સંસાર સળગ્યો, વેરથી !

સંપાદકીય

અનાદિકાળથી આ સંસારચક્રમાં ભટકવાનું થયું છે. શાસ્ત્રકારોયે લખે છે, અનંત ચોવીશીઓ વટાવી છતાં જીવનો મોક્ષ થયો નથી. જ્ઞાનીઓ-તીર્થંકરો ભેગા થયાં પછી પણ કેમ ચૂકી ગયો ? કઈ ભૂલ રહી ગઈ ? મૂળમાં તો નિજસ્વરૂપની અજ્ઞાનતા જ ! પછી અજ્ઞાનતાને લઈને અહંકાર ઊભો થયો અને પછી રાગ-દ્વેષની પરંપરા સર્જાયા કરી. દ્વેષભાવમાં વેર બંધાયા કરે છે અને વેરથી આ જગત ઊભું રહ્યું છે. અને વેરના નિકાલ નહીં આવવાથી અનંત અવતારની ભટકામણ ચાલુ રહે છે.

વેરનું સ્વરૂપ તો જીવનમાં ડગલે ને પગલે ઓળખાય તેમ છે. કોઈ પણ જીવ આપણને કંઈ પણ દુઃખ આપે, તો તે પૂર્વના વેરનો બદલો વાળે છે. અને તે ભેગાં ક્યાં થાય ? કુટુંબમાં જ ધણી-વાઇફ, છોકરાં, મા-બાપ ને છેવટે કાકા-મામા પીતરાઈઓ, ભાઈઓ થઈને પણ દુઃખ આપે. જેમ તેમ બોલે, ખાવા ના દે, મારે, આક્ષેપો આપે, અપમાન કરે, પણ ગમે તે રીતે ત્રાસ આપે ત્યારે જ એને આનંદ થાય. એ જ વેરના પરિણામ. પણ તે ઘડિએ જો ઉશ્કેરાઈ ગયા, મહીં બદલો લેવાની દાનત રાખી તો પાછો વેરનાં હિસાબ બંધાઈ જાય છે અને ફરી તે ચૂકવવા સંસારમાં આવવું પડે.

સહાધ્યાયીઓ વચ્ચે પણ વેર બંધાયેલા હોય છે. જે એકબીજાને પજવે તો જ એને શાંતિ થાય. વેર તો સંસારમાં સુખી ન થવા દે ને મોક્ષ થવાની તો વાત જ બાજુએ રહી ! લક્ષ્મીના વ્યવહારમાં યે દ્વેષ-અભાવ થઈને પછી વેર બંધાય છે. અહંકાર છંછેડાય તો ય સામો વેર બાંધી દે. જ્યારે વિષય-વિકારના વેર તો ખૂબ ઝેરીલા હોય છે અને તે કેટલાંય ભવ રખડાવી મારે.

જેને મોક્ષે જ જવું છે, એણે તો વ્યવહારમાં અત્યંત જાગૃતિ રાખવી જોઈએ. સામો ગમે તેવો વાંકોચૂકો ચાલે તોય પોતે જ્ઞાનદ્રષ્ટિથી નિર્દોષ જુએ, એને શુદ્ધાત્મા સ્વરૂપે જુએ અને ખૂબ પ્રતિક્રમણ કરીને વેર બીજને ધોઈ નાખવા જોઈએ. સામાને છેવટે પગે લાગીને, પ્રત્યક્ષ માફી માગીને ય એના મનનું સમાધાન કરી લેવું, જેથી આપણને મોક્ષે જતા અટકાવે નહીં.

પાર્શ્વનાથ ભગવાન અને કમઠ વચ્ચેના વેર તો દસ અવતાર સુધી ચાલ્યા હતા. છેવટે ભગવાન વીતરાગ સંપૂર્ણ રહ્યા ત્યારે છૂટકારો થયો !

આ ભવમાં સતત એક જ જાગૃતિ રાખવા જેવી કે કોઈની સાથે સહેજ વેર ન બંધાય અને બંધાયેલા વેર સમતાભાવે પૂરા થઈને છૂટી જવાય. પ્રસ્તુત સંકલન વાચકને વેરની ભયાનકતા ઓળખી વેરથી છૂટવા સમજણના વિવિધ દ્રષ્ટિકોણ બક્ષશે.

દીપકના જય સચ્ચિદાનંદ


જગ ઊભું વેરથી !

આ જગત વેરથી જ ઊભું રહ્યું છે. આનું બેઝમેન્ટ બીજી કોઈ વસ્તુ નથી. વેર જ છે. જગતનું બેઝમેન્ટ જ વેર છે. આ જગત રાગથી ઊભું નથી રહ્યું કે પ્રેમથી નથી ઊભું રહ્યું. પણ વેરથી જ ઊભું રહ્યું છે. ભગવાને શું કહ્યું કે પોતે શાનાથી બંધાયો છે ? માત્ર ચાલુ આવતા વેરથી બંધાયો છે. એનાથી જ જગત ચાલતું આવ્યું છે. કન્ટિન્યુઅસ (સતત) વેરથી ગૂંચો પાડેલી. આ તો પાછો વેરનું ઉપરાણું લે. તે જ પાછું આવતે ભવ આવે અને ગૂંચ ઉકેલવાને બદલે તે વખતે બીજી પાંચ નવી પાડતો જાય !

આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલાં તેથી તો આ ભેગાં થયેલાં છે. આ આપણા ઘરે ભેગા કોણ થયેલા છે ?! કર્મના હિસાબ બંધાયેલા છે, તે જ બધાં ભેગાં થયાં છે અને પછી એ આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તો ય સામો આંગળાં ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગળાં ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર, બધાં પૂર્વનાં વેર ! તમે આવું વેર કોઈ જગ્યાએ જોયેલું છે કે ?

પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને !

વાંકો બાંધે વેર લાખ ભવનું !

દાદાશ્રી : કોઈ ગમે તેટલું ગાંડુ બોલે, તે ઘડીએ આપણે જવાબ આપીએ, પછી તે ગમે તેટલો સુંદર હોય પણ સહેજે ય સ્પંદન ફેંકાઈ જાય તો ય ના ચાલે. સામાને બધું જ બોલવાની છૂટ છે, તે સ્વતંત્ર છે. અત્યારે પેલા છોકરા ઢેખાળા નાખે તો તેમાં એ સ્વતંત્ર નથી ? પોલીસવાળો જ્યાં સુધી આંતરે નહીં ત્યાં સુધી સ્વતંત્ર જ છે. સામો જીવ તો ગમે તે ધારે તે કરે. વાંકો ફરે, ને વેર રાખે તો તો લાખ અવતાર સુધી મોક્ષે ના જવા દે ! એટલા માટે તો અમે કહીએ છીએ કે ચેતતા રહેજો. વાંકા મળે તો જેમ તેમ કરીને, 'ભાઈ સાહેબ' કરીને પણ છૂટી જજો ! આ જગતથી છૂટવા જેવું છે.

આ જગતમાં એક વેર નથી કરવા જેવું કોઈની જોડે. સામો અવળું બોલે તો આપણે લેટ ગો કરીને પણ વેર નથી કરવા જેવું. નહીં તો મરી ગયા પછી યે છોડે નહીં.

સમાધાન કરાવીને ય ઉકેલો !

કોઈકને સહેજેય છંછેડ્યો એટલે એ પોતે બદલો લેવા નિયાણું કરે. આ લોકો કેવા માણસો છે કે 'મારું બધું તપ એમાં જાવ પણ આને તો ખલાસ કરી નાખું !' એવું નિયાણું કરે. માટે વેર ના બાંધશો. આપણી ભૂલ થઈ તો માફી માગી લેજો અને એ ભૂલનો ઉકેલ લાવજો, પણ કેસ ઊંચો મૂકી દેજો. આ જગત વેરથી ઊભું રહ્યું છે. એટલે કોઈ જગ્યાએ વેર ઊભું રહ્યું હોય તો આપણે એને ક્ષમાપના કરીને ય, માફી માગીને ય અને પગે પડીને પણ એની જોડે વેર ના બાંધવું અને એની જોડેનાં વેર છોડાવી નાખવાં કે જેથી એ માણસ ખુશ થઈ જાય કે, 'ના ભાઈ, હવે વાંધો નથી.' એની જોડે સમાધાન કરી લેવું. જેથી આપણને અટકાવે નહીં.

પ્રશ્નકર્તા : એટલે સોલ્યુશન લાવવાની ઇચ્છાવાળા આવું કબૂલ કરી લે તો સમાધાન થઈ જાય ?

દાદાશ્રી : હા. અરે, અમે તો 'ગાંડા થઈ ગયા છીએ' એવું હઉ કહીએ. 'અમારું મગજ જરા એ થઈ ગયું છે' કહીએ એટલે આપણને એ છોડી દે. આપણે કંઈ પૈણવું છે એમને ? એટલે સમાધાન કરીને આગળ હેંડ્યા આપણે. આપણને તો જે તે રસ્તે વેર બંધાય નહીં એટલું જ જોઈએ છે ને !

રિવેન્જથી તણાય સંસારમાં !

ભગવાને કહ્યું છે કે આ કાળમાં કોઈ ગાળ ભાંડી ગયો હોય તેને જાતે જમવા બોલાવજો. એટલી બધી 'વાઇલ્ડનેસ' હશે તો ય એને ક્ષમા જ આપજો. જો કંઈ 'રિવેન્જ' લેવા ગયાને, તો પછી સંસારમાં પાછા ખેંચાયા. 'રિવેન્જ' લેવાનો ના હોય આ કાળમાં. આ દુષમ કાળમાં નરી વાઇલ્ડનેસ હોય. શું વિચાર આવે એ કહેવાય જ નહીં. દુનિયા પારના વિચારો હઉ આવે ! આ કાળના જીવો તો બહુ અથડાવાના. આવા માણસ જોડે આપણે વેર બાંધીએ તો આપણે હઉ અથડાવું પડે. એટલે આપણે કહીએ છીએ, 'સલામ સાહેબ' કરીને પણ છૂટો. આ કાળમાં તરત માફી આપી દેવી. નહીં તો તમારે ખેંચાવું પડશે.

પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ?

દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે વેર રાખવું, મહીં વેરનાં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો. આપણે કોઈને ખોટા ના કહેશો. કારણ કે એ તમારી ઉપર ચીઢાશે તો ઊંધો ખેલ કરશે ને વેર બાંધશે. માટે એમને તો કહેવું કે, 'સાહેબ, તમે બરોબર છો, તમારી વાત અમને ગમી !' એમ કરીને આપણે આગળ ચાલ્યા જવું. આનો પાર જ નહીં આવે. તમે એમને ખોટા છો, કહેશો તો એ તમને છોડશે નહીં. તમારી જોડે ને જોડે ફર્યા કરશે.

ન બાંધો વેર ઘરમાં !

અનંત કાળથી ભટક ભટક કરીએ છીએ, છતાં આર્તધ્યાન અને રોદ્રધ્યાન અટક્યા નથી. તેથી તેમને સમજવા જોઈએ. ઘરમાં ઝઘડા થાય તો ખમાવવું (ક્ષમાપના લેવી) જોઈએ. સામો વેર ના બાંધે તેમ ખમાવવું જોઈએ. ભગવાનની આજ્ઞામાં રહેવું એ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે. આ ખમાવવું કેમ ? મફતમાં કેમ ખમાવાય ? તો જેટલું તમે આપો છો તેટલું જ પાછું આવે છે.

આ જગત વેરથી ખડું રહ્યું છે ! આ હિન્દુઓ તો ઘરમાં વેર બાંધે અને આ મુસ્લિમોને જુએ તો એ ઘરમાં વેર ના બાંધે, બહાર ઝઘડો કરી આવે. એ જાણે કે આપણે તો આની આ જ ઓરડીમાં આની જ જોડે રાત્રે પડી રહેવાનું છે, ત્યાં ઝઘડો કર્યે કેમ પાલવે ? જીવન જીવવાની કળા શું છે કે સંસારમાં વેર ના બંધાય ને છૂટી જવાય. તે નાસી તો આ બાવા-બાવલીઓ જાય છે જ ને ? નાસી ના જવાય. આ તો જીવન સંગ્રામ છે, જન્મથી જ સંગ્રામ ચાલુ ! ત્યાં લોક મોજમઝામાં પડી ગયું છે !

ન ભૂંસાય વેરની સહીઓ !

તાંતો વેર વધાર્યા કરે અને તાંતો તૂટ્યો તો વેર ઘટે.

આ સંસારમાં કેવું છે ? કે દુઃખ પડે તે ય ભૂલી જાય, સુખ પડે તે ય ભૂલી જાય, નાનપણમાં વેર બાંધે તે ય વાત ભૂલી જાય. પછી ભેગા બેસીને ચા પીવે, પાછાં બધું ભૂલી જાય. પણ જે વખતે જે અવસ્થા ઉત્પન્ન થઈ, તે અવસ્થામાં ચિતરાઈને સહીઓ કરી નાખે છે. આ સહીઓ કરેલી પછી ના ભૂંસાય. અને વખત આવે ત્યારે વેરનું ફળ આવે ! માટે વાંધો આ સહીઓ થાય છે તેનો છે. લોક વાતવાતમાં સહીઓ કરી નાખે. અમથા અમથા દબડાવતા જાય તેમાં ય સહીઓ થઈ જાય છે ! અરે, આપણી છોડી કોઈ ઉઠાવી જાય તો ય તે વખતે સહીઓ ના કરાય. લોક અવસ્થામાં જ બધું ચિતરી નાખે છે, મારી નાખવાનું ય ચિતરી નાખે !

સમજો ત્રિવાક્યો !

ત્રણ જ વાક્યો છે સુખી થવાને માટે, તમે લખી લો : (૧) પોઝિટિવ અહંકાર - કોઈને કિંચિત્માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય એવો અહંકાર એ પોઝિટિવ અહંકાર (૨) દુઃખી થવા માટે નેગેટિવ અહંકાર - પોતાનું સહેજ અપમાન થઈ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઈને કહી આવે કે 'પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.' અલ્યા મૂઆ, તારું વેર છે એટલા માટે આ કર્યું ? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે ! આ નેગેટિવ અહંકાર. અને (૩) મોક્ષે જવું હોય તો 'આરોપિત ભાવ'થી મુક્ત થા, અહંકારથી મુક્ત થા.

ભાઈઓ-ભાઈઓમાં વેર !

બે ભાઈ હોય, તે એક દહાડો બંનેનું મન જુદું પડ્યું, તે બીજે દા'ડે વધારે જુદું પડે. પછી તો ધીમે ધીમે એ ભાઈ ના ગમતો થઈ પડે ને પછી તો વેર બંધાય. પછી એ બેઉ કેટલા દા'ડા ભેગા રહે ?

પ્રશ્નકર્તા : અમે ચાર ભઈઓ છીએ અને નાનપણથી સાથે જ ધંધો કરેલો. હવે બધા છૂટા થઈ ગયા, પણ એમાં એટલું બધું વેર ઊભું થયું કે એકબીજા જોડે બોલવાનો ય વ્યવહાર નથી રહ્યો. તો આ કંઈક ઓછું થાય, બંધ થઈ જાય, મતભેદો ખલાસ થઈ જાય, એટલે આ ભાઈ મને અહીં લઈ આવ્યા.

દાદાશ્રી : વેર છોડ્યા વગર છૂટકો જ નથી. આ બધા વેર બંધાયેલા, કેટલાંય અવતારના વેર હોય ત્યારે ભેગાં થાય. એક ટેબલ ઉપર બેસીને જમે. વેર વગર જોડે જમે નહીં. આ કળિયુગમાં તમારી જોડે જમે છેને, તે બધા વેરવાળા જ જમે છે.

વેરનો સ્વભાવ કેવો છે ? પ્રેમ સહિત હોય, ઘડીમાં પ્રેમ ને પછી વેર. નર્યા વેર... આ ઘડીવાર શાંતિ રહે નહીં, આ કઈ જાતનું છે તે ? જાનવરો કેવા સુખી છે બિચારાં ! ચિંતા નહીં, વરીઝ નહીં ને આ મનુષ્યો જુઓને આ ! બધા વેર છૂટી જશે ત્યારે દહાડો વળશે.

પ્રશ્નકર્તા : પણ હવે એકબીજા વચ્ચે મતભેદ હોય, વેર હોય તો એ બધું છોડવા માટે શું કરવું ?

દાદાશ્રી : માર ખા ખા કરવો. એના તરફનું જે આવે તે સહન કર્યા કરવું અને તે આશીર્વાદ આપીને, મન બગાડીને નહીં.

પ્રશ્નકર્તા : એ બરાબર છે !

દાદાશ્રી : નહીં તો પછી આવતા ભવમાં ચાર પગ સાથે રોફ મારવો ત્યાં આગળ સામસામી. ચાર પગવાળું ના ગમે, નહીં ? આવતા ભવે ચાર પગ મળે અને શીંગડાં સાથે, પૂંછડું-બૂંછડું સાથે ! પછી ત્યાં આગળ જે કરવું હોય તે કરવાનું.

હવે વેર બધાં છોડી નાખવાનાં, માટે કો'ક ફેરો અમારી પાસેથી 'સ્વરૂપ જ્ઞાન' મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં, અમે તમને રસ્તો દેખાડીશું.

આમ છોકરાં બાંધે વેર !

મેં એક જણને કહી દીધું હતું મારો ખાસ ફ્રેન્ડ હતોને, તે મેં કહ્યું આ જો, તારી વાઇફ આટલી ચાલીસ વર્ષની થઈ, હવે તું એમને ડફડાવું છું, તે ઘડીએ આ છોકરાં જે છેને, તે લાઈનબંધ ત્રણ છોકરા, તે બધા જોયા કરશે અત્યારે. એનો પગ પહોંચતો નથી, પણ મનમાં નક્કી કરે, હં... મમ્મી તો બહુ સારી, આ પપ્પો જ ખરાબ છે એવું ડિસાઈડ કરી લે. મોટો થઉં તો પપ્પાને જોઈ લઈશ. આ યે વેર બાંધે. ન્યાયાધીશ જેટલા હોંશિયાર હોય છે. એટલે પેલાને મેં ના કહ્યું હતું, મૂઆ, અત્યારથી ચેતીને ચાલજે આ. કારણ કે આ કૂતરામાં ય છે તે કૂતરી ભસેને ત્યારે પેલા કુરકુરિયા એની જોડે ભસે એટલે પેલો ડાઘિયો નાસી જાય એની મેળે, એવું આમાં પણ છે. માટે ચેતીને ચાલવું સારું આપણે.

કાજળે લખેલું, વેર વાળે !

પણ પુરુષો હંમેશાં ભોળા હોય છે, એનો તાંતો પકડી ના રાખે અને આ સ્ત્રી તો આખી જિંદગી ના છોડે !! તે અમારો એક ભઈબંધ હતો, તે નાની ઉંમરમાં એની 'વાઈફ'ને મારતો હતો, બે-ચાર ધોલો મારી દે. ત્યારે મેં એને ખાનગીમાં સમજ પાડી. મેં કહ્યું, ના, મારીશ અલ્યા મૂઆ ! ત્યારે કહે, એ શું કરવાની છે ?! ત્યારે કહે, ના. એ અત્યારે તો માર ખાશે. એ જાણે કે હજુ મહીં જોર છે, ત્યાં સુધી મારવા દોને, જરા કમજોર થશે એટલે રાગે પાડી દઈશ. હમણે જોર છે તે ત્યાં સુધી માર ખાવ !! તો મને કહે છે, ત્યાં સુધી યાદ રાખે છે ? મેં કહ્યું બધું એની છાતીએ લખેલું હોય, શબ્દે શબ્દ. અને આપણા છાતીએ લખેલું ના હોય એકુંય શબ્દ. કારણ કે આપણે ભોળાં ! અને એની છાતીએ લખેલું હોય, માટે વેર ના બાંધીશ, મારીશ નહીં બા. તે પછી બંધ કરાવડાવ્યું એને ! ના બંધાય વેર આવું !

પત્ની જોડે વેર !

આ રેલવે લાઈન ચાલે છે. તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે ! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું 'ડિપાર્ટમેન્ટ' જ આખું જુદું. હવે તેમાં ય ખામી તો આવે જ ને ! તેમ 'વાઇફ'ના 'ડિપાર્ટમેન્ટ'માં કો'ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની (વાઇફની) ખામી કાઢવા જઈએ તો પછી એ આપણી ખામી કાઢશે. 'તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે.' એટલે એ વેર વાળે. હું તમારી ખોડ કાઢું તો તમે પણ મારી ખોડ કાઢવા તલપી રહ્યા હોય ! એટલે ખરો માણસ તો ઘરની બાબતમાં હાથ જ ના ઘાલે. એને પુરુષ કહેવાય ! નહીં તો સ્ત્રી જેવો હોય.

બદલો વાળે તોલ સાથે !

પછી વાઇફ તો લાગમાં ને લાગમાં હોય અને ભઈનો કાગળ આવી પડ્યો હોય. એણે ત્રણસો રૂપિયા માંગ્યા ઉછીના. કાગળ આવી પડ્યો અને બઈએ વાંચ્યો એટલે બઈ હવે ઝઘડે કે પહેલાં ત્રણસો આપ્યા'તા તેનું ઠેકાણું નથી અને ફરી ત્રણસો રૂપિયા આપો છો પાછાં, ચાલ્યું તોફાન. હવે પેલાનો અહમ્ ઘવાય તે ઘડીએ મનમાં થાય કે પૈસા હું કમાઉં છું, આખો દહાડો બળદની પેઠ ફરું છું ઘાણીએ. એના ભાડાના કંઈક આવે છે તેમાંથી મારે આપવાના છે તેમાં તું શું કામ કચકચ કરે છે. પણ પેલી વેર વાળે છે. બે-ચાર દહાડા પર એને પજવી હોય ને એનું વેર વાળે છે. અને જો વઢવાનો મહીં શોખ હોય થોડો-ઘણો, તો પોલીસવાળા જોડે જઈને વઢવું. પણ અહીં ઘરમાં વઢવાનું હોય નહીં ને ! કેટલાંકને વઢવાનો શોખ હોય છે.

પ્રશ્નકર્તા : ઘર એટલે શાંતિનું સ્થાન.

દાદાશ્રી : હા, ઘરમાં શાંતિનું સ્થાન હોવું જોઈએ. આપણે શાથી બોલીએ ? પહેલાંનું વેર, પહેલાં એક દહાડો આપણે લાગમાં આવ્યા'તાને, તે પેલી બૂમાબૂમ કરતી'તી. તે આજ આનો વખત આવ્યો, તે મારો એને. એ આપણું વેર છોડી દો, એકદમ. એ પાછલું વેર જ છે આ બધું. શા માટે આમ વેર રાખવાનું. વેર પોલીસવાળા જોડે કરવાનું હતું, ત્યાં તો પાંસરા ચાલે છે, 'સાહેબ તમે કહો એમ.'

આવું બેનો તમારે ય નહીં કરવું જોઈએ અને એ ય ના કરે. ત્યાં આપણે બેઉ સમજી લઈએ તો, સીધું જાય આમાં. નહીં તો ક્યાં સુધી આવું કરીશું ? સમજીને વ્યવહાર કરોને ! ભણેલા છો, વિચારશીલ છો, સમજદાર છો અને પુણ્યશાળી છો.

પ્રશ્નકર્તા : આ વેર બધું એ પૂર્વભવનું ખરુંને ?

દાદાશ્રી : પૂર્વભવનું ખરું પણ જ્ઞાન લીધા પછી આપણને સમજણ પડે ને કે આવું ના હોય.

પ્રશ્નકર્તા : ત્યારે કેવી રીતે રસ્તો કરવાનો ?

દાદાશ્રી : એવું થઈ ગયું, વખતે વાંકુ બોલી જવાયું ત્યારે કહેવું અરે, મારાથી ભૂલ થઈ ગઈ. ના બોલવું જોઈએ, તેવું બોલાઈ જવાયું. એટલે ભૂંસાઈ જાય. માણસ નોબલ હોય છે, ક્રૂર નથી હોતા. ભૂંસાઈ જાય કે ના ભૂંસાઈ જાય ?

ખરો ક્ષત્રિય ગુણ જ એ કે તરત જ માફ કરી દે. સામાની ગમે તેવી ભૂલ હોય તો ય એ ભૂલ કબૂલ કરે કે એને માફ જ કરી દે.

પ્રશ્નકર્તા : ખરેખર તો કોઈની ભૂલ એ ભૂલ જ ના ગણવી જોઈએ.

દાદાશ્રી : ના, ભૂલ કહેવી ના જોઈએ એવું બને નહીં. એ તો જ્યાં સુધી માલ ભરેલો છે ત્યાં સુધી ભૂલ થાય જ.

પ્રશ્નકર્તા : હું એમ કહું છું કે આપણને એમ લાગે કે આ ભૂલ થઈ છે, તો આપણે મન પર ના લાવવું જોઈએ.

દાદાશ્રી : હા, એ મન પર લાવે એટલે પછી વેર વાળવા માટે ભમે ય. મન પર લાવવાનો, મનુષ્યનો સ્વભાવ છે. મન પર નથી લેવું તો યે થોડું મહીં ફાંફાં મારે.

પ્રશ્નકર્તા : અંદર ઝણઝણાટી થાય પણ મનને સમાધાન આપીએ કે આપણે આ બધું શું કામ જરૂર છે ?

દાદાશ્રી : હા. સમાધાન આપીએ તો ઉકેલ આવે. નહીં તો વગર કામના ભાતમાં કાંકરા નાખીને ખાવા ? આ પપૈયું તો સરસ છે, સોના જેવું છે. પણ મહીં છે, થોડીક રાખોડી નાખી આપે પછી શું થાય તે ?

આ જગત તો બધું વેર વાળવા માટે છે ! આખું જગત વેર વાળવાનું છે. ધણી બૈરી જોડે વેર વાળે ને બૈરી યે ધણી જોડે વેર વાળ્યા કરે !

જક્કે ચઢીને બંધાયું વેર !

આ તો 'રિલેટીવ' સગાઈઓ છે. જો 'રિયલ' સગાઈ હોયને, તો તો આપણે જક્કે ચઢેલા કામના કે તું સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢીશ. પણ આ તો 'રિલેટીવ'. 'રિલેટીવ' એટલે એક કલાક જો બાઈ સાહેબ જોડે જામી જાય તો બેઉને 'ડાઈવોર્સ'નો વિચાર આવી જાય, પછી એ વિચાર બીજનું ઝાડ થાય. આપણે જો 'વાઇફ'ની જરૂર હોય તો એ ફાડ ફાડ કરે તો આપણે સાંધ સાંધ કરવું. તો જ આ 'રિલેટીવ' સંબંધ ટકે. નહીં તો તૂટી જાય. બાપ જોડે ય 'રિલેટીવ' સંબંધ છે. લોક તો 'રિયલ' સગાઈ માનીને બાપ જોડે જક્કે ચઢે. એ સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢવું ? મેર ચક્કર, એમ કરતાં, સુધરતાં સુધીમાં તો ડોસો મરી જશે ! એના કરતાં એની સેવા કરને ! બિચારો વેર બાંધીને જાય, એના કરતાં એને નિરાંતે મરવા દે ને ! એનાં શિંગડાં એને ભારે, કોઈને વીસ વીસ ફૂટ લાંબાં શિંગડા હોય તેમાં આપણને શું ભાર ? જેનાં હોય તેને ભાર.

મેળ પડતો હોય તે ય દીકરો થઈને આવે, ને વેર હોય તે ય દીકરો થઈને આવે છે, ને વગર કામની ભ્રાંતિ થાય કે આ મારાં છે, મારાં છે !

વેર ખપાવ્યું, કેવળજ્ઞાનમાં રહીને !

ગજસુકુમારને ભગવાન નેમીનાથ પાસેથી 'શુધ્ધાત્મપદ' પ્રાપ્ત થયું હતું. ગજસુકુમારની બ્રાહ્મણ કન્યા સાથે સગાઇ થઇ હતી. પાછળથી તો એ વૈરાગ્યને પામેલા, એટલે દીક્ષા લેવાના થયા. હવે બ્રાહ્મણ બાપને મનમાં વેર ઊભું થયેલું કે મારી છોકરીને રખડાવી મારી. એક દિવસ જંગલમાં તળાવકાંઠે ગજસુકુમાર શુધ્ધાત્માનું ધ્યાન કરતા હતા. પદ્માસનવાળી બેઠા હતા. એમને તો ક્રમિક માર્ગમાં પદ્માસન વાળવું પડે. આપણે અહીં પદ્માસનવાળીને બેઠો હોય તો પા કલાક પછી મારે કાઢી આપવો પડે પગ. એટલે અમે તો કહીએ, તને ફાવે તેમ બેસ. આ તો અક્રમ જ્ઞાન છે ! હવે ગજસુકુમાર ધ્યાનમાં બેઠેલા ને ત્યાંથી તે વખતે બ્રાહ્મણ સસરાજી પસાર થતા હતા. તેણે ગજસુકુમારને જોયા એટલે તો મહીં વેર ખળભળી ઊઠ્યું, ક્રોધે ભરાઇને એણે જમાઇના માથે માટીના ગારાની સગડી બનાવી અને મહીં અંગારા ધગધગાવ્યા. ત્યારે ગજસુકુમારે જોઇ લીધું હતું કે 'ઓહોહો ! આજ તો સસરાજી મોક્ષની પાઘડી બાંધે છે !' એટલે એમણે શું કર્યું ?

ભગવાને તેમને સમજાવ્યું હતું કે, ''મોટો ઉપસર્ગ આવી પડે ત્યારે 'શુધ્ધાત્મા, શુધ્ધાત્મા' ના કરશો. શુધ્ધાત્મા તો સ્થૂળ સ્વરૂપ છે, શબ્દરૂપ છે. ત્યારે તો સૂક્ષ્મ સ્વરૂપમાં જતા રહેજો.'' એમણે પૂછયું, 'સૂક્ષ્મ સ્વરૂપ શું છે ?' ત્યારે ભગવાને સમજાવેલું કે, 'ફકત કેવળજ્ઞાન જ છે, બીજી કોઇ વસ્તુ નથી.' ત્યારે ગજસુકુમારે પૂછયું, 'કેવળજ્ઞાનનો અર્થ મને સમજાવો.' ત્યારે ભગવાને સમજાવ્યું, 'કેવળજ્ઞાન એ આકાશ જેવું સૂક્ષ્મ છે; જ્યારે અગ્નિ સ્થૂળ છે. તે સ્થૂળ, સૂક્ષ્મને કોઇ દહાડો બાળી શકે નહીં. મારો, કાપો, બાળો તો ય પોતાના કેવળજ્ઞાન સ્વરૂપને કંઇ જ અસર થાય તેમ નથી.' અને ગજસુકુમાર માથે અંગારા ધીકતા હતા ત્યારે 'હું કેવળજ્ઞાન સ્વરૂપ છું' એમ બોલ્યા ત્યાં ખોપરી ફાટી, પણ કશી જ અસર તેમને ના થઇ !

વાત જ સમજવાની છે. આત્મા પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. કેવળજ્ઞાન કંઇ લેવા જવાનું નથી.

અપમાન કરીને વેર વાળે !

આ કાળમાં જ છેલ્લાં પાંચેક હજાર વર્ષથી પુરુષો કન્યા લેવા જાય છે. તે પહેલાં તો બાપ સ્વયંવર રચે ને તેની મહીં પેલા સો ડોબા આવેલાં હોય ! તેમાંથી કન્યા એક ડોબાને પાસ કરે ! આ રીતે પાસ કરીને પૈણવાનું હોય, તેના કરતાં ના પૈણવું સારું. આ બધા ડોબા લાઈનબંધ ઊભા હોય. તેમાંથી કન્યા વરમાળા લઈને નીકળી હોય. બધાંના મનમાં લાખ આશાઓ હોય તે ડોકી આગળ ધર્યા કરે ! આ રીતે આપણી પસંદગી વહુ કરે, એના કરતાં જન્મ જ ના લેવો સારો ! તે આજે એ ડોબાઓ સ્ત્રીઓનું ભયંકર અપમાન કરીને વેર વાળે છે ! સ્ત્રીને જોવા જાય ત્યારે કહે, 'આમ ફર, તેમ ફર'.

હવે એમનો દોષ નથી જોનારનો, એ વેર વાળે છે સ્ત્રીઓ ઉપર. ત્યારે કહે, વેર ક્યારથી બંધાયેલું હતું ? તો કહે, પહેલાં સ્વયંવર હતા ત્યારે ઘોર અપમાન થતું હતું. તેનો આ બદલો વાળે છે.

નોકર જોડે કચકચથી બંધાયું વેર !

બુદ્ધિ જો વિકાસ પામેલી હોય, સમજણવાળી કરેલી હોય તો કોઈ કશું ઝઘડો થાય એવો જ નથી. હવે નોકર જોડે ઝઘડો કરવાથી કંઈ તૂટી ગયેલાં કપ-રકાબી આખાં થઈ જાય છે ? ખાલી સંતોષ લે એટલું જ ને ? ને ઊલટો કકળાટ થાય એ જુદો પાછો, મનમાં કલેશ થઈ જાય એ જુદો. એટલે આ વેપારમાં તો એક પ્યાલા ગયા તે ખોટ, બીજું આ કલેશ થાય તે ખોટ, ને ત્રીજું નોકર જોડે વેર બંધાયું તે ખોટ !!! નોકર વેર બાંધે કે હું ગરીબ છું, તેથી આ મને અત્યારે આવું કહે છે ને ! પણ એ વેર કંઈ છોડે નહીં.

આવું બહુ દહાડાનું એવું ભેગું થાય એટલે નોકર પછી એક દહાડો છરી મારીને જાય. એટલે પછી લોકો બૂમો પાડે કે નોકરો હવે તો મારી નાખે છે ! મારી ના નાખે, તો શું કરે ? તમે એને રોજ માર માર કરો તો પછી એક દહાડો એ આખું મારે !

વેર રાખવાની ટેવ !

પ્રશ્નકર્તા : બીજા વ્યક્તિ સાથે જ્યારે વાતચીત નીકળે ત્યારે હું જેને ત્યાં જોબ કરું છું એ સાહેબની વાત આવતાં સાહેબનું ઘસાતું બોલીએ, સાહેબની ખોદણી શરૂ થઈ જાય. એવું કેમ થાય છે ?

દાદાશ્રી : હા, એટલે વેર રાખો છો. આ શેનું થાય છે બધું. સાહેબ આવું કંઈક બોલ્યા હોય તે નોંધ રાખો છો તેથી. નોંધ રાખવાની હોય નહીં. આપણને એ કશું બોલી ગયા એટલે આપણે જાણીએ 'વ્યવસ્થિત' છે. એટલે ઊડી ગયું. પણ તું નોંધ રાખું છું ?

પ્રશ્નકર્તા : રખાઈ જાય છે.

દાદાશ્રી : તમે એ નોંધ રાખ્યા વગર રહો નહીં. તમને સમજાય છે, શી ભૂલ થાય તે ?

પ્રશ્નકર્તા : નોંધ રાખીએ છીએ, એટલે એક પ્રકારનું વેર રહે છે.

દાદાશ્રી : ત્યાં આગળ જ્ઞાન વાપરતો નથી. ગમે ત્યારે ખરાબ બોલ્યો, તને કાઢી મેલીશ, આમ કરીશ, તેમ કરીશ આપણે તે ઘડીએ એ બોલ્યા તે 'વ્યવસ્થિત' છે, એટલે પછી પ્રશ્નો ઊભા થતા બંધ થઈ ગયા. વ્યવસ્થિત ના કહે એટલે પ્રશ્નો ઊભા થાય મનમાં. ના પણ વેર રાખવાની ટેવ છે આ. પણ ત્યાં આગળ આપણે જાણીએ કે અહીં ભૂલ થઈ છે, ત્યાં વધુ જાગૃતિ રાખવી. ક્યાં આગળ ઠોકર ખઈ જાય છે, એ જોવું આપણે !

મોક્ષે જવું છે કે મોડું કરી નાખવું છે ?

પ્રશ્નકર્તા : ના. મોક્ષે જવું છે. આ ગમતું નથી એટલે આ પ્રોબ્લેમ એ આપની સમક્ષ મૂક્યો.

દાદાશ્રી : પ્રોબ્લેમ તો ખુલ્લો છે. આપણું જ્ઞાન જ એવું સરસ છે, પણ ટેવો પડેલી હોય ત્યાં આગળ ગોથું જ ખાયને બિચારો ! ટેવ ના પડી હોય તો ?

પ્રશ્નકર્તા : તો ના થાય.

દાદાશ્રી : અત્યારે કોઈ દારૂની પ્યાલી ધરે, તરત જાગૃતિ તારી ઊભી થાય, આ ન્હોય. કારણ કે ટેવ નથી ને પીતો નથી !

જો જો ન ચૂકાય મોક્ષનો ધ્યેય !

આ જગત વેરથી ઊભું રહ્યું છે. કોઈને ટૈડકાવીને તમે જીતો તો એ જીત્યા ના કહેવાય. બાકી, ઉકેલ તો બધો નમ્રતાથી આવશે. વીતરાગો કેવા ડાહ્યા હતા, નાનું છોકરું ટૈડકાવે તો ય ખુશ થઈને એમની જોડે વાત કરે. કારણ કે પોતાને મુક્તિમાં જવું છે, મોક્ષે જવું છે, આ લોકોની જોડે ક્યાં ફરી બેસી રહેવું છે ! પોતાનું કામ તો લક્ષમાં હોય કે ના હોય ? પોતાનો ધ્યેય તો લક્ષમાં જ હોય ને ?! અને એટલા માટે ઉકેલ લાવવો જોઈએ. નહીં તો તમે ટૈડકાવો ને એ અત્યારે દબાઈ જાયને તો એ અંદરથી દબાતો નથી, એ અંદર સંઘરી રાખે છે, વેર બાંધે છે.

એકસ્ટ્રા આઈટમના રીપેમેન્ટ ભારે !

વેર બાંધીને જ તો આ જગત ઊભું થયું છે. તેથી તો અમે નાનપણથી જ વેર બાંધવાનું જ મૂકી દીધેલું. કારણ કે જરાક જ તરછોડ મારેને તો પેલો આપણી જોડે વેર બાંધે. આ પટાવાળો હોય એને 'એય, તું આમ છે, નાલાયક છે' કહ્યું હોય, તો એ તો વેર બાંધી દે ! કામ લેવાનો કરાર છે અને પગાર આપવાનો કરાર છે. કંઈ ગાળો આપવાનો કરાર છે ? આ વચ્ચે એકસ્ટ્રા આઈટમ ઘાલવાની શી જરૂર ? આ એકસ્ટ્રા આઈટમ વચ્ચે ના હોવી જોઈએને ? પદ્ધતિસરનો જે કરાર હોય તે પાળવો જોઈએ ને ?

તરછોડના પરિણામ !

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડનાં ફળ કેવાં ?

દાદાશ્રી : તિરસ્કારનું ફળ એટલું બધું ના આવે, પણ તરછોડનું બહુ મોટું આવે. તરછોડ તમામ પ્રકારના અંતરાય પાડે. એટલે વસ્તુઓ આપણને પ્રાપ્ત ના થવા દે, હેરાન-હેરાન કરી મૂકે. તરછોડ શું ના કરે ? તરછોડથી તો બધું જગત ઊભું રહ્યું છે. એટલે અમે એક જ વસ્તુ કહીએ છીએ કે વેર છોડો. તરછોડ ના વાગે એવું ચાલો.

તરછોડ માટે અમારું ચિત્ત બહુ જાગૃત હોય. મોડી રાત્રે રસ્તા પરથી જવાનું બને ત્યારે અમે જાગૃત હોઈએ કે જેથી અમારા બૂટના અવાજથી કૂતરું ના જાગી જાય. એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંને ય ઊંઘ તો હોય ને ! એમને બિચારાંને પથારી-બથારી તો, રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ? એની મહીં યે આત્મા છે ને ?

કોઈ અમને પ્રેમથી 'પોઇઝન' આપે તો ય અમે તેને તરછોડ ના મારીએ !

સહન કરે, પણ વેર બાંધીને !

આ તો એક દહાડો દુકાનમાં ઘરાક ના આવે તો નોકરોને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઇએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એ ય માણસજાત છે. એને ઘેર બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઇને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દયાભાવ તો રાખો !

ઘરાક આવે છે તે ય 'વ્યવસ્થિત'ના હિસાબથી. જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો ? ના, ત્યાં તો દબાઇ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભા થાય. આ વેરથી જ જગત ઊભું છે, એ જ મૂળ કારણ છે.

લક્ષ્મી, વેર વધારનારી !

આ કળિયુગમાં પૈસાનો લોભ કરીને પોતાનો અવતાર બગાડે છે, પૈસો એવી વસ્તુ છે કે માણસને લોભ ભણી દ્રષ્ટિ કરાવે છે. અને લક્ષ્મી તો વેર વધારનારી વસ્તુ છે. એનાથી દૂર જેટલું રહેવાય એટલું ઉત્તમ અને વપરાય તો સારા કામમાં વપરાઈ જાય તો સારી વાત છે.

જે તે રસ્તે વેર ભાંગો !

આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઇ જાય ? ના થાય. ઘરાક તો યાદ રાખે કે, 'આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો.' લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે, કોઇપણ રસ્તે વેર છોડો. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઇ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે મનમાં સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઇ ગયો. આ પૈસા જતાં કરીને ય જો વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક જ માણસ જોડેનું વેર સંસારમાં ભટકાવશે.

ઉઠાવી લ્યો આ છેલ્લી તક !

આ જગત એવું છે કે સારી રીતે બોલાવીએ-ચલાવીએ તો એ આપણને આગળ જવા દે. નહીં તો એને જો સળી કરીએ ને, તો એ પણ જવા ના દે, ને 'તું પણ મારા ઘાટમાં આવી જા' કહેશે. આ તો ઘડીવારમાં તો વેર બાંધી દે. આમને વેર બાંધતાં વાર જ ના લાગે.

પ્રશ્નકર્તા : આ જગતમાં વેર ના બંધાય એવી જગ્યા તો એકાદ બતાવો.

દાદાશ્રી : પણ વેર ના બંધાય એવી રીતે વર્તવું જોઈએ. હું વેર બંધાય નહીં એવી રીતે વર્તુ છું.

પ્રશ્નકર્તા : તો પોતે ઘસાઈને પણ વેર છોડવાનાં ?

દાદાશ્રી : હા, ગમે તે રસ્તે ઘસાઈને, ફસાઈને, પણ વેર ના બંધાય એવી રીતે વર્તવાનું. હું પહેલેથી એ રીતે જ વર્તેલો. અમારે કોઈની જોડે મતભેદ નહીં પડેલા. એનું કારણ શું ? નોબિલિટી ઓફ માઈન્ડ - નુકસાન ખઈને પણ વેર ના બંધાવા દઈએ. ત્યારે આપણા લોક તો શું કરશે ? નુકસાન થયું એટલે એની જોડે સંબંધ જ છોડી દે અને પાછો બીજા જોડે સંબંધ બાંધે. બસ્સો રૂપિયાના નુકસાન હારું પેલા જોડે સંબંધ છોડી દે ને આમ નર્યા વેર બાંધે. બસ્સો રૂપિયા તો ફરી વાર મળશે. પણ આવી રીતે આ બધા સંબંધો બગાડ્યા એ તો ભયંકર ગુનો છે.

જે વસ્તુથી છેતરાયા એ વસ્તુ પડી રહેવાની છે અને આ લોકો જોડે વગર કામના વેર બાંધવાના. હવે એના બે રૂપિયા આપણી પાસે રહી ગયા હોય તો એને આખી જિંદગી યાદ રહ્યા કરે કે મારા બે રૂપિયા લેવાના રહ્યા છે. હવે આનું શું થાય તે ? આખી જિંદગી જીવ એમાં ને એમાં જ રહ્યા કરે. અને તે દહાડે તો બે રૂપિયાની કિંમત કંઈ આજના જેવી નહીં. મારું શું કહેવાનું છે કે આ જગતથી છેતરાઈને પણ મોક્ષે ચાલ્યા જવા જેવું છે. કારણ કે વખત ખરાબ આવી રહ્યો છે. પછી તો એંસી હજાર વર્ષ સુધી તો માણસને ઊંચું જોવાનો વખત નથી મળવાનો. એટલાં ભયંકર દુઃખોમાં, યાતનાઓમાં બધાં રહેશે. તેથી આપણે કહીએ છીએ ને, કે ચેતો ચેતો ! કહ્યું છેને, કે 'ઉઠાવી લ્યો આ છેલ્લી તક....'

ઊકેલ લાવો કેસના !

કોઈ પેશન્ટ એવા હોય કે તે પૈસા ના આપે ને ઉલટાં આપણને ટૈડકાવે. આપણે કહીએ કે, 'ભઈ, પૈસા નહીં આપું તો ચાલશે' તો ય એ શું કહેશે ? 'હું તમને જોઈ લઈશ'. અલ્યા, અમને જોઈને શું કામ છે ? અમને તો જોઈ લીધેલા જ છે. જેમ તેમ કરીને કેસ ઊંચે મૂકી દેવો. કોર્ટમાં તારીખો પડે એવું ના રાખવું. આપણે તો જે દહાડે ઊભું થયું હોય તે દહાડે નિકાલ કરી જ નાખવાનું. નહીં તો કોર્ટમાં તારીખો પડ્યા કરે અને પછી કેસ લંબાયા કરે ને વેર વધ્યા કરે. એવું આપણે રાખવું જ નહીં.

નિમિત્ત ઓળખ્યા વિણ બાંધ્યા વેર !

આ 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યા પછી માણસ સંપૂર્ણ 'જ્ઞાની' તરીકે જ રહી શકે તેમ છે. એક પણ સંકલ્પ-વિકલ્પ ઊભો ના થાય. ઈન્કમટેક્ષવાળાનો કાગળ આવ્યો કે તમને દંડ કરવામાં આવશે તો આપણે તરત સમજી જઈએ કે 'વ્યવસ્થિત' છે. અને 'વ્યવસ્થિત'માં હશે તો એ દંડ કરશે ને ? નહીં તો એને સંડાશ જવાનીય શક્તિ નથી, તો એ બીજું શું કરવાનો છે ? જગતમાં કોઈ કશું કરી શકે એમ છે જ નહીં. અને આપણું 'વ્યવસ્થિત' હશે તો એ ય છોડવાનું નથી તો શેને માટે આપણે ડરવાનું ? આપણું છે તે આપણને છોડવાનું નથી. એમાં સાહેબ બિચારો શું કરે ? સાહેબ તો નિમિત્ત છે. અને પેલો સાહેબ જોડે વેર હઉ રાખે કે, 'આ સાહેબ એકલો જ એવો છે, તે ક્યારથી મારી પાછળ પડ્યો છે.' અલ્યા સાહેબ તારી પાછળ ના પડે, તારું કર્મ તારી પાછળ પડ્યું છે. એટલે આ લોક સમજ્યા વગર વેર જ બાંધે છે ને ઉલટાં !

પિતૃઓ નહીં, વેર નડે છે !

પ્રશ્નકર્તા : અમારા બે જુવાન કાકા ગુજરી ગયેલાં. તો કેટલાંક લોકો એમ કહે છે કે આ યંગ એજમાં ગુજરી ગયા, એટલે પછી પિતૃઓ થઈને નડે, એવું કંઈ ખરું ?

દાદાશ્રી : ના, ના. એવું કશું જુવાનને લેવા-દેવા નથી. આપણું વેર હોય તો નડે, વેર હોય તો એંશી વર્ષ થઈ ગયા પછી યે નડે મૂઓ. અને આપણે વેર ના હોય, કોઈ નડે નહીં. જેને પોતાને વેર બાંધવું નથી, એને કાંઈ નડનાર નથી. વેર બાંધવું છે, એને કોઈ છોડનાર નથી. એટલે આપણે વેર નહીં બાંધવા માટે જ આ કહીએ છીએ ને, કે ખૂબ પ્રતિક્રમણ કરજો ને સમભાવે નિકાલ કરી નાખજો.

પ્રાણી થઈને ચૂકવ્યાં વેર !

પ્રશ્નકર્તા : ગયા અવતારમાં કોઈની જોડે વેર બાંધ્યું હોય તો તે કોઈ ભવમાં તેને ભેગા થઈને ચૂકવવું પડે ને ?

દાદાશ્રી : ના, એવું નથી. એવી રીતે બદલો વળતો નથી. વેર બંધાય એટલે મહીં રાગ-દ્વેષ થાય. ગયા અવતારમાં છોકરા જોડે વેર બાંધ્યું હોય તો આપણે વિચાર કરીએ કે એ કયા અવતારમાં વળશે ? આવી રીતે પાછાં ક્યારે ભેગા થઈશું ? એ તો આ ભવમાં છોકરો બિલાડી થઈને આવે. તેને તમે દૂધ ધરો તો એ તમારા મોઢા પર નખ મારી જાય ! આ એવું છે બધું ! આમ, તમારું વેર ચૂકવાઈ જાય. પરિપાક કાળનો નિયમ છે. એટલે ટૂંક સમયમાં હિસાબ પૂરો થાય.

પ્રશ્નકર્તા : જો સાપ કરડવા આવે તો આપણે તેને નહીં મારવો ?

દાદાશ્રી : પણ આપણે જ પાછળ હટી જાવને ! આ ટ્રેન સામેથી આવતી હોય તો શું કરો ? તેમ ખસી જવાનું.

સાપ તો પંચેન્દ્રિય જીવ છે. તેને જો મારે ને તો એ વેર બાંધે. તેને ખ્યાલમાં આવે કે મને વગર ગુનાએ મારે છે. પાછો આવતે ભવે તે આપણને જ મારે.

વેરથી જ આખું જગત ઊભું છે ને ! અરે, આ કીડીને ય એમ થાય કે મારી પાસે શક્તિ હોય તો તને જ સતાવત. આ માકણ પણ બત્તી કરીએ કે ત્રાસ પામે અને નાસી જાય. ભય પામે મૂઓ કે મને મારી નાખશે. સાથે સાથે એને એટલું ય હોય કે મારો ખોરાક છે તે ખાઉ છું, તેમાં મને શા માટે મારે છે ? એ તો લોહી પીએ તે ય એના ઋણાનુબંધનું.

સંસાર, વેર ચૂકવવાનું કારખાનું !

જે જીવો જોડે આપણાથી ગૂંચો પડી ગઈ હોય તે મરી ગયા હોય તો તેને યાદ કરીને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. એક બિલાડીને મારી નાખી હોય તો બંનેના આત્મા પાસે નોંધ થાય છે. તે બિલાડી વેર લીધા વગર રહે નહીં માટે આપણે તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું.

આ સંસાર બધો હિસાબ ચૂકવવાનું કારખાનું છે. વેર તો સાસુ થઈને, વહુ થઈને, છોકરો થઈને, છેવટે બળદ થઈને પણ ચૂકવવું પડે. બળદ લીધા પછી રૂપિયા બારસો ચૂકવ્યા પછી બીજે દિવસે એ મરી જાય ! એવું છે આ જગત ! અનંત અવતાર વેરમાં ને વેરમાં ગયા છે !

છંછેડાય, ત્યાં વેર રાખે !

માટે અથડામણ ટાળો ! અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ કહ્યું છે. દરેક માણસ, અરે જીવમાત્ર વેર રાખે. વધું પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં. તે પછી સાપ હોય, વીંછી હોય, બળદીયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધાનામાં આત્મા છે. આત્મશક્તિ બધાનામાં સરખી છે. કારણ કે આ પુદ્ગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે. પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું !

નોંધ કરી, ત્યાં વેરવૃત્તિ ખડી !

પ્રશ્નકર્તા : દાદા, આપ નોંધ નથી રાખતા. પણ આપને યાદ બધું જ હોય ને !

દાદાશ્રી : હા, યાદ હોય. પણ નોંધ ના હોય. નોંધ રાખે એટલે તો એના માટે મહીં વેર રાખ્યું હોય. અને યાદ એટલે તો અમે ય સમજીએ કે આનામાં આટલી નબળાઈ રહેલી છે, એટલું જ ! તે નબળાઈ રહી છે, માટે અમે આશીર્વાદ આપવા માટે યાદ રાખીએ. બાકી, અમારે કંઈ નોંધ ના હોય. અમારે નોંધ હોય તો મારા પોતાના માટે તને વેર લેવાની વૃત્તિઓ થાય. તે હું નોંધ નથી રાખતો. અને એટલે તો મારી નોંધ તું યે રાખતો નથી ને ! એટલે નોંધ ના રાખવી જોઈએ. નોંધ નહીં રાખો તો અડધું દુઃખ તો જતું રહેશે, એમ ને એમ જ !

આટલું જ શીખવા જેવું !

આ 'દાદા'ને કોઈ વેરવી નથી. કારણ કે વેરનો નિકાલ કરીને આવેલા છે. બધા વેરનો નિકાલ કરીને આ ભવમાં આવેલા. અને તમને એ જ શીખવાડીએ છીએ કે આ ભવમાં વેરને હવે વધારશો નહીં.

વેર વધે નહીં ને વીતરાગ રહેવું, એનું નામ ફાઈલોનો સમભાવે નિકાલ. વેર વધે નહીં એ તો સંસારના લોકોને ય આવડે. પણ ખરું તો વેર વધે નહીં ને વીતરાગ રહેવાય. અને સમભાવે નિકાલ કરવાનો એટલા માટે જ કે આપણો મોક્ષમાર્ગ સરળતાથી કપાય.

સમભાવે નિકાલથી વેર છૂટે !

આ જગત શાથી ઊભું રહ્યું છે ? વેરથી. જો વેરભાવ ગયો તો બધું જ ગયું. તેથી અમે સમભાવે ફાઈલોનો નિકાલ કરવાનું કહીએ છીએ. આ નિકાલ કરવાથી જૂનાં વેરનો નિકાલ થાય છે, પછી નવું વેર ના બાંધશો. આ સમભાવે નિકાલ કરવાનો, કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ ! વેરથી મુક્ત થઈ જા !

સામાનો દોષ જ ના જોઈએ, દોષ જોવાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષો જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કોઈને કંઈ કહેવાનું જ ના રહ્યું ને ? આ તો બધો અન્યોન્ય દોષ દે કે 'તમે આવાં છો, તમે તેવાં છો' ને ભેગા બેસીને ટેબલ પર ખાય. આમ વેર મહીં બંધાય છે, તેથી તો અમે કહ્યું કે 'સમભાવે નિકાલ કરજો'. એનાથી વેર બંધ થાય.

દુષમકાળમાં વધ્યા વેરવીઓ !

આ દુષમકાળમાં ઘરનાં બધાં માણસ પૂર્વભવનાં વેર વાળવા જ આવ્યા છે. મા કહે ય ખરી કે મૂઓ પૂર્વભવનો વેરવી જ લાગે છે આ !

આ દુષમકાળ જ એવો છે, આખો યે એકવીસ હજાર વર્ષનો કાળ, તે અહીં ઘરમાં તો ખરું પણ ત્યાં ગુરુ-શિષ્ય બધે જ આનું આ જ, વેર, વેર ને વેર. વેરથી જ ભેગા થાય એનું નામ દુષમકાળ. અને પછી મનને દુષમ રાખે. દુષમ એટલે વિષમ જ રહે, મહાદુઃખે કરીને સમતા રહે.

...ને આમ પડી જાય વેરબીજ !

મોટા બંગલામાં પોતાના પાંચ માણસોમાં ય વઢવાડ કરે કે મારા રૂમમાં કેમ બેઠાં છો ? નિરંતર ઝઘડા, કુદરત ખાવા-પીવાનું આપે છે ત્યારે લોક ઝઘડા કરે છે. ખાવા-પીવાનું કુદરતના હાથમાં છે અને આ ઝઘડા કરવામાં શૂરો છે, ક્લેશ-કંકાશ !

ઝઘડા કરેલાંને તેનાં વેર બંધાયેલાં, એ પાછાં ચૂકવશે ફરી આવીને. આ ભવોભવ બધાં વેર બંધાય છે. તે ઝઘડા થાય તે ઘડીએ વેરનાં બીજ પડી જાય. તે આવતે ભવ ઉગશે ને ફરી પાછાં ભેગાં થશે. એટલે વેર મટાડી દેવાનાં છે. વેર છોડી દેવાં. અત્યારે ના લાગે, પણ મહીં વેરનું બીજ પડી ગયેલું હોય. અત્યારે તો જોડે જોડે ચા પીવે, બધું કરે. તે દહાડે પડી ગયેલું હોય બીજ.

સમતાપૂર્વક દંડ ભોગવો વેરનાં !

પ્રશ્નકર્તા : તે બીજ કેવી રીતે દૂર થાય ?

દાદાશ્રી : એ બીજનો આ ધીમે ધીમે સમતાભાવે નિકાલ કરે તો દૂર થયા કરે. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે. બધું ઊગી નીકળે. સહન કર્યા કરવું પડે. શાંતિ રાખવી પડે. કોઈ મારી નાખતું નથી આપણને. કશું લઈ લેતું નથી. ખાવાનું બે ટાઈમ મળે પછી બીજું શું જોઈએ ? છો ને, સહન કરાવડાવે. ઓરડીએ તાળું વાસીને જાય, પણ આપણે બે ટાઈમ ખાવાનું મળે છે કે નહીં એટલું જોવું. આપણે બેઠાં હોય ને તાળું વાસીને જાય તો કંઈ નહીં, સૂઈ જઈએ. વેર એવી રીતે વાળે.

પૂર્વભવનાં વેર બંધાયેલા અને અણ-સમજણનાં પાછાં, સમજણપૂર્વકનાં નહીં. સમજણનાં હોય તો તો આપણે એમ જાણીએ કે ભઈ, આ સમજણનું છે. વાત સમજી જઈએ તો એનો ઉકેલ આવી જાય. આ તો વાત સમજીએ તો યે ઉકેલ ના આવે. એટલે છોડી નાખવાનાં વેર હવે. એટલે કો'ક ફેરો આવજો ત્યાં આગળ જ્ઞાન આપીએ ત્યારે, પછી વેર બધાં છૂટી જાય. છૂટવાનો રસ્તો દેખાડીએ અમે. આ ભવમાં ને આ ભવમાં જ છોડી દેવાનો રસ્તો દેખાડીએ.

અભિપ્રાય ભિન્નથી વેર બંધન !

લૌકિક પ્રેમ એટલે આસક્તિ ને આસક્તિના પરિણામે વેર બંધાય. લૌકિક પ્રેમનું ફળ જ વેર છે.

આપણે અહીં તો એક જ કરવા જેવું છે, કે વેર ના વધે ! અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રીવિષય અને પુરુષવિષય !

પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ?

દાદાશ્રી : એવું છે ને, કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય, તો એમ માને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય, તો એની જોડે વેર નહીં બંધાય. કારણ એ જીવતું નથી. અને આ તો જીવતું છે ત્યાં વેર બંધાય છે.

પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ?

દાદાશ્રી : અભિપ્રાય ડિફરન્ટ છે તેથી ! તમે કહો કે, 'મારે અત્યારે સિનેમા જોવા જવું છે'. ત્યારે એ કહેશે કે 'ના, આજ તો મારે નાટક જોવા જવું છે !' એટલે ટાઈમિંગ નહીં મળી રહે ! જો એક્ઝેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પૈણજે !

પ્રશ્નકર્તા : છતાં કો'ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું.

દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો એની સ્ત્રી નિરંતર એને આધીન રહે ! એને પછી પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે !

વિષય બીજમાંથી વેર !

માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય (કોઈનો દેહ પ્રત્યે વિકારી ભાવ થાય), એ દુકાનની મહીં જે શુધ્ધાત્મા છે, તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માંગણી કરવી કે મને આ અબ્રહ્મચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમ ને એમ તમે છૂટવા માટે ડાફાં મારો એ ચાલે નહીં, એ જ દુકાનના શુધ્ધાત્મા આપણને આ વિધિથી છોડાવનાર છે !

હવે આવી આપણને બહુ 'દુકાનો' ના હોય. થોડી જ 'દુકાનો' હોય છે, જેને બહુ 'દુકાનો' હોય તેને વધારે પુરુષાર્થ માંડવો પડે. બાકી, જેને થોડી જ 'દુકાનો' હોય, તેણે તો ચોખ્ખું કરી 'એક્ઝેક્ટલી' કરી લેવું. ખાવા-પીવામાં કશો વાંધો નથી. પણ આ વિષયનો વાંધો છે. સ્ત્રીવિષય અને પુરુષવિષય, એ બે વેરને ઊભું કરનારાં કારખાનાં છે, માટે જેમ તેમ કરીને ઉકેલ લાવવો.

મોક્ષે જવાવાળાની જાગૃતિ !

હવે આ જ્ઞાન બધું હાજર રહેશે ને ? એ તો આપણને હાજર જ રહેવું જોઈએ કે આ ચામડી છોલે તો શું દેખાય ? આ આંખનો સ્વભાવ છે ખેંચાઈ જવું. એવી રૂપાળી મૂર્તિ દેખે ને, તો આંખને આકર્ષણ થાય. આ આકર્ષણ શી રીતે થયું ? ત્યારે કહે કે પૂર્વભવનો હિસાબ છે. આપણે આકર્ષણ ના કરવું હોય તો ય થયા કરે. આકર્ષણ એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એટલે જ્યાં આકર્ષણ થાય ત્યાં આગળ આપણે જ્ઞાન હાજર કરવું કે દાદાજીએ કહ્યું છે કે ચામડી છોલે તો શું નીકળે ? એટલે વૈરાગ્ય આવે ને પછી મન તૂટી જાય, નહિ તો આકર્ષણ જોડે મન એડજસ્ટ થયું તો ખલાસ કરી નાખે. લફરાં જ વળગી જાય. લફરાં વળગે એટલે પછી છૂટે નહિ, સાત-સાત અવતાર સુધી ના છૂટે એવું વેર બાંધે. પણ આપણે તો મોક્ષે જવું છે. મોક્ષે જવાવાળાને આવાં લફરાંવાળો વેપાર પોષાય જ નહિ. જે માલ આપણને જોઈતો નથી, બધી હલવાઈવાળાની દુકાનો હોય પણ આપણને કશું લેવું ના હોય, તો આપણે એને જો જો કરીએ છીએ ? એટલે આ બધી માફી માગી લો બધી. યાદ કરી કરીને બધું.

સાપણ થઈને વેર વાળીશ !

તે સહેલો માર્ગ છે કે અઘરો ? બધું ધોઈ આપીએ. એક બાઈ તો મને એવું કહેવા માંડી, 'દાદાજી, મેં તો આ પેલી બેન જોડે વેર બાંધ્યું છે !' મેં કહ્યું, 'શેના હારુ વેર બાંધ્યું ? શું વેર બાંધ્યું છે તે ?' તો એ કહે, 'આવતે ભવે સાપણ થઈને એને કરડીશ ! એવું વેર બાંધ્યું છે !' મેં કહ્યું, 'વેર ના બાંધશો.' ત્યારે એણે કહ્યું કે 'મેં તો આવું વેર બાંધ્યું છે તો મારે શું કરવું ?' એટલે પછી મેં એને ધોઈ આપ્યું.

મેં કહ્યું, 'બેન, આવડું મોટું જોખમ શું કરવા માંડ્યું ?' ત્યારે એ કહે, 'અમે પૈણ્યાં ત્યારે એને મારા ધણી જોડે મિત્રચારી હતી. એ મારા ધણીને છોડતી જ નથી. એટલે મેં તે દહાડો જ નક્કી કર્યું કે હવે આવતે ભવ હું તને છોડું નહીં. આવતે ભવે સાપણ થઈને પણ એને કરડીશ.' હવે મેં કહ્યું, 'હવે તને વેર છે ?' ત્યારે એ કહે, 'ના, દાદાજી હવે મારે વેરમાંથી છૂટવું છે.' ત્યારે મેં કહ્યું કે 'હું તને છોડાવી આપું.' પેલાને બોલાવવાનું નહીં પાછું, એની ગેરહાજરીમાં એ બેનને સમજાવવાનું. ધણીને બોલાવીએ તો ઉલટી ઉપાધિઓ થાય પછી.

અહીં માથામાં વાગ્યું હોયને, તો ય બેભાન થઈ જાય, અરે આટલી શીશી પી જાય, તો ય બેભાન થઈ જાય. એટલે બેભાન થવું એમાં ગુનો નથી. એટલે એવું બેભાનપણું થાય, તો ગભરાવું નહીં એ તો ! પણ જે દોષ થાયને એની દાદા પાસે આલોચના કરી નાખવાની કે દાદા, મને માફ કરો. ત્યારે અમે એને વિધિ કરી આપીએ, કે જે દોષ હતાં એને શેક્યા અને શેક્યા એટલે એ ઊગવાને પાત્ર રહ્યા નહીં હવે, ફરી ફળ નહીં આપે, એ બધા નિષ્ફળ ગયા.

સંસાર ઉભો, કપટ-વેરથી !

પુણ્યૈ એ જ સંસારમાં રખડાવ્યાં છે. પુણ્યૈથી ઇન્દ્રિયોનાં, વિષયોનાં સુખ બધાં ભેગાં થાય, એમાં પછી કપટ ઊભું થાય. ભોગવવાની લાલસા માટે કપટ ઊભાં થાય. અને કપટથી સંસાર ઊભો થાય છે. કપટ અને વેરથી આ સંસાર ઊભો રહ્યો છે.

વિષયે વધાર્યાં વેર !

ધણીપણું તો ક્યારે કહેવાય ? મન- વચન-કાયાથી પાશવતાનો સંબંધ હોય ત્યાં સુધી ધણીપણું કહેવાય.

પ્રશ્નકર્તા : પણ વિષય હોય તો જ ધણીપણું કરતો હોય ને ?

દાદાશ્રી : ધણીપણું એટલે શું કે દબડાવીને ભોગવવું. પણ પછી આવતા ભવનો હિસાબ આવી જાય ને ?!

પ્રશ્નકર્તા : એ શું થાય ?

દાદાશ્રી : વેર બંધાય ! કોઈ આત્મા દબાયેલો રહેતો હશે ઘડીવાર ? બહુ અથડામણ થાય ને, પછી કહેશે, 'મોઢું તોબરા જેવું લઈને શું ફરો છો ?' તે તોબરો પછી વધારે ચઢે. પછી એ રીસ રાખે. પેલી કહે, 'મારા ઘાટમાં આવે ત્યારે હું એનું તેલ કાઢીશ.' તે રીસ રાખ્યા વગર રહે નહીં ને ! આ જીવમાત્ર રીસ રાખે, તમે છંછેડો એટલી વાર ! કોઈ કોઈનો દબાયેલો નથી. કોઈ કોઈને લેવાદેવા નથી. આ તો બધું ભ્રાંતિથી મારું દેખાય છે, મારું-તારું !

આ તો નાછૂટકે સમાજની આબરૂને લીધે આમ ધણીના દબાયેલા રહે. પણ પછી આવતે ભવ તેલ કાઢી નાખે. અરે, સાપણ થઈને કૈડે હઉ !

એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે ત્યારે એક વખત અડવા દે ! ત્યારે એના કરતાં આ દરિયામાં સમાધિ લેતો હોય તે શું ખોટું ? શા સારું આ ચાર વખત સાષ્ટાંગ ?!

પ્રશ્નકર્તા : આમાં સ્ત્રી શાથી આવું કરે છે ?

દાદાશ્રી : એ એક પ્રકારનો અહંકાર છે.

પ્રશ્નકર્તા : પણ એને પછી શું ફળ મળે ?

દાદાશ્રી : કશો ફાયદો નહીં. પણ આમ અહંકાર કે 'જોયું ને, આ કેવો સીધો કરી નાખ્યો !' અને પેલો બિચારો લાલચથી કરેય એવું ! પણ સ્ત્રીને પછી ફળ ભોગવવું તો પડે ને ?

પ્રશ્નકર્તા : એમાં સ્ત્રીપણાનો બચાવ કરે છે પોતે ?

દાદાશ્રી : ના. સ્ત્રીપણાનો બચાવ નહીં, એ અહંકાર જ રોફ મારે છે. તે પેલાને માંકડાની પેઠ નચાવે. પછી એનાં 'રિએકશન' તો આવે ને ? પેલો ય વેર રાખે પછી કે 'હું તારા લાગમાં આવ્યો, ત્યારે તેં મારો વેષ કર્યો ને મારી આબરૂ લીધી. તું લાગમાં આવે એટલી વાર છે !' તે પછી લઈ લે આબરૂ, ઘડીવારમાં ધૂળધાણી કરી નાખે પછી.

આસક્તિમાં યે જન્મે વેર !

જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય ત્યાં તો પોલીસવાળો પકડીને લઈ જાય, તેવો વિષય હોય તો ય ગુનો ચોંટે છે. એને જે કર્મ ના ગમે, ત્યાં એને 'ના ગમે' એના કર્મ બંધાય અને જે કર્મ ગમે તો ત્યાં 'ગમ્યા'નાં કર્મ બંધાય. ના ગમ્યામાં દ્વેષના કર્મ બંધાય, દ્વેષના પરિણામ થાય. આ 'જ્ઞાન' ના હોય તો તેને શું થાય ?

પ્રશ્નકર્તા : દ્વેષના પરિણામ થતાં કર્મ ઊલટાં વધારે બંધાય ને ?

દાદાશ્રી : નર્યું વેર જ બાંધે. એટલે જ્ઞાન ના હોય તેને ના ગમતું હોય તો ય કર્મ બંધાય અને ગમતું હોય તો ય કર્મ બંધાય, અને 'જ્ઞાન' હોય તો તેને કોઈ જાતનું કર્મ બંધાય નહીં.

પ્રશ્નકર્તા : એટલે એવું જ થયું ને કે વિષયથી જ આ બધો સંસાર ઊભો થઈ જાય છે ?

દાદાશ્રી : વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે, ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના 'ફાઉન્ડેશન' પર આ જગત ઊભું રહ્યું છે. કેરીઓ જોડે વેર નથી, ને બટાકા જોડે ય વેર નથી. એ બટાકાના જીવો છે, બધા બહુ જીવો છે, પણ વેર રાખતા નથી. એ ફક્ત નુકસાન શું કરે કે તમને મગજનું જરા દેખાતું ઓછું થઈ જાય, આવરણ વધારે, બીજું વેર રાખે નહીં. વેર તો આ મનુષ્યમાં આવેલો જીવ રાખે. આ મનુષ્યજાતિમાં જ વેર બંધાયેલું હોય છે. અહીંથી ત્યાં સાપ થાય ને પછી કરડે. વીંછી થઈને કૈડે. વેર બંધાયા સિવાય કોઈ દહાડો કશું બને નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે દેખીતો વિષય સંબંધ ના હોય, પણ કોઈ એકબીજાને વેર ઊભું થતું હોય, તો એ પૂર્વેનું કંઈક....

દાદાશ્રી : વેરમાત્ર પૂર્વભવના ઉદયથી જ હોય.

પ્રશ્નકર્તા : પણ એ વિષયને લીધે કે વિષય વગર પણ હોય ?

દાદાશ્રી : હા, વિષય વગર પણ હોય. બીજાં બધાં અનેક કારણો હોય છે. લક્ષ્મી ઉપરથી વેર બંધાય છે, અહંકાર ઉપરથી વેર બંધાય છે, પણ આ વિષયનું વેર બહુ ઝેરી હોય છે. બહુ ઝેરીમાં ઝેરી આ વિષયનું વેર છે. પૈસાનું, લક્ષ્મીનું, અહંકારનું વેર બંધાયેલું હોય તે ય ઝેરી હોય છે બળ્યું !

એ બીજને જ ખલાસ કરો !

પ્રશ્નકર્તા : એ વેર કેટલાં ભવ સુધી ચાલે ?

દાદાશ્રી : અનંત અવતારથી ભટક્યા કરે. બીજમાંથી બીજ પડે, તેમાંથી બીજ પડે અને એ શેનાથી શેકાય એવું જાણે નહીં ને !!

પ્રશ્નકર્તા : ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું ?

દાદાશ્રી : હા, બસ, બીજ પડ્યા જ કરે.

પ્રશ્નકર્તા : આપે કહેલું કે ચારિત્રમોહ કેટલાંક એવાં પ્રકારના હોય છે કે જ્ઞાનને પણ ઉડાડી મેલે. તો તે ક્યા પ્રકારનો ચારિત્રમોહ ?

દાદાશ્રી : એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ઉડાડી મેલે. એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટક્યું છે. મૂળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો, અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિષય જો જતો રહે, તો બધું જતું રહે.

પ્રશ્નકર્તા : તો બીજને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું ?

દાદાશ્રી : એ તો આપણા આ પ્રતિ-ક્રમણથી, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી.

પ્રશ્નકર્તા : એ જ. બીજો ઉપાય નહીં ?

દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી. તપ કરવાથી તો પુણ્ય બંધાય. અને બીજને શેકવાથી ઉકેલ આવે.

'જ્ઞાન' થકી વેરબીજ ટળે !

એવું છે, આ 'જ્ઞાન' તમને મળ્યું. પછી વેર લે છે તે શાનું વેર લે છે ? વેરનું વેર લે છે. પછી આત્માએ કરીને વેર ના લે. આત્મા તરીકે તમે જાણશો કે આ વેર લે છે પણ તો ય પ્રતિક્રમણ કરો એટલે ઉકેલ સારો આવી જશે. આ 'જ્ઞાન' પ્રાપ્ત થયા પછી જો સો વેરવી હોય ને, તો ય નિકાલ થઈ જાય અને 'જ્ઞાન' પ્રાપ્ત થયું ના હોય ને તો એક જ વેરવી હોય ને, તો યે ફરી પાછાં કેટલાંય વેરના બીજ પડે. 'જ્ઞાન' પછી હવે વેરનાં બીજ ના પડે, કર્મ ચાર્જ ના થાય. કર્મ બંધાય જ નહીં. એટલે પછી વાંધો જ નહીં ને !

વધે સંસાર વેરથી !

સત્યુગમાં પ્રેમથી સંસાર વધતો જાય, અને કળિયુગમાં વેરથી સંસાર વધે છે. માટે વેર ઉત્પન્ન ના થાય એ કરજો. પ્રેમ તો થતો જ નથી. કોની જોડે પ્રેમ થાય ? જરીકેય ચીકાશ હોય તો ચોંટેને ટિકિટ ! એટલે આ બધું વેરથી ઊભું રહ્યું છે. માટે વેર ના બંધાય એવું કરજો. વેર ના બંધાય તો નિકાલ થઈ ગયો.

કેવી ગજબની વીતરાગતા !

જીતવા જશો તો વેર બંધાશે, ને હારશો તો વેર છૂટશે !

આમને ક્યાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ને ઉપરથી વેર બંધાય. એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે 'મારે તો મોક્ષે જવું નથી, પણ તને ય હું મોક્ષે જવા નહીં દઉં !' આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે દસ ભવથી કેવું વેર હતું ? તે વેર, ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટ્યું ! કમઠથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં ! એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં, ભગવાને બધું સમતા ભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઈ નાખ્યું.

બિલાડીને ઉંદરની સુગંધ આવે તેમ વેરવીને એકબીજાની સુગંધ આવે, તેમને ઉપયોગ દેવો ના પડે. તેમ પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠ દેવ થયેલા, તે ઉપરથી જતા હતા. તેમને નીચે દ્રષ્ટિ નહોતી નાખવી તો યે તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા. ત્યારે ધરણેન્દ્રદેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો, તેમણે અવધિજ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું ! ને પદ્માવતી દેવીએ પદ્મકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા ! અને ભગવાન તો આટલું બધું બન્યું છતાં યે ધ્યાનમાં જ રહ્યા !

તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ વેરવી જોડે કિંચિત્માત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધરણેન્દ્રદેવ અને દેવી પર કિંચિત્માત્ર રાગ નથી થતો, એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે ! એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે ! ગજબની વીતરાગતામાં રહ્યા ! ચોવીસેય તીર્થંકરોની મૂર્તિઓમાં ઉઘાડી વીતરાગતાના દર્શન માટે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગજબની છે !

આજે તો આ લોકને સહન કરવાનું જરા ય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તો યે મહાન પુરુષનું એક દહાડાનું યે દુઃખ ના હોય, છતાં ય ગા ગા કરે !

જગતના લોક તો અમને નિરંતર જ્ઞાનમાં દેખાય છે કે વેરથી જ બંધાયા છે. તેથી તો મોઢું દિવેલ પીધેલા જેવું દેખાય છે ! વેરથી ક્લેશ થાય. આ પાર્શ્વનાથ ભગવાનને જો સહેજ પણ ઓળખો તો વીતરાગતાના ફણગા ફૂટે, પણ આ ઓળખે કેવી રીતે ? સાપવાળા પાર્શ્વનાથ ને સિંહવાળા મહાવીર સ્વામી !!! આ કેરીને ઓળખે કે રત્નાગિરિની કે વલસાડી ! પણ ભગવાનની ઓળખાણ એમને નથી પડતી !!! હવે આમને ક્યાં પહોંચી વળાય ?

એકતરફી વેર...

પ્રશ્નકર્તા : એમાં પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો પોતાનો નિવેડો આવે. પછી પેલા લોકોની જે મારી માટે આંટી છે એનું શું થાય ? એટલે મને પાછો બંધમાં નાખશે ?

દાદાશ્રી : ના. તમે તમારા બંધથી છૂટી જાવ. એ એના બંધથી છૂટશે. નહીં છૂટે તો એ બંધાયેલો રહેશે. આ તો ન્યાય છે, ભગવાન મહાવીરનો ન્યાય. નહીં તો ભગવાન મહાવીર જ છૂટે જ નહીં, કોઈનું ને કોઈનું બંધ રહી જ જાય. પણ ભગવાન મહાવીર મોક્ષે ગયા. માટે તમે જ્યાં જ્યાં બંધાયેલા છો ત્યાંથી છૂટી જાવ.

એકતરફી વેર તો ભગવાન મહાવીર જોડે કેટલાય લોકોને હતું. પણ તે એકતરફી વેર હતા. પણ તો ય ભગવાન મહાવીર તો વીતરાગ, એમને કશું અડે નહીં. એકતરફી ચાલે જ નહીં કોઈનું.

દ્વેષ-ઉશ્કેરાટથી ટાઈમ લંબાય !

પ્રશ્નકર્તા : પાર્શ્વનાથ ભગવાન અને કમઠ એમાં દશ ભવ પહેલાં, પેલાએ વેર બાંધ્યું. અને એ વેરમાં પેલા હંમેશાં આની જોડે એ ભેગા થાય એટલે કંઈને કંઈ આનું નુકશાન કર્યા જ કરે. પછી એ દશ ભવ સુધી ચાલ્યું.

દાદાશ્રી : એ તો જેટલું પોતે નુકશાન કર્યું હોય એટલું સામે કરે. માટે હજુ નુકશાન કરશો નહીં કોઈને.

પ્રશ્નકર્તા : એમાં પણ પાર્શ્વનાથ ભગવાનને તો ખબરેય નહોતીને ?

દાદાશ્રી : એ બધાંનેય ખબર જ કેવી રીતે હોય ?

પ્રશ્નકર્તા : હં, તો એનું પછી રહસ્ય શું ?

દાદાશ્રી : આ શેનું ફળ આપે છે, આપે છે એટલે આપણું આપેલું છે તે જ આપે છે, એ નક્કી થઈ જાયને ! પાર્શ્વનાથને એટલી તો ખબર પડેને કે મારું આપેલું છે તે આપે છે આ લોકો. હવે તેની મહીં ઉશ્કેરાટ વધતા જાય તો ટાઈમ વધતો જાય, મુદત પુરી થવામાં. પાર્શ્વનાથનો ઉશ્કેરાટ વધ્યો નહીં એટલે આ દશ અવતારમાં પૂરું થયું.

પ્રશ્નકર્તા : દશ અવતાર એટલે કંઈ ઓછું કહેવાય ?

દાદાશ્રી : એ દશ અવતાર કેટલા અવતારના આધારે છે એ જાણો છો ? આ એક વાળ બરોબર. દશ અવતાર તો અનંત અવતાર સામે વાળેય નહીં.

પ્રશ્નકર્તા : એટલે એમણે દરેક અવતારમાં સમતા રાખ્યા કરી હતી ?

દાદાશ્રી : ત્યારે પૂરું થયું. પહેલાં બે-ત્રણ અવતાર સુધી જરા કાચું પડી જાય, ચીડાઈ જાય એટલે થોડું વધતું જાય. એકદમ તો સમતા રહે એવું આ જગત નથી. જ્ઞાનીઓથીય ના રહે. આ તો અક્રમ વિજ્ઞાન જુદી જાતનું છે, તેનો લાભ ઉઠાવતા નથી, જોઈએ એવો.

વેરનાં નિકાલ લાવો !

વેર બાંધશો નહીં ને જૂના વેરનો નિકાલ કરજો. જો તમને કશો પુરુષાર્થ કરતાં ના આવડે તો છેવટે આટલું કરજો. વેરનો નિકાલ કરજો. કોઈકની જોડે વેર બંધાયું હોય તો આપણને ખબર પડે ને, કે આની જોડે વેર જ છે ? હું એને નથી પજવતો તો યે એ મને પજવ પજવ કર્યા કરે છે. એટલે એની જોડે વેર બંધાયેલું છે. એવી ખબર પડે તો એની જોડે નિકાલ કરજો અને એ વેરનો નિકાલ થયો એ મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય.

ભગવાને કહેલું કે આ અવતારમાં તું નવું વેર વધારતો નહીં ને જૂનું વેર છોડી દેજે. જૂનું વેર છોડીએ તો કેવી શાંતિ થાયને ! નહીં તો આપણા લોક તો પહેલાં, મૂછો મરડતા જાય ને વેર વધારતા જાય. પણ હવે વેર વધારવાનું નહીં, દહાડે દહાડે વેર ઓછું કરવાનું.

સહાધ્યાયીમાં સ્પર્ધાથી વેર !

જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ પ્રતિક્રમણ થાય તે અનંત અવતારનાં પાપો બાળી નાખે. આ પ્રતિક્રમણ તે કેવું પ્રતિક્રમણ ? વેર બધાં છૂટી જાય. કારણ કે સહાધ્યાયી જોડે જ વધારે વેર બંધાયેલાં હોય. વર્લ્ડમાં (દુનિયા) બીજા બધા જોડે વેર હોય નહીં કોઈ દહાડો ય અને સહાધ્યાયી તો આખો દહાડો યાદ રહ્યા કરે.

પ્રશ્નકર્તા : સત્યુગમાં પણ સહાધ્યાયી જોડે વેર બંધાય ?

દાદાશ્રી : ના, ત્યારે વેર ના બંધાય. એ સમજણ જ ઊંચી હતી બધાની. અને એ બધો ચીકણો પ્રેમ !

પ્રશ્નકર્તા : સહાધ્યાયી જોડે વેર બાંધવાનું કારણ શું ?

દાદાશ્રી : અણસમજણથી. સત્યુગમાં આવું તેવું ના હોય.

જે આપણી જોડે હોય, પહેલાં ય હતા અને આજે ય છે, એ આપણા ધર્મબંધુ કહેવાય અને પોતાનાં ધર્મબંધુઓની જોડે જ ભવેભવનાં વેર બંધાયેલાં હોય છે. તે એમની જોડે કંઈ વેર બંધાયેલું હોય તો, એટલા માટે આપણે પ્રતિક્રમણ સામસામી કરી લો તો હિસાબ બધો ચોખ્ખો થઈ જાય. એકુંય માણસને સામસામી પ્રતિક્રમણ કરવાનું ચૂકશો નહીં. સહાધ્યાયી જોડે જ વેર બંધાય વધારે, અને તેમનાં પ્રત્યક્ષ પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય.

ભાવ પ્રતિક્રમણોથી વેર ધોવાય !

આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે માટે પ્રતિક્રમણ કરી લેવું.

પ્રતિક્રમણ મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તો યે ના બંધાય. કારણ આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ, વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપજ્ઞાન ના હોય તેણે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ જ રાખવો હોય તો સામો અવળું બોલ્યો તે કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.

જીવતાં જોડેના દોષો ધૂઓ આમ !

આ કૂતરાને લાત મારી કાઢી મેલ્યું હોય તો તેની જોડે વેર બાંધ્યું કહેવાય ! રસ્તા પર કોઈ સ્ત્રીને ધક્કો માર્યો હોય તો ય મિશ્રચેતન જોડે દોષ કર્યો કહેવાય. એ બધા દરેક મિશ્રચેતન જોડેના એક એક દોષને સંભારીને, એક-એક દોષને ખોળીને, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરજો ! જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાથી દોષોનાં ઓપરેશન થતાં જાય ! આ તો 'લિફ્ટ' માર્ગ છે. તે રસ્તે ચાલતાં માર્ગ મળી ગયો છે ને ! એટલે આમ આજ્ઞામાં રહેવાથી માલ ચોખ્ખો થતો જાય. એમ કરતાં કરતાં મોક્ષે જવાશે !

'શૂટ એટ સાઈટ' પ્રતિક્રમણ !

ક્રમિકમાર્ગમાં શુધ્ધાત્મા અનુભવ થયા પછી પ્રતિક્રમણ કરવાનાં હોતાં નથી. અને આપણો આ અક્રમ માર્ગ ખરોને, એટલે માલ બધો જથ્થાબંધ ભરેલો ને આપણે શુધ્ધાત્મા થઈ ગયા. એટલે આપણે આ માલ ખાલી થવાનો, ને પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. પણ પ્રતિક્રમણ આપણે જાતે કરવાનું નહીં. આપણે શુધ્ધાત્મા થયા એટલે 'આપણે' 'ચંદુભાઈ'ને કહેવાનું કે 'ભઈ, તમે આ બગાડ્યું છે, માટે તમે સુધારો.' આ પ્રતિક્રમણથી લોકો જોડે વેરભાવ બંધ થઈ જાય. તમારે આ ભાઈ જોડે કંઈ ભાંજગડ હોય, એ ભાઈ કંઈ ઊંધુ-છતું બોલી ગયા હોય તો, તમને મનમાં દુઃખ થયું હોય ને તેથી તમારા વિચારો એને માટે બગડ્યા હોય, ખરાબ ધ્યાન થયું હોય, તો તમારે એના શુધ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું. એને નહીં, એના શુધ્ધાત્મા જોડે સીધું પ્રતિક્રમણ કરવાનું અને એ દોષથી મુક્ત થવાનું. ફરી નહીં કરું એવું પ્રત્યાખ્યાન કરવાનું એટલે એ દોષ ધોવાઈ જાય.

પ્રશ્નકર્તા : સંયોગોમાં તન્મયાકાર થઈ જવાય છે, ત્યાં પ્રતિક્રમણનો અવકાશ નથી રહેતો ?

દાદાશ્રી : પ્રતિક્રમણનો અવકાશ ક્યારે રહે, કે સામા સંયોગને દુઃખ થતું હોય ત્યારે આપણે કહેવું પડે કે, 'હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો. નહીં તો એ ભઈ વેર બાંધશે, ભઈની જોડે અતિક્રમણ થયું લાગે છે, ભઈનું મોઢું આપણી જોડે કડક લાગે છે તે માટે પ્રતિક્રમણ કરી લો.' ત્યારે એ કહેશે, 'એક પ્રતિક્રમણ કરું ?' ત્યારે કહીએ, 'ના, પાંચ-પચીસ-પચાસ કર, જેથી કરીને કાલે મોઢું સારું દેખાય.' આપણે પ્રતિક્રમણ કરીએ અને પેલાનું મોઢું સારું દેખાય બીજે દા'ડે. એક ફેરો કરી જોઈએ.

ધોવાય અંદરના રાગ-દ્વેષ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આત્મા ઉપર ઇફેક્ટ થાય ખરી ?

દાદાશ્રી : આત્મા ઉપર તો કશી ઇફેક્ટ અડે જ નહીં. જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી કામ થાય છે. આત્મા અનંત શક્તિવાળો છે એ એની પ્રજ્ઞાશક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકાં થયેલાં ખબર પડે, કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી તૂટી જાય. અને પ્રતિક્રમણ કરવા માટે પેલો સામો ભેગો ના થાય, તેનો વાંધો નથી. આમાં રૂબરૂની સહીઓની જરૂર નથી. જેમ આ કોર્ટમાં રૂબરૂની સહીઓની જરૂર છે, એવી નથી જરૂર. કારણ કે આ ગુન્હા રૂબરૂ થયેલા નથી. અને આ તો લોકોની ગેરહાજરીમાં ગુન્હા થયેલા છે. આમ લોકોની રૂબરૂમાં થયા છે, પણ રૂબરૂની સહીઓ નથી કરેલી. સહીઓ અંદરની છે, રાગ-દ્વેષની સહીઓ છે.

પ્રતિક્રમણથી શુધ્ધિ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ક્રિયા એ ચિત્તને શુધ્ધ કર્યા કરે છે ?

દાદાશ્રી : ચિત્તને શુધ્ધ કરવા માટે જ પ્રતિક્રમણ કરે છે અને સામા સાથે જ વેર ના બંધાય એટલા માટે. બેઉ કામ !

ભગવાન મહાવીરનો સિદ્ધાંત !

આપણે જેનાં પ્રતિક્રમણ કરીએને, તેને આપણા માટે કંઈ ખરાબ ભાવ તો ના હોય. પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયા એટલે ગમે તેટલું વેર હોય તો ય છૂટી જાય, આ ભવમાં જ !!! આ એક જ ઉપાય છે ! આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત આખો, પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી, ત્યાં ધર્મ જ નથી. હવે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જગતના લોકોને યાદ રહે નહીં. તમે શુધ્ધાત્મા થયા છો. એટલે તમને તરત યાદ આવે !

અસંખ્ય પડવાળા દોષો !

પ્રશ્નકર્તા : કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછું એના એ જ જીવનું પ્રતિક્રમણ કરવાનું રહે છે.

દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવાનું છે તે આપણો મોટો દોષ હતો, તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું. બીજાં બધાં લાખો પડ રહ્યાં. એનાં પડ ઊડે છે. એટલે ત્યાં સુધી પૂરું ના થાય. કોઈ માણસની જોડે આપણે મહિના-બે મહિનાનાં પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય, હિસાબ ચૂકતે. કોઈ માણસને આખી જિંદગી સુધી હિસાબ ચાલ્યા કરે. ગ્રંથિ બહુ મોટી હોય. આ ડુંગળી હોય છે, તેનું એક પડ જાય એટલે પાછી ડુંગળી દેખાય ને ? એવી રીતે આ દોષોનાં પડ હોય છે બધાં, પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ.

ભાવ પ્રતિક્રમણની રીત !

પ્રશ્નકર્તા : હા, પણ ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ આમ કરવાનું કેવી રીતે ?

દાદાશ્રી : દાદા ભગવાનની સાક્ષીએ, આ દોષ થયો તેની હું ક્ષમા માગું છું. હવે ફરી નહીં કરું, બસ એટલું જ. એનું નામ ટૂંકામાં ટૂકું પ્રતિક્રમણ. એના મન-વચન-કાયાને, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ એવું બધું બોલવાની કંઈ જરૂર નથી. એ તો નવા માણસોને શીખવાડવા માટે છે.

જ્યારે કોઈ માણસને બીજા જોડે વેર હોયને, ત્યારે આ પદ્ધતિસર બોલવું પડે. વેર હોયને ત્યારે પહોંચાડવા માટે, તો વેર છૂટું થાય. એમ બોલ બોલ કરીને પદ્ધતિસરનું, આખું, વિગતવાર લાંબું તો વેર છૂટતું જાય બધાનું. અને સાથે પેલાને ય ખબર પડે કે હવે મારું મન એમના તરફ સારું થતું જાય છે. પ્રતિક્રમણની તો એટલી બધી જબરજસ્ત શક્તિ છે.

પ્રશ્નકર્તા : દોષો માટે આપણે બોલીએ કે આ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવથી વાણીના દોષ થયા હોય, રાગ-દ્વેષના, કષાયના દોષ થયા હોય, એ બધું બોલવાનું ?

દાદાશ્રી : હા, તે બધું બોલવું જોઈએ. બીજા લોકોની જોડે હોય તો એમ ને એમ થાય. ક્ષમા માંગી લઈએ, પસ્તાવો કરી લઈએ, તો ચાલી જાય.

પોતાના ભાવોથી પોતાને બંધન !

પ્રશ્નકર્તા : દાદા, આપણે બધા માણસો સાથે સારું રાખીએ, સમભાવે નિકાલ કરીએ, છતાં એ અંદરથી વેર બાંધે એ આપણને કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ આપણે કશું જોવાનું નહીં. તમે દેખાવડા હો, તો કોઈ ને કોઈ સ્ત્રીઓ છે તે મનમાં ખરાબ ભાવ કરે. એમાં આપણે શું છે ? આપણાં ભાવ નથી, એને કોઈ બાંધનાર નથી. એ તો મહાવીર તે બહુ રૂપાળા હતા. લોકોએ બહુ ભાવ કરેલા એમના ઉપર. પણ એમને કશું ના થાય. તેથી મેં કહ્યું છે ને કે આ બાજુના લોકો કહે છે 'ખરાબ છે' અને આ બાજુના કહે છે, 'સારું છે' પણ તે આપણને શું ? ગમે તેવું ખરાબ કાર્ય ચંદુભાઈથી થઈ ગયું, તો ય પણ હું શુધ્ધાત્મા છું, હું કર્તા નથી એવો ખ્યાલ રહેવો, તે જ કેવળ દર્શન કહ્યું ને !

શુધ્ધ પ્રેમથી ખોદી નાખો વેર !

બે પ્રકારનાં બંધન. વેર ભાવનું અને બીજું પ્રેમ ભાવનું. પ્રેમ ભાવમાં પૂજ્ય ભાવ હોય. આ જગત વેરથી જ બંધાયું છે ! સ્નેહ એ તો ચીકાશ સ્વભાવનો છે, તે સૂકાઈ જાય. પણ વેર ના જાય. દિન પ્રતિદિન વધતાં જાય.

અને ભગવાને ય કહ્યું છે કે વેર કોઈની જોડે બાંધશો નહીં. વખતે પ્રેમ બંધાય તો બાંધજો, પણ વેર બાંધશો નહીં. કારણ કે પ્રેમ બંધાશે તો તે પ્રેમ એની મેળે જ વેરને ખોદી નાખશે. પ્રેમની કબર તો વેરને ખોદી નાખે એવી છે, પણ વેરની કબર કોણ ખોદે ? વેરથી તો વેર વધ્યા જ કરે, એવું નિરંતર વધ્યા જ કરે. વેરને લઈને તો આ રઝળપાટ છે બધી !

આ જગતમાં વેરથી ઘર્ષણ થાય છે. સંસારનું મૂળ બીજ વેર છે. જેનાં વેર અને ઘર્ષણ, બે બંધ થયાં તેનો મોક્ષ થઈ ગયો ! પ્રેમ નડતો નથી. વેર જાય તો શુધ્ધ પ્રેમ ઉત્પન્ન થાય.

આત્માનંદ છોડાવે વેર

હવે વેર ક્યારે છૂટે ? પોતાને આનંદ રહે તો. તે કેવો આનંદ ? આત્માના અંગેનો આનંદ. પેલા પૌદ્ગલિક આનંદ નહીં. પુદ્ગલના આનંદમાં યે વેર વધ્યા કરે અને આત્માનો આનંદ એટલે જ્ઞાની પુરુષ પાસે સત્સંગમાં આવે અને આત્માનું જ્ઞાન મળી જાય પછી એ આનંદ મહીં ઉત્પન્ન થયો કે બધાં વેર છૂટી જાય.

જય સચ્ચિદાનંદ