' હું કરું, હું કરું ' એ જ અજ્ઞાનતા

સંપાદકીય

અનાદિ કાળથી જગત ચાલ્યા કરે છે. મનુષ્યપણે જન્મ પામી જીવન જીવીએ છીએ પણ છતાં જીવનની મૌલિક હકીકતોથી અજાણ રહ્યા છીએ. બધા જાણે છે કે આપણું ધાર્યું થઈ શકતું નથી છતાં ધાર્યું કરવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ, એ કેવો વિરોધાભાસ ?!

સંતો, ભક્તો પણ આખી જીંદગીના અનુભવોના તારણ ઉપરથી કહી જાય છે કે 'હું કરું છું' એ જ અજ્ઞાનતા છે, પણ ત્યારે સામી બાજુનું રહસ્ય અકબંધ જ રહ્યું કે કરે છે કોણ ત્યારે ? અને 'હું કરું છું' એ અજ્ઞાનતા છે એ પંક્તિ પણ ફક્ત ગાયા જ કરે છે, જીવન વ્યવહારમાં સમજમાં આવતી નથી કે ખરેખર આ મને અજ્ઞાન વર્તે છે. અને અજ્ઞાન દૂર કઈ રીતે કરવું ? આમ અજ્ઞાનનું પણ પૂરેપૂરુંં જ્ઞાન થયું નથી. જો અજ્ઞાનનું જ્ઞાન થાત તો સામા કિનારે રહ્યું જ્ઞાન પ્રાપ્ત થઈ જાત !

જીવનના પ્રત્યેક પ્રસંગોમાં જોઈએ, સૂક્ષ્મમાં ઝીણવટથી તપાસ કરીએ તો શું ખાનાર સ્વાધીન છે કે પરાધીન ? પચાવવામાં કરવાપણું કેટલું ? ક્રોધને કંટ્રોલ કરવાની સત્તા ખરી ? સંડાસ જવાની પોતાની શક્તિ ખરી ? ઊંઘવાનું પરસત્તામાં કે સ્વસત્તામાં ? આ ઘર પોતે ચલાવીએ છીએ ? શરીરમાં રોગ થાય છે, તો કરવાપણું ક્યાં ગયું ? જો કર્તા હોય તો ધંધામાં ધાર્યો નફો જ લાવીએને ? પણ છેવટે ખોટ આવીને ઊભી રહે છે.

એટલે આ તો કર્તા સંબંધીની અજ્ઞાનતા મનુષ્યને ભવપર્યંત વર્ત્યા કરે છે. તેથી સારું થાય ત્યારે 'હું કરું છું' માને છે અને બગડી જાય ત્યારે નસીબના ખેલ છે, ગ્રહદશા બગડી છે, સામી વ્યક્તિ પર આક્ષેપ આપે કે 'તેં જ બગાડ્યું'. છેવટે ભગવાન ઉપર ઢોળી દે છે કે ભગવાન રૂઠ્યો છે. પણ જ્યાં 'કર્તા કોણ છે ?' તેનું સાચું જ્ઞાન થયું નથી ત્યાં સુધી ભ્રાંત માન્યતામાં મૂંઝવણો ને કર્મબંધન જ છે.

પરમ પૂજ્ય દાદાશ્રીને ૧૯૫૮માં આત્મજ્ઞાન સાથે વિશ્શવદર્શન લાધ્યું ત્યારે જગતની વાસ્તવિકતાઓ જોઈ, જાણી, અનુભવી કે આ જગત કોણ ચલાવે છે, કર્તા કોણ ? પ્રસ્તુત સંકલનમાં અતિ સંક્ષિપ્તમાં કર્તા સંબંધીના જ્ઞાનની હકીકત ખુલ્લી પાડી છે ! જે વાચકને નવો દ્રષ્ટિકોણ બક્ષશેે !

દીપકના જય સચ્ચિદાનંદ

જાણવી જગતની વાસ્તવિકતાઓ !

આ જગતની મૂળભૂત વાસ્તવિકતાઓ બધી જાણવી જોઈએ. એટલે આ જગત કોણે બનાવ્યું ? શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? આપણે શું છીએ ? આ જે આપણે કરીએ છીએ એ આપણે પોતે કરીએ છીએ કે કોઈ કરાવડાવે છે ? ઈટ હેપન્સ અગર તો આપણે કરીએ છીએ, એ બધું સમજવું પડે. એમ ને એમ ગપ્પેગપ્પાં ચલાવીએ, એને જીવન જ ના કહેવાય ને ?

ગાઈએ છીએ સમજ્યા વિના !

'હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા.' બધા ગાય છે, પણ તેમાં કોઈને ય કર્તાપણું છૂટ્યું નહીં. આવું નરસિંહ મહેતાનું કહેલું લાખ વખત ગાય, તો ય એ 'કરું છું' લોકોનું છૂટે-કરે નહીં. ગાવા માટે જ છે એ વાક્ય ? નરસિંહ મહેતા ગાવા હારુ બોલ્યા હશે કે સમજવા હારુ બોલ્યા હશે ?

પ્રશ્નકર્તા : સમજવા માટે. એમણે તો સમજવા માટે કીધું હશે.

દાદાશ્રી : ત્યારે પણ લોક ગાય છે ને નિરાંતે !

ખાનાર સ્વાધીન કે પરાધીન ?

તમે કશું કામ કરેલું ખરું ? કયું કામ જિંદગીમાં કરેલું ?

પ્રશ્નકર્તા : અત્યારે સંસારનું કામ કરીએ છીએ.

દાદાશ્રી : હા, પણ કયું કામ કરેલું ?

પ્રશ્નકર્તા : એટલે આ દેહ કરે છે. આત્મા કંઈ કરતો નથી.

દાદાશ્રી : પણ દેહે કયું કામ કર્યું ?

પ્રશ્નકર્તા : અભ્યાસ કરે છે, ખાય છે, પીવે છે.

દાદાશ્રી : તે કો'ક દહાડો આપણે બોલીએને પાછાં, 'ખાવું છે પણ ખવાતું નથી.' ત્યારે કોણ ખાતું'તું ?

પ્રશ્નકર્તા : દેહ.

દાદાશ્રી : પણ ખાવું છે છતાં ખવાતું નથી, એનું શું કારણ ? પહેલાં ખાતો'તો ત્યારે દેહ ખાતો'તો, હવે નથી ખવાતું તે કોણ નથી ખાતું ? એની ખાવાની શક્તિ હતી, તે ક્યાં ગઈ ? 'હું ખાઉં છું તે મારી શક્તિથી ખાઉં છું', એમ કહે છે, તો પછી નથી ખવાતું એ કોણ કહે છે એવું ?

પચાવવામાં કરવાપણું કેટલું ?

હવે કોઈ વખત પેલો હાંડવો ખાધેલો ખરો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પછી રાત્રે સૂઈ જતાં પહેલાં થોડું દૂધ-બૂધ પીઓ ? હા, પછી સૂઈ જાવ ખરાં ? આંખ્યો મીચીને ? બારી-બારણાં બધું બંધ કરીને ? પછી હાંડવો મહીં નાખ્યો એની તપાસ કરો છો ? ત્યારે મહીં બાઈલ ઓછું પડે છે કે વધારે પડે છે, પિત્ત ઓછું પડે છે, પાચકરસો ઓછાં પડે છે કે નહીં, તે તપાસ નહીં કરવાની ?

પ્રશ્નકર્તા : ચાલ્યા કરે છે બધું એવું, એમ ને એમ.

દાદાશ્રી : તે અહીં બીજે બધે કરે છે પાછો. અહીં બહાર બધે પોતે કરનારો ને મહીં ચાલ્યા કરે. (!) જો કશું હાથ નથી ઘાલતો કે, અને નિરાંતે ઘસઘસાટ ઊંઘે છે, નાખોરા બોલીને. તે સવારના પહોરમાં બ્લડ બ્લડની જગ્યાએ, યુરીન યુરીનની જગ્યાએ, મોશન મોશનની જગ્યાએ, દૂધ દૂધની જગ્યાએ પાછું. દૂધ અહીં ધાવણમાં આવ્યું હોય. પ્રિપેરેશન કોની છે આ બધી ? એક જ દહાડો જો કદી ડૉકટરને સોંપવામાં આવે ને, તો વધારે પાચકરસ નાખે મૂઓ. આજે પચ્યું ન્હોતું ને ! ત્યારે મૂઆ એને નથી આવડતું આ કરનારાને ? આ મહીં જે ચલાવે છે રોજ, એંસી વર્ષ સુધી જીવાડે છે, એને નહીં આવડતું હોય ? તે તું વળી વધારે નાખું છું ?! કારણ કે 'એ' જાણે છે કે અત્યારે વધારે નાખીશ, તો મહિના પછી ખૂટી પડશે પ્રમાણ. અને ડૉક્ટર તો વધારે નાખી દે આજે, નહીં ? એનું શું જાય ? પછી પેણે અટકી પડે તે દહાડે.

પ્રશ્નકર્તા : ડૉક્ટરને બરાબર સમજણ ન પડે.

દાદાશ્રી : ના પડે. ડૉક્ટર શું, કોઈને ય સમજ ના પડે. ડૉક્ટરને સોંપ્યું હોય તો ડૉક્ટરે ય બાઈલ વધારે નાખે ને ચાર દહાડામાં તો મારી નાખે ! મહીં આટલું બધું ચાલે છે અને બહાર 'હું કારખાના ચલાઉં છું', ધંધો હું જ ચલાઉં છું. મિલ મેં જ ચલાવી' કહેશે. ઓહોહો ! મોટો મિલ ચલાવવાવાળો ! બધું જગત નિયમને આધીન છે. માટે મનમાં એવું બહુ રાખવું નહીં કે 'હું કરું તો જ થાય છે !'

સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ ખરી ?

આ તો અહંકારી લોકો, એટલે 'હું બોલ્યો, મેં ખાધું, હું સંડાસ જઈ આવ્યો !' કહેશે. કોઈ માણસ સંડાસ જઈ શકતો હશે ? પાછો બીજે દહાડે ફાકી લઈને બેઠો હોય. 'શું થયું, ભઈ ? તમે કાલે સંડાસ તો ગયા હતા ?' ત્યારે કહે, 'આજ બંધ થઈ ગયું છે.' અલ્યા, બંધ થઈ ગયું છે ? તો જનારો તું ને પાછો બંધ થઈ ગયું ? એ કેવી વાત ? એવું આ જગત છે. સમજવું પડશે ને ? આમ ગાંડું ઘેલું ચાલે ખરું ?

પ્રશ્નકર્તા : પણ આપણને જે ભગવાને શારીરિક શક્તિ આપી...

દાદાશ્રી : ના, એ ભગવાને આપી કે ના આપી એ જવા દો ને ! પણ તમે શું કરી શકો એમ છો ? સંડાસ જવાની શક્તિ છે તમારી ?

પ્રશ્નકર્તા : ચોક્કસ. અત્યારે તો છે.

દાદાશ્રી : આ ડૉકટરોને નથી. આ ફોરેનનાં ડૉકટરોને મેં ભેગા કર્યા. પછી મેં કહ્યું, 'સંડાસ જવાની એકુંયમાં શક્તિ નથી.' ત્યારે એ કહે, 'શું વાત કરો છો ? અમે તો બીજાને હઉ કરાવી દઈએ.' ત્યારે મેં કહ્યું, 'તમને અટકશે ત્યારે ખબર પડશે કે તમારે બીજાની હેલ્પ લેવી પડે છે !' ત્યારે બધા કબૂલ્યા, 'યસ, યસ, યસ' કરવા લાગ્યા ! ત્યારે સમજાયું. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય ! એને બીજાની મદદ લેવી પડે કે ના લેવી પડે ? પોતાને સંડાસ જવાની શક્તિ જ નથી ને ! તે કોણ એવો શક્તિવાળો માણસ છે તે તમે જોયો ?

પ્રશ્નકર્તા : શરીર જો બરાબર હોય તો આ બધું થઈ શકે ને ?

દાદાશ્રી : એ બરોબર છે, પણ આ આપણા હાથમાં છે ? આ સત્તા આપણા હાથમાં નથી. માણસને સંડાસ જવાની શક્તિ પણ નથી. સંડાસ જવાની શક્તિ કૃષ્ણ ભગવાનમાં ય નહોતી, મારામાં ય નથી ને મહાવીર ભગવાનમાં ય નહોતી, એ હું પૂરવાર કરી આપું. આ લોકો તો ચગાવે છે, એમાં આ ગાંડી ગાંડી વાતો બુદ્ધિ પકડી લે છે !

કન્ટ્રોલ કરવાની સત્તા ખરી ?

પ્રશ્નકર્તા : આપણે કન્ટ્રોલ કરી શકીએ, ગુસ્સાની ઉપર કન્ટ્રોલ કરી શકીએ ?

દાદાશ્રી : કન્ટ્રોલ કરનારો કોઈ જન્મ્યો નથી. એ જો જન્મ્યો હોત ને, તો આવી દશા ના હોય. પોતાના કન્ટ્રોલમાં જ હોય આ બધું જગત.

એક ડૉકટર છે તે દોડતા હતા. મેં કહ્યું, 'ડૉકટર, અત્યારે પાંચ વાગે દોડાદોડ શું કરવા કરો છો ?' 'અરે, મને તો આજે મરડો થઈ ગયો છે' કહે છે. મેં કહ્યું, 'અલ્યા કન્ટ્રોલ કરને, ડૉકટર છે તે ?' ત્યારે કહે, 'શું કન્ટ્રોલ કરવાનું કહો છો ?!' કન્ટ્રોલ શું કરી શકે ? હુ ઈઝ ધ કન્ટ્રોલર ? કન્ટ્રોલ કરવાવાળા નીકળ્યા ! સંડાસ જવાની શક્તિ નહીં ને ! એને આપણે માનીએ છીએ કે હું કરું, બસ આ ભ્રાંંિત છે. સમજવા ખાતર કહું છું આ. જો સમજવું હોય તો પૂરું સમજી લો આજે.

પ્રશ્નકર્તા : ઘણી વખત આપણે કો'કની મદદ લેવા દોડીએ છીએ, તો આપણે તે ઘડીએ એવું માનીએ છીએ ને કે આ એના કન્ટ્રોલમાં છે, આપણે શું કરવાં એની મદદ લેવા દોડીએ છીએ ?

દાદાશ્રી : મદદ માટે તમે ક્યાં દોડો છો ? આ તો ભમરડા દોડે છે. તમારામાં વળી શક્તિ શી છે તે ? સંડાસ જવાની શક્તિ નહીં, તો તમે દોડો શી રીતે ? આ તો ઈગોઈઝમથી બોલે છે કે હું દોડું છું એટલું જ છે. ખાલી ઈગોઈઝમ છે, આ હું કરું છે એ. ઈટ હેપન્સ, એ જે દોડે છે ને, એ દેહ દોડે છે અને તમે કહો છો કે હું દોડ્યો. 'હું' તો દોડતો હશે ? 'હું' તો સ્થિર છે.

તો પોતાની શક્તિ ક્યાં ગઈ ?

પ્રશ્નકર્તા : એટલે કે, દેહને મરડો થયો હોય, તો ડૉકટર પાસે જઈને દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ ?

દાદાશ્રી : દવા તો લેવી જોઈએ. પણ તે ઘડીએ ડૉકટરના હાથમાં સત્તા છે ? એ તો નિમિત્ત છે. જો એનાથી મટે તો મટે, નહીં તો ના ય મટે. છતાં દવા તો લેવી જોઈએ. અને 'સંડાસ જવાની જ્યાં શક્તિ નથી, ત્યાં આ લોકો શું કરવાનાં ?' એવું બોલવું એ ય ગુનો છે, તે ફરી માફી માગી લેવી જોઈએ. પણ આમ જાણવું ખરું કે આ લોકોનામાં સંડાસ જવાની શક્તિ નથી.

એક મોટા ડૉક્ટર હતા. તે ઘૈડપણમાં પાંસઠ વર્ષની ઊંમરે મને કહે, 'બહુ જણનાં શરીરો રિપેર કરી આપ્યા, દાદાજી. આખી જીંદગી લોકોની દવાઓ કરી, બધી જાતના દર્દ કાઢ્યા. પણ અત્યારે પેશાબ કરવો હોય તો મારાથી બે ટીપાં નથી થતાં, માંડ એક ટીપું પડે છે.' ત્યારે ડૉકટર તમારી શક્તિ ક્યાં જતી રહી ? આ બધું કર્યું તે ? શું આ કરવાવાળા ?! ત્યારે પહેલાં કરતો'તો તે કોણ ને અત્યારે નથી કરતો તે કોણ ? એવું વિચારવું ના જોઈએ ?

પ્રશ્નકર્તા : તો એ કોની શક્તિ છે ?

દાદાશ્રી : એ શક્તિને ઓળખે એ પરમાત્મા થાય.

પ્રશ્નકર્તા : કોણ ઓળખે ?

દાદાશ્રી : એ તો જ્ઞાની પુરુષને મળે ત્યારે ઓળખાય.

પરમાત્મા છે પોતે, એ જ આત્મા પરમાત્મા છે. ફક્ત દશા, મૂઢ દશા છે. અને ભાન નથી કોઈ પણ જાતનું, હું કરું છું કે કોઈ મારી પાસે કરાવે છે તે ય ભાન નથી. હું સંડાસ જઉં છું કે સંડાસ જવું પડે છે તે ય ભાન નથી.

ઊંઘવાનું ય પરસત્તા !

પ્રશ્નકર્તા : આપણે એવું નક્કી કરીએ કે આપણે કશું નથી કરવું, કંઈ જ નથી કરવું, તો એવું થાય ?

દાદાશ્રી : એક દહાડો કરો જોઈએ ! એક દહાડો કરો તો એક હજાર પાઉન્ડ આપીએ. અરે, એક કલાક કરે તો ય એક હજાર પાઉન્ડ આપું. કઈ શક્તિનાં આધીન એ માણસ કરી શકે ? એક મિનિટ પણ, એક સેકન્ડ પણ બેસી ન રહે. તમારા હાથમાં સત્તા કઈ ? એ કહો મને, ચાલો. ના, પણ તમે કહો મને કે કંઈ પણ કરવાની તમારામાં સત્તા છે ?

પ્રશ્નકર્તા : છે અને નથી.

દાદાશ્રી : ના, એવું છે-નથી ના હોય. કાં તો તમારી સત્તા હોવી જોઈએ કાં તો બીજાની સત્તા હોવી જોઈએ. તો ઊંઘવાની સત્તા છે ? ઊઠવાની સત્તા છે ? આવવાની સત્તા છે ? આ બેસવાની સત્તા છે તમારી ? તમારી કોઈ પણ સત્તા હોય તો મને કહી આપો !

પ્રશ્નકર્તા : અત્યારે બેઠા છીએ એટલે બેસવાની સત્તા છે જ ને !

દાદાશ્રી : હમણે મહીં ગભરામણ થઈને પડી જાય, આનું શું ઠેકાણું ? ભમરડો ! આ ભમરડો તો પડી જતાં વાર શું લાગે ?! તમે કોઈ વસ્તુના કર્તા થાવ છો ખરાં ? શેના કર્તા થાવ છો ?

પ્રશ્નકર્તા : સવારથી સાંજ સુધી બધું કરીએ છીએને !

દાદાશ્રી : હવે, એ કર્તા તમે છો કે નહીં, તેની ખાતરી કરી જોવી છે ? ખરેખર કર્તા છો કે નહીં એની ખાતરી તમે કરી જોયેલી છે ?

પ્રશ્નકર્તા : વિચારથી આટલે સુધી પહોંચાય છે, એની આગળ જવાતું નથી.

દાદાશ્રી : ના, પણ એનું વિચારે કરીને પણ આ ખાતરી કરેલી છે કે આ ખરેખર આપણે કર્તા છીએ કે નહીં ?

પ્રશ્નકર્તા : શબ્દોની જ ખાતરી ને ?

દાદાશ્રી : ના, પણ શંકા પડી છે કે આપણે કર્તા નથી ને બીજો કોઈ કર્તા છે ?

પ્રશ્નકર્તા : કોઈ વખત પડે.

દાદાશ્રી : એવું કો'ક જ વખત પડે. દરરોજ શંકા ના રહે ?

પ્રશ્નકર્તા : આ કપડું પહેર્યું હોય, એમાં શંકા કેવી રીતે પડે કે આ મેં પહેર્યું કે નથી પહેર્યું ? દાખલા તરીકે, દાદરો હું ઊતર્યો. તો એમાં શંકા ક્યાં પડે કે હું ઊતર્યો નથી, એમ ?

દાદાશ્રી : એવું છે ને, રાત્રે કહે છે, આપણે દશ વાગ્યે ઊંઘી જવાનું, પછી છ વાગે ઊઠવાનું. આમ બોલે છે ખરો અને પછી આપણે ત્યાં આગળ જઈએ, પલંગ આગળ, આમ મહીં, માથે ઓઢી અને શું નું શું ય છે તે યોજના ઘડતા હોય. આપણે કહીએ, 'કાકા, દશ થઈ ગયા, કેમ ઊંઘી જતા નથી ?' કારણ કે માણસને તે ઘડીએ વિચાર આવે ને દશ વાગે, કે આ ફલાણાને પાંચ હજાર રૂપિયા આપ્યા, તેનું આજ ખાતું પડાવવાનું તો રહી ગયું, તે પછી ઊંઘ આવે ખરી ? જો ઊંઘ પોતાના હાથમાં નથી. પોતે પછી ઊંઘવાનો પ્રયત્ન કરે છે, છતાંય ઊંઘ નથી આવતી, એ બને કે ના બને એવું ? મારે ઘણું ઊંઘવું હતું પણ ઊંઘાતું જ નથી ને !

પ્રશ્નકર્તા : જરા સમજાવો. ખ્યાલ નથી આવતો આ વાતનો. આપે જે કીધુંને કે રાતના આપણે ઊંઘી જઈએ ત્યારે હું બોલું કે 'હું ઊંઘી ગયો,' પણ જ્યારે ઊંઘ ના આવે ત્યારે....

દાદાશ્રી : ત્યારે ખબર પડે કે આ શક્તિ આપણી નથી. આ કોઈ બીજી શક્તિનું છે. ઊંઘ ના આવે તો આપણે ખૂબ પ્રયત્ન કરીએ, પણ ના આવે તે ના જ આવે. એટલે આ શક્તિ આપણા હાથમાં નથી. આ તો આપણા મનથી માનતા હતાં કે આપણે જ ઊંઘીએ છીએ. આ બધું વિચારો છો કે નહીં ? ઘેર વિચારજો !

બાકી ઊંઘવાની શક્તિ છે ? ઊંઘ ના આવે ને આખી રાત પાસા ફર્યા કરેને ત્યારે ખબર પડે કે આજે મારામાં ઊંઘવાની શક્તિ નથી ! ત્યારે ઊઠવાની શક્તિ છે ? ત્યારે કહે, ઘડિયાળ મૂકવું પડે, બે વાગે ઊઠવું હોય તો ?! મોટા ઊઠવાની શક્તિવાળા આવ્યા ! આ ઊઠુંને એટલે હું આમ કરી નાખીશ. મૂઆ, ઊઠાતું તો છે નહીં અને શું જોઈ બોલ બોલ કરે છે ?! વગર કામનો ટૈડ ટૈડ કર્યા કરે છે અમથું !

આ તો 'હું ઊઠ્યો ને આ ઊંઘી ગયો ને હું ઊંઘું છું' કહે છે. ત્યારે મેં કહ્યું, 'કોઈ દહાડો ઊંઘ નથી આવતી એવું બને ?!' ત્યારે કહે, 'હા, એવું બને છે.' આ તો તારી સત્તામાં નથી એ. ઊંઘ આવી ગઈને, એ પરસત્તાથી આવે છે. અને તને એમ લાગે છે, હું કરું છું, એટલું જ. ઊઠવાનું પરસત્તા જ ઊઠાડે છે. કર્મનો ઉદય પૂરો થાય છે એટલે જાગી જાય છે ને પોતે માને છે કે હું કરું છું !

ઘર ચલાવેલું ? કેટલી ઝડપે ?

બીજું તમે કશું ચલાવેલું ખરું ? શું શું ચલાવેલું ? કહો.

પ્રશ્નકર્તા : ઘર ચલાવેલું.

દાદાશ્રી : કેટલાં માઈલની સ્પીડે ચાલે ઘર ?

પ્રશ્નકર્તા : એ રોજનું રોજ ચાલે.

દાદાશ્રી : હા, પણ કેટલા, આ સ્ટીમરો દસ-બાર માઈલની સ્પીડે ચાલે છે. તમારું ઘર કેટલા માઈલની સ્પીડે ચાલે છે ?

પ્રશ્નકર્તા : એ ત્યાંનું ત્યાં જ રહ્યું છે.

દાદાશ્રી : તો પછી ચાલ્યું શું કહો છો તે ?

કન્સ્ટ્રક્શન કર્યું કોણે ?

બધા કહે, 'અમે બાંધ્યું !' તમે 'હીરાકોટ'માં કશું કરેલું ?

પ્રશ્નકર્તા : આ ડેમનું કન્સ્ટ્રકશન કર્યું ને ?

દાદાશ્રી : એ તો પેલા કોન્ટ્રાક્ટર કહે, મેં કર્યું'તું. કોન્ટ્રાક્ટરને પછી પૂછયું, પછી એમના મોટાં મોટાં આસિસ્ટન્ટ હતા એમને પૂછયું. ત્યારે કહે, અમે કરેલું આ તો. પછી મુકાદમોને પૂછયું, ત્યારે કહે, 'મેં કરેલું.' મજૂરોને પૂછીએ, ત્યારે કહે, 'અમે કરેલું.' અલ્યા મૂઆ, આ સાચું કોણ છે આમાંથી ? ઈન્જીનિયરને પૂછયું ત્યારે કહે, 'મેં કરેલું.' અને ચીફ ઈન્જીનિયર કહે, 'મેં જ કરેલું આ બધું.' ગવર્નમેન્ટ કહે, 'અમે કર્યું.' આમાં કોણ સાચું તે ?!

પ્રશ્નકર્તા : બધાનો ય સાથ મળીને થાયને !

દાદાશ્રી : તો પછી કરનાર કોણ ? મેં કર્યું, એવું કહેવાય કેમ કરીને આપણાથી ?

પ્રશ્નકર્તા : પણ આપોઆપ તો ન થાયને ? બધાએ પરિશ્રમ તો કરવો જ રહ્યો ને ?

દાદાશ્રી : હા, એ બરોબર છે. પણ આપણે જે એમ કહીએ છીએ કે 'મેં આમ કર્યું ને તેમ કર્યું.' એ સાચી વાત છે ?

પ્રશ્નકર્તા : કહે છે તો ખરા. અને ન કરે તો કેવી રીતના થાય ?

દાદાશ્રી : નહીં, પણ મારું કહેવાનું, પોતે નથી કરતો કશુંય.

ધંધો કર્યો કોણે ? ઘરાક મોકલ્યા કોણે ?

દાદાશ્રી : શેનો બિઝનેસ છે આપનો ?

પ્રશ્નકર્તા : સુપર માર્કેટ.

દાદાશ્રી : હા, પણ ધંધો શેનો ?

પ્રશ્નકર્તા : માર્કેટ એટલે ડિપાર્ટમેન્ટ સ્ટોર જેવું બધું.

દાદાશ્રી : તે બધું હોયને દરેક વસ્તુ ?

પ્રશ્નકર્તા : બધું, એ ટુ ઝેડ બધું.

દાદાશ્રી : પણ ઘરાક કોણ મોકલે છે એ કહો મને ?

પ્રશ્નકર્તા : એની મેળે જ આવેને, એને વસ્તુ લેવી હોય એટલે.

દાદાશ્રી : એની મેળે આવતો હશે ? કોઈ કાયદાથી આવતા હશે કે આ ગપ્પું છે આ દુનિયા ? એક વાળ પણ અહીંથી મારી ઉપરથી ઊડીને તમને અડે નહીં એવી આ દુનિયા, એટલી બધી ન્યાયવાળી દુનિયા અને તમે ગપ્પું માનો છો કે આ બધું એની મેળે ચાલ્યા કરે છે ! આ સમજવા જેવી વાત નથી લાગતી ? તમારે ત્યાં ઘરાક એની મેળે ના આવી શકે. જો એની મેળે આવતા હોયને તો આ લોકો છે તે પેપરોમાં જાહેરાતના ખર્ચાય કરે નહીં. જાહેરાતના ખર્ચા કરે આ લોકો ? તમે ખર્ચો કરો છો કે નથી કરતા ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો એની મેળે આવે છે તો વળી પછી ખર્ચો શું કરવા કરો છો ? એવું નહીં, સાચેસાચું કહો, શાથી થાય, કોણ મોકલે છે ? એટલે આ સમજવા જેવું હોય એવું નથી લાગતું તમને ?

સંશોધન કરો છો કે થઈ જાય છે ?

ભઈ, તમે શું કરો છો ?

પ્રશ્નકર્તા : હું સરકારી નોકર છું.

દાદાશ્રી : બરોબર છે. પણ શું કરો છો તમે ?

પ્રશ્નકર્તા : હું સંશોધન અધિકારી તરીકે કામ કરું છું.

દાદાશ્રી : આ સંશોધન કરો છો કે સંશોધન થઈ જાય છે ?

પ્રશ્નકર્તા : થઈ જાય છે.

દાદાશ્રી : એ તો થઈ જાય છે. તો પછી હવે તમે કરો છો શું ? એ મને કહો.

પ્રશ્નકર્તા : એ રીતે તો હું કંઈ કરતો નથી.

દાદાશ્રી : જો કર્તા નથી એવું જાણો છો, તો પણ શા માટે અમથા ઈગોઈઝમને ચઢાય ચઢાય કરો છો ? 'મેં આમ કર્યું ને તેમ કર્યું ને....' કર્તા નથી એવું જાણો છો તમે ?

ભમરડા કહે, 'હું કરું, હું કરું !'

હવે ખરેખર કર્તા છે કે નહીં માણસ, એ તમને શું લાગે છે ?

પ્રશ્નકર્તા : છે અને નથી.

દાદાશ્રી : કયા ભાગમાં છે અને કયા ભાગમાં નથી ?

પ્રશ્નકર્તા : જો જ્ઞાનથી માને તો કર્તા નથી. અને અજ્ઞાનથી જડરૂપે જે થતું હોય, એમાં જો પોતે માને કે 'હું કરું છું' તો છે.

દાદાશ્રી : પણ આપને શું લાગે છે ? અત્યારે તમારો અનુભવ શું કહે છે ?

પ્રશ્નકર્તા : અત્યાર સુધી જે કક્ષા છે એ પ્રમાણે તો એમ લાગે છે કે છીએ જ કર્તા !

દાદાશ્રી : એનું નામ જ ઈગોઈઝમ !

પ્રશ્નકર્તા : પણ આપણે પછી કરીએ છીએ તો ખરાં જ ને ! આ બધી ક્રિયાઓ તો થાય છે જ ને !

દાદાશ્રી : ના, આપણે જો કર્તા હોય ને, તો આપણું ધાર્યું થાય. આ વર્લ્ડમાં એક પણ માણસ જો પોતે કરતો હોય તો એનું ધાર્યું જ કરે. પણ એ ધાર્યું એક સેકન્ડ થાય નહીં. આ તો કરે છે બીજો અને પોતે ઈગોઈઝમ કરે છે, હું કરું છું, બસ. એટલું જ છે અને તે ભમરડા કહ્યા છે મેં. આખા વર્લ્ડના મનુષ્યોને ભમરડા કહ્યા છે.

મેં ખુલ્લેછોગે મનુષ્યમાત્રને માટે પુસ્તકમાં લખ્યું કે જગતના મનુષ્યો ટીઓપીએસ છે, ટોપ્સ છે, ભમરડા છે. પ્રકૃતિના આધીન છે, ત્યાં સુધી ભમરડો છે અને સ્વાધીન થયો તો પરમાત્મા છે. ટોપ્સ લખવું એ ખોટું કહેવાય, પણ છતાં લખ્યું મેં. કંઈક જાગૃત તો થાય ને ! એને કૃષ્ણ ભગવાને ઓર્નામેન્ટલ ભાષામાં 'પ્રકૃતિ' કહ્યું. પ્રકૃતિ પરાણે ચલાવે છે એને. અને મેં ટોપ્સ કહીને જરા સળી કરી છે એને કે જરા જાગૃત થાવ ! બાકી હકીકત તો કોઈ કરાવી રહ્યું છે અત્યારે. કોઈ કરાવે ને આપણે કરીએ તો એમાં આપણું કેટલું ? કોઈ શક્તિ એને ફેરવી રહી છે. આ ભમરડો હોય છેને, તે કોઈ શક્તિ ફેરવી રહી છે. અને જો એ ચેતન હોત ને, તો 'હું બધું ફરું છું, ફરું છું' બોલ્યા કરે. એટલે આ નિરંતર પરસત્તામાં છે, સ્વસત્તા છે જ નહીં જરાય.

એ તો કર્યા વગર થાય છે ને ?

આ તો એમ જાણે કે આ હું કરું તો જ થાય. અલ્યા, શું કરું કરું કહે છે ? દેવતામાં બેસ એટલે એની મેળે થઈ જશે. દેવતા પર બેસે તો, દેવતા કામ કરે કે ના કરે ? એની મેળે ફોલ્લા થાય કે ના થાય ? આમાં હું કરું તો જ થાય એની જરૂર જ ક્યાં છે તે ? આ તો હું કરું તો જ થાય કહે છે, એનાથી ઈગોઈઝમ વધશે ઊલટો ! આ તો અવળો ચાલે છે. હવે એટલું ભાન નથી તેથી આ જગત બધું ઊંધું ચાલે છે. હું કરું તો જ થાય પણ તું કોણ છું ? તે શું કરું છું ? કરું શી રીતે તે ? તો ચિંતા કરો આખી રાત !

એવું છે ને, જો તમે કોઈ બાબતમાં ચિંતા કરતાં હોય, વરીઝ કરતાં હોય તો આખી રાત વરીઝ કર્યા કરો તો સવારમાં કામ થાય ! પણ આ તો રાતે જ પાછો સૂઈ જાય છે.

પ્રશ્નકર્તા : પણ એ તો એનાં સમયે જ કામ થાય ને ?

દાદાશ્રી : ના. એવું નહીં. એ વરીઝ કરતાં હોય તો વરીઝ કર્યા કરો, તો સવારે ઊકેલ (!) આવે ને કામ થાય. આ તો વરીઝ કરતાં કરતાં પાછાં સૂઈ જાય છે, એનાં કરતાં વરીઝ કરી જ ના હોય તો શું ખોટી ?!

પ્રશ્નકર્તા : પણ વરીઝ તો વરીઝ કરવાના ટાઈમે થાય ને ? અમે મોટર ચલાવીએ, ત્યારે સામે તો જોવું પડશેને અમારે ?

દાદાશ્રી : એ તો બધું જુએ જ. એની મેળે કુદરતી જ છે. એમાં તમારે કશું કરવું પડતું જ નથી. એની મેળે આ બધી ગોઠવણી જ એવી સુંદર-સરસ છે પણ ઊલટો આ જે 'હું', 'હું' કરવા જાય છે ને તે ગાડી અથાડી પાડે છે ! નહીં તો બસ, સહજ ચાલે છે. બધું સહજ જ છે. સહજ સ્વભાવે આખું જગત જ છે અને પોતાને સંડાસ જવાની શક્તિ નથી ત્યાં શું આ અહંકાર કરવાનાં છે ? એ તો જ્યારે સંડાસ અટકે ત્યારે ખબર પડે છે કે આ તો આપણી શક્તિ નથી. માટે આ અત્યાર સુધી આ ચાલ્યા, તે બીજી શક્તિના આધારે હતું.

આ તો પાપ-પુણ્યના આધારે ચાલી રહ્યું છે ને બધું. પુણ્ય હોય તો ચાલે, સંડાસેય નિયમિત થયા જ કરે ને પાપનો ઉદય આવે કે અટક્યું, તેમાં તમે શું કરવાના હતા ? આ તો વગર કામનો 'હું કરું, હું કરું' કર્યા કરે છે ને ચિંતા કરતો કરતો સૂઈ જાય છે !

અલ્યા, ઊંઘી ગયો, ત્યારે તું ચિંતા શું કરવા કરતો હતો ? જો ચિંતા કરવી હોય તો આખી રાત ચિંતા કરને ?! જો ચિંતા એક પુરુષાર્થ (!) છે માટે આખી રાત કર ! પણ આ તો પછી ઊંઘી જાય છે. કશું ભાન જ નથી !

યાદશક્તિવાળો ભૂલી કેમ ગયો ?

આ તો પાછો કહે, મારા જેવી તો યાદશક્તિ કોઈને નહીં અને પછી આપણે અમુક પૂછીએ કે અરે, કેમ આમ થઈ ગયું ? મશીન બગડી ગયું ? ભૂલી ગયો હોય. અલ્યા, યાદ એનું નામ કહેવાય ? ભૂલી જવું એનું નામ યાદશક્તિ કહેવાય ? મોટા યાદશક્તિવાળા આવ્યા ! યાદ રાખવાની શક્તિ જ નહીં ને ! વાત સાચી ને ? તમને શું લાગે છે, બરોબર છે કે આ ? આ બધું જાણે ત્યારે માણસ ડાહ્યો થઈ જાય કે ના થઈ જાય ? બધું ગાંડપણ નીકળી જાયને ? વગર કામનું ગાંડપણ લઈને ફર્યા કરે છે !

મજબૂત શરીરને ય રોગ થયા !

આ તો શરીર મજબૂત કરો, ફલાણું કરો, એમ બધી વાતો ઊંધી કરી અને લોકોને ઊંધે રસ્તે ચઢાય ચઢાય કરે છે ! અને એવું બની શકે નહીં. 'ઈમ્પોસીબલ' વસ્તુ છે જ્યાં, ત્યાં અમથા દોડ દોડ કરીએ એનો શો અર્થ છે તે ?! કુદરત જે સ્થિતિમાં રાખે છે એ સ્થિતિમાં રહોને અને પોતાનું કામ કાઢી લો ! માટે સનાતન સુખને ખોળો, બસ આવી સ્થિતિ હોવી જોઈએ ! શરીરને મજબૂત કરીએ, પણ એ તો પાડાના અવતારમાં મજબૂત હતાં જ ને ! અને શરીર તે એવું લાઈફ ટાઈમ સુધી રહેતું હશે ? આ શરીર તો પૂરણ-ગલન છે. ઘડીમાં રોગ થાય ને ખલાસ થઈ જાય પાછો ! આ કંઈ એનાં હાથમાં છે ?

પગ દુઃખે ત્યારે 'કરો' ને ?!

પણ કોઈ દહાડો કામ કરતાં કરતાં, 'મારાથી નથી થતું' એવું બોલો કે ના બોલો ? કારણ કે 'આ પગ દુઃખે છે ને આમ થયું છે' એમ બોલો છો ને ?

પ્રશ્નકર્તા : હા, બોલું છું એવું.

દાદાશ્રી : એટલે કોણ કરે છે ? ત્યારે કોણ કરતું હતું ?

પ્રશ્નકર્તા : હું.

દાદાશ્રી : અરે, હું કરતો હોય તો 'નથી થતું' એમ બોલે નહીં. કરનાર તે હું, એ 'નથી થતું' એવું બોલે નહીં. કરતો હતો એ 'નથી થતું' એવું બોલી શકે નહીં કોઈ દહાડોય. કરનાર તે કરે. 'નથી થતું' એવું કેમ કરીને બોલે ? આ મારા પગ કરતા હતા.

આ તો આપણે પૂછીએ, 'સાહેબ, શું કર્યું ?' ત્યારે કહે, 'ચાર સામાયિક કરી.' 'કેમ સાહેબ, ચાર બોલો છો ?' 'આ આણે બે જ કરી.' કહે છે. લે ત્યાં ય ઘોડાદોડની સ્પર્ધા કરી ! ભગવાનની સામાયિકમાં ! 'સામાયિક મેં કર્યું' કહેશે ! ઓહોહો... ભગવાન કહે છે કે આ સામાયિક કરનારા જુઓ તો ખરા, સંડાસ જવાની શક્તિ નહીં અને 'મેં સામાયિક કર્યું' કહેશે ! પછી બીજા દહાડે આપણે પૂછીએ, 'કેમ સાહેબ, સામાયિક આજ નથી કરતા ?' ત્યારે કહે, 'આ પગ દુઃખે છે. શરીરમાં કંઈ ઠેકાણું નથી.' ત્યારે આ આણે (પગે) કર્યું હતું કે શરીરે કર્યું હતું કે તેં કર્યું હતું. બોલને ચોખ્ખું ! ત્યારે કહે, 'એ તો પગ સારાં હોય તો જ થાય ને !' 'ત્યારે મૂઆ, એ સારું હોય તો તેમાં તારું શું ? એ બધાએ થઈને કર્યું, પગ સારા હતા, મગજ સારું હતું. કોઈ ખખડાવનારો ન્હોતો, કોઈ હેરાન કરનારો ન્હોતો, મચ્છરાં ન્હોતાં, તેથી તો થયું મૂઆ.' અને એ બધું ના હોત તો ?

પ્રશ્નકર્તા : તો કંઈ ના થાત !

દાદાશ્રી : માટે અમથો શું કરવા બૂમ પાડે છે. 'મેં કર્યું, મેં સામાયિક કરી.' એમાં તું શું કરવા અમથો માથે લઈને ફરું છું ? ઈગોઈઝમ કરે છે, તેથી સંસારની બહાર નીકળતો નથી. શું કામ વગર કામનો બૂમાબૂમ કરે છે કે 'મેં આમ કર્યું ને તેમ કર્યું.' તું કરવા જઉં છું, પણ તારાથી વળતું તો છે નહીં ને અમથો બૂમાબૂમ શું કરવા કરે છે ? કોઈનાથી કંઈ વળે એવું છે ?

બહાના બતાવે, તે કેવી ભૂલ ?

આ તું અત્યારે અહીં આવ્યો, એમાં આવવાપણામાં તારું કશું છે નહીં. એ તો માને, ઈગોઈઝમ કરે છે કે હું આવ્યો ને હું ગયો અને હું કહું કે કાલે કેમ આવ્યો નહીં ? ત્યારે કહે, આ પગ બતાવે એટલે આપણે શું સમજી જઈએ ?

પ્રશ્નકર્તા : પગ દુખતા હતા.

દાદાશ્રી : હા, પગ દુખતા હતા. આપણે એને ના કહીએ કે ભઈ કાલે પગ આવ્યા'તા કે તું આવ્યો'તો ? કોણ આવ્યું'તું ? જો આનું બહાનું કાઢું છું, તો કાલે પગ આવ્યા'તા કે તું આવ્યો'તો ? ના પૂછીએ આપણે ? જો આપણે આવનાર-જનાર હોય તો બહાનું કઢાય નહીંને ? આમ આમ આવું બહાનું ના કઢાય ને ?! એ તો કહે છે, માથું દુખતું હતું. અલ્યા મૂઆ, ત્યારે માથું આવ્યું'તું કે તું આવ્યો'તો ? એટલે આ ઈગોઈઝમ કરીને, 'મેં કર્યું' કહીને હાંક્યે રાખે છે. ગુનો ખરો કે નહીં ? તમને કેમ લાગે છે ? ત્યારે લોકો એમ માન્યા કરે આ બધું કે 'આ સ્વાધ્યાય હું કરું છું ને આ બધું હું કરું છું, દેરાસર હું જઉં છું ને પગે લાગું છું હું, આનો કર્તા હું છું' એવું માની બેઠાં, એ વ્યવહારથી માની બેઠાં. તું કર્તા હોય તો પછી કાલે દેરાસર આવ્યો ને આજે કેમ ના આવ્યો ? ત્યારે કહેશે, 'આ પગ બહુ દુખતા હતા તેથી ના અવાયું !' ત્યારે મૂઆ, કોણ કર્તા ? કર્તા છે આ લોકો ? એનો ખાલી ઈગોઈઝમ છે. હું કર્તા પરભાવનો, એ ગળામાં ફાંસી નાખ્યા જેવું છે. ફાંસી નાખશે, એવું ફળ આવશે. આ બધાં પરભાવના કર્તા થઈ ફરે છે. સમજાઈ આ વાત ?

ઓહોહો, 'કર્યું છે' તેનાં આઈ વિટનેસ !

સાધુ-આચાર્યો કે બીજાં કંઈ પણ જાતનું કાર્ય કરતા હશે તો એમને એમ ખબર હશે કે આ હું નથી કરતો અને આ બીજો કોઈ કરે છે ?! એવું ખબર હોય તો અહંકાર કરે જ નહીં. બધી જ પરસત્તા કરે છે. અને પોતે માને છે કે હું કરું છું. ધંધા કરે છે, મનમાં શું ય માની બેસે છે કે હું કમાઈ ગયો. અનંત અવતારોથી ભટક ભટક કરે છે. હવે આ પરસત્તા જ કરે છે. આવું બધું અનંત અવતારથી રખડે છે. આટલીએ સત્તા પોતાની નથી ત્યાં આગળ 'હું જ કરું છું આ બધું, ધર્મમાં ય હું કરું છું.' સંસારમાં તો કરતો હોય તો તે જાણે જોખમી છે જ, પણ આ તો ધર્મમાં વધારે જોખમ હોય. જુઓને, કેટલી અજાયબી છે એની પાછળ !

એક અક્ષરે કોઈ કશું કરી શકે એમ છે ?! હોય તો મને કહો ! છતાં પાછાં આમ ફૂલ જોશમાં કહે છે, 'મેં જ કર્યુ.' અને લોકો સાક્ષીએ બહુ હા પાડે, આંખે દેખ્યા સાક્ષી પાછાં. કેમ બોલતા નથી ? સાક્ષી ન્હોય ?

પ્રશ્નકર્તા : હા, સાક્ષી આપે.

દાદાશ્રી : આપણે કહીએ કે ના, તું કશું નથી કરતો. ત્યારે કહે છે, શું તમે તો આ જુઓ છોને ? તે પણ એ કરે છેને આ બોલો, હવે આ શી રીતે સમજાય ? પેલો કયે ગામ ગયેલો છે ? પેલો કયા ગામની વાત કરે છે ? આખો મેળ જ ના બેસે. આની જોડે શું કરવા મેળવે છે ? કરે છે બીજો અને કહે છે 'હું કરું છું' એ ભયંકર ગુનેગાર છે ! જબરજસ્ત ફાંસી કહેવાય છે. એને પછી કહે, 'ક્રિયા કરત હૈ, ધરત હૈ મમતા, યે હી ગલેમેં ફાંસી !'

પ્રશ્નકર્તા : લૌકિકમાં કહેવું પડે કદાચ એને.

દાદાશ્રી : કહેવું પડે તેનો સવાલ નથી. એ જો કહેતા હોય કે ભઈ, મારે કહેવું પડે છે ! તેનો વાંધો નહીં. એ જવાબદાર જ નહીં ને ! આ તો ખરેખર 'હું જ કરું છું, મેં જ કર્યું.' કહે છે અને આ પુરાવા લઈ આવે, હજાર માણસની સાક્ષી લાવે અને આંખે દેખાડે પાછો. આઈ વિટનેસ લાવે કે ના લાવે ?

પ્રશ્નકર્તા : હા, લાવે. એવું કહેનારા મળે ય ખરાં પાછા !

દાદાશ્રી : હા, આપણા સાધુ મહારાજો ય કહે છે, 'ના, મેં જાતે જોયું છે, એણે કર્યું, હમણે જ સામાયિક કર્યું.' અલ્યા, તેં ય ક્યાં કર્યું, એણે ક્યાં કર્યું ? અમથા શું કરવા ભગવાનની પાછળ પડ્યા છો, ખાઈ ખપૂચીને ? આદું ખાઈને પાછળ પડ્યા છે ભગવાનની !

પોતે જ્યાં સુધી કર્તા હોય ત્યાં સુધી બીજો કોઈ કર્તા છે એવું સમજાય જ કેવી રીતે ? 'હું જ છું ને ? હું જ કરું છુંને' અલ્યા, ભગવાન નહીં ? ત્યારે કહે, 'ભગવાન ખરાં, પણ કર્યું તો મેં જ ને ! આ બધાંય છે, પૂછી જુઓ એમને.' ત્યારે બધાય સાક્ષી થઈ ગયેલાં ! બોલો, હવે આથી કોર્ટમાં શી રીતે આપણો કેસ પાસ થાય ? આ કોર્ટમાં તો આપણે નાદારી જ લેવી પડે.

અજ્ઞાનનું ય પૂર્ણ ભાન નહીં !

પ્રશ્નકર્તા : એ જુદાપણાનું ભાન નથી ત્યારે એવું થાય છે ને ?

દાદાશ્રી : કશું ભાન નથી ! જુદાપણાનું જ નહીં, પણ એકતાનું ય ભાન નથી કે હું દેહ સાથે એક છું. જ્ઞાનનું ભાન તો નથી એ લોકોને પણ અજ્ઞાનનું ભાન હોય તો ય હું કહું કે ભઈ, આ જ્ઞાની છે.

અજ્ઞાનનું ભાન થાય તો એ જ્ઞાની થાય. અજ્ઞાન ભાનવાળો મેં એકુંય જોયો નહીં કે સાહેબ, મને અજ્ઞાન અનુભવમાં આવે છે. પુરાવા માંગે છે આ બધા. પેલી કોર્ટમાં પુરાવા નહીં માંગે, અહીં ચાલશે. અહીં પોલંપોલ ચાલશે, પણ કોર્ટમાં ! આધાર-બાધાર બધું ના માંગે ? વિટનેસ-બિટનેસ બધું માંગે કે નહીં ? તો આપણે કહીએ કે સાહેબ, આઈ વિટનેસ ! ત્યારે કહે, આઈ વિટનેસ તો બધાં છે જ ને ! તમને ના મળે પુરાવા ? અને તે આચાર્ય મહારાજ આટલા બધા શાસ્ત્રના જાણકાર છે પણ એમને કોઈ દહાડો ગૂંચવાડો ઉકલ્યો નથી. 'હું જ કરું છું' કહે. 'સામાયિકે ય મેં જ કરી.' 'મેં જ કરી' બોલવા ખાતર બોલવાનું નહીં બોલતાં પણ ખરેખર 'હું જ કરું છું' કહે છે. કારણ કે બીજાને વઢે ય ખરા, કે કેમ ના કરી ? એટલે એ જાણતાં જ નથી કે આ પરસત્તા કરે છે ! એ તો એમ જ જાણે છે કે 'એ જ કરે છે અને આ હું જ કરું છું. મેં જ સામાયિક કરી.' એવો પૂરવાર થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : બીજાને કર્તા માને છે !

પછી કૃપાળુદેવને વગોવીએ એનો શો અર્થ ? કૃપાળુદેવે કહ્યું કે 'સ્ત્રી-પુત્ર, ઘર-બાર કોઈ મારું નથી. હું શુધ્ધાત્મા છું.' એવું બોલજો, પણ લોકો તો તેનું તે જ 'હું ચંદુલાલ જ છું' કહે છે. 'કર્યું તો મેં જ ને' કહેશે. 'હું ચાર વખત આશ્રમ ગયો. આ નથી જતો', એમાં શું ફેરફાર થયો ? તું કૃપાળુદેવમાં આવ્યો, તો એમાં શું ફેરફાર થયો ? વ્યવસ્થિત જવાબ માંગે કે નહીં માંગે ?

પ્રશ્નકર્તા : હા, માંગે. બધું માંગે.

દાદાશ્રી : 'સાહેબ, આ નથી આવ્યા. એનો શું જવાબ આપીએ ?' ત્યારે કહે, 'આજ હું તો આવ્યો છું ને !'

તમે તો નાનપણથી જાણતા હતા, હું કર્તા નથી એવું ?!

પ્રશ્નકર્તા : એવું તો નહીં દાદા, પણ કર્તાપણાનો ભાવ ન્હોતો.

દાદાશ્રી : તો શાનો ભાવ હતો, ભોક્તા-પણાનો હતો ?

પ્રશ્નકર્તા : એવું એ ખાસ નહીં, દાદા !

દાદાશ્રી : એ ખાસ નહીં એટલે શામાં હતા ત્યારે ?

પ્રશ્નકર્તા : ખાસ કંઈ એવું ભાન ન્હોતું કોઈ જાતનું.

દાદાશ્રી : ભાન જ ન્હોતું. બેભાન ! અરે, અજ્ઞાનને જો સમજે તો ય બહુ થઈ ગયું. મેં કહ્યું કે અજ્ઞાનને તું બરાબર પૂરું આરાધન કરી લે ને, કે આ ભાગ અજ્ઞાન છે. અજ્ઞાનનો પૂરો સ્ટડી કરી લે, ફ્રોમ ધેર ટુ એન્ડ (શરૂઆતથી અંત સુધી) અજ્ઞાનનો સ્ટડી કરી લે. ત્યારે કહે, 'એમાં મને શું ફાયદા મળે ?' હવે બાકી રહ્યું એ બધું જ્ઞાન, આ બધી વસ્તુ જેમાં ન ભળે, એ જ્ઞાન. એટલે અજ્ઞાન શીખે તો ય સારું, ભલે એને જ્ઞાન ના આવડે ! તમને વાત કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : સીધું ઊતરી જાય છે !

દાદાશ્રી : પ્રશ્ન ત્યાં પૂછે, તેના કરતાં હું પૂછું એ શું ખોટું છે ? ત્યાં તો સીધું જ જેલમાં ઘાલી દે, પણ હું જેલમાં નહીં ઘાલી દઉં. કોઈ તપમાં ગરકી ગયો હોય, કોઈ ત્યાગમાં ગરકી ગયો, પણ મૂઆ તપ-ત્યાગ કરનાર કોણ એ કહેને અહીંથી ? 'એ તો મેં જ કર્યું ને ! આ બધા જ જાણે છે ને !' થઈ રહ્યું. અમે સાંભળી લીધી બધી વાત. હવે અમારે કંઈ બહુ ટાઈમ બગાડવાની જરૂર નથી. અમારે હવે ટાઈમ બગાડવાની શી જરૂર ? ટાઈમ તો ક્યાં બગાડીએ ? એ જો કહે કે ના સાહેબ, મને કંઈ સમજાતું નથી, આ 'હું કરું છું કે આ બીજો કોઈ' એટલું કહો તો ય વખત બગાડું !

મૂળ વાત સમજાય શી રીતે ?

'કરો' કહે છેને, એવું તમે સાંભળેલું ?!

પ્રશ્નકર્તા : બધા જ કહે છે.

દાદાશ્રી : બધા જ ને ?! ત્યારે એ બધાં ય એવાં જ ગોથા ખાયા કરે છે ! ગમે તેવા મોટા સંત હોય, તો ય પણ શું કહે ? 'કરો, કરો !' અલ્યા શું 'કરો' તે ?! પણ એમના શિષ્યોને શું કહેશે ? 'તમે કશું કરતાં જ નથી. તમારાથી કશું થાય જ નહીં.' કહેશે ! હવે મૂળ વાતને શી રીતે પહોંચી વળે માણસ ?! બધે એની એ જ વાત ! 'કરો' સિવાય બીજા વાત ક્યાંથી હોય ? અને બીજી વાત લાવે ય ક્યાંથી ?!

ગમે તેવા શબ્દ વાપરે, પણ મૂળ 'કરો, કરો' કહે જ ! અને પાછાં કહેશે, 'આ કરતાં નથી. એ પોતે જ કરવાનાં ભાગમાં છે ને ! લોકોને ય 'કરો, કરો' જ યાદ રહ્યા કરે ! એક સેન્ટ જેટલું ય 'સમજ્યા' નથી લોકો ! ડોલરનો એક સેન્ટ હોયને એ સેન્ટ જેટલું સમજ્યા નથી. આ બધું ભ્રાંતિમય જ્ઞાન છે. એમાં પાંચ જણ સુધર્યાં નથી ! અને એની જાતને જ બહુ અહંકાર કરતો હોય કે હું બધું જાણી ગયો હવે ! અને તે મતભેદ પાડી આપે ! 'કંઈ પણ કરવું છે' એવો ભાવ છે, ત્યાં કશું સમજ્યો નથી. એમ કહી શકાય આપણાથી !

એક સેન્ટ ના ઉપજે આ વાતમાં ! તદ્દન સાચી વાત આગળ જૂઠી વાતની કિંમત ખરી ? એ તો જૂઠી વાત આગળ જૂઠી વાતની કિંમત ! એક જૂઠી વાત હોય, એને બીજી જૂઠાની કિંમત હોય કે આના કરતાં આ સારી છે. એના કરતાં આ સારી છે ! પણ સાચી જોડે જૂઠીની કિંમત ખરી ?!

પારો ઉતારે, આમ ઝાટકીને !

કબાટ ઉઘાડ્યું ત્યારે ખબર પડીને ! નહીં તો ત્યાં સુધી તો...

પ્રશ્નકર્તા : ત્યાં સુધી હું કરતો હતો.

દાદાશ્રી : હા, અને હું તે કેવું પાછું ?! ચોક્કસ પુરાવા સહિત લાવે આઈ વિટનેસ. આ ગાયો-ભેંસો કોઈ એવું કહેતા નથી કે 'અમે કરીએ છીએ. આ મેં છોકરીને જન્મ આપ્યો કે છોકરી મોટી કરું છું, છોકરા મોટા કરું છું.' એવું કશું બોલતા નથી.

પ્રશ્નકર્તા : આ ગાયો-ભેંસો જે નથી બોલતી, એ અજ્ઞાનથી નહીં બોલતી હોય.

દાદાશ્રી : એમને ઈગોઈઝમ નહીં ને બિચારીને !

જીવતું ઈગોઈઝમ નહીં, અજીવ ઈગોઈઝમ. એમનામાં ડિસ્ચાર્જ થતું અને આમને તો જીવતું, ફાવે એવું બોલી નાખે. 'ભગવાન પણ ન કરી શકે એવું કરું', કહેશે. ઓહોહો, તારો રોફ ! એટલે પછી મારે બોલવું પડ્યું, 'સંડાસ જવાની શક્તિ નહીં ને અમથા શું કરવા ગા-ગા કરું છું ?!' આ લોકોના પારા તો ઉતારી દેવા પડશે ને ! આમ કંઈ થર્મોમીટર હલાય હલાય કરીએ તો પારો ઉતરતો હશે ? એ તો ઝાટક્યું કે તરત પારો નીચે ઉતરે. અગર ટાયરમાંથી હવા કાઢી નાખીએ તો ફૂસ !

બોલવા પૂરતું, નહીં કે શ્રદ્ધાપૂર્વકનું !

'હું કંઈક કરી શકું છું' એમ જે જાણે છે એણે તો આખી રાત ઊંઘવું જ ના જોઈએ ને ! હા, ઊંઘાય શી રીતે ? કરને આખી રાત !

પ્રશ્નકર્તા : શું કરે ?

દાદાશ્રી : કંઈક કરે. આ બધું કરે છે એ.

પ્રશ્નકર્તા : મારા ભાગનું જે કામ છે, એ હું કરી શકું છું એવો આત્મવિશ્વાસ રાખે, એમાં વાંધો ક્યાં આવ્યો ? એવો જો આત્મવિશ્વાસ ન રાખે તો વ્યવહારના કાર્યો તો થાય જ નહીં.

દાદાશ્રી : પણ આ બધા કર્તૃત્વના અભિમાનથી કરે છેને કે 'હું કરું છું, હું ના હોઉં તો ચાલે જ નહીં.' કેટલાંક તો એવું માને છે કે મારા વગર ચાલે જ નહીં.

પ્રશ્નકર્તા : વ્યવહાર પૂરતો અહંકાર રાખવો જોઈએને ? અહંકાર વગર તો કામ થવાનું નથી ને ?

દાદાશ્રી : એ અહંકાર તો એ કામની જોડે હોય જ. એ અહંકાર તો એની મેળે રહે જ ને !

પ્રશ્નકર્તા : એટલે 'હું કંઈક કરું છું' એટલું એણે એના કાર્ય પૂરતો અહંકાર રાખવો જ પડશે ને ?

દાદાશ્રી : નહીં, એ અહંકાર બોલવા પૂરતો જ રાખવાનો છે, શ્રદ્ધા પૂરતો નથી રાખવાનો. 'આ મેં કર્યું અને હું કરીશ' એવું ખાલી બોલવા પૂરતું જ હોય, એમાં શ્રદ્ધાપૂર્વક નહીં, એવું હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : તો આપે એમ કહ્યું ને 'હું કરી શકું છું' તો એણે આખી રાત કર્યા કરવું જોઈએ. આ બેનું અનુસંધાન શું ?

દાદાશ્રી : એવું છે, આ એને કર્તાપણું જે છેને, કે 'હું કરું છું ને આ હું કરી શકું છું અને હું આમ કરું ને તેમ કરું છું.' એને રાતે ઊંઘ જ કેમ કરીને આવે ? એ તો રાતે ય કરવા માંડે.

આ તો જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી કરે ને પછી ના થાય એટલે રાતે ઓઢીને યોજનાઓ કર્યા કરે. પણ કર્યા વગર રહે નહીં એ ! પેલા કસાઈને ઊંધે માથે લટકાવ્યો, તો ત્યાં આગળે ય પાડો ચીતરીને કાપ્યો !

એટલે એવું કહેવાની જરૂર છે કે 'ભાઈ, આ ખાવાનું મેં બનાવ્યું, આમ બનાવ્યું' પણ તે કેવું બોલવાનું ? ડ્રામેટીક બધું, ડ્રામામાં કરે તેવી રીતે બોલવાનું.

પ્રશ્નકર્તા : પણ મારો પ્રશ્ન એવો છે કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય ધારો કે તમે મને કહ્યું કે 'આટલું કામ કરી લાવો.' તો હવે હું એમ કહું કે 'હા, હું કરીશ' અને પછી મેં કર્યું પણ તમે જોડેે એમ કહો છો કે અહંકાર ના હોવો જોઈએ. પણ જો એ અહંકાર ના હોય તો પછી આ કામ આગળ થાય જ નહીં ને, કામ કરવાનું બંધ ના થઈ જાય ?

દાદાશ્રી : એવું નહીં. એવી બિલિફ ના હોવી જોઈએ. 'હું કરું છું' એ કહેવાની જરૂર જ છે, 'હું કરું છું' એની જોડે કામ થાય જ એવી બિલિફ રાખવાની જરૂર નથી. જગત આખું તો એવી બિલિફમાં જ પડેલું છે.

પ્રશ્નકર્તા : પણ અમારો 'રોલ' હોય છે, એ તો બરોબર પૂરો કરવો પડશે ને ?

દાદાશ્રી : એ તો એને માટે પોતે નક્કી કરે કે મારે આ પૂરો કરવાનો છે એટલે કરે જ.

પ્રશ્નકર્તા : પણ એમાં 'હું કરું છું' એ બિલિફ ન હોવી જોઈએ.

દાદાશ્રી : હા. એ બિલિફ ના હોવી જોઈએ. લોકોને 'હું કરું છું' એ બિલિફ હોય છે.

ગાડી જાય છે કે 'હું' જાય છે ?

અરે, ગાડીમાં બેઠો હોયને મુંબઈથી, તો લોક પૂછે કે ભઈ, કેમ ક્યાં જવું છે ? ત્યારે કહે કે હું તો અમદાવાદ જઉં છું. અલ્યા ભઈ, તમે ક્યાં અમદાવાદ જાવ છો ? ગાડી અમદાવાદ જવાની ને પોતે મહીં બેઠો બેઠો પેપર વાંચ્યા કરે. પાછો સૂઈ જાય. પેપર વાંચે, પણ એ પોતે જાય છે અમદાવાદ ? કોણ જાય છે ? ગાડી જાય છે કે પોતે ?

પ્રશ્નકર્તા : ગાડી.

દાદાશ્રી : ત્યારે પાછો કહેશે, 'હું જઉં છું'. તે મૂઓ ત્યાં ઉતરે ત્યારે થાક લાગ્યો હોય. કારણ કે 'હું આવ્યો કહેને ત્યાંથી થાક ચઢે !' અલ્યા મૂઆ, 'ગાડી આવી' તે બોલને, જેમ છે એમ બોલ તો થાક ના લાગે. અમે આટલે બધે ફરીએ છીએ, કશોય થાક નથી લાગતો. કારણ કે અમે કહીએ કે ભઈ, ગાડી વડોદરે જાય છે. અને બધા કહે, બરોડા આયા. એટલે અમે ઉતરી પડીએ બસ. ગાડી જાય ને આપણા લોક કહે, 'હું જઉં છું' આવું ને આવું ઊંધું જ બોલે છે. પણ એ તો ગાડીમાં બેઠેલો જ હોય છે. હવે સૂઈ જવું હોય તો સૂઈ જાય. તારે જેમ કરવું હોય તેમ કર. મહીં કેટલાંક લોકો વહેલાં પહોંચવા માટે ગાડીમાં ઉતાવળથી દોડે છે (!) કેટલાંક લોકો ગાડીની બહાર જો જો કર્યા કરે છે કે વડોદરું આવ્યું કે ના આવ્યું, આવ્યું કે ના આવ્યું ?!

પ્રશ્નકર્તા : પણ હું ડ્રાઈવરની જગ્યાએ બેઠો હોઉં તો હું શું કહેવાનો કે હું ગાડી લઈ જઉં છું.

દાદાશ્રી : આપણે કશું કરવાનું છે નહીં. આ ગાડી હું લઈ જઉં છું અગર તો હું ડ્રાઈવીંગ કરું છું. પણ તે પોતે કરતો નથી. પોતે કરતો હોય તો પૈડા કેમ બંધ થઈ જાય ? પોતે કરતો હોય તો બંધ ના થાય. હા, એટલે 'હું કરું છું' એવી બિલિફ નહીં રાખવાની અને આ તો કરવાનું નક્કી કર્યું એટલે એ તો એની મેળે કરે જ.

પ્રશ્નકર્તા : એવાં કામ તો બધાં ઓટોમેટિક થતાં નથી. એના માટે તો અમારે બરાબર ફોર્સ લગાડવો પડે છે.

દાદાશ્રી : એ તો ફોર્સ એની મેળે જ લાગે. ગાડીનો ટાઈમ થયો એવું જાણે એટલે એની મેળે જ ઉતાવળ થાય.

પ્રશ્નકર્તા : પણ તે કેટલીક વખત એવી જાગૃતિ જતી રહે તો ગાડી મોડી પડે.

દાદાશ્રી : ના, એવું કશું નહીં. ગાડીનો ટાઈમ ના થયો હોય ત્યારે ઢીલો ચાલે. ગાડીનો ટાઈમ થયો હોય તો ઉતાવળો ચાલે. એ એની મેળે નિયમથી જ આ બધું અંદર ગોઠવાયેલું છે. આમાં પોતે કર્તા છે જ નહીં ને ! આ તો પોતે વન ઓફ ધી મેમ્બર છે, હા.

કર્તાપદ એ જ એક્સિડન્ટ !

પ્રશ્નકર્તા : હા. તો કોઈ માણસને એક્સિડન્ટ થયો તો ત્યાં ઓટોમેટિક એણે એક્સિડન્ટમાંથી નીકળી જવું જોઈતું હતું ને ?

દાદાશ્રી : નહીં, આ એક્સિડન્ટ બધા જાતે જ કરી રહ્યા છે.

પ્રશ્નકર્તા : આ એક્સિડન્ટ કરે છે ત્યારે તમે કહો છો કે એ જાતે કરે છે અને નહીં તો કહો છો કે કોઈ કશું કરતું જ નથી. ઓટોમેટિક થયા કરે છે.

દાદાશ્રી : હા, એક્સિડન્ટ કરે છે ને તે જાતે કરે છે.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? ખરાબ કરે તો જાતે કરે છે, એવું ?

દાદાશ્રી : ના, ખરાબ નહીં, સારું કરે છે, પૈસા કમાય છે તે ય જાતે જ કરે છે.

પ્રશ્નકર્તા : તો પછી પાછું કર્તાપદ આવી ગયું.

દાદાશ્રી : ના, એમ નહીં, 'હું કરું છું ને આ હું કમાયો' એમ કહું, એટલે એ એક્સિડન્ટ કહેવાય. એ શું કમાવવાનો હતો ? ઝાડે ફરવાની શક્તિ છે નહીં ને વગર કામનાં પુરુષાર્થવાળા નીકળ્યા !

કરે છે બીજા, માને છે 'મેં કર્યું' !

ખાલી નાટકીય બોલવાનું છે કે મારે આ કામ કરવું છે. બસ એટલું બોલ્યા કે એની મેળે બધું, બીજા સંયોગો કામ કર્યા કરે. અને કેટલા સંયોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. એટલે આ તો ખાલી બોલવાનું જ છે. પણ આ તો અહંકાર કરે છે એટલે કે આ બધા સંયોગોમાં 'હું કરું છું ને સંયોગો નથી કરતાં !' અહંકારનો અર્થ શું થાય ? સંયોગો કરતાં નથી ને હું જ કરું છું ?

પ્રશ્નકર્તા : પણ પછી તો જો અહંકાર ખેંચી લે તો બધું સંયોગો જ કરે છે ને ?

દાદાશ્રી : અહંકાર ખેંચી લેવાની જરૂર નથી. સંયોગો જ બધું કરે છે. ખાલી આપણે બોલવાની જ જરૂર છે કે આ હું કરું છું. એટલું જ, તે ય ડ્રામેટીક. આ તો રીહર્સલ કરીને પાછો આવેલો છે. આ કંઈ નવું નથી પાછું. આ તો ફરજિયાત કર્યા વગર છૂટકો જ નથી. એવો એનો પુરુષાર્થ છે. ફરજિયાતમાં પુરુષાર્થ હોય નહીં ને ?!

પ્રશ્નકર્તા : ફરજિયાતમાં ભાવવાચક પુરુષાર્થ ના હોય પણ કાર્યવાચક પુરુષાર્થ તો હોય ને ?

દાદાશ્રી : ના, એ તો એની મેળે થયા જ કરે દરેક કાર્ય પાછળ. 'મારે કરવું છે, ખીચડી કરવી છે' એવું ડ્રામેટીક બોલવાની જ જરૂર ફક્ત, બીજા પુરુષાર્થની જરૂર નથી.

પ્રશ્નકર્તા : એને માટે જાગૃતિ કે મહેનત તો અમારી ઈન્દ્રિયોને કરવી પડે ને ?

દાદાશ્રી : એ તો બધું એની મેળે પછી હોય જ.

પ્રશ્નકર્તા : એટલે અમારે કોઈ કાર્ય માટે દબાણ કે ફોર્સ કરવાની જરૂર નથી.

દાદાશ્રી : ના. ફોર્સ કરવાની જરૂર નથી. ફોર્સ કરવો હોય, તેને જ હું કહું છું ને, 'કે તારે આખી રાત ખરી રીતે જાગવું જોઈએ.' એ ફોર્સ કરનારો આખી રાત જાગે. કેમ રાતે સૂઈ જાય છે ? આ તો રાતે ઓઢીને પાછો મહીં ગોખ ગોખ કર્યા કરે. અલ્યા, સૂઈ જાને છાનોમાનો. પાંસરો મરને ! એક અવતાર તો પાંસરો મર. એટલે એક ચા પીવાની ક્રિયા કરવી હોય તો કેટલા સંજોગો ભેગા થાય ત્યારે ચા પીવાય. તો આ લોકો કહે છે, 'મેં આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું.' અલ્યા, તું શું કરવાનો છે તે વગર કામનો ?!

પ્રશ્નકર્તા : દાદા, તમે જે કહો છો, એમ બધા જો સામાન્ય માણસ માને તો બધું સહજ થઈ જાય.

દાદાશ્રી : પણ બીજાને વાત કરીએ નહીં ને ! દરેકને આ વાતો ના કરવાની હોય. અમારી વાત તો અમુક જ માણસોને કરવાની હોય. એવું છે ને જે ગુપ્તચરની વાતો, એ સી.આઈ.ડી.ને જ કહેવાતી હોય ને ? બીજા બધા લોકોને કહેવાતી હશે ?!

એટલે આ તો વગર કામની પીડા લઈને ફરે છે. ખા-પી, કપડાં પહેર, હર-ફર, બધું મજા કરને ! માથે બોજો લઈને શું કરવા ફરે છે ? તે બોજો તમારે લેવાનો નહીં. આ માથે બોજો લ્યો, સંસારમાં બોજો લ્યો, એ તો શેના જેવી વાત ? પોતેે ઘોડા પર બેઠાં પછી વિચારે કે મારું ટટ્ટુ મરી જશે. એટલે ઘાસનો ભારો માથે લીધો. અલ્યા, આ તો ભાર બધો ઘોડા ઉપર જ જાય છે. મૂકને ઘોડા પર. કશું મરી જવાનું નથી ! એવું આ સંસાર પર બોજો મૂકોને !

નક્કી કરવાનું, પછી થઈ જાય એની મેળે !

અને આપણે આ કરવાનું છે, એવું નક્કી જ કરવાની જરૂર, વાતચીત કરવાની. તેમાં આપણે કશો અહંકાર કરવાની જરૂર નથી. નક્કી કરવાનું એટલે કાર્ય એની મેળે થઈ જ જાય. આપણે સવારમાં નક્કી કર્યું કે સાંજે મુંબઈ જવું છે. એટલે ધ્યાન મુંબઈમાં ને મુંબઈમાં જ રહે, એ ધ્યાન જ કામ કર્યા કરે.

પ્રશ્નકર્તા : મુંબઈ જવું છે એટલે એની યોજના તો બનાવવી પડશે ને ?

દાદાશ્રી : એમાં યોજના શું ? મુંબઈ જવું છે એ નક્કી કરવાનું એટલે પછી ધ્યાન તેમાં રહે. ધ્યાન રહે એટલે ધ્યાનમાં બધું કાર્ય થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ અહીં તો મારે પંદર માણસોને મળવાનું હોય છે ને પચ્ચીસ જણાને ટેલિફોન કરવાના હોય છે. તો સવારના પહોરમાં ઊઠીને પહેલું કામ અમારે ગોઠવવું તો પડે ને ?

દાદાશ્રી : હા, એ ગોઠવોને, ગોઠવવાનું બધું. એનો વાંધો નહીં. નાટકીય બધું કરવામાં વાંધો નથી. પણ લોક તો દરઅસલ કરે છે, તેથી ફસાય છે.

'મેં કર્યું' બોલવું નાટકીય !

સાધુ-સંન્યાસીઓ બધા ઊંઘે છે નિરાંતે, ઉઘાડી આંખે. ત્યારે કહે, 'ભઈ, એવું શું કાર્ય કરે છે કે આ જાગતા ઊંઘે છે ?' ત્યારે કહે, 'ગયા અવતારનું તું આ અવતાર માટે બધું લઈને આવેલો છે. એટલે જે આવતા અવતારનું કંઈ કરતાં નથી એ બધા ઊંઘે છે. અને ગયા અવતારનું લઈને આવ્યો છે, તેમાં જાગૃત રહેવાની જરૂર નથી. એની ક્રિયા થયા જ કરે. દેહની મારફત દેહની ક્રિયાઓ થયા જ કરતી હોય, તેમાં આડખીલી ના કરીશ.' લોકો શું કહે છે ? 'મેં કર્યું' એટલું જ ! એટલે ઊંધું શું કરે છે ? 'મેં કર્યું' એમ કહે છે તે. 'મેં કર્યું' એમ બોલવામાં વાંધો નહી, પણ નાટકીય બોલવું જોઈએ.

એ ગયા અવતારમાં કરીને જ આવ્યો છે, એને ફરી કરવાની ક્યાં જરૂર ?! આ તો દસ શેર લોટ દળીને આવ્યો છે. અને પછી પાછો દળવા બેસે છે ને અચ્છેર લોટ ઉડાડી દે છે ઊલ્ટો !

જન્મ પહેલાં, મર્યા પછી ય ચાલશે જગત!

પાછો હું તો ઘણાંયને કહું છું કે, 'ભઈ, તમારા ગયા પછી આ જગત ચાલ્યા કરશે. ઘણા ય કાળ સુધી ચાલ્યા કરશે માટે તમારે કંઈ ચિંતા નહીં કરવાની.' નહીં તો એ તો જાણે કે મારે લીધે જ આ દુનિયા ચાલે છે. ગાંધીજી જતા રહ્યા તો એ બીજે દહાડે ચાલ્યું, એવું મેં જોયેલું. લોકોને એમ લાગતું હતું કે ગાંધીજી જતા રહેશે તો હિન્દુસ્તાનનું શું ય થઈ જશે ?! ભગવાન મહાવીર ગયા તો ય જગત ચાલ્યું જને ! આ જગત કોઈને ય ગાંઠે એવું નથી. આ જગત તો ચાલ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : મેઈન્ટેનન્સનું ધ્યાન રાખવાનું અને આત્માનું ય ધ્યાન રાખવાનું આપે કહ્યું છે ને એટલે મેઈન્ટેનન્સ પૂરતી પ્રવૃત્તિ કરે તો બસ થઈ ગયું ને ?!

દાદાશ્રી : એમ ખાલી બોલવાનું એટલું જ છે. 'કંઈ કરવાની જરૂર નથી' એવું બોલો તો ય મુશ્કેલી ઊભી થઈ જશે અને 'કરવાનું' કહેશો તો બેડી ઊભી થશે. 'હું કરું છું' એમ કહેશો તો એને બેડીથી બંધન આવશે. કર્મ બંધાશે ને 'કરવા જેવું કંઈ નથી' એમ બોલશો તો તમને તમારી જાતને મુશ્કેલી ઊભી કરશો. માટે 'જેમ છે એમ' જોયા કરો, બસ.

મન-વાણી-વર્તનમાં કરવાપણું !

પ્રશ્નકર્તા : જે થઈ રહ્યું છે તે બહારનું થઈ રહ્યું છે અને જે કરવાનું છે તે અંદરનું કરવાનું છે. અંદરનું કરી શકતા હોય તો તે કરવાનું છે.

દાદાશ્રી : એ હાથમાં છે ? ઉધરસ એની મેળે આવે છે કે આપણે ખાવી પડે છે ?

પ્રશ્નકર્તા : એ તો ક્યારે આવે એ આપણે કહી શકતા નથી. ક્યારે હાંફ ચઢે એ પણ કહી શકતા નથી.

દાદાશ્રી : માટે શરીરના કાર્ય બધા આપણા હાથમાં છે નહીં. એમ કહી દોને ! ત્યારે વાણીનાં કાર્ય કયા આપણા હાથમાં છે, તે કહો.

પ્રશ્નકર્તા : વાણી આપણા હાથમાં કેવી રીતે ?

દાદાશ્રી : એટલે છે તે દેહનું કરવાપણું છૂટી ગયું, હવે વાણીનું કરવાપણું છૂટી ગયું. હવે મનમાં તમારે કરવું પડે છે કે એની મેળે કૂદાકૂદ કરે છે ?

પ્રશ્નકર્તા : એ તો એની મેળે વિચારો આવે છે.

દાદાશ્રી : તમારામાં શું કરવાની શક્તિ છે એ મને એકુંય દેખાડશો ? એક પણ શક્તિ એવી દેખાડશો કે તમારી પોતાની સ્વતંત્ર શક્તિ છે ?

.... તો નિષ્ક્રિય થઈ જવાશે !

પ્રશ્નકર્તા : આ બધું કહો છો તો નિષ્ક્રિયતા તરફ તો ન વળાયને ?

દાદાશ્રી : નિષ્ક્રિયતા તો છે જ. અત્યારે નિષ્ક્રિયતા જ છે ને તમારે. અત્યારે આ કર્યું નથી તો ય નિષ્ક્રિયતા જ છે ને ?! અત્યારે ક્યાં સક્રિયતા છે ? છે સક્રિયતા ?

પ્રશ્નકર્તા : કંઈ ખાસ નથી.

દાદાશ્રી : તો પછી નિષ્ક્રિયતા શેમાંથી આવવાની છે ? સક્રિયતા હોય તો એમાંથી નિષ્ક્રિયતા આવે !

પ્રશ્નકર્તા : કંઈ રાજકારણમાં ભાગ લઈએ, કંઈ સંશોધનમાં ભાગ લઈએ, તો એ બધામાંથી નિષ્ક્રિયતા આવી ના જાય ?

દાદાશ્રી : ઊલટું સક્રિયતા વધે. અત્યારે નિષ્ક્રિયતા છે આ બધી. જે કાર્ય કરો છો, તેમાં અહંકાર ડખો કરે છે અને અહંકાર ના હોય તો સારી રીતે કામ થાય, એટલે સક્રિયતા વધે ઊલટી.

પ્રશ્નકર્તા : એટલે આ જે કાર્યો બધા છે, એ ચાલુ જ રાખવાના એમ ? આ બધા રાજકીય છે કે બીજા સામાજિક છે એ બધા કાર્યો કરતાં હોય...

દાદાશ્રી : હા, એ બધું સરસ ચાલુ રાખવાનું. બૈરીને રાખવાની, છોકરાને રાખવાના, ભઈબંધો રાખવાના, બધાને રાખવાના. કોઈને કાઢી મેલવાનું નહીં, કાઢી મેલવું એ રીત જ નથી ને ? કાઢી મેલવાથી કોઈ રાજી થાય આપણી પર ? માટે આ બધું રહેવા દેવાનું.

પ્રશ્નકર્તા : આ બધા કાર્યો કરીએ, રાજકીય છે કે બીજા-ત્રીજા છે, તો એમાં બધા દોષો તો થાય જ ને ?

દાદાશ્રી : તો પછી બંધ કરી દેજો. સૂઈ રહેવાનું રાખજો. દોષ ના થાય એટલા માટે સૂઈ રહેવાનું રાખજો તો સૂઈ રહેવાય ખરું ? કેમ ?

પ્રશ્નકર્તા : તો પછી નિષ્ક્રિયતા જ આવે ને ?

દાદાશ્રી : સૂઈ રહેવાશે તમારાથી એક દહાડો ? કેમ તમારામાં શક્તિ નથી સૂઈ રહેવાની ?

પ્રશ્નકર્તા : શક્તિ તો છે પણ આમ સૂઈ તો કેવી રીતે રહેવાય ?

દાદાશ્રી : જ્યારે ધારો ત્યારે બધું કરી શકો છો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી તમારી શક્તિ નહીં ને અમથા બૂમાબૂમ શું કરવા કરો છો ?! તમારી શક્તિ હોય તો મને કહો. શક્તિ છે કોઈ જાતની ?

પ્રશ્નકર્તા : આ તો ટેવની જેમ કરીએ છીએ આ બધું.

દાદાશ્રી : અરે, ટેવની જેમેય નહીં, આ તો ભમરડો ફર્યા કરે છે એની મેળે અને પાછો કહે છે, 'હું ફર્યો'. ભમરડો જાતે બોલે કે 'હું ફર્યો.' તો આપણને કેવું લાગે કે અરેરે, કઈ સ્થિતિમાં બોલતો હશે આવું તો ? આ ભમરડો શું નહીં બોલતો હશે ?! મેં વકીલાત કરી ને મેં આને છોડાયો. મેં આનું આમ કર્યું ને હું હોટલમાં ખઈ આવ્યો, કહે છે. અહોહો, કાલે કેમ ન્હોતા ગયા ? કાલે તો ડૉકટરને બોલાવવો પડયો હતો. તે બગડ્યું'તું મહીં. અહંકારને લઈને નિષ્ક્રિયતા છે, અહંકારને લઈને બધું બગડી ગયું છે. એ અહંકાર દૂર થઈ જાય એટલે બધું રેગ્યુલર થઈ જાય, સાહજિક થાય પછી. અહંકાર બધું બગાડે છે, પોતાનું જ બગાડે છે. અને સાહજિકતા હોય તો બધું સુંદર હોય !

'મેં કર્યું', એમાં પોતે કોણ ?

ખરેખર પોતે કોણ છે ને કોણ કરે છે, એ ભાન નથી ને કરવા નીકળ્યા છે ! મેં આ કર્યું ને તે કર્યું. અલ્યા, પણ તું ખરેખર કોણ છું એ કહેને ? એમને ખબર નથી, કર્યું કોણે ત્યારે આ ? એની ખબર નથી. શું દુનિયા ચાલી રહી છે ! પોતાને વિરોધાભાસ થાય એ જ ખબર નથી. એને સમજતો જ નથી. પોતે કહે કે હું તો બોબડો છું, ત્યારે મૂઆ બોલ્યું કોણ ? આવી સ્થિતિ છે. જગત ચાલ્યા કરે છે. વહુ મળે છે, છોકરા મળે છે, બાપ થવાનું મળે છે, ધણી થવાનું મળે એમ ને એમ ગપ્પે ગપ્પા ચાલ્યા જ કરે છે.

જેવું ભાન આપ્યું, થઈ ગયો તેવો !

જન્મ્યા ત્યારથી જ તમને કહેશે, આ ચંદુભાઈ. એટલે તમને 'હું ચંદુભાઈ છું' એ જ ભાન ઉત્પન્ન થાય. પછી એ ભાન જાય નહીં. એવું છે આ. પછી વાંચવામાં આવ્યું અને બધાએ કહ્યું કે તમે કર્તા થયા, ભોક્તા થયા એટલે એ ભાન પાછું ઉત્પન્ન થયું. તે ક્યારે જશે પાછું આ ભાન ? આ બેભાનપણું બહુ જ ખોટું ! 'તો અકર્તાપદ ચાલે ?' ત્યારે કહે, અકર્તાપદ એ બેભાનપણું તો પાછું બહુ જ ખોટું. એના કરતાં એ સારું કે કર્તા ય નહીં અને અકર્તા ય નહીં. એમ ને એમ સૂઝ પડે તેમ કર્યા કરે. એટલે પેલો કર્તાપદનો રોગ ના પેઠોને ! એમને કોરું ખાતું તે આ 'જ્ઞાન' જલદી પામી જાય. પણ પામ્યા પછી આગળ વધતા વાર લાગે. જ્યારે આમને સ્પીડી આગળ વધી જાય, પણ વાત પકડ્યા પછી !

એ નિયંતા કોઈ હતો, છે, થશે નહીં !

તમારે કર્તાપણું છૂટ્યું ? એક ઘડીવારેય છૂટતું નથી.

પ્રશ્નકર્તા : ધીમે ધીમે છૂટેને ?

દાદાશ્રી : શી રીતે છૂટે બળ્યું ધીમે ધીમે તે ? 'હું ચંદુભાઈ છું' એ જ્યાં સુધી છૂટતું નથી, ત્યાં સુધી છૂટે શી રીતે ?

પ્રશ્નકર્તા : એ ધીમે ધીમે પણ વિચાર કરીએ ત્યારે...

દાદાશ્રી : વિચાર કરે તો ય દહાડો વળે નહીં. 'હું ચંદુભાઈ છું' એ છૂટે નહીં ને આ ચંદુભાઈને શું કરવા પકડી રાખ્યા છે ? તમે આત્મા થઈ ગયા કે ચંદુભાઈ છો ?

પ્રશ્નકર્તા : આત્મા.

દાદાશ્રી : તો તમને કોઈ ગજવું કાપી લે ને તો તે ઘડીએ વાંધો નહીં આવે ને ? અને ગજવું કપાય ને ત્યારે મનમાં એમ થાય કે 'આ પાછું શું થયું ?' શા આધારે જગત ચાલે છે, તે ય ભાન નથી. શા આધારે ચાલે છે, આપને શું લાગે છે ? કહો. કોઈ આધાર છે આનો ?

પ્રશ્નકર્તા : આધાર વગર તો હોય જ નહીં.

દાદાશ્રી : હા, પણ શું આધારે છે ત્યારે એ ?

પ્રશ્નકર્તા : કોઈ અદ્રશ્ય આધાર છે.

દાદાશ્રી : એટલે આ બધું શા આધારે ચાલે છે, કોણ ચલાવે છે, અત્યાર સુધી તો તમારાં મનમાં એમ જ લાગે છે હું ચલાવું છું, એવું લાગે છે ને ?

પ્રશ્નકર્તા : ના, અમારા આધારે ના ચાલે.

દાદાશ્રી : ત્યારે કોણ ચલાવે છે એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : કોઈ અદ્રશ્ય શક્તિ છે, જેનાં આધારે એ ચાલે છે, નહીં તો ચાલી ના શકે.

દાદાશ્રી : ના, પણ તે શક્તિ જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી એને સોંપીએ નહીં આપણે. જાણીએ ત્યાર પછી સોંપીએ. જાણીએ નહીં ત્યાં સુધી આપણી પોતાની પાસે જ રાખીએ. તમને કેમ લાગે છે ?

હું જાણું છું કે આ તમે સહજ રીતે આવ્યા છો. એ તમારું ઈગોઈઝમ તમને એમ દેખાડે, કે હું હતો તો થયું, ભેગા થયા, આમ થયું, તેમ થયું, તમે એડજસ્ટમેન્ટ કરી લ્યો છો, બસ એટલું જ છે. બધું સ્વાભાવિક ક્રિયા થઈ રહેલી છે.

પ્રશ્નકર્તા : એમ થતું હોય, તો આ બધું સહજ રીતે ચાલે છે, એમ જ થયું ને ?

દાદાશ્રી : સહજ રીતે ચાલે છે આ બધું. આ સહજ રીતે ચાલે છે એવું જ્યારે જ્ઞાન થશે, ત્યારે આત્માનું ભાન થશે અને જ્યાં સુધી 'હું ચલાવું છું', ત્યાં સુધી ડખો.

પ્રશ્નકર્તા : તો આ આનું કોઈ પરમ તત્ત્વ એવું નથી, કે જે આ બધાને ચલાવે છે, આ વિશ્વને ચલાવવા માટે ?!

દાદાશ્રી : કોઈ ચલાવનારો જન્મ્યો નથી, છે ય નહીં ને હશે ય નહીં ને થશે ય નહીં.

પ્રશ્નકર્તા : તો પછી આ બધું ચાલે છે, તેને શું કહેવાય ?

દાદાશ્રી : આ બધું ચાલે છે, નિયંત્રણ ખોળે છે. ખોળનારાં જે માણસો છે ને, એ બુદ્ધિશાળી છે. અને બુદ્ધિશાળીઓ એટલે અહંકારીઓ. જેટલાં બુદ્ધિશાળીઓ છે, એટલા બધા અહંકારીઓ. કારણ કે બુદ્ધિ કોને કહેવાય છે ? અહંકારી જ્ઞાન, એનું નામ બુદ્ધિ અને નિર્અહંકારી જ્ઞાન, એનું નામ જ્ઞાન.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો નહીં કે વિચાર ના કરવો ?

દાદાશ્રી : વિચાર તો, નહીં કરવાનું હું કશું કહેતો જ નથી અને કરવાનું ય નથી કહેતો. વિચાર જે કરો છો ને, તે થઈ જાય છે. તમે કરતા નથી, થઈ જાય છે વિચાર.

પ્રશ્નકર્તા : તો પછી અહંકારી કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : અહંકારી તો, હું વિચાર કરું છું, એમ કહે છે. એટલે વિચાર કર્યા વગર ચાલે નહીં, એમ તેમ બધું બોલે છે. અરે, વિચાર તો થઈ જાય છે.

અહંકાર એટલે તમે જો કર્તા હો કોઈ વસ્તુના અને ખરેખર કર્તા હો તો અહંકાર ગણાય નહીં. તમે ના કરતા હોય ને કરતો હોય બીજો, ને તમે કહો કે હું કરું છું, તો એ અહંકાર કહેવાય. આ હું નથી કરતો, એમ માને પણ તું કોણ ? ત્યાં જાણતો નથી એેટલે ત્યાં કર્તા બોલવું જ પડે, એને કર્તાનો ગુનો લાગુ થાય છે. કર્તા બોલવું પડે પરાણે અને ગુનો લાગુ થાય અને એ ગુનાનું પાછું ફળ મળે.

કર્તાપદની બેઠી રોંગ બિલિફો !

પ્રશ્નકર્તા : તો કરનાર સ્વતંત્ર છે ?

દાદાશ્રી : સ્વતંત્ર જ છે કરનાર, પણ ભ્રાંતિ સ્વરૂપે છે. પોતે કર્તા નથી ને આરોપ કરે છે ખાલી. આ જગતમાં કોઈ કર્તા છે જ નહીં. પોતે કર્તા નથી છતાં આરોપ કરે છે કે હું કરું છું. ઓપરેશન બીજા કોઈ કરે છે અને તમે આરોપ કરો છો કે હું કરું છું. તેથી નરસિંહ મહેતાએ કહ્યું ને કે,

'હું કરું, હું કરું' એ જ અજ્ઞાનતા,
સકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિમંડાણ છે, સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરાં કો'ક જાણે.'

તે આ જોગી જોગેશ્વરાં એટલે આત્મજ્ઞાની અથવા આત્મયોગેશ્વર એ જ જાણે. બાકી, આ જગત શી રીતે ચાલે છે, એવું કોઈ જાણે નહીં.

જ્યાં કરું ત્યાં પરમાત્મા નહીં, ને જ્યાં પરમાત્મા ત્યાં કરું નહીં. જ્યાં સુધી 'હું કરું છું' એકલું નહીં, તે કરે છે, તેઓ કરે છે, આ ત્રણ શબ્દો હોય, ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થયા નથી. મારા મનમાં એમ થયું કે 'હું કરતો નથી' પણ કો'ક કરે છે એમ માને ને, તો ય ભ્રાંતિ ! કોઈ કરતું જ નથી ખરેખર. કોઈ આ કરે છે તેમ કહેવું તે ગુનો છે. કોઈ આ નથી કરતો તે કહેવું પણ ગુનો છે. અને 'હું કરું છું' તેમ બોલવું તે ય ગુનો છે. ઉદયકર્મ કરાવે છે ને, કહે છે કે 'આણે આમ કર્યું.' આ તો કરે છે કો'ક અને કહે છે 'મેં કર્યું.' કારણ કે એ જાણી જોઈને નથી કહેતો, એને એવું ભાસે છે કે 'હું જ કરું છું.' આ બીજું કોઈ છે જ નહીં, આ દેખાતું નથી. દાદાએ જ પ્યાલો ફોડ્યો. 'અલ્યા મૂઆ ! મેં તો ઠેઠ સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. મેં ક્યાં ફોડ્યો છે ?' ત્યારે કહે, 'બીજું કોઈ હતું જ નહીં પણ ! તમે જ ફોડ્યો.' હવે આ બધું શી રીતે બિલિફ જડે ? અને પાછો 'હું વાળ કપાઈ આવ્યો' કહે છે. તે આપણે કહીએ, 'તમે કપાવી આવ્યા ?' ત્યારે કહે, 'કોણ કપાવી આવ્યો ?'

આખો દહાડો બેસી રહેતો હોય, નર્યા ગુના જ થયા કરે. કારણ કે 'હું કર્તા છું' એ ભાન સહિત છે. એટલે મશીન બંધ રાખો, પણ તેલ તો ખાયા જ કરવાનું ને ! બધી ક્રિયાઓ ખાવા-પીવાની થાય એટલે મશીન તો બધું એ ચાલ્યા જ કરવાનું, કર્તાભાવ !

ખરેખર પોતે કર્તા નથી પણ એને 'રોંગ બિલિફો' બેસી ગઈ છે. કર્તા તો એક ક્ષણવાર પણ 'પોતે' થયો જ નથી ! હવે એ 'રોંગ માન્યતા' કાઢી નાખે પછી એ જતું રહે !

છૂટે દેહાધ્યાસ તો...

દેહાધ્યાસ જાય ત્યાર પછી 'હું શુધ્ધાત્મા છું' બોલાય. દેહાધ્યાસ ના ગયો હોય ત્યાં બોલાય નહીં. દેહાધ્યાસ એટલે 'હું ચંદુભાઈ છું. આ દેહ તે હું છું અને કર્તા હું છું.' આ ભાન એ દેહાધ્યાસ કહેવાય. આ જ્ઞાન લીધા પછી એવું તમને (મહાત્માને) રહ્યું છે હવે ? એ દેહાધ્યાસ ગયો. ત્યારે એ શુધ્ધાત્મા કહેવાય. 'દેહ હું છું' એવી તમને રોંગ બિલિફ હતી ખાલી અને 'હું કરું છું' તે ય રોંગ બિલિફ. રોંગ બિલિફ જાય એટલે રાઈટ બિલિફ બેસી જાય. તે મોક્ષનો અધિકારી થઈ ગયો !

એટલે એ સૂક્ષ્મ જ્ઞાનને પામે નહીં એ લોકોને દેહાધ્યાસ છૂટે નહીં ત્યાં સુધી કર્તાપણું છૂટે નહીં. કર્તાપણું છૂટે નહીં ત્યાં સુધી ભોક્તાપણું છૂટે નહીં. સંસાર ચાલ્યા જ કરે.

તો પોતાની સાચી શક્તિ કઈ ?

પ્રશ્નકર્તા : તો આમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય ને ! સંડાસ જવાની પણ કોઈની શક્તિ નથી...

દાદાશ્રી : વર્લ્ડમાં કોઈની નથી. મેં કહેલું ને !

પ્રશ્નકર્તા : આ બધી શક્તિ મારી નથી તો શક્તિ છે કોની ?

દાદાશ્રી : તારી શક્તિ કઈ છે તે તું જાણતો નથી, નહીં ?

પ્રશ્નકર્તા : તમે તો ઉડાડી નાખીને ! મારી શક્તિ કઈ તો પછી ? પણ એ તો મારી શક્તિ ધારતો હતો ને તમે કાઢી નાખી.

દાદાશ્રી : તારી શક્તિ તો જેટલું સત્ય જ્ઞાન તને થયેલું હોય, જેટલું સત્ય અજવાળું, પ્રકાશ મળેલો હોય, એટલું જ આ સાચું છે ને આ ખોટું છે તું સમજી શકું. એટલું જ છે તારી શક્તિ ! આ સારું છે અને આ ખોટું છે, એ સમજવાની શક્તિ તારી પોતાની ! જેટલો પ્રકાશ મળ્યો હોય એટલો તું સમજી જઉં, તેના કરતાં હું ઘણું સમજું છું. કારણ કે દરેક વ્યક્તિ જેટલો જેટલો પ્રકાશ પોતાને મળ્યો એટલો એ સમજી શકે. તને ઠોકરો વાગે છે કે નથી વાગતી ?

પ્રશ્નકર્તા : ક્યારેક વાગે છે.

દાદાશ્રી : તું રસ્તાની ઠોકરની વાત કરું છું ?

પ્રશ્નકર્તા : હા, એ જ.

દાદાશ્રી : અરે, જે અથડાયો તે બધી જ ઠોકર. મતભેદ એટલે અથડામણ અને અથડામણ એટલે ઠોકર. તે તારે અથડામણ થાય છે એવી ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : તો પછી ઠોકરો ખઉં છું, તે અજવાળું શી રીતે હોય ? અજવાળું હોય તો ઠોકર ના ખાય.

પ્રશ્નકર્તા : પણ સંપૂર્ણ અજવાળું હોય તો જ ઠોકર ના ખવાય ને ?

દાદાશ્રી : ના. પણ થોડું ઘણું અજવાળું હોય તો થોડી ઘણી ઠોકરો ના ખાય, બીજી બધી તો ખાય ને !

જ્ઞાની સમજાવે વિજ્ઞાનને !

આ કરે છે કોણ ? લોકો જાણે કે 'હું કરું છું.' તે કમાયો ત્યાં સુધી કહેશે કે હું કમાયો અને પછી ખોટ જાય ત્યારે કહેશે, ભગવાને ઘાલી ! નહીં તો કહેશે, અમારે ત્યાં ઘોડી લીધી છે, ત્યારથી અમારી દશા વાંકી બેઠી છે. એટલે આ બધા ખોટા આરોપ કર કર કર્યા કરે છે. નથી ભગવાનેય કર્તા, કારણ કે આ દુનિયાને ભગવાને એક મિનિટેય ચલાવી નથી !

પ્રશ્નકર્તા : આ નવી વાત લોકોને સમજાવી દોને ! એટલે ઉકેલ આવી જાય.

દાદાશ્રી : આ બધાને તો સમજાવી દીધા છે અને અત્યાર સુધી મને જે ભેગા થયા છે, એમને પણ હું આ જ સમજાવ સમજાવ કરું છું.

અને આપણું 'આ' તો સાયન્સ છે, વિજ્ઞાન છે. અહી ધર્મેય ના હોય ને અધર્મેય ના હોય. અહીં ધર્મ અને અધર્મને ધક્કો મારવાનો ના હોય. અહી 'કરવાનું' કશું હોય નહીં. જ્યાં કર્તાપદ જ ઊડી જાય એ વિજ્ઞાન કહેવાય. ધર્મમાં 'કરવાનું' હોય અને અહીં 'જાણવાનું' હોય. 'આ' મુક્તિ માટેનું વિજ્ઞાન છે.

વિજ્ઞાન સમજે તો ઉકેલ !

પ્રશ્નકર્તા : પછી આ કઈ શક્તિથી જગત ચાલે છે ?

દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, સંયોગિક પુરાવાઓ ભેગા થઈને કાર્ય થાય છે. નહીં તો કાર્ય થાય નહીં. એ સંજોગો ભેગા કરનારી એક શક્તિ છે જે વ્યવસ્થિત નામની શક્તિ છે. એ બધાં સંયોગો ભેગા કરી આપે.

પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત શક્તિ એ ભગવાનની શક્તિ છે ?

દાદાશ્રી : ના, ના. વ્યવસ્થિત શક્તિ ભગવાનની શક્તિ હોય તો તો ભગવાન જ કહેવાય ને ? એ ભગવાનની શક્તિ ન્હોય. ભગવાને ય એ શક્તિના તાબામાં ને ! જો કૃષ્ણ ભગવાનને તીર વાગ્યું, તે કેટલી બધી પાણીની તૃષા છૂટી, પણ પાણી આવતાં પહેલાં દેહ છૂટી ગયો.

પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત ઉપર કોઈનો ય કાબૂ નહીં ?

દાદાશ્રી : કોઈનો ય કાબૂ નહીં. આ તો બધા જે કાબૂ બોલે છે તે એ તો લોકોને ભમાવે છે. 'હમ ઐસા કર દેંગે ને ઐસા કર દેંગે' એ તો લોકોને ભમાવવાની વાતો છે. તે લોકો ય બિચારા બાળા-ભોળા છે તે ફસાય છે.

પ્રશ્નકર્તા : દાદા, તમે જે કહો છો વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, 'એ કેવી રીતે ચલાવે છે' એ સમજાવો.

દાદાશ્રી : આપણે આ દૂધ હોય ને, તે મણ દૂધ હોય, એની મહીં આટલું દહીં આપણે નાખ્યું, સારું દહીં. પછી હલાવી અને પછી મૂકી દઈએ. પછી કઈ શક્તિ એને દહીં બનાવતી હશે ?!

પ્રશ્નકર્તા : કુદરત.

દાદાશ્રી : એ જ વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ એટલે બીજા જે સંજોગોની જરૂર છે, એ સંજોગો બધાં ભેગાં થઈને બધું થઈ રહ્યું છે.

આ તો 'વ્યવસ્થિત' ઉઠાડે છે અને 'વ્યવસ્થિત' સૂવાડે છે. બધું 'વ્યવસ્થિત' જ કરાવે છે. પણ આ પોતાને સમજાતું નથી. બધાં સંજોગો ભેગાં થાય ત્યારે ખીચડી થાય. આમાં ચૂલો એમ ના કહે કે 'મેં કરી', તપેલું એમ ના કહે કે 'મેં કરી', પણ આ મનુષ્ય એકલો જ બોલી ઊઠે કે 'મેં કરી'. કારણ કે બીજી બધી વસ્તુઓમાં અહંકાર નહીંને ? અને આ મનુષ્ય એકલામાં જ અહંકાર, એટલે માની બેસે કે મેં જ કરી ! 'મેં કરી' થયું કે પોતે કર્તા થઈ ગયો. અને કર્તા થયો તેનું તેને નિયમથી જ ભોક્તા થવું પડે. અને જ્યાં સાચું જ્ઞાન હાજર થાય કે આ તો બધાં જ સંજોગો ભેગા થવાથી ખીચડી બની. મેં એકલાએ જ નથી કરી, તો તે કર્તા નથી થતો ને તેનું પછી ભોક્તાપણું પણ તેને આવતું નથી.

જય સચ્ચિદાનંદ