સાચા સુખનું શોધન !

સંપાદકીય

મનુષ્યમાત્ર ને પ્રત્યેક જીવમાત્ર સુખ માટે ફાફાં મારી રહ્યા છે. દુઃખ કોઈને ગમતુ નથી. પશુ-પક્ષીઓ તો સાહજિક અવસ્થામાં છે ને મનુષ્ય જ વિકલ્પી દશામાં છે. તેથી જાતજાતની કલ્પનાઓમાં રાચતો સુખ ભોગવે છે. અને માણસે માણસે જુદી જુદી કલ્પનાને લઈને દુનિયાના અનંત પ્રકારના પદાર્થોમાંથી પાંચ ઇન્દ્રિયો દ્વારા કલ્પિત સુખો ભોગવે છે. પણ એ સુખ પછી પાછાં દુઃખો તો ભોગવવા જ પડે છે. એટલે એ ખરેખર સુખ જ નથી ! ક્યાં સાચું સુખ રહ્યું છે અને જગતના લોકો ક્યાંથી સુખ મેળવી રહ્યા છે, તે વાત જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ જોતાં ઉત્તર-દક્ષિણ જેટલી વિરુદ્ધ દિશામાં છે.

જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ સાચા સુખની વ્યાખ્યા શી ? શી રીતે પ્રાપ્ત થાય ? લોકસંજ્ઞા કોને સાચું સુખ માની બેસે છે અને તે કઈ રીતે સાચુ સુખ નથી પણ કલ્પિત સુખ છે. તે તમામ વાતો અત્રે અગોપિત થાય છે. કેટલાક લોકો જલેબી ખાવામાં સુખ માને ત્યારે કેટલાંક લોકોને જલેબી ન ભાવે, તો આ પોતપોતાની માન્યતાના જ સુખ છેને ? જ્યારે સાચુ સુખ બધાને સ્વીકાર્ય હોય અને બધા એકામત એકાજત સ્વીકારે જ !

સંસારમાં જેટલા સુખ ભોગવવા જઈએ છીએ, તે સુખ પછી પાછાં દુઃખ આવીને ઊભાં રહે છે. તો એને સુખ કહેવાય જ કેમ ? સાચું સુખ તો કોને કહેવાય કે જે સુખ આવ્યા પછી ગમે તેટલી મુશ્કેલી આવે તોય એ સુખ જાય નહીં, જે સુખ સનાતન હોય ! અને જ્ઞાની પુરુષ પાસે એવો રસ્તો હોય છે કે, જે પોતે જ અનંત સમાધિ સુખમાં વર્તતા હોય છે અને બીજાને પણ એ સાચા સુખમાં રાચતા કરી દે છે.

સાચું સુખ સંસારી કોઈ વસ્તુમાં છે જ નહીં. આત્મા પોતે જ અનંત સુખનું ધામ છે. પછી બહારથી સુખ લેવાનું રહ્યું જ ક્યાં ? પણ પોતાને આત્માનું ભાન થાય કે 'હું પોતે કોણ છું ?' તો એ સનાતન સુખનો અનુભવ થાય.

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદાશ્રી તેમની જ્ઞાનવાણીમાં સાચું સુખ મેળવવાનો માર્ગ બતાડે છે. સંસારમાં ય સાચી સમજણ મળે તો સાચા અંતર સુખમાં રહી શકે અને જો આત્મજ્ઞાન પામી જાય તો મોક્ષ સુખને પામે !

દીપક દેસાઈ

સાચા સુખનું શોધન !

એને સુખની સમજ શી ?

દાદાશ્રી : દુઃખ જોયેલું કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : દુઃખ જોઈ જોઈને જ મોટો થયો છું.

દાદાશ્રી : શી રીતે એ દુઃખ છે એ ખબર પડી ?

પ્રશ્નકર્તા : લાગણીથી.

દાદાશ્રી : પણ, સુખ તે જોયેલું ? તેના આધારે તમને આ દુઃખ લાગે છે ખરું ? સુખ જોયું હોય તો દુઃખને દુઃખ કહી શકાયને ? અજવાળું જોયું હોય તો અંધારાને અંધારું કહેવાય. પણ અજવાળું જ ના જોયું હોય તો ? અંધારું ને અજવાળું એવા ભાગ પાડવાનું જ ના રહેને ?

એક ફેરો હું ગાડીમાં બેઠો હતો, વીસ પચ્ચીસ વર્ષ પહેલાં. તે બધી બહુ ભીડ એટલે મહીં જગ્યા ના મળે. ત્યારે છોકરાઓ બેઠાં હતાં. એ કહે કે કાકા, અહીંયા આવો. તે જરા જગ્યા કરી આપીને મને એટલામાં બેસાડ્યો. તે છોકરાંઓ બિચારાં આમ એકએકની ઉપર બેઠેલાં. ત્યારે મેં કહ્યું કે, 'અલ્યા, છોકરાંઓ તમને શી રીતે આ ભીડમાં ફાવે છે ?' ત્યારે કહે કે, 'તમે કોને ભીડ કહો છો ?' મેં પૂછ્યું કે, 'તમને ભીડ લાગતી નથી ?' ત્યારે કહે કે, 'ના, અમે તો જ્યારથી જન્મ્યા ત્યારથી આવું જ જોઈએ છીએ. અમને તો આવી છૂટ હશે એવું કલ્પનામાંયે નથી આવ્યું.' ત્યારે મેં કહ્યું, 'ઓહો, તમે ભીડને ઓળખતા જ નથી. કારણ કે જન્મ્યા ત્યારથી આવું ને આવું જ જુઓ છો.' એમની વાત તો ખરીને ! એમનું કહેવું ખોટું નહીંને ? જન્મ્યા ત્યારથી જાણે કે ગાડીમાં રિવાજ જ આવો, સામસામી પગ પર પગ ચઢાવીને બેસીએ. છૂટ તો અમે અમારા વખતમાં જોયેલી. તે આખી ગાડીમાં કોઈ પેસેન્જર ના હોય, તે મુંબઈ જવું હોય તો બીજો પેસેન્જર ખોળવો પડે. એકલા હોય તે બીક લાગે. વડોદરાથી મુંબઈની સાડા ચાર રૂપિયાની ટિકિટ પણ આખી ગાડીમાં કોઈ મળે જ નહીંને !

વ્યાખ્યા, સુખની !

તમે સુખ ચાખેલું કે આ સંસારમાં ?

પ્રશ્નકર્તા : હા, ચાખેલું છે.

દાદાશ્રી : શેમાં સુખ માન્યું છે તમે ?

પ્રશ્નકર્તા : માણસને નાની-મોટી સફળતાઓ મળે ત્યારે સુખ લાગે.

દાદાશ્રી : સફળતા મળે તો ?! પછી બીજું શામાં સુખ છે ? સારી સફળતા મળે એટલે એને સંતોષ થાય. સફળતા મળે એને જમ્યા વગર ચાલતું હશે ?! ત્યારે રાત્રે સૂતા વગર ચાલે ? સફળતા મળી ને રાત્રે સૂવાનું ના મળે તો એ સુખ કે દુઃખ ? રાત્રે ખાવાનું-પીવાનું ઠેકાણું ના પડ્યું તો એ સફળતા મળી, પણ એ સુખ કે દુઃખ ?

પ્રશ્નકર્તા : સફળતા મેળવવા માટે ખાવાનું જતું કરવું પડે છે અને ઊંઘેય જતી કરવી પડે છે.

દાદાશ્રી : પણ સફળતા મળ્યા પછી એ ના મળે તો ? સફળતા મેળવતાં પહેલાં જતું કરે. પણ સફળતા મળ્યા પછી એ ના મળે તો દુઃખ થાય.

સાચા સુખની વ્યાખ્યા !

બીજું સુખ શેમાંથી લો છો ?

પ્રશ્નકર્તા : બીજું ઇન્દ્રિય સુખ. શરીરના ઉપભોગથી માણસને આનંદ થાય. ક્ષણિક સુખો જેને કહી શકીએ તે.

દાદાશ્રી : એ સુખ ક્યારે કહેવાય ? કે આપણને તે ભાવતું હોય તો તેનાથી સુખ થાય ખરું પણ એ વધારે ખાઈએ, તો સુખ થાય કે જતું રહે ?

પ્રશ્નકર્તા : ના થાય. વિવેકપૂર્વક હોવું જોઈએ.

દાદાશ્રી : એટલે આ સુખની વસ્તુ ન હોય. પ્રમાણ વધી જાય અને દુઃખ થઈ પડે તે એ સુખની વસ્તુ ન હોય. તમને લાડવામાં સુખ હોય, બીજા ભાઈ કહેશે કે મને લાડવા ભાવતા નથી. માટે એય સુખ ન હોય. સુખ ડેફિનેશન સહિત હોવું જોઈએ. અને સુખ એનું નામ કહેવાય કે જેનો અંત ના આવે. તમારે સુખનો અંત આવે છે કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : હા, આવે છે ને !

દાદાશ્રી : તો પછી એને સુખ કહેવાય જ કેમ તે ?

બધાને સુખ ગમે છે. દુઃખ તો કોઈને ગમે જ નહીં ને ? નાના જીવડાનેય દુઃખ ના ગમે. છતાં આ જગત આખું જ દુઃખમાં સપડાયેલું છે. બે-ત્રણ દહાડાની ભૂખ લાગેલી હોય તો તમને મહીં સહન થાય કે ? બહુ દુઃખ થાય, નહીં ?

આ હાફુસની કેરી હોય, તે તેના પ્રમાણથી વધારે ખવડાવ ખવડાવ કરે તો પછી તમને શું થાય ? પછી દુઃખ થાય. કંટાળો આવે. એટલે જે સુખનું પ્રમાણ વધી જાય કે ઘટી જાય એટલે દુઃખ થાય. એ સુખ કહેવાય જ નહીંને !

આપણે આ દુઃખમાંથી શોધખોળ શી કરવાની ? સનાતન સુખની. આ સુખ તો ઘણું ભોગવ્યું. એનાથી સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય.

સર્વ દુઃખોથી મુક્ત શી રીતે થાય, એ જાણવા માટે જ આ જીવન જીવવાનું છે.

આ બધું સમજવું શા માટે ?

પરતંત્રતા લાગે થોડી ઘણી તમને ?

પ્રશ્નકર્તા : હા, પરતંત્રતા જ છે.

દાદાશ્રી : હવે એ પરતંત્રતામાં સુખ કેમ કહેવાય ? આખો દહાડો ઉપાધિ, ઉપાધિ !!

પ્રશ્નકર્તા : મને એક વસ્તુ હજુ નથી ખબર પડતી, આ બધું સમજીને મારે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : તમે જે ખોળો છો, જીવમાત્ર જે ખોળે છે તે હેતુ પૂરો થવા માટે આ સમજવાનું છે. જીવમાત્ર દુઃખ ખોળે છે કે સુખ ખોળે છે ? શું ખોળે છે ?

પ્રશ્નકર્તા : સુખ.

દાદાશ્રી : હા. સુખ જ ખોળે છે. દુઃખ કોઈનેય ગમતું નથી. કોઈ જીવ દુઃખ ખોળે નહીં. નાનામાં નાનું જીવડું હોય, તોય એ દુઃખ ખોળે નહીં. એનેય દુઃખ અપ્રિય હોય. આ ઝાડને પણ દુઃખ અપ્રિય હોય. એને પણ સુખ જ ગમે. આ ઝાડનેય જો કાપીએ ને તો એને મહીં દુઃખ થાય છે. પછી બિચારું ચીમળાઈ જાય છે, દુઃખ સહન ના થાયને ! એટલે કોઈ જીવને દુઃખ ગમે નહીં. બિલાડી હોય તેનેય દુઃખ ના ગમે. તે જીવમાત્ર સુખને ખોળે છે. એને સુખ મળે છે પણ તોય એ કહે છે કે આવું સુખ નહીં. એ સુખ મળ્યા પછી ફરી દુઃખ ના આવવું જોઈએ.

આ જેટલા જીવ છે ને, જેને આપણે ક્રિએચર કહીએ છીએ, એ તમામ જીવો સુખને શોધે છે અને દુઃખ એને ગમતું નથી. અને આ જે મેન મેઈડ ક્રિએશન કહેવાય છે, એને કંઈ સુખ-દુઃખ હોતું નથી. હવે સુખ-દુઃખની અસર થાય ત્યાં આત્મા છે. સુખ-દુઃખની અસર કોને થાય ? ક્રિએચરને. એટલે ક્રિએચરને દુઃખ ગમતું નથી અને સુખ જ ગમે છે. આ તમામ નાના-મોટા જીવને એ જ ભાંજગડ છે !

અને મનુષ્યપણામાં આવે ત્યારે સુખ એને હોય છે પણ તે સુખ 'ટેમ્પરરી' લાગે છે. એને સુખ પછી દુઃખ આવે છે. એ પાછું એને ગમતું નથી.

હવે આપણને ત્યાં બંગલામાં બધી જાતના નર્યા સુખ છે. પણ આપણે શું ખોળીએ છીએ ? આવું ટેમ્પરરી સુખ નથી જોઈતું. એ સુખ તો આવ્યા પછી પાછું જતું રહે છે એટલે 'પરમેનન્ટ' સુખ માગે છે. સુખ 'પરમેનન્ટ' સારું કે 'ટેમ્પરરી' સારું ?

પ્રશ્નકર્તા : 'પરમેનન્ટ' સારું.

દાદાશ્રી : હા, સુખ પરમેનન્ટ પ્રાપ્ત થવું જોઈએ. સુખ કાયમનું જોઈએ. કાયમનું સુખ કરવા માટે શું કરવું પડે ? એ સમજવાની જરૂર છે !

એટલે સમજવા જેવું છે આ બધું તો, આ તો વિજ્ઞાન છે. શું કરવાથી પોતે સુખી થાય, એટલું જ જો આવડી જાય ને તો બધું જ સાયન્સ આવડી ગયું એને. સંસારનાં સર્વ દુઃખોને મટાડે, એ સાયન્ટિફિક જ્ઞાન કહેવાય.

સાચું સુખ આત્માનું જ !

પ્રશ્નકર્તા : આપે 'ટેમ્પરરી' આનંદ કહ્યો ને બીજો 'પરમેનન્ટ' આનંદ કહ્યો, પણ એ બેનો ફેર અમે જ્યાં સુધી એ સુખ નથી ભોગવ્યું ત્યાં સુધી કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એની આમ ખબર જ ના પડે. 'પરમેનન્ટ' સુખ આવ્યું નથી ત્યાં સુધી આને જ તમે સુખ કહો.

એક છાણમાં રહેનારો કીડો હોય એને ફૂલમાં મૂકીએ તો એ મરી જાય. કારણ કે આ સુખથી ટેવાયેલો છે. પરિચિત છે, એની પ્રકૃતિ જ એવી બંધાઇ ગયેલી છે. અને ફૂલના કીડાને છાણમાં ન ગમે.

લોક કહેશે કે પૈસામાં સુખ છે, પણ કેટલાક સાધુ મહારાજ એવા હોય છે કે એમને પૈસા આપે તો ય એ ના લે. તમે મને આખા જગતનું સોનું આપવા આવો તો ય હું તે ન લઉં. કારણ કે મારે પૈસામાં સુખ છે જ નહીં. પૈસામાં સુખ હોય તો બધાયને તેમાંથી લાગવું જોઇએ. જ્યારે આત્માનું સુખ તો બધાને જ લાગે. કારણ કે એ સાચું સુખ છે, સનાતન સુખ છે. એ આનંદ તો કલ્પનામાં ય ના આવે એટલો બધો આનંદ છે !

ભગવત્ ઉપાય જ, સુખનું કારણ !

પ્રશ્નકર્તા : સાચું સુખ જડતું નથી ને સમય વહ્યો જાય છે.

દાદાશ્રી : સાચું સુખ જોઇતું હોય તો આપણે સાચા બનવું પડે. અને સંસારી સુખ જોઇતું હોય તો સંસારી બનવું પડે. સંસારી સુખ પૂરણ-ગલન સ્વભાવનું છે. આવે ને પછી ઊડી જાય, એ દ્વંદ્વવાળું છે. 'હું કોણ છું' એ ખ્યાલમાં આવી જાય પછી જ સાચું સુખ કાયમ વર્તે.

પ્રશ્નકર્તા : સંસારમાં સુખ કયારે મળશે ?

દાદાશ્રી : સંસારમાં સુખ હોય જ નહીં. પણ ભગવત્ ઉપાય લો તો કંઇક શાંતિ લાગે ને જ્ઞાન ઉપાયથી કાયમની શાંતિ રહે. અત્યારે નવ્વાણું ટકા દુઃખ ને એક ટકો સુખ, સાંસારિક સુખ છે. સત્યુગમાં સુખ હતાં.

એની ઈચ્છા પણ મુશ્કેલ !

પ્રશ્નકર્તા : તમે કહો છો ગમે તેવી મુશ્કેલી હોય, છતાંય આનંદમાં રહેવાય એ કઈ ચાવી છે ?

દાદાશ્રી : પોતાના સ્વરૂપમાં મગ્ન થાય ત્યારે ! નિજસ્વરૂપ રમણતા થાય ત્યારે ગમે તેવી મુશ્કેલીમાં આનંદ રહે.

પ્રશ્નકર્તા : એ નિજ સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થવાય ?

દાદાશ્રી : એક મિનિટ એમાં રહેને, એને કાયમનું થઈ જાય. જે સુખ આવ્યા પછી ગમે તેવી મુશ્કેલી હોય પણ એ સુખ જાય નહીં. એનું નામ વીતરાગોનું વિજ્ઞાન કહેવાય. વીતરાગ જ્ઞાન એટલે શું ? કોઈ દુઃખ જ ના હોય. વીતરાગોનો એક અક્ષર જો સમજે તો દુઃખ જ ના રહે.

પ્રશ્નકર્તા : એ સાંભળ્યું છે ખરું પણ એ અનુભવ તો બહુ મુશ્કેલ છે.

દાદાશ્રી : ને એ અનુભવ કરવાની ઈચ્છા પહેલી થવી એય મુશ્કેલ છે ને ! આ અનુભવ કરવાની ઈચ્છા એકલી થઈ હોય ને તો તો એનો ઉકેલ આવે. એ પઝલ સોલ્વ થઈ શકે આપણું.

રમણતા કયાં વર્તે છે ?

બધા જીવો સુખ ખોળે છે, તે કેમ મળતું નથી લોકોને ? રિલેટિવમાં રમણતા કરે છે. અને રિલેટિવ એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ ? ટેમ્પરરી. ટેમ્પરરીમાં રાચે તો સુખ કેમ મળે ? બધા ટેમ્પરરીમાં જ રાચે છે બસ ! મકાનો ને બંગલા ને ફલાણું ને આ ને તે ! એ રાખવાને માટે વાંધો નહીં. પણ તેમાં રાચવાનું નહીં. એ બધી વસ્તુઓ હોય તેનો વાંધો નહીં, હું યે આ કપડાં ટોપી-કોટ બધુંય પહેરું, પણ એમાં રાચવાનું નહીં. આ બધું તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ! ઓલ ધિસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ ! લોકોને રિયલ સુખ જોઈએ છે અને રિલેટિવમાં માથાફોડ કરી મૂકી છે.

સંસારી સુખનું સ્વરૂપ !

જગતમાં બધા જ સુખ ખોળે છે પણ સુખની વ્યાખ્યા જ નથી નક્કી કરતા. 'સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે.' એવું એકે ય સુખ આ જગતમાં હોય તો ખોળી કાઢ જા. શાશ્વત સુખ તો પોતામાં-સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને લોકો નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે !

આ સંસારીઓનાં સુખ કેવા છે ? શિયાળાનો દહાડો અને અગાશીનો મહેમાન અને લક્કડિયા હિમની શરૂઆત, ટૂંકી રજઈ અને તું લંબુસ. તે માથું ઢાંકે ત્યારે પગ ઊઘાડા રહે, પગ ઢાંકે ત્યારે માથું ઊઘાડું રહે. તે મૂઆ આખી રાત કાઢે તેવું આ સંસારનું સુખ છે. હકીકતમાં આ જગતમાં દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. દુઃખ એ અવસ્તુ છે. કલ્પનાથી ઊભું કરેલું છે. જલેબીમાં દુઃખ છે એમ કલ્પના કરે તો તેને તેમાં દુઃખ લાગે. ને સુખ છે એમ કલ્પે તો સુખ લાગે. માટે તે યથાર્થ નહીં. જેને સુખ કહ્યું તો તેને બધાએ એક્સેપ્ટ કરવું જ જોઈએ. યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ. પણ તું જેમાં સુખ માને છે તેમાં બીજાને અપાર દુઃખ લાગે તેવું આ જગત છે.

સુખ, અંતરનું વધારો ! નહીં તો...

આ જગત જે માને છે ને, કે પૈસામાં સુખ છે કે આમ સુખ છે, એમાં સુખ જ નથી. આખું જગત જે સુખને ખોળે છે અને સુખની આ જે માન્યતાઓ છે, એ સુખ માટે તો આખું સાયન્સ છે. એ સાયન્સ શું કહે છે કે એક આંતરિક સુખ છે, એ રિયલ સુખ છે. અને રિયલ સુખ આંતર વિજ્ઞાનથી ઉત્પન્ન થાય. બીજું રિલેટિવ સુખ છે. એ રિલેટિવ વિજ્ઞાનથી ઉત્પન્ન થાય. એ બે સુખોનો કાંટો આવી રીતે બેલેન્સ પકડજો. બહારના સુખ અને અંતરના સુખને બેલેન્સ પકડજો અને વખતે બહારનું સુખ એક્સેસ થઈ જાય તો બહુ ત્યારે થોડોક જ ફેર પડવો જોઈએ અને આંતરિક સુખ થોડુંક જ ઘટવું જોઈએ. નહીં તો બહારનું સુખ એકદમ વધી જશે અને અંતરનું સુખ એકદમ ઘટી જશે કે બંધ થઈ જશે, તો દશા એવી થશે કે પછી પોઈઝન પીને મરવું પડશે.

આ તો મન, બુદ્ધિ, બધું ફ્રેક્ચર થઈ ગયું છે. આને કારણે જ જુઓને બહાર લોકોની બધી કેવી દશા ઉત્પન્ન થઈ છે ? અને શેના સારુ પૈસા ખોળે છે ? કે આ સુખ ભોગવવા માટે ! અને તેય હજારો જાતનાં કપટો-લુચ્ચાઈઓ કરે છે ને ! ને છેવટે આમની તો સિન્સિયારિટી ગોન, મોરાલિટી ગોન ! આ કેમ પોસાય ?

જેટલો સંસારમાં સ્વાર્થી હોય, તેને મહીં અંતરસુખ તો નામેય હોય જ નહીં. ભગવાને શું કહ્યું હતું કે કાંટો જોયા કરજે. અંતરસુખ ઘટે ને બાહ્યસુખ વધે તો જાણજે કે મરવાનો થયો. જો કાંટો 'ધરમનો કાંટો' ના રહ્યો એટલે શું કે એના લેવલમાં થોડું ઘણું આઘુંપાછું થાય તો ચલાવી લેવાય, પણ આમ દાંડી ત્રાંસી થઈ ગઈ તો માર્યો જઈશ. પણ આ લોકોએ તો દાંડી આમ થઈ ગઈ ત્યાં સુધી જોયું નહીં ને ! આ બહારના સુખ વધારી દીધાં. મહીં આંતરસુખ ખલાસ થવા માંડ્યાં !

આજે તો ચાલીસ લાખનો ફલેટ લીધો છે ને ! એ ફલેટમાં તો એક ફેરો જોઈ આવજો, સમશાન(સ્મશાન) જેવું લાગશે ! અને ત્રણ ઉંદરડા મોટા મોટા દેખાય. એક રસોઈયો, એક ઘાટી અને પેલો દરવાન. અને શેઠ ને શેઠાણીની વાત પૂછીએ તો ખબર પડી જાય કે આમને તો બ્લડપ્રેશર થયેલું છે, ફ્રુટ ખાય તો શરદી થઈ જાય છે. પણ ફ્રુટના ટોપલા આવે, તે પછી આ ઉંદરડા ખા ખા કરે. આનું જ નામ દુષમકાળ ને ! આ બંગલા કરતાં તો આ લોકોની ઓરડીઓ સારી !

આ કાળની અજાયબી તો જુઓ ! તે અમને જ્ઞાનીપુરુષને ફસાવીનેય લઈ જાય લોકો કે હેંડો, અમારો બંગલો એક ફેરો જોવા આવોને ! અલ્યા, ત્યાં શું જોવાનું છે તે ? સમશાન જેવું તો લાગે છે ! આના કરતાં સમશાનમાં ગયા હોય તોય ત્યાં સારું લાગે, ત્યાં ચોખ્ખી હવા તો આવતી હોય. અને આમના બંગલામાં તો એના એ જ પરમાણુ. આમ ગોરા-રૂપાળા હોય પણ મોઢાં તો દિવેલ પીધાં જેવાં દેખાતાં હોય, તે તો તરબૂચાંય રૂપાળા નથી આવતાં ?! પણ મહીં કદરૂપું હોય તેને શું કરવાનું ? બહાર રૂપાળું હોય તેને શું કરીએ ? કાપીએ તો ખાટું નીકળે ! એ શેઠની જોડે વાત કરીએ ને, તોય અહંકારની ને અહંકારની જ વાત. 'આમ દસ લાખ રૂપિયા ગયા, પણ હું કાંઈ ગણકારું એવો નથી !' અલ્યા, અમારી આગળ આ વાતની જરૂર શી છે ! પણ તોય આપણે સાંભળવી પડે, શું થાય તે ?! કારણ કે એમને ત્યાં ગયા તેથીને ! તે ફસાઈ ગયા ! પછી પાછી ચા પીધી. શેઠ કહે, 'અમારે ત્યાં આપ પધાર્યા એટલે ચા તો પીવી જ પડશે.' એક તો કદરૂપા રાજમહેલ, કદરૂપા શેઠ અને પાછી ચા પણ કદરૂપી. હોય મોંઘા ભાવની, પણ 'ભાવ' નથી ને ! જ્યાં સુધી ભાવરૂપી દ્રવ્ય પડ્યું નથી ને, ત્યાં સુધી ગમે ત્યાં સાવ સોનું હોયને, તોય નકામું છે !

અમને સમજાય કે મહીં બળતરા પાર વગરની એને ચાલુ છે બિચારાને, પણ તોય ખાતી વખતે એમણે હસવાનો નિયમ (!) રાખેલો. એક બાજુ ટેબલ પર શેઠ બેઠા ને બીજી બાજુ શેઠાણી બેઠાં. અલ્યા, અહીંથી ગળેથી હસો છો તેમાં શું ભલીવાર આવે તે ? આ ડૂંટીએથી હસને ! પણ એ તો આખી નળી જ ભરાઈ ગઈ છે, તે શી રીતે ડૂંટીએથી હસે ? અહીં ગળેથી જ હસે ને !

અંતરદાહ, નિરંતર

એટલે આ સુખ છે તે એકાંતે સુખ નથી આ. આ સુખ ગમે તેટલું હોય પણ મહીં નિરંતર અંતરદાહ બળ્યા જ કરતો હોય. ઘણા માણસ મારી પાસે આવે છે કે 'દાદાજી, મારી પાસે પચાસ લાખ રૂપિયા છે, મિલકત સારી છે, છોકરા સારા છે, ગાડીઓ છે, છોડીઓ પણ સારી છે, કોઈ જાતનું દુઃખ નથી. છતાં મહીં ચેન પડતું નથી. એનું શું કારણ ? કારણ કે આ સુખ નથી. આ વસ્તુમાં સુખ નથી. અને મહીં અંતરદાહ બળ્યા જ કરતો હોય.

મુખ્યપણે ખપે, અંતરસુખ જ !!

પોતાનું સુખ પોતાની સમશ્રેણીમાં છે. સમશ્રેણીમાં એટલે પોતાનું ત્રાજવું ઊંચું જાય નહીં ને સંસારનું નીચું જાય નહીં.

પૈસા કમાવવા, ખ્યાતનામ થવું એ બધા દેહના વિટામિન છે. અત્યારે દેહના વિટામિન બહુ થઈ ગયા છે અને આત્માનું વિટામિન ખલાસ થઈ ગયું છે. એટલે ઊંઘવા માટે આ ગોળીઓ ખાવી પડે છે. ભગવાને કહેલું કે અંતરનું ત્રાજવું, એમાં આત્માનું ત્રાજવું અને એની સામેનું સંસારનું ત્રાજવું બેઉ બેલેન્સમાં રાખજે. બે બેલેન્સમાં નહીં રહે તો અંતરસુખ જતું રહેશે. તે અત્યારે બાહ્યસુખ એકલાને ચોંટ્યો, તે લોકોનું બાહ્યસુખ વધ્યું, પણ અંતરસુખ ખલાસ થઈ ગયું. જેનું અંતરસુખ ખલાસ થઈ ગયું છે એ કામથી ગયો ! આપણે અહીં કેવું ત્રાજવું છે કે હેય ! દહીંવડા ને બધું ખાવાનું તોય જ્ઞાન જાય નહીં, એવું આ વિજ્ઞાન છે અને મોક્ષ જાય નહીં પાછો ને ચિંતા એકુંય થાય નહીં.

કલ્પના પ્રમાણે સુખ ભાસે !

અત્યારે કોઈ હોટલમાં પેલી બાજુ ૨૦-૨૫ મુસલમાન જમવા બેઠા હોય અને અહીંયા આપણા બધા લોકો જમવા બેઠા હોય. મુસલમાનોને બહુ ભાવતી રસોઈ મળવાની હોય, તે માટે આખો દા'ડો ખુશ થઈને ભૂખે બેસી રહ્યા હોય ! હવે તે રસોઈ બિરયાની ને બધું જાતજાતનું બનાવ્યું હોય અને હિન્દુઓને કહ્યું હોય કે તમે જમી આવો તો કહેશે, અમે ભૂખે મરી જઈશું, પણ નહીં ખાઈએ.

જો સુખ બિરયાનીમાં હોય તો આ મુસ્લિમોને એમાં સુખ લાગે છે, તેમ હિન્દુઓને પણ સુખ લાગવું જોઈએ, પણ હિન્દુઓને એમાં દુઃખ લાગે છે. એ હોટલવાળો ત્યાંની થાળીઓ અહીં લાવ્યો અને અહીંની થાળીઓ ત્યાં લઈ જાય તો બેઉને દુઃખ ઉત્પન્ન થાય. એટલે આ કાલ્પનિક સુખો છે. પોતે માન્યું તો સુખ છે, નહીં તો સુખ એમાં હોતું હશે ? આપણે થાળીઓ પાછી કાઢવી પડેને ? એ ખવાય કંઈ ? તો ભૂખ્યા રહેવું પડેને ? અને પેલા લોકોય ચિઢાયા કરે, 'યે દિયા, ઐસા દિયા ખાનેકા ?' એટલે આ સુખ ન્હોય. આને સુખ કેમ કહેવાય ?

આ સુખો તો બધા કલ્પિત સુખો છે. તમને ગમે, તે બીજાને ના ગમતું હોય. તમારી કલ્પનામાં દૂધપાક તમને ભાવતો હોય તો તમે દૂધપાક કરો, તે દહાડે તમારું મન ઉલ્લાસમાં હોય અને બીજા માણસને દૂધપાક ના ભાવતો હોય તો એનું મન ડીપ્રેશનમાં આવી જાય. એટલે આ સુખ દૂધપાકમાં નથી. આપણા આરોપણમાં છે. આપણે આરોપ કરીએ તેવું એ લાગે અને આ સુખ, સુખ કહેવાય જ કેમ કરીને ? પછી દુઃખ આવવાનું એને કરવાનું શું તે ?

સાચું સુખ ચખાડ્યું કોઈએ ?

બાકી આ જગતમાં તો દુઃખ જ ન્હોય ને ! આ સુખેય ન્હોય ને દુઃખેય ન્હોય ! આ તો કલ્પિત છે બન્ને ! સાચું સુખ તો જગતે જોયું જ નથી. અને જોયું હોય તો ત્યાંથી આ સંસાર બધો છોડી દેત ! સાચા સુખનો સ્વાદ જોયો જ નથી. જો સાચા સુખનો એક મિનિટ પણ સ્વાદ ચાખે તો થઈ રહ્યું. પછી ખલાસ થઈ ગયું. એ ચાખ્યું જ નથી ને ! બધાએ કહ્યું કે સાકર ગળી છે. દરેક ધર્મવાળાએ કહ્યું કે સાકર ગળી છે, ને એ સાચું માનેય ખરાં. પણ કોઈ પણ બુદ્ધિશાળી માણસ પૂછે કે, 'સાહેબ, સાકર ગળી છે એ અમને સમજણ પાડો ! ગળી કહો છો ખરાં પણ ગળી એટલે શું ?' ત્યારે શું જવાબ આપે ?!

સાચું સુખ કોઈ વખત ચાખી જોયું હતું ? તો આ કલ્પિત છે, એવું માલુમ પડશે.

સુખ ખોળે શા માટે ?

પ્રશ્નકર્તા : જીવ બીજે સુખ શા માટે ખોળે છે ?

દાદાશ્રી : આ છોકરાને દાળ-ભાત સરસ ખાવા મળે તો તે હોટલમાં ના જાય. પણ ઘેર જ સંતોષ ના રહે તો પછી એ બહાર ખાવા જાય, તેવુ સુખમાં અસંતોષ છે એટલે સુખ ખોળે છે. જીવ અતીન્દ્રિય સુખને માટે ભટકે છે, પોતાનું સુખ કોઇએ ચાખેલું જ નહીં આ કલ્પિત સુખ તો કેટલું ટકે ? 'જ્ઞાની પુરુષ' મળી જાય તો અતીન્દ્રિય સુખ મળી જાય! કલ્પિત સુખથી તો તૃપ્તિ ના થાય, સંતોષ થાય ખરો.

સનાતન સુખ એ જ મોક્ષ !

પ્રશ્નકર્તા : શાશ્વત સુખ રહેવું જોઈએ.

દાદાશ્રી : હા, શાશ્વત. સનાતન સુખ એનું નામ સુખની વ્યાખ્યા કહેવાય. સાચું સુખ એ સનાતન હોય. એ શાશ્વત સુખમાં જ રહેવું એનું નામ જ મોક્ષ.

મોક્ષમાં જવાની વાત કરવાની નથી. અહીં જ મોક્ષ થવો જોઈએ. મારો મોક્ષ અહીં થઈ ગયેલો છે. એવો તમારો મોક્ષ પણ અહીં જ થવો જોઈએ. મનુષ્યદેહમાં જ મોક્ષ થવો જોઈએ. આપણું શાશ્વત સુખ જાય નહીં. કોઈ ગાળો ભાંડે, ગજવું કાપી જાય તોયે એની અસર જ ના થાય એવું જોઈએ.

પ્રશ્નકર્તા : ગીતામાં સ્થિતપ્રજ્ઞ કહ્યું છે તેવું ?

દાદાશ્રી : પણ આ એનાથી આગળની વાત છે. એટલે અસર જ ના થાય અને અહીં સુખ જ વર્ત્યા કરે એ જ મોક્ષ. કાયમનું સુખ ઉત્પન્ન થાય એનું નામ મોક્ષ.

આ સુખ-દુઃખ બેઉ ભ્રમણા !

શીખંડમાં સુખ નથી, તમારી કલ્પનામાં સુખ છે. અમને આ શીખંડમાં ટેસ્ટેય ના આવે અને કંટાળોયે ના આવે ! આમાં સુખે ય નથી ને દુઃખે ય નથી ! સુખ-દુઃખ બેઉ ભ્રમણા છે ! તાપમાં દુઃખની ભ્રમણા થઈને ઝાડ નીચે અહી છાયામાં સુખની ભ્રમણા થાય છે ! પણ આખી રાત ઝાડ નીચે બેસે ને, તો પાછું એ જ દુઃખરૂપ લાગે. એબૉવ નોર્મલ થાય તે પુદ્ગલસુખ દુઃખરૂપ લાગે !

અને જે સુખ છે એ બધા કલ્પિત સુખ છે. અને તે ય જો કાયમનું હોતને તો મોક્ષ ખોળત નહીં. પણ આ કલ્પિત સુખ તો એન્ડવાળું છે. કલ્પિત સુખો ભોગવવાનાં જો કાયમ રહેતા હોય ને તો વાંધો નથી. દુઃખ આવવાનું નથી તો પછી કલ્પિત તો કલ્પિત, પણ કાયમનું સુખ રહે તો વાંધો નથી. પણ આ તો કલ્પિત સુખ પૂરું થાય ને કલ્પિત દુઃખ આવે છે. એવું તમારે કોઈ દહાડો આવે છે કે ?

સુખ-દુઃખ છે વેદના !

એટલે એ ખરેખર સુખ-દુઃખ જ ન હોય, આ તો શાતા-અશાતા નામની વેદના છે. ઠંડું લાગ્યું એટલે સારું લાગ્યું. ગરમ લાગે કે ખરાબ લાગ્યું. એટલે એ સુખ-દુઃખ તો શાતા-અશાતા છે. શાતામાં જરા ઠંડક લાગે અને અશાતામાં ઉકળાટ લાગે. એ સુખ જ ન હોય. એક જાતની વેદના છે એ સુખ !

સુખેય વેદના છે ને દુઃખેય વેદના છે. સુખ વેદના હોય તો એ સુખ જ ના કહેવાય. જે સુખ વધારે ચાખીએ અને તે દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કહેવાય ? આ તો બધી ભ્રાંતિવાળાઓની જંજાળ છે. સુખના સમુદ્રમાં પડી રહે, પણ અભાવ ના થાય એ સાચું સુખ કહેવાય.

એ છે વેદનીય કર્મ !

આ સંસારનાં સુખ-દુઃખ છે એને ભગવાને સુખ-દુઃખ કહ્યું નથી. ભગવાને આને વેદનીય કહ્યું છે. સુખને શાતા વેદનીય કહી અને દુઃખને અશાતા વેદનીય કહી.

પ્રશ્નકર્તા : વેદનીય કેમ કહ્યું ?

દાદાશ્રી : કારણ કે એનું પ્રમાણ વધી જાય તો કંટાળી જાય. આ જમવાનું રોજ એક જ પ્રકારનું મૂકે તો કંટાળી જાય. તેથી તે ય વેદના જ છે ને ? પુણ્યકર્મથી શાતા વેદનીય અને પાપકર્મથી અશાતા વેદનીય છે. આ લગ્નમાં બધાં લોક આનંદમાં હોય ને ભાઇના મોઢા પર દિવેલ પીધું હોય એમ કેમ દેખાય ? ત્યારે કહે, 'મહીં' અશાતા વેદક છે. તે એ આમથી ગોદા મારે અને તેમથી ગોદા મારે અને ગમે તેવાં દુઃખનાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસ ભેગા કરી આપે અને ભાઇને દુઃખ આપે. આ ઉપર ભગવાન કે ગ્રહો કોઇ દુઃખ આપે નહીં. ઉપર કોઇ બાપો ય નવરો બેઠો નથી તમને દુઃખ આપવા ! આ તો મહીં પેલો વેદક છે એ કરાવે છે. આમાં આત્મા નથી. આત્મા સિવાય બીજી વસ્તુ છે. આ તો આખું લશ્કર મહીં છે. પોલિસવાળો, ફોજદાર, એનો ઉપરી એ બધા ય આ લશ્કરમાં છે !

વેદનીયથી જુદા વર્તે જ્ઞાની !

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને આ બે વેદક ના હોય ને, દાદા ?

દાદાશ્રી : 'જ્ઞાની'ને પણ હોય. પણ જ્ઞાની જુએ અને જાણે. કંઇ અપજશ મળે તો આપણે કહીએ કે આ તો તમારો હિસાબ તેથી અપજશ મળ્યો. આપણે તો જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી, તે પાડોશીની જેમ રહેવાનું. આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે. કોઇને દાઢ દુઃખવા આવે તો એ કેમ એમ નથી વિચારતો કે આ કાયમ દુઃખતી રહેશે તો ? આ બધાંનો ટાઇમ હોય. કાળ પાકે એટલે દુઃખતું બંધ થાય. એક અવસ્થા અડતાલીસ મિનિટથી વધારે ટકે નહીં એવા નિયમવાળું જગત છે !

તાપનું દુઃખ તેથી બાવળિયાથી સુખ !

અવસ્થામાં સુખ હોય નહીં. અવસ્થા તો નિરંતર ફર્યા કરવાની. બગીચામાં સુખ હોય તો ય પાછું ઘેર આવવું પડે છે, એના કરતાં જે જગ્યાએ દુઃખ છે ત્યાં જ પડયા રહીએ તો સુખ થાય. દુઃખ સહન કરનારને સુખ ઓટોમેટિક આવ્યા કરે. કારણ કે તાપમાં ચાલેલાને બાવળિયા નીચે સુખ આવે જ, અને જો કોઇને બાવળિયા નીચે સુખ ના આવતું હોય તો તેને ચાર-પાંચ કલાક તાપમાં ફેરવીએ તો પછી ત્યાં બાવળિયા નીચે ય તેને સુખ લાગશે. આ સંસારની કલુષિત ક્રિયા ને એનાં ફળ રૂપે સુખ ઉત્પન્ન થાય છે ! પછી એ ઘેર જઇને પંખો ફેરવીને બેસે તો 'હાશ, સુખ થયું' કહે ! પછી એ નિરાંતે ચા-પાણી પીએ. અને આખો દા'ડો ઘરમાં બેસી રહેલા શેઠને પંખો ફેરવે તો ના ફાવે, ચા-પાણી ના ગમે. આ સંસારમાં કોઇ પણ સુખ છે એ થાક્યાનાં ફળ રૂપે છે. સનાતન સુખ આવે પછી કયારેય પણ જાય નહીં !

પ્રમાણસર ત્યાં સુધી સુખ !

હમણાં તમને કેરીનો રસ બહુ ભાવતો હોય અને તમને રસ પીરસ્યો. પછી તમને કહેશે, આટલો વધારે ખાવો પડશે. તો તમે શું કહો ?! એટલે એ રસ જ તમને દુઃખદાયી થઈ પડે. જે સુખ વધારે ચાખીએ અને દુઃખદાયી થઈ પડે, એને સુખ કહેવાય જ કેમ ? આ તો બધી ભ્રાંતિવાળાઓની જ જાળ છે. સુખના સમુદ્રમાં પડી રહે તોયે અભાવ ના થાય, એનું નામ સુખ કહેવાય.

પ્રશ્નકર્તા : આ સુખ પછી તો તરત જ દુઃખ આવે છે.

દાદાશ્રી : એટલે એ સુખ-દુઃખ છે નહીં. એ છે વેદના. ઠંડો પવન આવ્યો એ વેદના છે. અને ટાઢ ખૂબ આવી એય વેદના છે. એટલે આ સુખ-દુઃખ બધી વેદનાઓ છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. ભલે લોક એને ભ્રાંતિમાં ગમે એમ સુખ કહે.

એ અહીંથી જ પ્રાપ્ત !

સુખ તો જેના પ્રાપ્ત થયા પછી અંત જ ના આવે, એનું નામ સુખ ! મારે સુખ આવ્યા પછી ગયું નથી, જતુંય નથી. આ બધાંનેય જતું નથી. સુખ એનું નામ કહેવાય કે જાય નહીં, અંતે દુઃખવાળું ના હોય.

બાકી મહીં આખું પારાયણ કરી પુરૂં લેવું હોય તો અહીંયા આવવું. નહીં તો તમારું છે તે તદ્દન સાચું છે. આખું પારાયણ એટલે સંપૂર્ણ દુઃખથી રહિત થવું હોય તો. દુઃખ ના જ ગમતું હોય પણ આ ભૌતિક સુખ ગમતું હોય ત્યાં સુધી દુઃખેય ગમાડવું જ પડે ને ?!

જગતમાં કોઈને ત્યાં સાચું સુખ હોય ખરું કોઈ જગ્યાએ ? આટલા બધા ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ, આટલા બધા મહીં કષાયો ને આટલા બધા શત્રુઓમાં, ષડરિપુઓમાં મહીં કાયમનું સુખ ક્યાંથી હોય કોઈને ?!

આરોપણ કર્યું, માટે સુખ !

પ્રશ્નકર્તા : ભૌતિક સુખોની આપે વાત કરી તો ભૌતિક સુખોનો આપણે ઉપભોગ કરીએ એમાં સુખ છે કે ફક્ત દુઃખ જ છે ?

દાદાશ્રી : એ તો એવું છે ને તમે જે સુખ ભોગવી રહ્યા છો એ કલ્પિત સુખ છે. પછી કલ્પિત સુખ જતું રહે છે ને દુઃખ આવે છે તે દુઃખે ય કલ્પિત છે પણ દુઃખ તો પછી સહન થતું નથી. એટલે સાચા સુખ ભણી આવો. સાચું સુખ સનાતન સુખ હોય. એ આવ્યા પછી જાય નહીં. એટલે આ સુખ કલ્પિત છે અને તે પાછું અંતે દુઃખવાળું છે. સાચું સુખ તો આમાં નામેય નથી. એક વાળ જેટલુંયે નથી ! કલ્પિત સુખનો વેપાર દુઃખ સાથેનો જ છે. હવે કલ્પિત સુખ કેમ કહ્યું ?

ભૌતિક સુખ એ ખરું સુખ નથી, એ આરોપિત સુખ છે. ઘણા લોક કહે છે કે મને જલેબી ભાવે છે. અને પછી બધાને જલેબી આપવા માંડે તો તેમાંથી કેટલાંક જણ કહેશે કે ના, મને જલેબી નહીં ફાવે, મને તો પેલાં ભજિયાં જ આપો. એવું નથી કહેતા ? જો જલેબીમાં સુખ હોય તો બધા જલેબી જ લે પણ જલેબીમાં સુખ નથી. જેણે જેવું માન્યું હોય, જેમાં આરોપ કર્યો હોય, એમાં એને સુખ લાગે. આરોપિત એટલે જલેબીમાં સુખ હોતું નથી. પણ આપણે આરોપ કરીએ કે જલેબી સરસ થઈ છે તો એ સારું લાગે, એમાંથી સુખ આવે અને આપણે કહીએ કે જલેબી મને નથી ભાવતી તો જલેબી ન ભાવે. એટલે આરોપિત સુખ છે ! આપણે આરોપ કરીએ તો આપણું સુખ એમાં પડે ! એટલે કે મહીંથી આત્મામાંથી કાઢીને એ જલેબીમાં નાખીને પછી જલેબીમાંથી સુખ લેવાનું, એનું નામ આરોપિત સુખ !

આ તો આરોપિત સુખેય છે અને આરોપિત દુઃખેય છે. કારણ કે તમે જેમાં સુખ માનતા હો, તેમાં બીજા કોઈ સુખ ના પણ માનતા હોય. એ કહેશે કે, 'આ વાત મને નહીં ફાવે.' અને એ ભાઈ જેમાં સુખ માનતા હોય, તેમાં તમને ના ફાવે. એટલે એમાં ભેદાભેદ હોય. આ સુખનો રસ્તો બધાની જુદી જુદી કલ્પનાઓ હોય. કોઈકને દાઢી વધી જાય છે તો એને કંટાળો આવ્યા કરે અને કોઈકને દાઢી જલદી વધતી નથી એથી એને કંટાળો આવ્યા કરે છે. એટલે જેમાં જેમાં સુખ માન્યું હોય એમાં સુખ દેખાય. એમાં એને સુખ વર્તે. એમાં આરોપ કરીએ તો સુખ થાય. નહીં તો સુખ ના લાગે, ને દુઃખ છે એવો આરોપ કરીએ તો દુઃખ થાય.

લોકસંજ્ઞાથી સંસારમાં સુખ !

લોકોએ જેમાં સુખ માન્યું, તેમાં આપણે પણ સુખ માનવું એ લોકસંજ્ઞા છે અને આત્મામાં જ સુખ છે એમ માનવું એ જ્ઞાનીની સંજ્ઞા છે.

તમે લોકસંજ્ઞાથી ચાલો છો કે જ્ઞાનીની સંજ્ઞાથી ચાલો છો ? લોકોની સંજ્ઞા કેવી હોય ? કે પૈસામાં સુખ છે, વિષયોમાં સુખ છે, ચોરી કરવામાં સુખ છે, એવી સંજ્ઞા હોય. જ્ઞાનીની સંજ્ઞા આત્મામાં સુખ દેખે, શાશ્વતી વસ્તુમાં સુખ છે એવું દેખે. તમે ચાખેલાં તે આરોપિત સુખ છે. સાચું સુખ એક ક્ષણવાર તમે ચાખ્યું નથી. જો ચાખ્યું હોય તો બધું ગાંડપણ જતું રહે. અને ના ચાખે ત્યાં સુધી સર્વસ્વ ગાંડપણ વર્ત્યા કરે. અને એમેય કહે કે આ મારા માસી સાસુ આવ્યા ! આ મારા ફોઈ સાસુ આવ્યા. મારા મામીસાસુ આવ્યા ! હોય ખરાં મામી સાસુ ને માસી સાસુ આપણા ? આ તો એવું સમજાય કે આ બધું મારું છે. પણ આપણું આ દુનિયામાં કોઈ છે જ નહીં. આત્મા અલગ જ છે, જુદો જ છે આખો.

માનેલામાંથી સુખ લીધાં !

અહીં સત્સંગ નિરંતર આનંદ આપનાર છે ! અને બહાર કયાંય આનંદ છે જ નહીં. તેથી અમુકમાં આનંદ માનીને આનંદ લે છે. 'જાણેલા'માંથી નહીં પણ 'માનેલા'માંથી આનંદ લે છે. સંસારનાં સુખો તો રોંગ બિલિફથી છે. આ જો જ્ઞાન થાતને તો ય કંઇક ચાલત, પણ આ તો રોંગ બિલિફથી આગળ ખસતો જ નથી ! વિવરણપૂર્વક એ સુખોને જુએને તો ય એ કલ્પિત સુખ સમજાય, પણ આ તો રોંગ બિલિફ જાય નહીં ત્યાં સુધી એમાં સુખ લાગે.

અનંત સુખનાં સાધન શાં ?

તમને ક્યાં સુખ ગમે ? 'એન્ડલેસ સુખ' ગમે છે ?

પ્રશ્નકર્તા : બધાને એ જ ગમે ને !

દાદાશ્રી : બધાને એ જ ગમે, પણ એન્ડલેસ સુખ છે એવું લોકો જાણતાય નથી. એ તો એમ જાણે કે આ જે સુખ છે, તે આને જ 'એન્ડલેસ' બનાવવાનું છે !! હવે આ જે આંખે દેખાય છે, કાને સંભળાય છે, જીભે ચખાય છે, નાકે સુંઘાય છે, આ સ્પર્શ કરાય છે, તે બધું, 'ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ એન્ડ યુ આર પરમેનન્ટ' તારે પોતાને 'એન્ડલેસ' સુખ જ જોઈએ, તારો પોતાનો સ્વભાવ જ 'એન્ડલેસ' સુખવાળો છે. અને આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ છે ! રિયલ વસ્તુ દેખાવી જોઈએ અને રિયલ વસ્તુ દેખાઈ એટલે પોતાને રિયલ સુખ ઉત્પન્ન થાય.

કલ્ચર્ડ સુખ !

પ્રશ્નકર્તા : એટલે આ સુખ અને દુઃખ એ તો માણસે જ ઉપજાવી કાઢેલી વસ્તુ છે ને ?

દાદાશ્રી : આ સુખ-દુઃખ એ કલ્પિત વસ્તુ છે. સાચી વસ્તુ નથી. આ સુખ છે તે પાછું 'કલ્ચર્ડ' સુખ છે અને તે પાછું 'એન્ડ'વાળું છે. 'કલ્ચર્ડ' હોય ને જો કાયમ હોય તો પછી કલ્ચર્ડ પસંદ કરીએ, પણ આ તો ખલાસ થઈ જાય ! અને પાછું એ સુખ પ્રત્યાઘાતી છે, પાછું એ જ દુઃખ આપે ! એ બધું સુખ કલ્ચર્ડ કહેવાય. તે કિંમત સાચા મોતીની વધારે કે કલ્ચર્ડ મોતીની ?

પ્રશ્નકર્તા : સાચાંની.

દાદાશ્રી : આ તો કલ્પિત બધું ! અને કલ્પિત ક્યાં સુધી ? આપણે કલ્પિત હીરાકંઠી ય ના પહેરાય ? આ કલ્ચર્ડ મોતી છે તે પહેરાય ? સારા માણસ એ પહેરે ? એ તો આજના જમાનાના લોકો પહેરે. બાકી પહેલાં તો કલ્ચર્ડ મફત આપે તોય, 'ના, મારે ના જોઈએ. કલ્ચર્ડ ના જોઈએ, સાચું જ જોઈએ. ભલે નાનાં મોતી હશે તો ચાલશે.' એમ કહે.

કલ્ચર્ડ મોતી ને સાચાં મોતી. પહેલાં કલ્ચર્ડ મોતી હોવાં જોઈએ કે સાચાં મોતી હોવાં જોઈએ ?

પ્રશ્નકર્તા : સાચા પહેલાં હોવાં જોઈએ.

દાદાશ્રી : સાચા હોય તો જ કલ્ચર્ડ પછી થાય. સાચા જોઈને કલ્ચર્ડ બનાવે છે. માટે પ્રથમ સાચા હોવા જ જોઈએ. એટલે સાચું સુખ પ્રથમ હોવું જોઈએ, એના પરથી કલ્ચર્ડ સુખ ઉત્પન્ન થયું. આ કલ્ચર્ડ સુખમાં જ નિરંતર રહે છે ને લોકો !

એટલે લોક શું કહે છે કે કલ્ચર્ડ સુખ અમને કાયમનું મળતું હોત તો અમારે સાચા સુખની જરૂર નથી. આ તો ફર્સ્ટકલાસ થાળી, બત્રીસ ભાતની રસોઈ જમાડે, ને પછી કહેશે કે આટલો કટોરો કડવો પી જાવ ત્યારે મેર ચક્કર, તારો થાળ લઈ જા અહીંથી. અમારે ખીચડી ચાલશે. ખીચડી ચાલે કે ના ચાલે ?

હવે સનાતન સુખ તો ભગવાન મહાવીરના કહેલે રસ્તે ચાલીએ તો પ્રાપ્ત થાય.

સુખી થવાની બે ચાવીઓ...

પ્રશ્નકર્તા : પણ આજકાલ સંસારમાં જાતજાતની ચિંતાઓ હોય છે. એ ચિંતાઓમાંથી મુક્ત થઈને શાંતિવાળું જીવન જીવવું હોય તો એ કેવી રીતે જીવી શકાય ? એની ચાવીઓ તો હશેને ?

દાદાશ્રી : સંસારમાં રહેવું અને શાંતિપૂર્વક જીવવું, એને માટે બે રસ્તા છે. એક તો વ્યવહારમાં પ્રામાણિકતા જોઈશે. વ્યવહારમાં સર્વાંશે પ્રામાણિકતા રહી શકે નહીં, તો કંઈક અંશે પ્રામાણિકતા જોઈશે, લેવડદેવડમાં બધામાં અને બીજું શું જોઈશે ? કે કોઈ પણ જીવને કિંચિત્માત્ર ત્રાસ આપવો નથી એવો ભાવ જોઈએ. આપી દેવાય એ વસ્તુ જુદી છે અને આપવાનો ભાવ એ વસ્તુ જુદી છે. કોઈકને ત્રાસ આપી દેવાય અને પછી પસ્તાવો થાય, એ વાત જુદી છે અને ત્રાસ નહીં આપવાનો ભાવ એ બીજ રૂપે છે. ત્રાસ અપાઈ જાય છે એ ફળ રૂપે છે. ત્રાસ અપાઈ જાય છે એ તમારા હાથની વાત નથી. ફક્ત તમારે તો મનમાં એવું જ હોય કે મારે ત્રાસ નથી આપવો. એ ભાવ જ, જો એટલું જ હોય ને તો શાંતિથી જીવન જીવી શકે.

આ તો સાસુએ દુઃખ દીધું એટલે શું થયું ? કે આપણે જે બીજ નાખ્યું હતું તેનું આ ફળ આવ્યું. માટે હવે આવું બીજ ફરી નાખવું નથી તો પછી સાસુને આપણે સામુ દુઃખ નહીં આપવાનું. નહીં તો પછી ફરી ફળ આવશે. ફળમાંથી બીજ, બીજમાંથી ફળ, આ ને આ જ બધું. તે ક્લેશ ને કંકાસ બધા તેના વધી ગયા છે ને ! એને બંધ કરવા તો જોઈએ ને ?!

ઉદ્ધાર કરાવવો છે ?

એટલે ભૌતિક ઉદ્ધારની વાત કરું છું. એમાં એક તો આપણને ભૌતિક સુખો જોઈએ છે, તો આપણે બીજા લોકોને ભૌતિક સુખ આપવા. તો આપણને ભૌતિક સુખ આવશે અને ભૌતિક દુઃખો આપીશું તો દુઃખ આવશે. જે આપો એ સામું આવશે. અત્યાર સુધી જે આપ્યું છે તે જ સામે આવ્યું છે. હવે ફરી જો પૂરેપૂરા સુખ જ જોઈતા હોય તો પૂરેપૂરા સુખ આપો લોકોને ! પૂરેપૂરા દુઃખ જોઈતા હોય તો પૂરેપૂરા દુઃખ આપો લોકોને અને સુખ-દુઃખનું મિક્ષ્ચર જોઈતું હોય તો સુખ-દુઃખનું મિક્ષ્ચર આપો. જે અહીં આપો તે તમને મળશે. અને તમારે બીજું સ્ટેશન દેવલોકનું જોઈતું હોય તો દેવલોક આપીશ. ત્યાં નર્યાં ભૌતિક સુખો મળે ! તો એ ય વાંધો નહીં.

પછી આત્યંતિક મોક્ષ જોઈતો હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આ મોક્ષના જ સ્ટેશને જવું એવો અમે આગ્રહ નથી રખાવતા. તમારે જે સ્ટેશને જવું હોય ત્યાં જવાશે. તો ક્યાં જવું છે એ તમે નક્કી કરજો. તમારે દેવલોકોને સ્ટેશને ઊતરવું હોય તો ય ઉતરાય ! દેવલોકમાં સુખો સારાં હોય છે, પણ ભૌતિક સુખો હોય છે. એ વિનાશી હોય છે પછી સુખ હોય તે ભોગવાઈ જાય એટલે હતાં તેનાં તે જ ! ભિખારાં ને ભિખારાં ! બેન્કમાં હોય તે બેન્કનું એકાઉન્ટ બધું આપણે ભોગવાઈ ગયું. વાપરી ખાધા એટલે પછી શું રહ્યું ? એવું છે ભૌતિક સુખોનું !!!

એટલે જો સંસારમાં સુખ જોઈતું હોય તો પુણ્યનું ખાતું જરા વધારે રાખો, ક્રેડિટ ખાતું વધારે રાખો. હવે ક્રેડિટ ખાતું કેમ ઉત્પન્ન થાય ? લોકોને સુખ જ આપો અને આપણને કોઈ દુઃખ આપે તોય એને સુખ આપો.

'દીધું' તે 'મળશે', માટે ચેતો !

સંસારના વિકલ્પી ધર્મો આફટર ઓલ શું કહેવા માગે છે ? કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો એ જ ધર્મ છે. બસ ત્યારે કોઈ કહેશે કે કોઈક મને ગાળો દેશે તો ? જો એણે દીધેલી ગાળો તને ગમતી હોય તો તું ફરી એવી ગાળો આપ અને આ વ્યવહાર એની જોડે ચાલુ રાખ. આપણને એની જોડે આ વ્યવહાર પસંદ ના હોય ને ગાળો ના ગમતી હોય તો એ વ્યવહાર બંધ જ કરી દો. જેની જોડે વ્યવહાર તને પસંદ હોય, તેની જોડે જ વ્યવહાર કર.

વિકલ્પી ધર્મ બીજું શું કહેવા માગે છે કે જો તમારે સુખ જ જોઈતું હોય તો તમે રાત-દિવસ લોકોને સુખ જ આપ્યા કરો. જે રીતે બને તે રીતે, વાણીથી, વર્તનથી, ગમે તેનાથી. પણ બધાને સુખ આપો.

તમે જેને ગાળ ભાંડો છો એ તમારી જાતને જ ભાંડો છો, એ વાત સમજમાં આવવી જોઈએ. લોકોને સુખ જોઈએ છે અને આપવાં છે દુઃખ ! બહુ જુજ માણસો કંઈક એવું સુખ આપવાનું રાખતા હશે, બાકી ઘણા ખરા એ તો આવું જ કરવા માંડ્યું છે. દુઃખ આપે પછી સુખ એને ક્યાંથી મળે ?

... એ મોક્ષ અટકાવે !

હવે જીવમાત્રને સુખ આપવું એનાથી પુણ્ય બંધાય અને પોતાને સુખ જ મળે. અને કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ આપ્યું એનાથી પાપ જ બંધાય અને દુઃખ જ પડે. આમાં બીજું શું સમજવાનું છે.

આ તો દીવા જેવું સ્પષ્ટ છે ને ! શોર્ટ કટ વાત છે ! એટલે કર્મ બાંધતા ફરી આપણે વિચાર કરવો જોઈએને કે હવે શું બાંધવા તે ?!

સામાને કેમ સુખ થાય ? એમ આપણે વર્તવું. એ આપણો ધર્મ હોવો જોઈએ. સામાનું સુખ એનું નામ જ આપણો ધર્મ.

તમારાથી કોઈને દુઃખ થશે તો તેનો તો મોક્ષ અટક્યો પણ તે તમારો પણ મોક્ષ અટકાવશે. મારે કોઈનેય દુઃખ ના દેવાય. કોઈનેય દુઃખ આપીને કિંચિત્માત્ર પણ સુખી થઈએ, એવી ક્યારેય આશા રાખવી નહીં. એટલે કેમ બધાને સુખ વર્તે એ જોવું આપણે. બીજું કશું જોવું નહીં.

અંતે ઊંધાનો અનુભવ તો થશે જ !

પ્રશ્નકર્તા : પણ આવું માણસ સમજતા નથી કે જેવું આપીશું એવો સામો બદલો મળે. લોકો તો 'પીછે દેખા જાયેગા' એવું સમજતા હોય છે.

દાદાશ્રી : પણ એને એક દહાડો તો અનુભવ થશે ને ? આપણે કહીએ કે, 'અલ્યા, અહીં ના જશો, અહીં આગળ જરાક લપસણું છે.' ત્યારે પેલો કહેશે કે, 'ના, એ તો બધું હું પહોંચી વળું એવો છું.' અને પછી પડે, એક ફેરો કેડો તૂટી જાય તો એની મેળે જ જ્ઞાન આવે ને !

આપણે લોકોને દુખાડ્યું ને, તે તેનાં પરિણામે આપણને દુઃખ મળશે. લોકોને સુખ આપો તો તમને સુખ મળશે. હવે આ સુખ ને દુઃખ એ ખરેખર સુખ-દુઃખ જ નથી, પણ તોય શાંતિ છે. તમે લોકોને શાંતિ આપશો તો તમને શાંતિ મળશે, અશાંતિ આપશો તો અશાંતિ મળશે. એટલાં બે જ વેપાર છે. અને ત્રીજો વેપાર, શાંતિ અને અશાંતિથી મુક્ત થઈને કાયમના મુક્ત થવું હોય તો પછી રિયલમાં આવી જાવ. જો કદી આપણને કોઈ અશાંતિ આપે તો આપણે એ જમે કરી દેવી. કારણ કે પહેલાં આપેલી હશે તો જ આપી જાય ને ! એ જમે કરી દેવી અને નવી ધીરવી નહીં અને શાંતિનો જ વેપાર કરવો તો તમને કોઈ દહાડોય અશાંતિ આવશે જ નહીં. જો તમે સુખ જ આપ્યા કરો તો પછી તમને વર્ષે, બે વર્ષે પાંચ વર્ષે બધા સુખ આપવાની શરૂઆત કરશે, તમે કોઈને દુઃખ જ નહીં આપો તો બધું સુખ જ તમારી પાસે આવે. લોકો દુઃખ નથી આપતા ?

પ્રશ્નકર્તા : આપે છે.

દાદાશ્રી : કારણ કે આપણે એમને દુઃખ આપીએ છીએ. એટલે એ દુઃખ આપે ને ! આ વ્યવહાર છે. હવે તમે જેવો વ્યવહાર રાખો એવો એ રાખે. તમે સુખ આપવાનો વ્યવહાર રાખો તો એ તમને સુખ આપે, તમે દુઃખ આપવાનો વ્યવહાર રાખો તો દુઃખ આપે. તો શું આપવું જોઈએ ?

પ્રશ્નકર્તા : સુખ જ આપવું જોઈએ.

દાદાશ્રી : હા, બધા જો સુખ આપતા થઈ જાય તો પછી આ દુઃખની ભાંજગડ જ મટી જાય ને ! સુખ તો માણસ નક્કી કરે તો સામા માટે ધક્કો ખાઈનેય એને સુખ અપાય. સામાને પોસ્ટમાંથી કાગળ લાવી આપે, કાગળ પોસ્ટમાં નાખી આપે, ઘેર શાક લાવી આપે, તેય બધાને સુખ લાગે.

દાન એટલે જ સુખ આપવું !

દાન એટલે કોઈ પણ જીવને સુખ આપવું. મનુષ્ય હોય કે બીજા જાનવરો હોય, બધાને સુખ આપવું એનું નામ દાન કહેવાય. બધાંને સુખ આપ્યું એટલે તરત એનું 'રીએકશન' આપણને સુખ ઘેર બેઠાં આવે, એટલે સુખ જ આપ્યા કરવાનું છે. પછી બીજું વધારે સુખ ના અપાય તો કોઈ એવો દુઃખી માણસ હોય, ભૂખ્યો હોય તો એને કંઈક ખાવાનું-પીવાનું આપીએ, તો એને શાંતિ વળે. કપડાં ના હોય તો આપણાં પહેરેલાં કપડાં હોય, તે એને આપીએ તો એને શાંતિ વળી જાય. અગર તો એને કંઈક દુઃખ હોય અને પાંચ રૂપિયા આપીએ તો દુઃખ એનું જાય. એટલે કોઈના મનને સુખ આપ્યું હોય તો આપણા મનને સુખ પ્રાપ્ત થાય, એ જ વ્યવહાર છે બધો. કારણ કે જીવમાત્રની અંદર ભગવાન રહેલા છે, એનું બહારનું કામ નથી જોવાનું. મહીં ભગવાન રહ્યા છે, માટે આપણે એને બધી 'હેલ્પ' કરવી જોઈએ. અને એ 'હેલ્પ' કરી તો 'હેલ્પ'નું પરિણામ આપણે ત્યાં આવશે અને ભગવાન રહેલા છે, એટલે કોઈને દુઃખ દીધું તો પરિણામે આપણને દુઃખ આવશે.

જાતનો વ્યવહાર કેવો ?!

જો એ આપણને દુઃખ આપે, તે દહાડે આપણને એ દુઃખ સહન કરવાની શક્તિ હોય તો આપણે એ વ્યવહાર કરો અને સહનશક્તિ ના હોય તો પછી આપણે એ રહેવા દો. આપણી શક્તિ જોઈ લેવી જોઈએ કે ના જોઈ લેવી જોઈએ ? કોઈ એવા હોય તો એને તો કશો વાંધો જ નહીં કે તુમ હમકો કાટેગા, તો હમ તુમકો કાટેગા, એવું હોય તો કંઈ વાંધો નથી. એમને દુઃખ લાગતું યે નથી.

આપણાં ઘેર લગન હોય તો, ગામમાં આપણે આમને ત્યાં દશ લાડવા મોકલાવ્યા, બીજા આમને ત્યાં પાંચ લાડવા મોકલ્યા, તે શા હારુ મોકલાવીએ છીએ ? વ્યવહાર છે ને ! પછી કોઈક દહાડો એને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો એ આપણે ત્યાં લાડવા મોકલાવે એટલે વ્યવહાર સારો સાચવીએ. આ તો આપીને લેવાનું છે. સુખ આપીને સુખ લેવાનું છે અને દુઃખ આપીને દુઃખ લેવાનું છે. એટલે આપણને જે જોઈતું હોય તે બીજાને આપવાનું, આ ભગવાનનો કાયદો છે.

દુઃખ ટાળવા, નવું ખેડ કરીએ....

અહીં આગળ જ્ઞાન લઈએ તો કંઈક ખેતર સુધરે, નહીં તો આ ખેતરાં કોઈ દહાડોય સુધરે નહીં. આ તો પહેલાંની ખેડ છે. તેનું અત્યારે આ બધું ખેડ સાથે પાણી ભેળું કર્યું એવું આવે છે. નવેસરથી ખેતી તૈયાર કરો તો એમાં કંઈક ભલીવાર આવે. પાછલું ટ્રેકટર ફેરવીને ઉખાડી નાખવાનું.

તમે તમારી જાતે જ ખેતર ખેડ્યું, તેમાં ઊધું-છત્તું થઈ ગયું ને આ દુઃખ લાવ્યા છો. તમારું પોતાનું દુઃખ તમે પોતે જ લાવ્યા છો. હવે જો સુધારવું હોય તો નવેસરથી ખેતીમાં ફેરફાર કરો એટલે અમે સમજણ પાડી એ પ્રમાણે કંઈક ચાલો તો રાગે પડશે ને દહાડો વળશે, નહીં તો એવી ને એવી ખેતી કર્યા કરશો તો કાયમ દુઃખ જ ભાગે રહેશે.

પ્રશ્નકર્તા : તમે સારા માર્ગે જવાનું કંઈક માર્ગદર્શન આપો તો જ ખ્યાલ આવે ને ?

દાદાશ્રી : માર્ગદર્શન માટે તો, એવું છે ને કે તમે અહીં આવો તો તમને અમે 'જ્ઞાન' આપીએ, પછી અમારા કહ્યા પ્રમાણે ચાલો ને, તો બીજે દહાડેથી સમાધિ રહેશે ને બધું સારું સારું થઈ જશે, ને નવેસરથી ખેતીવાડી સારી કરીએ તો કંઈક મહેનત માથે ના પડે. બાકી ભગવાન આમાં કશું કરવા આવવાના નથી, ભગવાન તો કૃપા વરસાવે, બીજું કશું કરે નહીં. તમે જો ચોરી કરો તો તમને ભગવાન અજવાળું ધરે. પણ ચોરીમાં ગુનાનો દંડ, માર ખાવાનો તમારે. ભગવાન તો છેટે રહીને બધાને અજવાળું આપે છે, બીજું કશું કરતાં નથી, આવું બધું કરવા માટે, તમારી ખેતીવાડી ચલાવી લેવા માટે ભગવાન કંઈ નવરા નથી. એને માટે તો આપણે જાતે જ મહેનત કરવી પડશે. જાતે મહેનત એટલે સારી ભાવનાઓ ભાવીને બધો ફેરફાર કરવો પડશે. કોઈને દુઃખ ના થાય એવું વર્તન રાખવું પડશે.

કોઈને દુઃખ આપીને આપણે સુખ પામીએ એવું કોઈ દહાડોય બને નહીં. બધાને સુખ આપવાનો નિયમ કરો, ત્યારથી તમારે ત્યાં સુખ આવશે. માટે સુખ આપવાની શરૂઆત નવેસરથી કરવાની છે. અને કોઈ ગાળ ભાંડે તોય આપણે આશીર્વાદ આપવા. કારણ કે આપણે આપેલું છે, તે જ પાછું આપવા આવ્યા છે. માટે એ જમે કરી લેવું. આજે કોઈ આપે છે તે આપણું જ આપેલું પાછું આપવા આવે છે. એટલે એવી રીતે નવેસરથી ખેતીવાડી કરીએ ને એક જ શબ્દ પાળીએ તો સીધા થઈ જશો. નહીં તો માર ખાઈ ખાઈને મરી જવાનું છે. અનંત અવતારથી ભટક ભટક કરે છે અને હજી અનંત અવતાર ભટકશે તોય ઠેકાણું પડશે નહીં. પોતે સીધા થયા વગર કોઈ દહાડોય ઉકેલ આવવાનો નથી.

અનંત અવતારથી ભટક ભટક કરવા છતાં સુખ સહેજેય નથી મળતું. સુખ તમારી મહીં ભર્યું પડ્યું છે. એને અમે ખોલી આપીએ ને તમે એ પ્રમાણે ચાલો તો રાગે પડે, નહીં તો કેમ કરીને રાગે પડે ? તમને કહ્યું કે આ રસ્તે જાવ, તેમ છતાં તમે આમ બીજે ચાલ્યા જાવ તો એનો શો અર્થ થાય ? એ તો માર્ગદર્શન મળે, એમના માર્ગદર્શન પ્રમાણે ચાલે તો પાર વગરનું સુખ મહીં ભર્યું પડયું છે તે પ્રાપ્ત થાય. બાકી બહાર સુખને ક્યાં ખોળો છો તે ? એટલે કહ્યા પ્રમાણે જરા ચાલો તો બધું ફર્સ્ટકલાસ થઈ જાય !

'ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.' આ આપણેે ફર્સ્ટ ટાઈમ ખુલ્લું કરી દઈએ છીએ. જેમ છે તેમ નેકેડ સત્ય બોલીએ છીએ. એટલે પછી માણસો જે ભગવાનના નામ પર ખોટું કરે છે કે ખોટું માને છે કે આપણે ભગવાનની ભક્તિ કરીશું તો પાપ ધોવાઈ જશે અને આમ પાપ કર્યા જ કરે છે, તેમને પોતાની જવાબદારીનું ભાન થાય કે વર્લ્ડ તો ઈટસેલ્ફ પઝલ થયેલું છે. ઉપર ભગવાન કોઈ બાપોય નથી. શું કામ ઉપરવાળાનો આધાર માની ખોટું કરું છું ?! તમારી જાતે જ ફેરફાર કરવો પડશે.

જેમ ખેતર હોય છે તે ખેડૂત ઘઉંના દાણા નાખે છે, તે એક મણ નાખે તો કેટલા ઘઉં લઈ આવે છે ? ત્રીસ મણ ઘઉં લઈ આવે છે. એવું એક મણ સુખ આપે બધાને, તો ત્રીસ મણ સુખ લઈ આવે. માટે સુખ આપવાનું કરો અને કોઈ આપણને દુઃખ આપે છે તે પાછલાં ચોપડાનો હિસાબ છે તે જમે કરી લો ને નવું ધીરશો નહીં. નહીં તો નવો વેપાર ચાલુ થશે.

સુખી થવાનો રસ્તો....

પરમ વિનયથી મોક્ષ છે અને આ સંસારમાં ય પરમ વિનયથી તો બહુ સુખી થઈશ, એના જેવો સુખી થવાનો કોઈ રસ્તો જ નથી. પરમ વિનય એટલે શું ? કોઈને આપણાથી કિચિત્માત્ર દુઃખ ના થાય એ જ પરમ વિનય છે આપણો. આ કાળમાં કોઈને દુઃખ આપશો નહીં. કોઈ દુઃખ આપે તો આપણે જમે કરી લેવું, ફરી ધીરવાની ઈચ્છા નથી ને ?

પ્રશ્નકર્તા : જરાય નહીં.

દાદાશ્રી : એ તો પાછાં તમે કોઈકને ધીરી બેસશો. કોઈક કશું આપે તે ઘડીએ પાછાં ધીરી દેશે ! કારણ કે સ્વભાવ કંઈ જતો રહ્યો છે ? જાગૃતિ રહે નહીં ને ! મેં કહ્યું હોય તે ધીર્યા પછી યાદ આવે, પછી તમારે ભૂલ થઈ એનો પસ્તાવો કરવો પડે.

એ માન્યતા ફેરવી !

પ્રશ્નકર્તા : કુન્તાએ દુઃખ માગ્યું, સુખ ના માગ્યું કે જેથી ભગવાન યાદ આવે. તેનું રહસ્ય શું છે ?

દાદાશ્રી : એવું છે ને, ઘરનું આ બારણું આપણે કાયમ બંધ રાખતા હતા. પણ એક જાય ને બંધ કરીએ, ત્યાર સુધીમાં બીજો ઠોકે. તે જાય એટલે બારણું વાસીએ ત્યાં ત્રીજો ઠોકે. આમ આખો દહાડો ચાલ્યા કરે. જો ત્રણ કલાકે ય કોઇ ના ઠોકે તો વાસેલું કામનું; પણ આ તો વાસીએ ને ઠોકે, વાસીએ ને ઠોકે, એટલે વાસીએ એના કરતાં બારણું ખુલ્લું જ મૂકી દો ને ! એવું ઉપરાઉપરી દુઃખ આવે ત્યારે દુઃખને કહી દેવું કે, 'આ બારણાં ખુલ્લાં છે. તારે જ્યારે આવવું હોય ત્યારે આવ ને જ્યારે જવું હોય ત્યારે જા.'

જેટલા સંતો થયા, તે બધા શાનાં ભોક્તા હતા ! એ દુઃખભોક્તા હતા. દુઃખ અને સુખ વિકલ્પ છે. એટલે વિકલ્પને 'ચેંજ' કરી નાખે, એટલે દુઃખનું નામ સુખ ને સુખનું નામ દુઃખ પાડી દે. પછી બારણાં ખુલ્લાં રાખે, જેને આવવું હોય તે આવે.

જ્ઞાનીઓ દુઃખભોગી !

દુઃખ કોઈને ગમે નહીં અને દુઃખ જો કોઈને ગમતું હોય, તો કોઈ યોગીને ગમે કે જ્ઞાનીને ગમે ! કારણ કે જ્ઞાનીઓ દુઃખભોગી હોય. એનેય પણ ભોગ માને એ. બીજા કોઈને દુઃખ ગમે નહીં.

પ્રશ્નકર્તા : એમાં ભાવના એવી કે આમાંથી જેટલું વહેલું પરવારાય એટલું સારું.

દાદાશ્રી : એ હિસાબે જ ને ! ત્યારે જ દુઃખભોગી થાયને ! એટલે તો દુઃખને ભોગ માને એ. જેટલો હિસાબ ચૂકતે થયો એટલો ઉકેલ આવી ગયો !!

કારણ કે સંસારી દુઃખ જે છે તે આત્માનું વિટામિન છે. એટલે જ્ઞાનીઓ એકલા જ સંસારી દુઃખની ઈચ્છા રાખે. બાકી બીજા બધા સુખની જ ઈચ્છા કરે. કોઈ પણ જીવ એવો નથી જે સુખની ઇચ્છા ના કરે. નાનામાં નાનું ઝાડ-પાન બધાય સુખની ઈચ્છા કરે. દુઃખની ઈચ્છા ના હોય.

કળિરણમાં વીરડી સમ સુખ !

સુખ તો મોક્ષમાં જ છે અને મોક્ષ માટે રાગ-દ્વેષ નહીં પણ અજ્ઞાન કાઢવાની જરૂર છે. જે ફળમાં સુખનો રસ જ નથી, રસ છે પણ તે શાતા-અશાતાનો જ છે અને એમાં પણ અશાતાનો જ પાર વગરનો રસ છે, તેમાં તે સુખ શું માનવું ? આખો દા'ડો કડવું પીવડાવે અને પાશેર ગળ્યું પીવડાવે, તેના કરતાં તો આખું જ કડવું ના પી લઇએ આપણે ? આ તો આપણને મૂરખ બનાવી જાય, તે કેમ પોષાય ? અડધું દુઃખ હોય ને અડધું સુખ હોય પચાસ-પચાસ ટકા હોય તો ય ચાલે. તે આપણે ત્યાં સુધી કહ્યું કે પંચાવન ટકા દુઃખ ને પીસ્તાળીસ ટકા સુખ હશે તો ય ચાલશે. પણ આટલું કહ્યું ને દુઃખ તો વધવા માંડ્યું ને પાંચ ટકા સુખ ને પંચાણુ ટકા દુઃખ થયું, એટલે ચટણી જેટલું જ સુખ મળે, આવી લાલચ આપણને ના પોષાય. મહીં ભરપટ્ટે સુખ પડ્યું છે. જો બહારનું મછરું યાદ ના આવે ને તો મહીં એ 'સુખ' વર્ત્યા જ કરે. આ તો બહારની યાદગીરી સુખ ખૂંચવી લે છે.

જગત વ્યવહારમાં 'મોક્ષ'નું સ્વરૂપ !!

પ્રશ્નકર્તા : દાદાજી, મોક્ષનું સ્વરૂપ સમજાવો ને !

દાદાશ્રી : મોક્ષ એટલે શું કે આ જીવમાત્ર છે, એક ઈન્દ્રિયથી માંડીને પાંચ ઈન્દ્રિયના જીવો છે, એ બધા શું ખોળે છે ? આફટર ઓલ એ સુખને ખોળે છે અને દુઃખ બધાને અપ્રિય છે. આ કીડીને આમ હાથ અડાડો તો ભાગંભાગ કરી મૂકે, એની ખાંડ ને બીજું બધું મૂકીને ચાલતી થઈ જાય ! આ લાઈટ કરો ને, તો માંકણ તરત નાસી જાય, બીકના માર્યા નાસી જાય. કારણ કે જીવવાની ઈચ્છા છે. હવે આ બધા જીવો છે પાંચ ઇન્દ્રિય સુધીનાં એમને આહાર, ભય, મૈથુન ને નિદ્રા એ ચાર સંજ્ઞાઓમાં જ પડી રહેવાનું. જાનવરોનાં અંતઃકરણ લિમિટેડ હોય અને આ મનુષ્ય એકલાનાં અંતઃકરણ અન્લિમિટેડ છે, એટલે ભગવાન પણ થઈ શકે છે.

મનુષ્યપણામાં ભયંકર મોજશોખ હોય છે, ત્યારે એ બીજા અણસમજણનાં દુઃખો લાવે છે. હમણાં પોતાને ઘેર હોય, ચાર રૂમો હોય, સોફા બધું હોય, સારી રીતે સુખી હોય, તે કોઈક દહાડો ભાઈબંધને ત્યાં ગયો હોય, તે ભાઈબંધે નવો મોટો બંગલો બંધાવ્યોને ત્યાં આગળ ભાઈ અને તેની વાઈફ ગયા એટલે પેલાએ તો બંગલો દેખાડવા માંડ્યો. તે પેલી બઈના મનમાં એમ થવા માંડ્યું કે બળ્યું, આપણે તો ચાર જ રૂમ અને આમને આ નવ રૂમ, કેવા સરસ છે ! આ દુઃખનું બીજ પડ્યું. પહેલાં પોતે સુખીયા છે એવું કહેતા હતા. હવે આ દુઃખનું બીજ ઊભું કર્યું ! પછી ઉપર ગયા તો ત્યાં નવા સોફાસેટ જોયા. ત્યારે પેલી બઈ એના ધણીને કહે કે આપણા સોફા તો ગંદા થઈ ગયા છે. આ જુઓ, કેવા સરસ સોફા છે ! અલ્યા, સારા સોફા દેખીનેય દુઃખ થયું ! આ બધાં ઊભાં કરેલાં દુઃખો છે. મનુષ્યોનાં ઊભાં કરેલાં દુઃખો, અણસમજણથી-અજ્ઞાનતાથી ઊભાં કરેલાં દુઃખો છે.

કાયદો કેવો છે કે પચાસ માર્ક પુણ્ય મેળવો અને ત્રણ માર્ક પાપના હોય તો એમાં બાદબાકી ના થાય. પચાસ માર્કનાં સુખ આવે અને ત્રણ માર્કનાં દુઃખ આવે. એટલે આ કલ્પિત દુઃખો મટતાં નથી. એટલે પછી જીવોને ચિંતા-ઉપાધિ થાય છે. એટલે આ સંસાર ઉપર એને કંટાળો આવે છે. ત્યારે મહીં અંદર ભાવના થાય છે કે હે પ્રભુ, હવે કંઈક રસ્તો દેખાડ કે અહીંથી હું મુક્ત થઉં, વળગણથી છૂટો થઉં. એટલે કાયમનું સુખ ખોળે છે. કાયમનું સનાતન સુખ, એનું નામ મોક્ષ.

.... એ પોતાનું સ્વભાવિક સુખ !

પ્રશ્નકર્તા : સનાતન સુખ મેળવવા શો પુરુષાર્થ કરવો ?

દાદાશ્રી : અહોહો, એ સનાતન સુખ મને નિરંતર વર્તે છે. આજ અઠ્ઠાવીસ સાલથી કાયમનું સુખ વર્તે છે. એટલે જો અમારી પાસે આવે અને કહે કે સાહેબ, મને તમારા જેવી દશા કરી આપો, તો કરી આપીએ. અમે મુક્તપણાનું દાન આપીએ છીએ.

મોક્ષ એટલે ત્યાં કોઈ ઉપરી નહીં, કોઈ અન્ડરહેન્ડ નહીં અને મુક્તભાવનું સુખ, નિરંતરનું સુખ ! એ સ્વભાવિક સુખ, બીજી કોઈ વસ્તુના આધારે સુખ નહીં. વસ્તુના આધારે સુખ એટલે આ કેરીઓ છે, તે તું પૈસા આપીને લાવે ત્યાર પછી એ તને સુખ આવે, એ વસ્તુના આધારે સુખ કહેવાય. તે વસ્તુ બીજે દહાડે ના આવે તો એ સુખ ના આવે ! અને પેલું તો સ્વભાવિક સુખ, એટલે કશી મહેનત ના કરવી પડે ! અને સ્વભાવથી જ સુખ ઉત્પન્ન થાય, અમને નિરંતર સ્વભાવિક સુખ જ હોય !

ભ્રાંતિના સુખ અવલંબનવાળા !

જે પુસ્તક વાંચતા હોઈએ, એ ગમતું હોય ને એ કોઈ લઈ લે તો તમને શું થાય ?

પ્રશ્નકર્તા : દુઃખ થાય.

દાદાશ્રી : જ્યારે કોઈ પુસ્તક લઈ લે છે તો દુઃખ થાય છે, તો તમારું સુખ પુસ્તકમાંથી આવે છે એવું માનો છો તમે ? એટલે પુસ્તક લઈ લે, એટલે સુખ જતું રહે છે ને ? સુખ ત્યાંથી આવતું નથી, પણ આમાંથી મને સુખ આવે છે એવું તમે માનો છો એનું નામ ભ્રાંતિ.

આ કૂતરું હાડકું ચૂસે છે એવું જોયેલું તમે ? શું હાડકામાંથી રસ નીકળતો હશે ? ત્યારે શું કરવા ચાવતું હશે ? એમ ને એમ તો કોઈ ચાવે નહીં ને ? બહુ દબાવે તોય રસ ના નીકળે ? ત્યારે શાથી ચાવે છે ?

પ્રશ્નકર્તા : ખોટો મોહ હશે.

દાદાશ્રી : ના, ના, એવું હોય ? ચાવે અને મહીં લાભ ના મળે તો માણસ છોડી દે. માણસને લાભ મળે તો જ મોહ કરે, નહીં તો મોહ છોડી દે.

પ્રશ્નકર્તા : તો એનું કારણ શું ?

દાદાશ્રી : આ હાડકું જ્યારે ચાવે ને, તે ખૂબ દબાવીને ચાવે એટલે એનાં પેઢાંમાંથી લોહી નીકળે. એટલે કૂતરું જાણે કે આ લોહી હાડકામાંથી આમ દબાવ્યું ને, એટલે નીકળ્યું. એવા આ સંસારનાં સુખ છે ! સુખ ક્યાંથી આવે છે, એનું ભાન નહીં હોવાથી ભટક ભટક કરે છે !

સાચું સુખ તો નિરાલંબ હોય !

સુખ નિરાલંબ હોવું જોઈએ. અવલંબનથી જો સુખ આવતું હોય, પુસ્તક વાંચવાથી સુખ આવતું હોય, માળા ફેરવવાથી સુખ આવતું હોય, તો એ માળા લઈ લે તો એને દુઃખ થાય, પુસ્તક લઈ લઈએ તો એને દુઃખ થાય, એને સુખ કહેવાય જ કેમ ? અમારી પાસેથી બધું લઈ લે ને, તોય દુઃખ ના થાય. કારણ કે અમે નિરાલંબ સુખને પ્રાપ્ત થયેલા છીએ. તે દેહના ય પણ અવલંબનની જરૂર નથી ! નિરાલંબ થવું પડશે ને ? એ છેલ્લા સ્ટેશને જવાનું છે ! છેલ્લા સ્ટેશને તો જવું પડશે ને કે અહીં જ ચાલશે ? ક્યાં સુધી આ કેન્ટીનોમાં ચા પી પી કરવી ને ભટક ભટક કરવું ?!

આધાર ખસે કે સુખ ગયું !

પુસ્તક વાંચતો હોય ને કોઈ ડખલ કરે તો ?

પ્રશ્નકર્તા : અકળામણ થઈ જાય.

દાદાશ્રી : કારણ કે આ વાંચવામાં ટેસ્ટ પડ્યો છે. એટલે વાંચવામાં તન્મયાકાર ! આત્મા એવો નથી ! આત્મા એ આત્મા છે, અને અનંત સુખનું ધામ છે ! ગમે એવું ટૈડકાવ્યા હોય, માર્યા હોય તોય દુઃખ અડે નહીં. આ તો પુસ્તક લઈ લીધું હોય તોય દ્વેષ થઈ પડે ને ! કારણ કે એનું સુખ આવતું તૂટી ગયું. સુખ તો સ્વભાવિક હોવું જોઈએ ! સુખ જો બીજી વસ્તુના આધારે આવે, તો એ આધાર જાય તો નિરાધાર થઈએ કે પછી ઉપાધિ થઈ પડે ને ?

એક પંડિત હતો. તે એની વાઈફે એને કહ્યું, 'જાવ ઘી લઈ આવો.' તે આવડું વાસણ લઈને ઘી લેવા ગયો. વાસણમાં ઘી લીધું ને પાછો આવતો હતો. તે વચમાં રસ્તામાં એને વિચાર આવ્યો કે આ ઘીને લઈને વાસણ ઊભું રહ્યું છે કે વાસણને લઈને ઘી ઊભું રહ્યું છે ? અને હતો પંડિત, એટલે એણે અખતરો કરી જોયો ! તે વાસણ આમ ઊંધું કર્યું, એટલે ઘી ઢોળાઈ ગયું. એટલે એણે જાણ્યું કે ઓહો, આ તો વાસણના આધારે ઘી રહ્યું છે. એટલે ખુશ થતો ઘેર આવ્યો ! તે વહુએ એને ભાંડ્યો કે 'રૂપિયા હવે છે નહીં, હવે ઘી ક્યાંથી લાવીશું ? આજ તો શ્રાદ્ધ કરવાનું હતું, તે તમે ધી ઢોળી લાવ્યા !' તો કહે, 'પણ શું કરું ? મને મહીં વિચાર આવ્યો કે આ ઘી શાના આધારે ઊભું રહ્યું છે ?' આવું છે !

એટલે મીઠાઈના આધારે જો મહીં સુખ આવતું હોય તો પછી એનો અર્થેય શો છે તે ? મીઠાઈ તો જડ છે. અને જડના આધારે આપણને સુખ આવે છે, એને સુખ કહેવાય જ કેવી રીતે ? સુખને કોઈ વસ્તુનું અવલંબન ના જોઈએ. અવલંબન હોય, કોઈ વસ્તુના આધારે સુખ હોય તો એને સુખ કહેવાય જ કેવી રીતે ? એનું પુસ્તક લઈ લેને, તો જાણે વહુ મરી ગયા જેવો રડે ! એવું મોઢું થઈ જાય ! એટલે આ બધાં આધારિત સુખ એવાં જ ! સુખ પરાવલંબી ના હોવું જોઈએ, સ્વાવલંબી હોવું જોઈએ.

પરવશતામાં શા સુખ આવ્યા ?

પ્રશ્નકર્તા : પણ આ સંસારમાં બધાં સુખ સ્વાવલંબી હોતાં જ નથી ને પરાવલંબી જ હોય છે.

દાદાશ્રી : તો બળ્યા એ સુખ ! એ સુખને કરવાનું જ શું છે તે ? એના કરતાં કહીએ, તું તારા ઘેર જા, જ્યાં જતું હોય ત્યાં જા, અમે દુઃખમાં પડી રહીશું ! વેઢમી(પોરણપોળી) આપણને સુખ આપતી હોય તો બીજે દહાડે વેઢમી ના ભેગી થઈ તે શું કરીએ આપણે ! એટલે આ જગતમાં કોઈ ચીજ આપણને સુખ આપતી હોય, તો તો પછી અવલંબન થયું. અને અવલંબન થયું એટલે પછી તો પરતંત્રતા થઈ અને જ્ઞાની પુરુષ તો, ભગવાન જેને વશ થયેલા હોય, ચૌદ લોકના નાથ જેને વશ થયા હોય એ માણસ પરતંત્ર રહી શકે ખરા ? તમને નિરાલંબ સુખ અને પરાવલંબ સુખ સમજાયું ને ? સુખ તો નિરાલંબ જોઈએ. એટલે બોમ્બ પડે તોય પાણી હલે નહીં પેટમાં ! એવું સુખ હોવું જોઈએ. એવું સુખ આ 'દાદા' લઈને બેઠેલા છે ! જગતે ક્યારે સાંભળ્યું નથી, જોયું નથી, વિચાર્યું નથી, વાંચ્યું નથી, એવું સુખ લઈને આ 'દાદા' બેઠા છે !

એ થાય પરમાત્મા !

ઘરના સુખમાં સ્વતંત્ર થયો અને બહારનાં સુખનો ઓળંબો તૂટ્યો એ પરમાત્મા થયો. બહારનો ઓળંબો ના રહ્યો એટલે કે બહારના કોઈનું અવલંબન ના રહ્યું તો એ પરમાત્મા થયો ! નહીં તો વ્યવહારમાં તો કહે છે ને, જો કદી એને આવું જ્ઞાન ના મળ્યું હોય તો શું કહેશે કે સ્ત્રી વગર તો શી રીતે જિવાય ? ભાઈ તો જોઈશે ને ! ભાઈ વગર તો ગાડું સારું ચાલે જ નહીં ને ! ભાઈ જોડે ભલેને લડે-કરે, પણ કહેશે શું, કે ભાઈ જોડે કોર્ટમાં લડીશું, બધું કરીશું, પણ ભાઈ તો જોઈએ ને !

અંતિમ સુખ !

આ સંસાર અનાદિકાળથી ચાલે છે ને અનાદિકાળ સુધી ચાલ્યા કરશે. એમાંથી જેને ના પોષાતો હોય આ સંસાર, લક્ષ્મી હોય છતાં સુખ ના લાગતું હોય, સ્ત્રી હોય તોયે સુખ ના લાગે, જમીન હોય, ઘરબાર હોય, મોટરો હોય, પણ સુખ ના લાગતું હોય ત્યારે એને પેલું સનાતન સુખની ઇચ્છા થાય છે. પણ અહીં જ્યાં સુધી એને સુખ લાગે છે, ત્યાં સુધી આમાં ને આમાં વળગ્યો રહે છે. અને આમાંથી એક દહાડો એવો વખત આવે છે કે આમાં એને સુખ લાગતું જ નથી એટલે ત્યારે પેલું શોધખોળ કરે છે. તે દહાડે એને નિમિત્ત પણ મળી આવે છે ને ઉકેલ આવી જાય પછી !

અહો, સ્વાભાવિક સુખની સમૃદ્ધિ !!

પ્રશ્નકર્તા : આમ તો ભૌતિક સુખ મળી ગયું છે. એની સ્હેજ પણ ઈચ્છા હવે નથી રહી. હવે નિરંતર આધ્યાત્મિક તરફ જ જવું છે. પણ વચમાં આવરણ આવે છે. એવું કેમ થતું હશે ?

દાદાશ્રી : ક્યારથી એવું નક્કી કર્યું છે ?

પ્રશ્નકર્તા : લગભગ દશેક વર્ષથી. અને કદી મૃત્યુ આવી જાય તો પણ તેનો સ્હેજ પણ રંજ નથી.

દાદાશ્રી : એ બરોબર છે. પણ દસ વર્ષથી નક્કી કર્યું છે ને ? છતાં અવરોધ આવે છે તેનું શું કારણ કે અનંત અવતારનું આ બાજુનું વલણ, તે વલણ બદલવાનું તમે હમણે નક્કી કરો છો. એટલે પેલું પાછું આવે એને બધાને પાછું વાળવું તો પડે ને ? જે આવે તેને વાળવું તો પડે ને ? કારણ કે પરિચય, પૂર્વ પરિચય એટલો બધો છે કે રાત્રે હઉ સ્વપ્નામાં દેખાય એનું એ ! અજ્ઞાનતાનો પરિચય એટલો બધો છે તે બંગલા-મોટરોનો, તે રાત્રે હઉ દેખાય ! સ્વપ્નામાં હઉ દેખાય એટલે આ પરિચય બધો અવળો છે. ભગવાનનો એક ક્ષણવાર પરિચય થાયને, એક ક્ષણવાર, એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું ! તમારે પરિચય કરવાની ઈચ્છા હોય તો અહીં આવજો. તમને ભગવાનનો પરિચય કરી આપીશું. નિરંતરનું સુખ જોઈએ છે. કાયમને માટે સુખ હોય તો જ એને ગમે. ત્યારે નિરંતરનું સુખ તો આ બધી નાશવંત ચીજવસ્તુઓમાં ના હોય. આત્મામાં નિરંતરનું સુખ છે, તે આત્માનું જ્ઞાન પામો. એટલે તમને નિરંતરનું સુખ પ્રાપ્ત થાય. અમારે એવું સુખ ઉત્પન્ન થયું છે, એને જ મોક્ષ કહેવાય છે. મોક્ષ એટલે નિરંતર સુખ !

સુખ પામવા ધર્મ કયો ?

આ બધા ધર્મો ચાલે છે એ વ્યવહારિક ધર્મો છે, વ્યવહારિક એટલે વ્યવહાર ચલાવવા માટે. આ વ્યવહાર ધર્મે ય કહે છે કે કોઇને દુઃખ કે ત્રાસ ના આપવો. તમારે સુખ જોઇતું હોય તો બીજાને સુખ આપજો. અને જો દુઃખ આપશો તો ગમે તે માણસ તમને દુઃખ આપશે જ, આનું નામ વ્યવહારિક ધર્મ કહેવાય.

જ્યારે સાચો ધર્મ તો પોતાની વસ્તુનો સ્વભાવ છે. એ આત્મધર્મ છે; પોતાનો સ્વાભાવિક ધર્મ છે, 'એમાં તો નિરંતર પરમાનંદ આવશે.' સુખ પોતાની મહીં જ છે. આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો સુખ જ પ્રાપ્ત થાય.

સર્વ સમાધાને સુખ જ !

પ્રશ્નકર્તા : ધર્મમાં ને વ્યવહારમાં બધે જ લાગુ પડે ને સુખ રહે એવી ચીજ કઇ ?

દાદાશ્રી : આપણું સુખ 'સ્વાભાવિક' હોવું જોઈએ અને 'સ્વાભાવિક સુખ' સ્વધર્મમાં ઉત્પન્ન થાય છે. સ્વધર્મમાં સ્વરૂપને જાણવું પડે. અમારી પાસે સ્વરૂપનું જ્ઞાન લઇ જાય તો તેને બધું સુખવાળું જ થાય. અને જેનાં અંતરાય હોય ને જ્ઞાન ના લેવું હોય તો એ અમને બધું પૂછી લે ને સમજી લે કે 'આ સંસાર કેવી રીતે ચાલે છે, આ બધું શું છે.' તો ય એને સુખ રહે.

સમાધાન રહે એ જ ધર્મ છે. કંઇક અંશે સમાધાન ને કંઇક અંશે અસમાધાન રહે એ 'રિલેટિવ' ધર્મ છે, એ પહેલું પગથિયું છે. પછી 'રિયલ' ધર્મમાં આવે, જેમાં દરેક સંજોગોમાં સમાધાન રહેવું જોઇએ. સમાધાન હોય તો જ શાંતિ રહેને ?

મળે સાચું સુખ 'અહીં !'

ચૌદ લોકનો નાથ મહીં પ્રગટ થયેલો છે. માંગો એ આપે એવો છે. પણ તે માંગતાયે નથી આવડતું. જે માંગવું હોય એ માંગો. કેમ ગભરાઈ ગયા ?

પ્રશ્નકર્તા : સાચું સુખ જોઈએ છે.

દાદાશ્રી : સાચું સુખ માંગીએ એટલે બીજા સુખ એની મેળે આવે. ને બધું જ કામ ચાલે. અને ખોટું સુખ માંગીએ કે પૈસાનું સુખ માંગીએ તો એ સુખ મળે ત્યારે છોડી રાંડે ત્યારે દુઃખ ઊભું થાય.

સાચું સુખ એટલે અંતરમાં દુઃખ ના થાય, કઢાપો-અજંપો ના થાય. ક્લેશ-કકળાટ ના થાય. કોઈ દુઃખ સ્પર્શે નહીં. અહીં જ મોક્ષ વર્તે !!

આ બધા ધર્મો રિલેટિવ ધર્મો છે, રિયલ છે નહીં. એટલે આ રિયલ અહીં નીકળ્યું છે. તો બધો લાભ લઈ લેવા જેવો છે. જે માગે એ મળે. માંગતા આવડવું જોઈએ. ટેંડર ભરતા આવડવું જોઈએ. છતાં અહીં કોઈ આપનારેય નથી, અને તમે લેનારેય નથી. તમારું જ તમને આપવામાં આવે છે. માલ તમારો, ફક્ત તમને ખબર નથી એટલે તમે બહાર ખોળવા જાવ છો અને લોકોને કહો છો. 'મને આટલું આપશો ભાઈ ?' ભીખ માગો છો સુખની. સુખ તો તમારે ત્યાં ભર્યુ પડ્યું છે. તે હું ચાવી ફેરવી આપું ને તમારું તાળું ઉઘાડી આપું. પછી એક ફેરો તમે ચાખ્યું એટલે પછી તમને ચાવી સોંપી દઉં.

સર્વ દુઃખોમાંથી મુક્તિ છે ત્યાં....

સર્વ દુઃખોથી મુક્ત થવું છે કે થોડા ઘણાં દુઃખો ચાલશે ?

પ્રશ્નકર્તા : સર્વ દુઃખોથી મુક્ત થવું છે !

દાદાશ્રી : સર્વ દુઃખોથી મુક્તિ અપાવે ત્યારે એનું નામ જ્ઞાની. અને બહાર તો દુષમકાળ છે, કળિયુગ છે. ઊલટું તમારું જે સુખ હશે તે લઈ લેશે. અત્યારે લોકો સુખોથી મુક્તિ અપાવડાવે.

ચાવી, અનંત સુખપ્રાપ્તિની !

પ્રશ્નકર્તા : અંતરનું અનંત સુખ મેળવવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : 'પોતે ખરેખર કોણ છે' એ જાણવું જોઈએ ફક્ત. પોતાના સ્વરૂપનું, 'હું કોણ છું' એવું ભાન થઈ જાય અને એમાં જ રહેવાય, દાદાની આજ્ઞામાં જ રહેવાય તો કાયમના સુખની પ્રાપ્તિ થઈ જાય. પછી કાયમનું સુખ વર્તે !

એટલે આ દુનિયામાં જાણવા જેવું જ બીજું કશું નથી. (૧) જો દુનિયાદારીનું સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપવાની તૈયાર કરો ને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો, આટલું જ જાણવાની જરૂર છે અને (૨) મોક્ષે જવું હોય તો પોતાની જાતને જાણવું કે 'હું કોણ છું'. એટલું જ બસ ! એ બે જ વાત જાણવા આ બધાં શાસ્ત્રો છે !!

જય સચ્ચિદાનંદ