|
સહનશક્તિની હદ સંપાદકીય આ સંસારમાં મનુષ્યને જીવનમાં કંઈક ને કંઈક પ્રકારે સહન કરવાનું આવતું જ હોય છે. હસબન્ડ કે વાઈફ કે છોકરાં પજવતાં હોય તો ય સહન કરવું પડે, નહીં તો નોકરી-ધંધામાં બોસ કે નોકર તરફથી સહન કરવાનું આવતું હોય છે. શારિરીક દુઃખો-વેદના સહન થતાં નથી, ભાઈઓ-ભાઈઓના ઝઘડા-વેરમાં એકબીજાને સહન કરવું જ પડતું હોય છે, હડહડતું અપમાન થાય ત્યારે કેટલું અસહ્ય થઈ પડે છે. વિષય-વિકારના પરિણામમાં કેટલાં દુઃખો સહન કરવાં પડે છે અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ જેને ઊંચું હોય તેને તો આ સંસાર એક ક્ષણવાર સહન થતો નથી, પોષાતો નથી. આમ સહન કરતાં કરતાં સહનશક્તિની હદ આવી જાય છે. ત્યાં શાંતિ કેવી રીતે રાખવી ? કયા ઉપાય ગોઠવવા કે જેથી સહન કરવાનું ઘટે અને અંદર સમાધાન-આનંદ વધે ! આ જગતનું સ્વરૂપ જ એવું છે. સુખ વગર પોતે રહી શકતો નથી. જ્યાં જ્યાં સુખની કલ્પના કરી છે, ત્યાં અંતે રીપેમેન્ટ આવ્યા છે, દુઃખ પરિણામો ભોગવવા પડ્યા છે. હવે ત્યારે પોતાને સમજાતું નથી કે મારે આ દુઃખ પરિણામો શા માટે ભોગવવા પડે છે. તે નિમિત્ત પ્રત્યે આક્ષેપ આપ્યા વગર રહી શકતો નથી અને નવા રાગ-દ્વેષ કરે છે. પરિણામે નવા કર્મો બાંધી સંસારની જંજાળમાં ગૂંચાય છે. આ મુશ્કેલીઓ, વિટંબણાઓ, વેદનાઓ, દુઃખો જે સહન કરવા પડે છે તે તો ખરેખર ખૂબ ઉપકારી છે મોક્ષ તરફ ધકેલવા માટે. દુઃખો સહન કરવાપણું ઈટસેલ્ફ પ્રુવ કરે છે કે આ સંજોગોમાં કે આ વ્યક્તિ દ્વારા પોતાને સુખ નહીં જ મળે. સુખ જે મળ્યું તે ટેમ્પરરી જ હતું ને પછી પાછું દુઃખ સહેવું જ પડ્યું. માટે સાચું સુખ આ બધાથી ઉપર હોવું જોઈએ. સાચું સુખ એનું નામ કે આવ્યા પછી જાય નહીં, સનાતન સુખ હોય. તે પ્રાપ્ત થયા પછી પરિસ્થિતિ-સંજોગો-નિમિત્તો ભલે એનાં એ જ હોય છતાં પણ સહન કરવાપણું હોતું જ નથી. પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી પડેલાં દુઃખોને સહન કરવા માટે અનેક પ્રકારની સમજણ પ્રદાન કરી છે. તે એક એક ચાવી સમજી લેતાં સહન કરવાપણું ક્યાંય નહીં રહે. સર્વે કાળે, સર્વ ક્ષેત્રે, સર્વ સંજોગોમાં નિરંતર સમાધાન જ વર્તાયા કરશે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ સહનશક્તિની હદ જાગૃત માટે સંસાર કેવો ? કશી વાત પૂછો કંઈક ! ક્યાં સુધી આ ગૂંચવાડામાં પડ્યા રહેશો ? પ્રશ્નકર્તા : હમણાં તો કોઈ ગૂંચવાડો નથી. દાદાશ્રી : એ તો અત્યારે લાગે એવું. બાકી, જમતી વખતે ટેબલ ઉપર મતભેદ પડે ને, તો ભાંજગડ પડી જાય. વાતે વાતે ગૂંચવાડો છે, નર્યો શબ્દે શબ્દે ગૂંચવાડો છે. જેટલો ગૂંચવાડો નથી લાગતો એટલું બેભાનપણું છે, નહીં તો એક ક્ષણવાર સહન ના થાય એવો આ સંસાર છે. અમને તો આ સંસાર એક ક્ષણવાર સહન થતો નહોતો, કોઈ રાત હું ઊંઘ્યો નહોતો ને એટલું બધું દુઃખ પાર વગરનું થાય ! તો અધ્યાત્મ મીઠું લાગે ! પ્રશ્નકર્તા : આ પૈસા કમાવવા એ સારું ના લાગે, આ સંસારમાં રહીને આ જે બધી વિટંબણાઓ છે એ ભોગવવાની સારી નહીં લાગે. આવું બધું જ્યારે મનમાં આવે, ત્યારે પછી અધ્યાત્મ તરફ જવાની વૃતિ ઊભી થાય, એ બરાબર ? દાદાશ્રી : આ સંસાર કડવું લાગે તો પેલું અધ્યાત્મ મીઠું લાગે. આમાં કડવાશપણું લાગે નહીં, ત્યાં સુધી પેલું મીઠું કેમ લાગે ? પ્રશ્નકર્તા : એ જ વાત છે કે આ કડવું લાગે છે એટલે પછી મીઠા પ્રત્યે જવાય ને ! દાદાશ્રી : હવે કડવું કોને લાગે ? જે પૂર્વે ડેવલપ થતો થતો આવેલો તેને. ડેવલપ શેમાં થવાનું તો કે અહિંસામાં. જેટલી અહિંસા વધુ સમજ્યો એટલો ડેવલપ થયો. એ ડેવલપ થઈને આ સહન ના થાય. જાગૃતિ બહુ હોય. બળાપો વધે તેમ મોક્ષ ખોળે ! મનમાં ચોરીનાં વિચારો ખસતાં નથી, જૂઠનાં વિચારો, કપટનાં વિચારો ખસતાં નથી, પ્રપંચનાં વિચારો ખસતાં નથી. પછી શું, નર્યુ પાપ જ બંધાયા કરે ને ? આ તો બધું ના હોવું જોઈએ ! એટલા માટે હું તો ભેખ (સંન્યાસ) લેવા તૈયાર હતો કે આમ જો દોષ બંધાતા હોય તો ભેખ લેવો સારો. નર્યું ભયંકર ઉપાધિઓ, આટલા તાપમાં બફાયા ! અજ્ઞાનતામાં તો બહુ સમજણવાળો માણસ, એક કલાક જે બફાય છે, એ બફારાને લઈને મનમાં એમ થાય કે બળ્યું, હવે કશું જોઈતું નથી. જાડી બુદ્ધિવાળાને બફારો ઓછો સમજણ પડે, પણ સૂક્ષ્મ બુદ્ધિવાળાને બફારો સહન કેમ કરીને થાય ? એ તો અજાયબી છે ! સંપૂર્ણ જાગૃત થયા પછી આ જગત એક ક્ષણ પણ સહન થાય તેમ નથી ! 'રિલેટિવ' ધર્મની જરૂર ખરી. જ્યાં સુધી 'રિયલ' પ્રાપ્ત ના થાય ત્યાં સુધી 'ડેવલપ' થવા માટે, ખંડઈ, ખંડઈને વધે, તેમ તેમ બુદ્ધિ વધે. જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય ને બળાપો સહન જ ના થાય ત્યારે મોક્ષ ખોળે ! ભૌતિક સુખોના પરિણામે... બ્રહ્મ એ 'રિયલ કરેક્ટ' છે. અને આ બીજું બધું આંખેથી દેખાય છે, પંચેન્દ્રિયથી અનુભવમાં આવે છે, એ બધું 'રિલેટિવ કરેક્ટ' છે ! ખોટી તો કોઇ વસ્તુ છે જ નહિ આ જગતમાં. પણ જ્યાં સુધી ભૌતિક સુખોની જરૂર હોય; વિનાશી સુખો જોઈતાં હોય, તો આ 'રિલેટિવ' સત્યમાં બેસી રહો ને ત્યાં સુધી 'રિલેટિવ'માં ભટક ભટક કરો. અને એ ભૌતિક સુખોની પાછળ કેટલી બધી ચિંતા, ઉપાધિઓ, નરી મુશ્કેલીઓ વહોરવી પડે છે ! આ તરફડાટ બધો જ્યારે માણસ અનુભવે છે, ત્યારે સમજાય કે શી રીતે સહન કરે છે !! અને અવિનાશી સુખો જોઇતાં હોય તો ત્રિકાળવર્તી હોય ત્યાં જા. પેલું 'રિલેટિવ' એ 'ફોરેન ડિપાર્ટમેન્ટ' (સંસાર વ્યવહાર) છે અને 'રિયલ' એ 'હોમ ડિપાર્ટમેન્ટ' (આત્મ સ્વરૂપ) છે ! એટલે 'ઘેર' જવું હોય તો 'ઘેર' જાવ અને 'ફોરેન'માં રહેવું હોય તો 'ફોરેન'માં રહો ! બાકી, 'ફોરેન'ને 'હોમ' માનીશ તેમાં તારો કશો શક્કરવાર વળશે નહિ. મોક્ષનો પ્રયત્ન શા માટે ? પ્રશ્નકર્તા : એક માણસ મરી ગયો પછી એને બીજો દેહ તરત જ મળે છે તો પછી લોકો મોક્ષને માટે શા માટે પ્રયત્ન કરે છે ? દાદાશ્રી : જેને આ સંસારની ચિંતા થતી હોય અને એ ચિંતા ના ગમતી હોય, સહન ના થતી હોય તેને માટે મોક્ષની જરૂર છે. જેને આ ચિંતા ગમતી હોય તેને તો મોક્ષની જરૂર જ નથી ને ! એટલે દરેકને મોક્ષની જરૂર જ નથી. આ ફોરેનવાળાને ચિંતા સહન થાય છે, એમને મોક્ષની જરૂર જ નથી. આપણે અહીંના અમુક માણસોને ચિંતા સહન થાય છે, તો એમને ય મોક્ષની જરૂર નથી. બાકી જેને ચિંતા સહન થતી ના હોય, જેને અહીં સંસારમાંથી ભાગી છૂટવા જેવું લાગતું હોય, તેમને મોક્ષની જરૂર છે. આત્મભાને સમાધિ મરણ ! પ્રશ્નકર્તા : મૃત્યુનું દુઃખ કેવી રીતે સહન કરી શકાય ? દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી મૃત્યુનું દુઃખ આવે જ નહીં ને ! જ્યાં જ્ઞાનનું આરાધન થાય, ત્યાં દુઃખનો વિચાર જ કરવાની જરૂર નથીને. એને સમાધિ મરણ હોય હંમેશાં. આપણા જ્ઞાન લીધેલા કેટલાય માણસો, એનો કાળ થયોને, તે બધાને સમાધિ મરણ ! તે વખતે સમાધિ મરણ જ થાય. ફરી વેદના વેદવા કોણ આવે ? પ્રશ્નકર્તા : મોક્ષ થયા પછી આત્માની શી ગતિ થાય ? દાદાશ્રી : મુક્તભાવ ! સિદ્ધગતિ !! આત્મા સિદ્ધક્ષેત્રમાં જાય છે, ત્યાં પ્રત્યેક આત્મા છૂટા રહે છે અને જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહે છે. આ તમે હાથ ઊંચો કરો તો તે સિદ્ધ ભગવંતના જ્ઞાનમાં આવી જાય, પણ તેમાં તે જ્ઞેયાકાર ના થાય, જ્ઞાનાકાર જ રહે ! તેમને બંધન ના થાય. આ તો માના પેટે ફરી વેદના લેવા કોણ આવે ? એ વેદના તો ભગવાન જાણે! આ તો બધી વેદનાઓ બેભાનપણે ભોગવાય છે. માણસ જાતિ અમુક જ લિમિટ સુધી દુઃખ ભોગવી શકે, એનાથી વધારે જો દુઃખ પડે, તેની સહનશક્તિથી બહાર દુઃખ જાય તો તે બેભાન થઇ જાય. આપઘાત કરતાં પહેલાં... પ્રશ્નકર્તા : દાદા, એવું સાંભળ્યું છે કે આપઘાત પછી આવી રીતે સાત ભવ થાય, એ વાત સાચી છે ? દાદાશ્રી : જે સંસ્કાર પડે તે સાત-આઠ ભવ પછી જાય છે, એટલે આ કોઈ ખોટા સંસ્કાર પડવા ના દેશો. ખોટા સંસ્કારથી દૂર ભાગજો. હા, અહીં ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરજો, પણ ગોળી ના મારશો, આપઘાત ના કરશો. એટલે વડોદરા શહેરમાં આજથી થોડાં વરસ ઉપર બધાંને કહી દીધેલું કે આપઘાત કરવાનું થાય ત્યારે મને યાદ કરજે ને મારી પાસે આવજે. એવા માણસ હોય ને, જોખમવાળા માણસ, એમને કહી રાખું. તે પછી મારી પાસે આવે, તેને સમજ પાડી દઉં, બીજે દહાડે આપઘાત કરતો બંધ થઈ જાય. ૧૯૫૧ પછી યે બધાંને ખબર આપેલી કે જે કોઈને આપઘાત કરવો હોય તો મને ભેગો થાય ને પછી કરે. કોઈ આવે કે મારે આપઘાત કરવો છે તો એને હું સમજાવું, આજુબાજુનાં 'કોઝીઝ', 'સર્કલ' આપઘાત કરવા જેવો છે કે નથી કરવા જેવો, બધું એને સમજાવી દઉં ને એને પાછો વાળી લઉં. આ તો વગર કામનાં, શું કરવા આપઘાત કરે છે ? આપઘાત કરીને શું કામ છે ? તું પોતે જ ભગવાન છે. વગર કામનો તારે આપઘાત કરવાની જરૂર જ શી છે ? પણ જો કોઈએ આવું કહ્યું જ નથી ને ! આ હું જેવું કહું છું એવું કોઈએ એને કહ્યું જ નથી, પણ ખરેખર હકીકત એમ જ છે ને ! એ ઉપાયો પણ અંતે દુઃખદાયી ! આ તો કંટાળાના ઉપાય કરે છે તે બ્રાંડી પીએ છે, દોડધામ કરે છે. એ ય એક જાતની મૂર્છા જ છે. કંટાળો આવે પણ સહનશક્તિ છે નહીં, નહીં તો કંટાળો આવ્યો તો 'શાથી આવ્યો ? શી ભૂલ રહી ગઇ ?' એ બધી તપાસ કરાય. પણ એ તો કશું કરતા નથી ને દોડધામ કરે છે ને પીવે છે, તેનાથી રાહત મળે છે. પણ ફરી પાવર ઊતરે એટલે કંટાળો પાછો ચાલુ. આ સંસારનાં દુઃખો એક ક્ષણવાર શાંતિ આપે એવાં નથી. એ તો કંપારી છૂટે કે આટલાં બધા દુઃખો આ લોકો સહન કરે છે આટલા સુખને માટે ! આ તો લોનના સુખ ! એક છોકરો રૂપાળી છોકરી પાછળ પડેલો ! મેં કહ્યું, 'આ કેરીઓ ઉપરથી રૂપાળી દેખાય પણ કાપીએ ને ત્યારે ખાટી નીકળે ! આ બધી હાફૂસની કેરી જેવી રૂપાળી દેખાય ને ! પણ ખાટી નીકળે. મોઢું બગડી જશે ત્યારે પછી ક્યાં જઈશ ? પછી આખી જિંદગી બફારો જ ને ? સહન ના થાય પછી ! કેરી તો ખાટી નીકળે તો નાખી દઈએ પણ સ્ત્રીને ક્યાં નાખી દઈએ ? ' હવે, આ જે સુખો લો છો ને એ બધાં, તો લોન ઉપર લો છો, તે પાછાં રીપે (ય્ફૂર્ષ્ટીક્ક) કરવાં પડશે. માટે ચેતીને ચાલજો, લોન ઉપર લીધેલાં સુખ બધાં રીપે કરવાં પડશે આ. આ વાઈફની પાસેથી, છોકરા પાસેથી સુખ લઈ લઉં છું ને, લોન ઉપર લઉં છું એ રીપે કરવાં પડશે. જેટલું રીપે કરવાની આપણી શક્તિ હોય એટલું લોન ઉપર લેજો અને પછી સહન નહીં થાય. પરિણામ સહન કરવાની શક્તિ હોય તો લોન પર સુખ લેવા. તમારી પાસે ખોટું કરીને કોઈ પૈસા લઈ જાય તો તમને સુખ લાગે ખરું ? અનીતિ નોંતરે દુઃખો ! એક દારૂ ના પીવાનો અહંકાર કરે છે ને એક દારૂ પીવાનો અહંકાર કરે છે, તો મોક્ષ કોનો થાય ? ત્યારે ભગવાન બેઉને કાઢી મેલે ! એ તો શું કહે છે કે, 'અમારે અહીં તો નિર્અહંકારીની જરૂર છે.' ભગવાન તો શું કહે છે, 'નીતિ તો તને સંસારમાં સુખ પડે એટલા માટે પાળવાની છે. બાકી અમારે નીતિ-અનીતિની કશી ભાંજગડ જ નથી. તને દુઃખ સહન થતું હોય તો અનીતિ કરજે.' અનીતિથી દુઃખ જ પડે ને ? કોઈને દુઃખ આપ્યા પછી આપણને પણ દુઃખ પડે. આ તો તને સુખ પડે એટલા હારુ નીતિ પાળવાની છે. જીવન જીવો પરોપકારાર્થે ! આપણું જીવન કોઈના લાભ માટે જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છેને ? સામાના ફાયદા માટે કરે છેને ? તેવી રીતે આ માણસો સામાના ફાયદા માટે જીવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમેય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ત્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર. તો શું કરવું જોઈએ ? પ્રશ્નકર્તા : પરોપકાર અર્થે જ જીવવું જોઈએ. દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલાં રીએક્શનો તો આવે, એટલે પાછા તમે કંટાળી જાવ કે આ તો મારે હજુ સહન કરવું પડે છે, પણ થોડો વખત સહન કરવું પડશે. ત્યાર પછી તમને કોઈ દુઃખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલાં રીએક્શન તો આવવાનાં જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેના ફળ તો આવે જ ને ? આમ બંધાય વેર ! નિઃસ્પૃહ થવું તે ય ગુનો છે ને સસ્પૃહ થવું તે ય ગુનો છે. ઘરાક આવે તો સારું એટલું આપણે રાખવું, પછી ઉધામા ના રાખવા. 'રેગ્યુલારિટી' અને ભાવ ના બગાડવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઈએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એ ય માણસજાત છે. એને બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઈ ને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દયાભાવ રાખો ને ! છંછેડ્યા તો સામા થાય ! જેમ તેમ કરીને અટાવી-પટાવીને કામ લેવા જેવો વખત છે. એક પેલું લોખંડ એકલું જ ગરમ થયેલું હોય, તેને જ ઘણ મરાય, બાકી બીજે બધે તો મરાય નહીં, એ ગરમ થયેલા લોખંડને ના મારીએ તો ય ઉપાધિ, એનો ઘાટ ના ઘડાય અને આ જીવતાં ને તો જરાક હાથ અડાડ્યો કે ખલાસ. તેમ છતાં ય પ્રકૃતિ જોઈ લેવી. આપણો કાયમનો નોકર હોય એની પ્રકૃતિ જોઈ લેવી. તેમાં બહુ વાંધો નહીં. આપણે જાણીએ કે આ ડાહ્યો છે, એ ડાહ્યા જોડે ડાહી વાત કરો તો વાંધો નહીં પણ આ બહારની પબ્લિક સાથે તો ચેતીને રહેવું. કારણ કે ક્યારે કોઈ માણસ કેવો અકળાઈ ઊઠ્યો છે એ શું ખબર પડે ? છતાં એ તમને જ ક્યાંથી ભેગો થઈ ગયો ? માટે સમજાવી કરીને એનાથી છૂટી જવું. આ વિચિત્ર કાળ છે. એટલે બિચારાને બહુ અકળાટ હોય છે. મહીં બહુ જ દુઃખ હોય છે. તે જરા છંછેડો કે ચપ્પુ મારે. કશું વધારે પડતું દુઃખ સામાને ક્યારે દે ? પોતાનું દુઃખ સહન ના થાય ત્યારે જ ને ? સમજાવીને કામ લો ! બાબો ય ખોટું કરતો હોય, તો એને ધીબ ધીબ કરવાનો ના હોય. ખોટું કરતો હોય અને એને ધીબ ધીબ કરીએ તો શું થાય ? એક જણ તો લુગડાં ધુએ એમ ધોતો'તો. અલ્યા મૂઆ ! બાપ થઈને આ છોકરાની આ દશા શું કરે છે ? છોકરો મનમાં શું નક્કી કરે છે તે જાણો છો તે ઘડીએ ? સહન ના થાય ને, તે કહે, 'મોટો થઉં એટલે તમને મારું, જોઈ લો.' મહીં નિયાણું કરી નાખે એ ! પછી એને માર માર જ કરે રોજ મોટો થઈને પછી ! ત્યારે મૂઆ અત્યારે શું કરવા બગાડ્યું છોકરાં જોડે ? રીતસર એને સમજાવી, પપલાવીને કામ લે ! હંમેશાં મારવાથી દરેક કામ બગડે છે. સમજાવવાની જરૂર છે, એને મારવાની જરૂર નથી. એટલે આ બાજુના અવળાં ભાવ કરવાના બંધ કરી દે પછી અને આ ખોટું છે એવું સમજાઈ જાય એને. આવું કેમ શોભે ? બાકી કોઈને ય ભય નહીં પમાડવાં જોઈએ. આપણને કોઈ ભય પમાડે, તે આપણે સહન કરી લેવાનું. કેટલાંક લોક ઘેર કોઈને મારામાર ના કરે પણ ભય બહુ પમાડે. બીતી ને બીતી રહે બિચારી, વાઈફ. છોકરાં રાત-દહાડો બીતાં ને બીતાં રહે. મૂઆ, આવું શું કરવાં કરે છે ?! ભય તો કોઈ જીવ ના પામવો જોઈએ આપણાથી. આ ભય કોણ પમાડે કે વાઈલ્ડ જાનવરો છે, તે ભય પમાડે અને વાઈલ્ડ માણસો. જેવા જાનવરો વાઈલ્ડ હોય છે, એવા માણસો પણ વાઈલ્ડ હોય છે તે ભય પમાડે. બાકી આ ગાયો, ઘોડા કંઈ કોઈને ભય પમાડે ? એક દીપડો આવ્યો હોય તો આખા રોડ ઉપર માણસ આઘુંપાછું થઈ જાય. એવા માણસો ય વાઈલ્ડ ખરાં. જોયેલા માણસો વાઈલ્ડ ? કોઈને હેરાન કરાય જ કેમ ? એક વખત પુરુષને ડિલિવરી કરાવી હોયને તો બહુ મુશ્કેલી પડે. ના થાય આપણાથી સહન. એ તો એ જ સહન કરે. માટે એમાં શું સુખ છે બિચારીને ? તે એને હેરાન કરો છો વગર કામના. અરે, એવું થવાની આશા શું કરવા રાખો છો ? કો'ક ફેરો પુરુષપણું મળે. ઊલટું સ્ત્રીઓએ એવી આશા રાખવી જોઈએ કે અમે ક્યારે પુરુષ થઈએ ! ઘરમાં ક્લેશ શાને ? જે આપણા રક્ષણમાં હોય તેનું ભક્ષણ ક્યાંથી કરાય ? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુનો થયો હોય તો ય એનું રક્ષણ કરવું જોઈએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાં ય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છેને ? આ તો બહારના જોડે મિંયાઉં થઈ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે. પોતાની સત્તા નીચે હોય તેને કચડ કચડ કરે ને ઉપરીને 'સાહેબ, સાહેબ' કરે. હમણાં આ પોલીસવાળો ટૈડકાવે તો 'સાહેબ, સાહેબ' કહે અને ઘેર 'વાઇફ' સાચી વાત કહેતી હોય તો એને સહન ના થાય ને તેને ટૈડકાવે. 'મારા ચાના કપમાં કીડી ક્યાંથી આવી ?' એમ કરીને ઘરનાંને ફફડાવે. તેના કરતાં શાંતિથી કીડી કાઢી લે ને ! ઘરનાં ને ફફડાવે ને પોલીસવાળા આગળ ધ્રૂજે ! હવે આ ઘોર અન્યાય કહેવાય. આપણને આ શોભે નહીં. સ્ત્રી તો પોતાની ભાગીદાર કહેવાય. ભાગીદાર જોડે કલેશ ? આ તો કલેશ થતો હોય ત્યાં કોઈ રસ્તો કાઢવો પડે, સમજાવવું પડે. ઘરમાં રહેવું છે તો કલેશ શાને ? ક્લેશ ભાંગે એ જ સુખ ! અત્યારે તો બધે ક્લેશનાં મોજાં ફરી વળ્યાં છે. ખાતી વખતેય ક્લેશ અને જો આથી વધારે થાય તો માકણ મારવાની દવા લાવે. આજે તો સહન ના થાય એટલે મૂઆ માકણ મારવાની દવા પી લે. તે શું એનાથી અંત આવી ગયો ? આ તો આગળ ઠેલ્યું તે અનેકગણું કરીને ભોગવવું પડશે ! તેના કરતાં ગમે તેમ કરીને આ વખત કાઢી નાખને ! આ તો નરી અણસમજણ જ છે. મુક્તિનું સર્વશ્રેષ્ઠ અંગ એ ક્લેશ ભાંગવો તે. ક્લેશ ભાંગ્યો એ મોટામાં મોટુ સુખ છે. ભલે જ્ઞાન ના હોય પણ ઘરમાં ધરમ-કરમ છે, એમ ક્યાં સુધી કહેવાય ? ત્યારે કહે, ઘરમાં ગમે તેવાં વાતાવરણમાં પોતે સહન કરી લે ને અથડામણોમાં ય ક્લેશ ઊભો ના કરે, ભડકો ના કરે, એને જ ખાનદાની કહી છે. ત્યાં સુધી ભગવાનનો વાસો રહે. ઘરમાં ક્લેશ હોય ત્યાં બધું જ ખલાસ થઈ જવાનું. ભગવાનનો વાસો તો ના જ રહે અને લક્ષ્મીજી પણ ચાલવા માંડે ! લોકસંજ્ઞાએ દુઃખ જ ! દુઃખ તો ક્યાં કહેવાય ? જ્ઞાનીની સંજ્ઞામાં દુઃખ તો છે જ નહીં. લોકસંજ્ઞામાં જ દુઃખ છે. જ્ઞાનીની સંજ્ઞાથી દુઃખ ક્યારેય આવે નહીં અને લોકસંજ્ઞાથી તો આમનો જાય તોય દુઃખ અને તેમનો જાય તોય દુઃખ, ત્યાં કોઈ દહાડોય સુખ નથી. દુઃખ તો ક્યારે કહેવાય ? ખાવા ગયા હોય ને ખાવા મળે નહીં ને મહીં પેટમાં બળતરા થાય તેને દુઃખ કહેવાય. તરસ લાગી હોય તો પીવા પાણી ના મળે તે દુઃખ કહેવાય. નાક દબાવે તો પાંચ જ મિનિટમાં ગૂંગળામણ થઈ જાય તે દુઃખ કહેવાય. આ બહારથી બીજું ગમે તેટલું ટેન્શન આવે તો ચાલે પણ ભૂખ-તરસ અને હવાનું ના ચાલે. કારણ બીજું બધું ટેન્શન તો ગમે તેટલું આવે તો સહન થાય, કંઈ તેથી મરી ના જવાય ! એ સિવાયનાં આ તો વગર કામના ટેન્શન લઈને ફરે છે. એનું નામ ખાનદાની ! આ માણસોને ઘૈડપણમાં પગ દુઃખે તો ડૉક્ટર પાસે દોડે, દવા કરાવે. પણ આ પક્ષીઓને કે માછલાંઓને છે ડૉક્ટર ? એમને ભોગવ્યા જ કરવાનું. એમને છે એકે ય વિષય ? આહારસંજ્ઞા હોય તેથી ખાવા જોઇએ, પણ જીભના વિષય નહિ. એમને ય જો ખાવા-પીવાના વિષયો હોય તો તેમને ય દાઢો દુઃખત, ચશ્મા આવત. જનાવરોને ય ઘૈડપણમાં દુઃખો આવવાનાં, પણ મૂંગે મોઢે સહન કર્યા કરવાનાં તેમને ! પોતાનાં દુઃખો બીજાને રડીને કહેવાં એ તો કંઇ ખાનદાની કહેવાય ? પણ લોકો તો દુઃખો બધાંને કહેતાં ફરે. દુઃખો કહેવાની શક્તિ હોય છતાં સહન કરવું ને ના કહેવું એનું નામ ખાનદાની ! મોટો માણસ પોતાનાં દુઃખને સમાવી લે. કારણ કે એને એમ હોય કે એમાં કહેવા જેવું શું છે ? કાંઇ સામેવાળો આપણાં દુઃખ લઇ લેવાનો છે ? આ જનાવરો આવે છે કંઇ પોતાના દુઃખો કહેવાં ? આ કૂતરીનો પગ મોટર નીચે આવે તો એ કોને કહેવા જાય છે ? તે બિચારી ઢસડાતી ઢસડાતી ચાલે, તેને દવા-બવા કશું જ નહીં ! હોટલમાંથી ભૂખ્યો ન જવા દીધો ! પ્રશ્નકર્તા : ઘરમાં માકણ બહુ વધી ગયા હોય તો શું કરવું ? દાદાશ્રી : એક ફેરો મારે ઘેર પણ માકણ વધી ગયા હતા ને ! બહુ વર્ષોની વાત છે. તે બધાં અહીં ગળા પર કરડે ને, ત્યારે હું અહીં પગ પર મૂકતો હતો. અહીં ગળા પરનું એકલું સહન થતું નહોતું, એટલે અહીં ગળા પર કરડે તો પગ પાસે મૂકતો હતો. કારણ કે આપણી હોટલમાં આવ્યો અને કોઈ ભૂખ્યો જાય, એ નકામું કહેવાય ને ?! એ આપણે ત્યાં જમીને જાય તો સારું ને ! પણ તમને એટલી બધી શક્તિ નહીં આવે. એટલા માટે તમને એમ નથી કહેતો. તમારે તો માકણ પકડી અને બહાર નાખી આવવું. એટલે તમને મનમાં સંતોષ થાય કે આ માકણ બહાર ગયો. કોઈને ડખલ ન કરો ! આપણે બ્રહ્માંડના માલિક છીએ. એટલે કોઈ જીવને ડખલ ના કરવી. બને તો હેલ્પ કરો ને ના બને તો કંઈ હરકત નથી. પણ કોઈને ડખલ ના જ થવી જોઈએ. પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો ? દાદાશ્રી : ના. ગણવાનું નહીં, એ છે જ પરમાત્મા. ગણવાનું તો ગપ્પું કહેવાય. ગપ્પું તો યાદ રહે કે ના પણ રહે, આ તો ખરેખર પરમાત્મા જ છે. પણ આ પરમાત્મા વિભૂતિ સ્વરૂપે આવેલા છે. બીજું કશું છે જ નહીં. પછી ભલેને કોઈ ભીખ માંગતો હોય, પણ તે ય વિભૂતિ છે અને રાજા હોય તે ય વિભૂતિ છે. આપણે અહીં રાજા હોય તેને વિભૂતિ સ્વરૂપ કહે છે; ભીખ માંગતાને નથી કહેતા. મૂળ સ્વરૂપ છે, તેમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ છે, વિશેષ રૂપ થયેલો છે. એટલે વિભૂતિ કહેવાય અને વિભૂતિ તે ભગવાન જ ગણાય ને ! એટલે કોઈનામાં ય ડખલ તો ના જ કરવી જોઈએ. સામો ડખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ, કારણ કે ભગવાન ડખલ કરે તો આપણે એને સહન કરવી જ જોઈએ. માંગ્યું સુખ, મળી પરવશતા ! આ કરોળિયો જાળું વીંટે, પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણે ટેન્ડર ભર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. બે-ત્રણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલું જ જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી, પણ સાસુ-સસરો, સાળો-સાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, મામી સાસુ, ..... હેય ફસામણ, ફસામણ !!! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેન્ડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આપ્યું ? ત્યારે કુદરત કહે છે, 'ભઈ, એ એકલું તો ના અપાય, મામી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મઝા આવે !!' એક આટલું લેવા જઈએ ત્યાર હોરું કેટલી વળગાડ, કેટલી બધી પરવશતાઓ ! એ પરવશતા પાછી સહન થાય નહીં. સંસારના સુખો કેવા ?! અવસ્થામાં સુખ હોય નહીં. અવસ્થા તો નિરંતર ફર્યા કરવાની. બગીચામાં સુખ હોય તો પાછું ઘેર આવવું પડે છે, એના કરતાં આ દુઃખના હાંલ્લામાં પડયા રહીએ કે જે જગ્યાએ દુઃખ છે ત્યાં જ પડયા રહીએ તો સુખ થાય. દુઃખ સહન કરનારને સુખ ઓટોમેટિક આવ્યા કરે, કારણ કે તાપમાં ચાલેલાને બાવળિયા નીચે સુખ આવે જ, અને જો કોઇને બાવળિયા નીચે સુખ ના આવતું હોય તો તેને ચાર-પાંચ કલાક તાપમાં ફેરવીએ તો ત્યાં ય તેને સુખ લાગશે. આ સંસારની કલુષિત ક્રિયાને એનાં ફળ રૂપે સુખ ઉત્પન્ન થાય છે ! પછી એ ઘેર જઇને પંખો ફેરવીને બેસે તો 'હાશ, સુખ થયું' કહે ! પછી એ નિરાંતે ચા-પાણી પીએ. અને આખો દા'ડો ઘરમાં બેસી રહેલા શેઠને પંખો ફેરવે તો ના ફાવે, ચા-પાણી ના ગમે. આ સંસારમાં કોઇ પણ સુખ છે એ થાક્યાનાં ફળ રૂપે છે. તાત્ત્વિક સુખ-સનાતન સુખ આવે પછી ક્યારેય પણ જાય નહીં ! 'દાદા' વેલ્ડિંગ કરે, ક્રેક એન્જિનને ! દુઃખ માણસથી સહન ના થાય એટલે મગજમાં ક્રેક પડે. એને સનેપાત ના કહેવાય, પણ ક્રેક કહેવાય. આપણને એમ થાય કે આવું કેવું બોલે છે ? ત્યારે આપણે કહીએ કે આ એન્જિનને ક્રેક પડેલી છે, તેને દાદા પાસે વેલ્ડિંગ કરાવી લેજે. નવા એન્જિનને ય ક્રેક પડી જાય ! દુઃખ સહન ના થાય ને સાચો પુરુષ હોય તો ક્રેક થાય, નહીં તો નફ્ફટ થાય. નફ્ફટ કરતાં ક્રેક સારા, ક્રેકને તો અમે વેલ્ડિંગ કરી આપીએ એટલે એન્જિન ચાલુ થઈ જાય છે. બધાં નવાં જ એન્જિનો, લેંકેશાયરમાંથી આણેલાં, પણ હેડ ક્રેક થયેલાં તે ચાલે શી રીતે ? આ માણસોને ય હેડમાં ક્રેક પડી જાય. તે તૃતીયમ્ જ બોલે. આપણે પૂછીએ શું ને એ બોલે શું ?! દુઃખો, ગો ટુ દાદા ! અને બહુ દુઃખ આવી પડે ત્યારે તમારે કહેવું કે જાઓ 'દાદા' પાસે. પ્રશ્નકર્તા : પણ દાદા, એવું અમારું દુઃખ તમને અપાય ? દાદાશ્રી : હા, હા. દાદાને જ બધું આપી દેવાનું ને કહીએ કે ''જા, દાદાની પાસે. અહીં શું છે ? ઇધર કયા હૈ ? સબ દે દિયા દાદાકો. અબ ઇધર ક્યોં આયા ?'' પ્રશ્નકર્તા : સુખે ય આપી દેવાનું ? દાદાશ્રી : ના, સુખ નહીં. સુખ તમારી પાસે રાખવાનું. મને સુખનો શોખ નથી એટલે તમારી પાસે રાખવાનું. તમારાથી દુઃખ જો સહન ના થાય તો મારી પાસે મોકલી દેવાનું. બે-પાંચ વખત દુઃખનું અપમાન કરો કે ઇધર ક્યોં આયા હૈ ? દાદા કો દે દિયા હૈ એટલે એ ઊભું ના રહે. આ પુદગલનો ગુણ કેવો છે કે અપમાન થાય તો ઊભું ના રહે. વેદના વખતે માંગવી શક્તિઓ ! તમારે કેટલી 'ફાઈલ' છે ? પ્રશ્નકર્તા : મારે તો એક જ 'ફાઈલ' છે, વેદનીયની. દાદાશ્રી : હવે એ વેદનીયને એમ કહેશો કે, 'અહીં આવશો નહીં.' ત્યારે વેદનીય આઠ ફીટ ઊંચી હતી, તે એંસી ફીટ ઊંચી થઈને આવશે અને આપણે કહીએ કે તમે વહેલા આવો તો આઠ ફીટની હોય, તે બે ફીટની દેખાય અને વેદનીયનો કાળ પૂરો થઈ ગયો તો એ ઊભી ના રહે. તો જે ઊભી રહેવાની નથી, તે તો આપણા 'ગેસ્ટ' કહેવાય. 'ગેસ્ટ' જોડે તો આપણે સારું વર્તન રાખવું જોઈએ ને ? સંયમ રાખવો પડે. તમને શું લાગે છે ? પ્રશ્નકર્તા : લાગે તો છે દાદા, પણ સહન નથી થતું. દાદાશ્રી : એ સહન નથી થતું, એ 'સાયકોલોજિકલ ઇફેકટ' છે. તે 'દાદા, દાદા' એમ નામ લઈએ ને 'મને સહનશક્તિ આપો' એમ કહીએ તો તેવી શક્તિઓ ઉત્પન્ન થાય. જાણો પારકું સ્વરૂપ, ત્યાં ભોગવટો નહીં ! પ્રશ્નકર્તા : બે દહાડાથી માથું દુખતું હતું. તે જરા ય સહન થતું નહોતું. દાદાશ્રી : 'મને સહન થતું નથી.' એવું કહ્યું કે એ વળગ્યું ! પણ 'આપણે' તો કહીએ, ''ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું. ઓછું થઈ જશે.'' પણ 'મને દુઃખ્યું કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે !' પ્રશ્નકર્તા : જ્યાં સુધી આત્માનું સ્પષ્ટ વેદન ના હોય, અનંત સ્વરૂપનું વેદન ના હોય ત્યાં સુધી બીજું કંઈ ને કંઈ તો વેદન હોય ને ? જેમ કે શાતા-અશાતા ! દાદાશ્રી : એવું છે ને કે વેદનાનો સ્વભાવ કેવો છે કે જો એને પારકી જાણે તો એ જાણ્યા કરે કે આ પારકી છે. પછી ખાલી જાણ્યા જ કરે એને, વેદે નહીં. પણ આ વેદના 'મને થઈ' કહે તો વેદે અને આ 'સહન થતી નથી' એમ બોલ્યા એટલે વેદના દસ ગણી લાગે. આ 'સહન થતી નથી', એમ તો બોલાય જ નહીં. બોલે તેવી અસરો ! કોઈ કષાયી વાણી બોલે તમારી જોડે તો તે તમારાથી સહન થાય કે ? પ્રશ્નકર્તા : એ જરા દૂર છે એટલે બહુ ના લાગે. દાદાશ્રી : સામાન્ય રીતે આ મનુષ્યનો સ્વભાવ કેવો હોય ? પેલું શારીરિક દુઃખ સહન કરે, પણ કષાયી વાણી સહન ના કરે ! માની બેઠાં છે કે આ મને અડેલું જ છે. હવે એટલું અડેલું ય નથી ત્યાં આગળ. ખાલી સ્પર્શ જ છે. ખાલી આત્માનો ને પુદગલનો બેનો સ્પર્શ થાય છે. એકાકાર કોઈ દહાડો થયું નથી. હવે આત્માનો એવો ગુણ છે કે બોલતાંની સાથે જ જેવું બોલે તેવી અસર થઈ જાય. માટે ક્ષત્રિયપણું વાપરવું પડે. થોડો વખત અમારા ટચમાં રહેવું પડે. રાગ-દ્વેષ વિનાની વેદનામાં ચીસ ! પ્રશ્નકર્તા : દાદાને આપણે યાદ કરીએ દાદા આપણી સામે જ છે એવું રહે, હું ચંદુભાઈ નથી એમ પણ રાખું, પણ પેલું પસ કાઢેને, પેટમાં પાક્યું હતું તે ઘડીએ ચીસ પડાઈ જાય, આંખમાંથી પાણી નીકળી જાય. દાદાશ્રી : તે તો નીકળેને ! પાણી નીકળે તેમાં સારું ઊલ્ટું, આંખમાંથી પાણી નીકળે ચીસ પાડે તે સારું. ચીસ ના પડે, પાણી ના નીકળેને તો લોક કહે કે આ ધર્મમાં નથી, આત્મધર્મમાં નથી, દેહધર્મમાં છે, કારણ કે એ અહંકાર ધર્મ કહેવાય. પાણીય ના નીકળવા દે. ચીસેય ના પડવા દે. દેહ એવી ચીસો પાડ્યા જ કરે. ભગવાન મહાવીરનેય પેલું કાનમાથી બરું કાઢ્યું હતુંને, તે ચીસ કરીને રડ્યા ! તે આંખમાંથી નીકળી જાયને, ત્યારે લોક શું કહે કે ન હોય આ ભગવાન ! ખરા ભગવાન જ આ કહેવાય ! રડે નહિ અને બૂમ ના પાડે તો જાણવું કે આ ભગવાન ન હોય, એ અહંકારે કરીને રડે છે. પ્રશ્નકર્તા : અહંકારે કરીને ? દાદાશ્રી : આ દેહને જે વર્તતું હોય તેય વાંધો નહીં આપણને, હસતો હોય તોય વાંધો નહીં. આપણને રાગ-દ્વેષ ના થવા જોઈએ. બીજું બધુંય આપણને નડે નહીં કશુંય. અશાતામાં જાણપણું, જ્ઞાનીને ! પ્રશ્નકર્તા : આપ જે કહો છો કે દુઃખનો અનુભવ આપને કંઈ થયો નથી. છેલ્લા છવ્વીસ વર્ષથી તો એ અશાતા વેદનીય કર્મનો ઉદય નથીને, શાતાવેદનીય કર્મનો ઉદય ચાલે છે. અને આગળ જતાં અશાતા વેદનીયનો ઉદય કદાચ થાય પણ ખરો, એમ બની શકે ખરું ? દાદાશ્રી : અશાતા વેદનીયનેય હું જાણું છું. બાકી અશાતા વેદનીય ઉભી નથી થઈ. આ પગે ફ્રેક્ચર થયું તોય ડૉક્ટરો બધાં ભેગાં થયા અને જોવા માંડ્યા, મને કહે છે કે આ તમને મોઢાં પર આનંદ છે, કેમ તમને દુઃખ નથી થતું ? તમે બહુ સહન કરો છે. મેં કહ્યું, સહનશીલતા મારામાં અંશ ના હોય. સહનશીલતા એ અહંકારી ગુણ છે. ઇગોઇઝમનો ગુણ છે. અમારામાં અંશ ઇગોઇઝમ ના હોય. અમારે આ નિર્જીવ ઇગોઇઝમ કામ કરી રહ્યો છે, સજીવ ઇગોઇઝમ નહીં. નિર્જીવ ઇગોઇઝમથી આ ખાવાનું, પીવાનું હરેક કાર્ય થયા કરે. દુઃખમાં થઈ જાય લાચાર ! આ બધા જે મોટા માણસો છે ને, એ જ્યારે પેટમાં દુઃખે ને, ત્યારે 'ઓ મા-બાપ ! તમે કહો એ કરું' કહે. તે ઘડીએ લાચાર થાય. મહીં દુઃખ થાય છે ત્યારે 'ડોકટર, મને બચાવજો' કહે. એવી લાચારી કરે. આ લોકો બહુ સુંવાળા હોય, તે દુઃખ સહન ના થાય. ગુરુતમ થવા ગયા ને, તેનું પૂંઠિયું દહાડે દહાડે બહુ સુંવાળું થઈ જાય. અને લઘુતમ થવા માટે તો કઠણ પૂંઠિયું જોઈએ. કહેશે, 'તારે જે કરવું હોય તે કર !' પણ લાચારી ના હોય એને. કોણ મોટો અહંકારી ? બુદ્ધિ બધી હેરાન કરે. કશું દુઃખ હોતું નથી અને પોતે એમ માની બેસે છે અને અહંકાર જ કામ કરે છે. ભારે અહંકાર ! ક્યાંથી આટલો બધો અહંકાર !! મારા મોટાભાઈ બહુ અહંકારી હતા. લોક બહાર એમને કહે કે એ અહંકારી છે. અને મને બહુ ડાહ્યો કહે. પણ મારા મોટાભાઈ મને શું કહે ? તારા જેવો અહંકારી મેં ગુજરાતમાં જોયો નથી. એટલે મેં એમને પૂછ્યું, કઈ રીતે તમે મને અહંકારી કહો છો ? ત્યારે કહે, 'તારો અહંકાર એ છૂપો અહંકાર છે. મને બધું સમજાઈ ગયું છે.' પછી મેં તપાસ કરી, ત્યારે મને એવું લાગ્યું કે આ તો બહુ મોટો અહંકાર છે. અને પછી બહુ કૈડવા માંડ્યો. કૈડે તો સહન ના થાય. શી રીતે સહન થાય ?! અહંકાર શું ના કરે ?! હરીફાઈમાં ય કેવી પદ્ધતિ હોય છે, કે કેટલીક નાતો તો પોતાનો છોકરો આગળ વધતો હોય તો વધવા દે અને રક્ષણ આપે, કેટલીક નાતો એવી હોય છે કે પોતાની લેન્થથી ત્રણ છોકરા બરોબરીમાં નજીક ચાલતા હોય, અને એક છોકરો પાછળ પડી ગયો હોય તેને ઊંચકીને લઈ આવે પોતે, ભાઈઓ, માબાપ, બધા ય ઊંચકીને લાવે ને બધું આપીને લઈ આવે પણ એક ડગલું આગળ ગયો હોય તો બાપ પાછો પાડે, મારીને. એનું કારણ શું ? બાપાથી સહન ના થાય. મારાથી વધ્યો એ, અને પાછળ પડ્યો તે ય સહન ના થાય. એ અમુક કોમ્યુનિટીમાં ખાસ મેં જોયેલું. કોઈ બાપ કોઈ છોકરાને વધવા જ ના દે, મારી ઠોકીને પાછળ પાડે બિચારાને. પછી મેં શોધખોળ કરી, મેં બધાને કુટુંબમાં કહ્યું કે તમે બધા આગળ વધો અને મને શીંગડાં લઈને મારવા આવો બધા. મારી પાસે શીખીને બધાં. મારી પાસેથી શીખો, વધો ને પછી મને મારવા આવો. એવા થજો. પણ પાછળ ના રહી જશો. બીજા લોકો કોઈને આગળ વધવા ના દે. એ મેં જોયેલું ખાસ. તમારામાં ય કેટલાંક આગળ વધવા નથી દેતાં. મહીં કેટલા અંશે વધવા દે છે, સારી રીતે. અને લોક તો સામાવાળાને મારે એક થપોટ તે પાછો પાડી દે ! અલ્યા, બાપ કરતાં સવાયો નીકળ્યો ? તે આજે મુશ્કેલી બહુ, આ સંસારમાં તો ? પોતાનો અહંકાર શું ના કરે ? બધાંને પાછા પાડી નાખે ? ના પાછો પડે તેને ખોતરીને કાઢી નાખે. અને તમારો સગો ભાઈ જો બહુ અહંકાર કરે ને તમારા બધા જોડે, તો બધા ભેગા થઈને એનું કાટલું કાઢી નાખે. હા, એને તો દુઃખી કરી નાખે ત્યાર વગર સીધો નહીં થાય. સીધો કરવા માટે એને દુઃખી કરી નાખે. શાથી ? બહુ અહંકાર કરે, એટલે બાપે ય સહન ના કરી શકે. અહંકાર એટલો નાપાક ગુણ છે કે બાપ પણ સહન ના કરે. ભઈ પણ સહન ના કરી શકે. ભાઈ પણ આશીર્વાદ આપે કે વહેલામાં વહેલી તકે આનું સારું થઈ જાવ. એ અહંકાર તો બહુ મોટી વસ્તુ છે. આપણે જો ભાઈઓને બધામાં વધવું હોય તો નમ્રતા રાખવી જોઈએ. તો જ વધવા દે. નહીં તો મારી મારીને ટેભાં કાઢી નાખે. સંસાર છે આ તો ! એક બાજુ અહંકારથી ઊભો થયેલો છે, અહંકાર એટલે વિકલ્પથી. આત્માનો વિકલ્પ એટલે અહંકાર. હું અને મેં કર્યું. બસ ચાલ્યું પછી. પછી માર ખાય છે તો ય પણ અહંકાર છોડે નહીં એને, કારણ કે ઘડી પછી એને એમ જ લાગે કે મારા આ ચાર બળદ, આ ગાયો-બાયો, આ બધાં કરતાં હું મોટો ને ? હું મોટો છું એ ભાન રહે છે, એટલે કશું દુઃખ જ નથી આ લોકોને ! ચક્રવર્તી રાજ આપે તો ય લેવા જેવું નથી. પેઠા પછી એ દુઃખ તો પાર વગરનાં છે. એના કરતાં આપણા પોતાના ગામ જતા રહોને, એના જેવું કોઈ સુખ નથી. પોતાના દેશમાં જે સુખ છે એવું કોઈ દેશમાં નથી. અહંકાર એટલો માર ! પ્રશ્નકર્તા : અહંકાર હોય તો જ માણસ કંઈક આગળ વધી શકેને ? દાદાશ્રી : એ અહંકાર છે માટે નહીં. હવે જ્ઞાન મળ્યા પછી અહંકાર છે એ કેવો છે ? જેમ આપણે અહીંથી બોરીવલી ગયા હોઈએ સત્સંગ માટે, પણ પાછું તો આવવું પડેને ? એવું આ પાછો જતો અહંકાર, જે મોક્ષે જાય છે, તે ઉતરતો અહંકાર, સમાઈ જતો અહંકાર. અને પેલો ઉત્પાત કરતો અહંકાર. પ્રશ્નકર્તા : એ અહંકાર ઉતરતો જાય, એમ સમતા ભાવ આવતો જાય ? દાદાશ્રી : જેટલો જેટલો સમતા ભાવનો થાય, એટલો એટલો ઉઘાડ ઉત્પન્ન થાય. એટલું એટલું અજવાળું દેખાતું જાય અને સંપૂર્ણ મમતા થઈ ગઈ એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય. અહંકાર અંધારામાં છે. માર ખા-ખા કર્યા કરે છે જાત જાતનો ! પ્રશ્નકર્તા : 'હું છું' એ મહીં હોય તો માર બહુ ખાવો પડે ? દાદાશ્રી : માર ખાવો જ પડેને ! પણ માર ખાયને એટલે જ પછી છોડી દેને, 'હુંપણું' છૂટતું જાયને ! માર ખાધા વગર છૂટે નહીં. અનુભવ થવો જોઈએ. પ્રતિક્રમણથી જાય નહીં એ. પ્રશ્નકર્તા : એ પોતાનું 'હુંપણું' હોય, કંઈક છું, હું આ કરી શકું છું, એ શાનાથી જાય ? દાદાશ્રી : માર ખાય તો જ છૂટે, નહીં તો છૂટે નહીં. પ્રશ્નકર્તા : એવુંય બનેને, માર ખાય, તો એને ભૂલ ખબર પડે એ વસ્તુ જુદી છે, પણ જ્યારે માર ખાય તો પછી એના રિએકશનમાં ઊંધી ટ્રેક પર ચાલે એવુંય બનેને ? દાદાશ્રી : કોઈ અવળો થઈ જાય. અવળો ખરેખર થઈ જાય. જો કે આપણા જ્ઞાનમાં ના થાય. પણ બીજા જ્ઞાનમાં તો થઈ જાય. આપણું જ્ઞાન તો એને હેલ્પ કરે, પાછું જોવડાવે કે મારી કંઈ ભૂલ થાય છે એવી ખબર પડે. થોડે છેટે જાય તોય ! પ્રશ્નકર્તા : એ તો પછી પોતાને બળતરા થાયને ? દાદાશ્રી : એ બળતરા જ એને કહે કે, આ ભૂલ થઈ ગઈ. એટલે પાછો ફરી જાય. કારણ કે બળતરા વગરના દિવસ જોયાં છે એણે. એટલે એને બળતરા થઈ કે પાછો ફરી જાય. એટલે લોકો કહે છે ને કે તમારા જ્ઞાનમાં દાદા પેઠાં પછી હવે આઘુપાછું જતું રહેવું હોય તો જતું રહેવાય એવું થાય નહીં. હવે અહીંથી જવાય જ નહીં. નહીં તો બળતરા ઉભી થઈ જાય અને બળતરા સહન થાય નહીં પાછી. ઐશ્વર્ય ઘટ્યાના પરિણામ ! જેટલું ચિત્ત વિખરાયું એટલું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું. પ્રશ્નકર્તા : એ એક્ઝેક્ટલી કેવી રીતે ખબર પડે કે આ ઓછું થઈ ગયું, એ ? દાદાશ્રી : ખબર પડે જ છે ને અત્યારે કે ઐશ્વર્ય ઓછું છે ! તેથી તો કેટલાક લોકો ડખો કરે છે, લોકોનું સહન કરવું પડે, લોકો સહન કરે, કોઈ બોસ ટૈડકાવે. એવું સહન ના કરવું પડે ? પ્રશ્નકર્તા : હા, સહન કરવું પડે છે. દાદાશ્રી : એ ઐશ્વર્ય ઓછું ત્યારે જ ટૈડકાવે. નહીં તો ઐશ્વર્ય હોય તો એ શું ટૈડકાવે ? એટલે ઐશ્વર્ય ઓછું, તેનું ને ! ઐશ્વર્ય હોય તો તો એને કોણ ટૈડકાવનારો. ટૈડકાવવા માટે આવે ને, તે મોઢું જોતાં પહેલાં આમ આમ થઈ જાય કે 'શું થશે, શું થશે' કારણ કે ઐશ્વર્ય છે. જોતાંની સાથે જ એને ગભરામણ, પસીનો છૂટી જાય ! માટે ઐશ્વર્યની જરૂર છે. બીજું કશું જરૂર નથી ! અને ચિત્તની સંપૂર્ણ એકાગ્રતા, એ પરમાત્મા. જેટલું ચિત્ત વેરાયું એટલી ઐશ્વર્યતા તૂટી ગઈ. ચિત્ત વેરાયું એટલે ઐશ્વર્ય તૂટ્યું ! શીલનો પ્રભાવ ! એવું છે કે કોઈ સંજોગોમાં છોકરો સામો થાય, વાઈફ કોઈ સંજોગોમાં સામી થાય, તે ઘડીએ તમે લપકા કરો તો તમારું શીલ ખલાસ થઈ જાય. એનાં કરતાં આપણે જોયા કરવાનું કે આ મશીન કંઈ બગડેલું લાગે છે. તે કઈ બાજુથી મશીન બગડ્યું છે તે જોયાં કરવું. નહીં તો આ લોક તો શું કરે કે 'તું આવી છું, તું તેવી છું' કહે એટલે થઈ રહ્યું, શીલ એનું ખલાસ થઈ ગયું. અમને તો કોઈ લાખ ગાળો ભાંડે તો ય અમે કહીએ કે આવ બા, ત્યારે કોઈ કહેશે કે છોકરો સામો થાય છે તો અત્યારથી ડરાવીએ નહીં તો તો પછી એ વધારે સામો થશે. ના, એ ડરાવવાથી તો તમારું શીલવાનપણું તૂટતું જશે ને તમારે નિર્બળતાઓ વધતી જશે, અને છોકરો ચઢી બેસશે ! એટલે તમે જો એને ડરાવશો નહીં અને તમે એ સહન કરીને સાંભળી લેશો તો ધીમે ધીમે એ 'ટર્ન આઉટ' થઈ જશે. એ આ શીલના પ્રભાવને લીધે ! ચેતવું વિષયના જોખમથી ! જેટલા હિસાબ બાંધવા હોય એટલા બાંધજો. જેટલી મજબૂતી હોય એટલાં હિસાબ બાંધજો, બાકી ભોગવતી વખતે સહન ના થાય ને રડારડ કરે, એનાં કરતાં પહેલેથી જ ચેતીને હિસાબ બાંધજો. એ બધા હિસાબ છોડવા તો પડશે ને ? વિષયની વેદના કરતાં નર્કની વેદના સારી. આ વિષય તો બીજ નાંખે પાછું. નર્કમાં બીજ પડે નહીં, નર્કમાં ભોગવવાનું એકલું જ, ડેબિટ પૂરી થઈ ગઈ. અને ક્રેડિટ હોય તો ત્યાં દેવગતિમાં પૂરી થાય છે. જ્યારે વિષયમાં તો નવાં બીજ પડ્યા વગર રહે જ નહીં. આ તો અમને બહુ નાનપણમાંથી વિચારો આવતા, બધા બહુ વિચારો કરી નાખેલા. આ તો અક્રમ વિજ્ઞાન છે. તેથી આટલું જ જોખમ રાખ્યું. બાકી જૈનધર્મે તો બીજું બધું ય જોખમ જ કહ્યું છે. બધાને જોખમ કહીએ તો ક્યારે પાર આવે ?! તો લોક શું કહેશે પછી કે 'મારે તમારી જોડે ધંધો જ નથી કરવો, સોદો જ કરવો નથી.' પણ એક બાબત હોય તો કહેશે કે 'બધું જ સહન કરી લઈશ પણ આ એક જ બાબત છે ને, તો તો એને સાચવીશ.' અને તો એને વિજ્ઞાનનો લાભ મળે ને ! એટલે આપણે તો આ એક જ બાબત કહી છે. વિષય છૂટે, એ આનંદ અપાર ! જેના વિષય છૂટ્યા, એને મઝા ! એ આનંદ પણ એવો જ લૂંટવાનો હોય ને ?! એ ય અપાર આનંદ !! એ આનંદ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય, એવો આનંદ ઉત્પન્ન થઈ જાય. પાંત્રીસ વર્ષનો પીરિયડ કાઢી નાખે ત્યારે અપાર આનંદ ઉત્પન્ન થાય. વિચારક હોય, તેને તો વિષય ગમે જ નહીં ને ? આ બ્રહ્મચારીઓને ઉદય આવ્યો છે, એ જ ધન્યભાગ્ય કહેવાય ને ? પાંસરી રીતે પાર પાડવું પડે. પહેલાં પોતાની જાત પર શ્રદ્ધા હોવી જોઈએ. બાકી, વિષયની જરૂરિયાત તો જે સુખી હોય, તેને હોય જ નહીં. બહુ માનસિક મહેનતવાળાને વિષયની જરૂરિયાત છે. બહુ મહેનત કરતા હોય, તેને બહુ બળતરા ઊભી થાય. તે સહન થાય નહીં, તેથી વિષયમાં પડે છે. પરિણામ પોતાને જ ભોગવવું પડે ! આ લોકોને તો પાછું કશું ભાન ના હોય ને ! અને હરૈયા જેવા હોય. હરૈયા એટલે તમે સમજ્યા ને ? તમે હરૈયા કોઈને જોયેલા ? હરૈયું એટલે જેનું હાથમાં આવે, તેનું ખાઈ જાય. આ ભેંસ-બંધુને તમે ઓળખો કે ? એ બધાં ખેતરોનું ચોખ્ખું જ કરી આપે. આમ આ હરૈયા પાડા જેવું જગત છે. અલ્યા, મૂઆ તને વિચાર ના આવ્યો કે તારે ય બહેન, દીકરી છે. તું બીજી જગ્યાએ લે છે, તો તેના ફળ રૂપે તારું આ જશે. તમે જેવો ધક્કો મારો છો, તેવું પરિણામ ઊભું થશે. આ જગત બગાડવા જેવું છે નહીં. બગડી ગયું હોય તો એને સહન કરી લેવું. ફરી નવેસરથી બગાડવું નહીં. આ તો હરૈયા ઢોર ને જે આવ્યું તે ખાઈ જાય એટલે લોક પછી પોતાની છોડીઓને ખાઈ જાય. એની લોકને કંઈ પડેલી નથી. આવું જો બધા હરૈયા થાય તો શું રહ્યું ? બનતાં સુધી જેને બ્રહ્મચર્ય પાળવાનું છે, જેને મોક્ષ જોઈએ છે, તે સ્ત્રીઓએ પુરૂષોનો પરિચય ઓછામાં ઓછો કરવો, ના છૂટકે જ. જેને મોક્ષે જવું છે, એણે એટલી કાળજી લેવી જોઈએ. એવું તને લાગે છે કે નહીં લાગતું ? તને કેમ લાગે છે ? તો એની જોડે આપણે સમભાવે રહેવાનું, તે ઘડીએ તારી જાગૃતિ રહેવી જોઈએ. તે ઘડીએ ભાન ના ભૂલી જવું જોઈએ. સામો શાને સહે ?! પ્રશ્નકર્તા : મારો સ્વભાવ, મારા વચન કડક છે. કોઈને પણ ચોંટી જાય, દુઃખ લાગી જાય. મને એવું ના હોય કે હું એને દુઃખ લગાડવા બોલું છું. દાદાશ્રી : દુઃખ થાય એવું ના બોલવું જોઈએ. કોઈ જીવને દુઃખ થાય એવી વાણી બોલવી એ મોટો ગુનો છે. પ્રશ્નકર્તા : આ વાણી એવી હોવાનું કારણ શું ? દાદાશ્રી : રોફ પાડવા હારું ! બીજા ઉપર રોફ પડી જાય ને, એટલાં હારુ. પ્રશ્નકર્તા : આપણે રોફ પાડવા માટે કડક બોલ્યા અને સામેવાળો માણસ સહન કરી લે છે. એ સહન કરે છે, એ શેના આધારે સહન કરે છે ? દાદાશ્રી : એક તો, એને ગરજ હોય, ગરજવાળો સહન કરે. બીજું, કકળાટ ના કરવા હારું સહન કરે. ત્રીજું, આબરૂ ના જાય તેટલા હારું સહન કરી લે. કૂતરું ભસે પણ આપણે નથી ભસવું, એવા ગમે તે રસ્તે ચલાવી લે, નભાવી લે લોકો. લોકો ચાર ગાળો ખાય છે ખરાં, પણ બીજ અવળાં નાખે છે. પછી પાંચ ગાળ એને ભાંડે. અલ્યા ચાર તો સહન થતી નથી. પણ પાછા પાંચ ધીર્યા ! આ ચાર જમે કરી દે ને !! તારે જો સહન ના થતી હોય તો પાછી ફરી ધીરે છે શું કરવા ?! આક્ષેપો આપવાથી ઊભો સંસાર ! આ કાળની વિચિત્રતા છે કે ઘરનાં માણસો જ સામસામી આરોપ આપે કે તમે આમ કરી નાખ્યું, તમે આમ કરી નાખ્યું. અલ્યા ભઈ, મેં નથી કર્યું આ. તો એ કહેશે કે ના, તમે જ કરી નાખ્યું છે. એટલે નફો આવે ને ત્યાં સુધી શેઠને 'આવો શેઠ આવો શેઠ' કરે. અને ખોટ જાય ત્યારે, તમે જ ઊંધું બગાડ્યું, તમે આમ કર્યું. તમારામાં અક્કલ નથી, આમ બધાં આક્ષેપો આપ આપ કર્યા કરે. તે વખતે કડવું ઝેર જેવું લાગે. પછી મનમાં આંટી રાખે કે મને સપડાવ્યો અને મારી પર આક્ષેપ આપે છે, પણ એ મારા લાગમાં આવે તો હું એની પર આપીશ. તે વખત આવે ત્યારે પેલો આની પર આક્ષેપ આપે ને પાછું વેર વાળે. એટલે જ્યારે આપણે સપડાઈ ગયા હોઈએ ને ત્યારે એણે આપણને આક્ષેપ આપ્યા હોય, ત્યારે આપણે સહન કરી લઈએ. પણ ફરી એ લાગમાં આવે ને, એ સપડાય ત્યારે પાછા આપણે એને આક્ષેપ આપીએ. એવી રીતે આ સંસાર ઊભો રહેલો છે. સંયોગોની ફસામણમાં કામ કાઢી લેવું ! ખોટું તો કશું હોતું નથી. પણ સહન ના થાય માણસને. છોકરાં કે વહુ ભૂલ દેખાડે તે માણસથી સહન થાય નહીં. હા. એ કહે, સૂઈ રહો છાનાંમાનાં. એ તો બહુ બોલીએ ત્યારે કહેશે, તમારામાં સમજણ નહીં ને વગર કામનાં બોલ બોલ કરો છો ! એટલે થઈ રહ્યું, આવી રહ્યું એ બધું સહન કરવું પડે. એનાં કરતાં આપણે પોતાનું હોય ત્યાં રહેવું નિરાંતે ! આપણે તો નાના થઈને કામ કાઢી લેવું. બાબાને બે વખત કહીએ કે અલ્યા, પેલું લાવ, પેલું લાવ. ત્યારે એ પટિયાં પાડતો હોય તો આપણે તરત જાતે ઊઠીને લેવું. છોકરા કહેશે કે રહેવા દો, રહેવા દો. ત્યારે આપણે કહીએ, ના, હું લઈ લઉં છું. એમ કહીને કામ કાઢી લેવું. આપણે તો આ સંયોગો જોડે સંયોગ પૂરા કરવાનાં છે, આ સંયોગોમાં આવી ફસાયા છીએ, તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના છે. આપણે તો ધણી થવા માટે નથી આવ્યા, બાપા થવા નથી આવ્યા, આ તો સંયોગોને ઊંચા મૂકવાના છે, ઉકેલ લાવવાનો છે. ઉપકાર માનીને છોડવા હિસાબો ! બધું સહન કરવું પડે એ તો. એ ગોદા મારવા આવ્યો હોય ને, તો ગોદા ખાવા પડે આપણને. એવું છે ને, એ ઋણાનુબંધ કેવું બાંધેલું ? જે પ્રેમથી બંધાયેલું હોય તે આનંદ આપે અને બીજી રીતે બંધાયેલું હોય તે ગોદા મારે. એટલે આપણે ગોદા ખાવાં જ પડે, છૂટકો જ નહીં ને. એટલે સમભાવે નિકાલ કરવાનો. કારણ કે આપણે છૂટા થવું છે. એને કંઈ પડેલી નથી. એ તો બાથંબાથ કરવા તૈયાર છે. આ તમારા પક્ષનો અને પેલા વિપક્ષી, પણ એવું મોઢે બોલીએ નહીં. મોઢે તો કહીએ કે 'તારા વગર મને ગમતું નથી.' એમ તેને કહેવું. નહીં તો સામાવળીયો થઈ જાય. પછી એને એમ લાગે કે આ છે જ એવા. એને નિર્દોષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ. સમજીને ચાલો. હવે કોણ ચેતવે આવું ? અને ઋણાનુબંધ, ચોપડે હિસાબ છે, તો પજવે તો ય સહન કરવું આપણે. પણ પજવીને પછી આપણને છોડતો હોય તો પાછું ફરી ત્યાં જવું ? હા, દોષો કાઢે. જેણે મોટો કર્યો, જેનું એ કર્યું. તે બધાંનાં દોષો કાઢે. તે વખતે કેવી દશા થતી હશે ? કોઈનું અપમાન ના સહન કરેલું હોય ને તે વખતે છોકરો સામું બોલે તો શું થાય ? માને પજવે તો ય એને આ વ્હાલો લાગ્યા કરે અને બાપને સહન ના થાય, બાપને શી રીતે સહન થાય ? જ્યાં બુદ્ધિનું લાઈટ હોય. સ્ત્રીઓમાં ય બુધ્ધિ ખરી, પણ મોહ ખરો ને. તે મોહને લઈને અંધારું થયા કરે બુદ્ધિ પર અને આપણે પાછળ ફોકસ મૂકેલું હોય એટલે મૂંઝામણ થઈ જાય. કોઈના હાથમાં પજવવાની યે સત્તા નથી. ને કોઈના હાથમાં સહન કરવાની યે સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય. પ્રશ્નકર્તા : આપણને સહન કરવું પડે છે, તો એનો રસ્તો શો ? દાદાશ્રી : આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ-બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું સમતાપૂર્વક સહન કરવું. સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ સમતાપૂર્વક કે ભઈ, તેં મને કર્મમાંથી મુક્ત કર્યો. મારું જે કર્મ હતું, તે મને ભોગવડાવ્યું અને મને મુક્ત કર્યો. માટે એનો ઉપકાર માનવો. એ સહન કંઈ મફત કરવું પડતું નથી, આપણા જ દોષનું પરિણામ છે. સહેવું પડે એની જ ભૂલ ! પ્રશ્નકર્તા : દાદા, નાનપણથી જ બધી તરફથી મને માર પડ પડ કરે છે. હવે છોકરાંઓ તરફથી ય સહેવું પડે છે તે હવે કેવી રીતે સહેવું ? આમાં કોની ભૂલ ? દાદાશ્રી : આ ચાનો પ્યાલો તમારી જાતે ફૂટે તો તમને દુઃખ થાય ? જાતે ફોડો તો તમારે સહન કરવાનું હોય ? અને જો તમારા છોકરાથી ફૂટે તો દુઃખ અને ચિંતા-બળતરા થાય. પોતાની જ ભૂલોનો હિસાબ છે એમ જો સમજાય તો દુઃખ કે ચિંતા થાય ? આ તો પારકાંના દોષ કાઢીને દુઃખ કે ચિંતા ઊભી કરે છે ને રાત-દહાડો નરી બળતરા જ ઊભી કરે છે અને ઉપરથી પોતાને એમ લાગે છે, કે મારે બહુ સહન કરવું પડે છે. વાઈફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુઃખે, તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ, એમ વીતરાગ કહે છે અને આ લોકો નિમિત્તને બચકાં ભરે છે ! સ્વરૂપજ્ઞાન જાગૃતિના પરિણામ ! 'સ્વરૂપનું જ્ઞાન' એવું છે, કે જેમ પરિણામ પામે તેમ કશું જ સહન ના કરવું પડે. જ્ઞાતા-જ્ઞેય સંબંધથી સહન ના કરવું પડે. તારી જોડે કોઈ અથડાયો કેમ ? એ જ તારો દોષ છે. આપણા દોષે જ બંધન છે. પોતાની ભૂલથી છૂટવાનું છે. આ તો સંયોગ સંબંધ છે. હિસાબ વગર કોઈ ભેગો ના થાય. બધું પોતાના દોષથી બંધાયેલું છે. માત્ર પોતાના દોષ જો જો કરવાથી છૂટું થવાય તેમ છે. આ અમે અમારા દોષ જો જો કર્યા, તે અમે છૂટ્યા. નિજદોષ સમજાય એટલે છૂટો પડતો જાય. પોતાના હાથે પાંચસો રૂપિયા પડે તો સહન કરી શકાય. એમ જ પોતાની ભૂલો સમજાય એટલે સહન કરવાની શક્તિ એની મેળે આવે. લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે ? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની દોરી ક્યાં સુધી પહોંચે ? સહનશક્તિ લીમિટવાળી છે, જ્ઞાન અનલીમિટેડ છે. આ અમારું જ્ઞાન જ એવું છે, કિંચિત્માત્ર સહન કરવાનું રહે નહીં. સહન કરવું એ તો લોખંડને આંખથી જોઈને ઓગાળવું એટલી શક્તિ જોઈએ. જ્યારે આ જ્ઞાનથી કિંચિત્માત્ર સહન કર્યા વગર પરમાનંદ સાથે મુક્તિ ! પાછું સમજાય કે આ તો હિસાબ પૂરો થાય છે ને મુક્ત થવાય છે ! નમન નમનમાં ફેર ! પ્રશ્નકર્તા : આ બોસને નમીએ છીએ એટલું જો ભગવાનને નમીએ તો ય કલ્યાણ થઈ જાય. દાદાશ્રી : હા, કલ્યાણ થઈ જાય. એટલું ભગવાનને નમસ્કાર કરીએ તો ય ઉકેલ આવી જાય, કારણ કે ભગવાનને ઘેર ખોટ નથી. લોકોને બોસને નમવાનું ગમતું નથી, પણ એક બાજુ સંસાર ચલાવવો પડે છે અને એ ફરજિયાત છે ને ! તે શું કરે ?! એટલે બોસને નમીને, કામ કરીને, બે અવળા-સવળા બોલ સહન કરી લઈને ચલાવવું પડે. બોસ ઘેરથી ચિઢાઈને આવ્યો હોય, તે આપણી ઉપર પણ ચિઢાયા કરે. ... આ તો આવતો ભવ બગાડ્યો ! પણ આપણા લોકો સહન કરીને પણ બોલતાં નથી. પણ મનમાં ને મનમાં ગાળો ભાંડે કે 'આ નાલાયક અહીં ક્યાં આવ્યો ?' ભગવાને કહ્યું છે એનાં કરતાં ચોખ્ખું બોલ્યો હોત તો સારું. આ મન એટલે આવતા ભવનું ચિત્ર ! તે આ લોકો આવતો ભવ બગાડે છે. અને અહીં મોંઢે બોલ્યો હોત તો આ ભવમાં એને પેલો મારમાર કરત, અગર તો વગોવત. પણ આ ભવમાં હિસાબ ચોખ્ખો થઈ જાત. અને મનમાં ઊંધું વિચાર્યું તે તો આવતા ભવનું બધું બગાડ્યું. હવે પેલાં ચાર દહાડા રહે તો ત્યાં સુધી મનમાં આ ક્યારે જશે ? ક્યારે જશે ? થયા કરે ને રાતે પોતે ઊંઘે પણ નહીં ને પેલા તો નિરાંતે ઊંઘી ગયા હોય ! વાણીને રેકર્ડ જાણો ! ઘરના કે બહારના કડવું બોલે તે સહન ના થાય, તેથી અમે કહ્યું કે વાણી એ 'રેકર્ડ' છે. આ કાળમાં 'રેકર્ડ' વાંકી વાગે છે. સામાની ગમ્મે તેટલી ગમ્મે તેવી 'રેકર્ડ' વાગતી હોય પણ આપણે 'રેકર્ડ' સ્વરૂપે સાંભળ્યા કરીએ ને સામો કંટાળે ત્યારે જાણવું કે ખરું જ્ઞાન પચ્યું છે. કષાય કોઇ દહાડો કષાયથી જીતાય નહીં, કષાય સમતાથી જ જીતાય. અજ્ઞાન દશામાં એમ લાગે કે 'આ મને આવું કહે કહે કરે છે તે મારાથી શી રીતે સહન થાય ?' ત્યાં સુધી રોગ ઓછા થાય નહીં. આપણે સહન કરવાનું જ નથી. માત્ર સમજી જવાનું છે કે આ રેકર્ડ છે. જો તમે વાણીને રેકર્ડ સ્વરૂપ નહીં માનો તો તમારી વાણી એવી જ નીકળવાની. એટલે કાર્ય-કારણ, કાર્ય-કારણ ચાલુ જ રહેશે. કાંટો વાગે તેમાં કોનો વાંક ? પ્રશ્નકર્તા : દાદા, કોઇ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો શું કરવું મારે ? દાદાશ્રી : જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડયો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઇને વાગે નહીં. પણ ચંદુભાઇ જાય તો કાંટો આડો હોય તો ય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે ! કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઇ. જેટલું કડવું સહન કરશો એટલાં કડવાં તમારા ઓછાં થશે. મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે. પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું. આ ઓછું થાય છે તો ય કડવું કેમ નથી ગમતું ? પેલાને કહીએ કે કડવું ફરી આપને ? તો ય એ ના આપે. આ તો કોઇના હાથમાં સત્તા જ નથી. બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે, કશું ગપ્પું નથી. મર્યા સુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે. 'જ્ઞાન' જો હાજર રહેતું હોય તો કશું જ સહન કરવું ના પડે. આ તો બધું રિલેટિવ રિલેશન છે. કડવું મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા'ડો એવું સુંદર આપી દે છે ! આ બધાં ઋણાનુબંધી ઘરાક-વેપારીના સંબંધો છે ! ના પોષાય તો ધીરશો નહીં ! કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે 'આ મને કેમ અવળું બોલે છે ?' એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગૂંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે ? જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં, ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ. એટલે કોઈ બે ગાળો ભાંડી જાય તો શું કરવું જોઈએ ? જમે કરી દેવાનું. પૂર્વે આપેલી છે તે પાછી આપી ગયો છે અને જો ગમતી હોય બે ગાળો, તો બીજી પાંચ ધીરવી અને ના ગમતી હોય તો ધીરવી કરવી નહીં. નહીં તો પાછી આપતી વખતે સહન નહીં થાય. માટે જે જે ધીરે એ જમે કરવું. ક્રોધના આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ! પ્રશ્નકર્તા : આપણાથી ક્રોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ? દાદાશ્રી : એવું છે ને કે આ જે ક્રોધ કરે છે, ગાળ બોલે છે, એ કંટ્રોલ નથી પોતાની જાત ઉપર એટલે આ બધું થાય છે. કંટ્રોલ રાખવા માટે પહેલા કંઈક સમજવું જોઈએ. કો'ક ક્રોધ કરે આપણી ઉપર, તો આપણને સહન થાય છે કે નહીં, એ જોવું જોઈએ. પોતે ક્રોધ કરીએ, તે પહેલાં આપણી ઉપર કોઈ કરે એવું, તો આપણને સહન થાય, ગમે કે ના ગમે ? આપણને જેટલું ગમે એટલું જ બીજા જોડે વર્તન કરવું. પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે, 'અલ્યા, મને ક્રોધ આવ્યા કરે છે ને તું કહે છે કે ક્ષમા રાખો, પણ તે મારે કઈ રીતે ક્ષમા રાખવી ?' એટલે આમને ઉપદેશ કેવી રીતે આપવાનો હોય કે તમને ક્રોધ આવે તો તમે આવી રીતે, મનમાં પસ્તાવો લેજો કે મારામાં શી નબળાઈ છે કે મારાથી આવો ક્રોધ થઈ જાય છે. તે ખોટું થઈ ગયું મારાથી, એવો પસ્તાવો લેજો અને માથે કોઈ ગુરુ હોય તો એમની હેલ્પ લેજો અને ફરી એવી નબળાઈ ઉત્પન્ન ના થાય એવો નિશ્ચય કરજો. તમે હવે ક્રોધનો બચાવ ના કરો, ઉપરથી તેનું પ્રતિક્રમણ કરો. મહીં ઘુમાય તે ય ક્રોધ છે. આ સહન કરવું, એ તો ડબલ ક્રોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો સ્પ્રીંગ ઊછળે ત્યારે ખબર પડે. સહન શા માટે કરવાનું ? આનો તો જ્ઞાનથી ઉકેલ લાવી નાખવાનો. ઉંદરડે મૂછો કાપી તે 'જોવાનું' અને 'જાણવાનું' તેમાં રડવાનું શાને માટે ? આ જગત જોવા-જાણવા માટે છે ! અપમાન સહેવું એ જ બળવાનપણું ! અપમાન કરે તો ય વાંધો નહિ તને ? એટલી સહનશીલતા છે ?! પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ? દાદાશ્રી : ના. ઓહોહો ! અપમાન સહન કરવું, એ તો મહાન બળવાનપણું કહેવાય !! અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય, એને માટે મન પણ ના બગડે, એ જ બળવાનપણું ! અને નિર્બળતા તો, આ બધા કચકચ કર્યા જ કરે છે ને, જીવમાત્ર લઢમ્લઢા કર્યા કરે છે, એ બધી નિર્બળતા કહેવાય. એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ, એક સ્ટેપ ઓળંગેને, તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. આપને સમજાયું ને ? સામો બળવાન હોય, એની સામે નિર્બળ તો જીવમાત્ર થઈ જ જાય છે, એ તો એનો સ્વભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તો ય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય. 'જ્ઞાની પુરુષ' પાસે તો એટલી બધી સિદ્ધિઓ હોય કે સામાને આશ્ચર્ય કરી નાખે એક જ વિધિ કરીને, પણ એવું ના કરાય. સિદ્ધિ તો એ વાપરે જ નહીં ને ! અપમાન, ત્યારે જડે સાર સંસારનો ! એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનની ય જરૂર નથી ને અપમાનની ય જરૂર નથી. પણ આપણું જીવન શું અપમાનને માટે છે ? એવું લક્ષ તો હોવું જોઈએને ? આ તો કહેશે, 'આણે મારું અપમાન કર્યું' ! મેલને છાલ. અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે, ત્યારે યાદ આવવું જોઈએ કે આ તો મારા કર્મનાં ઉદય ફરે, ત્યારે ધણી 'આવો, આવો' કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું, એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઈ જાય. અપમાન અડ્યું એ જ માની ! હવે એક ભાઈ એ માન સ્વીકાર નહીં કરતા હોય એટલે પારો ના ચઢે. પણ પછી મેં કહ્યું, 'તમારામાં માન નથી રહ્યું ને ? તે હવે થર્મોમિટર મૂકો કે ભઈ, તાવ ચઢ્યો કે ઊતર્યો ?' ત્યારે એ કહે છે, 'એ શું થર્મોમિટર ?' મેં કહ્યું, 'હમણે પંદર-વીસ જણ સગાવહાલાં બેઠાં હોય, અને તમને કહે કે 'તમારામાં જરાય છાંટો ય અક્કલ નથી.' એ અસર થઈ ગઈને ! અલ્યા, ક્યાં ગયું ? તારું માન નહોતું ને ? અપમાન જેવું માન નથી કોઈ. પેલા માનની તો કિંમત જ નથી. પણ અપમાન જેવું કોઈ માન નથી. અપમાન જેનાથી સહન નથી થતું એ જ મોટો માની. પેલા લોકો આપે એ માન તો સહન થઈ શકે. જ્યારે અપમાન સહન નથી થતું એ મોટામાં મોટું માન છે. એ મોટો માની કહેવાય. મારી પાસે થર્મોમિટર બધી જાતનાં છે. કોઈ પણ આવ્યોનેે, તો હું થર્મોમિટર મૂકી દઉં. થર્મોમિટર વસ્તુ એવી છે કે તરત ખ્યાલમાં આવી જાય. અપમાન ડીઝોલ્વ કરવાની રીત ! અપમાન સહન કરવાની શક્તિ આવશે, એ માન જશે ત્યારે. ક્રોધ એ ગુરખો છે. 'માને' આ ગુરખો રાખેલો છે કે જો અપમાન કરવા આવે તો તેને કહે, 'તેલ કાઢી નાખજે.' અને પેલો એક લોભ છે, તેણે ય એક ગુરખો રાખ્યો છે. તે કપટ રાખ્યો છે. એને જ માયા કહી. અને લોભ જતો રહે તો એ માયા જતી રહે. ક્રોધ છે એ માનનો ગુરખો. 'મૂરખ છો, અક્કલ વગરના છો' એવું કોઈકે કહ્યું હોય ત્યારે આપણે કહેવું, 'ભઈ, હું આજનો નથી, પહેલેથી જ એવો છું.' એમ કહેવું. અપમાન કરનારો, માનો ઉપકારી ! પ્રશ્નકર્તા : હવે તો આ માન-અપમાન બહુ ખૂંચે છે, એમાંથી મુક્ત થવું કઈ રીતે ? દાદાશ્રી : અપમાન ખૂંચે છે કે માન ખૂંચે છે ? પ્રશ્નકર્તા : આમ તો અપમાન. દાદાશ્રી : અરે, બળ્યું માન પણ બહુ ખૂંચે. જો માન પણ વધારે પડતું આપે ને, તો માણસ ઊભો થઈ જાય. માન બહુ આપે ને, તો ત્યાંથી કંટાળીને નાસી આવે માણસ. રોજ આખો દહાડો માન આપ આપ કરે ને, તો ત્યાંથી માણસ કંટાળીને નાસી જાય. અને અપમાન તો ઘડીવારે ય ગમે નહીં. માન તો થોડીક વાર ગમે ય ખરું. છતાંય માણસ અપમાન સહન કરી શકે, માન સહન નહીં કરી શકે. હા, માન સહન કરવું એ તો બહુ સીસું પીધા જેવું છે. છોકરો પૈણવાનો થાય ને, તે બાપને નીચો નમીને પગે લાગે ત્યારે બાપ ઊભો થઈ જાય, ઊંચો થઈ જાય. 'અલ્યા, તું કેમ હાલે છે ?' ત્યારે એ કહે, 'સહન થતું નથી.' પ્રશ્નકર્તા : અને છતાં અપમાન ના ગમે, તે કેવું કહેવાય ? દાદાશ્રી : અપમાન ના ગમે, એ તો બહુ જ ખોટું કહેવાય. અપમાન તો ના ગમે અને એ તો આપણા બધાય લોકોને અપમાન નથી ગમતું. એ ગમાડવાની શક્તિ લોકોને ઉત્પન્ન થઈ નથી. એમણે તો અપમાન કરનારો ભાડે રાખવો જોઈએ. પણ કોઈ ભાડે રાખતું જ નથી ને ! પણ ભાડાવાળો અપમાન સાચું કરે નહીં ને ! અને લોક તો, જ્યારે સાચું અપમાન કરે છે ત્યારે એ બેસી જાય છે. સાચું અપમાન કરે એને ઉપકારી ગણવાનો. પણ ત્યારે માણસ બેસી જાય છે. સાચું અપમાન કરે ત્યારે બેસી જવાય નહીં. એટલે સામો કોઈક અપમાન કરનાર મળી આવે ને, તો બહુ ઉપકારી માનીને 'એ જોડે ને જોડે રહે તો બહુ સારું' એવું નક્કી કરજો. સહન કરે, તેમ સ્પ્રીંગ છટકે ! આ અમને બુદ્ધિ નહીં એટલે પછી અમને વઢવાડ ના થાય ને. અને તું તો બુદ્ધિવાળો માણસ. રોફવાળો માણસ. અને તું તો પાછું સહન કરે. એટલે વધારે કૂદવાનું. પ્રશ્નકર્તા : રોફવાળો બહુ સહન કરે ? દાદાશ્રી : ને સહન કરે છે ને, એટલે સ્પ્રિંગ વધારે કૂદે છે. જ્યારે કૂદે છે ત્યારે વધારે કૂદે. એ છેલ્લે એક દહાડે તું આખુંય ક્રેક પાડી દે. તે બાર ઈંચ પહોળી ક્રેક. એટલે સિમેન્ટથી ય પૂરી ના થાય એવી ! એટલે એવું સહન કરવાનું ના હોય. વિચારવાનું હોય કે આ કહ્યું, તો આમાં કોની ભૂલ છે ? ભોગવે એની ભૂલ, કહીને આપણે માથે લઈએ તો ઉકેલ આવે. તારે કોઈ દહાડો ભોગવવું નથી પડતું ?! ને ભોગવવું પડે, તો આપણે સમજીએ કે આ મારી જ ભૂલ છે. સહનશક્તિ ઈઝ ધી મધર ઓફ ઈગોઈઝમ ! સહનશીલતા એ અહંકારનો ગુણ છે. 'એક્ઝેક્ટલી' જે સહન કરે છે, તે 'કેસ' કુદરતને સોંપે છે. કોઈને ય દંડ આપવાની જરૂર નથી. કુદરત જ તેને દંડ આપશે. મને સહન નથી થતું એ જ અસહનશક્તિ ને મને સહન થાય છે એ જ સહનશક્તિ. જેનું અપમાન, તે 'પોતે' ન્હોય ! આ 'ચંદુભાઈ'નું કોઈક અપમાન કરે તો શું થાય ? રાતે ઊંઘ ના આવે ને ? ઝાટકા વાગે ! આમ ક્ષત્રિય પ્રજાને, તે ઝાટકા વાગે. પેલો અપમાન કરનારો ઊંઘી ગયો હોય, પણ આ ઝાટકાવાળો ના ઊંઘે ! કોઈ અપમાન કરે ને આપણને ઊંઘ ના આવે એવું શા કામનું તે ? એવી નિર્બળતા શું કામની તે ? કોઈક અપમાન કરે ને આપણે શું કામ ના ઊંઘીએ ? અને કો'કનું અપમાન થાય છે, તમારું થતું જ નથી. 'તમારું' અપમાન કરે તો સહન ના જ કરવું જોઈએ. પણ એ 'તમારું' અપમાન નથી કરતો. તો શું કરવા આમ હાય હાય કરો છો ? આ તો કોઈકનું અપમાન થાય છે ને 'તમે' માથે લઈ લો છો. 'મને કર્યું' એવું તો ના હોવું જોઈએ ને ?! હા, 'તમારું' અપમાન ના કરવું જોઈએ કોઈએ. પણ 'તમારું' અપમાન કોઈ કરે ય નહીં. તમને ઓળખે જ શી રીતે ? 'તમને' તો કોઈ ઓળખતું જ નથી ને ! ઓળખે તો 'ચંદુભાઈ'ને ઓળખે. એ 'આપણને' તો ઓળખતો જ નથી ને ! અણસમજણથી સહન, ત્યાં સ્પ્રીંગ ઉછળે ! પ્રશ્નકર્તા : કેટલા વખત આમ આપણે સહન કરવું જોઈએ ? દાદાશ્રી : સહન કરવાથી તો શક્તિ બહુ વધે. પ્રશ્નકર્તા : એટલે સહન જ કર્યા કરવું એમ ? દાદાશ્રી : સહન કરવા કરતાં એની ઉપર વિચારવું સારું છે. વિચારથી એનું સોલ્યુશન લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાયને તે સ્પ્રીંગની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું ખેદાન-મેદાન કરી નાખે. સહનશીલતા તો સ્પ્રીંગ છે. સ્પ્રીંગ ઉપર લોડ નહીં મૂકવો કોઈ દહાડો ય. એ તો ઠીક છે થોડા પૂરતું હવે રસ્તામાં કો'કની જોડે જતાં-આવતાં એ થયું હોય, ત્યાં જરાક એ સ્પ્રીંગ વાપરવાની છે. અહીં ઘરના માણસો ઉપર લોડ મૂકાય નહીં. ઘરના માણસોનું સહન કરું તો શું થાય ? સ્પ્રીંગ કૂદે એ તો. સમજણપૂર્વક સહન, ત્યાં સોલ્યુશન ! પ્રશ્નકર્તા : સહનશીલતાની લિમિટ કેટલી રાખવાની ? દાદાશ્રી : એને અમુક હદ સુધી સહન કરવું. પછી વિચારીને એણે તપાસ કરવી કે શું છે આ હકીકતમાં. વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે ! એકલું સહન કર કર કરશો તો સ્પ્રીંગ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચારે કરીને સહન કરવું પડે છે. વિચારો તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે. એ બધું એનું સમાધાન કરી આપશે. મહીં અંદર અનંતશક્તિ છે, અનંતશક્તિ. તમે માંગો એ શક્તિ મલે એવી છે. આ તો અંદર શક્તિ ખોળતો નથી ને બહાર શક્તિ ખોળે છે. બહાર શું શક્તિ છે ? સમજવાથી સોલ્વ પઝલ ! ઘેર ઘેર ભડકા સહન કરવાથી જ થાય છે. હું કેટલું સહન કરું, મનમાં એમ જ માને છે. બાકી વિચારીને રસ્તો કાઢવો જોઈએ. જે સંજોગો બાઝ્યા છે, જો સંજોગો કુદરતનું નિર્માણ છે અને તું હવે શી રીતે છટકી નાસીશ ? નવા વેર બંધાય નહીં અને જૂનાં વેર છોડી દેવાં હોય તો, એનો રસ્તો કાઢવો જોઈએ. આ અવતાર વેર છોડવા માટે છે. અને વેર છોડવા માટેનો રસ્તો છે, દરેક જોડે સમભાવે નિકાલ ! પછી તમારા છોકરાઓ કેવાં સારા સંસ્કારી થાય ! એટલે હું શું કહું છું, સહન ન કરતાં, સમજો. સમજો તો બધું ઉકેલ આવી જાય. આ પઝલ સોલ્વ થાય એવું છે. આ હું સોલ્વ કરીને બેઠો તો તમને સોલ્વ કરવાનું બધું દેખાડી દઈશ. ભૂલો સમાવી લે સાગર જ્યમ ! પ્રશ્નકર્તા : 'દાદા', વ્યવહારમાં મોટો નાનાની ભૂલ કાઢે, નાનો એનાથી નાનાની ભૂલ કાઢે વ્યૂ પોઈન્ટની અથડામણમાં, એ કેમ ? દાદાશ્રી : આ તો એવું છે કે મોટો નાનાને ખાઈ જાય. તે મોટો નાનાની ભૂલ કાઢે એના કરતાં આપણે કહીએ, મારી જ ભૂલ. ભૂલ જો માથે લઈ લઈએ તો એનો ઉકેલ આવે. અમે શું કરીએ ? બીજો જો સહન ના કરી શકે તો અમે અમારે જ માથે લઈ લઈએ. બીજાની ભૂલો ના કાઢીએ. તે શા હારુ બીજાને આપીએ ? આપણી પાસે તો સાગર જેવડું પેટ છે ! જુઓને, આ મુંબઇની બધી જ ગટરોનું પાણી સાગર સમાવે છે ને ? ! તેમ આપણે ય પી લેવાનું. તેથી શું થશે, કે આ છોકરાંઓ ઉપર, બીજા બધાં ઉપર, પ્રભાવ પડશે. એ ય શીખશે. બાળકો ય સમજી જાય કે આમનું સાગર જેવડું પેટ છે ! જેટલું આવે તેટલું જમે કરી લો. વ્યવહારમાં નિયમ છે, કે અપમાન કરનાર પોતાની શક્તિ આપીને જાય. તેથી અપમાન લઇ લઇએ હસતે મુખે ! જો આપણામાં વક્કર ના હોય તો ઘોડીને પંપાળ પંપાળ કરીએ તો ય એનો પ્રેમ આપણને ન મળે. પહેલો વક્કર પડવો જોઈએ. 'વાઇફ'ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. અજ્ઞાનદશામાં બંધાય વેર ! આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. માટે અથડામણ ટાળો, અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ કહ્યું છે. દરેક માણસ, અરે જીવમાત્ર વેર રાખે. વધુ પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં.તે પછી સાપ હોય, વીંછી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધાનામાં આત્મા છે, આત્મશક્તિ બધાનામાં સરખી છે. કારણ આ પુદગલની નબળાઇને લઇને સહન કરવું પડે છે. પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું ! પ્રશ્નકર્તા : દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું, એટલે સહન કરવું એમ અર્થ થાય ને ? દાદાશ્રી : અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો ? સહન કરવું અને 'સ્પ્રીંગ' દબાવવી એ બે સરખું છે. 'સ્પ્રીંગ' દબાવેલી કેટલા દહાડા રહેશે ! માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો. અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે. પછી એક દહાડો 'સ્પ્રીંગ' ઊછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે. જ્ઞાનદશાની સૂક્ષ્મ સમજ ! પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની 'સમભાવે નિકાલ' કરવાની આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો શું કરવું આપણે ? દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું, અને આપણે આપણી મેળે આપણું 'પઝલ' 'સોલ્વ' કર્યા કરવું. એવો જગતનો કાયદો જ નથી કે કોઇને લીધે આપણે સહન કરવું પડે. જે કંઇ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ હોય છે. પણ આપણને ખબર નથી પડતી કે આ ક્યા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડયો. નવો કોઇ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનની કો'ક વાર તપાસ કરી લેવી કે સામો 'શુધ્ધાત્મા' છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ 'પઝલ' 'સોલ્વ' કરી આપે. પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો તે પાછો આવ્યો એમ ને ? દાદાશ્રી : એ પોતે શુધ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુધ્ધાત્મા છીએ, એ પણ શુધ્ધાત્મા છે. હવે બન્નેને 'વાયર' ક્યાં લાગુ થયો છે? આ પ્રકૃતિ ને તે પ્રકૃતિ, બન્ને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય તે પેલો આપે કંઇક. માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદય છે ને સામો નિમિત્ત છે, એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઇ ગયો. આ 'સોલ્યુશન' હોય ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને ? સહન કરવાથી શું થશે ? આવો ફોડ નહીં પાડો, તો એક દહાડો એ 'સ્પ્રીંગ' કૂદશે. કૂદેલી સ્પ્રીંગ તમે જોયેલી ? મારી 'સ્પ્રીંગ' બહુ કુદતી હતી. ઘણા દહાડા હું બહુ સહન કરી લઉં ને પછી એક દહાડો ઉછળે તો બધું જ ઉડાડી મૂકું. આ બધું અજ્ઞાન દશાનું, મને એનો ખ્યાલ છે. એ મારા લક્ષમાં છે. એટલે તો હું કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાનદશામાં સહન કરવાનું હોય. આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું, ચોપડામાં પદ્ધતિસરનું જોઇ લેવું, કોઇ વસ્તુ ચોપડા બહારની હોતી નથી. બાહ્ય તપ : આંતર તપ ! એવું છે, મોક્ષના ચાર પાયા - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. સમજયા વગર કેટલાક તેમાંનો એક તપનો જ પાયો ઝાલી પડયા. આ ખાટલાના ચાર પાયામાંથી એક પાયો ઝાલે એવું આ તપને ઝાલી પડયા. દેહને તપાવવાનો નથી, મનને તપાવવાનું છે અને એ પણ એવી રીતે કે બહાર કોઇ જાણે નહીં. પણ આજે તો બાહ્ય તપ જ કરે છે, તે જે સ્ટેશન આવ્યું તે પકડયું. બાહ્ય તપથી બાપજીને ફળ શું મળ્યું ? દેહ તેજવાળો થયો. દેહને તપવ્યો તે દેહ અજવાળાવાળો થાય, પણ દેહ જોડે આવવાનો છે? એ તો બાળી મેલવાનો છે. આ દેહ છે ત્યાં સુધી પોતાનું જ કામ કાઢી લેવાનું છે. ત્યાગવાળાઓએ ત્યાગની કસરત કરી, આ બધી કસરતશાળાઓ છે. એમાં આત્મા માટે કંઇ જ થતું નથી, કંઇ જ ઉપકાર થતો નથી. બૈરી વગર જિવાય કે નહીં તેની કસરત કરી, તે બૈરી મૂકી નાસી જાય. બૈરી બાર મહિના પિયર નથી જતી ? માટે ઘેર પણ જિવાય છે, શું કામ નાસી જાય છે ? બા, દીકરાના બાપા જોડે રોજ વઢવાડ કરતી હોય, તો દીકરો ગાંઠ વાળે કે, 'હવે આ ન હો, બૈરી ન હો,' એવી મજબૂત વાળેલી ગાંઠ પછી ઉદયમાં આવે, તે પછી નાસી જાય. એના કરતાં આ સહન કરને! આ પ્રાપ્ત તપને સહન કરતાં કરતાં મોક્ષે જવાશે. પ્રાપ્ત દુઃખ એને તો ઇનામ કહેવાય. ભલે પછી એ સહન કરવું પડે, પણ કશું ગયું તો નથી ને ? આપણને કશુંક મળ્યું એ ઇનામ જ કહેવાય ને ? અને સરળ રીતે ઓછી મહેનતે. અને આનંદપૂર્વક પાછું. પેલાં તપ કરવાનાં તો કઠોર તપ કરવાનાં. એ સહન જ ના થાય. જોતાં જ ચીતરી ચઢે. ત્યાં હસતે મોઢે વધાવી લેવાં ! આ તપ કોઇનું શીખી લાવીને કરવા જેવું નથી. તારું મન જ રાત-દહાડો તપેલું છે ને ! તારું મન, વાણી અને વર્તન જે તપેલું છે તેને તું શાંત ભાવે સહન કર, એ જ ખરું તપ છે ! જયારે મન, વાણી અને વર્તન તપેલું હોય ત્યારે તેમાં તે વખતે તન્મયાકાર હોય, અને જયારે કશું તપેલું ના હોય ત્યારે તપ કરવા બેસે, પણ પછી તે વખતે શા કામનું ? તપ તો ક્યારે કરવાનું કહ્યું છે ભગવાને ? જયારે બધાં ઝેર આલનારાં આવે તે વખતે મહીં અંતર તપે તો ય સહન કરી લેવું; લાલ, લાલ હ્રદય થઇ જાય તો ય શાંત ભાવે સહી લેવું. તપને બોલાવી લાવવાનું ભગવાને કહ્યું નથી, આવી પડેલાં તપને હસતે મોઢે વધાવી લેવાનું કહ્યું છે. ત્યારે આ લોકો તો આવી પડેલા તપને આઘાપાછા કરે, મોં મચકોડે એટલે તે જ તપ જે આપવા આવ્યું હોય તેને અનેક ગણું કરીને પાછું આપી દે, અને ના આવેલાં તપને બોલાવવા જાય, ના હોય ત્યાંથી, કોઇનું જોઇને શીખી લાવીને તપ કરવા બેસે ! અલ્યા, તપ તે કોઇનું શીખી લાવીને કરાતું હશે ? તારું તપ જુદું, પેલાનું તપ જુદું, દરેકનું તપ જુદું જુદું હોય. દરેકના કોઝીઝ જુદાં જુદાં હોય અને આજના કાળમાં તો, તપ તો સામેથી સહેજે આવી પડે તેમ છે. કળિયુગમાં ઘેર બેઠાં તપ ! તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠાં જ અનાડી દેશ છે ! આપણે ઘરમાં પેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ ! જમીએ ત્યાં જ, ખાઇએ-પીએ ત્યાં જ, અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા સાઈઠ માઇલ વિચરવું પડયું હતું, અનાડી દેશ ખોળવા માટે ! જયારે આજે તો ઘેર બેઠાં જ અનાડીપણું લોકોનું નથી લાગતું ? તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને ! આ કાળના લોકો ય કેટલા પુણ્યશાળી છે ! આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી પડોશીઓ, ભાગિયા, ભાઇઓ, વહુ, છોકરાં બધાં ય તપ કરાવે એવું છે ! આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી. આ પ્રતિકૂળ કાળ આવ્યો છે, ઘેર બેઠાં જ પ્રતિકૂળતા હોય, બહાર ખોળવા જવું ના પડે. આ કાળ જ એવો છે કે કયાં ય એડજસ્ટમેન્ટ જ ના થાય. ઘરમાં, બહાર, પાડોશીઓ બધેથી જ ડીસ્એડજસ્ટમેન્ટ આવી પડે, તેને તું સહન કર અને એડજસ્ટ થઇ જા. પ્રાપ્ત તપને શાંતભાવે ભોગવો ! પ્રાપ્ત તપ એટલે આવી પડેલું તપ, એને શાંતિપૂર્વક નિરાંતે ભોગવે, સામાને સહેજ પણ દુઃખ ના થાય. સામાને આપણા નિમિત્તે દુઃખ તો ના થાય પણ આપણું મન સામાને માટે જ સહેજ પણ ના બગડે, એનું નામ પ્રાપ્ત તપ. બીજાં તપ કરવાની ભગવાને અત્યારે ના પાડી છે, તો ય જુઓને લોક જાતજાતનાં તપ લઇને બેઠા છે ! અલ્યા, સમજને! શિષ્ય જોડે આખો દહાડો ક્રોધ કરતો હોય ને બીજે દહાડે અપવાસ કરે, હવે આનો અર્થ શો ? મીનિંગલેસ આ બધી વસ્તુઓ ! આ મીનિંગલેસ નથી લાગતું તમને ? કહેશે કે, 'મારે બે અપવાસ કરવા છે.' અલ્યા ભાઇ, અત્યારે તો એવું છેને કે, કો'ક દહાડો રેશનનું ઠેકાણું ના પડયું હોય ત્યારે થોડા ચોખાથી ચલાવી લેવાનું હોય, એ દહાડે મહારાજ આટલાં જ ચોખા મળ્યા તે તેટલો જ ખોરાક, ત્યાં એ કરોને! પ્લસ, માઇનસ કરી નાખોને ! એક દહાડો સામટું જ ના ખાવું, તેનાં કરતાં રોજ થોડું થોડું પ્લસ, માઇનસ કરીને આપણે એડજસ્ટ થઇ જાઓને ! કો'ક દહાડો જમવાનું ઠેકાણું બે વાગ્યા સુધી ના પડયું તો ત્યાં શાંત ભાવે સહન કરી લે ને ! અથવા જમવાનું બિલકુલ ઠેકાણું ના પડયું ત્યાં તું શાંત રહે. આ પેટ તો મહીં ગયા પછી બૂમ પાડશે નહીં. આ રાત્રે આટલી ખીચડી ને શાક આપ્યું હોય તો પછી બૂમ પાડે ? ના પાડે. પછી તમારે જેવું ધ્યાનમાં રહેવું હોય તેવું રહેવા દે. પેટને તો વાંધો નથી, આ વાંક પોતાનો છે, મન પણ એવું નથી, પોતે અનાડી છે. પોતે અનાડી, તે પોતે તો દુઃખ ભોગવે, પણ બીજાને પણ દુઃખ ભોગવડાવે. અનાડીપણું! આજે તો આ લોકને સહન કરવાનું જરા ય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તો ય મહાન પુરુષનું એક દહાડાનું ય દુઃખ ના હોય, છતાં ય ગા ગા કરે ! અહો ! કારૂણ્યતા જ્ઞાનીની !! અમને જ્ઞાન સુરતના સ્ટેશને થયું, તે ય ઓચિંતું જ ! મેં તો આમાં કશું નથી કર્યું. 'ધીસ ઈઝ બટ નેચરલ' થઈ ગયું. એટલે લોકોને હું કહું છું કે નકલ કરવા જેવી નથી આ. 'નેચરલ' છે, પછી એમાં તું શું કરીશ ? હવે મારી પાસે આવ, હું તને રસ્તો દેખાડીશ. મને રસ્તો જડ્યો છે. બાકી, હું જે રસ્તે ગયો છું તે રસ્તે તું કરવા જઈશ તો માર્યો જઈશ. કારણ કે મારે તો પાશેરને બદલે સવાશેર થયું, તે મારાથી સહન નહોતું થતું. એ દિવસો કેમ કાઢવા તે તો હું જ જાણું. આપણે શું કહીએ છીએ કે સર્વ દુઃખોના ક્ષય કરો. આ દુઃખો અમારાથી જોવાતાં નથી. છતાં અમને 'ઇમોશનલ'પણું થતું નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે એનો અને એ જ કારુણ્યતા છે અમારી ! - જય સચ્ચિદાનંદ. |
|---|