કલ્પ - વિકલ્પ - નિર્વિકલ્પ

સંપાદકીય

લોકભાષામાં ચાલ્યું આવે છે કે મેં મીઠાઈ નહીં ખાવાનો સંકલ્પ કર્યો અથવા તો કહેશે, મારું મન સ્થિર રહેતું નથી. બહુ સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે. બીજી બાજુ મોટા યોગી હોય, તેમની વાતમાં આવે છે કે બાપજીને નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ. આમ ટાંકણી મારીએ તોયે એમને ખબર પડતી નથી. ગબડાવી પાડ્યા તોયે એમની સમાધિ ભંગ થયો નહીં, એકદમ સમાધિમાં હતા. અને આવી ભાષા વ્યવહારમાં વપરાતી હોય છે અને લોકો પોતાની ભાષામાં અર્થ સમજી લઈ વ્યવહાર ચાલ્યા કરે છે, પણ લોક માન્યતા કરતા વાસ્તવિકતા જુદી જ હોય છે અને તે વાસ્તવિકતા તો સંપૂર્ણ આત્માના અનુભવી જ્ઞાની હોય તો ત્યાં તે જાણવા મળે.

જગતના લોકો વિકલ્પી દશામાંથી છૂટી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવા ધર્મના અનેક સાધનો બતાવે છે. પણ વિકલ્પી ક્યારેય નિર્વિકલ્પી થઈ શકતો જ નથી. વિકલ્પી ગમે તે સાધન કરે તોય વિકલ્પના ઝાળામાં જ ગૂંચવાયા કરે. એ તે નિર્વિકલ્પી એવાં જ્ઞાની પુરુષના નિમિત્તે સહજમાં જ સંકલ્પ-વિકલ્પ છૂટી જઈ નિર્વિકલ્પી દશા પ્રાપ્ત થઈ જાય છે!

''જે 'જ્ઞાન' વિકલ્પો ઊભા થવા ના દે, એ 'નિર્વિકલ્પ જ્ઞાન', એ જ નિર્વિકલ્પ આત્મા છે ને એ જ પરમાત્મા છે !'' - દાદાશ્રી

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી કલ્પ-વિકલ્પ-સંકલ્પ-નિર્વિકલ્પ શબ્દે શબ્દનો સૈદ્ધાંતિક ફોડ પાડી આપે છે. એટલું જ નહીં ઠેઠ નિર્વિકલ્પ દશા સુધી પહોંચાડે છે, તેય સંસાર વ્યવહારમાં ગૃહસ્થિ જીવન જીવતા સામાન્ય માણસોને !

કલ્પ સ્વરૂપ શું છે ? વિકલ્પ કેવી રીતે ઊભાં થાય છે ? સંકલ્પ કોને કહેવાય ? અને નિર્વિકલ્પ દશા કોને કહેવાય ? એમાં શું શું વર્તતું હોય ? તે કેવી રીતે પ્રાપ્ત થાય ? આદિ તમામ ફોડ પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીની જ્ઞાનવાણી દ્વારા પ્રાપ્ત થાય છે, જે વાચકને અવળી સમજણમાંથી બહાર કાઢવા સમર્થ બની જશે, એ જ અભ્યર્થના.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

કલ્પ - વિકલ્પ - નિર્વિકલ્પ

વિકલ્પની જાળમાં ફસાયો !

મનુષ્ય એકલાની જ જાત હશે કે બીજી પણ જાતો છે ? ગાયો-ભેંસો, નાનાં જીવડાં, વીંછીઓ, સાપ કેટલી બધી જાતો છે ને ? તેમાં માણસો એકલાએ જ આવા ગાંડા કાઢ્યા છે. દેવલોકોએ ય આવા ગાંડા નથી કાઢ્યા ! દેવલોકો ય કોઈને એમ નથી કહેતા કે 'આ મારા સસરા આવ્યા ને આ મારા સાળા આવ્યા. આ મારા ફૂવા થાય ને આ મારા મામા થાય.' એવું કોઈ લોકો નથી કહેતાં. મનુષ્યો એકલાંએ જ છે તે વિકલ્પની જાળો ઊભી કરી છે. આમને કુદરતના નિયમથી બુદ્ધિ ઊભી થઈ ગઈ. તે બુદ્ધિનો દુરુપયોગ કરીને વિકલ્પની જાળો ઊભી કરી. એ જાળમાં પછી પોતે જ ફસાયા. નિર્વિકલ્પ 'પોતે' હતો, તેને બદલે વિકલ્પી થઈ ગયો. હવે શું થાય તે ?!

પોતે પોતાની મેળે જાળું ઊભું કરવું એ વિકલ્પ અને સંકલ્પ એટલે તન્મયતા કરી એ જાળામાં રહેવાનું કર્યું એ.

સંસાર ડ્રામા માત્ર !

આ જંજાળ તો કેટલી લાંબી છે ને ? જો ચિતરવા જાય ને તો મોટો નકશો થઈ જાય. દીકરાના દીકરા ને તેનાં દીકરા, આ તો પાને પાને દૂધિયાં બેસતાં જ જાય, સ્વાભાવિક રીતે ! આ કોઈ દૂધી બીજા દૂધિયાંને એમ નથી કહેતી કે 'હું તારો બાપ છું.' અને આ બુદ્ધિશાળી તો 'આ મારો દીકરો, આ મારા દીકરાનો દીકરો !' આ બધાં દૂધિયાં બૂમાબૂમ કરે નહીં ને ! પણ એ તો વેલાને દૂધિયાં બેસ્યા જ કરે, એ એનો કુદરતી ક્રમ છે આ બધું તો ! એટલે મનુષ્યોએ આ બધો વિકલ્પ ઊભો કરેલો છે. જૂઠ્ઠો વિકલ્પ ઊભો કરીને આખો માળો ઊભો કર્યો છે. જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે બંધ થઈ જાય.

એટલે આ બધા વિકલ્પો છે. હવે આ વિકલ્પોમાં રહીને આપણે પોતાનું કામ કાઢી લેવાનું છે. કારણ કે આ વિકલ્પો લોકોએ પરમેનન્ટ બનાવ્યા છે અને ખરેખર એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ ડ્રામેટિક એડજસ્ટમેન્ટ છે. આ તમારા ફાધર, તમારા વાઇફ, તમારા ભાઈ એ બધાં ડ્રામાનાં, ઓન્લી ફોર ડ્રામા છે. જ્યાં સુધી આપણો આ દેહ છે ત્યાં સુધીનો આ ડ્રામા છે !

વિકલ્પોની ઉપાસના ત્યાં દુઃખ !

વિકલ્પોની ઉપાસના કરે એટલે શું મળે ? દુઃખ જ મળે ને ! ભગવાને કહેલું કે બધા જ્યાં જાય ત્યાં જઈશ નહીં. બધા જાય ત્યાંથી પાછો ફરજે !

વિકલ્પી થાય ત્યાર પછી મનુષ્ય અહંકારી થાય. ત્યાં સુધી અહંકાર નોર્મલ કહેવાય છે, સાહજિક, વાસ્તવિક અહંકાર કહેવાય. વિકલ્પી થાય તો જવાબદાર બન્યો. અને જવાબદાર બન્યા પછી દુઃખ આવે. જ્યાં સુધી વિકલ્પી ના થાય, જવાબદાર ના થાય, ત્યાં સુધી કુદરત કોઇ દિવસ કોઇને ય દુઃખ આપતી નથી.

વિકલ્પી થાય એટલે જવાબદાર થાય. જવાબદાર થાય એટલે કુદરત ફટકો અવશ્ય આપે જ. નહીં તો કુદરત કોઈને દુઃખ આપતી નથી. કુદરત તો બધાને 'હેલ્પફુલ' જ છે !

વિકલ્પો જ થકવે !

પ્રશ્નકર્તા : જડ શરીરની ક્રિયાઓનો ખરેખર થાક કોને લાગે છે, આત્માને કે પછી વિકલ્પનો થાક લાગે છે ?

દાદાશ્રી : 'હું કરું છું', 'હું ચંદુલાલ છું' એ વિકલ્પનો જ થાક છે. ચંદુલાલ બેઠા છે ગાડીમાં, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનેથી. મેં કહ્યું, 'ક્યાં જાવ છો ?' ત્યારે એ કહે, 'અમદાવાદ જાઉં છું.' બીજે સ્ટેશને કો'ક પૂછે, 'ક્યાં જાવ છો ?' ત્યારે કહે, 'અમદાવાદ જાઉં છું.' 'અલ્યા ભાઈ, તમે તો અહીં ગાડીમાં બેઠાં છો અને શાના આ બોલો છો તે ? આ તો તમે આડા થઈને સૂઈ ગયા છો અગર પેપર વાંચો છો. તમે અમદાવાદ જાઉં છું. આ તો ગાડી જાય છે ને પોતે કહે છે હું જાઉં છું.' એવું બોલો છો, તે કેટલી બધી આ ઊંધી વાત છે ? આવું બોલે ખરાં લોકો ? તેનો થાક લાગે છે.

નવું બંધન કર્તાપણાની કલ્પનાથી !

આ બધી જ ક્રિયાઓ અટકાવાય તેવી નથી. બધી જ ફરજિયાત છે અને નિરંતર બંધન રૂપ છે. મરજીથી કર્યું, નામરજીથી કર્યું એમાં કર્યું એ ફરજિયાત છે ને મરજી-નામરજી એ કલ્પના છે. મરજિયાત જે છે તેનું ભાન નથી. ફરજિયાતમાં કર્તાપણું આખુંય હોતું નથી. જ્યારે મરજિયાતમાં પોતે કર્તા થઈ બેસે છે ! મરજિયાત માને છે, તે ઇગોઈઝમ જ છે. કમાય ત્યારે 'હું કમાયો' કહે ને ખોટ જાય છે ત્યારે 'ભગવાને ઘાલી' એમ કહે છે એ જ બતાવે છે કે આ વિરોધાભાસ છે, ઇગોઈઝમ છે. જગતને મરજિયાત માને છે તેથી પાપ-પુણ્ય બાંધે છે. જો ફરજિયાત માને તો કશું જ બંધાય નહીં.

રિલેટિવ વિકલ્પ : રિયલ નિર્વિકલ્પ !

આત્માનો ગુણ શો છે ? એનો ચિંતા કરવાનો ગુણ છે કે કષાય કરવાનો ગુણ છે ?

પ્રશ્નકર્તા : એ આત્માનો ગુણ નથી. ભૂલથી કષાય કરી બેસે છે.

દાદાશ્રી : આત્માની ભૂલ થાય તો એ આત્મા જ કેમ કહેવાય ? આત્મા તો પરમાત્મા જ છે. એ ભૂલ કરે જ કયાંથી ? અને આત્માની ભૂલ દેખાડનારા આપણે પાછાં એના ઉપરી કે ભઇ, આત્માએ ભૂલ કરી?! આત્માએ ભૂલ કરી એ વાક્ય 'ઇટસેલ્ફ' કહે છે કે આત્માએ ભૂલ કરી ને આપણે ચોખ્ખા, ભૂલ વગરના !(?) આત્મા પોતે જ પરમાત્મા છે, પોતે જ વીતરાગ છે. એ તો સ્વરૂપનું ભાન થયું નથી એટલે પોતે માને કે, 'હું ચંદુલાલ છું.' 'હું ચંદુલાલ છું' એ આરોપિત ભાવ છે, કલ્પિત ભાવ છે, 'રિલેટિવ' ભાવ છે. તો 'રિયલ'માં કોણ હશો તમે ?

આ ચંદુલાલ એ તો 'રિલેટિવ' કહેવાય. 'રિલેટિવ'માં બહુ જાતના વિકલ્પો હોય; 'હું આમનો દીકરો થાઉં, માસો થાઉં, કાકો થાઉં' એમ ઘણાં વિકલ્પો છે. જ્યારે 'રિયલ'માં કોઇ વિકલ્પ નથી. 'રિયલ'નું 'રિયલાઇઝ' કરવામાં આવે તો આપણને ખબર પડી જાય કે સ્વરૂપનું ભાન થયું. એટલે મોક્ષે જવાની તૈયારી થઇ. 'રિયલ'નું કોઇ દહાડો ભાન જ નથી થયું. આત્માનું ભાન થવું, તેને સમકિત અથવા સમ્યક્દર્શન કહે છે. સમકિત નથી થયું કોઇ દહાડો ય, જો તે થયું હોત તો અહીં બેસી રહ્યા ના હોત. સમકિત વગર ઘડીવાર અંતરશાંતિ રહે નહીં, મૂર્છામાં જ રહે. લગ્ન હોય ત્યારે મૂર્છિત થઇ જાય અને લગ્ન થઇ જાય પછી હતું તેનું તે, એને મોહનિદ્રા કહી.

નિર્વિકલ્પ જ્ઞાન પ્રાપ્ત જ્ઞાની કનેથી !

પ્રશ્નકર્તા : આત્માસંબંધમાં તો, જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી તર્ક-વિતર્કની ભૂમિકા તો રહેવાની જ ને ?

દાદાશ્રી : એટલે આત્મા 'જ્ઞાની પુરુષ'ની પાસેથી પ્રાપ્ત થવો જોઈએ અને તે 'આત્મા' જ્ઞાનપૂર્વક, એમની આજ્ઞાપૂર્વક રહેવો જોઈએ.

પ્રશ્નકર્તા : તે રીતે તો પ્રયત્ન કરવામાં આવે છે, છતાં ય તર્ક-વિતર્ક ઊભાં થાય છે.

દાદાશ્રી : એક વખત અહીં 'જ્ઞાન' લેવું પડે, પછી આ આજ્ઞામાં રહેવું પડે ને પછી તમારે સત્સંગમાં આવીને પૂછી જવું જોઈએ. અને આ તો નિર્વિકલ્પ જ્ઞાન છે ! આ નિર્વિકલ્પ જ્ઞાનમાં વિકલ્પ કેમ થાય ? સંકલ્પ-વિકલ્પ થાય તો હજુ આત્માની પ્રાપ્તિ થઈ જ નથી કહેવાય. સંકલ્પ-વિકલ્પ કરનારો થયો કે નિર્વિકલ્પ થાય નહિ.

નિર્વિકલ્પ પુરુષ કેવો હોય ?

પ્રશ્નકર્તા : હવે સાધ્ય પૂર્ણ છે, બ્રહ્મ પૂર્ણ છે. સાધન વિકલ્પી છે, એ પણ દેશકાળને અનુસરીને પૂર્ણભાવ ધારણ કરે કે નહીં ?

દાદાશ્રી : બીજા સંજોગો ભેગા થાય તો થાય. પણ છેવટે એક સંજોગ નિર્વિકલ્પી ગુરુનો હોવો જોઈએ. પણ તે 'જ્ઞાની પુરુષ' હોવાં જોઈએ, જેને વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની બાકી ના હોય. આ વર્લ્ડમાં એમને કોઈ એવી ચીજ નથી કે જે જાણવાની બાકી હોય !

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ પુરુષ કેવો હોય ?

દાદાશ્રી : નિર્વિકલ્પ પુરુષમાં બુદ્ધિનો છાંટોય ના હોય. બુદ્ધિનો એક છાંટો ના હોય, તેથી એનું નામ નિર્વિકલ્પ પુરુષ !

પ્રશ્નકર્તા : તો ગીતામાં ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ બે વર્ણવ્યા છે, તે અક્ષર પુરુષ એટલે નિર્વિકલ્પ પુરુષ ?

દાદાશ્રી : ક્ષર તો આ દેહ જ છે અને અક્ષર વિકલ્પી છે અને ક્ષર-અક્ષરથી પર એ નિર્વિકલ્પ.

વ્યવહારમાં રહીને નિર્વિકલ્પ !

બાકી હું તો આત્મા જાણું. તમે કહો કે મને આત્મા આપી દો, તો હું આત્મા આપી દઉં.

પ્રશ્નકર્તા : પણ આત્માને શોધવાનો ના હોય, એ તો સ્વયં દર્શન થઈ જાય ને ?

દાદાશ્રી : એવું છે ને, કે આ લોકોએ જ્યાં રસ્તો તૂટી ગયો ત્યાં બધું 'ઓર્નામેન્ટલ' રસ્તા કર્યા. મૂળ રસ્તો, જ્યારે બાર બાર દુકાળ પડ્યા હતા, ત્યારે આ રસ્તો તૂટી ગયો હતો આખોય, ત્યારે 'ઓર્નામેન્ટલ' રસ્તા કર્યા. ત્યાં એવું કહેવામાં આવ્યું કે 'સત્ય પોતાની મેળે જ શોધન થઈ શકે છે !' લ્યો ! બીજું બધું કોલેજમાં જાય તો થાય છે અને આ સત્ય તો ઘેરે જ શોધન થઈ શકે છે !!

બાકી વિકલ્પી કોઈ દહાડોય નિર્વિકલ્પી થઈ શકે જ નહીં. વિકલ્પી બીજ ક્યારેય પણ નિર્વિકલ્પી થઇ શકતો નથી અને ખોટાં ફાંફા મારે છે. નિમિત્તની જરૂર છે. વિકલ્પી અને નિર્વિકલ્પી, બંને દ્રષ્ટિફેર છે. જ્યારે નિર્વિકલ્પીની દ્રષ્ટિ જો થાય એને, કરી આપે કોઈ, તો પછી એ નિર્વિકલ્પ થાય. 'દ્રષ્ટિ' જ ચેન્જ કરવાની જરૂર છે. આમાં અભ્યાસથી નથી થાય એવું. અભ્યાસથી થતું હોત તો તો અભ્યાસ કરી નાખે. પણ દ્રષ્ટિ જ ચેન્જ છે આખીય.

એટલે જ્યારે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે નિર્વિકલ્પ થાય. નિર્વિકલ્પ થાય ત્યારે અહંકાર ને મમતા જતાં રહે, બસ ! અહંકાર ને મમતા જતાં રહ્યાં એ છે તે વ્યતિરેક ગુણો ગયા બધા. મમતા એ લોભ ને કપટ છે, અહંકાર એ ક્રોધ ને માન છે. આ ચાર ગુણો આ રીતે ઉત્પન્ન થયા હતા. તે 'જ્ઞાની પુરુષ' બે વસ્તુને જુદી પાડી આપે; 'ડિવીઝન' કરી આપે, 'લાઈન ઓફ ડિમાર્કેશન' નાખી આપે આત્મા અને અનાત્મામાં, એટલે છૂટા પડી જાય. બાકી છે જ છૂટું ! છૂટું જ છે !!

છૂટવા માટેનાં ફાંફાથી બંધાયા !

લાખો અવતારથી આમાંથી છૂટવાની કામના દરેકને બુદ્ધિના આશયમાં હોય જ પણ છૂટાતું નથી, બાથોડિયા બહુ મારે છે. તરફડિયા મારે છે તો ય મળે નહીં એવું છે. બૈરી-છોકરાં વગર રહી જુએ છે, ત્યાં ય કશું વળતું નથી, એટલે પાછો બીજા અવતારે સંસારી થાય છે. બધી જાતના વિકલ્પો કરી જોયા. નિર્વિકલ્પ પ્રાપ્ત કરવા માટે જે કરે તે બધા જ વિકલ્પના વિકલ્પ છે. આ જંજાળ છૂટે એવી નથી. ગૃહસ્થિની જંજાળ છૂટે, તો ત્યાગીની જંજાળ વળગે, ત્યાં ય સંસાર ખરો જ ને !

એનો એ જ 'હું', પણ અમલ ક્યાં કર્યો તે, વ્યવહાર એટલે અમલ કરેલી વસ્તુ, 'હું' શુધ્ધાત્મા તે સાચું, અને પેલું બધું વિકલ્પ કહેવાય. 'હું' જ્યાં વાપર્યો તે વિકલ્પ. એટલે જે બંધાયેલું છે તે છૂટવા માટે આ બધાં ફાંફા મારે છે.

આવાં વિકલ્પોની ય જરૂર છે !

પ્રશ્નકર્તા : આપઘાતના વિચારો કેમ આવતા હશે ?

દાદાશ્રી : એ તો અંદર વિકલ્પ ખલાસ થઈ જાય છે તેથી. આ તો વિકલ્પના આધારે જીવાય છે. વિકલ્પ ખલાસ થઈ જાય પછી હવે શું કરવું તેનું કશું દર્શન દેખાતું નથી, તેથી પછી આપઘાત કરવાનું વિચારે છે. એટલે આ વિકલ્પો યે કામના જ છે !

સહજ વિચાર બંધ થઈ જાય ત્યારે આ બધા ઊંચા વિચાર આવે. વિકલ્પ બંધ થાય એટલે જે સહજ વિચાર આવતા હોય તે પણ બંધ થઈ જાય, અંધારું ઘોર થઈ જાય, પછી કશું દેખાતું નથી ! સંકલ્પ એટલે 'મારું' ને વિકલ્પ એટલે 'હું', એ બેઉ બંધ થઈ જાય ત્યારે મરી જવાના વિચાર આવે.

એક ભાઈ હતા, તેમને વરીઝ (ચિંતા) બહુ થયા કરતી હતી. તેથી કો'કે શીખવાડ્યું કે તમે નક્કી કરો કે, 'આ મારું ન્હોય, આ મારું ન્હોય', એટલે બધું છૂટી જશે ! તે બિચારો 'ન્હોય મારું, ન્હોય મારું' કરતાં કરતાં ગાંડા જેવો થઈ ગયો ! અલ્યા, તારું શું છે તે જાણ્યા સિવાય તું ઊભો ક્યાં રહીશ ? એટલે તારું જાણ એક વાર. બાકી, આમ તો કંઈ મમતા છૂટતી હશે ? હવે આ રોજ કહે કે, 'આ ડૉક્ટર મારા ધણી નહીં, આ છોકરો મારો ન્હોય, આ બંગલો મારો ન્હોય.' હવે આને જ્ઞાન તો મળ્યું ના હોય અને ત્યાર પહેલાં, 'મારા ન્હોય, મારા ન્હોય' કહે તો મગજ ગાંડું થઈ જાય તો 'મારું' શું છે ને 'હું આત્મા છું' એવું બધું જેને ખબર પડી છે, ત્યાર પછી 'આ મારું ન્હોય' બોલે તો ચાલે. આ તો પહેલું પોતાનું ઠેકાણું નહીં ને બોલ્યા કરે, તેથી આ લોકો મરી જાય છેને ! 'હું' ને 'મારું' બે દેખાય નહીં એટલે આપઘાત કરીને મરી જાય પછી ! 'અમે' એને માથે હાથ મૂકીને, આશીર્વાદ આપીને મશીન ચાલુ કરી આપીએ, બોલ કે, 'હું ચોર છું, હું ચોર છું ને ચોરી કરવી એ મારો ધંધો છે, ચોરી કરવી એ મારો ધંધો છે'. તે પછી એનું ચાલુ થઈ જાય, તે પછી જીવતો રહે. કંઈ પણ કર ને જીવતો રહેને, અહીંથી ! જ્યારે પોલીસ પકડશે ત્યારે બીજા વિચાર તને આવશે કે, 'ફરી હવે ચોરી કરવી નથી.' પણ ફૂટબોલ સામો ફેંક્યો તો પછી સામેવાળો પાછો ફેંકશે ને ! પણ આપણે ફૂટબોલ જ ફેંકીએ નહીં, એટલે સામે ય પછી કોણ ફેંકે ?!

સ્વમતિ કલ્પનાથી મૂંઝારો વધ્યો !

જેમ જેમ નિજ કલ્પનાથી, સ્વમતિથી શાસ્ત્રો વાંચે તેમ તેમ આડાઈઓ વધતી જાય. એથી આવરણ ઊલટું વધ્યું. અલ્યા, જો વાંચીને કંઈક પ્રકાશ પ્રાપ્ત થયો તો પછી હજી ઠોકરો શેની વાગે છે ? ઠોકરો તો અંધારામાં વાગે. પ્રકાશમાં ક્યાંથી વાગે ? જો 'કંઈક જાણ્યું' તો તેનાથી એકેય ચિંતા ઘટી ? ઊલટાંનું, આ સાચું કે પેલું સાચું એનો મૂંઝારો વધ્યો, વધારે શંકિત થયો. અને જ્યાં શંકા ત્યાં અજ્ઞાન. શંકા આગળ આત્મા ઊભો ના રહે. જ્ઞાન તો તેનું નામ કે સંપૂર્ણ નિઃશંક બનાવે.

જગતનાં લોકો જે જાણે છે એવું જગત નથી. જગત વિકલ્પી છે અને 'વિજ્ઞાન' નિર્વિકલ્પી છે.

બુદ્ધિની કલ્પનાથી ચેતન ન જડે !

બધું જ બુદ્ધિની કલ્પનાથી ઊભું થયું છે, લૌકિક છે. બધા જ ધર્મોમાં જેની જે જે કલ્પનામાં આવ્યું તે શાસ્ત્રમાં લખ્યું. શાસ્ત્ર એ બુદ્ધિજન્ય જ્ઞાન જ છે. ચેતન એમાં ના જડે. જ્યારે જ્ઞાન એ તો સ્વયંપ્રકાશ છે અને એ જ્ઞાનીના હ્રદયમાં જ હોય. બુદ્ધિના પર્યાયો છે, એની બોધકળાઓ પાર વગરની છે. બુદ્ધિ અવસ્થાને 'સ્વરૂપ' મનાવવા ફરે, તેવી છે. માટે અમે કહીએ છીએ કે બુદ્ધિથી ચેતજો.

બુદ્ધિ કાલ્પનિક સત્યમાં !

પ્રશ્નકર્તા : કાલ્પનિક સત્યમાં જો બુદ્ધિ ના હોય તો એ શું કહેવાય ?

દાદાશ્રી : એ કાલ્પનિક સત્યમાં બુદ્ધિ ના હોય તો માર્ક મળે એને.

પ્રશ્નકર્તા : પણ કાલ્પનિક સત્યમાં બુદ્ધિ ના હોય એવું બને નહીંને ?

દાદાશ્રી : હોઈ શકે નહીં, છતાં એ કાલ્પનિક સત્યમાં બુદ્ધિ ઓછી હોય તો એ હ્રદયતરફી વલણ હોય અને હ્રદયતરફીથી વિરુદ્ધ ગયું એટલે બુદ્ધિ વધી. કાલ્પનિક સત્યમાં બુદ્ધિ ના હોય. કાલ્પનિક જે સત્ય છે, તેમાં બુદ્ધિ ના હોય. બુદ્ધિ આવે એટલે કાલ્પનિક સત્ય છે, એય અસત્ય થઈ જાય. કાલ્પનિક સત્ય એ હ્રદયમાર્ગી છે, હાર્ટિલી છે. અને વાસ્તવિક સત્યની તો વાત જ શી કરવાની તે ?!

પ્રશ્નકર્તા : કાલ્પનિક સત્યમાં બુદ્ધિ ના હોય એ સમજાવો.

દાદાશ્રી : બુદ્ધિ હોય ત્યાં કાલ્પનિક સત્ય હોય જ નહીં. કાલ્પનિક સત્ય બુદ્ધિથી છેટું હોય.

પ્રશ્નકર્તા : તો બુદ્ધિથી આવ્યું એ સત્ય કયું ?

દાદાશ્રી : બુદ્ધિ આવી એટલે એ કાલ્પનિક સત્યેય બગડ્યું.

પ્રશ્નકર્તા : બુદ્ધિ વગરનું કલ્પિત સત્ય અને બુદ્ધિવાળું કલ્પિત સત્ય, એ બે સમજાવો.

દાદાશ્રી : કલ્પિત સત્યમાં બુદ્ધિ વગરનું હોય તો એ હાર્ટવાળો હોય.

પ્રશ્નકર્તા : કલ્પિત સત્યમાં બુદ્ધિ નથી એવું ખરું ?

દાદાશ્રી : કલ્પિત સત્ય બુદ્ધિને આધીન જ છે. બુદ્ધિ તો વાસ્તવિક સત્યમાં નથી. કલ્પિત સત્ય એટલે બુદ્ધિ.

પ્રશ્નકર્તા : કાલ્પનિક સત્યનો દાખલો આપોને.

દાદાશ્રી : કાલ્પનિક સત્ય એટલે આ બધા માણસો એક્સેપ્ટ કરે કે આમનું સાચું છે.

પ્રશ્નકર્તા : આ કાલ્પનિક સત્ય પ્રારબ્ધનું સાર નીકળતું હશેને ? કલ્પિત સત્ય જેના દ્વારા અભિવ્યક્ત થયું એ પ્રારબ્ધ જ કહેવાયને ?

દાદાશ્રી : હા, નહીં તો બીજું શું કહેવાય ?!

પ્રશ્નકર્તા : કલ્પનાને અને બુદ્ધિને શો સંબંધ ?

દાદાશ્રી : કલ્પના એ જ બુદ્ધિ છે, ને બુદ્ધિ એ જ કલ્પના છે.

વાસ્તવિકતા અને કલ્પિત !

કલ્પિત એટલે રિલેટિવ-રિલેટિવ અને વાસ્તવિક એટલે રિયલ-રિલેટિવ !

વાસ્તવિકતા એટલે રિલેટિવ તો ખરું પણ રિયલ. જેનાથી છૂટકારો થાય અને પેલું તો રિલેટિવ-રિલેટિવ, એટલે શું કે બાબો તળાવ પર ના જાય, તળાવ ભરેલું છે, એટલે બાબો તળાવ પર ના જાય, નહીં તો ડૂબી મરે. એટલા હારુ જ એમ કહેવામાં આવે છે કે પેણે ત્યાં આગળ વડમાં ભૂત છે. પેલું સીધું ના કહેવાય એટલે વડમાં ભૂત છે કરીને બાબાને ડરાવે છે. એ રિલેટિવ-રિલેટિવ અને અમે ચોખ્ખું કહી દઈએ કે ભઈ, આ તળાવમાં ડૂબી જવાય, માટે તળાવ પાસે તું આવીશ નહીં !

બુદ્ધિ સંસારમાં ભટકાવે !

બુદ્ધિ એ વિકલ્પો કરાવે. સંકલ્પો-વિકલ્પો થાય છે તમને ? બે જાતની વાતો હોય. એક બુદ્ધિની વાત, બીજી હાર્ટની વાત. હાર્ટની વાત કામ લાગે એવી હોય. હાર્ટની વાત હેલ્પ કરે. બુદ્ધિની વાત હેલ્પ ના કરે. બુદ્ધિની વાત બધા વિકલ્પો કહેવાય. નર્યા વિકલ્પો જ, ઊંધો રસ્તો અને હાર્ટની વાત આપણને નિવેડો લાવે. જેટલા સંતો બુદ્ધિ ઉપર ચાલેલાને, એ બધાં સંસારી સંતો કહેવાય. સંસારનું બધું, સમાજનું બધું અને જે હાર્ટ પર ચાલ્યા, હાર્ટ જ મોક્ષે લઈ જશે.

બુદ્ધિ મોક્ષમાં ના લઈ જાય. મોક્ષે લઈ જાય તો મારી પાસે રહી હોતને ! હું તો કહું, જતી રહે. એ તો વિકલ્પી વસ્તુ છે. નર્યા વિકલ્પો જ ઊભાં કરે. આખું આકાશ ભરાઈ જાય એટલા વિકલ્પો ઊભાં કરે. એણે તો આ સંસાર ઊભો કર્યો છે.

બુદ્ધિ કરાવે બળાપો !

બે જાતની બુદ્ધિ - આંતરબુદ્ધિ ને બાહ્યબુદ્ધિ. હિન્દુસ્તાનના લોકોની આંતરબુદ્ધિ હોય અને પરદેશીઓને બાહ્યબુદ્ધિ હોય. આંતરબુદ્ધિવાળા વધારે દુઃખી થાય. કારણ કે બુદ્ધિ બહુ ડેવલપ થઈ હોય તેમ બળાપો વધે જ. વળી બહારની પ્રજા સાહજિક છે. જ્યારે ઇન્ડિયન્સ તો કેટલીક બાબતોમાં સાહજિક છે અને કેટલીક બાબતોમાં વિકલ્પી છે. આધ્યાત્મિક માટે આંતરબુદ્ધિ જ કામની છે.

માણસને બુદ્ધિ કેટલી કામ લાગે ? સમજવા માટે કામ લાગે. મારી વાત સમજવા માટે બુદ્ધિ હોય તો કામ લાગે, બીજું કામ ના લાગે. ઊલટી મારી નાખે. કયે ગામ લઈ જાય, તેનું ઠેકાણું નહીં અને ચાળે ચઢાવી દે. એનો ચાળો એટલે વિકલ્પો જ ઊભાં કરાય કરાય કરે. એ ચઢાવી દે ને કયે ગામ ભટકાવી મારે તેનું જ ઠેકાણું નહીં.

ન્યાય : કુદરતી ને વિકલ્પી !

એટલે 'શું બન્યું', ત્યારે એ જ ન્યાય. નિર્વિકલ્પી થવું છે તો શું બન્યું છે એ ન્યાય. વિકલ્પી થવું હોય તો ન્યાય ખોળ. એટલે ભગવાન થવું હોય તો આ બાજુ 'જે બન્યું એ ન્યાય' અને રખડેલ થવું હોય તો આ ન્યાય ખોળીને રઝળપાટ કર્યા જ કરવાનું નિરંતર.

બે પ્રકારના ન્યાય. એક વિકલ્પોને વધારનારો ન્યાય અને એક વિકલ્પોને ઘટાડનારો ન્યાય. તદ્દન સાચો ન્યાય વિકલ્પો ઘટાડનારો છે, કે બન્યું એ ન્યાય જ છે. હવે તું આની ઉપર બીજો દાવો ના માંડીશ. તું તારી બીજી વાત સંભાળ હવે. આની પર દાવો માંડીશ એટલે બીજી વાતો તારી જતી રહેશે.

ન્યાય ખોળવા નીકળ્યા એટલે વિકલ્પો વધતા જ જાય અને આ કુદરતી ન્યાય વિકલ્પોને નિર્વિકલ્પ બનાવતો જાય. બની ગયું, બને તે ન્યાય. અને તેમ છતાં ય પછી પાંચ માણસ લવાદ મૂકે તે ય પણ પેલાની વિરુદ્ધમાં જાય. તે પેલો એ ન્યાયને ગાંઠે નહીં એટલે કોઈને ગાંઠે નહીં. પછી વિકલ્પો વધતા જ જાય. પોતાની આજુબાજુ જાળું જ વીંટી રહ્યો છે એ માણસ કશું પ્રાપ્ત નથી કરતો. દુઃખી થયો પાર વગરનો ! એનાં કરતાં પહેલેથી જ શ્રદ્ધા રાખે કે બની ગયું એ ન્યાય.

અને કુદરત હંમેશાં ન્યાય જ કર્યા કરે છે, નિરંતર ન્યાયને જ કરી રહી છે અને એ પુરાવા આપી શકે નહીં. પુરાવા 'જ્ઞાની' આપે કે ન્યાય કઈ રીતે ? એ બન્યું, 'જ્ઞાની' કહી આપે. એને સંતોષ કરી આપે અને તો નિવેડો આવે. નિર્વિકલ્પી થાય તો નિવેડો આવે.

વિકલ્પોનો અંત એ જ મોક્ષમાર્ગ !

એટલે બન્યું એને ન્યાય કહેશોને તો નિર્વિકલ્પ રહેશો અને લોક નિર્વિકલ્પ થવા માટે ન્યાય ખોળવા નીકળ્યા છે. વિકલ્પોનો એન્ડ આવે એ રસ્તો મોક્ષનો ! વિકલ્પો ઊભા ના થાય એવો છે ને આપણો માર્ગ ?

મહેનત કર્યા વગર આપણા અક્રમ માર્ગમાં માણસ આગળ વધી જાય. આપણી ચાવીઓ જ એવી છે કે મહેનત કર્યા વગર આગળ વધી જાય.

હવે બુદ્ધિ જ્યારે વિકલ્પો કરાવડાવે ને, ત્યારે કહી દેવું, જે બન્યું એ ન્યાય. બુદ્ધિ ન્યાય ખોળે કે મારાથી નાનો થયો, મર્યાદા રાખતો નથી. એ રાખી એ જ ન્યાય અને ના રાખી તે ય ન્યાય. જેટલો બુદ્ધિનો નિર્વિવાદ થશે એટલે નિર્વિકલ્પ થાય પછી !

આ વિજ્ઞાન શું કહે છે ? ન્યાય તો આખું જગત ખોળી રહ્યું છે. એના કરતાં આપણે જ સ્વીકારી લોને કે આ બન્યું એ જ ન્યાય. પછી જજો ય ના જોઈએ ને વકીલે ય જોઈએ નહીં. અને નહીં તો ય છેવટે એવું જ રહે ને પાછું માર ખાઈને ?

વિકલ્પીને ક્યાંય સમાધાન નહીં !

બુદ્ધિ શું કરે ? આ કોર્ટે ન્યાય કરેલો તે પાછો પેલી બાજુ ફણગા ફૂટે કે આગલી કોર્ટમાં જઈએ. ત્યાં ન્યાય કરે તો કહેશે, આગલીમાં જઈએ. આ ન્યાયના સંકલ્પ-વિકલ્પ બંધ ના થાય અને આ તો બંધ થઈ જાય છે !

આખું જગત ન્યાય ખોળે છે. હવે ન્યાયમાં ય જો સંકલ્પ-વિકલ્પ પૂરા થતા હોય તો સારું. ત્યારે કહે, 'પહેલી કોર્ટમાં કર્યો ખરો ન્યાય, પણ મને હજુ સંતોષ નથી થતો.' જો ન્યાય કર્યો તો ય પાછો વિકલ્પ જાગે છે. તે પછી બીજી ઉપરની કોર્ટમાં જાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય, ને ન્યાય પણ એને કહે છે, 'ના, હજુ મને સમાધાન નથી થતું.' પછી એથી ઉપરની હાઈકોર્ટમાં જાય, ત્યાં સમાધાન થાય નહીં પછી સુપ્રિમ કોર્ટમાં જાય અને ત્યાંથી પ્રેસિડેન્ટ પાસે જાય. પણ તે ય પછી એનું કશું વળે નહીં ને, ત્યારે કહેશે, આખું ન્યાયખાતું જ ઠેકાણાં વગરનું છે. પોતાના જેવો કોઈ ન્યાયાધીશ નથી એવું જાણે એ ! આનું નામ સંસાર. અને ન્યાય નથી ખોળતો એ મુક્ત થાય. જેને કોઈ પણ પ્રકારનો ન્યાય ખોળવો નથી એ મુક્ત થાય. મારી જિંદગીમાં ન્યાય જ ખોળ્યો નથી !

નિર્વિકલ્પી બન્યો દ્વન્દ્વાતિત !

આ તો પોતાનો 'ઈગોઈઝમ' છે કે 'આ મારું ખરું છે ને પેલાનું ખોટું છે.' વ્યવહારમાં જે 'ખરું-ખોટું' બોલવામાં આવે છે તે બધું 'ઈગોઈઝમ' છે. છતાં વ્યવહારમાં કયું ખરું કે ખોટું ? જે મનુષ્યોને કે કોઈ જીવને નુકસાનકારક વસ્તુઓ છે, એને આપણે ખોટી કહીએ. વ્યવહારને નુકસાનકર્તા છે, સામાજિક નુકસાનકર્તા છે, જીવોને નુકસાનકર્તા છે, નાના જીવોને કે બીજાં જીવોને નુકસાનકર્તા છે, એ બધું આપણે ખોટું કહીએ. બીજું કશું 'ખરું-ખોટુ' હોતું જ નથી, બીજું બધું 'કરેક્ટ' જ છે. પછી સહુ સહુનું ડ્રોઇંગ જુદું જ હોય. એ બધું ડ્રોઈંગ કલ્પિત છે, સાચું નથી. જ્યારે આ કલ્પિતમાંથી નિર્વિકલ્પ ભણી આવે ને, નિર્વિકલ્પની હેલ્પ લઈ લે ને, એટલે નિર્વિકલ્પપણું ઉત્પન્ન થાય. એ એક સેકન્ડ પણ થયું કે કાયમને માટે થઈ ગયું ! તમને સમજાઈ કે આ વાત ?

આ સારું-ખોટું દેખાય છે તે પુદગલની વિભાવિક અવસ્થા છે. એને જુદા પાડશો નહીં કે આ સારું છે ને આ ખોટું છે. આ દ્વંદ્વવાળાઓએ જુદું પાડયું. એ વિકલ્પો છે. નિર્વિકલ્પીને સારું-ખોટું એ બંને વિભાવિક અવસ્થા દેખાય.

આ બધું કલ્પના જ છે, એમાં સારું-ખોટું છે. જ્યારે નિર્વિકલ્પમાં આ સાચું ને આ ખોટું એમ હોતું નથી.

વિકલ્પ વિનાની વાણી !

પ્રશ્નકર્તા : વિકલ્પ સિવાય વાણીનું ઉદ્ભવ-સ્થાન જ નથી, એવું એક જગ્યાએ સાંભળેલું. તો આપ જે વાણી બોલો છો, એમાં પણ સંકલ્પ-વિકલ્પ જ કહેવાય ?

દાદાશ્રી : ના. આ વાણી એ ટેપરેકર્ડ છે. એટલે ટેપરેકર્ડમાં સંકલ્પ-વિકલ્પ હોય જ નહીં ને ! આ તો સંકલ્પ-વિકલ્પમાંથી ટેપ થઈ ગયેલી છે આ. આજ એ ઈફેક્ટ છે, આ ઇફેક્ટિવ ચીજ છે, આ કૉઝીઝ નથી. કૉઝીઝ હોય તો સંકલ્પ-વિકલ્પ હોય જ.

જ્યાં સુધી વિકલ્પો છે ત્યાં સુધી ફોટા છે. નિર્વિકલ્પી થયા એટલે નિર્વિકલ્પીને ફોટો તો હોય પણ એ ફોટો જતો હોય. જતો એટલે પરિણામરૂપે હોય. તે ઘડીએ કૉઝરૂપે ના હોય. નવો ફોટો ના છપાયેલો હોય.

પ્રશ્નકર્તા : જે વ્યક્તિ નિર્વિકલ્પ વક્તા છે, તેમની અને શ્રોતા વચ્ચે અભેદતા હોય છે. પણ શ્રોતા એના રોજબરોજનાં જીવનમાં અટવાતાં, તેની અસર વધારે કેમ રહેતી નથી ?

દાદાશ્રી : નિરંતર અસર રહે, એક ક્ષણ વાર બાદ નહીં તેવી.

આ બોલું છું તે તને એમ થાય કે 'હું જ બોલું છું' પણ ના, આ તો 'રેકર્ડ' બોલી રહી છે ! આ તો વાણીની 'બેટરી' 'ડિસ્ચાર્જ' થઇ રહી છે. હું બોલતો જ નથી અને આ બધા જગતના લોકો શું કહે કે 'મેં કેવી વાત કરી, કેવું હું બોલ્યો !' એ બધા કલ્પિતભાવો છે. 'ઇગોઇઝમ' જ કરે છે ખાલી એ ! 'ઇગોઇઝમ' જાય તો પછી બીજું કશું રહ્યું ? આ 'ઇગોઇઝમ' એ જ અજ્ઞાનતા છે અને એ જ ભગવાનની માયા છે. કારણ કે કરે છે બીજો ને પોતાને એવું 'એડજસ્ટમેન્ટ' થાય છે કે 'હું જ કરું છું !'

આ નિર્વિકલ્પી વાણી છે. એ વાણી નિર્વિકલ્પીની છે અને એમની પાસે બેસીએને, તો બધા દુઃખ શાંત થાય, શમી જાય. જગત વિસ્મૃત થઈ જાય.

કેટલાંક માટે આપણને લાગે કે 'ઓહોહો ! આ ભઈ કેટલા સુખી છે !' પણ તેમને અંદર પાર વગરનું દુઃખ હોય. દુઃખ બધે ખરાં. એક જ્ઞાની પુરુષ એકલાંને દુઃખ ના હોય. દુઃખ હોય તો વાણી સારી ના નીકળે. ઘા પડેલી વાણી નીકળે. ટેન્શનવાળી વાણી નીકળે.

મૂળ સ્વરૂપે હું, તે જ નિર્વિકલ્પ !

પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ આપણે જે કહીએ છીએ તે ?

દાદાશ્રી : સચ્ચિદાનંદ તો અનુભવદશા છે અને આ શુધ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા છે. એની એ જ વસ્તુ, શુધ્ધ ચિદ્રૂપને શુધ્ધાત્મા, એક જ વસ્તુ છે. અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારે તમારું ચિત્ત સંપૂર્ણ શુધ્ધ થઈ જાય છે. હવે આ બુદ્ધિ એકલી જ હેરાન કરે, ત્યાં સાચવવાનું. બુદ્ધિને માનભેર વળાવી દેવી. જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં અહંકાર નથી. કલ્પિત જગ્યાએ 'હું છું' બોલવું એ અહંકાર ને મૂળ જગ્યાએ 'હું' એને અહંકાર ના કહેવાય. એ નિર્વિકલ્પ જગ્યા છે.

સાચા જ્ઞાનને સમજવાની જરૂર !

જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુનો વિકલ્પ થાય છે, તેનું જ નામ માયા.

ભ્રાંતિ એ બુદ્ધિજન્ય જ્ઞાન છે. બુદ્ધિજન્ય જ્ઞાન એ વિકલ્પી હોય. જ્યારે સાચું 'જ્ઞાન' નિર્વિકલ્પી છે. એમાં જુદાઈ જરાય નથી.

પ્રશ્નકર્ર્તા : ભ્રાંતિ એ જ માયાવાદ ? ભ્રાંતિ વિશે વધુ સમજાવો.

દાદાશ્રી : ભ્રાંતિ, માયાવાદ એક જ છે. નિજ સ્વરૂપનું અજ્ઞાન એ પહેલા નંબરની ભ્રાંતિ છે. ભ્રાંતિ એટલે જે નથી તેની કલ્પના થવી તે. આત્મજ્ઞાન એ કલ્પિત વસ્તુ નથી. ત્યાં શબ્દ બોલ્યે ના ચાલે, એ અનુભવપૂર્વકનું હોવું જોઈએ. 'સેલ્ફ'નું 'રિયલાઈ-ઝેશન' થવું જોઈએ. આ પુસ્તકોમાં લખ્યો છે તેવો આત્મા નથી. 'હું કોણ છું' એ જાણવાનો એ શબ્દપ્રયોગ નથી, અનુભવપ્રયોગ છે.

જેમ જેમ અજ્ઞાનતા વધે, તેમ તેમ વિકલ્પો વધે ને તેમ તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય. કાદવમાં ગરક્યા પછી શું થાય ? મોહની બહાર જાય તો મોક્ષ છે. મોહ એ વિકલ્પ છે. મોહ પૂરો થયો એ નિર્વિકલ્પ છે !

ભ્રાંતિજ્ઞાન એ વિકલ્પી જ્ઞાન છે ને સાચું જ્ઞાન એ નિર્વિકલ્પ જ્ઞાન છે. માટે સાચા જ્ઞાનને જ સમજવાની જરૂર છે.

વિકલ્પમાં ધર્મ : નિર્વિકલ્પમાં મોક્ષ !

જગત બધું કલ્પનાથી ઊભું છે ને કલ્પનારૂપી ધર્મ છે. વાસ્તવિકતા એ જ નિર્વિકલ્પ છે !

જગતના ધર્મો એ વિકલ્પ છે. વિકલ્પના બે ભાગ ! એક શુભ અને બીજો અશુભ. જગતના ધર્મો શુભ વિકલ્પમાં છે અને મોક્ષ નિર્વિકલ્પમાં છે.

આત્મા કલ્પસ્વરૂપ છે. કલ્પસ્વરૂપ નિર્વિકલ્પ ભાવે રહે તો તે પરમાત્મા જ છે અને વિકલ્પ ભાવે રહે તો તે સંસારી છે. નિર્વિકલ્પ ભાવે રહેવું એ કરોડો અવતારેય પ્રાપ્ત થવું મુશ્કેલ છે. એ તો 'જ્ઞાની પુરુષ' ભેગા થાય ત્યારે જ એ પદને પામે.

મૂળ 'વસ્તુ' છે નિર્વિકલ્પ !

જગત એ કંઈ 'વસ્તુ' નથી. એ તો આત્માનો વિકલ્પ છે. જેટલા વિકલ્પ છે એટલી ચીજ છે. જે ચીજ નથી, તેનો વિકલ્પ ઉત્પન્ન ના થાય.

જે 'વસ્તુ' છે તેનો વિકલ્પ આવે. નથી તેનો વિકલ્પ શી રીતે આવે ? 'આ છે' એ 'રોંગ બિલિફ' એટલે વિકલ્પો આવે છે. 'રોંગ માન્યતા' કાઢી નાખે કે 'નથી જ' તો એનો વિકલ્પ કેમ આવે ? જે જે માન્યું છે એ બધી 'રોંગ બિલિફ' છે. 'રાઈટ બિલિફ' થાય એટલે કશું જ રહેતું નથી.

આ સંસાર એ તો કંઈ જેવી તેવી વસ્તુ નથી, આત્માનો (વ્યવહાર આત્મા) વિકલ્પ છે. પોતે કલ્પ સ્વરૂપ ને આ સંસાર એ વિકલ્પ સ્વરૂપ ! બે જ છે. તો વિકલ્પ કંઈ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ વિકલ્પ એટલે રિલેટિવ સત્ય છે અને કલ્પ એ રિયલ સત્ય છે.

જગત સત્ય કે મિથ્યા ?

આ જગતની કોઈ વસ્તુ મિથ્યા નથી. વર્લ્ડ રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે. પારકાનો છોકરો મરી જાય ત્યારે બ્રહ્મ સત્ય નેેજગત મિથ્યા (!) છે અને એનો પોતાનો છોકરો મરી જાય ત્યારે મિથ્યા નહીં (!) ત્યારે આ અનફિટ (અયોગ્ય) લોકો છેને ! ફરી મનુષ્ય થવાને માટે અનફિટ લોકો છે ને ! અલ્યા, આ મિથ્યા કહેવાતું હશે ? કઈ રીતે મિથ્યા છે ? આપણે સત્યને સત્ય માનવું કે અસત્યને સત્ય માનવું, એ કહો ?

માટે મિથ્યા કોને કહેવાય ? જે અવિચારી છે એને માટે છે અગર તો સાધુ-સંન્યાસીઓ હોય એમને માટે છે. હા, એમને એ મિથ્યા માને તો પેલી બાજુ એમનું ચિત્ત રહે. એ તો એક હેલ્પિંગ પ્રોબ્લેમ છે, એ કંઈ ખરેખર એક્ઝેક્ટનેસ નથી. આ જગત કલ્પિત સત્ય છે અને પેલું બ્રહ્મ નિર્વિકલ્પ સત્ય છે ! આ સત્ય વિનાશી થનારું છે. થોડીવાર પછી કશુંય નહીં હોય, પણ સત્ય તો છે જ !

વિકલ્પ એ રિલેટિવ સત્ય !

ઈલ્યુઝન (મૃગજળ) છે જ નહીં જગત ! જગત છે, પણ સાપેક્ષિત સત્ય છે. આપણે આ ભીંતને મારીએ અને માણસને મારીએ એમાં ફેર પડી જશે. ભીંતને મિથ્યા કહેવું હોય તો કહેવાય. ભડકે બળતું દેખાય પણ પછી ડાઘ પડેલો ના હોય, એ ઈલ્યુઝન કહેવાય. 'મિથ્યા' કહીને તો દાટ વાળી દીધો. જેના આધારે જગત ચાલે છે, એને મિથ્યા કહેવાય જ કેવી રીતે ?! આ જગત તો આત્માનો વિકલ્પ છે. આ કંઈ જેવી તેવી વસ્તુ નથી, એને મિથ્યા કેમ કરીને કહેવાય ?!

વિકલ્પ એ છે વિભાવ !

તમે કહો કે 'હું હવે વૃદ્ધ જેવો દેખાઉં છું,' તો તેવા દેખાવાની શરૂઆત થાય. તમે કહો કે 'ના, હવે હું જુવાન જેવો દેખાઉં છું,' તો તેવા દેખાવાની શરૂઆત થાય. જેવું કલ્પો તેવું દેખાય. આત્મા કલ્પસ્વરૂપ છે અને વિકલ્પ કરો એટલે પછી સંસાર ઊભો થાય ! નિર્વિકલ્પમાં આવો તો 'મૂળ સ્વરૂપ'માં આવી જવાય !

મૂળ આત્મા સંકલ્પ-વિકલ્પ કરી શકે જ નહીં. કારણ કે આત્મા નિર્વિકલ્પ છે ! સંકલ્પ-વિકલ્પ એ જ આરોપિત ભાવ છે. આરોપિત ભાવ એ વિકલ્પ ભાવ અને સ્વભાવભાવ એ દરઅસલ ભાવ, પરમાત્માભાવ.

વિકલ્પો એટલાં કર્મો !

કર્મો કેટલા પ્રકારનાં છે ? જેટલાં મનુષ્યો એટલાં કર્મ. નિર્વિકલ્પ એક અને વિકલ્પો પાર વગરના છે. જેટલાં વિકલ્પો છે એટલાં કર્મો છે.

અહંકાર ઉપર જ કર્મનું બંધન છે. બાકી, બીજી ક્રિયા ઉપર કર્મનું બંધન નથી. અહંકાર ઉપર સંકલ્પ ને વિકલ્પ, એ કર્મનું બંધન ! અહંકાર શેમાં વર્તે છે તે એનું કર્મનું બંધન !

સંકલ્પ-વિકલ્પ થાય તો હજી આત્માની પ્રાપ્તિ થઈ નથી એમ કહેવાય. સંકલ્પ-વિકલ્પનો કરનારો થયો એટલે નિર્વિકલ્પ થાય નહીં !

સંકલ્પ-વિકલ્પ કરે છે કોણ ?

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જલેબી ખાવાનો વિચાર આવે છે. એ અહંકારને ગમ્યો એટલે અહંકાર સંકલ્પ કરે છે કે, આમ જ હોવું જોઈએ.

દાદાશ્રી : હા, તે ઘડીએ સંકલ્પ કહેવાય.

પ્રશ્નકર્તા : તો વિકલ્પ કોને કહેવાય ?

દાદાશ્રી : હું માલિક છું, હું શેઠ છું એ વિકલ્પ. અને મારું છે એટલે સંકલ્પ.

પ્રશ્નકર્તા : તો માઈન્ડ (મન)માં એકલા વિકલ્પ નથી ?

દાદાશ્રી : માઈન્ડમાં કશું છે નહીં બિચારું.

પ્રશ્નકર્તા : અહંકાર જ સંકલ્પ-વિકલ્પ કરે છે ?

દાદાશ્રી : હા, અહંકાર એ જ સંકલ્પ-વિકલ્પ કરે છે. તે જગત આખું એમ સમજે છે કે મનમાં વિચાર આવે છે, એ જ સંકલ્પ-વિકલ્પ છે. અલ્યા, એ ન હોય ! જ્ઞાની પુરુષની પાસે ઓળખ ! ઊલટાં આ તારાં મા-બાપ મૂકી, પારકાં મા-બાપને શું કામ મા-બાપ, મા-બાપ કર્યા કરે છે ? તે પોતાનાં મા-બાપ રખડી મર્યા. એવું થઈ ગયું આ.

સંકલ્પ-વિકલ્પ કાઢે જ્ઞાની !

તો તમારે સંકલ્પ-વિકલ્પ કાઢવા છે કે નથી કાઢવા ? નિર્વિકલ્પી થવું છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો તમારે આ બધું વિજ્ઞાન સમજવું પડશે.

પ્રશ્નકર્તા : પણ ત્યારે સંકલ્પ-વિકલ્પ થયા કરે કે આ સાચું ને આ ખોટું... !

દાદાશ્રી : સંકલ્પ-વિકલ્પ બંધ કરે એ જ્ઞાની પુરુષ ! ને આપણા સંકલ્પ-વિકલ્પ બંધ થઈ ગયા કે મુક્તિ થઈ ગઈ ! સંકલ્પ-વિકલ્પ તમારે બંધ કરવા છે કે થોડા રહેવા દેવા છે ? થોડા રહેવા દો ને, કામ લાગશે ? નહીં તો સંકલ્પ-વિકલ્પ બંધ થઈ જાય તો તમે નિર્વિકલ્પ સમાધિમાં રહો ! વાંચવાથી વિકલ્પ ના જાય, જાણવાથી વિકલ્પ જાય !

હુંપણું ને મારાપણું ...

સંકલ્પ-વિકલ્પ એટલે શું ? વિકલ્પ એટલે 'હું' ને સંકલ્પ એટલે 'મારું'. 'હું ચંદુલાલ' એ વિકલ્પ, મોટામાં મોટો વિકલ્પ અને 'આ મારી બાયડી, આ મારાં છોકરાં નેે આ મારો બંગલો-મોટર' વિગેરે એ બધું સંકલ્પ.

આત્મા કેવો છે ? કલ્પસ્વરૂપ છે. 'હું ચંદુભાઈ છું' એમ થયું એ વિશેષભાવ થયો એટલે વિકલ્પ થયો. 'હું માલિક છું' એ બીજો વિકલ્પ. આનો કાકો થાઉં એ ત્રીજો વિકલ્પ. આમ નર્યા વિકલ્પ જ છે !

'મારું' એવો જ્યાં આરોપ કર્યો એ સંકલ્પ અને 'હું'નો જ્યાં આરોપ કર્યો એ વિકલ્પ, એ આરોપિત ભાવ કહેવાય છે. એટલે કે આપણે 'હું ચંદુભાઇ છું' એ ગયું તો બધું ગયું. 'હું'પણું ઊડે અને જ્યાં 'હું' પણ ઊડ્યું એટલે આ પહેરણ 'મારું' છે એ પણ ઊડી જાય. ચંદુભાઇનું 'હું'પણું ગયું તો 'મારું' પણ ઊડે - સંકલ્પે ય ઊડે ! આ મનમાં જે થાય છે તેને જગત સંકલ્પ-વિકલ્પ કહે છે, જયારે વીતરાગોએ એને અધ્યવસાન કહ્યું.

કૃપાથી મીટે કર્તાપદનો અહમ્ !

પ્રશ્નકર્તા : આ સંસારી જીવો ખરાં, એને જે કર્તાપણાનો કે જે કંઈ અહમ્ હોય છે તે મીટાવી દેવો એ કંઈ સહેલી વસ્તુ નથી !

દાદાશ્રી : ના, સહેલામાં સહેલી વસ્તુ જ એ છે. સહજમાં સહજ વસ્તુ એ અહંકાર બંધ કરવું તે ! ક્રોધ-માન-માયા-લોભ બંધ કરવા એ બધું સહજમાં સહજ વસ્તુ છે. બાકી કષ્ટે કરીને કોઈ દહાડો ય ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં. ગમે એટલાં કષ્ટ સેવે, ગમે તેટલાં કષ્ટ કરે તો ય એ અહંકાર જાય નહીં.

પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે કે કષ્ટ કરવાથી જાય નહીં, પણ આમ સાહજીક રીતે પણ ના જાય ને !

દાદાશ્રી : સહજ રીતે બિલકુલ જાય. એનો ઉપાય જ સહજ છે ! પણ પોતે સહજ કરી શકે નહીં ને ! પોતે વિકલ્પી છે, તે નિર્વિકલ્પી કેમ કરીને થઈ શકે ? એ તો જે અકર્તાપદ પ્રાપ્ત થયેલાં હોય, જે મુક્ત પુરુષ હોય ત્યાં આગળ પોતે જઈએ તો ત્યાં આપણને સહજ રીતે જ કામ કરી આપે.

એટલે અહંકાર એ સહજ નીકળી જાય એવી વસ્તુ છે. કારણ કે એ સહજ રીતે જ ઊભો થયો છે. એ કંઈ કષ્ટો કરીને ઊભો થયો નથી અને આથમી જાય છે તે ય સહજ રીતે ! આ જેટલાં કષ્ટ કરે ને, તેમ તેમ અહંકાર વધતો જાય ઊલટો !

નિર્વિકલ્પીની ભજના બનાવે નિર્વિકલ્પી !

'નિર્વિકલ્પ' તો 'જ્ઞાની પુરુષ' સિવાય કોઈ હોય જ નહીં. હા, 'જ્ઞાની'ના કૃપાવંત હોય તે નિર્વિકલ્પ બની શકે. કારણ કે નિર્વિકલ્પીની આરાધના કરે એ નિર્વિકલ્પ થાય ને વિકલ્પીની આરાધના કરે એ વિકલ્પી થાય.

પોતે વિકલ્પી ક્યારેય નિર્વિકલ્પી ના થઈ શકે. એ તો 'નિર્વિકલ્પી પુરુષ'નું નિમિત્ત જોઈએ. પોતે કલ્પસ્વરૂપ છે. એટલે જેવું ચિંતવે તેવો થાય. ત્યારે એને નિર્વિકલ્પી કેમ કહ્યો ? વિકલ્પી થયો માટે નિર્વિકલ્પી કહેવું પડ્યું !

જગત નિરંતર પ્રકૃતિને જ પૂજે છે. એક ક્ષણ પણ આત્માને પૂજે તો કામ થાય. પોતે વિકલ્પી તે નિર્વિકલ્પીને શી રીતે ભજે ? પોતે નિર્વિકલ્પી થાય ત્યારે આત્માની ભજના થાય. તે સિવાયની ભજના બધું પ્રાકૃત સત્ય છે. જેટલા વિકલ્પ થયા તે બધા જ પ્રકૃતિમાં આવે. વિકલ્પ થયા ના હોય તે પ્રકૃતિમાં ના આવે.

કલ્પનાથી ન પમાય આત્મા !

પ્રશ્નકર્ર્તા : મનની કલ્પના એ આત્મા નથી ?

દાદાશ્રી : મનની ગમે તેટલી કલ્પના કરો તો તે કામ ના લાગે. આત્મા નિર્વિકલ્પ છે ને મનની કલ્પના વિકલ્પી છે.

પ્રશ્નકર્ર્તા : આત્માને મન-સ્મૃતિ દ્વારા જાણી શકાતો નથી ?

દાદાશ્રી : આ એનાથી પરની વાત છે. એટલે કોઈ પણ માણસ જાતે કરીને આત્માને જાણી ના શકે. વિકલ્પી નિર્વિકલ્પી ક્યારેય ના થઈ શકે. એ તો નિર્વિકલ્પી તરણતારણ એવા 'જ્ઞાની પુરુષ' જ નિર્વિકલ્પ દશાએ પહોંચાડી શકે.

ફેર નિર્વિચાર ને નિર્વિકલ્પમાં !

પ્રશ્નકર્તા : નિર્વિચાર અને નિર્વિકલ્પ, એ બેમાં ફેર શો ?

દાદાશ્રી : બહુ ફેર. આ લોક તો નિર્વિચાર એટલે કહેશે વિચારરહિતપણું અને નિર્વિકલ્પ એટલે કહેશે વિકલ્પ-રહિતપણું. પણ વિચાર ખલાસ થઈ ગયા એટલે શૂન્ય થઈ ગયો. ને વિચારશૂન્ય બાવા થઈ જાય, કેટલાક માણસો ય થઈ જાય. વિચારો કરવાનું બંધ રાખે પછી વિચારોનું ધ્યાન ના આપે. એટલે પછી દહાડે દહાડે વિચારશૂન્ય એટલે પથરા જેવો થઈ જાય. આમ ઉપરથી રૂપાળો બંબ જેવો દેખાતો હોય, શાંત મૂર્તિ લાગે, પણ મહીં જ્ઞાન ના હોય !

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પનો અર્થ કેટલાક નિર્વિચાર કરે છે.

દાદાશ્રી : 'જ્ઞાની' સિવાય નિર્વિકલ્પ હોય જ નહીં. નિર્વિચારી ઘણાં હોઈ શકે. વિચારશૂન્યતામાંથી ફરી પાછી એને વિચારની ભૂમિકા ઉત્પન્ન કરવી પડશે. મન વિચાર કરતું બંધ થઈ જાય એટલે બધું 'સ્ટેન્ડસ્ટીલ' થઈ જાય. એટલે કૃપાળુદેવે એવું કહ્યું છે કે 'કર વિચાર તો પામ'. એટલે વિચાર તો ઠેઠ સુધી જોઈશે અને 'પામ્યા' પછી વિચારની જરૂર નથી પાછી. પછી વિચારો જ્ઞેય થાય અને પોતે જ્ઞાતા થયો.

પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ છેલ્લી દેશના આપી, તો તે વખતે પણ એમને વિચાર તો હતા જ, એવો અર્થ થાય ને ?

દાદાશ્રી : ભગવાન મહાવીરને પણ ઠેઠ સુધી વિચાર રહેવાના. પણ તેમના વિચાર કેવા હોય કે સમયે સમયે એક વિચાર આવે ને જાય. એને નિર્વિચાર કહી શકાય. આપણે લગ્નમાં ઊભા હોઈએ ત્યારે બધા જે' જે' કરવા આવે છે ને ! જે' જે' કરીને આગળ ચાલવા માંડે. એટલે એક કર્મનો ઉદય થયો અને તેનો વિચાર આવે પછી એ કર્મ જાય, પછી પાછું બીજું કર્મ ઉદયમાં આવે. આમ ઉદય અને અસ્ત થયા કરે. કોઈ જગાએ અટકે નહીં. એમની મનની ગ્રંથિ બધી ખલાસ થઈ ગયેલી હોય. એટલે એમને વિચાર હેરાન ના કરે ! અમને પણ વિચાર હેરાન ના કરે !

વિચાર એ તો મનનો ધર્મ છે. એક વિચાર આવે ને જાય અને કશું અડે નહીં, એને મનોલય જ કહેવાય. મનનું તોફાન ના હોય. મન બગીચા જેવું લાગે, ઉનાળામાં ફુવારા ઊડ્યા કરતા હોય એવું લાગે અને નિર્વિકલ્પ તો બહુ ઊંચું પદ છે. કર્તાપદનું ભાન તૂટ્યું એ નિર્વિકલ્પ થયો. દેહાધ્યાસ જાય પછી નિર્વિકલ્પ પદ થાય.

નિષ્ક્રિયતા એ જોખમ !

મનને નિષ્ક્રિય તો કરાય નહીં કોઈ દહાડો, મનને નિષ્ક્રિય કરવું એ જોખમ છે. નિર્વિકલ્પી થવાની જરૂર છે. મનને નિષ્ક્રિય કરવું એ જોખમ છે. કેટલાંક સાધુઓ ને એ બધા આમાં પડેલાં હોય છે. એ નિષ્ક્રિય કરવા ગયેલા ! એમાં તો મનને લોકોએ ભાંગી નાખ્યું. મનને ભાંગી નાખવાથી શું થાય ? એક ફાયદો થાય કે એ બાપજીની પાસે હજારો માણસ બેઠાં હોય તેમને શાંતિ વર્તે. શાથી ? કે બાપજીનું મન શાંત થયેલું હોય, એટલું જ નહીં ઘણા ભાગનું ઊડી ગયેલું હોય. લગભગ વિલય જેવું થયેલું હોય, વિલયની નજીકમાં જ. એટલે લોકોનાં મન ટાઢા પડી જાય. મહીં વિચાર નહીં એટલે સ્પંદન ના થાય. મારું મન જેવું હોય ને એવા જ પ્રત્યાઘાત તમારી પર પડે, તમને પ્રભાવ પડે.

ભગવાને કહ્યું, 'જો તું કલ્પનામાં છે તો વિચાર ના કરે તો ગુનેગાર છે ને જો તું નિર્વિકલ્પ છે ને વિચાર કરે તો ગુનેગાર છે.

મોક્ષની સ્થિતિની અવળી સમજણો !

પ્રશ્નકર્તા : મોક્ષની સ્થિતિ અમે જે સમજ્યા છીએ તે એ કે જ્યારે માણસને કોઈ સંકલ્પ-વિકલ્પ ના રહે, દેહનું ભાન ન રહે. એક ફક્ત આત્મસ્વરૂપ જ થઈ જાય, એને કોઈ વિચાર કે કોઈ મન-બુદ્ધિ હોય જ નહીં. તો એ સ્થિતિ...

દાદાશ્રી : એ આત્મસ્વરૂપ ના કહેવાય. મન, બુદ્ધિ-ચિત્ત એ ના હોય, તો એને આત્મસ્વરૂપ ના કહેવાય. આત્મસ્વરૂપ તો એની હાજરીમાં જ હોવું જોઈએ. એ તો આપણે ત્યાં બનાવટી બધા બહુ છે, કલ્ચર્ડવાળા. એટલા બધા હિન્દુસ્તાનમાં આત્મ-જ્ઞાનીઓ છે પણ બધું કલ્ચર્ડ !

પ્રશ્નકર્તા : મન અટકી ગયા પછીની સ્થિતિ કેવી હશે ? અમારી કલ્પનામાં જ નથી આવતું.

દાદાશ્રી : પણ મનને અટકાવવાનું જ નથી.

પ્રશ્નકર્તા : પણ જ્યાં જે મોક્ષની સ્થિતિની આપણે વાત કરી એ સંકલ્પ-વિકલ્પ આવતાં બંધ થઈ જાય એનું નામ મોક્ષની સ્થિતિ, બરોબર ?

દાદાશ્રી : એવું છે ને, સંકલ્પ-વિકલ્પ બંધ કરવા નથી. 'તમારે' નિર્વિકલ્પી થવાનું છે. દેહ તો એની મેળે એક્ઝોસ્ટ થયા જ કરવાનો. તમારે નિર્વિકલ્પી થવાનું એટલે શું કે ચંદુભાઈના મનમાં જે જે કંઈ દેખાય એ તમારે જોયા કરવાનું.

મનોલય એ રસ્તો જ ઊંધો !

પ્રશ્નકર્તા : જ્ઞાની થવું એટલે શું ? મનનો લય થાય એને જ્ઞાની કહેવાય ?

દાદાશ્રી : મનનો લય થઈ જાય પછી પાડા જેવો થઈ ગયો કહેવાય. મનનો લય થઈ જાય એટલે પાડો જ જાણે જોઈ લો ને ! મન તો ચાલુ રહે અને સંકલ્પ-વિકલ્પ ના કરે, એનું નામ જ્ઞાની.

મનનો લય તો એક જાતનો ધંધો કરતાં કરતાં આ બાજુ જ્યારે વિચાર થાય ત્યારે બંધ કરી દે. બારણા બંધ કરી દે. એમ કરતાં કરતાં મન પછી બિલકુલ ખલાસ થઈ જાય. પછી એ વધે નહીં, આગળ પ્રગતિ ના થાય. આમ મોઢું તોબરા જેવું દેખાય. સારું દેખાય, એને અશાંતિ ના દેખાય. ભક્તો એની પાછળ ફર્યા કરતા હોય, પણ એ વધે નહીં. રસ્તો એ કામનો નહીં. મન તો ચાલુ જ હોવું જોઈએ. મનની હાજરીમાં સંકલ્પ-વિકલ્પ ના થાય, એનું નામ જ્ઞાની.

પ્રશ્નકર્તા : એ મનનો તો ધંધો જ છે ને, સંકલ્પ- વિકલ્પ કરવાનો, નહીં તો મન જ ક્યાંથી રહ્યું ?

દાદાશ્રી : ના, ના. એનો ધંધો એવો નથી. એ તો લોક સંકલ્પ-વિકલ્પ કરે છે. પોતાનું ભાન નથી, એટલે સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે. અને પછી પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે ત્યાર પછી સંકલ્પ-વિકલ્પ ના થાય. ભાન આવ્યા પછી જોયા કરે. જ્ઞાની મનને, મન શું કરે છે એને જોયા કરે અને અજ્ઞાની સંકલ્પ-વિકલ્પ કર્યા કરે.

નથી દોષ આમાં મનનો !

પ્રશ્નકર્તા : વિચાર જો થાય તો જ બંધન થાય ?

દાદાશ્રી : અત્યારે તો તમને આ જ્ઞાન લીધા પછી વિચારોથી બંધન નથી. કારણ કે તમારી નિકાલી બાબત છે. સંકલ્પ-વિકલ્પથી બંધન થાય. વિચરો તો બંધન થાય. સંકલ્પ-વિકલ્પ એટલે શું ? બે ભાગ છે. આ હું અને આ મારું. એ સંકલ્પ-વિકલ્પ થાય. એ સંસારમાં બેસાડી આપે. આપણને સંકલ્પ વિકલ્પ હોય નહીં. કારણ કે વિકલ્પ એટલે 'હું ચંદુભાઈ છું.' એ હવે તમારું ગયું. અને આ 'મારું' એ ય ગયું. એટલે આ સાયન્ટીફિક વસ્તુઓ આપી મેં. આખું જગત મનને બાંધવા જાય છે. અને તે પોતે જ બંધાઈ ગયો ને ! એ બાંધવા જેવી ચીજ ન હોય.

વિચારોમાં વિચર્યો એ વિકલ્પ !

એટલે 'આ' તો હોતું જ નથી કોઈ વખત. આ તો કો'ક જ વખત હોય. નહીં તો નિર્વિકલ્પી શબ્દે ય લખવાના રાઈટ નથી કોઈને. આ તો લોકો લઈ પડ્યા છે બાવા બધા કે 'હમ નિર્વિકલ્પી હો ગયા, નિર્વિકલ્પી હો ગયા !' અરે, ક્યા નિર્વિકલ્પી હો ગયા ? કરોડ અવતાર થશે તો ય નહીં ઠેકાણું પડે.

મનનો ધર્મ જ વિચાર કરવાનો છે. તે એથી કરીને સંકલ્પ-વિકલ્પ કહેવાતા નથી. પણ મનના ધર્મને જો આપણો ધર્મ માનીએ કે, મને વિચાર આવ્યા તે એ સંકલ્પ-વિકલ્પ કહેવાય છે.

મન શું તમને હેરાન કરે છે ? તમે વાંકા છો. તમે વિકલ્પી છો. નહીં તો મન તો એનાં સ્વભાવમાં છે. મન શું કહે છે ? કે 'તમે મારામાં વિચરો છો શું કરવા ? પણ હું જે બેઠો છું, મારું કામ કરું છું. તમે વિચરો છો શું કરવા અહીં' આ જે પોતાનું ચરે છે, એનાં કરતાં પારકા ઘરમાં ચરવું, તે વિચરવું એટલે પોતાના ઘરમાં છે; એ ઘેર ચરવાનું મેલી પારકે ઘેર ચરવા ગયો એ વિચરવું, એ વિચાર કહેવાય. તો પારકા ઘરમાં જઈએ છીએ એ આપણી ભૂલ છે ને ?

હવે એ વિચર્યો તે ઘડીએ વિકલ્પ કહેવાય. તન્મયાકાર થયો કે એની સાથે વિકલ્પ, બીજો વિશેષ કલ્પ કર્યો આ ! પોતે કલ્પસ્વરૂપ તેને બદલે આ વિકલ્પ કર્યો, વિશેષ કલ્પ કર્યો. અને વિચર્યો નહીં ને મનને જોયું એ નિર્વિકલ્પ. અને મનમાં તન્મયાકાર થયો, ને વિચર્યો એ વિકલ્પ. જેટલા વખત વિચર્યો એટલા વખત વિકલ્પ. વિકલ્પનો અર્થ સમજાયો ને ?

તમારે નિર્વિકલ્પ થવાનું છે. તમે નિર્વિકલ્પી થયા એટલે મનમાં શું થાય છે, એ અધ્યવસાન દેખાયા કરે, બસ જોયા કરો.

પ્રશ્નકર્તા : એટલે જોયા કરે એને જ નિર્વિકલ્પી અવસ્થા સમજવી ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પી એટલે બિલકુલ વિચારશૂન્યતા નહીં ?

દાદાશ્રી : ના, વિચાર તો ભલેને રહ્યા. છોને રહ્યા. મન કૂદાકૂદ કરે. મન એક્ઝોસ્ટ થયા જ કરે છે. મન જીવતું છે ને તે આ દેહ છે ત્યાં સુધી મન જીવ્યા કરે. ભગવાન મહાવીર છેલ્લી દશામાં હતા તો ય પણ એમનું મન જીવતું જ હતું.

...ત્યારે થાય મોક્ષ !

મન જે જે વિચાર બતાવે છે તેમાં પોતે અજ્ઞાનતાથી સંકલ્પ-વિકલ્પ કરે છે તેના ફોટા પડે છે. તેની નેગેટિવ ફિલ્મ તૈયાર થાય છે ને ગમે ત્યારે તે રૂપકમાં આવે છે ત્યારે તે પડદા ઉપર પિક્ચર જોઈએ તેવું હોય છે. આ સિનેમામાં જે ફિલ્મ જુએ છે તે તો ત્રણ કલાક પછી 'ધી એન્ડ' બતાડે છે. તે એન્ડવાળી ફિલ્મ છે. જ્યારે મનની ફિલ્મ એન્ડલેસ છે અને એનો જ્યારે ધી એન્ડ થાય ત્યારે મોક્ષ થાય.

સ્વધર્મ : પરધર્મ

સંકલ્પ-વિકલ્પને જે જાણે તે નિર્વિકલ્પ. મનના ધર્મને પોતાનો ધર્મ માને તે સંકલ્પ-વિકલ્પ ને 'પોતાના' ધર્મને 'પોતાનું' જાણે તે નિર્વિકલ્પ ! નિર્વિકલ્પ થાય ત્યારે નિર્ભયપદને પામે.

કો'કના ધર્મ ને આપણે લઈ લઈએ, મનનો ધર્મ જ પોતે લઈ લે છે કે હું જ કરું છું. આ મને જ વિચાર આવે છે. એટલે જ છે તે આ સંસાર ઊભો થાય છે. સંકલ્પ-વિકલ્પ ઊભાં થાય છે. મનનો ધર્મ જોયાં કરે, બુદ્ધિનો ધર્મ જોયા કરે, આત્માનો સ્વભાવ શું ? બધાના ધર્મને જોવું. કોણ કયો ધર્મ કેવી રીતે બજાવી રહ્યું છે એ જોવું, એનું નામ આત્માનો ધર્મ.

જેટલા વિકલ્પ તેટલા દેહાધ્યાસ !

પ્રશ્નકર્તા : દેહાધ્યાસ ગયો કોને કહેવાય ?

દાદાશ્રી : ગજવું કાપી લે, ગાળ ભાંડે, મારે, તો ય તમને રાગ-દ્વેષ ના થાય તો દેહાધ્યાસ ગયો કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આખું જગત દેહાધ્યાસે વીંટળાયેલું છે. જેટલા વિકલ્પ એટલા દેહાધ્યાસ. દેહ ગનેગારી વીંટાળવા માટે નથી, મુક્તિ માટે છે. ભવોભવની ગનેગારી લાવેલા તેનો નિકાલ તો કરવો પડશે ને ? દેહાધ્યાસ જાય એટલે આત્મચારિત્રમાં આવ્યો કહેવાય.

દેહભાન ખોવાયું તે ન્હોય સમાધિ !

સંત પુરુષો થયેલા હોય તે તેમની ચિત્તની મલિનતા ઓછી થયેલી હોય. તેમને જ્યારે સંસારની ઇચ્છા થાય ત્યારે શરીરને ગોદા માર માર કરે કે આવી ઇચ્છા કરે છે ? આંખમાં મરચાં પણ નાખે. હવે આવા જ્ઞાનને ફોરેનવાળા શું કહે કે, 'આ તો મૂરખ લાગે છે.' મુસ્લિમોને ય આવાં લોક મૂરખ લાગે, પણ અહીંના લોકને આવાં ડાહ્યા લાગે ! આ તો આંખની ભૂલને લીધે આંખમાં મરચાં નાખે છે. તે એમાં આંખનો શો દોષ ? અહીં જોનારાનો દોષ છે.

હિન્દુસ્તાનમાં તો લોક મોઢાંને ય તાળાં મારે એવાં છે ! આ લોકો તો શરીરનું ભાન જતું રહે તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે, કારણ કે ઇન્દ્રિયનું ભાન ગયું ને માનશે કે અતીન્દ્રિયમાં પેઠો. ના, અતીન્દ્રિય તો બહુ છેટે છે. ઇન્દ્રિયનું ભાન જતું કર્યું, અતીન્દ્રિયમાં પેઠા નથી તો શામાં છો ? નિરિન્દ્રિયમાં, તે નિરિન્દ્રિયમાં જ 'હમ હમ' કરે ને એને નિર્વિકલ્પ સમાધિ માને છે !

છતાં, આ લોકોની દાનત સાચી રહેલી છે. આંખમાં મરચાં નાખે છે એમાં એમની દાનત સારી છે, માટે કો'ક દહાડો મોક્ષને પામશે.

માનેલી નિર્વિકલ્પ સમાધિ !

જગતના મહાત્માઓએ નિર્વિકલ્પ સમાધિ શેને માનેલી ? ચિત્તના ચમત્કારને. દેહથી બેભાન થાય અને માને કે મારું ઇન્દ્રિયજ્ઞાન ખલાસ થઇ ગયું ને અતીન્દ્રિય જ્ઞાન ઊભું થયું નથી. એટલે વચ્ચે નિરિન્દ્રિય ચમત્કારમાં ભટકે ! કોઇને ચિત્ત ચમત્કાર દેખાય, કોઇને અજવાળાં દેખાય, પણ એ ન હોય સાચી સમાધિ. એ તો નિરિન્દ્રિય સમાધિ છે ! દેહનું ભાન જાય તો એ સમાધિ ના હોય. નિર્વિકલ્પ સમાધિમાં તો દેહનું વધારે ચોક્કસ ભાન હોય. દેહનું જ ભાન જતું રહે તો એને નિર્વિકલ્પ સમાધિ કેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ સમાધિ એટલે શું ?

દાદાશ્રી : 'હું ચંદુલાલ' એ વિકલ્પ સમાધિ. આ બધું જુએ તે ય વિકલ્પ સમાધિ. આ બાળક કશું ફોડી નાખે તે મહીં વિકલ્પ સમાધિ તૂટી જાય.

સાચી નિર્વિકલ્પ સમાધિ !

પોતે કલ્પતરૂ છે, કલ્પે તેવો થાય. વિકલ્પ કરે એટલે વિકલ્પી થાય. 'હું' અને 'મારું' કર્યા કરે એ વિકલ્પ ને સંકલ્પ છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી વિકલ્પ તૂટે નહીં અને નિર્વિકલ્પ થવાય નહીં. 'મેં આ ત્યાગ્યું, મેં આટલાં શાસ્ત્રો વાંચ્યા, આ વાંચ્યું, ભક્તિ કરી, પેલું કર્યું' એ બધા વિકલ્પો છે. તે ઠેઠ સુધી વિકલ્પો ઊભા જ રહે ને 'હું શુધ્ધાત્મા છું' એમ બોલાય નહીં, 'હું ચંદુલાલ છું, હું મહારાજ છું, હું સાધુ છું' એ ભાન વર્તે છે ને 'હું શુધ્ધાત્મા છું' એ ભાન નથી થયું તો 'હું શુધ્ધાત્મા છું' શી રીતે બોલાય ? અને ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ શી રીતે ઉત્પન્ન થાય ? આ તો શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે એટલું જ !

એકલા વીતરાગ અને તેમના અનુયાયીઓ જ નિર્વિકલ્પ સમાધિમાં હતા અને એ તો બધું જ જાણે, સીધું જાણે ને આડું ય જાણે ! ફૂલો ચઢે તે ય જાણે ને પથ્થર ચઢે તે ય જાણે, જાણે નહીં તો વીતરાગ કેમ કહેવાય ? પણ આ તો દેહનું ભાન ગયું, એને 'અમે નિર્વિકલ્પ સમાધિમાં છીએ' એમ લઇ બેઠાં છે ! આ ઊંઘે છે ત્યારે ય દેહનું ભાન જતું રહે છે, તો પછી એને ય નિર્વિકલ્પ સમાધિ જ કહેવાય ને ? પેલાને જાગતા દેહનું ભાન જાય ને ચિત્તના ચમત્કાર દેખાય, અજવાળાં દેખાય એટલું જ. પણ આ ન હોય છેલ્લી દશા ! એને છેલ્લી દશા માને એ ભયંકર ગુનો છે ! પેલું ભાન તો રહેવું જ જોઇએ અને આ પણ સંપૂર્ણ ભાન રહેવું જોઇએ, તેને નિર્વિકલ્પ સમાધિ કહી. નહીં તો વીતરાગોને કેવળજ્ઞાનમાં કશું જ દેખાત જ નહીં ને ?!

નિર્વિકલ્પ સમાધિ કોઇ સમજતું જ નથી ને સહુ પોતપોતાની ભાષામાં લઇ ગયા. આત્મા પણ પોતાની ભાષામાં લઇ ગયા ને છતાં કહે છે કે, 'મારે આત્મજ્ઞાન જાણવું છે.'

જ્ઞાનીને નિરંતર નિર્વિકલ્પ સમાધિ !

અહીં બહાર ભાન-બાન ના રહે ને, તે નિર્વિકલ્પી સમાધિ થઈ ગઈ, કહેશે ! અલ્યા, બહાર ભાન તો રાતે ય નથી રહેતું ને ! ઊંઘમાં ક્યાં ભાન રહે છે, રાતે ? આ બધા ઊંઘે છે. અલ્યા મૂઆ, ઊંઘને સમાધિ ના કહેવાય. જાગૃત સમાધિ હોય. નિરંતર જાગૃતિ એનું નામ જ સમાધિ. મને સત્યાવીસ વર્ષથી એક સેકન્ડ પણ સમાધિ ગઈ નથી. આ અમે નિરંતર સમાધિમાં રહીએ, પણ સંપૂર્ણ જાગૃતિપૂર્વક રહીએ.

સંપૂર્ણ ભાન, ત્યાં બ્રહ્મસ્વરૂપ !

પ્રશ્નકર્તા : જો મનુષ્ય સંપૂર્ણ બ્રહ્મસ્વરૂપ, પરમાત્માસ્વરૂપ થઇ ગયો, તો એ વાત કરી શકે ?

દાદાશ્રી : જે વાત કરી શકતા નથી તે બ્રહ્મસ્વરૂપ થયા જ નથી. સંપૂર્ણ બ્રહ્મસ્વરૂપ ક્યારે કહેવાય કે બહારનું સંપૂર્ણ ભાન હોય, સંસારીઓ કરતાં વધારે ભાન હોય. દેહભાન જતું રહે એ તો એકાગ્રતા છે. એને આત્મા પ્રાપ્ત થયો ના કહેવાય. સંપૂર્ણ બ્રહ્મસ્વરૂપ થયા પછી વાણી હોય, બધું જ હોય. કારણ કે દેહ અને આત્મા બન્ને છૂટા જ વર્તે. જેમ આ કોટ અને શરીર છૂટાં વર્તે તેમ. પોતપોતાના નિજધર્મમાં રહે, બ્રહ્મ બ્રહ્મના ધર્મમાં અને અનાત્મા અનાત્મ ભાગમાં રહે છે. દેહભાન ના રહે એ જ્ઞાનની પૂર્ણતાની, નિર્વિકલ્પ દશાની નિશાની નથી. એકાગ્રતા કરે, કુંડલિની જાગ્રત કરે એ ટેમ્પરરી અવસ્થા છે. પછી પાછો હતો તેવો ને તેવો થઇ જાય. એ હેલ્પિંગ વસ્તુ છે, પણ પૂર્ણદશા ન્હોય.

કુંડલિની જાગ્રત કરે પણ એનાથી દ્શ્ય દેખાય, પણ એ તો હતું જ ને પહેલેથી ! દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે તો જ નિર્વિકલ્પ થાય ! 'પરમેનન્ટ' છે તે નિર્વિકલ્પી છે, 'ટેમ્પરરી' છે તે વિકલ્પી છે !

ક્રમિકમાર્ગે ઠેઠ સુધી કર્તાપણું !

ક્રમિક માર્ગમાં નિર્વિકલ્પ સમાધિ તો ઠેઠ મોક્ષે જવાનો થાય ત્યારે તેની શરૂઆત થાય; જ્યારે અહીં અક્રમ માર્ગમાં તમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ ગઇ છે ! ક્રમિકમાં તો ઠેઠ સુધી લોચ કરવાનો, બીજા જે ત્યાગ લખ્યા હોય તે કરવાના; 'આ વિધિ કરવાની છે, આ ત્યાગ કરવાનો છે, પેલું કરવાનું છે' એ બધું રહે. ત્યાં કર્તા જુદો, કર્મ જુદું, જ્ઞાતા જુદો ને જોડે જોડે, પાછો કહેશે કે, 'મારે હજી ધ્યાન કરવાનું છે.' ત્યાં કર્તા જુદો, ધ્યેય જુદું ને ધ્યાને ય જુદું. એમાં તો ત્રણેય જ્યારે એક થાય ત્યારે કંઇક નિર્વિકલ્પનો સ્વાદ ચાખવા મળે, પણ ક્રમિકમાં ઠેઠ સુધી કર્તાપણું રહે; તેથી 'ધ્યાનનો હું કર્તા છું' એમ કહેશે.

ધ્યેય નિર્વિકલ્પી અને ધ્યાતા વિકલ્પી; તે ધ્યાન કેવું કરે? છતાં, નિર્વિકલ્પીનું ધ્યાન વિકલ્પી કરે છે માટે નિર્વિકલ્પી થશે એમ શાસ્ત્રો કહે છે. પણ આ નિર્વિકલ્પી ના થવા દે. ને કહેશે, 'મારે આ કરવાનું છે ને પેલું કરવાનું છે.' જરા ઊંઘ આવી જાય તો ખાવાનું ઓછું કરવું છે. તે ખાવાનું ત્યાગ કરવાનું રહ્યું ! તે વિકલ્પના ખાડામાંથી નીકળવા નિર્વિકલ્પીનું ધ્યાન કરે છે !

જ્યાં સુધી સાધનોનું અવલંબન છે ત્યાં સુધી સવિકલ્પ સમાધિ. 'નિર્વિકલ્પ સમાધિ' એટલે વિકલ્પ કોઈ પ્રકારનો નહીં.

અહંકારશૂન્ય થાય ત્યારે 'નિર્વિકલ્પ સમાધિ' કહેવાય. અહંકાર હોય તે સવિકલ્પ સમાધિ કહેવાય.

આત્મજ્ઞાન પછી સાચી સમાધિ !

સાધુઓ સમાધિ કરે છે, હિમાલયમાં જઇને પૂર્વાશ્રમ છોડે ને કહેશે કે, 'હું ફલાણો નહીં, હું સાધુ નહીં, હું આ નહીં', તેથી થોડું સુખ વર્તે, પણ તે નિર્વિકલ્પ સમાધિ ના કહેવાય. કારણ કે તે સમજણપૂર્વક અંદર નથી ગયો.

સમાધિ કોને કહેવાય ? આ દેહયોગની કષ્ટે કરીને પ્રાપ્ત કરેલી સમાધિ એટલે જેટલી વાર હેંડલ મારો તેટલી વાર ઠંડક લાગે. કાયમની ઠંડક તો નિર્વિકલ્પ સમાધિ ઉત્પન્ન થાય ત્યારે જ મળે. નિર્વિકલ્પ સમાધિ એટલે સહજ સમાધિ. ઊઠતાં- બેસતાં, ખાતાં-પીતાં, અરે, ઝઘડતાંય સમાધિ ના જાય. આવી સમાધિ ઉત્પન્ન થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય.

વિકલ્પી ક્યારેય પણ નિર્વિકલ્પી ના થઈ શકે. એ તો જે પોતે નિર્વિકલ્પી નેચરલી થઈ ગયા છે તે જ બીજાને નિર્વિકલ્પ પદ આપી શકે. દેહ અને આત્મા બિલકુલ છૂટા ને છૂટા રહે, ક્યારેય તન્મયાકાર ના થાય પછી ગમે તે અવસ્થા હોય, તેનું જ નામ નિર્વિકલ્પ સમાધિ.

સંકલ્પ-વિકલ્પ બંધ થાય ત્યારે આત્મા નિર્વિકલ્પ થાય. નિર્વિકલ્પનું જ્ઞાન લીધા વગર નિર્વિકલ્પ ના થાય. એવા કેટલાક યોગીઓ છે કે બધા જ સંકલ્પ-વિકલ્પ કાઢી નાખે અને એક જ સંકલ્પ-વિકલ્પ ઉપર આવે અને તે 'હું છું' જ હોય. તે દશા ઊંચી થાય, તેજ આવે; પણ જ્ઞાન ના થાય. વસ્તુને (આત્મા) પોતાના સ્વગુણ હોય, સ્વધર્મ હોય, સ્વઅવસ્થા હોય. ભગવાન અલખ નિરંજન છે તે જ્ઞાની પુરુષના લક્ષમાં આવે. ધ્યેય જ્યાં સુધી જાણ્યું ના હોય, ત્યાં સુધી ધ્યેય સ્વરૂપ ના થવાય. હજારો ઉલ્કાપાત આવે તો પણ સહજ સમાધિ ના જાય. ધારણા તો કલ્પિત હોય. ઈનડાયરેક્ટ પ્રકાશ એ રિલેટિવ આત્મા છે. રિયલ આત્મા એન્ડલેસ રહ્યા કરે. તેમાં ફક્ત જ્ઞાતા-દ્રષ્ટાપણું જ રહે છે. સર્વ રીતે મનનું સમાધાન રહે, તેનું નામ જ્ઞાન. પાંચેય ઇન્દ્રિયો જાગૃત હોય અને સમાધિ રહે તે જ સાચી સમાધિ છે.

જ્ઞાનીને ઓળખે જ્ઞાની !

પ્રશ્નકર્તા : જે મહાત્માને નિર્વિકલ્પ સમાધિ હોય, તો એ આત્મા કઈ રીતે દેહમાંથી બહાર જાય ?

દાદાશ્રી : નિર્વિકલ્પ સમાધિ હોય એનો આત્મા આ દેહમાંથી છૂટો થાય, તે આખા બ્રહ્માંડમાં પ્રકાશ આપીને જાય. આખા બ્રહ્માંડમાં પ્રકાશે.

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ સમાધિમાં આખા બ્રહ્માંડને પ્રકાશીને આ આત્મા ગયો એના ચિહ્નો શું ? એની ખબર કેવી રીતે પડે ?

દાદાશ્રી : એ તો 'જ્ઞાની પુરુષ' ઓળખે અગર તો એને ભગવાન મહાવીર ઓળખે.

પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ' એને કેવી રીતે ઓળખે ?

દાદાશ્રી : 'જ્ઞાની' તો તરત જ, એમને જોતાંની સાથે જ ઓળખી લે. એમને તો એ સ્વાભાવિક છે. દરેક પોતપોતાના સ્વભાવને તરત જ ઓળખી લે.

બાકી નિર્વિકલ્પ સમાધિ તો હિન્દુસ્તાનમાં કોઈએ જોઈ નથી હજારો વર્ષથી ! અહંકાર ને મમતા બેઉ ખલાસ થાય ત્યારે નિર્વિકલ્પ ઉત્પન્ન થાય.

દ્રષ્ટિ દ્રષ્ટામાં ને જ્ઞાન જ્ઞાતામાં, તે કામનું !

'આપણે કોણ છીએ?' એ જ્ઞાન 'હું શુધ્ધાત્મા છું' એ જ્ઞાતામાં પડે, ત્યાર પછી વિકલ્પ ના રહે. જ્ઞાન જ્ઞાતામાં ના પડે ત્યાં સુધી વિકલ્પ રહે, દ્રષ્ટિ દ્રષ્ટામાં ના પડે ત્યાં સુધી 'સંકલ્પ' રહે !

જ્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યારે આત્મજ્ઞાની કહેવાય અને જ્ઞાન જ્ઞાતાની મહીં પડી જાય એટલે નિર્વિકલ્પ થઈ ગયો ! દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે ત્યારે 'નિર્વિકલ્પ સમાધિ'નું સુખ આવે !

બીજું જાણેલું વિકલ્પ વધારે !

જે નિર્વિકલ્પપદને આપે કે એ પદની નજીક લઈ જાય, એ શુધ્ધ વિકલ્પ. નહીં તો બીજાં વિકલ્પોનો પાર જ આવે એવો નથી.

આત્મા એકલો જ જાણવા જેવો છે. બીજું જાણવાથી વિકલ્પ વધે. એક્ઝેક્ટ આત્મા જ કબૂલ કરવો જોઈએ. ત્યારે કહે, 'બહાર આત્મા કબૂલ કરે છે ને ?' ના. એ તો મન કબૂલ કરે છે, ત્યાં તો આત્મા કબૂલ કરે જ નહીં. આત્મા જાગૃત જ ના થાય. આત્મા જ્ઞાનીની હાજરીમાં જ જાગૃત થાય. નહીં તો થાય જ નહીં. અને અમે જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ, નિર્વિકલ્પ દશામાં, નિર્વિચાર દશામાં. વિચારે ય પુદગલ છે. ક્યાં સુધી વિચારનું ગલન કર્યા કરવું ?

વિભાવથી વિકલ્પ : વિકલ્પથી ચાર્જ !

ચેતન જડને અડ્યું ને પોતાના સ્વરૂપનું ભાન જાય છે અને તેથી ચાર્જ થાય છે. જે જે બહુ યાદ આવે છે તેમાં તન્મયાકાર થાય છે, તેનાથી જ ચાર્જ થયા કરે છે. યાદ શું આવે કે જેની પર બહુ રાગ હોય અથવા તો બહુ દ્વેષ હોય. જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તેની પર રાગ-દ્વેષ કરે, ત્યારે આત્માની સ્વાભાવિક કલ્પશક્તિ વિભાવિકપણે વિકલ્પ થઈને ભળે, એનાથી ચાર્જ થયા કરે. એમ જ સંસારક્રમ ચાલ્યા કરે, ભૂલથી ચાર્જ થયેલું છે, ભ્રાંતિથી ભરેલું છે, તે ડિસ્ચાર્જ થયા કરે.

ફેર, કલ્પના ને ઈચ્છામાં !

પ્રશ્નકર્તા : કલ્પના અને ઇચ્છામાં ફેર શો ?

દાદાશ્રી : કલ્પના તે મૂળ સ્વરૂપની અજ્ઞાનતાથી ઊભી થાય છે અને ઇચ્છા થાય છે તે ડિસ્ચાર્જની થાય છે. પણ મૂળ ઇચ્છા ઊભી થાય છે તે કલ્પનામાંથી ઊભી થાય છે. એવું છે કે ઉપરથી પાણી પડ્યા કરે છે, આકાશ એની જગ્યાએ જ છે, હવા દોડાદોડ કરે છે ને ઉપરનું પાણી નીચેના પાણીમાં પડે છે. તે પરપોટા થાય છે, તેમાં વરસાદ પડે છે. તેમાં કોઈનીય ઇચ્છા નથી. હવાનીય નથી કે પાણીનીય નથી. તેવું આ બધું !

સંજોગોના દબાણથી વિભાવ !

સંસાર સ્વભાવથી જ વિકલ્પી છે. બધું બનાવ્યું મૂળ પુદગલે. અને આમાં આત્માનો તો માત્ર વિકલ્પ જ છે, બીજું કશું જ નથી.

પ્રશ્નકર્તા : આમાં આત્મભાવ નથી ?

દાદાશ્રી : ના. બધી પુદગલની જ બાજી છે. 'સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' ભેગા થવાથી આત્માને વિકલ્પ પડ્યો ને આ બધું ઊભું થઈ ગયું !

પ્રશ્નકર્તા : આ વિકલ્પ શાના આધારે થાય છે ?

દાદાશ્રી : બહારના સંજોગોના દબાણથી.

પ્રશ્નકર્ર્તા : બહારનું દબાણ એટલે કોનું ? પુદગલનું ?

દાદાશ્રી : હા. સંસારપ્રવાહ છે ને, એ પ્રવાહમાં જતાં સંજોગોનું દબાણ બહુ આવે છે અને તે ફરજિયાત છે.

અજ્ઞાશક્તિ શી રીતે ઉત્પન્ન થાય છે ? આત્મા પર સંજોગોનું જબરજસ્ત દબાણ આવ્યું એટલે જ્ઞાન-દર્શન જે સ્વાભાવિક હતું તેનું વિભાવિક થયું, એટલે અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ. આ અજ્ઞાશક્તિ મૂળ આત્માની કલ્પશક્તિમાંથી ઉત્પન્ન થાય છે. જેવું કલ્પે તેવું થઈ જાય. પછી અહંકાર જોડે ને જોડે એટલે ચાલ્યું આગળ.... એક જ જગ્યા એવી છે કે જ્યાં સંયોગો નથી અને તે છે સિધ્ધગતિ ! એટલે ત્યાં સમસરણ માર્ગનો અંત આવે છે.

બિલિફ બદલાવાથી ખડો સંસાર !

એટલે નિર્વિકલ્પી સત્ય તો આ છ વસ્તુઓ છે આ જગતમાં. છ જ વસ્તુઓ નિર્વિકલ્પી સત્ય છે, જેમાં કોઈ 'ચેન્જ' થતો નથી, જે સ્વાભાવિક છે.

આ રૂપી તત્ત્વ, પુદગલ તત્ત્વને લઈને આ જગત ઊભું થયું છે ! રૂપી તત્ત્વ જ મૂંઝવે છે ! રૂપી તત્ત્વ આત્માની 'બિલિફ' બદલાવે એવું થઈ ગયું છે. આત્મા બદલાતો નથી. 'કલ્પ'નાં વિકલ્પ થયા. 'બિલિફ' જ આ બધું શરીર તૈયાર કરે છે. એમાં 'બિલિફ' કામ કરતી નથી, એ 'બિલિફ'થી પરમાણુ ખેંચાય છે. અને પરમાણુ પોતે સ્વાભાવિક રીતે ક્રિયાકારી થાય છે. આંખ-કાન-નાક-દેહ બધું સ્વાભાવિક રીતે થાય છે.

આ પુદગલ તત્ત્વનો સ્વભાવ એવો જુદી જ જાતનો છે કે જે આ બધું ઊભું કરી દે છે ! ત્યાં મતિ પહોંચે તેમ નથી. આત્માની માત્ર 'બિલીફ' બદલાય છે. આમાં 'કલ્પ'ના વિકલ્પ થયા તેથી આ દેહ ને સંસાર ઊભો થઇ જાય છે. છતાં ય આમાં આત્મા પોતે સ્વભાવપરિણામી જ રહે છે, ક્યારેય સ્વભાવ ચૂકતો નથી.

અક્રમ જ્ઞાની, બટ નેચરલ !

'બટ નેચરલ' જ્ઞાન કો'કને જ થાય. કોઇ કહેશે કે, 'મેં જાતે કર્યું છે.' તો તે જ્ઞાન અધૂરું રહે છે. આ તો 'નેચરલી' એની મેળે થયું છે. જો કર્યું હોય તો એંસી ટકા વિકલ્પ ઓછો થયો તો વીસ ટકા બાકી રહે. આ તો સો ટકા નિર્વિકલ્પ છે, આ વીતરાગ વિજ્ઞાન છે.

નહીં તો કરોડો અવતારેય ના થાય !

વીતરાગતાથી મોક્ષ થાય અને વીતરાગતા ક્યારે આવે ? ત્યારે કહે, સંકલ્પ-વિકલ્પ જાય ત્યારે વીતરાગતા આવે. સંકલ્પ-વિકલ્પ કયાં જાય ? 'જ્ઞાની પુરુષ' પાસે, એમની કૃપા વરસે તો. એમની કૃપા ઊતરે ને કૃપાપાત્ર થાય તો સંકલ્પ-વિકલ્પ જાય, નહીં તો કરોડો અવતારે જશે નહીં. એક વિકલ્પ કાઢવા જઇશ તો બીજાં ચાર બીજ પડી જશે, એટલે નવા ચાર છોડવા ઊગ્યા ! એક છોડવો કાઢવા ગયો, તે ચાર ઊગ્યા !

નડે છે વિકલ્પો જ !

અહીં અરીસાભુવન હોય ને ત્યાં આપણે એકલા ઊભા હોઈએ તો આપણે દોઢસો દેખાઈએ ! એવું છે આ જગત ! વિકલ્પ કરે કે દેખાયું. વિકલ્પના પડઘા પડે છે આ.

પ્રશ્નકર્તા : વિકલ્પના પડઘા પડે છે, તો પછી સંકલ્પનું શું પરિણામ ?

દાદાશ્રી : સંકલ્પને કશી લેવાદેવા નથી. વિકલ્પનો જ પડઘો પડે છે. 'સંકલ્પ' એટલે 'મારું' થયું. વિકલ્પ કર્યા પછી આ વસ્તુ આપણી થાય. ત્યારે આપણે સંકલ્પ કરીએ કે આ મારી છે. વિકલ્પથી જ આ બધું ઊભું થયું છે. એટલે સંકલ્પ નડતો નથી, વિકલ્પો જ નડે છે. નિર્વિકલ્પ બધું મટાડી દે એને. આ તો વિકલ્પ છે તો સંકલ્પ ઊભો થયો. નિર્વિકલ્પ થાય તો સંકલ્પે ય નથી, વિકલ્પે ય નથી ને કશુંય નથી.

સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિથી થયો નિર્વિકલ્પ !

જ્ઞાન પછી તમે 'શુધ્ધાત્મા' છો ને વ્યવહારથી 'ચંદુલાલ' છો ! હવે 'હું ચંદુલાલ છું, હું આનો મામો થાઉં, આનો કાકો થાઉં', એને વ્યવહારમાં વિકલ્પ કહેવાય, પણ ખરેખર આ વિકલ્પ નથી. એ તો 'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે. જો પોતે માની બેસે છે કે 'હું જ ચંદુલાલ છું.' તો એને વિકલ્પ કહેવાય ! 'જ્ઞાન' પછી 'હું શુધ્ધાત્મા છું' એ નિર્વિકલ્પ થઈ જાય.

'નિજ સ્વરૂપ'નું ભાન થયા પછી 'હું શુધ્ધાત્મા છું' એવું બોલ્યો ત્યારથી નિર્વિકલ્પ થવા માંડે અને તે સિવાય બીજું કંઈ બોલ્યો કે, 'હું આમ છું, હું તેમ છું' એ બધું વિકલ્પ, એનાથી બધો સંસાર ઊભો થાય. અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. હવે તેમ છતાં ય છે તે આ 'ચંદુભાઈ'ને તો બેઉ કાર્યો ચાલુ રહેવાનાં જ, સારાં ને ખોટાં બેઉ કાર્યો ચાલુ રહેવાનાં જ. આમ અવળું ય કરે ને સવળું ય કરે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. એકલું અવળું કે એકલું સવળું કોઈ કરી શકે જ નહીં. કોઈ થોડું અવળું કરે, તો કોઈ વધારે અવળું કરે !

વિકલ્પ તો 'હું ચંદુલાલ છું' ત્યાં સુધી વિકલ્પો જ છે, પછી આચાર્ય મહારાજ હોય કેે ગમે તે હોય. 'હું શુધ્ધાત્મા છું.' એવું ભાન રહે તો નિર્વિકલ્પ કહેવાય. હવે નિર્વિકલ્પ થયા ત્યારે નિર્વિકલ્પ દશા કેમ રહેતી નથી ? ત્યારે કહે કે પાછલાં દેવાં, પાછલી કલમોનો જે ભંગ કરેલો તે કલમોના દાવા ચાલશે.

સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી દશાઓ !

અમે તમને અહીં એકલો નિર્લેપ આત્મા જ નથી આપ્યો, નિર્વિકલ્પ સમાધિ પણ આપી છે. ક્રમિક માર્ગમાં ઠેઠ સર્વાંગ શુધ્ધ આત્મા થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય. જ્યાં કંઇ પણ ત્યાગ-ગ્રહણ કરવાનું છે ત્યાં વિકલ્પ છે. મોટી વસ્તુ ગ્રહણ કરે ને નાની વસ્તુ ત્યાગ કરે એટલે વિકલ્પ થયા વગર રહે નહીં. વિકલ્પ એક ના હોય પણ પાર વગરના હોય. શિષ્યો જોડે કડક થાય તે ય વિકલ્પ.

આટલી બધી જંજાળોમાં ય તમને મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ જાય છે.

આદર્શ વ્યવહાર અને નિર્વિકલ્પ પદ - એ બે પ્રાપ્ત થઇ જાય પછી રહ્યું શું ? આટલું તો આખા બ્રહ્માંડને ફેરફાર કરી આવે.

પ્રશ્નકર્તા : આદર્શ વ્યવહાર કેવી રીતે થાય ?

દાદાશ્રી : તમને (મહાત્માઓને) જે નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયું તો તેમાં રહેવાથી આદર્શ વ્યવહાર એની મેળે આવશે. નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયા પછી કશો ડખો થતો નથી, છતાં પણ તમને ડખો થાય તો તમે મારી આજ્ઞામાં નથી. અમારી પાંચ આજ્ઞા તમને ભગવાન મહાવીર જેવી સ્થિતિમાં રાખે એવી છે. વ્યવહારમાં અમારી આજ્ઞા તમને બાધક નથી, આદર્શ વ્યવહારમાં રાખે એવી છે. 'આ' જ્ઞાન તો વ્યવહારને 'કમ્પ્લિટ' આદર્શમાં લાવે તેવું છે. મોક્ષ કોનો થશે ? આદર્શ વ્યવહારવાળાનો. અને 'દાદા'ની આજ્ઞા એ વ્યવહાર આદર્શ લાવે છે. સહેજ પણ કોઇની ભૂલ આવે તો એ આદર્શ વ્યવહાર નથી. મોક્ષ એ કંઇ ગપ્પું નથી, એ હકીકત સ્વરૂપ છે. મોક્ષ એ કંઇ વકીલોનું શોધેલું નથી ! વકીલો તો ગપ્પામાંથી શોધે તેવું એ નથી, એ તો હકીકત સ્વરૂપ છે.

જ્ઞાનીદશા નિર્વિકારી-નિર્વિકલ્પી !

વિષય મને વિચાર સરખોય નથી આવતો. સ્ત્રીઓને દેખીને મને વિષય ઉત્પન્ન ના થાય. કારણ કે મને આત્મા જ દેખાય. નિર્વિચાર દશા, નિરીચ્છક દશા, કોઈ પણ પ્રકારની ઇચ્છા જ જેને નથી. આજ અઠ્ઠાવીસ વર્ષથી અમને વિચાર જ નહીં આવેલો. નિર્વિકારી દશા, નિર્વિકલ્પ દશા, કોઈ વિકલ્પ જ નહીં. આ તો જગતનું કલ્યાણ કરી નાખશે.

કર્તાપદ છોડાવે 'વ્યવસ્થિત'નું જ્ઞાન !

અને આ અક્રમમાં તો નિર્વિકલ્પ, બહુ ઊંચું પદ. ગજબનું પદ આ તો, સાંભળવામાં ય ના આવ્યું હોય એવું પદ આ તો. ક્રમિક માર્ગના તો જ્ઞાનીઓને તો ઠેઠ સુધી વિકલ્પ થાય.

'હું કર્તા છું, ત્યાગનો કર્તા છું, તે સર્વસંગ પરિત્યાગ મારે કરવાનો બાકી છે', એવું ભાન રહેલું હોય. એટલે કર્તાપદનું ભાન રહેલું, બહુ સૂક્ષ્મ પ્રકારે. એ ક્રમિકમાર્ગમાં કેટલો બધો બોજો ને કેટલું બધું તોફાન ? ક્રમિક માર્ગે તો છોડ છોડ જ કરવાનું બધું અને છૂટે નહીં તેની ઉપાધિ રહ્યા કરે. આ છૂટતું નથી, તે છૂટતું નથી, તેનો વિકલ્પ થતો હોય અથવા તો બીજી કોઈ બાબત આવે તો કહેશે, 'આમ કરવાની આવી ઇચ્છા છે'. જેટલું કરવાનું બોલે ને, તેમાં વિકલ્પ હોય જ. તદ્દન નાટકીય ભાષા ન હોય. નાટકીય તો ક્યારે ? પદ તમારું બદલાઈ ગયું હોય અને વ્યવસ્થિતનું જ્ઞાન હોય કે 'આ કરે છે તે વ્યવસ્થિત કર્તા છે'. (વ્યવસ્થિત એટલે ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ !)

આ તો શા માટે વ્યવસ્થિતનું જ્ઞાન તમને આપ્યું કે તમને મોક્ષે જતાં સંકલ્પ-વિકલ્પ ના થાયને ! અને છે વ્યવસ્થિત, એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે.

વ્યવસ્થિતના જ્ઞાને ટળ્યા સંકલ્પ-વિકલ્પ !

જગત તો તદ્દન 'વ્યવસ્થિત' છે. ભગવાને કેમ ખુલ્લું ના કર્યું ? દુર્જન લોકો દુરુપયોગ કરે, જગત ઊંધે રસ્તે ચાલે, એટલા માટે સાચી વાત ના કહી. 'વ્યવસ્થિત'ના જ્ઞાનથી તમને સંકલ્પ-વિકલ્પ થાય નહીં. આ જગતમાં કર્તાપણું મટે તો 'વ્યવસ્થિત' સમજાય. કર્તાપણું ના મટે ત્યાં સુધી 'વ્યવસ્થિત' સમજાય નહીં. પોતે અકર્તા થાય તો 'આનો કર્તા કોણ છે' એ સમજાય. પોતે નથી કર્તા, છતાં કર્તા માને છે એટલે આ સમજાય કેમ કરીને ?

પ્રશ્નકર્તા : પોતાનું કર્તૃત્વ તો છોડતો નથી.

દાદાશ્રી : હા. એટલે બીજાને કર્તાપણું થવા જ ના દેને ? બાકી જગત છે વ્યવસ્થિત. પણ કર્તાપણાને લીધે કલ્પના ઉત્પન્ન થાય જ. અકર્તા થયો ત્યારથી જ ઉકેલ આવ્યો. ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં, ભય જાય નહીં. અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થયો તો ય પણ કર્તા છે એટલે સંકલ્પ-વિકલ્પ થયા વગર રહે જ નહીં. અને આ 'વ્યવસ્થિત' સમજાય નહીં એટલે 'મારું હવે શું થશે' એવો વિચાર આવે.

હવે રહ્યો સમભાવે નિકાલ !

શુભના મોટા મોટા વિકલ્પ કર્યા હોય તો તે ય ફળ આપે. કોઈને મારી નાખવાના ભાવ કર્યા હોય તો એવું ફળ આવે ને દાન આપવાના ભાવ કર્યા હોય તો તેવું ફળ આવે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું છે ને કે જગત 'વ્યવસ્થિત' છે, તો પછી એને ફેરફાર કરવાનો વિકલ્પ કેમ આવે છે ?

દાદાશ્રી : આ વિકલ્પો તો પહેલાં વિકલ્પ કરેલાં, તેના ફળરૂપે આવે છે. બીજ પડ્યાં હોય તો ઊગે જ ને ? ફરી પાછા તમે એને નીંદી ના નાખો, ઊગવા દો તો તે ફરી એનાં બીજ પડે છે. નિર્વિકલ્પ થયા પછી આને નીંદી નાખવાનું. 'સમભાવે નિકાલ' કરવા માંડ્યો, એ નીંદવા માંડ્યું કહેવાય.

જ્ઞેય-જ્ઞાતા સંબંધથી છૂટાય !

'શુધ્ધાત્મા' થયા પછી સંકલ્પ ને વિકલ્પ બેઉ ગયાં. હવે મનમાંથી નીકળે તે બધા જ્ઞેય છે. હવે જ્યાં સુધી પોતે વિકલ્પી હોય ત્યાં સુધી એ જ્ઞેય દેખાય નહીં. એ તો મને જ વિચાર આવ્યો છે, એવું કહે. બાકી પોતે કલ્પ સ્વરૂપ છે. જેવો ચિંતવે તેવો થઈ જાય. પોતે નિર્વિકલ્પ કેમ કહેવાય ? ત્યારે કહે કે અજ્ઞાનતામાં વિકલ્પ કર્યો હતો તેથી જ્ઞાન પછી નિર્વિકલ્પ કહેવાય. પાછા આવ્યા માટે નિર્વિકલ્પ કહેવાય.

નિર્વિકલ્પ જ્ઞાન એ જ પરમાત્મા !

આ સંકલ્પ-વિકલ્પ નથી. સંકલ્પ-વિકલ્પ આપણામાં રહ્યા જ નથી. મેં શું કહ્યું છે કે તમારું નિર્વિકલ્પી જ્ઞાન થયું. સંકલ્પ-વિકલ્પ ક્યારે થાય ? અહંકાર જ્યારે વિચરતો હોય અને અહંકાર તન્મયાકાર થાય ત્યારે સંકલ્પ-વિકલ્પ થાય. 'મારું' અને 'હું' ગયું, એનું નામ નિર્વિકલ્પ !

જે 'જ્ઞાન' વિકલ્પો ઊભા થવા ના દે, એ 'નિર્વિકલ્પ જ્ઞાન', એ જ નિર્વિકલ્પ આત્મા છે ને એ જ પરમાત્મા છે !

- જય સચ્ચિદાનંદ