દેવું : ઉઘરાણી સંપાદકીય કળિયુગની લક્ષ્મી કમાતાં ય દુઃખ, સાચવતાં ય દુઃખ, વાપરતાં ય દુઃખ, બધી રીતે દુઃખ જ આપ્યા કરે ! પૈસા કેમ બચે, એમાં જ આખો દહાડો ધ્યાન રહે એ લોભની ગાંઠ. પછી આમ બચાવું, તેમ બચાવું, એકમાંથી અનેક ગણા શી રીતે થાય ? તે વ્યાજે મૂકીને બે ગણા-ત્રણ ગણા કરું. શેરબજારમાં ખૂબ કમાઈ લઉં. એવી બુદ્ધિ ઊભી થાય. પણ છેવટે વધુ વ્યાજ ખાવા જતાં પોતાની મૂડીયે ખોઈ નાખી એવા કેટલાંયના અનુભવ છે. કારણ કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. પ્રાઈવેટ એજન્સીઓમાં અઢી ટકા ને ત્રણ ટકા વ્યાજ આપે થોડા વખત સુધી, પછી એ કંપની બેસી જાય તે વ્યાજે ય ન આવે ને મૂડી યે ડૂબી જાય. આમ મૂરખ બની જાય છે લોકો. પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશાં કહેતા શેરબજારના સોદામાં ના પડશો. શેરના કાગળીયા થઈ જશે ! ધંધા મોટા કરીને ખૂબ કમાઈ લઈએ એવી દાનતોથી ધંધો પહોળો કર્યો પણ ઉઘરાણીમાં પૈસા અટવાઇ ગયા. સુખી થવાને બદલે દુઃખી થઇ ગયા. એ પૈસા કઢાવતાં ય કેટલાંય કકળાટ ને કેટલાંય ખરાબ કર્મો બંધાઇ જાય. પરમ પૂજ્ય દાદાશ્રી જેને મોક્ષે જવું છે, સંસારમાંથી નિવેડો લાવવો છે તેને સહજ પ્રયત્નો, પ્રતિક્રમણોનો રસ્તો બતાડે છે, જે પ્રસ્તુત સંકલનમાંથી પ્રાપ્ત થાય છે. ઉઘરાણી એ રાણી મહાઉપાધિ કરાવે છે તેમ બીજી બાજુ લોકોને ચૂકવવાના હોય છે, તે દેવું યે એટલું જ મૂંઝવે છે. પૈસા આવે નહીં તો લોકોને ચૂકવે શી રીતે? પણ દેવા વધી ગયા હોય તેણે તો એક જ ભાવના સ્ટ્રોંગ રાખવી જ જોઇએ કે મારે બધાને પઇએ પઇ ચૂકવી જ દેવી છે અને જેની પાછાં ચૂકવી દેવાની દાનત છે, તેને કુદરત સહાય કરે છે જ ! ઉઘરાણી અને દેવામાં ફસાઈ ગયેલાઓને બહાર નીકળવાનો રસ્તો પ્રસ્તુત સંકલનમાંથી પ્રાપ્ત થાય છે, જે સમજણ એને આ ભવ ને પરભવમાં સેફસાઇડ રાખશે ! એ જ અભ્યર્થના ! દીપકના જય સચ્ચિદાનંદ પરિણામ કાળા નાણાનાં ! પ્રશ્નકર્તા : પણ લોકોને હમણાં પૈસાની જરૂર છે ને ? દાદાશ્રી : હા, પણ તેથી આવાં સજ્જડ દુર્ધ્યાન કરાતાં હશે ? આ નહાવાનું ય રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નહાવા માટે ધ્યાન નથી બગાડતા ? અત્યારે તો પાણી નથી મળતું તે તેમાં ય ધ્યાન બગાડે છે, પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું, નહીંતર નહીં, પણ ધ્યાન બગડવું ના જોઈએ. પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે, તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી થાય. આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની 'પોતાની' નથી, આ તો માત્ર નૈમિતિક ક્રિયા કરવાની હોય. પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઇચ્છા રાખે, પછી ફળ કેવાં આવે ? આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઉતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઈને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલનાં પાણી જેવું છે. તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે ચેતીને ચાલજો. આમ ક્રિયા નકામી જાય ! એવું છે ને, નાનપણથી લોકો પૈસા કમા કમા કરે છે, પણ બેન્કમાં જોવા જાય તો કહેશે, 'બે હજાર જ પડ્યા છે !' અને આખો દહાડો હાય વોય, હાય વોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ. હવે અનંત શક્તિ છે ને તમે મહીં વિચાર કરોને તેવું બહાર થઈ જાય એટલી બધી શક્તિ છે, પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તો ય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે. આંધળો વણે અને વાછડો ચાવે એનું નામ સંસાર. આંધળો આમ દોરડું વણ્યા કરતો હોય, આગળ આગળ વણ્યા કરતો હોય, અને પાછળ દોરડું પડ્યું હોય તે પેલો વાછડો ચાવ્યા કરે. તેમ અજ્ઞાનીની ક્રિયા બધી નકામી જાય છે, અને પાછો મરીને આવતો ભવ બગાડે તે મનુષ્યપણું પણ ના મળે ! આંધળો જાણે કે ઓહો, પચાસ ફૂટ દોરડું થયું છે ને લેવા જાય ત્યારે કહેશે, 'આ શું થઈ ગયું ? અલ્યા, પેલો વાછડો બધું ચાવી ગયો !' આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે, પેલો બળદને ખોળ આપે, ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેફું આપે એટલે ચાલ્યું, આખો દહાડો બળદની પેઠે ઘાણી કાઢ કાઢ કરે છે. મૂડી રોકાણની સમજ ! પ્રશ્નકર્તા : પૈસો ચાર જગ્યાએ રોકવો એવું આપે કહ્યું છે તો એ કઈ કઈ ચાર જગ્યાઓ ? દાદાશ્રી : એક તો આપણે બેન્કમાં વ્યવહાર કરવા, ચલાવવા માટે જોઈએ ને ? રોકડા ! પછી છે તે આ મકાનમાં, સ્થાવર મિલકતમાં ! પછી સ્થાવર-જંગમમાં, એટલે સોનું અને પછી વેપારમાં. પ્રશ્નકર્તા : આ જરા વિગતવાર સમજાવોને ? દાદાશ્રી : રૂપિયાનો સ્વભાવ હમેશાં કેવો છે ? ચંચળ, એટલે તમારે દુરુપયોગ ના થાય એ પ્રમાણે સદુપયોગ કરવો. એને સ્થિર નહીં રાખવા. કારણ કે નિયમ એવો છે કે આ સંપત્તિ કેટલા પ્રકારની કહેવાય ? ત્યારે કહે કે એક જંગમ ! જંગમ સંપત્તિ એટલે આ ડૉલર ને એ બધું. અને સ્થાવર તે મકાન ને એ બધું. પણ તેમાંય વધારે પડતું આ સ્થાવર નભે. આ સ્થાવર-જંગમ નભે અને રોકડું ડૉલર ને એ હોય એ તો ચાલ્યા જ જાણો ને ! એટલે રોકડા પૈસાનો સ્વભાવ કેવો ? દસ વર્ષથી અગિયારમે વરસે ટકે નહિ. પછી સોનાનો સ્વભાવ તે ચાળીસ-પચાસ વર્ષ ટકે અને સ્થાવર મિલકતનો સ્વભાવ સો વરસ ટકે. એટલે મુદત બધી જુદી જુદી જાતની હોય. પણ છેવટે તો બધું ય જવાનું જ. એટલે આ બધું સમજીને કરવું આપણે. આ વણિકો પહેલાં શું કરતા હતા, રોકડ રકમ પચીસ ટકા વ્યાપારમાં નાખે. પચીસ ટકા હાથ ઉપર રાખે. પચીસ ટકા સોનામાં અને પચીસ ટકા મકાનમાં. આવી રીતે મૂડીની વ્યવસ્થા કરતા હતા. બહુ પાકા લોકો ! અત્યારે તો છોકરાને શીખવાડ્યું યે નથી હોતું આવું ! કારણ કે વચ્ચે મૂડીઓ જ રહી નથી તો શું શીખવાડે ? આ પૈસાનું કામ એવું છે કે અગિયારમે વરસે પૈસો નાશ થાય હમેશાં. દસ વર્ષ સુધી ચાલે. તે આ સાચા પૈસાની વાત. ખોટા પૈસાની તો વાત જુદી ! સાચા પૈસા તે અગિયારમે વરસે ખલાસ થાય ! પ્રશ્નકર્તા : એટલે જતા રહે, દાદા ? દાદાશ્રી : એ સ્વભાવ જ છે. ચંચળ સ્વભાવ. ત્યારે લોક શું કહે છે ? ના, અમે કાઢી નાખતા નથી ! ત્યારે કહે, પંચ્યાશીની સાલ થઈ, તે અગિયાર વર્ષ પહેલાં કઈ સાલ હતી ? પ્રશ્નકર્તા : ચુમ્મોતેર. દાદાશ્રી : તે ચુમ્મોતેર પહેલાંનું નાણું આપણી પાસે કશું ના હોય ! આ ચુમ્મોતેર પછી જે નાણું કમાયા એટલું દસ વર્ષ જો આપણે ના કમાઈએ તો ખલાસ ! હવે આ લોક કહેશે, 'મારા તો અઢાર વર્ષથી પૈસા બેન્કમાં જ છે. એ ટક્યા છે જ ને ?' ત્યારે અમે કહીએ, 'ના અત્યારે '૮૫ની સાલમાં તમારી પાસે લક્ષ્મી કઈ હોય ? ૧૯૭૫ સુધીની જ હોય. એ તમે હિસાબ કાઢશો તો જડશે. '૭૫ પહેલાંની તો ગમે ત્યાં વપરાઈ જ ગયેલી હોય. આ પંચોતેર પછીની દસ વર્ષથી જે હોય તે. હિસાબ કાઢે તો ખબર પડે કે ના પડે ? હવે જ્યારે '૮૬ થશે ત્યારે છોંતેર પછીની લક્ષ્મી. એક દસકો જ જો માણસને ખરાબ આવ્યો તો ખલાસ થઈ જાય ! ઊડી જાય ! હવે વધુ કલ્પવાની જરૂર નહિ. બધું 'વ્યવસ્થિત' છે. નિરાંતે આરામથી સૂઈ જવું. આ તો ચિંતાવાળાને આ બધી ભાંજગડો ! એમને બધી ભાંજગડો જોઈએ આ બધી ! નહિ તો આખી રાત ઊંઘવાનું કેમ ફાવે ? એટલે થોડું થોડું જોઈએ. પ્રશ્નકર્તા : પણ દાદા, ધંધામાં તો સ્પેક્યુલેશન રાખવું જ પડે ને ? સ્પેક્યુલેશન ધંધામાં કરો એટલે પૈસા આવતા-જતા, વધતા-ઓછા થયા જ કરવાના. તો તમે કેવી રીતે સમય બાંધો ? દાદાશ્રી : હું શું કહું છું કે '૭૪માં નાણું આવ્યું હોય તે અત્યારે '૮૫માં ખલાસ થઈ ગયેલું હોય. કાયદો એવો છે. પછી સ્થાવર-જંગમ છે. તે આ સોનું કહેવાય. તેને માટે અમુક વરસ છે. હવે સોનું વેચવું હોય તો એના તરત પૈસા આવે એવું છે માટે એને સ્થાવર-જંગમ કહેવાય. એ ડૉલર જેવું છે ? ત્યારે કહે, ના. એ પછી બૈરી કચકચ કરે કે સોનું ય પહેરવા નથી દેતા. એટલે એમ કરીને મોડું-વહેલું થાય અને મકાન ? લોક શું કહેશે ? ફ્રેન્ડ શું કહેશે ? મકાન ના વેચવા દે એટલે એય મોડું થાય અને રોકડા ડૉલર ? તરત મૂકી આવે ! સાઠ હજાર મૂકી આવે ને ! ડૉલર હાથમાં હતા ને તે મૂકી આવે ને ! આવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : જે પ્રમાણે આવે એ પ્રમાણે લેવું ઈશ્વરની ઇચ્છાએ. દાદાશ્રી : હા, એ તો ઉત્તમ. ઈશ્વરની ઇચ્છા શું ? આ તો આપણું પ્રારબ્ધ જ. આપણું જ આ રીએક્શન આવે છે. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. આપણું જ પ્રારબ્ધ છે આ, બસ ! એટલે એ પ્રમાણે રહેવું. શેરબજારથી ચેતો ! પ્રશ્નકર્તા : સોનામાં રોકાણ રાખવું જોઈએ ? દાદાશ્રી : સોનામાં રાખવું જોઈએને ! આ પહેલાંના જમાનાના હિસાબ છે. અત્યારે આપણને વ્યાજમાં નુકસાન થતું હોય તો સોનું ના લેવું. પણ જોડે જોડે રોકડ જતાં રહેશે એવી ખાતરી રાખવી ! સોનું જરા વાર લાગે. અત્યારે તો તરત એનું એ જ કહેવાય ને ! પહેલાં તો શું થાય ? લોકોમાં ખોટું દેખાય કે મારે સોનું વેચવાનો વખત આવ્યો ! આ કાયદા બાંધેલા ને, તે ટાઈમ જ જુદો હતો ! સોનું વેચવાનો વખત આવ્યો, તો લોક શું કહે ? સોનું ના વેચશો, હં આપણે. તે સોનું રહેવા દે ને ચલાય ચલાય કરે. પછી જરૂર પડે તો જમીન-ખેતર, અરે, ઘર વેચવાનો વખત આવે ! અને રોકડા હોય તો તરત શેરબજારમાં જઈને શેર ખરીદી કરી આવે. પ્રશ્નકર્તા : શેરબજારમાં સટ્ટાબાજી કરવી કે સોનું લેવું સારું ? દાદાશ્રી : શેરબજારમાં તો જવું જ ના જોઈએ. શેરબજારમાં તો ખેલાડીનું કામ છે. આ વચ્ચે ચકલાં બફાઈ મરે છે ! ખેલાડી લોકો ફાવી જાય છે આમાં. બધા પાંચ-સાત ખેલાડીઓ ભેગા થઈને ભાવ નક્કી કરી નાખે. એમાં આ ચકલાં મરી જાય વચ્ચે ! એમાં કો'ક તો ફાવે જ છે ને ! પેલા ખેલાડીઓ ફાવે છે આમાં અને નાના જે ચરાવી ખાતા હોય ને તે ખર્ચા કાઢે છે ! કારણ કે રાત-દા'ડો એની પર જ નિર્ભર કરવાનું હોય. આ વચલાવાળા જે આમ અહીંથી કમાઈને આમ નાખે, તે માર્યા જાય. એટલે અમારા સગા હતા તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમને કહ્યું કે આ કરશો નહિ. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ૧૧ વરસે નાણું ખલાસ થઈ જાય તો કે દસ વરસ થાય ને પછી આપણે એ પૈસાનું સોનું ખરીદી લઈએ તો એ ટકે ને ? દાદાશ્રી : નવ વરસે સોનું લઈ લે તો પાછું ટકે. પણ એ બુદ્ધિ ત્યારે ના રહે. એ કહે, સોનાનું પણ વ્યાજ ના આવે ને ! માટે મૂકી આવો ને આપણે સાઠ હજાર. એ બુદ્ધિ એવું કહે કે જો વ્યાજે મૂકી આવીશું તો બાર મહિને છ હજાર ડૉલર આવશે. એટલે આ પૈસાને ધીમે ધીમે સારા ઉપયોગમાં વાપરવા. કાં તો મકાન બાંધી દેવું ઘેર. કંઈ થોડા-ઘણા સોનામાં રાખવા. પણ બધું બેન્કમાં ના રાખવું. નહિ તો કો'ક દહાડો મળી આવશે ને ગુરુ કે શેરબજારમાં ભાવ સારા છે હમણે. એ લાલચમાં નાખ્યો કે પડ્યો એ ! પેલાના સાઠ હજાર ગયા ને ! વધવાના લોભે ખોયા શેરમાં ! એ તો એક જણની લોભની ગાંઠ છૂટતી નહોતી પછી શેરબજારમાં એણે સોદા કર્યાને, પછી મને કહે છે, દાદા ! મારા ગઈ સાલ સાઠ હજાર ફસાયા છે. ત્યારે મેં કહ્યું, મૂઆ ત્યાં આગળ તો લોભની ગાંઠ છૂટતી નથી, ને પાછું આ શું કર્યું ? ત્યારે કહે, લોભના હારુ જ ! અને સાઠ હજાર જવા બેઠા છે ! તે વિધિ કરી આપો. તે વિધિ કરી આપી તો દસ-પંદર હજાર વખતે પાછા આવ્યા. ત્યારે મૂઆ આમ જતા રહે, એના કરતાં આપણે સારી રીતે ડહાપણ ના વાપરીએ ?! એક મહાત્મા કહે છે કે શેરનું કામકાજ મારે બંધ કરી દેવું કે ચાલુ રાખવું ? મેં કહ્યું, બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું એનું મહીં ખેંચી લો નાણું. હવે બંધ કરી દેવું જોઈએ. નહીં તો આ અમેરિકા આવ્યા ન આવ્યા જેવું થઈ જશે ! હતા એવા ને એવા. કોરે પાટલે જવું પડશે ઘેર ! કોઈને આપેલા હોયને, તે તો બિચારો ખલાસ થઈ ગયો હોય ને તો ય પેલો સંભારે કે ના ભાઈ, મેં એમના લીધેલા છે. ને એ કમાયો હોય તો આપણને બોલાવે કે આવજો મારે ત્યાં, પણ આ કોને ત્યાં બોલાવે ? સ્હેજમાં, આ તો દૂધે ધોઈને ખોઈ નાખ્યા ! વ્યાજની લ્હાયમાં, પડતી ! પ્રશ્નકર્તા : તમે એવો પ્રશ્ન કર્યો કે પૈસાને શું કર્યા ? પૈસાને ક્યાં મૂક્યા ? દાદાશ્રી : એવું છે ને, ગઈ કાલે પૈસા આવેલા હોય ને તે રાત રાખે નહીં. તરત ધીરેલા હોય એક ટકાના ભાવે. એનો ક્યારે પાર આવે ? હંમેશાં વ્યાજ ખાવાની શરૂઆત માણસ કરે. વ્યાજની લાઈનમાં પડેલો એ માણસ મટીને શું થાય છે એ ભગવાન જ જાણે ! તમે બેન્કમાં મૂકો તેનો વાંધો નહિ, બીજા કોઈને ધીરો તેનો વાંધો નહિ, પણ લ્હાયવાળો દોઢ ટકાને, સવા ટકાને બદલે અઢી ટકાને, ત્રણ ટકા એ લ્હાયમાં પડ્યો. એ માણસ શું થશે એ કહેવાય નહિ, એવું અત્યારે બધાને થયું છે. આપણે અહીં તો એટલું બધું નાણું હોય ક્યાંથી ? પણ આ લ્હાયમાં પડ્યાને ?! પદ્ધતિસરનું વ્યાજ હોય ત્યાં સુધી ચાલે. નહીં તો માણસનું લોહી લુપ્ત થઈ જાય. એમને કોઈ દહાડો મોક્ષે જવાની ટિકિટ નહીં મળે. કારણ કે એને માટે તો પૈસા જ બધું છે. ધંધો વ્યાજ-વટાવનો ! બીજું, માણસે વ્યાજ નહીં લેવું જોઈએ. વ્યાજ ખાનારો માણસ ક્રુઅલ (દુષ્ટ) થતો જાય. સ્ત્રીને, બેનને રૂપિયા વ્યાજે આપ્યા હોય તોય ક્રુઅલ્ટી કરે. પણ અત્યારે આપણી પાસે એવું નથી. માટે બેન્કો લે તે પ્રમાણે લેવું. કોઈને ધીરવા નહીં ખાસ કરીને. એનાથી ના આપી શકાય ત્યારે દુઃખે ય થાય એટલું. ભયંકર દુઃખ થાય. કોઈ માણસને અંગત ના ધીરવું જોઈએ. નહીં તો માણસનું મન પછી ખાટકી થઈ જાય. એટલે અમે તો અમારા ભાગીદારને પહેલેથી કહેલું કે આપણે વ્યાજ આપીને લાવો અને આપણે વ્યાજ ના લેવું. પ્રશ્નકર્તા : આપણે કોઈને ધંધા માટે હજાર, બે હજાર ડૉલર આપ્યા પછી એ લોકોને એટલું કહ્યું હોય કે હું વ્યાજ લઈશ, બેન્કમાં જેટલું થાય છે તેટલું લેવાનું, તો ચાલે ? દાદાશ્રી : વ્યાજ લેવામાં વાંધો નહીં. આ તો વ્યાજ લેવાનો વ્યાપાર કર્યો હોય, ધંધો જ વ્યાજ-વટાવનો. તમારે શું કરવું જોઈએ ? જેને ધીર્યા એને કહેવું જોઈએ કે બેન્કમાં જે વ્યાજ છે તે તારે મને આપવું પડશે. હવે છતાં એક માણસની પાસે વ્યાજે ય નથી, મૂડી યે નથી તો એની પાસે મૌન રહેવું. એને દુઃખ થાય એવું નહિ વર્તવું. એટલે આપણા પૈસા ગયા છે એમ માનીને ચલાવી લેવું. પ્રશ્નકર્તા : પછી પાછું આપ્તવાણીમાં કહ્યું છે કે આપતી વખતે એમ કહેવાનું કે ક્યારે પાછા આપવાનો છે ? વરસે-દોઢ વરસે આપી જજે, પણ અંદરખાને એમ માનવાનું કે ગયા ખાતે જ છે. દાદાશ્રી : ગયા એવું માનીને જ તમે ચાલો. દરિયામાં પડી ગયું હોય ત્યારે શું ખોળીએ છીએ કોઈની પાસે ? ના ખોળીએને ? હવે આ હીરાની વીંટી પહેરીને ફરતા હોય ને કોઈ ગુંડો આવીને કહેશે કે 'એય, આપી દો !' તો બધું આપી દેવું પડે કે ના આપી દેવું પડે ? ત્યાં ક્લેઈમ છે કોઈ જાતનો ? નાણાંનો સ્વભાવ કેવો ? જતો રહેવાનો. ટાઈમે જતું રહે. માટે મનમાં આ ભાવ તોડી નાખો ને નક્કી કરો કે બળ્યો આ વ્યાજનો ધંધો જ નથી કરવો. પ્રશ્નકર્તા : નથી બીજો ધંધો. દસ વરસ થયા. નવો કંઈ ધંધો નથી. દાદાશ્રી : એ તો એવું છે, નવો નથી. એ તો ફસાવે એટલે બધાને વૈરાગ્ય આવે. હવે ફસાવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે આ ટાઈમ ફસાવાનો છે. કારણ કે અત્યાર સુધી લે લે કર્યા, સીઝનો સારી આવી. પણ હવે સીઝન ઊડી જાય છે. ચાલો હવે સત્સંગની વાતો કરો. અનંત અવતાર બહુ ભટક્યા. ધોળા વાળ આવ્યા ને ત્યાંથી સિગ્નલ પડી ગયું. પ્લેટફોર્મ આવ્યું ઊતરવાનું ! અને તો ય રૂપિયા છોડ્યા નહિ, એટલે ભગવાને કહેલું શાસ્ત્રમાં કે જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કરજો. ...એ ફરી આવવાના નથી, આ કાળમાં ! કોઈને રૂપિયા આપ્યા હોય, બે ટકાના વ્યાજે કે દોઢ ટકાના વ્યાજે કે પછી ત્રણ ટકાના વ્યાજે, પણ ફરી કોઈ દહાડો દેખાવાના નથી એવી રીતે આપવા. એટલે જ્યારે પછી પાછા આવે ત્યારે નફો જાણવો. એક વખત તો રૂપિયા આપવા જ નહીં. ને અપાઈ ગયા પછી એની ચિંતા-ઉપાધિ કરવાની ના હોય, કારણ કે તમારા હાથમાં સત્તા જ નથી. આ મનુષ્યોના હાથમાં જીવવાની યે એક ઘડીવાર સત્તા જ નથી. કઈ સેકન્ડે મરી જશે એનું ઠેકાણું નથી, ને રૂપિયાની ચિંતા કર્યા કરે છે. અલ્યા, રૂપિયાની ચિંતા થતી હશે ? પુણ્યૈ પ્રકાશે ત્યારે... તેથી અમે કહીએ છીએ કે આપણી પુણ્યૈનું ખાવ. પુણ્યૈ કોનું નામ ? ઘેર સવારના સાડા પાંચ વાગ્યે ઉઠાડે કે 'ભઈ, અત્યારે બંગલો બંધાવવો છે, ને એનો કોન્ટ્રાક્ટ તમને આપવો છે !' જો માણસ પોતે દોડધામ ન કરતો હોય તો ય 'વ્યવસ્થિત' એને ઉઠાડવા આવે અને એ પોતે દોડધામ કરતો હોય, બંગલો બંધાવવા સારું, તો વ્યવસ્થિત શું કહેશે કે 'થાય છે હવે !' આવું 'વ્યવસ્થિત' છે ! આ 'વ્યવસ્થિત'ની બહાર કશું થાય એવું નથી. છતાં આપણે 'વ્યવસ્થિત'નો અર્થ એવો ના કરવો જોઈએ કે આપણે સૂઈ રહો. બધું થઈ જશે. જો 'વ્યવસ્થિત' કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. છતાં પ્રયત્નો તે તો 'વ્યવસ્થિત' કરાવે એટલા જ કરવાના હોય. પણ આપણી ઇચ્છા શું હોવી જોઈએ ? પ્રયત્ન કરવાની. પછી 'વ્યવસ્થિત' જેટલા કરાવે એટલા પ્રયત્ન. પ્રયત્નમાં પછી, દસ વાગ્યાથી ઉઘરાણી માટે હેંડવા માંડ્યા. પેલો ભઈ ભેગો ના થયો, તો પછી બાર વાગ્યે ગયા, તો ય ભેગો ના થયો, તો પછી ઘેર આવીને ફરી પાછા દોઢ વાગ્યે જઈએ એવું નહિ કરવાનું. પ્રયત્ન એટલે એક ફેરો જઈ આવવાનું ફરી પાછો વિચાર નહીં કરવાનો. આ તો પ્રયત્ન કરે તો કેટલા ધક્કા ખા ખા કર્યા કરે. પ્રયત્ન તો સહજ પ્રયત્ન હોવા જોઈએ. સહજ પ્રયત્ન કોનું નામ કહેવાય કે આપણે જેને ખોળતા હોય તે સામો મળે. આમ એને ઘેર જઈએ તો જડે નહીં, પણ આપણે પાછાં હેંડતી વખતે ભેગો થઈ જાય. અમને બધું સહજ પ્રયત્ને થાય. સહેજાસહેજ હિસાબ બધો ગોઠવાયેલો. કારણ કે અમારે ડખો નહીં ને કોઈ જાતનો ! પોતાના પૈસા પાછાં માંગતી વખતે... પ્રશ્નકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ એની પાસેથી પાછા લેવાના હોય અને એ ના આપે, તો એ વખતે આપણે પાછા લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂકતે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું ? દાદાશ્રી : એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો. પ્રશ્નકર્તા : પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો ઘેર બેઠા આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું ? દાદાશ્રી : ના, ના. એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, 'અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો.' એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે. પ્રશ્નકર્તા : એટલે એના માટે સામાન્ય પ્રયત્ન કરી જોવાનો ? દાદાશ્રી : સામાન્ય એટલે એને કહેવાનું કે, 'ભાઈ, અમારે પૈસાની જરા ભીડ છે. આપની પાસે હોય તો જરા જલદી મોકલી આપો તો સારું.' લેનારાનો જેટલો વિવેક હોય ને, એવો વિવેક આપણે રાખવો જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછાં લેતી વખતે રાખવો. આ સંસાર તો બધું પઝલ છે. આમાં માણસ માર ખાઈ ખાઈને મરી જાય ! અનંત અવતારથી માર ખા ખા કર્યો અને છૂટકારાનો વખત આવે ત્યારે પોતે છૂટકારો ના કરી લે તો પછી ફરી છૂટકારાનો આવો વખત જ ના આવે ને ?! અને છૂટેલો હોય તો જ છોડાવડાવે, બંધાયેલો આપણને શું છોડાવડાવે ? છૂટેલા હોય એનું મહત્ત્વ છે. આપણને એક દહાડો વિચાર આવે કે 'આ પૈસા નહીં આપે તો શું થશે ?' એ આપણું મન પછી નબળું પડતું જાય. એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય ? તો આપતાં પહેલાં જ આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં. ...તો ઘેર બેઠાં નાણું આવે ! ખરી રીતે તો એવું છે કે તમારું વિચારેલું નકામું નહીં જાય. તમારું બોલેલું નકામું જાય નહીં. તમારું વર્તન નકામું જાય નહીં. અત્યારે તો લોકોનું બધું કેવું જાય છે ? કશું ઊગતું નથી. વાણી ય ઊગતી નથી. વિચારો ય ઊગતા નથી. ને વર્તને ય ઊગતું નથી. ત્રણ ત્રણ વખત ધક્કા ખાય તો ય ઉઘરાણીવાળો મળે નહીં. તે વખતે મળે તો પેલો દાંતિયા કરે, આમ તો કેવું છે કે ઘેર બેઠાં નાણું આપવા આવે એવો આ માર્ગ છે. પાંચ-સાત વખત ઉઘરાણી કરી હોય ને છેવટે કહે કે મહિના પછી આવજો, તે ઘડીએ તમારાં પરિણામ ના બદલાય તો ઘેર બેઠાં નાણું આવે. તમારાં પરિણામ બદલાઈ જાય છે ને ? આ તો અક્કલ વગરનો છે. નાલાયક માણસ છે, આ ધક્કો માથે પડ્યો. એવાં પરિણામ બદલાયેલાં હોય તો ફરી વાર તમે જાવ તો પેલો ગાળો દે. તમારાં પરિણામ બદલાઈ જાય છે તેથી સામો બગડતો ના હોય તો ય બગડે. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે આપણે જ સામાને બગાડીએ છીએ ? દાદાશ્રી : આપણું બધું આપણે જ બગાડ્યું છે. આપણને જેટલી અડચણો છે એ બધી આપણે જ બગાડી છે. એનો સુધારવાનો રસ્તો શો ? સામો ગમે તેટલું દુઃખ દેતો હોય, પણ તેને માટે જરા પણ અવળો વિચાર ના આવે, એ એને સુધારવાનો રસ્તો. આમાં આપણું ય સુધરે ને એનું ય સુધરે. જગતના લોકોને અવળા વિચાર આવ્યા વગર રહે નહીં. એટલે આપણે તો સમભાવે નિકાલ કરવાનું કહ્યું, એટલે એ કરે. સમભાવે નિકાલ એટલે શું કે એને માટે કંઈ વિચાર જ કરવાનો નહીં. ને હિસાબ ચુકવાય આમ ! પ્રશ્નકર્તા : એક માણસને આપણે પાંચસો રૂપિયા આપ્યા ને રૂપિયા પેલો પાછા આપી ન શક્યો. અને બીજું, આપણે પાંચસો રૂપિયાનું દાન કર્યું તો આ બેમાં શું તફાવત ? દાદાશ્રી : આ દાન કર્યું એ જુદી વસ્તુ છે. એમાં દાન લે છે એ દેવાદાર બનતો નથી. તમારા દાનનો બદલો તમને બીજી રીતે મળે છે. દાન લેનાર માણસ એ બદલો નથી આપતો. જ્યારે પેલામાં તો તમે જેની પાસે રૂપિયા માગો છો, તેની મારફતે જ તમને અપાવવું પડે છે. પછી છેવટે દહેજ રૂપે પણ એ રૂપિયા આપશે. આપણામાં નથી કહેતા કે છોકરો છે ગરીબ કુટુંબનો પણ, કુટુંબ ખાનદાન છે. એટલે પચાસ હજાર એને દહેજ આપો ! આ શેનું દહેજ આપે છે ! આ તો જે માંગતું છે એ જ આપે છે. એટલે આવો હિસાબ છે બધો. એક તો છોડી આપે છે ને રૂપિયા પણ આપે છે. એટલે આમે બધો હિસાબ ચૂકવાઈ જાય છે. અંતે કુદરત કરાવે વસૂલ ! તમારી પાસેથી કોઈ રૂપિયા લઈ ગયું, પછી ત્રણ કે ચાર વર્ષ થઈ જાય, તો આપણી રકમ વખતે કોર્ટના કાયદાની બહાર જતી રહે, પણ નેચરનો કાયદો આ લોકો તોડી શકે નહીં ને ! નેચરના કાયદામાં રકમ વ્યાજ સાથે પાછી આવે છે. અહીંના કાયદામાં કશું ના મળે, આ તો સામાજિક કાયદો છે. પણ પેલા નેચરના કાયદામાં તો વ્યાજ સાથે મળે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ આપણા રૂપિયા ત્રણસો ના આપતું હોય તો આપણે એની પાસે લેવા જોઈએ, પાછા લેવા માટે કારણ શું છે કે આ ભાઈ રકમ જ નથી આપતો તો કુદરતનું વ્યાજ તો કેટલું બધું હોય. સો-બસો વર્ષમાં તો કેટલી રકમ થઈ જાય ?! એટલે આપણે એની પાસે ઉઘરાણી કરીને પાછા લેવા જોઈએ. એટલે બિચારો એટલો બધો જોખમમાં તો ના ઉતરે. પણ પેલો આપે જ નહીં ને જોખમમાં ઉતરે, તેના આપણે પછી જોખમદાર નથી. પ્રશ્નકર્તા : કુદરતના વ્યાજનો દર શું છે ? દાદાશ્રી : નેચરલ ઈન્ટરેસ્ટ ઈઝ વન પર્સન્ટ પર બાર મહિને. એટલે સો રૂપિયે એક રૂપિયો ! વખતે તે ત્રણસો રૂપિયા ના આપે તો કશો વાંધો નહીં. આપણે કહીએ કે હું ને તું બે દોસ્ત. આપણે પત્તા સાથે રમીએ. કારણ કે આપણી રકમ કશી જવાની તો નથી ને ! આ નેચર એટલી બધી કરેક્ટ છે કે તમારો વાળ એકલો જ ચોરી લીધો હશે, તો યે પણ એ જવાનો નથી. નેચર બિલકુલ કરેક્ટ છે. પરમાણુ પરમાણુ સુધીનું કરેક્ટ છે. માટે વકીલ રાખવા જેવું જગત જ નથી. મને ચોર મળશે, બહારવટિયો મળશે એવો ભય પણ રાખવા જેવો નથી. આ તો પેપરમાં આવે કે આજે ફલાણાને ગાડીમાંથી ઉતારીને દાગીના લૂંટી લીધા, ફલાણાને મોટરમાં માર્યા ને પૈસા લઈ લીધા. 'તો હવે સોનું પહેરવું કે ના પહેરવું ?' ડોન્ટ વરી ! કરોડ રૂપિયાનાં રત્નો પહેરીને ફરશો તો ય તમને કોઈ અડી શકે એમ નથી એવું આ જગત છે. અને તે બિલકુલ કરેક્ટ છે. જો તમારી જોખમદારી હશે તો જ તમને અડશે. તેથી અમે કહીએ છીએ કે તમારો ઉપરી કોઈ બાપો ય નથી. માટે 'ડોન્ટ વરી !' (ચિંતા કરશો નહીં.) નિર્ભય થઈ જાવ ! શીખવી રીત ઉઘરાણીની ! જે બન્યું એ ન્યાય છે. બીજો ન્યાય ખોળશો નહીં. જગતનો સ્વભાવ શું ? ન્યાય ખોળે. મેં એને સો રૂપિયા આપ્યા હતા. અને ખરે ટાઈમે મેં પાંચ રૂપિયા માગ્યા તો ય આપતો નથી. અલ્યા, નથી આપતો એ જ ન્યાય છે. એને અન્યાય શી રીતે કહેવાય આપણાથી ? બુદ્ધિ તો માર તોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને ! એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે, એનું નામ બુદ્ધિ. કહેશે, 'શા બદલ પૈસા ના આપે ? માલ લઈ ગયા છે ને ? આ 'શા બદલ' પૂછ્યું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઉઘરાણી કર્યા કરવી. કહેવું, 'અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે અડચણ છે', પછી પાછા આવી જવું. 'પણ શા બદલ ના આપે એ ?' કહ્યું એટલે એ પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી ! 'જે બન્યું એ વ્યવસ્થિત' કહીએ ! 'જે બન્યું એ ન્યાય' કહીએ એટલે બુદ્ધિ જતી રહે. છતાં ય વ્યવહારમાં આપણે પૈસાની ઉઘરાણીએ જવું પડે. તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ પછી બગડે નહિ. એના પર ચિડિયા ના ખાય અને આપણને અકળામણે ય થાય નહીં. જાણે નાટક કરતાં હોય ને, એમ ત્યાં બેસીએ, કહીએ કે, 'હું તો ચાર વખત આવ્યો, પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્યૈ હો કે મારી પુણ્યૈ હો, પણ આપણે ભેગા થયા કહીએ.' એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઉઘરાણી કરીએ. 'અને તમે લહેરમાં છો ને, મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.' ત્યારે કહે, 'તમને શું મુશ્કેલી છે ?' ત્યારે કહીએ, 'મારી મુશ્કેલીઓ તો હું જ જાણું. ના હોય તો કોઈની પાસેથી મને અપાવડાવો.' આમ તેમ વાત કરીને કામ કાઢવું. લોકો તો અહંકારી છે, તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએને, તો બધું કરી આપે. પાંચ-દસ હજાર અપાવડાવો કહીએ ત્યારે કહે, 'હા અપાવડાવું છું.' કહેશે. એટલે ઝઘડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવાં જોઈએ. સો ધક્કા ખાય ને ના આપે તો કંઈ નહીં, બન્યું તે જ ન્યાય કહી દેવું. નિરંતર ન્યાય જ ! કંઈ તમારી એકલાની ઉઘરાણી હશે ? પ્રશ્નકર્તા : ના, ના. બધા ધંધાવાળાને હોય. દાદાશ્રી : આખું જગત મહારાણીથી સપડાયું નથી, ઉઘરાણીથી સપડાયું છે. જે ને તે બધા મને કહે કે, 'મારી ઉઘરાણી દસ લાખની છે, તે આવતી નથી. પહેલાં ઉઘરાણી આવતી હતી.' કમાતા હતા ત્યારે કોઈ મને કહેવા નહોતા આવતા. હવે કહેવા આવે છે. ઉઘરાણીનો શબ્દ તમે સાંભળેલો કે ? એ કોની રાણી છે વળી ? પ્રશ્નકર્તા : કોઈ ખરાબ શબ્દ આપણને ચોપડે છે એ ઉઘરાણી જ છે ને ! દાદાશ્રી : હા, ઉઘરાણી જ છે ને ! એ ચોપડે તે ખરેખરી ચોપડે. ડિક્ષનરીમાં ના હોય એવો યે શબ્દ બોલે. પછી આપણે ડિક્ષનરીમાં ખોળીએ કે આ શબ્દ ક્યાંથી નીકળ્યો ? આમાં એ શબ્દ હોય નહીં. એવાં મગજ ફરેલા માણસો હોય છે. પણ એમની જવાબદારી પર બોલે છે ને એમાં જવાબદારી આપણી નહીં ને ! એટલું સારું છે. ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું બગાડે છે. પ્રશ્નકર્તા : એવું થાય છે કે આપણે કોઈનું નામ લેતા નથી તો અમને લોક શું કરવા દંડા મારે છે ? દાદાશ્રી : તેથી તો આ કોર્ટો, વકીલો, બધાનું ચાલે છે. એવું ના થાય તો કોર્ટો વકીલોનું શી રીતે ચાલે ? વકીલનો કોઈ ઘરાક જ ના થાય ને ? પણ વકીલો ય કેવા પુણ્યશાળી ! તે અસીલો ય સવારમાં ઊઠીને વહેલા વહેલા આવે ને વકીલ સાહેબ હજામત (દાઢી) કરતા હોય ! તે પેલો બેસી રહે થોડીવાર. સાહેબને ઘેર બેઠાં રૂપિયા આપવા આવે. સાહેબ પુણ્યશાળી છે ને ! નોટિસ લખાવી જાય ને પચાસ રૂપિયા આપે. એ વેર વાળે પછી ! અને ઉઘરાણીમાં કોઈ માણસ ના આપતો હોય, એની પાસે ના હોય ને ના આપતો હોય તો પછી ઠેઠ સુધી એની પાછળ હેંડ હેંડ ના કર્યા કરવું. એ વેર બાંધે ! ને જાય ભૂતમાં તો આપણને હેરાન કરી નાખે. નથી તેથી નથી આપતો, એમાં એનો શું ગુનો બિચારાનો ? હોય ને નથી આપતા લોકો ? પ્રશ્નકર્તા : હોય ને ના આપતા હોય તો શું કરવું ? દાદાશ્રી : હોય ને ના આપે, તેને ય શું કરીએ આપણે તે ? દાવો માંડીએ બહુ ત્યારે ! બીજું શું ? એને મારીએ તો પોલીસવાળા આપણને પકડી જાય ને ? નહીં તો છોડી દઈએ કે ભઈ, હશે તો આવશે, નહીં આવે તો ગયું. તો આ વકીલનું ભૂત તો ના ઘાલવું પડે ને ! પ્રશ્નકર્તા : પણ છોડાતું નથી આપણે. સામો માણસ એવી રીતે ફરતો જાય કે આપણને છોડી દેવાનું મન ના થાય. દાદાશ્રી : મન ના થાય તો વકીલનું ભૂત ઘાલે પાછું અને વકીલ કહેશે, 'હંઅ, સાડા નવે કહ્યું હતું તે પાછા પંદર મિનિટ મોડા થયા ? અક્કલ વગરના છો ! મેરચક્કર, ફી આપણે આપવાની ને ગાળો ભાંડે ઉપરથી ! એટલે આપણે ગભરાવું નહીં. અને તે ઘડીએ આપણે વકીલને શું કહેવું જોઈએ કે સાહેબ તમારે ને મારે કંડિશન ફીની છે. હું તમને ફી આપું ને તમે દાવો લડો. બીજી કોઈ કંડિશન ગાળની નથી. આ એકસ્ટ્રા આઈટમ કરો છો તેનો દાવો માંડીશ, એવું કહીએ. પ્રશ્નકર્તા : ના જવું એ જ વધારે સારું ! દાદાશ્રી : કોર્ટમાં ના જવું ઉત્તમ. જે ડાહ્યો માણસ હોય, તે કોર્ટમાં ના જાય. મારું હશે તો આવશે, નહીં આવે તો ગયું. પણ આવાં ભૂતાંને પાછાં ના બોલાવે. વગર કામનાં ભૂતાં પજવ પજવ કરે. હજુ જીતવાનું તો જીતાશે ત્યારે પણ તે પહેલાં તો 'અક્કલ વગરના છો' કહેશે. આ અક્કલના કોથળા ! અને આવું બોલાય ? આપણે ત્યાં પેલા ભક્ત છે ને, વકીલ, તે કહે છે, અમે ય એવું બોલીએ છીએ. અલ્યા, કઈ જાતના છો તે ? એ તો સારું છે, બિચારા માણસો સુંવાળા તો સાંભળી લે છે, નહીં તો જોડો મારે તમને, તો શું કરો ? અમારા ભાગીદાર એક વકીલને ત્યાં ગયા હતા. તે એમનો કેસ જલદી ચલાવ્યો નહીં, પણ પૈસા આપી આવેલા. ત્યારે કહે, 'સાહેબ, પૈસા મને પાછા ન આપશો. પણ મારો કેસ પાછો આપો.' ત્યારે પેલાએ શું કહ્યું ? 'કૂતરું કૈડાવીશ, જો ફરી આવ્યા છો તો ?' શું થાય તે ? તે પછી મહાપરાણે કેસ લઈ આવ્યા પાછા. એની પાસેથી પૈસા ના લીધા. મહાપરાણે સમજાવી-પટાવીને કેસ લઈ આવ્યા. પાછા બીજા વકીલને કેસ આપ્યો. એ મોટા પ્રખર માણસ હતા. ત્યાં આગળ કેસ આપી આવ્યા. ત્યાં આગળ નવને બદલે સવા નવ થયા ત્યારે વકીલ કહે છે, 'તમે કૂતરા જેવા છો, ગધેડા જેવા છો, મારો ટાઈમ બગાડ્યો.' ત્યારે આ ભાઈ કહે છે, 'તમે મોટા માણસ થઈને આવું બોલો છો ? તો બીજા લોકો શું બોલશે ? આવી શર્ત છે ?' વકીલ કહે, 'તમે મને જગાડ્યો, તમે મને જગાડ્યો, ના બોલાય મારાથી. પણ આ તો બોલી જવાય છે મારાથી.'. અમારા ભાગીદારે એવું કહ્યું, કે 'શું બોલો છો આ તમે ? સારા માણસનાં આવાં લક્ષણ હોય ? સારો માણસ તો કેવી ડહાપણવાળી વાણી બોલે ?' માંગતાવાળાને જ આપી આવ્યાં ! હું તો કોઈની ઉપર દાવો માંડું નહીં. પણ દાવાવાળી જે રકમ હતી ને, તે મેં અમારાં ભાભીને કહેલું કે તમે તમારી મેળે ઉઘરાણીઓ પતાવજો, મારે આ રકમ નથી જોઈતી. ત્યારે મને કહે છે કે, 'તમે ઉઘરાણી તો કરવા જજો.' મેં કહ્યું કે, 'હું ઉઘરાણી કરવા જઉં ત્યારે એને બિચારાને જપ્તી બેઠેલી હોય, તે એની બૈરી ઢીલી થઈને કહેશે કે આ જપ્તી બેઠેલી છે. દસ-પંદર રૂપિયા નથી તે આપજોને ! તે હું આપીને આવેલો.' એટલે આવું ને આવું ચાલે. જાણીને છેતરાવાનું એ બહુ મોટામાં મોટી પુણ્યૈ, અજાણતાથી તો સહુ કોઈ છેતરાયેલા. પણ અમે તો આખી જિંદગી આ જ ધંધો માંડેલો, કે જાણીને છેતરાવું. સરસ બિઝનેસ છેને ? છેતરનાર મળે એટલે જાણવું કે આપણે બહુ પુણ્યશાળી છીએ, નહીં તો છેતરનાર મળે નહીંને ! આ હિન્દુસ્તાન દેશ એમાં બધા કંઈ પાપી લોકો છે ? તમે કહો કે મને તમે છેતરો જોઈએ ! તો આ જોખમદારીમાં હું ક્યાં હાથ ઘાલું ? અને જાણીને છેતરાવા જેવી કોઈ કળા નથી ! લોકોને તો ગમે નહીંને આવી વાત ? લોકોનો કાયદો ના પાડે છેને ? તેથી તો લોકો છેતરવાની આદત પાડે છેને ? 'ટિટ ફોર ટેટ' એવું શીખવાડે છે ને ? પણ આપણાથી શું ધોલ મરાય ? અને હું ધોલ મારું તો પોલી મારું. એક જગ્યાએ હું ઉઘરાણી કરવા ગયો હતો, ત્યારે એને ત્યાં બીજા કોઈની જપ્તી આવેલી. હું તો થોડીવાર બેઠો, તે પેલાને જપ્તીમાં કંઈક વીસ રૂપિયા ભરવાના હશે, તેટલા રૂપિયા પણ તેની પાસે ન હતા. બિચારો આમ આંખમાંથી પાણી કાઢવા માંડ્યો ત્યારે મેં કહ્યું કે 'લે વીસ રૂપિયા હું આપું છું.' તે વીસ રૂપિયા આપીને આવ્યો ! તે ઉઘરાણીએ ગયેલો કોઈ વીસ રૂપિયા આપીને આવતો હશે ? ઉઘરાણી અટકી તો પ્રતિક્રમણથી ઊકેલ ! આ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઉઘરાણીવાળાને ગાળો આપે, તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે. પ્રશ્નકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો રહેને ? દાદાશ્રી : માગવા-ના માગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું. પ્રતિક્રમણથી રાગ-દ્વેષ ધોવાઈ જાય. આ તો એકસ્ટ્રા આઈટમ ! એક માગતાવાળો એક જણને પજવતો હતો. તે મને કહેવા આવ્યો કે, 'આ માગતાવાળો મને ગાળો ખૂબ દેતો હતો.' મેં કહ્યું, 'એ આવે ત્યારે મને બોલાવજે.' પછી પેલો માગતાવાળો આવ્યો, ત્યારે મને એનો છોકરો બોલાવવા આવ્યો. હું એને ઘેર ગયો. હું બહાર બેઠો ને પેલો માગતાવાળો અંદર પેલાને બોલતો હતો, 'તમે આવી નાલાયકી કરો છો ? આ તો બદમાશી કહેવાય.' આમતેમ બહુ ગાળો દેવા માંડ્યો. એટલે પછી મેં અંદર જઈને કહ્યું, 'તમે માગતાવાળા છોને ?' ત્યારે કહે, 'હા, હું માગતાવાળો છું.' મેં કહ્યું, 'અને આ આપનારા છે. તમારે બેનું એગ્રીમેન્ટ છે. આમણે આપવાનું એગ્રીમેન્ટ(કરાર) કર્યું છે ને તમે લેવાનું એગ્રીમેન્ટ કર્યું છે. અને આ ગાળો તમે દો છો તે એકસ્ટ્રા આઈટમ(વધારાની વસ્તુ) છે, એનું પેમેન્ટ(ચૂકવવું) કરવું પડશે. ગાળો દેવાની શરત કરારમાં નથી કરી. ગાળે ચાલીસ રૂપિયા કપાશે. વિનયની બહાર બોલ્યા તો તે 'એકસ્ટ્રા આઈટમ' થઈ કહેવાય. કારણ કે તું કરારની બહાર ચાલ્યો છે.' આવું કહીએ એટલે એ ચોક્કસ પાંસરો થાય અને ફરી આવી ગાળો ના ભાંડે ને અમે તો આવડું આવડું આપીએ(કડક બોલીએ) કે એનાથી સામું ના બોલાય ને એ પાંસરો થાય. અમે તો આ દેહ છેને, તે સટ્ટામાં મૂકેલો છે. જેણે સટ્ટામાં મૂકેલો હોય, એને ભો હોય કશો ? અમે આવડું આવડું આપીએ, પણ એ એના હિતને માટે હોય. અમારું પોતાનું હિત તો થઈ ગયેલું છે, સર્વસ્વ હિત થઈ ગયેલું છે. તે તમારા હિતના માટે કહેવું પડે. પછી માગવાવાળો પાંસરો ચાલે ને ? એને સમજણ નથી કે આ ગાળો એટલે શું ? એ 'એકસ્ટ્રા આઈટમ'ના પૈસા કાપવા પડે ! કારણ કે એક્સ્ટ્રા બોલ્યો કેમ તું ? આ તે ખરેખર દુઃખી ? અમે એક ફેરો એક જગ્યાએ ગયા હતા. ત્યાં એક ભાઈ આવ્યા. એમણે જાણ્યું કે દાદાજી કોઈ મોટા જ્ઞાની પુરુષ છે અને એ બધું આપણને રાગે પાડી આપે છે. એમના આશીર્વાદથી બધું સારું થઈ જાય છે. તેથી તે આવ્યા. તેમણે મને કહ્યું, 'મારું બધું જ જતું રહ્યું છે, કશું જ ના રહ્યું. મેં કહ્યું, 'ક્યાં રહો છો તમે ?' ત્યારે તેમણે કહ્યું, 'અહીં જોડે જ રહું છું.' મેં પૂછ્યું, 'તમારે ફ્લેટ નથી ?' ત્યારે કહે, 'ફ્લેટ તો છે પણ આ ફ્લેટને હું શું કરું ? અમારા ભાગીદારે પહેરેલ લૂગડે અમને કાઢ્યા !' મેં કહ્યું, 'થોડીઘણી રકમ તો પાછી આપશે ને !' ત્યારે કહે, 'ના, હવે કંઈ આપે એવું હમણાં કંઈ દેખાતું નથી. પછી હવે ઝઘડા કરીએ ને કોર્ટે જઈએ ત્યારે થાય !' તે મેં જાણ્યું કે આ તો બહુ દુઃખી થઈ ગયા હશે. એટલે મારા મનમાં એમ કે આની 'વિધિ' વહેલી કરો. પછી મેં થોડીવાર ધીરજ પકડી. પછી મેં પૂછ્યું, 'ત્યારે હવે તમારે સર્વિસ કરવા જવું પડશે ! મેઈન્ટેનન્સ કરવા માટે શું થાય ? સર્વિસ કરવા જવું પડશે ? ત્યારે એ કહે, 'ના, એમ તો પચાસ લાખ રૂપિયાનું મારી પાસે સાધન છે !' ત્યારે મને થયું કે આ લોકોનો વિશ્વાસ ના કરાય. આ લોકોની જોડે આપણે પડવું ના જોઈએ. 'આમ તો પચાસ લાખની મૂડી ખરી, પણ આમ બધું લૂં ટાઈ ગયો' એમ કહે છે ! એટલે આટલા પૈસાએ આ લોકો આટલા દુઃખી છે તો ખરેખર દુઃખ હશે ત્યારે શું થશે આમનું ?! દરેક માણસ કહે કે ખરેખર આ ભાઈ દુઃખી છે. લોકો કહે કે એ જ દુઃખી છે અત્યારે તો. અમને લોક શું કહે ? સુખિયા છે. મેં તો મારી જાતને ય સુખિયા કહેલું, આજુબાજુનાં લોક કહે છે કે અંબાલાલભાઈ ઘણા સુખિયા છે અને તમે એમ માની બેઠા છો કે હું દુઃખી છું. કઈ જાતના માણસો છો ? આમ હું એમને પૂછું, વઢું હઉ એમને ! આજુબાજુનાંને પૂછીએ ત્યારે બધાં કહે, 'એ સુખી માણસ છે'. પછી ઢાંકીને સુખી દેખાતા હોય કે ગમે તે. ઢાંકીને ય સુખી દેખાય કે ના દેખાય ? ઉઘાડું ના થવા દે ને ? પ્રશ્નકર્તા : ના. દ્રષ્ટિ કેવી અવળી ! દાદાશ્રી : એક ભાઈને કરોડ રૂપિયાની ઉઘરાણી ફસાઈ હતી. તે અહીં દર્શન કરવા આવ્યા હતા. એમણે વિધિ કરાવડાવી. છ મહિના પછી બીજી વાર આવ્યા. ત્યારે એમણે કહ્યું, 'હજી પચ્ચીસ લાખ બાકી છે, તેની વિધિ કરી આપોને ! પંચોતેર લાખ રાગે પડ્યું તો ય પચ્ચીસ બાકી.' કરોડમાં ચાર આનાય આવે એવા ન્હોતા, એવું એ મને કહેતા હતા. એમાં પંચોતેર આવ્યા તોય એ કહે, 'હવે પચ્ચીસ બાકી છે તેની વિધિ કરી આપો !' આપણાં લોક એવાં છે. 'અલ્યા, પંચોતેર આવ્યા તે તો ગણને હવે. આવાય લોક હોય !! એક મિલવાળા શેઠને કહ્યું, 'કેમ ચાલે છે, તમારા ધંધા-રોજગાર ?' ત્યારે તેમણે કહ્યું, 'બધું ડીરેલમેન્ટ થઈ ગયું.' મેં કહ્યું, 'બહુ સારું થઈ ગયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ !' આ રેલવેમાં ડીરેલ થઈ જાય તો બે-ચાર દહાડા માસ્તરો ચા-પાણી કરશે, ખાશે-પીશે નિરાંતે ! મેં એમને પૂછ્યું, 'શાથી એવું થઈ ગયું ?' ત્યારે કહે, 'રૂપિયા થોડા ઘણા મિલમાંથી કમાયો, તે બેંકમાં ભરવા ગયો, તે બેંકવાળાએ પછી પાછા આપ્યા જ નહીં ! હવે આપતા જ નથી ! પહેલાં બેંકમાંથી લોન લાવેલો, તે બેંકવાળા પાછા આપતા જ નથી. તેથી મારું ટાઢું પડી ગયું છે. હવે મને કંઈ વિધિ કરી આપો. મેં કહ્યું, 'કરી આપું ! કરી આપું !' એટલે મને લાગ્યું કે આ બિચારાં બહુ દુઃખી છે. આ માણસને બેંક આપે નહીં, ભલેને મિલ એમને હોય, પણ મિલને કરે શું તે ? મિલને ઓઢે કે પાથરે ? એટલે પછી એમને ઘેર મને ને બધાંને બોલાવ્યા. કહે છે, 'પધરામણી તો કરોને મારે ઘેર, પગલાં પડે તો મારું કંઈક કામ થાય.' તે મેં કહ્યું, 'આવીશું.' તે અમે એને ઘેર ગયા. ચા-પાણી નાસ્તો લીધો એનો. પછી એક પાકીટમાં રૂપિયા આપવા માંડ્યા. ત્યારે મેં કહ્યું, 'તમારા રૂપિયા ના લેવાય. આવી તમારી સ્થિતિમાં અમારે રૂપિયા શું કરવા છે ?' હજાર જ રૂપિયા હતા, વધારે ન હતા. ત્યારે એ કહે, 'ના, દાદાજી, એ તો લેવા જ પડે.' 'દાદાજી એવું નથી પણ તમે જેટલું કહો છો એવું નથી, એ તો બીજું કારખાનું છે ને એમાંથી બાર મહિને પાંચ લાખ રૂપિયા આવે છે !' મેં કહ્યું, 'અલ્યા તમારી જોડે હું ક્યાં બેઠો આ ?! 'હું મારા મનમાં સમજું કે આ હપુચી બધી સ્ત્રીઓથી રાંડ્યો અને તું તો કહું કે અહીં બીજી છે !!! 'બીજા પાંચ લાખ આવે છે' કહે છે ! હવે આમને ક્યાં પહોંચી વળાય ?! પછી એને જરા રાગે પાડી આપ્યું, જ્ઞાન આપ્યું. અત્યારે સુખિયો થયો છે ! એ કહે, 'તમે દાદા મને ખરું શીખવાડ્યું. ભાઈઓ જોડે મારે વેર હતું તે વેર તમે મારું બધું તોડી નંખાવ્યું. તે ઘેર દોડતા આવે છે !' મેં કહ્યું, 'તમે મિલ-માલિક, તે તમને શરમ નથી આવતી અહીં આવતા ?' ત્યારે એ કહે, 'શાની ? તમારી પાસે આવવાની શાની શરમ તે ? બીજે જવાની શરમ આવે. 'ભોગવે તેની ભૂલ' એ મને બહુ સારું ફીટ થઈ ગયું છે. મેં અત્યાર સુધી ભોગવ્યું. તે મારા મનમાં એમ કે આ ભાઈઓ જ ભોગાવડાવે છે પણ ભૂલ તો મારી જ છે. હવે સમજાઈ ગયું. હું તો ભાઈઓને આમ કરી નાખું ને તેમ કરી નાખું એવા જ બધા ભાવ રાખતો !' ત્યારે મેં કહ્યું, 'હવે બધું છોડી દે છાનોમાનો. ડાહ્યો થઈ જા !' ભૂલ ભોગવે તેની જ ! એક વણિકને ત્યાં બ્રાહ્મણ ચારસો રૂપિયા માગતો હતો. તે જપ્તી કરવા ગયો એટલે વણિક તો ચિડાયો. 'સાલા નાલાયક' એમ બોલતો જાય અને પછી પાછો કહે, 'મારા જેવો કોઈ નાલાયક જ નથી ને !' અલ્યા, તું પોતાને ગાળો દે છે ? પાછો પેલાને એટલી બધી ગાળો દીધી અને બોલે પાછો શું ? 'મારા જેવો નાલાયક નથી.' રૂપિયા ના આપ્યા ત્યારે આ દશા થઈ ને ! અલ્યા, આ કઈ જાતના છો ? આ તો જાત જાતની ખોપરી છે. હવે એ પેલાને નાલાયક કહે, પછી પોતાનું આવું બોલે, એટલે પછી આપણને હસવું જ આવે ને ? માટે આ જગતને તો કેમ પહોંચી વળાય ? એટલે આપણે તો શું કહ્યું કે, 'ભોગવે તેની ભૂલ.' આપણી ભૂલ છે એવું ક્યારે માલમ પડશે કે જ્યારે આપણને ભોગવવાનું થશે ત્યારે. એ સહેલો રસ્તો છે ને ? એક ભાઈએ તમને અઢીસો રૂપિયા આપ્યા નહીં ને તમારા અઢીસો રૂપિયા ગયા, તેમાં ભૂલ કોની ? તમારી જ ને ? ભોગવે તેની ભૂલ. આ જ્ઞાનથી ધર્મ થશે, એટલે સામા પર આરોપ કરવાનો, કષાય કરવાનું બધું છૂટી જશે. એટલે આ 'ભોગવે તેની ભૂલ' એ તો મોક્ષે લઈ જાય એવું છે ! આ તો એક્ઝેક્ટ નીકળેલું ને કે 'ભોગવે તેની ભૂલ.' જગત સંચાલન હિસાબી માત્ર ! કેટલાક લોક કહે છે કે, 'અમે કો'કને પૈસા ધીર્યા છે તે બધા ઘલાઈ જશે.' ના, આ જગત બિલકુલેય એવું નથી. કેટલાક કહેશે, 'પૈસા આપે તો ઘલાય જ નહીં.' એવું ય જગત નથી. જગત પોતે પોતાના હિસાબથી જ છે. તમારું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે એવું જગત છે. મનમાં એમ થાય કે, 'કોઈ ચોર પકડશે તો શું થશે ?' કશું એવું બને એવું નથી. અને જે પકડાવાના છે તેને કોઈ છોડવાના નથી. તો પછી ભડકવાનું શેને માટે ? જે હિસાબ હશે, તે ચૂકતે થઈ જશે. અને આમાં હિસાબ નહીં હોય તો કોઈ કશું નામ દેનારાં નથી. હવે આમાં નીડરે ય નથી થઈ જવાનું કે મારું નામ કોણ દે ? એવું પાછું બોલાય જ નહીં. એ તો બીજાને પડકાર આપ્યો કહેવાય. બાકી મનમાં ભડકશો નહીં. ભડકવા જેવું આ જગત નથી. આપણું ઘડિયાળ હોય ત્રણ હજારનું અને ફોર્ટ એરિયામાં પડી ગયું હોય. ફોર્ટ એરિયા એટલે તો મહાસાગર કહેવાય. તે મહાસાગરમાં પડેલું કંઈ ફરી જડે નહીં. આપણે આશા યે રાખીએ નહીં. પણ ત્રણ દહાડા પછી છાપામાં જાહેરખબર આવે કે જેનું ઘડિયાળ હોય તે, એનો પુરાવો આપીને અને જાહેરખબરનો ખર્ચ આપીને લઈ જાવ. એટલે આવું આ જગત છે, બિલકુલ ન્યાયસ્વરૂપ ! તમને રૂપિયા ના આપે તે ય ન્યાય છે, પાછા આપે તે ય ન્યાય છે. આ બધો હિસાબ મેં બહુ વર્ષો પહેલાં કાઢી રાખેલો. એટલે રૂપિયા ના આપે, એમાં એનો કોઈનો દોષ નથી. એવી રીતે પાછા આપવા આવે છે, એમાં એનો ઉપકાર શો ? આ જગતનું સંચાલન તો જુદી રીતે છે ! માંડવાળ કર્યા, તેથી મુક્તિ ! લોકોએ જાણ્યું કે મારી પાસે પૈસા આવ્યા છે, એટલે મારી પાસે લોકો પૈસા માગવા આવ્યા. તે પછી '૪૨ થી '૪૪ સુધી મેં બધાને આપ આપ જ કર્યું. પછી '૪૫ માં મેં નક્કી કર્યું કે હવે આપણે તો આ મોક્ષ તરફ જવું છે. આ લોકોની જોડે આપણને હવે મેળ ક્યાં સુધી પડશે ? માટે આપણે એવું નક્કી કરો કે આ પૈસાની ઉઘરાણી કરીએ તો ફરી પાછા રૂપિયા લેવા આવશે ને તો ફરી વ્યવહાર ચાલુ રહેશે. ઉઘરાણી કરીએ તો પાંચ હજાર આપીને દસ હજાર લેવા આવે. એના કરતાં આ પાંચ હજાર એની પાસે રહે તો એના મનમાં એમ થાય કે 'હવે ભેગા ના થાય તો સારું.' અને રસ્તામાં મને દેખે ને, તો પેલી બાજુથી જતો રહે. તે હું પણ સમજી જઉં. એટલે હું છૂટ્યો, મારે આ બધાને છોડવા હતા ને એ બધાએ છોડ્યો મને ! હવે એ ટોળામાં શા માટે પેઠો હતો ? માન ખાવા માટે. માન ખાવાનો મહીં મોહ રહેલો એથી માન ખાવા મહીં પેઠેલા. પણ હવે નીકળવું શી રીતે ? પણ મને આ રસ્તો જડી ગયો. જ્યારે જ્યારે મારા મનમાં નક્કી થાય કે હવે શી રીતે નીકળવું ? તે ઘડીએ મને સૂઝ પડી જાય. એટલે મેં નક્કી કર્યું કે આ પૈસા માંગવા નથી, કોઈ રસ્તો આવી જશે. એવો સરસ અંત આવી ગયો કે કોઈ આવતું જ બંધ થઈ ગયું. એમાંથી બે-ચાર જણ આવીને આપી ગયા હશે. પછી મેં એમને મોંઢે જ કહી દીધેલું કે, 'ભઈ, હવે તો મેં વ્યવહાર આ હીરાબાને સોંપી દીધો છે. મેં મારા હાથમાં કશું રાખ્યું નથી. ઘરમાં મારું ચલણ પણ નથી', એવું કહી દીધેલું. એટલે ફરી ભાંજગડ જ મટી ગઈને ! વેરથી છૂટવા માટે... આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય ? ના થાય. ઘરાક તો યાદ કરે કે 'આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો'. લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે. એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે 'કોઈ પણ રસ્તે વેર છોડો'. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા. પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઈ ગયો. આ પૈસા જતા કરીને ય વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર ભટકાવશે. જે ધંધાની ખોટ, તે ધંધો જ પૂરે ! પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઈ ગયું છે. દાદાશ્રી : રૂ બજારની ખોટ કંઈ કરિયાણાની દુકાન કાઢ્યે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ન વળે. 'કોન્ટ્રાક્ટ'ની ખોટ કંઈ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય તે બજારમાં જ ઘા રૂઝાય, ત્યાં જ એની દવા હોય. વ્યવહારિક કાયદો કેવો છે ! શેરબજારની ખોટ થયેલી હોય તો તે કરિયાણા બજારથી ના વાળીશ. શેરબજારમાં જ વાળજે. મૂળ આ ગજું નહીં અને કામ કરવા ગયા. એટલે ખોટ ખાય અને પછી કરિયાણાની દુકાન કાઢીને ખોટ વાળે એવાં આ લોક. પહેલાં ત્રાજવે તોલી તોલીને આપે ને પછી ભેળસેળ કરીને આપે. પણ અલ્યા આવું ના કરાય. ત્યાં પાછો ફરી જા અને શેરબજારમાં દોસ્તી કરીને પછી લગાવ પાછો. મૂઆ જે ગામની ખોટ હોય તે ગામમાં જ વાળીને આવીએ. આ હિસાબ મેં નાની ઉંમરમાં કાઢેલો કે અમુક બજારની ખોટ ગયેલી હોય તે અમુક બજારથી વાળવા જઈએ તો શું થાય ? એ ખોટ ના નીકળે. કેટલાક માણસો એટલા હલકા વિચારના હોય છે. ખોટ કોન્ટ્રાક્ટના ધંધામાં ગયેલી હોય અને પાનની દુકાનમાંથી ખોટ કાઢવા જાય. અલ્યા ખોટ એમ ના નીકળે. કોન્ટ્રાક્ટના ધંધાની ખોટ કોન્ટ્રાક્ટથી નીકળે પણ એ પાનની દુકાન કરે, પણ એનાથી કશું વધે નહીં, ઉલટો લોક તારો ગલ્લોય લઈ જશે ને તારું તેલ કાઢી નાખશે. એનાં કરતાં પૈસા ના હોય, તોયે ત્યાં જઈને ઊભા રહેવાનું. તે દહાડે જરા સારું પેન્ટ પહેરીને જવાનું, કોઈની દોસ્તી થઈ તો કામ પાછું ચાલુ થઈ જાય અને એને દોસ્તી-બોસ્તી બધું મળી આવે. અવશ્ય ચૂકવી દેવાની ભાવના ! આપણે નક્કી કરવું કે ખોટું નથી કરવું. કાયમને માટે ખોટું નથી કરવું અને આના રૂપિયા વહેલે મોડે પણ આપી દેવા છે. આ જિંદગીમાં તો અવશ્ય આપી દેવા છે એવું નક્કી કરવું જોઈએ. એટલે નિયમ કેવો છે, જ્યાં જે બજારમાં ઘા પડ્યો હોયને તે બજારમાં જ ઘા રૂઝાય. જ્યાં ઘા થયો હોયને, તે એરિયામાં જ એની રૂઝાવાની દવા હોય. આપણે જે ગુનો કરી આવ્યા એ ગુનાની જગ્યાએ હિસાબ પૂરો ના કરીએ તો બીજી જગ્યાએ ગુના ના કરાય પણ આ તો બુદ્ધિ જ ફસાવે છે. ભગવાને મોક્ષે જવું હોય તેને માટે દ્રવ્યને ગણકાર્યું નથી. એટલે આપણે તો એક જ ભાવ રાખવો કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો અને બીજું એ કે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું દેવું ચૂકતે થઈ જાય. કારણ કે મનુષ્યના દસ પ્રાણ છે. પછી લક્ષ્મીને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી પણ કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઈએ. ધ્યેય નિરંતર એ જ રહેવો જોઈએ કે મારે બધાની પાઈએ પાઈ ચૂકવી દેવી છે. પછી એ ધ્યેય લક્ષમાં રાખીને તમે ખેલ ખેલો તો વાંધો નથી. પણ ખેલાડી ના થઈ જશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ. એટલે આ જગતના કંઈ 'લૉ' તો હશે જ ને ! દરેક ધંધા ઉદય-અસ્તવાળા છેને ! બધું ઉદય-અસ્તવાળું જ હોય. હિંમતે મર્દા તો મદદે દાદા ! મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે 'હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?' ત્યારે મહીં બુદ્ધિ બોલે કે આ ધંધામાં આટલી ખોટ ગઈ છે. હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળોને ! મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે, અમને પૂછોને ! બુદ્ધિની શું કરવા સલાહ લો છો ? અમારી પાસે અનંત શક્તિ છે. જે શક્તિ ખોટ ખવડાવે છે એ શક્તિ પાસે જ નફો ખોળોને ! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છો બીજા પાસે. એ શી રીતે ભાગાકાર થશે ? મહીં અનંત શક્તિ છે. તમારો 'ભાવ' ના ફર્યો તો આ જગતમાં કોઈ શક્તિ નથી કે તમારી ઇચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંત શક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુઃખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ હોવા જોઈએ. આપણા 'ભાવ'નો લૉ એટલો બધો કઠણ હોવો જોઈએ કે દેહ જશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાયને ! કોઈ સોદો જ ના કરેને ! અમે તો એવા મોટા મોટા માણસ જોયા છે કે એ પાછો દલાલ હોય. એ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણીની વાતો કરે અને પાછા કહે છે શું કે, દાદા, બધાં જ ઘણાંખરાં લોકો અવળું જ બોલે છે, તે શું થશે ? ત્યારે મેં કહ્યું કે, જરા ધીરજ પકડવી પડે. પાયો સ્ ટ્રોંગ રાખવો પડે. આ ગાડીઓ આટલી બધી સ્પીડમાં ચાલે છે. આમાં જીવતાં નીકળે છે તો ધંધામાં સેફ નહીં નીકળાય ? બહાર તો જરા વારમાં બીક લાગે. જરા જરામાં અથડાઈ જશે એવું લાગે પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધાં કંઈ અથડાઈ જાય છે ? એ લોકો નીકળી જાય છે તો આ નહીં નીકળી જાય ? એ રસ્તા પર જો ભય પેઠોને તો પછી તમે સાંતાક્રૂઝથી અહીં દાદર શી રીતે આવો ? અને આવો છો તો તમે મૂર્ચ્છિત હો તો જ ભય ના લાગે. માટે મહીં જરા સ્ટ્રોંગ રાખોને ! એટલે જે જગ્યાએ ઘા પડેને, તે જગ્યાએ રૂઝાઈ જાય માટે જગ્યાફેર ના કરીએ. જો કે અમે કાયદાની દ્રષ્ટિએય જાણીએ કે આમ હોવું ઘટે. તોય દુનિયા ચાલે છેને ! કોઈ દહાડોય અટકી નથી. એક સેકન્ડેય અટકી નથી. મિયાંભાઈનું યે ચાલે છે, એ શું કહે છે કે, કલકી બાત કલ હો જાયેગા ને આપણા હિન્દુઓ કહે છે કે કાલે શું કરીશું ? આ મિયાંભાઈનું યે ચાલે છે તો તારે શું અટકી જશે ? આ દુનિયા કંઈ બંધ થઈ જવાની છે ? પણ એવું છે ને બનતાં સુધી દરિયામાં ઊતરવું નહીં અને ઉતરવાનો પ્રસંગ મળી ગયો તો બીવું નહીં. કાયદો કેવો રાખવો કે દરિયામાં ઊતરવું જ નહીં. કારણ કે દરિયો એ ભૂમિ નથી. અને આવ્યા ત્યારે આવ્યા, તો હવે ડરવાનું નહીં. નીડર રહેજે. જ્યાં સુધી નીડર રહ્યો ત્યાં સુધી અલ્લા તારી પાસે ને ડર્યો તો અલ્લા કહેશે, કે 'જા, ઓલિયા કે પાસ ચલે જાવ, અમારી પાસે નહીં પછી. ઓલિયા મળી આવે અહીં આગળ. તે ઓલિયાને કહેશે કે મને કંઈ કરી આપને ?! એટલે ઓલિયો માળા-બાળા કરી આપે અને એના પૈસા લે. આ અલ્લા કંઈ બહેરા છે ? સાંભળે છે બધુંયે, આપણને ખોટ ગયેલી હોય તો એ ના જાણે ? એટલે થોડુંઘણું સ્ટ્રોંગ તો જોઈએને માણસનામાં. જો કે અમે ધંધામાં તમારા જેવા જ હતા. અમે આ બધું બોલીએ ખરું, આ ટેક્નોલોજી બધી મારા ખ્યાલમાં પણ મન એટલું બધું પોલું નહીં, એટલે દરિયામાં અમે પેસીએ જ નહીં. છતાંય પેઠા તો પછી હિંમત છોડવાની નહીં. એટલે જ્યાંથી ખોટ આવી ત્યાંથી વાળવી. ભગવાનને ત્યાં રેસકોર્સ કે કપડાંની દુકાન, ધંધામાં ફેર નથી. પણ જેને મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઉતરશો, દરિયામાં ના પેસશો. ને પેઠા પણ પછી કુદરતી રીતે નીકળી જવાય. એવી રીતે નીકળી જવું. ધક્કો મારવો નહીં. સ્ટ્રોંગ ભાવ, દેવું ચૂકવવાનો જ ! એટલે આપણે અત્યારે કોઈ પણ માણસને એમ કહી શકીએ કે ભઈ, ગમે એટલા ધંધા કરો, ખોટ જાય તો ય વાંધો નથી, પણ મનમાં એક ભાવ નક્કી રાખજો કે મારે સર્વને આપવા છે. કારણ કે પૈસો કોને વહાલો ના હોય એ કહો. દરેકને વહાલો હોય. પોતાના છોકરાને રૂપિયાનું ચવાણું ના લાવી આપતા રૂપિયા બચાવે છે અને પેલાને પાંચ હજાર રૂપિયા ધીરે છે. એટલે પૈસો સહુને વહાલો હોય. એટલે આપણે એનો પૈસો ડૂબે એવો તો આપણા મનમાં ભાવ ઉત્પન્ન થવો ન જોઈએ. ગમ્મે તે ભોગે મારે આપવા જ છે, એવું ડીસીઝન પહેલેથી રાખવું જ જોઈએ. આ મોટામાં મોટી વસ્તુ છે. બીજામાં નાદારી કાઢી હશે તો ચાલશે પણ પૈસામાં નાદારી ના હોવી જોઈએ. કારણ કે પૈસા તો દુઃખદાયી છે. પૈસો તો, એને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનો પૈસો ડૂબાડાય નહીં. એ મોટામાં મોટી વસ્તુ. એમ માનો કે કોઈ સાહેબ મુંબઈ ગયા ને કંઈ સોદો કર્યો. સાહેબ રીટાયર્ડ થયા ને મોટો સોદો કર્યો. કમાવાની લાલચો તો હોય ને અને એમાં કંઈ બે-ત્રણ લાખ રૂપિયાની ખોટ ગઈ એટલે શું હાથ ઊંચા કરી દેવા ? આવડી નાની ઓરડી રાખીને કહીએ કે આપણે રૂપિયા પાછા વાળવા જ છે, એમ નક્કી કરીએ ને તો વરસે-બે વરસે પાછું રાગે પડી જાય. આત્માની અનંત શક્તિઓ છે. આજકાલ તો દસ વીસ લાખ રૂપિયા દાબી અને પછી પૂળો (દેવાળું ફૂંકે) મૂકે છે. બહુ ખોટું કહેવાય. અનંત અવતાર ખરાબ કર્યા, કોઈનો ય પૈસો ના દબાવાય. તમે ઓફિસમાં પૈસા 'ના લીધા' તે ફાયદો થયો ને ? તેથી આ દાદા ભેગા થયા. નહીં તો શી રીતે આ દાદા ભેગા થાય ? અત્યારે તો મોઢું કાળું ચંદ પડી ગયું હોય ! હા, તેજ બેજ બધું જતું રહે કે ના જતું રહે ? તો નિયમથી દેવું ચૂકવાય જ ! અને તો ય નિયમ એવો છે કે પૈસા લેતાંની સાથે જ આના પૈસા મારે પાછા આપવા છે, એવું નક્કી કરીને જ લેવાય. ત્યાર પછી ચાર ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછા અપાય એવી ભાવના કરે પાછી. અને તે ભાવના હોય તો રૂપિયા અપાય, નહીં તો રામ તારી માયા. રૂપિયા અપાય નહીં. આ તો બધાં જે દેવાં કરે છે ને તે જે ઉઘરાણીએ આવ્યો તે લઈ ગયો. ત્યારે બીજાના લઈ આવ્યા. આ એકના દસ હજાર લે છે, બીજાને પાંચ હજાર આપી દે છે. પાછા બીજાના લે છે ને બીજા કોઈના આપી દે છે. એમ તેમ કરીને ચક્કર, ચક્કર ચલાવે છે. છેવટે પોક મેલે છે. હિસાબ જડે દાનત પરથી ! પ્રશ્નકર્તા : ભાવ ચોખ્ખો હોવો જોઈએ ને ? ભાવ જ બગડી ગયો હોય તો પાછા શી રીતે અપાય ? દાદાશ્રી : એ ભાવ ચોખ્ખો નથી એ ઉપરથી જ આપણે હિસાબ કાઢી શકીએ કે આ અપાશે નહીં. અને ભાવ ચોખ્ખો હોય તો જાણવું કે આ પાછા અપાશે. આપણે આપણી મેળે તોલ કાઢી જોવો. આપણે કોઈના રૂપિયા લીધા હોય પણ આપણને અડચણ હોય તો આપણે આટલું જોવું કે આપણો ભાવ ચોખ્ખો રહે છે કે નહીં ? આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી ચોક્કસ અપાશે, પછી એના માટે ચિંતા વરીઝ નહીં કરવાની. ભાવ ચોખ્ખો રહે છે કે નહીં, એટલું જ જોવાનું. આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે, તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે. ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો ? ત્યારે કહે કે, 'આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !' એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય. પ્રશ્નકર્તા : આ દેવાળું કાઢે ને પછી પૈસા ચૂકવે નહીં તો પછી બીજા અવતારે ચૂકવવાનું ? દાદાશ્રી : એને ફરી પૈસા દેખાય નહીં, રૂપિયો એના હાથમાં અડે નહીં પછી. આપણો કાયદો શું કહે છે કે રૂપિયા પાછા આપવા માટે તમારે ભાવ ના બગડવો જોઈએ, તો જરૂર એક દહાડો તમારી પાસે રૂપિયા આવશે, ને દેવું ચૂકવાશે ! ગમે તેટલા રૂપિયા હશે, પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં. માટે કંઈક કામ કાઢી લો. હવે ફરી મોક્ષમાર્ગ મળે નહીં. એક્યાસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગે ય હાથમાં આવવાનો નહીં. આ છેલ્લામાં છેલ્લું 'સ્ટેન્ડ' છે, હવે આગળ 'સ્ટેન્ડ' નથી. પૈસાનું કે એવું તેવું સંસારનું દેવું હોતું નથી, રાગ-દ્વેષનું દેવું હોય છે. પૈસાનું દેવું હોત તો અમે ના કહીએ કે, ભઈ, પાંચસો પૂરા માગતો હોય તો પાંચસો પૂરા આપી દેજે, નહીં તો તું છૂટીશ નહીં ! અમે તો શું કહીએ છીએ કે, એનો નિકાલ કરજો. પચાસ આપીને ય તું નિકાલ કરજે. અને કહીએ કે, 'તું ખુશ છે ને ?' ત્યારે એ કહે કે, 'હા, હું ખુશ છું.' એટલે નિકાલ થઈ ગયો. જ્યાં જ્યાં તમે રાગ-દ્વેષ કર્યા હોય, એ રાગ-દ્વેષ તમને પાછા મળશે. કોઈ પણ ભોગે બધો હિસાબ ચૂકવવાનો. હિસાબ ચૂકવવા માટે આ બધો અવતાર છે. જન્મ્યા ત્યારથી મરણ સુધી બધું ફરજ્યિાત છે. ભાવ તો નિરંતર ચૂકવવાનો જ ! જેને નિકાલ કરવો છે એને આવી જશે. નિકાલ ના કરવો હોય તેને નહીં આવે. નિકાલ કરનારો અને જેને નિકાલ થતો હોય તે બધાય જાણી જાય કે નિકાલ કરે છે. નિકાલ એટલે બધાના મનના સમાધાનનો કાયદો. પચાસ માંગતો હોય તેને પચાસ જ આપે એવો કંઈ કાયદો નહીં. થઈ ગયો નિકાલ. તું કેટલા રૂપિયે નિકાલ કરું તે દહાડે ? પ્રશ્નકર્તા : પચાસ રૂપિયે. દાદાશ્રી : પૂરેપૂરો ? ના હોય ત્યારે શું કરે ? હોય તો પૂરા આપી દેવા. ના હોય તો દસ વધતા ઓછા કરીને કેસ ઊંચો મૂકવો. સામો માણસ એમ નથી કહેતો કે, મારા પૂરા પૈસા આપ. સામો માણસ એટલું કહે કે ભાઈ, આ ફેર નથી. એટલે તમે નભાવી લેશો. ત્યારે કહે, 'હા, નભાવી લઈશું એટલે થઈ ગયું ! આ દુનિયા એવી જ રીતે ચાલે છે ને, અહંકાર પોષાવો જોઈએ. એના અહંકારને કંઈ ઠોકરો ન વાગવી જોઈએ. તે આપણા લોક કહે છે કે મારે દૂધે ધોઈને આપવાના છે. અલ્યા, અહંકાર છે ખોટો. દૂધે ધોઈને આપવાવાળા ! મારે પૈસા આપી દેવા છે એવા ભાવ કરવાના, તો આપી દેવાય. લેતી વખતે પાછા આપી દેવાના છે એવું નક્કી કરીને જે લે છે, એના વ્યવહાર બહુ સુંદર મેં જોયા ! કંઈ પણ નક્કી તો હોવું જોઈએ ને પહેલેથી ડિસિઝન ! પછી એક્સિડન્ટ થાય એ જુદી વસ્તુ છે, પણ ડિસિઝન તો હોવું જોઈએને ! આ તો પઝલ છે ને બધું ! પ્રશ્નકર્તા : આત્માની અનંત શક્તિ ને આ પઝલે ય અનંત હોય એવું લાગે છે. દાદાશ્રી : એનું નામ જ પઝલ. હું મારું પઝલ તમને કહું ને, મારું પઝલ સાંભળે ને આ લોકો, તો અજાયબ થઈ જાય. કારણ કે આખી જિંદગી પઝલ જ, બહુ મોટાં મોટાં પઝલ આવ્યાં ! પ્રશ્નકર્તા : દાદા, ઘણી વખત એવું બને છે. એ પઝલનો અંત જ ના આવે. દાદાશ્રી : તમારે ખરુંને ! તમારે અમુક જ વર્ષથી પ્રેક્ટિસમાં આવેલું અને મારે તો કેટલાય કાળથી આની આ પ્રેક્ટિસ. કેટલાય અવતારથી પ્રેક્ટિસ થતી થતી આવેલી. અમે સમજીએ કે આમ જ હોય. એ હું કહુંયે ખરો કે આનું નામ જ કાયદો. પેલો ઉલટો કહે કે હું તો હવે તમને તો આપવાનો જ નથી. એટલે હું એને કશું એવું ના બોલું કે ના આપીશ. હું સમજી જાઉં કે આ જ કાયદો. પ્રશ્નકર્તા : દાદા, આ તો ઘંટીના પડની માફક ચોંટતા પ્રશ્નો આવ્યા જ કરે. એ નિકાલ જ ના થતા હોય. દાદાશ્રી : હા, શું થાય ? ગૂંચવાડો ઊભો થાય ! ચૂંથારો કરી નાખે. એવું જ બને. સંસાર છે ને ! પ્રશ્નકર્તા : એનો માર્ગનો અંત ના આવે ? દાદાશ્રી : અંત આવી જવાનો ને ! અમુક કાળ સુધી જ આવું હોય, પછી અંત આવી જવાનો. દેવું મૂકીને મરે તો ? પ્રશ્નકર્તા : માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય ? દાદાશ્રી : દેવું મૂકીને મરી જાય પણ એને મનમાં ઠેઠ સુધી - મરતાં સુધી એક વસ્તુ નક્કી હોવી જોઈએ કે મારે આ પૈસા પાછાં આપવા જ જોઈએ. આ ભવમાં નહીં પણ આવતા ભવે પણ મારે આપવા, જરૂર આપવા જ છે એવો ભાવ છે, એને વાંધો નથી આવતો અને કેટલાક કહે છે, શું આપવું-લેવું છે ? કોણ પૂછનાર છે ? ત્યારે એવું ત્યાં આગળ ! આપણે અહીં શેઠિયાઓ દસ-વીસ લાખ દબાવીને જ બેસી જવાના. તમને ખબર નહીં હોય કોણ દબાવે છે એવું ? પ્રશ્નકર્તા : ખબર છે ને, દાદા. દાદાશ્રી : હા, એના કરતાં નોકરિયાતને સારું કે કોઈ દબાવે જ નહીં, ભાંજગડ નહીં. જરૂર કઈ, મહીંલી કે બાહ્યલી ? અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી ભાંજગડ નથી. તે આપણે કહીએ કે, 'હેંડો, ભગવાનના દર્શન કરી આવીએ !' અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય ઊભી થાય ! 'અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને !' ત્યારે કહેશે કે, 'ના, એ તો મહીં રકમ ઓછી થાય ને !' અલ્યા, રકમ તું કોને કહે છે ? ક્યાંથી આ રકમ આવી ? એ તો જવાબદારીવાળી રકમ હતી, એટલે ઓછું થાય ત્યારે બૂમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે ? અરે, મૂડી તો 'મહીં' બેઠી છે એને શું કરવા હાર્ટ ફેઈલ કરીને મૂડી આખી ધોઈ નાખવા ફરે છે ! હાર્ટ ફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં ? પ્રશ્નકર્તા : થઈ જાય. દાદાશ્રી : ત્યારે આ બધું શેના સારુ ? ત્યારે પેલી કહે કે 'પણ મારે તો પેલી પૈસાની મૂડી કીંમતી છે !' અલ્યા, તમારે મહીંલી મૂડીની જરૂર નહીં ? ભોગવટો, રૂપિયાનો કે વેદનીયનો ! કુદરત શું કહે છે ? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી ? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તો ય શાતા ભોગવશે ને રૂપિયા હશે તો ય અશાતા ભોગવશે. એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો. ખોટો પૈસો જ ખવાય ! ધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. એક ફેરો ખોટું નાણું આવેલું. તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા. તે મેં નક્કી કર્યું કે આ ના જોઈએ. બરકતવાળી લક્ષ્મી !! નાણું કમાવાનું જોર કરવા જેવું નથી. નાણામાં બરકત શી રીતે આવે છે એ વિચારવા જેવું છે. તે જ્ઞાનીપુરુષ દેખાડે કે આ રીતે બરકત આવશે, નહીં તો બરકત નહીં આવે. એક શેઠ હતા. તે કહે છે કે પંચોતેર લાખ રૂપિયા મારી પાસે આજે બેન્કમાં તૈયાર છે અને આવક જબરજસ્ત છે. પણ સાહેબ બરકત નથી આવતી. તે શી રીતે આવે ? બરકત નહીં એટલે શું ? નરી ઉપાધિ, ધંધામાં ઉપાધિ, હાયવોય હાયવોય, બળતરા-ચિંતા ! અલ્યા આટલા લાખ રૂપિયામાં ય ચિંતા ! બરકત નથી આવતી ! એટલે જ્ઞાનીપુરુષને પૂછે કે સાહેબ, બરકત શી રીતે આવે ? બરકત ના જોઈએ ? પ્રશ્નકર્તા : એકદમ જોઈએ. એ થોડી હશે તો ચાલશે, પણ શાંતિ જોઈએ. દાદાશ્રી : હા, બરકત ! નાણું ટકે. બરકત હોય ને તો નાણું ટકે ! ને આપણને શાંતિ આપે, ને બરકત ના હોય ને તે તો ઉલટી ઉપાધિ કરે ! આવેલું નાણું દુઃખ આપીને જાય. અને જતું રહે પાછું ! તમે બે-ત્રણ વર્ષ પછી જો જો ને, મોટી મોટી પાર્ટીઓ આમ પડું પડું થઈ રહી છે. હવે આમાં શું થાય કે નાની પાર્ટીઓવાળા માર્યા જાય. એને ત્યાં મૂકી આવ્યો હોય, વ્યાજ ખાવા હારુ ! બે ટકા અને અઢી ટકા, એ પાર્ટીઓ ઊડી જાય. પેલાનું તો શું ગયું ? એણે લોકોમાં ચાલીસ લાખ રૂપિયાના હીરાનું કરી નાખ્યું ! એ નાદારી-બાદારી કાઢતો નથી, અત્યારે તો લોકોને એ કહી દે છે કે અત્યારે જે હોય તે લઈ લો, બા ! આ કંઈ એવો નાદારીનો રિવાજે ય નથી ને ભાંજગડે ય નથી. પહેલાં તો નાદારીમાં ખેંચી જતા હતા. અત્યારે પણ કો'ક માણસ ખેંચી જાય છે. બાકી ખાસ કરીને માંહ્યોમાંહ્ય પતાવી દે છે ! શું મજા કાઢવાની શું લેવાનું એમાં ? છે જ નહીં પછી શું લેવાનું તે ? અને એ કકળાટ કરવામાં શું સ્વાદ ! આવા ખોટા પૈસા તે ગયા ! નૈતિકતા એ જ ધર્મનો પાયો ! ધંધામાં અણહકનું નહીં. ને જે દહાડે અણહકનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણ વરસ-બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તો ય છૂટશો. વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ, નીતિ હશે ને પૈસા ઓછા હશે તો પણ તમને શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હશે તો ય અશાંતિ રહેશે. નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે ! જય સચ્ચિદાનંદ |