો હોય બટાકા માટે, તો અમે શું કહીએ, 'આજે બટાકા ખાજે'. એ દુરાગ્રહ છોડાવવા માટે. બાકી બટાકા વાંધો નથી લાવતા, દુરાગ્રહ નડે છે. ભગવાન નિરાગ્રહી હતા. આગ્રહ ત્યાં વિગ્રહ ! પ્રશ્નકર્તા : મારે કોઈ એવો આગ્રહ જ નથી. દાદાશ્રી : હા, જ્યાં આગ્રહ ત્યાં વિગ્રહ. એટલે આગ્રહ નથી તો વિગ્રહ નહીં થાય. તો ખાવાની બાબતમાં તો તમે નિવૃત્ત થઈ ગયા છો. એ જીતી ગયા છે. હવે કઈ બાબતમાં જીતી નથી ગયા ? એ બાબત હશેને તમારી પાસે ? દેહનાં કર્મો, વચનનાં કર્મો અને મનનાં કર્મો બધું ડિસ્ચાર્જ થવા માટે તૈયાર છે, ડિસ્ચાર્જ સ્ટેજમાં છે. હવે તમારે એને ચાર્જ કરવાનું નથી. એના મેળે ઉદય આવશે ને નિકાલ થતો જશે. પણ તે સહજ ભાવે રહેવું જોઈએ. એમાં પછી ભઈ માટે આમ, આની જોડે આમ, બે શાક જોઈએ જ ને આમ તેમ... ! એવાં કોઈ પ્રકારનો આગ્રહ જ નહીં. જે ઉદયમાં આવ્યું તે ખરું. જમાડવામાં આગ્રહ ! પ્રશ્નકર્તા : આપણે ઘેર કોઈ મહેમાન આવ્યું હોય તો એને જમવાનો આગ્રહ કરવો ? પીરસવામાં આગ્રહ કરવો કે ના કરવો ? દાદાશ્રી : એવું છે ને, કેટલાંક વખત તો કોઈ માણસને આપણે આગ્રહ કરીએ ને, એટલે એના મનમાં એમ લાગે કે આ કેવો નાલાયક માણસ છે ! જરા વ્યવહારિકતા રાખવી જોઈએ આપણે. આગ્રહ તો આપણે જાણીએ કે આ ઘરમાં પેસતા જ શરમાતો હોયને, તેને કહીએ 'આવ બા, બેસ બા.' શરમાળ માણસ હોય તો એને આગ્રહ કરવાનો હોય. બાકી બીજાને આગ્રહ હોય પીરસવાનો ? બેસ ભઈ, ખાવું હોય તે ખઈ લો, જમી લો. હવે એમાં બે રોટલી મૂકવાની પછી આગ્રહ કરવો. તે લોક શેના માટે આગ્રહ કરે છે ? પોતાનો જશ વધારવા માટે. પ્રશ્નકર્તા : કાઠિયાવાડમાં તો આવો આગ્રહ કરીને ના ખવડાવે તો આબરૂ જાય. દાદાશ્રી : હા, એ જ કહું છું ને, જશ વધારવા માટે. હવે કોઈ કહેતા નથી. હવે કંઈ તમારી આબરૂ જતી નથી. ના ગમતી હોય, તેમ છતાં સામાના આગ્રહથી ચા પીવી પડે છે, તો આપણો ગુનો નથી. નહીં તો ચા પીવાની આવે, તે આપણો દોષ ને સામો આગ્રહ કરે છે, તે તેનો પછી દોષ થાય છે ! તો બ્રહ્મચર્યનો થયો દુરાગ્રહ ! બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે બ્રહ્મમાં ચર્યા. શુધ્ધાત્મામાં જ રહેવું, એનું નામ બ્રહ્મચર્ય. પણ આ તો લોક બ્રહ્મચર્યનો શો અર્થ કરે છે ? નળને દાટો મારી દો. પણ દૂધ પીધું, તેનું શું થશે ? આખા જગતે વિષયોને વિષ કહ્યાં. પણ અમે કહીએ છીએ, 'વિષયો એ વિષ નથી, પણ વિષયોમાં નીડરતા એ વિષ છે.' નહીં તો મહાવીર ભગવાનને છોડી (દીકરી) શી રીતે થાત ? જગત વાતને સમજ્યું જ નથી. રિલેટિવમાં બ્રહ્મચર્ય હોવું ઘટે, પણ આ તો પાછાં એક જ ખૂણામાં પડ્યા રહે છે અને બ્રહ્મચર્યનો જ આગ્રહ કરે છે અને તેનો જ દુરાગ્રહ કરે છે. બ્રહ્મચર્યના આગ્રહી થાય છે તેનો વાંધો નથી, પણ દુરાગ્રહી થયા તેનો વાંધો છે. આગ્રહ એ અહંકાર છે અને દુરાગ્રહ એ જબરજસ્ત અહંકાર છે. બ્રહ્મચર્યનો દુરાગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, 'માર ચોકડી.' પછી ભલેને બ્રહ્મચર્ય પાળતો હોય. અથડાયા અંધારામાં ! તમે દુરાગ્રહ કોઈની જોડે કરતા હો તે વખતે તમારા મોઢા પર સહેજ ફેરફાર થઈ જાય. ખાલી દુરાગ્રહ જ જો આટલું બધું કરે છે તો કો'કના ઉપર કડકાઈ કરે તો મોઢું કેવું થઈ જાય ? તમે મનમાં કાંઈ ખરાબ વિચાર કરો તે ઘડીએ તમારું મોઢું કેવું થઈ જતું હશે ? અરે, અમને તો સંસારનો વિચાર આવતો જ નથી. અને છતાંય પણ જો મને સંસારનો વિચાર આવે તો મન મારું ફેરફાર થઈ જાય, મોઢું ફેરફાર થઈ જાય. અને જગત આખું સંસારના વિચારની બહાર નીકળ્યું નથી અને આમ કરો ને તેમ કરો એ સિવાય બીજું ગાયન ગાયું નથી અને એ કરવું આપણી સત્તામાં નથી. એટલે રિલેટિવને જ રિયલ માનીને કચડ કચડ, કચડ કચડ કર્યા કરે છે. આ બધી રોંગ બિલિફ છે. ત્યારે કોઈ કહે કે, 'લોકો કેમ આટલા ગાફેલ રહ્યા હશે ? કોઈ દીવો ધરનાર ના હોય પછી લોક અંધારામાં ભટકાયા જ કરેને ? કો'ક ફેરો દીવો ઉત્પન્ન થાય ત્યારે વળી કંઈક અજવાળું થાય. બાકી દીવો ધરનાર વગર તો બધું અથડાયા જ કરવાનું. આ તે કેવી પકડ ?! પ્રશ્નકર્તા : આયુષ્યનો બંધ તિથિના આધારે પડે છે. તો તિથિમાં ફેર થાય તો પછી એને ભવાંતરનો જે બંધ પડે છે, તેમાં ફેરફાર થઈ જાયને ? દાદાશ્રી : એવું છે ને, આ શેના જેવી લડાઈ છે એ તમને કહું. આ એક બાઈને 'ડિલિવરી' આવવાની હોય, તો આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ કે ના ભાઈ, ફલાણા મેટર્નિટી વોર્ડમાં, ત્યારે તમે કહો, ના, પેલું. અલ્યા, તે પહેલાં તો 'ડિલિવરી' થઈ જશે ! અલ્યા, આના કરતાં એક જગ્યાએ ચાલો. આવું ના પકડાય. પકડવાની વસ્તુને પકડાય. આવું પકડાતું હશે ?! પ્રશ્નકર્તા : આગ્રહ એટલે આ જ જોઈએ. આમ જ થવું જોઈએ, એ જ ? દાદાશ્રી : આગ્રહ એટલે આમ જ થવું જોઈએ, અમારી તિથિ સાચી ને પેલાની તિથિ ખોટી. એટલે દરેક ક્ષેત્રમાં એવું ના જોઈએ. સર્વેની દ્રષ્ટિને સમાવે સ્યાદ્વાદ ! આપણા ઘરમાં એક જ જાતના માણસો હોય તો શું થાય ? ઘરમાં સ્ત્રી વેપારી, ધણી વેપારી, છોકરાં વેપારી, છોકરી વેપારી, પછી ઘરમાં શું થાય ? એટલે જુદું જુદું જોઈએ તો સંસાર ચાલે. પ્રકૃતિ દરેકની જુદી હોય. તે ભગવાને કહેલું કે ભઈ, બધાની પ્રકૃતિ ફેર હોય. પણ એ એનું દ્રષ્ટિબિન્દુ છે અને દ્રષ્ટિબિન્દુના આધારે એ ચાલ્યા કરે છે. હવે પોતપોતાના દ્રષ્ટિબિન્દુને સાચું ઠેરવવું, એને એકાંતિક કહેવાય. જ્યારે વીતરાગ ધર્મ અનેકાંત કહેવાય. બધાં દ્રષ્ટિબિન્દુને પોતે સમાવી લે, એનું નામ વીતરાગ ધર્મ. શુભ 'એકાંતિક' કહેવાય, શુધ્ધ 'અનેકાંત' કહેવાય. અનેકાંતથી મોક્ષ. અનેકાંત એટલે આગ્રહ નહીં, દરેક સત્યને સ્વીકારે. વીતરાગ માર્ગ અનેકાંત-સ્યાદ્વાદ હોય. એકાંતિક ત્યાં આગ્રહ ! પ્રશ્નકર્તા : તે તત્ત્વદ્રષ્ટિએ આ સ્યાદ્વાદ અને અનેકાંત, બન્ને સરખું જ ને ? દાદાશ્રી : ના, સરખું નહીં. લોકો આમ સરખું કહેશે પણ હું સરખું માનું નહીંને, કારણ કે અનેકાંતનો અર્થ શું થાય છે ? એ નિરાગ્રહી કહેવાય છે. આ હિંદુસ્તાનમાં જેટલાં બધા માર્ગ છે ધર્મમાં, એ બધા એકાંતિક કહેવાય. એકાંતિક એટલે અમુક પ્રકારનો આગ્રહ નક્કી કરેલો હોય કે આટલી જ આપણી ભૂમિકા અને આવી જ માન્યતા આપણી, એ એકાંતિક. પોતાનું જુદું અને સામાનું જુદું. અને અનેકાંત એટલે આગ્રહ નહીં, નિરાગ્રહી વાણી. નિરાગ્રહ એ સ્યાદ્વાદમાં સમાય. સ્યાદ્વાદ નિરાગ્રહમાં ના સમાય ! સ્યાદ્વાદ એક મોટી વસ્તુ છે. એટલે અનેકાંત એ જુદી વસ્તુ છે અને સ્યાદ્વાદ એ જુદી વસ્તુ છે. અનેકાંત આગ્રહ ઉપર આધાર રાખે છે અને સ્યાદ્વાદ એ વાદ ઉપર ચાલે છે. વાદ એટલે વચન. ત્યાં નથી વીતરાગ માર્ગ ! પ્રશ્નકર્તા : ખરેખર કઈ તિથિ સાચી ગણવી ? દાદાશ્રી : એ તિથિમાં જે પડ્યાને, એ તો ભગવાનની આજ્ઞામાં નથી આ વાત. ભગવાનની આજ્ઞાની બહાર વાત છે આ. પણ અમારે બોલવું ના જોઈએ આવું. તિથિને પકડવાનું નથી કહ્યું ભગવાને. પકડ હંમેશાં એનું નામ કહેવાય કે દુરાગ્રહમાં ન થવી જોઈએ. કોઈ પણ આગ્રહ દુરાગ્રહમાં પરિણામ પામ્યો તો એ વીતરાગનો માર્ગ નથી. અને આ તો દુરાગ્રહ નથી, હઠાગ્રહી કહેવાય ! ભગવાનનો વીતરાગ માર્ગ કેવો હતો કે એમાં વાંધો-વચકો હતો જ નહીં. આ અક્રમ વિજ્ઞાન પણ વાંધા-વચકા વગરનું છે. આપણને આત્માનું કામ છે, પછી ત્યાં તિથિને શી લેવાદેવા છે ? પણ આ પકડ શેની છે ? 'હું'ની પકડ છે, મમત છે આ. એકનું સાચું હોય, પણ એણે પકડ શું કરવા પકડી ? પકડ પકડી એટલે એય ગુનેગાર ! પ્રશ્નકર્તા : પકડ પકડી એય ગુનેગાર ! દાદાશ્રી : ચોક્કસ ! પકડ પકડે એ મોટો ગુનેગાર કહ્યો ભગવાને. પેલો તો અણસમજણથી કહે છે અગર તો અહંકારથી કહે છે. પણ પકડ તેં પકડી તો મોટો ગુનેગાર ! એ પકડ પકડવાની ના હોય. નિરાગ્રહતા હોવી જોઈએ. આપણે ત્યાં છે કશી કોઈ જાતની ભાંજગડ ! અહીં તો સત્યાગ્રહેય ના હોય. કાયદો જ ના હોયને ! અને વીતરાગનો માર્ગ કોને કહ્યો છે કે તમે જો ચૌદશ પકડી હોય તો હું ખેંચી જોઉં ખરો કે ભઈ, ના, આજે પૂનમ છે. પણ તમે ના છોડો તો પછી હું છોડી દઉં. તો વીતરાગ ધર્મમાં છું અને ના છોડે એ વીતરાગ ધર્મની બહાર છે. જે પોતાનો આગ્રહ છોડી દે એ વીતરાગના ધર્મમાં છે અને જે પોતાનો આગ્રહ ના છોડે એ વીતરાગના ધર્મની બહાર છે. એટલે મારે તો છોડી દેવું જ રહ્યું. આપને સમજાયુંને ? વીતરાગોનો માર્ગ કેવો છે ? પ્રશ્નકર્તા : નિરાગ્રહીનો. દાદાશ્રી : અને લોક આગ્રહો એવા પકડીને બેઠાં છે અને વીતરાગોનો માર્ગ નિરાગ્રહીનો ! જેને આગ્રહ નથી એવા મહાવીર ભગવાનનો માર્ગ આ. તે એટલા બધા કદાગ્રહો કરીને બેઠા છે, આગ્રહો ને કદાગ્રહો ને મતાગ્રહો કરીને બેઠા છે. તે આમાં શી રીતે છૂટાય તે ? કોઈ માણસ ભગવાન મહાવીર જોડે તિથિની પકડ કરતાં હોય. એ જાણતા ના હોય કે આ ભગવાન પૂરા છે. એટલે એ બોલે તો ખરા ને ! હવે ભગવાનની સો ટકા વાત સાચી છે તોય પેલો ના સ્વીકારે. એટલે ભગવાન પછી છોડી દે. એ દુરાગ્રહ ના કરે. પ્રશ્નકર્તા : આત્મા બધો આગ્રહની અંદર જ વોસરાવી દીધો. દાદાશ્રી : કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે લોકોએ આત્મા પ્રાપ્ત કરવા માટે બીજી બધી વસ્તુઓ વોસરાવી દેવાની હતી. તેને બદલે આત્મા જ વોસરાવી દીધો. હવે શું થાય ? બીજી વસ્તુ વોસરાવી દે તો આત્મા રહે આપણી પાસે, પણ બીજી વસ્તુ રહી ને આ આત્માને વોસરાવી દીધો. ધર્મ તો એનું નામ કહેવાય કે વિખવાદ ના હોય. અમૃતવાદ હોય. વિખ એટલે વિષ ! તે વિષવાદને બદલે વિખવાદ કહે છે. ધર્મ તો અમૃતવાદ હોય. આવું વિખવાદ ના હોય. પૂર્વાગ્રહ પાડે અંતરાય ! પ્રશ્નકર્તા : વીતરાગની વાણી સમજવા માટે પૂર્વના આગ્રહો - પૂર્વાગ્રહ છોડવા જરૂરી નથી ? અથવા પૂર્વાગ્રહ હોય તો વીતરાગની વાણી સમજમાં આવે ? દાદાશ્રી : બધા આગ્રહ છોડવા પડે. પોતાનો આગ્રહ છોડ્યા વગર તો કોઈ વસ્તુ, પોતાના બાપની વાત સાચી છે કે નહીં તેય ખબર નહીં પડે, તો વીતરાગની વાત શી રીતે ખબર પડે ? આપણો આગ્રહ છોડીએ તો બાપની વાત સાચી છે કે નહીં તે ખબર પડે. નહીં તો આપણે કહીએ કે આ ડોસો છે તે કંડમ બોલે છે. સાઠે એની બુદ્ધિ નાઠી છે ! અલ્યા, એને સાઠ વર્ષ થયા. એમાં તારું શું જાય છે તે ? પ્રશ્નકર્તા : તો આ ધર્મમાં ગુરૂઓ પોતાના પૂર્વના આગ્રહો છોડતા નથી, તો આ લોકો એમના શિષ્યોને ગેરમાર્ગે નથી દોરતા ? દાદાશ્રી : એ પોતે ગયા છે તે રસ્તે લઈ જાય છે. બન્ને પોતપોતાના ટોળામાં પોતે આગળ રહીને પાછળ ને પાછળ ટોળાં જાય છે, એમાં તો કેટલાંક ભાગી છૂટ્યા છે કે બળ્યું, આ આવું ક્યાં આપણે ફસાઈએ ? ટોળામાંથી કેટલાંક નીકળી ગયા. કારણ કે આવું તો બનેલું જ નહીં. આવું તો મુસલમાનેય કહે કે પાંચ-સાત વખત થાય તો અમેય છોડી દઈએ. પણ ગુનો ના થવા દઈએ આટલો બધો ! છતાં હું તો નિર્દોષ જોઉં છું. અને ગુનેગાર કહું, એ બે બને નહીં ને ! આ તો મને પૂછો તો હું આવો જવાબ આપું. બાકી એય નિર્દોષ છે. શાથી નિર્દોષ છે ? એમના કર્મને આધીન બિચારાં એ ફર્યા કરે છે. એમના કર્મ એમને નચાવે છે, એમાં એમનો શો ગુનો ? રે, વોસરાવ્યો આત્મા જ સચોડો ! બાકી વીતરાગ માર્ગમાં એકાંતિક શબ્દ કોઈ હોય નહીં. એકાંતિક એટલે જ આગ્રહ અને અનેકાંત એટલે આગ્રહ નહીં. 'આમ જ છે' એવું નહીં 'આમેય હોય'. પ્રશ્નકર્તા : આગ્રહ મોટો થાય એટલે કદાગ્રહ થઈ જાય ને ? દાદાશ્રી : આગ્રહ પહેલાં, પછી કદાગ્રહ ક્યારે થાય કે પોતે સાચું જાણે કે આ બધાનું સાચું છે પણ પછી મનમાં જાણે કે હવે એક ફેરી મેં પકડ્યું એટલે એને છોડાય કેમ કરીને ? તે પછી બીજાનું સાચું જાણે તોયે પોતાનું ખોટું ના છોડે, એનું નામ કદાગ્રહ. આ બધાય સાચું જાણે છે પણ પોતાનું ખોટું છોડે તો આબરૂ જાયને ! એટલે આબરૂના પૂજારી છે કે અહિંસાના એ તો ભગવાન જાણે ! બાકી, ભગવાને કહ્યું છે કે, કોઈ કોઈને મારી શકતું જ નથી. અને આ બચાવવા નીકળ્યા ! હવે પાછું એમેય કહ્યું કે આ ગુપ્ત રાખજો. અહિંસાના પૂજારીઓ હોય ત્યાં વાત ખુલ્લી કરજો. કારણ કે એ ભાવના બગાડે જ નહીંને ! અને પાછું જોડે એમેય કહ્યું કે, સાડા ત્રણ ફૂટ જોઈને ચાલજો અને પાછું જોડે જોડે એમ કહ્યું કે તમારો આત્માનો ઉપયોગ ચૂકશો નહીં. ત્યારે કોઈ કહેશે, 'સાહેબ, તમે કેટલી બાજુ બોલો છો ? આ હું તો નીચે જીવડાં જોઉં કે આત્માનો ઉપયોગ કરું ? ત્યારે ભગવાન કહે, 'આત્માનો ઉપયોગ જેને હાથમાં ના આવ્યો હોય તે જીવડાં જોઈને ચાલજો.' હા, પણ ત્યારે શું થાય તે ? જ્યાં શુધ્ધ ઉપયોગ ના થયો ત્યાં શુભ ઉપયોગ રાખો. શુધ્ધ ઉપયોગ ના થાય એવો હોય ત્યાં શુભ ઉપયોગ રાખો પણ હવે શુધ્ધ ઉપયોગ થયેલો માણસ છે તે પાછો નીચે જીવડાં જોવા જાય તો શી દશા થાય ? શુધ્ધ ઉપયોગ થયેલો હોય, તો શાસ્ત્રમાં વાંચે કે સાડા ત્રણ ફૂટ જોઈને ચાલવું એટલે પછી જોવામાં ઉપયોગ દીધો એટલે શું થયું ? આત્મા જ સચોડો વોસરાવી દીધો ! આત્મા આખોય વોસરાઈ ગયો. અનેકાંત એટલે આગ્રહ વિનાનો ! એકાંતિક એટલે શું ? અમુક જાતના આગ્રહ કે આ પ્રમાણે જ. એની બાઉન્ડ્રી બાંધેલી હોય, વાડ કરેલી હોય. વાડમાંથી એકુય બહાર કૂદે નહીં. તે અમુક આગ્રહ લઈને બેઠા હોય કે અમારે આવા રંગનાં જ કપડાં કે અમે કપડાં વગરનાં એવો આગ્રહ એ બધાય એકાંતિક. આ કપડાં વગરનો આગ્રહ રાખ્યો હોય, તેને આ કપડું ઓઢાડીએ તો મરવા તૈયાર થાય. 'હું મરી જઈશ, પણ કપડું નહીં પહેરું !' ત્યારે અલ્યા, મોક્ષે જવું છે કે મરવું છે ? આ પહેરને ! આગ્રહ છોડ છાનોમાનો ! અરે, દેહને લૂગડું પહેરાવ્યું, એમાં તારું શું જતું રહ્યું ?! ત્યારે કહે, 'ના, એ તો અમારો આગ્રહ.' ત્યારે એ આગ્રહ છોડે નહીં ત્યાં સુધી મોક્ષ નહીં થાય, એ તો પોતાપણું જશે તો મોક્ષ થશે. અનેકાંત એટલે કોઈ પણ જાતનો આગ્રહ નહીં કે અમારી આટલી જ છે બાઉન્ડ્રી. અનેકાંતની દ્રષ્ટિએ દરેક, ચોર અને શાહુકાર બન્નેય સાચા છે. ચોર એની દ્રષ્ટિએ સાચો છે, શાહુકાર એની દ્રષ્ટિથી સાચો છે. અને અનેકાંત દ્રષ્ટિથી દરેક વસ્તુ સાચી હોય. પણ તેથી કરીને તે બધી આરાધવા જેવી છે, એવું ના બોલાય. આરાધવા જેવું તો જે થતું હોય તે જ થાય. અને આરાધવું ને ના આરાધવું - બન્નેય જો એકાંતવાદની દ્રષ્ટિએ કરીએ તો વેષ થઈ પડે ! અનેકાંતથી મોક્ષ ! પ્રશ્નકર્તા : રિલેટિવ માર્ગને એકાંત અને રિયલ માર્ગને અનેકાંત ગણી શકાય કે નહીં ? દાદાશ્રી : રિયલ માર્ગને તો એકાંત કે અનેકાંત એ વસ્તુ જ નથી હોતી. રિયલ એટલે રિયલ. એમાં એકાંત કે અનેકાંત એવાં વિશેષણ હોય જ નહીં. વિશેષણ બધું રિલેટિવને હોય. એટલે રિલેટિવમાં એકાંતિક અને અનેકાંત છે. રિલેટિવમાં જે લોકો આગ્રહી છે કે 'અમારું સાચું.' એ આગ્રહ કરે છે, એ એકાંત કહેવાય. અને બધાના ધર્મને બધાના સત્યને પકડે અને અનેકાંતની તરફ દ્રષ્ટિ જુએ. દુરાગ્રહ કરે નહીં, આગ્રહ કરે નહીં, ત્યારે એ અનેકાંત કહેવાય. કોઈ પણ ધર્મનું પ્રમાણ સહેજે દુભાય નહીં. એવું હોય ત્યારે એ અનેકાંત કહેવાય. પણ એ રિલેટિવ છે, રિયલ નથી. રિયલમાં કોઈ વિશેષણ છે જ નહીં. રિલેટિવમાં વિશેષણ હોય, કારણ કે વાણી પોતે જ રિલેટિવ છે. વાણી રિયલ છે જ નહીં. તે એકાંતિક અને અનેકાંત પણ વાણીને સ્પર્શીને છે. 'રિલેટિવ'માં નિરાગ્રહી, 'રિયલ'માં આગ્રહી. શુભ 'એકાંતિક' કહેવાય, શુધ્ધ 'અનેકાંત' કહેવાય. અનેકાંતથી મોક્ષ. અનેકાંત એટલે આગ્રહ નહીં, દરેક સત્યને સ્વીકારે. વીતરાગ માર્ગ અનેકાંત-સ્યાદ્વાદ હોય. આ 'વીતરાગ ભગવાન' પાછાં પોતાનો માર્ગ સાચો છે એવું દબાણ ના કરે. 'શાથી ?' દબાણ કરે તો એમની વીતરાગતા તૂટી જાય. મોક્ષ નિરાગ્રહીનો છે, આગ્રહીનો નથી. વીતરાગ ભગવાન આગ્રહ ક્યારેય ના કરે. આગ્રહી એ પક્ષમાં પડે ને પક્ષપાતીનો ક્યારેય મોક્ષ નથી ! એકાંતિક નિયમવાળું ! પક્ષમાં પડવું એ તો ખોટું જ છે. પક્ષ એટલે 'સ્ટાન્ડર્ડ' છે. અને 'સ્ટાન્ડર્ડ'માં રહે તે એકાંતિક કહેવાય. છતાં લોકોએ તો જે નિયમ હોય ને, એટલામાં જ રહેવું જોઈએ. અને આત્યંતિકમાં નિયમ ના હોય, એ તો અનેકાંત હોય. એમાં કોઈ જાતનો ય આગ્રહ ના હોય. અને તે 'એક્ઝેક્ટનેસ' પર ચાલ્યા કરે. એનાથી આત્યંતિક કલ્યાણ થાય. બાકી, આ તો બધા પક્ષો એ 'સ્ટાન્ડર્ડ' છે. નિષ્પક્ષપાતી થાય ત્યારે કામનું. ભગવાન નિષ્પક્ષપાતી છે ! નિષ્પક્ષપાતી થાય ત્યારે 'આઉટ ઓફ સ્ટાન્ડર્ડ' થાય. થાય સત્યનું શોધન નિરાગ્રહપણે ! એટલે 'જ્ઞાની પુરુષ' 'જેમ છે તેમ' કહે કે આત્મા દ્વૈતાદ્વૈત છે, દ્વૈતે ય છે ને અદ્વૈતે ય છે. આ દ્વૈતાદ્વૈતનું વિશેષણ ક્યાં સુધી લાગુ થાય ? જ્યાં સુધી સાંસારિક કામમાં છે ત્યાં સુધી દ્વૈત છે અને પોતાના સ્વ-ધ્યાનમાં છે ત્યારે અદ્વૈત છે. આ દેહ છે અને કેવળજ્ઞાન પણ છે, ત્યાં સુધી દ્વૈતાદ્વૈત કહેવાય. લોકોને માણસે ય દેખાય ને લોકોને કેવળજ્ઞાની ય દેખાય. જેની જેવી દ્રષ્ટિ તે પ્રમાણે એવું દેખાય ! એટલે આત્મા અદ્વૈત ક્યારેય થતો નથી. કારણ કે જો અહીંથી દેહ છૂટી જાય ને મોક્ષ થાય તો ત્યાં સિદ્ધગતિમાં ગયા પછી આ વિશેષણ એને રહેતું નથી. આ દેહ છે ત્યાં સુધી જ વિશેષણ છે અને બેઉ કાર્ય કરે છે. માટે આપણે વિશેષણને 'એક્સેપ્ટ' કરવાં જોઈએ. આ તો અદ્વૈતના ખાડામાં પડ્યા તે એકાંતિક કહેવાયા ને દ્વૈતના ખાડામાં પડ્યા તે ય એકાંતિક કહેવાયા અને કોઈ પણ એકાંતિક માર્ગ ગ્રહણ કર્યો એટલે મોક્ષ હાથમાં આવે નહીં. એકાંતિક થયા, આગ્રહી થયા એટલે સત્ય વસ્તુ પ્રાપ્ત થાય નહીં. સત્ય વસ્તુ પ્રાપ્ત થવા માટે નિરાગ્રહ ઉપર જવું પડશે. આગ્રહ એ જ અહંકાર છે. એ થઈ જાય ગાંગડું ! ભગવાને જે કહ્યું તેને એકાંતિકમાં આ લોકો લઈ ગયા. આ ઘી ખાઈને એવી બુદ્ધિ થઈ ગઈ. તે એકાંતિક કરી નાખ્યું બધું. એકાંતિક એટલે આગ્રહ પકડે પછી એ આગ્રહ મજબૂત કરવા માંડ્યો એટલે પછી દુરાગ્રહી થઈ જાય. તે આપણે ચઢાવવો હોય તોય ના ચઢે. સો મણ પાણી ગરમ કર કર કરીએ. મહીં એસિડ નાખીએ તોય ના ચઢે, એવા થઈ ગયા. અનેકાંત મત શું કહે છે ? આપણે મહીં ગરમ પાણી નાખ્યું કે તરત ચઢી જાય. તે પાંચ દસ મિનિટમાં તો પછી કાઢી લેવાનું. અને એકાંતિક ચઢે નહીં, ગાંગડું. ભગવાને ગાંગડું મગ કહ્યા છે. આ કાઢી નાખો બધા. એ તો ચઢે એવા જોઈએ બધા. જરાય આગ્રહ વધ્યો કે ખલાસ થઈ ગયું. જ્યાં આગ્રહ વધ્યા, જે વસ્તુનો આગ્રહ કરવામાં આવે અને ફરી એની એ વસ્તુનો આગ્રહ કરવામાં આવે એને ભયંકર દુરાગ્રહ કહેવામાં આવે છે. એક વખત આગ્રહ કરવામાં આવે એને દુરાગ્રહ કહેવામાં આવે અને પેલું ફરી જો આગ્રહ કર્યો એને ને એને, તો ભયંકર દુરાગ્રહ કહેવાય. એનું લાખ અવતારેય ઠેકાણું ના પડે. એવું છેને આ તો મોક્ષમાર્ગ તો નિરાગ્રહીનો છે. ચોથા આરાને લાયક કોણ ? ચોથા આરાને લાયક કોણ ? દુરાગ્રહી નહીં તે. અમુક હદમાં મતાગ્રહી અને આગ્રહી એ લાયક ગણાય પણ દુરાગ્રહી નામેય ચાલે નહીં. આ કદાગ્રહી-દુરાગ્રહી માલ છે, એ ત્યાં કામમાં ના આવેને ? એ માલ તો છઠ્ઠા આરાને કામનો છે, નહીં તો કદાગ્રહો-દુરાગ્રહો તો હોતાં હશે ? ભગવાન આવા હઠાગ્રહી નહોતા ! પ્રશ્નકર્તા : ભગવાને સ્થિતપ્રજ્ઞ દશા પછી એક પગ પર ઊભા રહીને તપસ્યા કરી ત્યાર બાદ એમને કેવળજ્ઞાન થયું. તે આપણે એ બધું ના કરીએ ત્યાં સુધી કેવળજ્ઞાન ક્યાંથી મળે ? દાદાશ્રી : કેવળજ્ઞાન તો જ્ઞાનક્રિયાથી થાય અને આ તો અજ્ઞાનક્રિયા કહેવાય. એક પગ પર ઊભા રહેવું એ તો હઠાગ્રહ કહેવાય. ભગવાન આવા હઠાગ્રહી ન્હોતા. ભગવાનને તો સમજવું મુશ્કેલ છે. પોતપોતાની ભાષામાં લઇ જાય છે વાતને. બધાં હઠથી કરેલાં કામ, હઠાગ્રહી તપ, હઠાગ્રહી ક્રિયાઓથી પાપાનુબંધી પુણ્ય બંધાય. જ્યારે સમજીને કરેલું તપ, ક્રિયાઓ પોતાના આત્મકલ્યાણ હેતુસર કરેલાં કર્મોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ને કો'ક કાળે જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય ને મોક્ષે જાય. પીધાં વિષ કષાયો તણાં ! આ તો મતાગ્રહી, કદાગ્રહી એના બધાં તોફાન છે ! ને તે ગ્રહો એમને કૈડી ખાય છે ! એમાં એમને કોઈ નુકસાન કરનાર નથી. પોતે પોતાનો ઘાતક થઈ પડ્યો છે. પેલા સાઈનાઈડ પીને કરે ને અને આ કષાય પી પી કરે છે ! રાત-દહાડો કષાય પી પી કરે છે. કષાયોમાં જ આખો દહાડો.... કદાગ્રહ-મતાગ્રહ જુઓને ! મતનો આગ્રહ, મતાગ્રહ થયો એટલે મતાંધ થયો. અંધ એટલે સત્યાસત્યનો સરવાળો ના દેખાય. મતાંધ ! મતના આગ્રહો, એ જ સંસાર ! પ્રશ્નકર્તા : અત્યારે જે આ ધર્મના વાડાઓ છે એ બધા એક થઈ શકે એવું છે કંઈ ? દાદાશ્રી : એક જ છેને, એ જુદા જુદા છે જ નહીં. આ સંસારમાં વાડા નથી બધા ? એય સંસાર છે ને આય સંસાર છે. આમાં કશો ફેર નથી. બધું જ પુદગલ આનંદ છે. જ્યાં પુદગલ આનંદ ત્યાં સંસાર અને જ્યાં આત્માનો આનંદ ત્યાં મુક્તિ. આ બધા પુદગલ આનંદ ભોગવે છે ! પ્રશ્નકર્તા : એ સમજાયું નહીં. દાદાશ્રી : આ બધા વાડાવાળા, અમારું સાચું છે. દરેક વાડાવાળા કહે કે અમારું સાચું છે. તે મતાગ્રહી હોય, મત એટલે પુદગલ. અને મતાગ્રહી એટલે પુદગલનો આગ્રહી. અહંકારના કેફમાં રહે. બીજા બધા દારૂના કેફમાં રહે. સંસારીઓ અને આ લોકો અહંકારના કેફમાં રહે. બન્ને કેફી વસ્તુઓ. અહીં આગળ તો મોક્ષને અને એમને કશી લેવાદેવા જ નથી. એમને તો જાણે સાંધો જ નહીં. ઊલટું અવળે રસ્તે ચાલી રહ્યા છે. નિરંતર કરે ગચ્છ-મતનું રક્ષણ ! બાકી લોકો તો મતની જ મજબૂતી કરે છે. મતનું રક્ષણ કર્યા કરે છે. બીજું કશું કરતા નથી. સત્યની કોઈને પડેલી જ નથી કશી ! મતાગ્રહ ઉપર તો કેટલાં તોફાન ચાલે છે, નહીં ? મતાગ્રહ ઉપર તો મરવા તૈયાર થાય છે, નહીં ? મરી ફીટવા તૈયાર થઈ જાય, મતના આગ્રહ માટે !! પોતાનો મત એટલે પોતાનો કોઈ પણ જાતનો આગ્રહ ! મનુષ્યપણામાં ખોટ ખાધી ! ભગવાનને ત્યાં તો ડહાપણ સુધીની જરૂર, તે બધું ઓવરવાઇઝ થઇ ગયું હતું અને જાનવર કરતાં ય ભૂંડા આચાર થઇ ગયા છે. કારણ કે જાનવરમાં દુરાગ્રહ ના હોય, કદાગ્રહ ના હોય, હઠાગ્રહ ના હોય, તે મનુષ્યમાં તો હોવાં જ ના જોઇએ. અને હોય તો અમુક પ્રમાણ હોય ત્યાં સુધી મનુષ્યપણું છે, કારણ કે ડેવલપ છે. એટલે જાનવરો કરતાં આમનામાં આગ્રહ વિશેષ હોય, તેનું પ્રમાણ જળવાય ત્યાં સુધી બરોબર છે, નહીં તો પછી જાનવર કરતાં ય ભૂંડા કહેવાય. આને મનુષ્યપણું કેમ કહેવાય ? ખોટી પકડો પકડવી, ખોટા દુરાગ્રહ, ખોટા કદાગ્રહ, પોતાના જ વિચારોથી ધર્મને માનવો અને મૂલવવો. ધર્મ તો કેવો હોવો જોઇએ કે નાના બાળક પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ, જાનવરો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન જોઇએ કે આનામાં કેવા કેવા ગુણ છે ? સાચું-ખોટું સાપેક્ષ માત્ર ! પ્રશ્નકર્તા : પણ દાદા, આપણો રૂપિયો સાચો હોય તો ? દાદાશ્રી : સાચો ખોટો કોઈનો હોતો જ નથી. ભગવાન મહાવીર સિવાય કોઈનો રૂપિયો સાચો હોતો નથી. મારો રૂપિયો સાચો હોય તેને એ કહે કે સાહેબ, તમારા રૂપિયાની એક આનાની કિંમત નથી. તો હું કહું કે 'તું જ સાચું સમજ્યો ! મને સમજણ પડી ન હતી !' હા, તો એ મને આગળ જવા દે. નહીં તો મને અહીં ઊભો રાખે. પણ મારે તો આગળ જવું છે. કદાગ્રહી એટલે પાછળ પડવાની દાનત હોય તે કદાગ્રહી કહેવાય. બાકી સાચું તો હોતું નથી. કોઈનુંય સાચું હોતું નથી. આ સાપેક્ષ વાત છે. માટે ભગવાને છોડી દેવાની કહી છે. લૌકિકમાં મતાગ્રહ ! આ અલૌકિક વિજ્ઞાન છે. આની બધી જ વાત અલૌકિક છે. અહીં લૌકિક છે જ નહીં ! લૌકિક એટલે મતાગ્રહી. એ પછી ગમે તે સંપ્રદાય હોય કે જાતજાતનાં પંથવાળા હોય કે ગમે તે ધર્મ હોય, પણ બધા લૌકિક ધર્મો કહેવાય. એ કંઈ ખોટું નથી. સારું કર્યું હોય તો પુણ્યૈ બંધાય અને તેમાં આગળ પછી ઘોડાગાડી, મોટર-બંગલા બધું મળે અને 'આ' અલૌકિક ધર્મથી મોક્ષ મળે. મતાગ્રહથી અટક્યો મોક્ષ ! બધા ધર્મના વાડાઓ-પંથો મતાગ્રહ અને કદાગ્રહમાં જ રાચે છે. તેઓ દરેક પોતપોતાના ધર્મથી મોક્ષ થશે તેમ માને છે. પણ તે બધા આગ્રહી છે, મતાગ્રહી છે. મતાગ્રહથી કયારે ય પણ મોક્ષ ના થાય. નિરાગ્રહીનો જ મોક્ષ છે. પક્ષમાં પડેલો માણસ એ પક્ષનાં શાસ્ત્ર વાંચે તો કશું વળે નહીં. દરેક પક્ષનો 'એસેન્સ' કાઢે અને દરેક પક્ષના, દરેક ધર્મનાં શાસ્ત્રો વાંચે ત્યારે ધર્મ પામ્યો કહેવાય. 'ધર્મ શું છે?' એ ધારણ કર્યા વગર સમજાય નહીં. બાકી, જેટલા વાડામાં પૂરાયાં તે બધાં ય ઘેટાં અને જેટલા વાડાની બહાર નીકળ્યા તે બધા સિંહ. ભગવાન કહે છે કે અમારો વીતરાગ મત છે ને તમારા પક્ષવાળાનો મત વીતરાગરહિત છે. ચોવીસેય તીર્થંકરોનો વીતરાગ મત હતો. પક્ષમાં પડેલા હોય ત્યાં વીતરાગ મત ના હોય. ભગવાનના ગયા પછી પક્ષપાત થઇ ગયા, ફાંટા પડી ગયા. મોક્ષનો માર્ગ તો સાચો ના રહ્યો, પણ વ્યવહારિક ધર્મે ય સાચો ના રહ્યો. ભગવાનની સાચી આજ્ઞા પાળવી અને તેમાં રહેવું એનું નામ ધર્મ કહેવાય. એમની આજ્ઞા ઓછી પળાય તો ઓછી ને બે પળાય તો બે, પણ પોલ ના હોવી જોઇએ. આ તો સામાયિક કરે ને શીશી જુએ ! ભગવાને કહ્યું કે તારાથી થાય તો સામાયિક કરજે, બહુ ના થાય તો ઓછી કરજે પણ ચોક્કસ કરજે, બરોબર કરજે. ભગવાનની આજ્ઞા લાખ વખત પાળે તો ય જૂની ના થાય. પણ ભગવાનની આજ્ઞા સમજાતી નથી, તેથી પોલ મારે છે. એમાં એમનો દોષ નથી. વીતરાગ ભગવાનનું ધર્મધ્યાન ક્યારે થાય કે કોઇ પણ પક્ષમાં ના પડે તો. કોઇ પણ પક્ષમાં પડ્યા તો ધર્મધ્યાન ઊડી જાય. પક્ષમાં રહેવું એટલે 'વ્યૂ પોઇન્ટ'માં પડી રહેવું તે. 'સેન્ટર'માં બેસે તો મતભેદ ના રહે, ત્યારે મોક્ષ થાય. કોઇ પણ 'ડિગ્રી' ઉપર બેસે ત્યાં અમારું-તમારું રહે, તેનાથી મોક્ષ ના થાય. જ્યાં કંઈ પણ આગ્રહ છે ત્યાં વીતરાગ ધર્મ નથી ! મતનો આગ્રહ છૂટે નહીં, ત્યાં સુધી તો મોક્ષનો અધિકારી છે જ નહીં. મતમાં છે ત્યાં સુધી મોક્ષને માટે લાયક જ નથી. ફક્ત ભૌતિક સુખોને માટે લાયક છે, દેવગતિને માટે લાયક છે. મતાગ્રહ એ અતિક્રમણ ! અતિક્રમણથી જગત ઊભું થયેલું તે પ્રતિક્રમણથી જગત બંધ થઈ જાય. બસ એટલો આનો 'લૉ' (કાયદો). એ પ્રતિક્રમણ આ શાસ્ત્રોમાં રહ્યું નથી. એટલે આ બધું બંધ થઈ ગયું છે. એ લોકો પ્રતિક્રમણ જેને કહે છે એ બધી જડક્રિયા છે, જેનાથી એક પણ દોષનો નાશ ના થાય. અને છતાં દોષ નાશ કરવાની વાતો કરે અને બોલે એમાં કશું વળે નહીં. પ્રશ્નકર્તા : મતાગ્રહ એ અતિક્રમણ કહેવાય ને ? દાદાશ્રી : મતાગ્રહ એ મોટામાં મોટું અતિ-ક્રમણ. એના પોઈઝનથી તો આ હિન્દુસ્તાન મરી રહ્યું છે. અત્યારે આ મોટામાં મોટું પોઈઝન છે. દરેક લોકોએ પોઈઝન એટલું બધું ઊભું કર્યું છે. આ તો થયો મતનો અભિગ્રહ ! બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે. મોક્ષે જવા ના દે, એનું નામ બુદ્ધિ ! બુદ્ધિ નફો-તોટો દેખાડે. આમ થઈ જશે, તેમ થઈ જશે. પાછી એ મતાગ્રહવાળી. અભિગ્રહ શાનો ? મતનો. આત્માનો અભિગ્રહ કરવાને બદલે મતનો અભિગ્રહ કર્યો. બોલો, હવે એ ક્યારે ને કયે ગામ પહોંચે ? લાખ અવતાર થાય તો ય કશું વળે નહિ. અંતરદાહ બળતો બંધ ના થાય. અને 'જ્ઞાની પુરુષ'ની પાસે અંતરદાહ કાયમનો મટી જ જાય. અભિગ્રહથી તાવી જોવી શુધ્ધતા ! પ્રશ્નકર્તા : અભિગ્રહ પણ એક એવો જ શબ્દ છે ને ? દાદાશ્રી : હા, પણ અભિગ્રહ તો, પોતે પોતાની પરીક્ષા કરવા હારુ અભિગ્રહ કરે. તે કેટલાંક અભિગ્રહ કરે કે ખીચડી ખાવી છે, તે પાછી મગ ચોખાની, વ્હોરાવનારો માણસ સાઈઠ વર્ષનો માણસ વ્હોરાવે તો લેવી, આવું બધું અભિગ્રહ કરે. અને પૂર્વ દિશાનું મોઢું હોય, દરવાજામાં પેસવાનું, ત્રણ પગથિયાં ચઢવાના હોય, એવું બધું અભિગ્રહ કરીને પછી કરે. તે પછી એવું ના મળે એટલે પાછો આવતો રહે ઉપાશ્રયમાં. એવું બધે ફરવા જાય ને ના દેખાય તો પાછા, એમ રોજ રોજ કર કર કરે. એમ કરતાં કરતાં એક દહાડો તાલ બેસી જાય. પ્રશ્નકર્તા : પુણ્ય કમાવવા માટે આગ્રહ હશે ને કંઈક ? દાદાશ્રી : પુણ્યને ને અભિગ્રહને લેવાદેવા નહીં ને ! પુણ્ય તો કો'કને ફાયદો કર્યો હોય, કોઈકને સુખ આપવું હોય, એનું નામ પુણ્ય. પ્રશ્નકર્તા : અભિગ્રહ શું કામ કરે છે એ લોકો ? દાદાશ્રી : અભિગ્રહ ને પુણ્યને લેવાદેવા નહીં. અભિગ્રહને પોતે પોતાની જાત માપવા હારુ કે મહીં ઉદયમાં કેમનું છે ! પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ અભિગ્રહ કરેલો પછી ચંદનબાળાએ વ્હોરાવેલું. દાદાશ્રી : હા, કરેલો. પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે અભિગ્રહ લીધેલો કોઈ પણ ચીજનો કે આમ થાય તો જ હું કરું, એની પાછળ શું રહસ્ય રહ્યું છે ? દાદાશ્રી : એની પાછળ નક્કી જાણવા જાય છે કે આ જગતમાં મહીં આપણા દર્શનમાં આવેલું સાચું પડે છે કે નહીં ? એ જોવા માટેનું હોય છે. હવે એ અભિગ્રહ કોનો સાચો પડે કે જે મહીં ચોખ્ખો થયેલો હોય તેનો અભિગ્રહ સાચો પડે. તોય ભગવાનનો અભિગ્રહ નહોતો સાચો પડતો, જુઓને ! કારણ કે એમણે કઠણ અભિગ્રહ લીધો હતોને ? બહુ કઠણ લીધો હતોને ? અભિગ્રહ એ આપણે જોવાનું સાધન એક જાતનું કે આજે જઈએ ફલાણા ભઈને ત્યાં અને જો ખીચડી ને રીંગણાનું શાક મળે અને મરચાંની ચટણી- આ જેવું ચિંતવે ને ત્યાં જાય તો એવું જ વ્હોરાવે. પ્રશ્નકર્તા : એટલે આગળનું દર્શનમાં એમને એવું આવે, એ પ્રમાણે અભિગ્રહ લઈ લે ? દાદાશ્રી : હા, એ દર્શનમાં આવે. ભગવાન મહાવીરને દર્શનમાં આવ્યું કે આવું હોવું જોઈએ, અડદના બાકળા હોવા જોઈએ. આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ, એક પગ ઉંબરાની અંદર હોય, એક બહાર હોય, આંખમાં પાણી હોય, ભગવાને આંસુ ન દીઠાં એટલે પાછાં જતાં હતાં. થોડેક દૂર જઈને પાછું જોયું તો તેની આંખમાં પાણી જોયાં. પછી એ બાકળા ગ્રહણ કર્યાં, એ એમાંય મરચું ના હોય તો લે. હોય તો પાછું લેવાનું બંધ રાખે. એ તો એક 'ટેસ્ટ એક્ઝામિનેશન' છે. જેમ પેલું થર્મોમીટર મૂકીએને એવું આ છે. પ્રશ્નકર્તા : આ એક જાતનું તપ કહેવાય ? દાદાશ્રી : ના, એક જાતનું પોતાનું માપ જોવા માટેનું થર્મોમીટર છે ! સાચું જાણવાનો કામી ! મતાંધ ક્યારેય 'સત્ય વસ્તુ'ને ના પામી શકે. કારણ કે પોતાના જ મતનો આગ્રહી થયેલો હોય તે સામાનું સત્ય શી રીતે સ્વીકારે ? અને આ આગ્રહો કરે છે તે પરમેનન્ટ વસ્તુના છે ? ના. મૂઆ, જોઈએ છે પરમેનન્ટ વસ્તુ-આત્મા અને આગ્રહ કર્યા કરે છે ટેમ્પરરી વસ્તુના ! તે આત્મા ક્યાંથી પ્રાપ્ત થાય ? સર્વ રીતે સંપૂર્ણ નિરાગ્રહી થઈ એક માત્ર આત્મા જાણવાનો આગ્રહ કરે, તો જ તે પ્રાપ્ત થશે. બધી કામનાઓ મૂકી માત્ર 'સત્ય'ને જ જાણવાનો કામી થાય, તો જ 'પરમ સત્ય' પ્રાપ્ત થશે. સત્યાગ્રહ એ અંતિમ આગ્રહ ! મહાવીર ભગવાન શું કહે છે ? 'મતાગ્રહીઓ મારા સાધુ નહીં. બે પ્રકારના મારા શિષ્યો. એક નિરાગ્રહી શિષ્યો મારા અને એક સત્યાગ્રહી શિષ્યો.' આગ્રહો, દુરાગ્રહો ભગવાનને ત્યાં છે જ નહીં અને જ્યાં આ આગ્રહો છે, દુરાગ્રહો છે, મતાગ્રહ છે, કદાગ્રહ છે, હઠાગ્રહ છે, ત્યાં ભગવાન જેવી વસ્તુ જ નથી. ભગવાન નિરાગ્રહ અને સત્યાગ્રહ બે જ જગ્યાએ છે ! નિરાગ્રહ એ સત્નો આગ્રહ છે. સત્ એટલે અવિનાશીનો આગ્રહ છે અને સત્યાગ્રહ એટલે અવિનાશી તરફ લઈ જનારા વિનાશીનો આગ્રહ છે. એટલે અવિનાશી પર પહોંચાડનારું છેલ્લું વિનાશી છે, છેલ્લું સ્ટેપ છે, એ સત્યાગ્રહ છે. એની આગળના આગ્રહ બધા ખોટા છે. મતભેદ હોય ત્યાં સંસાર જ હોય, ત્યાં આત્મજ્ઞાન ના હોય. અહીં એકુંય મતભેદ નથી, આગ્રહ નથી. જ્યાં આગ્રહ છે ત્યાં સંસાર છે. આગ્રહી વાણીથી રીઝર્વેશન, ચારપગામાં ! આગ્રહ, સત્યાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, મતાગ્રહ એ બધા આગ્રહો છે. આગ્રહોને લીધે આ જગત ઊભું રહ્યું છે. જેને આગ્રહનું ઝેર ના હોય, તેની આંટીઓ બધી નીકળી જાય. પ્રશ્નકર્તા : આગ્રહ એ પોઈઝન છે, એ બરોબર છે ? દાદાશ્રી : બહુ મોટું પોઈઝન છે. આગ્રહવાળી વાણી ય વાંચવી નહીં. આગ્રહવાળી વાણી એટલે પોઈઝનસ્ વાણી કહેવાય. પ્રશ્નકર્તા : અત્યારે તો બધી આગ્રહવાળી જ વાણી જોવા મળે છે. દાદાશ્રી : તો બીજું શું મળે અત્યારે તો ? આ જે વાણી છે ને આગ્રહવાળી, એનાથી એવા એવા દોષ બેસે છે, કે એને તિર્યંચનું રીઝર્વેશન મળી જાય છે, ચાર પગવાળાનું. એટલે પછી એને રીઝર્વેશન કરાવવું ના પડે. તૈયાર રીઝર્વેશન મળતું હોય, શું ખોટું ? ચાર પગને એક પૂંછડું બસ. ખઈ-પીઈ ને મોજ ! એને અત્યારે કેટલા ટકાએ અહીં આગળ રીઝર્વેશન કરાવ્યું છે, એ જો હું કહું તો ખોટું દેખાય. માટે એ હું કહેતો નથી કોઈને. નહીં તો અહીં છે ત્યાં સુધી અહીંનું જે સુખ છે તે ય થોડો વખત યાદ રહેશે નહીં. જો કે થોડો વખત યાદ રહે તો ય પણ એનું સુખ જતું રહે ઊલ્ટું. આગ્રહ એ જ ઝેર ! મોક્ષનો જ આગ્રહ કરવા જેવો છે. બીજે બધે જ નિરાગ્રહી થા. વસ્તુ ઝેર નથી પણ તારો આગ્રહ એ જ ઝેર છે. અમે એ ચોખ્ખું કહીએ છીએ કે જેટલો મહેનત માર્ગ છે તે બધો સંસારમાર્ગ છે. મોક્ષની જ ઇચ્છા કરવા જેવી છે. એટલે કોઈ વસ્તુનો આગ્રહ કરવા જેવું છે નહીં. નિરાગ્રહી જ રહેવા જેવું છે. જે ભાગનું નિરાગ્રહી થયું એટલે કરેક્ટ થયું. કરવાપણું માત્ર આગ્રહ ! પ્રશ્નકર્તા : આ વ્યવહારમાં કેટલાંક કહે છે ને, કે 'મારો અંતરાત્મા કહે છે, એ પ્રમાણે હું કરું છું.' અને એ પ્રમાણે એ કરવાનો આગ્રહ રાખે તે શું ? દાદાશ્રી : એ અંતરાત્મા કહેતો જ નથી ને ! એટલે આ વાતને ગમે તેમ બોલવી એનો અર્થ જ નથી. આ તો હિન્દુસ્તાનમાં મોટા માણસો ઝાલી પડ્યા છે કે 'મને મહીંથી બોલે છે એ પ્રમાણે કરું છું.' તે પછી બીજા બધા ય ઝાલી પડ્યા. વળી મહીં કોણ બોલનારા છે ? એક જ લક્ષ રાખજો કે 'આત્મા જાણવો છે.' 'આ કરવું ને તે કરવું', તેના આગ્રહમાં પડશો નહીં. જે વખતે જે થયું તે ખરું. 'કર્તાપદ છે આગ્રહી, અકર્તાપદ છે નિરાગ્રહી'. શુભ કે અશુભનો હવે આગ્રહ નથી. દાન આપવાનો ય આગ્રહ નથી. ઉદયમાં આવ્યું હોય ત્યારે દાન આપીએ, તો એની નિર્જરા થઈ જાય. દાદા વર્તે પોટલાની જ્યમ ! આ દાદાને કશા પ્રકારનો મોહ જ રહ્યો નથી ને ! તે પછી શેને માટે બાંધે દીવાલ ? અને કરતાં હોય તેને ના ય ના કહેવાય. કારણ કે વ્યવસ્થિતની બહાર કશું થવાનું છે ? જે થશે એ વ્યવસ્થિત થશે. અમે વ્યવસ્થિત ઉપર છોડી દીધેલું. અમારે કશું કરવું નથી, વ્યવસ્થિત જે કરતું હોય એ અમારે એક્સેપ્ટ છે. કારણ કે એ છોડવાનું ય નથી ને ? વ્યવસ્થિત છોડે ખરું ? પ્રશ્નકર્તા : ના છોડે. દાદાશ્રી : એટલે અમે શું કહ્યું છે, વ્યવસ્થિતમાં જે હોય ભલે હો, ના હો તે પણ ભલે ના હો. ના પાડનારા કોણ ? આત્મા આવું ના બોલે અને અમારે હા પાડવી છે તે ય કહે નહીં. પ્રશ્નકર્તા : પેલો ય અહંકાર છે ને આ ય અહંકાર છે, આગ્રહ છે. દાદાશ્રી : હા. બેઉ આગ્રહ છે. અમારે તો કશું ય નહીં. અમે તો પોટલું થયાં હવે. જ્યાં ઊંચકી જાય ત્યાં ખરું. પ્રશ્નકર્તા : ખંભાત ઊંચકી જાય કે વડોદરે ઊંચકી જાય. દાદાશ્રી : હા. બધાં કહે કે ના, અગાશીમાં. ત્યારે કહે, અગાશીમાં. અમે કોઈ બાબતમાં આગ્રહ ના કરીએ. હમણે તમે બધા કહો કે હવે અત્યારે ઊઠી જઈએ તો હું કહું કે હા, ભાઈ. મારા ઊઠ્યા પછી પેણે ગયા પછી તમે આવો ને કહો, કે ના, ના, બેસજોને ! તો ફરી બેસું પાછો !! જ્ઞાની વર્તે નિરાગ્રહી દશામાં ! અમારી સર્વ હિતકારી વાત હોય. અમારો આમાં એ આગ્રહ ના હોય કે તમારે આ કરવું કે ના કરવું. માણસને એવું થઈ જાય કે દાદાએ કહ્યું ને મારે હવે... પણ એવું કરવાની જરૂર જ નથી. તમારે અનુકૂળ આવે તો કરવાનું. આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એ એવિડન્સના આધારે જે હોય તે થાય. અમારામાં અહંકાર બિલકુલ હોય નહીં, એટલે અમે કહીએ છીએ ને, કે આ અમારું ટેપરેકર્ડમાંથી નીકળે છે. પણ તે તમે પ્રશ્ન પૂછો, એટલું જ નીકળે છે અમારી પાસે. આ રેકર્ડ બોલે એ તમે સાંભળો છો, એવું અમે પણ સાંભળીએ છીએ. આમાં 'આમ કરો કે તેમ કરો' એવું અમને આગ્રહ ના હોય. દેશનામાં કોઈ પણ પ્રકારનો આગ્રહ ના હોય. અમારે તો કોઈ ઉપર કશુંય દબાણ ના હોય. અમે 'અબુધ' છીએ, નિરાગ્રહી છીએ, નોર્માલિટીમાં છીએ. મારા એક જ વાળમાં જગત આખાયનું 'જ્ઞાન' સમાયેલું છે. જ્યાં સૂઈ ગયા ત્યાંનો જ આગ્રહ થઈ જાય. ચટાઈમાં સૂતો હોય તો તેનો આગ્રહ થઈ જાય ને ડનલોપના ગાદલામાં સૂતો હોય તો તેનો આગ્રહ થાય. ચટાઈ પર સૂવાના આગ્રહવાળાને ગાદલામાં સુવાડો તો તેને ઊંઘ ના આવે. આગ્રહ તે જ વિષ છે અને નિરાગ્રહતા એ જ અમૃત છે. ઝાંખરામાં કોણ ભરાય ? આ ઝાંખરાની જોડે કોણ વળગે ? આ તો ઝાંખરા કહેવાય. ઝાંખરાં શબ્દ સાંભળેલો ? ગામમાં હશો ત્યારે સાંભળ્યો હશે ? બાકી અહીં શહેરમાં તો ઝાંખરું હોય જ નહીંને ? આ ઝાંખરાં વળગ્યા છૂટે નહીં તે પાછાં આંકડા ઊંડા હોય, મહીં પેઠા પછી આમ આંકડો વળેલો હોય પછી આપણે ખેંચીએ તોય ના નીકળે. એવા આ ઝાંખરાની ફસામણ છે. એવા આ ઝાંખરામાં કોઈ જગ્યાએ અટકવું નહીં. અમને કોઈ ગમે તે કહેને, 'તમારામાં અક્કલ નથી, તે શાના જ્ઞાની થઈને બેઠા છો ?' તો કહું, 'મારી ભૂલ થઈ છે, હવે કાલથી સુધારી લઈશ. અક્કલ તો પહેલેથી હતી નહીં. આ તો હમણે લોકોને ખબર પડી. બાકી પહેલેથી ન હતી.' એમ કહી દઉં. એટલે એનો ઉકેલ આવી જાય. એટલે એ એના રસ્તે, હું મારા રસ્તે અને હું કહું કે, 'હું અક્કલવાળો છું, જ્ઞાની છું.' એટલે પાછું તોફાન ચાલ્યું ! આપણે આપણા રસ્તે ચાલીએ. નહીં તો પ્રગતિ રૂંધે એવા આ લોક. ત્યાં આખી રાત કાઢે અને બીજે દહાડે ઝઘડો કરાવડાવે, તે પોલીસને બોલાવવો પડે. ઝઘડો વધી જાય તો પોલીસને બોલાવવો પડે. ભગવાન વીતરાગ હતા. બહુ ડાહ્યા હતા. ભગવાનને કો'કે એમ કહ્યું હોય કે 'તમે તો સ્ત્રી જેવા દેખાવ છો.' તો કહે, 'તારી દ્રષ્ટિએ જે દેખાય તે સાચું.' અને કો'ક કહેશે, 'તમે નાલાયક છો.' ત્યારે કહે, 'ભાઈ, પહેલેથી જ હતો ને, બા ! તને આજે દેખાયો.' એમ કરીને છૂટી જાય. એવું છે આ સ્યાદ્વાદ ! અમે નિરાગ્રહી છીએ એવો ય આગ્રહ નહીં, એનું નામ સ્યાદ્વાદ ! તીર્થંકર ભગવાનની સ્યાદ્વાદ વાણી હતી અને આ લોકો શું કહે છે ? અમારું સાચું ને તમારું ખોટું ! એ બધું સ્યાદ્વાદ વાણી નહીં. એકાંતિક કહેવાય એ આગ્રહ કહેવાય, દુરાગ્રહ કહેવાય. આગ્રહી વાણી ય વ્યવહારમાં છે અને સ્યાદ્વાદ વાણી ય વ્યવહારમાં છે. પણ સ્યાદ્વાદ વાણી એ છેલ્લી વાણી કહેવાય, ટોપમોસ્ટ વાણી કહેવાય. વાણીનું સરવૈયું આવી ગયું. જ્યાં કંઈ આગ્રહ છે ત્યાં સાચી વાત નથી. આપણે એમને પૂછવું જોઈએ કે 'તમને ગમે છે તો આગળ ચલાવીએ.' સ્યાદ્વાદ રીત એવી જ હોય ને ! ઠોકી બેસાડવાની વાત ના હોય. ઠોકી બેસાડેલી વાત સાચી હોતી જ નથી. ના ઈચ્છાથી, પોતાની અનિચ્છાથી દારૂ પીધેલો પણ ચડતો નથી. અનિચ્છાથી કોઈકે પાઈ દીધો એ ચડતો નથી. કારણ કે ઈચ્છા વગરનું દરેક કાર્ય નકામું છે. આપણા લોક પરાણે પાઈ દે, એમાં શું સ્વાદ કાઢવાનો ? સ્યાદ્વાદ વાણી એ નિરાગ્રહી ! પ્રશ્નકર્તા : આપની વાણી, 'જ્ઞાની'ની વાણી કેવી કહેવાય ? દાદાશ્રી : સ્યાદ્વાદ વાણી, એ અનેકાંત કહેવાય છે. પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ એટલે શું ? દાદાશ્રી : કોઇ પણ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એવી વાણી છે આ. આ વાણીને વૈષ્ણવો, જૈનો, શ્વેતાંબરીઓ, દિગંબરીઓ, સ્થાનકવાસી, પારસી, મુસ્લિમ બધા જ 'એક્સેપ્ટ' કરે. એ એકાંતિક ના હોય, અનેકાંત હોય એમાં. પ્રશ્નકર્તા : એને નિરાગ્રહી કહેવાય ? દાદાશ્રી : હા, કહેવાય. એમાં કોઇ પણ પ્રકારનો આગ્રહ ના હોય. પ્રશ્નકર્તા : નિરાગ્રહી વાણી માટે આપને વિચાર કરીને બોલવું પડે કે નહીં ? દાદાશ્રી : ના. વિચારથી તો જે બોલે એ નિરાગ્રહી વાણી હોય જ નહીં. આ તો 'ડિરેક્ટ' ચેતનને સ્પર્શ કરીને નીકળે છે. 'જ્ઞાની'ની વાણી જાગૃતિપૂર્વકની હોય. તે સામાના હિત માટે જ હોય. કોઇનું હિત સહેજેય ના બગડે, તે પ્રમાણે જાગૃતિમાં રહે જ. સહુ પક્ષો સ્વીકારે તે સ્યાદ્વાદ ! પક્ષ બધા એકાંતિક હોય. બીજા પક્ષવાળાએ બીજા અમુક આગ્રહ લીધેલા હોય. એટલે બેના મેળ પડે નહીં અને અમારું આ નિરાગ્રહી હોય. બધાને મેળ પડે. ગમે તેને મેળ પડે. કોઈને વાંધો ના આવે ! મુસ્લિમ કોમના મોટા મોટા ઓલિયા બધા અહીં આવેલા. કોઈ અહીં વાંધો ના ઉઠાવે. નહીં તો એક પક્ષના સાધુ હોય તે બીજા પક્ષના લોકોની પાસે વાતચીત કરવા જાય તો પેલા લોકો આને એક્સેપ્ટ ના કરે, ઊઠી જાય. જુદું લાગે એને. હમણે એક પક્ષવાળા બોલતા હોય તો એ સ્યાદ્વાદ નહીં. અમારું સાચું એ આગ્રહી વાણી કહેવાય. બીજા પક્ષવાળાને વસમું પડી જાય અને સ્યાદ્વાદ વાણીએ દરેકને પોતાને પોતાના હિતની જ સમજાઈ જાય તરત જ. જેમ તમે તમારા હિતનું લઈ જાવ, એ એના હિતનું લઈ જાય. પણ વાણી એક જ જાતની હોય. સ્યાદ્વાદની ઝાંખી ! અહીં તો વૈષ્ણવ, જૈન, શિવમાર્ગી બધા હોય, પણ અહીં આગળ ભેદ કોઈને ના હોય. માતાજીના ભક્ત પણ અહીં હોય, બધા જ હોય. અહીં મતાર્થ જ ના હોયને ! આ બધા લોકો અમારી જોડે ત્યાં જાત્રામાં આવે છે. કેટલું માણસ આવ્યું હતું ? આપણે ત્યાં સમેતશિખર ગયા હતા ત્યારે ? પ્રશ્નકર્તા : એકસો પંદર જણા હતા. દાદાશ્રી : તેમાં લગભગ પચાસ સાઈઠ તો છે તે વૈષ્ણવ હતા બધા. મહીં કેટલાક શિવધર્મી હતા અને બીજા બધા જૈન હતા. પણ બધાય છે તે પાછાં દરેક, મહાદેવના બધા દર્શન કરે, માતાજીનાં દર્શન કરે, જૈનનાં દેરાસરમાં બધા દર્શન કરે. બધે દર્શન કરે. કારણ કે આ દર્શન શેનાં કરવાનાં છે ? દર્શન વ્યવહારથી છે. તે આપણે મુસલમાન કલેક્ટર હોય તો આમ જે' જે' આપણાથી ના થાય ? કરવું પડે કે ના કરવું પડે ? પ્રશ્નકર્તા : કરવું પડે. દાદાશ્રી : એટલે આ દર્શન બધા વ્યવહારથી છે. એટલે આપણે ત્યાં કોઈ વાંધો ઉઠાવે નહીં. બધાં જૈનો મહાદેવજીના દેરામાં આવીને દર્શન કરે. કેટલાંક લોકો તો વ્યંતર દેવોને ને ભુવનપતિ દેવોને નમસ્કાર જ ના કરે, તો સમકિત કેમ કરીને થાય ? સમ્યક્ત્વ થવું બહુ અઘરી વસ્તુ છે. સમ્યક્ત્વ જોતાં આવડે તો સમકિત થાય. જોતાં જ ના આવડ્યું, ત્યાં સમકિત શી રીતે થાય ? આ તો મિથ્યાત્વ જ જોયું છે, 'આ અમારું ને આ તમારું ! આ અમારું ને આ તમારું.' તે મતાર્થી જીવનો કોઈ દહાડોય મોક્ષ થાય નહીં. મતાર્થી જોયેલો કે નહીં જોયેલો તમારા ગામમાં ? પ્રશ્નકર્તા : જોયાને ! બહુ પકડ પકડી રાખે, છોડે જ નહીં. દાદાશ્રી : એવી પકડ પકડે, તે છોડે નહીં. અમે જ્ઞાની પુરુષ છીએ, દરેકને માનીએ છીએ. અમે નર્કગતિના જીવને નમસ્કાર કરીએ છીએ. તિર્યંચના જીવોનેય નમસ્કાર કરીએ છીએ. ભુવનપતિના દેવોને નમસ્કાર કરીએ છીએ. વ્યંતર દેવોનેય નમસ્કાર કરીએ છીએ અને સમકિતી દેવોનેય નમસ્કાર કરીએ છીએ. કારણ કે જીવમાત્રને અમે નમસ્કાર કરીએ છીએ. અમે એમના કપડાં જોતા નથી કે તમે સરસ કપડાં પહેરો. તમે શ્રીમંત માણસ હો, વેપારી હો અને બીજો એવો નાયે હોય, તે ફાટેલાં કપડાં પહેરે પણ એ અમે જોતા નથી. અમે તો મહીં માલ શું છે તે જોઈએ. બધામાં શું માલ હશે ? બધાનામાં આત્મા છે. આત્મા બધાનો સરખો જ છે. ફક્ત આ કપડાં- લત્તાનો ફેરફાર છે. છૂટ્યા ગ્રહો સર્વ સ્હેજાસ્હેજ ! એવો આ સ્યાદ્વાદ માર્ગ છે. કોઈની ખોડ કાઢવા જેવો માર્ગ નથી આ. ફક્ત ખોડ કાઢવી હોય તો દુરાગ્રહની ને આગ્રહની, કદાગ્રહની ખોડ કાઢવા જેવી. બાકી આ ખોડ કાઢવા જેવો માર્ગ જ નથી ! કૃપાળુદેવે લખ્યું છેને, 'તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત, અસત્વચન એ આદિનો તિરસ્કાર થાય.' હવે આપણે તો આ બધા તિરસ્કારેય કરવા જેવા નથી. કારણ કે આપણે તો એની મેળે સહજભાવે છૂટી ગયું. આ તિરસ્કાર કરશે ત્યારે જગત છૂટશે. એ ક્રમિક માર્ગ છે. અને આપણે તો સહેજાસહેજ છૂટી ગયું. રાગ-દ્વેષ કરવાનો જ રહ્યો નહીંને ! તમને લાગે છે ને કદાગ્રહ છૂટી ગયો હવે? જ્યાં આગ્રહ છૂટી ગયો ત્યાં કદાગ્રહ છૂટી ગયો ને ?! કારણ કે 'તમે' જુદાં અને ચંદુલાલ જુદો. તો ચંદુભાઈ થોડો આગ્રહ કરતા હોય તો આપણે કહીએ કે 'ચંદુભાઈ, આગ્રહ કરવાનો નથી. હવે શેને માટે આગ્રહ ?' પ્રશ્નકર્તા : અને આપે બીજું કંઈ કર્યું નથી. અમારી પકડો છોડાવી દીધી છે. દાદાશ્રી : છોડાવી દીધી. હવે આ પકડો બધી ખોટી જ પકડી હતી ને ? રોંગ બિલિફો બધી ! અને અહીં તો બધી વાણીયે સ્યાદ્વાદ હોય. અહીં આગ્રહ કે ખેંચ કશું ના હોય. અહીં તો તમે સામું બોલો તોયે આ કશું બોલે નહીં ને ! અહીં કાયદો નથી. અહીં, નો લૉ લૉ છે. એટલે જેને જેમ ફાવે એમ બેસે. પણ અહીં કોઈ કાયદો નથી. અને જ્યાં કાયદો ત્યાં મોક્ષ ના હોય. અને જ્યાં મોક્ષ હોય ત્યાં કાયદો ના હોય !! આપણે આમ બેઠા હોય, ત્યારે કહેશે, 'એય આમ બેસો.' ત્યાં મોક્ષ ક્યારેય પણ ના થાય. એ વ્યવહાર ધર્મ છે. જ્યાં કાયદા છે ત્યાં વ્યવહાર ધર્મ છે. કાયદાની અંદર કાયદા. તે કેટલા બધા હોય તે ! અને અહીં તો એકુંય કાયદો જ નહીં. નો લૉ લૉ ! અહીં ફક્ત પરમ વિનય ! નિરાગ્રહીપણું જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી જગતનો પ્રેમ સંપાદન ના થાય. શુધ્ધ પ્રેમ નિરાગ્રહતાથી પ્રગટે છે અને શુધ્ધ પ્રેમ તે જ પરમેશ્વર છે. - જય સચ્ચિદાનંદ |
|---|