સમકિત-મિથ્યાત્વ સંપાદકીય અનાદિ કાળથી સંસારમાં ભટકામણ થવાનું કારણ શું ? મિથ્યાત્વ. અને આ પરિભ્રમણથી છૂટકારાનો રસ્તો કયો ? સમકિત પ્રાપ્ત થાય તો ? આમ ઉપદેશમાં વારંવાર સાંભળવા મળતું હોય છે પણ તો ય મિથ્યાત્વ ખસતું નથી. કારણ કે આપણે નથી મિથ્યાત્વને ઓળખતા, નથી સમકિતને ઓળખતા કે નથી સાચો રસ્તો જડતો સમકિત થવાનો ને મિથ્યાત્વ કાઢવાનો ? અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીને ૧૯૫૮માં આત્મજ્ઞાન ઉપલબ્ધ (પ્રગટ) થયું અને વિશ્વના તમામ ગુહ્ય રહસ્યોના ઉકેલ જડ્યા, અનુભવ્યા. જ્યારે એમને સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થયું ત્યારે બંધનના કારણ સ્વરૂપ મિથ્યાત્વથી છૂટ્યા અને મુક્તિના કારણ સ્વરૂપ સમકિત પ્રાપ્ત થયું અને સમકિત તો કયું ? ઉપશમ, ક્ષયોપશમ સમકિત નહીં, પણ ક્ષાયક સમકિત પ્રાપ્ત થયું. એમને પોતાને આત્મઅનુભવ પ્રાપ્ત થયો ત્યારે હજારો લોકોને તે અક્રમ વિજ્ઞાન દ્વારા આત્મજાગૃતિ પ્રાપ્ત કરાવી શક્યા. પ્રસ્તુત સંકલનમાં મિથ્યાત્વનું સ્વરૂપ શું ? મિથ્યાત્વને ઓળખવું કઈ રીતે ? સમકિત કોને કહેવાય ? પછી સમકિતનું સ્વરૂપ ઓળખવું કઈ રીતે ? સમકિતના પ્રકાર કયા ? સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય ? બંધાયેલો માણસ જાતે છૂટી શકે કે કોઈ મુક્ત પુરુષની એને જરૂર પડે ? તે આપણને સમજાય તેવી ભાષામાં દાદાશ્રીએ ફોડ પાડ્યા છે. જ્યારે સમકિતની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, મિથ્યાત્વ દ્રષ્ટિ છૂટી જાય છે, ત્યારે પોતાને જ મુક્તિની અનુભૂતિ થાય છે. આમ દાદાશ્રીએ સમકિત-મિથ્યાત્વની વ્યાખ્યા-અર્થ-ભાવાર્થનો ફોડ પાડી આપ્યો છે. એટલું જ નહીં પણ બે જ કલાકમાં મિથ્યાત્વ છોડાવી ક્ષાયક સમકિતની પ્રાપ્તિ અક્રમ વિજ્ઞાન દ્વારા કરાવી આપી છે. તે આ કાળનું અદ્ભૂત આશ્ચર્ય છે ! દીપકના જય સચ્ચિદાનંદ ઓળખ્યું છે મિથ્યાત્વને ? મિથ્યાત્વને ઓળખો છો ? પ્રશ્નકર્તા : થોડીક સમજ છે, પૂરી સમજ નથી. દાદાશ્રી : શી સમજ છે કહો, શાને મિથ્યાત્વ કહેવાય ? પ્રશ્નકર્તા : જે વસ્તુ જેવી હોય તેવી તેને ન સમજે ને એની સમજણ ઉલટી હોય. એ મિથ્યાત્વી સમજણ છે. દાદાશ્રી : એ વાત સાચી છે, લખવા જેવી વાત. તમે ઉલટી સમજો છો કે જેવી છે એવી ? પ્રશ્નકર્તા : સીધી સમજવાને માટે પૂરી કોશિશ કરીએ છીએ. પણ અજ્ઞાનને લીધે હજુ પૂરેપૂરું સમજમાં ના ઉતરે. દાદાશ્રી : અજ્ઞાન વેચી દોને આપણે. અહીંથી જે બજારમાં, અહીં કઇ શુક્રવારીમાં, જે આવે તે. મિથ્યાત્વનું મોઢું જોયેલું ? પ્રશ્નકર્તા : નહીં. દાદાશ્રી : મિથ્યાત્વની પૂંઠ જોયેલી, પૂંઠ ? એ પૂંઠથી કેવું દેખાય ? મિથ્યાત્વ માણસની પેઠ ઓળખાય એવું છે. જેમ માણસ ઓળખાયને, ચંદુભાઈને ઓળખી લીધાં. તે પૂંઠે જતાં હોય તો આપણને ખબર પડે કે આ ચંદુભાઈ જાય છે. એવું મિથ્યાત્વ ઓળખાય એવું છે. સમકિત તો થઈ ગયું છે કે નથી થઈ ગયું ? નથી થયું ? એમ ?! સમકિત મહીં છે તે ખબર ના પડે તમને ? પ્રશ્નકર્તા : સંસારમાં વસેલા છીએ. એટલે પૂરેપૂરાં સમકિતધારી તો નથી જ. દાદાશ્રી : ના, પણ મિથ્યાત્વ તો છેને ? પ્રશ્નકર્તા : મિથ્યાત્વથી દૂર રહેવામાં પૂરેપૂરી કોશિશમાં છીએ. દાદાશ્રી : ના, પણ છે ખરું ને ? પ્રશ્નકર્તા : ક્યાંક બની શકે. દાદાશ્રી : ના, એ છે ત્યાં સુધી પેલું નથી. પેલું છે ત્યાં સુધી આ નથી. વગર કામનું માનીએ, એનો શો અર્થ ? લાલચંદ હોય ત્યાં સુધી લલ્લુભાઈ નહીંને ?! લલ્લુભાઈ હોય તો લાલચંદ નહીં. એવો ફરક ના દેખાય આપણને ? કે લાલચંદ આવ્યા છે ને લલ્લુભાઈ ક્યાંથી ? પ્રશ્નકર્તા : સમકિત પ્રાપ્તિની પદ્ધતિ શું છે ? દાદાશ્રી : મિથ્યાત્વ ઓળખાય તો સમકિત મળે. પ્રશ્નકર્તા : મિથ્યાત્વ કેવી રીતે ઓળખાય ? દાદાશ્રી : જે દહાડાને ઓળખે, તે રાતને ઓળખે. એવી રીતે મિથ્યાત્વને ઓળખે તો સમકિત ઓળખાય. આ બધું ય મિથ્યાત્વ છે. સમકિતનો એક છાંટો ય નથી. પ્રશ્નકર્તા : આ એટલે શું ? દાદાશ્રી : આ જે ખાવ છો, પીવો છો, હરો છો, ફરો છો, વાતો કરો છો, સ્વાધ્યાય કરો છો, શાસ્ત્રો વાંચો છો, સામાયિક કરો છો, એ બધું ય મિથ્યાત્વ છે. પ્રશ્નકર્તા : સ્વાધ્યાય કરવું એ મિથ્યાત્વમાં જાય ? દાદાશ્રી : એ ય મિથ્યાત્વ. પ્રશ્નકર્તા : તો પછી સમકિતમાં શું શું આવે ? દાદાશ્રી : સમકિતમાં ? સમકિતમાં સ્વાધ્યાય કરે કે ના કરે, તેની કશી જરૂર નથી. પ્રશ્નકર્તા : મિથ્યાત્વ નાશ કેવી રીતે થાય ? દાદાશ્રી : મિથ્યાત્વને ઓળખે તો નાશ થાય. મિથ્યાત્વને ઓળખો છો ? પ્રશ્નકર્તા : અજ્ઞાનતાને કારણે થાય છે. દાદાશ્રી : હા, પણ મિથ્યાત્વને ઓળખો છો ખરાં ? નહીં. તો છો શામાં ? મિથ્યાત્વમાં છો કે સમ્યક્ત્વમાં છો ? પ્રશ્નકર્તા : મિથ્યાત્વમાં. દાદાશ્રી : તો ય ઓળખતા નથી એને ? એની જોડે રોજનો સંબંધ તો ય ઓળખાય નહીં ? એ કેવું ? ચા પાય, જમાડે, બધું જ કરે તો ય એની ઓળખાણ નહીં ? સમ્યક્ત્વની વાત પૂછીએ તો ખબર ના હોય પણ મિથ્યાત્વમાં રહેલો મિથ્યાત્વને ન ઓળખે એવું બને ખરું ? તો તમે કહો છો ને, કે મને ઓળખાણ નથી. પ્રશ્નકર્તા : એ મિથ્યાત્વનો નાશ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય ? અમારે એટલું જ જોઇએ છે ! દાદાશ્રી : મિથ્યાત્વને ઓળખે તો નાશ થઈ જાય. મિથ્યાત્વની ઓળખાણ પડે તો એનો નાશ કરવાનો રસ્તો જડે. શુભાશુભ માર્ગ, તોય મિથ્યાત્વ ! કેટલાંક તો કહેશે કે 'મને સમકિત થઇ ગયું.' અલ્યા, સમકિત નથી થાય એવુંં ! મોટા મોટા આચાર્ય મહારાજોને નથી થયું, તો તને ક્યાંથી થઇ જાય ? પ્રશ્નકર્તા : એ શેને સમકિત માની લેતાં હશે ? દાદાશ્રી : આ વાક્ય યાદ રહે ને કે આ ઘર, સ્ત્રી-પુત્ર મારા નહીં, દેહ પણ મારો ન્હોય. 'હું શુધ્ધાત્મા છું' એટલું જ. પણ બીજો બધો આ સામાન કોનો, કહોને ? બીજો સામાન તો પાર વગરનો છે, એ દેહ 'મારો ન્હોય' કહ્યું માટે કંઈ છૂટી ગયો ?! 'મિથ્યાત્વ, મિથ્યાત્વ' રોજ કહે પણ મિથ્યાત્વ શું હશે એ સમજણ જ ના પડે ને ? પ્રશ્નકર્તા : કેટલાંક લોકો તો બીજા બધા ધર્મોને મિથ્યાત્વ માને છે. દાદાશ્રી : ના, એ પોતે જ મિથ્યાત્વી છે ને ! એટલે પોતે મિથ્યાત્વી, તે બીજાને મિથ્યાત્વ જ કહે છે. એક પંથવાળા બીજા પંથને મિથ્યાત્વી કહે, ત્યારે પેલો આમને મિથ્યાત્વી કહે છે. આ તો મિથ્યાત્વી જ છે. જ્યાં આગળ ગચ્છ હોય ત્યાં આગળ મિથ્યાત્વ હોય અને મિથ્યાત્વ હોય ત્યાં સુધી ગચ્છ હોય અને સમકિત થયું તે ગચ્છની બહાર નીકળેલો હોય. આ બધા ગચ્છ છે. ગચ્છ મિથ્યાત્વી જ ગણાય, પણ શુભનો પોષક છે. શુભાશુભ માર્ગ એટલે અશુભ છોડાવડાવે છે અને શુભનું સ્થાન કરાવે છે. એને ધર્મ કહેવાય છે. ધર્મ એટલે એ અશુભ છોડાવડાવે છે અને શુભને પકડાવડાવે છે. પણ મોક્ષે જવાનું, ચિંતારહિત થવાનું, જે વીતરાગનો માર્ગ છે તે ધર્મથી પૂરેપૂરો પ્રાપ્ત થતો નથી. એ તો જ્યારે આત્મજ્ઞાન થાય, સમકિત થાય તો મોક્ષ થાય અને જ્યાં સુધી ગચ્છમાં છે ત્યાં સુધી સમકિત થાય નહીં. 'જેમ છે તેમ' થી ઊંધું... મિથ્યાત્વ એ શું ચીજ હશે એવું આપ જાણો છો ? મિથ્યાત્વ શેને કહેવાય ? પ્રશ્નકર્તા : રાગ-દ્વેષથી જે ભરેલાં છે એ. દાદાશ્રી : ના, રાગદ્વેષથી ભરેલાને નહીં, પણ જે પોતે નથી તેવું આરોપણ કરે છે કે 'હું ચંદુભાઈ છું', આ રોંગ બિલિફ એ જ મિથ્યાત્વ છે. વસ્તુને જેમ છે તેમ યથાર્થ જ જોવી, એનું નામ સમકિત અને અન્યરૂપે જોવી એ મિથ્યાત્વ. પ્રશ્નકર્તા : જાણવી અને માનવી, જોવી નહીં. દાદાશ્રી : હા, જાણ્યા પછી માનવામાં આવે તો એને સમકિત કહ્યું, એને રાઇટ બિલિફ કહેવાય. તે યથાર્થરૂપે જાણવું-માનવું થાય તો સમકિત કહેવાય અને અયથાર્થ જુએ તો મિથ્યાત્વ. જે દેખાય છે તે ઊંધું દેખાય છે, એનું નામ મિથ્યાત્વ. સમ્યક્ દર્શન કોનું નામ કહેવાય કે જે ઈટર્નલને દેખાડે ને મિથ્યા દર્શન કોનું નામ કહેવાય કે જે ટેમ્પરરી દેખાડે. પ્રશ્નકર્તા : પેલું મિથ્યાત્વ કહે તે સમજણ જ ના પડે અને રોંગ બિલીફ કીધી કે તરત સમજણ પડી જાય. દાદાશ્રી : હા, આ મિથ્યાત્વ તો લોકોને સમજણ જ નથી પડતું ને ? આપણે પૂછીએ, 'મિથ્યાત્વ ખરું કે નહીં તમને ?' ત્યારે એ કહે,'ખરું !' 'તમે શેને મિથ્યાત્વ કહો છો ?' ત્યારે કહે, 'આ બધું સિનેમા જોવા જાય ને આ બહાર બધું જેટલું છે તે મિથ્યાત્વ જ ને ?' 'અલ્યા, બહાર છે એ તને શું નડે છે ? તારું મિથ્યાત્વ ત્યાં ક્યાંથી ચાલ્યું ગયું ? એ ચાલીને ત્યાં જતું રહે ? તારું મિથ્યાત્વ તારી પાસે જ છે. તારી જોડે જ સૂઈ રહે છે.' એ તો એવુંય સમજે નહિ કે એ મારી જોડે સૂઈ રહેલું હશે કે બહાર જતું હશે ! તે સૂઈ રહેતું દેખાડીએ ત્યારે કહેશે કે હા, આ તો બધું મિથ્યાત્વ છે જ ! મિથ્યાત્વ કોને કહેવાય, એ ક્યાંથી ઉત્પન્ન થયું, એ કોઈ સમજતું જ નથી ! સમકિતનો ખપી ! સમકિત એવી વસ્તુ છે કે એ જો મળતું હોય તો લોકો કૂવામાં પડીને હઉ લઈ આવે. જેને જોઈતું હોય તે અને જેને ખપ ના હોય તેને તો સામેથી આપો તો ય ના લે. કૂવાની ઉપર આપો તો ય ના લે. અને ખપવાળા તો કહેશે કે કૂવાની અંદર ડૂબકી મારું ? તમે કહો, એ કરું. એટલે જેને જેવો ખપ હોય તેવું એ કરે. તમને એવો ખપ લાગ્યો નથી ને ? પ્રશ્નકર્તા : એ તો લાગ્યો છે. દાદાશ્રી : લાગ્યો હોય, તો અહીં સમકિત મળે એવું છે ! બાકી સમકિતનો ખપ લાગ્યો હોયને એને તો પૈણવાની તારીખ નક્કી કરી હોયને, તો ય કહેશે કે, 'પૈણવાનું રહ્યું તારે ઘેર, મને પહેલું તો આ સમકિત કરી લેવા દે !' એટલો બધો સમકિતના ખપવાળો હોય. પછી તો જેને જેવી સમજણ ! આ સમકિત તો કોઈ કાળે મળે એવું નથી. લાખો અવતાર થયા પણ સમકિત મળ્યું નથી. તેથી તો આ જગતમાં ભટક ભટક કરવાનું થાય છે ! એટલે જો કદી ક્યાંક સમકિત મળતું હોયને તો ગમ્મે તે થાય બધું આપી દઈને પણ, બધું જોખમ વહોરીને પણ એને પ્રાપ્ત કરવું. ત્રિરાશિ માંડી તો જુઓ... સાચો આત્મા બિલીફમાં આવે તો સમકિત કહેવાય, તો લોક કહે છે, 'સમકિત છે નહીં.' એટલે આપણે જાણીએ ને કે જૂઠા આત્માને માને છે આ લોકો ! એવું તમને ત્રિરાશિ પરથી સમજાય ? આ ત્રિરાશિથી સમજણ પડે કે ના પડે ? સાચા આત્માની બિલીફ બેસે, શ્રદ્ધા બેસે તો કામ થાય. હજુ સાચા આત્માની શ્રદ્ધા જ નથી બેઠી. આ જૂઠા આત્માને જ આત્મા કહો છો, તે ક્યારે દહાડો વળે ? એક ક્ષણ પણ આત્માને જોયો નથી, સાંભળ્યો નથી, સૂણ્યો નથી, શ્રદ્ધયો નથી તો ક્યારે પત્તો પડે ? લાખ અવતાર સુધી ગમે એટલી ક્રિયાઓ કરે ને, એ બધું કર્મ છે. પછી તે એમનું પુણ્યકર્મ હોય કે પાપકર્મ હોય. પુણ્યકર્મ હશે તો સોનાની બેડી મળશે અને પાપકર્મ હશે તો લોખંડની બેડી મળશે. પણ એ બધું કર્મ છે. ઊંધી દ્રષ્ટિ એ જ મિથ્યાત્વ ! આ બાજુ રહીને ધર્મ જોવા જઈએ, તો દેખાશે નહીં. આમ જોશો તો જ દેખાશે, આમ તો ધર્મના પડછાયા દેખાશે ખાલી. ખાલી પડછાયાને જ ધર્મ માને છે જગત. ધર્મ મૂળ વસ્તુ આ બાજુ છે, એ અમે કહેવા માંગીએ છીએ. પ્રશ્નકર્તા : 'આમ' એટલે ક્યાં ? દાદાશ્રી : એ અમે દ્રષ્ટિ બદલી આપીએ ને ! દ્રષ્ટિ બદલાય ત્યારે એને સમકિત કહે છે લોકો. આ દ્રષ્ટિ છે ત્યાં સુધી તે આ 'હું છું તે ચંદુભાઈ છું, હું આ બાઈનો ધણી થઉં છું, હું આનો ફાધર થઉં છું, આ બધી ઊંધી દ્રષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી છે તે મિથ્યાત્વ છે. 'હું શું છું' એમ ડિસાઈડ થાય, એટલે એને સમકિત થયું કહેવાય. 'હું શું છું' એ ડિસાઈડ પહેલું થવું જોઈએ, પ્રતીતિ બેસવી જોઈએ. મિથ્યાત્વ, રૂપી કે અરૂપી ? ત્યારે એક સાહેબ આયા. એ કહે છે કે 'મિથ્યાત્વ એ શું હશે ?' ત્યારે મેં કહ્યું, 'મિથ્યાત્વને તમે જોયું નથી ?' ત્યારે કહે, 'મિથ્યાત્વ જોવાય જ નહીં, આ બધા અમારા આચાર્ય મહારાજ કહે છે કે મિથ્યાત્વ જોઈ શકાય એવી ચીજ નથી.' ત્યારે મેં કહ્યું, 'અરૂપી છે ?' મેં એને પૂછયું ત્યારે કહે, 'ના દેખી શકાય એટલે અરૂપી જ કહો.' મેં કહ્યું, 'આચાર્ય મહારાજ આવું નથી કહેતા. તમને કહ્યું હશે જુદું ને તમે સમજ્યા જુદું.' પછી મેં એમને કહ્યું, જે ઊઘાડું દેખાય, એનું નામ જ મિથ્યાત્વ. વખતે સમ્યક્્ત્વ ના દેખાય. પણ મિથ્યાત્વ તો ઊઘાડું, ઓપન ટુ સ્કાય હોય. 'હું ચંદુભાઈ છું' એ જ મિથ્યાત્વ. બીજું, બીજા પાછાં એને અવલંબનને રાખનારા. આ મારી સ્ત્રી ને હું આ સ્ત્રીનો ધણી છું ને આ છોકરાંનો ફાધર છું, એ બધા આને અવલંબનવાળા, એ જ મિથ્યાત્વ. કાયમ વર્તે ક્યારે ? પ્રશ્નકર્તા : ઘણી વખત એનું જ્ઞાન થાય છે, કે આ બધું આપ જે કહો છો કે આ 'હું ચંદુભાઈ છું, હું ધણી છું' એ બધું ખોટું છે. થોડો વખત સુધી એની અસર રહે છે, પણ એ જળવાતું નથી, એને માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : ના, એ તો અમે જ્યાં સુધી એક પડીકી ના દઈએ ત્યાં સુધી એ જળવાય જ નહીં. એક જ પડીકી અમારી લેવી પડે તે જળવાય. હું આ નથી તે પણ જળવાય, હું આ છું તે પણ જળવાય. એક પડીકી લેવાની, બે પડીકી નહીં. અને પાછાં પૂછે કોઈ કે તમે કોણ છો ? ત્યારે કહે, 'હું ચંદુભાઈ છું' એવું પાછાં બોલી શકો. પણ 'હું ચંદુભાઈ છું' એ બિલીફ ઊડી જાય. 'હું આ બાઈનો ધણી છું' એ બિલીફ ઊડી જાય. ડ્રામેટિક રહે. એ તો એમને બધાને, મારે હઉ કહેવું પડે કે હું 'એ. એમ. પટેલ' છું. હમણે પોલીસવાળો પૂછે, 'કોણ છો ? કેમ ગુનો કર્યો ? કોણ છો તો તમે ?' તો 'એ. એમ. પટેલ' મારી બિલીફમાં ના હોય. એ બિલીફ ઊડી ગઈ, મિથ્યાત્વ બિલીફ ઊડી ગઈ અને સમ્યક્્ત્વ બિલીફ બેસી ગઈ. એટલે એક જ પડીકીની જરૂર. મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર ! એટલે 'હું ચંદુભાઇ છું' એ જ મિથ્યાત્વ છે, એ ફર્સ્ટ રોંગ બિલિફ છે. જે તમે છો એ જાણતા નથી ને જે નથી એ આરોપ કરો છો એ તમારી ફર્સ્ટ રોંગ બિલીફ છે. પછી 'આ બાઈનો હું ધણી થઉં' એ સેકન્ડ રોંગ બિલીફ છે. 'આ છોકરાનો ફાધર થઉં' એ ત્રીજી રોંગ બિલીફ છે. 'આનો ભઈ થઉં, આનો મામો થઉં, હું પીસ્તાળીસ વર્ષની ઉંમરનો છું' એ બધી રોંગ બિલીફો છે, એવી કેટલી રોંગ બિલીફો બેઠી છે ? પ્રશ્નકર્તા : અસંખ્ય. દાદાશ્રી : એ બધું મિથ્યાત્વ છે. રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન અને રાઈટ બિલીફ એટલે સમ્યક્્ દર્શન. આ 'ચંદુભાઇ' નામ એ આપણે વ્યવહારમાં ઓળખવા માટેનું સાધન છે. આપણે 'હું છું' માની લીધેલું છે. આપણે 'હું છું' એવું માની લેવાનું નહીં. એ રોંગ બિલીફ છે, એ જ મિથ્યાત્વ. 'હું ચંદુભાઈ છું' વ્યવહારથી કહેવામાં વાંધો નથી. વ્યવહારને માટે હોયને ! વ્યવહારિક સાધન. પણ 'હું ચંદુભાઈ છું' એ જ મિથ્યાત્વ. પછી 'આનો સસરો છું' એ મિથ્યાત્વ વર્તનમાં હઉ સસરો. પેલો જમાઈ દબડાવે ને ત્યારે આપણે કહીએ, 'તમે કેમ આવું દબાવ છો ?' ત્યારે કહે, 'હું આનો સસરો થઉંં ને ?' અલ્યા મૂઆ, તું શાનો સસરો તે ? સસરો તો વ્યવહારથી, પણ વર્તનમાં ય એ જ આવી ગયું છે કે હું સસરો છું. એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર ઊભું થઈ ગયું આ ! એ જો જ્ઞાની પુરુષ છોડાવડાવે, ભૂલ એ ભૂલ ભાંગે અને આ રોંગ બિલિફ, આ ખોટી શ્રધ્ધાઓ, ઊંધી માન્યતાઓ, વિપરીત માન્યતાઓ તોડી આપે એટલે સમ્યક્ માન્યતા થાય. આ રોંગ બિલીફ તોડી નાખીએ તમારી. આ બધી અનંતી માન્યતાઓ જ છે ને એ જ મિથ્યાત્વ. મિથ્યાત્વ બીજું કશું જ નથી. વેઢમી ખાવી એનું નામ મિથ્યાત્વ નથી, લાડવા ખાવા એનું નામ મિથ્યાત્વ નથી, વ્યાપાર કરીએ એનું નામ મિથ્યાત્વ નથી, છોડીઓના બાપ થઈએ તેથી કંઈ મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ તો આ જ ઊંધી માન્યતાઓ આપણી. એ માન્યતાઓ આપણી ઊંધી ના હોવી જોઈએ. ઊંધી માન્યતા, ઊંધું જ્ઞાન, ઊંધું ચારિત્ર આપણું ના હોવું જોઈએ. મિથ્યાત્વનો અર્થ એ કે તમારી રોંગ બિલિફો એ જ મિથ્યાત્વ અને લોકો મિથ્યાત્વ શેને માની બેઠા છે ? આ સુખ ભોગવીએ છીએ ને એ બધું, આ મિથ્યાત્વ છે. ના, ના, એ નહીં. સુખ બધું ભોગવવાનું એ તો પ્રારબ્ધાધીન છે, એ મિથ્યાત્વ નથી. એટલે આ બધી માન્યતા જ અવળી, ઊંધી પેસી ગઈ છે. તે હું વાત કહેવા માંગું છું કે ભઈ, આ રોંગ બિલિફો તમે સમજો ને સમજાવો તો કામ થશે. રોંગ બિલિફ જાય તો રાઈટ બિલિફ બેસી જાય. એટલે સમ્યક્ દર્શન થયું કહેવાય. એક જાય ત્યારે બીજું પેસે ! રોંગ બિલીફ જાય તો રાઈટ બિલીફ આવે ને ? આ વેક્યુમ રહે નહીં. કોઈ પણ ઘડામાં પાણી ભરેલું હોય તો હવા ય ના પેસે ને ? અને હવા પેઠેલી હોય અને મહીં પાણી રેડીએ તો હવા નીકળે તો એટલું પાણી પેસે. નહીં તો પાણી પેસે નહીં. એટલે વેક્યુમમાં એક પેસી ગયું તો બીજું પેસે નહીં. આ મિથ્યાત્વ પેસી ગયું છે તે મિથ્યાત્વ નીકળે તો પેલું સમ્યક્ દર્શન પેસે. અને રોંગ બિલીફ કાઢી નાખીએ ને રાઈટ બિલીફ બેસાડી દઈએ એટલે સમ્યક્ દર્શન થાય એટલે આત્મા જણાય, ચિંતાઓ મટી જાય, દુઃખ દૂર થાય. અરે, સર્વસ્વ દુઃખો ત્યાં આગળ ખલાસ થઈ જાય ! સમકિત એટલે સમ્યક્ દર્શન. આ છે રોંગ બિલીફ અને પેલી રાઈટ બિલીફ. હવે આ રોંગ બિલિફ ફ્રેકચર ના થાય, ત્યાં સુધી રાઈટ બિલિફ શી રીતે બેસે ? આ રોંગ બિલિફ ફ્રેકચર થઈ જાય, જ્યારે એ આપણા ઘરમાં ન હોય તો પેલી રાઈટ બિલિફ પેસે. પણ અહીં આગળ લાલમીયાં રહેતા હોય, ત્યાં સુધી પેલા પટેલ શી રીતે પેસે ? આ લાલમીયાં ખાલી કરે નહીં અને પટેલનો વારો આવે નહીં. એ તો અમે કરાવી દઈએ પછી. અમે એ રોંગ બિલિફો બધી ફ્રેકચર કરી આપીએ ! મિથ્યાત્વ એટલે કાયમ ચિંતા-ઉપાધિ, દુઃખ, આધિ-વ્યાધિ અને ઉપાધિ રહ્યા જ કરે નિરંતર અને ભટક ભટક કરે. આ મનુષ્યના અવતારમાં કો'ક ફેરો આવે ને પછી પાછાં બીજાં જાનવરના અવતારમાં જવાનું. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરે એટલે જાનવરના અવતાર આવે. અને જાનવરના અવતારમાં ભટક ભટક કરવાનું. ગજવું કપાય તો તમને અસર થાય ? અસર થાય છે એ મિથ્યાત્વ છે. આત્માને ગજવું હોય જ નહીં. જો તમે આત્મા છો તો ગજવું ના હોય. કપાય નહીં કશું. કપાય તો ચંદુભાઈનું કપાયું. તે કપાયું એટલે તમે કહો કે, 'મારું કપાયું.' ઓહોહો ! ત્યારે તમે ચંદુભાઈ થઈ ગયા એ જ મિથ્યાત્વ. સમકિત એટલે કારણ મોક્ષ ! સમકિતને પણ મોક્ષ કહેવાય છે. આ તો ફક્ત મિથ્યા દર્શન ઊભું થયું છે, સમ્યક્ દર્શન જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી સુખની માન્યતા ઊભી થઈ છે. અમે જ્ઞાન આપીએ એટલે એને સાચી દિશામાં પછી રસ્તો મળી જાય છે. રસ્તો મળી જાય એટલે ઉકેલ આવી જાય. મિથ્યા દર્શન ફેરવી આપીએ અને સમ્યક્ દર્શન કરી આપીએ એટલે એનો ઉકેલ આવે, ત્યાં સુધી ઉકેલ ના આવે. બંધન તો કોને ગમે ? આ સમસરણ માર્ગ આખો જેલ સ્વરૂપ છે. શરૂથી તે છેલ્લે સુધી જેલ છે અને જ્યારે 'હું છૂટો છું' એવું ભાન થાય તો જેલમાંથી છૂટે. મિથ્યા દર્શન જાય અને સમ્યક્ દર્શનમાં આવે તો છૂટકો થાય ! અને 'જ્ઞાની પુરુષ' જ 'હું છૂટો છું' એનું ભાન કરાવે. 'જ્ઞાની પુરુષ' ક્યારેય દેહમાં રહેતા નથી. પ્રગટ દીવો જ પ્રગટાવે ! પ્રશ્નકર્તા : સમકિતનો અધિકારી દરેક જીવાત્મા છે જ, પણ એને પ્રાપ્ત થવું જોઈએ ને ? દાદાશ્રી : અધિકારી હોય તો એને સમકિત પ્રાપ્ત થાય જ ને ! કારણ કે જે જીવને અધિકાર મળ્યો છે એ જીવને એક વખત એને પ્રાપ્ત કર્યે જ છૂટકો ને ! રસ્તામાં સાચા હીરા પડી રહ્યા હોય, તે પણ પારખ ના હોય તો એમ ને એમ એ કાંકરામાં જાય. સમકિત તો હિંદુસ્તાનમાં કેટલા બધાંને થાય એવું છે, ભલે બધાંને ના થાય પણ અમુક તો થાય એવાં છે જ. પણ આત્મજ્ઞાની નહીં હોવાથી શું થાય તે ? દીવામાં ઘી હોય, દીવેટ કરેલી હોય, પણ સળગે શી રીતે ? પ્રગટ દીવો જોઇએને ! શરૂઆત વીતરાગ વિજ્ઞાનની ! વીતરાગ વિજ્ઞાન ક્યાંથી શરૂ થાય છે ? સમકિતથી વીતરાગ વિજ્ઞાન શરૂ થાય છે. પોતાને એમ ભેદ લાગે કે આવો આત્મા ન હોય. આત્મા અત્યારે મારી માન્યતામાં જે છે, એવો આત્મા હોય નહીં. આત્મા આ શાસ્ત્રોમાં લખ્યો છે એવા ગુણધર્મવાળો હોવો જોઈએ અને તે ગુણધર્મેય શાસ્ત્રમાં પૂરાં ના લખેલાં હોય. શાસ્ત્રમાં આત્મા ઉતારી શકાય શી રીતે ? આત્મા અવક્તવ્ય છે, અવર્ણનીય છે. જેટલું વર્ણન થાય એટલુંં વર્ણન ભગવાને કર્યું, પણ બીજું બાકી રહ્યું તેનું શું થાય તે ? પ્રશ્નકર્તા : શાસ્ત્ર થકી આત્માના ગુણધર્મ જાણે એટલે મિથ્યાત્વ જાય ? દાદાશ્રી : ના, મિથ્યાત્વ જાય નહીં, પહેલાં ભ્રાંતિ જવી જોઈએ. મિથ્યાત્વ તો જવું બહુ અઘરી વસ્તુ છે. એ તો કેવળજ્ઞાની જેવા જ્ઞાની હોય એ બધી રોંગ બિલિફો ફેક્રચર કરે, રાઇટ બિલિફ બેસાડી આપે ત્યારે કામ થાય. ત્યાં સુધી મિથ્યાત્વ તૂટે નહીં ને ! પાત્રતા, સમકિત માટે ! પ્રશ્નકર્તા : મોક્ષને પામવા માટે કેવી યોગ્યતા જોઈએ ? દાદાશ્રી : સમકિત એકલું જ પ્રાપ્ત કરવું જોઈએ. સમકિત વગર મોક્ષ ના થાય, બીજો કોઇ રસ્તો જ નથી. મોક્ષમાં જવાની ટિકિટ જ એ છે ! ભગવાને કહ્યું કે શું કરવાથી મોક્ષે જવાય ? સમકિત થાય તો જવાય અથવા 'જ્ઞાની પુરુષ'ની કૃપા થાય તો જવાય. 'જ્ઞાની' બે પ્રકારના. એક શાસ્ત્રજ્ઞાની અને બીજા અનુભવજ્ઞાની, યથાર્થ જ્ઞાની. યથાર્થ જ્ઞાની તો મહીંથી પાતાળ ફોડીને બોલે એ યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાનથી આત્મજ્ઞાન થાય. બાકી જ્યાં સુધી 'હું ચંદુલાલ છું' એ મમતાભાવ છે ત્યાં સુધી સમતાભાવ ક્યાંથી આવે ? એક વખત સમકિતને સ્પર્શે ત્યાર પછી જ યથાર્થ સમતાભાવ આવે. આ લોકો કહે છે તે તો લૌકિક સમતાભાવ કહેવાય. શાસ્ત્રો-પુસ્તકો વાંચી વાંચીને પુસ્તકોનો મોક્ષ થયો પણ વાંચનારનો મોક્ષ ના થયો ! ... અનુભવ થાય આત્માનો ! હવે એ મિથ્યાત્વ અમે તોડી આપીએ, રોંગ બિલિફ ફ્રેકચર કરી નાખીએ અમે અને પછી રાઈટ બિલિફ બેસાડી દઈએ તમને એટલે તમારી દ્રષ્ટિ ફરી જાય પછી અને આત્માનો અનુભવ થઈ જાય. આપને આત્માનો અનુભવ કરવાની ઇચ્છા છે ? પ્રશ્નકર્તા : તો હું આત્માનો અનુભવ કરી શકું ? દાદાશ્રી : તમને અનુભવ થાયને, પણ એની માટે ભેદજ્ઞાની પુરુષ જોઈએ. એ કરાવી આપે ત્યારે થાય. પ્રશ્નકર્તા : મારે ભેદજ્ઞાન કેવી રીતે કરવું ? દાદાશ્રી : એ તો તમારાથી ના થાય, કોઈથી ય થાય નહીં. એ તો ભેદજ્ઞાની પુરુષ જ તમને ભેદ પાડી આપે. પોતાથી જો થતું હોય તો બધા કરી ના નાખે ? પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ સમજાવી શકેને કે ભેદજ્ઞાન કેવી રીતે થાય ? દાદાશ્રી : ના, એ ભેદજ્ઞાન કરાવી આપે. જેમને ભેદજ્ઞાન હોય, એ બધાને કરાવી આપે. ભેદજ્ઞાન ના કરાવે તો આપણને એ કામનું શું ? તો એની જોડેની માથાકૂટ બધી નકામી ગઈ. ચિંતા થતી હોય તો માથાકૂટ કરેલી બધી નકામી ગઈ. એક પણ ચિંતા ના થવી જોઈએ. શાસ્ત્રોમાં લખ્યો છે એવો આત્મા નથી. સંસારમાં રહેવા છતાં, સ્ત્રી જોડે રહેવા છતાં એક ચિંતા ના થાય એવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ એવાં કોઈ જ્ઞાની ના મળે ત્યાં સુધી શાસ્ત્રનું કે કોઈ પણ અવલંબન લેવું જરૂર ખરું ? દાદાશ્રી : એ તો જ્યાં સુધી જ્ઞાની પુરુષ ના મળે, જ્યાં સુધી ભેદજ્ઞાની ના મળે ત્યાં સુધી શાસ્ત્રો પઢ પઢ કર્યા કરવાનાં. શાસ્ત્રોમાં આત્મા હોય નહીં. શાસ્ત્રો તો આત્મા પ્રાપ્ત કરવાનું મહીં સાધન બતાવે. એટલે ભેદજ્ઞાની સિવાય આત્માનો અનુભવ થાય નહીં. સવળી સમજણ... સમકિત એટલે ઊંધી સમજણ છૂટી જવી. આ અર્થ ગમ્યો તમને ? બાકી બહાર અર્થ પ્રચલિત છે કે મિથ્યાત્વ એટલે ભૌતિક સુખની ઇચ્છા કરવી. અરે, ભૌતિક સુખની ઈચ્છાને શું કરવા વચ્ચે ઘાલો છો ? ભૌતિક સુખની ઈચ્છા તો સમકિત હોય તેને ય થાય. એકવાર સમકિત આપો ને, સવળી સમજણ આપો ને ! પણ ક્યાંથી લાવે, સવળી સમજણ ? સવળી સમજણ, એનું નામ સમકિત. એ સમાધિ આપે, કષાયભાવ ના કરાવડાવે. સ્વચ્છંદ ના કરાવડાવે. વ્યવહાર સમકિત ! પ્રશ્નકર્તા : આ વ્યવહાર સમકિત કહે છે, તે કોને કહેવાય ? દાદાશ્રી : મોક્ષ છે, મોક્ષનો માર્ગ છે અને આ તીર્થંકરો જ, વીતરાગો જ મોક્ષે લઈ જશે અને રાગ-દ્વેષીઓ નહીં લઈ જાય એવી ખાતરી થઈ ગઈ, એ વ્યવહાર સમકિત. સત્દેવ, સત્ગુરુ અને સત્શાસ્ત્રની સમજણ પડવા માંડી કે આ સાચું છે, ત્યાર પછી વ્યવહાર સમકિત શરૂ થઈ ગયું. હવે સત્દેવ તે ક્યાંથી ? અત્યારે મૂર્તિ એ સત્દેવ કહેવાય. વ્યવહાર સમકિતનાં માટે મૂર્તિ સત્દેવ. અને સત્ગુરુ કોણ ? જે પોતાને આગળ લઈ જાય એવાં હોય, જ્ઞાની પુરુષ તો હોય જ નહિ, આગળ પોતાને ધપાવે અને આ સમજણ પાડે, ઉપાધ્યાય જેવા હોેય તો સત્ગુરુ કહેવાય. અને આ ભગવાનના શાસ્ત્રો છે તે સત્ધર્મ કહેવાય. એ ત્રણેય હોય ત્યારે વ્યવહાર સમકિત કહેવાય. ત્રણમાં જુદું મૂકાય નહીં. અને વીતરાગધર્મ એકાંતિક નથી, આ બધું એકાંતિક કહેવાય. અને આ ભગવાનનું અનેકાંત છે. એટલે આ વ્યવહારે ય સત્ય છે અને નિશ્ચયે સત્ય છે. બન્નેને સ્વીકાર્યા છે તે સ્યાદ્વાદ કહેવાય. વ્યવહારની કંઈ કિંમત નથી એમ ગણે તો એકાંતિક કહેવાય. નિશ્ચયની કંઈ કિંમત નથી એમ ગણે તો એકાંતિક કહેવાય અને આ ગચ્છમત છે તે બધા જ એકાંતિક માર્ગ. એમાં કોઈને ય સમકિત ના થાય. વીતરાગ વાત સમજ્યા સિવાય કોઈને સમકિત થાય નહીં. શાસ્ત્રનું જ્ઞાન હોય. મોઢે ફટફટ બોલી જાય એવું છે. શાસ્ત્રનું જ્ઞાન ખરું પણ સમકિત ના હોય. એટલે સમ્યક્ત્વ થવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. આજે બાપજીને કહીએ, 'સાહેબ, સમ્યક્ત્વ છે ?' ત્યારે કહે, 'ના, આ કાળમાં થાય નહીં.' છતાં ય એ લોકો શું કહે કે અમને વ્યવહાર સમકિત છે. વ્યવહાર સમકિત કોને કહેવામાં આવે છે કે દેવ, ગુરુ અને ધર્મ જો રેગ્યુલર સ્ટેજમાં હોય તો વ્યવહાર સમકિત કહે છે. પણ તે રેગ્યુલર સ્ટેજમાં છે નહીં. એ મનમાં માની બેઠો છે, એમનું શી રીતે વ્યવહાર સમકિત કહેવાય ? અવિનાશીમાં સુખ માન્યતા ! વૃતિઓ ઠરી જાય છે ને એને ઉપશમ સમકિત કહે છે. પહેલું સમકિત એને કહે છે. કારણ કે એને ખાત્રી થઈ જાય છે કે અત્યારે કોઈ વિષયનું આરાધન છે નહીં. અહીં કંઈ માન-તાન આપતાં નથી કે કષાયનું આરાધન નથી. વિષય-કષાયનું આરાધન હોયને ત્યારે તો મહીં જરાક આનંદ થાય. પણ અહીં તો કષાયોનું, વિષયોનું બેઉ આરાધન નથી અને આ વાતો સાંભળવાથી જ મહીં ઠરી જાય છે. ત્યારે એને ખાત્રી થાય કે પોતાના આત્મામાં પાર વગરનું સુખ છે. જો કે અતિન્દ્રિય સુખ બહુ ઊંચી વસ્તુ છે છતાં એવું એને ભાન થાય તે દા'ડે. અત્યાર સુધી મિથ્યા દર્શન હતું. એને મિથ્યાત્વ કહેતા હતા. વિનાશી ચીજોમાં સુખની (શ્રદ્ધા) બેસવી, એનું નામ મિથ્યા દર્શન. આત્મા અવિનાશી છે. આ બધી વિનાશી ચીજો ઉપર સુખબુદ્ધિ થવી, એને જગતના લોકો મિથ્યાત્વ કહે છે. એ મિથ્યાત્વનો પ્રતિપક્ષ શબ્દ એટલે કે અવિનાશી ચીજોમાં સુખબુદ્ધિ થવી, એનું નામ સમ્યક્ દર્શન. એને મનમાં લાગે છે કે સુખ અહીં આત્મામાં છે, બીજે નથી એવું ભાન પ્રગટ થાય. એ પછી એવું કાયમ રહે નહીં. કાયમ તો જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે રહે. આ સંસારનું સુખ છોડે ક્યારે કે બીજું જુએ તો. એટલે એને આપણાં લોકોએ ઉપશમ સમકિત કહ્યું કે ભઈ, એક ગુંઠાણું છે તે એણે જે સુખ જોયું મહીં. કષાયો તો છે જ પણ કષાયો બધાં આવરાઈ ગયેલાં છે. જેમ દેવતા ઉપર રાખોડી થયેલી હોય, દેવતા ઉપર રાખોડી વળે ને, એટલે દેવતા દેખાય નહિ ને, એવી રીતે આનાં બધાં કષાયો ઠંડા થઈ ગયા હોય ત્યારે પછી મહીં આનંદ ઉત્પન્ન થાય. એટલે પોતાને એમ લાગે કે આ સુખ તો આમાં જ છે, બીજા કશામાં નથી એવું ભાન થાય એને. પછી ફૂંક મારીએ તો રાખોડી ઊડી જાય ને દેવતા તો સળગે જ પાછું. એટલે કષાયો ઉદય થાય, પ્રગટ થાય પણ કષાયથી મુક્ત થયો એ પુરુષ મુક્ત કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી ઉપશમ સમ્યક્ જે ભારેલાં અગ્નિની જેમ કહ્યું તો પેલાં પડ જે બતાવ્યા ભારેલાં અગ્નિ ઉપરના, એ કષાયો નહીં સમજવાના ? દાદાશ્રી : કષાયો જ છે એ. છતાંય એકાદ ગુંઠાણું આવો લાભ મળી જાય. પણ કષાયો છે ત્યાં સુધી પોતાના તાબામાં નથી. ઉપશમ સમકિતેય ઉપકારી ! પહેલું ઉપશમ સમકિત થાય ત્યારે મહીં જરાક ઠંડક વળે, તોય તરફડાટ તો પૂરેપૂરો જાય નહીં. ઉપશમ સમકિત કેટલી વારનું ? એક ગુંઠાણું છે. પછી હતું તેનું તે જ પાછું. પણ એને પ્રતીતિ બેસી જાય કે સુખ આત્મામાં છે. 'હું આત્મા છું' એવી પ્રતીતિ ના બેસે. સુખ આત્મામાં જ છે, મોક્ષમાં જ સુખ છે એવું એને ખાતરી થઈ જાય. 'આત્મા શું છે' એવું જાણે નહીં, ઉપશમ સમકિત એટલે આત્મા જાણે નહીં. એક ક્ષાયક સમકિતવાળો જ આત્મા જાણે. તેને આત્મધ્યાન રહે. અને તેનું નામ શુક્લધ્યાન. ક્ષાયક સમકિત હોય તેને આત્મધ્યાન રહી શકે, નહીં તો ના રહી શકે. અને આ ઉપશમ સમકિત તો કેવું છે ? બહુ ઉપકારી છે જો કે થાય તો બહુ સારું, કારણ કે આ બધા મોહ તૂટી જાય અને સુખ આત્મામાં છે એવું એને લાગે કે આમાં, સંસારમાં સુખ નથી જ એવું નક્કી થઈ જાય. એટલે આ બાજુના મોહ તૂટી જાય બધાં. અને આત્મામાં સુખ લાગે. પછી ખોળી કાઢે, એનાં સંજોગો બાઝે. પણ અત્યારે ઉપશમ સમકિતેય થતું નથી ને થતું નથી એટલે એમ ને એમ બેસી રહેવાનું છે. મિથ્યાત્વ ઊલટું ગાઢ થાય છે. ઉપશમ પછી ક્ષયોપશમ ! પછી ઉપશમ સમકિત થાય આમાંથી. એ કાળને આધીન છે વસ્તુ. પણ જો એમાં ભમ્યા કરતો હોય તો, એ પવિત્ર ભૂમિઓમાં અને પવિત્ર સંગ હોય, સત્સંગમાં હોય ત્યારે કોઈ ફેરો ઉઘાડ થાય, બીજું કશું ય થાય નહીં એમાં. ફક્ત બધા કષાય આખા, કષાય ઉપર આવરણ ફરી વળે. શું થાય ? અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ બધા ઉપર આવરણ ફરી વળે સડસડાટ. અને મહીં એવું સુખ વર્તે અંદર પોણો કલાક સુધી, તે મનમાં એમ થાય કે ખરું આ છે હવે. એ રસ લાગી જાય એને. તે જ્યાં સત્સંગમાં બેઠો હોય ને, તેનો રસ લાગી જાય એને કે ખરું આ છે. એ ઉપશમ સમકિત કહેવાય. આ જે ઉપશમ સમકિત થાયને, તે તો એકાદ ગુંઠાણું રહે આત્માનું તેય શબ્દોથી, ધ્યાન ના રહે એ ઉપશમ સમકિત, એ એક ગુંઠાણું છે અને પછી ક્ષયોપશમ, તે ઘણાં કાળ સુધી રહે. ક્ષયોપશમ સમકિત તો જુદી જાતનું છે. આ લોકો કહે છે એ ક્ષયોપશમ તો કહેવાય જ નહીં ને ! અરે, પણ ક્ષયોપશમ તો આમાં લેવાય જ નહીં. ક્ષયોપશમ તો અમુક પ્રકૃતિ ક્ષય થાય ને બીજી ઉપશમભાવે રહી હોય. આ તો હજુ એકુંય પ્રકૃતિ ક્ષય થઈ નથી. એ ઉપશમ થયા પછી ક્ષય થાય. અત્યારે ઉપશમ સમકિત તો કોઈ જગ્યાએ છે નહીં. અને પછી એ ઉપશમ, પછી ક્ષયોપશમમાં જાય. અમુક પ્રકૃતિ દહાડે દહાડે ક્ષય થતી જાય તેમ ક્ષયોપશમમાં આવે. સત્સંગમાં ને સત્સંગમાં પડી રહે ને ક્ષય થતી જાય અને બીજું ઉપશમ ભાવમાં હોય. અમુક પ્રકૃતિ ક્ષય થતી જાય ને બાકીની ઉપશમમાં રહે એ ક્ષયોપક્ષમ સમકિત. અને પ્રકૃતિ માત્ર ક્ષય થાય, તે ક્ષાયક સમકિત. તે ક્ષાયક તો ક્યારે થાય કે ક્ષાયક થવાનો હોય ને તેના મનમાં એક જ વાત હોય કે કશું જાણે ગમે નહીં, ફક્ત આત્મા કેવો હશે એ જ જાણવાની વાત હોય. આત્મા કેવો હશો એ જ જીજ્ઞાસા, બીજી કોઈ જીજ્ઞાસા જ નહીં. કલ્પના આવે કે આવો હશે, તેવો હશે પણ કેવો હશે એ ખબર ના પડે. અને 'આત્મા આ છે' એવું નક્કી થઈ ગયું એ ક્ષાયક સમકિત. એટલે આપણું આ ક્ષાયક સમકિત કહેવાય છે ને ! બાકી રહી, સમ્યકત્વ મોહનીય ! ઉપશમ સમ્યક્ત્વ ઉત્પન્ન થવા માટે આજુબાજુનાં એવિડન્સ ઊભાં થઈ જવાં જોઈએ. પ્રશ્નકર્તા : એ કયા એવિડન્સ ? દાદાશ્રી : આ સાધારણ માણસોને તો, એક તો જાણે કે બધી બાબતની પવિત્ર નિષ્ઠા હોવી જોઈએ. અને સ્ત્રીની બાબતમાં, એક પોતાની પરણેતર સ્ત્રી સિવાય, બીજી જગ્યાએ સહેજ પણ વિચાર નહીં એટલું ક્લિયર જોઈએ. આવું તેવું બધું ક્લિયરન્સ ચોગરદમનું ભેગું થાય અને પોતાને આ કષાય ઘટાડવા છે, ત્યાર પછી ચાર અનંતાનુબંધી જવાની તૈયારી કરે અને મિથ્યાત્વની ગાંઠના ત્રણ કકડા થઈ જાય. એમાં મિથ્યાત્વ મોહનીય ને મિશ્ર મોહનીય એમ બે ટૂકડા નાશ થાય, પછી પેલી ચાર અનંતાનુબંધીની પ્રકૃતિ નાશ થાય, તે સમ્યક્ત્વ ઊભું થાય. સમ્યક્ત્વ પ્રગટ થયું પણ હજુ સમ્યક્ત્વ મોહનીય રહી. મોહમાં સમ્યક્ત્વ મોહનીય એકલી રહે, બીજું બધું નાશ થઈ જાય. અને ચાર અપ્રત્યાખ્યાની, ચાર પ્રત્યાખ્યાની, ચાર સંજ્વલન એમ બાર પ્રકારના ક્રોધ-માન-માયા-લોભ રહે. પછી ક્ષયોપશમ સમકિતમાં જાય. ત્યારે થાય ક્ષાયક સમકિત ! સમકિત મોહનો અર્થ આ લોકો હજુ કરી શકતાં નથી. કારણ કે જ્ઞાની પુરુષનું કામ છે ને એમાં તો ફોડવાર પદ્ધતસર સમજાવે. એ તો શાસ્ત્રનાં શબ્દનાં આધારે બોલે. શાસ્ત્રનાં શબ્દ સમજાય નહીં પૂરાં. સમકિત મોહ એટલે બીજા કોઈપણ પ્રકારનો મોહ નહીં. ફક્ત આત્મા શું હશે, કેવો હશે એ જ ભાવ નિરંતર રાત-દા'ડો કૈડ્યા કરે. બીજો ભાવ જ જેને ના હોય ? પ્રશ્નકર્તા : એ એક જ વિચારમાં. દાદાશ્રી : એક જ, બીજો વિચાર નહીં અને એ ફોડ પડ્યો એટલે ક્ષાયક સમકિત થઈ ગયું. સમકિત મોહ ગયો, પ્રકૃતિ બધી ખલાસ થઈ ગઈ. હવે એ સમકિત મોહ ના હોય અત્યારે. એ કો'કને હોય મહીં, કોઈ એકાદ એવો વિરલો હોય, ક્યાંક મળી શકે. પડી રહ્યો હોય ગમે ત્યાં, એને આત્મા જાણવાનો એક જ પ્રકારનો મોહ. અમને ન્હોતું ગમતું આ સંસારમાં. મારી વિગત જ કહું છું ને ! મને પોતાને કોઈ ચીજમાં મહીં રસ જ નહોતો આવતો. પૈસા આપે કોઈ તો ય બોજો લાગ્યા કરે. મારાં પોતાના રૂપિયા આપે તો ય મહીં બોજો લાગે. લઈ જતાં યે બોજો લાગે, લાવતાં ય બોજો લાગે. હરેક બાબતમાં બોજો લાગે, આ જ્ઞાન થતાં પહેલાં. 'આત્મા શું હશેે, કેવો હશે, શું હશે, કેવો હશે ?' એ સમ્યક્ત્વ મોહનીય ના જાય. સમકિત થાય તો ય પણ સમ્યક્ત્વ મોહ ના જાય, ને આત્મા માટે નિઃશંક થયો કે ક્ષાયક સમકિત થઈ ગયું. જે આત્મા જાણ્યા પછી ક્યારેય પણ શંકા ના પડે, એનું નામ ક્ષાયક સમકિત. ફેર, અજ્ઞાન ને મિથ્યાત્વનો ! પ્રશ્નકર્તા : અજ્ઞાન અને મિથ્યાત્વમાં શું ભેદ છે એ સમજાવો. દાદાશ્રી : મિથ્યાત્વ એ ગુણ સ્થાનક છે અને અજ્ઞાન એ ગુણ સ્થાનક નથી. એટલે મિથ્યાત્વ જે ગુણ સ્થાનકમાં આવેલા, એ સિવાય બીજા બધા લોકો અજ્ઞાની કહેવાય છે એ મિથ્યાત્વવાળા યે અજ્ઞાની ખરાં પણ આ મિથ્યાત્વ એટલે ગુણ સ્થાનકવાળા છે. મિથ્યાત્વ ગુણ સ્થાનક એટલે શું કહેવાય કે અજ્ઞાની જેવી જ બધી ક્રિયાઓ હોય, ક્રોધ-માન-માયા-લોભ બધું અજ્ઞાની જેવું જ હોય, ફક્ત એક જ વાતમાં એની સમજણફેર કે, આ રાગદ્વેષવાળા દેવો મને મોક્ષે ના લઈ જાય. આ વીતરાગો મને મોક્ષે લઈ જશે. એટલી સમજણ ફેરથી એ મિથ્યાત્વ ગુંઠાણામાં આવ્યો, એક જ શબ્દની સમજણથી. એટલે ભગવાને એને મિથ્યાત્વ ગુંઠાણામાં મૂક્યો. 'વીતરાગ મને મોક્ષ આપશે' એવી શ્રદ્ધા બેઠી માટે મિથ્યાત્વ ગુંઠાણું. ભગવાન ડાહ્યા હશે કે નહીં હોય ? આટલા એક જ શબ્દ માટે જુઓને, અહીં ગુણ સ્થાનકમાં મૂકી દીધો ! ભેદજ્ઞાન ને સમકિત ! પ્રશ્નકર્તા : ભેદજ્ઞાન અને સમકિત દશા એ બે વચ્ચે ફરક શો ? દાદાશ્રી : બહુ ફેર. સમકિત દશા, એ ઘણાં કાળ પછી ભેદવિજ્ઞાન થાય. સમકિત દશા તો એને પોતાને ખાતરી થાય કે આમ સંસારમાં સુખ નથી પણ આમ આત્મામાં સુખ છે. એવી એને કંઈક ઊંડી ઊંડી પ્રતીતિ બેસે. ભેદવિજ્ઞાન તો ભગવાન જ કહેવાય. ભેદવિજ્ઞાન એટલે ભગવાન અને સમકિત તો ઊંડી ઊંડી પ્રતીતિ બેસે છે. આ આમાં ભૌતિકમાં સુખ નથી. આ સુખ આત્મા ભણી છે. એવું શાસ્ત્રના વાંચનથી, સહુના કહેવાથી અનેક પ્રકારથી એ જાણે એટલે એને પ્રતીતિ બેસે, ત્યારે એને ખાતરી થાય કે આ સુખ આમાં છે, ત્યારે એ સમકિત કહેવાય. પ્રતીતિ બેસવી એનું નામ સમકિત. વસ્તુની ખાલી પ્રતીતિ બેસે. ક્રિયા એવી ને એવી જ છે. જ્ઞાન તેવું ને તેવું જ છે. વેપારમાં ભેળસેળ કરતો હોય, એ બધી ક્રિયાઓ એવી ને એવી જ હોય પણ મહીં સમકિત થાય. ભેદ, સમજ ને જ્ઞાન તણો ! સમકિત એ જ્ઞાન નથી પણ સમજણ છે, એ દ્રષ્ટિ છે એક જાતની. પ્રશ્નકર્તા : સમકિત એ સમજણ છે અને 'જ્ઞાન' એ બેમાં ડિફરન્સ શું ? દાદાશ્રી : ન્યુયોર્ક આવડું મોટું શહેર છે, આવું છે, આમ છે, તેમ છે, અંદર આવું આવું છે, જોવા જેવું છે બધું, એ બધું જ્ઞાન થયું આપણને તે અને એક ફેરો એ ત્યાં જઈને જોયું, એમાં કયું વધે ? પ્રશ્નકર્તા : જોયું એ. દાદાશ્રી : તે આ વાંચ્યું, સાંભળ્યું એ જ્ઞાન અને પેલું જઈને જોયું એ સમજણ. જોયું એ છે તે સમજણ કહેવાય અને અહીં આગળ ચોપડીમાં વાંચ્યું, કે ન્યુયોર્ક આવું સરસ શહેર છે, આમ છે, તેમ છે, એની મહીં આવું આટલું છે, મહીં જોવા જેવા સ્થળો છે. આમ છે. ત્યાં આવી રેલ્વે છે, ફલાણું છે, ત્યાંના લોકો આવાં છે, એ બધું જ્ઞાન કહેવાય અને પછી એવું જોયું. જોવું એ પાછું જ્ઞાન ના કહેવાય. જોયું અને પુસ્તકમાં મહીં લખ્યું હતું, એવું નીકળે કે અહીં આગળ લોકો આવાં છે, તો આપણને એમ ખાતરી થાય કે ના છે તો આ એવું જ, તે અનુભવ જ્ઞાન કહેવાય. જોયા પછી અનુભવ જ્ઞાન થાય. પેલું બાહ્ય જ્ઞાન, એ તો સમજણ જ પડી કે ના પડી, એને તો શું કરવાનું ?! એટલે જ્યાં સુધી ન્યુયોર્કને જાણતા નથી, જોયું નથી, ત્યાં સુધી સમકિત ના કહેવાય. આના જેવું હશે. કે આના જેવું હશે ! એવું થયા કરે. ભેદજ્ઞાનની દશા ક્યારે ? આત્મા દેહથી ભિન્ન છે, જુદો છે એટલો અનુભવ સૌભાગભાઈને થયો કે બે ફાટ જુદા દેખાય છે. આ દેહનો ફાટ અને આ આત્માનો ફાટ એમ ભિન્નતાનો ફેર દેખાય, એને સમકિત થયું કહેવાય. એ પંદર ભવની અંદર મોક્ષે જાય એટલી ચોક્કસ ગેરેન્ટી સાથેનું. પ્રશ્નકર્તા : ભેદજ્ઞાન એને જ કહેવાય ? દાદાશ્રી : ના, ભેદજ્ઞાન તો આપણે આપીએ છીએ તે ભેદજ્ઞાન છે. આપણું આ અક્રમ જ્ઞાનની સાથે ભેદજ્ઞાન બધું ભેગું છે આ તો. ભેદક એટલે જુદું પાડી દેવું. પ્રશ્નકર્તા : આત્મા ને શરીર જુદા ભાસ્યા આઠ દિવસ પહેલાં, સૌભાગભાઈને એ ભેદજ્ઞાન ના ગણાય ? દાદાશ્રી : ના, એને ભેદજ્ઞાન શી રીતે કહેવાય ? ભેદજ્ઞાન તો આત્મા આમ ખખડે નહીં. આત્મા જુદો જ દેખાય. આત્મા નિરંંતર ખખડતો હોય તે ય ભેદજ્ઞાન ના કહેવાય. કર્તાપદ જાય ત્યાર પછી ભેદજ્ઞાન થાય. 'હું કંઈક કરું છું' એ પદ જાય ત્યારે ભેદજ્ઞાન સમજાય. ત્યાં સુધી ભેદજ્ઞાન તો હોય જ નહીં કોઈ કાળે. ત્યારે એ ભેદજ્ઞાની કહેવાય, તે ભેદજ્ઞાન આપી શકે. જેને કર્તાપદ છે, ત્યાં સુધી ભેદજ્ઞાન કેવી રીતે આપી શકે ? પોતે દેહમાં અભેદ છે, કર્તાપદ એટલે દેહમાં અભેદ. ક્રમિકમાં ઠેઠ સુધી કર્તાભાવ ! પોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય. પ્રશ્નકર્તા : એનામાં નમ્રતા આવી જાય. દાદાશ્રી : ના, નમ્રતા આવે કે ના આવે, પણ સમકિત ત્યારથી ગણાય. દોષ એકુંય ના દેખાય. હું જ કર્તા, કર્તા જ હું. આ બધા જે તમે મને ભેગા થયા ને તે પહેલાં બધું કર્તાપદ જ હતું. આપણાં જ્ઞાનને માટે કર્તાભાવ એ કુસંગ છે. ઊલટો એનો પાસ ચઢે. જેને કર્તાપદ છે ત્યાં સમકિતે ય નથી. સમકિત નથી ત્યાં આગળ મોક્ષની વાત કરવી એ ખોટી છે, નિરર્થક છે. મોક્ષની વાત જ ક્યાં કરવાની ? મોક્ષના અંશનું પરિણામ નથી પામ્યું. પ્રશ્નકર્તા : દિશા જ ઊંધી. દાદાશ્રી : દિશા ઊંધી નહીં, આ તો મનને ઠંડકમાં રાખવાનું સાધન. પ્રશ્નકર્તા : મોક્ષની દિશા તરફ તો નહીં ને ? દાદાશ્રી : મોક્ષને લેવા-દેવા નથી આ તે. મોક્ષે જતાં ય રસ્તામાં જો કદી ઠંડક જોઈતી હોય તો આ સાધન છે. જેમ ઉનાળાના દહાડે ઠંડું કરવું હોય તો જરા આઈસ્ક્રીમ નાખે તો જરા ઠંડું નથી પડતું મહીં ? તેવું આ એક સાધન છે અને લેવા-દેવા નથી. ચાર આના ય એની કિંમત આવવાની નથી, વેચવા જશે ત્યારે. મોક્ષને દરવાજે વેચવા જશે કે સાહેબ, મેં આવું બધું કર્યું છે ત્યારે કહેશે, અહીં નહીં તમારું કામ, એ બીજા દરવાજે, ત્યાં આગળ જાવ. ભૂલ દેખાય નહીં એકુંય. છતાં કર્તાભાવ ક્રમિકમાર્ગમાં ઠેઠ સુધી હોય ત્યાં, એ કર્તાભાવને એ બધું નિવારણ થઈ જાય. પ્રશ્નકર્તા : એ નિવારણ કેવી રીતે ? દાદાશ્રી : સમકિત થાય ને ત્યારથી ક્રોધ-માન-માયા-લોભના પરમાણુઓ બધાં નીકળવા માંડે. દોષ દેખાતા જાય એમ નીકળતા જાય. પછી ક્રોધ-માન-માયા-લોભ પરમાણુ બિલકુલ રહે નહીં એવો શુધ્ધ અહંકાર રહેવાનો. શુધ્ધ અહંકાર જ્યારે થાય, એમાં કશું ભેગું ના થાય ત્યારે આત્મા જડ્યો કહેવાય. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી અહંકાર રહેવાનો. ત્યાં આત્મજ્ઞાનેય ના થાય. આત્મજ્ઞાનેય છે તે સમકિત થયા પછી આ બધો અહંકાર શુધ્ધ થાય ત્યારે આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન પછી શુધ્ધ અહંકાર ઘણાં કાળ સુધી રહે છે, ત્યાર પછી કેવળજ્ઞાન. આત્મજ્ઞાન બહુ અઘરી વસ્તુ છે. એ ભેદજ્ઞાની એકલાં જ જાણે. બીજાં કોઈ ન જાણે. ભેદજ્ઞાન કોણ જાણે ? જેનો અહંકાર ખલાસ થઈ ગયો હોય. આ ક્રમિક માર્ગમાં તો અહંકાર ખલાસ થતાં તો બહુ ટાઈમ લાગે. એમને અહંકાર ખલાસ નથી થતો, શુધ્ધ અહંકાર હોય. શુધ્ધ અહંકાર એ અહંકાર ખલાસ જેવું જ કહેવાય. સમકિત સાથે અહંકાર રહેવાનો. સમકિતેય ખરું અને અહંકારેય હોય. ત્યાં નથી પુણ્ય કે પાપ ! પ્રશ્નકર્તા : તો એ સમકિત પછી ત્યાં પાપ અને પુણ્ય પણ નથી. દાદાશ્રી : પાપ-પુણ્ય નથી ત્યાં કશુંય બંધન નથી. પુણ્ય બાંધે તેથી સોનાની બેડી છે અને પાપ બાંધે તેથી લોખંડની બેડી છે. બન્ને બેડી છે, બંધન છે. હવે સારું કરે, સત્ય કરે તો પુણ્ય બંધાય અને અસત્ય કરે તો પાપ બંધાય. પણ એ બન્ને બેડી છે. જ્યાં સત્ય-અસત્ય નથી, ત્યાં પરમ સત્ છે. ત્યાં ભગવાન છે. તે એ ભગવાન તમારી મહીં બેઠેલા છે. આ જગત ચાલી રહ્યું છે, એન્જીન ચાલ્યા કરે એમાં ડ્રાયવર કહે છે કે હું ચલાવું છું. તો એ કહેલું ચાલે ? વીતરાગોએ આ ભૂલ ભાંગવાની કહી છે. કંઈ પણ કરે ત્યાં સમકિત પ્રાપ્ત ના થાય. 'તું વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી અકર્તા છે.' 'વ્યવહારથી કર્તા' ના માનવું મિથ્યાત્વ અને 'હું નિશ્ચયથી કર્તા છું' માનવું આ મિથ્યાત્વ. 'હું કર્તા છું' એ ભાન એ મિથ્યાત્વ છે. એ લક્ષ મોક્ષ લગી ! પ્રશ્નકર્તા : શુધ્ધાત્માનું લક્ષ રહે છે તે જ બોધબીજ ગણાય ? અને તે જ સમકિત કહેવાય ? દાદાશ્રી : આ સમકિતેય એ જ કહેવાય અને બોધબીજે ય એ કહેવાય. પ્રશ્નકર્તા : સમકિત એ જ બીજજ્ઞાન છે ને ? દાદાશ્રી : સમકિત એ જ બીજજ્ઞાન કહેવાય. બોધબીજ જ્ઞાન કહેવાય છે એને ! પ્રશ્નકર્તા : સમકિત, સુધારસ અને બોધબીજ બધું એક જ થયું ને ? દાદાશ્રી : ના. સુધારસ બધા કહે છે એને અને આને લેવાદેવા નથી. સુધારસ એ જુદી વસ્તુ છે. આ તો બોધબીજનો સુધારસ છે, એ તો સમકિત થયાં પછી ટપકાં ઝરે. અત્યારે જ્યાં સુધી સમકિત ના થાય ત્યાં સુધી વિષરસ પડ્યા કરે. એટલે વાણી વિષવાળી થઈ જાય, વર્તન વિષવાળું થઈ જાય અને સમકિત થાય પછી તરત જ મહીં અમૃતના ટપકાં પડવા માંડે એટલે વાણી દહાડે દહાડે અમૃતવાળી થાય, વર્તન અમૃતવાળું થાય બધું અમૃતવાળું થાય. ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે બધાં. અને આ પુસ્તકમાં જ સુધારસ લખ્યું છે ને, એ તો જીભને ઊંચી કરીને કરે છે એ લોકો. પણ એ પૌદ્ગલિક છે. એ બધાં એનાં ઉપાય છે. એમાંથી જરાક શાંતિ રહે. બાકી એ જ્ઞાન કે બોધબીજ એવું તેવું કશું ના કહેવાય. એવું તો અનંત અવતાર બધું કર કર જ કર્યું છે પણ એમાં દહાડો વળે નહીં ! એ તો વીતરાગોનું જ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન, ત્યારે સમકિત થાય. અને સમકિત થયેલું હોય એ માણસ તો ખબર પડી જાય, એનાં મોઢા પર આનંદ દેખાય, શાંતિ દેખાય ! સમ્યકત્વ, ગાઢ ને અવગાઢ ! કોઈ માણસ કહે કે સમ્યક્ત્વ અને ગાઢ સમ્યક્ત્વમાં શું ડિફરન્સ ? ત્યારે ગાઢ સમ્યક્ત્વ એટલે તમને સમજાવું. પેલી ભૂંગળી લાવો જોઈએ. આ ભૂંગળી જમીન ઉપર ઊભી પકડી હોય ને એ એની જગ્યામાં સ્થિર થવું, એનું નામ સમકિત. દરઅસલ જગ્યાએ સ્થિર થવું, જે દ્રષ્ટિ અસ્થિર હતી ચોગરદમ, એ સ્થિર થઈ, એનું નામ સમકિત. પછી ગાઢ સમકિત એટલે શું કે એ સમકિત ઉપર જબરજસ્ત અવરોધો આવે. તોડી નાખનારા અવરોધો આવે. તે આ લાકડી પર ઉપરથી દબાણો આવે, તો એ આમ થાય, તેમ થાય, આમ થાય, તેમ થાય, પણ એ પોતાના સ્થાનને ન છોડે. ક્યારેય પણ સ્થાનને ના છોડે, એનું નામ ગાઢ સમકિત. પેલું સમકિત તો છૂટી ય જાય. આજુબાજુનો અવળો પવન આવ્યો કે સ્થાન છૂટી જાય. જે સમકિત છેને, તે સમકિત બહુ મજબૂત થયું હોય ત્યારે ગાઢ સમકિત કહેવાય. અને વીતરાગોનું અવગાઢ સમકિત કહેવાય. સામી બાજુ મિથ્યાત્વનું એવું છે કે મિથ્યાત્વ જો માર્ગ રૂંધન થાય, માર્ગ ન પામે તો ગાઢ મિથ્યાત્વ થઈ જાય. પછી એ અવગાઢ મિથ્યાત્વ થાય. તીર્થંકરેય મોક્ષમાં ના લઈ જાય એવું અવગાઢ મિથ્યાત્વ. આ કાળમાં અવગાઢ મિથ્યાત્વ બહુ થઈ ગયું છે. એટલે અમુક જગ્યાએ જ અવગાઢ થયું છે. પણ બાકી ગાઢ મિથ્યાત્વ તો થઈ જ ગયું છે. તે જ્યાં જુઓ ત્યાં ગાઢ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ તો છે જ. મિથ્યાત્વ તો કંઈ પોતાને લાવવું પડ્યું નથી ને, એમાં કંઈ કમાણી કરવા જવું નહીં પડે ને ! જન્મથી જ મિથ્યાત્વ પ્રાપ્ત થઈ જાય. પ્રશ્નકર્તા : એ તો જન્મથી જ વ્યવસ્થિતને હિસાબે મિથ્યાત્વ ઊભું થયું હોય તો શું થાય ? દાદાશ્રી : તે હિસાબે જ થયેલું છે ને ! આ તો વાત સમજવાની છે ! મતનો મોહ, રોકે સમકિતને ! સમકિતનો દરવાજો આવે ત્યાં બધા ધર્મો એક થઈ જાય છે. પછી મોક્ષનો મોટો દરવાજો આવે. મતભેદ મટે તો સમકિત થાય. મતભેદને લઈને સમકિત નહીં થાય, એમ ભગવાને કહ્યું છે. સાધુઓએ વિષયો જીત્યા છે, પણ વિષયો તો સ્વતંત્ર છે. અનંત અવતારથી મતનો મોહ કે જેના આધારે લટક્યો છે તે તો જીવતો છે ! મતિયો થઈ ગયો છે ! નથી જીતવાનો તેને જીતે છે અને જીતવાનો છે તેને જાણતા નથી. આ બધાએ મોહ જીત્યા છે, પણ એક પોતાના મતનો મોહ જીત્યો નથી !!! મતાભિનિવેષ થઈ ગયા છે ! મતાભિનિવેષથી સંસારમાં પાપ ઊભાં રહ્યાં છે. 'જ્ઞાની પુરુષ' અને તેમના મહાત્માઓ ન હોય ત્યાં મતાભિનિવેષ અવશ્ય હોય જ અને મતાભિનિવેષ હોય ત્યાં આત્મા શોધ્યો ય ના જડે. આત્મા પોતે જ મતાભિનિવેષથી ઢંકાઈ ગયેલો છે. કોઈ મતના આગ્રહથી છૂટતા નથી. ભગવાને વિષયોને મોહ નથી કહ્યો, મતને મોહ કહ્યો છે. તે મહાવીર ભગવાનના વખતમાં ચણતર ઇંટોનું ને માટીનું હતું. એટલે મિથ્યાત્વરૂપી ચણતર તોડવું હોય તો બહુ ટાઈમ ના લાગે અને અત્યારે ઇંટોનું ને સીમેન્ટ ચણતરવાળું મિથ્યાત્વરૂપી છે, તેની આ મુશ્કેલી છે. 'મિથ્યાત્વી' બીજાને કહેવાય ? આ તો કહેશે, માતાજીની પૂજા કરી કે મિથ્યાત્વી થઈ ગયો. પણ હતો જ ક્યાં સમ્યક્ત્વી તે મિથ્યાત્વી થઈ જવાનો છે ? સમ્યક્ત્વી હોય તે મિથ્યાત્વી થાય ને ? એેક સંપ્રદાયમાં આવી ગયો એટલે બીજા સંપ્રદાયવાળા કહેશે, આ મિથ્યાત્વી થઈ ગયો. અરે પણ સમકિતી હતા જ ક્યાં, તે મિથ્યાત્વી થઈ જવાના છે ? જેની પાસે રૂપિયા હોય તો તેના રૂપિયા ગજવામાંથી કપાઈ જાય. પણ ગજવામાં રૂપિયા જ ના હોય ત્યારે ગજવામાંથી રૂપિયા કપાયા કહેવાય જ નહીં ને ?! આ બંધનોમાંથી મુક્તિ થઈ શકે છે, વીતરાગોનું જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે, વીતરાગો મોક્ષ આપી શકે છે, એવી જેને સૂઝ પડી છે એને તો મિથ્યાત્વ દર્શન, બહુ ઊંચામાં ઊંચું દર્શન કહ્યું છે ! આ તો બીજાને વગોવે છે કે, 'તું મિથ્યાત્વી છે.' અલ્યા, તું સમકિતી છે તે બીજાને મિથ્યાત્વી કહે છે ? અને પોતે જો સમકિતી હોય તો તે બીજાનો તિરસ્કાર ના કરે અને મિથ્યાત્વી હોય તો ય પોતા જેવા મિથ્યાત્વીનો તિરસ્કાર ના કરે. 'આ તો મિથ્યાત્વી છે' એમ કહીને જે તિરસ્કાર કરે છે, એ તો 'ડબલ મિથ્યાત્વી' છે ! મિથ્યાત્વ દર્શન થયું એ તો વખાણવાલાયક દર્શન છે. આ દર્શનમાં આવ્યા પછી એને 'મોક્ષમાં સુખ છે અને સંસારમાં સુખ નથી' એવું ભાન થાય છે, મોક્ષની ઇચ્છા થાય છે. એની ઇચ્છા તો સમ્યક્ દર્શનની જ છે, પણ મિથ્યા દર્શનમાંથી છૂટ્યો નથી તેથી રઝળપાટ થાય છે. છતાં એનો વિલ પાવર મોક્ષ માટેનો છે અને પુદગલનું જોર સંસાર તરફ ખેંચાવાનું હોય તો ય એ બન્નેને જુદા પાડે. મિથ્યાત્વ જાય તો કામનું છે બધું. જૈન ધર્મેય મિથ્યાત્વ કાઢવા માટેનો છે અને આ વૈષ્ણવ ધર્મેય સમકિત પામવા માટે છે અને આ મિથ્યાત્વ કાઢીને સમકિત પામે અને પેલો ભક્તિથી સમકિત પામે છે. આમને કાઢવું ના પડે. કારણ કે ભર્યું નથી તો કાઢવાનું નહીં ને ! લક્ષણો સમકિતીનાં ! પ્રશ્નકર્તા : સમકિતીનાં લક્ષણો શું ? સમકિતી કેવી રીતે ઓળખાય ? દાદાશ્રી : સમકિતીનાં લક્ષણો તો આપણે એને ગાળો ભાંડીએ અગર તો એનું ગજવું કપાઈ જાય, એને એકદમ ખોટ આવી હોય, તો તરત જ એને જ્ઞાન હાજર થઈ જાય ને એ જ્ઞાનમાં આવી જાય. એનાં અજ્ઞાની જેવાં લક્ષણ ના હોય. એનાં લક્ષણ જ્ઞાની જેવાં હોય. સમકિતી બધું સવળું કરે. મિથ્યાત્વી બધું અવળું જ કરે. સમ્યક્ દર્શન એટલે અત્યારે જે વાંકું જુઓ છો, અમે એ સીધું દેખાડી દઈએ, દ્રષ્ટિફેર કરી આપીએ. એટલે સમકિતીની દ્રષ્ટિ બદલાઈ ગયેલી હોય. એને 'હું કોણ છું' એની ખબર હોય. એટલે એને ગાળ ભાંડે તોય એ હસે ઊલટો ! પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન જેને થયું હોય, એના વર્તન વિશે સમજાવો. દાદાશ્રી : પોતાના દેશ ભણી દ્રષ્ટિ થઈ, ત્યારથી જ છે તે સમ્યક્ દર્શન ઉત્પન્ન થયું. અને પરદેશમાં જવાનો રસ્તો મળે અને ત્યાં દ્રષ્ટિ હોય ત્યાં સુધી છે તે મિથ્યાત્વ દર્શન. ઊંધેે રસ્તે ચાલ્યો, ભટકવાના રસ્તે. અને પોતાના દેશમાં જવાનો રસ્તો મળી ગયો, જેટલું ચાલ્યા એટલું દેશમાં. અને બધું સવળું જ કરે, અવળું ના કરે. લોક ઊંધું નાખે તો એ છતું કરી આવે. એ ઊંધું ના કરે. જગતના લોકો, બીજા લોકો, આડોશી-પાડોશીઓ ઊંધું નાખે તો ય એ છતું કરે. પાડોશી છે તે, તે બીજાની જોડે ઝઘડો કરતો હોયને, તો એ ઝઘડા માટે ય મરચાં વાટીને નાખતા હોયને, તેમાં આપણે પાડોશમાં હોય તો આપણી આંખમાં પડે. ભઈ, શું થાય તે ? એની ઇચ્છા આપણા માટે નથી, પેલા માટે છે. પણ તે આપણે ઊંધું ના કરીએ, છતું કરીએ. આપણે સમજીએ કે એની જોડે આપણે લેવાદેવા નથી. આ તો પેલાની જોડે ઝઘડો કરતાં કરતાં આપણે ઝપટાઈ ગયા. આપણો હિસાબ હશે એટલે આપણે ઝપટાયા છીએ. દ્રષ્ટિ સીધી લે, વાંકું ના કરે. અને બીજાને તો ના પડ્યું હોય તો ય બૂમો પાડે. મારી આંખમાં ય પડ્યું છે. એ ત્યાં ઊંધું કરે. અને અનંતો સંસાર વધારી દે, અનંતાનુબંધી બાંધી દે. ભટક ભટક ભટક કરે. આટલો ભટક્યો, માર ખાધો તો ય હજુ કંઈ આ શોખ છૂટતો નથી ! કેવો શોખ બ ેસી ગયો છે ? આ ભટકવાનો ય શોખ જ હશેને એક પ્રકારનો ? મોટામાં મોટો શોખ ! સમકિતધારીના ભાવગુણ ! પ્રશ્નકર્તા : સમકિતધારી મહાત્માઓનો ભાવગુણ સમજાવો. દાદાશ્રી : એમને રાગદ્વેષ ના હોય. મારે-કરે ખરો, ગાળો દે, વઢે, મારંમારા કરે, પણ તે રાગદ્વેષ ના હોય. અને પેલો વઢંવઢા ના કરે, મારંમારા ના કરે, તોય રાગદ્વેષ રહ્યા કરે મનમાં ને મનમાં, 'મારા લાગમાં આવવા દો ને' એમ કહેશે. પ્રશ્નકર્તા : એ કર્મો ચાર્જ કર્યા કરે. દાદાશ્રી : પેલો કર્મો ચાર્જ કર્યા કરે અને સમકિતધારી કર્મ 'ચાર્જ' ના કરે. વઢંવઢા કરે એ 'ડિસ્ચાર્જ' છે, એ વિસર્જન છે. વઢંવઢા એ વિસર્જન છે. મારંમારા એ વિસર્જન છે. ગાળંગાળા વિસર્જન છે, પણ મહીં ચાર્જ ના કરે. પ્રશ્નકર્તા : સમકિતીને પારખવાનું માપદંડ જોઈએને, અમારી પાસે એ ક્યાંથી હોય ? દાદાશ્રી : સમકિતી તો એવું છે ને, એની સવળી દ્રષ્ટિ થયેલી હોય, ક્લેશના સંજોગ ભેગા થાય ત્યાંથી છેટો ખસી જાય, કોઈને દુઃખ દેવાના ભાવ ના હોય, કોઈક દુઃખ દેતું હોય તો એ સહન કરી લે. સમકિતી તો સીધી જાત ને મિથ્યાત્વી તો જ્યાં જુઓ ત્યાં વાંકો ! પ્રશ્નકર્તા : જેને સમ્યક્ત્વ થયું હોય તો બીજાને ખબર પડે ? દાદાશ્રી : કેમ ના ખબર પડે ? એ તરત જ ખબર પડે. ઊંધું કરતો હોય તો ના સમજણ પડે કે આ માણસ કાયમ ઊંધું જ કર્યા કરે છે ? તો આ માણસ કાયમ છતું જ કરે છે એવું ના ખબર પડે ? પણ થોડો ટાઈમ જોડે રહેવું પડે. સમ્યક્ત્વ કાયમ છતું જ કરે. આપણને કહે કે બે ધોલ મારું ?! તો આપણે ના સમજીએ કે આ ન્હોય સમ્યક્ત્વી ?! પછી પ્યાલા ફોડી નાખે, અહીંથી બહાર ફેંકી દે, પછી કશુંક બીજું ઊંધું આમ નાખી આવે ! એટલે મિથ્યાત્વી તો છતું હોય તોય તેને ઊંધું કરી આવે અને સમકિતી તો ઊંધું હોય તેને છતું કરે કાયમ. લક્ષણ તો સમ્યક્ત્વના આ બધાં. સમકિત ધારણ થયેલો પુરુષ એ જે કહે ને ગાંડું-ઘેલું બોલે તો એ સોનું કહેવાય. બાકી પંડિતાઈના જ્ઞાનની જરૂર જ નથી. પંડિતાઈના અર્થની જરૂર જ નથી. આ તો સમકિત થયું નથી અને બુદ્ધિ પ્રધાન થઈ ગયેલાં છે ! પ્રાપ્તિ સમકિતની ! પ્રશ્નકર્તા : અમને સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય ? દાદાશ્રી : સમકિત થવાના માર્ગ ઉપર જઈએ તો સમકિત પ્રાપ્ત થઈ જાય. સમકિતની નિશાનીઓ રાખી, સમકિત પ્રાપ્ત થયેલા પાસે જાવ. સમકિત તો આત્મજ્ઞાની પુરુષની પાસે પ્રાપ્ત થાય ! એટલે નિમિત્ત જોઈએ. અને તે આત્મજ્ઞાની હોવા જોઈએ, એ સિવાય સમકિત પ્રાપ્ત થાય નહીં. સમકિત પ્રાપ્ત થયા પછી ચિંતા-વરીઝ થાય નહીં. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય ! આત્મજ્ઞાનીની ભક્તિ કરવાથી, એમની કૃપા ઊતરે એટલે સમકિત થઈ જાય. પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન થયા વગર શી રીતે રસ્તો જડે ? દાદાશ્રી : સમ્યક્ દર્શન થાય નહીં ત્યાં સુધી સ્વચ્છંદ જાય નહીં. અહીં આવતાં રહેશો તો તમને સમકિતનો લાભ થઈ જશે. કારણ કે અહીં આવતાં આવતાં જ્ઞાની પુરુષની કૃપા ઉતરી જાય અને જ્ઞાની પુરુષની કૃપા ઉતરે એટલે સમકિત થઈ જાય પછી કામ થઈ ગયું. જ્ઞાની વીતરાગ હોય. એમને કશું જોઈતું ના હોય. એ તમને કહે ખરાં કે અહીં આવજો. પણ ફરી તમને કાગળ-બાગળ લખે નહીં. તે તમારી ઈચ્છા હોય તો અહીં આવતા રહો તો તમને થઈ જશે. અહીં આ બધાને સમકિત થઈ ગયેલું જ છે. આ બધાને સમકિત થયું તેથી તો કોઈને અહીંથી છોડવાનું મન ના થાય. મન જરાય આઘુંપાછું ના થાય. અને ચિંતા ના થાય, ઉપાધિ ના થાય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. સમકિત કંઈ છાનું ના રહે, તરત ઊઘાડું પડી જાય. 'કરવા'થી સમકિત થાય ? પ્રશ્નકર્તા : તો સમકિત પ્રાપ્ત કરવા માટે કંઈક તો કરવું જોઈએ ને ? દાદાશ્રી : સમકિત થવા માટે 'કરવાનું' ના હોય. કરવાનું છે ત્યાં સંસાર છે. જ્યાં જ્યાં કંઈ પણ કરવાનું છે, ત્યાં સંસાર છે અને જ્યાં જાણવાનું છે, સમજવાનું છે, ત્યાં સમકિત છે. અને ભગવાનની તો, વીતરાગ ભગવાનની વાણી કેવી સુંદર ! આ લોકોએ જ્ઞાનને જાણવાની જરૂર છે. તેને બદલે જ્ઞાન કરવા જાય છે ને પછી 'મારે થતું નથી, થતું નથી' કરીને પોતાની જાતને બનાવી રહ્યા છે. 'થતું નથી' એવું બોલાય જ નહીં આ. જો ડેવલપ થયેલા છો ને આત્મા છો, તો 'થતું નથી' એ શબ્દ બોલવું ભયંકર ગુનો છે. કારણકે જેવો ચિંતવે તેવો થઈ જાય આત્મા. ખરેખર તો 'કરવા'નું છે જ નહીં. જ્ઞાનનું ફળ જ વિરતી. તમારે કરવાનું ના હોય. અને આ જે કરવાનું પેસી ગયું છે. તેથી જો આ ભાંજગડો છે આ બધી. જો કરવાનું લઈ બેઠાં છે ! એ પ્રાપ્તિનો પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન પ્રાપ્તિ માટે શું પુરુષાર્થ કરવો ? દાદાશ્રી : એની માટે મુક્ત પુરુષનું શરણું લેવાનું હોય, જ્ઞાની પુરુષનું શરણું લેવું ! પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને કેવી રીતે ઓળખવા ? દાદાશ્રી : આપણને છ મહિના સુધીમાં આપણું ધારેલું કામ, સમ્યક્ દર્શનની પ્રાપ્તિનું પૂરું કરી આપે, એનું નામ જ્ઞાની ! પ્રશ્નકર્તા : અત્યારે કોઈ એવાં જ્ઞાની છે ? દાદાશ્રી : આપણે તપાસ કરવી બધે અને જ્ઞાનીને પૂછી જોવું કે, 'છ મહિનામાં તમે મારું કામ કરી આપશો ? મને સમકિત આપશો ? સમકિત પ્રાપ્ત થાય એવું હોય તો હું તમારી દુકાને બેસું, નહીં તો બીજી દુકાને જઉં.' પ્રશ્નકર્તા : જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનની જરૂર પડે ને, અમારામાં તો એવું જ્ઞાન નથી, તો અમે કેવી રીતે જોઈ શકીએ ? દાદાશ્રી : પૂછવું હોય તો આપણે એમને મોંઢે પૂછવામાં શું જાય છે કે તમારી પાસે સામાન હોય તો હું તમારી દુકાને બેસું, નહીં તો બીજી દુકાને જઉં. પ્રશ્નકર્તા : જ્ઞાની એવું કહે કે મારી પાસે જ્ઞાન છે તો ? દાદાશ્રી : તો કહેવું કે છ મહિનામાં જો મારું ઠેકાણું ના પડે તો હું તમને છોડી જઈશ. મારે તો રોકડું, પૂરેપૂરું જોઈએ અને છ મહિનામાં પૂરું થઈ જવું જોઈએ. આખો કેસ પૂરો થઈ જવો જોઈએ. અને જો પૂરો ના થતો હોય તો પછી હું તમને છોડી દઈશ. પ્રશ્નકર્તા : એવું વડીલને કેમ કહેવાય ? દાદાશ્રી : ત્યારે એમના પાંજરામાં ક્યાં સુધી બેસી રહેવું આપણે ? યોગ્યતા તો છે જ ! પ્રશ્નકર્તા : આપને એવું સમકિત પ્રાપ્ત થયેલું છે ? દાદાશ્રી : અરે, આ બધા બેઠાં છે, એ બધાંને જ સમકિત થયેલું છે ! પ્રશ્નકર્તા : તો અમને થશે કે નહીં ? સમકિત પ્રાપ્ત કરવા માટે અમારી યોગ્યતા છે કે નહીં ? દાદાશ્રી : યોગ્યતા તો હોય જ ને ?! તેથી તો સમકિત પ્રાપ્ત કરવાની ભાવના થાય. પાછો તમારામાં વિનય પણ છે એટલે યોગ્યતા તો છે જ ! ભગવાન મહાવીરે તો એક જ કહ્યું કે એક ક્ષણ પણ આત્મા થઈને 'હું આત્મા છું' એમ બોલ, તો ઊકેલ આવ્યો. નહીં તો ત્યાં સુધી સમકિતેય વમી જશે. ત્યાં સુધી પડી જવાનાં સાધન બધાં. પ્રશ્નકર્તા : એક ક્ષણ પણ કઈ રીતે થઈ શકે ? દાદાશ્રી : ગમે તે પ્રયોગે પણ તું આ રીતે થા, એવું કહેવા માંગે છે. તે પછી કોઈ પણ પ્રયોગે કરને ! ગમે તે પ્રયોગે પણ જ્યારે તને લાગે કે હું આત્મા થઈને આ 'હું શુધ્ધાત્મા થયો છું', ત્યારે મનમાંથી શંકા કાઢી નાખજે. જાણેલું પ્રતીતિમાં બેસે તો ય તેને સમકિત કહ્યું. જે આવ્યા પછી જાય નહીં. બનતાં સુધી વમે નહીં, અમુક બહુ કપરાં સંજોગોમાં વમે, નહીં તો વમે નહીં. ખાલી પ્રતીતિ બેસે, કાયમની નહીં. એ તો કોઈ દહાડો યાદ આવે, ના આવે પણ પ્રતીતિ બેસે. સરળ છે, સુગમ છે, વસ્તુ જુદી છે આ. નહીં તો લાખ અવતારે ય સમકિત ના થાય. સમકિત થાય ત્યાર પછી ય ઠેકાણું નથી એવું આ જગત છે. કારણ કે પાછાં કહેશે, વમી જાય. સમકિત તો વમી જાય. વમી જવું એટલે ઊલટી થઈ જવી. જ્ઞાન સાક્ષાત્કાર પામ્યા પછી... શુધ્ધ સમકિત ક્યારે થાય છે ? આપણે અહીં મને ભેગા થાય છેને અને જ્ઞાનવિધિ કરીએ ત્યારે શુધ્ધ સમકિત તે ઘડીએ થઈ જાય છે. સમકિત થઈ જાય છે, પાછું શુધ્ધ સમકિત થાય છે. આ જ્ઞાન આપીએ છીએ ને એટલે પરમાર્થ સમકિત, એટલે ક્ષાયક સમકિત ઊભું થાય છે. ક્ષાયક સમકિત એટલે કેવળ દર્શન કહેવાય. હવે આપ્યું કેવળ જ્ઞાન અને પરિણમ્યું કેવળ દર્શન. છેલ્લાં દેહ હોય ને તે બહુ સારાં દેહ હોય, કારણ કે સમકિત મળ્યા પછીનાં જે દેહ, કેટલી જાહોજલાલી હોય ! કશી હરકત ના આવે. ધર્મને અંતરાય થાય એવું કશું ના હોય. પહેલેથી સગવડ હોય. પ્રશ્નકર્તા : સમકિત આવે ત્યારે ને ? દાદાશ્રી : આવી ગયું તે. બીજું કયું સમકિત ? આથી બીજું સમકિત કોને કહેવાય ? સમકિત એટલે છતી સમજણ આવી ને 'હું શુધ્ધાત્મા છું' એવું લક્ષ આવ્યું. પછી વધારે બીજું કયું સમકિત આવવાનું ? આથી મોટું સમકિત બીજું હોતું નથી કોઈ જગ્યાએ. પરમાર્થ સમકિત છે આ. પરમાર્થ સમકિત એ જ ક્ષાયક સમકિત. આ પેલું ઉપશમ સમકિત નથી. પેલું સમકિત અહીં થાય જ નહીં. આ ક્રમિક માર્ગનું સમકિત અહીં ના થાય. અહીં તો પરમાર્થ સમકિત થાય, ક્ષાયક સમકિત. અને આ ક્ષાયક છે ઊંઘમાંથી જાગો તે ય ઘડીએ આત્મા યાદ કરવો પડે કે દાદાએ શું શબ્દ કહ્યો'તો ? અને તમને તો એની મેળે જ યાદ આવે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : નહીં તો ખોળીએ તો ત્રણ કલાક જડે નહીં કે પેલો શબ્દ કયો કહ્યો ? તે ભૂલી ગયા હોય. 'હું ચંદુભાઈ છું' એ જ મુખ્ય મિથ્યાત્વનું ઝાડ. એ ઝાડ તમારું મહાત્માઓને તૂટી ગયું. દાદાએ ઝાડ તોડી નાખ્યું પછી શું રહ્યું તમારી પાસે ? પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા. દાદાશ્રી : બસ. મિથ્યાત્વ ગયું ને સમ્યક્ત્વ થયું. વીતરાગોનું વિજ્ઞાન તો બહુ સુંદર છે. પણ અવળું સમજીને પોતાની દ્રષ્ટિએ લઈ જાય, તેને તો બગડી જ જાય ને ! વીતરાગોનું વિજ્ઞાન કશું એમાં ખોડ કાઢવાની હોતી હશે કે ? શું લાભ આપ્યો વીતરાગનાં વિજ્ઞાને તમને ? પ્રશ્નકર્તા : ઘણો મોટો લાભ આપ્યો, દાદા. દાદાશ્રી : વીતરાગનું વિજ્ઞાન કેટલું સરળ છે, એવું તમને ખાતરી થઈ ગઈને ? અક્રમ માર્ગે, ક્ષાયક સમકિત ! પોતાના સ્વરૂપમાં આવે એટલે સમ્યક્્ દર્શન. સ્વરૂપનું પહેલું ભાન થયું, શબ્દથી આમ ખાતરી થઈ કે ના, હું આ છું અને આ ન્હોય. ત્યારથી સમ્યક્ દર્શન, ઉપશમ સમકિત કહેવાય. ઉપશમ સમકિત શબ્દથી, અનુભવપૂર્વક નહિ. પણ જ્યારે અનુભવપૂર્વકનું હોય, ત્યારે લક્ષ બેસે પોતાનું. મૂળ આત્મા અલખ નિરંજન છે. કોઈ કાળે લક્ષમાં ના આવે, એ લક્ષમાં આવે તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. અલખ નિરંજન ! તું બધા શાસ્ત્રો ઘોળીને પી જઉં, તો ય આત્મા લક્ષમાં નહિ આવે. એ જ્ઞાની પુરુષ જ એનું લક્ષ બેસાડી આપશે. બીજા કોઈના અધિકારની વસ્તુ જ નથી. એટલે લક્ષ બેઠું, એને ક્ષાયક સમકિત થયું કહે છે. ક્ષાયક એટલે પછી હવે પ્રતીતિ નિરંતર રહી. એટલે પછી તો વાંધો જ નહિ ને ? પછી કામ થઈ ગયું. એને પછી પડવાનું ય ના રહ્યું. પણ આ છે તે રસ્તે જતાં આપીએ છીએ ને, એટલે અમારી આજ્ઞામાં રહેવું પડે. કારણ કે કર્મ ખપાવ્યા સિવાય પ્રાપ્તિ થઈ છે. આ બે માર્ગ છે : એક આ અક્રમ માર્ગ છે અને બીજો ભગવાનનો અત્યાર સુધીનો બધો ક્રમિક માર્ગ છે, ચોવીસ તીર્થંકરોનો એકલાનો નહિ, આ વૈષ્ણવો બધાંયનો સ્ટેપ બાય સ્ટેપ માર્ગ છે. એટલે જેટલો પરિગ્રહ ઓછો કર્યો, એટલું આગળ પગથીયું વધ્યો. છેવટે અપરિગ્રહી થાય ત્યારે મોક્ષ થાય. એ તો ઘણો કાળ જાય અને પગથીયાં ય પાર વગરનાં છે ને, ઘણાં કાળથી પગથિયાં ચઢ ચઢ કરે છે ને, તે પાર આવતો નથી. કારણ કે ત્યાં પછી કો'ક પાછો સામો ભેગો થાય ને કહેશે, 'અરે, ચંદુલાલ, ક્યાં ચાલ્યા ?' ત્યારે કહે છે, હવે મોક્ષમાં જ જવું છે ને ? ત્યારે કહે, 'પેલી કેન્ટીન બહુ સરસ છે, જરા ચહા-નાસ્તો કરીને જઈએ.' એટલે પછી ઉતારી પાડે, બે હજાર પગથીયાં ! કેન્ટીનમાં લઈ જનાર મળે ને ? રસ્તામાં પગથીયાં આવા મળે બધાં. એટલે આ આનો પાર નથી, આ કેન્ટીનોનો ! એટલે આ બીજો માર્ગ, આવો કો'ક વખત નીકળે છે. આ ધોરીમાર્ગ નથી, આ કેડીમાર્ગ છે. કેડીમાર્ગ એટલે એકાદ માણસને જવાનો માર્ગ, સાંકડો. તે આ લિફ્ટમાર્ગ છે. લિફ્ટમાં બેસી જવાનું, જ્ઞાની પુરુષ મોક્ષ હાથમાં આપે. એટલે આપણે લિફ્ટમાં બેસી જવાનું. સમકિત એકલું નહિ, સમ્યક્્ દર્શન એકલું નહિ, આખો મોક્ષ હઉ સાથે આપી દે. હા, લિફ્ટમાં બેસાડી દે. એટલે આ ઠેઠ મોક્ષ સુધી સહાય આપે. આ સમ્યક્્ દર્શન એ સમકિત નથી, પણ ક્ષાયક સમ્યક્્ દર્શન છે. ક્ષાયક સમકિત એટલે વિનાશી ચીજોમાં સુખબુદ્ધિ કોઈ પણ જગ્યાએ રહી નથી. આત્મામાં જ સુખબુદ્ધિ સંપૂર્ણ થઈ ગઈ છે, એનું નામ ક્ષાયક દર્શન. વિનાશી ઉપર બધી પરિણતી ખલાસ થઈ ગઈ છે. પ્રશ્નકર્તા : અને નિરંતર આત્મામાં રહ્યા કરવાનું ને ? દાદાશ્રી : હા, આત્માનું નિરંતર લક્ષ રહ્યા કરે. આત્મામાં રહ્યા કરવું એટલે 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ રહે. એટલે આપણે શુધ્ધાત્મા રહ્યા અને ચંદુભાઈ ચંદુભાઈનું કામ કરે. બેઉ જુદા જ હતા. પણ એ ભ્રાંતિએ કરીને એકાકાર થઈ ગયું હતું. તે ભ્રાંતિરસથી ચોટ્યું હતું બેઉ. તે જ્ઞાનવિધિમાં કૃપા કરીને બેઉને છૂટા કરી નાખ્યા. છૂટા કરી નાખ્યા પછી લક્ષ બેસે. છૂટા કર્યા વગર કોઈ વસ્તુનું લક્ષ ના બેસે. પેલાં પાપ ધોવાઈ જાય ત્યારે લક્ષ બેસે, નહીં તો કોઈ વસ્તુ યાદ જ ના રહે ને ! અને એક જ અવતાર બાકી રહે. કારણ કે આ ક્ષાયક સમકિત છે. અહીં પ્રાપ્ત એકાવતારી પદ ! અને એક કર્મ ના બંધાય. કર્મ નિર્જરે ખરાં બધાનાં, પણ નવા બંધાય નહીં તો પછી રહે શું ? એક અવતારના કર્મ ફ્કત બંધાવાનાં. તે ય કઈ રીતે ? કર્તાભાવે નહીં, મારી આજ્ઞા પાળે છે તે માટે. પ્રશ્નકર્તા : એ મહાત્માઓને ક્ષાયક સમકિત થાય ? દાદાશ્રી : હા, થયું છે. બધાં કેટલાંયને થયું છે. ઓહોહો ! હજારોને થયું હશે પણ એમાંથી કેટલાંક તો મારી આજ્ઞા નિરંતર આરાધે છે. આ છે તે અક્રમ વિજ્ઞાન છે. આ અક્રમ વિજ્ઞાન છે એટલે આ જે એમને આપ્યું છે ક્ષાયક સમકિત એકલું નહીં, બધું જ અપાઈ ગયેલું છે. અહંકારનો વિલય, મમતાનો વિલય, બધું જ થઈ ગયેલું હોય છે. હવે આ બધું સાચવવાનું અને કેવળજ્ઞાન એના હાથમાં જ આપ્યું છે પણ એ જેવું મને પરિણામ નથી પામ્યું, એવું એમને ય પરિણામ નહીં પામે. આ કાળમાં પચતું જ નથી. એટલે એકાવતારી થઈ શકે માણસ અહીંયા. પછી ત્યાં મહાવિદેહ ક્ષેત્રે કેવળજ્ઞાન પામે. તેે તીર્થંકર મળવા જોઈએ. તીર્થંકરના દર્શન જ બાકી રહે છે, ફક્ત ! જય સચ્ચિદાનંદ |