વાળવી, વિખરાયેલી ચિત્તવૃત્તિઓ...

સંપાદકીય

કેટલાય માણસોને આ એક મુશ્કેલી તો આવ્યા જ કરતી હોય છે કે માળા કરવા બેસું છું કે ભગવાનનું નામ લેવા બેસું છું ત્યારે મારું મન ભટકે છે. તેથી પછી મનની શાંતિ શોધે છે અને મનને સ્થિર કરવાનાં જાતજાતના ઉપાય પણ કરે છે. પણ તે બધા નિષ્ફળ જાય છે. કેમ ? મૂળમાં મન ભટકતું નથી પણ ચિત્ત ભટકે છે. કારણ ? ચિત્ત અનાદિથી પોતાનું આત્મસુખ શોધે છે પણ તે મળતું નથી. તેથી દુનિયાની ભિન્ન ભિન્ન પદાર્થોમાંથી સુખ શોધે છે અને ભટક્યા કરે છે. ચિત્તવૃતિ ભટકવાની અટકે ક્યારે ? પોતાનું આત્મસુખ ચાખે, પોતાનું નિજઘર જડે તો અને આત્મજ્ઞાન વિના આત્મસુખ ચખાય એવું નથી. એટલે આત્મજ્ઞાની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારથી ચિત્તશુધ્ધિ થાય છે અને ચિત્તવૃત્તિઓ નિજઘર પાછી ફરવા માંડે છે, પોતાનું આત્મસુખ ચાખે છે ને ચિત્તવૃત્તિઓ વિશ્રામ પામતી જાય છે.

ચિત્તવૃત્તિઓ વિખરાવાથી જીવાત્મદશા ભોગવે છે અને આત્મઐશ્વર્ય ખલાસ થતું જાય છે ને સંસારમાં ભટકે છે. જેમ જેમ ચિત્તવૃત્તિઓ શુધ્ધતાને પામતી જાય છે તેમ તેમ આત્મઐશ્વર્ય પ્રગટ થતું જાય છે ને બધી ચિત્તવૃત્તિઓ આત્મામાં આવી ગઈ તો થઈ ગયો પરમાત્મા !

આ જ્ઞાન લીધા પછી મહાત્માઓને બાકી રહેલું અશુધ્ધ ચિત્ત જે ભરેલો માલ છે, તે હવે જેમ જેમ જ્ઞાતા-દ્રષ્ટા ભાવે રહેવાશે તેમ તેમ તે શુધ્ધ થતું જશે. એટલે જ્યારે જ્યારે ચિત્તવૃત્તિ પોતાના આત્મસ્વરૂપ સિવાય ક્યાંય પણ જાય છે, ઝલાય છે, તેને જ્ઞાન જાગૃતિપૂર્વક જુદી જોવાની છે. જેટલું બહાર જતી ચિત્તવૃત્તિને જુદી જોઈશું, તેટલી વાર શુધ્ધ થઈ સ્વરૂપમાં પાછી આવતી જશે અને બહાર ભટકતી બંધ થતી જશે.

એ ચિત્તવૃત્તિઓ ક્યાં ક્યાં બહાર જતી રહે છે તે જડે શી રીતે ? જ્ઞાનના કેવા પુરુષાર્થથી એ ચિત્તવૃત્તિઓ સ્થિર થતી જાય ? તે સર્વ ફોડ પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીમાં પ્રાપ્ત થાય છે. જે ચિત્તવૃત્તિઓને ખૂણેખાંચરેથી વાળી આત્મસ્વરૂપમાં લાવવાનો પુરુષાર્થ જગાડશે !

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

ચિત્તવૃત્તિઓ...

ચિત્તવૃત્તિ શોધે સુખ જ !

જો સુખ ક્યાંય જડતું નથી ! આટલાં પૈસા છે, તો ય પૈસામાં સુખ પડતું નથી, બૈરી છે એમાં ય સુખ પડતું નથી ! એટલે વળી પાછાં બોટલ મંગાવીને, જરા પીને સૂઈ જાય છે ! સુખ તો માણસે જોયું જ નથી ને ! જીવમાત્ર શું ખોળે છે ? સુખને જ ખોળે છે. કારણ કે એનો સ્વભાવ જ સુખનો છે. ચિત્તવૃત્તિ સુખ જ ખોળે છે કે આમાં સુખ આવશે, જલેબીમાં સુખ આવશે, અત્તરમાં સુખ આવશે, સિનેમામાં સુખ આવશે. એ ચાખ્યા પછી પોતે નક્કી કરે કે આમાં કંઈ જ સુખ નથી. પછી પોતે એ બધું છોડ છોડ કર્યા કરે ને આગળ નવું ખોળતું જ જાય, પણ એને તૃપ્તિ ના થાય. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સંતોષ એનું નામ કે ઇચ્છા પૂરી થાય એટલે સંતોષ થાય. જમવાની ઇચ્છા થઈ, પછી આપણે જમ્યા એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ એટલે એને ફરી ઇચ્છા જ ના થાય.

રહસ્ય, ભટકામણ ચિત્ત તણાના...

ચિત્ત શાથી ભટકે છે ? કારણ કે સુખ ખોળે છે કે મારે ઘેર સુખ હતું ને આ બધું કેમ? આમાં હશે, આમાં હશે, આ સોફાસેટમાં સુખ હશે. આમાં હશે, તેમાં હશે એવું ભટક ભટક કરે છે અને પછી અનુભવ કરે છે. સોફાસેટ લાવીને પછી, અહીં લાવે એટલે એને એમાં સુખ ના રહે. પછી પાછું બીજું કંઈ ખોળી કાઢે.

બંગલો બંધાતા સુધી ચિત્ત એમાં રહે. બંગલો બંધાઈ જાય પછી કશું જોઈતું નથી. બંગલો બંધાઈ રહ્યો એટલે પછી ગાડીની ચિંતા થાય. આમ ચિત્ત ભટક, ભટક, ભટક થાય.

એટલે એ તો આપણે એક લાઈન દોરી બાંધીએ, લિમિટ રાખીએ તો એનો ઊકેલ આવે, નહીં તો આનો કંઈ ઊકેલ આવે એવો નથી. એક મકાન બાંધી દેવું છે ફક્ત રહેવા પૂરતું, બીજું કશું પછી ગાડી જોઈતી નથી એવું નક્કી કરીએ, નહીં તો આનો પાર જ નથી આવે એવો, અપાર છે.

પ્રશ્નકર્તા : આ ટેમ્પરરી સુખ લાગે છે એટલે અંદર જાય છે ને ?

દાદાશ્રી : એવું છે ને, પરમેનન્ટ સુખ છે એવું ભાન નથી રહ્યું પોતાને. અને ટેમ્પરરી જે કંઈ આવે છે તે સારું લાગે છે. મહીં કેરી ખાય ખરો, પણ સહેજ ખાટી છે, એટલે પછી ત્યાં છોડી દે પાછો. બીજી એથી મીઠી ખોળી કાઢે. એટલે આ કોણ ? ચિતવૃત્તિ ખોળે છે કે આમાં સુખ છે ? આમાં સુખ છે, આમાં સુખ છે ! પછી એમાં નથી લાગતું એટલે પછી નાખી દે છે. પછી થોડા દહાડા ભાવતું ખાય ને તો આ સુખ કેવું થાય ? સુખનો ય અભાવ થાય પછી. તે લગ્નમાં પંદર પંદર દહાડા જમાડોને ત્યારે કંટાળીને નાસી જાય ને ઘેર ખીચડી ખાય. અલ્યા, સરસ જમવાનું હતું તો ય ? ત્યારે કહે, 'ના, એ કંઈ કાયમ ભાવતું હશે ?!' તો જે સુખનો અભાવ થાય ને એ સુખને સુખ ગણાય જ નહીં. એ સુખની ડેફિનેશનમાં ના ગણાય.

આંજણ આનંદતણા અંજાયે આત્મસંગ રે...

પ્રશ્નકર્તા : દરેક વ્યક્તિ આત્માનો આનંદ નથી શોધતો ?

દાદાશ્રી : એણે જેમાં આનંદ ચાખ્યો છે ને, ત્યાં ચિત્તવૃત્તિ જાય. ચિત્તવૃત્તિ એક ફેરો જાણતી થાય કે આત્મામાં આનંદ છે, ને જો ચાખ્યો હોય તો જ આત્મામાં જાય. પણ ચાખ્યો ના હોય ને ત્યાં સુધી જેમાં આનંદ ચાખ્યો હોય, તેમાં ચિત્તવૃત્તિ જયા કરે. બહારનો આનંદ ચાખ્યો હોય તો એમાં જતી રહે.

જ્ઞાની પુરુષ મળે, એ સંગ મળે ત્યારે ચિત્તને ત્યાં આનંદ થાય કે બીજે હતા, તેનાં કરતાં આ આનંદ કંઈક સારો લાગે છે. બીજે જે આનંદ કરીએ છીએ, તેના કરતાં અહીં આગળ આપણને કંઈક વિશેષ પ્રકારનો આનંદ થાય છે; કંઈ નવી જ પ્રકારનો, નિરાંતવાળો, આપણને નિરાંત જેવું લાગે, નિરાકુળતા લાગે.

ખાલી અહીં અંગૂઠો અડી ગયો હોય તોય કલ્યાણ થઈ જાય એવું છે. અમથો અંગૂઠે હાથ અડી ગયો હશે ને, તો ય બહુ કલ્યાણ થઈ જાય. અહીં ચરણે વિધિ કરે છે ત્યારે મહીં સમાધિ થઈ જાય છે. પછી તો ઊઠાડવા પડે છે કે 'ભઈ, ઊઠ હવે.' કારણ કે મહીં સ્વાદ ઉત્પન્ન થાય. મહીં ચિત્તવૃત્તિ બંધ થઈ જાય. કોઈ એવી દવા નથી વર્લ્ડમાં કે જેનાથી ચિત્તવૃત્તિ બંધ પડે !

નિરોધ, ચિત્તનો કે મનનો ?

પ્રશ્નકર્તા : પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે યોગસ્થ ચિત્તવૃત્તિ નિરોધ, એ લખ્યું છે એ બરોબર છે ?

દાદાશ્રી : હવે એ એવું છે ને કે, ચિત્તવૃત્તિને નિરોધ કરવી એનાં કરતાં ચિત્તવૃત્તિને શુધ્ધ કરવી સારી. નિરોધ કરવી એ ચિત્તવૃત્તિ નિરોધ થતી નથી, એ મન નિરોધ થાય છે. અને આપણને એમ લાગ્યું કે ચિત્તવૃત્તિ નિરોધ થઈ. એટલે આપણે છેતરાઈએ છીએ.

પ્રશ્નકર્તા : એટલે ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ નેગેટીવ એટીટ્યુડ(ઊંધું વલણ) છે.

દાદાશ્રી : વસ્તુસ્થિતિમાં એ વાત, શબ્દમાં ખોટું દેખાય છે. ચિત્તવૃત્તિનો નિરોધ કર્યો છે, પણ થાય છે મનનો વિરોધ.

પ્રશ્નકર્તા : પણ દાદા, નિરોધ મનનો કરવાનો નથી, પણ ચિત્તવૃત્તિનો નિરોધ છે, એમ લખ્યું છે અંદર.

દાદાશ્રી : હા. ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો. હવે ચિત્તવૃત્તિનો નિરોધ ના કરે તો તે ગુનો થઈ જાય. હવે ચિત્તવૃત્તિનો અર્થ હિન્દુસ્તાનમાં બરોબર ફેલાયો નથી. તમામ શાસ્ત્રોમાં ય સારી રીતે લખાયો નથી. એટલે આખું મૂંઝાયા કરે છે.

પ્રશ્નકર્તા : એમાં બે શબ્દો આગળ છે કે અભ્યાસેન વૈરાગ્યેન ચિત્તવૃત્તિ નિરોધઃ યોગાઃ ચિત્તવૃત્તિ નિરોધ, અભ્યાસ અને વૈરાગ્યથી કરવો. એ પણ સાધન આપેલું છે.

દાદાશ્રી : હા. પણ ચિત્ત એટલે શું કહે છે ? એ પુસ્તક શું કહે છે ? એ મને કહો.

પ્રશ્નકર્તા : ચિત્ત વિશે પુસ્તકમાં નથી આપ્યું, મન વિશે આપ્યું છે.

દાદાશ્રી : પણ જે કંઈ કહેતા હોય તે કહોને આપણે. ચિત્ત એટલે શું કહે છે ? ચિત્તને આપણા લોકો શું કહે છે ? પણ એ તમારા વાંચવામાં શું આવ્યું છે એ કહોને મને.

જ્ઞાની વિના બધી ભાંગફોડ...

પ્રશ્નકર્તા : એ તો આપની પાસે જ જાણેલું કે ચિત્ત ભમી શકે છે.

દાદાશ્રી : હા, બહાર ભટકે છે એ ચિત્ત છે. અને મન આ શરીરથી બહાર નીકળે નહીં. અને જો નીકળે તો યોગીઓ તો ફરી પેસવા જ ના દે. યોગીઓ સમજે કે આ રીતે નીકળી ગયું તો બંધ જ થઈ ગયું. પણ એ નીકળે જ નહિને ?! અને ચિત્ત ભટકે એ યોગીઓથી અટકાવી શકાય નહિ. યોગીઓને એને અટકાવવા પ્રયત્નો કર્યા બધાં. ચિત્તને ચક્રો ઉપર બેસાડે છે. તે અમુક ટાઈમ ચિત્ત ત્યાં બેસે છે ને પછી પાછું બહાર ભટકવા જતું રહે છે, યોગીઓને હઉ !

પ્રશ્નકર્તા : યોગીઓને આ બધાં ચક્રો સિદ્ધ થઈ જાય પછી એ બહાર ભટકવા જાય ખરું ?

દાદાશ્રી : ચિત્ત ભટકતું ક્યારે અટકે ? જો જ્ઞાની પાસેથી જ્ઞાન લઈને એમની આજ્ઞા પાળે તો ચિત્ત ભટકતું અટકે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી એ જ્ઞાની પુરુષની પાસે ના આવે ત્યાં સુધી એ ચિત્તવૃત્તિ કોઈ દહાડો પાછી જ ના આવે.

દાદાશ્રી : 'જ્ઞાની' ના મળે ત્યાં સુધી કશું વળે નહીં. આ બધી ભાંગફોડ કરેલી નકામી છે. એ તો ભાંગફોડ છે. ત્યારે જ્યાં સુધી 'જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી ભૂખ્યા બેસી રહેવાય ? જે કંટ્રોલના ઘઉં મળે તો એ ખાવાનાં. જે બાવો મળ્યો તે બાવાની પાસે બેસવાનું. કંઈ ભૂખ્યું બેસી રહેવાય નહીં. બાકી જ્ઞાન મળશે તો છૂટકારો છે, બીજે ગમે ત્યાં જશે પણ છૂટકારાનો રસ્તો નથી.

પ્રશ્નકર્તા : પાતંજલિએ યોગની વ્યાખ્યામાં કીધું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. અને આપ એમ કહો છો કે એની મેળે પાછી આવે. પેલામાં પ્રયત્ન છે અને આમાં પ્રયત્ન નથી.

દાદાશ્રી : હા, પેલામાં તો નિરોધનો પ્રયત્ન કરવાનો. અને આ તો જ્ઞાન મળ્યા પછી સહજ આવ્યા કરે, પાછી આવે. પહેલાં જે બહાર ભટક ભટક કરતી હતી, બધી પાછી આવે એ. જાય ખરી પણ ગયેલી પાછી વળી જાય. એવી નથી વળતી ? આપણે હાંકવા ના જવું પડે. અને પહેલાં તો હાંકવા જઈએ તો ય પાછી ના વળે.

બાકી ચિત્ત વાળ્યું વળે નહીં ! તેથી તો યોગી લોકો ચિત્તને ચક્કરો પર ગોઠવે છે ને ! એ મનની સાધના નથી, ચિત્તની સાધના છે. પણ ચિત્તને અને મનને ઓળખવાની શક્તિ નહીં હોવાથી એ 'મન' શબ્દ બોલ્યા કરે છે. યોગમાર્ગમાં તો ચિત્તનું જ કામ છે.

પ્રશ્નકર્તા : તોફાની જળમાં પવન નાવને ખેંચી જાય છે, તેમ વૃત્તિઓ મનને ખેંચી જાય છે, એવું ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે.

દાદાશ્રી : હવે વૃત્તિઓ ખેંચી જાય. તે ક્યાં સુધી વૃત્તિઓ ખેંચી જાય કે જ્યાં સુધી ચિત્ત અશુધ્ધ છે, ત્યાં સુધી ખેંચી જાય. એ ચિત્તની શુધ્ધિ કરવી પડે. ચિત્તની શુધ્ધિ કર્યા પછી વૃત્તિઓ ના ખેંચી જાય.

આત્મા પ્રાપ્ત થયા પછી બધી વૃત્તિઓ પાછી ઘેર આવે અને ઘડીવાર ગઈ હોય તોય પણ પાછી ઘેર આવશે.

ફેર, ચિત્ત અને ચિત્તવૃત્તિઓમાં !

પ્રશ્નકર્તા : હજુ આ જે ચિત્તમાંથી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, ચિત્ત અને વૃત્તિનો સંબંધ એ બરોબર સમજાયો નહીં. ચિત્ત ચેતન છે અને વૃત્તિ અચેતન છે એમ ?

દાદાશ્રી : ચિત્ત અને વૃત્તિ એક જ કહેવાય છે. વસ્તુ એક જ છે. અહીંથી અમુક વસ્તુનો જે ઈન્ટરેસ્ટ હોય, આપણને કેરીનો, એટલે ચિત્તવૃત્તિ અહીંથી માર્કેટે જાય, ચિત્ત અહીં હોય, ઘરમાં હોય ત્યાં સુધી ચિત્ત કહેવાય અને બહાર ફરવા માંડ્યું એટલે ચિત્તવૃત્તિ કહેવાય, ચિત્તવૃત્તિ ! એ પછી કેરીઓ જઈને જુએ ત્યાં આગળ. ને પછી આપણને કહે કે કેરીઓ લેવા જેવી છે. તે પછી આપણે મહીં મુંઝાઈએ. પછી મન પકડી લે. પછી બુદ્ધિ પકડી લે. પછી ડિસિઝન(નિર્ણય) આવી જાય. પણ પહેલું ચિત્ત ખોળી કાઢે બધું. કારણ કે ચિત્ત જોઈને બોલે છે. હવે ત્યાં માર્કેટમાં જાય ને, કેરીઓ દેખે હઉ, સરસ હાઈક્લાસ દેખાય હઉ, એના માલિક હઉ દેખાય !

પ્રશ્નકર્તા : પણ આ જે વૃત્તિ આપણે કહીએ છીએને વૃત્તિ, સંજોગ મળતાં આ મનની ગાંઠો જે ફૂટે છે, એ વૃત્તિ કહેવાય ?

દાદાશ્રી : ના. એ તો પછી મનોવૃત્તિ બોલવી હોય તે બોલે. પણ મનોવૃત્તિઓ કહેવા જેવું ય નહીં. વૃત્તિઓ ચિત્તને લાગુ થાય છે.

વૃત્તિઓ વહે નિજઘર તરફ...

અમે ચિત્તની શુધ્ધિ કરી આપીએ તમને. એટલે પછી વૃત્તિઓ જે ભટકવા જતી હતી, તે બધી ઘેર પાછી આવવા માંડે.

પ્રશ્નકર્તા : વૃત્તિનો જન્મ ક્યાં થાય છે ? હવે ચિત્ત તો ચેતન આપણે કહીએ છીએ ને ?

દાદાશ્રી : પણ ચિત્ત એ મિશ્રચેતન છે અને એને વૃત્તિ થઈ છે. આ મિશ્રચેતન એટલે જડ જ કહોને ! મૂળ ચેતન નથી આ. વૃત્તિઓય જડ.

પ્રશ્નકર્તા : એ મનનો ડિસ્ચાર્જ ભાગ છે ?

દાદાશ્રી : ના, ચિત્તનું જ છે. ચિત્તવૃત્તિઓ છે કે મારે આ જાણવું છે ને આ જોવું છે ને આ કરવું છે.

પ્રશ્નકર્તા : ચિત્તવૃત્તિ અને ચિત્ત એ બેનું જરા બરાબર ના સમજાયું ? આપે કહ્યું ને કે ચિત્ત એટલે જ્ઞાન-દર્શન. હવે જ્ઞાન-દર્શન જતું નથી, પણ વૃત્તિઓ ગઈ કહેવાય, એ ફોડ જરા સમજાવોને !

દાદાશ્રી : અહીં સૂર્ય આવે છે કે કિરણો અહીં આવે છે ?

પ્રશ્નકર્તા : કિરણો અહીં આવે છે.

દાદાશ્રી : એ એવું છે.

પ્રશ્નકર્તા : એટલે આ કિરણો એ વૃત્તિઓ કહેવાય ?

દાદાશ્રી : વર્તીને પાછું જતું રહે એ બધું વૃત્તિઓ કહેવાય.

પ્રશ્નકર્તા : શુધ્ધ ચિત્ત હોય, એને વૃત્તિ ના રહે એ બરોબર ?

દાદાશ્રી : શુધ્ધ ચિત્ત, પોતે જ થયો છે.

પ્રશ્નકર્તા : હા, પોતે જ થઈ ગયો !

ચિત્તવૃત્તિઓનું બંધન, એ જ મોક્ષ !

આ તમારી ચિત્તવૃત્તિઓ જે બહાર ભટકતી હતી ને તે જગતમાં રમતી હતી તે અમે 'અમારા' તરફ ખેંચી લઈએ એટલે વૃત્તિઓ બીજે ભટકતી ઓછી થાય. ચિત્તવૃત્તિનું બંધન થયું એ જ મોક્ષ છે !

ચિત્તવૃત્તિઓ જે બહાર ભટકતી હતી, તે પોતાના ઘર ભણી વળી ત્યારથી જ જાણવું કે મુક્તિના બેન્ડવાજાં વાગ્યા. ચિત્તવૃત્તિના બંધનથી મુક્તિ થવી, એનું નામ જ સંસારથી મુક્તિ થવી. ચિત્તવૃત્તિ એકલી જ બંધાયેલી છે. આ ચિત્ત લપટું પડી ગયું છે !

અશુધ્ધ ચિત્તવૃત્તિઓ અનંતકાળથી ભટકતી હતી ને તેય પાછી તમે જે પોળમાં જતી હોય ત્યાંથી પાછી વાળવા કરો તો તે ઊલટી તે જ પોળમાં પાછી ખેંચાય. તે વૃત્તિઓ નિજઘરમાં પાછી વળે છે તે જ અજાયબી છે ને ! ચિત્તવૃત્તિઓ જેટલી જેટલી જગ્યાએ ભટકે તેટલી તેટલી જગ્યાએ દેહને ભટકવું પડશે. ક્રમિક માર્ગમાં તો મનનાં અનંત પર્યાયો અને પાછાં ચિત્તનાં અનંત પર્યાયો ઓળંગતા ઓળંગતા જાય, ત્યારે રીલેટિવ આત્મા સુધી પહોંચે. (અરીસામાં જુએ તેવું) અને તમને તો અમે આ બધું કૂદાવીને સીધેસીધા સ્વરૂપમાં જ બેસાડી દીધા છે ! નિજઘરમાં !

નિજઘર શોધવા ચિત્ત ભટક ભટક કરે છે. તે જે જુએ તેમાં સુખ ખોળે છે. જ્યાં આગળ ચિત્ત સ્થિર થાય ત્યાં અંતઃકરણનો બીજો ભાગ શાંત રહે. તેથી સુખ લાગે. પણ સ્થિર રહે કેટલી વાર ? પાછું ચિત્ત બીજે જાય છે. એટલે એને બીજામાં સુખ લાગે છે ને પહેલાનું દુઃખદાયક થઈ પડે છે. કારણ કે જે બાહ્ય સુખ ખોળે છે તે પારિણામિક દુઃખદાયક છે. કારણ બુદ્ધિ તેમાં આરોપ કર્યા વગર રહે જ નહીં કે આમાં સુખ નથી, દુઃખ છે. તે પાછું ચિત્ત ભટકે છે. જ્યાં સુધી ચિત્તવૃત્તિ નિજઘરમાં સ્થિર ના થાય ત્યાં સુધી આનો અંત આવે તેમ નથી. સાચું સુખ જ્યાં ચાખે ત્યાં કલ્પિત સુખ આપોઆપ મોળાં પડી જાય. પછી જે ભટકે છે તે અશુધ્ધ ચિત્ત અને તેને જેમ છે તેમ જોનાર અને જાણનાર શુધ્ધ ચિત્ત. અશુધ્ધ ચિત્તના પર્યાય પછી ધીમે ધીમે ઓછા થતાં થતાં બંધ થઈ જાય અને પછી કેવળ શુધ્ધ ચિત્તના પર્યાય જ રહે, તે જ 'કેવળ જ્ઞાન.'

જ્ઞાની પુરુષ અશુધ્ધ ચિત્તને હાથ ના લગાડે. માત્ર પોતાનું શાશ્વત સુખ, અનંત સુખનો કંદ, જે છે તે ચખાડી દે. એટલે નિજઘર મળતાં જ શુધ્ધ ચિત્ત એ જ શુધ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય અને શુધ્ધ ચિત્ત જેમ જેમ શુધ્ધમાં રહે અને શુધ્ધને જ જો જો કરે તેમ તેમ અશુધ્ધ ચિત્તવૃત્તિ મોળી પડતી પડતી છેવટે કેવળ શુધ્ધ ચિત્ત રહે. પછી અશુધ્ધ ચિત્તના પર્યાયો બંધ થઈ જાય. રહે તે કેવળ શુધ્ધ ચિત્તના પર્યાય.

આધાર-આધારી સંબંધ !

પોતાનો બનાવેલો મહેલ હોય તો તો પાડી નાખીએ, પણ આ તો મહેલ પ્રકૃતિનો બનાવેલો છે. માટે પદ્ધતિસર સમજી સમજીને કરવા જેવું છે. 'જ્ઞાની પુરુષ' જાણે કે આ મહેલ શી રીતે ચણાયેલો છે ને આનું કાંગરું ક્યાં મૂકેલું છે, શું કરવાથી પહેલો માળ તૂટી જાય, પછી બીજે માળ ઊડે એ બધું ય 'જ્ઞાની' જાણે.

પોતે આધાર આપતા હતા, તેનાથી જગત ઊભું હતું. 'હું ચંદુભાઈ છું' ત્યાં સુધી આધાર આપતા હતા તમે, હવે 'હું શુધ્ધાત્મા છું' તે આધાર આપવાનું બંધ થયું એટલે નિરાધાર થયું, એટલે બધી વસ્તુ પડી જાય. આ હાથના આધારે વસ્તુ રહી છે, હાથ ખસેડ્યો તો વસ્તુ પડી જાય. બાકી છોડ્યું છૂટે નહીં.

પ્રશ્નકર્તા : આધારને વળગેલી જે વૃત્તિ, તે છૂટે કેવી રીતે ?

દાદાશ્રી : 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ રહે છે તમને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી આધાર રહ્યો જ નહીં. વૃત્તિ રહે જ નહીં. એ જે વૃત્તિ રહે છે તે નિરાધારની છે, આધારની નથી. જ્યારથી આધારીનો આધારભાવ છૂટી જાય છે, પછી જે નિરાધારી થયો તેની જ એ વૃત્તિઓ છે. આપણને એ લક્ષમાં રહેવું જોઈએ કે એ આપણી વૃત્તિ નથી. આપણામાં વૃત્તિઓ નામનું કશું છે જ નહીં. આપણી તો નિજવૃત્તિ, નિજભાવમાં જ રહ્યા કરે છે, સ્વાભાવિક થયા પછી !

વૃત્તિ વહે નિજભાવમાં !

આ જ્ઞાન લીધા પછી એ વૃત્તિઓ પાછી સ્વભાવમાં આવે. ચિત્તવૃત્તિઓ પરભાવમાં વહ્યા કરતી હતી, એ ચિત્તવૃત્તિઓ સ્વભાવમાં, નિજભાવમાં વહેવા માંડી છે. એટલે ગલન થઈ ગયું એનું. અને એ ચિત્ત શુધ્ધ થઈ ગયું, શુધ્ધ ચિત્ત એ જ આત્મા. એટલે આત્મા બીજી કોઈ વસ્તુ નથી ! શુધ્ધ ચિત્ત એ આત્માનો પર્યાય ગણાય છે, શુધ્ધ પર્યાય એ જ આત્મા છે, તે જ શુધ્ધાત્મા છે.

શુધ્ધ ચિત્ત એ પર્યાય રૂપે છે અને શુધ્ધાત્મા દ્રવ્ય ગુણ રૂપે છે. પણ એકની એક જ વસ્તુ છે બધી !

વૃત્તિ વહાવો નિજભાવમાં...

પ્રશ્નકર્તા : હવે મનની વૃત્તિઓ તો ખરીને ?

દાદાશ્રી : મનની વૃત્તિઓ સિમિત હોય છે.

એવું છે ને, જ્યારે વિચારોનું ગૂંચળું જ ફર્યા કરે, વિચારનાં વમળ ફર્યા કરે, ત્યારે એ વમળ એને મન કહેવાય છે. વૃત્તિઓને અને એને લેવાદેવા નથી. વિચારવાનું વમળ ફરે છે તે વખતે મન હોય છે સ્વતંત્ર રીતે ને વૃત્તિઓ પછી ઉત્પન્ન થાય છે. તે પછી આઘીપાછી થયા કરે !

આ તો વૃત્તિઓ ઘરમાં પાછી આવે. જેનાં ઘરમાંથી ચિત્તવૃત્તિ બહાર જતી જ નથી કોઈ જગ્યાએ, એની તો વાત જ શી ! ચિત્તવૃત્તિઓ થાકી થાકીને હેરાન થઈ ગઈ, લોથ થઈ ગઈ છે. તે ચિત્તવૃત્તિઓ, દાદાનાં સ્વપ્નમાં દર્શન થાય ત્યારે વિશ્રામ પામે છે. આ બધું આનંદનું સ્થાન છે. આનંદ મહીંથી આવે છે પણ આ સંયોગ ભેગો થવાથી, પરમાનંદી પુરુષનો સંયોગ ભેગો થાય એટલે આનંદ ઉભરાય.

વૃત્તિઓ કુંઠિત તે વૈકુંઠ !

પ્રશ્નકર્તા : આપ કહેતા ને કે અમને જગત રળિયામણું લાગે.

દાદાશ્રી : છે જ, રળિયામણું જ છે. એની વૃત્તિઓ લક્ષ્મીમાં છે, ઘેર છોકરાઓમાં છે એટલે રળિયામણું શી રીતે દેખાય ? એક્ઝેક્ટ જોવા માટે મન તૈયાર જોઈએ અને મન ડખો ના કરે, ચિત્ત તૈયાર જોઈએ, બુદ્ધિ ડખો ના કરે અને અહંકાર તો બધું જોનારો છે, બહુ સુંદર જુએ.

કોઈ કોઈ ઋતુમાં તો કવિઓને પણ લાગે કે ઓહોહો ! કેવું સુંદર છે જગત ! જેમ મોરને થાય છે ને ! કવિઓ મોર જેવા કહેવાય. બાકી આ વેપારીઓને ય કોઈ દહાડો બિચારાને સારું નથી લાગતું. ચિત્ત વૈકુંઠમાં જાય ત્યાર પછી મઝા આવે. ત્યાર પછી ચિત્ત સારું થાય. કૃષ્ણ ભગવાન કહે છે કે વૈકુંઠમાં તેડી જઈશ. કૃષ્ણ ભગવાનની ભક્તિથી વૈકુંઠમાં ચિત્ત જાય. ત્યાર પછી કરવું ના પડે કશું. એટલે વૃત્તિઓ જ ઊભી ના થાય કશી. કુંઠિત થઈ ગયેલી હોય બધી અને ત્યાર પછી જ મોઢા પર ટેન્શન રહિત હાસ્ય આવે, નહીં તો ટેન્શન જ ખેંચ્યા કરતું હોય. વૃત્તિઓ બધી જ્યાં જાય ત્યાં ટેન્શન કરે.

એક મોટા ભક્ત હતા વૈષ્ણવના. મને કહે છે, 'અમે તો વૈકુંઠમાં જવાના.' મેં કહ્યું કે 'અત્યારથી જ જાવને ત્યાં વળી !' ત્યાં ઠેકાણું તો કોઈ જગ્યાએ નથી ને ગામેય નથી વૈકુંઠ ! અહીં વૃત્તિઓ કુંઠિત થાય એ વૈકુંઠ. એ કંઈ મોક્ષ નથી. એ સિદ્ધક્ષેત્ર નથી. એ તો છે વૈકુંઠ !

એ વંશાવળી છે અહંકારની...

પ્રશ્નકર્તા : આ વૃત્તિઓ જે છે, કહે છે ને, વૃત્તિ વહે નિજભાવમાં, વૃત્તિઓ ઉત્થાન પામે છે, વૃત્તિ વિલય પામે, બોલવાની વૃત્તિ, વિચરવાની વૃત્તિ એ બધું શું છે ?

દાદાશ્રી : એ બધાં અહંકારના છોકરાઓ છે. એ વંશાવળી જ બધી અહંકારની છે.

પ્રશ્નકર્તા : પછી આ જે ચિત્તવૃત્તિ કહીએ છીએ, એમાં પણ વૃત્તિ વપરાય છે.

દાદાશ્રી : એ પણ બધી અહંકારની વંશાવળીમાં જાય. એમાં આત્માનો કોઈ છોકરો નથી. ને વગોવાય છે આત્મા. આત્માનો કોઈ કુટુંબીય નથી ને કોઈ પિતરાઈ ય નથી. તો ય લોક કહે છે ને, આ આત્માએ જ બધું બગાડ્યું !

પ્રશ્નકર્તા : પણ ક્રમિક માર્ગમાં તો એ લોકો વૃત્તિઓ મોળી પાડતા જાય અને વૃત્તિઓને પાછી ફેરવવા માગે છે ને ?

દાદાશ્રી : ક્રમિક માર્ગનો રસ્તો જ એવો છે, રસ મોળા પડતા જાય, મેલથી મેલ ધોવો.

પ્રશ્નકર્તા : મૂળ અહમ્ તો એમ ને રહે જ છે ને અને પાછું અહમ્થી જ એ લોકો શુધ્ધિ કરવાના પ્રયત્ન કરે છે, એવું ?

દાદાશ્રી : એવું છે ને, આ જે લોકો ચોર છે, લુચ્ચા છે, તેમને કહે છે કે તમે ભગવાનની ભક્તિ કરો, દાન આપો, ઓબ્લાઈઝીંગ નેચર રાખો. હવે આ ય મેલ છે ને પેલો ય મેલ છે, આ મેલથી પેલો મેલ ધોઈ નાખે. પછી આ મેલ જે રહ્યા, તેને બીજા મેલથી ધૂએ, એ મેલને પછી ત્રીજા મેલથી ધૂએ એમ કરતો કરતો અહંકાર શુધ્ધ કરવાનો છે. શુધ્ધ અહંકાર ને શુધ્ધાત્મામાં ફેર નથી.

શુધ્ધ અહંકારમાં શું શું ના હોય ? ક્રોધ- માન-માયા-લોભનું એક પણ પરમાણુ ના હોય. રાગ-દ્વેષનું એક પરમાણુ ના હોય. એટલે લોકો અહંકારને જ શુધ્ધ કરે છે. પણ આ કાળમાં ક્રમિકમાર્ગ ફ્રેકચર થઈ ગયો. કારણ કે મન-વચન-કાયાનો એકાત્મયોગ હોય તો જ એ ક્રમિક માર્ગ ચાલે. આજે તો મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું. એટલે ક્રમિક માર્ગ અત્યારે હેલ્પ કરે નહીં.

લગામ હાથમાં તો ગુલાંટની શી પરવા ?

પ્રશ્નકર્તા : હું કશું ચરણવિધિ કે કંઈ બોલવા બેસું, તો મારું ચિત્ત બધે જતું રહે, ભટકે બહું. તે મને કશું કરવા ના દે !

દાદાશ્રી : એ તો પછી ચોખ્ખું થતું જાય.

પ્રશ્નકર્તા : ચિત્ત ભટકે તો ચોખ્ખું થાય ?

દાદાશ્રી : તો એ ચોખ્ખું થાય. આપણે શુધ્ધાત્મામાં બેઠા છીએ ને તે ઘડીએ શુધ્ધ ચિત્ત થાય ! તને દેખાય છે ખરૂંને ! તો એ ચિત્ત શુધ્ધ થાય, એટલે આ વિધિ કરતો કરતો જો જોયા કરે ને, એનું ચિત્ત શુધ્ધ થાય !

પ્રશ્નકર્તા : પણ દાદા, આ તો ચિત્ત પાછું ખેંચી લાવતા બહુ વાર લાગે.

દાદાશ્રી : એ ખેંચી લાવવાનું નહીં, ત્યાં ને ત્યાં ભટકવા દેવાનું. તારે જ્યાં જ્યાં ભટકવું હોય ત્યાં ભટક, કહીએ. એ તો જઈ આવે બસ ! તું તારે ગમે એટલા માઈલ જઈશ, તો ય હું તો અહીં જ છું, કહીએ !

પ્રશ્નકર્તા : દાદા, પછી એ તો ખ્યાલ જ ના રહે આપણને !

દાદાશ્રી : વાંધો નહીં, તે ઘડીએ ગમે તેવું ભટકે, ગમે તેવું કરે તો ય વાંધો નહીં. આપણે કહીએ જા ગમે ત્યાં ! એનાં ખ્યાલનું આપણને કામ શું છે ? જ્ઞાની પુરુષ કહે છે પછી. આ તો એને જુદું જોવાથી ચિત્ત શુધ્ધ થાય !

પ્રશ્નકર્તા : દાદાની ચરણવિધિ કરીએ તે ઘડીએ પણ ચિત્ત ભટકે તો શું કરવું ?

દાદાશ્રી : વાંધો નહીં. ઇચ્છા એવી હોવી જોઈએ કે ન ભટકવું જોઈએ, તો ય ભટકે તો વાંધો નહીં, સંસારી કાર્ય કરતાં ચિત્ત ભટકે ત્યારે નુકસાન થાય.

પ્રશ્નકર્તા : સવારે ઊઠીએ, તો પહેલાં આપણે પ્રાતઃવિધિ બોલીએ. પછી હું નમસ્કાર વિધિ બોલું પછી હું નવ કલમો બોલું તો મારું ચિત્ત છે તે વચ્ચેથી તૂટી જાય છે.

દાદાશ્રી : એ તો તૂટી જાય, તો ય એને આપણે જોયા કરવાનું, ક્યાં જાય છે તે જોયા કરવું. મોટેલમાં ગયું, પછી જઈને પાછું આવે. પછી આપણે જાણીએ કે મોટેલમાં જઈને પાછું આવ્યું. કઈ રૂમમાં ગયું તે ય આપણે જાણીએ ! જાય તો ય વાંધો નહીં. ચિત્ત જાય છે તો એની પાછળ આપણે જોયા કરવું, ક્યાં જાય છે એ. એ આપણે ફરજ બજાવી કહેવાય. એનો વાંધો નથી આપણે ત્યાં !

પ્રશ્નકર્તા : અહીં સત્સંગમાં બેઠાં હોઈએ છતાં આપણું ચિત્ત બહાર જઈ આવે તો એ અજાગૃતિ છે કે પ્રકૃતિની ખોડ છે ?

દાદાશ્રી : એ પ્રકૃતિનું કામ છે. એ અજાગૃતિ નથી. જઈને પાછું આવતું રહે એ ય તમે જાણી જાવને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો તમે જાણનાર છો. એ તો બહાર જઈને પાછું આવે. કોઈ બકરું બહાર નીકળી જાય, પછી બહાર જઈને પાછું આવે, એમાં જાણનારને શું ખોટ ? બકરાવાળાને તો એમ માનો કે ગયું ને નીકળી ગયું, તે પાછું ના આવે તો શું થાય ? પણ આ તો બધા પાછા આવવાનાં જ. જેટલા અહીંથી નીકળીને બહાર ગયાં ને તે પાછાં ભૂખ લાગે એટલે એની મેળે પાછા આવે. ક્યાં જવાનાં છે ? એટલે આપણે જોયા કરવું. 'ઓ હો હો તમે બહાર ફરો છો ?' કહીએ. 'ક્યાં ભૂલેશ્વરમાં ફરો છો ? શું કરવા ? કેમ કંઈ જોઈએ છે ?' એવું આપણે કહીએ. કોઈ ભૂલેશ્વરમાં ફરતું હોય તો કોઈ ઝવેરી બજારમાં હઉ ફરે ! એ ચિત્ત ક્યાં જાય છે ?

પ્રશ્નકર્તા : આ તો કોઈવાર જાય.

દાદાશ્રી : તે જાય તો શો વાંધો છે ? એ દોષ પ્રકૃતિનો છે. જાગૃતિ તો છે, ત્યારે તો ખબર પડે તમને. પેલું તો પ્રકૃતિનો દોષ છે. એમાં કંઈ નુકસાનકારક નથી. એ જાય તેની જોડે આપણે જઈએ ત્યારે મુશ્કેલી થાય. એ ઝવેરી બજારમાં જાય, ને આપણે ય જોડે જઈએ ત્યારે મુશ્કેલી થાય. આપણે આપણા સ્થાનમાં બેઠાં બેઠાં જોયા કરીએ કે ઓહોહો, આ ઝવેરી બજારમાં ગયું છે, આ આમ ગયું છે. તમને ખબર પડી જાય છે ને ?

પ્રશ્નકર્તા : તરત જ !

દાદાશ્રી : આપણે જોડે ના જઈએ ત્યાં સુધી કશું ખરીદી ના થાય. છો ને એ રૂપિયા લઈને ગયું હોય, તો પણ ત્યાં આગળ બજારમાંથી કશું ખરીદી જ ના થાય. એ રૂપિયા લઈને પાછું આવે. પાંચ લાખ રૂપિયા લઈ ગયું હોય તે વખતે આપણી બેન્કમાંથી, તો ય પાછું આવે. માટે મનમાં ગભરાવાનું નહીં કે 'ખરીદી કરી લેશે ? શું થશે ? રૂપિયા જશે ?' એવું તેવું કશું જાય નહીં. એટલે એ જાય તો ય થાકીને પાછું આવે. એમાં આપણને શી ખોટ છે ? હા, અજ્ઞાની માણસને બહુ ખોટ ! કારણ કે એને તો થોડીવારે ખબર પડે કે મારું ચિત્ત બહાર ગયું છે. તો પાછો એ જોડે જાય. 'ઊભું રહે, ઊભું રહે, હું આવું છું' કહેશે. પછી બહાર જઈને ખરીદી બધું કરે નિરાંતે ! પણ તમારે તો એવું નહીં ને ? ખરીદી ના કરો ને ?

રાત્રે હઉ રખડે, વૃત્તિઓ !

આ અમે તમને જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી તમારી ચિત્તવૃત્તિઓ જે આમથી આમ બહાર જતી હતી તે બધી પાછી વળવા માંડી. નહીં તો કોઈની ચિત્તવૃત્તિ પાછી ના વળે. અરે, રાત થાય તો ય છે તે ફોર્ટ એરિયામાં ફરવા જાય, નવરી પડે એટલે ફોર્ટ એરિયામાં ફરવા જાય. અલ્યા, રાતે શું દાટ્યું છે ત્યાં આગળ ? તે રાતે ફોર્ટમાં ફરવા જાય.

અને નહીં તો ઘરનું કોઈ માણસ ના આવ્યું હોય, સાડા દસ વાગ્યા સુધી, તો ચિત્તવૃત્તિ કહેશે, 'આ આવ્યા નથી, શું થયું હશે, શું થયું ? ગાડીમાં કપાયા હશે કે પડી ગયા હશે ?' એટલે આપણને ઉપાધિ પાછી. 'શું થયું ?' કહ્યું કે ઉપાધિ.

ચિત્તવૃત્તિઓની નિર્મળતા, ત્યાં...

તમે શુધ્ધાત્મા થયા, પણ ચિત્તવૃત્તિની નિર્મળતા હોય તો ગૂંચો ના પડે અને સંસારી કામ સરળ થતાં જાય. ચિત્તવૃત્તિની નિર્મળતા નથી તેથી સંસારી કામ સરળ નથી થતાં. અહીં બેસી રહે છે એટલે ચિત્તવૃત્તિ નિર્મળ થયા કરે. પછી તેને સંસારી કામ આગળ આગળ સહજ થયા કરવાનાં.

દેહ ને આત્મા જુદાં જ છે. પણ દેહનાં સંસારી કામ સરળ થતાં જાય, બધી આગળ આગળ તૈયારીઓ થયા જ કરે. આ તો જ્યાં સુધી આપણે હાથમાં ઝાલી રાખીએ છીએ ને, ત્યાં સુધી મુશ્કેલી છે. દાદાને સોંપી દો તો મુશ્કેલી જ ના હોય, મુશ્કેલી આવે જ નહીં. મુશ્કેલી કેમ કરીને આવે ? આપણને વિચાર આવે ત્યારથી એ કામ થયાં જ કરે. મુશ્કેલી આવે નહીં, મુશ્કેલી આવતાં પહેલાં ઓગળી જાય. આવડો મોટો પથ્થર વાગવાનો હોય તેને બદલે આટલો પથ્થર વાગીને જતો રહે. આ વિજ્ઞાન બહુ જુદી જાતનું છે.

ધન્ય છે આ ચિત્તવૃત્તિઓને, આ અમારા જેવી ચિત્તવૃત્તિ થવા માંડી, શું થયું ? અમારું ચિત્ત આઘુંપાછું જ ના થાય કોઈ દહાડો ? હેય ! મોરલી વાગતી હોય એમ, જેમ મોરલી વાગે તો સાપ શું કરે ? કોઈ દહાડો ય સત્યાવીસ વર્ષમાં ચિત્ત આઘુંપાછું નથી થયું, મન આઘુંપાછું નથી થયું.

આ તમે છે તે મારી નકલો કરવા માંડ્યા. નકલ એટલે દાદાનું કહ્યા પ્રમાણે આજ્ઞામાં રહ્યા તો થઈ ગયું, પૂરા થયા ! આ પૂર્ણાહૂતિ એ દાદાની દશા ! આપણા હાથમાં જ છે ને, દાદાના કહ્યા પ્રમાણે ચાલે તો !

પ્રશ્નકર્તા : ચિત્તવૃત્તિને પાછી વાળવી અને જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ બે એક જ છે ?

દાદાશ્રી : ના. જુદી વસ્તુ છે. જ્ઞાતા-દ્રષ્ટા તો સ્વાભાવિક વસ્તુ છે. ચિત્તવૃત્તિ તો વૃત્તિ છે, ખાલી કહેવાય છે ચિત્તની એટલું જ, બાકી વૃત્તિ છે.

ભટકતી વૃત્તિઓ ચિત્તની !

જેટલી ચિત્તવૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. જ્યાં ચિત્તવૃત્તિ જાય, તે ગામ આપણે જવું પડશે. ચિત્તવૃત્તિ નકશો દોરે છે. આવતા ભવને માટે જવા આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્તવૃત્તિઓ ?

પ્રશ્નકર્તા : પણ ચિત્ત ભટકે એમાં શું વાંધો ?

દાદાશ્રી : જવાબદારી આપણી, એ જ્યાં જ્યાં ભટકે છે ને તે જવાબદારી આપણી. ચિત્ત જે પ્રમાણે પ્લાનિંગ(યોજના) કરે, તે પ્રમાણે આપણે ભટકવું પડશે. માટે જવાબદારી આપણી, જેટલું ભટક ભટક કરે તેની !

એનો ફોટોગ્રાફીનો ધંધો ધમધોકાર !

ચિત્ત આખા શરીરમાં અહીંથી અહીં સુધી ભટકે અને બહાર આખાં બ્રહ્માંડમાં ભટકવાનું.

પ્રશ્નકર્તા : ચિત્તનું બહાર ભટકવાનું કારણ ગ્રંથિઓ ને ?

દાદાશ્રી : ના. એ પોતાની ફિલ્મના આધારે ભટકે છે. અને ગ્રંથિઓના આધારે મન ફર્યા કરે છે. પણ ચિત્ત તો પોતાની જ સ્વતંત્ર ફિલ્મના આધારે છે. ગ્રંથિઓ બધી મનની હોય. એટલે અહીંથી મુંબઈ જાય અને કોઈ સ્ત્રી એણે જોયેલી હોય ને સ્ત્રી એને ફરી દેખાય હઉ પાછી. ઊઘાડી આંખે. ત્યારે આપણે એને કહીએ, 'મૂઆ, તારું ચિત્ત ચોંટી ગયું છે.' એવું આપણા લોક નથી કહેતા ? એવું દેખાય કે ના દેખાય ? એક્ઝેક્ટ મોઢું-બોઢું દેખાય ને ! વાતો હઉ કરતાં દેખાય. હવે આનો ક્યારે પાર આવે ? મનને એવું નથી.

પ્રશ્નકર્તા : હું એ વાત કરું છું કે ધ્યાન કરવાનો સૂક્ષ્મ પણ હેતુ હોય તો ટેપ ઊતરે છે. પણ જેમાં કોઈ હેતુ નથી, સ્વભાવિક, નૈસર્ગિક છે, અંતઃકરણનું ધ્યાન નથી તો તે ધ્યાનમાં ટેપ ઊતરે કે નહીં ઊતરે ?

દાદાશ્રી : એ તો એમ ને એમ જ ફિલ્મ ચાલ્યા કરે. ચિત્તની જેટલી શુધ્ધિ થાયને પછી ફિલ્મ પડતી બંધ થતી જાય. ચિત્ત અશુધ્ધ છે, ત્યાં સુધી ફિલ્મ પડ્યા જ કરવાની. અને આ ફિલ્મ એ જ સંસાર. જે જુએ ત્યાં ફિલ્મ પડે, જે જુએ ત્યાં ફિલ્મ પડે. બે ભાવ ઉત્પન્ન થાય, કેટલું સરસ છે, કેટલું સરસ છે અથવા તો કેટલું ખરાબ છે, કેટલું ખરાબ છે. એ ભાવથી સંસાર વધ્યા કરે.

પ્રશ્નકર્તા : આ કુદરતી સૌંદર્ય જે ફૂલ-ઝાડ, નદી-નાળાં એ બધી વસ્તુઓ આપણને ગમી જાય તો એનાંથી કર્મબંધ કે માયાબંધ થાય ?

દાદાશ્રી : હા, બધું ગમી જાય કે એનાંથી ટેપ બગડે આપણી એટલી. જે જે ગમે એનાં ફોટા લે છેને લોકો ? એટલાં કેમેરાના રોલમાં ફોટા ઓછાં થાય ને, એ ફોટા બગડી ગયાને ?

એવી રીતે આમાં પેલી ચિત્તની ટેપ બગડે. એટલે ચિત્ત અશુધ્ધ થયા કરે અને છેવટે તો ચિત્તને શુધ્ધ કરવાનું છે. આ સંસારનું એક ચિત્રપટ નહીં એવું ચિત્ત શુધ્ધ કરવાનું છે. હવે ફોટા બહુ ના લેવા અને લેવા હોય તો આ દાદાનો ફોટો લે લે કરવો. એ બહુ કામ આપશે.

એવું છે ને, આ દેરાસરમાં શું કરેલું હોય છે ? જો સુગંધી કરેલી હોય છે, પછી પેલું આમ આમ ફેરવવાનું આપે છે (ચામર), પછી ઘંટ વગાડવાનું હોય છે. એ બધું જ તમને એકાગ્ર કરવા માટે છે. એની જે આંગીઓ કરે છે, તે બધું તમારું મન બહારથી એકાગ્ર થઈ જવા માટે. ઈન્દ્રિયો એકાગ્ર થાય તો માણસ એકાગ્ર થાય. એકાગ્ર થાય તો ચિત્તવૃત્તિ અહીં આગળ ફોટોગ્રાફી લઈ લે. એ હેતુ માટે આ બધાં સાધનો છે.

અને ઘંટ તો શા માટે વગાડવામાં આવે છે કે બહારનો કોલાહલ સંભળાય નહિ. જેમ આપણે વાજીંત્ર વગાડીએ છીએ ત્યારે જેને આવડતું ના હોય તે એક સૂર ખુલ્લો રાખે છે અને પછી શીખે છે, એવી રીતે બહારનો કોલાહલ સંભળાય નહીં અને ત્યાં આગળ ચિત્ત એકાગ્ર થાય. એક ફેરો પ્રિન્ટ થયું તો ઘણું હિતકારી થાય. ચિત્ત ફોટો જ લે છે. ચિત્તનો સ્વભાવ શું ? ફોટોગ્રાફી લીધા જ કરવી !

ચિત્ત પ્રસન્નતા !

આનંદઘનજી મહારાજ શું કહે છે ? આખા જગતના ભાવાભાવ જેનાં ગયા છે એવા વીતરાગ ભગવાન ઋષભદેવની મૂર્તિના દર્શન કરે છે, તે તેમને મૂર્તિ હસતી દેખાય છે. આંખ તો કાચની છે. એ કેવી રીતે હસતી દેખાય છે ? દેખાય. કારણ કે એમની પોતાની ચિત્તવૃત્તિ, પોતાની ચૈતન્ય શક્તિ એમાં પરોવી છે. તેથી હસતા દેખાય છે. આને ચિત્ત પ્રસન્નતા કહેવાય. જ્યાં સંપૂર્ણ કપટભાવ ઊડી ગયો હોય ત્યાં ચિત્ત પ્રસન્નતા રહે. ચિત્ત પ્રસન્નતા અને કપટ એ બેનો ગુણાકાર ના થાય, કબીર સાહેબ શું કહેતા ?

'મૈં જાનું હરિ દૂર હૈ, હરિ હ્રદય કે માંહી,

આડી ત્રાટી કપટ કી, તાસેં દિસત નાહીં.'

આડી ત્રાટી કપટની તેથી ભગવાન દેખાતા નથી. વૃત્તિમાં અન્ય ભાવ ન રહે તે શુધ્ધ કહેવાય. આપણા મહાત્માઓને જો વૃત્તિમાં અન્ય ભાવ ન રહે તો ચિત્ત પ્રસન્નતાની ભક્તિ ઉત્પન્ન થાય.

આ મંદિરમાં મૂર્તિના દર્શન કરતી વખતે મહીંના સંયોગો જેવા કે મનનાં પરિણામ, ચિત્તવૃત્તિની સ્થિતિ, એના પ્રમાણે ફેરફાર દેખાય. દા.ત. પહેલાં કલાકે અમુક જાતના દર્શન થાય, બીજા કલાકે અમુક જાતના દર્શન થાય. બહારના અને અંદરના એવિડન્સ જેવા ભેગા થાય તેવાં દર્શન થાય. મૂર્તિની સામેથી પ્રકાશ આવતો હોય તો જુદાં થાય, બાજુએથી આવતો હોય તો જુદાં થાય. જ્ઞાનીપુરુષનું મુખારવિંદ તો એકસરખું જ હોય પણ તમારાં મનનાં પરિણામ કે ચિત્તવૃત્તિની ચંચળતાના આધારે જુદું દેખાય. જ્ઞાની પુરુષનાં તો એક જ રીતે દર્શન કરવાનાં હોય.

ચિત્તવૃત્તિ નિર્મળતાના ઉપાય !

ચિત્તવૃત્તિ ભગવાનની આગળ નિર્મળ થઈ શકે, પણ એ તો લોકોને આવડે નહીં. ચિત્તવૃત્તિ નિર્મળ કરવાનો નાનામાં નાનો ઉપાય એટલે ઓછામાં ઓછા નિસ્પૃહી માણસોનો સંગ અને છેલ્લામાં છેલ્લો સંપૂર્ણ નિર્મળ કરવાનો ઉપાય એટલે વીતરાગનું નિદિધ્યાસન ! ચિત્તવૃત્તિ નિર્મળ થાય એટલે 'જ્ઞાની પુરુષ' યાદ આવ્યા કરે !

અંતે અંત, અનંત અવતારની યાત્રાનો !

પ્રશ્નકર્તા : આ ચિત્ત તો દરરોજ ક્યાંય ને ક્યાંય ભટકે, તો પછી આપણે બધે ઠેકાણે ભટકવાનું છે ?

દાદાશ્રી : હા, એવું ભટક, ભટક કરવું પડે.

પ્રશ્નકર્તા : તો અંત કેવી રીતે આવે ?

દાદાશ્રી : ના, પણ આ જ્ઞાન પછી હવે તમારે ભટકતી નથી.

પ્રશ્નકર્તા : પણ વિચારો તો ભટક્યા કરે ને ?

દાદાશ્રી : ના, એને ચિત્તવૃત્તિ ના કહેવાય. ચિત્તવૃત્તિ તો એને કહેવાય કે આ અહીંથી તમારું ચિત્ત ઘેર જાય, ઘેર જઈને તમારું ટેબલ દેખાય, ખુરશી દેખાય, બધું ઘરનાં માણસો, છોકરાં મોઢાં સાથે દેખાય. દેખાય કે ના દેખાય ? એને ચિત્તવૃત્તિ કહેવાય અને આ બીજું બધું મન છે. મન તો વિચારો કરે છે. એ અહીંથી બહાર નીકળે નહીં. પણ ભટકે કોણ ? ચિત્તવૃત્તિ.

એ ચિત્તવૃત્તિ નકશો ચિતરે છે કે ભઈ, આવતે ભવ મારે ક્યાં ક્યાં જવું છે, એ નક્કી કરી આપે છે. જે જે ખૂણામાં પેસે છે એ ખૂણાનાં સંસ્કાર લાવીને ભેગાં કરીને પછી આવતા ભવનો નકશો ચિતરે. એ બધું ચિત્તવૃત્તિનું કામ છે. એટલે આ જગતને ભટકાવનાર હોય તો એ ચિત્તવૃત્તિ છે, ચિત્ત જ છે. મન કંઈ ભટકાવે એવું નથી. મનનો કોઈ દોષ નથી.

હવે એ ચિત્તવૃત્તિ ભટકે છે કેમ ? અજ્ઞાનતાથી. એ અજ્ઞાન 'જ્ઞાનીપુરુષ' પાસેથી જાય ત્યારે ચિત્તવૃત્તિ પાછી ફરે. તમારે તો ચિત્તવૃત્તિ પાછી વળી ગઈ છે. જરાય બહાર જતી નથી. કેમ તમને એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : કોઈ વખત બેઠાં હોય ત્યારે વિચાર તો બધાં આવે ને !

દાદાશ્રી : એ વિચારોનો વાંધો નહીં. વિચાર તો મનનાં છે. મનને જેટલાં વિચાર કરવાં હોય એટલાં એ બધાં હોય છે. પણ ચિત્તવૃત્તિ હવે તમારી ભટકતી નથીને ? હવે તો પહેલાં જે ચિત્તવૃત્તિ બહાર જ ભટકતી હતી, એ હવે અંદર પાછી ઘેર આવવા માંડી, હવે પોતાને ઘેર પાછી વળે. એ ચિત્તવૃત્તિઓ પાછી વળે ત્યારથી જ મોક્ષ થવાની નિશાની મળી ગઈ અને મોક્ષ અહીંથી જ થવો જોઈએ. અહીં સંસારમાં જ ચિંતા બધું બંધ થાય તો જાણવું કે મોક્ષ થવાનો થયો.

અશુધ્ધ ચૈતન્યને ચિત્ત કહે છે. અશુધ્ધ પણ ચૈતન્ય છે.

બીજું બધું બંધાય પણ ચિત્ત બંધાય નહીં. ચિત્ત શુધ્ધ થઈ ગયું એટલે ફિલ્મો પડતી બધી બંધ થઈ ગઈ. મન કામ કરતું બંધ થઈ જાય. એટલે મનનું જૂનું હોય એટલું જ ડિસ્ચાર્જ થયા કરે. નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય. જૂનો છે એટલો જ ડિસ્ચાર્જ થયા કરે. નવો ઉત્પન્ન ના થાય. બુદ્ધિ ય જૂની છે એ ડિસ્ચાર્જ થયા કરે. બીજી ઉત્પન્ન ના થાય.

ભટકતી વૃત્તિઓ ચિત્તની !

એ ચિત્ત મિશ્રચેતન છે, એ જ્યાં જ્યાં ચોંટ્યું, ત્યાં ત્યાં ભટક ભટક ભટક કર્યા કરવું પડે !

પ્રશ્નકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે ઝલાયું તો તે આગલો હિસાબ છે ?

દાદાશ્રી : હા, હિસાબ છે તો જ ઝલાય. પણ આપણે હવે શું કરવું ? પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાં ય ઝલાવા ના દે. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય. તેથી કહ્યું ને, 'માટે ચેતો મન-બુદ્ધિ, નિર્મળ રહેજો ચિત્તશુધ્ધિ.' મન-બુદ્ધિને ચેતવે છે. હવે આપણે ચિત્તવૃત્તિ નિર્મળ રાખવા શું કરવું પડે ? આજ્ઞામાં રહેવું પડે. અમારું ચિત્ત સંપૂર્ણ શુધ્ધ રહે, એટલે પછી કશું અડે ય નહીં ને નડે ય નહીં. તમે જેમ જેમ આજ્ઞામાં રહેતા જશો તેમ તેમ પહેલાનું જે અડ્યું હોય, જેમ ચંદ્રગ્રહણ લખેલું હોય છે તે આઠ વાગ્યાથી તે એક વાગ્યા સુધી, એટલે આઠ વાગ્યે શરૂ થાય પછી એક વાગ્યા પછી ફરી ચંદ્રનું ગ્રહણ નથી, એવું આજ્ઞામાં રહ્યા કરો એટલે જે ગ્રહણ થઈ ગયેલું છે તે છૂટી જાય અને પછી નવું જોખમ ઊડી જાય. એટલે પછી વાંધો નહીં ને !

રસ, નિરસ, સરસ ત્યાં ચોંટે ચિત્ત !

પ્રશ્નકર્તા : નિરસતા અને ઉદાસીનતા થાય તો ચિત્તવૃત્તિ પાછી વળી છે એવું કહેવાય ? એની નિશાની છે ?

દાદાશ્રી : હા. અને ચિત્તવૃત્તિ પાછી નહીં વળી હોય તો ય વળશે. નિરસતા અને ઉદાસીનતા એ શરૂઆત છે. હવે રસ રહ્યો નથી, 'ઈન્ટરેસ્ટ'(રસ) ઓછો થવા માંડ્યો છે. પછી 'ડીસઈન્ટરેસ્ટ' ! ન થઈ જવો જોઈએ. આમાં 'ઈન્ટરેસ્ટેડ' હતા, તે પાછાં આમ 'ડિસઈન્ટરેસ્ટ' થયા, એટલે આ ખાડામાં પડ્યા. 'ઈન્ટરેસ્ટેય' નહીં ને 'ડીસ્ઈન્ટરેસ્ટેય' નહીં.

એટલે 'ઈન્ટરેસ્ટ'-'ડીસ્ઈન્ટરેસ્ટ'થી પર થવાનું છે. 'ઈન્ટરેસ્ટ' કરીને શું સ્વાદ પડ્યો કોઈ દહાડો ? આટલી જિંદગી ગઈ, 'ઈન્ટરેસ્ટ' પડ્યો હશે, એમાં મજા આવી બરોબર ? આ તો ઉપર વજન બધું લટકેલું છે. ક્યારે પડશે એ કહેવાય નહીં. ને નીચે ખાવા બેસીએ એનાં જેવું આ ભોગવવાનું. પેલા મુનિ જમવા બેઠાં હતાં ને, એવી દશા છે આપણી આ !

ચિત્તવૃત્તિઓ જો પાછી ફરવા માંડી ત્યારે મન શું કરે ? મન 'એક્ઝોસ્ટ' થયા કરે. તે અમારું ખાલી થયેલું મન કેવું સુંદર છે ! ખાલી થયેલું એટલે થોડુંક જ મન હોય. ક્ષણવાદી, ક્ષણનો પ્રયોગ કરનારું હોય. અને તમારે તો ગોળ ઉપર માખ ભમ્યા કરેને એવું થોડીવાર પા-અડધો કલાક ભમ્યા જ કરે. કોઈએ કશું કહ્યું ના હોય તો ય ભમ્યા કરે. અને મારે તો કોઈ કશું કહી ગયું હોય, તો ય ક્ષણવાદી મન, એટલે આગળ ચાલવા માંડે. એમાં 'ઈન્ટરેસ્ટ' નહીં એટલે પછી મન તો આગળ ચાલ્યા જ કરે. આ તો 'ઈન્ટરેસ્ટ' અને 'ડીસ્ઈન્ટરેસ્ટ'વાળા, ત્યાં આગળ મન માખની પેઠ ભમ્યા કરે. તે અડધો-અડધો કલાક ભમ્યા કરે.

પ્રશ્નકર્તા : દિવસોના દિવસો સુધી ભમ્યા કરે.

દાદાશ્રી : દિવસોના દિવસો સુધી ! મારે હઉ થયેલા બધા પ્રયોગો, તે દહાડાના દહાડા જ ચાલ્યા જાય. આપણે જાણીએ કે આપણા હાથમાં શું આવ્યું આ ? એટલે પછી એમ થાય કે આ બધું જ કરીએ તે ખોટું છે. વાત સાચી જડી નહીં. જડી હોય તો આ દશા થાય નહીં !

એટલે મન 'એકઝોસ્ટ' થઈ જાય પછી. ચિત્તવૃત્તિઓ પાછી આવી, પછી રહ્યું શું તે ? બુદ્ધિ બરાડા પાડતી બંધ થઈ જાય. કારણ કે આ જ્ઞાન મળ્યા પછી, મન 'એકઝોસ્ટ' થાય, તેમ તેમ 'ઈગોઈઝમ' ઉતરતો જાય. પેલો મૂળ જીવતો 'ઈગોઈઝમ' જતો રહ્યો, પણ તે હજુ 'ડીસ્ચાર્જ' ઈગોઈઝમ છેને, તે હલકો થતો જાય, હલકો ફૂલ થઈ જાય !

હવે ચિત્ત કોઈ જગ્યાએ જાય જ નહીં આપણું, એક દહાડો રવિવારને દહાડો બેસવું. તો ચિત્ત આઘુંપાછું ના થાય. એવું જો કદિ એક કલાક જોવું, એવું જો આખો દહાડો રહે ને, એવું જો જિંદગીભર રહે, તો થઈ રહ્યું. અને જો ચિત્ત જાય તો કોઝીઝ ખોળી કાઢવા કે શી એવી અભિપ્સા રહી ગઈ છે, તે આ ચિત્ત જાય છે ? એનાં કોઝીઝ ખોળી કાઢવા.

પ્રશ્નકર્તા : એ તો તમે પેલાં સિમ્પલ શબ્દોમાં એમ કહ્યું કે ઈન્ટરેસ્ટ હોય ત્યાં ચિત્ત જાય.

દાદાશ્રી : એ જ સ્તોને ! જ્યાં જ્યાં હજુ ઈન્ટરેસ્ટ છે, ત્યાં ચિત્ત જાય. ઈન્ટરેસ્ટ અને ડીસ્ઈન્ટરેસ્ટ મટી ગયું એટલે ચિત્તવૃત્તિ બહાર નીકળે નહીં અને એ જ પરમાત્મા.

તપાસણી મહીંલી મૂર્છાઓની...

પ્રશ્નકર્તા : ચિત્તવૃત્તિ અંદર સ્થિર રહે એનાં માટે શું કરવાનું ?

દાદાશ્રી : હા, પણ ચિત્તવૃત્તિ કેમ બહાર જાય છે તેની તપાસ તો આપણે કરીએ ને કે ભાઈ, આપણને સાડીની કંઈ પડેલી નથી. તો શેની પડેલી છે ? શામાં 'ઈન્ટરેસ્ટ' રહ્યો છે હવે ? ત્યારે કહે, 'અમુક જાતમાં.' તે કઈ પણ 'ઈન્ટરેસ્ટ' હોય તો ચિત્ત બહાર ભટકે, નહીં તો ચિત્ત એના ઘરમાં જ બેસે. તમારે હવે શામાં 'ઈન્ટરેસ્ટ' રહ્યો છે ? બધું આઘુંપાછું કરી નાખ્યું, હવે શામાં 'ઈન્ટરેસ્ટ' રહ્યો, એ મને કહો ને ! આમ તો 'ચંદુભાઈ' શું કરે છે તેને 'તમે' જુઓ, એવાં છો. તો પછી હવે 'તમારે' શેને માટે 'ઈન્ટરેસ્ટ' રહ્યો, એ કહો.

પ્રશ્નકર્તા : એવો કંઈ ખાસ 'ઈન્ટરેસ્ટ' રહ્યો નથી.

દાદાશ્રી : એ 'ઈન્ટરેસ્ટ' હોય તો એનું પ્લસ- માઈનસ જોઈ લેવું કે આમાં ફાયદો છે કે ચિત્તવૃત્તિ ઘેર રહે તેમાં ફાયદો છે ? આ ચિત્તવૃત્તિ સાસરે રહે તેમાં ફાયદો છે કે આપણે પિયર રહે ત્યાં ફાયદો છે? સાસરે રહેશે ત્યાં સુધી દુઃખ થશે. આપણે કહીએ, પિયર આવતી રહે, બા !

તમામ શાસ્ત્રોનો સાર, ચિત્તવૃત્તિ ઘેર લાવવી તે. તમારે થોડીઘણી ચિત્તવૃત્તિ ઘેર આવી છે કે નથી આવી ?

પ્રશ્નકર્તા : પહેલાં કરતાં સારી આવી છે.

દાદાશ્રી : હવે થોડીક બહાર ભટકે છે ?

પ્રશ્નકર્તા : ક્યારેક ક્યારેક બહાર ભટકે છે.

દાદાશ્રી : પણ એનાં પ્રયત્નમાં છોને, પાછાં વાળ વાળ કરો છોને ? જ્યાં ભટકે છે ત્યાં 'ઈન્ટરેસ્ટ' હશે એમ લાગે ને ?

પ્રશ્નકર્તા : પહેલાં કરતાં 'ઈન્ટરેસ્ટ' ઓછાં થઈ ગયા, એટલે પહેલાં જેવું નથી હવે.

દાદાશ્રી : બરોબર. પણ હવે ધ્યાનમાં રહે છે ને કે અહીં થોડો-ઘણો ઈન્ટરેસ્ટ છે માટે રહે છે ? એ 'ઈન્ટરેસ્ટ' ઊડી ગયો એટલે ખલાસ થઈ ગયું ! તેથી હું કહું છું ને કે મારામાં ને તમારામાં ફેર શું ? આટલો જ ફેર છે. ત્યારે એ કહે, 'ઓહોહો ! એ તો હું ભાંગી નાખીશ.' ત્યારે ભાંગી નાખને, બા. સહેલો રસ્તો દેખાડી દઉં તને. નથી જપ કરવાના, નથી ત્યાગ કરવાનો, નથી બાયડી છોડવાની, નથી છોકરાં છોડવાના. બાઈડી ગાળો ભાંડે તેમાં ઈન્ટરેસ્ટ પડે કે ના ગાળ ભાંડે તેમાં 'ઈન્ટરેસ્ટ' પડે ?

પ્રશ્નકર્તા : ના ભાંડે તેમાં.

દાદાશ્રી : એટલે એ 'ઈન્ટરેસ્ટ' પડ્યો પાછો. અમને તો એ ય 'ઈન્ટરેસ્ટ' નથી રહ્યો. એ 'ઈન્ટરેસ્ટ' પડ્યો ને ? અમને તો આ કોઈ 'ઈન્ટરેસ્ટ' રહ્યો નથી.

પ્રશ્નકર્તા : પણ દાદા, આપ પૂછો છો કે ઈન્ટરેસ્ટ છે તમને ? ત્યારે અમે એમ કહીએ કે ના, નથી. અને આપ આવું કહો એટલે અમને એમ લાગે કે અમે તો કેવું બધું બોલીએ છીએ ? મૂરખ બનીએ છીએ.

દાદાશ્રી : મૂરખ બનવાનો સવાલ નથી. વાત આપણે એમ છે કે તમને સ્ત્રી ગાળો ભાંડે છે એમાં 'ઈન્ટરેસ્ટ' પડે છે ?' ત્યારે કહે, 'ના નથી પડતો !' તો એ સારી રીતે બોલાવે છે તેમાં 'ઈન્ટરેસ્ટ' પડે છે ?' ત્યારે કહો, 'હા, પડે છે.' તે 'ઈન્ટરેસ્ટ' છે ત્યાં સુધી વૃત્તિઓ બહાર છે. એટલે આપણને સારું બોલે કે આટલી ગાળો આપે તે કોને આપે ? એ 'ચંદુભાઈ'ને આપે, એ કંઈ 'તમને' આપનાર છે ? 'યૂ આર સેફ, એવર સેફ (કાયમ સલામત) ! હું 'તમને' 'સેફ' કરી આપું. તમને આ બધી જ ચીજોથી 'સેફ' કરી આપું. પછી વાંધો આવે તમને ? 'ઈન્ટરેસ્ટ' છે આ ખબર પડે કે ના પડે ? અને આમ તો બધું જોવા જઈએ, તો કહે, હવે કશો 'ઈન્ટરેસ્ટ' નથી રહ્યો.

ખેંચાય ચિત્ત, રસીલું ભણી !

સાડીમાં લોકો ખોવાઈ જાય કે ના ખોવાય ? કેટલી ત્રણ-ત્રણ હજારની, પાંત્રીસસોની હોયને ! સાડીઓનાં કારખાનામાં મને તો, 'દાદા ભગવાન' એટલે લોકો જાણી જોઈને પગલાં પાડવા માટે બોલાવડાવે. મને કહે કે અમારાં કારખાનામાં પગલાં પાડો. હવે પગલાં પાડે એટલે માલ જોવો પડે. તે પોત જોવું પડે, અમથું દેખાવનું, એનાં મનને આનંદ થાય એટલા માટે આમ ફેરવી ફેરવીને જોઉં. ખાલી ડ્રામા, કપટ નહીં, ડ્રામા જ કરવાનો. પછી હું પૂછું કે 'આ સાડી કેટલાંની ?' ત્યારે કહે, 'પીસ્તાળીસસો રૂપિયાની સાડી, મોટાં મહારાણી માટે બનાવી છે !' ત્યારે મેં તોલ કાઢ્યો કે, 'જો સાડી પીસ્તાળીસસોની, તો મહારાણીની કિંમત કેટલી હશે ?'

એટલે આ બધી ચિત્તવૃત્તિઓ કેવી છે ? તેમાં પીસ્તાળીસસોની સાડી તો કોઈક જ દહાડો પહેરે. જો રોજ પહેરીને ઘસી ઘસીને ફાડી નાખતાં હોય તો હું જાણું કે પીસ્તાળીસસો વસૂલ થયા. પણ આ સાડી તો મહીં બેઠી બેઠી એમ ને એમ સડી જવાની. અને છ મહિને એક ફેરો કાઢે ! અને પછી પોતે જ અરીસામાં જો જો કર્યા કરે. કોઈ બાપો ય જોવા નવરો નથી. એ જાણે કે મને લોકો જોશે હવે. લોક ચિંતાવાળા છે. જો ચિંતા ના હોય ને તો જુએ બિચારાં. લોકોને તો નાટક જોવામાં વાંધો નથી. પણ ચિંતાવાળા, તે શી રીતે જુએ તે ? પોતાની ચિંતામાં હોય કે આવું જોવા નવરો હોય ?

એટલે આ 'ઈન્ટરેસ્ટ' હશે ત્યાં આગળ ચિત્તવૃત્તિ જશે અને 'ડીસ્ઈન્ટરેસ્ટ' હશે ત્યાં ય ચિત્તવૃત્તિ જશે, જ્યાં 'ડીસ્ઈન્ટરેસ્ટ' થયો કે ત્યાંય ચિત્તવૃત્તિ જશે, માટે 'ડીસ્ઈન્ટરેસ્ટ' ય નહીં ને 'ઈન્ટરેસ્ટ' ય નહીં. હવે બાઈ ઠપકો આપે, ત્યારે કોઈ કહેશે, 'તમને નથી ગમતું આ ?' ત્યારે કહીએ, 'ના બા, જે આપે તે ગમે ! તો પેલુંય ગમે છે ને આ આપે તો આ ય ગમે. એ તો રોજ લાડવા હોતા હશે ? અને કો'ક દા'ડો ખીચડી મૂકે કે ના મૂકે ? ખીચડી ને શાક બે જ. એવું છે આ બધું.

પ્રશ્નકર્તા : ચિત્તવૃત્તિઓ પાછી ક્યારે વળે ?

દાદાશ્રી : 'ઈન્ટરેસ્ટ' એમાંથી જાય ત્યારે. એનો શા માટે 'ઈન્ટરેસ્ટ' પડ્યો છે, શું એમાં ઈન્ટરેસ્ટ રાખવા જેવો છે કે બીજી કોઈ વસ્તુમાં ય રાખવા જેવો છે ? એનું સરવૈયું કાઢીએ એટલે તરત ખબર પડે.

જ્યાં સુધી પૈસામાં 'ઈન્ટરેસ્ટ' હોય ત્યાં સુધી પૈસા-પૈસા કરે અને ભગવાનમાં 'ઈન્ટરેસ્ટ' પેઠો એટલે પૈસાનો 'ઈન્ટરેસ્ટ' છૂટી જાય. એટલે 'ઈન્ટરેસ્ટ' તમારો ફરવો જોઈએ.

તો આત્માનો અનુભવ થાય !

દાદાશ્રી : તમારે શું શું નિરસ થયું છે ? ખાવામાં રસ રહ્યો છે હવે ?

પ્રશ્નકર્તા : કોઈ ચીજમાં રસ રહ્યો નથી.

દાદાશ્રી : હા, ખાવ, પીવો, બધુંય કરો. મેં ખાવાની ના નથી પાડી, કપડાં ફાવે તેવાં પહેરો. પણ નિરસ થાવ, આ બધામાં નિરસ થાય તો આત્માનો અનુભવ થઈ જાય. આ બધા રસને લીધે આત્માનો અનુભવ થતો નથી. બીજે બધે રસ હોય તો અહીં આત્માની બાબતમાં નિરસ થયો, એટલે અનુભવ ના થાય.

નિરસ થયે સુંદર સ્વાદ !

પ્રશ્નકર્તા : આત્માની બાબતમાં રસ વધારે રહે છે.

દાદાશ્રી : હા, અહીં વધારે શું છે. પણ મહીં કોઈ જગ્યાએ હજુ રસ રહેલો હશે. તેની તપાસ કરશો તો ખબર પડશે. નહીં તો આત્માનો અનુભવ થઈ જ જવો જોઈએ. 'અહીં' રસ હોય તો ત્યાં રસ ના હોય. 'અહીં' આત્મામાં સંપૂર્ણ પ્રકારે રસ હોય તો પણ આ ઇન્દ્રિયો સારી રીતે ખાય, પીએ બધું જ કરે એવું છે. તમને રસ ના હોય તોય પણ સ્વાદ આવશે. રસ રહેવાથી તો ઊલટો સ્વાદ બગડે છે. કારણ સહજતા તૂટે છે ને ! રસ હોવાથી ઈમોશનલ હોય. એટલે એનો સ્વાદ ઊલટો બગડે છે. અત્યારે કારેલાંનું શાક રસથી ખાય તો સ્વાદ ના આવે, પણ નિરસ રીતે ખાય તો બહુ સુંદર સ્વાદ આવે. કારેલાંમાં બહુ સ્વાદ હોય છે. જેમાં જેમાં નિરસ થયો તેમાં ઊલટું બહુ સારું લાગે.

તેથી અનુભવની કચાશ !

તમને હવે એવું લાગે છે કે કશામાં રસ રહ્યો નથી ? એ તો કોઈ અપમાન કરશે ત્યારે ખબર પડશે કે રસ રહ્યો છે કે નહીં ?!

પ્રશ્નકર્તા : પણ હવે પહેલાં જેવી ચોંટ નથી રહી.

દાદાશ્રી : હવે ખરેખર ચોંટ નથી રહી, પણ થોડી થોડી ચોંટ છે, તે રસ છે. અને તેથી જ આત્માનુભવ બાકી છે. હજુ પાનમાં રસ છે ને ? જ્યાં સુધી કશામાંય રસ છે થોડો, એટલો અનુભવ કાચો કહેવાય.

રસ વિના સરસ સંસાર !

નહીં તોય રસ વગર સંસાર સરસ ચાલે એવો છે. સંસારમાં નિરસ રહે તો એનો વાંધો નથી. રસ એ તો ઉપાધિ છે. નિરસ થઈ જવું જોઈએ. સંસાર ચલાવવામાં વાંધો નથી કે વાળ કપાવવામાં વાંધો નથી. પણ વાળ કપાવવામાં રસ છે તેનો વાંધો છે. મહિનામાં બાર વખત કપાવતો હોય તો હું કંઈ વઢું કે 'બાર-બાર વખત શું કરવા કપાવે છે ?' ઊલટું સારું થયું, પેલાને બિચારાને વકરો થયો પણ કપાવવામાં જે રસ છે તે રસની જરૂર નથી.

આત્માનુભવ ક્યારે થશે ?

એક જણ મને પૂછતો હતો કે આ આત્માનુભવ ક્યારે થશે ? મેં કહ્યું કે આ વિષયોમાંથી રસ ઊડી જશે ને આત્મામાં રસ બેસી જશે, ત્યારે આત્માનુભવ થશે.

પ્રશ્નકર્તા : અમારે બધી જાતનાં મન-વચન-કાયાના આ વિકારો તો આવે જ છે.

દાદાશ્રી : એ તો ડિસ્ચાર્જ સ્વરૂપે આવે છે.

પ્રશ્નકર્તા : પણ એમાં રસ પડે તો ?

દાદાશ્રી : પણ આ 'જાણ્યું' ત્યારથી આપણા મનમાં એમ થાય ને, કે આ ચાખવા જેવું ન્હોતું ? એટલા ભાવ બદલાય ને તમારા.

પ્રશ્નકર્તા : હા, એ ભાવ બદલાય છે.

દાદાશ્રી : અને જે ચાખ્યું છે, કંઈ પણ આટલુંય ચાખેલું હોય, તે મીઠું લાગ્યું, તો એ એનું ફળ આપ્યા વગર જશે નહીં. કડવું લગાડશો તો જ એ ભૂંસાય. નહીં તો વીતરાગ થાય નહીં. એટલે આ જે મીઠું ચાખશો તેનું ફળ અવશ્ય મળશે. માટે ફળ જોઈતું હોય તો ચાખજો.

વિખરાઈ વૃત્તિઓ વિધવિધમાં....

મારી ચિત્તવૃત્તિ મારામાં જ રહ્યા કરે છે, તમારી વિખરાઈ ગયેલી છે. તમારી વિખરાઈ ગયેલી નથી ? અને મારી મારામાં જ રહે છે. બસ આટલો જ આમ તાત્વિક દ્રષ્ટિએ ફેર છે. વધારે લાંબો ફેર નથી. જો તમે તમારી ચિત્તવૃત્તિઓ વિખરાવા ના દો, ધીમે ધીમે, તો તમે મારા જેવા જ થઈ જાવ.

આ તો શામાં શામાં વિખરાવા દીધી ? કંઈક ઊંચું ઘડિયાળ જોયું ને ખરીદવા માટે આજે પૈસા નથી, એટલે મનમાં પેઠું કે પૈસા જ્યારે આવે ત્યારે આ ઘડિયાળ લેવું છે. તે પાછી ચિત્તવૃત્તિઓ ત્યાં એ દુકાનમાં ને દુકાનમાં રહે જ. રાત પડે તો ય પાછી ના આવે. આ સ્ત્રીઓ છે તે બજારમાં જાય છે, તે બજારમાં પેલાં વેપારીઓ સાડીઓ સૂકવવા નાખે છે, ઉનાળાને દહાડે, બબ્બે હજારની, ત્રણ-ત્રણ હજારની સાડીઓ સૂકવવા નાખે છે ને ? શા હારુ રાખતાં હશે સાડીઓ ?

પ્રશ્નકર્તા : જનાર આવનાર જુએ એટલે.

દાદાશ્રી : કેવી સરસ સાડી છે, ઓહોહો ! કેવી સરસ !! એ જ સાડી જો મહીં દાબડામાં પડેલી હોય તો કશી ચિત્તવૃત્તિ ના થાય. આ તો ભાઈ ને બાઈ બે જતાં હોય ને સાડી જોવામાં આવી કે ચમક્યાં ! આપણે વેપારીને પૂછીએ કે, 'ભાઈ તેં આ સાડીઓ સૂકવવા મૂકી છે ?' ત્યારે એ કહે, 'ના. લોકોને આકર્ષણ કરી અને એમની પાસેથી પૈસા લેવા છે. મારે વેપાર કરવો છે.' 'અરે પણ સાડી, આ જડ વસ્તુ આકર્ષણ કરશે ?' ત્યારે કહે, 'ભલભલાને આકર્ષણ કરશે. પહેરનારીને આકર્ષણ કરશે ને પહેરનારાં ના હોય તે પુરુષને આકર્ષણ કરશે.' આ સાડીમાં તો આટલી બધી શક્તિ મૂકી છે ! તે સાડી બાઈએ જોઈ અને ધણીને કહે છે, 'જોઈને તમે ?' ત્યારે ધણી જાણે કે આપણે માથે પડશે. 'હા, જોઈ, જોઈ. એવી બધી બહુ હોય છે.' એમ કહે. એ બાઈને પટાવવા ફરે પણ આ પટે નહીં. ને પછી બાઈની ચિત્તવૃત્તિ ચોરાઈ ગઈ ત્યાં આગળ અને પછી બાઈ ઘેર આવે ને ત્યારે આપણે મોઢું જોઈએ તો, 'આપણે નીકળ્યા હતા ત્યારે હતું તેવું તારું મોઢું નથી. બજારમાં કશુંક ખોવાઈ ગયું.' ત્યારે કહે છે, 'આખું ચિત્ત ચોરાઈ ગયું છે, બિચારીનું. હવે સાડીમાં ને સાડીમાં ચિત્ત રહ્યા કરશે.' આ એવું તમારું ચિત્ત ક્યાં ક્યાં બધે ખોવાઈ ગયું હશે ?

મારું ચિત્ત તો મારામાં જ છે, આઘુંપાછું થતું જ નથી. એટલે મને રસ્તામાં ભગવાન મળેને, તો ય હું કહું કે 'ચિત્ત ખોવાઈ જશે, એનાં કરતાં આપણે એને પડતો મૂકોને અહીં આગળથી !' આ તો ચિત્ત આપણે ઘેર છે, તે ફરી પાછું ત્યાં ખોવાઈ જાય ! હા, વળી સાડીમાં ને ભગવાનમાં ફેર શું ? લોકોને માટે એની જરૂર. પણ મારે તો ચિત્તવૃત્તિઓ સ્થિર છે. હવે મારે શું કામ છે ? એ તો જેને એ સ્થિર ના હોય, તે સોદો કરે.

એટલે આ ચિત્ત, મારું મારામાં છે ને તમારું તમારામાં નથી. એ જો ધીમે ધીમે, અંશે અંશે તમે ફેરવવા માંડો તો વાંધો આવે એમ છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ લોકો જે કહે છે એ રસ્તા ન હોય મોક્ષનાં ! અને સ્વતંત્ર થવાનાં ય રસ્તા ન હોય ને ધર્મનાં ય રસ્તા ન હોય ! રસ્તો તો આ ચિત્તવૃત્તિ પોતાની પાછી વાળી લાવવી એ જ રસ્તો. આ લોકો જે બખાડાં પાડે છે, એ ધર્મનો રસ્તો મહીં એકુંય સાચો રસ્તો નથી. છતાં એ બોલે છે એ ખોટુંય નથી. એ કેટલાંક લોકોને માફક આવે છે. દરેક સ્ટેન્ડર્ડો જુદાં છે. દરેક સ્ટેન્ડર્ડવાળાને જોઈએ તો ખરું ને કે ના જોઈએ ખોરાક ?

વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. જેને વિષય ના હોય તેને આ બધું ચલાવી લેવાય વખતે. ચિત્તને ફસાવાનું મોટું સ્થળ કયું ? ત્યારે કહે વિષય. બીજું સ્થળ કયું ? અનાવશ્યક ચીજો. પેટમાં ખાવા જોઈએ. તે ખાવાનું દાળ-ભાત કે રોટલાં જે જોઈએ તે જોઈએ. બીજું શું જોઈએ ? એટલી આવશ્યક કહેવાય. ખાવા-પીવાનું, લૂગડાં એ આવશ્યક ચીજો કહેવાય ને આ અનાવશ્યક, જેની કંઈ જરૂરિયાત નથી.

આ ચિત્ત વિખરાઈ ગયેલું હોય તે ઘડિયાળના બાલચક્રની પેઠ હલાહલ કરે. અમારું ચિત્ત કશામાં નહીંને ! આ દેહમાં ય નહીં ને ! ત્યારે વાણી નીકળે, ત્યારે બહુ નીકળે.

આ તો જે દેખ્યું એમાં ચિત્ત ફસાઈ જાય. આમાં ફસાઈ જાય, તેમાં ફસાઈ જાય. જેટલી નવી વસ્તુઓ દેખે ને, પેલી મીણબત્તી દેખે ને, તે નવી જાતની દેખાય એટલે પછી એમાં ચિત્ત ફસાય. જો પેલી બાજુ કેવી દીવાદાંડી સરસ છે ને ! તો એમાં પાછું ચિત્ત ફસાય ! ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું અને ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો.

વૃત્તિઓ વિખેરાવાનો આધાર !

પ્રશ્નકર્તા : આ ચિત્તવૃત્તિ જે વેરાય છે તે મૂળ બેઝમેન્ટ (પાયામાં) શું ? શાથી વેરાય છે ?

દાદાશ્રી : નિશ્ચય બધો નક્કી કર્યા સિવાયનો, અને લોકોના કહેવાથી પોતે દોરાય તેથી ! લોકોએ જેમાં સુખ માન્યું તેમાં પોતે માને કે બંગલા વગર તો સુખ પડે નહીં. અલ્યા, સારું ખાવાનું ના હોય તો સુખ ના પડે. બંગલાને શું કરવો છે તે ?! રોજ લાડવા ખાવા મળતાં હોય તો બંગલાની જરૂર ખરી ?

પ્રશ્નકર્તા : તો લોકસંજ્ઞા ચિત્તવૃત્તિ વિખેરવામાં હેલ્પ કરે છે ?

દાદાશ્રી : લોકસંજ્ઞાથી જ ! આ ધોબીને પૈસા આપી દઈએ, એ રીત છે ? આપણા ઘૈડિયાએ ધોબીને પૈસો આપ્યો હતો ?

પ્રશ્નકર્તા : ને આજે આવડાં નાનાં નાનાં છોકરાં યે ઈસ્ત્રી કર્યા વગરનું નથી પહેરતાં.

દાદાશ્રી : એટલે આ ચિત્તવૃત્તિ બધી વિખરાઈ ગઈ છે. બીજાની જરૂર જ શું પડે આપણને આખો દહાડો. બે લાડવા ને થોડુંક શાક મળ્યું હોય તો બીજા કોઈની જરૂર પડે ? બૂમ પાડવી પડે તમારે ? ફલાણા કાકા અહીં આવો, ફલાણી કાકી અહીં આવો ?!

જેટલી ચિત્તવૃત્તિ વિખરાઈ ગયેલી છે, તેનું ફળ આપણે ભોગવવું પડે. પણ આપણે નક્કી કર્યું છે એટલે હવે વિખરાયેલું છે, તે એક થવાનું છે. આપણી 'બિલિફ' આ બાજુ એક થવા માંડી છે.

પ્રશ્નકર્તા : આપણી 'બિલિફ'(માન્યતા) આ બાજુ પાકી થયેલી એટલે ચિત્તની જે વિખરાવાની ક્રિયા છે, તે વિખરાઈ પડ્યું છે, પણ પછી વધારે વિખરાતું ના જાય પણ ભેગું થતું જાય ને ?

દાદાશ્રી : આ બાજુ 'બિલિફ' હોય, પછી વિખરાય જ શી રીતે ?

પ્રશ્નકર્તા : પણ જે થોડું ઘણું ત્યાર પહેલાં વિખરાયેલું હોય એનું ?

દાદાશ્રી : ના, કશું થાય નહીં. હવે દાદાને મળ્યા પછી તમારા જેવાને તો વિખરાય જ નહીં. જે પી.એચ.ડી થયેલાં છે, જે કાંટો લઈને બેઠાં છે, તેને તો વિખરાય જ નહીં. એને તો અમારે કશું કહેવું જ ના પડે ને !! કાંટેથી કામ કરે છે, કાંટો જોઈને !

તમારી પહેલાંની 'બિલિફ રોંગ' હતી. સમ્યક્ નહોતી કરાવી, ત્યાં સુધી તો એનું આ ફળ આવ્યું છે. તે તો તમારે ભોગવ્યે જ છૂટકો. પણ અત્યારે 'બિલિફ' તમારી જુદી જગ્યાએ છે, ઐશ્વર્ય એક કરવા તરફ જ 'બિલિફ' છે ! એટલે 'બિલિફ' ઐશ્વર્ય એક કરવા તરફ છે અને આમ વર્તનમાં ઐશ્વર્ય રહેતું નથી, વૃત્તિઓ રહેતી નથી ! તે એનો વાંધો નથી. પણ 'બિલિફ' ક્યાં છે એ જોયા કરવું. બસ રાત-દહાડો 'બિલિફ' ક્યાં છે એ જોયા કરવું ને એ 'બિલિફ'ને ટેકા આપ આપ કરવાં અને એ 'બિલિફ'ને વિટામિન આપ આપ કરવું. આમ આ વર્તન જોઈને ગભરાવાનું કોઈ કારણ નથી. આ વર્તન જોઈને ગભરાવાનું તો કોને કહીએ ? કે આ જેને બાળરમત હોય ને, નાનાં છોકરાં ભાન વગરનાં હોય ત્યારે એને ટૈડકાવ, ટૈડકાવ કરીએ. તમને કંઈ ટૈડકાવીએ છીએ કોઈ દહાડો ? ના ટૈડકાવીએ ! આ છોકરાંઓને બધાંને ટૈડકાવ ટૈડકાવ કરવાં પડે.

પ્રશ્નકર્તા : આ બધાં જ્ઞાન લીધાં પછી જે મહાત્માઓ છે એમની ચિત્તવૃત્તિ ધીમે ધીમે એક જગ્યાએ ભેગી થાય ને ?

દાદાશ્રી : આવડતું હોય તો થઈ રહે. હવે કાચો ના પડે ને અમારા વિજ્ઞાનમાં રહે તો એકાગ્ર થઈ જ જવાની છે, એક અવતારમાં.

અહો, અહો અક્રમનું ઐશ્વર્ય !!!

કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે ! રસ્તો કેટલો સુંદર !! સહેલો-સરળ, નહીં ભૂખે મરવાનું, નહીં બટાકા છોડવાનાં, નહીં બધું ગળ્યું છોડવાનું, નહીં તીખું છોડવાનું, નથી બૈરી-છોકરાં છોડવાનાં, નથી બંગલા છોડવાનાં. આ બધું છોને રહ્યું, પણ આમાં ચિત્તવૃત્તિ શેને માટે જોઈએ ?

પ્રશ્નકર્તા : એવું છે કે શુધ્ધાત્મા તરફ એક ફેરો ચિત્ત ખેંચાય અને એને મહીં જે ચોક્કસ ખાતરી થઈ જાય કે આ આપણો રસ્તો બરોબર છે, 'બિલિફ' બરોબર પાકી થઈ જાય, પછી કંઈક થોડા ઘણા અનુભવ થાય. પછી તો એકદમ પાકું બરોબર થઈ જાય છે.

દાદાશ્રી : હા, તે અનુભવ તો થાય છે ને અત્યારે ? હવે આ અનુભવ થાય છે, છતાં પણ જે ના ગમતું કરવું પડે છે, એનું કારણ પહેલાં બિલિફ વાંકી હતી, તેનું આજે ફળ આવ્યું છે. ગયા અવતારે દેશી કપાસ વાવેલી. તે અત્યારે સમજી જવાનું કે ભઈ હવે તો પેલો કપાસ નાખવાનો છે. અને આ પાછલાં તો ફળ ભોગવી લીધે જ છૂટકો છે. આ તો ફસલ ગઈ, એવું જ કહેવાનું. આવી બધી જાગૃતિ ના રહેવી જોઈએ ?

પ્રશ્નકર્તા : રહેવી જ જોઈએ.

દાદાશ્રી : હા, અમને હઉ તરત માલમ પડે કે આ ફસલ ગઈ.

પ્રશ્નકર્તા : આ ચિત્ત વિખરાય છે એવું ભાન જ નહોતું. હું તો સારું કરી રહ્યો છું. આત્મજ્ઞાન તરફ જઈ રહ્યો છું એવું લાગે એને.

દાદાશ્રી : કોને ઘેર તું જઈ રહ્યો છે ? એ તો નક્કી કર્યું નથી ને જઈ રહ્યો છે કોને ત્યાં ? કશી ખબર જ નથી !

ચિત્ત ક્યારે ના ભટકે ? જગતમાં કોઈ ચીજની કિંમત ના લાગે તો. જેની કિંમત સમજાઈ, ત્યાં ચિત્ત ભટક્યા કરે. હમણે તાંબાનો ઘડો ખોવાઈ ગયો હોય તો ઉપાધિ થાય. સાધારણ માણસને જ્ઞાન ના હોય. તે માણસને ઉપાધિ અને પછી માટીનો આવડો મોટો ઘડો છે, તે ફૂટી જાય તો ય જરાક ઉપાધિ થાય. પણ આવડી નાની માટલી ફૂટી જાય તો કહે, બે આનાની છે, એમાં શું ? કિંમત જ નહીં થઈને, એટલે ઉપાધિ ના થાય.

એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ, તે નક્કી કરી લેવું. આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ. અને અનાવશ્યક તો માથે લીધેલું, મોહને લઈને, ગમે એટલી અનાવશ્યક ચીજો હોય એની પાસે રાજમહેલમાં, તો ય બાર સાડાબાર થાય એટલે પાછું આહાર લેવા તો આવવું જ પડશે ને. કારણ કે એ આવશ્યક ચીજ છે. બીજા નહીં હોય તો ચાલશે. પાણી છે, ખોરાક છે, હવા છે, એ આવશ્યક ચીજો છે.

જ્યાં જ્યાં લીકેજ, ત્યાં ત્યાં દાટા...

આખા દહાડામાં કેટલી વખત ઘડિયાળ જોવી પડે ?

પ્રશ્નકર્તા : વીસ-ત્રીસ વખત.

દાદાશ્રી : તો પછી આ ઘડિયાળ પચાસ-સાઠ સેકન્ડ ખાઈ જાય.

પ્રશ્નકર્તા : તો ઘડિયાળ નહીં રાખવી જોઈએ ?

દાદાશ્રી : રાખવી જોઈએ. પણ આપણો અરધો માઈલ છેટે કોઈ ઘડિયાળ રાખતો હોય તો રાખવી પડે. પણ અત્યારે તો રસ્તો જનારને પૂછીએ તો ટાઈમ કહે. તે બધા નવરા જ છે. નવરાશવાળા. આ મારું ગણિત તમને પ્રિય છે ? ઠેર ઠેર ઘડિયાળ ! તે કેટલા વાગ્યા પૂછો, તે ઊલટો 'મને પૂછ્યું ?' એમ ખુશ થઈને ટાઈમ કહે. બાકી આ તો ચિત્તની પરવશતા છે. ચિત્ત છે તે ફ્રેક્ચર થઈ જાય છે. એટલે ચિત્ત એકાગ્ર થાય તો પરમાત્મા છે. સંપૂર્ણ એકાગ્ર વર્તે તો પરમાત્મા છે. અને ફ્રેક્ચર થયું તો પછી જનાવરમાં કે મનુષ્યપણું થઈ ગયું. પછી ઐશ્વર્ય ફ્રેક્ચર થાય છે. એટલે જેટલા દાટા મરાય એટલા તો દાટા મારવા જોઈએ ને ? કે ના મારવા જોઈએ ? જેટલાં પાણી લીકેજ હોય, તો દાટા મારવામાં વાંધો શો તે ?

એવું છે ને, આપણે જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક બેનું લિસ્ટ બનાવવું જોઈએ. આપણા ઘરમાં દરેક ચીજો જોઈ લેવી અને આવશ્યક કેટલી અને અનાવશ્યક કેટલી. અનાવશ્યક ઉપરથી ભાવ ઉતારી નાખવો અને આવશ્યક જોડે તો ભાવ રાખવો જ પડે. છૂટકો જ નથી ને ! કોઈ રેડિયો લઈ આવ્યો, એટલે પેલો ય રેડિયો લઈ આવ્યો. અલ્યા, મૂઆ બધે રેડિયા વાગે છે, ઉલટાં કાન ફૂટી જાય છે. એ તો રેડિયો મુંબઈ એકલામાં જ હોય ને અહીં ના હોય તો એકાદ લાવવો પડે. આ તો ઘેર ઘેર રેડિયા. તે ઊલટાં લોક કંટાળી ગયા. રેડિયા ય બંધ થઈ ગયા.

અને ચિત્ત છે તે આમાંથી વિખરાયું કે પછી બે-ચિત્ત થઈ જાય માણસ. ચિત્ત વિખરાઈ ગયું બધું, મુંબઈ ગયું, આમ ગયું, તેમ ગયું, બધે ભટક ભટક વૃત્તિ કરે, ચિત્તવૃત્તિઓ ફેલાઈ ગઈ, એટલે બે-ચિત્ત થઈ જાય. પછી આપણે પૂછીએ કે શું ધંધો કરો છો ? ત્યારે કહે, મને સમજણ પડતી નથી. હોય પિસ્તાળીસ વર્ષનો પણ આવું બોલે. કારણ કે ચિત્તની વૃત્તિઓ બધી ફેલાઈ ગયેલી છે. તે બે-ચિત્ત થઈ ગયો.

આ તેટલા હારુ મેં કહ્યું કે રસ-રોટલી ખાજો, નિરાંતે ! ત્યારે એક જણ કહે છે, 'પણ ચિત્ત વેરાઈ નહીં જાય ?, મેં કહ્યું, અલ્યા, રસ-રોટલી ટેસ્ટથી ખાવાનું તને શાથી કહું છું ? એ તો મન ભોગવે છે. ચિત્ત નથી ભોગવતું. ચિત્ત તો આવું તેવું ભોગવે જ નહીં. ચિત્ત તો દાવા કરે, ઝંખના કરે કે આમાં સુખ હશે કે આમાં સુખ હશે ! આમાં સુખ હશે કે આમાં સુખ હશે ?! એ સુખ તો તારું મળી ગયું. હવે ચિત્ત શું કરવા બૂમાબૂમ કરે ?! આ તો મન શાંત થાય છે. આ રસ-રોટલી ખાવ છો તો મનનું સમાધાન થાય છે. આ બાર રૂપિયે કીલોની કેરી લાવ્યો પણ કહેવી પડે ! ત્યારે મનનું સમાધાન થાય અને મોઢું બગડે એવું હોય તો મનને અસમાધાન થાય. એમાં ચિત્તને લેવાદેવા નથી. લોકો સમજે છે મારું ચિત્ત બગડે છે. અલ્યા, ના બગડે એટલે ખા-પી નિરાંતે દાદાની આજ્ઞા નીચે !

વૃત્તિઓ નિવર્તે સમાધાને....

પ્રશ્નકર્તા : હવે એ ચિત્તવૃત્તિ વિષય તરફ બેઠી, તો જ્યાં સુધી એને સંતોષ ના આપો ત્યાં સુધી ઘેરાયેલી રહે ?

દાદાશ્રી : એનું સમાધાન કરવું. એ સમાધાન જ માગે, એમાં તો ચાલે નહીં. ઘણું ખરું સમાધાન તો અમે ચિત્ત શુધ્ધ કરી નાખ્યું એટલે થઈ ગયું. પણ બીજું છે તે હજુ બાકી રહ્યું ને !

પ્રશ્નકર્તા : ઘણી વખત હઠ કરીને પકડી રાખીએ છીએને, તો બીજું કામ પણ થવા દેતું નથી.

દાદાશ્રી : એ તો એને રાજીખુશીથી બધું નિકાલ કરીને પછી થાય.

પ્રશ્નકર્તા : એમાં વચલો રસ્તો નથી, કોઈ કંટ્રોલિંગનો ? કારણ કે સમય બધો કંટ્રોલિંગમાં જ જતો રહે છે, ને નથી એના પછીનું કામ થવા દેતું.

દાદાશ્રી : રસ્તા બહુ ભારે હોય જ્ઞાનીઓ પાસે તો અને તે શીખવાડીએ તો ય આવડે નહીં, પેલાની પાસે ટકે ય નહીં.

અને હઠ પકડી તો ય વાંધો આવશે એની આગળ. તમારાંથી હઠ ચાલે છે ? આ તો હઠાગ્રહીઓએ ગાંડા કાઢેલા. તે બહુ મુશ્કેલીમાં મૂકાયેલા. હઠાગ્રહીવાળાને છેવટે ચિત્તવૃત્તિ હારે. પણ એ તો હઠાગ્રહીઓ જ કરી શકે અને આ તો હઠાગ્રહ કરે એટલે એક નહીં ને અન્ય પકડે. એટલે એનાં કરતાં પેલું હતું તે સારું હતું !

જે ચિત્તવૃત્તિમાં દાદા રમે, એમાં કશુંય આવે નહીં, માયા ઘૂસે જ નહીં ને !

વૃત્તિઓ વહેંચ હિમાલય ને ડુંગરી વચ્ચે !

જ્યાં ચિત્તવૃત્તિ વિખરાઈ ત્યાં ત્યાં આત્મા વિખરાઈ ગયો. જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ ફેલાઈ ત્યાં આગળ આત્મા વિખરાઈ ગયો. એ ચિત્તવૃત્તિઓ બધી એક જગ્યાએ આવી જાય એટલે પરમાત્મા થાય. વિખરાય એટલે જીવાત્મા કહેવાય અને એક જગ્યાએ આવી ગયું એટલે હિમાલય !

ચિત્તવૃત્તિ વેરાઈ ન હતી ત્યાં સુધી હિમાલય કહેવાતો હતો અને ત્યાંથી થોડેક વેરાઈ એટલે પર્વત કહેવાય. એમાંથી થોડીક વેરાઈ ગઈ એટલે ડુંગર કહેવાય. એમાંથી થોડીક વધારે વેરાઈ એટલે ડુંગરી કહેવાય. પર્વત થતાંની સાથે ભાન જતું રહ્યું !

ઈચ્છા વેરવાની, વિખરાઈ તેથી !

પ્રશ્નકર્તા : હવે આ ચિત્તવૃત્તિ છે એ ઠામઠામ વેરી છે કે વિખરાઈ ગઈ છે ?

દાદાશ્રી : વિખરાઈ ગઈ છે.

પ્રશ્નકર્તા : પણ એ તો એની મેળે જ વિખરાઈ જાય છે ને ?

દાદાશ્રી : વેરવાની ઇચ્છા તેથી વિખરાઈ ને ?

પ્રશ્નકર્તા : એટલે મૂળ તો વેરવાની જ ઇચ્છા ને ?

દાદાશ્રી : હા, ઇચ્છા તેથી. નહીં તો ના વેરાય. આ તો ઇચ્છા છે એટલે પછી ત્યાં જમીનમાં ચિત્ત ગયું, જમીનમાં ગયું એટલે ત્યાં કોર્ટમાં ગયું, ફલાણામાં ગયું, ખેડૂતમાં ગયું, બળદમાં ગયું, કપાસમાં ગયું. એટલે વિખરાય પછી એટલે ત્યાં પછી આવશ્યક અને અનાવશ્યક નક્કી કરે ત્યાર પછી ગાડું હેંડે !

આ અમારી બેગ છે ને, તે પૂછી જુઓ કે ત્રણ વર્ષથી જોયું છે કે મહીં હાથ ઘાલ્યો છે ? મહીં શું છે કે શું નહીં, એ જોયું છે મેં ? પૂછી જુઓ ને !

પ્રશ્નકર્તા : પણ દાદા, વિખરાવું એ એની મેળે થાય, પણ આપણે વેરીએ છીએ એનું શું ?

દાદાશ્રી : આપણે વેર્યું માટે વિખરાયું. આપણી ઇચ્છા હતી વેરવાની એટલે વિખરાઈ ગયું. ત્રણ વર્ષથી આ બેગમાં મેં જોયું નથી કશું અને લોક તો દહાડામાં બે વખત તપાસ કરે. અલ્યા, તપાસ શું કરવાની એમાં ? એની એ જ બેગ ને એનાં એ લૂગડાં. પણ ના, એનું ચિત્ત ત્યાં ને ત્યાં હોય ને !

પ્રશ્નકર્તા : કેટલીક વખત, એવું થાય છે કે આપણું ચિત્ત નથી વિખરાતું ને ત્યારે આ(બૈરાંઓ) બહુ વિખરાવડાવે છે પાછાં.

દાદાશ્રી : એ તો એમને ય ચિત્ત વિખરાયેલું હોય અને બધાંય બૈરાંને વિખરાયેલું હોય. પણ એમને શું કરવા ફજેત કરો છો ?

પ્રશ્નકર્તા : એટલે ચિત્તવૃત્તિ વેરવાની ઇચ્છાથી વિખરાઈ ગઈ ?

દાદાશ્રી : હા. આ તો તમે સો રૂપિયા લઈને ગયાં હોય, ત્યાં ના વાપરવા હોય તો ના વાપરો ને ? એવું ચિત્તવૃત્તિનું છે. મેં વાપરેલી જ નહીં ને !

પ્રશ્નકર્તા : એટલે વેરવાની ઇચ્છા નહીં. એટલે જ વપરાઈ નહીં ?

દાદાશ્રી : વિખરાવા દેવાની ઇચ્છા નહીં.

વિખરાયેલું ચિત્ત સમેટતાં, પરમાત્મા વ્યક્ત !

જેટલું ચિત્ત વિખરાયું એટલું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું.

પ્રશ્નકર્તા : એ એક્ઝેક્ટલી કેવી રીતે ખબર પડે કે આ ઓછું થઈ ગયું, એ ?

દાદાશ્રી : ખબર પડે જ છે ને અત્યારે કે ઐશ્વર્ય ઓછું છે ! તેથી તો કેટલાંક લોકો ડખો કરે છે, લોકોનું સહન કરવું પડે, લોકો સહન કરે, કોઈ બોસ ટૈડકાવે. એવું સહન ના કરવું પડે ?

પ્રશ્નકર્તા : હા, સહન કરવું પડે છે.

દાદાશ્રી : એ ઐશ્વર્ય ઓછું ત્યારે જ ટૈડકાવે. નહીં તો ઐશ્વર્ય હોય તો એ શું ટૈડકાવે ? એટલે ઐશ્વર્ય ઓછું, તેનું ને ! ઐશ્વર્ય હોય તો તો એને કોણ ટૈડકાવનારો. ટૈડકાવવા માટે આવે ને, તે મોઢું જોતાં પહેલાં આમ આમ ગભરામણ થઈ જાય કે 'શું થશે, શું થશે'. કારણ કે ઐશ્વર્ય છે. જોતાંની સાથે જ એને ગભરામણ, પસીનો છૂટી જાય ! માટે ઐશ્વર્યની જરૂર છે. બીજું કશું જરૂર નથી !

અમારું ચિત્ત કોઈ જગ્યાએ જવાનું જ નહીં. એવી કોઈ ચીજ નથી કે ચિત્તને ખેંચે. કઈ ચીજ છે ? આ તો બધું કચરો માલ છે. રબીશ માલ છે. આ તો મહીં ભ્રાંતિ બધું ફસાવે છે.

દરેક સાઈડના ચિત્ત ન વિખરાવાનું જુદું વાક્ય હોય. 'મારાથી કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્ માત્ર અહમ ના દુભાય, ના દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય' આ બોલ્યા એટલે હવે પછી દુભાવવાને માટે જે ચિત્ત જતું હતું, તે બંધ થઈ જાય એવી આ નવ કલમો છે !

જેટલી ચિત્તવૃત્તિ વિખરાય એટલું ઐશ્વર્ય ઓછું થતું જાય. જેટલું ચિત્ત વેરાયું એટલી ઐશ્વર્યતા તૂટી ગઈ. અને જેટલું મૂળ જગ્યાએ સ્ટેબિલાઈઝ થઈ જાય કે ઐશ્વર્ય ઉત્પન્ન થયું, સંપૂર્ણ ઐશ્વર્ય ને ચિત્તની સંપૂર્ણ એકાગ્રતા એ પરમાત્મા !

સંપૂર્ણ દર્શન, પૂર્ણ ઐશ્વર્યના !

ગુરુપૂર્ણિમા, જન્મજયંતિ ને દિવાળી, આ ત્રણ દહાડે 'અમારા' તો સંપૂર્ણ દર્શન થાય. તેથી બધાં ને દબાણ કરીએ કે આડે દહાડે દર્શન ન કરીશ તો ચાલશે, પણ તે દહાડે દર્શન કરી જા. કારણ કે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ થયેલું હોય.

ચિત્તવૃત્તિ આખી સંપૂર્ણ શુધ્ધ થઈ ગઈને એટલે સંપૂર્ણ ઐશ્વર્ય ઊભું થયેલું. એ ઐશ્વર્યના દર્શન કરીએ ને, તે ઐશ્વર્ય આપણું પ્રગટ થાય.

અસંયતિ પૂજાનું ધીટ્ આશ્ચર્ય !

આ 'એ. એમ. પટેલ' દેખાય છે તે તો મનુષ્ય જ છે, પણ 'એ. એમ. પટેલ'ની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે 'પર રમણતા' ય નથી ને 'પરપરિણતિ' પણ નથી. નિરંતર 'સ્વપરિણામ'માં જ મુકામ છે ! નિરંતર 'સ્વપરિણામ' વર્લ્ડમાં કો'ક વખત, હજારો-લાખો વર્ષે હોય ! સ્વ-રમણતા અમુક અંશે થાય, પણ સર્વાંશે સ્વ-રમણતા અને સંસારી વેષે ના હોય. એટલે આશ્ચર્ય લખ્યું છે ને ! અસંયતિ પૂજા નામનું ધીટ્ આશ્ચર્ય છે આ !!!

- જય સચ્ચિદાનંદ