નડે કયા ગ્રહો ?

સંપાદકીય

મનુષ્યમાત્ર ગ્રહાયેલો છે. શેનાથી ? ગ્રહોથી ગ્રહાયા છે માનવો ! કયા ગ્રહોથી ? ઉપરવાળા ગ્રહોથી ? શનિ, રાહુ, કેતુ, મંગળ વગેરે નવ ગ્રહોથી ? ઉપરનાં ગ્રહોને એવો તો શો આપણી જોડે ગ્રહ કે તેઓ આપણને નડવા આવે ? શું એ નવરાં બેઠા છે આપણને નડવા માટે ? ખરેખર તો ભીતરના ગ્રહો જ નડે છે. આપણી અંદર જ નવે ગ્રહો છે. જેનાથી આપણે ગ્રહાયેલા છીએ. એ અંદરના ગ્રહો કયા ? આગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, મિથ્યાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ, સત્યાગ્રહ, પરિગ્રહ.

અંદરથી ગ્રહાય તો જ બહારની અસરો આવે. બહુ હઠે ચઢ્યો હોય તો જાણવું કે શનિનો ગ્રહ નડશે. કદાગ્રહ એટલે મંગળનો ગ્રહ નડશે. પોતાનું જૂઠું છે એવું જાણે છતાં સાચું કરાવવા જાય છે એ કદાગ્રહ, આવી રીતે નવે ગ્રહો નડે છે. જેમ પોલીસવાળો ગુનો હોય તેને જ પકડે, અન્યને નહીં.

છેવટે સત્યનાય આગ્રહથી જ્ઞાનીઓ વિમુક્ત હોય છે. આ સત્ય તે સાપેક્ષ સત્ય છે, નહીં કે નિરપેક્ષ. માટે તે પણ ગ્રહ જ છે.

જ્યોતિષીઓ કહે છે, ગ્રહો નડે છે. પૂજા કરાવો તો શાંતિ થશે, તો તે વાત સાચી ? જ્યોતિષવિદ્યા સાચી છે, એ ગણિત છે. પણ જાણકાર સાચા હોય તો સાચી વસ્તુ છે. પણ ઉપરવાળા ગ્રહો નડતા નથી, અંદરવાળા ગ્રહો નડે છે. અંદરવાળા ગ્રહો જેને ખલાસ થયા, તેને કોઈ ગ્રહો નડે નહીં.

આ નવે ગ્રહોને કાઢવાનો ઉપાય શો ? પોતાનું સ્વરૂપ જાણે તો જ ગ્રહો બધા જાય. પરમ પૂજ્ય દાદાશ્રી પાસે આત્મજ્ઞાન પ્રાપ્તિનો બે કલાકના પ્રયોગ દ્વારા સ્વરૂપ જાગૃતિ પ્રાપ્ત થઈ જાય. પછી જ્ઞાનીની આજ્ઞામાં રહ્યા કરે તો ગ્રહો-આગ્રહોમાંથી મુક્તિ મળી નિરાગ્રહી પદને પામે !

પ્રગટ જ્ઞાની પુરુષ સંપૂજ્ય દાદાશ્રીએ ઉપરોક્ત વિષય પર સુંદર છણાવટ કરી છે. જે સુજ્ઞ વાચકોને નવો જ પ્રકાશ પાડે છે ને ગ્રહો સંબંધીની ઘણી બધી મિથ્યા માન્યતાઓ દૂર થાય છે !

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

સાચું છે એ ગણિત !

પ્રશ્નકર્તા : જ્યોતિષ સંબંધી તમારું શું કહેવું છે ?

દાદાશ્રી : જ્યોતિષ સાચું છે. જ્યોતિષ વસ્તુ બિલકુલ સાચી છે. એ તો વિજ્ઞાન છે. પણ એને ગણતરી કરનારા આજે સાચા નથી. એને ગણતરી સાચી રીતે આવડતી નથી.

જ્યોતિષ એક્ઝેક્ટ છે. જેટલું ગણિત સાચું છે, એટલું જ્યોતિષ સાચું છે. ગણિતને ખોટું ઠરાવી શકે કોઈ ? જ્યોતિષ એય એક પ્રકારનું ગણિત છે, એક્ઝેક્ટ સાચું છે પણ જાણકાર વગર, જાણકાર બરોબર નહીં હોવાથી કોઈ રૂપિયે બે આની જાણે કોઈ રૂપિયે ત્રણ આની જાણે, એમાં કંઈ દહાડો વળે ? એમાં આપણને કેટલી શાંતિ થાય ?

અને કોઈને જ્યોતિષી એમ ના કહે કે ત્રણ વર્ષ પછી તમે મરી જશો.

પ્રશ્નકર્તા : એય આગાહી થાય છે.

દાદાશ્રી : લોકોને મોઢા પર કહે છે ? તો તો પછી પેલો રૂપિયા ના આપે. કશું આપે નહીં ને ! જો રૂપિયા જોઈતા હોય તો પછી એને એમ જ કહેવું પડે કે તમારું જીવન સારું છે. થોડા વખતમાં પૈસા આવવાના છે, એવું ગોઠવી ગોઠવીને કહે લોકો !

માંદગી એ છે કર્મફળ !

પ્રશ્નકર્તા : મને આટલાં વર્ષો સુધી કોઈ માંદગી આવી નથી. હવે આવી છે તે એટલા બધા ડૉક્ટરોને હું મળ્યો પણ એનું કંઈ નિરાકરણ આવતું નથી. પણ આમાં જ્યોતિષીઓનું એવું કહેવું છે કે આ બધું ગ્રહોને કારણે છે.

દાદાશ્રી : એ ગ્રહો તો નિમિત્ત છે આપણા મહીં જે ગ્રહ હોયને તો જ આ અસર થાય. બાકી વ્યવહારમાં તો એવું જ કહેવાયને કે ગ્રહો નડે છે. ખરી રીતે એવું છે નહીં. ખરી રીતે તો આપણા ગ્રહો નડે છે આપણી અંદર છે ને તેને લઈને અસર થાય છે.

પ્રશ્નકર્તા : મારો સ્વભાવ છેલ્લા કેટલાય વર્ષોથી બદલાતો નથી.

દાદાશ્રી : હા, બદલાય નહીં. પ્રકૃતિ સ્વભાવ છે એ !

પ્રશ્નકર્તા : છતાં આ જાતની માંદગી કેમ આવી ?

દાદાશ્રી : માંદગી એ તો બધું પરિણામ છે. રિઝલ્ટ છે. એટલે એ શું છે કે તમારા કરેલાં કર્મનું ફળ છે આ. અને આરોગ્ય એય પણ તમારા કરેલાં કર્મોનું ફળ છે. પૈસા આવે છે, નફો આવે છે તેય કર્મોનું ફળ છે અને ખોટ જાય છે તેય કરેલાં કર્મોનું ફળ છે. એટલે આ બધું આપણાં કરેલાં કર્મોનું ફળ છે. આમાં કોઈ ગ્રહો અહીં કંઈ નડવા આવતાં નથી.

જ્યોતિષીઓ એવું કહે કે ગ્રહો નડે છે. કારણ કે જ્યોતિષીને તો ગ્રહોની શાંતિ કરાવવા માટે પૈસા લેવાના હોય.

એના નથી સાચા જાણકાર !

જો સારો યોગ બાઝવાનો હોય તો સુખ આપનારું થાય, નહીં તો દુઃખ આપનારું થાય. એ કામનું જ નહીં. છોડોને, આજ એનું મુહૂર્ત જોવા જઈએ અને કહેશે કે રાંડવાની છે. એટલે જાણીએ ત્યારથી દુઃખ થાયને ? એના કરતાં બધું અજાણ્યું એટલું એ જ સારું છે ને !

આ જ્યોતિષીઓ જે કદી જૂઠું ના કહેતા હોય, તો લોકો માર્યા જાય. એમને આવડતું નથી એ જ સારું છે. જોષીઓને નથી આવડતું અને પેલાના જોષ જોઈ આપે છે ને પેલાને સંતોષ થાયને ? પેલો વીસ વર્ષ સુધી કુંવારો રહી મરી જવાનો હોય પચાસ વર્ષનો થઈને, તોય એને બાવીસ વર્ષે કહે કે આવતી સાલ તમારું લગ્ન છે જ, ચોક્કસ. મને જાનમાં હઉ બોલાવજો. એટલે વર્ષ દહાડો તો ચાલ્યું. એમ કરતું કરતું ચલાવે છે ગાડું. એવું છેને, ખોટાને સાચું ઠરાવવું, એ હોવું ના જોઈએ.

જ્યોતિષ એ બધી વિદ્યાઓ છે, એ માન્યતા નથી. માટે જ્યોતિષ જાણીને શું કરવાનું ?

જ્યોતિષ મારું જુએ, એ કહેશે, હવે તમે આટલાં વર્ષ જીવવાના છો. મારે કંઈ એની જરૂર નથી. અત્યારે જવાય તો મને વાંધો નથી, પચ્ચીસ વર્ષ પછી જવાય તોય મને વાંધો નથી, બે વર્ષ પછી ગયા તોય મને વાંધો નથી. જ્યારે મારું સ્ટેશન આવશે અને સ્ટેશને કહેશે, હવે ઊતરી જાવ. એટલે હું તૈયાર જ છું.

અને કાચા હોય તેને જ જ્યોતિષ પકડે છે. જ્યોતિષીઓ મજબૂત માણસને પકડતા નથી. તમને કોઈ દહાડો પકડેલા નહીંને ? હપુચો અડતા જ નથી ? ત્યારે સારું.

અમને મળેલો એક જ્યોતિષી !

મને જ આજથી જ્ઞાન થતાં પહેલાં જ્યોતિષી મળેલો. સ્ટેશન પરથી ઊતરતો'તો. લાંબો કોટ પહેરેલો, એટલે જ્યોતિષીના મનમાં જાણે, 'ઠીક છે, અહીં આગળ પાંચ-પચ્ચીસ રૂપિયા મળશે.' તે જ્યોતિષી બેઠેલા, 'આવો, આવો શેઠ.' કહે છે. મેં કહ્યું, 'ભઈ, શું કરીશ ? મારે કામ છે.' 'આ કપાળ પરની લીટીઓ જોઈને મને આવો કહેવાનું મન થાય છે.' મેં કહ્યું, 'એ લીટીઓને મારે શું કરવી છે ?' હું સમજી ગયો કે જ્યોતિષીને કશું જોઈએ છે. ત્યારે મેં કહ્યું, 'મને ટાઈમ બિલકુલ નથી. તમારે જોઈતા હોય તો લ્યો રૂપિયા આ, તમે ચા-પાણી પીજો.' ત્યારે કહે, 'ના, મારે તમારું 'એ' જોવું છે. આવી કપાળમાં લાઈન ક્યાંથી હોય ?' મેં કહ્યું, 'મને એવી નવરાશ નથી.' અરે, આ તો બહુ ઊંચું પદ છે તમારું. બહુ ઊંચું પદ. હવે હું સમજી ગયો કે, મહારાજના ચપ્પલ હતા, તે અડધા ઘસાઈ ગયેલા હતા. મેં કહ્યું, 'આપના ચપ્પલનું ઠેકાણું નથી તે મારું શું જોતા હશો ? અને મારું જોવડાવીને કામ શું છે બળ્યું ? જ્યારે જે સ્થિતિ આવશે ત્યારે દેખ લેંગે. ગાડી અટકશે ત્યારે જોઈ લેવાશે. અત્યારે તો ચાલે છે ને ?

અને જ્યોતિષ જાણવાની જરૂર શી ? આપણું છે એ આપણી પાસે આવવાનું છે ને નથી એ નથી આવવાનું, એમાં શું જાણવાનું છે બળ્યું ? આપણું છે એ આવવાનું છે એ જ્યોતિષ કંઈ આપણને એમાંથી મુક્ત કરે નહીં. ઉપરથી અગિયાર આપણી પાસેથી લઈ લે એ જુદા.

પ્રશ્નકર્તા : 'આ' ગ્રહોની વિધિ કરાવે છે, તે સાચું છે ?

દાદાશ્રી : એ પૈસા પડાવવાનો ધંધો. એ વિધિ કરાવનારાના પગમાં અડધા ઘસાઈ ગયેલાં ચપ્પલ હોય !

અધ્યાત્મ અને જ્યોતિષ !

પ્રશ્નકર્તા : અધ્યાત્મની સાથે જ્યોતિષ શાસ્ત્રની કંઈ સાંકળ ખરી ?

દાદાશ્રી : શી જરૂર ? જ્યોતિષ તો શેને માટે જરૂર છે ? જેને ભૌતિક સુખની લાલસા હોય તેને જ્યોતિષની જરૂર. જ્યોતિષ ભૌતિક સુખોને આપનારું છે. જ્યોતિષ બીજું કંઈ હેલ્પ કરનારું નથી. અધ્યાત્મમાં જ્યોતિષની કંઈ જરૂર નથી !

પ્રશ્નકર્તા : અધ્યાત્મની ઉન્નતિ માટે જે આપણું જ્યોતિષ શાસ્ત્ર છે એ આપણને મદદરૂપ થઈ પડે ?

દાદાશ્રી : કોઈ જાતની હેલ્પ નહીં. એ એમની જાતને હેલ્પ નથી થતા, તો તમને શું હેલ્પફુલ થવાના ?! તમને તમારી જાત જ હેલ્પ કરશે. અગર તો કોઈ જ્ઞાની પુરુષ હોય, મુક્ત પુરુષ હોય, તે હેલ્પ કરે. મુક્ત પુરુષ હોય કે જેનામાં બુદ્ધિનો છાંટો ના હોય, તે હેલ્પ કરે. બાકી દુનિયામાં કોઈ હેલ્પ કરે નહીં. બધાં જ હેલ્પ માંગી રહ્યાં છે. આખું વર્લ્ડ હેલ્પ માંગી રહ્યું છે. એ તમને શું આપે તે ? સૂર્ય-ચંદ્ર પણ હેલ્પ માંગી રહ્યા છે.

ગણિતના આધારે ફરે ભમરડા !

જ્યારે પુરુષ થઈ જાય છે ત્યારે પછી પરમાત્મા થાય છે, પુરુષોત્તમ થઈ જાય. પુરુષ થયો નથી. આ તો પ્રકૃતિ ધક્કા મારે છે, તેમ આ ભમરડા ફરે છે. પ્રકૃતિના ચલાવ્યા ચાલે છે આ ભમરડા. એટલે આ જ્યોતિષવાળા હોય તે કહે કે આ ભમરડો આવો ફરશે, તેમ ફરશે. પાંચ વર્ષે આમ થશે, તેમ થશે. તે આ ભમરડો આવો ફરશે. આખા જગતના મનુષ્યો ભમરડા છે. જ્યોતિષના આધારે ભમરડા છે.

જ્યોતિષ સાચી વાત છે. તે જ્યોતિષના જો જાણકાર હોય તો બધું સાચું પડે. કારણ કે આ ભમરડા છે એટલે જ્યોતિષ કહી આપે કે કયા સંયોગમાં આનો જન્મ થયો છે. ગ્રહોના કયા સંયોગમાં જન્મ થયો છે, તેના ઉપરથી ગણતરી એનો હિસાબ હોય છે. આ જ્યોતિષ એ ગણિત છે.

જેમ આ સૂર્યનારાયણ ઊગતાં પહેલાં લોકો લખી નાખે છે ને કે છ ને પંદરે ઊગશે. એટલે છ ને પંદરે ઊગેલો જ હોય અને છ ને વીસે આથમશે. તો છ વીસે આથમેલો જ હોય. એ ગણિત છે, એવું આ જ્યોતિષ ગણિત છે.

આ ભમરડા એ ગણિતના આધારે ફર્યા કરે છે અને ભમરડા કહે છે, હું કરું છું ને મેં આમ કર્યું. અલ્યા મૂઆ ! ભમરડો થઈને શું બોલ બોલ કરે છે વગર કામનું ? એ ઈગોઈઝમ કરે છે. તેનું ફળ ભોગવે છે પછી !

પ્રશ્નકર્તા : ઈગોઈઝમ ના કરે તો ચાલે નહીં ?

દાદાશ્રી : પણ શું કરે, ઈગોઈઝમ ના કરે તો ? બધાને ઈગોઈઝમના જ સંસ્કાર છે તે !

એ છે કલ્પિત સત્ય !

જ્યોતિષ એ કલ્પિત વસ્તુ છે. અમારે કલ્પિત જોડે બહુ વ્યવહાર ના હોય. કલ્પિત એટલે વ્યવહારિક વસ્તુ. એ ખોટી વસ્તુ નથી. કલ્પિતમાં એ સાચી વસ્તુ છે. જ્યોતિષ વિદ્યા છે અને સાચી છે, ખોટી નથી. પણ જાણકાર હોય તો સાચી છે. પણ એના જાણકાર નથી હોતાં એમાં.

અને એ જ્યોતિષ જોયેલું કામનું ક્યારે ? કે જો હજાર-બે હજાર વર્ષનું આયુષ્ય હોયને તો ? આ તો ભાડે મકાન લીધું હોય એના જેવી વાત. આ દેહમાં ભાડે રહેવા આવ્યો છે. ભાડુઆત જેવી વાત છે. જો હજાર-બે હજાર વર્ષનું આયુષ્ય હોય તો જાણીએ કે ઘરમાલિક છીએ આપણે. આ પચાસ-સાઠ વર્ષ, તેમાંય પચ્ચીસ વર્ષ તો ઊંઘમાં જાય.

એ જ સાબિતી, પુનર્જન્મની !

ફોરેનવાળા જ્યોતિષને માને છે. એમને આપણે પ્રશ્ન પૂછીએ કે, 'તમે પુનર્જન્મને માનો છો ?' ત્યારે કહે, ના. જ્યોતિષ હંમેશાં પુનર્જન્મ સાબિત કરે છે. એક હસ્તરેખા સિવાય બીજું બધું જ્યોતિષ છે. એ પુનર્જન્મને સાબિત કરે છે. આ હસ્તરેખા એકલું જ પુનર્જન્મ સાબિત નથી કરતું. ફોરેનવાળાને હસ્તરેખા એકલી જ જોવાનો અધિકાર છે, બીજું જોવાનો અધિકાર નથી. પુનર્જન્મને માનતા જ નથી પછી એને શાનો અધિકાર ?

પુનર્જન્મને આધારે જ્યોતિષ છે. આ હસ્તરેખા, એ તો અહીં રેખા, આપણને જે થવાનું હોયને, તે રેખા બદલાયા કરે. થવાનું હોય તે પહેલાં રેખા બદલાય. એટલો એ સ્થૂળવાળાને ચાલી જાય.

જ્યોતિષજ્ઞાન એ સાચું વિજ્ઞાન છે. એ તો કંઈ જેવું તેવું નથી. આ પુનર્જન્મ સાચું છે એટલું જ એ જ્યોતિષજ્ઞાન સાચું છે. અને પુનર્જન્મ એના આધારે જ સાબિત થાય છે. અને એટલે જ જ્યોતિષ સાચું છે.

ગ્રહોની સૃષ્ટિ પર અસર !

પ્રશ્નકર્તા : આ નક્ષત્રો-તારા-સૂર્ય એ બધાંની સૃષ્ટિ ઉપર શી અસર થાય ?

દાદાશ્રી : આ સૃષ્ટિમાં એકમેકને હેલ્પ કરી રહ્યા છે બધા. બધાનું જીવન ચાલે એવું એ મોટા પુરુષો બધા હેલ્પ કરી રહ્યા છે. પણ તે કાયમ માટે નથી એ બધા. આ બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે. કાયમને માટે કોઈ નથી. કોઈ પચાસ હજાર વર્ષ, કોઈ લાખ વર્ષ માટે છે એ.

છે તો કર્મ પ્રમાણે જ !

પ્રશ્નકર્તા : અત્યારે જે બધું થાય છે એ તો પૂર્વે કરેલું છે. એ કર્મોના હિસાબે બધું આવે છે ને તો એને ગ્રહોની સાથે જ્યોતિષીઓએ શું કામ જોડાણ કર્યું છે ? અત્યારે આ ગ્રહ નબળો છે, આ ગ્રહ સારો છે, એવું ગ્રહો સાથે શું કામ જોડાણ કર્યું હશે ?

દાદાશ્રી : એવું છેને, આમાં આ કર્મો નડવાનું કોના તાબામાં છે ? એમાં ગુરુ એનો પાઠ ભજવે. એના માલિક છે ને બધા ? આ અહીંયા આ લત્તામાં પોલીસ ગેટ હશે કે નહીં હોય ?

પ્રશ્નકર્તા : હોય છે ને !

દાદાશ્રી : એવું દરેક લત્તામાં હોય. એ લત્તાવાળાને સાચવે અને એનો અમલ કહેવાય. આપણું કર્મ હોય તો જ એ પજવે, નહીં તો પજવનાર કોઈ બાપોય છે નહીં. છો ને એ પોલીસ ગેટ રહી, પણ કર્મ ના હોય તો પજવે નહીં. એ ગેટો છે એક જાતની.

એ તો નડે મહીંવાળા ગ્રહો જ !

આ લોક તો કમાય ત્યારે કહેશે 'હું કમાયો' ને ખોટ જાય ત્યારે કહેશે, 'ભગવાને મને ખોટ ખવડાવી' એવું નામ દે. નહીં તો કહેશે કે, 'માય સ્ટાર્સ આર નોટ ફેવરેબલ'. અરે, બેસી રહેવા દેને ! સ્ટાર્સને શું કરવા પજવે છે ?! અને કમાયો ત્યારે કોણ ફેવરેબલ હતું ? કમાયો ત્યારે તો કહે, હું કમાયો. કમાયો ત્યારે ગર્વરસ ચાખી જાય આખો ! અને ખોટ ગઈ ત્યારે આવું કો'કને માથે આરોપ ઘાલે ! લે ! અલ્યા, સ્ટાર્સને શું કરવા વગોવે છે!? એ સંસારી છે. એ લોકોને શું કરવા વગોવે છે ?! એ તો પોલીસવાળાની ફરજ છે, કે તમે ગુનો કરો એટલે પોલીસવાળો તમને પકડે. ગુનેગાર નથી, તેને પકડનાર નથી. અને એ ગ્રહો પાછા સીધા નડતા નથી. આપણી અંદરના જ જે બેઠા છેને ગ્રહો, તે જ નડે છે. અંદરવાળાને અને પેલા ઉપરવાળા એમને કનેક્શન છે પણ નડે છે, આપણા અંદરના જ.

ગ્રહો તમે સમજ્યાને ? લોક કહે છેને ગ્રહો નડે છે ? એવું નથી કહેતા ? હવે એ ગ્રહોનું નામ કહું તમને ?

મહીં તો દુરાગ્રહ બેઠો છે, કદાગ્રહ બેઠો છે, મતાગ્રહ બેઠો છે, હઠાગ્રહ બેઠો છે. આ બધા આગ્રહો છેને એ જ તમારા ગ્રહો. આ બધા નવ ગ્રહો મહીં બેઠેલા છે. આ મહીં ગ્રહો નથી હોતા ? એ નવે ગ્રહ મહીં ને મહીં રહ્યા છે.

એ શા આધારે નડે ?

પ્રશ્નકર્તા : સૂર્યનારાયણ તો એક જ છે પણ મને મેલેરિયા છે, એટલે મને સૂર્યનારાયણ સારા લાગશે. પણ આમને મેલેરિયા નથી, તો આમને તો સૂર્યનારાયણ ગરમી આપશે. તો મારું પૂછવાનું છે કે, એ ગ્રહો અસર કરે છે કે અમારા શરીર પર આધાર રહે છે ?

દાદાશ્રી : એવું છેને, એક ફોજદાર આવે છેને, તો એકને આનંદ થાય તો એ 'આવો ફોજદાર, આવો આવો' કહેશે અને બીજાને એ ફોજદારનો ભય લાગતો હોય, જેનું હ્રદય ચોર છેને, એને ભય લાગતો હોય કે આ ફોજદાર શા માટે અહીં આવ્યા છે ! એટલે આ 'ગ્રહો' તો વીતરાગ ભાવે છે, પણ પોતપોતાની અસરો પોતાના સ્વભાવ પ્રમાણે થાય છે. પોતાનો સ્વભાવ હોયને એવી અસર થાય. જેમ એક ફોજદાર આવ્યો હોય ને તે બધાંને જુદી જુદી અસર થાય, એના જ જેવું છે.

પોલીસ ગેટથી શાને બીક ?

અહીં પોલીસ ગેટ હોય તો આપણે બીવાની જરૂર ખરી ? ના. એ તો જેને લાગે-વળગે છે તેને અસર થાય. આપણે શી લેવા-દેવા ? સરકાર જોડે આપણે કંઈ લેવા-દેવા ? કંઈ નહીં. એવું આ દેવલોકો જોડેય આપણે શી લેવા-દેવા ? જો આપણી કશી ડખલ નથી, તો દેવોની જોડે ભાંજગડ જ ક્યાં છે ?! એ તો સત્તાવાળા છે. એમની સત્તામાં આવે તો અસર થાય, બાકી એમને આપણી માટે રાગ-દ્વેષ નથી, ખાલી સત્તા જ છે !

પ્રશ્નકર્તા : આમ રાગ-દ્વેષ નહીં, પણ દેવ-દેવીઓમાં તો રાગ-દ્વેષ હોય ને ?

દાદાશ્રી : એ માંહ્યોમાહ્ય હોય. પણ આપણી જોડે રાગ-દ્વેષ નથી. આ જે કાગળ આપવા આવે છે, તે પોસ્ટમેનને આપણી જોડે રાગ-દ્વેષ નથી. એની બાઈડી જોડે એને રાગ-દ્વેષ હોય.

એમાં પોસ્ટમેનનો શો દોષ ?

બધાંય ગ્રહો નડે થોડાં. હઠાગ્રહ એ શનિનો ગ્રહ છે. તું છોકરાને કહું તું આમ કરજે, આમ કરજે તો ના માને. અને હઠે ચડે તો આપણે જાણીએ કે શનિનો ગ્રહ નડે છે આને. માટે આપણાં જ ગ્રહો છે આ બધાં. પેલા લોકોને બિચારાને વગોવે છે, પણ એ તો વીતરાગ છે. આ બધું જગત વીતરાગ છે. કોઈને રાગ-દ્વેષ નથી. રાગ-દ્વેષ હોય તો પજવે.

પ્રશ્નકર્તા : આપણે એવું બહુ કર્યું ય ના હોય.

દાદાશ્રી : હા. સત્તા ખરી એમના હાથમાં. ફક્ત વીતરાગી સત્તા. આ પોસ્ટમેન આપણે ત્યાં આવે છે તે આપણો એકનો એક છોકરો મરી ગયો હોય, તેનો કાગળ લઈને આવે કે ના આવે ? એ જાતે આમ વાંચે હઉ ખરો. તોય મનમાં એમ વિચાર ના કરેને, સાલો એકનો એક છોકરો મરી ગયો છે તો આપણે નથી આપવા જવું. કેમ ના કરે ?

પ્રશ્નકર્તા : કારણ કે એને કંઈ લાગતું-વળગતું ના હોય એટલા માટે.

દાદાશ્રી : ના, એને ફરજ બજાવવાની છે. અને પૈણવાનો હોય તોય આપી જાય. મરવાનો હોય તોય આપી જાય. અને વીતરાગ છે બધાં લોકો. તમારો હિસાબ હશે તો જ આવે છે.

અમુક જ નડે શાને ?

પ્રશ્નકર્તા : પણ અમુક જ ગ્રહ નડે છે એવું શા માટે ?

દાદાશ્રી : હા. જે ગ્રહની અસર થાય છે, એ ગ્રહ આપણી પાસે હોય જ ! આપણી પાસે ગ્રહ જ ના હોય તો કશી અસર જ ના કરે. મને કોઈ ગ્રહ નથી, આગ્રહ નથી, દુરાગ્રહ નથી. મતાગ્રહ નથી. હું તો નિરાગ્રહી છું. એટલે મને કોઈ ગ્રહ અસર ના કરે. આપણે નિરાગ્રહી થવાનું છે.

એ ગ્રહો પોતે કર્તા નથી, નિમિત્ત ભાવે છે. એટલે એ ગ્રહોની અસર જ થાય છે. તેય આપણો હિસાબ હોય તો જ અસર થાય છે. હિસાબ ના હોય તો કશી લેવા-દેવા નથી. એ ગ્રહો તો આપણા માટે બિચારા વીતરાગ છે. એ કંઈ તમને પજવવા નથી આવતા. એ કંઈ એવા નવરા નથી. એમનો સ્વભાવ જ એવો છે કે એમને ત્યાંથી આવી રીતે જ કાર્ય થયા કરે.

તમારા કર્મો એ જ તમને અસર કરે છે. પણ પેલા ઉપરવાળા ગ્રહો એના અધિષ્ઠાતા છે. ખરાબ કર્મોના અમુક ગ્રહો અધિષ્ઠાતા છે. સારા કર્મોના અમુક ગ્રહો અધિષ્ઠાતા છે. છતાં એ ગ્રહો કંઈ પજવે એવા નથી. આ અહીં જેમ પોલીસવાળા હોય છેને, એવી પેલા ગ્રહોની ય સર્વિસો છે બધાની ! સૂર્યનારાયણની સર્વિસ છે ને ચંદ્રની ય સર્વિસ છે.

ગ્રહ કોને ન નડે ?

કોઈ પણ પ્રકારનો ગુનો કરતો નથી, એને ગ્રહ અડે નહીં અને નડેય નહીં.

પ્રશ્નકર્તા : ગુનો શું કહેવાય ને શું ન કહેવાય, એ તો સમાજે નક્કી કરેલી વ્યાખ્યાઓ છે. અહીંયા જે ગુનો ગણાય, એ બીજે ગુનો ન પણ ગણાય.

દાદાશ્રી : સમાજે નક્કી કરેલી વાત, એ તો સ્થૂળ ગુના બધા. એ તો પોલીસવાળોય પકડે ને બીજાંય પકડે. સૂક્ષ્મ ગુનો, તે બુદ્ધિશાળીઓ પકડી પાડે અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ગુના એ કેવળ જ્ઞાની એકલાં જ જોઈ શકે.

સૂક્ષ્મતમ ગુનો એટલે, પોતે પોતાના ગુનાને જોવા અને ગુનો જગતને નુકસાન કરનાર ના હોય, છતાંય પણ પોતે પોતાનો ગુનો જુએ. એ સૂક્ષ્મતમ ગુના અને પોતે પોતાની ભૂલ જોતો થયો, એને ઉપરી ના હોય કોઈ વર્લ્ડમાં. કોને ઉપરી ના હોય ? જે પોતે પોતાની ભૂલો જોતાં શીખી ગયો, એને કોઈ ઉપરી હોઈ શકે નહીં. જેને બીજો કોઈ ભૂલ દેખાડે છે, તેને ઉપરી હોય !

ગ્રહ એટલે પોલીસવાળા, ગુનો કરીએ એટલે પકડે. તે ગયા અવતારના ગુના હોય તે એના હાથમાં આવ્યા, તો ફળ આપે.

શનિથી આમ ગ્રહાય !

પ્રશ્નકર્તા : આ ગ્રહોના ગુનામાં આપણે કેવી રીતે આવી ગયા ?

દાદાશ્રી : એનો પોતાનો ગુનો હોય તો જ આવેને ? ગુનો ના હોય તો શી રીતે આવીએ ? આપણને ખબર પડે કે, આ માણસ હઠે ચઢ્યો છે. એટલે આપણે જાણીએ કે શનિના તાબામાં આવી ગયો છે આ. હઠ છોડે જ નહીં, એટલે ના સમજીએ કે કોના તાબામાં અત્યારે વર્તે છે ? તમને સમજમાં આવ્યું એ ? એ મહીંલા ગ્રહો ઓળખાય શી રીતે ?

કો'ક કહેશે, મારે એ ગ્રહોને ઓળખવા છે ! તો, તમને પાંચ જણે કહ્યું કે ભાઈ, આ કામ કરો. એ સારું કામ હોય ને તમે હઠે ચઢ્યા કે નહીં, એવું હું કરવાનો જ નથી. એટલે મને પોતાને સમજાઈ જાય કે આ પાંચ જણા ડાહ્યા માણસો કહે છે છતાં આ ભાઈ ના કહે છે, માટે હઠે ચઢ્યા છે. માટે હઠાગ્રહ, એટલે શનિનો ગ્રહ નડે છે. હઠાગ્રહ એ જ શનિનો ગ્રહ છે. જ્યારે શનિનો ગ્રહ નડતો હોય ત્યારે જાણવું કે આ માણસ હઠે ચઢ્યા વગર રહે નહીં. તો એ ગ્રહ આપણો કે પેલો બહારવાળો શનિનો ગ્રહ ? પહેલાં આપણો શનિનો ગ્રહ !

ગ્રહો છે સત્તાવાળા !

ગ્રહો એ તો પોલીસ ડિપાર્ટમેન્ટ છે. આ તો સમજ પાડવા માટે આવું બોલું છું. કારણ કે મોટા મોટા ઓફિસરો છે એ તો. આવું બોલીએ તો ય ગુનો લાગી જાય મને. આ બોલ્યા પછી મારે પ્રતિક્રમણ કરવું પડે એમનું. અને તમે પ્રતિક્રમણ ના કરો તો માર્યા જાવ. એટલે હું તમને આવું કહું જ નહીં ને !

પ્રશ્નકર્તા : તમારે પ્રતિક્રમણ શા માટે કરવું પડે ?

દાદાશ્રી : બોલ્યાનો ગુનો ચોંટેને ! એ લોકોની વાતને ઉતારી પાડે, એનાં પ્રતિક્રમણ કરવાં પડે. આ બધું એ લોકો નથી જાણતાં ? એ તો બધું સમજી ગયા. પણ એમને ઉતારી પાડવાનો મારો હેતુ શો છે ? કારણ કે એમનાથી તમે અજાણ છો કે એ શું પાવરવાળા છે ને શું પાવરવાળા નથી. એ જાણવા માટે મેં તમને કહ્યું છે, ઉતારી પાડવા માટે નથી કહ્યું પણ છતાંય સહેજ ઉતારી પાડવા જેવું મહીં લાગે એ લોકોને, એટલે અમારે પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે સંસારી ભાવ છે એમનામાં. એ વીતરાગ નથી. વીતરાગ હોત તો અમે પ્રતિક્રમણ ના કરત તો ચાલે. પણ સંસારીભાવ છે એમને અને એ બહુ મોટા માણસ છે !! અહીંનો પોલીસવાળો ટૈડકાવે કે ના ટૈડકાવે ? ભલે તમે મોટા જ્વેલર્સ છો પણ પોલીસવાળો ટૈડકાવે કે ના ટૈડકાવે ?

પ્રશ્નકર્તા : અરે, રસ્તે ચાલતો ભિખારીયે ટૈડકાવે ને કે એ આઘો જા ?

દાદાશ્રી : હા, ગમે તે ટૈડકાવે. બહારવટિયો તો મારીને લૂંટી લે. એવું આ જગત છે. એટલે એ ગ્રહો તો સત્તાવાળા લોકો, એમનું નામ ના દેવાય આપણાથી.

પ્રશ્નકર્તા : તો એટલી તમને બીક તો ખરીને કે એ સત્તાવાળા છે. એટલે એમનું નામ ના દેવાય ?

દાદાશ્રી : ફક્ત સત્તાવાળા છે. અને ગુનો કરનારે હંમેશાં નમસ્કાર કરવા જોઈએ. ગુનો ના કરનાર હોય, ગુનો ના કરતા હોય, તેણે ય મનમાં એમ કહેવું જોઈએ કે, 'કોઈ દહાડો ભૂલેચૂકે કંઈ થયું હોય તો ગુનો માફ કરજો' એટલું કહેવું પડે.

ગુનેગાર ગ્રહાય ગ્રહમાં !

પ્રશ્નકર્તા : પણ આ જે ગ્રહો છે, આપણા કર્મના હિસાબે એની અસર થાય છે કે કેવી રીતના અસર થાય છે ?

દાદાશ્રી : આ પોલીસવાળા બધી ગાડીઓને પકડે છે કે કો'ક જ ગાડીને પકડે છે ? આ બહાર રસ્તા ઉપર પોલીસવાળા ઊભા હોય છે, તે બધી ગાડીઓને જવા દે છે, કો'કને જ પકડે છેને ? જેણે ગુનો કર્યો હોય એને પકડે. એવું આ ગ્રહો, જે ગુનો કરે તેને પકડે ઝટ.

પ્રશ્નકર્તા : આ પોલીસવાળામાં કોઈ નિર્દોષ પણ પકડાઈ જાયને ?

દાદાશ્રી : હા, અહીં નિર્દોષ પકડાઈ જાય. પણ ત્યાં નિર્દોષ ના પકડાય. ત્યાં દોષિત જ પકડાય. ત્યાં ન્યાયથી છે બધું. નેચર હંમેશાં એક સેકન્ડ પણ અન્યાય કરતી નથી. જે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે, એ વર્લ્ડને નિરંતર રેગ્યુલેશનમાં જ રાખે છે કે જેટલો ન્યાય જેવો હોવો જોઈએ તેવો જ થાય છે, એમાં ફેરફાર ના થાય. એટલે ગ્રહોને ને આપણને કોઈ જાતની લેવાદેવા નથી. હું પોલીસવાળાનો ગુનો કરું તો જ પોલીસવાળો નોંધ કરે.

પ્રશ્નકર્તા : પણ ગ્રહ નડે એવું થોડું જ છે ? ફાયદો પણ કરેને ?

દાદાશ્રી : નડે એવું કશું નહીં, હું કંઈ પણ ગુનો કરું તો ગ્રહોના ગ્રહમાં આવી જાઉં.

ગ્રહોની અસર જીવન ઉપર ?

પ્રશ્નકર્તા : એટલે આ ગ્રહોની અસર આપણા ઉપર થાય છે એ વાત તો સાચીને ?

દાદાશ્રી : એવું છેને, એ ગ્રહો જે બહાર છેને, એ ગ્રહો પાછા તારી મહીં છે. એ તારી મહીંવાળાની અસર છે. પેલાં બહારવાળા કોઈ નામ ના દે.

પ્રશ્નકર્તા : કે આ લોક કહે છે કે ગ્રહો નડે છે, તો એ શું છે ? સાચું છે કે ખોટું છે ?

દાદાશ્રી : એ શું કરવા નડે, આપણે શું એને લેતી-દેતી ? નહીં પિતરાઈ થાય, નહીં સગો થાય, નહીં વહાલો થાય. આપણને શું કરવા દુઃખ દે ? પોલીસવાળા બધાને દુઃખ દે કે કો'કને દુઃખ દે ? ગુનો કરીને આવે તેને ! આ પોલીસવાળા છે તે દુઃખ આપણે બધાને આપતા હશે કે કો'ક ગુનો કરે તેને આપે ?

પ્રશ્નકર્તા : ગુનો થાય એને આપવું જોઈએ.

દાદાશ્રી : તો પછી એ તો ફરજ બજાવે છે, એમાં એ દુઃખ દેતા નથી. તમે ગુનો કરો તો તમે એમના તાબામાં જાવ અને તે શો ગુનો કરો તમે ? ગ્રહોના દુરુપયોગ કરો ત્યારે. શી રીતે દુરપયોગ થાય ? કે તમે કદાગ્રહ કરો, મતાગ્રહ કરો, હઠાગ્રહ કરો. બધા જાતજાતના આગ્રહો કરોને, એટલે એ પેલા ગ્રહોની પાસે જાય તરત. એટલે તમારામાં જો ગ્રહો ના હોય, એટલે તમને કશું નડે નહીં.

એટલે નિરાગ્રહી થવાનું છે, તો મોક્ષ થશે. ને તો ગ્રહેય નહીં નડે. ગ્રહો કંઈ નડવા નથી આવતા. ત્યારે લોકો સમજે છે કે ઉપરવાળા ગ્રહો આવ્યા નડવા. અલ્યા, એ કંઈ નવરા નથી કે તમને અહીં બધાંને નડવા હારુ આવે. એ તો સંસાર લઈને બેઠા હોય.

કર્મો પોતાના, ફળ નિમિત્તાધિન !

અંદર ગ્રહો હોય છે અને બહાર ગ્રહો હોય છે. અંદર આગ્રહ છે ત્યાં સુધી બધું નડે છે. જ્યાં સુધી આગ્રહી છે, દુરાગ્રહી છે, કદાગ્રહી છે ત્યાં સુધી બહાર ગ્રહો અસર કર્યા કરે. ગ્રહો પોતે કશું કરતાં નથી. તમારા કર્મોનો હિસાબ જ આવે. આ જેમ ગવર્નમેન્ટ તમારો હિસાબ આપે, તેવી રીતે છે.

એટલે આ બધા આપણા જ કર્મો નડે છે. ગ્રહો નડતાં નથી. એટલે ગ્રહોને કશી લેવાદેવા નથી. આપણાં જ કર્મો નડે છે. આપણાં કર્મ સારા હોય તો આપણને કશું અડે નહીં. સારું કર્મ હોય તો તેનું ફળ સારું આવે ને ખોટું કર્મ હોય તો ફળ ખોટું આવે.

પ્રશ્નકર્તા : દરેક માણસને પોતાનાં કર્મનું ફળ મળે છે. એમાં ગ્રહો કંઈ અસર કરતાં હશે ?

દાદાશ્રી : એક માણસ રોંગ સાઈડમાં સાઈકલ લઈ ગયો, તે ત્યાં આગળ પેલા માણસને વાગ્યું અને આ ય પડી ગયો ને આનેય નુકસાન થયું, વાગ્યું. પછી પોલીસવાળો આવ્યો. તે પોલીસવાળાના કાબુમાં ગયો એ.

એવું આપણાં જે કર્મ છેને, તે કર્મ જો થયું હોય તો એના કાબુમાં જઈએ. નહીં તો કર્મ જ ના થયું હોય તો કોઈ ગ્રહ કે કશું આપણને પકડે નહીં. પણ તે વગર પગારના નિયંત્રક અને તે ય વીતરાગ. રાગ-દ્વેષ નામેય નહીં અને આ પોલીસવાળા તો રાગ-દ્વેષ રાખતા હોય કે હા, આજે આવ્યો, કોઈક દહાડે ઘાટમાં. ને પેલાં તો જેટલો હિસાબ હોય તેટલું જ !

અંદર ગ્રહો નથી, તો અસર નથી !

એ જે ગ્રહો છેને, એ તો એમના સ્વભાવમાં રહેલા છે. પણ પેલાં ગ્રહોને અને આપણાં મહીંલા ગ્રહોને સંબંધ છે, બીજું કશું નહીં. નહીં તો એ વીતરાગ જ છે ! એ કંઈ એવા નવરા નથી. આ તો મહીંવાળા પજવે છે બધાં. મહીંવાળા નીકળી જાયને તો કશો વાંધો નથી.

પોતાનાં ગ્રહો પોતાને નડે !

પ્રશ્નકર્તા : પણ આમ ગ્રહો જ્યારે અમુક અમુક સ્થળમાં આવે, એ ગ્રહો ફરતાં હોય છે.

દાદાશ્રી : એ ગ્રહો ફરતાં હોય છેને ત્યારે આપણી મહીં ગ્રહો છે, તેની ઉપર એ અસર પડે છે. પણ આપણામાં ગ્રહો હોય તો અસર પડે. મારામાં ગ્રહો નથી તો મને અસર નથી થતી. એટલે ખરી રીતે તો પોતાનાં જ ગ્રહો અસર કરે છે.

પ્રશ્નકર્તા : અમુક સમયે જ શા માટે એની અસર થાય છે ?

દાદાશ્રી : એવું છેને, આપણી અંદર પણ ફ્યુઝ હોય છે. ફ્યુઝ હોય તો ઇલેક્ટ્રીસીટી થાય કે ના થાય ? અને ફ્યુઝ કાઢી નાખીએ તો ? એ ગ્રહો ને આ મહીંલા ગ્રહો બધાં તારથી જોઈન્ટ થયેલાં છે. બાકી વ્યવહારમાં તો એવું જ કહેવાય કે ગ્રહો નડે છે !

જ્યાં સુધી મને રૂબરૂ મળ્યા નથી, એટલે એમને કહેજો કે ભાઈ, આ ગ્રહો એમને અસર કરે છે. કારણ કે મૂળ આપણાં ગ્રહો છે માટે અસર કરે છેને ! નહીં તો આપણાં ગ્રહો ના હોય તો પેલાં ગ્રહોને કશું લેવાદેવા નથી. એ એમના સંસારમાં છે ભલા આદમી. તમે ત્યાંવાળા ગ્રહોની વાત કરો છો ?

પ્રશ્નકર્તા : જ્યોતિષનાં ગ્રહો છે તે.

દાદાશ્રી : એ ગ્રહો નથી નડતાં. તમારી અંદર ગ્રહો છે તે નડે છે. જે દુનિયામાં ઓપન છે તેવાં તમારી અંદર પણ ગ્રહો છે. જો અંદર ના હોય તો બહારવાળા ના નડે.

ગ્રહોની સત્તા કેટલી ?

પ્રશ્નકર્તા : એ ગ્રહોને કઈ સત્તા છે એ જાણવું છે.

દાદાશ્રી : જબરજસ્ત સત્તા છે બધી. આ તમને કઈ સત્તા છે કહોને !

પ્રશ્નકર્તા : સરકારે આપેલી મર્યાદિત સત્તા.

દાદાશ્રી : હા, તે એમનેય મર્યાદિત સત્તા છે. આ સૂર્યનેય મર્યાદિત સત્તા છે. ચંદ્રનેય મર્યાદિત સત્તા છે. બુધને મર્યાદિત સત્તા, રાહુનેય મર્યાદિત સત્તા, બધા મર્યાદિત સત્તાવાળા છે.

પ્રશ્નકર્તા : ગ્રહોની જે સત્તા છે, એ આપણને અધ્યાત્મમાં હેલ્પફુલ કરવા માટે એ કેટલા અંશ સુધી એમની સત્તા આપણા માટે વાપરી શકાય.

દાદાશ્રી : પણ ગ્રહોની ઓળખાણ છે તમારે ? ઓળખાણવાળા હોય તો હેલ્પ કરે. બાકી, કોઈ બ્રાહ્મણ વચ્ચે આવે ને તમને ગ્રહોનું કરી આપે, તેમાં કશું વળે નહીં. બ્રાહ્મણનું જ વળ્યું નથી ત્યાં !

પ્રશ્નકર્તા : એમ નહીં, સ્થૂળ અર્થમાં જ્યોતિષ કે એવી રીતે વચ્ચે કોઈ નહીં જોઈએ.

દાદાશ્રી : તો ઓળખાણ જોઈએ આપણી !

પ્રશ્નકર્તા : એ ઓળખાણ કરાવવા શું કરવું ?

દાદાશ્રી : એ ઓળખાણ કરીને શું કામ છે ?! એમાં જવાબદારી છે. આ દુનિયામાં કોની કોની ઓળખાણ ન કરવી ? પોલીસવાળાની ઓળખાણ ન કરવી, ગ્રહોની ઓળખાણ ન કરવી, એ લોકોની ઓળખાણ ના કરવી. એક ફેરો ગુનામાંથી છોડાવી આપે, પણ પછી આપણે કાયમના એમના રહેવું પડે.

'એની' ય મદદ મળે !

પ્રશ્નકર્તા : આ જે ગ્રહો છે, એમનું આપણે કાયમનું શરણું લેવાનું નથી પણ આપણે એમની આરાધના કરીએ તો થોડીક આપણને મદદ કરે, એટલે આપણને એક ધક્કો મળે, 'પુશ' મળે, પછી આપણે જાતે આગળ જઈ શકીએ.

દાદાશ્રી : એવું છેને, અત્યારે તમારે ગ્રહોને કશું કરવાની જરૂર નથી. ગ્રહોમાં તમે જેટલા ગ્રહાયેલા છો, એટલી હેલ્પ તમને મળશે. ગ્રહો એટલે શું ? તમે પૂર્વકર્મ કરેલાં તેમાં ગ્રહાયેલા છો. ગ્રહો એટલે ગ્રહાયેલા તમે. એ એટલી હેલ્પ તને કરશે જ. અગર અત્યારે તમે કશુંય નહીં કરો, શોધખોળ નહીં કરો તોય હેલ્પ કરશે. એ દુઃખેય આપશે અને હેલ્પેય કરશે. ધર્મમાંય હેલ્પ કરશે. અત્યારે તમારે કશું કરવાની જરૂર નથી. અત્યારે તમે ધર્મ કરો. બાકી એ તો તમારો હિસાબ છે, એટલી હેલ્પ ચોક્કસ કરશે એટલે એમના માટે બહુ ભાંજગડ કરવાની જરૂર નથી. તમને સમજાયુંને ? જેટલો તમારો હિસાબ છે એટલું એ દુઃખેય આપશે અને સુખેય આપશે. એ ધર્મમાં હેલ્પ કરશે અને અધર્મમાંય હેલ્પ કરશે. કેટલાકની એવી ઇચ્છા હોય તો ! જે પાપગ્રહો હોય છે તે અધર્મમાં હેલ્પ કરે છે !

અંદરના ગ્રહો કોણ ?

પ્રશ્નકર્તા : ઘણી વખત એવું બને છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ને એકાએક પલટાઈ જાય ને એકદમ અનુકૂળ પરિસ્થિતિ થઈ જાય, તે શું આ બધું ગ્રહોનું પરિણામ હશે ?

દાદાશ્રી : ગ્રહો એટલે તમારો હિસાબ ચૂકવવાના અધિકારવાળા છે, નહીં કે એ તમને કશું કરી શકે.

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી આ ગ્રહોની અસર આપણા ઉપર કેટલી ?

દાદાશ્રી : એ તમે આગ્રહ કરો તો બધી અસર તમારા ઉપર જ પડે, આગ્રહ ના કરો તો કશું નથી.

પ્રશ્નકર્તા : એટલે અંદર બેઠેલા ગ્રહો એટલે આ અનંતાનુબંધી કષાય ?

દાદાશ્રી : ના, એવું નહીં. જુઓને, કોઈ માણસ હઠે ચઢ્યો હોયને, ત્યારે એને કયો ગ્રહ નડે છે, કહેવાય ? શનિનો. બધું વેરણ-છેરણ કરી નાખે. પછી હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ જાત જાતના આ નવે નવ આગ્રહો છે.

ગ્રહોની શાંતિની સત્યતા !

પ્રશ્નકર્તા : પૂજાથી ગ્રહશાંતિ થાય ખરી ?

દાદાશ્રી : શાંતિ થાયને ! પૂજાથી ફાયદો થાયને ! પણ પૂજા કો'ક કરે ને આપણને શાંતિ થાય એવું બને ? એ શી રીતે થાય ? એ તો આપણે કરીએ તો આપણને શાંતિ થાય. આ તને આ છોકરાં જોડે ક્રોધ થયો હોય, પછી તેનું પ્રતિક્રમણ કરે તો શાંતિ થઈ જાય કે ના થઈ જાય ?

પ્રશ્નકર્તા : હા, થઈ જાય.

દાદાશ્રી : એનું નામ ગ્રહોની શાંતિ. પ્રતિક્રમણ કરીએ એટલે શાંતિ થાય કે ના થઈ જાય ? છોકરાનેય શાંતિ થઈ જાય ને તનેય શાંતિ થઈ જાય. અને આ બધા ગ્રહો જ છે મહીં બેઠેલા ! આ ક્રોધ-માન-માયા-લોભ કરાવે છેને, તે બધા એ ગ્રહો જ કરાવડાવે છે ! કોઈ જાણી-જોઈને કરે નહીં.

આ બહારના ગ્રહો તો ખાલી પોલીસવાળા છે. આ ગ્રહોની શાંતિ એટલે શું ? પોલીસવાળાને આપણે બેસાડીએ ને ચા-પાણી પાઈએ. પોલીસવાળા આવતા હોય તો એમને સામા નમસ્કાર કરવાના હોય કે ગયા પછી નમસ્કાર કરવાના હોય ? એના જેવું છે.

એ તો છે નિમિત્ત માત્ર !

પ્રશ્નકર્તા : ઘણાં કહે છે કે ગ્રહો નડે છે અને કહે છે ચંદ્રનો ગ્રહ નડતો હોય તો ચંદ્રની વીંટી પહેરવાથી કંઈ ફાયદો થાય ?

દાદાશ્રી : એવું છેને, બહારના ગ્રહો તો નિમિત્ત માત્ર છે. એ એમનાં દેવીઓ સાથે છે બિચારા. એમનું નામ દઈએ કે આ મને નડે છે. તે એમને ખરાબ લાગે. એ કોઈ નડતા નથી. એ તો નિમિત્ત માત્ર છે.

એટલે ગ્રહો જે બહાર છેને, એ ગ્રહોની અસર આપણી અંદર ગ્રહો પડ્યા છે, તેની ઉપર થાય છે. લોકો કહે છે ને શનિ નડે છે, મંગળ નડે છે, એ બધા ત્યાંવાળા ગ્રહો નડતા નથી. એ તેની અસર આપણા અંદરના ગ્રહો ઉપર થાય છે. એ જેવા ત્યાં છે એવા અંદર છે, જેટલું બ્રહ્માંડમાં છે, એટલું પિંડમાં છે. એટલે તમારી અંદર નવે નવ ગ્રહ પડેલા છે. તે અંદરનો શનિનો ગ્રહ, શુક્રનો ગ્રહ છે, મંગળનો ગ્રહ છે એ તમને હેરાન કરે છે.

શું એનું નિવારણ શક્ય છે ?

આપણા કર્મોનાં નિવારણનું જ નિમિત્ત છે. આપણા કર્મોનું નિવારણ કરતી વખતે એ ગ્રહો બધા નિમિત્ત છે.

પ્રશ્નકર્તા : પણ ગ્રહોના નિમિત્તથી કર્મોનું નિવારણ શક્ય છે ?

દાદાશ્રી : હા, નિવારણ થયા જ કરે છે નિરંતર.

પ્રશ્નકર્તા : પણ મેં એક ખોટું કર્મ કર્યું, હવે કોઈ કહે છે કે તમે આ શનિનું નંગ બાંધો, તો તમારા ખોટા કર્મનું નિવારણ થઈ જશે, એ શક્ય છે ?

દાદાશ્રી : એમાં કેટલુંય પોલ ચાલે છે. બે-પાંચ ટકા શક્ય છે અને પંચાણુ ટકા પોલ છે.

પ્રશ્નકર્તા : શક્ય કઈ દ્રષ્ટિથી ?

દાદાશ્રી : એમાં એવું હોય છે કે એ નૈમિત્તિક હોય છે. એવું નિમિત્તે જ હોય છે. એટલે સો ટકા કાઢી નાખવા જેવી વાત નથી એ પણ પંચાણુ ટકા ખોટું છે.

પ્રશ્નકર્તા : પણ જોષી એમ કહે છે કે રાહુ અને કેતુ નડે છે એટલે બુધવાર કરો.

દાદાશ્રી : તે આપણે બુધવાર કરવો. એમાં શું નુકસાન છે ? જો જોષીને ત્યાં ગયા તો બુધવાર કરવો, નહીં તો જવું નહીં. જોષીનું ઘર પૂછવા ગયા તો વહેમ પેઠોને ? તે આપણે બુધવાર કરી નાખવો. આમે ય ઉપવાસથી શરીરને ફાયદો થાય.

પ્રશ્નકર્તા : અમારે ઘેર વંશપરંપરાગત સોમવાર ચાલે છે.

દાદાશ્રી : તે કરવા. તમને વિશ્વાસ છે કે નહિ ?

પ્રશ્નકર્તા : વિશ્વાસ તો હોય જ ને !

દાદાશ્રી : જે કરવું તે વિશ્વાસથી કરવું અને વિશ્વાસ ડગી જાય તો ના કરવું. ગાડીમાં બેસતાં જ એમ લાગ્યું કે 'ગઇ કાલે ગાડી પાટા પરથી ઉતરી પડી હતી તે આજે પણ ઉતરી પડશે, તો શું થશે ?' તો તે જ ઘડીએ ઊતરી પડવું. વિશ્વાસ ના આવે એને કામનું જ શું ? વિશ્વાસ હોય ત્યાં સુધી કરો, ના વિશ્વાસ હોય તો છોડી દો.

વિશ્વાસ તો કેવો હોવો જોઇએ કે મારે, અપમાન કરે તમારું, તો ય તમારો વિશ્વાસ ના ઊઠે ! આવો વિશ્વાસ બેસવો જોઇએ.

એ સ્થૂળ છે કે સૂક્ષ્મ !

પ્રશ્નકર્તા : આ જે ગ્રહો છે રાહુ-કેતુ એ બધા, તો એ સૂક્ષ્મ સ્વરૂપે છે કે સ્થૂળ સ્વરૂપે છે ?

દાદાશ્રી : એ તો સ્થૂળથી છે. અને તમારા ગયા અવતારે જે ગુના થઈ ગયેલા છે, એ બધા જેના જેના અધિકારમાં છે એ ગ્રહના હાથમાં ફળ આપવા માટે ગયા બધાં ! એટલે એમનાં થકી આ બધું ગ્રહાયેલું છે. એ ગ્રહો થકી લોકો ગ્રહાયેલા છે !

જ્ઞાની, ગ્રહોથી મુક્ત !

તમારામાં ગ્રહ ખરો ? કયો ગ્રહ ?

પ્રશ્નકર્તા : બધાય થોડા થોડા ખરા.

દાદાશ્રી : અમારામાં ગ્રહ કશુંય નહીં. તમે અમને કહો કે, 'તમે અહીં નીચે બેસો ! તો અમને ગ્રહ નહીં એટલે અહીં નીચે બેસી જઈએ. તમે અહીં ઉપર બેસો તો હું તમને ઉપર બેસાડવા લાગું. આ તો મને પોતાને તો નીચે બેસવાનું સારું લાગે પણ શું થાય ? આ બધા છે, એમની ખાતર મારે અહીં ઊંચે બેસવું પડે છે. બાકી નીચેથી પડાય નહીં. હંમેશાંય નીચેથી પડાય નહીં, એવું નાની ઉંમરમાં શોધખોળ કરેલી ! મારું કેલ્ક્યુલેશન દુનિયાથી ઊંધું હતું !

અમારામાં આગ્રહ જ ના હોય. હમણે ગમે તેનાં કપડાં પહેરાવેને મુસલમાનનાં તો મુસલમાનનાં પહેરીને હેંડીએ. સ્ત્રીનાંય પહેરાવે તો પહેરીએ. અમને જેવા શણગારે એવા. આ બધા શણગારનારા !

અમારે ક્યાં જવાનું તેય અમારા હાથમાં નહીં. સહેજે નહીં. આ પોટલું ઉઠાવીને લઈ જાય ને પાછાં લાવે. આ પોટલું છે. દાદા ભગવાન જુદા પડી ગયા છે એટલે રહ્યું શું ? પોટલું રહ્યું. તો આ બધા ઉઠાવીને લાવે ને લઈ જાય. લાવે ને લઈ જાય.

બાકી કર્મ તો અમારેય ભોગવવાં પડે છે પણ ગ્રહો અસર ના કરે. અમે ગ્રહમુક્ત થઈ ગયેલા.

એટલે તમારા જ ગ્રહો તમને નડે છે અને તમે સંગ્રહ કરી રાખ્યો પાછો. એનો ગ્રહોનો સંગ્રહ કરો છો તમે. સંગ્રહ નથી કરતા ? મતાગ્રહમાં શૂરા, 'મુસ્લિમો જુદા, અમે હિન્દુ, હિન્દુ !' અરે આવું શા હારુ કરો છો ? મત રાખવાનો વાંધો નથી પણ મતનો આગ્રહ ના હોવો જોઈએ. આગ્રહ ના હોવો જોઈએ ને ?

ગ્રહ હોય ત્યાં સુધી કોઈ પણ માણસ સુખી થાય નહીં. ગ્રહથી જ બંધાયેલો હોય.

ગ્રહમુક્તિ પછી પરમ મુક્તિ !

આ બીજા આગ્રહ બધા નુકસાનકારક છે. આગ્રહ માત્ર પોઈઝન છે. આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, દુરાગ્રહ, મિથ્યાગ્રહ, સત્યાગ્રહ. તે કેટલાંક લોકો આવા આગ્રહોમાં જ પડ્યા છે. એટલે એ ગ્રહોએ જ ગ્રહેલા છે. એ ગ્રહમુક્ત થાય ત્યાર પછી સંસારમુક્તિ ! આ તો હજુ ગ્રહમુક્ત જ નથી થયા ત્યાં આગળ સંસારમુક્તિની વાત જ ક્યાં કરવાની ?!

જ્યારે અમને સહેજેય ગ્રહ કે આગ્રહ નહીં. કોઈ પણ બાબતમાં સહેજ પણ ગ્રહ નહીં કે આગ્રહ નહીં, કે આમ જ ! એક સેકન્ડેય નહીંને ! આ ખરું છે, આ સત્ય છે, એવું ય અમારો આગ્રહ ના હોય. આ જ્ઞાન થયું છે, એ ય આગ્રહ ના હોય. તમે કહો કે, 'પેલું ખોટું છે' તો ય આગ્રહ ના હોય. તે તમારી દ્રષ્ટિથી આવ્યું એ સાચું.

રાવણને નવે ગ્રહો વશ વર્તે !

આપણા દલપતરામ કવિએ લખેલું છે કે,

'કેવો હતો રાવણ શાસ્ત્રવેત્તા,

નવે ગ્રહો નિકટમાં રહેતા હતા.'

નવ ગ્રહોના જે અધિપતિ હતા. રાવણ શાસ્ત્રવેત્તા, પાછો નવે ગ્રહો એની પાસે જ પડી રહેતા'તા !

પ્રશ્નકર્તા : એટલે શું કહેવા માગો છો ?

દાદાશ્રી : એ નવેય ગ્રહ એના તાબામાં હતા. કંટ્રોલેબલ થયેલા હતા. એટલે આગ્રહ નહીં, દુરાગ્રહ નહીં, કશું જ નહીં એનામાં. ગ્રહથી મુક્ત થઈ ગયેલા. નિરાગ્રહી માણસ હતો. રાવણ તો બહુ મોટો માણસ હતો.

જેને ગ્રહો અસર નહોતા કરતા એ રાવણ ! તેના અહીંયા, આ હિન્દુસ્તાનમાં લોકોએ પૂતળાં બાળ્યાં, ઊંચા પૂતળાં કરીને બાળે છે ને ! આવો રાવણ, તેનેય હિન્દુસ્તાનનાં લોકોએ વગોવ્યો !! રામનું નામ સારું દેખાડવા માટે આમને વગોવ્યો ! અને આમ છે તે આપણાં શાસ્ત્રોમાં પૂછવા જાય કે એમનો નંબર શું લાગે !! ત્રેસઠ શલાકા પુરુષોમાં છે એ ! જે ચોવીસ તીર્થંકરોએ એક્સેપ્ટ કરેલા એવા શલાકા પુરુષોમાં છે એ ! રાવણ શલાકા પુરુષ કહેવાય. કૃષ્ણ ભગવાન શલાકા પુરુષ કહેવાય. હવે આવા શલાકા પુરુષને હિન્દુસ્તાનનાં લોકો પૂતળા કરીને બાળે અને એને પૂછવા-ગાછવાય જતું નથી ને કોઈ !! પછી વિદ્યા જતી જ રહેને !!!

રામના રાજ્યાભિષેકે જ્યોતિષીઓ પડ્યા ખોટા !

હવે સવારમાં તો ગાદી પર એ બેસવાના હતા રામચંદ્રજી. મોટા મોટા છે તે વિશ્વામિત્ર મુનિ, વશિષ્ઠ મુનિ. આવડાં આવડાં દાઢાં. તે આમ બેઠેલા બધા રાત્રે. સાડા બાર-એક વાગે જોષ કાઢો, જ્યોતિષના બધા, જ્યોતિષવાળાને બોલાવ્યા. સાડા પાંચ વાગે ગાદીએ બેસાડો રામચંદ્રજીને. બધું ડીસાઈડ થયા પછી દશરથ રાજા આમ ગયા, જ્યોતિષો એમ ગયા. પેલા બધા દાઢાવાળા આમ ગયા અને સવારમાં તો કંઈનું કંઈ થઈ ગયું. પેલી કૈકેયીએ કંઈનું કંઈ કર્યું.

ગ્રહણ એ શું છે ?

આ ગ્રહણ થાય છે, એને કશું લેવા-દેવા નથી. એ તો એનો સ્વભાવ જ બતાડે છે. આ સૂર્ય કંઈ આપણને ગરમી નથી આપતો. એવું ગ્રહણેય કંઈ કોઈને દુઃખ દેવા નથી આવ્યું કે સુખ આપવા નથી આવ્યું. પણ જેટલાને દુઃખ થયું, એ દુઃખ થયું, એનું એક બૅલેન્સશીટ હોય છે. દુઃખ થયું તેની સામી બાજુ કેટલાકને સુખ થવું જોઈએ. તો બેલેન્સ રહે.

કારણ કે આપણે અહીં દસ જણના રૂપિયા લઈ અને પચાસ જણને દાન આપ્યું. તો આમને દુઃખ થયું, આમને સુખ થયું, પણ બેલેન્સ ! એવું બૅલેન્સશીટ હોય છે. નહીં તો એમ કહેવાય કે ગ્રહણે દુઃખ આપ્યું ! ગ્રહણ કશું દુઃખ આપતું નથી, એમનો સ્વભાવ છે, એની ઇફેક્ટ પડે છે.

હવે ચંદ્રનું ગ્રહણ થાય છે. તે જોયેલું ! ગ્રહણ એટલે ચંદ્ર ગ્રહાયો. બીજા ગ્રહે ચંદ્રને ગ્રહ્યો. તો અંધારું થઈ જાય છે. એવું આપણને ગ્રહ પકડેને, તો બધું અંધારું ઘોર થઈ જાય. એટલે પછી તું કોઈને પૂછવા જાઉં ત્યારે કહેશે, ફલાણો ગ્રહ નડે છે.

પ્રશ્નકર્તા : આ માણસો આટલી બધી શોધ-ખોળ કરવા જાય અને એ લોકોને પોતાની બુદ્ધિથી ખબર પડે, ત્યાં સુધીમાં તો એ પોતે ખલાસ થઈ જાય.

દાદાશ્રી : આ તો પુદગલની શોધખોળ કરી નાખે એવાં લોકો ! અને એમનું આયુષ્ય જ એવું છે કે ત્યાર હોરો તો ખલાસ થઈ ગયું. આ સાયન્ટિસ્ટો જતા રહ્યાને, એવા કેટલાંય જતા રહ્યા.

ન ખપે ખેંચ !

એવી રીતે દેહના સંબંધમાં સાચી વાત હોય, કંઈ દવા-દારૂ કરવાનું અને એમાં એ આડું કરેને, તો મંગળનો ગ્રહ નડે છે.

ખેંચ, હઠાગ્રહ ના હોવા જોઈએ. એ ખેંચને કહીએ કે તમે જાવ, તો જાય. એવી ખેંચ હોવી જોઈએ. માગતાવાળા આટલી ખેંચ રાખે તો બરોબર છે. પણ જાવ કહીએ ને ના જાય એવી ખેંચ ના જોઈએ.

પનોતીમાં સવળી ગોઠવણી !

પ્રશ્નકર્તા : પણ આ શનિની પનોતીમાં મેન્ટલી ઘણો ફરક પડતો હોય છે ને ?

દાદાશ્રી : શનિ નડતો હોય ત્યારે ઘરમાં બાઈડી-ભાઈની વઢવાડો થાય. બઈ સવળું કહે, તોય પેલાને અવળી સમજણ પડે ને હેય લઠ્ઠાબાજી ઊડે ! તે આપણે ના સમજીએ કે આમને શનિની પનોતી ચાલે છે. માટે અવળું સમજણ પડશે. એટલે આપણે પહેલેથી સવળું ગોઠવી રાખીએ તો ?! એટલે પછી વાંધો ના આવે. અમને એવું બહુ આવડે. હા, અમે જાણીએ કે શનિની પનોતી ચાલે છે.

હઠે ચઢ્યો તેથી !

કોઈ કહેશે, 'મારે શનિની દશા બેઠી છે સાડા સાતની પનોતી.' અલ્યા તને શું કરવા પનોતી બેસે તે ? પૈણેલો છેને ! અલ્યા, તારા હઠાગ્રહથી જ તારી પનોતી. વહુ જોડે હઠે ચઢ્યો હોય !

અલ્યા, પૈણેલો છું ને, તો તને સાડા સાતીની પનોતી ક્યાંથી આવી ? તારે તો દાળ, ભાત, રોટલી, શાક ખાવાનાં હોય. હેય ! સુંવાળી રોટલી તૈયાર મળે છે. પછી તારે પનોતી ક્યાંથી આવી ? પણ એ હઠાગ્રહે ચઢ્યો હોય ! પરમ દહાડે કઢી બગડી હોય, તેની આજ બૂમો પડે ! હઠે ચઢ્યો હોય ! સંસારમાંય હઠે ચઢે તો કામેય બગડી જાય ! તમે કોઈ ફેરો હઠે ચઢેલા કે નહીં ?!

પનોતીની પિછાણ !

પ્રશ્નકર્તા : શનિની પનોતી હોયને, તો માબાપથી છોકરો છૂટો થાય, એવું કહે છે.

દાદાશ્રી : એ તો કયા વકીલના પુસ્તકમાં લખેલું છે એ ?

પ્રશ્નકર્તા : જ્યોતિષશાસ્ત્રના પુસ્તકમાં છે.

દાદાશ્રી : પણ મારું કહેવાનું કે શનિની પનોતી એટલે શું ? એ શું વસ્તુ છે કોઈ ? ગ્રહો તો બધા છે, શનિનો ગ્રહ છે, મંગળનો ગ્રહ છે, બુધનો ગ્રહ છે, એનું પરિણામ શું આવે ? એની ઈફેક્ટ શું થાય ? એ સમજવું જોઈએ ને !

એ શનિનો ગ્રહ ત્યાંથી અહીં નડવા નથી આવતો. તમે હઠાગ્રહમાં હોને ત્યારે શનિ જ નડતો હોય.

જેવું બ્રહ્માંડમાં ગ્રહો છે, એવાં મહીં ગ્રહો છે. મહીંયે એ શનિનો જ ગ્રહ કહેવાય છે. પણ એનું લક્ષણ આપણને ખબર પડે. હઠાગ્રહ કરે એટલે આપણે જાણીએ કે શનિના ગ્રહની અસર થઈ. તમે મજૂરોને વઢો તે હઠાગ્રહથી વઢો. તો શનિ નડતો હોય તો મજૂરોનો માર ખાય છેવટે ! એટલે પ્રમાણમાં બધું શોભે ! હઠાગ્રહ સુધી ના જવું જોઈએ અને નિકાલ કરવો જોઈએ.

કોઈ માણસને વ્યવહારમાં આપણે સાચી વાત કહીએને, તો પણ એ હઠે ચઢેને ત્યારે જાણવું કે એને શનિનો ગ્રહ નડે છે.

હઠાગ્રહ એટલે શનિનો ગ્રહ. તમે ઘણુંય સમજણ પાડ પાડ કરો, પણ હઠ છોડે નહીં લોકો. બધા સમજી જાય કે હઠે ચઢ્યા છે.

ગુણ-અવગુણ નિયમથી !

પ્રશ્નકર્તા : શનિની સાડાસાતી માણસ ઉપર ચાલે છે. પનોતી જે બેસે છેને, તે જ્યારે ચઢે છે ત્યારે નુકસાન કરે છે, પછી ઊતરી જાય એટલે ફાયદો કરે છે, એ કેવી રીતે થતું હશે ?

દાદાશ્રી : એ તે એના નિયમ એવા હોય છે કે દરેક વસ્તુ શનિ એકલા ઉપર નહીં, દરેક વસ્તુ ગુણ અને અવગુણ બેય આપે. હા, કોઈ વસ્તુ અવગુણ વધારે આપે અને ગુણ ઓછો આપે. કોઈ વસ્તુ ગુણ વધારે આપે ને અવગુણ ઓછો આપે. પણ ગુણ-અવગુણ બન્ને હોય એવું શનિનું ઊતરતી પનોતી હોય તો બહુ નડે. અને કેટલાંકને તો ઊલટું નફો આપતું જાય. આ જેટલાં કરોડાધિપતિ થયેલા છેને, એ શનિની પનોતીમાં થયેલા. હા અને કરોડાધિપતિમાંથી સાવ ભિખારી એય શનિની પનોતીમાંથી. વચલાવાળાને શનિની પનોતી બહુ નડે નહીં. એને હતુંય શું ને જવાનુંય શું ? સાડી ત્રણસોનો પગાર મળતો હતો, તે સવા ત્રણસો કરી નાખવાનો નથી ને ચારસો થાય નહીં બહુ ત્યારે.

જગત છે, ન્યાય સ્વરૂપ !

હવે અમને શનિની પનોતી ના હોય. પણ જ્ઞાન થતાં પહેલાં પનોતી હોય ને, તો અમે સમજીએ કે આ પનોતી અવળી છે. માટે આ બોલશે તે અવળું બોલે, તો આપણે એવું બોલો કે એને કંઈ સારું લાગે તો ઉકેલ આવે ને ! નહીં તો ન્યાય ખોળવા જશો તો ન્યાય તો જડશે જ નહીં, જગત એક ક્ષણવાર અન્યાયી થયું નથી અને ન્યાયી એક ક્ષણવાર દેખાયું નથી કોઈને. એવું આ જગત છે !!

પ્રશ્નકર્તા : એમ કેમ કહ્યું ?

દાદાશ્રી : એક ક્ષણ પણ જો જગત અન્યાયી ચાલે તો આ જગતનું અસ્તિત્વ જ ના રહે. એનું અસ્તિત્વ એના ન્યાયથી રહ્યું છે. એક ક્ષણ પણ અન્યાયથી નથી ચાલ્યું આ જગત ! અને આ લોકોને એક ક્ષણ પણ અન્યાય થયા વગર રહેતો જ નથી, આખો દહાડો અન્યાય જ દેખે છે આ લોકો.

ગ્રહાયો આગ્રહથી જ !

પ્રશ્નકર્તા : દાદા ભગવાન પાસે આવ્યા પછી શનિની પનોતી નડે ખરી ?

દાદાશ્રી : એવું છે, શનિનો ગ્રહ એની જગ્યાએ ઊભો છે. જ્યાં છે ત્યાં, એ કંઈ તમને હેરાન કરવા આવતો નથી. અંદરના ગ્રહની અસર તમારી પર થાય છે.

શનિની ઇફેક્ટ હંમેશાં હઠાગ્રહમાં હોય. હઠાગ્રહ એટલે હું કહું, આ ભાઈ કહે, પેલા ભાઈ કહે, પણ કોઈનું માને નહીં. એ શનિની પનોતી આપણે માની લેવાની.

પ્રશ્નકર્તા : એ અમુક વખત ચાલે. કાયમ માટે ના હોય એ ?

દાદાશ્રી : હા. કાયમને માટે ના હોય. એ અમુક ટાઈમ જ્યાં સુધી શનિનો ઉદય હોય, ત્યાં સુધી ચાલે. પછી નહીં. તે એને એવો ગ્રહ હતો ? ને હોય તો બને એવું. એ તો એવિડન્સ છે, બધા ગ્રહો ભેગા થાય. પણ પોતાનામાં હઠાગ્રહ હોવો જોઈએ. તો એવું બને. હઠાગ્રહ છે હજુ ?

પ્રશ્નકર્તા : એનો હઠાગ્રહ નથી પણ સંજોગો જ એવાં ભેગા થાય કે એને જવું પડે.

દાદાશ્રી : પણ હઠાગ્રહ પોતાનો હોવો જોઈએ તો જ એવિડન્સ ભેગા થાય. નહીં તો થાય નહીં. નહીં તો બીજા આગ્રહ હોય તો બીજા ગ્રહ ભેગા થાય ! પણ પોતાનો આગ્રહ તો હોય જ કોઈ જાતનો ! આ તો આગ્રહથી ગ્રહાયેલો છે ! આગ્રહ એ જ અહંકાર છે.

ગ્રહોની વક્રી !

પ્રશ્નકર્તા : હમણાં એક પેપરમાં વાંચ્યું કે ગુરુનો ગ્રહ કોઈ દિવસ વક્રી ન થાય, પણ તે આવતીકાલથી વક્રી થાય છે. એટલે દુનિયાની ઊથલપાથલ થઈ જશે.

દાદાશ્રી : પણ એટલે સૂર્ય-ચંદ્ર કંઈ પડી જવાના નથી ! છોને, લખનારા લખ્યા જ કરે છેને ! આ કંઈ આજે લખે છે. પહેલેથી આવું ને આવું લખ લખ કરે છે.

પ્રશ્નકર્તા : ના, બીજા ગ્રહ માટે લખે છે, પણ ગુરુ માટે કોઈ દિવસ નથી લખતા.

દાદાશ્રી : આ જે વક્રી થાયને, તે પહેલાં થયેલા હોય તો જ થાય. નહીં તો એમ ને એમ નવો વક્રી થાય નહીં. આ તો બધા જ્યોતિષીઓ લોકોને વગર કામના ભડકાવ ભડકાવ કરે છે. આમ મૂળ તો આ લોક સુખી બહુ (!), પાર વગરના સુખી (!) અને એમાં વળી પાછાં એને બિચારાને ભડકાવે ! ઊલટું એ લોકોએ તો એમ કહેવું જોઈએ કે 'ગુરુ વક્રી છે, પણ કશી હરકત નથી આવવાની આમ બોલવું જોઈએ. એક બાજુ સરકાર ભડકાવે છે, 'વાવાઝોડું આવે છે !' અલ્યા, આવાં તો વાવાઝોડાં કેટલાંય આવ્યાં ને જતાં રહ્યા બધાં !! ને પાછાં આ લોકો ભડકાવે કે ગુરુ વક્રી થવાનો છે ! એટલે લોકો ગભરાય ગભરાય કરે. સૂર્ય-ચંદ્ર કંઈ પડી જવાના છે ? ત્યારે શું થઈ જવાનું છે ?!

પ્રશ્નકર્તા : વક્રી એટલે શું ?

દાદાશ્રી : વાંકા ફરવું. એ વક્રી કહેવાય.

પ્રશ્નકર્તા : પણ એમ તો આ જે ગ્રહો હોય છે ઉપર, એ તો એમ ને એમ જ હોય છેને, એ વક્રી હોય કે ના પણ હોયને ?

દાદાશ્રી : ના, એ વક્રી થવાના. વક્રી એટલે એનું સ્થાન બદલાય તો એ વક્રી થાય. એટલે એ વક્રી તો થવાના પણ તમારા મહીંના ગ્રહ વક્રી ન થાય તો કશી અસર ના કરે તમને ! મહીંના ગ્રહ વક્રી થાય તો આ અસર કરે.

આમાં ભડકવાનું શાને ?

જ્યારથી આ જગત છે ને ત્યારથી જ્યોતિષીઓ બૂમો પાડ પાડ કર્યા જ કરે છે અને લોક બિચારા આ વાંચી વાંચીને ફફડ્યા જ કરે. અલ્યા, અહીં આ દુનિયામાં કશું બન્યું જ નથી કોઈ દહાડો. સૂર્યેય પડી ગયો નથી અને ચંદ્રેય પડી ગયો નથી. એ તો થયા જ કરે બધું. ગુરુ વક્રી થાય કે શુક્ર વક્રી થાય એ બધું થયા જ કરવાનું. આમાં કંઈ નવી વાત નથી અને આપણા લોકોને પંદર-વીસ દહાડા થાય એટલે વાળ કપાવ્યા વગર છૂટકો જ નહીં. વક્રી થાય કે ના થાય ? એટલે સહુ સહુનું કામ કર્યા જ કરે. એ વક્રી થઈ જાય તો આપણે વાળ કપાવવાના બંધ થઈ જવાના છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ તો લોકો ભડકાવ ભડકાવ કરે છે. જ્યોતિષીઓનો વેપાર એ, આવું ભડકાવે. તે પેલા વેપારી હોય તો શું કરે ? વેપારમાં સોદો મોટો કરેલો હોય, તો જાણે કે ગુરુ વક્રી થશે તો મારા સોદાનું શું થશે ? એટલે પેલો કહેશે, સોદા માટે વિધિ કરો. તે પચાસ-સો રૂપિયા પડાવી લે.

આ જગતમાં કોઈ તમને કશું કરનાર છે નહીં. બધું જ તમે જ છો. જે ગણો તે ! અમથા ભડક ભડક કરો છો ને લોકોય અમથા ભડકાય ભડકાય કરે છે. પણ આપણે શી લેવા-દેવા ? નથી લેવા-દેવા !! આ તો ઘણાંય ફેરા ગુરુનો ગ્રહ બદલાયો ને શનિ વક્રી થયો નેે ફલાણો ગ્રહ વક્રી થયો પણ કોઈ દહાડો સૂર્ય પડી ગયો નથી ને ચંદ્રેય પડી ગયો નથી. જો પડી ગયો હોત તો આપણે જાણત કે સૂર્યનારાયણ પડી જાય તો આપણી દશા બેસાડી દે. સૂર્ય-ચંદ્ર પડી ગયેલાં સાંભળ્યું ? આ બધા ભડકાવ ભડકાવ કરે છે. રોજ છાપામાં આવું ને આવું લખે ને લોક બિચારાં વાંચેય ખરાંને ! પોતે જ વળગ્યો !

પ્રશ્નકર્તા : શનિ તો છૂટો છે, શનિને વળગી પડનારને આ તકલીફ છે.

દાદાશ્રી : એ તો બધાય ગ્રહો છૂટા જ છે. પણ એને આ પોતે જ વળગ્યો છે.

ત્યારે જાય નવેય ગ્રહો !

પ્રશ્નકર્તા : હઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ એ અનુભવના આધારે બંધાઈ ગયા હોય તો કઈ રીતે છૂટી શકે ?

દાદાશ્રી : એય છે તે 'આ જે મારી માન્યતા હતી એ ખોટી હતી' એમ કરીને છૂટી જાય. 'આ મારી માન્યતા સાચી છે.' કહે તે વધતી જાય. ઓન્લી રોંગ બિલિફ છે આ બધી. 'હું ચંદુભાઈ છું' એ જ રોંગ બિલિફ છે ને ! એ તો તમારે જાણવું જોઈએ કે આ શરીરને ઓળખવાનું સાધન છે.

પ્રશ્નકર્તા : એ નવેય ગ્રહો કાઢવાનો ઉપાય બતાવો.

દાદાશ્રી : પોતાનું સ્વરૂપ જાણે ત્યારે નવ ગ્રહ જાય. નહીં તો જાય નહીં. અહીં સ્વરૂપનું જ્ઞાન મળે પછી આજ્ઞામાં રહે તો ગ્રહો જાય. નહીં તો આજ્ઞામાં ના રહે તો નવ ગ્રહો એને પાછા ફરી ખઈ જાય ! ક્રોધ-માન-માયા-લોભની જ્યાં સુધી નબળાઈ છે ત્યાં સુધી બધા મુકામ કરીને રહેવાનાં. જાય જ નહીંને ! તમારા ગામમાં અહીં કોઈને ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ હોય નહીંને !

અન્ય ક્ષેત્રોમાં શું છે ?

પ્રશ્નકર્તા : બીજા ગ્રહોમાં માણસ છે એમાં સત્ય શું છે ?

દાદાશ્રી : આ આપણી ભૂમિકા છે ને તેમાંય છે તે સાત ખંડ છે. સાતેય ખંડ ઉપર મનુષ્યો છે. આવાં તો પંદર ક્ષેત્રો છે. બીજા ચૌદ રહ્યાં હજુ તો, એટલે માણસોની વસ્તી બધે છે.

પ્રશ્નકર્તા : વસ્તી બીજા ગ્રહમાં છે ?

દાદાશ્રી : બીજા ગ્રહની વાત છોડી દો. બીજી ધરતી છે. એ ગ્રહો પર જ છે, પણ તમે જે ગ્રહ સમજો છોને, એ તમારી ભાષામાં સમજી જાવ છો કે ભાઈ, આ ચંદ્ર છે. તે ચંદ્ર ઉપર હશે, મંગળ ઉપર હશે. પણ એ જગ્યાએ નથી. આપણી પૃથ્વી જેવા બીજા ચૌદ ક્ષેત્રો છે, ત્યાં મનુષ્યો છે.

પ્રશ્નકર્તા : પૃથ્વી સિવાય અન્ય ગ્રહો ઉપર સજીવો છે તે પૃથ્વી માનવજીવો પર કોઈ રીતે અસર કરે છે ?

દાદાશ્રી : કોઈ જીવો અહીં આગળ માનવજીવ પર અસર કરતાં નથી. અસર તો ફક્ત, તમારા જે ઋણાનુબંધવાળા છે એટલા જ તમને અસર કરે છે. બીજું કોઈ તમારું નામ દે નહીં.

શાસ્ત્ર ને વિજ્ઞાન વિરોધાભાસી !

પ્રશ્નકર્તા : વૈજ્ઞાનિકો આ સૂર્યને ધગધગતો ગોળો કહે છે અને શાસ્ત્રો એને દેવ કહે છે, તો શું સાચું ?

દાદાશ્રી : દેવ સાચી વાત છે.

પ્રશ્નકર્તા : આપણા જૈનશાસ્ત્ર પ્રમાણે કહે છે કે, ચંદ્ર તો બહુ દૂર છે. પણ અત્યારે બધા જે ચંદ્ર ઉપર જઈ આવ્યા એ બધું શું છે ?

દાદાશ્રી : તે જાણીને આપણને શો ફાયદો ? આપણે તો આત્મા જાણી લઈએ તો કામનું ! ચંદ્ર પર જઈ શકે, ગમે ત્યાં જઈ શકે ! અને ચંદ્ર પર જઈને શું શું કરે છે ? ચંદ્રને એ ઓળખે છે કે નથી ઓળખતાં ? એને જાણતાં નથી. આ તો વીતરાગોએ ઓળખ્યા છે. એ જ્યોતિષ્ક દેવો છે. તે આ લોકો ઉપર ગયા ને, માટી ખોદી લાવ્યાં. માટી તો બળી આ દેહ હોય ને, બૉડી હોયને, તે બૉડી એવું જ હોય ને એ તો !

આપણે અહીં કીડી ફરતી હોય તો કીડીને એમ ખબર પડે. એને તો એમ જ લાગે કે આ વાળ બધા એને ઝાડ જેવા લાગે, જંગલ લાગે. એમ આ મનુષ્યો છે ને, જ્યોતિષ્ક દેવોની જોડે રમત રમી રહ્યા છે. આ તો દેવોનું પુદગલ છે, વિમાન છે. વિમાનની અંદર દેવોનો મુકામ છે.

પ્રશ્નકર્તા : આ સૂર્ય, ચંદ્ર, ગ્રહો એ બધું પુદગલ જ છે ?

દાદાશ્રી : ના, પુદગલ નથી.

પ્રશ્નકર્તા : તો પછી આ તારા નક્ષત્રો ને જે ગ્રહો છે, એની અંદર ચેતન તત્ત્વ છે કે નહીં ?

દાદાશ્રી : છે. એ જે દેખાય છે એ ચેતન નથી. એ તો એમનું વિમાન છે. વિમાન એટલે બોડી. આ અજવાળાવાળું જે છેને, એ એમનું વિમાન છે. પ્રકાશ જ છૂટ્યા કરે, એની મહીં એ ગ્રહો પોતે છે. આ સૂર્યના વિમાનમાં સૂર્ય પોતે છે અને સૂર્યદેવી હઉ છે. આ એમ ને એમ નથી, આ વાંઢા લોકો નથી. એ ય પૈણેલા છે !

આ બિંબ છે એમનું, બિંબ એવું જ હોય. પણ મહીં અંદર એમનો પોતાનો વાસ છે દેવીઓ સાથે બધું. ત્યાં દેવ એકલા ના હોય, દેવી હઉ હોય ! ચંદ્ર છે ને ચંદ્રની દેવી પણ છે. પણ એમને છોકરાં ના હોય. છોકરાં તો આપણે અહીં હોય, ઓલાદ કોઈને અગિયાર હોય, કોઈને બાર હોય ને કોઈને સવા ડઝન હોય. ત્યાં છોકરાં-બોકરાં દેવલોકોને ના હોય, એ પાછી જંજાળ ક્યાં વળગાડે દેવ ? અને દેવલોકોને ઘૈડપણ ના હોય. નિરંતર જુવાની !

કીડી આપણી ઉપર ફરતી હોય તો ફરવા દઈએ પણ જ્યારે લપોટ મારીએ તો ? એટલે એ બધામાં ઊતરવા જેવું નથી. આ બધા લોકોને એના કર્મના ઉદયે એમને આ જ્ઞાન દેખાયું છે અને જાય છે, પણ આ તરછોડ કો'ક વખત વાગશે, તે ઘડીએ ઊંધા-છતી થઈ જાય. એમાં ઊંડા ઊતરવાનું નથી.

આપણા વીતરાગોએ જે કહ્યું છે તે જ જ્ઞાન સાચું છે. એને જ્યોતિષ્ક દેવો કહ્યા છે. સૂર્ય, ચંદ્ર, તારા બધા જ્યોતિષ્ક દેવો છે. અને એની ઉપર વૈમાનિક દેવો છે. હવે એ લોકો ગમે તેમ સળી કરે, તેનાં ફળ ભોગવશે.

પ્રશ્નકર્તા : તો આ વૈજ્ઞાનિકો પેલા જઈને પાછાં આવ્યા ખાલી.

દાદાશ્રી : હા, પાછાં આવ્યા. એ તો એવું છેને, આ લોકો કહે છે, અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા. તે આપણી પર કીડી ચઢેને, એ કીડીને એવું લાગે કે ઓહોહો !! આ તો નરી માટી જ છે, એના જેવી વાત છે આ બધી !!

બાકી, એ સૂર્ય દેવ છે, ચંદ્રમાંય દેવ છે અને જ્યોતિષ્ક દેવો છે, બધા દશ ગ્રહો છે, તેની મહીં દેવો છે. બીજા તારામાંય બધા દેવો છે. આપણી માન્યતા છે, આ બધી ખોટી નથી.

મુસલમાનોય છે તે ચંદ્રને માને જ છે. દૂજ કા ચાંદ કોઈ કહેને, દર્શન કરે. એટલે આ બધું ખોટું નથી. નર્કગતિયે ખોટી નથી, કશું ખોટું છે નહીં.

સૂર્ય ગરમ કે ઠંડો ?

પ્રશ્નકર્તા : સૂર્યનારાયણનું બિંબ પોતે ગરમ છે કે ઠંડું છે ?

દાદાશ્રી : એ આપણે જરૂર શી છે ? ફાયદો શો છે ? મારું કહેવાનું ગરમ હોતને તો આપણે અહીંથી જેમ ઊંચે જઈએ તેમ વધારે ગરમી લાગવી જોઈએ. સાયન્સ શું કહે છે ? કોઈ પણ ગરમ વસ્તુની નજીક જઈએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : વધુ ગરમી લાગે.

દાદાશ્રી : હા, એટલે આ ખીણમાં હોયનેે તેના કરતાં ઊંચાં આવીએ તેમ વધારે ગરમી લાગે. ટેકરા ઉપર જેમ જઈએ તેમ તેમ વધારે ગરમી લાગે. અને સૂર્ય જો ગરમ હોય ને તો આપણને અહીં આગળ ગરમી લાગે છે પછી જેમ ઊંચે ચઢીએ, દશ હજાર ફૂટ, પચ્ચીસ હજાર ફૂટ, તો વધારે ગરમી લાગે. તો આપણે ઊંચે ચઢીએ છીએ, ત્યારે શું થાય છે ? હિલ સ્ટેશન ઉપર તો ઉનાળાને દહાડે ટાઢ વાય. કારણ કે ઉપર જેમ જેમ જાય ને તેમ ઠંડું ઠંડું થતું જાય. સૂર્યના રેઝ (કિરણો) આ ધરતીને અડે છેને, તે ગરમી ઉત્પન્ન થાય છે ! એટલે એ સૂર્ય ઠંડો છે કે ગરમ છે એ એક દહાડે એ સાયન્ટિસ્ટો જ કહેશે.

સૂર્ય કોઈને તાપ આપતો નથી. ઠંડો એનો સ્વભાવ છે એ તો ! એ ખાલી પ્રકાશનો જ ગોળો છે. એને તે પુદગલ એ તો. એ પ્રકાશનું પુદગલ છે, સૂર્યનારાયણનું એ પુદગલ છે. આ તો પુદગલ પ્રકાશે છે. હા, એમનો પ્રકાશ એટલો બધો છે. ચંદ્રમાં પ્રકાશ નહીં હોવાથી, એના પુદગલમાં પ્રકાશ નથી. તોય છતાંય પણ પુદગલ એવું સુંદર છે કે એમનો પ્રકાશ બધે ઝીલે છે. બાકી એ પ્રકાશ સ્વરૂપ છે. આ ગરમ સ્વરૂપ નથી.

પ્રશ્નકર્તા : આજકાલના સાયન્ટિસ્ટોને આ વાત બહુ ભારે થઈ પડશે.

દાદાશ્રી : એ વાત આપણે કરવાની જરૂર જ નથી. આપણને શી જરૂર ? આ ક્યાં કરવા જઈએ ? આ તો આપણે સમજવા માટે છે. એ તો આ સાયન્ટિસ્ટોયે ક્યાં જાણે છે, આ કોઈ જીવનું પુદગલ છે. એવું જાણે છે એકુંય ? એ તો એમ જાણે છે કે બળતો મોટો પહાડ છે. અને જો કોઈ જગ્યાએ પડ્યા તો એ દેશનું બધું ખલાસ થઈ જશે. અલ્યા મૂઆ, પડે એવી ચીજ ન્હોય આ બધી !

આ તો અજાયબ દુનિયા છે. એ સાયન્ટિસ્ટો એમ જ જાણે છે કે આટલી જ દુનિયા છે. દુનિયા તો બધી કેટલી મોટી છે ! ભગવાને કહી છે દુનિયા એમાં પંદર તો કર્મભૂમિઓ છે. આ તો સમજવા માટે છે. એ અમારી સમજણમાં આવેલું ને એ બધું અમે કહી છૂટીએ તમને. આ સૂર્યનારાયણ સવારમાં આવ્યા, એમણે કર્યું શું ?

પ્રશ્નકર્તા : પ્રકાશ આપ્યો.

દાદાશ્રી : આપે તો પછી એ ભિખારી થઈ જાયને ! કોઈ પણ વસ્તુ આપવાથી ખર્ચાઈ જાય.

પ્રશ્નકર્તા : એમની શક્તિ તો યાવત્ચંદ્રદિવાકરૌ જેવી છે.

દાદાશ્રી : એ તો સ્વભાવ છે. એમાં કોઈ પણ શક્તિ યાવતચંદ્રદિવાકરૌ હોય, પણ એમાંથી આપવા માંડીએ એટલે ઓછું થાય. સૂર્ય કશું જ કરતો નથી. એનો સ્વભાવ જ બતાવે છે. એનો સ્વભાવ પ્રકાશ આપવાનો એ સ્વભાવ જ બતાવે છે. ગરમીયે નથી આપતા. ગરમી તો સામા પરમાણુ ભેગા થાય છેને, તેના આધારે ગરમી થઈ જાય છે. સૂર્ય એ પ્રકાશ જ છે. પછી આખું તારામંડળ પ્રકાશ આપે છે એ પુદગલનો પ્રકાશ છે. હવે એ પુદગલ દરેક ગ્રહોને, તારાને, બધાને હોય, તેથી તો એનું નામ શું પાડ્યું ? જ્યોતિષ્ક દેવો. હા, જેનું પુદગલ અજવાળાવાળું છે, જ્યોતિવાળું.

બિંબ એ જ, આત્મા બદલાય !

આ સૂર્ય છે, ચંદ્ર છે, તે એનો એ જ આત્મા ન્હોય. એ બિંબ તેનું તે જ. આત્મા મહીં બદલાયા કરે. આયુષ્ય પૂરું થાય કે એ આત્મા જાય ને પાછો બીજો આત્મા આવીને હાજર થઈ જાય. સૂર્યનારાયણ-નો જે આત્મા છેને, એ આત્મા બદલાયા કરે છે અને પુદગલ તેનું તે જ રહે છે. એટલે આત્મા જ્યારે ચ્યવી જાય છે ત્યારે એ આત્મા જાય, બીજો તે ઘડીએ ત્યાં આગળ હાજર થઈ જાય, તે ટાઈમે જ, એવી વ્યવસ્થિતની ગોઠવણી છે. ગોઠવણી જ એવી કરેલી છે. ચંદ્રમાંથી ય આત્મા નીકળી જાય, ત્યારે બીજો ત્યાં હાજર થઈ જાય. મહીં આત્મા બદલાયા કરે અને આ પુદગલ નહીં બદલાવાનું. પુદગલ ત્યાંનું ત્યાં જ રહેવાનું. બિંબ ત્યાંનું ત્યાં જ. આ મનુષ્યના બિંબને બાળી મૂકવું પડે. એમનું બિંબ બાળી મૂકવાનું ના હોય.

એવું છેને, આ ગોળો જે છે, એ ગોળો તેનો તે જ રહે છે ને મહીં જીવ બદલાય છે. એટલે એક દિવાન બદલાય ત્યારે દિવાનનો બંગલો એનો એ જ, પણ બીજા દિવાન પાછો મહીં આવીને રહે. એવી રીતે આ બંગલા જેવી વાત છે.

આ બિંબ છે, તે બિંબ બધા એનાં એ જ રહે છે ને મહીં જીવ બદલાયા કરે છે. તે જીવ એકલો નહીં, એ સૂર્ય એકલો નથી, એની રાણી સાથે છે, દેવી સાથે. આ બિંબ તેનું તે જ રહે છે. ફક્ત આ દેવલોકોમાં આ બધા બિંબ પ્રકાશવાન હોય છે. જ્યોતિષ્ક દેવો કહેવાય છે આ બધા.

સૂર્ય-ચંદ્ર-ગ્રહો : જ્યોતિષ્ક દેવો

સૂર્યનારાયણ પરોપકાર કરે છે, આખા જગત ઉપર ઉપકારી છે અને એ દેવગતિ છે, મહાન દેવગતિ છે. આ સૂર્ય જે દેખાય છેને, એ એક જ સૂર્ય નથી હોતો. આ સૂર્ય અમુક વર્ષો પછી એમાંથી એ જીવ ચ્યવે છે અને બીજો એ જગ્યાએ આવે છે. બિંબ તેનું તે જ રહેવાનું. જીવ મહીં બદલાયા કરવાના. આ ચંદ્ર બિંબ તેનું તે જ પણ જીવ મહીં બદલાયા કરવાના. આ બધા ગ્રહો છે ને, તે બધા જીવો બદલાયા કરવાના. એ જીવો એક જગ્યાએ બેસી રહેવાના નથી. એવી વ્યવસ્થિત ગોઠવાયેલી દુનિયા છે આ. એ કાંઈ કાયમ આ લોકોને તાપ ને પ્રકાશ આપવા નથી આવ્યા. જેમ કલેક્ટરની ખુરશી છે તે એની એ જ રહે છે. અને મહીં કલેક્ટરો બદલાયા કરે છે. એવી રીતે આ તારાઓ, ગ્રહો બધું બદલાયા કરે છે. અને બધા મોક્ષ તરફ જ વહી રહ્યા છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ખુરશી તેની તે જ અને એન્જિનિયરો બદલાયા. એવી રીતે આ બધું બદલાયા કરે છે !

આ સૂર્ય-ચંદ્ર-તારા બધું એરેન્જમેન્ટ કોણ કરતું હશે ? એવો વ્યવસ્થિતનો નિયમ છે. એમનું પુણ્ય છે. હું આખા જગતને અજવાળું આપું. એવી જે ભાવનાઓ છે તે પૂરી કરે છે. એમને દેહ અજવાળાવાળો છે. એમના દેહનું અજવાળું એટલું બધું બહાર પડે છે, તે જગતને હેલ્પફૂલ થયા કરે.

પ્રશ્નકર્તા : એ બદલાય ને પાછો ક્યાં જાય ?

દાદાશ્રી : એ બીજી જગ્યાએ જાય. બીજા દેવલોકમાં જાય અગર તો અહીં મનુષ્યમાં પણ આવે. દેવગતિ એ ક્રેડિટ છે. ક્રેડિટ એટલે જમે રકમ. એવું છેને, તે જમે રકમ આપણે વાપરી કાઢીએ એટલે હતા તેના તે. આવા જ !

હવે આ બધું સાયન્સ છે. વીતરાગોની શોધખોળ છે.

નિરાગ્રહ ત્યાં સરળતા !

ધર્મિષ્ઠ માણસ તો કેવા હોય ! એના વિચારો કેવા હોય ! કેવી સરળતા હોય ! પણ આ તો બધા આગ્રહ ને દુરાગ્રહ એમાં જ અથડાયા કરે છે !

કયો ગ્રહ મોટો હશે ? આગ્રહ મોટો હશે કે દુરાગ્રહ મોટો હશે ?

પ્રશ્નકર્તા : દુરાગ્રહ.

દાદાશ્રી : તો કદાગ્રહ, મતાગ્રહ ? એમાંના હશે કે મોટા ?

પ્રશ્નકર્તા : એ બધાય ખોટા.

દાદાશ્રી : ને હઠાગ્રહ ?

પ્રશ્નકર્તા : એય ખરાબ.

દાદાશ્રી : આ જ બધા ગ્રહો નડે છે.

આગ્રહ માત્ર ભાવનિદ્રા જ !

જ્યાં સુધી માણસને કોઇ પણ પ્રકારનો આગ્રહ છે ત્યાં સુધી માણસ ભાવનિદ્રામાં જ છે. આગ્રહ એ મોક્ષે જતાં ખોટી વસ્તુ છે. એમ જ્યારથી જાણે ત્યારથી જાગૃતિ શરૂ થાય છે. અત્યારે તો આગ્રહ જ નહીં, પણ મતાગ્રહી-દુરાગ્રહી થઇ ગયા છે. જાતિનો આગ્રહ હોય તેને કદાગ્રહી કહ્યા. તે બહુ જોખમકારક નથી. પણ મતનો આગ્રહ એટલે મતાગ્રહ, એટલે કે 'હું જૈન, હું વૈષ્ણવ, હું સ્થાનકવાસી, હું દેરાવાસી, હું દિગંબર' એ બહુ જ જોખમકારક છે.

આગ્રહ ત્યાંથી જ નડતર !

મતાગ્રહી એટલે લોકોએ પૂછડું પકડાવેલું તેવું એ પકડીને ચાલે. મતાગ્રહી એટલે પોતાની અક્કલનો આગ્રહ નથી ! જ્યારે કદાગ્રહ તો પોતાની અક્કલનો આગ્રહ છે.

લોકો પૂંછડું પકડાવે છે કે આપણા જેવો કોઈ ધર્મ નથી એવું તેવું, પેલો એવું પકડી રાખે. પછી લાતો ખાય, તોય પણ પૂંછડું છોડે નહીં. કોઈ કશું કહે ત્યારે પેલો હઠે ચઢે.

આ બધામાં શું વાતે એ આગ્રહ કરી રહ્યો છે, તેના પર બધા ગ્રહો નડે છે.

આગ્રહોના વિવિધ પ્રકાર !

પ્રશ્નકર્તા : દુરાગ્રહી એટલે ?

દાદાશ્રી : દુરાગ્રહી એટલે એક પકડ પકડી ને તેની હદ ચૂકે, તેનું નામ દુરાગ્રહી કહેવાય. બબ્બે, ત્રણ, ચાર કલાક સુધી છોડે નહીં એ દુરાગ્રહી કહેવાય. અને કદાગ્રહી એટલે તમે જાણો કે મારું ખોટું છે, એવું તમને પછી જ્યારે સમજાય છતાંય જાણે કે હવે પૂંછડું પકડ્યું છે અને હવે આપણી બહાર વેલ્યુ શી રહેશે ? એટલે વેલ્યુ વધારવા માટે કદાગ્રહ કરે.

પ્રશ્નકર્તા : આગ્રહ એ ઝેર છે, તો દુરાગ્રહ શું છે ?

દાદાશ્રી : એ તો એનો હિસાબ કાઢીને, ગુણાકાર કરોને ! આગ્રહ ગુણ્યા આગ્રહ, એવો ગુણાકાર તો કરવો જ પડેને ! શું થાય છે ? જવાબ શું આવે એ તો જુઓ ! દુરાગ્રહ એય એક જાતનો આગ્રહ છે.

હવે એ સત્યાગ્રહમાં જો કદી આગ્રહ વધારે પકડી રાખીએ, ત્યાં આગળ જો આપણને તરસ લાગી હોય, શોષ પડતો હોય, તો છૂપી રીતે જ પાણી પી લેવું. પ્રમાણ રાખવું પણ એનો કદી આગ્રહ વધારે પકડી રાખીએ તો, લોક કહે છે, 'શોષ પડે છે, ભાઈ, પાણી પીને ! અમથો નકામો કંઈ ગબડી પડીશ.' અને તોય આ કહે, 'ના, પછી પીશ.' તે બેભાન થયા પછી પીવાનું, એના કરતાં ભાનમાં પી લે ને, તોય ના પીવે. એટલે આ જે સત્યાગ્રહ હતોને, તો ફરી ના પીવું એ દુરાગ્રહમાં ગયો.

'મરી જઉં, પણ તોય નહીં પીઉં' કહેશે. અલ્યા, આ પાણી વગર મરી જવાય છે, પાણી પી લેને થોડુંઘણું, પણ ના પીએ ! એવો દુરાગ્રહ તો ના હોવો જોઈએ.

જાણ્યા છતાં પકડ !

પ્રશ્નકર્તા : એ કદાગ્રહ શબ્દ હું નથી સમજતો.

દાદાશ્રી : કદાગ્રહ એટલે ખોટો આગ્રહ રાખવો, વગર કામનો. કાયદા બહારનો આગ્રહ રાખવો, એનું નામ કદાગ્રહ. સહુ લોક ના કહે છે ત્યારે આ આમ શું કરવા કરે છે ? પાંસરો થાને ! એટલે દુરાગ્રહવાળા સારા, પણ કદાગ્રહવાળા ખોટા !

કદાગ્રહ એટલે ખોટું જાણવા છતાં એને પકડવું. પોતે જાણે કે વાત મારી ખોટી છે, છતાંય એનો આગ્રહ છોડે નહીં. અલ્યા, જાણ્યું તો છોડી દેને ! ત્યારે કહે, ના. એ કદાગ્રહી છે.

પ્રશ્નકર્તા : કદાગ્રહવાળાને જિદ્દી કહેવાય ?

દાદાશ્રી : જિદ્દી તો ખરા જ. પણ બીજી રીતે સહુ લોક કહે છે, ભઈ, આ તારું બધું ઊંધું છે, તોયે પણ એ છોડે નહીં.

સ્વરૂપથી છેટા કરે એ પરિગ્રહ !

આપણને સ્વરૂપથી છેટા કરે એ પરિગ્રહ ! એ ગ્રહ વળગ્યો છે, પરિગ્રહનું ભૂત વળગ્યું છે. તેથી 'આપણે' 'સ્વરૂપ' ભૂલી જઈએ છીએ ! એટલો વખત કલાક-બે કલાક સ્વરૂપનું લક્ષ ચૂકી જવાય. અરે, કેટલાકને તો બાર બાર કલાક સુધી ચૂકી જવાય. અને આ જગતમાં જેને જ્ઞાન ના આપ્યું હોય તેને, તો એ જ ચાલ્યા જ કરે આખો દહાડો. પાણી પારકા જ ખેતરમાં જાય. પંપ ઘરનો, એન્જિન-પાણી બધું પોતાનું, પેટ્રોલ-ઓઈલ પોતાનું ને તોય પાણી જાય લોકોના ખેતરમાં ! 'સ્વરૂપ જ્ઞાન' પછી બધું પાણી પોતાના જ ખેતરમાં જાય. 'સ્વક્ષેત્ર'માં જ જાય, પરક્ષેત્રમાં ના જાય.

પરિગ્રહ કોને કહેવાય કે જે યાદ આવ્યા કરે, વીંટી આંગળીએ છે કે નહીં ? પડી ગઈ છે કે નહીં તેય યાદ ના આવે, એનું નામ અપરિગ્રહી ! અપરિગ્રહ એટલે જેને યાદ જ ના હોય કે એ વસ્તુ છે કે નથી. નહીં તો અપરિગ્રહ એ ત્યાગ કરવાથી ના થાય. ત્યાગ કરવા જાય તોય યાદ આવ્યા કરે. કહેશે, 'અમારું ગામ તો ફલાણું'. મહારાજ, તમે દીક્ષા લઈને બેઠા છો ને ગામને સંભારાતું હશે ? એ ગામને 'અમારું' કહેવાય ખરું ?

યાદ આવ્યું તો પરિગ્રહ. યાદ ના આવ્યું તો એ પરિગ્રહ ના કહેવાય. ચોપડો લખવાનો બાકી હોય તો યાદ આવે કે આટલી સિલ્લક બાકી છે. માખી ત્યાં જ ભ્રમણ કરતી હોય !

એ પૌદ્ગલિક ભાવના અમને એક સમય પણ ના હોય. અમે નિરંતર અપરિગ્રહી કહેવાઈએ. સંસારમાં રહેવા છતાં અપરિગ્રહી ! વળગે નહીં કશું, કોટે ના વળગે. પલંગ-કપડાં કશું કોટે વળગે નહીં ! રસ્તામાં કપડાં કાઢી લીધાં તોય કશો વાંધો નહીં. કેવો સરસ સિદ્ધાંત ! અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત સરસ છેને !

ન નડે ગ્રહ નિરાગ્રહીને !

આ વીંટી છે, તે એક વીંટી ફક્ત એને માનસિક શાંતિને માટે છે. એ વીંટી પહેરી, એ સાયકોલોજિકલ ઈફેક્ટને માટે છે.

પ્રશ્નકર્તા : તમે પણ આ વીંટી પહેરી છે, તો આ કયો ગ્રહ નડે છે તમને ?

દાદાશ્રી : મને ગ્રહ કોઈ નડે નહીંને ! આ તો પહેલેથી વીંટી પહેરેલી છે તે કાઢી નાખતો નથી હવે. બાકી ગ્રહ અમને નડે નહીં. એ ગ્રહો તો પોતાનામાં આગ્રહ હોય, દુરાગ્રહ હોય, મતાગ્રહ હોય, કદાગ્રહ હોય, તેને નડે. આપણી મહીં બેઠેલાં ગ્રહો જ નડે છે. અને તે બધાયમાં બેઠેલાં હોય પાછા !!

વીતરાગો સર્વાંશે ગ્રહમુક્ત !

એ પોતાના ગ્રહો હોય જ્યાં સુધી, ત્યાં સુધી જ ગ્રહોની અસર રહે. બાકી મને પોતાને કોઈ ગ્રહ નથી, તો મને કોઈ અસર થતી નથી. કોઈ ગ્રહ મને નડતો નથી. કારણ કે મારામાં આગ્રહ જ નથી ત્યાં આગળ ! તો હઠાગ્રહ હોય જ ક્યાંથી ?! કદાગ્રહ નથી, મતાગ્રહ નથી, મિથ્યાગ્રહ નથી.

અમારામાં એ ગ્રહો નથી તો કેવી મઝા હશે?! ગ્રહ જ નહીં અમારામાં. આગ્રહ નહીં, કદાગ્રહ નહીં, મતાગ્રહ નહીં, દુરાગ્રહ નહીં, હઠાગ્રહ નહીં, સત્યાગ્રહે ય નહીં.

જ્ઞાની પુરુષમાં આગ્રહ પણ ના હોય. નિરાગ્રહી હોય. એટલે નવેય ગ્રહ ત્યાં નડે નહીં. વીતરાગોને નવેય ગ્રહ નહોતા નડતા.

કદાગ્રહ, હઠાગ્રહ ભગવાનનેય નહોતા, સર્વાંશે નહોતા. અમારામાં પણ એ ગયેલા છે. એટલે અમને ગ્રહ અસર ના કરે. કર્મ તો અમારેય ભોગવવા પડે છે પણ ગ્રહો અમને અસર ના કરે. ગ્રહમુક્ત થયેલા.

અમે નિરાગ્રહી કહેવાઈએ. અમને આગ્રહ કોઈ જાતનો ના હોય. અત્યારે હું તમને કહું કે 'બહાર અંધારું થઈ ગયું છે', તો તમે પાછા કહો, 'હજુ દાદા, અજવાળું છે.' તો હું કહું કે, 'ભઈ, હું તમને વિનંતી કરું છું. જુઓ તો ખરાં, તપાસ તો કરો.' તોય તમે પછી કહો, 'ના, અજવાળું છે !' તો અમે કહીએ કે 'ભઈ, બરાબર છે. તમને જે દેખાય છે એ વાત સાચી છે.' હું તમારી જોડે ક્યાં આખી રાત બેસી રહું ? હું તમને 'તમારી દ્રષ્ટિએ ખરું છે' કહીને હેંડવા માંડું આગળ. તમે તો માથાફોડ કરો. પણ ખરા-ખોટાને માટે આખી રાત હું કંઈ બેસી રહું ? એટલે અમે દુરાગ્રહી ના હોઈએ.

મોક્ષમાર્ગ છે નિરાગ્રહીનો !

ભગવાન આવા નહોતા. નિરાગ્રહી હતા. સહેજે આગ્રહે ય જેને ન હતો.

પ્રશ્નકર્તા : તો સત્યાગ્રહી હતા ભગવાન ?

દાદાશ્રી : ના, સત્ય યે મૂળ જૂઠું છે ને ! સત્ય એય સાપેક્ષ વસ્તુ છે. સાપેક્ષ એટલે કોઈ પણ અપેક્ષાના આધારે આ સત્ય છે. એટલે એ સત્ય યે જૂઠું છે ને ! ભગવાન એવા નથી. ભગવાન એટલે ભગવાન !!

પ્રશ્નકર્તા : એક રાશિના માણસો છે, એ પ્રમાણે એનામાં લક્ષણો હોય જ ને ?

દાદાશ્રી : ના. એ બધું ઠીક છે, એમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી, એકલી રાશિ કામ નથી કરતી, બહુ જાતના ફેક્ટર ભેગા થાય ત્યારે કામ થાય. તારામાં આગ્રહો ખરા ?

પ્રશ્નકર્તા : ખરાં જ ને !

દાદાશ્રી : તો એ ગ્રહો જશે ને, તો તું સુખી થઈશ.

નવ ગ્રહોને ને આપણે શી લેવાદેવા ? તેય ભગવાને કહ્યું કે જેને પોતાનો ગ્રહ નથી એને બહારનો ગ્રહ શું અસર કરે ? ત્યારે કોઈ કહે, શું ગ્રહ વગરના માણસ જ ન હોય ને ? ત્યારે કહે, આપણે ત્યાં તીર્થંકરો થઈ ગયા, એ ગ્રહ વગરના હતા. અને રાવણ પણ ગ્રહ વગરના હતા. અમે પણ ગ્રહ વગરના થયા છીએ.

અમારામાં હઠાગ્રહ ના હોય. કદાગ્રહ ના હોય. મતાગ્રહ ના હોય. સત્યાગ્રહ ના હોય. કોઈ પણ આગ્રહ ના હોય. એને નવ ગ્રહ જીતી ગયા કહેવાય. ગ્રહ પછી નડે નહીં. જેનો આગ્રહ જાય, નવે ગ્રહ એને વશ થઈ ગયા. નવે ગ્રહ નિકટમાં આવ્યા કહેવાય.

તીર્થંકરોનો માર્ગ નિરાગ્રહી માર્ગ છે. જ્યાં આગ્રહનોય વેપાર નથી, સત્યાગ્રહનોય વેપાર નથી, એવો તીર્થંકરોનો નિરાગ્રહી માર્ગ. અમે નિરાગ્રહી જ રહીએ !

હવે સાયન્સ બહારની રીતે જાણીએ, તો પછી દહાડે દહાડે માણસ ગૂંચાયા કરે અને જ્ઞાની પુરુષ પાસે સાંભળીએ તો બધી રીતે મુક્ત થઈ જઈએ. આ બધી ગૂંચામણ છે, ખોટી ગૂંચો છે. આ ખોટાં વળગણ છે બધાં, વગર કામનાં !

જય સચ્ચિદાનંદ