|
આખી જિંદગીના પ્રતિક્રમણ સંપાદકીય અક્રમ વિજ્ઞાન થકી આત્મજ્ઞાન પામ્યા. જ્ઞાની પુરુષની પાંચ આજ્ઞા પાળવાથી જીવન શાંતિમય જાય છે. તો હવે બાકી શું રહ્યું ? આમ, આ વિજ્ઞાન જ એવું છે કે નવા કર્મો બંધાતા નથી. જૂનાં કર્મો સમતાભાવે પૂરાં થતાં જાય છે. તો હવે પુરુષાર્થ ક્યાં બાકી રહ્યો ? દાદાશ્રી કહે છે અનંત અવતારનું સાટું એક અવતારમાં વાળવાનું છે પણ તે કઈ રીતે ? તો હવે જીવનમાં ભેગી થયેલી પ્રત્યેક વ્યક્તિ જોડે કંઈને કંઈ રાગ-દ્વેષ પહેલાં થયાં હોય અને તે ય પૂર્વભવે રાગ-દ્વેષ થયાં હોય તેથી તો આ ભવમાં કુટુંબ તરીકે ભેગા થયા અથવા તો ધંધાકીય કે મિત્રની રીતે ભેગા થયા. તો હવે એ રાગ-દ્વેષની ચીકાશને ધોઈ નાખીએ તો આપણે છૂટતા જઈએ, સામાના કલેઈમમાંથી ધીમે ધીમે છૂટી જઈએ. દિવસમાં નવરા પડયા કે તરત કુટુંબની એક એક વ્યક્તિને સંભારી સંભારીને આખી જિંદગીના પ્રતિક્રમણ શરૂ કરી દેવા જોઈએ, તો ધીમે ધીમે ચોપડા ચોખ્ખા થાય. ફાધર-મધર, ભાઈ-બહેનો, પછી સ્કૂલ-કોલેજમાં ભેગી થયેલી વ્યક્તિઓ, પછી ગામમાં આડોશી-પાડોશી, પરણ્યા પછી કુટુંબનો વિસ્તાર વધ્યાં તે બધા, પછી નોકરી-ધંધે લાગ્યા તેના કનેકશનમાં ભેગા થયેલા લોકોનાં, પછી રસ્તા પર ટ્રેનો-બસો-એરપોર્ટ, જાત્રા-પિકનિક-પાર્ટી જ્યાં જ્યાં આપણે ફર્યા હોઈએ ને જે જે વ્યક્તિઓ ભેગી થઈ તે વ્યક્તિઓના પ્રતિક્રમણ અવશ્ય કરી નાખવા જોઈએ. હિસાબ સઘળા ચોખ્ખા થઈ જાય તો પછી મોક્ષે જતાં સુધી કોઈ નડે નહીં. દાદાશ્રી પોતાના જીવન પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે '૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી, એ.એમ.પટેલને કહી દીધું કે આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધા હવે.' તે દરેક વ્યક્તિને ખોળી ખોળીને બધાનાં પ્રતિક્રમણ કરી નાખ્યા. 'અમે કેટલાંય કાળથી ધોતા આવ્યા ત્યારે ચોપડો છૂટ્યો. તમને તો મેં રસ્તો દેખાડ્યો એટલે જલદી છૂટી જાય.' અને કઈ રીતે એક એક વ્યક્તિનું પ્રતિક્રમણ કરવાનું ? 'આ ભવમાં, સંખ્યાત-અસંખ્યાત ભવોમાં, રાગ-દ્વેષ, વિષય-કષાયથી, જે દોષો થયા હોય, તેનું આલોચના પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું.' એવું બોલવું પડે અને તે ય એક- એક વ્યક્તિ પ્રત્યેના એક-એક દોષને સંભારીને ધોવા જોઈએ અને જેટલી ભૂલ ભાંગી પ્રતિક્રમણ કરી કરીને તેટલો મોક્ષ પાસે આવ્યો. આમ આખી જિંદગીના પ્રતિક્રમણ, જે જે વ્યક્તિ સાથે કંઈ પણ રાગ-દ્વેષ થયા તેનું કરવાનું છે. તે જ નિર્અંતરાયપણે મોક્ષમાર્ગ પૂરો કરાવશે. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ આખી જિંદગીના પ્રતિક્રમણ ! શોર્ટ પ્રતિક્રમણ ! આ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શૂટ ઑન સાઈટ (દેખો ત્યાંથી ઠાર) પ્રતિક્રમણનો છે. એના બેઝમેન્ટ (પાયા) ઉપર ઊભું રહ્યું છે. ભૂલ કોઈની થતી જ નથી. સામાને આપણા નિમિત્તે જો કંઈ નુકસાન થાય, તો દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી મુક્ત એવાં તેના શુધ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : પણ દર વખતે આખું લાંબું બોલવું? દાદાશ્રી : ના, એવું કશું નહીં. શોર્ટમાં પતાવી દેવાનું. સામાના શુધ્ધાત્માને હાજર કરી તેમને ફોન કરવો કે 'આ ભૂલ થઈ, માફ કરો'. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં પણ ગમે ત્યારે શૂટ ઑન સાઈટ કરીએ એટલે સ્થિરતાથી બેસવાની જરૂર નહીં ? દાદાશ્રી : સ્થિરતાથી બેઠા ના હોય પણ પ્રતિક્રમણ કરે તો ચાલે પણ શૂટ ઑન સાઈટ. દોષ થઈ ગયો કે તરત, પછી વખતે રહી જાય તો, ભૂલી જઈએ ત્યારે ? આ શુધ્ધ જ્ઞાનથી કોઈ પણ જાતનું ઉપયોગ ગોઠવવો. બીજું કશું ના હોય તોય બેઠા બેઠા આમ શુધ્ધ ઉપયોગ જોયા કરીએ તો ય ચાલે. આમ રસ્તામાં ય એક જ છે તો ચાલે અને કશું ય ના હોય તો બેઠા બેઠા ઘરમાં ઓળખાણવાળા બધા આજુબાજુ સંજોગો હોય તો બેઠા બેઠા એના પ્રતિક્રમણો કર્યા કરીએ. આ ગયા અવતારથી, કેટલાંય અવતારથી બધું આ જોઈન્ટ થયેલું છે ને તે પ્રતિક્રમણનો અડધો કલાક કાઢીએ તો ય કામ નીકળી જાય. ઘરમાં દરેક માણસનું લઈ અને નામવાર બધા પ્રતિક્રમણ કર્યા કરીએ, આ ભવમાં થયેલા છે ને તે પહેલા અનંત ગયા ભવોમાં જે જે દોષ થયા હોય એ. એ ઉપયોગમાં રહે અને પેલું ચોખ્ખું થતું જાય. એવા ઘણાં કામ હોય છે આપણે ત્યાં. એને શુધ્ધ ઉપયોગ રહ્યો કહેવાય. પ્રતિક્રમણમાં આ બધા સગા-વહાલા શેના થઈ પડ્યા છે. પાછલાં ગૂંથાયેલા બધા લટિયા આમ, એટલે આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે છૂટી ગયા. એમને છૂટવું કે ના છૂટવું એ એમની મરજીની વાત છે, આપણે છૂટી ગયા. જેને છૂટવું છે, તેને કોઈ બાંધનાર નથી. ભગવાન મહાવીર ઉપર લોકો પ્રેમ વરસાવે છે તેથી કંઈ મહાવીર બંધાય નહીં. જેને છૂટવું છે, મહાવીર જો જાતે પ્રેમ વેરે તો બંધાય. એટલે લોક શું મને કે છે કે સામો કશું કરશે તો મારું શું થશે ? અલ્યા મૂઆ, સામો એમને જે કરવ ું હોય તે કરે, પણ આપણને શું ? પુરુષ છે તેને સ્ત્રી માને, તેને કંઈ આપણાથી ના કહેવાય ? ત્યારે એ કોર્ટમાં ફરિયાદ લઈને કરે તો લો તમે ? એની ફરિયાદ લે ?! અરે આ તો એવું જ કરે, એને ફાવે એવું કરે, સ્વતંત્ર છે. ના કરે ? પ્રશ્નકર્તા : કરે. દાદાશ્રી : એનો કકળાટ ક્યાં કરવા જઈએ આપણે ? આપણે આપણું સંભાળી લઈએ. એટલે ઘણાં કામ આપણે આ બધા ઉપયોગ મૂકવા માટે છે. અમથા 'જોયા' કરીએ તો ય ઉપયોગ હોય છે. શુધ્ધાત્મા થઈ ગયા એટલે કંઈ પૂરું કામ થતું નથી. શુધ્ધ આત્મા ક્યારે કહેવાય કે સામો ગાળો દે અને આપણને જો અશુધ્ધ દેખાય, તો એ શુધ્ધાત્મા ના કહેવાય. એ શુધ્ધાત્મા જ દેખાવો જોઈએ. ગાળો જે દે છે એ ઉદયકર્મ દે છે, આપણું ઉદયકર્મ. એ વાજીંત્ર વાગી રહ્યું છે, એ ટેપરેકોર્ડ વાગી રહ્યું છે. પણ ઉદયકર્મ તો આપણું જ ને ! અને સામો શુધ્ધ જ છે. એટલે સામાને શુધ્ધ જુઓ, પોતે પોતાને શુધ્ધ જુઓ, એનું નામ શુધ્ધ ઉપયોગ. જીવ માત્રને શુધ્ધ રીતે જુએ એ શુધ્ધ ઉપયોગ કહેવાય. અમે નવરા પડ્યા ત્યારે ઉપયોગ ગોઠવી દઈએ. નવરા પડ્યા કે તરત ગોઠવણી જ કરવાની. જેમ લેબોરેટરીમાં આપણે કશી વસ્તુઓ બધી ગોઠવણી કરીએ છીએને, એમાં ધ્યાન ના રાખીએ તો બધું કંઈનું કંઈ થઈ જાય એટલે આને ધ્યાન રાખીને ગોઠવણી કરીએ. તમને કેમ લાગે છે ? પછી ના ચીટકે પરભવે ! પ્રશ્નકર્તા : દિવસમાં કેટલાં પ્રતિક્રમણ કરવાનાં? દાદાશ્રી : જેટલા દોષ કરો એટલાં જ પ્રતિક્રમણ, વધારે નહીં. શૂટ ઑન સાઈટ. જે દોષ થયો કે તરત શૂટ કરી દો. દાદા ભગવાનનું નામ લઈને તરત જ શૂટ કરી દો. શૂટ થઈ જશે. પ્રતિક્રમણ તો ચા પીતાં ય કરાય, નહાતાં નહાતાં ય કરાય. જ્યાં દેહધર્મ છે, મનોધર્મ છે, બુદ્ધિધર્મ છે, ત્યાં સ્થાનને જોવું પડે. પણ આપણને આત્મધર્મ છે એટલે દેહધર્મ બધું જોવાની જરૂર નહીં, ગમે ત્યાં આપણે પ્રતિક્રમણ કરાય. જેટલી ભૂલ ભાંગી પ્રતિક્રમણ કરી કરીને તેટલો મોક્ષ પાસે આવ્યો. પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીંને બીજા જન્મમાં ? દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં. એટલે પ્રતિક્રમણ કરાય કરાય કરવાં પડે. ચાલો. પ્રતિક્રમણ કરો આનાં, કહીએ. વ્યવહારમાં આપણાથી ભૂલ થઈ એવું હોય ત્યારે, 'પ્રતિક્રમણ કરો' કહીએ. ઘરનાં, કુટુંબીજનોનાં પ્રતિક્રમણો ! અને બીજું ઘરના માણસોનાં ય રોજ પ્રતિક્રમણ કરવાં જોઈએ. તમારા મધર-ફાધર, ભાઈઓ-બહેનો બધાનું. રોજેય પ્રતિક્રમણ કરવું પડે. કુટુંબીઓ બધાનું કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઈલ હોય. એટલે પ્રતિક્રમણ કરોને, એક કલાક જો કુટુંબીઓ માટે પ્રતિક્રમણ કરોને, આપણા કુટુંબીઓને સંભારીને, બધા નજીકથી માંડીને દૂરના બધા, એમના ભાઈઓ, બઈઓ, એમના કાકાઓ-કાકાના દીકરાઓ, ને એ બધાં, એક ફેમીલી (કુટુંબ) હોયને, તો બે ત્રણ-ચાર પેઢી સુધીનું, તે બધાને સંભારીને. દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને, તો મહીં અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય. અને એ લોકોનાં મન ચોખ્ખાં થઈ જાય આપણા તરફથી. એટલે આપણા નજીકનાંને, બધાને સંભારી સંભારીને કરવું. અને રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું. આવું નથી ગોઠવતા ? એવી એ ગોઠવણી, એ ફિલ્મ ચાલુ થઈ તો તે ઘડીએ બહુ આનંદ આવે. એ આનંદ માશે નહીં ! પ્રશ્નકર્તા : હા, ખરી વાત છે. દાદાશ્રી : કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને, ત્યારે આત્માનો સંપૂર્ણ શુધ્ધ ઉપયોગ હોય છે. એટલે વચ્ચે કોઈની ડખલ નથી હોતી. પ્રતિક્રમણ કોણ કરે છે ? ચંદુભાઈ કરે. કોના માટે કરે ? ત્યારે કહે, આ કુટુંબીઓને સંભારી સંભારીને કરે. આત્મા જોનારો. એ જોયા જ કરે. બીજી કશી ડખલ છે જ નહીં એટલે બહુ શુધ્ધ ઉપયોગ રહે. આજે રાતે કરજો ને ટાઈમ ખૂટી પડે તો કાલે રાતે. પછી ખૂટી પડે તો પરમ દહાડે રાતે અને તે એટલે સુધી નહીં, આપણે ગામમાં ઓળખતા હોય એ બધાને સંભારીને પ્રતિક્રમણ કરવાં જોઈએ. ગામમાં કોઈને જરા આમ ધક્કો વાગ્યો હોય ને કોઈના ઉપર મારાથી રીસ ચઢી હોય, એ બધું ચોખ્ખું તો કરવું પડશે ને ! બધાં કાગળિયાં ચોખ્ખાં કરવાં પડશે. કાઢો દરરોજ એક કલાક... દાદાશ્રી : તમે તમારા મોટા ભાઈનું પ્રતિક્રમણ કરેલું ? પ્રશ્નકર્તા : એવું કંઈ પ્રતિક્રમણ નથી કર્યું. દાદાશ્રી : એ બધાં પ્રતિક્રમણ કરવાં પડે. ત્યારે ભેગા થયેલા હોય તો છૂટે. આ પ્રતિક્રમણ કરતી વખતે જે આનંદ થાય તે ખરેખરો થાય. પહેલું તમારા ઘરનાં માણસો જોડે, પછી કુટુંબીઓ જોડે, પછી આપ બેઉની સરખામણી કરતાં જાવ રોજ. બપોરે જે આરામ કરોને, તે વખતે કરતાં જાવ એક- એક માણસને, પેલા ઘરનાં છોકરાં-બોકરાં બધુંય. છોકરાં, છોકરાંની વહુ, પછી જુઓ આનંદ ! ઘરમાં આવી રીતે પ્રતિક્રમણ કરો. એક કલાકનો પ્રયોગ રાખવો. તે ઘડીએ આનંદ તો જોજો, સંભારી સંભારીને ! નાનું છોકરું હઉ દેખાય ! આપણું આ જ્ઞાન તો જુઓ, આપણું જ્ઞાન કેટલું બધું ક્રિયાકારી છે ?! આમ યાદ ના આવે, પણ આમ પ્રતિક્રમણ કરવા બેઠા તો ઘરનાં છોકરાં-બોકરાં બધું ય દેખાય. દોષો ધોવાં યાદ કરીને ! છોકરાંને મારવાનો કંઈ અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે. છતાં છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં કર્મ ચોંટ્યા જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઈએ ને ? છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને, ક્રોધ-માન-માયા-લોભને લઈને, કષાયો થકી ધીબી નાખ્યો. કષાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો. પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે, 'દાદા'એ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરે ને તો ય ધોવાઈ જાય, તરત ને તરત ધોવાઈ જાય એવું છે. પ્રશ્નકર્તા : દાદા, જો આપે ટકોર કરી હોય કોઈ બાબતમાં કે પ્રતિક્રમણ રોજ કરવાં. પછી એક દિવસ ના થાય, ઓછાં થાય એટલે જે આપણે ટાઈમ કાઢતા હોઈએ, એની પાછળ એ ઓછાં થાય તો હવે ખૂંચે છે. પહેલાં તો એમ કે કર્યા હવે પ્રતિક્રમણ, એવું થતું હતું. દાદાશ્રી : ખૂંચે એટલે જાણવું કે આપણે આ બાજુ ગયા. હવે આ બાજુ આપણું વોટીંગ કર્યું. પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણનું બહુ સારું થઈ ગયું, દાદા. દાદાશ્રી : પ્રતિક્રમણ તો કામ કાઢી નાખે. આજે રાત્રે પહેલાં નજીકનાં જે બધાં હોય ને ફાધરથી માંડીને, બેનથી માંડીને શરૂઆત કરવાની તે ઠેઠ નાનામાં નાના છોકરા સુધી, કાકા, મામા- મામીઓ, છોકરાં બધાંના એટલાં પ્રતિક્રમણ તું કરી લેજે, ઘરનાં છે એટલા સુધીનું કરી લેજે. પછી કાલે વિસ્તાર વધારવાનું પાછું. રોજ વિસ્તાર વધારવાનો પછી. ઓળખાણવાળા, માસ્તર આવી જાય. પછી કોલેજિયનો એનું પ્રતિક્રમણ કરવાનું. બધાંની સાથે ચોખ્ખું કરવાનું. માનસિક સંબંધ ચોખ્ખો કરવાનો. જે કર્મો બંધાઈ ગયેલાં હશે, તે પછી જોઈ લેવાશે. પ્રતિક્રમણ કરો છો કોઈ દહાડો કોઈનાં ?! અત્યાર સુધી આ બધાં શેઠીયાઓ-બેઠીયાઓ, બધા ઓળખાણ થયેલાંને, તે આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે. પહેલાં રાગ-દ્વેષ જ્યાં કરેલાં હોય, ત્યાં પ્રતિક્રમણ કરવાં પડશેને ? અને એ ચોખ્ખું કરવામાં જે આનંદ આવે છે, એના જેવો કોઈ આનંદ જ નથી બીજો. રાગ-દ્વેષ થઈ ગયા એ તો અજ્ઞાનતામાં થયા, પણ હવે જ્ઞાન થયા પછી આપણે એને ધોઈએ નહીં, એ કપડાં પેટીમાં મૂકી રાખીએ તો ? તમે તો બહુ પેટીમાં મૂકી રાખ્યા, નહીં ? જોજો ને, મહીં ડાઘ પડેલા હશે. પછી ફ્રેન્ડ સર્કલ (મિત્ર વર્તુળ) પકડવું. પછી બીજું સર્કલ પકડવું. કામ તો બધું બહુ હોય છે. આવી ગોઠવણી મૂકી દઈએ કે અમુક જગ્યાએ આ રહી ગયું આટલું. અમુક જગ્યાએ આ બાકી રહી ગયું. એના પ્રતિક્રમણ કર્યા કરીએ. હા, નહીં તો મનને શું કામ આપવાનું ? આ પ્રતિક્રમણ કરે, એ સંસાર સંબંધ હેતુ માટે નથી. સંસાર સંબંધના હેતુ માટે તો વેપારીઓ છે તે પછી મનને ચલાવડાવે કે આવતી સાલ આમ કરીશું. પછી ત્યાં ગોડાઉન બાંધીશું. પછી એ કરીશું એમાં બે-ચાર કલાક કાઢે. 'અમે' આમ કરેલું નિવારણ વિશ્વથી ! ચંદુભાઈમાં જે જે દોષો હોય તે બધા દેખાય. જો દોષો ના દેખાતા હોય તો આ જ્ઞાન કામનું શું ? એટલે કૃપાળુદેવે શું કહ્યું હતું કે, ''હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ, દીઠા નહીં નિજ દોષ, તો તરીએ કોણ ઉપાય?'' તે પોતાના દોષ દેખાય. દોષ છે તેનો વાંધો નથી. તે કોઈનામાં પચ્ચીસ હોય કે કોઈનામાં સો હોય. અમારામાં બે હોય. તેની કંઈ કિંમત નથી. ઉપયોગ જ રાખવાનો. ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે. બીજું કશું કરવાનું નથી. 'ચંદુભાઈ'ને 'તમારે' એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય-કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક એક માણસનું આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમ ને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. એટલે આલોચના મારી રૂબરૂમાં નહીં કરવાની, પણ તમે શુધ્ધાત્મા છો તે વખતે તમારા શુધ્ધાત્માની રૂબરૂમાં ચંદુભાઈ આલોચના કરે. ચંદુભાઈને કહીએ, આલોચના કરી લો. પછી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરાવડાવો. તે કલાક-કલાક કરાવડાવો. ઘરનાં દરેક માણસના પ્રતિક્રમણ કરાવડાવો. જેની જોડે સંબંધ હોય તેનાં ય પ્રતિક્રમણ કરવાં પડે. ઋણાનુબંધી ત્યાં જ ચીકણું ! નિરંતર પ્રતિક્રમણ કરીને રાગ-દ્વેષની ચીકાશને ધોઈ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી. નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવા વધારે હોતા નથી, પાંચ કે દશ જોડે જ ચીકાશવાળું ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવા-દેવાવાળો છે તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે. પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકના ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કયું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળે. બધું ચોખ્ખું થાય ત્યારે વાણી સારી નીકળે, નહીં તો વાણી સારી નીકળે નહીં. આ બધું ચોખ્ખું જ. બધી બાબત, જ્યાં જ્યાં ઓળખાણ માત્ર છે. એ બધાનું જિલ્લાવાર કરવું જોઈએ. લત્તાવાર પ્રતિક્રમણ કરવું જોઈએ, આ વકીલ છે તે વકીલો, પછી જજો એટલે બધા જ જજો આવે. એટલે બધાં જેટલાં ઓળખાણવાળાં છે એ પ્રતિક્રમણમાં લેવા. પછી અસીલો, વકીલો, બધા જજ, પ્રતિક્રમણમાં લેવા. પછી જેની જોડે પરિચય થયો એ બધા લેવા. બપોરે આરામ કરતી વખતે પ્રતિક્રમણ કરવાનું લો. એટલે ઊંઘેય આવે નહીં અને આ પ્રતિક્રમણો થાય અને આરામેય થાય. અમારે એવી રીતે લેવાય. પણ અમારું બધું પૂરું થઈ ગયેલું હોય. બીજા બધાં પ્રતિક્રમણ બહુ કરવાં પડે. રસ્તામાં આવતાં-જતાં, કંઈ વાતચીત કરતાં એ થયું હોય, તો એમના નામથી પ્રતિક્રમણ કરવું. આ રસ્તે ચાલતાં ઠોકર વાગી તો શાથી ઠોકર વાગી એ ? બધાં સાર કાઢીએ કે આ રસ્તે ચાલ્યા માટે ઠોકર વાગી. એટલે ફરી ના થાય, પણ આપણે ફરી ઊથામવાનું નહીં એને. પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલાં તમારા સર્કલમાં પચાસ-સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યા હોય તે બધાનાં નવરા પડો એટલે કલાક કલાક બેસીને, એક એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે. આમ કરજો પ્રતિક્રમણ ! અરે, તે વખતે અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. 'ફલાણા આવા, તેવા' તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર... અને કોઈને વખાણે ય ખરા. એકને આ બાજુ વખાણે ને, એકને આનો તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી 'એ.એમ. પટેલને' કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધાં હવે સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધાં ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુનાં કુટુંબીઓ, મામો- કાકો, બધાં ય જોડે તિરસ્કાર થયેલા હોય, બળ્યા ! તે બધાંના ધોઈ નાખ્યા. પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું, સામે જઈને નહીં ? દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધાં મને દેખાય છે. હવે તો તે બધાં ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને 'હે ચંદુભાઈ, મન-વચન- કાયાનો યોગ, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન પ્રગટ શુધ્ધાત્મા ભગવાન ! ચંદુભાઈના શુધ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું'. એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોઢું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય. પ્રશ્નકર્તા : રૂબરૂમાં પ્રતિક્રમણ કરાય ? દાદાશ્રી : રૂબરૂમાં કરાય. રૂબરૂમાં કરીએ તો બહુ ખાનદાન માણસ હોય તો જ કરાય. નહીં તો પાછો કહેશે, 'હવે ડાહી થઈને ! હું કહેતો હતો તે ના માન્યું ને હવે ડાહી થઈ !!' મેરચક્કર, અવળો અર્થ કર્યો એને ?! પછી ડફળાવી મારે બિચારાને ! એના કરતાં ના કરશો. આ લોક તો બધાં અણસમજુ. એ તો કો'ક જ ખાનદાન માણસ હોય ને નરમ થઈ જાય અને પેલો તો કહેશે, 'હવે ભાન થયું ? હું ક્યારનો કહું છું, માનતી નહોતી.' એ શું કહેશે એ ય મને ખબર હોય અને તમને શું થયું તે ય મને ખબર હોય. નાટક, ડ્રામા ! એટલે આવું પ્રતિક્રમણ અમે કરી નાખીએ. બુદ્ધિવાળા જગતમાં... એટલે મેં માણસ માત્રનાં પ્રતિક્રમણ કરી નાખ્યાં આખી લાઈફના, બધાં યાદ કરી કરીને. તે દહાડે તો યાદગીરી હતી અને ત્યાર પછી યાદગીરી જતી રહી. હવે રાગ-દ્વેષ નહિ ને ? તે દહાડે રાગ-દ્વેષ હતો. બધાં યાદ આવે. અમે કેટલું ધોયેલું ત્યારે ચોપડો છૂટેલો. અમે કેટલાય કાળથી ધોતા આવેલા ત્યારે ચોપડો છૂટ્યો. તમને તો મેં રસ્તો દેખાડ્યો. એટલે જલદી છૂટી જાય. અમે તો કેટલાંય કાળથી જાતે ધોતા આવ્યા હતા. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું. એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો 'એટેક' કરતા હતા ને ! પણ પછી બધા થાકી ગયા. આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે. આ જગત કોઈને ય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય. આ પ્રતિક્રમણ કરી તો જુઓ, પછી તમારા ઘરના માણસોમાં બધામાં ચેન્જ થઈ જાય. જાદુઈ ચેન્જ થઈ જાય. જાદુઈ અસર !! અહીં માર ખઈને પડી રહેવું સારું. અને ત્યાં માલ ખઈને પડી રહેવું તે ય ખોટું છે. જગ્યા સારી-ખોટી જોઈ લેવી જોઈએને ? પ્રશ્નકર્તા : તમે મને પ્રતિક્રમણ આપેલું જ્યારે આ પગ પેલો થયેલોને ત્યારે પણ બે દિવસમાં એની જાદુઈ અસર હતી, એ પ્રતિક્રમણની. દાદાશ્રી : અમે આશીર્વાદ મોકલ્યા'તા. પ્રશ્નકર્તા : એની બહુ જાદુઈ અસર થઈ બે દહાડામાં. દાદાશ્રી : જાદુઈ અસર છે આ અમારી, આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરે તો. ભગવાન ન કરી શકે એટલું કામ કરી શકે. હવે ન પોષાય ગલીપચીઓ... પ્રશ્નકર્તા : એમાં સારો અનુભવ થયો. દાદાશ્રી : હા, એટલે વસ્તુસ્થિતિમાં આટલો સહેલો માર્ગ છે આ. સરળ છે, સમભાવી છે ! કશું ઉપાધિ નહીં. અને પાછાં માર્ગ બતાવનાર અને કૃપા કરનારા પોતે શું કહે છે, હું નિમિત્ત છું. માથે પાઘડીએ પહેરતાં નથી. હેય, નહીં તો છેલ્લો ધોળો પાઘડો ઘાલીને ફર્યા કરે, તો આપણે ઉપાધિ પાછી, પાઘડીની. એટલે બધું સરળ થઈ પડ્યું છે. તો હવે આપણું કામ પૂરું કરી લો. એવું એટલું કહેવા માગું છું. બહુ સરળ નહીં આવે, આટલું બધું સરળ નહીં આવે ફરી. આવા ચાન્સ નહીં મળે. માટે આ ચાન્સ ઊંચો છેને, એટલે આ બીજી ગલીપચીઓ ઓછી થવા દોને ! આ ગલીપચીઓમાં મજા નથી. લોક તો ગલીપચી કરનારા મળશે પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે. એક અવતારે આ હવે અરધો અવતાર રહ્યો. આ એક આખો ક્યાં રહ્યો છે ? એમના શુધ્ધાત્માને નમસ્કાર કરીને ! પ્રશ્નકર્તા : આપે જે સગા-સંબંધીઓનું પ્રતિક્રમણ કરવાનું જે કીધું એટલે એ લોકોની સાથે કંઈ એટલે કે જોયા જ કરવાનું કે બોલવાનું કશું ? દાદાશ્રી : બોલવાનું મનમાં. પ્રશ્નકર્તા : એમના પ્રત્યે રાગ કર્યો હોય તો એ પણ દોષ છે, દ્વેષ કર્યો હોય એ પણ દોષ છે, તો એનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : રાગ-દ્વેષ એકલું નહીં. બધી બહુ ચીજ બોલવી પડે. આ ભવમાં, સંખ્યાત-અસંખ્યાત ભવોમાં રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે દોષો થયા હોય તેનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું. એવું બોલવું પડે. પ્રશ્નકર્તા : આ ભવ, અસંખ્યાત ભવથી જે કંઈ રાગ-દ્વેષ થયા છે તે બધાનું. દાદાશ્રી : રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે જે દોષ થયા હોય અગર આક્ષેપો કર્યા હોય, અહંકાર ભગ્ન કર્યા હોય, એ બધું બોલવું પડે. એ બોલી રહ્યા, એક ફાઈલ પતી, પછી બીજી ફાઈલ, જેમ ડૉક્ટરો પેશન્ટને (દર્દીને) કાઢે છેને ? અમે તો ગામવાળા જોડે ય ચોખ્ખું કરી નાખ્યું. ગામમાં ય અમારી ખડકીમાં ખોળી ખોળીને કર્યું. અણસમજણથી કરેલા દોષો જ બાંધેલા હોય. તમે બાંધેલા કે નહીં બાંધેલા કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : ઘણા. દાદાશ્રી : બહુ બાંધેલા ?! પોતાની પડીકી પેસાડાય નહીં... પ્રશ્નકર્તા : મેં ચોપડીમાં વાંચેલું છે કે સંખ્યાત-અસંખ્યાત ભવોનાં પ્રતિક્રમણ કરીએ તો ચોખ્ખું થઈ જ જાય છેને ? આગલા ભવમાં દોષો થઈ ગયેલા હોય તેનું ? દાદાશ્રી : કંઈક આગલા થયેલા હોય તો અડસટ્ટો ના હોય. એ તો મહીં ક્લેઈમ (દાવો) લેતો આવેલો હોય. કંઈક ક્લેઈમ લઈને આવે, કાગળ લઈને આવે એટલે સમજી જવાનું કે આ પેલો હિસાબ છે. અત્યારનું આ વખતનું નથી લાગતું ને પહેલાનું લાગે છે. પ્રશ્નકર્તા : હા, પણ ક્લેઈમ લઈને આવે જ નહીં એટલા માટે આપણે આગળથી જ પ્રતિક્રમણ કરી નાખવાં હોય કે જે એકદમ શુધ્ધ જ થઈ જાય ને જલદી બધાં પ્રતિક્રમણ થઈ જાય આપણાં, તો એવી રીતે ક્લેઈમ લઈને ન આવેલાં દોષોનું પણ પ્રતિક્રમણ કરવું હોય તો આવી રીતે બોલીએ તો એનું પ્રતિક્રમણ થાય ? દાદાશ્રી : ક્લેઈમ લેતો આવે તો જ થાય. ક્લેઈમ ના લેતો હોય તેને કશું લેવા-દેવા નહીં. ક્લેઈમ હોય તેનું પ્રતિક્રમણ થાય. પ્રશ્નકર્તા : તો પછી એક-એક, એક-એક દોષ ક્લેઈમ લે ત્યાં સુધી છૂટાય જ નહીંને ? સંખ્યાત-અસંખ્યાત ભવોના દોષો જે જે કર્યા હોય તેનું પેલું બાધેભારનું પ્રતિક્રમણ છેને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તેની માફી માગું છું, પ્રતિક્રમણ કરું છું, તો એનું કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : એ તો એટલું જ બોલવાની જરૂર. બીજું કશું બોલવાનું નહીં. બીજું પ્રતિક્રમણ કરવામાં એમાં પોતાનો હિસાબ નહીં કરવાનો. આમ ને આમ લખ્યું હોય તે જ કરવાનું. બીજું એટેક લઈને આવ્યો હોય એટલાનું જ કરવાનું. બીજું કંઈ નહીં. જ્ઞાનમાં કહ્યું એટલું બાધેભારેનું કરવાનું. પ્રશ્નકર્તા : પણ દાદા, જેવું એટેક હોય એવું જ વારેવારે લાગતું હોય તો પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ તો કરીએ. પણ... દાદાશ્રી : અમે કહીએ છીએ એટલું જ કરવાનું, વધારે બીજું કરવાનું નહીં. પ્રશ્નકર્તા : ના, પણ બીજે જે ફાજલ સમય હોય તો કલાકોના કલાકો સુધી એ જ બોલ્યા કરીએ તો ચાલે ? દાદાશ્રી : અમે કહ્યું છે, એ જ પ્રમાણે કરવાનું. ફાજલ સમય હોય તો ય કે આ ભવમાં કર્યું તે, સંખ્યાતા-અસંખ્યાતા ભવમાં, બધુંય.. બીજું પોતાનું ડહાપણ નખાય નહીં. ઘરની પડીકી ન નખાય એમાં. અર્ધું પોઇઝન થઈ જાય. અને ક્લેઈમ લઈને આવ્યો તેના પૂરતું. નવું નહીં, નવું ના બોલવું. જે છે એ પ્રમાણે કર્યા કરવું. બુદ્ધિ અવળું ચીતરી આવે. મારી નાખે એ. આમ કરીએ તો શું વાંધો છે ? એવું દેખાડે. હંમેશાં રાગ ક્યારે ઉત્પન્ન થાય છે ? દ્વેષમાંથી ઉત્પન્ન થયેલો હોય અને પછી રાગમાંથી પાછો દ્વેષ ઉત્પન્ન થાય. એટલે બધા દોષ જે છે. દોષ હોય ત્યાં રાગ-દ્વેષ હોય, એ ચીકણી ફાઈલ કહેવાય! સાધુ-સાધ્વીઓનું પ્રતિક્રમણ ! પછી આ ભવ, ગતભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં દાદા ભગવાનની સાક્ષીએ દીગંબર ધર્મનું, સાધુ, આચાર્યની જે જે અશાતના, વિરાધના કરી - કરાવી હોય તો તે બદલ ક્ષમા માગું છું. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગું છું. કિંચિત્માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો. એવું બધા ધર્મનું લેવાનું. ખૂંચે તેનું પ્રતિક્રમણ ! એવું છે, જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂંસાઈ જાય. રાગ-દ્વેષવાળી દરેક ચીકણી 'ફાઈલ'ને ઉપયોગ મૂકીને, પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવાં જોઈએ. આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોય તો જ્યાં જ્યાં કાંકરા ખૂંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનાં છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો ને તે એમને ખૂંચે છે, ત્યાંથી એ કાઢી નાખશે ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય ! અત્યારે કોઈ માણસ કોઈની ઉપર ઉપકાર કરતો હોય, છતાં એને ઘેર અનાચાર થાય એવા કેસ બને, તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાં જ પડે. પ્રતિક્રમણ તો, જ્યાં ખૂંચે ત્યાં બધે જ કરવું પડે પણ દરેકનાં પ્રતિક્રમણ જુદાં જુદાં હોય. કારણ કે એ પોતે સમજી ગયો છે કે, મારાથી ગુનો થયો છે એટલે ખૂંચ્યા કરે. જ્યાં સુધી એનું પ્રતિક્રમણ ના થાય, ત્યાં સુધી ખૂંચ્યા કરે, નહીં ? પ્રશ્નકર્તા : બહુ ખૂંચતું હતું. દાદાશ્રી : આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી ખૂંચે છે. ભૂલથી જ બંધાયા છીએ. બંધન રાગનું હોય, દ્વેષનું હોય, જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માગી લેવાની. નહીં તો અંદર જ માફી મંગાય, તો ય હિસાબ ચોખ્ખો થઈ જાય. બેઉ પ્રતિક્રમણ કરે ત્યારે ! કોઈને ય માટે અતિક્રમણ થયાં હોય તો, આખો દહાડો તેના નામનાં પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે. જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છૂટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે, તો જલદી પાર આવે. પણ જો સામોવાળો ના કરે ને તારે છૂટવું હોય તો, દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા : જ્યારે આવું કંઈક રહી જાય તો મનમાં ખૂબ થયા કરે કે આ રહી ગયું. દાદાશ્રી : એ કકળાટ નહીં રાખવાનો પછી. પછી એક દા'ડો બેસી બધાં ભેગાં પ્રતિક્રમણ કરી નાખવાના. જેનાં જેનાં હોય, ઓળખાણવાળાનાં, જેની જોડે વધારે અતિક્રમણ થતું હોય એનાં નામ દઈને એક કલાક કરી નાખ્યું તો બધું ઊડી ગયું પાછું. પણ પછી એવો આપણે બોજો નહીં રાખવાનો. પ્રશ્નકર્તા : સવારમાં સામાયિકમાં બેસીએ છીએ તે એનો અડધો પોણો ટાઈમ પ્રતિક્રમણ કરવામાં જ જતો રહે છે. દાદાશ્રી : તે ઘડીએ એવો બોજો નહીં રાખવાનો. પંદર દહાડે, મહિને કરોને, બાર મહિને કરો તો ત્યારે ભેગાં કરી નાખો. પૂર્વભવના દોષોનું પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ વિધિમાં પૂર્વભવના દોષોની આલોચના કેવી રીતે કરી શકાય ? દાદાશ્રી : પ્રતિક્રમણ વિધિ એટલે પૂર્વભવના જે દોષ છેને, તે જ આ ભવમાં પ્રગટ થાય, ત્યારે આલોચના કરવાની હોય છે. આ ભવમાં જે પ્રગટ થાય છે, એ પૂર્વભવના દોષો છે. દોષો પૂર્વભવમાં થાય છે, તે આયોજન રૂપે થાય છે અને ત્યાર પછી પ્રગટ થાય છે, ત્યારે આપણને દેખાય કે પૂર્વભવમાં આ દોષ કરેલો હતો. તેવું અહીં આપણને દેખાય, અનુભવમાં આવે. પ્રશ્નકર્તા : અમુક દોષો એવા ના હોય કે જે આ ભવને 'બાય પાસ' (બાજુએ ફરીને) કરીને આગલા ભવમાં જતા રહે કે વહેલા આવી જાય? દાદાશ્રી : ના, ના, એ એવા ના હોય. કોઈ આંબો એવો હોય કે જે મોર આવ્યા સિવાય, શાખ પડેલી કેરીઓ તરત આપે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તેવી રીતે પહેલાં આનો મોર આવે. આ બધું વિધિપૂર્વક છે, અવિધિપૂર્વક નથી, ગપ્પું નથી આ. એટલે ગયા અવતારમાં મોર આવે અને આ અવતારમાં હાફૂસ કેરી તૈયાર થાય. ત્યાર પછી કડવું-મીઠું ફળ આપે. પ્રશ્નકર્તા : ફળ એક ભવ પછી, મોડું ના આવે ? દાદાશ્રી : ના, એવું નહીં. પ્રશ્નકર્તા : આ જ ભવમાં ફળ આવે બધાં ? દાદાશ્રી : આ ભવમાં આવી જવું પડે. કારણ કે બીજા ભવનો શો વિશ્વાસ ? બીજા ભવમાં તો ગધેડામાં ગયો હોય અને મનુષ્યનાં કર્મો હોય ! એટલે મનુષ્યમાં જ ફળ આવી જાય બધાં. અતિક્રમણનાં અતિક્રમણો ! અતિક્રમણને સાચવવા માટે મોટું અતિક્રમણ કરે, એને સાચવવા માટે એથી મોટું અતિક્રમણ કરે. પ્રશ્નકર્તા : એટલે આંટીઓ વધતી જ જાય. દાદાશ્રી : અરે, આંટી એવી વધે તે ફરી ઠેકાણું જ ના પડે. રાત-દહાડો બૂમાબૂમ કરાવડાવે. એટલે પછી મનુષ્યોમાં આંટીઓ છૂટતી નથી. માટે એ છૂટવા માટે ચાર પગમાં જવું પડે છે. પ્રશ્નકર્તા : એટલે પહેલું અતિક્રમણ બંધ થાય. અતિક્રમણ થોડો ટાઈમ બંધ થાય ત્યાં સુધી પેલો ભોગવી આવે. દાદાશ્રી : ના. ભોગવે એટલે પેલું બધું ધોવાઈ જાય. પછી અતિક્રમણ કર્યા હતાં, તેનું એ પ્રતિક્રમણ કરે. પ્રશ્નકર્તા : એટલે ચાર પગમાં બીજાં અતિક્રમણ તો કરે નહીં, ખાલી ભોગવવા જાય. દાદાશ્રી : બીજી કશી ભાંજગડ નહીં. ભોગવવાને માટે જ ભોગવે, બસ. એ ભોગવે એટલે પછી પાછો આવે. એવું કશું નહીં કે ત્યાં ને ત્યાં ચોંટી રહે છે. એ કહેશે, મારે હવે અહીંના અહીં ચોંટી રહેવું છે. તો ય ચોંટવા ના દે. હિસાબ ચૂકતે થઈ ગયો કે કહેશે, જાવ અહીંથી, ચાલ્યા જાવ. પ્રશ્નકર્તા : અતિક્રમણ બહુ કર્યા હોય તો પશુયોનિમાં જ જાય ? દાદાશ્રી : વધુ અતિક્રમણનું ફળ જ પશુયોનિ. અને બહુ મોટાં અતિક્રમણ થાય, એથી મોટાં, હિટલર જેવા, તો પછી નર્કયોનિ. પ્રશ્નકર્તા : કેટલાંક લોકો પશુઓને માણસો કરતાં ય બહુ સારી રીતે રાખે છે. દાદાશ્રી : એ તો કોઈ પુણ્યશાળી હોય ને પછી અતિક્રમણવાળા ય પુણ્યશાળી હોય ને પાછાં. પ્રશ્નકર્તા : એટલે બન્ને કર્મ સાથે કર્યા હોય, અતિક્રમણ કર્યું હોય અને પુણ્ય કર્યું હોય. દાદાશ્રી : અરે, અતિક્રમણ તો પેલાના હિતને માટે કરતો હોય. પ્રશ્નકર્તા : પણ તમે કહો છો ને કે સામાના હિતને માટે કરેલું અતિક્રમણ ગુનામાં નથી આવતું. દાદાશ્રી : પુણ્ય આપે. ગાયકવાડ સરકારના ઘેરે ય બળદ તરીકે આવે. હજી પણ ચેતો ! ચેતો !! ચેતો !!! પ્રશ્નકર્તા : એક ડર લાગ્યો, આપે એક વખત કહેલું કે સિત્તેર ટકા માણસોને પાછા ચાર પગમાં જવાનું છે તો હજી અમારી પાસે અવકાશ ખરો કે નહીં ? દાદાશ્રી : ના, ના. અવકાશ રહ્યો નથી, માટે હજુ જો ચેતોને કંઈ.... પ્રશ્નકર્તા : મહાત્માઓની વાત કરે છે. દાદાશ્રી : મહાત્માને જો કદી મારી આજ્ઞામાં રહેને તો એનું કોઈ નામ દેનાર નથી આ દુનિયામાં. પ્રશ્નકર્તા : હવે ચુસ્ત રહીશું, પણ હવે ધ્યાન રાખજો અમારું. દાદાશ્રી : હા, એ ચોક્કસ થઈ ગયું ને ! ધ્યાન અમે સારી રીતે રાખીશું. અત્યારે આ વિચિત્ર કાળમાં સિત્તેર ટકા તો હું બીતો બીતો કહું છું. લોકોને ખરાબ લાગે એટલા હારુ. લોકોના મનમાં ડર પેસી જાય બહુ, એ ખોટું દેખાય એટલા માટે. પછી ટકા તો હજી બહુ વધારે છે. કારણ કે વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને માર માર્યો છે. એનું ફળ નર્કગતિ છે. જાનવર નહીં પણ નર્કગતિ. બોલો, હવે અહીં શું કરવામાં બાકી રાખ્યું હશે ? કશું બાકી જ નથી રાખ્યું, આ લોકોએ. એટલે હું લોકોને કહું છું કે હજુ ચેતાય તો ચેતો. હજુ માફી માગી લેશોને, તે માફી માગવાનો રસ્તો છે. આવડો મોટો આપણે કાગળ લખ્યો હોય કોઈ સગાવહાલાને, અને મહીં ખૂબ ગાળો દીધી હોય, આખો કાગળ બધી ગાળોથી જ ભર્યો હોય અને પછી નીચે લખીએ કે આજે વાઈફ જોડે ઝઘડો થઈ ગયો છે એટલે તમારે માટે બોલ્યો છું, પણ મને માફ કરી દેજો. તો બધી ગાળો ભૂંસી નાખે કે ના ભૂંસી નાખે ? એટલે બધી ગાળો વાંચે, પોતે ગાળો સ્વીકાર કરે અને પાછું માફે ય કરે ! એટલે આવી આ દુનિયા છે. એટલે અમે તો કહીએ છીએ ને કે માફી માગી લેજો. તમારા ઇષ્ટદેવ પાસે માફી માગી લેજો અને ના માગતા હોય તો મારી પાસે માગી લેજો. હું તમને માફ કરી આપીશ. પણ બહુ વિચિત્ર કાળ આવી રહ્યો છે અને તેમાં ચંદુભાઈ પણ ગમે તેમ વર્તે છે, એનો અર્થ જ નથી ને ! જવાબદારી ભરેલું જીવન ! હજુ ચેતવું હોય તો ચેતી જજો. આ છેલ્લી તમને બાંયધરી આપીએ છીએ. ભયંકર દુઃખો ! હજુ પ્રતિક્રમણરૂપી હથિયાર આપીએ છીએ. પ્રતિક્રમણ કરશો તો હજુ કંઈક બચવાનો આરો છે અને અમારી આજ્ઞાથી જો કરશો તો તમારું જ ઝપાટાબંધ કલ્યાણ થશે. પાપ ભોગવવાં પડશે પણ આટલા બધાં નહીં. જ્યારે ત્યારે તો સમજવું પડશેને ? આમ પૂરું સમજવું પડશેને ? મોક્ષ ભણી આવવું પડશેને ? ઋણ પ્રમાણે ભોગવટો ! આ ભ્રષ્ટાચાર કરે એ બધું પાશવતા કહેવાય. એ બધું ભોગવવા જાનવરના અવતારમાં જવું તો પડે ને ? પ્રશ્નકર્તા : સારું-ખરાબ ગમે તે બધું ઋણ ચૂકવીને જવાનું ને ? દાદાશ્રી : હા, ઋણ તો બધું ચૂકવવું જ પડશે ને ? આપણે આ જ્ઞાન લીધા પછી ઋણ ના બંધાય એવો રસ્તો આપણી પાસે છે જ. આપણે જેટલા શુધ્ધાત્મામાં રહીએ તેટલું બિલકુલ ઋણ બંધાતું નથી. અને શુધ્ધાત્મામાંથી ચૂક્યા અને અતિક્રમણ થયું તો તેનું પ્રતિક્રમણ કરવાથી બધું ધોવાઈ જાય છે. એટલે આપણે જાગૃત રહીએ તો ! બાકી આ જ્ઞાન લીધા પહેલાં જે કર્મ બંધાયેલાં છે તે અમુક કર્મો ઓગળી ગયા, ખલાસ થઈ ગયા અને જે કર્મોનો ગઠ્ઠો થઈ ગયો હોય, જામી ગયેલા હોય તે કર્મો તો ભોગવવા જવું પડે. પણ તે બહુ લાંબું નથી હોતું. જેવું અતિક્રમણ, તેવું પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : આપ મળ્યા પહેલાં તો જાતજાતનાં દોષો કરેલા તેનું શું કરવું ? દાદાશ્રી : એનું જાથું પ્રતિક્રમણ કરવું. જાથું એટલે ભેળસેળવાળું. રોજ અડધો કલાક કરવું. નાનપણમાં કો'ક છોકરાને પથરો માર્યો હતો તેનું ય પ્રતિક્રમણ કરી નાખો. પ્રતિક્રમણ કરો એટલે પુદગલ શુધ્ધ થઈ જાય. પ્રશ્નકર્તા : ગમે તેવું મોટું પાપ થયું હોય તો પણ એ પ્રતિક્રમણથી નાશ પામી જાય ? દાદાશ્રી : ભયંકર પાપ કર્યું હોય પણ પ્રતિક્રમણ કર્યું હોય તો પાપ નાશ થાય. પ્રશ્નકર્તા : કોઈના હાથે ખૂન થયું હોય તો ય, દાદા ? દાદાશ્રી : હા, ખૂન નહીં, બે ખૂન કરે. આખું ગામ બાળી મૂકે તો ય. પ્રશ્નકર્તા : પણ એ પ્રતિક્રમણ હોવું જોઈએ ? દાદાશ્રી : એ સરસ હોવું જોઈએ. જેવું અતિક્રમણ, એવું પ્રતિક્રમણ હોવું જોઈએ. છૂટક છૂટક થાય તે જ સાચું ! બધા દોષ દેખાશે તેમ પ્રતિક્રમણ થશે, ત્યારે છૂટ્યા. તમારે જેટલાં પ્રતિક્રમણ થયા એટલો છૂટકારો થઈ ગયો. જેટલાં બાકી રહ્યાં એટલાં રહ્યાં, તે ફરી પ્રતિક્રમણ કર્યા જ કરવાનાં. પ્રશ્નકર્તા : આપણે આખા જગતના જીવોની ક્ષમા માગી લઈએ તો પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો ક્યારે થયું કહેવાય ? એ છૂટક છૂટક કરીએ ત્યારે. પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પહેલાં જે કર્મ કર્યાં છે હવે એનું સરવૈયું કાઢવા બેઠા છે કે આ કર્યું છે. તે ક્યારે પ્રકાશમાં આવશે ? દાદાશ્રી : એ યાદ આવે તો પ્રતિક્રમણ કરવું. જેટલાં યાદ આવે એટલાં પ્રતિક્રમણ કરવાં. નહીં તો પછી અહીં આગળ અમે સામાયિક કરાવીએ છીએ. તે દહાડે બેસવું તે આખું એક્ઝેક્ટ કરવું. તે દહાડે થોડું ધોવાઈ જાય. એમ કરતું કરતું બધું ધોવાઈ જાય. 'સોફ્ટવેર' પ્રતિક્રમણનું... આ અપૂર્વ વાત છે, પૂર્વ સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય, તેવી વાતો જાણવાને માટે આ મહેનત છે. આપણે અહીં પ્રતિક્રમણ કરાવવા માટે બેસાડીએ છીએ તે પછી શું થાય છે ? મહીં બે કલાક પ્રતિક્રમણ કરાવડાવે છેને, કે નાનપણમાંથી તે અત્યાર સુધી બધા જે જે દોષ થયા હોય, બધાં યાદ કરી કરીને પ્રતિક્રમણ કરી નાખો, સામાના શુધ્ધાત્માને જોઈને એવું કહે. હવે નાની ઉંમરથી જ્યારથી સમજણ શક્તિની શરૂઆત થાય, ત્યારથી જ પ્રતિક્રમણ કરવા માંડે, તે અત્યાર સુધીનું પ્રતિક્રમણ કરે. આવું પ્રતિક્રમણ કરે એમાં બધા દોષોનો મોટો મોટો ભાગ આવી જાય. પછી ફરી પાછો પ્રતિક્રમણ કરે. ત્યાર પછી નાના નાના દોષ પણ આવી જાય. પાછું ફરી પ્રતિક્રમણ કરે તો એથી ય નાના દોષો આવી જાય, આમ એ દોષોનો બધો આખો ભાગ જ ખલાસ કરી નાખે. બે કલાકના પ્રતિક્રમણમાં આખી જિંદગીના પાછળના ચોંટેલા દોષોને ધોઈ નાખવા. અને ફરી ક્યારેય એવા દોષો નહીં કરું એમ નક્કી કરવું એટલે કે પ્રત્યાખ્યાન થઈ ગયું. પહેલું દાદાનું ધ્યાન ધરી, સ્મરણ કરીને, એકાદ પદ વાંચી અને પછી ત્રિમંત્ર બોલીને, પછી 'હું શુધ્ધાત્મા છું'ની સ્થિરતા કરી લેવાની ! પછી આજથી તે નાનપણ સુધીના જે જે બનાવો બન્યા હોય, વિષય વિકારી કે હિંસાના બનાવો, જૂઠ-પ્રપંચ કર્યા હોય એ બધું જેટલું તમને દેખાય, એટલા બધાનાં પ્રતિક્રમણ કરવાની શરૂઆત તમે કરજો ! આજથી પાછા ચાલવાનું, નાનપણથી સંભારવાનું અથવા ગઈકાલે કોની જોડે કર્યું, પરમ દહાડે કોની જોડે કર્યું, ચોથે દહાડે કોની જોડે કર્યું, એ જેટલું યાદ આવેને એનાં પ્રતિક્રમણ કરવાનાં. એ યાદ આવશે, કુદરતી રીતે જ યાદ આવશે. તમારે યાદ નહીં આવે તો શું કરીશું એવું ગભરાવું નહીં. તમે શરૂ કરશો કે ધોધમાર વરસાદ પડશે ! રણમાં ય વરસાદ પડશે ! અને પછી જ્યાં આગળ હિંસા જેવા દોષ કર્યા હોય અગર તો વાણીથી હિંસા કરી હોય અગર તો કપટ કર્યા હોય, કંઈ લોભ કર્યા હોય, માન કર્યા હોય, ધર્મમાં વિરાધના કરી હોય તે બધાનું પ્રતિક્રમણ કરતાં કરતાં આગળ ચાલો ! પછી અબ્રહ્મચર્ય સંબંધી અણહક્કના ભોગ ભોગવ્યા હોય અને વિચાર પણ એવો કર્યો હોય, એ પણ બધાંને સંભારીને ધો ધો કરજો ! જગત જેની નિંદા કરે, જ્યાં નિંદા થાય એવું હોય તેનું ફળ નર્કના અધિકારી થાય ! માટે એ બધાનું પ્રતિક્રમણ કરી નાખજો ! આ ચેતન વાણી છે. તે ચેતન વાણી જ કામ કરશે ! શુધ્ધતાપૂર્વક બેસીને પ્રતિક્રમણ શરૂ કરી દો ! પાંચ મહાવ્રત છે. તે મહાવ્રત ક્યાં ક્યાં ભંગ થયો હોય એનું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી ! બાકી હર્યા હોય, ફર્યા હોય, પાન ખાધું હોય એનું નથી કરવાનું, મનુષ્યને મનુષ્યના સામસામી દોષ થયા હોય તેનાં પ્રતિક્રમણ કરવાનાં છે ! એટલે મિશ્રચેતન જોડેના જેને દોષ થયા હોય તે દોષ માટે પ્રતિક્રમણ કરવાનું આપું છું. એટલે તમે મિશ્રચેતન જોડે જે જે દોષ થયા હોય તેનાં પ્રતિક્રમણ કરજો ! આ 'દાદા'ની આજ્ઞા થઈ છે તે પાળજો ! આમ તો રોજ પ્રતિક્રમણ કર્યા કરીએ છીએ. કોઈ મિશ્રચેતન પ્રત્યે વિષયનો વિચાર આવ્યો હોય, કંઈ દોષ કર્યા હોય, તે બધાને નાનપણથી અત્યાર સુધીનું યાદ કરી કરીને પ્રતિક્રમણ કરવાનું. આ પ્રતિક્રમણ આજ્ઞાપૂર્વકનું છે તે બધું ધોવાઈ જશે ! માણસનો શું આચાર ના થાય ?! પણ આજ્ઞા પાળી એટલે ચોખ્ખું થઈ જાય. પ્રશ્નકર્તા : મિશ્રચેતનમાં શું શું આવે ? દાદાશ્રી : મિશ્રચેતન એટલે આ કૂતરાને લાત મારી કાઢી મેલ્યું હોય તો તેની જોડે વેર બાંધ્યું કહેવાય ! રસ્તા પર કોઈ સ્ત્રીને ધક્કો માર્યો હોય તે ય મિશ્રચેતન જોડે દોષ કર્યો કહેવાય. એ બધા દરેક મિશ્રચેતન જોડેના એક-એક દોષને સંભારીને, એક-એક દોષને ખોળીને આલોચના-પ્રતિક્રમણ- પ્રત્યાખ્યાન કરજો ! જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાથી દોષોનાં ઓપરેશન થતાં જાય ! આ તો 'લિફ્ટ' માર્ગ છે. તે રસ્તે ચાલતાં માર્ગ મળી ગયો છે ને ! એટલે આમ આજ્ઞામાં રહેવાથી માલ ચોખ્ખો થતો જાય. એમ કરતાં કરતાં મોક્ષે જવાશે ! પ્રશ્નકર્તા : ભૂલો ખ્યાલમાં ન આવે તો ? દાદાશ્રી : તો દાદાને યાદ કરીને કહેવું, 'હે દાદા ભગવાન, હવે યાદ નથી આવતું.' તે પાછું યાદ આવવા માંડશે ! અને જેટલા દોષ દેખાયા એટલા દોષ ભાંગી જશે ! હવે સુખ પોતાને મહીં શરૂ થઈ ગયું છે, પણ પૂર્વેના મિશ્રચેતન જોડેના હિસાબ બાકી હશે તે દાવા માંડશે ! અને આમ માર ખાઈને પાંસરા થવા કરતાં મિશ્રચેતન જોડે થયેલા દોષોની માફી જ માંગ માંગ કરીએ એટલે હલકા થઈ જવાય ! છોકરાં જોડે, બઈ જોડે, ફાધર-મધર એ બધાં મિશ્રચેતન જ કહેવાય. એ બધાનાં પ્રતિક્રમણ કરવાનાં ! આજ્ઞા પાછળ જ્ઞાની પુરુષનું વચનબળ કામ કરે ! એટલે કામ નીકળી જાય ! બે કલાકમાં પ્રતિક્રમણના અનુભવો... આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને, તે અમૃતનાં ટપકાં પડ્યા કરે એક બાજુ અને હલકાં થયેલા લાગે. તારે થાય છે કે ભઈ, પ્રતિક્રમણ ? તે હલકાં થયેલા લાગે ? તમારે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયા છે બહુ ? ધમધોકાર ચાલે છે ? બધાં ખોળી ખોળી ખોળીને પ્રતિક્રમણ કરી નાખવાં. તપાસ કરવા માંડવી. એ બધું યાદ હઉ આવતું જશે. રસ્તો હઉ દેખાશે. આઠ વર્ષ ઉપર કો'કને લાત મારી હોય એ હઉ દેખાશે. તે રસ્તો દેખાશે, લાતે ય દેખાશે. યાદ શી રીતે આવ્યું આ બધું ? આમ યાદ કરવા જઈએ તો કશું યાદ ના આવે ને પ્રતિક્રમણ કરવા ગયા કે તરત લીંકવાર (ક્રમવાર) યાદ આવી જાય. એકાદ ફેરો આખી જિંદગીનું કર્યું હતું તમે ? પ્રશ્નકર્તા : કર્યું હતું. દાદાશ્રી : ફરી કરવાની કોઈએ ના પાડી છે ખરી ? પ્રશ્નકર્તા : ના, હમણાં ફરી કરાતું હતું. એક દિવસ એ બધા બેઠા હતા. દાદાશ્રી : આ તો ઘેરે ય કરવું હોય તો ય થાય આપણે. પ્રશ્નકર્તા : આજે પહેલી વાર સામાયિકમાં બેસાયું દાદા, ઘણો આનંદ થયો. દાદાશ્રી : એટલે બધાનાં પ્રતિક્રમણ કરે, ઘરવાળાનાં તો રોજેય, પછી આપણા નજીકના સગાંઓનાં, જેને તણછા વાગ્યા હોય એ બધાનાં પહેલાં પ્રતિક્રમણ કરી નાખવાં. યાદ આવે કે ના આવે ? પ્રશ્નકર્તા : આવે ને ! રોજ સામાયિકમાં બેસીને કર્યા કરવાનું. દાદાશ્રી : આ પ્રતિક્રમણ કરવાથી તને એમ મહીં ખાત્રી થઈ કે હવે આ અનુભવ સારો થયો ? પ્રશ્નકર્તા : દાદા, પહેલાં કેવું હતું ? પ્રતિક્રમણ કરુંને, તો મને એમ જ થાય કે મારો દોષ નથી ને ખોટું ખોટું શું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : ના, પણ હવે ? પ્રશ્નકર્તા : હવે ખ્યાલ આવે. દાદાશ્રી : આજે આનંદ થયો ? પ્રશ્નકર્તા : હા, શું ભૂલ એ સમજાઈ, પહેલાં તો એ સમજાતું જ ન હતું. હવે થોડા વખતથી સમજાય છે. દાદાશ્રી : હજુ મૂળ ભૂલ સમજાશે ને ત્યારે બહુ આનંદ થશે પ્રતિક્રમણથી. હંમેશાં આનંદ ન થાય તે પ્રતિક્રમણ કરતાં આવડ્યું નથી. અતિક્રમણથી જો દુઃખ ના થાય તો આ માણસ માણસ નથી. પ્રશ્નકર્તા : મૂળ ભૂલ કંઈ, દાદા ? દાદાશ્રી : પહેલાં ભૂલ જ દેખાતી ન હતીને ? હવે દેખાય છે તે સ્થૂળ દેખાય છે. હજુ તો આગળ દેખાશે. પ્રશ્નકર્તા : સૂક્ષ્મ, સૂક્ષ્મતર.... દાદાશ્રી : ભૂલો દેખાતી જશે. આ તો જાડું ખાતું. ઉપરનો દેહ દેખાયો. મહીં કેવાં છે એ શું ખબર પડે ? આ બે બેનો ઉપર ગોરાં ગપ જેવાં છે, મહીં કેવાં છે એ શું ખબર પડે ? એટલે મહીંનું જુએ ત્યારે મૂળ ભૂલ સમજાય. તને સમજાય છે ? પ્રશ્નકર્તા : દાદા, આપના અમેરિકા જતાં પહેલાં આપની હાજરીમાં એક વખત પ્રતિક્રમણ કરવાનું રાખીશું બધા ? દાદાશ્રી : હા, આજે સાંજે જ કરાવડાવીએ. મારી હાજરીમાં જ કરીએ. હું ત્યાં બેસીશ ને ! મારી હાજરીમાં બધાએ કરવાનું. આ પ્રતિક્રમણ તો એક ફેર કરાવેલું, મારી હાજરીમાં જ કરાવેલું અને મેં જાતે કરાવેલું, બહુ વર્ષોની વાત કરું છું અને તે વિષય સંબંધીનું જ કરાવેલું. તે એ કરતાં કરતાં બધા ઊંડા ઊતર્યા, ઊતર્યા, ઊતર્યા, તે હવે ઘેર જાય તો ય બંધ ના થાય. સૂતી વખતે ય બંધ ના થાય, ખાતી વખતે ય બંધ ના થાય. પછી અમારે જાતે બંધ કરાવવું પડ્યું. સ્ટોપ કરાવવું પડ્યું !!! એ બધાંને તો ખાતી વખતે ય બંધ ના થાય, એ સૂતી વખતે બંધ ના થાય. ફસાયા હતા બધા, નહીં ?! એની મેળે પ્રતિક્રમણ નિરંતર રાત-દહાડો ચાલ્યા જ કરે. હવે પ્રતિક્રમણ કર્યા પછી 'બંધ કરો હવે, બે કલાક થઈ ગયા' એમ કહેવામાં આવે તોય પછી એની મેળે પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરે. બંધ કરવાનું કહે તોય બંધ ના થાય. મશીનરી બધી ચાલુ થઈ ગઈ એટલે. મહીં ચાલુ રહ્યા કરે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં 'દાદા' એવું કહે છે ને કે પાછલા દોષો એ બધાં જે ઊભરો આવે, તે ગમે તેટલું કરે તો ય સમાય નહીં એવું બધા ઊભરાયા જ કરે. દાદાશ્રી : હા, એ બધું ઊભરાયા કરે. યાદગીરી વગર, આત્મશક્તિથી દેખાય દોષો ! અને આ તો તમે અંદર જોયું તે ઘડીએ આત્મા કેવો થઈ ગયો ? એની શક્તિ કેટલી છે ? તે વખતે નહોતા ચંદુભાઈ, નહોતા કોઈના ધણી, નહોતા કોઈના કશું ત્યારે જ બધું દેખાયું. નહીં તો ધણી થયેલો, વળી આંધળો દેખે શું બહાર ? એ તો ફૂલ લાઈટ જ જોઈએ. યાદ કરવા જાય તો એમાંનો એકુંય પર્યાય યાદ ના આવે. ને આ જો બધા પર્યાય જોયાને ! બાકી સ્મૃતિ એટલી બધી સ્પીડી જલદી ફરી જ ના શકે. આ તો નાનપણમાં આમ થયું, પછી અમુક મોટી ઉંમરમાં આમ થયું. પછી અમુક ઉંમર સુધી આમ થયું, દેખાડ્યે જ જાય. આમ દોષ હોય એ બધા યાદ કરવા જઈએ, તો એમાંનું કશું યાદ આવે નહીં અને સામાયિકમાં બધું એમ ને એમ દેખાય. એટલે એ જોનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા હતો આનો. એટલે આત્મા તમને જુએને કે તમે શું કામ કરો છો ! અરે, આપણા તો જે આ પ્રતિક્રમણ કરે છે, એ તે બહુ કિંમતી ! બબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી તો જગત યાદ જ ના હોય કશું એમને અને દોષો જ દેખાયા કરે, ત્રણ-ત્રણ કલાક સુધી ! નિશાની જીવંત પ્રતિક્રમણ તણી... આપણાં અહીં બે-ત્રણ કલાક પ્રતિક્રમણ કરે, તે બે-ત્રણ કલાક સુધી તો દોષો જ દેખાય. આને જીવતું પ્રતિક્રમણ કહેવાય. આ પ્રતિક્રમણ કરવા બેસે ને, તે ઘડીએ તો શુધ્ધાત્મા થઈ જ જાય. પ્રતિક્રમણ કરવા બેસે પછી તો પ્રતિક્રમણ થયા કરે છે કે ? આપણે ના કરવાં હોય તો ય થયા કરે ? પ્રશ્નકર્તા : હા, પછી થયા કરે. દાદાશ્રી : મેં કહ્યું, 'બંધ કરી દો હવે તો ?' પ્રશ્નકર્તા : તો ગરગડી ચાલુ જ રહે. દાદાશ્રી : કોણ ચલાવે છે એ ? ત્યારે કહે, 'શુધ્ધાત્મા પ્રાપ્ત થયો છે, આ બધી ક્રિયા છે તે પ્રજ્ઞાની છે. પહેલાં 'અજ્ઞા'ની ક્રિયા હતી. આ જે પેલા લોકો બધા શુધ્ધાત્મા બોલે છે તે 'અજ્ઞા'ની ક્રિયા ચાલુ રહી છે, પ્રજ્ઞાની ક્રિયા ઉત્પન્ન થઈ નથી. શું થયું ? આપણે 'અજ્ઞા'ની ક્રિયા બંધ થઈ ગઈ છે, અને પ્રજ્ઞાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે. 'અજ્ઞા'ની ક્રિયા શું કરે ? અજ્ઞા એ નિરંતર સંસાર જ વિંટાળ વિંટાળ કરે. રોજ રોજ નવો નવો ઊભો જ કરી આપે. આના પર ખડો સિદ્ધાંત મહાવીરનો ! આપણે જેનાં પ્રતિક્રમણ કરીએને, તેને આપણા માટે કંઈ ખરાબ તો ના હોય, પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયા એટલે ગમે તેટલું વેર હોય તો ય છૂટી જાય, આ ભવમાં જ !!! આ એક જ ઉપાય છે ! આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત આખો, પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી ત્યાં ધર્મ જ નથી. હવે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જગતના લોકોને યાદ રહે નહીં. તમે શુધ્ધાત્મા થયા છો, એટલે તમને તરત યાદ આવે ! 'હાર્ડવેર' પ્રતિક્રમણનું ! આખી જિંદગીનાં પ્રતિક્રમણ તમે કરો છો, ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાના ફોન-બોન બંધ હોય, અંતઃકરણ બંધ હોય. તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય છે. આત્મા ય આમાં કશું કરતો નથી. આ દોષ થયો પછી ઢંકાઈ જાય. પછી બીજું લેયર (પડ) આવે. એમ લેયર ઉપર લેયર આવે. પછી મરણ વખતે છેલ્લા એક કલાકમાં આ બધાનું સરવૈયું આવે. ભૂતકાળના દોષો બધા વર્તમાનમાં દેખાય એ જ્ઞાન પ્રકાશ છે, એ મેમરી (સ્મૃતિ) નથી. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આત્મા ઉપર ઈફેક્ટ થાય ખરી ? દાદાશ્રી : આત્મા ઉપર તો કશી ઈફેક્ટ અડે જ નહીં. ઈફેક્ટ થાય તો સંજ્ઞી કહેવાય. આ તો આત્મા છે એ હંડ્રેડ પરસેન્ટ અન્ઈફેક્ટિવ છે. જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિવાળો છે, એ એની પ્રજ્ઞાશક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકાં થયેલાં ખબર પડે, કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી જ તૂટી જાય. અને પ્રતિક્રમણ કરવા માટે પેલો સામો ભેગો ના થાય તેનો વાંધો નથી. આમાં રૂબરૂની સહીઓની જરૂર નથી. જેમ આ કોર્ટમાં રૂબરૂની સહીઓની જરૂર છે એવી નથી જરૂર. કારણ કે આ ગુન્હા રૂબરૂથી થયેલા નથી. આ તો લોકોની ગેરહાજરીમાં ગુન્હા થયેલા છે. આમ લોકોની રૂબરૂમાં થયા છે, પણ રૂબરૂની સહીઓ નથી કરેલી. સહીઓ અંદરની છે, રાગ-દ્વેષની સહીઓ છે. કોઈ દહાડો એકાંતમાં બેઠા હોય અને કંઈક પ્રતિક્રમણનું કે એવું બધું કરતાં કરતાં કરતાં થોડો આત્માનો અનુભવ જામી જાય મહીં. એ સ્વાદ આવી જાય. તે અનુભવ કહેવાય. દોષ સ્વીકાર્યે જાય ! કોઈનીય ભૂલ છેવટે ના દેખાય. પહેલાં દેખાય પછી પ્રતિક્રમણ કરે. પછી કોઈનીય ભૂલ ના દેખાય, એવું જો આખી રાત રહે અને ચોપડા બીડાઈ ગયા, તો કામ થઈ ગયું. તમારે પછી તે દિવસનો આવતા ભવનો ભો રહ્યો નહીં. બીજે દિવસે એવી રીતે વર્તવું જોઈએ. અને એવું સર્વ સમાધાની જ્ઞાન છે આ તો. આમાં કશું બાકી રહે નહીં ! દોષ થાય ને એનાં પ્રતિક્રમણ કરે તો એ બધું ચોખ્ખું કરી નાખે. પ્રતિક્રમણ એટલે લીધેલું પાછું આપી દેવું. પ્રતિક્રમણ કર્યું એટલે ચોપડા ચોખ્ખા ! એટલે તમે દોષનો સ્વીકાર કર્યોને ! સ્વીકાર કર્યો એટલે યુ આર નોટ રિસ્પોન્સિબલ. (તમે જવાબદાર નથી.) આ તો વિજ્ઞાન કહેવાય. તરત જ ફળ આપે, કેશ ઈન હેન્ડ. (રોકડું) ધીમે ધીમે થઈ જાય એ તો. અમે કહ્યું એવું એકદમ ના થાય. દોષનો સ્વીકાર કરો કે ધોવાઈ જાય. પ્રતિક્રમણ કરો એટલે ધોવાઈ જાય. ત્યારે થશે સાચું પ્રતિક્રમણ ! જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ત્યારે સમજવું કે તમારું પ્રતિક્રમણ સાચું છે. ખરેખર નિર્દોષ જ છે, જગત આખું ય નિર્દોષ જ છે. તમારા દોષો કરીને તમે બંધાયેલાં છો, એમના દોષથી નહીં. તમારા પોતાના દોષથી જ બંધાયેલાં છો, હવે એવું જ્યારે સમજાશે ત્યારે કંઈક ઊકેલ આવશે ! દ્રષ્ટિ નિજદોષ ભણી ! કો'કની ભૂલ દેખાવાથી સંસાર ઊભો થાય ને પોતાની ભૂલ દેખાવાથી મોક્ષ થાય. પ્રશ્નકર્તા : 'રિલેટિવ' તો દેખીતું દોષિત દેખાયને ? દાદાશ્રી : દોષિત ક્યારે ગણાય ? એનો શુધ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. પણ શુધ્ધાત્મા તો અકર્તા છે. એ કશુંય કરી શકે તેમ નથી. આ તો 'ડિસ્ચાર્જ' થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. દોષ દેખાય તેનું પ્રતિક્રમણ કરવું. જ્યાં સુધી જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય છે, ત્યાં સુધી સમજવું કે અંદર શુધ્ધિકરણ થયું નથી, ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે. પ્રતીતિમાં નિર્દોષ ને વર્તનમાં ?! ડિસ્ચાર્જ માલના આધારે સામો દોષિત દેખાય. પણ પોતાના મનમાં રહેવું ના જોઈએ. નિર્દોષ દેખાવું જોઈએ. પ્રશ્નકર્તા : નિશ્ચયમાં તો ખાતરી છે કે જગત આખું નિર્દોષ છે. દાદાશ્રી : એ તો પ્રતીતિમાં આવ્યું કહેવાય. અનુભવમાં કેટલું આવ્યું ? એ વસ્તુ એવી સહેલી નથી. એ તો માંકડ ફરી વળે, મછરાં ફરી વળે, સાપ ફરી વળે, ત્યારે નિર્દોષ લાગે ત્યારે ખરું, પણ પ્રતીતિમાં આપણને રહેવું જોઈએ કે નિર્દોષ છે. આપણને દોષિત દેખાય છે, એ આપણી ભૂલ છે. પ્રતિક્રમણ કરવું જોઈએ. અમારી પ્રતીતિમાં ય નિર્દોષ છે અને અમારા વર્તનમાં ય નિર્દોષ છે. તને તો હજુ પ્રતીતિમાં ય નિર્દોષ નથી આવ્યું. હજુ તને દોષિત લાગે છે. કોઈ કશું કરે, તો પછી તેનું પ્રતિક્રમણ કરું છું. એટલે શરૂઆતમાં તો દોષિત લાગે છે. નથી લાગતું ? પ્રશ્નકર્તા : પછી પ્રતિક્રમણ કરે, એને પ્રતીતિમાં ના કહેવાય ? દાદાશ્રી : પણ આમ તો શરૂઆતમાં તો દોષિત જ લાગે છે ત્યારે પ્રતિક્રમણ કરવું પડે છેને ? પ્રશ્નકર્તા : હા, પછી પ્રતિક્રમણ કરવું પડે છે. દાદાશ્રી : પણ દોષિત લાગે ત્યારે ને ? માટે નિર્દોષ હજુ તને બેઠું નથીને ? પ્રશ્નકર્તા : એ નિર્દોષની પ્રતીતિ બેઠી હોય ત્યારે પ્રતિક્રમણ કરી શકાયને ? દાદાશ્રી : પણ દોષિત લાગે છે તેને જોયા કરવાનો. જાગૃતિ વધે તેમ અતિક્રમણ ઘટે ! પ્રશ્નકર્તા : જેમ જેમ જાગૃતિની અખંડતા વધતી જાય તેમ તેમ પ્રતિક્રમણો ઓછાં થતાં જાય. દાદાશ્રી : પ્રતિક્રમણ તો જો મહીં દોષ થયો હોય તો જ કરવાનાં છે. અતિક્રમણ થયું હોય તો જ. જાગૃતિ વધતી હોય તે દહાડે અતિક્રમણ ભારે થયેલું હોય એવો કોઈ નિયમ નથી. પ્રશ્નકર્તા : શુધ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ? દાદાશ્રી : થાય. અતિક્રમણે ય થાય ને પ્રતિક્રમણે ય થાય. ઉપયોગ ચૂક્યાનાં ય પ્રતિક્રમણ ! આવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી કોણ છોડે ? પહેલાં પાંચ મિનિટ પણ ઉપયોગમાં રહેવાતું નહોતું. એક ગુંઠાણું સામાયિક કરવું હોય તો મહા મહા કષ્ટે કરીને રહેવાય અને આ તો સહેજે ય તમે જ્યાં જાવ ત્યાં ઉપયોગપૂર્વક રહી શકાય એવું થયું છે! પ્રશ્નકર્તા : એ સમજાય છે દાદા. દાદાશ્રી : હવે જરા ભૂલોને આંતરો, એટલે કે પ્રતિક્રમણ કરો. આપણે નક્કી કરીને નીકળવું કે આજે આ કરવું છે ! શુધ્ધ ઉપયોગમાં રહેવું છે. એવું નક્કી ના કરીએ તો પછી ઉપયોગમાં ચૂકી જવાય ! અને આપણું વિજ્ઞાન તો બહુ સરસ છે. નથી બીજી કોઈ ભાંજગડ !! આપણને એમ લાગે કે આ તો આપણે ઉપયોગ ચૂકીને ઊંધે રસ્તે ચાલ્યા. તે ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઊંધો રસ્તો એટલે વેસ્ટ ઑફ ટાઈમ એન્ડ એનર્જી (સમય અને શક્તિનો બગાડ) કરે છે, છતાંય એનાં પ્રતિક્રમણ નહીં કરે તો ચાલશે. એમાં એટલું બધું નુકસાન નથી. એક અવતાર હજુ બાકી છે એટલે લેટ ગો કરેલું (જવા દીધેલું) પણ જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેણે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોઈ દહાડો પાછો ફર્યો જ નથી ને ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આગળ ઉપર ચોખ્ખું પ્રતિબિંબ પડે ? દાદાશ્રી : હાસ્તો, બધું ક્લિયર થઈ જાય. દર્શન ચોખ્ખું થઈ જાય ને દર્શન વધે. પ્રતિક્રમણ વગર કોઈ મોક્ષે ગયેલું નહીં. પ્રતિક્રમણ કરે એટલે પોતાના દોષ ઓછા થાય ને ધીમે ધીમે જતાં રહે. ધર્મબંધુઓ જોડે જ વેર... જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ પ્રતિક્રમણ થાય, તે અનંત અવતારનાં પાપો બાળી નાખે. આ પ્રતિક્રમણ તે કેવું પ્રતિક્રમણ ? વેર બધાં છૂટી જાય. કારણ કે સહાધ્યાયી જોડે જ વધારે વેર બંધાયેલાં હોય. વર્લ્ડમાં (દુનિયા) બીજા બધા જોડે વેર હોય નહીં કોઈ દહાડોય અને સહાધ્યાયી તો આખો દહાડો યાદ રહ્યા કરે. પ્રશ્નકર્તા : સત્યુગમાં પણ સહાધ્યાયી જોડે વેર બંધાય ? દાદાશ્રી : ના, ત્યારે વેર ના બંધાય. એ સમજણ જ ઊંચી હતી બધાની અને એ બધો ચીકણો પ્રેમ ! પ્રશ્નકર્તા : સહાધ્યાયી જોડે વેર બાંધવાનું કારણ શું ? દાદાશ્રી : અણસમજણથી. સત્યુગમાં આવું તેવું ના હોય. ચોર એ ચોર, જે લુચ્ચા એ લુચ્ચા અને શાહુકાર એ શાહુકાર. ચોર વગર તો આ દુનિયા રહી જ નથી કોઈ દહાડોય પણ સત્યુગમાં તેમની વસ્તી થોડી હોય. જે આપણી જોડે હોય, પહેલાં ય હતા અને આજે ય છે, એ આપણા ધર્મબંધુ કહેવાય અને પોતાના ધર્મબંધુઓની જોડે જ ભવેભવનાં વેર બંધાયેલા હોય છે. તે એમની જોડે કંઈ વેર બંધાયેલું હોય તો, એટલા માટે આપણે પ્રતિક્રમણ સામસામી કરી લો તો હિસાબ બધો ચોખ્ખો થઈ જાય. એકુંય માણસને સામસામી પ્રતિક્રમણ કરવાનું ચૂકશો નહીં. સહાધ્યાયી જોડે જ વેર બંધાય વધારે અને તેમનાં પ્રત્યક્ષ પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. આ ઔરંગાબાદમાં જે પ્રતિક્રમણ કરાવીએ છીએ એવાં પ્રતિક્રમણ તો વર્લ્ડમાં ક્યાંય ના હોય. એક-એક દોષ અસંખ્ય પડવાળા ! એવું છે ને, આ દુનિયામાં માફી એ મોટામાં મોટું શસ્ત્ર છે. પશ્ચાત્તાપ અને માફી. ભગવાન માફ કરતાં નથી. ભગવાનને માફ કરવાનો રાઈટ જ નથી. આ જ્ઞાની પુરુષ બધા એ માફ કરી આપે. એ એજન્ટો છે. મૂળ ભગવાન દેહધારી છે જ નહીં. દેહધારી હોય તે જ કરી શકે. એટલે હજુ કંઈ દોષ થયા, તે મારી પાસે માફી માંગી લેવી. તને તારા કેટલા દોષ રોજ દેખાય છે ? પ્રશ્નકર્તા : બસ્સો-ત્રણસો દેખાય. દાદાશ્રી : સાત વર્ષથી, બસ્સો-ત્રણસો દેખાય છે ને, બસ્સો-ત્રણસો નીકળ્યા કરે છે. પાછા બીજા નવા દોષ દેખાય. અગર તો એ દોષની પાંખડી બહુ હોય. ને નવા દોષો ય હોય પણ આ બધા દોષો છેને અનંત પડવાળા ! પ્રશ્નકર્તા : આમાં રોજ દોષ થયા જ કરે અને એનું પશ્ચાત્તાપ આ રીતે કરીએ એ લીંક તૂટે ક્યારે? દાદાશ્રી : એ ખલાસ થાય જ, આ રીતે કરે તો બધા દોષ ખલાસ થાય જ. જે રસ્તે હું ગયો છું તે રસ્તો તમને દેખાડું છું. પ્રતિક્રમણ જોડે પ્રીતિ પત્નીની જેમ ! સ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળખાણ હોવી જોઈએ. જેમ સ્ત્રી ભુલાતી નથી તેમ પ્રતિક્રમણ ભૂલાવું ના જોઈએ. આખો દહાડો માફી માંગ માંગ કરવી. માફી માગવાની ટેવ જ પાડી નાખવી. આ તો પારકાના દોષ જોવાની દ્રષ્ટિ જ પડી છે ! પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કેટલાંક તે કરવાનાં? દાદાશ્રી : આ ખાવ છો, પીવો છો, આખો દહાડો હવા લો છો, તેમ આ આખો દહાડો પ્રતિક્રમણ કરવાનાં. પ્રતિક્રમણોની વણઝાર... જેટલા દોષનું પ્રતિક્રમણ કર્યું, એમ દોષ વધારે દેખાતા જાય. પછી તો કેટલાંકને બસ્સો-બસ્સો દેખાય છે. એક ભાઈ કહે છે, દાદા, શી રીતે પહોંચી વળું ? આ મારું મગજ થાકી જાય છે, પાંચસો-પાંચસો, હજાર પ્રતિક્રમણ કરું છું. દહાડો નથી વળતો ! કારણ કે માલે ય એવો જ ભરેલોને ! આમની પાસે બિચારા પાસે માલ જ ક્યાં છે, નાની નાની હાટડીઓ માંડેલી ! અને પેલાં મોટા ગોડાઉન ભરેલાં, પણ બહુ ખાલી કરી નાખ્યું. પ્રશ્નકર્તા : આ મહાત્માઓને તો આમ કંઈ થયું કે તરત જ પ્રતિક્રમણના ભાવ આવે. દાદાશ્રી : તરત જ, એની મેળે જ આવે. સહજમય જ થઈ જાય. તમારે કેટલાં પ્રતિક્રમણ કરવાં પડે છે ? પ્રશ્નકર્તા : રોજના પાંચસો થઈ જાય. દાદાશ્રી : 'આ' રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે. તે કોઈ પચાસ કરે, કોઈ સો કરે, જેટલી જેટલી જાગૃતિ વધી તે એટલાં પ્રતિક્રમણ કરે. પણ નિરંતર પ્રતિક્રમણ કરવાનો માર્ગ છે આ. આ પ્રતિક્રમણ એટલે 'શૂટ ઑન સાઈટ'. 'શૂટ ઑન સાઈટ' એટલે દોષ થતાંની સાથે જ એનું નિવારણ કરી નાખવું, તરત જ 'ઑન ધી મોમેન્ટ, શૂટ ઑન સાઈટ !' જાગૃતિ એટલી બધી રહે કે 'શૂટ ઑન સાઈટ' કર્યા વગર રહે જ નહીં. એક પણ દોષ જોયાની બહાર ન જાય અને તો માણસના દોષો ખાલી થઈ જાય અને નિરંતર સંયમ રહે ! નિરંતર સંયમ !!! બધાને કહેલું કે રસ-રોટલી ખાજો, ઘી લેજો, બધું લેજો, બધું ખાજો અને નિરંતર સંયમમાં રહે એવો વીતરાગનો માર્ગ છે. પ્રશ્નકર્તા : આપણે જે કહ્યું કે રોજ પાંચસો પ્રતિક્રમણ થાય છે. તો જેમ વધારે પ્રતિક્રમણ થાય તેમ સારું કે જેમ ઓછાં પ્રતિક્રમણ થાય તેમ સારું ? દાદાશ્રી : જેમ વધારે થાય તેમ સારું. નર્યા દોષના જ ભંડાર છે. કૃપાળુદેવે કહ્યું કે 'હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.' પછી 'દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય ?' આ તો પાંચ દોષ દેખાતા નથી, તે શી રીતે તરાય ? આખું દોષનું ભાજન છે. એટલે પાંચસો-પાંચસો દોષો જેના નીકળે એનું જલદી સાફ થાય છે. કોઈને પચાસ-પચાસ નીકળતા હોય, કોઈને સો-સો નીકળતા હોય ! પણ નીકળવા માંડ્યા છે, દોષો ! પ્રશ્નકર્તા : પણ જેમ ઉર્ધ્વીકરણ થાય એમ દોષ ઓછા થતા જાય ને પછી ? દાદાશ્રી : ના, ઉર્ધ્વીકરણની કોઈ જરૂર નથી. દોષ તો જેમ જાગૃતિ હોય કે તરત જ પકડાય. અને દોષ પકડાય એટલે તરત જ એને ત્યાં આગળ પ્રતિક્રમણ કરી નાખે. આલોચના-પ્રતિક્રમણ- પ્રત્યાખ્યાન, તરત જ 'ઑન ધી મોમેન્ટ' કરી નાખે ! 'શૂટ ઑન સાઈટ !' પ્રશ્નકર્તા : જેટલાં જેટલાં પ્રતિક્રમણ થાય પછી અમુક સ્ટેજે તો પ્રતિક્રમણ ઓછાં થઈ જાય ને ? વધતાં કેવી રીતે જાય પછી ? દાદાશ્રી : એ તો ઓછાં થતાં થતાં ઘણો ટાઈમ લાગે. કારણ કે અનંત અવતારનો બધો આ માલ ભરેલો છે. તે થઈને રહે ભગવાન ! આ નીરુબેન રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે કેટલાંય વર્ષથી, તે આજે એનો ઉકેલ આવવા માંડ્યો છે. બીજું કશું કરવાનું નથી. આ આજ્ઞા જ લેવાની છે ને 'શૂટ ઑન સાઈટ' કરવાનું છે. મહીં કો'ક આવ્યો અને આપણા મનમાં એમ થાય કે, 'આ વળી આટલી ભીડમાં શું કરવા આવ્યા ?' એ આપણે એના તરફ વિરાધના કરી, માટે એનો આત્મા મહીં જાણી ગયો બધુંય. એટલે આપણે તરત જ કહેવું કે, 'ચંદુભાઈ, આવી કેમ ભાવના કરી ? અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.' તમને સમજાય છે ને ? આ પ્રતિક્રમણનો માર્ગ છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન, 'શૂટ ઑન સાઈટ'નો માર્ગ છે. રોજ ત્રણસો-ત્રણસો ભૂલો, ચારસો-ચારસો ભૂલો રોજ દેખાશે. પોતાની એક ભૂલ જ જેને દેખાય તે ભગવાન થાય. અને દોષ ના હોત માણસમાં, તો ભગવાન જ હોત બધે ! દોષરહિત જે માણસ થયો એ ભગવાન કહેવાય ! કામ નીકળી ગયું ! હજુ જેમ જેમ શક્તિ વધશે ને એમ દેખાતા જશે. અત્યારે સ્થૂળ દોષો દેખાય. પછી સૂક્ષ્મ દેખાય. જેટલા દેખાયા એટલા જાય. નિયમ એવો છે કે જે આપણી અંદર દોષો છે, જેટલા દેખાયા એટલા ગયા. જેમ આપણે ઊંઘી ગયા હોય ને ચોર પેઠો હોય અને જાગીએ તો ? ચોર ભાગવાની તૈયારી કરે જાગ્યા એટલે, એવું આ દોષો ભાગવાની તૈયારી કરે. જાગ્યા કે તરત ! જાગૃતિ ભૂલો સામે, જ્ઞાની તણી ! અમારી જાગૃતિ 'ટોપ' પરની હોય. તમને ખબરે ય ના પડે, પણ તમારી જોડે બોલતાં જ્યાં અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઈ નાખીએ. એના માટે યંત્ર મૂકેલું હોય છે, જેનાથી તરત જ ધોવાઈ જાય. અમે પોતે નિર્દોષ થયા છીએ ને આખા જગતને નિર્દોષ જ જોઈએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ કે જગતમાં કોઈ દોષિત જ ના દેખાય તે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય. ને જેમ દોષો ઘટે તેમ 'જાગૃતિ' વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે 'જોઈએ' છીએ અને 'જાણીએ'. એ દોષ કોઈને હરકતકર્તા ના હોય પણ કાળને લઈને એ અટક્યા છે. અને તેનાથી જ ૩૬૦ ડિગ્રીનું 'કેવળજ્ઞાન' અટક્યું છે અને ૩૫૬ ડિગ્રીએ આવીને ઉભું રહી ગયું છે ! ટૂંકામાં ટૂંકું ને પદ્ધતિસરનું પ્રતિક્રમણ... પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ક્રિયા સમજાવોને ! ઘણાં એવું કહે છે મેં બસ્સો પ્રતિક્રમણ કર્યા, તો એ કેવી રીતે કરે ? દાદાશ્રી : એવું છેને, જેમ જેમ વધારે ઊંડો ઉતરતો જાયને, તેમ પોતાના દોષ દેખાતા જાય વધારે. પ્રશ્નકર્તા : મને તો મારા જ દોષ દેખાય. દાદાશ્રી : એ તો અત્યારે જ્ઞાન આપ્યું છે એટલે, નહીં તો પહેલાં ક્યાં દેખાતું હતું ? અત્યારે દેખાય છેને ! હવે દેખાય, એ દેખાય એની માફી માગવી પડે. એનાં પ્રતિક્રમણ કરે એટલે દોષ દેખાવા માંડે પછી. તે કોઈને રોજના પચ્ચીસ દોષ દેખાય, કોઈને પચાસ દેખાય, કોઈને સો દેખાય. પાંચસો-પાંચસો સુધી દોષો દેખાય એવી દ્રષ્ટિ ખીલતી જાય, દર્શન ખૂલતું જાય. તમારી જોડે વાતચીત કંઈ થાય, તો કડક બોલે. પણ જોડે એમને દોષે ય દેખાય કે આ થઈ ગયું ખોટું. અને તને દેખાય કે ના દેખાય ? પ્રશ્નકર્તા : હા, મારા દોષો મને દેખાય છે. દાદાશ્રી : તો કલ્યાણ જ થઈ ગયું ને ! પ્રતિક્રમણ તો આપણા મહાત્માઓ કેવું કરે છે ? પટ પટ પટ થયું કે તરત જ ! 'શૂટ ઑન સાઈટ' એવું પ્રતિક્રમણ કરે છે. એટલે પછી દોષ જ ઊભો ના થાયને ! પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે આખી લાંબી વિધિ પ્રતિક્રમણની બોલવાની કે પછી આપણે ભાવથી ટૂંકામાં કરવાની ? દાદાશ્રી : ભાવથી ટૂંકામાં જ કરી નાખવાની. એ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તો આપણે લખીએ એટલું જ છે. બાકી એને ટૂંકું કરીએ તો ય ચાલી જાય. પ્રશ્નકર્તા : તો દાદા, ટૂંકું પ્રતિક્રમણ કેવું કરવાનું ? દાદાશ્રી : આ થયું એ બરાબર નથી, એવું આપણને લાગવું જોઈએ. પ્રશ્નકર્તા : હા, પણ ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ આમ કરવાનું કેવી રીતે ? દાદાશ્રી : દાદા ભગવાનની સાક્ષીએ, આ દોષ થયો તેની હું ક્ષમા માગું છું. હવે ફરી નહીં કરું. બસ એટલું જ. એનું ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ. એના મન-વચન-કાયા ને ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ એવું બધું બોલવાની કંઈ જરૂર નથી. એ તો નવા માણસોને શીખવાડવા માટે છે. અત્યારે જ્યારે કોઈ માણસને બીજા જોડે વેર હોયને, ત્યારે આ પદ્ધતિસર બોલવું પડે. વેર હોયને ત્યારે પહોંચાડવા માટે, તો વેર છૂટું થાય. એમ બોલ બોલ કરેને પદ્ધતિસરનું, આખું વિગતવાર લાંબું તો વેર છૂટતું જાય બધાનું. અને સાથે પેલાને ય ખબર પડે કે હવે મારું મન એમના તરફ સારું થતું જાય છે. પ્રતિક્રમણ તો એટલી બધી જબરજસ્ત શક્તિ છે. પ્રશ્નકર્તા : દોષો માટે આપણે બોલીએ કે આ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવથી વાણીના દોષ થયા હોય, રાગ-દ્વેષના, કષાયના દોષ થયા હોય, એ બધું બોલવાનું ? દાદાશ્રી : હા, તે બધું બોલવું જોઈએ. બીજા લોકોની જોડે હોય તો એમ ને એમ થાય. ક્ષમા માંગી લઈએ, પસ્તાવો કરી લઈએ તો ચાલી જાય. બોમ્બાર્ડિંગ અતિક્રમણોની ! પ્રશ્નકર્તા : એક કલાકની અંદર પાંચ-પચ્ચીસ અતિક્રમણ થઈ જાય. દાદાશ્રી : તો એનાં પ્રતિક્રમણ ભેગાં કરીને થાય. અતિક્રમણ સામટાં થાય એટલે પ્રતિક્રમણ સામટાં કરું છું, એમ કહીએ ? પ્રશ્નકર્તા : સામટાં પ્રતિક્રમણ કેવી રીતે કરવા ? દાદાશ્રી : આ બધા બહુ અતિક્રમણ થયા છે, તેનું સામટાં પ્રતિક્રમણ કરું છું. જે વિષય પર અતિક્રમણ થયા હોય તે વિષય બોલવાં કે આ વિષય પર, આ વિષય પર સામટાં પ્રતિક્રમણ કરું છું એટલે ઉકેલ આવી ગયો. અને છતાં બાકી રહે એ ધોઈ આપીશું અમે. પણ એને લીધે બેસી ના રહેવું. બેસી રહીએ તો બધું આખુંય મહીં રહી જાય. ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. એક ભાઈ મને કહે, 'દાદા, એક દહાડામાં મને બે-બે હજાર પ્રતિક્રમણ કરવાં પડે છે. તે મારે શું કરવું ? હું થાકી જાઉં છું.' એટલે એને અમે ભેગાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું. બે-બે હજાર પ્રતિક્રમણ માણસ શી રીતે કરી શકે ? બે-બે હજાર વખત બોલવું ને કરવું, શી રીતે કરી શકે ? હવે જેટલાં દોષ દેખાય તે જતાં રહે પાછાં ને પાછાં બીજા આવે. જેટલાં દોષ દેખાયા એ મુક્ત થઈને ગયા. ત્યારે કોઈ કહે કે 'એવો ને એવો દોષ ફરી દેખાયો છે.' ત્યારે કહીએ કે એના એ જ દોષ ફરી ના આવે. પણ આ ડુંગળીનાં પડ હોય છેને, એક કાઢીએ એટલે પાછું બીજું આવીને ઊભું રહે, તેમ આ દોષ ડુંગળીના પડવાળા હોય છે. એકની એક વસ્તુનું આપણે એક પડ કાઢીએ ત્યારે બીજું પડ ઊભું રહે એટલે એનું એ જ પડ ના હોય, એ તો ગયું જ. આ ત્રીસ પડ હતાં તેનાં ઓગણત્રીસ રહ્યા. પછી ઓગણત્રીસમાંથી એક પડ જશે એટલે અઠ્ઠાવીસ રહેશે. અનંત દોષનું ભાજન છે તે ત્રણ-ત્રણ હજાર દોષ મહીં રોજ દેખાશે. તે એક ભઈ તો થાકી ગયો એટલે અમે તેનું લેવલ ઉતારી નાખ્યું. એટલું બધું માણસથી ના થાય. જાગૃતિ બહુ વધી ગઈ એટલે દોષો ખૂબ દેખાય. હવે એ માણસ મોટો ધંધાદારી એટલે એને મુશ્કેલી થાય ને ! એટલે એની જાગૃતિ પાછી અમે મંદ કરી નાખી ને એને 'જાથું પ્રતિક્રમણ' કરવાનું કહ્યું. જાથું એટલે બધાનું સામટું. જેટલા દોષ થયા હોય તેનું. બાકી આપણું પ્રતિક્રમણ કેવું હોવું જોઈએ ? શૂટ ઑન સાઈટ હોવું જોઈએ ! આ તો કેશ જ બધું હોવું જોઈએ. જાથું પ્રતિક્રમણ એટલે ભેળું પ્રતિક્રમણ. દોષ થયો કે તેની સાથે જ પ્રતિક્રમણ. તે કેટલાંક માણસો તો એટલે સુધી કહે છે કે દાદા, સહન થતું નથી. આ પ્રતિક્રમણ કરી શકાતું જ નથી મારાથી. એટલાં બધાં પ્રતિક્રમણ કરવાનાં, તે એક પછી એક, પૂરાં થતાં જ નથી. એટલા બધા દોષ દેખાય છે. એટલે પછી એમને જાથું પ્રતિક્રમણ કરવાનું કહીએ. બહુ દોષ થાય તેને શું થાય તે ? નર્યા દોષનો જ ભંડાર છે. અને મનમાં શું ય માની બેઠો છે કે હું કંઈક છું, હું કંઈક છું. શેમાં છું તે તું ? જરા અપમાન કરે ત્યારે ખબર પડે કે શું છે તે ? પ્રશ્નકર્તા : સ્વરૂપજ્ઞાન લીધા પછી કંઈ કર્મો થયા. દા.ત. કોઈ વખત અતિક્રમણ કોઈની જોડે થઈ જાય. તો તરત જ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થતું નથી. દાદાશ્રી : શા કારણથી થતું નથી ? પ્રશ્નકર્તા : તરત ના થઈ જાય. દાદાશ્રી : તરત ના થાય તો બે કલાક પછી કરો. અરે, રાત્રે કરો, રાત્રે યાદ કરીને કરો. રાત્રે યાદ કરીને ના થાય, કે આજે કોની જોડે અથડામણમાં આવ્યા ? એવું રાત્રે ના થાય ? અરે, અઠવાડિયે કરો. અઠવાડિયે બધાં ભેગાં કરો. અઠવાડિયામાં જેટલાં અતિક્રમણ થયાં હોય એ બધાના ભેગા હિસાબ કરો. પ્રશ્નકર્તા : પણ એ તરત થવું જોઈએ ને ? દાદાશ્રી : તરત થાય એના જેવી તો વાત જ નહીં. આપણે ત્યાં તો ઘણાં ખરાં બધાં 'શૂટ ઑન સાઈટ' જ કરે છે. દેખો ત્યાંથી ઠાર કરો. દેખો ત્યાંથી ઠાર. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું બહુ મોડું યાદ આવે કે આ માણસનું પ્રતિક્રમણ કરવાનું હતું. દાદાશ્રી : પણ યાદ આવે ખરું ને ? સત્સંગમાં વધારે બેસવાની જરૂર છે. બધું પૂછી લેવું પડે ઝીણવટથી. વિજ્ઞાન છે, બધું પૂછી લેવાની જરૂર. ભેગું પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં જે જે દોષ થયા હોય, તેને યાદ કરીને આપણે ક્ષમા માગીએ છીએ. તો દોષો ઘણા બધા હોય અને એમાં અત્યાર સુધી આપણે ભૂલી ગયાં હોઈએ, તો ફરી એની યાદ તાજી કરીને શા માટે દુઃખી થવું ? દાદાશ્રી : એ દુઃખી થવા માટે નથી. જેટલો ચોપડો ચોખ્ખો થયો એટલું ચોખ્ખું થયું. એ છેવટે ચોપડો તો તમારે ચોખ્ખો કરવો પડશે. નવરાશનો વખત કલાક એમાં કાઢો, તો શું બગડી જાય ? પ્રશ્નકર્તા : દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે. દાદાશ્રી : એ લાંબુ બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું ! ઉપાય, રહી ગયેલા દોષોનો ! પ્રશ્નકર્તા : ભૂલચૂકથી પ્રતિક્રમણ કરવાના રહી જાય તો સામૂહિક પ્રતિક્રમણથી નીકળી જાય ? દાદાશ્રી : હા. એનાથી તો બધા બહુ નીકળી જાય. એ તો એક મોટામાં મોટો રસ્તો છે કે બહુ દહાડાની સિલક ભેગી થઈ હોય, તે હડહડાટ ઊડાડી મેલે ! એ રસ્તો સારો ઊલટાનો ! ઊંડા પ્રતિક્રમણમાં પૂર્વભવ પણ દેખાય ! પ્રતિક્રમણમાં જે બહુ ઊંડા ઊતરે તેને પૂર્વભવ હઉ આરપાર દેખાઈ જાય ! કો'કને પૂર્વભવ હઉ દેખાઈ જાય. બધાંને ના દેખાય. કો'કને સરળ પરિણામ હોય, તેને આરપાર દેખાઈ જાય. હવે પૂર્વભવ જોઈને આપણે શું કરવાનું છે ? આપણે તો મોક્ષ જોઈએ છેને ? જોરદાર અવસ્થાઓ અવરોધે પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : દાદા, હું ઘણીવાર ભૂલ થાય તો આપને યાદ કરી, 'હે દાદા ભગવાન, મારી ભૂલ છે તેની હું માફી માગું છું.' પછી લાંબું પ્રતિક્રમણ કરતી નથી. દાદાશ્રી : માફી માંગે તો કશો વાંધો નહીં, પણ ખાસ કરીને પ્રતિક્રમણ કરવું. ના થાય એવું હોય તો માફી માંગવી. પ્રશ્નકર્તા : ઘણીવાર અવસ્થાઓ એટલી બધી જોરદાર હોય ને તે પ્રતિક્રમણ ના થવા દે. દાદાશ્રી : તેની માફી માંગી લેવી. સામૂહિક કે જાથું પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : આપણે જે જાથું પ્રતિક્રમણ કહીએ છીએ એ જ સામૂહિક પ્રતિક્રમણને ? દાદાશ્રી : હા, એ જ એ જ સામૂહિક. વ્યક્તિગત પ્રતિક્રમણ ! વ્યક્તિગત પ્રતિક્રમણ કોનું કરવું પડે કે જેની જોડે આપણને અતિક્રમણ થતું હોય. સામૂહિકમાં તો આપણે પૂર્વભવનાં કર્મો હોય, બીજાં બધાં કર્યાં હોય, ઓળખીતા ના હોય, તમને મારાથી કંઈ વાગ્યું હોય, એવું પોતે જાણતો ના હોય, એ બધાનું સામૂહિક પ્રતિક્રમણ કરવાનું. અને હું જાણતો હોઉં કે મારાથી તમને પગ વાગ્યો છે, તો પછી મારે એનું વ્યક્તિગત પ્રતિક્રમણ કરવું પડે. તે તરત જ કરી નાખવું જોઈએ. ચરણવિધિમાં પ્રતિક્રમણ કે શક્તિઓની માંગણી ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરી નાખીએ તો વધારે જલદી ઉકેલ ના આવે ? દાદાશ્રી : ક્યારે ? પ્રશ્નકર્તા : તમારી ચરણવિધિ કરીએ ત્યારે ? દાદાશ્રી : ના. તે ઘડીએ તો શક્તિ ભરવાની. પ્રતિક્રમણ તો પછી એની મેળે કર્યા કરવાનું. સામાયિકમાં દોષો ચકનાચૂર ! પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પહેલાંના જે બધા દોષો થયા હોય એ બધા દોષોનું શૂટ ઑન સાઈટ કેવી રીતે થઈ શકે ? દાદાશ્રી : એ દોષો જરા જાડા હોયને, એટલે એની પ્રકૃતિમાં આવ્યા કરે. એટલે આપણને ખબર પડે, કે આ પહેલેથી છે. એટલે એ દોષનાં વધારે પ્રતિક્રમણ કરવા. પ્રશ્નકર્તા : એ સામાયિકથી વધારે ઓળખાયને? દાદાશ્રી : હા, સામાયિકથી તો બધાં બહુ ઓળખાય. પણ મહીં તો આપણને આ દોષ આવેને, તે પહેલેથી આ પ્રકૃતિનો ગુણ છે, એટલે પહેલાં આ દોષ હતા, એટલે એનું પ્રતિક્રમણ વધારે કરવું. અને કેટલાંક દોષો છે નહીં, એનું કશું કરવાનું નહીં. અતિક્રમણોથી કંટાળો હવે ! પ્રશ્નકર્તા : આજે બધી ફાઈલો છે ને, એટલે આખો દિવસ એટલા બધા દોષો દેખાય છે કે હવે મને મારાથી ખૂબ કંટાળો આવે છે. મને મારાથી જ ભયંકર કંટાળો આવે છે હવે. દાદાશ્રી : એ તો આવે જ. પ્રશ્નકર્તા : આખો દિવસ દોષ એટલા બધા દેખાય છે ક્ષણે ક્ષણે. દાદાશ્રી : દોષ દેખાય છે, એટલે એ દોષ જતા રહેવાના. દોષ તો દેખાય જ ને ! દોષ દેખાય તો આત્મા થયો. શુધ્ધ થાય તો જ દોષ દેખાયને ! પ્રશ્નકર્તા : પણ આખો દિવસ, હરેક ક્ષણે ? દાદાશ્રી : હા, તે દોષ દેખાય તો સારું ઊલટું. તપ એટલા માટે કરવાનાં કહ્યાં છે કે દોષ પોતાના દેખાય. એ જાગૃતિ આવે. એ જાગૃતિ જ દોષ દેખાડે. અધવચ્ચે ફિલ્મ બંધ કરાય ? પ્રશ્નકર્તા : હવે આ જિંદગીનો ડ્રામા જલદી પૂરો થયા તો સારું. દાદાશ્રી : આવું કેમ બોલ્યા ? તો આ બંગડીઓ કોણ પહેરશે ? પ્રશ્નકર્તા : નથી પહેરવી હવે. દાદાશ્રી : નહીં, પહેરો. હરો-ફરો, બધું કરો. જલદી પૂરો કરવાનું ના કહેવાય. બધું બહુ કામ છે હજુ આપણે તો. આ દેહને સાચવવાનો. આવું ક્યાં બોલ્યાં ? પ્રશ્નકર્તા : તમે વીસ દિવસ હતાં, તો ય એકે જગ્યાએ અવાયું નહીં. દાદાશ્રી : તેથી કરીને દેહ પૂરો કરી નાખવાનો હોય ? પ્રશ્નકર્તા : પણ એ કાચું કેટલું પડે છે ? દાદાશ્રી : આ દેહે 'દાદા ભગવાન' ઓળખ્યા. આ દેહનો તો ઉપકાર એટલો બધો કે, ગમે તે દવા કરવી પડે તે કરવી. આ દેહે તો 'દાદા' આપણને ઓળખાયા. અનંત દેહ ખોયા બધા, નકામા ગયા. આ દેહે જ્ઞાની ઓળખ્યા માટે આ દેહ મિત્ર સમાન થઈ પડ્યો. તે હવે દેહને સાચવ સાચવ કરવાનો. એટલે આજે પ્રતિક્રમણ કરજો. 'દેહ વહેલો જતો રહે' એમ કહ્યું તેની માફી માગું છું. પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : આપણે સિનેમામાં બેઠા હોય અને વચ્ચે ફિલ્મ બંધ થઈ ગઈ તો શું કરવાનું ? દોષ છે તો જોનારો ય છે ! પ્રશ્નકર્તા : દાદા, દોષ દેખાતા બંધ થઈ જાય એવું કરો. દાદાશ્રી : ના, એ દોષો તો દેખાય, બળ્યા! દોષો દેખાય છે તેથી તો આત્મા છે ને પેલું જ્ઞેય છે. પ્રશ્નકર્તા : પણ દેખાય નહીં એવું ન થાય ? દાદાશ્રી : ના, ના દેખાય તો આત્મા જતો રહે. આત્મા છે તો દોષ દેખાય છે. પણ હવે એ દોષો નથી, એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો. પૈણતી વેળાનાં ય પ્રતિક્રમણ !!! પ્રશ્નકર્તા : કેટલું કેટલું ધો ધો કરીએ પણ હજુ કેટલાં ચીકણાં કર્મો છે ?! દાદાશ્રી : સંસાર એટલે અતિક્રમણ અને એને પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. નિયમિત ખાઓ છો, પીઓ છો, હવા આખો દહાડો લો છો ને ?! એવું એ પ્રતિક્રમણે ય આખો દહાડો રહે. ફૂમતું ઘાલી પૈણ્યા'તા, તે ઘડીએ શરમ નહોતી આવતી ? આમ ફૂમતું ઘાલીને પૈણેલાને બધા ? હવે તે ઘડીએ વિચાર નહોતો કર્યો કે આ બધાં પ્રતિક્રમણ કરવાં પડશે. હવે ભેગાં પ્રતિક્રમણ કરવાં પડે છે તે વસમાં લાગે છે. પસ્તાવો કરે ચંદુ ! પ્રશ્નકર્તા : કોઈ ભૂલ કરીએ, એનું આપણે પ્રતિક્રમણ કરીએ છતાં ય એ પ્રતિક્રમણ કરીને શુધ્ધ કેમ ના થઈ જવાય ? મનનો ભાવ આનંદિત કે નોર્મલ કેમ ના થાય ? એ તો એકાદ દિવસ સુધી કેમ વળગેલો રહે ? દાદાશ્રી : તેમાં શું વાંધો છે ? જો પસ્તાવો વધારે તો ફરી ભૂલ થાય નહીં. જાગૃતિ રહે એટલે નુકસાનકારક નહીં. છોને વળગતું હશે, ફરી ભૂલ ના થાય. પ્રશ્નકર્તા : પસ્તાવો થાય એટલે પછી આપણે બીજા ધ્યાનમાંથી છૂટીને એમાં રહ્યા કરીએને ? દાદાશ્રી : જેમ જેમ પસ્તાવો થાય તેમ તેમ સારું. તમારે પસ્તાવાની જરૂર નહીં. તમારે તો આ ચંદુલાલ પસ્તાય. આપણે કર્યું નથી. છૂટાય કર્મો થકી જ્ઞાને કરીને.... પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કર્મો બંધાય ખરાં કે ? દાદાશ્રી : વાંકું બોલે, તો ય બંધાય નહીં પણ છૂટે ય નહીં. કર્મ છૂટે ક્યારે કે એ જ્ઞાનપૂર્વક હોય, એટલે સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વકથી એનો નિવેડો થાય. અજ્ઞાને કરીને બાંધેલા તે જ્ઞાને કરીને એનો નિવેડો કરી લાવીએ ત્યારે છૂટીએ. અત્યારે ના ગમે તો ય એનો જ્ઞાને કરીને નિવેડો લાવવો પડે. 'હું શુધ્ધાત્મા છું' થઈને એ બધું જોયા કરીએ, એ રીતે બધો નિવેડો લાવવો પડે. અનંત કાળથી, કરોડો જીવો ખેંચે પોતાને દોરડાથી કોઈ પણ એડજસ્ટમેન્ટ હોવું જોઈએ આપણું કે નિરંતર આપણી રક્ષા થાય બધી રીતે, વ્યવહાર-નિશ્ચયમાં. વ્યવહારથી ડાઘ પડતા બંધ થાય અને નિશ્ચયથી ડાઘ પડતા બંધ થાય અને બોજારહિત થઈએ, હલકાં ફૂલ જેવા. અહીં મુક્તિ અનુભવીએ. જેટલા ખૂણા તૂટ્યા, જેટલા ખેંચાણ તૂટ્યા એટલા તો છૂટા થયાને, મુક્ત થયાને ! જેટલાં ખેંચાણ બધાં છૂટ્યા, કરોડો જીવો ખેંચે છે આપણને દોરડેથી. અને જેટલાં દોરડાં છૂટી ગયા એટલા છૂટા થયાને ! જેટલા બાકી છે, તે પછી છોડશે. રસ્તો આ છે, પ્રતિક્રમણથી છૂટી જશે બધું. એવું છેને, આપણો માર્ગ સરળ છે, સહજ છે. ધંધો ચાલતાં, ઘરના માણસને હરકત કર્યા વગર, કામ નીકળે એવું છે. બધાંને સમાધાન કરી, સંતોષ કરો પછી મોક્ષે જવાનું. કોઈની ડખલ રહે ને આપણે મોક્ષે જઈએ એવું બને જ નહીંને ! પ્રતિક્રમણ તો મોટામાં મોટું હથિયાર છે. આમને 'શૂટ ઑન સાઈટ' કેટલા વખતથી ચાલે છે. કેટલા દોષો ઠાર કર્યા છે ! મારવાના નહીં, ઠાર કરવાનાં. એ પછી ઠારવાનાં એને. મરાય નહીં, મરાય તો નહીં. આપણામાં મારવાનો શબ્દ તો હોય જ નહીં ને ! એ છે અમારી ઝીણામાં ઝીણી શોધખોળ ! જેની જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણનો યજ્ઞ શરૂ કરી દેવો. અતિક્રમણ ઘણાં કર્યાં છે. પ્રતિક્રમણ નથી કર્યાં તેની આ બધી સંસારમાં ભટકામણ છે. આ પ્રતિક્રમણ તો અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. જો એ શોધખોળને સમજી જાય તો સંસારમાં કોઈની જોડે કશો ઝઘડો રહે નહીં ને મોક્ષ થાય. - જય સચ્ચિદાનંદ |
|---|