જ્ઞાની, ભાંગે ભ્રાંતિ ભવોભવની !

સંપાદકીય

તમામ શાસ્ત્રોએ, શાસ્ત્રકારોએ કહ્યું - જીવ અનાદિકાળથી સંસાર ચક્રમાં શાથી ભટક્યો ? ભ્રાંતિથી. ભ્રાંતિને લીધે જ ભવોભવની ભટકામણ થઈ છે. પણ ભ્રાંતિ શું છે ? એનું સ્વરૂપ શું ? એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ભ્રાંતિથી છૂટે શી રીતે ? અને ભ્રાંતિ માટે ફરી ફરીને શાસ્ત્રમાં એક-બે દ્રષ્ટાંત કહેવામાં આવ્યા છે, દોરડીમાં સાપની ભ્રાંતિ પડી ગઈ છે અને છીપમાં મોતીની ભ્રાંતિ પડી ગઈ છે. પણ એનાથી પોતાની ભ્રાંતિ કંઈ ટળી નહીં.

આત્માસંબંધી તો ભ્રાંતિ વર્તે છે પણ સંસારમાં અસંખ્ય પ્રકારની વસ્તુઓ માટે, વ્યક્તિઓ માટે પણ ભ્રાંતિ વર્તે છે. જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરી છે, પૈસામાં સુખ છે, વિષય-વિકારમાં સુખ છે, એવાં તો અનેક પ્રકારના દુઃખ ભોગવટા-માર ખાધા પછી પણ એ ભ્રાંતિ ખસતી જ નથી. દરેક અવતારમાં ફરી ફરી વિષય ને લક્ષ્મી માટે જીવન વેડફાઈ જાય છે. બીજાને દોષિત જ જોવા ને પોતાના દોષો ક્યારેય ન દેખાય, એ કેવી ભ્રાંતિ ! અને વધારે સૂક્ષ્મ ભ્રાંતિ તો કર્તાસંબંધીની છે. હું કરું છું' એ અજ્ઞાનતા એ જ મોટી ભ્રાંતિ છે અને એથી પણ આગળ 'પોતે કોણ છે' એ અજ્ઞાનતા સૌથી મોટી ભ્રાંતિ છે. આત્માસંબંધીનું જ્ઞાન જ્યાં સુધી વાસ્તવિકપણે જાણ્યું નથી ત્યાં સુધી અનેક પ્રકારની શંકાઓ ઉત્પન્ન થયા જ કરે.

માણસના જીવનમાં ખરેખર ભ્રાંતિ કેવી રીતે વર્તે છે એ તો અનુભવી જ્ઞાની પુરુષ જ વિગતવાર અનેક દ્રષ્ટાંતો સાથે સમજાવી શકે. અને અંતે ભ્રાંતિ દૂર કરાવી ભ્રાંતદશારહિત આત્માનુભવ કરાવી શકે.

પ્રસ્તુત સંકલનમાં વિવિધ પ્રકારનાં ભ્રાંતિના સ્વરૂપોનું વર્ણન ખુલ્લું કર્યું છે અને અનેક દ્રષ્ટાંત સહિત તેના ફોડ પ્રાપ્ત થયા છે. આત્માસંબંધી વાસ્તવિકતા શું છે, તેના પ્રશ્શનોત્તરીરૂપે સમાધાન પ્રાપ્ત થાય છે. જ્યારે પોતાને ભ્રાંતિરહિત જ્ઞાન પ્રાપ્ત થાય કે તરત એને બીજાઓની ભ્રાંતિ કઈ રીતે દૂર થાય, બીજાઓ કેમ કરીને આત્મજ્ઞાન પામે - આત્મસુખ પામે તેવી જગત-કલ્યાણની ભાવના ઉદ્ભવવા માંડે છે.

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી પાસે બે જ કલાકમાં જ્ઞાનપ્રયોગ દ્વારા અનંત કાળની ભ્રાંતિ દૂર થઈ જતી અને 'આત્મજ્ઞાન'ની પ્રાપ્તિ અક્રમ માર્ગે થઈ જતી અને આજે પણ પૂજ્ય નીરુબહેનના નિમિત્તે આત્મજ્ઞાન પ્રાપ્તિનો તે માર્ગ ચાલુ રહ્યો છે. અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે અને આ લાભ અન્ય લોકો મળતો રહે, એ જ ભાવના !

દીપકના જય સચ્ચિદાનંદ

ભ્રાંતિમાં ક્યાંથી રહે શાંતિ ?!

આ જગતમાં શાંતિ કેવી રીતે રહે ? કરોડ રૂપિયા હોય તો ય ના રહે. જ્યાં ભ્રાંતિ છે ત્યાં શાંતિ કેવી ?

પ્રશ્નકર્તા : આ શાંતિ કાયમ કેમ નથી રહેતી, આટલો આટલો ધર્મ કરવા છતાં ય ?

દાદાશ્રી : કારણ કે તમે નિરંતર અચેતનમાં વર્તો છો. ચેતનમાં વર્તો તો જ નિરંતર સુખ રહે.

પ્રશ્નકર્તા : શાંતિ મેળવવા શા પ્રયત્નો કરવા જોઇએ ?

દાદાશ્રી : જેમાં પ્રયત્ન કરવો પડે, તેમાં શાંતિ હોય જ નહીં. એ તો ઘડભાંજ છે.

જગતમાં અનેક પ્રકારની શાંતિ હોય, પણ એ બધી મૂર્ચ્છિત શાંતિ. અને આત્મશાંતિ એ તો કોઇ પણ પ્રકારની મૂર્ચ્છા વગરની શાંતિ હોય. આત્મશાંતિમાં તૃપ્તિ થાય અને પેલામાં તૃપ્તિ ના થાય. અશાંતિ ગઇ ને શાંતિ આવી ત્યારથી જાણવું કે કર્મ બંધાતાં અટકી ગયા, ત્યાર પછી જ ઉકેલ આવે.

પૈસા કમાવવા કે પરમાત્મા થવું ?

આ બધું તમે કરો છો કે કોઈ કરાવે છે ? તમને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : બધું આપણે જ કરીએ છીએ ને ! કોઈ કરાવતું નથી.

દાદાશ્રી : ના, આ કોઈક કરાવે છે અને તમારા મનમાં ભ્રાંતિ છે કે હું કરું છું. આ તો રૂપિયા કોઈકને આપો છો, એ પણ કોઈક કરાવડાવે છે અને નથી આપતા તે પણ કોઈક કરાવડાવે છે. બિઝનેસ છે તે પણ કોઈક કરાવડાવે છે. ખોટ જાય છે તે પણ કોઈક કરાવડાવે છે, નફો આવે છે તે પણ કોઈક કરાવડાવે છે. તમને એમ લાગે છે કે હું કરું છું ? એ ઈગોઈઝમ છે. એ કોણ કરાવે છે એ ઓળખવું પડશે ને ? અમે એ ઓળખાણ કરાવી આપીએ છીએ. જ્ઞાન આપીએ છીએ ત્યારે બધી સમજણ પાડીએ છીએ કે કરે છે કોણ ?

એક સ્વસત્તા છે, બીજી પરસત્તા છે. સ્વસત્તા કે જેમાં પોતે પરમાત્મા થઈ શકે છે. જ્યારે પૈસા કમાવાની તમારા હાથમાં સત્તા નથી, પરસત્તા છે તો પૈસા કમાવા સારા કે પરમાત્મા થવું સારું ? પૈસા કોણ આપે છે એ હું જાણું છું. પૈસા કમાવાની સત્તા પોતાના હાથમાં હોય ને તો ઝઘડો કરીને પણ ગમે ત્યાંથી લઈ આવે. પણ એ પરસત્તા છે. એટલે ગમે તે કરો તો ય કશું વળે નહીં. એક માણસે પૂછયું કે લક્ષ્મી શેના જેવી છે ? ત્યારે મેં કહ્યું કે ઊંઘ જેવી. કેટલાંકને સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય અને કેટલાંકને આખી રાત પાસાં ઘસે તો ય ઊંઘ ના આવે ને કેટલાંક ઊંઘ આવવા માટે ગોળીઓ ખાય. એટલે આ લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી, એ પરસત્તા છે. અને પરસત્તાની ઉપાધિ આપણે શું કરવાની જરૂર ?

જરૂરિયાત મનાય, તે જ ભ્રાંતિ !

પ્રશ્નકર્તા : લક્ષ્મી ના હોય તો સાધન ના હોય અને સાધન માટે લક્ષ્મીની જરૂર છે. એટલે લક્ષ્મી સાધન વિના આપણે જે જ્ઞાન લેવા ધારતા હોય તો એ ક્યારે મળે ? એટલે આ લક્ષ્મી એ જ્ઞાનની નિશાળે જવાનું પહેલું સાધન છે એવું નથી લાગતું ?

દાદાશ્રી : ના. લક્ષ્મી એ બિલકુલેય સાધન નથી. જ્ઞાન માટે તો નહીં, પણ એ કોઈ રીતે બિલકુલેય સાધન જ નથી. આ દુનિયામાં જો જરૂરિયાત વગરની વસ્તુ હોય તો તે લક્ષ્મી છે. જરૂરિયાત જે લાગે છે એ તો ભ્રાંતિ અને અણસમજણથી માની બેઠાં છે. જરૂરિયાત શેની છે ? હવાની પહેલી જરૂરિયાત છે. જો હવા ના હોય તો ? તું કહું કે ના, હવાની જરૂરિયાત છે. કારણ કે હવા વગર મરી જવાય છે. લક્ષ્મી વગર મરી ગયેલા જોવામાં આવ્યા નથી. એટલે આ લક્ષ્મી જરૂરી સાધન છે, એવું કહે છે, એ તો બધી મેડનેસ છે. કારણ કે બે મિલવાળાને ય લક્ષ્મી જોઈએ છે, એક મિલવાળાને ય લક્ષ્મી જોઈએ છે, મિલના સેક્રેટરીને ય લક્ષ્મી જોઈએ છે, મિલના મજૂરને ય લક્ષ્મી જોઈએ છે, ત્યારે સુખી કોણ આમાં ? આ રાંડેલી યે રડે ને માંડેલી યે રડે ને સાત ભાયડાવાળી યે રડે. આ તો રાંડેલી તો રડે તે આપણે જાણીએ કે બઈનો ધણી મરી ગયો છે. પણ આ તો માંડેલી, તું શું કરવા રડે છે ? ત્યારે એ કહેશે કે, 'મારો ધણી નઠારો છે અને સાત ભાયડાવાળી તો મોઢું જ ના ઉઘાડે, એવી આ લક્ષ્મીની બાબત છે. એટલે કેમ આ લક્ષ્મીની પાછળ પડ્યા છે ? આવું ક્યાં ફસાયા તમે !!

ભ્રાંતિજ્ઞાનથી દેખાય જુદું !

અલ્યા, તું પૈસા કમાવાનો ? ત્યારે કહે કે, 'અવશ્ય કમાવાનો છે અને ખોવાનો ય છે ? એ બેઉની તારા હાથમાં સત્તા નથી, વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે ? આ પૈસો એ તો પૂરણ-ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે. લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ? પૈસા તો ફ્રી ઑફ કોસ્ટ જ મળ્યા છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છેને એટલે 'હું કરું તો મળે, નહીં તો મળે નહીં' કહેશે.

પ્રશ્નકર્તા : મૂળ ભ્રાંતિ ગઈ ને પછી જ આ લોભ છૂટવા માંડ્યો ને !

દાદાશ્રી : હા, ભ્રાંતિ પહેલાં યે લોભ છૂટે. લોભિયો તો જાણે અને તે પહેલાં છોડેને તો મોટાં મોટાં પુણ્ય બંધાય, જબરજસ્ત ! લોભ છોડે. કો'ક સમજણ પાડે તો છૂટે. તો પુણ્ય બંધાય. દેરાસર બંધાવે ને પોતાને માટે ના વાપરે એ બધું ઓવરડ્રાફ્ટ !

આખું જગત ખોટને વખોડે છે. એમાં ખોટે તે શું બગાડ્યું ? ભગવાનને પૂછો કે સાહેબ, તમને નફો કે નુકસાન નથી ? ત્યારે ભગવાન કહે છે કે, 'તું ભ્રાંતિજ્ઞાનથી જુએ છે, 'રિલેટિવ' જુએ છે તેથી નફો-ખોટ દેખાય છે. હું યથાર્થ જ્ઞાનથી જોઉં છું.' નફો એ દેહનું વિટામિન છે ને ખોટ એ આત્માનું વિટામિન છે. પછી ખોટ છે જ ક્યાં ?

જ્ઞાનીને ભ્રાંતિ ના હોય !

આ લક્ષ્મી ભેગી થવી તે ય કેટલાંય કારણો ભેગાં થાય ત્યારે એ લક્ષ્મી ભેગી થાય તેમ છે. કોઈ ડૉક્ટરના ફાધરને અહીં ગળે ગળફો બાઝયો હોયને, તે ડૉક્ટરને કહીએ કે આવડાં આવડાં મોટા ઑપરેશનો કર્યાં તો આ ગળફો કાઢી નાખને ! ત્યારે કહે, 'ના. કાઢી નાખીશ તે પહેલાં મરી જશે.' એટલે આમાં આટલું ય ચાલે નહીં. એવિડન્સ ભેગા થયા બધા ! હું જ્ઞાની બન્યો, એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે. આ લોકો કરોડાધિપતિ યે જાતે નથી બન્યા. પણ એ મનમાં માને છે કે 'હું બન્યો', એટલી જ ભ્રાંતિ છે અને જ્ઞાની પુરુષને ભ્રાંતિ ના હોય. જેવું હોય એવું કહી દે કે ભાઈ, આવું થયું હતું. હું સુરતના સ્ટેશન ઉપર બેઠો હતો ને એવું જ્ઞાન થઈ ગયું, એવો જ્ઞાનપ્રકાશ થઈ ગયો. અને પેલો માને કે હું બે કરોડ કમાયો અને મેં ત્રણ ફેક્ટરીઓ કરી ! પણ આ બધું તમે લઈને આવ્યા છો. આ તો તમારા મનમાં માની બેઠાં છો કે 'ના, હું કરું છું' એટલું જ છે. ઈગોઈઝમ છે અને તે ઈગોઈઝમ શું કરે છે ? આવતા ભવને માટે તમારી યોજના ઘડી રહ્યા છો. એમ ભવ પછી ભવની યોજના કર્યા જ કરે છે જીવ, એટલે એને કોઈ દહાડો ભવ અટકતો જ નથી. યોજના બંધ થઈ જાય ત્યારે એને મોક્ષે જવાની તૈયારી થાય.

ભ્રાંતિથી ભોગવ્યાનો અહંકાર...

'આત્મા' પોતે કશું જ ભોગવતો નથી. કોઈ વિષયને આત્મા ભોગવી શકે જ નહીં. જો ભોગવવાનો તેનો સ્વગુણ હોય તો તે કાયમનો સાથે ને સાથે જ રહે એટલે મોક્ષ ક્યારેય થાય જ નહીં. ભોગવે છે તે તો ખાલી અહંકાર કરે છે કે મેં ભોગવ્યું. ઈન્દ્રિયો ઈફેક્ટિવ છે અને તેને કોઝિઝના આધારે ઈફેક્ટ થાય છે. ત્યારે ભ્રાંતિથી અહંકાર કરે છે કે 'હું કરું છું, હું ભોગવું છું.' જો આ ભ્રાંતિ જાય કે 'હું કર્તા નથી' અને કર્તા કોણ છે તે જો સમજાય, તો પછી મોક્ષ કંઈ છેટો નથી રહેતો. સદેહે જ મોક્ષ વર્તાય તેમ છે.

ભ્રાંતિના અમલથી સુખ માન્યતા !

જ્યાં કોઈ પણ ઊપરી નથી, જ્યાં કોઈ પણ અંડરહેન્ડ નથી, એનું નામ મોક્ષ. જ્યાં કોઈ પણ જાતની ખરાબ ઇફેક્ટ નથી, પરમાનંદ, નિરંતર પરમાનંદ, સનાતન સુખમાં રહેવું, એનું નામ મોક્ષ. આને તો સુખ કહેવાય જ નહીં. આ તો દારૂડિયો માણસ એમ કહે કે હું આખા હિન્દુસ્તાનનો રાજા છું, તો આપણે ના સમજીએ કે આ તો દારૂના અમલથી બોલે છે ? એવું આ ભ્રાંતિને લઈને એને આમાં સુખ લાગે છે. વિષયમાં તો સુખ હોતું હશે ? સુખ તો મહીં છે, પણ આ તો બહાર બીજાનામાં આરોપ કરે છે તેથી ત્યાં સુખ લાગે છે. ભ્રાંતિરસથી આ બધું ઊભું થયું છે. ભ્રાંતિરસ એટલે શું કે આ કૂતરું જેમ હાડકાંને ચૂસે છે તે તમે જોયેલું ? હાડકાં ઉપર થોડુંઘણું માંસ હોય તે તો જાણે કે મળી જાય, પણ હવે પછી શું કરવા ચૂસચૂસ કરે છે ? પછી ખૂબ દબાવેને, તે હાડકું તો આમ લોખંડ જેવું હોય. તે શું થાય કે એના પિઢિયાં દબાય ને એમાંથી પછી લોહી નીકળે. લોહીને એ જાણે કે હાડકાંમાંથી નીકળ્યું. એટલે પાછું ખૂબ ચાવી ચાવીને હાડકું ખાય. અલ્યા, તારું જ લોહી તું ચૂસે છે. એવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે. એવું આ લોકો હાડકાં જ ચૂસી રહ્યા છે ને પોતાનું જ લોહી બધું ચાખી રહ્યા છે.

ભ્રાંતિરસથી માને સુખ !

જ્યાં ભ્રાંતિરસમાં જગત તદાકાર પડ્યું છે. ભ્રાંતિરસ એટલે ખરેખર રસ નથી, છતાં માની બેઠો છે ! શું ય માની બેઠો છે !! એ સુખનો ફોડ પાડવા જાય ને, તો નરી ઊલટીઓ થાય !!!

પ્રશ્નકર્તા : આત્મા ને પુદગલનો સંયોગ થાય એટલે દરેકને આમ જ થાય ને ?

દાદાશ્રી : ના, પણ એને ભ્રાંતિ છે ત્યાં સુધી જ. બાકી 'હું કોણ છું' એનું ભાન નથી રહ્યું એટલે બેભાનપણે આવું ચાલ્યા કરે છે. ભાન થયા પછી પોતે છૂટો પડી ગયો. પછી એને વિષયસુખ મોળાં લાગે. જલેબી ખાધા પછી ચા પીધેલી ? મોળી લાગે ને ? પછી આપણે ચામાં ઘણો ટેસ્ટ કરવા જઈએ, પણ ટેસ્ટ ના બેસે. એવું આ જગત અસરવાળું છે !

આત્મસ્વભાવ અનાસક્ત !

આસક્તિ એ તો દેહનો ગુણ છે. તે કેવો છે ? જેમ લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે. તેમ દેહને ફીટ થાય તેવા પરમાણુ પ્રત્યે દેહ ખેંચાય છે. તેમાં આત્માને કશી જ લેવાદેવા નથી. પણ લોક તો ભ્રાંતિથી માને છે કે 'હું ખેંચાયો'. આપણને તો દેહથી આસક્તિ છે અને આત્માથી અનાસક્ત છીએ. આત્મા ખેંચાય નહીં. આત્મા જેમાં તન્મયાકાર થતો નથી તેને ત્યાગ વર્ત્યો કહેવાય. કર્તૃત્વનું અભિમાન એ જ આસક્તિ છે.

વિષય તો ભ્રાંતિની ય ભ્રાંતિ !

જ્યાં સુધી મીઠું લાગે છે ને, જોખમદારી ભલે લાગતી હોય, પણ મીઠું લાગે ત્યાંથી જોખમદારી કો'ક દહાડો ભૂલાડી દે. કર્મના ઉદય એવા એવા આવે કે જોખમદારી ભૂલાવી દે. અને આ કયા હિસાબે મીઠું લાગે છે, એ જ મને સમજાતું નથી. આમાં કયો ભાગ મીઠો છે ?!

પ્રશ્નકર્તા : એ ભ્રાંતિથી મીઠું લાગે છે ?

દાદાશ્રી : ભ્રાંતિથી મીઠું લાગતું હોય તો ય સારું, આ તો ભ્રાંતિ ય ન્હોય. આને કોણ મીઠું કહે ? વિષય એ તો ભ્રાંતિની ય ભ્રાંતિ છે !

પાંચ ઇન્દ્રિયના વિષયમાં એક જીભનો વિષય એકલો સાચો વિષય છે. બીજા બધા તો બનાવટ છે. શુધ્ધ વિષય હોય તો આ એકલો જ ! ફર્સ્ટ ક્લાસ હાફૂસની કેરીઓ હોય, તે કેવો સ્વાદ આવે ! ભ્રાંતિમાં જો કદી શુધ્ધ વિષય હોય તો આટલો જ છે. ચોખ્ખો ખોરાક મળતો હોય ને એનો સ્વાદ બેભરમો ન થયો હોય, તો એ વિષય સ્વીકારાય એવો છે. છે તો આ પણ કલ્પિત જ, પણ ઊંચામાં ઊંચું કલ્પિત છે. આની મહીં વિચારણા કરીએ તો ઘૃણા ના છૂટે ને વિષયમાં તો વિચાર કરીએ તો ઘૃણા છૂટે.

'જેમ છે તેમ' જોયું નથી, તેથી...

આ તો માંસને રેશમી ચાદરથી બાંધ્યું છે, એટલે મોહ થાય છે. માંસ એકલું હોય તો ય વાંધો નહીં, પણ આ તો મહીં આંતરડાં બધું કાપે તો શું નીકળે મહીંથી ? એટલે એની પર વિચાર જ નથી કર્યો. એ જો વિચાર કર્યો હોય, તો ત્યાં દ્રષ્ટિ ફરી જાય જ નહીં. આ તો ભ્રાંતિથી મૂર્ખાઈમાં માણસે સુખ કલ્પેલું છે. બધાએ કલ્પ્યું એટલે આણે ય કલ્પ્યું, એવું ચાલ્યું છે !

તેથી કૃપાળુદેવ એમ લખે છે, 'લાકડાની પૂતળી તો સારી હોય.' એમાં સંડાસ મહીંથી નીકળવાનું નહીં અને આ તો નરી ગંધ ! એ મોઢું જુએ તો ય ગંધાતા હોય. ભ્રાંતિ ચઢી જાય ને એટલે કેફ ચઢી જાય તો ભાન ના રહે. એટલે ચીતરી ના ચઢે પછી.

છેટા રહેવાથી વધે જાગૃતિ !

પ્રશ્નકર્તા : આવું તો કોઈએ કીધેલું જ નહીં ને !

દાદાશ્રી : લોકોને પોલું બધું જોઈએ છે. એટલે કોઈ કહે જ નહીં ને ! લોક પોતે ગુનેગાર છે, એટલે એ બોલે નહીં ને ! બિનગુનેગાર હોય તે બોલે. કારણ કે એક જ ફેરાનો વિષય, તે કેટલા દહાડા સુધી માણસને ભ્રાંતિ છૂટવા ના દે ! ભ્રાંતિ એટલે ડિસીઝન ના આવે કે આ આત્માનું સુખ કે આ પેલું સુખ, એવું ભાન થવા ના દે ! આ જ્ઞાન સાથે જો બ્રહ્મચર્યવ્રત લીધું પછી માથાકૂટ જ નહીં ને ! ઉપાધિમાં ય સુખ વર્ત્યા કરે ! આ લોકો માંસની પૂતળી છે, એવું શાથી ભૂલી જતાં હશે ? એવું છે ને, મૂર્છાથી એ એમાંથી જેમ જેમ સુખ લે, તેમ તેમ એની પર મૂર્છા આવે છે અને જો છ-બાર મહિના એમાંથી સુખ લે નહીં તો પછી એની મૂર્છા જાય. એટલે પાછું એને રેશમી ચાદરે વીંટેલું માંસ જ દેખાય !

ઊંચું ડેવલપમેન્ટ શેના આધારે ?

હવે સંસાર ગમતો નથી એ નક્કી થઈ ગયું છે ચોક્કસ !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ તો ખાતરી થઈ ગઈ છેને ?

પ્રશ્નકર્તા : ખાતરી થઈ ગઈ છે.

દાદાશ્રી : આ ખાતરી જોઈએ. આ ડેવલપ કોમ શેને કહેવાય છે કે જેની સ્ત્રીઓ એમ કહે છે કે હવે આ સંસાર અમને ગમતો જ નથી. એ ડેવલપ કોમ કહેવાય છે. નહીં તો સ્ત્રીઓ તો બધી મોહી હોય. માર ખાય તો ય એને ગમે. પણ આ કોમ ડેવલપ્ડ શાથી કહેવાય કે જેની સ્ત્રીઓ પણ જાગૃત થઈ ગઈ કે આ, આમાં શું સુખ છે બળ્યું ?! ખારું લાગે છે ! સંસારનું પાણી બધું, આ સંસાર સંબંધીનું પાણી ખારું છે. તો ય લોક શું કે' છે, ના મીઠું છે. બોલો, કેટલી ભ્રાંતિ હશે ! ભ્રમણા કેટલી હશે !

આ તો છે સાગર ખારા નીરનો !

વસ્તુ એક જ છે, પણ ભ્રાંતિથી રુચિ-અરુચિ થયા કરે. કારણ કે દરેકની દ્રષ્ટિ જુદી જુદી છે.

જ્યાં સુધી ભ્રાંતિનું ચલણ છે ત્યાં સુધી ભ્રાંતિની વિચારશ્રેણી છે ને ત્યાં સુધી એ દુઃખ જ છે. 'જ્ઞાની'ઓની ભાષામાં કશું સુખ-દુઃખ નથી. અને સુખ મનાય છે તેય ભ્રાંતિથી મનાય છે. આ જે જે સુખ દેખાય છે તે તો ભ્રાંતિથી દેખાય છે, ખરેખર સુખ છે નહીં. છે ખારું પાણી જ. આ તો છોકરો જ્યાં સુધી મીઠું મીઠું બોલે ત્યાં સુધી સારું લાગ્યા કરે. છોકરો કડવું બોલ્યો કે તરત સંસાર ખારો લાગે. કોઈ કડવું બોલે તે ઘડીએ સંસાર ખારો લાગે કે નથી લાગતો આપણને ? જેવો છે એવો અનુભવ થાય આ પાણીનો !

મેળ પડતો હોય તેય દીકરો થઈને આવે ને વેર હોય તેય દીકરો થઈને આવે છે, ને વગર કામની ભ્રાંતિ થાય કે 'આ મારાં છે, મારાં છે !'

સુખે ય વેદના છે ને દુઃખે ય વેદના છે. સુખ વેદના હોય તો એ સુખ જ ના કહેવાય. જે સુખ વધારે ચાખીએ અને તે દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કહેવાય ? આ તો બધી ભ્રાંતિવાળાઓની જંજાળ છે ! સુખના સમુદ્રમાં પડી રહે, છતાં પણ એનો અભાવ ના થાય એ સાચું સુખ કહેવાય !

આખું વેદનીય કર્મ ભ્રાંતિથી ઉત્પન્ન થયું છે અને વેદનીય કર્મથી આખું જગત પીડાય છે. તે ભ્રાંતિથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે, તે ભ્રાંતિ જાય એટલે કશું રહેતું નથી.

જ્ઞાની જ, ભ્રાંતિમાંથી કાઢે બહાર !

ભ્રાંતિ એટલે જોતાંની સાથે જ તન્મયાકાર થઈ જવું તે. એટલો બધો સામીપ્યભાવ છે ! આત્મા ને દેહનું એટલું બધું સામીપ્ય છે કે જુદાપણાનું ભાન નથી રહેતું. ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે બધી અસરો થાય છે - ટાઢની, તાપની, ભૂખની, તરસની, તે આત્માને નથી થતી. અસરો પુદગલને થાય છે, પણ આત્મા (વ્યવહાર આત્મા) પોતે માની બેસે છે કે મને જ અસર થાય છે ! એવું છે આ જગત ! એકવાર 'આવી ફસાયા' પછી નીકળવું મુશ્કેલ. એ તો જ્ઞાની પુરુષ મળે અને હાથ ખેંચીને બહાર કાઢે તો જ નીકળાય. આ ભ્રાંતિની ફસામણમાંથી તો ભ્રાંતિ જાય તો જ છૂટાય. પણ એ ભ્રાંતિ જાય શી રીતે ? એ તો જ્ઞાની પુરુષ ઢંઢોળીને જગાડે ત્યારે જ એ ભ્રાંતિ જાય ! તે સિવાય કોઈનુંય કામ નહીં. તે સિવાય તો જેમ જેમ છૂટવા જાય તેમ તેમ વધારે ને વધારે ફસાતો જાય !

દોષિત દેખાય ભ્રાંત દ્રષ્ટિથી !

ભ્રાંતિની વાતોથી બધી ભ્રાંતિ જ મળે ને ભ્રાંતિરહિત જ્ઞાનથી નિરાકૂળતા રહે.

આ જગતના ન્યાયાધીશો તો ઠેર ઠેર બેઠા હોય છે. પણ આ કર્મના ન્યાયાધીશ તો એક જ. 'ભોગવે તેની ભૂલ'! આ એક જ ન્યાય છે, જેનાથી જગત આખું ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખો ય ઊભો રહ્યો છે !

કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય, તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં હોય એવું કરે બિચારો. એમાં આપણે શું લેવાદેવા ? આપણે ટીકા કરવાનું કોઈ કારણ છે ? આપણે એની જોડે નવા કરાર શું કામ બાંધીએ ? એને જે અનુકૂળ આવે તે એ કરે. આપણને તો મોક્ષ સાથે જ કામ છે. આપણને બીજા સાથે કામ નથી. અને જગતમાં અમને કોઈ દોષિત દેખાય નહીં. ગજવું કાપે તે ય દોષિત ના દેખાય. એટલે જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય નહીં. સાપ હોય કે વીંછી હોય કે ગમે તે હોય જે તમને દોષિત દેખાય છેને, એનો ભય તમને પેસી જાય. અને અમને દોષિત દેખાય જ નહીં. શા આધારે દોષિત નથી એ બધો આધાર અમે જ્ઞાનથી જાણીએ. આ દોષિત દેખાય છે એ તો ભ્રાંતદ્રષ્ટિ છે, ભ્રાંતિની દ્રષ્ટિ ! આ ચોર છે ને આ શાહુકાર છે, આ ફલાણો છે એ ભ્રાંતિની દ્રષ્ટિ. આપણું લક્ષ શું હોવું જોઈએ કે બધા જીવમાત્ર નિર્દોષ છે. આપણને દોષદ્રષ્ટિથી દોષિત દેખાય છે. તે હજુ આપણી જોવામાં ભૂલ થાય છે એટલું સમજવું જોઈએ. ખરેખર કોઈ દોષિત છે જ નહીં, ભ્રાંતિથી દોષિત લાગે છે.

આપણું વિજ્ઞાન ચોખ્ખુંચટ છે. કોઈ ઉપરી છે નહીં. કોઈની આપણામાં ડખલ નથી, એવું આ જગત છે. આ ડખલ દેખાય છે, એ ભ્રાંતિ છે. બાકી આપણો કોઈ ઉપરી છે જ નહીં. ત્યારે ઉપરી કોણ ? પોતાની બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ. પોતાના સ્વરૂપનું ભાન નહીં, તે બ્લન્ડર્સ કહેવાય. એટલે હવે મિસ્ટેક્સ રહી ફક્ત. હવે ભૂલનાં પરિણામ ભોગવવાનાં રહ્યાં.

સંસારમાં ભટકવાનું કારણ...

આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. ખરેખર દરેક જીવ નિર્દોષ જ છે, જગતમાં. દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. જગતમાં કોઈ દોષિત નથી એ 'એના' લક્ષમાં રહેવું જોઈએ.

કોઈ કર્મ સ્વતંત્ર રીતે કરતો નથી, પરવશતાથી કર્મ કરવાં પડે છે. સ્વતંત્ર કર્મ કરે તો જ ગુનેગાર ગણાય. પરવશતાથી કર્મ કરે એટલે પરવશતાથી ભોગવવું પડે. આ જગતમાં કોઈ પણ માણસ ગુનેગાર કે ખોટો દેખાય છે એ બધી ભ્રાંતિ છે.

ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં. પ્રકૃતિ કરે છે ત્યારે આત્મા માલિક હોતો નથી. પ્રકૃતિ બંધાતી વખતે આત્મા ભ્રાંતિથી માલિક થાય છે ને છૂટતી વખતે આત્મા માલિક હોય નહીં !

કોઝીઝના કરનારાનો દોષ. એટલે પરિણામમાં દોષ કોઈનો ના હોય. તે જગત પરિણામ સ્વરૂપ છે. આ તો એક મેં તમને નાનામાં નાનું સરવૈયું કાઢતા શીખવ્યું. બીજા બહુ સરવૈયા છે બધા. કેટલાય સરવૈયા ભેગાં થયા ત્યારે મેં એક્સેપ્ટ કર્યું, જગત નિર્દોષ છે એવું. નહીં તો એમ ને એમ એક્સેપ્ટ થાય કંઈ ? આ કંઈ ગપ્પું છે ?

તમે તમારી પ્રતીતિમાં લઈ જજો કે આ જગત નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ છે. અને તેથી આ જગત ઊભું થયું છે બસ, ઊભું થવાના કારણમાં બીજું કોઈ કારણ નથી. જ્ઞાનદ્રષ્ટિથી જોવા જતાં જગત નિર્દોષ છે અને અજ્ઞાનતાથી જગત દોષિત દેખાય છે. જગત જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી ભટક ભટક કરવાનું અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે.

હિન્દુસ્તાનના લોકોને એટલું ભાન થયું છે કે 'મને કંઈક ભ્રાંતિ વર્તે છે.' ફોરેનવાળાને તો ભ્રાંતિનું ય ભાન નથી. એમને પૂછીએ, 'તમને ભ્રાંતિ છે ?' ત્યારે એ કહેશે, 'મને ભ્રાંતિ નથી. હું વીલીયમ જ છું.' ભ્રાંતિનું ભાન થાય નહીં ત્યાં સુધી આગળ માર્ગ જડે નહીં !

સાચી વાત તો એક દા'ડો ફુલ્લી આપણે સમજવી જ પડશે. સમજ્યા વગર ચાલશે નહીં. માર ખઈને કે પછી માર ખાધા વગર પણ સમજવી તો પડશે જ ને ?

પ્રશ્નકર્તા : નહીં, માર ખઈને સમજીએ તો વાંધો નહીં ને મારે તો સમજવું કઈ રીતે એનો સવાલ છે ?

દાદાશ્રી : હા, બરોબર છે. એટલે જ્યારે ત્યારે એક વાર વાત તો સમજવી પડશે. કારણ કે આ પઝલમાંથી નીકળવું પડશે એક દા'ડો. આ વમળ છે ભ્રાંતિનું. અનંતકાળથી આવાં ભટક ભટક કર્યા, કંઈ વળ્યું નહીં ! અને દરેક અવતારમાં મનમાં એમ થયું કે કંઈ આમ થઈ જશે, તેમ થઈ જશે, પણ વાત નહીં સમજવાથી કે 'આ હું કરું છું' એ કરેક્ટ છે ? 'હું કરું છું' એ પોતાની શક્તિ છે ? ત્યારે કહે, 'ના, આરોપિત ભાવ છે ખાલી.' 'હું કરું છું' તે જ આરોપિત ભાવ છે.

પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ તો આપણી વકીલાત કરે છે. આપણી અંદરની ઇચ્છા હોય તો બુદ્ધિ તરત જ એના કારણો શોધી આપેને, કહે, આ બરાબર છે, એમ જ કરે.

દાદાશ્રી : હા, તે બુદ્ધિ વકીલાત કરે છે. એવું છેને કે આત્મા પોતે જજ છે અને આ છે તે જીવ તરીકે પોતે આરોપી છે અને બુદ્ધિ વકીલ છે. એટલે જજ, આરોપી ને વકીલ. એટલે એક પણ ભૂલ પોતાની જડે નહીં. કારણ કે વકીલ છેને તે કહે કે બધે આવું ચાલે છે, એટલે ઊડી ગયું !

ભ્રાંતિની સ્લાઈસ, બધું અંધારું !

અને 'પરમહંસ' તો પેટ ઉપર હાથ ફેરવ્યા કરે નિરાંતે. પેટ તો મારુંને, કહેશે. પેટ કંઈ પારકું કહેવાય ? અનંત અવતારથી આ ભાંજગડો ! સત્ની કેડી પામે એવો રસ્તો છે નહીં. જે સત્ની કેડી છે, જે સત્નું માર્ગદર્શન છે, તે પામી શકે એમ છે નહીં. આમથી આમ સૂઈ જાવ કે આમથી આમ સૂઈ જાવ, પણ ખાટલા વચ્ચે ને ખાટલાં વચ્ચે જ્યારે જુઓ ત્યારે. જેટલી ડિઝાઈન બદલવી હોય એટલી બદલો રાતે ખાટલામાં. પણ એ ત્યાંના ત્યાં જ. એટલે આ બધું જ્યાંથી એની સ્લાઈસ કરોને ત્યાંથી ભ્રાંતિની સ્લાઈસ. હવે આપણે ચોખ્ખું કહીએ ત્યારે એને અનુકૂળ નથી આવતું. અને જો ઉપર આવવું હોય તો ચોખ્ખી વાત સાંભળો. ના આવવું હોય તો છે જ, બરોબર છે, કરેક્ટ છે. અમે હઉ કહેવા લાગીએને કે કરેક્ટ છે. તમારા સ્ટાન્ડર્ડનાં હિસાબે બધું કરેક્ટ જ છે એવું અમે હઉ કહેવા લાગીએ. પણ તમારે જો એ સ્ટાન્ડર્ડમાં ના પોષાતું હોય ને ઉપર આવવું હોય તો પછી આ ભાંજગડ બે બાજુ રાખો નહીં, કે આ યે કરેક્ટ કહો ને આ યે કરેક્ટ કહો. કંઈ પગથીયા લઈને ઉપર મેડા પર ચઢાય નહીં. છેલ્લા પગથીયા ગમતાં હોય બે-ત્રણ, તે પણ મેડા ઉપર લઈ જવાય ?

સંસારીજ્ઞાન ભ્રાંતિ વધારનારું !

સંસારમાં જે બધા જ્ઞાનના રસ્તા હોયને ત્યાં આગળ બુદ્ધિથી ચાલે બધો વેપાર. અને એ જ્ઞાનનો રસ્તો એમાં આપણે જાતે કરવું પડે. જ્ઞાન જે બતાવે એવું કરવું પડે. એ જ ભ્રાંતિ. તે ભ્રાંતિ વધારનારું છે બધું આ ! સંસારિક જ્ઞાન ભ્રાંતિ વધારનારું છે અને અહીં કરવું ના પડે. અહીં તો એની મેળે વિજ્ઞાન જ કર્યા કરે ! વિજ્ઞાન ચેતન જ હોય, આ એમાં અહીં કશું કરવાનું ના હોય. અહીં તો સમજવાની જરૂર. કરી કરીને તો આ વેષ થયો. ચિંતાઓ ને ઉપાધિઓ ને મસ્તી ! મનની મસ્તીમાં આવ્યો એટલે ખુશ ! અલ્યા, પણ ઉતરી જશે હમણે ! બૈરી કહેને કે તમારામાં જરા અક્કલ ઓછી છે. તો ય મસ્તી ઉતરી જાય એની મેળે તરત ! અરે, ઈન્કમટેક્ષનો કાગળ આવ્યો હોય તો ય મનની મસ્તી ઉતરી જાય. ના ઉતરી જાય ? હા, ત્યાર પછી એવા જગતમાં રહેવું શું અર્થ છે ? મિનિંગલેસ છે !

ચઢેલો ફેર, ઉતારે જ્ઞાની !

અનંત અવતારનો ફેર ચઢેલો, તે ઉતરવા માટે કાળ જોઈએ ફેર ચઢેલો. તમે એક પેલું ચકરડું હોય છે તેની પર બેઠેલાં કોઈ વખત ? તે બેસો ત્યારે કશુંયે ના હોય, ઉતરતી વખતે કહેશે, આ બધું ફરે છે, આ બધું ફરે છે. મૂઆ, આ નથી ફર્યું. એ ફેર થોડીવાર ઉતરવા દેવા પડે. તે આ તો અનંત અવતારના ફેર ચઢેલાં છે. એટલે જ્ઞાની પુરુષ એને પાસે બેસાડી અને ફેર ઉતારી નાખે બધાં. એના ફેર ઉતારી નાખે તેમ તેમ તૈયાર થતાં જાય. તમે આત્મા, ફેર જુદો.

ભ્રાંતિનો સર્વસ્વ ત્યાગ, અક્રમમાં !

પહેલો વરસાદ પડે છેને જમીન ઉપર, ત્યારે જમીનની ફોરમ આવે છે. કારણ કે બે વસ્તુ ભેગી થઈ એટલે તૃતીયમ ઊભું થયું, વિશેષ પરિણામ. એવું આ વિશેષ પરિણામ છે. આત્મા બગડ્યો નથી. જો આત્માને ભ્રાંતિ પડી હોત તો ફરી સમો યે ના થાત. પણ જગતમાં એમ કહેવું પડે કે ભ્રાંતિ છે. જગતની ભાષા છે, લોકભાષા.

પ્રશ્નકર્તા : એ ભ્રાંતિ છે એવું લાગે છે એટલા માટે એને પાછો વાળવા પ્રયત્ન કરીએ છીએને આપણે ?

દાદાશ્રી : એ પાછો વાળ્યો વળે નહીંને ! કેવી રીતે વળે ? વાળનાર કોણ એમાં ? ભ્રાંતિમાં પડ્યા પછી વળનાર કોણ ? વાળનાર કોણ ? આ બધી ઠોકાઠોક છે. વળનાર કોણ ? વાળનાર કોણ ? બધી ઠોકાઠોક છે.

આ ક્રમિક માર્ગ એટલે શું ? મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ હોય, એટલે જેવું મનમાં હોય એવું બોલે જ ને એવું જ વર્તન કરે. તો એ ક્રમિક માર્ગ તદ્દન સાચો છે. પણ તે ક્રમે ક્રમે, ત્યાગ કરી કરીને અને ત્યાગ કરેય ખરાં. મન-વચન સાચા છે નહીં ને અહીં આગળ નિયમ લઈને બેઠો હોય. અહીં શહેરનાં શેઠિયા સો જણા નિયમ લઈને જાય. પણ ઘેર જાય તો ફરી જાય. તે આ અત્યારે કોઈનું કલ્યાણ ના થાય એવો રસ્તો રહ્યો. મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ રહી નહીં, તે આ અક્રમ નીકળ્યું. કોઈ પણ રસ્તે પાસ કરોને અહીંથી.

ત્યાગ વગર તો કશું થતું જ નથી. એટલે અક્રમમાં ત્યાગ શેનો ? ભ્રાંતિનો સર્વસ્વ ત્યાગ ! અહંકારનો સર્વસ્વ ત્યાગ ! મમતાનો સર્વસ્વ ત્યાગ !!!

અહીં ભ્રાંતિ જાય !

પ્રશ્નકર્તા : ભ્રાંતિ કેવી રીતે દૂર કરી શકાય છે ?

દાદાશ્રી : ભ્રાંતિ દૂર કરવાથી ફાયદો બહુ છે, એવું તમને ખાતરી થઈ ગઈ છે ને ?

પ્રશ્નકર્તા : એ તો બહુ ખબર નથી. પણ મુક્ત થઈને પણ શો ફાયદો છે ?

દાદાશ્રી : ભ્રાંતિમાંય દુઃખ છે ને મુક્તમાં ય દુઃખ છે, એમ ને ? મુક્ત એટલે શું કે દુઃખોથી મુક્તિ, તમામ પ્રકારનાં દુઃખોથી મુક્ત ! મુક્તનો અર્થ જ એટલો. બીજો કોઈ મોક્ષ નથી. મોક્ષ એટલે દુઃખનો સંપૂર્ણ અભાવ થાય અને પોતાનું સ્વાભાવિક સુખ ઉત્પન્ન થાય.

આ એક સેકન્ડેય સ્વાભાવિક સુખ જ ઉત્પન્ન નથી થયું ને, એક સેકન્ડેય સ્વાભાવિક સુખ એણે ચાખ્યું જ નથી. આ કલ્પિત સુખ ચાખ્યું છે. આ કલ્ચર્ડ મોતીની માળા પહેરી હોય અને શાંતિ થાય એવું ! બાકી સાચા મોતીની માળા હોય તેની તો વાત જ જુદી ને !

એટલે ભ્રાંતિ કાઢવી હોય તો અહીં આવો એક દિવસ. અમે જ્ઞાન આપીએ તે દહાડે ભ્રાંતિ જતી રહેશે બધીયે !

મોક્ષપ્રાપ્તિનો અધિકાર !

પ્રશ્નકર્તા : મોક્ષપ્રાપ્તિ પ્રત્યેક માનવીનો હક્ક છે ?

દાદાશ્રી : મોક્ષપ્રાપ્તિનો દરેક માનવીનો નહીં, દરેક જીવનો હક્ક છે. કારણ કે દરેક જીવ સુખને ખોળે છે. એ સુખ 'આમાં મળશે, આમાં મળશે' એવી આશામાં ને આશામાં અનંત અવતારથી ભટક ભટક કરે છે. તે કાયમનું સુખ ખોળે છે. કાયમનું સુખ, એનું નામ જ મોક્ષ. આ 'ટેમ્પરરી' સુખ, સુખ જ ના કહેવાય. આ તો બધી ભ્રાંતિ છે, આરોપિત ભાવ છે. જો શ્રીખંડમાં સુખ હોય ને તમે શ્રીખંડ ખાઈને આવ્યા હો, તો તે તમે ખાવ ? તમને તે દુઃખદાયી થઈ પડેને ? માટે એમાં સુખ નથી. જેવું આરોપણ કરો તેવું સુખ. એટલે મોક્ષપ્રાપ્તિનો દરેક જીવને અધિકાર છે.

મોક્ષ, એ છે નિજ સ્વભાવ !

પ્રશ્નકર્તા : આપે હમણાં વાત થઈ કે મોક્ષ મેળવવાનો છે કે મોક્ષે જવું છે, તો મોક્ષ એ જવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ છે કે મોક્ષ એ સ્થિતિ છે ?

દાદાશ્રી : મોક્ષ તો સ્વભાવ જ છે પોતાનો. તમારો સ્વભાવ જ મોક્ષ છે, પણ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે, કંઈક ઉપાય કરવાં પડેને ? અત્યારે મોક્ષસુખ ભોગવતાં નથી, તમે છો મોક્ષસ્વરૂપ. મોક્ષ એટલે કંઈ જવાનું નથી કોઈ જગ્યાએ, તમે મોક્ષ-સ્વરૂપ જ છો એ ભાન થવું જોઈએ.

પ્રશ્નકર્તા : માણસે મુક્ત થવું જોઈએ, તો મુક્ત થવું એ શું છે ?

દાદાશ્રી : પોતાનો સ્વભાવ જ છે તે મુક્ત છે પણ પોતાને બંધાયેલું લાગે છે અત્યારે. અત્યારે એને ભ્રાંતિ થઈ ગઈ છે, મગજની નસો બધી ઊંધી થઈ ગઈ છે. તે બધું ઊંધું દેખાય છે. મોક્ષ તો પોતાનો સ્વભાવ જ છે. આત્માનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે. જેમ પાણીનો સ્વભાવ ઠંડો છે. પણ તેને ગરમ કરવા મહેનત કરવી પડે પણ ઠંડું કરવા મહેનત કરવી પડે ? ના કરવી પડે. એ તો એની મેળે જ એનાં સ્વભાવથી ઠંડું થઈ જશે. પણ શી રીતે આ વાત સમજાય ? પોતાનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે તે ન સમજાવાનું કારણ જબરજસ્ત ભ્રાંતિ વર્તે છે. તે ભ્રાંતિ કોઈ કાળે જાય તેમ નથી. એ તો જ્ઞાની પુરુષનો ભેટો થાય તો તે ઉકેલ લાવી આપે. માટે જ્ઞાની પુરુષને ખોળજો, સજીવન મૂર્તિને ખોળજો.

સર્વ દુઃખોથી મુક્તિ એ પહેલો મોક્ષ...

મોક્ષ માટે તો જેનો મોક્ષ થઈ ગયેલો હોય એવાં મોક્ષદાતા જોઈએ. આપણે પૂછવું કે તમે મોક્ષનું દાન આપી શકશો ? ત્યારે એ કહે, અમે આપી શકીશું. તો આપણે ત્યાં બેસવું. મોક્ષનું દાન લઈ લેવું.

પ્રશ્નકર્તા : મોક્ષ એટલે શું પણ ?

દાદાશ્રી : મોક્ષ એટલે, અત્યારે દુઃખ ગમે છે તમને ?

પ્રશ્નકર્તા : ન ગમે.

દાદાશ્રી : દુઃખ ક્યારેય ના થાય, એનું નામ મોક્ષ. નિરંતર પરમાનંદ, સુખમાં રહેવું, દુઃખથી મુક્તિ એનું નામ મોક્ષ. દુઃખથી મુક્તિ એનું નામ પહેલો મોક્ષ અને આપણે સંસારથી મુક્તિ એનું નામ બીજો મોક્ષ. પહેલું દુઃખથી મુક્તિ થવી જોઈએ. મને લાગે છે કે તમને દુઃખથી મુક્ત થવાનું નથી ગમતું, નહીં ?

પ્રશ્નકર્તા : દુઃખ ને સુખ તો સાથે રહે છેને એટલે બધાને ગમે છે.

દાદાશ્રી : ના, એ જે તમેે સુખ કહો છોને, જે સુખ પછી દુઃખ આવે છે, એ સુખ, સુખ જ નથી એ. આ તો કલ્પના છે. આ સુખ-દુઃખ ન્હોય. શાતા-અશાતા છે. શાતા એટલે જરા ઠંડક લાગે. અશાતા એટલે ઉકળાટ થાય. એ શાતા-અશાતા છે, સુખ-દુઃખ ન્હોય. આ તો લોકો ભ્રાંતિથી બોલે, લૌકિક સુખ-દુઃખ. સાચું સુખ એનું નામ કહેવાય કે જ્યાં દુઃખ હોય નહીં. એવું જોયેલું નહીં ? ચાખેલું નહીં ? સાંભળેલું જ નહીંને પણ ? વાંચેલુંય નહીંને ? વાંચેલું ખરું ? તમને ગમે એવું સુખ ?

પ્રશ્નકર્તા : ચોક્કસ ગમે.

દાદાશ્રી : સુખ એનું નામ કહેવાય કે ક્યારેય દુઃખ ન આવે. અને બીજું જે જગતનાં લોકો સુખ કહે છે, એ તો લૌકિક સુખ. લૌકિક સુખ એટલે કલ્પના. શાતા અને અશાતા વેદના, એક જાતની. એ સુખ નથી !

તમે ચંદુભાઈ છો, એવું માનો છોને ? તમારા જ્ઞાનમાંયે ચંદુભાઈ છે. કો'ક ચંદુભાઈ કરીને બૂમ પાડેને, તમે પાછું જુઓ, એટલે તમારા જ્ઞાનમાંય ચંદુભાઈ છે, બિલિફમાં. દર્શનમાંય ચંદુભાઈ છે. ચારિત્રમાંયે ચંદુભાઈ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું જ ઊંધું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સમ્યક્ થાય, એનું નામ મોક્ષ. પોતાનાં સ્વભાવમાં જ મોક્ષ છે.

ભ્રાંતિરહિત જ્ઞાન, જાણવા જેવું !

અત્યાર સુધી જે જાણ્યું છે, વાંચ્યું છે, એ બધી ભ્રાંતિ છે. ભ્રાંતિમાં ક્યાં સુધી પડ્યા રહેવું ? કેમ લાગે છે આપને? જેટલી આત્માની વાતો કરે છે તે બધી ભ્રાંતિમાં રહીને વાતો કર્યા કરે છે. ભ્રાંતિની બહાર નીકળેલું હોવું જોઈએ; એનું ફળ શું આવે? ભ્રાંતિરહિત ફળ આપે, નિરાકુળતા ઉત્પન્ન થાય. જગત આખું આકુળતા-વ્યાકુળતામાં ફસાયું છે. નિરાકુળતા એ તો સિદ્ધ ભગવાનના આઠ ગુણોમાંનો એક છે. રિયલ વસ્તુ પ્રાપ્ત થાય તો નિરાકુળતા ઉત્પન્ન થાય, નહીં તો કોઈ દહાડો છેડો ના આવે, અનંત અવતારથી આ ભ્રાંતજ્ઞાન તો જાણ જાણ જ કર્યા કર્યું છે ને !

પ્રશ્નકર્ર્તા : ભ્રાંતિ એ જ માયાવાદ ? ભ્રાંતિ વિશે વધુ સમજાવો.

દાદાશ્રી : ભ્રાંતિ, માયાવાદ એક જ છે. નિજ સ્વરૂપનું અજ્ઞાન એ પહેલા નંબરની ભ્રાંતિ છે. ભ્રાંતિ એટલે જે નથી તેની કલ્પના થવી તે. આત્મજ્ઞાન એ કલ્પિત વસ્તુ નથી. ત્યાં શબ્દ બોલ્યે ના ચાલે, એ અનુભવપૂર્વકનું હોવું જોઈએ. 'સેલ્ફ'નું 'રિય-લાઈઝેશન' થવું જોઈએ. આ પુસ્તકોમાં લખ્યો છે તેવો આત્મા નથી. 'હું કોણ છું' એ જાણવાનો એ શબ્દપ્રયોગ નથી, અનુભવપ્રયોગ છે.

વાતને સમજવાની છે. વાત સમજે તો સહજમાં મોક્ષ છે. નહીં તો કોટિ ઉપાયે, ઊંધો થઈને બળી મરે તો ય મોક્ષ થાય એવો નથી. પુણ્યનું બંધન થશે, પણ છેવટે બંધન થશે.

જગ સંબંધની યથાર્થતા....

જ્ઞાન ના હોય ને તાંબાનું બેડું ખોવાઈ ગયું હોય તો બૈરાંને શું થાય ? જાણે આત્મા ખોવાઈ ગયો હોય એવું મહીં લાગ્યા કરે. રાતે ઊંઘમાં હઉ બધું એવું લાગે ! અને માટલી ફૂટી ગઈ હોય તો ? તો કહે, 'છો ફૂટી ગઈ ! બે આનાની તો હતી !' એટલે એને કશું ય ના થાય. એવી રીતે આ જગત જ્યારે 'માટલી સ્વરૂપ' દેખાશે, ત્યારે આત્માની કિંમત થશે ! પણ જ્યાં સુધી આ તાંબા જેવું લાગે છે, ત્યાં સુધી ઉપાધિ છે. ખરેખર તો આ જગત ગૂંચવણી જેવું છે જ નહીં. આ તો ખાલી ભ્રાંતિ છે, આંટી જ પડી ગયેલી છે. આમ આંખ નીચે હાથ પડેલો હોય ત્યારે બે દીવા દેખાય. અલ્યા, હાથ છોડી દે ને છાનો-માનો ! જ્ઞાનીના કહેવાથી છોડ. ત્યારે કહે, 'ના, સાહેબ, બે છે તેનું કંઈ મહીં નવી જાતનું થઈ જાય તો !' અલ્યા, એક જ છે. તને બે લાગે છે તે જ તારી ભ્રાંતિ છે !

આ દુનિયાને યથાર્થ જેમ છે તેમ જાણીએ તો, જીવન જીવવા જેવું છે. યથાર્થ જાણીએ તો સંસારી ચિંતા-ઉપાધિ હોય નહીં, એટલે જીવવા જેવું લાગે પછી !

ભ્રાંતિમાં રહીને જાણનારો...

જગતનાં લોકો ગમે તેટલી વાસ્તવિકની વાત સાંભળે, પણ એને જાણનાર ભ્રાંતિવાળો એટલે ભ્રાંતિવાળું થઈ જાય પાછું. વાસ્તવિક વાત સાંભળે જગતનાં લોકો, તે સાંભળનારા ભ્રાંતિવાળા હોવાથી એ જ્ઞાન પાછું ભ્રાંતિવાળું થઈ જાય છે. એટલે એક અક્ષરે ય ભ્રાંતિની બહાર નીકળ્યા નથી અને તમે કહો છો, 'અમે તો બધું એની પાછળ જીવન ખર્ચી નાખ્યું ? શેમાં પણ ? ભ્રાંતિની પાછળ જ ખર્ચ્યું. એટલે મેં કહ્યું'તું, એક પૈસો કમાયા નથી, ને મનમાં શું માને કે 'આપણું બધું કંઈ રાગે પડી ગયું.' કમાયા હોય તો નબળાઈઓ કેટલી ઓછી થઈ, ક્રોધ-માન-માયા-લોભ કેટલાં ઓછા થયા, મતભેદ કેટલાં ઘટ્યા ! ધર્મ, ધર્મ થઈને પરિણામ પામવો જોઈએ. સાડા પાંચ વાગે સૂર્યનારાયણની સ્થિતિ અહીં હોય અને સૂર્યનારાયણ એવા ને એવા રહે તો પછી ઊગ્યા કેમ કહેવાય તે ?! એ તો ઊગે તો ઊગ્યા કહેવાય. બપોરને બપોર કહેવાય. પણ હજુ સૂરજ દેખાતો ના હોય ને બપોર કહેવાય ? એટલે આમાં કશું વળે નહીં. આ બધા, એ ભ્રાંતિ ને બીજી ભ્રાંતિઓ. આ શબ્દમાત્ર ભ્રાંતિ છે. બોલો, શાસ્ત્ર ભ્રાંતિ કે નહીં ?

પ્રશ્નકર્તા : ભ્રાંતિ.

દાદાશ્રી : શબ્દ માત્ર ભ્રાંતિ છે, તો શાસ્ત્ર યે ભ્રાંતિને ? પણ એવું કહે તો પાછાં લોકો આ રસ્તે ચઢતાં જ અટકી જાય. એટલે એવું કહેવાય નહીંને ! કહેનારનો દોષ છે. પણ જેને આમાંથી નીકળવું હોય તેને સમજી લેવું પડેને, કે આ શું છે ને આ શું નથી ?

અપૂર્વ વાત આપની !

એક ભાઈ મારી પાસે આવેલા. તે મને કહે છે, 'ભ્રાંતિની બહાર તો કોઈએ કાઢ્યા જ નથી, ભ્રાંતિ વગરની વાત તો તમે એકલા જ કરો છો, આવું કોઈ જગ્યાએ સાંભળ્યું જ નથી !'

આ તો 'સદ્ગુરુ આપે છે, મને સદ્ગુરુએ આપ્યું' કહે છે. પણ તે શું આપે છે એમને ? 'તારો શુધ્ધ બ્રહ્મ છે' કહેશે. 'આ બધું તું ન હોય. આવા બધા વિચાર આવે છે, તે તું ન હોય', બસ. એટલામાંથી પોતાને કંઈક આનંદ થાય છે. પણ આટલાથી કશું દહાડો વળે નહીં. પાછા આપણે ગલીપચી કરીએ તો ખુશ થઈ જાય અને ચૂંટી ખણીએ તો આખોય ઊંચો થઈ જાય.

સાચા સંન્યાસી, ભ્રાંતિ વગરના !

આજે સંન્યાસી છે જ ક્યાં હિન્દુસ્તાનમાં ? સંન્યાસી તો ભગવાનની નજીક જ પહોંચેલો, ભગવાન જોડે નિરંતર વાતચીત કરે, એનું નામ સંન્યાસી. આ તો ભગવાનનો અક્ષરેય ભાન નથી બિચારાને. એય ત્યાગી છે ને તમે ગૃહસ્થી છો. એકનું એક જ છે. એય ભ્રાંતિવાળા ને તમેય ભ્રાંતિવાળા. સંન્યાસી ભ્રાંતિવાળા ના હોય.

પ્રશ્નકર્તા : સંન્યાસીને ભ્રાંતિ ના હોય, એટલે બીજાની ભ્રાંતિ ટાળી શકે.

દાદાશ્રી : ભ્રાંતિ ના હોય, એટલે પેલાની ભ્રાંતિ હઉ કાઢી આપે. પણ આ બહાર તો ભ્રાંતિવાળા સંન્યાસી હમણે જો જરા અપમાન કરીએ તો ચિડાઈ જાય. જરા અપમાન કરીએ ને ફેણ માંડે. તે સંન્યાસી ફેણ ના માંડે કોઈ દહાડોય. સંન્યાસીમાં ક્રોધ-માન-માયા-લોભ હોય નહીં. સંન્યાસીમાં નિર્બળતા ના હોય. અને આ ત્યાગીઓને, આ સાધુઓ એ બધાં નિર્બળ હોય. આમ જરા સળી કરે તો ફેણ માંડી દે.

પ્રશ્નકર્તા : માંહ્યલો મરી ના ગયો હોય ?

દાદાશ્રી : માંહ્યલો ના મરે અને માંહ્યલો ના મરે ત્યાં સુધી ભ્રાંતિ જાય નહીં.

ક્રોધ-માન-માયા-લોભ હોય ત્યાં સંન્યાસ ના હોય, ત્યાં ત્યાગીપણું હોય. બૈરી-છોકરાં ત્યાગી અને ભગવા પહેરે કે ધોળા લૂગડાં પહેર્યા. છતાંય આપણે એમની ટીકા નહીં કરવી જોઈએ. જે એમની પાસે હોય એટલો જ માલ આપે, પણ આ માલ નથી એમની પાસે. ભ્રાંતિ જાય એવો માલ ના હોય. કારણ કે એમને જ ભ્રાંતિ છેને બિચારાને ! એ જ ભ્રાંતિમાં ફસાયેલાં છે.

એ વાતો બધી ભ્રાંતિની !

ત્યારે લોકોએ શીખવાડ્યું કે 'બધા જ બ્રહ્મ, બધામાં જ આ ભગવાન.' ત્યારે મૂઆ, ખોળવાના ક્યાં રહ્યાં ?! તો પ્રયત્નો શેના હારું કરું છું ?! સૂઈ રહેને ! ખાઈ-પીને મઝા કરને છાનોમાનો. પાછો મંદિરમાં શું કરવા જઉં છું ?! 'અહીં નથી' એમ કહેવામાં આવે તો 'અહીં છે' એમ ખાતરી થાય. તમને કેમ લાગે છે ? હવે જો લોકોને તોય આ પોલમપોલ ચાલ્યા કરે છેને, બહાર ? 'બધામાં, બધામાં...' ત્યારે મૂઆ, ખોળવા મંદિરમાં શું કરવા જઉં છું ?! તારાં બાપે શું દાટ્યું છે ?!

પણ આ તો સાવ ખોટું જ છે. આ તો કશું સાચું નીકળ્યું જ નહીં. બધું નાણું જૂઠું નીકળ્યું. એ જાણે કે આ પીળા રંગનું દેખાય છે, ચળકાટ મારે છે. અલ્યા, એ તો બફીંગ કરેલું છે પિત્તળ. હા, પિત્તળ બફીંગ કરે ત્યારે તે સોનાં કરતાં વધારે ચળકાટ મારે.

'બધે ભગવાન છે' એવું માનવામાં આવે એવી છે વાત ? તો પછી ખોળવાની જરૂર જ ક્યાં રહી ? 'અહીં નથી' એમ કહેવામાં આવે, તો 'અહીં છે' એમ જડે. પહેલું શું કહેવું જોઈએ ? કે 'અહીં છે' એમ નહીં, પણ 'અહીં નથી' એમ કહો. એટલે આપણું અક્રમ વિજ્ઞાન 'અહીં નથી' એમ કહે છે. જે જ્યાં છે ત્યાં જ છે, એમ જ કહે છે. તેથી પેલાને સૂઝ પડી જાય છે.

જીવોની ઉત્પત્તિ ક્યાંથી ?

પ્રશ્નકર્તા : આ જીવો ક્યાંથી પેદા થયા ?

દાદાશ્રી : એ પેદા થયા જ નથી. આત્મા અવિનાશી છે, કાયમને માટે છે. અવિનાશી પેદા થાય જ નહીં. જેનો નાશે ય ના હોય તે પેદા ય ના થાય. આ દેખાય છે તે બધી ભ્રાંતિ છે. આ અવસ્થાઓ છે, અવસ્થાઓનો નાશ થાય છે. ઘૈડપણની અવસ્થા, યુવાનીની અવસ્થા એ બધી નાશ થયા કરે, એમાં આત્મા હતો તેનો તે જ રહ્યા કરે છે.

'એકોહમ બહુશ્યામ' કેમ ?

પ્રશ્નકર્તા : પણ આ બ્રહ્મ છે, એને એકમાંથી અનેક થવાની ઇચ્છા કેમ થઈ હશે ? 'એકોહમ્ બહુશ્યામ્' એવી ઇચ્છા કેમ થઈ એમને ?

દાદાશ્રી : આ તો એવું છે ને, એ પોતે એક જ છે. બહુ થયેલો ય નથી, એક જ છે. પણ ભ્રાંતિથી બહુ થયેલું દેખાય છે. આ એક જ સ્વભાવનું છે. આ સોનાની ગમ્મે તેટલી લગડી હોય ને બધું ભેગું કરીએ તો એકનું એક જ છે ને ? બીજું પિત્તળ ભેગું થાય તો નુકસાન ! બધાં ભગવાન જ છે, ભગવાન સ્વરૂપ જ છે. પણ આ જુદું દેખાય છે, એનું કારણ ભ્રાંતિ છે.

બ્રહ્મમાંથી જીવદશા ?!

પ્રશ્નકર્તા : બ્રહ્મને જીવ કેમ થવું પડ્યું ?

દાદાશ્રી : તમે તો શિવ જ છો ! પણ તમને 'હું શિવ નથી' એવી ખાતરી થઈ ગઈ છે, ભ્રાંતિ પડી ગઈ છે તમને. 'હું ચંદુભાઈ છું' એવું તમે માનો છો. આ લોકોએ નામ આપ્યું એટલે આપણે માની લેવાનું ? તમે શિવ જ છો, પણ જીવ-શિવનો જો ભેદ સમજોને તો !

પ્રશ્નકર્તા : પછી તો અદ્વૈત થયું ને ?

દાદાશ્રી : જીવ-શિવનો ભેદ ના રહ્યો એટલે પછી અદ્વૈત થાય. જીવ-શિવ એકરૂપે ભાસ્યા એ અદ્વૈત ! જીવ જુદો ને શિવ જુદો એ ભ્રાંતિ છે !

પ્રશ્નકર્તા : પણ આત્મા તો શિવ હતો, તે જીવ કઇ રીતે થઇ ગયો ?

દાદાશ્રી : આ ઊંધી માન્યતાથી, 'રોંગ બિલિફ'થી જીવ થઈ ગયો છે. 'જ્ઞાની પુરુષ' આ 'રોંગ બિલિફો' 'ફ્રેક્ચર' કરી આપે અને પછી 'રાઇટ બિલિફ' બેસાડી આપે, એટલે 'પોતે' 'આત્મા' જ થઈ જાય પાછો, શિવસ્વરૂપે થઇ જાય.

જીવનો શિવ થવામાં વાર નથી લાગતી. છે જ પોતે શિવ ! પણ એને આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, એટલે 'રોંગ બિલિફો' બધી બેસી ગઇ છે. એ 'બિલિફ' બદલાય અને 'રાઈટ બિલિફ' બેઠી કે 'પઝલ' 'સોલ્વ' થઇ જાય.

ફેર, જીવ અને પરમેશ્વરમાં !

પ્રશ્નકર્તા : એ બરોબર. પણ જીવ અને પરમેશ્વર એમાં શું ફરક છે ?

દાદાશ્રી : જીવ છે તે આ વિનાશી ચીજોનો ભોગવટો માંગે છે અને એને વિનાશી ચીજોમાં શ્રદ્ધા છે. અને પરમેશ્વરને અવિનાશીમાં જ શ્રદ્ધા છે અને તે પોતાનાં અવિનાશી પદને જ માને છે. વિનાશી ચીજોની એને કિંમત નથી. ફેર એટલો જ છે. 'જીવ' એટલે એ 'પોતે' ભ્રાંતિમાં છે, એ ભ્રાંતિ જાય એટલે પછી આ વિનાશી ચીજોની મૂર્છા બધી ઊડી જાય, ત્યારે 'પોતે' જ 'પરમેશ્વર' થાય છે !

ભગવાનને સમર્પણ ?!

પ્રશ્નકર્તા : મનુષ્યનો જગત સાથેનો અને પરમાત્મા સાથેનો સંબંધ કેવાં પ્રકારનો છે ?

દાદાશ્રી : જગત સાથેનો સંબંધ એનો ભ્રાંતિમય સંબંધ છે અને પરમાત્મા સાથેનો સંબંધ સાચો સંબંધ છે, પણ આ સંબંધ છે ત્યાં સુધી પેલો સંબંધ નથી અને પેલો સંબંધ થયા પછી આ સંબંધ નહીં રહે. તમારે બેઉ સંબંધ રાખવા છે સાથે ? બે સંબંધ રાખવા હોય તો પરમાત્માની ભક્તિ કરો, પણ ઓળખીને ભક્તિ કરો; નહીં તો તમે ભક્ત અને એ ભગવાન, એમ 'તુંહીં તુંહીં' કર્યા કરો તો કશું વળે નહીં.

પ્રશ્નકર્તા : ભગવાનને બધું સમર્પણ કરીને રહેવું એ સાચો ને સુખી થવાનો માર્ગ છે ને ?

દાદાશ્રી : હા, પણ ભગવાનને સમર્પણ કરીને કોઈ રહેલો જ નહીં આ દુનિયામાં ! મોઢે બોલે ખરાં કે ભગવાનને સમર્પણ ! પણ બધાએ વહુને સમર્પણ કરેલું ! વ્યવહારમાં બોલવાનું કે ભગવાનને સમર્પણ કરેલું છે, ભક્તિ કરે ત્યારે ભગવાનને સમર્પણ બોલે; પણ ભગવાનને સમર્પણ કરેલું હોય તો એને દુઃખ જ શું હોય ?

ભ્રાંતિથી દેખાય એવું !

પ્રશ્નકર્તા : જીવ એ શિવ અને આત્મા એ જ પરમાત્મા તો પછી આ એકબીજાને મારી નાખે છે, ખૂન કરી નાખે છે, દુઃખ થાય એવું કરે છે, એવું શા માટે ?

દાદાશ્રી : એ તો પ્રકૃતિની લઢાલઢ છે, આત્માની લઢાલઢ નથી. પ્રકૃતિ લઢે છે. જેમ આ પૂતળાં લઢેને એવું છે. તે જ્યાં સુધી આ ભ્રાંતિ છે ત્યાં સુધી 'આ મારા બાબાનો બાબો મરી ગયો !' પણ ઓહોહો ! આત્મા તો એનો એ જ રહ્યો છે. પણ ખોખાં મરી જાય છે અને પછી રડારોળ કરે છે કે 'મારા બાબાનો બાબો, એકનો એક જ બાબો હતો !' જાણે એ પોતે મરવાનો ના હોય, એવું એ રડે છે !

જન્મ્યો-મર્યો કોઈ નથી...

આ દુનિયામાં તને 'આવ્યા-ગયા' દેખાય છે, પણ ખરી રીતે કોઈ આવ્યા નથી ને ગયા ય નથી. 'આવ્યા-ગયા' દેખાય છે તે ભ્રાંતદ્રષ્ટિ છે. ખાલી ભ્રાંતિથી જ આ દુઃખો વેઠે છે, વગર કામનાં. નહીં લેવાદેવા, પરમાણુ વધતું નહીં ને ઘટતુંય નથી. ભગવાનની ભાષામાં કોઈ મરતું જ નથી. આ લોકભાષામાં મરે છે. મારા સસરા મરી ગયા ને પોક મેલે, અલ્યા મૂઆ, સસરા મરી ગયાને પોક મેલે છે ?

પ્રશ્નકર્તા : વ્યવહારમાં મૂકવી પડે.

દાદાશ્રી : એ બધું વ્યવહારને થાય છે. એ બળતરા થાય છે તોય વ્યવહારને થાય છે, આત્માને થતું નથીને ?

પ્રશ્નકર્તા : આત્માને તો કશુંય નથી થતું. તે આ બધી ભાંજગડ જ વ્યવહારની છેને ?

દાદાશ્રી : ના, પણ એ તો જ્યારે પોતે આત્મા થઈને બેઠાં, પછી હવે શી ભાંજગડ તે ?!

આદિ-અંત, અપેક્ષિત !

'આ જગતની આદિ' જેવો શબ્દ નથી કે 'અંત' જેવો ય શબ્દ નથી. આ સંસારપ્રવાહ અનાદિનો છે, પણ અંતવાળો છે. ત્યારે પૂછે, 'કંઈ અપેક્ષાએ અંતવાળો છે ?' ત્યારે કહે, 'આ સંસારપ્રવાહમાં જીવો ભ્રાંતિમાં ચાલ્યા કરે છે, પણ એને જો 'જ્ઞાની પુરુષ' મળી જાય તો એની ભ્રાંતિનો ત્યાં આગળ અંત આવે છે. એટલે જે અનાદિથી ભ્રાંતિ ચાલી આવી છે એનો અંત આવે છે અને સમ્યક્ત્વનો ઉદય થાય છે. સ-આદિ, એટલે સાદિ થાય છે. એ સમ્યક્ત્વ ક્યાં સુધી રહેવાનું ? ત્યારે કહે કે, જ્યાં સુધી એને કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી એનો અંત ના થાય. એ સાદિ સાંત કહેવાય છે, સ-આદિ અને સ-અંત ! અને ત્યાં મોક્ષમાં પછી સ-આદિ થઈ અને અનંતકાળ સુધી રહેવાનાં. એટલે એને સાદિ-અનંત કહ્યું. એટલે પહેલો અનાદિ-સાંતનો ભાંગો, પછી સાદિ-સાંતનો ભાંગો, પછી સાદિ-અનંતનો ભાંગો !

એટલે આ જગતમાં આદિ જેવી વસ્તુ જ નથી, અંત જેવી ય વસ્તુ જ નથી. એટલે એની કલ્પનાઓ કર્યાનો પાર નથી આવે એવો !

ભ્રાંતિની આંટીથી ભાસે !

પ્રશ્નકર્ર્તા : આત્મા છૂટો કરીએ, તો તેની ઉત્પત્તિ વિચારમાંથી ન હોય ?

દાદાશ્રી : વિચાર એ વસ્તુ બહુ જુદી છે. આત્મા તેનાથી તદ્દન અલગ જ વસ્તુ છે. પણ ભ્રાંતિથી એમ લાગે છે કે 'મને વિચાર આવે છે.' એ ભ્રાંતિની આંટી તૂટી જવી જોઈએ.

પ્રશ્નકર્તા : જગતમાં ભિન્નત્વ ઉત્પન્ન થયું, શા માટે ? ભિન્નત્વ ન હોય તો આત્માની એકતા જગતમાં બધે પ્રસરેલી હોત. જગતમાં સુખ અને દુઃખ એ પણ ભિન્નત્વ છે, પૈસાદાર અને ગરીબ એ પણ ભિન્નત્વ છે. તો આ ભિન્નત્વ ઉત્પન્ન શા માટે થયું ?

દાદાશ્રી : એવું કશું આ દુનિયામાં ઉત્પન્ન થયું નથી અને કશું વિનાશ થયું નથી. ઉત્પન્ન અને વિનાશ એ બધી ખાલી અવસ્થાઓ દેખાય છે. મૂળ તત્ત્વને કશું જ થતું નથી. અવસ્થાઓમાં ભિન્નત્વ ભ્રાંતિવાળાઓને દેખાય છે. મૂળ તત્ત્વમાં કશો ફેર થતો નથી.

આ લોકો કેવું બોલે છે ? 'અરે બેન, ઘઉં વીણ્યા કે ?' અને વીણતી હોય કાંકરા એ ! એટલે આપણી આ ભાષા તો જુઓ ! આપણે ત્યાં જઈએ, ને કહીએ કે 'તમે તો કહેતા હતા ને કે ઘઉં વીણું છું અને તમે તો કાંકરા વીણો છો !' ત્યારે કહે, 'ના, ઘઉં જ વીણું છું ને !' પણ જો કાંકરા વીણતા હોય છે ને ! કેમ આવું બોલતા હશે લોકો ?!

પ્રશ્નકર્તા : સાચી સમજ નહીં ને !

દાદાશ્રી : આ સંસાર ભ્રાંતિ સ્વરૂપ છે ને, તે બધી વાતો ય ઊંધા રૂપે હોય !

અસ્તિત્વ : વસ્તુત્વ : પૂર્ણત્વ !

જગતમાં અસ્તિવનું ભાન જીવમાત્રને છે કે 'હું છું.' પણ વસ્તુત્વનું ભાન નથી કે 'હું શું છું ?' તેથી આ જગતમાં ભ્રાંતિ ચાલી રહી છે. જ્યારે 'હું શું છું ?' એવું ભાન થાય ત્યારે વસ્તુત્વનું ભાન થયું કહેવાય. અને વસ્તુત્વનું ભાન થાય ત્યારે પૂર્ણત્વ પછી એની મેળે જ થયા કરે. વસ્તુત્વનું ભાન ભેદવિજ્ઞાનથી થાય. જડ અને ચેતનનો ભેદ પાડવામાં આવે ત્યારે પોતાને વસ્તુત્વનું ભાન થાય.

નિરાલંબની દ્રષ્ટિએ, 'વસ્તુત્વ'નો સિદ્ધાંત !

'જ્ઞાની પુરુષ' તો ભાન કરાવશે કે 'જગત'ને 'તું' અડ્યો છે. નહીં તો વસ્તુ 'તને' કોઈ અડે એવી નથી. ત્યારે એ કહેશે, 'મારે કંઈ જરૂર નથી ?' ત્યારે કહીએ, 'ના, તારે કંઈ જરૂર જ નથી. તને જગતમાં અવલંબનની જરૂર જ નથી.' ત્યાર પછી 'એ' ભાનમાં આવેને ત્યારે એ કહેશે, 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું.' પછી મહીં ચિંતા-ઉકળાટ કશું જ ના રહે. ચિંતા-ઉકળાટ એ તો બધું 'પરવસ્તુ'માં થાય છે અને 'પોતે' માથે લઈ લે છે કે 'મને આમ થાય છે.' અરે, આ 'તારું' નથી અને પેલાં બીજાને ઘેર ત્યાં થાય છે. 'તને' ક્યાં કશું થાય છે ? થાય છે પાડોશીને ઘેર, ત્યાં આપણે શું ? અને 'આત્મા'ને કંઈ થાય જ નહિ ને ! પણ આ તો અનાદિની ભ્રાંતિ 'એને' આ વાત બધી વિસારે પાડી દે છે !

સામીપ્યભાવને લઈને ભ્રાંતિ !

આત્માને આવરણ નથી. આત્માની શક્તિઓ આપણને પ્રગટ થતી નથી અને તે પણ ભ્રાંતિને લઈને ! ભ્રાંતિને લઈને આ આત્મા-અનાત્મા એકરૂપ લાગે છે અને તેથી શક્તિઓ પ્રગટ થતી નથી. આત્મા જુદો છે, વસ્તુત્વે કરીને આત્મા તદ્દન જુદો જ છે, આ શરીરથી પણ તદ્દન જુદો, તદ્દન નિરાળો આત્મા છે. જેમ આ ખમીસ અને શરીર બેઉ જુદા છે એટલો આત્મા દેહથી નિરાળો છે. પણ સામીપ્યભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આ ભ્રાંતિ ઉત્પન્ન થવાથી ભ્રાંતિરસ ઉત્પન્ન થયા કરે છે.

ભ્રાંતિરસ શી રીતે ઉત્પન્ન થાય ? ત્યારે કહે, 'હું ચંદુભાઈ છું ને મેં આ કર્યું' કહેતાંની સાથે ભ્રાંતિરસ ઉત્પન્ન થયો ને આત્મા અને અનાત્માના સાનિધ્યમાં પડ્યો. તે પાછો રોજે ય ફ્રેશેફ્રેશ ભ્રાંતિરસ એ સાંધામાં પડ્યા કરે છે. 'આ મારું' કહેતાંની સાથે એ રસ પડ્યો.

ભ્રાંતિમાં આમ થાય વધારો !

થોડા વખતમાં ઊડી જાય, એનું નામ ભ્રાંતિ કહેવાય. અને આ બધી ભ્રાંતિને તો આપણે રોજ રોજ મજબૂત કરીએ છીએ. 'હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું' કરીએ એટલે રોજ નવી નવી ભ્રાંતિ મૂકતા જઈએ છીએ અને જૂની ભ્રાંતિ ભૂંસાતી જાય છે. જો નવી ભ્રાંતિ મૂકીએ નહીં, તો જૂની ભ્રાંતિ ઊડી જાય. બધું વિયોગી સ્વભાવવાળું છે. ભ્રાંતિ પણ વિયોગી સ્વભાવવાળી છે !

તમારો જે 'આત્મા' છે ને, એ 'તમે' પોતે જ છો. પણ અત્યારે 'તમને' ભ્રાંતિ થઈ ગઈ છે. એટલે જ્યાં 'પોતે' નથી ત્યાં 'તમે' આરોપ કરો છો કે 'હું ચંદુભાઈ છું.' અમે એ ભ્રાંતિરસ ઓગાળી નાખીએ છીએ. એટલે કશુંક ભાન ઉત્પન્ન થાય છે. પછી આત્મા ને અનાત્મા વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આપીએ.

નડે સંજોગોના દબાણ !

સંસાર પ્રવાહ છે ને, એ પ્રવાહમાં જતાં સંજોગોનું દબાણ બહુ આવે છે અને તે ફરજિયાત છે. સંસાર એટલે સમસરણ માર્ગ. તેમાં નિરંતર સમસરણની ક્રિયા થઈ રહી છે, નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે. કોઈ ૧૧મા માઈલે, કોઈ ૧૬મા માઈલે, કોઈ ૧૭મા માઈલે તો કોઈ ૭૦મા માઈલે હોય. તેમાંય ૭૦મા માઈલના પહેલા ફર્લાંગમાં કોઈ, બીજા ફર્લાંગમાં કોઈ, એમ જુદી જુદી જગ્યાએ હોય છે. ક્ષેત્ર જુદું માટે ભાવ જુદા, ને તેથી જુદા જુદા હિસાબ બધાને બંધાયા કરે છે. આમાં આત્મા જુદો જ છે, માત્ર ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે તેથી વિભાવિક દશામાં દેહ જોડે એકતા લાગે છે.

અહો ! આત્મા જાણવો એટલે તો....

બાકી આ બધા આત્મા જે જાણે છે એ મિકેનિકલ આત્માને આત્મા જાણે છે. એ જ ભ્રાંતિ છે ને ! અને પછી આપણે પૂછીએ, 'તમને સમકિત થયું ?' ત્યારે કહેશે, 'ના. સમકિત તો નથી થયું.' આત્મા જાણ્યા પછી બાકી શું રહ્યું ? એ ક્ષાયક સમકિતની ઉપર, કેવળજ્ઞાનની નજીક ગયો કહેવાય. એટલે આત્મા જણાય એવો નથી. તેથી કૃપાળુદેવે લખ્યુંને મોટા પુસ્તકની ઉપર કે, 'જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.' આ જે કહેવાનું છે તે ઉપર લખ્યું છે અને ના જાણ્યો હોય તો મહીં માથાફોડ કર. અનંત અવતારથી માથાફોડ કરી છે અને ફરી એ જ કર, કહે છે. છતાં આમ કર્યા કર, તો કોઈક દહાડો કંઈક સાચી વસ્તુ મળી જશે.

અનાદિથી આત્મા બગડ્યો નથી !

આખા સંસારકાળમાં આત્મા, આત્મા જ રહ્યો છે ને સહેજે ય ચાલ્યો નથી. છેક છેલ્લે જ્યારે મોક્ષે જવાનું થાય છે ને, તો ય ગતિસહાયક તત્ત્વ એને લઈ જાય છે. એમાં આત્મા, આત્મા જ રહે છે. મારું કહેવાનું કે આત્માને કશું અડચણ પડે એવું નથી, એવો આ સંસારકાળ છે. પણ એ તો મહીં અહંકાર ઊભો થાય છે, તે બધું વેદે છે, શાતા વેદે છે ને અશાતા ય વેદે છે. એ વેદનથી ઊભું થયું છે આ બધું, 'રોંગ બિલીફ ઊભી થઈ છે. આત્મા ફેરફાર નથી થયો, આત્મા કંઈ બગડ્યો નથી. અહીં અમે એની ભ્રાંતિ ઊડાડી દઈએ છીએ ને આત્મા તો આખો આપી દઈએ છીએ !

'દર્શન' બદલાયું, 'આત્મા' નહીં !

પ્રશ્નકર્તા : તો પછી આત્મા ઉપર બીજાં તત્ત્વો અસર કરી શકે ?

દાદાશ્રી : કરે જ છે ને ! આ બધી બીજાં તત્ત્વોએ જ અસર કરી છે ને ! એટલે જ્યારે અહીંથી પોતે સિદ્ધક્ષેત્રમાં જાય છે કે જ્યાં બીજાં તત્ત્વો નથી, એટલે ત્યાં એની કશી અસર ના થાય. જ્યાં સુધી બીજાં બધાં તત્ત્વો છે ત્યાં સુધી અસર થયા કરે છે. પણ 'જ્ઞાની પુરુષ' એને અસરમુક્ત કર્યા પછી 'એ' મોક્ષે જતો રહે. છતાં આખા વ્યવહારકાળમાં 'આત્મા' જરા ય બગડ્યો નથી. ફક્ત જે ભ્રાંતિ પડી ગઈ છે, જે દર્શન ઊંધું થઈ ગયું છે તે દર્શન 'જ્ઞાની પુરુષ' છતું કરી આપે, એટલે 'એ' અસરમુક્ત થઈ જાય ને પછી મોક્ષે ચાલ્યો જાય છે.

હવે એ દર્શન કેવી રીતે ઊંધું થઈ ગયું છે ? આ ઉત્તર પ્રદેશમાં જઈએ, ત્યાં માંકડાં બહુ થાય છે. તેને પકડવા એ લોકો શું કરે છે ? એક સાંકડા મોઢાનો ઘડો હોય, એમાં ચણા નાખી અને ઝાડ નીચે મૂકી આવે. તે પછી માંકડા એ ચણા લેવા ઝાડ પરથી નીચે ઉતરે ને ચણા લેવા માટે ઘડામાં હાથ ઘાલે. તે ચણા લેતી વખતે હાથ ધીમે રહીને દબાવીને ઘાલે. પણ ચણા લીધા અને મુઠ્ઠી વાળી એટલે પછી હાથ બહાર નીકળે નહીં, પછી ચીસાચીસ કરી મૂકે. તો ય પણ એ હાથની મુઠ્ઠી ના છોડે ! એ શું જાણે કે મને મહીંથી આ કોઈકે પકડ્યો છે, એવું એને લાગ્યા કરે. મહીં હાથ ઘાલ્યો ત્યારે મેં ઘાલ્યો હતો, પણ હવે આ નીકળતું કેમ નથી ? માટે એને ભ્રાંતિ પડી જાય છે, સમજણની આંટી પડી જાય છે કે 'કોઈકે મને પકડ્યો.' એટલે ચીસાચીસ કરે, પણ મુઠ્ઠી નથી છોડતો ! એવું આ લોકો, જગત આખું ય ચીસાચીસ કરે છે, પણ મુઠ્ઠી નથી છોડતું.

ને અહંકાર ઊભો થઈ ગયો !

એટલે આ તો ભ્રાંતિની આંટી પડી ગઈ છે. બાકી, આત્માને કશું થયું નથી. આત્મા જેવો છે તેવો જ છે. એના પર ફક્ત આવરણની આંટી પડી ગઈ છે અને તેનાથી 'ઇગોઈઝમ' ઊભો થયો છે. પછી 'ઇગોઈઝમ' બધું કર્તા-ભોક્તા થાય છે; દુઃખે ય ભોગવે છે એ અને સુખે ય એ જ ભોગવે છે.

પ્રશ્નકર્તા : તો એ ભ્રાંતિને રોકે કોણ ?

દાદાશ્રી : એ ભ્રાંતિને 'જ્ઞાની પુરુષ' રોકી શકે.

પ્રશ્નકર્તા : હું અત્યારે આપની પાસે જ્ઞાન લઈને જઉં. પછી કાલે ઊઠીને અંદર જે ભ્રાંતિ છે એ પાછું એવું ને એવું જ કરાવે ને કે, 'ના, ભાઈ, તારે આ કરવું જ જોઈએ, નહિ તો તારું ચાલે નહિ.'

દાદાશ્રી : ના, એવું નથી. પછી તો પ્રકાશ થાય ને ! એવું છે ને, પેલાં શેઠ સાંજે આટલુંક પીને બેઠા એટલે પછી શું કહે કે 'હું તો આ ફલાણો રાજો છું' એ શાથી બોલે છે ? એ શેઠ ગાંડો થયો છે ? ના. પેલા દારૂના અમલથી એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે !

પ્રશ્નકર્તા : એ જે પરિસ્થિતિમાં મૂકાણો, એમાં એને આત્માએ મૂક્યો કે ભ્રાંતિએ મૂક્યો ? અને આત્મા એને કંટ્રોલ ન કરી શકે ?

દાદાશ્રી : આત્માને આમાં લેવાદેવા જ નથી. આ તો અહંકારનું જ છે બધું ! જે ભોગવે છે તે અહંકાર ભોગવે છે. આ દુઃખો ભોગવે છે તે ય અહંકાર છે અને સુખો ભોગવે છે તે ય અહંકાર છે. અને 'અહંકાર' ખલાસ થાય એટલે 'તમે' 'આત્મા' થઈ ગયા ને મુક્તિને માટે લાયક થઈ ગયા. અહંકારથી તો આ બધો સંસાર ઊભો રહ્યો છે અને અહંકારથી જ રાગ-દ્વેષ છે ને 'અહંકાર'થી જ 'તમે' કર્મના કર્તા છો ! જ્યારે 'અહંકાર' નહિ હોય ત્યારે કર્મનું કર્તાપણું 'તમને' નહિ હોય. અત્યારે 'તમે' કર્મના કર્તા છો. માટે ભોક્તા છો. એ કર્તાપણું 'તમને' ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે.

એટલે આ શેઠે દારૂ પીધો નહોતો ત્યાં સુધી કશું અવળું બોલતા નહોતા. પણ દારૂ પીધો કે પછી અવળું બોલવા માંડ્યા, એમાં ત્યાં આગળ કોઈને ગાળો ભાંડી દે, તો એ કર્મ દારૂના ઘેનમાં કર્યું કહેવાય, ભ્રાંતિમાં કર્યું કહેવાય. પણ પછી ભોગવવું તો પડેને ? પેલો કંઈ છોડે નહીં ને ?! કે તમે તો મને દારૂ પીને ગાળો ભાંડતા હતા, એવું વઢે ને ?! એટલે એવી રીતે આ કર્મો ભોગવવાં પડે છે. અને કર્મનો કર્તા 'પોતે' થાય છે, તો 'પોતે' કર્મને આધાર આપે છે. 'હું કરું છું !' ઓહોહોહો, સંડાસ જવાની શક્તિ નથી ને શું કહે છે કે 'હું કરું છું આ બધું !' તેથી આ બધાં કર્મ બંધાય છે અને પછી ચારેય ગતિઓમાં ભટક ભટક કર્યાં કરે છે. જ્યારે 'જ્ઞાની' પાસેથી વાત સમજી લે, તો ભટકવાનું બંધ થઈ જાય !

માન્યતાની જ મૂળ ભૂલ...

દાદાશ્રી : તમને ભ્રાંતિ ખરી ?

પ્રશ્નકર્તા : અમને ભ્રાંતિ તો ખરી જ ને !

દાદાશ્રી : શેની ભ્રાંતિ છે ?

પ્રશ્નકર્તા : સ્વ-સ્વરૂપની ભ્રાંતિ જ છે ને ?

દાદાશ્રી : પણ 'તમારું' ભ્રાંતિવાળું સ્વરૂપ કયું છે ને ભ્રાંતિરહિત સ્વરૂપ કયું છે ? કેટલો ભાગ ભ્રાંતિરહિત છે ને કેટલો ભાગ ભ્રાંતિવાળો છે એવું ખબર જ નથી ? કશું વહેંચણ જ નહીં કરેલું ? 'ડિવિઝન' જ નહીં પાડેલાને ?

પ્રશ્નકર્તા : ભ્રાંતિની વ્યાખ્યા આપ શું કરો ? કોને ભ્રાંતિરહિત ગણાય ?

દાદાશ્રી : પોતે અવિનાશી, પોતાની માલિકીની ચીજો ય અવિનાશી અને વિનાશી ચીજોને પોતાની માનવી, એનું નામ ભ્રાંતિ !

પ્રશ્નકર્તા : એટલે એક જાતનું અજ્ઞાન થયું ને ?

દાદાશ્રી : ભારે અજ્ઞાન ! 'ફોરેન ડિપાર્ટમેન્ટ'ને 'હોમ ડિપાર્ટમેન્ટ' માનવું, એટલી બધી અજ્ઞાનતા છે ! એક 'ફોરેન ડિપાર્ટમેન્ટ' હોય, એને જ 'હોમ ડિપાર્ટ-મેન્ટ' માને તો 'હોમ'ને શું જાણે ? એટલે 'હોમ'ને એ જાણતો જ ના હોય. અને 'ફોરેન ડિપાર્ટમેન્ટ'ને 'હોમ ડિપાર્ટમેન્ટ' માને તો ય શું લાભ થાય ?

પ્રશ્નકર્તા : કશું લાભ ના થાય.

દાદાશ્રી : તો શું નુકસાન થાય ?

પ્રશ્નકર્તા : વાસ્તવિક આપણું સ્વરૂપ ના જાણીએ તો બધું નુકસાન જ છે.

દાદાશ્રી : નુકસાન જ છે ને ?! પોતાનું સ્વરૂપ એ 'હોમ ડિપાર્ટમેન્ટ' છે. અને 'ફોરેન ડિપાર્ટમેન્ટ'માં 'હું ચંદુભાઈ છું, હું પ્રોફેસર છું, હું આ બઈનો ધણી છું, આનો કાકો છું, હું જાડો છું, હું પાતળો છું.' એવું બધું ગા ગા કરે, એનું નામ ભ્રાંતિ ! બોલવાનો વાંધો નથી. પણ આ તો જે બોલે છે ને, એની ઉપર જ તમને શ્રદ્ધા છે ! તમે તો વ્યવહાર ને નિશ્ચય, 'ફોરેન' ને 'હોમ'-બે ભેગું કરીને બોલો છો કે 'હું ચંદુભાઈ જ છું !' ઓહોહો ! શું મોટા ચંદુભાઈ આવ્યા !! સાવ આવાં અવળાને જ ઝાલી પડ્યા છો ! આવું કંઈ પોષાય બધું ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : ના પોષાય.

દાદાશ્રી : તો કંઈક આરો આવે એવું જ્ઞાન જોઈએ. આ સંસાર સમુદ્રમાં કોઈ જગ્યાએ કિનારો દેખાતો નથી. ત્યાં ઘડીકમાં કહેશે, 'ઉત્તરમાં હેંડો.' ઉત્તરમાં ગયા પછી એક જણ સામો મળ્યો, તો એ કહેશે, 'આ બાજુ હેંડો !' અલ્યા, એ બાજુથી તો આવ્યો હું. ત્યારે કહે, 'ના, પણ પાછાં એ બાજુ હેંડો.' એટલે આમ ભટક, ભટક, ભટક, ભટક કર્યા કરે છે ! પણ આરો કે કિનારો કશું દેખાતું નથી !!

'જાણું હું ને કરું હું' એ જ ભ્રાંતિ !

હવે જ્યાં સુધી માણસને ભ્રાંતિ છે, ત્યાં સુધી પેલું વિનાશી અને અવિનાશી એક રૂપે વર્તે. એક રૂપે વર્તે ત્યારે શું કરે ? 'આ જાણું છું હું અને આ કરું છું હું' એવું બોલે. એટલે બન્નેના ધર્મો ભેગા બોલે, વિનાશીના ધર્મો અને અવિનાશીના ધર્મો બન્ને ભેગું બોલે અને ભેગું બોલે, એનું નામ જ ભ્રાંતિ ! પછી 'હું જ ચંદુભાઈ છું' એવું બોલે. 'પોતે' અવિનાશી હોવા છતાં ય પણ 'પોતે' 'હું જ ચંદુભાઈ છું' એવું બેભાનપણાથી બોલે છે. એનું કારણ શું કે અવિનાશી અને વિનાશી બે એકત્ર થઈ ગયું છે, એકાકાર થઈ ગયું છે. એટલે એકાકારથી આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે.

પ્રશ્નકર્તા : પણ એ ભ્રાંતિ તો અવિનાશીની જ બનાવેલી છે ને ?

દાદાશ્રી : બનાવેલી કોઈએ નથી, અવિનાશી બનાવે નહીં આ. આ ભ્રાંતિ તો વૈજ્ઞાનિક કારણોથી ઊભી થઈ ગયેલી છે. બાકી કોઈ ભ્રાંતિ બનાવે નહીં !

પ્રશ્નકર્તા : એ વ્યક્તિમાં વિનાશી અને અવિનાશી બન્ને સાથે હોય, તો જે વર્તન કરતા હોય એ તો અવિનાશીનું જ હોય ને ? કારણ કે અવિનાશીનું જ સામ્રાજ્ય ચાલે છે ને ?!

દાદાશ્રી : સામ્રાજ્ય અવિનાશીનું છે જ નહીં બિલકુલે ય ! વર્તને ય અવિનાશીનું નથી. આ તો સામ્રાજ્ય જ આખું વિનાશીનું છે. એટલાં માટે અમે, આ વિનાશી ને આ અવિનાશી, એમ બે ભાગ જુદા પાડી આપીએ. પાપો ભસ્મીભૂત કરીએ તો એ બે ભાગ જુદા પડે, તો પછી બન્ને છૂટાં પડી જાય. પછી આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે. એટલે અવિનાશી એના મૂળ સ્વભાવમાં આવી જાય અને વિનાશી જે છે એ આ ક્રિયામાં રહે. આ વિનાશીને જાણવાનો સ્વભાવ નથી. લાગણીનો કે એવો કોઈ સ્વભાવ આ વિનાશીમાં નથી. પછી વિનાશી છે તે આ ક્રિયાઓમાં રહે અને અવિનાશી જ્ઞાતા-દ્રષ્ટા રહે, બેઉ પોતપોતાના સ્વભાવમાં રહે. અને આ ભ્રાંતિમાં તો શું કરે છે ? 'જાણું છું હું અને કરું છું હું', એટલે પછી આ ક્રોધ-માન-માયા-લોભ બધી નબળાઈઓ ઊભી થઈ ગઈ છે.

સ્વભ્રાંતિ એટલે...

પ્રશ્નકર્તા : સ્વભ્રાંતિ એટલે નિજદોષ ?

દાદાશ્રી : ના. એને સ્વભ્રાંતિ ના કહેવાય. ભ્રાંતિ એટલે શું ? ભ્રાંતિ કોને કહેવાય એ હું તમને સમજાવું કે તમે 'હું ચંદુભાઈ છું' એવું આરોપિત ભાવથી બોલો છો. જ્યાં પોતે નથી ત્યાં પોતે 'હું છું' એવું કહે છે એને ભ્રાંતિ કહેવાય. પોતે પોતાના સ્થાનમાં હોય તો સ્વક્ષેત્રમાં હોય તો ક્ષેત્રજ્ઞ કહેવાય. પરક્ષેત્રમાં આવ્યા તો ભ્રાંતિ. આ લોકોએ કહ્યું કે તમે ચંદુભાઈ. ને તમે માન્યું કે હું ચંદુભાઈ. જગત જ ભ્રાંતિએ ચઢાવે છે !

ભ્રાંત સ્વરૂપથી ભ્રાંતિ ના છૂટે !

પ્રશ્નકર્તા : કોઈ વખત સ્વમાન કે અભિમાન થઈ જાય. આમ તો મનમાં રહે કે સ્વમાન જાળવવું જોઈએ આપણું, તો એ સ્વમાન જ છે કે પાછું અભિમાન છે, એની શી રીતે ખબર પડે ?

દાદાશ્રી : બધું અભિમાન જ છે. એ સ્વમાન કહો કે અભિમાન કહો, અભિમાન વિકૃત હોય. પણ બધું અભિમાન જ છે આ બધું.

'ત્' + 'પ્ક્ક' એ અભિમાન અને 'ત્'(હું) એકલો અહંકાર, 'ત્'ને આરોપિતભાવે બોલવું, જ્યાં તમે નથી ત્યાં આરોપણ કરવું, એનું નામ અહંકાર. તમે જે છો એ જાણતા નથી. એટલે તમને નામ પાડ્યું કે ચંદુલાલ, ને તમે માની લીધું. માની લીધુંને ? તે તમારે તમારું જુદું તો પાડવું'તું ? બાપનું કહેવું આપણે ક્યાં માની લઈએ ! માની લીધું ? એ ચંદુભાઈના નામ પર જ વેપાર કર્યો બધો ? શાદી કરી પછી. 'હું ચંદુલાલ છું' પહેલી રોંગ બિલિફ બેઠી, પછી 'આ મારા વાઈફ' તે બીજી રોંગ બિલિફ બેઠી, 'આ છોકરાનો ફાધર હું થઉં' ત્રીજી રોંગ બિલિફ.

પ્રશ્નકર્તા : ભ્રાંતિ છોડવામાં પીડાનો અનુભવ થાય તો શું કરવું ?

દાદાશ્રી : તમે પોતે જ ભ્રાંત થઈને શી રીતે ભ્રાંતિને છોડો ? તમે પોતે ભ્રાંત અને ભ્રાંતિને શી રીતે છોડો ? તમને સમજ નહીં પડી ? તમારું સ્વરૂપ ભ્રાંત સ્વરૂપ છે. હવે એ ભ્રાંતિને શી રીતે છોડો તે ? ભ્રાંતિ તો તમારું પ્રોડક્શન(ઉત્પન્ન કરેલી) છે. એ શી રીતે છોડી શકો ? હું ચંદુલાલ, આ બાઈનો ધણી, એ બધું તમારું સ્વરૂપ જ ભ્રાંત છે. એટલે પછી ભ્રાંતિને શી રીતે છોડો ? ભ્રાંતિનું તો ઉત્પાદન થાય. એટલે ભ્રાંતિથી છૂટવા માટે તો જેની ભ્રાંતિ છૂટી ગઈ હોય એવા મુક્ત પુરુષની કૃપા પ્રાપ્ત કરવાની છે.

તો આત્મજ્ઞાન થાય !

પ્રશ્નકર્તા : તો આત્મજ્ઞાન માટે મુખ્યત્વે શાની જરૂરિયાત છે ?

દાદાશ્રી : પોતાને 'હું ચંદુભાઈ છું' એ ભાન છે તે ભ્રાંતિ છે અને 'હું ખરેખર કોણ છું' એ ભાન થાય એટલે આત્મજ્ઞાન થાય.

સંસાર એ ભ્રાંતિથી ઊભી થયેલી વસ્તુ છે. એટલે ભ્રાંતિનું જ્ઞાન થાય એટલે એ નીકળી જાય. ભ્રાંતિ છૂટે તો જ કામ ચાલેને ? 'હું ચંદુભાઈ છું' એ મોટામાં મોટી ભ્રાંતિ. ત્યારે કહે, એમાં શું ભૂલ છે ? લોકો કહે છેને ? ત્યારે કહે, લોકો કહે છે, પણ આરોપિતભાવ છે. પોતે જે છે તે જાણતો નથી અને લોકોએ કહ્યું, લૌકિક જ્ઞાનથી જાણે છે. લૌકિક જ્ઞાન એ ભ્રાંતિ કહેવાય. લોકોએ કહ્યું કે ચંદુભાઈ છો એટલે તમે માની લીધું કે ચંદુભાઈ છું અને પોતેય પણ માને કે હું ચંદુભાઈ છું. જ્યાં પોતે નથી ત્યાં આરોપિતભાવ છે.

'રોંગ બિલિફ' જાય એટલે અંતરદાહ જાય. અંતરદાહ એ ભ્રાંતિનું ફળ છે !

વિભ્રાંત દશા, પણ કોની ?

અનંત કાળથી વિભ્રાંત દશામાં જ છે. આત્માને વિભ્રાંતિ હોતી નથી. આ તો મનુષ્યને વિભ્રાંતિ હોય છે ! આ તો અમુક કોઝિઝ ઉત્પન્ન થવાથી, સંજોગોના દબાણથી વિભાવિક જ્ઞાન ઉત્પન્ન થાય છે, એટલે આમાં મનુષ્ય ગુનેગાર નથી. ભ્રાંતિથી ગુનેગાર દેખાય છે. અને જ્ઞાનથી તો નિર્દોષ જ છે. 'જ્ઞાની'ને આખું જગત નિર્દોષ દેખાય.

ભ્રાંતિભાવથી ચાર્જ !

આ ભાવ કર્યો તે ભ્રાંતિભાવ છે, સ્વભાવભાવ નથી. બહાર જે ચોખ્ખા પરમાણુઓ છે કે જેને વિશ્રસા કહેવામાં આવે છે. મનની અંદર ભ્રાંતિભાવ થયો એટલે એ પરમાણુ પ્રયોગસાના વહેણમાં જાય અને જ્યારે પરિણામ પામે ત્યારે મિશ્રસા થાય, એ પછી કડવા-મીઠાં પરિણામ આપીને જાય. અત્યારે આ દેહ મિશ્રસા પરમાણુનો બનેલો છે. તે પરિણામ આપીને જાય. આત્મા લક્ષમાં આવે, સ્વભાવભાવમાં આવે ત્યારે નવાં બીજ ના પડે.

હવે સંજોગોના દબાણથી કોઇની જોડે ગુસ્સો થયો ત્યારે તે વખતે 'હું ચંદુલાલ છું ને મેં આ કર્યું' એવું જે જ્ઞાન છે તેથી બહારના પરમાણુઓ ખેંચે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભ્રાંતિથી આત્મા (વ્યવહાર આત્મા) પુદગલની અવસ્થામાં તન્મયાકાર થાય છે, તે ભાસ્યમાન પરિણામને પોતાનાં માને છે, તેનાથી પરમાણુઓ 'ચાર્જ' થાય છે.

ભ્રાંતિ, ખરેખર શું છે ?

પ્રશ્નકર્તા : આત્મા જ્ઞાનનો અફાટ પીંડ છે, છતાં ભ્રાંતિમાં કેમ પડ્યો હશે ?

દાદાશ્રી : અફાટ પીંડ એટલે શું ? એનો અર્થ શું, અનંત જ્ઞાન. છતાં ભ્રાંતિમાં કેમ પડ્યો હશે ? ત્યારે કહે છે કે ખરેખર આ ભ્રાંતિ છે નહીં. આ જગતને કહેવું પડે છે તેથી ભ્રાંતિ કહેવી પડે. ખરેખર આ ભ્રાંતિ નથી. આ આત્માનું વિભાવિક જ્ઞાન છે. આ પણ એક જ્ઞાન છે, આ ભ્રાંતિ નથી. પણ તમને ફોડ પાડવા માટે, ભ્રાંતિ એટલે શું તે સમજાવું. આ વિભાવમાં પડેલો આત્મા છે. એને જગતના લોકોને, રીલેટિવ ભાષામાં, ભ્રાંતભાષામાં ભ્રાંતિ કહેવાય છે. ભ્રાંતિ એટલે મહીં જે દુઃખ ઉત્પન્ન થાય છેને ત્યારે મનમાં થાય છે કે 'સાલું આટલું બધું જાણવા છતાં મહીં આ શું છે તે ? માટે કંઈક જુદું છે ! આ મારું સ્વરૂપ ન્હોય.' એનું નામ ભ્રાંતિ. આંટી પડી છે કંઈક. 'આ મારું સ્વરૂપ ન્હોય, આ હું ન્હોય.' એટલે ભ્રાંતિ પડી ગઈ છે, પણ ખરેખરી રીતે આત્માની ભ્રાંતિ, વિભાવનો અર્થ લોક સમજ્યા છે જુદું.

આ તો વિશેષ ભાવ છે. વિશેષ ભાવ એટલે જે જાણવાનું હતું એટલું જ જાણવાનું હતું, તેને બદલે વધારે જાણ્યું. તે વધારે જાણ્યું તેનો વાંધો નથી, જો અકળામણ ન થતી હોય ને જો અકળામણ થતી હોય પાછાં હેંડો. તે આ અકળામણ થઈ. તે આ લોકો પોતાનાં સ્વભાવિક જ્ઞાનને બદલે વિશેષ જાણવા ગયા. તેને અકળામણ થઈ. તે આ વિશેષ જ્ઞાન છે.

વિશેષ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય ? પેલા લોકોને ના ઉત્પન્ન થાય, જે સિદ્ધ ક્ષેત્રમાં બેઠા છે તેમને. તે પોતાની ઇચ્છાએ કરીને નથી થતું. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. દબાણથી ઉત્પન્ન થાય છે. પોતાની ઇચ્છાપૂર્વક નથી વિશેષ જ્ઞાન. એટલે સંયોગોથી છૂટ્યો. પેલાં લોકોને સંયોગો ભેગા થવાનાં નહીં. આ સંયોગો ભેગા થવાનાં નહીં. એમને તો ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા પરમાનંદી. એટલે વિશેષ જ્ઞાન જ ઉત્પન્ન થાય નહીં એટલે સ્વભાવિક જ્ઞાનમાં રહે એટલે પરમાનંદમાં જ રહે.

'જેમ છે તેમ' જાણ્યે, જાય ભ્રાંતિ !

પોતે 'રિયલ' હતો, તે 'રિલેટિવ' થઈ ગયો. ઘણાં 'રિલેશન' થઈ જવાથી પોતાને ભ્રાંતિ ઉત્પન્ન થઈ. ભ્રાંતિથી 'હું ચંદુલાલ છું' કહે છે, એ 'ઈગોઈઝમ' કહેવાય. ભ્રાંતિ એ જ તારી માયા, એ જ તારો અહંકાર, એ જ તારું અજ્ઞાન ને એ જ તારી બહિર્મુખી દશા !

'જેમ છે તેમ' નહીં દેખાવું ને બીજા સ્વરૂપે દેખાવું, એનું નામ ભ્રાંતિ. જ્ઞાન કોનું નામ કે જે 'છે તેને છે' કહે છે ને જે 'નથી તેને નથી' કહે છે અને ભ્રાંતિ કોનું નામ કે જે 'નથી તેને છે' કહે છે ને જે 'છે તેને નથી' કહે છે તે. ભ્રાંતિ એ બુદ્ધિજન્ય જ્ઞાન છે. બુદ્ધિજન્ય જ્ઞાન એ વિકલ્પી હોય, જ્યારે સાચું 'જ્ઞાન' નિર્વિકલ્પી છે. એમાં જુદાઈ જરાય નથી. એટલે સાચા જ્ઞાનની વાત જ સમજવાની છે.

આ સંસારનો અમલ ચઢે એટલે ભ્રાંતિ વર્તે. અમલ ઊતરી જશે એટલે રાગે પડશે. 'પોતે' છે એ જ થઈને ઊભો રહેશે. કિંચિત્માત્ર 'પોતાપણું' રાખવાની જરૂર નથી, 'પોતે' છે જ નહીં. આ અસ્તિત્વ લાગે છે તે જ ભ્રાંતિ છે.

પ્રશ્નકર્તા : ભ્રાંતિ જાય તો મુક્ત થવાય ને ?

દાદાશ્રી : હા, ભ્રાંતિ ગઈ એટલે 'જેમ છે તેમ' જાણ્યું. ભ્રાંતિ ગઈ એટલે અજ્ઞાન ગયું, અજ્ઞાન ગયું એટલે માયા ગઈ. ભગવાનની માયા ગઈ એટલે અહંકાર ગયો, અહંકારશૂન્ય થઈ ગયો એટલે ઉકેલ આવ્યો !

ફસાયા લાગે, તે ય ભ્રાંતિ !

પ્રશ્નકર્તા : આત્માની ગનેગારી છે કે પુદગલની ?

દાદાશ્રી : કોઈની ગનેગારી જ નથી. આ લાગે છે તે ય બધી ભ્રાંતિ છે આ. આ પ્રશ્નેય ભ્રાંતિનો જ કહેવાય.

પ્રશ્નકર્તા : પ્રશ્ન પણ ભ્રાંતિનો ?

દાદાશ્રી : હં. ભ્રાંતિ સાથે જ જવાબ આવેને ! ભ્રાંતિમાં જ જવાબ આવે. પુદગલે શું ભગવાનને ફસાવ્યા છે ? એ ફસાયા જ નથી ને ત્યાં આગળ ! આત્માને શું કામ ફસાવે ? આત્મા ય ફસાયો નથી. આત્માને એવું તે શું કે ફસાઈ જાય ? એ ફસાયો જ નથી ત્યાં આગળ ! લ્યો ! એવું કશું છે જ નહીં. ફસાયેલો લાગે છે તે જ ભ્રાંતિ છે.

પ્રશ્નકર્તા : ફસાયેલો જે લાગે છે તે ય ભ્રાંતિ છે.

દાદાશ્રી : તે જ ભ્રાંતિ. એ જ્ઞાન થશે ત્યારે ફસાયેલો ય એ નહીં દેખાય. થોડુંક જ્ઞાન થયું તો આટલું બધું હળવું લાગે છે, તો એને પૂરેપૂરું જ્ઞાન થાય ત્યારે ?! થોડુંક જ્ઞાન થયું તો આટલું હળવું લાગે છે, નહીં ? 'હું કોણ છું' એટલું ભાન થયું, એક જ સાઈડનું.

એટલે ચેતન પોતે પુદગલના ચક્રમાં પડ્યું જ નથી. આ પડ્યું છે એવું લાગે છે તે ય ભ્રાંતિ છે. એ ભ્રાંતિ દૂર થઈ જાય તો છૂટું ને છૂટું જ છે !

'હું' મૂળ જગ્યાએ બેસાડે જ્ઞાની !

સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય પછી અંતઃકરણ જેમ છે તેમ રહે છે. માત્ર જ્યાં પોતે નથી ત્યાં 'હું છું' નો જે ભ્રાંતિથી આરોપ કર્યો હતો, તે ભ્રાંતિ અમે ઉડાડી દઈએ અને રિયલ 'હું'માં 'હું'ને બેસાડી દઈએ. પછી અંતઃકરણમાંનો અહંકાર જે રહે છે તે તો તમારો વ્યવહાર ચલાવી લેશે. એને કંઈ દાબવાનો નથી. માત્ર નિરસ બનાવવાનો છે.

આત્માનો અનુભવ કરે કોણ ?

પ્રશ્નકર્તા : આત્માનુભવ કોને થાય છે ? અનુભવ કરનાર કોણ ?

દાદાશ્રી : 'પોતાને' જ થાય છે. આ અજ્ઞાનથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી, તે જતી રહે છે ને અસ્તિત્વપણું પાછું ઠેકાણે આવી જાય છે. 'હું ચંદુભાઈ છું' એ ભાન 'જેને' હતું, તેને હું એ ભાન છોડાવું છું ને 'હું શુધ્ધાત્મા છુંં'નું તેને જ ભાન થાય છે. જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો ના પડી શકે, જે આકાશ જેવો છે, તેને અનુભવ થાય છે. 'હું ચંદુભાઈ છું' એ સ્થૂળ અહંકાર છૂટ્યો પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને છેલ્લે સૂક્ષ્મતમ અહંકાર હોય છે. સૂક્ષ્મતમ અહંકારને અનુભવ થાય છે કે 'હું શુધ્ધાત્મા છું.' જે આજ સુધી અવળો ચાલ્યો હતો તે પાછો ફર્યો. 'આ' જ્ઞાન પછી તમારે હવે સ્થૂળ અહંકાર રહે કે જે નિર્જીવ છે. સજીવ ભાગ ખેંચાઈ ગયો. સ્થૂળ અહંકારનો ફોટો પડે. પછી રહે છે સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ અહંકાર, કે જેને અનુભવ થાય છે. આ કોના જેવી વાત છે ? વાતચીત કરતાં 'ડોઝિંગ' થાય અને પાછો વાતચીત કરે. આમાં 'ડોઝિંગ થયું કોને ને કોણે જાણ્યું' એના જેવું છે !

ભ્રાંતિ ગઈ ને જ્ઞાન જાગૃતિ થઈ !

તમને જ્ઞાન મળ્યું ને ? કેટલો વખત થયો ?

પ્રશ્નકર્તા : બે મહિના.

દાદાશ્રી : બે મહિનામાં છોડ સારો મોટો થયો છે એ બીજ થઈને, બીજની ત્રીજ થાય, ચોથ થાય, છેવટે પૂનમ થાય. એટલે કેવળજ્ઞાન થઈ ગયું. કર્મ બંધાય નહીં, કર્મ બંધાતા અટકી જાય. ક્રોધ-માન-માયા-લોભ હોય નહીં.

પ્રશ્નકર્તા : આ ભ્રાંતિવાળી ગતિ શેના આધારે ?

દાદાશ્રી : હવે તું ખરેખર ચંદુભાઈ છું કે શુધ્ધાત્મા છું ?

પ્રશ્નકર્તા : હવે શુધ્ધાત્મા.

દાદાશ્રી : તો પછી ચંદુભાઈ ખરેખર હતો ને તે જ ભ્રાંતિ હતી. તે ખરેખર હું ચંદુભાઈ છું એ ગયું. એ ભ્રાંતિ ગઈ. હવે તને આજ્ઞા આપી છે એ આજ્ઞામાં રહેજે.

જગત કલ્યાણની ભાવના !

પ્રશ્નકર્તા : બધાને શુધ્ધાત્માનું જ્ઞાન થાય, એવો સંકલ્પ કરે તો એની શું અસર થાય ?

દાદાશ્રી : એની અસર તો તમને પોતાને થાય. તમારો ભાવ તમારો ગણાય. એટલે વિશ્વ કલ્યાણનો ભાવ ગણાય. એ ભાવ તમને ફાયદો કરે.

પ્રશ્નકર્તા : અને સામાની ભ્રાંતિ તોડી ના શકે ?

દાદાશ્રી : તોડી શકે નહીં. એ તમે ભાવ કર્યો ને કો'ક દહાડો એવું ફળ આવે ભાવ કર્યો માટે, પણ તેનું ફળ તાત્કાલિક તો તમને મળી જાય, તમે ભાવ કર્યો તે બદલ. પેલું ફળ મોડું આવે.

પ્રશ્નકર્તા : બધા મહાત્માઓ આ જાતની ભાવનાનો યજ્ઞ કરે તો એની અસર તો થવાની જ ને ?

દાદાશ્રી : થવાની જ. એ તો તમે એકલા કરો તોયે થાય.

પ્રશ્નકર્તા : સામાની ભ્રાંતિ તૂટે નહીં, પણ બધાં મહાત્માઓ ભેગા થાય ને આ ભાવના કરે તો ભ્રાંતિ તૂટે કે ના તૂટે ?

દાદાશ્રી : ના, એમ નહીં. નિમિત્ત વગર ભ્રાંતિ ના તૂટે. એટલે જ્ઞાની પુરુષ એને ભેગા થાય ને કામ થઈ જાય. પણ થાય ખરું, કામ થાય. કામ તો એનાં સાધન વગર તો ના થાય. કોઈ વખત આપણે એકલી ભાવના કરવાથી વગર સાધને ના થાય. પણ ભાવના કરવાથી એવું કામ થશે. આપણે ઘરમાં જ ભાવના કરીએ કે આ ઘરનાં બધાં માણસો આ પામો, તે ભાવના ફળે છેને કો'ક દહાડો. નથી ફળતી ? ભાવના કરે એનું ફળ આવે. વહેલી-મોડી અસર કર્યા વગર રહે નહીં.

જય સચ્ચિદાનંદ