|
નીતિ - પ્રમાણિકતા સંપાદકીય આજે ગમે તેને પૂછીએ તો કહેશે, નીતિ-પ્રમાણિકતાથી જીવાય જ નહીં. અનીતિ-અપ્રમાણિકતાથી જ પૈસો બનાવી લેવાનો અને દેખાદેખીથી એ માર્ગે જીવન વહી જાય છે. લોકોને અનુભવમાં એવું આવે પણ છે કે પ્રમાણિકપણે ધંધો કરવા ગયા તો વધારે મુશ્કેલી આવે છે. ત્યાં જ્ઞાની પુરુષ લાલબત્તી ધરે છે. એક જ વાક્યમાં નીતિ-પ્રમાણિકતાનું મહત્ત્વ બતાવી દે છે કે 'કોઈ પણ માણસ પ્રમાણિકતાથી જીવન જીવે છે, નૈતિક જીવન જીવે છે, ત્યાં ચોવીસ તીર્થંકરોનો વાસ છે.' પ્રમાણિકતા એ ભગવાનનું મોટું 'લાયસન્સ' છે. એનું કોઈ નામ ના દે. જ્યારે બીજી બાજુ ડિસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ. એવું પણ કહે છે. કોઈ માણસ ભગવાનને માનતો નથી, કોઈ ધર્મ પાળતો નથી છતાં પ્રમાણિક રહે છે, નીતિ પાળે છે. તો એ જ મોટામાં મોટો ધર્મ છે, એ ભગવાનની આજ્ઞામાં જ છે અને એને પોતાને જ ઐશ્ચર્ય પ્રગટ થાય છે. આમ સંસાર વ્યવહારનો સાર જ નીતિ છે. એનું પરિણામ અંતર શાંતિ રહેશે અને લક્ષ્મીજી બરકતવાળી રહેશે ! અનીતિ-અપ્રમાણિકતા કરવી પડે છે તો એનો ઉપાય શો ? જે ભગવાનને માનતા હોય તેની પાસે સાચા હ્રદયપૂર્વક ખૂબ પસ્તાવો લેવો જોઈએ કે આ ભૂલ માટે માફી માગું છું. આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. તો ય અનીતિ-અપ્રમાણિકતાના ગુનાની જોખમદારીથી છૂટી જવાશે. અત્યારે મધ્યમ વર્ગના લોકોને આ ભયંકર વધતી મોંઘવારીમાં પારાવાર મુશ્કેલી પડતી જાય છે. અનીતિ કરીને પૈસો મેળવવો ફાવતો નથી. નીતિમાં રહેવા જાય તો રહેવામાં અડચણ વધતી જાય છે. ત્યાં દાદાશ્રીએ વચગાળાનો રસ્તો કાઢી આપ્યો, જેમાં સંસાર વ્યવહાર બગડે નહીં ને મોક્ષમાર્ગ પણ ચૂકાય નહીં. 'વ્યવહાર માર્ગવાળાને અમે કહીએ છીએ કે સંપૂર્ણ નીતિ પાળ, તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ. તેમ ના થાય તો અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે.' પ્રસ્તુક અંકમાં સંસારમાં નોકરી-ધંધામાં ફસાયેલા લોકોને જવાબદારી- ફરજનો પૂરેપૂરો ઉકેલ લાવી મોક્ષમાર્ગે ચઢાવવા અદ્ભુત સમજણ સંકલિત થઈ છે, જે વાચકને પોઝીટીવ દ્રષ્ટિ બક્ષશે. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ નીતિ - પ્રમાણિકતા પ્રમાણિકતા, ત્યાં વસે પ્રભુ ? દાદાશ્રી : કેટલી ઉંમર થઈ શેઠ ? પ્રશ્નકર્તા : બાવન વર્ષ થયા ! દાદાશ્રી : એટલે હજી તો અડતાલીસ રહ્યા ને ? સોનો હિસાબ તો ખરો જ ને આપણો ? પ્રશ્નકર્તા : એ તો જ્યાં સુધી કામકાજ થાય ત્યાં સુધી કરવું ને પછી છેલ્લે સ્ટેશને ચાલ્યા જવું ! દાદાશ્રી : છેલ્લે સ્ટેશને જવાનું પણ તે પહેલાં કશું કરવું પડે ને ? આવતા ભવનાં પોટલાં બાંધવા પડે ને ? તમે બાંધીને તૈયાર રાખી મેલ્યા છે ? પ્રશ્નકર્તા : મને એમ લાગે છે કે માણસ પ્રમાણિકપણે જીવે અને જેના જેના સંસર્ગમાં આવે ત્યાં પ્રમાણિકપણે વર્તે તે સારું જ પોટલું છે. દાદાશ્રી : બસ, બસ ! આના જેવું એકુંય નહિ. પણ બધે પ્રમાણિકપણું હોવું જોઈએ. આમ કેટલા કાળથી પ્રમાણિક જીવન જીવ્યા ? કોઈ પણ માણસ પ્રમાણિક જીવન જીવે છે, નૈતિક જીવન જીવે છે, ત્યાં ચોવીસેય તીર્થંકરોનો વાસ છે. એટલે આટલું શરૂ કરી દે તો બહુ થઈ ગયું. પ્રમાણિકતા પ્રભુનો પંથ ! પ્રશ્નકર્તા : હવે આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ ? દાદાશ્રી : એણે પ્રમાણિકતાની નિષ્ઠા ઉપર ચાલવું જોઈએ. એ નિષ્ઠા એવી છે કે બહુ સંકડાશમાં આવી જાય છે ત્યારે આત્મશક્તિનો આવિર્ભાવ થાય. ને સંકડાશ ના હોય ને જબરજસ્ત પૈસા-બૈસા હોય, ત્યાં સુધી આત્મા-બાત્મા પ્રગટ થાય નહીં, પ્રમાણિકપણું એક જ રસ્તો છે. બાકી ભક્તિથી થાય એવું કશું બને નહીં. પ્રમાણિકપણું ના હોય અને ભક્તિ કરીએ એનો અર્થ નથી. પ્રમાણિકપણું જોડે જોઈએ જ. પ્રમાણિકપણાથી માણસ ફરી માણસના અવતારમાં આવે છે અને જે લોકો ભેળસેળ કરે છે, જે લોકો અણહક્કનું પડાવી લે છે, અણહક્કનું ભોગવી લે છે, એ બધા અહીંથી બે પગમાંથી ચાર પગમાં જાય છે ને પૂંછડું વધારાનું મળે છે. એમાં કોઈ મીનમેખ ફેરફાર કરનારું નથી. કારણ કે એનો સ્વભાવ એવો બંધાયો, અણહક્કનું ભોગવી લેવાનો. એટલે ત્યાં જાય તો ભોગવાય ત્યાં આગળ. ત્યાં તો કોઈ કોઈની બૈરી જ નહીં ને ! બધી બૈરીઓ પોતાની જ ને ! અહીં મનુષ્યમાં તો પરણેલા લોકો એટલે કોઈની સ્ત્રી ઉપર દ્રષ્ટિ ના બગાડીશ. પણ તે હવે ટેવ પડી ગયેલી હોય, આદત પડી ગયેલી હોય, તે પછી ત્યાં જાય, ત્યારે રાગે પડે એનું. એને પરવાનો પ્રભુનો ! પ્રશ્નકર્તા : આજકાલ પ્રમાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલીઓ આવે છે, એ કેમ એમ ? દાદાશ્રી : પ્રમાણિકપણે કામ કર્યું તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રમાણિકપણે કામ કરશો તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. પ્રમાણિકતાની મુશ્કેલીઓમાંથી છૂટી જવાશે, પણ અપ્રમાણિકતામાંથી છૂટવું ભારે છે. પ્રમાણિકતા એ ભગવાનનું મોટું 'લાયસન્સ' છે. એનું કોઈ નામ ના દે. તમને એ 'લાયસન્સ' ફાડી નાખવાનો વિચાર થાય છે ? ડીસ્ઓનેસ્ટી એટલે બેસ્ટ ફૂલિશનેસ ! એક જણ કહે, 'મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.' તેને હું કહીશ, 'પ્રમાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું તે દેવધર્મ છે. પણ બીજાનું અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રમાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. 'ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેશ !' ઓનેસ્ટ થવાતું નથી, તો હું શું દરિયામાં પડવું ? મારા દાદા શીખવાડે છે કે, ડીસ્ઓનેસ્ટ થાઉં, તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસ્ઓનેસ્ટીને ડીસ્ઓનેસ્ટી જાણ ને તેનો પશ્ચાતાપ કર. પશ્ચાતાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે. અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે, છતાં એમનો બફારો તો અહીં આગળ વર્ણન ન થાય એવો છે. બબ્બે મિલો હોય છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થયા હતા, પણ અહીં આગળ ફેઈલ થઈ જાય ! કારણ કે એણે બેસ્ટ ફૂલિશનેસ આદરવા માંડી છે. ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ ! આ ફૂલિશનેસની તો હદ હોયને કે બેસ્ટ સુધી પહોંચાડવાનું ? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા ! વેપારમાં ત્રણ ચાવીઓ ! આ વાક્યો તમારી દુકાને લગાડશો : (૧) પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરશો. (૨) ભોગવે તેની ભૂલ. (૩) ડિસ્ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ ! ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી, એ ક્યારેય અસત્ય થતું નથી. પણ શ્રદ્ધા ડગી ગઈ છે અને કાળ પણ એવો છે. રાત્રે કોની સત્તા હોય ? ચોરોનું જ સામ્રાજ્ય હોય. ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો બધું ઉઠાવી જાય. આ તો કાળ ચોરોનો છે. તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય ? સવાર સુધી દુકાન બંધ રાખો, પણ આપણી પદ્ધતિ તો ના જ બદલાવાય. આ રેશનના કાયદા તેમાં કોઈ 'પોલ' મારીને ચાલતો થાય, તો એ લાભ માને અને બીજા કેમ નથી માનતા ? આ ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મૂકવો ? અને જો એક પર વિશ્વાસ મૂકીએ તો બધે જ વિશ્વાસ મૂકવો જોઈએ ને ! પણ આ તો ઘરમાં વિશ્વાસ, એ ય આંધળો વિશ્વાસ મૂકે છે. કોઈની સત્તા નથી, કોઈ કશું કરી શકે તેમ નથી. જો પોતાની સત્તા હોય તો કોઈ સ્ટીમર ડૂબે નહીં. પણ આ તો ભમરડા છે. પ્રકૃતિ નચાવે તેમ નાચે છે. પરસત્તા કેમ કહી ? આપણને ગમતું હોય ત્યાં પણ લઈ જાય ને ના ગમતું હોય ત્યાં ય લઈ જાય. ન ગમતું હોય ત્યાં એ તો અનિચ્છાએ પણ જાય છે, માટે એ પરસત્તા જ ને ! ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી રાખવાની, પણ આ વાક્ય હવે અસર વગરનાં થઈ ગયા છે. માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો, 'ડિસ્ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ'. પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થઈ ગયા છે. 'બીવેર ઓફ થીવ્ઝ' નું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું ? તેમ છતાં આ 'ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી'નું લોકો બોર્ડ મારે છે. છતાંય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું ? હવે તો નવાં શાસ્ત્રોની ને સૂત્રોની જરૂર છે. માટે એમ કહીએ છીએ કે 'ડીસ્ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ'નું બોર્ડ મૂકજો. મતલબ મગ ચઢાવવાથી ! પ્રશ્નકર્તા : પ્રમાણિક રહીએ પણ પૈસા ખવડાવ્યા વગર કોઈ કામ નથી થતું. દાદાશ્રી : એ તો હવે એમાં બહુ હાથ નહીં ઘાલવો. મને પૂછે, 'શું કરીશું ? આપણે સીમેન્ટ ઓછો નથી નાખતા, લોખંડ નથી કાઢતા, પણ આ તો સાઠ હજારનું બિલ નથી આપતો.' ત્યારે મેં કહ્યું કે, 'પાંચસો રૂપિયા આપીને લઈ આવો.' લઈ આવવું જ પડેને, નહીં તો આપણે ત્યાં માંગતાવાળા આવે તો એને શું આપીએ પછી ? એટલે એવું છે ને બસ્સો-પાંચસો આપીને પણ આપણો ચેક કઢાવી લેવો પડે. હા, જમાના પ્રમાણે વ્યાવહારિક થવું પડે. આપણે લેવું નથી એનું નામ લાંચ લીધી ના કહેવાય. આપવાનું તો આપણને ગરજ હોય તો શું કરીએ ? આ તમારા બે લાખ રૂપિયા કોઈ જગ્યાએ દબાઈ રહ્યા હોય ત્યારે પેલો પાંચ હજાર રૂપિયા માંગતો હોય તો આપી આવીએ એને. પ્રશ્નકર્તા : પણ આપનાર વધારે ગુનેગારને, લેનાર કરતાં ? દાદાશ્રી : એ તો પકડાય ત્યારેને ! પ્રશ્નકર્તા : લાંચ લેવી-આપવી એ કુદરતના હિસાબમાં ગુનો નહીં ? દાદાશ્રી : એવા ગુના ગણે તો ક્યારે પાર આવે ?! એવું છેને, પોતે કશું ખોટું ના કરવું, એવું નક્કી રાખવું. પણ શું થાય તે ગરજના માર્યા ક્યાં જાય તે ? ઘેર વાઈફની ડિલિવરી આવવાની હોય ને ત્યાં આગળ જગ્યા ન મળતી હોય તો ગમે તેમ કરીને પેલાને પૈસા આપીનેય રસ્તો કરે કે ના કરે ? કંઈ ઘરે ડિલિવરી કરાવાય છે ? એટલે મગ ચઢાવો. છેવટે આ મગને ગમે તે પાણીએ ચઢાવો. કાં તો આજવાનું પાણી હોય કે છેવટે ગટરનું પાણી હોય, જે પાણીએ મગ ચઢે તે પાણીએ ચઢાવી દો એવું આપણે કહેવા માંગીએ છીએ. આનો પાર નહિ આવે. આ તો હજુ લપસતો કાળ છે. હજુ તો આવું જુઓ છો. પણ હજુ તો કળિયુગ નવી નવી જાતનો દેખાવાનો છે, આનો પાર નથી આવવાનો. માટે ચેતી જાવ. ટૂંકમાં જ સમજી જાવ. ૧૯૪૨ પછીની લક્ષ્મી ! પ્રશ્નકર્તા : પણ હવે જે સાચી મહેનતથી અને પ્રમાણિકપણે જે કમાયેલા પૈસા હોય, એવી લક્ષ્મી આવી હોય તો ત્યાં ધર્મ રહે કે ના રહે ? કે ત્યાં પણ નહીં ? દાદાશ્રી : અત્યારે ખરું પ્રમાણિકપણું હોતું જ નથી. ૧૯૪૨ પછી પ્રમાણિકપણાની લક્ષ્મી એક પણ માણસ પાસે નથી. પ્રશ્નકર્તા : દર મહિને અમે કામ કરીએ, નોકરી કરીએ, એનો જે પગાર મળે છે, એ પ્રમાણિક પૈસા ના કહેવાય ? દાદાશ્રી : પૈસો જ ખોટો છે ત્યાં આગળ ! ૧૯૪૨ પછી પૈસો જ ખોટો છે. '૪૨ પહેલાં સાચો હતો. દરેક નોકરિયાતને વધતું જ ન હતું પહેલાં. અને અત્યારના નોકરિયાતને વધે છે. સાચો પૈસો વધે જ નહીં. મારું શું કહેવાનું છે ? સાચો પૈસો વધે જ નહીં. ખોટું નાણું પાપ બંધાવે ! દસ લાખ રૂપિયા બાપે છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે 'હવે હું આધ્યાત્મિક જીવન જીવું ! ત્યારે હવે, એ છોકરો કાયમ દારૂમાં, માંસાહારમાં, શેરબજારમાં બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે, તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું જ નાણું, સાચી મહેનતનું જ નાણું રહેતું નથી, તે ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યૈનું નાણું જોઈશે, જેમાં અપ્રમાણિકતા ના હોય, દાનત ચોખ્ખી હોય. એવું નાણું હોય તો તે જ સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું, એ ય પુણ્યૈનું જ કહેવાય છે, પણ પાપાનુબંધી પુણ્યનું, તે નર્યાં પાપ જ બંધાવે ! બરકત વગરના, ભોળાની લક્ષ્મી ! દુનિયાનો કાયદો એવો છે કે, હિન્દુસ્તાનમાં જેમ બરકત વગરનાં માણસ પાકે તેમ લક્ષ્મી વધતી જાય અને બરકતવાળો હોય તેને રૂપિયા ના આવવા દે. એટલે આ તો બરકત વગરના માણસોને લક્ષ્મી ભેગી થઈ છે ને ટેબલ ઉપર જમવાનું મળે છે. ફક્ત કેમ ખાવું-પીવું એ નથી આવડતું. આ કાળના જીવો ભોળા કહેવાય. કોઈ લઈ ગયું તોય કશું નહીં. ઊંચી નાત, નીચી નાત, કશું પડેલી નહીં. એવાં ભોળા એટલે લક્ષ્મી બહુ આવે. લક્ષ્મી તો બહુ જાગ્રત હોય તેને જ ના આવે. બહુ જાગ્રત હોય એ બહુ કષાય કર્યા કરે. આખો દહાડો કષાય કર્યા કરે. આ તો જાગ્રત નહીં, કષાય જ નહીં ને, કોઈ ભાંજગડ જ નહીંને ! લક્ષ્મી આવે ત્યાં, પણ વાપરતાં ના આવડે. બેભાનપણામાં જતી રહે બધી. ફોરેનવાળા જેવા ભોળા થઈ ગયા છે આપણા લોકો. તેથી લક્ષ્મી આવે. આ સાચી લક્ષ્મી નથી આવતી. ભોળાની લક્ષ્મી ! સાચી લક્ષ્મી તો જાગૃતિમાં રહે અને દિલદાર ભોળો હોય, એ ભોળો જાણીને જવા દે બધું. એ લક્ષ્મી છે તે પુણ્યાનુબંધી પુણ્યની હોય અને આમને તો ભાન જ નથીને ! આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી. શાંતિ ઘડીવાર ના આપે અને મૂર્ચ્છિત જ હોય આખો દહાડો. પ્રમાણિકતા એ ભગવાનની આજ્ઞા ! આ તો ખોટું કરવાની કુટેવ પડી ગયેલી છે. તે લક્ષ્મી વધતી નથી, ઘટે છે. પહેલાં પાંચ-દશ વર્ષ કૂણું લાગે પણ પછી પાછળ તો નરી ખોટ જ આવે, અને જેનું બંધારણ પ્રમાણિકપણે છે, તેનું તો ફરી તૂટેય નહીં. એય પણ કુદરત જ્યારે ફરેને ત્યારે તો એનેય તૂટી જવાનું. એટલે આ બધું સાચુંય નથી. પણ પ્રમાણિકપણું હોય તો એને જરા ભય ઓછો લાગે, ભય ના રહે એને ! પ્રશ્નકર્તા : હવે બિઝનેસમાં પ્રમાણિક ધંધો કરું છું, કોઈનેય છેતરતો નથી. દાદાશ્રી : એ બરોબર છે, એ ભગવાનની એક આજ્ઞા પાળી તમે કે કોઈનેય છેતરશો નહીં. પ્રમાણિકપણે, નિષ્ઠાથી કામ કરજો. એ એક ભગવાનની આજ્ઞા પાળી. પ્રમાણિકતાથી ધોવાય તમામ દુર્ગુણો ! જૂઠું બોલ્યો તેનો વાંધો નથી, પણ ઓબ્લા-ઇઝિંગ જોઈએ. જૂઠું તો શાથી બોલવું પડ્યું કે વૈદે કહ્યું હોય કે મરચું ન ખાશો. પણ મરચું ખાધા વગર તો ચાલતું જ ના હોય તો જૂઠું બોલવું પડે ને ? તો જૂઠું બોલવું એ ગુનો નથી. પ્રમાણિકતા તોડવી એ ગુનો છે. જૂઠું તો સંજોગવશાત્ બોલવું પડે. મરચાની મને ટેવ પડેલી હોય ને પેલો કહે કે મરચું નથી ખાવાનું, ત્યારે મારે શું કહેવું પડે ? 'હું મરચું ખાતો જ નથી !' એટલે જૂઠું સંજોગવશાત્ બોલવું પડે. આ સાયકલ પરથી એક જણ ઊતરી પડ્યો ને પોલીસવાળાએ જોઈ લીધા પછી તમને કહેશે કે કેમ બે જણ બેઠા હતા ? ત્યારે કહીએ કે, 'ના સાહેબ, હું તો એકલો જ હતો.' એ તો બોલવું જ પડે ને ! નહીં તો પકડાઈ જાય. એટલે જૂઠું બોલે તેનો વાંધો નથી, પણ પ્રમાણિકતા તોડી તેનો વાંધો છે. પ્રમાણિકતા, નૈતિકતા, ઓબ્લાઇઝિંગ નેચર હોય, તેને બધા દુર્ગુણો ધોવાઈ જાય. સત્ય પણ પ્રમાણિકતા, નૈતિકતા સમેત ! આ જગતનું સત્ય કેવું છે ? તમે એમ કહો કે, 'આ માણસને મેં પૈસા આપ્યા છે, તે લુચ્ચો છે, આપતો નથી.' ત્યારે બીજો માણસ તમને કહેશે કે, 'કચકચ શું કરવા કરે છે ? ઘેર જઇને ખઇને, છાનોમાનો સૂઇ જાને નિરાંતે ! કકળાટ શું કરવા કરે છો ?' તમે એને કહો કે, 'કકળાટ કરવો જોઇએ. મારું સત્ય છે.' તો તમે મોટામાં મોટા ગુનેગાર છો. સત્ય કેવું હોવું જોઇએ ? સાધારણ હોવું જોઇએ. સત્યમાં પ્રમાણિકપણું હોવું જોઇએ. એમાં કોઇને દગો-ફટકો ના થાય, લુચ્ચાઇ ના થાય, ચોરી ના થાય. નૈતિકતા એટલું જ જોઇએ, બીજા કશાની જરૂર નથી. આ સત્યના પૂંછડા થઇને બેઠેલા ને છેવટે દરિયામાં પડેલા ! નાસ્તિક, ન કોઈ જગતમાં ! આ જગતમાં ઇશ્વરને ના માનવાવાળાઓને આપણે નાસ્તિક કહેવા નહીં. એમને નાસ્તિક કહેવું એ ભયંકર ગુનો છે. એનું શું કારણ ? જેને 'હું છું' એવું પોતાના અસ્તિત્વનું ભાન છે એ બધા આસ્તિક કહેવાય અને ધર્મ બધા જુદી જુદી રીતે હોય છે. કોઈ નીતિનું પ્રમાણ માને, કોઈ સત્યનું પ્રમાણ માને, કોઈ મનુષ્યોને બચાવવાનું પ્રમાણ માને, એ પણ એક ધર્મનું પગલું જ છે. કંઈ મંદિરો બંધાવવાં એનું નામ જ ધર્મ એવું નથી. જે પૂર્ણ નીતિપરાયણ છે તે કોઈ દહાડો મંદિરમાં દર્શન કરવા ના જાય તો ય ચાલે. તેને બીજા કશાની જરૂર નથી. પ્રમાણિકતા તો મોટામાં મોટું ધર્મનું સાધન છે. પ્રમાણિકતા ને નીતિ જેવું મોટું બીજું ધર્મમાં સાધન જ નથી. આ તો નીતિ-પ્રમાણિકતા જેવું કશું નથી રહેતું, એટલે પછી પોતે મંદિરમાં જઈને, 'હે પ્રભુ ! હું કપડું ખેંચીને વેચું છું પણ મને માફ કરજો' એમ કહે. આ વેપારીઓ કપડું વેચતી વખતે ખેંચે છે તે શા માટે ખેંચે છે ? હું એમને પૂછું છું કે આ ભગવાનની ભક્તિ કરો છો ને પાછા આ કપડું શા માટે ખેંચો છો ? ત્યારે એ કહે કે, 'બધા ખેંચે છે એટલે હું ય ખેંચું છું.' મેં કહ્યું 'બધા તો કૂવામાં પડશે, તમે પડશો ? તમે ખેંચો છો શા માટે ?' ત્યારે વેપારી કહે, 'ચાલીસ મીટર કાપડ આપીએ તેમાં ખેંચી ખેંચીને આપીએ તો પા મીટર વધે છે !' અલ્યા, આ ખેંચવાની કસરત શા માટે કરે છે ? અલ્યા, આ તો વારેવારે તું રૌદ્રધ્યાન કરે છે ! તારી શી દશા થશે ? મહાવીરની સભામાં બેસતાં મેં તને જોયેલો હતો. મહાવીરની સભામાં બેઠેલા તે લોકો જ અહીં આગળ અત્યારે કપડાં ખેંચાખેંચ કરે ને તો ય આ લોકોને મોક્ષે જવાનો વારો આવતો નથી. આ તો ચટણી હારુ બેસી રહ્યા છે. આખા થાળ માટે કંઈ આ લોક બેસી નથી રહ્યા. ખોરાક આજનો અપ્રમાણિકપણાનો. લૂંગડાં-બૂગડાં બધુંય અપ્રમાણિકપણાનું, તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ભેગું કરેલું, તે મરે તો ય બહુ ભોગવતાં મરે. પરમાણુએ પરમાણુ કૈડીને જાય ને બહુ દુઃખ હોય તો હાર્ટફેઈલ થઈને જાય, ને પાછા આવતે ભવે કર્મો ભોગવવા પડે. આ તો પરમાણુનું સાયન્સ છે ! વીતરાગનું સાયન્સ છે. એમાં કોઈનું ય ચાલે તેમ નથી ! આ તો પોતાના હિસાબની ફાટેલી સાડી સારી, પોતાની પ્રમાણિકતાની ખીચડી સારી એમ ભગવાને કહેલું. અપ્રમાણિકપણે મેળવે એ તો ખોટું જ ને ?! આત્મસ્વરૂપીનો વ્યવહાર નિકાલી ! પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી આ કાળમાં વ્યવહાર વેપાર પ્રમાણિકપણે કેવી રીતે કરવો ? દાદાશ્રી : એવું હું પ્રમાણિકપણે કરવાનું નથી કહેતો. એવું છેને, જો જ્ઞાન હોય તો તમે ચંદુભાઈ નથી, તમે શુધ્ધાત્મા છો. જો તમે ચંદુભાઈ હોત તો તમારે પ્રમાણિક થવાની જરૂર હતી. હવે તો તમે શુધ્ધાત્મા છો, એટલે જે આવી પડેલા ખેલ છે, સંયોગો, તેનો ઉકેલ લાવી નાખોને અહીંથી ! આ ચોરી છે ને આ ના ચોરી છે, એવો ભગવાનને ત્યાં દ્વન્દ્વ છે જ નહીં, ભગવાનને ઘેર સાચું-ખોટું છે નહીં, આ બધું સામાજિક છે ને મનુષ્યનો બુદ્ધિનો આશય છે, બાકી ભગવાનને ઘેર આવું કશું છે નહીં. પ્રશ્નકર્તા : નીતિ-નિયમ, સાચું-બૂરું એ બધા નિયમો એ કેમ પળાય પછી ? એની જરૂર શું છે પછી ? દાદાશ્રી : ના, જો તમારે પાળવા હોય તો પછી ચંદુભાઈ થઈ જાવ. હું ફરી ચંદુભાઈ કરી આપું. પ્રશ્નકર્તા : શુધ્ધાત્માને પછી આ ગુણોની જરૂર જ નથી ! દાદાશ્રી : ના, એવું છેને, તમે જે આ કર્મો ગૂંથી લાવ્યા છો એ મને પૂછયા સિવાય બધા ગૂંથી લાવ્યા છો. ગયા અવતારે કંઈ મને પૂછવા આવ્યા નથી. માર્કેટ મટેરિયલમાં જે ભેગું થયું તેને ખરીદ-ખરીદ કર્યું અને જેટલી બેન્કોએ ઓવરડ્રાફ્ટ આપ્યા, તે લે લે કર્યા છે. એટલે મેં કહ્યું કે, આ ઓવરડ્રાફ્ટ લઈને નાદાર જેવી સ્થિતિ થઈ ગયેલી છે. માટે હવે તમે શુધ્ધાત્મા થઈ જાવ. અને આ બીજું બધું છે તે નિકાલ કરી નાખવાનો. આ દુકાન ધીમે ધીમે કાઢી નાખવાની, તે ખાંડ હોય તો ખાંડેય વેચી ખાવ અને ગોળ હોય તો ગોળેય વેચી ખાવ, મરીયાં હોય તો મરીયાં વેચી ખાવ અને કોઈની જોડે લઢશો નહીં. કોઈ પૈસા ના આપે તોય એની જોડે લઢશો નહીં અને કોઈ પૈસા માંગતો હોય તો તેને વહેલામાં વહેલી તકે આપી દેજો અને તે તમારી સગવડ ના હોય તો 'બાપજી, જય બાપજી' કરીને એને દુઃખ ના થાય, એવી રીતે સમભાવે નિકાલ કરીને છૂટા થઈ જાવ. ત્રણ વસ્તુથી ધર્મ ! કોઈ પૂછે કે મારે ધર્મ શું પાળવો ? ત્યારે કહીએ કે આ ત્રણ વસ્તુ પાળને બા : (૧) એક તો નીતિમત્તા ! એમાં જરા ઓછું-વત્તું વખતે થાય એમ માનોને, પણ નીતિમત્તા પાળવી. (૨) પછી બીજું ઓબ્લાઇઝિંગ નેચર તો રાખ ! પૈસા ના હોય તો રસ્તે જતાં કહીએ, 'તમારે કંઈ બજારમાં કામકાજ હોય તો મને કહો, હું જાઉં છું બજારમાં' એમ પૂછતા જઈએ. (૩) અને ત્રીજું એનો બદલો ય લેવાની ઇચ્છા નહીં. અને જગત આખું બદલાવાળું. તમે ઇચ્છા કરો તો ય બદલો લે ને ના ઇચ્છા કરો તો ય બદલો લે. એમ એક્શન-રીએક્શન આવે. ઇચ્છાઓ તમારી ભીખ છે. તે નકામી જાય છે. ધર્મનો પાયો ! ધંધામાં અણહક્કનું નહીં. ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણ વરસ, બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તો ય છૂટશો. નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે ! 'પરસ્ત્રી માતા સમાન થવી જોઈએ. નીતિનું ધન આવવું જોઈએ અને ત્રીજું, મને કશું જ આવડતું નથી.' આટલું જેને થયું, તેની જવાબદારી 'અમે' લઈએ છીએ. જોવાનું, બરકત વધે તે ! આપણે ત્યાં શું કહેશે, ધંધામાં કંઈ બરકત નથી આવતી. અલ્યા, ભગવાન ગયા માટે બરકત નથી આવતી. ભગવાન જો હોયને ત્યાં સુધી ધંધામાં બરકત ને બધું આવે. નાણું કમાવાનું જોર કરવા જેવું નથી. નાણામાં બરકત શી રીતે આવે છે એ વિચારવા જેવું છે. તે જ્ઞાની પુરુષ દેખાડે કે આ રીતે બરકત આવશે. નહીં તો બરકત નહીં આવે. એક મુસલમાન શેઠ હતા. તે કહે છે કે પંચોતેર લાખ રૂપિયા મારી પાસે આજે બેન્કમાં તૈયાર છે અને આવક જબરજસ્ત છે. પણ સાહેબ બરકત નથી આવતી. તે શી રીતે આવે ? બરકત નહીં એટલે શું ? ધંધામાં નરી ઉપાધિ, હાયવોય, હાયવોય, બળતરા, ચિંતા ! અલ્યા, આટલા લાખ રૂપિયામાં ય ચિંતા ! બરકત નથી આવતી ! એટલે જ્ઞાની પુરુષને પૂછે કે સાહેબ, બરકત શી રીતે આવે ? બરકત ના જોઈએ ? બરકત હોય ને તો નાણું ટકે ને આપણને શાંતિ આપે, ને બરકત ના હોય ને તે તો ઉલટી ઉપાધિ કરે ! આવેલું નાણું દુઃખ આપીને જાય. અને જતું રહે પાછું ! તમે બે-ત્રણ વર્ષ પછી જો જો ને, મોટી મોટી પાર્ટીઓ આમ પડું પડું થઈ રહી છે. હવે આમાં શું થાય ? કે નાની પાર્ટીઓવાળા માર્યા જાય. એને ત્યાં મૂકી આવ્યો હોય, વ્યાજ ખાવા હારુ ! બે ટકા અને અઢી ટકા, એ પાર્ટીઓ ઊડી જાય. પેલાનું તો શું ગયું ? આમાં શું મજા કાઢવાની ?! શું લેવાનું એમાં ? છે જ નહીં પછી શું લેવાનું તે ? અને એ કકળાટ કરવામાં શું સ્વાદ ! આવા ખોટા પૈસા તે ગયા ! નૈયત અચ્છી તો બરકત બડી ! તું જે કરે છે એમાં કશી બરકત આવે ખરી ? કોને બરકત કહે છે આપણા લોકો ? પ્રશ્નકર્તા : સફળ થાય બધું એને બરકત કહેવાય ? દાદાશ્રી : ના. ગમે એવી સફળતા થતી હોય, ગમે એવું ધાર્યું થાય, તો ય બૂમ પાડે, 'દાદા, જો કહીએ સો મિલતા હૈ મગર ખુદા કી બરકત નહીં હૈ !' ત્યારે ખુદા શું કહે છે, 'નૈયત અચ્છી રખ તો બરકત હો જાયેગી.' પ્રશ્નકર્તા : નૈયત એટલે નીતિ ? દાદાશ્રી : નીતિ તો એનો એક ટૂકડો નૈયતનો. પ્રશ્નકર્તા : અંદરનો ભાવ ? દાદાશ્રી : હા, એવા ભાવ. એને જ નિયતિ કહેવાય છે. નિયતિ ઉપરથી નૈયત થયું છે. એટલે કો'ક ગાળો ભાંડે પણ એ માણસ શું કરે ? એ ક્યારેય પણ એને દુઃખ ન થાય એવો ભાવ રાખે એ નિયતિ કહેવાય, નૈયત કહેવાય અને ચોરી નહીં કરનારનો ય ભાવ, નૈયત કહેવાય, વિકારી નહીં થવું એ બધા નૈયત કહેવાય અને થવું એ વિરોધી કહેવાય. પછી બરકત રહે નહીંને ! એ પ્રમાણે ન થવું. આપણે રૂપિયા લેતા પહેલા ભાવ થાય તે લેતાં પહેલાં એ વિચાર કરે કે સાલુ લઈશું ખરા પણ આપીશું ક્યારે ? માટે જેને માનતો હોય ને, 'હે દાદા ભગવાન, મને એને વહેલામાં વહેલી તકે પાછા આપવાની શક્તિ આપો' અને પછી લેવા. એ નૈયત સારી કહેવાય. તેને પછી આપણા લોક દાનત કહે, બીજું બધું કહે, પણ મૂળ નૈયત છે. કોઈને ના અપાયા હોય, તો ય મનમાં એવી ભાવના રાખવી કે ક્યારે અપાય ! આપણને એમ લાગે કે અહીં પૈસા નાખવા જેવા છે, દાન કરવા જેવું છે, તો ય આપણાથી ના અપાય તો મનમાં ભાવના રાખવી. ના અપાય તો તેનો વાંધો નહિ. પણ ભાવ જ ના રાખે તો ? બીજ નાખીએ નહીં તો ઊગે કેમનું ? આ તો બીજ નાખીએ, કોઈ ફેરો ધૂળ આવીને ભેગી થઈ અને ઊગી એ નીકળે. બીજ જ ના નાખીએ તો ? એ નિયતિ કહેવાય છે, નૈયત એટલે બરકત. બરકત તો જોઈએને ! એટલે અમે વ્યાપારીઓને પહેલું શીખવાડીએ કે નૈયત બગડે નહીં એટલું સાચવજે, તો તું સુખી થઈ જઈશ. એ જ્ઞાન તું સાચવી રાખજે. ભલે દુઃખી થઈ જઉં, ગમે તે થયું, આપવા છે એવું નક્કી રાખજે. એટલે અપાઈ જશે. પૈસા બધા ય જતા રહે, દેવું થઈ ગયુ હોય તો ય આપવા છે એવું નક્કી રાખજે. તમને એક દાખલો આપું. એક ભઈની પાસેથી પચાસ હજાર રૂપિયા લઈ ગયો હોયને, પછી પૈસા જતા રહ્યા પેલાના એટલે મનમાં એમ થયું કે હવે શી રીતે આપીશું ? તે જતા રહ્યા ત્યાં સુધી આપવાનો ભાવ હતો. અને પછી પૈસા ખલાસ થઈ ગયા એટલે થોડા અરસામાં એણે નક્કી કર્યું કે હવે શું આપવું-લેવું છે, મેલોને છાલ, કહેશે ! અને પછી કમાયો. પેલું શું આપવું-લેવું છે એ રહ્યું ઠેઠ જોડે. જે અભિપ્રાય બાંધ્યોને તે જોડે રહ્યો. ત્યારે પેલો પૈસા માંગતાવાળો શું કહે, હં, પૈસા આવ્યા તો ય નિયત જ ખોટી છે તમારી. એ નિયતિ. નૈયત એટલે શું ? ભાવિભાવ. ભવિષ્યમાં જે થવાનું છે તેનો ભાવ આજે કરીએ. આપવા નથી એ જે ભાવ કર્યો તે... પ્રશ્નકર્તા : એને માટે શબ્દ દાનત. દાદાશ્રી : દાનત. પણ આ નિયતિ શબ્દને લીધે તમને આ નિયતિ તમારે જાણવું છે ને એ નિયતિ આમાં વપરાય છે કે તારી નૈયત બરોબર નથી. એટલે આ શું કહેવા માંગું છું ત્યાં આગળ કે ભલે પૈસાની ખોટ ગઈ, આમતેમ થયું, પણ છતાં હવે શી રીતે આપીશું તે વખતે, એવો મુકાબલો નહીં કરવાનો કે હવે શું આપવું છે ?! તે ઘડીએ એમ જ રાખવું કે મારે પૈસા આપી દેવા છે. મરતાં સુધી, ન અપાય તેનો વાંધો નથી, પણ પૈસા મારે આપી દેવા છે જ્યારે આવે ત્યારે. એ વૈજ્ઞાનિક રીત છે. નૈયત બગડે એ નિયતિ છે. નિયતિમાં એણે નિયત બગાડી. એનો માર ખાવો પડશે હવે. નિયત જો બગડે નહીં તો સીધો મોક્ષે ચાલ્યો જાય, કોઈ પણ વાતમાં નિયત બગાડે નહીં, નિયતિનો દુરૂપયોગ ના કરે તો ! નિયતિ હંમેશા ભાવિભાવ રૂપે હોય, ભૂતભાવરૂપે ના હોય. અત્યારે કોઈ પણ માણસે એક માણસનું ખૂન કર્યું પણ છતાં એને ભાવ આવે છે, ભાવિભાવ આવે છે કે ખૂન ક્યારેય ન કરવું જોઇએ હવે. એ ભાવિભાવ આવતા ભવમાં છે તે એનું ફળ આવશે. એ નિયતિનું છે. નિયતિના આધીન એને છે તે હવે ખૂન ના કરવું જોઈએ, એ આવશે. પ્રશ્નકર્તા : નિયતિ એટલે આ કર્મ અને આ એનું ફળ. એ નિશ્ચિત છે, ચોક્કસ છે અને એ એને ભોગવવાનું એ એની નિયતિ છે. દાદાશ્રી : નહીં, કર્મનું ફળ જે છે ને, એ તો સ્વભાવિક છે. જેમ માણસે વાંચ્યું ના હોય અને સ્વભાવિક રીતે નાપાસ થાય, એમાં નિયતિની શી જરૂર ? એ સ્વભાવિક છે. અત્યારે બધાની નૈયત જ બગડી ગઈ ને ! નૈયત નહીં બગડેલી ? પ્રશ્નકર્તા : બગડી ગયેલી ! દાદાશ્રી : હવે આ નિયતિનો દુરૂપયોગ થયો તેનો માર પડવાનો હવે. એ ય વળાંક માર્યો. કેટલાંય અવતાર એનો વળાંકો ખાધો. નૈયત બગડી કહેશે. હવે અનુભવીઓને પૂછીએ કે 'સાહેબ, ત્યારે કરવું શું, નૈયત ના બગાડીએ તો ?! કારણ કે અહીં પહોંચી વળીએ એવું નથી.' ત્યારે કહે, 'પહોંચી ના વળાય એવું હોય તો બધાને કહી દે કે સાહેબ, જરા પહોંચી વળાય એવું નથી, પણ મારે આપવાના છે.' 'તારી નૈયત ના બગડી, તો તારો નંબર ફર્સ્ટ', કહેશે. નૈયત ના બગાડીશ. આ નિયતિ તો મોટામાં મોટી ગજબની વસ્તુ છે ને એને જ જો તું આમ સમજી અને ના બગાડીશ. પણ લોકો જાણે નહીં ને ! લોકો જાણે કે આ મોટામાં મોટી વસ્તુ, એવું જાણે નહીં ને ! પ્રશ્નકર્તા : ના જાણે ત્યારે જ બગડે ને ! દાદાશ્રી : હા, જો નિયતિ મેં દેખાડીને તમને ? તમે જોઈને નિયતિ ? પ્રશ્નકર્તા : હા. દેખાડી, દાદા. દાદાશ્રી : વ્યવહારમાં ચાલુ હોય છે, પણ ખબર ના પડે. પ્રશ્નકર્તા : દાદાના જ્ઞાનથી બહુ મોટો ફાયદો થઈ જાય છે કે વળાંક લઈ લે ને, સીધી નિયતિમાં જ ચાલ્યો જાય. દાદાશ્રી : સીધી નિયતિમાં જતો રહે છે. એટલે વળાંક ના આવે. એટલે કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય તો બધાને કહે, 'ભઈ, હું તમને દૂધે ધોઈને પૈસા આપીશ.' લોકો તો ગાળો દે, નૈયત બગાડીને ય ગાળો નહીં દેવાનાં ? પ્રશ્નકર્તા : લોકો તો ગાળો દેવાનાં જ છે. દાદાશ્રી : માટે તું એનો આ ટાઈમ પસાર કરી નાખને ! તારો ભાવ, તારી નૈયત નહીં બગડેલી હોય. તો પેલા સાનમાં સમજી જશે કે 'ભાઈની દાનત સાચી છે', એમ કહેશે. એ સમજી જાય કે ના સમજી જાય કે દાનત સાચી છે ? એ દાનત સાચી તો કલ્યાણ થઈ જાય. ખોરી દાનત, દુઃખી હાલત ! પ્રશ્નકર્તા : માણસની દાનત કેમ ખરાબ થાય છે ? દાદાશ્રી : સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં ને ? બધાંની જો સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં. સ્વર્ગ જ કહેવાય ને ! તો પાલખી ઊંચકનારા ય ના હોય ને પાલખીમાં બેસનારા ય ના હોય. ખરાબ દાનત છે તે પાલખી ઊંચકે છે. જેને આપણે પાંચ હજાર રૂપિયા આપ્યા, હવે તેની દાનત ખરાબ થાય. એટલે આપણે પછી શું કરવાનું ? પ્રશ્નકર્તા : પછી તો કાયદો સંભાળે. કાયદામાં જે રીતે થતું હોય એ રીતે કરવું પડે. દાદાશ્રી : હા, કાયદાથી જેટલું બને એટલું કર્યું, છતાં હાથમાં ના આવે તો શું કરવું ? પ્રશ્નકર્તા : છોડી દેવું પડે ? દાદાશ્રી : આપણે એટલું સમજી જવું કે આ માણસની દાનત, નૈયત ફરી છે. એટલે આ માણસ ભવિષ્યમાં બહુ દુઃખી થવાનો છે. એટલે એની ઉપર આપણે ભગવાનને કહેવું કે ભગવાન, એને સદ્બુદ્ધિ આપ. એ માણસ બહુ દુઃખી થશે અને જેની દાનત નથી ફરી એ સુખી થવાનો છે. એટલે આપણે સમજી જવું કે આની દાનત ફરી તો આ દુઃખી થવાના છે. હવે જો બધાંયની દાનત ના ફરે તો કોણ સુખી થાય ? એટલે અહીં ખાડો હોય તો અહીં ટેકરો કહેવાય. પછી ખાડો જ ના હોય તો લેવલ લેન્ડ થાય. પ્રશ્નકર્તા : હવે માણસની દાનત કયા કારણથી ખરાબ થાય છે ? દાદાશ્રી : એનું ખરાબ થવાનું હોય ત્યારે એને ફોર્સ મારે કે તું આમ કરી જાને, હઉં થશે. એનું ખરાબ થવાનું માટે. 'કમિંગ ઈવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.' (જે બનવાનું છે, તેના પડછાયા પહેલાં પડે.) પ્રશ્નકર્તા : પણ એ રોકી શકે ખરો ? દાદાશ્રી : હા, રોકી શકે એને. જો એને જ્ઞાન મળેલું હોય કે ખરાબ વિચાર આવે તો ય પાછળ પશ્ચાતાપ કર. તે આમ કરે કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. આમ રોકી શકાય. ખરાબ વિચાર આવે છે તે મૂળ-ગત જ્ઞાનના આધારે, પણ આજનું જ્ઞાન એને એમ કહે છે કે આ કરવા જેવું નથી. તો ફેરવી શકે છે. કંઈ ખુલાસો થાય છે ? પ્રશ્નકર્તા : ઇચ્છાઓને લીધે દાનત ના બગડે ? દાદાશ્રી : શેની ઇચ્છાઓ ? પ્રશ્નકર્તા : એને ઇચ્છા થાય કે આ ભોગવી લેવું છે. એટલે હરામના પૈસા પડાવી લે, એમ ? દાદાશ્રી : દાનત બગાડવી એટલે પાંચ લાખ રૂપિયા માટે બગાડવી એવું નહીં. આ તો પચીસ રૂપિયા માટે હઉ દાનત બગાડે બળી ! એટલે ભોગવવાની ઇચ્છાની ભાંજગડ નથી. એને એવા પ્રકારનું જ્ઞાન મળ્યું છે કે શું આપવું છે ? આપવા કરતાં તો આપણે અહીં જ વાપરો. હઉ થશે. દેખ લેંગે. એ ઊંધું જ્ઞાન મળ્યું છે એને. એક માણસ છે તે દેવું થઈ ગયું છે. તે મનમાં ખરાબ વિચાર આવે છે કે હવે શું આપવું લેવું છે ? પણ પછી બીજો વિચાર એને જોર કરે છે કે નહીં, બધું આપવું જ છે. એટલે આપવું છેે એમાં એનો નિશ્ચય છે. હવે પોતાને બહુ ચોકસાઈ છે કે આપવું છે, છતાં ય પણ એ કર્મફળ આપવા દેતું નથી. નિશ્ચય છે છતાં નથી આપવા દેતું. એક બાજુ કર્મફળ આપવા દેતું નથી, એક બાજુ નિયતિ આપવું છે, એવું રહે છે. એ બન્ને ય સાથે ચાલે. પણ છેવટે નિયતિ એનું ફળ આપ્યા વગર રહેશે નહીં. નિયતિને જો સુધારવી હોય તો ભાવિભાવ છે તે ફેરફાર કરો, સારો કરો. 'એ ભાવિભાવ શું છે' એટલું એ નિયતિનું કામ છે. આજે તમે લોકોને ગાળો દો છો, નુકસાન કરો છો, પણ તમારે અત્યારે ભાવિભાવ શું છે ? ત્યારે કહે, ના. હવે ભવિષ્યમાં ગાળ દેવી જ ના જોઈએ અને આમતેમ એ બધું ડીસિઝનમાં આવી ગયું. એ જ છે તે નિયતિનું કામ છે. પ્રશ્નકર્તા : આ નિયતિ શેના આધારે બંધાય છે ? દરેક માણસની નિયતિ સરખી હોય કે દરેકની અલગ અલગ હોય ? એનો આધાર શું ? દાદાશ્રી : બંધાયેલી જ હોય એ. એને શેના આધારે પરખાય ? ત્યારે કહે, ભાવિભાવ શું આવે છે એનો ? પ્રશ્નકર્તા : એના આધારે નિયતિ બંધાય ? દાદાશ્રી : પરખાય. બંધાયેલી તો છે જ, પારખવી હોય તો આની નિયતિ કેવી છે, ભવિષ્યમાં રૂડું ફળ આવે એવું છે કે એનું ખરાબ ફળ આવે એવું છે, તો એના ભાવિભાવ ઉપરથી ખબર પડે. હિસાબ જડે ભાવ પરથી ! પ્રશ્નકર્તા : ભાવ ચોખ્ખો હોવો જોઈએ ને ? ભાવ જ બગડી ગયો હોય તો પાછા શી રીતે અપાય ? દાદાશ્રી : એ ભાવ ચોખ્ખો નથી એ ઉપરથી જ આપણે હિસાબ કાઢી શકીએ કે આ અપાશે નહીં. અને ભાવ ચોખ્ખો હોય તો જાણવું કે આ પાછા અપાશે. આપણે આપણી મેળે તોલ કાઢી જોવો. આપણને અડચણ હોય તો આપણે આટલું જોવું કે આપણો ભાવ ચોખ્ખો રહે છે કે નહીં ? તો ચોક્કસ અપાશે, પછી ચિંતા કરવા જેવું નથી. આપણે કોઈના રૂપિયા લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી અપાશે. પછી એના માટે ચિંતા વરીઝ નહીં કરવાની. ભાવ ચોખ્ખો રહે છે કે નહીં, એટલું જ જોવાનું. આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે. ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો ? ત્યારે કહે કે, 'આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !' એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય. બરકત વગરનું નાણું ! અને આ કાળમાં કોઈ માણસ એવો દાવો ના કરી શકે. અરે, હું પણ એવો દાવો ના કરી શકું કે મારા પૈસા સાચા છે. પૈસા સ્વભાવથી જ ખોટા છે. હા, નહીં તો પાંચ રૂપિયા લઈને પહેલાં નીકળતાં, તે બાર ભાઈબંધ પાછળ ફર્યા કરે ! અત્યારે તો એક હજાર લઈને ફરો તો ભાઈબંધ કોઈ એટલે આ બરકત નથી. માટે આમાં ખુશ રહેવા જેવું નથી આ રૂપિયાથી. અને હોય તો લોકોને જમાડી-કરીને ઊંચા મૂકી દેવા. બ્રાહ્મણો જમાડવા, તેના કરતાં આ દાદાના મહાત્માઓને જમાડવા બહુ ઉત્તમ ! આવા બ્રાહ્મણો નહીં મળે. જેને જમવાની ઇચ્છા નથી, જેને કોઈ જાતની તમારી પાસે ઇચ્છા નથી, ભાવના નથી. કૃપાથી ખુદાઈ બરકત ! બરકત આવવી જોઈએ, ખુદાઈ બરકત ! હવે નાણું ખૂટશે નહીં. તમે જો ખુદાઈ બરકતમાં આવી ગયા ! કારણ કે જ્ઞાન મળ્યું ત્યારથી જ ખુદાઈ બરકત આવવા માંડી ! અને પછી જો વ્યવહાર ધીરે ધીરે ચોખ્ખો થવા માંડ્યો પછી નાણું ખૂટે નહીં. તમે પાવડેથી ખૂંપીને આપો તો ય ખૂટે નહીં. આ 'દાદા ભગવાન' પ્રગટ થયા છે ને, એમની જો કૃપા ઉતરે તો શું ના આવે ?! એમની કૃપા ઉતરે તો બરકત રહે ! એ ખુદાઈ બરકત છે ! જ્ઞાનીકૃપા શું ના કરે ? આ તો લોક આર્તધ્યાન ને રૌદ્રધ્યાન આખો દહાડો કરે છે. તેનાથી લક્ષ્મી તો આટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે અને આર્તધ્યાનથી ને રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ઉપયોગ કરે છે. એ તો પહેલાંની પુણ્યૈ જો હશે તો જ મળશે. આ 'દાદા'ની કૃપાથી તો બધું ભેગું થાય. કારણ શું ? તેમની 'કૃપા'થી બધા અંતરાયો તૂટી જાય. લક્ષ્મી તો છે જ, પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી, તે અંતરાયો 'અમારી' કૃપાથી તૂટે. તે પછી બધું ભેગું થાય. 'દાદા'ની કૃપા તો મનના રોગોના અને વાણીના રોગોના, દેહના રોગોના એ સર્વ પ્રકારના દુઃખના અંતરાયને તોડનાર છે. જગતનાં સર્વસ્વ દુઃખ અહીં જાય. અનીતિ નહીં, નીતિ હોવી ઘટે ! એવું છે ને, હિતાહિતનું સાધન પોતાને શું કરવું જોઈએ એ જીવે કોઈ દહાડોય સાંભળ્યું નથી. પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એનું ભાન જ નથી થયું. પોતે પોતાનું હિતાહિતનું સાધન લોકોનું જોઈને કરે છે. લોકો પૈસા પાછળ પડે છે. પૈસા લાવીશ તો સુખી થઈ જઈશ. પણ કંઈ એનું હિત થતું નથી. 'બાય, બોરો ઓર સ્ટીલ, (ખરીદો, ઉછીનું લાવો અથવા ચોરી કરો) એ રીતથી પૈસા લાવે એ ચાલે નહીં. ગમે તે રસ્તે પૈસા લાવે એ ચાલે ? કંઈ નીતિમય તો હોવું જોઈએ ને ? નીતિમય પૈસા લાવ્યા તો એનો વાંધો નથી. પણ અનીતિમય પૈસા લાવ્યા એટલે પોતાના જ પગ પર કુહાડો માર્યો અને નનામી કાઢે તે ઘડીએ પૈસા અહીં પડી રહેવાના. એ કુદરતની જપ્તીમાં જાય અને પોતે ત્યાં આગળ જે ગૂંચો પાડેલી, તેનું પાછું ભોગવવું પડે. ત્યાં સુખ સાંપડે સંસારમાં ય ! સંસારી આનંદ જે થાય છે એ તો મૂર્છા છે, લગ્નમાં ગયો હોય તે દહાડે ચિંતા બધી જતી રહે, વાજાં વાગ્યા, વરઘોડો આવ્યો કે બધું દુઃખ ભૂલી જાય ને મૂર્છામાં ને મૂર્છામાં ફર્યા કરે. પણ ઘર આવે ત્યારે એનું એ જ હોય પાછું, બાકી જગતમાં સુખ હોય નહીં કોઈ જગ્યાએ. છતાં જગતમાં સુખ એક જગ્યાએ છે. જ્યાં સંપૂર્ણ નીતિ હોય, દરેક વ્યવહારમાં સંપૂર્ણ નીતિ હોય ત્યાં આગળ સુખ છે અને બીજું, જે સમાજસેવક હોય અને તે પોતાને માટે નહીં, પણ પારકાને માટે જીવન જીવતો હોય તો એને બહુ જ સુખ હોય, પણ એ સુખ ભૌતિક સુખ છે, એ મૂર્છાનું સુખ ના કહેવાય. નીતિની ભજના જરૂરી ! ભગવાનને ના ભજે ને નીતિ રાખે તો ય બહુ થઈ ગયું. ભગવાનને ભજતો હોય ને નીતિ ના રાખતો હોય તો તેનો અર્થ નથી. એ મીનિંગલેસ છે. છતાં આપણે પાછું એવું ના કહેવું. નહીં તો એ પાછો ભગવાનને છોડી દેશે અને અનીતિ વધારે કર્યા કરશે. એટલે નીતિ જેવું રાખવું. એનું ફળ સારું આવે. આ કાળમાં જેટલી નીતિમત્તા સચવાય એટલું ભાવથી કર્યા કરવું. હાયવોય તો કોણ કરે કે જેને અનાજ કે કંઈ ખૂટી પડતું હોય તે હાયવોય કરે. એવું અનાજ ખૂટી પડે એવો દહાડો તો તમને નથી આવવાનો ને ? કપડાં ખૂટી પડે એવા દહાડા આવે છે ? અક્રમ વિજ્ઞાનની અનોખી સમજ ! પ્રશ્નકર્તા : આ જે ખોરાક છે, તે કઈ કમાણીથી મેળવવો ? દાદાશ્રી : એ તો એવું છેને, જ્ઞાન ના હોય તેને તો કમાણી નીતિવાળી હોવી જોઈએ તે સારું અને જ્ઞાન હોય એ તો જે તને કમાણી આવે છે તે રીતે તું ખા. જ્ઞાન લેતાં પહેલાં જે કમાણી તું કરતો હોત, એ જ કમાણી તારે ચાલુ રહેવા દેવી. ફક્ત જો ખોટી લાગતી હોય તો મનમાં ખેદ પામ્યા કરવું જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે. બાકી ખા-પી, મઝા કર. રસ-રોટલી નિરાંતે ખાજે. કારણ કે જેવો હિસાબ બાંધ્યો છે, તેવો હિસાબ ફૂટ્યા વગર રહેવાનો નથી અને જેવા ભાવે બાંધેલું છે તેવા ભાવે છૂટશે. એમાં મારું ચાલવાનું નથી ને તમારુંય ચાલવાનું નથી. તેથી અક્રમ વિજ્ઞાન એવું છે કે એમાં કશામાં હાથ જ ઘાલ્યો નથી. તું તારા સ્વભાવમાં આવી જા. બીજું બધું એને જવા દે. એમાં ભેળસેળનો ભયંકર ગુનો ! તમારે ધંધો કરવો હોય તો હવે નિર્ભયતાથી કર્યા કરજો, કોઈ ભય રાખશો નહીં અને ધંધો ન્યાયસર કરજો. જેટલું બને એટલું, પોસિબલ હોય એટલો ન્યાય કરજો. નીતિના ધોરણ ઉપર રહીને પોસિબલ હોય એટલું કરજો. જે ઇમ્પોસિબલ હોય તે નહીં કરતા. પ્રશ્નકર્તા : એ નીતિનાં ધોરણ કહેવાં કોને ? દાદાશ્રી : નીતિનું ધોરણ એટલે તમને સમજાવું. અહીં મુંબઈના એક વેપારી હતા, તે ઘઉંના જ્યારે બહુ ભાવ વધ્યા હતા ને, ત્યારે એ વેપારી એક વેગન ઇંદોરી ઘઉં મંગાવે અને એક વેગન રેતી મંગાવે, બેઉ ભેગું કરીને પછી કોથળા ફરી ભરે. બોલો, હવે એ નીતિ કહેવાય ? પ્રશ્નકર્તા : પણ નીતિ-અનીતિના તો ઘણા સૂક્ષ્મ ભેદો હોય છે, તે ખબર ના પડે. દાદાશ્રી : બીજા બધામાં અનીતિ આપણે જોવાની જરૂર નથી, પણ માણસોને ખાવાની વસ્તુઓ હોય છે, માણસોના શરીરમાં જે જવાની વસ્તુઓ હોય છે, ખોરાક કે દવા, એને માટે તો આપણે બહુ જ નિયમો રાખવા જોઈએ. એવું છે ને કે તમે છેતરીને ચાલીસ રતલને બદલે સાડત્રીસ રતલ આપો, પણ ચોખ્ખું આપો તો તમે ગુનેગાર નથી અથવા તો ઓછા ગુનેગાર છો અને જે માણસ ભેળસેળ કરીને ચાલીસ રતલ પૂરું આપે છે, એ બહુ જ ગુનેગાર છે. ભેળસેળ ના કરો. ભેળસેળ આપ્યું ત્યાં ગુનો છે. માનવજાતિ ઉપર ભેળસેળ ના હોવું જોઈએ. પ્રશ્નકર્તા : હું તો મારી અંગત રીતે માનું છું કે જેનાથી આપણો આત્મા દુભાય છે એ કાર્ય ના કરવું જોઈએ. દાદાશ્રી : જ્યાં તમારા આત્માને દુઃખ થાય છે એ કાર્ય ના કરવું. બાકી માણસના શરીરને દુઃખ થાય, ભેળસેળ કરે, દૂધમાં બીજું ભેળસેળ, તેલમાં બીજું ભેળસેળ, ઘીમાં બીજું ભેળસેળ, તે કેવું કેવું અત્યારે ભેળસેળ કરવા માંડ્યું છે, એ બધું ન હોવું ઘટે. ત્યાં નહીં બંધન ! પ્રશ્નકર્તા : નૈતિકતાનું મૂલ્ય બદલાયું કે નૈતિકતાનું મૂલ્ય એનું એ રહ્યું ? એક દાખલો આપું. ગાડીમાં ટિકિટ લઈને બેસવું પડે છે, એ નૈતિક મૂલ્ય થયું. પણ હવે તો ટિકિટ સિવાય પાઘડી આપવી પડે, એ પાઘડી એ પાપ ખરું કે નહીં ? દાદાશ્રી : પાપ ખરું ને ! બધું પાપ ખરું, પણ એ સંજોગો એવા હોય એટલે આપણને ગરજ હોય, તો શું કરવું પડે ? પ્રશ્નકર્તા : એનું બંધન ખરું ? સંજોગો હોય અને આપવું પડે પછી એનું બંધન ખરું ? દાદાશ્રી : ખરું. આપનારને ય બંધન, લેનારને ય બંધન. બન્નેયને બંધન. આપનારાં પેલા લોકોને એન્કરેજ કરે છે. ગુના એટલે ગુના જ હોય. પણ એવો જમાના પ્રમાણે વેશ ના કરે તો માર ખાય. પ્રશ્નકર્તા : તે આ 'જ્ઞાન' લીધેલા મહાત્માઓને લાગુ પડે કે નહીં ? દાદાશ્રી : ના. મહાત્માઓને એવું છે ને, મારું કહેવાનું કે એ સંજોગ આવે એમાં 'તમે' જુદા અને ચંદુભાઈ જુદા. તે ચંદુભાઈ સંજોગ 'અનુસાર' જે ચાલે એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : એ જ કહું છુ ને ! એટલે એને લાગુ પડે નહીં ને ? એને બંધન ના પડે ને ? દાદાશ્રી : બંધન શી રીતે પડે પણ એને ? તમે શુધ્ધાત્મા છો, જ્યારે તમે ચંદુભાઈ છો તો બંધન પડે. પ્રશ્નકર્તા : પણ આજે જો જીવવું જ હોય તો બીજો કોઈ રસ્તો જ નથી પણ. દાદાશ્રી : રસ્તો જ નથી. પ્રશ્નકર્તા : આજે વેપાર કરવો હોય તો ય કંઈ કરવું પડે. દાદાશ્રી : બધું જ, સંજોગ જ એવા મૂકાયેલા છે કે એમાં માણસનું કશું ચાલી શકે નહીં. આપણું જ્ઞાન હોય તો બંધન નથી, નહીં તો બંધન જ છે ને ! એમાં ય સત્ય, હિત, મિત ને પ્રિય ! આપણે સત્ય, હિત, પ્રિય અને મિત રીતે કામ લેવું. કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની, એને હિતકારી હોય એવી વાતચીત કરીએ. એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય. તો ત્યાં આપણે એને કહીએ, 'ભઈ, આ વસ્તુ તમારા કામની નથી.' ત્યારે કોઈ કહેશે કે, 'આવું સાચું કહી દઈએ તો અમારે ધંધો કરવો શી રીતે ?' અલ્યા, તું જીવે છે શા આધારે ? કયા હિસાબથી તું જીવી રહ્યો છે ? જે હિસાબથી તું જીવી રહ્યો છે એ જ હિસાબથી ધંધો ચાલશે. કયા હિસાબથી આ લોકો સવારમાં ઊઠતા હશે ? રાત્રે સૂઈ ગયા, ને મરી ગયા તો ?! ઘણાં માણસ એવાં સવારે પાછાં ઊઠેલાં નહીં ! એ કયા આધારે ? એટલે ભડકવાની જરૂર નથી. પ્રમાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું પણ હિસાબ માંડીશ નહીં. સાચાને ઐશ્વર્ય મળે છે. જેમ જેમ સત્યનિષ્ઠા ને એ બધા ગુણો હોય ને, તેમ તેમ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. ઐશ્વર્ય એટલે શું કે દરેક વસ્તુ એને ઘેર બેઠાં મળે. સત્યનિષ્ઠા ત્યાં ઐશ્વર્ય ! કશું દુનિયામાં છે નહીં એવું નથી, બધી જ ચીજ દુનિયામાં છે. પણ 'સકળ પદાર્થ હૈ જગમાંહિ, ભાગ્યહીન નર કછુ પાવત નાહીં' એવું કહે છે ને ? એટલે જેટલી કલ્પના આવે એટલી બધી જ ચીજ જગતમાં હોય, પણ તમારા અંતરાય ના હોવા જોઈએ, તો ભેગી થાય. સત્યનિષ્ઠા જોઈએ. ઈશ્વર કંઈ મદદ કરવા નવરો નથી. કોઈનેય કશી મદદ કરવા એ નવરો નથી. તમારી સાચી દાનત હશે તો તમારું ફળશે. દાનત જૂઠી હોય, અરે ! ઈશ્વરને આરોપ કરે તો શું થાય ? ઈશ્વર તો બિચારો કંટાળીને નાસી જાય (!) આ સંસારમાં બધી જ ચીજ છે. પણ તમારે ભાગે કઈ આવી તે જોઈ લો. તમારે ભાગે માંસાહાર આવ્યો તો જોઈ લો ને તમારે ભાગે શાકાહાર આવ્યો તો તે જોઈ લો. તમારે ભાગે આવે તે તમારા હાથનો ખેલ નથી. એની પાછળ બધા સંજોગો, સાંયોગિક પુરાવાઓ છે. અને તમે સાચા છો તો તમને બધું જ મળશે. જો તમે વ્યવહારમાં સાચા રહેશો, તો તમને બધી જ ચીજ મળશે. લોક કહે છે, 'સાચાને ઈશ્વર મદદ કરે છે !' પણ ના, એવું નથી. ઈશ્વર સાચાને મદદ કરતો હોય તો ખોટાવાળાએ શું ગુનો કર્યો છે ? તો ઈશ્વર પક્ષપાતી છે ? ઈશ્વરે તો તો બધે નિષ્પક્ષપાતી રહેવું જોઈએને ? ઈશ્વર એવી કોઈ મદદ કરતો નથી. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વરનું નામ યાદ કરતાંની સાથે જ આનંદ થાય. તેનું કારણ શું છે કે એ મૂળ વસ્તુ છે અને તે પોતાનું સ્વરૂપ જ છે. એટલે યાદ કરતાંની સાથે આનંદ થાય. આનંદનો લાભ મળે. બાકી ઈશ્વર કશું કરી આપે નહીં. આપવાનું એ શીખ્યા જ નથી. અને એમની પાસે કશું છે પણ નહીં તો શું આપે ? પ્રશ્નકર્તા : પણ એ આનંદ આપે છે ને ? દાદાશ્રી : એ તો પોતાનો સ્વાભાવિક આનંદ છે. યાદ કરો એટલે તમને આનંદ ઉત્પન્ન થાય. જેમ કેરીને યાદ કરવાથી મોઢામાં પાણી આવે છે ને ? કેરી જોઈએ છીએ, ત્યારે મોઢામાં પાણી આવે એવું ભગવાનને યાદ કરો તો આનંદ થાય. સાચાને ઐશ્વર્ય મળે છે. જેમ જેમ સત્ય, નિષ્ઠા ને એ બધા ગુણો હોય ને, તેમ તેમ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. ઐશ્વર્ય એટલે શું કે દરેક વસ્તુ એને ઘેર બેઠાં મળે. નીતિ : વ્યવહારનો સાર ! વ્યવહારનો સાર હોય તો નીતિ. એ નીતિ હોય તો પછી તમને પૈસા ઓછા હશે તોય પણ અંદર શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હોય તોય અશાંતિ રહેશે એ જોવાનું. પૈસા તો કરોડો રૂપિયા હોય પણ મહીં જાણે જલતી ભઠ્ઠી જ જોઈલોને ! અકળામણ-અકળામણ ! પાર વગરની અકળામણ ! તમે કોઈ દહાડો અકળામણ જોયેલી ખરી ! પ્રશ્નકર્તા : બહુ જોયેલી ! દાદાશ્રી : બહુ જોયેલી ? ભારે ! તે અત્યારે હવે સમાધિય એવી રહે છેને ! પ્રશ્નકર્તા : હા, પણ વ્યવહારમાં નીતિ રાખવી એ એના પોતાના હાથમાં ખરું ? દાદાશ્રી : એ નથી પોતાના હાથમાં. પ્રશ્નકર્તા : તો 'વ્યવસ્થિત'ને આધીન છેને એ તો ? દાદાશ્રી : 'વ્યવસ્થિત'ને આધીન ખરું પણ આ તો જ્ઞાન હોવું જોઈએને કે આ સાચું જ્ઞાન કે આ સાચું જ્ઞાન ? ત્યારે કહે, વ્યવહારમાં નીતિ રાખવી જોઈએ એ સાચું જ્ઞાન છે. પછી આપણે જોવું કે આપણામાં નીતિ કેટલી રહે છે ? એ તપાસી જોવું. એવું કંઈ કહ્યા પ્રમાણે થઈ જતું નથી. થાય ખરું એવું ? પણ આ સાંભળ્યું, ત્યારથી આપણે નક્કી કરવું જોઈએ કે આ નીતિવાળું જ્ઞાન સાચું છે. અનીતિનું જ્ઞાન આપણે સાચું ઠરાવ્યું હતું, તેની પર શ્રદ્ધા બેઠેલી, તેનું આ ફળ આવ્યું છે. પણ હવે નીતિની શ્રદ્ધા બેસે ત્યારે એનું ફળ પછી આવશે. આ જ્ઞાન લીધું એટલે હવે તો આપણે શ્રદ્ધા જોઈતી જ નથીને ! આપણે તો ઉકેલ લાવી નાખવો છે હવે ! હવે આ સંસારનો કાયમ ઉકેલ લાવી નાખવાનો, આ સંસાર તો કોઈ દહાડોય સુખિયો જ ના થવા દે ! અનીતિમાં પ્રતિક્રમણ ખૂબ ખૂબ ! અનીતિથી પૈસા કમાય એ બધું જ છે તે એના ઉપાય બતાવેલા હોય કે અનીતિથી પૈસા કમાય તો ચંદુલાલને રાત્રે શું કહે ? કે પ્રતિક્રમણ કર કર કરો કે અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ચારસો-પાંચસો પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને, શુધ્ધાત્માએ કરવાનું નહીં. 'ચંદુલાલ'ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે, તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે. હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, 'વધારે પડતું બોલી જવાયું.' એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટ હોવું જોઈએ. આ બેન્કેય કેશ કહેવાય છે અને પેમેન્ટેય કેશ કહેવાય છે. સિન્સીયારિટી-મોરાલિટીની વ્યાખ્યા ! પ્રશ્નકર્તા : 'સિન્સીયારિટી' અને 'મોરાલિટી'નો 'એક્ઝેક્ટ' અર્થ સમજાવો. દાદાશ્રી : 'મોરાલિટી'નો અર્થ શું ? પોતાના હક્કનું અને સહજે મળી આવે તે બધું જ ભોગવવાની છૂટ. આ છેલ્લામાં છેલ્લો 'મોરાલિટી'નો અર્થ છે. 'મોરાલિટી' તો બહુ ગૂઢ છે, એના તો શાસ્ત્રોનાં શાસ્ત્રો લખાય. પણ આ છેલ્લા અર્થ પરથી તમે સમજી જાઓ. અને 'સિન્સીયારિટી' તો, જે માણસ પારકાને 'સિન્સીયર' રહેતો નથી, તે પોતાની જાતને 'સિન્સીયર' રહેતો નથી. કોઇને સ્હેજ પણ 'ઇનસિન્સીયર' ના થવું જોઇએ, એનાથી પોતાની 'સિન્સીયારિટી' તૂટે છે. 'સિન્સીયારિટી' અને 'મોરાલિટી' - આ બે વસ્તુઓ આ કાળમાં હોય તો બહુ થઇ ગયું. અરે, એક હોય તો ય તે ઠેઠ મોક્ષે લઇ જાય ! પણ તેને પકડી લેવુ જોઇએ અને 'જ્ઞાની પુરુષ' પાસે જ્યારે જ્યારે અડચણ પડે ત્યારે આવીને ખુલાસા કરી જવા જોઇએ કે આ 'મોરાલિટી' છે યા આ 'મોરાલિટી' નથી. અનીતિ, પણ નિયમથી... પ્રશ્નકર્તા : 'આપ્તસૂત્ર'માં ૧૯૨૯ નંબરનું સૂત્ર છે. 'વ્યવહાર માર્ગવાળાને અમે કહીએ છીએ કે સંપૂર્ણ નીતિ પાળ, તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ. તેમ ના થાય તો અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે.' એ જરા આપની પાસેથી સમજવું છે. દાદાશ્રી : આ પુસ્તકમાં, આપ્તસૂત્રમાં બધાં વાક્યો લખેલાં છે ને, એ ત્રણેય કાળ સત્યવાળા છે. આ વાક્યમાં હું શું કહું છું કે સંપૂર્ણ નીતિથી ચાલજો. પછી બીજું વાક્ય શું કહ્યું કે તેમ ન બને તો થોડી ઘણી નીતિ પાળજે. ને નીતિ ના પળાય તો અનીતિ ના પાળીશ. અનીતિ પાળે તો નિયમથી અનીતિ પાળજે. એટલે બધી છૂટ આપી છે ને ? અનીતિ પાળવાની છૂટ, આ વર્લ્ડમાં મેં એકલાએ જ આપી છે ! એટલે અનીતિ પાળવાની હોય તો નિયમસર પાળજે કહ્યું. આપને સાંધો મળ્યો નહીં ?! આમાં એવું કહે છે કે સંપૂર્ણ નીતિ પળાય તો પાળ અને એ ના પળાય તો નક્કી કર કે દહાડામાં મારે ત્રણ નીતિ તો પાળવી છે. અને નહીં તો નિયમમાં રહીને અનીતિ કરું તો એ પણ નીતિ છે. જે માણસ નિયમમાં રહીને અનીતિ કરે છે એને હું નીતિ કહું છું. ભગવાનના પ્રતિનિધિ તરીકે, વીતરાગોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે અનીતિ પણ નિયમમાં રહીને કર, એ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અનીતિ કરે કે નીતિ કરે તેનો મને સવાલ નથી, પણ નિયમમાં રહીને કર. આખા જગતને જ્યાં આગળ તેલ કાઢી નાખ્યું ત્યાં આગળ અમે કહ્યું કે આનો વાંધો નથી, તું તારે નિયમમાં રહીને કર. હવે અત્યારે કળિયુગ છે, તે કહેશે કે, સાહેબ મારાથી આ થતું નથી, નીતિ પળાતી નથી. ત્યારે હું કહું કે, 'તું નિયમસર પાળ, દહાડામાં બે-ત્રણ નીતિ પાળવી છે. જા તારા મોક્ષની ગેરન્ટી અમે લખી આપીએ છીએ.' હા, વળી નીતિ ના પળાય ત્યારે શું અનીતિ જ પાળ પાળ કરવી ? ના. એ તો હપુચું ઊંધું ચાલ્યું, એટલે કહ્યું કે અનીતિ જો તું નિયમથી પાળીશ તો મોક્ષે જઈશ. હવે આવી વિચિત્ર વાત કરે કોઈ ? એ રીત અધોગતિની ! પ્રશ્નકર્તા : દાદા, નિયમમાં રહીને અનીતિ શી રીતે પાળવી ? એનો દાખલો આપી સમજાવો ને ! દાદાશ્રી : હા, એ તમને સમજણ પાડું. એક શેઠને કાપડની દુકાન, તે કપડું આમ ખેંચી ખેંચીને આપતા હતા, ત્યારે મેં કહ્યું કે, 'આવું શું કરવા કરો છો ? ચાળીસ મીટરનો ભાવ લીધો તો આપણે ચાળીસ મીટર આપી દેવાનું, એમાં ખેંચવાની જરૂર નથી.' ત્યારે કહે છે, 'તો અમને બરોબર નફો રહેતો નથી.' ત્યારે મે ંકહ્યું કે, 'જરા ભાવ વધારે રાખો.' ત્યારે એ કહે છે કે, 'ઘરાક બીજી જગ્યાએ જતો રહે છે, એટલે વધારે ભાવ લેવો હોય તો લેવાય જ નહીં ને !' આપણે આને અનીતિ કહીએ છીએ. હવે કાળો બજાર કરવો હોય, પણ ખૂટતું હોય તો એટલા પૂરતું જ દહાડામાં દસ-પંદર રૂપિયા વધારાના લઈ લે, બીજાં પચ્ચીસ વધારે આવે તો ય લે નહીં. એ અનીતિ કરી, પણ નિયમથી કહેવાય. એટલે કહ્યું ને, કે અનીતિ કરવી પડે તો ય નિયમથી કરજે. આમ નિયમ બાંધો ! પ્રશ્નકર્તા : એટલે તું પૈસા વધારે લે, પણ માલ ઓછો ના આપીશ એવો અર્થ થયો ? દાદાશ્રી : ના, એવું નથી કહેતા, આપણે તો એમ કહ્યું છે કે અનીતિ કર પણ નિયમથી કરજે. એક નિયમ બાંધ કે ભઈ, મારે આટલી જ અનીતિ કરવી છે, આથી વધારે નહીં. રોજ દસ રૂપિયા દુકાને વધારે લેવા છે, એથી વધારે પાંચસો રૂપિયા આવે તો ય મારે નથી લેવા. એમ માનો ને, કોઈ ઈન્કમટેક્ષ ઓફિસર હોય, એની વાઈફ રોજ લઢલઢ કરતી હોય કે, 'આ બધાંએ લાંચ લઈ લઈને બંગલા બાંધ્યા ને તમે લાંચ લેતા નથી. તમે આવા ને આવા રહ્યા.' એટલે ઘણી વખત તો છોકરાંની સ્કૂલની ફી પણ ઉછીની લાવવી પડે. એને મનમાં ઇચ્છા કે બસ્સો-ત્રણસો રૂપિયા ખૂટે છે, એટલા મળે તો આપણને શાંતિ રહે, પણ આમ લાંચ લેવાય નહીં. એટલે શું થાય ? અને એ પણ મનમાં ડંખે ને ? તો અમે એને કહીએ કે, 'લાંચ લેવી હોય તો તું નક્કી કર ને કે મારે મહિને પાંચસો રૂપિયાથી વધારે લેવી નહીં. પછી દસ હજાર રૂપિયા આવે તો પણ મારે ખપે નહીં.' તારે મહિને જેટલા ખૂટે છે એટલા તું લેવાનું નક્કી કર. હવે તું આ અનીતિ કરે છે પણ નિયમથી કરે છે. નિયમમાં રહીને અનીતિ પાળી શકાય છે અને અનીતિ નિયમમાં રહીને કરે તો મને વાંધો નથી. આ નિયમ જ તને મોક્ષે લઈ જશે અને આની જોખમદારી તારી નથી. પણ નિયમથી કરે તો બહુ થઈ ગયું. અનીતિ કરનાર કોઈ દહાડોય અટકે નહીં. કારણ કે અનીતિ કરવા ગયો કે એ વધતો જ જાય અને એ અનીતિ નિયમથી કરે તો એનું કલ્યાણ થઈ જાય. આ અમારું ગૂઢ વાક્ય છે. આ વાક્ય જો સમજાય તો કામ થઈ જાયને ? ભગવાન પણ ખુશ થઈ જાય કે પારકી ગમાણમાં ખાવું છે અને તે પાછો પ્રમાણસર ખાય છે ! નહીં તો પારકી ગમાણમાં ખાવું ત્યાં પછી પ્રમાણ હોય જ નહીં ને ?! આપની સમજમાં આવે છે ને ? કે અનીતિનો પણ નિયમ રાખ. હું શું કહું છું કે, 'તારે લાંચ લેવી નથી અને તને પાંચસો ખૂટે છે, તો તું કકળાટ ક્યાં સુધી કરીશ ?' લોકો, ભાઈબંધો પાસે ઉછીના રૂપિયા લે છે તેથી વધારે જોખમ વહોરે છે. એટલે હું એને સમજણ પાડું કે 'ભઈ, તું અનીતિ કર પણ નિયમથી કર.' હવે નિયમથી અનીતિ કરે એ નીતિવાન કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે નીતિવાનના મનમાં રોગ પેસે કે, 'હું કંઈક છું', જ્યારે આના મનમાં રોગ પણ ના પેસે ને ? આવું કોઈ શીખવાડે જ નહીં ને ? નિયમથી અનીતિ કરે એ તો બહુ મોટામાં મોટું કાર્ય છે. પછી જોખમદારી 'અમારી' ! અનીતિ પણ નિયમથી છે તો એનો મોક્ષ થશે, પણ જે અનીતિ નથી કરતો, જે લાંચ નથી લેતો તેનો મોક્ષ શી રીતે થાય ? કારણ કે જે લાંચ લેતો નથી તેને 'હું લાંચ લેતો નથી' એ કેફ ચઢી ગયેલો હોય. ભગવાન પણ એને કાઢી મેલે કે 'હેંડ જા, તારું મોઢું ખરાબ દેખાય છે.' એથી અમે લાંચ લેવાનું કહીએ છીએ એવું નથી. પણ જો તારે અનીતિ જ કરવી હોય તો તું નિયમથી કરજે. નિયમ કર કે ભઈ, મારે લાંચના પાંચસો જ રૂપિયા લેવા. પાંચસો રૂપિયાથી વધારે કંઈ પણ આપે, અરે, પાંચ હજાર આપે તો ય બધા કાઢવાના. આપણને ઘરખર્ચમાં ખૂટતા હોય એટલા પાંચસો રૂપિયા જ લાંચના લેવા. બાકી, આવી જોખમદારી તો અમે જ લઈએ છીએ. કારણ કે આવા કાળમાં લોકો લાંચ ના લે, તો શું કરે બિચારા ? તેલ-ઘીના ભાવ કેટલા ઊંચા ચઢી ગયા છે, સાકરના ભાવ કેટલા ઊંચા છે ? ત્યારે છોકરાની ફીના પૈસા આપ્યા વગર રહેવાય ? ત્યારે કાળાબજાર વેપારીઓ કરે છે તેનું ચાલે અને નોકરોનું કોઈ ઉપરાણું લેનારો જ ના રહ્યો ?! એટલે અમે કહીએ છીએ કે લાંચ પણ નિયમસર લેજે. તો એ નિયમ તને મોક્ષે લઈ જાય. લાંચ નથી નડતી, અનિયમ નડે છે. ત્યાં નીતિ-અનીતિ નથી ! પ્રશ્નકર્તા : અનીતિ કરે એ તો ખોટું જ કહેવાય ને ? દાદાશ્રી : આમ એ તો ખોટું જ કહે છે ને ! પણ ભગવાનને ઘેર તો જુદી જ જાતની વ્યાખ્યા છે. ભગવાનને ત્યાં તો અનીતિ કે નીતિ ઉપર ઝઘડો જ નથી. ત્યાં આગળ તો અહંકારનો વાંધો આવે છે. નીતિ પાળનારાઓને અહંકાર બહુ હોય. એને તો વગર દારૂએ કેફ ચઢેલો હોય. પ્રશ્નકર્તા : પણ હમેશાં ય એવું ના બને ને ? દાદાશ્રી : ના, કારણ કે એ સિવાય નીતિ પાળી શકે જ નહીં ને ! કેફમાં જ નીતિ પાળે અને એનો કેફ નિરંતર વધતો જ જાય ! છતાં એ કેફમાં રહીને પણ નીતિ પાળે છે એટલે પુણ્ય સારી બંધાય ને સારી ગતિ થાય. એને સારા માણસો, સંતો મળી આવે. જ્ઞાનીઓ પણ આગળ ઉપર મળી આવે. એટલે એ ખોટું નથી. એ ખોટું છે એવું મારે કહેવું પણ નથી. પણ ભગવાનને ત્યાં તો અહંકાર નડે છે. હવે પેલાં જે નિયમથી અનીતિ પાળે છે તેને અહંકાર ના હોય. અને પાંચ હજાર આવે છતાં એ લેતો નથી, ત્યારે એ પ્રમાણિકતા કહેવાય ? ના, જ્યારે જે નિયમથી લાંચ લે છે, એ તો કંઈ જેવી તેવી પ્રમાણિકતા ના કહેવાય !! કારણ કે આજ ત્રણ કોળિયા ખાવાના, ચોથો કોળિયો નહીં ખાવાનો. તો એવું માણસથી કંટ્રોલ રહી શકે જ નહીં. ખાધા પછી અટકી શકે જ નહીં, એની મેળે પૂરું થાય ત્યારે અટકે ! આ વાત સમજણ પડે છે ને ?! ત્યાં નિર્અહંકારીની કિંમત ! એટલે નિયમસર અનીતિ કરે, તેનો મોક્ષ પેલા નીતિવાળા કરતાં પહેલો થાય. કારણ કે નીતિવાળાને નીતિ કર્યાનો કેફ હોય કે, 'મેં નીતિ આખી જિંદગી પાળી છે' અને એ તો ભગવાનને પણ ગાંઠે નહીં એવો હોય, જ્યારે અનીતિ કરી એટલે આને બિચારાને તો કેફ ઊતરી ગયેલો હોય ને ! એને કેફ જ ના ચઢે. કારણ કે એણે તો અનીતિ કરીને તે જ એને મહીં ડંખ્યા કરે. અને જે પાંચસો રૂપિયા લીધા એનો પણ એને કેફ ના ચઢે. કેફ તો નીતિવાળાને ખરેખરો ચઢે અને એને તો આમ જરા છંછેડીએ ને તો તરત ખબર પડે, ફેણ માંડીને ઊભો રહે. કારણ કે એને મનમાં એમ કે, 'અમે કંઈક કર્યું છે, આખી જિંદગી મેં નીતિ પાળી છે !' પ્રશ્નકર્તા : હવે પાંચસો રૂપિયાની લાંચ લેવાની છૂટ આપી તો પછી જેમ જરૂરિયાત વધતી જાય તો પછી એ રકમ પણ વધારે લે તો ? દાદાશ્રી : ના, એ તો એક જ નિયમ પાંચસો એટલે પાંચસો જ, પછી એ નિયમમાં જ રહેવું પડે. એક દારૂ ના પીવાનો અહંકાર કરે છે ને એક દારૂ પીવાનો અહંકાર કરે છે, તો મોક્ષ કોનો થાય ? ત્યારે ભગવાન બેઉને કાઢી મેલે ! એ તો શું કહે છે કે, 'અમારે અહીં તો નિર્અહંકારીની જરૂર છે.' ભગવાન તો શું કહે છે, 'નીતિ તો તને સંસારમાં સુખ પડે એટલા માટે પાળવાની છે. બાકી અમારે નીતિ-અનીતિની કશી ભાંજગડ જ નથી. તને દુઃખ સહન થતું હોય તો અનીતિ કરજે.' અનીતિથી દુઃખ જ પડે ને ? કોઈને દુઃખ આપ્યા પછી આપણને પણ દુઃખ પડે. આ તો તને સુખ પડે એટલા હારુ નીતિ પાળવાની છે. અક્રમ વિજ્ઞાનમાં નિકાલી બન્ને ! અક્રમ વિજ્ઞાન તો નીતિ-અનીતિ બન્ને બાજુએ મૂકી દે છે. તું એમને નિકાલી બાબત ગણું છું ને ? કઈ બાબત ગણું છું ? પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ. દાદાશ્રી : હા, અને નીતિને કોઈ ઈનામ નથી આલતું અને અનીતિને કોઈ માર નથી આલતું. એવું આપણું વિજ્ઞાન છે. અનીતિ એને માર આપીને જ જાય. નીતિ એને સુખ આપીને જાય. તે ખરેખર પદ્ધતિસરનું સુખ નથી એ. એ તો કલ્પિત છે. અનીતિવાળાને ટાઢું પાણી મળે શિયાળાને દહાડે અને નીતિવાળાને ગરમ પાણી મળે. પણ એનો નિકાલ થઈ જાય, આ જિંદગીમાં. પોતે શુધ્ધાત્મા થયો હોય તો, અમારી આજ્ઞામાં રહે તો બધું ઊડી જાય. હડહડાટ ! જેટલું દેવું હોય એટલું બધું સાફ. એક અવતાર પૂરતું બાકી રહે, આજ્ઞા પાળી તે બદલ. આ કંઈ બધા નીતિવાળા હશે ? આ કળિયુગ છે ને ? પ્રશ્નકર્તા : તમે એટલે જ કહેતા હતા કે લાવો, એકુંય નીતિવાળા બતાવો મને. દાદાશ્રી : ના, પણ કળિયુગમાં શી રીતે રહે બિચારો ? નીતિવાળો રહે શી રીતે ? લપસી પડ્યા વગર રહે જ નહીં. આટલી ચીકણી માટી અને પોતાની શક્તિ નહીં. શક્તિ હોય તો તો અંગૂઠો દાબીને ય મૂઓ ચોંટે. પણ આ તો અંગૂઠો દાબે છે તો અંગૂઠો હઉ દુઃખી જાય છે. લપસી પડે છે. હાડકાં હઉ ખોખરાં થઈ ગયેલા છે, લપસી લપસીને. ત્યારે તો અક્રમ વિજ્ઞાન લેવા આવે, નહીં તો અક્રમ વિજ્ઞાન લેવા આવતું હશે ? ઝટપટ નિકાલ કરી નાખીએ. કહેશે, અક્રમ વિજ્ઞાન એટલે નીતિ-અનીતિને બાજુએ મૂકી દે છે. એ બન્ને બીજ શેકી નાખે છે. એટલે ઊગવાલાયક ના રહે. આજ્ઞામાં રહીને કરો તો જ ! પ્રશ્નકર્તા : પણ અનીતિ કરે તો એને ટેવ પડી જાય ને ? દાદાશ્રી : ટેવ પડી જાય, એમ ? ના. એટલે કહ્યું ને, કે અનીતિ કરો પણ નિયમસર કરો. કોઈ પણ વસ્તુ નિયમસર કરવામાં આવે અને તે પણ જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વક હોય તો એ કામ કાઢી નાખે. પ્રશ્નકર્તા : એને અનીતિની ટેવ પડી, પછી તો એને નિયમ ના રહે ને ? દાદાશ્રી : તો પછી એનો અર્થ જ નહીં ને ! અને અમારી જવાબદારી પણ નહીં ને ! આ તો શું કહ્યું કે તને પાંચસો રૂપિયા ખૂટે છે તો તારે લાંચના પાંચસો રૂપિયા લેવા. પછી કોઈક પાંચ હજાર રૂપિયા આપે તો પાંચસો ઉપરની રકમ તારે લેવી નહીં. આવું નિયમમાં જ રહે એને મુક્તિ થાય, એનો નિવેડો આવે. નિયમ તોડે, તેની ગેરેન્ટી નહીં ! પ્રશ્નકર્તા : એનાં અનુસંધાનમાં પૂછું છું કે અનીતિ પણ નિયમથી કરજે. પાંચસો રૂપિયા ખર્ચાના ખૂટ્યા, તો એને તમે મંજૂરી આપી કે પાંચસો રૂપિયા સુધી તું લાંચ લેજે. હવે મારો સવાલ એ છે કે હવે ઘરનો ખર્ચો પાંચસો ખૂટવાને બદલે બીજા બસો વધારાના ખૂટ્યા, તો હવે એ સાતસો રૂપિયા લે તો એની તમે સિફારસ કરો કે નહીં ? દાદાશ્રી : ના, એક વખત સેંકશન (મંજૂર) થયા પછી તારે બદલાય નહીં. તું પહેલેથી પાંચસોને બદલે સાતસો નક્કી કર. હું સેંકશન કરું. પણ તું પાછળથી આમાં સેંકશન થયેલા પ્લાનમાં ફેરફાર ના કરીશ. એ પછી અમારી જવાબદારીનો ત્યાં એન્ડ (અંત) થાય છે, કારણ કે અમે સમજી જઈએ કે આ નોર્માલિટી ખસી ગઈ. પછી એબ્નોર્મલ થવા માંડે. બીલો નોર્મલથી નોર્મલ પર લાવ્યા. તે હવે એબ્નોર્મલ થવા માંડ્યું. એટલે અમારી જવાબદારીનો એન્ડ થાય છે. અમે પહેલેથી કહીએ છીએ કે તારી રક્ષા માટે તારે જેટલાં બારણાં રાખવા હોય એટલાં બારણા રાખ. મને વાંધો નથી અને પછી, મારી પાસે સેંકશન કર્યા પછી, બારણું નહીં મૂકાય, એક આવડી જાળી સરખી યે નહીં મૂકાય, ને પાણી જાય એવો હોલેય (કાણું) નહીં પડાય. કારણ એનો નિયમ એટલે શું કે નિયમથી રહે એની જોખમદારી હું લઉં છું. હું જ્ઞાની પુરુષ છું. સર્વ પાપો ભસ્મીભૂત કરવાનો મારી પાસે પાવર ઑફ એટર્ની છે ! તો પછી તું મારા કહ્યા પ્રમાણે ચાલ ને ! અને હું તને ગેરન્ટી આપું છું. આવું કોઈએ કહ્યું નથી કે ભઈ, તું અનીતિ પાળ. કારણ કે આમને છોડાવવા માટે આવું ના કહીએ તો આ લોકો છૂટે કેવી રીતે ? આવું ના કહીએ તો છૂટે નહીં અને દહાડો વળે નહીં ! નિયમ જ મોક્ષે લઈ જાય ! પ્રશ્નકર્તા : કોઈ નિયમથી લાંચ લે, એને લોભ જ ના થાય ને પછી ? દાદાશ્રી : અરે ! આ નિયમ તો ઠેઠ મોક્ષે લઈ જાય અને લોભ તો સડસડાટ ઊડી ગયો અને એ થઈ શકે એવી સ્થિતિ છે. એ કરી શકાય એવું છે. પ્રશ્નકર્તા : અને કોઈ લાંચ લેતો જ નથી, એનું શું થાય ! દાદાશ્રી : એ રખડી મરે. લાંચ મળતી હોય ને ના લે એટલે એને અહંકાર વધતો જાય. અને પેલો લાંચ લે છે પણ નિયમથી એટલે નિયમ પાળે તો એ મોક્ષે જાય. કાળને અનુરૂપ વચગાળાનો માર્ગ ! અત્યારે માણસ શી રીતે આ બધી મુશ્કેલીઓથી દહાડા કાઢે ? અને પછી એને ખૂટતા રૂપિયા ના મળે તો શું થાય ? ગૂંચવાડો ઊભો થાય કે રૂપિયા ખૂટે છે, એ ક્યાંથી લાવવા ? આ તો એને ખૂટતા બધા આવી ગયા. એને ય પછી પઝલ સોલ્વ થઈ ગયું ને ? નહીં તો આમાંથી માણસ ઊંધો રસ્તો લે ને પછી અવળે રસ્તે ચાલ્યો જાય, પછી એ આખી લાંચ લેતો થઈ જાય, એના કરતાં આ વચગાળાનો માર્ગ કાઢ્યો છે અને એ અનીતિ કરી છતાં ય નીતિ કહેવાય અને એને ય સરળતા થઈ ગઈ ને નીતિ કહેવાય અને તેનું ઘર ચાલે. અગ્નિમાં ય ઘી ઘટ્ટ ! પ્રશ્નકર્તા : આપ્તસૂત્રની અંદર જ્યારે આપનું આ સૂત્ર વાંચવામાં આવ્યું. એનાથી ઘણાને બહુ આશ્ચર્ય થયું અને પછી આપે એનું રહસ્ય સમજાવ્યું. દાદાશ્રી : જો અનીતિ કરવાનો હોય તો તું નિયમથી કરજે. એ આ દુનિયાના સ્વભાવથી વિરુદ્ધ છે એટલે દુનિયાના સ્વભાવથી વિરુદ્ધ આ વાક્ય ઉપર લોકોને પ્રશ્નાર્થ થયા ! એટલે મેં ખુલાસો કર્યો. જરૂર હોય પાંચસો રૂપિયાની તો એટલા સુધીનો એક નિયમ પાળજો અને બીજી જોખમદારી મારી. અને તું સંપૂર્ણ નીતિ પાળે છે એ ગ્રેડમાં તને સિફારસ કરીને લઈ જઈશ. પણ નિયમથી પાળજે. પછી વીસ હજાર રૂપિયા આવે તો પણ કહીએ, 'ના, બા, પાંચસોથી વધારે નહીં લઉં.' પ્રશ્નકર્તા : દાદા, એવું બને ખરું ? માણસની પાસે તમે મૂકો આ ? દાદાશ્રી : બની શકે, જેને સમજવું છે તેને. પ્રશ્નકર્તા : પણ અગ્નિ પાસે ઘી મૂકીને, ને ઓગળે નહીં એવું થયું આ. દાદાશ્રી : હા, ઓગળે નહીં. પણ આ તો કાળના જ લોકો આ પ્રમાણે પાળે. આજથી સો વર્ષ પહેલાનાં લોકો ના કરી શકે. આ કાળના જીવો એ બધાં કરે એવા છે. એ જાણે કે ઓહોહો ! મારી ઉપર જોખમદારી કંઈ આવે નહીં, ને આવી રીતે થાય તે ?' ત્યારે એ જ કહે કે 'ના, એ પાળીશ.' એ તો બહુ સહેલો રસ્તો છે, આ સરળ રસ્તો છે અને પાંચસો રૂપિયાથી રહી શકે. પ્રશ્નકર્તા : તમે તો કહો છો કે તારે કંઈ કરવાનું નથી, મારી આજ્ઞા પાળ, પતી ગયું. દાદાશ્રી : હા, એટલે તું મારી આજ્ઞા પાળ. પછી તારે જોખમદારી નહીં એટલે એ જે એને ઉછીના લેવા પડતા હતા ને ઘરની મુશ્કેલી હતી, એ તૂટી ગઈ, પછી એ તો બહુ આનંદમાં રહે પાછો ! લાવોને હું જ એ વાક્ય બોલું. વ્યવહારમાર્ગવાળાને અમે કહીએ છીએ. સંસાર એ વ્યવહારમાર્ગ કહેવાય. 'કે સંપૂર્ણ નીતિ પાળ. તેમ ન થાય તો નીતિ નિયમસર પાળ.' કે ભઈ મારે આટલી નીતિ પાળવી છે. 'તેમ ન થાય તો, અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર ! નિયમ જ તને આગળ લઈ જશે !!!' એ અમારી ગેરન્ટી છે ! કારણ કે કળિયુગમાં છોડાવનાર જોઈએ. જૂઠું બોલ, પણ નિયમથી ! અમે તો શું કહ્યું કે તું જૂઠું બોલીશ જ નહીં. અને તારે જૂઠું બોલવું જ હોય તો નિયમથી બોલ કે આજ મારે પાંચ જ જૂઠ બોલવાં છે. છઠ્ઠી વખત નહીં, તો મોક્ષે જઈશ. પછી એ પાંચ જૂઠ બોલીને વપરાઈ જાય ત્યાર પછી એની બહેને કંઈ ચારિત્ર સંબંધી દોષ કર્યો હોય, ત્યારે કોઈ પૂછે કે, 'ભઈ, આ તમારી બહેનની વાત સાચી છે ?' પેલાને આ પાંચ જૂઠ તો થઈ ગયા, હવે છઠ્ઠું જૂઠ તો બોલાય નહિ એટલે એને 'સાચું છે' એમ કહેવું પડે. પાંચ ના વપરાઈ ગયા હોત તો પાંચમું આને વાપરત, પણ પાંચ જૂઠ વપરાઈ ગયા ! આને નિયમથી અનીતિ કહ્યું. ચોરી કર, પણ નિયમથી ! કોઈ ચોર ચોરી કરતો હોય, પણ જો નિયમથી ચોરી કરે તો એ નિયમ એને મોક્ષે લઈ જાય. નિયમથી ચોરી કરે એટલે શું ? કે એને મહિનામાં બે ચોરીઓ કરવાની કહી હોય. હવે પહેલી ફેરા હાથ માર્યો તો ચાળીસ રૂપિયા આવ્યા. એટલે ચાળીસને દસ, એમ મહિનામાં પચાસ રૂપિયા મળ્યા. હવે જો પહેલો હાથ ના માર્યો હોત તો એને બીજા ત્રણસો મળે એવું હતું. પણ બે વખત થઈ ગયું એટલે હવે લેવાય નહીં. એણે કોઈકના ગજવામાં હાથ ઘાલીને જોઈ લીધું કે આ ત્રણસો રૂપિયા છે, પણ તરત એને થયું કે આ તો ખોટું કર્યું. મારે બે ફેરા ચોરી તો થઈ ગઈ છે. એટલે એણે છોડી દીધું. આને નિયમથી અનીતિ કહેવાય. વાત સમજો, જ્ઞાનીની ભાષામાં ! મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે 'નિયમથી અનીતિ કર !' પ્રશ્નકર્તા : દાદા, મેં પણ જ્યારે પહેલી વખત વાંચ્યું ત્યારે હું એકદમ વિચાર કરતો થઈ ગયો, કે આ શું, દાદા શું કહેવા માગે છે ! પછી મને લાગ્યું કે આ તો બહુ ગજબનું વાક્ય છે ! દાદાશ્રી : હા, અક્રમ વિજ્ઞાન એટલે શું કે નેગેટિવ પોલિસી જ નહીં કે 'તમે કેમ ચોરીઓ કરો છો ને તમે કેમ જૂઠું બોલો છો ? કેમ વ્યવહાર ખરાબ કરો છો ?' એવી તેવી નેગેટિવ પોલિસી જ નહીં. - જય સચ્ચિદાનંદ |
|---|