આડાઈથી અટકયો મોક્ષ

સંપાદકીય

આ સંસારમાં રઝળપાટ કેમ થયા કરે છે ? આટલા બધા તપ કર્યા, ત્યાગ કર્યા, ધ્યાન કર્યા, સાધનાઓ કરી, છતાં મોક્ષ શાથી નથી થયો ? કારણ કે મોક્ષે જતા બીજું કશું નડતું નથી, પણ પોતાની આડાઈઓથી મોક્ષ અટક્યો છે. ધર્મમાં દીલ ઠરે એવી વાત હોય તો યે સ્વીકાર ના કરે. પોતાના મતે જ ચાલે એ આડાઈ ના કહેવાય ?

સાપને ય વાંકાચૂકા થઈને દરમાં ના પેસાય. દરમાં પેસવા સીધાં થવું પડે એવું આમાં ય સીધા-સરળ થવું પડે તો મોક્ષમાં પેસાય. બધી આડાઈઓ ખલાસ થાય ત્યારે તો 'જ્ઞાની'નું પદ આવીને ઊભું રહે.

સંસારમાં યે આડાઈ કેટલી બધી દુઃખદાયી છે. ધણી ને વાઈફ વચ્ચે બેમાંથી એકમાં આડાઈ ઊભી થાય તો ય આમ સામે જીવન કંટાળાજનક જ બની જાય છે ને ? પછી જમવાનું ના ગમે, દાગીના ના ગમે, જીવવાનું યે ના ગમે. નાના છોકરા યે વાત વાતમાં આડાઈ કરતાં હોય તો કોઈનેય ના ગમે. સરળ હોય તો એની જોડે વ્યવહાર સૌને ગમે.

અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય, તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ અને કોઈ પૂછે કે આવુ કેમ કર્યું ? તો એમ કહે કે આ કરવા જેવું હતું. આમ આડાઈ ભૂલનું રક્ષણ કરે અને કર્મોના દડિયા બાંધે.

આડાઈ એટલે અહંકારનો જ ફણગો. અહંકાર એટલે ભગવાનથી ભેદ પાડ્યો ને પછી સંસારમાં રખડાવે. સરળતાથી પોતાનું ધાર્યું ના થાય તો છેવટે આડાઈ કરીને પણ સંસારમાં પોતાનું ધાર્યું કરાવાની કળા ખોળી કાઢી છે અને એમાં પોતાને પસ્તાવો થતો નથી. ભૂલ કરી રહ્યા છે એવુ લાગતુ નથી ત્યાં સુધી આડાઈ જાય પણ શી રીતે ? અજ્ઞાનતામાં આમ ને આમ આડાઈઓ વધારતો જાય ને ભયંકર માર ખાય.

જ્ઞાની પુરુષને તો સામા જીવની આડાઈ ઉપર તો અત્યંત કરૂણા આવ્યા કરે કે આડાઈ જાય તો ભગવાન પદ આવે એવુ છે ત્યાં આડાઈ કરીને મનુષ્યપણું યે ખોઈ રહ્યા છે !

પરમ પૂજ્ય દાદાશ્રીની પાસે બે જ કલાકનો ભેદજ્ઞાનનો પ્રયોગ હતો, તે દ્વારા દરેકને પોતાને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જતું. એક વખત આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પછી જાગૃતિ આવે ને પોતાની આડાઈઓ પોતાને દેખાય. દરેકને પોતાની આડાઈઓ જુદા જુદા પ્રકારની હોય. છતાં જ્ઞાનજાગૃતિથી અને જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહે તો પોતાની આડાઈઓ પોતાને દેખાય અને તેના પસ્તાવા- પ્રતિક્રમણ થાય તેમ તેમ આડાઈઓ ખલાસ થતી જાય ને મુક્તિ થાય !

આડાઈથી અટક્યો મોક્ષ

આડાઈનું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : આડાઈનું સ્વરૂપ શું સમજવું ?

દાદાશ્રી : દિલ ઠરે એવી વાત હોય તો ય સ્વીકાર ના કરે, પોતાના મતે જ ચાલે. અમે કોઈને કશુંય કહીએ નહીં, દબાણ ના કરીએ. છતાં કોઈને કશું કહીએ અને જો કદી એ ના માને તો એને આડાઈ જ કહેવાય ને પોતાના મતે જ ચાલવું છે ને કે 'જ્ઞાની'ની આજ્ઞાથી ચાલવાનું ?

પ્રશ્નકર્તા : ખરેખર 'જ્ઞાની'ની આજ્ઞાથી જ ચાલવાનું છે.

દાદાશ્રી : બધી આડાઈ જ હોય. બધે જ્યાં હો ત્યાં આડાઈથી જ બધું ઊભું રહ્યું છે ને ! ફક્ત અમારામાં આડાઈ ના હોય. અમે આડાઈ શૂન્ય થઈ ગયેલા છીએ. કોઈ દબાણ કરે કે, 'તમારે ફલાણું કામ કરવું જ પડશે. નહીં તો અમે બધાં ઉપવાસ કરીશું.' દુઃખમાં પડતાં હોય તો અમે કહીએ કે, 'લે ભઈ, કરીએ. પણ ઉપવાસ ના કરશો.'

પ્રશ્નકર્તા : એ આડાઈ ના કહેવાય ?

દાદાશ્રી : ના. આડાઈ આ કહેવાય કે 'અમે ઉપવાસ કરીશું.' અહીં જગત આખું અટક્યું છે.

પ્રશ્નકર્તા : અને જ્યારે આપ કહો તો એ વખતે તેવું ના કરવું, એને આડાઈ કહેવાય ?

દાદાશ્રી : આડાઈ જ કહેવાય ને ! ત્યારે બીજું શું ? કંઈ 'દાદાજી' એવું કહે ખરાં કે આમ કરી લાવ ?! કંઈ આપણા હિતનું હોય તો જ કહે ને ?! માટે ત્યાં આડું ના થવું.

નડે માત્ર આડાઈઓ !

માટે સીધા થવાની જરૂર છે. જો હું સીધો થઈ ગયો છું, તો છે ભાંજગડ કશી ? કેટલાય અવતારનો માર ખા ખા કરીને આ સીધો થઈ ગયો છું. કશું આડાઈ જ નથી ને, હવે. તમે કહો કે 'નીચે હેંડો' તો નીચે હેંડીએ. અમારે આડાઈ નામ ના હોય. તો ય કોઈ કહેશે, 'તમે આવાં છો, તેવાં છો.' પણ એ તો એવો 'જે' છે તેને એ કહે છે. હું પેલાને ખોટો ય નહીં કહું કે તું ખોટો છે અને એ કોને કહે છે તે ય હું સમજી જઈશ. એ મને કહેતો નથી, પણ મારા 'પાડોશી'ને કહે છે.

પ્રશ્નકર્તા : તમારા પાડોશી કોણ ?

દાદાશ્રી : આ 'એ. એમ. પટેલ' ઇઝ ધી ફર્સ્ટ નેબર. 'હી ઇઝ કોન્ટ્રાક્ટર ઓલ્સો, ઇન્કમટેક્ષ પેયર ઓલ્સો'! એને એ કહે છે.

લોક કહેશે, 'સંસારમાં જ્ઞાન થાય નહીં.' અરે, 'ઇન્કમટેક્ષ પેયર' છે અને 'કોન્ટ્રાક્ટ'નો નાગો ધંધો કરે, તો ય 'જ્ઞાન' થયું ! એ જુઓ તો ખરાં ! માટે આ સંસારમાં શું નડે છે ? તારી આડાઈ જ નડે છે અને મેં તો મારામાં બહુ આડાઈઓ દેખી હતી. અને એ આડાઈઓ બધી ખલાસ થઈ તો હું 'જ્ઞાની' થઈ ગયો. મહીં આડાઈ ના રહે તો જાણવું કે જ્ઞાની થઈ ગયા.

આડાઈ છૂટી જતાં....

આ લોક તો કહેશે, 'તારી બનાવેલી ચા નહીં પીઉં.' ઓહોહો, ત્યારે કોની બનાવેલી ચા પીશ હવે ? એટલે એ ધણી છે તે દબડાવે પેલીને. શું કહેશે ? 'તેં ચા બગાડીને, એટલે હવે ફરી તારા હાથની ચા નહીં પીઉં.' દબડાવે બિચારીને, આડો થાય. કેટલી બધી આડાઈઓ ! તેનાં દુઃખ પડે છે ને !

એટલે આડાઈ જ નડે છે. મોહ તો કશુંય ના નડે. એ તો બે વખત મોહ રહે પાછો, ને ત્રીજી વખત મહીં કંટાળો આવે.

સરસ જમવાનું હોય, પણ મોઢું ચઢાવીને જમાડે તો ? ના ગમે, નહીં ? 'બળ્યું તારું જમવાનું' એમ કહે ને ?! અરે, હીરા પણ મોઢું ચઢાવીને આપે તો ના ગમે. આ સાહેબનું મોઢું ચઢેલું હોય ને હીરા આપી જાય તો તમે શું કહો ? 'લો તમારો હીરો તમારે ઘેર લઈ જાવ.' આમ કહે કે નહીં ? તો હીરાની કિંમત વધારે છે કે મોઢું ચઢ્યાની ?! આપણા લોકો હીરા ના લે. જ્યારે ફોરેનમાં તો વિલિયમનું મોઢું ચઢ્યું હોય તો ય લેડી ખાઈ લે. અને આપણે ત્યાં તો આવી બને. છતાં આ સ્ત્રીઓ ના કરે. આ તો આર્ય સંસ્કારી સ્ત્રીઓ ! ફોરેનમાં ચાલ્યું જાય. ફોરેનમાં તો મોઢું ચઢાવીને આ હીરા આપે ને, તો કહે, 'છો ને, મૂઓ બૂમાબૂમ કરે. આપણે તો હીરા આવી ગયા ને !' અને અહીં આ ના ચાલે. આ તો આર્ય સન્નારી કહેવાય. તમને કેમ લાગે છે ?!

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એટલે આપણે ઘરમાં મોઢું ના ચઢાવીએ તો હીરા કરતાં વધારે છે ને ?!

નાનો બાબો હઉ રૂપિયા અડવા ના દે. કહેશે, 'આ તો મારા રૂપિયા, લાવો જોઈએ.' એક બાબતમાં સરળ હોય ત્યારે બીજે આડાઈ હોય. એ આડાઈ ના નીકળે ત્યાં સુધી છૂટાય નહીં. આડાઈ જાય તો ભગવાન થાય એવું પદ છે, આ જગ્યા છે એવી. 'દાદા' આડાઈથી શૂન્ય થઈ ગયેલા છે !

દરેકની આડાઈ જુદી જુદી રીતની હોય. તમે જેને આડાઈ કહેતા હો એ તમારી આડાઈ તમને ના દેખાય. તમારી આડાઈ તમને દેખાય તો તમે ભગવાન થઈ જાવ. પોતાની આડાઈ પોતાને દેખાય એ ભગવાન થાય. હજુ તમારી આડાઈ તમને ક્યાં દેખાય છે ? નહીં તો તમે ભગવાન થઈ જાવ.

છોકરાં જોડે માની આડાઈ !

એ તો એવું છે ને, એક તો આપણને મા-બાપ થતાં જ આવડતું નથી.

પ્રશ્નકર્તા : તો મા કેમ થવું, એની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ ?

દાદાશ્રી : એવું થાય ત્યારે શું કરવું, વઢંવઢા થાય ત્યારે શું કરવું, રડે ત્યારે શું કરવું, એ બધી કળા જાણવી જોઈએ ને ! ધીબ ધીબ કરીએ...

પ્રશ્નકર્તા : નથી કરવું એ. જાણવાની ઈચ્છા છે કે મા કેમ થવું ?

દાદાશ્રી : છોકરું હઠે ચઢે ને આપણે હઠે ચઢીએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : મા હઠે ચઢે ને છોકરું હઠે ચઢે, તો સરવાળે છોકરું ટિપાય.

દાદાશ્રી : ના, પણ એનો અર્થ જ નહીં ને ! એટલે એની, છોકરાની હઠ ભાંગવી જોઈએ.

પ્રશ્નકર્તા : કેવી રીતે ભાંગવી ?

દાદાશ્રી : એની પ્રકૃતિ જેમાં રાજી થતી હોય, થોડીવાર ગલીપચી કરવી ને રાજી કરીને પછી... પછી ગાડું ચાલુ થઈ ગયું. પછી આડાઈ જતી રહી. આડાઈ આવે તેટલા પૂરતું ગલીપચી કરી લેવી પડે.

પ્રશ્નકર્તા : પણ છોકરો આડો હોય, તો આપણે શું કરવું એમ ?

દાદાશ્રી : પણ આડાને જ આવું કરવું પડે ને ! ગલીપચી કરીને એક વાર સીધું કરીને પછી ચાલ્યા કરે. પણ આ તો વધારે આડા બનાવે છે લોકો. એની જોડે પોતે ય આડો થાય. પેલું તો છોકરો ના બોલે ને તો મા ય ના બોલે.

પ્રશ્નકર્તા : હા, મોઢું ચઢાવી દે.

દાદાશ્રી : મોઢું ચઢાવે. એટલે આ તો મા થવાનાં લક્ષણ જ ન્હોય ને ?

પ્રશ્નકર્તા : અર્થ કંઈ નહીં, બરાબર છે.

દાદાશ્રી : બહુ તારે જાણવાની ઈચ્છા હોય તો પછી અહીં જ્ઞાન લઈ લેવું.

જોવાનું, પોતે પોતાનું !!

આ તો લોકોની આડાઈનું કહે કહે કરે. જાણે એમણે પોતાની એવી આડાઈ કાઢી નાખી છે (!) એટલા હારુ લોકોને કહે છે. 'આ આડો છે' એવું ના કહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, સામો માણસ આડો દેખાય એ પણ પોતાની જ આડાઈ ને ?

દાદાશ્રી : એ મોટામાં મોટી આડાઈ !

પ્રશ્નકર્તા : એટલે આડાઈઓ બધી પોતાની જ જોવાની છે ?

દાદાશ્રી : તો બીજા કોની ? બીજાને કહેવા જાવ તો એ સામો થઈ જાય.

પ્રશ્નકર્તા : આડાઈઓની પણ કેટલીક વખત અમને ખબર નથી પડતી. એ અમને સીધઈઓ લાગે.

દાદાશ્રી : એ ખબર ના પડે. એ તો મહીં ઊંડા ઊતરવું પડે. આડાઈઓ જોવા માટે નિષ્પક્ષપાતી વલણ લેવું પડે.

કોઈ આપણને કહે કે, 'આડાઈ શું કરવા કરો છો ?' ત્યારે આપણે કહીએ, 'જુઓ ને, મૂરખો છે ને ! હું આડાઈ કરું છું કે એ કરે છે ?' સામો ઊલટો આપણને તપાસ કરવાનું કહે, તો મહીં તપાસ કરો. આ તો આપણે આપણી આડાઈઓની તપાસ નથી કરતા, પણ તેની આડાઈઓની આપણે તપાસ કરીએ છીએ. કેમ મને નથી કહેતા કે આડાઈઓ તમે કેમ કરો છો ?! હવે મારામાં આડાઈઓ દેખે, તો એ કહ્યા વગર રહે નહીં. જગત તો જેવું દેખે એવું કહે.

નાનપણની આડાઈઓ !

અમને ઠેઠ સુધીનું, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય. આવું હતું.... આવું હતું, પછી આવું હતું, સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા, એ બધુંય અમને દેખાય. સાહેબ ચિઢાયા કરે. કહેવાય નહીં ને ચિઢાયા કરે.

પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા ?

દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી. પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય.

પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય ?

દાદાશ્રી : એ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય ! અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ?! પણ આ આડાઈ. 'શું સાહેબ એના મનમાં સમજે છે ?' કહેશે. લે !! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, 'ના, બાખડી બાંધવાની પહેલાં.' બાખડી બાંધવાની કહેવાય એને. તમે બાખડી શબ્દ સાંભળેલો ? તમે હઉ સાંભળેલો ? ત્યારે સારું.

પ્રશ્નકર્તા : તો સાહેબ તમને કશું કહી ના શકે ?

દાદાશ્રી : કહે ય ખરા, પણ કહેવાય નહીં. એને ભડક લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખે.

પ્રશ્નકર્તા : દાદા, તમે આવાં તોફાની હતા ?

દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ.

મમતા વગરનો અહંકાર !

પ્રશ્નકર્તા : અને એમાં આવું 'જ્ઞાન' થઈ ગયું, એ તો બહુ કહેવાય.

દાદાશ્રી : 'જ્ઞાન' થઈ ગયું. કારણ કે મહીં ચોખ્ખું હતું ને ! મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો હતો. પણ મમતા નહોતી એટલે આ દશા થઈ ! સહેજે મમતા નહીં, લાલચ નહીં પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાંક તો મારી પાછળ એવું કહે, આની મિયાંપણી બહુ જ છે. ત્યારે કેટલાંક તો કહેશે, 'અરે, જવા દો ને, તુંડમિજાજી છે.' એટલે મારા માટે શું શું વિશેષણ વપરાય, તે બધું પાછળ રહીને જાણું પાછો. પણ મને મમતા નહોતી. એ મુખ્ય ગુણ સરસ હતો, એનો પ્રતાપ આ ! અને મમતાવાળો સો ગણો ડાહ્યો હોય તો ય સંસારમાં જ ઊંડો ઊતરેલો હોય. અમે મમતારહિત, તે ખરેખર મઝા આવી. આ મમતા એ જ સંસાર છે, અહંકાર એ સંસાર નથી.

માર ખાઈને પાંસરા થયા !

ને તે મને ય લાગ્યું કે હવે પાંસરો થઈ ગયો હું. કોઈએ પાંસરો કરવો ના પડે મને.

પ્રશ્નકર્તા : કેવી રીતે પાંસરા થઈ ગયા, દાદા ?

દાદાશ્રી : લોકોએ મારી-ઠોકીને, ઊંધું-ચત્તું કરીને, આમતેમ સકંજામાં લઈને પણ પાંસરો કરી નાખ્યો.

પ્રશ્નકર્તા : એ આગલા અવતારોમાંથી ચોખ્ખું થતું ગયેલું ને ?

દાદાશ્રી : કેટલાંય અવતારથી આ પાંસરા થતાં આવેલાં, ત્યારે આ અવતારમાં પૂરો પાંસરો થયો. બાકી, હિન્દુસ્તાનનો માલ પાંસરો ના હોય, આડો જ હોય. કેટલાંક તો જન્મ લેતી વખતે માથું નીચે હોય, તેને બદલે માથું ઉપર હઉ હોય. અને કેટલાંક તો ગર્ભમાં આડા થઈ જાય છે. તે એની માને ય મારે, એ ય મરે અને બધાંયને મારે, ને ડૉક્ટરને ય ફજેત કરે.

પ્રશ્નકર્તા : પણ એમાં એની એવું કરવાની ઇચ્છા ન હોય. એ તો થઈ જાય ને ?

દાદાશ્રી : મૂળથી આડો સ્વભાવ એટલે, જ્યાં જાય ત્યાં આડો થાય. ગર્ભમાં ય આડો. એ જ્યાં જાય ત્યાં આડો ! અને સીધો હોય તે જ્યાં જાય ત્યાં સીધો ચાલે.

સમજણ અંતરાવાથી આડાઈ !

પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનના લોકોમાં આડાઈ છે અને મોક્ષના અધિકારી પણ એ જ છે.

દાદાશ્રી : એવું છે ને, આડા હોય તે જ મોક્ષે જાય. અને આડાઈ તો, સમજણવાળો કરે કે અણસમજણવાળો કરે ? સમજણવાળો જ કરેે, આડાઈઓ ?

પ્રશ્નકર્તા : પણ એ ઊંધી સમજણ છે ને, દાદા ?

દાદાશ્રી : એ સમજણ અંતરાઈ તેથી ! અને ત્યાં ફોરેનમાં આડાઈ નહીં. એને તો જેવું હોય એવી સીધી વાત.

પ્રશ્નકર્તા : એ સમજણ અંતરાઈ, એ ફોડ પાડો ને, દાદા.

દાદાશ્રી : આપણી વધેલી સમજણ એ અંતરાઈ. આપણી સમજણ 'હેલ્પ' ના કરે તો સમજણ અવળે રસ્તે ચાલે.

આડાઈ જાય તો ઉકેલ આવી ગયો. આડાઈ ખરી રીતે અહંકાર ગણાય છે. એ અહંકારનો ફણગો જ છે. અહંકાર એટલે શું ! ભગવાનથી દૂર ભાગે તે. અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે.

મોટામાં મોટી આડાઈઓ !

પ્રશ્નકર્તા : આડાઈ શું કહેવાય છે ?

દાદાશ્રી : અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ તો ય બીજું કોઈ પૂછે કે આવું કેમ કર્યું, ત્યારે એમ કહે કે આવું કરવા જેવું હતું. એટલો બધો આડો હોય કે ન પૂછોને વાત. લોકો કહે ય ખરાં કે તમે તો આડા છો. લોકો એવું કહે કે ના કહે કે 'તમે આડું બોલો છો ?' એ જ બધી આડાઈ. ભૂલની ખબર ના હોય ને એને ઢાંકીએ, એ વાત જુદી છે. ખબર હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. બીજી આડાઈ એ કે રાત્રે કોઈની જોડે આપણને ભાંજગડ પડી હોય અને સવારમાં ચા મૂકવા આવે તો કહે, 'મારે તારી ચા ય ના જોઈએ ને કંઈ ના જોઈએ.' પાછો આડો થાય. અલ્યા, રાતની વાત રાતે ગઈ. ગઈ કાલે શનિવાર હતો, આજ તો રવિવાર છે. પણ શનિવારની વાત રવિવારે ખેંચી લાવે. શનિવારની વાત શનિવારમાં ગઈ. રવિવારની વાત નવી પાછી.

આજ્ઞા પાળવાથી તૂટે આડાઈઓ !

પ્રશ્નકર્તા : શનિવારની વાત રવિવારે રહી. એનો જે તાંતો રહ્યો, એ આડાઈને તોડવાનો રસ્તો શું ?

દાદાશ્રી : આડાઈને તોડવાની જરૂર નથી. આપણે દાદાની આજ્ઞા પાળવાની છે. 'વ્યવસ્થિત' જાણ્યું એટલે બોલવા-ચાલવાનું ના રહ્યું. 'વ્યવસ્થિત'નો અર્થ શું ? આપણને એની જોડે તકરાર-ઝઘડો કશું જ રહ્યું નહીં, આનું નામ 'વ્યવસ્થિત'. 'વ્યવસ્થિત' એટલે 'વ્યવસ્થિત' ! 'વ્યવસ્થિત'ને પૂરેપૂરું સમજવું પડે અને આ જગતમાં બીજાની તો ભૂલ જ નથી. જેટલી ભૂલો છે તે બધી જ પોતાની ભૂલોનું પરિણામ છે. નહીં તો ગજવું કાપનારો આટલાં બધાંને ભેગો ના થયો ને મને કઈ રીતે ભેગો થઈ ગયો ? આપણી ભૂલ વગર ભેગું થાય નહીં.

અમારામાં આડાઈ જરાય ના હોય. કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ (સ્વીકાર) કરી લઈએ. કોઈ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે, 'હા, ભાઈ, આ તેં અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર.' આપણે તો જાણીએ કે જે ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. બાકી દોષ હોય કે ના હોય એની તપાસ કરવા જવાનું નહીં. એમને દેખાય છે માટે દોષ છે જ.

એ જ્ઞાન જ વર્તનામાં !

પ્રશ્નકર્તા : તો આડાઈનું 'રૂટ કોઝ' શું ?

દાદાશ્રી : અહંકાર.

પ્રશ્નકર્તા : પણ એ 'કોઝિઝ' કરેલાં એટલે એની 'ઈફેક્ટ'ને ?

દાદાશ્રી : આ 'ઇફેક્ટ' છે, પણ 'કોઝિઝ' કર્યા ત્યારે ને ! 'કોઝિઝ' કેવી રીતે પડે છે કે પહેલું આડાઈનું જ્ઞાન થાય કે આડા થઈ જઈશું ને, એટલે બધાં ઠેકાણે આવી જશે. એવું એને જ્ઞાન થાય. 'ઘરનાં બધાં માણસોને ઠેકાણે લાવવા આડા થઈશું, આડાઈ કામ લાગે ખરેખરી.' એ જ્ઞાન થાય એને. એ પછી આ શ્રદ્ધા બેસે એની. આ શ્રદ્ધા એ જ્ઞાનને 'સ્ટ્રોંગ' કરે. શ્રદ્ધા વગરનું જ્ઞાન હોય ને, તો ઊડી જાય. પણ શ્રદ્ધા બેઠી એટલે શ્રદ્ધા એને મજબૂત કરે. અને પછી એ આડાઈ ચારિત્રમાં આવે અને પછી જો મઝા (!) આવે !

આડાઈ એ જ અજ્ઞાન. મોક્ષે જતાં આ મોટરો-બંગલા નથી નડતાં, પણ આડાઈ નડે છે.

પાંસરા તો થવું પડશે ને ?!

પ્રશ્નકર્તા : આડાઈઓ કેમ જતી નથી ?

દાદાશ્રી : શી રીતે જાય તે ? ઘણા દહાડાનો મુકામ કરેલો. અને પાછું ભાડાનો કાયદો, પેઠા પછી ખસે નહીં. અહીં રહેવા આવેલી એ આડાઈ ખસે કે પછી ?

મેં એક જણને કહ્યું, 'આટલી બધી આડાઈ શું કરવા કરો છો ? થોડી આડાઈ ઓછી કરો ને ?' ત્યારે એ કહે છે, 'દુનિયામાં આડાઈ વગર તો ચાલે નહીં.' ત્યારે મેં કહ્યું, 'આ સાપનેય દરમાં પેસતી વખતે સીધું થવું પડે. જો મોક્ષે જવું હોય તો પાંસરા થાવ ને ! નહીં તો લોક પાંસરા કરશે, ત્યાર પછી મોક્ષે જવાશે. એના કરતાં જાતે જ પાંસરા થઈ જાવ ને !' લોક તો મારી મારીને પાંસરા કરે, એના કરતાં જાતે પાંસરા થઈ જઈએ, એ શું ખોટું ? માટે જાતે જ પાંસરા થઈ જાવ. લોક મારી મારીને પાંસરા કરે કે ના કરે ?

પ્રશ્નકર્તા : કરે. પણ તો ય લોકો પાંસરા થતાં નથી ને ?

દાદાશ્રી : પણ જ્યારે ત્યારે તો પાંસરા થયા વગર છૂટકો જ નથી ને ! કડવો અનુભવ થાય ને, પછી આડાઈ એની મેળે જ છૂટી જાય. આ તો આડાઈઓ પાર વગરની છે. કોઈ અવતારમાં કોઈ પાંસરો કરનાર મળ્યો નથી. અને જો મળ્યો હોત તો આમ ભટકત નહીં. એટલે બધું થાય, પણ પાંસરો ના રહે. તે આ જગત શું કરે છે ? મારી મારીને પાંસરો જ કરે છે. હજુ પાંસરો નથી થતો ?! તો મારો એને ! તે પછી બઈ મારે, છોકરાં મારે, બધા લોક મારે ને એને પાંસરો કર કર કર્યા કરે.

મને તો કેટલાંય અવતારથી લોકોએ મારી મારીને પાંસરો કરી નાખ્યો. ત્યારે હું ડાહ્યોડમરો થઈ ગયો. જ્યારે હું પાંસરો થયો ત્યારે જુઓ, મારે 'આ' જ્ઞાન મળી ગયું ને ! આમ તો હું ય પાંસરો નહોતો. એટલે આ જગત આખુંય પાંસરો કરે છે. જે પાંસરા ના થયા હોય તેને ય પાંસરા થવું જ પડશે ને, જ્યારે ત્યારે ?! ત્યારે આ તો ધોળા આવ્યા પછી ય આડો થાય હવે ! આ જેવી તેવી વંશાવળી નથી અને પાછો ઘરમાં જ આડો થાય.

ઘરમાં બાબો મરી જાય, પછી આ તો રડારોળ કરે કે મારા બાબાનો બાબો, એકનો એક બાબો હતો ! જાણે એ પોતે મરવાનો ના હોય ને, એવું એ ય રડે. પોતે મરવાનો નહીં હોય ?! દાદો થયો તો ય ? પણ તો ય બાબાના બાબાનું રડે. અલ્યા, જવાનું થયું તો પાંસરો રહે ને ! દાદો થાય તેને જવાનું ના થયેલું હોય? સિગ્નલ તો પડી ગયું હોય. દાદો થયો ત્યાંથી સિગ્નલ પડ્યું. તો ય જાણે પોતાની ગાડી ના ઊપડવાની હોય એવી વાત કરે. તે આ સિગ્નલ પડી ગયું છે, માટે ચેતો જરા હવે.

પ્રશ્નકર્તા : ગાડી ઉપડવાની નિશાનીઓ આવી ગઈ છે.

દાદાશ્રી : હા, સિગ્નલ પડી ગયો છે. હવે નિરાંતે ગાડીની ઊપડવાની તૈયારી છે. હવે પાંસરું થવાની જરૂર છે.

દરેક અવતાર 'પાંસરો' કરે !

જે લોકો ભેળસેળ કરે છે, જે લોકો અણહક્કનું પડાવી લે છે, અણહક્કનું ભોગવી લે છે, એ બધા અહીંથી બે પગમાંથી ચાર પગમાં જાય છે ને પૂંછડું વધારાનું મળે છે. એમાં કોઈ મીનમેખ ફેરફાર કરનારું નથી. કારણ કે એનો સ્વભાવ એવો બંધાયો, અણહક્કનું ભોગવી લેવાનો. એટલે ત્યાં જાય તો ભોગવાય ત્યાં આગળ. ત્યાં તો કોઈ કોઈની બૈરી જ નહીં ને ! બધી બૈરીઓ પોતાની જ ને ! અહીં મનુષ્યમાં તો પરણેલા લોકો એટલે કોઈની સ્ત્રી ઉપર દ્રષ્ટિ ના બગાડીશ પણ તે હવે ટેવ પડી ગયેલી હોય, આદત પડી ગયેલી હોય, તે પછી ત્યાં જાય, ત્યારે રાગે પડે એનું. એક અવતાર, બે અવતાર ભોગવી આવે ત્યારે પાંસરો થાય. એને પાંસરો કરે છે આ બધા અવતારો. પાંસરો કરીને પાછો અહીં આવે છે. પાછો, ફરી પાછો આડો થયો તો ફરી પાંસરો કરે. આ બધું પાંસરા કરતાં કરતાં પાંસરો થઈ ગયો કે પેલા મોક્ષને માટે લાયક થઈ ગયો. આડાઈઓ હોય ત્યાં મોક્ષ થાય નહીં.

સમજવા જેવી વાત 'જ્ઞાની'ની !

'જ્ઞાની પુરુષ'ની વાત દરઅસલ સીધી છે. મોક્ષ પણ સીધો છે. મોક્ષમાં બધાને પેસવા દે છે. કંઈ ના પેસવા દે એવું છે નહીં. પણ મોક્ષને માટે લાયક હોવો જોઈએ. ત્યાં તો મોક્ષમાં વાંકાચૂંકા ચાલે તો પેસાય એવું નથી. એના કરતાં પહેલેથી પાંસરા થઈ જઈએ એ શું ખોટું ?! મોક્ષ અઘરો નથી, પણ 'જ્ઞાની પુરુષ'ની વાત સમજાય તો કામનું છે. ના સમજાય તો ગૂંચો પડશે. કારણ કે 'જ્ઞાની પુરુષ'ની ત્રિકાળ સિદ્ધ વાત કહેવાય. એ એક ફેરો બોલ્યા હોય ને, તે તીર્થંકરો ય એ જ કહેતા હોય.

આપણે 'જ્ઞાની પુરુષ'ના કહ્યા પ્રમાણે ચાલવું; કારણ કે 'જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? જે બધી રીતે પાંસરા થઈ ગયેલા હોય ! તે ગાળો લેવામાં ય પાંસરા ને ગાળો આપવામાં ય પાંસરા. પણ ગાળો આપતી વખતે તો ગાળો આપે નહીં. કારણ કે પાંસરા થયેલા હોય એટલે આપે જ નહીં ને ! અમે તો પહેલેથી જ પાંસરા થઈ ગયેલા છીએ. ને તમારે ય આડાઈ તો કાઢવી જ પડશે ને ? બધી આડાઈ ક્યાં સુધી ચાલશે તે ?! એ તો મહીંથી કોઈક ફેરો નીકળે ત્યારે આડાઈની ખબર પડે. નહીં તો 'જ્ઞાની પુરુષ'ની પાસે આવે ત્યારે ખબર પડે કે 'ઓહોહો, હજુ આટલી આડાઈ ભરાઈ છે ?!'

જેટલી આડાઈ, તેટલો માર !

આ બંધન તો જાનવરને ય પસંદ નથી હોતું. આજે અમે આવતા હતા ત્યારે રસ્તામાં એક બળદને ટ્રકમાં કેટલાક લોક ચઢાવતા હતા, તે બળદ તો એની ભાષામાં સમજે કે, 'મને શું કરતા હશે ? મને ક્યાં લઇ જશે ?' તે બળદ આડાઇ કરે, એ ના ચઢવાના ફાંફાં મારતો હતો, તે પાંચસો માણસ રસ્તામાં ભેગું થઇ ગયું ! જાણે મુક્તિસુખ ના વહેંચાતું હોય ! બંધનની તો ભયંકર વેદના છે. હકીકત સ્વરૂપ જાણવા ના મળ્યું તેનો આજે આપણે પોતે અહીં છીએ એ પ્રત્યક્ષ પુરાવો છે ! જો હકીકત સ્વરૂપ જાણવા મળ્યું હોત તો ઉપર મોક્ષે પહોંચી ના ગયા હોત ?!

લાકડાં વાંકા, તેથી કરવતી વાંકી !

એક જણ મને કહે છે, 'આ ગુરુઓ આવા વાંકા કેમ ? મેં કહ્યું, 'આ લાકડાં વાકાં છે ત્યાં સુધી કરવતી વાંકી જ જોઈએ. આ લાકડા જ વાંકા છે.' ત્યારે એ કહે, 'હવે ક્યારે એ સીધા થશે ?' મેં કહ્યું, 'આ લાકડાં સીધાં થશે એની મેળે. આ બફારો આવ્યો છે ને ?! તે હવે સીધાં થશે એવો બફારો આવ્યો છે. તે ગમે તેવું લાકડું વાંકું હશે તો પોતે સીધું થઈ જશે. માર ખાઈ ખાઈને અને પછી ગુરુ એવા સારા આવશે, જો જો તો ખરાં ! ખરેખરા ગુરુ આવશે ! તાજા તમતમાટ ! જૂનો માલ નહિ, કચરો માલ. નવો માલ હોવો જોઈએ.

આડાઈઓ, સ્ત્રી-પુરુષમાં !

આડાઈ તમારામાં થોડીઘણી ખરી કે નહીં ? થોડી ખરી ? તો આમને કહો ને, કે કાઢી આપે. જરા ગોદા મારે કે આડાઈ નીકળે !

પ્રશ્નકર્તા : એટલે ગોદા મારે ત્યારે જ આડાઈ નીકળે ?

દાદાશ્રી : ત્યારે બીજું શું ? એ ગોદા મારતા નથી કોઈ દહાડો ?

બાકી આ તો નર્યો આડાઈનો જ માલ ભરેલો છે. આડાઈ ના હોય એને સરળ કહેવાય, વાળ્યો વળે તેમ.

પ્રશ્નકર્તા : પુરુષો પોતે કંઈ એવું કબૂલ કરે કે અમે આડા છીએ ? એ તો એની બૈરી જ કહે ત્યારે ખબર પડે.

દાદાશ્રી : એ તો સ્ત્રીઓ ય બહુ આડી હોય છે. આ કંઈ એકલાં પુરુષોની જ વાત કરતાં નથી. આ તો બન્નેવ આવાં હોય ત્યારે જ છોકરાં આવાં થાય છે ને ! અને સ્ત્રીઓને આડી કરનારા આ પુરુષો. એ આડી નથી હોતી, મૂળ જન્મજાત આડી નથી હોતી. આ પુરુષ તો જન્મતાં જ આડો હોય છે. એ તો માતાને મહીં આમ આમ કૂણીઓ મારે. પુરુષ જાતિ તો માને આમ કૂણીઓ મારે. માથી સહેજ મરચું વધારે ખવાયું હોય તો મહીં કૂણીઓ મારે. અને સ્ત્રી, એ જન્મજાત એવી આડી નથી.

સમજણથી સરળતા !

તમે આડાઈ જોયેલી કે કોઈનામાં ? એ આડાઈ માણસોમાં હોય છે એવું જોયેલું ?

પ્રશ્નકર્તા : મારા પોતાનામાં જ હતી ને, દાદા. ભયંકર આડો હતો હું.

દાદાશ્રી : એમ ?! જે આડો હતો, તેને ય 'પોતે' જાણે ! કારણ કે જાણનાર જુદો ને ?! કે આડો થનાર તે જ જાણનાર હશે ? ના, આડો થનાર તે ન્હોય જાણનાર. આમાં જાણનાર જુદો છે, જાણનાર 'પોતે' છે. પછી આડાઈ બધી તમારી જતી રહી, નહીં ?

પ્રશ્નકર્તા : હજુ છે, દાદા.

દાદાશ્રી : તો પાંસરું થવું પડશે. આડાઈ તો ના ચાલે. અને જો આપણા આ 'જ્ઞાન'થી પાંસરા નહીં થાવ, તો લોક મારી-ઠોકીને પાંસરા કરશે. એના કરતાં સમજણથી જ પાંસરા થઈ જઈએ આપણે. એટલે ભાંજગડ મટી ગઈ ને ! હંમેશાં ય ડખોડખલ કરે ને, એટલે ધડ કરીને વાગે. એટલે એ એને પાંસરો જ કરતી જાય. ડખોડખલ જ પાંસરા કરે છે. એ આડાઈનાં શીંગડાં બધાં અહીં તૂટી જાય તો રાગે પડી જાય ! એ બધી આડાઈઓ પાશવતા જેવી હોય. સારા બે માણસ કહે કે, 'અલ્યા ભાઈ, અમારી વાત માનને !' ત્યારે એ શું કહેશે ? 'ના, એ મારા માન્યામાં નથી આવતું.' એ એની આડાઈ આપણી સામે ઉઘાડી પાડી. એ આડાઈ જશે ત્યારે મોક્ષ થશે.

આડાઈ કબૂલ્યે આડાઈઓની હાર !

એ આડાઈ શું હશે ? તમે ઘણાં ય વખત લોકોની પાસે બોલો છો કે, 'અરે ભઈ, આડાઈ કેમ કરો છો તમે ?' અગર તો તમને કોઈ કહે કે, 'આડાઈ કેમ કરો છો ?' ઓળખો તો ખરાં કે ના ઓળખો આડાઈને ?

પ્રશ્નકર્તા : આડાઈ તો ઓળખાય ને !

દાદાશ્રી : કેટલાં વર્ષથી ઓળખો ?

પ્રશ્નકર્તા : જ્યારથી સમજ આવી ત્યારથી.

દાદાશ્રી : એટલે આડાઈનો 'સ્ટોક' રહેવા દીધો હતો કે વેચી દીધો ? રહેવા દીધો ? તમે તો 'હા' કહો છો. 'ના' કહેતા હોય તો અત્યારે આડાઈ નીકળી જાય ને ?

પ્રશ્નકર્તા : 'હા' કહેવાથી નીકળી જાય.

દાદાશ્રી : એમ ?! 'ના' કહેવાથી ના નીકળી જાય ?

પ્રશ્નકર્તા : નહીં. 'ના' કહેવાથી તો આડાઈ વધારે મજબૂત થાય.

દાદાશ્રી : ત્યારે લોક તો એવું કહે છે ને, 'ના' કહેવી કે ના, મારામાં કોઈ આડાઈ નથી.

પ્રતિક્રમણનું હથિયાર !

આપણી પાસે પ્રતિક્રમણનું ઘણું સારું સાધન છે. આડાઈ કરીએ એટલે પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણનું બહુ બળ છે. પ્રતિક્રમણનું લશ્કર ના મોકલો ને ?! નહીં તો પ્રતિક્રમણનું લશ્કર મોકલો તો એ જીતે જ ! લશ્કર જીતે કે ના જીતે ?

આડાઈઓ દરેકની જુદી !

પ્રશ્નકર્તા : બધાંને એકસરખી આડાઈ ના હોય ને ?

દાદાશ્રી : આડાઈ જુદી જુદી જાતની હોય. ત્યારે શાકેય એક જ જાતનાં હોય છે બધાં કંઈ ? શાકેય જુદી જાતનું, આડાઈ યે જુદી જાતની, કઢીનો સ્વાદે ય જુદી જુદી જાતનો, 'હાઈટે' ય બધાની જુદી જાતની, રંગે ય બધાના જુદી જાતના. બધું જુદી જુદી જાતનું જ છે ને !

આ 'જ્ઞાન' મળે એટલે આડાઈ જતી રહે અને કોઈને આડાઈ રહી હોય તો એ દેખાય ને ! એની પોતાની ઇચ્છા એને સંઘરવાની ના હોય. સંઘરો કરવાની ઇચ્છા ના હોય કે લાવ, બેંકના ખાનામાં મૂકી આવીએ, એવું ના હોય.

સરળ, છતાં સૂક્ષ્મ આડાઈઓ !

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં વાક્ય આવે છે કે, ''જ્ઞાન થતાં પહેલાં અમે આખો આડાઈનો સમુદ્ર ઓળંગ્યો. એટલે એક એક આડાઈને અમે ભાંગી ત્યારે આ જ્ઞાન પ્રગટ થયું.''

દાદાશ્રી : હા, બધી બહુ આડાઈઓ હતી. લોકોને દેખાય નહીં, પણ અમને લાગે કે મહીં આડાઈઓ છે. લોકોને જો કે સરળ લાગે. એ નાની નાની આડાઈઓ, સૂક્ષ્મ આડાઈઓ, અહંકારી આડાઈઓ હતી. દેહની આડાઈઓ નહીં, રિસાય એવી નહીં. અહંકારની આડાઈ ! મને પોતાને ખબર પડે કે આ ભાઈની જોડે અવળું ફર્યું છે આ. પેલાને આ ખબર ના પડે.

પ્રશ્નકર્તા : એ આડાઈમાં જાય ?

દાદાશ્રી : ત્યારે બીજું શું ? સામાની સાચી વાત હોય ને આપણે બધું અવળું કરીએ તો એ અહંકાર, ગાંડપણ જ કહેવાય ને !

પ્રશ્નકર્તા : તો આડાઈ છે એ અહંકારની જ વિકૃતિ છે ને ?

દાદાશ્રી : અહંકાર જ. બુદ્ધિને કશું લેવાદેવા નહીં.

પ્રશ્નકર્તા : પણ એ અહંકારની વિકૃતિ જ ને ?

દાદાશ્રી : વિકૃતિ જ. વિકૃતિ એટલે કેવી ? લોક પાછળ કહેશે, 'જવા દો ને, જરાક ક્રેક છે, એનું નામ ના લેશો.' અલ્યા, ઈંજીન ચાલે છે ને હેડ શી રીતે ક્રેક ?!

આડાઈ આવરે, જ્ઞાન પ્રકાશને !

'અમારે' 'જ્ઞાન' થતાં પહેલાં, વચગાળાની દશામાં આડાઈઓ હતી. તેની 'અમે' શોધખોળ કરી કે, જ્ઞાનપ્રકાશ, આ આડાઈઓ નથી થવા દેતું. તે પછી, તે બધી જ આડાઈઓ દેખી ને તેમનો વિનાશ થયો. ત્યાર પછી 'જ્ઞાન' પ્રગટ થયું !!! પોતે પોતાનું જ નિરીક્ષણ કરવાનું છે કે ક્યાં આડાઈઓ ભરેલી છે ! પોતે 'ઓબ્ઝરવેટરી' જ છે !

આડાઈરૂપી સમંદરને ઓળંગવાનો છે. આપણે આડાઈની આ પાર ઊભા છીએ અને જવાનું છે સામે પાર. કોઈ આપણી આડાઈ ઉતારવા નિમિત્ત બને તો તેમાં અસહજ ન થતાં તે નિમિત્તને પરમ ઉપકારી માની સમતાથી વેદવું.

અહંકારના આધારે !

આડાઈ ગમે છે તમને ?

પ્રશ્નકર્તા : ગમતી તો નથી, પણ જતી ય નથી.

દાદાશ્રી : એ તો હું કાઢી આપીશ. આડાઈઓ ઊભી થાય છે. જતી નથી, એ તમને ભાન થાય છે ને ? તે જ જાગૃતિ છે. નહીં તો એ ભાન જ ના થાય ને ! આડાઈઓ ઊભી થાય છે, એ ભાન જ ક્યાં છે ?! એ આપણે કહ્યું હોય કે, 'આવી આડાઈ કરો છો ?' ત્યારે એ કહે, 'તમે જ આડા છો' એવું તરત સામું મારે કે ના મારે ? 'બોસ' એમ કહે, 'તમે આડાઈ કરો છો.' તો મોઢે ના બોલે, 'બોસ' છે એટલે. પણ અંદરખાને મનમાં કહ્યા વગર રહે નહીં. કારણ કે અહંકાર શું ના કરે ? અહંકારથી જ ઊભું રહ્યું છે. અહંકારના આધાર ઉપર ઊભું રહ્યું છે. અહંકાર વિલય થાય એટલે પરમાત્મા જ છે.

પ્રશ્નકર્તા : પણ ત્યાં તો અમારાથી 'આ ખોટું છે' એવું કેટલીક વખત કહેવાઈ જાય છે.

દાદાશ્રી : હા, કહેવાઈ જાય. એ તો અનાદિની ટેવ છે ને, આપણી ! તે આપણને ખબરે ય પડે કે આ ખોટું થયું. એવું કહેવાઈ ગયા પછી ખબર પડે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પણ અનાદિની ટેવ છે. એટલે 'એક્શન-રીએક્શન'નો નિયમ છે ને ! એટલે એકદમ કંઈ બંધ ના થાય.

'નથી થતું' ના બોલાય !

હવે તમારે 'આડાઈ જતી નથી' એવું ના કહેવું. કારણ કે હું લોકોને પૂછું છું કે, 'શું થાય છે ?' ત્યારે એ કહે છે, 'સાહેબ, જાણીએ છીએ બધું, પણ થતું નથી.' અલ્યા, કઈ જાતનાં માણસો છો ? આત્માની આવી દશા કરી નાખી ?! આત્મા તો જેવો કલ્પે એવો થઈ જાય, એ હું કહું છું, તો ય તમે આવું બોલો છો ? 'જાણું છું બધું ય, પણ થતું નથી' કહો છો ? તો પછી આત્મા એવો જ થઈ જાય, પાંગળો થઈ જશે. એવું ના બોલાય કે 'જાણું છું બધું ય, પણ થતું નથી.' 'થતું નથી' એવું તો બોલાય જ નહીં. હા, ના થતું હોય તો એ ય જાણ્યા કરો. પણ તેથી કરીને 'નથી થતું' એમ બોલાય નહીં. મને તાવ કોઈ વખત આવે, તો કોઈ પૂછે કે, 'તમને તાવ આવ્યો છે ?' ત્યારે હું કહું કે, 'હા, ભઈ, એ.એમ.પટેલને તાવ આવ્યો છે તે હું જાણું છું.' 'મને તાવ આવ્યો' એવું કહું તો મને ચોંટી જાય. જેવો કલ્પે એવો થઈ જાય તરત. એટલે હું એવું ના બોલું.

આત્માનો મુખ્ય સ્વભાવ, જેવો કલ્પે એવો થઈ જાય. તમે કહો કે હું ભગવાન છું, તો તેવાં થઈ જાવ અને તમે કહો કે, 'હું નાલાયક છું' તો તેવાં થઈ જાવ. કહેતાંની સાથે જ તે રૂપ થઈ જાવ. ભગવાન થવું જોઈએ એમ કહો, તે ઘડીએ ભગવાન થઈ જાય ખરા, પણ કહેશે, 'હવે શું કરું તે ?' એટલે તમને આવડે નહીં, તે પાછાં હતા એવાં ને એવા ડફોળ થઈને ઊભા રહો. આવડવું જોઈએ ને ?! આપણે જે પદ પામ્યા, ત્યાં આગળ હવે મારે શું કરવું એ આવડવું જોઈએ ને ?! નહીં તો પાછાં હતા તેવાં ને તેવાં થઈ જાવ. એટલે આત્મા જેવો ચિંતવે એવો થઈ જાય, એવો હોવાથી અનેક જાતનાં રૂપો ને રૂપાંતર બધું થયા જ કરે છે અને ચિંતવે છે તે ય સ્વતંત્રપણે ચિંતવતો નથી, આજુબાજુના ભીડાને લઈને તેવું ચિંતવે છે.

એ આડાઈઓ, અંતવાળી !

પ્રશ્નકર્તા : આપણે નક્કી કરીએ છીએ છતાં 'એડજસ્ટ' નથી થવાતું, એની પાછળ કારણ શું રહ્યું છે ? કાં તો આપણી આડાઈ છે કે કાં તો પછી આપણું 'વ્યવસ્થિત' એવું છે માટે આ પ્રયત્નો સફળ થતા નથી ?

દાદાશ્રી : ના, આડાઈઓ રહી છે એથી. બધી જ આડાઈઓ છે. જેને આડાઈ ગઈ એને પછી બધો ગૂંચવાડો ગયો. તમારે આડાઈઓ જવા માંડી છે તે એક દહાડો ખલાસ થઈ જશે. કારણ કે ટાંકીનો નળ ખુલ્લો મૂકી દીધો છે ને નવી આવક બંધ છે. એટલે ટાંકી એક દહાડો ખાલી થઈ જવાની. હવે આડાઈઓનાં કારખાનામાં નવું ઉત્પાદન થતું નથી ને જૂની આડાઈઓ નીકળ્યા કરે છે. એક આડાઈ આવે ને એનો અંત આવે. પછી પાછી બીજી આડાઈ આવે. એ ગઈ કે પછી પાછી ત્રીજી આડાઈ આવે. જેટલી આડાઈ આવે એટલી પછી જાય.

નાટકીય અહંકાર !

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં છે કે ''વહેતા અહંકારનો વાંધો નથી, પણ અહંકારને સહેજ પકડ્યો, એનું નામ આડાઈ.'' હવે એ વહેતો અહંકાર છે એ કયો અહંકાર ?

દાદાશ્રી : આ સ્ત્રીઓનો અહંકાર જોશો તો એ બધો વહેતો અહંકાર. 'આ હમણે હું કઢી કરું છું, હમણે આમ શાક કરી નાખું, તેમ કરી નાખું' એ બધું બોલે તે બધો અહંકાર, પણ તે વહેતો ! અને પુરુષો તો અહંકારને પકડે. 'મેં આમ કહ્યું હતું ને તેં આમ કર્યું ?' એ આડાઈ.

પ્રશ્નકર્તા : એટલે વહેતો અહંકાર એ નાટકીય અહંકાર કહેવાય ?

દાદાશ્રી : એ નાટકીય જ અહંકાર. વહેતા અહંકારનો વાંધો નથી. પુરુષને વહેતો અહંકાર હોય તો ય વાંધો નથી. વહેતો અહંકાર પકડી રાખ્યો એ આડાઈ થઈ.

વહેતા અહંકારનો વાંધો નથી પણ અહંકારને સહેજ પકડ્યો, એનું નામ આડાઈ. વહેતો અહંકાર તે નાટકીય અહંકાર છે. એનો વાંધો નથી.

ત્યાં તો આપણે જ ચેતવાનું !

પ્રશ્નકર્તા : ઘણાં ય એવાં હોય છે કે આપણે સહેજ વાત કરીએ કે 'ભાઈ, આનું આમ.....' તો સામે બચકું જ ભરે !

દાદાશ્રી : હા, હોય. પણ તે આપણે વાત કરતાં પહેલાં ચેતવું જોઈએ. નહીં તો શું નું શું થાય ! વઢમ્વઢા થઈ જાય. કારણ કે આપણે શું કહેવા માગીએ એ એને પહોંચે નહીં. એટલે એ આને ઊંધું સમજે. આપણી ભલી લાગણીને એ સમજે નહીં. એને ઊંધું સમજે. એટલે પછી એ સામો થઈ જાય. એટલે આપણે સમજી જવું કે મારી વાત આ ભાઈને પહોંચતી નથી. હું ફોન કરું છું તે આ ભાઈને વાત પહોંચતી નથી. એટલે આપણે આગળ વાત કરવી બંધ રાખવી ને એની વાત સાંભળ્યા કરવી, પણ આપણી વાત પહોંચાડવી નહીં. એ આપણા 'વ્યુ પોઈન્ટ'ને સમજતો નથી.

આ જગતમાં આડાઈ સાથે આડાઈ રાખશો તો ઉકેલ નહીં આવે. આડાઈ સામે સરળતાથી ઉકેલ આવશે.

... ત્યાં ઉપાય પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : આપણે સામાને 'એડજસ્ટ' ના થઈએ, એ આપણી આડાઈ કહેવાય ?

દાદાશ્રી : ના, એવું કશું નથી. સામાનો હિસાબ હોય એ પ્રમાણે બધું થાય.

પ્રશ્નકર્તા : પણ સામા માણસને દુઃખ તો થાય ને કે આ મારું માન નથી જાળવતા.

દાદાશ્રી : તો તેનું આપણે 'ચંદુભાઈ' પાસે પ્રતિક્રમણ કરાવડાવવું, એમાં બીજો કશો વાંધો નથી.

એને 'જ્ઞાની' જ પાંસરો કરે !

પ્રશ્નકર્તા : કોઈ આડાઈ કરે ત્યાં શું કરવું જોઈએ ?

દાદાશ્રી : એ હિંમત લોકોને ના હોય ને ! એ સ્થિરતાનું અમારું કામ. અમારી પાસે તો ફરી આડાઈ કરે જ નહીં ને ! એ આડાઈ કરે તો તે દહાડે કશું જ દેખે નહીં. એ હિસાબ કાઢી જુએ, તે ફરી આડાઈ કરે જ નહીં અમારી પાસે. આ તો આડાઈને ઉત્તેજન મળેલું ને, એટલે આડાઈ વધારે 'સ્ટ્રોંગ' થયેલી. આ લોક તો બિચારા નબળા માણસ અને એમાં કોઈ આડાઈ કરે, એટલે એ નબળો માણસ શું કહે ? 'જવા દો ને, એને !' એટલે આ પ્રજા તો સુંવાળી પ્રજાને, તે આડાઈને ઉત્તેજન આપે છે. મારી પાસે આવે તો ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : હવે આ આડાઈ એ પૂર્વભવનો માલ ભરી લાવેલો, એવું ખરું ?

દાદાશ્રી : તે બધું પૂર્વભવનું જ છે ને ! આ બધું આ ભવનું કશું નથી.

પ્રશ્નકર્તા : તો પછી આ ઉત્તેજન મળે પછી મજબૂત થાય ?

દાદાશ્રી : હા, મજબૂત થાય ને, પછી. પણ નિઃસ્પૃહ આગળ કોઈ પહોંચી ના વળે.

એ આડાઈઓ 'જાણવા'થી જાય !

પ્રશ્નકર્તા : પોતાને ખબર પડી કે આડાઈ થઈ છે પોતાની, હવે એમાં પાછું ફરી જવું હોય તો કેવી રીતે ફરે ?

દાદાશ્રી : આડાઈ થઈ એ જાણ્યું, એનું નામ જ પાછો ફરે છે. આડાઈને જાણતી વખતે જ પાછો ફરી જાય. જાણતો નથી ત્યાં સુધી પાછો ના ફરે, ને જાણ્યું એટલે પાછો જ ફરે.

પ્રશ્નકર્તા : એ પાછા ફરવામાં બીજાં કયા 'એડજસ્ટમેન્ટ' લેવાં પડે ?

દાદાશ્રી : બીજું કશું નહીં. એ તો એની મેળે પાછો જ ફરી જાય. અને જે પ્રયોગ જોઈતા હોય એ બધા પ્રયોગ સાથે પાછો ફરી જાય, 'એડજસ્ટમેન્ટ' પ્રયોગ હોય તેનાથી. આપણું 'જ્ઞાન' લીધેલું હોય તો આડાઈને જાણે. નહીં તો જાણે જ નહીં ને ! અને આ તો પોતે પોતાના દોષો દેખે.

પ્રશ્નકર્તા : આડાઈને જાણે ત્યારે પાછો ફરી જાય. હવે એને જાણે કઈ રીતે ? આડાઈને ઓળખે કઈ રીતે ?

દાદાશ્રી : તરત ઓળખે. આપણું 'જ્ઞાન' લીધેલું હોય એટલે તરત ઓળખે કે આ આડાઈ કરવા માંડી. વ્યવહારિકતા છે કે નહીં તે બધું તરત ખબર પડી જાય અને વ્યવહારિકતાની બહાર કરવા માંડ્યું તે ય ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : પણ પોતાની આડાઈ પોતાને કઈ રીતે ખબર પડે ?

દાદાશ્રી : આપણું જ્ઞાન હોય તો ખબર પડે. નહીં તો ખબર ના પડે. અને એ ખબર પડી હોય ને, તેની પર પછી ઢાંકી દે અને આડાઈમાં જ રહે. આપણા 'જ્ઞાન'ના પ્રતાપે ખબર પડે.

પ્રશ્નકર્તા : ઢાંકી દે એ શું છે ?

દાદાશ્રી : એની પર ઢાંકી દે, એ 'ડબલ' આડાઈ.

પ્રશ્નકર્તા : તો પછી પેલી આડાઈ નીકળવાનો 'સ્કોપ' જ ના રહ્યો ને ?

દાદાશ્રી : વધે ઊલટી.

પ્રશ્નકર્તા : પણ આપણું તો મૂળથી આડાઈ ખલાસ કરવાનું લક્ષ હોય ને ? તો ત્યાં શું કરવું જોઈએ ?

દાદાશ્રી : તું તારી જાતે કરી લેવા જઈશ તો તને નહીં ફાવે. મને પૂછવું કે આ કેમનું છે, તે હું કહી દઈશ કે ભાઈ, આ કાઢ આડાઈ !

જ્ઞાનીની કરુણા તારે !

પ્રશ્નકર્તા : એક તો આડાઈ વસ્તુ ઊભી થઈ હોય, પાછું એને પોતે ઢાંકે એ 'ડબલ' આડાઈ. તો પછી એ પૂછવા જ ના દે ને, આડાઈ. તો ત્યાં શું કરવું ?

દાદાશ્રી : પણ મારા જેવાં કહે ને, કે 'ક્યાં ચાલ્યો ? આપણે જવાનું કયે ગામ ?' ઘણાં એવા છે કે જો એને ચોખ્ખું કહીએ તો એ આડો ચાલે. એટલે મારે ફેરવીને બોલવું પડે છે. હજુ કાચું ને, બધું. પટાવી પટાવીને કામ લેવાનું. બાબાઓને તો સમજાય સમજાય કરીએ.

પ્રશ્નકર્તા : બધા બાબા જેવા દેખાય ને પટાવી પટાવીને તમારે મોક્ષે લઈ જવાના. તે વખતે આપને કેટલી બધી કરુણા રહેતી હશે ?!

દાદાશ્રી : આ બધા બાબા જેવા દેખાય. બાબો રિસાય ને, એવું. પણ પટાવી પટાવીને આગળ લઈ જવાના.

પ્રશ્નકર્તા : અને માફી માગીને ય પટાવતા તમને જોયા છે.

દાદાશ્રી : પણ આમને મોક્ષે લઈ જવાના છે, તે મારે ચેતીને ચાલવું પડે ને ?! એનું શું જાય ? એ તો એક ભાઈ હતો, તે કહે છે, 'દાદાજી, લો તમારાં પુસ્તક અને આ તમારું જ્ઞાન તમને પાછું આપ્યું.' મેં કહ્યું, 'હા, બહુ સારું થયું. તારો ઉપકાર માનું છું.' નહીં તો રસ્તામાં પુસ્તક ફેંકી દીધાં હોત. એના કરતાં આ તો ઘેરે આવીને પાછાં આપી ગયો. એને ગુણ ના માનવો પડે ? 'આ તમારું જ્ઞાન પાછું આપું છું' કહે છે. એ તો હું જ લઉંને નિરાંતે !

પ્રશ્નકર્તા : નિરાંતે, ને પાછું ઉપકારી દ્રષ્ટિથી લો.

દાદાશ્રી : હા, આ કંઈ રસ્તામાં ફેંકી ના દીધાં, એટલે ડાહ્યો માણસ ! સારું કર્યું.

પ્રશ્નકર્તા : આ તો આપ 'જ્ઞાની પુરુષ' છો, તો સામાની આડાઈ નીકળી શકે.

દાદાશ્રી : વહેલી નીકળી જાય. નહીં તો માર ખાઈને, ખત્તા ખાઈખાઈને નીકળે એ. ખત્તા ખાય ને ખત્તાના અનુભવ થતા જાય ને, તેમ તેમ આડાઈ નીકળતી જાય. નહીં તો કેટલાંય અવતારે નીકળે.

મોક્ષને લાયકનું પ્રમાણપત્ર !

મોક્ષનાં લાયક થયો ક્યારે ગણાય કે હમણે મોટરમાં તમે બહારગામ જતાં હોય, મોટરમાં તમે બેઠાં તો તમે ને આ ભાઈને અમે આવતાં હોય, ત્યારે કહે, આ ભાઈ આવ્યા, તમે ઉતરી પડો, એટલે તમે ઉતરી જાવ. પછી પાછું થોડીવાર પછી એ કહેશે, તમે થોડે છેટે જાવ, એટલે બૂમો પાડીને બોલાવે, ભાઈ પાછાં આવો. એમ કરો, આગલી બાજુ બેસી જાવ આગળ. ત્યારે પાછાં તમે આવો, પાછાં બેસી જાવ. પાછો બીજો કોઈ ઓળખાણવાળો આવે ત્યારે તમને કહે, ભાઈ, ઉતરો હવે. એવું સાત વખત ચઢ-ઉતર કરાવે પણ જરાય પર્યાય ફેર ના થાય, ત્યારે જાણવું કે આ મોક્ષને માટે લાયક થયો છે. પર્યાય ફેર ના થાય ત્યારે જાણવું. એમ ને એમ મોક્ષ એવો સરળ નથી. છે સરળ, પણ જ્ઞાનીની પાસે સરળ છે.

પ્રશ્નકર્તા : એટલી સરળતા ઉત્પન્ન થવી જોઈએને ?

દાદાશ્રી : એટલી સરળતા ઉત્પન્ન થવી જોઈએ. આ પર્યાયની ડીવોલ્યુએશન થઈ જવી જોઈએ. આ પર્યાયો જ છેને, પુદગલ પર્યાયની ડીવોલ્યુએશન થવી જોઈએ. આટલું, ઓન ધ સ્પોટ આટલી જાગૃતિ રહેવી જોઈએ.

વખતે મોઢું બગડ્યું હોય તો ચલાવી લેવાય. મોઢું બગડે એનું ચલાવી લેવાય પણ અંદર ના બગડવું જોઈએ. હઠે ના ચઢે એવું હોવું જોઈએ. નહીં તો કહેશે, હવે નથી જ જવું, એવું ના થવું જોઈએ. મોઢું ભલે ચઢેલું હોય, કઢી ઉતરી જાય એવું થયેલું હોય, પણ હઠે ના ચઢે પછી. આડાઈ ઊભી ના થવી જોઈએ. આડાઈ જેવો અહંકાર નથી આ દુનિયામાં. મોટામાં મોટો અહંકાર જો હોય તો આડાઈ.

પ્રશ્નકર્તા : માન પ્રકૃતિ હોય, એને આડઈ જલ્દી ઊભી થઈ જાય.

દાદાશ્રી : એ આડાઈ ઊભી થાય તો પછી એ કામ લાગે નહીં. ઘણે કાળે મોક્ષ થાય પછી. મોક્ષ માટે તો, આમ મોઢું ઊતરી જાય તો ચલાવી લેવાય. મોઢું ઉતરી જાય, પણ મહીં પોતે સમું કરે પછી, થોડીવારમાં. પણ આડાઈ ના થવી જોઈએ કે હવે, હું નથી આવવાનો. એવું ના હોય. કારણ કે બધાં પુદગલ પર્યાય છે. આત્માને આમાં કશું લેવાદેવા નથી. માની બેઠો છે, બધું માની બેઠો છે. આ માન્યતા જાય નહીં. આ મિથ્યા માન્યતા જાય નહીં અને સમ્યક્ માન્યતા ઉત્પન્ન થાય નહીં ને બધી જ માન્યતાથી જુદો છે એ પોતે.

અમને તો સત્તર વખત કાનપટ્ટી ઝાલીને ઊતારી પાડે તોયે અમે તો એવા ને એવા. મોઢું ના બગડે અમારું બસ. તમારું ભલે મોઢું બગડે, અમે ચલાવી લઈએ. મોઢું બગડે તેનું ચલાવી લઈએ પણ આડાઈ ના ઊભી થવી જોઈએ. અમારું તો મોઢું બગડે તો જ્ઞાની શેનાં ? કાનપટ્ટી ઝાલીને ઊતારી પાડો તોય કશું નહીં, ફરી બોલાવો તોય કશું નહીં. પાછાં ગધેડાની પેઠ હાંકો તોય કશું નહીં.

તમને કેટલા વખત મોટરમાંથી ઉતારી પાડે તો 'વ્યવસ્થિત' હાજર રહે ?

પ્રશ્નકર્તા : ચાર-પાંચ વખત પછી કમાન છટકે.

દાદાશ્રી : કમાન છટકે તો તે પુદગલની છટકે છે. 'આપણે' તો 'જાણવું' કે આ પુદગલની કમાન છટકી છે. આપણે તો શું કહેવું કે, 'આ પુદગલની કમાન છટકી છે, તો ય હું પાછો આવ્યો ને મોટરમાં બેઠો.' આ કમાન છટકી છે, એવું 'આપણે' 'જાણવું' જોઈએ. એવું આ 'વ્યવસ્થિત' સુંદર છે ! કમાન છટકે ને પાછો આડો થઈને જતો રહે ને પછી પાછો ના આવે, એ ખોટું કહેવાય. આ 'વ્યવસ્થિત' સમજાઈ ગયું, પછી કશો ડખો કરવા જેવું છે જ નહીં. પુદગલનું જે થવું હોય તે થાય, પણ આપણે આડા ના થવું. પુદગલ તો આપણને આડું કરવા ફરે.

એ ન હોવું ઘટે !

પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' લીધેલા મહાત્માઓને આડાઈ વધારે તકલીફ આપે છે કે અટકણ વધારે તકલીફ આપે છે ?

દાદાશ્રી : અટકણો ! આડાઈઓ તો બહુ નહીં. આડાઈઓને તો એ સમજે છે કે આ આડાઈ એ ખોટી વસ્તુ છે. આ 'જ્ઞાન' મળ્યા પછી આડાઈ એને માર ખવડાવે. એટલે આ ભરેલી આડાઈ છે, પૂરણ કરેલી છે તે ગલન થાય છે, એ માર ખવડાવે છે. એટલે આ આડાઈનો શોખ ના હોય. પણ અટકણ વધારે પજવે. હવે જો કે આ દોષો હજુ હેરાન કરે બધા, જ્ઞાન હોવા છતાં ય. આ માલ છે તે ના હોવો ઘટે. પણ હવે માર્કેટમાંથી ભરી લાવ્યો હોય, એને ના કહેવાય નહીં ને, આપણાથી ? જે ભરેલો માલ છે, જે પૂરણ થયેલો એ ગલન થશે. નવો પૂરણ થવાનો નથી. જૂનું ગલન થઈ રહ્યું છે. જૂનું પૂરણ કરેલું છે એ ગલન થઈ રહ્યું છે ને એ આપણું જ પૂરણ કરેલું છે. માટે આપણે 'જોઈ' 'જોઈ' અને શુધ્ધ કરી કરીને 'લેટ-ગો' કરવાનું, એને શુધ્ધિકરણ કરીને 'લેટ-ગો' કરવાનું. પછી તે ગમે તેવું હોય. છતાં કેમ કરી એ બધો વ્યવહાર ચોખ્ખો નીકળે એવું તો હોવું જોઈએ ને ?

'વાંકો', તે 'પોતે' ન્હોય !

મેં તો તમને સીધા કર્યા ને ! નથી કર્યા ? કારણ કે આડું કોણ હતું ? 'ચંદુભાઈ'. તે 'તમે' તો ચંદુભાઈ ન્હોય. તો 'આપણે' કહી દેવું કે 'આ હું ન્હોય. હું તો આ શુધ્ધાત્મા.' તો બોલો, તમારી આડાઈ જતી રહી ને ? તમને કેમ લાગે છે ?

એટલે આ અક્રમ વિજ્ઞાને બધા ગૃહસ્થીને સીધા બનાવ્યા. સીધા થવાને માટે સાધુ થવાની જરૂર છે. જો ગૃહસ્થી સીધા થયા તો તેનો ઉકેલ ને સીધા થવા માટે સાધુપણું કરવાનું છે. પોતાને ખબર પડે કે આ 'ચંદુભાઈ' વાંકો ને 'હું' સીધો. એટલે 'તમે તો સાધુ થયા વગર સીધા થઈ ગયા ને ! અક્રમ વિજ્ઞાન તો સારું છે ને !

તો ય પછી અમને લોક શું કહે ? 'આ ચંદુભાઈ હતા તેવાં ને તેવાં જ છે.' પણ એ અમારે જોવાનું નહીં. ત્યાં લોકોને અમે શું કહીએ ? 'તમને જે ચંદુભાઈ દેખાય છે એ જુદા છે અને મને દેખાય છે એ જુદા છે.' લોક ખોડ કાઢે કે ના કાઢે ? કે આ 'દાદા'ની પાછળ પડ્યા ને હજુ તો એવાં ને એવાં છો. કહે કે ના કહે એવું ? તો ત્યાં 'આપણે' 'તે' વાંકા ના હોઈએ. પણ આપણે એ વાત સાંભળીએ, એટલે સાંભળીને પાછાં ઘેર જઈને 'આપણે' 'ચંદુભાઈ'ને કહીએ પણ ખરાં કે, ''તમે જેવા છો એવાં દેખાતા હોય એવું લોક કહેશે. માટે હજુ કંઈ પાંસરા થઈ જાવ. 'દાદા' ને 'હું' બેઠા છીએ. તો અમારી હાજરીમાં પાંસરા થઈ જાવ.'' તો એ પાંસરા થઈ જશે. બાકી, જાતે પાંસરું થવું હોય તો ના થવાય. કાં તો ગુરુ પાંસરો કરી આપે. પણ ગુરુ પાંસરા થયેલા હોવાં જોઈએ. પણ પાંસરા ગુરુ મળવા મુશ્કેલ છે ને !

એવું આ 'અક્રમ વિજ્ઞાન' !

એટલે આ તો આડાઈ જેને હતી, તે 'હું' ન્હોય. એમ આખી જગ્યા જ પોતે ખાલી કરી નાખી ને ! પછી રહ્યું જ શું તે ? ગુનેગારીમાં હતો, એ ગુનેગારીપણું છૂટી ગયું. અને મૂળ ગુનેગાર હતો તેને ત્યાં જ રહેવા દીધો. મૂળ ગુનેગાર તો 'એ' જ હતો. આ તો 'આપણે' વગર કામના મહીં 'પાર્ટનરશીપ' કરી નાખી હતી. પછી હવે સીધા થઈ ગયા ને ? 'તમે' પોતે સીધા થયા એટલે આની, 'ચંદુભાઈ'ની આડાઈ કાઢી નાખશો. જ્યાં સુધી 'પાર્ટનરશીપ' હતી ત્યાં સુધી આ 'ચંદુભાઈ'ની આડાઈ ના નીકળે. હવે 'પાર્ટનરશીપ' છૂટી ગઈ, એટલે 'તમે' ચંદુભાઈને ધમકાવીને પણ આડાઈ કાઢી નાખશો.

એટલે આ 'અક્રમ વિજ્ઞાન'નો પ્રતાપ કે જે વાંકો છે તે 'હું' ન્હોય અને 'હું' તો આ શુધ્ધાત્મા !

પ્રશ્નકર્તા : એટલે જેને સુધારવા ફરે છે તો ય સુધરે નહીં, ને એની પાછળ આખો ભવ પૂરો થાય, પણ એ વસ્તુ જ 'પોતે' હોતો નથી ને ? એવું જ થયું ને ?!

દાદાશ્રી : હા, તેથી પાર જ ના આવે ને ! તેથી તો અનંત અવતાર ભટકવાનું ને !!

એ તો તેથી લોકોએ તીર્થંકર મહારાજને કહેલું કે હે ભગવાન ! આપને જે કડીબંધ લીંક મળી એ કો'ક મહાભાગ્યશાળીને મળે ! કડીબંધ લીંક એટલે અહીંથી આગળનો રસ્તો, એથી આગળનો રસ્તો, એથી આગળનો રસ્તો એમ મળી આવે. કડીબંધ ! અને ઠેઠ સુધી પાછું !!

અને આ લોકોને કડીબંધ લીંક મળે નહીં અને ક્યાંય ચાલ્યા જાય.

મને ય કડીબંધ લીંક મળી હતી. એવી મેં મારી જાત માટે શોધખોળ કરી કે આ કઈ જાતનું બન્યું ?! પણ તે મને કડીબંધ લીંક મળેલી ! તેથી આખું આ 'અક્રમ વિજ્ઞાન' પ્રગટ થયું ને !

એટલે આ ''જે આડો છે તે 'હું' ન્હોય'' એવું જ્ઞાન થવું, એનું નામ 'અક્રમ વિજ્ઞાન'. ને ''આડો તે 'હું' છું અને સીધું મારે થવાનું છે'', તેનું નામ ક્રમ !

જ્ઞાનીની કૃપા !

પ્રશ્નકર્તા : અહીં બધાં બેઠા છીએ તે દાદા ભગવાનની કૃપા દરેક ઉપર સરખી ઊતરશે ?

દાદાશ્રી : ના, સરખી નહીં. તમારો 'દાદા ભગવાન' પર કેવો ભાવ છે, તેના પર છે.

પ્રશ્નકર્તા : મારું વાસણ ધારો કે મોટું હોય તો વધારે પાણી લે ને કોઈ લોટા જેટલું પાણી લે. તો વાસણ ઉપર આધાર રાખે કે ભાવ ઉપર ?

દાદાશ્રી : એમાં વાસણની જરૂર નહીં. કશું ના આવડતું હોય તો હું કહું કે, 'કશું ના આવડતું હોય તો અહીં બેસી રહે બા, જા પેલા બૂટ સાફ કર્યા કરજે.'

જ્ઞાનીના કૃપાપાત્ર થવાનું છે, બીજું કશું કરવાનું નથી. કૃપા પ્રાપ્ત કરવામાં શું અડચણ કરે ? આપણી આડાઈઓ.

પ્રશ્નકર્તા : તે આડાઈઓ ના કાઢવી જોઈએ ?

દાદાશ્રી : ના, એ જલદી પેલા લાભ ના થવા દે. અમે આડાઈઓ દેખીએ ત્યાં કરુણા રાખીએ. એમ કરુણા રાખતાં રાખતાં આડાઈઓ ધીમે ધીમે ખસેડાય. ત્યાં માથાકૂટ વધારે કરવી પડે.

આડાઈ તો બહાર વ્યવહારમાં ય ના કરાય. 'કલેક્ટર' જોડે આડાઈ કરે તો એ શું કરે ? જેલમાં ઘાલી દે. તો ભગવાન આગળ આડાઈ કરે તો શું થાય ? ભગવાન જેલમાં ના ઘાલે. પણ એમનો રાજીપો તૂટી જાય !

સરળતાથી રાજીપો પ્રાપ્ત !

'જ્ઞાની'ની નિઃસ્પૃહતા આગળ કોઈ પહોંચી ના વળે. જેને 'મારું પોતાનું-પરાયું' રહ્યું નથી, એ ચાહે સો કરે. એમનો રાજીપો લઈ લીધો હોય તો બ્રહ્માંડ ખુશ થઈ જાય. પણ એમનો રાજીપો જલદી થાય એવો નથી. કારણ કે 'જ્ઞાની પુરુષ' અત્યંત સરળ છે, એટલે એમનો રાજીપો મેળવવો મુશ્કેલ છે. એમનાં એક કલાકનો રાજીપો તો આપણું કામ કાઢી નાખે. હું કહું છું ને બધાને, મેં બધાને 'ગેરેંટી' આપી છે, કે એક કલાકમાં મારા જેવું પદ આપી શકું, જેને જોઈતું હોય તેને. પણ એવી સરળતા લાવવી મુશ્કેલ છે ને !

'જ્ઞાની પુરુષ' અત્યંત સરળ છે એટલે રાજીપો ના થાય. જો 'જ્ઞાની પુરુષ' અસરળ હોત ને, તો રાજીપો થાય. જ્યારે આ તો અત્યંત સરળ કહેવાય. હવે સરળને કેવી રીતે ખુશ કરવા ? પોતે સરળ થાય તો એ ખુશ થાય. હા, એ 'લેવલ'માં કંઈક નીચે ઊતરે તો ખુશ થાય, નહીં તો કેવી રીતે ખુશ થાય તે ?! બાકી, 'જ્ઞાની પુરુષ'નો એક કલાકનો રાજીપો આખા બ્રહ્માંડનો માલિક બનાવી દે, એટલો બધો રાજીપો હોય. 'જ્ઞાની પુરુષ', કે જેને આ 'વર્લ્ડ'માં કોઈ ચીજ જોઈતી નથી એ શું ના આપી શકે ? પણ એ રાજીપો મેળવવો સહેલો નથી. એને માટે તો સરળ થવું પડે. 'જ્ઞાની પુરુષ' તો સરળ હોય, નાનું દોઢ વર્ષનું બાળક હોય ને, તેનાં કરતાં ય વધારે સરળ હોય. હવે સરળ આગળ આપણે અસરળ રહીએ તો પછી એ રાજીપો કેમ મળે ? 'લેવલ' જોઈએ આમાં ! તમને સમજાયું ને, આ બધું ?!

આત્મા કબૂલે એવી વાતો, છતાં....

અને મારો શબ્દ દરેક માણસ, જે દેહધારી મનુષ્ય છે અને જેને સાધારણ બુદ્ધિની સમજ છે, બુદ્ધિ ડેવલપ થયેલી છે, તેને અવશ્ય કબૂલ કરવો જ પડે. કારણ કે મારો શબ્દ આવરણ ભેદી છે, તે બધાં આવરણને તોડીને આત્માને જ પહોંચે છે. આત્માનો આનંદ ઊભો કરે એવું છે. એટલે જેનામાં આત્મા છે, એ પછી વૈષ્ણવ હો કે જૈન હો કે ગમે તે, જે મારી આ વાત સાંભળશે, એને શ્રદ્ધા બેસવી જ જોઈએ. છતાં આડાઈ કરવી હોય, જાણી-જોઈને ઊંધું બોલવું હોય તે જુદી વસ્તુ છે. આડા હોય ને ? સમજે-જાણે તો ય આડું બોલે ને ?! હિન્દુસ્તાનમાં આડા ખરા લોકો ? તમે જોયેલા ?

પ્રશ્નકર્તા : મોટા ભાગના એવાં જ.

દાદાશ્રી : એ આડાઈ કાઢવાની છે. કોઈ જાણી-જોઈને મતભેદ પાડે તો હું એને મોંઢે કહું કે 'તમારો આત્મા કબૂલ કરે છે, પણ તમે આડું બોલો છો આ.' એવું હું કહું ત્યારે પાછો પેલો સમજે ને કબૂલ કરે કે પોતે આડું બોલે છે. કારણ કે આડું બોલ્યા વગર રહે નહીં ને ! શાથી આડું બોલે ? માલ ભરેલો એણે, આડાઈ કરવાનો માલ ભરેલો હોય. એટલે જેનું પુણ્ય આડું હોય, એને શ્રદ્ધા ના બેસે. બાકી, જ્ઞાની પુરુષ તો શ્રદ્ધાની મૂર્તિ કહેવાય.

આડાઈ, કોમન : અન્કોમન !

કોને આડાઈનો અનુભવ ના હોય ? જેટલી બુદ્ધિ વધારે એટલી આડાઈ વધારે. સમજદાર માણસો આડાઈ ઓછી કરે અને જાડી ખાલના માણસો બહુ આડાઈ કરે. એ આડાઈને છોડે નહીં. હવે એ આડાઈને શું કહેવાય ? લોકોની આડાઈ ને એની આડાઈમાં ફેર શું ? 'વોટ ઇઝ ધી ડિફરન્સ બિટવીન કોમન એન્ડ અન્કોમન' આડાઈ ? 'અન્કોમન' આડાઈ એટલે ગાઢ આડાઈ હોય. એ આડાઈ પછી છૂટે નહીં. જેમ આ ગાઢ સમકિત છૂટતું નથી, તેમ આ ગાઢ મિથ્યાત્વ છૂટે નહીં. પછી ગમે એટલું એને સમજાવીએ તો ય એ એમનું સ્થાન છોડે નહીં. તમે લાવી લાવીને કિનારે લાવો તો ય પણ મૂળ સ્થાન છોડે નહીં. એવું 'અન્કોમન' આડાઈ પણ એનું સ્થાન છોડે નહીં.

કર્યું બધું, છતાં આડાઈ વધી !

કક્ષાએ તો બહુ વાર પહોંચ્યો છે. પણ ભ્રાંતિ છેને, તેથી આડાઈ ઊલટી વધતી જાય છે. જેમ કક્ષાએ પહોંચે તેમ આડાઈ વધતી જાય, આડો થતો જાય છે. એટલે આ વૈરાગ્ય ને વિવેક તો બધું બહુ કર કર કર્યું છે. તેનાથી ઊલટી આ આડાઈ વધી કે હું કંઈક છું, હું કંઈક છું. અલ્યા શું છે તે ? હજુ ઠોકરો તો વાગે છે. આમ ઠોકરો વાગતી હોય ને પાછો કહે કે, 'હું કંઈક છું' ! એટલે આ બધું તો બહુ કર કર કર્યું છે. ફક્ત પોતાના સ્વરૂપનું ભાન નથી કર્યું.

આડાઈથી છોડાવે જ્ઞાની !

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનનાં એણે દર્શન કર્યાં, એમની વાણી સાંભળી તો ય એને આવું કેમ રહી ગયું ?

દાદાશ્રી : એ તો એ પાંસરો થાય તો ભગવાન મહાવીર પાંસરો કરે. એ કહે કે 'સાહેબ મારે પાંસરા થવું છે.' તો ભગવાન મહાવીર પાંસરા કરી આપે. પણ એ તો એ મહાવીર ભગવાનને પાંસરા કરવા આવ્યો હોય. સ્વતંત્ર છે ને ! દરેક જીવ સ્વતંત્ર છે !

પ્રશ્નકર્તા : એમાં મહાવીર સ્વામીની પાસે આવ્યો હોય, દેશના સાંભળતો હોય, દર્શન કરતો હોય, પણ પોતાની આડાઈ ન છોડતો હોય.

દાદાશ્રી : આડાઈ કોઈ દહાડો છોડે જ નહીં ને ?!

પ્રશ્નકર્તા : તો મહાવીર ભગવાન કશું કરી શકે નહીં.

દાદાશ્રી : આ હિન્દુસ્તાનના લોકો આડાઈ છોડે નહીં. એટલે અહીંના, દેશના ડૉક્ટરો શું કહે છે ? જન્મે છે ત્યારે એ કેટલાંક મહીં આડા હોય છે. આ આડાઈઓનો પાર નહીં ને ! આડાઈઓ જ છે બધી !

પ્રશ્નકર્તા : ભગવાનની વાણી સાંભળે તો આંતરિક ફેરફાર ના થાય ?

દાદાશ્રી : આંતરિક ફેરફાર તો, એ સાંભળનારમાં કષાય રૂપી પથ્થર ઉપર પડ્યો છે, તે ઊંચકીને એ પોતે બહાર ફેંકી દે, ત્યારે થાય. એટલે ખટપટીયા વીતરાગ એ પથ્થર કાઢી આપે પછી થાય.

પ્રશ્નકર્તા : એટલે અમારા રોગ જવાનું મુખ્ય કારણ આ બન્યું ?

દાદાશ્રી : હા. નહીં તો રોગ જાય જ નહીં ને !

આડાઈ પહોંચવા ન દે વાતને !

બધો ખ્યાલ આવી જાય. પણ એવું છે ને, જાણી જોઈને આડાઈ કરવી હોય તેને શું થાય ? અરે, ઊંઘતો બોલે, પણ જાગતો ના બોલે. ઊંઘતો સહજ સ્વભાવે બોલી દે. પણ જાગતો તો બોલે જ શાને માટે ? એવી રીતે આ જાણી-જોઈને આડાઈ કરવી હોય, એનો તો ઊપાય જ શો છે ? અમારા પાંચ વાક્યોનું સોલ્યુશન જો સાંભળે, તો એ તરત સમજી જાય કે આ જ્ઞાની પુરુષ સિવાય આવું કોઈ સોલ્યુશન આપી શકે નહીં.

બહાર બધેબધાં શબ્દો મન સુધી પહોંચે. મન ધારણ કરે અને મન કબૂલ કરે કે સાચાં છે અને આ મારા શબ્દો છે. એનો આત્મા કબૂલ કરવો જોઈએ. કરવો જોઈએ જ, હન્ડ્રેડ પરસેન્ટ. અને જો કબૂલ ના કરે તો એ આડો છે એવું નક્કી થઈ ગયું. હું કહું યે ખરો કે તમારામાં આડાઈ ગુણ હતો ? ત્યારે એ કહે, 'હા, એ તો હતો.' ત્યારે મેં કહ્યું, 'એ જ છે આ. તે કબૂલ કરવા દેતો નથી.' પણ અમને આડાઈ હોય તો મહીં પેસવા ના દે. એટલા માટે મારે એને કહેવું પડે કે તમે આડા છો. એ આડાઈ કાઢી નાખો તો મહીં પહોંચશે.

આડા માલને કરે પાંસરો !

પ્રશ્નકર્તા : કેટલીક વખતે સત્સંગમાં એવું બને છે. આપ એમ કહો છો કે ગમે તે બધાં પ્રશ્નો પૂછો. હવે આપની પાસે બધાં જે પ્રશ્નો પૂછે છે, તે અમે બધાં સાંભળનારામાંથી જે પ્રશ્નો પૂછે તે ભાઈનાં પ્રશ્નો જોઈને કેટલીક વખત એવું લાગે છે કે ના, આ જીજ્ઞાસુનો પ્રશ્ન છે અગર તો આ ગૂંચાયેલાનો પ્રશ્ન છે અગર તો આ કંઈ જાણવા માંગે છે.

દાદાશ્રી : હા, બધું સમજાય.

પ્રશ્નકર્તા : પણ પછી કો'ક વખતે રડી-ખડી કોઈ વ્યક્તિ એવી આવે છે કે જાણે બહારથી નિશ્ચય કરીને આવ્યો હોય કે ના, હું અહીંયા દ્વંદ્વયુદ્ધમાં જ ઊતરું.

દાદાશ્રી : તે જ આપણે ત્યાં પકડાઈ જાય. એ આડો હોયને, તે પકડાઈ જાય. જે આપણે ત્યાં છે તે, આ બધાંની સમજણ બધી કાચીને કે હવે, દાદાજીને આટલી બધી માથાકૂટ કરવી પડે છે. તમે જ, તમે ઊકળતા'તા મનમાં, હા, તે મને જાતજાતનાં દાખલા આપતા હતાં. પણ કોઈએ એમ ના કહ્યું કે હે ભઈ, તારો પરમ વિનય નથી, બંધ રાખ. બહુ આડો ચાલેને ત્યારે ચોપડી આપું પાછો ત્યારે સીધાં થાય. ને એકલો તેથી બોલાવ્યો મેં. પાંસરો રહેને, માતાનાં પેટમાં કોઈ દહાડો રહ્યો નથી. મૂઆ, ત્યાં ય ગોદા માર્યા. ત્યાર પછી દવા ચોપડી આપીએ. એ તો દવા કરવી પડે.

એટલે આ બધાં અમે જુલાબ આપી દઈએને, પેલી જુલાબની પડીકીઓ રાખી જ મેલું છું આ. દરેક પ્રશ્ન પૂછવાની જોડે, આ જુલાબ જોડે આપતો જ જઉં છું. એક બાજુ સંડાસમાં જતો આવે અને પાછો સાંભળતો જાય. પણ ડાહ્યા માણસને જ જુલાબ નથી આપતાં. હા, પણ આપ્યા વગર રહીએ નહીં. અને આ કળિયુગના લોકો જુલાબની પડીકી ના લે તો આ પાંસરા રહે એવાં છે ?

ચોવીસ તીર્થંકરોના સમયથી....

વહુનો કશો દોષ નથી હોતો, તો ય ધણી થઈ બેસે છે. અરે, મેરચક્કર ! હેડતાં તો આવડતું નથી. આમ આમ કરીને ચાલે છે અને ધણી થઈ બેઠાં મોટાં ! એ તો દવા કરવી પડે આમ. આ દવા કોઈનાથી ના થાય. આ દવા, અમારી શક્તિ કેટલી બધી ?! અમે માર ખઈએ, તો ય વીતરાગ ! અને ધારીયું પડે તો ય અમે વીતરાગ ! પણ તમારી તો એવી બધી શક્તિ નહીં ને ! માર ખાવાની, ગાળો ખાવાની ને ધારીયા પડવાની. એટલે અમે બોલી શકીએ અને રોગ કાઢી આપીએ. કારણ કે આ ઋષભદેવ ભગવાનના વખતનો જે પૂંજો પડેલો છે, તે પૂંજો કોઈએ વાળ્યો જ નથી. જેટલો ચોખ્ખો ભાગ ત્યાં બેઠાં, પણ પેલો પૂંજો પડ્યો ત્યાં નહીં. તે આ પૂંજો કાઢવાનું મારે ભાગ આવ્યું છે. ઋષભદેવ ભગવાનના વખતનો, ચોવીસ તીર્થંકરના વખતનો બધો પૂંજો પડ્યો તે મારે ભાગે આવ્યો છે. તે તમને સમજ પડીને ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : અને નીકળે છે ય ખરો, નથી નીકળતો ? તમે જોયું ને ? બધું અજાયબી લાગે છે ને ? આશ્ચર્ય લાગે ને ?

પ્રશ્નકર્તા : આશ્ચર્ય લાગે છે. કેટલીક વખત તો એનું વર્ણન કરી શકાય નહીં એવું આશ્ચર્ય હોય છે.

દાદાશ્રી : બહુ મોટું આશ્ચર્ય. આ તો લોકોને સમજાય નહીં ને ! કેટલા જબરજસ્ત આશ્ચર્ય હોય ! ગાળો ખાવાની, માર ખાવાની, જેલમાં લઈ જાય તો તેની, બધી જ તૈયારીઓ હોય અમારી પાસે. અમારે વાંધો શું ? અંબાલાલે જવાનું ને ? મારે શું વાંધો ? અહીં ઘેર છે તે આપણે આ ઓરડો વાસવો પડે છે ને ત્યાં પોલીસવાળો વાસી આપે. આપણે ભાંજગડ જ નહીં ને ? અને પાછું વ્યવસ્થિત છે ને ! એ કશું બનવાનું કંઈ એનાં હાથમાં છે ? સંડાસ જવાની કોઈનામાં શક્તિ નથી, એ શું કરવાનો છે ? અને મારો હિસાબ છે એટલું જ એમાં નિમિત્ત બનશે. પણ દવા તો કર્યા વગર રહું નહીં. નહીં તો પછી જવાબદારી મારે આવે. મારી પાસે આવ્યો ને, જો કદીએ એ એમાં રોગ સહિત રહ્યો તો પછી હું જાણી જઉં કે ભઈ, એનું પુણ્ય નથી જોર કરતું.

વધુ નડે દ્રષ્ટિરાગ !

પ્રશ્નકર્તા : તો દાદાએ કહ્યું છે કે હું બોલું અને તમારું આવરણ તૂટે અને અંદર લાઈટ થાય. તેથી તમને મારું સમજાય. બાકી એક શબ્દ પણ સમજવાનું તમારું ગજું નથી.

દાદાશ્રી : એક અક્ષર પણ સમજાય નહીં. આ અમારી વાણી આવરણ ભેદક હોવાથી આવરણને તોડી અંદર સાર પાડીને ઠેઠ આત્માને પહોંચાડે. એટલે તરત આત્મા કબૂલ કરશે. બે માણસ ના કબૂલ કરે કાં તો આડો માણસ હોય, તે હું કહી દઉં કે મૂઆ, આડાઈ છે તારી આ. અને બીજો, જેનું વચ્ચે એ જે કામ કરનારું છે, મગજની છે તે કચાશ હોય. બે માણસ ન સમજી શકે. નહીં તો સીધી વાત એને કબૂલ કરવી જોઈએ જ. ભાષા સમજમાં આવવી જોઈએ. હું ગુજરાતી બોલતો હોઉં તો એને સમજમાં આવવી જોઈએ.

પ્રશ્નકર્તા : તે આ દ્રષ્ટિરાગીને શેમાં મૂકવો ? આડાઈમાં મૂકવો કે કચાશમાં ?

દાદાશ્રી : એવું છે ને, આડાઈ તો કોઈ મારી-ઠોકીને ય કાઢશે, દ્રષ્ટિરાગ કોણ કાઢી આપે ?

પ્રશ્નકર્તા : એ છે અઘરો ને નીકળે નહીં.

દાદાશ્રી : હં...

પ્રશ્નકર્તા : આ બધાં દ્રષ્ટિરાગીઓ ઘણાં મળે છે. સમજતાં ન હોય અને સમજણ પડે જ નહીં ને માને નહીં.

દાદાશ્રી : એને દ્રષ્ટિરાગ નથી કહેવાતો. દ્રષ્ટિરાગ એટલે આ ચંદુભાઈ કંઈક.... આ સંસાર વ્યવહારનાં લોકો, જેને જ્ઞાન નથી, તે માણસો કંઈક બોલે એની દ્રષ્ટિથી તે પેલાને એમ જ લાગે કે આ સોળ આની જ વાત સાચી છે. પછી એથી ઊંચી વાત હોય, તો પણ પેલું છોડે નહીં. દ્રષ્ટિરાગ બેસી ગયો. એનાં વ્યુ પોઈન્ટ ઉપર એને રાગ બેસી ગયો છે અને વ્યુ પોઈન્ટ તો બદલાયા જ કરે. એ દ્રષ્ટિરાગ કહ્યું. દ્રષ્ટિરાગવાળાનું કલ્યાણ ના થાય. આ બધાં દ્રષ્ટિરાગમાં જ અટકી પડ્યા આ બધાં. કૃપાળુદેવ ઉપરેય દ્રષ્ટિરાગ, બધે જ્યાં જુઓ ત્યાં.

અને અભિનિવેષ એટલે તો આગ્રહ એક જ જાતનો આગ્રહ કે આ જ, આમ જ આમ જ.

આડાઈથી કદરૂપા દેખાય ને આડાઈ જાય એટલે રૂપાળા દેખાય. આડાઈ દેખાઈ કે ત્યારથી એ કદરૂપો દેખાય. અમારામાં નામે ય આડાઈ ના હોય.

આડાઈનું ઓપરેશન !

તમારી આડાઇ જ મોક્ષે જતાં નડે છે. પોતાની જાતની આડાઇ જ નડે છે, બીજું કશું જ આ જગતમાં નડતું નથી, વિષયો નડતા નથી. માટે પાંસરો થઇ જા. સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. મોક્ષની ગલી એટલી બધી સાંકડી છે કે ત્યાં તું આડો ચાલીશ તો નહીં નીકળાય, સીધા સરળ થવું જ પડશે ત્યાં તો ! તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે. અનંતકાળનો રોગ તે ડૂંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઇ ગયો છે. હવે મારે ઓપરેશન કરીને, મહીં ચીપિયો નાખીને એ રોગ કાઢવો પડશે. માટે પહેલેથી બોલી દેજો, એક વાર ચીપિયો નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહી મુકાય, પછી 'ઓ ઓ' કરશો તો નહીં ચાલે. માટે તમારે શું જોઇએ છે ? મોક્ષ કે સંસારનો વૈભવ? જે જોઇએ તે અમે આપવા તૈયાર છીએ.

... નહીં તો હાર્યા વળે !

પ્રશ્નકર્તા : વાળ્યા વળે તો સારું, નહીં તો પછીથી માર ખઈને વળવું જ પડે.

દાદાશ્રી : હા. નહીં તો હાર્યા વળે. એય માણસની આડાઈઓ છે ને, વાળ્યા વળતા નથી. સમજદાર માણસને વાળ્યો વાળીએ તો વળી જાય. એને સરળ કહ્યા.

આમાં કેટલાંક જન્મથી સરળ હોય અને કેટલાંક ઠોકરો ખાઈને સરળ થયેલા હોય.

માલિકી વિનાની વાણીથી સમાધાન !

પૂછવાનો રસ્તો ફરી ફરી નહીં મળે. અમે તમને વિનંતી કરીને કહી દઈએ છીએ કે અહીં બધું પૂછજો. જે પૂછવું હોય તે પૂછજો. આજ દાદા ભેગા થયા છે તો પૂછી લેજો. કોઈ પણ પ્રશ્ન પૂછો તો કરેક્ટ જવાબ મળે. કોઈ પણ ગમે તેવો પ્રશ્ન હોય, તમે પૂછી શકો છો. વેદાંતના, જૈનીઝમના કોઈ પણ પ્રશ્ન પૂછો. પૂછો, પૂછો. પૂછવામાં કશો વાંધો ના રાખશો. બ્રેઈનમાં આવે એટલું પૂછાય. પણ આપણી આંટી રહેવી ના જોઈએ. પાછલા જ્ઞાનની જોડે આંટી ના પાડશો અહીં. મારે શા માટે કહેવું પડે છે ચોખ્ખું ? કારણ કે ગાંઠ બિલકુલ હોવી ના જોઈએ. અને આ આધાર લાસ્ટ આધાર કહેવાય. જે વાણીમાં બુદ્ધિ નથી, એ લાસ્ટ આધાર કહેવાય. બધી બુદ્ધિવાળી વાણીઓ કાચી. હવે આ મારી વાણી નથી, બુદ્ધિ વગરની વાણી છે, મારી માલિકીવાળી વાણી નથી આ. અત્યારે જે બધા પ્રશ્નો પૂછાતા હતા, તે બુદ્ધિના હતા અને જવાબ મારા જ્ઞાનના હતા. અને જ્ઞાનનો જો જવાબ હોય તો બુદ્ધિ કૂદાકૂદ ના કરે. નહીં તો સામું પાછો વિવાદ કરે. અમને વિવાદ ના કરે. છતાં ય કોઈ માણસ વિવાદ કરે તો આપણે સમજી જઈએ કે આડાઈ મહીં ભરેલી છે.

સ્યાદ્વાદ ત્યાં વિવાદ નહીં !

વીતરાગ ધર્મ એટલે શું ? વીતરાગ ધર્મ કોને કહેવાય ? જ્યાં નિર્વિવાદિતા છે ત્યાં વીતરાગ ધર્મ છે. વીતરાગ ધર્મ હોય ત્યાં વાદ ઉપર વિવાદ પણ ના હોય, પ્રતિવાદ પણ ના હોય. આપણે અહીં બાર વર્ષથી આ પ્રવચન ચાલ્યા કરે છે, પણ વિવાદ કોઇએ કર્યો નથી અત્યાર સુધીમાં! કારણ કે સ્યાદ્વાદ વાણીમાં વિવાદ શો ? મુસ્લિમ પણ કબૂલ કરે, યુરોપિયન પણ કબૂલ કરે, બધાંને કબૂલ કર્યે જ છૂટકો, ને તે ના કબૂલ કરે તો આપણે સમજીએ કે એ એની આડાઇ છે. જાણી જોઇને કરો છો આ તમે અને એ તો કરે જ, માણસમાં અહંકાર હોય ને આડાઇ કરવી એ તો મૂળથી સ્વભાવ છે ને ?

જે લાઈન આપણી નહીં, જે આપણે જાણીએ નહીં તેનો તોલ શી રીતે થાય ? પોતાની બુદ્ધિથી 'જ્ઞાની'ની વાણી ના સમજાય તો સમજવું કે તેટલી આડાઈ પડેલી છે.

ઉપદેશનો અધિકારી ?!

ઉપદેશ કોણ આપી શકે ? સામો વિવાદ ઊભો ના કરી શકે તે જ. બાકી આપણા માર્ગમાં ચર્ચા ના હોય. અમારું પુસ્તક સમજવાની રીત શું છે ? બે જણ સરખું ના સમજે. એક સાચી સમજણવાળો ને બીજો અધૂરી સમજણવાળો હોય, તેમાં અધૂરી સમજણવાળાએ જક પકડી કે 'મારું જ સાચું છે' તો તેને 'તારું કરેક્ટ છે' કહીને આગળ ચાલવું. સત્ની સમજણમાં વિવાદ ના હોવો જોઇએ.

'મારું ખરું છે' એવું માનવાનું ના હોય. 'મારું છે માટે ખરું છે' એવું મહીં થયા કરે, એ રોગ ઊભો થયો કહેવાય. આપણી સાચી વાત સામો કબુલ કરે જ. જો ના કરે તો આપણે છોડી દેવું. હું જે બોલું તે સામાનો આત્મા કબૂલ કરે જ. કબૂલ નથી કરતો તે તેની આડાઇ છે. કારણ કે આ વાણી મારી નથી. તેથી તેમાં ભૂલ ના થાય. 'મારી વાણી છે' એવું જ્યાં હોય ત્યાં વાણીમાં ભૂલ થાય.

આ જ્ઞાનીની ડિરેક્ટ જ્ઞાનવાણી !

આ અમારી વાત તો તમારો આત્મા જ કબૂલ કરે. કારણ કે તમારી મહીં હું જ બેઠેલો છું, તમે જો આડાઈ નહીં કરો તો ! અમને તમારામાં ને અમારામાં ભેદ ન હોય. આ લોકો બધા શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો એમ બોલ બોલ કરે છે. તે મૂઆ પણ મને શ્રદ્ધા બેસતી નથી તેનું શું ? વ્યાખ્યાન કે પ્રવચનમાંથી નીચે ઊતર્યો કે ધોતિયું ખંખેરી નાખે ને પાછો મૂઓ વિચારે કે આજે રીંગણા બહુ સસ્તાં થઈ ગયા ! અમારી પાસે શ્રદ્ધા રાખવાની ના હોય. જો તારી મહીં આત્મા છે અને આડાઈ નથી તો તને અવશ્ય શ્રદ્ધા બેસવી જ જોઈએ. કારણ કે આ તો જ્ઞાનીની ડાયરેક્ટ જ્ઞાનવાણી છે તે તારાં બધાં જ આવરણો તોડીને સીધી તારા આત્માને પહોંચે અને તેથી તારા આત્માને કબૂલ કરવું જ પડે ! અમારી વાત તારી સમજમાં આવી જ જાય !

શ્રદ્ધાપૂર્વકની વાત અને સમજપૂર્વકની વાતમાં ફેર છે. સમજણપૂર્વકની વાત હોય તો જ સામો માને.

આડાઈથી અટક્યો મોક્ષ !

મોક્ષની ગલી અતિ સાંકડી છે તેમા આડો ચાલવા ગયો તો ફસાઇ જ ગયો સમજ. એમાં તો સીધા થઇને ચાલવું પડશે, સરળ થઇને ચાલવું પડશે, તો જ મોક્ષ સુધી પહોંચાશે. સાપેય દરમાં પેસતાં, સીધો-સરળ થાય.

આડાઇથી જ આખો સંસાર ઊભો છે. આડાઇથી જ મોક્ષ અટક્યો છે ! ભગવાને સાધુ થતાં પહેલા સીધા થવાનું કહ્યું છે. ગમે તેવું સાધુપણું પ્રાપ્ત થયું હોય પણ જો આડાઇ ના ગઇ હોય, તો તે શા કામનું ? આડાઇ એ તો ભયંકર વિકૃત અહંકાર છે ! આ આડાઇ તો કેવી છે કે જ્યારે રિયલ સત્ય સામું ચાલીને ભેટવા આવે તોય તેને ભેટવા ના દે. આડાઇ તેને ફેંકી દેવડાવે.

બૈરી-છોકરાનું, અરે ! પોતાની જાતનુંય જેટલું જતન નથી કર્યું તેનાથી અનેકગણું આ આડાઇનું જતન કર કર કર્યું છે તે અનંત અવતારથી આડાઇને લીધે જ ભટક ભટક કરે છે. આડાઇ અંધ બનાવે ! સાચો માર્ગ ના સૂઝવા દે. આડાઇઓ સ્વચ્છંદી બનાવે ! અને સ્વચ્છંદ એ તો પ્રત્યક્ષ ઝેર સ્વરૂપ જ છે.

વ્યવહારમાં કોઇ આડો હોય તો તેનો ભાવ ના પૂછે અને જો આડાઇ ઓછી હોય તો તેને સહુ કોઇ પૂછે. લોકોમાં તે પૂજાય. તો મોક્ષમાર્ગમાં તે આડાઇઓ ચાલતી હશે ?

કેવળજ્ઞાન થતાં સુધી આડાઇ હોય. આડાઇરૂપી સમંદરને ઓળંગવાનો છે. આપણે આડાઇની આ પાર ઊભા છીએ અને જવાનું છે સામે પાર. આ જગતમાં આડાઇ સાથે આડાઇ રાખશો તો ઉકેલ નહીં આવે. આડાઇ સરળતાથી નીકળે. સાપ પણ દરમાં જાય ત્યારે વાંકોચૂકો ના જાય, સીધો થઇને દરમાં પેસે. મોક્ષે જવું હોય તો સરળ થવું પડશે. ગાંઠો કાઢી અબુધ થવું પડશે.

પાંસરો થયો તેનો મોક્ષ છે. તેમ નહીં થાવ તો લોક મારી મારીને પાંસરો કરશે. મોક્ષનું દ્વાર તો સાંકડું છે. તે આડાઈ હશે તો શી રીતે મહીં દાખલ થઈ શકશે ?

મોક્ષે જતાં વિષય નડતો નથી...

જગત કહે છે કે વિષયો મોક્ષે ના જવા દે. અલ્યા, તેમ નથી, વિષય એટલે અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય. આ જગતમાં અનંત સબ્જેક્ટ્સ છે. જો વિષયો જ મોક્ષે જતાં નડતા હોય તો કોઈ મોક્ષે જઈ શક્યું જ ના હોત ! ભગવાન મહાવીર મોક્ષે ગયા તો તેમને વિષય ના નડ્યા ને તમને જ કેમ નડે છે ? વિષયો નથી નડતા, તમારી આડાઈઓ જ તમને મોક્ષે જતાં નડે છે ! અનંત વિષયોમાં ભગવાન નિર્વિષયી રહીને મોક્ષે ગયા !

તો માર્ગ પામ્યા મહાવીરનો !

મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો-સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. 'સ્વરૂપનું જ્ઞાન' તો હજી એની પછી ક્યાંય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઇને ફરે છે. આ 'સ્વરૂપ'નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જ્યાં 'જ્ઞાન' અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે. મોક્ષે જવા માટે માત્ર તારી આડાઇ જ નડે છે. બીજી એકેય વસ્તુ નડતી નથી. મોટામાં મોટાં ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે !

મોક્ષે કોણ જવા દેતું નથી ? આડાઈઓ ! સંસાર નથી નડતો, તારી આડાઈઓ ને અજ્ઞાનતા જ નડે છે.

ધર્મની આડાઈઓ ધોવી આમ !

સંસારમાં આડાઈ હોય તો ચાલી શકે, પણ 'અહીં' આડાઈ ના કરે તો કામ થાય. 'અમે' જાત્રાએ જઈએ તો બધે દર્શન કરવાનાં. પક્ષવાળા તો કહેશે, 'અહીં નહીં, અમે તો જૈન એટલે વૈષ્ણવનાં દર્શને ના જવાય.' એમ બધે આડાઈ કરેલી. તે ભૂલ ધોવી તો પડશે ને ?! તેથી અમે રામના, કૃષ્ણના, જૈનના મંદિરમાં બધે દર્શન કરવા જઈએ.

પુદગલનો સ્વભાવ જ છે ભક્તિ કરવાનો ! 'બ્રહ્મ સામે બ્રહ્મ લટકાં કરે !' વાંક-ચૂંક, આડાઈઓ આપણે કાઢી નાખીએ એટલે પુદગલ ભક્તિ કરે જ.

આટલો બધો ધર્મ છતાં પરિણામ ?

'જ્ઞાની' પાસે સીધા થવું પડશે. આડાઈ નામે ના ચાલે અને તમારી ચિંતા જાય, મતભેદ જાય તો જાણવું કે કંઈ સાંભળવાનું ફળ છે. આ તો નથી એકુંય મતભેદ ગયો, નથી ધ્યાન સુધર્યું. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે. એનો અર્થ ધર્મનો એકેય અક્ષર પામ્યો નથી. છતાં મનમાં એમ માની બેસે છે કે ચાલીસ વરસથી હું ધર્મ કરું છું, મંદિરોમાં, ઉપાશ્રયોમાં પડી રહું છું, પણ એનો કશો અર્થ નથી, 'મીનીંગલેસ' છે. આ તમારો ટાઈમ બગાડો છો !

મોક્ષનું કામ કાઢી લો !

સર્વ સિદ્ધિ સહિત આ જ્ઞાનાવતાર પ્રગટ્યો છે ! મૂઆ, તારો દીવડો સળગાવીને ચાલતો થા. બહુ ફેંદ ફેંદ ના કરીશ. વણતોલ્યા ને વણમાપ્યા જ્ઞાની પુરુષ તેની તું શું કિંમત કરવાનો છે ? ઘેર બાયડી તો તને ટૈડકાવી જાય છે કે તમારામાં અક્કલ નથી, તે તમે જ્ઞાની પુરુષને શું માપી શકવાના છો ? ઝવેરીપણું છે તમારામાં ? અલ્યા, મને માપવા જઈશ તો તારી જ મતિ મપાઈ જશે. એના કરતાં બધી જ આડાઈઓને વાંદરાની ખાડીમાં પોટલું વાળીને નાખી આવ અને પાંસરો થઈને, સીધો થઈને 'હું કશું જ જાણતો નથી' કહી દે અને 'અનંતકાળની ભટકામણમાંથી છોડાવો' એમ કહે. બસ એટલું જ કહે એટલે અમે તારો ઉકેલ લાવી નાખીશું. જ્ઞાની પુરુષ ચાહે સો કરે, કારણ મોક્ષદાનનું લાયસન્સ એમના હાથમાં હોય !

- જય સચ્ચિદાનંદ