|
સ્મૃતિ - વિસ્મૃતિ સંપાદકીય આ જગતમાં કેટલાક લોકોને કોઈ બાબત ભૂલવા જાય છતાં ભૂલાતી નથી. ત્યારે કેટલાક લોકોને કોઈ બાબત યાદ રાખવી હોય છતાં યાદ રહેતી નથી. કેટલાક છોકરાં ભણ ભણ કરે છે ને યાદ રહેતું નથી ને કેટલાકને ઘણું સરસ યાદ રહી જાય છે, કેટલાકને શાસ્ત્રોના શાસ્ત્રો મોઢે હોય છે. જ્યારે કેટલાકને શ્શલોક બોલવો હોય તો ય ચોપડીમાં વાંચીને બોલે, યાદ જ ના રહે. જગતના લોકો શાસ્ત્રોની સ્મરણશક્તિને ખૂબ મહાન કહે છે. જ્યારે કેટલાક લોકો જગતના દુઃખોને ભૂલવા મથે છે છતાં ભૂલાતાં નથી, તેથી દારૂ-માદક પદાર્થોનો આશરો લે છે. જ્યારે કેટલાક લોકો ભગવાનના ભજન-કિર્તનમાં પડે છે કે જેથી સંસાર ભૂલી જવાય ને આનંદ રહે. પણ તે ય મનની ટેમ્પરરી મસ્તી જ પ્રાપ્ત થાય છે. આ તમામ રહસ્યોનો ફોડ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી એક જ વાક્યમાં આપે છે. 'મેમરી ઈઝ ધી રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ.' જ્યાં ખૂબ રાગ હોય તે યાદ રહે અથવા જ્યાં ખૂબ દ્વેષ હોય તે યાદ રહે. એટલે જેમ જેમ સંસારના પદાર્થો પ્રત્યેના, વ્યક્તિઓ પ્રત્યેના રાગ-દ્વેષ ખલાસ થતા જાય, તેમ જગત વિસ્મૃત થાય અને એ રાગ-દ્વેષ ઓછા કરવા માટે નિજસ્વરૂપની અજ્ઞાનતા જવી જોઈએ. પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ અજ્ઞાનતા જાય ને તો જ રાગ-દ્વેષ જાય ને જગતની યાદગીરી બંધ થતી જાય. પરમ પૂજ્ય દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનમાં એક જ કલાકના ભેદજ્ઞાનના પ્રયોગ દ્વારા આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે પછી રાગ-દ્વેષ પણ ખલાસ થવા માંડે છે. રાગ-દ્વેષને મૂળમાંથી ખલાસ કરવા પ્રતિક્રમણનો અદ્ભૂત ઉપાય પૂજ્યશ્રીએ બતાવ્યો છે. જે જે યાદ આવે છે ત્યાં કંઈ રાગ-દ્વેષની ફરિયાદ છે, તો રાગ-દ્વેષની ચોંટ ધોઈ નાખો તો તે યાદગીરી ભૂંસાઈ જશે ! દાદાશ્રી કહે છે 'જેટલી સ્મૃતિ ગઈ તેટલા વીતરાગ થયા. વીતરાગ થયો કોને કહેવાય ? આત્મા અને આત્માના સાધનો સિવાય બીજું કશું યાદ જ ના રહે. જગત વિસ્મૃતિ એને જ મોક્ષ કહ્યો.' પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીની જ્ઞાનવાણી સંકલિત થઈ છે, જે સંપૂર્ણ વીતરાગ થવાના સોપાન ચઢવાને અર્થે અદ્ભૂત માર્ગદર્શક બની રહેશે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ સ્મૃતિ - વિસ્મૃતિ ! સ્મૃતિ-વિસ્મૃતિ, કરવી મુશ્કેલ ! પ્રશ્નકર્તા : કંઇ પણ યાદ રાખવું સહેલું છે પણ વિસ્મૃત કરવું બહુ મુશ્કેલ છે, એનું શું કારણ ? દાદાશ્રી : યાદ રાખવું ય સહેલું નથી ને વિસ્મૃત કરવું ય સહેલું નથી, બેઉ અઘરું છે. જેને યાદ ન રહેતું હોય તેને યાદ કરવું બહુ અઘરું પડે છે. ત્યારે તેને તે વિસ્મૃત કરવું બહુ સહેલું જ હોય ને ? અને જેને યાદગીરી બહુ આવતી હોય તેની વિસ્મૃતિ લાવવી ય બહુ વસમી પડી જાય. યાદગીરી શાને આધિન ? યાદગીરી એ ગાંડપણ છે કે ડહાપણ છે ? પછી એનો જ્ઞાનમાં જવાબ એ આવ્યો કે યાદગીરી એ શેનું પરિણામ છે ? મેમરી ઈઝ ધ રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ (યાદગીરી એ રાગ-દ્વેષનું પરિણામ છે). જેને રાગ-દ્વેષ ના હોય, એને મેમરી (યાદગીરી) ના હોય. જેને શાસ્ત્ર પર રાગ હોય તો શાસ્ત્ર બધું મોંઢે. આ ટેપરેકર્ડ હમણાં શું બોલી ? પ્રશ્નકર્તા : મેમરી ઈઝ ધ રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ. દાદાશ્રી : હા, અમને મેમરી જ નહીં ને બિલકુલ ! એટલે યાદ એ રાગ-દ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોત તો ગૂંચ પડેલી ભૂલી જવાત. તમને કેમ કોઇ ફોરેનર્સ યાદ નથી આવતા ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગદ્વેષનાં કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઇ જાય. જેની ઉપર રાગ હોય તે રાતે ય યાદ આવે ને જેની ઉપર દ્વેષ હોય તે પણ રાતે ય યાદ આવે. પ્રશ્નકર્તા : પંદર વર્ષ સુધી કશું યાદ મને ના આવ્યું ને આજે આવ્યું, તે શું કહેવાય ? એ કયો રાગ-દ્વેષ કહેવાય ? દાદાશ્રી : એ રાગ-દ્વેષ પર આધાર રાખે છે. કેટલીક બાબતોનું એવું હોય કે જે સતત યાદ આવ્યા જ કરે ને કેટલીકનું એવું હોય કે એનો કાળ પાકે ત્યારે ફળ આપ્યા કરે. યાદશક્તિ એ શેના આધીન છે ? ત્યારે કહે, રાગ-દ્વેષનો પ્રભાવ છે એ. જેને રાગ-દ્વેષ હોય તો જ યાદશક્તિ હોય. જેમાં રાગ હોય ને તે બહુ યાદ રહે અને જબરજસ્ત દ્વેષ હોય તે બહુ યાદ રહે. આ રાગદ્વેષ નથી તે યાદ ના આવે. જેનું અજ્ઞાન ગયું તેના પછી રાગદ્વેષ જાય. ચિત્ત નિર્મળતા, તો ભણતર ધારણ ! યાદશક્તિ એ ચિત્તની ભૂમિકા છે, અશુધ્ધ ચિત્તની. એટલે અમને અશુધ્ધ ચિત્ત ના રહ્યુંં એટલે અમને યાદશક્તિ હોય નહીં બિલકુલેય ! અમને કોઈ વસ્તુ યાદ ના હોય. આજ શું વાર છે, તમે સવારમાં કહ્યું હોય તો ય અત્યારે યાદ ના હોય. જો ચિત્તની નિર્મળતા સારી હોય, તો ભણતર એક ફેરે વાંચે ને યાદ રહી જાય. ભણતરનો હેતુ તો ચિત્તની નિર્મળતાનો છે. ચિત્તની હાજરીમાં વાંચેલું હોય તો જ તે યાદ રહે. પ્રશ્નકર્તા : પહેલે નંબરે પાસ થાય તેને રાગદ્વેષ બહુ કહેવાય ? દાદાશ્રી : એને જેમાં 'ઇન્ટરેસ્ટ' વધારે હોય તેમાં વધારે માર્ક આવે. ઇતિહાસમાં રાગ હોય તો તેમાં વધારે માર્ક આવે. કેટલાક છોકરાઓને વળી ભણવામાં કશું યાદ નથી રહેતું. તે આપણે જાણીએ કે એને ભણવામાં 'ઇન્ટરેસ્ટ' નથી અને બીજામાં બધું બહુ યાદ રહેતું હોય કે જેમાં 'ઇન્ટરેસ્ટ' હોય એને. જેને જેમાં રાગ વધારે તેનો તે 'એકસ્પર્ટ' થાય. મને અધ્યાત્મનો રાગ હતો, તેથી હું અધ્યાત્મમાં 'એકસ્પર્ટ' થઇ ગયો ! કેટલાકને શાસ્ત્રો પર ખૂબ જ રાગ હોય તેથી તેની સ્મૃતિ તેમને જબરજસ્ત હોય. આમાં આત્મા પર રાગ થાય એટલે બીજે બધે, સંસારમાં વિસ્મૃતિ કહેવાય. જગ વિસ્મૃતિના શોધે ઉપાયો.... સ્મરણશક્તિ માટે જગત આખું માથાકૂટ કરે છે. પણ સ્મરણશક્તિ નામની કોઇ શક્તિ નથી. સ્મરણશક્તિ એ રાગદ્વેષને કારણે છે. મને રાગદ્વેષ નથી તેથી મને સ્મરણશક્તિ ના હોય. અત્યારે આપણને આપણી યાદગીરી ઉપરથી ખબર પડે કે આ જગ્યાએ રાગ છે ને આ જગ્યાએ દ્વેષ છે. તેથી તો લોકોએ જગત વિસ્મૃત કરવા માટે શોધખોળ કરેલી. તેથી ધર્મના સ્થાનકોમાં પડી રહે. ભગવાનના ભજનો કરે. પણ છેવટે એ ય મનની મસ્તી મળે. મસ્તી એટલે ઉતરી જાય પાછી. એક પ્રકારનો માનસિક આનંદ. એને આનંદ કહે છે લોકો. પણ એ મસ્તી છે. ઉતરી જાય. એકતાન મસ્ત! એ ય પછી બૈરી, છોકરાં બધું વિસ્મૃત, કશું યાદ ના આવે. એટલે એવો આનંદ આવે, તે આનંદ ક્યાંથી આવે છે એ જાણો છો ? જગત વિસ્મૃત કરાવે એવી કોઈ પણ ચીજ પકડો એટલે તમને આનંદ આવે. જગતની સ્મૃતિ એ દુઃખદાયી છે. વિસ્મૃત કરવા માટે છબલીકાં વગાડો, ગમે તેમાં રહો, અગર તો આમ અવાજ કાઢીને ગાવ ખૂબ. યાદગીરી ને મનોગ્રંથિ ! ગાંઠ ફૂટવું જુદું ને યાદ આવવું જુદું છે. ગાંઠ ફૂટવું એ મનનું કારણ છે. અને યાદશક્તિ એ રાગ-દ્વેષને આધીન આવે છે. આપણે અમથા ચા-પાણી પીતા હોય ને યાદ આવી જાય, ગાંઠ ફૂટ્યા વગર. લોકો એને યાદશક્તિ કહે છે. અને યાદશક્તિ પર પાછું આવરણ આવી જાય. પાછું વાદળ વચ્ચે આવી જાય. તે આપણે મનમાં એમ કહીએ કે હમણાં યાદ હતું ને એ યાદ નથી આવતું. તે પાછું થોડીવાર પછી આમ આમ કરીએ ને ત્યારે આવું વાદળ ખસી જાય કે પાછું યાદ આવી જાય. ને વાદળ આવ્યું ને એકાગ્ર થયો કે આવરણ તૂટે. બધું તરત યાદ આવી જાય. સાયન્સ કેવું સરસ છે ? આ સાયન્સ નથી ? એ ફૂટે છે એ તો મનનું કામ છે. મન હેરાન નથી કરતું, રાગ-દ્વેષ હેરાન કરે છે. રાગ-દ્વેષને લીધે સ્મૃતિ છે ! સ્મૃતિ જ કૈડે સંસારમાં ! જો બહારનું મછરું યાદ ના આવે ને તો 'એ સુખ' વર્ત્યા જ કરે. આ તો બહારની યાદગીરી સુખ ખૂંચવી લે છે. પ્રશ્નકર્તા : જગત વિસ્મૃત કરવું કેમ ? ભૂલવું કેમ ? એ એક સવાલ છે. દાદાશ્રી : જગત એક કલાક પણ વિસ્મૃત થાય તેમ નથી. હજારો રૂપિયા એક કલાક જગત વિસ્મૃત કરવા ખર્ચે તો ય તે વિસ્મૃત થાય તેવું નથી. જાતજાતનું યાદ આવે. જમતી વખતે સગાં-વહાલાં માંદા હોય તે જ યાદ આવે ! અલ્યા, તું શું કરવા યાદ આવ્યો ? એટલે સ્મૃતિ જ કૈડે છે. આ સ્મૃતિ જ પીડા ઊભી કરે છે. આ જ્ઞાન થતાં પહેલાં મને બહુ જ સ્મૃતિ હતી, જબરજસ્ત સ્મૃતિ હતી, તે મને ખૂબ પીડા કરે, રાત્રે ઊંઘવા પણ ના દે. તેમાં હિસાબ કાઢ્યો કે કઇ જગ્યાએ દુઃખ છે ? પણ આમ જુઓ તો બધી રીતે અમે સુખી હતા, પણ આ સ્મૃતિનું પાર વગરનું દુઃખ હતું. અમને યાદ બહુ રહે, એટ એ ટાઇમ બધું જ યાદ રહે. પણ યાદગીરી એ પૌદ્ગલિક વસ્તુ છે, ચેતન નથી. પછી જ્ઞાન થયા પછી 'દેખાતું' થયું, યાદગીરીનું દર્શન નહીં, પણ યથાર્થ દર્શન થયું. જગત વિસ્મૃત, ત્યાં સંસાર સહજ ! પ્રશ્નકર્તા : પણ પાછું એવી શંકા થાય છે કે જગત વિસ્મૃત રહે તો સેલ્સટેક્ષ, ઇન્કમટેક્ષના કેસોના નિકાલ કેવી રીતે કરવાનો ? એમાં મુસીબત પડેને ? દાદાશ્રી : એવું નથી. જગત વિસ્મૃત રહે ને સંસારનાં કામો થાય એવું છે. ઊલટું બહુ સરસ, સહજ રીતે થાય તેમ છે. કેટલાક જડ જેવા હોય, તેને ય યાદશક્તિ ના હોય. સમકિત વગરની વિસ્મૃતિ એ જડતા કહેવાય. ખોરાક વધારે ખાતો હોય, સૂઇ રહે, પ્રમાદી રહે, એનાથી મગજ ડલ રહ્યા કરે. એ અધોગતિમાં લઇ જાય. સામાયિકમાં ય નડે સંસાર સ્મૃતિ ! જગત વિસ્મૃત કેવી રીતે થાય ? એના માટે તો આપણે અહીં સત્સંગમાં ભેગા થયા છીએ. અહીં તમને જગત સહેજેય વિસ્મૃત રહે. નહીં તો એક ક્ષણ પણ જગત વિસ્મૃત થાય એમ છે જ નહીં. આ મોટા મોટા શેઠિયાઓ એક કલાક જગત વિસ્મૃત કરવા હજારો ખર્ચવા તૈયાર છે, છતાંય જગત વિસ્મૃત થાય તેમ નથી. આ તો જેને ભૂલવા જાય તેનો જ ધબડકો પડે. અરે ! શેઠ સામાયિક કરવા બેઠા હોય ને નક્કી કરે કે ફલાણાને તો સામાયિક વખતે યાદ કરવો જ નથી, તો પહેલો તે આવીને ઊભો રહે! અને અહીં આપણને તો સહેજે જગત વિસ્મૃત રહે. આ તમે અહીં બેઠા હો ત્યારે તમારું ચિત્ત ઘેર કે દુકાને કેટલી વખત જાય છે ? પ્રશ્નકર્તા : ક્યાંય જાય નહીં. દાદાશ્રી : લોકોને તો સામાયિકમાં જે ના સંભારવાનું, ના યાદ કરવાનું હોય તે જ પહેલું યાદ આવે ! પ્રશ્નકર્તા : તો ભૂત અને ભવિષ્યને ભૂલી જવાનું ? દાદાશ્રી : ના, ભૂલી જવાનું નહીં, વર્તમાનમાં જ રહેવાનું. ભૂલવું એ તો બોજો કહેવાય. ભૂલ્યું ભૂલાય નહીં ને જે ભૂલવા જઇએ તે વધારે યાદ આવે. એક જણ મને કહેતો હતો કે, 'હું સામાયિક કરવા બેસું છું ત્યારે વિચાર કરું છું કે દુકાન આજે યાદ ના આવે.' તે દહાડે સામાયિકમાં પહેલો જ ધબડકો દુકાનનો પડે છે ! આમ શાથી થાય છે ? કારણ કે દુકાનનો તિરસ્કાર કર્યોને કે દુકાન યાદ ના આવે ! આપણે તો કોઇનો તિરસ્કાર કરવાનો નહીં. વર્તમાનમાં રહેવું એ એક જ વાત છે. ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે આપણે લેવાય નથી ને દેવાય નથી. વર્તમાનમાં જ રહે એનું નામ અમરપદ. અમે વર્તમાનમાં એવા ને એવા જ રહીએ છીએ. રાત્રે ઉઠાડો તો ય એવા ને દહાડે ઉઠાડો તો ય એવા. જ્યારે જોઇએ ત્યારે એવા ને એવા જ હોઇએ. જગત વિસ્મૃત કરાવે તે સામાયિક ! સામાયિકનો અર્થ શું ? જગત વિસ્મૃત કરાવડાવે. જગત વિસ્મૃત કરાવડાવે એ સામાયિક. આ બહારવટિયાની વાત હોય તોય, જગત વિસ્મૃત કરાવડાવે. તમે ઘેર ગયા હોય, તે જમવાનું મૂકી દો. ત્યારે કહે, થોડીવાર છે, પાંચ મિનિટ, તો તમે અકળાયા કરતા હોય. પછી પેલી ચોપડી આવીને, ઝાલી કે, પેલા કહેશે, હેંડો, જમવા. તે ઊઠે નહીં પાછો. અલ્યા કેમ આમ ? ત્યારે કહે, પેલી ચોપડીમાં એકાગ્ર થઈ ગયો. કારણ કે ઉતારનારા જે સંસ્કારો છે, એ જલ્દી એકાગ્ર કરે માણસને ! તે સંપૂર્ણ એકાગ્ર થાય તે ઊઠે નહીં પછી. હવે તે ઘડીએ ય જગત વિસ્મૃત થાય. પણ એ અધોગતિમાં લઈ જનારું. એ આપણું જ ધન વટાવીને માર ખવડાવે છે. અને જે ઉર્ધ્વગામી સામાયિક એમાં જરા વાર લાગે. જગત વિસ્મૃત થતાં થતાં વાર લાગે. આજ તો આ લોકો સામાયિક કરતી વખતે શું કરે છે ? આમ કુંડાળું ચીતરી અને જે યાદ આવે તેને બહાર કાઢો, ઉડાડી પાડો. રોજ એમ કરતો કરતો પોણો કલાક નીકળી જાય, જે યાદ આવેને, ગધેડું પેસી જાય, કૂતરું પેસી જાય, એય હાંક્યા કરે. આવાં સામાયિક કરે છે. પેલું ખરું સામાયિક તો સમતાભાવમાં રહેવું. એવું સામાયિક તો એને ફાવે જ નહીંને, સમતા તો રહે જ નહીંને ! પણ આવા સામાયિક એટલે બીજું બધું જે આવતું હોયને, તેને કાઢ કાઢ કરે, ધક્કા માર માર કરેને, એટલે પોતે કોણ રહ્યું ? એકલો ! એણે નક્કી કર્યું હોય કે આજ દુકાન યાદ નથી કરવી તો આંખ મીંચતાની સાથે જ ધબડકો પહેલો જ એ પડે. અને આપણે કહીએ, 'દુકાન-બુકાન બધાં તમે આવો. બધા મને સામાયિકમાં આવીને હેરાન કરો. આવને તું, હું છું, હું બેઠો છું અને તું આવ.' તો બધા ય નાસી જશે. એ બધા જાણે કે સાલું શું કર્યું, કંઈ દવા-બવા કંઈક લાવ્યા હશે. ફટાકડા ફોડે એ ત્યારે શું કરીએ ?! એમાં ભડકો શું કરે છે ? 'હે દુકાન ! તું યાદ ના આવજે.' 'હે ભગવાન, હે પ્રભુ, દુકાન યાદ ના આવે.' મેર મૂઆ, કઈ જાતનો ચક્કર છું તું, દુકાન નહીં યાદ આવે તો વહુ યાદ આવશે પણ આવશેને ! એ ય દુકાન જ છેને ! વહુ દુકાન નહીં ? પ્રશ્નકર્તા : મોટી દુકાન ! દાદાશ્રી : પાછા આ મોટી દુકાન કહે છે !! લક્ષ્મીની યાદગીરી કેટલી જોખમી ? લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં ? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભૂલાડી દે એવી ! લક્ષ્મી, સોનું બધું એમાં એકમાં જ આવી ગયું. બીજી કોઈ એવી ચીજ છે, બધું ભૂલાડી દે એવી ? એકાગ્ર કરાવડાવે એવી ? પ્રશ્નકર્તા : ખ્યાલ નથી આવતો. દાદાશ્રી : નહીં ? સ્ત્રી ને લક્ષ્મી. આ બે બધુંય ભૂલાડે. ભગવાન તો યાદ જ ના આવવા દે. આ જે તમને થોડા યાદ આવે છે, પણ એકાગ્રતા થાય કેવી રીતે ? ભગવાન ઉપર ભાવ જ નથી ને ! જ્યાં રૂચિ ત્યાં એકાગ્રતા. કાયદો કેવો ? રૂચિ ત્યાં એકાગ્રતા. રૂચિ ના હોય તો એકાગ્રતા કેમ થાય ? પૈસો તો યાદ આવવો તે ય બહુ જોખમ છે, ત્યારે પૈસાની ભજના કરવી એ કેટલું બધું જોખમ હશે ? હું શું કહેવા માગું છું એ આપને સમજાય છે ? પ્રશ્નકર્તા : ઈ સમજાણું, પણ એમાં જોખમ શું ઈ સમજાણું નથી. એમાં તો તરત જ તાત્કાલિક લાભ થાય ને ! પૈસા હોય એટલે બધી વસ્તુઓ આવે. ઠાઠમાઠ, મોટર-બંગલા, બધું પ્રાપ્ત થાય છે ને ?! દાદાશ્રી : પણ પૈસાની ભજના કોઈ કરતું હશે ? પ્રશ્નકર્તા : એ જ કરતા હોય છે ને ! દાદાશ્રી : તો પછી મહાવીરની ભજના બંધ થઈ ને આ ભજના ચાલુ થઈ એમ ને ? માણસ એક જગ્યાએ ભજના કરી શકે, કાં તો પૈસાની ભજના કરી શકે ને કાં તો આત્માની. બે જગ્યાએ એક માણસનો ઉપયોગ રહે નહીં. બે જગ્યાએ ઉપયોગ શી રીતે રહે ? એક જ જગ્યાએ ઉપયોગ રહે તે હવે શું થાય ? યાદ આવે તે પરિગ્રહ ! પરિગ્રહ કોને કહેવાય ? જે યાદ આવ્યા કરે તેને. વીંટી આંગળીએ છે કે નહીં, પડી ગઇ છે કે નહીં ? તે ય યાદ ના આવે, એનું નામ અપરિગ્રહી. અપરિગ્રહી ત્યાગ કરવાથી ના થાય. ત્યાગ કરવા જાય તે વધારે યાદ આવ્યા કરે. જ્ઞાનીઓ પૂંછડું પકડાવે એવા નથી હોતા. આ બીજાં તો પૂંછડાં પકડાવે કે 'બટાકાની બાધા લો, ડુંગળીની બાધા લો.' તે પછી બિચારાને એ જ યાદ આવ્યા કરે. જ્ઞાનીઓ તો શું કહેતા હતા કે લાભાલાભનો વેપાર જુઓ ! શરીરને ડુંગળીથી પચ્ચીસ ટકા ફાયદો થયો અને પાંચ ટકા ડુંગળીને લઈને નુકસાન થયું, એટલે મારે ઘેર વીસ રહ્યા. એવી રીતે કરતા હતા. જ્યારે આ લોકોએ લાભાલાભનો વેપાર ઉડાડી દીધો છે અને મારી-ઝુડીને 'ડુંગળી બંધ કરને, બટાકા બંધ કરને' કહેશે. અલ્યા, શા માટે ? બટાકા જોડે તમારે વેર છે ? કે તમારે ડુંગળી જોડે વેર છે ? અને પેલાને તો જે છોડ્યું હોય ને, તે જ યાદ આવ્યા કરે. ભગવાનની પેઠ એ જ યાદ આવ્યા કરે ! બધી વાત ભગવાને કહી છે ને, એ તમને સમજવા માટે કહ્યું છે. આગ્રહો પકડવાના નથી. તમે જેટલું બને એટલું કરજો. ભગવાને એમ નથી કહ્યું કે શક્તિ બહાર કરજો. નાસ્તા કરવામાં વાંધો નથી. લત લાગવી ના જોઈએ. આત્માને ખેંચી ના જાય એટલી જાગૃતિ રાખવી જોઈએ. ખેંચાઈ જવાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ ! જમવામાં શું ખેંચી જાય છે ? પ્રશ્નકર્તા : તીખું. દાદાશ્રી : પછી યાદ આવે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો એ ખાધું જ ના કહેવાય ! યાદ આવ્યું તો પરિગ્રહ. યાદ ના આવ્યું તો એ પરિગ્રહ ના કહેવાય. ચોપડો લખવાનો બાકી હોય તો યાદ આવે કે આટલી સિલક બાકી છે. માખી ત્યાં જ ભ્રમણ કરતી હોય. આ 'દાદા'ની યાદગીરી જ એવી છે કે બધું ભૂલાડી દે. એમને એમ જ પરિગ્રહ ભૂલાડી દે ! પ્રશ્નકર્તા : સાધારણ સંયોગોમાં જે આપણને યાદ આવતું ના હોય પણ એ સામે આવે અને અમુક કલાક સુધી રહે એ પરિગ્રહમાં ગણાય કે ? દાદાશ્રી : હાસ્તોને ! જે આપણને સ્વરૂપથી છેટા કરે એ પરિગ્રહ ! એ ગ્રહ વળગ્યો છે, પરિગ્રહનું ભૂત વળગ્યું છે. તેથી 'આપણે' 'સ્વરૂપ' ભૂલી જઈએ છીએ ! એટલો વખત કલાક-બે કલાક સ્વરૂપનું લક્ષ ચૂકી જવાય. અરે, કેટલાકને તો બાર-બાર કલાક સુધી ચૂકી જવાય. અને આ જગતમાં, જેને જ્ઞાન ના આપ્યું હોય તેને તો એ જ ચાલ્યા જ કરે. આખો દહાડો પાણી પારકા જ ખેતરમાં જાય. પંપ ઘરનો, એન્જિન-પાણી બધું પોતાનું, પેટ્રોલ-ઓઈલ પોતાનું, ને તો ય પાણી જાય લોકોનાં ખેતરમાં ! 'સ્વરૂપ જ્ઞાન' પછી બધું પાણી પોતાના જ ખેતરમાં જાય. 'સ્વક્ષેત્ર'માં જ જાય, પરક્ષેત્રમાં ના જાય. પ્રશ્નકર્તા : પંદર દહાડા સુધી યાદ ના આવે ને પછી યાદ આવે એ પરિગ્રહમાં જાય ? દાદાશ્રી : હા. ભૂત આપણી પાછળ પડ્યું છે. તે આખી દુનિયાનાં ભૂતાં વળગ્યા છે તમને ? તમને તમારા ભૂતાં વળગેલાં છે. અમુક બાબત હોય એટલાં જ વળગેલાં છે. બીજાં બધાં વળગેલાં ના હોય ! લાગણીવાળો કોણ ? ફાઈલ ગેરહાજર હોય ને યાદ રહે તો બહુ જોખમ કહેવાય. ફાઈલ ગેરહાજર હોય તો યાદ ના રહે પણ એ આવે કે તરત અસર કરે એ સેકંડરી જોખમ. આપણે એની અસર થવા જ ના દઈએ. સ્વતંત્ર થવાની જરૂર. આપણી તે ઘડીએ લગામ જ તૂટી જાય. પછી લગામ રહે નહીં ને ! નોર્માલિટીની હદ સુધીમાં એની મમતા રાખવી જોઈએ. અને એબવ નોર્મલ મમતા, લોકો કહે, આટલી બધી શી મમતા ! એ જરા ઓછી રાખ ને મમતા, આટલી બધી શી મમતા રાખું છું. એ છોકરો ગયો કોલેજમાં, તે મને ગમતું નથી, કઈ જાતની ફીકર છે ? એને લોકો ય વઢે. એવું ના કહે કે આટલી બધી મમતા શું કરવા રાખો છો ? કહે કે ના કહે ? એ મમતા એટલે વધારે પડતી એક્સેસ, એબવ નોર્મલ થઈ એ મમતા. આ અમારે બધા જોડે સંબંધ વધે પણ એબવ નોર્મલ તો નહીં, એ તો ઉપર જતું રહે. આપણે જઈએ એટલે વળી યાદ ના આવે. અને યાદ આવે એ વધારે પડતી મમતા. હા, યાદ તો ન જ આવવું જોઈએ. શું હેલ્પફુલ યાદ આવે તે ? પ્રશ્નકર્તા : તો પછી આપણે લાગણી વગરનાં છીએ, એવું ના કહેવાય ? દાદાશ્રી : લાગણી વગરનો કોણ ? આ યાદ આવે એ લાગણી વગરનો. લાગણીવાળાને યાદ જ ના આવે. લાગણી તો જેને આંખમાં આંસુ નથી આવતાં તેની સાચી છે અને તમારી ખોટી લાગણી છે. તમારી દેખાવની લાગણી છે અને એની સાચી લાગણી છે. સાચી લાગણી હાર્ટિલી હોય. એ બધું ખોટું-ઊંધું માની બેઠેલું. લાગણી કંઈ જબરજસ્તી થાય નહીં. એ તો નેચરલ ગિફ્ટ છે. એવું કહેતા હોય કે કઠણ પથ્થર જેવો છું, તો લાગણી ઉત્પન્ન થતી હોય તો ય બંધ થઈ જાય. એ કંઈ રડવું અને પછી તરત ભૂલી જવું એ લાગણી કહેવાય નહીં. લાગણી તો રડવું ય નહીં અને યાદ રહેવું, એનું નામ લાગણી કહેવાય. એ છોકરાંઓ તો ત્યાં ખાય-પીને મઝા કરતાં હશે, બાને યાદ પણ ના કરતાં હોય અને આ બા અહીં ચિંતા કર્યા કરે, આ કોનાં ઘરની વાત ? એ યાદગીરી કેટલી દુઃખદાયી ? જેટલા સંબંધો યાદ આવે, તે જ વધુ પડતાં છે. એ જ ફાઈલો છે. જે યાદ નથી આવતાં તેની કશી ભાંજગડ નથી. આ તો એના મનમાં અસર થઈ જાય કે, મારા સાસુ મને પજવે છે. એટલે દ્વેષ થયો કે એ રાત-દહાડો યાદ રહે કે ભૂલી જાય ? પ્રશ્નકર્તા : યાદ રહે જ. દાદાશ્રી : રાત-દહાડો યાદ રહે. એટલે પછી શરીર પર અસર થાય બધી. એટલે બીજી સારી વસ્તુ પેસે નહીં પછી. એટલે એને શું સમજણ પાડીએ કે આને સારી સાસુ મળી ? આને ય કેમ સારી સાસુ મળી ? તમને કેમ આવી મળી ? આ પૂર્વભવનો તમારો હિસાબ છે, એ ચૂકતે કરો. તો કેવી રીતે ચૂકતે થાય એ બતાડીએ. તો એ સુખી થઈ જાય. કારણ કે દોષિત એની સાસુ નથી. ભોગવે છે એની ભૂલ છે. એટલે સામાનો દોષ ઉડી જાય. સંસાર તારણ આવે, એ વૈરાગ્યથી ! આ તો કહેશે, 'આણે મારું અપમાન કર્યું' ! મેલને છાલ. અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે ત્યારે યાદ આવવું જોઈએ કે આ તો મારા કર્મનાં ઉદય ફરે છે, ત્યારે ધણી 'આવો, આવો' કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું, એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઈ જાય. આ સંસારમાં બધાએ એવો માર ખાધેલો છે, તો ય પણ વૈરાગ નથી આવતો એ ય એક અજાયબી છે ને ?! એવો ને એવો માર, કોઈ બીજી જાતનો, ત્રીજી જાતનો, બધો સંસાર માર જ ખાય છે. માર એટલે લપકાં કરે, તુંકારા કરે, મતભેદ પડે, એ ય માર કહેવાય. છતાંય વૈરાગ નથી આવતો. વૈરાગ એટલે પોતે જે માર ખાધેલો તે યાદ આવે તે. યાદ આવે તો વૈરાગ થાય. યાદ જ ના આવે તો પછી વૈરાગ શી રીતે થાય ? સમજાયું તમને કે ના સમજાયું ? પ્રશ્નકર્તા : 'યાદ આવે તે વૈરાગ' એ મારા મગજમાં બેસતું ન હતું. દાદાશ્રી : રોજ ગાળો ભાંડે ને સાંજે યાદ જ ના આવે તો પછી વૈરાગ શાનો આવે ? તો આ સંસારનું તારણ ક્યારે નીકળે કે આ સંસારમાં સુખ નથી જ ! મને તો જ્ઞાન થતાં પહેલાં એટલું બધું યાદ રહેતું હતું કે બધી બાબતમાં નિરંતર વૈરાગ જ રહેતો હતો. એટલે પછી મોહ બધો ઉતરી જ જાયને ! પ્રશ્નકર્તા : એટલે જેટલી યાદશક્તિ એટલો વૈરાગ. દાદાશ્રી : હા, બરાબર છે. આ લોકો સંડાસ રોજ જાય છે, પણ કોઈ દહાડો વૈરાગ કોઈને જોયો તમે ? યાદશક્તિ જ નહીં તેથી. બહાર નીકળે કે પછી બધું ભૂલી ગયો પાછું ! બેભાન લોકોને શું પૂછવાનું ? અને ભાનવાળો તો ભૂલે જ નહીં કે આવો એંઠવાડો ને આ જાતનું જીવન ! અને તેમાં તે પછી હાથ ઘાલે જ નહીં ને ! પ્રશ્નકર્તા : પણ યાદશક્તિ એ તો રાગ-દ્વેષથી ઊભી થાય છે ને ? દાદાશ્રી : એ વાત જુદી છે. આ તો આ દશાની વાત કરીએ. ભાન ભૂલાવે, સંસાર મોહ ! મને હીરાબાએ એક ફેરો અપમાન કર્યું હોય વખતે એમ માનોને, તો આખી જિંદગી હું ચૂકું નહીં. અને 'વૈરાગે' ય લઈ લઉં, વારે ય નહીં કંઈ. અપમાન ગળવા માટે સંસાર છે ? આટલી બધી કડકાઈ જોઈએ. આમ કેમ પોલંપોલ ચાલે એ ? અપમાન કરે તે ઘડીએ કડવાટ લાગે અને પછી ભૂલી જવાનું ? કડવાટ લાગે ને ભૂલે, એ માણસ તે માણસ જ કેમ કહેવાય ? એક ફેરો કડવાટ લાગ્યો ને પછી ભૂલી કેમ જવાય ? શેના આધારે ભૂલી જાય છે ? કે પેલી બેન છે તે પાછી પોતાના બાબાને શીખવાડે કે જા, આ પપ્પાજીને કહે કે મમ્મી ચા પીવા બોલાવે છે. એટલે પેલો બાબો આવીને કહે, પપ્પાજી, એટલે આ ચગ્યો ! એટલે કડવાટવાળું કહેલું તે ભૂલી ગયો. આવું આ મેણો (ઘેન) થાય છે. અને આ ચગેય છે પાછો. એને જાગૃતિ જ નહીં ને ! ભાન જ નહીંને ! અને પપ્પાજી બોલે ત્યારે તન્મયાકાર થઈ જાય છે !! એટલે પેલો બાબો બે વચ્ચે સાંધી આપનાર, આવું જગત છે ! આ યાદગીરી તો જાગૃતિ ! એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનની ય જરૂર નથી ને અપમાનની ય જરૂર નથી. પણ આપણું જીવન શું અપમાનને માટે છે ? એવું લક્ષ તો હોવું જોઈએને ? પ્રશ્નકર્તા : એ તાંતો ના કહેવાય ? આપણે લક્ષમાં રાખીએ ને ભૂલી ના જઈએ તો એ તાંતો ના કહેવાય ? દાદાશ્રી : તાંતો ના હોય તો વૈરાગ રહે જ નહીંને ! તાંતો હોવો જ જોઈએ. આ તો એવું છેને કે આપણા મોક્ષમાર્ગની વાતમાં અંદર તાંતાની જરૂર નથી, પણ આ તો સંસારને માટે વાત કરીએ છીએ, સંસારના લોકો માટે આ વાત કરીએ છીએ, આ વ્યવહારિક વસ્તુ છે છતાં આમાં આખો ય વ્યવહાર ધર્મ છે. તાંતો તો વેર રાખે તે તાંતો કહેવાય. આપણે વેર રાખવાની જરૂર નથી. યાદ રાખવાની જરૂર છે, વેર નહીં. વીતરાગ ભાવે યાદ રાખવાનું છે. સ્મૃતિ તેટલો તાંતો ! જેમ બુદ્ધિ વધે તેમ સ્મૃતિ વધે, તેમ બળાપો વધે ! બુદ્ધિ બાજુએ જ મૂકવાની, એની વાત જ નહીં માનવાની. આ ચાલીમાં એક માણસ એવો હોય કે એની વાત માનીએ તો ઢેડફજેતો આપણને થાય છે, તો કેટલી વખત એની વાત આપણે એક્સેપ્ટ કરીએ ? એક-બે વખત, પણ પછી તો એની વાત જ ના એક્સેપ્ટ કરીએ. બુદ્ધિ તો સેન્સિટિવ બનાવી દે, ઇમોશનલ બનાવી દે, તો એની વાત આપણાંથી કેમ એક્સેપ્ટ કરાય ? તાંતો એ એવી વસ્તુ છે કે પંદર વર્ષ પહેલાં મારું અપમાન કર્યું હોત તો, તે પંદર વર્ષ સુધી મને ભેગો ના થયો હોય, એ માણસ મને આજે ભેગો થાયને, પણ મને ભેગો થતાની સાથે જ મને બધું યાદ આવી જાય એ તાંતો. બાકી, તાંતો કોઈનો જાય નહીં. મોટા મોટા સાધુ મહારાજો ય તાંતાવાળા, રાતે જો તમે કંઈ સળી કરી હોયને તો પંદર-પંદર દહાડા સુધી બોલે નહીં. એ તાંતો ! રાતે તમારે વાઈફ જોડે ભાંજગડ થઈ હોય ને, તે સવારમાં ચા મૂકતી વખતે આમ ટકોરો મારે. એટલે આપણે સમજી ગયા કે 'ઓહોહો, રાત્રે બન્યું તે ભૂલ્યા નથી !' એ તાંતો. પછી બોલે, તે વાણી ય એવી તંતીલી નીકળે. પંદર વર્ષે એ માણસ-ગુનેગાર મળ્યો હોય, ત્યાં સુધી તમને યાદે ય ના હોય. પણ પંદર વર્ષે એ ભેગો થાય કે તમને યાદ આવે, બધું તૈયાર થઈ જાય, એનું નામ તાંતો કહેવાય. પંદર વરસ ઉપર આપણે કોઈ માણસ જોયો હોય, તેને આજે જોઈએ તો ય તે આપણને ફરી યાદ આવે કે જોયેલો હતો. એવું આ મશીન છે. પરમાણુ પરમાણુમાં ટેપ કરવાની શક્તિ છે. આંખોને ફિલમ ઊતારવાની શક્તિ છે. મહીં પાર વગરની શક્તિ છે. આ એક મહીંની મશીનરી પરથી આ બીજી બધી પાર વગરની મશીનરીઓ બને છે. એટલે આ મશીન જબરજસ્ત પાવરફૂલ છે. અજ્ઞાની બાંધે વેર ! આ ઘરાક અને વેપાર વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય ? ના થાય. ઘરાક તો યાદ કરે કે 'આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો'. લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે 'કોઈ પણ રસ્તે વેર છોડો'. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા, પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઈ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, 'તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ. તને છૂટ છે.' આ પૈસા જતા કરીને ય વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર ભટકાવશે. દોષો પેન્ડીંગ, તેથી સ્મૃતિ ! પ્રશ્નકર્તા : ભૂતકાળ ભૂલાતો નથી એ શું છે ? દાદાશ્રી : ભૂતકાળ એટલે યાદ કર્યો કરાતો નથી અને ભૂલ્યો ભૂલાતો નથી, એનું જ નામ ભૂતકાળ. જગત આખાની ઇચ્છા તો ઘણીય છે કે ભૂતકાળ ભૂલી જવાય પણ જ્ઞાન વગર જગતની વિસ્મૃતિ થાય નહીં ! આ યાદગીરી આવે છે તે રાગ-દ્વેષનાં કારણે છે. જેને જેટલો રાગ જેની પર તે વસ્તુ વધારે યાદ આવે ને દ્વેષ હોય તો તેય વસ્તુ વધારે યાદ આવ્યા કરે. વહુ પિયરે જાય તે સાસુને ભૂલવા જાય તોય ના ભૂલાય. કારણ કે દ્વેષ છે, સાસુ નથી ગમતી. જ્યારે વર સાંભર્યા કરે. કારણ કે સુખ આપેલું, તેથી રાગ છે માટે. બહુ દુઃખ દીધેલું હોય કે બહુ સુખ દીધેલું હોય તે જ યાદ આવે; કારણ કે ત્યાં રાગ-દ્વેષ ચોંટેલો હોય. તે ચોંટને ભૂંસી નાખીએ એટલે વિસ્મૃત થાય. એની મેળે જ વિચારો આવે એ 'યાદ' આવ્યા કહેવાય. આ બધા ધોવાઈ જાય એટલે સ્મૃતિ બંધ થાય અને ત્યાર પછી મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય ! સ્મૃતિ એટલે તણાટ રહે. મન ખેંચાયેલું રહે એટલે મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય. બધાંને જુદું જુદું યાદ આવવાનું. તને યાદ આવે તે પેલાને ના આવે. કારણ બધાંને જુદે જુદે ઠેકાણે રાગ-દ્વેષ હોય. સ્મૃતિ એ રાગ-દ્વેષથી છે. દોષો ધોવાય, તો વિસ્મૃતિ ! પ્રશ્નકર્તા : સ્મૃતિને કાઢવી તો પડશે ને ? દાદાશ્રી : આ સ્મૃતિ ઈટસેલ્ફ બોલે છે કે અમને કાઢ, ધોઈ નાખ. એ જો સ્મૃતિ ના આવતી હોય તો બધા લોચા પડી જાત. એ જો ના આવે તો તમે કોને ધોશો ? તમને ખબર શી રીતે પડે કે ક્યાં આગળ રાગ-દ્વેષ છે ? સ્મૃતિ આવે છે એ તો એની મેળે નિકાલ થવા આવે છે ! ચોંટને ધોઈ નંખાવવા આવે છે. જો સ્મૃતિ આવે ને તેને ધોઈ નાખો, ચોખ્ખું કરી નાખો તો એ ધોવાઈને વિસ્મૃતિ થઈ જાય. યાદ એટલા માટે જ આવે છે કે તમારે અહીં ચોંટ છે, તે ભૂંસો, તેનો પશ્વાતાપ કરો અને ફરી એવું ના થાય એવો દ્રઢ નિશ્વય કરો. આટલાથી તે ભૂંસાય એટલે એ વિસ્મૃત થાય. જેમ પોતાની ભૂલ દેખાતી જાય તેમ જગત વિસ્મૃત થતું જાય, સમાધિ રહે ! પોતાની ભૂલને લઈને જગત યાદ આવ્યા કરે છે. જેની યાદગીરી આવ્યા કરે ત્યાં જ ભૂલો છે. સંપૂર્ણ 'જ્ઞાની'ને જગત વિસ્મૃત જ રહ્યા કરે ! જે જ્ઞાન જગત વિસ્મૃત કરાવે તે યથાર્થ જ્ઞાન. યાદ-ફરિયાદનું નિવારણ ! યાદ ક્યાંથી આવે છે ? યાદને કહીએ, 'અમારે કશી લેવા-દેવા નથી, કશું જોઈતું નથી તો ય તમે કેમ આવો છો ?' ત્યારે એ કહેશે, 'આ તમારી ફરિયાદ છે, તેથી આવી છું.' ત્યારે આપણે કહીએ, 'લાવ, તારો નિકાલ કરીએ !' જે યાદ આવ્યું તેનું બેઠાં બેઠાં 'પ્રતિક્રમણ' કરવાનું, બીજું કંઈ જ કરવાનું નથી. જે રસ્તે અમે છૂટ્યા છીએ, તે રસ્તા તમને બતાડી દીધા છે. અત્યંત સહેલા ને સરળ રસ્તા છે. નહીં તો આ સંસારથી છૂટાય નહીં. આ તો ભગવાન મહાવીર છૂટે, બાકી ના છૂટાય. ભગવાન તો મહા-વીર કહેવાયા ! તો ય એમના કેટલાય ઊંચા તથા નીચા અવતાર થયા હતા. એટલે જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલશો, તો બધું રાગે પડી જશે. યાદ કેમ આવે છે ? હજી કોઈ જગ્યાએ ચોંટ છે, તે પણ 'રીલેટિવ' ચોંટ કહેવાય; 'રિયલ' ના કહેવાય. 'આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.' એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમ યાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે ! માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું. પ્રશ્નકર્તા : એ તો દાદા, જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે. એને બોલાવવું નથી પડતું. દાદાશ્રી : હા, બોલાવવું ના પડે. આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે. યાદ આવે, ચોખ્ખું થવા... યાદ કેમ આવ્યું ? કારણ વગર યાદ આવે નહીં, કંઈ પણ એની ફરિયાદ હોય તો જ આવે. અમને કેમ કશું યાદ નથી આવતું ? માટે જે જે સાંભરે, એનાં પ્રતિક્રમણ કર કર કરવાનાં. પ્રશ્નકર્તા : જે જૂનો ભરેલો માલ છે, તે યાદ આવવો જોઈએ. એવું છે કે ? દાદાશ્રી : આવે જ એ. જે માલ ખપવાનો છે કે બંધાવાનો છે, તે યાદ આવે જ. સ્વરૂપનું જ્ઞાન હોય તો માલ ખપી જાય અને અજ્ઞાન હોય તો બંધાય, એ જ માલથી ! માલ તેનો તે જ પણ અજ્ઞાન દશામાં બીજરૂપે થાય ને જ્ઞાનદશામાં બીજ બાફીને ખાઈ ગયા, એના જેવું થાય. બફાયા પછી બીજને ક્યાં ઊગવાનું રહ્યું ? દેખાય દોષો ઉપયોગે કરીને ! પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ? દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય. યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથું ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું, એ તો 'મેમરી'ને આધીન છે. 'મેમરી' એટલે, આવરણ મોટું હોય, તો એક કલાક સુધી યાદ ના આવે ને કોઈ ફેરો પાંચ મિનિટમાં ય દેખાઈ જાય, બે મિનિટમાં ય દેખાઈ જાય. આવો યાદગીરીનો અનુભવ તમને નથી આવતો ? પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : ઘણી વખત તો કલાકો સુધી ઠેકાણું ના પડે. હવે નિયમ એવો છે કે એકાગ્રતાથી આવરણ તૂટે. જે આવરણ અડધા કલાકનું હોય, તે એકાગ્રતાથી પાંચ મિનિટમાં પતી જાય. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે, ચોખ્ખા કરાવવા. કોઈ એક વખત યાદ આવે તો તેનું એક વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથુમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલીવાર પ્રતિક્રમણ કરવું પડે. છતાં ય અતિક્રમણો ચાલુ જ.... પ્રશ્નકર્તા : પહેલાં જે દોષો કરેલા તેની અત્યારે તીવ્રતા ઓછી થયેલી હોય, ઘણી વસ્તુઓ યાદ પણ ઓછી રહે. તો પ્રતિક્રમણ કરતી વખતે એ બધું ભૂલાઈ ગયેલું હોય તો એ કેટલી યાદ આવે ? એકવાર કહેલું કે રોજના સો સો પ્રતિક્રમણો ને એથી વધારે પણ કરવાં પડે. હવે એ બધું ભૂલાઈ ગયેલું છે ને એ દોષો તો બાંધી દીધેલા છે, એ કઈ રીતે યાદ આવે ? દાદાશ્રી : એવું બધું કરવાની જરૂર નથી. એ ઘણાં ખરાં આપણે આ જ્ઞાન આપીએ ને ત્યારે તરત બળી જાય. ત્યારે તમને આ જ્ઞાન હાજર થાય. એટલે ઘણુંખરું બળી ગયેલું હોય. કોઈ મોટો ગુનો યાદ આવેને, તો એનું પ્રતિક્રમણ કરવું. કોઈ મોટો ગુનો થયેલો હોય અને યાદ આવે તો એનું પ્રતિક્રમણ કરવું. બાકી કશું કરવાનું નહીં. યાદ ના આવે તેને કશું કરવાનું ન હોય. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવા છતાં વારંવાર એ ગુનો યાદ આવે તો એનો અર્થ એવો કે, એમાંથી હજી મુક્ત નથી થયા ? દાદાશ્રી : આ ડુંગળીનું એક પડ નીકળી જાય તો બીજું પડ પાછું આવીને ઊભું રહે, એવા બહુ, બહુ પડવાળા છે આ ગુના. એટલે એક પ્રતિક્રમણ કરીએ તો, એક પડ જાય એમ કરતું કરતું, સો પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય. કેટલાકનાં પાંચ પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય, કેટલાકના દશ ને કેટલાકના સો થાય. એના પડ હોય એટલા પ્રતિક્રમણ થાય. લાંબું ચાલ્યું એટલે લાંબો ગુનો હોય. પ્રશ્નકર્તા : ઘણી વખત એવું બને કે ભૂલ થઈ તે ખબર પડે. તેનું પ્રતિક્રમણે ય થાય, કરતાં જાય છતાં પાછા ફરી ફરીને એની એ ભૂલો ચાલુ જ હોય. દાદાશ્રી : જે થાય તે, પણ ફરી ફરીને પણ, પ્રતિક્રમણ કર્યા જ કરવાનું. કારણ કે એ પડ છે ને એ પડ ગયું, બીજું પડ ગયું, એટલે એ ભૂલનો દોષ નથી, કરનારનો દોષ નથી. એ પડ વધારે છે તેથી. પ્રશ્નકર્તા : એ સ્વભાવને લીધે છે કે એટલી જાગૃતિ ઓછી છે માટે ? દાદાશ્રી : ના, ના, ના. હજાર જન્મ સુધી આનું આ કર્યું હોય તો એટલાં પડ વધારે હોય. પાંચ જ જન્મ કર્યું હોય તો એટલાં. અને તોય થશે ફરી. કારણ કે ડુંગળી હોય એનું એક પડ જાય તો તે ડુંગળી મટી જાય ? એ પાછું બીજું પડ આવે, ત્રીજું આવે. એમ કરતાં કરતાં કેટલાય પડવાળા દોષો છે. તે દશ પડવાળા દોષોનો દશ પ્રતિક્રમણમાં નિકાલ થઈ જશે. પચાસ પડવાળા દોષોનો પચાસ પ્રતિક્રમણમાં નિકાલ થઈ જશે. પ્રતિક્રમણ કર્યું એટલે એનું ફળ તો અવશ્ય મળે જ. અવશ્ય ચોખ્ખું થાય છે. અતિક્રમણનું પ્રતિક્રમણ હોવું જોઈએ. અહીંયા આવીને કશું અતિક્રમણ કર્યું નથી. એટલે તમારે એનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. અતિક્રમણ કરો તો જ પ્રતિક્રમણ કરવાનું છે. પરિચય છૂટ્યો ત્યાં દોષ વિસ્મૃતિ ! અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે. પછી મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે ! પરિચય મનનો છૂટો થયો. 'આપણે' છૂટા રહ્યા એટલે મને ય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદે ય ના આવે. પછી કહે તો ય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિનો-બે મહિના સુધી કચ કચ કર્યા કરે એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને ?! આમાં ભાવ માત્ર છૂટવાનો ! પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરતી વખતે આપણે યાદ કરીએ છીએ, એટલે એનો નવો બંધ ના પડે ? દાદાશ્રી : હા, યાદ આવે, પણ પ્રતિક્રમણ એટલે આપણે તો એ શું કરવા માંગીએ છીએ કે વિષયને ઉડાડી દેવા માંગીએ છીએ અને પેલા તો લાલચને માટે યાદ કરે. બન્નેના ભાવમાં ફેર છે. પેલું યાદ આવે છે, તે લાલચથી યાદ આવે છે અને આ તો પ્રતિક્રમણથી યાદ આવે છે. પ્રતિક્રમણ કરવા પાછળ છોડવાનો ભાવ છે, જ્યારે પેલો લાલચનો ભાવ છે. એટલે બેઉના ભાવમાં ફેર છે. જે માલ ભર્યો તેની જ યાદગીરી સતાવે ! વિકારી વિચાર આવે છે ખરાં ? પ્રશ્નકર્તા : એ ઊભું થાય, હજુ કોઈ વખત ! એ પરિણામો ઊભાંંંં થાય, પણ જેથી કરીને પોતાની ચોંટ એમાં ના હોય કશી. પણ એ શું છે, હજી પરિણામ એવાં થઈ જાય છે તે ? દાદાશ્રી : કેમ માંસાહારના વિચાર નથી આવતા ? એ શાથી એવું ? પ્રશ્નકર્તા : એ ગાંઠ નથી. દાદાશ્રી : એ ગાંઠ નથી, એ માલ જ ભર્યો નથી ને ! પછી એ માલ શી રીતે નીકળે ? જે માલ ભરેલો છે, એ જ માલ નીકળે ! પ્રશ્નકર્તા : આટલું સોલ્યુશન કહ્યું એ વાત તો બરોબર છે, પણ એમાં કચાશ શી છે ? એમાં કચાશ વસ્તુ શું રહી જાય છે ? દાદાશ્રી : જે માલ ભરેલો છે એ નીકળે છે, એમાં કચાશ ક્યાં રહી ? કેમ મુસ્લિમ ડીશો યાદ નથી આવતી ? અને આ યાદ આવે છે, તે શું છે ? કારણ કે આ માલ ભરેલો છે. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે. યાદનું પ્રતિક્રમણ : ઈચ્છાનું પ્રત્યાખ્યાન ! ઈચ્છાઓ થાય છે તે પ્રત્યાખ્યાન નથી થયા તેથી. સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યા તેથી. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ માલિકીભાવનું હોય ને? દાદાશ્રી : માલિકીભાવનું પ્રત્યાખ્યાન હોય ને દોષોનું પ્રતિક્રમણ હોય. યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઇચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું. યાદ આવે છે એટલે જાણવું કે અહીં આગળ વધારે ચીકણું છે તો ત્યાં પ્રતિક્રમણ કર કર કરીએ તો બધું છૂટી જાય. પ્રશ્નકર્તા : તે જેટલી વાર યાદ આવે એટલી વાર કરવું ? દાદાશ્રી : હા, એટલી વખત કરવું. આપણે કરવાનો ભાવ રાખવો. એવું છેને, યાદ આવવાને માટે ટાઈમ તો જોઈએને ! તો આનો ટાઈમ મળે. રાતે કંઈ યાદ આવતા નહીં હોય ? પ્રશ્નકર્તા : એ તો કંઈ સંજોગ હોય તો. દાદાશ્રી : હા, સંજોગોને લઈને. પ્રશ્નકર્તા : અને ઇચ્છાઓ આવે તો ? દાદાશ્રી : ઈચ્છા થવી એટલે સ્થૂળવૃત્તિઓ થવી. પહેલાં આપણે જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઊભા થાય છે અત્યારે, તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરવું. પ્રશ્નકર્તા : તે વખતે 'દાદા'એ કહેલું કે આ વસ્તુ હવે ન હોવી ઘટે. દરેક વખતે એવું કહેવાનું. દાદાશ્રી : આ વસ્તુ મારી ન હોય. વોસરાવી દઉ છું. અજ્ઞાનતામાં મેં આ બધી બોલાવી હતી. પણ આજે મારી ન હોય આ. એટલે વોસરાવી દઉં છું. મન, વચન, કાયાથી વોસરાવી દઉં છું. હવે મારે કંઈ જોઈતું નથી. આ સુખ મેં અજ્ઞાનદશામાં બોલાવ્યું હતું, પણ આજે આ સુખ મારું ન હોય. એટલે વોસરાવી દઉં છું. મન-વચન-કાયાથી વોસરાવી દઉં છું, હવે મારે કંઈ જોઈતું નથી. જેમાં સુખ માન્યું હતું તેને આપણે બોલાવ્યા, પણ અત્યારે તો આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે આપણને એ સુખ મિથ્યાભાસ લાગવા માંડ્યા. સાચું સુખ તો નહીં, પણ મિથ્યા સુખે ય નહીં, પણ મિથ્યાનો ય ભાસ્યમાન લાગ્યો !!! વર્તમાનમાં કઈ રીતે વર્તવું ? પ્રશ્નકર્તા : વર્તમાનમાં શી રીતે રહેવાય ? દાદાશ્રી : ભૂતકાળ ભૂલી જઈએ તો ! ભૂતકાળ તો ગોન એને યાદ કરીએ તો શું થાય આજે ? વર્તમાનનો નફો, આ નફો ખોઈએ. અને પેલું ખોટ તો છે જ. ક્યાં રહેવું જોઈએ ? પ્રશ્નકર્તા : વર્તમાનમાં. દાદાશ્રી : હં, ભવિષ્યકાળ તો વ્યવસ્થિતને તાબે સોંપ્યો, ભૂતકાળ તો ખોવાઈ ગયો. તો કહે જે જે ભૂતકાળની ફાઈલો મનમાં ઊભી થઈ તે અત્યારે નિકાલ નહીં કરવાની ? તો કહે, 'ના, એ તો રાતે દસ-અગિયાર વાગે આવો. એક કલાકનો ટાઈમ રાખ્યો છે તે ઘડીએ આવો, તેનો નિકાલ કરી દઈશું. અત્યારે નહીં.' અત્યારે તો પૈસાની ખોટે ય આવે તો વર્તમાન ખોઈએ નહીં. એટલે ક્યાં રહેવું જોઈએ ? પ્રશ્નકર્તા : વર્તમાનમાં. દાદાશ્રી : આ દાદા શેમાં રહે છે ? પ્રશ્નકર્તા : વર્તમાનમાં. દાદાશ્રી : હં, ઘડીવાર પેલા અમને આમ કહી ગયા હતા, તો હું યાદ કરું તો અત્યારે છે તે વર્તમાન, તે ય ખોઈ નાખું. થઈ ગયું ત્યાં જ એને નિકાલ કરી નાખવાનો. ભૂતકાળ ગોન, ભવિષ્ય પરસત્તા... પ્રશ્નકર્તા : વર્તમાનમાં વર્તવું એક્ઝેક્ટલી, આમ દાખલા સહિત સમજાવો. દાદાશ્રી : અત્યારે તમે શેમાં છો ? કુસંગમાં છો કે સત્સંગમાં છો ? હોટલમાં છો કે શેરબજારમાં છો એ ના ખબર પડે તમને ? કયા બજારમાં છો ? પ્રશ્નકર્તા : સત્સંગમાં છું. દાદાશ્રી : સત્સંગમાં છો. એટલે અત્યારે વર્તમાનમાં વર્તો છો તમે. હવે ચાર દહાડા પહેલા છસો રૂપિયા તમારા ખોવાઈ ગયા હોય, એ યાદ આવે એટલે ભૂતકાળ થઈ ગયું. એને યાદ કરો અહીં આગળ વર્તમાનમાં, તો ભૂતકાળ ખેંચી લાવ્યા. અને અહીં આવતાં અડચણ પડી હોય ને, વિચાર કરીએ કે સાલું અડચણ પડશે, હવે તો આમ કરવું છે ને તેમ કરવું છે, અહીં આગળ બેઠા બેઠા વર્તમાનમાં, ભવિષ્યકાળનું વિચાર કરીએ એ ભવિષ્યકાળ કહેવાય. એ વર્તમાનમાં વર્તવાનું કહીએ છીએ. શું ખોટું કહીએ છીએ ? સમજાઈ ગયું પૂરું ? પ્રશ્નકર્તા : હવે સમજાઈ ગયું. દાદાશ્રી : ગઈ સાલ છોકરો મરી ગયો હોય એ સત્સંગમાં યાદ આવેને તો એ મનનો સ્વભાવ છે, દેખાડે છે, તો પોતે ભૂતકાળમાં ખોવાઈ જાય. નહીં તો બાકી એમ ને એમ ખોવાય એવો માણસ નથી. આ કોઈ સળી કરનાર જોઈએ. કોઈ ડખલ કરનાર હોય તો તરત મન મહીં બૂમ પાડે, મન દેખાડે, 'છોકરો મરી ગયો છે ને ! મારો છોકરો...' 'હવે એ તો ગયું, અમારે અહીં શું લેવાદેવા ? અહીં કેમ લઈને આવ્યો, આ ફાઈલ તો, ઓફિસની ફાઈલ અહીં કેમ લઈને આવ્યો ?' હાંકીને, કાઢી મેલવું. એવું વિભાજન ના કરતાં આવડે તો શું થાય ? રસોડામાં ય છોકરો મરી ગયેલો લાગે, એટલે પછી હેં... રસ-પૂરી હોયને ! તો ય બળ્યું સુખ ના જતું રહે ? પ્રશ્નકર્તા : જતું રહે. દાદાશ્રી : તે ઘડીએ, છોકરાનો વિચાર આવે તો ગેટ આઉટ, ઓફિસમાં આવજે. ના બોલાય એવું ? પ્રશ્નકર્તા : હા, કહેવાય. દાદાશ્રી : એવું 'કેમ આવ્યું છે' એવું કહેવાય નહીં. એ તમે બોલાવ્યા એટલે આવ્યા છીએ. પણ આપણે કહેવું, 'અહીં નહીં. કમ ઈન ધી ઓફિસ'. અને રસ-રોટલી ખાતી વખતે યાદ આવ્યું, અમુક જગ્યાએ જાત્રામાં જવાનું છે, ત્યાં મારું જમવાનું કંઈ ઠેકાણું પડશે નહીં ! અલ્યા મૂઆ, આ અહીં શું કરવા આવ્યું ? એવું વિચાર આવે મહીં, ના આવે ? પ્રશ્નકર્તા : આવે મહીં. દાદાશ્રી : તો આપણે શું કહેવાનું ? અહીંથી ગેટ આઉટ. એ ત્યાં જે હશે, ત્યાંનું જોઈ લઈશું અમે. ઓન ધી મોમેન્ટ કહી દેવું. અનુભવેલા રસ્તા દેખાડે જ્ઞાની ! એટલે લોકો તો ઓફિસોમાં ય એવો હિસાબ રાખે છે, ડૉક્ટરને મળવાનો ટાઈમ, ટાઈમ ટુ ગો. તો લોકો ગોઠવાઈ જાય છે, નહીં ? અને ટાઈમ ન રાખ્યો હોય તો ? પ્રશ્નકર્તા : ગમે ત્યારે આવે. દાદાશ્રી : મારા જેવા તો ડૉક્ટરે ટાઈમ ન રાખ્યો હોય તો પેસી જ જાય ને ! પ્રશ્નકર્તા : હા, પેસી જાય. દાદાશ્રી : એટલે એ ટાઈમ રાખવો જોઈએ. એવું આપણે મહીંવાળા માટે ટાઈમીંગ રાખવો જોઈએ. એ ગમે ત્યારે આવે ને બૂમાબૂમ કરે. એ મૂઆ ખાવા ય ના દે પછી. તેં પેસવા જ શું કરવા દીધું, એના બાપનું રાજ છે ? આપણે જીવતાં છીએ. ત્યાં તો એ બધા મરેલાં છે. અમારું આ બધું વિભાજન બરાબર છે ને ?! પ્રશ્નકર્તા : એકદમ બરાબર છે. દાદાશ્રી : જે રસ્તે હું આવ્યો, તે જ રસ્તો શીખવાડું છું. જ્ઞાન જાગૃતિ, વર્તાવે વર્તમાનમાં ! અહીંથી સ્ટેશને ગયા અને ગાડીએ જવું હતું, બહુ ઉતાવળ હતી, આજની તારીખનો કેસ હતો, છતાં ગાડી હાથમાં ના આવી ને ગાડી ચૂક્યા તો ચૂક્યા. એ થઈ ગયો ભૂતકાળ અને 'કોર્ટમાં શું થશે ?' એ ભવિષ્યકાળ એ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. માટે આપણે વર્તમાનમાં વર્તો ! અમને તો આવું પૃથ્થકરણ તરત જ થઈ જાય. તમને જરા વાર લાગે. અમને 'ઓન ધી મોમેન્ટ' બધું જ્ઞાન ત્યાં આગળ હાજર થઈ જાય. પ્રશ્નકર્તા : આપ જે કહો છો એ તો ભૌતિક વિજ્ઞાનમાં અને વૈદકીય શાસ્ત્રમાં પણ એ જ કહે છે કે બધા રોગનું મૂળ, 'માણસ વર્તમાનમાં જીવતો નથી' એ છે. દાદાશ્રી : બસ, આપણે એટલું જ કહેવા માંગીએ છીએ. ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. પ્રશ્નકર્તા : પછી તો બધા ય મનોવૈજ્ઞાનિકો એ કોશિષ કરે છે કે, માણસ વર્તમાનમાં જીવતો થાય. ભૂતકાળની સ્મૃતિઓમાં રાચતો અટકે અને ભવિષ્યકાળની ચિંતાઓ કરતો બંધ થાય, તો એનું કલ્યાણ થાય. દાદાશ્રી : હા, આપણે એ જ કરીએ છીએ. બીજું કશું નહીં. અમે વર્તમાનમાં રહીએ છીએ અને તમને વર્તમાનમાં રહેવા માટેનાં બધા રક્ષણો આપ્યા છે. અમે વગર રક્ષણે રહીએ છીએ અને તમને રક્ષણો આપ્યાં છે. અજ્ઞાની તો કેવો રસ્તો કરે ? જેમ 'આપણે મરણ પામવાના છે' તેવું જાણે છે બધા. મરણ સાંભરે છે, તેને શું કરે છે આ લોકો ? યાદ આવે છે ત્યારે શું કરે છે ? એને ધક્કો મારી દે છે. આપણને કશું થઈ જશે તો, યાદ આવે ત્યારે ધક્કો મારી દે છે. એવી આ ચિંતાઓ જેને મહીં થાય ને ત્યારે ધક્કો મારી દેવો કે અહીં નહીં બા. રાગ-દ્વેષ પ્રમાણે મેમરી ! પ્રશ્નકર્તા : દાદા, ભૂતકાળને મેમરી સાથે કનેક્શન ખરું કે નહીં ? અને મેમરી તો નેચરલ ગીફ્ટ છે એવું કહીએ છીએ ને ? દાદાશ્રી : ના, ના. ગીફ્ટ એટલે આમ કોઈ ઈનામ આપી દે એવું નથી. નેચરલ ગીફ્ટનો કહેવાનો ભાવાર્થ શો છે કે એના રાગ-દ્વેષ જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં એને મેમરી હોય જ. હવે રાગ-દ્વેષ કેટલાક લોકોને શાસ્ત્રોમાં ના હોય અને બીજી જગ્યાએ હોય. તે શાસ્ત્રો વાંચ વાંચ કરે તો ય યાદ ના રહે. એટલે પછી એને ડફોળ કહે. બીજી પાર વગરની મેમરી હોય એને. પણ બીજી કામ લાગે નહીં ને, લોક તો ડફોળ જ કહે ને ? અને અહીં શાસ્ત્રોમાં આપણે તો હુશિયાર કહે, બહુ મેમરીવાળો છે. એટલે એને ગીફટ કહે લોકો. અને મેમરી હંમેશાં ય ભૂતકાળમાં જ હોય ને ? ભૂતકાળની જ વસ્તુ ગણાય, મેમરી. આપણને મેમરીને લેવા-દેવા નહીં. મેમરી તો આપણને અહીં આગળ જ્ઞાનમાં વિસ્મૃત થવી જોઈએ. સ્મૃતિ છે તે વિસ્મૃત થવી જોઈએ. પ્રશ્નકર્તા : પણ ભૂતકાળ તો કાયમ વંચાય જ ને ?! ભૂતકાળ તો કાયમ કોઈ પણ પગલું મૂકાય કે કોઈ પણ વર્તમાનની જે પરિસ્થિતિ આવે, એનાં ઉકેલ માટે પણ ભૂતકાળ તો જોઈએ જ ને ? એટલે મેમરી પર જ આખું આવે ને ? દાદાશ્રી : હા, પણ એ તો મેમરી છે જ. એ મેમરી પર બધું ચાલે જ છે જગત. પણ તે રિલેટીવ વસ્તુ છે. આપણે રિયલની વાત કરીએ છીએ. આ રિલેટીવ વસ્તુ બધી મેમરી પર ચાલ્યા કરે છે. વર્તમાનમાં સુખ ભોગવો તો વર્તમાનમાં ગુનો ના થાય કશો. અમે વર્તમાનમાં ના રહીએ ને તો અમને એવું પાછલી યાદગીરી આવે ભૂતકાળની. એ કેવું સરસ ત્યાં આગળ જાત્રામાં કેવું ફરતા'તા ને કેવી મઝા કરતા'તા ને આ શું ને આમ તેવું, એવું બધું યાદ આવે તો શું થયું ? પ્રશ્નકર્તા : ડખોડખલ. દાદાશ્રી : માટે વર્તમાનમાં રહો. પ્રશ્નકર્તા : એ વિસારે કેવી રીતે પડે બધાને ? આજે મારો ભૂતકાળ છે તે આજે એને બહાર મૂકવા માટે શું કરવાનું ? એ તો મેમરી ઉપર જ જશે ને ? કે આજે જ્ઞાની થયા પછી પણ ભૂતકાળ તો એનો ખુલ્લો થવાનો ને ? દાદાશ્રી : આ રિલેટીવમાં તો ભૂતકાળનું આલંબન લઈને ચાલ્યા જ કરે છે બધું ? ભૂતકાળના સરવૈયાંરૂપે જ આ વર્તમાનકાળ હોય છે. એટલે ભૂતકાળ તમારે કશો યાદે ય ના કરવો પડે. તમારી છોડીનો વિવાહ કર્યો તો એ ભૂતકાળ તમારા સરવૈયારૂપે આ જ વર્તમાનમાં હોય જ તમારી પાસે એટલે તમારે કશું જ કરવાનું નહીં, વર્તમાનમાં રહો. શું શર્તો કરી હતી, શું એ બધું નક્કી કરેલું, બધું તમારા વર્તમાનમાં હોય જ. ભૂતકાળ તો હંમેશાં ય પડી જ જાય છે. ભૂતકાળ ઊભો રહેતો નથી, પડી જ જાય છે. વેડફે કાળ, ભૂત-ભવિષ્ય વાગોળીને ! જગત આખું છે તે ભવિષ્યકાળમાં વાગોળે છે કે 'આમ થશે, તેમ થશે.' કેટલાક ભૂતકાળને વાગોળે છે. આપણે તો ભૂતકાળના જ્ઞાતા-દ્રષ્ટા રહો એટલે ભૂતકાળની કંઈ સ્મૃતિ આવી હોય, તો એના જ્ઞાતા-દ્રષ્ટા રહો કે 'ભઈ, આ આમ કહે છે, તેમ કહે છે.' હવે આ અર્થ વગરનું છે, એની પર કંઈ સહી કરવા જેવું નથી. જોવા જેવું છે ને જાણવા જેવું છે. અને શું કહે છે ને શું નહીં ? તેનાં પરથી તો આપણને જડે કે શેના રાગ હતા ને શેના દ્વેષ હતા. અમે કેરી ખાતા હોઈએ અગર ખોરાક લેતા હોય, તે ઘડીએ આ સત્સંગ અમને યાદ ના રહે. તમે બહાર આવ્યા હોય ને, એ જ્ઞાન અમને કહ્યું હોય કે ચંદુભાઈ આવ્યા છે, તો અમે જમતા હોય, તે ઘડીએ યાદ આવે ને તમારું, તો અમે કહીએ પછી થોડીવાર પછી આવજો. હમણે જમી લેવા દો. એ તો તમે આવ્યા, એ તો ભૂતકાળ થઈ ગયો. એટલે અમે વર્તમાનમાં રહીએ. અને ભવિષ્યકાળનું યાદ આવે તો ય એ શેના ઉપર રાગ છે કે દ્વેષ છે, તે ય આપણને જડે. એટલે આ બધું આના પરથી શોધખોળ કરે તો જડે આપણને ! મૃત દિકરાની યાદ સતાવે, ત્યારે... પ્રશ્નકર્તા : આ ભાઈને એકનો એક છોકરો મૃત્યુ પામ્યો છે. તે ખૂબ યાદ આવ્યા કરે છે તો શું કરવું ? દાદાશ્રી : તમને મેમરી હોય તો એમને દુઃખ થાય. તમને મારી વાત સમજાય છે ? માટે જ્યારે યાદ આવે ને, ત્યારે એટલું બોલજો ને કે, 'હે ભગવાન, આ છોકરો તમને સોંપ્યો !' એટલે તેનો ઉકેલ આવશે. માટે તમારા દીકરાનું સંભારીને એમનાં આત્માનું કલ્યાણ થાય એવું મનમાં બોલ્યા કરજો, આંખમાં પાણી ના આવવા દેશો. તમે તો જૈન થીઅરીવાળા માણસો છો. તમે તો જાણો કે આત્મા ગયા પછી એવી ભાવના ભાવવી જોઈએ કે, 'એમના આત્માનું કલ્યાણ હો. હે કૃપાળુદેવ, એમના આત્માનું કલ્યાણ કરો !' તેને બદલે આપણે મનમાં ઢીલાં થઈએ તે પોષાય નહીં. આપણા જ પોતાનાં સ્વજનને દુઃખમાં મૂકીએ તે આપણું કામ નહીં. તમે તો ડહાપણવાળા, વિચારશીલ, સંસ્કારી લોકો, એટલે જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આવું બોલવું કે, 'એમના આત્માનું કલ્યાણ થાવ ! હે વીતરાગ ભગવાન, એમના આત્માનું કલ્યાણ કરો !' એટલું બોલ્યા કરવું. એટલે જ્યારે તમારા દીકરાની યાદ આવે ત્યારે એમના આત્માનું કલ્યાણ થાય એવું બોલજો. 'કૃપાળુદેવ'નું નામ લેશો, 'દાદા ભગવાન' કહેશો તો ય કામ થશે. કારણ કે 'દાદા ભગવાન' અને 'કૃપાળુદેવ' આત્મારૂપે એક જ છે ! દેહથી જુદું દેખાય છે, આંખોમાં જુદા દેખાય, પણ વસ્તુ તરીકે એક જ છે. એટલે મહાવીર ભગવાનનું નામ દેશો તો ય એકનું એક જ છે. એમના આત્માનું કલ્યાણ થાવ એટલી જ આપણે નિરંતર ભાવના કરવાની. આપણે જેના જોડે નિરંતર રહ્યા, જોડે ખાધું-પીધું, તો આપણે એમનું કેમ કલ્યાણ થાય એવી ભાવના ભાવીએ. આપણે પારકાં માટે સારી ભાવના ભાવીએ, તો આ તો આપણા પોતાના માણસને માટે તો શું ના કરીએ ?! નહીં ભૂલવાથી જ ભાંજગડ છે ! એક ભાઈને આવું બહુ દુઃખ રહેતું હતું. પછી મેં કહ્યું કે, 'હું તમને ભૂલાવી દેવડાવું ?' ત્યારે કહે, 'હા, ભૂલાડી દો.' એટલે પછી મેં એને જ્ઞાન આપ્યું, પછી એ ભૂલી ગયા. પછી એને કહ્યું કે, 'હવે યાદ કરો જોઈએ.' તો ય યાદ ના આવે. મૃત્યુ પામેલાના પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : મરેલા માણસની સ્મૃતિ આવે તો એ મરેલાનું ય શું પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : સ્મૃતિ મરેલાની ય આવે ને જીવતાની ય આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર 'એ' જીવતો જ છે, મરતો નથી. આનાથી તેના આત્માને ય હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે એની ગૂંચમાંથી છૂટી શકીએ. એટલે જે દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોઢું યાદ હોય, તો કરાય. મોઢું સ્હેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથી ય કરાય, તો એને પહોંચી જાય બધું. જે વ્યક્તિ જોડે આપણાથી ગૂંચો પડી ગઈ હોય ને તે મરી ગયા હોય તો, તેને યાદ કરીને ગૂંચો ધોઈ નાખવી. જેથી ચોખ્ખું થઈ નિકાલ થઈ જાય ને ગૂંચો ઉકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. પાછલા ભવોની વિસ્મૃતિ ! પ્રશ્નકર્તા : આપણને ગયા જન્મનું યાદ કેમ રહેતું નથી ? અને યાદ રહે તો શું થાય ? દાદાશ્રી : યાદ રહે તો વૈરાગ આવે, કે બળ્યો, છોકરોે મોટી ઉંમરનો થઈને મને ગાળો દેતો હતો. બળ્યા, આ છોકરા ના હોય તો સારું. ગયા અવતારમાં હોય ને તે આજે યાદ આવે ત્યારે મનમાં એમ લાગે, બળ્યું આવું છે ! પાછલાં જન્મોનું યાદ નથી રહેતું તે જ સારું છે. નહીં તો પાછલાં જન્મોનું જો યાદ આવ્યું, તો વહુને પછી કાઢી મેલે તરત. આ તો બધું યાદ નથી આવતું તો આ પોલંપોલ ચાલ્યું છે જગત. આજે છોકરાંઓને સોડમાં ઘાલે છે બાપો ! ભગવાન શું હસે છે કે મૂઆ, ગયા અવતારમાં કહે છે, તારું મારે મોંઢુ જોવું નથી, ચિઢાતો'તો, તે જ માણસને આ કરે છે. આ જગત એ ફુલ્સ પેરેડાઈઝ છે. આ લોકોને શું ભાન હોય તે ? એટલે નથી યાદ આવતું એ સારું છે, પણ કોઈકને યાદ આવેય ખરું ! એ કોને યાદ આવે કે મરતી વખતે જરાય દુઃખ ન પડ્યું હોય. અને અહીં આગળ સારા આચાર-વિચારનો હોય તો એને યાદ આવે. કારણ કે આ માતાના ગર્ભમાં તો પાર વગરનું દુઃખ છે. પણ એ દુઃખ પ્લસ પેલું દુઃખ હોય મરતી વખતનું, એ બે થાય એટલે પછી એ છે તે બેભાન થઈ જાય, દુઃખને લઈને એટલે યાદ ના રહે. આ મેટરનિટી વોર્ડમાં તમે જજોને ડૉક્ટરને કહેજો કે સાહેબ, કેટલીક બઈઓ મહીં ડીલીવરી વખતે બેભાન થઈ જાય છે ? ત્યારે કહે, 'હા'. ત્યારે કહીએ કેમ બેભાન થાય ? ત્યારે કહે, જ્યાં જેટલી લિમિટનું દુઃખ એ સહન કરી શકે એટલી લિમિટ સુધી જ એ કરે અને પછી લિમિટની બહાર ગયું એટલે બેભાન જ થઈ જાય. નિયમ જ એવો. નહીં તો દેહ છૂટી જાય બેભાન ના થાય તો. એટલે એની મેળે જ બેભાન થઈ જાય. નહીં તો અત્યારે નાની ઉંમરના હતા તમે દસ વર્ષના ત્યાં સુધીનું તમે યાદ કરો તો થાય ને ! એવી રીતે એ યાદ થાય એવું છે. અને યાદને ક્યાં સુધી જાય એવું છે, એક અવતારનું નહીં, જો ચાલ્યું એટલે હજારો અવતાર સુધી ચાલ્યા કરે અને વચ્ચે જો ગાય-ભેંસનો અવતાર આવ્યો તો ત્યાં બંધ થઈ જાય. મનુષ્યનો અવતાર હોય તો ચાલ્યા જ કરે. પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરને પાછલાં જન્મો ખબર હતી ને ? દાદાશ્રી : એમને પોષાય, એ ભગવાનને પોષાય. આ લોકોને પાછલાં અવતાર દેખાય ને શી દશા થાય આ લોકોની ! તે આમને તો દેખાવાં ના જ જોઈએ. આ લોકોને ત્રિકાળ જ્ઞાન આપે, તમને ત્રિકાળજ્ઞાન આપે, તો તમારી શી દશા થાય ? આત્માનો અનુભવ-લક્ષ-પ્રતીતિ ! રાતે બે વાગ્યે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે માજી તમને સૌથી પહેલી કઇ વસ્તુ યાદ આવે છે ?' પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એ જ યાદ આવે છે. દાદાશ્રી : નહીં તો લોકોને તો આ જગતની કોઇ પણ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો તે જ પહેલી યાદ આવે. પણ તમને તો 'શુધ્ધાત્મા' જ પહેલો યાદ આવે. રાત્રે ઊંઘી ગયા હોય ને જાગીએ કે તરત આત્મા સામો આવે તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો છે. આ એની ખાતરી થઈ ગઈ ! એની મેળે 'હું શુધ્ધાત્મા છું' એવું આવે તો લક્ષ બેસી ગયું છે એમ જાણવું. એને યાદ કરવું ના પડે. યાદ કરીએ તો એ તો યાદશક્તિ ના હોય તો યાદ ના પણ આવે. લક્ષ એ જાગૃતિ છે અને આપણને તો અનુભવ હઉ છે. અનુભવ, લક્ષ, પ્રતીતિ - આ ત્રણેય આપણને છે. આત્માનો અનુભવ થાય ત્યાર પછી જ સમભાવે ક્રિયા થાય, પ્રવર્તન થાય. એટલે હવે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનું છે. એ આજ્ઞા એ જ મોટામાં મોટી વસ્તુ છે. અલખનું ક્યારેય પણ લક્ષ ના બેસે. તેથી જ તો આત્માને અલખ નિરંજન કહ્યો ! પણ અહીં કલાકમાં તમને લક્ષ બેસી જાય છે !! આ 'અક્રમ- જ્ઞાની'ની સિદ્ધિઓ-રિદ્ધિઓ, દેવલોકોની કૃપા, એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઇ જાય છે !!! બુદ્ધિ, જ્ઞાન-વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : એવી વાત થયેલી કે બુદ્ધિ જતી રહે ત્યારે જ્ઞાન થાય તો દરેક માણસની પાસે જ્ઞાન તો છે જ. તો આ બુદ્ધિને લીધે.... દાદાશ્રી : બહાર કોઈ માણસ પાસે જ્ઞાન છે જ નહીં, એ અજ્ઞાન છે. અને જેને તમે જ્ઞાન કહો છો ને એ જ અજ્ઞાન છે ને એ બુદ્ધિ છે, ફક્ત. જ્ઞાન તો સ્વતંત્ર પ્રકાશ છે, ચેતન છે. એ તો યાદ જ ના કરવું પડે. જ્ઞાન યાદ ના કરવું પડે, વાંચવું ના પડે, કશું ય ન હોય. પ્રશ્નકર્તા : એને વાંચવાની કંઈ જરૂર નહીં ? દાદાશ્રી : ના, કશું હોય નહીં. આ તો બધું યાદ કરવું પડે, ફરી વાંચવું પડે, ભૂલી જઈએ. જ્ઞાન એનું નામ કહેવાય કે ફરી ક્યારેય પણ ભૂલાય નહીં. આ તો બધું અજ્ઞાન છે. બુદ્ધિ ખરી, છતાં બુદ્ધિને કબૂલ કરવી પડશે ? પ્રશ્નકર્તા : જ્ઞાનની વ્યાખ્યા શું છે ? દાદાશ્રી : જ્ઞાન એ ચેતન છે. એ વિજ્ઞાન કહેવાય એટલે એમાં આપણે કશું કરવું ના પડે. એ જ્ઞાન જ કામ કર્યા કરે. અને જે જ્ઞાન ચેતન નથી એ બુદ્ધિ જ્ઞાન કહેવાય. એ કશું વાંચે એટલું જ, પણ મહીં કશું વળે નહિ. વાંચેલામાંથી પાછું કરવા જાય તે થાય કે આમાં વાત તો સાચી છે, આવું કરવું છે પણ થતું નથી, આવું કરવું છે પણ થતું નથી અને પેલું તો જ્ઞાન જ એવું કે તે જ્ઞાન જ કામ કર્યા કરે. 'આપણે' કરવું ના પડે. 'આપણે' 'આપણા' રૂમમાં હોઈએ તો ય જ્ઞાન કામ કર્યા કરે ! જ્ઞાનીદશામાં યાદગીરી નહીં ! અમને એ ભૂમિકા યાદ જ ના હોય. 'અમે' અમારા સ્વરૂપમાં જ રહીએ. આ તમારી જોડે વાત કરીએ એટલો વખત 'અહીં' આવવાનું, તે આ ટેપરેકર્ડ સહેજે નીકળે. આમાં કશો પ્રયત્ન નહીં, પ્રયાસે ય નહીં. યાદગીરી તો મને છે જ નહીં. કોઈ આટલી ય યાદગીરી મને નથી. આજે શું વાર થયો છે, તે મારે પૂછવું પડે. તારીખ શું થઈ, એ પૂછવી પડે. એ યાદગીરી નથી તેથી ને ! આજે તારીખ પૂછી હોય, તે પાછું કાલે તારીખ પૂછું. ત્યારે કાલની તારીખ યાદ નથી ? ત્યારે કહે, નથી યાદ. એનું કારણ શું ? યાદગીરી નથી. અમને કાલે કયો વાર છે તે ય યાદ નથી હોતું, છતાં જગત ચાલે છે. કોઇને પૂછીએ ત્યાર હોરા તો ત્રણ જણા બોલી ઉઠે કે રવિવાર છે. યાદ રાખનારા ઘણાં બધા લોક છે. યાદગીરી નહીં, વિઝનમાં દેખીને ! પ્રશ્નકર્તા : આપ કહો છો કે અમને સ્મૃતિ ના હોય, પણ આજથી દસ વર્ષ પહેલાં આપે કોઇ પ્રસંગ કે દાખલો કહ્યો હોય તે આજે ફરી આપના મુખે સાંભળીએ છીએ ત્યારે એકઝેક્ટ એવી જ રીતે, એ જ લિંકમાં શબ્દેશબ્દ ક્રમબદ્ધ ટેપની જેમ નીકળે છે એ શું હશે ? એ કઇ શક્તિ ? દાદાશ્રી : રાગ-દ્વેષને આધીન 'મેમરી' છે. તેથી તેમાં 'એકઝેક્ટ' ના હોય. અમારે જે નીકળે છે તે દર્શનનાં આધારે નીકળે છે, એટલે 'એકઝેક્ટ' હોય. અમને બધું દેખાય. નાનપણમાં ચાર વર્ષનો હતો ત્યારથી અત્યાર સુધીનું બધું હું જોઇ શકું ખરો અમારે યાદ કરવું ના પડે. આમ, ચૌદ વરસ ભણી જોઉં તો તે દેખાય, વીસ વરસ ભણી જોઉં તો તે દેખાય. અમારી પાસે પૂછવા આવનારની ફાઇલ તપાસીને જવાબ અમારે આપવા પડે. આગળ શું વાત કરી હતી, અત્યારે શું છે, એ બધાં 'કનેક્શન'માં જવાબ હોય. દરેકની ફાઇલ જુદી જુદી. તેથી જવાબ જુદો જુદો હોય. જવાબ એની ફાઇલને આધીન હોય. હવે કોઇ કહેશે કે, 'દાદા, તમે એક જ જાતનો જવાબ બધાંને કેમ નથી આપતા ?' અલ્યા, એવું ના હોય. દરેકની ફાઇલ જુદી જુદી, દરેકના રોગ જુદા જુદા, તેથી શીશીઓ જુદી ને દવા ય જુદી જુદી અમારી પાસે હોય. દરેકના ક્ષયોપક્ષમ જુદા જુદા હોય. અમારે સૈદ્ધાંતિક વાતમાં ક્યાંય ફેરફાર ના હોય. એને તો ત્રણેય કાળમાં કોઇ ચેકો મારી ના શકે તેમ હોય. આ વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ દરેક નિમિત્તને આધીન હોય. તમે મને જે યાદ કરાવડાવોને તે બધું મને દેખાય. ધંધાનું ય અમને કંઇક પૂછે ત્યારે બધું જ દેખાય. પૂલ દેખાય, તેનાં થાંભલા બધા ય દેખાય, ક્યાં શું છે ને ક્યાં શું નથી તે બધુંય દેખાય. યાદ કરાવો એટલે ઉપયોગ ત્યાં જાય ને એટલે બધું જ ક્રમવાર દેખાય. પ્રશ્નકર્તા : એટલે ઉપયોગથી દેખાય ને ? દાદાશ્રી : યાદ કરાવે એટલે ઉપયોગ ત્યાં જ જાય. કારણ કે એ ઉપયોગ ત્યાં ના જાય તો વ્યવહાર બધો તૂટી જાય. અમને તો કહે છે કે તમને શી રીતે પછી આ ખબર પડે છે બધી ? તો અમને દેખાય. તમે કહો કે તે દહાડે આપણે જાત્રામાં ગયા હતા ને આવું થયું હતું, તે બરોબર કે નહીં ? ત્યારે હું કહું કે બરોબર છે. પણ અમે દેખાયેલું કહીએ અને તમે યાદગીરીમાં કહો. બોલતાંની સાથે દેખાય આમ, એક્ઝેક્ટનેસ 'જેમ છે તેમ' દેખાય. પ્રશ્નકર્તા : દર્શનમાં આવે બધું ? દાદાશ્રી : દેખાય. દર્શનમાં નહીં, આમ એક્ઝેક્ટ દેખાય. પ્રશ્નકર્તા : દર્શનમાં એ દેખાય શેનાથી ? ચિત્તથી ? દાદાશ્રી : ચોખ્ખું ક્લીયર થયેલું દેખાય. આખું ય ટ્રાન્સપરન્ટ (પારદર્શક) છે. આખું બિલકુલ પ્યૉર. પ્રશ્નકર્તા : એમાં ઉપયોગ મૂકવો પડે ? દાદાશ્રી : સહજ જ દેખાય. ઉપયોગ મૂકનારો કોણ ? એ ઉપયોગ મૂકનાર જુદો હોય. એ વાણી આવરણ તોડી, જાગૃતિ ખીલવે ! પ્રશ્નકર્તા : પણ આપની વાણી અમારા આવરણ તોડતી હશે ને ? દાદાશ્રી : આવરણ તોડી નાખે, જેટલું સાંભળો એટલું આવરણ તૂટે જ ને ! પ્રશ્નકર્તા : એટલે આવરણ તોડીને બિલિફમાં આવે, એ મહત્ત્વનું ને ? યાદ રહેવું, એ મહત્ત્વનું નથી ને ? દાદાશ્રી : યાદનું તો, એનું મહત્ત્વ જ નથી. યાદ આવવું એટલે તો, ભૂલાઈ ગયેલી વસ્તુ હોય તે જ યાદ આવે. યાદગીરીને લેવા-દેવા જ નથી. અહીં યાદની જરૂર નથી ! પ્રશ્નકર્તા : સમજાય છતાં યાદ ના રહે તો ? દાદાશ્રી : યાદ રાખીને શું કામ છે ? દર્શનમાં આવેલી ચીજને યાદ ના જોઈએ. એ દર્શન કહેવાય. આ આનાથી તો આવરણ તૂટે અને દર્શનમાં આવે. યાદગીરી એ તો જડ વસ્તુ છે. યાદ ના રહે, તેને જ દર્શન ખીલે. યાદવાળાને દર્શન ખીલે નહીં. એટલે યાદશક્તિની જરૂર નહીં આમાં. આમાં દર્શનમાં આવે. દેખ્યા પછી પ્રતીતિ બેસે. પ્રતીતિ એમ ને એમ બેસે નહીં. તે આપણાં લોક 'દર્શન' ના બોલે, પણ 'મને સમજાય છે' એમ કહે. પછી પ્રતીતિ બેસે. કેવળજ્ઞાનમાં જોઈને બોલે... પ્રશ્નકર્તા : આ સર્વજ્ઞ જે વાણી બોલતા હશે, એ બધું અનંત અવતારનું સ્મૃતિજ્ઞાન ને એ બધું જોઈને બોલતા હશે ને ? દાદાશ્રી : જોઈને બોલે. પણ અનંત અવતારનું એ સ્મૃતિનું, એમને કંઈ જરૂર નથી. એમને તો આ પ્રત્યક્ષ બધું દેખાય એટલું જ બોલે. બીજી બધી કશી જરૂર નથી. અનંત અવતારનું શું થયું ને શું નહીં, એ કંઈ એમને જરૂર નથી. ઉપયોગ મૂકે તો દેખાય. બાકી એમને કંઈ આવી જરૂર ના હોય. એમને તો કેવળજ્ઞાનમાં બધું જગત દેખાય. હવે કેવળજ્ઞાનમાં બીજું કશું જગતમાં દેખવાનું હોતું નથી. કયા તત્ત્વ સનાતન છે, તે દેખાય છે. અને સનાતન તત્ત્વની અવસ્થા દેખાય છે, બીજું કશું દેખાતું નથી. આપણા લોક તો શું નું શું ય સમજે છે કે મહીં શું ય દેખાતું હશે ?! પ્રશસ્ત રાગ, મોક્ષનું કારણ ! આ જગતમાં કશુંય યાદ રાખવા જેવું નથી. આત્માની એટલી બધી અનંત શક્તિઓ છે કે જે વખતે જે જરૂર પડશે, તે વખતે વાત પૂછેને તો બહુ સુંદર નીકળશે. ટાઇમ આવે તે ઘડીએ બધું જ યાદ આવી જાય. હજુ અમને સત્સંગ ઉપર રાગ ખરો. તેથી ટાઇમ થાય એટલે જવાનું યાદ આવે. મહાત્માઓ ઉપર પણ રાગ રહે. આ બધા રાગને પ્રશસ્ત રાગ કહેવાય. એ બંધન કરાવે નહીં, પણ મહાવિદેહ ક્ષેત્રને માટે બંધન કરાવે. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પાસે જવાનું છે બધાને. એટલે અત્યારથી એમને ઓળખી લેવા હોય તો ઓળખી લેજો. તેથી તો અમે એમનું ગવડાય ગવડાય કરીએ છીએ. પ્રેમ ચોંટાડવો, ભગવાન પ્રતિ ! એવું છે, જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે અને એ જ પરમેશ્વર છે. એનું નામ ક્યારે યાદ આવે કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવેને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવાં આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને 'દાદા' યાદ આવે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તમને પ્રેમ છે અમારી પર, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો ? કારણ કે 'દાદા'એ કંઈક સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને ! એ યાદ કરવાનું હોય જ નહીં. એટલે ભગવાન યાદ ક્યારે આવે કે ભગવાન આપણી ઉપર કંઈક કૃપા દેખાડે, આપણને કંઈક સુખ આપે ત્યારે યાદ આવે. એક માણસ મને કહે છે કે, 'મને બૈરી વગર ગમતું જ નથી.' અલ્યા, શી રીતે ? બૈરી ના હોય તો શું થાય ? ત્યારે એ કહે છે, 'તો હું મરી જઉં.' અલ્યા, પણ શાથી ? ત્યારે એ કહે છે, 'એ બઈ તો સુખ આપે છે.' અને સુખ ના આપતી હોય ને માર મારતી હોય તો ? તો ય એને પછી યાદ આવે. એટલે રાગ ને દ્વેષ બેઉમાં યાદ આવ્યા કરે. પ્રશસ્ત રાગ બનાવે વીતરાગ ! પ્રશ્નકર્તા : અમને આ 'દાદા' છે, એ યાદ આવે તે ? દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ વીતરાગ બનાવનારો છે. આમાં જ રાગ કરવા જેવો છે ! બધેથી રાગ ઉઠાવી ઉઠાવીને આમાં જ રાગ કરવાનો છે. આત્મહેતુ માટે રાગ અને દેહાધ્યાસ માટે રાગ એ બેમાં બહુ ફેર છે. આત્મહેતુ માટેની મમતા એ આત્માની મમતા છે. છેવટે એ મુક્ત કરાવે. દાદા સ્મૃતિમાં તો વિશ્વ વિસ્મૃતિમાં ! આ બધાને દાદા યાદ રહેતા હશે આખો દહાડો ?! અને દાદા યાદ રહે એટલે શું થાય કે જગત વિસ્મૃત થયું. એક યાદ હોય. કાં તો જગત યાદ હોય તો, દાદા યાદ ના હોય અને દાદા યાદ હોય તો જગત વિસ્મૃત થાય. જગતની વિસ્મૃતિ થઈ ત્યાંથી કર્મો ઓછાં લાગે. જગત વિસ્મૃત કરવા માટે જ કૃપાળુદેવ કહેતા'તા. એક કલાક જો જગત વિસ્મૃત થઈ જાય તો એની તુલના જ બહુ મોટી લખી છે એમણે. સંસાર ભૂલાડે, એનું નામ 'જ્ઞાની'. સંસાર ભૂલાડે એ જગ્યાએ બેસી રહેવું ને સંસાર વધુ ચગડોળે ચઢાવે ત્યાંથી જતા રહેવું, એવો વિવેક જેને સમજાય તેનું કામ નીકળી જાય. આપણું આ વિજ્ઞાન બહુ સાચું છે. મહીં ઠંડક પણ વળે છે. અત્યારે કેવી ઠંડક છે ને ! દુકાનો સાંભરતી નથી ને કશુંય સાંભરતું નથી. નહીં તો જગત વિસ્મૃત જ ના થાય. જગત વિસ્મૃત કરે એ જ સાચું વિજ્ઞાન કહેવાય. અત્યારે કશુંય યાદ નથી આવતું ? સગાવહાલાં કશુંય નહીં ? જ્ઞાન હાજર તો દુનિયા ગેરહાજર. જ્ઞાન ગેરહાજર તો દુનિયા હાજર !!! પોતાના સ્વરૂપ સિવાયની યાદ... જે ભોગ આપણને યાદ આવે એ ઉપભોગમાં પરિણામ પામે. જે ભોગ યાદ ના આવે તે અડે નહીં, નિર્લેપભાવ રહે. વિષય હોય છતાં ય યાદ ના આવે, એનું નામ નિર્વિષય. વિષય ના હોય છતાં યાદ આવે, એનું નામ વિષય. પોતાના 'સ્વરૂપ' સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે એ બધા વિષયો જ છે ! જેનાથી જગત વિસ્મૃત રહે, મગજ પર બોજો ના રહે, શાંતિ રહે, 'રિયલ' ને 'રિલેટિવ' જુદું રહે એ આપણી સ્વતંત્રતા ! અજ્ઞાશક્તિ પાસે યાદશક્તિ છે ને પ્રજ્ઞાશક્તિ પાસે પ્રતિક્રમણ શક્તિ છે. આત્માના હેતુ માટે જગતને ભૂલવું, તેનું નામ સમકિત. જ્ઞાનમાં યાદગીરીની જરૂર નહીં. યાદગીરી એ પુદગલ છે. સમાધિમરણ એટલે 'પોતાના સ્વરૂપ' સિવાય બીજું કશું યાદ જ ના હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું જ હાજર ના હોય. આત્મામાં જ હોય. વીતરાગ ઓળખાય આમ ! પોતાના સ્વરૂપ સિવાય બીજું જે કંઈ યાદ રહે એ રાગ છે. જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં જગતની સ્મૃતિ છે. રાગ-દ્વેષ નિર્મૂળ થયા તો જગતની વિસ્મૃતિ છે. વીતરાગ થયો કોને કહેવાય ? આત્મા સિવાય બીજું કશું યાદ જ ના આવે. આત્મા અને આત્માનાં સાધનો સિવાય બીજું કશું યાદ જ ના રહે. વીતરાગની ખાતરી શી ? ત્યારે કહે, સંસારની કોઈ ચીજ યાદ નથી તે. વીતરાગતા સિવાય જગત ભૂલે નહીં. જ્યાં વીતરાગ ત્યાં સ્મૃતિ ના રહે. કેનેડા રોજ તમને યાદ આવે છે ? ના. જેટલી સ્મૃતિ ગઇ એટલા વીતરાગ થયા. વીતરાગને કોઇ પણ જાતની સ્મૃતિ ના હોય. જગતની વિસ્મૃતિ એને જ મોક્ષ કહ્યો. સત્ના ચરણમાં જગવિસ્મૃતિ ! જગત વિસ્મૃત ક્યારે થાય ? સત્ના ચરણમાં હોય તો. અસત્ના ચરણમાં ક્યારેય પણ જગત વિસ્મૃત થાય નહીં. જગત વિસ્મૃત કરાવી શકે, એ જ કર્મોનું 'ચાર્જ' બંધ કરાવી શકે ! 'જ્ઞાની પુરુષ'નું વાતાવરણ જ મોક્ષનો અનુભવ કરાવે, જગત વિસ્મૃત રહે ! જગત વિસ્મૃત થાય ત્યારથી જ મોક્ષનો અનુભવ થવા માંડ્યો ! - જય સચ્ચિદાનંદ |
|---|