ખટપટિયા વીતરાગ

સંપાદકીય

'ન ભૂતો - ન ભવિષ્યતિ' એવા આ કાળમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન થઈ ગયા. તેઓ પોતે પોતાને ક્યારેય દાદા ભગવાન કહ્યું નથી. દાદાશ્રી હંમેશા કહેતા, 'આ દેખાય છે એ તો એ.એમ.પટેલ છે ભાદરણ ગામના, કંટ્રાક્ટનો ધંધો કરે છે અને હું તો જ્ઞાની પુરુષ છું, જ્યારે દાદા ભગવાન તો અંદર પ્રગટ થઈ ગયા છે તે છે, ચૌદ લોકના નાથ છે. હું પણ દાદા ભગવાનને નમસ્કાર કરું છું. મારે કેવળજ્ઞાન થવામાં ચાર ડીગ્રી ખૂટે છે, અમે ૩૫૬ ડીગ્રી સુધી પહોંચ્યા છીએ અને દાદા ભગવાન ૩૬૦ ડીગ્રીએ પૂર્ણ સ્વરૂપે છે.'

અને ચાર ડીગ્રી આ કાળમાં પૂરી થાય એવું હતું જ નહીં. આ કાળમાં કેવળજ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. તો આ કાળમાં કેવળજ્ઞાનમાં અમે નાપાસ થયા છીએ એમ તેઓશ્રી કહેતા. પણ કેવળજ્ઞાન પદને જોઈ શકયા, જાણી શકયા, અનુભવી શક્યા પણ દશા ટકી નહીં. તેથી સંપૂર્ણ વીતરાગ થયા નહીં. સંપૂર્ણ વીતરાગ થયા હોત તો ''આવો, તમને અમે બે જ કલાકમાં આત્મજ્ઞાન આપીએ, સંસારમાં રહેવા છતાં તમામ દુઃખોથી મુક્તિ કરાવી આપીએ, મોક્ષ આપીએ'' એવું બોલવાનું ય ના રહેત. આ તો ચાર ડીગ્રી કમી રહી તો આપણને, જગતના લોકોને કામ લાગ્યા !

એમની નિરંતરની જગત કલ્યાણની ભાવના હતી અને આ કાળના જીવો હત્ પુણ્યશાળી - હત્ ભાગ્યશાળી - પૂર્વ વિરાધક, એવા લોકોને મોક્ષમાર્ગે આગળ લઈ જવા, તે બાબાને ચોકલેટ આપીને મનાવવા જેવું કામ હતું. 'માનીને માન આપી, લોભીયાથી છેતરાઈને' પણ એને મોક્ષમાર્ગમાં ચોંટાડતા. તેથી તેઓ જાતે જ કહેતા કે અમે તો ખટપટિયા વીતરાગ છીએ. સંસારની ભૌતિક બાબતમાં સંપૂર્ણ વીતરાગ છીએ અને મોક્ષે લઈ જવાની બાબતમાં ખટપટિયા છીએ અને ખટપટિયા રહ્યા તેની પાછળ નિષ્કારણ કરુણા હતી તેમની કે આ કાળમાં હવે રખડયા તો પછી કોઈ જ્ઞાની-તીર્થંકર ઠેઠ એક્યાંસી હજાર વર્ષ સુધી ભેગા નહીં થાય, છઠ્ઠો આરો ભયંકર દુષમા દુષમ કાળ આવવાનો છે. જેટલા જીવો અનંત કાળની ભટકામણમાંથી બચી ગયા, મોક્ષમાર્ગે ચઢી તેમનું ગયા તો કલ્યાણ થઈ ગયું, નહીં તો પછી આ સંસારની ભઠ્ઠી તો છે જ ભટકાવનારી !

ક્રમિકના ધોરી માર્ગે બ્રીજ તૂટી ગયો છે, ત્યાં અક્રમ માર્ગરૂપી ડાયવર્ઝન ખુલ્લો થયો છે. તૂટેલા બ્રીજ પર લોકપ્રવાહ જઈ પોતાનું નુકસાન વહોરશે. ત્યાં કંઈક ખટપટ કરીને પણ ચેતવે છે. તેની પાછળ કરૂણા છે કે જીવો, મોક્ષમાર્ગ ખૂલ્યો છે તો કેમ કરીને પોતાનું સંપૂર્ણ કામ કાઢી લે !

વીતરાગતા અને ખટપટ બન્ને દશા સાથે વર્તે છે, તેની વિગત દાદાશ્રીના શ્રીમુખે વહેલી વાણીમાં જ અત્રે પ્રસ્તુત સંકલનામાં અંકિત થયું છે, જે વાંચકને અસંયતિ પૂજા નામના ધીટ્ આશ્ચર્ય એવા જ્ઞાની પુરુષની અટપટી દશાને ઓળખાવા નવી જ દ્રષ્ટિ બક્ષશે !

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

ખટપટિયા વીતરાગ !

ઓળખવા દાદા ભગવાનને !

પ્રશ્નકર્તા : 'દાદા ભગવાન'ની ઓળખાણ આપ કેવી રીતે આપો છો ?

દાદાશ્રી : આ દેખાય છે તે 'દાદા ભગવાન' ન હોય. જે સાચા 'દાદા ભગવાન', જે આખા વર્લ્ડના માલિક છે, આખા વર્લ્ડના ભગવાન છે, તે દાદા ભગવાનની વાત કરીએ છીએ. એ દાદા ભગવાન મહીં પ્રગટ થયા છે, ચૌદ લોકના નાથ પ્રગટ થયા છે. હું હઉ આ ભગવાનને નમસ્કાર કરું છું. હું તો જ્ઞાની પુરુષ છું. આ દેખાય છે તે 'એ.એમ.પટેલ' છે અને ધીસ ઈઝ ધી કૅશ બેન્ક ! બોલતાંની સાથે જ તરત ફળ આપનારું છે. માંદો માણસ દવાખાનામાં બોલે તો તરત ફળ મળે.

પ્રશ્નકર્તા : આ બધા દાદા ભગવાનનું કીર્તન કરતા હતા ત્યારે આપ પણ કંઈ બોલીને કીર્તન કરતા હતા, તે કોનું ?

દાદાશ્રી : હું હઉ બોલતો હતોને ! હું 'દાદા ભગવાન'ને નમસ્કાર કરું છું. મારે છે તે ચાર ડિગ્રી ખૂટે છે ને ભગવાનને ત્રણસો સાઠ ડિગ્રી છે. મને ત્રણસો છપ્પન ડિગ્રી છે. મારે ચાર ડિગ્રી ખૂટે છે. તેટલા હારુ મેં પહેલાં બોલવાની શરૂઆત કરી. તેથી આ બધા બોલે. એમનેય ખૂટે છે. તમારે ખૂટતી નથી ?

એ બે એકના એક જ !

પ્રશ્નકર્તા : એ દાદા ભગવાન આપ જેને બોલાવો છો તે અને આ સીમંધર સ્વામી એમનામાં સંબંધ શું છે આમ ?

દાદાશ્રી : ઓહોહો ! એ તો એકના એક જ છે. પણ આ સીમંધર સ્વામીને બતાડવાનું કારણ એ કે હજુ દેહ સાથે હું છું એટલે મારે ત્યાં જવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી સીમંધર સ્વામીનાં દર્શન થાય નહીં, ત્યાં સુધી મુક્તિ ના થાય, એક અવતાર બાકી રહે. મુક્તિ તો આ મુક્ત થયેલાનાં દર્શનથી મળે. જો કે મુક્ત તો હુંય થયેલો છું પણ એ સંપૂર્ણ મુક્ત છે. એ આવું અમારી જેમ લોકોને એમ ના કહે કે આમ આવજો ને તેમ આવજો. હું તમને જ્ઞાન આપીશ. એ બધી ખટપટો ના કરે.

જીવ માત્ર જોડે અભેદતા !

આ તમારા બધામાં મને તો મહીં 'હું જ છું' એવું લાગે છે ! જ્ઞાની પુરુષનાં દર્શન કરતાં આવડે. તો ય મુક્તિસુખ વર્તે !

જ્ઞાની કોને કહેવાય કે સંસારી પ્રવૃતિ એમનામાં ના હોય, ક્રોધ-માન-માયા-લોભ ના હોય. વીતરાગ થયા હોય તે 'જ્ઞાની' કહેવાય. આ તો ચામડાની આંખને લીધે ભેદબુદ્ધિ ઊભી થઈ ! બે ભાઈ તો ય 'તું-હું'ના ભેદ પાડે. ધણી-ધણિયાણી હોય તો ય ભેદબુદ્ધિ, ઝઘડે ત્યારે તું ને હું ! આ 'રિલેટિવ' આવું છે, તે ઠેઠ સુધી કચડી કચડીને 'ઝીરો' સુધી ના લાવે ત્યાં સુધી આરો ના આવે. 'રિલેટિવ' ધર્મ ભેદ પાડે અને 'રિયલ' ધર્મ ઠેઠ સુધી જુદાઈ ના લાવે. ભેદ ના પાડે, અભેદ રાખે !

ભેદબુદ્ધિ હોય ત્યાં સુધી લાગે હું ચંદુલાલ ને હું રાયચંદ અને મહાવીર જુદા, નેમીનાથ જુદા, કૃષ્ણ જુદા. બધામાં ભેદ લાગે ને જ્ઞાની પુરુષને ભેદબુદ્ધિ ના હોય. એ આત્મસ્વરૂપમાં રહે અને બધે અભેદ જુએ અને અમને તો બધાનામાં હું જ બેઠેલો છું એવું રહે. રિયલ સ્વરૂપ જાણી લઈએ એટલે અભેદતા આવે.

વીતરાગને દરેક માણસ સાથે અભેદતા લાગે ! અરે ! એક નાનામાં નાનો જીવ હોય તો ય તેની જોડે 'વીતરાગ'ને અભેદતા હોય !

વીતરાગ, નિષ્પક્ષપાતી હોય !

જૈન, વૈષ્ણવ, શૈવ, સ્વામિનારાયણ, મુસ્લિમ, ખ્રિસ્તી એ બધા રિલેટિવ ધર્મો છે, સ્ટાન્ડર્ડના ધર્મો છે, વ્યુ પોઈન્ટના ધર્મો છે. જેને જે વ્યુ પોઈન્ટથી દેખાયું તે જ સાચું માનીને બેસી ગયા અને એ જ પક્ષમાં પડ્યા. મોક્ષ ક્યારે થાય ? કેવળ દર્શન ક્યારે થાય ? સાચું સમકિત - સમ્યક્ દર્શન ક્યારે થાય ? આખા જગતમાં કયાંય, કોઈ જોડે પક્ષાપક્ષી ના થાય, ભેદાભેદ ના થાય ત્યારે. પક્ષમાં પડેલાનો મોક્ષ ના થાય. પક્ષ શાથી પડે ? અહંકારીઓ પોતાનો અહંકાર પોષવા પક્ષ પાડે ને નિરહંકારી 'જ્ઞાની પુરુષ' બધાંને એક કરે. 'જ્ઞાની પુરુષ' નિષ્પક્ષપાતી હોય. 'વીતરાગ' નિષ્પક્ષપાતી હોય. કોઈના નામ કે કોઈના સાથે પક્ષ નહીં, સંપૂર્ણ નિષ્પક્ષપાતી.

કેટલાક લોકો અમને કહે છે કે તમે જૈન છો, કેટલાક કહે છે કે તમે વૈષ્ણવ છો. અલ્યા, શાના જૈન ને શાના વૈષ્ણવ ? અમે તો 'વીતરાગ'. એમાં બધા ધર્મ સમાઈ જાય ! આ તો અમને જૈન કહીને કે વૈષ્ણવ કહીને સામો પોતાને માટે અંતરાય પાડે છે. અમને પક્ષપાતી ધારે છે પણ એક ફેર રામચંદ્રજીના દર્શન કરતા અમને જુએ તો એની બધી માન્યતા તૂટી જાય. પણ એવી પુણ્યૈ જાગવી જોઈએ ને !

કાળચક્રના આધારે માર ખા ખા કરે છે. જો જ્ઞાની પુરુષ મળે તો માર ખાવાના ના હોય, જ્ઞાની મળે તો ઉકેલ આવે.

વીતરાગના લક્ષણ !

પ્રશ્નકર્તા : વીતરાગ એટલે શું ? તે સમજાવવા કૃપા કરો.

દાદાશ્રી : વીતરાગ એટલે જેને કંઈ પણ રાગ-દ્વેષ ના થાય એ વીતરાગ. હમણે ગાળ દઈએ તો દ્વેષ ના થાય એને અને ફૂલ ચઢાવીએ તો રાગ ના થાય એ વીતરાગ.

જેને કોઈ પણ પ્રકારનો દ્વન્દ્વ નથી, દ્વન્દ્વાતિત છે, એ વીતરાગ કહેવાય. એને રાગ-દ્વેષ ના થાય. એને મારીએ તો ય દ્વેષ ના થાય. વીતરાગનો અર્થ આપની સમજમાં આવ્યું ને ? અને વીતરાગ થાય તો જ મોક્ષે જાય. નહીં તો મોક્ષે કોઈ જાય નહીં. આ અમે વીતરાગના માર્ગ ઉપર તમને ચઢાવી દઈએ !

જ્ઞાની પુરુષની આંખોમાં વીતરાગતા !

અમે સહેજ પણ પક્ષમાં પડીએને તો બીજે દહાડે અમારાં દર્શન કરેને તે ઘડીએ દ્રષ્ટિ બદલાયેલી હોય. દ્રષ્ટિમાં વીતરાગતા ના દેખાય. એ તો અમને જોતાં આવડે, તમને બધાંને ના આવડે ?

એ જોઈ લેવું રોજ સવારમાં. જો એ દર્શનમાં ફેર પડ્યો તો જાણવું કે પક્ષમાં પડ્યા. એક ક્ષણવારે અમે કોઈના પક્ષમાં પડેલા હોઈએ તો વીતરાગતા જતી રહે. અને વીતરાગતા જતી રહે તો આ વાણી બોલીએ છીએને, એ બંધ થઈ જાય. વિરોધી ગમે એવું ખરાબ બોલતો હોય તો ય એનોે વિરોધ નહીં જરાય.

કોઈના પક્ષમાં અત્યાર સુધી પડ્યા જ નથી અમે. પક્ષમાં પડીએ તો અમારી વાણી બંધ થઈ જાય. દર્શન જુદી જાતનાં થાય.

પ્રશ્નકર્તા : ફેર પડી જાય.

દાદાશ્રી : નહીં, એ લેવલ વગરનાં દર્શન થાય ! થયેલા ખરાં કોઈ દહાડો, લેવલ વગરનાં દર્શન ? તે ય પાછું મહીં કો'કને લાગી જાય છે. એકાદ જણે તો એવું કહ્યું, મને દર્શનમાં દાદા થોડા ફેર દેખાય છે. મેં કહ્યું, 'ફરી હજુ જો જો કર, ફરી દર્શન કર કર કરજે. ફેર ના થાય, અલ્યા મૂઆ !' કારણ કે એટલું બધું કલ્પના કરી નાખેલી હોય, સાયકોલોજિકલ ઇફેક્ટ, તે પછી એ પાછું ઊંધું ય દેખે. બાકી આમ ના દેખાય. વીતરાગતા ચોક્કસ દેખાય. કારણ કે આંખમાં છે તે દુરાચારી હોય તેની આંખ દેખાય. લુચ્ચો હોય તેની આંખ ઓળખાય. કપટી હોય તેની આંખ ઓળખાય અને વીતરાગીની આંખ તો બહુ જ ઓળખાય. તમે કપટીને ઓળખી કાઢો કે નહીં ? શું વાત કરો છો ? ત્યારે વીતરાગી ના ઓળખાય ? બધું ઓળખાય.

પ્રશ્નકર્તા : જ્ઞાની સંસારમાં ભલે હોય પણ જીવો એમને ઓળખી ના શકે ને કે આ જ્ઞાની છે ?

દાદાશ્રી : આમ ઓળખી ના શકે, પણ એમનાં શબ્દો પરથી ખબર પડી જાય. અરે, એમની આંખ જોઈને જ ખબર પડી જાય. આ પોલીસવાળા જેમ બદમાશને આંખ જોઈને તપાસ કરે છેને, કે આ બદમાશ લાગે છે. એવું આંખ જોઈને વીતરાગી ય દેખાય. કોઈનેય કોઈ પણ રસ્તે કળવામાં ના આવે એ 'જ્ઞાની પુરુષ !'

'જ્ઞાની પુરુષ' ઓળખાય એક એમની વીતરાગતાથી !

લોકો તો આંખો વાંચીને ય કહી દે કે આ ખરાબ દ્રષ્ટિવાળો છે. ઝેરીલી દ્રષ્ટિ હોય તેને ય લોક કહી દે કે આની આંખમાં ઝેર છે. એવી જ રીતે આંખમાં વીતરાગતા છે એ પણ સમજી શકે છે. લોક બધું સમજી શકે એમ છે, પણ દાળ-ભાત-રોટલી-શાક ખાઈને વિચારે તો ! પણ ખાઈને સૂઈ જાય તો ના સમજે.

'જ્ઞાની પુરુષ'ની આંખો સંપૂર્ણ સ્વચ્છ હોય. કોઈ પણ સંસારભાવ ના હોય ત્યારે એ સ્વચ્છતા ઉત્પન્ન થાય. જ્યારે કોઈ સંસારભાવ ના રહે ત્યારે 'તેમની' આંખમાં 'વીતરાગ પરમાત્મા'ના દર્શન થાય !

વ્યવહાર, ન અડે વીતરાગને !

અને મેં જે જ્ઞાન આપ્યું છે ને કે 'એ પોતે બોલતો નથી, પણ વ્યવસ્થિત બોલે છે આ.' આ વાણી જે હું બોલું છું. તેનો હું લાભ ખોળતો નથી કે ભઈ, હું કેવું સરસ બોલ્યો ! કારણ કે વ્યવસ્થિત બોલે છે, એમાં મારે શેનો લાભ ખોળવાનો ?! એ સામો ગાળો ભાંડે છે તો ય વ્યવસ્થિત છે. સામો મને માન આપે કે દાદા, તમારાં જેવા દુનિયામાં પાક્યાં નથી. તે ય પણ મારે શું લેવા ? હું તો હું જ છું. મારે આના શબ્દ જોડે લેવાદેવા નથી, વર્તન જોડે લેવાદેવા નથી. હું તો ફક્ત કેવળજ્ઞાન સ્વરૂપ છું, બીજું કશું છું જ નહીં ત્યાં આગળ ! મને શું અડે જગતનું ?!

જે વીતરાગ થઈને બેઠા, એને શું અડે ? અને છેવટે વીતરાગ થવાનું છે. પણ પ્રયોગમાં હાથ ઘાલીએ તો આપણે દઝાઈએ. એટલે એનાં ઉપરથી ખબર ના પડે કે મારી ભૂલ છે આ !

કામ કાઢી લો !

આ તો ચૌદ લોકનો નાથ અમારી મહીં પ્રગટ થયો છે. આ દેહ છે એ તો પરપોટો છે, એ ક્યારે ફૂટે એ કહેવાય નહીં. એ છે ત્યાં સુધી તમે તમારું કામ કાઢી લો. વીતરાગોને જેવો પ્રકાશ થયેલો તેવો પ્રકાશ છે. આ 'જ્ઞાની પુરુષ' પાસે સંપૂર્ણ સમાધાન થાય એવું છે. માટે તમારું કામ કાઢી લો. અમે તો તમને આટલું કહી છૂટીએ. અમે વીતરાગ હોઈએ એટલે તમને પછી કાગળ ના લખીએ કે આવો.

વીતરાગ જ્ઞાનીની કલ્યાણી ખટપટો !

પ્રશ્નકર્તા : વીતરાગની જે સ્થિતિ છે ત્યાર પછીની કોઈ સ્થિતિ છે કે નહીં ?

દાદાશ્રી : એ છેલ્લી સ્થિતિ વીતરાગ. અમે ય વીતરાગ ખરાં. પણ ખટપટિયા વીતરાગ. અમને રાગ-દ્વેષ નથી થતાં. પણ આ તમને હું કહું કે તમે આવજો. આમ આપીશું, તેમ આપીશું એ ખટપટિયા. આ અમે ખટપટિયા વીતરાગ કહેવાઈએ.

પ્રશ્નકર્તા : ખટપટિયા વીતરાગ હોવું એ આવશ્યક તો ખરું ને ?

દાદાશ્રી : આ સંસારમાં જે જરૂરિયાત છેને, તે બધું ઊભું થાય છે. ફક્ત ૨૫૦૦ વર્ષનો કાળ ગયો, તે કાળ વિચિત્ર હતો. એટલે તે કાળમાં બધું એવું થયું. આ કૃપાળુદેવ ક્રમિક માર્ગના જ્ઞાની હતા. પણ ઓળખાણ ના પડી. એમણે પોતે બૂમ પાડી કે આ લોકોને ઓળખાણ પડે એવી નથી. આ લોકોને હીરા-કાચનું ભાન નથી, લોકો ઝવેરી નથી. એટલે એમણે જાતે કહ્યું કે અમે મહાવીર થયા છીએ. ત્યારે લોકો વિકલ્પમાં પડ્યા કે જાતે બોલે છે. પણ જ્ઞાની પુરુષ તો જાતે બોલે. એટલે સારું ઊલ્ટું કે એમની શેની દુકાન છે તે ચોખ્ખું કહે છે. દુકાન પર બોર્ડ ના મરાય ? પોતાને પૈસા ના લેવા હોય. કિંમત કશી લેવી ના હોય તો પ્યૉર ગોલ્ડની એમ દુકાન પર બોર્ડ મારે તો વાંધો ખરો ? અમે ખટપટિયા એટલે કહીએ, મોક્ષ આપીએ. જગતનું કલ્યાણ હો. હું નિમિત્ત છું જગત કલ્યાણનો. બીજું મારે કશું લેવાદેવા નથી.

વીતરાગીનું મુક્ત હાસ્ય !

એક સંપૂર્ણ વીતરાગ ભગવાન સિવાય કર્મ રહિત હાસ્ય ના હોય. તે આ કાળમાં ઊભું થયું છે. અક્રમ વિજ્ઞાનના 'જ્ઞાની પુરુષ' પાસે પ્રગટ થયું છે. કામ કાઢી નાખે એવું છે. સર્વસ્વ કર્મો ભસ્મીભૂત કરે એવું છે ? 'જ્ઞાની પુરુષ'ને જ્યારે જુઓ, રાતે બે વાગે જુઓ તો ય એક જ પ્રકારનું મુક્ત હાસ્ય હોય ! જ્યારે બીજાના હાસ્ય કષાયોથી સ્થંભિત થઈ ગયેલા હોય.

પ્રશ્નકર્તા : અમને મુક્ત હાસ્ય થાય એવા સંજોગ છે તો એ શાથી અટક્યું છે ?

દાદાશ્રી : તમારી મહીં બધા ભૂતો ભરાઈ રહ્યા છે. તેનાથી તે અટક્યું છે. મુક્ત પુરુષ સિવાય કોઈ એ કઢાવે નહીં. મુક્ત પુરુષ મુક્ત હાસ્યથી તમને ય મુક્ત હાસ્યમાં લાવે. મહીં જાતજાતની ખેંચો રહેલી છે. તેથી રડવાને ટાઈમે રડતો નથી ને હસવાના ટાઈમે હસતો નથી.

હાસ્ય શાથી આવે છે ? આ ઘરડા કાકા વધારે શાથી હસે છે ? નિર્દોષતા છે એટલે, સરળ છે તેથી. સરળ એટલે જેમ વાળો તેમ વળી જાય, સોનાની પેઠ. એક કલાકમાં જેવો ઘાટ કરવો હોય એવો થાય.

જ્ઞાની થકી પ્રાપ્તિ પૂર્ણની !

પ્રશ્નકર્તા : દાદા, ધ્યાન બરોબર થતું નથી તો શું કરવું ?

દાદાશ્રી : ધ્યાનમાં તો હું તમને હમણાં જ બેસાડી આપું. પણ તે પછી અનંત પગથિયા રહ્યા, તો તે ધ્યાનને શું કરવાનું ? હું તમને સીધો મોક્ષમાં જ બેસાડી દઈશ, આવજો. આપણે તો રિયલ જ આખું માંગી લેવું. રિલેટિવ ધ્યાન શું કામ માંગવું ? તે તો અધૂરું છે.

પ્રશ્નકર્તા : એ તો બહુ મુશ્કેલ છે ને ?

દાદાશ્રી : હું આપનાર છું ને પછી શેની મુશ્કેલી ? એક પ્રધાનની ઓળખાણથી બધાં કામ થાય, ત્યારે આ જ્ઞાની પુરુષની 'ઓળખાણથી' શું ના થાય ? અમારે પક્ષાપક્ષી ના હોય, વીતરાગતા હોય. સાચો હોય તે ભેગો થાય તેને આપીએ.

વીતરાગ વાણી, બુદ્ધિથી પરખાય ?

પ્રશ્નકર્તા : અધ્યાત્મના અનુભવ વિશે દાદા પાસે કે કોઈ પણ વીતરાગ પુરુષ પાસે આપણે ઉત્તરો મેળવીએ તો એ બૌદ્ધિક અર્થઘટન ગણાય કે ?

દાદાશ્રી : તમારી પાસે આવ્યું એટલે બૌદ્ધિક થઈ ગયું. તમારે બુદ્ધિથી સમજવા માટે બૌદ્ધિક થઈ ગયું. બાકી આમ તો આ જ્ઞાન-પ્રકાશ છે ! બુદ્ધિ તો અમારામાં હોય જ નહીં ! એટલે અમે જ્ઞાનના 'ડાયરેક્ટ' પ્રકાશથી જ વાત કરીએ. અમારી પાસે પુસ્તકનીય વાત ના હોય.

પ્રશ્નકર્તા : વાણીમાં જે ઊતરે, તો એ એટલા અંશે બૌદ્ધિક ના થઈ ગયું કહેવાય ?

દાદાશ્રી : ના, એવો કંઈ નિયમ નથી. વાણીમાં તો 'ડાયરેક્ટ' પ્રકાશ બધોય ઊતરે અને 'ઈનડાયરેક્ટ' પણ બધોય ઊતરે. વાણીને એવી કશી લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા : વીતરાગ વાણી હોય પણ ઝીલનારી સામી બુદ્ધિ હોય તો એ વીતરાગતા સમજી શકે ખરી ?

દાદાશ્રી : બુદ્ધિ સમજી શકે ખરી પણ તે પોતાની મેળે ના સમજે, એ તો 'જ્ઞાની પુરુષ' પાસે સમ્યક્ થાય ત્યારે ઝીલી શકે.

પ્રશ્નકર્તા : ઝીલનારો જે હોય એ તો એની બૌદ્ધિક શક્તિથી ઝીલે ને ? એની મર્યાદા હોય પછી...

દાદાશ્રી : હા. એ બૌદ્ધિક શક્તિથી ઝીલે છે પણ એ 'જ્ઞાની પુરુષ'ની હાજરીમાં જ એ બુદ્ધિ પકડી શકે છે. બીજી જગ્યાએ બુદ્ધિ પકડી શકે નહીં. કારણ કે 'જ્ઞાની પુરુષ'ની હાજરીમાં નીકળેલી વાણી આવરણો ભેદી 'ડાયરેકટ' આત્માને પહોંચે છે. એટલે તરત તમારા મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર પકડી લે છે. અમારી વાણી આત્મામાંથી પાસ થઈને નીકળેલી હોય છે. જગતની વાણી મનમાંથી પાસ થઈને નીકળેલી હોય છે. એટલે એને મન 'એક્સેપ્ટ' કરે ને અહીં આત્મા 'એક્સેપ્ટ' કરે, પણ પછી પાછું મન- બુદ્ધિ એને પકડી લે.

શારીરિક વેદનાના જ્ઞાતા !

પ્રશ્નકર્તા : વીતરાગ પુરુષોને શારીરિક દુઃખ આવે. દા.ત. આપને પગનું 'ફ્રેકચર' થયું તો એમાં પોતે કેવી રીતે રહે આપ ? વેદના તો બધાને થાય એવી જ થાય ને ?

દાદાશ્રી : એમણે સ્વામીપણાના દસ્તાવેજ છે તે ફાડી નાખેલા હોય. આ મન મારું છે, એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. બુદ્ધિ મારી છે, વાણી મારી છે એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. વાણીને એ શું કહે, 'ઓરિજિનલ ટેપરેકોર્ડર'.

આ દેહેય મારો છે એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય એટલે પછી શું કહે - 'આ પબ્લિક ટ્રસ્ટ' છે. એમને અત્યારે દાઢ દુઃખતી હોય તો અસર થાય, પણ તેને 'અમે' 'જાણીએ', વેદીએ નહીં. જ્યારે કોઈ અમને ગાળો ભાંડે, અપમાન કરે, પૈસાની ખોટ જાય તેની અમને જરાય અસર ના થાય. અમને માનસિક અસર બિલકુલ હોય નહીં. શરીરને લાગતું હોય તો તે તેના ધર્મ મુજબ અસર બતાડે. પણ 'અમે' પોતે તેના 'જ્ઞાતા-દ્રષ્ટા' જ હોઈએ. અમને દુઃખ અડે નહીં.

પ્રશ્નકર્તા : આને વીતરાગ પુરુષનું તાદાત્મ્ય પૂર્વકનું તાટસ્થ્ય કહેવાય કે એકલી તટસ્થતા કહેવાય ?

દાદાશ્રી : અમને તાદાત્મ્ય બિલકુલ ના હોય. અમને આ દેહ જોડેય પાડોશી જેવો સંબંધ હોય એટલે દેહને અસર થાય તો અમને કંઈ અડે નહીં. મન તો અમને આવું હોય જ નહીં. એ કેવું હોય ? ક્ષણે ક્ષણે ફર્યા જ કરે. એક જગ્યાએ સ્થિર ના હોય.

પ્રશ્નકર્તા : એટલે કે પાડોશીના દુઃખે પોતે દુઃખી ના થાય.

દાદાશ્રી : કોઈના ય દુઃખે દુઃખી ના થાય. પોતાનો દુઃખનો સ્વભાવ જ નથી. ઊલટું એના સ્પર્શથી સામાને સુખ થઈ જાય.

આવી વર્તે કારુણ્યતા !

આપણે શું કહીએ છીએ કે સર્વ દુઃખોનો ક્ષય કરો. આ દુઃખો અમારાથી જોવાતા નથી. છતાં અમને ઈમોશનલપણું થતું નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે એનો અને એજ કારુણ્યતા છે અમારી !

વીતરાગ, છતાં રાગ ?!

શાસ્ત્રકારોએ જ્ઞાનીના પ્રત્યેક કર્મને દિવ્યકર્મ કહ્યા છે. કારણ કે પોતે સંપૂર્ણ નિર્અહંકારી, સંપૂર્ણ અકર્તાપદમાં બેઠેલા હોય છે. એટલે વીતરાગ કહેવાય. આ કાળમાં સંપૂર્ણ વીતરાગ ના હોય. અમે વીતરાગ છીએ પણ સંપૂર્ણ નથી. અમે જગતના તમામ જીવો જોડે વીતરાગ છીએ, ફક્ત અમારા જગત કલ્યાણ કરવાના કર્મ જોડે અમારે રાગ રહે છે. જગત કલ્યાણ કરવાની ખટપટ માટેનો અમને થોડો રાગ રહી ગયો છે. એ રાગ પણ કર્મો ખપાવવા પૂરતો જ છે. બાકી 'અમને' તો અમારો મોક્ષ નિરંતર વર્ત્યા જ કરે છે. 'જ્ઞાની'ને કાળ, કર્મ ને માયા અડે નહીં. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવથી અપ્રતિબદ્ધપણે વિચરે તે જ્ઞાની.

વ્યાપારી વેષે વીતરાગ !

પ્રશ્નકર્તા : સંસારથી આપ શી રીતે અલિપ્ત રહી શકો છો ?

દાદાશ્રી : સંપૂર્ણ વીતરાગતાથી. ધંધો-વેપાર કરીએ, 'ઈન્કમટેક્ષ'-'સેલટેક્ષ' બધું ભરીએ, સંસારની સેંકડો તલવારો નીચે પણ વીતરાગતામાં રહીએ. હાથ કાપી નાખે તો ય વીતરાગતા રહે.

અમે ય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધા-રોજગાર ને ઈન્કમટેક્ષ વગેરે બધુંય અમારે પણ છે. અમે કન્ટ્રાકટનો નંગોડ ધંધો કરીએ છીએ છતાં એમાં અમે સંપૂર્ણ 'વીતરાગ' રહીએ છીએ. એવા 'વીતરાગ' શાથી રહેવાય છે ? 'જ્ઞાનથી'. અજ્ઞાનતાથી લોકો દુઃખી થઈ રહ્યા છે.

અમે ધંધો કેવી રીતે કરીએ એ ખબર છે ? ધંધાની સ્ટીમરને દરિયામાં તરતી મૂકતા પહેલા પૂજાવિધિ કરાવીને સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ, 'તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઈચ્છા નથી.' પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે 'એડજસ્ટમેન્ટ' લઈ લઈએ કે છ મહિના તો ચાલ્યું ! વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુદ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય.

અંતઃકરણથી નિરંતર મુક્ત !

મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર હાજર ને હાજર રહે, તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે. વીતરાગ જ રહે.

હવે મન-બુદ્ધિ-ચિત્ત ને બધું હોય અને પોતે એમાં જાગૃત જ હોય કે 'આ' એ અને 'આ' અમે, 'આ' એ અને 'આ' અમે. અને સંપૂર્ણ વીતરાગ ભાવે રહીએ ! જ્ઞાનીને અંતઃકરણ શુધ્ધાત્મા જેવું જ થઈ જાય. એટલે બીજાને કોઈને એમ જ લાગે કે આ તો ભગવાન જેવા માણસ છે !! બાકી જેને ડખોડખલ હોય, તેને ભગવાન તરીકે લોક ના સ્વીકારે ! અને અંતઃકરણ ગયું એ ભગવાન થઈ જાય, અહીં જ ભગવાન ! અમને ચાર ડિગ્રીનું હજુ થોડુંક કાચું છે. તેની આ ભાંજગડ છે બળી ! તો તમારી જોડે બેઠા. નહીં તો બેસત કંઈ ?!

જ્ઞાની, નિર્ગ્રંથ ને શુધ્ધ ઉપયોગી !

'જ્ઞાની પુરુષ' નિરંતર શુધ્ધ ઉપયોગમાં જ હોય. 'જ્ઞાની' નિર્ગ્રંથ હોય તેથી એક ક્ષણવાર પણ એમનો ઉપયોગ ક્યાંય અટકે નહીં. મનની ગાંઠ ફૂટે ત્યારે ગાંઠવાળો તો પા કલાક, અડધો કલાક એક જ વસ્તુમાં રમણતા કરે. 'જ્ઞાની' ક્યાંય એક ક્ષણ અટકે નહીં, તેથી તેમનો ઉપયોગ નિરંતર ફર્યા જ કરે. તેમનો ઉપયોગ બહાર ના હોય. 'જ્ઞાની' ગૃહસ્થદશામાં રહે પણ ગૃહસ્થી ના હોય. નિરંતર વીતરાગતા એ જ એમનું લક્ષણ ! અમારે ઉપયોગમાં ઉપયોગ રહે.

મહીં તો એટલાં બધા છે કે ન પૂછો વાત. 'ક'વાળા છે બધા. કોણ કોણ છે એ બધા ? ક્રોધક, લોભક, ભાવક બધા બહુ જાતના 'ક' છે. એ 'ક' કરાવડાવે છે આ. અમારામાં એ 'ક' ના હોય. એક્ઝોસ્ટ થઈ ગયું હોય. હતું તો ખરું પણ એ એક્ઝોસ્ટ થઈ ગયું. એટલે આ મન જ્યારે એક્ઝોસ્ટ થઈ જાય ત્યારે પછી જ એની મજા આવે. એ વીતરાગ આનંદ, એ વાત જુદી છે. તમારે જ્ઞાન લીધા પછી એક્ઝોસ્ટ થઈ શકે, નહીં તો એક્ઝોસ્ટ થાય નહીં અને આપણું આ જ્ઞાન છે, એ નિર્વિચાર પદ છે. અહીં તો જે વિચારનું કેન્દ્ર હતું મન, તે તો જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો.

અમને ગાંઠો ના હોય. અમને લગ્નમાં લઈ જાવને તો ય અમે તે રૂપે હોઈએ. અહીં બોલાવો તો ય તે રૂપે હોઈએ. કારણ કે અમે નિર્ગ્રંથ થયેલા. વિચાર આવે ને જાય. કોઈ વખત કશો વિચાર આવે ને ઊભો રહે ત્યારે એ ગાંઠ કહેવાય છે. મહાવીર ભગવાનને કેવું હોય કે જેમ આપણે લગ્નમાં જઈએ છીએ ત્યાં આ રામ રામ કરતા'તાને પહેલાં ? તેવું એમને વિચાર રામ-રામ કરીને આગળ જાય. એવી રીતે વીતરાગોને કર્મના ઉદય હોય, એક ગયું ને બીજું આવ્યું, એક ગયું ને બીજું આવ્યું. એ નિર્ગ્રંથ હતા. તેમને કોઈ ગાંઠો નહીં. એટલે એક એક વિચારના જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાય ને તમને તો સામટું ફૂટ્યું હોય, તો શી રીતે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ?

એટલે આવું છે આ બધું ! છેવટે નિર્ગ્રંથ થવાનું છે અને આ ભવમાં નિર્ગ્રંથ થવાય એવું છે. આપણું આ જ્ઞાન નિર્ગ્રંથ બનાવે એવું છે. જે થોડી ગાંઠો રહી હશે તેનો આવતા ભવમાં નિકાલ થશે, પણ બધી ગ્રંથિઓનો ઉકેલ થાય એવો છે !

ડિસ્ચાર્જ અહંકાર, વાળ્યો જગકલ્યાણમાં !

પ્રશ્નકર્તા : દાદામાં થોડો અહંકાર તો હોય ને ?

દાદાશ્રી : એ આ પટેલમાં, જે ચાર ડિગ્રી ઓછી છે ને, તેટલો અહંકાર છે. તે અહંકારે ય પાછો કેવો ? નિર્જીવ અહંકાર, જીવતો નહીં. નિર્જીવ અહંકાર ડ્રામેટિક હોય.

ડ્રામેટિક જેમ ભર્તૃહરિ બોલે છે કે ભિક્ષા દે ને મૈયા પીંગળા અને એ અભિનય કરે છે. આંખોમાં રડે છે, પણ એ સાચું રડતો નથી. અંદરખાને જાણતો હોય કે હું લક્ષ્મીચંદ છું. એવું હું અંદરખાને જાણું છું કે હું તો મૂળ સ્વરૂપે દાદા ભગવાન જ છું. આ તો નિર્જીવ અહંકાર છે.

એ નિર્જીવ અહંકાર શું કરે ? ખમીસો પહેરે, જોડા પહેરે, અહીં મેલું થયેલું હોય તો કાઢી નખાવડાવે. ઉજળું પહેરાવડાવે, ખટપટો કરે, આવજો ચંદુભાઈ તમને જ્ઞાન આપું, હું તમને સમજણ પાડીશ. એ ખટપટ કહેવાય કે ના ખટપટ કહેવાય ? શેના હારુ ? ભગવાન 'આવજો' બોલતા હશે ? વીતરાગ કહેવાય ! એ તો 'આવજો' ને 'જજો' કશું બોલે નહીં અને મેં તો તમને કહ્યું ને કે હું તમને મોક્ષ આપીશ. એમ કહેલું ને ? શા હારુ આ ખટપટ ? એટલે અમે ખટપટિયા વીતરાગ ! આવી ખટપટો કરીએ ને વીતરાગ દશામાં રહીએ. એટલે આ ચાર ડિગ્રી અમારો અહંકાર રહ્યો છે, નિર્જીવ અહંકાર. એ ફરી સજીવન થાય નહીં, એનો પાઠ પૂરો થઈ રહ્યો, એનો જે નાટકનો ભાગ છેને, અંબાલાલ પટેલના નામનો પાઠ, તે પૂરો કરીને ખલાસ થઈ જશે.

ચિત્તની રમણતા આત્મામાં !

અમારું ચિત્ત કેવું હશે ?! એ કોઈ દહાડો સ્થાનમાંથી છૂટ્યું જ નથી !!! અમે બોલીએ ત્યારે નિરંતર આમ મોરલીની પેઠ ડોલ્યા કરે. ત્યારે ચિત્ત પ્રસન્નતા ઊભી થાય. નહીં તો મોઢું ખેંચાઈ ગયેલું હોય, જીભેય ખેંચાઈ ગયેલી હોય.

કરુણા ભર્યા વેણ ભવરોગ કાઢે !

આ જે ટેપરેકર્ડ બોલે છે, એમાં કેટલા રાગ-દ્વેષ હશે ?

પ્રશ્નકર્તા : હોય જ નહીંને રાગ-દ્વેષ.

દાદાશ્રી : હા. નહીં તો કડક શબ્દ હોય તો દ્વેષ એની પાછળ હોય. મીઠા શબ્દ હોય તો, રાગ એની પાછળ હોય. તો આ કડક શા માટે નીકળે ?

પ્રશ્નકર્તા : એનો રોગ કાઢવા માટે, સામાનું કલ્યાણ કરવા માટે.

દાદાશ્રી : હા. એક છે તે મોટા વકીલ હતા. એે શું કહે છે ? આ દાદાને મારે કોઈ પણ જાતનું ઋણાનુબંધ નથી, કોઈ પણ જાતની લેવાદેવા નથી. ધન્ય છે આ દાદાને, કેટલી કરુણા વરસે છે ! મારા પોતાના હિતને માટે આ શું બોલી રહ્યા છે ! કેટલું મગજ ઉપર બોજો આપી રહ્યા છે ! ત્યારે એ સમજદારને શું કહેવું પછી ? આનું નામ કરુણા કહેવાય. લોકો કેમ કલ્યાણ પામે ? તો તે કઠણ શબ્દથી થાય તો કઠણથી, મોળા શબ્દથી તો મોળાથી, ચીકણા શબ્દ તો ચીકણા, કોઈ પણ રીતે જેનાથી થાય તેનાથી કલ્યાણ કરવું.

પ્રશ્નકર્તા : ભગવાનની વાણી સાંભળે તો આંતરિક ફેરફાર ના થાય ?

દાદાશ્રી : આંતરિક ફેરફાર તો, એ સાંભળનારમાં કષાયરૂપી પથ્થર ઉપર પડ્યો છે, તે ઊંચકીને એ પોતે બહાર ફેંકી દે ત્યારે થાય. એટલે ખટપટિયા વીતરાગ એ પથ્થર કાઢી આપે પછી આંતરિક ફેરફાર થાય.

પ્રશ્નકર્તા : એટલે અમારા રોગ જવાનું મુખ્ય કારણ આ બન્યું ?

દાદાશ્રી : હા. નહીં તો રોગ જાય જ નહીં ને !

આ વાણી રાગ-દ્વેષ વગરની છે, વીતરાગ વાણી છે. આ વાણી સાંભળે અને જો ધારણ કરે તો તેનું કલ્યાણ જ થઈ જાય. આ વાણી જો ધારણ કરે ને તો બધો રોગ જુલાબ વાટે નીકળી જાય ! અવગુણોનાં જે પરમાણુ છે ને, એ બધાં જુલાબ વાટે નીકળી જાય !

જેવો રોગ, તેવી કડક વાણી !

વીતરાગો પણ કોઈને વઢ્યા નથી. કેવા ડાહ્યા છે વીતરાગો ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં. એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણે પણ એ જ ધ્યેય છે ને ? આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાવ, પાછળ 'દાદા' થવાના છે ત્યાં જાવ. તે 'અમારા' ભાગે આવ્યું છે. 'અમારો' ઠપકો તો 'કરુણા'નો ઠપકો છે. 'અમારો' સ્વભાવ તો વીતરાગ છે. પણ 'જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે.' જેવો સામે રોગ હોય, તેવી આ નૈમિત્તિક વાણી નીકળે.

અમારી કારુણ્યબુદ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળેય એવો છે. આ ફ્રીઝમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય ? પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચઢે. તે અમારે સોડા બધું નાખવું પડે છે ! અમને તે આવું ગમતું હશે ?!

આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે ૨૦૦૫ની સાલમાં તો બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે ! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળે ય નહીં હોય અને કોઈ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે !

પક્ષપાતથી ક્યારેય મોક્ષ ના થાય. લોકોને મોક્ષે જવું છે અને બીજી બાજુ મતમતાંતરમાં પડી રહેવું છે, પક્ષાપક્ષી કરવી છે. મારું સાચું એમ કહ્યું કે વગર બોલ્યે સામાને ખોટો ઠરાવી દે છે. કોઈને ય ખોટો કહીને તું ક્યારેય પણ મોક્ષે જઈ શકીશ નહીં. મતમતાંતર છોડી, પક્ષાપક્ષી છોડી, વાડાબંધી તોડી, જ્યારે તું સેન્ટરમાં આવીશ ત્યારે જ અભેદ ચેતનના ધામને પ્રાપ્ત કરીશ. અલ્યા, આ તો તેં પક્ષમાં પડી પક્ષના જ પાયા મજબૂત કર્યા ને તેમાં તારો અનંત અવતારનો સંસાર બાંધી દીધો ! અલ્યા, મોક્ષે જવું છે કે પક્ષમાં પડી રહેવું છે ? એક ધર્મમાં કેટલા બધા ફાંટા પડી ગયા ! ઝઘડા પડી ગયા ! કષાય ત્યાં મોક્ષ નહીં ને કષાય તે ધર્મ ના કહેવાય. પણ આ તો પક્ષને મજબૂત કરવા કષાયો કર્યા, અલ્યા, ધર્મને રેસકોર્સ બનાવી દીધો. શિષ્યોની હરીફાઈમાં પડ્યા. પેલાને પાંચ શિષ્યો તો મારે અગિયાર કરવા જ. ઘેર બાયડી ને બે છોકરાં એમ ત્રણ ઘંટ હતા તે છોડ્યા અને અહીં અગિયાર ઘંટ વળગાડ્યા ? ને ઉપરથી આખો દહાડો શિષ્યો પર કઢાપો-અજંપો કર્યા કરે, તેને મોક્ષનું સાધન કર્યું કેમ કહેવાય ?

આવી કડક વાણી અમને વીતરાગને ન હોય પણ શું કરીએ ? એમના રોગને કાઢવા, ગજબની મહીં વીતરાગતા સાથે સંપૂર્ણ કરુણાભરી વાણી સરી પડે છે ! એમાં એમનો ય દોષ નથી. એમની ઈચ્છા તો મોક્ષે જ જવાની છે, પણ અણસમજણથી અવળું થાય છે. કાળ જ બહુ વિચિત્ર આવ્યો છે. તેની આંધીમાં બધાં લપટાયાં છે.

અમને તો અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ કે અમે જાતે નિર્દોષ દ્રષ્ટિ કરીને આખાય જગતને નિર્દોષ જોઈએ છીએ !

મોક્ષમાર્ગે વાળ્યા જીવોને !

ત્યાગીઓના કષાય જે બહાર પડતા દેખાય છે ને, એ ન હોવા જોઈએ. પણ તે બહાર પડતા દેખાય છે તેથી એમ સમજાય છે કે મહાવ્રત તો નથી પણ અણુવ્રતનું કંઈ ઠેકાણું દેખાતું નથી ! કારણ કે અણુવ્રત તો ક્યારે કહેવાય કે આચાર્ય મહારાજ પાસે જૂઠું મોઢે ના બોલાય. આ તો શિષ્ય છે તે મહારાજ પાસે જૂઠું બોલે ને મહારાજે ય બોલે તો પછી સત્યનું અણુવ્રત ક્યાં રહ્યું ? મહાવ્રત તો ગયા વીતરાગોની પાસે, પણ અણુવ્રતેય ક્યાં રહ્યાં છે આજે ? વીતરાગો કહે છે કે તારી ખોટ તને જશે. અમારે તો ખોટ જવાની નથી. વીતરાગોને ખોટ જાય ખરી ? ખોટ જાય તો આ ભગવાનના કહ્યામાં નથી એમને જાય. બધાના મોઢા પર દિવેલ દેખાય, આનંદ ગયો ક્યાં ? આત્મા છે તો આનંદે હોવો જોઈએ ને ?

આપણે આ કોઈની નિંદા નથી કરતા. આપણે અહીં નિંદા હોય જ નહીં. આપણે તો વિગત સમજાવીએ છીએ, ખરી હકીકત સમજાવીએ છીએ. જે કોઈ જો મારી પાસે જાણે ને કહે કે આપની વાત ખરી છે તો એમનું કામ નીકળી જાય. મોક્ષમાર્ગ ઝટ મળી જાય ! પણ જો એ કહે કે તમારી આ વાત ખોટી છે, તો પછી છે જ ને તારો રઝળપાટ ! તારે જો ચાર ગાળો ભાંડવી હોય તો ચાર ગાળો ભાંડ. અમને વાંધો નથી. કારણ તને ના પોષાય ત્યારે બોલ અને તેનો વાંધો નથી આપણને. પણ આપણે છતું કહેવું છે કે આ જોખમદારી તું લઈ બેઠો છે. હે ભાઈ, તમે આગળ જાવ છો તે તમે મોટી ખાણમાં ગબડી પડશો એવી અમે બૂમ પાડીએ છીએ. હવે તને જો અનુકૂળ આવે તો સાંભળ નહીં તો ચાર ગાળો ભાંડીને આગળ હેંડવા માંડ !

હવે એવું નહોતા બોલ્યા વીતરાગો. અમે તો ખટપટિયા એટલે આવું કહીએ કે 'ભાઈ, આગળ ખાણમાં ગબડી પડીશ.' હવે વીતરાગો અમને કહે છે કે 'તમારે આ શી પીડા ?' તો અમને એમ થાય છે કે 'બળ્યું, આ ગબડી પડ્યા પછી એનું ક્યારે ઠેકાણું પડશે ? અમારે ભાવ જ આવો, ઈચ્છા જ આવી થઈ ગઈ છે કે કોઈ ગબડો નહીં. એમાંથી કંઈક ઉકેલ લાવો અને મોક્ષમાર્ગ અમને જડ્યો છે તો અમે તમને તેડી જઈએ. તમારી જોડે અડધો કલાક બેસીશું પણ તને અમે પાછો તેડી જઈશું.

દોષિત વાણીના તુર્ત જ પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : હવે આવું જો જેમ છે તેમ ના બોલો, તો સાંભળનારા બધા ગેરમાર્ગે દોરાય, એવું બને ને ?

દાદાશ્રી : સાંભળનારાઓ ? પણ એ બુદ્ધિનો ડખો જ ને ! વીતરાગતાને ડખો નહીં ને કશો !!

પ્રશ્નકર્તા : પણ સાંભળનારાઓ તો બુદ્ધિને આધીન જ હોય છે ને ?

દાદાશ્રી : હા. પણ મારી બુદ્ધિએ આ સાંભળનારને નુકસાન થશે એટલે નુકસાન ને નફો, પ્રોફીટ એન્ડ લોસ જોયા ને ? પ્રોફીટ એન્ડ લોસ તો બુદ્ધિ દેખાડે કે સામાને નુકસાન થશે !

અમારે તરત પ્રતિક્રમણ થઈ જવાના. અમે સાધુ-આચાર્યો બધાને નિર્દોષ જોયેલા છે. અમારે દોષિત એકુંય છે નહીં અને દોષિત અમને દેખાતો જ નથી. પણ તે દોષિત બોલાય ખરું, એટલું અમારે એની પાછળ પ્રતિક્રમણ હોય છે તરત. એટલી અમારી આ ચાર ડિગ્રી ઓછી છે ને, તેનું આ ફળ છે. બાકી નહીં તો સંપૂર્ણ વીતરાગતા વર્તે છે.

અને તમારે તો બહુ જ પ્રતિક્રમણ કરવા પડશે. હું બોલું ને, પણ અમારી જાગૃતિ રહે અને તમારાથી બોલાય નહીં આવું. જાગૃતિ હોવી જોઈએ ને મોંઢેથી બોલાય નહીં.

ગજબના જ્ઞાન અવતાર આ !

મહીં જે બેઠા છે દાદા ભગવાન, એ મારા પણ ભગવાન છે. પણ એ ઉપરીપણું ના કહે છે, 'તમે મારા ઉપરી.' મેં કહ્યું, 'કેમ એમ ?' ત્યારે કહે કે 'તમે મને બહુ દહાડા ઉપરી તરીકે ભજ્યો છે. માટે હવે મારે તમને ઉપરી તરીકે રાખવાના કે તમે આ લોકોનું કલ્યાણ કરો.' મેં કહ્યું, 'તમે કલ્યાણ કરોને !' તો કહે છે, 'મારાથી શી રીતે કલ્યાણ થાય ? મારે તો વાણી નહીં, કશુંય નહીં.' એટલે ભગવાને અમને ઉપરીનું પદ જાતે આપ્યું. તેમણે કહ્યું કે 'અમે પાત્ર શોધતા હતા, તે અમને તમારામાં દેખાયું. અમે તો હવે સંપૂર્ણ વીતરાગ થઈ મોક્ષમાં બેઠા છીએ. હવે અમે કોઈનુંય કાંઈ ધોળી ના શકીએ. માટે તમે પ્રગટ સ્વરૂપે સર્વ શક્તિમાન છો. દેહધારી હોવા છતાં સંપૂર્ણ વીતરાગ છો. તેથી અમે તમને અમારું ય ઉપરીપણું આપીએ છીએ ! ને તમે જગતનું કલ્યાણ કરો !' તે અમે ભગવાનના ય ઉપરી થયા છીએ ! ચૌદ લોકના નાથના, અમે આજે ઉપરી છીએ. સર્વસિદ્ધિ સહિત આ જ્ઞાનાવતાર પ્રગટ્યો છે ! મૂઆ, તારો દીવડો સળગાવીને ચાલતો થા. બહુ ફેંદ ફેંદ ના કરીશ.

ઝવેરી નથી તેથી હીરો સ્વમૂલ્ય વદે !

અમારી વાણી સંપૂર્ણ વીતરાગ હોય, સ્યાદ્વાદ હોય. વીતરાગને ઓળખવાની સાદી રીત તેની વાણી છે. જેટલું તમારું ઝવેરીપણું હશે, તેટલી આની કિંમત થશે. પણ આ કાળમાં ઝવેરીપણું જ ક્યાંય રહ્યું નથી. મૂઆ, પાંચ અબજના હીરાની કિંમત પાંચસો રૂપિયા કરે છે, ત્યારે હીરાને જાતે બોલવું પડે કે મારી કિંમત પાંચ અબજની છે. તેમ આજે અમારે જાતે બોલવાનો વારો આવ્યો છે કે અમે ભગવાન છીએ ! અરે, ભગવાનના ઉપરી છીએ, સંપૂર્ણ વીતરાગ !

મોક્ષદાન પામી લે, બુદ્ધિ વાપર્યા વિના !

વણતોલ્યા ને વણમાપ્યા જ્ઞાની પુરુષ તેની તું શું કિંમત કરવાનો છો ? ઘરે બાયડી તો તને ટૈડકાવી જાય છે કે તમારામાં અક્કલ નથી, તે તમે જ્ઞાની પુરુષને શું માપી શકવાના છે ? ઝવેરીપણું છે તમારામાં ? અલ્યા, મને માપવા જઈશ તો તારી જ મતિ મપાઈ જશે. એના કરતાં બધી જ આડાઈઓને વાંદરાની ખાડીમાં પોટલું વાળીને નાખી આવ અને પાંસરો થઈને, સીધો થઈને 'હું કશું જ જાણતો નથી' કહી દે અને અનંત કાળની ભટકામણમાંથી છોડાવો એમ કહે. બસ, એટલું જ કહે એટલે અમે તારો ઉકેલ લાવી નાખીશું. 'જ્ઞાની પુરુષ ચાહે સો કરે'. કારણ મોક્ષદાનનું લાયસન્સ એમના હાથમાં હોય ! અલ્યા, જ્ઞાની જગતમાં કેટલા હોય ? પાંચ કે દસ ? મૂઆ, કો'ક કાળે જ્ઞાની પાકે અને તેમાં ય અક્રમ માર્ગના જ્ઞાની તો દસ લાખ વર્ષે પાકે અને તે ય આવા વર્તમાન આશ્ચર્યયુગ જેવા કળિયુગમાં જ. લીફટમાં જ ઊંચે ચઢાવે. પગથિયા ચઢીને હાંફવાનું નહીં. અલ્યા, 'ઝબકે મોતી પરોવી લે.' આ વીજળીનો ચમકારો થયો છે ત્યારે તારું મોતી પરોવી લે. પણ ત્યારે મૂઓ દોરો ખોળવા જાય તે શું થાય ? પુણ્યૈ કાચી પડી જાય.

વીતરાગ વાણી જ આત્મકલ્યાણી !

વીતરાગ વાણી જ એકલી મોક્ષે લઈ જનાર છે. અમારી વાણી મીઠી, મધુરી હોય, અપૂર્વ હોય. પૂર્વે ક્યારેય સાંભળેલું ના હોય તેવી હોય. ડાયરેક્ટ વાણી હોય. શાસ્ત્રમાં જે વાણી હોય તે ઈનડાયરેક્ટ વાણી હોય. ડાયરેક્ટ વાણી જો એક કલાક જ સાંભળે તો સમકિત થઈ જાય. અમારી વાણી સ્યાદ્વાદ હોય. કોઈનું પણ પ્રમાણ ન દુભાય, તેનું નામ સ્યાદ્વાદ. સર્વ નય સમ્મત હોય. સર્વ વ્યૂ પોઈન્ટને માન્ય કરે. કારણ અમે પોતે સેન્ટરમાં હોઈએ. અમારી વાણી નિષ્પક્ષપાતી હોય. હિન્દુ, મુસ્લીમ, પારસી, ખોજા બધા જ અમારી વાણી સાંભળે છે ને તેમને અમે આપ્તપુરુષ લાગીએ છીએ. કારણ અમને ભેદબુદ્ધિ ના હોય. બધાંની મહીં હું જ બેઠેલો હોઉં ને ! બોલનારે ય હું ને સાંભળનારે ય 'હું' જ.

'સંપૂર્ણ રીતે સામાનું આત્મકલ્યાણ કેમ કરીને થાય' એ ભાવવાળી વાણી તે જ વીતરાગ વાણી અને એ જ એનું કલ્યાણ કરે, ઠેઠ મોક્ષે લઈ જાય !

તાપ-પ્રતાપ દાદાનો !

આ દાદા ઉપર તો એટલી બધી કૃપા છે કે કોઈથી ત્યાં એમની હાજરીમાં તો વાંકું બોલાય જ નહીં. અમે ગાળો ભાંડીએ તો ય એનાથી સામું ના બોલાય. એટલે દાદા કેવી કૃપા લઈને આવ્યા છે ! કેવી જાહોજલાલી લઈને આવ્યા છે !!

નહીં તો સામાને તો સહેજ તુંકારો કર્યો હોય ને તો વેષ થઈ પડે. પોલીસવાળાને બોલાવી લાવે, કહેશે, 'મારું અપમાન કર્યું.' 'અલ્યા, તું છે કોણ કે તારું અપમાન કર્યું કહે છે ? તું શેમાં છો ? પૂંછડું આવે તો કૂદજે, તારે ફાવે તેટલું !' આવું કહીએ એટલે એનું પાણી ઉતરી જાય ! કોણ બોલી શકે ? કેમ સામા નહીં થતા બાપજી ? વીતરાગ વાણીની કોઈ સામો ના થાય. હા, ગમે એવી ચપોડીએ તો ય વીતરાગ વાણી ! તમે ચપોડવા જાવ તો પોલીસવાળા બોલાવે ને પકડાવી દે.

વીતરાગ વાણીનું કોઈ એનું નામ દે જ નહીં ને, વઢતા હોય તો ય. કેમ એટલા બધા બેઠા હતા, એમની રૂબરૂ ન હોતો બોલતો ? પણ લોકોએ મારો ગુનો ગણ્યો હશે ? 'આ દાદા શું બોલ્યા ? આવું બોલાતું હશે ?' એવું કોઈ કરતાં હશે ?

પ્રશ્નકર્તા : ના, કોઈ નહીં.

દાદાશ્રી : શબ્દો આ જે બોલાય છે ને, તે બહુ જોર કરે. કૈડશે રાતે. પાછો વીતરાગતાથી આપેલો. ખોટું લાગે નહીં, રીસ ચઢે નહીં. તમે કોઈને 'અક્કલ વગરનો છું' કહેશો, તો એ પંદર વર્ષ સુધી તમારી જોડે બોલશે નહીં. માટે વીતરાગતા લાવો.

બીજાને કંઈ કહેવાય જ નહીં ને ! અને કહે તો તે સાંભળે નહીં ને ! વીતરાગતાથી કહેવાય. વીતરાગ વચન એટલે સામાવળીયાને ય પણ સ્વીકાર્ય હોય. એટલું વચનબળ ! સામાવળીયો હોય તો ય સ્વીકાર્ય હોય અને તો જ માણસ ફરે, નહીં તો ફરે નહીં ને ! માણસ ફેરવવો મુશ્કેલ છે. પ્રકૃતિ ફેરવવી બહુ મુશ્કેલ.

પ્રશ્નકર્તા : પણ નવેનવા આપની પાસે આવે તો ખારું લાગે જરા. દાદાનું જેને બહુ ફીટ ના થયું હોય કે દાદા પ્રત્યે જરા થોડું એ હોય, તેને દાદા બહુ કડક લાગે.

દાદાશ્રી : અરે, બહુ કડક લાગે ! અમથો બેઠો હોય ને તો ય તાપ લાગે.

ખટપટથી કરે પાંસરા, મોક્ષ કાજે !

અક્રમ વિજ્ઞાની એકલાં જ કહી શકે. બાકી જે કહેનારા હતા તીર્થંકર સાહેબો, એમને બોલવાની સત્તા ન્હોતી. એ સંપૂર્ણ વીતરાગ હતા. એટલે ખટપટિયા ન્હોતા. ખટપટિયાને બોલવાની છૂટ બધી. અમને સત્તા ય છે અને ખટપટે ય છે, બેઉ છે. એટલે લોકોને કામ લાગે.

પ્રશ્નકર્તા : એ પહેલાનાં નહીં બોલેલા, એનું કારણ શું ?

દાદાશ્રી : કહ્યું ને, એમને બોલવાની સત્તા નહોતી, ખટપટિયા ન્હોતા એટલે ખટપટિયા થાય ત્યારે બોલે. તે પાછાં એમને બે અવતાર કરવાં પડે. તે પેલા લોકો સંપૂર્ણ વીતરાગો એવું કરે નહીં.

પ્રશ્નકર્તા : આપની જે વાણી છે, જે ખટપટિયા વીતરાગની વાણી કહેવાય, તો મહાવીર ભગવાનની દેશના એમ તો ના કહે, 'તું પાંસરો રહે અગર તારી આડાઈ છોડી દે !'

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : તો એવું જ્યારે એ ના કહે તો મહાવીર ભગવાનની દેશનામાં જો અમે ગયા હોય તો અમે તો પાછાં જ આવીએ.

દાદાશ્રી : પણ એ દેશના ખાલી સાંભળવાની જ છે. આ તો તૈયાર માલ હોય ને, તે આમાંથી બે શબ્દ કાઢી લે. બીજો કાચો માલ તો કાચો જ રહ્યો. કાચો માલ તે પાછો જ જવાનો.

દેશના, ખટપટિયા વીતરાગીની !

તીર્થંકર ભગવાનની દેશના જુદી જાતની હોય, કમ્પ્લીટ સ્યાદ્વાદ વાણી ! કોઈ ધર્મનું કિંચિત્માત્ર કોઈ જગ્યાએ ખંડન ના થાય. અને અહીં તો બધી જાતના ફોડ પાડવાના ને, એટલે કોઈ ધર્મનું ક્યારેક સહેજ ખંડન થઈ જાય. દેશના ફૂલ સ્ટેજની હોવી જોઈએ. અમારી ફૂલ સ્ટેજની ના કહેવાય. સ્યાદ્વાદ વાણી ખરી પણ સ્યાદ્વાદ અસલ સ્ટેજ ઉપર નહીં બેઠેલું. ફૂલ સ્ટેજની દેશના તો એ વાણી જ જુદી જાતની હોય, એનો રસ જુદી જાતનો હોય.

પ્રશ્નકર્તા : એટલે તીર્થંકરોની પણ દેશના કહી અને આપની વાણી એ પણ દેશના જ કહેવાય છે ?

દાદાશ્રી : હા, દેશના જ.

પ્રશ્નકર્તા : તો બેનું લેવલ ફેર ક્યાં રહે છે એ સમજવું હતું.

દાદાશ્રી : એવું છે ને, આ અમારું છે તે બધું ખટપટિયું. મહાવીર ભગવાનની દેશના તો સંપૂર્ણ વીતરાગી હોય. આ દાદા ખટપટિયા છે અને હું કહું ય ખરો કે હું ખટપટિયો વીતરાગ છું. બે ભેગા થયા !

પ્રશ્નકર્તા : સાંભળનારા બધા ખટપટિયા છે, એટલે આપની દેશના ખટપટી છે ?

દાદાશ્રી : ના. સામાવાળા ખટપટિયા નહોતા. હું ખટપટિયો હતો એટલે આ બધા ખટપટિયા મને ભેગા થયા છે. જે ખટપટિયા નથી એમને હજુ ભેગો થયો નથી.

વીતરાગ, ખટપટિયા ને ચોખ્ખા !

અમે કહીએ કે, 'તમે અહીં આવજો, અમે તમને મોક્ષ આપીશું, અમે તમને જ્ઞાન આપીશું, તમને આમ કરી આપીશું.' આ એક જાતની ખટપટ જ છે ને ?

પ્રશ્નકર્તા : પણ એ કરુણાભાવ પ્રગટ થયો છે.

દાદાશ્રી : હા, કરુણાભાવ. પણ તે ય છે તે ખટપટ તો ખરી જ ને ?! કરુણાભાવ તો તીર્થંકરોમાં ય છે. પણ એ એક અક્ષરેય બોલે નહીં. કોઈ આમ ખાડામાં પડતો હોય તો ય બોલે નહીં. પોતે જ્ઞાનમાં જુએ, પણ કશું બોલે નહીં. પેલો સીધો થાય તો એને બધુંય આપે અને વાંકો થાય તો કશુંય બોલે નહીં. અને અમે તો પેલો વાંકો થાય તો કહીએ, 'ભઈ, શું કરવા વાંકો થાય છે ?' શાથી ? અમારી આમાં શી લાલચ છે ? અમને મનમાં એક ઇચ્છા છે કે અમારા જેવું સુખ આમને બધાને વર્તો. આ દુઃખમાંથી બચો. કંઈ પણ ઇચ્છા છે ને આવી, એ ખટપટપણું જ છે ને ? આને ખટપટિયું ના કહેવાય ? અમને લોક પૂછે છે ને, 'તમે વીતરાગ છો ?' ત્યારે મેં કહ્યું, 'અમે ખટપટિયા વીતરાગ છીએ.' અને મહાવીર ભગવાન ખટપટિયા નહીં, ચોખ્ખા વીતરાગ ! એટલે એ તમને મહીં મુશ્કેલી નહીં કરે. જેટલો ઉદય હોય એટલું જ કરે, પણ અમારો ખટપટિયો ઉદય હોય. ઉદય ખટપટ મિશ્રિત હોય અને ભગવાનને મિશ્રિત ના હોય. એટલે અમે ખટપટિયા વીતરાગ છીએ.

ખટપટિયા વીતરાગનો અર્થ લોકોએ પોતાની ભાષામાં નહીં લઈ જવો જોઈએ. કારણ કે તમારા હિતને માટે જ ખટપટ કરવી પડે છે. મારું પોતાનું હિત તો સંપૂર્ણ થઈ ગયેલું જ છે. એટલે ખટપટિયા વીતરાગ ! સમજાયું ને ?

પ્રશ્નકર્તા : હા. ખટપટિયા વીતરાગ વિશે હવે સમજ પડી.

દાદાશ્રી : હા. ખટપટિયા ના હોય ને, તો ગાડું કેમ ચાલે ? જલેબી ખવડાવીને વીતરાગ બનાવે. બધું ખાવ-પીવો-મઝા કરો ને વીતરાગ થાવ. રસ્તો કેવો સરળ ! સરળ માર્ગ ઉપર રાખીને વીતરાગ બનાવે.

પ્રશ્નકર્તા : આપની પાસે વિરોધાભાસ જેવી વસ્તુ જોવા મળી. ખટપટ કરનાર કોઈ દહાડો વીતરાગ હોય નહીં અને આ જોયું કે ખટપટ પણ કરે છે અને છતાં ભારોભાર વીતરાગતા છે.

દાદાશ્રી : હા. ખટપટ ના હોય તો ચાલે નહીં ને ! અને આજના લોકો ખટપટ વગર ભેગા ના થાય. જો સંપૂર્ણ વીતરાગતા હોય ને, તો મને કોઈ ભેગો જ ના થાય.

અમે ખટપટિયા છીએ. એટલે મારી ઠોકીને તમને સીધા કરીએ છીએ. તમને મારી ઠોકીને સમજણ પાડીને, તમને સીધા કરીને, પછી દવા પીવડાવી દઈએ અને ભગવાન મહાવીર એવી દવા ના પાય.

ચેતવા માટે લાલ વાવટો !

આજે એવા વ્યાપાર-ધંધા માંડ્યા છે કે જ્ઞાની પુરુષને મોઢે કહેવું પડે કે બે પગવાળાને ચાર પગ થશે ! પણ ચેતવા માટે લાલ વાવટો ધરીએ છીએ કે, આગળ ગાડી ના જવા દેશો. મોટો પૂલ તૂટી પડ્યો છે ! કરુણા આવે છે જ્ઞાની પુરુષને ! એમને દ્વેષ ના હોય પણ કરુણા આવે. આટલે સુધી ચઢ્યો તો ય વીતરાગોની પાસે અમરપદ માગું એટલી તારામાં શક્તિ છે. પણ માર્ગ રૂંધાયો તેને લીધે આ બધું ઉત્પન્ન થયું. માર્ગ તો રૂંધાય, બેસીય રહેવું પડે. તમને ગમે છે કે અમારી વાત કડક પડે છે ?

પ્રશ્નકર્તા : દાદા, બહુ ગમે છે આપની વાત.

દાદાશ્રી : વાણીએ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઈ પણ પ્રકારની કામના નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ પણ પ્રકારનો રાગ-દ્વેષ નથી એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ના હોય છતાં કોઈ મહા પુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે ક્યાંથી હોય ? એક કલાકમાં જે મોક્ષ આપે છે, એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય ?

રોગ કઠણ, તેવા શબ્દો ય કઠણ !

કોઈ લાલચ એને ના હોય એવું નહીં, એટલે એવા તો અહીં આવે ત્યારથી હું એને ચપોડું કે, 'પાંસરો રહેજે. અનંત અવતારથી માર ખાધો પણ તો ય લાલચ જતી નથી. અહીં આવ્યા પછી તારું ઠેકાણું ના પડે, તો શું કામનું ?' અમારી, 'જ્ઞાની પુરુષ'ની વાણી વીતરાગ વાણી હોય, એટલે વીતરાગતાના ચાબખા હોય. એ વાગે બહુ, અસર બહુ કરે પણ દેખાય નહીં.

જે રોગ હોય એ 'જ્ઞાની પુરુષ' દેખાડે, બીજો કોઈ દોષ ના દેખાડે. કારણ કે અમને પેલાનો રોગ મટાડવો છે. ડૉક્ટર દર્દીનો રોગ વધારે કે મટાડે ? અને અમે આ ક્યાં અમારા સારું કહીએ છીએ ? આ તો તમારા માટે 'સ્પેશ્યલી' અને તે ય વીતરાગતાથી કહીએ છીએ. શબ્દ કઠણ ના હોય તો રોગ નીકળે નહીં. રોગ શેનાથી નીકળે ? કઠણ શબ્દો અને વીતરાગતા ! શબ્દો કઠણ કેવા, તે આમ સાંધા તોડી નાખે એવા કઠણ અને છતાં સંપૂર્ણ વીતરાગતા !!

એટલે આ તો ખાલી અહીં બેસી રહે તો ય કલ્યાણ થઈ જાય. સાંભળ સાંભળ કરે તો ય અહીં કલ્યાણ થઈ જાય.

પ્રશ્નકર્તા : દાદા પાસે વાણી સાંભળવા મળે, દર્શન કરવા મળે, પણ જો અમારી આડાઈ ના નીકળતી હોય તો ?

દાદાશ્રી : એ એટલો માર ખાયા કરે.

વીતરાગ વાણી, નિમિત્તાધીન !

અને અમે લોકોને માટે જે બોલીએ એવું બોલવાનું તમે શીખશો નહીં કદી. કારણ કે અમારો વ્યવહાર-નિશ્ચય સાથે હોય અને અમારે તો બહુ જુદી જાતની જાગૃતિ હોય. ઉપયોગ જ જુદી જાતનો હોય અને પાછાં અમારી વાણીના માલિક અમે નથી હોતા. ક્યારેય પણ માલિક અમે થતાં નથી. માટે એ વાણી પરાશ્રિત છે. માટે એ સહુ સહુના હિસાબ પ્રમાણે નીકળે. પાંચ શેરી હોય તેને પાંચ શેરી વજન જેટલું વાગે છે અને સાત શેરી હોય તેને સાત શેરી જેટલું વાગે. જેટલો એનો લોડ (વજન) હોય છે એટલું કાઉન્ટર (પ્રતિપક્ષી) લોડ આપે છે આ વાણી. એટલે હું જોયા કરું કે કેમ આ મહારાજ સાહેબ તરફ બાર મણનો પથરો મારે છે ? ત્યારે મહારાજ પાસે બાર મણનો લોડ છે ? એવું છે, માટે એવું વાગે છે. હું જોયા કરું છું, બાકી મારી ઈચ્છા જ નથી.

આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. જો અમે જાતે વઢીએ તો અમે તેવા થઈ જઈએ.

આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ 'હું' બોલતો નથી. પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. 'આ' વાણી નીકળે, તે થકી 'અમે' જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે ! 'અમારી' વાણી એ ય રેકોર્ડ છે, એમાં અમારે શી લેવાદેવા ? છતાં 'અમારી' રેકોર્ડ કેવી હોય ? સંપૂર્ણ સ્યાદ્વાદ ! કોઈ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી 'આ' સ્યાદ્વાદ વાણી છે.

તમામ ફસામણથી છોડાવે !

એટલે તો ભગવાને જ કહ્યું કે, 'અમારા તો ૧૦૮ ગુણ છે પણ ખટપટિયા વીતરાગનાં ૧૦૦૮ ગુણ હોય.' એટલે અમને તો બહુ ગુણ હોય. ભગવાને કહ્યું કે, 'બુદ્ધિકળા ને જ્ઞાનકળા, બન્ને જ્ઞાની પાસે હોય અને અમારી પાસે જ્ઞાનકળા એકલી જ હોય.' છતાં ભગવાન જ્ઞાનકળા દેખાડે નહીં, એ એકલાં જાણે. અને ખટપટિયા વીતરાગ તો બુદ્ધિકળા એટલે તમે ફસાયા હો ત્યાં બુદ્ધિથી કાઢી આપે અને જ્ઞાનકળાથી ફીટ કરી આપે.

એકાવતારી બનાવે આ વિજ્ઞાન !

આ અમારા એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યાં છે ! આ સમજે અને પાંસરો હેંડ્યો તો કામ જ કાઢી નાખે !! એકાવતારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઈ જશે !! આ વિજ્ઞાનથી તો રાગે ય ઊડી જાય ને દ્વેષે ય ઊડી જાય ને વીતરાગ થઈ જવાય. અગુરુ-લઘુ સ્વભાવનો થઈ જાય એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઊઠાવાય તેટલો ઓછો છે.

ખટપટના ય પ્રતિક્રમણ !

કાયદો શું છે કે કોઈ પણ માણસને તમે જ્ઞાનની વાત કરી શકો. પણ એ જ્ઞાન ના લઈ શકે એવાં હોય, ઠંડા હોય તો તમારે ધીમું મૂકવું, વીતરાગ થવું. પણ આની પાછળ એક કરુણા છે કે 'આ અહીં સુધી આવ્યા છે તો પામોને અલ્યા ! આ આટલો તાવ છે ને દવા નથી પીતા ! દવા તૈયાર છે.' આમ કહીએ પણ તે કાયદેસર ના ગણાય. એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે. આપણે લેવા-દેવા થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરવું પડે. આને ભગવાને કરુણાના પ્રતિક્રમણ કહ્યા છે.

હવે આ કોઈને માટે જે કહેવું પડે છે ને, કે આ વ્યાજબી નથી. એવું કહ્યું તો ત્યાં સ્યાદ્વાદ ચૂક્યો. છતાં વ્યાજબી પર ચઢાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે કે આ ય વ્યાજબી છે, પેલું ય વ્યાજબી છે. ચોરે ચોરી કરી તે ય વ્યાજબી છે, આનું ગજવું કપાયું તે ય વ્યાજબી છે. ભગવાન તો વીતરાગ. ડખોડખલ કરે નહીં ને ! 'ઘાલમેલ કરે નહીં ને' !! અને અમારે તો ખટપટ બધી. અમારે ભાગે આ ખટપટ આવી.

પ્રશ્નકર્તા : પણ એય અમારા રોગ કાઢવા માટે ને !

દાદાશ્રી : હા. તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો છેને ! અમારો હેતુ અમારી જાત માટે નથી, બધાને માટે છે.

અને જોડે જોડે અમારી પ્રતીતિમાં છે કે એ દોષિત નથી. પ્રતીતિમાં નિર્દોષ છે. એ પ્રતીતિ આખીય બદલાઈ ગયેલી છે. એટલે એ નિર્દોષ છે એમ માનીને હું બોલું છું આ.

અહંકાર સામે કરુણા ધાર !

એક ફેરો 'જ્ઞાની પુરુષ' પાસે જે પેઠો અને પછી એનામાં જો ફરી અહંકારથી ગાંડપણ ઊભું થાય તો એ માર્યો જ જાય ને ?! નહીં તો અહીં પેસીશ જ નહીં, વીતરાગ રહેજે, છેટો રહેજે. છેટાવાળા બોલે તેને બહુ જોખમ નથી આવતું, પણ અહીં પેસીને અવળું બોલે તેને ગાંડો અહંકાર કહેવાય. એ ગાંડો અહંકાર પોતાને બહુ માર ખવડાવે, છતાંય અમે એને બચાવ બચાવ કરીએ ! એક જ ધાર રાખીએ, કરુણા જ રાખીએ એના ઉપર !!!

વાળવા સંપૂર્ણ પ્રયત્ન, પછી વીતરાગ !

પ્રશ્નકર્તા : આમાં કોઈ રસ્તો ના નીકળે ? તમારી લાગવગ લગાડીને જરા સીમંધર સ્વામીને કે ઋષભદેવ દાદાને કંઈ પૂછાય નહીં કે આમાંથી કેટલા જીવો નીકળવાના છે ?

દાદાશ્રી : પછી એ મને ફોન કરીને પૂછે કે તમારે આટલું બધું કેમ છે ?

પ્રશ્નકર્તા : એવું નહીં દાદા, આપણે એકવાર ફોન કરી લીધો હોય અને પૂછી લીધું હોય પછી આપને ઉપદેશ દેવામાં વાંધો નહીં ને અને એ 'હા' પાડી દે પછી ઠોકવા માંડીએ ઉપદેશ.

દાદાશ્રી : એ 'હા' કહે કે 'ના' કહે. એમના હાથમાં સત્તા જ નથી ને સત્તા 'વ્યવસ્થિત'ના તાબામાં છે. આ વ્યવહારથી કહેવું પડે કે 'વીતરાગ' !

આપણે ભાવ કેવો રાખવાનો કે કોઈ વળે તો સારું. વળ્યું તો વળ્યું અને ના વળ્યું તો બીજું શું થાય છતાં આપણે સામાને ધીમે રહીને વાત કરવી કે અમારી વાત સાંભળી તો જુઓ. આપણે સામાને માટે લાગણી બતાવીએ પણ બહુ ઊંડા ઊતરવું નહીં.

યોગ્ય વ્યવહાર ને અંદર વીતરાગ !

કોઈથી એક ડઝન ચાના પ્યાલા-રકાબી ફૂટી ગયા, ત્યાં જ્ઞાની પુરુષ તો શું કહે છે ? એને પહેલા તો પૂછે કે, 'ભઈ, કશે તું દઝાયો નથી ને ?' પછી કહેશે કે, 'જરા સાચવીને ચાલતો હોય તો ?' એટલે જ્ઞાની તો બધું કહે, પણ વીતરાગતાથી. અનુભવ જ્ઞાની તો ગમે એટલું કહે, કરે, છતાં પોતે વીતરાગતામાં રહે, વખતે મોઢે ટૈડકાવેય ખરાં પણ તો ય પોતે વીતરાગતામાં રહે. ટૈડકાવવાનું બધું સામાને આધીન હોય છે. કારણ કે એવું ના કરે તો પેલો માણસ કંઈ નવી જ જાતનું ઊંધે રસ્તે જાય એવું થાય. એટલે બેઉ જવાબદારી સાચવવાની. પેલો સામો આપણા નિમિત્તે ઊંધો થાય નહીં અને કામ ચાલવા દેવાનું.

જોવાનું ન જોયું, ન જોવાનું જોયું !

બહુ નજીક રહેતો હોય તો ય જ્ઞાનીના વ્યવહારને ઊંધો જુએ. પણ એવું ભાન રહે નહીંને માણસને ! ભાન રહે તો આવું કરેય નહીંને બિચારો ? જોખમ ખેડે નહીંને આ તો ? બહુ મોટું જોખમ કહેવાય ને ! તેથી તો પેલા ભાઈને કહેલું કે આઠ વાગ્યાથી વહેલું તમારે આવવું નહીં. અમે ચા પીતા હોઈએને, દોઢ કપ પીતા હોય કે બે કપ પીતા હોઈએ ! ત્યારે એની બુદ્ધિ બતાડશે કે આટલું બધું બે કપ પીવાની શી જરૂર ? એક પીધી હોય તો ય શું ખોટું ?

પ્રશ્નકર્તા : જોવા જેવું તો મહીલું જ છે, કે ચા પીતી વખતે આપ મહીં કેવી રીતે વીતરાગતામાં રહો છો ?

દાદાશ્રી : એવી જોવાની શક્તિ ક્યાંથી લાવે ? એ તો આપણા જ્ઞાનથી મહીં ઠંડક રહે છે એટલું જ સારું છે ને !

પ્રશ્નકર્તા : આપ તો કહો છો ને કે, એક ક્ષણ પણ અમારો મોક્ષનો ધ્યેય અમે ચૂકીએ નહીં.

દાદાશ્રી : એક મિનિટેય, એક ક્ષણેય ના ચૂકાય.

પ્રશ્નકર્તા : હવે આખું મોક્ષમાર્ગમાં રહેવું અને આ વ્યવહાર પાછો. એક એક વ્યક્તિને દુઃખદાયી ના થાય. એનો રોગ નીકળે, એટલું કડક બોલવું પડે, એ બધું કરવાનું.

બુદ્ધિ તો માર ખવડાવે !

એટલે ભગવાને કહ્યું કે, 'જ્ઞાની પુરુષ'ને આધીન થઈને ચાલવું, એમના કહેવા પ્રમાણે ચાલવું. જો ગાંડુઘેલું કહે તો પણ ચાલ્યા જજો. કારણ કે વીતરાગતા છે. પોતાની બુદ્ધિથી ના સમજાય તો નક્કી કરવું કે એમના નવ 'ઈક્વેશન' સમજાય અને એક ના સમજાયું તો એમની ભૂલ ના કાઢશો અને 'મારી ભૂલથી નથી સમજાયું' એવું જાણજો. કારણ કે નવ સમજાય તો દસમું કેમ નથી સમજાતું ? એટલે એમની ભૂલ ના કાઢશો. એ ભૂલ ભાંગીને બેઠા છે. બુદ્ધિ તો ભૂલ દેખાડે, 'જ્ઞાની પુરુષ'ની ય ભૂલ ખોળી કાઢે.

એક અવતારનું મરણ હોય તો ચલાવી લેવાય, પણ 'જ્ઞાની પુરુષ'ની વિરાધના કરે તો લાખો અવતારનું મરણ થાય છે. કોની વિરાધના, વીતરાગની ?! આ 'અંબાલાલ મૂળજીભાઈ'ને ગાળો ભાંડવી હોય તો સો ભાંડજો, તમને ના ફાવતું હોય તો ભાંડને ! બાકી સમજ્યા વગર જ લોક ગુનો કરી બેસે. માટે તો આપણે ગુપ્ત રાખવું પડ્યું, ગુપ્ત જ રાખ્યું છે !

અવશ્ય મોક્ષ પામવા...

મોક્ષે જવું હોય તો સ્વચ્છંદ નામનો અનંત કાળનો રોગ કાઢવો જ પડશે. જ્ઞાની પુરુષ વીતરાગી શબ્દો બોલે, ડફોળ કહે, તેનાથી સામાનો રોગ જાય. માટે અમારે કહેવું પડે છે કે કઈ જાતના છો ? એક વખત તો પાંસરા મરો. 'હું છું, હું છું' તે શેમાં છું તું ? કો'કના આધીન રહો ને ? ગમે તેના આધીન રહે તો પોતાને સ્વચ્છંદ તો ના રહે ને ! તેથી જ તો કૃપાળુદેવે કહ્યું કે, 'રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ.' અને આગળ પાછો સ્વચ્છંદ કાઢવાનો ઉપાય બતાવ્યો કે 'પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય થકી પ્રાયે બમણો થાય.'

શરીર છતાં અશરીરી ભાવે !

આપણી ભૂલો તો કોણ ભાંગી શકે ? 'જ્ઞાની પુરુષ' કે જે પોતાની સર્વ ભૂલો ભાંગીને બેઠા છે. જે શરીર છતાં યે અશરીરી ભાવે, વીતરાગ ભાવે રહે છે. અશરીરી ભાવ એટલે જ્ઞાનબીજ. બધી ભૂલ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાનબીજ નાશ થાય ને જ્ઞાનબીજ ફૂલ (પૂર્ર્ણ) ઊગે તે અશરીરી ભાવ. જેને કિંચિત્ માત્ર, સહેજ પણ દેહ પર મમતા છે તો એ અશરીરી ભાવ કહેવાય નહીં ને એ દેહ પરથી મમતા જાય શી રીતે ? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મમતા જાય નહીં.

સર્વસ્વ રીતે વિશ્વાસ મૂકવા યોગ્ય !

આપણે બોમ્બે સેન્ટ્રલ જવું હોય તો પછી એ ભૂલી જઈએ તો ચાલે ? એ તો યાદ રહેવું જોઈએ ને ? એમ આપણે 'નથી પૈણવું' એવો જે નિશ્ચય કર્યો છે, એ નિશ્ચય ભૂલાય નહીં. એટલે એને પૈણવાનું આવે જ નહીં. પેલા બધા પૈણાવા ફરે, છોકરો ખોળી લાવે, તો ય કુદરત તાલ ખાવા ના દે. બાકી આ સંસાર તો નર્યો દુઃખનો સમુદ્ર જ છે, એનો પાર ના આવે.

આ વાત બહુ પાયાની છે. આ તો કોઈ કહે જ નહીં ને ! આવું પોલ કોઈ ઊઘાડું કરે જ નહીં ને ! જે તદ્દન નેટ માણસ હોય, વીતરાગ જેવા હોય, તે જ આવી વાત કરી શકે. નહીં તો કોઈ ઊંડા ઊતરે જ નહીં ને ! કારણ કે બધા જ પોલવાળા, તે શું થાય ?

શંકાશીલને ય તારે જ્ઞાની !

'વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગૈબી જાદુથી !'

અલ્યા, ગુનેગારને અસર દેખાય. ગુનેગારને 'ઈફેક્ટ' થાય. અમને 'ઈફેક્ટ' જ શાની ? તે અમે ગુનેગાર જ નથી ત્યાં આગળ. તું ગમે તેટલા કાગળ લખે કે ગમે તે કરે તો મને વાંધો નથી. કાગળનો જવાબ જ નથી મારી પાસે. મારે વીતરાગતા છે. આ તો તું તારા મનમાં એવું સમજી બેસે છે. એ પછી મને કહે છે, 'તમને કશું થયું હતું ?' મેં કહ્યું, 'મને શું થાય તે ? તને શંકા પડી છે. પણ 'હું' એમાં છું જ નહીં ને ! એટલે મને વાંધો જ નથી ને !'

એટલે એ ગૈબી જાદુ લખ્યું. હવે ત્યાં આગળ લોકોને અસર થઈ જાય, પેલો કાગળ લખે તો ?

પ્રશ્નકર્તા : હા, બીજો કોઈ હોય તો એ હાલી જાય.

દાદાશ્રી : પછી એ શિષ્યનું શું થઈ જાય ? અને આ તો ગોબો જ પડ્યો નથી એને અને એની 'વાઈફ'ને ય ગોબો નથી પડ્યો. કશું કોઈને ય ગોબો પડ્યો નહીં અને વખત જતો રહ્યો. શંકાનો વખત તો જતો રહેશે ને, એક દહાડો ? શંકા કંઈ કાયમ રહેતી હશે ?

કવિએ બહુ ભારે વાક્ય લખ્યું છે ને, કે શંકા કેવી છે ? સાચી શંકા નથી આ, પણ વિપરીત બુદ્ધિની શંકા છે આ ! અને અમે 'જ્ઞાની પુરુષ', તે અમારી ઉપરેય શંકા કરી ? જ્યાં બધું નિઃશંક થવાનું, જે પુરુષે આપણને નિઃશંક કર્યા, તેની ઉપરેય શંકા ?! પણ આ તો જગત છે, શું ના કહે ?! તે શંકા પાછો હું સૂણું તેય ગેબી જાદુથી અને પછી પાછો વીતરાગતાથી જોઉં.

... ત્યાં વીતરાગતાપૂર્વક વ્યવહાર !

પ્રશ્નકર્તા : આપની સામે કોઈ રિસાય તો એના પ્રત્યે આપ કેવી રીતે રાખો ?

દાદાશ્રી : બિલકુલ વીતરાગ ભાવથી ! ખેંચ-બેંચ અમને નહીં, એને મનાવવાની ભાવના નહીં. આપણને એમ લાગે કે મનાવવાથી વાંકું થાય એવું છે, તો બિલકુલ બંધ ! અને આપણને લાગે કે મનાવ્યાથી સીધું થાય એવું છે, તો એકાદ શબ્દ અમે કહીએ કે, 'ભાઈ, અમારી ભૂલચૂક થઈ હોય તો બેસોને, નિરાંતે. ભૂલચૂક તો મારી ય થાય ને તમારી ય થાય.' એમ કહીને એને બેસાડીએ. પણ ખેંચ નહીં, વીતરાગતા હોય. નિરંતર વીતરાગતા હોય ! અને એના તરફ કિંચિત્માત્ર અભાવ નહીં અને ભાવ નહીં અને પછી 'દાદા ભગવાન'ને કહી દેવાનું કે એની પર કૃપા ઉતારો અને 'ચંદુભાઈ' અને 'ચંદુભાઈ'ના મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ- નોકર્મથી ભિન્ન એવા 'એના શુધ્ધાત્મા'ને કહી દઉં કે 'ચંદુભાઈ'ની ઉપર કૃપા ઉતારો. તે બધા 'કનેક્શન' હું મેળવી આપું. પછી વીતરાગતાથી રહું. એ રિસાયેલો ને હું આ સીધો, વ્યવહાર ચાલ્યા કરે ! થોડો વખત એ મૂંઝાયા કરે, પછી નીકળી જાય બધું.

પ્રશ્નકર્તા : તો દાદા, એવું ખરુંને કે રિસાળ માણસ હોય તેને સામેથી જો પ્રોત્સાહન ના મળે તો એની રીત એને આપોઆપ છોડવી પડે ?

દાદાશ્રી : અમે પ્રોત્સાહન આપીએ નહીં. કોઈ દહાડો ના આપીએ, જરાય ના આપીએ. પ્રોત્સાહનથી માણસ અવળું થાય છે. આ છોકરાં જોડેય વીતરાગતાથી રહેવાથી તે બહુ સારા થાય છે. એ છોકરાંને ય પ્રોત્સાહન આપીએ તો છોકરા અવળા ચાલે. વીતરાગતા જોઈએ ! છોકરાં આવે એટલે હાથ ફેરવવો, ના આવે તો કંઈ નહીં એવું ! આવે તો હાથ ફેરવવો ને 'હીટ હીટ' કરે તો કંઈ નહીં. પછી ફરી આવે તો એના ઉપર હાથ ફેરવવો. એ કશું કરે એ આપણે ધ્યાનમાં લેવાનું નહીં, આપણે વીતરાગ રહેવું. એ કશું કરે તેને આપણે ગણવાનું નહીં, નોંધ કરવાની નહીં.

પ્રશ્નકર્તા : એ બહુ મોટી વસ્તુ છે ને !

દાદાશ્રી : નોંધ નહીં ! નોંધ તો ક્લેશ કરાવડાવે. નોંધ જરાય નહીં. કોઈના હારુ નોંધ નહીં કરવાની. આ બધાને અમે વઢીએ, પણ નોંધ નહીં. એક કલાકેય નોંધ નહીં. નોંધ રાખીએ તો અમારું મગજ બગડી જાય. અમે તો નોંધપોથી જ કાઢી નાખેલી.

ને તમામ દોષોમાંથી છોડાવે !

અને દોષ અમને કહેને એની સાથે જ છૂટી જાય અને અમારે કંઈ એની જરૂર નથી. તમારે છૂટવાનો રસ્તો છે એક આ. કારણ કે વીતરાગો સિવાય દોષ કોઈ જગ્યાએ કહેવાય જ નહીં. કારણ કે જગત આખું દોષિત જ છે. અમને તો આમાં નવીનતા ય ના લાગે કે આ ભારે છે કે આ હલકો છે. એવું બોલેય નહીં અમારી પાસે તો ય અમને તો એક જાતનું જ લાગે છે. ભૂલ તો થાય માણસ માત્રની, એમાં ગભરાવાનું શું ? ભૂલ ભાંગનારા છે ત્યાં કહીએ મારી આવી ભૂલ થાય છે તો એ રસ્તો બતાવે.

પ્રશ્નકર્તા : વીતરાગના પાણીથી ગમે તેવા ડાઘા જતા રહે.

દાદાશ્રી : હા, ડાઘા એટલે પણ આ કપડાના નહીં, એ તો સાબુથી જાય બધા, એ મનનાં ડાઘાં જતા રહે. મનનાં, બુદ્ધિના જે ડાઘા પડ્યા હોય ને, અંતઃકરણમાં જે ડાઘા પડ્યા હોય એ વીતરાગ પાણીથી જતા રહે.

વીતરાગ થકી, થવાય વીતરાગ !

વીતરાગ એટલે જેને આપણે ગાળો ભાંડીએ તો જેને દ્વેષ નથી ને ફૂલો ચઢાવીએ, પગ દબાવીએ તો જેને રાગ નથી, એનું નામ વીતરાગ.

પ્રશ્નકર્તા : પણ એ થાય કેવી રીતે ?

દાદાશ્રી : કોણ ?

પ્રશ્નકર્તા : વીતરાગ.

દાદાશ્રી : આ થયેલો છું ને, દેખાય છે ને તમારે.

પ્રશ્નકર્તા : અમે કેવી રીતે વીતરાગ થઈએ ?

દાદાશ્રી : એ એવું છેને, જે વીતરાગ હોય એ બીજાને વીતરાગ બનાવી શકે. જે તરેલો હોય તે બીજાને તારી શકે. હું મોક્ષનું દાન આપવા આવ્યો છું. એ જેને જરૂર હોય તે લઈ શકે છે અને તે નિમિત્ત છું પાછો. પછી નિમિત્ત ના હોઉં ત્યારે તમને હરકત થાય કે ભઈ, આ આટલું રહી ગયું, આટલું રહી ગયું, એનો ઉપકાર ક્યારે ભૂલીશું ? આ તો એવું કશું છે નહીં. નિમિત્ત જ છું, તમારું જ છે ને તમને આપવાનું છે !

વિધિમાં પ્રાપ્તિ અનેકગણી !

પ્રશ્નકર્તા : તમે અમને વિધિમાં શું આપી દો છો ?

દાદાશ્રી : આપે એ તો ભિખારી થઈ જાય. અમે આપીએ નહીં તેમજ અમે સ્વીકારીએ ય નહીં, અમે વીતરાગ હોઈએ. તેથી તમે આપો તે સો ગણું થઈને તમને પાછું મળે. તમે એક ફૂલ આપો તો તમને સો મળે ને એક ઢેખાળો આપો તો તે સો મળે !

આપણી વચ્ચે, પ્રત્યક્ષ વીતરાગી પુરુષ !

પ્રશ્નકર્તા : વીતરાગ કોણ હોઈ શકે ને વીતરાગની કેવી દશા હોય એના વર્ણનો શાસ્ત્રોમાં વાંચેલા, દેહધારી વીતરાગ જોવા નહીં મળેલા.

દાદાશ્રી : ના મળે. વીતરાગનાં તો દર્શન કરવાનાં ના મળે. આ કાળમાં તો હું નાપાસ થયેલો, તે રખડી મર્યો છું. એટલે આ બધાને દર્શન કરવાના મળ્યા. નહીં તો આ કેવળજ્ઞાનમાં થોડું નજીક પહોંચેલા, એમના દર્શન કરવાનાં ય ના મળે. આ તો દર્શન કરવાના મળ્યા તો વીતરાગતાનું વર્ણન સમજી શકે કે વીતરાગતા કેવી હોય ? અને અમે તેવું રહીએ.

જુઓને, કોઈની જોડે મતભેદ કે કશી ભાંજગડ છે અમારે ? સામો અવળું બોલે તો ય કશી ભાંજગડ છે ? અમને આવડે - એની જોડે કેવી રીતે 'ડિલીંગ' કરવું તે ! વીતરાગ રહેવું અને 'ડિલિંગ' કરવું, બેઉ સાથે રાખવું. 'ડિલિંગ' પુદગલ કરે અને અમારે વીતરાગ રહેવાનું ! એટલે વીતરાગતા જોવાની મળી આ કાળમાં જો સમજે તો ! ઊંડા ઉતરેને તો 'પ્યૉર' વીતરાગતા જોવાની મળે ને અમારે જરાય નોંધ નહીં રાખવાની. આપણે થઈ ગયું એ પછી નોંધ નહીં રાખવાની.

પ્રશ્નકર્તા : વખાણ થાય, ફૂલ ચઢાવે તેની ય નોંધ નહીં ને પથ્થર મારે તેની યે નોંધ નહીં ?

દાદાશ્રી : હા. નહીં તો નોંધપોથી ભેગી થતી થતી થતી પરિણામ અવળું આવે બધું ને એના તરફ દ્રષ્ટિ બદલાય જાય તમારી. તમને તો એ જુએ ને, તો એને તમારી દ્રષ્ટિ ફેરફારવાળી લાગે. નોંધ થઈ તેની સામાને ખબર ના પડે કે આણે નોંધ રાખી છે. ગઈ ફેરે મેં સહેજ વાત કરી હતી તેની નોંધ છે એમને, એવું તરત ખબર પડે. આ લોકોને જોતા બહુ આવડે, બીજું તો ના આવડે, પણ આમ સામાની આંખ જોતાં બહુ આવડે કે શેની નોંધ રાખી છે ! પણ એ અમારી આંખમાં વીતરાગતા દેખે એટલે તરત સમજી જાય કે એ જ છે 'દાદા', હતા તેના તે જ ! અમારી આંખમાં વીતરાગતા દેખાય. જેમ ખરાબ ચારિત્રનો માણસ હોય ને એની આંખ ઉપરથી ઓળખાય, લોભિયો હોય તો ય એની આંખ ઉપરથી ઓળખાય, એવી રીતે વીતરાગ પણ એની આંખ ઉપરથી ઓળખાય. એમની આંખમાં કશા ચકલા રમતા ના હોય. કોઈ જાતનાં ચકલા રમે નહીં ! એટલે નોંધ અમને ના હોય.

વ્યવહારમાં બેઠાં વીતરાગ !

વ્યવહારને જે સાચો માનીને રહ્યા તેમને પ્રેશર ને હાર્ટએટેક ને એવું બધું થઈ ગયું ! ને વ્યવહારને જૂઠો માનીને રહ્યા તે તગડા થઈ ગયા ! બેઉ કિનારાવાળા રખડી પડ્યા !

વ્યવહારમાં બેઠા 'અમે' 'વીતરાગ' છીએ !!

જ્ઞાની, રાગમાં ય વીતરાગ !

જ્ઞાનીઓનો સમભાવ તો જગતે જોયો જ ના હોય. જ્ઞાનીની તો રાગમાં વીતરાગતા હોય. જગત વીતરાગતામાં વીતરાગતા ખોળે. ખરું તો રાગમાં વીતરાગતા જોઈએ.

અજ્ઞાનીની સાહજિકતા રાગ-દ્વેષવાળી હોય, જ્યારે 'જ્ઞાની'ની સાહજિકતા 'વીતરાગ' હોય !

.... તેનું કલ્યાણ થઈ જશે !

પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતા વાંચતા 'દાદા' દેખાય છે.

દાદાશ્રી : હા.... 'દાદા' દેખાય. 'એક્ઝેક્ટ' 'દાદા' દેખાય. જ્યાં ઈચ્છા કરે ત્યાં 'દાદા' દેખાય એવા છે અને આપણું ફળ મળે એવું છે. આ 'દાદા' ન્હોય, આ દેખાય છે એ તો ભાદરણના પટેલ છે. એ બોલે છે તે ય 'દાદા' નહીં, એ તો 'ટેપરેકોર્ડ' બોલે છે. 'દાદા' એ 'દાદા' છે ! જે વીતરાગ છે, ચૌદ લોકનો નાથ છે !! જેને 'અમે' પણ ભજીએ છીએ. જે મહીં વીતરાગ બેઠા છે તે 'દાદા' છે. આ તો મહીં પ્રગટ થઈ ગયા છે. કેટલાય લોકોનું કલ્યાણ થઈ જશે. હાથ અડાડશેને તેનું કલ્યાણ થઈ જશે ! આ 'અક્રમ વિજ્ઞાન' છે. અત્યારે ક્રમિક ચાલે એવું નથી.

આપ્તવાણી, વાણી વીતરાગની !

પ્રશ્નકર્તા : આપની 'આપ્તવાણી' વાંચતાં પરિણામ એટલું સરસ થાય છે કે વાંચ્યા જ કરીએ.

દાદાશ્રી : આ 'જ્ઞાની પુરુષ'ની વાણી છે ને પાછી તાજી છે. હમણાંના પર્યાય છે એટલે એ વાંચતાં જ આપણા બધા પર્યાયો બદલાતા જાય તેમ આનંદ ઉત્પન્ન થતો જાય. આમ કરતાં કરતાં એમને એમ સમકિત થઈ જાય કોઈને ! કારણ કે આ વીતરાગી વાણી છે. રાગ-દ્વેષ રહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. ભગવાનની વાણી વીતરાગ હતી. તેની અસર આજ સુધી ચાલે છે. ૨૫૦૦ વર્ષ થયા તો ય તેની અસર થાય છે તો 'જ્ઞાની પુરુષ'ની વાણીની ય અસર થાય, બે-ચાર પેઢી સુધી તો થાય જ.

વીતરાગતા, ભવઅંત ઉપાય !

પ્રશ્નકર્તા : આપની વાણી ક્યારે ટેપ થઈ હશે ?

દાદાશ્રી : ગયા ભવમાં ટેપ થયેલી, તે આ ભવમાં બોલાય છે.

પ્રશ્નકર્તા : વાણી એ સૂક્ષ્મનું સ્થૂળ થયેલું છે ?

દાદાશ્રી : હા, સૂક્ષ્મનું સ્થૂળ થયેલું છે.

પ્રશ્નકર્તા : શરૂઆતમાં સૂક્ષ્મ ક્યાંથી ઊભું થયું ?

દાદાશ્રી : એ પેલા સ્થૂળમાંથી પાછું સૂક્ષ્મ ઉત્પન્ન થાય છે. સ્થૂળ હોય તેમાં રાગ-દ્વેષ થવાથી પાછું ફરી નવું સૂક્ષ્મ ઊભું થાય છે. જો એક જ અવતાર વીતરાગ રહો તો ખલાસ થઈ ગયું બધું ! પણ પાછું બીજ નાખ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ આવે તે વખતે પોતે જાગૃત અવસ્થામાં રહે તો પછી એનો બંધ ના પડે ને ?

દાદાશ્રી : જાગૃત રહે શી રીતે ? એ પોતે જ આંધળો તે બીજાને આંધળા બનાવ્યા છે ! જ્યાં સુધી અજવાળું ના થાય, સમકિત ના થાય, ત્યાં સુધી જાગૃત કહેવાય નહીં ને ? સમકિત થાય ત્યાર પછી કામ ચાલે. સમકિત ના થાય ત્યાં સુધી સંયમ પણ નથી. વીતરાગોનો કહેલો સંયમ ક્યાંય હોય નહીં, આ તો લૌકિક સંયમ છે.

પ્રશ્નકર્તા : એ સરાગ ચારિત્ર છે ?

દાદાશ્રી : સરાગ ચારિત્ર તો બહુ ઊંચી વસ્તુ છે, જ્ઞાનીઓ સરાગ ચારિત્રમાં કહેવાય અને જ્ઞાનીઓ સંપૂર્ણ વીતરાગ થઈ જાય પછી વીતરાગ ચારિત્ર થાય.

એ એકલા જ દેહાધ્યાસ છોડાવે !

જ્ઞાની પુરુષ સિવાય દેહાધ્યાસ છૂટે જ નહીં. કોઈ માણસ એવો નથી કે જેનાથી દેહાધ્યાસ જાય. જ્ઞાની પુરુષ વીતરાગ હોય એ એક સ્વ પરિણતિમાં જ નિરંતર રહે. એ દેહમાં રહેતા નહીં હોવાથી, મનમાં રહેતા નહીં હોવાથી, બુદ્ધિમાં રહેતા નહીં હોવાથી, અહંકારમાં રહેતા નહીં હોવાથી જ્ઞાની પુરુષ એકલા જ દેહાધ્યાસ છોડાવે. બીજો કોઈ દેહાધ્યાસ છોડાવી શકે નહીં. આખું જગત દેહાધ્યાસમાં જ પડેલું છે.

એ ઉપદેશમાં જોખમદારી !

પ્રશ્નકર્તા : આપને પહેલા વ્યવસ્થિત સમજાયું હશે, પછી આ જ્ઞાન આપવા માંડ્યું ને ?

દાદાશ્રી : હા, પછી જ આપેલું ને ! 'વ્યવસ્થિત' મારા અનુભવમાં કેટલાય અવતારથી આવ્યું છે અને ત્યાર પછી મેં આ બહાર આપ્યું. નહીં તો અપાય જ નહીં ને ! આમાં તો જોખમદારી આવે. વીતરાગોનો એક અક્ષરેય બોલવો અને કો'કને ઉપદેશ આપવો મોટી જોખમદારી છે.

આ કાળને અનુરૂપ, વીતરાગ વિજ્ઞાન !

અક્રમ વિજ્ઞાન શું તારણ કહે છે ? કર્તાનો આધાર છૂટી ગયો એટલે કર્મ પડી ગયા. નિરાધાર થાયને તો કોઈ વસ્તુ રહે નહીં અને કર્તા નથી ત્યાં કર્મ હોય નહીં. અને આ જ આખું ચોવીસ તીર્થંકરોનું વીતરાગ વિજ્ઞાન છે. છતાં દરેક તીર્થંકરનો પોતપોતાના કાળના પ્રમાણે ઉપદેશ અપાયેલો. અત્યારે ચોવીસે તીર્થંકરોનો ભેગો ઉપદેશ અપાય છે. જે ચોવીશ તીર્થંકરોના વખતથી રખડી પડેલો માલ તે આ ભેગો છે, તે આ ભેગું જ્ઞાન છે, વીતરાગ વિજ્ઞાનનું, એટલે દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જાય.

કરેક્ટનેસ-કચાશ, જેમ છે તેમ કહી !

હું 'ટોપ' ઉપર જઈને આ બધી વાત કરું છું ! જગતના લોકોએ જે વાત કરેલી છે તેમાં કેટલાંક લોકોએ ડુંગરની તળેટીમાં રહીને વાત કરેલી છે, કેટલાંકે પાંચ ફૂટ ઉપર ચઢીને વાત કરી છે, તો કેટલાંકે દસ ફૂટ ઉપરથી વાત કરી છે અને હું એટલે સુધી ચઢ્યો છું કે, મારું ડોકું ઉપરના 'ટોપ'ને જુએ અને નીચેનો બધો જ ભાગ દેખાય ! જ્યારે વીતરાગોએ તો 'ટોપ' ઉપર ઊભા રહીને વાત કરી છે ! 'ટોપ' ઉપર સંપૂર્ણ સત્ય છે ! આ હું જે કહું છું, તેમાં કંઈક સહેજ ખામી આવે. કારણ કે 'ટોપ' ઉપરનું બધું ના જોઈ શકું. 'ટોપ' ઉપરની તો વાત જ જુદીને !!

કેવળજ્ઞાનમાં, જોઈને જવાબ !

કેવળજ્ઞાન જેને થયું તે કેવળજ્ઞાનની વાત કરવા રહ્યા નથી. કારણ કે સંપૂર્ણ વીતરાગ થઈ ગયા અને બીજા બધાને જે જ્ઞાન થયું એ અલૌકિકમાં પેઠેલા જ નહીં. આ જે અમારી વાત છે ને, તે વ્યવહારમાં કામ લાગે એવી બધી વાતો છે. કારણ કે આ કેવળજ્ઞાનથી કહેલી વાતો છે. જે અત્યાર સુધી લોકોએ કહી નથી, તેવી કેવળજ્ઞાનથી કહેલી આ વાતો છે. આ વાત તીર્થંકરો કહી શકત, પણ તે કહેવાને માટે તો નવરાશ જ નહોતી. વીતરાગ, સંપૂર્ણ વીતરાગ હતા ! એટલે આ વ્યવહારની વાતો જે બોલું છું ને, તે જ્ઞાનમાં જોઈને કહું છું. ચોપડીની વાત નથી ને કશાની વાત નથી ! જ્ઞાનમાં જોઈને કહું છું એટલે તરત કામ લાગી જાય ! એમનો સત્તા વાપરવા માટેનો દેહ જ ન હોય. એ તો 'દર્શન કરવાનો' દેહ. છેલ્લાં દર્શન ! વીતરાગ !! સંપૂર્ણ વીતરાગ !!! જેમ પૂનમનો ચંદ્ર હોય ને !!! અમે ચૌદશ કહેવાઈએ !

- જય સચ્ચિદાનંદ