આ કાળમાં ખૂલ્યો મોક્ષમાર્ગ ! સંપાદકીય અત્યાર સુધી મોક્ષ બાબતની જાણકારી જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાં એમ જ જણાવ્યું છે કે મોક્ષ બંધ થઈ ગયો છે. આ કાળમાં મોક્ષ થાય નહીં. હવે ઊંચી દેવગતિમાં જવાય એવાં કર્મ બાંધો. પછી આવતી ચોવીશી શરૂ થશે ત્યારે તીર્થંકર ભગવાન પાસે જન્મ લઈ મોક્ષ પામીશું. પરંતુ કરૂણા સાગર એવાં જ્ઞાની પુરુષ, દાદાશ્રી પોતે ગેરન્ટીથી કહી જાય છે, અમે મોક્ષ સ્વરૂપ પામ્યા છીએ અને તમને બે કલાકમાં મોક્ષની પ્રાપ્તિ કરાવી આપીએ. મોક્ષ બે સ્ટેજે છે - એક કારણ મોક્ષ, બીજ સ્વરૂપે અને બીજો કાર્ય મોક્ષ, ફળ સ્વરૂપે. બીજ સ્વરૂપના મોક્ષમાં શુદ્ધાત્માના લક્ષ સહિત સંસારમાં રહીને આધિ-વ્યાધિ ને ઉપાધિમાં પણ સંસારી દુઃખ અડે નહીં ને સમાધિ રહે. જ્યારે ફળ સ્વરૂપના મોક્ષમાં તમામ કર્મો, પરમાણુ માત્રથી આત્યંતિક મુક્તિ થાય ને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે અને સિદ્ધદશાના પદને પ્રાપ્ત કરે. બીજો મોક્ષ આ કાળમાં, આ ક્ષેત્રથી નથી, પણ મહાવિદેહક્ષેત્રમાંથી શ્રી સીમંધર સ્વામીના ચરણોમાં સ્થાન પામીએ તો ત્યાંથી એ મોક્ષ ખુલ્લો જ છે. આ ક્ષેત્રમાં એકાવતારી મોક્ષપદ પમાય તેવું છે. એટલે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એક જ ઉપકારી નિમિત્ત છે, મોક્ષદાતા પુરુષનું. મોક્ષદાતા પુરુષની ઉપલબ્ધી દુર્લભ હોય છે દરેક કાળમાં, તેથી મોક્ષ દુર્લભ દુર્લભ ગણાવ્યો છે. બાકી શ્રીમદ્ રાજચંદ્રે ચોખ્ખું લખ્યું છે કે મોક્ષ સુગમ છે, સરળ છે, સહજ છે, પોતાનો સ્વભાવ જ છે, પણ મોક્ષદાતા પુરુષની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. પરમ પૂજ્ય દાદાશ્રીની ભવોભવની તીવ્ર ભાવના હતી કે જગતનું કલ્યાણ થાવ, જગત મોક્ષમાર્ગને પામો, જીવો મોક્ષપદને પામો અને એવી તીવ્ર ઝંખનાના ફળરૂપે 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવાં આ જ્ઞાન અવતાર સ્વરૂપે તેઓ આપણી વચ્ચે આવ્યા - અજાયબ અક્રમ માર્ગ ખુલ્લો કર્યો, જેમાં સંસારીઓને પણ બે કલાકમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે ! જે મોક્ષમાર્ગ એમના ગયા પછી પણ ખુલ્લો રહ્યો છે ! પૂજ્ય નીરુબહેન અમીનના નિમિત્તે આત્મજ્ઞાનની બે કલાકમાં જ પ્રાપ્તિ આજે પણ થાય છે, જેનો લાભ હજારો મુમુક્ષુઓ લઈ રહ્યા છે. દીપકના જય સચ્ચિદાનંદ ... મોક્ષમાર્ગને પામો ! 'અમારી' એક ઇચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે, જગત મોક્ષમાર્ગને પામે ! મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઇલ ચાલે ત્યારે. જ્ઞાની પુરુષ : મોક્ષદાતા ! એક એક ઇન્ડિયનમાં વર્લ્ડ ધ્રુજાવે એવી શક્તિ પડી છે. અમે આ ઇન્ડિયનને શાથી જુદા પાડીએ છીએ ? કારણ કે ઇન્ડિયન્સનું આત્મિક શક્તિનું પ્રમાણ છે માટે, પણ એ શક્તિ આજે આવરાઇ ગઇ છે, રૂંધાયેલી છે, એને ખુલ્લી કરવા નિમિત્ત જોઇએ, 'મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ, તો શક્તિ ખુલ્લી થાય. જેને કોઇ પણ દુશ્મન નથી, જીવમાત્ર પણ દુશ્મન નથી એવા 'મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ. મોક્ષમાર્ગમાં શોર્ટકટ ! વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઈતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઈએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઈતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે. મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાંય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં, અન્ય માર્ગ છે. 'જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઈ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારેય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે ! આ 'જ્ઞાન' તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત 'અક્રમ' છે. દ્રષ્ટિ જ આખી બદલાઈ જાય છે. ત્યાંથી શરૂ મોક્ષમાર્ગ ! મોક્ષમાર્ગ સુગંધીદાર છે. જ્યારથી એની આરાધના કરે ને, ત્યારથી સુગંધી ફેલાય. મોક્ષમાર્ગ શરૂઆતથી જ સુગંધીવાળો માર્ગ છે. મોક્ષમાર્ગ શરૂ કર્યો કોને કહેવાય ? જે મોક્ષ સ્વરૂપ થઈ ગયા છે, એવા જ્ઞાની પુરુષની પાછળ ચાલવા માંડવું એટલે મોક્ષમાર્ગ શરૂ થયો ! એમની પાછળ ચાલવાનું નક્કી કર્યું કે હવે વહેલે-મોડે પણ આમની પાછળ જ જવું છે હવે. એટલે મોક્ષમાર્ગ શરૂ થઈ ગયો, એની મુક્તિ અવશ્ય થવાની. બંધ, મોક્ષમાર્ગ કે મોક્ષ ? પ્રશ્નકર્તા : એમ કહે છે કે પાંચમા આરામાં મોક્ષ નથી. દાદાશ્રી : મોક્ષ નથી પણ મોક્ષનો માર્ગેય નથી, એમ કહે છે ? પ્રશ્નકર્તા : માર્ગ તો છે જ ને ! દાદાશ્રી : માર્ગ હોય તો મોક્ષ હોય જ. પ્રશ્નકર્તા : માર્ગ છે. પણ એ માર્ગે વ્યક્તિ જઈ શકતી નથી. એટલે એમ કહેવું છે કે અહીંથી મોક્ષ બંધ છે. એટલે પછી મોક્ષ કેમ થાય ? દાદાશ્રી : અહીંથી મોક્ષ બંધ છે, પણ એકાવતારી થવાય છે. એક અવતાર બાકી છે એટલું કપાય છે. એક અવતાર પછી મોક્ષ થાય તો વાંધો ખરો ? પણ આ દેહે અહીં જ મોક્ષ થઈ જાય પાછો ! અહીં જ મોક્ષ થઈ જાય પછી શું જોઈએ આપણે ? આ દેહે અહીં મોક્ષ થાય, વેપાર કરતા હોય તો યે મોક્ષ વર્તે. બીજો કયો મોક્ષ જોઈએ આપણે ? પછી એક અવતાર બાકી રહે. તે મહાવિદેહ ક્ષેત્રે જઈને ઉકેલ આવી જાય. પ્રશ્નકર્તા : ભલે એક અવતાર બાકી રહે પણ અહીંથી મોક્ષનું બંધાઈ શકે છે ! દાદાશ્રી : અહીં અનુભવ થાય અને મોક્ષમાં જ રહેલો હોય. આ હું મોક્ષમાં જ રહું છું. અઠ્ઠાવીસ વર્ષથી મોક્ષમાં રહું છું, નિરંતર મોક્ષમાં ! એવું તમે પણ રહી શકો છો. આ કાળમાં મોક્ષ છે ?! પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ નથી એમ જે કહે છે એ શું છે ? એ ખરું છે ? દાદાશ્રી : ભગવાને કહેલું વાક્ય એ ક્યારેય પણ ખોટું ના થાય; પણ મહાવીર ભગવાને શું કહેલું કે, 'આ કાળમાં આ ક્ષેત્રેથી જીવ મોક્ષે જઇ શકશે નહીં', તે લોકો ઊંધું સમજ્યા. આમાં કેટલાંકે કહ્યું કે, 'મોક્ષ નથી.' તેથી એ બાજુ જવાનું છોડી દીધું અને લોકો પણ એ પ્રવાહમાં ખેંચાયા ! પણ પ્રવાહમાં આપણે પણ ખેંચાવવું એવું કોણે કહ્યું ? ભગવાને શું કહ્યું કે, 'આ કાળમાં આ ક્ષેત્રે એક લાખ રૂપિયાનો ચેક મળતો નથી, પણ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો (૯૯,૯૯૯.૯૯) ચેક મળી શકે તેમ છે.' અલ્યા, આ કાળમાં ૯૯,૯૯૯ રૂપિયા ને ૯૯ પૈસા સુધી તો મળે છે ને ? આ તો ઉપરથી છૂટા પૈસા મળ્યા ! તે કેન્ટિનમાં ભજિયાં-બજિયાં ખાવાં હોય, તો ય છૂટા પૈસા ચાલે ને ? અત્યારે તે રૂપિયાનું પરચુરણ લે તો ય પાંચ પૈસા કમિશન લઇ લે છેને ? અમે આ કાળમાં નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો ચેક આપી શકીએ તેમ છીએ. આ લોકોને 'મોક્ષ નથી' એટલી ખબર પડી, તો ક્યાં સુધી માર્ગ ખુલ્લો છે ? એ તો ખોળી કાઢ ! આ વડોદરા સુધી ગાડી જતી નથી, પણ સરહદ સુધી જાય છે, તો તે ગાડીમાં બેસી જવું જ જોઇએ ને ? પણ આ તો ઘેરથી જ નીકળતો નથી તે ઘરના દરવાજા જ વાસી દીધા છે ! આવી અણસમજણ ઊભી થઇ જાય, એમાં કોનો દોષ ? આ તો 'એક જ પૈસો નથી.' એટલું જ 'જ્ઞાની પુરુષ' કહેવા માગે છે. આ છ આરામાં અસલમાં અસલ, સારામાં સારો કાળ, એ પાંચમો આરો છે. એને તો 'ભઠ્ઠીકાળ' કહ્યો છે. આ તો એક બાજુ સાયન્ટિસ્ટ છે ને બીજી બાજુ ભઠ્ઠી છે, તો પછી ગમે તેવું છાશિયું સોનું હોય તો ય ચોખ્ખું સોનું ચોક્સી કાઢી આપશે ! છઠ્ઠા આરામાં ચોક્સી નહીં હોય ને ભઠ્ઠી એકલી હશે. પાંચમા આરામાં તો મહાવીર ભગવાનનું લાંબામાં લાંબું શાસન છે. આગળના તીર્થંકર ભગવાનનાં શાસન તો ભગવાન નિર્વાણ પામે ત્યાં સુધી રહેતાં અને આ મહાવીરના નિર્વાણ પછી એકવીસ હજાર વર્ષ સુધી શાસન રહેશે ! આ લોકો કહે છે કે, 'મોક્ષ બંધ થઇ ગયો છે.' આવું બોલે છે, તે તેમની દશા શી થશે ? આ તો 'મોક્ષ બંધ છે' કરીને બીજા કાર્યોમાં પડી ગયા અને મોક્ષમાર્ગ બાજુએ રહી ગયો. આ શાના જેવું છે ? આ સાલ દુકાળ પડ્યો હોય તે કહે કે, 'અલ્યા, હવે ખેતરમાં ઓરશો જ નહીં, બિયારણ નકામું જશે.' વરસાદ આ સાલ ના પડ્યો તેથી બિયારણ નકામું જશે, એમ કરીને બેસી રહે તેના જેવું છે ! એટલે પાંચમા આરામાંથી મોક્ષે સીધો ના જઈ શકે. એક અવતાર કરીને પછી મોક્ષે જાય એટલે એક-બે સ્ટેશન કરે પણ એને મોક્ષનો સિક્કો મળી ગયો છે. જ્ઞાની પુરુષ મોક્ષનો સિક્કો મારી દે. પછી એને કોઈ રોકે નહીં. 'કારણ મોક્ષ' પ્રાપ્ત ! ભગવાને કહ્યું કે 'આ કાળમાં, મોક્ષ બંધ છે પણ મોક્ષમાર્ગ બંધ નથી થયો, મોક્ષમાર્ગ ચાલુ છે.' લોકોએ જાણ્યું કે મોક્ષ બંધ થઇ ગયો, એટલે આડા માર્ગે ચાલવા માંડ્યું છે. એકવીસ હજાર વર્ષ જેનું શાસન છે, તો મોક્ષમાર્ગ બંધ થઇ ગયો હોત તો તે શાસનની જરૂર જ શી છે ?! તે સમજ્યા નહીં. અહીં 'કારણ મોક્ષ' થઇ જાય છે. મોક્ષમાર્ગથી 'કાર્ય મોક્ષ' નથી થતો, તે મોક્ષ ૯૯,૯૯૯ સુધી પહોંચે છે, લાખ પૂરા થતા નથી. મોક્ષ બે પ્રકારના છે : (૧) કાર્ય મોક્ષ (૨) કારણ મોક્ષ. આ કાળમાં 'કારણ મોક્ષ' ચાલુ છે અને 'કાર્ય મોક્ષ' બંધ છે. 'કારણ મોક્ષ' થયા પછી એક અવતાર કરવો પડે. અમે કલાકમાં 'કારણ મોક્ષ' આપીએ છીએ. અત્યારે તો ગજબનો મોક્ષમાર્ગ ચાલુ છે. 'અમે' શાસનના શણગાર છીએ ! કર્મો કોમ્પ્લેક્સ ને કોમ્પ્રેસ ! પ્રશ્નકર્તા : આ કાળમાં કેમ મોક્ષ ના થાય ? દાદાશ્રી : પચ્ચીસસો વર્ષ પહેલાં મોક્ષ થઇ શકતો હતો. આ કાળમાં મોક્ષ શાથી બંધ છે ? કર્મો એટલાં બધાં લઇને આવેલા છે કે સાઇકલ, મોટર, બસ, પ્લેન, ટ્રેનમાં ફરે છે, છતાં કામ પૂરાં થતાં નથી. તે કર્મો કોમ્પ્લેક્સ થઇને આવેલાં છે તેથી આ કાળમાં અહીંથી મોક્ષ થતો નથી. કોઇ કાળે મનુષ્યોનું આવું પૂરણ નહોતું થયું, તે આ કાળમાં મનુષ્યોનું પૂરણ એવું થયું છે તે હવે ગલન થઇ રહ્યું છે. આ બધા મનુષ્યો વધારે ક્યાંથી આવ્યા ? ત્યારે કહે, તિર્યંચની રીટર્ન ટિકિટ લઇને મોટા ભાગના ઘૂસી ગયા છે ! ૩૨ માર્કે ગધેડો થાય ને ૩૩ માર્કે માણસ થાય, તો એમાં એક માર્ક તો દેહમાં વપરાઇ ગયો. માત્ર મનુષ્યનો ફોટો પડે, પણ મહીં ગુણ તો પશુના જ રહે ! એવું વિચિત્ર આ કાળમાં થઇ ગયું છે. મોક્ષની કેડી એટલી બધી સાંકડી છે કે એક જીવ મહાપરાણે મોક્ષે જાય. છતાં પણ નિયમના હિસાબથી એક સમયમાં ૧૦૮ જીવ જાય છે, પણ આખા બ્રહ્માંડના પ્રમાણમાં આનો તો હિસાબ જ નહીને ! અને આ ભરતક્ષેત્રમાંથી તો ત્રણ કે ચાર જ જણ મોક્ષે જાય, પણ તે ય અત્યારે આ કાળમાં બંધ થઇ ગયું છે અને આવા કાળનાં ચાર આરા બંધ રહેશે ! જેને છૂટવું છે એને ...આ તો અમે કહીએ છીએ કે, 'મોક્ષમાર્ગ ખુલ્લો છે.' તો એ બાજુ હિલચાલ ચાલુ થઇ જાય અને એથી ઊંચે જવાય. મોક્ષે જવું એ આત્માનો સ્વભાવ છે, પુદ્ગલ એને નીચે ખેંચે છે; પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જ જીતશે. પુદ્ગલમાં ચેતન છે નહીં, તેથી તેનામાં કળા ના હોય અને ચેતન એટલે કળા કરીને ય છૂટી જાય. જેને છૂટવું જ છે એને કોઇ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઇ છોડી શકે નહીં ! 'મોક્ષ નથી' એવું કહ્યું એટલે છૂટે શી રીતે ?! અલ્યા, મોક્ષ નથી પણ મોક્ષના દરવાજાને હાથ અડાડી શકાય છે અને અંદરના બધા મહેલ દેખાય છે, દરવાજા ટ્રાન્સપેરેન્ટ છે; તેથી અંદરનું બધું જ દેખાય એવું છે ! પણ આ તો શોરબકોર કરી મૂક્યો કે, 'મોક્ષ નથી, મોક્ષ નથી.' પણ આ તને કોણે કહ્યું ? તો કહે કે, 'આ અમારા દાદાગુરુએ કહ્યું, પણ દાદાગુરુ જોવા જઇએ તો હોય જ નહીં ! આ તો 'વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું.' એના જેવું છે. તે કો'ક બહાર નીકળ્યો હશે તે બૂમાબૂમ કરી મૂકે કે 'શું છે ? શું છે ?' ત્યારે બીજો ઠોકાઠોક કરે કે 'ચોર દીઠો' ને તેથી શોરબકોર મચી ગયો ! આવું છે !! છે કશું જ નહીં ને ખોટો ભો ને ભડકાટ !! પણ શું થાય ? આ લોકોને ભસ્મકગ્રહનું ભોગવવાનું હશે, તેથી આવું થયું હશે ને ? પણ હવે તો એ બધું પૂરું થવાનું એ નક્કી જ છે ! એનાં કારણો સેવવાં પડે ! મુક્તિનાં કારણો કો'ક ફેરો ભેગાં થાય છે. જેને મુક્તિ જોઈતી હોય તેને મુક્તિનાં કારણો સેવવાં પડે, નહીં તો બંધનનાં કારણો તો છે જ, એની મેળે. આ બંધનનાં કારણો મફતમાં ભેગાં થાય છે ને ! લપસવાનું એટલે તો બંધનનાં કારણો. લપસ્યો એ લપસ્યા જ કરે. એટલે આ મુક્તિનો માર્ગ આવો કો'ક વખત નીકળે, ત્યારે લોકોને જાતજાતના અંતરાય હોય. એ અંતરાય કર્મ તો એવાં હોય કે એને જમવાની થાળી આવી હોય તો ય જમવા ના દે. તૈયાર ભાણું હોય, તો ય જમવા ના દે ! માર્ગ કપાવે ભોમિયો ! એ તો લોક કહેશે, ભગવાન આપણને મોક્ષે લઈ જાય ત્યારે મોક્ષે જવાશે ! અલ્યા, ભગવાન મોક્ષે લઈ જાય, એવું તો નહીં જોઈએ. એના હાથમાં શું સત્તા છે, કે તે મોક્ષે લઈ જાય ? મોક્ષનો માર્ગ જ મોક્ષ આપે છે. મોક્ષના માર્ગ ઉપર કોણ લઈ જાય છે ? મોક્ષમાર્ગના ભોમિયા ! અને એમના આધારે મોક્ષમાર્ગ પર ચાલ્યા, એટલે ઠેઠ મોક્ષનું સ્ટેશન આવીને ઊભું રહેશે. નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ ! મોક્ષ હશે કે નહીં ? પ્રશ્નકર્તા : હા. એ તો વિશ્વાસ છે, માટે માર્ગ પણ હશે અને એના જાણકાર પણ હશે ખરા ને ? દાદાશ્રી : હા. 'અમે' તેના જાણકાર છીએ. આ સાન્તાક્રુઝનો માર્ગ બતાવનાર તો મળી આવે, પણ મોક્ષનો માર્ગ તો બહુ સાંકડો અને ભૂલભૂલામણીવાળો છે, તેનો બતાવનાર મળવો અતિ દુર્લભ છે. તે જો મળી જાય તો એ 'મોક્ષદાતા' પાસેથી માગી લેવાનું હોય જ ને ! ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેંક ઇન ધી વર્લ્ડ ! અમે એક કલાકમાં જ તમારા હાથમાં રોકડો મોક્ષ આપી દઇએ છીએ. અહીં ક્યાં મહિના સુધી શ્રદ્ધા રાખવા કહીએ છીએ ? 'શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ' એમ જે કહે છે એમને તો આપણે ખખડાવીએ કે, 'પણ અમને શ્રદ્ધા આવતી નથી ને ! તમે કંઇક એવું બોલો કે જેથી અમને શ્રદ્ધા આવે !' પણ શું કરે ? દુકાનમાં માલ હોય તો આપે ને ? ક્રોધની દુકાનમાં શાંતિનું પડીકું માગવા જઇએ તો મળે ? પ્રશ્નકર્તા : ના મળે. દાદાશ્રી : ભગવાને શું કહેલું કે, 'મોક્ષ તો પા માઇલ જ છેટે છે અને દેવગતિ કરોડો માઇલ દૂર છે; પણ નિમિત્ત મળવું જોઇએ, એના વગર મોક્ષ નહીં મળે. જેનો મોક્ષ થયેલો છે એ જ મોક્ષ આપી શકે. આ તો બૈરી-છોકરાંને છોડીને ગયા અને માને કે માયા-મમતા છૂટી ગઇ. ના, તું જ્યાં જઇશ ત્યાં મમતા નવી વળગાડીશ, મમતા તો મહીં બેઠી બેઠી વધ્યા કરે. એ તો 'જ્ઞાની પુરુષ'નું જ કામ, જેમ દવા આપવી એ ડૉક્ટરનું કામ તેમ ! આ કરિયાણાવાળાને પૂછીએ કે, 'હાર્ટએટેક આવ્યો છે, તો દવા આપ.' તો એ શું કહે કે, 'જાવ ડૉક્ટર પાસે.' આ તો ભગવાનની વાત સમજ્યા નહીં ને ચોપડવાની દવા પી ગયા ! પછી થાય શું ? મોક્ષ પોતાની પાસે જ છે, આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષમાર્ગ કષ્ટદાયી નથી ! એવું છે ને, મોક્ષમાર્ગ બહુ સરળ છે ને સહેલો છે. આ બધા આવું જે લોકો કહે છે ને, તેવો માર્ગ નથી. હંમેશાં મોક્ષનો માર્ગ કષ્ટદાયી ના હોય. જો કષ્ટદાયી માર્ગથી મોક્ષ પ્રાપ્ત થતો હોય તો મોક્ષ પણ કષ્ટદાયી હોવો જોઈએ. પણ તેવું નથી મોક્ષમાર્ગ તો સહજ, સુગમ અને સરળ છે. ત્યાં ચિઠ્ઠી ચાલે જ્ઞાનીની ! આપણે જો મોક્ષે જવું હોય તો આપણે જ્યાં જઈએ ત્યાં તેમને એમ કહેવું જોઈએ કે, ભઈ, અમને કંઈ જલદી કરી આપો. ના હોય તો ચિઠ્ઠી લખી આપો. એમને આપણે વિનંતિ કરવી જોઈએ. પ્રશ્નકર્તા : એમ વિનંતી કરવાથી થોડું મોક્ષે જવાય ? દાદાશ્રી : કેમ ના જવાય ? જે જ્ઞાની પુરુષ છે એમની ચીઠ્ઠી ના ચાલતી હોય તો એ જ્ઞાની શેનાં ? જ્ઞાની પુરુષ અને તીર્થંકરમાં ફેર શું ? આ તીર્થંકર ભગવાનના દર્શન કરવાથી મોક્ષે જાય અને જ્ઞાની પુરુષની ચીઠ્ઠી જોઈએ. બસ એટલો ફેર. પ્રશ્નકર્તા : પણ જ્ઞાની લાયકાત પ્રમાણે ચિઠ્ઠી આપે ને ? દાદાશ્રી : લાયકાત તો મને ભેગો થયો એ લાયકાત ! તમે મને ભેગા થયા, તે હું તમને ઓળખતો નહોતો, તમે મને ઓળખતા ન હતા, તો કોણે ભેગા કરી આપ્યા ? બાકી એ લાયકાત તો વળી હોતી હશે આ દુષમ કાળમાં ? બેનો મોક્ષ ! બેનો મોક્ષ, ભગવાને કહ્યું છે, એક આત્મજ્ઞાની અને આત્મજ્ઞાનીના આશ્રયવાનનો. બીજા બધાનો મોક્ષ નથી. છોને, એ દોડધામ કરે ! એ નીચે ઉતરે ને ઊંચે ચઢે પણ એનો એ જ ! આ પલંગમાં આખી રાત આઘોપાછો થાય તેથી સવારમાં ત્યાંનો ત્યાં જ હોયને ? લોકોય એવું કહે કે કેમ ઊંધે રસ્તે ચઢી ગયા છો ? અલ્યા, છતો રસ્તો હતો જ ક્યાં તે ? આ તો અહીં કળીયુગમાં છતો રસ્તો ખુલ્લો થઈ ગયો !! ક્ષેત્રના કુદરતી કાયદા ! આ જ્ઞાન એકાવતારી જ્ઞાન છે. આ આપણી ભૂમિકાથી કોઈને મોક્ષ થાય નહીં. તે આપણે બીજી ભૂમિકામાં જવું પડે. એના માટે આપણે જાતે જવું પડે ? ના. ક્ષેત્રનો સ્વભાવ જ એવો છે કે એ ક્ષેત્રને લાયક હોય તે જીવને ખેંચી લે. પાંચમા આરાના જીવને ત્યાં ઉપર ખેંચે નહીં. પણ પાંચમા આરામાં ચોથા આરા જેવો જીવ હોય, સત્યુગમાંથી આવ્યો હોય તેવો જીવ હોય, તે બહુ જ ઓછા હોય, કોઈક જવલ્લે જ હોય, તે બીજા ક્ષેત્રમાં ખેંચાઈ જાય. અત્યારે આ મોક્ષના 'વીસા' અહીંથી કાઢી આપવામાં આવે છે. મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે સીમંધર સ્વામી વિચરે છે. અહીંથી ત્યાં જઈને તેમના દર્શનથી મોક્ષ થાય એટલે અમે અહીંથી 'વીસા' કાઢી આપીએ છીએ. તે પછી અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં જાય છે. અને ત્યાં સીમંધર સ્વામી પાસે બેસીને પછી ત્યાંથી મોક્ષે ચાલ્યો જાય. અત્યારે તો મહાવિદેહમાં જ ! પ્રશ્નકર્તા : અમારે મોક્ષ જોઈતો હોય તો મહાવિદેહ ક્ષેત્રમાં ગયા પછી જ મોક્ષ મળે ને? દાદાશ્રી : એ તો અત્યારે આ કાળ એવો છે એટલે મોક્ષને માટે ત્યાં જવું પડે અને પચ્ચીસસો વર્ષ ઉપર તો અહીં જ મોક્ષ થતો'તો. અત્યારે જરા કાળ બદલાયો છે એટલે એવું થયું છે. વીતરાગ, પણ ખટપટીયા ! પ્રશ્નકર્તા : ભગવાન મહાવીર સ્વામી તમે જેવું મોક્ષનું જ્ઞાન આપો છો તેવું જ્ઞાન, એવી જ રીતે આપતા હતા ? દાદાશ્રી : ના, એ જ્ઞાન આપે નહીં. એ તો વીતરાગ કહેવાય. એમને ગરજ જ નહીં આવી ! એમને કોઈ ગરજ ના હોય ! વીતરાગ !! અમે ખટપટીયા, તે આ બધી ખટપટ કર્યા કરીએ કે આવો, તમને મોક્ષ આપીએ. અને એવી પુણ્યૈ હશે બધાની, બાકી એ તો ખટપટ કરે નહીં. તેથી અમે કહીએ ને કે અમે ખટપટીયા વીતરાગ, કોઈ મને કહે કે આ શા સારુ ખટપટ કરો છો, તમે વીતરાગ છો તો યે ? હવે શું જોઈએ છે તમારે ? એવું કોઈ પૂછે ખરાં ને ?! આની પાછળ જગતનું કલ્યાણ થાય એવી ભાવના જ છે ખાલી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી તમારા જેવા ખટપટીયા ખરા ? દાદાશ્રી : ના, એ તો વીતરાગ કહેવાય. એમની પાસે તો આપણે કામ કઢાવી લેવાનું છે. પ્રશ્નકર્તા : પણ એમનો ભરતક્ષેત્ર સાથે ઋણાનુબંધ છે, કહે છે, તે આપણી જોડે કંઈ હશે ને ? દાદાશ્રી : હિસાબ તો ખરો જ ને ! જ્ઞાનીઓ તૈયાર કરીને માલ મોકલાવી આપે તે તીર્થંકર ભગવાનનાં દર્શન કરો એટલે કામ પૂરું થઈ ગયું. છેલ્લાં દર્શન એ વીતરાગોનાં, આ સંપૂર્ણ વીતરાગનાં દર્શન થયા એટલે કામ થઈ ગયું. નથી સ્થાન ત્યાં દાનત ચોરને ! પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીની સભામાં જેટલાને મહાવીર સ્વામીનાં દર્શન થયેલાં એ બધાનો મોક્ષ થયેલો ? દાદાશ્રી : બધાનો જ ક્યાંથી મોક્ષ થવાનો ? એમાં કેટલાંય હજુ તો અત્યારે અહીં રખડે છે. હજુ તો કાપડ ખેંચી ખેંચીને આપે છે. પ્રશ્નકર્તા : એવું કેમ, દાદા ? દાદાશ્રી : તો શું કરે ? કોણ મોક્ષે લઈ જાય આમને ? ત્યાં શું કરવાનો આ કચરો માલ બધો ? એવું છે ને, દાનતચોરને કોણ પેસવા દે ત્યાં મોક્ષમાં ? ત્યાં ભગવાન મહાવીર પાસે સભામાં બધા બેસી રહેતા હતા. કારણ કે એમની વાણી નીકળે ને, તે મધુરી વાણી હોય, એટલે સાંભળ્યા જ કરે. ઊઠવાનું મન ના થાય. પણ ત્યાં ય ભગવાનને ગાંઠે નહીં આ લોક તો ! એ એની ચટણીમાં જ એનું ચિત્ત હોય કે ઘેર જઈને 'આ' ચટણી ખાઈશું નિરાંતે ! મોક્ષ, શુભાશુભથી પર ! ભગવાને કહેલું કે, 'મોક્ષનો માર્ગ ના જડે તો અશુભમાં ના પડીશ, શુભ રાખજે. મોક્ષમાર્ગ મળે તો પછી શુભાશુભની જરૂર નથી.' ભગવાનનો માર્ગ તો શુધ્ધ માર્ગ છે, ત્યાં શુભાશુભ નથી, ત્યાં પાપ-પુણ્ય નથી. પાપ-પુણ્ય એ બન્નેય બેડી છે. જો મોક્ષનો માર્ગ ના મળે તો શુભમાં પડ્યો રહેજે. અશુભમાં પડીશ તો તું અશુભનું ફળ સહન નહીં કરી શકે. તું તો હિન્દુસ્તાનમાં ઊંચી નાતમાં જન્મેલો છે, માટે સાધુ-સંતની સેવા, દેવદર્શન કરીને, પ્રતિક્રમણ-સામાયિક, ઉપવાસ એ બધું કરીનેય શુભમાં પડ્યો રહેજે. શુભ એ ક્રિયામાર્ગ છે અને શુભ ક્રિયાનું ફળ પુણ્યૈ મળશે. અશુભ ક્રિયાનું ફળ પાપ મળશે, પુણ્યૈથી ક્યારેક 'જ્ઞાની પુરુષ' મળી શકે અને 'જ્ઞાની પુરુષ' તો ચાહે સો કરી શકે, તને રોકડો મોક્ષ આપી શકે. કારણ કે પોતે સંપૂર્ણ અકર્તા છે ! મહેનત ત્યાં મોક્ષ હોય ?! આ ચતુર્ગતિના માર્ગ બધા મહેનત માર્ગ છે અને બિલકુલ મહેનત વગરનો મોક્ષમાર્ગ ! 'જ્ઞાની પુરુષ' મળ્યા પછી તો મહેનત કરવાની હોતી હશે ? એ તો 'જ્ઞાની પુરુષ' જાતે કરી આપે. આ દાળ-ભાત-રોટલી મહેનત કરીને કરી શકે, પણ આત્મદર્શન એ જાતે ના કરી શકે; એ તો 'જ્ઞાની પુરુષ' કરાવે ને થઇ જાય. 'જ્ઞાની પુરુષ' મહેનત કરાવે તો તો આપણે કહીએ નહીં કે, 'મારું જ ફ્રેકચર થયેલું છે તો હું મહેનત શી રીતે કરી શકીશ ?' આ ડૉક્ટર પાસે જઇએ ને એ ડૉક્ટર કહે કે, 'દવા તારે લાવવાની, તારે જાતે વાટવા- કરવાની.' તો તો આપણે એ ડૉક્ટર પાસે આવત જ શું કામ ? આપણે જાતે જ ના કરી લેત ? તેમ 'જ્ઞાની પુરુષ' પાસે આવીએ અને મહેનત કરવી પડે તો અહીં (સત્સંગમાં) આવીએ જ શું કામ ? પણ 'જ્ઞાની પુરુષ' પાસે તપ-ત્યાગ, મહેનત કશું જ ના હોય. વાડામાં નથી મોક્ષ ! મોક્ષમાર્ગ ખોટો નથી. માર્ગમાં ભૂલો પડ્યો છે. મૂળમાં માર્ગ આ છે. પછી આગળ બે ફાંટા પડ્યા. એમાં એક ફાંટો મોક્ષમાર્ગનો, બીજો ફાંટો ભટકવાનો ફાંટો ! એક દહાડો અમે ચોખ્ખું કહી દેવાના છીએ કે આ વાડા-મત લઈને બેઠા છો તેથી એક પણ જણનું કલ્યાણ નહીં કરો. તો આ બધું બંધ કરો, બધાં એક થઈ જાવ ! મોક્ષમાર્ગ નિરાગ્રહીનો ! પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો સિક્કો કયો ? દાદાશ્રી : એ તો પક્ષમાં પડેલા છે કે નહીં એ જ એનો સિક્કો. આ બધી ડિગ્રીઓ છે અને તે ડિગ્રીઓની અંદર ડિગ્રીઓ છે. આ બધા અન્ય માર્ગ પર છે ને મોક્ષમાર્ગની તો એક જ કેડી છે, ને એ એક કેડી જડવી મુશ્કેલ છે. બીજા બધા માર્ગ ઓર્નામેન્ટલ માર્ગ છે, ત્યાં પાછી મોટી મોટી કેન્ટિનો છે, એટલે જરા દેખે ને ત્યાં દોડે; ને આ મોક્ષની કેડીમાં તો ઓર્નામેન્ટલ નહીં, તેથી આ માર્ગની ખબર ના પડે ! મોક્ષમાર્ગ ક્યાં છે ? બધી નાતનાં જ્યાં બેઠાં હોય છતાં કોઇને વાણીનો વાંધો ના આવે ત્યાં. વાઘરી બેઠા હોય, ચોર બેઠા હોય કે પછી કોઇ યુરોપિયન હોય કે મુસ્લિમ હોય, છતાં કોઇને અહીં વાણીનો વાંધો ના આવે ! સહુ કોઇ સાંભળે. આવું તો ક્યાંય બનેલું જ નહીં ! એક મહાવીર ભગવાન પાસે આવું બનેલું અને અહીં બની રહ્યું છે !! ભગવાન નિરાગ્રહી હતા !!! એકાંતે મોક્ષ નથી ! એકાંતે મોક્ષ ના થાય. એકાંતે ધર્મ થાય પણ ધર્મસાર પ્રાપ્ત ના થાય. એકાંત એટલે આગ્રહી અને અનેકાંત એટલે નિરાગ્રહી. આ બધા સાંપ્રદાયિક માર્ગો છે ને, એ આગ્રહી માર્ગો કહેવાય, એકાંતિક કહેવાય અને તે એકાંતિક એટલે પોતાનો એક આગ્રહ નક્કી કર્યો હોય કે આ પ્રમાણે આપણે ચાલવું. બુદ્ધિની કલ્પનાથી એ ગોઠવણી થયેલી હોય. અને અનેકાંત એટલે જ્ઞાનથી ગોઠવણી થયેલી હોય, ત્યાં કલ્પના ના હોય. ત્યાં મોક્ષ થાય ! સરળમાં સરળ રસ્તો !! પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો સરળ રસ્તો કયો ? દાદાશ્રી : ભોમિયાને મળવું તે, ભોમિયો મળ્યો એટલે ઉકેલ આવી ગયો. એનાથી સીધો ને સરળ માર્ગ વળી બીજો કયો છે ? પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવા શું કરવું ? આપ ઉપાય બતાવો. દાદાશ્રી : ઉપાય હું તમને બતાવું, પણ તે તમારાથી થશે નહીં. ઘેર જઇને ભૂલી જશો. આ કાળમાં લોકોની એટલી સ્થિરતા ના હોય. એના કરતાં અમારી પાસે આવજો, એક કલાકમાં જ તમને રોકડો મોક્ષ આપી દઇશું. પછી તમારે કંઇ જ કરવાનું નહીં, ફક્ત અમારી આજ્ઞામાં રહેવાનું....ત્યાં સંપૂર્ણ વ્યવહાર, નિશ્ચય ! સંપૂર્ણ મોક્ષમાર્ગ ક્યાં હોય ? વ્યવહારને સહેજેય ખસેડ્યા વગર હોય તે સંપૂર્ણ મોક્ષમાર્ગ. આ વ્યવહાર ખસેડો તો તો સામાને અડચણ આવે, સામાને દુઃખ થાય; ત્યાં મોક્ષમાર્ગ ના હોય. જ્યાં ફુલ વ્યવહાર અને ફુલ નિશ્ચય હોય ત્યાં મોક્ષમાર્ગ છે ! આપણે અહીં તો વ્યવહાર-નિશ્ચય બન્નેય ફુલ છે. ત્યાં નહીં વાંધો-વચકો ! આમાં તમને વાંધો-વચકો છે ? આમાં તમને વાંધો આવશે નહીંને ? પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : મોક્ષ કોને અટક્યો છે ? વાંધા-વચકાવાળાને. જેને વાંધો છે કે, 'મારે આ વાંધો છે.' ત્યારે અહીં પડી રહેજો. જ્ઞાની પુરુષ દેખાડે, તેમાં વાંધો દેખાડે. એણે અહીં જ પડી રહેવાનું. પછી વાંધો દેખાડે એટલે વચકો થાય. વાંધા-વચકા તમે સાંભળેલા નહીં ? પ્રશ્નકર્તા : ઘણાંય હોય છેને ! દાદાશ્રી : તેથી વાંધા-વચકાથી મોક્ષ અટક્યો છે. એક કહે, 'મારે આમ વાંધો છે' ને પેલો કહે, 'મારે આમ વાંધો છે'. હવે આ તો મોટા વાંધા પણ બીજા નાના વાંધા કેટલાં હશે ? પ્રશ્નકર્તા : કેટલાય. આત્મપ્રાપ્તિ, ભેદ જ્ઞાનથી ! દાદાશ્રી : એટલે વાત સમજવાની જરૂર છે. આપણે બીજું કશું નથી કરવાનું. આ મોક્ષમાર્ગ છે અને તેમાં સમજવાની જ જરૂર છે. ક્રિયાઓની તેમાં જરૂર નથી. છતાં ક્રિયા કરતા હોય તેને આપણે ના કહેવાની પણ જરૂર નથી. કારણ કે એ એનો વિષય છે. એ 'સબ્જેક્ટ'માં લઈ ગયો. એ એનો વિષય થઈ પડ્યો. એને આપણાથી ના કહેવાય નહીં. કારણ કે દરેક જીવ સ્વતંત્ર છે. આપણે સમજાવીએ કે જો મોક્ષે જવું હોય તો આ ધાંધલમાં, આ વેપારમાં પડશો નહીં અને વેપારી થવું હોય ચાર ગતિના તો આમાં પડજો, તો આનું ફળ મળશે. દેહ મળશે, ચાર ગતિ મળશે. બધાં સારાં ભૌતિક સુખો મળશે અને મોક્ષે જવું હોય તો સમજવાની જ જરૂર છે કે આ શું છે વાસ્તવિકતામાં ? હું કોણ છું ને આ બધું શું છે ને શાથી વળગ્યું છે, આ બધું ઊભું કેમ થયું એ બધું બતાવી દો. એટલે નિરાંત થઈ ગઈ. અને આત્મા શું અને અનાત્મા શું - એના ભેદવિજ્ઞાનથી ભેદ પાડી આપું, લાઇન ઑફ ડિમાર્કેશન નાખી આપું જેથી હું ફરી એમાં પાછો ફસાઉં નહીં. પ્રશ્નકર્તા : આપ એમ જ કરી આપો છોને ? દાદાશ્રી : હા, બીજું શું કરી આપું ! મારી પાસે હોય એ આપું. જેની દુકાનમાં હોય એ આપે. બીજું ના હોય તો ક્યાંથી લાવીને આપે ?! (આજે) ભગવાનનું જ્ઞાન જ નથી રહ્યું. મહાવીર ભગવાનનું જ્ઞાન એ શેમાં રહ્યું ? ક્રિયાઓમાં રહ્યું છે. તે ક્રિયાઓ મોક્ષગામી નથી. મોક્ષગામી જ્ઞાન જ છે, આત્માનું જ્ઞાન ! આત્માનું જ્ઞાન હોય તે મોક્ષમાં લઈ જાય. તે અહીંથી એક-બે અવતાર થઈ અને મોક્ષમાં ચાલ્યો જાય. જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ ! પ્રશ્નકર્તા : એકલા નિશ્ચયથી મોક્ષ થઈ શકે ખરો ? દાદાશ્રી : કેમ ના થાય ? બધું થઈ શકે છે. પ્રશ્નકર્તા : ભગવાને તો સ્યાદ્વાદ અપનાવ્યો છે. જ્ઞાન અને ક્રિયા બન્નેથી મોક્ષ થાય છે, કહ્યું છે. દાદાશ્રી : હા, જ્ઞાનક્રિયાથી મોક્ષ થાય, સ્યાદ્વાદથી મોક્ષ થાય. પણ જ્ઞાનક્રિયા કોઈ જગ્યાએ જોઈ ખરી ? પ્રશ્નકર્તા : એ સાંભળીએ છીએ પણ અનુભવ્યું નથી. દાદાશ્રી : જ્ઞાનક્રિયાથી મોક્ષ થાય. પણ જ્ઞાનક્રિયા થાય ત્યારે મોક્ષ થાય અને આ ક્રિયાઓ છે બધી એ જ્ઞાનક્રિયા ન્હોય. આ બધી જે ક્રિયાઓ અત્યારે કરી રહ્યા છે, એ જ્ઞાનક્રિયા ન્હોય ! માત્ર શુભ ક્રિયા કરવાથી મોક્ષ ના મળે. એનાથી પુણ્યૈ બંધાય ખરી, તે પછી આવતા ભવમાં મોટર-બંગલા, વૈભવ મળે; પણ તારે જો મોક્ષ જોઈતો હોય તો ભગવાન કહે છે તેમ કર. ભગવાન શું કહે છે ? 'જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ!' આ પ્રતિક્રમણ-સામાયિક કરે છે તે અજ્ઞાન ક્રિયા છે. મોક્ષ આ બાહ્ય ક્રિયાઓથી ના થાય. મોક્ષ તો જ્ઞાનક્રિયાથી હોય. જ્ઞાનક્રિયા એટલે જ્ઞાતા-દ્રષ્ટારૂપ ઉપયોગ રાખવો અને તેનું નામ જ મોક્ષ ! જ્ઞેયને જાણવું તેનું નામ જ્ઞાનક્રિયા અને જ્ઞેયને સમજવું તેનું નામ દર્શનક્રિયા. મોક્ષદાતા વિણ મોક્ષ અઘરો ! કુદરત કર્યા કરે ને તમે જાણ્યા કરો એ જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ અઘરો નથી, સંસાર-માર્ગ અઘરો છે. સહેલામાં સહેલો મોક્ષમાર્ગ. ખીચડી કરવી એ એનાથી વધારે અઘરી છે. મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે મોક્ષસ્વરૂપ પુરુષ પ્રાપ્ત હોવા જોઈએ. જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ અઘરો નથી. એ ના મળે ને મોક્ષ મળશે એમ માનવું ભૂલ છે. જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ થાય, નહીં તો કરોડો ઉપાયે મોક્ષ ના થાય. ઉપાયથી મોક્ષ ના થાય, ઉપેયથી મોક્ષ થાય. વીતરાગ વિજ્ઞાન સિવાય કોઈ સાધનથી મોક્ષ નથી. બીજા સાધનોથી બંધન છે. તે ખાલી દહાડા કાઢે. જ્ઞાની પુરુષ પાસે સત્ સાધન પ્રાપ્ત થાય. જે મુક્ત પુરુષ, મોક્ષદાતા પુરુષ છે, એ મોક્ષનું ધન આપે. જેને જોઈતું હોય તેણે લેવું. પાછું એવું નથી કે આ અમુક જ માણસો માટે છે કે અમુક જ્ઞાતિ માટે જ છે ! ભગવાનને ત્યાં જ્ઞાતિ-જાતિ બધી છે નહીં. મોક્ષની સુગંધ અગાઉથી જ ! પ્રશ્નકર્તા : મોક્ષની પહેલાં આનંદથી જીવવા જેવું ખરું કે ? દાદાશ્રી : હા, આનંદથી જીવવા જેવું છે. મરવા જેવું નથી. આ અમે જેવી રીતે આનંદથી જીવીએ છીએ ને, એવી રીતે જીવવા જેવું છે. અમે આનંદથી જીવીએ છીએ, જરાય દુઃખ વગર જીવીએ છીએ. સંપૂર્ણ આનંદથી જીવવાનું હોય. મોક્ષ મળતાં પહેલાં, આગલા બે-ત્રણ અવતાર તો ખરેખરા આનંદમાં જાય. એટલે આપણે જાણીએ કે હવે આ મોક્ષની સુગંધી આવવા માંડી છે. મોક્ષની સુંગધ આવે કે ના આવે ? હીંગની દુકાન હોય ત્યાં નજીક જઈએ તેમ તેમ હીંગની સુગંધ આવે કે ના આવે ? પ્રશ્નકર્તા : હા, બરાબર. આવે, જોરદાર આવે. દાદાશ્રી : એટલે આ મોક્ષની તો બે-ચાર અવતારથી જ આપણને સુગંધ આવે, હવે મોક્ષ થશે એવી સુગંધ આવે આપણને. અમનેય બે-ત્રણ અવતાર પહેલાંથી સુગંધી આવતી હતી એ ત્યારથી અમારા મનમાં એમ કે હવે આપણો તો છૂટકારો થઈ ગયેલો છે ! જ્ઞાની, મોક્ષમાર્ગે નેતા ! દાદાશ્રી : તમારે મોક્ષે જવું છે કે ? પ્રશ્નકર્તા : મોક્ષે જવાના વિચારો આવે છે પણ માર્ગ જડતો નથી. દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ' અત્યારે આપની સમક્ષ પ્રત્યક્ષ છે તો માર્ગ પણ મળે; નહીં તો આ લોકોય ઘણા વિચારો કરે છે, પણ માર્ગ જડે નહીં ને અવળે રસ્તે જાય. 'જ્ઞાની પુરુષ' તો કો'ક ફેરો એકાદ હોય અને એની પાસે જ્ઞાન મળે ને આત્માનુભવ થાય. મોક્ષ તો અહીં રોકડો થવો જોઇએ. કોઇ કહે કે, 'તમારો દેહ છૂટશે ને ત્યાં તમારો મોક્ષ થશે.' તો આપણે કહીએ કે, 'ના, એવો ઉધાર મોક્ષ મને ના જોઇએ.' મોક્ષ તો રોકડો જોઇએ, અહીં જ સદેહે મોક્ષ વર્તાવો જોઇએ. તે આ અક્રમ જ્ઞાનથી રોકડો મોક્ષ મળી જાય ને અનુભવ પણ થાય એવું છે !!! 'મોક્ષ' ના વર્તાવે, તે 'મોક્ષદાતા' જ નહીં ! પ્રશ્નકર્તા : એ આત્મા જાણવાની કંઈ ચાવીઓ તો હશે ને ? દાદાશ્રી : એની ચાવીઓ કશું ના હોય. એ તો 'જ્ઞાની' પાસે જઈ અને કહી દેવાનું કે, 'સાહેબ, હું સાવ અક્કલ વગરનો મૂરખ માણસ છું. અનંત અવતારથી ભટક્યો, પણ આત્માનો એક અંશ, વાળ જેટલો મેં જાણ્યો નથી. માટે આપ મારી ઉપર આટલી કંઈક કૃપા કરો.' તો બસ, કામ થઈ ગયું. કારણ કે 'જ્ઞાની પુરુષ' એ તો મોક્ષનું દાન આપવા જ આવ્યા છે. અને પછી લોક પાછા બૂમો પાડે કે, 'તો અમારા વ્યવહારનું શું થાય ?' આત્મા જાણ્યા પછી જે બાકી રહ્યો એ બધો વ્યવહાર ગણાય અને વ્યવહાર માટે ય પાછું 'જ્ઞાની પુરુષ' પાંચ આજ્ઞા આપે કે, 'ભઈ, આ મારી પાંચ આજ્ઞા પાળજે. જા તારો વ્યવહારે ય શુધ્ધ અને નિશ્ચયે ય શુધ્ધ અને જોખમદારી બધી અમારી.' અને મોક્ષ અહીંથી જ વર્તાવો જોઈએ. અહીંથી મોક્ષ ના વર્તે તો એ સાચો મોક્ષ નથી. અહીં આગળ 'મને' ભેગા થયા પછી જો મોક્ષ તમને ના વર્તે તો એ 'જ્ઞાની' સાચા નથી ને એ મોક્ષે ય સાચો નથી. અહીં જ, આ પાંચમા આરામાં જ મોક્ષ વર્તાવો જોઈએ. અહીં જ આ કોટ-ટોપી સાથે મોક્ષ વર્તાવો જોઈએ. બાકી, ત્યાં તો વર્ત્યાનું શું ઠેકાણું ? એટલે 'જ્ઞાની પુરુષ' પાસે 'પોતે' કેવી રીતે 'આત્મા' છે, એવું નક્કી કરાવી લેવાનું છે. મોક્ષપ્રાપ્તિનો માર્ગ ! પ્રશ્નકર્તા : મોક્ષ કેવી રીતે મળે ? દાદાશ્રી : એની રીત ના હોય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જતાં રહે એટલે મોક્ષ મળે. પ્રશ્નકર્તા : તો પણ મોક્ષ મેળવવાનો રસ્તો કયો હશે ? કોની પાસેથી મોક્ષ મળી શકે ? દાદાશ્રી : મોક્ષ તો એકલા 'જ્ઞાની પુરુષ' પાસેથી જ મળે. જે મુક્ત થયા હોય તે જ આપણને મુક્ત કરી શકે. પોતે બંધાયેલો બીજાને કઇ રીતે છોડી શકે ? એટલે આપણે જે દુકાને જવું હોય તે દુકાને જવાની છૂટ છે. પણ ત્યાં પૂછવું કે, 'સાહેબ, મને મોક્ષ આપશો ?' ત્યારે કહે કે, 'ના, મોક્ષ આપવાની અમારી તૈયારી નથી.' તો આપણે બીજી દુકાન; ત્રીજી દુકાને જવું. કોઇ જગ્યાએ આપણને જોઇતો માલ મળી આવે. પણ એક જ દુકાને બેસી રહીએ તો ? તો પછી અથડાઇ મરવાનું. અનંત અવતારથી આવું ભટક ભટક કરવાનું કારણ જ આ છે કે આપણે એક જ દુકાને બેસી રહ્યા છીએ, તપાસે ય ના કરી. 'અહીં બેસવાથી આપણને મુક્તિનો અનુભવ થાય છે કે નહીં ? આપણાં ક્રોધ-માન-માયા-લોભ ઘટ્યાં ?' એ ય ના જોયું. પૈણવું હોય તો તપાસ કરે કે કયું કુળ છે, મોસાળ ક્યાં છે ? બધું 'રીયલાઇઝ' કરે. પણ આમાં 'રીયલાઇઝ' નથી કરતા. કેવડી મોટી 'બ્લંડર' કહેવાય આ ?! સાચો મુમુક્ષુ કેવો હોય ? શાસ્ત્રકારોએ ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે મુમુક્ષુ તરત જ 'જ્ઞાની પુરુષ'ને ઓળખી લે તો જ એ સાચો મુમુક્ષુ. જેને કેવળ મોક્ષની જ ઇચ્છા છે, એને મોક્ષદાતા 'જ્ઞાની પુરુષ'ની તો ઓળખાણ તરત પડી જાય. પણ જેને બીજી-ત્રીજી ઇચ્છાઓ છે; માનની, કીર્તિની, શિષ્યોની તેને 'જ્ઞાની પુરુષ' ઓળખાય નહીં. કારણ કે મહીં વચ્ચે પડળ હોય તેમને ! 'જ્ઞાની પુરુષ' તો બહુ સરળ હોય. સહેજે ઓળખાઇ જાય. જુએ કે 'કપડાં આમ કેમ પહેરતા હશે ?' ત્યાંથી પછી અવળું હેંડ્યું ! પણ, મોક્ષ સધાય તો કામનું ! પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવા માટે આ દેહની સાધનરૂપે જરૂર ખરીને ? દાદાશ્રી : મનુષ્ય દેહ જ મોક્ષ મેળવવાનું મોટામાં મોટું સાધન છે. મોક્ષ તો દેવગતિમાં ય ના થાય, જાનવર ગતિમાં ય ના થાય, બીજા કોઈ અવતારમાં ના થાય. એકલો મનુષ્યનો અવતાર જ એવો છે કે તેમાં પાંચેય ગતિ ખુલ્લી છે. આ મનુષ્ય અવતારમાં જ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તેમ છે. આ અવતારમાં ચારેય ગતિમાં જઈ શકે છે અને મોક્ષ પણ આ મનુષ્ય ગતિમાંથી જ મળે એમ છે. જે મોક્ષ આપે, મુક્તિ આપે તે ધર્મ સાચો, બાકી બીજા તો અધર્મ જ છે. મોક્ષ એટલે શું ? પ્રશ્નકર્તા : જન્મ-મરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ? દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઈ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની ઉપર બીજું છે એવું માને તો તો એ મોક્ષ જ સમજતા નથી. 'મોક્ષ એટલે મુક્ત ભાવ.' સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ. આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે. સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ આ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે. પુણ્યશાળીઓ જ પામે ! પ્રશ્નકર્તા : અમારે એ પ્રાપ્તિ ક્યારે થાય ? દાદાશ્રી : અહીં આગળ એ જ પ્રાપ્તિ કરવાનું સાધન છે. પ્રશ્નકર્તા : આ આટલી ઊંચી વાત છે તો યે લોકોને જાહેરાત કે કોઈને ખબર નથી આની, એવું કેમ ? દાદાશ્રી : આને માટે તો બહુ જ પુણ્યશાળી હોય તે જ મને એની મેળે ભેગો થાય... નહીં તો ભેગો થાય જ નહીં ને ! અને આ પ્રોપેગન્ડાની ચીજ ન્હોય. એટલે આ તો સાંભળવાનું મળ્યું હોય તો ય બહુ થઈ ગયું ! આ હોતું જ નથી કોઈ દહાડે ! પ્રશ્નકર્તા : લોકોને આ માનવામાં જરા તકલીફે ય પડે છે. દાદાશ્રી : માનવું હોય તો યે બુદ્ધિ માનવા ના દે ! તો દાદરો જ જશે ઊડી ! પ્રશ્નકર્તા : મુક્તિ માટે પરોક્ષ રીતે થાય, તેને શું મુક્તિ મળતી નથી ? દાદાશ્રી : પરોક્ષમાં મુક્તિ મળે નહીં. પણ પરોક્ષ કરતાં કરતાં કોઈક દહાડો પ્રત્યક્ષ થાય. માટે પરોક્ષ કર્યા કરો એમ કરતાં કરતાં પ્રત્યક્ષ થશે. પણ પરોક્ષ નહીં કરો તો તો પછી આખો વચ્ચે દાદરો જ ઊડી ગયો. પ્રશ્નકર્તા : અમારે પરોક્ષ થયું તો જ આજે અહીં આવવાનું થયું ને ? દાદાશ્રી : હા, તો જ અહીં આવવાનું થયું નહીં તો માણસ 'સ્લીપ' થઈ જાય. અને અત્યાર સુધી પરોક્ષ કર્યું, તેનું તો ફળ આ 'પ્રત્યક્ષ' છે. મુક્તિ, મુક્તપણાનું જ્ઞાન થયે ! પ્રશ્નકર્તા : મુક્તિ કોને કહેવાય ? દાદાશ્રી : અત્યારે તમને કંઈક બંધાયેલા છો એવું નથી લાગતું ? પ્રશ્નકર્તા : લાગે છે. દાદાશ્રી : પહેલું, બંધનમાં છું એવું જ્ઞાન થવું જોઈએ. બંધન છે માટે મુક્તિપણાનું જ્ઞાન થવું જોઈએ. 'હું મુક્ત છું' એવું જ્ઞાન થાય તો મુક્તિ થાય ! આ બંધન કેવી રીતે થયું ? બંધનથી મુક્ત કેવી રીતે થવાય ? પહેલું તો, કેટલાયને 'આ બંધન છે' એ ય ભાનમાં નથી આવ્યું. પરવશતાનો અનુભવ થાય ત્યારે બંધનનો અનુભવ થાય. ક્રોધ-માન-માયા-લોભનું બંધન, ઘરનાં બંધન, બીજા બધાં. બંધનનો અનુભવ થયા પછી મુક્તિનો માર્ગ જડે ! જ્યારથી 'હું બંધનમાં છું' એવું ભાન થાય છે ત્યારથી છૂટવાની ઇચ્છા તેને થાય છે. બંધનના ય કેટલા પ્રકારો ! તારે હઉ મોક્ષ જોઈએ છે ? તારે શું ઉતાવળ છે ? પ્રશ્નકર્તા : શા માટે આ ભવસાગરમાં આવવાનું ? દાદાશ્રી : આ બંધન ગમતું નથી ? પ્રશ્નકર્તા : જ્યાં એક વાર ખબર પડી કે આ જગત સ્વપ્નમય છે, આ હરવા-ફરવાનું સ્વપ્નમય છે... દાદાશ્રી : સ્વપ્નમય હોય અને જો કદી બંધન ના હોય તો ય વાંધો નથી. પણ આ તો બંધન છે. આખો દહાડોય પરવશતા લાગે, સ્વતંત્ર નહીં ને ! આ તને અહીં સત્સંગમાં બે કલાક બેસાડી રાખે, અહીંથી જવા ના દે, પણ ભૂખ લાગે તો શું કરે તું ? એ ભૂખનું બંધન કેટલું બધું ? તરસનું બંધન, ઊંઘનું બંધન, કેટલા પ્રકારનાં બંધન ! પછી આ પોલીસવાળો પકડે એ ય બંધન, સ્ત્રીનું બંધન, છોકરાનું બંધન, કેટલાં બંધનો ? વાળ ના કપાવ્યા હોય ને મોટા થઈ ગયા હોય તો મનમાં બંધન લાગ્યા કરે. નખ ના કપાવ્યા હોય તો બંધન લાગ્યા કરે. નખ વધારવાનો જેને શોખ હોય તેને બંધન ના લાગે. તને સમજાય છે, બંધન લાગે છે આમાં ? એ થયો મોક્ષને પાત્ર ! તો તમને આ બધા બંધનનો અનુભવ થાય છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આખો દહાડોય ? પ્રશ્નકર્તા : આખો દિવસ નહીં. દાદાશ્રી : એક ક્ષણવાર પણ આ બંધનનો અનુભવ ભૂલે નહીં ત્યારે એ ભગવાન મહાવીરનું વિજ્ઞાન સમજવાને પાત્ર થયો કહેવાય ! નિરંતર બંધન જ લાગ્યા કરે. એને આ ગમે નહીં કશુંય, પૈસા હોય તો ય ગમે નહીં, સ્ત્રી હોય તો ય ગમે નહીં, મોટર હોય તો ય ગમે નહીં. નિરંતર બંધન લાગ્યા કરે, જેલમાં ઘાલ્યા કરતાં ય ભૂંડી દશા છે ! આ તો મોટામાં મોટી જેલ ! છતાં પ્રમાદના જોરે ચા-પાણી પીવે, એટલે નશો થાય ને નશો ચઢે એટલે મસ્તીમાં જરા પાન-બાન ખાય, સોપારી કાતરીને ખાય, ના હોય તો ઈલાયચી નાખે મોઢામાં ને મસ્તીમાં ને મસ્તીમાં બેભાનપણે ચાલ્યા કરે. આ તો મોક્ષ કોને ખોળવાનો છે કે જેને સુખમાં ય દુઃખ લાગે. પૈસા ય દુઃખદાયી લાગે, સ્ત્રી પણ દુઃખદાયી લાગે, એને મોક્ષ ખોળવાનો છે. બધાને માટે મોક્ષની જરૂર નથી. પરવશતા, પ્રકૃતિથી ! પરવશતા છે એવું લાગે છે ? પ્રશ્નકર્તા : પ્રકૃતિથી પરવશ તો ખરાં ને ? દાદાશ્રી : હા, પ્રકૃતિથી પરવશ તો પરવશ, પણ આ ઘરનાં બધા માણસોથીયે પરવશને ? પેલાં કહેશે, 'સવારના સાત વાગ્યા તો ય ઊઠ્યા નથી ને હજુ ?' ને આપણે થાકેલા હોઈએ પણ પેલાં બોલે 'ઊઠ્યા નથી' એટલે આપણે પાછું ઊઠવું પડે. નહીં તો કહેશે, 'એય, ચા થઈ ગઈ, ઊઠો.' તે તબિયત સારી ના હોય તો ય ઊઠવું પડે ને ? પ્રશ્નકર્તા : બધાને અનુકૂળ રહેવું પડે ને ! દાદાશ્રી : હા, શું થાય પણ ! અહીં આખા ટોળાવાદમાં આવ્યા છીએ, પરસ્પર સંબંધમાં, તે પરવશ રહેવું જ પડે ને ! નિરાલંબ સંબંધ ઉત્પન્ન થાય કે જગતમાં કોઈનીય જરૂર ના પડે. મહીં પોતાની પાસે પાર વગરનું સુખ છે અને આ તો બહાર સુખ માન્યું છે, રોંગ બિલીફ જ પડી છે. પરવશતા પસંદ છે ? અત્યારે તને પરવશતા લાગતી નથી ? કોઈકને વશ રહેવું પડે છે એવું લાગતું નથી ? આ માથું દુઃખતું હોય તો એને વશ રહેવું પડે ને ? એ તને ગમે ? પ્રશ્નકર્તા : પણ એ તો કલાકેક પૂરતી હોય ને ! દાદાશ્રી : કોલેજે તને નાપાસ કર્યો તો પછી એ નાપાસ તો તને ના ગમતું હોય તો યે રહેવું પડે ને ? તારા હાથમાં કંઈ સત્તા નહીં ને ? એટલે આ બધું સંસારમાં પરવશપણે રહેવાનું છે ! એવું સમજાય છે ? બળાપો જ ધકેલે મોક્ષ ભણી દાદાશ્રી : મુક્તિ તેં ચાખેલી નહીં ? મોક્ષ ચાખેલો નહીં ? પોપટ પાંજરામાંથી નીકળે ત્યારે ખબર પડે કે ઓહોહો, કેટલી સરસ મુક્તિ ! એક ક્ષણવાર નીકળે તો ય મુક્તિ લાગે. પ્રશ્નકર્તા : પણ આ પોપટની વાત તો એવી છે ને, કે અમે હમણાં એક જગ્યાએ ગયેલા. ત્યાં એક પોપટને પાંજરામાંથી છોડાવ્યો, સાત રૂપિયામાં ખરીદી લઈને ! એને છોડવા માટે પાંજરાનું બારણું ખોલ્યું તો ય એ ઊડ્યો નહીં. તે પોપટ પાંજરાની અંદર રહેવાને એટલો બધો ટેવાઈ ગયો હતો ! દાદાશ્રી : હા. એનો અભ્યાસ થઈ ગયો ને ! એ અભ્યાસ છૂટે નહીં પણ આ કુદરતનો કાયદો કેટલો સરસ છે કે આ લોકોને એવો અભ્યાસ થઈ જશે તો આ સંસારમાંથી કોઈ મોક્ષે જશે જ નહીં. એટલે કુદરતનો કાયદો જ એવો છે કે મોક્ષે જવા માટે કોઈને કહેવું જ ના પડે, ગોદા મારવા પડે જ નહીં. એની મેળે બુદ્ધિ વધે એમ બળાપો વધતો જ જાય. બળાપો પછી સહન ના થાય. ગમે તેટલા કરોડ રૂપિયા હોય તો પણ બુદ્ધિ વધી કે બળાપો વધતો જ જાય, એવું બળાપો એ બુદ્ધિનું કાઉન્ટર વેઈટ છે. એટલે આ બળાપો જ એને મોક્ષે લઈ જવા માટે ધક્કા માર માર કરે, નહીં તો સંસાર આ લોકો છોડે જ નહીં ! કળિયુગને કેમ 'કોસે' ? પ્રશ્નકર્તા : પણ આ કાળનો વાંધો છેને, કાળ ખરાબ છે એટલે કોઈને જ્ઞાન નથી થતું ને ! મોક્ષને માટે રસ્તો નથી ને ! દાદાશ્રી : એવું છેને, લોકો શું કહે છે, વાંધો શું ઉઠાવે લોકો ? કે કાળ ખરાબ છે તેથી મોક્ષ માટે અડચણ પડે છે. ત્યારે મેં કહ્યું સાડા છ વાગ્યા, સાત વાગ્યા, સાડા સાત વાગ્યા સુધી ગપ્પાં માર્યાં અને પછી થોડીવાર થઈને અગિયાર વાગ્યા, બાર વાગ્યા, એક વાગ્યો... એક વાગ્યો ત્યારે કહે છે હું થોડાક ચણા લઈ આવું વેચાતા. હવે પછી ચણા મળે રાત્રે એક વાગે ? પ્રશ્નકર્તા : ન મળે. દાદાશ્રી : ત્યારે મૂઆ તેં અત્યાર સુધી ગપ્પાં માર્યાં ! મૂઆ જે ઘડીએ, જે ટાઈમે મળતું હોય તે ટાઈમે તારે લાવીને ભરી રાખવું જોઈએ. સમજ પડીને સાહેબ ? એટલે કાળનો દોષ કાઢવા જેવો નથી. કાળનો દોષ એ આ લોકોનો તો સ્વભાવ એવો છે ને કે પોતાને માથે દોષ લેતો નથી એટલે મારા છોકરાની વહુ મોરપગી છે, ફલાણું છે, માય સ્ટાર્સ આર નોટ ફેવરેબલ (મારા ગ્રહો અનુકૂળ નથી) આવું બધું ખોટેખોટું ઠોકાઠોક જ કરે. પ્રશ્નકર્તા : તો પછી આ ક્રમિક માર્ગમાં પેલી મન-વચન-કાયાની એકતા નથી એટલે મોક્ષ ન મળી શકે. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એ કારણ છે ત્યારે કાળ ખરાબ નથી, પણ એ એકતા નથી રહેતી.... દાદાશ્રી : પણ એ રહેતી હતી, તે દહાડે મોક્ષે ગયા નહીં અને હવે ખોળો છો ! એ રહેતી હતી ત્યારે ચટણી વગર નહીં ચાલે. અલ્યા મૂઆ, મેલને પૂળો ! ચટણી છોડી દેને એક ફેરો ! વગર કામની ઉપાધિ હોય છે જો ! પ્રશ્નકર્તા : કેટલાક લોકો એમ કહે છે કે અમારે મોક્ષ નથી જોઈતો, પણ સંયોગરહિત થવું છે. દાદાશ્રી : તમે આમ ઊંધી કાનપટ્ટી પકડાવો છો ! આત્માને કોઈ સંયોગ ભેગો ના થાય એટલે મોક્ષ થઈ ગયો કહેવાય! આ તો સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો ભેગા થયા જ કરે અને એ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. વિયોગી વસ્તુ કોઈ બીજી નથી. એટલે તમારે સંયોગો એકલાની ચિંતા કરવાની કે સંયોગો ભેગા ના થાય ! સંયોગો એકલા ભેગા ના થાય તો બહુ થયું. એટલા માટે ભગવાને કહ્યું છે કે, ''એગો મે સાશઓ અપ્પા......તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તિવિહેણ વોસરિયામિ....''એવું તમારે સંજોગ વોસરાવી દેવા છે અને પાછું મોક્ષ જોઈતો નથી, એવું બોલો છો ! માત્ર મોક્ષનું જ નિયાણું ! પ્રશ્નકર્તા : એ સમજણ તમે આપો. એ ભાન કરવાની ઇચ્છા જાગૃત થઇ છે, એ માટે અહીં આવ્યા છીએ. દાદાશ્રી : એ જ્ઞાન મેળવવા ભવોભવ ઇચ્છા હોય છે, પણ એ માટે સાચું નિયાણું કર્યું નથી. જો સાચું નિયાણું કર્યું હોય ને તો બધી પુણ્યૈ આમાં જ વપરાઇ જાય ને એ વસ્તુ મળે જ. નિયાણાનો સ્વભાવ શું છે કે તમારી જેટલી પુણ્યૈ હોય, તે નિયાણા ખાતે જ વપરાય. તો તમારી કેટલીક પુણ્યૈ ઘરમાં વપરાઇ, દેહમાં વપરાઇ, મોટર-બંગલા, બૈરી-છોકરાનાં સુખમાં વપરાઇ ગઇ છે. અમે માત્ર મોક્ષનું જ નિયાણું લઇને આવેલા, તેથી બધું પાંસરું ચાલે છે. અમારે કંઇ અડચણ ના આવે. નિયાણાનો અર્થ શું કે એક જ ધ્યેય હોય કે આમ જ જોઇએ, બીજું કાંઇ નહીં ! નિયાણું તો મોક્ષે જવા માટે જ કરવા જેવું છે. ધ્યેય તો શુધ્ધાત્માનો ને નિયાણું એકલું મોક્ષનું. બસ, બીજું કંઇ ન હોવું ઘટે. હવે તો ભેખ માંડવાનો છે, દ્રઢ નિશ્ચય રાખવાનો કે મોક્ષે જ જવું છે. એ એક જ નિયાણું કરવાનું એટલે લાંબા અવતાર ના થાય. એક-બે અવતારમાં છૂટી જવાય. આ સંસાર તો જંજાળ છે બધી ! મોક્ષનો ધ્યેય ! મોક્ષે જવાની જેની સચોટ ઇચ્છા છે, તેને ગમે ત્યાંથી માર્ગ મળી આવે. જે 'સાચું જાણવાનો' કામી છે, તેને આ કાળમાં મોક્ષમાર્ગ મળી આવશે તેને ગેરેન્ટી હું આજે ભગવાન તરફથી આપું છું. જે ગામ જવું છે તે ગામનું જ આરાધન કરવું પડશે. નહીં તો વચલે સ્ટેશને ઊતરી પડશો. મોક્ષમાર્ગ લીધા પછી પ્રગતિ ક્યારેય પણ રૂંધાય નહીં એ જ આપણો હેતુ હોવો ઘટે. તારો એકલો મોક્ષનો જ હેતુ મજબૂત હશે તો તું જરૂર તે માર્ગને પામીશ. મોઢે મોક્ષના ને અંદરખાને સંસારના જાતજાતના હેતુ હોય, તે મોક્ષ માર્ગને ક્યારેય ના પામે. એ ચૂકે નહીં મોક્ષમાર્ગને ! જો મોક્ષ જોઈતો હોય તો એક અવતાર આ દેહના ટૂકડે ટૂકડા કરી નાખે તો ય ચલાવી લેવું. આ દેહના કકડે કકડા થાય તો ય મોક્ષમાર્ગ નહીં ચૂકું એ નિશ્ચય થાય ત્યારથી જ મહીં અપાર સુખ ઉત્પન્ન થાય તેવું છે. આ દેહને એક અવતાર સટ્ટામાં મૂકી દો પછી જુઓ. એનો મોક્ષ થઈ જાય છૂટકારો મેળવવાની ઇચ્છા થાય છે ? પ્રશ્નકર્તા : એટલા માટે તો અહીં આવ્યા છીએ. મને લાગે છે કે બહુ ભણેલાને મોક્ષ મળતો નહીં હોય કે મળે છે ? દાદાશ્રી : બહુ ભણેલાને હું મોક્ષ પહેલો આપું છું, માથે હાથ મૂકીને. આમ કરું ને એનો મોક્ષ થઈ જાય. અને ભગવાનનો વિરોધી હોય તેને તો મોક્ષ જલદી આપી દઉં, નાસ્તિક હોયને તેને તો મોક્ષ ઝપાટાબંધ આપી દઉં ! આસ્તિકને મોક્ષ વહેલો ના અપાય. આસ્તિક આગ્રહી થઈ ગયેલો હોય. પ્રશ્નકર્તા : તો અમારે નાસ્તિક થવું પડે ? દાદાશ્રી : ના એવું નહીં. તમે આસ્તિકે ય બરોબર નથી અને નાસ્તિકે ય નથી. એટલે તમારે કશું થવાની જરૂર નથી. આસ્તિક તો આગ્રહી થઈ ગયેલો હોય કે અમારા આ ધર્મથી જ મોક્ષ છે. અલ્યા, છાનોમાનો પાંસરો થઈ જાને તો હું તને એક કલાકમાં તો ભગવાન દેખાડું. પછી ફરી ભગવાન આખો દહાડો એક મિનિટેય ખસે નહીં ! એ તૃપ્તિ અપાવે ! પુણ્ય જો સાચું હોય, તે પુણ્યાનુબંધી પુણ્ય હોય, તો મોક્ષનો માર્ગ મળી આવે, સંજોગ ભેગા કરી આપે. આ મનુષ્યો રાતદહાડો સુખને માટે ફાંફાં માર્યા કરે છે. પણ સંતોષ એને કોઈ દહાડો થતો નથી. વખતે સંતોષ થાય પણ તૃપ્તિ થતી નથી. કારણ કે કલ્પિત વસ્તુ છે. સાચી વસ્તુ એની પાસે નથી, એટલે એ તૃપ્તિ થાય એવું સુખ ખોળે છે. સનાતન સુખ ખોળે છે. જે સુખ આવ્યા પછી કોઈ દહાડો જાય નહીં એ સનાતન સુખ, એનું નામ મોક્ષ. પ્રશ્નકર્તા : એ સુખ પામી શકાય ? દાદાશ્રી : આ હું પામેલો જ છું ને ! મને ગાળો ભાંડો, ધોલો મારો, જેલમાં ઘાલો તો ય સનાતન સુખ મારું જાય નહીં અને એવું હજારો માણસો મારી પાસે પામ્યા છે. પ્રશ્નકર્તા : મારે એની અંગત ચોકસાઈ કરવી છે, સ્પષ્ટીકરણ કરવું છે કે આ હકીકત છે કે નહીં ? દાદાશ્રી : હકીકત છે, વાસ્તવિકતા છે આ. ઉપરથી આપીએ આશીર્વાદ ! અમને સંસારી દુઃખોથી મુક્તિ હોય અમને સંસારી દુઃખો અડે નહીં. અમને ગાળો ભાંડે, ધોલો મારે તો ય અડે નહીં, ઊલટા અમે આશીર્વાદ આપીએ. અને જો અમે સામું બોલીએ તો બિચારા એને આખી રાત ઊંઘ ના આવે અને મને તો ઊંઘ આવશે. પેલાને તો ઊંઘ ના આવે ને ! કારણ કે એને પોતાનું ભાન નથી ને ! મોક્ષ એટલે નર્યું સુખ, પાર વગરનું સુખ ! મહીં નર્યું સુખ, સુખ ને સુખ વર્તે !! પછી દુઃખ જ ના અડે ! આ સંસારનાં દુઃખો હોય છતાં પછી પોતાને અંદર અડે નહીં, એનું નામ મુક્તિ. સંસારના દુઃખો અડે છે ત્યાં સુધી બંધન. કો'કે અપમાન કર્યું ને આખી રાત ઊંઘ ના આવે તે બંધન અને કોઈ અપમાન કરે તો ય ઊંઘ આવી જાય તે મુક્તિ. આપણે કહીએ કે આ તો મારા ઉદય હશે તેથી કરી ગયો નહીં તો પોતાના ઉદય સિવાય કોઈ કરે નહીં. આપણા ગુના સિવાય કોઈ કોર્ટમાં નામ દે ખરું ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કોઈ જજ બોલાવડાવે કે ભઈ, આ ચંદુલાલને બોલાવો !! ગુનેગાર હોય તો જ બોલાવડાવે એવું છે આ જગત. તમને સમજ પડીને ! પુણ્યશાળીઓ માટે ! બાકી બહુ પુણ્યશાળી લોકો છે ને ! જુઓને, ઘેર બેઠાં પાણી આવ્યા કરે ને નિરાંતે ખેતરમાં પાક્યા કરે, નહીં તો એક દુકાળ પડેને, તે આખો ડિસ્ટ્રિકટ સૂકાઈ જતો'તો. અત્યારે સગવડ હોય તો મોક્ષનો માર્ગ કરી લેવા જેવો છે. સગવડ હોય તો મોક્ષ ખોળે, નહીં તો મહીં અડચણ પડતી હોય તો માણસ શી રીતે મોક્ષ ખોળે ? અને મોક્ષને માટે હિન્દુસ્તાનના બધા લોકો લાયક છે. ફક્ત એને ખાવા-પીવાની અડચણ ના રહેવી જોઈએ. સહેલાઈથી ખાવા-પીવાનું મળે તો બહુ થઈ ગયું. બાકી, મોક્ષે જવાની તૈયારીઓ કરજો. એક્યાસી હજાર વર્ષ હજુ એવા આવવાનાં છે કે તેમાં મોક્ષ તો ક્યાં ગયો પણ ભયંકર યાતનાઓનો કાળ આવવાનો છે, માટે હવે ચેતી જજો ! નિર્મમતાથી મોક્ષ ! પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવા માટે આપણે સમાજમાં કઈ રીતે રહેવું જોઈએ ? કઈ રીતે કાર્ય કરવું જોઈએ ? દાદાશ્રી : નિર્મમતાથી રહેવું જોઈએ. મમતા બિલકુલ ના જોઈએ. ફાવશે ? કંઈ થોડી ઘણી મમતા ગઈ છે ? નહીં ? તો શી રીતે ફાવશે ? પ્રશ્નકર્તા : મમતા છે અને ગઈ છે, પણ સંસારમય જીવનમાં તકલીફો આવે, તો એ માટે આપણે કઈ રીતે કામ કરવું જોઈએ ? કેવી રીતે કરવું જોઈએ ? દાદાશ્રી : તકલીફો આવે ? મમતા વગરનાને તકલીફ કેવી ? એવું છે ને, તકલીફ એ જ મમતા ! અમને કોઈ તકલીફ આવી જ નથી. કારણ કે મમતારહિત થાવ તો તકલીફ જ ના હોય. પ્રશ્નકર્તા : સમાજમાં જ વ્યક્તિ કામ કરતી હોય અને સમાજને સ્પર્શતા કામમાં ઉકેલ કરવાનો હોય, તો તે વખતે મમતાનો સવાલ રહે કે નહીં ? તો તે વખતે શું કરવું ? દાદાશ્રી : ના, ના, મમતાનો સવાલ જ નથી રહેતો. અત્યારે તમે સમાજનાં જે કામ કરો છો ને એના કરતાં હું તમારી દવા કરીશને ત્યાર પછી તમારાથી સમાજનાં કામ વધારે સારાં થશે ને મમતા બિલકુલ નહીં હોય. મમતા બિલકુલેય ના હોય ત્યારે સમાજનાં કામ સારાં થાય. મમતાવાળો તો મહીં દલાલી કાઢે ! છોડાવે, છૂટેલો જ ! પ્રશ્નકર્તા : ગુરુકૃપાએ મોક્ષ થાય ? દાદાશ્રી : જેનો મોક્ષ થયો હોય એવાં ગુરુ હોય કે કોઈ સદ્ગુરુ હોય કે જ્ઞાની હોય, એની કૃપાથી મોક્ષ થાય. બાકી મોક્ષ એવો સરળ નથી. મોક્ષ છે સરળ, પણ જ્ઞાનીની પાસે સરળ છે. મોક્ષ એટલે શું ? સંપૂર્ણ મુક્તિ. તો જે મુક્ત થયા હોય, એવાની પાસે જવું તો એ છોડાવી આપે ! કારણ કે બંધાયેલો માણસ બીજાને છોડાવી આપે નહીં. બંધાયેલો માણસ બીજાને કેમ કરીને છોડાવી શકે ? એ આપની સમજમાં આવે છે ?! અને આ કાળમાં 'મારો મોક્ષ થયો છે' એવું કોઈ હા પાડે ખરું ? બે જણ હા પાડે. કાં તો ગાંડો હા પાડે કે કાં તો સાચો હા પાડે. જૂઠ કેટલું ટકે ? એટલે જ્યાં આપણે જઈએ, કોઈ પણ માણસની પાસે જઈએ ત્યાં આપણે પૂછવું કે તમે મુક્ત થયેલા છો ? પ્રશ્નકર્તા : ઘણા ઢોંગીઓ હોય એ એવું કહે કે હું મુક્ત થયેલો છું તો ? દાદાશ્રી : એ ઢોંગીઓ હોય તો પાછો ઈલાજ હોય છે આપણી પાસે. 'તમારામાં અક્કલ નથી' એવું કહેવું એટલે તરત ખબર પડશે કે ઢોંગી કેવા છે તે ? એ ફેણ માંડે તો જાણવું કે આ દુકાને હવે ફરી ઊભા રહેવા જેવું નથી. પણ સળી ર્ક્યાનો પાછો દંડ આપી દેવો પડે આપણે. સળી તો કોઈને કરાય જ નહીં આપણાથી, એટલે સળી કર્યા બદલના પાંચ-પચાસ રૂપિયા ઘસાઈ છૂટીએ અને એમને ખુશ કરી દેવાના ! પણ દુકાન છૂટી ગઈને નહીં તો ક્યાં સુધી બેસી રહીએ આપણે ? નહીં તો આખી જિંદગી ત્યાં જ જાય પછી ! પછી નથી જન્મ... પ્રશ્નકર્તા : જીવનમુક્ત થઈ ગયો તે ફરીથી કોઈ કામ કરવા માટે અહીં જન્મ લે ? દાદાશ્રી : ના, કોઈ મૂર્ખોય ના લે. કોઈ મૂરખેય માના પેટમાં ફરી આવવા માગે નહીં. આ જે લોકો આવું બધું કહે છે ને, તે લોકોને મનમાં ઊંધું ઠસાવવા માટે છે. પ્રશ્નકર્તા : મુક્ત પુરુષ ફરી જન્મ ના લે તો એમની પાસે ઋણાનુબંધી જે ભક્તો ભેગા થાય ને, તેનો ઉદ્ધાર કેવી રીતે થાય ? દાદાશ્રી : એવું છે, એ બધું ગોઠવાયેલું જ હોય છે. આ બધા સાચા ભક્તોનો ઉદ્ધાર થાય ત્યાં સુધી જ એ મુક્ત પુરુષનો જન્મ હોય છે. અને પછી વખતે ઉદ્ધાર ના થાય એવું હોય તો ય પણ એને બીજાનો સંજોગ ભેગો થઈ જાય ને એનું કામ નીકળી જાય. બાકી પછી મુક્ત પુરુષ ફરી પોતે જાણી જોઈને જન્મ ના લે. જીવતાં જ મોક્ષ ! એટલે આ જીવતાં જ મોક્ષ થાય છે. જીવતાં જ મોક્ષ ના થાય તો પછી મૃત્યુ પછીના મોક્ષની આશા રાખવી નહીં. મોક્ષ તો જીવતાં જ થવો જોઈએ. મોક્ષનું સુખ વર્તે ખરું ? હા, બંધન છે છતાંયે બંધન નથી એવું લાગે. તો મોક્ષ થયો કહેવાય, એટલે આ દેહે અહીં જ મોક્ષ વર્તવો જોઈએ. અને અહીં આ દેહે મોક્ષ વર્તે નહીં તો પછી 'ત્યાં'ના મોક્ષનું શું ઠેકાણું ? એવો મોક્ષ આપીને તો લોકો છેતરે ! અરે, અહીં વ્યવહારમાં જ લોકો છેતરે છે ને ! એટલે અહીં આગળ કોઈ આપણને કહે કે ભઈ, પછી ત્યાં આગળ તમારો મોક્ષ થશે. તો કહીએ કે, ભઈ, ત્યાંનો મોક્ષ અમારે નથી જોઈતો. અહીં મોક્ષ વર્તે એવું કરી આપો, તો મારે કામનો છે. ત્યાં મોક્ષ મળશે એ તો દગાખોર કહેવાય. ત્યાં આગળ મોક્ષ મળશે, એ બધું તો આખી મૂડી જ લઈ લેવાની વાત છે ! એવું નહીં, રોકડો મોક્ષ આપવો હોય તો આપો, બાકી ઉધાર તો ઘણા કાળ ઉધાર ચલાવ્યા અને બધી દુકાનોમાં હપ્તા ભરીને પોતાની દુકાનનો માલેય ખલાસ થઈ ગયો છે. પોતાની દુકાનેય બધી ખાલી થઈ ગઈ છે. આ છે રોકડું ! આપણે હમણે બેન્કમાં જઈએ, ત્યાં આપણે ચેક ભરીએ પછી આપણે કહીએ કે ભઈ, મને રૂપિયા આપી દો. ત્યારે કહે, હમણે નહીં એક સિક્કો(ટોકન) લઈને બેસો, પણ સિક્કો આપતી વખતે આપણે વિશ્વાસ ના રાખીએ કે ભઈ, મને શો વિશ્વાસ ? તો એ શું કહે ? કે ચેક તમારો પાછો લઈ જાવ. બેન્ક છે એટલે વિશ્વાસ ના રાખવો પડે ? તો પછી આ તો ધિસ ઈઝ ધી કેશ બેન્ક ! તમે એક કલાકમાં બધી જ વસ્તુ લઈ જાવ. પછી પૂછવાનું જ ક્યાં રહ્યું ? રોકડું જ લઈ જવાનું ત્યાં પૂછવાનું જ ક્યાં રહ્યું ? પૂછવાનો યે વાંધો નથી. અમે જવાબ આપીશું. જે માગો એ બધું જ મળે ! અને ધિસ ઈસ ધી કેશ બેન્ક ઓફ ડિવાઈન સોલ્યુશન. તમારે એક જ દહાડામાં આવીને લઈ જવાનું. પણ પછી તમારે એને પાણી છાંટવું પડે. જેમ એક છોડવો આપણે ઉછેર્યો હોય, તેને પાણી છાંટવું પડેને ? દહાડામાં એક જ વખત ભલેને પાંચ મિનિટ, પણ કંઈ પાણી છાંટવું જોઈએ ને. એવું આમાં રોજ નહીં તો એક દહાડે કે પંદર દહાડે પણ પાણી છાંટવું પડે અને એક દહાડો વધારે પાણી રેડીએ તો પંદર દહાડા સુધી ચાલે કે ના ચાલે ? પણ એવું પછી પાણી છાંટવું પડે. તમારે અહીં દર્શન કરવા આવવું જોઈએ. મોક્ષના હક્કદાર ! પ્રશ્નકર્તા : મોક્ષપ્રાપ્તિ પ્રત્યેક માનવીનો હક્ક છે ? દાદાશ્રી : મોક્ષપ્રાપ્તિનો દરેક માનવીનો નહીં, દરેક જીવનો હક્ક છે. કારણ કે દરેક જીવ સુખને ખોળે છે. એ સુખ 'આમાં મળશે, આમાં મળશે' એવી આશામાં ને આશામાં અનંત અવતારથી ભટક ભટક કરે છે. તે કાયમનું સુખ ખોળે છે. કાયમનું સુખ, એનું નામ જ મોક્ષ. આ 'ટેમ્પરરી' સુખ, સુખ જ ના કહેવાય. આ તો બધી ભ્રાંતિ છે, આરોપિત ભાવ છે. જો શ્રીખંડમાં સુખ હોય ને તમે શ્રીખંડ ખાઈને આવ્યા હો, તો તે ફરી તમે ખાવ ? તમને તે દુઃખદાયી થઈ પડેને ? માટે એમાં સુખ નથી. જેવું આરોપણ કરો તેવું સુખ. એટલે મોક્ષપ્રાપ્તિનો દરેક જીવને અધિકાર છે. પ્રશ્નકર્તા : આ માર્ગે જવા માટે જ્ઞાનીના ચરણે બેસવું, એ રાહ છે ? દાદાશ્રી : જ્ઞાની પોતે મુક્ત છે, માટે આપણને તે મુક્ત કરી શકે. સંસારની કોઈ ચીજમાં એ ના રહે માટે આપણને એ સર્વ રીતે મુક્ત કરી શકે. જેને જેને ભજીએ તેવા રૂપ થઈએ. જ્યાં અહંકાર ના હોય ત્યાં આગળ તમે બેસી રહો તો તમારો અહંકાર જાય. અત્યારે તમારા મનમાં એમ છે કે લાવ, દાદાની પાસે બેસી રહું. પણ પાછલા જે સંસ્કારો છે, 'ડિસ્ચાર્જ' સંસ્કારો છે તેનો ઉકેલ તો લાવવો પડશેને ? એનો ઉકેલ આવતો જશે તેમ આ પ્રાપ્તિ થતી જશે. ભાવના તો એ જ રાખવી કે નિરંતર જ્ઞાનીના ચરણમાં જ રહેવું છે. પછી સર્વ મુક્તિ થાય. અહંકારની મુક્તિ જ થઈ જાય ! એની ઉતાવળ શાને ? પ્રશ્નકર્તા : અમારે મોક્ષે જલદી જવું છે. અમારે શું કરવું ? દાદાશ્રી : અહીં ટેન્ડર ભરી લાવો. મોક્ષ એકલો જ જોઈએ છે ને કે બીજું કશું જોઈએ છે ? પ્રશ્નકર્તા : એથી નીચી કક્ષા તો નથી જોઈતી જ ! દાદાશ્રી : હા, પણ એથી નીચી કક્ષા તો અમે નથી આપતા પણ મોક્ષ જોડે બીજું કશું જોઈએ છે ? દીવ્યચક્ષુ એવું કશું જોઈએ છે ? સેલ્ફ રીયલાઈઝેશન પણ જોડે જોઈએ છે ? અને તમારે ત્યાં મોક્ષે જવાની ય શું ઉતાવળ છે ! ત્યાં મેથીના લાડુ-બાડુ કંઈ હોતા નથી ! મેથીના લાડુ હોય તો અહીં હોય. અને મોક્ષે જવું છે એ વાત ચોક્કસ પણ આપણે ઉતાવળ નથી અને એમેય નહીં કે અહીં પડી રહેવું છે. જ્યારે જે વખતે 'વ્યવસ્થિત'માં હો ત્યારે ! પણ ઉતાવળ નથી. અહીં જ્ઞાની પુરુષને તો મોક્ષ જેવું જ હોય ને ? સંજોગ બધા સીધા હોય. વાંકા હોય નહીં ને ! અને સીધા ના આવે તો ય એ તો તડીપાર ઊતરે એવા છે. એમને વાંધોય નથી. મોક્ષ - 'અક્રમ' માર્ગે ! પ્રશ્નકર્તા : મોક્ષને મેળવવા સીધો રસ્તો નથી. દાદાશ્રી : તારે વાંકો જોઈએ છે ત્યારે ? પ્રશ્નકર્તા : વાંકો તો નથી જોઈતો, પણ સીધો નથી મળતો. 'મોક્ષ મેળવવા માટેનો રસ્તો સહેલો નથી' એમ મારું માનવું છે. દાદાશ્રી : હા, એ તો બરોબર છે. મોક્ષ માટે બે રસ્તા છે. કાયમનો તો એક જ રસ્તો છે. આ જે અઘરો રસ્તો તમે કહો છો ને તે જ છે. આ તો કો'ક વખત ઇનામી રસ્તો નીકળ્યો છે. તે દસ લાખ વરસે નીકળે છે ! તેમાં જેને ટિકિટ મળી ગઈ તેનું કલ્યાણ થઈ ગયું ! આ રસ્તો કાયમને માટે હોતો નથી. આ 'અક્રમ વિજ્ઞાન' છે અને પેલું 'ક્રમ વિજ્ઞાન' છે. ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ. પગથિયે પગથિયે ચઢીને ઉપર જવાનું ને આ લિફ્ટ છે ! લિફ્ટ તને ગમતી ના હોય તો વાંધો નહીં. આપણે તને પેલો રસ્તો દેખાડીશું. તારાથી પગથિયાં ચઢવાની શક્તિ છે પછી શું ખોટું છે ? અને લિફ્ટ જેને ગમતી હોય, જેનામાં શક્તિ ના હોય તે લિફ્ટમાં બેસે. 'જ્ઞાની' મળે તો મોક્ષ હથેળીમાં છે ને ના મળે તો કરોડો અવતારેય ઠેકાણું ના પડે ! પ્રશ્નકર્તા : જ્ઞાની પણ સમ્યક્ જ્ઞાની હોવા જોઈએ ને ? એને સાચી સમજણ હોવી જોઈએ ને ? દાદાશ્રી : હા, સમ્યક્ જ્ઞાન તમને પણ થવું જોઈએ. તો જ મોક્ષ થાય. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન ને સમ્યક્ ચારિત્ર બધું જ થાય ત્યારે મોક્ષ થાય. એમ ને એમ મોક્ષ થાય નહીં. પ્રશ્નકર્તા : અમનેય મોક્ષની વાનગી ચખાડશો ને ? દાદાશ્રી : હા, ચખાડીશું. બધાંને ચખાડીશું. જેને ચાખવું હોય તેને ચખાડવાનું. મોક્ષ ક્રિયાથી નહીં, દ્ષ્ટિફેરથી ! મોક્ષમાર્ગ સમજવાનો છે. બાકી આ સ્વાધ્યાય કરો, તપ કરો, જપ કરો, એ બધું જ પુદગલ કરે છે, એનો લાભ શો ? મૂળ દ્ષ્ટિ બદલાયા સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે બંધન છે. સંસાર સુખને માટે, ભૌતિક સુખો માટે 'કરવાનું' છે. બાકી મોક્ષ માટે કે ભગવાન પ્રાપ્તિ કરવા માટે કશું 'કરવાનું' નથી. અને આજના લોકોએ શું શિખવાડ્યું ? કરો, કરો, કરો. ક્રિયાઓ શેને માટે છે ? બધું આ સંસારમાં ઊર્ધ્વગતિ માટે છે. પણ જેને મોક્ષ સિવાય બીજું કશું જોઈતું નથી તેણે આ ક્રિયાઓની ભાંજગડમાં પડવા જેવું નથી. ક્રિયાથી મોક્ષ નહીં થાય, સમજણથી મોક્ષ છે. ક્રિયાનું ફળ સંસાર છે. મોક્ષ સમજવાથી કે કરવાથી ? મોક્ષે જવું હોય તો ખાલી વીતરાગોની વાતને સમજો, વીતરાગો શું કહેવા માગે છે એટલું સમજો. બીજું કશું જ નથી કહેવા માગતા. વીતરાગોની એકલી વાત જ સમજવાની છે. બીજું કશું જ કરવાનું નથી. કરવાનું હોય ત્યાં મોક્ષ નથી ને મોક્ષ હોય ત્યાં કરવાનું નથી. ફક્ત આટલું જ સમજો. તમારે કશું જ છોડવાનું નથી. મોક્ષમાર્ગ એ ગ્રહણ-ત્યાગનો માર્ગ જ નથી. ગ્રહણ-ત્યાગ તો શુભાશુભ માર્ગમાં હોય. આ તો મોક્ષમાર્ગ છે, પરમાત્મપદનો માર્ગ છે. ખાલી સમજવાનું જ છે. સમજીને સમાઈ જવાનું છે. જે કરવા ગયા, તે ક્યારેય મોક્ષે ના જાય. કરવા જાય તો કર્તા થયો, ને સમજ્યો તે સમાઈ ગયો. સમજ હંમેશા સમાવે. સમાવવાનો છેલ્લામાં છેલ્લો અંશ તે મોક્ષ. બુદ્ધિથી ઉભરાય છે ને સમજથી સમાય છે. મોક્ષ માટે કયું તપ ખપે ? બાહ્ય તપ અને ત્યાગનું ફળ સંસાર એટલે ભૌતિક સુખો પ્રાપ્ત થાય અને ધીમે ધીમે મોક્ષમાર્ગ પણ એને પ્રાપ્ત થાય. પણ આત્મજ્ઞાન સિવાય મોક્ષ નથી. મોક્ષના ચાર પાયા છે : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એમાં ભગવાને બાહ્યતપને મોક્ષનું તપ નથી કહ્યું. અંતરતપને જ મોક્ષ માટેનું કહ્યું છે. ભૂલ વગરનો થા ! આત્મા જાણવા તો ખાલી વાતને સમજવાની છે, કરવાનું કંઇ જ નથી. એક જણ ભગવાનને પૂછે કે, 'મારો મોક્ષ ક્યારે થશે ?' ત્યારે ભગવાને કહ્યું કે, તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. બોલો, હવે ભગવાને આમાં ખોટું શું કહ્યું? એટલે પાછું એણે ભગવાનને પૂછયું કે, 'જપ-તપ કરવાનાં તેનું શું ?' ત્યારે ભગવાને કહ્યું કે, 'એ તો તારે જે દહાડે અજીર્ણ થયું હોય તે દહાડે ઉપવાસ કરજે. જપ-તપની અમારે શરત નથી. તારું જ્ઞાન અને સમજણ કોઇ પણ રસ્તે ભૂલ વગરનું કર એટલું જ અમારે જોઇએ.' અત્યારે તમારે કેટલી બધી ભૂલો છે ? 'હું ચંદુલાલ છું, આ બાઇનો ધણી છું, આ બાબાનો બાપો છું.' કેટલી બધી ભૂલો...ભૂલોની પરંપરા જ છે ! મૂળમાં જ ભૂલ છે ત્યાં શું થાય? એક રકમ વિનાશી છે ને એક રકમ અવિનાશી છે. હવે આ બેને ગુણવા જાય ત્યાર હોરી તો પેલી વિનાશી રકમ ઊડી જાય. એટલે ગુણાકાર કોઇ દિવસ થાય નહીં ને જવાબ આવે નહીં. શક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહિ. 'એવરી ડે ફ્રાયડે' ને 'ફ્રાયડે' જ હોય ! લોક આડગલીમાં પેસી ગયું છે ! ભૂલથી તો સંસારેય સારો ના થાય તો મોક્ષ તો શી રીતે થાય ? ખરી રીતે તો તું પોતે મોક્ષસ્વરૂપ જ છો ! તું જ પરમાત્મા છે, માત્ર ભૂલ વગરનું જ્ઞાન ને ભૂલ વગરની સમજણનું જ ભાન થવું જોઇએ. તમે શુધ્ધાત્મા તો છો જ, પણ તેનું ભાન થવું જોઇએ. એ થયો મોક્ષને લાયક મોક્ષના લાયક થયો ક્યારે ગણાય ? કે હમણે તમે બહારગામ જતા હો અને તમે મોટરમાં બેઠા ને આ ભાઈ આમ આવતા હોય તો તમને કહે, આ ભાઈ આવ્યા માટે તમે ઊતરી પડો. પાછું થોડે છેટે જાવ ત્યારે એ બૂમ પાડશે તમને કે આવો, પાછા આવો, એમ કરો, તમે આગલી બાજુ બેસી જાવ, આગળ ! એટલે તમે પાછા આગળ બેસી જાવ. પાછો બીજો કોઈ ઓળખાણવાળો આવે ત્યારે તમને કહે કે, જરા ઊતરો હવે, એવું નવ વખત ચઢ-ઊતર કરાવે, પણ જરાય પર્યાય ફેર ના થાય, ત્યારે જાણવું કે આ મોક્ષને માટે લાયક થયો છે. જ્ઞાન ને આજ્ઞા સંગે મોક્ષ ! જેને મોક્ષે જવું હોય તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતાં હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય, તેને તો 'જ્ઞાન' અને 'જ્ઞાનીની આજ્ઞા' આ બેની જરૂર છે. આપણે તો આ મોક્ષે જવાનો માર્ગ છે. સરળ છે, સીધો છે, મહેનત વગરનો છે. ફક્ત આજ્ઞામાં રહેવાનું છે, બીજું કશુંય નહીં. ને આજ્ઞાય કંઈ ભારે નથી. કે આજે એક ટંક ખાજો ને કાલે એકુંય ટંક ખાશો નહીં, ને એવી તેવી કશી ડખલ છે નહીં. જે કંઈ કરે તે તો એનાં ફળ આવે પાછાં. અને ફળ આવે તો ત્યાં સુધી બેસી રહેવું પડે. એટલે અમે કહીએ, આપણે એ ખેતર ખેડવાં જ નહીં. નહીં તો ખેડીએ તો પાછો કપાસ આવે ને કપાસ વેચાય ત્યાં સુધી બેસી રહેવાનું. આપણે તો દાદાએ કહ્યું એટલું જ કરી નાખવાનું, તો અહીંથી સીધા અમરદેશમાં પહોંચી જવાય કે જ્યાં તીર્થંકરો વિચરે છે. ત્યાં પહોંચી જાય કે ઉકેલ આવી ગયો અને આપણું જ્ઞાન ઠેઠ સુધી પહોંચાડે એવું છે, પણ જાણી જોઈને એ વાંકો ના થાય તો ! અનુભવ : મોક્ષ : સમાધિ ! 'હું શુધ્ધાત્મા છું' એવો નિર્ણય થવો એનું નામ જ આત્માનુભવ. 'પોતે કોણ છે' એવું જાણે, ત્યારથી એને 'અબંધદશા' ઉત્પન્ન થાય. સમાધિ ક્યાં ખોળે છે ? તું તારા આત્માના મૂળ સ્વભાવમાં આવી જા ને ! મોક્ષ ને સમાધિ તો આત્માનો સ્વભાવ જ છે. ન ભૂતો, ન ભવિષ્યતિ ! મોક્ષ એટલે શું ? દ્રષ્ટિભેદ થવો જોઈએ. જ્ઞાની પુરુષ ભેદજ્ઞાન આપીને દ્રષ્ટિભેદ કરી આપે. પ્રશ્નકર્તા : આપણા દેશમાં આવાં જ્ઞાનીઓ કેટલાં હશે ? દાદાશ્રી : અત્યારે આવાં જ્ઞાની કોઈ ઉત્પન્ન થયા જ નથી ને ? અને ફરી થશે ય નહીં. એવી હું આ વાત કરું છું. આવાં જ્ઞાની તો ન ભૂતો ન ભવિષ્યતિ !! અત્યારે બહાર બધે છે એ તો સ્ટાન્ડર્ડ છે. એમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે. સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ.... એ બધાં ખરાં છે, સાચાં છે, એમાં ખોટું કોઈનુંય નથી. પણ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ તો 'આ' આપણું આટલું જ છે. જ્યાં કોઈ અવલંબનની જરૂર નથી. આ બીજે બધે તો પરાવલંબી છે, જ્યારે અહીં અવલંબન જ નહીં. એટલે આ તો સ્પર્શ કરવાનો ના મળે. એવી અલૌકિક વસ્તુ છે, જ્યાં લૌકિકતાનું બિંદુ નથી !! જય સચ્ચિદાનંદ |