વીતરાગોની દ્રષ્ટિએ...

સંપાદકીય

''વીતરાગોએ આખા જગતનો એક જ ધર્મ જોયો, વીતરાગ ધર્મ. અને વીતરાગ ધર્મથી જ મોક્ષ છે. માટે વીતરાગતા પ્રાપ્ત કરો.''

''અમારી એક જ ઈચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે. જગત મોક્ષમાર્ગને પામે. મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઈલ ચાલે ત્યારે.''

''વીતરાગ માર્ગ એટલે ભૂલો ભાંગવી તે. જ્યાંથી-ત્યાંથી ભૂલો ભાંગવી.''

''હવે વીતરાગ માર્ગનો ઉદ્ધાર થવા બેઠો છે.'' - દાદાશ્રી

જો મોક્ષે જવું હોય તો કોની વાત માનવી ? કોની વાત સાંભળવી ? જે પોતે રાગ-દ્વેષ-અજ્ઞાનના તમામ બંધનથી છૂટ્યા હોય એવા વીતરાગ જ બીજાને છોડાવી શકે. માટે વીતરાગોની દ્રષ્ટિએ ચાલીશું તો જ સંસાર પરિભ્રમણથી છૂટાય ને આત્યંતિક મોક્ષ થાય.

જગતમાં આવાં મહાન વીતરાગ પુરુષો થઈ ગયા પણ તેમની પાછળ મૂળ જ્ઞાન ધીમે ધીમે આવરાઈ જવાથી જગત વીતરાગ પુરુષોને સાચી રીતે ઓળખી શક્યું જ નહીં અને વીતરાગોની વાતને ક્રિયાકાંડ અને શુષ્કજ્ઞાન રૂપે લઈ ગયા. તેથી જગતના લોકોને વિપરીત ઓળખાણ પડી. જ્યારે જ્ઞાની પુરુષ હોય ત્યારે મૂળ વાતને પુનઃ પ્રસ્થાપિત કરી જગતને સાચા માર્ગે દોરે.

જ્ઞાની પુરુષ કે જે સંપૂર્ણ વીતરાગ પુરુષોની નજીકની દશામાં હોય. તેથી તે મોક્ષ જવા કાજે સંપૂર્ણ વીતરાગોનાં હ્રદયમાં શું હતું, તેનું રહસ્ય જાણતાં હોય અને તેમને તે વર્તતું હોય. ત્યાં જ વીતરાગોની દ્રષ્ટિ કેવી હોય તે સમજવા મળે.

મોક્ષ એટલે સંસારના તમામ દુઃખોથી મુક્તિ અને પરિણામે સંસાર પરિભ્રમણથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ. તે મોક્ષ થવા કાજે વીતરાગો શું કહી ગયા છે ? વીતરાગોની વાત કેવી છે ? વીતરાગ માર્ગ કેવો છે ? વીતરાગોનો મત શું છે ? વીતરાગ ધર્મ શું છે ? તે સર્વની જેમ છે તેમ સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે નીકળેલી જ્ઞાનવાણીનું અત્રે સંકલન થયું છે. જે વાચકને વીતરાગી પુરુષોની યથાર્થ ઓળખાણ પમાડશે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

વીતરાગો કહી ગયા...

પ્રશ્નકર્તા : જાતજાતના બધા ધર્મો કહે છે કે અમારું ખરું, અમારું ખરું, તો કોનું ખરું માનવું ?

દાદાશ્રી : વીતરાગોનું. વીતરાગની વાત સમજવા જેવી છે, વીતરાગનું કહેલું માનજો. આ બધી દુકાનોમાં સાચી વાત નથી. સહુ સહુની વાત છે. સહુ સહુની દ્રષ્ટિએ સાચી છે, કોઈની વાત ખોટી નથી.

પ્રશ્નકર્તા : બધી વાતનો ખ્યાલ એ કે 'હું' જાય તો કંઈક કામ થાય.

દાદાશ્રી : જે દુકાનના માલિક ના હોય, જે દુકાન માલિક વગરની છે ત્યાં જઈને બેસવું. 'હું' જ્યાં ગયું હોય, જ્યાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં ત્યાં વાત સાંભળજો, તો મોક્ષ થશે; નહીં તો મોક્ષ થવાનો નથી.

જેને મોક્ષની જ અભિલાષ...

જેને સચોટ એકલી મોક્ષની જ ઇચ્છા છે, એને કોઇ રોકનાર નથી ! જ્ઞાની એને ઘેર જશે !! એ કહેશે કે, 'મારે જ્ઞાનીને શું કરવા છે ? મારે એમને મળવા તો જવું પડશે ને ?' ના, તારી ઇચ્છા જ તારા માટે જ્ઞાનીને લઇ આવશે ! જ્ઞાની સાધન છે. મોક્ષ સિવાય કંઇ જ જોઇતું નથી એવી જેને સચોટ ઇચ્છા છે એની પાસે હરેક ચીજ આવે; પણ બીજી ગુફતેગો છે, મહીં પોલ છે, એનું કશું વળે નહીં. એ પોલની તો પત્રિકા બહાર પડે ત્યારે ખબર પડે ! એને 'પોલપત્રિકા' કહેવાય છે. વીતરાગો કહે છે કે 'જે અમારા જેવા સચોટ છે, જેને કંઇ જ કામના નથી, એને અહીં દુનિયામાં કોઇ નામ દેનારો નથી ! ને નામ દેશે તો પુદગલનું લેશે પણ આત્માને કોણ અડી શકે ? આ લોકો તો પુદગલના વેપારી છે, તે પુદગલના વેપાર ભલે કરે, પૌદ્ગલિક વેપાર છે ને ? કો'કનું પુદગલ લઇ લે બહુ ત્યારે, પણ અહીં માલિકી નહોતી એનું લઇ લે છે ને ! જેને મોક્ષની ઇચ્છા હોય, તેને પુદગલની માલિકી ના હોય ! પુદગલની માલિકી છે, તેને મોક્ષની ઇચ્છા ના હોય.

વીતરાગોએ અનુભવેલો મોક્ષ !

પ્રશ્નકર્તા : પણ 'અહમ્ બ્રહ્માસ્મિ' કહેવા-વાળાઓ તેજમાં ભળી જવાની વાત કરે છે કે મોક્ષ એટલે તેજમાં ભળી જવું, તો મોક્ષ અને તેજમાં ભળી જવું, એ બંને એક જ ગણાય કે કેમ ?

દાદાશ્રી : એ લોકો જેને મોક્ષ કહે છે કે મોક્ષ એટલે તેજમાં ભળી જવું, એ મોક્ષ વાજબી નથી. વીતરાગોએ કહ્યો છેને મોક્ષ, કે ત્યાં સિદ્ધગતિમાં પણ પોતાનો અલાયદો અનુભવ છે, એ 'કરેક્ટ' વસ્તુ છે ! આપણને અલાયદો અનુભવ ના હોય અને ત્યાં મોક્ષમાં ભેગું થઈ જવાનું હોય તો એ મોક્ષે જવાનો અર્થ જ નથી, 'મિનિંગલેસ' વાત છે. એટલે આ વિચાર્યા વગરની વાતો છે બધી !

સાચા સમકિતના લક્ષણ !

સમકિત કોને કહેવાય ? પહેલું વ્યવહાર સમકિત થવું જોઈએ કે આ બધામાં કયા દેવ છે, તે મોક્ષે લઈ જશે ? એવી એને સમજણ આવવી જોઈએ. સમજણમાં એવું બેસે કે આ સ્ત્રીવાળા, હથિયારવાળા દેવો મોક્ષે ના લઈ જાય. ફક્ત વીતરાગ મોક્ષે લઈ જશે એવી ખાતરી બેસે ત્યારે વ્યવહાર સમકિત થાય ! ત્યાર પછી આત્માની કંઈક પણ શબ્દોથી એને સમજ બેસે ત્યારે સાચું સમકિત થયું કહેવાય, શુધ્ધ સમકિત. અને આપણે અહીં અક્રમમાં પરમાર્થ સમકિત આપીએ છીએ !

તો મોક્ષે જવાશે !

'વીતરાગો' કંઈ આપે નહીં ને લે ય નહીં. વીતરાગો તો કહે છે અમે મોક્ષ આપીએ, બીજું કશું નહીં. માટે મોક્ષ લઈ જાવ !

વીતરાગોએ પોતાના સ્વરૂપની બહાર ગમે ત્યાં ચિત્ત જાય, તેને પરિગ્રહ કહ્યો. આ પરિગ્રહ છૂટશે તો મોક્ષે જવાશે.

સંયોગ-વિયોગનું જાણો જ્ઞાન !

વીતરાગો શું કહે છે ? બધા સંયોગો જ છે. અને આ તો આપણે ભાગ પાડ્યા કે આ સંયોગ બહુ સારો છે ને આ સંયોગ ખરાબ છે. વીતરાગોએ તો બધા સંયોગોને એમ જ કહ્યું કે, 'આ બધા સંયોગો જ છે. અને એ સંયોગો પાછાં વિયોગી સ્વભાવના છે. એટલે કોઇપણ સંયોગને ગમતો કરીશ નહિ અને ના ગમતા સંયોગોને તારે ધક્કો નહિ મારવો પડે. જો તું ધક્કો મારવા જઇશ તો તારો મોક્ષ જતો રહેશે. કોઈ પણ ના ગમતો સંયોગ ભેગો થયો તો તે ઘડીએ તું એ સંયોગને ધક્કો મારીશ તો તું ફરી ગૂંચવાડામાં પડીશ. માટે એ સંયોગને ધક્કો મારવા કરતાં એને સમતાભાવે તું પૂરો કર. અને એ વિયોગી સ્વભાવનો જ છે. માટે એની મેળે જ વિયોગ થઇ જ જવાનો છે. તારે કશી ભાંજગડ જ નહીં અને નહીં તો ય એ ના ગમતા સંયોગ સામે તું ઊંધો રસ્તો કરવા જઇશ તો પણ કાળ તને છોડવાનો નથી, એટલો કાળ તારે માર ખાવો જ પડશે. માટે આ સંયોગ એ વિયોગી સ્વભાવવાળો છે, એ આધારે ધીરજ ધરીને તું ચાલવા માંડ.'

અને વીતરાગોએ પાછું કહ્યું કે, ઉદય કર્મથી તું ભડકીશ નહીં. આખો દહાડો ઉદય તને હેરાન કર કર કરે તો તેનાથી ય તું ભડકીશ નહીં. કારણ કે એમાં કોઇનો દોષ નથી.

'રાઇ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન,

તે નિશ્ચય કર જોડીને, તજિયે આરતધ્યાન.'

જિનમુદ્રા સૂચવે અકર્તા પદ !

'જિનમુદ્રા' શું કહે છે ? વીતરાગોની પદ્માસન વાળેલી, હાથ-પગ આમ એક પર એક મૂકી દીધેલી મુદ્રા ઉપદેશ આપે છે કે ''હે મનુષ્યો ! જો સમજણ હોય તો સમજી જાવ. તમારું ખાવા-પીવાનું, જરૂરિયાતની હરેક ચીજ તમે લઈને જ આવેલા છો માટે 'હું કર્તા છું' એ ભાન છોડી દેજો ને મોક્ષનો પ્રયત્ન કરજો !''

વીતરાગોનું એક જ વાક્ય સમજે તો ઉકેલ આવે ! પુદગલમાં જ ક્રિયા છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. જગતને અહીં જ ભ્રાંતિ પડી જાય છે કે શી રીતે આ ચાલે છે ? જગત જેને આત્મા માને છે ત્યાં આત્માનો એક અંશ નથી. આત્મા તો 'જ્ઞાની'ઓએ જુદો જોયો છે, જુદો જાણ્યો છે, જુદો અનુભવ્યો છે !

વીતરાગોએ કહ્યું કે કર્મ અને આત્મા બેઉ અનાદિથી છે. એટલે એની કંઇ આદિ થઇ નથી. એટલે કર્મના આધારે આ ભાવ ઉત્પન્ન થાય છે અને ભાવના આધારે આ કર્મ ઊભાં થાય છે ને એમ નિરંતર ચાલ્યા જ કરે છે. આત્મા ત્યાં ને ત્યાં જ રહે છે.

વ્યવહારથી કર્તા, નિશ્ચયથી અકર્તા !

કર્મ પુદગલ ય નથી કરતું ને આત્મા ય નથી કરતો. એ તો આત્માની હાજરીથી અહંકાર ઊભો થાય છે. એ અહંકાર જ કર્મ કરે છે. એ અહંકાર જ કહે છે, 'આ મેં કર્યું, મને સુખ પડ્યું, મને દુઃખ પડ્યું, મને જ્ઞાન થયું, મને અજ્ઞાન થયું.' એ બધું અહંકાર જ કર્યા કરે છે. અહંકાર ગયો એટલે 'પોતે' 'તે' રૂપ થઇ ગયા. લોકોને સમજાય તેથી વીતરાગોએ કહ્યું કે આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. 'બાય રિલેટિવ વ્યુ પોઇન્ટ' આત્મા કર્મનો કર્તા છે. તે ય પાછો આ દેખાતાં કર્મોનો કર્તા નથી, ભાવકર્મનો કર્તા છે. આ દેખાય છે તે કર્મને તો કુદરત 'વ્યવસ્થિત' કરે છે. 'બાય રિયલ વ્યુ પોઇન્ટ' આત્મા સ્વભાવકર્મનો કર્તા છે.

પોતાની 'રોંગ બિલિફ' ઉત્પન્ન થાય છે કે 'હું ચંદુલાલ છું' ! એટલે આ 'રોંગ બિલિફ'થી કર્મ લાગે છે. પુદગલ એકલું કર્મ ના કરી શકે. 'આત્મા'ની હાજરી જોઇએ. આત્માની હાજરીથી જે અહંકાર ઊભો થાય છે એ જ કામ કરે છે. જો 'ઇગોઇઝમ' 'ફ્રેક્ચર' થઇ ગયો તો ખલાસ થઇ ગયું. આ અહંકાર કર્મ બાંધે છે ને કુદરત છોડે છે. 'ટાઇમિંગ' મળે, બીજાં 'એવિડન્સીસ' મળે ત્યારે કુદરત એ કર્મ છોડાવડાવે છે. એ કર્મ જ્યારે છૂટે છે ત્યારે 'ઇગોઇઝમ' એને ભોગવે છે ને પાછો એ નવું કર્મ બાંધે છે.

આત્મજ્ઞાન જાણો...

આ દેખાય છે ને એ બધી 'મશીનરી' છે, એ આત્મા ન્હોય. જેને આ બધા લોકો આત્મા કહે છે, તેને અમે આત્મા નથી કહેતા ને વીતરાગો પણ તેને આત્મા કહેતા નથી. વીતરાગો 'આત્મા' આત્માને કહેતા હતા અને આ લોક બધા અનાત્માને 'આત્મા' કહે છે. એટલે એ બધા લોકોને આપણે પૂછવા જઈએ કે 'સાહેબ, તમારે આત્મજ્ઞાન કરવાનું બાકી છે ?' ત્યારે કહે, 'આત્મજ્ઞાન તો જાણવું જ પડશે ને !' ત્યારે કહીએ, 'તમે આત્મા કહો છો ને, એ આત્મા ન્હોય ?' ત્યારે કહે, 'આ ય આત્મા ખરો, પણ આત્મજ્ઞાન તો જાણવું જ પડશે ને !' એટલે એનો અર્થ શો છે તે ? એટલે 'વીતરાગો'એ જે 'આત્મા' જોયો છે, એ આત્મા આ લોકોના લક્ષમાં ય નથી આવ્યો કોઈ દહાડો ય ! અરે, વિચારમાં ય નથી આવ્યો ને !! એ આત્મા અચળ આત્મા છે અને આ લોકો જેને આત્મા કહે છે તે 'મિકેનિકલ આત્મા'ને આત્મા કહે છે. અને 'મિકેનિકલ આત્મા' એ સાચો આત્મા નથી, એ 'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે.

પર્યૂષણ વખતે જ ભૂલ ?!

દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની, એનાથી મહીંની પરિણતી બદલાઇ જાય. પોતાનો દોષ ખોળો એમ 'વીતરાગો' કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા. બસ આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને અને પ્રતિક્રમણ તે રોકડું-કૅશ પ્રતિક્રમણ કરવાનું કહ્યું. આ તો ઉધાર પ્રતિક્રમણ. બાર મહિને પર્યૂષણ આવે તે દહાડે પ્રતિક્રમણ કરે ત્યારે તો નવી નવી સાડીઓ પહેરીને નીકળે, એટલે ઊલટા મૂર્છિત થઇને ફરે છે. એવાં મૂર્છા પરિણામને ભગવાને ધર્મ કહ્યો નથી. પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તો ય ચાલશે. પ્રતિક્રમણનો ધર્મ એટલે શું ? તમે છે તે આમને કહ્યું કે, તમે ખરાબ છો. એટલે તમારે પ્રતિક્રમણ કરવું પડે, કે મારાથી નહોતું બોલવું જોઇતું, તે બોલાઈ ગયું. માટે ભગવાનની પાસે આલોચના કરવી. વીતરાગને સંભારીને આલોચના કરવાની કે, 'ભગવાન, મારી ભૂલ થઇ છે. મેં આ ભાઇને આવું કહ્યું, માટે એનો પસ્તાવો કરું છું.'

ગમે તે વેષે કષાયરહિત થા !

વીતરાગો એટલું જ જુએ છે કે કષાયનો અભાવ છે કે નહીં ? પછી એ ત્યાગીની ગાદી નથી જોતા કે ગૃહસ્થિની ગાદી નથી જોતા ! કષાયનો અભાવ છે કે કેમ એટલું જ જુએ છે. અગર તો કષાય મંદ વર્તે છે કે કેમ ? સાધુઓમાં કેટલાક, બે-પાંચ ટકા ભદ્રિકતાના સ્વભાવવાળા મંદકષાયી હોય છે.

વીતરાગોએ કહેલો ઉપવાસ !

આ તો ઉપવાસ કરે ને જોડે કષાય પણ કરે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયા સિવાયનો ઉપવાસ કરવો જોઇએ. ત્યારે જે દહાડે ઉપવાસ ના હોય તે દહાડે જો ખાવાનું બે વાગ્યા સુધી ના મળે તો બૂમાબૂમ કરી મૂકે, ભમરડો ઉછળ ઉછળ કરે અને બૂમો પાડ્યા કરે કે આ ગામ જ એવું છે કે અહીં હોટલ જ નથી ! આ ગામ જ ખરાબ છે.' અલ્યા, મૂઆ, તું ગામને શું કરવા વગોવે છે વગર કામનો ! એનાં કરતાં કહી દેને, કે 'ભઈ, હવે સાડા બાર થઈ ગયા, એક થઈ ગયા, જે મળે તે ખઈ લેવું છે'. ખરી રીતે, ખરું ટાણું તે જગ્યાએ સાચવી લેવાનું છે. જ્યારે ખાવાનું ના મળે તે દા'ડે છે તે વીતરાગ ભગવાનની કહેલી આજ્ઞા આરાધનપૂર્વકનો ઉપવાસ શરૂ કરી દો. અલ્યા, આજે વીતરાગનો કહેલો ઉપવાસ કરને તો મન ઉછાળે ચઢતું બંધ થશે. અને લગ્નમાં સારું સારું ખાવા-પીવાનું હોય ત્યારે 'આજે મારે ઉપવાસ છે.' કહીને ઊભો રહેશે ! બીજે દા'ડે ઠેકાણું ના હોય, ત્યારે પછી અમુક અમુક મૂક્યું, ત્યારે કષાય કર્યા કરે, 'આ કંઈથી વ્હોરી લાવ્યા આવું ? આ ઠંડા રોટલાને આ બધું ?' ત્યારે મૂઆ કષાય કરવાં હોય તો ઉપવાસ ના કરીશ અને ઉપવાસ કરવા હોય તો કષાય ના કરીશ. કષાય કરવાં માટે ઉપવાસ નથી કરવાનાં, કષાય કાઢવા માટે ઉપવાસ કરવાનાં છે. આવું લોક થઇ ગયું છે !

અકષાયીભાવ એ જ મોક્ષ !

કષાય જાય નહીં, ત્યાં સુધી વીતરાગનો કિંચિત્માત્ર ધર્મ પામ્યો નથી. વીતરાગનો ધર્મ એટલે કષાયનો અભાવ. મંદ કષાયને ધર્મ કહ્યો છે, ને કષાય રહિતને જ્ઞાન કહ્યું છે. ધર્મથી કષાય મંદ ના થયો તો કાં તો તે ધર્મ ખોટો છે, કાં તો તું ખોટો છું.' સમજાય એવી વાત છેને બધી ?

ધર્મ વીતરાગોનો છે, તેથી તેને ખોટો કેમ કહેવાય ? અકષાયી એ જ મોક્ષ છે. અકષાયીભાવ એ જ મોક્ષ છે.

હિંસા જીતાય અહિંસાથી !

મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં તો કષાયની છે. આ જીવહિંસા એ મોટી નથી, કષાયની હિંસા મોટી છે.

અહિંસા તો બહુ ઊંચી વસ્તુ છે. અહિંસામાં અબ્રહ્મચર્ય ન હોય. વિષય ના હોય અહિંસામાં. અહિંસામાં પરિગ્રહ ના હોય. અહિંસામાં અસત્ય ના હોય. અહિંસામાં ચોરી પણ ન હોય. આપણામાં ઊંચી અહિંસા હોય તો વાઘ એનો હિંસકભાવ ભૂલી જાય'.

વીતરાગો કહે છે કે હિંસાની સામે અહિંસાનું હથિયાર વાપરો. હિંસાને હિંસાથી ન જીતાય, એ તો અહિંસાથી જ જીતાય. અહિંસા તો કોનું નામ કહેવાય કે જે પૂરી શક્તિ હોય, છતાં એને કોઈ કશું કરે તોય એ સામું કશું ન કરે, નહીં તો નિર્બળ માણસને તો અહિંસા જ છેને ?!

અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડોય કેવળજ્ઞાન થાય નહીં. અહિંસા વગર સંપૂર્ણ જાગૃતિ ય આવશે નહીં. સમજાય એવી વાત છેને !

હિંસા કોની કરી શકશો, જીવમાત્રમાં પરમાત્મા છે, કોને દુઃખ દેશો ?

વીતરાગોની શોધખોળ શી છે ? કિંચિત્માત્ર હિંસા એ હારવાની નિશાની છે. મનથી પણ સામાનું અવળું વિચાર્યું, તો તે હારવાની નિશાની છે. દરેકની મહીં ભગવાન બેઠેલા છે, એ ગુપ્ત તત્ત્વની શી રીતે સમજણ પડે ? વીતરાગોએ 'આત્મતત્ત્વ'ને ગુહ્યતમ તત્ત્વ કહ્યું છે !

મોક્ષમાર્ગની દવાનું મિક્ષ્ચર !

ભગવાને મોક્ષમાર્ગે જવા સુંદર પદ્ધતિસરનું મિક્ષ્ચર બનાવ્યું હતું, તે તેમણે બધાને માટે ખુલ્લું કર્યું. તેમણે એ મિક્ષ્ચરની ફોર્મ્યુલા આપી હતી. આજે એ ફોર્મ્યુલા જ નષ્ટ થઈ ગઈ છે. કોઈનીય પાસે રહી નથી. આજે અમે તમને એ જ ફોર્મ્યુલા ફરીથી આપીએ છીએ.

એ મિક્ષ્ચરમાં વીસ ટકા 'શાસ્ત્રો'ના, સીત્તેર ટકા 'જ્ઞાનીનો પરમ વિનય' અને દસ ટકા 'સંસારી ભાવના' રાખજો અને પછી પીજો. ત્યારે લોકોએ શાસ્ત્રો જ પી પી કર્યા. તે મરડો થઈ ગયો. ભગવાને કહેલું, કે આ દવા દિવસનાં ત્રણ વખત હલાવીને પીજો. તે કેટલાંકે તો દિવસમાં ત્રણ વખત હલાવ હલાવ જ કર્યા ર્ક્યું ! અને કેટલાંકે તો 'હલાવીને પીવી, હલાવીને પીવી' એમ બસ ગાયા જ કર્યું, ગાયા જ કર્યું !

આ કોના જેવું છે ? ડૉક્ટરનું પુસ્તક હોય અને જાતે મિક્ષ્ચર બનાવીને પીવે તેવું છે. ત્યાં મૂઓ મિક્ષ્ચર જાતે ના બનાવે, મરણનો ભય લાગે. એક ભવના મરણ માટે ડૉક્ટરને પૂછયા વગર દવા ના બનાવે અને અનંત અવતારનાં મરણ બગાડવા માટે મહાવીરનાં, વીતરાગનાં શાસ્ત્રોનું જાતે મિક્ષ્ચર બનાવી પી ગયા ! તે મૂઆ ઝેર થઈ ગયું છે ! ભગવાને આને જ સ્વચ્છંદ કહ્યો છે, આંધળો છંદ કહ્યો છે !

જ્ઞાન-દર્શન-ચારિત્ર અરૂપી ખપે !

જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રૂપી નથી, અરૂપી છે. લોકો રૂપી ખોળે છે. પ્રત્યક્ષ દેખાતું ખોળે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રૂપી નથી. વીતરાગોનું કહેલું રૂપી નથી, અરૂપી છે. જેને મોક્ષે જવું હોય, તેણે વીતરાગોનું કહેલું માન્ય કરવું પડશે !

જ્ઞાનીની વાત અનેકાંત...

વીતરાગો કહે, 'આ ચંદુભાઇ ન હોય અને છે ય ખરાં. અસ્તિ-નાસ્તિ, છે ય અને નથી ય. સ્વરૂપનું ભાન ના થાય તો એ ચંદુભાઇ છે અને સ્વરૂપનું ભાન થાય તો એ ચંદુભાઇ નથી.

જગત આખું એકાંતિક છે, એક વસ્તુ નક્કી જ કરી નાખે કે આમ જ હોય. 'જ્ઞાની પુરુષ' અન્-એકાંતિક હોય, તદ્દન નિરાળા હોય !

જ્ઞાતાપદની પ્રાપ્તિ !

વીતરાગો શું કહે છે ? 'હું ચંદુલાલ છું' તે જ્ઞેય છે, છતાં ભ્રાંતિથી જ્ઞાતા માને છે. જ્ઞાતા જ્ઞાતાપદમાં આવે ને જ્ઞેય જ્ઞેયપદમાં આવે ત્યારે એને 'અમે' 'જિતેન્દ્રિય જિન' કહીશું.

બહાર સનેપાત થયેલો હોય, તેનો વીતરાગોને વાંધો નથી. અંદર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે કે નહીં એટલું જ જોવાનું.

વીતરાગોએ જગત નિર્દોષ શા આધારે જોયું ? કારણ બધાં કર્મોને આધીન છે તેથી. વીતરાગોએ જગત નિર્દોષ જોયું. તે વળી દોષ કાઢનારા આપણે કોણ ડાહ્યા પાછાં ?! ભગવાન કરતાંય ડાહ્યા !!

વીતરાગો એટલું જ કહીને થાક્યા કે, 'ચારિત્રમોહ'નો લટકેલો હશે તો અમે ચલાવી લઈશું. પણ 'દર્શનમોહ'નો લટકેલો 'અહીં' નહીં ચાલે ! 'ચારિત્રમોહ'ના લટકેલાને બે-ચાર અવતાર વધારે થાય પણ 'દર્શનમોહ'ના લટકેલાનું તો કશું ઠેકાણું જ ના કહેવાય !

કિંમત ભાવની કે ક્રિયાની ?

કોઈને જમાડીએ, આ જૈનોના સાધુઓને વહોરાવીએ તો ભાવપૂર્વક કરવું. કેટલાંક તો મહારાજને ભાવપૂર્વક વહોરાવતા પણ નથી. મહારાજ તો વીતરાગ ભગવાનની પાટ પરનાં છે. તેમનું તો સાચવવું જોઈએને ! મહીં આત્મા છે. તે તરત જ સમજી જાય કે આ ભાવથી આપે છે, વિનયથી આપે છે કે નહીં ? તમારે ઘેર સગવડ ના હોય તો રોટલો ને શાક અતિથિને જમાડજો પણ ભાવ ના બગાડશો. વ્યવહાર તો ઊંચો હોવો જોઈએને ? ક્રમિક માર્ગમાં આ ભાવની જ કિંમત ઊંચી ગણાય.

'આપણા થકી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય.' એટલું જ વાક્ય સમજી જાયને તો બહુ થઈ ગયું.

વીતરાગની ભાષા - જગતની ભાષા !

બે પ્રકારની ભાષા છે : એક 'ભ્રાંત ભાષા' અને બીજી 'વીતરાગ ભાષા.' વીતરાગની ભાષામાં 'ભોગવે એની જ ભૂલ'.

ડૉક્ટરે દર્દીને ઇન્જેકશન આપ્યું પછી ડૉક્ટર ઘેર જઇને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઇન્જેકશન આખી રાત દુઃખ્યું, માટે આમાં ભૂલ કોની ? દર્દીની. ને ડૉક્ટર તો જ્યારે એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે.

વાઈફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુઃખે તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ એમ 'વીતરાગ' કહે છે અને આ લોકો નિમિત્તને બચકાં ભરે છે !

સંકલ્પ-વિકલ્પ યથાર્થપણે !

'મારું' એવો જ્યાં આરોપ કર્યો એ સંકલ્પ અને 'હું'નો જ્યાં આરોપ કર્યો એ વિકલ્પ, એ આરોપિત ભાવ કહેવાય છે. આમ સંકલ્પ-વિકલ્પને ભગવાને વીતરાગ ભાષામાં આરોપિત ભાવ કહ્યું અને છતાં લોકભાષાને ચેકો માર્યો નથી ભગવાને. કારણ કે લોકભાષા ય ચાલવી જોઇએ ને ? લોકભાષા ઉપર ચેકો મારે તો લોક ગૂંચાયા કરે. તમારે વીતરાગ ભાષા જાણવી છે કે લોકભાષા જાણવી છે ?

પ્રશ્નકર્તા : વીતરાગ ભાષા.

દાદાશ્રી : 'આ' વીતરાગ ભાષા છે, એટલે કે 'હું ચંદુભાઈ છું' એ ગયું તો બધું ગયું. 'હું'પણું ઊડે અને જ્યાં 'હું'પણું ઊડ્યું એટલે આ પહેરણ 'મારું' છે એ પણ ઊડી જાય. ચંદુભાઇનું 'હું'પણું ગયું તો 'મારું' પણ ઊડે, સંકલ્પે ય ઊડે ! આ મનમાં જે થાય છે તેને જગત સંકલ્પ-વિકલ્પ કહે છે, જ્યારે વીતરાગોએ એને અધ્યવસાન કહ્યું. વીતરાગોએ એમની ભાષામાં જુદું લખેલું છે બધું અને એ ભાષા સમજાય તો કામની. ઝવેરી કંઇ એક પ્રકારના છે ? અહીં મુંબઇના ઝવેરી હોયને એ લાખનો હીરો લે, એ મુંબઇવાળો મદ્રાસવાળાને સવા લાખમાં વેચે, કારણ કે પેલા ઊંચામાં ઊંચા ઝવેરી. મુંબઇવાળા કરતાં મદ્રાસવાળો પાછો પેરિસમાં અઢી લાખમાં વેચે. જે મોંઘું લે તે ઝવેરી સાચો, જે મોંઘું લે ને વધારે કિંમત આપે એ સાચો ઝવેરી કહેવાય. મૂરખ ના આપે, મૂરખ તો ઓછું આપવાના પ્રયત્ન કરે કે પાંચસોમાં આપવું હોય તો આપ, નહીં તો જતો રહે ! સાચો ઝવેરી તેની કિંમત આપે.

વીતરાગોની વાત...

આ ડિરેક્ટ વીતરાગોની વાત છે. અહીં ઇન્ડિરેક્ટ એક પણ શબ્દ નથી ! ચોવીસેય તીર્થંકરોની વાત અહીં નીકળે છે. આ ઉપદેશ સર્વ કાળને અનુસરીને નીકળે એટલે ચોવીસેય તીર્થંકરોનો ભેગો ઉપદેશ 'આ' છે !

આ તો એક એક શબ્દ જો સમજે, અર્થ જ સમજે, 'ફૂલ ડેફિનેશન' સમજે, તો કામ કાઢી નાખે એવા વીતરાગોના શબ્દો છે ! જે સમજણથી કેફ ચઢે, તો એ વીતરાગની વાત ન હોય !

કરવાપણું, કરાવે મોક્ષથી દૂર !

વીતરાગોની એકલી વાત જ સમજવાની છે. બીજું કશું જ કરવાનું નથી. કરવાનું હોય ત્યાં મોક્ષ નથી ને મોક્ષ હોય ત્યાં કરવાનું નથી ફક્ત એટલું જ સમજો.

પ્રશ્નકર્તા : પેલું ઊંધું જોયું છે.

દાદાશ્રી : અત્યાર સુધી ઊંધું જ જોયું. હવે છતું જોયું. વાત જ સમજવાની છે. કશું કરવાનું નથી. વીતરાગોની વાત સમજવાની જ હોય, કરવાનું ના હોય. એવાં વીતરાગ ડાહ્યા હતા ! જો કરવાનું હોત તો માણસ થાકી જાય બિચારો !

પ્રશ્નકર્તા : અને કરે તો પાછું બંધન આવેને ?

દાદાશ્રી : હા. કરવું એ જ બંધન ! કંઈ પણ કરવું એ બંધન. માળા ફેરવવી, મેં કર્યું એટલે બંધન. પણ તે બધાંને માટે નહીં. બહારનાને માટે હું કહું કે માળા ફેરવજો. કારણ કે એમને ત્યાં એ વેપાર છે એમનો. બેઉના વેપાર જુદા છે.

ગ્રહેલું જ ત્યાગ્યું, તેમાં ઉપકાર શો ?

એક વકીલ સાહેબ મારી પાસે આવ્યા. તે મને કહે, 'દાદા, લોકોપકાર માટે મેં મારી વકીલાત છોડી દીધી.' 'ઓહોહો ! ગ્રહણ કોણે કરી'તી ? તમે કરી કે મેં કરી હતી ? વકીલાત ગ્રહણ તેં કરી ? તમે ગ્રહણ કરી હતી, તે તમે છોડી દીધી. એમાં મને શું કરવા આમ કહેવાની જરૂર છે તે ?' ત્યારે એ કહે, 'મેં ક્યારે ગ્રહણ કરેલી ?' મેં કહ્યું, મેટ્રિકમાં આવ્યા ત્યારે વિચાર નહતા આવ્યા કે વકીલ થવું છે એવું ? મેટ્રીકમાં આવ્યા ત્યારથી વિચાર આવ્યા કરે કે મારે વકીલ થવું છે. ત્યારથી ગ્રહણ કરવા માંડ્યું. તે અત્યારે આ છોડવાનો વખત આવ્યો. ગ્રહણ જ ના કર્યું હોત તો ?

એવી રીતે આપણા સાધુઓ બૈરી છોડી, ઘર છોડ્યું, કરોડ રૂપિયા છોડ્યા. અલ્યા, ગ્રહણ કર્યું તો છોડ્યા. નહીં તો ગ્રહણ ના કર્યું હોત તો ?

વાત તો સમજવી પડશેને ? વીતરાગોની વાત ટૂંકી, શોર્ટકટ અને બિલકુલ પ્યૉર છે. વીતરાગોની વાત લાંબી કરીને તે બધાં ઓર્નામેન્ટલ એડજસ્ટમેન્ટ છે. અમારે તો છોડી પૈણાવવા સાથે કામ છે, આ તારો મંડપ તું આવો સારો બાંધું કે ના બાંધું તે અમારે કામનું નથી. અમારે તો આ છોડી પૈણી ગઈ એટલે નિરાંત ! માંડવા મોટા બાંધે શું ? મારે માંડવા-બાંડવા નહીં બાંધવા, બા ! તે ઓર્નામેન્ટલમાં પડ્યા છે લોકો. છોડી પૈણાવાની જેટલી ઉતાવળ નથી એટલી ઓર્નામેન્ટલની ઉતાવળ છે !

વીતરાગોની કેવી સૂક્ષ્મ શોધખોળ !

'ડિસ્ચાર્જ' વખતે કર્તા જુદો પડે છે ને 'ચાર્જ' વખતે કર્તા જુદો છે. એ આ જગતને શી રીતે સમજાય ? આ વીતરાગોની બહુ ઝીણી વાત છે !

વીતરાગોએ બહુ ઝીણવટથી શોધખોળ કરી, તપાસી તપાસી તપાસીને આખો કેસ તપાસી નાખ્યો. અને જાતે જોયું સાયન્સ, કે શું છે હકીકત ? એટલે ગમે તેવો ગુનેગાર પણ એમને ગુનેગાર દેખાતો નથી. નિર્દોષ જ દેખાય છે. જગતના લોકોને જે ગુનેગાર દેખાય છે તે એમને નિર્દોષ દેખાય છે.

નિર્દોષ નથી લોકો ? તને કેવા લાગે છે ?

પ્રશ્નકર્તા : નિર્દોષ જ છે.

દાદાશ્રી : છતાં લોકોને દોષીત દેખાતાં હશેને !

ત્યાં તો ખપે સો ટચની શુધ્ધતા !

'જ્ઞાની પુરુષ' તો જડ અને ચેતનનું આમ વિભાજન કરીને સોનું-તાંબું બધું જુદું પાડી આપે, એમના હાથમાં આવે તો તરત જ કહી આપે કે, 'આ ચોખ્ખું ને આ મેલું.' અહીં તો જરાક જેટલો પણ મેલ હોય તો ચાલે નહીં, મોક્ષને માટે જો જરાક મેલ હોય તો તે કામનું નહીં, એ સોનું ના કહેવાય. ભગવાને કહ્યું કે, 'બે ટકા મેલ હોય તો એ સોનું ન હોય, અમારે તો શુધ્ધ સોનું જોઇશે. શુધ્ધ ઉપયોગવાળું સોનું ! અહીં બીજું ચાલે નહીં, ગડબડ-સડબડ ચાલે નહીં.' સોનામાં બે વાલ ફેર હોય તો? 'તો ના, એ ફેર-બેર, છાશિયું બધું જાવ અહીંથી ચોક્સીઓને ત્યાં.' અહીં તો વીતરાગોનું કામ, શુધ્ધ ઉપયોગવાળું સોનું જોઇએ; ત્યાં તો નવ્વાણું ટચનું હોય નહીં, પૂરું સો ટચ જોઇશે.

આપણી વાત સામાને 'એડજસ્ટ' થવી જ જોઈએ. આપણી વાત સામાને 'એડજસ્ટ' ના થાય તો તે આપણી જ ભૂલ છે. બધી રીતે ભૂલ નથી પણ કંઈક આપણી ભૂલ છે. ભૂલ ભાંગે તો 'એડજસ્ટ' થાય. વીતરાગોની વાત 'એવરીવ્હેર એડજસ્ટમેન્ટ'ની છે.

'એવરીવ્હેર એડજસ્ટ' થાય ત્યારે વીતરાગોની વાત પૂર્ણ પામ્યો કહેવાય.

વીતરાગ ધર્મ...

પોતાના દ્રષ્ટિબિંદુના આધારે ચાલ્યા, પોતપોતાના દ્રષ્ટિબિંદુને સાચું ઠેરવવું, એને એકાંતિક કહેવાય. વીતરાગ ધર્મ 'અનેકાંત' કહેવાય. બધાં જ દ્રષ્ટિબિંદુઓને પોતે સમાવી લે, એનું નામ વીતરાગ ધર્મ !

વીતરાગનો તો સૈદ્ધાંતિક ધર્મ, એટલે 'કેશ' ફળ મળે. મોક્ષનું 'કેશ' ફળ મળે ! જે મોક્ષદાતા ભગવાન છે, તે નિષ્પક્ષપાતી છે. વીતરાગ ભગવાન મહીં છે તે નિષ્પક્ષપાતી છે. વીતરાગ ધર્મ કોનું નામ કે જે ૩૬૦ ડિગ્રીનો ધર્મ હોય, સંપૂર્ણ ધર્મ હોય. સાચો ધર્મ, રહસ્યપૂર્ણ ધર્મ નિષ્પક્ષપાતી હોય. પક્ષપાત એ ખોટું નથી, એ 'સ્ટાન્ડર્ડ'માં રાખે અને 'આઉટ ઓફ સ્ટાન્ડર્ડ'માં નિષ્પક્ષપાત છે. 'આ' તો 'સાયન્સ' છે, ધર્મ નથી. હિંદુ ધર્મ, જૈન ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ એ બધા ધર્મ છે. 'સાયન્સ' એક જ હોય ને ધર્મ જુદા જુદા હોય.

એ મતભેદ રહિત, અનેકાંત !

મોક્ષ તો વીતરાગ ધર્મથી છે. સંપ્રદાય એટલે એકાંતિક કહેવાય. વીતરાગ ધર્મ એકાંતિક ના હોય, અનેકાંત હોય. વીતરાગ સંપ્રદાયની બહાર છે. વીતરાગ ધર્મ એટલે મતભેદ રહિત. આપણો 'આ' અનેકાંત માર્ગ છે. અહીં પારસી હોય, જૈન હોય, મુસલમાન હોય, વૈષ્ણવ હોય. અહીં બધાને માફક આવે એવી વાત હોય. અહીં સ્યાદ્વાદ વાણી હોય. એકાંતિક ધર્મ હોય ત્યાં એક જ જાતના માણસો, એક મતવાળા જ બધા આવ્યા કરે, બીજા કોઇ જાય નહીં. વીતરાગ વાણીથી સર્વ દુઃખોનો ક્ષય થાય. મત અને ગચ્છ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ તો શું પણ ધર્મ પણ પામ્યા ના કહેવાય, બૂઝયો ના કહેવાય !

વીતરાગ ધર્મ એટલે શું ? વીતરાગ ધર્મ કોને કહેવાય ? જ્યાં નિર્વિવાદિતા છે ત્યાં વીતરાગ ધર્મ છે. વીતરાગ ધર્મ હોય ત્યાં વાદ ઉપર વિવાદ પણ ના હોય, પ્રતિવાદ પણ ના હોય. આપણે અહીં બાર વર્ષથી આ પ્રવચન ચાલ્યા કરે છે, પણ વિવાદ કોઇએ કર્યો નથી અત્યાર સુધીમાં ! કારણ કે સ્યાદ્વાદ વાણીમાં વિવાદ શો ? મુસ્લિમ પણ કબૂલ કરે, યુરોપિયન પણ કબૂલ કરે, બધાંને કબૂલ કર્યે જ છૂટકો, ને તે ના કબૂલ કરે તો આપણે સમજીએ કે એ એની આડાઇ છે. જાણી જોઇને કરો છો આ તમે અને એ તો કરે જ, માણસમાં અહંકાર હોય ને આડાઇ કરવી એ તો મૂળથી સ્વભાવ છે ને ?

તે પામ્યો ક્યારે કહેવાય ?!

આરોપિત ભાવે જે જે કરે એ બંધન છે અને ત્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ નહીં થાય. જૈનધર્મનો સારાંશ શો ? ત્યારે કહે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થાય તો જૈનધર્મ પામ્યા કહેવાય. એ બંને બંધ થાય તો જૈનધર્મનો સારાંશ પામ્યા કહેવાય, ભગવાન મહાવીરે જે કહ્યું તે પામ્યા કહેવાય. નહીં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તો બધા ધર્મવાળાને થાય છે ને તમને થાય તો પછી અર્થ જ નહીં ને ? બીજાનામાં ને આમનામાં ફેર ના હોય ? જૈનમાં અને બીજા ધર્મમાં ફેર જ ના હોય? બીજા ધર્મમાં ય ચાર ધ્યાન છે અને જૈનમાં ય ચાર ધ્યાન છે, તો પછી એને વીતરાગનો ધર્મ જ કેમ કહેવાય ? બીજા ધર્મવાળા બધા, મુસ્લિમ ધર્મવાળા ય આ ચાર ધ્યાનમાં છે ને આ પણ ચાર ધ્યાનમાં છે. ચાર ધ્યાનથી ઉપરનું પાંચમું ધ્યાન વધારાનું નથી. હવે એ ય ચાર ધ્યાનમાં છે ને આ તમે પણ ચાર ધ્યાનમાં હો તો તેમાં તમે પ્રગતિ શી માંડી કહેવાય ? 'વીતરાગ' ધર્મમાં તો ફેરફાર હોવો જોઇએ ને ? ત્યારે કહે, શામાં ફેરફાર હોવો જોઇએ ? તારે દુર્ધ્યાન કેટલાં ઓછાં થયા છે ? ચાર ધ્યાનમાંથી કયા કયા ધ્યાન ઓછાં થઇ ગયા છે ? વખતે રૌદ્રધ્યાન બંધ થઇ ગયું હોય ને આર્તધ્યાન હોય તો ય ભગવાન ચલાવી લે, થોડુંક પણ આર્ત ને રૌદ્રધ્યાન બેઉ જાય ત્યાર પ

છી વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય.

ઓળખાવ્યું આર્ત-રૌદ્રધ્યાન !

આર્તધ્યાન ને રૌદ્રધ્યાનની સમજ પડે છે ને તમને ?

પ્રશ્નકર્તા : ના, નથી સમજાતું. જરા સમજાવો.

દાદાશ્રી : રાત્રે અગિયાર વાગે પાંચ જણ તમારે ઘેર મહેમાન થઇ ને આવે ત્યારે મહીં કંઇ અસર થાય કે ?

પ્રશ્નકર્તા : એ તો આવનાર ઉપર આધાર રાખે છે. ગમતા મહેમાન હોય તો કશું ના થાય ને અણગમતા મહેમાન આવે તો મનમાં થાય કે આ અત્યારે ક્યાંથી આવ્યા ?

દાદાશ્રી : તે ગમતા મહેમાનને જોઇને આનંદ થાય તે ય આર્તધ્યાન છે ને ના ગમતા મહેમાનને જોઇને મહીં 'આ કંઇથી આવ્યા' એવું થાય તે ય આર્તધ્યાન કહેવાય. મહેમાન આવે એટલે મહીં કંટાળો આવે, પણ મોઢે તો કહે કે, 'આવો, આવો.' કારણ કે આબરૂ જાય ને ! આ આબરૂદાર આવતો ભવ બગાડીને આબરૂ રાખવા ગયો !! તેના કરતાં મોઢે કહી દેને કે અત્યારે ક્યાંથી આવ્યા ? જેથી આવતો ને જતો બેઉ ના બગડે ! આ તો મોઢે 'આવો, આવો' કરે ને પાછા ધીરે રહીને ઘરવાળીને પૂછે કે, 'તમને શું કહેતા હતા કે ક્યારે જશે ? પોટલાં તો મોટાં મોટાં લાવ્યા છે !' ત્યારે બઇ કહે કે, 'હું શું જાણું ? ભાઇબંધ તો તમારા છે, મારે શું લેવા-દેવા?' અહીં આગળ બઇ સંઘરે નહીં ભઇને ! અલ્યા, હજુ હમણાં તો આવ્યા ને 'ક્યારે જશે, ક્યારે જશે' શું કરે છે ? થોડા દહાડા, દસ-પંદર દહાડા રહેવા તો દે ! આ દુઃખ ક્યારે મટે ? ધર્મ શી રીતે પરિણામ પામે ? ધર્મ તો અગિયાર જણ આવે તો ય ધીમે રહીને કહેશે, 'આવો, પધારો.' બીજી કશી ભાંજગડ નહીં. મન પણ બગાડે નહીં. મન બગડેલું તો મહેમાન મોઢા પરથી જ ઓળખી જાય. આ આર્તધ્યાન કહેવાય. આર્તધ્યાનનું ફળ તિર્યંચ ગતિ છે.

રૌદ્રધ્યાન એટલે શું ? અપમાન કરે તો પહેલાં લાલ પીળો થઇ જાય. 'ચંદુલાલમાં અક્કલ નથી' એમ કોઇએ કહ્યું કે તરત આ અક્કલનો કોથળો ઊભો થઇ જાય ! તે રૌદ્રધ્યાન કહેવાય. મહીં ગુસ્સો થાય તે રૌદ્રધ્યાન કહેવાય. રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે. બોલો, ભગવાને ન્યાયથી કહ્યું છે કે અન્યાયથી ? ભગવાન અન્યાયી બોલ્યા નહીં હોય ને ? વીતરાગ ભગવાન કોઇ દહાડો ય અન્યાય કરે જ નહીં ને !

અક્રમ માર્ગે અપવાદ !

શુક્લધ્યાન તો 'જ્ઞાની પુરુષ'ની પાસેથી જ થાય. શુક્લધ્યાન આ કાળમાં તો વીતરાગોએ ના પાડી છે. આખા માર્ગમાં ના પાડી છે. આ તો અક્રમ માર્ગ છે, અપવાદ માર્ગ છે એટલે 'અમે' શુક્લધ્યાન કલાકમાં જ આપીએ છીએ. નહીં તો શુક્લધ્યાનની વાત જ ના હોયને ! અને શુક્લધ્યાન થયું એટલે કામ જ થઈ ગયુંને !

'જ્ઞાની પુરુષ' જે સમજણ આપે તે સમજણથી છૂટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે.

વીતરાગ ધર્મનું થર્મોમિટર !

વીતરાગોએ આખા જગતનો એક જ ધર્મ જોયો, વીતરાગ ધર્મ. અને વીતરાગ ધર્મથી જ મોક્ષ છે; માટે વીતરાગતા પ્રાપ્ત કરો. આજે તો દરેક ધર્મમાં કેટલા બધા ફાંટા પડી ગયા છે ? આપણો માર્ગ તો જૈન નથી, વૈષ્ણવ નથી, સ્વામિનારાયણ નથી, માત્ર વીતરાગ માર્ગ છે!

ક્રોધ-માન-માયા-લોભ ગયા તો જાણવું કે વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો, એ નિશાની છે એની. કોઇ પૂછે કે, 'આનો તાવ ઊતર્યો છે કે નહીં ?' ત્યારે આપણે કહીએ કે, 'થર્મોમિટર મૂકો અને જુઓ. જો એ ૯૮ ડિગ્રી દેખાડે તો તાવ નથી ને ૯૭ ડિગ્રી દેખાડે તો બિલો નોર્મલ તાવ છે અને ૯૯ ડિગ્રી દેખાડે તો એબોવ નોર્મલ તાવ છે.' આમ થર્મોમિટર મૂકીને જોવું. વીતરાગ શું કહે છે ? 'જેનાં ક્રોધ-માન-માયા-લોભ ગયાં એને વીતરાગ માર્ગ પ્રાપ્ત થયો અને જેને ત્યાં એ સાબૂત છે, એ જરાય તૂટ્યા નથી, જેનો કાંકરો ય તૂટ્યો નથી, તેને વીતરાગ ધર્મ કેમ પ્રાપ્ત થયો કહેવાય ?' જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે; અરે, અનંત અવતારથી જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે. કંઇ એક અવતારથી જૈન ધર્મ થોડો પ્રાપ્ત થયો છે ? પણ વીતરાગ ધર્મ કોઇ અવતારમાં પ્રાપ્ત થયો નથી !

જ્યાં જૈન ત્યાં કષાય નહીં ને જ્યાં કષાય ત્યાં જૈન નહીં. વીતરાગોનો માર્ગ તે કષાયરહિત થવું તે. છેલ્લા પંદર અવતાર રહ્યા ત્યારથી જ વીતરાગ ધર્મ પામ્યા કહેવાય. જીનનું સાંભળે તે જૈન. જૈનને તો કરારપત્ર ના હોય. એને તો વચનથી જ કામ થાય. આ લશ્કર, પોલીસ એ બધું જૈનો માટે ના હોવું જોઈએ. વેરો જ એકલો જૈનો માટે હોવો જોઈએ. હવે આ બધાંનો અંત આવી જશે. આ દુષમકાળનો અંત આવી રહ્યો છે. સત્તા દુષમકાળની રહેશે પણ એનો અંત આવી રહ્યો છે ! હજી આ બફારો થોડા વર્ષ સુધી થશે.

કષાય રહિત તે સાચો સંયમ !

જ્યાં કષાય છે ત્યાં વીતરાગ ધર્મ જ નથી. ભગવાનને ત્યાં ત્યાગની જરૂર નથી, કષાય રહિત થવાની જરૂર છે. કષાય રહિતને મોક્ષધર્મ કહ્યો અને ત્યાગને સંસારધર્મ કહ્યો. કષાય જાય નહીં ત્યાં સુધી વીતરાગનો કિંચિત્માત્ર ધર્મ પામ્યો નથી. વીતરાગનો ધર્મ એટલે કષાયનો અભાવ.

જ્યાં કષાય ઉત્પન્ન થાય ત્યાં આત્મા બહુ છેટો હોય. કષાયનો અભાવ ત્યાં 'વીતરાગ ધર્મ' છે ને જ્યાં કષાય છે ત્યાં 'રિલેટિવ ધર્મ' છે !

સંયમની છાપ ના પડે ત્યાં સુધી વીતરાગનો ધર્મ ચાલે નહીં. આપણી દાળમાં માટી નાખી જાય તોય સંયમ ના જાય, તેનું નામ વીતરાગ ધર્મ. મહીં સમાધાન રહે ને બહાર મોઢું બગડી જાય તેનો વાંધો નથી, એ પુદગલની કસર કહેવાય. એ પુદગલની કસર ના રહે તેની તો વાત જ જુદીને !

એ હિસાબ બંધાયો વીતરાગો સાથે !

એટલે આજના મનુષ્યોએ સમજણપૂર્વક કશો ગુનો જ નથી કર્યો, આ એવાં સરસ માણસો છે આજનાં ! આ બધાં અણસમજણથી જ ગુના થઈ ગયા છે. સમજણપૂર્વકનો એક ગુનો નથી કર્યો એવાં આજનાં મનુષ્યો છે, બહુ સારામાં સારાં મનુષ્યો છે; પણ ખાલી સમજણના ફાંકા પડી ગયા છે ! અને પહેલાં તો સમજણપૂર્વક ગુના કરતા હતા. 'હું જાણું છું, બૂઝુ છું કે તું મહાવીર છે, તું આખા બ્રહ્માંડનો નાથ છે એને ય હું જાણું છું, પણ તારાથી થાય તે કરી લેજે.' એવાં ય જાણીને કરનારાં માણસો હતા. પણ એ મોટાં માણસો કહેવાય. કારણ કે આવડો મોટો ગુનો, આવા મોટા માણસ જોડે કરવો, તે કંઈ નાનાં છોકરાનું કામ છે ?! ના. તે પછી અહીંથી સીધો જ જાય સાતમી નર્કમાં ! ત્યાંથી દેવલોકમાં જાય ને પછી અહીં આવીને વીતરાગ ધર્મ પામીને મોક્ષે જતો રહે ! કારણ કે વીતરાગો જોડે લઢ્યાને ! ભગવાને કહ્યું હતું કે લઢો તો ય વીતરાગ જોડે લઢજો પણ ગાળો ના દઈશ. તારે જો લઢવાની ઇચ્છા હોય તો વીતરાગ જોડે લઢજો. સારું કરીને લઢજો, મારંમાર કરજો, તો એમની જોડે હિસાબ બંધાશે; નહીં તો આ લોકો જોડે તો લઢીશ જ નહીં. જો તું અમેરિકન જોડે લઢીશ તો તને ત્યાં પાછું જવું પડશે, 'મેરી' જોડે પૈણવું પડશે અને મેરી ડાયવોર્સ લેશે ત્યારે તારી શી દશા થશે ? અેટલે આવું છે આ બધું ! આ કર્મોની ગતિઓ સમજાય નહીં.

રોજના પાંચસો પ્રતિક્રમણો !

વીતરાગ ધર્મ કોને કહેવાય કે રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે. જૈન ધર્મ તો છે બધે, પણ વીતરાગ ધર્મ નથી. બાર મહિને એક વાર પ્રતિક્રમણ કરે, એને જૈન કેમ કહેવાય ? છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરો તેનોય વાંધો નથી.

જૈનધર્મનું ઊંચું ગુઢતત્ત્વ હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોટામાં મોટું છે. જો કે એવું દરેક ધર્મમાં છે પણ તે કેવું ? બાધે ભારે ક્ષમા માંગવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં છે, ક્રિશ્ચિયન ધર્મમાં છે. ક્ષમા માગવાનો રીવાજ તો બધેથી ચાલ્યો આવ્યો છે. પણ જે વીતરાગોએ બતાવ્યો છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ બહુ સાયન્ટિફિક, વૈજ્ઞાનિક વસ્તુ છે, તરત ફળ આપનારી છે.

પેલું ક્ષમા માંગવાથી તો પાપ ઓછાં થાય એટલું જ અને આ પ્રતિક્રમણથી તો પાપ ખલાસ થઈ જાય.

પ્રશ્નકર્તા : ડગલે ને પગલે અતિક્રમણ તો થાય છે.

દાદાશ્રી : તો અતિક્રમણ થશે ત્યાં સુધી આ મનુષ્યપણું ફરી આવશે નહીં. જૈનપણું તો નહીં આવે પણ મનુષ્યપણું ફરી આવશે નહીં. માટે ચેતજો. ચેતીને ચાલજો. આ તો પોપાબાઈનું રાજ નથી, આ તો વીતરાગોનું રાજ છે, આ તો ચોવીસ તીર્થંકરોનું રાજ છે. અહીં જરાય લાંચ-રુશ્વત ના ચાલે. હા, બધાં જાણે અહીં તો. આવું પોલ ના ચાલે ત્યાં આગળ તો.

પ્રશ્નકર્તા : એના માટે રસ્તો ખરો ?

દાદાશ્રી : આ બેનને તમારા માટે જરાક અવળો વિચાર આવે કે આ વળી આવ્યાં ને મને ભીડ શું કરવા કરી ? એટલો વિચાર મહીં આવે પણ તે તમને જાણવા ના દે. મોઢું હસતું રાખે. તે વખતે પ્રતિક્રમણ કરે. અવળો વિચાર કરે તે અતિક્રમણ કર્યું કહેવાય. એ રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે. નર્યા દોષ જ થાય છે. ભાન જ નથી હોતું.

દોષો સામે પ્રતિક્રમણ તુર્ત જ !

આ પ્રતિક્રમણ કરવાથી બહુ શક્તિઓ ખીલે પણ અમારી આજ્ઞાથી કરે તો.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ને ક્યારે ?

દાદાશ્રી : અમારી આજ્ઞા લઈને કરી આવે તો કામ કાઢી લે. આ જાત્રામાં ખાસ. આજ્ઞાથી કરવું. કોઈ એવા સંજોગોમાં ય આજ્ઞાથી કરવું. ૧૯૭૩માં અમે બધાં ૩૮ દિવસની જાત્રાએ ગયેલાં. ત્યાંય અમારે તો નો લૉઝ. તે પછી એવું નહીં કે કોઈની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છૂટ. તે લઢવાની છૂટ આપવી એવુંય નહીં ને ના આપવી એવુંય નહીં. તે જો લઢે તો 'અમે' 'જોઈએ'. પણ રાત્રે પાછા બધાં 'અમારી' સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઈ નાખે ! સામસામા ડાઘા પડે અને પાછા ધોઈ નાખે ! આ પ્યૉર 'વીતરાગ માર્ગ' છે, એટલે અહીં કૅશ-રોકડા પ્રતિક્રમણ કરવાં પડે, આમાં પખવાડિક-માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ. કાયદો હોય તો મોઢે બોલે નહીં ને મહીં અંદર લોચા વાળે, મહીં ગૂંચાયા કરે. આપણે તો કાયદો જ નહીં. આ અક્રમ જ્ઞાન વિશેષ એવું છે ! અમારી હાજરી છે ત્યાં સુધી છૂટ આપેલી કે કાયદો-બાયદો નહીં.

જ્ઞાની પુરુષની સૂક્ષ્મ જાગૃતિ !

આ અમારે પાણીનો બગાડ કરવો પડે છે. હું જ્ઞાની પુરુષ છું, તે અમને, જ્ઞાની પુરુષને તો ત્યાગા-ત્યાગ ન સંભવે, તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે. અમારે આ પગે આવું થયેલું તેથી પેલા સંડાસમાં બેસવું પડે. પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ, તે કેટલા બે ડાબડા પાણી જતું હશે ? અને પાણીનો ત્રાસ છે, પાણી કીંમતી છે એથી ? ના, પણ પાણીના જીવો કેટલાંય આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય ! અને જ્યાં એક-બે ડાબડાથી ચાલે એવું છે, ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય ? જો કે હું તો જ્ઞાની પુરુષ છું, એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી દઈએ. એટલે અમારે કેટલાંય મહિનાઓ સુધી ચાલ્યા કરે. પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે. કારણ કે ત્યાં ચાલે નહીં, જ્ઞાની પુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં.

અવિનાશી માંગવું, વીતરાગો પાસે !

વીતરાગોનો બતાવેલો મોક્ષ સહેલામાં સહેલો, સરળમાં સરળ છે. સુદ્રઢ ભાવે વીતરાગોને ઓળખે તોય મોક્ષ થઈ જાય. પણ વીતરાગોને આ લોકોએ ઓળખ્યા જ નથી. ને વીતરાગોને કહે છે કે મારે ત્યાં બાબો નથી. એટલે ભગવાનનું પારણું લઈ આવે છે ! અલ્યા, વીતરાગો પાસે બાબો માગું છું. મૂઆ, વીતરાગો વળી આવામાં હાથ ઘાલતા હશે ? જો હાથ ઘાલે તો પછી એ વીતરાગ શાના ? વીતરાગો પાસે માંગવું હોય તો એક જ માંગો, મોક્ષ માંગો. મોક્ષ માંગો તો મોક્ષ મળે પણ ચારોળી માંગે તો મળે ?

લોકો વીતરાગ પાસે ઘોડિયા મંગાવે ! 'વીતરાગ'નાં દર્શનથી તમને પૌદ્ગલિક માલ મળશે, પણ ત્યાં પૌદ્ગલિક માલ ના માંગીશ.

સર્વસ્વ દુઃખોથી મુક્તિ, એ જ મોક્ષ !

હવે 'આત્મા આવો હશે કે તેવો હશે, આમ હશે કે તેમ હશે' એ વિચારણામાં કોઈક આવ્યો હોય તેને ભગવાને સમ્યક્ત્વ મોહનીય કહ્યું. આવી વિચારણામાં જ હજુ આવ્યા નથી. આ મોહનીય પણ જાગી નથી. આ તો અત્યારે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય જ છે હજુ. સમ્યક્ત્વ મોહનીય જાગી હોત તો ભગવાન એને મહાન અધિપતિ કહેત. આ તો એક 'પ્લોટ' હોય કે એક મકાન હોય ને આટલું અધિપતિ હોય, એમાં તો પોતાની જાતને શું ય ધન્ય માનીને પેટ ઉપર હાથ ફેરવે ને 'હોઈયાં' કરીને સૂઈ જાય છે !

અલ્યા, શું જોઈને સૂઈ જાય છે ?! અનંત અવતારો આવા 'હોઈયાં' કરીને સૂઈ ગયો ! શરમ નથી આવતી ?! પાછો હાથ પેટ ઉપર ફેરવીને 'હોઈયાં' કહેશે. અલ્યા, શું જોઈને ઊંઘી જાય છે ?! ઊંઘવા જેવું આ જગત છે ? મનુષ્યપણું મળ્યું ને ઊંઘાતું હશે ?! મનુષ્યપણું મળ્યું, સારો જોગ મળ્યો, ઊંચા ધર્મપુસ્તકો વાંચવાનો યોગ મળ્યો, ઊંચી આરાધના મળી, વીતરાગનાં દર્શન થયા ને તું 'હોઈયાં' કરીને સૂઈ જાય છે ?!

જ્યાં 'ઉપરી' નહીં, 'અંડરહેન્ડ' નહીં એવો આ વીતરાગોનો મોક્ષ 'મને' ખપે છે.

વીતરાગોનો મોક્ષ કોને કહેવાય છે ? દેહધારી રૂપે દુઃખ સ્પર્શ ના કરે. એટલે સાંસારિક સુખેય સ્પર્શ ના કરે. સ્વાભાવિક સુખ ઉત્પન્ન થયા કરે.

વીતરાગનો મત !

વીતરાગના માર્ગમાં મતભેદ ના હોય. મતભેદ છે ત્યાં વીતરાગનો માર્ગ ન હોય.

વીતરાગનો મત સાંપ્રદાયિક ના હોય. જ્યાં વીતરાગ છે ત્યાં સંપ્રદાય નથી. જ્યાં સંપ્રદાય છે ત્યાં વીતરાગ નથી.

ભગવાન કહે છે કે અમારો વીતરાગ મત છે ને તમારા પક્ષવાળાનો મત વીતરાગરહિત છે. ચોવીસેય તીર્થંકરોનો વીતરાગ મત હતો. પક્ષમાં પડેલા હોય ત્યાં વીતરાગ મત ના હોય. ભગવાનના ગયા પછી પક્ષપાત થઇ ગયા, ફાંટા પડી ગયા. મોક્ષનો માર્ગ તો સાચો ના રહ્યો, પણ વ્યવહારિક ધર્મે ય સાચો ના રહ્યો. ભગવાનની સાચી આજ્ઞા પાળવી અને તેમાં રહેવું, એનું નામ ધર્મ કહેવાય. એમની આજ્ઞા ઓછી પળાય તો ઓછી ને બે પળાય તો બે, પણ પોલ ના હોવી જોઇએ. આ તો સામાયિક કરે ને શીશી જુએ ! ભગવાને કહ્યું કે થાય તો સામાયિક કરજે, બહુ ના થાય તો ઓછી કરજે પણ ચોક્કસ કરજે, બરોબર કરજે. ભગવાનની આજ્ઞા લાખ વખત પાળે તો ય જૂની ના થાય પણ ભગવાનની આજ્ઞા સમજાતી નથી. તેથી પોલ મારે છે. એમાં એમનો દોષ નથી.

વીતરાગ ભગવાનનું ધર્મધ્યાન ક્યારે થાય કે કોઇ પણ પક્ષમાં ના પડે તો. કોઇ પણ પક્ષમાં પડ્યા તો ધર્મધ્યાન ઊડી જાય. પક્ષમાં રહેવું એટલે 'વ્યૂ પોઇન્ટ'માં પડી રહેવું તે. 'સેન્ટર'માં બેસે તો મતભેદ ના રહે, ત્યારે મોક્ષ થાય. કોઇ પણ 'ડિગ્રી' ઉપર બેસે ત્યાં અમારું-તમારું રહે, તેનાથી મોક્ષ ના થાય.

વડોદરેથી મુંબઈ આવવું હોય તો દક્ષિણ દિશાનાં બધાં ચિહ્નો ગમે અને દિલ્હી જવું હોય તો ઉત્તર દિશાનાં ચિહ્નો બધાં ગમે. પોતાને શું ગમે છે એ ઉપરથી કયો રસ્તો પકડ્યો છે તે હાથમાં આવી જાય. અનેક જાતના રસ્તા છે, એક રસ્તો નથી. જેટલાં ભેજાં તેટલા રસ્તા છે. એ બધા બુદ્ધિમતના છે. બુદ્ધિમતનું સંચાલન છે ત્યાં રઝળપાટ છે. એક વીતરાગનો મત એકલો જ સેફસાઈડનો છે !

વીતરાગોનો મત નિરંતર પરમાનંદ પ્રાપ્ત કરાવનારો છે. તેમનો મત લોકો પાસે છે પણ સર્વાંશે નથી. સર્વાંશે તો 'જ્ઞાની' પાસે હોય ! જ્યાં કિંચિત્માત્ર ચંચળતા નથી, ત્યાં વીતરાગોનો મત છે.

ગુનાના પ્રમાણમાં દંડ !

વીતરાગોના મતમાં તો બધા જ પકડાઈ જાય. કરનાર, કરાવનાર ને અનુમોદનાર !

વીતરાગોનો મત કેવો છે ? તેં કર્યું એ એકલું નહીં પણ કરાવ્યું કોણે ? આ કર્યા પછી કોણે હા પાડેલી ? ત્યારે કહે, પેલા ભાઈએ 'હા' પાડેલી. તો ગુનેગાર કોણ ઓછો ? ત્યારે કહે, કર્યું એ ઓછો ગુનેગાર. અને કોણ વધારે ગુનેગાર ? ત્યારે કહે, કરાવનાર. એટલે વીતરાગોના મતમાં તો બધાં જ પકડાઈ જાય. કોઈ દહાડો કોઈ બાકી રહે નહીં એવો આ મત વીતરાગોનો છે !

પુરુષાર્થ ધ્યાન ફેરવવાનો !

ધ્યાન એ જ આવતા ભવનું સાધન છે ! એ સિવાય બીજું કંઈ જ સાધન નથી આવતા ભવનું ! વીતરાગોનો મત શો છે ? ધ્યાન ફેરવો. દુર્ધ્યાન થતું હોય તો પુરુષાર્થ એટલો કરો કે દુધ્યાર્ન ના થાય.

પ્રશ્નકર્તા : એમાં પુરુષાર્થ શી રીતે કરવો ?

દાદાશ્રી : ક્રિયા ના ફરી શકે પણ ધ્યાન ફરી શકે તેવું છે. એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તોય એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. અને તે બાર મહિને કરીએ છીએ એવું નહીં, 'શૂટ ઓન સાઈટ' હોવું જોઈએ. તો કંઈક આ દુઃખો જાય. વીતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય. નહીં તો દુઃખ જાય નહીં.

વર્તે તે વ્રત, અણુવ્રત-મહાવ્રત !

સંસારમાં કેટલાંક લોકો સ્થૂળ ચોરી નથી કરતા, એને ભગવાન શું કહે છે ? એને ત્યાગ નથી કહેતા, એટલે તે સ્થૂળ ચોરીનો ત્યાગ કર્યો એ ખોટી વાત છે. ભગવાન કહે છે, 'એ તો વ્રત છે તારું.' વર્તે એ વ્રત. જેમાં હુંપણું નથી અને 'હું ત્યાગ કરું છું' એવું ભાન નથી અને સહેજાસહેજ વર્તે છે એ વ્રત કહેવાય. આ જૈનોને ભગવાને અણુવ્રત કેમ કહ્યાં ? ત્યારે કહે કે, 'બીજા લોકોને, ફોરેનવાળાને પણ અણુવ્રત હોય છે અને અહીં બીજા ધર્મોમાં પણ અણુવ્રત હોય છે, પણ એને વીતરાગોનો સિક્કો નથી વાગેલો !' 'વીતરાગોનું કહેલું આ વ્રત છે' એવું ભાનમાં આવ્યા પછી, એ વ્રત એમને વર્તે છે એટલે આ અણુવ્રત કહેવાય છે ને આ વીતરાગોને માન્ય છે. હકીકતમાં પેલો ય ચોરી નથી કરતો, પણ એ સહજ ભાવે ચોરી નથી કરતો. અહીં તો આપણાથી ચોરી ના થાય તેવું સહજ ભાવે વર્તે છે, છતાં અણુવ્રત શાથી કહે છે ? આ ચોરી નથી કરતો પણ મનથી બહુ ચોરી કરી નાખે છે, એટલે અણુવ્રત કહ્યું અને મહાવ્રત કોને કહેવાય ? મન-વચન-કાયા ત્રણેયથી ચોરી ના થાય, તેને મહાવ્રત કહેવાય !

સેવક બને સેવ્ય !

પ્રશ્નકર્તા : ભક્ત અને જ્ઞાની એ બેમાં ફેર ખરો ?

દાદાશ્રી : હા, સેવ્ય અને સેવક જેવો ફેર છે ! ભક્ત એ સેવક છે, તે પછી એ સેવ્ય થવાના. જ્ઞાની સેવ્ય છે અને ભક્તો સેવક છે. સેવ્યનું સેવન કરવાથી સેવ્ય થતા જાય ને રૂપ તો એક જ છે પણ અવસ્થાના હિસાબે ફેર છે. જેણે આત્મા પ્રાપ્ત કર્યો એ બધાય જ્ઞાની કહેવાય, પણ જો બધાય જ્ઞાની બોલવા જાય તો શું જવાબ આપો ? એટલે જ્ઞાની શ્રુતજ્ઞાન સહિત હોવા જોઈએ. વીતરાગ ભગવાનનું આખું શ્રુતજ્ઞાન તેમજ વેદાંત માર્ગનું શ્રુતજ્ઞાન બધું હોય, ત્યારે એમને જ્ઞાની કહેવાય. જ્ઞાની એમ ને એમ ના કહેવાય !

બન્ને માર્ગે સમકિત પ્રાપ્ત !

માણસને જેટલી બુદ્ધિ વધે એટલો બળાપો એમને 'કાઉન્ટર વેઈટ'માં વધતો જ જાય. હા, તે વેદાંત ને એ બધું બુદ્ધિ વધારવાનું સાધન છે. તે બુદ્ધિને 'ડેવલપ' કર કર કર્યા કરે. અને બુદ્ધિ વધે એટલે પછી બળાપો ઉત્પન્ન થાય. ત્યારે કહે, 'હવે હું ક્યાં જાઉં ?' ત્યારે કહે, 'વીતરાગ પાસે જાવ !' પણ ભગવાને બેઉને 'એક્સેપ્ટ' કર્યા છે. વેદાંત માર્ગથી અને જૈન માર્ગથી, બન્ને માર્ગથી સમકિત થાય છે. બેઉ માર્ગે પોતાના સ્વતંત્ર માર્ગમાં રહીને સમકિત થાય એવું છે.

અક્રમ, મોક્ષમાર્ગે શોર્ટકટ !

પોતે મુક્ત જ છે પણ ભાન નથી થતું. આ તો રોંગ બીલિફ અને રોંગ જ્ઞાન છે અને તેથી રોંગ વર્તન થાય છે. રાઇટ જ્ઞાન-દર્શન પોતાની જાતે ના થાય અને એમાં પણ આ રોંગ બીલિફ તો કોઇ પણ પ્રકારે તૂટે નહીં. તેને માટે તો સાયન્ટિસ્ટ જોઇએ, 'જ્ઞાની પુરુષ' જોઇએ અને તે ય 'જ્ઞાની પુરુષ' પાછાં સંપૂર્ણ જોઇએ તો જ આપણું કામ થાય.

વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઇતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઇએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઇતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે. મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાં ય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં; અન્ય માર્ગ છે. 'જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય. ખીચડી કરતાં ય સહેલો થઇ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારે ય ના પમાય એવો મોક્ષમાર્ગ એકદમ શોર્ટકટ રીતે નીકળ્યો છે ! આ 'જ્ઞાન' તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત 'અક્રમ' છે.

વીતરાગ માર્ગ...

'અમારી' એક ઇચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે, જગત મોક્ષમાર્ગને પામે ! મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઇલ ચાલે ત્યારે. અત્યારે આ ધર્મો છે એ વીતરાગ માર્ગ પર નથી. વીતરાગ માર્ગ ઉપર કોને કહેવાય ? નોર્મલ ઉપર આવે તેને. એબોવ નોર્મલ ઇઝ ધી ફીવર, બીલો નોર્મલ ઇઝ ધી ફીવર. ૯૭ ઇઝ ધી બિલો નોર્મલ ફીવર એન્ડ ૯૯ ઇઝ ધી એબોવ નોર્મલ ફીવર. ૯૮ ઇઝ નોર્માલિટી ! આ વાત તો ડૉક્ટરો એકલા લઇને બેઠા છે, પણ એ તો બધાંને માટે હોય ! ઊંઘવામાં, ખાવામાં, પીવામાં, બધામાં નોર્માલિટી જોઇશે. એ જ વીતરાગ માર્ગ છે. અત્યારે તો બધે એબોવ નોર્મલ હવા ઊભી થઇ ગઇ છે, તે બધે પોઇઝન ફરી વળ્યું છે. એમાં કોઇનો વાંક નથી, સૌ કાળચક્કરમાં ફસાઇ ગયા છે !

વીતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો. આ તો તપમાં પડે તો તપોગચ્છ થઇ જાય. અલ્યા, આ ગચ્છમાં ક્યાં પડ્યો ?

ક્રિયાથી નહીં, વીતરાગતાથી જ મોક્ષ !

વીતરાગનો માર્ગ એટલે ભૂલો ભાંગવી તે. જ્યાંથી ત્યાંથી ભૂલો ભાંગવી અને લોકભાષામાંથી વીતરાગ ભાષામાં આવવું તે. વીતરાગોનો માર્ગ બહુ સરળ છે. જો 'જ્ઞાની પુરુષ' મળેને તો મહેનત કરવાની જ ના રહી, નહીં તો મહેનતથી તો મોક્ષ કોઇ દહાડો કોઇનો ય થયો નથી ને થશે નહીં. જો મહેનતથી મોક્ષ થતો હોય તો આ લોકો ક્રિયાઓ કરીને મહેનત કરે છે અને મજૂરો ઇટો ઉપાડવાની મહેનત કરે છે, એ બન્ને ય મહેનતનું જ છે ને ! મહેનતથી કોઇ દહાડો કોઇનો ય મોક્ષ થયો નથી; વીતરાગતાથી મોક્ષ થયો છે. તમે જે અવસ્થામાં ફસાયા હો; મહેનતુ અવસ્થામાં ફસાયા હો તો ય વીતરાગતા અગર તો આમ એક જગ્યાએ શાંત બેઠક અવસ્થામાં હો તો ય પણ વીતરાગતા હશે તો મોક્ષ થશે. એકાંતમાં બેસી રહેવાથી આપણો દહાડો વળે નહીં, અગર તો મહેનત કર કર કરવાથી ય દહાડો ના વળે. વીતરાગતાથી મોક્ષ થાય અને વીતરાગતા ક્યારે આવે ? ત્યારે કહે, સંકલ્પ-વિકલ્પ જાય ત્યારે વીતરાગતા આવે. સંકલ્પ-વિકલ્પ ક્યાં જાય ? 'જ્ઞાની પુરુષ' પાસે, એમની કૃપા વરસે તો, એમની કૃપા ઊતરે ને કૃપાપાત્ર થાય તો સંકલ્પ-વિકલ્પ જાય, નહીં તો કરોડો અવતારે જશે નહીં. એક વિકલ્પ કાઢવા જઇશ તો બીજાં ચાર બીજ પડી જશે, એટલે નવા ચાર છોડવા ઊગ્યા ! એક છોડવો કાઢવા ગયો, તે ચાર ઊગ્યા !

બુદ્ધિ અવળી ચાલી !

આ ક્રિયાથી શું થયું કે લક્ષ્મી મળી આજે અને બીજું બ્રેઇન ચકચકિત થયું ! કારણ કે વીતરાગોના શબ્દો વાંચ્યા છે ! વીતરાગોના શબ્દોથી ક્રિયા કરવા માંડી છે, એટલે વીતરાગ બ્રેઈન ટોનીકથી બ્રેઇન ચકચકિત થઇ ગયા. બ્રેઇન ચકચકિત થાય એટલે ટ્રીક કરતાં શીખ્યા. હાર્ડ ટ્રીક, ટ્રીક્સ. બુદ્ધિ છે તે શાના માટે છે ? ટ્રીકો કરવા કે મોક્ષે જવા ?

પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે.

દાદાશ્રી : હં. બુદ્ધિ છેતરવા માટે હોય ? અને સામાની ઓછી બુદ્ધિનો લાભ લે તો ? તો એ તો દુષ્ટ જનાવર કહેવાય છે. ભગવાને શું કહ્યું છે, આવું દુષ્ટ જનાવર ભાળ્યું નહોતું ! વર્લ્ડમાં બીજી જગ્યા ય નથી. એક આ હિન્દુસ્તાનમાં અને થોડું થોડું હિન્દુસ્તાનનો ચેપ ચીન-બીનમાં પેસી ગયો, પણ મૂળ ચેપ આ હિન્દુસ્તાનનો. આ જેમ ટી.બી.નો રોગ અમુક દેશોમાં હોય છેને તેવો આ એક જાતનો રોગ છે આ અને આ જંતુઓ છે તે એનાં જંતુઓ ફેલાય. મેં તમારી જોડે 'ટ્રીકો' બે-ચાર વખત કરી એટલે તમે કહો કે, 'ટ્રીક કર્યા વગર નહીં ચાલે.' આનાથી જંતુઓનો ફેલાવો ચાલુ થઇ જાય. ભયંકર રોગ છે આ તો ! આના જેવો બીજો રોગ નથી, હાર્ડ રૌદ્રધ્યાન છે, ચાર ગતિમાં ભટકાવી મારશે !

આનું આ જ ગયા અવતારે કરેલું ને તેનું ફળ છે આ. લક્ષ્મીજી જોડે પણ આ કરવા માંડયું ને ચકચકિતથી કામ લેવા માંડ્યું છે ! 'તે બે પગથી પડી જવાતું હતું તે ચાર પગ રાખો હવે.' એમ ભગવાન કહે છે ! અમારે મોઢે કહેવું પડે છે એ સારું દેખાય ? 'જ્ઞાની પુરુષ'ને મોઢે કહેવું પડે કે, 'બે પગવાળાને ચાર પગ થશે !' પણ ચેતવા માટે લાલ વાવટો ધરીએ છીએ કે આગળ ગાડી ના જવા દેશો, મોટો પુલ તૂટી પડ્યો છે ! કરૂણા આવે છે 'જ્ઞાની પુરુષ'ને ! એમને દ્વેષ ના હોય પણ કરૂણા આવે. આટલે સુધી ચઢ્યો, વીતરાગોની પાસે અમરપદ માગું એટલી તારામાં શક્તિ છે પણ માર્ગ રૂંધાયો તેને લીધે આ બધું ઉત્પન્ન થયું. માર્ગ તો રૂંધાય, બેસી ય રહેવું પડે. અમારી વાત તમને ગમે છે કે કડક પડે છે ?

પ્રશ્નકર્તા : દાદા, બહુ ગમે છે આપની વાત.

દાદાશ્રી : મહીં જે બેઠા છે તે ભગવાન છે, આ તો 'ખોખું' છે. પુદગલ ભગવાન ના હોય અને પૌદ્ગલિક ભાવ એ ય ભગવાન ના હોય. ભગવાન તો ભગવાન જ છે, જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી. એમની પાસે આપણી સર્વ કામના પૂરી થાય અને મોક્ષની કામના પણ પૂરી થાય. ઇચ્છાઓ જે થોડી ઘણી ભરાઇ રહેલી હોય તે ય પૂરી થઇ જાય. ઇચ્છા પૂરી કર્યા વગર ત્યાં મોક્ષમાં પેસવા નહીં દે, ત્યાં તો મોઢા ઉપર દિવેલ હોય તેને પેસવા નથી દેતા ! મોઢા ઉપર દિવેલ બહાર જોવામાં આવે છે કે નથી આવતું ? કોઇના મોઢા ઉપર દિવેલ કંઇ ચોપડે છે લોકો ? ના, એ તો એમ ને એમ મહીં કઢાપો-અજંપો થાય છે ને તેથી દિવેલિયા થાય છે ! અને પેલી ચાલાકી ? બ્રેઇનની ચાલાકી ? કેવી ચાલાકી કે આવાં તેવાં તો હિસાબમાં જ ના હોય ! સરળ માણસો તો તેના હિસાબમાં જ ના હોય ને !! કેટલી બધી ચાલાકી !!!

તરણતારણ જ તારે !

મૂળ મોક્ષમાર્ગને જાણવો જોઇએ. મોક્ષમાર્ગના દાતા જોઇએ અને તે તરણતારણ હોવા જોઇએ. પોતે તર્યા હોય તો આપણને તારે, નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય અને આપણો દી' વળે નહીં. પોતે દાતા પુરુષ હોય તે તો મોક્ષનું દાન જ આપવા આવ્યા હોય, લેવા માટે ના આવ્યા હોય ! જે મોક્ષનું દાન લેવા આવ્યા હોય, તે આપણને શું આપે ? દાન લેવા આવનારો દાન આપે ખરો ? મોક્ષનું દાન આપવા આવ્યા છે એવાં 'જ્ઞાની પુરુષ' પાસે આપણું કામ થાય, મોક્ષદાતા પુરુષ અને જેની પાસે સ્ટોકમાં મોક્ષ છે અને પોતે મોક્ષસ્વરૂપ થયેલા છે તે જ આપણને મોક્ષદાન દઇ શકે.

એક માઈલ પણ વધો આગળ !

જગત આખું કેમ વીતરાગતાને સમજે, કેમ વીતરાગ માર્ગને પામે? ભલે મોક્ષ ના પામે, પણ વીતરાગ માર્ગને પામો. એક માઇલ ચાલો પણ વીતરાગ માર્ગમાં ચાલો. જે ધર્મ પકડયો હોય તે ધર્મના જેટલા વીતરાગ માઇલ હોય તેમાં એક માઇલ તો એક માઇલ પણ વીતરાગ માઇલમાં ચાલો ! એટલું જ 'જ્ઞાની પુરુષ' કહે છે.

આ પુસ્તક તો હીરા જેવાં છે. કાચના ઇમિટેશન હીરા અને સાચા હીરા બધું ભેળસેળ પડ્યું હોય, એના જેવાં આ શાસ્ત્રો છે. એમાંથી કો'ક ઝવેરી હોય તો એકાદ પુસ્તકને ઓળખતા આવડે. પણ અત્યારે કોઇ ઝવેરી રહ્યો નથી, જે રહ્યાસહ્યા હોયને ઝવેરી તે કો'ક જ રહ્યા હોય, બાકી ઝવેરીપણું રહ્યું નથી. ઝવેરાતપણું જ ગયું છે આખું, એટલે ઝવેરીપણું ગયું છે ! શાસ્ત્રો તો શું કરે ? શાસ્ત્રો તો માર્ગદર્શન આપે છે કે, ગો ટુ જ્ઞાની. કારણ કે આત્મા અવર્ણનીય છે અને અવક્તવ્ય છે, વાણીથી બોલી શકાય એવો એ નથી, એનું વર્ણન થઇ શકે એવું નથી.

હવે વીતરાગ માર્ગનો ઉદ્વાર થવા બેઠો છે. વીતરાગ તો પોતે વીતરાગ હતા, પણ એમના માર્ગનો ઉદ્વાર થાય ને ? બહુ દહાડા, ક્યાં સુધી એ માર્ગ ઉપર ધૂળ પડી રહે ? સાચો હીરો એક દહાડો બહાર નીકળ્યા વગર રહે છે કાંઇ ? કૃષ્ણ ભગવાને પણ કહ્યું, 'વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે.' કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે !

પ્યૉરિટી વીતરાગોની !

વીતરાગો એટલે બહુ ડાહ્યા માણસો. મોક્ષનો માર્ગ સરળમાં સરળ, સહેલામાં સહેલો વીતરાગો આપીને ગયા. બીજા બધાએ મોક્ષનો માર્ગ ગૂંચવી ગૂંચવીને ભૂલભૂલામણી રૂપે મૂક્યો છે. તે ભૂલ-ભૂલામણી કેવી કે એક ફેરો મહીં પેઠો તો ફરી નીકળે નહીં. એમાંથી છટકાય એવું છે નહીં. વીતરાગના માર્ગમાં આટલી ય પોલ નથી રાખી. કારણ કે વીતરાગો તો બહુ જ ચોખ્ખા; જેને કંઇક જ જોઇતું નહોતું, પ્રપંચ નહોતો, જેનામાં રાગ નહોતો, જેને કોઇ પણ પ્રકારની ઇચ્છા જ નહોતી, એવા વીતરાગ હતા !

જગતમાં વીતરાગ માર્ગને પુષ્ટિ !

વીતરાગ માર્ગ એવું કહે છે કે, જે થાય છે એ વીતરાગ માર્ગના પુષ્ટિનાં કારણો છે. અત્યારે જે બધું થઇ રહ્યું છે એ વીતરાગ માર્ગને પુષ્ટિ આપ્યા કરે છે.

પ્રશ્નકર્તા : એ થાય છે, તો આપણને વિચાર આવે છે ને ઉત્કૃષ્ટ ભાવના થાય છે.

દાદાશ્રી : અમને જરાય પણ રાગ-દ્વેષ થતાં નથી. અમને તરત જ સમજાય કે આ શું કરી રહ્યા છે ! આ ઉપાશ્રયમાં શું કરી રહ્યા છે ? વીતરાગની પુષ્ટિ ! વીતરાગ માર્ગ કોનું નામ કહેવાય કે જ્યાં ચંચળતાનો નાશ થઇ જાય. સાત્વિકતાની હદ હોય છે. સાત્વિકતા કે જે ચંચળતા વધારે એ સાત્વિકતા ખલાસ થઇ જવી જોઇએ. એક મનુષ્ય કે જે ચંચળ ઓછો હોય છે તે ઇમોશનલ નથી હોતો, મોશનમાં રહે છે. એ જે આખી જિંદગીમાં કરમ બાંધે એટલાં વધારે ચંચળતાવાળો માણસ પા કલાકમાં બાંધી લે ! એટલે આ બધું વીતરાગ ધર્મનું પોષણ થઇ રહ્યું છે. જેટલું જેટલું તમને દેખાય છે ને જે અવળું ભાસે છે ને, એથી વીતરાગ ધર્મનું જ પોષણ થઇ રહ્યું છે.

આજે વીતરાગ ધર્મને માટે આખા વર્લ્ડમાં કામ થઇ રહ્યું છે. એક જગ્યાએ નહીં, આખા વર્લ્ડમાં કામ થઇ રહ્યું છે. આ બધા વીતરાગ ધર્મને પુષ્ટિ આપી રહ્યા છે.

આ પ્રધાનો અમને પૂછવા આવે છે અને કહે છે કે, 'આ હિન્દુસ્તાનનું બધું બગડી જવા બેઠું છે.' મેં કહ્યું, 'સાહેબ, આપના ઘેર બગડી જશે, જો જો કદી પેલી તમારી છોડીઓ રખડતી ના થઇ જાય.' કારણ કે સાહેબને ત્યાં ત્રણ મોટરો પડી હોય, તેમાંથી એક સાહેબ લઇને હેંડ્યા એટલે એક શેઠાણી આમ લઇને હેંડ્યા ને છોડીઓ આમ જશે, ભેલાઇ જશે, તારું ભેલાઇ જશે. આ હિન્દુસ્તાનને તો ભેલાડનારો કોઇ પાક્યો જ નથી, આ હિન્દુસ્તાન તો વીતરાગનો દેશ છે, ઋષિ-મુનિઓનો દેશ છે, એનું કોઇ નામ દેનારો નથી. જે દેશમાં કૃષ્ણ ભગવાન જેવા વાસુદેવો પાકેલા છે, જે દેશમાં ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, નવ પ્રતિવાસુદેવો અને નવ બળરામ પાકેલા છે, ત્યાં ખોટ શી હોય?

નિરાગ્રહી માર્ગ વીતરાગોનો !

દરેક ધર્મવાળા શું કહે છે કે અમારા ધર્મથી મોક્ષ છે. કોઈ એમ કહે છે કે મારા ધર્મથી મોક્ષ નથી, એવું ? બધાય એમ કહેશે, 'અમારો ધર્મ સૌથી ઊંચામાં ઊંચો.' ફક્ત નીચામાં નીચો કોણ કહી શકે ? જેને વીતરાગ માર્ગ મળ્યો છે તે કહેશે, 'અમારો ધર્મ નીચો છે પણ તમારો ધર્મ ઊંચો છે.' કારણ કે બાળક હંમેશાં નીચાને મોટો કહે. મોટી ઉંમરના માણસો પોતાની જાતને નાનો કહીને પેલાને મોટો કહે ? એને સંતોષ છે પોતાને.

વીતરાગને વિરોધ ના હોય. જ્યાં વિરોધ હોય, મમત હોય ત્યાં વીતરાગ માર્ગ ના હોય.

વીતરાગ માર્ગ કેવો છે કે આપનાર ને લેનાર બેઉ કમાય ને સંસાર માર્ગમાં આપનાર ખોવે ને લેનાર કમાય.

વીતરાગ માર્ગમાં સહેજ પણ આગ્રહ ના હોય. આ તો દુરાગ્રહે ને હઠાગ્રહે ચઢ્યા છે !

નિરાગ્રહી થવું એ વીતરાગતાનો માર્ગ છે. જ્યાંથી ત્યાંથી આગ્રહ છોડી દે. સત્યના આગ્રહનેય ભગવાને અજ્ઞાનતા કહી. 'અમારા'માં આગ્રહ નામેય ના હોય !

શુભ એકાંતિક કહેવાય. શુધ્ધ અનેકાંત કહેવાય. અનેકાંતથી મોક્ષ. અનેકાંત એટલે આગ્રહ નહીં. દરેક સત્યને સ્વીકારે. વીતરાગ માર્ગ અનેકાંત, સ્યાદ્વાદ હોય.

વીતરાગ માર્ગમાં તો ઊંચા શ્વાસે બોલવાનું ય ના હોય અને મન તો જરાય બગડવું ના જોઈએ. એવો વીતરાગનો માર્ગ છે ! તેને આજે આખો રૂંધી માર્યો ! એટલે કે લોકોને ક્રિયાકાંડમાં જ ઘાલી દીધા. એમાં ઘાલનારો ય કોઇ નથી, ઘાલનાર એમનાં કર્મો છે અને જે ઘલાયા છે અને મહીં પેસે છે એ ય એમના કર્મથી બફાય છે. સૌ સૌનાં કર્મથી બફાઇ રહ્યું છે, એમાં કોઇનો દોષ છે નહીં, પોતાનાં કર્મે કરીને જ ગૂંચાયા કર્યા છે.

હજી પણ ચેતો, ચાર ગતિમાં છૂટવા !

આ ઘાંચીનો બળદ હોય છે તે સાંજે ચાલીસ માઇલ ચાલ્યો એવું તેને લાગ્યા કરે છે, પણ જ્યારે આંખેથી દાબડા નીકળે ત્યારે એની એ જ ઘાણી ! એવું આ લોકો ચાલ્યા કરે છે ! અનંતા લાખો માઇલ ચાલ્યા, પણ ઘાંચીના બળદની પેઠ ત્યાંના ત્યાં જ છે ! અને ત્યાં હોત તો તો સારું. ઘાંચીનો બળદ તો ત્યાંનો ત્યાં જ રહે; પણ આ તો બે પગના ચાર પગ થશે ! તેથી મારે હોંકારો કરીને બોલવું પડે છે કે, 'અલ્યા ભાઇ ! ચેતને કંઇક, કંઇક તો ચેત ! મોક્ષની વાત તો જવા દે, પણ કંઇક સારી ગતિ તો ચાખ અને આજે ભરતક્ષેત્રમાં ગતિ સારી રાખીને શો ફાયદો કાઢવાનો ? હવે તો છઠ્ઠો આરો આવવાની તૈયારી થઇ રહી છે ! હવે કંઇ બીજા ક્ષેત્રોમાં પેસી જવાય, ક્ષેત્ર ફેરફાર થાય એવું કંઇક કરી લે !' ક્ષેત્ર ફેરફાર થઇ શકે છે, વીતરાગના માર્ગમાં બધાં ય સાધન છે.

ભાવથી ધર્મ, દ્રવ્યથી નહીં !

ભગવાનનાં દર્શન કરવા જાય તો દર્શન વખતે સાથે જોડાના ને દુકાનના હઉ દર્શન કરવાનાં ? દ્રવ્ય ભગવાન તરફ અને ભાવ જોડામાં ને દુકાનમાં ! ભગવાન શું કહે છે કે દ્રવ્ય પ્રમાણે તારો ભાવ નથી તો તેં ધર્મ કર્યો જ નથી અને 'હું ધર્મ કરું છું' એ માનવું એ પ્રપંચ કર્યો કહેવાય. તેથી ભારે અધોગતિમાં જઈશ. વીતરાગના માર્ગમાં કોઈનુંય આટલુંય પોલ ચાલે નહીં.

વીતરાગનું કહેલું કેફ ઉતારે !

ત્યારે મેં કહ્યું, 'જે ક્રિયાથી કેફ ચઢે એ બધી અજ્ઞાન ક્રિયા છે, ભગવાનની કહેલી ક્રિયા નથી. ભગવાનની કહેલી ક્રિયા તો કેફ ઉતારનાર છે, એનાથી કેફ ચડે નહીં !' આ બધું કરવાથી કોઇ દી' શુક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં ! લીંબોળી વાવી છે તે ફળ આપશે.

વીતરાગનો માર્ગ સહેલો છે, સરળ છે ને સહજ છે, પણ લોકોએ કષ્ટસાધ્ય કરી નાખ્યો છે. આ ચાલુ માર્ગમાં જે વીતરાગ ધર્મ છે ત્યાં કાંઇ તથ્ય હોત તો જગત આફ્રિન થઇ જાત; પણ લોકો જુએ છે કે, ત્યાગના ખૂણાવાળો એકલો ત્યાગના ખૂણામાં પડ્યો છે અને એ જ વાળ વાળ કરે છે ને તપવાળો એકલો તપનો ખૂણો વાળ વાળ કરે છે ! બધા ય ખૂણા વાળે તો જ ઉકેલ આવે તેમ છે !

ચિંતા બંધ ત્યાં મોક્ષમાર્ગ !

આ બેન તો એનું લઈને આવેલી છે, તમે તમારું બધું લઈને નહોતા આવ્યા ? આ શેઠ તમને મળ્યા કે ના મળ્યા ? તો શેઠ તમને મળ્યા, તો આ બેનને (દીકરીને પરણવાનું) કેમ નહીં મળે ? તમે જરા તો ધીરજ પકડો. વીતરાગ માર્ગમાં છો અને આવી ધીરજ ના પકડો તો તેનાથી આર્તધ્યાન થાય, રૌદ્રધ્યાન થાય.

ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય.

ગમે તે સ્થિતિમાં રાગ-દ્વેષ રહિત !

દેહાધ્યાસ છૂટે તો જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ ! એ બધું દેહાધ્યાસ કહેવાય. કોઈ ગાળ ભાંડે, મારે, આપણી 'વાઈફ'ને આપણી રૂબરૂ ઊઠાવી જાય તોયે મહીં રાગ-દ્વેષ ના થાય તો જાણવું કે વીતરાગનો માર્ગ પકડ્યો છે ! લોક તો પછી પોતાની નબળાઈને લઈને ઊઠાવી જવા દે છેને ! પેલો જબરો હોય તો 'વાઈફ'ને ઊઠાવી જવા દે છેને ?!

ગુનેગાર ન દીઠાં જગતમાં કોઈનેય !

તરછોડ માટે અમારું ચિત્ત બહુ જાગૃત હોય. મોડી રાત્રે રસ્તા પરથી જવાનું બને ત્યારે અમે જાગૃત હોઇએ કે જેથી અમારા બૂટના અવાજથી કૂતરું ના જાગી જાય. એની મહીં યે આત્મા છે ને ? કોઇ અમને પ્રેમથી 'પોઇઝન' આપે તો ય અમે તેને તરછોડ ના મારીએ !

વીતરાગ માર્ગમાં તો કોઇનો ય વિરોધ કે તરછોડ ના હોય. ચોર, ડાકુ, બદમાશો કોઇનાં ય વિરાધક વીતરાગ ના હોય. એમને 'તું ખોટો ધંધો લઇને બેઠો છે' એમ કહે તો પેલાને તરછોડ વાગશે અને તરછોડ વાગે ત્યાં ભગવાનને ના જોઇ શકે. ભગવાન તો એટલું કહે છે કે, એને ય તું તત્ત્વદ્રષ્ટિથી જો. અવસ્થા દ્રષ્ટિથી જોઇશ તો તારું જ બગડવાનું છે. આપણે કાદવમાં ઢેખાળો નાખીએ તો ? કાદવનું શું બગડવાનું છે ? કાદવ તો બગડેલો જ છે, છાંટા આપણને ઊડે. એટલે વીતરાગો તો બહુ ડાહ્યા હતા, જીવમાત્ર જોડે તરછોડ ના વાગે તેમ નીકળી જતા હતા.

દોષિત દેખાયો તે જ દોષ !

વીતરાગોનો માર્ગ શું કહે છે કે કોઇને તમે 'એ ખોટો છે' એમ કહેશો તો તમે જ ખોટા છો. એની દ્રષ્ટિફેર છે એટલે એવું એને દેખાય, એમાં એનો શો દોષ ? કોઇ આંધળો ભીંતને અથડાય પછી આંધળાને ઠપકો અપાતો હશે કે દેખાતું કેમ નથી ? અલ્યા, દેખાતું નહોતું એટલે તો એ અથડાયો. એવું આ જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. આ બધી ક્રિયાઓ થાય છે તે બધી ઊંઘમાં જ થાય છે. સ્વપ્નમાં આ બધું થઇ રહ્યું છે અને મનમાં શું ય માની બેઠા હોય કે આપણે કેટલી બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ. પણ આ સ્વપ્નાની ક્રિયાઓ કામ લાગશે નહીં, જાગૃતની ક્રિયાઓ જોઇશે.

ત્યાં ઉદાસીન રહો !

વીતરાગોનો માર્ગ 'ઑબ્જેક્શન'નો નથી, 'નો ઑબ્જેક્શન' આપવાનો છે. 'ઑબ્જેક્શન' થવાનું થાય ત્યાં ઉદાસીન રહે.

વીતરાગનો માર્ગ કોઈને 'ઓબ્સ્ટ્રક્ટ' કરવાનો નથી. 'એન્કરેજ' કરવાનો છે. જ્યાં 'ઓબ્સ્ટ્રક્ટ' કરવાનું થાય ત્યાં ઉદાસીન રહો.

આ પુણ્યૈએ તો ફસાવ્યા !

જેમ અજ્ઞાનતા વધે, મોહ વધે, તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને શું ય માને કે કેટલી મારી પુણ્યૈ કે મને આ બંગલો મળ્યો, પંખા મળ્યા ! આ તો ઊલટો ફસાતો જાય છે. કાદવમાં ગરક્યા પછી નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ વધારે ફસાતો જાય એવી દશા થાય ! ક્યાં વીતરાગોનો મોક્ષમાર્ગ ને ક્યાં આ દશા ?!

સમ્યક્ આચારે ય કોઈ જગ્યાએ રહ્યો નથી, લોકાચાર થઈ ગયો છે. સમ્યક્્ આચાર તો જોઈને જ આપણે ખુશ થઈ જઈએ.

કમાણીના સ્થાનકોમાં ખોટ !

આ આખો વીતરાગ માર્ગ લાભાલાભનો માર્ગ છે. ધર્મમાં પાંચ આના ય ના છૂટકે જવા ના દેશો. ઉપવાસ કરે ને કહેતો ફરે કે 'બે ઉપવાસ છે ને ત્રણ ઉપવાસ છે' અને છોકરો આવે તેની જોડે કકળાટ માંડે, 'કેમ આજે સવારના દુકાનમાં ગયો નથી ?' અલ્યા, દુકાનને તો તારે શું તોપને બારે ચઢાવવી છે ? તું તારી મેળે ઉપવાસ કરને ! છોકરો કહેશે કે, 'જરા આજે મારાથી જવાયું નહીં' એટલે પેલો કકળાટ માંડે. આ બાજુ માજી આ રૂમમાં, ઉપવાસમાં બેઠાં હોય ને પેલા રૂમમાં પ્યાલા ખખડ્યા એટલે 'એ શું થયું ? શું ફૂટ્યું ?' કરે. માજી, તમારો આત્મા ફૂટ્યો ! એક પ્યાલો ફૂટ્યો તો ત્યાં આગળ ચિત્ત જાય. આ બધી નરી ખોટ જ ખાય છે.

વીતરાગ માર્ગના માણસનું જીવન ઉપયોગમય જોઈએ. એ ઉપયોગ કેવો હોય કે અશુભ થતું હોય, એમાંથી શુભને ગ્રહણ કરે.

આદર્શ વ્યવહાર, ત્યાં વીતરાગ માર્ગ !

આ વીતરાગ માર્ગ છે. એમાં વ્યવહાર આદર્શ થાય તો વીતરાગ થવાય. વ્યવહાર છોડવાનો નથી, આદર્શ કરવાનો છે. વ્યવહાર આદર્શ ક્યારે થાય ? આત્મજ્ઞાન થાય ત્યારે. આત્મજ્ઞાન ક્યારે થાય ? 'જ્ઞાની પુરુષ' ભેદજ્ઞાન કરાવે ત્યારે.

'વ્યવહાર ચારિત્ર' કોને કહેવાય ? વીતરાગ માર્ગમાં હોય તેને. વીતરાગ માર્ગમાં હોય એટલે કે કોઈ ધર્મને પરાયો માનતો ના હોય, છતાં વીતરાગ ધર્મને પોતાનું ધ્યેય રાખતો હોય. વીતરાગોને માન્ય રાખે ને બીજા કોઈને અન્યાય ના કરે. કોઈ ધર્મ પર, કોઈના પર દ્વેષ ના રહે ત્યારે 'વ્યવહાર ચારિત્ર' કહેવાય !

'જેના વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા.' વાણી મનોહર જોઈએ, વર્તન મનોહર જોઈએ અને વિનય મનોહર જોઈએ. વીતરાગોનો માર્ગ વિનય છે. પરમ વિનયથી મોક્ષ થાય. બીજું કશું જાણવા-કરવાની જરૂર નથી. જાણવાવાળા તો કંઈક જાણીજાણીને થાકી ગયેલા. વીતરાગનો માર્ગ પરમ વિનય માગે છે. એમને બીજું કશું જ જોઈતું નથી.

ભૂલો ધોવાનો માર્ગ !

પ્રશ્નકર્તા : ભૂલો થઈ તેનાં ગમે ત્યારે પ્રતિક્રમણ કરવાં પડશેને ?

દાદાશ્રી : કંઈ વાંધો નહીં. ભૂલો જાણી તો બહુ થઈ ગયું. પ્રતિક્રમણ તો કોઈને બહુ દુઃખ થયું હોય ત્યારે કરવું.

આપણો આ અક્રમ માર્ગ, તે કર્મો ખપાવ્યા વગરનો માર્ગ. એટલે આ નિર્બળતા ઊભી થયા વગર રહે નહીં. હવે જેને કોઈને, એકલી માનસિક નિર્બળતા ઊભી થાયને, તો મનનું એકલું પ્રતિક્રમણ કરવાનું. બધું લાંબું પ્રતિક્રમણ કરવાનું રહ્યું નહીં ને પ્રતિક્રમણ કર્યું એટલે એ ચોખ્ખું થઈ ગયું. પણ જે માલ ભરેલો છે એ નીકળ્યા વગર રહે નહીંને ! નિર્બળતા ઊભી થાય છે છતાં મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરે એ ગુનેગાર નથી. પણ પ્રતિક્રમણ કરવાથી એ દાદાની આજ્ઞામાં જ છે. આ તો એકદમ શક્તિ ક્યાંથી લાવે ? તે અતિક્રમણ તો થાય પણ પ્રતિક્રમણ કરી લઈએ ! છતાં આપણું જ્ઞાન કેવું છે કે ગમે તેવાં સંજોગોમાંથી બચી શકે ખરો ! તે એનું નામ જ્ઞાન કહેવાય. એવું છે કે આપણો આ વીતરાગ માર્ગ છે, એમાં ગમતું હોય ત્યાં સુધી અતિક્રમણ થાય પણ ના ગમતું થયું એટલે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખ્યું.

નડે દોષો, ખાણી-પીણી નહીં !

આ પ્રતિક્રમણ એટલે 'શૂટ ઓન સાઈટ'. 'શૂટ ઓન સાઈટ' એટલે દોષ થતાંની સાથે જ એનું નિવારણ કરી નાખવું, તરત જ 'ઓન ધી મોમેન્ટ, શૂટ ઓન સાઈટ !' જાગૃતિ એટલી બધી રહે કે 'શૂટ ઓન સાઈટ' કર્યા વગર રહે જ નહીં. એક પણ દોષ જોયાની બહાર ન જાય. અને તો માણસના દોષો ખાલી થઈ જાય છે અને નિરંતર સંયમ રહે ! નિરંતર સંયમ !! બધાને કહેલું કે રસ-રોટલી ખાજો, ઘી લેજો, બધું લેજો, બધું ખાજો અને નિરંતર સંયમમાં રહે એવો વીતરાગનો માર્ગ છે.

એકાવતારી પદની પ્રાપ્તિ !

અનંત દોષનું ભાજન છે ત્યારે એટલાં જ પ્રતિક્રમણ કરવાં પડશે. જેટલા દોષ ભરી લાવ્યા છે, તે તમને દેખાશે. જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી દોષો દેખાય, નહીં તો પોતાના દોષ પોતાને દેખાય નહીં એનું નામ જ અજ્ઞાનતા. પોતાના દોષ એકુંય દેખાય નહીં ને કો'કના જોવા હોય તો બધા બહુ જોઈ આપે, એનું નામ મિથ્યાત્વ. અને જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી, દિવ્યચક્ષુ આપ્યા પછી પોતાને પોતાના સર્વ દોષ દેખાય. સહેજ પોતાનું મનફેર થયું હોય તોય ખબર પડી જાય કે આ દોષ થયો. 'આ' તો વીતરાગ માર્ગ એક અવતારી માર્ગ છે. આ તો બહુ જવાબદારીવાળો માર્ગ છે. એક અવતારમાં બધું ચોખ્ખું જ થઈ જવું જોઈએ. અહીં પહેલું ચોખ્ખું થઈ જવું જોઈએ.

સર્વ કાળે, સર્વ સમાધાની જ્ઞાન !

ખુલાસા થયા વગર મન સ્થિર ના થાય. અને મન સ્થિર ના થાય, ત્યાં સુધી વીતરાગનો માર્ગ મળે નહીં. એટલે વીતરાગનો માર્ગ એડજસ્ટ(માફક) ક્યારે થાય ? મન સ્થિર થાય તો. વીતરાગોનું મન બહુ સ્થિર રહેતું હતું. એટલે ગમે તે ટાઈમે એટ એની ટાઈમ, એની મોમેન્ટ અને ગમે તે થાય તોય પણ સમાધાન રહે. સર્વ સમાધાની જ્ઞાન કહેવાય આ કોઈ પણ સંજોગોમાં !

હવે એ તો દુનિયામાં બનતું નથી. એવું આ બન્યું છે, લોકો તો લાભ લઈ ગયા. હજારો લોકો લાભ લઈ ગયા.

આથમશે નહીં તેવો આત્મ ઉજાસ !

વીતરાગોની વાત આવી જૂઠ્ઠી નીકળે કાંઇ ? સાસુ-વહુના જેવી કંઇ લાગે ? નહાવાની કટેવ પડી છે તેથી કાદવ ચોપડે છે. હવે આ કટેવ જાય નહીં ત્યાં સુધી કાદવ ચોપડ્યા વગર રહેવાનો નથી. એના કરતાં ભગવાનને ઓળખો, આત્માને જાણો. આત્મા જાણ્યો તેણે બધું જાણ્યું અને આત્મા નથી જાણ્યો તો જંગલમાં જઇને પોક મૂક કે જેથી નિરાંતે ધરાઇને રડવાનું ય મળે ! અહીં તો ધરાઇને રડવાનું ય ના મળે. વીતરાગના માર્ગમાં તો એક શબ્દમાં નર્યું સુખ વર્તાતું હોય. આ 'દાદા'એ કોને ત્યાગ આપ્યો છે ? નથી પચ્ચખાણ આપ્યા, નથી ત્યાગ આપ્યો. જો, એમ ને એમ કેવું સુખ વર્તે છે બધાંને ! ને પાછું ખૂટે નહીં એવું સુખ !! આથમતો જ નથી એવો ઉજાસ આપ્યો છે, અનંત ઉજાસ !!!

જય સચ્ચિદાનંદ